(૩૧) પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બ્રહ્મનો અર્થ શો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બ્રહ્મ એટલે ભગવાન જાણવા. તે ભગવાનરૂપ થયો એટલે મુક્તની પંક્તિમાં ભળ્યો. પણ જ્યાં સુધી જે દેહે સાધન કરીને મુક્તની સજાતિ થયો છે તે દેહનો યોગ છે, ત્યાં સુધી મુક્તના જેવું સ્વતંત્રપણું જે બીજા જીવોને મહારાજના સુખમાં લઈ જવા એ સામર્થી એને મળતી નથી.
(૩૨) પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મોટાને દેન દેવા જાય છે ત્યારે ઉત્સવ કરતાં કરતાં કેમ લઈ જાય છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રાકૃત લોકની પેઠે પ્રસિદ્ધ રોવું-કૂટવું નહિ પણ અંતરમાં તો શોક કરવો; પણ પ્રાકૃત જીવ જેમ દેહના સંબંધનો શોક કરે છે તેમ ન કરવો. જીવના સંબંધનો શોક તો કરવો જ કેમ કે જીવન ગયું એમ જાણીને શોક કરે તો શ્રીજીમહારાજ રાજી થઈને ભજન, સ્મરણ આદિક સાધનમાં સહાય કરે છે, પણ શોક ન કરે ને રાજી થાય તો મહારાજ કુરાજી થાય છે. જેમ મંદિર બળતું હોય તેને દેખીને કોઈ રાજી થાય તો મંદિરમાં ભગવાન રહ્યા છે તે કુરાજી થાય તેમ; માટે શોક કરવો પણ રાજી ન થાવું.
(૩૩) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જીવમાં મહારાજ પધરાવ્યા ક્યારે કહેવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે મોટા મળે ને નવો જન્મ આપે ને આશીર્વાદ આપે, તેમાં મૂર્તિ પધરાવી દે. તે મૂર્તિનું ધ્યાન કરે તો મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને ધ્યાન ન કરે તો અંત સમયે મોટા મૂર્તિનો મેળાપ કરાવે.
(૩૪) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એકને તો મૂર્તિની સ્મૃતિ જ રહે છે ને એકને તો સાક્ષાત્કાર છે, એ બેયને વ્યતિરેક સ્વરૂપ પ્રાપ્તિ હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો વ્યતિરેક જ છે, કેમ જે જે મૂર્તિનો સાક્ષાત્કાર છે તે જ મૂર્તિની સ્મૃતિ છે. પણ જેમ બાળકનો વિવાહ સંબંધ જ્યાં થયો હોય ત્યાં વૃત્તિ રહે છે પણ પરણીને ઘેર આવે ત્યારે સુખ આવે તેમ સ્મૃતિવાળાને સાક્ષાત્કારવાળા જેવું સુખ ન હોય એટલો ફેર છે.
(૩૫) પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામી તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે તેમને ભૂંડા દેશકાળાદિક લાગે એમ કહ્યું તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો સાધનિકને બીક લગાડવા માટે કહ્યું છે, પણ એ તો શ્રીજીમહારાજના જેવા જ સમર્થ છે ને માયાને નર્ક તુલ્ય જાણે છે.
(૩૬) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ચાર પ્રકારના મુક્તના ભેદ કહ્યા છે તે કેવી રીતે સમજવા? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ ભેદ સાધનદશાવાળા મુક્તની સ્થિતિના છે.
(૩૭) પછી વળી સ્વામીએ પૂછ્યું જે, અમદાવાદના ૬ઠ્ઠા વચનામૃતમાં અક્ષરધામને વિષે મહોલ, બાગ, બગીચા કહ્યા છે તે કેવી રીતે સમજવા? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ પૃથ્વીને વિષે જે જે ગામોમાં જેને જેને ઘેર શ્રીજીમહારાજ વિરાજ્યા તે સર્વે શ્રીજીમહારાજને સબંધે કરીને અક્ષરધામ તુલ્ય દિવ્ય જાણવા; માટે આ લોકને વિષે શ્રીજીમહારાજ જેને ઘેર વિરાજ્યા તે મહોલ જાણવા; અને જેના ગોખમાં, ઝરૂખામાં, બાગમાં, બગીચામાં જ્યાં જ્યાં વિરાજ્યા તે સર્વે અક્ષરધામ તુલ્ય જાણવા.
(૩૮) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મધ્ય પ્રકરણના ૬૪મા વચનામૃતમાં ભગવાનની યોગમાયાએ કરીને પચાસ કોટિ યોજન પૃથ્વી તે પ્રલયને વિષે પરમાણુરૂપ થઈ જાય છે એમ કહ્યું છે, તે માયાનો શો અર્થ સમજવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માયા તે સમૃદ્ધિને જાણવી. શ્રીજીમહારાજ સર્વેના સ્વામી છે અને બીજું સર્વે છે તે શ્રીજીમહારાજની માયા એટલે સમૃદ્ધિ છે. અક્ષર છે તે મહારાજની માયા એટલે સમૃદ્ધિ છે, અને બ્રહ્મ છે તે અક્ષરની માયા એટલે સમૃદ્ધિ છે, અને મૂળપુરૂષ છે તે બ્રહ્મની માયા એટલે સમૃદ્ધિ છે એમ જાણવું; પણ પ્રકૃતિરૂપ માયા છે તે આ ઠેકાણે ન જાણવી.
(૩૯) પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એ તો શ્રી પુરષોત્તમને સજાતિ થયા ત્યારે સ્વામી-સેવકપણું કેમ રહે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ બાપને વિષે પુત્રને બાપપણાનો ભાવ રહે છે અને જેમ રાજાને વિષે રાણીને સ્વામીપણાનો ભાવ રહે છે, તેમ સ્વામી-સેવકપણું રહે છે. મહારાજનું આપ્યું સુખ ભોગવે છે માટે મહારાજ દાતા છે ને મુક્ત ભોક્તા છે, તેથી સ્વામી-સેવકપણું રહે છે. તે મધ્ય પ્રકરણના ૬૭મા વચનામૃતમાં કહ્યું છે જે, મેં જેવા ભગવાનને જાણ્યા તેવો તો ભગવાને મને કર્યો છે અને વળી મારા જેવા તો અનંત છે, માટે શ્રી પુરુષોત્તમરૂપ થાય છે, તોપણ શ્રી પુરુષોત્તમ સર્વેને પર ને પર ભાસે છે. એ પ્રતાપ ને સામર્થી જોઈને સ્વામી-સેવકપણું અતિશય દ્રઢ થાય છે. જેમ અગ્નિમાં કાષ્ઠ નાખીએ તે બળી જાય છે ત્યારે અગ્નિરૂપ થઈ જાય છે, પણ કાષ્ઠથી મૂળ અગ્નિ જુદો છે, તેમ મુક્ત પુરુષોત્તમરૂપ થઈ જાય છે, તોપણ પુરુષોત્તમમાં ને મુક્તમાં જુદાપણું રહે છે જેમ જળમાં માછલાં રમે છે તેમ મહારાજની મૂર્તિમાં મુક્ત રમે છે ને નવાં નવાં સુખ લે છે પણ પાર પામતા નથી.
(૪૦) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ભક્તચિંતામણિના પરચામાં ઝીણાભાઈને શ્વેચદ્વીપમાં દીઠા એમ લખ્યું છે એનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્વેત એવું જે તેજ તેનો દ્વીપ કહેતાં સમૂહ એટલે તેજનો સમૂહ જે અક્ષરધામ તેમાં દીઠા એમ કહ્યું છે; પણ પરોક્ષ શ્વેતદ્વીપ છે ત્યાં દીઠા એમ ન જાણવું.