જીવનપ્રાણ બાપાશ્રીના મહિમાને કહેવો કે વર્ણવવો એ આકાશમાં રહેલા તારાને ગણવા જેવું છે. સંપ્રદાયમાં હજારો સંતો અને હરિભક્તો બાપાશ્રીનો અપાર મહિમા સમજતા. કોઈ બાપાશ્રીને ભક્ત કહેતા, તો કોઈક મુક્ત કહેતા. પરંતુ સદ્. નિર્ગુણદાસજી સ્વામી કહેતા જે, “બાપાશ્રી તો જે છે એ જ છે.” આમ સંપ્રદાયમાં બાપાશ્રીની ખૂબ જ પ્રખ્યાતિ હતી. જેથી મોટા મોટા સદ્ગુરુ સંતો તથા આચાર્યો પણ બાપાશ્રીનો મહિમા સમજતા.
સંવત ૧૯૧૬માં ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને મંદવાડ હોવાથી બાપાશ્રી તેમના ખબરઅંતર પૂછવા માટે અમદાવાદ પધાર્યા. એ જ વખતે શ્રીજીમહારાજના અતિ વ્હાલા અને સર્વોપરી ઉપાસનાના પ્રવર્તક એવા સદ્. ગુણાતીતાનંદ સ્વામી પણ આચાર્ય મહારાજનાં દર્શનાર્થે પધાર્યા હતા. ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ સદ્. ગુણાતીતાનંદ સ્વામીને બાપાશ્રીની ઓળખાણ કરાવતા કહે છે જે, “આ અબજીભાઈ સ્વતંત્ર, સિદ્ધ અને મહાપ્રભુના સંકલ્પથી પધારેલા અનાદિમુક્ત છે. તેમના દ્વારા મહારાજ અનંત જીવોનો આત્યંતિક મોક્ષ કરી રહ્યા છે. ત્યારે સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ બાપાશ્રીને બે હાથ જોડી જય સ્વામિનારાયણ કહ્યા અને ખૂબ પ્રેમથી બાપાશ્રીને ભેટ્યા અને બોલ્યા જે, “હા મહારાજશ્રી ! આપ કહો છો એમ જ છે.” આમ સ્વયં આચાર્ય મહારાજશ્રી તથા સદ્. ગુણાતીતાનંદ સ્વામી પણ બાપાશ્રીનો મહિમા સમજતા.
આદિ આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ તથા પુરુષોત્તમપ્રસાદજી મહારાજ પણ બાપાશ્રીનો અપાર મહિમા સમજતા અને બાપાશ્રી પાસેથી મૂર્તિસુખના આશીર્વાદ મેળવતા. વળી ભૂજનાં મહામુક્ત સૂરજબા તથા સદ્. ગોપાળાનંદ સ્વામીના સમર્થ શિષ્ય સદ્.નિર્ગુણદાસજી સ્વામી તથા ભૂજના સમર્થ સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી તથા માંડવીના મુક્તરાજ લક્ષ્મીરામભાઈ આદિ સિદ્ધમુક્તો પણ બાપાશ્રીનો અપાર મહિમા સમજતાં અને સૌને સમજાવતાં. વળી સદ્. નિર્ગુણદાસજી સ્વામી તો કહેતાં જે, “આ બાપાશ્રી તો અમારા જીવનપ્રાણ છે. અને અનંતકોટિ બ્રહ્માંડોમાં આ બાપાશ્રીનો જોટો મળે તેમ નથી.”
આ ઉપરાંત સદ્ગુરુ શ્રી હરિનારાયણદાસજી સ્વામી, પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામી, ભગવતસ્વરૂપદાસજી સ્વામી, શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, ગોપીવલ્લભદાસજી સ્વામી આદિ મૂળીના મોટા મોટા સંતો તથા સદ્ગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી, ઘનશ્યામજીવનદાસજી સ્વામી આદિ અમદાવાદ દેશના મહાસમર્થ સદ્ગુરુઓ તથા ભૂજના નિર્ગુણાનંદ બ્રહ્મચારી, પુરાણી કેશવપ્રિયદાસજી સ્વામી તથા વડતાલના સદ્ગુરુ રઘુવીરચરણદાસજી સ્વામી જેવા મહાસમર્થ સંતો પણ બાપાશ્રીનો અપાર મહિમા સમજતા અને બાપાશ્રીના ખોળામાં માથું મૂકી ‘બાપા, અમારું પૂરું કરો.’ એવા આશીર્વાદ માંગતા. ત્યારે બાપાશ્રી પણ રાજી થઈને જ્યાં આશીર્વાદ આપતા કે, “જાવ તમારું પૂરું, પૂરું ને પૂરું” ત્યાં ઝળળળ તેજના સમૂહમાં મહાપ્રભુની મૂર્તિનાં દર્શન થતાં અને અખંડ મૂર્તિના સુખભોક્તા થઈ જતા.
વળી રામપુરનાં ધનબા ડોશી, સુખપરના મુક્તરાજ દેવજીબાપા તથા દહીંસરાના મુક્તરાજ કેસરાબાપા આદિ સિદ્ધમુક્તો પણ બાપાશ્રીનો ખૂબ મહિમા સમજતાં. આમ, સમગ્ર સત્સંગ સમાજમાં ચારે બાજુ ‘બાપાશ્રી...બાપાશ્રી...બાપાશ્રી’ એવા શબ્દોનો ગુંજારવ સંભળાવા લાગ્યો. જેથી હજારો સંતો અને હરિભક્તો બાપાશ્રીનાં દર્શન-સમાગમ માટે ઊમટતા અને સહજમાં સિદ્ધકાળની અનુભૂતિ કરતા.