સદ્દગુરુશ્રીની મંદવાડ લીલા

પુષ્પ ૧ : ડૉ. પ્રિયકાંતભાઈના સ્વાનુભવો

શ્રીજીમહારાજના સિદ્ધમુક્તોમાં પણ શ્રીજીમહારાજના જેવા કરુણા-વાત્સલ્યના કલ્યાણકારી ગુણો વર્તતા હોય છે, એ રીતે સદ્દગુરુશ્રીએ પોતાના અનેક ભક્તોના મંદવાડો પણ જાણે વાત્સલ્‍યવશાત્ પોતે લઈ લીધા હોય તેમ મોટો મંદવાડ અંગીકાર કર્યો. અનેક મુમુક્ષુ-હરિભક્તોને સેવાનો લાભ આપવા માટે જાણે મંદવાડ ગ્રહણ કરેલો હતો. સદ્દગુરુશ્રીના વિષે હેતવાળા કોઈ હરિભકત એવા નથી જેમણે આ મંદવાડમાં સદ્દગુરુશ્રીની સેવા ને દર્શન નહિ કર્યા હોય !

સદ્દગુરુશ્રીના મંદવાદમાં જેમને તેમની તબીબી સેવાનો અલભ્ય લાભ મળ્યો હતો તેવા સદ્દગુરુશ્રીના અદના સેવક ડૉ. પ્રિયકાંતભાઈ આ મંદવાડ વિષે જણાવતાં કહે છેઃ "સદ્ગુરૂશ્રીના મંદવાડમાં તબીબી સારવાર કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. સાધારણ માણસને મંદવાડ થાય તો દર્દ અમુક રીતે આગળ વધે પરંતુ સદ્દગુરુશ્રીએ મંદવાડમાં જે પોતાનું સામર્થ્ય બતાવ્યું છે તે તેમના સિવાય કોઈનામાં જોયું નથી. પહેલાં સદ્દગુરુશ્રીને ડાયાબિટીસ થયો. અમારા જ્ઞાન પ્રમાણે અને માન્યતા પ્રમાણે તે મટે નહિ, પરંતુ તે સદ્દગુરુશ્રીને મટી ગયો. મેં પેશાબ ને લોહી તપાસ્યાં છે, પૂરતો ખોરાક લેવા છતાં સદ્દગુરુશ્રીને ડાયાબિટીસ મટી ગયો. પછી પેશાબમાં આલ્બ્યુમિન નામનો ક્ષાર નીકળતો તે સદ્દગુરુશ્રીની ઇચ્છા હોય ત્યારે અટકી જાય ! કેટલીક વાર ક્ષાર બહુ નીકળતો હોવાથી હું બહુ દિલગીર થઈ જતો ને મૂંઝાતો, ત્યારે સદ્દગુરુશ્રી સાન કરતાં કહે કે હવે દસેક દિવસ નહિ નીકળે. હું દરરોજ સદ્દગુરુશ્રીને તપાસું ને પેશાબમાં આલ્બ્યુમિન તેટલા દિવસ ન નીકળે ! સદ્દગુરુશ્રીને પહેલાં લોહીનું દબાણ વધારે હતું, તેમાં પણ તેમની ઇચ્છા મુજબ મોટો ઘટાડો થતો. સવારે તપાસીએ તો ૧૯૦ની આસપાસ હોય, ને બપોરે તપાસીએ તો ૧૪૦ની આસપાસ હોય, ને તેમ કેટલાય દિવસ ચાલે. નાડી ઘડીકમાં ૭૦-૭પ હોય, ઘડીકમાં ૧૩૦ પણ થાય ને છેવટના દિવસોમાં ૩૦-૪૦ નાડીના ધબકારા થાય ને સદ્દગુરુશ્રી તો વાતો કરતા હોય ! પછીથી સદ્દગુરુશ્રીને શરીરે સોજા ચડી ગયા. અમારા જ્ઞાન મુજબ ને પ્રખ્યાત ડૉકટરોના કહેવા મુજબ સદ્દગુરુશ્રીનું શરીર ન રહે. સદ્દગુરુશ્રી સૌને કહે : “હવે અમને રજા આપો.” સૌ હરિભક્તો રોકવા માટે પ્રાર્થના કર્યા કરે. સૌની પ્રાર્થના સ્વીકારી સદ્દગુરુશ્રીએ તે વખતે દેહોત્સર્ગ ન કરવાનું નક્કી કર્યું, ને તે નિશ્ચય થતાં પેટમાં ને છાતીમાં ભરાયેલ પાણી શોષાઈ ગયું, જે બીજા માણસમાં ન થાય, ને સદ્દગુરુશ્રીને આરામ થવા લાગ્યો."

 

પુષ્પ ૨ : મંદવાડ છતાં કથાવાર્તા

મંદવાડની જાણ થતાં સદ્દગુરુશ્રીનો વિશાળ શિષ્ય સમુદાય હતો તેની ભીડ થતી. સદ્દગુરુશ્રીની સેવાનો લહાવો લેવા સૌ આવે. એક બાજુ સદ્દગુરુશ્રી મંદવાડની ચેષ્ટા જણાવે, તો બીજી બાજુએ સંત-હરિભક્તોની સભા થાય, જ્ઞાનવાર્તા સદ્દગુરુશ્રી પોતે કરે, જમવાની પંક્તિઓ થાય, એવું લાગે કે જાણે મોટી પારાયણ થતી ન હોય ! કોઈ પૂછે કે “બાપજી ! કેમ છે ?” તો પોતે જવાબ દેઃ "આપણે તો એક મહારાજની મૂર્તિ જ છે." જાણે કાંઈ માંદગી જ ન હોય તેમ સૂતાં સૂતાં સૌને બોલાવે, જમાડે, વાતો કરે.” એમ જણાઈ આવે કે મોટા મુક્તોનો મંદવાડ તો અનંત જીવોના કલ્યાણ પૂરતો જ હોય, કેમ કે મોટા મુક્તની સેવાના પ્રસંગમાં જે કોઈ આવે તથા તેમનાં દર્શન-સેવા-સમાગમ કરી સુખનો લહાવો પ્રાપ્ત કર્યો હોય, તેઓનું આત્યંતિક કલ્યાણ સહેજે થાય. આવી રીતે સદ્દગુરુશ્રીની સેવાચાકરી કરી કેટલાય પોતાના ધન્યભાગ્ય જાણી કૃતાર્થ થઈ ગયા.

 

પુષ્પ ૩ : જર્મનીના ડૉક્ટરને અલૌકિક અહેસાસ

જર્મન ડૉકટર ગાસ્કેલની સારવાર ચાલતી હતી. એક દિવસ પરોઢિયે સદ્દગુરુશ્રીની નાડી ર૦થી ૩૦ થઈ ગઈ. સેવામાં રહેલા ડૉ. પ્રિયંકાતભાઈને લાગ્યું કે હૃદયમાં લોહીનું રોકાણ થતું હશે. આ પરિસ્થિતિ ચાલુ રહે તો મગજ સુધી પહોંચતું લોહી ઓછું થવા લાગે ને તેનાથી ખરાબ પરિણામ આવે. તરત જર્મન ડૉકટરને તેડાવ્યા. તેમણે નાડી જોઈ, પણ સદ્દગુરુશ્રી તો રોજની જેમ વાતો કરતા હતા. જર્મન ડૉકટરનેય આશ્ચર્ય થયું. ડૉ. પ્રિયંકાતભાઈને કહે, "મૂંઝાશો નહિ, આ તો બહુ મોટાપુરુષ છે !" બહાર નીકળતી વખતે ડૉકટરે ડૉ. પ્રિયંકાતભાઈએ કહ્યું, “તમે એમ.બી.બી.એસ. ડૉકટર થઈને આમની સેવામાં ચોવીસે કલાક રહો છો, તો તે તમારે શું સગાં થાય ?” પ્રિયકાંતભાઈએ કહ્યું, “એ અમારા આધ્યાત્મિક પિતા છે !” જર્મન ડૉકટરે કહ્યું  "ડૉકટર, તમારી પસંદગી ખરેખર વખાણવા લાયક છે. He commands His disease, the disease does not command Him. (તેઓ પોતાના રોગ પર નિયંત્રણ કરે છે. રોગ તેમના પર નિયંત્રણ કરી શકતા નથી.)"

પુષ્પ ૪ : ઑપરેશન વખતે ઘેનની દવા ન લીધી

ડૉ. પ્રિયંકાતભાઈ સદ્દગુરુશ્રીના પગે રોજ ડ્રેસિંગ કરે, તેને સદ્દગુરુશ્રી જોયા કરે. અને કહે, "જો, પેલો સફેદ ભાગ દેખાય છે તે કાઢી નાખ." ડૉ. પ્રિયંકાતભાઈ કાતર લઈ કાપે, પણ સદ્દગુરુશ્રી સ્મિત કરતા જાય. જાણે પોતાને કાંઈ થતું જ ન હોય, જાણે કે બીજા કોઈના દેહને ડ્રેસીંગ થતું હોય ! મોટા ડૉકટરે આવીને કહ્યું, "પગે ઑપરેશન કરવું પડશે ને તે માટે ઘેનની દવા (એનેસ્થેસીયા) આપવી પડશે." સદ્દગુરુશ્રીએ કહ્યું  "તેની કાંઈ જરૂર નથી, તમે નસ્તર મૂકો." પોતે આરામ ખુરશીમાં બેઠા, સહેજ પણ દુઃખ કે દેહભાવ વર્તાયો નહીં. ડૉકટર અહોભાવ પામી આશીર્વાદ માંગવા લાગ્યા ! કીર્તનની કડી ‘આપ સદાય મૂર્તિમાં રહેતા, અહીં મનુષ્ય રૂપે......’

પુષ્પ ૫ : સદ્દગુરુશ્રી ચાંપાનેર સોસાયટીમાં પધાર્યા

અમદાવાદના હરિભક્તોને થયું કે અમદાવાદની આજુબાજુમાં ખુલ્લી જગ્યામાં કોઈ બંગલામાં સદ્દગુરુશ્રીને રાખ્યા હોય તો હવાફેર જેવું રહે. તે વખતે વાડજ વિસ્તાર નવો નવો વિકાસ પામી રહેલો. ત્યાંની ચાંપાનેર સોસાયટીના બાવીસ નંબરના બંગલામાં પોતાના સંતમંડળે સહિત સદ્દગુરુશ્રી પધાર્યા. હરિભક્તોના મંડળના મંડળ દર્શને આવ્યા જ કરે. સાધુ મુક્તવલ્લભદાસજી સવાર-સાંજ રસોઈ કરતા પહેલાં થાળ સામગ્રી પર સદ્દગુરુશ્રીની નજરપ્રસાદી કરાવે. આવી માંદગીમાં સદ્દગુરુશ્રીના સાધુ આવું શું કરતા હશે, તેમ ડૉકટરને થાય ! સાધુ મુક્તવલ્લભદાસજીને કહે પણ ખરા કે આવી તકલીફ સાધુને શું આપો છો ! સાધુ મુક્તવલ્લભદાસજીએ કહ્યું  "ભાઈ ! તમને ખબર નથી; આ રસોઈ હવે ગમે તેટલા હરિભક્તો જમશે તોપણ ખૂટશે નહીં !"