બાપાશ્રીની સેવામાં રાજીપો

પુષ્પ ૧ : બાપાશ્રીની અંગત સેવા

સદ્‌. મુનિસ્વામી એટલે સેવાની મૂર્તિ.

બાપાશ્રીના સાંનિધ્યમાં રહેવાનો જ્યારે જ્યારે પ્રસંગ બને ત્યારે નાની-મોટી બાપાશ્રીની જે કાંઈ સેવા મળે તે સહર્ષ સ્વીકારી લે. સેવાની જાણે રાહ જોતા હોય - તક શોધતા હોય તેવું લાગે.

બાપાશ્રીને વિષે અપ્રતિમ પ્રીતિ અને દિવ્યભાવના કારણે ગૃહસ્થ હોવા છતાં એ વાતનો અખંડ દૃઢાવ વર્તતો હતો કે, “આ દિવ્ય સ્વરૂપ (બાપાશ્રી) મારા સુધી હોય જ ક્યાંથી ?! ક્યાં એ અને ક્યાં હું ?! એમનાં દર્શન, એમનો સ્પર્શ, એમની વાણી, એમનો સંબંધ અને એમની આ સેવા મારા સુધી હોય જ ક્યાંથી ? એટલે જ ટાણે ટાણે બાપાશ્રીની રુચિ-અરુચિ જાણી ભૂખ, તરસ, થાક, ઊંઘ-ઉજાગરાની પરવા કર્યા વગર એકમાત્ર બાપાશ્રીના રાજીપા સામે દૃષ્ટિ રાખી પોતે અદના સેવક થઈને રહ્યા.

બાપાશ્રીને જગાડી દાતણ કરાવવું, ધોતિયું મૂકવું, જળ ગરમ કરી આપવું, સ્નાન કરાવવું, પૂજા પાથરવી, તિલક-ચાંદલો કરવો, હાથ ઝાલી બેઠા કરવા, ચરણ દાબવા, વગેરે સેવા (પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન) એટલા અહોભાવથી કરતા કે જેવી સેવા મૂળજી બ્રહ્મચારી મહારાજની કરતા .

પોતે સ્વયં મૂર્તિના સુખે સુખિયા હોવા છતાં મોટાપુરુષનો રાજીપો કેવી રીતે લેવો, રાજીપાનો કેવો આગ્રહ હોવો જોઈએ, મોટાપુરુષને વિષે દિવ્યભાવ કોને કહેવાય, આગવી પ્રીતિ કોને કહેવાય, સેવકભાવ કોને કહેવાય, સેવાની ભૂખ અને ગરજ કોને કહેવાય એવું દિવ્ય ભણતર, વગર ઉપદેશે અનંતને ભણાવવા જાણે પોતે પધાર્યા હોય તેવું જણાઈ આવે.

બાપાશ્રીનો રાજીપો લેવાનો એવો પ્રચંડ આગ્રહ કે,“બસ, ક્યારે રાજી કરી લઉં ? શું કરું તો બાપા રાજી થાય ?” અને એટલે અનેક મનુષ્યચરિત્ર જોવા છતાં અને મનુષ્યભાવ દેખાડતા હોવા છતાં સદ્‌. મુનિ સ્વામીશ્રીને બાપાશ્રીને વિષે ક્યારેય મનુષ્યભાવનો સંકલ્પ તો ન થયો (હોય જ શાનો ?) પરંતુ જે જે જોગમાં આવ્યા તેના જીવમાં મહારાજ-બાપા પધરાવી દીધા.

“બાપાશ્રીની સેવા એટલે જાણે મૂર્તિસુખના મેવા” એવા ભાવથી-અહોભાવથી સેવા થવાનું કારણ હતું, મુનિસ્વામીને બાપાશ્રી વિષે દિવ્યભાવનો દૃઢાવ.

સદ્‌. મુનિસ્વામી ઘણી વખત કહેતા કે, “બાપાશ્રીની સેવામાં ક્યારેય ભૂખ-તરસ, થાક-ઉજાગરો લાગે જ નહીં. વાયુભક્ષણ કરે અને ઊંધે માથે લટકે કે હજારો વર્ષ તપ કરે પણ આ બાપો ન મળે !

પુષ્પ ૨

વિ.સં. ૧૯૭૨માં બાપાશ્રી છપૈયે જવા માટે નીકળ્યા હતા, ત્યારનો પ્રસંગ છે.

સદ્‌. મુનિસ્વામી પણ બાપાશ્રીની સાથે જ હતા.

એ જમાનામાં વાહનોની બહુ સગવડ નહોતી એટલે પગપાળા બધે ફરવું પડે.

બાપાશ્રી મૂળી થઈને લીલાપુર, સેડલા તથા બજાણા આદિ ગામોમાં વિચરણ કરતાં કરતાં અનેકને સુખિયા કરતાં અને પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરતાં જ્યારે પાટડી પધાર્યા ત્યારે ત્રણ દિવસ થયા.

પગપાળા ચાલવાનું અને એમાંય વળી બાપાશ્રીની (અવરભાવની દૃષ્ટિએ) વૃદ્ધાવસ્થા એટલે ચાલવામાં તકલીફ પડે. જમાડવાનું-પોઢવાનું વહેલું-મોડું થાય. છતાં મુનિસ્વામી પોતે બાપાશ્રીનો પડછાયો બની અખંડ જોડે રહેતા અને પોતાના દૈહિક સુખની પરવા કર્યા સિવાય એકમાત્ર બાપાશ્રી સામે દૃષ્ટિ રાખી ભાર-ભીડો અને તકલીફ શાની ? એવા ભાવથી સેવા કરતા રહ્યા અને સૌથી વહેલા જાગવાનું-મોડા પોઢવાનું, તેમાંય વળી બધાને જમાડીને જમવાનું. શરીર ક્યાંથી ખમે ? એમ કરતાં જ્યારે પાટડી પધાર્યા ત્યારે મુનિ સ્વામીશ્રીને ૩-૩ દિવસ અને રાતના અખંડ ઉજાગરા. એક મટકું પણ નહિ મારેલું. સેવાનો કેવો આગ્રહ ? રાજીપાની કેવી ભૂખ ? સ્વસુખ તરફ દૃષ્ટિ જ નહીં. દૈહિક સુખની તો પરવા જ નહીં. બસ, બાપાશ્રીની શું મરજી છે ? એમને તકલીફ તો નહિ પડે ને ? મને ભલે પોઢવા ન મળે. પણ બાપા પોઢે છે ને ? બસ, એમનું સુખ એ મારું સુખ. મારે એમને રાજી કરી જ લેવા છે.

દિવ્ય સ્વરૂપ બાપાશ્રીથી આ વાત અજાણી થોડી હતી ? અને ચોથા દિવસે જ્યારે બાપાશ્રી પાટડી પધાર્યા ત્યારે બાપાશ્રીએ કહ્યું, “મુનિ ! પોઢો. તમે બહુ ઉજાગરા કર્યા હોં! તમે અમારી બહુ સેવા કરો છો. અમે તમને મહારાજ પાસે બહુ મોટી મોજ અપાવીશું.”

પાટડીમાં પ.ભ. કાળીદાસભાઈના જૂના ઘેર મેડા ઉપર બાપાશ્રીનો ઉતારો રાખ્યો હતો. સવાર થઈ અને નિત્ય ક્રિયા કરી સૌ પરવારવા લાગ્યા ત્યારે મુનિસ્વામીએ તો (ચોથા દિવસે) થોડો આરામ કર્યો - ન કર્યો અને વહેલા જાગી પૂજા કરી, પરવારી બાપાશ્રીની સેવામાં જોડાઈ ગયા અને બાપાશ્રી દાતણ તથા શૌચવિધિ કરી પધાર્યા ને મેડીના દાદર (સીડી)નું ઢાંકણ વાળી તે પર બાપાશ્રીને પધરાવી શીતળ જળે ચોળી ચોળી સ્નાન કરાવવા લાગ્યા.

પુષ્પ ૩

બાપાશ્રી પાટડીથી વિરમગામ થઈ જેતલપુર પધાર્યા ત્યારે એક દિવસ બાપાશ્રી સભામંડપમાં બિરાજતા હતા. અને સૌને પોતાની દિવ્યવાણીનું સુખ આપતા હતા ત્યારે કથાની પૂર્ણાહુતિ બાદ બાપાશ્રીની મરજી જાણી પોતે જળસેવાની તક ઝડપી લીધી અને જળ લાવી બાપાશ્રીને આપ્યું ત્યારે બાપાશ્રીએ કહ્યું, “સ્વામી ! તમે જળ લાવ્યા ? લાવો ત્યારે. તમારા હાથનું આ જળ ક્યાંથી ?!” એમ કહી બાપાશ્રીએ જળ લીધું પણ સભામાંથી ઊભા થઈ કઠેડે આવી જળ ધરાવ્યું. ત્યારે બાપાશ્રીએ આ નવીન ચરિત્ર કર્યું. તે જોઈ મુનિસ્વામીએ પૂછ્યું, “બાપા ! આમ કેમ ?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સભામાં મોદ સળંગ હતી ને તેમાં કોઈ અભરુ માણસ હોય માટે ન પીધું.”