એક વખત સભામાં સ્વામીને બાપુ સાહેબે કહ્યું કે, “સ્વામી ! આ લખા ભગતમાં હજાર હાથીનું બળ દેખાય છે. તે સમાધિનું હશે કે કાંઈ બીજી રીતનું હશે ?” ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, “એ બધું બળ ભગવાન ને સંતની કૃપાનું છે.” પછી બાપુ સાહેબે કહ્યું, “લખા ભગત ! તમે પર્વત ઉપાડી શકો ?” ત્યારે લખા ભગતે કહ્યું, “હા, સ્વામીની આજ્ઞાએ કરીને તો પર્વત ઉપાડવો તેમાં શું મોટી વાત છે ? ભગવાન અને સંતની આજ્ઞામાં નિર્વિકલ્પ થઈને ‘ભલે દયાળુ’ કહી દઈએ તો અશક્ય કાર્ય પણ જરૂરથી શક્ય બને જ.”
ત્યારે બાપુ સાહેબે કહ્યું, “તો પર્વત ઉપાડવાનું કાંઈ કામ નથી પણ આ પેલા પાવાગઢનાં બે શિખરો ઉપર બે મોટી જબરી તોપો છે. તે કોઈ પ્રાચીન વખતના મોટા શક્તિશાળી રાજાએ સ્થાપના કરેલી છે. તેને ઉતારી લાવવા પેશ્વા સરકારે ઘણો પ્રયત્ન કર્યો હતો તોપણ ઊતરી નહીં. વળી સિંધિયા સરકારે તથા આગળની ગાયકવાડ સરકારે પણ તોપોને ત્યાંથી ઉતારી લાવવા હજારો માણસોને મોકલીને ઘણો જ પ્રયત્ન કર્યો હતો તોપણ ઊતરી જ નહીં. તેમાં કોઈ વિદ્યા કે ચમત્કાર હોય તેવું લાગે છે. તેથી બધાય પ્રયત્નો નિષ્ફળ જાય છે. માટે આપ કૃપા કરીને ઉતારી આપો તો સારું. આપને તો વાર પણ નહિ લાગે. તે આપને માટે તો રમત જેવું કામ છે.”
પછી લખા ભગતે સ્વામીશ્રી સામું જોયું અને સ્વામીશ્રીની મરજી જોઈ. તેથી તે રાત્રે લખા ભગતે પોતાનું શરીર વધારીને પાવાગઢ પાસે જઈને, પોતાના બે હાથ વડે તે બે શિખર ઉપરથી બે તોપોને બે ફૂલની જેમ ઊંચકી.
તે વખતે પાવાગઢના શિખર પર મોટા ભૈરવની કાળા પાષાણની પ્રતિમા હતી. તે ભૈરવ જબરો શક્તિશાળી તથા તાંત્રિક હતો. તેણે તોપને ઝાલી. પછી લખા ભગતે તરત જ તોપ જરા વાંકી કરીને તેને ઠેસ મારી કે તે ભૈરવ જેમ મચ્છરીયું ચોળાઈ જાય તેમ ઊંધે માથે ચૂરા થઈને ઉપરથી નીચે દૂધિયા તળાવમાં પડ્યો. તેથી તેનાં હાડકાં ભાંગી ગયાં. પછી લખા ભગતે તે તોપને વડોદરામાં સરકારનું મોટું તોપખાનું છે તેમાં વચ્ચે એક ક્ષણમાં મૂકી દીધી. પછી તે યથાવત્ સ્વરૂપમાં આવી ગયા. અને મંદિરમાં સ્વામીશ્રી પાસે આવીને દર્શન-દંડવત કરી સભામાં બેસી ગયા.
સવારમાં તોપખાનાવાળા જમાદાર વગેરે આ બે તોપોને જોઈ ખૂબ જ આશ્ચર્ય પામ્યા. અને તુરત જ સરકારશ્રીને જણાવ્યું. ત્યારે સરકાર પણ હજૂરી મંડળ (દરબારીઓ)ને લઈને ત્યાં જોવા આવ્યા. તે જોઈને બધાએ ઓળખી કે આ તો પાવાગઢ ઉપર હતી તે જ બે તોપો છે. પછી સરકાર તરત અતિ આશ્ચર્ય સહિત બોલ્યા કે, “આ બે તોપોને ઉતારીને લઈ જવા આગળના ઘણા રાજાઓએ પ્રયત્નો કર્યા હતા. અને અમારા વડીલો પણ હજારો માણસોને લઈને ગયા હતા. આમ, ખૂબ જ પ્રયત્નો કર્યા હતા પણ સર્વેએ થાકીને ત્યાંની ત્યાં જ રહેવા દીધી હતી. પરંતુ આ ત્યાંથી અહીં કેવી રીતે આવી ગઈ ? અને કેમ થયું તે કાંઈ ખ્યાલ ન આવ્યો. ખરેખર આ તો કાંઈક ચમત્કાર જરૂરથી થયો જણાય છે.”
પછી બાપુ સાહેબે સરકારશ્રીને લખા ભગતની વાત કરી. ત્યારે સરકારે લખા ભગતને તેડાવીને કહ્યું કે, “લક્ષ્મીદાસ ! આ બે તોપો તમે લાવીને અમારા તોપખાનામાં મૂકી છે ?” ત્યારે લખા ભગતે કહ્યું કે, “હું કાંઈ જાણતો નથી પણ કેવળ ભગવાનનું સુખ લઉં છું. અને સ્વામીશ્રી આજ્ઞા કરે તે તરત કરું છું. હું ગરીબ માણસ છું. આ બાપુ સાહેબ મારી મશ્કરી કરે છે.” એમ કહી કર્તા થકા અકર્તા બન્યા. અને સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીનો અપાર મહિમા કહ્યો. ત્યારે સ્વયં ગાયકવાડ સરકાર પણ સદ્ગુરુશ્રીને વંદી રહ્યા.