અભેસિંહ દરબારને આદર્શ ભક્ત બનાવ્યા

 

લોધિકા દરબાર જીભાઈ પરમ ભક્ત અને ગોપાળાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર હતા. તેમના એકના એક દીકરા અભેસિંહ હતા. તે લાડકોડમાં ઊછરેલા. વળી, સુખી ઘર અને ગામધણી તેમ જ ભરયુવાની આમ મળી મળીને બધું ભેળું થયેલું. તેથી ખાવા-પીવામાં, રહેવામાં, ફરવામાં કોઈ બંધન જ નહીં. તેથી મનમુખી થઈ પાપમય જીવન વિતાવે. શિકાર તથા માંસાહારનો પણ ખૂબ શોખ. એકાદશીના દિવસે પણ ચકલાને મારી તેની જીભોનું ફરાળ કરતા.

બીજી બાજુ પરમ ભક્ત જીભાઈ દરબારનું હૃદય આ બધું જોઈને વલોવાઈ જતું. વળી, યુવાન દીકરાને વધારે કહેવું પણ શું ? તેથી મૂંગે મોંએ આવી પડેલા સંજોગોને સહન કર્યે જતા હતા.

થોડા સમય પછી જીભાઈને સમાચાર મળ્યા કે સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી મેંગણી ગામે પધાર્યા છે, તેમણે મને દર્શને બોલાવ્યો છે. એટલે તે હરખાતાં હરખાતાં મેંગણી જવા નીકળ્યા.

ગમે તેમ તોય પિતૃ હૃદય હંમેશાં પુત્રના સુખને જ ઇચ્છતું હોય. એટલે જતાં જતાં જીભાઈ અભેસિંહને કહેતા ગયા, “ભાઈ ! મોટા સ્વામી મેંગણી ગામે પધાર્યા છે. તો ચાલને દર્શને ! દર્શન કરીને આવતો રહેજે !”

“કાલે બાર વાગે આવીશ.” આટલો ટૂંકો જવાબ આપી અભેસિંહે જીભાઈ બાપુને રવાના કર્યા.

જીભાઈ મેંગણી પહોંચ્યા. સ્વામીને દંડવત કર્યા અને જ્યાં દર્શન કરવા પાસે ગયા એટલે સ્વામીશ્રીએ કુશળ સમાચાર પૂછવા માંડ્યા. તે સાથે જ જીભાઈ રડી પડ્યા અને સ્વામીશ્રીને બધી વાત કરી.

પરંતુ સ્વામીશ્રી તો વાત સાંભળી કાંઈક જુદું જ બોલ્યા, “જીભાઈ ! ચિંતા ન કરો. અભેસિંહ તો મોટા મુક્ત છે. એ જરૂર કાલે આવશે.” બન્યું એવું જ.

બીજે દિવસે અભેસિંહ સવારે શિકાર કરવા નીકળ્યા. પણ સ્વામીશ્રીએ જાણે ખેંચ્યા ન હોય એમ, ક્યારેય નહિ ને તે દિવસે રસ્તો ભૂલ્યા અને નછૂટકે પહોંચી ગયા મેંગણીના પાદરમાં. મેંગણી જોતાં જ પિતાના શબ્દો યાદ આવ્યા એટલે “લાવને દર્શન કરતો જાઉં” એવી એક ભાવનાથી મંદિર તરફ વળ્યા. સ્વામીશ્રીને દંડવત કરી જ્યાં દર્શન કરવા ગયા, ત્યાં તો સ્વામીશ્રીએ બરડે થાપો માર્યો અને “કેમ અભેસિંહ ! બાપુનું માનતા નથી ?” એટલું જ જ્યાં કહ્યું ત્યાં તો  બે હાથ જોડી, અભેસિંહ સ્વામીના ચરણોમાં ઢળી પડ્યા.

“સ્વામી ! આપ જેમ કહેશો તેમ કરીશ.” બસ, આજની ઘડી ને કાલનો દા’ડો. બધાં પાપ ગયાં. બધાં કુકર્મો અને દુરાચારી વર્તન ગયું.

સ્વામીશ્રીના પ્રતાપે લોઢું સોનું થયું. અને અભેસિંહ છ-છ કલાક ધ્યાન કરનાર મહામુક્ત બન્યા.