“સદ્. નિર્ગુણદાસજી સ્વામી એટલે નિર્ગુણ મૂર્તિ”.
સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી એટલે શ્રીહરિની મૂર્તિમાં રહેનારા સ્વતંત્ર સિદ્ધ મુક્ત.
મહારાજ અને મુક્તને જવા-આવવાનું છે જ નહીં. મહારાજ અને મુક્ત તો જ્યાં છે ત્યાં છે અને જેમ છે તેમ જ છે. આવવું-જવું એ તો એક રીતિ છે - દેખાતો ભાવ છે.
વૃદ્ધાવસ્થાના ભાવ દેખાડતા સદ્ગુરુશ્રીએ જાણે અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હોય એ રીતે ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો.
સદ્ગુરુશ્રીના મંદવાડના સમાચાર મળતાં દૂર દૂરથી સૌ દર્શને આવવા લાગ્યા. પ્રેમી ભક્તો તો આ મંદવાડને જોઈ ગદ્ગદ થઈ જતા અને સદ્ગુરુશ્રીને રાજી રહેવા પ્રાર્થના કરતા. ત્યારે સદ્ગુરુશ્રી સૌની પર રાજીપો દર્શાવતાં સૌને હેતથી બોલાવે, બેસાડે, વાત કરે, માથે હાથ મૂકે એમ વિવિધ પ્રકારે પ્રસન્નતા જણાવતા અને કોઈ ન આવ્યા હોય તો તેમને યાદ કરી સમાચાર પૂછતા.
પરંતુ આ મંદવાડમાં સદ્ગુરુશ્રી વિશેષ તો બાપાશ્રીને સંભાર્યા કરે અને અવારનવાર સૌને પૂછે : “અમારા જીવનપ્રાણ આવ્યા કે નહીં ? ક્યારે આવશે ? કાંઈ સમાચાર છે કે નહીં ?”
એક દિવસ કચ્છમાં બિરાજતા બાપાશ્રીને સદ્ગુરુશ્રીના મંદવાડના સમાચાર મળતાં, બાપાશ્રી પણ સદ્ગુરુશ્રીનાં દર્શન માટે ઉતાવળા બન્યા અને સદ્ગુરુશ્રીનાં છેલ્લાં દર્શન કરવા જે આવ્યા તેને લઈ પોતે અમદાવાદ પધાર્યા.
ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી તો સદ્ગુરુશ્રીના આસને પધાર્યા અને સદ્ગુરુશ્રીનાં દર્શન કર્યાં. ત્યાં તો સદ્ગુરુશ્રી બોલ્યા, “આ અમારા જીવનપ્રાણ આવી ગયા. ભાઈશ્રી, કેમ વાર લગાડી ? અમે તો તમને બહુ જ સંભારતા હતા.” બાપાશ્રીએ કહ્યું, “બાપજી ! મનેય તમારા વગર કેમ ચેન પડે ? અમે બધા પણ તમને અખંડ સંભારીએ છીએ.” આમ સૌને અરસપરસ આ વાતોથી એકબીજા પ્રત્યેનો મહિમા અને દિવ્યભાવ સહેજે જણાઈ આવતા.
બાપાશ્રી તો સદ્ગુરુશ્રીના આ મંદવાડથી ચિંતિત હતા જ અને એમાંય પ્રત્યક્ષ દર્શન થતાં વધુ ચિંતિત બન્યા. અને સેવકોને વિવિધ પ્રકારે સદ્ગુરુશ્રીની સેવા કરવા અને રાજી કરવાનું કહી પોતે પણ રોકાઈ ગયા.
સ્વામી ઈશ્વરચરણદાસજી તો આ બેય મૂર્તિને બરાબર ઓળખી ગયા હતા અને એટલે દેહની પરવા કર્યા વગર એકમાત્ર રાજીપાના જ ભૂખ્યા થઈ બાપાશ્રી અને સદ્ગુરુશ્રીની સેવામાં મન, કર્મ, વચને જોડાઈ ગયા હતા. અને સેવાની કે રાજીપાની તક તો ચૂકાય જ નહીં.
બીજા દિવસે સદ્ગુરુશ્રીએ સૌની હાજરીમાં બાપાશ્રીને કહ્યું, “ભાઈશ્રી, તમે તો સ્વતંત્ર છો. તો તમે સમાધિમાં મહારાજ પાસે જઈ મહારાજની મરજી શું છે તે જાણી આવો.”
બાપાશ્રી તો સદ્ગુરુશ્રીના કહેવાથી બાર કલાક સમાધિમાં રહ્યા અને જાગ્રત થઈ સૌને કહેવા લાગ્યા, “સ્વામીશ્રી આપણને આપણા જેવા દેખાય છે; પરંતુ છે નહીં. એ તો દિવ્યરૂપે અત્રે મહારાજની સેવામાં જ છે. આ મંદવાડ તો દેખાવામાત્ર છે. જેવા શ્રીજીમહારાજ દિવ્ય અને તેજોમય છે એવા જ સ્વામીશ્રી પણ દિવ્ય અને તેજોમય છે. અને હે સંતો, હે ભક્તો, અગાઉથી ન કહેવાય તેવી વાત આપ સૌને કહું છું કે સ્વામીશ્રી આસો સુદ ૧ (પડવા)ના રોજ અંતર્ધાન થશે માટે આ નિર્ગુણમૂર્તિને રાજી કરી લેજો. એ રાજી એટલે મહારાજ રાજી. આજ સુધી આ દિવ્ય મૂર્તિનાં દર્શન, સેવા, સમાગમનો લાભ લીધો છે એટલો હવે નહિ મળે. લેવાય એટલો સૌ લાભ લઈ લેજો. રાજી કરી લેજો.”
સૌને બાપાશ્રીની અગમવાણી સાંભળી દુઃખ તો થયું જ, પણ સદ્ગુરુશ્રી ક્યારે અંતર્ધાન થવાના છે તે જાણી રાજી કરી લેવા ગરજુ બન્યા અને સૌ સેવા કરવા લાગ્યા.
એક દિવસ સદ્ગુરુશ્રી પોઢેલા અને બાપાશ્રી જોડે આસન પર બિરાજેલા ત્યારે સાનુકૂળતા જોઈ બાપાશ્રીએ સદ્ગુરુશ્રીને કહ્યું, “બાપજી ! આ તમારા સાધુ ઈશ્વરચરણદાસજી અમારો મહિમા બહુ સમજે છે અને સેવાનો આગ્રહ રાખે છે. તે અમને બહુ ઠીક પડતું નથી કારણ કે અમે રહ્યા ગૃહસ્થ અને તમે રહ્યા ત્યાગી. તે આશ્રમની રીતે યોગ્ય નથી અને કોઈ જુએ તો કોઈને કાંઈના કાંઈ સંકલ્પ થાય.”
બાપાશ્રીના મુખે આ વાત સાંભળતાં સદ્ગુરુશ્રી બેઠા થયા અને સ્વામી ઈશ્વરચરણદાસજીને બોલાવી પોતાની પાસે બેસાડ્યા અને પોતાના આ વ્હાલા શિષ્ય-સેવકને સંબોધી કહેવા લાગ્યા, “આ ભાઈશ્રી કહે છે કે તમે એમનો મહિમા બહુ સમજો છો તે અમે તમને ના પાડીએ. પરંતુ આજથી અમારી તમને આજ્ઞા છે કે જ્યાં સુધી તમારો દેહ રહે ત્યાં સુધી આ મૂર્તિનો અધિકાધિક મહિમા સમજજો અને અનંતને સમજાવજો. આ તો શ્રીહરિના સંકલ્પથી પધાર્યા છે એમને વિષે ક્યારેય મનુષ્યભાવ લાવશો નહીં. એમને રાજી કરજો અને અનંતને એમનો રાજીપો અપાવજો. એમના દ્વારા વર્તમાનકાળે સ્વયં શ્રીજીમહારાજ કાર્ય કરી રહ્યા છે. દિવ્યભાવે એમનાં દર્શન-સેવા-સમાગમ કરજો અને કરાવજો.”
આ સાંભળતાં બાપાશ્રીએ કહ્યું, “હંઅઅઅ.. બાપજી ! આ શું બોલો છો ?” ત્યાં તો સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ બાપાશ્રીને સોંપતાં સદ્ગુરુશ્રીએ બાપાશ્રીને કહ્યું, “અને તમે પણ નાનાથી નાના થવાનું પ્રકરણ બંધ કરી દયા કરો ને તમારી આગળ જે કોઈ સાધુ-હરિભક્ત આવે તેને સુખિયા કરો. શ્રીજીમહારાજે તમને એના માટે તો મોકલ્યા છે. આજથી આ અમારા સાધુ તમને સોંપ્યા. એમને સાચવજો. તમારા છે અને તમારા કરી રાખજો.”
સદ્ગુરુશ્રીના વચનને જાણે માથે ચડાવતા હોય તેમ બાપાશ્રી બોલ્યા, “બાપજી ! આ સાધુ તો બહુ મોટા છે. જોજો તો ખરા. એમના દ્વારા શ્રીજીમહારાજ બહુ અદ્ભુત કાર્યો કરશે અને આપની જેમ સૌને સુખિયા કરશે... હીરો કાંઈ છાનો થોડો રહે ? આ તો અમારા જ છે.”
અને જ્યારે બાપાશ્રીએ, સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ગ્રહણ કર્યો અને ઉપરોક્ત કૃપાવચનો કહ્યાં ત્યાં તો રોમ રોમમાં દિવ્યતા વ્યાપી ગઈ અને દિવ્યાનંદમાં રસબસ થઈ ગયા.
થોડા દિવસના રોકાણ બાદ બાપાશ્રી તો સદ્ગુરુશ્રીની રજા લઈ કચ્છમાં પધાર્યા અને બાપાશ્રીએ અગાઉથી કહ્યા મુજબ વિ.સં. ૧૯૪૮ના આસો સુદ ૧ પડવાને રોજ રાત્રે એક વાગે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ સ્વતંત્રપણે દેહોત્સવ કર્યો અને સમગ્ર સત્સંગ સમાજની જવાબદારી સ્વામી ઈશ્વરચરણદાસજીના શિરે આવી પડી.