સદ્. ગોપાળાનંદ સ્વામી એક વખત સારંગપુરની નદીમાં આવ્યા. સાથે દોઢસો જેટલા સંતો હતા. નદીના કાંઠે સ્વામીશ્રીએ સભા કરી. એ જ વખતે ગામના વૈરાગી બાવાને ખબર પડી કે, “સ્વામિનારાયણના સાધુ ગામની સીમમાં નદીએ આવીને બેઠા છે.” પણ આપણે તેમને ગામમાં પેસવા દેવા નથી. પણ જો ગામમાં પેસશે તો ઉપદેશ આપશે ને આપણને મળતાં ગાંજા-તમાકુ બંધ કરાવશે.
બસ, મારી-ધોકાવીને ગામમાં તો ન જ પેસવા દેવા. એવા ઇરાદાથી આખું ટોળું ઊપડ્યું નદી તરફ. હાથમાં પથરા લઈને આવેલા આ બાવાઓએ નિર્દય થઈને સંતોની સભામાં, છેટેથી પથરા મારવા માંડ્યા... સભા વિખેરાઈ ગઈ. સંતો ભાગ્યા અને નદીને કાંઠે આવેલી ઘાટી બાવળીમાં સંતાઈ ગયા. તેથી બાવાઓ થાકીને ગામમાં જતા રહ્યા. પછી જ્યારે સંતોને લાગ્યું કે હવે બહાર નીકળવામાં વાંધો નથી. એટલે સંતો બાવળીમાંથી બહાર નીકળ્યા.
બહાર નીકળ્યા પછી સંતો તો ગોપાળાનંદ સ્વામીને ફરિયાદ કરવા લાગ્યા કે, “કાંટાથી આખાં શરીર ભરાઈ ગયાં છે. જમીન પર બેસાતું પણ નથી કે પગ પણ મુકાતો નથી. તો હવે ગઢડા કેમ પહોંચીશું ?”
ત્યારે દયાળુ મૂર્તિ સદ્. ગોપાળાનંદ સ્વામીએ સત્સંગી પાસેથી ગામમાંથી ચીપિયો મગાવી બધા સંતોના, એક પછી એક કાંટા ખેંચાવી કાઢ્યા ને તે ઠેકાણે રાખ ભભરાવીને રૂ દબાવ્યું ને ધીરે ધીરે ગઢડે આવ્યા.
ગઢપુર આવીને સંતો જ્યારે મહારાજનાં દર્શન કરતા હતા ત્યારે મહારાજે કહ્યું, “સંતો ! સુખી તો છો ને ?” ત્યારે સંતોએ સારંગપુરની નદીમાં બનેલી ઘટના કહી.
મહારાજે કહ્યું, “સંતો ! તમારા બધાના કાંટા તો ગોપાળાનંદ સ્વામીએ કાઢ્યા પણ તમે એમના કાંટા કાઢ્યા કે નહીં ?” ત્યારે સંતો એ કહ્યું, “અરે મહારાજ ! એ તો અમે સાવ ભૂલી જ ગયા. અરર.. અમારા કાંટા નીકળી ગયા છે, તોય પીડાથી રહેવાતું નથી તો સ્વામીને કેમ થતું હશે ? છતાંય સ્વામીશ્રી કોઈને પોતાની પીડા પણ કહેતા નથી.”
મહારાજે કહ્યું, “લાવો ચીપિયો અમારા હાથમાં. સ્વામીના કાંટા અમે કાઢીએ.” અને સ્વયં શ્રીજીમહારાજે પોતાના વ્હાલા સંત ગોપાળાનંદ સ્વામીના અંગેઅંગમાંથી કાંટા કાઢ્યા. તે પોણોશેર થયા. છતાં સ્વામીએ કોઈને પોતાનું દુઃખ જણાવા દીધું નહીં. બસ, કેવળ સહન જ કર્યું.
આમ, સહન કરે તે સંત.