ચંદ્રગ્રહણ રોકી દીધું

 

વડોદરામાં એક વાર બધા જ્યોતિષીઓ ભેગા થયા હતા. તેમણે કહ્યું કે, “આ પૂનમે ગ્રહણ થવાનું છે.” ત્યારે કૃષ્ણરામ શાસ્ત્રી જે સત્સંગી હતા તેમણે કહ્યું કે, “ના, આ પૂનમે ચંદ્રગ્રહણ નહિ જ થાય.” ધીરે ધીરે તે ચર્ચા વધુ તીવ્ર બની. અંતે કૃષ્ણરામ શાસ્ત્રી બોલ્યા કે, “જો પૂનમે ચંદ્રગ્રહણ થાય તો હું અગ્નિસ્નાન કરીશ.” એમ સામસામે શરતો થઈ.

ચર્ચા પૂર્ણ થયા બાદ ઘેર આવીને કૃષ્ણરામ શાસ્ત્રીએ શાસ્ત્રોમાં તપાસ કરી તો પૂનમે ગ્રહણ દેખાશે તેવી શક્યતા હતી. તેથી ખૂબ જ ચિંતાતુર થયા. વળી, હરિભક્તોએ પણ સદ્‌. ગોપાળાનંદ સ્વામીને વાત કરી જે, “ગ્રહણ તો નક્કી છે અને કૃષ્ણરામ શાસ્ત્રીએ તો અગ્નિસ્નાનનું વચન આપ્યું છે. માટે દયા કરી તેમની રક્ષા કરો.” જેમ પાંપણ આંખની રક્ષામાં છે તેમ ભગવાન ને સંત સદાય પોતાના ભક્તની રક્ષામાં જ છે. તેવા સ્વામીશ્રીએ કહ્યું કે, “જાવ, ગ્રહણ કદાચ થશે તોય આ ખંડમાં નહિ જ દેખાય તેથી પાળવું નહિ પડે.”

સ્વામીશ્રીએ ગ્રહણ આ ખંડમાં નહિ થાય તેવી વાત કરી છે તે સમાચાર તેમનો દીકરો સભામાં બેઠેલો તે લાવ્યો. તેને સાંભળીને કૃષ્ણરામ શાસ્ત્રીને ખૂબ આનંદ થયો અને દોડતા મંદિરે સ્વામીશ્રી પાસે આવ્યા. સ્વામીશ્રીએ કહ્યું, “શાસ્ત્રીજી ! તમારે વેગમાં આવીને ક્યારેય આવું બોલવું નહીં. ચંદ્રગ્રહણ તો હતું જ, પણ તમારી લાજ રાખવા અમારે ચંદ્રગ્રહણ રોકી દેવું પડશે, ફેરવવું પડશે.” તેથી કૃષ્ણરામ શાસ્ત્રીને ખૂબ જ આનંદ થયો ને પ્રાર્થના કરવા લાગ્યા.

જ્યારે પૂનમ આવી ત્યારે સ્વામીશ્રીએ ગ્રહણ થવા દીધું નહીં. બધાય શાસ્ત્રીઓ જોઈ રહ્યા. પણ અંતે થાકીને સ્વામીશ્રી પાસે આવ્યા અને માફી માગી કે, “સ્વામીશ્રી ! ગ્રહણ તો થવાનું જ હતું પણ આપે આપના પ્રૌઢ પ્રતાપથી ગ્રહમંડળને અટકાવી દીધું. અમે આપનું વચન ન માન્યા તેથી અમને માફ કરો. અને આપેલા વચનથી મુક્તિ અપાવો.” સ્વામીશ્રીએ સૌને માફી આપી સુખિયા કર્યા. આમ, ભગવાન ને સંતને ગ્રહણ કરતાં ભક્તની લાજ વધુ વ્હાલી છે.