પુષ્પ ૧ : અમારા મુક્ત ભેળા સંઘમાં ચાલીએ છીએ
સંવત ૧૯૪૨ની સાલ હતી. શ્રીજીમહારાજનાં પ્રસાદીભૂત વિવિધ સ્થાનોની યાત્રા માટે બાપાશ્રી કચ્છથી ૬૦૦ હરિભક્તોનો સંઘ લઈ નીકળ્યા હતા. આયોજન કર્યા મુજબ યાત્રા સંઘ મૂળી થઈ ગઢડા, ધોલેરા, ધોળકા થઈ જેતલપુર પહોંચ્યો.
જેતલપુર ગામ એ મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની રમણભૂમિ કહેવાય. આ ગામમાં મહાપ્રભુએ ઘેર ઘેર ફરી સૌને પધરામણીનો લાભ આપ્યો હતો તથા ભક્તોના મનોરથો પૂરા કર્યા હતા. વળી, આ જ જેતલપુરમાં મહાપ્રભુએ મોટો યજ્ઞ પણ કરેલો તથા વેશ્યાબાઈનું પણ કલ્યાણ કર્યું હતું. જેતલપુરમાં મહોલ, દેવસરોવર અને અન્ય પ્રસાદીનાં સ્થળો સંપ્રદાય માટે ચિરંતન સ્મૃતિનાં દર્શનીય સ્મારકો છે. આ જેતલપુર ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મોટું મંદિર છે. આ મંદિરની વાડીમાં જસાભક્ત રહેતા. જેઓ શ્રીજીમહારાજના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા. તેમને બાપાશ્રી સાથે પણ ઘણું હેત અને મમત્વભાવ હતો.
એક દિવસ જસાભક્તને વાડીમાં નવીન દર્શન થયાં. શ્રીજીમહારાજ માણકી ઘોડી પર બિરાજેલા અને તેમનું વતું વધી ગયેલું તેવાં ઐશ્વર્યવાન દર્શન થયાં. તેથી જસાભક્તે કુતૂહલથી મહારાજને કહ્યું, “દયાળુ ! આપ આવા દૂબળા કેમ જણાવ છો ? આપની ઘોડી પણ દૂબળી જણાય છે. વળી, વતું પણ વધી ગયું છે. આપની લીલામાં કાંઈ ખબર નથી પડતી.”
ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “જસાભગત ! અત્યારે તીર્થની યાત્રા કરવા નીકળેલો સંઘ બળદિયાથી અહીં જેતલપુર આવ્યો છે. આ સંઘમાં અમારા બહુ મોટા અનાદિમુક્ત અબજીભાઈ છે. એ નિરંતર અમારી મૂર્તિમાં છે. અને અમે સદાય એમની ભેળા રહી એમના દ્વારા અત્યારે સુખ આપીએ છીએ. જ્યારથી તેઓ નીકળ્યા છે ત્યારથી અમે તેમના ભેળા ચાલીએ છીએ. તેઓ મોટો યાત્રા સંઘ લઈને ઘણા સમયથી નીકળ્યા છે. સંઘ મોટો બહુ છે. તેથી કોઈ સંઘને લૂંટી ન જાય તથા તેમને કોઈ તકલીફ ન પડે ને માર્ગ ભૂલી ન જાય તેથી અમે સંઘની આગળ ચાલીએ છીએ...”
આટલું સાંભળતાં જસાભક્તને બાપાશ્રી માટે અહોભાવ થયો અને અહોભાવથી મહારાજને પૂછ્યું, “અબજીભાઈ આવા મોટા છે ? ” ત્યારે મહારાજે કહ્યું, “એ નિરંતર અમારી મૂર્તિમાં છે. ક્યારેય અમારાથી જુદા નથી રહેતા. કેમ જે અમારા મુક્તની અમારી સાથે એવી એકતા છે ! ” આટલું કહી મહાપ્રભુ અદૃશ્ય થઈ ગયા.
બાપાશ્રીનો આવો મહિમા સાંભળી તથા મહારાજ સાથેની એકતાનાં દર્શન કરી તેઓ ગદ્ગદિત થઈ ગયા. હવે તો તેમને સંઘનાં તથા સંઘમાં આવેલા બાપાશ્રીનાં દર્શનની તૃષા હતી અને તે તૃષા બાપાશ્રીનાં દર્શનથી છીપી. જેવો અનુભવ મહારાજનાં દિવ્ય દર્શનમાં થયો એવો જ અનુભવ બાપાશ્રીનાં દર્શનમાં થયો. મહારાજની અને બાપાશ્રીની કેવી એકતા !
પોઢું છું અહીં અને રહું છું અમારા મુક્ત ભેળો કચ્છમાં.
સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી ગામ. જે મૂળી નામનું નાનકડું ગામ ભગવાન સ્વામિનારાયણ અને અબજીબાપાશ્રીના ચરણકમળથી પાવન બની મહા મોટું પવિત્ર ધામ બની ગયું છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં આ મૂળી ગામને પવિત્ર ધામ બનાવવા મંદિરના નિર્માણકાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રીહરિના સંકલ્પથી નિર્માણ પામેલ આ મંદિરમાં બિરાજમાન મૂર્તિઓની સેવા-પૂજાનો લાભ અતિ દુર્લભ કહેવાય.
આવો અતિ દુર્લભ લાભ સદ્ગુરુ બાળકૃષ્ણદાસજીને પ્રાપ્ત થયો. તેઓ ખૂબ જ પ્રગટભાવથી ઘનશ્યામ મહારાજની સેવા કરતા. શાંત, શીલ, પવિત્ર અને સાધુતાની મૂર્તિ સમા સદ્ગુરુ બાળકૃષ્ણદાસજી સ્વામીનું જીવન જ એવું દિવ્ય હતું કે સૌ કોઈ એમની તરફ આકર્ષાતા. અને સ્વયં ઘનશ્યામ મહારાજ પણ તેઓના સાંસાગોટીલા સ્વીકારવા પ્રગટ અને પ્રત્યક્ષ દર્શન આપી સેવા સ્વીકારતા. ઘનશ્યામ મહારાજની આવી દિવ્ય સેવામાં તેઓ સદાય મગ્ન રહેતા.
એક દિવસની વાત છે. ચાર વાગ્યાનો બ્રહ્મમુહૂર્તનો સમય થયો. બાળકૃષ્ણદાસજી સ્વામી દૈનિક ક્રમ મુજબ પ્રભુસ્મૃતિ સહિત નિદ્રાને રજા આપી, શૌચ-સ્નાનાદિક વિધિ પતાવી, પવિત્ર વસ્ત્રે છોળે થઈ ઠાકોરજીની સેવા માટે પધાર્યા. રોજના ક્રમ મુજબ સુખશય્યાના દ્વાર બહાર દંડવત કરવા માંડ્યા, પરંતુ દરરોજ કરતાં આજે સ્વામીને કંઈક જુદો જ અનુભવ થયો. દરરોજ પ્રાતઃકાળની નિરવ શાંતિની જેમ આજે પણ નિરવ શાંતિ જ હતી. પરંતુ મન મોહી લે અને શ્રવણ કરવા માટે સ્થિર કરી દે એવો કંઈક અવાજ આવતો હતો. સ્વામીએ આજુબાજુ અવાજની દિશા શોધવા પ્રયત્ન કર્યો. વાતાવરણમાં અને એમાંય અવાજમાં કંઈક જુદી જ દિવ્યતા અનુભવાતી હતી. જેથી એકદમ વિચાર ઝબૂક્યો. આવી અલૌકિક દિવ્યતા ! આ અવાજ સુખશય્યાના દ્વાર તરફથી આવતો હોય એવું લાગે છે. તે મહારાજનો કર્ણપ્રિય નસકોરાનો મધુર અવાજ તો નથી ને !
અતિશે ઉત્કંઠાની સાથે તથા જાગતાને પણ અણસાર ન આવે એમ ધીરે રહી સુખશૈય્યાનાં દ્વાર ખોલ્યાં ને ડોકાચ્યું કરતાં જોયું ત્યાં તો આ શું જોયું ? સ્વયં ઘનશ્યામ મહારાજ પ્રગટપણે સુખશય્યામાં યોગનિદ્રામાં શયન કરી રહ્યા હતા અને સુમધુર કર્ણપ્રિય નસકોરાં સંભળાતાં હતાં. મહારાજને આવા દિવ્ય અને પ્રગટ-પ્રત્યક્ષ જોઈ સ્વામી તો આનંદવિભોર બની ગયા. વાહ મહારાજ ! વાહ પ્રભુ ! વાહ ! સ્વામી તો ઝાઝીવાર સુધી હરખભેર દર્શન જ કરી રહ્યા. વિચાર આવ્યો કે, હમણાં કાંઈ બોલવું પણ નથી ને કાંઈ કરવું પણ નથી... રખેને મહારાજ જાગી જશે ને અદૃશ્ય થઈ જશે તો ! એ વિચારથી દર્શન કરી રહ્યા.
થોડી જ વારમાં મહાપ્રભુએ યોગનિદ્રામાં જ પડખું ફેરવ્યું. પરિણામે પ્રભુએ ઓઢેલી રેશમી રજાઈ સરકીને નીચે પડી ગઈ. સ્વામીને મહારાજની સેવામાં નિરંતર પ્રગટભાવ વર્તતો હતો. ત્યાં મહાપ્રભુ પ્રગટ અને પ્રત્યક્ષ પોઢ્યા હોય અને એમાં આમ રજાઈ નીચે પડતી જોઈ સેવાનો લાભ લીધા વગર કેવી રીતે રહી શકે ? રજાઈ નીચે સરકતી જોઈ સ્વામીને એકદમ વિચાર આવ્યો... રખેને મારા મહારાજને ઠંડી લાગશે તો ? લાવને મહારાજને ધીરે રહીને રજાઈ ઓઢાડી દઉં. આવા વિચારથી જ્યાં મહારાજને રજાઈ ઓઢાડવા ગયા ત્યાં તો મહારાજ એકદમ જ બેઠા થઈ ગયા ને પૂછ્યું, “કોણ છે ?” ત્યાં સ્વામી બોલ્યા, “એ તો દયાળુ ! આપનો સેવક.” આટલું કહેતાં સ્તબ્ધ બની ગયા. મહારાજની શયનમાં ખલેલ પહોંચાડી એ વિચારથી સ્વામી સ્તબ્ધ બની ગયા.
મહારાજ સ્વામીના પ્રગટભાવથી પ્રસન્ન હતા. મહાપ્રભુ અંતર્યામીપણે જાણતા જ હતા કે સ્વામી કેમ સ્તબ્ધ બની ગયા ? એટલે મર્માળું સ્મિત કરતાં કહ્યું, “સ્વામી ! ચિંતા ના કરશો. આમેય અમારે જાગવાનો સમય થઈ જ ગયો છે. અમે આપની સેવાથી ખૂબ જ રાજી થયા છીએ.” આટલું સાંભળી સ્વામીને અંતરે નિરાંત થઈ. મહાપ્રભુને આવા પ્રસન્ન જોયા એટલે સ્વામીથી રહેવાણું નહીં. તેથી સહજ ભાવે પ્રાર્થના થઈ ગઈ, “દયાળુ ! આવી રીતે રોજ સેવકની સેવાને સ્વીકારવા અહીં પોઢવા પધારતા હોય તો !” મહારાજે મનમોહક સ્મિત રેલાવતાં કહ્યું, “સ્વામી ! આ તો આજે તમને અમારાં પ્રત્યક્ષ દર્શન થયાં. અમે તો દરરોજ અહીંયાં જ પોઢીએ છીએ. અમે શયન અહીંયાં કરીએ છીએ અને રહીએ છીએ અમારા અનાદિમુક્ત ભેળા કચ્છમાં.”
આટલું સાંભળતાં સ્વામીને સમજાણું નહિ કે રહેવાનું કચ્છમાં અનાદિમુક્ત ભેળું અને શયન અહીં કરવાનું એટલે શું ? તેથી પૂછ્યું, “પ્રભુ ! કચ્છમાં કયાં અનાદિમુક્ત ભેળા રહો છો ?” સ્વામીની ત્વરા સમજી, મહાપ્રભુ બોલ્યા, “કચ્છમાં બળદિયા ગામે અમારા સંકલ્પથી પ્રગટ થયેલા અનાદિમુક્ત અબજીભાઈ ભેળા અમે રહીએ છીએ. એમના દ્વારા જ અમે અમારી મૂર્તિનું સૌને દાન કરીએ છીએ. તેઓ અમારા જેવા જ સમર્થ છે.” આટલું કહી મહાપ્રભુ બોલ્યા, “લ્યો હવે અમે એમના ભેળા જઈએ છીએ.” એટલું કહેતાં અદૃશ્ય થઈ ગયા. સ્વામી મહારાજના શબ્દો સાંભળી અબજીબાપાના મહિમાથી ભીંજાઈ ગયા અને એવા વિચારમાં મગ્ન બની ગયા કે મહારાજની અને બાપાશ્રીની કેવી અદ્ભુત એકતા છે !