સદ્ગુરુશ્રી અને બાપાશ્રીની અસાધારણ પ્રીતિને જોતાં જ ખ્યાલ આવે કે આ કોઈ આ લોકની વ્યક્તિ ન કરી શકે. અતૂટ નાતો જણાય. બાપાશ્રીની સેવામાં સદ્ગુરુ સદાય તત્પર રહેતા. જ્યારે જ્યારે બાપાશ્રીને શરીરે કસર હોય કે તુરત જ સદ્ગુરુશ્રી દોડતા આવી જાય. આપણને એમ લાગે કે સદ્ગુરુશ્રીને પાસે બોલાવવા જ જાણે મંદવાડ ગ્રહણ કર્યો છે. આશ્રમનો કોઈ ભેદ ન દેખાય. બાપાશ્રી સ્વમુખે કહેતા કે આ ઈશ્વરસ્વામી તો ઈશ્વરમૂર્તિ છે.
સંવત ૧૯૮૨ના ભાદરવા માસમાં બાપાશ્રીએ મંદવાડલીલા ગ્રહણ કરી. સદ્. મુનિસ્વામી એ વખતે બાપાશ્રીની ખૂબ સેવા કરતા. અમુક સંતો-હરિભક્તો પણ સેવામાં જોડે હતા. સદ્. મુનિસ્વામીને એમ કે મંદવાડ હમણાં જતો રહેશે. પણ મંદવાડ ટળ્યો નહિ એટલે બાપાશ્રીને વાત કરી, “સદ્ગુરુશ્રીને અમદાવાદ જાણ કરીએ.” બાપાશ્રીએ કહ્યું, “જાણ કરો તો અમે પણ એમનાં દર્શન કરીએ.” સદ્. મુનિસ્વામીએ પત્ર લખ્યો. સદ્ગુરુશ્રીને પત્ર વાંચતાં જ થયું કે અત્યારે ને અત્યારે બાપાશ્રી પાસે નીકળી જઈએ પરંતુ ખૂબી એ છે કે અત્યાર સુધી કેમ ખબર નહિ આપી હોય ! અને સદ્ગુરુશ્રી તો અમદાવાદથી તૈયારી કરી સંતો-હરિભક્તોને સાથે લઈ વૃષપુર આવી ગયા.
સદ્ગુરુશ્રી વૃષપુર આવ્યા. બાપાશ્રીની પાસે દંડવત-દર્શન કરી બેઠા. બાપાશ્રીને કહ્યું, “બાપા, આપે મને કેમ જણાવ્યું નહીં ? આપને આટલી બધી તકલીફ છે છતાંય આપ સહન કરો છો ! બાપા, આપ આ મંદવાડને કાઢી મૂકો. બધાય આપના શરીરમાં કસર જોઈ નથી શકતા. બધાય બહુ દુઃખી થઈ ગયા છે.” બાપાશ્રીએ કહ્યું, “સ્વામી, અમે આ મંદવાડ ગ્રહણ ન કર્યો હોત તો તમારાં દર્શન વળી ક્યારે થાત ! એટલે એમાંય મહારાજનો કાંઈક શુભ સંકલ્પ હશે. કંઈક હેતુસભર હશે. મહારાજનું અને મોટાપુરુષનું બધું જ હેતુસભર હોય. હેતુ વગર આંગળી પણ ન હલાવે અને મંદવાડ હોય ને તમે આવો તો સહુ જાણે કે એ તો ખબર લેવા આવ્યા છે એટલે બીજો સંકલ્પ ન કરે. મહારાજ સહુના ઉપર ખૂબ રાજી છે. મહારાજને તો હજી ઘણું મોટું કાર્ય કરવાનું છે. ખૂબ સુખ આપવાના છે.” બાપાશ્રીનાં આવાં વચનથી સદ્ગુરુશ્રી થોડા શાંત પડ્યા અને સહુને સદ્ગુરુશ્રીએ કહ્યું કે, “મહારાજે આપણી પ્રાર્થના સાંભળી છે. તમે સહુ પોતપોતાની સેવામાં લાગી જાઓ.”
સદ્ગુરુશ્રી બાપાશ્રીની ખૂબ સેવા કરતા. બાપાશ્રી રાજી રાજી થઈ જાય અને વાતો કરતા જાય. બાપાશ્રી એક વખત ખાટલામાં સૂતા હતા અને નભોમંડળમાં ચંદ્રની ફરતે તારા વીંટળાઈને બેઠા હોય તેમ બાપાશ્રીની ફરતે સંતો-હરિભક્તો વીંટળાઈને બેઠા હતા. બાપાશ્રી સૂતાં સૂતાં જ સદ્ગુરુશ્રીને ગળે હાથ નાખી બાઝી પડ્યા અને કહેવા લાગ્યા જે, “સ્વામી, અમારો આરો કરજો. એટલે આ ને આ ફેરે મહારાજના સ્વરૂપનું જ્ઞાન સમજી લેજો.” સદ્ગુરુશ્રીએ કહ્યું, “બાપા, તમારો આરો તો બધાય મૂર્તિના સુખમાં પહોંચી જાય ત્યારે જ થયો કહેવાય ને !” બાપાશ્રીએ કહ્યું, “હા સ્વામી, એ કામ તમારે કરવાનું છે. મહારાજ તમારા દ્વારા ખૂબ મોટું કાર્ય કરાવી રહ્યા છે. સત્સંગ આખો તમારા જેવા પુરુષને લીધે દીપી ઊઠ્યો છે.”
સદ્ગુરુશ્રીની પ્રાર્થનાથી બાપાશ્રીએ મંદવાડ ધીરે ધીરે ઓછો કર્યો. પરંતુ શરીરમાં ખૂબ અશક્તિ લાગતી. આખો દિવસ ને રાત્રે સૂતા વખત સુધી કથાવાર્તા તો ચાલુ જ હોય. બાપાશ્રીની વાણીને સદ્ગુરુશ્રીએ સદ્. મુનિસ્વામી અને સોમચંદભાઈને લખવાની સેવા આપી. સદ્ગુરુશ્રીએ એક વખત બાપાશ્રીને કહ્યું, “બાપા ! દેહને સાજો કરો તો બધાયને બહુ સુખ આવે. સદ્ગુરુશ્રીનાં આવાં વચનથી ખબર પડે કે કેટલી આત્મબુદ્ધિ હશે.” બાપાશ્રીએ કહ્યું, “એ તો તમને અને સહુને સેવા મળે એટલે મહારાજે આવો રાખેલ છે. નહિતર આ સેવા મળે તેમ નથી. અનંત અક્ષરોને પણ મહારાજ અને મોટાનાં દર્શન નથી તો સેવા તો ક્યાંથી મળે ? એ સેવા તમને સહુને મહારાજે દયા કરીને આપી છે.”
સદ્ગુરુશ્રી બાપાશ્રીનો મહિમા કહેતા ન થાકે અને બાપાશ્રી સદ્ગુરુનો મહિમા ચાર મુખે કહેતા જાય. મહારાજ અને મોટાપુરુષની એક આ આગવી રીત છે. કારણ, એમનો મહિમા જાણવો એ જગતના જીવની કોઈ તાકાત નથી. મન-બુદ્ધિથી પરની વાત છે. કારણ કે એ માયાતીત સ્વરૂપ છે. અને જગતનો જીવ માયાવેષ્ટિત સ્વરૂપ છે. તદ્દન ભિન્ન પરિસ્થિતિનું નિર્માણ છે. એ તો પોતાના ઘરની વાત પોતે જ જાણે. એટલે જ પંક્તિમાં કહ્યું છે કે,
“પોતે કાં પોતાના સંકલ્પ, ખરું રહસ્ય તો જાણે...”
એમ મોટાનો મહિમા મોટા જ જાણી શકે.
બાપાશ્રીને શરીરે ધીરે ધીરે સારું થવા માંડ્યું. બાપાશ્રી હવે પહેલાં કરતાં ઘણા સ્વસ્થ જણાવા માંડ્યા. એટલે અમુક સંતો-હરિભક્તો દિવાળી નજીક આવતી હોવાથી બાપાશ્રીના અને સદ્ગુરુશ્રીના આશીર્વાદ લઈ પોતપોતાના ગામ જવા નીકળ્યા. પછી બાપાશ્રીએ સદ્. ઘનશ્યામજીવનદાસજી સ્વામીને પૂછ્યું, “સ્વામી, તમારે રોકાણ કેમનું છે ?” ત્યારે સ્વામીએ કહ્યું, “બાપા ! અમારે તો સ્વામી (સદ્. ઈશ્વરચરણદાસજી) કહે તેમ કરવાનું છે.” બાપાશ્રી ઘનશ્યામજીવનદાસજી સ્વામીના મુખે ‘સ્વામી ઈશ્વરચરણદાસજી’ એવું સાંભળી અતિ હર્ષઘેલા થયા અને પોતાનો એક હસ્ત સદ્ગુરુશ્રીની દાઢીની નીચે અને બીજો હસ્ત મસ્તકની ઉપર રાખી અને મસ્તક હલાવીને કહેતા જાય... “અનંત અક્ષરકોટિ સુધી આવા મહારાજના હજૂરિયા સત્પુરુષ ન મળે. આ તો બહુ મોટા છે.”
સૌને બાપાશ્રીનાં દર્શન-સેવા-સમાગમનો લાભ મળ્યો અને બાપાશ્રીએ પણ મંદવાડને રજા આપી.