(૧) ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજના ધામમાં તથા મૂર્તિમાં રહેલા મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમનાં લક્ષણ કેવાં હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એમનો સમાગમ કરે તેના ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે ને મૂર્તિનું સુખ આવે ને છેટે રહે થકે પણ જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય ને એમની પાસે બેઠા હોઈએ તે વખતે માયિક ઘાટ-સંકલ્પ થાય જ નહિ, અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય, એવા કેટલાકને દર્શન આપે અને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને તેને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય અને કોઈને દેહ મૂકવો હોય તો તેને આયુષ્ય હોય તોપણ તેડી જાય, એવી સામર્થીવાળા હોય તેને એવા મુક્ત જાણવા.
(૨) ત્યારે વળી સ્વામીએ પૂછયું જે, અનાદિમુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુ:ખે દુ:ખી થવાય છે તેમ જ મોટાને દુ:ખે દુ:ખી થવાય અને મોટાને સુખે સુખી થવાય તે બહારથી જીવ જોડ્યો કહેવાય, પણ એવું થવું અતિ કઠણ છે, કેમ જે સમુદ્રમાં વહાણ કે આગબોટ ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાને તરીને નીકળવાનો સંકલ્પ ન થાય, ને આવા મુક્ત જશે તો હું એકલો રખડીશ ને પત્તરમાં કોઈ અન્ન પણ નહિ આપે ને અનંત જીવોનો ઉધ્ધાર બંધ થઈ જશે, માટે હું બૂડી મરું ને આ મુક્ત ઉગરે તો ઠીક, એમ થાય; ને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસારે અને પાંચ-સાત દિવસે અન્ન મળે તે એક જણ જમે એટલું જ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે, અને હિમ પડ્યું હોય ને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે ને પોતે ઓઢ્યા વિના જ રહે એવું થાય તો બહારથી જીવ જોડ્યો કહેવાય અને જેમ નદીમાં થોડુંક પાણી નાખીએ તે સમુદ્રમાં પહોંચી જાય તેમ મોટા અનાદિમુક્ત છે તે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે. તેમની સાથે આપણો જીવ મેળવીએ એટલે આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો જ થાય એ અંતવૃત્તિએ જીવ જોડ્યો કહેવાય.
(૩) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહારાજને રાજી કરવા સારુ કાઠીઓ ટોળ કરતા તેમ હસવું, બોલવું થાતું હોય તે નાસ્તિકભાવ કહેવાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારુ હસવું-બોલવું થાતું હોય તે નાસ્તિકભાવ ન કહેવાય.
(૪) ત્યારે ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, કામ મૂળમાંથી બળી જાય તેનો શો ઉપાય હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની નાની-મોટી સર્વે આજ્ઞાઓ પાળે ને પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને તે તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિ ધારે, એમ ધારતાં ધારતાં જ્યારે પોતાના આત્માને વિષે મહારાજની મૂર્તિ દેખે ત્યારે કામાદિક દોષ ટળી જાય છે અને બીજો ઉપાય એ છે જે, મહાપ્રભુજીને મળેલા મુક્ત મળે અને તેમની છાયા પડે એટલે તેમનો અત્યંત રાજીપો થઈ જાય તો કામાદિક સર્વે દોષ બળી જાય છે અને મહાપ્રભુજીને સુખે સુખિયો થઈ જાય છે. એટલી વાત કરીને પછી કથાની સમાપ્તિ કરી.
(૫) ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, સિદ્ધદશાવાળા અનાદિમુક્ત અખંડ મૂર્તિમાં રહેતા હશે તે જેમ દેહમાં જીવ રહે છે તેમ જ રહેતા હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હા, એમ જ રહે છે અને જે એમનો સમાગમ કરે તેમને પણ એવી જ સ્થિતિવાળા ને એવા જ સ્વતંત્ર કરે છે.
(૬) ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, વીજળીના અગ્નિ જેવા તથા વડવાનળ અગ્નિ જેવા મુક્તનાં લક્ષણ શાં હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બ્રહ્મકોટિના અને મૂળઅક્ષરકોટિના સુખમાં ને ઐશ્વર્યમાં લેવાય નહિ તે સાધનદશાવાળા એકાંતિક વીજળીના અગ્નિ જેવા જાણવા. શ્રીજીમહારાજના તેજરૂપ ધામમાં રહ્યા થકા અહીં મનુષ્ય રૂપે દેખાતા હોય તે સિદ્ધદશાવાળા પરમએકાંતિક તથા મૂર્તિમાં રહ્યા જે અનાદિ તે વડવાનળ જેવા જાણવા.
(૮૭) ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, સર્વે મૂર્તિઓ શ્રીજીમહારાજ પોતે જ છે ત્યારે એ સર્વે મૂર્તિઓનું ધ્યાન થાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ મૂર્તિઓ પોતાના સંકલ્પે કરી દેખાડી છે, માટે એ મૂર્તિઓ સંકલ્પની છે, તેનું ધ્યાન થાય નહિ અને મુક્તનું પણ ન થાય. ધ્યાન તો પોતે શ્રી સહજાનંદ સ્વામી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ઘનશ્યામ મહારાજ એવા નામની પધરાવી છે તે મૂર્તિઓનું કરવું.
(૮) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજ તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે. તેમને શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય કહ્યાં તે શિષ્યનો શો અર્થ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, રામાનંદ સ્વામીને પોતાની મૂર્તિનું સુખ આપનારા એમ સેવા કરનારા માટે શિષ્ય એમ સમજવા.
(૯) પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મુક્તને જોગે કરીને મુક્ત થયેલાનો જે જોગ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેવુ અનાદિમુક્તના જોગવાળાનું કલ્યાણ થાય છે તેવું જ તેના જોગવાળાનું કલ્યાણ થાય છે.