રાવ કરી રાજીપો આપવા

સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ બાપાશ્રીનો અપાર મહિમા સદ્‌. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને સમજાવ્યો હતો. તેથી સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાશ્રી પાસે એકાંતે જાય, ચંદન ચર્ચે, હાર પહેરાવે, મળે, પ્રાર્થના કરે, દંડવત કરે, વચનામૃતમાંથી પ્રશ્નો પૂછે. ત્યારે બાપાશ્રી પણ તેમનો પ્રેમ જોઈ પ્રસન્ન થકા તેમની સેવા સ્વીકારે, રાજી થાય, માથે હાથ મૂકે, ઉત્તરો આપે તથા મહિમાની ઘણીક વાતો કરે. વળી ક્યારેક બાપાશ્રી ઘણી વાર ધ્યાનમાં બેઠા હોય તો જાગે ત્યારે શરીર દબાવે. ત્યારે બાપાશ્રી કહેતા, “સ્વામી, તમે તો અમારા ગુરુના શિષ્ય છો તેથી તમારો મહિમા સમજવો જોઈએ.” તોપણ સ્વામી ઈશ્વરચરણદાસજી ટાણે ટાણે સેવા કર્યા જ કરે.

એક વાર બાપાશ્રીએ સદ્‌. નિર્ગુણદાસજી સ્વામી પાસે વાત કરી કે, “સ્વામી ! આ તમારા સાધુ ઈશ્વરચરણદાસજી અમારો વધુ પડતો મહિમા સમજે છે. ગમે તેમ તોય અમે ગૃહસ્થ ને તે ત્યાગી તોય અમને દંડવત કરે છે. માટે એમ ન કરે, એવી ભલામણ કરો.” એ સાંભળી સદ્‌. નિર્ગુણદાસજી સ્વામીએ કહ્યું, “તમે ઠીક કીધું. બોલાવો મારી પાસે. મારે પણ થોડુંક કહેવું છે. આમ તો છાની રીતે તો ઘણુંય કહું જ છું પરંતુ આજ તમારી હાજરીમાં જ થોડું કહું.” તેમ કહી સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામીને બોલાવરાવ્યા ને કહ્યું, “આ બાપાશ્રી તમારી ફરિયાદ કરે છે પણ તમને આજ્ઞા કરું છું કે જ્યાં સુધી તમારો દેહ રહે ત્યાં સુધી તમારે એમનો જેવો છે તેવો મહિમા સમજી તેમને ખૂબ રાજી કરવા. તેમનામાં કોઈ દિવસ તર્ક-વિતર્ક ન કરવો. તે તો સ્વામિનારાયણ ભગવાનના જેવા જ સમર્થ છે. માટે મહિમા કહેવામાં કોઈની બીક કે શરમ ન રાખવી ને દંડવત કરીને ખૂબ રાજી કરજો.” ત્યારે સ્વામીશ્રીનાં આવાં વચન સાંભળીને બાપાશ્રી બોલ્યા જે, “અરે ! સ્વામી ! આવી ભલામણ કરવા મેં આપને ક્યાં કહ્યું હતું ?”

પછી સ્વામીશ્રીએ કહ્યું, “આપ તો આપનો મહિમા ન કહો પણ અમે ન કહીએ તો બીજું કોણ કહે ?” પછી પાસે ચંદન-કુમકુમ ને ફૂલહાર હતાં તેનાથી બાપાશ્રીની પૂજા કરાવી. પછી બાપાશ્રીએ ખૂબ રાજીપો બતાવ્યો. ત્યારથી  ઈશ્વરચરણદાસજી સ્વામી બાપાશ્રીને રાજી કરવા તેમના જોગ-સમાગમમાં વધુ ને વધુ રહેતા.