બાપાશ્રીની અંતર્ધાન લીલા બાદ

પુષ્પ ૧ : બાપાશ્રીનો અંતિમ મંદવાડ તથા અંતર્ધાનલીલા

વિ.સં. ૧૯૮૪ના અષાઢ સુદ ૪ના દિવસે રાત્રે એક વાગ્યે વૃષપુરમાં જીવનપ્રાણ બાપાશ્રીએ સ્વતંત્રપણે દેહોત્સવ કર્યો અને તેના સમાચાર સદ્‌ગુરુશ્રીને મળતાં અષાઢ સુદ ૮ને રોજ સદ્‌ગુરુશ્રી સંત મંડળે સહિત કચ્છમાં (આ વખતે સદ્‌. વૃંદાવનદાસજી સ્વામીશ્રી પણ પોતાના મંડળે સહિત કચ્છમાં પધારેલા) ભૂજ મંદિરે પધાર્યા. ઠાકોરજીનાં દર્શન કર્યાં ત્યારે બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ, મનજીભાઈ તથા રામપુરવાળા દેવરાજભાઈ આદિ બાપાશ્રીના કાર્ય નિમિત્તે ત્યાંના સંતો તથા હરિભક્તો સાથે મળી નિર્ણય કરવા ભૂજમાં આવેલા. ત્યાં સદ્‌ગુરુશ્રી આદિ મળ્યા.

સદ્‌ગુરુશ્રીએ બાપાશ્રીના અંતર્ધાનસંબંધી સઘળી વિગત પૂછી. હરિભક્તોએ સઘળી વાત કરી ત્યારે સદ્‌ગુરુશ્રીએ પણ પોતાને મર્મવચનો કહી બે મહિના રાખવાની તાણ બતાવી હતી વગેરે વાત કરી તથા મહારાજની મરજી હોય તેમાં આપણે રાજી રહેવું એમ કહી સૌને ધીરજ આપી.

બાપાશ્રીના કાર્ય નિમિત્તે પારાયણ બેસાડી. તેમાં કચ્છ દેશ તથા દેશોદેશમાંથી સર્વ સત્સંગને તેડાવવો ને મોટો યજ્ઞ કરવો એમ સદ્‌ગુરુશ્રીએ વાત કરી. ત્યારે સર્વે હરિભક્તોએ કહ્યું, “ભલે, દયાળુ ! આપ તો બાપાની મરજી જાણનારા છો. આપ જે કરશો તેમાં બાપા રાજી હશે જ.” પછી સર્વે ઠેકાણે પત્રો લખી ભૂજના હરિભક્તો સાથે સદ્‌ગુરુશ્રી તથા સંતો વૃષપુર આવ્યા.

વૃષપુરની ભૂમિની એક એક રજ, વ્યક્તિ, ઘર, રસ્તા, વૃક્ષો અને પશુ-પક્ષીઓ આ બધાંય બાપાના સંબંધે પ્રસાદીનાં થઈ ગયાં અને બાપાશ્રીની સ્મૃતિ તાજી થઈ. પરંતુ મંદિરમાં બાપાશ્રીનાં પ્રત્યક્ષ દર્શન થતાં ન હોઈ તે દિલગીર થઈ ગયા. પણ બાપાશ્રીએ આપેલી સમજણ મુજબ મહારાજ અને મુક્તને ક્યારેય જવા-આવવાનું છે જ નહીં. એ તો  સત્સંગમાં સદાય છે, છે ને છે જ એ વિચારે શોક સમાવી દીધો. સદ્‌ગુરુશ્રીએ ત્યાંના સેવાભાવી હરિભક્તો પાસે યજ્ઞનો સામાન મંગાવ્યો ને બીજી જોઈતી સામગ્રી તૈયાર કરાવી. મંદિરમાં ઠાકોરજીની સમીપે ‘સત્સંગી જીવન’ પારાયણ બેસાર્યું.

ગામોગામથી હરિભક્તો ઊમટ્યા હોવાથી મંદિરનો સભામંડપ ઠસોઠસ ભરાઈ જતો. સવાર-સાંજ વારાફરતી બંને સદ્‌ગુરુઓ સભામાં કથાવાર્તાનું સુખ આપતા. સભામંડપમાં બાપાશ્રીની મૂર્તિ પર કૃપામય દૃષ્ટિ રેલાવતા હતા અને સદ્‌ગુરુશ્રીઓ બાપાશ્રીનો વિયોગ ભુલાવી દેતી વાતો કરતા. “જેમ શ્રીજીમહારાજ અખંડ છે તેમ બાપાશ્રી પણ અખંડ છે અને આ સભામાં પ્રત્યક્ષપણે બિરાજમાન છે જ. આપણી સહુની વચ્ચે એ છે જ. બાપાએ માત્ર ભાવ બદલ્યા છે. પણ બાપા કાંઈ જાય તેવા નથી. પહેલાં મનુષ્યરૂપે હતા તે હવે મૂર્તિરૂપે દર્શન આપે છે, કારણ કે મહારાજ અને મુક્ત તો પ્રતિમા સ્વરૂપે પ્રગટ જ છે. આપણા ઉપર તો બાપાશ્રીએ અપાર દયા કરી છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રાખવા એ જ એમનું કામ હતું. બાપાશ્રી તો અનાદિમુક્તની સ્થિતિ કરાવવાને અર્થે જ દૃષ્ટિગોચર વર્તતા હતા. તેમની વાતોમાં એ જ સાર હતો કે મહારાજની મૂર્તિમાં રહેવું. બીજે બધે રોગી વાની ઊડે છે. બ્રહ્મકોટિ, અક્ષરકોટિ આદિકમાં ક્યાંય અટકવું નહીં.

શ્રીજીમહારાજ, અક્ષરધામ તથા અનાદિમુક્ત, પરમએકાંતિક, એકાંતિક આદિનાં સ્વરૂપ તથા સામર્થ્યનું વર્ણન સત્સંગમાં લક્ષાવધી મનુષ્યના સમાસને અર્થે કરતા. પણ મુખ્ય તો એટલું જ રાખતા જે, ‘રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મિસરી પય માંહી ભળી.’ એ રીતે મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ આપવાનો તેમનો ઠરાવ હતો. અમને પણ અંતર્ધાન વખતે પ્રત્યક્ષ મેળાપ ન થયો તોપણ અમે એમ જાણીએ છીએ કે જેવી શ્રીજીમહારાજ તથા બાપાશ્રીની મરજી. તેમની મરજીમાં આપણને સુખ છે. તમારે પણ એ જ હિંમત રાખવી. આવી રીતે સદ્‌ગુરુઓ નવીન નવીન વાતો કરતા તેથી હરિભક્તોને બાહ્યદૃષ્ટિએ થયેલ શોક અને વિરહનું દુઃખ નિવૃત્ત થતું. પછી કાર્યની સમાપ્તિ થયે બંને સદ્‌ગુરુ આદિ સંતોની પ્રસન્નતા માગી સૌ હરિભક્તો પોતપોતાને ગામ ગયા.

આમ, બાપાશ્રીના અંતર્ધાન થયા બાદ સદ્‌ગુરુશ્રીએ પારાયણ કરાવી દેશોદેશના હરિભક્તોને મહારાજ અને બાપાનું પ્રતિમા સ્વરૂપે પ્રગટપણું સમજાવી સુખિયા કર્યા અને બાપાશ્રીના અંતર્ધાન થવાથી સદ્‌ગુરુશ્રીની જવાબદારી અનેકગણી વધી ગઈ પરંતુ તેમ છતાં પણ સદ્‌ગુરુશ્રીએ તો એ જવાબદારી પણ રાજીપા માટેની સેવા સમજી સહજપણે સ્વીકારી લીધી અને સૌનું જતન કરતા રહ્યા.

પુષ્પ ૨ : છત્રી કરાવી

શ્રીજીમહારાજે આ લોકમાંથી પોતાનો દેખાતો ભાવ જ્યારે અદૃશ્ય કર્યો ત્યારે હજારો સંતો, લાખો હરિભક્તો માટે સુખ લેવા માટેનું અવરભાવનું સ્વરૂપ અદૃશ્ય કર્યું ત્યારે તે સમયે આપણી અમીરપેઢીના સમર્થ સદ્‌. ગોપાળાનંદ સ્વામી તથા સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી આદિ દિવ્યપુરુષોએ  જાણે આખા સત્સંગ સમાજને શ્રીજીમહારાજના વિરહમાં જ્ઞાન આપી સમજણ કરાવી અને સત્સંગને સાચવ્યો. એવી જ કોઈક ઘટના બાપાશ્રીએ આ લોકનો દેખાતો ભાવ બંધ કર્યો ત્યારે થઈ હતી. સત્સંગમાં જાણે કાળ વર્તતો હોય એવું લાગ્યું પરંતુ બાપાશ્રીના સંકલ્પોને કે જે શ્રીજીમહારાજના જ સંકલ્પો હતા - એ સંકલ્પોને પૂર્ણ કરવાની તમામ જવાબદારી સદ્‌ગુરુને શિરે આવી. શ્રીહરિના સંકલ્પથી બાપાશ્રી દ્વારા સર્જાયેલ કારણ સત્સંગરૂપી વાડી કેમ કરીને લીલીછમ રહે ?! એની સઘળી ચિંતા સદ્‌ગુરુશ્રીએ સંભાળી લીધી. સદ્‌ગુરુશ્રીએ સહુને ખૂબ સમજણ આપી, ધીરજ આપી. ક્યારેક પ્રસંગોપાત્ત “બાપાશ્રી ગયા નથી. મહારાજ અને મુક્ત સદાય પ્રગટ જ છે. આવવું-જવું એ તો આ લોકના શબ્દો છે. જેમ શ્રીજીમહારાજ પ્રગટ છે તેમ બાપાશ્રી અને નંદસંતો પણ આ સભાને વિષે છે, છે ને છે જ. એ સદાય આપણી ભેળા જ છે. અણુમાત્ર જુદા નથી.” એવી રીતે વાતો કરી સદ્‌ગુરુશ્રી સહુને ખૂબ બળ આપતા.

બાપાશ્રીના કાર્ય પ્રસંગે અમદાવાદ તથા મૂળીથી આવેલા સહુ પંદર-વીસ દિવસ રહીને ગુજરાત જવા નીકળ્યા તે વખતે બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક, સંબંધીજનો તથા ગામ-પરગામના ઘણા હરિભક્તો સદ્‌ગુરુશ્રીને અને સદ્‌. વૃંદાવનસ્વામીને છોડે જ નહીં. એમની પાછળ ફર્યા કરે. બાપાશ્રીના અંતર્ધાન થયા પછી સહુને અનહદ પ્રેમ આપનાર આ દિવ્યપુરુષ જ હતા. સહુ સેવકો સદ્‌ગુરુશ્રીને તથા સદ્‌. વૃંદાવનદાસજી સ્વામીને એક ગાઉ સુધી વળાવવા પાછળ પાછળ ચાલ્યા. સદ્‌ગુરુશ્રી ના પાડે કે, “મુક્તો, હવે બહુ થયું. પાછા વળો, આટલું બધું ન હોય, મોડું થશે.” પરંતુ કોઈ સદ્‌ગુરુઓને છોડે જ નહીં. પ્રાર્થના કર્યા કરે : “દયાળુ ! અમારી ભેળા રહેજો. અમને હવે આપ જ સુખિયા કરજો.” સદ્‌ગુરુશ્રી કહે, “આપણે કાયમ ભેળા જ છીએ.” આ રીતે બાપાશ્રીના વિરહમાં સહુના માટે એકમાત્ર આધાર સદ્‌ગુરુશ્રી જ હતા.

સદ્‌ગુરુશ્રીએ કહ્યું, “બાપાશ્રીની આજ્ઞામાં સહુએ રહેવાનું છે અને એમની કરેલી મૂર્તિના સુખની વાતોનું સહુએ મનન-ચિંતન કરવું, જેનાથી સુખિયા રહેવાશે. પ્રતિમા સ્વરૂપે અને દિવ્ય રૂપે મહારાજ, બાપાશ્રી અને અનંત મુક્તો આપણા સહુની ભેળા જ છે.” સહુને ખૂબ ખૂબ સમાગમ કરાવ્યો. અને જ્ઞાન-ધ્યાનની જે લટક આપી છે તે પ્રમાણે વર્તવા કહ્યું. આમ સહુને સુખ આપી, સમજાવી માંડ માંડ પાછા વાળ્યા અને પોતે ભૂજ પધાર્યા. સદ્‌ગુરુશ્રી ત્યાંથી ભૂજ પધાર્યા અને બે દિવસનું ત્યાં રોકાણ કર્યું ત્યારે સદ્‌ગુરુશ્રીના કૃપાપાત્ર એવા ભૂજના હરિભક્તો ભોગીલાલભાઈ, ધનજીભાઈ, નારાયણભાઈ, લાલશંકરભાઈ અને મોતીભાઈ આદિક હરિભક્તોએ સદ્‌ગુરુશ્રીને પ્રાર્થના કરી કે, “સ્વામી, આપ જો રાજી હોવ અને મહારાજની મરજી હોય તો એકાદ મહિનો વધારે રહીને બાપાશ્રીને દેન આપી છે તે સહુને માટે એક પ્રસાદીનું સ્થાન ગણાય. અનંતનાં આત્યંતિક કલ્યાણ કરવા માટે બાપાશ્રી પ્રગટ થયા હતા. જો આવું કાંઈક બાપાશ્રીનું સ્મૃતિરૂપ સ્થાન થાય તો ઘણો સમાસ થાય. શ્રીજીમહારાજ જ્યાં બિરાજતા તે જગ્યાએ બાપાશ્રીએ છત્રી કરાવી, આત્યંતિક મોક્ષના આશીર્વાદ વરસાવ્યા હતા. અને મોટો યજ્ઞ કરી ચરણારવિંદ પધરાવ્યાં તો બાપાશ્રીની પાછળ પણ આવું સ્થાન થાય તો એક મહાપ્રસાદીભૂત સ્થાનનો યાવદ્‌ચંદ્રદિવાકરૌ સહુને એ લાભ મળે; તો જો આપની ઇચ્છા હોય તો એ કાર્યને આપના હસ્તે પૂર્ણ કરીને જાવ તો ઘણું સારું.”

સદ્‌ગુરુશ્રીને વાત ઠીક લાગી કે સહુની ઇચ્છા હોય તો વૃષપુરમાં ગોવિંદ અરજણને વાત કરીએ. સદ્‌ગુરુશ્રીના કહેવાથી મિસ્ત્રીને બોલાવ્યા. નકશો તૈયાર કરાવડાવ્યો અને કામ શરૂ કરવાનું નક્કી કર્યું. સર્વે હરિભક્તોએ સદ્‌ગુરુશ્રીને કહ્યું, “સ્વામી ! આપ રોકાયા તે ખૂબ સારું થયું.” પછી સદ્‌ગુરુશ્રી મિસ્ત્રી ગોવિંદ અરજણ અને અમુક કામ કરી શકે તેવા માણસો તથા થોડા સંતો-હરિભક્તો સહિત વૃષપુર પધાર્યા. ત્યાં ગામમાં જઈને હરિભક્તોને વાત કરી. હરિભક્તો પણ ખૂબ રાજી થયા.

સદ્‌ગુરુ આ કામ માટે ભૂજથી પાછા આવ્યા. છત્રીનું કામ ચાલુ કર્યું. ગામના સર્વે હરિભક્તો પણ આ સેવામાં ખંતથી મંડી પડ્યા. સહુ અહોભાવથી સદ્‌ગુરુશ્રીના વચને સેવા કરવા માંડ્યા. પછી વેકરાના મિસ્ત્રી વીરજી મનજીભાઈ ને મિસ્ત્રી ગોવિંદભાઈને તેડાવીને કહ્યું કે, “તમારે પણ આ સેવામાં ભાગ લેવાનો છે. અને સદ્‌ગુરુશ્રીએ આપને ભેળા રહેવાનું કહ્યું છે.” તેમને ખૂબ આનંદ થયો કે સદ્‌ગુરુશ્રીએ આ સેવા માટે મને નિમિત્ત કર્યો.

સદ્‌ગુરુશ્રીનાં દર્શન થતાં વીરજીભાઈએ કહ્યું, “સ્વામી, ઘણી દયા કરી આપે મને આ સેવા આપી... અને મહારાજનો, બાપાશ્રીનો અને આપનો રાજીપો મારા ઉપર થશે.” માધાપુરના મંદિરનું કામ ચાલતું હતું તે વખતે નારાયણભાઈની મેડી ઉપર મંદિરની સેવા ચાલતી. તે વખતે બાપાશ્રીએ મને પ્રસન્ન થઈને કહ્યું હતું જે મૂર્તિ સંભારીને તમારી કારીગરી કરજો. અને મને એ વાત અંતરમાં ઘૂંટાયા કરે છે માટે સેવાનો લાભ બહુ મોટો છે. પોતે ખૂબ ઉત્સાહપૂર્વક સેવા સંભારી લીધી. સહુ હરિભક્તો પોતાના ધન્યભાગ્ય માની સેવા કરતા.

બાપાશ્રી તેમના પુત્ર-પૌત્રાદિક, હરિભક્તોને ઘણી વખત દિવ્ય રૂપે દર્શન આપતાં સહુના ઉપર રાજીપો વરસાવતા જણાય. સહુને બાપાશ્રીના પ્રાગટ્યનો અનુભવ થાય. એક વખત થાંભલા ઘડવાની સેવા ચાલતી ત્યારે રાત્રિના લગભગ દસ વાગ્યાના સુમારે મિસ્ત્રી વીરજીભાઈને બાપાશ્રીનાં પ્રત્યક્ષ દર્શન થવા માંડ્યાં. બાપાશ્રી બોલ્યા કે, “તમે તો છત્રીના થાંભલા ઘડો છો ને ?” વીરજીભાઈએ કહ્યું, “હા, બાપા. સદ્‌ગુરુશ્રીએ આ સેવા અમને સોંપી છે. સદ્‌ગુરુશ્રીની અને આપની કૃપાથી આ સેવા કરી શકીએ છીએ.”

બાપાશ્રી બોલ્યા, “એ સ્વામી દ્વારા અત્યારે શ્રીજીમહારાજ તમારા સહુના મનોરથો પૂર્ણ કરશે. એમનો ખૂબ મહિમા સમજજો. એ તો અમારા પડછંદ છે. અનંતને સંકલ્પમાત્રમાં મૂર્તિના સુખમાં મૂકી દે એવા સમર્થ છે. અને અમે તમને માધાપુરમાં કહ્યું છે તે વાતને સંભારતા જજો અને સેવા કર્યા કરજો.” આટલું કહી અદૃશ્ય થઈ ગયા. આ વાત એમણે સદ્‌ગુરુશ્રી તથા સંતો-હરિભક્તોને પણ કરી.

એક મહિના બાદ છત્રીનું કામ સંપૂર્ણ થયું અને ચરણારવિંદ પધરાવી આરતી કરી સૌને માટે પ્રસાદીરૂપ સ્થાનની ભેટ આપી. સદ્‌ગુરુશ્રીએ મિસ્ત્રી ગોવિંદભાઈ તથા વીરજીભાઈને પાઘડીઓ બાંધી સન્માન કર્યું અને સહુને મૂર્તિસુખના આશીર્વાદ આપ્યા. ખૂબ રાજીપો જણાવ્યો. સહુ હરિભક્તો ઉપર પણ રાજીપો જણાવતાં કહ્યું કે, “તમે સહુએ આ સેવા ઉપાડી લીધી તે બહુ સારું કર્યું. એનો રાજીપો બહુ મોટો છે. આ સ્થાનથી એક મોક્ષનું સદાવ્રત ચાલુ થયું. સંતો-હરિભક્તોને આ સ્થાન આત્યંતિક કલ્યાણનું સદાવ્રત થઈ ગયું.