પ્રાગટ્ય, બાળપણ, વિદ્યાભ્યાસ

પુષ્પ ૧ : પ્રાગટ્ય

સાબરકાંઠા જિલ્લામાં ભીલોડા તાલુકાના ઈડર દેશમાં, શામળાજીથી ૧૫ માઈલ દૂર, ટોરડા નામે સુંદર રળિયામણું ગામ છે. ગામમાં મોતીરામ ઠાકર નામે ઔદીચ્ય પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. તેઓ બાળકોને ભણાવતા હતા. તથા તેમનાં પત્ની જીવીબા ભક્તિમય જીવન પસાર કરતાં હતાં. બંનેનું દામ્પત્યજીવન ખૂબ ભક્તિમય હતું. આવા પવિત્ર ઘરમાં સંવત ૧૮૩૭ના મહા સુદિ ૮ ને સોમવારના દિવસે સૂર્યની ચડતી કળાએ સવારના સમયે, ખુશાલ ભટ્ટ (સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી) પ્રગટ થયા. તે સમયે આકાશમાં નગારાં વાગવા લાગ્યાં. પૃથ્વી પર સર્વત્ર આનંદમંગલ થઈ ગયો હતો. પક્ષીઓ સુંદર અવાજ કરી, જાણે તેની વધામણી આપવા લાગ્યાં. મંદ મંદ શીતલ અને સુગંધીમાન વાયુ લહેરાવા લાગ્યો. દર્શનમાત્રથી સૌને ખુશ કરે તેવા સૌમ્ય સ્વરૂપવાળા હોવાથી ‘ખુશાલ’ એવું નામ રાખ્યું. બાળચંદ્રની પેઠે વૃદ્ધિ પામતા અને માતાપિતાના મનોરથો પૂર્ણ કરતા તથા નાનાં નાનાં બાળકોને પણ બ્રહ્મવિદ્યા શીખવતા એવા ખુશાલ ભટ્ટને પિતાશ્રીએ ચૌલ સંસ્કાર વિધિ કરાવ્યો. ખુશાલ ભટ્ટના પિતાશ્રી મોતીરામ ઠાકર (તેમની મૂળ અટક ઠાકર હતી. પછી દત્તક તરીકે ભટ્ટ કુટુંબમાં જવાથી, પાછળથી ભટ્ટ અટક થઈ હતી) ખૂબ જ ભગવદીય હતા અને અખંડ ભક્તિપરાયણ જ રહેતા.

 

પુષ્પ ૨ : કુટુંબ

ખુશાલ ભટ્ટને ઊગરી તથા કંકુબા નામે બે બહેનો હતાં. ખુશાલ ભટ્ટની દસ વર્ષની ઉંમરે તેમના પિતાશ્રીએ તેમનું સુશીલ કન્યા સાથે લગ્ન પણ કર્યું હતું. તે કન્યાનું નામ ‘કુશળ’ એવું હતું જે પાછળથી ‘આદિતબા’ તરીકે ઓળખાયાં. તેઓ ખૂબ શાંત અને ગંભીર હતાં ને ખૂબ ભક્તિપરાયણ હતાં. તેમને એક દીકરી પણ હતી જેમનું નામ અનુપમાબા હતું. જે લગ્ન બાદ થોડા સમયમાં વિધવા થયાં હતાં.

 

પુષ્પ ૩ :  બાળપણે પરચા :

ખુશાલ ભટ્ટે પ્રગટ થયા ને ત્રણ માસની નાની ઉંમરથી જ દિવ્ય પરચા દેવાનું, દિવ્ય સદાવ્રત ચાલુ કર્યું હતું.

એક દિવસ જીવીબા પાણી ભરવા ગયાં હતાં. તે વખતે ઘોડિયામાં ખુશાલ ભટ્ટને સુવાડ્યા હતા. ત્યાં એક સર્પે આવીને ઉપર છત્રછાયા કરી. તે દર્શન કરતો હતો. થોડી જ વારમાં જીવીબા પાણી ભરીને પાછાં આવ્યાં ને આ દૃશ્ય જોયું ! તેથી ગભરાઈને એકદમ બૂમો પાડવાં લાગ્યાં. ત્યાં તો નાગ એકદમ અદૃશ્ય થઈ ગયો.

વળી એક વાર ૧૦ દિવસથી અખંડ વરસાદની હેલી ચાલુ હતી. તે વખતે ચોર લોકોએ રાત્રે મોતીરામ ઠાકરને ઘેર પાછળની દીવાલ તોડી ખાતર પાડ્યું. (ચોરી કરવા દીવાલને ફાંકું પાડ્યું), પરંતુ ચોર લોકોએ જોયું કે ખુશાલ ભટ્ટના મુખમાંથી સૂર્યના જેવું તેજ નીકળ્યું હતું. તે ચોર લોકો આવો ચમત્કાર જોઈ સર્વ આશ્ચર્ય પામ્યા ને ડરી જઈને સર્વે ચોર ભાગી ગયા.

 

પુષ્પ ૪ : મોટાથીયે મોટા

એક વખત આસો માસની પૂનમની રાત્રે એક આશ્ચર્યજનક ઘટના બની. આસો વદ - ૧ (પડવા)ની સવારે માતા જીવીબા કચરો વાળવા નેવાળીમાં ગયાં. ત્યાં પગનાં સોનાનાં ઝાંઝર, કાનનાં કુંડળ, રૂપાની ગેડી વગેરે પડ્યાં હતાં. તે લઈને જીવીબાએ ખાતરા સોનીને બતાવ્યા. સોનીએ દાગીના ઓળખ્યા અને કહ્યું કે, “દાગીના તો શામળાજી ભગવાનના છે.” ઘેર આવી તેમણે આ વાત અંગે ખુશાલ ભટ્ટને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે, “શામળાજી મારી સાથે રમવા આવ્યા હતા; તે ભૂલી ગયા હશે.” બનેલું એવું કે શામળાજી ભગવાન સ્વયં બાળ ખુશાલ ભટ્ટ સાથે નિત્યે રમવા આવતા. પોતાનાં ઝાંઝર તેમને પહેરાવે, લાડ લડાવે. ઉપરણી પહેરાવે. ઝાંઝર ખખડાવી હસાવે. આવી બાળસહજ લીલા કરી ખુશાલ ભટ્ટને રાજી કરે. પરંતુ આજે મોડું થઈ ગયું ને પૂજારીએ ટોકરી ખખડાવી તેથી ઉતાવળથી દોડીને ગયા. પરંતુ ઝાંઝર વગેરે ત્યાં પડ્યાં રહ્યાં હતાં.

બીજી બાજુ શામળાજીના મંદિરમાં બૂમાબૂમ થઈ ગઈ. કારભારી તથા સર્વેને દર્શન કરતાં તુરત જ ખ્યાલ આવી ગયો કે મંદિરમાંથી ઘરેણાંની ચોરી થઈ છે. અંતે પૂજારી પર સખતાઈ થઈ. તે વખતે શામળાજીએ વિચાર્યું કે જો જાતે પહેરી લઈશ, તો પૂજારીને માથે જ આવશે કે ચોર્યાં હતાં તેથી પાછાં પણ મૂકી દીધાં. પરંતુ નિર્દોષને દંડ ન થાય તે માટે આકાશવાણી દ્વારા કહ્યું કે, “ટોરડામાં મોતીરામ ઠાકરના પુત્ર ખુશાલ ભટ્ટ સાથે અમે રમવા ગયા હતા. પૂજારીએ અમને જગાડવા ટોકરી ખખડાવી. તેથી ઝડપથી ત્યાંથી પાછા આવ્યા. એટલે ત્યાં પડ્યા રહ્યાં છે. અને ઉપરણી તથા શાલ ડુંગરની ખીણ પાસે ઝાડ પર ભરાઈ ગઈ છે. અને મેશ્વો નદીના ધરામાં એક ચાખડી પણ પડી ગઈ છે.” આમ, આકાશવાણી સાંભળી સર્વે ટોરડા આવ્યા. ત્યાંથી સર્વે વસ્તુ મળી તેથી સૌ મહિમાથી ખુશાલ ભટ્ટનાં દર્શન કરવા લાગ્યા. વાહ ! ખુશાલ ભટ્ટ, વાહ ! બાળપણે પણ કેવા અદ્‌ભુત પરચા આપ્યા !

 

પુષ્પ ૫ : યજ્ઞોપવીત

ખુશાલ ભટ્ટને સાત વર્ષ થયાં આઠમું વર્ષ ચાલતું હતું. પિતાશ્રીએ તેમને યજ્ઞોપવીત ધારણ કરાવવા નિશ્ચય કર્યો. વૈશાખ વદિ ૧૧ને દિવસ ગામ મુડેરીના ભોલાનાથ શુક્લ દ્વારા સંસ્કારવિધિથી યજ્ઞોપવીત આપવાની વિધિ શરૂ કરી. યજ્ઞોપવીત ધારણ કરતી વખતે શુક્લે સંકલ્પ કરાવ્યો કે, “મંત્રાનુષ્ઠાન સિધ્યર્થે યજ્ઞોપવીતં ધારયામિ ।” - આમ જ્યારે શુક્લે કહ્યું ત્યારે ખુશાલભાઈ બોલ્યા કે, “ઘનશ્યામ પ્રભુ પ્રીત્યર્થે યજ્ઞોપવીતં ધારયામિ ।” - આમ, શુક્લજીના કહ્યા મુજબ સંકલ્પ ધારણ નહિ કરવાથી, તેઓ બાળ ખુશાલભાઈ પર નારાજ થયા. પછી જ્યાં ખુશાલ ભટ્ટે શુક્લ સામે ત્રાટક કરી, ત્યાં તો શુક્લજીને મૂર્છા આવી. (સમાધિ કરાવી દીધી.) સમાધિમાંથી જાગ્યા અને તરત જ તેઓ તો ખુશાલ ભટ્ટના ચરણમાં પડ્યા કે આપ તો સાક્ષાત્‌ ભગવાન છો. ત્યારે ખુશાલ ભટ્ટે તેમનો હાથ પકડી લીધો અને કહ્યું કે, “શુક્લજી ! ભગવાન તો છપૈયાપુરમાં પ્રગટ થઈ ચૂક્યા છે. હું તો તેમનો સેવક છું.” એમ મહાપ્રભુનો અપાર મહિમા કહ્યો.

આમ, ખુશાલ ભટ્ટ બાળપણમાં જ અવનવા ચમત્કારો કરે, સૌને સુખ આપવા બાળકો સાથે રમવા જાય; બાળકોને પણ ભગવાનની દિવ્ય ચમત્કારી વાતો કરે તેથી બાળકોને ખૂબ જ મજા પડે. તેથી બાળકો પણ તેમનો સંગ છોડતા જ નહીં. વળી ક્યારેક બાળકોને સમાધિ કરાવી અક્ષરધામનું દિવ્ય દર્શન પણ કરાવતા. બાળકો સમાધિમાંથી જાગ્રત થઈને અનુભવેલ સુખની વાતો કરે. તે સાંભળી ગ્રામજનો પણ બહુ આનંદ પામતા.

 

પુષ્પ ૬ : વિદ્યાભ્યાસ

યજ્ઞોપવીત બાદ સાતમે દિવસે ખુશાલ ભટ્ટને ભોલાનાથ શુક્લની સાથે મુડેરી ગામે વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. ત્યાં સંવત ૧૮૪૯ના મહા સુદ ૪ સુધી વેદ, વેદાંત, વ્યાકરણશાસ્ત્ર, વિજ્ઞાનશાસ્ત્ર, મીમાસાં, તર્કશાસ્ત્ર ઇત્યાદિકનો પૂર્ણ અભ્યાસ કર્યો. સાથે અષ્ટાંગયોગ તો પ્રથમથી જ સિદ્ધ કર્યો હતો. આમ, ૧૨ વર્ષની ઉંમર સુધી મુડેરી અભ્યાસ કર્યો. પછી ગુરુ પાસેથી ઘેર જવાની રજા માગી. ૧૮૪૯ના મહા સુદ ૫ (વસંતપંચમી)ના રોજ તેઓ ટોરડા પધાર્યા. સંવત ૧૮૪૯ના ફાગણ વદ ૭ના રોજ પિતાજીની આજ્ઞા લઈને કાશી (બનારસ) પરીક્ષા આપવા નીકળ્યા. અને કાશી સુખરૂપ પહોંચ્યાનો પત્ર (૧૮૪૯ના ફાગણ વદ ૧૧ના રોજ લખેલો) ટોરડા મળ્યો. તેથી બધા વિચારમાં પડ્યા કે કાશીએ જવામાં ઓછામાં ઓછા બે-અઢી માસ તો થાય જ. તેના બદલે ચાર જ દિવસમાં આ પહોંચ્યા કઈ રીતે ? ભાઈશ્રી દત્તરામ ઠાકરે પ્રશ્ન પણ કર્યો. ત્યારે મોતીરામ કહે, “ખુશાલ તો એક મિનિટમાં સારુંય બ્રહ્માંડ ફરી આવે તેવા છે. તો આ કાશીમાં તો શું નવાઈ છે ?”

ત્યાં કાશીમાં તેઓ વેદ-વેદાંતમાં પારંગત થઈ “વ્યાકરણ કેસરી”ની પદવીથી વિભૂષિત થયા. આમ, તેઓ ત્યાં ૨૦ માસ રહ્યા અને ત્યાંથી વધારે વિદ્યાભ્યાસની પૂર્તિ માટે તીર્થયાત્રાએ પધાર્યા. તે જ અરસામાં સ્વયં શ્રીહરિ પણ તીર્થોને પાવન કરી, તીર્થોને તીર્થત્વ આપવા વનવિચરણમાં નીલકંઠવર્ણી વેશે નીકળ્યા હતા. એમ ફરતાં ફરતાં મુક્ત અને મુક્તપતિનું સૌપ્રથમ મિલન સંવત ૧૮૫૫ના જેઠ સુદ ૧૧ના રોજ થયું. ખુશાલ ભટ્ટે નીલકંઠના ચરણમાં શિશ નમાવી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કારણ કે, ભલે બીજા ન ઓળખે પણ તે તો એકબીજાને ઓળખતા જ હતા ને ? અને મિલન થતાં જએકબીજા પ્રેમથી ખૂબ ભેટ્યા. પછી તેમની સાથે આવવાની ખુશાલ ભટ્ટે ઇચ્છા જણાવી પરંતુ મહારાજે કહ્યું કે, “અમારે હજુ થોડું ગુપ્ત વિચરવું છે. સમય આવે અમે તમને જરૂરથી તેડાવી લઈશું.” એમ કહી છૂટા પડ્યા. પછી ખુશાલ ભટ્ટ ટોરડા પધાર્યા.

 

પુષ્પ ૭ : દિવ્ય અલૌકિક દર્શન

ખુશાલ ભટ્ટ જ્યારે પંદર વર્ષના થયા ત્યારે પોતાના પિતાની જેમ પંડ્યા (શિક્ષક) થઈને નિશાળમાં બાળકોને ભણાવતા. તેમની ભણાવવાની કળા જગતથી ન્યારી હતી. બાળકોને જગતની વિદ્યાની સાથે સાથે બ્રહ્મવિદ્યા પણ શીખવતા. વળી, ભગવાનના મહિમાની વાતો પણ કરતા. ક્યારેક બાળકોને સમાધિ કરાવી અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય દર્શન પણ કરાવતા. ક્યારેક બાળકો સમાધિમાં જઈ દિવ્ય હાર, નવીન ફળો, બરફી, પેંડા વગેરે પણ લાવતાં.

એક વખત ખુશાલ ભટ્ટ ધ્યાન કરવા બેઠા. તેમના શરીરમાંથી કોટિ કોટિ સૂર્ય જેવો, અધોઊર્ધ્વ પ્રમાણે રહિત વ્યાપ્ત પ્રકાશ નીકળ્યો અને બ્રહ્માંડ ફાટી જાય તેવા કડાકા થવા લાગ્યા. ત્યારે સર્વે ભય પામી ગયા. પછી તો એ તેજ ખુશાલ ભટ્ટના શરીરમાં સમાઈ ગયું. બાળકો સર્વે ખુશાલ ભટ્ટને ચરણે પડી પ્રાર્થના કરવા લાગ્યા. આમ, આવાં દિવ્ય દર્શન ઘણી વાર બાળકો તથા ગામજનોને ખુશાલ ભટ્ટ કેવળ કૃપા કરી કરાવતા.