અનેકને સેવાનો પાઠ શીખવનાર આ મુક્તરાજમાં નાનપણથી સેવાની ભાવના બહુ જોવા મળે. ગામમાં સંતો આવ્યા છે તેની ખબર પડે એટલે પહોંચી જાય સંતોની સેવામાં. સંતોને જોઈ રાજી રાજી થઈ જાય અને નાની-મોટી સેવામાં લાગી જાય.
કિશોર અવસ્થાને પામેલા આ મુક્તરાજ સવાર-સાંજ કીર્તનો બોલે, વચનામૃત વાંચે અને સૌને હરિરસ પીવરાવે. સંતો પણ આ મુક્તરાજનાં દર્શનથી આકર્ષાય અને મુક્તરાજના કંઠે કીર્તનો સાંભળી, વચનામૃત સાંભળી રાજી થાય. એક દિવસ ચાણપરમાં સદ્. શ્રી મોરલીમનોહરદાસજી સ્વામીનું મંડળ આવેલું. મુક્તરાજ હીરાભાઈને આ સમાચાર મળ્યા અને રતનપુરથી પહોંચી ગયા ચાણપર, સંતોની સેવામાં. સંસારનાં બંધનોથી અનેકને છોડાવવા માટે પધારેલા આ મુક્તરાજનો ગૃહત્યાગનો સંકલ્પ પ્રબળ બન્યો અને પોતે મોરલીમનોહરદાસજી સ્વામીને સાધુ થવાનો સંકલ્પ જણાવી દીધો. સ્વામી તો મુક્તરાજનો આ સંકલ્પ જાણી રાજી થઈ ગયા. ઝવેરી આ ‘હીરા’ને પારખતા હતા કે, “આ તો કોઈ જુદું જ વ્યક્તિત્વ છે. સાધુતાની સાક્ષાત્ મૂર્તિ છે.” અને. કોઈનેય પૂછ્યા વગર કે કહ્યા વગર મુક્તરાજ ચાલી નીકળ્યા સ્વામીની સાથે. ચાણપરથી નીકળી પોતે સ્વામીની સાથે સુરેન્દ્રનગર આવી પહોંચ્યા.
પિતાશ્રી માંડણભાઈને પુત્રના ગૃહત્યાગની રતનપુરમાં ખબર પડી અને હૈયું વ્યથિત થઈ ગયું. “આવો હીરો હવે બીજે ક્યાં મળવાનો ?” પરંતુ જાણતા હતા કે આ તો મોટા મુક્ત છે અને સંસારમાં રહેવા નથી આવ્યા. એટલે મન મનાવી આવો દીકરો મળ્યાનો આનંદ પામ્યા. પરંતુ માતા હરિબા પુત્રનો વિયોગ સહન ન કરી શક્યાં અને ચિંતાતુર થઈ ગયાં. પરંતુ ‘હવે હીરો પાછો આવવાનો નથી, એ તો સાધુ થવા ગયો છે’ એવું જાણી માતુશ્રીએ છેલ્લે છેલ્લે પોતાના હાથે કંસાર જમાડવાની ઇચ્છા વ્યક્ત કરી અને પોતાના પતિને થોડા સમય માટે પણ હીરાને લઈ આવવા સુરેન્દ્રનગર મોકલ્યા.
માંડણભાઈ તો આવ્યા સુરેન્દ્રનગર અને મોરલીમનોહરદાસજી સ્વામીને બધી વાત કરી એટલે સ્વામીશ્રીએ એક પાર્ષદની સાથે મુક્તરાજને માંડણભાઈ સાથે મોકલ્યા અને કહ્યું, “જાવ, કંસાર જમાડી, બધાંને રાજી કરતા આવો.” મુક્તરાજ નીકળ્યા તો ખરા પરંતુ અંતરમાં ઇચ્છા નહિ અને એટલે ઘેર આવી ખાટલે બેઠા અને માતા હરિબા તો દર્શન થતાં રાજી થઈ ગયાં ત્યારે પિતા માંડણભાઈ બોલ્યા જે, “હીરાને કંસાર કરીને જમાડો, અને હાથમાં રૂપામહોર તથા શ્રીફળ આપી ચાંલ્લો કરી મોકલો. રાજી થઈ રજા આપો. એ તો અનંતનું સુધારવા જાય છે.”
પછી તો હરિબા હોંશે હોંશે કંસાર કરવા લાગ્યાં. અને તે દરમ્યાન મુક્તરાજે પિતાશ્રી પાસે બે ધોતિયાં માંગ્યાં અને મળ્યાં એટલે ઠાકોરજી જમાડ્યા વગર જ પોતે સાથેના પાર્ષદને લઈ ચાલી નીકળ્યા. માતુશ્રીને આ બધી ખબર પડી એટલે એ તો પુત્રની પાછળ જઈ પાછા વાળવા બૂમો પાડવા લાગ્યા, “હીરા ! ઊભો રહે, એ. હીરા ! ઊભો રહે, બેટા તું ક્યાં જાય છે ?” પરંતુ અતિ દયાળુ એવા આ મુક્તરાજ જાણે કઠોર બન્યા હોય તેમ પાછું વળી જોયા સિવાય ઉતાવળે પગલે ચાલવા જ માંડ્યું. માતુશ્રી તો આ પ્રસંગથી શોકાતુર થઈ ગયાં અને ફળિયામાં જ બેભાન થઈ ઢળી પડ્યાં ને ફરી ભાનમાં આવતાં ચોધાર આંસુએ કલ્પાંત કરવા માંડ્યાં. જ્યારે આ બાજુ મુક્તરાજ ગુરુ પાસે પહોંચી ગયા.
વિ.સં. ૧૯૫૧ના ચૈત્ર સુદ ૯નો એ મહામંગળકારી દિવસ કે જે દિવસે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા. એ જ દિવસે એ જ મહાપ્રભુના સંકલ્પ સમા મુક્તરાજે મહાદીક્ષા ગ્રહણ કરી અને ‘સાધુ કેશવપ્રિયદાસ’ નામ ધારણ કર્યું.