સંવત ૧૮૫૬ના જેઠ સુદિ ૮ને રોજ ગોપાળદાસ નામના એક રામાનુજ સંપ્રદાયના સાધુ, ટોરડામાં ચાતુર્માસ ગાળવા પધાર્યા. ગામમાં તેમનો ખૂબ મહિમા હતો. તેથી દરેક બ્રાહ્મણને ત્યાં તથા સોનીને ત્યાં તેમને જમવાનાં નોતરાં શરૂ થયાં. વળી, તેઓ સૌને એક પરચો દેખાડતા અને પ્રભાવિત કરતા. તેઓ જ્યાં જમવા જાય, ત્યાં પોતાના ઠાકોરજી અને સિંહાસનને મૂકીને વિદાય થઈ જાય. પછી સંધ્યા આરતી સમયે સિંહાસન આપોઆપ મંદિરમાં સાધુ મહારાજ પાસે ચાલ્યું જાય. આવા ચમત્કારથી ગોપાળદાસ પ્રત્યે લોકોને પૂજ્યભાવ વધતો જ ગયો. એમ કરતાં કરતાં મોતીરામ ઠાકરનો (ખુશાલ ભટ્ટના પિતાશ્રીનો) વારો આવ્યો. તેમણે આમંત્રણ તો આપ્યું. અને સાધુ મહારાજ ઠાકોરજી લઈને જમવા પણ પધાર્યા. થાળ કરી જમ્યા પણ ખરા અને છેલ્લે મહાત્માજી મંદિર જવા માટે વિદાય થવા લાગ્યા. ત્યારે માતા જીવીબાએ કહ્યું કે, “મહાત્માજી ! આપના ઠાકોરજી તો રહી ગયા. માટે લેતા જાઓ.” ત્યારે સાધુ મહારાજ બોલ્યા કે, “હમણાં ઠાકોરજી સંધ્યા આરતી કુ ચલે આયેંગે.” અને ખરેખર દરેક ઘેરથી એમ જ થતું આવ્યું હતું. એવા ચમત્કારના કારણે જ સૌને અહોભાવ વધતો જતો હતો ને ? અને ગામના લોકો પણ તેમની સેવા સારી રીતે કરતા હતા.
આ બાજુ ખુશાલ ભટ્ટને ઘેર રહેલ મહાત્માજીના ઠાકોરજી સંધ્યા આરતી સમયે રોજની માફક મંદિરમાં પરત ગયા નહીં. કારણ કે તે સાધુએ એક ભૂત સાધેલું. તે દરેકને ત્યાંથી ઠાકોરજીને સિંહાસન સાથે ઉપાડી લાવતું. પરંતુ અહીં તો ભૂત, બાજુના ઘેર ગોવિંદજી પટેલની દીવાલે આવીને અટકી ગયું. અને ત્યાંથી પાછું સાધુ મહારાજ પાસે ગયું અને સાધુને કહ્યું કે, “મારાથી ખુશાલ ભટ્ટને ઘેર જવાતું નથી.” ત્યારે સાધુએ ખિજાઈને ભૂતને ફરીથી જવાની આજ્ઞા કરી. તેથી ભૂત ગયું તો ખરું પરંતુ પ્રથમની જેમ પાછું આવ્યું.
પછી સાધુ મહારાજ પોતે જાતે મોતીરામ ઠાકરને ઘેર ગયા અને ગુસ્સામાં સિંહાસન લેવા લાગ્યા. એટલે ઠાકોરજીનું સિંહાસન જ ચોંટી ગયું. વળી, જેવા સાધુ મહારાજ અડ્યા કે પોતે પણ ચોંટી ગયા. આ વાવડ સારાય ગામમાં મળતાં સારુંય ગામ આ તમાશો જોવા ઊમટ્યું. અને સાધુ મહારાજને પૂછવા માંડ્યું. પણ સ્વામીજી તો અવાચક થઈ ગયા હતા. પછી કુબેર સોનીએ ખુશાલ ભટ્ટ જ્યાં વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ કરાવતા હતા ત્યાં જઈને કહ્યું, “અરે ખુશાલ ભટ્ટ ! તમે તમારા ઘેર તો જાઓ. આખું ઘર માણસોથી ઊભરાય છે.” પછી ખુશાલભાઈ ત્યાં આવ્યા. અને ઠાકોરજીને કહ્યું કે, “આપને ન પધારવું હોય તો સાધુરામને તો જવા દો.” પછી સાધુરામના હાથ છૂટ્યા. પછી તેઓ મંદિરમાં ગયા અને તે જ રાત્રિએ મહાત્માજી બીજે ગામ ભાગી ગયા.
આમ, ખુશાલ ભટ્ટે અંધશ્રદ્ધાળુ લોકોને, પરચા-ચમત્કારથી અંજાયેલ વ્યક્તિને અધર્મનો આશરો કરતા અટકાવ્યા અને પાખંડને પડકાર્યો.