“ચંદ્રને જો નીરખે ના એક પલ ચકોરી, ત્યજી દે એ પ્રાણને વિયોગે ઝૂરી ઝૂરી;
અદ્ભુત આ બંધન છે ના ભુલાય એવું, ચંદ્ર ને ચકોરીની પ્રીતડીના જેવું.”
કવિએ આ પંક્તિમાં ચકોર પક્ષીને ચંદ્રની સાથે કેટલું હેત છે તેનું વર્ણન કરતાં કહ્યું છે કે, “ચકોર પક્ષી ચંદ્રને જોઈને જ જીવે છે. ચંદ્ર ઉદય થતાં અને દર્શન થતાં અંતરમાં ટાઢું ટાઢું થાય છે આમ આ ચકોર ચંદ્રને નીરખ્યા જ કરે, નીરખ્યા જ કરે. પણ જો ચંદ્રનાં દર્શન ન થાય તો પોતે પોતાના પ્રાણનો પણ ત્યાગ કરી દે છે.
એમ ચંદ્ર ને ચકોરના દૃષ્ટાંતથી આપણે એ સમજવાનું કે હેત કરવા જેવા તો એક હરિવર અને તેમના મુક્ત છે. મહારાજ અને મોટાપુરુષ સાથે જેણે આત્મબુદ્ધિ કરી હોય તે દર્શન, સ્પર્શ, સેવા, સમાગમ વગર રહી જ ન શકે. દેહે કરીને હજારો ગાઉ દૂર રહેવાનું થાય તોપણ એ જ આલોચ હોય કે, “ક્યારે એમનાં (મહારાજ અને મોટાપુરુષનાં) દર્શન થાય ? ક્યારે એમનો સ્પર્શ થાય ? ક્યારે એમની સેવા મળે ? ક્યારે એમની વાણી સાંભળવા મળે ? ક્યારે એમની જોડે રહેવા મળે ?” અને નાનું બાળક જેમ પોતાની માતાને છોડીને ક્યાંય જાય નહિ અને સદા તેનું સાંનિધ્ય જ ઇચ્છે એમ જ્યારે માતૃવત્સલ સ્નેહ મહારાજ અને મુક્તની સાથે થાય ત્યારે વગર દાખડે - વગર સાધને સર્વે સાધનની સમાપ્તિ થઈ જાણવી.
બાપાશ્રી કચ્છમાં બિરાજે અને મુનિ સ્વામીશ્રીને રહેવાનું અમદાવાદ. પોતાના ગુરુની સાથે; તો વળી ક્યારેક સદ્ગુરુ આદિ સંતોની સાથે એકાદ-બે વર્ષે જવાનો મેળ પડે.
ચકોર પક્ષી સમા આપણા સમર્થ સદ્. મુનિસ્વામીને બાપાશ્રીનાં દર્શન, સેવા, સમાગમ અને રાજીપાનો એવો આગ્રહ અને આલોચ કે ક્યારે કચ્છમાં જવાનું થાય ? અને ક્યારે બાપાનાં દર્શન, સેવા, સમાગમનો લાભ મળે ?
વળી, ક્યારેક પોતાને મળતા આ લાભને કાયમી કરવા ક્યારેક દિવ્યભાવે પ્રાર્થના પણ કરતા કે, “હે મહારાજ ! હે બાપા ! દયાળુ ! આપ દિવ્ય સ્વરૂપ છો અને આ બ્રહ્માંડમાં દર્શનદાન દો છો અને સૌ સેવકોને સુખિયા કરો છો ત્યારે આ સેવકને પણ તમારી સેવામાં લઈ લ્યો. દયાળુ ! દયા કરી સદા તમારી સાથે રાખો અને નિત્ય નવીન નવીન સુખ આપો. દયાળુ ! દયા કરો, દયા કરો, દયા કરો.”
શ્રીજીમહારાજે જાણે આ પ્રાર્થના સાંભળી હોય તેમ મહારાજની મરજીથી વિ.સં. ૧૯૭૩માં ભૂજના સંત સદ્. શ્રી વિજ્ઞાનદાસજી સ્વામી અમદાવાદ આવેલા અને તેમણે મુનિસ્વામીને કહ્યું કે, “પુરાણી ! હાલ ભૂજ મંદિરમાં સંસ્કૃતમાં કથા કરનાર કોઈ નથી, તો તમે ત્યાં આવો તો સારું. મંદિરમાં કથાવાર્તા કરજો, બીજા સંતોને સંસ્કૃત, કાવ્ય-પુરાણ ભણાવજો અને તમને બાપાશ્રીના સમાગમનો પણ લાભ મળશે.”
સદ્. શ્રી મુનિસ્વામીને, તો ‘ભાવતું ’તું ને વૈદ્યે કીધું’ એવું થયું. પણ વળી વિચાર આવ્યો કે, “ભૂજ જવામાં બાપાશ્રીની મરજી હશે કે નહીં ?”
અને એ જ રાત્રિએ બાપાશ્રીએ મુનિ સ્વામીશ્રીને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “તમારી ઇચ્છા ભૂજ આવવાની છે ને ? ભલે ત્યારે ભૂજ આવો ત્યારે બે મહિના ભૂજ રહેજો અને બે મહિના અમારી સાથે રહેજો.”
અને કમાનમાંથી જેમ તીર છૂટે એમ ઉતાવળા હૈયે વહેલા વહેલા મુનિસ્વામી પોતે કાયમી નિવાસ કરવા ભૂજમાં આવી ગયા.
મુનિ સ્વામીશ્રીના ભૂજ પધાર્યા પછી એક દિવસ બાપાશ્રી પણ ભૂજ પધાર્યા અને ભૂજના સંતોને ભેગા કરી કહ્યું, “આ પુરાણીને બે મહિના ભૂજમાં રહેવાનું અને બે મહિના અમારી સાથે વૃષપુરમાં રહેવાનું એવો ઠરાવ કરીને અમે તેમને લાવ્યા છીએ માટે સૌ સાનુકૂળ થજો.”
આમ, બાપાશ્રીની કૃપાથી. બાપાશ્રીનાં દર્શન, સેવા, સમાગમનો લાભ લેવા માટેનો માર્ગ મોકળો-ખુલ્લો થઈ ગયો.