સંકલ્પ સિદ્ધ કરે

પુષ્પ ૧ :પુત્રની ઇચ્છા પૂર્ણ કરી

સંવત ૧૯૪૨ની સાલ હતી. એ વખતે બાપાશ્રી અમદાવાદ પધારેલા. અમદાવાદમાં શેઠ ચીમનલાલભાઈને સદ્‌ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીના જોગથી, બાપાશ્રીનો ખૂબ મહિમા સમજાયો હતો.

બાપા અમદાવાદ પધાર્યા છે તે સમાચાર જાણી તેમને આનંદ થયો. તેમણે સદ્‌ગુરુ નિર્ગુણદાસજી સ્વામીને વિનંતી કરી કે બાપાશ્રી પધારે તે વખતે આ સેવકને ત્યાં પધરામણી ગોઠવાય તો સારું. સદ્‌ગુરુશ્રીએ પ્રસન્ન થઈ હા પાડી અને બાપાશ્રીને પધરામણી કરવા વિનંતી કરી. તેઓ બાપાશ્રીને પોતાને ઘેર પધરામણીએ લઈ ગયા અને હાથ જોડી વિનય વચને પુત્રની ઇચ્છા જણાવી. મહારાજ અને મોટા તો અતિ દયાળુ સ્વરૂપ હોય. ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે તો તેમનું અવની પર પ્રાગટ્ય તથા વિચરણ હોય છે. બાપાશ્રી ચીમનભાઈ શેઠનું નિર્માનીપણું જોઈ રાજી થઈ ગયા. એટલે તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા : “જાવ, મહારાજ તમારી ઇચ્છા પૂરી કરશે.” પરંતુ આપણે તો શ્રીજીમહારાજને ઘડીયે વિસારવા નહીં.

“એનાં આપેલાં વરદાનો ખોટાં હોય નહીં”

એ ન્યાયે બાપાશ્રીએ આપેલા આશીર્વાદ ફળ્યા. અને તેમને ઘેર પુત્રનો જન્મ થયો. તેઓ શ્રી જેઠાલાલભાઈ પ્રોફેસર તરીકે સંપ્રદાયમાં જાણીતા થયા.

પુષ્પ ૨ :પારણિયું બંધાવવાનો સંકલ્પ પૂરો કર્યો

સંવત ૧૯૮૨ની સાલ હતી. આ જ વર્ષમાં બાપાશ્રી અમદાવાદ પધાર્યા હતા. એ દરમ્યાન દરિયાપુરમાં રૂપાફળી નામે ચાલીમાં શંકરભાઈ ગજ્જર રહેતા. તેઓ શ્રીજીમહારાજના આશ્રિત ન હતા. પરંતુ તેમના પુત્ર બેચરભાઈને બાપાશ્રી સાથે હેત અને મમત્વભાવ.

એક વખત બેચરભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી કે, “બાપા ! આપ મારે ત્યાં ઠાકોરજી જમાડવા માટે પધારો. એટલી વિનંતી છે.” પ્રાર્થના સાંભળી અમારી સાથે “૭-૮ હરિભક્તો પણ ઠાકોરજી જમાડવા માટે પધારશે.” એમ બાપાશ્રીએ જણાવ્યું તે સાંભળી બેચરભાઈના આનંદની અવધિ ન રહી. તેઓએ તો ૮-૧૦ હરિભક્તોની રસોઈ તૈયાર કરાવી.

સાંજે સંધ્યા આરતી બાદ બાપાશ્રી પધાર્યા. તેમની સાથે ૫૦થી ૬૦ હરિભક્તો આવેલા. બાપાશ્રીએ મેડા ઉપર જઈને જમવાની પંક્તિ પાડી. તૈયાર કરેલી રસોઈ ઉપર લૂગડું ઢાંકી દીધું ને બીજા વાસણમાં કઢાવીને પિરસાવવાનું શરૂ કર્યું. વળી આજુબાજુના પાડોશીમાંથી કોઈ દર્શન કરવા આવે તેમને પણ બેસાડી દેતા.

બેચરભાઈના પિતાશ્રી શંકરભાઈને બાપાશ્રીનો બહુ મહિમા નહીં. તેથી બાપા જેમ જેમ હરિભક્તોને બોલાવે, જમાડવા બેસાડે તેમ તેમ મૂંઝાય. “બાપાને ખબર તો નથી પણ રસોઈ માપની જ બનાવી છે. આ રીતે જે કોઈ આવે તેને બાપા જમાડવા બેસાડશે તો પછી પાછળ જમનારાનું થશે શું ? ફરીથી રસોઈ બનાવવી પડશે તેવું લાગે છે. બાપા ! હવે ખમૈયા કરે તો સારું. પહેલાં કહ્યું હોત તો આવો પ્રશ્ન ન થાત. આ તો હવે આબરૂ જવાની.” આવા વિચારોથી તેમણે ઉપર આવવાની પણ હિંમત ન કરી.

આ બાજુ પંક્તિમાં સૌ ગોઠવાયા ત્યારે બાપાશ્રીએ જય બોલાવી. સૌએ ઠાકોરજી જમાડવાનું શરૂ કર્યું. શંકરભાઈને વિચાર સૂઝ્યો કે લાવને જોઉં તો ખરો કે બધા ખરેખર જમે છે ? ઉપર જઈને જોયું તો બધાની થાળીમાં પૂરું પિરસાયેલું અને બધા ધરાઈને જમ્યા.

આ પ્રત્યક્ષ જોયું તેથી તેમને બાપાશ્રીને વિષે અહોહોભાવ થઈ ગયો. ‘વાહ ! બાપા વાહ !’ પોતાની ભૂલ ઓળખાઈ. ‘મેં બાપાશ્રી વિશે ખોટા સંકલ્પો કર્યા છે. પરંતુ બાપા તો વાસ્તવમાં મહાનપુરુષ છે.’ તેઓ બાપાશ્રીના ચરણમાં પડ્યા.

તે વખતે બાપા બોલ્યા, “શંકરભાઈ ! માંગો, જે જોઈએ તે માંગો.” ત્યારે શંકરભાઈએ પોતાનો સંકલ્પ કહ્યો, “બાપા ! મારા બેચરને ત્યાં પારણિયું બંધાય અને પુત્રનો જન્મ થાય તેવા આશીર્વાદ આપો.” બાપાશ્રી કહે, “જાવ, શ્રીજીમહારાજ જરૂર પુત્ર આપશે.” હજુ પણ બાપાશ્રીના આશીર્વચનથી જન્મેલા પુત્ર પ્રવીણભાઈ બેચરભાઈ ગજ્જર હયાત છે ને હાલમાં અશોકા એપાર્ટમેન્ટ ખાતે (ગુજરાત કૉલેજ સામે) તેઓ રહે છે.

વળી, બેચરભાઈએ સંકલ્પ કરેલો કે બાપા મારે ત્યાં સૂએે તો સારું. તેથી નીચે આવી ઢોલિયો ઢાળેલો ત્યાં બાપાશ્રી થોડી વાર પોઢ્યા. જે ગાડી તેમને લેવા આવવાની હતી તે બગડી હતી. તેથી રાત્રે ૧૧ વાગ્યા સુધી પોઢ્યા ને ભક્તનો સંકલ્પ પૂરો કર્યો.

આમ બાપાશ્રી હેતવાળા ભક્તોના મનોરથો અચૂક પૂર્ણ કરતા અને આજે પણ પૂરા કરે છે.