એક વખત હજારો માણસોની સભામાં સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજ્યા હતા. તે વખતે ત્યાં નરસિંહરામ જોષી જે ગોડ બ્રાહ્મણ હતા તે સ્વામીશ્રીને પગે લાગીને ત્યાં બેઠા. તેમને ઉદાસ થયેલા જોઈને શોભારામ શાસ્ત્રી તથા વૈદ્યરાજ રામચંદ્રભાઈએ પૂછ્યું કે, “જોષીબાવા, આજ તમે ઉદાસ કેમ જણાવ છો ? આપણને તો પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે કે જે સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. તેથી એવા સહજાનંદ પ્રભુના આનંદમાં સદાય સુખિયા રહેવું અને અખંડ ભજન કર્યા કરવું.” પછી જોષી બોલ્યા, “ભાઈ ! તમે કહો છો તે ખરું, પણ વ્યવહારમાં દુઃખ આવે છે ત્યારે દેહનો ધર્મ છે તથા દેહભાવ છે તેથી સુખ-દુઃખ લાગે છે ને ઉદાસ થવાય છે.”
તે સાંભળીને સ્વામીશ્રીએ નેત્ર ઉઘાડીને પૂછ્યું કે, “જોષી ! તમારે શું દુઃખ છે તે કહો.” ત્યારે જોષી બોલ્યા કે, “સ્વામી ! મારે પ્રથમનું જૂનું આઠસો રૂપિયાનું દેવું છે. તે પેટે મારું ઘર વાણિયાને ગીરે લખી આપ્યું છે. તે વાણિયાએ ઘણાં વર્ષ થયાં તેથી સરકારમાં દાવો કર્યો છે. આજકાલમાં જપ્તી લાવવાની તજવીજ કરી છે. તેની બીકથી ઘરના માણસે સોનાની જણસો આઠસો રૂપિયાની હતી, તે મોટી પુત્રીને ઘેર મૂકવા આપી હતી. હવે તે પણ તે દબાવીને બેસી ગઈ. હવે ઘર તો વાણિયો જપ્તી લાવીને પોતાને સ્વાધીન કરી લેશે. વળી, નાની પુત્રી પણ દુઃખ લગાડીને સાસરે ગઈ છે. તે કહે છે કે મોટી બહેનને આઠસોની જણસો આપી ત્યારે મને પણ આપો. માટે તેને ક્યાંથી લાવીને આપવી ? વળી, બંને પુત્રી સાસરે હોવાથી અમારી સેવા-ચાકરી કરનારું પણ કોઈ નથી. તેમજ ઘર જપ્ત થયા પછી અમે રહીશું ક્યાં ? વૃદ્ધાવસ્થામાં મૂડીમાત્ર જણસો હતી, તે પણ ગઈ એટલે ખાવું શું ? આમ, બધી ચિંતાથી ઉદાસ થયા છીએ.”
ત્યારે અતિ દયાળુ સ્વામીશ્રીનું હૃદય ભક્તના દુઃખને સાંભળીને દ્રવી ઊઠ્યું. અને અતિ કરુણા કરી બોલ્યા કે, “તમે અત્યારે ઘેર જાઓ અને વાણિયો તમારું ઘર જપ્ત કરે તે પહેલાં ઘર વાસીને બંદોબસ્ત કરી, તમારા ઓરડામાં પાણિયારા તળે પાંચ હાથ ઊંડો ખાડો ખોદશો તો તેમાંથી એક તાંબાનો ચરુ નીકળશે. તેમાં પાંચ હજાર રૂપિયાની સોનામહોર નીકળશે. તે કાઢીને પછી આ બાપુરાય શેઠ બેઠા છે તેમને આપજો. એ ઘણા ડાહ્યા અને વિવેકી છે અને સારા ભક્ત પણ છે. માટે તમારા દેવાના રૂપિયા એ આપશે. એટલે ઘર તમારા તાબે જ રહેશે. વળી, નાની પુત્રીને પણ બીજા આઠસો રૂપિયાના દાગીના લઈ આપશો એટલે સૌ સારાં વાનાં થશે. તમારી સેવા પણ તે સારી કરશે. બાકીના રૂપિયાનું વ્યાજ પણ શેઠ તમને આપશે. તેમાં તમારું ગુજરાન સારી રીતે ચાલશે. માટે તમે કોઈ વાતે ઉદાસીન થશો નહીં. તમે જાઓ અને એ કામ સુખેથી કરો ને પછી નિરંતર બેઠા બેઠા શ્રીહરિનું અખંડ ભજન કરો અને મૂર્તિના સુખ ભોગવતા થાવ.” એમ આશીર્વાદ આપી આ લોક અને પરલોકે એમ બંને રીતે સુખિયા કર્યા.