મુક્તરાજની નામકરણ વિધિ

મુક્તરાજે તો પ્રાગટ્યથી જ પરચા-ચમત્કારોની પરંપરા ચાલુ કરી દીધી હતી. પ્રાગટ્ય પછી તો મુક્તરાજ ૮-૧૦-૧૫ દિવસ સુધી તો ક્યારેક ૧-૧ માસ સુધી પણ સ્તનપાન કરતા નહિ અને ક્યારેક તો સમાધિમાં ઊંડા ઊતરી જતા. તેમ છતાં શરીરે તો એવા ને એવા હૃષ્ટપુષ્ટ જ જણાતા. આ મુક્તરાજનાં સર્વે અંગ એવાં ભરાવદાર, ભીનેવાન, કોમળ અને મોહક હતાં. રમાડનાર ને જોનારનાં મન-ચિત્તને હરી લેતાં. વળી મુક્તરાજના મુખ ઉપર આઠે પહોર હાસ્ય જ વહ્યા કરતું હતું જેથી માતાપિતા તથા સગાં-સંબંધીજનો સર્વે તેમને જોઈને રાજી થતાં. વળી કોઈ તેડવા આવે તો ક્યારેક એટલું બધું વજન  વધારી દે કે તેડનાર આ મુક્તરાજને ઊંચા કરવાની હિંમત સુધ્ધાંય ન કરી શકે અને એ જ સમયે બીજી વ્યક્તિ પાસે સાવ હળવા ફૂલ જેવા થઈ ગયા હોય. આમ મુક્તરાજ બાળ ચંદ્રની પેઠે વૃદ્ધિ પામવા લાગ્યા.

એમ કરતા કરતા બાળસ્વરૂપ મુક્તરાજ ત્રણ માસ ને અગિયાર દિવસના થયા. એ સમયે બળદિયા ગામના મંદિરમાં ભૂજ શહેરથી સમર્થ અનાદિમુક્ત સદ્‌ગુરુ શ્રી અચ્યુતદાસજી સ્વામી કે જેઓ ભૂજ મંદિરના મહંત હતા તેઓશ્રી વૃષપુર પધાર્યા હતા.

આ સમર્થ સદ્‌ગુરુશ્રી મોટા સંતોની કૃપાથી નિરાવરણ દૃષ્ટિને પામ્યા હતા અને શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ દેખતા હતા. આવા સમર્થ સદ્‌ગુરુ પાસે પાંચાભાઈએ પોતાના બાળ મુક્તરાજને વર્તમાન ધારણ કરાવવા અને નામકરણવિધિ કરાવવા લાવ્યા.

સદ્‌ગુરુશ્રીએ બાળમુક્તની મુખમુદ્રા સામે જોયું અને તેઓ તો આભા જ બની ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. એમના મુખ પર અનેરા આનંદની રેખાઓ પ્રસરી ગઈ અને બોલી ઊઠ્યા, “હે પાંચાભાઈ ! આ તમારા પુત્રને વર્તમાન ધરાવવા અને નામ પાડવા હું કોણ સમર્થ ? આ તમારા પુત્ર બહુ મોટા અને બહુ સમર્થ છે. તેઓ તો શ્રીજીમહારાજના સંકલ્પથી અનેકને મહારાજના સ્વરૂપનું સર્વોપરી જ્ઞાન સમજાવવા અને અનેકને સર્વોપરી એવી અનાદિમુક્તની સ્થિતિ કરાવવા પ્રગટ થયા છે. જેમ નદીઓ સમુદ્રમાં ભળી વિરામ પામે છે તેમ હે પાંચાભાઈ ! સંપ્રદાયના મોટા મોટા હજારો સંતો અને લક્ષાવધિ હરિભક્તો આ તમારા પુત્ર પાસે આવી મૂર્તિના સુખને પામશે. આ મુક્તરાજને શ્રીજીમહારાજ વશ છે. વળી હે પાંચાભાઈ ! આ અનાદિમુક્તના સર્વે ગુણને જાણી શકવા કે મહિમાને વર્ણવવા હું સમર્થ નથી. જે કોઈ આ મુક્તરાજને ઓળખશે, તેમનો ગુણ ગ્રહણ કરશે, દર્શન કરશે, તેમની સેવા કરશે અને તેમની દૃષ્ટિ કે રાજીપામાં આવશે તે સર્વે જરૂર માયાના ભાવથી મુક્ત થઈ આત્યંતિક કલ્યાણને પામશે. વળી હે પાંચાભાઈ ! તમારા આ પુત્ર અબજોને મૂર્તિમાં રમાડશે માટે એમનું નામ અબજીભાઈ પાડો.”

આમ કહી સદ્‌ગુરુશ્રીએ મુક્તરાજના જમણા હસ્તમાં જળ મૂકી વર્તમાન ધરાવ્યા અને પોતા ઉપર મહાપ્રભુની અઢળક મહેર થઈ એમ સમજી મુક્તરાજના કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરાવી કૃતાર્થતા અનુભવી. આમ, આવા સમર્થ સદ્‌ગુરુશ્રી વડે બાળપણથી જ આ મુક્તરાજ પ્રસિદ્ધ થતા રહ્યા.