પુષ્પ ૧ : બાપાશ્રીની કૃપા
બાપાશ્રી અને સદ્ગુરુશ્રી વચ્ચે કોઈક મા-દીકરા જેવી એક આગવી પ્રીતિનું અલૌકિક દર્શન થતું. બાપાશ્રી જેમ આ લોકના ન હતા, પરભાવનું સ્વરૂપ હતા તેમ સદ્ગુરુશ્રી પણ પરભાવનું સ્વરૂપ હતા. પરંતુ આ લોકમાં જ્યારે મહારાજ અને મોટાપુરુષ વિચરતા હોય ત્યારે આ લોકની પેઠે જ જગતના જીવની માફક આ લોકના ભાવ દેખાડે છે. પરંતુ આ તો એક મનુષ્યચરિત્ર છે. એમની એક એક ક્રિયા જીવોનાં કલ્યાણ માટે છે.
એટલે જ પંક્તિમાં લખ્યું છે કે,
“પોતે દુઃખો ઘણાં વેઠી, જીવોને સુખ આપ્યાં છે,
કૃપાથી મૂર્તિ આપીને, જનમનાં દુઃખ કાપ્યાં છે.”
સદ્ગુરુશ્રી પણ પરભાવનું સ્વરૂપ જ હતા. ક્યાંક કોઈકે મનુષ્યચરિત્ર બતાવ્યું પણ તે બહુ સહેતુક હોય. તેમાંય બાપાશ્રી સાથેની કોઈક આગવી પ્રીતિનું તાદૃશ દર્શન થાય છે. એવી કોઈક આગવી પ્રીતિનું દર્શન કરવાના બે પ્રસંગોને આપણે અહીં નિહાળીએ.
આવા દિવ્ય સ્વરૂપ સદ્ગુરુશ્રીએ એક વખત લીલા કરી. સદ્ગુરુશ્રીને આંખમાં દુખાવો ઊપડ્યો. (સદ્ગુરુશ્રી ક્યારેક ગરમ ગરમ જમાડે તેથી આવું થઈ આવતું.) સેવકો વિવિધ પ્રકારે ઉપચાર કરે પણ કોઈ ઉપચાર અસર ન કરે. દુખાવો અસહ્ય હતો. સદ્ગુરુશ્રી પોઢ્યા હતા તે સમયે બાપાશ્રી પોઢ્યા હતા. આંખે દુઃખાવો ઊપડ્યો.
પોતાના હૈયાના હાર સમા સમર્થ સદ્ગુરુનો આંખનો દુખાવો કેમ જોઈ શકે ? બાપાશ્રી તો ઉતાવળા સદ્ગુરુશ્રી પાસે પહોંચ્યા. જઈને સ્વામીને પૂછ્યું : “સ્વામી, કેમ છે ? શું થયું !” સદ્ગુરુએ કહ્યું, “બાપા, આંખમાં દુખાવો થાય છે.” અને આ સાંભળતાં જ કરુણામૂર્તિ બાપાશ્રી સદ્ગુરુશ્રી પાસે જઈ પોતાનો ડાબો હસ્ત સદ્ગુરુશ્રીના મસ્તક પર રાખી જમણા હસ્તથી બંને આંખો વારાફરતી ઉઘાડી અનિમેષ નજરે જોઈ રહ્યા અને કહ્યું, “સ્વામી, તમારી આંખોમાં તો અમને મહારાજની મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી.” અને આશીર્વાદ વરસાવતાં બાપાશ્રી બોલ્યા કે, “હવે પંક્તિમાં જે આવે તે મહારાજને જમાડજો. તમને કાંઈ નહિ નડે.” અને આશીર્વાદથી સદ્ગુરુશ્રીનો આંખનો દુખાવો મટી ગયો તે ફરી ક્યારેય ન થયો.
વળી એક દિવસ સદ્ગુરુશ્રીએ બીજી લીલા કરી. સદ્ગુરુશ્રીને કેડમાં આંટી પડી ગઈ, આસનમાંથી ઉઠાય જ નહિ ને પડખું ફરે તોપણ દુખાય. બાપાશ્રીને આ સમાચાર મળતાં પોતે સદ્ગુરુશ્રી પાસે આવ્યા. અને પૂછ્યું, “સ્વામી, શું થયું ? આંટી પડી ગઈ ?” એમ કહી બાપાશ્રી સદ્ગુરુશ્રીને કેડ પર હાથ ફેરવવા લાગ્યા. “સ્વામી, ક્યાં આંટી પડી છે ? ઊભા થાઓ જોઈએ.” અને બાપાશ્રીના વચને સદ્ગુરુશ્રી બેઠા થયા તે જાણે આંટી પડી જ ન હોય તેમ અનુભવ્યું !
આધિ, વ્યાધિ અને ઉપાધિ એમ ત્રિવિધ તાપમાં પીડાતા અને સંસારનાં અનેક દુઃખોમાં ડૂબેલા અનંત જીવોના આ લોક-પરલોકમાં દુઃખો દૂર કરનારા સદ્ગુરુશ્રીને વળી આંખનો દુઃખાવો કેવો ?
કામ, ક્રોધ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સ્નેહ, લોભ આદિ અનંત પ્રકારની આંટીઓને તોડનારા સદ્ગુરુશ્રીને વળી કેડમાં આંટી કેવી ?
આ તો એકમાત્ર લીલા હતી કે જેમાં આપણને બાપાશ્રીનો સદ્ગુરુશ્રી પ્રત્યે કેવો ભાવ હતો અને માતૃવત્સલ સ્નેહ હતો તે સહેજે જણાઈ આવે છે.
પુષ્પ ૨ : સદ્ગુરુશ્રીને રાખ્યા
સદ્ગુરુશ્રી એટલે બાપાશ્રીનું હૃદય, બાપાશ્રીનું સર્વસ્વ અને શ્રીજીમહારાજના તથા બાપાશ્રીના સંકલ્પોને સાકાર કરવા માટે પધારેલું એક પ્રચંડ સ્વરૂપ. શ્રીજીમહારાજના સર્વોપરી સિદ્ધાંતોના અવિચળ ખૂંટ ખોડવા માટે સદ્ગુરુશ્રીનું પ્રાગટ્ય હતું. આપણા સહુનાય લાડીલા સદ્ગુરુશ્રી પોતાના સંતમંડળે સહિત ગામડે ગામડે વિચરણ કરતાં કરતાં ઢઢાલ આવ્યા. આ દરમ્યાન સદ્ગુરુશ્રીની તબિયત નરમ રહેતી. શરીરે કસર વર્તતી અને કમળો થયો હોય એવાં ચિહ્ન દેખાતાં. દેહનો જેમણે અનાદર જ કર્યો છે, ક્યારેય પોતાના દેહ સામું જોયું જ નથી એવા સદ્ગુરુશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો અને રોગ વધતો ગયો. દવા બરાબર કરી નહીં. પરિણામે કમળામાંથી કમળી થઈ. કમળીનું દર્દ મોટેભાગે જીવલેણ નીવડે છે. વિચાર કર્યો કે કમળી જેવો અસાધ્ય રોગ છે એટલે હવે દેહનો નિરધાર નથી; માટે વૃષપુર જઈ બાપાશ્રીના ચરણોમાં દેહોત્સવ કરીએ. સદ્ગુરુશ્રી અમદાવાદ આવી ચિતારા (ચિત્રકાર) સ્વામી હરગોવિંદદાસજી વૈદ્ય હતા તેમને મળ્યા. તેમણે કહ્યું કે, “હું આપને દવા-ભસ્મ આપું છું તે તમે નિયમિત લેશો તો કમળીનો રોગ નાબૂદ થઈ જાય. પણ જો દવા ન લો અને ચરી ન પાળો તો શિયાળા-ઉનાળામાં તો વાંધો નહિ આવે. કમળી નહિ વર્તાય. પણ ચોમાસામાં રોગ જરૂર થશે અને દેહ રહે નહીં. તેથી સદ્ગુરુશ્રીએ તો દવા લેવાનો વિચાર માંડી વાળ્યો ને પહોંચ્યા સીધા બાપાશ્રી પાસે.
સદ્. શ્રી વૃંદાવનદાસજી સ્વામીનું અને પોતાનું મંડળ લઈ કચ્છમાં જવા નીકળ્યા. મોરબીથી નવલખી ગયા. ત્યાંથી આગબોટમાં બેઠા. આગબોટ પાણીમાં જતી હતી તે જ વખતે નહેરમાં સામેથી વહાણ આવ્યું. પવનની દિશા બદલાઈ અને વહાણ આગબોટ સાથે ભટકાયું. વહાણનો થાંભલો આગબોટમાં ભરાયો ને આગબોટ આડી થઈ ગઈ ! આગબોટ જાણે હમણાં ડૂબી જશે તેમ લાગ્યું. પરંતુ જે અનંતની ડૂબતી નૌકાઓને તારવા આવ્યા છે એ કાંઈ આવી રીતે નાવને ડૂબવા દે !? સદ્ગુરુશ્રીએ મહારાજ અને બાપાશ્રીને પ્રાર્થના કરી એટલામાં તો એ થાંભલો ભાંગી ગયો ને આગબોટ સરખી થઈ ગઈ. નાવમાં બેઠેલા સહુ યાત્રિકોએ વિચાર્યું કે આ સાધુ બહુ મોટા લાગે છે અને એમના પ્રતાપે જ આપણે સહુ બચ્યા છીએ. સૌએ સદ્ગુરુશ્રીને ખૂબ પ્રાર્થના કરી. સદ્ગુરુશ્રીએ શ્રીજીમહારાજના, બાપાશ્રીના મહિમાની અને દિવ્યભાવની વાતોથી સૌને મહિમાસભર કર્યા. સહુને સદ્ગુરુશ્રીનો પણ ખૂબ મહિમા થયો અને સદ્ગુરુશ્રીએ પણ સૌની ઉપર ખૂબ રાજી થઈ આશીર્વાદ આપ્યા કે શ્રીજીમહારાજ અને બાપાશ્રીની તમારા ઉપર કાયમને માટે અમીદૃષ્ટિ રહે અને મહાપથારી સુધી તમારી રક્ષા કરશે.
લાંબી મુસાફરી બાદ અંજાર, ભૂજ થઈને વૃષપુર પહોંચ્યા. મંદિરનાં પગથિયાં વચ્ચે જ બાપાશ્રીનાં દર્શન થઈ ગયાં. અને બાપાશ્રીએ તરત જ અંતર્યામીપણે કહ્યું, “સ્વામી ! તમે જેમ દર વખતે આવો છો તેમ આ વખતે સમાગમના હેતુથી નહિ પણ અંતર્ધાન થવાનો સંકલ્પ કરીને અહીં આવ્યા છો. તે શ્રીજીમહારાજે અમને જણાવ્યું છે પણ અમે તમને એમ કાંઈ સહેલાઈથી નહિ જવા દઈએ. અમારે તો હજી આ લોકમાં તમારું ઘણું કામ છે. તમારા દ્વારા તો અનંતને મૂર્તિસુખના ભોગી કરવા છે. સદ્ગુરુશ્રીએ કહ્યું, “બાપા ! દયાળુ, આપના સંકલ્પો બહુ પ્રચંડ છે પરંતુ કમળીના રોગને કારણે મહારાજને કાંઈ જમાડી શકાતું નથી. હવે તો દેહ રહે એવું નથી માટે મૂર્તિના સુખ ભોગવીશું એવો સંકલ્પ છે.” બાપાશ્રીએ કહ્યું, “આપણે કોઈ પ્રકારનો સંકલ્પ જ ન કરવો. શ્રીજીમહારાજ રાખે તેમ રહેવું. આપણે માટે આ લોક અને પરલોક ક્યાં છે ! આપણે તો સદાય મૂર્તિમાં જ છીએ ને શ્રીજીમહારાજના સંકલ્પે વિચરીએ છીએ.”
બાપાશ્રીના આવા અમૃત વચનો સાંભળી સદ્ગુરુશ્રીએ કરેલો સંકલ્પ ફેરવી નાખ્યો કારણ કે સ્વતંત્ર પુરુષ હતા. એમને ક્યાં કોઈની રજા લેવા જવાનું હતું ? સદ્ગુરુશ્રીએ કહ્યું, “ભલે બાપા, જેવી આપની મરજી.” બાપાશ્રીએ પણ શ્રીજીમહારાજના સંકલ્પના પ્રવર્તન માટે સદ્ગુરુશ્રીને મુખ્ય કર્યા હતા. સદ્ગુરુશ્રી દ્વારા શ્રીજીમહારાજનો સંકલ્પ બહુ મોટો હતો તે વખતને બાપાશ્રી સારી રીતે જાણતા હતા અને તેથી જ સદ્ગુરુશ્રીને પોતે રાખ્યા.
જ્યારે ઠાકોરજીના થાળ થયા તે વખતે બાપાશ્રી સદ્ગુરુશ્રીની પાસે આવીને બેઠા ને સંતોને કહ્યું કે, “સંતો, સ્વામીના પત્તરમાં રોટલો નાખો. જોઈએ શું થાય છે ?” સદ્ગુરુશ્રીએ બાપાશ્રીને કહ્યું કે, “બાપા, મારાથી નહિ જમાય.” બાપાશ્રીએ કહ્યું, “અરે સ્વામી, કેમ આવી લીલા કરો છો ?! અરે, એમ સમજજો કે દવા છે, ઔષધ છે. ઔષધની પેઠે જમાડી જાઓ. આ રોટલાની પ્રસાદી તો કમળી મટાડી દેશે.” બાપાશ્રીના આવા આશીર્વચનથી સદ્ગુરુશ્રીએ રોટલો જમાડ્યો અને રોગ જડમૂળમાંથી મટી ગયો. અનંત ડૉક્ટરોના પના જેની આગળ ટૂંકા પડે એવા મહાસમર્થ ડૉક્ટરની દવા લે પછી રોગ મટી જ જાય ને ?! આ પ્રસંગ સંવત ૧૮૫૮નો છે. તે વખતે સદ્ગુરુશ્રીની ઉંમર આ લોકની રીતે ૪૦ વર્ષની હતી. તે વખતે શ્રીજીમહારાજે અને બાપાશ્રીએ દયા કરીને સદ્ગુરુશ્રીને રાખ્યા.
પરંતુ સંવત ૧૯૮૮માં ફરીને સદ્ગુરુશ્રીએ પોતાનો સંકલ્પ પ્રબળ કર્યો અને એ વખતે તો બાપાશ્રી પણ અવરભાવમાં દેખાતા સ્વરૂપે આ બ્રહ્માંડમાં હતા નહીં. એટલે સદ્ગુરુશ્રીના સંકલ્પને કોણ રોકી શકે ? પણ છતાંય બાપાશ્રીની કૃપાથી બીજાં ૪૦ વર્ષ સુધી પોતે સૌને ખૂબ લાભ આપ્યો એ પણ એમની કૃપાનું પરિણામ છે. સદ્ગુરુશ્રી પોતે અનેકના રોગ અને ભવરોગ એટલે કે જન્મમરણની ભવાટવીના રોગમાંથી મુક્ત કરતા, પરંતુ અનેકના રોગને મટાડનારે દરેકનો રોગ પોતે લઈ લીધો અને મટાડવાનો સંકલ્પ પણ ન કર્યો. પણ એ વખતે બાપાશ્રીના સંકલ્પથી અને શ્રીજીમહારાજની મરજીથી સદ્ગુરુશ્રીએ પોતાનું જીવનકાર્ય બમણું કરી નાખ્યું એ એક મોટી કૃપા.
સદ્ગુરુશ્રીએ બાપાશ્રીની મરજી જાણી એટલે પોતાનો અંતર્ધાન થવાનો સંકલ્પ માંડી વાળ્યો અને જેવી શ્રીજીમહારાજની ઇચ્છા એમ જાણી સંકલ્પને લંબાવ્યો. છ દિવસ વૃષપુર રહ્યા બાદ ક્યાંય પણ રોકાયા વિના સીધા જ જેતલપુર જવું એવી બાપાશ્રીએ આજ્ઞા કરી અને ‘મહારાજની દયાથી તમને સારું થઈ જશે’ એમ કહ્યું.
પરંતુ ભૂજ જતાં રસ્તામાં સમાચાર મળ્યા કે માનકુવામાં પારાયણ બેસવાની છે અને સદ્ગુરુ અક્ષરજીવનદાસજીનો અતિ આગ્રહ છે કે સદ્ગુરુશ્રી પારાયણમાં સહુને લાભ આપે. અને તેથી જ સદ્ગુરુશ્રી માનકુવા પધાર્યા. બે દિવસ બાદ બાપાશ્રી માનકુવા પધાર્યા. સદ્ગુરુશ્રીએ બાપાશ્રીને કહ્યું કે, “આપે અમોને સીધા જેતલપુર જવાની આજ્ઞા કરી હતી પણ સદ્. શ્રી અક્ષરજીવનદાસજી સ્વામીના આગ્રહથી અહીં આવ્યા છીએ. તો આપ રાજી રહેજો.” બાપાશ્રીએ કહ્યું, “એમ કહેવાનો હેતુ એ હતો કે તમારી સાથે સાધુ બળદેવચરણદાસજી માંદા પડવાના છે તેથી તમે જો જેતલપુર પહોંચી ગયા હોત તો તેમની સેવા માટે બીજા સાધુ હોય તે માટે કહેલું, હવે તો અહીંયાં જ રહેવું પડશે.” ત્યારબાદ સદ્. શ્રી વૃંદાવનદાસજી, ધોળકાના મહંતસ્વામી આદિ સંતો હરિભક્તોને લઈને આવ્યા. માનકુવામાં પારાયણ થઈ રહ્યા પછી સર્વે સંતો-હરિભક્તો વૃષપુર આવ્યા.
વૃષપુર જેવા પહોંચ્યા કે તરત બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે સાધુ બળદેવચરણદાસજીને મંદવાડ થયો ને થોડા દિવસ આ દેહમાં મહારાજે રાખ્યા અને પોતાના ધામમાં લઈ ગયા.
બીજા દિવસે સભામાં સદ્. શ્રી વૃંદાવનદાસજી સ્વામીએ બાપાશ્રીને પૂછ્યું કે, “બાપા, સાધુ બળદેવચરણદાસજીને મહારાજે કયા સ્થાનમાં પહોંચાડ્યા હશે ?” ત્યારે બાપાશ્રી બોલ્યા, “સ્વામી, આ આપણા સ્વામી ઈશ્વરચરણદાસજી દેહ મૂકવા માટે અહીં આવ્યા હતા પણ અમે કંઈ એમને જવા દઈએ તેમ નથી. આવા પુરુષ બ્રહ્માંડમાં ન રહે તો કેટલી મોટી ખોટ આવે ? અને એ સદ્ગુરુશ્રીના બદલામાં અમે આ સંતને ધામમાં લઈ ગયા તો પછી જ્યાં સ્વામી જવાનો સંકલ્પ કરતા હતા ત્યાં જ એમને ઠેઠ... મહારાજની મૂર્તિમાં મૂક્યા છે.”
ધન્ય છે આપણી એ અમીરપેઢીના સદ્ગુરુશ્રીને કે જેમણે પોતે આ લોકમાં રહેવાનો સંકલ્પ સુધ્ધાં ન કર્યો અને ધન્ય છે બાપાશ્રીને કે જેમણે આપણા સહુના મનોરથો અને અનંતના કલ્યાણ કરવા સદ્ગુરુશ્રીને આ લોકમાં રાખ્યા !