હરિ જયંતીનો સમૈયો હતો. મંદિર સંતો-હરિભક્તોથી ઊભરાતું હતું. સભા ભરાઈ હતી. ત્યાં સભામાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી બાપાશ્રીને લઈને પધાર્યા. સાથે છસો માણસોનો સંઘ પણ હતો. તેથી સૌ દર્શન કરી ખૂબ રાજી થયા.
બાપાશ્રી સૌથી આગળ આસને બિરાજ્યા. માથે છેડા વગરની સાદી ધોળી પાઘડી બાંધેલી. ધોતિયું તથા ઘેરવાળી આંગડી તથા ખભે ખેસ ધારણ કર્યો હતો. વળી સૌથી આગળ ધ્યાનસ્થ બિરાજેલા તેથી સૌની નજર સહેજે ખેંચાઈ જતી. સામે મોટા મોટા સદ્ગુરુ ગાદી-તકિયે બેઠેલા અને પાછળ ઘણા સંતોની ભીડ થયેલી. દિવ્ય સભા શોભી રહી હતી. સભામાં કેશવપ્રસાદજી મહારાજ પણ હતા.
ત્યારે સભામાં સદ્. નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ શ્રીજીમહારાજના મહિમાની વાત કરી કે, “આ સમયે સર્વોપરી ભગવાન ને મુક્ત પધાર્યા છે. ને પળમાત્રમાં આત્યંતિક કલ્યાણ કરે તેવા છે. માટે આવી દિવ્ય સભાનાં જેને દર્શન થાય તેનાં પર અહો કૃપા છે. સૂર્ય ઊગે એટલે તારા ને ચંદ્ર ક્યાંય દેખાય નહીં. તેમ આજ સહજાનંદરૂપી સૂર્ય ઉદય થયો છે ને મુક્ત સર્વે સૂર્યમુખીની જેમ તે મૂર્તિ સન્મુખ જોઈ રહ્યા છે. માટે ક્યાં સર્વોપરી શ્રીજીમહારાજ ને ક્યાં બીજા અવતાર ! આ તો ‘જોવા રાખી નહિ જોડ... પુરુષોત્તમ પ્રગટી રે...’ એવું થયું છે. માટે તે ખાસ સમજવું જે આપણને મળ્યા છે, તે સર્વોપરી ભગવાન છે. આવી દિવ્ય વાતો સમજાવવા શ્રીજીમહારાજે આવા સંત રાખ્યા છે. જુઓને ! આવા સમર્થ બાપાશ્રી સામે ચાલીને દર્શન દેવા આવે તે કેટલી મોટી દયા ?
આ જીવનપ્રાણ બાપાશ્રી તો મહારાજની ઇચ્છાથી જ પ્રગટ થયા છે. વળી પોતે સંકલ્પમાત્રથી અનંત જીવોને ધામમાં લઈ જાય છે. અને આયુષ્ય હોય તોપણ પડી રહે ને ધામમાં મૂકી દે અને આયુષ્ય ન હોય ને કોઈને આ લોકમાં રાખવા હોય તોપણ રાખે એવા સમર્થ છે. અહીં હજુ બે દિવસ પહેલાં જ જેતલપુરમાં સદ્. શ્રી ધ્રુવાનંદ સ્વામીને મહારાજ તેડવા પધાર્યા ને આ સંઘ ધોળકા હતો. ત્યારે બાપાશ્રીને ખબર પડી તેથી બાપાશ્રીએ મહારાજને પ્રાર્થના કરી કે, ‘હે મહારાજ ! આ નંદપંક્તિના છેલ્લા સંત છે. ને આવા મોટા સંતનાં આ સંઘને દર્શન થાય તો સારું.’ એમની પ્રાર્થનાથી મહારાજે ધ્રુવાનંદ સ્વામીને ત્રણ દિવસ રાખ્યા.
પછી આ સંઘ જેતલપુર પહોંચ્યો ને સૌએ ધ્રુવાનંદ સ્વામીનાં દર્શન કર્યાં ને બે દિવસ રોકાયા. પછી શ્રીજીમહારાજે અદ્ભુત પ્રતાપ જણાવી દર્શન દઈ ચંદનની વૃષ્ટિ કરી, તેનાં છાંટણાં આ સંઘના માણસોનાં કેડિયા, પાઘડી ને ખેસ ઉપર પડ્યાં. તેને જોઈને સૌને ખાતરી થઈ અને તે ચંદન લઈને કેટલાકે ગોળીઓ બનાવી છે. તે આ સભામાં બેઠેલા કેટલાકની પાસે પણ છે.” પછી આ સાંભળી સૌ ખૂબ રાજી થયા ને કેશવપ્રસાદજી મહારાજે બાપાશ્રીને મોટો હાર પહેરાવી પૂજન કર્યું. પછી સૌને ખૂબ મહિમા થયો ને સૌએ વારાફરતી પુષ્પના હાર લઈને પૂજનનો લાભ લીધો.
આમ, સ્વયં આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજ પણ બાપાશ્રીનો ખૂબ મહિમા જાણતા અને સર્વે સભાજનોને પણ સદ્.શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ દિવ્યભાવ ને મહિમા સમજાવ્યો હતો.