બાપાશ્રી સાથે દિવ્ય મેળાપ

વિ.સં. ૧૯૪૨નો વસંતપંચમીનો સમૈયો પૂરો થયો અને સદ્‌ગુરુશ્રી મૂળીથી પધાર્યા... અમદાવાદ મંદિરમાં મેડા ઉપરના ઇસ્પિતાલ નામે જાણીતી જગ્યામાંના પોતાના આસને એક દિવસ સદ્‌ગુરુશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને પાસે બોલાવ્યા અને વાતમાં વાત કરતાં કહ્યું કે, “તમારો મનોરથ મહારાજ જરૂર પૂરો કરશે... અને ‘ભાઈશ્રી’ (સદ્‌. નિર્ગુણદાસજી સ્વામી બાપાશ્રીને ક્યારેક ‘ભાઈશ્રી’ કહીને બોલાવતા) જરૂર પધારશે.”

અને એક દિવસ કરુણાની અનરાધાર હેલી ચડી આવી ! સમાચાર આવ્યા કે, “શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી ૬૦૦ માણસોના પગપાળા સંઘ સાથે તીર્થ કરવા નીકળ્યા છે અને પોતે સંઘ સહિત હરિનવમીના સમૈયે અમદાવાદ પધારવાના છે. વળી મૂળીથી સમાચાર આવ્યા કે કચ્છી સંઘ અંજાર દર્શન કરી માળિયા પાસેના કાજરડા ગામે પહોંચ્યો ત્યારે જીવનપ્રાણ બાપાશ્રીને સમાધિ થઈ ગઈ ને તેમને ગાડામાં સુવડાવી સંઘ ઘાંટીલા થઈ હળવદ આવ્યો, ત્યાં સમાધિમાંથી જાગ્રત થયા છે. વળી મૂળી પહોંચી દેવદર્શન પછી ફરી સમાધિ થઈ ગઈ છે. દર્શન કરનારા સૌ કોઈની મનોવૃત્તિ ખેંચાઈ ગઈ છે, ને સૌને અહોભાવ થઈ ગયો. સંઘ મૂળીએથી ગઢડા-ધોલેરા-ધોળકા તરફ ગયો.

અમદાવાદ સમાચાર આવ્યા કે જેતલપુરમાં સદ્‌. શ્રી ધ્રુવાનંદ સ્વામીને અતિશય મંદવાડ છે ને શ્રીજીમહારાજ ગમે ત્યારે ધામમાં તેડી જાય તેવી શક્યતા છે. થોડા દિવસ પછી વળી સમાચાર આવ્યા કે કચ્છનો સંઘ ધોળકા પહોંચ્યો ત્યારે મુક્તરાજ અબજીભાઈને સદ્‌. શ્રી ધ્રુવાનંદ સ્વામીને તેડવા જઈ રહેલા શ્રીહરિનાં દર્શન થયાં તેથી તેમણે શ્રીહરિજીને પ્રાર્થના કરી કે સંઘને તેમનાં દર્શન થાય તે માટે બે દિવસ રાખો. તેથી સંઘ જેતલપુર પહોંચ્યો. શ્રીઠાકોરજીનાં દર્શન કરી સદ્‌ગુરુશ્રીનાં દર્શન કર્યાં ત્યાં શ્રીહરિજી અદ્‌ભુત ચમત્કાર બતાવી ધ્રુવાનંદ સ્વામીને ધામમાં તેડી ગયા ને આકાશમાંથી ચંદનની વૃષ્ટિ થઈ. સૌ કોઈ અદ્‌ભુત ચમત્કારથી આશ્ચર્યમુગ્ધ થઈ ગયા.

હવે ચૈત્ર સુદ આઠમને દિવસે બપોરે ચાર વાગ્યે સંઘે સહિત મુક્તરાજ અબજીબાપા અમદાવાદ મંદિરમાં પહોંચ્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી, ધ.ધુ. આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજનાં દર્શન કરી સદ્‌. શ્રી  નિર્ગુણદાસજી સ્વામીના આસને આવ્યા. સદ્‌ગુરુશ્રીના આસને સંતો-હરિભક્તોની સભા બેઠી હતી ત્યાં સંઘ આવ્યો ને મુક્તરાજ અબજીબાપા સદ્‌ગુરુશ્રીને દંડવત કરવા લાગ્યા. સદ્‌ગુરુશ્રીએ ઉતાવળા ઊભા થઈ “હં ! હં ! આ શું કરો છો !” એમ કહીને ઝાલી લીધા ને બાથમાં ચાંપ મળ્યા ને હાથ ઝાલી પોતાના આસન પાસે ગોદડું નખાવી તે ઉપર બેસાર્યા, ને એક હરિભક્તને તેમની સેવામાં મૂક્યા.

અને જાડી ઘેરવાળી આંગડી, મસ્તકે પાઘ અને ધોતી ધારણ કરેલા બાપાશ્રીનાં દિવ્ય દર્શને સ્વામી ઈશ્વરચરણદાસજીને તો આનંદની હેલી ચડી. બાપાશ્રીનાં દર્શન થતાં જાણે પૂર્વની કોઈ અગમ્ય પ્રીતિ હોય તેમ સદ્‌ગુરુશ્રીનાં વચનોની સ્મૃતિ થઈ આવી અને બાપાશ્રીનાં દર્શન, સેવા, સમાગમમાં જાણે પોતાને મૂર્તિનું સુખ આવતું હોય એવું અનુભવાવા લાગ્યું. અને એટલે જ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી કથા પ્રસંગે પોતાના અનુભવની આ વાત કરતાં કહેતા કે, “સાધનિકને માટે અવરભાવમાં મૂર્તિનું સુખ કયું ? તો, “મહારાજ અને મોટાપુરુષને વિષે દિવ્યભાવ” દેહ મૂકીને જેમને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે એવું જ્યારે વર્તે અને મનુષ્ય સ્વરૂપમાં અખંડ દિવ્યભાવ વર્તે એ જ મૂર્તિનું સુખ.”

સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના સાંનિધ્યમાં બાપાશ્રીના રાજીપા માટે સ્વામી ઈશ્વરચરણદાસજી એક પણ તક જવા ન દે અને સદ્‌ગુરુશ્રીના જેવી જ, દિવ્યભાવે બાપાશ્રીની પણ સર્વે સેવાનો લાભ લે અને બેય મૂર્તિને રાજી કરે. સૌ સંતો-હરિભક્તો તો દેહાતીત વર્તતા આ સ્વામીશ્રીનો ખપ, ખટકો અને આગ્રહ તો વળી મહિમાનું અપારપણું જોઈ ગદ્‌ગદ થઈ જતા અને બાપાશ્રી પણ સ્વામીશ્રીને પોતાના જાણી રાજીપો દેખાડે અને પોતાના જાણી નિત્ય નવાં સુખ આપે અને આમ પ્રથમ દર્શને જ બાપાશ્રીની સાથે જીવનપણું થઈ ગયું. પોતાના ગુરુ, સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામી સમર્થ હોવા છતાં, “આ તો અમારા જીવનપ્રાણ છે.” એવા બાપાશ્રી પ્રત્યેનાં જે વચનો કહેતાં તે યથાર્થ સમજાઈ ગયું.