વટલોઈ વેરો બંધ કરાવ્યો

 

ઈડર રાજ્યમાં ગંભીરસિંહ મહારાજાએ સને ૧૭૯૧થી ૧૮૩૩ સુધી રાજ્ય કર્યું. ઈડર રાજ્યમાં બ્રાહ્મણોની વસ્તી ઘણી હતી. તેમાંના ઘણા બ્રાહ્મણો લોટ ઉઘરાવીને જીવનનિર્વાહ કરતા હતા. ગંભીરસિંહ રાજાએ તેને પણ આવક ગણીને ઉઘરાવેલ લોટ ઉપર પણ વેરો નાખ્યો; જે વટલોઈ વેરો કહેવાયો. એક તો આર્થિક પરિસ્થિતિ દુર્બળ હોય; ત્યારે તો લોટ ઉઘરાવીને જીવન ગુજારતા હોય ને તેમાંય પાછો ટૅક્ષ (વેરો) ? તેથી રાજાનું આવું અમાનુષી વલણ જોઈ બ્રાહ્મણો ખૂબ મૂંઝવણમાં મુકાયા. તેમણે મહારાજાને ઘણીબધી આજીજી કરી; છતાં રાજા એકના બે ન થયા. રાજાએ વેરાનો કાયદો રદ કર્યો નહીં.

તે સમયે આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ‘પ્રતાપી પુરુષ’ તરીકે ટોરડાના ખુશાલ ભટ્ટ જાણીતા હતા. તેથી બ્રાહ્મણો તેમની પાસે ગયા અને રાજ્યના વેરાના જુલમ વિષે વાત કરી. તેથી ખુશાલ ભટ્ટ બ્રાહ્મણો સાથે ઈડર ગયા. રાજાને પ્રેમથી આ ગરીબ બ્રાહ્મણોનો વેરો બંધ કરવા વિનંતી કરી. છતાં પણ રાજા માન્યા નહીં. ત્યારબાદ ખુશાલભાઈ તથા સર્વે બ્રાહ્મણો ઈડર ગામની પૂર્વ દિશામાં વાવ છે ત્યાં ગયા અને વૃક્ષ નીચે મુકામ કર્યો. થોડી જ વારમાં રાજ્યમાં હાહાકાર મચી ગયો. કારણ કે રાજ્યમાં રાજાનાં તથા સર્વ પ્રજાનાં મળમૂત્ર બંધ થઈ ગયાં. રાજાને પણ લાગ્યું કે જરૂરથી આ બ્રાહ્મણોના અપરાધથી જ આમ બન્યું છે. તેથી રાજાએ આવીને પોતાના અપરાધ માટે બ્રાહ્મણો પાસે માફી માગી. ત્યારે સર્વે બ્રાહ્મણોએ કહ્યું કે, “રાજન્‌ ! આ ખુશાલભાઈ છે તે બહુ જ પ્રતાપી પુરુષ છે. આ જે કાંઈ થયું છે તે તેઓના જ અપરાધથી થયું છે.” ત્યારે રાજાએ ખુશાલ ભટ્ટના બે ચરણ પકડી ક્ષમા માગી અને પોતે નાખેલો વટલોઈ વેરો બંધ કર્યો. અને ખુશાલ ભટ્ટની કૃપાથી સૌને મળમૂત્રનો ખુલાસો થયો. ત્યારબાદ રાજા પોતે ખુશાલ ભટ્ટના આવા ઐશ્વર્ય તથા દયાળુ સ્વભાવથી પ્રભાવિત થયા અને તેમના શિષ્ય બન્યા.

વળી, તે વર્ષે સમગ્ર રાજ્યમાં વરસાદ થયો ન હતો તેથી મહારાજાએ ખુશાલ ભટ્ટને, રાજ્યમાં વરસાદ થાય તે માટે પણ પ્રાર્થના કરી. ત્યારે ખુશાલ ભટ્ટે પોતાના યોગબળથી સારાય રાજ્યમાં વૃષ્ટિ કરાવી સુકાળ કરી આપ્યો. તેથી મહારાજા ખૂબ ખુશ થયા અને જાણ્યું કે આ ખુશાલ ભટ્ટ તો ખરેખર ખૂબ જ પ્રતાપી પુરુષ છે.

વળી, રાજાને સર્વે વાતે સુખ હોવા છતાં દુઃખ એ હતું કે સોળ રાણીઓ હોવા છતાં શેર માટીની ખોટ હતી. (કુંવર ન હતો.) તેથી મહારાજાએ પોતાના દુઃખની વાત ખુશાલ ભટ્ટને કરી અને કહ્યું કે, “આજ દિન સુધીમાં પુણ્ય તથા અનેક દાન-યજ્ઞાદિક કર્યાં; છતાં મને સંતાનનું સુખ નથી. તેથી આપ મારો વંશવેલો ચાલે તેવી કૃપા કરો. જો મારે એક પુત્ર થાય તો તમારે રહેવા માટે અહીં એક મોટી હવેલી બાંધી આપું. તથા ખર્ચ સારુ એક ગામ પણ આપું, અને તમને અમારા રાજગુરુના સ્થાને સ્થાપના કરું.”

તે સાંભળી ખુશાલ ભટ્ટ કહ્યું, “અમારે તો હવેલી પણ જોઈતી નથી. અમે તો ઘરનું ઝૂંપડું છે તે પણ મૂકી દેવાના છીએ. વળી, અમારે તો રાજગુરુય નથી થવું અને અમારે ગામ પણ જોઈતું નથી. અમે તો ગરીબના ગુરુ (બેલી) થઈશું. પરંતુ હે ગંભીરસિંહ ! માણસા રાજ્યમાં ભારતસિંહ રામોલ (ચાવડા)ની દીકરી ફૂલકુંવરબા છે. તેમની સાથે તમે લગ્ન કરો. તેનાથી તમને પુત્રપ્રાપ્તિ થશે.” આવો આશીર્વાદ આપી ખુશાલ ભટ્ટ ત્યાંથી ચાલી નીકળ્યા.

ખુશાલ ભટ્ટના વચન પ્રમાણે ગંભીરસિંહ રાજાનાં લગ્ન માણસાના ભારતસિંહની દીકરી ફૂલકુંવરબા સાથે થયાં. ખુશાલ ભટ્ટના આશીર્વાદ મુજબ એક (કુંવર) પુત્રનો પણ જન્મ થયો કે જેનું નામ જુવાનસિંહ રાખ્યું. ત્યારપછી તો ફૂલકુંવરબાને સ્વામિનારાયણ ધર્મ વિષે ખૂબ જ ભાવના થઈ અને પાકા સત્સંગી પણ થયાં. ગંભીરસિંહે રાણી ફૂલકુંવરબાને દર્શન કરવા માટે મોટું મંદિર પણ કરાવ્યું. વળી, રાણી પોતાના મહેલના ઝરૂખામાંથી અખંડ દર્શન કરી શકે તેવી રચના કરી. ફૂલકુંવરબાએ મહાપથારી સુધી માથા સાટે સત્સંગ રાખ્યો. આ વાત ઈડરના ઇતિહાસમાં નોંધાયેલ છે.