વાર્તા 41 થી 50

(૪૧) પછી વળી સ્વામીએ પૂછ્યું જે, નિયમ કયા જાણવા ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ ને ધર્મામૃત એમાં કહ્યા પ્રમાણે વર્તવું એ નિયમ જાણવા ને તે પાળવા.

(૪૨) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, પ્રથમ પ્રકરણના ૭૦મા વચનામૃતમાં ચોથા પ્રશ્નમાં ચોરનું દ્રષ્‍ટાંત દીધું છે. તેમાં ગામ તે શું જાણવું ? ચોર કોને જાણવા ? સાધુ કોને જાણવા ? પગ તે શું જાણવું ? કાંટો કયો જાણવો ? અને પગ સૂણ્‍યો તે શું જાણવું ? રાજા કોને જાણવા ? અને ખજીનો શો જાણવો ? ધર્મ તે શું જાણવું ? માબાપ કોને જાણવા ? સગાં કોને જાણવા ? લશ્‍કર તે શું જાણવું ? અને શૂળી તે કઈ જાણવી ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, ગામ એટલે જગત જાણવું. ચોર તે જીવ જાણવો, સાધુ તે સત્‍પુરુષ જાણવા, પગ તે અંત:કરણ જાણવું અને કાંટો તે જ્ઞાન જાણવું. અંત:કરણ જ્ઞાને કરીને પૂર્ણ થાય તે પગ સૂણ્‍યો જાણવો. રાજા તે ભગવાન જાણવા અને ખજીનો તે શાસ્‍ત્ર જાણવા. ધન તે વિષય જાણવા ને માબાપ તે પ્રકૃતિપુરુષ જાણવા. સગાં તે ઇંદ્રિયો જાણવી અને લશ્‍કર તે કાળ જાણવો. શૂળી તે યમપુરી જાણવી. જો જીવ ભગવાનની બાંધેલી શાસ્ત્રમર્યાદા મૂકીને વિષય ભોગવે તો કાળ આવીને યમપુરીમાં લઈ જાય, ને ત્‍યાં મહા દુ:ખ ભોગવવાં પડે. શ્રીજીમહારાજે શાસ્‍ત્રમાં જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે વર્તતા હોય એવા સાધુનો સંગ કરે ત્‍યારે તે સત્‍પુરૂષ તેને આત્‍મા–પરમાત્‍માનું જ્ઞાન કહે. તે જ્ઞાને કરીને અંત:કરણ પૂર્ણ થાય તે પગ સૂણ્યો કહેવાય. તે અંત:કરણ વિષયસંબંધી સંકલ્‍પ કરે નહિ એટલે સાધુ તેની સહાય કરે અને જન્‍મમરણ તથા યમયાતનાનાં દુ:ખ ટાળીને શ્રીજીમહારાજ ધામમાં લઈ જાય એમ સમજવું.

(૪૩) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, છેલ્‍લા પ્રકરણના ૨૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને વન, પર્વત અને જંગલમાં જ રહેવું ગમે છે; પણ મોટાં મોટાં શહેર – પાટણ ગમતાં નથી. તે વન-પર્વતાદિક શું સમજવું ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, પર્વતને ઠેકાણે મહારાજની મૂર્ત‍િ જાણવી, વનને ઠેકાણે મુક્તનો સમૂહ જાણવો અને જંગલને ઠેકાણે અક્ષરધામ જાણવું તેમાં અમારા મુક્તોને રહેવું ગમે છે, પણ પાટણને ઠેકાણે અક્ષરકોટિ અને શહેરને ઠેકાણે બ્રહ્મકોટિ તેમાં રહેવું ગમતું નથી; તો પ્રકૃતિપુરુષના લોકમાં તો રહેવું ગમે જ કેમ ? એમ મહારાજે કહ્યું છે.

(૪૪) સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહિમા સમજવાનો શો ઉપાય છે ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, શ્રદ્ધા સહિત શ્રીજીમહારાજનાં વચન પાળવા માંડે તે જેમ જેમ પાળતો જાય એટલે વચનમાં વર્તતો જાય તેમ તેમ અંતરમાં સિદ્ધતા થાતી જાય ને બ્રહ્મભાવને પામતો જાય ને સાક્ષાત્ શ્રીજીમહારાજના સુખનો અનુભવ થાય ત્‍યારે મહિમા જણાય.

(૪૫) સ્‍વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, કારણ મૂર્ત‍િનું ધ્‍યાન શી રીતે કરવું ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, મૂર્ત‍િના તેજમાં પોતાના આત્‍માને લીન કરીને એ તેજરૂપ પોતાને માનીને એ તેજમાં મૂર્ત‍િ ધારવી. તે મૂર્ત‍િ ધારતાં ધારતાં દેહને ભૂલી જવાય ને ઉપશમ થઈ જાય તે ખરું ધ્‍યાન કહેવાય.

(૪૬) પછી વળી સ્‍વામીએ પૂછ્યું જે, પુરુષોત્તમના પ્રકાશરૂપ થઈને એકરસપણાને પામી ગયા પછી જાણપણું રહેતું હશે કે નહીં ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, આ દેહરૂપી આવરણમાં રહ્યા થકા પણ જ્ઞાને કરીને આટલું ઓળખાય છે તો જ્યારે આવરણ ટળીને દિવ્યદ્રષ્ટ‍િ  થાશે ત્‍યારે ઓળખાય તેમાં શું કહેવું ? ત્‍યારે તો જાણપણું બહુ રહેશે. જેમ હું મૂર્ત‍િમાં રહ્યો છું ને સુખ લઉં છું તેમજ સર્વે મુક્ત મૂર્ત‍િમાં રહ્યા છે ને સુખ લે છે, એવું જાણપણું રહે છે.

(૪૭) પછી વળી સ્‍વામીએ પૂછ્યું જે, ચરણની સેવા કરવી એમ કહે છે તે કેવી રીતે સમજવું ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, ચરણની સેવા એટલે મૂર્ત‍િની સેવા જાણવી. ચરણની સેવા કહેવી તે નમ્ર વાણી છે. જે દાસ હોય તે એવી રીતે નમ્રતાપૂર્વક બોલે. એમ દાસને બોલવાની રીતિ છે એમ જાણવું; માટે ચરણસેવા એટલે સમગ્ર મૂર્ત‍િની સેવા જાણવી.

(૪૮) સ્‍વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, વરતાલના ૧૧મા વચનામૃતમાં ભગવાન તથા ભક્ત તથા બ્રાહ્મણ અને કોઈક ગરીબ મનુષ્‍ય, એમના દ્રોહથી અમે બીએ છીએ, એમ મહારાજે કહ્યું છે; તે ગરીબ કોને જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્‍યા જે, સદ્. શ્રી હરિનારાયણદાસજી સ્વામીના જેવા સ્વાભાવ હોય તથા ઢુવાવાળા દરબાર રવાજીભાઈના જેવા સ્વભાવ હોય તેવાને ગરીબ જાણવા. જેમાં એવાં લક્ષણ ન હોય અને કદાપિ સાધુને વેષે હોય તોપણ ગરીબ ન જાણવા ને સાધુ પણ ન જાણવા.

(૪૯) સ્‍વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહારાજને અને મોટાને રાખવાનો શો ઉપાય હશે ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, જેણે મહારાજને અને મોટાને રાખવા હોય તેણે અંત:કરણ શુદ્ધ રાખવું. જેવા માંહી તેવા બહાર રહેવું, પણ કોઈ પ્રકારનું કપટ કે યુક્ત‍િ રાખવા નહીં.

(૫૦) પછી વળી સ્વામીએ પૂછ્યું જે, મોટા રાજી થાય ત્‍યારે આવરદા પૂરી કરાવે કે નહીં ? ત્‍યારે બાપાશ્રી બોલ્‍યા જે, મોટા બહુ રાજી થાય તો આવરદા પડી રહે ને મૂર્ત‍િમાં લઈ જાય, અને કોઈકને રાખવા હોય તો આવરદા ન હોય તોપણ રાખે.