વિરોધી બ્રાહ્મણોના વટ ઉતાર્યા

 

એક વખત બળેવના દિવસે વૈદ્યરાજ રામચંદ્રે ઘણા મુમુક્ષુ બ્રાહ્મણો સત્સંગી થાય તે હેતુથી, સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની અનુમતિ લઈ, બધા સત્સંગી બ્રાહ્મણો તથા પોતાની જ્ઞાતિના શ્રીગોડ બ્રાહ્મણોને જનોઈ બદલવા તેડાવ્યા હતા. સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી રામચંદ્રની પ્રાર્થના સ્વીકારીને સંતમંડળ સાથે ત્યાં ગયા. રાજવૈદ્ય રામચંદ્રે સુંદર રસોઈ પણ તૈયાર કરાવી. ઘણા બ્રાહ્મણો ભેગા થયા હતા. તેમાં જે દ્વેષી હતા તે બબડવા લાગ્યા જે, “સ્વામિનારાયણનો સંપ્રદાય લૌકિક અને તુત છે. તેથી તે સંપ્રદાયના બ્રાહ્મણો તથા બ્રહ્મચારીઓ સાથે અમે જનોઈ બદલવાનું કર્મ નહિ કરીએ અને તેની સાથે જમવા પણ નહિ બેસીએ.” આવા દ્વેષીનાં હલકાં વચનો સાંભળી રામચંદ્ર વૈદ્યે તેઓને ખૂબ સમજાવ્યા-વીનવ્યા. છતાં પણ તેઓ માન્યા નહીં. અને તડ જુદું પાડીને, પોતાનો ચોકો જુદો પાડી રસોઈ કરવા લાગ્યા.

દ્વેષીના પક્ષમાં બસો બ્રાહ્મણો હતા. જ્યારે સત્સંગીના પક્ષમાં સાડા ચારસો બ્રાહ્મણો હતા. સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીએ રામચંદ્રને કહ્યું, “તમે કાંઈ ચિંતા કરશો નહીં. શ્રી સ્વામિનારાયણ ભગવાન સદાય પોતાના ભક્તની રક્ષામાં જ છે. અને અત્યારે પણ તમારા ભેળા જ છે. હવે તમે આ સરસીયા તળાવમાં સ્નાન કરી આવો અને વિધિ કરી પાછા આવો.” આજ્ઞા થતાં સર્વે સત્સંગી બ્રાહ્મણો સ્નાન કરવા ગયા. ત્યારે સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીના પ્રૌઢ પ્રતાપથી સરોવરનું જળ પણ શુદ્ધ અને નિર્મળ થઈ ગયું. પેલી બાજુ દ્વેષી બ્રાહ્મણો સીધું-સામાનની ધમાલમાં પડ્યા હતા અને વિચાર કરતા હતા જે, આ બધા સ્નાન કરી લે પછીથી આપણે નિરાંતે સ્નાન કરીશું પણ પહેલાં સીધું ભેગું કરી લઈએ.

આ બાજુ સત્સંગી બ્રાહ્મણો સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ચરણનો અંગૂઠો પાણીમાં બોળ્યો કે તરત જ સરોવરનું બધું જ પાણી જાણે અંગૂઠામાં શોષાઈ ગયું અને કાદવ પણ સુકાઈ ગયો. પછી સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી સંતો, હરિભક્તો સાથે મંદિરમાં પધાર્યા. દ્વેષી બ્રાહ્મણોએ તળાવ સુકાઈ ગયેલું જોયું. તેથી તે કહે, “ભલે, આપણે પણ કાંઈ જઈએ તેવા નથી. આપણે વાયડાવાડીના તળાવમાં સ્નાન કરીશું.” એમ બોલતા બોલતા ઊપડ્યા એ તરફ.

આ બાજુ અંતર્યામી સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીએ રામચંદ્ર વૈદ્યને એક લાકડી આપી કહ્યું, “આ લાકડી કાદવવાળી થઈ છે માટે વાયડાવાડીએ જઈ ધોઈ આવો.” વૈદ્યરાજે ત્યાં જઈને લાકડી પાણીમાં બોળી કે તરત જ તળાવ ખાલીખમ. જાણે કે લાકડી સમગ્ર પાણી પી ગઈ ! વૈદ્યરાજ તો તરત પાછા આવ્યા.

પછી દ્વેષી બ્રાહ્મણોએ આ તળાવે જઈને જોયું તો પાણી જ ન મળે. તેથી આ બધું જોઈને બ્રાહ્મણોને આશ્ચર્ય તો થયું. પરંતુ વિચાર્યું જે નમી દઈએ તો હવે આપણું પાણી જાય. તેથી આગળ જઈ વરસાદના પાણીના ભરેલા ખાબોચિયામાંથી ગંદા પાણીમાં જેમતેમ પાણી લોપડ-ચોપડ કરી સ્નાન પતાવ્યાનો સંતોષ માન્યો. અને લંગડા શુક્લ પાસે વિધિ કરાવીને પાછા ચોકમાં આવ્યા. રસોઇયા તો બૂમો પાડવા લાગ્યા જે અમે તો આ લાકડાં બાળી બાળીને થાકી ગયા પણ તમારી દાળ જેવી ઓરી છે તેવી ને તેવી જ પડી છે. વળી, આ ભાત કાચાકચ છે અને આ મૂઠિયાં તળતાં તો ઘી બધુંય બળી ગયું; તોય પણ તે કાચા લોટ જેવાં જ છે. તેથી અમને તો કાંઈ સમજાતું નથી જે આ બધું કેમ થાય છે ?

ત્યારે દ્વેષી બ્રાહ્મણો વિચારવા લાગ્યા જે, “આપણે જમ્યા વગર ઘેર જઈએ તો તો આપણું નાક જાય. માટે બીજી વાર રસોઈ બનાવીએ.” આમ વિચાર કરવા લાગ્યા પણ પાણી વગર રસોઈ ક્યાંથી બની શકે ? તેથી સાંજ પડી ગઈ તોપણ કાંઈ વળ્યું નહીં. તેથી મૂંઝાઈને પોતપોતાને સ્થાને જવા રવાના થયા.

ત્યાં તો તેમની આંખો અંજાઈ ગઈ. તે કાંઈ પણ દિશાની કે વસ્તુની ગમ ન પડી તેથી તેઓ આમતેમ ભટકવા લાગ્યા. તેવામાં એક વૃદ્ધ બ્રાહ્મણને સવળું સૂઝ્યું ને તે બોલ્યા કે, “આપણે મોટાપુરુષ ગોપાળાનંદ સ્વામીનો અપરાધ કર્યો છે. તેથી આવું ફળ પામ્યા છીએ. માટે પહેલાં ગોપાળાનંદ સ્વામી પાસે આપણે સૌ જઈએ અને આપણો અપરાધ માફ કરાવીએ. તેમના સત્સંગી બ્રાહ્મણો હતા તે તો સૌ જમી ગયા અને મંદિરમાં સંધ્યાના નિયમો કરે છે. આપણે પણ સ્વામીજી પાસે જઈશું તો જ સુખી થઈશું અને અભિમાન રાખીશું તો હજુ પણ વધારે દુઃખ આવશે.”

પછી બધા બ્રાહ્મણ ત્યાં જઈ, મોટેથી બોલવા લાગ્યા જે, “હે સ્વામી મહારાજ ! તમારો સંપ્રદાય સાચો અને વેદશાસ્ત્ર પ્રમાણે છે. સ્વામિનારાયણ પોતે ભગવાન છે. અમે ભૂલ્યા... અમારો અપરાધ ક્ષમા કરો અને અમે પણ તમારે શરણે છીએ. અમે રામચંદ્રે વૈદ સાથે વેર નહિ રાખીએ. હવે કૃપા કરીને અમને આજ્ઞા આપો તો આ બીજી પંક્તિમાં અમે જમવા બેસીએ. પરંતુ સ્નાન ક્યાં કરીએ તેની મુશ્કેલી છે.” ત્યારે સદ્‌. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, “આ પાસે બે તળાવ છે તેમાં સ્નાન કરી આવો.” ત્યારે તે બ્રાહ્મણ બોલ્યા જે, “એ બંને તળાવો અમારા પાપે શોષાઈ ગયાં છે.”

પછી સદ્‌ગુરુશ્રીએ કહ્યું જે, “હે ભૂદેવો ! હવે તમે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ગુણ ગ્રહણ કર્યો છે; તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા ઉપર દયા કરીને તળાવમાં જળ ભરી દેશે. ત્યાં જાઓ અને જુઓ તળાવ ભરેલાં જ છે.” પછી બ્રાહ્મણો અતિ હર્ષ સાથે ત્યાં ગયા અને જોયું તો તળાવ સ્વચ્છ અને નિર્મળ જળથી ભરેલાં હતાં. તેથી ખૂબ આનંદ પામ્યા. પછી સ્નાન કરી પાછા આવ્યા અને સુખેથી જમ્યા.

આમ, તેઓ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો તથા સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામીનો પ્રૌઢ પ્રતાપ જોઈ સત્સંગી પણ થયા.