બાપાશ્રી સાથે આગવી પ્રીતિ

પુષ્પ ૧ : બાપાશ્રીએ અંતર્ધાન થવાનું ટાળ્યું

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી જીવનપ્રાણ અબજીબાપાશ્રી વિક્રમ સંવત ૧૯૦૧માં આ બ્રહ્માંડમાં પ્રગટ થયા. ત્યારે બાપાશ્રીનો આ બ્રહ્માંડમાં ૭૫ વર્ષ દર્શન આપવાનો સંકલ્પ હતો.

વિક્રમ સંવત ૧૯૭૩ની સાલ ચાલતી હતી. એક દિવસ બાપાશ્રીએ સદ્‌ગુરુ આદિ સંતો તથા હરિભક્તોને ભેગા કરીને કહ્યું કે, “આ જોગ હવે ઝાઝા દિવસ નહિ રહે. કેમ જે અમને ૭૫ વર્ષ પૂરાં થયાં.” ત્યારે સદ્‌ગુરુશ્રી બોલ્યા, “બાપા, હજી તો બે વર્ષ બાકી છે. આમ ઉતાવળ કેમ ?” ત્યારે બાપાશ્રીએ કહ્યું, “૭૩ વર્ષના અધિક માસ ચોવીસ ગણીને અમે પંચોતેર કર્યા છે.” ત્યારે સદ્‌ગુરુશ્રીએ કહ્યું, “બાપા, અધિક માસ તો ના ગણાય.” આ સાંભળી મોળું હાસ્ય કરતાં બાપા બોલ્યા, “અમારે અહીં વેપારી અધિક માસનું વ્યાજ ગણે છે. માટે એ બધા માસ ગણો તો પૂરાં પંચોતેર થાય.” ત્યારે સદ્‌ગુરુશ્રીએ કહ્યું, “વેપારી તો લોભિયા હોય તે વ્યાજ લે અને ગણે. પણ આપણે એમ ગણીને વર્ષ પૂરાં ન કરવાં જોઈએ.” સદ્‌ગુરુશ્રીનાં આ અભિનવ વચનો સાંભળી બાપાશ્રીએ કહ્યું, “બહુ સારું મહારાજ. એમ નહિ ગણીએ.”

સંવત ૧૯૭૪નો જેઠ માસ ચાલતો હતો. બાપાશ્રીએ સદ્‌ગુરુશ્રીને પત્ર લખી જણાવ્યું, “આ પત્ર મળે એટલે તુરત વૃષપુર આવવું. તમારું જરૂરનું કામ છે.” આ વખતે કેટલાંક વ્યવહારિક કારણોસર સદ્‌ગુરુશ્રી નીકળી શક્યા નહીં. ત્યાં તો ફરી પાછો બીજો પત્ર આવ્યો. એમાં પણ બાપાશ્રીએ આ જ વાત લખી હતી. અને વળી, બે દિવસમાં બાપાશ્રીનો ત્રીજો પત્ર આવ્યો. આ પત્ર સદ્‌ગુરુશ્રીને વિસદપરામાં મળતાં ખૂબ ચિંતિત થયા. સદ્‌ગુરુશ્રી તો મનમાં અટકળ કરવા લાગ્યા : શું કામ હશે ? બાપાશ્રીની શી મરજી હશે ? મંદવાડ તો ગ્રહણ નહિ કર્યો હોય ને ? અને આવા સંજોગોમાં અમદાવાદ આવી સદ્‌. શ્રી વૃંદાવનદાસજી સ્વામી તથા ઘનશ્યામદાસજી સ્વામીને લઈ તાત્કાલિક પોતે ભૂજ થઈ, અષાઢ સુદ એકમની સાંજે પધાર્યા.

સદ્‌ગુરુશ્રી આદિ સંતો મંદિરમાં આવ્યા ત્યારે બાપાશ્રી મંદિરમાં ઉપર ઊભા હતા. સદ્‌ગુરુશ્રીને આવેલા જોઈ બાપાશ્રી ખૂબ રાજી થયા અને કહ્યું, “એક મહિનાથી તમારી રાહ જોતા હતા. તમે ઘણી વાર લગાડી. અમારે મંદવાડ ગ્રહણ કરવો છે તે આજ દિન સુધી ખમ્યા.”

સંતોએ આરતી તથા ધૂન કરી અને આસન કર્યાં. તેટલામાં તો બાપાશ્રીએ તાવ ગ્રહણ કર્યો. વળી ઊલટી અને બહિર્ભૂમિ (શૌચવિધિ) જવાનું થાય. આ રીતે બાપાશ્રીએ ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો.

પોતાના પંચોતેર વર્ષના સંકલ્પોને પૂરા કરવા બાપાશ્રી હવે આ લોકમાં દર્શન નહિ આપે. અને આ છેલ્લો મંદવાડ છે એવા સમાચાર જેને જેને મળ્યા તે સૌ સંતો અને હરિભક્તો અંતિમ દર્શન તથા સેવામાં જોડાઈ ગયા.

સૌ સંતો-હરિભક્તો બાપાશ્રી આ લોકમાં વધુ દર્શન આપે; પોતાનો અવરભાવ પૂરો ન કરે તે માટે સજળ નેત્રે મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા.

પોતાનો અંતર્ધાન થવાનો સંકલ્પ જાણે દૃઢ હોય એમ બાપાશ્રીએ નારણપુરથી ધનજીભાઈને બોલાવી પોતાની મિલકતની વહેંચણી કરાવી લીધી. સૌ કોઈ અતિશય દિલગીર થઈ ગયા.

અષાઢ સુદ ૧૨ની સવારે બાપાશ્રી પોતાનો ખાટલો ઉપડાવી મંદિરે દર્શને આવ્યા ને સૌની રજા માગી. સદ્‌. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના હાથ ઝાલીને બાપાશ્રી બોલ્યા, “સ્વામી, રાજી રહેજો. રજા આપો ને આપણું મંડળ વિખરાય નહિ તેમ સૌની સંભાળ રાખજો. આપણે હવે મૂર્તિના સુખમાં અખંડ ભેળા રહીશું.” અને હેતવાળા સંતો-હરિભક્તોને ઉપદેશ કહેતાં આજ્ઞા કરતાં કહ્યું, “આ સદ્‌. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીની આજ્ઞામાં રહેજો. એમને રાજી કરજો. અને સૌ રાજી થઈ રજા આપો.”

સૌ સંતો-હરિભક્તો પ્રાર્થના-સ્તુતિ કરવા લાગ્યા... પરંતુ નિરર્થક. આખરે સદ્‌. શ્રી વૃંદાવનદાસજી સ્વામી અને સદ્‌. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ પ્રાર્થના કરી અને... સદ્‌ગુરુશ્રીનાં વિનય વચનો સાંભળી બાપાશ્રીએ રાજી થઈ કહ્યું, “અમે અંતર્ધાન નહિ થઈએ... ચિંતા ન કરશો.”

બીજાં દસ વર્ષ વધાર્યાં... મહારાજની મરજી હોય એમ જ થાય ને ? આમ, સદ્‌ગુરુશ્રીના વચને બાપાશ્રીએ પોતાનો અંતર્ધાન થવાનો સંકલ્પ ટાળી દીધો... વાહ રે, સદ્‌ગુરુ ! વાહ !

પુષ્પ ૨ : ઇન્દ્રને ના પાડી

કુંભારિયાના ગોવામલભાઈએ પારાયણ કરાવવાનું નક્કી કર્યું અને બાપાશ્રીને પધારવા આમંત્રણ આપતો પ્રાર્થનાપત્ર લખ્યો. ત્યારે બાપાશ્રીએ તેમને જણાવ્યું કે, “વૃષપુરથી સંતો-હરિભક્તો સહિત અમે આવીશું. પરંતુ કથા મંદિરની ઓસરીમાં રાખશો કારણ કે ઇન્દ્ર ઘેલો થયો છે તે વરસાદ ખૂબ પાડશે ને આપણને પારાયણમાં દખલ કરશે માટે ઓસરીમાં જ રાખજો.”

કથાના આગલા દિવસે બાપાશ્રી સંતો અને હરિભક્તોએ સહિત કુંભારિયા પધાર્યા. બાપાશ્રીએ જોયું કે કથાનો મંડપ તો મંદિરની બહાર બાંધ્યો હતો. બાપાશ્રીએ પૂછ્યું કે, “આમ કેમ કર્યું ? ના પાડી હતી છતાંય મંડપ બહાર બાંધ્યો ?” હરિભક્તોએ બાપાને કહ્યું, “બાપા, મંદિરમાં સંકડાશ ન પડે એટલા માટે જ બહાર રાખ્યો છે.”

હરિભક્તોએ આપેલા ઉત્તરથી બાપા નારાજ થયા. વરસાદ આવે તો બધાને તકલીફ ન પડે એવા હેતુથી બાપાશ્રીએ આજ્ઞા કરી હતી કે કથા મંદિરની ઓસરીમાં જ રાખજો. છતાંય ન પાળી શક્યા બાપાની આજ્ઞા કે ન સમજી શક્યા એમની રુચિ. મહારાજ અને મોટાપુરુષ ક્યારેક બહુ જ સ્પષ્ટ રુચિ બતાવે છે. પરંતુ જીવ પોતાનું ધાર્યું કરવા અનાદિકાળથી ટેવાયેલો છે. મનમુખી જ વર્ત્યો છે. જેથી મહારાજ અને મોટાની કોઈ નાની-મોટી રુચિ કે આજ્ઞામાં વર્તી શકાતું નથી. પોતાની બુદ્ધિથી જ કામ કરે છે. મહારાજ અને મોટાપુરુષ આગળ પણ પોતાની બુદ્ધિ ચલાવે છે. ત્યાં પણ પોતાના ઠરાવો મૂકી શકતો નથી. અને એના કારણે મહારાજ અને મોટાપુરુષને દુઃખી કરે છે અને પોતે પણ દુખિયો થાય છે.

મહારાજ અને મોટાપુરુષ તો જીવને સુખિયા કરવા જ પધાર્યા છે. પણ જીવ પોતાના મનમુખી સ્વભાવ, પ્રકૃતિઓ ને ઠરાવોને કારણે દુખિયો થઈ જાય છે. બધાય હરિભક્તો બરોબર મૂંઝાયા કે વરસાદનું વાતાવરણ થયું છે તે હવે શું કરશું ? કેમ કરવું ? સૌએ ભેળા મળી બાપાશ્રીને પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “ધાર્યું મૂકવું નથી તે મહારાજ શું કરે ?”

બાપાશ્રીએ સદ્‌ગુરુશ્રીને કહ્યું કે, “આ લોકો અમારું માનતા નથી અને અમારી ના હોવા છતાં બધાએ બહાર ખુલ્લામાં મંડપ કર્યો છે; તે ઇન્દ્ર વિઘ્ન કરશે તો શું કરશો ?” સદ્‌ગુરુશ્રી તો ખૂબ જ દયાળુ. બધાય હરિભક્તોની, સંતોની પ્રાર્થનાથી સદ્‌ગુરુશ્રીએ બાપાશ્રીને પ્રાર્થના કરી, “બાપાશ્રી ! દયા કરો. ઇન્દ્રને ના પાડ્યા વગર છૂટકો નથી.”

બાપાશ્રી પોતાના આસને પધાર્યા ને સદ્‌ગુરુશ્રીને કહ્યું, “સ્વામી, આ લોકોએ અમારું માન્યું નહિ અને બહાર ખુલ્લામાં મંડપ કર્યો છે. તે ઇન્દ્ર વિઘ્ન કરશે તો શું કરશું ?” સદ્‌ગુરુશ્રીએ બાપાશ્રીને પ્રાર્થના કરી કે, “બાપા, ઇન્દ્રને ના પાડો તો ન આવે.” બાપાશ્રીએ કહ્યું, “આ સત્સંગી જે અમારા કહેવાય છે તે નથી માનતા તો ઇન્દ્ર ક્યાંથી માનવાનો ?”

ત્યારે સદ્‌ગુરુશ્રીએ બાપાશ્રીને વળતો જવાબ આપતાં, ખૂબ જ નમ્રતાથી આગવી પ્રીતિના ભાવથી કહ્યું કે, “દયાળુ ! આ સર્વે સત્સંગી તો આપનાં ગાંડાં-ઘેલાં બાળકો છે. બાળક તો પોતાના માવતરનું કદાચ ક્યારેક ન માને. બાળક તો પોતાના માવતર આગળ જ લાડ કરે ને! દયાળુ, છોરું કછોરું થાય પણ માવતર કુમાવતર તો ન થાય ને.! અને ઇન્દ્ર તો આપનો ચાકર છે. એને તો ના પાડ્યા સિવાય છૂટકો જ નથી.” એ તો માનશે જ. પણ આપની આજ્ઞાની જરૂર છે.”

સદ્‌ગુરુશ્રીને આવી સમયસૂચકતા કે બાપાશ્રીને કયા સમયે કેવી રીતે રીઝવવા તે ખૂબ જ આવડતું. બીજાને એ રીતની ક્યાંથી ખબર પડે ! અને પછી બાપાશ્રી બોલ્યા કે, “ભલે મહારાજ ! જ્યારે હવે તમે બહુ કહો છો ત્યારે અમે ઇન્દ્રને જ આજ્ઞા કરશું, નહિતર તો તમારી ને અમારી લાજ જાય.” એમ કહી બાપાશ્રીએ મંદ મંદ હાસ્ય કર્યું. અને તે સમયે ફક્ત કુંભારિયામાં વરસાદ ન થયો અને કુંભારિયાનાં આજુબાજુનાં ગામડાંઓમાં ખૂબ જ વરસાદ થયો અને ઘોડાપૂર આવ્યાં હતાં. પરંતુ બાપાશ્રીની કૃપાથી કથાપારાયણ નિર્વિઘ્ન પૂરી થઈ ગઈ અને સહેજ વરસાદના છાંટા પણ ન પડ્યા. આજુબાજુનો સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો.

કથા પ્રસંગે બાપાશ્રી અને સદ્‌ગુરુશ્રીએ ખૂબ જ મૂર્તિના સુખની વાતો કરી સહુને દિવ્યાનંદમાં ડુબાડી દીધા. સહુના સંકલ્પોનો વિરામ કરાવી સુખ-શાંતિનો અનુભવ કરાવતા. નવ દિવસની પારાયણની પૂર્ણાહુતિને દિવસે કુંભારિયાના તળાવની પાળ ઉપર શ્રીજીમહારાજની પ્રસાદીના સ્થાને છત્રીમાં ચરણારવિંદ પધરાવ્યાં ને સર્વત્ર આનંદમય વાતાવરણ થયું.

આમ ટાણું આવ્યે સદ્‌ગુરુશ્રી સહુને બાપાશ્રીનો રાજીપો સહેજે અપાવી સુખિયા કરતા અને સાથે સાથે બાપાશ્રીને પણ રાજી કરતા અને મોટાપુરુષની આગળ કઈ રીતે વચનમાં વર્તવું અને સહુને રાજીપો લેવડાવવો એ સદ્‌ગુરુશ્રી સહેજે પોતાના વર્તન દ્વારા શિખવાડતા. અને બાપાશ્રી તો ઠેઠનું સ્વરૂપ હતા. એ ઠેઠના સ્વરૂપને રાજી કેવી રીતે કરવા, એમનો રાજીપો કઈ રીતે સહુને લેવડાવવો એ શિખવનાર કોઈ આ લોકનું તત્ત્વ કઈ રીતે હોઈ શકે ? એ તો જે ઠેઠનું સ્વરૂપ હોય એ જ કરી શકે ને એવા હતા આપણા દિવ્યમૂર્તિ સદ્‌ગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી.