।। શ્રી સ્વામિનારાયણો જયતિ ।।
શ્રી અબજીબાપાશ્રીની વાતો
(ભાગ ૧)
વાર્તા ૧
સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ ૧ પડવેના રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવોને આપવા સારુ પોતાના અનાદિ તથા પરમ એકાંતિકમુક્તોને સાથે લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા અને મુક્તોએ શ્રીજીમહારાજની આજ્ઞાથી શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાની ઘણીક વાતો કરી; પણ કેટલાક જીવ સમજી શક્યા નહીં. ત્યારે મુક્તોએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! કેટલાક જીવ તમારો મહિમા સમજી શકતા નથી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, એમને આજે જ આપણો યોગ મળ્યો છે માટે નવા આદરવાળા છે, તેથી તેમના માન્યામાં આવતી નથી. પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે તે સર્વે દેહ મૂકશે, તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું ને તમને ઉપદેશ કરવા મોકલશું; માટે આજ સર્વે સંસ્કારી જીવ સત્સંગમાં આવ્યા છે અને અનાદિ સ્વતંત્ર મુક્ત પણ આવ્યા છે. તેમનો જોગ કરીને અનંત જીવ મુક્ત થઈને ધામમાં જાય છે. અને જેમ શ્રીજીમહારાજ અનાદિ છે ને સ્વતંત્ર છે તેમજ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. અને જેટલું શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્તનું કર્યું પણ થાય છે. એવા અનાદિમુક્ત સાથે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ કરે અને મન, કર્મ, વચને બહારથી અને અંતરથી જીવ જોડે તો તેને કાંઈ કરવું બાકી રહે નહીં. ને જેવા મુક્ત પોતે શ્રીજીમહારાજના સુખે સુખિયા છે એવો જ સુખિયો તે જીવને પણ કરે.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજના ધામમાં તથા મૂર્તિમાં રહેલા મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમનાં લક્ષણ કેવાં હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એમનો સમાગમ કરે તેના ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે ને મૂર્તિનું સુખ આવે ને છેટે રહે થકે પણ જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય ને એમની પાસે બેઠા હોઈએ તે વખતે માયિક ઘાટ-સંકલ્પ થાય જ નહિ, અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય, એવા કેટલાકને દર્શન આપે અને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને તેને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય અને કોઈને દેહ મૂકવો હોય તો તેને આયુષ્ય હોય તોપણ તેડી જાય એવી સામર્થીવાળા હોય તેને એવા મુક્ત જાણવા.
ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, અનાદિમુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુઃખે દુઃખી થવાય છે, તેમ જ મોટાને દુઃખે દુઃખી થવાય અને મોટાને સુખે સુખી થવાય તે બહારથી જીવ જોડ્યો કહેવાય, પણ એવું થવું અતિ કઠણ છે, કેમ જે સમુદ્રમાં વહાણ કે આગબોટ ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાને તરીને નીકળવાનો સંકલ્પ ન થાય, ને આવા મુક્ત જશે તો હું એકલો રખડીશ ને પત્તરમાં કોઈ અન્ન પણ નહિ આપે ને અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જશે, માટે હું બૂડી મરું ને આ મુક્ત ઊગરે તો ઠીક, એમ થાય; ને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસારે અને પાંચ-સાત દિવસે અન્ન મળે તે એક જણ જમે એટલું જ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે, અને હિમ પડ્યું હોય ને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે ને પોતે ઓઢ્યા વિના જ રહે એવું થાય તો બહારથી જીવ જોડ્યો કહેવાય. અને જેમ નદીમાં થોડુંક પાણી નાંખીએ તે સમુદ્રમાં પહોંચી જાય તેમ મોટા અનાદિમુક્ત છે તે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે. તેમની સાથે આપણો જીવ મેળવીએ એટલે આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો જ થાય એ અંતર્વૃત્તિએ જીવ જોડ્યો કહેવાય. તે મોટા અનાદિ કેવી રીતે જોડાયા છે તો મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિના રોમ રોમનાં સુખ લે છે. ને નવીન નવીન ઇચ્છે છે તે મહારાજ આપે છે. તે સુખ સદા મૂર્તિમાં રહીને ભોગવે છે, પણ બહાર નીકળતા જ નથી. અને જે પરમ એકાંતિકમુક્ત છે તે તો શ્રીજીમહારાજના તેજમાં શ્રીજીમહારાજને સન્મુખ રહીને મૂર્તિમાં જોડાઈને મૂર્તિનું સુખ લે છે.
ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, બહાર સમાગમ કરવાથી જેવું મોટાનું સુખ આવે છે તેવું અંતરમાં ધારવાથી કેમ નથી આવતું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સાધનદશામાં હોય ત્યાં સુધી બહારવૃત્તિમાં સુખ અધિક જણાય, પણ અંતર્વૃત્તિનું સુખ અધિક છે તે જ્યારે સિદ્ધદશા આવે ત્યારે અંતર્વૃત્તિનું સુખ અધિક જણાય, કેમ જે સિદ્ધદશા ન આવી હોય ત્યાં સુધી કાંઈક નાસ્તિકભાવ રહે છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, નાસ્તિકભાવ તે શું ? ને આસ્તિકભાવ તે શું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિઓને વિષે ચિત્ર-પાષાણાદિકનો ભાવ રહે તથા મુક્તને વિષે મનુષ્યભાવ રહે તથા મહારાજ વિના બીજો ઘાટ ઊપજે તેને પૂરો થવા દે પણ થતાં જ તે ઘાટને તોડી પાડે નહિ તે નાસ્તિકભાવ કહેવાય. અને મૂર્તિઓને વિષે સદા દિવ્યભાવ રહે અને મહારાજ અને મુક્તને સદા અંતર્યામી જાણે ને સદા સમીપે જાણે ને સંકલ્પને પૂરો થવા દે નહિ એ આસ્તિકભાવ કહેવાય. અને નાહવા-ધોવામાં, ખાવા-પીવામાં, બોલવા-ચાલવામાં, એ આદિક સર્વે ક્રિયામાં બાળકિયા સ્વભાવ આવી જાય, અને મહારાજની અને મોટાની મર્યાદા ન રહે, અને ભગવાનના મંદિરમાં તથા મોટા સંત-હરિજન પાસે તથા બીજે ઠેકાણે હાંસી, મશ્કરી, ઠઠ્ઠાબાજીના શબ્દો કાઢવા તે સર્વે નાસ્તિકભાવ છે. માટે વિનયે યુક્ત બોલવાનો સ્વભાવ રાખવો; પણ રજ-તમ આદિક ગુણના વેગે ચઢી જવું નહીં. અને વેગે કરીને બોલવું, ચાલવું, ખાવું, પીવું, સૂવું, બેસવું, જોવું, સાંભળવું નહિ અને વેગે કરીને કથા-વાર્તા, માળા, ભજન, ભક્તિ તે પણ ન કરવાં. કેમ જે વેગ ઊતરી જાય ત્યારે ઢીલો પડી જાય, માટે સંત કહે તેમ કરવું, તો સુખી રહેવાય; અને મહારાજ તથા મોટા પોતાના આત્માને વિષે સદા વિરાજમાન છે એમ જાણીને કામ-ક્રોધાદિક માયિક ઘાટ ઊઠવા દે નહિ અને આત્માને વિષે મૂર્તિ છે તેનું અખંડ અનુસંધાન રાખવું તો અંતરમાં મર્યાદા કહેવાય અને તેને મૂર્તિ ન દેખાય તોપણ સાક્ષાત્કાર કહેવાય.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહારાજને રાજી કરવા સારુ કાઠીઓ ટોળ કરતા તેમ હસવું-બોલવું થાતું હોય તે નાસ્તિકભાવ કહેવાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારુ હસવું-બોલવું થાતું હોય તે નાસ્તિકભાવ ન કહેવાય. ।। ૧ ।।
વાર્તા ૨
વૈશાખ વદિ ૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ વાંસ ઘસાઈને વન લાગે છે તેમ કામ, ક્રોધ, લોભ, માન એ સર્વે લગાણાં છે તે દેહને સૂકવી નાખે ને મુઠ્ઠી અન્ન ખાય તોપણ ટળે એવાં નથી. તે સ્વપ્નમાં ને સુષુપ્તિમાં પણ જીવને ઝાલે છે. દોષ છે તે વૈરભાવે ને સ્નેહભાવે એ બે પ્રકારે સ્વપ્નમાં આવીને ઉપવાસ પાડી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરી નાખવું, પણ તેને સંભારવાં નહીં. વૈરભાવની ને સ્નેહભાવની સ્મૃતિ ટાળી નાખવી. મનન કરવાથી ઘાટની મૂર્તિ બંધાય છે માટે મનન કરવું નહીં. એક મૂર્તિ આવે ત્યારે દોષ ટળે, પણ સાધને કરીને ટળે નહીં.
ત્યારે પુરાણી કૃષ્ણજીવનદાસજીએ પૂછ્યું જે, કામ જીત્યાનો શો ઉપાય છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આત્મનિષ્ઠા ને શ્રીજીમહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જિતાય છે. તેમાં આત્મનિષ્ઠા એવી જોઈએ જે આંખોમાં ઊના ગજ નાખે ને કાનમાં ઊનું સીસું કરીને રેડે તોપણ ધીરજ ડગે નહીં. જેમ શ્રી અખંડાનંદ સ્વામીને વાઘ મળ્યા તોપણ બીન્યા નહીં. ને ગોઠપ ગામના કડવા ભક્તને ઘણું જ શૂળ આવતું પણ લગારેય કાયરપણું આવતું નહીં. ને સદાય આનંદમાં રહેતા પણ સકામપણું મનમાં લાવતા નહીં. એટલે કોઈ પ્રકારે શ્રીજીમહારાજની પ્રાર્થના કરતા નહિ જે મટાડો કે તેડી જાઓ, એવા નિષ્કામી હતા ને એવી આત્મનિષ્ઠા હતી.
શ્રી ગોપાળાનંદ સ્વામી સો-દોઢસો સાધુએ સહિત ગામડામાં ફરતાં ફરતાં સારંગપુરની નદીમાં આવ્યા. ત્યાં બેસીને વાતો કરતા હતા. ત્યારે એક સંતે પૂછ્યું જે, આત્મનિષ્ઠાનું શું રૂપ હશે ? ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, બે ઘડી પછી જણાશે. એટલામાં વૈરાગીઓએ આવીને પથ્થર ફેંકવા માંડ્યા, એટલે એ નદીના કાંઠા ઉપર ઘાટી બાવળી હતી, તેમાં સર્વે સંતો પેસી ગયા, તે કાંટા ઘણા વાગ્યા, અને ગામમાંથી મનુષ્યો આવતા દેખીને વૈરાગી જતા રહ્યા. પછી તે મનુષ્યોએ જાણ્યું જે, આ બાવળીમાં વૈરાગી પથ્થર નાખતા હતા તે કોઈને મારતા હશે, એમ જાણીને બોલ્યા જે, વૈરાગી જતા રહ્યા છે. માટે બાવળીમાં કોઈ હોય તો બહાર આવો. પછી સંત બહાર નીકળ્યા ને શ્રી ગોપાળાનંદ સ્વામીને કહેવા લાગ્યા જે, કાંટેથી શરીર ભરાઈ રહ્યાં છે તે પૃથ્વી ઉપર પગ મુકાતા નથી ને સુવાતું-બેસાતું પણ નથી. પછી સ્વામીશ્રીએ સત્સંગી પાસે ચીપિયા મંગાવીને સર્વેના કાંટા તાણી કાઢ્યા, ને રાખ ભભરાવીને રૂ દબાવ્યું, ને ધીરે ધીરે ગઢડે લાવ્યા. અને સંતો મહારાજનાં દર્શન કરીને પોતાને થયેલી પીડા કહેવા લાગ્યા, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ગોપાળાનંદ સ્વામીના કાંટા કાઢ્યા છે કે નથી કાઢ્યા ? ત્યારે સંતે કહ્યું જે, તેમના કાંટા તો નથી કાઢ્યા. પછી શ્રીજીમહારાજે પોતે ચીપિયેથી સ્વામીશ્રીના કાંટા કાઢ્યા તે પોણો શેર થયા પણ સ્વામીશ્રી કાંઈ બોલ્યા નહિ, એવી આત્મનિષ્ઠા જોઈએ ! અને માન-અપમાન, સુખ-દુઃખ, હર્ષ-શોક, શત્રુ-મિત્ર એ સર્વે સરખું થઈ જાય ને કામ, ક્રોધ, લોભ, ભય એમાં ન લેવાય એવી આત્મનિષ્ઠા હોય. અને મહાત્મ્ય એવું જોઈએ જે પ્રકૃતિપુરુષ અને તેનું કાર્ય તે અતિ તુચ્છ થઈ જાય અને મહાપ્રભુજીને બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિ તે થકી પર જાણે અને સર્વેના અંતર્યામી જાણે અને બીજું વ્યતિરેકપણું સમજે જે સર્વેમાં અન્વયપણે એટલે પોતાના તેજ દ્વારે રહ્યા થકા મૂર્તિમાન વ્યતિરેક જુદા છે. આવો મહિમા સમજે તો સર્વે તુચ્છ થઈ જાય છે. પછી ખાન, પાન, માન, મહોબત, પદાર્થ તેમાં માલ મનાય નહીં. અને કોઈ શબ્દ બોલે તેની કિંમત કરે નહિ જે, આમ બોલ્યો કે આમ બોલ્યો. નિંદા-સ્તુતિ સરખાં થઈ જાય; અને એક શ્રીજીમહારાજ સાંભરે તો કામ જિતાઈ જાય. અને જો અંતર્યામીપણાની ને અન્વય-વ્યતિરેકપણાની વાતો કરે ને જો મર્યાદા ન રહે તો તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. તેણે કરીને મહાપ્રભુજી વિના અન્યમાં પ્રીતિ હોય તે ટળે નહીં. એ તો જ્યારે લક્ષ્યાર્થ જ્ઞાન થાય ત્યારે ક્યાંય પ્રીતિ રહે નહીં. પણ જીવને નાસ્તિકપણું ઘણું રહે છે તેથી વિષયને ને દેહને વશ થઈને મર્યાદા લોપે છે ને ઇન્દ્રિયોને લાડ લડાવે છે ને ઇન્દ્રિયો માગે તે આપે છે, પણ મહારાજની તથા મોટાની બીક રહેતી નથી તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય; અને મહારાજને અંતર્યામી જાણે ને યથાર્થ મર્યાદા પાળે તે લક્ષ્યાર્થ જ્ઞાનવાળો કહેવાય અને તે સત્સંગી કહેવાય. આવું લક્ષ્યાર્થ જ્ઞાન શ્રીજીમહારાજના પરમએકાંતિક તથા અનાદિમુક્તના જોગે કરીને થાય છે. તે જોગ કર્યો ક્યારે કહેવાય તો જેમ પાણી લાગે છે તેમ અંગ ફરી જાય, ને સર્વ સત્સંગ પ્રમાણ કરે ત્યારે જોગ કર્યો કહેવાય, અને જોગ કરીએ છતાં શબ્દ લાગે ને સ્વભાવ રહે અને ધ્યાન-ભજનમાં વિક્ષેપ થાય તો સંગ કર્યો ન કહેવાય. માટે અંગ ફરે એવો સત્સંગ કરવો ને સર્વે ક્રિયામાં મહારાજને ને મોટાને અંતર્યામી જાણીને બીક રાખવી તો યથાર્થ મહાત્મ્ય જાણ્યું કહેવાય અને કામ જિતાઈ જાય.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, કામ મૂળમાંથી બળી જાય તેનો શો ઉપાય હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની નાની-મોટી સર્વે આજ્ઞાઓ પાળે ને પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને તે તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિ ધારે, એમ ધારતાં ધારતાં જ્યારે પોતાના આત્માને વિષે મહારાજની મૂર્તિ દેખે ત્યારે કામાદિક દોષ ટળી જાય છે. અને બીજો ઉપાય એ છે જે, મહાપ્રભુજીને મળેલા મુક્ત મળે અને તેમની છાયા પડે એટલે તેમનો અત્યંત રાજીપો થઈ જાય તો કામાદિક સર્વે દોષ બળી જાય છે અને મહાપ્રભુજીને સુખે સુખિયો થઈ જાય છે. એટલી વાત કરીને પછી કથાની સમાપ્તિ કરી. ।। ૨ ।।
વાર્તા ૩
વૈશાખ વદિ ૩ના રોજ બાપાશ્રી કેરે પધાર્યા હતા. અને પછી કેરેથી વૃષપુર આવતાં કેરાની નદીના ધરામાં પોતે નાહવા પધાર્યા. ત્યાંથી મૂળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજીને તથા બીજા એક સંતને મોકલીને વૃષપુરના મંદિરમાંથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા પુરાણી કૃષ્ણજીવનદાસજી તથા સ્વામી હરિવલ્લભદાસજી આદિક સંતોને તથા પ્રાણશંકરભાઈ આદિક હરિભક્તોને તેડાવીને પ્રસાદીના ધરામાં બેસારીને સર્વેને માથે ખોબે ખોબે પાણી રેડીને નવરાવ્યા ને મસ્તકે તથા બરડે હાથ ફેરવ્યા ને બોલ્યા જે, તમો સર્વે તાપમાં આવ્યા છો તે તડકો બહુ લાગ્યો છે તે ટાઢા કર્યા, ને પછી તુંબડી વડે સર્વે સંતોના મુખમાં પોતે પાણી રેડીને પાયું, અને ખોબા ધરાવરાવીને ખોબામાં પાણી રેડીને સર્વેના ઘાટ બંધ થઈ જશે એ વર દીધો. ને પછી ફેર ખોબામાં પાણી ધરાવીને વર દીધો જે તમારા સર્વેનું આત્યંતિક કલ્યાણ થાશે. ને પછી સર્વેના ઉપર ખોબે ખોબે પાણી રેડીને ફેર નવરાવ્યા. ને જે કોઈ હેત-રુચિવાળા નહોતા આવી શક્યા તેમની વતીના પણ લોટા ભરી ભરીને રેડ્યા. પછી સર્વે સંતોને વર આપ્યો જે, તમારું તથા તમોએ જેનાં નામ લઈને અમને નવરાવ્યા એ સર્વેનું આત્યંતિક કલ્યાણ આ જન્મે જ થાશે. એમ વર આપીને તે સર્વે નહિ આવેલા એમની વતીના પાણીના ખોબા ભરીને સંતોને નવરાવ્યા ને પછી ગળા બરાબર પાણીમાં સર્વે સંતોને બેસાર્યા.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, મુક્ત કેવી રીતે સુખ લેતા હશે ? ત્યારે પાણીમાં આંગળાં ઊભાં (ઊર્ધ્વ) રાખીને હલાવીને બાપાશ્રી બોલ્યા જે, આવી રીતે મુક્ત મૂર્તિમાં રમે છે ને કિલ્લોલ કરે છે ને સુખમાં દોટ્યો દીધા જ કરે છે. અને જેમ જળમાં માછલાં રમે તેમ મુક્ત મૂર્તિના સુખમાં રમ્યા જ કરે છે. એમ વાર્તા કરીને પછી જેમ પાણીમાં દેહ રાખ્યા હતા તેમ જ મૂર્તિમાં જીવ રાખીને ધ્યાન કરાવ્યું. ને અર્ધા કલાક પછી ધ્યાનમાંથી જગાડીને જળમાં ઊંડા પાણીમાં જઈને જળક્રીડા કરીને પછી કેડ બરાબર પાણીમાં આવીને સર્વેને મળ્યા. ને જળમાં ઊભા રાખીને જળક્રીડાનું કીર્તન જે “જમુનામાં ઝીલે રે સુંદર શામળો રે” એ બોલાવરાવ્યું. તેમાં “ઝીણી ઝીણી બુંદ પડે છે મેઘની રે” એ ટૂંક આવી ત્યારે પાણી ઉછાળીને એમ બોલ્યા જે, આ વરસાદ આવ્યો ! પછી બહાર નીકળીને માનસીપૂજા કરવા બેસાર્યા. પછી માનસીપૂજા કરીને ઊઠીને સર્વેને મળ્યા. પછી ચાલ્યા તે કેરે જતાં માર્ગમાં એમ બોલ્યા જે, આ પુરાણી ધર્મકિશોરદાસજી તમને સર્વેને વૃષપુરથી તેડી લાવ્યા એમને રામપુરની કથાનું તથા ભૂજના કળશનું તથા આ ધરાની લીલાનું એ ત્રણે સમૈયાનું ફળ આપશું. પછી અમો સર્વે સંતે કહ્યું જે, અમને રેલે બેસારીને મોકલનારને પણ એ ફળ આપવું જોઈશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને ભાડું આપનારને પણ એ ફળ આપશું. પછી પોતે બોલ્યા જે, અમને પણ તમો સર્વે ભાડું આપજો. ત્યારે સંતોએ કહ્યું જે, તમારું ભાડું કેટલું થાય તે અમો જાણતા નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેટલું સુખ ઉત્તમ સ્થિતિવાળા અનાદિમુક્ત મૂર્તિમાંથી લે છે તેથી હજારગણું સુખ એક જીવને ઉદ્ધારવાનું શ્રીજીમહારાજ આપે છે. ત્યારે સંતોએ કહ્યું જે, એ તો મહાપ્રભુજી વિના બીજા કોઈથી અપાય નહિ, કેમ જે તમોએ તો અનંત જીવની કોટિઓ, અનંત મૂળપુરુષરૂપ ઈશ્વરની કોટિઓ, અનંત વાસુદેવબ્રહ્મની કોટિઓ ને અનંત મૂળઅક્ષરોની કોટિઓ, એ સર્વેનો ઉદ્ધાર કરીને, શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં પહોંચાડ્યા તેનું ભાડું તો અપાર થયું. એ તો શ્રીજીમહારાજ આપે. એમ વાતો કરતાં કરતાં કેરે પધાર્યા ને ત્યાં ઠાકોરજીને દંડવત કરીને સર્વેને મળ્યા. અને પછી પાકશાળામાં શ્રીઠાકોરજીને જમાડવા પધાર્યા ને જમાડીને મંદિરમાં પધાર્યા. ને સર્વેને મળીને ચાલ્યા તે શ્રી વૃષપુર આવતાં માર્ગમાં વાત કરી જે, આ ધરામાં લીલા કરી તેને જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય. એમ વાતો કરતાં કરતાં શ્રી વૃષપુર પધાર્યા. ।। ૩ ।।
વાર્તા ૪
વૈશાખ વદિ ૪ને દિવસે સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આજ સત્સંગમાં સત્સંગ ઓળખાણો એટલે શ્રીજીમહારાજ અને મુક્ત ઓળખાણા તે કારણ હાથ આવ્યું. મહારાજ અને મુક્ત એ બે કારણ છે અને મંદિરો, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, સત્સંગી એ સર્વે કાર્ય છે. તેમાં ઘણાક જીવ છે તે બિચારા જેમ સમજવું જોઈએ તેમ સમજી શકતા નથી. તેમને તમારા જેવો લાભ નથી. આ મોટાને સમાગમે કરીને જેને પુરુષોત્તમનો મહિમા જણાય છે એને સર્વત્ર પુરુષોત્તમ ભાસે છે પણ માયા કે બ્રહ્માંડ કે કાંઈ જણાતું નથી તે માયા ટળી ગઈ જાણવી. મોટા વાતો કરે છે તે મહારાજનો ને મુક્તનો ભેળો મહિમા કહે છે પણ મહારાજને મૂકીને એકલો મુક્તનો મહિમા નથી કહેતા. આ શ્રી વૃષપુર ગામના નાના રત્ના ભક્તે દેહ મૂક્યો તે વખતે જેમ મણિનો સમૂહ ઠસાઠસ ભર્યો હોય તેમ આખી પૃથ્વીમાં મહારાજ ને મુક્ત ભર્યા છે એવું ભૂજમાં સ્વામી અચ્યુતદાસજીને દેખાયું, માટે સાધનદશાવાળાને મોટાનો જોગ કરીને એવી સમજણ દૃઢ કરવી તો સર્વે દિવ્ય દેખાય, એટલે કોઈનો અવગુણ ન આવે. ને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય. અને મહારાજની મૂર્તિને એના જીવમાં મોટા મુક્ત પધરાવી દે, માટે મોટાને વિનંતી કરીને મૂર્તિમાં વળગી પડવું, પણ બીજો સંકલ્પ તથા મનન કરવું નહીં. જો મૂર્તિના સુખમાં ઊતરે તો સાધનમાત્ર તે ભેળાં જ સિદ્ધ થઈ જાય છે પણ મૂર્તિને મૂકીને અનંત કલ્પ સુધી સાધન કરે તોપણ કાંઈ સિદ્ધ થાય નહીં. જેમ ઘાંચીનો બળદિયો ફર્યા કરે પણ પંથ ખૂટે નહિ તેમ એકલા સાધનથી પાર આવે નહિ; ને મૂર્તિ આવે તો કાંઈ અધૂરું રહે જ નહિ, જેમ સૂર્ય ઊગે ત્યારે રાત્રિ રહે જ નહિ તેમ. માટે નવા આદરવાળાને પણ મૂર્તિનું અનુસંધાન રાખીને તે ભેળાં સાધન કરવાં તો માયા વહેલી ટળી જાય. બ્રહ્માંડ, સિદ્ધિઓ, ઐશ્વર્ય એ આદિક જે જે શ્રીજીમહારાજનો વિયોગ કરાવનાર છે તે દેહ ખોટો કરીએ તો તેના ભેળાં સર્વે ખોટાં થઈ જાય છે. અને એક મહાપ્રભુજીની મૂર્તિ આવી તો સર્વે સત્ય વસ્તુ હાથ આવી. તે સત્ય વસ્તુ કઈ ? તો મહાપ્રભુજીની મૂર્તિ તથા મૂર્તિનું સુખ તથા મુક્ત, એ સત્ય છે ને તે સર્વે મૂર્તિમાં છે પણ મૂર્તિથી બહાર નથી. જેમ પૃથ્વીમાં રજ છે તથા અનંત પદાર્થ છે તેમ મૂર્તિમાં અનંત પ્રકારનાં સુખ તથા ઐશ્વર્ય તથા અનાદિમુક્ત છે તે મૂર્તિ આકારે વૃત્તિ એકતાર થાય ત્યારે એ સુખ મળે છે, મોટા રાજી થઈને કહે જે, માગો ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ માગવી એટલે બધુંય આવી ગયું. માટે મૂર્તિ વિના બીજું માગવા જેવું નથી.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, સિદ્ધદશાવાળા અનાદિમુક્ત અખંડ મૂર્તિમાં રહેતા હશે તે જેમ દેહમાં જીવ રહે છે તેમ જ રહેતા હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હા, એમ જ રહે છે. અને જે એમનો સમાગમ કરે તેમને પણ એવી જ સ્થિતિવાળા ને એવા જ સ્વતંત્ર કરે છે.
ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, સંગ કરનારને ખબર કેમ નહિ પડતી હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ બાળક ઉપર બાપને હેત હોય તે છોકરાના ખિસ્સામાં સારી વસ્તુ છાની રાખી મૂકે તે છોકરું જાણે નહિ, પણ જ્યારે ખિસ્સામાં હાથ નાખે ત્યારે હાથમાં આવે ને જમે, તેમ જીવમાં એ સુખ મોટાએ ઘાલી મૂક્યું છે, પણ જીવને ખબર નથી. તે જ્યારે ધ્યાને કરીને જોશે ત્યારે દેખાશે, અથવા અંત સમયે મોટા દેખાડશે ત્યારે ખબર પડશે, એટલી વાત કરીને સમાપ્તિ કરી. ।। ૪ ।।
વાર્તા ૫
વૈશાખ વદિ ૫ને રોજ વૃષપુરથી કેરે જતાં રસ્તામાં વાત કરી જે, સાધનદશાવાળાને સર્વે પ્રસાદી કરતાં ચરણરજની પ્રસાદી ઉત્તમ છે. ચરણરજની પ્રસાદીનો મહિમા જાણીને જેને ભૂત વળગેલું હોય તેના માથે નાખે તો ભૂત જતું રહે, ને પાપીને માથે નાખે તો પાપથી મુક્ત થાય, માટે ચરણરજની પ્રસાદી ઉત્તમ છે, પણ આ લોકનાં પકવાન્ન જમાડીએ તે સારાં સારાં ભોજન જમીને રાજી ન થાવું ને શ્રીજીમહારાજની મૂર્તિના રસરૂપી મહાપ્રસાદ લેવો. અને સિદ્ધદશાવાળાને તો સમગ્ર મૂર્તિનું સુખ તે શ્રેષ્ઠ છે.
ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, સાધનદશાવાળાને મહારાજ દર્શન આપે છે તે એની મરજી પ્રમાણે આપે છે કે મહારાજની અને મુક્તની મરજી પ્રમાણે આપે છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની તથા મોટા મુક્તની મરજી પ્રમાણે દર્શન થાય છે; અને સિદ્ધદશાવાળાને તો એની મરજી પ્રમાણે દર્શન થાય છે. અને જેવાં ઇચ્છે તેવાં સુખ આપે છે. અને સાધનદશાવાળો જે મુક્તને પ્રતાપે સુખ પામે છે તે મુક્તને વિષે તેને ગુરુપણું રહે છે. જેમ શેઠનો ગુમાસ્તો શેઠના જેવો સમૃદ્ધિવાન થાય તોપણ એમ જાણે જે આ શેઠના પ્રતાપે હું સમૃદ્ધિવાન થયો છું, એમ તેનો ગુણ રાખે છે; અને જ્યારે ભેળો થાય ત્યારે શેઠનું સન્માન-વિનય કરે છે. અને વળી જે થકી વિદ્યા ભણે છે તેને વિષે ગુરુપણું રાખે છે. એમ મોટાને વિષે રહે છે, જે આમને પ્રતાપે સુખ મળ્યું છે; એવું ગુરુપણું રહે છે, અને મુખ્યપણે મહારાજ રહે છે. એમ વાતો કરતાં કરતાં કેરે ગયા. અને ત્યાં મૂર્તિ પધરાવી તે વખતે ઘણો ચમત્કાર થયો જે, મૂર્તિમાંથી તેજ છૂટ્યું તે સર્વત્ર વ્યાપી ગયું. એમ કેટલાકના દેખવામાં આવ્યું અને પાછા સાંજ વખતે શ્રી વૃષપુર આવતાં રસ્તામાં વાત કરી જે, અવગુણવાળો જીવ હોય પણ તેમાં કાંઈક ગુણ હોય ખરો. તે ગુણ આપણે લેવો, પણ અવગુણ લેવો નહીં. અને સર્વેને વિષે સમભાવ રાખવો. અને જે પોતાના અનન્ય શિષ્ય હોય તેમને એકલાં પકવાન્ન જમાડવાં એટલે શ્રીજીમહારાજની મૂર્તિ સંબંધી વાતો કરવી; ને સાધારણ જીવ હોય તેને સર્વદેશી જેવી રુચે તેવી વાતો કરવી, જેમ માંદાને ભજિયાં-વડાં કરી આપીએ તેમ. એમ વાર્તા કરતાં કરતાં વૃષપુર આવ્યા. ।। ૫ ।।
વાર્તા ૬
વૈશાખ વદિ ૫ની રાત્રે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, અમને કંકોત્રી લખી તેડાવ્યા છે તે શરપાવ આપો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા જેવું જમે છે તેવું પોતાના જોગવાળાને જમાડે છે, માટે જીવને ખપ અને ત્વરા કરવી જોઈએ, અને મોટા આગળ છેડો ધરવો જોઈએ, અને ગરજવાન થવું જોઈએ, અને પાત્ર થઈને વિશ્વાસ કરવો તો મોટા પોતાના જેવા કરે છે. આજ સત્સંગમાં કાર્ય અને કારણ બેય છે. તે કાર્ય નવા આદરવાળાને અર્થે છે, કેમ જે એને સમાસ કરે છે ને એકાંતિકને તો કારણ જે મુક્ત તેને જોગે કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો એ કામનું છે. જાણે-અજાણે મહારાજનો કે મુક્તનો જોગ થઈ જાય તો કામ થઈ જાય. જેમ અધર્મે કરીને આવરદા ઓછી થાય છે તેમ મોટાને જોગે કરીને પણ આવરદા ઓછી થાય છે. જેમ વિદ્યા ભણવા માંડે તે ભણી રહે એટલે પગાર ચાલતો થાય, તેમ મોટાને જોગે બ્રહ્મવિદ્યા ભણાય છે. તે જો ખબડદાર થઈને મોટાનાં વચન અધ્ધરથી ઝીલે અને તે પ્રમાણે વર્તવા માંડે તો મુક્તદશા વહેલી પ્રાપ્ત થાય ત્યારે મોટા તેને મહાપ્રભુજીના સુખમાં મૂકી દે છે. જેમ કાણોતરના બાપુભાઈ તથા લુણાવાડાના કાશીરામભાઈ મોટાને જોગે કરીને મુક્ત થઈ ગયા તો આ લોકમાંથી તુરત મહારાજના સુખમાં મોટાએ મૂકી દીધા તેમ આવરદા ઓછી થાય છે. અને એવા મુક્તને બીજા જીવોના ઉદ્ધારને અર્થે આયુષ્ય વિના પણ રાખવા હોય તો રાખે પણ ખરા. અને સત્સંગમાં અધર્મી હોય તેની આયુષ્ય હોય તોપણ ઓછી કરે છે. શ્રીજીમહારાજ આ મુક્તમાં રહીને બોલે છે, જમે છે, જુએ છે, સર્વે ક્રિયા મહારાજ પોતે કરે છે અને મુક્ત તો સદાય મૂર્તિના સુખમાં જ રહે છે, પણ સુખ વિના બીજું જોતા નથી, માટે જોગ કરનારને એમ જાણવું જે આજ શ્રીજીમહારાજ મુક્ત દ્વારે સત્સંગમાં સુખ આપે છે, ને મુક્ત દ્વારે પોતે ઉપદેશ કરે છે, એમ સર્વે વચન શ્રીહરિજીનાં જાણીને વિશ્વાસે સહિત ગ્રહણ કરવાં; તેમાં પણ શાસ્ત્રમાં મહિમા કહ્યો હોય તે કરતાં વધારે મહિમા મોટા કહેતા હોય તો તે વચન સત્ય માનવાં, પણ શાસ્ત્રની સાખ્ય લેવા જવું નહીં. કદાપિ કોઈકનાં વચન વર્તમાન લોપાવે એવાં હોય તો તેને વિષયી ને દંભી જાણીને તેનો ત્યાગ કરી દેવો. જો એવાનો ત્યાગ ન કરે તો જીવનું ભૂંડું થાય માટે એવાનો ત્યાગ કરવો. અને મુક્ત તો સદા સ્વતંત્ર હોય અને શ્રીજીમહારાજનાં વચન યથાર્થ પાળતા હોય અને સંગ કરનારને યથાર્થ વચન પળાવતા હોય એવા મુક્ત શ્રીજીમહારાજનો ને મુક્તનો મહિમા દયા કરીને કહે તે સર્વે સત્ય માનવો. અને આપણું નક્કી પૂરું કરાવી દેશે એવો વિશ્વાસ રાખવો; કેમ કે પોતે શ્રીજીમહારાજ આ મુક્ત દ્વારે બોલે છે એવો ભાવ આ મુક્તને વિષે રાખીને મન બાંધવું એ જ ભેગા થયાનું ફળ છે. અને તો જ મોટી વસ્તુ જે મહાપ્રભુજીનો સાક્ષાત્કાર ને તેમનું સુખ મળશે. આજ મહારાજનું સુખ મુક્ત દ્વારે મળે છે તે મોટા એક મિનિટમાં આપી દે, જો પૂરો વિશ્વાસ હોય તો. એવો આ મોટાનો પ્રતાપ છે ! માટે આ સંગ જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી કરી લેવો; અને અદૃશ્ય થઈશું ત્યારે સર્વસ્વ જતું રહેશે અને હાથ ઘસવા પડશે. અનાદિ મહામુક્તરાજ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી અદૃશ્ય થયા ત્યારે અમને ત્રણ દિવસ સુધી ઘણું દુઃખ થયું. મુક્ત સદાય પ્રત્યક્ષ રહે છે, આવતા-જતા નથી પણ મનુષ્ય દેહે કરીને પ્રત્યક્ષ છે, તો બોલે છે, હસે છે, જમે છે, સેવા અંગીકાર કરે છે, વાતો કરીને સુખ આપે છે, દર્શન કરો છો તે આ દેહે અદૃશ્ય થઈ જાય ત્યારે એ બધું સુખ જતું રહે. માટે મુદ્દો હાથ આવ્યો છે તે વંજાવવો (ખોવો) નહીં. આપણો પૂર્વનો ભેળો સંસ્કાર છે. તો જ આ અમૂલ્ય વાતો તમને મળી છે. આ વાતો બહુ મૂલ્યવાળી છે તે સમજવી બહુ કઠણ છે. મોટાનો સિદ્ધાંત સમજવો એટલે મહાપ્રભુજીનો મહિમા સમજવો. આ મુક્તને દર્શને મોટા મોટા અવતારાદિક આવે છે. આ વાતો જીવમાં ઘાલવાની છે; આ વાતો ધારે તેને મૂર્તિનું સુખ મળે. આ વાતો અંતરમાં ઉતારજો તો અમારો દાખડો સફળ થશે અને તમારું પૂર્ણકામ થશે. અમારાથી જેટલું બનશે તેટલું બનાવશું. સર્વેનું પૂરું કરીશું; સર્વેને સરખું સુખ આપીશું. જેમ કાચી કેરી હોય તેને કુંવળમાં ઘાલીને બાફીને પકવે છે તેમ કોઈક કાચા હશે તો તેનું અમો પૂરું કરીશું. માટે ઉપરથી માંગવું નહિ, સાચે ભાવે માંગવું. મોટા તો સર્વેને સરખું જમાડશે, પણ જેમ શાહુકારનાં છોકરાં ખાંડ, સાકર, ઘી વગેરે ઘણું ખાય તો ફેરો થઈ જાય. તેમ આ વાતો સાચી નહિ માને તેને ફેરો થઈ જશે એટલે કામ નહિ આવે ને વિશ્વાસ રાખશો તો અમારા ભેળા લઈ જઈશું ને સુખિયા કરીશું. વિષયી ને પામરને પણ આ ફેરે લઈ જવા છે તો મુમુક્ષુને લઈ જવા એમાં શું કહેવું ? જેવો પર્વતભાઈએ દેહ મૂકતી વખતે યજ્ઞ કર્યો હતો એવો આ યજ્ઞ છે. આ વખતે જેણે જેણે વાતો સાંભળી તે સર્વેને ઠેઠ મૂર્તિમાં પહોંચાડશું. આ વાતો જીવમાં રાખે તેની દૃષ્ટિમાં માયા રહેતી નથી ને દીવાનું થઈ જવાય છે. જેના બેલી મહારાજ અને મુક્ત છે તેને શું બાકી રહે છે ? કાંઈ બાકી રહેતું નથી. જ્યારે સુખ મળશે ત્યારે અહો ! અહો ! થઈ જશે. સાક્ષાત્ પુરુષોત્તમના ને મુક્તના દર્શનનું સુખ ને સેવાનું સુખ તે તો અલૌકિક છે ! તે કેવું તો જપ, તપ, વ્રત, દાન, પૂજા, યોગ, સાંખ્ય, યજ્ઞાદિક અનંત સાધનનાં લવ સુખની તુલ્ય અનંતકોટિ બ્રહ્માંડનું સુખ નથી આવતું; અને પ્રત્યક્ષ મુક્તના લવ સુખની તુલ્ય એ સાધનનું સુખ નથી આવતું તો આ તો સાક્ષાત્ પુરુષોત્તમ તુલ્ય એવા અનાદિમુક્ત તે તમને મળ્યા છે અને તમને સર્વેને પોતાના કરી રાખ્યા છે અને તમો પણ અમારા થઈને રાત્રિ-દિવસ અમારા વચનમાં તત્પર થઈને મંડ્યા છો તો તમારા ભાગ્યનો ને સુખનો તો પાર જ નથી. એવો લાભ આજ તમને મળ્યો છે.
જેમ અહીં તમો અમારું માનો છો એમ મહારાજ પણ અમારું માને છે; તે અમોએ જ્યારે હા પાડી ત્યારે કાશીરામભાઈને તેડી ગયા, અને શ્રી ધ્રુવાનંદ સ્વામીને પણ અમે મહારાજ પાસે બે દિવસ રખાવ્યા હતા. માટે મહારાજનું જેટલું સુખ છે તે તમને સર્વેને અપાવશું. આ સુખ જ્ઞાને કરીને ઓળખાય તો જગત લૂખું થઈ જાય. જ્યારે એ સુખ પ્રગટ મળે ત્યારે તો એ મૂર્તિના સુખ વિના બીજું સર્વે વિસરી જાય. આ તમને સર્વે નાના-મોટાને તથા હેત-વિશ્વાસ-રુચિવાળાને શરપાવ આપું છું. ખરેખરી વાત છે, પણ “ભલા ભલાઈ ન મેલે ને ભૂંડા ભૂંડાઈ ન મેલે” એવા જીવના સ્વભાવ છે એટલે અણવિશ્વાસ આવે છે; પણ અમારે તો સર્વેનું સારું કરવું છે માટે તર્ક ન કરશો. જો અમે ખોટું કહેતા હશું તો અમને પાપ લાગશે ને તમો વિશ્વાસ રાખશો તો જેટલું ઇચ્છશો તેટલું મળશે. જેને પાકો વિશ્વાસ ને આત્મબુદ્ધિ છે તેને તો જેટલું છે તેટલું બધુંય આપશું. સર્વે સંત દયા કરજો એટલે આ વાતો સાચી માનજો. શાસ્ત્રમાં તો એક શબ્દ હોય તેના મોટા લાખ શબ્દ કરી આપે, કેમ જે મોટા તો દેખે છે તે નજરે દેખીને કહે છે અને મુમુક્ષુને તો એ શબ્દનો અર્થ પણ આવડે નહિ તો બીજા શબ્દ શી રીતે જડે ? માટે શાસ્ત્ર સામું જોશો નહિ ને વાતમાં ચિત્ત રાખીને જીવમાં ઉતારજો. મહારાજે કહ્યું છે જે, આ સભા જેવી બીજી સભા કોઈ ધામમાં નથી. આ પુરુષોત્તમ ભગવાનની સભા છે અને આ મુક્ત તો પુરુષોત્તમ ભગવાન આગળ હજૂરી છે, માટે તર્ક કરશો તો પૂર્વનું હશે તે પણ જતું રહેશે. લોયાના ૧૮મા વચનામૃતમાં કહ્યું છે જે, આ વાતે કરીને પ્રથમનું જે અંગ હોય તે પણ જતું રહે તો મૂળગેથી જાય, માટે તર્ક ન કરશો. આ મુક્ત મળ્યા છે તેમનો નિશ્ચય આ દેહે કર્યો હોય તો આ વાત જીવમાં ઊતરી જાય. વચનામૃતના શબ્દ જ્યાં ઘટે ત્યાં ઘટાડવા પણ મૂર્તિ, ધામ અને મુક્ત તે સાથે રાખવાં. મહારાજ અને મુક્ત પૂરું કરી દેશે. ડંકો દઈને જઈશું તે અનંત મુક્ત દેખશે જે આ ધામમાં આવ્યા. જેણે આગળ મોટાનો જોગ અને સેવા કરી હોય અને તેને સમજ્યામાં ન આવ્યું હોય તો મહારાજ અને મોટા સમજાવે. જો એને એમ હોય જે મોટાએ વાતો કરી ત્યારે મારી અવસ્થા નાની હતી તેથી સમજી શક્યો નહિ, એમ વિચારીને વિશ્વાસ લાવીને સાંભળે તો આજ સમજાઈ જાય એમ સાધુ નારાયણદાસજીને કહ્યું. પછી બોલ્યા જે, ભૂજના સભામંડપનું ભર્યું કર્યું ત્યારે બ્રાહ્મણોએ ઉપાધિ કરી જે, મંદિરમાં સ્ત્રીઓને સાથે બેસારીને જમીએ પણ મંદિરથી બહાર સ્ત્રીઓને નહિ બેસારીએ. ત્યારે સ્વામી શ્રી નિર્ગુણદાસજીને અમે કહ્યું જે, આવાને ન જમાડો તો શું થાય ? ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, લોક નિંદા કરે એટલા માટે જમાડવા પડે છે પણ પુણ્ય તો આ લક્ષ્મીરામભાઈ માંડવીના છે તેમને પાશેર અન્ન જમાડીએ તેનો પાસંગ પણ અનંતકોટિ બ્રહ્માંડના બ્રાહ્મણો જમ્યાથી ન થાય. મોટા મુક્ત બેઠા હોય તે વખતે જોગ કરનારને સુખ મળે તેમાં પોતાપણું ન આવવા દે તો સુખી થાય. જેમ માગીને ઘરેણાં પહેર્યાં હોય તે કોઈ દિવસ પોતાનાં મનાતાં નથી તેમ મોટા મોટા ગુણ આપણામાં આવ્યા હોય તે પોતાના ન માનવા, તો બહુ સુખી થવાય. ગુણ સર્વે મહારાજના છે તેના ધણી પીરસનારને થવું નહીં. આ વાતો ઠેકાણે ઠેકાણે ને ઘેર ઘેર ન હોય. જેમ વરસાદ ઓચિંતાનો આવે છે તેમ આ વાતો કોઈક વખતે ઓચિંતાની થઈ જાય છે. આ સુખમાં મોટા રમૂજો કરે છે તેમ તમો સર્વે સુખ ભોગવો એ વર દીધો. આ માર્ગમાં ખોટ નહિ આવે. આ મુક્તને મોટા મોટાએ પ્રમાણ કરેલા છે; કોઈ અણવિશ્વાસ રાખશો નહીં. આ શબ્દ તો અમારે વિષે રહીને શ્રીજીમહારાજ પોતે બોલે છે માટે મહારાજ બોલે છે એમ જાણજો. આ લાભ બહુ જ મોટો મળ્યો છે. જેવું કામ મહારાજ કરે તેવું કામ આ મુક્ત કરે છે એટલે જેમ મહારાજ પોતાના સુખમાં લઈ જાય છે તેમજ મુક્ત પણ મહારાજના સુખમાં જીવને લઈ જાય છે; એવું કામ કરે છે પણ અનંત બ્રહ્માંડ કરવાં કે કોઈને કર્મફળ આપવું એવું કામ નથી કરતા, કેમ જે એ સકામ છે માટે નથી કરતા. મોટા પાસેથી મૂર્તિનું સુખ માગવું તે સકામ ન કહેવાય માટે માગવું. કોઈના અંતરનું જાણવું કે પોતાનું ધાર્યું સત્ય થાય તથા અગમ-નિગમનું જાણવું કે બ્રહ્મપુર, ગોલોકાદિક ધામ તથા ઐશ્વર્ય જોવા કે પામવા ઇચ્છે તે સર્વે સકામ કહેવાય માટે તે ન ઇચ્છવું. તે સુખના આપનારા આ સભામાં છે. કોઈ તર્ક કરશો નહીં. કદાપિ ખોટું કહેતા હશું તો તેનું પાપ અમને છે, પણ વિશ્વાસ રાખશે તેને આ વખતે સરખું સુખ મળશે. જેમ પંક્તિમાં જમવા બેઠા હોય તેમને પીરસનાર એક જ ભોજન આપે ને સરખું આપે પણ જમનારની સત્તા પ્રમાણે જમાય છે એટલે જેવી શ્રદ્ધા તે પ્રમાણે ગ્રહણ કરે. કોઈક માંદા હોય તો જમે નહિ ને ઊલટી પણ થઈ જાય એટલે સાચી ન મનાય તે ન જમાણી જાણવી ને અવગુણ આવે તે ઊલટી થઈ જાણવી. આ વાતો સત્ય માને ને જીવમાં ઉતારે તો સર્વે શબ્દ સત્ય થાય. જેને આ વાતો જીવમાં ન ઊતરે તો જેવી કરી તેવી સત્ય ન થાય, જેને વિશ્વાસ ન આવે ને તર્ક થાય તેને પૂર્વેનું કરેલું પણ ખોવાઈ જાય. આ વખતે સર્વે નાના-મોટાને સરખું સુખ દેવું છે. આ વાતે કરીને મૂર્તિનું સુખ સદા રહે ને મૂર્તિમાં થીજી જવાય. જેમ ઘડામાં ઘી થીજી જાય તેમ. દેહની ક્રિયા તો મહારાજની ઇચ્છાથી થાય અને જીવ તો સદા મૂર્તિમાં રહે એવું કરવું. બીજાં બધાં માન, મોટપ, ઓળખાણ, પ્રસિદ્ધિ, સાધન, સેવાભક્તિ એ સર્વે પડ્યાં મેલવાં ને એક મૂર્તિ સિદ્ધ કરવી તો બધું કામ થઈ જ રહ્યું છે. આ વાતો અને આ સમય એવો છે જે છ માસ ભેળો રહે તોપણ આ એક ઘડીમાં કામ થયું તેવું ન થાય. જેને ખરો વિશ્વાસ હોય તેને એમ જણાય જે મને બહુ લાભ મળ્યો અને અમને પણ એમ જણાય જે અમોએ ઘણું સુખ આપ્યું. જેને વિશ્વાસ ન હોય અને તે છ માસ ભેળા રહે તોપણ તેને એમ જણાય જે મને કાંઈ આપ્યું નથી ને હું પણ એમ જાણું જે એને મેં કાંઈ આપ્યું નથી; માટે જીવમાં સત્ય માનવું. આ વાતો વિશ્વાસે સહિત જીવમાં ઉતારે તો તેને આવરદા હોય તોપણ પડી રહે ને શ્રીજીના સુખમાં પહોંચાડી દઈએ; માટે મોટા બેઠા છે ત્યાં સુધી કામ કરી લો. આ વાતો સદાય ન હોય. આ વાતમાં જેને વિશ્વાસ ન આવે તેને નાસ્તિકપણું છે ને મહારાજનો નિશ્ચય પણ એટલો ઓછો છે અને મોટાની મોટપ પણ એણે જાણી નથી. આજ તો એવા મોટા મળ્યા છે જે ગમે તેવો પામર અને પતિત જીવ હોય ને જો શરણે આવે તો તેનાં સર્વે પાપ ટાળીને આત્યંતિક કલ્યાણ કરે. સત્સંગમાં આવ્યા કેડે પણ કાંઈક આડું-અવળું વરતાણું હોય ને તે જો મોટાને શરણે આવે ને તેમના ખોળામાં માથું મેલીને દીનતાએ સહિત ગદ્ગદ કંઠ થઈને ને ગરજવાન થઈને સ્તુતિ-વિનય કરે તો સર્વે પાપ પ્રાયશ્ચિત્ત વિના પણ ટળી જાય છે. મોટા આગળ નિષ્કપટ થાવું તો બહુ કામ થાય છે. શ્રીજીમહારાજનું સુખ છે તે મોટા ચાલતાં આપી દે છે. કોટિ સાધને અને કોટિ કલ્પે ન પમાય એવું સુખ મોટા તરત આપી દે છે. ધ્યાન કરવાની લટક પણ મોટાનાં શીખવ્યા વિના આવડતી નથી. મોટા શ્રીજીના સુખમાં ઉતારી દે તો સૂતી વખતે મહારાજની મૂર્તિ ધારીને મૂર્તિમાં લુબ્ધ થઈને સૂએ તો જાગૃતમાં, સ્વપ્નમાં ને સુષુપ્તિમાં સાક્ષાત્કાર અખંડ રહે પણ ભુલાય નહીં. એવો મોટાનો પ્રતાપ છે પણ મોટાની આગળ નિર્માની થાય તો. જેમ બાળકને ગાળો દે અને અપમાન ઘણું કરે ને મારે તોપણ તેનું તેને કાંઈ નહિ, ને વખાણે ને પૂજા કરે ને માન આપે તોપણ તેનું તેને કાંઈ નહિ, એ બે સરખું છે; તેમ સાધુને કોઈ મારે, નિંદા કરે, અપમાન કરે, વખાણે, પૂજા કરે, સન્માન કરે તે માન-અપમાનને ગણે નહીં. સોનાના દોરાની પેઠે છએ ઋતુમાં સરખો રહે તેના ઉપર મોટા કૃપા કરીને મહારાજનું સુખ આપે છે. જેટલું અમારાથી બનશે તેટલું અમો જરૂર કરીશું. આ ફેરે તો તમારું તથા હેતવાળા સર્વેનું આત્યંતિક કલ્યાણ કરીશું. જેવું અમારે સુખ છે તેવું તમને સર્વેને આપીશું અને અમારા જેવા કરીશું. આ તમને શરપાવરૂપી વર આપ્યો. વાર્તાની સમાપ્તિ કરીને સર્વેને મળ્યા. ।। ૬ ।।
વાર્તા ૭
વૈશાખ વદિ ૬ને દિવસે સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ મોટો શાહુકાર હોય તે હીરા, માણેક, મોતી તેનો વેપાર કરે છે તેના ભેળો કોઈ ગરીબ ભાગ રાખે તો તેને પણ શાહુકારના સરખો ભાગ મળે છે. તેમ મોટા મુક્તના ભેળો ભાગ રાખે તો મોટાને જે સુખ છે તે જીવોને આપે છે.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, વીજળીના અગ્નિ જેવા તથા વડવાનળ અગ્નિ જેવા મુક્તનાં લક્ષણ શાં હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બ્રહ્મકોટિના અને મૂળઅક્ષરકોટિના સુખમાં ને ઐશ્વર્યમાં લેવાય નહિ તે સાધનદશાવાળા એકાંતિક વીજળીના અગ્નિ જેવા જાણવા. શ્રીજીમહારાજના તેજરૂપ ધામમાં રહ્યા થકા અહીં મનુષ્ય રૂપે દેખાતા હોય તે સિદ્ધદશાવાળા પરમએકાંતિક તથા મૂર્તિમાં રહ્યા જે અનાદિ તે વડવાનળ જેવા જાણવા. તે મુક્ત આસુરી અને અતિ કુપાત્ર જીવ હોય તેનો પણ સંકલ્પમાત્રમાં ઉદ્ધાર કરે અને મૂર્તિને સમીપે લઈ જઈને મૂર્તિના સુખે સુખિયો કરે. એવું કામ વીજળી જેવા મુક્તથી થઈ શકે નહીં. તેમાં જે અનાદિમુક્ત છે તે તો જેવા શ્રીજીમહારાજ છે તેવા જ છે અને મહારાજની મૂર્તિમાં રહ્યા થકા મહારાજના સંકલ્પથી અહીં દર્શન આપે છે. જે એમનો આશરો કરે તેને પોતા જેવા અનાદિ કરીને મૂર્તિમાં રાખે છે. અને મૂર્તિનું રોમ રોમનું સુખ ભોગવે એવા સમર્થ કરે છે. વીજળી જેવા મુક્તને માથે પણ કાળ, કર્મ, માયા આદિક કોઈનો હુકમ નથી, જેમ રાજાના કુંવરને માથે રાજા વિના બીજો કોઈ ઉપરી નથી તેમ. એવા વીજળી જેવા એકાંતિકને મુખે પણ શ્રીજીમહારાજ બોલે છે ને પગે ચાલે છે તેમ જ સર્વે ઇન્દ્રિયો દ્વારે શ્રીજીમહારાજ ક્રિયા કરે છે માટે તેમાં જે કાંઈ અંતર્યામીપણું આવે કે ત્રિકાળનું સૂઝે એ આદિક જે કાંઈ ઐશ્વર્ય જણાય તેમાં એ ભક્ત પોતાપણું ન લાવે. સર્વ મહારાજનું કર્યું થાય છે એમ માને પણ પોતાનું કર્યું થાય છે એમ ન મનાય તો સત્સંગમાં સુખિયા થવાય. દેહ સર્પની કાંચળી જેવો થઈ જાય અને પોતે સર્વેથી પર એકરસ ચિદ્ઘન તેજરૂપ થઈને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે. એવાની છાયામાં જે રહે તે પણ સુખિયા થાય છે અને એનો કારણ દેહ પણ ખોખા જેવો થઈ જાય છે. આટલો લાભ તો જે પોતાપણું ન માને એવા એકાંતિકના સમાગમથી મળે છે. જે શ્રીજીમહારાજના પરમએકાંતિક તથા અનાદિમુક્ત છે તે તો શ્રીજીમહારાજની તુલ્ય છે અને આપણે જેમ રાત્રિમાં તારા દેખીએ છીએ તેમ જે મુક્ત જીવને દેખે છે તેની સાથે વિશ્વાસ રાખે તો પોતા તુલ્ય કરે છે. આવા મુક્તના જોગનો લાભ તો અલૌકિક છે. આખી ઉંમર સત્સંગ કરે તોપણ આવા મોટાનો જોગ એક કલાક થાય તેમાં જેટલો સમાસ થાય તેટલો આખી ઉંમર સત્સંગ કરનારને ન થાય. ત્યાં દૃષ્ટાંત જે આ ગામના કુંવરજી પટેલ લક્ષ્મીરામભાઈની વાતો સાંભળીને એમ બોલ્યા જે, મેં પચાસ વરસ સંત-સમાગમ કર્યો પણ તમારી વાતો એક કલાક સાંભળી તેમાં ઘણો સમાસ થયો. એવો મોટાનો પ્રતાપ છે માટે ખરા ભાવથી આતુરતાએ સહિત સંગ કરવો. શુદ્ધ સત્ત્વગુણી થઈને એટલે બ્રહ્મરૂપ થઈને મોટાની વાત સાંભળે તો તેનું ફળ થાય ને જીવમાં વાત પેસે ત્યારે જીવ વૃદ્ધિ પામે ને અપાર સુખ મળે. પરમએકાંતિક થોડું બોલે પણ શ્રીજીમહારાજની મૂર્તિની સન્મુખ રહીને બોલે છે ને જીવને બ્રહ્મરૂપ કરી મૂકે છે. સાધનિક ઘણું બોલે તોપણ તેના શબ્દથી શાંતિ ન થાય, માટે મોટાના શબ્દ જીવમાં ચોંટાડે તો સુખ, સામર્થી ને પ્રકાશ વૃદ્ધિ પામે છે.
ત્યારે પુરાણી કૃષ્ણજીવનદાસજીએ પૂછ્યું જે, પૂર્વના સંસ્કારી જીવ હોય તેને સત્સંગ ઓળખાતો નથી તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અશુભ સંગના દોષે કરીને સંસ્કાર દબાઈ રહે છે તે જ્યારે સત્પુરુષનો જોગ થાય ને સંપ્રદાયની રીતિ પ્રમાણે ચાલે તો સંસ્કાર ઉદય થાય ને થોડાકમાં સાધન પૂરાં થાય. કોઈકને સત્સંગમાં આવે ને પાધરું તેને મહારાજ દર્શન આપે છે કે ઐશ્વર્ય જણાય છે કે કોઈ સત્સંગીનો છોકરો હોય તેને લક્ષ થાવા માંડે છે તે પૂર્વેના સંસ્કારી જીવ હોય ને પૂર્વે ભગવાન કે સંતને સેવાએ કરીને રાજી કર્યા હોય એનું પુણ્ય ઉદય થઈ આવે ને મહારાજ તેને દર્શન આપે એટલે વૃત્તિઓ મહારાજના સ્વરૂપમાં તણાય ને લક્ષ થાય. જેમ પૃથ્વીને વિષે બીજ પડ્યાં હોય તે વરસાદના જોગથી ઊગી નીકળે તેમ તે પૂર્વ સંસ્કારવાળો પોતાને સુખ, સામર્થી પ્રાપ્ત થઈ આવે તેને દબાવીને દાસાનુદાસ થઈને મોટા મુક્તનો જોગ કરે તો વૃદ્ધિને પામીને મહામુક્ત થઈ જાય. જો પોતાને સુખ-ઐશ્વર્ય પ્રાપ્ત થયું હોય તે પોતાને વિષે માણસને ખેંચવા માટે અગર પોતાની મોટપ બીજાને જણાવવા માટે કાંઈક ચમત્કાર બતાવે, અગર ચમત્કાર ને સુખની વાતો કરવા માંડે તો પોતાની સ્થિતિમાંથી પડી જાય ને સત્સંગમાંથી પણ પડી જાય, એવું મોટું વિઘ્ન આવે. માટે પોતાનો ગૉળ પોતે ચોરી ખાવો એટલે પોતાને જે સુખ મળ્યું હોય તે પોતે ભોગવવું પણ બીજાને જણાવવું નહીં. ।। ૭ ।।
વાર્તા ૮
વૈશાખ વદિ ૬ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા, ત્યાં નાહી બાવળ નીચે બેસી માનસીપૂજા કરી. પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જ્યાં પરમએકાંતિક હોય ત્યાં મહારાજ હોય છે. મહારાજનો અને મુક્તનો મહિમા અપાર છે તેને કોઈ ઉપમા દેવાય નહીં. તે અખંડ મૂર્તિમાં રહ્યા છે. મહારાજની મરજી પ્રમાણે બોલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, તે સર્વે કર્તા થકા અકર્તા છે. પર્વતભાઈએ શ્રીજીમહારાજ આગળ વાત કરી હતી જે, હે મહારાજ ! મને લોકો કહે છે જે તમને સાઠ વર્ષ થયાં પણ જો મેં તમારી મૂર્તિ વિના આ લોકમાં કાંઈ દીઠું હોય કે ભોગવ્યું હોય કે સાંભળ્યું હોય તો મને પાંચસો પરમહંસના સમ છે. હું તો સદાય તમારી મૂર્તિમાં જ રહ્યો છું; બીજું કાંઈ દેખતો નથી. એમ મુક્ત અકર્તા છે. આવી સામર્થી હોવા છતાં પણ અલ્પ જીવનું માન-અપમાન સહન કરે છે તે સમર્થ થકા જરણા કરે છે, અને કોઈક ઉપાધિ કરે તેને ભક્તિ માને કેમ કે ઉપાધિ કરનારના રૂડા ગુણ એમને આવે છે. ઉપાધિ કરનારને પાપ લાગે છે. જેમ એક જણ બે ધોકા મારીને સોનામહોરો મૂકી જાય ને સાંબેલું લઈ જાય તેવું થાય, માટે ભગવાનના ભક્તને ક્ષમા રાખવી. ક્ષમા જેવું કોઈ હથિયાર નથી. જે ક્ષમા રાખે તેનું પાપ ક્રોધ કરનારને જાય છે. ક્રોધ કરનારનું પુણ્ય ક્ષમાવાળાને જાય છે. માટે ભગવાનના ભક્તના દ્રોહથી બીતા રહેવું. અહમ્-મમત્વમાં મોટાનો અપરાધ થઈ જાય માટે અહમ્-મમત્વ ન કરવું. મમત્વ બંધાય ત્યારે ભગવાનના મોટા ભક્ત હોય તેને ન્યૂન કહી જવાય અને નાના હોય તેને મોટા કહી જવાય. તેનો ઘણો દોષ લાગે, એ ભગવાનના ભક્તને જાળવવું કેમ કે તેમાંથી આ લોકમાં ઘણું દુઃખ આવી પડે અને જીવનું પણ ભૂંડું થાય; કેમ કે નાના હોય તેને મોટા કહે તો નાના હોય તે પણ કોપાયમાન થાય. જેમ ગુરુને મૂકીને શિષ્યની પૂજા કરે ને તેને ગાદી-તકિયો નાખી દે ત્યારે શિષ્ય જાણે કે મારા ગુરુને પડ્યા મૂકીને મારી પૂજા કરે છે તે બહુ જ ખોટું કરે છે એવી રીતે શિષ્યને ન ગમે; તેથી શિષ્ય પણ કોપે ત્યારે પૂજા કરનારનું ઊલટું ભૂંડું થાય અને સત્સંગરૂપી સુખના સાગરમાંથી નોખું પડવું પડે, દુઃખના દિવસ ભોગવવા પડે, અને સત્સંગનો કુરાજીપો થાય; તે કેટલાક ભોગવે છે તે આપણે દેખીએ છીએ. માટે અહમ્-મમત્વ ન કરવું; દાસાનુદાસ થઈ રહેવું. “દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં” એમ મહાપ્રભુજીએ ‘ભક્તચિંતામણિ’માં કહ્યું છે માટે એમ રહેવું. ।। ૮ ।।
વાર્તા ૯
વૈશાખ વદિ ૬ની રાત્રિએ બાપાશ્રીએ વાત કરી જે, શ્રીજીમહારાજ પોતાના ભક્તની કામ, ક્રોધાદિક થકી રક્ષા કરે છે પણ જે પોતાના ભક્તનો દ્રોહ કરે તેની રક્ષા કરતા નથી. દાદાખાચરે હાથગરણું માગ્યું જે, તમારા ભક્તના સર્વે ગુના માફ કરીને અંત વખતે તમારા ધામમાં લઈ જજો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, કરોડો ગુના માફ કરીને અમારા ધામમાં લઈ જાશું, પણ જે અમારા ભક્તનો દ્રોહ કરશે તે ગુનો માફ નહિ કરીએ. કીડી જેવા જીવનો પણ દ્રોહ કરવો નહીં. સત્સંગમાં દાસપણું રાખે તેને કોઈનો અવગુણ ન આવે અને તેમાં રૂડા ગુણ આવે છે. જેને દાસપણું ન આવે ને પોતાને મોટા જાણે તેમાં માન, ક્રોધાદિક દોષ રહે છે તે દોષ સત્સંગનો અવગુણ લેવરાવીને સત્સંગથી બહાર લઈ જાય છે ને હેરાન હેરાન કરે છે. જ્યારે જીવને સત્સંગમાં સંતનો ને હરિજનનો અવગુણ આવે છે ત્યારે તેનું માથું ફરી જાય છે, ને દિશ ભૂલી જવાય છે. મોટાનું વાળ્યું પણ પાછું વળાતું નથી કેમ જે એમણે કારણ ઓળખ્યું નથી. જો કારણને એટલે શ્રીજીમહારાજને ને મુક્તને ઓળખીને તેમને વળગે તો તેને દેશકાળ નડી શકે નહીં. કોઈ વિઘ્ન પણ આવે નહીં. તેને માન, મોબત કે કાંઈ વસ્તુ જોઈએ જ નહીં. માટે સાધુને તો કોઈ પ્રકારનું માન કે મમત્વ ન કરવું. અમદાવાદ કે મૂળી કે ભૂજ મારું છે એવી સમજણ ન રાખવી. કોઈ ઠેકાણે તમારું કાંઈ પણ શ્રીજીમહારાજે રાખ્યું નથી. પ્રકૃતિના કાર્યમાં સાધુનો ક્યાંયે ભાગ રાખ્યો નથી માટે માન-સન્માન સારુ ક્યાંય બંધાવું નહીં. “સર્પતુલ્ય સન્માન અને પૂર્ણ પાપતુલ્ય માન” સમજવું. સન્માન થાય તો કાળો નાગ વળગ્યો એમ જાણવું. માન થાય તો પૂર્ણ પાપ વળગ્યું એમ જાણવું. તે ઉપર દૃષ્ટાંત દીધું જે, સ્વામી શ્રી અક્ષરજીવનદાસજીને ગાદી-તકિયો આપવા માંડ્યો તોપણ લીધો નહિ અને કહ્યું જે, બહુ આગ્રહ કરશો તો આ ભૂજ સ્થાનને મેલીને બીજા દેશમાં જઈને રહીશ. સંતને તો એમ સમજવું જે વનમાં છીએ અને ગોળા માગી ખાઈએ છીએ; પણ હવેલી કે બાગ, બગીચા, માન, સન્માન, ઉત્સવ, સમૈયા, રસાસ્વાદ, એ કાંઈ નથી. ઘર મેલવું ત્યારે પણ એવો વિચાર કરવો, જે વનમાં જઈએ છીએ ને ગોળા માગી ખાશું અને ભગવાન ભજશું. એવો ભાવ સદા રહે તો સુખે ભગવાન ભજાય ને મોટાનો જોગ-સમાગમ થાય. સત્સંગમાં તો પરિપક્વ નિશ્ચયવાળા સંતને માન, સન્માન, વસ્ત્ર, રસાસ્વાદ આદિ સિદ્ધિઓ મળે પણ એ બધી ગ્રહણ કરવી નહીં. ઘટે એટલું ગ્રહણ કરવું ને બાકીનું ત્યાગ કરવું. એમ ન કરે ને બધું ગ્રહણ કરે તો ભગવાન ભુલાય અને વિષયી થઈ જવાય. રસાસ્વાદ જીવનું બહુ બગાડે છે તેથી રસાસ્વાદ મૂકે તો મોટાના સમાગમનું સુખ આવે. બાજરીના રોટલા શ્રી ઠાકોરજીને જમાડીને ભગવાન ભજવા ને આવા મુક્તનો સમાગમ કરવો. પૂર્વે તો મુમુક્ષુઓએ ધોવરામણ પીને પણ સમાગમ કર્યો છે. આજ તો પત્તર ભરીને જોઈએ તેટલું મળે છે. આગળ તો સંત લીંબુ લીંબુ જેટલા ગોળા ખાઈને રહેતા, અને આજ તો પૂરેપૂરું મળે છે; તોપણ સ્વાદ ન મૂકે તો દુઃખી થાય, માટે રસાસ્વાદનો ત્યાગ કરવો. તે ઉપર પોતાની વાત કરી જે અમારે બાજરીના રોટલા વિના બીજું રુચે જ નહિ ને દાંત નથી તે ચવાય નહીં. ઊનો રોટલો પાણીમાં બોળીને રાખ્યો હોય તે રોટલો ને ગુવારનું કે રાતડિયાનું શાક હોય તે ચોળીને દસ વાગે મહારાજને જમાડીએ છીએ. સાંજના ચોખા વિનાની મઠની ખીચડી કરે તેમાં મેળ લેવા બાજરીનો લોટ નાખે તે ખીચડી જમાડીએ છીએ, તે વિના બીજું ગળ્યું-ચીકણું કાંઈ ગમે જ નહીં. ગુજરાત દેશમાં આવીએ તોપણ બાજરીનો રોટલો કરાવીને શ્રીઠાકોરજીને જમાડીએ. ફળ-ફૂલ તથા નાના પ્રકારના મેવા-મીઠાઈ આવે પણ કોઈ દિવસ સંકલ્પ જ થાય નહિ, તે તમો જાણો છો. કોઈ દિવસ જમતા દેખ્યા છે ? ત્યારે સંતો કહે, ના બાપા. આપ સંતોને વહેંચી આપતા, પણ આપને કોઈ દિવસ જમતા દેખ્યા નથી. બાપાશ્રી કહે જે, કોઈ દિવસ કોઈ ભાવે સહિત બહુ જ આગ્રહ કરે તો લગાર ગ્રહણ કરીએ પણ તેની રુચિ નહિ, કેમ જે ગ્રહણ કરવા માંડે તો જીવ ચટણો થઈ જાય માટે એમ રાખીએ તો ઠીક રહે. ત્યારે સંતે કહ્યું જે, આપનું ખાવું, પીવું, ઓઢવું, પહેરવું તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે તોપણ અમને શીખવવા સારુ આપ એમ વરતો છો. માટે અમારા ઉપર દયા કરીને અમને પણ એવા આશીર્વાદ આપો જે, અમારી પણ એવી રુચિ થાય. ત્યારે બાપાશ્રી કહે જે, મહારાજનો અને મોટાનો ખરો ખપ રાખશો તો તમારે પણ તેવું થાશે. ।। ૯ ।।
વાર્તા ૧૦
વૈશાખ વદિ ૭ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ધર્મામૃતમાં બારસ ને પૂનમ એ બે દિવસે પાકી રસોઈ લેવી એમ કહ્યું છે તેનું અમારે કેમ કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સંતને શ્રીજીમહારાજની ઇચ્છાથી જે મળે તેનો શ્રીજીમહારાજને થાળ કરી જમાડવા. પછી પાણી નાખીને ખૂબ મેળવીને એરંડિયા જેવું કરીને મહારાજને સંભારીને એક વાર જમવું. બીજી વાર જમવું નહીં. ડબા ભરી રાખવા નહીં. જમવાની ના નથી અને ભાતું તો ક્યારેક લાંબી મજલ કરવાની હોય ને અવશ્ય લેવું પડે એવું હોય તો લેવું. પોતાના હાથે થાળ કરીને શ્રીજીમહારાજને અને સંતને જમાડવાની શ્રદ્ધા રાખવી. શ્રીજીમહારાજને અને સંતને રસોઈ કરીને જમાડે તો મહાપ્રભુજી રાજી થાય, પણ બેસી રહ્યામાં કાંઈ સુખ મળે નહીં. કદાપિ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવી પડે તો શ્રીજીમહારાજનો આશ્રિત હોય ને શુદ્ધ આચરણવાળો પવિત્ર હોય તો તેના હાથની કરેલી જમવી, પણ સત્સંગી ન હોય તેના હાથનું ખાવું નહીં.
ત્યારે સ્વામી બાલકૃષ્ણદાસજીએ પૂછ્યું જે, જે સાધુ વર્તમાન ન પાળતા હોય તેના હાથનું ખાવું પડે તો કેમ કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એવા હોય તો નોખી પંક્તિ કરવી પણ તેના હાથનું ખાવું નહીં. ।। ૧૦ ।।
વાર્તા ૧૧
વૈશાખ વદિ ૭ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, એક સમયને વિષે પર્વતભાઈ આદિ સંઘ સર્વે જૂનાગઢ શ્રીજીમહારાજનાં દર્શન કરવા જતા હતા. પર્વતભાઈ તો પૃથ્વીથી આકાશમાર્ગે ઊંચા ચાલી નીસર્યા ને મહારાજનાં દર્શન કર્યાં. પછી પાછળથી મયારામ ભટ્ટ, જેઠાભાઈ, કલ્યાણ ભક્ત તથા ભીમભાઈ આદિક સંઘ સર્વે ગયો. તેમને શ્રીજીમહારાજે પોતાનું શરીર બતાવીને કહ્યું જે, આ અમારે શરીરે ઉઝરડા બહુ થયા છે. ત્યારે હરિજનોએ પૂછ્યું જે, હે મહારાજ ! આવડા બધા ઉઝરડા શાથી થયા છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તમે પર્વતભાઈને એકલા આવવા દીધા તે અમારી મૂર્તિમાં રહીને ઊડ્યા, તે જાળાં-ઝાંખરાંમાં અથડાવાથી ઉઝરડા થયા છે. માટે તમે પર્વતભાઈને સાથે રાખ્યા હોત તો આવું દુઃખ અમને થાત નહીં. ત્યારે હરિજનોએ કહ્યું જે, મહારાજ ! હવે અમે પર્વતભાઈને સૂના નહિ મૂકીએ ને સેવા કરીશું. ત્યારથી હરિજનો મહિમા જાણીને સેવા બહુ કરતા. એક વાર પર્વતભાઈ માંદા થયા. તેમની સેવા હરિજનો મહિમા જાણીને કરતા. તેમને કોઈક ગામથી કંકોત્રી આવી જે વસંતપંચમીને દિવસે મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત છે, માટે તમે સર્વે પધારજો. પછી હરિજનો ભાઈશ્રીને પૂછવા ગયા જે કંકોત્રી આવી છે ત્યાં અમો જઈએ ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, રાજસી યજ્ઞમાં જાઓ, કાં સાત્ત્વિક યજ્ઞમાં રહો. જેમ તમારી મરજી હોય તેમ કરો. એમ બોલ્યા પણ હરિજનો સમજી શક્યા નહીં. તેથી બે-ત્રણ વાર પૂછ્યું તોપણ એવો જ જવાબ દીધો. તેને સમજ્યા નહિ, ને કંકોત્રી આવી હતી ત્યાં ગયા. તે દિવસે પર્વતભાઈએ ગામના સર્વે માણસોને બોલાવરાવ્યા ને કહ્યું જે, આજ મારે દેહ મૂકવો છે, માટે જેને આ ટાણે મારાં દર્શન થાય તેને હું અંત વખતે આવીને ધામમાં તેડી જઈશ. પછી સર્વે લોકોએ દર્શન કર્યાં. અને બાળક, પશુ, પક્ષી, સર્વેને પર્વતભાઈનાં દર્શન કરાવ્યાં. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, જેટલાં આ વખતે મારી દૃષ્ટિએ ચડ્યાં તે સર્વે જીવોને હું તેડવા આવીશ. એમ કહીને પોતે દેહોત્સવ કર્યો. તે સમયે લાખો-કરોડો વિમાન અને મુક્તોએ સહિત શ્રીજીમહારાજનાં દર્શન સર્વેને થાતાં હવાં એમ અન્યથાકર્તાપણું વાપર્યું. આવી સામર્થી અનાદિમુક્તમાં હોય એવા મુક્ત તમને મળ્યા છે. જેમ પીરસનાર વિના ભોજન જમાતું નથી તેમ મુક્ત વિના મહારાજની વાત સમજાતી નથી. આવા મહારાજ ને આવા મુક્ત જેના મહિમાનો કોઈ પાર પામી શકતા નથી તે દયા કરીને પધાર્યા છે. તેને પામીને જે એમ જાણે જે મને મહારાજ કેમ દર્શન નહિ દેતા હોય ? મારા ઉપર રાજી હશે કે નહિ હોય ? તે મહારાજમાં દોષ પરઠે છે પણ પોતાની આળસ છે એ ખોટ નથી જાણતો. મોટા મુક્ત વાત નથી કરતા તે આપણા ઉપર રાજી હશે કે નહિ હોય, એમ જે જાણે તે મુક્તમાં દોષ પરઠે છે પણ પોતાના પાત્રપણાની તારતમ્યતાની ભૂલ જાણતો નથી. એ નાસ્તિકપણું છે. મોટા ને મહારાજ મળ્યા છે તે પ્રસાદ આપે છે, લીલા કરે છે, વાતો કરે છે, પ્રશ્ન પૂછે છે, તેનો ઉત્તર પોતે કરે છે, મળે છે, હાર આપે છે, તે બહુ રાજી છે અને મોટા ઓળખાણા તે પણ એમના રાજીપાથી ઓળખાણા છે. એમાં જીવનું કાંઈ સાધન નથી માટે મોટા રાજી છે ને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. ।। ૧૧ ।।
વાર્તા ૧૨
વૈશાખ વદિ ૭ને રોજ સાંજે સરસપુરના જેઠાભાઈએ પૂછ્યું જે, જેને મહારાજને અને મુક્તને રાજી કરવાની ઇચ્છા હોય પણ આવડત ન હોય તે શું કરે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને આવડત ન હોય તો તે મોટાને પૂછીને કરે તો ઘણા પ્રસન્ન થાય. મોટાની અનુવૃત્તિમાં રહીને થોડી સેવા કરે તોપણ રાજી થાય અને અનુવૃત્તિમાં ન રહે ને તે ઘણી સેવા કરે તોપણ રાજી થાય નહીં. જીવના સ્વભાવ મહારાજની અને મોટાની અનુવૃત્તિમાં રહેવા દે એવા નથી. પોતાનું ધાર્યું મહારાજ પાસે અને મોટા પાસે કરાવે એવા અવળા છે. સ્વામી અચ્યુતદાસજી આદિ મંડળ ગામ ચાંદ્રાયણીથી અર્ધી રાત્રે ચાલ્યા, તે માર્ગમાં રાત્રિએ સૂતાં અને ઊઠીને ચાલવા માંડ્યા. તે પાછા વળ્યા ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, સંતો ! જે ગામથી આવ્યા ત્યાં જવાશે. તોપણ દિશ ભૂલ થવાથી સાધુએ માન્યું નહીં. સવારે ચાંદ્રાયણી આવ્યા, ત્યારે સ્વામીને વિનંતી કરી જે, અમોએ તમને બે-ચાર ગાઉ પાછા ચલાવ્યા. સ્વામી બોલ્યા જે, આપણે સર્વેને ચાલવું પડ્યું છે. મોટા એવા સરળ હોય અને જીવ પોતાનું ધાર્યું કરે. મોટાને ગુણ ઘાલવા છે પણ જીવ ગ્રહણ કરતા નથી. ગુરુ હોય તથા મોટા હોય તેમની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું. કેમ જે તેમાં આપણે શું જાણીએ જે કેમ થશે. શ્રી ગોપાળાનંદ સ્વામી એક ગામથી બીજે ગામ ચાલ્યા ત્યારે પોતાના શિષ્યોને કહ્યું જે, પુસ્તકે મીણિયાં બાંધજો, પણ વાદળું નહિ હોવાથી એ વચન માન્યું નહીં. પછી માર્ગમાં વરસાદ થયો ને પુસ્તક પલળી ગયાં. વળી કોઈક સમયે કહ્યું જે, આ ટાણે દિવસ છે, ત્યારે શિષ્યોએ કહ્યું જે, રાત્રિ છે. પણ મોટાને તો રાત્રિ કે દિવસ છે જ નહિ, કેમ જે એ તો સદાય મૂર્તિમાં જ હોય તે નાહ્યા-ધોયા વિના જમે તોપણ એમને બાધ નહીં. જેમ આપણે દિવસે સૂઈએ છીએ પણ જાગીને નાહ્યા-ધોયા વિના જમીએ છીએ, તેમ મોટાને રાત્રિ છે જ નહિ માટે મોટાની ક્રિયામાં દોષ જોવા નહીં. જ્યારે પંચવર્તમાનમાં ફેર હોય ત્યારે દોષ જાણવો. ।। ૧૨ ।।
વાર્તા ૧૩
વૈશાખ વદિ ૭ની રાત્રિએ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ નદી, તળાવ, સમુદ્ર તે પાણીને રહેવાનાં પાત્ર છે, તેમાં સમુદ્ર શ્રેષ્ઠ પાત્ર છે. માટે સમુદ્ર જેવો પાત્ર થાય ત્યારે મહારાજની મૂર્તિ દેખાઈ આવે. જેમ વીજળીનો સંચો ચાલે છે ને તેમાંથી ધુમાડો ચાલે છે, તેના દીવા થઈને પ્રકાશ કરે છે. ને જ્યારે સંચો બંધ થઈ જાય છે ત્યારે દીવાનો પ્રકાશ પાછો વળી જાય છે. એ દૃષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે, સંચાને ઠેકાણે શ્રી મહાપ્રભુજીની મૂર્તિ છે અને ધુમાડાને ઠેકાણે શ્રીજીમહારાજનું સુખ છે, ને દીવાને ઠેકાણે મુક્ત છે. જેમ દીવો પ્રકાશ કરી આપે છે તેમ મુક્ત મહારાજનું સુખ લઈને જીવોને આપે છે. મુક્ત વિના પરબારું મહાપ્રભુજીનું સુખ કોટિ સાધને પણ મળતું નથી. તે પણ પાત્ર પ્રમાણે મળે છે, અને જો ગ્રહણ કરનાર પાત્ર ન હોય તો જેમ દીવાનો પ્રકાશ પાછો સંચામાં વળી જાય છે, તેમ પાછું મહારાજ પાસે જતું રહે છે. વળી બીજું દૃષ્ટાંત, જેમ વીજળીનો ઝબકારો પૃથ્વી ઉપર આવીને પાછો આકાશમાં મેઘની ઘટામાં જતો રહે છે તેમ. માટે મુક્ત દ્વારે જ મહારાજ સુખ આપે છે ને પોતે તો અકર્તા રહે છે તોપણ મહારાજની મરજી વિના મહારાજના ગુણ કે જ્ઞાન કે મૂર્તિ કોઈ મુક્તથી આપી શકાય નહીં. એ તો શ્રીજીમહારાજે સંકલ્પ કરીને જે મુક્તને મૂક્યા હોય તેને પોતાના સુખની કૂંચી આપી હોય તે મુક્ત શ્રીજીમહારાજના જેટલું કામ કરે. શા માટે જે, શ્રીજીમહારાજનો સંકલ્પ છે અને શ્રીજીમહારાજની વતી આવ્યા છે અને એ મોક્ષ કરવારૂપી મૂળ સંકલ્પ છે. મૂળઅક્ષરો પાસે સૃષ્ટિ કરાવીને જીવોને દેહ ધરાવીને આવા મુક્તનો યોગ થાય ને મહારાજ પાસે આવે, માટે સૃષ્ટિ કરાવવી એ બીજો સંકલ્પ છે. તોપણ પોતે અકર્તા રહે છે ને કલ્યાણકર્તા મુક્તને મુખ્ય રાખે છે અને જીવકોટિને કર્મફળ આપવાં તથા ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ સર્વેને ઐશ્વર્ય આપવાં તે પોતાના તેજ દ્વારે કરે છે ને ઉત્પત્ત્યાદિક ક્રિયા તે મૂળઅક્ષરો દ્વારે કરાવે છે. અને તે અક્ષરો બ્રહ્મને પ્રેરણા કરે છે ને સ્થિતિરૂપ ક્રિયા વાસુદેવબ્રહ્મ પાસે કરાવે છે અને ઉત્પત્તિરૂપ ક્રિયા તે મૂળપુરુષ દ્વારે કરાવે છે અને પ્રલયરૂપ ક્રિયા તે મહાકાળ દ્વારે કરાવે છે. એવી રીતે કરાવે છે, પણ પોતાને માથે લેતા નથી. જેમ કોઈ મનુષ્ય મરે ત્યારે લોક કહે જે, તાવ આવ્યો હતો કે હરકોઈ રોગથી મૂઓ પણ ભગવાને માર્યો એમ કોઈ કહેતા નથી, માટે મહારાજ માથે લેતા નથી. તેમજ કલ્યાણ તે મુક્ત પાસે કરાવે છે ને પોતે તો પોતાના મુક્તોને પોતાની મૂર્તિનું કેવળ સુખ જ આપે છે, માટે કલ્યાણને અર્થે મુક્તનો ખપ કરવો જોઈએ. અને ધ્યાન પણ મોટાની સહાય વિના સિદ્ધ થાતું નથી. મોટા પ્રસન્ન થઈને સહાય કરે તો સહેજે મૂર્તિનું સુખ આપી દે. ને મોટાનો સાચો વિશ્વાસ ને સંપૂર્ણ મહિમા જાણ્યો હોય તો જ્યાં સંભારે ત્યાં પોતે પ્રગટ આવીને તેનું કામ કરે છે. અને જે ચાલોચાલ સમાગમ કરે તેને મોટાનું સુખ વાતચીતમાં આવે નહીં. જેમ વીજળીનું દૃષ્ટાંત દીધું તેમ. માટે પાત્ર થાવું, તે પાત્ર ક્યારે થવાય ? તો, પોતાનું મનગમતું સર્વે મૂકી દઈને જેમ મોટા કહે તેમ સરળપણે વરતે તો તરત પાત્ર થાય. જેમ આંબા આદિક ઝાડને પાણી પાઈએ છીએ તો તે કેરી આદિક ફળને આપે છે, તેમ મોટાની સેવા ને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે. મોટાનો સમાગમ કરવા માંદા આવે, ને સાજા આવે; તેમાં માંદાને ફળ વધારે મળે છે, કેમ જે એમાં સત્તા નથી તોપણ આવે છે, માટે મોટા બહુ રાજી થાય છે. ત્યાં દૃષ્ટાંત, જેમ કરોડપતિ હજાર રૂપિયા આપે ને ગરીબ એક રૂપિયો આપે તે સરખું કહેવાય તેમ. ।। ૧૩ ।।
વાર્તા ૧૪
વૈશાખ વદિ ૮ને રોજ સવારે મૂળીવાળા સ્વામી બાલકૃષ્ણદાસજીએ પૂછ્યું જે, એક સાધુ ધ્યાન કરે છે ને ધ્યાન કરતાં કરતાં રોવા માંડે છે તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ સાધુનો અવગુણિયો સ્વભાવ છે. માટે પ્રથમ પણ શ્રીજીમહારાજનું સુખ નહોતું ને હાલ પણ નથી. અને જે રુએ છે તે તો સિદ્ધિઓ છેટે દેખાય છે ને પાછી અદૃશ્ય થાય છે એટલે રડવું આવે છે. અને તેને પામવાને માટે રુદન થાય છે. જેને મહારાજનું સુખ કે મૂર્તિ દેખાય તેને તો અતિશય આનંદ પ્રાપ્ત થાય અને અદૃશ્ય થાય તોપણ રોવરાવે નહીં. અને જે રોવરાવે તે તો માયા હોય એમ જાણવું. માટે જેને મોટા મળ્યા ન હોય, ને મોટાનો જોગ ન હોય તેને ધ્યાનમાર્ગમાં વિઘ્ન ઘણાં આવે છે. અને સિદ્ધિઓ તથા ઐશ્વર્ય દેખાય તેને ઓળખે નહીં. એ તો જ્યારે મોટા મળે ત્યારે એ વિઘ્નને આવવા દે નહિ ને જ્ઞાન આપીને પાત્ર કરીને ધ્યાન કરાવીને મૂર્તિ સિદ્ધ કરાવે, માટે પાત્ર થવાય એવા મોટાનો જોગ કરવો. આ લોકમાં સાધનદશાવાળા ભક્ત ઓળખાય પણ સિદ્ધમુક્તને ઓળખવા તે કઠણ છે. કોની પેઠે ? તો, જેમ એક તો સદાયનો બહુ જ ધનાઢ્ય હોય અને તેનો ખજાનો ભરેલો હોય ને કાંઈ ઉદ્યમ પણ ન કરતો હોય તેથી બહાર એનો ઉદ્ઘોષ ન જણાય. અને એક તો ઘણા ઉદ્યમ કરતો હોય ને મોટાં મોટાં શહેરોમાં દુકાનો ચાલતી હોય, તેનો ઉદ્ઘોષ બહુ જણાય. તેમ, એક તો જપ, તપ, કથા, કીર્તન, સેવા, ધ્યાન બહુ જ કરે તેને જોઈને એમ જાણે જે આ તો રાત્રિ-દિવસ મંડ્યા રહે છે, એમ ઉદ્ઘોષ બહુ જણાય. અને સિદ્ધદશાવાળા તો મૂર્તિમાં જ રમૂજ કર્યા કરે ને મૂર્તિના સુખમાં જ ગુલતાન હોય ને સુખમાં જ ડૂબ્યા હોય તેથી કથા-વાર્તા, જપ, તપાદિક બહુ કરતાં ન દેખાય તે ક્યાંથી ઓળખાય ? માટે મુક્ત ઓળખવા તે કલમ કઠણ છે. અને જેને પૂરું જ્ઞાન ન હોય તે કોઈકને સમાધિ દેખે તો અહોહો થઈ જાય, પણ તે તો વિષયરૂપી વાયુ લાગે તો હોલવાઈ જાય. વાસના છે તે સમાધિમાં બ્રહ્મનું સુખ આવતું હોય ત્યાંથી પાછો ખેંચી લાવે એવી છે. અને સમાધિમાં સકામભાવ છે ને તેમાં નુકસાન છે. માટે સમાધિ કરતાં અખંડ સ્મૃતિ તે શ્રેષ્ઠ છે. અને એથી મૂર્તિનો સાક્ષાત્કાર થાય તે શ્રેષ્ઠ છે. અને તેથી પણ મૂર્તિમાં રસબસ થઈ જવાય તે શ્રેષ્ઠ છે. સમાધિવાળો સકામ છે અને અખંડ સ્મૃતિવાળો નિષ્કામ છે. આ સભાથી બીજી જુદી દિવ્ય સભા જોવા ઇચ્છે તેના મુખની વાણી ન સાંભળવી. આ સભામાં સુખ ને તેજ ને શીતળતા રહી છે. તેથી સુખપરના લક્ષ્મણ ભક્તને ગોપીઓની પેઠે ‘લો કાન, લો કાન’ એની પેઠે આનંદના ફુવારા બહાર નીકળી ગયા. ।। ૧૪ ।।
વાર્તા ૧૫
વૈશાખ વદિ ૮ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ભરવાડને હાથ હીરો આવ્યો હોય તો બકરીની કોટે બાંધે. અને તે હીરો વેચે તો એક પાવળું તેલ જ મળે, પણ જો તેના કીમતી મળે, અને હેમના પાત્રમાં મૂકે તો ચંદ્રની કિરણમાંથી બ્રહ્માંડ ભરાઈ જાય એટલું સોનું નીકળે માટે હેમના જેવું પાત્ર થવું જોઈએ. આપણે અક્ષરધામ સુધી કાંઈ ગણતરીમાં નથી એવડી મોટપ શ્રીજીમહારાજને તથા અનાદિમુક્તને પ્રતાપે કરીને આવી છે. આ સાચી વસ્તુ જે શ્રીજીમહારાજ અને મોટા અનાદિમુક્ત તે મળ્યા, તો મોટાં મોટાં સ્થાન જે બ્રહ્મકોટિ અને તેથી પર જે મૂળઅક્ષરકોટિ તે પણ ખોટાં થઈ ગયાં. આ સભામાં પડ્યા હોય તોપણ શ્રીજીમહારાજનો ને અનાદિમુક્તનો મહિમા જાણી શકે નહીં. કોઈકને મૂર્તિમાન મૂળઅક્ષર મનાણું છે અને કોઈકને તેથી પર જે શ્રીજીમહારાજનું તેજરૂપ અક્ષરધામ તે મનાણું છે અને કોઈકને તેથી પર જે પરમએકાંતિક તે મનાણું છે ને કોઈકને તેથી પર જે અનાદિમુક્ત તે મનાણું છે. તે આવા અનાદિમુક્ત સાથે મન બાંધવું તે ઉત્તમ છે. આ તો સામર્થી ઢાંકીને બેઠા છીએ, પણ જો પ્રગટ કરીએ તો તમે ઝીલી શકો નહીં. વડોદરામાં શાસ્ત્રીઓએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, તમારા મોટા મોટા સંતમાં કેવી સામર્થી છે ? પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, તમારી સામર્થી થોડીક બતાવો. પછી બ્રહ્માનંદ સ્વામીએ મોટું સોનાનું પારણિયું બાંધી દીધું, ને તેમાં સૂર્ય, ચંદ્ર બેયને બે છેડે લટકાવ્યા, તારાનું ઝૂમખું વચ્ચે લટકાવ્યું ને રમવા મંડ્યા. એવી સામર્થી બતાવીને બોલ્યા જે, “આ તો હું છ મહિનાનો હતો ત્યારે પારણિયામાં સૂતે સૂતે સૂર્ય, ચંદ્ર ને તારા તેને લાંબો હાથ કરીને લાવીને પારણિયે બાંધીને લીલા કરી હતી તે બતાવી. આજની સામર્થીનો તો કાંઈ પાર આવે તેમ નથી.”
એવી સામર્થી તમારી પણ છે. આ સભાનું પ્રમાણ થાય તેમ નથી. આ તો અપાર છે. આ સુખ અંતરમાં ઊતરે તો દીવાના થઈ જવાય. આ સભામાં જે વાર્તા થાય છે તે ખરો મહિમા ન જાણ્યો હોય તેને અંતરમાં પેસે નહીં. જેવી છે તેવી સામર્થી જણાવીએ તોપણ થોડીક વાર મહિમા જણાય ને વળી પાછું ભૂલી જવાય. શ્રીજીમહારાજે કહ્યું છે જે, તમારી સામર્થી ને સ્વરૂપ એ તમને જાણ્યામાં આવ્યું નથી. મહારાજે અક્ષરધામની સભા કરી ને સમ ખાધા, તોપણ મનાય નહીં. આ સભા તેની તે છે; પણ બીજી નથી. તે મહિમા સમજાય તો સુખ આવે, પણ વેશ કરીને બેસીએ તો વેશમાં સુખ ન આવે. તે વેશ તે શું ? તો કંઠી, તિલક કરીને સત્સંગીનો વેશ લીધો ને ભગવાં લૂગડાં પહેરીને સાધુનો વેશ લીધો પણ સાધુનાં તથા સત્સંગીનાં લક્ષણ ન આવ્યાં હોય ત્યાં સુધી વેશ લીધો કહેવાય. માટે કંઠી ને તિલક એમ બે-ચાર પૈસાનો સત્સંગ ન કરવો. આત્માને વિષે શ્રીજીમહારાજ પધરાવવા, તો જ સત્સંગ કર્યો જાણવો. આ સભામાં કોણ બેસવા દે ? એ તો મોટાં ભાગ્ય તે બેસવા દે છે. આ સભા એવી છે. શ્રીજીમહારાજે પોતાની ને સંતની એટલે મુક્તની એક વાણી કહી છે ને એક મંડળ કહ્યું છે. માટે એક મંડળ કરવું, એટલે એક રુચિ કરવી. કોઈક શ્રીજીમહારાજના મહિમાની વાતો કરે ત્યારે ત્રાંસું ત્રાંસું થાવું નહીં. બળદ ત્રાંસા થાય તો ખીલી કે સમોલ ભાંગે ને ભોંય પડે. માટે તેમ નહિ કરતા એક મંડળ કરવું ને એક વાણી રાખવી. જુદા જુદા અભિપ્રાય ન રાખવા. એક વાણીમાં સુખ છે. એમાં શ્રીજીમહારાજની સહાયતા આવે છે. માટે સર્વેમાં શ્રીજીમહારાજ બિરાજે છે એમ જાણીને મહારાજનો ને મુક્તનો જે મહિમા મોટા કહે તે સત્ય માનીને એક વાણી કરવી. વાણીમાં કોમળતા રાખવી કે સર્વે રંજન થઈ જાય. એક મંડળ રાખવું ને એક સ્વરૂપ રાખવું તો શ્રીજીમહારાજ રાજી થાય. જ્યારે શ્રીજીમહારાજનાં વચન મનાય નહિ, તો આપણે શું એમના થયા ? ન થયા. મહાપ્રભુજીનાં વચન જેવાં બીજા કોઈનાં વચન માનવાં નહીં. વચનામૃતમાં જે વચન હોય તે સત્ય માનવાં. એમાં મોટા સદ્ગુરુઓના વચનની સાખ લેવી નહીં. વચનામૃતની સાખ બીજે લેવી. પણ વચનામૃતમાં બીજી સાખ ન લેવી. આ તો બહુ જબરી વાત છે. નવીન નવીન શબ્દ નીકળે છે. સ્વામિનારાયણ કહેવું તે પણ જેવા છે તેવા ઓળખીને કહેવાય તો ઠીક, અને સાધુને પણ ઓળખીને સાધુ કહેવાય તો ઠીક. સાધુને પણ ઓળખવા જોઈએ, પણ અઠે દ્વારકા કરીને બેસવું નહીં. મહાપ્રભુજીની મૂર્તિમાં રસબસ થયા હોય તેવા સાધુને ખોળી કાઢીને આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિમાં રસબસ થઈ જવું; ત્યારે જ સુખ આવે. તે વિના તો સુખ ક્યારેય પણ ન આવે. એ સુખ પણ અનાદિમુક્ત દ્વારાએ સત્સંગમાં પ્રવર્તે છે; જેમ મેઘ વૃષ્ટિ કરીને ચાર ખાણના જીવોને સુખિયા રાખે છે તેમ. પાકશાળાના પીરસનારા અનાદિમુક્ત તથા પરમ એકાંતિકમુક્ત છે ને શ્રીજીમહારાજનું સુખ જીવોને આપે છે. કેવી રીતે ? તો, વાણીએ કરીને આપે છે, વાતેચીતે કરીને આપે છે, દૃષ્ટિએ કરીને આપે છે; સંકલ્પે કરીને આપે છે, પ્રસાદીએ કરીને આપે છે, મળવે કરીને આપે છે, એમ સુખિયા કરે છે. જેમ લોકમાં બાર વરસે કપિલા છઠ આવે છે. તેને માટે લોક તાકીને બેસે છે તેમ આ વખતે તમારે કપિલા છઠ આવી છે. મહદ્પર્વ આવ્યું છે તેને માટે તાકીને બેસવું. આ ગૌમુખીમાંથી શ્રીજીમહારાજનો રસ વરસે છે એટલે સુખ આવે છે, માટે તાકીને બેસે તો બહુ જ સુખિયા થવાય. ‘ભક્તચિંતામણિ’ના ૪૮મા પ્રકરણમાં શ્રીજીમહારાજે ત્યાગી-ગૃહીની સભા કરી હતી તેવી આ સભા છે. અક્ષરધામથી પણ પરની છે. એટલે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની આ સભા છે. તે છેલ્લા પ્રકરણના ૨૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે શ્રી ગોપાળાનંદ સ્વામીને અક્ષરધામમાં સભા છે તેથી પર કહ્યા છે. ।। ૧૫ ।।
વાર્તા ૧૬
વૈશાખ વદિ ૯ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ધ્યાન કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે અને બેય હોય તો વિશેષ શ્રેષ્ઠ છે. તે ઉપર શ્રી સચ્ચિદાનંદ સ્વામીની વાત કરી જે, એક દિવસે શ્રીજીમહારાજ ગઢાળી પધાર્યા હતા ત્યાં તેમને તેડી ગયા નહિ; તેથી નવ દ્વારે રુધિર નીકળ્યું ને માંદા થઈ ગયા. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, આત્માને વિષે શ્રીજીમહારાજને ધારીને મૂર્તિનો સાક્ષાત્કાર કરો તો વિયોગ ન થાય, ને સદાય સુખિયા રહેવાય. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, સ્વામી ! આપે દયા કરીને આજ મારી ખોટ ઓળખાવી. એમ જ્ઞાન શ્રેષ્ઠ છે. સમાધિ કરતાં અખંડ સ્મૃતિ વિશેષ છે. અખંડ સ્મૃતિ તે સરવાણી પાણી જેવી છે અને સમાધિ તો એકદમ તળાવ ભરાઈ જાય ને પછી સુકાઈ જાય એવી છે, માટે અખંડ સ્મૃતિ તે વિશેષ છે. અને અખંડ સ્મૃતિવાળાથી ઉપશમદશાવાળો વિશેષ છે, અને તેથી અખંડ મૂર્તિ દેખે તે સ્વરૂપનિષ્ઠાવાળો કહેવાય તે શ્રેષ્ઠ છે, અને તે સિદ્ધદશાવાળો કહેવાય. સિદ્ધદશાવાળો જંગમ તીર્થનું કામ કરે, એટલે જ્ઞાન આપીને મોક્ષ કરે, પણ બીજો દેહ ધારવાનું બાકી ન રાખે; માટે એવાનો જોગ કરવો. ઉપશમદશાવાળો તો અખંડ મૂર્તિમાં રહે ને એને આ લોકની સ્મૃતિ કે આ લોકમાં પ્રીતિ ન રહે, ને નિઃસ્પૃહ હોય તેથી સર્વે એમ જાણે જે, અહો ! આ તો ભગવાન વિના બીજું સંભારતા જ નથી, અખંડ મૂર્તિમાં જોડાઈ રહે છે. માટે આપણે પણ એ જ કરવાનું છે; એમ જાણીને ઘણાંક જીવ મોક્ષને માર્ગે ચાલે, માટે તે સ્થાવર તીર્થ જેટલું કામ કર્યું કહેવાય. ઉપશમદશાવાળાનો ઉદ્ઘોષ ઉપરથી બહુ જણાય અને જે સિદ્ધદશાવાળા હોય તેનો ઉદ્ઘોષ જણાય નહીં. જેમ કૂવો ખોદાતો હોય ત્યારે માણસ, પશુ તથા બીજો સામાન કૂવા ઉપર ઘણો હોય પણ તેનું પાણી પીવાના કામમાં આવે નહીં. જે કૂવામાં અલંચ પાણી હોય તેના ઉપર કાંઈ સામાન હોય નહિ, પણ તેનું પાણી પિવાય ને તૃષાની નિવૃત્તિ પમાડે, તેમ સિદ્ધદશાવાળા મોક્ષ કરે. એવા મોટા મુક્ત મૂર્તિનું સુખ જીવને આપે તો ખરા, પણ એ સુખ ઝીલનાર શુદ્ધ પાત્ર ન હોય તો પાછું મૂર્તિમાં જતું રહે. જેમ સમુદ્રનું જળ વરસે તે તળાવડામાં માય એટલું રહે, ને વધારે હોય તે સમુદ્રમાં પાછું જાય છે તેમ. શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત પ્રકારનાં સુખ, અનંત પ્રકારનાં ઐશ્વર્ય રહ્યાં છે તે સિદ્ધદશાવાળાને સર્વે ભેળાં આવે છે. જેમ પાકમાં ઘી, ગૉળ, સાકર, એલચી, તજ, લવિંગ, જળ, અગ્નિ, સરપટા એ સર્વેનો જુદે જુદે પ્રકારે ભેળો સુગંધ આવે છે તેમ સાધનદશાવાળાને મૂર્તિનું અને મુક્તનું (કારણનું) તથા સાધુ, બ્રહ્મચારી, આચાર્ય, સત્સંગી, ઉત્સવ, સમૈયા, ઘોડા, હાથી, રથ, વિમાન, પાલખી, બાગ, બગીચા એ સર્વે કાર્ય છે તે સર્વેનું નોખું નોખું સુખ આવે છે. ।। ૧૬ ।।
વાર્તા ૧૭
વૈશાખ વદિ ૯ને રોજ બપોરે શેદલાના કાનજીભાઈએ પૂછ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામી ચમત્કાર જણાવતા તેમ આજ મુક્ત કેમ નહિ જણાવતા હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ મોટા જો ચમત્કાર જણાવે તો મહારાજને મૂકીને મોટાને વિષે ચોંટે, ને કહ્યું પણ માને નહીં. શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ એવું પ્રકરણ રાખ્યું હતું તેમાં કેટલાક નીકળી ગયા ને કેટલાક અવળું સમજીને વાંસે અંધપરંપરા ચલવે છે, માટે એવું થાય તો બગાડ ઘણો થાય. તેથી મોટા ચમત્કાર જણાવતા નથી. કોઈકને ચમત્કાર કે ઐશ્વર્ય જણાવે કે આપે તે તો જેમ બાળકને રમકડું આપે તે રાજી થાય, પણ તેણે કરીને ભૂખ ભાંગે નહિ ને બળિયું પણ થાય નહીં. ચમત્કાર-ઐશ્વર્ય પણ તેવાં છે. દેખીને રાજી થવાય પણ કલ્યાણ થાય નહિ, માટે તેને જોવા કે પામવા ઇચ્છવું નહીં. ।।૧૭ ।।
વાર્તા ૧૮
વૈશાખ વદિ ૯ને રોજ સાંજે પ્રથમ પ્રકરણનું ૭૮મું વચનામૃત વંચાતું હતું તેમાં ૨૨મા પ્રશ્નમાં વિષમ દેશકાળમાં રહીને માર ખાવો નહિ એમ આવ્યું; ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કેવળ દેહનો માર ન સમજવો; જીવનો માર પણ સમજવો. તે કયો ? તો, નબળા દેશકાળમાં જીવનું બગડે એ જીવનો માર સમજવો. માટે ત્યાંથી આઘું-પાછું ખસી નીકળવું, એટલે કુસંગ મૂકીને જ્યાં ભગવાન ભજાય એવું સ્થાન હોય ત્યાં જાવું. સાધુ હોય તેણે મંડળનો ત્યાગ કરવો. ગૃહસ્થોએ ગામનો તથા સંબંધીનો ત્યાગ કરીને જતું રહેવું. ભલા થઈને માર ખાશો નહીં. એવા સંગનો ત્યાગ કરજો. જીવને માર ન ખવરાવશો. કોઈની મહોબતમાં લેવાવું નહીં. ગુરુ-શિષ્યે એકબીજાનો ત્યાગ કરવો.
ત્યારે સાધુ હરિવલ્લભદાસજીએ પૂછ્યું જે, દેહમાં કાળનું વિષમપણું આવે ત્યારે કેમ કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તે વખતે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ નામના મહામંત્રનો જપ કરવો તો દેશકાળ સારા થઈ જાય. માનસીપૂજા કરો, સંત-સમાગમ કરો, ધ્યાન કરો, તોપણ ઘાટ બંધ થાય નહિ; માટે અનાદિમુક્ત જ્યાં રહેતા હોય ત્યાં એમનો જોગ કરવો, તો ઘાટ ટળી જાય. માટે મોટાનો જોગ કરવો. જ્યાં મોટા રહેતા હોય તે સ્થાન નૈમિષારણ્ય ક્ષેત્ર છે. મોટાને તો એમ છે જે જીવ બિચારા ક્યારે આપણા ધામમાં આવે ! આજ તો શ્રીજીમહારાજે ખંપાળી (દંતાળી) નાખી છે. આગળ તો જીવની વાંસે સંતને ફરવું પડતું તોપણ કોઈ વર્તમાન ધારતા નહીં. આજ તો વર્તમાન ધરાવવા પોતાની મેળે આવે છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડવા માટે તો આજ શ્રીજીમહારાજને તથા મુક્તને જીવની કેડે ફરવું પડે છે. આજ કેવા કેવા સાધુ ને સત્સંગી છે ! માયાને ઉડાડી મૂકે છે. મહારાજનો અને મોટાનો એ પ્રતાપ છે. મહારાજનો અને મોટાનો જેને સંબંધ હોય તે માયાને ઉડાડી મૂકે તેમાં શું કહેવું ! આજ આપણને વેપાર બહુ જબરો મળ્યો છે. મૂળઅક્ષરકોટિથી પર શ્રીજીમહારાજના એકાંતિકની અને પરમએકાંતિકની અને અનાદિમુક્તની, એવી પરભાવની વાતો આવે છે. આ સભાનો જે અવગુણ લે ને બીજે ધોડા કરે તેને બહુ જ મોટી ખોટ આવે. આ ટાણે આ સ્થાન સારું છે. આપણે શ્રી સ્વામિનારાયણના દીકરા છીએ; માટે અક્ષરધામના રાજ્યને લાયક થાવું. જો ન થઈએ તો રાજ્ય ન સોંપે; એક કોરે રાખે. આ લોકમાં પણ આચાર્યમાં તથા રાજ્યમાં લાયકને ગોતે છે; માટે આપણે શ્રીજીમહારાજ પાસે રહેવાય એવા લાયક થાવું. શ્રીજીમહારાજ વિના બીજે પ્રીતિ ન રાખવી, ને દાસપણું રાખવું. શ્રી મુક્તાનંદ સ્વામી શ્રીજીમહારાજને જ્યારે પ્રશ્ન તથા કંઈક વાત પૂછતા, ત્યારે હાથ જોડીને પહેલા તો હે મહારાજ ! એમ કહીને પ્રશ્ન પૂછતા, એવું દાસપણું રાખવું. ।। ૧૮ ।।
વાર્તા ૧૯
વૈશાખ વદિ ૯ની રાત્રિએ સાધુ નારાયણદાસજીએ પૂછ્યું જે, અમને અનાદિ મહામુક્તરાજ સદ્. સ્વામી નિર્ગુણદાસજીએ મૂળઅક્ષરથી પર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ નોખું છે, એમ વાત કેમ નહિ કરી હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી તો મૂર્તિમાં રહેતા હતા અને જ્યારે અમે ભેગા થતા ત્યારે એવી જ વાત કહેતા. અમે ને સ્વામીશ્રી તો મૂર્તિમાં ભેગા છીએ અને મૂર્તિમાં રહ્યા થકા અહીં દર્શન આપીએ છીએ. એમનું કાંઈ પણ અજાણ્યું નહોતું પણ તે ટાણે ઉપાધિ કરનાર હતા. તે શ્રીકૃષ્ણથી પણ મહારાજને પર ન કહેવા દેતા તો તેથી પર મહાકાળ, અને તેથી પર નરનારાયણ, અને તેથી પર વાસુદેવબ્રહ્મ, અને તેથી પર મૂળઅક્ષરોના મુક્તો, અને તેથી પર મૂળઅક્ષરો, અને તેથી પર શ્રીજીમહારાજના એકાંતિક, ને તેથી પર પરમએકાંતિક, ને તેથી પર અનાદિ, ને તેથી પર શ્રીજીમહારાજ છે, એટલું બધું એકદમ શી રીતે કહેવાય ? તેમાં તો ઉપાધિ બહુ જ થાય, એટલા માટે કહેતા નહોતા. પણ અમને કહેતા જે, “બાવો મોટા ને મઢી નાની” તે મઢીમાં બાવો શી રીતે સમાય ? તેમ જીવ નાના અને મહારાજનો મહિમા બહુ જ મોટો તે જીવને શી રીતે સમજાય ? માટે કોની આગળ કહીએ ! મનમાં સમજી રહીએ છીએ, પણ કોઈને જેમ છે તેમ કહેવાતું નથી. શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ જે મૂળપુરુષ તેથી પર કહીએ છીએ એટલામાં પણ ઉપાધિ થાય છે, જે સ્વામીને વાતો ન કરવા દેવી ને જો શ્રીકૃષ્ણથી મહારાજને પર કહે તો કાઢી મૂકવા. એક વાર કાઢી મૂકવાનો પણ ઠરાવ કર્યો હતો, પણ શ્રીજીમહારાજે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને રાત્રિએ સાક્ષાત્ દર્શન આપીને કહ્યું જે, તેમને તો અમોએ જીવના ઉદ્ધારને અર્થે ને અમારો મહિમા તથા ઉપાસના સમજાવવા માટે મોકલ્યા છે. એ તો અમારી મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત છે અને અમારી ઇચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા અહીં દેખાય છે એવા સમર્થ છે, માટે એમને આ દેશમાંથી જવા દેશો નહીં. જો જવા દેશો તો એ તમારે ઘરેણાંરૂપ છે તે તમારા દેશનું ભૂષણ જતું રહેશે. શ્રી ગોપાળાનંદ સ્વામીને આ દેશમાં આવવાની અમે આજ્ઞા કરી હતી તેમને પણ આવવાની તમે ના પાડી તેથી એ પણ આવતા નહોતા અને વળી આ પણ જશે તો અમારી ઉપાસના કોણ પ્રવર્તાવશે ? માટે એમને આ દેશમાં રાખો. એ જે વાતો કરે તે સત્ય માનજો, ને એમનું અપમાન કરવા દેશો નહીં. એ અમારી આજ્ઞા પાળશો તો અમો પ્રસન્ન થઈશું. એ તો અમારી ઇચ્છાથી દર્શન આપે છે, નહિ તો સ્વતંત્ર મુક્ત છે. અદૃશ્ય થઈ જશે તો અમારી ઉપાસના પ્રવર્તશે નહિ; માટે તેમને જવા દેશો નહિ, એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. સવારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે સ્વામીશ્રીને બોલાવીને કહ્યું જે, તમે જશો નહિ, તમને કોઈ ઉપાધિ કરતા હશે તે અમે નહિ કરવા દઈએ. શ્રીજીમહારાજના મહિમાની વાતો સુખેથી કરો. પછી સ્વામીશ્રી ગયા નહીં. તેથી મોટા મોટા સંતોએ આચાર્યજી મહારાજને કહ્યું જે, તમે કેમ ના પાડી ? એમ સંવાદ થયો. તે દિવસે હરિજનની ઘેબરની રસોઈ હતી, ને ચોકમાં ચંદની તળે પંક્તિ થવાની હતી, ને રંગોળી પૂરી હતી; પણ મહારાજશ્રી પીરસવા ઊઠ્યા નહિ, ને કહ્યું જે, નિર્ગુણદાસજી સ્વામીને રાખવાની હા પાડો તો જ પીરસવા ઊઠીએ. ત્યારે સર્વે સંતોએ હા પાડી. મહારાજશ્રીએ કહ્યું જે, અમને શ્રીજીમહારાજે દર્શન આપીને કહ્યું જે, “એમને જવા દેશો નહિ; એમને અમે મોકલ્યા છે, માટે અપમાન કરવા દેશો નહીં.” માટે તમે કોઈ એમનું અપમાન કરશો નહિ ને તે જે વાતો કહે તે સાચી માનજો; એમ મહારાજશ્રીએ વાત કરી. ત્યારે સર્વેએ કહ્યું જે, બહુ સારું, મહારાજ. પછી મહારાજ પીરસવા પધાર્યા. એવી ઉપાધિઓ વારંવાર થતી તેથી કહેતા નહિ, પણ જાણતા નહોતા એમ ન જાણવું. સ્વામીશ્રી તો બધુંય જાણતા, પણ ઉપાધિ થાતી એટલા સારુ કહેતા નહિ, માટે આ જ સમજો, પણ સંશય કરશો નહીં. આવો જોગ મળ્યા છતાં નહિ સમજો તો તમારું ક્યાંયે ઠેકાણું રહેશે નહીં. વચનામૃતમાં બધાય શબ્દ છે. વાર્તાની સમાપ્તિ કરીને બોલ્યા જે, ‘શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય’ એમ વર આપ્યો. ।। ૧૯ ।।
વાર્તા ૨૦
વૈશાખ વદિ ૧૦ને રોજ છેલ્લા પ્રકરણનું ૨૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં માનસીપૂજાની વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે માળા, માનસીપૂજા જે જે બતાવ્યાં છે તે સાધનકાળનાં બતાવ્યાં છે, ને કેટલાંક સિદ્ધકાળનાં બતાવ્યાં છે. માટે માનસીપૂજામાં ચૈતન્યને વિષે મૂર્તિ ધારીને દિવ્ય ભોજન જમાડવાં અને વસ્ત્ર-ઘરેણાં પણ મૂર્તિના જેવાં જ દિવ્ય તેજોમય ધારવાં, પણ ચિત્ર-વિચિત્ર ન ધારવાં. સર્વે ક્રિયા પોતાના ચૈતન્યમાં કરાવવી, પણ જુદાં જુદાં સ્થાન કલ્પવાં નહીં. એમ કરતાં કરતાં ઉપશમ થાય ને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે મૂર્તિને જોઈ રહેવું. બીજો સંકલ્પ કરવો નહિ, મૂર્તિ વિના બીજું સર્વે વિક્ષેપકર્તા છે. મૂર્તિનો સાક્ષાત્કાર ન થયો હોય તેણે ઉપર કહ્યા પ્રમાણે કર્યા કરવું, અને ધ્યાન કરવું. ધ્યાન કરતાં અકેકું અંગ દેખાય એ નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું અને જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું; અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય ત્યારે વૃત્તિ ન જાણવી; જીવસત્તાએ જોવાય છે એમ જાણવું. તેને મૂર્તિથી ઓરું જ્ઞાન રહેતું નથી અને દેહની ક્રિયા તો મહારાજની ઇચ્છાથી થાય છે. જ્યારે મૂર્તિના સુખમાં ઊતરે ત્યારે સુખ વિના બીજું દેખે જ નહિ, જેમ સૂર્યના રથમાં બેઠા હોય તેને રાત્રિ છે જ નહિ તેમ. ધ્યાનનું સુખ તો બહુ અલૌકિક છે પણ જીવને આગ્રહ થતો નથી. અંતર્વૃત્તિએ કરીને શ્રી પુરુષોત્તમના તેજરૂપ થઈને મૂર્તિ ધારે તો બહુ સુખ આવે ને મહાસુખિયો થઈ જાય, એવું મૂર્તિનું સુખ છે. તે સુખ આવે તો સર્વે વિષય, માન, મહોબત, સેવા-ભક્તિ, તે જેમ પાણીમાં વસ્તુ નાખીએ તે દેખાય જ નહિ, તેમ વીસરી જાય અને એક મૂર્તિ જ દેખાય, માટે મૂર્તિની સ્મૃતિ અખંડ રાખવી. રાગમાં, રંગમાં, કથામાં, વાર્તામાં મૂર્તિની સ્મૃતિ ભૂલી જવાય તો ચાળે ચઢી ગયા એમ જાણવું. શાસ્ત્ર ભણીને પાનું ઝાલીને કથા વાંચે ને જો મૂર્તિ ભુલાય નહિ તો તો ઠીક. જો મૂર્તિ ભૂલી જવાય તો જેમ રાંડીને ખૂણે બેઠી એવું કહેવાય, માટે અખંડ તેલધારાવૃત્તિ મૂર્તિમાં રાખવી એ મૂર્તિ દેખ્યા તુલ્ય છે. મુક્ત મળ્યા વિના એકલા સાધનવાળાને મૂર્તિની પ્રાપ્તિ થાતી નથી અને સત્સંગ પણ દિવ્ય જાણી શકાતો નથી તેથી લૂખો રહે છે. જ્યારે અનાદિમુક્ત મળે ત્યારે કાર્ય-કારણ ઓળખાય અને સત્સંગ બધો દિવ્ય જણાય, ત્યારે મૂર્તિની પ્રાપ્તિ થાય. માટે કારણ જે મહારાજની મૂર્તિ તેને મૂકીને કાર્ય જે સત્સંગની સેવા હોય તોપણ મહારાજની મૂર્તિરૂપી નિશાનને ચુકાવી દે છે. શ્રીજીમહારાજે કાંકરિયાની ચોરાસી કરી ને પછી એ પ્રવૃત્તિ ટાળી નાખી, એ વાત પોતાના એકાંતિક ભક્તને અર્થે મધ્ય પ્રકરણના ૨૨મા વચનામૃતમાં કહી છે. એકાંતિકને કાર્યમાં સમાસ નથી અને નવા આદરવાળાને સમાસ કરનારું છે. શા માટે ? તો, એથી બીજબળ થાય છે. આત્યંતિક કલ્યાણ તો મૂર્તિથી જ થાય, તે મધ્ય પ્રકરણના ૮મા વચનામૃતમાં શ્રીજીએ યજ્ઞનો વિધિ બતાવ્યો છે. કાર્ય તો જેમ આકાશમાં રીંછડીઓ (એટલે ડુવાળા) બધે ભરાઈ જાય છે અને વરસાદ થાય એવો ભાવ જણાવે છે પણ વરસે નહીં. અને કદાપિ વરસે તો પૃથ્વી ભીની કરે પણ રેલ ચલાવે નહિ એવું છે. કારણ જે મૂર્તિ તે તો જેમ મુશળધાર વરસાદ વરસે તે પૃથ્વી દેખાય જ નહિ એવી રેલ ચઢાવે ને એકલું જળ જળ થઈ રહે, તેમ જળને ઠેકાણે મૂર્તિ છે તે એકલી મૂર્તિ અણુ અણુ પ્રત્યે ભાસે એવું છે. માટે સેવા-ભક્તિ આદિક સાધન કરતાં ધ્યાન કરવું તે શ્રેષ્ઠ છે. જે ધ્યાન કરે તેને કોઈ વ્યવહારમાં જોડવા નહિ અને ધ્યાન કરનારે પણ કોઈ વ્યવહારમાં જોડાવું નહીં. શ્રીજીમહારાજના સુખની અવધિ નથી. સિદ્ધમુક્તને પણ એ સુખમાંથી પૂર્ણ થવાતું નથી. સુખમાં વિભાગ ઘણો છે. જ્યારે અનુભવજ્ઞાન થાય એટલે જે સુખની વાતો કરીએ છીએ તે સુખની પ્રાપ્તિ થાય ને તેને ભોગવે ત્યારે જાણ્યામાં આવે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ભાવ ટળી જાય. આ સ્થૂળ દેહમાં રહ્યો હોય તોપણ આ લોકની ખબર રહે નહિ અને કાંઈ પણ વર્ણન કરી શકે નહીં. સુખમાં જોડાઈ જાય ને સુખમાં ચાલ્યો જાય, ને નવાં નવાં સુખ લેતો જાય, તે સુખનો પણ પાર પામી શકે નહિ ને તે સુખનું કે મૂર્તિનું વર્ણન કરી શકે નહિ કેમ જે, મહારાજ એની સ્મૃતિને રોકી રાખે છે. તે અનુભવી, ઉપશમ અવસ્થાવાળો ને કર્તા-અકર્તા કહેવાય. એની ક્રિયા મહારાજને આધીન હોય પણ અનાદિમુક્તના જેવો સ્વતંત્ર ન હોય. અનાદિમુક્તમાં સ્વતંત્રપણું છે તે અનુભવીમાં નથી, માટે અનાદિમુક્ત છે તે અનુભવી કરતાં શ્રેષ્ઠ છે. ।। ૨૦ ।।
વાર્તા ૨૧
વૈશાખ વદિ ૧૦ને રોજ બપોર પછી બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને મળ્યા ને પછી માનસીપૂજા કરીને સંતોએ બાપાશ્રીને કહ્યું જે, વાત કરો. બાપાશ્રી બોલ્યા જે, પ્રશ્ન પૂછો તો વાત કરીએ.
ત્યારે સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, શ્રી બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે કે, “પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી” તે ત્રિલોકી કેવી રીતે સમજવી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રકૃતિ સુધી તો બધું નાશવંત છે. તેને તો બ્રહ્માનંદ સ્વામીએ ગણ્યું જ નથી ને તેથી પર પહેલી મૂળપુરુષરૂપ ઈશ્વરકોટિ, બીજી બ્રહ્મકોટિ અને ત્રીજી અક્ષરકોટિ એમ ત્રિલોકી કહી છે. તેથી શ્રીજીમહારાજની પાઘડી ન્યારી કહી છે. આ કાર્ય ત્રિલોકી છે. મૂળઅક્ષરથી પર શ્રીજીમહારાજના એકાંતિક ને તેથી પર પરમએકાંતિક અને તેથી પર અનાદિ એ કારણ ત્રિલોકી છે; તેથી મહારાજની પાઘડી ન્યારી છે એમ કહ્યું છે.
પછી સાધુ પુરુષોત્તમચરણદાસજીએ પૂછ્યું જે, “નાભિ અજને થયાનું ઠેકાણું, બ્રહ્માનંદનું ત્યાં મન લોભાણું.” એમ કહ્યું તેનો અર્થ શો સમજવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની નાભિ જે નીરખે તે અજ એટલે મુક્ત થાય; માટે અજનો અર્થ મુક્ત સમજવો. એ નાભિમાં શ્રી બ્રહ્માનંદ સ્વામીનું મન લોભાણું એમ કહ્યું છે. આ પ્રશ્ન સદ્. શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને સભામાં પૂછ્યો હતો. તેનો ઉત્તર શ્રીજીમહારાજે શ્રી બ્રહ્માનંદ સ્વામી પાસે કરાવ્યો હતો.
પછી કણભાવાળા આશાભાઈએ પૂછ્યું જે, “હું તો જાઈશ ગિરધર જોવા રે, મા મુને વારીશ મા” એમ કહ્યું છે. તે મા કઈ જાણવી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજને ભજતાં અંતરાય કરનારી માયા છે તે મા જાણવી. વાર્તાની સમાપ્તિ કરીને સર્વે મંદિરમાં આવ્યા. ।। ૨૧ ।।
વાર્તા ૨૨
વૈશાખ વદિ ૧૦ને રોજ સાંજે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આપણાં મંદિરોમાં શ્રી નરનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ગોપીનાથ આદિક અવતારોની મૂર્તિઓ પધરાવી છે તે પધરાવવાનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ માંગરોળ આદિક ગામોમાં મતવાદીઓને તથા બીજા અવતારોના ઉપાસકોને એમના ઇષ્ટદેવ રૂપે પોતે દેખાયા હતા તથા શ્રી વ્યાપકાનંદ સ્વામીને ચોવીસ અવતાર રૂપે પોતે દેખાયા હતા, તે પોતાનાં સ્વરૂપ પોતાનાં મંદિરોમાં પધરાવ્યાં છે. બીજા અવતારો જે વૈકુંઠ, ગોલોક, બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ આદિક ધામોમાં રહ્યા છે તેમને કોઈને પધરાવ્યા નથી; માટે બીજા અવતારોની મૂર્તિઓ છે એમ ન જાણવું. આપણા મંદિરમાં તો શ્રીજીમહારાજ પોતે છે તે ઘણાં જીવોના સમાસ અર્થે વેશાંતર કરીને દર્શન આપે છે. ‘ભક્તચિંતામણિ’માં ચોવીશ અવતારોએ પર્વતભાઈને દર્શન આપ્યાં એમ લખ્યું છે તે તો સર્વાનુકૂળ માટે છે, પણ મુક્ત તો સર્વેને દર્શન કરવા યોગ્ય છે.
ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, એ સર્વે મૂર્તિઓ શ્રીજીમહારાજ પોતે જ છે ત્યારે એ સર્વે મૂર્તિઓનું ધ્યાન થાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ મૂર્તિઓ પોતાના સંકલ્પે કરી દેખાડી છે, માટે એ મૂર્તિઓ સંકલ્પની છે, તેનું ધ્યાન થાય નહિ અને મુક્તનું પણ ન થાય. ધ્યાન તો પોતે શ્રી સહજાનંદ સ્વામી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી ઘનશ્યામ મહારાજ એવા નામની પધરાવી છે તે મૂર્તિઓનું કરવું. તે મૂળ મૂર્તિ છે અને વેશાંતર કરીને દર્શન આપે છે તે સંકલ્પની મૂર્તિઓ છે માટે મૂળ મૂર્તિનું ધ્યાન કરવું. ધર્મદેવ અને ભક્તિમાતા ને માણકી ઘોડી એ સર્વે રૂપે મુક્ત થયા હતા, માટે સર્વે અક્ષરધામનો સમાજ છે એમ જાણવું. શ્રીજીમહારાજ છપૈયે પ્રગટ થયા ત્યારે દેવતા પુષ્પની વૃષ્ટિ કરતા હવા ને ગાંધર્વ ગાન કરતા હવા એમ લખ્યું છે તે પણ મુક્ત ગાન ને વૃષ્ટિ કરતા હવા એમ જાણવું; કેમ જે દેવ અને ગાંધર્વની મહારાજનાં દર્શન કરવાની ગતિ નથી. ।। ૨૨ ।।
વાર્તા ૨૩
વૈશાખ વદિ ૧૦ને રોજ રાત્રે હળવદના ત્રિભોવનભાઈએ પૂછ્યું જે, “કીડીબાઈ ચાલ્યાં સાસરે, નવ મણ કાજળ સાઈ; હાથી લિયા ગોદ મેં, ઊંટ લિયા લટકાઈ.” એ સાખીનો અર્થ શો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કીડી તે જીવ જાણવો, સાસરું તે શ્રીજીમહારાજનું ધામ જાણવું, આંજણ તે નવ આવરણ જાણવાં, તે આવરણ ટળી જાય તે આંખમાં આંજી લીધાં; આગળ ચાલ્યો તે ઊંટને ઠેકાણે બ્રહ્મકોટિ છે અને હાથીને ઠેકાણે અક્ષરકોટિ છે, તેમને પોતાની સાથે શ્રીજીમહારાજ પાસે લઈ જાય એવો સમર્થ થાય છે.
પછી અમીચંદભાઈએ પૂછ્યું જે, “બાપ પહેલાં બેટા જન્મ્યા, પીછે મોટા ભાઈ; ધામધૂમ સે પિતા જન્મ્યા, પીછે જન્મી માઈ.” તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નાના ભાઈ તે જ્ઞાન છે. તે સંતને સમાગમે કરીને પ્રથમ જ્ઞાન આવે; પછી વૈરાગ્ય ઉદય થાય તે મોટો ભાઈ જાણવો, પછી ભાગવત ધર્મ આવે તે પિતા જાણવા અને પછી શ્રીજીમહારાજને વિષે પ્રેમલક્ષણા ભક્તિ આવે તે માતા જાણવી.
પછી વળી સરસપુરના પ્રાણશંકરભાઈએ પૂછ્યું જે, “ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, કહો ગપ્પીજી; બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી.” તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ચીભડું તે માયા જાણવી અને બી તે જીવ જાણવો. જીવ જ્યારે માયાના બંધનથી છૂટે ત્યારે માયાથી મોટો થાય એમ સમજવું.
પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “જૂના વચનામૃતમાં ચતુષ્ક કહ્યા છે; તેમાં પહેલા ચતુષ્કમાં નારાયણ, નર, હરિ અને કૃષ્ણ એ ચારનું એક ચતુષ્ક કહ્યું છે તે કેવી રીતે સમજવું ? અને બીજું વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ ચારનું ચતુષ્ક કહ્યું છે, તે કેવી રીતે સમજવું ?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નારાયણ તે શ્રીજીમહારાજને કહ્યા છે. અનાદિમુક્તોને કૃષ્ણ કહ્યા છે તે શાથી કહ્યા છે ? તો, જીવોને શ્રીજીમહારાજની મૂર્તિમાં આકર્ષણ કરે છે એટલે મૂર્તિમાં ખેંચી લે છે માટે અનાદિમુક્તને કૃષ્ણ નામે કહ્યા છે. પરમએકાંતિક જે શ્રીજીમહારાજને સન્મુખ રહ્યા છે તેમને નર નામે કહ્યા છે. એકાંતિકને હરિ નામે કહ્યા છે. શાથી જે જીવોને માયામાંથી લઈને સત્સંગી કરે છે, એમ માયામાંથી હરી લે છે માટે એકાંતિકને હરિ એવે નામે કહ્યા છે. માટે નારાયણ તે શ્રીજીમહારાજ જાણવા, કૃષ્ણ તે અનાદિમુક્ત જાણવા, નર તે પરમએકાંતિક જાણવા અને હરિ તે એકાંતિક જાણવા; એ એક ચતુષ્ક છે. બીજું ચતુષ્ક એ છે જે, શ્રીજીમહારાજના તેજને વાસુદેવ કહ્યા છે, મૂળઅક્ષરને અનિરુદ્ધ કહ્યા છે, શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મને પ્રદ્યુમ્ન કહ્યા છે અને મહાકાળને સંકર્ષણ કહ્યા છે. તેમનાં લક્ષણની વિગત જે, શ્રીજીમહારાજનું તેજ અક્ષરાદિક સર્વેને વિષે અંતર્યામીપણે વાસ કરી ઐશ્વર્ય, સામર્થ્ય આપે છે તેથી વાસુદેવ કહ્યા છે. ઉત્પત્તિ કરનાર મૂળઅક્ષર છે તે અનિરુદ્ધ નામે કહેવાય છે. વાસુદેવબ્રહ્મ છે તે માયામાંથી જીવોને કાઢીને પોતાનું બ્રહ્મપુર ધામ ત્યાં પોતાની સમીપે લઈ જઈને પોતાનું સુખ આપે છે માટે તેમને પ્રદ્યુમ્ન કહ્યા છે. મહાકાળ છે તે આત્યંતિક પ્રલયને સમયે મૂળપુરુષ જે ઈશ્વર અથવા કૃષ્ણ તેનાં કાર્યનો નાશ કરે છે માટે તેને સંકર્ષણ નામે કહ્યા છે. આમ, શ્રીજીમહારાજનું તેજ તે વાસુદેવ, મૂળઅક્ષરકોટિ તે અનિરુદ્ધ, વાસુદેવબ્રહ્મ એ પ્રદ્યુમ્ન અને મહાકાળ તે સંકર્ષણ એ બીજું ચતુષ્ક જાણવું. ।। ૨૩ ।।
વાર્તા ૨૪
વૈશાખ વદિ ૧૧ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ મુક્ત તો મૂર્તિમાં સળંગ રહ્યા છે માટે મૂર્તિમાં જીવને પહોંચાડે છે અને સાધનવાળાથી મહારાજ પાસે ન લઈ જવાય. મહાપ્રભુજીનું સુખ તો અંધારે સાકર જમે તોપણ ગળી લાગે એવું છે. એ સુખ મહારાજે અને મોટાએ તમને આપી દીધું છે. ફાવે તેમ ભોગવો. સર્વેને મોટા જાણવા પણ આપણને જેથી સુખ મળે તેમને વધારે મોટા જાણવા. આ મુક્તને વિષે મહારાજ સાક્ષાત્કાર છે એવો ભાવ આવે અને વાતમાં સંશય ન થાય ને શાસ્ત્રની સાખ ન ગોતે તો મોટા તેનું અધૂરું રહેવા દે નહીં. જેમ કલ્પતરુ સંકલ્પ સત્ય કરે છે તેમ મોટા સંકલ્પ સત્ય કરે છે. જે મોક્ષ ઇચ્છે તેને મોક્ષ મળે છે અને અવગુણ લે તો અવગુણનું ફળ મળે છે. મોટાને મોટા જાણે પણ મોટાની કરેલી અલૌકિક વાતો સમજાય નહિ, ત્યારે સંશય થાય જે સાચું હશે કે નહિ હોય, તેને ખોટ આવે છે. જેમ ગાડીમાં ભેળા બેઠા અને મૂંઝાઈને વચમાં ઊતરી પડે તો ભેળો થાય નહિ, તેમ. કદાપિ વિશ્વાસ ન આવે અને વાત ન મનાય તોપણ મૂળસ્વરૂપ જે મહારાજ તે તો સર્વેથી પર છે એમ સમજવા જ. વિશ્વાસ ન આવે તોપણ અવગુણ તો લેવો જ નહીં. જો મોટાનો દોષ આવે તો ભૂંડું થાય. સુખ તો આપણને ઠીક મળ્યું છે તેને ભૂલી જવું નહીં. એને ભુલાવનાર ઘણા છે. અંતર ભુલાવે, બહાર ભુલાવે, લોક ભુલાવે, માબાપ ભુલાવે અને સત્સંગી પણ ભુલાવે. એવાં ઘણાં વિઘ્ન છે જે આ માર્ગ હાથ ન આવવા દે. મોટાને વિષે દોષ પરઠે તે સત્સંગમાં કુસંગ છે, બધાંય સાધન હાથ રાખે અને મોટાનો ગુણ, મહિમા અને જોગ તે ગૌણ રાખે એ ઠીક નથી. મુખ્ય રાખવાનો તો મુક્તનો જોગ તથા મૂર્તિ છે તે હાથ રાખવાં. સાધનનો ભાર રાખવો નહીં. ધ્યાને કરીને મૂર્તિ સિદ્ધ કરી હોય તેને પણ મોટા મુક્તનો જોગ જોઈએ, કેમ જે ભોમિયા તો એ છે. તે મહારાજનો દિવ્યભાવ જણાવે ને મહિમા જણાવે ને જ્ઞાનનો અને સુખનો પાર પમાડે. જેમ દેહ ને જીવ જુદા પડતા નથી તેમ મહારાજ ને મુક્ત જુદા પડતા નથી. એવા મુક્ત મળે તો કારણ એટલે મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દે અને દેહાદિક કાંઈ વ્હાલું રહેવા દે નહીં. તેજ ને મૂર્તિ શ્વેત છે. જો મૂર્તિ વિના બીજું પ્રધાન જણાય તો એટલું અધૂરું જાણવું. ।। ૨૪ ।।
વાર્તા ૨૫
વૈશાખ વદિ ૧૧ને રોજ સાંજે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મોટા મૂર્તિ આપી દે તો એમને શું કઠણ છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા એકદમ મૂર્તિ આપી દે તો ઝુમખરામની પેઠે જીરવાય નહીં. માટે જીવને બોલાવે, પ્રસાદી આપે, વાતો કરે એમ કરે. જો એક જ ક્રિયા લાંબી ચલાવે તો તમોગુણ આવે ને શબ્દના સાંધા થઈ જાય એટલે યથાર્થ સમજાય નહીં. આજ એકાદશી છે તે કથા લાંબી ચલાવવી હતી પણ તમારાથી ખમાય નહીં. જેમ જીવ ખમે તેમ ક્રિયા કરીએ-કરાવીએ છીએ, પણ ઠરાવ તો મૂર્તિ આપવાનો જ છે. તે પાત્ર કરીને આપશું. સર્વે ક્રિયામાં મૂર્તિનું અનુસંધાન રાખવું અને બીજા વિધિ ઓછા કરવા; વિધિ કરવામાં વખત જાતો રહે તો ભજન, સ્મરણ, કથા-વાર્તા, જ્ઞાન, ધ્યાન તે સર્વે રહી જાય. ત્યાગ-વૈરાગ્યાદિક સાધન કુહાડાને ઠેકાણે છે, સંતનો સમાગમ તે વાંસલાને ઠેકાણે છે અને અંતર્વૃત્તિ કરાવીને મહારાજના સુખે સુખિયા કરે તે રંધાને ઠેકાણે છે. મુક્તના જોગ વિના અંતર ખુલ્લાં કરી શકે એવું કોઈ સાધન કે વિધિ નથી, માટે સર્વે ક્રિયામાં સત્પુરુષનો જોગ કરવાનો અને મૂર્તિ ધારવાનો ખટકો રાખવો. શ્રોતા અને વક્તા ખરેખરા હોય તો જીવ વીંધાઈ જાય, જેમ અન્નમાં પારો પ્રવેશ કરી જાય છે તેમ. જીવ મટીને મુક્તરૂપ થઈ જાય ને સુખ, સામર્થી ને પ્રકાશ વૃદ્ધિ પામે એટલે શ્રી પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે. ખરા વક્તાના જોગનો એવો મહિમા છે, એ જોગ આજ તમને મળ્યો છે. જેમ પારસથી પારસ થાય તેમ અનાદિના જોગથી અનાદિ થવાય. એવા મુક્તનો જોગ મળ્યો હોય તોપણ સાધન પડ્યાં મૂકવાં નહિ પણ એનો ભાર મૂકી દેવો. સાચી રુચિવાળાને શ્રીજીમહારાજ આવો જોગ જરૂર મેળવે. ।। ૨૫ ।।
વાર્તા ૨૬
વૈશાખ વદિ ૧૨ને રોજ સવારમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, પરભાવની વાતોમાં જીવ રાજી થાય છે અને આ લોકની વાતોમાં ઇન્દ્રિયો રાજી થાય છે. જપ, તપ આદિક સાધનથી કામાદિક શત્રુ ટળે નહિ અને ટાઢું પણ થાય નહીં. એ તો શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવાથી અંતરમાં ટાઢું થાય અને અંતઃશત્રુ વેરાભાઈની પેઠે નાશ થઈ જાય. તે તો જીવ કરતો નથી અને મોટા કેમ દોષ ટાળતા નથી એમ વાંક કાઢે છે. બહારની કથા જીવમાં ટાઢું ન કરે; એણે કરીને તો ઇન્દ્રિયોમાં ટાઢું થાય. કાર્યથી જુદો પડીને મૂર્તિ પકડે તો સદા સુખિયો થઈ જાય, માટે મોટાનો જોગ કરીને મૂર્તિ પામવી. જોગ કર્યાનું ફળ તો જ મળ્યું જાણવું. જેમ શાળ ઉપર ફોતરું હોય છે તેણે કરીને દાણા પાકે છે. પછી જેમ ચોખા કાઢી લઈને ફોતરાનો ત્યાગ કરીએ છીએ તેમ સાધને કરીને મૂર્તિ સિદ્ધ કરવી. પછી સાધનને મૂકી દેવાં. મૂર્તિ મળ્યા પછી એ સાધન રાખવાં નહિ; એક મૂર્તિ જ રાખવી, કેમ જે મૂર્તિ અંગી છે ને સાધન અંગ છે. જેમ પંખી અંગી છે ને પાંખો અંગ છે, તેમ કારણ તે અંગી કહેવાય અને કાર્ય તે અંગ કહેવાય. સાધને કરીને મૂર્તિની પ્રાપ્તિ થાય છે પણ સાધનનો ખખા રાખવો નહીં. જો ખખા રાખે તો મૂર્તિમાં ચોંટવા દે નહીં. જેમ જળમાં લાકડું નાખીએ તો જળથી બહાર નીકળી જાય પણ પથ્થર બહાર નીકળે નહિ, તેમ સાધનનો ખખા ન રાખીએ ને એક મૂર્તિ જ રાખીએ તો મૂર્તિથી બહાર નીકળાય નહીં. મૂર્તિ મૂકીને વિદ્યા, સાધન એ આદિકને સંભારે છે તે હલર-વલર કરે છે, ત્યારે મહાપ્રભુજી અને મોટા મુક્ત તે એમ જાણે જે આ બાળકિયા સ્વભાવ કરે છે. પદાર્થ પોતે ભેળા કરે અને તેણે કરીને ઉત્સવ, સમૈયા કરે ને તેને સંભારીને રાજી થાય તે કાર્ય કહેવાય, પણ એકાંતિકભાવવાળાને એણે કરીને સુખ ન થાય. આ વાત જે મૂર્તિમાં રહેતા હોય તેની છે. જેને સદા મૂર્તિમાં રહેવાતું ન હોય તેણે તો દ્રવ્ય હોય તે શ્રીજીમહારાજની અને સંતની પ્રસન્નતાને અર્થે સત્સંગમાં જ વાપરવું તો ઘણો જ લાભ છે; એણે કરીને માયા તરીને મોક્ષને પામે છે. જેમ બે હજાર રૂપિયાની વાંસળીને ગળે બાંધીને સમુદ્રમાં પડે તો ડૂબી મરે અને જો તેનું વહાણ કરાવીને તે વહાણમાં બેસે તો સમુદ્ર સહેજે ઉતારી દે. તેમ દ્રવ્ય છે તે વ્યવહારમાં વાપરે તો સગુણ અને બંધનકારી છે અને શ્રીજીમહારાજના ને સંતના ઉપયોગમાં આવે તો નિર્ગુણ અને કલ્યાણકારી છે. ।। ૨૬ ।।
વાર્તા ૨૭
વૈશાખ વદિ ૧૨ને રોજ બપોરે વરતાલનું ૧૮મું વચનામૃત વંચાતું હતું તેમાં ગુરુપરંપરા જાણવાની વાત આવી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજ તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે. તેમને શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય કહ્યા તે શિષ્યનો શો અર્થ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, રામાનંદ સ્વામીને પોતાની મૂર્તિનું સુખ આપનારા એમ સેવા કરનારા, માટે શિષ્ય એમ સમજવા. શ્રીજીમહારાજે શ્રી રામાનંદ સ્વામીને ગુરુપદવી પમાડી પણ આ સભા એથી ઓછી નથી. તમે સર્વે રામાનંદ સ્વામીના જેવા જ છો. તમે સર્વે શ્રીજીમહારાજના ચેલા છો, માટે તમો આજના છો તોપણ મોટા છો. તમારે કોઈને કોઈ પ્રકારની ઇચ્છા નથી. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પની સો મૂર્તિઓ લુણાવાડામાં હરિજનને તેડવા ગયા હતા તે સો મૂર્તિઓ લુણાવાડાના મંદિરમાં બેઠી હતી. ત્યાં હરિજનો દર્શન કરવા સારુ આવ્યા. તેમણે સો મૂર્તિઓ બેઠેલી જોઈને કહ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામી તો એક જ છે અને આ તમે સો જણા શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા દેખાઓ છો તે તમે કોણ છો ? ત્યારે બોલ્યા જે, “અમો તો શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ છીએ અને હરિભક્તને તેડવા સારુ આવ્યા છીએ.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. એમ આજ તમારા પણ સંકલ્પ ફરે છે. તમો કેટલાય હરિભક્તોને તેડી જાઓ છો ને વળી મૂકી પણ જાઓ છો, એવા છો પણ તમારી સામર્થી અમે રોકી રાખી છે; તમને જાણવા દેતા નથી. તમને બાધિતાનુવૃત્તિ રાખી છે. તમારી પાસે એવાં કામ કરાવીએ છીએ પણ જાણવા દેતા નથી. તમે મેથાણમાં કેશવજીને તેડવા અમારા ભેળા આવ્યા હતા ને તમોએ એમને અહીં રખાવ્યા. જેતલપુરથી ડભાણ જતાં નવાગામના ડાહ્યાભાઈને પણ અમારા ભેગાં દર્શન આપ્યાં હતાં. એ ડાહ્યાભાઈને તથા કાણોતરના બાપુભાઈને તેડી ગયા ત્યારે પણ તમે ભેળા હતા. અમે જ્યાં જ્યાં હરિજનોને તેડવા જઈએ છીએ ત્યાં ત્યાં સર્વે ઠેકાણે તમે ભેળા જ હો છો. તમો એવા સમર્થ છો. આજ સત્સંગમાં સંત છે તે વગર ઉપદેશે આવે છે. શ્રીજીમહારાજે કાગળ લખીને અઢાર સંતને તેડાવ્યા હતા. તે સુંદરજીભાઈ (ભૂજવાળા)થી શ્રેષ્ઠ હતા અને આજના છે તે એ અઢારથી શ્રેષ્ઠ છે.
એટલી વાત કરીને સાંજના શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને બાવળ તળે બેસીને માનસીપૂજા કરીને ઊઠ્યા. પછી મળ્યા ને ચાલ્યા તે લખાઈવાડીમાં બાજરા પાસે સંતોને લઈ જઈને કહ્યું જે, આ બાજરો તમે આવ્યા ત્યારે નાનો હતો અને આજ કેવડો મોટો થયો છે ! તેમ તમો સર્વે અહીં આવ્યા પછી આ બાજરાની પેઠે વધ્યા છો. જેમ પાણીના જોગે મોલ વધે છે તેમ તમો અમારી વાતોરૂપી જળે કરીને વધ્યા છો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આ બાજરાના પોંકની પ્રસાદી જમાડીને પછી રજા આપજો. પછી સર્વે મંદિરમાં આવ્યા. ।। ૨૭ ।।
વાર્તા ૨૮
વૈશાખ વદિ ૧૨ને રોજ સાંજે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ ઝાડ ઉપર વરસાદ વરસે ને તેમનાં પાંદડાંમાં પાણી ભરાઈ જાય ત્યારે ઝાડની અને પાણીની બેયની હવાઓ આવે તેમ મહારાજનો અને મુક્તનો ઉપરથી અને અંતરમાં બે પ્રકારે જોગ કરવો તો દોષ ટળી જાય તે પાછા ફેર ઉદય ન થાય. જો એકલો ઉપરથી જોગ કરે તો સમીપમાં હોય ત્યાં સુધી દોષ દબાઈ રહે ને છેટે જાય ત્યારે ઉદય થાય, જેમ આકાશમાં મોદ બાંધી હોય તેની તળે રહે ત્યાં સુધી તાપ ન લાગે ને બહાર નીકળે એટલે તડકો લાગે તેમ. અંતરમાં જોગ કરવાથી તો જેમ આકાશમાં બધે વાદળાં ભરાઈ જાય તે સૂર્ય દેખાય જ નહિ તેમ. માટે બે પ્રકારે જોગ કરવો. કેટલાક વિદ્વાન અને ડાહ્યા હોય પણ કામાદિક શત્રુ ન ટળે; કેટલાક કાંઈ ન સમજતા હોય પણ મોટાની કૃપા થાય તો દોષરહિત થઈ જાય અને મૂર્તિના સુખે સુખિયા થઈ જાય. જેમ ઉપવાસીને જમવાની ત્વરા થાય છે તે રસોઈનો સામાન ભેળો કરીને રસોઈ કરે છે તેમ તત્પર થઈને વિધિ એટલે સાધન કરે તો દોષ બળી જાય. જીવને મૂર્તિ ધારવાની શ્રદ્ધા નથી અને આળસ રાખે છે એટલે મૂર્તિ સિદ્ધ થાતી નથી. પુરુષપ્રયત્ન કરે તો મૂર્તિ દેખાય. જેમ મોલમાં પાણી બહુ આવે તો રેચાઈને પીળો થઈ જાય, તેમ સત્સંગના સમૂહમાં સદા રહે તેને મહિમા ન જણાય પણ વર્ષે બે વર્ષે, દર્શન થાય તો સાક્ષાત્ શ્રીજીમહારાજનાં દર્શન જેટલો લાભ ને પ્રેમ થાય. જો આ સંત સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે એમ વિચારે તો નિત્ય નિત્ય નવું હેત થાતું જાય ને ભેળા રહ્યા થકા મહિમા સમજાય તો કામ પૂરું થઈ જાય. જેમ પાકશાળામાં બેઠો હોય તેને ભૂખ ન રહે અને ઉપવાસીને અન્નની ત્વરા બહુ રહે, તેમ સદા ભેળો રહેતો હોય તેને મહિમા ન જણાય અને કોઈક દિવસ દર્શન થાય તેને મહિમા બહુ જણાય. થોડા સંત હોય અને તે જો અંતર્વૃત્તિવાળા હોય તો તેના ભેળા મહારાજ ને અનંત મુક્ત હોય, એ મોટો જોગ છે તે સદા રાખવો. જેમ મંદવાડમાં ઊંડો ઊતરી ગયો હોય તેને બોલાવે તો બોલે નહિ, કેમ જે સુષુપ્તિમાં પણ સુખ આવે છે, તેમ મોટાના જોગવાળાને મહારાજનું અને મુક્તનું સુખ બહુ આવે છે. એને તો ઝાઝા મનુષ્યોમાં સુખ ન આવે, કેમ જે સાધનવાળાને ઉદ્ઘોષમાં શાંતિ ન થાય; તેને તો એકાંતમાં બેસીને ભજન કરવામાં શાંતિ રહે. અનાદિમુક્તને તો કાંઈ વિક્ષેપ છે જ નહીં. એમને તો અષ્ટાવધાનીની પેઠે સર્વે ક્રિયા સ્વતંત્ર થાય ને મૂર્તિ મુકાય નહીં. ઉદ્ઘોષ છે તે નવાને સમાસ કરનાર છે. ।। ૨૮ ।।
વાર્તા ૨૯
વૈશાખ વદિ ૧૩ને રોજ સવારમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૨૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં સમાધિની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે જીવને મહારાજનું દર્શન થાય છે ત્યારે ઇન્દ્રિયો જીવમાં ખેંચાઈ જાય છે અને જીવને વિષે મહારાજનું દર્શન થાય છે, તે ઇન્દ્રિયોને મહારાજ ખેંચે છે. જેમ ઝાડનું મૂળ સડે તે પૃથ્વીમાં જાતું રહે છે, તેમ મહારાજની મૂર્તિમાં વૃત્તિઓ ખેંચાઈને સમાધિ થાય છે. જેમ ચમકની સત્તાથી લોહ ખેંચાય છે તેમ. સમાધિમાં તેજ, ઐશ્વર્ય, સામર્થી, ધામ, એ આદિકને જોવા ઇચ્છે તે સકામ માર્ગ છે ને તેમાં વિઘ્ન છે. કેમ જે એને કાંઈક ધક્કો લાગે ખરો. જે મૂર્તિમાં જોડાય ને બીજું કાંઈ ન ઇચ્છે તે નિષ્કામ છે, એને સ્વરૂપ સમાધિ કહેવાય ને તેને કોઈ વિઘ્ન પણ ન થાય. જે પશુને અથવા અભક્તને સમાધિ થાય તેનું બીજ બળ થાય. હવે તે સકામ-નિષ્કામનું દૃષ્ટાંત જે, બ્રાહ્મણને લાખ રૂપિયા હોય તોપણ ભીખ માગે તે સકામનું લક્ષણ છે. કણબીને લાખ ઉપવાસ પડે તોપણ બીજા પાસે માગે નહિ એ નિષ્કામનું લક્ષણ છે. અનાદિમુક્તને તો સદાય મૂર્તિ જ છે તે તો સકામ કે નિષ્કામ કહેવાય નહીં. જેને પતિવ્રતાપણું હોય તેના ભેળા મહારાજ ભળે છે ને તેના સંકલ્પ સત્ય કરે છે. જેવો રાજાનો આહાર તેવો જ હજૂરીનો આહાર છે. તેમ એકાંતિકને વિષે મૂર્તિમાન વ્યતિરેક મહારાજ રહ્યા છે, તે જેવું પોતાને સુખ છે તેવું જ તેને આપે છે. જે અનાદિની પંક્તિમાં ભળ્યા તેમાં તો અન્વય-વ્યતિરેક કહેવાય જ નહીં. જે મહારાજની મૂર્તિના સાધર્મ્યપણાને પામી ગયો તેને તો શ્રીજીનું જેટલું સુખ છે તે સર્વે એનું જ છે. એ અનાદિમુક્ત થયો. જેમ રાજાનું જેટલું રાજ્ય છે એટલું જ રાણીનું રાજ્ય છે. તેમ મુક્ત રાણીઓ છે ને મહારાજ રાજા છે. અને સાધનદશાવાળા એકાંતિક તથા ચાલોચાલ ભક્ત છે તે સર્વે કુંવરને ઠેકાણે છે. મૂળઅક્ષરો દીવાનને ઠેકાણે છે. જેમ રાજાને ને રાણીને સ્વામી-સેવકપણું છે તેમ મુક્તને અને મહારાજને સ્વામી-સેવકપણું છે. ।। ૨૯ ।।
વાર્તા ૩૦
વૈશાખ વદિ ૧૩ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને બાવળ તળે બેસીને માનસીપૂજા કરી. પછી સંતોએ કહ્યું જે, બાપાશ્રી વાત કરો. પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, પરમએકાંતિક છે તથા અનાદિમુક્ત છે તેમને તો શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજો રસ નથી; એવું જાણે તેને નિર્માનીપણું આવે, ઇન્દ્રિયોના વેગ ટળી જાય ને દાસાનુદાસ થઈ રહેવાય. જ્યાં લગી શ્રીજીમહારાજ સત્સંગમાં વિરાજે છે ત્યાં લગી સર્વે કામ થાય એવું છે. ચાલોચાલ સત્સંગમાં સુખ ન આવે. જોગ કરતાં સુખ આવ્યું કે ન આવ્યું ક્યારે જણાય, તો, જ્યારે મૂર્તિનું સુખ આવે ત્યારે જણાય. સાધનમાત્રનું ફળ મૂર્તિ છે. જપ, તપ, સેવા, માળા, માનસીપૂજા એ સર્વે કરે પણ તેનું ફળ જે મૂર્તિ, તેના સુખનો ઉપાય ન કરે. જેમ કૂવો ખોદે છે તે પાણી થવા માટે ખોદે છે; તેમ સાધન, સેવા, સમાગમ, તેનું ફળ તે મૂર્તિ છે. આ જોગમાં શાંતિ, શાંતિ રહી છે તેનું કારણ એ છે જે મૂર્તિ રહી છે. અનાદિમુક્તના શબ્દમાં સુખ આવે, કેમ જે મૂર્તિમાં રહીને બોલે છે. આ જ્ઞાનરૂપી અને મૂર્તિરૂપી યજ્ઞ તે શ્રીજીમહારાજનો છે, પીરસનારા અનાદિમુક્ત છે અને જમનારા સાધનદશાવાળા છે. પરમએકાંતિક, અનાદિમુક્ત અને શ્રીજીમહારાજ તે તો ભેળા જ છે. અનાદિમુક્ત તો મૂર્તિમાં જ રહ્યા છે માટે મહારાજ વિના એકલા આવ્યા છે એમ ન જાણવું. એમની દૃષ્ટિમાં માયા જ નથી. આ લોકમાં બીએ, ભાગે, હારે, જીતે એ તો આ લોકની રીતિ છે પણ તે તો મૂર્તિમાં જ છે. સાધનવાળાને સુખ આપે છે તે મહારાજ આપે છે એમ જાણે છે પણ અમો આપીએ છીએ એમ નથી માનતા; પોતાને ગુમાસ્તા માને છે. આવા મળ્યા છતાં રાંક ન રહેવું. ‘રાજાની રાણી ભમી ભીખ માગે’ એવા સ્વભાવ ન રાખવા. સર્વે સામાન શ્રીજીમહારાજે આજ લાવીને આપ્યો છે પણ જીવને અજ્ઞાનના ડચૂરા ભરાણા છે તે મનાય નહીં. જો મોટાને મન સોંપી દે તો ડચૂરા કાઢી નાખે, પણ માનને લીધે મન અર્પાય નહીં. શીતળ ને શાંત મૂર્તિ છે અને મુક્ત પણ એવા જ શીતળ ને શાંત છે. “શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય.” તેમનો જોગ કરીએ તો શીતળ કરી મૂકે. જેમ ઝાબમાં પાણી ભરાય છે તેમ નિર્માનીમાં ગુણ ને મૂર્તિ આવે છે અને મોટાનો રાજીપો થાય છે. ।। ૩૦ ।।
વાર્તા ૩૧
વૈશાખ વદિ ૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ બાળકના હાથમાં હીરો, પારસમણિ ને કોડી આપ્યાં હોય તે ક્યારેક હીરે રમે, ક્યારેક હીરો ફગાવીને પારસમણિએ રમે ને ક્યારેક પારસમણિને નાખી દઈને કોડીએ રમે, કેમ જે એને કિંમત જડી નથી. ઝવેરીને એ ત્રણેની કિંમત પડે છે, તેમ જ્ઞાન વિના મહારાજની તથા મુક્તની ઓળખાણ પડતી નથી. સત્શાસ્ત્ર અને સત્પુરુષ જેનું પ્રમાણ કરે તેને મોટા સમજીને જોગ કરવો, પણ બાળકિયા સ્વભાવવાળા હોય તેનો જોગ ન કરવો. જે મહારાજનો અને મોટાનો સિદ્ધાંત પડ્યો મૂકે ને સત્સંગનું ધોરણ મૂકીને વર્તે તે બાળકિયા સ્વભાવવાળા કહેવાય. તે પોતાનો મોક્ષ બગાડે અને લાખોને મોક્ષના માર્ગથી પાડે; તેનું મહાપાપ લાગે. જીવનો સ્વભાવ મોટાની અનુવૃત્તિમાં રહેવા દે એવો નથી, માટે મોટાની અનુવૃત્તિમાં રહીને મન-કર્મ-વચને સંગ કરે તો સ્વભાવનો નાશ થઈ જાય, ને વૃત્તિઓ પાછી વળીને મૂર્તિમાં જોડાય, શાંતિ થાય ને મહાસુખિયો થાય. મોટાનો પ્રત્યક્ષ જોગ ન હોય ને બીજા થકી વાત સાંભળીને મોટાનો મહિમા સમજ્યો હોય ને વિશ્વાસ આવે તો શાંતિ થાય ને મોટા એનું પૂરું કરી દે.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, સંવત ૧૯૫૧ની સાલમાં હું આપની પાસેથી અમદાવાદ થઈને કપડવંજ ગયો હતો. ત્યાં મોઢ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના દીકરા ચુનીલાલને આપના મહિમાની વાતો કરી તેથી તેને આપને વિષે દિવ્યભાવ આવ્યો. એને આપનાં દર્શનની બહુ આતુરતા થઈ ને મને કહ્યું જે, હાલ ને હાલ કચ્છમાં ચાલો ને બાપાશ્રીનાં દર્શન કરાવો. મેં કહ્યું જે, અમે તો દર્શન કરીને જ આવીએ છીએ માટે આજ્ઞા વિના તુરત ફેર ન જવાય. ત્યારે તેણે કહ્યું જે, હું મુંબઈ જાઉં છું. તે જ્યારે તમો વૃષપુર જાઓ ત્યારે મને ત્યાં કાગળ લખજો તો હું ત્યાંથી આવીશ. હું સંવત ૧૯૫૨ની સાલમાં અહીં આવ્યો ને મુંબઈ કાગળ લખ્યો ત્યારે તેણે જવાબ આપ્યો જે હું પરીક્ષા આપું છું. ચાર દિવસની આપી છે ને ચાર દિવસની બાકી છે. તમે ફેર કાગળ લખો જે હું આગબોટમાં અહીંથી પરબારો વૃષપુર આવું કે રેલને રસ્તે આવું ? એ કાગળ મેં આપને વંચાવ્યો ત્યારે આપે આજ્ઞા કરી જે રેલને રસ્તે તમારે ઘેર જઈને આવજો એમ લખો. એવી રીતે લખ્યું તે કાગળ વાંચીને તે મુંબઈથી એને ઘેર ગયો ને ત્યાં માંદો થયો. દેહ મૂકવા સમય આવ્યો ત્યારે આપે દર્શન આપ્યાં, ત્યારે તેણે તેના બાપને કહ્યું જે, બાપાશ્રી મને તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું. એના બાપે કહ્યું જે, તેં બાપાશ્રીને કોઈ દિવસ દેખ્યા નથી ને ઓળખાણ કેમ પડી ? ત્યારે તેણે કહ્યું જે, ઓળખાવનારે ઓળખાવ્યા, એમ કહીને દેહ મેલ્યો. તે જ દિવસે આપે આ ઠેકાણે મને વાત કરી જે, જેને તમે કાગળ લખ્યો હતો તે છોકરે આજ દેહ મેલ્યો ને એને અમે ધામમાં મૂકી આવ્યા. એણે આપને કોઈ દિવસ દેખ્યા નહોતા ને આપનો મહિમા સમજ્યો એટલામાં જ આપે એનો મોક્ષ કર્યો.
આપ ગયા કારતકમાં ધર્મધુરંધર મહારાજશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજને જનોઈ દીધી ત્યારે અમદાવાદ પધાર્યા હતા ત્યારે આપણે સર્વે વરતાલ ગયા. ત્યાં ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં આપ ઊતર્યા હતા. ત્યાં ઠાસરાના સૂબા ગોપાળલાલભાઈ આપને દર્શને આવ્યા હતા અને આપની આરતી ઉતારી હતી ત્યારે સંતોએ નિષેધ કરવા માંડ્યો; ત્યારે તેમણે કહ્યું જે, મને મહારાજે રાત્રિએ દર્શન દઈને કહ્યું છે જે, અમારા અનાદિમુક્ત આજ વરતાલ આવ્યા છે માટે દર્શને આવજો. એમનાં દર્શન, સેવા તે અમારાં જેવાં જ છે તેથી હું આવ્યો છું. એમણે મૂળા પ્રસાદીના કરાવ્યા અને આપની પાસે વર માગ્યો જે, આ મૂળા જે જમે તેને આપે અક્ષરધામમાં તેડી જવા. આપે વર આપ્યો જે, “આ મૂળાની પ્રસાદી જે જમશે તેને અક્ષરધામમાં તેડી જશું.” તે ઠાસરે ગયા અને મૂળાની પ્રસાદી સર્વેને વહેંચી આપી. આપના મહિમાની એમણે સર્વે સત્સંગીઓને વાત કરી ત્યારે ત્યાં એક વાણિયાનાં બે છોકરાં હતાં, તેમણે ગોપાળલાલભાઈને પૂછ્યું જે, એ વરતાલ છે કે ગયા ? ત્યારે એમણે કહ્યું જે, એ તો આજ સ્પેશિયલ ગાડી કરી છે તે જતા રહેવાના છે. એવું સાંભળી એ છોકરાંઓએ ઓરતો કર્યો કે આપણને દર્શન થયાં નહિ, તેમાંનો મોટો ભાઈ થોડાક દિવસ પછી માંદો પડ્યો. તેને અંત વખતે આપે દર્શન આપીને કહ્યું જે, ચાલ અમારા ધામમાં. ત્યારે તેણે એના નાના ભાઈને કહ્યું જે, બાપાશ્રી મને તેડવા આવ્યા છે. નાના ભાઈએ કહ્યું જે, મને ક્યારે તેડી જશે તે પૂછી જુઓ. એણે આપશ્રીને પૂછ્યું જે, મારા નાના ભાઈને ક્યારે તેડી જશો ? ત્યારે આપ બોલ્યા જે, આજથી એક મહિને તેડી જશું. પછી એને તેડી ગયા અને એક મહિના કેડે એના નાના ભાઈને પણ તેડી ગયા. એમ એ છોકરાંઓએ ઓરતો કર્યો એટલામાં આપે એમનો મોક્ષ કર્યો. પછી બાપાશ્રી બોલ્યા જે, મહારાજ અને મોટા અદૃશ્ય હોય તેમને ખરા ભાવથી સંભારે તો પ્રત્યક્ષના જેવું ફળ આપે. ।। ૩૧ ।।
વાર્તા ૩૨
વૈશાખ વદિ ૧૪ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આજ તમને મળ્યા છે તે વ્યતિરેક મૂર્તિ છે ને તે થકી આત્યંતિક કલ્યાણ થાય છે પણ અન્વય થકી થાતું નથી.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, મોટાનો વિશ્વાસ તો હોય પણ વ્યતિરેક મૂર્તિનો મહિમા જાણી શકે નહીં. તેને મોટા શ્રીજીમહારાજની મૂર્તિને સમીપે લઈ જાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા સાથે જેણે મન બાંધ્યું હોય ને આત્મબુદ્ધિ કરી હોય તો મોટા તેને મહારાજના સુખમાં લઈ જાય છે.
પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મુક્તને જોગે કરીને મુક્ત થયેલાનો જે જોગ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેવું અનાદિમુક્તના જોગવાળાનું કલ્યાણ થાય છે તેવું જ તેના જોગવાળાનું કલ્યાણ થાય છે.
ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, મુક્તના જોગે મુક્ત થાય છે તેને સુખ મહારાજ પોતે આપે છે કે મુક્ત અપાવે છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે જીવો ઉપર દયા કરીને જે અનાદિમુક્તને પૃથ્વી ઉપર મોકલ્યા હોય તે મુક્તને વશ થઈને મહારાજ પોતે સુખ આપે છે. ।। ૩૨ ।।
વાર્તા ૩૩
વૈશાખ વદિ ૧૪ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને બાવળ નીચે બેસીને માનસીપૂજા કરી. પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ વર્તમાનકાળમાં સ્વતંત્ર મુક્તને મહારાજે મૂક્યા છે. તે પોતાના જેવા જ જીવને સુખિયા કરે છે. સિદ્ધદશાવાળા સાધન કરે છે તે સાધનવાળાને શીખવવા માટે કરે છે. મહારાજની ને મોટાની કિંમત ન જાણવી. મુક્તને કોઈ આવરણ આડું આવે નહીં. સંતદાસજીને કોઈ આવરણ નહોતું. કેરાવાળાં સદાબા કહેતાં જે, હું બાજરીના દાણામાં અનંત મુક્તે સહિત મહારાજને દેખું છું; એટલે જ્યાં જુએ ત્યાં મૂર્તિ દેખે. અગત્રાઈમાં પર્વતભાઈએ કહ્યું જે, અહીં મુક્ત આવે છે. ત્યારે હરિભક્તોએ પૂછ્યું જે, કેમ ખબર પડી ? ત્યારે કહ્યું જે, મુક્ત તો આવરણ રહિત હોય તે માટે દેખે છે. એટલામાં શ્રી ગોપાળાનંદ સ્વામી આવતા હવા. એવા અનાદિમુક્તનો જોગ મળ્યો તેને મુદ્દો હાથ આવ્યો. તેને જ્ઞાનમાર્ગ ન સમજાય તોપણ કાંઈ બાકી રહેતું નથી. મહારાજની કે મોટાની લખેલી વાર્તા સાંભળીએ ત્યારે તેમનો સમાગમ મળ્યો એમ પ્રત્યક્ષ જાણવા. જેમ પક્ષી ઈંડાને સેવે છે તેમ તમોને મહારાજ ને મોટા દૃષ્ટિ દ્વારા સેવે છે. માટે જેમ ભેગા બેઠા હોઈએ ત્યારે જેવો આનંદ રહે છે એવો આનંદ સદાય રાખવો. મોટા મળ્યા પછી શ્રદ્ધા પ્રમાણે સાધન કરવાં. અંતે તેને પૂરું કરાવી દેશું. જે આળસુ થઈને બેસી રહે ને કાંઈ ન કરે તેને વાંધો આવે છે. જેને મોટાનો જોગ ન ઓળખાણો હોય તે વ્રત, જપ આદિક ઘણાં સાધન કરે તોપણ તેને બાકી રહે છે; મોટાના જોગવાળાને થોડાં સાધન હોય તોપણ તેને મોટી પ્રાપ્તિ થાય છે. જે જીવને સંત સાથે હેત અને સમાગમ હોય તે સંત સાધનદશાવાળા હોય તેના અંત સમયે દર્શન થાય છે તે તો શ્રીજીમહારાજ તે સંત રૂપે પોતે દેખાય છે. જે અનાદિમુક્ત છે તથા પરમ એકાંતિકમુક્ત છે તે તો પોતે દર્શન આપીને મહારાજના સુખમાં લઈ જાય છે.
પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જ્યાં સુધી આપ આ પૃથ્વી ઉપર રહો ત્યાં સુધી કોઈ ભક્તને રહેવાનો સંકલ્પ હોય તે સકામ કહેવાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સકામ તો ન કહેવાય પણ મહારાજની ને મોટાની મરજી પ્રમાણે રહેવું.
પછી રામગ્રીના પટેલ મલુ રાજાએ પૂછ્યું જે, અંત સમયે સો સદ્ગુરુનું જ્ઞાન જીવને આપે છે એમ કહેવાય છે ત્યારે તો જીવ સદ્ગુરુ થકી પણ વધી ગયો તે કેમ સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો હિંમત દેવાનું વચન છે; પણ સદ્ગુરુનું જ્ઞાન તો અપાર છે. ।। ૩૩ ।।
વાર્તા ૩૪
વૈશાખ વદિ ૧૪ની રાત્રિએ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ સત્સંગમાં જે શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય તે બધાયને દિવ્ય જાણવા, પણ સમાગમ તો શ્રીહરિજીના પરમએકાંતિક તથા અનાદિમુક્તનો કરવો. બીજાને દિવ્ય જાણીને સેવા કરવી. જે પંચવર્તમાનની આજ્ઞા ન પાળતા હોય તેની સેવા તો નિરર્થક છે, કેમ જે એને મહાપ્રભુજીનો સંબંધ નથી; માટે એ સેવા શ્રીજીમહારાજને પહોંચતી નથી. જે આજ્ઞા પાળે છે તેની સેવા કરે તો શ્રીજીમહારાજ તેમાં રહીને અંગીકાર કરે છે. જે અનાદિમુક્ત છે તથા પરમએકાંતિક છે તેમની ને શ્રીજીમહારાજની સેવા તો એક જ છે; પણ જુદી નથી. સત્પુરુષના જોગથી બહુ સુખિયા થવાય છે. એક મહારાજને જ અંતરમાં રાખે તો માન-મત્સરાદિક કોઈ વિકાર નડી શકે નહીં. આપણને અવિનાશી મૂર્તિ જે મહાપ્રભુજી મળ્યા ને અવિનાશી મુક્ત મળ્યા છે માટે કામ થઈ ગયું છે. હવે કાંઈ પણ અધૂરાપણાનો સંકલ્પ કરવો નહીં. મોટા મોટા અવતારાદિકને પણ આ જોગ મળવો ઘણો દુર્લભ છે. આ જોગ બહુ ભારે મળ્યો છે. શ્રીજીમહારાજે છેલ્લા પ્રકરણના ૨જા વચનામૃતની ૨જી બાબતમાં બ્રહ્માદિકને પણ દુર્લભ એવો આ સત્સંગ મળ્યો છે એમ કહ્યું છે. તેમાં બ્રહ્મા તે મૂળઅક્ષરને કહ્યા છે, કેમ જે સૃષ્ટિ કરે તે બ્રહ્મા કહેવાય. મૂળ સૃષ્ટિકર્તા મૂળઅક્ષર છે. તેને આ ઠેકાણે બ્રહ્મા કહ્યા છે. તેને પણ આ જોગ દુર્લભ છે. આ તો છેલ્લો જોગ છે. આ મુક્તની દૃષ્ટિ જેના ઉપર પડે છે તેને શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જાય છે તો જે અમારા થઈને રહ્યા છે અને અનુવૃત્તિમાં રહે છે તેમને લઈ જઈએ એમાં શું કહેવું ? એ તો લઈ જઈએ જ. માટે ખરેખરા મોટાના થઈ રહેવું. “જંઈનો વેપાર અને લાખનો લાભ” એવું છે. જેમ નિશાન પાડવામાં એક વૃત્તિ કરવી પડે છે તેમ મહારાજની મૂર્તિમાં એક વૃત્તિ રાખીને મોટાનો જોગ કરવો. મોટાનો જોગ તે મહામંત્ર છે. મોટાનો જોગ હોય ને ત્યાં જન્મભૂમિ હોય તોપણ ત્યાં જઈને તે મોટાનો જોગ કરવો તેમાં લાભ ઘણો છે. રેલે બેસીને મોટાનો જોગ કરવા આવવાથી ચાલીને જવું તે ઉત્તમ છે; ન ચલાય તેણે રેલે બેસીને પણ જોગ-સમાગમ કરવો. રેલે ન બેસવું એવો નિયમ રાખવો નહિ તેમાં લાભ છે. જેવો જોગમાં લાભ છે એવો રેલે ન બેસવું ને જન્મભૂમિમાં ન જાવું એમાં લાભ નથી. ખૂબ મજબૂત પાયાથી મંદિર ચણીને મૂર્તિ પધરાવી દેવી. મૂર્તિના તેજરૂપ થઈને તે તેજમાં મૂર્તિ ધારવી તો કામ, ક્રોધ, લોભાદિક દોષમાત્ર નાશ થઈ જાય છે અને પછી મૂર્તિમાં રહેવું એ સિદ્ધાંત છે. ।। ૩૪ ।।
વાર્તા ૩૫
વૈશાખ વદિ ૦)) અમાસને રોજ સવારમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૪૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં નિષ્કામ ભક્ત ભગવાનની સેવા વિના બીજું ઇચ્છતા નથી એમ આવ્યું. તે ઉપર બાપાશ્રીએ વાત કરી જે, એક કઠિયારો અને એની સ્ત્રી એ બેય શ્રીજીમહારાજને મળેલાં સત્સંગી હતાં. તે હંમેશાં રાત્રિના ત્રણ વાગે ઊઠીને શ્રીજીમહારાજનું ધ્યાન-ભજન કરીને નાહીને પૂજા કરીને મંદિરમાં દેવનાં દર્શન કરીને સવારમાં વહેલાં વગડે જાય. તે કોઈનું ધણિયાતું ન હોય એવા ઠેકાણેથી કાષ્ઠની ભારીઓ લાવીને વેચે. તેના પૈસા અથવા દાણા જે આવે તેમાંથી દસમો ભાગ શ્રીઠાકોરજીની પાસે મૂકીને ઘેર જઈને રોટલા કરી મહારાજને થાળ ધરીને પ્રસાદી જમીને મહારાજનું ધ્યાન, ભજન, માળા, કથા કર્યા કરે. સાંજે મંદિરમાં જઈને કથા-વાર્તા સાંભળે ને રાત્રિએ ધ્યાન કરીને બાર વાગે સૂએ. એવી રીતે હંમેશાં ખાધા જેટલું પેદા કરીને મહારાજનું ધ્યાન-ભજન કરતાં. એમ કરતાં કરતાં એક દિવસે કઠિયારાને તાવ આવ્યો તે વગડે જવાયું નહીં. તેની સ્ત્રી પતિવ્રતા હતી માટે એકલી ન ગઈ, તેથી બેય ભૂખ્યાં રહ્યાં. તેને ત્રીજે દિવસે સવારમાં તાવ ઊતર્યો એટલે નાહીને પૂજા કરી. તેની સ્ત્રીએ પૂછ્યું જે, તમારે કાંઈ ખાવાની ઇચ્છા થઈ હોય તો હું કોઈનું ઉછીનું લાવીને કરી આપું. આપણે જમીને સાંજના ભારીઓ લેવા જાશું ને તેમાંથી જે આવશે તેમાંથી ઉછીનાવાળાને પાછું આપીશું. ત્યારે કઠિયારો બોલ્યો જે, બે દિવસ શ્રીજીમહારાજની ઇચ્છાથી ભૂખ્યાં રહ્યાં તો અડધો દિવસ જાણીને ભૂખ્યાં રહીશું પણ આપણે ઉછીનું લાવવું નથી. પછી ભૂખ્યાં ને ભૂખ્યાં વગડે જઈ એક થોરિયાનું થડિયું હતું તેને ચીરવા માંડ્યું, તે કુહાડો તો ઊંચો પણ થાય નહિ તોપણ તેના ટચકાથી બ્રહ્માંડ ડોલવા લાગ્યું. તેથી બ્રહ્માને ભય ઊપજ્યો એટલે વૈરાજપુરુષ પાસે જઈને રાવ કરી જે, તમારો ભક્ત સત્યના બળ વડે કરીને મારું બ્રહ્માંડ ડોલાવે છે તે હમણાં પડી જાશે માટે બંધ કરાવો. ત્યારે વૈરાજપુરુષે જાણ્યું જે, આ ભક્ત તો મારા ઉપરીનો છે તે મારાથી બંધ નહિ થઈ શકે, પણ જો બ્રહ્માને આ વાત કરું તો એને મારે માથે ઉપરી છે એ ખબર પડે. માટે યુક્તિ કરીને કહ્યું જે, જાઓ એનો તપાસ કરશું. બ્રહ્મા ગયા પછી વૈરાજપુરુષે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ ત્રણ દેવની આરાધના કરી જે, હે મહારાજ ! તમારો ભક્ત બ્રહ્માનું બ્રહ્માંડ ડોલાવે છે માટે કૃપા કરીને બંધ કરાવો. ત્યારે તેમણે વૈરાજપુરુષને દર્શન દઈને જેમ વૈરાજે યુક્તિથી કહ્યું હતું તેવો જવાબ દીધો. પછી અનિરુદ્ધાદિ ત્રણ દેવે મહત્તત્ત્વની પ્રાર્થના કરી ત્યારે તેમણે પણ દર્શન આપીને એવી જ રીતે જવાબ દીધો. પછી મહત્તત્ત્વે પ્રધાનપુરુષની પ્રાર્થના કરી. ત્યારે તેમણે પણ એવો જ જવાબ યુક્તિથી દીધો. પછી પ્રધાનપુરુષે મૂળપુરુષની પ્રાર્થના કરી ત્યારે તેમણે પણ દર્શન આપીને એવો જ જવાબ દીધો. પછી મૂળપુરુષે પોતાના ઉપરી જે વાસુદેવબ્રહ્મ તેમની સભામાં જઈને પ્રાર્થના કરી જે, તમારો ભક્ત બ્રહ્માંડ ડોલાવે છે તે બંધ કરાવો. તેમણે પણ પોતાના ઉપરીને જાણે નહિ એવી યુક્તિએ જવાબ દીધો જે, બંધ કરાવશું. પછી વાસુદેવબ્રહ્મે મૂળઅક્ષરની પ્રાર્થના કરી ત્યારે એમણે પણ તેજ રૂપે પ્રેરણા કરીને એવો જ જવાબ દીધો. પછી મૂળઅક્ષરે શ્રીજીમહારાજની પ્રાર્થના કરી. પછી શ્રીજીમહારાજે પોતાના તેજ રૂપે પ્રેરણા કરીને કહ્યું જે, એ અમારા ભક્તને છળીને સત્યથી પાડે તો બ્રહ્માનું બ્રહ્માંડ બચે. પછી એ પ્રમાણે ઉત્તરોત્તર બ્રહ્મા પાસે જવાબ આવ્યો, એટલે બ્રહ્મા શ્રીજીમહારાજના જેવું રૂપ ધારી વિમાને બેસીને, દેવલોકમાં આવીને દેવની પાસે સાધુના જેવા વેશ ધરાવીને, સર્વે વિમાને બેસીને, જ્યાં કઠિયારો ભક્ત લાકડું ચીરતો હતો ત્યાં આવીને તેને બ્રહ્માએ કહ્યું, “હે ભક્ત ! અમે સ્વામિનારાયણ છીએ અને આ સર્વે સંત છે, તે તમને દર્શન દેવા આવ્યા છીએ માટે દર્શન કરો અને જે જોઈએ તે માગો.” ત્યારે તે ભક્તે તેમના સામું જોઈને પછી અંતર્વૃત્તિ કરીને પોતાના આત્માને વિષે મહાપ્રભુજીની મૂર્તિ જોઈ ત્યારે એકે ચિહ્ન મળતું આવ્યું નહીં. પછી વિચાર કર્યો જે, આ તે કોણ હશે ? આ કોઈક ઠગ છે. પછી દેવોનાં સ્થાન જોયાં ત્યારે બ્રહ્માનું સ્થાન ખાલી દેખ્યું. પછી બોલ્યા જે, તું તો બ્રહ્મા છે ને આ સર્વે દેવલાં છે. તમે અજ્ઞાની છો ને મને છળવા આવ્યા છો; પણ શૂદ્રનું ઉચ્છિષ્ટ એંઠું હોય તે નાગર બ્રાહ્મણને જેમ ખાધાનો સંકલ્પ ન થાય તેમ હું પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું તે મૂળઅક્ષરનું આપેલું ન લઉં તો તું તો રાંક અને મલિન છે તે તારું આપેલું લેવાનો સંકલ્પ પણ કેમ થાય ? તું તો કેટલાયનો એંઠવાડો ખાય છે તેની તને ખબર નથી. સાંભળ, હું તને તે કહી બતાવું. સર્વેથી પર શ્રી સ્વામિનારાયણ એક જ ભગવાન છે તે મારા સ્વામી છે, સર્વેના નિયંતા છે, સર્વેના કારણ છે, સર્વ સુખમય મૂર્તિ છે અને અનંત ઐશ્વર્યે યુક્ત છે. તે સુખને શ્રીજીમહારાજના અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહીને લીધા જ કરે છે. જેમ જળમાં જળજંતુ હોય તે પોતાની ઇચ્છા પ્રમાણે જળ પીધા જ કરે તેમ. બીજા પરમ એકાંતિકમુક્ત છે તે શ્રી સ્વામિનારાયણની મૂર્તિના તેજમાં મૂર્તિને સન્મુખ રહ્યા થકા શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ લીધા જ કરે છે અને તે સર્વે રાણીને ઠેકાણે છે. પછી મૂળઅક્ષર છે તે શ્રીજીમહારાજના દીવાનને ઠેકાણે છે તેમને શ્રીજીમહારાજ સુખ, સામર્થી ને ઐશ્વર્ય આપે છે અને મૂળઅક્ષર જે તે વાસુદેવબ્રહ્મને ઐશ્વર્ય, સામર્થી આપે છે. વાસુદેવબ્રહ્મ મૂળપુરુષને આપે છે. મૂળપુરુષનો એંઠવાડો પ્રધાનપુરુષને મળે છે, એનો મહત્તત્ત્વને મળે છે, મહત્તત્ત્વનું વધેલું અહંકારને આવે છે અને એનું વધેલું તારા સ્વામી જે વૈરાજ તેને મળે છે. એ વૈરાજે તને આપ્યું છે તે તું ભોગવે છે. માટે તારા જેવો ભ્રષ્ટ અને રાંક બીજો કોણ છે તે તું તારો એંઠવાડો મને આપવા આવ્યો છે ? ત્યારે બ્રહ્માએ વિનંતી કરી જે, હે મુક્તરાજ ! હું તમને આવા મોટા જાણતો નહોતો. તમોએ જે જ્ઞાન કહ્યું તેની તો મને ખબર નથી. હું તો મારા ઉપરીથી પર બીજું કાંઈ છે જ નહિ એમ જાણતો હતો માટે મારો અપરાધ ક્ષમા કરો. મારું બ્રહ્માંડ ડોલતું હતું તેથી મારે આ કામ કરવું પડ્યું છે. ત્યારે કઠિયારા ભક્તે કહ્યું જે, જા ! તારું બ્રહ્માંડ નહિ પડે. પછી બ્રહ્માદિક રાજી થઈને ગયા.
શ્રીજીમહારાજે એ બેયને દર્શન આપ્યાં ને બહુ પ્રસન્ન થયા ને કહ્યું જે, અહીં રહેવું છે કે ધામમાં આવવું છે ? જો અહીં રહેવું હોય તો વૈભવ આપીએ અને ધામમાં આવવું હોય તો તેડી જઈએ. ત્યારે તે બેય બોલ્યાં જે, આ લોકનું તો અમારે કાંઈ જોઈતું નથી. અહીં રાખો કે તેડી જાઓ એ પણ અમે કાંઈ ન કહીએ. જેમ આપની મરજી હોય તેમ કરો. શ્રીજીમહારાજ બોલ્યા જે, ચાલો આપણા ધામમાં. પછી કુહાડો નાખી દઈને બેય જણા દેહ મૂકીને શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. આવા નિષ્કામ ભક્ત થાય તો શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત પ્રસન્ન થઈને આવરદા હોય તોપણ પડી મુકાવીને પોતાની મૂર્તિમાં રાખીને સુખ આપે છે ને સદા ભેળા રાખે છે. એવા નિષ્કામ થાવું પણ કોઈ પદાર્થની ઇચ્છા ન રાખવી. શ્રીજીમહારાજની મૂર્તિ વિના અક્ષરકોટિ સુધી કોઈની ગણતરી ન રાખવી. જેમ આ લોકમાં વર્ણ ઘણી છે પણ જેને ઘેર જવું ન ઘટે તેને ઘેર કોઈ જાય નહિ; જેને ઘેર જવું ઘટે ત્યાં જાય. જે ભગવાનના ભક્ત હોય તે તો મંદિર વિના બીજે કોઈને ઘેર જાવું ઘટતું હોય ત્યાં પણ જાય નહિ કેમ કે તેને તો મંદિર વિના બીજું ગમે જ નહિ તેમ મહાપ્રભુજી વિના બીજું ગમવું ન જોઈએ. શ્રીજી વિના કોઈની ગણતરી રાખવી ન જોઈએ. તો મહારાજ અને મોટા મુક્ત પ્રસન્ન થઈને પોતાના ભેળા રાખીને પોતાની મૂર્તિનું સુખ આપે. વાર્તાની સમાપ્તિ કરીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય, એમ વર આપ્યો. ।। ૩૫ ।।
વાર્તા ૩૬
જેઠ સુદ ૧ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૩૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં ઉત્પત્તિકાળે અક્ષરાદિક રૂપે થઈએ છીએ અને જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિક રૂપે થઈએ છીએ એમ આવ્યું.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એ નારદ-સનકાદિક કોને સમજવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પોતાના અનાદિમુક્તોને આ ઠેકાણે નારદ-સનકાદિક નામે કહ્યા છે. તે અનાદિમુક્તો સદાય મૂર્તિમાં રહ્યા થકા આ લોકને વિષે જીવોને દર્શન આપીને મોક્ષ કરે છે એટલે પોતા જેવા મુક્ત કરે છે, પણ બીજું ઐશ્વર્યાર્થીનું કામ જે જગતની ઉત્પત્ત્યાદિક તથા કર્મફળ આપવાં તે કરતા નથી, કેમ કે એને તુચ્છ ગણે છે. એ કામ તો મૂળઅક્ષરાદિકને સોંપી મૂકેલાં છે તે કરાવે છે. મુક્ત તો કેવળ મોક્ષ જ કરે છે. જીવોના ગુણ-અવગુણ સામું જોતા નથી અને પામર જેવો જીવ હોય તેનો પણ મોક્ષ કરે છે તેવા દયાળુ છે અને એમને ગુણ, અવગુણ, નિંદા, સ્તુતિ, કાંઈ છે જ નહીં. ત્યાં દૃષ્ટાંત જે, એક સત્સંગી શૂદ્ર હતો. તેને રાજા કેદમાં પૂરીને પોતાને હાથે નિત્ય સાત ખાસડાં મારતો. તે અપરાધે એ રાજાને યમ લેવા આવ્યા. તેમને દેખીને શૂદ્ર ભક્તે શ્રીજીમહારાજને વિનંતી કરી જે, હે મહારાજ ! આ રાજાને મારાં દર્શન થયાં છે અને એણે મારી પૂજા કરી છે માટે એ બિચારાને યમના મારથી છોડાવો ને આપણા ધામમાં લઈ જાઓ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, હે ભક્તરાજ ! એ તો તમારો અપરાધી છે તેથી યમને લઈ જવા દો. મારો અપરાધ કરે તેને હું છોડી મૂકું છું પણ મારા ભક્તના અપરાધીને હું છોડતો નથી. ત્યારે શૂદ્ર ભક્તે કહ્યું જે, હે મહારાજ ! તમારે ને તમારા ભક્તને દર્શને કરીને તો અનંત બ્રહ્મહત્યાઓ બળી જાય અને સર્વે પાપ બળી જાય અને મોક્ષ થાય. માટે યમના મારથી મુકાવીને એ બિચારાનો મોક્ષ કરો. તમારા ભક્તને તો ચંદન, પુષ્પની ને ખાસડાંની પૂજા સરખી છે માટે એ અજ્ઞાનીનો અપરાધ ન ગણીને આપનાં દર્શનનું ફળ આપો. ત્યારે યમને કાઢી મૂકીને શ્રીજીમહારાજ એ રાજાને તેડી ગયા અને પોતાના ભક્ત ઉપર બહુ રાજી થયા. મોટાની તો આવી સમજણ છે. તે સમજણ સાધનદશાવાળો ગ્રહણ કરે તો મોટાના જેવા ગુણ આવે. “નાખે અદાવત દીએ ગાળ્યું, તેને ભક્ત સમજે દયાળુ.” એ ચોપાઈ બોલીને પછી બોલ્યા જે, આવી સમજણ ગ્રહણ કરે તો બહુ સુખિયો થાય. જીવને પોતાનું ધાર્યું મુકાતું નથી ને ધાર્યું ન થાય તો કલ્યાણના દાતા એવા જે ભગવાન ને મુક્ત તેમનો દ્રોહ કરે ને કલ્યાણ બગાડે. જુઓને ! જીવાખાચરે શ્રીજીમહારાજને ભગવાન જાણીને ઘણી સેવા કરી હતી પણ પોતાનું ધાર્યું મરડાયું તો શ્રીજીમહારાજને મારવાના ઉપાય ખોળ્યા. અલૈયાખાચરે ઘણી સેવા કરી હતી પણ માન મરડાયું તો શ્રી મુક્તાનંદ સ્વામીને મારવા તરવાર તાણી. માન એવું ભૂંડું છે જે દેવનાં દર્શન પણ મુકાવી દે. દર્શન વિના ચલવે અને ખાઈ લે પણ માન ન મૂકે. આ સત્સંગમાં શ્રીજીમહારાજ ને મોટા સંત વિરાજે છે; સત્સંગ મૂકીને ગયા નથી, માટે જેમ કહે તેમ કરવું અને રાજી કરવા, પણ કચવાવવા નહિ; કેમ કે તેમાંથી તો જીવનું બગડી જાય. “રાજી કરવાનું રહ્યું પરું; પણ ઊલટો કોપ ન કરાવીએ સ્વામીને.” સત્સંગમાં કોઈને કહેવું ઘટતું હોય તે કહેવું ખરું પણ કોપાયમાન થઈને કહેવું નહિ અને મોટાની આજ્ઞામાં રહેવું. માન આદિક સર્વે દોષનો ત્યાગ કરીને ભગવાન ને સંતના દાસાનુદાસ થઈ રહેવું. અમદાવાદમાં દામોદરભાઈ હતા. તેમની સ્ત્રી મરી ગઈ ત્યારે રામપ્રતાપભાઈ પાસે બ્રહ્માંડમાં સર્વે સ્ત્રીઓ છે તે બહેનો છે, એમ બોલી ગયા ને પછી નાતરું કરીને સ્ત્રી લાવ્યા તેથી ભાઈને રીસ ચઢી. તે જ્યારે દર્શને આવે ત્યારે “સસુર, કિસ બ્રહ્માંડ મેં સે લાએ” એમ કહીને મારવા દોડે. એટલે દામોદરભાઈ ભાગી જાય પણ દર્શન કર્યા વિના જમે નહીં. જ્યારે રામપ્રતાપભાઈ નાહવા કે પૂજા કરવા કે જમવા બેઠા હોય તે વખતે દર્શન કરી જાય પણ દર્શન વિના કોઈ દિવસ જમ્યા નહિ ને પાણી પણ પીધું નહીં. કોઈ વખત સવારે અને કોઈ વખત બપોરે અને કોઈ વખત સાંજે અને કોઈ વખત રાત્રિએ, જ્યારે દર્શન થાય ત્યારે જમે અને પાણી પીએ, એવા આસ્તિક અને નિષ્ઠાવાળા હતા. એવી દૃઢતાવાળા હોય તે ભક્ત કહેવાય. તેમની દૃઢતા મધ્ય પ્રકરણના ૫૯મા વચનામૃતમાં શ્રીજીમહારાજે વખાણી છે. એક સમયે અનાદિ મુક્તરાજ સ્વામીશ્રી નિર્ગુણદાસજી ભૂજ પધાર્યા હતા. તેમનો સમાગમ કરવા ભૂજના સાધુ માધવદાસજીને ભૂજ રહેવું હતું અને ભૂજમાં રહેવા માટે વાગડ દેશમાં કથા-વાર્તા, ધર્માદો કરી આવ્યા હતા. તોપણ સદ્. સ્વામી શ્રી અક્ષરજીવનદાસજીએ તેમને અબડાસામાં મોકલ્યા. તેમને સમાગમ કરવાની ઘણી આતુરતા હતી પણ બિચારા આજ્ઞામાં વર્તીને ગયા, એમ આજ્ઞામાં રહેવું પણ મનગમતું કરવા સત્સંગ બહાર ન જાવું અને દોષ તથા સ્વભાવ ટાળીને દાસાનુદાસ થઈને સત્સંગમાં મુક્ત સાથે જીવ જોડવો. ।। ૩૬ ।।
વાર્તા ૩૭
જેઠ સુદ ૨ને રોજ સવારે સભામાં લોયાનું ૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણે કરીને પ્રત્યક્ષ ભગવાનને જાણે, ત્યારે આત્યંતિક કલ્યાણ થાય.
ત્યારે પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, જ્યારે મહારાજ હતા ત્યારે તો ઇન્દ્રિયે દેખાતા, પણ આજ મહારાજને પ્રત્યક્ષ ઇન્દ્રિયોએ કરીને શી રીતે દેખવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે “અમને મનુષ્ય રૂપે દેખો.” એમ સંકલ્પ કર્યો ત્યારે મનુષ્ય રૂપે દેખાયા તેમજ બીજો સંકલ્પ કર્યો કે, “અમને પ્રતિમા રૂપે દેખો.” માટે આજ પ્રતિમા રૂપે પ્રત્યક્ષ છે. તેમનાં દર્શન ઇન્દ્રિયોએ કરીને કરવાં અને એ પ્રતિમાનો મહિમા મુક્ત થકી અંતઃકરણમાં જાણવો અને એ પ્રતિમાને પોતાના ચૈતન્યને વિષે ધ્યાનમાં જોવી. તે જોતાં જોતાં જ્યારે આત્માને વિષે દેખાય ત્યારે મોક્ષ થાય. કદાપિ આત્માને વિષે દર્શન ન થાય તોપણ શ્રીજીમહારાજનાં સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તો મોક્ષ થાય. તેમજ મુક્ત મળ્યા હોય તેમને જેવા હોય તેવા મુક્ત જાણે તો કલ્યાણ થાય એટલે મહારાજને મહારાજ જાણવે કરીને અને મુક્તને મુક્ત જાણવે કરીને કલ્યાણ થાય. મહારાજ મનુષ્ય રૂપે પ્રત્યક્ષ મળે તો મોક્ષ થાય અને જ્યારે મહારાજ પ્રતિમા રૂપે દેખાતા હોય ત્યારે મહારાજની હજૂરમાંથી પરમ એકાંતિકમુક્ત મૂકેલા હોય તે પ્રત્યક્ષ મળે તો પ્રતિમાનો મહિમા સમજાવે અને મોક્ષ કરે. અનાદિમુક્ત અને શ્રીજીમહારાજ તો જળતરંગવત્ એક જ છે. મુક્ત ન હોય ત્યારે પ્રતિમાથી પણ કલ્યાણ થાય પરંતુ વિલંબ થાય; માટે મુક્ત આ પૃથ્વી ઉપર પધાર્યા હોય તે મુક્તને ઓળખીને સંગ કરવો. મુક્ત ઓળખવા એ ઘાંટી જબરી છે. જેને સર્વે સત્સંગે પ્રમાણ કરેલા હોય ને વયે કરીને પણ વૃદ્ધ હોય એવા મુક્તનો સમાગમ કરવો; આડે-અવળે ધોડા કરવા નહીં. મહારાજ અને મુક્ત વિના બીજે જે વળગ્યા છે તે હેરાન થવાનું કારણ છે. માટે મુક્ત ઓળખીને સંગ કરવો, કેમ જે કેટલાક મુમુક્ષુ પણ ન હોય અને વિષયી પણ ન હોય ને પામર જેવા પણ ન હોય ને તે અનાદિમુક્ત થઈ બેઠા હોય તેને મુક્ત જાણીને તેનો જોગ કરે તો તે સંગ કરનારની ભવાઈ થાય. તે શા વાસ્તે મુક્ત થયા હોય ? માન માટે, પૂજાવા માટે ને વિષય માટે મુક્ત થયા હોય પણ મોક્ષ માટે ન થયા હોય. એવા કપટીનો વિશ્વાસ લાવીને જે વળગ્યા હોય તેનું ભૂંડું થાય. તેમાં કોઈકને શંકા થાય જે પામરથી મુક્ત કેમ થઈ બેસાય ? તો તેનું એમ છે જે, પહેલાં તો ભક્ત હોય અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તે થોડાં થોડાં હોય તેણે કરીને પોતાને સરસ માને, પણ બરાબર જ્ઞાન ન હોય તેથી અજ્ઞાનમાં વિચાર વિના ઉદ્ધત થઈ જાય અને કોઈ સાધુ કે સત્સંગીની ગણતરી રહે નહીં. માનને લીધે કોઈ મોટા મુક્તનો સમાગમ દાસ થઈને કરે નહીં. પોતાના બુદ્ધિબળે શાસ્ત્રમાંથી જ્ઞાન શીખવા જાય અને શાસ્ત્રનો સિદ્ધાંત હાથ આવે નહિ ને પોતાને અવળું-સવળું જેવું સમજાય તેવું જ્ઞાન બીજાને પણ કરે અને કોઈ મોટા સમજાવે તો માનના માર્યા કોઈનું કહ્યું પણ માને નહીં. પોતે અવળે રસ્તે ચાલે ને બીજા લાખોને અવળે રસ્તે ચલાવે તેથી શ્રીજીમહારાજનો તથા સર્વે સત્સંગીનો કોપ થાય. તેણે કરીને તેની બુદ્ધિ દૂષિત થઈ જાય; તેથી વિષયવાસના વધે અને વર્તમાન લોપે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને બ્રહ્મરાક્ષસના જેવી ક્રિયા કરે. તેનો મહિમા ન મૂકે ને જોગ રાખે તે મૂર્ખ છે, કદાપિ એણે અમારી ઓળખાણ પડાવી હોય પણ તેનો પગ ખાડામાં પડે કે ઉદ્ધતાઈ આવે તો તેનો ત્યાગ કરવો.
જેને સત્સંગમાં દાસપણું હોય તે જ ઊંચે પગથિયે ચઢે છે. મહારાજને સાથે રાખવા ને દાસપણું રાખવું તો ઘણો લાભ થાય. જેમ ટટ્ટુ હોય તે પહેલાં બહુ દોડે પણ પછી બહુ થાકી જાય; કુંતલ ઘોડા હોય તે જેમ જેમ મજલ કરે તેમ તેમ વધારે બળ આવે અને સર્વે ઘોડાની આગળ જતા રહે; તેમ જે મોટા ન હોય ને મોટા થાવા જાય તો તેનું આગળ જતાં ભાંગી પડે પણ લાંબું ચાલે નહીં. મુક્ત હોય તે તો દિવસે દિવસે પ્રસિદ્ધ થતા જાય પણ ઘટે નહીં. જે એમનો જોગ કરે તે પણ તેવો જ મુક્ત થાય પણ જે મુક્ત ન હોય ને પરાણે મુક્ત થઈ બેઠા હોય અને વર્તમાન લોપતા હોય ને પોતાનું ધ્યાન કરાવતા હોય તેને કોટિ કલ્પે દુઃખનો અંત આવતો નથી. એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભૂખ, દુઃખ ને માર એ ત્રણ વાનાં મળે. અક્ષરધામને ને એમને તો લાખો ગાઉનું છેટું છે. તે મરે ત્યારે બ્રહ્મરાક્ષસ થાય અને હેરાન હેરાન થાય ને એમનો સંગ કરનારની પણ તેમના જેવી દશા થાય. માટે વિચારીને મુક્ત ઓળખીને સંગ કરવો. જે મુક્ત ન હોય ને તે કહે જે, હું મુક્ત છું તો તેને અતિ મહાપાપી જાણવો. જે ભગવાન થઈને પોતાનું ધ્યાન કરાવે તે તો તેનાથી પણ અત્યંત મહાપાપી જાણવો. તેનું મુખ પણ ન જોવું અને એવાએ કદાપિ કોઈકને તેડવા આવવાનો વર દીધો હોય તે ખોટો જાણવો અને એવાનો જોગ ન કરવો. ।। ૩૭ ।।
વાર્તા ૩૮
જેઠ સુદ ૩ને રોજ સાંજે સભામાં પ્રથમ પ્રકરણનું ૫૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં અવગુણ ન લેવા વિષેની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સો જણાની પાસે ગુજરાતી પાશેર પાશેર ભાર હોય તે કોઈને જણાય નહિ પણ એ સર્વે ભાર એકની પાસે આવે તો ભારે થઈ પડે. તેમ સો જણાનો અકેકો અવગુણ લે તો સો અવગુણ આવે અને અકેકો ગુણ લે તો સો ગુણ આવે માટે સર્વે સંત-હરિજનોના ગુણ લેવા. દેહસ્વભાવ જોઈને અવગુણ લેવા નહીં. પંચવર્તમાનમાં ફેર હોય તો અવગુણ લેવો. કોઈકને શિખામણ દેવી તે પણ શુદ્ધ સત્ત્વગુણમાં રહીને કહેવું. પોતામાં રજ-તમાદિક ગુણ આવે ને પ્રકૃતિને વશ થઈને કહે તો પોતાનું સુકૃત કરેલું હોય તે બળી જાય માટે દયા રાખવી. તેનો ઉદ્ધાર થાય તેવી રીતે કહેવું પણ શિખામણ દેતાં શિક્ષા થાય તેમ ન કરવું. કોઈએ ધર્મ લોપ્યો હોય તેને સમજાવીને પ્રાયશ્ચિત્ત કરાવીને ઠેકાણે પાડવો. જો ન માને તો તેનો ત્યાગ કરવો. પ્રાયશ્ચિત્ત પણ એક વાર ભૂલ્યો હોય તેને કરાવવું. બીજી વાર ભૂલે તો કાઢી મૂકવો. ધર્મ પાળતો હોય પણ જો ભગવાન ભુલાવે એવો હોય તો તેનો પણ ત્યાગ કરવો. જે પંચવર્તમાનમાં કુશળ હોય અને બીજા સ્વભાવ-પ્રકૃતિ કાંઈક હોય તેનું તો પૂરું કરીશું પણ ઉપાસનામાં ફેર હશે તેનું તો અધૂરું રહેશે. સત્સંગનો અવગુણ બહારવૃત્તિવાળાને આવે છે. જો અંતર્વૃત્તિ થાય તો સર્વે સત્સંગ દિવ્ય જણાય.
ત્યારે પાટડીના નાગજીભાઈએ પૂછ્યું જે, અંતર્વૃત્તિ તે શું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અંતરમાં મહારાજના સુખે સુખિયા થવાય અને જેમ બાળકની ક્રિયા માવતર કરાવે છે તેમ દેહની ક્રિયા શ્રીજીમહારાજ અનુસંધાન પ્રમાણે કરાવે પણ તેની ખબર પોતાને રહે નહિ ને જેમ ગોરધનભાઈની ક્રિયા મહારાજ કરાવતા તેમ થાય તે અંતર્વૃત્તિ કહેવાય. એવાને સત્સંગ દિવ્ય જણાય અને કોઈનો અવગુણ આવે નહીં. જેને પોતાના દોષ ટળી જાય તેને બીજા કોઈનો દોષ સૂઝે નહીં. સર્વે એક બાપના દીકરા જણાય. વહેલા-મોડા સર્વે મહારાજ પાસે જશે એમ જાણે તો દોષ ન આવે. જેમ અગ્નિ જળે કરીને ઓલાય છે તેમ પોતાને વિષે દોષ ન હોય તે બીજાને નિર્દોષ જાણે. જેના હૃદયમાં મહારાજની મૂર્તિ આવે છે તેને કોઈના દોષ સૂઝતા નથી. તે વખતે વૃષપુરના મંદિરમાં બાગને સાધુ પાણી પાતા હતા તે દૃષ્ટાંતે વાત કરી જે, જેમ આંબા, લીંબુ, દાડમ આદિકની કૂંપળોને પાણી મળતું જાય છે તેમ તેમ નવી નવી કૂંપળો ફૂટતી જાય છે અને ફળ બેસતાં જાય છે ને પહેલાં બેઠેલાં ફળોમાં પાણી ભરાઈને રસદાર થાતાં જાય છે અને બીજાં નવાં નવાં બેસતાં જાય છે, તેમ જીવ જેમ જેમ મોટાનો જોગ કરતો જાય છે તેમ તેમ વૃદ્ધિ પામતો જાય છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં ગયા કેડે પણ આગળનાં ભોગવેલાં સુખ રહે છે અને બીજાં નવાં નવાં સુખ આવતાં જાય છે. જેમ કૂંપળો પાણી મળવાથી વધે છે અને લૂક લાગે તો બળી જાય છે તેમ જીવ મોટાને જોગે વધતો જાય છે. અને કોઈ ભગવાનના ભક્તનો અવગુણ આવે તો તે લૂક લાગી તે જીવનો નાશ થઈ જાય છે.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એણે ભક્તિ કરી હોય તે રહે કે નાશ થઈ જાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, થોડો દ્રોહ કર્યો હોય તો તેને પાણીવાળો સજીવન પર્વત કરે તે એના ઉપર ઝાડ, ફળ, ફૂલ થાય અને ઉપર પાણી હોય માટે તે કોઈક સમયે ભગવાન કે ભગવાનના સંતના જોગમાં કે ઉપયોગમાં આવે તે વખતે એને કાઢીને સત્સંગમાં લાવે. જેમ હિમાચળને લાવ્યા તેમ લાવીને મોક્ષ કરે. જે ઘણો દ્રોહ કરે તેને સૂકો પર્વત કરે તે કોઈના ઉપયોગમાં ન આવે તેથી મોક્ષ ન થાય.
ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, હિમાચળનો મહારાજે કેવી રીતે મોક્ષ કર્યો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ વનમાં વિચર્યા ત્યારે હિમાચળમાં ગયા તે વખતે હિમાચળે મનુષ્ય રૂપે આવીને શ્રીજીમહારાજને પગે લાગીને બે કેરીઓ ભેટ મૂકી. તેને મહારાજે જમવા માંડી ત્યારે તેણે પ્રસાદીની ઇચ્છા કરી. મહારાજ તો ગોટલા-છોતરાં સહિત જમી ગયા. તેણે સંકલ્પ કર્યો જે જળમાં હાથ ધોશે ને જળ પીશે તે પ્રસાદીનું જળ હું પીશ. મહારાજે તો હાથ પણ ન ધોયા ને જળ પણ ન પીધું અને બોલ્યા જે, કેમ ઊભા થઈ રહ્યા છો ? તે બિચારો નિરાશ થઈને ઘણો દિલગીર થઈ ગયો. મહારાજ દયા લાવીને બોલ્યા જે, તમારે પ્રસાદીની ઇચ્છા છે તો અમો સત્સંગમાં જઈએ ત્યારે તમે ગઢડે આવજો. ત્યાં પ્રસાદી આપીશું અને આ પર્વતમાંથી કાઢીને સત્સંગમાં લાવીને મોક્ષ કરીશું. પછી તે અદૃશ્ય થઈ ગયો. જ્યારે શ્રીજીમહારાજ વનમાં ફરતા ફરતા વસ્તીમાં આવ્યા ને ગાદીએ બેઠા ત્યારે હિમાચળ બ્રાહ્મણને વેશે ગઢડે આવ્યો. તેણે ઝોળીમાંથી ભારે ભારે વસ્ત્ર-આભૂષણ કાઢીને મહારાજની પૂજા કરીને પ્રસાદી માગી. મહારાજ પ્રસાદી આપીને બોલ્યા જે, ડોસા ! અહીં રાત રહો, સવારે જજો. ત્યારે તે બોલ્યો જે, ઘણા દિવસથી ઘર મૂક્યું છે માટે થોડોક દિવસ છે તે ગાઉ બે ગાઉ જઈને જ્યાં રાત પડશે ત્યાં રહીશ, એમ કહીને ચાલ્યો તે થોડેક છેટે જઈને અદૃશ્ય થઈ ગયો. ત્યારે સદ્. શ્રી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ ! એ કોણ હતો ? ત્યારે મહારાજે વનમાં બનેલી બધી વાત કરી જે, અમો હિમાચળમાં ગયા હતા ત્યારે એને પ્રસાદીની ઇચ્છા હતી પણ અમે આપી નહોતી, કેમ જે અમારી પ્રસાદી જમે તે જ વખતે પાપ સર્વે બળી જાય તો એને પર્વતમાંથી બહાર કાઢવો પડે. તે વખતે એના ઉપર ઝાડ-બીડ હોય તે સર્વે બળી જાય માટે આજ પ્રસાદી આપીને કાઢ્યો અને બીજો એવો ભગવાનના ભક્તનો અપરાધી શોધી રાખ્યો હતો તેને માંહી પ્રવેશ કરાવ્યો. એમ અપરાધનું ફળ મહા દુઃખદાયી છે. અપરાધથી બહુ બીવું ને કોઈ કીડી જેવા જીવનો પણ દ્રોહ કરવો નહીં. સત્પુરુષોના દ્રોહમાં ભગવાનનો દ્રોહ આવી જાય છે, જેમ રાણીના દ્રોહમાં રાજાનો દ્રોહ પણ ભેળો આવી જાય તેમ. જેમ પાત્રમાં ઘી હોય તે પાત્રને જે ફોડે તેણે ઘીનો દ્રોહ કર્યો કહેવાય; તેમ પાત્રને ઠેકાણે સત્સંગ ને મંદિરો છે અને ઘીને ઠેકાણે શ્રીજીમહારાજ છે; માટે જે સત્સંગનો ને મંદિરનો દ્રોહ કરે તેણે શ્રીજીમહારાજનો દ્રોહ કર્યો કહેવાય. જ્યારે જીવને સત્સંગમાં સંતનો અને હરિજનનો અવગુણ આવે ત્યારે માથું ફરી જાય છે અને દિશ ભૂલી જવાય છે તેથી મોટાનું વાળ્યું પણ પાછું વળાતું નથી, કેમ જે એમણે કારણ ઓળખ્યું નથી. જે કારણને એટલે મહારાજ અને મુક્તને ઓળખીને તેમને વળગે તેને દેશકાળ નડી શકે નહિ અને કોઈ વિઘ્ન પણ આવે નહીં. એને માન, મહોબત, અધિકાર કે ગાદી એ કોઈ વસ્તુ જોઈએ જ નહીં. ।। ૩૮ ।।
વાર્તા ૩૯
જેઠ સુદ ૩ને રોજ રાત્રિએ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ નિશાન પાડવામાં એક વૃત્તિ કરવી પડે છે તેમ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને મોટાનો જોગ કરે તો કારણ પમાય. મોટાનો જોગ તો મહામંત્ર છે. મોટા તો ત્રણે અવસ્થામાં મૂર્તિ આપી દે માટે મોટા મુક્તને વળગ્યા હોય તેને સત્સંગ દિવ્ય જણાય. અવગુણ પણ કોઈનો આવે નહીં. જે મોટા મુક્ત હોય તેમને તો કોઈના દોષ જોવામાં આવતા નથી; સાધનવાળાને જીવના દોષ દેખવામાં આવે છે. જેમ ડુંગર ઉપર રીંછડીયો એટલે ડુવાળા હોય છે તે છેટેથી દેખાય છે પણ ડુંગર ઉપર જઈએ તો દેખાય નહીં. તેમ જેને મૂર્તિનું સમીપપણું નથી તેને બીજાના દોષ દેખવામાં આવે છે. જેને મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે તેને જીવના દોષ દેખાતા નથી. સાધનિકને એ દોષો ટાળવાનો ઉપાય એ છે જે નાના-મોટા સર્વે શ્રી પુરુષોત્તમના ઉપાસક છે, તે સર્વે મહાપ્રભુજીની સભાના છે પણ અણુમાત્ર ન્યૂન નથી, કેમ જે એ બધા મુક્ત થશે. કોઈક તો છતા દેહે ધામમાં ગયા છે; કોઈ દેહને અંતે જશે ને કોઈ બે-ત્રણ જન્મે જશે. છેવટે સર્વે મહારાજ પાસે જશે માટે આજથી તેમને આપણે મુક્ત સમજવા તો અવગુણ ન આવે. મોટાનો અપરાધ થયો હોય અને મોટાની પ્રાર્થના કરીએ તો મોટા છોડી મૂકે અને સભામાં મોટાની પ્રાર્થના કરે તો પ્રાયશ્ચિત્ત થોડું કરવું પડે અને બીજાને પણ સમાસ થાય. સાધન બહુ કરતો હોય અને જો મોટાનો અવગુણ લેતો હોય તો તેના કરતાં કોઈનો અવગુણ ન લેતો હોય અને તે સાધન ઓછાં કરતો હોય તોપણ તે શ્રેષ્ઠ છે. મોટાનો જોગ કરે ને વાત ન સમજાય ને અવગુણ લે ને બીજા આગળ જઈને વાતો કરે જે એમાં તો કાંઈ નથી તો તેને કેવું થાય કે જેમ કોઈ ઝેરનો ગાંસડો બાંધીને ઘેર લઈ જઈને છોડે તેનો ધુમાડો ઊડે તે કેટલાક મરી જાય તેવું થાય, કેમ જે અવગુણ સાંભળનારાનું પણ ભૂંડું થાય. જ્યાં સુધી એકાંતિક માર્ગ ન સમજાય ત્યાં સુધી તુંબડીમાં કાંકરા ખખડાવ્યા જેવું થાય. એ માર્ગ સમજાય ત્યારે બધા શબ્દ મૂર્તિમાં, ધામમાં ને મુક્તમાં લગાડે. મોટાનો જોગ કરવા આવે અને પોતાનું ડહાપણ જણાવે તો મોટાનો રાજીપો થાય નહિ ને વાત પણ કરે નહિ, એટલે એનું તો કામ ન થાય પણ બીજા ભેળા હોય તેનું પણ કામ થવા દે નહીં. ।। ૩૯ ।।
વાર્તા ૪૦
જેઠ સુદ ૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મૂળીમાં સાધુ બાળકૃષ્ણદાસજી બહુ મોટા સાધુ છે અને ત્રણે અવસ્થામાં શ્રીજીની મૂર્તિમાં રહે છે ને સર્વેને દિવ્ય જાણે છે ને સર્વેનો ગુણ લે છે. અવગુણ કોઈનો લેતા નથી અને ધ્યાન-ભજન કરે છે. આ સભામાં મધ્યસ્થ શ્રીજીમહારાજ વિરાજે છે અને ચારેકોરે સર્વે મુક્ત બેઠા છે એવી આ સભા છે. તેને વિષે મનુષ્યભાવ આવે ને તેને મૂકીને બહાર જાય તો તે મહા દુઃખ, ભૂખ અને મારનો ભોક્તા થાય ને જીવનો નાશ થઈ જાય માટે ભલા થઈને સત્સંગ દિવ્ય જાણજો. કદાપિ આ દેશમાં ન બને તો વરતાલમાં જાવું અને વરતાલમાં ન બને તો આ દેશમાં રહેવું. એટલા માટે શ્રીજીમહારાજે બે દેશ કર્યા છે તે જેને જ્યાં સાનુકૂળ પડે ત્યાં તેણે રહેવું ને સુખે ભગવાન ભજવા. બેમાંથી એકેય દેશમાં ન બને તો એક ગામના મંદિરમાં પડ્યા રહેવું અને તે ગામનો જે ધર્માદો આવે તે મૂળ મંદિરમાં પહોંચાડવો. આ વખતે કળીનું બળ વિશેષ છે તેથી દરેકનો ધર્મ ઘણો ઓછો થઈ ગયો છે ને જડ અને ચૈતન્ય માયામાં લેવાઈ ગયા છે તે જાળવજો. ।। ૪૦ ।।
વાર્તા ૪૧
જેઠ સુદ ૪ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ વર પરણવા જાય અને ત્યાં જમે, રમે અને જ્યારે વરને હથેવાળો મેળવવા વખત આવે ત્યારે માંકડાં રમતાં હોય ત્યાં જોવા જાતો રહે, તેમ આ જીવ મહાપ્રભુજીને પામવા સારુ સત્સંગમાં આવ્યા છે તે ધ્યાન કરવા વખતે નવરા રહેતા નથી અને વ્યવહારિક કામમાં વળગી પડે છે; તે ઉપર દૃષ્ટાંત દીધું એવું છે. માટે વસ્તુ કેવી પામવી છે તેનો તપાસ કરવો જોઈએ. આપણને કેવી મોટી પ્રાપ્તિ છે ! માટે મૂર્તિ ધારવી ને બીજા ઠરાવ પડ્યા મૂકવા. શાસ્ત્રમાં તથા વ્યવહારમાં જાણતા હોઈએ તેનું તથા મૂર્તિ દેખતા હોઈએ તે સર્વેનું માન આવવા દેવું નહીં. માન બહુ ઝીણું છે, તે કોઈથી મુકાય એવું નથી; મૂકે તો દેહ રહે નહિ, માનીની સેવા કાળના કોદરા જેવી છે. કદાપિ માન મૂકે તો નિર્માનીપણાનું માન આવે જે હું કેવો નિર્માની છું, તે પણ જીવનું બગાડે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, ત્યાગ, આત્મનિષ્ઠા, બ્રહ્મપણું, સેવા, પૂજા, ધ્યાન, ભજન એ આદિક ગુણનું માન આવે તોપણ એકાંતિક થવા દે નહિ, માટે જેનું નામ પડ્યું તે સર્વે કાઢી નાખવું, એક મૂર્તિ રાખવી. જેને મૂર્તિમાં લીન થાવું હોય તેને મૂર્તિ વિના બીજા સર્વેનો ભાર કાઢી નાખવો. મહિમા, નિર્માનીપણું, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, એ બધું કરતા રહેવું પણ મૂકી દેવું નહીં. તેનો ભાર રાખે જે મારે વિષે આવા ગુણ છે કે હું બ્રહ્મરૂપ છું એમ જાણે તો મૂર્તિથી પાછો વળ્યો. મહાપ્રભુજીની મૂર્તિ પામવી તે બહુ ઝીણી વાત છે માટે બહુ પ્રકારે તપાસ કરવો. મૂર્તિથી ઓરું બધું વિસારવું. મૂર્તિ પામવા માટે ઉપર કહ્યા જે રૂડા ગુણ તે મેળવવા પણ મૂર્તિમાં દૃષ્ટિ પહોંચ્યા પછી એ જે સાધનરૂપી રૂડા ગુણ તે સામું જોવું નહિ; એક મૂર્તિ આકારે જ દૃષ્ટિ રાખવી. જેમ પાણી લાવવા માટે સામાન ભેળો કરે છે અને પાણી થયા પછી સામાન મૂકી દે છે તેમ. માનકુવાના મૂળજી અને કૃષ્ણજીએ ઉપાધિ ન ગણી અને પોતે ભગવાં લૂગડાં પહેરીને મહારાજ પાસે આવ્યા. તેમને મહારાજે અપમાન અને તિરસ્કાર કરીને કાઢી મૂક્યા. કોઈ બોલાવે નહિ ને માગ્યું અન્ન પણ કોઈ આપે નહિ એવો બંદોબસ્ત કર્યો તોપણ એ અપમાનની અને વિમુખપણાની માનીનતા રાખી નહિ અને મહારાજને મૂક્યા નહિ, એવી સમજણ આવે ત્યારે મુક્ત કહેવાય. એવા પાકા હરિભક્તને મંદિરમાં કારભારી રાખ્યા હોય તો સત્સંગમાં બગાડ થવા દે નહીં. એવા ગુણ ન આવ્યા હોય તેનું અપમાન થાય કે પગાર તૂટે કે ધાર્યું ન થાય કે બીજો લોભાદિક સ્વાર્થ હોય તો તેના સારુ દ્રોહ કરે. તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય પણ ઊંધું કામ કરીને સત્સંગને વગોવે ને લજાવે, માટે પાકા ભક્ત રાખ્યા હોય તો કામ સારું કરે. શ્રીજીમહારાજે કહ્યું છે કે, ધર્મકુળ ભોળું છે માટે એક જણને કહેવે કાંઈ કામ કરવા દેવું નહીં. એક જણાને કહેવે જે કામ કરે તેમાં દુઃખ આવે ને શ્રીજીમહારાજનું વચન લોપાય. મોક્ષને માર્ગે ચાલવું હોય તેને મહાપ્રભુજીના વચન સામી સૂરત રાખવી. આપણે સત્સંગ કર્યો છે તે એક મહારાજને પ્રસન્ન કરવા. તે પ્રસન્ન કેમ થાય ? તો, એમની કરેલી આજ્ઞા શિર સાટે પાળીએ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ કરે તે અતિ સુખિયા થાય. ત્યાગીને ધર્મામૃત સામું જોવું. લેશમાત્ર શ્રીજીનાં વચનમાં ફેર પાડવો નહીં. આગળ તો મોટા મોટા સંત હતા તેમને જડ-ચૈતન્ય માયામાં તો ફેર જ નહોતો. સ્વાભાવિક ભૂલ કોઈકમાં હોય તે એકબીજાને વાતો કરીને તે ભૂલ ટાળતા. હવે તો સુગરી વાંદરાને શિખામણ દેવા ગઈ તો વાંદરે સુગરું તોડી નાખ્યું, તેમ કોઈક શિખામણ દેવા જાય તો પાધરા મારવા જ માંડે છે. કેટલાક સાધુઓ છે તે કોઈ ધર્મવાળાની મોટાઈ દેખી શકે એવા નથી એવું બગડી ગયું છે. તે તમ જેવા મોટા મોટા ધર્મવાળા સંતો છો ત્યાં સુધીમાં સુધારો કરો તો સારું. કેટલાક ખેતીવાડી કરવા પણ મંડી પડ્યા છે, તો અમદાવાદ, મૂળી, ગઢડા, વરતાલ, જૂનાગઢ આદિના મોટા મોટા મળીને ધર્મામૃત પ્રમાણે વર્તે એવો બંદોબસ્ત કરો તો સારું. લોકો પોતાની નાતોમાં કેટલાક સુધારા કરે છે તેમ તમે સંતો મળીને સત્સંગમાં કરો તો સારું, નહિ તો વધારે બગડશે. ।। ૪૧ ।।
વાર્તા ૪૨
જેઠ સુદ ૪ને રોજ બપોર પછી શ્રી કાકરવાડીએ બાપાશ્રી તથા સંત-હરિજન સર્વે નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસીપૂજા કરીને પછી બાજરાનો પોંક ને સાકર શ્રી ઠાકોરજીને જમાડીને સર્વે સંતને વહેંચી આપ્યો. પછી સર્વે સંતને પૂછ્યું જે, તમને સર્વેને આ સમાગમથી કેટલો ફેર પડ્યો ? પછી સર્વેએ પોતપોતાને જેટલો સમાસ થયો હતો તેટલો કહી દેખાડ્યો. પછી સર્વેને વર આપ્યો જે, તમારું સર્વે નાના-મોટાનું બધાયનું સરખું કામ કરશું. નાના-મોટા જોવા નથી. સર્વેને સરખું સુખ આપીશું. તમો સર્વે તમારો છેલ્લો જન્મ જાણજો, એમ સર્વેને આશીર્વાદ આપીને પરસ્પર દંડવત કરીને મળ્યા. ત્યાંથી ચાલ્યા તે મંદિરમાં ગયા ને કહ્યું જે, તમો બાજરો ઊગ્યો ત્યારે આવ્યા હતા અને કહ્યું હતું જે, આ બાજરાનો પોંક અમને જમાડીને અહીંથી બીજે જવાની આજ્ઞા કરજો. તે પોંક થયો તે તમને જમાડ્યો, માટે આજ નારાયણપુર જાઓ; અમો સવારમાં ત્યાં આવીશું. સર્વે સંત-હરિજન નારાયણપુર ગયા અને બીજે દિવસે એટલે સુદ ૫મે પોતે નારાયણપુર પધાર્યા. સાંજના નારાયણપુરના મંદિરની વાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને પ્રેમજીભાઈની બાજરીમાં માનસીપૂજા કરી મંદિરમાં આવ્યા. બીજે દિવસે એટલે સુદ ૬ને રોજ સાંજના મંદિરની વાડીએ નાહવા ગયા, ત્યાં નાહ્યા અને માનસીપૂજા કરી. પછી પ્રેમજીભાઈ બાજરાનો પોંક લાવ્યા તે સર્વેને આપ્યો અને ત્યાંથી મંદિરમાં આવીને સર્વે સંતોને કહ્યું જે, તમો સવારે પાછલી રાત્રે ચાલશો તો સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી માધાપરમાં છે, તે સવારમાં વહેલા ભૂજ જતા રહેશે તો તમારે દર્શન થાશે નહીં. તમો આગલી રાતના દસ વાગે ચાલો તો તમારા ભેળા થાશે. પછી સંત સર્વે રાત્રિએ મળીને નીકળ્યા, તે વખતે વાત કરી જે, આ ફેરે તમને અમોએ બહુ સુખ આપ્યું છે. પછી સંત-હરિજન ચાલ્યા તે સવારે માધાપર વહેલા પહોંચ્યા. સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી ત્યાંથી ભૂજ જવા તૈયાર થયા હતા તે રહ્યા અને ત્યાં રસોઈ કરાવી. શ્રી ઠાકોરજીને જમાડીને સર્વે નીકળ્યા અને સ્વામી ભૂજ પધાર્યા અને સંત-હરિજન સર્વે સિનોગરે થઈને પછી ગુજરાત તરફ આવ્યા. ।। ૪૨ ।।
વાર્તા ૪૩
સંવત ૧૯૬૩ના ફાગણ વદિ ૯ને રોજ સરસપુરના પ્રાણશંકરભાઈએ ‘સત્સંગિભૂષણ’ની પારાયણ અમદાવાદમાં કરાવી, ત્યાં બાપાશ્રી પધાર્યા હતા. તે કથાની સમાપ્તિ ચૈત્ર સુદ ૬ની હતી. ચૈત્ર સુદ ૯ને રોજ સમલાવાળા નાગભા તથા બળોલના શેઠ ઠાકરશીભાઈને તથા બીજા ઘણાક હરિજનોને બાપાશ્રીએ કહ્યું જે, મહારાજ ને મુક્ત આજ સ્વાંત વરસાવે છે તે જોગમાં તમો આવી ગયા તે તમારાં બહુ મોટાં ભાગ્ય થયાં એમ જાણજો. એમ કહીને ત્યાંથી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી સદ્. સ્વામી હરિનારાયણદાસજીને આંખેથી મોતિયા કઢાવ્યાથી ગરમી બહુ હતી તેમને જોવા ઘનશ્યામ મહારાજના અક્ષરભુવન સામા ઓરડામાં પધાર્યા. ત્યાં સ્વામીને કહ્યું જે, પીડા કેવી છે ? ત્યારે સ્વામી બોલ્યા જે, બીજા પૂછે છે તેમને તો સારું છે એમ કહું છું, પણ પીડા તો કહી જાય એવી નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ સારું કરશે, એમ કહીને સ્વામીને શરીરે હાથ ફેરવ્યો એટલે પીડા મટી ગઈ. પછી ઓરડામાંથી નીકળીને સભામાં પધાર્યા.
પછી સ્વામી ભગવત્સ્વરૂપદાસજીએ સ્વામીને પૂછ્યું જે, સ્વામી ! આ અબજીબાપાશ્રીની વાંસે માણસ બહુ તણાય છે ને મોટા મોટા સદ્ગુરુઓથી પણ એમનો ભાર વધારે જણાય છે તે કેવા મોટા હશે ? ત્યારે સ્વામી બોલ્યા જે, આજ સત્સંગમાં શ્રીજીમહારાજ બાપાશ્રી દ્વારે સર્વ કાર્ય કરે છે. એ તો અતિ મોટા છે પણ એ વાત કોઈને ખમાય નહિ માટે કરવી નહીં.
એ પારાયણમાં પાટડીવાળા નાગજીભાઈ એમના ભાઈ ત્રિભોવનભાઈને અમદાવાદમાં દર્શન કરાવવા અને વૈદું કરાવવા લાવ્યા હતા. તેમને બાપાશ્રીએ કહ્યું જે, એમને પાટડી પહોંચાડો, ધામમાં તેડી જવા છે. પછી પાટડી લઈ ગયા ત્યાં એમણે ત્રીજે દિવસે દેહ મૂક્યો. પછી બાપાશ્રી જેતલપુર, ધોળકે થઈ પાછા અમદાવાદ આવીને કચ્છ તરફ પધાર્યા. તેમના ભેળા સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા પ્રાણશંકરભાઈ આદિ હરિજનો કચ્છમાં ગયા અને ભૂજ થઈને વૈશાખ સુદ ૧ને રોજ શ્રી વૃષપુર ગયા. ।। ૪૩ ।।
વાર્તા ૪૪
વૈશાખ સુદ ૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજને અને મોટાને જુદાપણું નથી. આપણે જેટલો સન્મુખપણામાં ફેર છે તેટલું છેટું છે. મોટા જે જે ક્રિયા કરે છે તે મૂર્તિના સુખમાં રહ્યા થકા કરે છે. જો તેમની સાથે મન, કર્મ, વચને બંધાય તો તેમના જેવી સ્થિતિ થાય. મોટા અનાદિમુક્તને સંભારવા તો મૂર્તિમાંથી બહાર નીકળાય નહીં. મોટાના વચનમાં બરાબર વિશ્વાસ આવતો નથી ને તર્ક થઈ જાય છે પણ મોટા તો મહારાજ વિના રહેતા જ નથી. મોટાને સન્મુખ જે થયા છે તે તો અક્ષરધામને, મુક્તને અને પુરુષોત્તમને, એ સર્વેને સન્મુખ થયા છે. મોટાના સુખની અને મોટાના મહિમાની જીવને ખબર નથી તેથી અફસોસ મટતો નથી પણ મહારાજ અને મુક્ત તો સદાય આપણી સાથે જ છે. એ તો બાધિતાનુવૃત્તિ છે માટે જણાતું નથી. મહાપ્રભુજીના અનાદિ મળ્યા એટલે આપણાં દારિદ્ર કપાઈ ગયાં. મહારાજને તથા મોટાને તથા એમની સભાને અંતરમાં ધારીએ અને તે આત્માને વિષે દેખાય ત્યારે અહો ! અહો ! થઈ જાય. મોટાપુરુષની વાત બીજી છે. આવો વખત મળ્યો છે તોપણ તે સુખ લેવાતું નથી અને પંચવિષયમાં તણાઈ જવાય છે, તેનું કારણ એ છે જે મહિમામાં કસર છે. જો મહારાજની મૂર્તિનો મહિમા જણાય ને તે મૂર્તિના સુખનો મહિમા જણાય તો આ લોકનાં સુખ કચરા જેવાં થઈ જાય. મહારાજનો અને મોટાનો અભિપ્રાય એવો છે જે, કોઈ નિવૃત્તિ માર્ગ પકડીને પુરુષોત્તમના સ્વરૂપમાં પહોંચે તો ઠીક. મોટાને આશરે થયા પછી મારું કલ્યાણ થાશે કે નહિ થાય એવો અણવિશ્વાસ રાખવો નહીં. મોટાની દૃષ્ટિ પડે તથા તેમનો વાયરો અડે તેણે કરીને પણ કલ્યાણ થાય. મોટાને વિષે નિર્દોષબુદ્ધિ થાય તો પોતે ખરેખરો નિર્દોષ થઈ જાય. મોટા તો અનાદિમુક્ત છે, તેમની સાથે જીવ જોડે તેમને પોતા જેવા કરે; જેમ ઇયળની ભમરી કરે છે તેમ. માટે આવા સત્પુરુષ મળ્યા તેવા સમયમાં કામ કરી શક્યા નહિ તો મોટાનો મહિમા સમજાણો નથી. મહારાજનો અને મોટાનો મહિમા બરાબર સમજાય તો પંચવિષય પ્રયાસ વિના જીતી જવાય; માટે મોટાનો સમાગમ તથા સેવા કરીને લાભ લઈ લેવો. અહીં આવ્યા હતા કે નહોતા આવ્યા. છેવટે આ દેહમાંથી જુદું તો પડવું છે; ત્યારે અત્યારથી જ જુદા થાવું. ।। ૪૪ ।।
વાર્તા ૪૫
વૈશાખ સુદ ૨ને રોજ સાંજે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, અક્ષરધામમાં જાવું છે તે શી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સકામવાળાને મતે જાવાનું છે ને તેને ઘણું છેટું છે કેમ જે તેની બહારદૃષ્ટિ છે. નિષ્કામવાળાને મતે તો જાવાનું ને આવવાનું નથી. જાવું-આવવું કહે છે એ તો આ લોકના શબ્દ છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, ધામમાં જતાં માર્ગમાં સિદ્ધિઓ આવે છે તે શી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારથી વર્તમાન ધારીને ભજન કરવા માંડ્યું ત્યારથી માર્ગે ચાલ્યો. તેને અહીં માન, મોટપ, યશ, કીર્તિ, ઐશ્વર્ય, પ્રસિદ્ધિ એ સિદ્ધિઓ આવે છે. તેની મહત્તા ને તેનો ભાર ન રાખે તો તેને સિદ્ધિઓ આડી આવતી નથી અને સકામ ભક્તને તો સિદ્ધિઓ મૂર્તિમાન આડી આવે છે.
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, પ્રત્યક્ષ ભગવાન મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર વિચરતા હોય તેમને સાક્ષાત્ સર્વોપરી છે એમ જાણ્યા છતાં તેને આત્માને વિષે મૂર્તિ ન દેખાય તો તેને અનુભવજ્ઞાન કહેવાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એવી દૃઢ સમજણ હોય તેને કદાપિ મૂર્તિ આત્માને વિષે ન દેખાય તોપણ અનુભવજ્ઞાન છે. ।। ૪૫ ।।
વાર્તા ૪૬
વૈશાખ સુદ ૩ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ લાડો પરણાવવા જાય તે લાડાને પડ્યો મૂકીને જાય તો કોઈ ખાવા આપે નહિ; તેમ વ્રત, જપ, તપ, દાન, પૂજા આદિક ઘણા ગુણ શીખે, તોપણ લાડો જે શ્રીજીમહારાજની મૂર્તિ તે ન આવી તો કાંઈ સુખ ન મળે; માટે આ લોકમાંથી લૂખા થાવું. આજ અક્ષરધામમાંથી જાન આવી છે, તેમાં પતિ મહારાજ છે ને જાનૈયા મુક્ત છે, તેની ખુમારી રાખવી. મહિમા જાણ્યો હોય તો ખુમારી ઘણી રહે, કેમ જે અક્ષરધામના ધામી શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાન તેમનો ચાંલ્લો આવ્યો તે વાત તે કેવડી મોટી ! આ લોકમાં રાજા શૂદ્ર ભિખારણ ને રાણી કરે તો તેને કેટલો કેફ રહે છે ! તો આપણને તો અવિનાશી વર મળ્યા માટે તે રાખવા અને બીજું બધું ખોટું કરવું. દેહનું ખોટું કરીએ તો બીજું બધું ખોટું થઈ જાય અને જો ખોટું ન કરે તો વાંધો ઘણો રહી જાય. પરીક્ષિતનો સાત દિવસમાં શુકજીએ મોક્ષ કર્યો તો આજ તો આત્યંતિક મોક્ષ કરનારા મળ્યા છે. લાખ વર્ષ સુધી શાસ્ત્ર વાંચે ને સાંભળે પણ તેમાં કાંઈ કામ ન થાય. જો વક્તા સર્વોપરી મળે તો ક્ષણ વારમાં કામ કરે. જે મોક્ષ કરે તે શુકજી જાણવા. આવો મહિમા મોટાનો સમજાય તો મોટા જે સ્થાનમાં ને જે સ્થિતિમાં ને જે સુખમાં રહ્યા છે તે સ્થાનમાં ને તે સ્થિતિમાં ને તે સુખમાં રાખે છે. જો સાધનિકને તે સુખ જોઈતું હોય તો માન ટાળવું, પણ પૂજાવાની કે ગાદી-તકિયાની કે મોટેરા થવાની ઇચ્છા ન રાખવી. વગર ઇચ્છે મળે તોપણ રાજી ન થાવું. આસક્તિવાળાને વાટ જોવી પડે જે, મને આ વસ્તુ મળશે કે મને બોલાવીને પૂછશે, એમાં મૂર્તિ ભૂલી જવાય. મળવું ન મળવું તે તો શ્રીજીમહારાજના હાથમાં છે. આપણા સંકલ્પે કાંઈ કામ થાતું નથી. શ્રીજીમહારાજ આપણને હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે તેમાં સરખા સુખી રહેવું. આપવું-લેવું તે તો મહાપ્રભુજીના હાથમાં છે. મહાપ્રભુજીની મૂર્તિ ભૂલવી નહિ, મૂર્તિ ભૂલીને બીજું ઇચ્છે તે મોટી મૂર્ખાઈ છે. ।। ૪૬ ।।
વાર્તા ૪૭
વૈશાખ સુદ ૩ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, બીજું બધું થાય પણ સાધુ થાવું એ ઘણું કઠણ છે. એ તો ધર્મામૃત પ્રમાણે વર્તીને કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિક દોષ ટાળીને આત્માને વિષે મૂર્તિ સિદ્ધ કરે ત્યારે સાધુ કહેવાય પણ ભગવે લૂગડે સાધુ ન કહેવાય. જીવ પંચવિષયનાં ને આ લોકનાં સુખ સારુ લઢી મરે છે પણ ભગવાન સારુ કોઈ લઢતું નથી. ચાર દિવસ રહેવાનું તેને અર્થે કજિયા કરે એવા અવળા સ્વભાવ છે. પૃથ્વીના, ધનના, લેવા-દેવાના, ખાધાના એવા કેટલાયે પ્રકારના ટંટા છે. આ લોકમાં તુચ્છ સુખ સારુ લઢી મરે છે ને પાછું ફેર ભોગવવા તો આવવું નથી, માટે જેને મહાપ્રભુજી પામવા હોય તેણે આ લોકમાં છોકરાં શું કરશે માટે કાંઈક ધન, વાડી મેળવી આપું એમ કદી ઇચ્છવું નહીં. જીવથી તો કાંઈ બની શકે તેમ નથી. મેળવી આપું એમ જે જાણે અને તે સત્સંગી હોય તોપણ તે અજ્ઞાની છે. કોઈકને મહારાજ તેડી જાય તેના કેડે શોક કરે જે હમણાં શ્રીજીમહારાજે રાખ્યો હોત તો સારું ! તે કેવું છે તો ચક્રવર્તી રાજ્ય મળે તોપણ સરપટાના ભારા ઉપાડવા મેલે નહિ તેવું છે, પણ એમ ન જાણે જે અક્ષરધામમાં શ્રીજીમહારાજનું સુખ તો મહા અલૌકિક છે અને માયિક સુખ તો કુશકા કૂટ્યા જેવું છે. જીવે દુઃખને વિષે સુખ માની લીધું છે તેથી શોક કરે છે. માટે એ અજ્ઞાન ટાળવું. શોક તો જ્યારે મહારાજની આજ્ઞા લોપીને કોઈકનો દેહ પડ્યો હોય ત્યારે કરવો જે, એણે મહારાજની આજ્ઞા લોપી છે તેથી મહારાજ એ બિચારા ઉપર કુરાજી થયા હશે તો એની શી ગતિ થશે ? એવો શોક કરવો. આ જીવને મહારાજના અલૌકિક સુખમાં વૃત્તિ ચોંટતી નથી ને માયિક દુઃખમાં વળગી રહે છે. તેણે આત્માનું નુકસાન કર્યું માટે આત્મઘાતી થયો. તે પંચમહાપાપીથી પણ ઘણો પાપી છે. શા માટે જે, ચોરાશીમાં આથડવું પડે. મહાપ્રભુજી વિના બીજે હેત રહે તે મોટું પાપ છે, જેમ ભરતજીને મૃગનો દેહ લેવો પડ્યો તેમ. રબારીનો છોકરો મરે ત્યારે રુએ તે એમ બોલે જે, કાગડો થઈને દૂધ પીવા આવજે અને વાઘ થઈને બકરું ઉપાડવા આવજે, એ અજ્ઞાન છે. તેમ જ સાધુને શિષ્ય મરે ત્યારે શોક કરે જે એવો નહિ મળે ને પદાર્થ, પુસ્તક, આસન, તુંબડી એ આદિક પદાર્થ સારુ કજિયા કરે તે પણ રબારી જેવો જ અજ્ઞાની છે.
આપણે અહીં એક વાર મૂળીના પુરાણી સાધુ ત્યાગવલ્લભદાસજી હાલ જે વઢવાણ ગયા તે આવ્યા હતા ને અહીં બેઠા હતા. આ ઈશ્વર બાવો જોડે બેઠા હતા. એવામાં દેવરાજભાઈ રામપરાવાળા આવ્યા, તેમને બહુ આનંદભર્યા જોઈને અમે કહ્યું જે, તમે આનંદમાં છો તેનું કારણ આ ત્યાગવલ્લભદાસજીને કહો. ત્યારે તે બોલ્યા જે, “શ્રીજીમહારાજે ને તમે મારા ઉપર બહુ દયા કરીને મારે માથેથી અર્ધી વેઠ ઉતારી જે, બે દીકરા ને એક મારાં માતુશ્રી તેમને મહારાજ અને તમે ધામમાં લઈ ગયાં. હવે એક ઘરનું મનુષ્ય ને બે દીકરા છે એટલી વેઠ રહી છે. તેનું જેમ મહારાજની અને તમારી મરજી હોય તેમ કરો, પણ અત્યારે તો અર્ધો ભાર ઊતર્યો તેનો આનંદ છે. ભૂજ જઈને ત્રણ રસોઈઓ દઈને આપનાં દર્શને આવ્યો.” ત્યારે અમે કહ્યું જે, કેમ ત્યાગવલ્લભદાસજી ! તમારા ચેલા ધામમાં જાય તો કેમ થાય ? ત્યારે ત્યાગવલ્લભદાસજી કહે જે, આવું તો મારાથી ન રહેવાય. પછી અમે બોલ્યા જે, આ દેવરાજભાઈ આખો દિવસ વાડીનું કામ કરે છે અને રાત્રિએ રાત્રિએ અમારી પાસે આવીને સમાગમ કરી જાય છે ને નિયમ એકે ચૂકતા નથી એવા બળિયા છે અને મહારાજની મૂર્તિને સુખે સુખિયા છે. જો મૂર્તિ રાખે તો સુખી થવાય. આ લોક થોડાક દિવસમાં સમેટીને પૂરું કરી જાવું. લોક તો કદાપિ સમેટાય પણ દેહ સમેટાતો નથી. વખાણ છે તે તાવમાં સાકર પાયા જેવું છે. આ જીવમાં લાખ, કરોડ દોષ હોય ને સાજા દોષનું જ ઝાડ હોય ને એક પણ ગુણ ન હોય તોપણ પોતાને સવાશેર માને એવો અવળો છે. સત્સંગમાં નભ્યો જાય છે તેનું કારણ એ છે જે એને કોઈએ ટોક્યો નથી માટે નભે છે; જો ટોકે તો જતો રહે માટે એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને જેમ ભગવાન ને સંત કહે તેમ કરવું તો દોષમાત્ર ટળી જાય ને મહાસુખિયો થઈ જાય. ।। ૪૭ ।।
વાર્તા ૪૮
વૈશાખ સુદ ૪ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજને વિષે ને તેમના મુક્તને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ થાય તો સમાધિ કરતાં પણ ઘણી શાંતિ થાય.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આવા મોટાનો જોગ ન હોય ત્યારે કેમ કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ લોકમાંથી મોટા ચાલી નીકળે એટલે અદૃશ્ય થાય તો એમ વિચારવું જે, આવા પુરુષ ઠરવાનું ઠામ હતા તે ચાલી નીકળ્યા તે મહારાજની મરજી એમ હશે. મોટા તો દેહ ધરતા નથી અને મૂકતા પણ નથી, ક્યાંય જતા-આવતા નથી. એ તો સત્સંગમાં છે, છે ને છે જ. કેમ કે એ તો સર્વત્ર રહેલા છે. ક્યાંયે ન હોય તેમ નથી એમ સંતોષ વાળવો. અને એમની કરેલી વાતો સંભારીને વાંચીએ ત્યારે મોટા પ્રત્યક્ષ બોલે છે એમ જાણવું. હૃદયમાં મહાપ્રભુજીના ભેળા ધારવા અને આનંદમાં રહેવું. મોટા તો જીવના સંબંધી છે તે જીવમાં મોટાનો સાક્ષાત્કાર કરવો. જેમ પૃથ્વી ખોદે છે તો પાણી નીકળે છે તેમ અંતર્વૃત્તિ કરીને સાક્ષાત્કાર કરવો તો અંતર્વૃત્તિએ ભેળા જ છે તે સુખિયા કરે.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, જેમ દેહે કરીને ઉપરથી (બહારથી) પુછાય છે તેમ અંતર્વૃત્તિએ શી રીતે પુછાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ અને મુક્ત સદાય આત્માને વિષે છે. તેમને સંભારીને અંતર્વૃત્તિ કરે તો શાંતિ થાય ને માયા દબાઈ જાય અને મહારાજ ને મોટા અંતરમાં પ્રેરણા કરીને ઉત્તર સંભારી આપે ને સર્વે ખુલાસા થઈ જાય; એવો અંતર્વૃત્તિનો મહિમા છે. જેમ આ લોકમાં પદાર્થના, વિષયના, ખાધા-પીધાના એવા ઘણાક પ્રકારના ઘાટ થતા હોય ને તે વિના દુઃખિયો રહેતો હોય પણ જો મહારાજનો મહિમા વિચારીને આત્માને વિષે મહાપ્રભુજીને ધારે તો સર્વે થકી વૈરાગ્ય પામીને મહાસુખિયો થઈ જાય તેમ. વળી, જેમ બાજરો વાવીને-પકવીને પેદા કરવો હોય તેને કોઈક હજારો પારસમણિઓ આપે તો તે બીજા ઉદ્યમ કરવા પડ્યા મૂકે, તેમ ઘણાક પ્રકારની વાસના હોય ને મૂર્તિ મળે તો સર્વે બળી જાય છે. આ મોંઘી વસ્તુના ઘરાક થવું; બીજું બધું મળે પણ આ વસ્તુ જે શ્રીજીમહારાજ તથા મુક્ત તે ન મળે. બહારથી મુક્તનો જોગ હોય ત્યારે મનુષ્યપણાના ભાવ કાંઈક રહે ખરા, તે કિયા ? તો, હસે, રમે, બોલાવે એમ દેહભાવ જણાવે. જેમ મોટું માણસ છોકરું રમાડે તે છોકરાના જેવું બોલે તેમ આ મનુષ્યભાવ જણાવીએ છીએ. જો પરભાવ રાખીને પરભાવની બોલી કરીએ તો તમને સમજાય નહીં. વાતમાં પણ આ લોકનું દૃષ્ટાંત લાવીએ ત્યારે સમજાય પણ પરભાવની બોલી કરીએ તો જીવ સમજી શકે નહીં. એટલા માટે દૃષ્ટાંત આપીએ છીએ જે, રસમાં રસ ઘી ને ગળ્યામાં ગળી સાકર, તેજમાં તેજ અગ્નિ ને ધોળામાં ધોળું દૂધ, એવાં દૃષ્ટાંત દીધાં તે મહારાજને કે મુક્તને લાગુ ન પડે, તોપણ સમજાવવા સારુ દેવાં પડે છે. પરભાવની વાતો સમજાય નહિ ને તુંબડીમાં કોડીઓ નાખીને ખખડાવ્યા જેવું થાય, માટે મનુષ્યની પેઠે વર્તીએ છીએ ને મનુષ્યના જેવું બોલીએ છીએ તે જીવને હેત થાવા માટે છે. પ્રકૃતિપુરુષના કાર્યમાં મહારાજને કે મુક્તને ઉપમા દેવાય એવું કાંઈ છે જ નહીં. આજ સ્વાંત વરસે છે. આ મહિમા સમજાય તો બહુ કામ કરે. અંતરમાં મહારાજને તથા મુક્તને સંભારીએ તો સર્વે ખુલાસા થઈ જાય. બહારવૃત્તિએ પ્રશ્ન-ઉત્તરમાં બધાં શાસ્ત્ર ભેળાં કરીએ તોપણ તેનો યથાર્થ ઉત્તર ન મળે. મહારાજને તથા મુક્તને અંતરમાં ધારીએ એટલે સર્વે ખુલાસા તરત થઈ જાય. જેમ બ્રહ્માંડમાં મહત્ કારખાનું છે ને પિંડમાં અલ્પ છે, પણ પિંડમાં સર્વે આવી ગયું; તેમ ઉપરથી જાણવા જાય તો પાર ન આવે ને અંતરમાં મહારાજને ને મુક્તને ધારે તો મહારાજ ને મુક્ત સદા આત્માને વિષે વિરાજમાન છે તે સર્વે દોષ થકી ને વાસના થકી મુક્ત કરી મૂકે. શ્રીજીમહારાજે છેલ્લા પ્રકરણના ૧૨મા વચનામૃતમાં કહ્યું છે જે, આ વાત કરામત જેવી છે એટલે અલૌકિક છે. માયાનું કે મૂળપુરુષનું એટલે ઈશ્વરનું કે બ્રહ્મનું કે અક્ષરનું કોઈ દૃષ્ટાંત કે ઉપમા દેવાય એવી નથી. વાર્તાની સમાપ્તિ કરીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય એમ અતિશય કરુણાએ કરીને બોલ્યા. ।। ૪૮ ।।
વાર્તા ૪૯
વૈશાખ સુદ ૫ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૧૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં સેવકરામની વાત આવી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજને વનમાં સેવકરામ મળ્યો હતો, તેની સેવા મહારાજે કરી હતી તે તો વાત સાચી છે, પણ તેનો અધ્યાત્મ ઉત્તર હોય તો કૃપા કરીને સમજાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સેવકરામ નામે સાધુ તે મોક્ષાર્થી જીવ જાણવો. શ્રીજીમહારાજની ને જીવની વચ્ચે જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ, વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષર એ સર્વે આવરણ છે તે વેંકટાદ્રિ જાણવો. સેતુબંધ એટલે ધર્મમર્યાદારૂપી પાળ જાણવી. રામેશ્વર એટલે ભગવાન જાણવા. માર્ગ એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જાણવું. વૈરાગ્યહીન તે મંદવાડ જાણવો. ચાકરી કરનાર એટલે જ્ઞાન આપનાર સત્પુરુષ જાણવા. ત્યાગીને દેહે કરીને અને ગૃહસ્થને દ્રવ્યે કરીને સેવા કરવાની સામર્થી તે સોનામહોરો જાણવી. સત્પુરુષને ખોળવા તે રોવું જાણવું. ગામ એટલે કુસંગ જાણવો અને ફૂલવાડી તે સત્સંગ જાણવો. વૃક્ષ એટલે દેહ જાણવો. ભૂત એટલે અંતરશત્રુ જાણવા. સત્સંગમાં સન્માન મળે તે પથારી જાણવી. આયુષ્યનો ક્ષય થતો જાય તે લોહીખંડ પેટબેસણું જાણવું. આત્માનું તથા શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન આપવું તે ચાકરી જાણવી. જ્ઞાન આપનાર સત્પુરુષની સેવા ન કરવી તે ખાવા ન આપ્યું કહેવાય. શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન આપનાર સત્પુરુષને બીજા કોઈ પાસે સેવા કરાવવી પડે તે વસ્તીમાં જમી આવ્યા કહેવાય. કોઈક વખતે સેવા કરનાર ન મળે તે ઉપવાસ જાણવો. વૈરાગ્યવાન કરવો તે સાજો કર્યો કહેવાય. ત્રણ દેહ, ત્રણ અવસ્થાઓ, ત્રણ ગુણ, ચાર અંતઃકરણ, પંચભૂત, પંચવિષય, દસ ઇન્દ્રિયો, દસ પ્રાણ, ચૌદ દેવતા એ સર્વેથી જુદો આત્મા રૂપે વર્તી શકે તથા પંચવર્તમાનરૂપી ધર્મમર્યાદા પાળી શકે એવો સમર્થ કરવો તે ઘી પચાવી શકે એવો જાણવો. એવી સામર્થી આપ્યા છતાં પણ એ પ્રમાણે વર્તશે કે નહિ એવી સત્પુરુષને ચિંતા રાખવી પડે તે ભાર ઉપડાવ્યો કહેવાય. જો ક્યારેક દેહાદિક ભેળો ભળીને હાણ-વૃદ્ધિ, માન-અપમાન, સુખ-દુઃખ, હર્ષ-શોક પામે અથવા પંચવર્તમાનરૂપી ધર્મમર્યાદામાં ફેર પાડે તો તેનું કલ્યાણ સત્પુરુષ ન કરે તે ત્યાગ કર્યો કહેવાય. ।। ૪૯ ।।
વાર્તા ૫૦
વૈશાખ સુદ ૬ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મુક્ત અનાદિ છે પણ ભજીને થયેલા નથી. જો ભજીને થયેલા કહીએ તો કોઈક વખતે શ્રીજીમહારાજ એકલા હોવા જોઈએ, પણ એમ નથી. જેમ મહારાજ અનાદિ છે તેમ મુક્ત પણ અનાદિ છે. મહારાજનો મહિમા તો અતિશય અપાર છે અને અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહીને સદા સુખ લે છે. મહારાજની ઇચ્છાથી અહીં મનુષ્ય રૂપે દેખાય છે તે મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે. અહીં આવતા-જતા નથી ને દેહ જણાવે છે તે દેહની ક્રિયા મહારાજ કરાવે છે ને જીવને ઉપદેશ પણ મુક્ત દ્વારે મહારાજ કરે છે. જે મુક્ત દ્વારે જીવને ઉપદેશ કરે છે તે મુક્તના જેવો જીવને કરે છે અને તે મુક્તની જોડે એ જીવને રાખીને તે મુક્તના જેવું સુખ આપે છે. જે મુક્ત દ્વારે જે જીવ મુક્ત થયો હોય તે મુક્ત તેને પ્રધાન રહે છે. જેમ આકાશમાં લૂ વાતી હોય તેમાં ચિત્ર-વિચિત્ર રવરવાટ થાય છે તેમ મહારાજની મૂર્તિમાંથી તરેહ તરેહનાં અનંત સુખ આવે છે. જેમ મહારાજની વાતો એકની એક નિત્ય કરીએ તો આનંદ ન આવે અને જો નિત્ય નવી નવી વાતો થાય તો આનંદ વધતો જાય તેમ મહારાજનું સુખ નવું નવું છે ને અનંત પ્રકારનું છે. તે સુખને મૂકીને જીવ છે તે કાર્યમાં સુખ માને છે ને મૂર્તિને પડી મૂકે છે. જેમ શ્રીજીમહારાજના બાળકેશ ઉતરાવ્યા ત્યારે ધર્મપિતા અને ભક્તિમાતા બ્રાહ્મણોને જમાડવાની સરભરામાં રહ્યાં ને મહારાજને ભૂલી ગયાં તો કાળીદત્તે આવીને વિઘ્ન કર્યું, તેમ મહારાજને જીવ ભૂલી જાય છે એટલે કામ, ક્રોધાદિક શત્રુ છે તે જીવને વિઘ્ન કરે છે.
પછી સ્વામી વૃંદાવનદાસજી બોલ્યા જે, ધ્યાન બરાબર થાતું નથી ને મૂર્તિ ધરાતી નથી માટે કૃપા કરો તો ધરાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઊંડા ઊતરો તો ધરાય. પછી તે જ વખતે ધ્યાન કરવા મંડ્યા ને ઊંડા ઊતરી જવાણું ને તેજ દેખાણું પણ મૂર્તિ દેખાણી નહીં. પછી બહાર આવીને બાપાશ્રીને વિનંતી કરી જે મૂર્તિ દેખાતી નથી. ત્યારે બાપાશ્રી કહે જે, ધ્યાન કરો, દેખાશે. પછી ધ્યાન કર્યું તો મૂર્તિ દેખીને બહુ આનંદ પામ્યા. ।। ૫૦ ।।
વાર્તા ૫૧
વૈશાખ સુદ ૭ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મોટાનાં કરેલાં શાસ્ત્રમાં અથવા મોટાની કરેલી વાતોમાં તર્ક થાય તો પાપ લાગે. એક તો મહારાજના સ્વરૂપમાં રહેતા હોય તેણે કરીને મોટા હોય અને એક તો શાસ્ત્ર ભણવે કરીને મોટા હોય. શાસ્ત્ર ભણેલાના શબ્દ શાસ્ત્ર પ્રમાણે બરાબર હોય ને લોકને મળતા હોય અને મુક્તના શબ્દ લોકમાં કે શાસ્ત્રમાં મળતા ન આવે પણ એ શબ્દ મુદ્દાના હોય માટે શાસ્ત્રની સાખ ન લેવી; કેમ કે શ્રીજીમહારાજ એમાં રહીને પોતે બોલે છે, માટે એ શબ્દ અમૂલ્ય છે. મોટાના શબ્દમાં શંકા કરીને એ શબ્દને ફેરવે તો મોટો બાધ આવે અને મોટાના શબ્દનો મહિમા જાણે તો બહુ કામ થાય. જેને મોટાના વચનનો વિશ્વાસ નહિ તેને કાંઈ લાભ થાય નહીં. મોટાના સમાગમે કરીને સાંખ્ય અને યોગ એ બે સિદ્ધ થાય છે. સાંખ્ય એટલે દેહને ખોટો કરાવે છે અને યોગ એટલે મૂર્તિ સિદ્ધ કરાવે છે. તે મોટા કરાવે તો તુરત થાય. પરોક્ષ શાસ્ત્ર ખડને ઠેકાણે છે ને પ્રત્યક્ષનાં શાસ્ત્ર કણને ઠેકાણે છે. વચનામૃત ભોજનને ઠેકાણે છે કેમ જે શ્રીજીમહારાજના મુખમાંથી નીકળ્યાં છે, માટે તે નિત્ય વાંચવાં, કેમ કે આત્યંતિક કલ્યાણ કરવા એ એક જ શાસ્ત્ર સમર્થ છે. એ સીધે મારગે જવા જેવું છે અને બીજાં શાસ્ત્ર તો ઉભાંગડ ચાલવા જેવાં છે તે ક્યાંયે લઈ જઈને ફગાવે. જેમ મણ પાણીમાં પાશેર દૂધ હોય તેને હંસ જુદું પાડી આપે, તેમ શાસ્ત્રમાંથી સાર કાઢતાં મોટા મુક્તને આવડે. વિદ્યાની શુદ્ધિ પણ મોટાનો જોગ હોય તો થાય. શાસ્ત્રમાં બ્રહ્મ તથા સંત તથા અવતાર એવા શબ્દ આવે ત્યારે બ્રહ્મ તે ધામ સમજવું અને સંત તે મુક્ત સમજવા અને અવતાર તે મહારાજ સમજવા. એમ એવા શબ્દ મૂર્તિમાં, ધામમાં ને મુક્તમાં વળગાડવા પણ ઓરા રાખવા નહીં. તેમાં જે સંશય કરે તેને સત્સંગની સમજણ નથી. શાસ્ત્રીય દૃષ્ટિ તે બહારદૃષ્ટિ છે માટે તેનું વર્ણન કોઈ કરનાર હોય તો આપણે ન કરવું. કેમ જે એ મૂર્તિ ભુલાવનાર છે, શાથી જે એમાં મૂર્તિનું બીજ નથી. કોઈ કરનાર ન હોય અને આપણે જ માથે આવી પડે તો અવશ્યનું કરવું; અને સત્સંગનો વ્યવહાર પણ મૂર્તિ ભુલાવનાર છે. મહારાજની મૂર્તિ વિના બીજું વર્ણન છે તે તો નાવ વિના સમુદ્રમાં પડ્યા જેવું છે. એ તો મરી જવાય, એટલે કરનારનો કે સાંભળનારનો મોક્ષ ન થાય, માટે પ્રગટ શ્રીહરિજીના ઉપાસકને તો પ્રગટના પ્રસંગની વાતો કરવી. જ્યારે મહારાજની વાતો કે કથા થાતી હોય ત્યારે મહારાજ અને મુક્ત આવીને વિરાજમાન થાય છે ને બહુ રાજી થાય છે અને મહારાજ વિના બીજો પ્રસંગ આવે તો બહુ કુરાજી થાય છે જે, આવા મોટા આપણ તે જીવોને મળ્યા તોપણ માયિક આકારને સંભારે છે, તે કેવું કરે છે તો, જેમ ચક્રવર્તી રાજા આગળ પટેલની મોટપ વર્ણવે તેમ કરે છે. માટે મહારાજની કથા-વાર્તા થાતી હોય ત્યાં બીજી પરોક્ષ વાત ન કરવી. જ્યારે અજ્ઞાની જીવ બેઠા હોય ને ઉપાધિ થાય એવું હોય ત્યાં કરવી પડે તો તેમાં મહારાજ ને મોટા કચવાતા નથી, પણ આપત્કાળ વિના જો મહારાજના પ્રસંગ વિના બીજો પ્રસંગ કાઢે તો જેમ કોઈકને જમવા બેસારીને પીરસે નહિ તો તે નિરાશ થઈને ઊઠી જાય ને તેને જેવું વસમું લાગે તેવું મહારાજને તથા મુક્તને વસમું લાગે છે. એવા લૂખા શબ્દ કોઈ જીવને સમાસ ન કરે અને મહારાજના સ્વરૂપનું જેને યથાર્થ જ્ઞાન હોય ને તે મૂર્તિને દેખતા ન હોય પણ તેના શબ્દ મહાપ્રભુજીના સંબંધના હોય તે જીવને સમાસ બહુ કરે છે. એ શબ્દ જેના જીવમાં ઊતરે તેને બ્રહ્મરૂપ કરે ને મુક્ત કરી મૂકે છે. અને તેના ઉપર મહારાજ ને મુક્ત બહુ પ્રસન્ન થાય છે. ।। ૫૧ ।।
વાર્તા ૫૨
વૈશાખ સુદ ૮ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ આપણાં નેત્ર ઉઘાડીએ ત્યારે નદી, ઝાડ, પહાડ, સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, મનુષ્ય, પશુ, પક્ષી આદિક અનેક પદાર્થ દેખવામાં આવે અને નેત્ર મીંચીએ તો કાંઈ દેખાય નહિ, એક મૂર્તિ જ દેખાય છે; તેમ બહારદૃષ્ટિવાળાને અનંત ઐશ્વર્ય, ધામ, લોક, ભોગ એ સર્વ દેખવામાં આવે છે. અંતરદૃષ્ટિવાળો નેત્ર મીંચે કે માગે જ (તુરત જ) મૂર્તિ, ધામ ને મુક્તને દેખે અને તે વિના બીજું કાંઈ છે જ નહિ એવું થઈ જાય માટે મૂર્તિમાં જ રહેવું. મૂર્તિમાં રહીને કથા-વાર્તા કરવી અને વાતમાં મૂર્તિનું બીજ લાવવું પણ બીજે ડોળે ફરવા જાવું નહીં. જેમ રાજા પાસે જાવું હોય તે પ્રથમ ઘેર ઘેર ફરીને છેલ્લી વારે રાજાને સલામ ભરે તો તે રાજા રાજી થાય નહિ તેમ બધું સંભારતાં સંભારતાં છેલ્લી વારે મહારાજને સંભારે તો મહારાજ રાજી થાય નહિ; માટે એક ક્ષણ વાર પણ મૂર્તિ ભૂલવી નહીં. ઊંઘ-આળસ ટાળવાના ઉપાય ઘણા પ્રકારના છે ને તે ઘણા કઠણ છે અને મૂર્તિ ધારવી તે સુગમ ઉપાય છે. મહારાજ ઓરા એટલે પાસે જ છે. તેમને રાખે તો દોષમાત્ર ટળી જાય પણ તે કોઈ રાખે નહિ અને બીજા ઉપાય ઘણા કરે છે. ઊભા થઈ રહે, આંખમાં મરચાં આંજે પણ મૂર્તિ કોઈ ન ધારે. જગતના જીવ આ લોકના સુખે સુખિયા છે અને આપણે મહારાજની કથા-વાર્તા, ધ્યાન, ભજન, આજ્ઞા, ઉપાસના, નિયમ, ધર્મ તેણે કરીને સુખિયા છીએ. જો અવયવ ફરે તો તે કેમ ફરે તો મોટાનો પારખું (પારખનાર) થાય. જેને સમાગમે કરીને જગતના ઘાટ બંધ થાય; વિષયના રાગ ટળે; શ્રીજીમહારાજ વિના બીજું અસત્ય જણાય; ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વૃદ્ધિ પામે; ને મૂર્તિના સુખે સુખિયા થવાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે; તેને મોટા જાણીને તે કહે તેમ કરે, ને આ લોકના સુખથી લૂખો થઈને મહારાજને વિષે જોડાઈ જાય તો અવયવ ફરે. જો અવયવ ન ફરે તો આ લોકમાંથી લૂખો થાય નહીં. જેમ રસના ઇન્દ્રિયને ખારા-મોળાની, સ્વાદુ-કુસ્વાદુની ખબર પડે છે તેમ મોટાનો જોગ કરતાં કરતાં મોટાને ઓળખી લે ને પછી તેમનો જોગ કરે તો અવયવ ફરી જાય; જો મોટાને ન ઓળખે ને ચાલોચાલ સત્સંગ કરે અને મહારાજના સંબંધ વિનાની બીજી પરોક્ષ વાર્તાઓ જે નારદ-સનકાદિક, સૌભરી તથા બીજા રાજાઓનાં આખ્યાનો સાંભળીને રાજી થાય તેના અવયવ ફર્યા નથી. એક મૂર્તિમાં જ જોડાઈ જાય અને મહારાજના જ્ઞાનની ને સુખની વાતોના જીવમાં સાર પડી જાય ને જીવ સરાઈ જાય તે મૂર્તિ વિના રહી શકે નહીં. સુખ મહારાજમાં છે અને માગવા બીજે જાય છે એટલે કાર્યમાં સુખ માને છે, ત્યાં સુખ ક્યાંથી હોય? જેમ રાજાને પડ્યા મૂકીને વસ્તી પાસે સુખ માગે તે ક્યાંથી મળે ? માટે કાર્યને પડ્યું મૂકીને કારણ જે મૂર્તિ તેમાં ચોંટી પડે તો સુખ મળે. જ્યારે મોટાને જોગે કરીને અવયવ ન ફરે અને મોટાને ખતરાવે ત્યારે જોગ શું કર્યો ? માટે મોટાનો જોગ કરીએ ને મોટાના જેવા ગુણ ન આવે ને મન, ઇન્દ્રિયો પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે તો જોગ કર્યો ન કહેવાય. જો પારસમણિના જોગે પારસ ન થાય તો જેમ બાવના ચંદનના વૃક્ષમાં નાગ વીંટાઈ રહે છે પણ ફણા અધર રાખે છે તેથી ઝેર રહે છે તે બીજાના પ્રાણ લે છે તેમ થાય, માટે એવો જોગ ન કરવો. મોટાને વિષે મન-કર્મ-વચને જોડાવું, તેની વિક્તિ જે મોટાનું વચન લેશમાત્ર લોપવું નહિ અને મોટાની ઇચ્છા પ્રમાણે સુખ-દુઃખ આવે તેમાં રાજી રહેવું. અને મને કરીને એમ વર્તવું જે મહારાજની મૂર્તિમાં જ મનને રાખવું, પણ કોઈ આવ્યું કે ગયું તેની કાંઈ સૂરત રાખવી નહીં. એક મૂર્તિમાં જ મન જોડી રાખવું તે મને કરીને જોડાણો કહેવાય માટે મહારાજનું વચન યથાર્થ પાળીને મન-કર્મ-વચને જોડાવું અને સદાય ભેળું રહેવાય એવું માંગવું. ।। ૫૨ ।।
વાર્તા ૫૩
વૈશાખ સુદ ૯ને રોજ સવારે સભામાં લોયાનું ૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં ૧લા પ્રશ્નમાં કપટી તથા નિષ્કપટીનાં લક્ષણની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજને વિષે ભગવાનપણાનો નિશ્ચય હોય પણ જો કપટી હોય ને તે જો પોતાનું કપટ જણાવા દે નહિ તો તેને જન્મ ધરવો પડે. જેમ મૂળજી લુહાણો ઘરેણાંનો ડબો ચોરી ગયો હતો તેને વીસ ગાઉથી પાછું આવવું પડ્યું તેમ થાય. એને નિશ્ચય તો હતો પણ જો ચોરી કરી તો વીસ ગાઉથી ડબો આપવા પાછું આવવું પડ્યું તેમ કપટીને જન્મ ધરવો પડે. માટે તન-મન શ્રીજીમહારાજને અને મોટા મુક્તને સોંપી દેવું. મનના સ્વભાવ તો “લટકી લટકી જાત હૈ, ઝટકી વિષય ફળ ખાત” એવા છે. અહીં બેઠા અમદાવાદ, મૂળી તથા પેટી-પટારા સંભારે અને ગૃહસ્થ હોય તે ઘર સંભારે. તમે તો તન, મન અને કર્મ સોંપી દીધાં છે અને શ્રીજીમહારાજને તથા મોટા મુક્તને પ્રારબ્ધ કરી લીધા છે, કાંઈ બાકી રાખ્યું નથી. સત્સંગી થવામાં દાખડો ઘણો છે. જ્યારે આત્મા, પરમાત્મા અને સંત અને એમનાં કરેલાં શાસ્ત્ર તે વિના બીજે આસ્તા ન આવે ત્યારે તે સત્સંગી કહેવાય. અને તેણે જ તન, મન, ધન અને કર્મ અર્પણ કર્યાં કહેવાય. શ્રીજીમહારાજે સોમલાખાચરને કહ્યું જે, અર્ધો પ્રસંગ અમારો કરો છો ને અર્ધો જગતનો કરો છો. સર્વસ્વ શ્રીજીને અર્પણ કરવું એટલે ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ શ્રીજીની મૂર્તિમાં જોડી દેવાં તે સર્વસ્વ અર્પણ કર્યું કહેવાય.
ગૃહસ્થ હોય તેમણે દશાંશ-વીશાંશ કાઢવો તે કનિષ્ઠ ધર્માદો છે; અને બાર મહિનામાં એક-બે મહિના મોટા મુક્તનો સમાગમ કરવો તે મધ્યમ ધર્માદો છે; અને શ્રીજીની મૂર્તિમાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર કરીને જોડાઈ જવું તે ઉત્તમ ધર્માદો છે. આ ત્રણ પ્રકારનો ધર્માદો છે તે સર્વે ગૃહસ્થોએ કાઢવો, પણ એકેય પડ્યો મૂકવો નહીં. એમ ન સમજવું જે સમાગમ કરીએ એટલે દશાંશ-વીશાંશ કાઢવાની શી જરૂર છે ? એ તો ધ્યાન કરતા હોય અને ધ્યાનમાં મૂર્તિ દેખાતી હોય અને સમાગમ કરતા હોય તેમણે પણ દેવનો ધર્માદો પૂરેપૂરો આપવો. તે ધર્માદામાંથી સાધુને પણ જમાડવા નહિ અને ધોતિયાં પણ ઓઢાડવાં નહીં. અને તીર્થ કરવા જાવું તે તીર્થના ખર્ચમાં પણ એ ધર્માદો ન ગણવો. ઠાકોરજીને વસ્ત્ર-ઘરેણાં તથા જગ્યાઓ તથા ગોદડાં, વાસણ, દાણા, ઘી-ગૉળ આદિક વસ્તુ લાવી દેવી તેમાં ગણે તો બાધ નથી.
પછી કલ્યાણ ભક્તે પૂછ્યું જે, દેવદ્રવ્યને આચાર્ય પોતાનું કરવા ઇચ્છે તો ધર્માદાની શી રીત કરવી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આચાર્ય, સાધુ ને સત્સંગી એ ત્રણે મળીને વહીવટ કરવો એવી શ્રીજીમહારાજની આજ્ઞા છે. તે પ્રમાણે ન વર્તે ને સ્વતંત્રપણે વર્તે તો સત્સંગમાં મોટો ઉદ્વેગ થાય ને એમાંથી મોટો વિક્ષેપ થાય ને એકબીજાનાં મન જુદાં થઈ જાય ને સરકારે પણ જવું પડે એવો મોટો ઉદ્વેગ થઈ પડે અને કમિટી પણ થઈ જાય, માટે આચાર્યે એમ કરવું જોઈએ નહીં. ।। ૫૩ ।।
વાર્તા ૫૪
વૈશાખ સુદ ૧૦ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, માળા-માનસીપૂજામાં બોલવા કરતાં સાન કરવામાં વૃત્તિ ઘણી વિક્ષેપ પામે છે; કેમ જે બોલવામાં એક સંકલ્પ થાય અને સાન કરવામાં ઘણા સંકલ્પ થાય માટે સાન કરવી નહીં.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહારાજ અને મુક્ત દિવ્ય છે તે માયિક અન્નને જમતા હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જો ભક્ત સાચે ભાવે માયિક વસ્તુ અર્પણ કરે તો તે ભક્તનો ભાવ જોઈને મહારાજ ને મુક્ત એ વસ્તુને દિવ્ય કરીને અંગીકાર કરે છે અને તેનું ફળ (પોતાની મૂર્તિનું સુખ) આપે છે. તે પ્રથમ પ્રકરણના ૭૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે.
ચરણરજની પ્રસાદી નાખીને પાણી પીવું તે કરતાં મહારાજની મૂર્તિને પોતાના ચૈતન્યને વિષે પાઈને પીવું તે ઉત્તમ છે. પ્રતિમાને જમાડેલી વસ્તુ પણ પોતાના ચૈતન્યને વિષે મહારાજને જમાડીને જમવી. જો ભક્ત નિષ્કામભાવે જમાડે તો પ્રતિમા જમે છે અને પોતાના પ્રતાપે ઓછું થવા દેતા નથી. જેમ જેતલપુરના યજ્ઞમાં એક કુલ્લામાંથી ઘી કાઢ્યું પણ ખૂટવા દીધું નહિ તેમ. પ્રતિમા ને ધામની મૂર્તિ તે એક જ છે, તેને સરખી ન જાણે તેની સમજણ ખોટી છે અને તે નાસ્તિક છે અને તેની વાત ન સાંભળવી. પ્રતિમા બોલતી નથી, તે પોતાના ભક્તોને જાળવે છે, કેમ જે કોઈકને બોલાવે ને કોઈકને ન બોલાવે તો હર્ષ-શોક થઈ આવે; માટે પાત્ર થયો હોય તેને તથા પાત્ર ન થયો હોય તે સર્વેને સરખાં દર્શન આપે છે, માટે બોલતાં નથી પણ પ્રત્યક્ષ છે.
સાધનદશાવાળાને જોગ કરવામાં પ્રતિમા કરતાં મુક્ત અધિક છે તે વાત વરતાલના ૧૦મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહી છે; પણ પ્રતિમાથી મુક્ત વિશેષ ન જાણવા, ફક્ત જ્ઞાન લેવામાં વિશેષ જાણવા. પ્રતિમા છે તે ઇષ્ટદેવ છે અને મુક્ત તો ભક્ત છે. કેટલાક આધુનિક પ્રતિમા કરતાં મુક્તને અધિક જાણીને તેમનું ધ્યાન કરે છે તે અજ્ઞાની છે. એમને કોઈ મોટા મળ્યા નથી અને શ્રીજીમહારાજનો તથા મોટા મુક્તનો સિદ્ધાંત એમને હાથ આવ્યો નથી. તે તો જ્યારે શ્રીજીમહારાજના અનાદિ અથવા પરમ એકાંતિકમુક્ત મળે ને તેમના થકી જ્ઞાન પામે ત્યારે અન્વય-વ્યતિરેક સ્વરૂપ સમજાય ને શ્રીજીનો સિદ્ધાંત હાથ આવે. કોઈ દિવસ મુક્તનું ધ્યાન તો થાય નહીં. જે મુક્ત હોય તે પોતાનું ધ્યાન કરાવે જ નહિ અને શ્રીજીમહારાજની આજ્ઞામાં ફેર પડવા દે જ નહીં. એ તો પ્રતિમાને વિષે જ જોડે પણ પ્રતિમાથી લૂખા થાવા દે નહીં. જેને શ્રીજીનો અથવા એમના મુક્તનો સંબંધ ન હોય તેને અન્વય-વ્યતિરેકની ખબર ન હોય તેથી તેને શાસ્ત્રના અર્થ સમજાય નહીં. અને પોતાનામાંથી માન, મોટપ અને વિષય તે ટળ્યા ન હોય તેથી ગુરુ થવાની ને વિષય ભોગવવાની ઇચ્છાઓ રહી હોય, તે મુમુક્ષુઓને આડું-અવળું સમજાવે ને પ્રતિમા કરતાં પોતે મોટા થઈ પડે ને લોકને છેતરીને વિષય ભોગવે; તેને મહાપાપ લાગે અને નરકે જવું પડે. જે એવાને વળગ્યા હોય તે જો વિશ્વાસુ હોય અને કેવળ મોક્ષના ખપવાળા હોય તેમની તો મહાપ્રભુજી રક્ષા કરે ને જે તે ઉપાયે કરીને એવાના જોગથી છોડાવે. કદાપિ આ ફેરે ન છૂટે તો બીજો જન્મ ધરાવીને મુક્તનો જોગ મેળવે અને મોક્ષ કરે. જેને મોક્ષની ઇચ્છા હોય ને શ્રીજીમહારાજને પ્રસન્ન કરવા હોય તેણે એવા અવળે રસ્તે ચાલનારાનો સંબંધ ન રાખવો ને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવું પણ કોઈ મુક્તનું ધ્યાન કરવું નહીં.
જ્યારે શ્રીજીમહારાજે દેહોત્સવ કર્યો ત્યારે દાદાખાચર બહુ દિલગીર થઈને ચેહમાં પડવા ગયા ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, શ્રીજીમહારાજ સદાય સત્સંગમાં છે; આપણને મૂકીને જતા રહ્યા નથી. જ્યાં મહારાજ અને આપણે બેસતાં તે બેઠકે જાઓ, તમને દર્શન આપશે. પછી ત્યાં ગયા અને શ્રીજીમહારાજનાં દર્શન થયાં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે તો મરીએ એવા નથી, અમે તો એક રૂપે હતા તે ચાર રૂપે થયા છીએ અને સત્સંગમાં સદાય પ્રગટપણે વિરાજમાન છીએ; માટે જતા રહ્યા એમ ન જાણશો.” એમ કહીને પોતે પહેરેલો હાર હતો તે દાદાખાચરને પહેરાવીને બોલ્યા જે, “તમારા આત્માને વિષે અમને ધારો.” પછી દાદાખાચરે પોતાના ચૈતન્યને વિષે મહારાજનું ધ્યાન કર્યું તો તેજોમય દિવ્ય સ્વરૂપે પોતાના આત્માને વિષે મહારાજને દેખ્યા. પછી ધ્યાનમાંથી જાગ્યા અને મહારાજને પૂછ્યું જે, હે મહારાજ ! આપનાં ચાર સ્વરૂપ કહ્યાં તે કિયાં સમજવાં ? ને ધ્યાન કયા સ્વરૂપનું કરવું ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો મૂર્તિઓ રૂપે ને બીજું સંત રૂપે ને ત્રીજું આચાર્ય રૂપે ને ચોથું શિક્ષાપત્રી, વચનામૃત આદિ શાસ્ત્ર રૂપે; એ ચાર રૂપે થયા છીએ. તેમાં પ્રતિમા રૂપે થયા છીએ તે પ્રતિમાનું ધ્યાન કરવું; અને સંત થકી જ્ઞાન-ઉપદેશ ગ્રહણ કરીને અમારો મહિમા સમજવો ને તેમની અન્ન-વસ્ત્રે કરીને સેવા કરવી; અને આચાર્ય થકી દીક્ષામંત્ર લેવા ને તેમની અન્ન-દ્રવ્યે કરીને સેવા કરવી; અને શાસ્ત્રમાં જે અમારાં વચન છે એ પ્રમાણે વર્તવું. એમ વાત કરીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી દાદાખાચરે સ્વામીશ્રી પાસે આવીને સર્વ વાત કરી. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, જો ખરેખરો દિવ્યભાવ પ્રતિમાને વિષે આવે ને એ મૂર્તિમાં લગની થાય અને બીજું બધું વિસરી જાય તો પ્રતિમાનાં દર્શન સાક્ષાત્કાર જેવાં થાય. અને તેમની સાથે બોલે, વાતો કરે, જમે, ઇત્યાદિક સર્વે મનોરથ પરિપૂર્ણ કરે. માટે પ્રતિમાને વિષે દિવ્યભાવ લાવીને તેનું ધ્યાન-ભજન કરવું, પણ આધુનિકને સંગે કરીને અવળે રસ્તે ચઢી જવું નહીં. ।।૫૪।।
વાર્તા ૫૫
વૈશાખ સુદ ૧૧ને રોજ સવારે સભામાં લોયાનું ૩જું વચનામૃત વંચાતું હતું, તેમાં મહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળા હરિજનોનાં નામ આવ્યાં.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એ હરિજનોએ શું શું કર્યું હશે તે કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ અરેરા ગામમાં પધાર્યા હતા ત્યાંથી ગલુજીને કહાવી મોકલ્યું જે, ખાવા બેઠા હોય તે પડ્યું મૂકીને ધન, ધાન્ય, માણસ, પશુ સર્વસ્વ લઈને અહીં આવો. તે સાંભળીને પોતાનાં માતુશ્રી માંદાં હતાં તેમને મૂકીને બીજું બધું લઈને રાત્રિએ ગયા; એવા વચનમાં રહેતા. વળી, તેમને ઘેર શ્રીજીમહારાજ સંતોએ સહિત પધાર્યા હતા તે સમયે એમનાં માતુશ્રીએ દેહ મેલ્યો, તેમને ઊંચાં બાંધી રાખીને બે દિવસ શ્રીજીમહારાજને ને સંતોને રાખ્યા ને સેવા કરી, પણ સૂતકનો સંશય થયો નહિ એવો દિવ્યભાવ હતો.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, ગલુજી પાસે સર્વસ્વ મંગાવેલું તે શ્રીજીમહારાજે બધું રાખ્યું કે કેમ કર્યું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગલુજીને ઘેર એ જ રાત્રિએ શત્રુ આવીને સર્વસ્વ લૂંટી જવાના હતા અને ગલુજીને તથા તેમના મનુષ્યોને મારી નાખવાના હતા; એટલા સારુ શ્રીજીમહારાજે મંગાવ્યું હતું. શત્રુઓ રાત્રે ગલુજીને ઘેર આવીને પાછા ગયા અને સવારમાં શ્રીજીમહારાજે ગલુજીને સર્વસ્વ પાછું આપીને ડડુસર મોકલ્યા. એવી રીતે મહારાજે પોતાના દૃઢ નિશ્ચયવાળા ને વિશ્વાસુ ભક્તની રક્ષા કરી. ।। ૫૫ ।।
વાર્તા ૫૬
વૈશાખ સુદ ૧૧ને રોજ બપોરે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, કુશળકુંવરબાઈએ શું કર્યું હશે ? તે કૃપા કરીને કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કુશળકુંવરબાઈએ શ્રીજીમહારાજને પોતાને ઘેર ધર્મપુર તેડાવીને રાજ્ય આપવા માંડ્યું અને શ્રીજીમહારાજની મૂર્તિને નખથી શિખા પર્યંત સમગ્ર અંગ નીરખીને અંતરમાં ઉતારી લીધી અને મૂર્તિ ભૂલી જવાય તેની બીકે કરીને દેહની ક્રિયા જે નાહવું-ધોવું, ખાવું-પીવું તેનો ત્યાગ કરીને મૂર્તિ ધારી રાખી, ને પંદર દિવસે દેહ પડી ગયો પણ મૂર્તિ મૂકી નહિ એવાં હતાં.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, એમને શી રીતે સત્સંગ થયો હતો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ પૂર્વજન્મમાં સંગ્રામજીત રાજાની બેન રૂડબાઈ હતાં, ત્યાં અલાઉદ્દીન ખૂની દિલ્હીથી આવેલો હતો. તેણે સંગ્રામજીતને મારીને રૂડબાઈને લઈ જવાનું કર્યું, ત્યારે રૂડબાઈએ એને સમજાવ્યો જે, મારે નામના કરવી છે માટે તમે ફેર આવશો ત્યારે આવીશ. તે દિલ્હી ગયો તે પછી રૂડબાઈએ અડાલજની વાવ કરાવીને દેહ મૂક્યો, તે ઓળક ગામમાં કુશળકુંવરબાઈ નામે થયાં. તેની કરાવેલી વાવે શ્રીજીમહારાજ ચારસો સંતોએ સહિત આવ્યા અને વાવ જોઈને બોલ્યા જે, વાવ સારી છે. આ કરાવનાર હાલ ધર્મપુરમાં રાજ્ય કરે છે, તેનું નામ કુશળકુંવરબાઈ છે. તેમણે પોતાના મોક્ષ માટે આ વાવ કરાવી છે તેનો લેખ જુઓ. પછી નિષ્કુળાનંદ સ્વામીએ લેખ વાંચ્યો, તે મોક્ષ માટે જ કરાવી છે એવું લખ્યું હતું. પછી મહારાજે આજ્ઞા કરી જે, આ વાવમાં આપણે સર્વે સ્નાન કરીને જળ પીઓ પછી તેનું કલ્યાણ થશે. પછી સંતોએ કહ્યું જે, એને કેવી રીતે આપણો નિશ્ચય થશે ? પછી શ્રીજીમહારાજે કહ્યું જે, પરમચૈતન્યાનંદ સ્વામીને પ્રેરણા થઈ ગઈ છે તે ત્યાં જઈને સત્સંગ કરાવશે, એમ શ્રીજીમહારાજ વાવ ઉપર બોલ્યા. તે સમયે જ પરમચૈતન્યાનંદ સ્વામી ગઢડે હતા તેમને ધર્મપુર જવાનો સંકલ્પ થયો ને ચાલી નીકળ્યા. તેમના ભેળા તેમના વીસ સાધુ ચાલવા તૈયાર થયા, તેમને ના પાડીને એકલા જ એકડમલને વેશે ગયા. તે કપડવંજમાં શિવજીની જગ્યામાં ઊતર્યા. ત્યાં બ્રાહ્મણો આવતા તેમને પરોક્ષપણે શ્રીજીમહારાજનો મહિમા સમજાવીને નિશ્ચય કરાવીને ચાલ્યા, તે ધર્મપુર કુશળકુંવરબાઈની ધર્મશાળામાં ઊતર્યા. ત્યાં એ બાઈને એવો નિયમ હતો જે, જે કોઈ ત્યાગી આવે તેને પોતાની ધર્મશાળામાં ઉતારે ને નિત્ય જમાડે અને એમનો મહિમા સમજીને અર્ધ રાત્રે સર્વનાં દર્શન કરીને ચરણસ્પર્શ કરીને પાછાં જાય. તે રાત્રિએ આવ્યાં પણ તેમને સ્વામીએ સ્પર્શ કરવા દીધો નહિ, ત્યારે બાઈ બોલ્યાં જે, આ સર્વે મહાત્મા ચરણસ્પર્શ કરવા દે છે અને તમે કેમ ના પાડો છો ? ત્યારે સ્વામી બોલ્યા જે, અમે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ તે એકલાં ચલાય પણ નહિ ને અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળીએ પણ હું એકલો જુદો પડીને આવ્યો છું તેથી મારે તમારી સાથે બોલવું પડ્યું, પણ હવે સાત પ્રકારનું તો બરાબર રાખીશ, એમાં તો ફેર પડવા નહિ દઉં. પછી તે બાઈને તેમનો ગુણ આવ્યો તેથી મહિમા સમજીને તેમની વાતો સાંભળીને શ્રીજીમહારાજનો મહિમા સમજ્યાં અને શ્રીજીમહારાજને વિષે સર્વોપરીપણાનો નિશ્ચય કરીને આશ્રિત થયાં અને સ્વામીને ગુરુ કર્યા અને રાજ્ય સોંપી દીધું. જ્યારે શ્રીજીમહારાજ દંઢાવ્ય દેશમાં ફરીને ગઢડે પધાર્યા ત્યારે સર્વે સંતોએ શ્રીજીમહારાજને કહ્યું કે, પરમચૈતન્યાનંદ સ્વામી તો એકડમલ થઈને જતા રહ્યા છે. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, એ તો ધર્મપુરમાં છે અને અમારી ઇચ્છાથી કુશળકુંવરબાઈને સત્સંગ કરાવવા ગયા છે. તે ત્યાં રાજ્યમાં બંધાઈ ગયા છે તેથી તેડી લાવવા પડશે. પછી નિત્યાનંદ સ્વામીને મોકલ્યા પણ તેમના તેડ્યા આવ્યા નહિ અને બોલ્યા જે, ધણી આવે તો આવું. પછી મુક્તાનંદ સ્વામીને મોકલ્યા તે ગયા. ધર્મપુર નજીક આવ્યું ત્યાં તો હાથીએ બેસીને તે બાગમાં હવા ખાવા જતા હતા, તે હાથી ઉપર બેઠે બેઠે મુક્તાનંદ સ્વામીને આવતા જોઈને માવતને કહ્યું જે, મારા ગુરુ આવે છે તે, મને હાથી ઉપર બેઠેલા દેખશે માટે હાથીને બેસારો. પછી હાથી બેસાર્યો ને ઊતરીને સામા જઈને દંડવત કર્યા અને સ્વામીશ્રીને મળ્યા ને સાથે સાથે ધર્મશાળામાં આવ્યા ને રસોઈ કરીને જમાડ્યા. પછી ચરણ દાબતા હતા ત્યાં બાઈ આવ્યાં એટલે મુક્તાનંદ સ્વામી તો ઊઠીને છેટે જાતા રહ્યા. ત્યારે બાઈ બોલ્યાં જે, એ કોણ છે ? ત્યારે પરમચૈતન્યાનંદ સ્વામી બોલ્યા જે, એ મારા ગુરુ છે ને મને તેડવા આવ્યા છે; માટે મારે જવું પડશે. ત્યારે બાઈ દિલગીર થઈને બોલ્યાં જે, શ્રીજીમહારાજને અહીં લાવવાનું વચન આપો તો જવા દઉં. પછી તે વાત મુક્તાનંદ સ્વામીને કહી ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, એને કહો જે તમે કાગળ લખજો અને અમે પ્રાર્થના કરીશું. પછી બંને સ્વામીઓ ગઢડે આવ્યા અને શ્રીજીમહારાજને કાગળ લખીને બાઈએ તેડાવ્યા હતા ને ત્યાં મહારાજ પધાર્યા હતા. ।। ૫૬ ।।
વાર્તા ૫૭
વૈશાખ સુદ ૧૧ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસીપૂજા કરીને બાવળ નીચે સભા થઈ.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, પર્વતભાઈએ શું કર્યું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પર્વતભાઈ પોતાનો દીકરો કંઠપ્રાણ હતો તેને મૂકીને શ્રીજીમહારાજનાં દર્શન કરવા ચાલ્યા. તે ગામને સીમાડે પહોંચ્યા એટલામાં દીકરો મરી ગયો. તેથી મનુષ્ય તેડવા ગયું તોપણ પાછા વળ્યા નહિ ને ગઢડે ગયા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, દીકરો મરી ગયો અને પાછા કેમ વળ્યા નહીં ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, એમાં શું ? એ તો છાણમાં જીવડા પડે ને મરી જાય એવું છે; ત્યાં સાત દિવસ સુધી જમ્યા નહિ અને પાણી પણ પીધું નહીં. તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, તમે ક્યાં જમો છો ? ત્યારે બોલ્યા જે, આપનાં દર્શન કરું છું તેમાં બધું આવી જાય છે. અને જે દાણા પાકે તે બધા શ્રીજીમહારાજને સદાવ્રતમાં આપી દેતા. તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, થોડાક દાણા છોકરાંને ખાવા સારુ રાખતા હો તો સારું. ત્યારે તે કહે જે, કણબીનાં છોકરાં તો કૂકડાનાં બચ્ચાં જેવાં હોય. જેમ કૂકડાનાં બચ્ચાં ઉકરડામાંથી દાણા ખોતરી ખાય, તેમ તે પૃથ્વીમાંથી પેદા કરી ખાય. માટે એવી ચિંતા શું કરવા રાખવી પડે ? શ્રીજીમહારાજે સંતોને ખટરસનાં વર્તમાન આપ્યાં; ત્યારે પર્વતભાઈ તથા તેમના ઘરનાં સર્વે માણસોએ પણ ખટરસનાં વર્તમાન રાખ્યાં એવો મહિમા સંતનો જાણતા. ઇત્યાદિક ઘણીક વાતો છે તે લખે પાર આવે તેમ નથી. પર્વતભાઈ તો બહુ સમર્થ હતા. શ્રીજીમહારાજે પણ એમને ઘેર બહુ લીલાઓ કરીને ઘણાંક સુખ આપ્યાં છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, પર્વતભાઈમાં શી સામર્થી હતી ? અને શ્રીજીમહારાજે એમને ઘેર શી શી લીલાઓ કરી હતી ? તે કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ સર્વે સંતોને તથા કાઠીઓને લઈને ગઢડેથી ચાલ્યા તે ફરતા ફરતા અગત્રાઈ આવ્યા. ત્યાં તાપ ગાળવા એક ઝાડ તળે ઊતર્યા, ત્યાં હરિજનોએ ખાટલો લાવીને પાથર્યો, તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા અને સંતો તથા હરિજનો ખેતરમાં મોદ પાથર્યા વિના એમ ને એમ બેસી ગયા. તે વખતે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મારો વ્હાલીડો, કેમ ન આવ્યો ?” એમ બે-ચાર વાર બોલ્યા. એટલામાં પર્વતભાઈ કપાસની સાંઠીઓ ખોદીને આવ્યા ને ખભેથી કોદાળી નાખી દઈને દંડવત કરવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજ ઊભા થઈને બોલ્યા જે, “મારો વ્હાલીડો આવ્યો.” એમ બે-ચાર ફેરા બોલીને મળ્યા અને પોતાની પાસે મશરૂની ગાદી નાખીને તેમને બેસાર્યા. ત્યારે સર્વ સંત-હરિજનોને સંશય થયો જે આપણે સર્વે પૃથ્વી ઉપર બેઠા છીએ અને આ કણબીને શ્રીજીમહારાજે ગાદી ઉપર બેસાર્યા તે ઠીક ન કર્યું. પછી સાંજ વખતે ત્યાંથી ચાલ્યા તે બીજે ગામ ગયા. પછી ફરતાં ફરતાં જ્યારે પાછા આવ્યા ત્યારે પણ એ ઠેકાણે આવ્યા ને બપોર થયા એટલે ત્યાં જ ઊતર્યા. એવામાં પર્વતભાઈ આવ્યા. તેમની કેડે કરોડો વિમાન આવ્યાં, તે જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, પર્વતભાઈ ! આ લશ્કર ક્યાં ફેરવો છો ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, એ તો માગણ છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એ ક્યાંથી આવેલા છે ? ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ સર્વે નિત્ય મારી કેડે ફરે છે, ને આત્યંતિક કલ્યાણ માંગે છે તેમને આપના ધામમાં મોકલું છું. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આમને ધામમાં મોકલો તેને અમે જોઈએ. પછી પર્વતભાઈ એમના સામું જોઈને બોલ્યા જે, જાઓ અક્ષરધામમાં; એટલે બધાં વિમાન જતાં રહ્યાં. તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા ને સંશય ટળી ગયા.
એક સમયે શ્રીજીમહારાજનાં દર્શન કરવા પર્વતભાઈ ગઢડે ગયા ને પોતાના ખેતરમાં ઘઉં પાકેલા હતા તે એક મુસલમાનને સોંપી ગયા. તે મુસલમાને રાત્રે ઘઉં કાપવા માંડ્યા, તેને પર્વતભાઈએ સોટીઓ મારી. તે દાતરડું અને ઘઉં મૂકીને જતો રહ્યો. જ્યારે પર્વતભાઈ દર્શન કરીને આવ્યા ત્યારે એ મિયાંને કહ્યું જે, અમે તને સોટીઓ મારી હતી. ત્યારે તે સિપાઈએ કહ્યું જે, તમો તો સાક્ષાત્ ખુદા છો, ઇત્યાદિ ઘણી વાતો છે.
હવે શ્રીજીમહારાજે એમને ઘેર લીલા કરી તેમાંથી કિંચિત્ કહીએ છીએ. પર્વતભાઈએ પોતાના દીકરા મેઘજીભાઈનો વિવાહ કર્યો. તેમના દેશમાં ગાવા આવે તેમને ખારેકો દેવી પડે તે પણ પોતાને મળે નહિ; એવો દુર્બળ વ્યવહાર હતો. તેમનાં પત્ની કેસરબાઈએ કહ્યું જે, ખારેકો નથી તેથી કોઈ ગાવા આવતું નથી. ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, જો શ્રીજીમહારાજ આપણે ઘેર પધારે તો ઘણાક લોકો ગાવા આવે, માટે તમારાં કલ્લાં મને આપો. પછી તેમણે આપ્યાં. તે કલ્લાં ને એક બળદ વેચીને તેનું સીધું લઈને ઓરડામાં ભરીને પછી ગઢડે આવીને શ્રીજીમહારાજને તથા સંતોને તથા સર્વે હરિજનો ને બાઈ-ભાઈને અગત્રાઈ તેડી લાવ્યા ને શ્રીજીમહારાજને ઢોલિયો પાથરી આપ્યો. તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા. અને પર્વતભાઈ પણ શ્રીજીમહારાજના ઢોલિયા પાસે બેસી ગયા. પણ કોઈની સંભાવના રાખી નહીં. ત્યારે કાઠીઓએ શ્રીજીમહારાજને કહ્યું જે, તમે તો પર્વતભાઈને બહુ વખાણતા પણ હજી સુધી અમારી ખબર તો લેતા નથી. ત્યારે શ્રીજીમહારાજે પર્વતભાઈને કહ્યું જે, કેમ આ સર્વેની ખબર લેતા નથી ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, મહારાજ ! હું તો ગુમાસ્તો છું અને ધણી તો આપ છો માટે એમને ખાવું હોય તો ખાય ને મને પણ આપશે તો હું પણ ખાઈશ. પછી શ્રીજીમહારાજે સર્વે સંત તથા હરિજનોને કહ્યું જે, તમો સર્વે જે સીધું હોય તે બધું વાપરી નાખો ને ખડ-જોગાણ હોય તે બધું ઘોડાને ખવરાવી દો ને બગાડ ઘણો કરો, એટલે પર્વતભાઈ ધણી થશે. પછી એમ કર્યું પણ પર્વતભાઈ તો ઊલટા રાજી થયા. પછી કંસાર-ખીચડીની રસોઈ સંતો પાસે કરાવીને શ્રીજીમહારાજે અખંડ ધારે ઘી પીરસવા માંડ્યું, તે જોઈ પર્વતભાઈ બહુ રાજી થયા અને બોલ્યા જે, મને ન્યાલ કર્યો માટે ‘ન્યાલકરણ બાપો’ એમ શ્રીજીમહારાજનું નામ પાડ્યું, પણ ઘી બગાડ્યું એવો સંશય થયો નહીં. તે જોઈને કાઠી તથા સર્વે સંતો આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે, પર્વતભાઈના જેવી આપણી સમજણ થઈ નથી. પછી સર્વે જમી રહ્યા ને સર્વે સીધાનાં વાસણ ઊંધાં વાળી મૂક્યાં, તે બધાં સવારે જ્યારે જુએ ત્યારે સવળાં દેખ્યાં અને ઘી-ગૉળ આદિક સર્વે સામાન ભરેલો જોઈને આશ્ચર્ય પામ્યા. એવી રીતે નિત્ય ખાલી કરે ને નિત્ય ભરાઈ જાય એમ સોળ દિવસ સુધી સર્વે જમ્યા. શ્રીજીમહારાજને રાજી કરવા સારુ લોકો ગાવા પણ બહુ આવતા. અને મેઘજીભાઈનો વરઘોડો ચઢ્યો તે સમયે રોઝો ઘોડો શણગાર્યો ને શ્રીજીમહારાજે પોતાનાં વસ્ત્ર મેઘજીભાઈને પહેરાવ્યાં ને કહ્યું જે, ઘોડે બેસો. ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, હું નહિ બેસું, કાકો બેસે; પછી શ્રીજીમહારાજ ઘોડે બેઠા. પછી વરઘોડો ચાલ્યો ને પાર્ષદો તથા કાઠીઓ બંદૂકોના અવાજ કરવા લાગ્યા ને આગળ વાજાં વાગવા લાગ્યાં અને સ્ત્રીઓ મંગળ ગાવા લાગી. પછી ચાલતાં ચાલતાં જ્યાં સાધુના ઉતારા નજીક આવ્યા ત્યારે ભૂમાનંદ સ્વામીએ વંડી ઉપર ડોકાઈને જોયું ત્યાં શ્રીજીમહારાજને દેખ્યા. તેમણે બધા સંતોને બોલાવ્યા તે સર્વે સંત આવ્યા ને શ્રીજીમહારાજની આગળ થઈ ગયા. શ્રી ભૂમાનંદ સ્વામીએ “સર્વે સખી જીવન જોવાને ચાલો રે” એ કીર્તન ઝિલાવવા માંડ્યું ને વરઘોડો ફેરવીને વેવાઈને માંડવે ગયા ને ત્યાં માંયરું થયું. ત્યારે શ્રીજીમહારાજે મેઘજીભાઈને કહ્યું જે, માંયરામાં બેસો. ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, કાકો બેસે. પછી શ્રીજીમહારાજ મેઘજીભાઈને સાથે લઈને માંયરામાં બેઠા અને ગોરે મેઘજીભાઈને કહ્યું જે, લાંબો હાથ કરો. ત્યારે કહ્યું જે, કાકો લાંબો હાથ કરે; એટલે શ્રીજીમહારાજે કન્યાનો હાથ ઝાલ્યો. તે વખતે શ્રી ભૂમાનંદ સ્વામી બોલ્યા જે, “હાથેવાળો હરિ સંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સફળ કરી લીધો રે.” પછી ફેરા પણ શ્રીજીમહારાજ ફર્યા અને કંસાર પણ શ્રીજીમહારાજ જમ્યા. પછી વર-કન્યાને પર્વતભાઈને ઘેર વળાવવા માંડ્યાં ત્યારે પણ ગાડીમાં મેઘજીભાઈ બેઠા નહીં. તેમને સાથે લઈને શ્રીજીમહારાજ ગાડીમાં બેઠા ને વાજતે-ગાજતે પર્વતભાઈને ઘેર પધાર્યા. ત્યાં કેસરબાઈએ પોંખવા માંડ્યા, ત્યારે મેઘજીભાઈ બોલ્યા જે, કાકાને પોંખો; એટલે શ્રીજીમહારાજને પોંખ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારી આંખમાં દારૂનું કણું પડ્યું છે તે કોઈ કાઢે એવું છે ? પછી મેઘજીભાઈની પત્નીએ તે કણું જીભે કરીને કાઢ્યું. તેને શ્રીજીમહારાજે વર દીધો જે, અમો તમને આ જન્મે જ અક્ષરધામમાં લઈ જઈને અખંડ અમારી સેવામાં રાખશું. એવી લીલાઓ કરીને સુખ આપ્યાં છે તેનો લખે પાર આવે તેમ નથી. ।। ૫૭ ।।
વાર્તા ૫૮
વૈશાખ સુદ ૧૧ને રોજ રાત્રે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જીવુબા, લાડુબા અને રાજબાઈએ શું કર્યું તે કૃપા કરીને કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનંત જીવોના ઉદ્ધાર કરવાને અર્થે શ્રીજીમહારાજે અહીં પ્રગટ મનુષ્ય રૂપે દેખાવાનો સંકલ્પ કર્યો ત્યારે ઘણાક મુક્તોને આજ્ઞા કરી જે, તમે સર્વે કોઈક સ્ત્રી રૂપે અને કોઈક પુરુષ રૂપે દેખાઈને જીવનો ઉદ્ધાર કરો. તે આજ્ઞા મુક્તોએ માથે ચઢાવી ને તે પ્રમાણે જુદા જુદા વર્ણમાં દર્શન આપ્યાં. જીવુબા, લાડુબા અને રાજબાઈને કહ્યું જે, તમે કાઠીની નાતમાં સ્ત્રી રૂપે દેખાઓ. તેમણે મહારાજની પ્રાર્થના કરી જે, હે મહારાજ, અમે સ્ત્રી આકારે દેખાઈએ તો લોકની રીતિ પ્રમાણે સભામાં આપની પાસે સંત તથા પુરુષો બેઠા હોય ત્યાં અમારાથી બેસાય નહીં. બીજું, અમારાં માબાપ અમને જીવ સાથે પરણાવે તે અમારે મોટું લાંછન આવે. તમે જે વાર્તા કરો અને પ્રશ્ન-ઉત્તર થાય તે અમારા સાંભળ્યામાં આવે નહીં. વળી, આપ દેશ-વિદેશ વિચરો ત્યાં અમારાથી સાથે અવાય નહિ અને તમે જે જે લીલા કરો તે અમારા જોયામાં આવે નહિ; માટે અમે સ્ત્રી આકારે દેખાવામાં ખુશી નથી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, મર્ત્યલોકમાં તમે ને અમે ભેળાં એક સ્થાનમાં રહીશું. તમને નિરાવરણ રાખશું તે અમારી સર્વે લીલા ઘેર બેઠાં થકા દેખશો અને તમને પુરુષનો સ્પર્શ થવા નહિ દઈએ. પછી તેમણે તે આજ્ઞા માથે ચઢાવીને સ્ત્રી આકારે દેખાયાં અને મહારાજ પણ એમને ઘેર પોતાનું ઘર કરીને રહ્યા.
રાજબાઈને એમનાં પિયરિયાંએ પરાણે પરણાવવાનું કર્યું ને ખાંડું પણ તેડવા આવ્યું, ને તેડીને સાસરે વહેલ પહોંચી ત્યાં તો રાજબાઈનું સ્વરૂપ સિંહના જેવું દેખીને પાછાં વાળી મૂક્યાં. એમણે સર્વ સંબંધીનો તથા દેહનો અનાદર કરીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં ઘણાં સાધન કર્યાં. પાશેર અનાજ ખાવું, પૃથ્વી ઉપર સૂવું, પાંચસો માળા ફેરવવી અને પુરુષથી વીસ હાથે છેટે ચાલવું; એવા નિયમ રાખીને શ્રીજીમહારાજને પ્રસન્ન કર્યા હતા.
જીવુબાનું પણ કુંડળમાં મામૈયા પટગર સાથે સગપણ કર્યું હતું. પછી જીવુબાએ મામૈયા પટગરનાં માતુશ્રી રાઈબાઈને કહ્યું જે, મારે તો વ્યવહાર કરવો નથી, ભગવાન ભજવા છે. પછી રાઈબાઈએ રાજી થઈને રજા આપીને ગઢડે મોકલી દીધાં.
લાડુબાઈનું ખાંડું એમને સાસરે જતું હતું, તે ગામમાં ધાડું પડ્યું હતું તેની કેડે વ્હાર ચઢી હતી. તેમાં જે છોકરા સાથે લાડુબાઈનું સગપણ કર્યું હતું તે છોકરો વ્હારે ગયેલો તે મરાણો; તેથી લાડુબાઈ ગઢડે આવતાં રહ્યાં. એવી રીતે એ ત્રણેની શ્રીજીમહારાજે રક્ષા કરીને એ ત્રણેએ શ્રીજીમહારાજના ભેળાં રહીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન કર્યાં. ।। ૫૮ ।।
વાર્તા ૫૯
વૈશાખ સુદ ૧૨ને રોજ સવારમાં સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મોટાં રામબાઈએ શું કર્યું હશે ? તે કૃપા કરીને કહો. પછી બાપાશ્રી બોલ્યા જે, મોટાં રામબાઈ વાળાના જેતપુરનાં હતાં. તેમનાં પિયરિયાંએ તથા સાસરિયાંએ તેમને વ્યવહાર કરાવવા બહુ ઉપાધિ કરી, તેથી ભાદર નદીના ધરાના કાંઠા ઉપર રાત્રિએ પોતાનાં વસ્ત્ર મૂકીને ચાલી નીકળ્યાં; ને શ્રીજીમહારાજની પાસે ગઢડે જઈને ત્યાગી થઈને રહ્યાં.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, દાદાખાચરે શું કર્યું ? તે કહો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દાદાખાચરે પોતાનું સર્વસ્વ શ્રીજીમહારાજને અર્પણ કર્યું ને જેમ શ્રીજીમહારાજ કહે તેમ જ કરતા; કોઈ પ્રકારનો સંશય કરતા નહીં. એમની વાતો તો અપાર છે ને તે ઘણે ઠેકાણે લખાણી છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, માંચા ભક્તે શું કર્યું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માંચો ભક્ત પ્રથમ માર્ગીના પંથમાં હતા, પણ બ્રહ્મચર્યવ્રતમાં કુશળ હતા. એક કીમિયાવાળો એમને ઘેર આવીને ઊતર્યો હતો. તેણે ત્રાંબાનું રૂપું કરી બતાવ્યું, તેને લાકડી લઈને ગામ બહાર કાઢી મૂક્યો પણ રૂપામાં લોભાયા નહીં. જ્યારે શ્રીજીમહારાજ મળ્યા ત્યારે એકાંતિક ભક્ત થયા. જ્યારે મહારાજને દર્શને ગયા ત્યારે પોતાનો પાંચસે વીઘા કપાસ હતો તે સાંભરશે એમ જાણીને ભેળાવી દીધો. ।। ૫૯ ।।
વાર્તા ૬૦
વૈશાખ સુદ ૧૨ને રોજ બપોરે કૂવા પાસે ઓરડીમાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મૂળજી બ્રહ્મચારીએ શું કર્યું હતું તે કૃપા કરીને કહો. ત્યારે બાપાશ્રીએ કૃપા કરીને કહ્યું જે, મૂળજી બ્રહ્મચારી મખિયાવ ગામના બ્રાહ્મણ હતા. તે યજમાનની દીકરીને તેડવા ગયા હતા. તેને તેડીને આવતાં માર્ગમાં એક ગામ આવીને રાત રહ્યા. ત્યાં એ બાઈની નજર ખોટી દેખવામાં આવી, તેથી તેને ત્યાં ને ત્યાં પડી મૂકીને ચાલી નીકળ્યા ને શ્રીજીમહારાજ પાસે આવીને બ્રહ્મચારી થયા, એવા નિષ્કામી હતા. તેમને શ્રીજીમહારાજે જોડા પહેરવાની અને ઘી-ગૉળ જમવાની બંધી કરી અને પોતાની સેવામાંથી પણ કાઢી મૂક્યા, તોપણ શ્રીજીમહારાજને વિષે જેવી પ્રીતિ ને દિવ્યભાવ હતો ને જેવી દૃઢતા હતી તેવી ને તેવી જ રહી પણ તેમાં ફેર પડ્યો નહીં. એવી રીતે શ્રીજીમહારાજે ઘણીક પરીક્ષા લીધી તોપણ બ્રહ્મચારી ડગ્યા નહિ એવા પરિપક્વ નિશ્ચયવાળા હતા. એવી એમની કેટલીક વાર્તાઓ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીની લખેલી વાતોમાં છે. ।। ૬૦ ।।
વાર્તા ૬૧
વૈશાખ સુદ ૧૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને બાવળ નીચે બેસીને માનસીપૂજા કરી અને સર્વેને મળ્યા.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, લાધીબાઈ અને માતાજીની વાત કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, લાધીબાઈને એક ખેતરમાંથી કચ્છી બાર મણ (ગુજરાતી આઠ મણ) મઠ આવતા, તેમાંથી નિર્વાહ ચલાવતાં. તેમને શ્રીજીમહારાજે કહાવી મોકલ્યું જે, “તમારી પાસે માતાજીને મોકલ્યાં છે તેમનું પોષણ કરજો.” ત્યારે રાજી થયાં, પણ શી રીતે પોષણ કરીશ એવો સંકલ્પ પણ થયો નહીં. એવો શ્રીજીમહારાજના વચનમાં વિશ્વાસ હતો. ઇત્યાદિક ઘણી વાતો છે તે પણ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીની લખેલી વાતોમાં છે.
અને માતાજી મારવાડમાં ઉદેપુરના રાજાની રાણી હતાં. તેમની કુંવરીનો વિવાહ હતો ત્યાં જાન આવી હતી, તેમાં ઈડરના તથા માણસા આદિકનાં રાજા-રાણીઓ ગયાં હતાં. તેમની રાણીઓનાં મુખ થકી વાત સાંભળી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. તેથી પોતાના મનમાં વિચાર થયો જે, ભગવાન પ્રગટ થયા ને હું રહી જઈશ તો મારું કલ્યાણ નહિ થાય, એમ જાણી રાત્રિએ પુરુષનાં લૂગડાં પહેરીને બારીએ દોરડું બાંધીને ઊતરીને ચાલી નીકળ્યાં. તેમને ખોળ્યાં પણ જડ્યાં નહીં. તેથી રાણાએ ચારે દિશાએ સવાર મોકલ્યા. તે ઘોડાનાં ડાબલાં વાગતાં સાંભળીને એક મરેલા ઊંટના ખોખામાં પેસી ગયાં ને સવાર પાછા વળ્યા ત્યારે નીકળીને ચાલ્યાં. તે વાટમાં વણઝારાની પોઠ સાથે વીસનગરના તળાવમાં ઊતર્યાં. ત્યાં રાત્રિના છેલ્લા પહોરે બાઈઓ ગામમાંથી નાહવા આવ્યાં, તેમનો ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ એવો શબ્દ સાંભળીને તેમની પાસે આવીને સર્વે હકીકત કહી. પછી તે બાઈઓએ ગામમાં લઈ જઈને છાનાં રાખ્યાં અને વણઝારો ગયો, તે પછી મહારાજ પાસે ગઢડે આવ્યાં. તેમને મહારાજે માતાજી નામ ધરાવીને લાધીબાઈ પાસે ભૂજ મોકલ્યાં. ત્યાં રહીને લાધીબાઈની સેવા કરી ને લાધીબાઈ ધામમાં ગયાં ત્યારે તેમને સાથે તેડી ગયાં.
અને મુક્તાનંદ સ્વામીએ બે-ચાર ગુરુ કર્યા પણ ગુરુને વિષે નિષ્કામી વર્તમાનમાં ખામી દેખીને પડ્યા મૂક્યા. અને રામાનંદ સ્વામી તથા તેમના સાધુને દૃઢ નિષ્કામી દેખીને ત્યાં રહ્યા અને મન, કર્મ, વચને દાસ થઈને સેવા કરી, પણ ગુરુમાં ને અધિકારમાં ને મિલકતમાં બંધાયા નહીં. શ્રીજીમહારાજ રાત્રિને દિવસ કહે અને રૂમાલને તરવાર કહે તોપણ જીવમાંથી હા પડે પણ સંશય થતો નહીં. વાર્તાની સમાપ્તિ કરીને સર્વે મંદિરમાં આવ્યા. ।। ૬૧ ।।
વાર્તા ૬૨
વૈશાખ સુદ ૧૩ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, સામત તથા મૂળજી અને કૃષ્ણજીએ તથા ગુંદાળી ગામના બે કાઠીએ શું કર્યું તે વાત કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સામત એના દીકરાની સ્ત્રીને તેડવા ગયો હતો, ત્યાં તેને મહેણું દીધું જે, તારા દીકરાને તો ખપ નથી ને જો તારે ખપ હોય તો તું લઈ જા. તે સાંભળીને વિચાર કર્યો જે, હું શ્રી સ્વામિનારાયણનો ભક્ત છું ને મને મેણું આપ્યું, માટે ઇન્દ્રિય જ ન રાખવી એમ વિચારીને ભસ્મ કરી નાંખી.
અને મૂળજી અને કૃષ્ણજી કચ્છ દેશમાં ગામ માનકુવાના હતા, તે શ્રીજીમહારાજ પાસે ત્યાગી થવા ગયા હતા. તેમને મહારાજે ત્યાગી ન કર્યા ને પાછા વાળી મૂક્યા. તેમણે ભગવાં લૂગડાં પહેરીને ગામમાં ઝોળી માગવા માંડી, પછી તેમના સંબંધીએ રજા આપી એટલે ગઢડે આવ્યા. તેમને શ્રીજીમહારાજે વિમુખ કરીને કાઢી મૂક્યા તોપણ વિમુખપણાની માનીનતા રાખી નહીં. અને ઘેલા નદીને કાંઠે દેરીમાં જઈને કીર્તન બોલવા માંડ્યા. પછી શ્રીજીમહારાજે તેડાવીને ભેળા રાખ્યા.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, એ બેમાંથી કોણે ભસ્મ કર્યું હતું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કૃષ્ણજીએ કર્યું હતું. મૂળજીનું નામ સર્વજ્ઞાનંદ સ્વામી હતું. અને તે અમદાવાદમાં મહંત હતા અને કૃષ્ણજીનું નામ ઘનશ્યામાનંદ સ્વામી હતું.
અને ગુંદાળી ગામના બે કાઠી હરિભક્તને ઘેર સાધુ આવ્યા. તેમને એ કાઠીની માએ ખીચડી આપી. પછી સાધુએ ખીચડી રાંધવા મૂકી, તેની ગામના ઘરડેરા કાઠીને ખબર પડી. તેણે સાધુને રસોઈ કરવા દીધી નહિ ને કાઢી મૂક્યા. તે ઘરડેરા કાઠીને તે બે ભાઈએ મારી નાખ્યો અને પોતે પણ મરાણા એવો પક્ષ રાખ્યો હતો.
પછી વળી સ્વામીએ કહ્યું જે, સુંદરજીભાઈ તથા ડોસા વાણિયા આદિકની વાત કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સુંદરજી સુતાર કચ્છ-ભૂજના હતા, તે રાજાની જાને જતા હતા. તેમને શ્રીજીમહારાજે વસ્ત્ર, ઘરેણાં, થોભા ઉતરાવીને કોપીન વળાવીને તુંબડી આપીને કાશીએ મોકલ્યા તોપણ એમ ન કહ્યું જે, હું જાન વળાવીને પછી જાઉં. તેમજ મનમાં સંકલ્પ પણ થયો નહિ, એ મહિમા વિના થાય નહીં.
અને ગામ બંધિયાના ડોસા વાણિયાને કહ્યું જે, તારું ધન હોય તે કૂવામાં નાખી દે ને દાણા-લૂગડાં જે હોય તે બાળી દે ને કોપીન પહેરીને તુંબડી લઈને કાશીએ જા. પછી તે એમ કરીને ચાલ્યા તે વડોદરે પહોંચ્યા ત્યાં અનાદિમુક્તરાજ સદ્. શ્રી મુક્તાનંદ સ્વામી મળ્યા. તેમણે પાછા વાળ્યા; ને શ્રીજીમહારાજ પાસે મોકલ્યા. તે શ્રીજીમહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજે કહ્યું જે, ઘેર જાઓ ને ઘરનું માણસ ઘરમાં હોય ત્યારે તમારે બહાર રહેવું અને એ બહાર નીકળે ત્યારે તમારે ઘરમાં જાવું. જો બેય સાથે ઘરમાં જાઓ તો ઉપવાસ કરવો, એમ આજ્ઞા કરી તે આજ્ઞા દેહ પર્યંત પાળી.
અને રાણો, ભીમ, વશરામ ને રાઘવ એ ચાર ભાઈ ગોળીડા ગામના રાજગર બ્રાહ્મણ હતા. તેના ગામમાં યમ પેઠા. તેમને પેસતાં દેખીને તેમણે કાઢી મૂક્યા. તેમાંનો ભીમ દેહ મૂકી ગયો ને વશરામ ને રાઘવ એ બે સાધુ થયા. રાણે દેહ મૂકતી વખતે પોતાની માતુશ્રીને કહ્યું જે, મારા બારમાને બીજે દિવસે તને તેડી જઈશ, તે પ્રમાણે તેડી ગયો હતો.
અને કઠલાલની ડોશી હતાં તેમણે શ્રીજીમહારાજનો અંગૂઠો પાણીના ઘડામાં બોળાવીને તે પાણી ગામના કૂવામાં નાખ્યું, તે એમ ધારીને કે ગામના લોકો પાણી પીશે તે બધાનું કલ્યાણ થાશે, એવો શ્રીજીમહારાજનો એને મહિમા હતો. અને પ્રહ્લાદજીની વાત તો વચનામૃતમાં લખેલી છે. આટલી વાર્તા કરીને કથાની સમાપ્તિ કરીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય એમ વર દીધો. ।। ૬૨ ।।
વાર્તા ૬૩
વૈશાખ સુદ ૧૪ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૩૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધામને વિષે મૂર્તિ ને મનુષ્યરૂપ મૂર્તિની એકતા આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ધામમાં રહી જે મૂર્તિ ને મનુષ્યરૂપ મૂર્તિ તે એક જ છે તેમજ પ્રતિમા છે તે પણ એ જ મૂર્તિ છે. માટે જેવી મૂર્તિ અક્ષરધામમાં છે તેવી જ પ્રતિમાઓ દિવ્ય જણાય; અને જેવો શ્રી ગોપાળાનંદ સ્વામી આદિક પરોક્ષ થયેલા એટલે અદૃશ્ય થયેલા મુક્તનો મહિમા છે, તેવો જ આ સંત-હરિજનોનો મહિમા જણાય તો આજ શરદઋતુ છે, તે મૂર્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. જો શ્રોતા-વક્તા બેયની આતુરતા હોય તો મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય પણ નપુંસકથી ન થાય, તે કરોડો જન્મે પણ ન થાય. તે શ્રોતા-વક્તાની વિક્તિ જે જેને વાતમાં વિશ્વાસ ને શ્રદ્ધા (આસ્તિકપણું) ન હોય ને સંશય થાય તે નપુંસક શ્રોતા જાણવો, તેને સમાગમનું સુખ ન આવે; અને જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય ને સંશય ન થાય તે શ્રોતા ઉત્તમ જાણવો, તેને સમાગમનું સુખ આવે. જે વક્તાને મહાપ્રભુજીની મૂર્તિનો સંબંધ ન હોય તે વક્તા નપુંસક જાણવો અને જે વક્તાને મૂર્તિનો સાક્ષાત્ સંબંધ હોય તે વક્તા ઉત્તમ જાણવો. મહારાજના સંબંધ વિનાની જે જે વિદ્યા ભણવી, કથા કરવી, વાર્તા કરવી, સેવા-ભક્તિ કરવી તે સર્વે નપુંસક છે ને નિર્બીજ છે. જે સત્સંગ કરે છે ને મહારાજને કર્તા ને અંતર્યામી જાણે છે તોપણ મનમાં ખોટા ઘાટ થાય છે તેને ઊપજવા દે છે. તેણે મહારાજની અને મુક્તની મર્યાદા ન રાખી માટે તે પણ નપુંસક ને નિર્બીજ છે. જે મહારાજને અને મોટાને સદાય અંતર્યામી જાણે ને ભેળા જાણે ને ખોટા ઘાટ ન થવા દે ને મર્યાદા રાખે તે સબીજ ને આસ્તિક છે. માટે અદૃશ્ય થયેલી મહારાજની મૂર્તિ અને અદૃશ્ય થયેલા સંતને જેવા જાણે છે તેવા આજના સંતને તથા પ્રતિમાને જાણે તો પોતે દિવ્ય થઈ જાય. ।। ૬૩ ।।
વાર્તા ૬૪
વૈશાખ સુદ ૧૪ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસીપૂજા કરી બાવળ નીચે સભા કરી.
પછી સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, સમાગમ કરીએ ને વાત તો સમજાય નહિ ને યાદ પણ રહે નહિ તેને સમાસ થાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ખેતરમાં ખૂબ વરસાદ વરસે ને તેને ખૂબ ખેડીને પછી તેમાં માળવણ જાર વાવે ને પછી વરસાદ ન થાય તોપણ મોટાં મોટાં કણસલાં કાઢે ને જાર પાકે; તેમ વાતો ન સમજાય તોપણ જીવમાં રહે છે ને અંત વખતે જણાઈ આવે છે. વળી, બીજું દૃષ્ટાંત જે, જેમ ભાલ દેશમાં ઘઉં પીલતી વખતે બળદ આખા ઘઉં ખાઈ જાય છે તે છાણ ભેળાં નીકળી જાય છે, પણ તેનો કસ રહે છે; તેમ આ વાતો સમજાય નહિ તોપણ બહુ સમાસ કરે ને સાંભળનારને દેશકાળ લાગવા દે નહીં. આ પ્રશ્ન મૂળીમાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને આ ગામના કુંવરજી પટેલે પૂછ્યો હતો, તે સ્વામીશ્રીએ એવો ઉત્તર આપ્યો હતો. અને તે કુંવરજીભાઈ કહેતાં જે, જ્યારે સ્વામીશ્રીની પાસે વાતો સાંભળતો તે દિવસે કાંઈ સમજાતું નહોતું પણ આજ તે બધી વાતો સાંભરી આવે છે. આ વાતો અંત વખતે કામમાં આવે છે માટે સમજાય અથવા ન સમજાય તોપણ જ્યાં સુધી પ્રત્યક્ષ બેઠા છીએ ત્યાં સુધી જોગ કરી લેવો. ।। ૬૪ ।।
વાર્તા ૬૫
વૈશાખ સુદ ૧૫ને રોજ સવારમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ શરદઋતુમાં સ્વાંત નક્ષત્ર આવે છે તેમાં વરસાદ થાય છે તેને છીપ સમુદ્રમાં અધરથી ઝીલે છે તેનાં મોતી લાખ લાખ રૂપિયાનાં થાય છે, ને પડી પડી ઝીલે તો એક પૈસાનાં મુઠ્ઠી ભરાય એવાં ફટકિયાં મોતી થાય છે; તેમ આજ અમે તમને મળ્યા છીએ તે શરદઋતુ બેઠી છે, માટે આ અમારાં વચન અધરથી ઝીલવાં અને અમારો સમાગમ બાર મહિનામાં એક વાર ન થાય તો કાળ પડ્યા જેવું જાણવું. જેમ ચોમાસામાં વરસાદ ન થાય તો અન્ન પાકે નહિ ને દુઃખી થવાય, તેમ સમાગમ વિના જ્ઞાન મળે નહિ ને મૂર્તિથી ઓરું રહેવાય, માટે સમાગમ કરી લેવો. તે સમાગમનું સુખ જેવું થોડા મનુષ્યોમાં આવે એવું ઝાઝા મનુષ્યોમાં ન આવે. જે એક રુચિના હોય તે થોડા જાણવા અને રુચિ ન મળે તે ઝાઝા જાણવા. આપણે સંવત ૧૮૩૭થી (મહારાજ ને મુક્ત પ્રગટ થયા છે ત્યારથી) શરદઋતુ બેઠી છે. જેમ બાળકને માતા જેવું કોઈ સુખદાયી નથી, તેમ જે આત્યંતિક કલ્યાણ ઇચ્છે તેને મુક્ત જેવું કોઈ સુખદાયી નથી. આ વાત ચૂકે તેને ઘણો વાંધો રહે છે. જેમ શ્રીજીમહારાજે દેહોત્સવ કર્યો ત્યારે ઘણાક ભક્તોને પસ્તાવો થયો જે મહારાજ જતા રહ્યા અને કાંઈ સેવા પણ થઈ નહિ અને જેવા હતા તેવા જાણ્યા નહિ; તેમ આજ પણ અમે પ્રગટ થયા છીએ તે જો મહિમા જાણીને સમાગમ નહિ કરે તેને આ સમય ગયા કેડે પસ્તાવો ઘણો જ થશે ને રોવું પડશે. અને જે મહિમા જાણીને સમાગમ કરશે તેને પાછળથી સુખ અને આનંદ ઘણો રહેશે, માટે નવરાશ લાવીને સમાગમ કરી લેવો. આ સમાગમ અનંત જન્મના ફેરા મટાડે એવો બળવાન છે, ને તે ફેર મળવો પણ ઘણો દુર્લભ છે. માટે કોઈ અંતરાયના રોક્યા રોકાવું નહીં. તે અંતરાય આસુરી જીવ કરે અને દૈવી જીવ પણ કરે, તેમાં આસુરી જીવ તો મોટા પરમએકાંતિકને તથા અનાદિમુક્તને ઓળખે નહીં. જેમ શ્રી ગોપાળાનંદ સ્વામીને તથા શ્રી ગુણાતીતાનંદ સ્વામીને ખૂણિયા જ્ઞાનવાળા કહેતા, તેમ મોટાની નિંદા કરે ને બીજાને પાછા પાડે ને સમાગમ કરવા દે નહિ; એ સત્સંગમાં કુસંગ કહેવાય. તેને તો મોટાના સમાગમવાળા જાણે જે આ બિચારા પામર છે ને એમને ગૉળ-ખોળની ખબર નથી; એમ જાણીને ગણે નહિ ને મોટાનો સમાગમ કરી લે. અને દૈવી જીવ એમ અંતરાય કરે જે આપણે મોટાનો સમાગમ કરવો તો ખરો, પણ વ્યવહાર રાખી કરવો; કેમ જે આપણે ત્યાગી થઈને ગૃહસ્થનો સમાગમ કરવો, એ લોક વ્યવહારમાં ખોટું કહેવાય માટે વારંવાર જવું નહીં. કોઈક કોઈક વખતે જવું ને સમાગમ કરવામાં વિવેક રાખવો, એમ બોલીને પાછા પાડે. વળી, કેટલાક દૈવી જીવ હોય પણ પોતે વ્યવહારમાં બંધાણા હોય તે મુમુક્ષુને પણ વ્યવહારનું કામ બતાવે જે, આ કામ બગડે છે માટે કર્યા વિના છૂટકો નથી ને તમારા વિના થાય તેમ નથી માટે એ કામ કરો ને નવરા થાઓ ત્યારે વળી સમાગમ કરજો; એમ સમાગમ કરતાં રોકે. કેટલાક દૈવી જીવ હોય પણ તેને વર્ણાશ્રમનું માન પેસી ગયું હોય. તે એમ કહે જે, અમને ત્યાગીને મૂકીને ગૃહસ્થના સમાગમમાંથી શું વધારે લાવતા હશો ? માટે અમારો સમાગમ કરો એમ જીવને અંતરાય કરે; માટે કોઈના રોક્યા ન રોકાતાં મોટાનો જોગ કરી લેવો.
પછી વાર્તાની સમાપ્તિ કરી, તે વખતે એક સંતે આવીને બાપાશ્રીને બે હાથ જોડી આગ્રહ કરીને કહ્યું જે, મને વર્તમાન ધરાવો ને હવે કસરમાત્ર ન રહે એવી દયા કરો. પછી બાપાશ્રીએ તેમને વર્તમાન ધરાવ્યાં. પછી તેમણે અંતર્વૃત્તિ કરી ત્યાં તો પોતાના આત્માને પ્રકાશમાન દીઠો ને તેમાં મહારાજની મૂર્તિ તેજોમય દેખી અને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી તેથી બહુ આનંદ પામ્યા. ત્યારે સર્વે સંતે પૂછ્યું જે, સ્વામી ! તમે કેમ હર્ષાયમાન જણાઓ છો ? ત્યારે તેમણે ઉપરની વાત કરી. તે પછી સ્વામી વૃંદાવનદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, આ તો બહુ મોટા છે ને એમને શી કસર રહી ગઈ હશે જે આપને વિનંતી કરી. પછી બાપાશ્રી બોલ્યા જે, પૂર્વે એમણે શ્રીજીમહારાજના પાળાને હથિયાર ઉગામ્યાં હતાં, એ અપરાધ હતો તે અપરાધથી મુક્ત કર્યા એટલે મહારાજનાં દર્શન થયાં. આ સંત સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીનો સમાગમ બહુ કરતા અને તેમણે અમારી ઓળખાણ પડાવી હતી.
પછી સાંજના સૌ સંત-હરિજનો નારાયણપુર ગયા અને ત્યાંથી દહીંસરા, રામપુર આદિક ગામોમાં થઈને ભૂજ ગયા. અને અષાઢ સુદ એકાદશીને રોજ બાપાશ્રી ઘોડે બેસીને ભૂજ પધાર્યા અને ત્યાં સાત દિવસ રહીને કથા-વાર્તાનું બહુ સુખ આપ્યું. પછી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સંત-હરિજનો સર્વે ગુજરાત આવ્યા. ।। ૬૫ ।।
વાર્તા ૬૬
સંવત ૧૯૬૫ની સાલમાં મૂળીએ વસંત કરીને અમદાવાદ, મૂળીના સંતો તથા હરિજનો કચ્છમાં ગયા હતા. ત્યાં સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી માંદા હતા, તેમણે મહા વદ એકાદશીને રોજ જેઠી ઘેલાભાઈને કહ્યું જે, ફાગણ સુદ બીજને રોજ છત્રીએ ચરણારવિંદ પધરાવો, મુહૂર્ત છે. પછી તે દિવસે ચરણારવિંદ પધરાવ્યાં અને મંદિરમાં આવ્યા કે તરત જ સ્વામીએ દેહોત્સવ કર્યો. તેમને ઉત્સવ કરતા કરતા દેન દેવા લઈ ગયા. તેના આગલે દિવસે રામપરામાં મુક્તરાજ ધનબાએ સંતને બોલાવીને પારાયણ કરાવવા ગોમટી તૈયાર કરાવી ને બીજે દિવસે જે વખતે સ્વામીએ દેહોત્સવ કર્યો તે જ વખતે પારાયણ ચાલુ કરી. ફાગણ સુદ પૂનમ સુધી તેર દિવસની પારાયણ કરાવી, ત્યાં શ્રી વૃષપુરથી બાપાશ્રી પધાર્યા હતા અને સંતો પણ સર્વે ત્યાં ગયા. ત્યાં પારાયણ સાંભળીને બાપાશ્રીની સાથે વૃષપુર ગયા. ત્યાં બાપાશ્રીએ જે વાર્તાઓ કરી તેમાંથી કિંચિત્ લખીએ છીએ.
ફાગણ વદ ૫ને રોજ સવારે સભામાં લોયાનું ૬ઠ્ઠું વચનામૃત વંચાતું હતું. તેમાં ૧૫મા પ્રશ્નમાં બરોબર વર્તવારૂપી દોષનું ગ્રહણ કરવું એમ આવ્યું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આ પ્રશ્નમાં બરોબર વર્તવાનું કહ્યું તે બરોબર કેવી રીતે વર્તવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વૈરાગ્ય, આત્મનિષ્ઠા તથા ત્યાગ એ સાધન બધાયથી સરખાં થઈ શકે નહિ તેથી ભેળા નભી શકે નહિ, માટે શ્રીજીમહારાજે જે પ્રમાણે નિયમની બાંધણી બાંધી છે તે પ્રમાણે તો વર્તવું જ, પણ નિયમથી અધિક વર્તવું નહિ એમ કહ્યું છે. અને ધ્યાન-ભજન તો સૌથી વધારે કરવું, પણ તેમાં બરોબર ન વર્તવું. શ્રીજીમહારાજે બાંધણી બાંધી છે, તે કોઈને કઠણ પડે એવી નથી. તે પ્રમાણે વર્તે તો અક્ષરધામમાં ચાલ્યો જાય. શ્રીજીમહારાજે વાત મોળીએ બહુ કરી છે ને આકરી પણ બહુ કરી છે, તેમાં પણ નકરી મોળી વાત નહીં. કોઈક વર્તમાન ચૂકે તો તેને પ્રાયશ્ચિત્ત કરાવીને સત્સંગમાં રાખવો; એવું તો મહાપ્રભુજીને આવડે, બીજા કોઈને આવડે નહીં. આ વચન મહાપ્રભુજીના પોતાના મુખનાં નીકળે છે. તે નિર્બીજ હોય તેને સબીજ કરી દે એવાં છે. જીવને પરચા-ચમત્કારની વાતો સારી લાગે અને મૂર્તિની વાતો ભારે પડે છે પણ કરવાનું તો એ જ છે. જેમ ઘણાક પ્રકારના ઉદ્યમ કરીને રૂપિયા પામવા છે તે જો રૂપિયા મળે તો બીજા ઉદ્યમનું કામ નથી; તેમ અનંત સાધન કરીને અંતે મૂર્તિ પામવી છે, તે જો મૂર્તિ મળે તો સાધન શું કરવાં હતાં ? મહારાજનો અને મોટાનો જોગ પૂર્વે થયો હશે તો જ આજ મોટા ઓળખાણા છે. જેને મોટાનો જોગ છે તેને કદાપિ મૂર્તિ ન દેખાય તોપણ મોટાએ જીવમાં મૂર્તિ પધરાવી મૂકી છે, પણ અંદર પડદે રાખી છે; માટે જીવમાં સાક્ષાત્કાર થઈ ગયો છે એમ જાણવું. જેમ રાજાનો હજૂરી રાજા પાસે લઈ જાય તેમ મહારાજના હજૂરી મુક્ત છે તે મહારાજ પાસે લઈ જાય. અને જેમ હજૂરી રાજા પાસે બેઠો હોય ત્યારે એનો મહિમા જણાય છે, તે રાજા વિના એકલો મળે તો ન જણાય. તેમ મુક્ત જ્યારે મહારાજ પાસે લઈ જઈને મહારાજનું સુખ અપાવે ત્યારે જેવો મહિમા જણાય, તેવો મનુષ્ય રૂપે હોય ત્યારે ન જણાય. નગરશેઠથી રાજાનો મેળાપ ન થઈ શકે ને થાણેદારથી પણ ન થઈ શકે અને હજૂરીથી રાજાનો મેળાપ થાય. તે નગરશેઠને ઠેકાણે દૃઢ ઉપાસનાવાળા વીજળી જેવા સાધનદશાવાળા એકાંતિક છે; તેથી પણ મહારાજનો મેળાપ ન થઈ શકે. જેને ઉપાસના દૃઢ ન થઈ હોય અને આજ્ઞામાં યથાર્થ વર્તતા હોય એવા સાધનવાળા તે થાણેદારને ઠેકાણે છે, ને તે બદરિકાશ્રમ આદિ બીજાં ધામોમાં લઈ જાય. તે બીજાં સર્વે ધામ છે તે અક્ષરધામ આગળ કેદખાનાં જેવાં છે ત્યાં લઈ જાય. અને હજૂરીને ઠેકાણે શ્રીજીમહારાજના અનાદિમુક્ત છે, તે મહારાજનો મેળાપ કરાવે. અને દેહે મોટા હોય અને પંડિત હોય અને સત્સંગનું કામ કરતા હોય પણ મહારાજની પ્રાપ્તિ ન કરાવી શકે; અને મુક્ત ગરીબ રહ્યા હોય પણ વ્યતિરેક મૂર્તિ પમાડે છે. આજ હજૂરી પધાર્યા છે તે ઠેઠ મહારાજની મૂર્તિના સુખમાં લઈ જશે, માટે ધ્યાન કરવા તથા રાગ, માનાદિક શત્રુઓ ટાળવા મંડી પડવું. વાર્તાની સમાપ્તિ કરીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય એમ વર દીધો. ।। ૬૬ ।।
વાર્તા ૬૭
ફાગણ વદ ૬ને રોજ સવારે સભામાં કારિયાણીનું ૧૨મું વચનામૃત વંચાતું હતું; તેમાં કારણ દેહ છે તે જીવની માયા છે અને વજ્રસાર જેવી છે એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજનું ધ્યાન કરવાથી કારણ દેહ શેકાય છે પણ તપ આદિક સાધને કરીને કારણ દેહ શેકાય નહીં. જેમ આંબલીનો કાતરો આખો પૃથ્વીમાં ઘાલીએ તોય ઊગે અને ફોતરું કાઢી નાખીને ગર્ભ સોતો નાખીએ તોય ઊગે અને ગર્ભ કાઢીને કાળી છાલે સહિત નાખીએ તોય ઊગે, પણ ધોળા બીજને નોખું પાડીને પૃથ્વીમાં નાખીએ ને પાણી રેડીએ તોપણ ઊગે નહિ; તેમ તપ, આત્મનિષ્ઠા આદિક સાધને કરીને કારણ દેહ શેકાય નહીં. એ તો જ્યારે શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાય ત્યારે કારણ દેહ બળી જાય અને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયમાં ક્યાંયે લેવાય નહિ ને તેમાં જોડાય નહિ, અને બ્રહ્મકોટિના તથા મૂળઅક્ષરકોટિના ઐશ્વર્યમાં પણ જોડાય નહીં. માટે જ્ઞાનપ્રલય કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવું. અને ચેલો, ગુરુ, દીકરો નાશ પામે તે ઉત્પત્તિ, પ્રલયાદિક શ્રીજીમહારાજની લીલા જાણવી, પણ લૌકિક સ્વાર્થે કરીને શોક કરવો નહીં. જો શ્રીજીમહારાજની મૂર્તિરૂપી મોટી વસ્તુ હાથ આવે તો બીજું બધું ખોટું થઈ જાય.
એક સાધુનો ભણેલો શિષ્ય મરી ગયો તેથી તેના ગુરુ નિરાશ થઈ ગયા. એમ જ્ઞાન વિના થાય છે; માટે વસ્તુ વિચાર કરીને શ્રીજીની મૂર્તિ વિના સર્વે ખોટું કરી નાખવું. એક મહારાજ ને તેમનું સુખ ને તેમના મુક્ત એ સત્ય રાખવાં અને પોતાનું અધૂરું માનવું. બીજા સર્વેનું પૂરું થયું છે એમ જાણવું અને નિત્ય ચઢતો રંગ રાખવો. જીવને પોતાની માયિક બુદ્ધિએ કરીને ભગવાન તથા મોટા મુક્ત ઓળખાતા નથી. એ તો જ્યારે અનાદિમુક્તનો આશરો કરે ત્યારે તે મુક્ત પોતાની બુદ્ધિ જીવને આપે ત્યારે ભગવાનનું કે મોટાનું વર્ણન કરી શકે. જેમ વરસાદ ચારે ખાણના જીવને સુખિયા કરે છે તેમ અનાદિમુક્ત જીવોને શ્રીજીને સુખે સુખિયા કરે છે. મોટા અનાદિ છે તે તો મૂર્તિમાં જ રહ્યા છે. આપણે તેવા થાવું પણ અઠે દ્વારકા કરી બેસી રહેવું નહીં. તે ત્યાગી થયા કે સત્સંગી થયા એટલે પૂરું ન માનવું અને આ બ્રહ્મસભામાં કોઈનો અવગુણ ન લેવો. અવગુણ આવે તો પાછો ખદ્યોત જેવો થઈ જાય માટે બીજાનું જોવું નહીં. મોટાનો અવગુણ આવે તો મરી જવાય એટલે ઊતરી જવાય. શ્રીજીમહારાજે કહ્યું છે જે, સભા શૂન્ય થઈ ગઈ એટલે શ્રીજીમહારાજની ઉપાસના ન સમજાઈ. કથા-વાર્તા-ભક્તિમાં વલખાં કરે પણ મૂર્તિમાં જોડાય નહિ એમ સભા શૂન્ય કહી છે, માટે જીવને ચકડોળે ચઢાવવો નહીં. અને શ્રીજીના સન્મુખ વૃત્તિ રાખવી પણ તૂટક કરવી નહીં. શ્રીજીમહારાજના સ્વરૂપમાંથી નોખા પડીને બીજે ડોળે ચઢી જવાય એ સભા શૂન્ય કહેવાય. માયામાં ઊંઘી જવાય તે શૂન્ય ન જાણવું. કેમ જે આ સભામાં માયા તો આવે જ નહીં. કદાપિ કોઈકને આવે તો બ્રહ્મઅગ્નિમાં નહાવું એટલે મહાપ્રભુજીને અને મોટા મુક્તોને સંભારવા તો પવિત્ર થવાય. જેમ જળ ને અગ્નિ દેહને ચોખ્ખો કરે છે તેમ શ્રીજીમહારાજ તથા મોટા અનાદિમુક્ત છે તે જીવને ચોખ્ખો કરે છે. માટે જેને શ્રી પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામવું હોય તેણે બ્રહ્મઅગ્નિમાં ઝીલવું.
એક શિષ્યને ગુરુ ઘસડીને ધામમાં લઈ ગયા અને તેને મહારાજ ને મુક્ત બતાવ્યા; એવા ગુરુ કરવા પણ ગરબડિયા ગુરુ ન કરવા. એટલે ધન-સ્ત્રીના પ્રસંગવાળા તથા ઉપાસના ચોખ્ખી ન હોય એવા ન કરવા. જે ગુરુ પોતાના શિષ્યને પરાણે મૂર્તિમાં ઘસડી જાય તે મોટા છે ને મહારાજને વહાલા છે. શ્રીજીમહારાજ જય સ્વામિનારાયણ કહે છે તે પોતાને કહે છે; અને જય સચ્ચિદાનંદ કહે છે તે પોતાના અનાદિમુક્તને કહે છે તે એમ કહે છે જે તમે કાયમ રહો.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ભાગવતીતનુનો અર્થ શો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભાગવતીતનુ એટલે ભગવાનની મૂર્તિ જાણવી; તે મૂર્તિમાં રાખીને સુખ આપે છે. જ્યાં સુધી સાધનનો ભાર હોય ત્યાં સુધી ધ્યાન કરે તોપણ મૂર્તિ દેખાય નહિ અને સત્સંગ પણ દિવ્ય સમજાય નહીં. કદાપિ મૂર્તિ દેખતો હોય અને તે મુક્તને ઓળખતો ન હોય પણ સર્વને વિષે દિવ્યભાવ હોય તો વાંધો નહીં. જે સત્સંગ દિવ્ય ન જાણે અને પોતાને સરસ માને અને બીજાને પોતાથી ન્યૂન માને અને તે કહે જે હું મહારાજની મૂર્તિને દેખું છું તો એ વાત ખોટી છે. ।। ૬૭ ।।
વાર્તા ૬૮
ફાગણ વદ ૭ને રોજ બપોરે સભામાં સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, માયા છે તે જીવને ઉપર વળગી હશે કે માંહી પ્રવેશ કરીને ભેળી ભળી ગઈ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ દર્પણ ઉપર મેશ વળગે છે ને જેમ સૂર્યને વાદળાનો પડદો આવે છે; તેમ માયા જીવ ઉપર ફરી વળી છે પણ જીવની માંહી માયા પેસી ગઈ નથી. તે જ્યારે સ્ત્રી, પુરુષ, ગામ, દેશ, ખારું, મોળું, મીઠું, રસના એ આદિક કોઈ ભેદ રહે નહિ ત્યારે કારણ દેહથી જીવ નોખો પડે છે; અને જે જે માનીનતા છે તે ટળી જાય છે. તે પ્રકૃતિપુરુષ સુધીની સર્વે માનીનતા ટળી જાય, ત્યારે અંકુર બળી જાય અને ફેર જન્મવું પડે નહીં. માટે સર્વે માનીનતા ટાળીને કારણ દેહને બ્રહ્મઅગ્નિ જે પોતાનો આત્મા તેને વિષે હોમવો, એટલે ઇન્દ્રિયોની વૃત્તિઓ માયિક પદાર્થમાં ફેલાઈ ગઈ હોય ત્યાંથી પાછી વાળીને બ્રહ્મઅગ્નિ જે પોતાનો આત્મા તે આકારે કરવી, એટલે આત્માને તેજોમય જોયા કરવો ને તેમાં મહારાજની મૂર્તિને જોયા કરવી. એમ ને એમ ધ્યાન કરતાં કરતાં કારણ દેહ બળી જાય ને માયા નાશ થઈ જાય. અને આત્માને મહારાજની મૂર્તિના પ્રકાશને વિષે લીન કરીને તે આત્માની માંહી મહારાજની મૂર્તિ જોવી, એ અભ્યાસ હંમેશાં કરવો; પણ પ્રવૃત્તિમાં ભળી જાવું નહીં.
એક હરિજન મહારાજની મૂર્તિને આત્માને વિષે દેખતા, તેમને ઉત્સવ-સમૈયાની પ્રવૃત્તિમાં મૂર્તિ અને આત્મા દેખાતાં બંધ થઈ ગયાં. પછી સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, આપણા ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સમર્થ છે. તેમની પ્રાર્થના કરો તો તેમની કૃપાથી મૂર્તિ ને આત્મા દેખાશે. પછી તે હરિભક્તે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીની પ્રાર્થના કરી, ત્યારે સ્વામીશ્રીએ વર આપ્યો જે ધ્યાન કરો, દેખશો. પછી મહારાજ ને આત્મા દેખાયા.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તો સ્વપ્નમાં આવે છે ને ન પેઠો હોય તો નથી આવતો. તે એ વિક્ષેપનાં સ્વપ્નાં તો આવે છે ને ભગવાનનાં સ્વપ્નાં તો નથી આવતાં; ત્યારે ભગવાન ચૈતન્યમાં રહ્યા છે કે નથી રહ્યા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જીવોને માયાનું મુખ્યપણું છે તેથી માયિક વિક્ષેપ સ્વપ્નાંમાં આવે છે. તે જ્યારે ભજન કરતાં કરતાં શ્રી પુરુષોત્તમરૂપ થાય ત્યારે માયા ટળી જાય ને મહારાજ મુખ્ય થાય. તેનું સાધન એ છે જે શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળવી અને સર્વોપરી ઉપાસના દૃઢ કરવી. તે બે વડે શ્રી પુરુષોત્તમરૂપ થવાય છે. અનાદિમુક્તના જોગે કરીને આવું દૃઢ જ્ઞાન થાય ત્યારે સુખભોક્તાપણું વિશેષ થાય છે. ।। ૬૮ ।।
વાર્તા ૬૯
ફાગણ વદ ૭ને રોજ સાંજના સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, લોયાના ૭મા વચનામૃતમાં અનુભવજ્ઞાન કહ્યું છે તે કેવી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેને અનુભવજ્ઞાન કહીએ. અને સુખનો અને મૂર્તિનો પાર ન આવે ને નવાં નવાં સુખ લીધાં કરે તે અનુભવજ્ઞાન છે, માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરે એ જ મુક્ત કહેવાય. જે ખોટું છે તેને ખોટું કરવું તેમાં તે શું ? પણ સાચાને ખોટું કરવું તે ખોટું કર્યું કહેવાય. તે ખોટું કિયું ને સાચું કિયું, તો, મૂળપ્રકૃતિ પર્યંત બધું ખોટું છે; અને બ્રહ્મકોટિ, અક્ષરકોટિ, શ્રીજીમહારાજનું તેજ અને અનંત ઐશ્વર્ય તે સાચાં છે, તેને પણ મૂકીને એક શ્રીજીમહારાજની મૂર્તિમાં જ નિમગ્ન રહે ત્યારે છેલ્લી અવધિ આવી જાણવી. આ જ્ઞાન જે કહીએ છીએ તે મૂર્તિના સુખનું છે, માટે જ્ઞાન બધું સરખું નથી. એક તો ખોટાને ખોટું કરે તે પણ જ્ઞાન કહેવાય, અને બીજું સાચાને પણ ખોટું કરીને મૂર્તિમાં પહોંચી ગયા કેડે પણ સુખમાં જવું ને સુખ લેવું અને દાતા-ભોક્તાપણું અને સ્વામી-સેવકપણું દૃઢ કરવું ને સુખનું અપારપણું જાણવું તે અનુભવજ્ઞાન કહેવાય. અને એ વચનામૃતમાં કહ્યું છે જે, બ્રહ્મકોદાળ, રામકૃષ્ણાદિક અવતારોને પોતાની લહેરી કહે છે, તે બ્રહ્મકોદાળ તો આંકેલા આખલા જેવા છે. તે વિધિ-નિષેધને ખોટા કરે છે. તે માર્ગ કલ્પિત છે અને તે નર્કે જાય છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, લોયાના ૭મા વચનામૃતમાં ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણ પ્રકારે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષ થાય એમ કહ્યું છે, તે જેને ભગવાન મનુષ્ય રૂપે પ્રત્યક્ષ મળ્યા હોય તેને જીવાત્મામાં સાક્ષાત્કાર ન થયો હોય તેનું આત્યંતિક કલ્યાણ થાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને પ્રત્યક્ષ ભગવાન મનુષ્ય રૂપે મળ્યા હોય ને તેમને યથાર્થ મહિમાએ સહિત જાણ્યા હોય, તો તેનું કલ્યાણ આત્માને વિષે સાક્ષાત્કાર થયો હોય તેના જેવું જ થાય; એટલો પ્રત્યક્ષ મળ્યાનો વિશેષ છે. ।। ૬૯ ।।
વાર્તા ૭૦
ફાગણ વદ ૮ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ભગવાનના ભક્તે જાણે-અજાણે કાંઈક પાપ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું. તે કીડી-મંકોડી મરે તો સ્વામિનારાયણ નામનો મહામંત્ર જપવો. એ પ્રમાણે જેવું પાપ તેવું પ્રાયશ્ચિત્ત કરવું. તે પ્રાયશ્ચિત્ત કરવાથી દેહની શુદ્ધિ થાય છે અને ધ્યાને કરીને જીવની શુદ્ધિ થાય છે. ઘણું તપ કરવાથી તમોગુણ વધે છે માટે જેણે કરીને શ્રીજીમહારાજને ભૂલી જવાય ને નિયમ થઈ શકે નહિ એવું અતિ તપ કે વ્રત કરવું નહીં. જે પ્રાયશ્ચિત્તના ઉપવાસ કે વ્રત છે તે તો લેણું કહેવાય. તે લેણું તો આપવું જ, તેમાં તો છૂટકો જ નહીં. કોઈનો દ્રોહ થવા દેવો નહિ અને જાણે-અજાણે થઈ જાય તો તેની પ્રાર્થના કરીને માફ કરાવવો. માળા ફેરવવી, પાંચ વખત માનસીપૂજા કરવી; ધ્યાન, ભજન, કથા-વાર્તા, નિયમ, ધર્મ જે જે કરવું તે સર્વે બ્રહ્મયજ્ઞ થાય છે ને ખજીને પડે છે અને અંતે તેનું ફળ જે મૂર્તિનું સુખ તે મોટા આપે છે એટલે એ સુખમાં લઈ જાય છે.
પછી સાધુ પુરુષોત્તમચરણદાસજીએ પૂછ્યું જે, ગોત્ર કોને જાણવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેટલા પંચવર્તમાને યુક્ત શ્રી સ્વામિનારાયણના ભક્ત હોય તે ગોત્ર જાણવું. ।। ૭૦ ।।
વાર્તા ૭૧
ફાગણ વદ ૮ને રોજ બાપાશ્રીએ પોતાના ઘેર સંતોને લઈ જઈને રસોઈ કરાવીને જમાડ્યા અને પછી મંદિરમાં આવ્યા, અને બપોરે મધ્ય પ્રકરણનું ૪૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી જે ભગવાનને વિષે આત્માને સજાતિ પ્રીતિ કરનારો ભક્ત બ્રહ્મરૂપ છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બ્રહ્મનો અર્થ શો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બ્રહ્મ એટલે ભગવાન જાણવા. તે ભગવાનરૂપ થયો એટલે મુક્તની પંક્તિમાં ભળ્યો. પણ જ્યાં સુધી જે દેહે સાધન કરીને મુક્તની સજાતિ થયો છે તે દેહનો યોગ છે, ત્યાં સુધી મુક્તના જેવું સ્વતંત્રપણું જે બીજા જીવોને મહારાજના સુખમાં લઈ જવા એ સામર્થી એને મળતી નથી. જેમ બાળક જન્મે તે છોકરો હોય તે પુરુષની સજાતિ કહેવાય, પણ જુવાન પુરુષની પેઠે કામ કરી શકે નહીં. અને આહાર તથા અવસ્થા તે પણ સરખાં ન હોય; તેમ સિદ્ધમુક્તમાં અને દેહના યોગવાળા મુક્તમાં ફેર છે, ને તે સાધનદશાવાળો કહેવાય. જે અનાદિમુક્ત છે તે તો જેટલું શ્રીજીમહારાજ કરે તેટલું કરી શકે; ને જે સાધનદશાવાળા છે તે તો પોતે નિર્લેપ રહે પણ બીજાને મુક્ત કરી શકે નહીં. તે તો જ્યારે દેહનો વિયોગ થાય ને ધામમાં જઈને ફેર સ્વતંત્રપણે આવે ત્યારે અનંત જીવોનો ઉદ્ધાર કરે. તેમાં પણ જેને અહીં અનાદિમુક્તનો જોગ થયો હોય અને તે અનાદિ થકી શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય અને તે અનાદિના જોગે અનાદિના જેવી સ્થિતિ થઈ હોય તે તો આ દેહે પણ અનંત જીવોને અનાદિ કરી શકે. ।। ૭૧ ।।
વાર્તા ૭૨
ફાગણ વદ ૮ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને પરસ્પર મળ્યા ને માનસીપૂજા કરીને બાવળ નીચે સભા કરીને બેઠા. પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સુષુપ્તિમાં જીવ જાય છે, ત્યારે ઘણા પ્રકારનાં દુઃખ હોય તે સર્વે નિવૃત્તિ પામી જાય છે ને સુખિયો થઈ જાય છે. એવું સુખ તો સુષુપ્તિમાં રહ્યું છે તો મહારાજના સુખનો તો પાર જ ક્યાંથી પમાય ? એ સુખ મોટા મોટા મુક્તો મૂર્તિમાં ભેળા રહીને લીધા જ કરે છે, અને જેને મોટાનો તથા સર્વ સત્સંગનો જ્યારે મહિમા જણાય ત્યારે મોટા તેને એ સુખ આપે છે.
એક દિવસ ગઢડામાં શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા. તે વખતે શ્રીજીમહારાજ બોલ્યા જે, આજ તો અક્ષરધામની સભા કરવી છે. એટલામાં તો સાધુની સભામાં પાછળ બેઠેલા નાના સાધુના દેહમાંથી અને હરિજનોની સભામાં પાછળ બેઠેલા હરિજનોના દેહમાંથી તેજ છૂટવા લાગ્યું. તે સર્વત્ર તેજ તેજ થઈ રહ્યું. તે જોઈને આગળ ગાદી-તકિયે બેઠેલા મોટા મોટા સંતો તથા આગળ બેઠેલા મોટા મોટા હરિજનો સંકોચાવા લાગ્યા જે, આ તો આપણાથી બહુ મોટા છે, એમની આગળ કેમ બેસાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આગળ બેસવું એ તો આ લોકની રીતિ છે તે બેસવું તો ખરું, પણ દેહે કરીને નાના હોય તેમની મર્યાદા રાખવી, ને એમ જાણવું જે એ સર્વે મોટા છે પણ આપણને લોક-વ્યવહારે આગળ બેસાર્યા છે. આમાં સમજવાનું એ છે જે, આ લોકને વિષે મોટા કહેવાતા હોય ને ગાદી-તકિયે બેસતા હોય એથી કામ ન સરે. અને મુક્ત ગરીબ રહ્યા હોય પણ એક મિનિટમાં આત્યંતિક કલ્યાણ કરે. એમ વાત કરીને સર્વેને આશીર્વાદ આપ્યા જે, તમારો આજથી નવો જન્મ ને તમો ધ્યાન કરજો, તમારી સહાયમાં અમે છીએ, તે ધ્યાનમાં સહાય કરીશું ને જેવાં અમારે છે તેવાં જ સુખ તમને શ્રીજીમહારાજ પાસે અપાવીશું ને આપણે ભેળા સુખ ભોગવીશું. પછી પરસ્પર દંડવત કરીને સર્વેને મળ્યા ને માથે હાથ મૂક્યા ને બહુ જ રાજી થયા. પછી કાકરવાડીથી મંદિરમાં આવતાં માર્ગમાં વાત કરી જે, આ બાવળ નીચે આપણે બ્રહ્મયજ્ઞ કરીએ છીએ માટે એનું પણ કામ થઈ ગયું. ।। ૭૨ ।।
વાર્તા ૭૩
ફાગણ વદ ૯ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૪૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં બીજા પ્રશ્નમાં ભક્તિનું રૂપ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નવધા ભક્તિમાં શ્રવણભક્તિ શ્રેષ્ઠ છે; કેમ જે શ્રવણભક્તિથી જે કરવાનું છે તે સમજાય છે, તેથી પ્રેમલક્ષણા ભક્તિ શ્રેષ્ઠ છે; કેમ જે તેથી મૂર્તિની અખંડ સ્મૃતિ રહે છે અને તે કરતાં અનુભવજ્ઞાન શ્રેષ્ઠ છે; કેમ જે તેથી આત્યંતિક મોક્ષ થાય છે. આત્યંતિક મોક્ષવાળો તે અનુભવી જાણવો. તે અનુભવી કર્તા, અકર્તા, ઉપશમ અવસ્થાવાળો ને નિર્લેપ છે. અનાદિમુક્ત તો સ્વતંત્ર છે ને અનુભવીથી અતિશય શ્રેષ્ઠ અને અતિશય સમર્થ છે. જેમ શ્રીજીમહારાજ સત્તાવાન છે તેમ તેમના અનાદિમુક્ત પણ શ્રીજીમહારાજના જેવા જ સત્તાવાન છે. એવા અનાદિમુક્તથી સુખ પામ્યા હોય તેને આ લોકમાં અનાદિમુક્તનો વિયોગ થાય એટલે મુક્ત અદૃશ્ય થાય ત્યારે શોક થવો જોઈએ. જો શોક ન કરે તો કૃતઘ્ની કહેવાય ને રઘુનાથદાસની હારમાં ગણાય.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મોટાને દેન દેવા જાય છે ત્યારે ઉત્સવ કરતા કરતા કેમ લઈ જાય છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રાકૃત લોકની પેઠે પ્રસિદ્ધ રોવું-કૂટવું નહિ પણ અંતરમાં તો શોક કરવો; પણ પ્રાકૃત જીવ જેમ દેહના સંબંધનો શોક કરે છે તેમ ન કરવો. જીવના સંબંધનો શોક તો કરવો જ; કેમ કે જીવન ગયું એમ જાણીને શોક કરે તો શ્રીજીમહારાજ રાજી થઈને ભજન, સ્મરણ આદિક સાધનમાં સહાય કરે છે, પણ શોક ન કરે ને રાજી થાય તો મહારાજ કુરાજી થાય છે. જેમ મંદિર બળતું હોય તેને દેખીને કોઈ રાજી થાય તો મંદિરમાં ભગવાન રહ્યા છે તે કુરાજી થાય તેમ; માટે શોક કરવો; પણ રાજી ન થાવું.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, મોટા અંતર્ધાન થવા ઇચ્છતા હોય ને કોઈક ઉપાધિ કરીને ઉદાસ કરે તે નિમિત્તે અંતર્ધાન થાય તો તેનું ઉદાસી કરનારને પાપ લાગે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટાને તો આ લોકમાં રહેવાની ઇચ્છા ન હોય પણ અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જાય તેનું ઘણું પાપ લાગે. તે વખતે બાપાશ્રીને તાવ હતો ને ઊલટી થઈ. ત્યારે નારાયણપુરના પ્રેમજીભાઈ બોલ્યા જે, આ મંદવાડ કોઈકને આપીને તમે સુખેથી વાતો કરો તો ઠીક. પછી બાપાશ્રીએ કહ્યું જે, લેનાર કોણ છે ? ત્યારે તે બોલ્યા જે, મોકલો મારી પાસે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ખમાશે નહીં. પછી તે કહે જે, ગમે તેમ થાય પણ મોકલો. ત્યારે બાપાશ્રી કહે જે, ઠીક. ત્યાં તો પ્રેમજીભાઈને તાવ ચઢ્યો ને ઊલટી થવા માંડી. પછી ગાડું જોડીને તેમને ઘેર પહોંચાડ્યા ને બાપાશ્રીને તરત તાવ ઊતરી ગયો. ।। ૭૩ ।।
વાર્તા ૭૪
ફાગણ વદ ૧૦ને રોજ સવારે સભામાં સારંગપુરનું ૧૬મું વચનામૃત વંચાતું હતું. તેમાં નરનારાયણ ઋષિ ભરતખંડના સર્વે મનુષ્યોના કલ્યાણને અર્થે ને સુખને અર્થે તપ કરે છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રી નરનારાયણ તપરૂપી ફળ આપે છે અને શ્રીજીમહારાજ તથા તેમના લાડીલા અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજની મૂર્તિનાં રસરૂપી સુખ લઈને મુમુક્ષુઓને આપે છે. શ્રીજીમહારાજે માંગરોળમાં વાવ ગળાવી તે જ્ઞાનરૂપી વાવ જાણવી. તેમાંથી અમૃતરૂપી જળે કરીને અનંત જીવોને સુખિયા કર્યા. તે કરોડો જીવોને તથા ઈશ્વરોને તથા અનંત બ્રહ્મની કોટિઓને તથા અક્ષરોને પણ સુખ આપે છે, પણ મહારાજ તથા મુક્ત પ્રત્યક્ષ મળ્યા વિના કૂદકો લઈને સુખ લેવાય એવું નથી. અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા છે ને મૂર્તિનું સુખ લઈને જીવમાં પ્રવર્તાવે છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જીવમાં મહારાજ પધરાવ્યા ક્યારે કહેવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે મોટા મળે ને નવો જન્મ આપે ને આશીર્વાદ આપે, તેમાં મૂર્તિ પધરાવી દે. તે મૂર્તિનું ધ્યાન કરે તો મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને ધ્યાન ન કરે તો અંત સમયે મોટા મૂર્તિનો મેળાપ કરાવે. ।। ૭૪ ।।
વાર્તા ૭૫
ફાગણ વદ ૧૦ને રોજ બપોરે સભામાં સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, એકાંતિક ક્યારે કહેવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જે ભક્ત પોતાની સર્વે ઇન્દ્રિયોને જીતીને વશ કરે ને વિષયને માર્ગે તથા ઐશ્વર્યને માર્ગે બહેરો, લૂલો, પાંગળો થાય ને એ માર્ગે ચાલે નહિ અને શત્રુમાત્રને જીતી લે અને એક મહાપ્રભુજીની મૂર્તિ વિના મૂળઅક્ષરાદિક કોઈ ઐશ્વર્યની ઇચ્છા ન રાખે ને શ્રીજીની મૂર્તિનું તેજ જે અક્ષરધામ તેને વિષે પણ હેત ન રાખે, એક મૂર્તિની જ ઇચ્છા રાખે ને ખોખા જેવો થઈ જાય ત્યારે તેણે ચાર સાધન જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે સિદ્ધ કર્યાં કહેવાય ને તેને એકાંતિક કહેવાય. અને શ્રીજીમહારાજની મૂર્તિનો પોતાના આત્માને વિષે સાક્ષાત્કાર થાય તે પરમએકાંતિક કહેવાય. અને મૂર્તિમાં પય-સાકરવત્ રસબસ રહે તે અનાદિ કહેવાય. તે અનાદિ તે પરમપદ કહેવાય. કથાની સમાપ્તિ કરીને પછી શ્રીઠાકોરજીને કેરીઓ જમાડીને સર્વે સંતોને વહેંચી દીધી. પછી બેઠા ત્યારે સંતોએ કહ્યું જે, અમે તો મહેમાન છીએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આપણે તો સંબંધી છીએ તે જુદા નહિ રહીએ. આપણે સર્વે એકદેશી મુક્ત છીએ. તે શ્રીજીમહારાજની મૂર્તિમાં ભેળા રહીશું અને બીજા દેશના હશે તે સત્સંગમાં રહેશે. જેણે કારણ ઓળખ્યું તે દેશી જાણવા, અને જેણે કારણ એટલે મહારાજ અને મુક્ત તે ન ઓળખ્યા તે દેશી ન જાણવા. ।। ૭૫ ।।
વાર્તા ૭૬
ફાગણ વદ ૧૧ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૨જું વચનામૃત વંચાતું હતું. તેમાં પરોક્ષના જેવી પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તો સર્વે અર્થ પ્રાપ્ત થાય એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પરોક્ષના જેવો પ્રત્યક્ષનો મહિમા જણાતો નથી, તેથી પૂર્વના ઋષિનું મનાય અને આજના મુક્તનું ન મનાય. ગઢડામાં શ્રી આનંદાનંદ બ્રહ્મચારીએ કહ્યું જે, પૂર્વના ઋષિઓ ઊન, દૂધ, કેળનું પાણી તથા મૃગચર્મ એ સર્વેને પવિત્ર કહી ગયા છે તે મનાય છે. અને હું સાક્ષાત્ શ્રી પુરુષોત્તમનારાયણનો મુક્ત છું, ને હું કહું જે, દૂધ કરતાં ઘેલાનું પાણી પવિત્ર છે ને મૃગચર્મ તથા ઊન કરતાં કપાસ પવિત્ર છે તો તે કોઈ ન માનો; કેમ જે પ્રત્યક્ષનો મહિમા જાણ્યામાં આવ્યો નથી. ભૂજમાં અમૃતબાઈ હતાં તે ચાર મહિના ચીભડાં જમે, ચાર મહિના ગલકાં જમે, ચાર મહિના ભીંડા જમે, એમ પંદર વર્ષ કાઢી નાખ્યાં, એવાં તપસ્વી હતાં. ધર્મમાં પણ એવાં જે કોઈનો પડછાયો અડે કે દોરો અડી જાય તો તે હમીરસર તળાવમાં ટાઢમાં નાહી આવે ને બ્રહ્મચારી પાસેથી છાશ લેતાં તે પણ બ્રાહ્મણના છોકરાને નવરાવીને માર્ગમાં પાણી છાંટતાં છાંટતાં લઈ જાય. એક દિવસે બ્રહ્મચારીએ એ ડોસીને છાશ આપવા અમને મોકલ્યા તે ન લીધી ને કહ્યું જે, બ્રહ્મચારીએ કણબી સાથે છાશ મોકલી તે નહિ લઉં. પછી એ છાશ અમે પાછી લાવીને બ્રહ્મચારીને આપી, તે છાશ એક મોઢ બ્રાહ્મણનો છોકરો નાગોડિયો કૂતરાં રમાડતો હતો તેને નવરાવીને તેની પાસે લવરાવીને પીધી. પછી રાત્રિએ શ્રીજીમહારાજે સ્વપ્નમાં કંસારા સોનીની છાશ લુહાણા પાસે લવરાવીને પાઈ અને પછી કહ્યું જે, કાલે અમારા મુક્તની લાવેલી ન લીધી; ત્યારે આ પીધી તે કોની છે ? અને કોણ લાવનાર છે ? પછી તો ઘણો પસ્તાવો થયો. પછી બીજે દિવસે અમારી પાસે મંગાવીને પીધી અને કહ્યું જે, “તમે તો સાક્ષાત્ અનાદિમુક્ત છો. તે મેં તમને ઓળખ્યા નહિ અને કણબી જાણીને સંશય કર્યો, તેનો શ્રીજીમહારાજે આજ રાત્રિએ મને દંડ દીધો.” માટે વિધિ તો પાળવો પણ ટાણું ઓળખવું ને મુક્ત ઓળખવા, જે આપનારા કોણ છે. પરોક્ષના કરતાં પ્રત્યક્ષના મુક્તની પ્રતીતિ વધારે રાખવી પણ તે મનાતું નથી. ભૂજમાં સુતાર સુંદરજીભાઈએ દેહ મૂક્યો ત્યારે પટારામાંથી શાલ કાઢવા શ્રીજીમહારાજ ગયા ત્યારે એમનાં પત્નીએ કહ્યું જે, મહારાજ ! તમે તમારા ભક્તને અડ્યા છો, માટે પટારે અડશો નહીં. ત્યારે મહારાજે કહ્યું જે, એ તો અમે ભૂલી ગયા. પછી બીજા પાસે કઢાવીને દેન દઈ આવ્યા. જ્યારે મહારાજે પછી દિવ્ય તેજોમય પોતાના અનંત મુક્તે સહિત દર્શન આપ્યાં ત્યારે ખબર પડી ને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! તમે દિવ્ય છો, પણ હું તમારે વિષે દિવ્યપણું ભૂલી ગઈ અને મનુષ્યભાવ આવી ગયો. ત્યારે મહારાજ બોલ્યા જે, અમને ભગવાન જાણીને ઘેર રાખ્યા ને બહુ સેવા કરી પણ જ્યારે ટાણું આવ્યું ત્યારે ભૂલી ગયા. માટે સદા દિવ્યભાવ રહે એવી પાકી દૃઢતા કરવી. એવું ન સમજાય ને મનુષ્યભાવ આવે એટલું નાસ્તિકપણું છે. મોટાને તો નાત, જાત, વર્ણ, આશ્રમ તે કાંઈ છે જ નહીં. એ તો શ્રીજીમહારાજરૂપ છે ને શ્રીજીમહારાજના સંકલ્પથી અત્યારે મુક્ત રૂપે દેખાય છે ને મુક્ત દ્વારાએ શ્રીજીમહારાજ સર્વે સત્સંગને સુખ આપે છે, દર્શન આપે છે, સેવા અંગીકાર કરે છે તથા વાતો કરે છે, માટે જેવા શ્રીજીમહારાજ દિવ્ય છે તેવા જ મુક્ત દિવ્ય છે એમ સમજીને મનુષ્યભાવ આવવા દેવો નહીં. ।। ૭૬ ।।
વાર્તા ૭૭
ફાગણ વદ ૧૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને એકબીજાને મળીને પછી બાવળ તળે બેસીને સર્વેએ માનસીપૂજા કરી.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મોટાને જોગે મોટા જેવા થયા હોય પણ એ સુખ મોટાએ રોકી રાખ્યું હોય, માટે મળ્યું જ છે એમ જાણવું. બાપનું દ્રવ્ય છે તે દીકરાનું જ છે, તેમ અમારું સુખ છે તે તમે અમારા શિષ્ય છો તે તમારું જ છે. નાના-મોટા સર્વ એક બાપના દીકરા છીએ. બુદ્ધિવાળાને તથા વગર બુદ્ધિવાળાને સર્વેને સરખા સુખિયા કરીશું. આ ગામમાં ભોજો ભક્ત હતા તેમને સુખિયા કરી મૂક્યા. તે મૂર્તિ વિના બીજું દેખતા જ નહિ અને કહેતા જે, મહારાજ વિના બીજાને માથું કેમ નમે ? આ લોકમાંથી ઉદાસ થાય તેને દેહના ભાવ ટળી જાય છે ને એને દેશકાળના વિષમપણામાં ખસી નીકળવાની જરૂર નથી. મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય ત્યારે નાગ, વાઘ, જળ, અગ્નિ, માન, અપમાન, ગળ્યું, ચીકણું, તીખું, તમતમું એ આદિક વિષયમાત્રનો ભય ને રાગ સર્વે ટળી જાય છે, એવો મૂર્તિનો પ્રતાપ છે. જ્યારે આ ગામમાં પ્લેગ આવ્યો ત્યારે સર્વે લોકો ગામમાંથી નીકળીને બહાર જઈને રહ્યા. ત્યારે ભોજો ભક્ત બોલ્યા જે, ગુરુદેવ ! આ લોક સર્વે કેમ ભાગી જાય છે ? ત્યારે અમે કહ્યું જે, પ્લેગ આવ્યો છે એ સારુ જાય છે. ત્યારે તે બોલ્યા જે, એ તો શ્રીજીમહારાજે પોતાના ભક્ત ઉપર દયા કરીને સેવક મોકલ્યો છે, જે મારા ભક્તને કોઈકની પાસે સેવા કરાવવી પડે ને સેવા કરનાર ન હોય તો બહુ દુઃખી થાય, માટે સેવક મોકલીએ તે ચોવીસ કલાકમાં છૂટકો થઈ જાય એમ જાણીને સેવક મોકલ્યો છે, તે સેવક પાસે સેવા કરાવતા નથી ને ભાગી જાય છે તે એ શું સમજતા હશે ? માટે હું તો ગામમાં રહીશ. પછી અમે બોલ્યા જે, ઠાકોરજીની મૂર્તિઓ અમારી વાડીમાં લઈ જઈશું તે તમે દર્શન વિના શી રીતે જમશો ? ત્યારે ભોજો ભક્ત બોલ્યા જે, તમે અહીં રહો ને ઠાકોરજીને પણ અહીં રાખો. પછી અમે કહ્યું જે, અમને ગામધણી તથા હરિભક્ત સર્વે કહે છે કે તમે પણ અમારા ભેળા ચાલો; એટલે અમારે જાવું પડશે ને ઠાકોરજીને પણ લઈ જઈશું. ત્યારે તે કહે જે, હું ત્યાં દર્શન કરી જઈશ. પછી અમે કહ્યું જે, લોકો તમને દર્શન કરવા આવવા દેશે નહિ માટે તમે ત્યાં ચાલો. ત્યારે તે કહે જે, આ સેવકને મહારાજે મૂક્યો છે. તેને ત્યાં મારી સેવામાં બોલાવો તો હું ત્યાં આવું. ત્યારે અમે કહ્યું જે, ચાલો, આપણી વાડીએ બોલાવશું. પછી સર્વે ગયા અને બીજે દિવસે ભોજા ભક્તે કહ્યું કે, સેવક જતો રહેશે તો શું કરીશ ? માટે બોલાવો. પછી અમે કહ્યું જે, કાલે આવશે. પછી બીજે દિવસે તેમને ગાંઠ નીકળી, તેથી રાજી થયા ને બોલ્યા જે, સેવકને લાવ્યા ખરા. પછી અમે કહ્યું જે, તમારે કાંઈ જમવું છે ? ત્યારે તેમણે કહ્યું જે, શીરો જમવો છે. પછી અમે શીરો કરાવીને કેળના પત્રમાં લાવીને આપ્યો તે અર્ધો જમ્યા અને દેહ પડી ગયો. એવા પરિપક્વ જ્ઞાનવાળા ને વિદેહી હતા.
અમારે તો સર્વે જીવને મહાપ્રભુજી પાસે લઈ જવા છે, કેમ જે એક જીવને મહાપ્રભુજીની પાસે લઈ જઈએ તો જેટલું સુખ પ્રથમ આવતું હોય તેથી હજારગણું આપે. મોટાના આશીર્વાદથી મહારાજ પમાય છે. મહારાજના સુખમાં પહોંચ્યા કેડે નહાવું, ધોવું, ખાવું, પીવું, પૂજા એ આદિક કાંઈ ક્રિયા નથી; ત્યાં તો નવા નવા પ્રકારનાં સુખ આવે છે. તે મહારાજનું અને મુક્તનું ભેળું સુખ આવે છે. જેમ શીરામાં ઘી, ગૉળ, ઘઉં, સાકર એ સર્વેના જુદા જુદા ભાવ જણાય છે, ને જેમ ખીચડીમાં તજ, લવિંગ, મીઠું એ આદિક જે જે વસ્તુ હોય તે સર્વેના જુદા જુદા ગુણ ને ભાવ જણાય છે; તેમ મહારાજના સુખના ને મુક્તના સુખના ભાવ જુદા જુદા જણાય છે. આટલી વાત કરીને પછી સર્વે મંદિરમાં આવ્યા ને ગોડી બોલ્યા ને આરતી થઈ. ।। ૭૭ ।।
વાર્તા ૭૮
ફાગણ વદ ૧૩ને રોજ સવારે સભામાં અમદાવાદના શેઠ બળદેવભાઈએ પૂછ્યું જે, શ્રીજીમહારાજે તથા મોટા મુક્તોએ સ્વપ્નમાં દર્શન આપ્યાં હોય તે પ્રત્યક્ષ દર્શન જેવાં હશે કે કાંઈ ફેર હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે કે મોટા મુક્તોએ સ્વપ્નમાં દર્શન દીધાં હોય તે પ્રત્યક્ષ દર્શન જેવાં જ છે. એમાં કાંઈ ફેર નથી, કેમ જે એમને જાગૃતાદિક અવસ્થા તથા દેહ એ કાંઈ છે જ નહીં. જાગૃતમાં દર્શન આપે છે તેમાં દર્શન કરનારને ઉદ્ઘોષ વધારે જણાય, કેમ જે એને પ્રત્યક્ષ થાય છે; અને સ્વપ્નમાં દર્શન આપે છે તે અંદર પડદે રહે છે તે જીવને જાણવા દેતા નથી ને કહેવા દેતા નથી; રોકી રાખે છે. જેને સાક્ષાત્કાર થયો હોય અને શ્રીજીને સુખે સુખિયો હોય, તે જાણે જે ફલાણાના અંતરને વિષે રહીને મહારાજ તેને આટલું સુખ આપે છે. આ કલમ જે અખંડ મૂર્તિમાં રહેતા હોય તેને હાથ આવે છે. મોટા વાતો કરે તે નિત્ય નવી નવી આવે, કેમ જે અપાર છે. તેમજ શ્રીજીની મૂર્તિનું સુખ મુક્તને નવું નવું આવે છે. જેમ બ્રહ્માંડમાં અનંત વસ્તુઓ છે તેમ મૂર્તિમાં અનંત સુખ છે. જેને સાક્ષાત્કાર થાય તેને તે જણાય છે. ખૂબ મંડીએ ને પુરુષોત્તમરૂપ થઈએ તો એ સુખ મળે. જે પુરુષોત્તમના સાધર્મ્યપણાને ન પામ્યા હોય તેનાથી એ સુખમાં પહોંચાય નહિ ને રહેવાય નહીં. જ્યારે પોતાપણું કાંઈ ન રહે ત્યારે તે પતિવ્રતાનું અંગ જાણવું. આવું અંગ થાય તે જ સુખિયા થાય છે અને જે પોતાપણું રાખે તે દુઃખિયા રહે છે. જેને મહાપ્રભુજીની મૂર્તિમાં તાન હોય તેનો પાકો પાયો કહેવાય અને જેને રાગ, રંગ, વિલાસમાં તાન હોય તેનો પાકો પાયો ન કહેવાય. પ્રસાદીની મૂર્તિ ને આજની છાપેલી મૂર્તિ સરખી સમજે તેનો પાકો પાયો છે અને જે સરખી ન સમજે તેનો પાકો પાયો નથી. જેને દૃઢ આત્મનિષ્ઠા થઈ હોય ને શ્રીજીમહારાજની મૂર્તિને આકારે દૃષ્ટિ થઈ હોય તેને પ્રસાદી ને વગર પ્રસાદી બેય સરખું છે ને તેનો જ પાકો પાયો છે. જેને દેહાભિમાન હોય તે ચેલા પાસે સેવા કરાવવા સારુ પગલાં-પ્રસાદી રાખે ને પ્રસાદીનો મહિમા વધારે; પણ પ્રસાદી તો કાર્ય છે ને મૂર્તિ તો કારણ છે માટે મૂર્તિ આકારે વૃત્તિ કરવી; એ જ અવશ્ય કરવાનું છે. જેને મૂર્તિ આકારે દૃષ્ટિ ન થઈ હોય ને નવા આદરવાળા હોય તેને એ પ્રસાદી પવિત્ર કરે છે ને મહારાજની સ્મૃતિ કરાવે છે. જેને મૂર્તિમાં જોડાવું હોય તેને તો કાર્યમાત્રને વિસારીને એક મૂર્તિમાં જ દૃષ્ટિ રાખવી. પ્રસાદીની વસ્તુમાં પણ હેત રહે ને અંત વખતે સાંભરી આવે તો મોક્ષમાં વાંધો આવે. એક ગુરુ હતા તેમને અંત વખતે ચરણારવિંદ સાંભરી આવ્યાં તો ઇયળ થવું પડ્યું; માટે એક મૂર્તિમાં જ વૃત્તિ રાખવી. મૂર્તિ વિના બીજું સર્વે બંધનકારી છે. ।। ૭૮ ।।
વાર્તા ૭૯
ફાગણ વદ ૧૪ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૬ઠ્ઠું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનનો ને સંતનો એટલે મુક્તનો વિશ્વાસ રાખે તો અવિવેક ટળી જાય છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનાદિમુક્તની વાતમાં સંપૂર્ણ વિશ્વાસ આવે તો તે તેમના જેવો જ થાય; અને સંપૂર્ણ વિશ્વાસ ન આવે ને જ્ઞાન સમજવામાં જેટલે અટકે તો તે એટલે જ રહે. જેમ માર્ગમાં ચાલતાં માર્ગનો અંત તો ન આવે ને વચમાં જ્યાં થાકે ત્યાં બેસી રહે તેમ થાય. શ્રીજીમહારાજના ગુણનો કે સુખનો કે મહિમાનો કે સ્વરૂપના જ્ઞાનનો પાર પમાય તેમ નથી, એ તો અપાર છે. તેનું દૃષ્ટાંત પણ દેવાય નહિ, કેમ જે દૃષ્ટાંત તો માયિક છે અને મહારાજના ગુણ ને કર્મ તે સર્વે તો દિવ્ય છે. દિવ્ય વસ્તુને માયિકની ઉપમા કે દૃષ્ટાંત દેવું પડે છે તે તો બહુ જ કંટાળો આવે છે પણ શું કરીએ ! જીવને સમજાવવા સારુ દાખલા આપીએ છીએ. જેમ લાખો-કરોડો ગાઉની મજલ હોય તેનો માર્ગ બતાવે જે આ દિશે માર્ગ છે, પણ તે સ્થાન તો ક્યાંય પડ્યું હોય; તેમ દિશ બતાવીએ છીએ, પણ મહારાજનું સુખ તો અપાર છે ને મુક્તનું સુખ પણ અપાર છે. એ સુખની બ્રહ્મકોટિમાં કે અક્ષરકોટિમાં કોઈ ઉપમા દેવાય એવું નથી. એ મૂર્તિના સુખમાં પહોંચ્યા કેડે ધામનું સુખ તે શું ? અને મુક્તકોટિનું સુખ તે પણ શું ? એવું મૂર્તિનું સુખ છે. આ તો સાંસાગોટીલા કરો છો, પણ જ્યારે એ ધામમાં લઈ જઈને મહાપ્રભુજીની મૂર્તિનું સુખ દેખાડીશું ત્યારે બીજાં સુખ નજરમાં જ નહિ આવે. જેમ હાથી આગળ સસલો ગોટીલા કરે ને હાથી રાજી થાય, તેમ તમે અમારા આગળ કરો છો એટલામાં જ અમે રાજી થઈને એ સુખમાં લઈ જઈશું. આ વસ્તુ બહુ મોંઘી છે તે હાથ આવે તેવી નથી, પણ આજ અનાદિમુક્ત આવ્યા છે તે નક્કી લઈ જશે એમ જાણજો. આ મુક્ત મળ્યા છે તે વસ્તુ મૂળઅક્ષરથી તથા અક્ષરધામથી પણ પર છે, કેમ જે મૂર્તિમાં રહ્યા છે. અને ધામ તો શ્રીજીમહારાજનું ને અનાદિમુક્તનું તેજ છે. બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ પણ આ મુક્તની પ્રાર્થના કરે છે અને મૂર્તિનું સુખ માગે છે; એવા મોંઘા આ મુક્ત છે. લાખો-કરોડો જન્મ ધરો ને સત્સંગ કરો પણ આ જોગ એક મિનિટનો પણ તેથી અધિક છે, કેમ જે એક મિનિટમાં અનાદિ કરી મૂકે. જેમ ઉત્તમ પારસને જે વસ્તુ અડે તે અડતાં જ પારસ થઈ જાય એવા આ મુક્ત છે. જ્યારે માંડવીના રામકૃષ્ણભાઈને આ મુક્ત ઓળખાણા ત્યારે માગ્યું જે મારે કાંઈ પણ બાકી રહે નહિ, ને કદાપિ બાકી રહે ને જન્મ ધરાવો તો તમારી નાતમાં જન્મ ધરાવજો; પણ બ્રાહ્મણની નાતમાં ધરાવશો નહિ એ મારી અરજ છે. ।। ૭૯ ।।
વાર્તા ૮૦
ફાગણ વદ ૧૪ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહિમામાં જ સુખ છે માટે પંચવર્તમાને યુક્ત એવા ને શ્રીજીમહારાજના યથાર્થ નિશ્ચયવાળા સંત-હરિજનનો મહિમા સમજવો. આજ અમે જીવોના ઉપર દયા કરીને શ્રીજીમહારાજના સંકલ્પથી દર્શન આપીએ છીએ તે મહિમા ન કહીએ તો જીવના જાણ્યામાં શું આવે ? અને શી રીતે જીવ ભગવાનને અને મુક્તને વળગે ? માટે જીવના ઉપર દયા કરીને મહિમાની વાતો કરીએ છીએ. પણ અમારી સારપ વધારવા સારુ અમારો મહિમા નથી કહેતા. અમે તો સદા મૂર્તિમાં સુખ ભોગવીએ છીએ ને મૂર્તિના સુખમાં જ કલ્પેકલ્પ વીતી જાય છે માટે અમારે આ લોકની મોટપ કે પ્રસિદ્ધિ સારુ વાત નથી કરવી. અમારે તો સદા મૂર્તિનું સુખ છે, પણ દેહ નથી. આ તો શ્રીજીમહારાજની ઇચ્છાથી દેહ દેખાય છે ને શ્રીજીનો સંકલ્પ છે તેથી વાતો કરીએ છીએ; કેમ જે તમને સર્વેને અમારા જેવા કરવા છે. તે જ્યારે માયાનો પડદો તાણી લઈશું ત્યારે માયા ગોતી પણ જડશે નહિ, ને બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ પણ ક્યાંય મહાપ્રભુજીના તેજની કિરણોમાં લીન થઈ જાશે. એક મહારાજની મૂર્તિ ને મુક્ત એ બે જ રહેશે; માટે કેડ બાંધીને ધ્યાન કરવા મંડી જવું. જેમ શેરડી કરનારને દાખડો કરવો પડે છે તેમ ધ્યાન કરવામાં દાખડો કરવાનો આગ્રહ હોય તેને મોંઘી વસ્તુ જે મહારાજની મૂર્તિ તે મળે છે. પણ જીવના સ્વભાવ બાળકની પેઠે રમતિયાળ છે, તે મૂર્તિ ભૂલીને બીજે ડોળે ચઢી જાય છે; જેમ મહારાજના બાળકેશ ઉતરાવ્યા ત્યારે બ્રાહ્મણોને જમાડવામાં મહારાજને ભૂલી ગયા, તેમ મહારાજની મૂર્તિને ભૂલીને બીજું સંભારવું તે ડોળે ચઢી ગયા એમ જાણવું. આવા મહારાજ ને આવું એમનું સુખ છે ને આવા એમના મુક્ત છે એમ મોટા થકી જાણીને પણ કામ, ક્રોધ, લોભ, માન એ આદિકમાં જીવ દોડીને જતો રહે છે તે હલરવલર કહેવાય, પણ તેમાં દુઃખ, દોષ ને નાશવંતપણું જાણતો નથી. આવો એકાંતિક માર્ગ હાથ આવવો ઘણો કઠણ છે. તરત હાથ આવે એવો નથી, તે તમને મળ્યો છે. તે પૂર્વનાં ઘણાં સુકૃત છે તો આવો મોટાનો જોગ મળ્યો છે, તેથી કૃતાર્થ થઈ ગયા છો. આ માર્ગ જેને હાથ નથી આવ્યો ને તે સત્સંગમાં છે તોપણ સુખિયા નથી. તે પોતાને મને કરીને સુખ માને છે, પણ લેશમાત્ર સુખ નથી. જ્યારે પરભાવને પામે ત્યારે આ સુખ મળે છે. આવી શાંતિ જેમની વાતે કરીને થાય છે ત્યારે એમના અંતરમાં મહારાજનું સુખ છે એમ જાણવું. જેમ વરસાદમાંથી વાયુ ટાઢો આવે છે અને લૂકમાંથી ઊનો આવે છે તેમ જેના અંતરમાં મૂર્તિ ન હોય ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક અનંત ગુણ હોય તોપણ તેની વાત લૂખી આવે; તે કોઈને શાંતિ કરે નહીં. જેમ મોગરા, જૂઈ, જાઈ, કસ્તૂરી આદિકની સુગંધી આવે છે; તેમ જેના ભેળા મહારાજ હોય તેની વાતમાં શાંતિ, સુખ અને આનંદના ફુવારા આવે છે ને સુખિયા કરી મૂકે છે. ।। ૮૦ ।।
વાર્તા ૮૧
ફાગણ વદ ૦)) અમાસને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૪થું વચનામૃત વંચાતું હતું. તેમાં ૧લા પ્રશ્નમાં બાધિતાનુવૃત્તિની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બાધિતાનુવૃત્તિનો મર્મ જાણવો એ ઘાંટી જબરી છે, કેમ જે ગોરધનભાઈની સ્થિતિ જેના જાણ્યામાં નહોતી આવી તે અવગુણ લેતા. ઉપશમવાળો જ્યાં સુધી ઉપશમમાં રહે ત્યાં સુધી મહારાજનું સુખ રહે ને જાગે ત્યારે આ લોકની ક્રિયા કરે. અને જેને ત્રણે અવસ્થામાં સદાય મૂર્તિ હોય એ સ્વરૂપનિષ્ઠાવાળા અનાદિમુક્ત કહેવાય. એમના જોગથી માયા, દેહ, વિષય, રાગ એ આદિક સર્વે કાકવિષ્ટા તુલ્ય સમજાય, અને કેવળ સમાધિવાળાને રવજીભાઈની પેઠે ધક્કો લાગે. અનાદિમુક્તને જે સમાધિ થાય તે તો બીજા જીવના સમાસને માટે છે પણ પોતાને માટે નથી. એમને તો જેમ કાચબો ચાલે છે તોય એમ છે ને સંકોચાઈને અંગ તાણી લે છે તોય એમ છે; તેમ અનાદિમુક્તને તો સદાય સરખું છે. સાધનિક એમ જાણે જે સમાધિમાં ગયા તે બહુ સુખિયા થયા પણ એ તો સદા મૂર્તિમાં જ છે. એવા મુક્ત કદાપિ મહાપ્રભુજીની મરજીથી બીજા જીવના સમાસને માટે સમાધિ કરતા હોય અને ક્યારેક ન કરતા હોય તેને કોઈક કહે જે સમાધિનું સુખ જાતું રહ્યું તો તેને બહુ પાપ લાગે, કેમ જે એ તો સ્વતંત્ર છે. આ ગામમાં રત્નો ભક્ત હતા તે મુક્ત હતા અને દહીંસરામાં કચરો ભક્ત હતા તે પણ મુક્ત હતા; તે બેય દેહ મૂકીને ધામમાં ગયા. તેમની વાત ઉડાડી જે બેય ભૂત થયા છે; ત્યારે અમે કહ્યું જે, એ બે જ્યારે ભૂત થયા ત્યારે ધામમાં એટલે મૂર્તિમાં કોણ જાશે ? માટે ખોટું બોલનારને બહુ પાપ લાગે. કદાપિ ધામમાં ગયા કેડે કોઈકને દર્શન આપે તો દિવ્ય રૂપે દર્શન આપ્યાં એમ જાણવું. જ્યારે કોઈકને વળગીને ધૂણે ત્યારે ભૂત થયા એમ જાણવું. મોટા તો અલૌકિક ક્રિયાવાળા હોય, કેમ જે એ તો સ્વતંત્ર છે. માટે ક્યારેક સ્વતંત્રપણે જાગૃતમાં દર્શન આપે, ને ક્યારેક તો સ્વપ્નમાં દર્શન આપે અને ક્યારેક અંતર્વૃત્તિએ દર્શન આપે અને ક્યારેક ઉપશમમાં દર્શન આપે, તેને વિષે વાસના ઠરાવવી નહીં. આટલી વાર્તા કરીને સમાપ્તિ કરી. ।। ૮૧ ।।
વાર્તા ૮૨
ફાગણ વદ ૦)) અમાસને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, પ્રથમ પ્રકરણના ૧લા વચનામૃતમાં ધર્મકુળને આશ્રિત થવાનું કહ્યું તે ધર્મકુળ તે શું જાણવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ધર્મકુળ એટલે ધર્મના પુત્ર શ્રીજીમહારાજ જાણવા. અથવા જેને ધર્મ ને ભક્તિ બેય અતિશય દૃઢ હોય ને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેતા હોય એવા અનાદિમુક્ત જાણવા. તેમને આશ્રિત જે થાય તે બ્રહ્મમય દેહને પામે એટલે ભગવાનરૂપ થાય. જેને મોટાનો જોગ થાય છે તેને છતા દેહે જ પુરુષોત્તમને પામી રહ્યો છું એમ રહે છે, પણ મરીને મહારાજ પાસે જવું છે એમ નથી રહેતું; તે અંતર્દૃષ્ટિવાળો છે. જેને મોટાનો જોગ નથી તેને એમ રહે છે જે, મને રથ-વિમાન લઈને તેડવા આવે એવું હું દેખું; તે બહારદૃષ્ટિવાળો છે. મોટાને જોગે સાધનવાળાને પણ આ દેહે જ મહારાજનું દર્શન થાય એટલે દેહાદિક સર્વે વીસરી જાય ને મહારાજને તથા મુક્તને દેખે. ।। ૮૨ ।।
વાર્તા ૮૩
ફાગણ વદ ૦)) અમાસને રોજ સાંજના બા૫ાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા, ત્યાં નાહીને સર્વેએ માનસીપૂજા કરી. પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આજ તો રોકડું કલ્યાણ છે. તે દેહ છતાં જ કલ્યાણ. લાખ જન્મ તપ કરે તોપણ કલ્યાણ ન થાય, તે આજ ચાર વર્તમાન પાળવામાં કલ્યાણ. આ તો બગાસું ખાતાં સાકરનો ગાંગડો મળ્યો છે. મહારાજનો અને મોટાનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે ને દેહના ઘસારાને પણ ગણે નહિ, ને માન-અપમાનને પણ ગણે નહિ, અને ધ્યાન-સેવામાં તત્પર થઈ જાય. જેમ પરદેશમાં ઘણા રૂપિયા મળે તો દુઃખ વેઠે છે તેમ. આ સમય અને આ જોગ સારો છે તેમાં પૂરું કરી લેવું. આ જોગ ન મળે ત્યારે જેમ આજ કથા-વાર્તા-જોગ કરો છો તે લાભ ક્યાંથી રહે ? માટે જોગ કરી લેવો.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, કોઈકને એમ થાય જે મોટાના જોગનું શું કામ છે ? આપણે શાસ્ત્રમાંથી મહિમા જાણીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કરીશું, તો એને કારણ મૂર્તિની પ્રાપ્તિ થાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અંતઃકરણમાં મનુષ્યભાવે મૂર્તિ દેખે, પણ આત્મામાં કારણ મૂર્તિનો સાક્ષાત્કાર ન થાય. કારણ મૂર્તિના પધરાવનારા તો મુક્ત છે. જેમ પૃથ્વીમાં સો ગજ ઊંડો હીરો દાટેલો હોય તેને જે જાણતા હોય તે બતાવે, પણ બીજાને હાથ ન આવે; તેમ જેને મૂર્તિની લટક હોય તે જ મૂર્તિ બતાવે પણ બીજાથી ન બતાવાય. આ જીવને ધ્યાનમાં અંતરાય કરનારા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, સ્વભાવ-પ્રકૃતિ ને સંગદોષ એ સર્વે છે; તેને ઘસારો દઈને આ કામ કરી દેવું. એ સંગદોષ કેવો છે તો, જેમ સમુદ્રમાં ગઢ ચણે તે વેળ આવે ત્યારે પાડી નાખે, તેમ સંગદોષ મૂર્તિમાંથી બહાર કાઢી નાખે એવો છે. માટે મોટા પાસેથી લટક શીખીને ધ્યાન કરે તો અંતરાય કરનારા સર્વે દોષને મોટા નાશ કરે, અને તત્કાળ ધ્યાન સિદ્ધ કરાવીને કારણ મૂર્તિ પધરાવી દે; એટલે વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દે. આ જોગ સારો છે, “જેમ જળ જળ કમળ ન નીપજે, વન વન અગર ન હોય”; તેમ ઘેર ઘેર મુક્ત ન હોય માટે ચેતી લેવું. આ જોગ ગયા પછી સાધનિકનો જોગ કરે તો જેમ “રાંડીને ઘેર માંડી ગઈ, તે આવ બાઈ હું જેવી તું થા” એવું થાય, માટે આ જોગ કરી લેવો. જેમ ચિંતામણિ પાસેથી જે ચિંતવે તે મળે, તેમ મોટા છે તે મહાપ્રભુજીની મૂર્તિ આપી દે. જેને મહારાજની ઉપાસના બરાબર ન હોય ને મહિમા પણ ન હોય ને તે ધ્યાન કરે તો મૂળપુરુષ દ્વારે દર્શન થાય છે. તે મૂળપુરુષની મૂર્તિ લાસા કાગળ જેવી એટલે રેખાઓ વગરની છે અને મહારાજની મૂર્તિ અવયવવાળી એટલે રેખાઓવાળી છે. જેને અનાદિમુક્તનો જોગ કરીને ઠેઠ મહારાજની મૂર્તિ સુધી જ્ઞાન થાય તેને મહારાજ અને મોટા કોઈને વિષે બંધાવા દે નહિ, અને તેને કોઈ બીજો દર્શન દેવા આવી શકે જ નહીં. તેને તો મહારાજ ને મોટા જાળવે છે ને પોતે દર્શન આપે છે. મોટા મુક્તનો હેતે સહિત ને મહિમાએ સહિત એક દિવસ જોગ કર્યો હોય તો સદાય કામમાં આવે. જેમ રાતઅંધો હોય તે બશેર ઘી ખાય તો બાર મહિના સુધી આંખમાં તેજ રહે છે; તેમ મોટાના જોગનો કેફ રહે છે. જે એમ જાણે જે મહારાજ ને મુક્ત મારા ભેળા જ છે તો એને મહારાજનું અને મોટાનું સુખ સદાય રહે છે, પણ જીવને નાસ્તિકભાવ બહુ રહે છે, ને વળી નબળાનો જોગ થાય તેનો સંગદોષ લાગે. જો ખરેખરો થઈને મંડે અને હું જે જે ઘાટ-સંકલ્પ કરું છું તે સર્વે મહારાજ અને મોટા જાણે છે, એવી મર્યાદા રાખીને ખરી આતુરતાથી મંડે તો મોટા મહા સુખિયો કરી મૂકે. જ્યાં મહારાજ અને મુક્ત વિરાજમાન હોય તે સ્થાનમાં ધ્યાન કરે તો મૂર્તિ સાક્ષાત્કાર દેખાય અને મહારાજે અને મુક્તે જ્યાં વિચરીને ઘણી લીલા કરી હોય તે સ્થાનમાં પણ મૂર્તિનો સાક્ષાત્કાર થાય.
એક સમયે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી અહીં પધાર્યા હતા. તેમણે કહ્યું જે, આ કચ્છ દેશમાં જ્યાં જ્યાં મહારાજ વિચર્યા છે તે બધે ઠેકાણે મારે દર્શન કરવા જાવું છે. ત્યારે અમે કહ્યું કે, સ્વામી ! તમારું શરીર ખમે નહિ ને બધે પહોંચાય નહિ માટે અહીં બેઠાં દર્શન કરો. એટલામાં તો જ્યાં જ્યાં મહારાજ વિચરેલા, તે સર્વે ચૈતન્યભૂમિકાઓ સ્વામીએ ભાળી; પછી સ્વામી બોલ્યા જે, બધેય દર્શન થઈ ગયાં. તે જ્યાં જ્યાં મહારાજ સાત વર્ષ સુધી વિચર્યા હતા તે સર્વે સ્થાન દિવ્ય તેજોમય જણાણાં. ।। ૮૩ ।।
વાર્તા ૮૪
ચૈત્ર સુદ ૧ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, એક સમયને વિષે કાંકરિયાના ઉગમણા ગરનાળા ઉપર ચાર સદ્ગુરુઓ સાથે શ્રીજીમહારાજ રમત કરતા હતા. તે પોતાની હથેળીમાં બબ્બે સદ્ગુરુઓને રાખીને વારાફરતી ઉછાળે. તે આકાશમાં જઈને પાછા આવીને હથેળીમાં પડે. એમ રમત કરતાં કરતાં શ્રી બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ઉછાળ્યા, તે ગંગામા રસોઈ કરતાં હતાં તે ચોકામાં જઈને પડ્યા; ત્યારે ગંગામાએ કહ્યું જે, અમને બેયને ઉપવાસ પાડ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને સ્ત્રી-પુરુષનો ભેદ અને વિકાર છે કે નથી ? ત્યારે કહે જે, અમે તો મુક્ત છીએ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, મુક્ત છો પણ તમો તમારી મેળે એકબીજાને અડો તો ઉપવાસ કરવો પડે, પણ આ તો અમે તેમને ચોકામાં નાખ્યા માટે તમારે બાધ નહીં.
એક સમયને વિષે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ મને તથા લક્ષ્મીરામભાઈને પૂછ્યું જે, તમે બેય મુક્ત છો; તે અમોએ એક માસથી સાધુ કર્યા છે, તેમના ભેળા જેમ અમારાથી ચલાય તેમ તમારા ભેળા ચલાય કે નહીં ? ત્યારે અમોએ કહ્યું જે, આ લોકમાં સત્સંગનું ધોરણ છે, પણ શ્રીજીમહારાજ આગળ ગુનેગાર નહીં. મુક્ત તો એકલા હોતા જ નથી. અકેકા મુક્તમાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત રહ્યા છે. તે ‘ભક્તચિંતામણિ’ના બાવનમા પ્રકરણમાં પરમહંસનાં નામ કહ્યાં છે, તેમાં “એક એક નામમાં, માનો મુનિનાં વૃંદ છે” એમ કહ્યું છે. તે શ્રી મુક્તાનંદ સ્વામીને વિષે શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી બ્રહ્માનંદ સ્વામી તથા શ્રી નિત્યાનંદ સ્વામી આદિક અનંત મુક્ત રહ્યા છે, તેમ જ શ્રી ગોપાળાનંદ સ્વામીને વિષે પણ અનંત મુક્ત રહ્યા છે; તેમ જ એક એક મુક્તને વિષે અનંત અનંત મુક્ત રહ્યા છે માટે અકેકા નામમાં મુનિનાં વૃંદ રહ્યાં છે એમ કહ્યું છે. માટે તમો તો એકલા હો જ નહિ, તમારી મૂર્તિમાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત રહ્યા છે તેથી તમે એકલા નથી; સર્વે ભેળા છે, તોપણ શ્રીજીમહારાજની આજ્ઞા છે જે બે સંતે ભેળા ચાલવું; માટે સંત ભેળા જ ચલાય અને પાર્ષદ ભેળું પણ ન ચલાય. કોઈકને ઘેર જવું હોય તો પાંચ સંત વિના ન જવાય ને મુક્તદશાને પામ્યા હોય ને શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ દેખતા હોય પણ સાધુને વેશે ન હોય તો ભેળું ન જવાય ને એકલા પણ ન ચલાય. ।। ૮૪ ।।
વાર્તા ૮૫
ચૈત્ર સુદ ૨ને રોજ સવારે સભામાં કારિયાણીનું ૧૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં દેહ છતાં તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને મહારાજને રાજી કરવા એમ આવ્યું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્વેતદ્વીપ અને બદરિકાશ્રમમાં છતા દેહે શી રીતે જવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સત્સંગમાં એ સર્વે ધામોના મુક્ત આવ્યા છે. તે બદરિકાશ્રમના મુક્તોનો જોગ કરે તે બદરિકાશ્રમમાં ગયા એમ જાણવું અને શ્વેતદ્વીપના મુક્તોનો જોગ કરે તે શ્વેતદ્વીપમાં ગયા એમ જાણવું. માટે શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ, અક્ષરધામ જે કહો તે આ ઠેકાણે છે. આ ઠેકાણે જે કરો તે થાય એવું છે. આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આ ઠેકાણે જપ, તપ, ધ્યાન જે કરો તે સિદ્ધ થાય એવો સમય આવ્યો છે. એક રુચિવાળાં પાંચ-દસ મંડળ હોય તેમાંથી થોડાંક મોટાને દર્શને અતિ હેતે કરીને આવતાં હોય ત્યારે જે રહી ગયા હોય તેને સંભારે, જે રહી ગયેલા આવે તો સારું અને તે રહી ગયેલાને પણ ત્વરા થાય, જે આપણે તરત એમને પહોંચી મળીએ એમ ભેળું થવાની આતુરતા થાય. તેમ જ મોટાને વિષે અતિશય હેતવાળા ને રુચિવાળા છે તેમને ભેળા લઈ જવાની અમારે આતુરતા રહે છે. મહારાજનો ને અમારો સિદ્ધાંત એવો છે જે જેને વિશ્વાસ આવે તે સર્વેને ભેળા લઈ જવા છે. જેને અંત અવસ્થા વર્તે તેને તો આ ટાણે છતા દેહે અક્ષરધામના જેવું સુખ આવે, માટે મુક્તનો વિશ્વાસ રાખવો. જે અક્ષરધામમાં મુક્ત છે તે જ આ પોતે છે, ને જેવું દેખે છે તેવું કહે છે એવો વિશ્વાસ આવે તેનું કાર્ય થઈ જ રહ્યું છે, અને એ સાચાં ઘરેણાં પહેરવા જેવું છે. જેને મોટાની વાતોમાં સંશય થાય ને પોતાને પહેલાંની જે વાત સમજાયેલી હોય તે મૂકે નહિ તો તે પિત્તળનાં ઘરેણાં પહેરવા જેવું છે. આ ખાનગી જ્ઞાનગોષ્ઠિ કરીએ છીએ, માટે એમ જાણજો જે આ છેલ્લો જોગ મળ્યો છે. આ જોગમાં આવેલા કદાપિ જીવરૂપ હશે તો તે પણ અનાદિ થઈ જશે. આ જોગવાળાને કદાપિ ઇન્દ્રિયોના ભાવ દેખાઈ આવે તોપણ મોક્ષ બગડે નહીં. જેમ મરેલો સર્પ દેખીને બીક લાગે પણ તેનાથી ડસીને જીવ લેવાય નહિ તેમ; માટે અપૂર્ણપણું માનવું નહિ, અને મન જ્યારે મૂર્તિ મૂકીને બીજે ડોળે ચઢે ત્યારે તેને સમજાવવું જે આવા મોટા મળ્યા તેમનો મહિમા સમજીને તેમની અનુવૃત્તિમાં રહે તો આ ફેરે જ અક્ષરધામમાં લઈ જાય. આ શબ્દ પરભાવના છે. જે વસ્તુ ક્યાંય ન મળે તે વસ્તુ આપી દે એવો મોટાનો પ્રતાપ છે. “જુઓ જીવન મોહ નિદ્રામાંથી જાગી રે, વરી એને થાવું અખંડ સોહાગી રે.” આજ તો નિજમંદિરનું સુખ એટલે મૂર્તિનું સુખ આપે છે, માટે નિજમંદિર તે અખંડ સોહાગ છે માટે કરી લેવું. આ લોકમાં રહેવું નથી; માટે જેમ માયાને આધીન થઈને સુષુપ્તિમાં જાય છે તેમ અંતર્વૃત્તિ કરીને મહારાજની મૂર્તિમાં ઉપશમ કરવું. આ જોગ ને આ સુખ ખોળ્યું પણ જડશે નહિ, માટે ખરો લક્ષ્યાર્થ કરવો; અને એકબીજાને સંભારીને કહેવું જે કરી લો, આ જોગ ફેર નહિ મળે. આગળ તો મોટા મોટાનો જોગ કરવામાં સંતને અને સત્સંગીઓને બહુ ઉપાધિ થતી તોપણ સમાગમ કરતા અને આજ તો સર્વે વાતે સાનુકૂળ છે.
આ ગામમાં રત્નો ભક્ત હતા. તેમને ગામધણી તથા પટેલે ઉપાધિ કરીને કાઢી મૂક્યા, તે કેરે સદાબા પાસે જઈને રહ્યા. તે ગઢડે મહારાજનાં દર્શને ગયા ત્યારે મહારાજે કહ્યું જે, વૃષપુર ગામ મૂકશો નહીં. પછી દર્શન કરીને કેરે આવતાં વૃષપુર સોંસરા ચાલ્યા. તેમને ગામધણી તથા પટેલે માર્યા ને આંખોમાં ધૂળ ભરી, ત્યારે રત્નો ભક્ત એમ બોલી ગયા જે, તમે મને દુઃખ દો છો પણ તમને સર્પ ને કૂતરાં દુઃખ દેશે. પછી રાત્રિએ ગામધણીને સર્પ ને કૂતરાં ફાડી ખાવા મંડ્યા ને ગામધણી રાડો પાડવા મંડ્યો તેથી ગામ બધું ભેગું થયું ને કહે જે, ક્યાં કૂતરાં ને સર્પ છે ? ત્યારે ગામધણી કહે જે, આ રહ્યાં બધાં, ને મને તોડી ખાય છે. પછી સવારે રત્ના ભક્ત પાસે કેરે જઈને સદાબાને બહુ કરગર્યો ને કહ્યું જે, રત્ના ભક્તને વૃષપુર મોકલો. પછી સદાબા ખાસડું લઈને ફરી વળ્યાં ને કહ્યું જે, તેં મારા હરિભક્તને બહુ દુઃખ દીધું છે તે હવે નહિ આવે. તને કૂતરાં ને સર્પ ભલે ફાડી ખાતાં. પછી સાત ખાસડાં ગળે વળગાડીને પગે લાગીને કહે જે, રત્ના ભક્તને નહિ મોકલો તો આજ રાત્રિએ મારું મોત છે. પછી ગામના માણસોએ સદાબાને કહ્યું જે, મોકલો, હવે એને ગરજ બહુ થઈ છે. પછી સદાબાએ હા પાડી એટલે ગાડામાં સામાન ભરીને તેડી ગયો. એટલું દુઃખ રત્ના ભક્તને પડ્યું તોપણ સત્સંગ મૂક્યો નહીં. અને પહેલાં અહીં રહેતા ત્યારે પણ નાત પટેલિયા ભેળા થઈને કંઠી તોડી નાખતા ને પટેલોનું ખાધા-ખર્ચ જે થાય તે એને માથે નાખતા, તોપણ પટેલિયા જાય એટલે ફેર કંઠી બાંધતા ને ફેર આવીને તોડાવી નાખતા. એમ વારંવાર દુઃખ દેતા, તોપણ સત્સંગ મૂક્યો નહીં. આખી કણબીની નાતમાં એ એકલા જ સત્સંગી હતા.
એક સમયે શ્રી બ્રહ્માનંદ સ્વામી ભૂજથી કેરે જતા હતા. તેમને નારાયણપુરની વાડીમાં મૂળજી ભક્ત તથા ભાણજી ભક્તના બાપ ગોવો ભક્ત ક્યારા વાળતા હતા તેમણે દેખ્યા અને વિચાર કર્યો જે, આ સ્વામિનારાયણના સાધુ રાત્રિ પડવા આવી છે તે ક્યાં જશે ? એમ જાણીને જોઈ રહ્યા. તે સ્વામી કેરા તરફ ગયા, અને ગોવા ભક્તનો બાપ કોસ છોડીને ડહેલામાં બળદ બાંધીને ઘેર ગયા ને ગોવો ભક્ત કેરે ગયા અને ત્યાં સદાબાને ઘેર સ્વામી હતા તેમની વાતો સાંભળી. પછી સર્વ સભા ઊઠી ગઈ, પણ ગોવો ભક્ત ઊઠ્યા નહિ; ત્યારે સ્વામીએ તેને પૂછ્યું જે, તમારે ક્યાં રહેવું ? ત્યારે તેણે કહ્યું જે, નારાયણપુરમાં. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, તમે કેમ બેસી રહ્યા છો ? તમારે કાંઈ પૂછવું છે ? ત્યારે તે બોલ્યા જે, તમે અત્યાર સુધી વાતો કરી જે, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે ને જીવનો આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છે. તે આત્યંતિક મોક્ષ સ્વામિનારાયણ ભગવાન વિના બીજા કોઈ અવતારથી થાય નહિ એ ખરું, પણ અમને શી રીતે ખાતરી થાય ? ત્યારે સ્વામી બોલ્યા જે, આ પૃથ્વી ઉપર જેટલી ગાયો અને જેટલી સ્ત્રીઓ ને જેટલાં બાળક છે એમને માર્યે જેટલું પાપ થાય એટલું પાપ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ન હોય તો અમને થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન અમારી પાસે તો છે પણ તારા દેખ્યામાં ન આવે. જો તારે મનુષ્ય દેહનો લાભ લેવો હોય અને આત્યંતિક કલ્યાણ જોઈતું હોય તો તું ગઢડે જા. ત્યાં અમે જે સમ ખાધા તે વાત તને કહે તો તું સ્વામિનારાયણને ભગવાન માનજે. પછી તે વાડીએ આવીને બળદને નીરણ કરીને ઘેર ગયા ને વાળુ કરીને બધી વાડીઓએ ફરીને લોકોને કહ્યું જે મારી સાથે ગઢડે આવો તો શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ત્યાં દર્શને જાવું છે. પછી બીજા ચાર જણા તૈયાર થયા, પછી એ પાંચે જણા ગઢડે આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, ગોવા ભક્ત ! તમે અમારા બ્રહ્માનંદ સ્વામીને આવા આકરા સમ
ખવરાવ્યા ? અમે સાક્ષાત્ ભગવાન છીએ અને આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છીએ. અને બીજા જોડે ચાર જણ હતા તેમાં ગંગદાસ નામે ભક્ત હતા તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, તમે માર્ગમાં આવતાં સંકલ્પ કર્યા હતા જે ભગવાનના પગમાં સોળ ચિહ્ન હોય તો ભગવાન ખરા. તે જુઓ ! અમારા પગમાં સોળ ચિહ્ન છે એમ કહીને બતાવ્યાં. પછી તે વર્તમાન ધારીને સત્સંગી થયા ને પાંચ દિવસ રહીને ઘેર આવ્યા. એ પાંચ ને રત્નો ભક્ત એ છ સત્સંગી આખી કણબીની નાતમાં હતા. હવે આ આખી નાત સત્સંગી થઈ છે.
સદાબાને પણ એમના પતિએ ઘણું દુઃખ દીધું હતું. એક દિવસ તો ઓરડા વાસીને તરવાર તાણી, એટલામાં બધા ઓરડા ઊઘડી ગયા ને મહારાજે ફોજ દેખાડી, ને બાંધીને મારવા માંડ્યો ને કહ્યું જે, આ ફેરે તો છોડી મૂકીએ છીએ, પણ જો હવે એમને દુઃખ દઈશ તો જીવથી મારી નાખીશું એમ બીક બતાવી. ત્યારથી સદાબાને દુઃખ દેતો નહીં. એવાં કષ્ટ વેઠીને પણ આગળ સત્સંગ કર્યો છે અને આજ તો ત્યાગી-ગૃહીને સર્વ વાતે સાનુકૂળ છે. આવા સમયમાં જે શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળે અને ધન-સ્ત્રી આદિમાં લેવાઈ જાય તે તો અતિશય અભાગિયા કહેવાય. ।। ૮૫ ।।
વાર્તા ૮૬
ચૈત્ર સુદ ૩ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૨૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જ્વળ પ્રકાશમાન જુએ છે. અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે શ્રી પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે, ને નારદ-સનકાદિક જેવો એટલે મુક્ત જેવો સુખિયો પણ થાય છે એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ મંદિરમાં મૂર્તિ હોય તો મંદિર કહેવાય અને મૂર્તિ ન હોય તો મંદિર ન કહેવાય; તેમ જેને મૂર્તિ આત્માને વિષે સાક્ષાત્ દેખાય તે પૂરો સાધુ કહેવાય, અને જેને અંતરને વિષે મૂર્તિ દેખાય તે મધ્યમ સાધુ કહેવાય, અને જેને અખંડ સ્મૃતિ રહે તે કનિષ્ઠ સાધુ કહેવાય, અને આજ્ઞા તો એ ત્રણેય યથાર્થ પાળતા હોય, અને આજ્ઞા યથાર્થ પાળે પણ અખંડ સ્મૃતિ ન રહે તે ચાલોચાલ કહેવાય, અને જે આજ્ઞામાં ફેર પાડે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહીં. માટે સાધુનો વેશ લીધે સાધુ ન કહેવાય અને સત્સંગીનો વેશ લીધે સત્સંગી ન કહેવાય. જેમ રાજાને ઘેર શૂદ્ર ભિખારણનો ચાંલ્લો થયો હોય તો તે એમ જાણે જે મારો પતિ રાજા છે તેથી તેને ભિખારણનો ધંધો જે માગી ખાવું તે ગમે જ નહિ, અને ભિખારણના સ્વભાવ સર્વે મૂકી દે. તેમ જેને એવો નિશ્ચય હોય જે મારા પતિ શ્રીજીમહારાજ છે, ને મુક્ત પ્રગટ મળ્યા છે; એવો વિશ્વાસ અતિ દૃઢ હોય તે કામ, ક્રોધ, માન, સ્વાદ એ આદિક દોષ મૂકી દઈને શ્રીજીમહારાજમાં વૃત્તિ જોડી રાખે અને એક મૂર્તિ વિના બીજે ક્યાંય રાગ રાખે નહિ અને મહારાજ તથા તેમના મુક્તને વિષે દૃઢ પ્રીતિ રાખે ને કોઈ વિષયને વિષે તથા ઐશ્વર્યને વિષે પ્રીતિ ન રાખે તો તે સુખિયો થઈ જાય. ।। ૮૬ ।।
વાર્તા ૮૭
ચૈત્ર સુદ ૩ને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એકને તો મૂર્તિની સ્મૃતિ જ રહે છે ને એકને તો સાક્ષાત્કાર છે, એ બેયને વ્યતિરેક સ્વરૂપની પ્રાપ્તિ હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો વ્યતિરેક જ છે, કેમ જે જે મૂર્તિનો સાક્ષાત્કાર છે તે જ મૂર્તિની સ્મૃતિ છે, પણ જેમ બાળકનો વિવાહ સંબંધ જ્યાં થયો હોય ત્યાં વૃત્તિ રહે છે, પણ પરણીને ઘેર આવે ત્યારે સુખ આવે. તેમ સ્મૃતિવાળાને સાક્ષાત્કારવાળા જેવું સુખ ન હોય એટલો ફેર છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં જ્યારે દેહનું ભાન ભૂલી જવાય ત્યારે બ્રહ્માંડ ભુલાય ને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આવે. જેમ આંખો મીંચે તો અંધારું થાય ને ઉઘાડે તો અજવાળું થાય, તેમ અંતર્વૃત્તિ કરે તો મૂર્તિ દેખાય ને બહારવૃત્તિ લાવે તો બ્રહ્માંડ દેખે. અનાદિ સાથે હેત થયું તે છેડો હાથ આવ્યો. મોટા સાથે જોડાય તો મહારાજની અને જીવની વચ્ચે પડદા છે તે મોટા મુક્ત તોડી નાખે. મોટા મળ્યા પછી દેહના ભાવ જણાતા હોય તો તે મરેલા જાણવા, પણ પોતાના જીવને પાપી ન માનવો. શ્રીજીમહારાજનો આશ્રિત થાય ને મોટા સાથે જીવ જોડે ને નિયમ-ધર્મરૂપી બખ્તર પહેરે, એટલે નિયમ-ધર્મ પાળે તો પંચવિષયમાંથી હેત ટળી જાય ને મોટા મુક્ત તે જીવને માયામાંથી મહારાજની મૂર્તિમાં ખેંચી લે. મહારાજ ને મુક્ત રાજી છે તો તરત ફેંસલો થઈ જશે, ને નક્કી મૂર્તિના સુખમાં પહોંચાડશે; એવો વિશ્વાસ રાખવો. શ્રીજીમહારાજનું સુખ છે તે તમારું જ છે, અણુ જેટલું પણ છેટું નથી. આગળ જેનાં જેનાં કલ્યાણ થયાં છે તે આત્યંતિક નથી થયાં અને આજ તો અવતારી જે શ્રીજીમહારાજ ને તેમના મુક્ત તે કરોડો જીવોનાં આત્યંતિક કલ્યાણ કરે છે; માટે આગળ થઈ ગયેલા અવતારોથી આજના મુક્ત ઘણા મોટા છે. આ મુક્ત શ્રીજીમહારાજના અવતાર છે. તે અનંત જીવોના કલ્યાણ સારુ મનુષ્ય રૂપે દેખાય છે, તેમનો યથાર્થ મહિમા સમજીને તેમને વિષે જોડાય તો આત્યંતિક મોક્ષ થાય. રાજાનો અને રાજાના દીવાનનો મહિમા સમજાય, પણ મહારાજનો અને મહારાજના મુક્તનો મહિમા ન સમજાય. જોગ-સમાગમ કરે તોપણ એક કાને સાંભળતો જાય અને બીજે કાને ભૂલતો જાય. માયિક વાતને સો વર્ષ સુધી પણ ન ભૂલે ને આ વાતને ગ્રહણ કરે જ નહીં. જો મહારાજની અને મોટાની વાતને પકડે તો કામ થઈ જાય, પણ જીવને બહુ પ્રકારના ડોડ. અધિકારના ડોડ, મહંતાઈના ડોડ, વિદ્યાના ડોડ, આશ્રમના ડોડ, જગતમાં મોટા થવાના ડોડ. એ ડોડરૂપી દોષ જીવને જ્યાં સુધી હોય ત્યાં સુધી મહારાજનો અને મોટાનો મહિમા સમજાય નહીં. વ્યાવહારિક કામમાં પણ બરોબર તપાસ ન કરે તો બરોબર થાતું નથી, તો આ તો મોક્ષ સંબંધી કામ છે તે તો ક્યાંથી થાય ? માટે ખરેખરું જાણપણું રાખવું. મહાપ્રભુજીનું સુખ અને મુક્તનું સુખ જેવું છે તેવું જાણે તો સુખિયો થઈ જાય. આ સત્સંગમાં શ્રીજીમહારાજના સંત છે તે ફૂલવાડી છે, તેમાંથી સુગંધીરૂપી ગુણ લેવા ને પોતાની ખોટ જોવી. સાધુ તથા સત્સંગી કહે તે મનાય તો બહુ સુખિયું થવાય. સાધુ થયા હોય ને ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, શિક્ષાપત્રી તેનું અનુસંધાન રાખે નહિ, તો તે સાધુ ન કહેવાય. જો મહારાજનું અને મોટાનું અંતર્યામીપણું જાણીને તેમની આજ્ઞામાં યથાર્થ વર્તે તો સાધુ કહેવાય. મહારાજે કહ્યું છે જે, “જ્ઞાની મારો આત્મા, મેં જ્ઞાની કો પ્રાણ”; મહારાજને અને મુક્તને જુદાપણું નથી. મહારાજને સંભારે તો મુક્ત ભેળા આવી જાય ને અનાદિમુક્તને સંભારે તો મહારાજ ભેળા આવી જાય. જેમ રૂપિયામાં ઘી, ગૉળ, લોટ આદિક જણસો આવી જાય તેમ મહારાજ ને સંત સદા સાથે જ છે. આવા મુક્ત આ સત્સંગમાં છે તે જ તમને મળ્યા છે. ।। ૮૭ ।।
વાર્તા ૮૮
ચૈત્ર સુદ ૩ને રોજ રાત્રિએ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જો શ્રીજીમહારાજને અને મોટાને અંતર્યામી જાણે તો એકેય ક્રિયા સત્સંગથી વિરુદ્ધ થાય નહિ, ને આજ્ઞા પાળવામાં તથા જપ-તપ કરવામાં શ્રદ્ધા આવે, ને મહારાજને સજાતિ પણ ત્યારે જ થવાય; પણ અંતર્યામીપણું જણાતું નથી, તે નિશ્ચયમાં અને મહિમામાં ખામી છે. એ જ્ઞાનરૂપી યજ્ઞ થયો, તેનું પ્રમાણ થાય નહિ એવો દિવ્ય યજ્ઞ થયો છે. મોટાપુરુષની અને મહારાજની કૃપા થાય તો જન્માંતરે કસર ટળવાની હોય તે આ જન્મે જ ટળી જાય, ને પૂરું થઈ જાય. જો મહારાજનાં વચનથી બહાર પડે એટલે નિષ્કામ, નિર્લોભ એ વર્તમાનમાં ફેર પાડે તો મોટો વિમુખ કહેવાય; ને તેનો તો વિશ્વાસ થાય જ નહીં. ક્રિયા એટલે વર્તમાન એકેય પાળવું નહિ અને બેસવું મહારાજના ઘરમાં; તે તો બહુ કઠણ છે. માટે મહારાજનાં વચન પાળીને મહારાજને વશ કરવા. “મેં વ્હાલો વશ કીધા વ્હાલે મુજને વશ કીધી, સામાસામી પાનબીડી દીધી ને લીધી” એમ બોલ્યા. પછી બોલ્યા જે, જેમ કોઈક અવળી ક્રિયા કરે તેને કેદમાં પડવું પડે, તેમ આજ્ઞા લોપે તેને આગળ દુઃખ આવે; પણ જીવે આગળ જે જે વિષય ભોગવ્યા છે ને દીઠા છે તે ટળતા નથી. એ શૂદ્ર ભિખારણના સ્વભાવ છે, તે જતા નથી. આ લોકમાં દ્રવ્ય ઝાઝું મળે તો ગાંડું થઈ જવાય તો શ્રીજીમહારાજનું દિવ્ય સુખ આવે તો કેટલો બધો આનંદ થવો જોઈએ ! પણ જીવને મહારાજનું સુખ ઓળખાતું નથી અને સત્સંગમાં સેવા કરવા યોગ્ય ને ન કરવા યોગ્ય એવા સંત-હરિજનો તે પણ ઓળખાતા નથી. જો સમાગમ કરવા યોગ્ય અને સેવા કરવા યોગ્ય એવા સંત-હરિજનોને ઓળખીને, તેમનો સમાગમ કરીને, અવતાર-અવતારીનો ભેદ સમજીને, અવતારી એવા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનો દૃઢ આશ્રય કરીને, તેમની મૂર્તિમાં જોડાઈ જાય તો સુખિયો થાય. ।। ૮૮ ।।
વાર્તા ૮૯
ચૈત્ર સુદ ૪ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ બાળક તુચ્છ પદાર્થ સારુ રોયા કરે છે, તેમ જીવ મહારાજનું સુખ મૂકીને સ્વાદ, માનાદિક પંચવિષયમાં પ્રીતિ રાખે છે તેથી મૂર્તિનું સુખ મળતું નથી.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, ખાવું-પીવું એે આદિક પંચવિષયના રાગ છે તે ખાવું-પીવું બંધ કરવાથી ટળતા હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મનને જે રુચે તે ન આપવું ને જેવું તેવું જે મળે તે જમવું ને ધ્યાનનો અભ્યાસ રાખવો તો આસક્તિ ટળી જાય. એવી રીતે નિયમે કરીને આસક્તિ ટળે છે; જેમ સુરાખાચરની ટળી ગઈ તેમ.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, સુરાખાચરની આસક્તિ કેવી રીતે ટળી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સુરાખાચરને સ્વાદ બહુ હતો. તે દસ-પંદર વાસણમાં જુદા જુદા પ્રકારનાં ભોજન જમતા અને સ્વાદુ ન થાય તો કજિયો કરતા. એક વખતે તેમનાં પત્ની શાંતિબાઈને શ્રીજીમહારાજે કહ્યું જે, તમને કથામાં આવતાં મોડું કેમ થાય છે ? ત્યારે તે બોલ્યાં જે, તમારા ભક્તને જમતી વખતે ઝાઝાં વાનાં જોઈએ છે ને તેમાં મરચા-મીઠામાં ફેર પડે તો કજિયો કરે છે, તેથી મારાથી કથાના જોગમાં અવાતું નથી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આજથી તમારે એક-બે વાનાં કરવાં ને તે પણ મરચા-મીઠા વિનાનાં મોળાં કરવાં. અમે સુરાખાચરને નિયમ આપશું જે તમારે જમતી વખતે કાંઈ માગવું નહિ ને બોલવું નહીં. પછી સુરાખાચરને મહારાજે નિયમ આપ્યો અને તે બાઈએ, મહારાજે કહ્યું હતું તેવી રીતે કર્યું. પછી સુરાખાચર જમવા બેઠા, તે મીઠામોળું ને થોડું જોઈને જાણ્યું જે મારો ધણી આવી પહોંચ્યા; નહિ તો આવું કરે નહીં. એમ શ્રીજીમહારાજની મરજી જાણીને અમૃતની પેઠે જમી ગયા. તેવું છ મહિના જમ્યા. પછી શાંતિબાઈને મહારાજે પૂછ્યું જે, કેમ ! ભક્ત કાંઈ બોલે છે ? ત્યારે તે કહે જે, ના મહારાજ ! તમારા ભક્ત હવે જેવું મળે તેવું જમે છે ને કજિયો કરતા નથી. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, હવેથી દેવની એટલે અમારી બુદ્ધિએ સેવા કરજો. પછી સારાં સારાં ભોજન કરીને જમાડવા માંડ્યાં, પણ સુરાખાચરને રાગ ટળી ગયા, ને સારા-નરસાની સ્મૃતિ ન રહી ને સારું-નરસું સરખું થઈ ગયું. એમ નિયમે કરીને આસક્તિ ટળે, પણ પોતાની મેળે ત્યાગ કરે તો આસક્તિ ન ટળે. નિયમ લેવા તે પણ મોટાની પાસે દીન થઈને હાથ જોડીને લેવા તો મોટા સહાયમાં ભળીને પાર પાડે. કેટલાક લાજે કરીને તથા દંભે કરીને વ્રત-ઉપવાસ કરે ને છાનું ખાય, તેણે તો શ્રીજીમહારાજને તથા સત્સંગને છેતર્યા; માટે એને તો પાપ લાગે. જેમ દહાડિયા ધણીના દેખતા બહુ કામ કરે અને ધણી ન હોય ત્યારે બેસી રહે તેમ દેખાડવા સાધન કરે તે પ્રેમીનું લક્ષણ પાળ્યું કહેવાય. અને જેમ ધણીના દેખતાં કામ કરે તેમજ ધણી ન દેખે તોપણ તેવી જ રીતે કામ કર્યા કરે, તેમ મહારાજને રાજી કર્યા સારુ ધ્યાન-ભજન આદિક સાધન કરે ને મહારાજની વાતોમાં હીંસોરા થાય તે પ્રેમી કહેવાય. એટલી વાત કરીને પછી સમાપ્તિ કરી. પછી બાપાશ્રી પોતાને ઘેર જમવા પધાર્યા ને સંતોએ થાળ કર્યા ને શ્રી ઠાકોરજીને જમાડ્યા. ને પછી પંક્તિ થઈ ને સંત જમી ઊઠ્યા કેડે ઓસરીમાં કથા વાંચવા બેઠા, તે વખતે બાપાશ્રી સભામાં પધાર્યા. ત્યારે સંતોએ જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામિનારાયણ આ સભામાં આ ઊભા, જેને જોઈએ તે લો. પણ આ જીવને મંદવાડ છે તે ભજિયાં-વડાં ભાવે છે. તે શું ? તો, મહારાજની મૂર્તિ વિના અન્ય પદાર્થમાં રુચિ તે જ મંદવાડ છે. તે આ ફેરે મહારાજ ને મોટા મળ્યા છે તે રહેવા દેશે નહીં. જેમ તરસી ગાયો હીંસોરા કરતી જળના તળાવ ઉપર આવે તે જળ પીને તૃપ્ત થાય છે તેમ તમે સમુદ્ર ઓળંગીને હીંસોરા કરતા આવ્યા છો તે અમે જાણીએ છીએ; અને શ્રી પુરુષોત્તમનો રસ લઈને તમને આપીએ છીએ. આવા મોટાને વિષે સદા ચઢતો ભાવ રાખે છે, તેને પ્રસન્ન થઈને સુખ આપીએ છીએ.
એટલામાં નારાયણપુરથી પ્રેમજીભાઈનો દીકરો ભીમજી આવીને દંડવત કરીને સર્વેને પગે લાગીને બોલ્યો જે, મારા બાપને માંદાઈ ઘણી છે માટે મને મોકલ્યો છે તે આ સંત સહિત દર્શન દેવા પધારો. પછી બાપાશ્રીએ કહ્યું જે, અમે સર્વે સાંજે ત્યાં આવશું. પછી તે ગયો અને બાપાશ્રી તથા સર્વ સંત-હરિજનો સાંજે નારાયણપુર ગયા અને મંદિરમાં ઉતારો કરીને પ્રેમજીભાઈને ઘેર ગયા. ત્યાં બાપાશ્રી બોલ્યા જે, હવે ક્યાં સુધી આ મંદવાડ રાખી મૂકવો છે ? પછી પ્રેમજીભાઈએ કહ્યું જે, એ તો તમારા હાથમાં છે. ત્યારે બાપાશ્રી તાવ પ્રત્યે બોલ્યા જે, હવે જાતો રહે. એટલે તરત તાવ ઊતરી ગયો ને ઊલટી બંધ થઈ ગઈ ને ખાવા માંડ્યું ને સુવાણ થઈ ગઈ. પછી બીજે દિવસે સંત-હરિજન સર્વે દહીંસરે ગયા. તેમને વળાવીને બાપાશ્રી વૃષપુર પધાર્યા; અને સંત-હરિજન રામપુર થઈને ભૂજ ગયા ને ત્યાંથી ગુજરાત તરફ આવ્યા. ।। ૮૯ ।।
વાર્તા ૯૦
સંવત ૧૯૬૭ની સાલમાં ફાગણ માસમાં અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા પ્રાણશંકરભાઈ આદિ હરિજનો તથા મૂળીના સંતો તથા ઝાલાવાડના હરિજનો સર્વે કચ્છ દેશમાં ગયા હતા. તે ભૂજ થઈને ફાગણ સુદ ૧૩ને રોજ શ્રી વૃષપુર ગયા અને ત્યાં ફાગણ સુદ પૂનમે બાપાશ્રીએ વચનામૃતની પારાયણ બેસારી હતી. તે સાત દિવસે પૂરું થયું; પછી દેશાંતરના હરિજનો પોતપોતાને ગામ ગયા. અમે થોડાક સંત તથા હરિજનો ત્યાં રહ્યા હતા, ત્યારે બાપાશ્રીએ વાતો કરી હતી તે નીચે લખી છે :
ફાગણ વદ ૭ને રોજ સવારે પ્રથમ પ્રકરણનું ૬૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં આત્મનિષ્ઠા અતિશય દૃઢ થાય ત્યારે કોઈ રીતે ધીરજ ડગે નહિ એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને આત્મનિષ્ઠા ન હોય તેને મહારાજ અથવા મુક્ત સમાધિ કરાવે ને તેને તેજનો સમૂહ દેખાય તો લાડકીબાઈની પેઠે બીક લાગે. જેમ વરસાદમાં કડાકા થાય ત્યારે બાળક બીએ તેમ. સ્વરૂપનિષ્ઠાવાળાને તો ધ્યાનમાર્ગમાં એ કાંઈ આડું આવતું નથી, એને તો વ્યતિરેક મૂર્તિ એક જ રહે છે; અને જે સમાધિમાર્ગમાં જાય છે તેને પ્રણવ અને નાદ આડા આવે છે. તે પર્વતભાઈ મયારામ ભટ્ટને કહેતા જે, તુર્યા અવસ્થા ને મહાકારણ દેહ તે શ્રીજીમહારાજના ધામથી ઓરાં છે. તમે તુર્યા અવસ્થા ને મહાકારણ દેહ તેની વાત પ્રત્યક્ષ મૂર્તિને મૂકીને શું કૂટ્યા કરો છો ? તુર્યા અવસ્થા તો ધામમાં જાતાં માર્ગમાં આવે છે તે અમે ભાળી છે, એમાં કાંઈ માલ નથી. શ્રીજીમહારાજની મૂર્તિ વિના સર્વે કાચું છે અને પ્રણવ ને નાદ તે પણ મૂળપુરુષના અંગૂઠામાંથી નીકળે છે ને એ સર્વે મૂળપુરુષનું કાર્ય છે; માટે એને સંભારવા નહિ, કેમ જે એ તો સકામ છે. સ્વરૂપનિષ્ઠાવાળાને તો શ્રીજીમહારાજના તથા મુક્તના મુખનાં વચન યથાર્થ સમજાય તે પ્રણવ અને નાદ છે; અને તે નિષ્કામ છે. જે અંતર્વૃત્તિવાળા છે, એ તો ત્રણે અવસ્થામાં મૂર્તિમાં જોડાઈ રહે છે. સમાધિમાર્ગ રસિક છે, પણ એમાં વિઘ્ન છે, તે નવા આદરવાળાને સમાસ કરે પણ એકાંતિકને સમાધિ કામની નથી. આ જીવનું ગજું થોડું ને મહારાજનો મહિમા અપાર, તે શી રીતે જાણી શકે ? મહારાજનો મહિમા જણાય તો સાધનનો ભાર રહે નહિ, અને મહિમા ન જણાય તો જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય આદિ સાધનનો ભાર જણાય. જેમ ભાતું બાંધીને ચાલ્યો તે ભારે મરે અને તેને ખાવાના સંકલ્પ કર્યા કરે, અને જે ખાઈ ગયો તેને ભાર પણ ન રહે ને સંકલ્પ પણ ન થાય; તેમ જેને મહાપ્રભુજીનો મહિમા છે તે સ્વરૂપનિષ્ઠાવાળો છે તે તો મહારાજની મૂર્તિના સુખરૂપી સમુદ્રમાં ઝીલ્યા કરે ને એને કોઈ વિઘ્ન આડું આવે નહીં. સાધનના ભારવાળાને તો કોઈનો અવગુણ પણ આવી જાય, તથા ભૂંડા દેશકાળ પણ લાગી જાય તે કલ્યાણના માર્ગમાં મોટું વિઘ્ન આવે, ને સાધન કરેલાં હોય તે પણ જતાં રહે; માટે સાધન છે તે માગેલાં ઘરેણાં છે તે કોઈક લઈ પણ જાય, માટે સાધનનો ભાર રાખવો નહીં. મહારાજનો ને મુક્તનો મહિમા સમજીને નિષ્કપટ થઈને મોટા આગળ હાથ જોડીને હાજર ઊભા રહેવું તો મોટા એના સર્વે દોષ ટાળીને પોતાના જેવો કરે. જે શ્રીજીમહારાજની આજ્ઞા લોપતો હોય તેના ઉપર શ્રીજીમહારાજ તથા તેના મુક્ત રાજી ન થાય, તેથી તેનું સારું પણ ન થાય; માટે પ્રસન્નતાનાં સાધન કરવાં, એટલે પોતાના મનનું ગમતું મૂકી દઈને મહાપ્રભુજીની ને મોટા મુક્તની અનુવૃત્તિમાં રહેવું. નવા સાધુ કાલે થયા હોય ને તે જો ધર્મવાળા હોય ને શ્રીજીમહારાજને વિષે પ્રીતિવાળા હોય તો તેના દાસાનુદાસ થઈને રહેવું, અને ભગવાન તથા સંતમાં આત્મબુદ્ધિ કરવી. જો ભગવાન ને મોટા સંત તથા તેમનાં કરેલાં શાસ્ત્રને વિષે આત્મબુદ્ધિ ન હોય ને તે સાધુ થયો હોય તોપણ તે માન, મોટપ તથા ખાધા-પીધાને માટે સત્સંગમાં રહ્યો હોય પણ તે ભક્ત નથી એમ જાણવું; અને જેને સત્સંગમાં આત્મબુદ્ધિ હોય તેને ભક્ત જાણવો. ।। ૯૦ ।।
વાર્તા ૯૧
ફાગણ વદ ૮ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૨૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ જોગ બહુ સારો છે માટે કરી લેવો. આ જોગ સદા ન રહે. ઓચિંતાનો દેહ પડી જાય કે ઓચિંતાનો જોગ મટી જાય, માટે ઝટ કરી લો. આ તો વીજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. જેમ વરસાદ વરસે ત્યારે સર્વત્ર જળ હોય ને પછી કાંઈ ન મળે તેમ આ જોગ સદા ન હોય. આ જોગ ગયા કેડે આવો જોગ મળવો ઘણો દુર્લભ છે. બીજા મળે તો સંગદોષ પણ લાગી જાય. અને મોટા તો સંગદોષ પણ લાગવા દે નહિ ને મોક્ષ કરે. જેમ સમુદ્રને સુખે કરોડો મગર-મચ્છાદિક જળજંતુ સુખી રહે છે, તેમ આ પુરુષને જોગે કરોડો જીવ સુખી છે એવા જોગમાં તમે આવી પહોંચ્યા છો. મોટાના સંકલ્પ તો કરોડો બ્રહ્માંડોને ધામમાં લઈ જાય એવા બળવાન છે. આવા કહેનારા આવ્યા છતાં દુઃખિયા રહે તે કોનો વાંક છે ? આજ સનાતન મહારાજ ને સનાતન મુક્ત મળ્યા છે. તેમની બરાબર બીજું કોઈ છે જ નહીં. એમની સેવા પણ સનાતન છે, તે કેવી તો (એક શાકનું ફોડવું હાથમાં લઈને બોલ્યા જે) આ એક શાકનો પીતો છે તે આ મુક્તને અર્પણ કરે તો અર્પણ કરનારને અનંતકોટિ બ્રહ્માંડના જીવોનો આત્યંતિક મોક્ષ કરવાની સામર્થી મળે; એટલું ફળ તો આ પૈસાભારનું એક ફોડવું છે તેટલી સેવાનું થાય છે; તો મોટા મુક્તની સેવા ને પ્રસાદીનો મહિમા ને મહારાજના સુખની વાતો સાંભળવી તેના સુખનો તો પાર જ ક્યાંથી પમાય ? એવી દિવ્ય સેવા મળી છે. તેને પામવાનો આ જીવને ખપ થતો નથી ને બીજા રસ, રૂપ, સ્નેહ, માન એમાં હેત અને ત્વરા બહુ રહે છે એવી જીવની ઊંધાઈ છે. આ ટાણે માળા, માનસીપૂજા, ભક્તિ, નિયમ, ધર્મ, કથા-વાર્તા કરો છો તેનું ફળ મહારાજની મૂર્તિનું સુખ છે તે અમે સર્વેને રાજી થઈને આપીશું એ વર દીધો. ।। ૯૧ ।।
વાર્તા ૯૨
ફાગણ વદ ૮ને રોજ બપોરે સભામાં સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજ અથવા મોટા મુક્ત મૂર્તિનું સુખ જીવને આપી દે તો એમને શું કઠણ છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જીવ વેપાર કરવા માંડે એવા છે. તે વેપાર એટલે કોઈકને જણાવે અથવા કોઈ નજરમાં જ ન આવે ને પોતાને સરસ માને માટે નથી આપતા. જ્યાં સુધી પાત્ર થાય નહિ ત્યાં સુધી મહારાજ અંદર પડદે રહે છે. પાત્ર થયા વિના દર્શન આપે તો જીવને માન આવે અને પૂજ્યપણું વધે માટે અંતે દેખાડીશું; ત્યારે કોઈકને સંશય થાય જે પાત્ર વિના મૂર્તિમાં કેમ લઈ જશો ? તો, જેને અધૂરું હશે તેને દેહને અંતે પાત્ર કરીને પૂરું કરાવશું પણ જન્મ નહિ ધરાવીએ. જેને મોટાનો જોગ થયો તેને તો દયા કરીને પૂરું કરાવશું. જીવ બિચારા કેટલાં સાધન કરશે ! આજ તો મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે તે ખપવાળાનું પૂરું કરે છે. આટલી વાર્તા કરીને સમાપ્તિ કરી.
તે જ દિવસે સાંજે સભામાં મધ્ય પ્રકરણનું ૫૬મું વચનામૃત વંચાતું હતું. તેમાં શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા મોટાને ભૂંડા દેશકાળ આદિકનો જોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહિ એમ આવ્યું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામી તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે, તેમને ભૂંડા દેશકાળાદિક લાગે એમ કહ્યું તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો સાધનિકને બીક લગાડવા માટે કહ્યું છે, પણ એ તો શ્રીજીમહારાજના જેવા સમર્થ છે ને માયાને નર્ક તુલ્ય જાણે છે. જેમ નાગર બ્રાહ્મણ શૂદ્રના તુચ્છ વૈભવને ઇચ્છે નહિ, તેમ મુક્ત તો માયાને તુચ્છ જાણે છે. કેમ જે મહારાજના સુખ આગળ માયાનું સુખ તો કાકવિષ્ટા તુલ્ય છે એમ જાણીને તેના સામું જોતા જ નથી. જેમ નાગર બ્રાહ્મણ શુદ્રનું ઘર જાણતા નથી જે એ ક્યાં હશે તેમ. ।। ૯૨ ।।
વાર્તા ૯૩
ફાગણ વદ ૮ને રોજ રાત્રિએ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ચાર પ્રકારના મુક્તના ભેદ કહ્યા છે તે કેવી રીતે સમજવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ ભેદ સાધનદશાવાળા મુક્તની સ્થિતિના છે. જે શ્રીજીમહારાજની મૂર્તિને જ દેખે અને પોતાની પણ સ્મૃતિ ન રહે તે ઉત્તમ ભેદ છે; અને જે પોતાની સ્મૃતિએ સહિત મૂર્તિ દેખે તે બીજો ભેદ છે; અને જે મહારાજને, પોતાને ને અક્ષરધામને દેખે તે ત્રીજો ભેદ છે; અને મહારાજને, પોતાને, ધામને અને અનંત મુક્તને દેખે તે ચોથો ભેદ છે. એમ સાધનદશાવાળાની સ્થિતિ કહી છે અને અક્ષરધામમાં કહ્યા છે, તે જ્યાં મૂર્તિ ત્યાં અક્ષરધામ કહ્યું છે; માટે અહીંની ને અક્ષરધામની એકતા કહી છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, અમદાવાદના ૬ઠ્ઠા વચનામૃતમાં અક્ષરધામને વિષે મહોલ, બાગ-બગીચા કહ્યા છે તે કેવી રીતે સમજવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ પૃથ્વીને વિષે જે જે ગામોમાં જેને જેને ઘેર શ્રીજીમહારાજ વિરાજ્યા તે સર્વે શ્રીજીમહારાજને સંબંધે કરીને અક્ષરધામ તુલ્ય દિવ્ય જાણવા; માટે આ લોકને વિષે શ્રીજીમહારાજ જેને ઘેર વિરાજ્યા તે મહોલ જાણવા; અને જેના ગોખમાં, ઝરૂખામાં, બાગમાં, બગીચામાં જ્યાં જ્યાં વિરાજ્યા તે સર્વે અક્ષરધામ તુલ્ય જાણવા. એ સર્વે આ પૃથ્વીનાં વર્ણન કર્યાં છે, પણ અક્ષરધામમાં નથી; માટે શ્રીજીમહારાજના સંબંધે કરીને તે સ્થાનોને અક્ષરધામ સમજવાં. ।। ૯૩ ।।
વાર્તા ૯૪
ફાગણ વદ ૯ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મધ્ય પ્રકરણના ૬૪મા વચનામૃતમાં ભગવાનની યોગમાયાએ કરીને પચાસ કોટિ યોજન પૃથ્વી તે પ્રલયને વિષે પરમાણુરૂપ થઈ જાય છે એમ કહ્યું છે, તે માયાનો શો અર્થ સમજવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માયા તે સમૃદ્ધિને જાણવી. શ્રીજીમહારાજ સર્વેના સ્વામી છે અને બીજું સર્વે છે તે શ્રીજીમહારાજની માયા એટલે સમૃદ્ધિ છે. અક્ષર છે તે મહારાજની માયા એટલે સમૃદ્ધિ છે, અને બ્રહ્મ છે તે અક્ષરની માયા એટલે સમૃદ્ધિ છે, અને મૂળપુરુષ છે તે બ્રહ્મની માયા એટલે સમૃદ્ધિ છે, એમ જાણવું; પણ પ્રકૃતિરૂપ માયા છે તે આ ઠેકાણે ન જાણવી. એ પ્રકૃતિરૂપ માયા છે તે તો મૂળપુરુષની છે. સ્વર્ગ અને નર્ક તે ઉપર એ સ્વર્ગ અને નીચે તે નર્ક એમ જાણવું, પણ યમપુરી ને ચોરાસી છે તે આ ઠેકાણે ન જાણવી. ઊંચા-નીચાનો અર્થ તે પણ શ્રેષ્ઠ-કનિષ્ઠ જાણવો, પણ તળે-ઉપર ન જાણવું. એમ કહેવાય છે કે અક્ષરધામ સર્વથી ઊંચું છે તે એમ સમજવું જે અક્ષરધામ સર્વેથી શ્રેષ્ઠ છે. પણ ઊંચું એટલે ઉપર છે ને અહીં નથી એમ ન જાણવું; કેમ જે અક્ષરધામ તો સર્વત્ર છે, અને શ્રીજીમહારાજ પણ સર્વત્ર છે. ઊંચા-નીચાનો અર્થ તે શ્રેષ્ઠ-કનિષ્ઠ છે અને પરનો અર્થ પણ શ્રેષ્ઠ છે. તેમજ ઉત્તરોત્તર સુખમાં પણ ફેર છે ને તારતમ્યતા છે. મહારાજની મૂર્તિના સુખથી મુક્તનું સુખ ઓછું છે ને તેથી ધામનું સુખ ઓછું, તેથી મૂળઅક્ષરોની કોટિઓનું સુખ ઓછું, તેથી અક્ષરોના મુક્તનું સુખ ઓછું, તેથી બ્રહ્મની કોટિઓનું સુખ ઓછું, ને તેથી મૂળપુરુષરૂપ ઈશ્વરોનું સુખ ઓછું છે; એમ તારતમ્યતા છે. ।। ૯૪ ।।
વાર્તા ૯૫
ફાગણ વદ ૯ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, તમને મળ્યા છે તે સનાતન સ્વરૂપ છે અને ધામ પણ અનાદિ છે. એવું બીજું કોઈ ધામ નથી અને મહારાજ જેવા કોઈ પતિ નથી અને મુક્ત જેવા કોઈ ગુરુ નથી; માટે તેમને મૂકીને બીજે ક્યાંયે સારપ રાખવી નહીં. જેમ ચક્રવર્તી રાજાની રાણીને એ રાજા વિના બીજાને વરવાનો સંકલ્પ થાય નહિ, તેમ શ્રીજીમહારાજને મૂકીને બીજો સંકલ્પ કરવો નહીં. શ્રીજીમહારાજ સર્વેના આધાર છે અને સર્વેના કારણ છે ને ધામ જે તેજ, તે પણ શ્રીજીમહારાજની મૂર્તિને આધારે છે. જો ધામને આધારે મહારાજ રહ્યા છે એમ કહીએ તો મહારાજનું કારણ ધામ થાય; માટે એમ ન સમજવું. કારણ ને આધાર તો મહારાજ છે, અને અનાદિમુક્ત પણ મહારાજની મૂર્તિની અંદર છે, માટે અનાદિમુક્તના આધાર પણ મહારાજ છે પણ ધામ આધાર નથી. કારણ વસ્તુને જ આધાર કહેવાય પણ કાર્ય વસ્તુને આધાર ન કહેવાય. જેમ પૃથ્વીનું કારણ જળ છે તે જળ પૃથ્વીનું આધાર છે તેમજ જે કારણ હોય તે જ આધાર હોય ને જે કાર્ય હોય તે કારણને આધારે હોય. જેમ સૂર્યનો પ્રકાશ સૂર્યની મૂર્તિને આધારે છે, અને અગ્નિની જ્વાળા અગ્નિની મૂર્તિને આધારે છે; તેમ શ્રીજીમહારાજ તે ધામના કારણ છે. અને શ્રીજીમહારાજના પ્રકાશરૂપ અક્ષરધામને વિષે શ્રીજીમહારાજને સન્મુખ પરમ એકાંતિકમુક્ત રહ્યા છે, અને તે અક્ષરધામની કિરણ કિરણ પ્રત્યે કોટાનકોટિ મૂળઅક્ષરોની કોટિઓ તથા બ્રહ્મની કોટિઓ તથા મૂળપુરુષ ઈશ્વરોની કોટિઓ તથા સર્વે બ્રહ્માંડ રહ્યાં છે. અને શ્રીજીમહારાજ એ અક્ષરધામને વિષે સદા સાકાર મૂર્તિમાન રહ્યા છે. અનાદિમુક્ત જે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છે તે સર્વે સદા સાકાર મૂર્તિમાન છે. અને એ ધામમાં શ્રીજીમહારાજને સન્મુખ પરમ એકાંતિકમુક્ત રહ્યા છે, તે સદા સાકાર મૂર્તિમાન છે; અને મૂળઅક્ષરો તથા તેમના મુક્તો તથા વાસુદેવબ્રહ્મની કોટિઓ તથા તેમના મુક્તો તથા મૂળપુરુષ ઈશ્વરોની કોટિઓ તથા તેમના મુક્તો, તે સર્વે સાકાર છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મૂળઅક્ષરોને તથા તેમના મુક્તોને, અને બ્રહ્મને તથા તેમના મુક્તોને અને મૂળપુરુષોને તથા તેમના મુક્તોને આત્યંતિક મોક્ષની ઇચ્છા થાય ત્યારે ત્યાંથી જ પાધરો મોક્ષ થતો હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે એમને મોક્ષની ઇચ્છા થાય ત્યારે આ લોકને વિષે જે બ્રહ્માંડમાં જ્યાં શ્રીજીમહારાજ અથવા તેમના મુક્તો જીવોનો મોક્ષ કરવા પ્રગટ થયા હોય તે ઠેકાણે આવીને શ્રીજીનો અથવા મુક્તનો સમાગમ કરે ને શ્રીજીના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે મુક્ત થાય. ।। ૯૫ ।।
વાર્તા ૯૬
ફાગણ વદ ૧૦ને રોજ સવારે સભામાં કારિયાણીનું ૧લું વચનામૃત વંચાતું હતું, તેમાં ભગવાનનો ભક્ત લટ-ભ્રમર ન્યાયે ભગવાનને આકારે થઈ જાય છે એમ આવ્યું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એ તો શ્રી પુરુષોત્તમને સજાતિ થયા ત્યારે સ્વામી-સેવકપણું કેમ રહે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ બાપને વિષે પુત્રને બાપપણાનો ભાવ રહે છે અને જેમ રાજાને વિષે રાણીને સ્વામીપણાનો ભાવ રહે છે, તેમ સ્વામી-સેવકપણું રહે છે. મહારાજનું આપ્યું સુખ ભોગવે છે માટે મહારાજ દાતા છે ને મુક્ત ભોક્તા છે, તેથી સ્વામી-સેવકપણું રહે છે. તે મધ્ય પ્રકરણના ૬૭મા વચનામૃતમાં કહ્યું છે જે, મેં જેવા ભગવાનને જાણ્યા તેવો તો ભગવાને મને કર્યો છે અને વળી મારા જેવા તો અનંત છે. માટે શ્રી પુરુષોત્તમરૂપ થાય છે તોપણ શ્રી પુરુષોત્તમ સર્વેને પર ને પર ભાસે છે. એ પ્રતાપ ને સામર્થી જોઈને સ્વામી-સેવકપણું અતિશય દૃઢ થાય છે. જેમ અગ્નિમાં કાષ્ઠ નાખીએ તે બળી જાય છે ત્યારે અગ્નિરૂપ થઈ જાય છે, પણ કાષ્ઠથી મૂળ અગ્નિ જુદો છે. તેમ મુક્ત પુરુષોત્તમરૂપ થઈ જાય છે, તોપણ પુરુષોત્તમમાં ને મુક્તમાં જુદાપણું રહે છે. જેમ જળમાં માછલા રમે છે તેમ મહારાજની મૂર્તિમાં મુક્ત રમે છે તે નવાં નવાં સુખ લે છે પણ પાર પામતા નથી. ।। ૯૬ ।।
વાર્તા ૯૭
ફાગણ વદ ૧૦ને રોજ બપોરે સભામાં સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, જ્યારે જીવને વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે ત્યારે જીવ ભગવાનની સમીપે જતો હશે કે મહારાજ જીવની સમીપે આવતા હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે જીવને અનાદિમુક્તનો જોગ થાય છે અને જીવ પોતાના મનનું ગમતું મૂકીને અને કામ, ક્રોધ, લોભ, માન, અહંકાર, મોહ આદિક સર્વે દોષ ટાળીને મોટાને જીવ સોંપી દે અને આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ કરે અને અનુવૃત્તિમાં રહે ને ખરો ગરજવાન અને દીન થાય ત્યારે મોટા પ્રસન્ન થઈને એના પડદા ટાળી નાખે ને મૂર્તિ દેખાય. એવી રીતે અનાદિમુક્ત પમાડે છે પણ મહારાજને કે જીવને આવવું-જવું પડતું નથી. જેમ કોઈકને ઘેર મહેમાન આવે તેને ઘરધણી જે જમે તે જમાડે; તેમ મોટા પાસે મહારાજની મૂર્તિ છે, તે જે આશરે થાય તેને આપે છે. આજ અમૃતનું નોતરું આવ્યું છે. જેમ વરસાદ વરસે છે ત્યારે ઘણા પ્રકારના રસ, મેવા આદિક થાય છે; તેમ આજ મહારાજ ને મુક્ત પ્રગટ થયા છીએ, તે સર્વે જીવોને મુક્ત કરીને મહારાજની મૂર્તિનું સુખ જેવું છે એવું જ આપવું છે. અમારે પારકા-પોતાના કોઈ નથી. મોટાનો જોગ કરીને મહિમા જાણ્યો હોય તેને કદાપિ માયિક સંકલ્પ થાય તે વખતે જો આવા મોટાને સંભારે તો એના સંકલ્પનો નાશ કરે. વળી ગમે એવો વિષમ દેશકાળ હોય પણ જો શ્રીજીમહારાજને અને મુક્તને સાથે રાખે તો એનો ભાર નહિ જે એ નડી શકે. મહારાજનો મહિમા યથાર્થ જાણ્યો હોય તેને બહુ સુખ આવે. જેમ ભોજન એક હોય ને પીરસનાર પણ એક હોય પણ જમનારની રુચિ પ્રમાણે જમાય છે; તેમ મહારાજનું સુખ મુક્ત આપે છે, પણ જેટલો મહિમા ને જેટલો વિશ્વાસ ને જેટલી શ્રદ્ધા તે પ્રમાણે લેવાય છે. જેમ સાજો જમે તેટલું માંદાથી ન જમાય, તેમ આ સત્સંગમાં ઘાટ ન થાય એવા મુક્ત ઘણા હોય, પણ બીજાના ઘાટને ટાળી નાખે એવા મુક્તની સાથે દૃઢ પ્રીતિ ને આત્મબુદ્ધિ કરવી; ને એવા સમર્થનો જ જોગ કરવો. આજ મહાપ્રભુજી તથા મુક્ત કૃપાસાધ્ય છે, તે જેમ રાજાને એક એરંડાકાકડી (પપૈયો) આપે તેમાં રાજ્ય આપી દે; તેમ આપણે આજ્ઞા પાળીએ તે એરંડાકાકડી આપ્યા જેટલું છે તેમાં મૂર્તિનું સુખ આપી દે. મહારાજની મૂર્તિનો જેટલો મહિમા જાણે છે તે પ્રમાણે સુખ આવે છે તે ત્યાં સર્વે બતાવશું એ વર દીધો. ।। ૯૭ ।।
વાર્તા ૯૮
ફાગણ વદ ૧૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સાધુએ ઝોળીનું અન્ન જમવું તે ઉપવાસી કહેવાય, અને પત્તરમાં બધું ભેળું કરીને તેમાં પાણી નાખીને જમે તે ગોળા જમ્યા જેવું કહેવાય, અને જુદું જુદું જમે તે સ્વાદિયો કહેવાય. નાના પ્રકારના રસ પ્રાપ્ત થાય તોપણ યોગ્ય હોય તેટલું જ જમવું અને થાળ કરવો તે શ્રીજીમહારાજને રાજી કરવા સારુ કરવો, પણ પોતાની આસક્તિથી કરવો નહીં. જો રસમાં આસક્તિ હોય તો કોઈક સારાં ભોજન જમાડે તેનો ગુણ આવે. ને કોરા રોટલા આપે તેનો અવગુણ આવે, માટે આસક્તિ ન રાખવી. આ વાત જીવમાં પેઠી હોય તો જેવું તેવું મળે તેમાં આનંદ થાય ને સારા વિષય મળે તેમાં ઉદાસ થવાય. ઘાટ ઊપજે તેને સમાવે તે સંત કહેવાય ને ન ઊપજે તે ભગવંત એટલે ભગવાન જેવા કહેવાય. જ્યારે ત્યારે ચોખ્ખું થયા વિના છૂટકો નથી. મહારાજને જેવા છે તેવા જાણ્યા હોય તો વાયુ તથા વરસાદ બહુ આવે કે ન આવે તો એમ જાણે જે મહારાજની મરજી પ્રમાણે થાય છે અને તે કોઈ જગ્યાએ અધર્મમાં ઊભો રહે નહીં. ને જે કામ કરે તે મહારાજને સાથે રાખીને કરે. મહારાજને ભેળા રાખ્યા વિના એકેય કામ પૂરું થાય નહીં. માટે મહારાજને ભેળા રાખવા, ને માન-સન્માનની તથા કોઈ શબ્દની કિંમત કરવી નહિ; જે આમ બોલ્યો કે આમ બોલ્યો. માન પાપરૂપ છે ને સન્માન સર્પતુલ્ય છે. માને કરીને લોભનો, કામનો, પ્રકૃતિનો સેવક થઈ રહે છે અને એ સર્વે દોષને ગુરુ માને છે. માની હોય તેને પ્રાયશ્ચિત્તનો ઉપવાસ કરવો પડે તો હા ન પાડે ને પોતાને જાણે (પોતાની ઇચ્છાએ) એકના લાખ ઉપવાસ કરે તેની ગણતરી નહીં. સભામાં પોતાની મેળે ઊભું થાવું હોય તો સો ફેરા ઊભો થાય પણ કોઈક સંત કે હરિજન ઊભો કરે તો એક ફેરો પણ ઊભો ન થાય. બીજા કોઈકને પ્રાયશ્ચિત્ત કરાવતા હોય ત્યારે તેનો પક્ષ લે જે નહિ કરે; તેને તો વિમુખ અને અધર્મી જાણવો. કોઈકના કહેવાથી ઊભો થાય કે પ્રાયશ્ચિત્ત કરે તો આખી સભા અને શ્રીજીમહારાજ રાજી થાય. જો મહારાજનું અંતર્યામીપણું જાણ્યું હોય તો તે કરવું કાંઈ કઠણ પડે નહિ, માટે બધું તપાસ કરવા જેવું છે. સિદ્ધપુરના રણછોડલાલભાઈએ પોતાના રૂપિયા ખરચીને મંદિર કરાવ્યું હતું. એ વાત આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કોઈકે કહી જે, રણછોડલાલભાઈએ મંદિરનું ધાબું વાળીને બગાડ્યું ને ખર્ચ બહુ કર્યું; તેથી મહારાજશ્રીએ તેમનું બહુ અપમાન કર્યું. ત્યારે રણછોડલાલભાઈ બોલ્યા જે, મહારાજ, કૃપાનાથ ! ઠાકોરજીના રૂપિયા હતા તે પહોંચ્યા એવું કર્યું. પછી કોઈક સંતે કહ્યું જે, રણછોડલાલભાઈએ પોતાના પદરના રૂપિયા ખરચીને મંદિર કર્યું છે. ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, તમે તમારા રૂપિયાથી મંદિર કર્યું તે અમે જાણતા નહોતા ને મંદિરના રૂપિયાથી કર્યું છે એમ જાણીને વઢ્યા તે અમે તમારો અપરાધ કર્યો. ત્યારે રણછોડલાલભાઈ બોલ્યા જે, મહારાજ ! આમાં તે તમે શું કહ્યું છે ? પણ ખાસડાં મારો તે ખંખેરીને તમને પાછા આપું ત્યારે હું રણછોડિયો તમારો દાસ ખરો, એમ બોલ્યા પણ અવગુણ લીધો નહીં. મહારાજને સાથે રાખે તો એવા ભક્ત થવાય ને મહારાજને પડ્યા મૂકે તો ક્રોધના, માનના, કામના, લોભના ઘાટ થાય. જુઓને ! શ્રી મુક્તાનંદ સ્વામી નાના સાધુને પણ કેવી રીતે માન દઈને બોલાવતા ! એવું દાસપણું રાખવું. શ્રી સદાનંદ સ્વામીને બાવળીમાં ભાણદાસ નામના વૈરાગીએ માર્યા તે વૈરાગીની લાકડી ભાંગી ગઈ તેનો ખરખરો કર્યો પણ પોતાને વાગ્યું તેનું કાંઈ ન કહ્યું; એવું નિર્માનીપણું રાખવું. ભગવાનના ભક્ત સાથે તો હારીને જ રાજી થાવું, તો તેની ભક્તિ આપણને મળે, ને જીતીને રાજી થઈએ તો આપણી ભક્તિ તેને જાય; પણ એ માર્ગ થોડાને હાથ આવે. કેટલાક તો સામો માણસ નમે તો રાજી થાય જે કેવો નમાવ્યો છે ! પણ લૂગડાં લઈ લીધાં તેની ખબર ન પડે. જે હાર્યો તે જ ખાટ્યો. આ સત્સંગમાં પોતાની ભૂલ ઓળખાય એ જ શ્રી સ્વામિનારાયણનો પ્રતાપ ને કૃપા છે. જે પોતાની ભૂલ જાણે તે તો ભૂલો પડેલો પાછો ઘેર આવ્યો કહેવાય. આ વાત પાત્ર થવાની છે. તે મોટા સાથે મન જોડે તો પોતાની ભૂલ ઓળખાય ને પાત્ર થવાય ને જીવમાં બળ આવે. પાત્ર થયા વિના મહારાજ રહે નહિ; જેમ મંદિર વિના દેવ રહે નહિ તેમ; માટે પાત્ર થાય તો મહારાજનું સુખ આવે. અંતર્વૃત્તિ કરીને મહારાજની મૂર્તિમાં જોડાવું, અને ક્રિયારૂપ પણ થાવું નહીં. ક્રિયારૂપ થાય તો મહારાજ પડખે રહી જાય. જે જે કારખાનાં, ધર્માદો વગેરે કરવું તે શ્રીજીમહારાજને સાથે રાખીને તેમની પ્રસન્નતાને અર્થે કરવું. પણ માન, મોટપ કે વખાણ સારુ ન કરવું. ક્રિયા કરતાં મહારાજની સ્મૃતિ ભૂલી જવાય તો ખોટ બહુ આવે. આ દેશમાં આ સાધુ ગયા તે સુધારો સારો કર્યો કે મંદિર સારું કર્યું. આવડત સારી છે, એમ વખાણે ત્યારે એમ જાણવું જે, એ બધું શ્રીજીમહારાજ વડે છે ને સેવા-ભક્તિ સર્વે શ્રીજીમહારાજની છે, ને મંદિર તો ગૃહસ્થોએ કર્યું છે, અને આપણને તો ફક્ત પાસે રાખ્યા હતા; એમ સમજીને મહારાજને ધણી રાખવા, પણ પોતે ધણી થાવું નહિ તો સુખિયા થવાય. જો માન, સન્માન કે ક્રિયાના ધણી થાય તો દુઃખિયા થવાય. મહારાજને જે વખતે ભૂલી જવાય તે વખતે તે વાંઝિયો કહેવાય. જેમ માબાપ મહેનત કરીને પૈસા ભેળા કરીને છોકરાને આપે ત્યારે તે છોકરો કહે જે, એ તો મેં કર્યું, તેમ કર્તા થાય તેનાથી દાસપણું રહે નહીં. રાજાના કારભારી રાજાને વિષે દાસત્વપણું ન રાખે તો એક ઘડી પણ રહેવા દે નહિ, તેમ શ્રી સ્વામિનારાયણના સંપ્રદાયમાં આવીને શ્રી સ્વામિનારાયણની મૂર્તિને સાથે ન રાખે તો તેને સુખ ન આવે. માયિક પદાર્થને રાખનાં પડીકાં જેવા જાણીને ઇન્દ્રિયો-અંતઃકરણને પાછાં વાળીને મહારાજની મૂર્તિમાં જોડી દેવાં ને કહેનારા ઉપરી રાખવા. ઉપરી ન હોય તો જીવ શૂનકાર થઈ જાય ને કહેનારા હોય તો સુખી રહેવાય ને જ્ઞાન વધે, માટે દાસપણું રાખીને મંડ્યા રહેવું તો સુખિયા રહેવાય. અમારે નારાયણપુરવાળા જાદવજીભાઈ હતા, તેમાં વ્યાવહારિક બુદ્ધિ ઘણી હતી ને મહારાજને સાથે રાખતા ને સુખિયા પણ ઘણા હતા. જ્યાં સુધી ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય ત્યાં સુધી ઘાટ થાય ને જ્યારે જીવમાં મહારાજનો નિશ્ચય થાય ત્યારે ઘાટ ન થાય. માટે બાળ અવસ્થામાંથી એકદમ વૃદ્ધ થઈ જાવું ને મૂર્તિમાં જોડાઈ જાવું, ને એક મૂર્તિ ને મુક્ત તે જીવન માનવું. જેમ માછલાંને જળ જીવન મનાણું છે તો મોટા મોટા મગર ને મોટા મોટા હાથી તણાઈ જાય પણ માછલું ઘણે ઊંચેથી ધારોડો પડતો હોય તેના સામું ચઢી જાય છે; તેમ મહારાજનું સુખ લેવામાં બળ આવે. મોટા તો ધક્કો મારે તો સર્વે આવરણ ટાળીને શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં લઈ જાય, માટે મહારાજની ને મોટાની સાથે રસબસ થઈ રહેવું. મોટા સાથે જીવ જોડ્યો હોય તેનો દેહ અપમૃત્યુએ કરી પડે તોપણ તેનું આત્યંતિક કલ્યાણ થાય. મોટાની દૃષ્ટિએ દેહ પડે તેનું પણ તેવું જ કલ્યાણ થાય; તેમાં ફેર પડે તો તેના જોખમદાર અમે છીએ. પછી વાર્તાની સમાપ્તિ કરી, ‘શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય’ એમ વર આપ્યો.
બીજે દિવસે આચાર્ય મહારાજ ભેળા સર્વે સંત દહીંસરા, ખાખર, રામપરા આદિ ગામોમાં ફરવા ગયા અને વૈશાખ સુદ ૬ને રોજ ભૂજ આવ્યા અને ત્યાં બીજે દિવસે શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. પછી સર્વે ગુજરાત તરફ આવ્યા. ।। ૯૮ ।।
વાર્તા ૯૯
સંવત ૧૯૬૮ની સાલમાં અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા હરિજનો મૂળીએ જન્માષ્ટમી કરીને કચ્છમાં ગયા હતા. ભૂજમાં ભાદરવા સુદ ૧૧ કરીને સુદ ૧૫ને રોજ શ્રી વૃષપુર ગયા.
ભાદરવા વદ ૧ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શિક્ષાપત્રીનો પહેલો શ્લોક જે “वामेयस्य” તેમાં શ્રીજીમહારાજે હું શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું એમ કહ્યું છે, એટલે એમાં તો શ્રીજીમહારાજ ભક્ત ઠર્યા અને શ્લોક ૨૦૯માં કહ્યું જે “मद्रूपमिति मद्वाळी” તેમાં તો મારી મૂર્તિઓની જેમ પૂજા કરો છો તેમ જ મારી વાણી જે શિક્ષાપત્રી તે પણ મારું સ્વરૂપ છે, તેની પૂજા કરવી; એમ આજ્ઞા કરી છે. એમાં તો પોતાનું ભગવાનપણું સૂચવ્યું છે માટે તે પરસ્પર વિરોધ આવે છે તે કૃપા કરીને યથાર્થ સમજાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શાસ્ત્રના શબ્દ દ્વિઅર્થી હોય, તેનો અનાદિ મુક્તરાજ સદ્. શ્રી નિત્યાનંદ સ્વામીએ સર્વેને ઠીક લાગે એવો સાર્વજનિક અર્થ કર્યો છે. તેમાં ‘વામ’ શબ્દની લક્ષણા કરીને ડાબું પડખું લીધું છે, અને શતાનંદ મુનિએ શિક્ષાપત્રીની ‘અર્થદીપિકા’ ટીકા કરી છે, તેમાં ‘વામ’ શબ્દની લક્ષણા કરીને ‘વામ’ હસ્ત લીધો છે; જે વામ કહેતાં ડાબા હસ્તને વિષે રાધા કહેતાં ભક્તજન જેણે કરીને સિદ્ધિ પામે એવી સિદ્ધિ રહી છે. શ્રીજીમહારાજ પોતાના ડાબા હસ્તમાં અભયપદ ધરી રહ્યા છે કહેતાં ડાબા હાથે અભયદાન આપે છે; તેને ડાબે પડખે રાધા રહ્યાં છે એમ કહ્યું છે. અને વક્ષસ્થળમાં લક્ષ્મીજી રહ્યાં છે એમ કહ્યું છે, તેનો અર્થ શોભાવાચક કર્યો છે. તે અનંત મુક્તકોટિ, અનંત અક્ષરકોટિ, અનંત બ્રહ્મની કોટિઓ અને અનંત ઈશ્વરોની કોટિઓ તે સર્વેને શોભા આપવાપણું શ્રીજીમહારાજને વિષે રહ્યું છે એમ કહ્યું છે. અને વૃંદાવનમાં વિહાર કરનારા કહ્યા છે, તે વૃંદ તે સંતનો સમૂહ કહ્યો છે. તે સંતોના વૃંદનું ‘અવન’ કહેતાં રક્ષણ કરવું, તે નિમિત્ત છે વિચરણ જેમનું એવું શ્રીકૃષ્ણવાચક મારું સ્વરૂપ કહેતાં ‘શ્રી’ જે શોભા તેણે યુક્ત કહેતાં ભક્તના આધાર સતા ભક્તનાં દુઃખને નિવૃત્ત કરનારા એવા જે અમે તે અમારા સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ; એમ શ્રીજીમહારાજે પોતાનું ધ્યાન કહ્યું છે. આવો અવાંતર અર્થ શતાનંદ મુનિએ ટીકામાં કર્યો છે તે વાસ્તવિક છે, માટે આવી રીતે અર્થ સમજવો “हदये जीववत् जीवे” એમ કહ્યું છે તેમાં જીવ જેમ હૃદયરૂપી એક દેશમાં રહ્યો થકો પોતાની સત્તાથી નખશિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપી રહ્યો છે; તેમ શ્રીજીમહારાજ પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને સર્વ જીવને વિષે રહ્યા છે; પણ જીવ જેમ નિરાકાર છે તેમ શ્રીજીમહારાજ નિરાકાર નથી. શ્રીજીમહારાજ તો સદા સાકાર મૂર્તિમાન છે ને એ જ ભગવાન સ્વતંત્ર છે ને ઈશ કહેતાં જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ અને મુક્તકોટિ તે સર્વેના નિયંતા છે, અને સર્વેને કર્મફળના આપનારા છે.
અને ૧૦૮મા શ્લોકમાં “स श्रीकृष्ळ” કહેતાં અક્ષરધામમાં સાકાર દિવ્ય મૂર્તિમાન જે શ્રીકૃષ્ણ પરબ્રહ્મ ભગવાન શ્રી પુરુષોત્તમ તે જ આપણા ઇષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારમાત્રના કારણ છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, ૧૧૫મા શ્લોકમાં “कृष्ळस्तदवताराश्व ध्येयास्तप्रतिमाडपि च” એમ કહ્યું છે તેમાં શ્રીકૃષ્ણ તો શ્રીજીમહારાજ છે; પણ અવતાર, જીવ, નર, દેવ અને બ્રહ્મવેત્તા ભક્ત કોને જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, છેલ્લા પ્રકરણના ૧૦મા વચનામૃતમાં મૂળમાયામાંથી ઉત્પન્ન થયા જે પ્રધાનપુરુષો અને તેમાંથી થયા જે મહત્તત્ત્વ, અહંકાર, વૈરાજ અને તેમાંથી થયા જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને બ્રહ્માથી થયા જે પ્રજાપતિ, ઋષિ, દેવ, દૈત્ય, મનુષ્ય, ઝાડ, પહાડ, સ્થાવર, જંગમ તે સર્વે જીવ જાણવા. અને મૂળપુરુષોથી લઈને બ્રહ્મ તથા મૂળઅક્ષરો તે સર્વે દેવ જાણવા અને શ્રીજીમહારાજની મૂર્તિને સાક્ષાત્કાર પોતાના આત્માને વિષે દેખતા હોય એવા એકાંતિકને બ્રહ્મવેત્તા ભક્ત જાણવા. અને શ્રીજીમહારાજના પરમ એકાંતિકમુક્તને નર જાણવા. તે કોઈનું ધ્યાન શ્રીજીમહારાજના ભક્તોએ ન કરવું. અને જેમ શ્રીજીમહારાજે જીવોના મોક્ષ માટે શ્રી રામાનંદ સ્વામી રૂપે દર્શન આપ્યાં હતાં તેમ મુક્ત રૂપે દર્શન આપે તે મુક્ત શ્રીજીમહારાજના અવતાર કહેવાય તેનું ધ્યાન થાય. તે જો શ્રીજીમહારાજે પોતે દર્શન આપ્યાં ન હોય ત્યાં સુધી થાય ને જ્યારે સ્વયં મૂર્તિ શ્રીજીમહારાજ પોતે દર્શન આપે તો તે અવતારનું પણ ન થાય. ।। ૯૯ ।।
વાર્તા ૧૦૦
ભાદરવા વદ ૧ને રોજ બપોરે સભામાં મધ્ય પ્રકરણનું ૪૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં ગુણાતીત ભક્ત હોય તે ઉત્થાને રહિત શૂન્ય સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે; એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સુષુપ્તિ તે ઉપશમ કહેવાય. તે ઉપશમથી પણ સાક્ષાત્કાર થાય તે શ્રેષ્ઠ છે અને તેથી પણ ભગવાન જેવું સ્વતંત્રપણું આવે તે અતિ શ્રેષ્ઠ છે. તે તો જેવા શ્રીજીમહારાજ સ્વતંત્ર છે તેવા કહેવાય. એવા થાવાના ઉપાયમાં રહેવું પણ દેહના સુખના ઉપાય ન ગોતવા. જે ટાણે જેવું મળે તેણે કરીને ખાડો પૂરવો પણ સારાં સારાં ભોજન મળે તેટલાં ગ્રહણ કરવાં નહીં. જેને પરિપક્વ નિશ્ચય હોય તેને પદાર્થ રૂપે સિદ્ધિઓ આવે છે, તેને ભોગવે તો તે સિદ્ધિઓમાં લોભાણો કહેવાય. જો પોતે ન ભોગવે ને બીજાને આપી દે તો સિદ્ધિઓમાં લોભાણો ન કહેવાય. જુઓને ! અમારી પાસે કેટલા પદાર્થ આવે છે પણ અમે કોઈ દિવસ ગ્રહણ કરીએ છીએ ? ત્યારે સંતોએ કહ્યું જે, એના ધણીને દઈ દો છો. કદાપિ સેવક પરાણે મૂકી જાય તો અમને તથા સત્સંગીઓને વહેંચી આપો છો; પણ આપ તો કોઈ દિવસ જમતા નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને સર્વને શીખવવા સારુ અમે જમતા નથી. જેટલું આવે તેટલું ભોગવવું નહીં. સૌ સંત-હરિજનો સમજજો; પણ લૂણકે ગઈ, લૂણકે ગઈ એમ ન જાણશો. સાકર જમવા જડે તોપણ લૂણકે ગઈ એમ કરે, તેવું ન કરવું.
પછી સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, લૂણકે ગઈ તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગધેડી લૂણ લેવા જતી હતી, તેના ઉપર સાકર ભરી પણ તેણે તો લૂણ ભર્યું છે એમ જાણ્યું. તેમ આ સભામાં સમાગમ કરવા આવ્યા છો તે સમાગમ કરી લેવો પણ આવ્યા તેવું જવું નહીં. બાળકિયા સ્વભાવ ન રાખવા, જે અહીંથી અહીં ને અહીંથી અહીં એમ ન કરવું, એટલે અહીં બેસવું ને ફરવું એમ કરીને દિવસ ન નિર્ગમવો. અને ત્રણે અવસ્થાનો જન્મ થવા દેવો નહીં. અમારા જેવા વૃદ્ધ થઈ પડવું. ગૃહસ્થને તથા ત્યાગીને આ સભા ફેર નહિ જડે. પરદેશથી કામકાજ પડ્યા મૂકીને દરિયો ઉલ્લંઘીને આવ્યા છો તે આ જ્ઞાન લઈ જજો, પણ જઈ આવ્યા તેમ ન કરશો. ખાખરિયાથી તથા ગુજરાતથી આવ્યા છો તે આવ્યાનો લાભ લઈ જજો. અમને તાવ આવે છે તેથી તમને વાતોનું બરાબર સુખ અપાતું નથી તોપણ તમારા હેત સારુ વાતોનું સુખ આપીએ છીએ; માટે આ સુખ લઈ જજો. આ મુક્તના પ્રસંગથી ભાગવત ધર્મ આવે ને પછી કારણ જે શ્રીજીમહારાજની મૂર્તિ તે આવે ત્યારે તે ભક્ત પડેય નહિ ને આખડેય નહિ, માટે મૂર્તિ સિદ્ધ કરવી. આ દેહરૂપી બ્રહ્માંડમાં મદિરા એટલે વિષય અને પાતર્યું એટલે ઇન્દ્રિયો છે તે કાઢી જોઈશે. અને બીજું રૂડા ગુણનું પણ માન કાઢવું જોઈશે. તે માન તો જેમ “આપકા જાયા આપકું ખાય” એવું છે. જેમ વીંછણને પોતાનાં બચ્ચાં ખાઈ જાય છે તેમ પોતે સિદ્ધ કરેલાં જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક તેનું માન તે પોતાને ખાય છે. વળી નિર્માનીપણાનું પણ માન આવે છે, તે પણ એમ જણાવે જે હું નિર્માની છું તો એ નિર્માનીપણાનું માન પણ પોતાને ખાય છે; માટે નિર્માનીપણાનું માન પણ ટાળવું. બીજું મોટાપુરુષને વિષે દોષ ન પરઠવો; ગુણ પરઠવો. જો મોટાને વિષે ગુણ પરઠે તો રાજ્ય તથા દીકરા આદિક જે ઇચ્છે તે મળે, ને નિષ્કામી, નિર્લોભી થવા ઇચ્છે તો તેવો થાય, અને ગમે તેવું વિઘ્ન આવનારું હોય તોપણ નાશ પામે અને કાળ, કર્મ, માયાથી રહિત થઈ જાય અને મોક્ષ પામે. પાપી જીવ હોય તે પણ જો અંત વખતે સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરે તો તેનો મોક્ષ થાય એટલે બીજબળ થાય; અને બીજે જન્મે સત્સંગમાં આવીને પ્રતિમાને દિવ્ય જાણે ને સર્વોપરી ઉપાસના સમજે ને આત્યંતિક મોક્ષને પામે. ।। ૧૦૦ ।।
વાર્તા ૧૦૧
ભાદરવા વદ ૨ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૨૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં જેટલો શ્રીજીમહારાજનો મહિમા જાણે તેના હૃદયમાં તેટલો પ્રકાશ થાય છે ને તેટલો નાદ સંભળાય છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ અહીં લાય લાગે અથવા પાણીનું પૂર આવે તેનો નાદ સંભળાય છે, તેમ શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો નાદ થાય છે. તે નાદ જેને મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય તે સાંભળે પણ જેમ બહેરો નથી સાંભળતો, તેમ માયારૂપી પડદા જેને હોય તેનાથી સંભળાય નહીં. તમે આ વખતે દર્શન કરો છો તે તમારાં મોટાં ભાગ્ય છે. ક્યાં તમે ને ક્યાં અમે ! આ તો કીડી-કુંજરનો મેળાપ છે. અમે તમને અંતર્યામીપણે ખેંચ્યા છે ત્યારે આ જોગમાં આવ્યા છો. આ જોગ એવો છે જે ઇન્દ્રિયોની વૃત્તિ ઘસાઈને બુઠ્ઠી થઈ જાય છે એવું ખરેખરું નૈમિષારણ્ય ક્ષેત્ર આ છે. આ ઠેકાણે જપ, તપ, માળા, માનસીપૂજા જે કરે તે થાય એવું છે. આ સભા નૈમિષારણ્ય ક્ષેત્ર છે માટે અંતર્દૃષ્ટિ કરીને મૂર્તિમાં જોડાવું. ।। ૧૦૧ ।।
વાર્તા ૧૦૨
ભાદરવા વદ ૩ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ભક્તચિંતામણિના પરચામાં ઝીણાભાઈને શ્વેતદ્વીપમાં દીઠા એમ લખ્યું છે એનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્વેત એવું જે તેજ તેનો દ્વીપ કહેતાં સમૂહ એટલે તેજનો સમૂહ જે અક્ષરધામ તેમાં દીઠા એમ કહ્યું છે; પણ પરોક્ષ શ્વેતદ્વીપ છે ત્યાં દીઠા એમ ન જાણવું. વેદ તે પણ આવા મુક્તનાં વચન જાણવાં. આ મુક્ત શ્રીજીમહારાજના વેદ છે; તેમના મુખમાંથી વચન નીકળે તે વેદ સમજવા. વૈરાજના મુખમાંથી નીકળ્યા છે તે વેદ તો અવરભાવના છે, એમાં મૂળપુરુષથી પરની ઉપાસના નથી કહી. આ શ્રીજીમહારાજના મુક્તરૂપી વેદ છે, તે શ્રીજીમહારાજની ઉપાસના સમજાવે છે અને શ્રીજીમહારાજની પ્રાપ્તિ કરાવે છે. તેમ જ કર્મ ને જ્ઞાન તે પણ શ્રીજીમહારાજ સંબંધી કરાવે છે. આ તો પરભાવના વેદ છે. આ વાત અવશ્ય સમજવાની છે. કેટલાક સાધુઓને મહારાજની ઉપાસના ન સમજાણી હોય તે સભામાં વાત કરે તોપણ વૈરાજ કે પ્રધાનપુરુષ કે પ્રકૃતિપુરુષથી બહાર નીકળતા નથી. એમાં ને એમાં ઘૂંચાઈ રહે છે. પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી એ ચાર વાણી તથા પરોક્ષ શાસ્ત્ર એ બધું ક્ષરમાં એટલે માયામાં છે; માટે એકાંતિકને તે કાંઈ જોઈએ જ નહીં. આપણા દેહના પ્રારબ્ધ તે પણ શ્રીજીમહારાજ પોતે જ છે. એક મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ એવું કરી નાખવું. જો ઉપાસના પાકી હોય તો સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યાં જે પાંચ સાધન તે સિદ્ધ થાય ને શ્રીજીમહારાજની પ્રસન્નતા થાય, ને શ્રીજીમહારાજ જેવો થાય. આજ તો એ પાંચ સાધન પણ સિદ્ધ ન થયાં હોય ને ઉપશમ અવસ્થા પણ દૃઢ ન કરી શક્યો હોય તોપણ જો સ્થૂળ દેહે નિયમ પાળે તો તેનું કલ્યાણ અમારા હાથમાં છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, નિયમ કયા જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ ને ધર્મામૃત એમાં કહ્યા પ્રમાણે વર્તવું એ નિયમ જાણવા ને તે પાળવા. પણ વાડ ઊઠીને ખેતરને ખાય તો તે ખેતરમાં શું પાકે ? ભેળાઈ જાય. આજ્ઞા પાળવી ને અનુવૃત્તિમાં રહેવું તો મોટા રાજી થાય; પણ જીવથી એટલુંય ન થાય ને મનનું ધાર્યું કરે. કેટલાક જપ, તપ કરે તેમાં તો આખી ઉંમર નીકળી જાય તોપણ કલ્યાણ ન થાય ને લૂખો ને લૂખો રહે; પણ જો મોટાપુરુષ કહે તેમ કરે તો મોટા પ્રસન્ન થાય. મોટા કહે જે આ કર તો તે ન કરે ને આ ન કરીશ કહે તો તે કરે, તો મોટા પ્રસન્ન થાય નહિ; માટે પ્રસન્નતાનાં સાધન કરવાં. અમારે તો આજ્ઞા પળાવીને ચોખ્ખુંચણક કરાવવાનું તાન બહુ છે. માટે આજ્ઞા યથાર્થ પાળે તો જ સુખી થાય. આ સંપ્રદાયમાં આવીને સ્ત્રી-દ્રવ્યમાં આસક્ત થાય ને લોકોનો માર ખાય તે પોતાનુંયે બગાડે અને બીજાનુંયે બગાડે. આ લોકમાં હરાયાં ઢોરાંને ટોકરો બાંધે છે તે ખણખણાટ થાય છે માટે તેવું હરાયા ઢોર જેવું થાવું નહીં. કેટલાક દ્રવ્ય રાખે છે ને ચૈતન્ય માયામાં બગડે છે. આ સત્સંગમાં અષ્ટસિદ્ધિ ને નવનિધિ હાજર છે. ઓ કહે છે કે મને લો, ને ઓ કહે છે કે મને લો, તોપણ દ્રવ્યરૂપી પાપ રાખે છે તેનું તો ધર્મામૃતમાં શ્રીજીએ લખ્યા પ્રમાણે પાપ લાગે છે. કોઈક સાધુ યાત્રાએ જાય તેને ખાતરી કરીને ટિકિટ કરાવી આપવી, પણ જે ઘણા પાસેથી લેતો હોય એવી ખબર પડે તો ટિકિટ પણ કરાવી આપવી નહીં. સાધુએ તો પ્રગટની જ યાત્રા કરવી. ગોર યજમાનનું સરાવવા વાડીએ ગયો હતો, તે પોતાના છોકરાને છાનો રીંગણીમાં રીંગણા લેવા મૂકીને સરાવવા લાગ્યો. ત્યારે છોકરાનું માથું દેખાણું, એટલે ગોરે સમસ્યા કરી જે, “છૈયા ! અરકે, અરકે, કેશ ફરકે, યજમાન બરકે; દો તોયરા, દો મોયરા, દો ગોરી ગાયરા, દો તોરી માયરા” એમ સાધુએ કદી ન કરવું. એ દ્રવ્ય તો કાળા નાગ જેવું છે. તે સોડ્યમાં લઈને સૂએ તો કરડ્યા વિના રહે જ નહિ; માટે મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું, જેથી મહારાજ રાજી થાય. મહારાજની આજ્ઞા લોપીને પાપ ભેળું કરે તે પાપમાં કાંઈ નહિ વળે, એ પાપ તો ફગાવી દેવું; અને ધોતિયાં કોઠારમાં દેવસેવામાં આપી દેવાં ને મૂર્તિ રાખવી. એ પાપને સંભારે તોપણ મુખ ગંધાય એવું છે, માટે હવે એને નહિ સંભારીએ. શ્રીજીમહારાજની મૂર્તિ લો. શ્રીજીમહારાજ તો આ દ્વિભુજવાળા બેઠા. ક્યાં અનાદિમુક્ત ને ક્યાં મહારાજ ! તેમનું પ્રમાણ અવરભાવવાળા શું કરી શકે ? માટે આ ખોખાને મૂકીને જુદા પડશો ત્યારે બધુંય સમજાવશું ને દેખાડશું. પછી ‘હરે !’ એવો શબ્દ બોલીને પછી બોલ્યા જે, કથા સાંભળતાં રે, ‘હરે હરે’ કહી બોલે.
પછી વળી સ્વામીએ કહ્યું જે, મહારાજની મૂર્તિ સદા ભેળી દેખાય એવી કૃપા કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિ તો આ રહી. મૂર્તિનો વાંક નથી, પણ મૂર્તિને લેનારાની ખોટ છે તેથી સમજાતી નથી ને દેખાતી નથી.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, એનો ઉપાય શો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટાને વિષે ને મહારાજને વિષે આત્મબુદ્ધિ હોય તો સદાય આ સભા ભેળી રહે પણ આત્મબુદ્ધિ આવવી તે ઘણી કઠણ છે. આ ટાણે દિવસ છે પણ અમો રાત્રિ કહીએ તો તે મનાય કે નહિ ? જો રાત્રિ મનાય તો આત્મબુદ્ધિ થઈ જાણવી; વિશ્વાસ હોય તોપણ આત્મબુદ્ધિ ન થાય. જો આત્મબુદ્ધિ થાય તો જેમ કહીએ તેમ કરે. ।। ૧૦૨ ।।
વાર્તા ૧૦૩
ભાદરવા વદ ૪ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સાધુનાં ઘણાં નામ હોય. નારદ-સનકાદિક પણ સાધુ કહેવાય છે, પણ સનકાદિકને ક્રોધ થયો ને નારદજી પણ નાક, કાન કપાવી બેઠા, માટે આ સંત છે તે છેલ્લો મુદ્દો છે. મહારાજે કહ્યું છે કે, જે સંતો મોટા મોટા હોય તે આગળ બેસો; તે સંત આ રહ્યા. મૂર્તિમાંહી તેજ ઝળક ઝળક કરે છે ત્યાં આ સભા બેઠી છે. આ જુઓને કેવાં સંતનાં વન કમળના જેવાં ફૂલી રહ્યાં છે ! કેમ સંતો ! વાત સાચી કે ખોટી ? ત્યારે સંત બોલ્યા જે, બાપા, આપ કહો છો તે સાચી વાત છે. એવામાં હરિજનની સભામાંથી ઝળળળ ઝળળળ તેજ નીકળ્યું. તે દેખીને એક હરિજન આશ્ચર્ય પામ્યો. પછી બાપાશ્રી બોલ્યા કે, આ સભાનો મહિમા હરિજનોને છે તો, ઓ જાણે જે હું સેવા કરું ને ઓ જાણે જે હું સેવા કરું. જેને મહિમા ન સમજાય તેને તો આ સભાનું સુખ ન આવે. આ સભાનો મહિમા સમજાય તેને તો આઠે પહોર આશ્ચર્ય થયા જ કરે. જેણે શ્રીજીમહારાજનો આશ્રય કર્યો હોય તેને માન્યામાં આવે છે. બધા ગુણ શ્રીજીમહારાજના છે. કદાપિ શ્રીજીમહારાજ પોતાના ગુણ કોઈકને કિંચિત્ આપે તો તે પોતાના ન માનવા, ધણીના માનવા. ધૂળ ઘાલી તેણે શું થાય ? આ ધૂળ નથી ઘાલી. આ તો શ્રીજીમહારાજની ચૂંદડી ઓઢી છે. તે ધન્ય ભાગ્ય છે; જેટલું રાજાનું એટલું રાણીનું રાજ્ય થઈ ગયું છે. જુઓ તો ખરા, ભીખ માગી ખાતા હતા તે મટી ગયું; એ મહારાજનો પ્રતાપ છે. આવો અવસર ફરી નહિ આવે. માંડવીનો ભાટિયો પરણીને આવતો હતો તે દરિયામાંથી તો ઊતર્યો, પણ ધામધૂમ કરવા રહ્યો એટલામાં નદી આવી તે તાણી ગઈ; માટે ધામધૂમ કરવા ન રહેવું. પુસ્તક, ચેલા, ધર્માદા આદિક નવાં નવાં ચરિત્ર કરવાં તે સર્વે ધામધૂમ છે. તે ધામધૂમરૂપી કાર્યમાં રખડવું નહીં. તેને મૂકીને મૂર્તિમાં જોડાઈ રહેવું, પણ બેઠે બેઠે તરંગ કરવા નહીં. યાત્રા કરવા જાવું, સભાઓ જીતવી, સમૈયા કરવા તે સર્વે ધામધૂમ છે તે ન કરવું.
આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજે શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજનો વરઘોડો ફેરવવા માંડ્યો ત્યારે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ના પાડી; તોપણ ફેરવ્યો તો વિઘ્ન આવ્યું જે માણેકચોક આગળ બંદૂકો ફૂટી ને ખૂન થયાં ને પાછા આવ્યા, માટે મોટા તો શ્રીજીમહારાજના સિદ્ધાંત પ્રમાણે બોલે તેમ જ થાય. પાછા આવ્યા ત્યારે વળી બીજાએ અવગુણ ઘાલ્યો જે, સ્વામીએ ના પાડી તેમાં આ વિઘ્ન આવ્યું; તેથી એમનો શાપ લાગ્યો એમ અવગુણ ઘાલ્યો. મહિમાય સમજે ને વળી અવગુણ પણ લે એવા જીવના સ્વભાવ છે. આ લોકમાં તનનાં, મનનાં ને જનનાં દુઃખ છે. અનેક પ્રકારના રોગ દેહમાં ભર્યા છે તે પીડા કરે, એ તનનાં દુઃખ; લોક નિંદા કરે, ધૂળ નાખે, અપમાન કરે એવાં દુઃખ દે તે જનનાં દુઃખ અને ધ્યાનમાં, ભજનમાં, માળા ને માનસીપૂજામાં સંકલ્પ-વિકલ્પ થાય તે મનનાં દુઃખ છે. એવાં ઘણાં દુઃખ છે તે મોટાપુરુષનો જોગ કરે ને એમના જેવો નિષ્કંચન થાય તો સર્વે દુઃખ ટળી જાય છે. ।। ૧૦૩ ।।
વાર્તા ૧૦૪
ભાદરવા વદ ૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આપણે ધ્યાન, ભજન, કથા-વાર્તા, ભક્તિ ઝાઝી કરતા હોઈએ ને બીજા સંત કે હરિભક્ત સૂતા હોય તે મોડા ઊઠે કે ધ્યાન-ભજન ઓછું કરે કે ન કરે તો આપણે એમ જાણવું જે એ પૂર્વે કરીને બેઠા છે ને મારે હજી કરવાનું છે એમ પોતાને વિષે ન્યૂનપણું માનવું. પોતે તો સ્નેહે સહિત સાધન કરવાં ને બીજાનો દોષ આવવા દેવો નહિ, ગુણ જ લેવો. તેમ કરતાં જો કોઈને વિષે દોષ જેવું જણાય તો એમ વિચાર કરવો જે તેની ખોટ તેને નડશે. શ્રીજીમહારાજ દંડ દેનારા છે એમ સમજવું. જો આપણું માને એમ હોય તો તેને સાધારણ રીતે કહેવું ને કોઈ સત્સંગના ધોરણ બહાર વર્તે તેને તો ધમકાવીને કહેવું. જો ન માને તો બીજા પાસે કહેવરાવવું ને તેનું રૂડું થાય તેમ પ્રાયશ્ચિત્ત કરાવીને શુદ્ધ કરીને નોરે કરવો, છતાં ન માને તો સત્સંગ બહાર કરવાનું મોટેરાને કહેવું. પોતે તેનો સંગ તજી દેવો, પણ દૈહિક પ્રકૃતિ જોઈને દોષ લેવો નહિ; અને પોતાને વિષે રૂડા ગુણ હોય તેનો ખખા રાખવો નહીં. દાસપણાનો, નિર્માનીપણાનો, નિર્ગુણપણાનો એ સર્વેનો ભાવ ટાળવો; એટલે એના સામી વૃત્તિ ન રાખવી. એક મૂર્તિમાં જ રાખવી તો મૂર્તિ રહે. જો ધ્યાનમાં મૂર્તિનું સુખ લઈને પાછો બહાર આવે ને જાણે જે હું કેવું સારું ધ્યાન કરું છું ! હું કેવો દાસ છું ! કેવો નિર્માની છું ! એમ જાણે તો જેમ ચાંપાં (ભેંસો) વગડે જઈને લીલું ખડ ચરીને પાછા ઘેર આવતા રહે એવું છે; માટે સંભારવું નહીં. એ તો ગુણનો ભાવ છે તે જેમ દેહનો પડછાયો દેહથી જુદો પડતો નથી તેમ મૂર્તિ મૂકે તો એ સર્વે સાધન પડછાયા જેવાં છે તે ટળે નહીં. જેને મૂર્તિ સદાય રહે તેને તે સાધન સાંભરે નહીં. જેમ સૂર્યને પાછળ રાખીને કોઈક પડછાયો તગડવા જાય તો પડછાયો જાય નહિ પણ જો સૂર્યને સામો રાખે તો પડછાયો આગળથી તૂટી જાય, તેમ મહારાજને સન્મુખ રાખે તો સાધનની મહત્તા ટળી જાય. ઠરાવવાળો દુઃખિયો અને અંત અવસ્થાવાળો સુખિયો, માટે જાણપણારૂપ દરવાજે ઊભા રહીને મહારાજને સંભારવા. જો એકલું સેવા-ભક્તિરૂપ થઈ જવાય તોપણ બંધન કરે. અધિકારવાળો પણ દુઃખિયો. સાધુતાની, અધિકારની, ક્રિયા આવડે તેની, વાણીની, ચાપલ્યતાની, ભણતરની, દ્રવ્યની એવી અનંત પ્રકારની મોટપો જીવે માની છે તે સર્વે દુઃખદાયી ને બંધનકારી છે. જ્યાં સુધી માયાનો ગુણ હોય ત્યાં સુધી દુઃખિયો. જ્યારે માયા છે જ નહિ એવું સમજાય ત્યારે તે સુખિયો. સાધન સર્વે ઉપકારી છે પણ મૂર્તિ સન્મુખ થયા વિના સુખ નથી. એમ જાણે ત્યારે દોષ ટળે. માટે જેને મહારાજનું સુખ વહેલું લેવું હોય તેણે કામ, ક્રોધ, ઐશ્વર્ય, પ્રસિદ્ધિ, યશ, કીર્તિ તેમને ભાગિયાં રહેવા દેવાં નહિ તો મહારાજનું સુખ આવે. જો એ કદી ભાગિયા થવા આવે તો મોટાની પ્રાર્થના કરવી એટલે મોટા એ પાપને નાશ કરી નાખે. લાખ વર્ષ જોગ કરો ને કામ ન થાય તે કામ દર્શનમાત્રમાં કરી દે. અને લાખો-કરોડો જન્મનાં કર્મ તે પણ દર્શનમાત્રમાં નાશ કરી નાખે, એવો મોટાનો પ્રતાપ છે. ।। ૧૦૪ ।।
વાર્તા ૧૦૫
ભાદરવા વદ ૬ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જીવની અંતર્ગત ઈશ્વર એટલે મૂળપુરુષ જે શ્રીકૃષ્ણ તે રહ્યા છે અને તેની અંતર્ગત શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મ રહ્યા છે. ને તેની અંતર્ગત અક્ષર રહ્યા છે. અને તે અક્ષરથી પર ને તેના કારણ અને પોતાના તેજ વડે કરીને તેમના આધાર ને અંતર્યામી ને કારણ ને નિયંતા એવા શ્રી પુરુષોત્તમ ભગવાન તે શ્રીજીમહારાજ છે; તેમની સાક્ષાત્કાર પ્રાપ્તિ જીવને શી રીતે થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામેલા મુક્તનો જોગ થાય ત્યારે તે મુક્તને પ્રતાપે કરીને શ્રી પુરુષોત્તમની દૃઢ ઉપાસના થાય, ત્યારે તેને પડદા રહેતા નથી; અને પુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર તે કોઈનો ભાર કે મહત્તા કે સારપ રહેતી નથી. એક શ્રી પુરુષોત્તમ જે શ્રીજીમહારાજ તેમની જ સારપ ને મહત્તા રહે છે. એ તો છતા દેહે જ શ્રી પુરુષોત્તમ પાસે પહોંચી ચૂક્યો છે. આજ મોટાપુરુષોએ એવી રચના બાંધી દીધી છે તે સર્વે ટૂંકામાં લાવી દીધું છે. આજ તો પરબાર્યો સીધો રસ્તો મળ્યો છે; ક્યાંય ફરવા જવું પડે તેમ નથી. બધું જ્ઞાન કહેવા જઈએ તો પાર આવે નહીં. આ ત્રણ શબ્દ “પુરુષ, બ્રહ્મ અને અક્ષર” એ જુદા કાઢી નાખીએ એટલે તરત શ્રી પુરુષોત્તમની સમીપે પહોંચીએ. માટે પોતાને શ્રી પુરુષોત્તમના તેજરૂપ માનીને, એ તેજમાં મૂર્તિ જોવી એટલે શ્રી પુરુષોત્તમના તેજમાં પોતાના આત્માને લીન કરીને એ તેજમાં મૂર્તિ ધારવી; અથવા અનાદિમુક્તરૂપ માનીને મૂર્તિમાં રહીને મૂર્તિ જોવી પણ મૂર્તિમાન મૂળઅક્ષરરૂપ માનવું નહિ, કેમ કે જે વસ્તુરૂપ થઈએ તે વસ્તુની પ્રાપ્તિ થાય. તે પ્રથમ પ્રકરણના ૫૧મા વચનામૃતમાં કહ્યું છે જે, શ્રી પુરુષોત્તમ આકારે દૃષ્ટિ થાય ત્યારે અક્ષરાદિક કોઈ છે જ નહિ; એક શ્રી પુરુષોત્તમ જ છે એમ થાય. જેમ હીરે કરીને હીરો વીંધાય છે તેમ શ્રી પુરુષોત્તમનું દર્શન ને નિશ્ચય તે શ્રી પુરુષોત્તમ વડે જ થાય છે અને જ્યારે શ્રી પુરુષોત્તમનું દર્શન ને નિશ્ચય થાય છે ત્યારે એનાં ઇન્દ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થઈ જાય છે. માટે પોતાને શ્રી પુરુષોત્તમરૂપ માનવું અથવા શ્રી પુરુષોત્તમના મુક્તરૂપ અથવા તેજરૂપ માનવું. જેમ ચંદ્ર વડે ચંદ્રનું દર્શન થાય અને સૂર્ય વડે સૂર્યનું દર્શન થાય પણ ચંદ્ર વડે સૂર્ય જોવાય નહિ, તેમ શ્રી પુરુષોત્તમ વડે જ શ્રી પુરુષોત્તમનું દર્શન થાય પણ મૂળઅક્ષરરૂપ થવાથી શ્રી પુરુષોત્તમનું દર્શન થાય નહીં. માટે તે અક્ષરરૂપ થવાથી શ્રી પુરુષોત્તમ પમાય નહિ; માટે પોતાને પુરુષોત્તમરૂપ માનવું. ।। ૧૦૫ ।।
વાર્તા ૧૦૬
ભાદરવા વદ ૭ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૬ઠ્ઠું વચનામૃત વંચાતું હતું. તેમાં ભક્તિનું માન આવવા દેવું નહિ એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભક્તિ કરતાં જો ઈર્ષ્યા આવે તો ભક્તિ નિષ્ફળ થઈ જાય. જેમ ઝાડ વાવીને પાણી પાય પણ જો કવા આવે તો ફળ ન આવે તેમ થાય. જો જીવને ‘હુંપણું’ ટળી જાય તો સર્વે દોષ નાશ થઈ જાય, ને આત્મા શુદ્ધ થાય ત્યારે મૂર્તિ દેખાય. માટે મૂર્તિરૂપી અમૃત મૂકીને વિષ ન ખાવું. મૂર્તિ વિના બીજું સર્વે વિષ જેવું છે. “અમૃત રસ મેલી રે વિષ હું શીદ ચાખું” એ સાખી બોલ્યા. અને બોલ્યા જે, વસ્તુ તો બહુ જ મોટી મળી છે. પણ જીવને મેળવતાં આવડતું નથી પણ સુખ તો એમાં જ છે. જીવ જ્યારે સંસારમાંથી ઉદાસ થાય છે અને સાધુ થવાનો વિચાર કરે છે ત્યારે આવો ઠરાવ કરે છે જે ઝોળી માગી ખાશું, સાધુની સેવા કરીશું, ધ્યાન-ભજન કરીશું અને સાધુનો સમાગમ કરીશું. જો એવો ને એવો ઠરાવ દેહ પર્યંત રહે તો કાંઈ વાંધો જ ન રહે. એવો ઠરાવ રાખવો પણ પૂજા, પ્રતિષ્ઠા, પદાર્થ એ આદિકનો ઠરાવ ન કરવો. કથા કરવા ગયા ને સો-બસો ધોતિયાં લાવ્યાં. અથવા ધર્માદો ઘણો લાવ્યા કે કોઈક હરિજન પાસે સેવા કરાવી તે સર્વે એમ જાણવું જે આ બધું શ્રીજીમહારાજને આપે છે. પણ આપણને કોઈ ન આપે; કેમ જે મહાપ્રભુજીને આગળ રાખીએ તો આપણને આપે પણ મહાપ્રભુજીને મૂકી દઈએ તો આપણને કોઈ ઊભા રહેવા દે નહીં. પૂજા, પ્રતિષ્ઠા સર્વે મહાપ્રભુજીની થાય છે પણ આપણને કોઈ પૂજતું નથી એવો ઠરાવ રાખવો. “માન મૂકે માન મળે, માન રાખે માન જાય” એ સાખી બોલ્યા. ।। ૧૦૬ ।।
વાર્તા ૧૦૭
ભાદરવા વદ ૭ને રોજ બપોરે સભામાં માલણિયાદના ચતુરભાઈએ પૂછ્યું જે, બ્રહ્મરૂપ ક્યારે થવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પરિપક્વ ઉપાસના થાય અને શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તતા હોય એ સર્વેને દિવ્ય જાણે, અને મહારાજ વિના બીજા કોઈ કાળ-કર્માદિકને તથા દેવ-અદેવને કર્તા ન જાણે. તે ઉપર વાત કરી જે, અમારી નવી વાડીના પડામાં એક પીરનો ઓટો હતો. ત્યાં બધા લોકો પગે લાગવા ને દીવા કરવા આવે તેથી જમીન ખૂંદાઈ જાય. પછી એક દિવસ રાત્રિએ બધા હરિજનોને લઈને ગયા તે ઓટો ખોદીને નાખી દીધો ને ફરતા લીંબડાનાં ઝાડ હતાં તે કાપીને લાકડાં રાતોરાત મંદિરમાં લાવીને નાખી દીધાં. માટે મહાપ્રભુજી વિના બીજાને કર્તા જાણે તો તે મહારાજનો દ્રોહી છે, તે કેવી રીતે તો જ્યારે કાળનું વિષમપણું હોય ત્યારે બીજે જતું રહેવાય, તે કાળનું કર્તાપણું જાણ્યું કહેવાય. પરિપક્વ નિશ્ચયવાળાને વિષમ કાળમાં ભાગી છૂટવાનું કહ્યું નથી. જેને જીવવાની આસક્તિ હોય તેને એ વચન કહેલું છે એમ જાણવું. અને કર્મમાં હોય તો થાય એમ જાણે તેણે કર્મનું કર્તાપણું જાણ્યું કહેવાય. અને માયા વિના દેહનો વ્યવહાર કેમ નભે એમ સમજે, તથા માયાએ કરીને જગત થાય છે એમ સમજે તેણે માયાને કર્તા જાણી કહેવાય. અને જગત સ્વાભાવિક થયા જ કરે છે એમ સમજે તથા સ્વભાવ ન મુકાય તેણે સ્વભાવને કર્તા જાણ્યો કહેવાય. માટે શ્રીજીમહારાજ વિના કોઈને કર્તા જાણે નહિ, અને વાચ્યાર્થ ને લક્ષ્યાર્થ જ્ઞાન હોય અને અન્વય-વ્યતિરેકપણું જાણે ત્યારે બ્રહ્મરૂપ થવાય.
પછી હળવદના ત્રિભોવનભાઈએ પૂછ્યું જે, તેમનાં લક્ષણ કેવી રીતે જાણવાં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિના તેજરૂપ થઈને મૂર્તિ ધારે તથા મૂર્તિમાં રહે એ ઉપાસના પરિપક્વ જાણવી. કોઈકને ધ્યાન, ભજન આદિક ક્રિયા કદાપિ ઓછી હોય પણ મોટા પાંચ વર્તમાન પાળે તે સર્વને દિવ્ય જાણવા, અને શ્રીજીમહારાજ સત્સંગ વિના બીજે અન્વય એટલે પોતાના તેજ દ્વારે રહ્યા છે. તે જીવથી લઈને મૂળઅક્ષર પર્યંત પોતાના તેજ દ્વારે અંતર્યામીપણે રહ્યા છે. અને સત્સંગમાં વ્યતિરેક એટલે મૂર્તિમાન રહ્યા છે એમ જાણવું. તેમાં ચાલોચાલ સત્સંગીમાં તો અંદર પડદે રહ્યા છે તોપણ અન્વય ન કહેવાય; અને એકાંતિકમાં તો સાક્ષાત્કાર રહ્યા છે. સત્સંગમાં તો વ્યતિરેક જ છે.
જે શ્રીજીમહારાજને સર્વેથી પર જાણે અને બધી આજ્ઞા પાળે પણ મૂર્તિની અખંડ સ્મૃતિ ન રાખે તે ચાલોચાલ સત્સંગી જાણવો. અને જે શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને ને બીજે બધેથી લૂખો થઈને અખંડ મૂર્તિની સ્મૃતિ રાખે તે એકાંતિક કહેવાય. જે સર્વોપરી ન જાણે ને આજ્ઞા બધી પાળે તોપણ તે પ્રાકૃત ગુણબુદ્ધિવાળો કહેવાય, તેમાં તો અન્વય રહ્યા છે. અને જે શ્રીજીમહારાજની બાંધેલી ધર્મમર્યાદારૂપ આજ્ઞા ન પાળે અને તેણે ભેખ લીધો હોય અથવા ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય પણ તે તો સ્વામિનારાયણનો છે જ નહિ, માટે એ તો સાધુયે ન કહેવાય ને સત્સંગીયે ન કહેવાય; અને તેમાં તો બીજા અવતારો દ્વારે અન્વય રહ્યા છે. જે સિદ્ધદશાવાળા અનાદિમુક્ત છે તેમાં તો સદાય ભેળા જ છે, પણ જુદા પડતા નથી. આપણે તો કારણ મૂર્તિનું જ કામ છે ને કરવાનું પણ એ જ છે. નિયમ-ધર્મ પાળીને પવિત્ર થાય ત્યારે આ સભા મૂર્તિ પધરાવે છે. મહારાજે કહ્યું છે કે અમે ધારીએ છીએ તેમ થાય છે. આજ તો આ સભામાં પણ મૂર્તિ મળે છે, જેને જોઈએ તે આવો. મહારાજ આજ કૃપાસાધ્ય છે. આમ સમજે તો બધુંય સમજાણું અને તેને જ અન્વય-વ્યતિરેકપણું જાણ્યું કહેવાય. ઇન્દ્રિયોમાં જે જ્ઞાન છે તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય અને જીવમાં જ્ઞાન હોય તે લક્ષ્યાર્થ જ્ઞાન જાણવું. ત્યાં દૃષ્ટાંત જે, એક બ્રાહ્મણ સત્સંગીનો વેશ બનાવીને કોઈક સત્સંગીને ઘેર આવ્યો તેને સત્સંગી જાણીને સારાં ભોજન તેને વાસ્તે કરાવ્યાં. એટલામાં તે બ્રાહ્મણને છીંક આવી, તે જય અંબા બોલી ગયો, તેને દંભી જાણીને ખાટી છાશ ને ખોરી જારની ઘેંસ કરીને ખૂબ મીઠું નાખીને પીરસી, તે બ્રાહ્મણને ખારી ઝેર લાગી. ત્યારે બોલ્યો જે આ તો ખારું ઝેર જેવું છે. પછી હરિજન બોલ્યા જે, એ તો અંબાનો પ્રતાપ છે. એમ ઉપરથી દંભ બતાવે છે ને માંહી કાંઈ ન હોય તે કહેવામાત્ર છે માટે તે વાચ્યાર્થ જાણવું અને જે સાચું હોય તે લક્ષ્યાર્થ જાણવું. આ કહ્યાં તે લક્ષણ પોતામાં હોય તો બ્રહ્મરૂપ થવાય. ।। ૧૦૭ ।।
વાર્તા ૧૦૮
ભાદરવા વદ ૮ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજના ભેળા આવેલા મુક્તો પોતાનો સિદ્ધાંત પાછો લઈ ગયા કેમ કે જીવો પાત્ર નહિ, તેથી પ્રવર્તાવી શક્યા નહીં. તે સંસ્કારી જીવો આજ ફેર આવ્યા છે તે મુક્તની વાતો સત્ય માને છે. આ સમયે વખત, જોગ, સ્થાન બહુ સારાં મળ્યાં છે. આ શ્રીજીમહારાજ જેવા ભગવાન ને આવા મુક્ત તે અનંતકોટિ બ્રહ્માંડમાં ક્યાંયે નથી એવા મળ્યા છે પણ તે ભોગવાતું નથી; જેમ ગાંડાને ધન મળ્યું હોય તે ભોગવી શકે નહિ તેમ. મોટાનો મહિમા જાણ્યા વિના સુખ ન આવે ને વિશ્વાસ પણ ન આવે.
પછી શેદલાના પ્રાણજીવનભાઈએ કહ્યું જે, જેમ આ લૌકિક પદાર્થ સર્વે દેખાય છે તેમ જ મહારાજ દેખાય તો જીવ મહારાજને મૂકે નહીં. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ જગ્યાએ દ્રવ્યનો ભંડાર દાટ્યો છે, એમ કોઈક કહે તો જેને વિશ્વાસ હોય તે ખોદે તો દ્રવ્ય નીકળે.
પછી માલણિયાદના અમીચંદભાઈએ પૂછ્યું જે, ખોદવાની શ્રદ્ધા ન હોય તો કેમ કરે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રદ્ધા તો મહારાજ ને મોટા આપે, પણ વિશ્વાસ નથી. સુખનો ઢગલો પડ્યો છે પણ જીવ તપાસ કરતો નથી; એટલે અંતરમાં જોતો નથી, જે આ વાતોમાંથી મેં કેટલી ગ્રહણ કરી ? જ્યારે વાત થાય ત્યારે એમ જાણે જે આ તો બીજાને માટે થાય છે, પણ પોતાને માથે તાણી લેતો નથી. જો પોતાને માથે તાણી લે તો દોષમાત્ર નાશ થઈ જાય ને મૂર્તિનું સુખ આવે. બીજાનો લાખો રૂપિયાનો સરવાળો કરે ને પોતાના ઘરમાં રામપાત્ર હોય; તેમ બીજાને માથે નાખી દે પણ પોતાને માથે ન લે તેને એવું થાય. ઘેલાઈમાં ચાલ્યું જાય છે. જેમ પાંચ જણ વાંકમાં આવ્યા હોય તેનો ફેંસલો થાય ત્યારે એક જણાને સંભળાવે જે તમને કેદ મળશે; ત્યારે પાંચે જણા જાણે જે આપણે સર્વેને આવી. તેમ એકને વાત કરતા હોઈએ તે સર્વેએ માથે લેવી, પણ બીજાને માથે નાખીને નીકળી જાવું નહીં. ગૃહસ્થ હોય તેમણે તો શ્રીજીમહારાજ સુખેથી સાંભરે ને કથા-વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસીપૂજા વગેરે નિયમ બરાબર સચવાય અને પોતાના જીવાત્માનું પરલોક સંબંધી સુખ થવાનું સાધન સુખે થાય; એવી રીતે દેહનિર્વાહ જેટલો જ વ્યવહાર કરવો, પણ વ્યવહારરૂપ થઈ જવાય એવો વેગે સહિત વ્યવહાર ન કરવો. શ્રીજીમહારાજની ને મોટાની આજ્ઞા પ્રમાણે કરવો. બીજું પોતાના મોક્ષના લાભ માટે ગમે તેવી પ્રકૃતિ હોય તેને મોટાના જોગમાં રહીને ટાળવી. મહારાજની અને મોટાની આજ્ઞામાં લેશમાત્ર ફેર પડવા દેવો નહીં. એમ જાણવું જે હું જે જે ક્રિયાઓ તથા સંકલ્પ કરીશ તેને મહારાજ ને મોટા દેખે છે, તેથી મહારાજની ને મોટાની મરજી તથા આજ્ઞા વિરુદ્ધ વર્તીશ તો તે કુરાજી થશે ને મારું બગડી જશે. નિરંતર એવી તપાસ રાખીને મહારાજ ને મોટા જેમ પ્રસન્ન થાય તેમ વર્તવાનો આગ્રહ રાખવો. અને મોટાના આપેલા નિયમ ખબડદાર થઈને પાળવા. જો તેમાં ફેર પડે તો મોટાનું વચન પાછું જાય ને મોક્ષનો ઝાંપો વસાઈ જાય. માટે આજ્ઞા પૂરી પાળવી અને તેમાં ભૂલ પડે તો મોટાને સંભારીને તેનું પ્રાયશ્ચિત્ત કરી નાખવું. સારા-નરસા ઘાટ થાય તેને મહારાજ ને મોટા દેખે છે; એમ જાણીને પ્રાયશ્ચિત્ત કરશે તેનું પરમ કલ્યાણ થાશે. ઇન્દ્રિયો જીતે તો અંતઃકરણ જિતાય છે અને અંતઃકરણ જીતે તો ખાવા-પીવાનો ને બોલવા- ચાલવાનો ચસકો રહે નહીં. વાસનાવાળા ત્યાગી કરતાં ગૃહસ્થના ધર્મ સાચવે તે ગૃહસ્થ શ્રેષ્ઠ છે. વાસના તો બહુ ભૂંડી છે.
એક ગામમાં એક જણને છોકરાં જીવે નહીં. પછી પુરુષે ઠીકરામાં ખાવું એવી માતાની બાધા રાખી; તે પણ ઊભા ઊભા ખાવું. તેની સ્ત્રીએ છોકરાનું મળમૂત્ર બાર મહિના સુધી ભોંય પડવા દેવું નહિ, ને બધું લૂગડામાં રાખવું ને બાર મહિને બધું માતા પાસે લઈ જવું; ને પગે લગાડીને પછી લૂગડાં ધોવે ત્યારે બાધા છૂટે. પછી બાર મહિને લૂગડાંનો મોટો ગાંસડો બાઈએ માથે ઉપાડ્યો ને પુરુષે છોકરાને તેડેલો ને માથે ઠીબડી; એવી રીતે ચાલ્યાં. તેને માર્ગમાં એક હરિજન મળ્યા. તેમણે પૂછ્યું જે આ ગાંસડો ને ઠીબ ને આ બધું શું છે ? ને ક્યાં જાઓ છો ? પછી તેણે બધી વાત કરી. આટલો બધો દીકરા સારુ દાખડો કર્યો, તે કેવો દીકરાનો મહિમા ! અજ્ઞાની જીવને એવો મહિમા નાશવંત પદાર્થનો છે. આટલો દાખડો ભગવાન ને સંતને અર્થે કરે તો કલ્યાણમાં કાંઈ વાંધો જ ન રહે. ।। ૧૦૮ ।।
વાર્તા ૧૦૯
ભાદરવા વદ ૯ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં શ્રીજીમહારાજનું ગોલોકધામ ને તેને વિષે બ્રહ્મજ્યોતિ છે, તે અક્ષરબ્રહ્મથી પર છે એમ આવ્યું; ત્યારે સંતોને માંહોમાંહી સંવાદ થયો. તેમાં કેટલાક અક્ષરબ્રહ્મને પર કહેવા લાગ્યા, ને કેટલાક અક્ષરબ્રહ્મથી ગોલોકને પર કહેવા લાગ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કોઈ વાતમાં વાદવિવાદ કરવો નહીં. વાદવિવાદમાં તમોગુણ આવે. કદાપિ કોઈકનું પ્રતિપાદન થાય તો તેનું માન આવે, માટે એ માર્ગે ચાલવું નહીં. વાતચીત કરતાં તથા પ્રશ્ન-ઉત્તર કરતાં રજ-તમનો ભાવ લાવવો નહિ, તો આ જોગમાં મોટો લાભ છે. ઊનું નહિ, ટાઢું નહિ, મંદ-મંદપણું, શીતળ અને શાંત એવું મહારાજનું સુખ છે, તે સુખ જેને રજ-તમ ન ભળે તેને આવે છે, માટે રજ-તમ આવવા દેવો નહિ; કેમ જે તેમાં માયા ભળે છે ને પરાભવ કરે છે. પ્રશ્ન-ઉત્તરમાં ધડાકો મારે તેના ઉપર મહારાજ ને મોટા રાજી ન થાય. વાદવિવાદ કરતાં તમોગુણ આવે તો શબ્દ સર્વે વ્યર્થ થઈ જાય ને મહારાજને ભૂલી જવાય એવી ખોટ આવે અને કોઈને સમાસ ન કરે. માટે સાધુ થાવું એટલે મહારાજ તથા એમના મુક્ત જેવું થાવું. તો સાધુ થયા જાણવું. આપણને સર્વોપરી શ્રી પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, તે પુરુષોત્તમનો સંબંધ રાખે તો પુરુષોત્તમરૂપ થવાય અને અવગુણ આવે તો જીવનો નાશ થઈ જાય. ત્યાં દૃષ્ટાંત, જેમ અગ્નિમાં કાષ્ઠ પડ્યું તે અગ્નિરૂપ થયું અને અગ્નિમાંથી નોખું પડે તો રાખ થઈ જાય; તેમ આ વાત સાધનિકની છે. વચનામૃતમાં કેટલાક શબ્દ શ્રીજીમહારાજ પોતે ભગવાન રૂપે બોલ્યા છે, અને કેટલાક શબ્દ અનાદિમુક્ત રૂપે બોલ્યા છે, અને કેટલાક શબ્દ સાધનિક રૂપે બોલ્યા છે. બે પ્રકારની સમજણવાળાને અર્થે શ્રીજીમહારાજે વચનામૃત દ્વિઅર્થી કર્યાં છે. તે નરનારાયણને અને શ્રી પુરુષોત્તમને ભેળા કહ્યા એમ દ્વિઅર્થી જાણવા. વચલું કારખાનું એક વાર જાણીને પછી ખોટું કરી નાખવું અને પોતે શ્રીજીમહારાજના તેજરૂપ થઈને અથવા અનાદિમુક્તરૂપ થઈને મૂર્તિમાં જોડાઈ જાવું. તમારો વિવાદ ચાલતો હતો તેમાં ઈશ્વર બાવાનું કહેવું સત્ય હતું; તેમાં શ્રીજીમહારાજે મૂર્તિમાન અક્ષરબ્રહ્મથી પોતાના તેજની કિરણોરૂપ ગોલોક અને તેમાં બ્રહ્મજ્યોતિ છે તેને પર કહ્યું છે. તેમાં શ્રીજીમહારાજ પોતાના પરમ એકાંતિકમુક્તોએ સહિત રહ્યા છે અને જે અનાદિમુક્ત છે તે તો મૂર્તિમાં રહ્યા છે તે સત્ય વાત છે. એમ વાત કરીને પછી બોલ્યા જે, અમે એક હરિભક્તને પૂછ્યું જે તમે દેહ મૂકીને ક્યાં રહેશો ? ત્યારે તેમણે કહ્યું જે અક્ષરધામમાં તમે હશો ત્યાં રહીશું. ત્યારે અમે કહ્યું જે અમારાં ઠેકાણાં કેવાં ! અમે તો જ્યાં મહારાજ મોકલે ત્યાં હોઈએ. પછી એ હરિભક્ત બોલ્યા નહિ, ત્યારે અમે કહ્યું જે તમને સ્વામી ઈશ્વરચરણદાસજીના જેવું કહેતાં ન આવડ્યું. અમે એમને પૂછ્યું હતું જે, તમે દેહ ત્યાગ કરશો ત્યારે ક્યાં રહેશો ? ત્યારે તેમણે કહ્યું જે, જ્યાં તમે હશો ત્યાં રહીશું. પછી અમે કહ્યું જે, અમને તો જ્યાં મહારાજ મોકલે ત્યાં જઈએ. ત્યારે તે કહે જે તમે તો સદાય મહારાજની મૂર્તિમાં છો, ને મૂર્તિમાં રહ્યા થકા જ્યાં દેખાવું હોય ત્યાં દેખાઓ છો, પણ તમારે મહારાજને મૂકીને ક્યાંયે જવું પડે નહિ, એમ જવાબ આપ્યો. પછી તે હરિજને કહ્યું જે અમને એવું ક્યાંથી આવડે ? માટે અધ્યાત્મ વાર્તા મોટાના સમાગમ વિના પોતાની બુદ્ધિએ સમજાય તેમ નથી. ।। ૧૦૯ ।।
વાર્તા ૧૧૦
ભાદરવા વદ ૧૦ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને બાવળ નીચે બેસી માનસીપૂજા કરી. પછી બાપાશ્રી બોલ્યા જે, સંતો ! આજ તો પ્રશ્ન પૂછો તો વાત કરીએ.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, પ્રથમ પ્રકરણના ૭૦મા વચનામૃતમાં ચોથા પ્રશ્નમાં ચોરનું દૃષ્ટાંત દીધું છે. તેમાં ગામ તે શું જાણવું ? ચોર કોને જાણવા ? સાધુ કોને જાણવા ? પગ તે શું જાણવું ? કાંટો કયો જાણવો ? અને પગ સૂણ્યો તે શું જાણવું ? રાજા કોને જાણવા ? અને ખજીનો શો જાણવો ? ધન તે શું જાણવું ? માબાપ કોને જાણવાં ? સગાં કોને જાણવાં ? લશ્કર તે શું જાણવું ? અને શૂળી તે કઈ જાણવી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગામ એટલે જગત જાણવું. ચોર તે જીવ જાણવો, સાધુ તે સત્પુરુષ જાણવા, પગ તે અંતઃકરણ જાણવું અને કાંટો તે જ્ઞાન જાણવું. અંતઃકરણ જ્ઞાને કરીને પૂર્ણ થાય તે પગ સૂણ્યો જાણવો. રાજા તે ભગવાન જાણવા અને ખજીનો તે શાસ્ત્ર જાણવા. ધન તે વિષય જાણવા ને માબાપ તે પ્રકૃતિપુરુષ જાણવા. સગાં તે ઇન્દ્રિયો જાણવી અને લશ્કર તે કાળ જાણવો. શૂળી તે યમપુરી જાણવી. જો જીવ ભગવાનની બાંધેલી શાસ્ત્રમર્યાદા મૂકીને વિષય ભોગવે તો કાળ આવીને યમપુરીમાં લઈ જાય, ને ત્યાં મહાદુઃખ ભોગવવાં પડે. શ્રીજીમહારાજે શાસ્ત્રમાં જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે વર્તતા હોય એવા સાધુનો સંગ કરે ત્યારે તે સત્પુરુષ તેને આત્મા-પરમાત્માનું જ્ઞાન કહે. તે જ્ઞાને કરીને અંતઃકરણ પૂર્ણ થાય તે પગ સૂણ્યો કહેવાય. તે અંતઃકરણ વિષય સંબંધી સંકલ્પ કરે નહિ એટલે સાધુ તેની સહાય કરે અને જન્મમરણ તથા યમયાતનાનાં દુઃખ ટાળીને શ્રીજીમહારાજ ધામમાં લઈ જાય એમ સમજવું. ।। ૧૧૦ ।।
વાર્તા ૧૧૧
ભાદરવા વદ ૧૦ને રોજ રાત્રિએ વાંટાવદરના ભૂરાભાઈએ પૂછ્યું જે, મધ્ય પ્રકરણના ૫૩મા વચનામૃતમાં જીવ કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યાં સુધી મૂળમાયાના કાર્યમાં જીવને રાગ હોય ત્યાં સુધી તે કાળો કહેવાય. અને માયિક રાગ ટળી જાય અને માયિક પદાર્થમાં દેશકાળે કરીને પણ ક્યાંયે મોહ ન પામે; પણ ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ અને અક્ષરકોટિના ઐશ્વર્યમાં રાગ હોય તે ગોરો કહેવાય. અને એમના ઐશ્વર્યમાં ક્યાંય રાગ ને સારપ ન રહે ને શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ જે મહાતેજરૂપ અક્ષરધામ તે જેવો થાય તે લાંબો કહેવાય. અને મૂર્તિમાન થઈને મૂર્તિને સન્મુખ રહે અથવા મૂર્તિમાં લીન રહે તે લાંબો મટીને ટૂંકો થયો કહેવાય. તેવા મુક્ત મૂર્તિમાન થકા જ લીન રહે છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, છેલ્લા પ્રકરણના ૨૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને વન, પર્વત અને જંગલમાં જ રહેવું ગમે છે; પણ મોટાં મોટાં શહેર-પાટણ ગમતાં નથી. તે વન-પર્વતાદિક શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પર્વતને ઠેકાણે મહારાજની મૂર્તિ જાણવી, વનને ઠેકાણે મુક્તનો સમૂહ જાણવો અને જંગલને ઠેકાણે અક્ષરધામ જાણવું. તેમાં અમારા મુક્તોને રહેવું ગમે છે, પણ પાટણને ઠેકાણે અક્ષરકોટિ અને શહેરને ઠેકાણે બ્રહ્મકોટિ તેમાં રહેવું ગમતું નથી; તો પ્રકૃતિપુરુષના લોકમાં તો રહેવું ગમે જ કેમ ? એમ મહારાજે કહ્યું છે.
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે દ્વારિકા આદિક તીર્થની યાત્રા કરવાનું કહ્યું છે તે દ્વારિકાનો શો અર્થ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોક્ષનું દ્વાર ઉઘાડે કહેતાં મોક્ષ કરે એવા સંત જ્યાં હોય તેમનો સમાગમ કરવો, એ દ્વારિકાની યાત્રા કહેવાય. ।। ૧૧૧ ।।
વાર્તા ૧૧૨
ભાદરવા વદ ૧૧ને રોજ સાંજે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, વરતાલના રજા વચનામૃતમાં ભગવાન કાળા છે કે પીળા છે કે લાંબા છે કે ટૂંકા છે કે સાકાર છે કે નિરાકાર છે એમ કહ્યું છે તે કાળા, પીળા આદિક કેવી રીતે સમજવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રકૃતિના પતિ મૂળપુરુષ જેવા જાણે તે કાળા જાણ્યા કહેવાય; કેમ જે એમને માયાનો સંબંધ છે, માટે એટલો જ મહિમા જાણે તો કાળા જાણ્યા કહેવાય. અને બ્રહ્મ તથા મૂળઅક્ષર જેવા જાણે તે પીળા જાણ્યા કહેવાય; કેમ જે એમને માયાનો સંબંધ તો નથી, પણ શ્રીજીમહારાજ આગળ પરાધીન છે તેથી. અને શ્રીજીમહારાજને દિવ્ય મૂર્તિમાન જાણે તે સાકાર જાણ્યા કહેવાય અને આકારે રહિત જાણે તે નિરાકાર જાણ્યા કહેવાય અને સર્વદેશી જાણે તે લાંબા જાણ્યા કહેવાય અને એકદેશી જાણે તે ટૂંકા જાણ્યા કહેવાય. એવી રીતે શાસ્ત્રો શ્રીજીમહારાજને જાણી શક્યાં નથી. ।। ૧૧૨ ।।
વાર્તા ૧૧૩
ભાદરવા વદ ૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મોટા મુક્તની દૃષ્ટિ આગળ પામર જીવ દેહ મેલે તે અવિનાશી મહાપ્રભુજીનું સુખ પામે છે, તો જેને મહિમા સમજાણો છે ને હેત છે, તે તો જ્યાં દેહ મૂકે ત્યાં મહારાજ ને મોટા સાથે જ છે. ને તે તો દેહ છતાં જ સુખ પામેલા છે; માટે સંશય કરવો નહીં. મોટાની દયા તો સર્વ સત્સંગ ઉપર અપાર છે પણ જે મોટાની સાથે ભાવથી જોડાય તેના ઉપર વિશેષ દયા છે. જીવના ગુના સામું મોટા જોતા નથી. જે મન, કર્મ, વચને મોટાના થઈ રહ્યા છે તેનો છેલ્લો જન્મ થઈ રહ્યો છે. જો લાંબી અવધિએ મોક્ષ થાય તો મોટા મળ્યા તેનું ફળ શું ? માટે મોટા મળ્યા તેને જન્મ ધરવો પડતો નથી. જેમ જેમ અમે ઘણાંક જીવને મહારાજ પાસે લઈ જઈએ તેમ તેમ મહારાજનો રાજીપો ઘણો થાય છે. જેમ તમે ઘણા ગામનો ધર્માદો મંદિરમાં લાવો તો મોટેરા ઘણા રાજી થાય તેમ. તથા જેમ માસ્તર નિશાળ ભણાવે તેને એમ રહે જે હું ઘણાને ભણાવું તો ઉપરી રાજી થાય ને ઇનામ મળે તેમ. એટલી વાર્તા કરીને કથાની સમાપ્તિ કરી. ।। ૧૧૩ ।।
વાર્તા ૧૧૪
ભાદરવા વદ ૧૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને માનસીપૂજા કરી.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ વર્તમાનકાળમાં લાખો-કરોડો જીવને મહારાજની મૂર્તિના સુખમાં લઈ જઈએ છીએ, પણ જીવને એવો મહિમા સમજાતો નથી. જો ખરા ભાવથી જોગ કરે તો મહિમા સમજાય ને તેને કાંઈ કરવું બાકી રહે નહીં. શ્રીજીમહારાજની મૂર્તિ અંતરમાં રાખે તો મોટાના આશીર્વાદ મળે છે. આ સમય એવો છે જે છતા દેહે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેવાય; પણ જીવમાં અજ્ઞાન રહ્યું છે તેથી મહિમા સમજાતો નથી. જ્યાં ધારીએ ત્યાં મહારાજ ને મોટા પ્રત્યક્ષ છે; કેમ જે એ તો સ્વતંત્ર છે અને સાધનિકને પણ તેજમાં બેઠેલા છે, એમ પોતે દેખે છે. જ્યાં અનાદિમુક્ત હોય તે સ્થાન તો બહુ જ ભારે છે એટલે અક્ષરધામ તુલ્ય છે. મહારાજને અર્થે થાળ કરીને મૂર્તિને જમાડે છે તો મહાપ્રભુજી પ્રત્યક્ષ જમે છે, તેમજ મુક્ત પણ જમે છે. આ લોકને વિષે કોઈક મોટો યજ્ઞ કરે તેમાં જે આવે તે ભૂખ્યો જાય નહિ, તેમ મોટાના જોગમાં જે આવે તે સુખિયા થયા વિના રહે જ નહીં. અનાદિકાળનાં પાપ સમગ્ર પ્રલય થઈ જાય, ને અનંતકાળનાં સુકૃત ઉદય થયાં હોય, ને છેલ્લી પ્રાપ્તિ થવાની હોય; તેને આવા મોટા ઓળખાય છે. મહિમાએ સહિત મુક્તની રજને માથે ચઢાવે તો તેનું આત્યંતિક કલ્યાણ થાય છે. જે પૃથ્વી ઉપર મોટા ચરણ મૂકે તે પૃથ્વી તીર્થરૂપ થાય છે અને તે પૃથ્વીની રજ જેના ઉપર પડે તેનો પણ મોક્ષ થાય છે. જે નદી-સરોવરમાં મોટા મુક્ત નહાય કે પગ બોળે તો તે જળમાં રહેલા સર્વે જીવનો મોક્ષ થાય છે. અને તે જળના દેવ જે વરુણ તે પણ દર્શન કરવા આવે છે અને તે વરુણનું પણ કલ્યાણ થાય છે. મોટા મુક્ત નહાતા હોય તે પાણી મહિમાએ સહિત માથે ચઢાવે તેનાં પંચમહાપાપ બળીને મોક્ષ થાય છે; પણ તે પાણીનો મહિમા જાણ્યા વિના માથે ચઢાવે તો તેવો ન થાય. તે ઉપર લક્ષ્મીરામભાઈની વાત કરી જે, આપણી લખઈવાડીમાં સદ્. સ્વામીશ્રી નિર્ગુણદાસજી નહાતા હતા, તે પાણી થાળામાં જતું હતું. તેને લક્ષ્મીરામભાઈ ખોબે ખોબે લઈને માથે ચઢાવતા હતા. તે જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, આ શું કરો છો ? ત્યારે લક્ષ્મીરામભાઈ બોલ્યા જે, બાપજી ! હું નિર્ધન, રોગી ને ગરીબ બ્રાહ્મણ; તે કાશી, દ્વારિકા, ગયાજી, જગન્નાથ, ગંગા, ગોદાવરી, સરસ્વતી, યમુના આદિ તીર્થ કરવા શી રીતે જાઉં ? મારે ઘેર બેઠાં સર્વે તીર્થ આજ થઈ રહ્યાં. આવો મહિમા જાણીને મોટાનું નાહેલું જળ માથે ચઢાવે તો પંચ મહાપાપાદિક સર્વે બળી જાય ને આત્યંતિક મોક્ષ થાય. જે ઝાડ તળે મોટા બેઠા હોય ને ફળ, ફૂલ, પત્ર, પુષ્પ જે ઉપયોગમાં આવે તે ઝાડનું પણ કલ્યાણ થાય છે. જુઓને ! આ બાવળ જાતે અસુર કહેવાય; પણ મોટા ભાગ્યવાળો છે. કેમ કે આપણે એની તળે બેસીને બ્રહ્મયજ્ઞ કરીએ છીએ, તેથી એનો પણ મોક્ષ થઈ ગયો છે. મોટાનો પ્રતાપ તો એવો છે જે એક સમયને વિષે અનાદિ મહામુક્તરાજ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ધોળકેથી સદ્. શ્રી નિર્મળાનંદ સ્વામીને તથા સ્વામી વ્રજવલ્લભદાસજીને ઉમરેઠમાં અનાદિ મહામુક્તરાજ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી પાસેથી ગીતાભાષ્યનું પુસ્તક લેવા સારુ મોકલ્યા હતા. ત્યાં નવસારી ગણદેવીના હરિભક્ત ભાદરવા આંબાની કેરીઓ લાવ્યા હતા, તે સ્વામીશ્રી તથા બીજા સર્વે સંત જમ્યા, તે ગોટલા ધોળકાની વાડીમાં વાવવા સારુ લેવા માંડ્યા. ત્યારે સ્વામીશ્રીના સંતોએ કહ્યું જે, સ્વામીશ્રીના જમેલા ગોટલા ઊગશે નહિ; માટે લેશો નહીં. પછી તે ગોટલા સ્વામીએ જુદા રાખ્યા ને લાવીને ધોળકાની વાડીમાં વાવ્યા. તો સ્વામીશ્રીના જમેલા હતા તે ન ઊગ્યા અને બીજા સંતોના જમેલા હતા તે ઊગ્યા. આમ, મોટાના ઉપયોગમાં આવે તેનો પણ મોક્ષ થાય. વાર્તાની સમાપ્તિ કરીને સર્વે મંદિરમાં આવ્યા. ।। ૧૧૪ ।।
વાર્તા ૧૧૫
ભાદરવા વદ ૧૩ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને બાવળ નીચે બેસી માનસીપૂજા કરી.
પછી બાપાશ્રીએ વાત કરી જે, કપડવંજમાં ગણેશભાઈએ દેહ મૂક્યો તે વખતે અનાદિ મહામુક્તરાજ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી મંડળે સહિત અહીં મંદિરમાં હતા. તે સવારમાં સાધુએ એક કલાક સુધી કથા વાંચી, ત્યાં સુધી તે ધ્યાનમાં બેઠા હતા; અને પછી ધ્યાનમાંથી જાગીને એક કલાક વાતો કરી. પછી બોલ્યા જે, “કપડવંજમાં ગણેશભાઈએ અમારી પાસે વર માગ્યો હતો જે અંત વખતે દર્શન આપીને તેડી જજો. તેમણે આ ટાણે દેહ મૂક્યો ને તેમને મહારાજના સુખમાં મૂકી દીધા.” એવો મોટાનો પ્રતાપ છે. એટલી વાત કરીને પછી પરસ્પર દંડવત કરીને મળ્યા અને સર્વે મંદિરમાં આવ્યા ને ગોડી બોલ્યા. પછી આરતી કરી અને સંતો “સખી ગોકુળ ગામના ચોકમાં રે” એ કીર્તન ગાવા લાગ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં શ્રીજીમહારાજે સંતોને રાસ રમાડ્યા હતા. તે સમયે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું હતું જે, “તમે આજ નવું કાવ્ય કરો ને સંતોને ઝિલાવો.” ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તન પહેલું ઝિલાવ્યું હતું. તે વખતે શ્રીજીમહારાજની એવી ઇચ્છા હતી કે આજ કળિયુગ કાઢીને સત્યુગ બેસારી દેવો છે, એવડી રાત્રિ કરવી છે; અને સાત ફેર સંતોના કરાવ્યા હતા. પછી સંતો ગાતાં ગાતાં થાકી ગયા. પછી બ્રહ્માનંદ સ્વામીએ એક સંતને કહ્યું જે, “મહારાજ તો બંધ રખાવશે નહિ ને સંત સર્વે થાકી ગયા છે અને આવતી કાલે ફૂલદોલ છે તેથી ગાવું પડશે; માટે તમે આપણા ઉતારામાં જઈને “ચોર, ચોર” એમ બૂમ પાડો એટલે સર્વે વીખાઈ જાય. પછી તે સંતે બૂમ પાડી તેથી સર્વે સંત વેરાઈ ગયા. પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, તમે રંગમાં ભંગ કર્યો, કેમ જે અમારે આજ કળિયુગ ઉત્થાપીને સત્યુગ સ્થાપવો હતો. તે અર્ધો કળિયુગ ગયો અને અર્ધો કળિયુગ રહી ગયો, એટલે બે લાખ ને સાડા તેર હજાર વર્ષ ગયા એવડી રાત્રિ કરી અને આ સંતોના સાત ફેર કર્યા હતા, તેમાં સૌથી પહેલો અક્ષરધામમાં અમારા સમીપમાં રહેલા પરમ એકાંતિકમુક્તનો હતો. અને બીજો મૂળઅક્ષરકોટિનો હતો, ત્રીજો વાસુદેવબ્રહ્મકોટિનો હતો, ચોથો ગોલોકનો હતો, પાંચમો પ્રધાનપુરુષનો હતો, છઠ્ઠો વૈકુંઠલોકનો હતો અને સાતમો આ મર્ત્યલોકનો હતો; એમ અનુક્રમે સાત ફેર કર્યા હતા. એમ શ્રીજીમહારાજે વાત કરી હતી. ।। ૧૧૫ ।।
વાર્તા ૧૧૬
ભાદરવા વદ ૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીને તથા મુક્તને તો સર્વે પદાર્થમાંથી નિષ્કંચન કરીને જીવોને મૂર્તિમાં જોડી દેવા છે. જીવ જ્યારે સત્સંગી થાય ત્યારે તો પ્રથમ એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હોય છે. પછી વધતા વધતા મહાતેજ જેવો થાય છે ને પુરુષોત્તમરૂપ પણ થાય છે. જેમ સરપટાને અગ્નિનો જોગ થાય તો અગ્નિરૂપ થઈ જાય છે તેમ પુરુષોત્તમરૂપ થયેલા મુક્તના જોગે કરીને જીવ પુરુષોત્તમરૂપ થાય છે. માટે મોટા અનાદિનો જોગ કરવો પણ આધુનિકનો કરવો નહીં. આધુનિકના જોગથી અધૂરું રહે છે. સત્સંગમાં સત્સંગ ઓળખવો, તે થોડા પુણ્યવાળાને ઓળખાતો નથી. મોટાના સંકલ્પો કરોડો રૂપે થાય છે. જેમ શ્રી ગોપાળાનંદ સ્વામીના હજારો સંકલ્પ જીવના રૂડા માટે ફરતા; અને શ્રી સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ ગઢડામાં શ્રીજીમહારાજ પાસે આવ્યો હતો તેમ. શ્રીજીમહારાજ જીવોને તેડવા જાય તેમના ભેળા મોટા પણ જાય. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી અમદાવાદમાં હતા ને અહીં અણદા ભક્તને મહારાજ ભેળા તેડવા આવ્યા હતા. પછી જ્યારે કચ્છમાં સ્વામીશ્રી આવ્યા ત્યારે કહ્યું જે, “અણદા ભક્તને અમે મહારાજ સાથે તેડવા આવ્યા હતા, ત્યારે પ્રકાશ જોઈને તમારા ભત્રીજા ગોવિંદ ભક્તને બીક લાગી હતી; તેમને તમે ધીરજ આપી હતી.” મોટા હજારો ગાઉ છેટે રહેતા હોય ને હરિજનને વચન આપે જે, “આપણે જુદા નથી, ભેળા જ છીએ” તો તેને આવરણ ટળી જાય. એમ વાત કરીને બોલ્યા જે, મોટાનો સમાગમ કરવા જઈએ ને મોટાને સેવા, સમાગમ, ભક્તિએ કરીને રાજી કરીએ અથવા મોટા રાજી થાય ને રૂડા આશીર્વાદ રૂપે તેનું ફળ અહીં પ્રત્યક્ષ જીવના જોયામાં આવે નહિ, તેથી કૃતાર્થપણું મનાય નહીં. જેમ સુદામાજી શ્રીકૃષ્ણ ભગવાન પાસે ગયા. તેમની સેવા અંગીકાર કરીને તેમનું દારિદ્ર કાપીને કંચનના મહેલ કર્યા હતા પણ સુદામાને ખબર પડી નહોતી, તેથી માર્ગમાં જતાં શ્રીકૃષ્ણને વિષે ગુણ-અવગુણના ઘાટ થતા, પણ જ્યારે કંચનના મહેલ દેખ્યા ત્યારે મહિમા જાણ્યામાં આવ્યો, તેમ મોટાના આશીર્વાદનું ફળ જ્યારે ધામમાં જાય ને દેખે ત્યારે મહિમા સમજાય. ।। ૧૧૬ ।।
વાર્તા ૧૧૭
ભાદરવા વદ ૦)) અમાસને રોજ સભામાં સરસપુરના પ્રાણશંકરભાઈએ પૂછ્યું જે, પોતાનું પૂરું થયું કેમ જણાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની કથા-વાર્તા, ધ્યાન, ભજન આદિક જે જે સાધન કરે તે પોતાને અર્થે ને બીજાને સર્વેને અર્થે કરે અને શ્રીજીમહારાજ તથા મુક્તને આગળ રાખે ને દાસપણું મૂકે નહિ એવાં લક્ષણ હોય ત્યારે પૂરું થયું જાણવું. જો બીજાને જાળવવા જાય ને પોતાનું તપાસે નહિ તો પૂરું થાય નહીં. તે ઉપર સોરઠના હરિભક્તની વાત કરી જે, બીજાને વાર્તા કરીને ધામમાં મોકલ્યા ને પોતાને ચાર જન્મ ધરવા પડ્યા ત્યારે પૂરું થયું. ક્યાં મહારાજ ને મુક્ત ! ને ક્યાં જીવ ! આ તો થોડાકમાં ઘણી પ્રાપ્તિ થઈ છે. બીજે ધોડા કરાય એટલો મહારાજનો મહિમા ઓછો છે, મહાપ્રભુજીને અંતર્યામી જાણીએ તો કોઈ ઘાટ-સંકલ્પ થાય નહિ ને મૂર્તિને વિષે જ આનંદ આનંદ રહે. મહારાજની મૂર્તિમાં જ સુખ છે, બીજે બધે તો રોગી (એકલી) વાની ઊડે છે.
પરોક્ષ શાસ્ત્રમાં અવતારાદિકનો મહિમા કહ્યો હોય પણ તેમને આજના મુક્તનાં દર્શન નથી. આ સમયે તો મૂળસ્વરૂપ જે શ્રીજીમહારાજ તે પ્રાપ્ત થયા, અનાદિમુક્ત પ્રાપ્ત થયા અને નિર્ગુણ એવું જે તેજરૂપ ધામ તે પ્રાપ્ત થયું. આ વખતમાં તો એવા મોટા પધાર્યા છે, તે જો એમને મન સોંપી દે ને મન, કર્મ, વચને અનુવૃત્તિમાં રહે તો તેનાં સર્વ કામ સંપૂર્ણ થઈ રહ્યાં છે અને સર્વે સુખ પ્રાપ્ત થઈ રહ્યાં છે. અવતારાદિક તથા તેમના પાર્ષદ પોતાના મોક્ષને અર્થે સત્સંગમાં આવ્યા હોય તે આવા અનાદિમુક્તનો વિશ્વાસ લાવીને જોગ કરે ને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે મોક્ષને પામે. જો વિશ્વાસ ન લાવે ને પ્રથમનું પરિપક્વ થયેલું હોય તે તેમ ને તેમ જ રહે તો ફેર સત્સંગમાં આવે ને જ્યારે આવું જ્ઞાન થાય ત્યારે આત્યંતિક મોક્ષને પામે. માટે મોટાનો વિશ્વાસ લાવીને જો તેમની સાથે પોતાના જીવને જડી દે તો મોટા તેને મૂર્તિના સુખે સુખિયો કરે. જેમ કમળનો કંદ કાદવમાં ચોંટ્યો હોય ત્યારે તેને જળ પોષણ કરે છે ને સૂર્ય ખિલાવે છે પણ જ્યારે કાદવમાંથી કમળનો કંદ જુદો પડી જાય છે ત્યારે તેનું તે જળ કમળને સડવી નાખે છે અને તેના તે સૂર્ય તે કમળને સૂકવી નાખે છે. તેવી રીતે મોટા મુક્તને વિષે જે જીવ મન-કર્મ-વચને જોડાય તેનું મોટા પોષણ કરે છે અને મોટાને વિષે ન જોડાય તેનું મોટા પોષણ કરતા નથી; માટે કમળની પેઠે મોટાને વિષે ચોંટી જવું. ।। ૧૧૭ ।।
વાર્તા ૧૧૮
આસો સુદ ૧ને રોજ સવારે સભામાં અમદાવાદના શેઠ બળદેવભાઈએ પૂછ્યું જે : “अंते या मति सा गति:” એ શ્રુતિનો શો અર્થ સમજવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાનના ભક્તને સદા અંત અવસ્થા જેવું સમજવું, કેમ જે દેહનો નિરધાર નથી. આ ક્ષણ આ ઘડીમાં જરૂર મરવું છે. જેમ ખળામાં દાણાનો ઢગલો પડ્યો હોય ને ચારેકોરથી વરસાદ ચઢીને ઘૂઘવતો આવે તે દાણા ઢાંકવાની ઉતાવળ થાય. તેમ અંત અવસ્થા સદા સમજાય ત્યારે પૂરું કરવાની આતુરતા થાય. સાધનિકને મોટાએ વચન આપ્યું હોય ને તેને કદાપિ માયાના ગુણ અંતરાય કરતા હોય તોપણ તેને કેફ રહે. જેમ બાપે દીકરાને કહ્યું હોય જે, આ ઠેકાણે દ્રવ્ય દાટેલું છે તો તેનો કેફ છોકરાને રહે છે જે મારું દ્રવ્ય દાટેલું છે; તેમ જેને મોટા મુક્ત મળ્યા હોય તેને કેફ રહે જે મારું કામ કરશે જ, તો એને સર્વે કામ પૂરાં થઈ જ રહ્યાં છે. જેને મોટા મળ્યા નથી તેને કામ, ક્રોધ, માન, સ્વાદ એ આદિકનો ભાર ઘણો જ રહે તેથી એનું અંતે અધૂરું રહે, માટે કલ્યાણકારી સંતને એટલે મુક્તને જાણવા. અને કામ, ક્રોધ આદિકના અંકુર ઊઠવા દેવા નહીં. તેને ટાળવાનો આદર રાખવો તો મોટા સહાય કરીને ટાળી નાખે, માટે મોટાને વિષે જોડાવું. ।। ૧૧૮ ।।
વાર્તા ૧૧૯
આસો સુદ ૧ને રોજ સાંજે સભામાં પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, મહારાજનું ને મુક્તનું સુખ કેવી રીતે આવે અને તે સુખ ભિન્ન ભિન્ન કેવી રીતે દેખાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે મુક્તને સજાતિ થાય છે ત્યારે બધું માલમ પડે છે પણ સજાતિ થયા વિના માલમ ન પડે. જેમ આ સભામાં અજાણ્યો માણસ આવે તેને બધા સરખા જણાય અને જે સદાય ભેળા રહેતા હોય તેમને સર્વેનાં રૂપ, ગુણ, નામ તથા મોટપ તે જુદી જુદી જેમ હોય તેમ જણાય; તેમ અક્ષરધામમાં શ્રીજીમહારાજ પાસે રહેતા હોય તેના જાણ્યામાં આવે છે. માટે સજાતિ થાય ત્યારે બધું માલમ પડે છે અને મહારાજનું ને મુક્તનું સુખ પણ વિભાગે સહિત જાણે છે ને લઈ શકે છે; તેમજ શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા સંકલ્પની મૂર્તિઓ કરીને અનંત જીવોને અક્ષરધામમાં તેડી જાય છે. એમ વાત કરીને બોલ્યા જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખ તો અપાર છે તે જ્યારે ખરેખરી એ સુખમાં ગતિ પહોંચે ત્યારે એને જાણપણું રહે, પણ એ સુખમાં ગતિ પહોંચી ન હોય ત્યાં સુધી ઓરું રહેવાય છે. એ સુખમાં જેની ગતિ પહોંચી છે તે તો એ સુખમાંથી પાર પામતા જ નથી. જ્યાં સુધી એ માર્ગમાં સિદ્ધતા થઈ નથી ત્યાં સુધી શ્રીજીમહારાજનો ને તેમના મુક્તનો મહિમા બરોબર સમજાતો નથી. ।। ૧૧૯ ।।
વાર્તા ૧૨૦
આસો સુદ ૨ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહિમા સમજવાનો શો ઉપાય છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રદ્ધા સહિત શ્રીજીમહારાજનાં વચન પાળવા માંડે તે જેમ જેમ પાળતો જાય એટલે વચનમાં વર્તતો જાય તેમ તેમ અંતરમાં સિદ્ધતા થાતી જાય ને બ્રહ્મભાવને પામતો જાય ને સાક્ષાત્ શ્રીજીમહારાજના સુખનો અનુભવ થાય ત્યારે મહિમા જણાય. શ્રીજીમહારાજ ને મુક્ત સાક્ષાત્ બિરાજે છે એવું જણાતું નથી ત્યાં સુધી મહિમા સમજાય નહિ ને સુખમાં પણ ફેર રહે. એ તો જ્યારે અનાદિમુક્તનો જોગ કરીને મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે યથાર્થ મહિમા સમજાય. મહારાજનું સુખ તો બહુ જ જબરું છે, તે તો જો મોટાનો વિશ્વાસ રાખીને મંડે તો એ સુખની પ્રાપ્તિ થાય. મોટા તો દૃષ્ટિસેવને પણ સુખિયા કરે છે, મોટાની દૃષ્ટિથી સુખિયું થવાય છે. એકલા સાધનથી કેટલું થાય ? સાધન ભેળી મોટાની કૃપા જોઈએ. આજ તો શ્રીજીમહારાજે ચીંથરામાં રત્ન વીંટીને રાખી મૂક્યાં છે. તે મનુષ્યની પેઠે ખાવું-પીવું સર્વે વ્યવહાર મનુષ્યના જેવો હોય તે કેમ ઓળખાય ? આજ આ મોટાપુરુષ પૃથ્વી ઉપર બિરાજે છે તેમને સમાગમે કરીને એકાંતિક માર્ગ ઓળખાય છે. એવા મોટાપુરુષ પૃથ્વીમાંથી ચાલી નીકળે ત્યારે બહુ જ પસ્તાવો થાય માટે સમાગમ કરી લેવો.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, અનાદિમુક્ત આ વાતો કરે છે તે આ એક જ છે કે સત્સંગમાં બીજે ઠેકાણે પણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ એક જ છે તે તમને મળ્યા છે. આવા બીજા સત્સંગમાં નથી.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, તમે કોઈને વાતો કરો છો ને કોઈને પ્રસાદી આપો છો, કોઈ આવતા હોય તેના સામા જાઓ છો ને કોઈને વળાવવા જાઓ છો અને કોઈને કોઈ વસ્તુ જોઈતી હોય તે લાવી આપો છો એમ સેવા કરો છો તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એવી સેવાએ કરીને શ્રીજીમહારાજ રાજી થાય છે ને ઇનામ આપે છે એટલા માટે કરીએ છીએ અને બીજું સાધનિકને શીખવવા માટે કરીએ છીએ. પછી આસો સુદ ૩ને રોજ સર્વે સંત ભૂજ આવ્યા ને ત્યાંથી ગુજરાત તરફ આવ્યા. ।। ૧૨૦ ।।
વાર્તા ૧૨૧
સંવત ૧૯૬૯ની સાલમાં અસલાલીનાં કંકુબાએ અમદાવાદમાં સત્સંગિભૂષણની પારાયણ કરાવી હતી. ત્યારે બાપાશ્રી ભૂજમાં ફૂલદોલોત્સવ કરીને ત્રીસ-ચાલીસ હરિજનોએ સહિત અમદાવાદ પધાર્યા હતા. તે કથાની સમાપ્તિ ચૈત્ર સુદ ૯ને રોજ હતી. પછી બાપાશ્રી રનોડા, ધોળકા થઈને જેતલપુર, અસલાલી, ગામડી થઈને બારેજડી બળદેવભાઈની મિલમાં થઈને સરસપુર થઈ, કડી થઈ દેવપરે ચૈત્ર વદ ૩ને રોજ પધાર્યા. ત્યાં ચૈત્ર વદ ૧ને રોજ પારાયણ બેસારી હતી, તેની સમાપ્તિ ચૈત્ર વદ ૭ને રોજ થઈ. તે દિવસે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીને બીજે દિવસે ચાલ્યા તે વિરમગામ, મૂળી થઈને કચ્છમાં પધાર્યા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ એ ત્રણે બાપાશ્રીની સાથે ગયા હતા. તે અખાત્રીજને રોજ ભૂજ ગયા. ત્યાં થોડાક દિવસ રહીને વૈશાખ સુદ ૧૧ને રોજ વૃષપુર પધાર્યા.
વૈશાખ સુદ ૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે એક સમયને વિષે પર્વતભાઈ તથા મયારામ ભટ્ટ આદિ ઘણા સત્સંગીઓ ગઢડે શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા હતા. ત્યાં પર્વતભાઈએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! અમારે ત્યાં અગત્રાઈમાં મોટામાં મોટા સંતનું મંડળ છ મહિના રહેવા મોકલવા કૃપા કરશોજી. એમ કહીને ઘેર ગયા પછી શ્રીજીમહારાજે અનાદિમુક્ત સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીને મંડળધારી કરીને એમની સાથે સંતદાસજી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રામદાસભાઈ, આત્માનંદ સ્વામી આદિ ત્રીસ સદ્ગુરુઓને જવાની આજ્ઞા કરી. ત્યારે રામદાસભાઈ બોલ્યા જે, હે મહારાજ ! ગોપાળાનંદ સ્વામી વિના બીજા મોટા સંતને મંડળધારી કરો તો ઠીક, કેમ જે એ તો બાર મહિનાથી સાધુ થયા છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, આ તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મહામુક્ત છે અને સૌથી મોટા છે માટે તેમને મોકલજો એમ પર્વતભાઈ કહી ગયા છે તેથી એમને મંડળધારી કર્યા છે. તો તમો સૌ એમની આજ્ઞામાં રહેજો પણ જૂનાપણાનું અભિમાન રાખશો નહીં. એમ કહીને પછી સંતદાસજીને કહ્યું જે, તમે ગોપાળાનંદ સ્વામી પાસે છ મહિના રહેજો; પણ બીજે ક્યાંય જશો નહીં. એવી રીતે અગત્રાઈ જવાની સર્વેને આજ્ઞા કરી, પછી તે સર્વે ગયા. ત્યાં શ્રીજીમહારાજના મહિમાની ને સુખની વાતો ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈ બંને વારાફરતી કરતા હતા. તે સાંભળીને સર્વે સંત તથા હરિજનો તથા ફરતા ગામોના હરિજનો બહુ જ આનંદ પામતા હતા. એવામાં પર્વતભાઈના દીકરા મેઘજીભાઈને અડસઠ તીર્થ કરવા જાવાની ઇચ્છા થઈ. તેથી પર્વતભાઈને કહ્યું જે, મારે અડસઠ તીર્થ કરવા જાવું છે. ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, અડસઠ તીર્થ તો દર્શન કરવા તથા માથે રજ ચઢાવવા આપણા ફળિયામાં નિત્ય આવે છે. ત્યારે મેઘજીભાઈએ કહ્યું જે, એમ તીર્થ રજ લેવા આવતાં હોય તો લોકો હજારો રૂપિયા ખરચીને તીર્થ કરવા શા સારુ જાય ? એ તો તમારે ખરચી આપવી પડે એટલા સારુ સમજાવો છો, પણ મારે તો અવશ્ય જાવું છે. પછી તેને પર્વતભાઈએ ભાતું-ખરચી આપ્યાં ને તે તીર્થ કરવા નીકળ્યા. પછી પર્વતભાઈએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે, છોકરો તો તીર્થ કરવા ગયો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, તમારા ચરણમાં તીર્થ છે તે બતાવ્યાં હોત તો ન જાત. હું એને પાછો વાળી લાવું એમ કહીને સ્વામી ચાલ્યા, તે વાટમાં મેઘજીની આગળ થઈ ગયા. મેઘજીને પૃથ્વીથી ગજ ઊંચા સ્વામી ચાલતા દેખાયા ને એમના ચરણમાં શ્વેત તેજોમય અડસઠ તીર્થ દેખાયાં. તેમાં કેટલાંક તો ચરણનો સ્પર્શ કરે અને કેટલાંક તો માથે રજ ચઢાવે ને કેટલાંક તો દંડવત કરે ને કેટલાંક તો પ્રાર્થના કરે. એવી રીતે જોઈને મેઘજી બોલ્યા જે, સ્વામી ! આ તમારા ચરણ તળે શ્વેત - તેજોમય મૂર્તિઓ છે તે કોણ હશે ? ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, કેટલી છે ? ગણી જો. પછી તેણે ગણી તો અડસઠ થઈ; ત્યારે કહ્યું જે, અડસઠ છે. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, એ અડસઠ તીર્થ છે. પછી મેઘજીએ કહ્યું જે, હું તીર્થે જતો હતો તે હવે નહિ જાઉં, એમ કહીને પાછા વળ્યા ને સ્વામીશ્રી પણ પાછા વળ્યા. રસ્તામાં આવતાં સ્વામીશ્રીએ વાત કરી જે, તમારા પિતાશ્રીના ચરણમાં પણ તીર્થ સદાય રહે છે, ત્યારે મેઘજીએ કહ્યું જે, મારા દેખ્યામાં કોઈ દિવસ આવ્યા નથી. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, તમે કહેશો તો બતાવશે. એમ કહીને સ્વામીશ્રી ઉતારે ગયા ને મેઘજીભાઈએ ઘેર આવીને પર્વતભાઈને વાત કરી જે, સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીએ એમના ચરણમાં તીર્થ બતાવ્યાં અને તમારા ચરણમાં તીર્થ છે એમ કહ્યું છે, માટે મને બતાવો. પછી પર્વતભાઈએ પોતાના ચરણમાં બતાવ્યાં.
શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તથા પર્વતભાઈ આદિ ઘણા હરિજનો સાંજ વખતે દરરોજ કૂવે નાહવા જતા. ત્યાં નાહીને એક વૃક્ષ તળે બેસીને માનસીપૂજા કરીને પછી શ્રીજીમહારાજના મહિમાની ઘણીક વાર્તાઓ નિત્ય કરતા. એક વાર વાર્તા સાંભળીને વૃક્ષને ઘણો જ આનંદ થયો તેથી ખડખડ હસવા માંડ્યું. ત્યારે સભામાં બેઠેલા હરિજનો બોલ્યા જે, વાયુ વિના આ ઝાડ કેમ ખખડતું હશે ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, એ ઝાડ હસે છે. ત્યારે હરિજનો બોલ્યા જે, ઝાડને હસવાનો ધર્મ નથી. પછી પર્વતભાઈ બોલ્યા જે, પૂછી જુઓ. પણ કોઈ પૂછતા ન હવા. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, સત્પુરુષ જે બોલે તે સત્ય હોય માટે વિશ્વાસ લાવીને પૂછો. પછી હરિજનોએ પૂછ્યું, ત્યારે ઝાડ બોલ્યું જે, આ સભા શ્રી પુરુષોત્તમ ભગવાનની છે તે મારે છાંયે બેઠી છે તેથી મારે સેવા થઈ, ને વળી શ્રીજીમહારાજના મહિમાની વાતો સાંભળીને જ્ઞાન થયું, ને મોટા મોટા અવતારાદિકને તથા બ્રહ્મકોટિને તથા અક્ષરકોટિને પણ દુર્લભ એવા આ મુક્તોનાં મારે દર્શન થયાં. માટે, મારો છેલ્લો જન્મ થઈ ગયો. હવે મારે ફેર જન્મ ધરવો નહિ પડે અને શ્રીજીમહારાજની મૂર્તિમાં તમારા ભેળે આવીને હું બેસીશ ને તમારા જેવું સુખ ભોગવીશ, તેનો આનંદ આવવાથી હું હસું છું. એવો મહિમા મોટાનો છે. એ છ મહિના સુધી શ્રી ગોપાળાનંદ સ્વામીએ તથા પર્વતભાઈએ અગત્રાઈના સીમાડામાં કાળને પેસવા દીધો નહીં. ત્યારે કાળે શ્રીજીમહારાજ આગળ પ્રાર્થના કરી જે, હું અગત્રાઈના સીમાડામાં જાઉં છું ત્યારે મને શ્રી ગોપાળાનંદ સ્વામી તથા પર્વતભાઈ બાળે છે તેથી મારાથી જવાતું નથી; માટે હું કેમ કરું ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તું ન જઈશ. તારું કામ હશે તે એ કરશે. એમની મરજી થાય ત્યારે જજે, નહિ તો બળી મરીશ. એ છ મહિના સુધી ગામમાં તથા સીમાડામાં જે જીવ મરે તે સર્વેને શ્રીજીમહારાજ પાસે લઈ જતા હતા. પછી શ્રીજીમહારાજે શ્રી ગોપાળાનંદ સ્વામીને કાગળ લખ્યો જે, છ મહિના પૂરા થયા માટે બીજાં ગામોમાં ફરવા જજો. પછી શ્રી ગોપાળાનંદ સ્વામી મંડળે સહિત ત્યાંથી નીકળ્યા તે ગામડામાં ફરતા ફરતા આવતા હતા. ત્યાં મારગમાં ચાલતાં એક કૂવો આવ્યો ત્યારે નાહવા ઊતર્યા. ત્યાં પ્રથમથી જ આઠ બ્રાહ્મણો ઊતરેલા હતા તેમણે સાધુ દેખીને સાધુની તથા શ્રીજીમહારાજની નિંદા કરવા માંડી, એટલામાં તે આઠેને કોગળિયું આવ્યું. પછી તો સ્તુતિ કરવા માંડી જે, શ્રી સ્વામિનારાયણ સાક્ષાત્ ભગવાન જગતના કર્તા-હર્તા છે ને તમે સર્વે સંત મુક્ત છો ને સ્વતંત્ર છો ને અમારા જેવા પામર જીવોનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો. માટે અમારાં નીચ કૃત્ય સામું ન જોતાં તમારા બિરદ સામું જોઈને તમારે પ્રતાપે કરીને અમારી રક્ષા કરો. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, અમે નાશવંત એવો જે દેહ તેની રક્ષા તો નહિ કરીએ પણ તમારા જીવની રક્ષા કરશું. એમ બોલીને સર્વે સંતોના દેખતાં એ સર્વેને વિમાનમાં બેસારીને ધામમાં મોકલી દીધા. પછી સર્વે સંત શ્રીજીમહારાજ પાસે ગઢડે આવ્યા અને સંતોએ શ્રીજીમહારાજને કહ્યું જે, શ્રી ગોપાળાનંદ સ્વામીએ આઠ બ્રાહ્મણ આપણી નિંદા કરતા હતા તેમને અક્ષરધામમાં મોકલ્યા તે ઠીક ન કર્યું. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, આ ટાણે સો-બસો મેમાન આવે તેમની ખાવા-પીવાની, સરભરા કરવાની સત્સંગીઓને ભલામણ કરવી પડે તેમાં કોઈ સત્સંગી આપણા કહ્યા વિના જ સર્વે મહેમાનને ઘેર લઈ જઈને ખાવા-પીવાની ખબર રાખે તો આપણે રાજી થઈએ કે નહીં ? ત્યારે સંતોએ કહ્યું જે, તો તો રાજી બહુ થઈએ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અમારે કોઈક મુક્તને આજ્ઞા કરવી પડત તે વગર આજ્ઞાએ ગોપાળાનંદ સ્વામીએ મોક્ષ કર્યો તે તો બહુ જ સારું કર્યું. એમ શ્રીજીમહારાજ બોલ્યા. ।। ૧૨૧ ।।
વાર્તા ૧૨૨
વૈશાખ સુદ ૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેટલી ગતિ મહારાજની છે તેટલી તેમના મુક્તની છે; જેટલું મહારાજ જાણે તેટલું મુક્ત જાણે; અને જેમ મહારાજ જાણતા થકા અજાણતા છે તેમ જ મુક્ત પણ જાણતા થકા અજાણતા છે. એવા જે નિર્ગુણ મુક્ત છે તેમના ગુણને તો મહારાજ પોતે ગાય છે. તે મહારાજે પ્રથમ પ્રકરણના ૩૭મા વચનામૃતમાં કહ્યું છે જે, એનાં દર્શનને તો અમે પણ ઇચ્છીએ છીએ. માટે મોટા સંગાથે મન બાંધીને આત્મબુદ્ધિ કરીને વળગ્યા તો જેમ ગરુડની પાંખમાં મચ્છરિયું પેઠું તે ઠેઠ પૂગે; તેમ તે પણ ઠેઠ શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં પહોંચે. મહારાજની મૂર્તિમાં મુક્ત સળંગ રસબસ રહ્યા છે, તેમાંથી જેટલો લાભ લેવો હોય તેટલો મળે. જેમ પારસમણિ, ચિંતામણિ, કલ્પતરુ, તે પાસેથી જેટલું ચિંતવીએ તેટલું માયિક સુખ મળે; તેમ શ્રીજીમહારાજ પાસેથી તથા તેમના મુક્ત પાસેથી જેટલું ચિંતવીએ તેટલું દિવ્ય સુખ મળે. જેમ મહારાજ દિવ્ય છે તેમ મુક્ત દિવ્ય છે, પણ જોનારાની દૃષ્ટિમાં મનુષ્યભાવ જણાય છે. જ્યાં સુધી મહારાજના સુખનો અનુભવ થયો નથી ત્યાં સુધી તે સુખિયો થતો નથી. આ ટાણે તો ખરેખરો લાભ છે. તેમાં જે બનાવો તે બને તેમ છે, એ બહુ ભારે લાભ છે. સત્રૂપ મહારાજ ને સત્રૂપ સંત ને તેમણે કહેલો એવો સત્રૂપ ધર્મ, એ ત્રણેનું જેમાં વર્ણન હોય એવું સત્રૂપ શાસ્ત્ર એ ચારેનો સંગ કરે તો પૂરો સત્સંગી કહેવાય. ।। ૧૨૨ ।।
વાર્તા ૧૨૩
વૈશાખ સુદ ૧૪ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. પછી સંતોએ તથા હરિજનોએ ચંદન ઉતારીને બાપાશ્રીને બધે શરીરે ચર્ચ્યું. પછી બાપાશ્રી બોલ્યા જે, આજ અમે નૃસિંહ વેશ બનાવ્યો હે, તે સર્વેના કામ, ક્રોધ, લોભાદિક શત્રુમાત્રનો નાશ કરી નાખ્યો. પછી “પ્રહ્લાદ કી અતિ પીડા પિછાની, નૃસિંહ વેશ બનાવ્યો રે.” એ કીર્તનની ટૂંક બોલ્યા અને કહ્યું જે, અમે આજ આ સભાના શત્રુમાત્ર મારી નાખ્યા એ વર આપ્યો. પછી વાત કરી જે, મોક્ષાર્થીને તો અષ્ટસિદ્ધિઓ ને નવનિધિઓ હાજર થાય છે ને વાંસે ફરે છે પણ તેને ગ્રહણ કરવી નહીં. હરિજનો કેટલી મહેનતે પૈસા પેદા કરે છે માટે રસોઈ આપે તોપણ અકેકો લાડુ લેવો ને બીજા રોટલા જમવા; પણ મળે તેટલું ગ્રહણ કરવું નહિ, તો જ મંદવાડ એટલે રાગ જશે ને મૂર્તિ આવશે, પણ રાગરૂપી મંદવાડ ટાળ્યા વિના મૂર્તિ આવે નહીં. માટે રાગ ટાળવા ને સારી વસ્તુનો ત્યાગ કરવો. અમને તો ગુવારનું શાક ને તેમાં છાશ નાખેલી ને બાજરાનો રોટલો અને સાંજે મઠની ખીચડી, એ જ ગમે છે પણ ભારે વસ્તુ ગમતી જ નથી. તમારે પણ એમ કરવું. પણ લાવો વસ્ત્ર, લાવો ગાદી-તકિયા એમ ન ઇચ્છવું. આપણે કોને વર્યા છીએ ? શ્રી પુરુષોત્તમનારાયણને વર્યા છીએ. અબળાએ અબળાને પરણવું નહિ, “અબળા અબળાને શું પરણું સાહેલી રે.” મોટાપુરુષો આગળ ગોળા જમતા ને ગૃહસ્થ પણ કોદરા, બાવટો, બંટી જમતા; માટે બધું ખોટું કરી નાખવું. અમારે તો રોટલી ચોપડાય નહિ, ખીચડીમાં ઘી હોય નહિ, ગળ્યું-ચીકણું કાંઈ ગમે જ નહિ, તેના સાક્ષી તમે છો; માટે આ લોકના વૈભવ ત્યાગ કરવા. આ પાપરૂપ દેહમાં ઘાલીએ તો તેમાં શું વળ્યું ? તાવ આવે છે, તોપણ જમવાનું મુકાવી દે છે, જો મંદવાડનું મુકાવ્યું મુકાય છે, તો શ્રીજીમહારાજનો મહિમા જાણ્યો હોય તો કેમ ન મુકાય ? માટે સર્વે આસક્તિ ટાળીને એક મહારાજની મૂર્તિમાં જોડાવું. આ ભેગા થયા તેનો લાભ તો જ લીધો કહેવાય. દાક્તરી ઔષધ ખાવું નહિ ને અજાણમાં ખવાઈ ગયું હોય તો એક ઉપવાસ કરવો. કોઈકને દેહની સાધ્ય ન હોય ને તેને કોઈકે ખવરાવ્યું હોય તે જ્યારે જાણ્યામાં આવે ત્યારે એક ઉપવાસ કરવો. આજ શ્રીજીમહારાજ પ્રગટ વૈદ મળ્યા છે માટે એમની ઇચ્છા પ્રમાણે જેમ થતું હોય તેમ થવા દેવું પણ ઔષધથી મટાડવાનો સંકલ્પ કરવો નહીં. પછી સર્વે મંદિરમાં આવ્યા. ।। ૧૨૩ ।।
વાર્તા ૧૨૪
વૈશાખ સુદ ૧૫ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, કારણ મૂર્તિનું ધ્યાન શી રીતે કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિના તેજમાં પોતાના આત્માને લીન કરીને એ તેજરૂપ પોતાને માનીને એ તેજમાં મૂર્તિ ધારવી. તે મૂર્તિ ધારતાં ધારતાં દેહને ભૂલી જવાય ને ઉપશમ થઈ જાય તે ખરું ધ્યાન કહેવાય.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, પુરુષોત્તમના પ્રકાશરૂપ થઈને એકરસપણાને પામી ગયા પછી જાણપણું રહેતું હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ દેહરૂપી આવરણમાં રહ્યા થકા પણ જ્ઞાને કરીને આટલું ઓળખાય છે તો જ્યારે આવરણ ટળીને દિવ્યદૃષ્ટિ થાશે ત્યારે ઓળખાય તેમાં શું કહેવું ? ત્યારે તો જાણપણું બહુ રહેશે. જેમ હું મૂર્તિમાં રહ્યો છું ને સુખ લઉં છું તેમ જ સર્વે મુક્ત મૂર્તિમાં રહ્યા છે ને સુખ લે છે, એવું જાણપણું રહે છે. જે અનાદિમુક્ત છે તે તો મૂર્તિમાં રહીને મૂર્તિને જુએ છે. જેમ ફાનસમાં દીવો હોય તે દીવો ફાનસને દેખે તેમ અનાદિમુક્ત મૂર્તિમાં રહીને મૂર્તિને દેખે છે ને મૂર્તિનું સુખ ભોગવે છે અને જે મુક્ત જેટલું સુખ લે છે તે સર્વેને જાણે છે જે આ મુક્ત આટલું સુખ લે છે; એમ સર્વેને જાણે છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, ચરણની સેવા કરવી એમ કહે છે તે કેવી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ચરણની સેવા એટલે મૂર્તિની સેવા જાણવી. ચરણની સેવા કહેવી તે નમ્ર વાણી છે. જે દાસ હોય તે એવી રીતે નમ્રતાપૂર્વક બોલે. એમ દાસને બોલવાની રીતિ છે એમ જાણવું; માટે ચરણસેવા એટલે સમગ્ર મૂર્તિની સેવા જાણવી. ।। ૧૨૪ ।।
વાર્તા ૧૨૫
વૈશાખ સુદ ૧૫ને રોજ સાંજે સભામાં સરસપુરના જેઠાભાઈએ પૂછ્યું જે, આજ ભગવાન ક્યાં હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ બેઠા મૂર્તિમાન ! પછી કહ્યું જે, મૂર્તિ તો બેઠી રહી છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હાલવા ખપે તે જ બેઠા છે ને તે જ પ્રત્યક્ષ છે; જે અક્ષરધામમાં છે એ જ છે. આ સભામાં પ્રત્યક્ષ શ્રીજીમહારાજ અને મુક્ત છે; તેમાં ખોટું કહેતા હોઈએ તો સમ છે. મૃત્યુ આડી એક ઘડી રહી હોય ને જો આ પ્રતિમા તે જ સાક્ષાત્ ભગવાન છે પણ ધાતુ-પાષાણ નથી ને આ સભા દિવ્ય છે, એવું સમજાય તો શ્રીજીમહારાજ હડેડાટ તેડી જાય છે. માટે પ્રતિમાને વિષે ને સાધુને વિષે દિવ્યભાવ લાવવો, તો મોક્ષ કરે પણ એકલાં જ સાધને કરીને મોક્ષ ઇચ્છે તે થવો કઠણ છે. જેમ એક કણબીને ગાડું ખૂંત્યું તે બધાયને કાઢી મૂકીને ગાડું કાઢવા ગયો તે કાંઈ નીકળે ? તેમ આવા મુક્તને વિષે કોઈક કાંઈક દોષ પરઠે તે એકલો રહ્યો તે એકલો શું કરે ? માટે સર્વેને દિવ્ય જાણવા તો મોક્ષ થાય. ।। ૧૨૫ ।।
વાર્તા ૧૨૬
વૈશાખ વદ ૧ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, વરતાલના ૧૧મા વચનામૃતમાં ભગવાન તથા ભક્ત તથા બ્રાહ્મણ અને કોઈક ગરીબ મનુષ્ય, એમના દ્રોહથી અમે બીએ છીએ, એમ મહારાજે કહ્યું છે; તે ગરીબ કોને જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સદ્. શ્રી હરિનારાયણદાસજી સ્વામીના જેવા સ્વભાવ હોય તથા ઢુવાવાળા દરબાર રવાજીભાઈના જેવા સ્વભાવ હોય તેવાને ગરીબ જાણવા. જેમાં એવાં લક્ષણ ન હોય અને કદાપિ સાધુને વેશે હોય તોપણ ગરીબ ન જાણવા ને સાધુ પણ ન જાણવા; તેમજ સેવા પણ સાધુને ઓળખીને કરવી. કેટલાક શિષ્યો ગુરુને સારું સારું ખાવાનું ઠેલી ઠેલીને પેટમાં ભરે પણ તે ગુરુ તો કોઈના કામમાં પણ ન આવે એવા હોય; માટે ગુરુને પણ ઓળખવા. ગૃહસ્થોએ પણ ઓળખીને જ પાત્ર હોય તેની સેવા કરવી. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજના જેવાં લક્ષણે યુક્ત આચાર્ય હોય તો તેમની સેવા કરવી. એટલી વાર્તા કરીને પછી સમાપ્તિ કરી.
પછી બીજે દિવસે એટલે વૈશાખ વદ ૨ને રોજ બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને ગુજરાત તરફ જવાની રજા આપી જે તમારે ધર્માદાનો વખત ભરાઈ આવ્યો છે માટે આજ તમે ગુજરાત તરફ જાઓ. પછી તે ચાલ્યા ત્યારે બાપાશ્રી મળીને માથે હાથ મૂકીને બોલ્યા જે, અમે તમારા ઉપર બહુ રાજી છીએ. તમે અમારી સેવા બહુ કરી અને અમે તમારા ભેળા જ સદાય છીએ. પછી સ્વામી આદિ ચાલ્યા તે ભૂજ થઈને ગુજરાત તરફ આવ્યા. ।। ૧૨૬ ।।
વાર્તા ૧૨૭
સંવત ૧૯૭૦ના મહા વદમાં અમદાવાદ, મૂળી વગેરેના સંત તથા હરિજનો કચ્છમાં ગયા. તે ભૂજ થઈને ફાગણ સુદ ૨ને રોજ શ્રી વૃષપુર ગયા હતા.
ફાગણ સુદ ૩ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૧૮મું વચનામૃત વંચાતું હતું, તેમાં ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પવિત્ર ન હોય તેનું અન્ન-જળ ખાવા-પીવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને એનો વાયરો આવે તોય ભ્રષ્ટ થઈ જવાય. કદાપિ મરવા ટાણે પણ જો પાસે ઊભો હોય તો અશુદ્ધ ઔષધ ખવરાવી દે અથવા વ્યવહારિક વાતો કરીને માયિક પદાર્થની સ્મૃતિ કરાવે. માટે જેમ આપણા પગમાં કાંટો વાગ્યો હોય તેને કાઢવો તે આપણા હાથમાં છે, તેમ કુસંગનો ત્યાગ કરવો તે પણ આપણા હાથમાં છે. તમારે કચ્છમાં આવવું હોય ને વિચાર કર્યા કરો તો ન અવાય; પણ જો ટિકિટ લઈને રેલે બેસો તો તરત આવી પહોંચાય. મહારાજનો ને મોટાનો સિદ્ધાંત તો મોટાને મન સોંપે ત્યારે જ જણાય એવો છે. કદાપિ કોઈકને ન સમજાય તોપણ મન સોંપ્યું હોય તેને વાંધો રહે નહીં. મહારાજને અને મોટાને સાથે રાખે ને એમની મર્યાદા રાખે ને અંતર્યામી જાણે તો સર્વે ક્રિયામાં મહારાજ ટેક રખાવે. ।। ૧૨૭ ।।
વાર્તા ૧૨૮
ફાગણ સુદ ૩ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, તમોને છેલ્લો મુદ્દો હાથ આવ્યો છે, કેમ જે બધી સભાઓ ભેદીને છેલ્લા શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત મળ્યા છે. આવો ભાવ આ મુક્તને વિષે રહે તો સુખી થવાય ને રાગમાત્ર ટળી જાય. આ તો છેલ્લા મુક્ત છે, તે મહારાજના સુખમાં વળગાડે છે. તમે કોઈક ઠેકાણે ધૂણીપાણી કરેલા છે (સેવા કરેલી છે) તેથી તમને આ જોગ મળ્યો છે. મોટાના ભેળા પૂર્વે જે રહેલા હોય તે જ મોટાને ઓળખે છે. “દરદીની વાતો દરદીડા જાણે, બેદરદીને શું ભણીએ ?” તમારે તો અનાદિ ને મહારાજ ઢૂંકડા આવ્યા છે, માટે માયાનાં કાર્ય એટલે શ્રીજીમહારાજની સત્તાનાં કાર્ય જે અક્ષરકોટિ આદિ તેમાં લેવાવું નહીં. જે એ અક્ષરાદિકમાં તથા એના કાર્યમાં હેત રાખે તેને મહારાજનો મહિમા સમજાણો જ નથી. તમને તો પ્રત્યક્ષ વાદળી છૂટી પડી છે ને કાળ, કર્મ, માયા ને સ્વભાવ તે સર્વેને કાઢી નાખ્યાં છે. વેપાર કરવા આવે તે લાખો-કરોડો રૂપિયા કમાઈને જાય ને કોઈક ઠાલા પણ જાય. જો આવા મુક્તને ઓળખે નહિ તો ઠાલા ગયા જેવું છે, અને જો આવા મોટાનો અભાવ આવે તો લાખો-કરોડોની ખોટ જાય; એટલે કલ્યાણના માર્ગમાંથી પડી જાય. યોગમાર્ગવાળા પોતે ધણી થઈ પડે છે ને છેલ્લું પગથિયું માને છે પણ એ તો પહેલું પગથિયું છે ને અધવચ રહે છે. તમને જે મુદ્દો મળ્યો છે તે ખરેખરો છેલ્લો અવધિ છે; માટે જે કરવાનું છે તે કરી જ લેવું, પણ વર્ણનું કે આશ્રમનું માન આવવા દેવું નહીં. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત હતા પણ કોઈકે જ ઓળખ્યા હશે. જે એવા હોય તે ઓળખે, અને એમની કૃપાથી ને સેવાથી ને અનુવૃત્તિમાં રહેવાથી મુમુક્ષુ પણ ઓળખે. આ મુક્ત તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહીને બોલે છે; માટે શ્રીજીમહારાજ બોલે છે એમ જાણજો. આ ખાનગી એટલે એક રુચિવાળાની સભામાં સુખ વિશેષ આવે. તમારે તો જીતનો ડંકો વાગી ગયો છે માટે તરુણ અવસ્થાનો ભાવ આવવા દેવો નહીં. આ લોકમાંથી પૃથક્ થઈ જાવું. એટલી વાર્તા કરીને પછી ખારેકો તથા ટોપરાની પ્રસાદી વહેંચવા માંડી ને બોલ્યા જે, આ પ્રસાદી તો અક્ષરધામની છે ને દિવ્ય છે. પછી કેરીની પ્રસાદી વહેંચવા માંડી ને બોલ્યા જે, આ કેરી ન જાણશો. આ તો મૂર્તિ અપાય છે ને આમાં હેત-રુચિવાળાનો સરખો ભાગ છે; પણ આજ્ઞા, નિયમ, ધર્મમાં ખબરદાર રહેવું જોઈશે. જેમ બાળકનું પ્રારબ્ધ એનાં માવતર છે તેમ તમારું પ્રારબ્ધ શ્રીજીમહારાજ ને મુક્ત છે, તે રક્ષા કરીશું ને જ્યાં પહોંચવાનું છે ત્યાં અમે પહોંચાડશું. જ્યાં મોટા મુક્ત રહેતા હોય તે નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. ત્યાં ધ્યાન-ધારણા જે જે કરે તે થોડું કરે તોપણ ખરેખરી શાંતિ થઈ જાય. તીર્થને પણ પવિત્ર કરે એવા સંત એટલે મુક્ત તમારે ઘેર છે. ગંગાનું પાપ સંત ટાળે છે. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી અમારે કૂવે નાહતા હતા તે પાણી લક્ષ્મીરામભાઈ માથે ચઢાવીને બોલ્યા જે, આ પાણી સર્વે તીર્થ કરતાં અધિક છે ને જે માથે ચઢાવે તેનાં પંચમહાપાપ બળી જાય ને મોક્ષ થાય એવું છે. વાર્તાની સમાપ્તિ કરી. ।। ૧૨૮ ।।
વાર્તા ૧૨૯
ફાગણ સુદ ૫ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સત્સંગમાં કોઈ વાતની ખામી નથી તોપણ કોઈક સંતને એમ રહે જે મારે ધાબળી નહિ, પત્તર નહિ; ને ગૃહસ્થને એમ રહે જે મને કોઈ બોલાવે નહીં. એમ ન સમજે જે આ બ્રહ્મસભામાં બેસવા મળે છે તે ક્યાંથી મળે ? મોટા સદ્ગુરુને તથા નાના સાધુને ખાવા-પીવાનું સરખું ને વસ્ત્ર સરખાં તોપણ દુઃખ માને તે મનનું દુઃખ કહેવાય. મહાપ્રભુજી અક્ષરધામનું જેટલું સુખ છે એટલું બધુંય આપણા સારુ લાવ્યા છે અને પામરને પણ એ સુખ સરખું આપ્યું છે; માટે દુઃખિયા થાવું નહીં. આ તો રાજાના કુંવરને પોતાના વૈભવની ખબર નથી. દેહ ભેળા ભળવું નહિ ને પરભાવનું સુખ લેવું. દેહ તો બહુરૂપી છે, તે એક દિવસ સાજો ને એક દિવસ માંદો. જો આપણે એના સામી દૃષ્ટિ રાખીએ તો ભગવાન ભુલાવે એવો છે; માટે દેહનો અનાદર રાખવો. બીજા કોઈના સ્વભાવ-પ્રકૃતિ ઠીક ન હોય તો તેનો અવગુણ લેવો નહિ, પણ જો પંચવર્તમાનમાં ફેર હોય તો તેને નાક વિનાનો જાણીને તેનો ત્યાગ કરવો. મહારાજની પ્રાર્થના કરવી જે કુસંગનો જોગ થવા દેશો નહિ; ને કોઈ મોટા એકાંતિકનો દ્રોહ થાય તે થકી રક્ષા કરજો. પુરુષપ્રયત્ન કરવો ને મૂર્તિ ઉપર તાન રાખવું. પરચા-ચમત્કારની તથા ઐશ્વર્યની ઇચ્છા ન રાખવી. એ સર્વે સકામ છે. મૂર્તિથી ઓરું જે જે સુખ છે તે ગૂંદાના ઠળિયા જેવું છે. તેમાં ચોંટીને વખત ગુમાવે ને પછી માખોની પેઠે હાથ ઘસવા પડે, નવ મહિનાની કેદ માથે આવે (ગર્ભાવાસમાં રહેવું પડે) ને બહુ ખોટ આવે. જ્યારે જીવમાંથી રાગમાત્ર ટળી જાય ત્યારે સુખિયું થવાય. અમારે તો સર્વેને મુક્ત કરવા છે. આ સભા અક્ષરધામથી પણ પરની છે એટલે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની આ સભા છે અને મહારાજ પણ મધ્યે વિરાજમાન છે. જે અનાદિની સાથે જોડાણા તેને અનાદિની હારે જાણવા. આવા મોટા મુક્ત સત્સંગમાં છે એવું સમજાય તો સત્સંગ સર્વે દિવ્ય થઈ જાય અને અનાદિના જેવી ગતિ થાય. ભૂજનો રાજા આવે તો તેનો મહિમા જાણે પણ મુક્તનો મહિમા ન સમજાય. અત્યારે અમારી પાસે બેઠા છો તે વખતે તમારા ઘાટ ટળી ગયા છે, તેમ સદા સંભારો તો ઘાટ-સંકલ્પ ટળી જાય. મોટાને દર્શને કરીને શાંતિ થાય. આટલું સુખ તો બહાર બેઠા આવે છે, તો જ્યારે જીવમાં સાક્ષાત્કાર થાય ત્યારે તો સુખનો પાર જ ન રહે. આ તો બહુ લાભની વાત થાય છે. આવા મોટાના ભેળા રહેતા થકા પણ કેટલાક દુઃખિયા થઈ જાય છે. તે વિશ્વાસમાં, મહિમામાં ને નિશ્ચયમાં કસર છે તેથી દુઃખિયા થાય છે. જેટલી બીજે પ્રતીતિ આવે તેટલો મહારાજનો ને મોટાનો વિશ્વાસ ઓછો છે. આ સભામાં ને આ સ્થાનમાં બેઠેલા કેટલાયે ગયા તે હજુ આવ્યા નથી. તે સંગદોષે ગયા, માટે સ્વભાવ કરતાં પણ સંગદોષ વધારે નડે એવો છે. બ્રહ્મચારી, સાધુ, ગૃહસ્થ એ આશ્રમ સર્વે ખોટા છે ને મૂકવાના છે. આ લોકનું ડહાપણ તો બ્રહ્મરાક્ષસના વળગાડ જેવું છે. મહારાજની ને મોટાની સાથે તમારે હેત છે તો અંત વખતે મહારાજનું સુખ જેવું છે તેવું તમને બતાવી દેશું. ખરેખરી દિશ હાથ આવી છે ને દોરનારા ખરા મળ્યા છે; માટે કોઈ વિઘ્ન આવવા દેશું નહીં. આ સભા માંહેના કોઈને જુદા રહેવા દેશું નહીં. એ વર આપીને પછી બોલ્યા જે, આ સત્સંગ ઘર મનાય તો નાસ્તિકભાવ ટળી જાય, ને આ સત્સંગને વિષે દોષદૃષ્ટિ થાય કે નબળો ઘાટ થઈ જાય તો વજ્રલેપ થાય ને સત્સંગથી બહાર જવું પડે. જ્યાં સુધી જીવને ભગવાનનો કે મુક્તનો સંબંધ ન હોય ત્યાં સુધી જીવ કહેવાય. જ્યારે ભગવાનનો કે મુક્તનો સંબંધ થાય તો સૂક્ષ્મ બ્રહ્મસ્વરૂપ એટલે શ્રીજીમહારાજના તેજરૂપ થયો. મોટા બૅરિસ્ટરને તથા રાજાને પણ આ સભામાં બેસતાં ન આવડે, તો જ્ઞાન તો આવડે જ ક્યાંથી ? એવું જ્ઞાન આજના સત્સંગીઓમાં છે. પિંડનું આવરણ આઠ આવરણથી મોટું છે. તે ભેદાણું એટલે બધાંય આવરણ ઠેઠ મૂળઅક્ષરકોટિ સુધીનાં ભેદાઈ ગયાં જાણવાં. મહારાજનો ને મોટાનો મહિમા જાણવાથી તે ભેદાય છે. ભગવાનનું આવું સુખ મૂકીને કેટલાક અજ્ઞાની જીવ સાધુ થયા હોય, બ્રહ્મચારી થયા હોય, સત્સંગી થયા હોય, તોપણ આ નાશવંત કલેવરને માટે આજ્ઞા વિરુદ્ધ ઔષધ કરાવે છે. મોટા મોટા તો ઔષધ કરતા જ નહીં. શ્રી પરમાનંદ સ્વામીને ગરમીનો મંદવાડ હતો, તેમને સંત ચંદન ઘસીને ચોપડવા આવ્યા ત્યારે ના પાડી જે પાપરૂપ દેહને રાખીને શું કરવો છે ? મહારાજના સુખમાં જવું છે. પણ આ પાપરૂપ દેહમાં રહેવું નથી. આ દેહ તો નર્કના કુંડ જેવો છે તેમાં શા પાપે રહેવું પડે ? એમ બોલ્યા. તાવ આવે, માથું દુઃખે અથવા ગમે તેવો રોગ થાય તોપણ કોઈને જણાવા દે નહીં. મૂળીના સંતદાસજીને તાવ આવતો ત્યારે તે એવા ઊંડા ઊતરી જાતા તે જાણે કાંઈ દુઃખ જ નથી. મહારાજના સુખમાં ઊંડા ઊતરી જાય એટલે બધી ઇન્દ્રિયો સંકોચાઈ જાય. આ સત્સંગમાં એવા પાકા સંત પડ્યા છે, તે લાગે ગરીબડા જેવા ! એવા સંત હોય તેમની મંદિરમાં જે મોટેરા થઈને બેઠા હોય તેમણે ખબર રાખવી જોઈએ, પણ દુઃખવવા નહીં. જો દુઃખવે તો બહુ પાપ લાગે. ।। ૧૨૯ ।।
વાર્તા ૧૩૦
ફાગણ સુદ ૬ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સ્વામિનારાયણનું સુખ જે લે તેના કામનું છે; બીજાના કામનું નથી. જેમ બાપના ઘરમાં લાખો રૂપિયા હોય પણ બાળકને ખબર ન પડે તેમ જેને શ્રીજીમહારાજનું સુખ સમજાણું હોય તે તો, એ સુખમાં જે કોઈ જતો હોય તેને અહીં રાખવાનો સંકલ્પ ન કરે. માટે ભગવાનના ભક્ત ધામમાં ગયા હોય તેમને સંભારીએ ત્યારે ભગવાન ભજવામાં કામ આવતા એવા ભાવથી સંભારવા; પણ વ્યાવહારિક કામમાં ઉપયોગી હતા એવા ભાવથી ન સંભારવા. આવું સર્વોપરી સુખ પામવા સારુ મોટા મોટા સંત હતા તે જડ માયાનો ને ચૈતન્ય માયાનો ત્યાગ કરીને વનમાં રહેતા ને સાગનાં પાંદડાં પહેરતા અને ગોળા જમતા. આજ તો પત્તરમાં પાણી નાખતાં રખે વધારે પડી જાય નહિ એવા ઘાટ કરે છે; તે બહુ મોટી ખોટ કહેવાય. આ લોકનું કોઈ જતું રહે તો ધડાપીટ થઈ પડે. પણ જો શ્રીજીમહારાજનો મહિમા વિચારે તો કાંઈ દુઃખ જ થાય નહિ અને લૌકિક ઘાટ પણ થાય નહિ, માટે ઘાટ બંધ કરવાનો ઉપાય કરવો ને સદા બ્રહ્મયજ્ઞ કરવો. જો ઘાટ થાય તો ધર્મામૃત પ્રમાણે દંડ દેવો; અને ગૃહસ્થને પણ સંકલ્પ થઈ જાય તો ધર્મશાસ્ત્ર પ્રમાણે દંડ દેવો, પણ હારી બેસવું નહીં. કેમ કે દંડ દીધા વિના સુખી થવાય નહીં. માટે મહારાજને વિષે હેત કરવું ને એક મહારાજને અને સંતને રાખવા. ।। ૧૩૦ ।।
વાર્તા ૧૩૧
ફાગણ સુદ ૬ને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહારાજને અને મોટાને રાખવાનો શો ઉપાય હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેણે મહારાજને અને મોટાને રાખવા હોય તેણે અંતઃકરણ શુદ્ધ રાખવું. જેવા માંહી તેવા બહાર રહેવું, પણ કોઈ પ્રકારનું કપટ કે યુક્તિ રાખવાં નહીં. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નહિ રાખે ત્યાં સુધી મોટા સુખની પ્રાપ્તિ નહિ થાય ને મહારાજના ને મુક્તના ભેગું નહિ રહેવાય. મહારાજે પણ જેતલપુરના ૪થા વચનામૃતમાં એમ જ કહ્યું છે. જ્યારે મહારાજના ધામમાં રહેવાય નહિ ત્યારે મહારાજ અને મોટા પણ એના અંતરને વિષેથી ઊઠી જાય એટલે એ મડદું કહેવાય. અને તેને જે અડે તે અભડાય; માટે તપાસ રાખવો. ગુરુએ જડ-ચૈતન્ય માયામાં હેતવાળા શિષ્યનો ત્યાગ કરવો, ને શિષ્યે એવા ગુરુનો ત્યાગ કરવો. એક મૂર્તિના સુખનો જ ખપ કરવો. વિષયના સુખની ઇચ્છા રાખે તો સુખના સમુદ્રમાંથી ઊઠીને નર્કમાં જવું પડે. મહારાજે ને મોટાએ તેમાંથી તમને ઉગાર્યા છે. આજ મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે ને ગરીબનિવાજ છે, પણ હીરા-મોતીમાં કોઈ ભાગ રાખતા નથી અને લસણ-ડુંગળીમાં એટલે પ્રકૃતિના કાર્યમાં ખેંચાય છે. હીરા-મોતીમાં ભાગ રાખે, તેમાં એક નંગ મળે તો કરોડપતિ થઈ જાય; માટે ખરેખરું મોટાને વિષે મન જોડવું. “ચમક દેખી લોહા ચળે” એવી રીતે શ્રીજીમહારાજ આ મુક્તમાં રહ્યા છે, તેથી મુમુક્ષુ આ મુક્તમાં ખેંચાય છે. જેને વચન ઉપર વિશ્વાસ છે તે પોતાનું કામ કરીને ચાલ્યા જાય છે. મૂળીના સંતદાસજીને વિશ્વાસ હતો તો જ્યારે તેમને તાવ આવ્યો હતો ને તડકે બેઠા હતા, ત્યારે અમે કહ્યું જે કેમ છે ? ત્યારે તે બોલ્યા જે, તાવ આવ્યો છે, હવે તો મૂર્તિમાં પહોંચાડી દો. પછી દિવ્યભાવ આવ્યો ને મહારાજ અને મુક્ત તેજમાં દેખાણા ને હજારો પ્રદક્ષિણાઓ કરીને મહારાજને અને મુક્તને મળ્યા ને સુખિયા થઈ ગયા.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, મોટા રાજી થાય ત્યારે આવરદા પૂરી કરાવે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા બહુ રાજી થાય તો આવરદા પડી રહે ને મૂર્તિમાં લઈ જાય, અને કોઈકને રાખવા હોય તો આવરદા ન હોય તોપણ રાખે. મોટાને વિષે જીવ જોડે તો દેહ છતાં જ કૃતાર્થપણું મનાઈ જાય છે. કરોડ જન્મ સુધી ને કોટિ કલ્પ સુધી સાધન કરીએ તે હાડકાં સુકાઈ જાય, પણ ધામ મળતું નથી; એ તો મુક્ત દ્વારે જ મળે છે. મોટા તો ચહાય તે કરવા સમર્થ છે. જીવના ઘાટ-સંકલ્પને મોટા જાણે છે. ।। ૧૩૧ ।।
વાર્તા ૧૩૨
ફાગણ સુદ ૭ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ માસ્તર છોકરાંને ભણાવે છે તેને એમ રહે જે હું ઘણાને ભણાવું તો ઠીક; તેમ અનાદિમુક્તને એમ રહે જે ઘણા જીવ સુખિયા થાય તો ઠીક. સત્ય આત્મા, સત્ય મૂર્તિ ને સત્ય સંત તથા એ ત્રણના સંબંધને પામેલા સત્શાસ્ત્ર એ ચારનો સંગ કરે તે સત્સંગી થયો. તેને પણ સુખભોક્તામાં અનાદિમુક્ત પહોંચાડે ત્યારે પહોંચાય. સત્સંગમાં જે મુદ્દો છે તે આપણને મળ્યો છે. મહારાજની મૂર્તિ રાખે તો સુખિયા થવાય. આવી જબરી વાતમાં હર્ષ થતો નથી ને માયિક વાતમાં હર્ષ થાય છે એ મોટું અજ્ઞાન છે. રામપરામાં એક હરિજન ગુણબુદ્ધિવાળા હતા, તે ભવૈયા જોવા ગયા. તેમને લઘુ કરવાનું બહુ થયું પણ માર્ગ (જગા) જતો રહે એટલા સારુ ઊઠ્યા નહિ ને લઘુ ચોરણામાં થઈ ગયું, એવું તાન માયિકમાં છે. પુરુષોત્તમ ભગવાનની કથા-વાર્તામાં એવું તાન થાતું નથી એ મોટું અજ્ઞાન છે. કથા-વાર્તામાં તો જેને જેટલી સ્થિતિ થાય છે તેને તેટલો હર્ષ થાય છે. અનાદિની પંક્તિમાં ભળ્યા વિના સુખ થાય નહિ અને મોટા સાથે મન બાંધે તો બધું પૂરું થઈ જાય. વાત તો અતિ જબરી છે, તે જો સમજાય તો દીવાના થઈ જવાય. “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા.” એમ મર્મમાં વાત કરીને પછી બોલ્યા જે, શાસ્ત્રમાં હોય તેનાથી નવા શબ્દ આવે, તે શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા એવા અનાદિમુક્ત બોલે છે, ને તેમાં મહારાજની મૂર્તિ આવે છે; તેથી આનંદ થાય છે. આજ તમને જે વસ્તુ મળી છે તે તો બહુ જ ભારે છે. તેને ખાઓ, ખાઓ કહીએ છીએ પણ કોઈ ખાય નહિ ને મોટા મુક્ત કોળિયા વાળીને દે તોપણ ઠીક ન લાગે. સત્સંગમાં ને લોકમાં પ્રમાણ કરે એવો ખરો સમાગમ કરવો. દાસપણે રહે ને નવા નવા સુખની ઇચ્છા કરે તો પડદા તૂટી જાય ને સુખ સમજાતું જાય ને મહારાજની મૂર્તિમાં ગયા કેડે પણ નવું નવું સુખ મળતું જાય, પણ સુખની હદ આવે નહીં. અનાદિમુક્તને પણ એ સુખનો પાર આવતો નથી તો બીજાને તો પાર આવે જ ક્યાંથી ? આ સભામાં એનું એ જ સુખ છે પણ જીવ શૂનકાર થઈ ગયો છે, તે જ્યાં ત્યાં બંધાઈને વળગી પડે છે ને ભટકી પડે છે. આધુનિકને મુક્ત જાણીને તેમાં વળગે છે, પણ ખરી વસ્તુને બાઝતો નથી એટલે મુક્તને વિષે પ્રીતિ કરતો નથી. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી અનાદિમુક્ત હતા ને શ્રીજીમહારાજની મરજીથી આવેલા હતા, તેમણે આ મુક્ત ઓળખાવ્યા છે. જેના ભાગ્યમાં ખામી હશે તે આ મુક્તને ઓળખતા નથી ને જ્યાંત્યાં ઝાવાં નાખે છે; તે સુખિયા ક્યાંથી થશે ? મુક્ત ઓળખીને તે મુક્ત પાસેથી સુખ ભોગવવાની ત્વરા રાખે તો સુખિયા થઈ જાય. શ્રીજીમહારાજ અને અનાદિમુક્તને સાથે રાખે તો છેલ્લી અવધિ આવે. ઘણા જન્મ ગોથાં ખાધાં, આ વખતે નીકળવાનો દરવાજો ખરેખરો આવ્યો છે. આવા સમયમાં શૂનકાર થઈને ઊભો રહે એમાં શું સુખિયું થવાય ? જ્યાં સુધી ઇન્દ્રિયોને લાડ લડાવે ત્યાં સુધી સુખિયું થવાય નહિ અને મહારાજને તથા મોટાને વિષે ખરી આસક્તિથી જોડાય તો જન્માંતરે પૂરું થવાનું હોય તે આ જન્મે જ પૂરું થઈ જાય. ઉપાસનામાં ફેર હોય ને મોટાને જાણ્યા ન હોય તો જ્યાં ને ત્યાં ગબડી પડે; માટે ખરેખરો નિશ્ચય રાખવો. સર્વદેશીમાં સુખ છે, માટે એકદેશી ન થાવું ને એકદેશી થયા હોય તેનો સંગ ન કરવો. એકદેશીથી સત્સંગમાં ન રહેવાય ને તેની સાથે જીવ જોડે તેને પણ સત્સંગ બહાર કરે, માટે યુક્તિવાળા માણસો સત્સંગમાં હોય તેમને પણ ઓળખવા. જો ન ઓળખે તો જીવનો નાશ થઈ જાય ને મોક્ષમાં ઘણો જ વાંધો આવે, કેમ જે જેને સત્સંગનો અવગુણ આવ્યો હોય તે બીજાને પણ સત્સંગના અવગુણ ઘાલે; તેથી જીવનો નાશ થઈ જાય. જેને મહારાજના ભક્તમાં કેવળ દોષ દેખાય તે કનિષ્ઠ છે, ને જેને ગુણ ને દોષ બેય દેખાય તે મધ્યમ છે, અને જે એકલા ગુણ દેખે તે ઉત્તમ છે. જેને પોતામાં કેવળ દોષ હોય તે બીજામાં કેવળ દોષ દેખે, પોતામાં ગુણ ને દોષ બેય હોય તે બીજામાં ગુણ ને દોષ બેય દેખે, અને જેમાં કેવળ ગુણ હોય તે બીજામાં કેવળ ગુણ દેખે. સર્વના ગુણ જોવા અને એમ સમજવું જે, કેરી કાચી હોય ત્યારે તૂરી હોય ને મોટી થાય ત્યારે ખાટી હોય અને પાકે ત્યારે મીઠી થાય પણ કેરી ખરી. તેમ જ જેમાં દોષ હોય તે કાચા છે તે ધીરે ધીરે ટળશે ત્યારે પાકા થશે, એમ સમજવું. અને સત્સંગરૂપી સમુદ્રમાં રહેવું. મોક્ષરૂપી મોતીની પ્રાપ્તિ તો જ થાય પણ સત્સંગથી વિમુખ થયા હોય તેની પાસે મોક્ષ ન મળે. જો સર્વદેશી થઈને સત્સંગમાં મુક્તને ખોળે તો મળે ને મોક્ષ થાય. ।। ૧૩૨ ।।
વાર્તા ૧૩૩
ફાગણ સુદ ૮ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેને કારણ મૂર્તિનું ધ્યાન હોય તેનાથી સંતની સેવા થાય છે; કેમ જે તેણે તો આ સંતને મહારાજના દીકરા જાણ્યા છે, તેથી સંત રાજી થાય એવી સેવા કરે છે. જેને કાર્યમાં તાન હોય તેને તો આ લોકમાં આબરૂ વધારવાનું તથા છતું થવાનું તાન હોય ને સૌ વખાણે તે સારુ તપ કરે, વૈરાગ્ય રાખે, ધર્મ પાળે, સેવા કરે, બીજા પાસે કરાવે, પણ તેને કારણ હાથ આવે નહિ ને આ સંતનો મહિમા પણ સમજાય નહીં. જો આવી બ્રહ્મસભામાં બેસીને વિશ્વાસ રાખે ને જ્ઞાન સાંભળે તો કારણ અને કાર્ય બેય ઓળખાય ને સાચા-ખોટા વેપારની ખબર પડે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, અનાદિમુક્તના ગુણ મુમુક્ષુમાં કેમ સમજે તો આવે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનાદિમુક્તને વિષે દેવની બુદ્ધિ રાખે ને તેમની અનુવૃત્તિમાં વર્તે અને પંચવર્તમાન યથાર્થ પાળે તો અનાદિમુક્તના ગુણ એમાં આવે. ।। ૧૩૩ ।।
વાર્તા ૧૩૪
ફાગણ સુદ ૮ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે પંચવર્તમાનમાં ફેર પડવા દેવો નહિ, અને જેને ફેર હોય તેના ભેળા રહેવું નહિ ને તેને ભેળો રાખવો નહીં. કોઈક કદાપિ ચમત્કાર જણાવે તો તેમાં તણાવું નહીં. એક મૂર્તિમાં જ તાન રાખવું ને કોઈ વ્યવહાર સંબંધી વિક્ષેપમાં ભળવું નહીં. મુમુક્ષુને તો આ દેહે શ્રીજીના અનાદિમુક્તનો જોગ કરીને મૂર્તિ સિદ્ધ કરવાની છે ને છેલ્લો જન્મ કરવાનો છે.
પછી નડિયાદવાળા ઝવેરીલાલભાઈએ પૂછ્યું જે, વરતાલમાં ભાણેજને ગાદીએ બેસાડવાનું કર્યું હતું તેમાં સદ્. સ્વામી બળરામદાસજી સામા પડ્યા હતા એવો વ્યવહાર આવી પડે ત્યારે કેમ કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો વ્યવહાર ન કહેવાય, એ તો ધર્મની બાબત છે; માટે એમાં તો ભળવું. એ તો શ્રીજીમહારાજનો પક્ષ રાખ્યો કહેવાય. જેમ મહાપ્રભુજીની આજ્ઞા લોપીને ધર્મકુળ વિના બીજાને ગાદીએ બેસાડવાનો વિચાર કર્યો હતો, તેમ જ કદાપિ વાડ ઊઠીને ખેતરને ખાય તેમ થતું હોય અથવા કોઈ આચાર્ય ભવિષ્યમાં એવા નીકળે જે દેવની મિલકતના ધણી થવા ઇચ્છે, તો તેમાં પણ માથા સાટે દેવનો પક્ષ રાખવો; એ વ્યવહારમાં ભળ્યા ન કહેવાય. એ તો શ્રીજીમહારાજની પ્રસન્નતાનું સાધન છે. દેવની માલિકી કરાવવાને સારુ ધર્માદાનો પૈસો સરકારમાં વાપરવો પડે તો વાપરવો તેમાં શ્રીજીમહારાજ કચવાય નહિ પણ ઊલટા રાજી થાય.
પછી કણભાવાળા આશાભાઈએ પૂછ્યું જે, તેમાંથી જેમ સ્વામી બળરામદાસજીને દુઃખ આવ્યું જે મંદિરમાંથી કાઢી મૂક્યા એવું થાય તો શું કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અન્યાય થતો હોય ને દેવનો પક્ષ રાખતા થકા કાંઈ દુઃખ આવે તો ત્યાં હાજી, હાજી ન કરવું. એક મંદિરમાં રહીને ભગવાન ભજવા પણ શિખરબદ્ધ મંદિર ન કરવું. ।। ૧૩૪ ।।
વાર્તા ૧૩પ
ફાગણ સુદ ૮ને રોજ સાંજે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી એ તો કાર્ય છે અને મહારાજ ને મુક્ત કારણ છે. તેમને ઓળખીને તેમનો મન, કર્મ, વચને જોગ કરીને પોતાનું પૂરું કરી લેવું. જેવી કારણમાં એટલે મહારાજ અને મુક્તમાં સુખ અને શાંતિ છે તેવી કાર્યમાં નથી; તોપણ કેટલાક કાર્યની જ વાતો કરે પણ કારણને સંભારે નહીં. કાર્યની વાતોએ કરીને કારણ જે મૂર્તિ તેમાં પહોંચાય નહીં. મહારાજનું સુખ તો મુક્ત આપે ત્યારે જ પમાય. શાસ્ત્રથી પણ મૂર્તિ પમાય નહિ, માટે સત્સંગમાં સત્સંગ ઓળખવો. જેમ ગૌમુખીમાંથી ગંગા નીકળે છે તેમ આ અનાદિમુક્તના મુખમાંથી શ્રીજીમહારાજના મહિમાની સુખરૂપ ગંગા નીકળે છે; પણ કેટલાક શ્રદ્ધા ને વિશ્વાસ વિનાના સમાગમ કરવા આવે છે, તે લૂખા ને લૂખા ચાલ્યા જાય છે ને મનુષ્યભાવ પરઠીને અનાદર કરે છે. શાસ્ત્રનો વિશ્વાસ આવે છે, પણ શાસ્ત્રનો અભિપ્રાય તો મોટા મુક્તથી જાણવામાં આવે છે. મોટાની સેવાથી પોતાની ભૂલ ઓળખાય છે. ને મોટા મુક્તના રાજીપાથી ભૂલ ટળી જાય છે, માટે શુદ્ધભાવે મોટાને સેવવા ને ગુરુભાવ ને દેવભાવ રાખવો તો મોટાના ગુણ તેમાં આવે.
પછી ગોધાવીના માસ્તર જગન્નાથે કહ્યું જે, મોટાના આશીર્વાદ હોય તો એ વાત સમજાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આશીર્વાદ તો ઠેઠ અક્ષરધામમાંથી ચાલ્યા આવે છે પણ આ લોકમાં તો ગાયનો વાઘ કરી મૂકે, તે બે શબ્દ કોઈકને એવા મારે જે મોટાનો અવગુણ ઘાલીને નોખા પડાવી દે. પછી તો કામ, ક્રોધાદિક ચોર તેને ઉપાડી જાય. અમારો વેપાર તો જીવને કાર્યમાંથી એટલે સત્સંગમાંથી દેહ મુકાવીને કારણ જે મૂર્તિ તેમાં પહોંચાડવા એ જ છે. મૂર્તિથી બહાર જેટલું સુખ મનાય છે તે અજ્ઞાન છે, તેને ટાળીને સર્વે ક્રિયા મૂર્તિમાં રહીને કરવી, પણ મહારાજને મૂકીને કોઈ ક્રિયા કરવી નહીં. આ મંદિરમાં પાણો ચઢાવતાં ચાર જણથી ન ચઢ્યો ત્યારે ચારે જણને કોરે ખસેડીને હુંપણું લાવીને સાધુ હરિપ્રિયદાસે ચઢાવ્યો. તેને સ્વામી અક્ષરજીવનદાસજીએ કહ્યું જે, શ્રીજીમહારાજને વિસારીને હુંપણું લાવીને પાણો ચઢાવ્યો તે ઠીક ન કર્યું. સર્વે ક્રિયા શ્રીજીમહારાજને સાથે રાખીને એમની ને મોટા મુક્તની પ્રસન્નતાને અર્થે કરવી; પણ વખાણ માટે કે માન માટે ન કરવી. કચરો ને કંચન સમ જાણવાં ત્યારે સાધુ કહેવાય. સાકર ને મીઠું સમ થઈ ગયાં હોય તેણે પણ નિષ્કામ શુદ્ધિ ને ધર્મામૃતમાં ફેર પાડવો નહિ, તો જ મૂર્તિનું સુખ આવે ને તે જ પૂરો સાધુ કહેવાય. આજ્ઞામાં વર્તે ને વર્તાવે ને ઠરાવ સર્વે મેલાવે, એવાનો સંગ સદા રાખવો; પણ જીવને એ ઘણું કઠણ પડે છે. મોટાનો સમાગમ કરે પણ શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે નહિ, તે મોટાને ખોટ દે છે. જૂનાગઢમાં નેવું લોટિયા (લોટ પીને રહેનારા) હતા, તેમણે આજ્ઞા લોપીને સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને ખોટ દીધી. આજ પણ કેટલાક સત્સંગ બહાર પડીને, સત્સંગના નોર બહાર વર્તીને સ્વામીશ્રીને વગોવે છે. તમો સમાગમ કરવા આવો છો તે કોઈ મહાપ્રભુજીની આજ્ઞા લોપીને અમને ખોટ આપશો નહીં. આપણા મોટેરા ગોળા જમતા ને ક્યારેક અન્ન મળતું નહિ ત્યારે ઉપવાસ કરતા અને અતિ ક્ષુધા લાગી હોય ત્યારે તળાવમાંથી મૃત્તિકાની કપોટીઓ ખાતા. તમારે પણ તેમના ભેળા બેસવું છે, માટે કોઈ ચાળે ચઢી જાવું નહીં. ત્યાગી થવા નીકળ્યા તો દેહના સુખને ઇચ્છવું નહિ, અને સ્વભાવમાં ને સિદ્ધિઓમાં બંધાવું નહીં. સ્વભાવ, સિદ્ધિઓ, જડ માયા, ચૈતન્ય માયા, માન, ક્રોધ એ આદિકમાં બંધાઈ રહે તો મૂર્તિ સુધી પહોંચી શકાય નહીં. જેમ ઘોડાને પછાડી બાંધી હોય તે તૂટે નહિ ત્યાં સુધી એ ક્યાંય જઈ શકે નહિ, તેમ એ પછાડીઓ નહિ તોડો તો મૂર્તિ સુધી પહોંચાશે નહીં. ।। ૧૩૫ ।।
વાર્તા ૧૩૬
ફાગણ સુદ ૯ને રોજ સવારે સભામાં સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, કાલે આપે પછાડીઓની વાત કરી હતી તે પછાડીઓ પોતાની મેળે તૂટે નહિ માટે એને તોડનારા જોઈએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તોડનાર ને છોડનાર તૈયાર છે, પણ વિશ્વાસ નથી તેથી છોડનારાનાં વચન મનાતાંય નથી ને પોતાના ઠરાવ મુકાતાંય નથી, છતાં મૂર્તિની માંગણી કરે છે. માટે સર્વ એષણાનો ત્યાગ કરીને મૂર્તિમાં પહોંચવાનો વેગ રાખવો. પણ જીવને પંચવિષયમાં માલ મનાણો છે તે છોડતો નથી, તે છે તો નર્ક જેવા; પણ મોહે કરીને માલ મનાય છે.
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું જે, એ પંચવિષય થકી રક્ષા કરજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ધોકા લઈને ઊભા રહેવાય તો એ વિષયરૂપી ભિખારાનો શો ભાર છે ? પણ વાણિયાની પેઠે ફોસી થઈને બેઠા હોય તો લૂંટી જાય. એક વાણિયો રાત્રિએ માર્ગમાં જતો હતો, તેને આકડાનો છોડ હાલતો જોઈને બીક લાગી ને વિચાર કરવા માંડ્યો જે, “જો હશે કોળી નાળી, તો તેલ ટકા ને કુલ્લી તારી; અને જો હશે ઠૂંઠાળો, તો હું છું મરદ મુછાળો.” એમ થાય છે, પણ જો સ્વભાવને દબાવી વર્તે તો બહુ સુખિયા થઈ જાય. સ્વભાવ જીત્યા વિના મહાપ્રભુજીના સુખની ઇચ્છા રાખવી તે તો વલખાં છે, પણ જીવના સ્વભાવ એવા છે જે પંચવિષયની સહાયમાં રહે છે; પણ તેની સાથે વૈર કરતા નથી અને પોતાને અનેક જન્મ લેવા પડે તેનો વિચાર કરતા નથી. સ્વભાવનો ને શિષ્યનો પક્ષ રાખે છે ને મૂર્તિની માંગણી કરે છે, માટે બાંધણાં સર્વે તોડીને મૂર્તિ માગવી તો આપનારા તૈયાર છીએ. અમારી કાકરવાડીમાં બાવળિયો હતો તેને પાડવા માંડ્યો પણ એક મૂળ વળગી રહ્યું હતું તેથી પડ્યો નહીં. જ્યારે એ મૂળ કપાણું ત્યારે એની મેળે પડી ગયો, એમ જ્યારે પંચવિષયરૂપી મૂળને કાપી નાખે ને સર્વે એષણાઓનો ત્યાગ કરે ત્યારે એની મેળે મૂર્તિના સુખમાં રહેવાય. આવા જોગમાં જ્યારે વાસના ટળી નહિ; ત્યારે બીજે ક્યાં ટળશે ? આ સભા જેવી બીજે સભા નથી, માટે તુચ્છ એવા સ્વભાવનો ત્યાગ કરવો. સ્વભાવનો શો ભાર છે જે એ આપણને દબાવી જાય ? આ જીવ બધા નિયમ લે છે પણ ધ્યાન કરવાનું નિયમ કોઈ લેતા નથી. આજ તો આ મોટાના જોગથી લાભ મળે છે તેનું માપ થાય એવું નથી.
પછી વળી સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, કૃપા કરીને આપના સર્વ આશ્રિતોની પછાડીઓ છોડી નાખો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા તો છોડવા તૈયાર છે પણ મોટા આગળ નિષ્કપટ થાય તો છોડે, પણ ઠરાવ છોડાતા નથી, તેથી તુચ્છ પદાર્થને અર્થે મહારાજની આજ્ઞા લોપીને હેરાન થવાય છે. વાતો મૂર્તિની કરાય ને બાંધણાં તો તોડવાં નથી. મોટા મુક્તો તપ કરીને શ્રીજીમહારાજને રાજી કરવાની રીત બતાવી ગયા છે માટે તેમ કરવું. અંતઃકરણ તો પાડા જેવાં છે, તેને પંચવિષયરૂપી રાતબ ખવરાવીને વકરાવે છે. ને પછી મૂર્તિનું સુખ લેવા ઇચ્છે તે ક્યાંથી મળે ? શ્રીજીમહારાજે તો વર્તમાન ધરાવતી વખતે સર્વે પાપ લઈને ચિંતામણિરૂપી પોતાની મૂર્તિ સોંપી છે, તોપણ પાપરૂપ વાસના ભેળી કરે છે ને પંચવિષયરૂપી ભિખારા પાસે લાચાર થાય છે.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, અત્યારથી નિષ્કપટ થાય તો આગલું પાપ બળે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ફેર પાછા એ રસ્તે ન ચાલે તો બળે અને પાછા જો એ રસ્તે ચાલે તો બમણાં વળગે. જાણતા છતાં આજ્ઞામાં ફેર પાડે તેનું તો પ્રાયશ્ચિત્ત કહ્યું નથી માટે સૌની હારે ત્રોહ ત્રોહ કરવું નહીં. મહારાજને અને મોટાને તો સર્વેને સુખિયા કરવા છે પણ જેમ વૈદ નીરોગી કરવા ઔષધ આપે છે પણ જો કરી ન પાળે તો વિસ્ફોટક થઈ જાય; તેમ જન્મમરણરૂપી રોગ ટાળવા સત્સંગમાં આવ્યા છે તે જો આજ્ઞારૂપી કરી ન પાળે તો જન્મમરણરૂપી રોગ ટળે નહિ, માટે મોટા જેમ કહે તેમ કરવું. જ્યારે ત્યારે બાંધણાં તોડ્યા વિના છૂટકો નથી ને નહિ તૂટે ત્યાં સુધી જન્મમરણ ટળવાનું નથી. આવા જોગમાં સ્વભાવ ટળતા નથી તે મહિમામાં, શ્રદ્ધામાં ને નિશ્ચયમાં ખામી છે. મોટાના વચનમાં વિશ્વાસ હોય તો શ્રીજીમહારાજનું વચન જરાય લોપાય નહીં. મોટાનો સિદ્ધાંત તો મૂર્તિમાં રસબસ થઈ રહેવું એ જ છે. આજ તમને સુખ મળ્યું છે તે કોઈને મળ્યું નથી ને મળશે પણ નહીં. મહારાજ ને મુક્ત પ્રત્યક્ષ હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે. વેદાંતાનંદ બ્રહ્મચારી ભૂજમાં હતા, તેમણે શ્રીજીમહારાજની પ્રસાદી લીધી નહોતી. તેમને સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કહ્યું જે, તમે શ્રીજીમહારાજની પ્રસાદી જમ્યા નહોતા ને આજ થાળની પ્રસાદી કેમ જમો છો ? પછી બહુ જ પસ્તાવો કર્યો જે મેં મહારાજને વિષે મનુષ્યભાવ પરઠ્યો તે બહુ ખોટ આવી. ।। ૧૩૬ ।।
વાર્તા ૧૩૭
ફાગણ સુદ ૧૦ને રોજ સવારે સભામાં લોયાનું ૧૦મું વચનામૃત વંચાતું હતું. તેમાં ૮મા પ્રશ્નમાં શ્રી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, ધ્યાન કરતા સંકલ્પ-વિકલ્પ રૂપે કરીને માયા કેમ દુઃખ આપે છે એ વાત આવી.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, સંકલ્પ તે શું ને વિકલ્પ તે શું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પદાર્થનો ઘાટ થાય તે સંકલ્પ કહેવાય અને તે સંકલ્પ વારંવાર થાય તે વિકલ્પ કહેવાય; એટલે જે સંકલ્પ થયો હોય તે વિવિધ પ્રકારે થાય તે વિકલ્પ કહેવાય. તે મોટા સાથે જીવ જોડે તો સર્વે ટળી જાય ને કાંઈ બાકી રહેવા દે નહિ ને પૂરું કરી દે ને ઠેઠ મૂર્તિમાં મૂકી દે; એવો મોટાનો પ્રતાપ છે.
તે જ દિવસે બપોરે સભામાં સર્વે સંતોએ કહ્યું જે, દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળીએ પણ અંતઃકરણમાં ઘાટ થાય તે ટાળવા અમારા હાથમાં નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દેહે કરીને આજ્ઞામાં જરાય ફેર પડવા દે નહિ તો તેના અંતરના દોષમાત્ર ટાળીને તેને બળિયો કરી દઈએ. આ તો આજ્ઞાય પાળવી નથી ને બધું મોટા પાસે કરાવવું છે તે કેમ બને ? પાત્ર તો પોતે જ થવું જોઈએ.
પછી સ્વામી નારાયણસેવકદાસજીએ કહ્યું જે, પાત્ર તો કંસારા કૂટી કૂટીને કરે છે માટે પાત્ર કરનારા પણ જોઈએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પાત્ર કરનારા તો તૈયાર છે પણ તેમનું માનવું નથી, તો શી રીતે પાત્ર થવાય ?
પછી વળી સ્વામીએ કહ્યું જે, અમને તો વહાણમાં બેસારી દો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વહાણમાં બેસાર્યા કેડે પણ તેમાંથી પડતું મેલે તેને કેમ કરીએ ? મહારાજ ને મુક્ત તો સર્વેને જોઈ રહ્યા છે. પણ જીવ ભાળતા નથી તેથી આજ્ઞા લોપી નાખે છે એટલે મહારાજ ને મોટા તેને મૂર્તિનું સુખ આપતા નથી. માટે આજ્ઞા પાળવી ને માન, મદ, મત્સરાદિક સર્વે દોષ ટાળવા, તો મૂર્તિનું સુખ આવે.
પછી વળી સ્વામીએ કહ્યું જે, માનાદિક દોષ તો રહ્યા છે ખરા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ દોષ ઓળખાણા ને તેની સાથે વૈર બંધાણું તો હવે એ દોષ રહેશે નહીં. મહારાજ ને મોટા સહાય કરીને નાશ કરશે માટે વોળાવો સારો લેવો પણ ચોરટાને વોળાવો લેવો નહીં.
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછ્યું જે, કેવા હોય તેને ચોરટા જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ધર્મામૃત તથા નિષ્કામશુદ્ધિમાં કહેલી આજ્ઞા લોપતા હોય ને અમે મુક્ત છીએ એમ કહેતા હોય તે ચોરટા જાણવા. તેની સાથે જીવ જોડે તો તેના ભેળા દુઃખ પામે, માટે મુક્ત ઓળખીને જીવ જોડવો. આજ અક્ષરધામનું સુખ ભોગવો છો. આવી સભામાં પણ દોષના જોનારાને દોષ સૂઝે ને પોતે તો ધૂળ બલા જેવા હોય ને કાંઈ પણ માલ હોય નહીં. અને મહારાજના અનાદિમુક્તમાં દોષ પરઠે છે, તે તો દોષરૂપી ભાર માથે ભરે છે. તેનો તો જીવ પણ નાશ પામશે તેની તેને ખબર નથી. આવી શ્રીજીમહારાજના મહિમાની વાતો થાય છે પણ જે સમજતા નથી તે એમ કહે જે, આ તો ખૂણિયું જ્ઞાન કરે છે. વાર્તાની સમાપ્તિ કરીને સંત-હરિજન સર્વે સાંજના નારાયણપુર ગયા ને ત્યાંથી ભૂજ થઈને ગુજરાત તરફ આવ્યા. ।। ૧૩૭ ।।
વાર્તા ૧૩૮
સંવત ૧૯૭૧ના માગશર માસમાં અમદાવાદમાં સ્વામી ઈશ્વરચરણદાસજી ઉપર બાપાશ્રીનો કાગળ આવ્યો જે, અમારાં માતુશ્રીને કાળી તળાવડી ઉપર શ્રીજીમહારાજે દર્શન આપીને વર આપ્યો હતો તે ઠેકાણે છત્રી કરીને ચરણારવિંદ પધરાવવાનો વિચાર છે. તેમાં તમારો શો અભિપ્રાય છે તે લખી મોકલજો. તે કાગળ વાંચીને સ્વામી વૃંદાવનદાસજી વાડીએ હતા ત્યાં જઈને તેમને સંભળાવ્યો ને પછી બાપાશ્રીને કાગળ લખ્યો જે, આપનો કાગળ વાંચી બહુ આનંદ થયો છે ને આપનો જે વિચાર છે તે અનંત જીવના ઉદ્ધારને અર્થે છે. આપ જે કરતા હશો તે સારું જ કરતા હશો અને આપની જે જે ક્રિયા છે તે સર્વે કલ્યાણકારી છે. ફરી બાપાશ્રીનો પત્ર આવ્યો જે છત્રીનું કામ ચાલતું કર્યું છે અને ફાગણ માસમાં ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસાડવાનો વિચાર કર્યો છે અને ચારસો મણ ઘી, તથા છસો મણ ગૉળ તથા ઘઉં, દાળ, ચોખા વગેરે સામાન મંગાવ્યો છે. હવે તમે મૂળીએ વસંત કરીને અહીં આવજો અને સર્વેને અહીં આવવાનું કહેતા આવજો. પછી સર્વે સંત વસંતે મૂળી ગયા ને સર્વેને આ વાત કરી અને ફાગણ માસ બેસતા વૃષપુર ગયા. પછી સર્વ ઠેકાણે કંકોત્રીઓ લખાવી મોકલી જે, “સંવત ૧૯૭૧ના ફાગણ વદ ૧૧ને રોજ ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસશે ને તેની સમાપ્તિ ચૈત્ર સુદ ૩ને રોજ થશે, ને તે દિવસે છત્રીએ ચરણારવિંદ પધરાવાશે.” તે યજ્ઞમાં અમદાવાદથી બસો સંત તથા ભૂજ, મૂળી, ગઢડા, જૂનાગઢ, વરતાલ વગેરેના સંત-બ્રહ્મચારી મળી ચારસો હતા. અને હરિજનો દેશાંતરના ત્રીસ હજાર હતા ને મહા મોટો યજ્ઞ કર્યો હતો. છત્રી કરી છે તે ઠેકાણે પથ્થરની ધાર શ્રીજીમહારાજની પ્રસાદીની હતી, તેમાં ઘણાં ભૂત રહેતાં; ત્યાં કોઈથી જવાતું નહીં. તે ભૂતોને છત્રીના ખાતમુહૂર્ત વખતે અધમણ સાકરની પ્રસાદી વહેંચીને તેમનો મોક્ષ કર્યો. ચૈત્ર સુદ ૩ને રોજ કથાની સમાપ્તિ કરી, પછી છત્રીએ ચરણારવિંદ પધરાવવા સર્વે આવ્યા. ને ચરણારવિંદ પધરાવતી વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, આ વખતે સર્વેને વર આપો. પછી બાપાશ્રી બોલ્યા જે, આ યજ્ઞમાં આવેલા સંત-હરિજનાદિક સર્વે મનુષ્યો તથા ઉપયોગમાં આવેલાં સર્વે પશુઓ તથા આકાશમાં વિમાને બેસીને દર્શન કરવા આવેલા અધિકારી દેવો તે સર્વેનો છેલ્લો જન્મ કરી શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જઈશું. આ છત્રી તથા આ સ્થાનમાં જે દેવ તથા મનુષ્યો દર્શન કરશે અને ઉપર થઈને પક્ષી ઊડીને જશે તે સર્વેનો અમે આત્યંતિક મોક્ષ કરીશું અને શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જઈશું, એવો વર દીધો. પછી બીજે દિવસે સૌ સંત-હરિજનોને સૌ સૌના દેશમાં જવાની આજ્ઞા કરી તેથી સૌ પોતપોતાને ગામ ગયા.
સ્વામી ઈશ્વરચરણદાસજી પોતાના સાધુ મુક્તજીવનદાસજી માંદા હતા તેથી ત્યાં રહ્યા. અને બીજે દિવસે એટલે ચૈત્ર સુદ ૫ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમને રોકવા હતા તેથી આ સાધુને રાખ્યા છે, નહિ તો કંકોત્રીઓ લખ્યા પછી સિનોગરામાં મિસ્ત્રી દેવજીભાઈની પારાયણ સાંભળવા ગયા ને આ સાધુ ત્યાં માંદા પડ્યા હતા, ત્યાં ને ત્યાં દેહ મૂકવાના હતા. જો દેહ મૂક્યો હોત તો તમને સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો અહીં રહેવા દેત નહિ, અમદાવાદ લઈ જાત; પણ આ સાધુને માંદા જોઈને કોઈ બોલ્યા નહિ, એમ વાત કરી.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, દેવથળના ડાહ્યાભાઈ આપના પારાયણમાં આવ્યા હતા તે નાડી જોઈને એમ કહેતા હતા જે, આ સાધુને કફ સુકાઈ ગયો છે, તોપણ દેહ રહ્યો છે તેનું કારણ કાંઈ સમજાતું નથી. પછી બાપાશ્રી બોલ્યા જે, તમને રોકવા સારુ જ અમે એમને રાખ્યા છે.
પછી લુણાવાડાના મહાસુખરામે પૂછ્યું જે, સાધનદશાવાળા તો પોતાના કલ્યાણને અર્થે યજ્ઞ કરે પણ આપ તો મહારાજના સંકલ્પથી અહીં દેખાઓ છો અને જીવોનું કલ્યાણ કરવા આવ્યા છો એમ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ મને તથા પ્રાંતિજના કેશવલાલભાઈને કહ્યું હતું; તો આપને આવા મોટા યજ્ઞ કરવાનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે બીજા જીવોના કલ્યાણને અર્થે કરીએ છીએ તે જે દર્શને આવે અથવા યજ્ઞનું અન્ન જમે અથવા જે જે મનુષ્ય પશુ આદિક સેવાના ઉપયોગમાં આવે તે સર્વેનો મોક્ષ કરવા સારુ કરીએ છીએ પણ બીજું કાંઈ કારણ નથી. સાધનદશાવાળા પોતાના કલ્યાણને અર્થે કરે અને સિદ્ધમુક્ત જે જે કરે તે બીજાના કલ્યાણને અર્થે કરે છે. અહીં આ યજ્ઞમાં જે જે સંત-હરિજનો આવ્યા તે સર્વેનું કલ્યાણ થશે, અને એ સુખડીની પ્રસાદી લઈ ગયા તેને જે જમશે તે સર્વેને આ દેહે જ શ્રીજીમહારાજના સુખમાં લઈ જઈશું. મોટા મુક્ત તો જમીને કલ્યાણ કરે ને જમાડીને પણ કલ્યાણ કરે ને દૃષ્ટિ વડે પણ કલ્યાણ કરે ને સંકલ્પે કરીને પણ કલ્યાણ કરે. મોટા મુક્તનાં દર્શન જેને થયાં ન હોય તે જો તેમને ભાવે કરીને સંભારે તો તેનું પણ કલ્યાણ કરે. પછી વાર્તાની સમાપ્તિ કરીને માવજીને કહ્યું જે, આપણા ઘરમાં જેટલું ઘી તાવ્યું હોય એટલું બધું અહીં લઈ આવ અને ખીચડી લઈ આવ. પછી તે લાવ્યા ને સંતોને કહ્યું જે, ખીચડી કરો. પછી સંતોએ ખીચડી કરી અને પોતે સુખડી લાવ્યા; ને સુખડી, ખીચડી અને બધું ઘી તેનો થાળ કરીને સર્વેને પ્રસાદી જમાડી. ।। ૧૩૮ ।।
વાર્તા ૧૩૯
ચૈત્ર સુદ ૬ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જ્યાં સુધી મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિમાં જોડાયો નથી ત્યાં સુધી બીજે હેત થઈ જાય છે ને ખોટા ઘાટ પણ થઈ જાય છે; માટે બીતા રહેવું જે, મહારાજ વિના જો ખોટો ઘાટ થાશે તો જન્મ ધરવો પડશે. મૂર્તિનું ધ્યાન કરતા હોય તેમાંથી વાસના બહાર લાવે છે. માટે પુરુષોત્તમરૂપ થઈને ધ્યાન કરવાનો આગ્રહ રાખે તો વાસના કુંઠિત થાય. જ્યારે મૂર્તિ આત્માને વિષે દેખે ત્યારે વાસના મૂળમાંથી બળી જાય.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, તમે આવા મોટા મળ્યા ને હવે અધૂરું રહેવા દેશો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સાચા થઈને મંડે તેનું પૂરું કરી દેશું અને જે પ્રમાદી થઈને બેસી રહેશે તેનું તો અધૂરું રહેશે ખરું. માટે જે કરવાનું છે તે કરી લેવું, પણ જીવને ધ્યાન કરવું સારું ન લાગે. અમારે અહીં ભોજો ભક્ત હતા, તેમને સત્સંગ થયો ત્યારથી એકાદશીને દિવસે જળ પણ પીતા નહિ અને ઘરનું માણસ મહાપાપી હતું પણ સંગદોષ અડવા દીધો નહીં. તે મૂર્તિ અખંડ દેખતા. તેમને અમે કહ્યું જે, ભોજા ભક્ત ! તમે તો વિદેહમુક્ત છો. ત્યારે તેમણે કહ્યું જે, “વિદેહી તો બિચારા ક્યાંય રઝળતા હશે ! ને હું તો મહારાજની મૂર્તિમાં રહ્યો છું.” એવા મોટા મુક્ત આજ આ સત્સંગમાં ત્યાગીમાં ને ગૃહસ્થમાં ઘણાક છે. આ સંતનું મહાત્મ્ય તો મન-વાણીથી પમાય એવું નથી. આજ સાચી વસ્તુના આપનારા મળ્યા છે, તેના ઘરાક થાવું ને ત્રણે અવસ્થામાં મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, જાગૃતમાં તો સ્મૃતિ રખાય પણ સ્વપ્નમાં ને સુષુપ્તિમાં કેમ રખાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિનો વેગ લાગીને તે વેગ જીવમાં પેસે તો ત્રણે અવસ્થામાં મૂર્તિ ભુલાય નહીં. એમ કહીને બોલ્યા જે, જીવને વાર્તા કરી કરીને થાકી જઈએ ને જ્યારે વાત કરતા રહી જઈએ એટલે પૂછે જે, કેમ કરીએ તો સર્વે ખોટ ટળે ? અને કેમ કરીએ તો મૂર્તિનું સુખઆવે ? પણ આ બધી વાતો થઈ તે ખોટ ટાળવાની ને મૂર્તિનું સુખ આવવાની જ થઈ છે. પોતાને તો જરાય કારસો આવવા દેવો નથી અને ખોટ ટાળીને સુખિયા થાવું છે, એવા જીવના સ્વભાવ છે. જો ધ્યાનનો આગ્રહ થાય તો મૂર્તિ મળે, પણ ધ્યાનમાંથી તો ભાગીને પાછા આવતા રહે છે.
પછી માસ્તર કેશવલાલે કહ્યું, જો ધ્યાનમાં મૂર્તિ દેખાય તો કાંઈ બહાર ન આવે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાર્યમાંથી પ્રીતિ ટાળીને ધ્યાન કરે તો સુખ આવે ને પાછું ન અવાય; માટે માયાના પદાર્થમાંથી તથા મૂળપુરુષના ને બ્રહ્મકોટિના ને અક્ષરકોટિના એ સર્વેના સુખમાંથી ને ઐશ્વર્યમાંથી લૂખા થાવું. એમાં કાંઈ પણ માલ માનવો નહિ ને શ્રી પુરુષોત્તમરૂપ થઈને તેમની મૂર્તિમાં જોડાઈ જવું; તો સુખિયા થવાય. માયિક સુખ તો રાખનાં પડીકાં જેવાં છે તેમાં માલ મનાણો છે તો તેને અર્થે મહાદુઃખ સહન કરીને પણ માયા ભેળી કરે છે, તો જ્યારે સાચા સુખમાં માલ મનાય તો તેને અર્થે શું ન થાય ? જો ખરો થઈને ધ્યાન કરવા માંડે તો જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં મહારાજની મૂર્તિ ભાસે. જે જે શ્રીજીમહારાજને શરણે આવ્યા છે તેને આ વાર્તા જીવનદોરીરૂપ છે પણ જે આજ્ઞા લોપીને વર્તે અને કહે જે કૃપા કરો, તે તો ગાંડો છે.
પછી કણભાના છોટાભાઈએ પૂછ્યું જે, સંકલ્પ બહુ થાય છે તેનું કેમ કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મલિન આહાર ને અશુદ્ધ સંગનો સંસ્કાર બંધાયેલો છે માટે જો આહાર શુદ્ધ કરે અને મહારાજની અને મોટાની આજ્ઞા પાળનારાનો સંગ કરે તો ભૂંડા સંસ્કારનો નાશ થઈને શુભ સંસ્કાર બંધાય એટલે માયિક ઘાટ થાય નહીં. માટે દેશકાળાદિક શુભ સેવવા ને આજ્ઞા પ્રમાણે દેહ નિર્વાહ કરવો ને બીજા ઠરાવ બધા પડ્યા મૂકીને ધ્યાન-ભજન કરવું; તો મહારાજ ને મોટા સહાયમાં ભળીને મૂર્તિ સિદ્ધ કરાવે ત્યારે તે સાધુ કહેવાય. જે નબળાનો જોગ રાખે ને મલિન આહાર રાખે તેણે તો ત્યાગીનો વેશ લીધો કહેવાય પણ તે સાધુ ન કહેવાય. તેની તો મહારાજ ને મોટા સહાય કરતા નથી. એટલે માયા પરાભવ પમાડે છે. કલ્યાણને અર્થે સાધુ થયા હોય અને ધર્મ-નિયમ લોપાઈ જાય તોપણ એમ જાણે જે આપણે સાધુ છીએ પણ સાધુનો માર્ગ કયો છે તે તો જાણતા નથી. સાધુએ તો બાળકની પેઠે માન રહિત વર્તવું. ।। ૧૩૯ ।।
વાર્તા ૧૪૦
ચૈત્ર સુદ ૬ને રોજ બપોરે સભામાં સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, મહારાજની અને મોટાની પ્રાપ્તિ થઈ છે તોપણ માયાના ગુણ કેમ વ્યાપે છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને મહારાજની અને મોટાની પ્રાપ્તિ થઈ છે તેને જે માયાના ગુણ વ્યાપે છે, તે તો મહારાજે અને મોટાએ તેના સમાસને અર્થે રાખ્યા છે જે એને દીનપણું રહે. ને મોટાના જોગની ત્વરા રહે, ને નિર્માનીપણું રહે એટલે મોટાનો જોગ ને સેવા કરે, તેણે કરીને મહારાજની ને મોટાની પ્રસન્નતા થાય ને કૃપાએ કરીને મહિમા સમજાવે, ને મહારાજનું અને મુક્તનું સાધર્મ્યપણું પામે, એટલા માટે એ રાખ્યા છે. આજ તો મહારાજ ને મોટા સહાયમાં છે તેણે કરીને ભગવાનને માર્ગે ચલાય છે. શ્રીજીમહારાજની અને મોટા મુક્તની સન્મુખ થાય તો ઘાટ-સંકલ્પ થાય નહીં. ।। ૧૪૦ ।।
વાર્તા ૧૪૧
ચૈત્ર સુદ ૬ને રોજ સાંજે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મહારાજને અને મોટાને સન્મુખ થયા ક્યારે કહેવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળે અને મૂર્તિ વિના બીજા સર્વમાંથી લૂખા થઈને મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે તો સન્મુખ થયા કહેવાય.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, મોટા મુક્તનાં દર્શન, સ્પર્શ આદિનું ફળ કેટલું થતું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શાસ્ત્રમાં તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ લખ્યું છે પણ આજનું તો માપ થાય તેવું નથી. આજ તો સત્સંગમાં ઘણાં ધામોના ધામી ને તેમના મુક્ત તે સર્વે પોતાના કલ્યાણને અર્થે આવ્યા છે. જામનગરમાં સ્વરૂપાનંદ સ્વામી તળાવ ઉપર વડ તળે બેઠા હતા. તેમની સાથે પોણોસો સાધુ હતા. તે જોઈને એક બ્રાહ્મણ બોલ્યો જે, સાધુ તો આગળ નારદ, શુક-સનકાદિક તથા નવ યોગેશ્વરો થઈ ગયા અને ભગવાન પણ આગળ મચ્છ, કૂર્મ, વારાહ, નૃસિંહ, વામન, રામ, કૃષ્ણ તે થઈ ગયા. આજ તો એવા ભગવાન કે સાધુ ન હોય. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે, તેં જે સાધુ ને ભગવાન થઈ ગયા એમ કહ્યું તે બધા આ બેઠા. તારે દર્શન કરવાં હોય તો કર. એ બધાય એમના કલ્યાણને માટે અમારા શિષ્ય થઈને અમારી પાસેથી સર્વોપરી એવા સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમના સ્વરૂપનું જ્ઞાન ને મહિમા શીખે છે. તેમને સર્વેને અમે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને મહિમા સમજાવીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સુખમાં લઈ જઈશું. ભગવાન તો સ્વામિનારાયણ એક જ છે અને તેં કહ્યા એ તો સર્વે ભક્ત છે એમ બોલ્યા, એવો આ સત્સંગનો મહિમા છે. આ ભગવાન ને આ મુક્તનાં દર્શન- સ્પર્શાદિકના ફળનું માપ થાય નહીં. એ તો અપાર ને અવિનાશી છે. તેમનાં દર્શનાદિક કરીને તો આત્યંતિક મોક્ષ થાય છે. જે મહારાજને ને મોટાને ઓળખે નહિ પણ દર્શનાદિક થાય તો તેનાં સર્વ પાપ બળે ને મોક્ષને માર્ગે ચાલે તેથી તેનું જન્માંતરે કલ્યાણ થાય. ।। ૧૪૧ ।।
વાર્તા ૧૪૨
ચૈત્ર સુદ ૭ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ઘણાં ધામોના મુક્ત સત્સંગમાં આવ્યા હોય તે કેમ ઓળખાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જે ધામમાંથી એ આવ્યા હોય, તે ધામોની ને તે ધામોના ધામીની મોટપ એમને રહી ગઈ હોય તેથી તેમનું વર્ણન કરે, ને મહારાજનીયે મોટપ કહે; પણ કેવળ મહારાજની મોટપ ન કહે. અને જે શ્રીજીમહારાજના મુક્ત હોય તે તો શ્રીજીમહારાજ વિના બીજા કોઈની મોટપ કે સારપ રહેવા દે નહિ, એ ઉપરથી તેમને ઓળખવા. આજ સત્સંગમાં જડ અને ચૈતન્ય માયામાં જે લોભાશે નહિ તેના ધણી મહારાજ અને અમે છીએ, તેથી અમારા જેવા તેમને સુખિયા કરીશું અને જે એ બેમાં લોભાશે તેના ધણી મહારાજ અને મોટા નહિ થાય. કેમ કે તે તો બળેલા કોયલા જેવા છે. માટે એ બે વાતની સાવધાની તમારે સૌને જેવી છે તેવી સદાય રાખજો, તો તમે અમારા છો તે અમારા જેવા કરીશું, એ વર દીધો. પછી કથાની સમાપ્તિ કરીને સંતો માંદા સાધુને નવરાવવા સારુ ગયા અને બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા વરતાલથી બ્રહ્મચારી આવ્યા હતા તે સર્વે ઓસરીમાં બેઠા હતા. સાધુ મુક્તજીવનદાસજી ખાડે જતા હતા ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું કે આ સાધુને ક્યારે લઈ જશો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને ખપતા નથી ? ત્યારે તેમણે કહ્યું જે, સાજા કરો તો ખપે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એમને માટે ગઈકાલે લાકડાં તૈયાર કરી રાખ્યાં છે અને આજ લઈ જવા છે એટલામાં તે માંદા સાધુ ખાડેથી આવ્યા અને કૂવા ઉપર જઈને દાતણ કર્યું એટલે સાધુ મુક્તવલ્લભદાસજી આદિક નવરાવવા લાગ્યા, એટલામાં તો એ માંદા સાધુ નમી પડ્યા ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, સાધુની પાસે જાઓ. અમે લઈ જઈએ છીએ. પછી બાપાશ્રી આદિક સર્વે તે સાધુ પાસે આવ્યા ને વસ્ત્ર પહેરાવીને ઓરડીમાં લઈ જઈને સુવાર્યા કે તરત જ તે દેહ મૂકી ગયા. પછી તેમને દેન દઈ આવ્યા ને ઠાકોરજીને થાળ કરીને જમાડ્યા. ।। ૧૪૨ ।।
વાર્તા ૧૪૩
ચૈત્ર સુદ ૯ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે પોતાના એકાંતિક ભક્તોની સ્થિતિ કહી, એવી સ્થિતિ કરવાનો ખટકો રાખવો. સર્વે ક્રિયામાં શ્રીજીમહારાજની મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી, તો ક્રિયા કરતાં કરતાં મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય. ભૂજમાં શ્રી અચ્યુતદાસજી સ્વામી હતા તે વાડીમાં કોટ કરતા હતા, તે પથ્થર આઘોપાછો મુકાઈ ગયો, ત્યાં ગોવિંદાનંદ બ્રહ્મચારી નાહવા આવ્યા હતા તે બોલ્યા જે, સ્વામી ! પથ્થર બરાબર સરખો બેઠો નથી. પછી સ્વામી બોલ્યા જે, પહાણો તો બરાબર કરીશું પણ તમે ઠાકોરજીને વાઘા અવળા પહેરાવ્યા છે તે સવળા પહેરાવો. પછી બ્રહ્મચારીએ નાહીને મંદિરમાં જોયું તો વાઘા અવળા જ પહેરાવેલા હતા તે સવળા કર્યા. પછી જ્યારે બીજે દિવસે વાડીએ નાહવા આવ્યા ત્યારે સ્વામીને પૂછ્યું જે, વાઘા અવળા છે એવી તમને શી રીતે ખબર પડી ? તમે તો મંગળાનાં દર્શન કરીને અહીં આવ્યા હતા. ત્યારે સ્વામી કહે જે, અમારે આવરણ નથી, અહીં રહ્યા થકા દેખીએ છીએ. એવા સ્વામી સમર્થ હતા. એક દિવસે ભૂજના ભંડારમાં રોટલા કરતા કરતા સ્વામીને સમાધિ થઈ ને તાવડીમાં રોટલો નાખ્યો તે રોટલા ઉપર હાથ રહી ગયો તે રોટલો બળી ગયો અને હાથ દાઝવા લાગ્યો. એવામાં અમે મંદિરમાં જઈને સ્વામી રઘુવીરચરણદાસજીને કહ્યું જે, સ્વામીને સમાધિ થઈ ગઈ છે ને હાથ બળે છે, માટે ઝટ જઈને હાથ ઉપાડી લો. પછી તેમણે જઈને હાથ લઈ લીધો ને પોતે રોટલા કરવા બેઠા. જ્યારે હરે થયા ત્યારે સ્વામી જાગ્યા ને જમીને સભામાં બેઠા. વચનામૃત વાંચી રહ્યા પછી અમે સ્વામીને પૂછ્યું જે, સમાધિમાં સિદ્ધિઓ દેખાય તે કેવી હશે ? ત્યારે સ્વામી બોલ્યા જે, મને સમાધિ થઈ હતી. તે આગળ મહારાજ ને વાંસે હું. એમ ને એમ ચાલ્યો તે દેવલોકમાં થઈને વૈકુંઠમાં થઈને આગળ ચાલ્યો ત્યાં સિદ્ધિઓ ભારે ભારે ફળ, મેવા આદિક સામગ્રીઓ લઈને પડખે આવીને પ્રાર્થના કરવા લાગી જે, અમારી સેવા અંગીકાર કરો, પણ મેં મહારાજને મૂકીને એ પાપ સામું જ જોયું નહીં. પછી થાકીને તેમણે મારે માથે તહોમત નાખ્યું જે ફટ છે તને, જે પુરુષોત્તમ ભગવાનને મૂકીને અમારે વિષે લોભાઈ ગયો. પછી મેં મહારાજના સામું જોઈ રહીને તેમને કહ્યું જે, ફટ તો તમને ને તમારા ધણીને ! હું તો મારા ભગવાનને મૂકીને તમારા સામું જોઉં તેવો જ નથી. તમે તો નર્કરૂપ છો, તે નર્કમાં હું શું લોભાઉં ? એમ કહીને મહારાજની સાથે સાથે ચાલ્યો તે ઠેઠ ધામમાં ગયો. જ્યારે અહીં થાળ કર્યા ત્યારે મહારાજ દેહમાં લાવ્યા. એમ વાત કરે છે એટલામાં રામપરેથી હરિજનો દર્શને આવ્યા, તેઓ સર્વેને પગે લાગવા મંડ્યા. તેમાં પરબત નામનો એક છોકરો આવીને સ્વામીને પગે લાગ્યો. તેના બરડા ઉપર હાથ મૂકીને સ્વામી બોલ્યા જે, “આવો ! બ્રહ્માનંદ સ્વામીના પોઠિયા !” ત્યારે અમે સર્વેએ પૂછ્યું જે, બ્રહ્માનંદ સ્વામી તો છેલ્લી અવસ્થામાં ઘોડે બેસતા પણ પોઠિયે બેસતા નહિ ને તમે પોઠિયા કહ્યા તેનું શું કારણ છે ? ત્યારે સ્વામી બોલ્યા જે, “બ્રહ્માનંદ સ્વામી સાઠ સાધુ લઈને ઝાલાવાડમાં ફરતા હતા. તેમને માર્ગમાં ચાલતા એક વખત તાવ આવ્યો, તે વખતે એક વણઝારો પોઠ લઈને જતો હતો. તેને સ્વામીના સાધુએ કહ્યું જે, અમારા ગુરુને તાવ આવ્યો છે ને અમારે ગામમાં જાવું છે, માટે એક પોઠિયા ઉપર બેસાડો તો અમે ગામમાં પહોંચીએ. પછી વણઝારે એક પોઠિયો લાવીને કહ્યું જે, આના ઉપર બેસાડો. પછી તેના ઉપર સ્વામીને બેસાર્યા. તે ગામની ભાગોળે ઊતરીને સ્વામીએ તેના માથે હાથ મૂક્યો ને બોલ્યા જે, તારાં કર્મ બળી ગયાં. હવે એક જન્મ ધર, અમે તને તેડવા આવશું. તે જ વખતે પોઠિયો મરી ગયો તે આ છોકરો છે ને તેને અંત વખતે શ્રી બ્રહ્માનંદ સ્વામી તેડવા આવશે.” પછી પરબત ભક્તે ઓગણપચાસની સાલમાં દેહ મેલ્યો તેને મહારાજ તથા બ્રહ્માનંદ સ્વામી દર્શન આપીને તેડી ગયા. ।। ૧૪૩ ।।
વાર્તા ૧૪૪
ચૈત્ર સુદ ૯ને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, સ્વામી અચ્યુતદાસજીના જેવી સ્થિતિ થવાનો શો ઉપાય હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે તો એવી સ્થિતિ થાય, અથવા અતિશય મોટા સંતની પ્રસન્નતા મેળવે તો એવી સ્થિતિ થાય. એ સમયે સંતદાસજી તથા સ્વરૂપાનંદ સ્વામી ફરતાં ફરતાં ગામ ધ્રુફી અચ્યુતદાસજીને ઘેર ગયા. તે બે દિવસથી ભૂખ્યા હતા ને અચ્યુતદાસજીના પિતા ઘેર નહોતા, તેથી અચ્યુતદાસજીએ સીધું, પાણી, બળતણ વગેરે સામાન તેમને લાવી આપ્યો. તેમણે થાળ કરીને ઠાકોરજીને જમાડ્યા અને પ્રસાદી જમ્યા. પછી તેમના ઉપર રાજી થયા ને કહ્યું જે, છોકરા ! માંગ, જે માંગે તે આપીએ. ત્યારે અચ્યુતદાસજીએ માંગ્યું જે, જે તમને વ્હાલું હોય તે મને આપો. ત્યારે તે બે મુક્ત બોલ્યા જે, તારી પણ અમારા જેવી સ્થિતિ થશે. તે જ વખતે અચ્યુતદાસજીની નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ. એક વખતે એમનાં માબાપે ગઢડે શ્રીજીમહારાજને દર્શને જતાં એમને સાથે લીધા. પંદરેક ગાઉ ગયા ત્યારે વિચાર થયો જે, આ છોકરો ચાલી શકશે નહિ માટે તેને પાછો વાળીએ. પછી ઘસિયો આપીને કહ્યું જે, તારાથી ચાલી શકાશે નહિ માટે આ ટીમણ મારગમાં ખાજે ને પાછો ઘેર જા. પછી તે ઘેર આવ્યા પણ સાથે જવાની આતુરતા ન બતાવી, કેમ જે મહારાજને સદા અખંડ દેખતા. એવી સ્થિતિ મોટાની કૃપાએ થાય. પછી સ્વામીએ કહ્યું જે, સંવત ૧૯૨૯ની સાલમાં અચ્યુતદાસજી સ્વામી અમદાવાદ આવ્યા હતા તે સભામંડપને ત્રીજે માળ ઊતર્યા હતા. ત્યાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ એમને પૂછ્યું જે, તમે કેટલાં વર્ષે સમૈયે આવ્યા ? ત્યારે તેમણે કહ્યું જે, તેર વર્ષ થયાં. ત્યારે સ્વામી બોલ્યા જે, ઘણે વર્ષે આવ્યા. ત્યારે સ્વામી અચ્યુતદાસજી બોલ્યા જે, સ્વામી ! તમારા જેવા મોટાના પ્રતાપે કરીને નાનપણથી મારે આવરણ ટળી ગયાં છે. બધાં મંદિરોમાં સભાઓ થાય છે ને વાતોચીતો થાય છે, સર્વે હું દેખું છું ને સાંભળું છું, તેથી આવતો નથી, એમ પોતાની સ્થિતિ કહી હતી. પછી બાપાશ્રી બોલ્યા જે, મોટાની કૃપાએ એવું થવાય. પછી વાર્તાની સમાપ્તિ કરીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય, એમ બોલ્યા. ।। ૧૪૪ ।।
વાર્તા ૧૪૫
ચૈત્ર સુદ ૧૦ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૩૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં એકાંતિકનો ભગવાનને વિષે પ્રવેશ થાય છે એમ આવ્યું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એકાંતિકનું શું લક્ષણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એક ચાલોચાલ ને બીજા એકાંતિક. એ બે પ્રકારના ભક્ત અવરભાવમાં એટલે સાધનદશામાં હોય છે. તેમાં જે માળામાં, માનસીપૂજામાં, ધ્યાન-ભજનમાં, શ્રીજીમહારાજની આજ્ઞા પાળવામાં, કથા-વાર્તામાં એ સર્વે ક્રિયામાં નિત્ય નિત્ય નવી નવી શ્રદ્ધા લાવીને કરતો જાય તે ચાલોચાલ કહેવાય, અને આ પ્રમાણે સર્વે સાધન ન કરે ને કેવળ મહારાજની નાની-મોટી સર્વે આજ્ઞા પાળે તે ગુણબુદ્ધિવાળો પ્રાકૃત ભક્ત કહેવાય. અને જે આજ્ઞામાં ફેર પાડે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહિ, અને સર્વે સાધનના અંતને પામીને, દેહને ખોખાવત્ કરીને, માયિકભાવ માત્રને ટાળીને, બ્રહ્મકોટિના ને અક્ષરકોટિના રાગને ટાળીને, એક શ્રીજીમહારાજની અખંડ સ્મૃતિ રાખે તે એકાંતિક કહેવાય. જેમ મંદિર પૂરું થાય પછી મૂર્તિ પધરાવાય છે તેમ એકાંતિક મંદિરને ઠેકાણે થયો, એટલે મૂર્તિને રહેવાનું શુદ્ધ પાત્ર થયો. અને તેમાં મૂર્તિ રહે છે, પણ આત્માને વિષે દેખે નહિ ત્યાં સુધી એકાંતિક કહેવાય. આત્માને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થાય તે પરમએકાંતિક કહેવાય અને મૂર્તિમાં રહે તે અનાદિ કહેવાય. આ બે પ્રકારના ભેદ પરભાવના એટલે સિદ્ધમુક્તના છે. તેમાં જે અનાદિ છે તે તો મૂર્તિમાં રસબસ રહીને નવીન નવીન સુખ ભોગવે છે. એ સુખ તમને મળ્યું છે માટે ખાખ બનીને બેસી રહેવું નહીં. એક છોકરો રાખમાં આળોટીને એની માને કહે જે, “ચલ બે રંડી, હમ ખાખ બને હૈં.” એમ ત્યાગી થઈને કાંઈ કરવું જ નહિ એમ ન રાખવું. શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળવી. આજ્ઞા નથી પાળતા તેને વ્રત કરવાં પડે છે. પણ જો આજ્ઞા યથાર્થ પાળે તો વ્રતનું સ્વપ્નું પણ ન આવે એટલે વ્રત કરવાં જ પડે નહીં. જો આજ્ઞા પાળે તો મૂર્તિમાં જોડાવાય. જેનો જોગ કરીએ તેના જેવા થાવું ને બધાને વિષે દિવ્યભાવ રાખવો, તથા જે મુક્ત કરે તેને વિષે આત્મબુદ્ધિ, પ્રીતિ અને વિશ્વાસ રાખવો. આ સભામાં ખપવાળાને બહુ સુખ આવે છે. જે આ વાતોના યારી ન થાય તેને આ સભામાંથી ક્યારે ચાલી નીકળું એમ થાય અને આ વાતોનું સુખ ન આવે. આપણે વનમાં બેઠા છીએ એમ જાણે તો બહુ સુખિયા થવાય અને અમદાવાદ આદિક સ્થળના છીએ એમ જાણે તો સુખિયા ન થવાય, એકેય ખૂંટી સરખી પણ પોતાની નથી એમ જાણે તો સુખિયા થવાય. ।। ૧૪૫ ।।
વાર્તા ૧૪૬
ચૈત્ર સુદ ૧૧ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજની મૂર્તિ અકળિત છે ને સુખ પણ કળાય એવું નથી, એ તો અપાર છે. તે અનાદિમુક્ત અનાદિકાળથી મૂર્તિમાં સળંગ રહીને નવીન નવીન સુખ લે છે, એમને મૂર્તિનો કે સુખનો પાર આવતો નથી. મુક્તને અનંત લોચન છે. તે સર્વત્ર દેખે ને ભોગવે તથા રોમ રોમ પ્રત્યે જોવાપણું ને ગ્રહણ કરવાપણું છે એવું સુખ છે. માટે મૂર્તિ વિના સર્વે ખોટું કરવું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આપ કૃપા કરીને ખોટું કરાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિ અમારે આપવાની છે અને પુરુષપ્રયત્ન તમારે કરવાનો છે. પછી વળી સ્વામીએ કહ્યું જે, પુરુષપ્રયત્ન પણ આપ કૃપા કરીને કરાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તે પણ વખત આવે પૂરું કરીશું ને મૂર્તિ પધરાવી દેશું અને મૂર્તિમાં લઈ જાશું. અમે તો સદાય આવી વાતો કરીએ છીએ. અમારે અહીં સદાય મોટા મોટા નંદ આવતા. કોઈ વખત વીસ વીસ, કોઈ વખત ત્રીસ-ચાલીસ એમ આવતા. તેમની સેવા કરતા ને વાતો કરતા. જેમ આજ તમને વાતો કરીએ છીએ તેમ અનાદિનું કરીએ છીએ. સાધુને કાંઈ દુઃખ થતું હોય તે પણ અમે માથે લઈને સુખિયા કરીએ છીએ. કેટલાકને સાધુ થવું હોય ને તેને ઉપાધિ બહુ હોય તો અમે સંતાડી સંતાડીને ખાવા આપીને સંસારમાંથી કાઢતા. આજ પણ કાઢીએ છીએ, અને સૌને મહારાજ આપીએ છીએ. એ જ સદાય કરીએ છીએ પણ નવું કરતા નથી. કોઈક નવું કહે તો તે કહેનાર જાણે! અમારે તેનું કાંઈ નથી. અમે તો અનાદિથી આમ જ કથા-વાર્તા કરીએ-કરાવીએ છીએ ને સંતો ભેગા થાય છે. લોકનાથાનંદ સ્વામી, ભોમાનંદ સ્વામી, બદરીનાથાનંદ સ્વામી આદિક મોટા મોટા નંદો અહીં આવતા. સ્વામી નિર્ગુણદાસજી પણ પચીસ પચીસ, ત્રીસ ત્રીસ સાધુ લઈને આવતા ને મહિનો મહિનો, બબ્બે મહિના અહીં રહેતા ને વચનામૃત વંચાતાં તથા મહારાજનો મહિમા કહેતા ને સેવા કરતા; એ જ કરીએ-કરાવીએ છીએ. વચનામૃતમાં શ્રીજીમહારાજનો એકલો રસ ભર્યો છે. સંવત ૧૯૫૭માં કાશીરામભાઈ દેહ મૂકી ગયા પછી રણછોડલાલભાઈએ મોરબી તેડાવ્યા હતા. ત્યાં આપણે ગયા હતા. ત્યાંથી પાછું કચ્છમાં આવવું હતું ત્યારે ગોવિંદભાઈએ તથા કાળુભાઈએ કહ્યું જે, આગબોટ ભાંગી ગઈ છે તે સજ કરવામાં છ દિવસ લાગશે. તેથી આપણે ગઢડા, જૂનાગઢ તરફ ગયા ને પાછા વળતાં રાજકોટમાં ઊતર્યા હતા. ત્યાં માળિયાના ઠાકોર સાહેબ મોડજી દરબાર તથા નડિયાદવાળા ઝવેરીલાલભાઈના નાનાભાઈ હરિલાલભાઈ જે સરકારી મોટા અમલદાર હતા અને બ્રહ્મજ્ઞાની હતા ને ઘણું બોલતા હતા તે પણ વચનામૃતની વાતો કરી તેથી બંધાઈ રહ્યા. વચનામૃતની બરાબર યાદી હોય તેને આ બ્રહ્માંડમાં કોઈ જીતી શકે નહિ એમ છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમારે કેટલા દિવસ રહેવાનો વિચાર છે ? સ્વામીએ કહ્યું કે પાંચેક દિવસ રહેવાય, તેથી વધારે તો ન રહેવાય; કેમ જે ધર્માદો ઉઘરાવવાનો વખત થઈ ગયો છે. પછી બાપાશ્રી બોલ્યા જે, પંદર દિવસ રહેવું હોય તો રહો ને થોડું રહેવું હોય તો કાલે જ સવારે ચાલો. ત્યારે સ્વામીએ કહ્યું જે, પંદર દિવસ કહ્યા તે સમજાણું નહીં. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે કાલે નહિ ચાલો તો તમને કોઈક સાધુ પંદર દિવસ રોકશે. પછી સ્વામી બોલ્યા જે, પંદર દિવસ રહીએ તો ધર્માદો હાથ ન આવે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તો તો કાલે જ નીકળો. તેથી સંત સર્વે બારસને દિવસે સવારે નીકળ્યા તે ભૂજ ગયા ને ત્યાં રાત રહ્યા. તે રાત્રે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને તાવ બહુ આવ્યો તેથી તેરસને દિવસે તેમણે કાંઈ ખાધું નહીં. પછી ગાડીઓ ભાડે કરીને સાંજના ચાલ્યા તે સવારે ખારીરોલ આવ્યા ને તેમને કાંઈ ભાન રહ્યું નહિ, એવા માંદા થઈ ગયા. જ્યારે વહાણમાં બેઠા અને દરિયામાં તોફાન બહુ થયું ત્યારે પાટડીનું મંદિર કરવા કાનજીભાઈ તથા હરજી તથા હીરજી એ ત્રણે ભેળા આવતા હતા તે બીન્યા ને કહ્યું જે, બૂડશે કે શું ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, વૃષપુરથી નીકળતી વખતે બાપાશ્રીએ મને કહ્યું હતું જે, તમે કયે રસ્તે જશો ? ત્યારે મેં કહ્યું જે, ખારીરોલ તરફ જવા વિચાર છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઠીક, ખારીરોલ જાઓ; પછી જાણશો. પછી મેં કહ્યું જે, કેમ વહાણ તો નહિ બૂડે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બૂડશે તો નહિ પણ બૂડ્યા જેવું થશે; એમ બોલ્યા હતા માટે બૂડશે તો નહીં. પછી એમને હિંમત આવી ને નવલખીએ ઊતર્યા. ત્યાં માસ્તર કૃપાશંકરભાઈ ખાટલો લાવ્યા તેમાં સુવાડીને માંદા સાધુને બંગલામાં લઈ ગયા. પછી રાત રહીને સવારમાં રેલે બેસીને મોરબી સ્ટેશને આવ્યા. ત્યાં સર્વે હરિભક્તો આવ્યા ને ગોવિંદભાઈએ ઠાકોરસાહેબનો બંગલો ઉઘાડ્યો ને તેમાં ઊતર્યા. પછી નાહી-ધોઈને પૂજા કરતા હતા તે વખતે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને ખાટલામાં સુવાર્યા હતા. તેમને શરીરનું ભાન આવ્યું ને બાપાશ્રીનાં દર્શન થયાં. પછી બેઠા થઈને સર્વને પગે લાગ્યા ને સ્વામીને કહ્યું જે, આ બાપાશ્રી ઊભા છે તેમને પગે લાગો. ત્યારે સ્વામીએ કહ્યું જે, બાપાશ્રી શું કહે છે ? ત્યારે તે બોલ્યા જે, એમ કહે છે જે દરિયામાં તમને ટાઢ વાય, ભૂખ લાગે, તરસ લાગે ને તમે કાંઈક માગો તે ક્યાંથી લાવી આપે ? એટલા સારુ દેહની વિસ્મૃતિ કરાવી હતી એમ કહે છે. પછી બોલ્યા કે બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા, આપણે ક્યાં છીએ ? સ્વામીએ કહ્યું જે, મોરબી આવ્યા છીએ. પછી ત્યાં રસોઈ કરીને ઠાકોરજીને જમાડ્યા. પછી ત્યાંથી રેલે બેઠા તે દેવપરે આવ્યા. ત્યાં ચૈત્ર વદ ૧૧ને રોજ બપોરે તે સાધુએ દેહ મૂક્યો. બાપાશ્રી તે વખતે ચમત્કાર જણાવીને તે સાધુને તેડી ગયા, ત્યારે સૌને ખબર પડી જે બાપાશ્રી કહેતા હતા જે, કોઈક સાધુ તમને પંદર દિવસ રોકશે તે આ સાધુએ બરાબર પંદર દિવસે દેહ મેલ્યો. ।। ૧૪૬ ।।
વાર્તા ૧૪૭
સંવત ૧૯૭૨ના માગશર માસમાં ગામ અસલાલીનાં કંકુબાએ જેતલપુરમાં તુળસીક્યારો કે જ્યાં શ્રીજીમહારાજ દાતણ કરતા તે ઠેકાણે છત્રી કરાવી. તે પોષ માસમાં પૂરી થઈ ત્યારે તેમણે બાપાશ્રીને તેડાવવાનો કાગળ લખાવ્યો જે, વસંતે છત્રીએ ચરણારવિંદ પધરાવવાં છે ને પારાયણ કરાવવી છે માટે પધારશો. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીને પુરાણી નંદકિશોરદાસજીએ કહ્યું જે, બાપાશ્રી વસંતે પધારશે તો છપૈયામાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ જન્મસ્થાનમાં પધરાવવાની છે, ત્યાં સુધી બાપાશ્રી આ દેશમાં સંઘે સહિત રહેશે નહિ; માટે ચૈત્રના સમૈયામાં પધારે તો ઠીક. તેથી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કાગળ લખ્યો જે, આપ વસંત ઉપર આવવાનું બંધ રાખશો ને અમો તેડવા આવશું ત્યારે પધારશો; કેમ જે છપૈયામાં અખાત્રીજે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવાની છે. અને ઉપરદળના ઠક્કર મોતીભાઈ જીવણભાઈ પારાયણ કરાવશે, માટે ચૈત્રના સમૈયા ઉપર પધારવાનું રાખશો. તે કાગળ મહા સુદ ૧ને રોજ શ્રી વૃષપુર સવારમાં બાપાશ્રીને પહોંચ્યો. જેતલપુર આવવા માટે રામપરેથી દેવરાજભાઈ આદિ તથા દહીંસરેથી ખીમજીભાઈ આદિ હરિજનો તૈયાર થઈને બાપાશ્રીને ત્યાં આવ્યા હતા, પણ નીકળવા ટાણે કાગળ વાંચીને બંધ રાખ્યું ને કહ્યું જે, સૌ સૌને ઘેર જાઓ. હમણાં જવાનું બંધ રહેશે. તેથી હરિજનો સૌ સૌને ઘેર ગયા.
સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો મૂળીએ વસંત કરીને કચ્છમાં ગયા. તે અંજાર, ભૂજ થઈને શ્રી વૃષપુર ગયા ને ત્યાં બાપાશ્રીને મળ્યા ને વાત કરી જે, આપને તેડવા આવ્યા છીએ. પછી બાપાશ્રીએ કહ્યું જે, રામપરાની પારાયણ સાંભળીને સંઘ સૂંઢાડશું. પછી બીજે દિવસે એટલે મહા વદ ૬ને રોજ રામપરે ગયા ને વદ ૭ને રોજ પારાયણ બેઠી. તે સવારે વચનામૃત વંચાતાં હતાં અને સાંજે ભક્તચિંતામણિ વંચાતી હતી.
મહા વદ ૭ને રોજ સવારે વચનામૃતની કથા વંચાતી હતી તેમાં શ્રીજીમહારાજની લીલા સંભારવાનું આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ મહારાજની લીલા સંભારવાનું કહ્યું તેમાં કેટલાકનાં મન બીજા અવતારોમાં તથા બીજાં સ્થાનોમાં જતા રહે છે, પણ પ્રગટ મહારાજની ને પ્રગટ અવતાર એટલે મુક્તોની લીલા સંભારવાનું કહ્યું છે; માટે શ્રીજીમહારાજે ને તેમના મુક્તોએ જે જે સ્થાનોમાં જે જે લીલા કરી હોય તે સંભારવી. મહારાજ આજ મધ્યસ્થ બિરાજે છે ને ફરતા મુક્ત બેઠા છે. આ મહારાજ મધ્યસ્થ બેઠા તે જે જાણતા હશે તેને આનંદનો પાર નથી. પ્રગટ શ્રીજીનાં ચરિત્ર-લીલા તે અજાણે સાંભળે તેનાં જન્મમરણ ટળે, અને પ્રત્યક્ષ છે એમ જાણીને અને તેમનો મહિમા જાણીને સાંભળે, તેનું તેજોમય તન થાય એવી આ સભા છે. આ સત્સંગમાં અવતારાદિકને તથા બ્રહ્મકોટિને તથા અક્ષરકોટિને પણ આવ્યા વિના છૂટકો નથી; એ સર્વે આવ્યા છે. આ સત્સંગમાં જેને જેને જન્મ આવ્યા તેનો મોક્ષ થઈ જાય છે. રાજાને ઘેર શૂદ્ર ભિખારુ જાય તે પણ રાણી કહેવાય, તેમ આ સત્સંગમાં ને આ જોગમાં જે આવે તે સર્વેને મુક્ત જાણવા. તે સર્વેનું આત્યંતિક કલ્યાણ થાય છે. નારાયણ અને પુરુષોત્તમ એ બે શબ્દ ભુલાવે છે. ઇંદ્ર-બ્રહ્માથી લઈને અક્ષરકોટિ સુધી સર્વે નારાયણ અને પુરુષોત્તમ કહેવાય છે. માટે આપણા સ્વામી જે શ્રી પુરુષોત્તમ તે તો સર્વેથી પર છે. બહારવૃત્તિએ કરીને કાર્ય જોવાય છે અને અંતર્વૃત્તિએ કરીને કારણ જોવાય છે. બહારવૃત્તિ કારણને આવરી લે છે. શ્રીજીમહારાજ અક્ષરધામમાં રહ્યા થકા લીલા કરે છે તે બહારદૃષ્ટિવાળાને મનુષ્યના જેવી દેખાય છે. પણ અંતર્દૃષ્ટિવાળાને મનુષ્યભાવ ટળીને દિવ્ય દેખાય છે. ભક્તચિંતામણિમાં જેના સેવક આત્મારામ કહ્યા છે તે અનુભવી તથા અનાદિને જાણવા. જે અનાદિ છે તે પ્રત્યક્ષ દેખાય ત્યારે તેમને આદિ કહેવાય, અને પરોક્ષ એટલે અક્ષરધામમાં છે તે અનાદિ કહેવાય માટે તે આદિ-અનાદિ કહેવાય છે. જીવ મનનું ધાર્યું મૂકે ને સ્વભાવ મૂકીને આવા અનાદિના વચનમાં વર્તે તો જાડી બુદ્ધિ નાશ પામીને કુશાગ્ર બુદ્ધિ આવે, પણ પોતે ધણી ન થાય તો. જેમ અલૈયાખાચર ધણી થયા તો પોશાક લઈ લીધો એટલે શ્રીજીમહારાજે પોતાની આપેલી સામર્થી લઈ લીધી; તેમ કોઈકને સામર્થી આવે તે પોતાની માને તો શ્રીજીમહારાજ ને મોટા લઈ લે. જેમ અહીં જે આજ્ઞા લોપે તેનાં કંઠી, પૂજા, ભગવાં વસ્ત્ર તે લઈ લે છે તેમ. માટે ધણી થાવું નહીં. જે ધણી થાય તથા આજ્ઞા લોપે તેને દેખીએ તો તે સારો ન લાગે, કેમ જે એમાંથી મહારાજ સભા લઈને ઊઠી ગયા તેથી ભૌતિક દેહ પણ નકારું લાગે છે; માટે હૃદયમાં શ્રીજીમહારાજને અને મુક્તને અવશ્ય પધરાવવા એ કરવાનું છે. ।। ૧૪૭ ।।
વાર્તા ૧૪૮
મહા વદ ૮ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જો શ્રીજીમહારાજને અંતરમાં પધરાવે તો સૂક્ષ્મ ઘાટ થવા પામે નહીં. ધણી માંહી ન હોય તો લૂખો લાગે ને તેની કિંમત પણ કાંઈ નહીં. માટે અખંડ સ્મૃતિ રાખીને મૂર્તિને જોઈ રહેવું. લૂંટનાર ઘણા છે માટે શ્રીજીમહારાજ અને તેમના મુક્તને મુકરદમ રાખવા. ધ્યાન-ભજનમાં, માનસીપૂજામાં શ્રીજીમહારાજને અને એમના મુક્તને સંભારવા. અંતઃકરણ શુદ્ધ થાય તો બ્રહ્મરૂપ થવાય ને શ્રીજીમહારાજ સાક્ષાત્કાર બિરાજમાન થાય. જેમ કાચની પૃથ્વીમાં સૂર્ય દેખાય તેમ અંતઃકરણ ચોખ્ખું થાય તો શ્રીજીમહારાજ સાક્ષાત્ બિરાજે; બોલાવવા પડે જ નહિ, જેમ કાચમાં સૂર્ય દેખાઈ આવે તેમ. માટે અંતઃકરણ શુદ્ધ કરવું પણ નબળા ઘાટ ઘડવા નહીં. ઇન્દ્રિયો તો પાડા જેવી છે માટે તેમને વશ કરવી. શ્રીજીમહારાજના સંત શ્રી ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તેમના જેવા થાવું. કોઈ પોતાને ઘેર રાજાને બોલાવે પણ જો તેનું ઘર ગોબરું હોય તો રાજા ન આવે, તો આ તો શ્રી પુરુષોત્તમ ભગવાનને પોતાને ઘેર બોલાવવા છે તે કેમ આવે ? માટે ચોખ્ખા થઈએ તો આવે. શ્રીજીમહારાજને પ્રદક્ષિણા, દંડવત, માનસીપૂજા આદિ કરીએ તો મુક્ત સર્વે ભેળા આવી જાય. જેમ ચિંતામણિ મનોરથ સત્ય કરે છે તેમ શ્રીજીમહારાજ ને મુક્ત સર્વે મનોરથ સત્ય કરે છે; પણ જો સાચો ભાવ હોય તો. શ્રીજીમહારાજે પૂછ્યું કે, સંતો ખાલી છો કે ભર્યા છો ? તે કોઈને આવડ્યું નહિ, ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! કેટલાક ખાલી હશે ને કેટલાક ભર્યા હશે. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ખાલીના કોઈ ધણી નથી. મોટા મળ્યા હોય તે મોટાને બાઝી પડે તો તે ખાલી હોય તોપણ તેનું સારું થાય.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજે મૂળા ઉછાળ્યા તેને લેવા મોટા મરજાદી ઊઠ્યા એમ કહ્યું છે તે મરજાદી કોને જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મરજાદી એટલે મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત જાણવા. શ્રીજીમહારાજ પોતાના સેવકોને સુખિયા કરવા માટે એવી અનંત લીલા કરીને સુખિયા કરે છે તેમાં થાકતા નથી. આ લોકમાં પણ મહારાજ તથા મુક્ત પોતાના આશ્રિતની રક્ષા કરે છે. ।। ૧૪૮ ।।
વાર્તા ૧૪૯
મહા વદ ૧૦ને રોજ સવારે સભામાં કર્તા, અકર્તા ને અન્યથાકર્તાપણાનો પ્રસંગ નીકળ્યો હતો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એક સમયે મોટા મુક્તોને એમ વિચાર થયો જે આપણે સત્સંગ કરાવીને જીવનો મોક્ષ કરીએ છીએ; ત્યારે શ્રીજીમહારાજે એ સંતોની સભાની ઉપર બીજી દિવ્ય તેજોમય સભા બતાવી. તે જોઈ સર્વે બોલ્યા જે, આ શું ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, આ તો અક્ષરધામની સભા છે. એમ અન્યથાકર્તા છે. પછી વાત કરી જે આ જીવને મોહરૂપી નિદ્રા તે આંધળો ઘોડો છે અને આ ગોત્રનો અવગુણ લેવાય છે તે મોહે કરીને લેવાય છે. આ સભા દિવ્ય છે તેમાંથી પણ મોહે કરીને અવગુણ શોધી કાઢે; માટે ભગવાનના સંતનો સમાગમ કરીને દોષમાત્ર ટાળીને પવિત્ર થાવું તો આ સભાનો અવગુણ ન આવે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, પવિત્ર થવાનો શો ઉપાય
હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્ઞાન-ઇન્દ્રિયોને જ્ઞાનમાર્ગે ચલાવે ને કર્મ-ઇન્દ્રિયોને કર્મમાર્ગે ચલાવે, એમ સર્વે ઇન્દ્રિયે કરીને ભગવાન સંબંધી ક્રિયા કરે તો પવિત્ર થઈ જવાય. બીજું આ બ્રહ્મસભામાં નહાય તો પવિત્ર થાય. આ બ્રહ્મઅગ્નિ છે. આ સભામાં ઝીલે એટલે જ્ઞાન ગ્રહણ કરે તો તે મૂર્તિથી ઓરો રહે નહીં. પતિવ્રતાપણું જે ભગવાનને વિષે નિષ્ઠા, તે પાકી રાખવી. દેહ પડવાનો હોય તો ભલે પડે પણ ઔષધની તથા કોઈ દેવની આસ્થા ન રાખવી. બીજા દેવની આસ્થા રાખે તો વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. “પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો.” એક બાઈએ સાંબેલું પડતું મૂક્યું પણ પતિનું વચન મૂક્યું નહિ, એવી પતિવ્રતાના જેવી ભક્તિ કરવી પણ રખડેલ ન થાવું. રખડેલની ખબર કોઈ રાખે નહીં. જ્યારે પ્રત્યક્ષ શ્રીજીમહારાજ પોતે મળ્યા ત્યારે દેવ-અદેવ પાસે જવું નહિ, કેમ કે વૈદ-દાક્તર પણ ચાલ્યા જાય છે. ઔષધ કર્યા વિનાના કેટલાય ડોસા અહીં પડ્યા છે અને વૈદ ને દાક્તર તો બિચારા પચીસ વર્ષમાં મરી જાય છે. ઔષધથી તો ઊલટો દેહ સડી જાય છે, માટે ઔષધની પ્રતીતિ ન રાખવી અને જંત્ર-મંત્રની તથા દેવ-અદેવની પ્રતીતિ ન રાખવી. કીમિયાવાળાની પણ પ્રતીતિ ન રાખવી, કીમિયાવાળા બહુ ભૂંડા છે. તે નજર બાંધીને સોનું બતાવે ને પછી કાંઈ ન હોય માટે તેનો વિશ્વાસ ન રાખવો. જેણે સ્વામિનારાયણ ઓળખ્યા હોય તેને તો એ કોઈની પ્રતીતિ આવે જ નહીં. આજ શ્રીજીમહારાજે ને મોટાએ ધર્મધુરંધર કલ્યાણનો માર્ગ બાંધ્યો છે, તેમાં જે જે નિયમ કહ્યા છે તેમાં જે ન વર્તે ને વર્તમાન લોપે તે સર્વે નર્કના અધિકારી છે, તે કોઈ દિવસ નીકળવાના નહિ, માટે તેનો પ્રસંગ ન રાખવો. આજ આ જ્ઞાનયજ્ઞ ને યોગયજ્ઞ થાય છે તેમાં આત્યંતિક કલ્યાણ થાય છે. સત્યુગમાં લાખ વર્ષ ધ્યાન કરે ત્યારે ભગવાનનું દર્શનમાત્ર જ થતું. ત્રેતાયુગમાં દસ હજાર વર્ષ સુધી યજ્ઞ કરે ત્યારે દર્શન થાય અને દ્વાપર યુગમાં એક હજાર વર્ષ સુધી પરિચર્યા કરે ત્યારે દર્શન થાય. આ કળિમાં સો વર્ષ સુધી કીર્તન કરે ત્યારે દર્શન થાય; અને આજ વર્તમાનકાળે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ કરીને જોડી દઈએ છીએ. આજનો એવો પ્રતાપ છે. આજ તો સંત-હરિજનોનાં દર્શન કરે તો પગલે પગલે બ્રહ્મયજ્ઞ થાય ને વળી આત્યંતિક કલ્યાણ કરે. આ યોગયજ્ઞ ને બ્રહ્મયજ્ઞ છે. આમાં આવેલાને ફેર જન્મ ધરવો પડશે નહીં. ઠેઠ મૂર્તિમાં મૂકી દઈશું. આવો પ્રત્યક્ષ મૂર્તિનો પ્રતાપ છે. યુધિષ્ઠિરને શાસ્ત્રમાં વિશ્વાસ હતો તો કલ્યાણ થયું નહીં. શાસ્ત્ર તો માયિક ગુણવાળાં ઋષિઓનાં કરેલાં છે માટે તેની પ્રતીતિ ન રાખવી અને શ્રીજીમહારાજનાં કરેલાં શાસ્ત્ર તો દિવ્ય છે તેમાં પ્રતીતિ રાખવી. વાતચીત કરવી કે પ્રાયશ્ચિત્ત દેવું તે નિર્ગુણ થઈને કહેવું-દેવું, પણ ત્રણ ગુણમાં રહીને કહેવું-દેવું નહીં. જે સત્ય વચન બોલાય તે મહારાજ બોલાવે છે, ને અસત્ય વચન બોલાય તે માયા બોલાવે છે; એમ જાણવું. ।। ૧૪૯ ।।
વાર્તા ૧૫૦
મહા વદ ૧૦ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, પૂર્વના ઋષિ કરતાં આજના સંત-હરિજનોનાં વચન અધિક માનવાં. જેમાં શ્રીજીમહારાજ કે સંત નાહ્યા હોય તેમાં નહાય કે પાણી પીએ કે તેના ઉપર પક્ષી ઊડીને જાય તેનું પણ કલ્યાણ કરે, એવો આજનો મહિમા છે. શ્રીજીમહારાજને અને મોટાને અંતર્યામી ન જાણે ને અખંડ સ્મૃતિ ન રાખે તે નાસ્તિકપણું છે. એક તો વિદ્યાએ કરીને મોટાઈ હોય ને એક તો વયે કરીને મોટાઈ હોય પણ મૂર્તિમાં જોડાય તે મોટપ ખરી. ભૂજમાં બાળમુકુંદદાસજીને કોઈ આગળ બેસારતા નહિ પણ એ તો મૂર્તિ સાથે રમૂજ કરતા, માટે મહાપ્રભુજીની વાત અટપટી છે. બાધિતાનુવૃત્તિ હોય ત્યાં સુધી પોતાની અને મહારાજની મોટાઈની ખબર પડે નહિ, જેમ બળદેવજીને પડી નહિ તેમ. આજ તમને શ્રીજીમહારાજે એવું બળ આપ્યું છે. આ વખત બગાડી નાખે એટલે પોતાનું પૂરું ન કરે તેને જન્મ ધરવો પડે ને તે નીચ કહેવાય. ભગવાનના ભક્તનો દેહ પ્રફુલ્લિત હોય ને વાણી પણ પ્રફુલ્લિત હોય ને એનાં દર્શન જે કરે તે પણ કૃતાર્થ થઈ જાય. તે ભક્ત જો આ સત્સંગથી બહાર નીકળે તો શબ જેવો થઈ જાય તે કોઈ અડે પણ નહીં. માટે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ થઈ રહેવું ને એક મૂર્તિની ને મૂર્તિના સુખની ઇચ્છા રાખવી. ઐશ્વર્યની કે કાંઈ જોવાની કે નિરાવરણ થાવાની કે અંતર્યામીપણાની ઇચ્છા રહે તો જગતની કોરનો લોચો કહેવાય. તેમજ મૂર્તિ વિના નકરું મૂર્તિનું તેજ જે અક્ષરધામ તે દેખાય તે પણ લોચો છે. એક મૂર્તિ ને મુક્ત બે જ સર્વત્ર દેખાય એ અંતર્વૃત્તિ કહેવાય અને તે લોચાથી રહિત કહેવાય માટે મૂર્તિમાં રસબસ થઈ રહેવું. તે ક્યારે રહેવાય ? તો મહિમા યથાર્થ જાણ્યો હોય તો રહેવાય. આ લોકમાં પૈસાનો મહિમા જાણ્યો છે તો ચાર ચાર મહિના સુધી સમુદ્રમાં રહે છે ને વહાણમાં સ્ત્રી-છોકરાં સારુ દુઃખ વેઠે છે, તેમ શ્રીજીનો ને સંતનો મહિમા જાણ્યો હોય તો સેવા કરવામાં શ્રદ્ધા બહુ રહે. શ્રીજીમહારાજની ને એમના મુક્તની સેવા કરવી તથા એમને જમાડવા, તે સેવાનું ફળ જે અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ તે મળે છે. વ્યવહારમાં દેહ ઘસી નાખે તે તો સૂકાં લાકડાંને પાણી પાય તો સડી જાય તેવું છે, અને આ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ કરી દે છે. જેમ લીલા ઝાડને પાણી પાય તો સુકાવા આવેલું હોય તોપણ એક કલાકમાં લીલું થઈ જાય, તેમ સેવાનું પણ એવું ફળ થાય. સેવા ગ્રહણ કરનારને પણ એવો ખટકો રહે જે આ સેવા કરનારને ઝટ ધામમાં લઈ જઈએ. સત્સંગની સેવા કરે તેથી પણ શ્રીજીમહારાજની ને અનાદિમુક્તની સેવા મળે તે શ્રેષ્ઠ છે, કેમ જે તે મૂર્તિમાં જોડી દે અને સર્વોપરી એવા જે સ્વામિનારાયણ તેમને જીવમાં પધરાવી દે; માટે એવાની સેવા કરવી. સર્વ ઠેકાણે શ્રીજીમહારાજનું કર્તાપણું સમજવું પણ માયા, કર્મ, સ્વભાવ, કાળ, બ્રહ્મ, અક્ષર એ કોઈનું કર્તાપણું ન સમજવું. જો વિપરીત દેશકાળ-સંગાદિક તથા રાજાનો ઉપદ્રવ થાય અથવા કોઈક મરે ત્યારે કાળે કર્યું એમ જાણે તો તેણે ભગવાનને કાળ જેવા જાણ્યા. અને માયાએ કરીને કે કર્મે કરીને કે સ્વાભાવિક થાય છે એમ જાણે તેણે માયા જેવા, કર્મ જેવા ને સ્વભાવ જેવા ભગવાનને જાણ્યા. વરસાદ, વાયરો, ટાઢ, તડકો વધુ-ઓછાં થાય ત્યારે ગાળો દે તેણે ભગવાનને કર્તા ન જાણ્યા. આપણે તો સર્વ ઠેકાણે શ્રીજીમહારાજનું કર્તાપણું સમજવું, પણ બીજા અક્ષરાદિક કોઈનું કર્તાપણું ન સમજવું. અને ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાથી છેટે રહેવું. અને શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું. જે શ્રીજીમહારાજના વચન પ્રમાણે વર્તે તે પોતાનું ને પોતાના સંગીનું સારું કરે એવો થાય. એમ વાત કરીને બોલ્યા જે, આ કલેવર પડે તો લાકડાના ભારા ઉપાડવા મટી જાય ને ચક્રવર્તી રાજ્ય જે શ્રીજીની મૂર્તિનું સુખ તે મળે, માટે ધામમાં જાવામાં પણ અતિ આનંદ માનવો. દાતરડા ને બંધિયા સંભારવા એટલે એમ જાણવું જે, આ સત્સંગમાં જો ચાળે ચઢી જવાશે તો પાછું હતું તેવું દુઃખ આવશે. અક્ષરધામથી ઓરા અક્ષરાદિક સર્વે રોકનાર છે માટે શ્રીજીમહારાજને અને મોટા મુક્તને સાથે રખવાળ રાખવા પણ લૂંટણિયાને ભેગા ન રાખવા. તે લૂંટણિયા ઘણા છે; પંડિત થઈને લૂંટે, શિષ્ય થઈને લૂંટે, બુદ્ધિવાળો થઈને લૂંટે અને છેલ્લી વારે શ્રીજીમહારાજની પ્રસાદી પણ લૂંટે; કેમ જે, જે પ્રસાદિયો હોય તે જેના પક્ષમાં રહ્યો હોય તે પક્ષમાં અન્યાય થતો હોય તોયે તેની તેને હા એ હા કરવી પડે તેનો દોષ લાગે ને મોક્ષના માર્ગથી પડી જાય માટે બીજી ઇચ્છાઓ મૂકીને એક મૂર્તિ જ રાખવી. ।।૧૫૦ ।।
વાર્તા ૧૫૧
મહા વદ ૧૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આજ શ્રીજીમહારાજ ને સંત એટલે મુક્ત પૃથ્વી માથે વિચરે છે તે કોઈને મળ્યા નથી, દ્વિભુજવાળા પરમેશ્વર છે. એક એક સંતમાં અનેક મુનિનાં વૃંદ રહ્યાં છે કેમ જે શ્રીજીમહારાજ સહિત અનંત મુક્ત અકેકા સંતમાં ઓતપ્રોત રહ્યા છે, માટે એકને જમાડે તો અનંત જમે છે. શ્રીજીમહારાજ કહી ગયા છે ને કહે છે, કાંઈ કલ્પિત નથી. ભગવાનનો ભક્ત હોય તેને વિષે શ્રીજીમહારાજ અનંત મુક્તે સહિત રહ્યા છે પણ તેની ખબર નથી, તેથી દીકરો ન હોય તો શોક કરે જે મારે દીકરો નથી પણ પોતાના આત્માને વિષે અનંત મુક્ત ને મહારાજ રહ્યા છે, એમ સમજીને સ્ત્રી, પુત્ર, ધનાદિક, માયિક પદાર્થની ઇચ્છા ન રાખવી, ને એકલા છીએ એમ ન જાણવું. શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત મારા આત્માને વિષે વિરાજમાન છે એમ જાણીને સદા આનંદમાં રહેવું. પ્રથમ એક એક સંત વિચરવાની આજ્ઞા હતી તે સંતના ભેળા શ્રીજીમહારાજ ને અનંત મુક્ત હતા તેથી આજ્ઞા લોપાતી નહીં. પછી જોડ વિના ન ચાલવું એવી આજ્ઞા શ્રીજીમહારાજે કરી તોપણ જેના ભેળા શ્રીજીમહારાજ ને મુક્ત ન હોય તેવા બે ભેળા હોય તોપણ શ્રીજીમહારાજની આજ્ઞા લોપી નાખે; માટે એકમાં અનેક રહે એવા થાવું અને અનેક મુક્ત સાથે રાખવા. ગૃહસ્થ હોય તેમણે પણ અનંત મુક્ત તથા મહારાજ રાખવા પણ આ લોકના વૈભવની ઇચ્છા ન રાખવી. એક હરિજન વ્યવહારે દુર્બળ હતા ને સુખે મહારાજનું ભજન કરતા. તેને વ્યવહારે દુઃખી જોઈને કોઈકે મહારાજને કહ્યું જે, હે મહારાજ ! આ હરિજન બહુ સારા છે પણ વ્યવહારે દુઃખી છે તે દયા કરો તો વ્યવહાર સારો થાય. પછી મહારાજે કહ્યું જે, સારું થશે; તેથી તેને બહુ દ્રવ્ય થયું. પછી તો ભગવાન ભજાય નહિ ને ખાવાની પણ નવરાઈ આવે નહીં. એક વાર તે હરિજન મહારાજનાં દર્શન કરવા આવ્યા. તેમને મહારાજે કહ્યું જે, કેવા સુખિયા છો ? પછી તે હરિભક્ત કહે જે, મહારાજ ! સર્પના કંડિયામાં દેડકાને પૂર્યો છે તે ક્યાંથી સુખિયો હશે ? ત્યારકેડે મહારાજે તેનો વ્યવહાર હતો તેવો દુર્બળ કર્યો ત્યારે શરીરે પુષ્ટ થયો ને સુખે મહારાજને ભજવા મંડ્યો; માટે સારો વ્યવહાર હરિભક્તોએ દુઃખદાયી જાણવો. પ્રવૃત્તિ તો ભગવાન ભુલાવે એવી છે માટે તેને ટાળીને ભગવાન ભજવા. તે ટાળવાની યુક્તિ શ્રીજીમહારાજે મધ્ય પ્રકરણના ૨૨મા વચનામૃતમાં શિખવાડી છે. જેને મૂર્તિમાં જોડાવું હોય તેણે કાર્યમાં તાન રાખવું નહિ એમ મહારાજે કાર્યની ન્યૂનતા બતાવી છે. માટે મુક્ત થાવું હોય તેણે સર્વે વિસારીને મૂર્તિમાં જોડાવું. તૃણની ઝૂંપડી ને ફાટેલ ગોદડીવાળા સંતની સભામાં કથા-વાર્તા થાતી હોય ત્યારે વૃત્તિ બીજી રીતની થઈ જાય અને ઉદ્ઘોષમાં વૃત્તિઓ ડોળાઈ જાય. જેમ બોટાદવાળા શિવલાલભાઈએ રઘુવીરજી મહારાજની પધરામણી ભાવનગરમાં કરાવી ને રાજા પાસે સન્માન કરાવ્યું, તે પ્રવૃત્તિમાં પોતાના આત્માને ને મહારાજને દેખતા તે બંધ થઈ ગયું. પછી સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી જે, હવે મહારાજ ને આત્મા દેખાતા નથી. ત્યારે સ્વામી બોલ્યા જે, તમે પ્રવૃત્તિમાં ભળી ગયા તેથી નથી દેખાતા, તો હવે આપણા ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે જઈને પ્રાર્થના કરો. પછી તેમણે સ્વામીની પ્રાર્થના કરી, ત્યારે સ્વામીશ્રીએ કૃપા કરીને કહ્યું જે, ધ્યાન કરો. બે મહિને દેખાશે. પછી બે મહિને આત્મા ને મહારાજ દેખાયા, એમ પ્રવૃત્તિ પણ મૂર્તિમાં જોડાવામાં વિક્ષેપકર્તા છે. શ્રીજીનાં ને મુક્તનાં ચરિત્ર તે સાધનિકને શીખવવા માટે છે. આ ભણતર મોટું છે. ષટ્શાસ્ત્ર ને અઢાર પુરાણ ભણવે કરીને કાંઈ વળે તેમ નથી. આ જોગમાં સર્વદેશી જ્ઞાન આવે ને ધ્યાન કરવાની લટક આવે, માટે આ જોગ કરી લેવો તો સર્વે કામ સિદ્ધ થાય, એટલે મૂર્તિની પ્રાપ્તિ છતે દેહે થાય; માટે આવા મુક્તને વિષે દિવ્યભાવ રાખીને તેમની સેવા કરવી પણ ગુણમાં રહીને ન કરવી. પ્રસાદીનું વસ્ત્ર હોય તેને વળ દઈને ગળે બાંધે તો નુકસાન કરે ને પ્રસાદીનો પથ્થર હોય તોપણ વાગે અને જો મહિમાએ સહિત દર્શન કરે તો દિવ્ય કરે; માટે દિવ્યભાવ લાવીને સેવા કરવી. ચિંતામણિ તો મળી છે પણ દરજીના સેબામાં જાય છે. મહારાજ તેડવા આવે ત્યારે અહીં રહેવાનો સંકલ્પ થાય તે દરજીના સેબા (ટેભા) જેવું છે. જ્યારે શ્રીજીમહારાજ તેડવા આવે ત્યારે પૂરું થયું જાણવું. જેમ ઝાડેથી ફળ તૂટ્યું તે પાછું ઝાડે વળગે નહિ, તેમ શ્રીજી કે મોટા દેહ મુકાવે તો ફેર બીજો દેહ ન ધરાવે; એ તો પોતા પાસે જ લઈ જાય માટે શ્રીજીમહારાજ તેડવા આવે ત્યારે પોતાનું અધૂરું ન માનવું. બે દેશ છે તે સર્વે એક મંડળ રાખવું પણ જુદાઈ ન રાખવી. જે ધામમાં રહેતા હોઈએ તે ધામના મોટેરાની આજ્ઞામાં તત્પર રહેવું; પણ બેપરવાઈ ન રાખવી ને મનનું ધાર્યું ન કરવું. મહારાજને સાથે રાખવાથી એક મંડળ રહે ને મહારાજને છેટે મૂકે તો મંડળ જુદા થઈ જાય માટે મહારાજને સાથે રાખવા. ।। ૧૫૧ ।।
વાર્તા ૧૫૨
મહા વદ ૧૩ને રોજ સવારે સભામાં સારંગપુરનું છઠ્ઠું વચનામૃત વંચાતું હતું, તેમાં વેદની ઉત્પત્તિની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વેદ વૈરાજમાંથી થયા છે ને તેમાં એક બ્રહ્માંડની વાત છે પણ ઝાઝી નથી, માટે સૌ સૌના સ્થાનમાં એમને મૂકી દઈને શ્રીજીમહારાજના સમીપમાં આપણે જાવું. એ કોઈનું આપણે કામ નથી, એમને બાઝી રહીએ તો તે આવરણ કરે; માટે તે કોઈને વીંટાઈ રહેવું નહીં. હનુમાન આદિ કોઈ દેવને પણ વીંટાવું નહિ, એક મૂર્તિ ને મુક્ત તેમને બાઝવું. શ્રીજીના ભક્તની તો મોટા મોટા અક્ષરકોટિ પણ પ્રાર્થના કરે છે. પ્રગટનો એવો પ્રતાપ છે. શ્રીજીના ભક્ત તો રાજાની રાણીઓને ઠેકાણે છે. જેમ ગૃહસ્થની પંક્તિમાં સાધુથી બેસાય નહિ અને સાધુની પંક્તિમાં ગૃહસ્થથી બેસાય નહિ, તેમ શ્રીજીના એકાંતિક ભક્તમાં અને મૂળઅક્ષરાદિક અવતારોમાં ભેદ છે; માટે મહારાજ અને મુક્ત વિના બીજે વૃત્તિ ન રાખવી. આવા સંત ને હરિજન કોઈ બ્રહ્માંડમાં નથી, માટે સૂરત રાખવી. મહાપ્રભુજી વિના ને તેમના મુક્ત વિના બીજાને રખવાળા લઈએ તો તે સર્વે લૂંટનાર છે અને શ્રીજી અથવા મુક્ત સાથે હોય તો અક્ષરકોટિ સુધી કોઈ લૂંટી શકે નહીં. જેમ સોળે થયા હોય તેને ચીંથરાનો દોરો અડી જાય તો બોળે થઈ જાય; તેમ ઘાટ, સંકલ્પ, ઊંઘ, માયા, કાળ, અન્ય દેવ તે આ સભામાંથી ઉઠાડીને લઈ જાય એવા છે. જેમ અયોધ્યાના વાંદરા જે વસ્તુ હાથ આવે તે લઈ જાય તેમ. આજ સંવત ૧૮૩૭થી મોક્ષનો માર્ગ શ્રીજીમહારાજે ચલાવ્યો છે માટે બીજે ભટકાવું નહિ, ને હરકોઈ ક્રિયામાં શ્રીજીને ને મુક્તને ધણી રાખવા પણ પોતે ધણી થાવું નહીં. એમ વાત કરીને બોલ્યા જે આપણાં ધામોમાં જે જે મૂર્તિઓ પધરાવી છે તે શ્રીજીમહારાજ છે એમ જાણીને દર્શન કરવાં, કેમ જે શ્રીજીમહારાજ સંકલ્પે કરીને એવે એવે રૂપે દેખાય છે પણ પરોક્ષ અવતારો છે તે આપણાં મંદિરોમાં નથી.
એક ગરાસિયે એક સત્સંગીને રામ રામ કહ્યા. ત્યારે તે સત્સંગી બોલ્યા જે, એકવીસ લાખ વર્ષના ઘરડા પટેલિયાને શું સંભારે છે ? સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી, સર્વ કર્તા, સર્વ નિયંતા, તે આજ દયા કરીને જીવોનાં કલ્યાણ કરવા સારુ પ્રગટ થયા છે. એમને જય સ્વામિનારાયણ કહે ને; તો તે તારું કલ્યાણ કરે. તખ્ત ઉપર રાજા બેઠા હોય તેમને અરજ કરવી મૂકીને એકવીસ લાખ વર્ષના પટેલિયાને રામ રામ કરતો આવે છે તે શું સારું કરશે ? એમ બોલ્યા. માટે પોતાના ઇષ્ટદેવના જય સ્વામિનારાયણ કહેવા, પણ કોઈની મહોબતમાં લેવાઈને પરોક્ષના નારાયણ કહેવા નહિ; જય સ્વામિનારાયણ કહેવા. અને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજે હેત કરવું જ નહીં. મોટાના જોગની વાત બહુ જબરી છે. આજ જોગે કરીને નાનાં નાનાં છોકરાં પણ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કરે છે. આવો જોગ મૂકીને કોઈ પોતાની મેળે સાધન કરે તો મૂર્તિની એકતા ન થાય. જોગ પણ અંતર્વૃત્તિ રાખીને કરવો, પણ ઉપરથી ન કરવો. વાણિયાની પેઠે આવી ફસ્યા એમ થાય તો જોગ કાંઈ કામમાં ન આવે. જડ-ચૈતન્ય એ બે માયાનો ત્યાગ કરવો, કેમ જે એ વિના પણ પત્તર સરખાં ભરાય છે ને લૂગડાં તથા રહેવાનું સરખું મળે છે. માટે એ બે વાતના હરામ ખાઈને તેનો ત્યાગ રાખવો. એ બે વાતમાં ફેર પડે તો કલ્યાણની કલમ નીકળી જાય. ગૃહસ્થને પણ પંચવિષય ત્યાગ કરવાના છે. ત્યાગીએ જડ-ચૈતન્ય એ બેનો ત્યાગ દૃઢપણે રાખવો. સંત-હરિજનોએ સુખિયા થવાનો ઉપાય કરવો. તમે સંત છો તે ગાયો છો, માટે ગોવાળ વિના ક્યાંયનું ક્યાંય ચાલ્યું જવાય, એમ ગોવાળનો ખપ પડે છે. આ તમારા સુખને માટે કહીએ છીએ. કોઈ કોઈ જગ્યાએ મહિમા થોડો છે, તેથી લૂખાપણું રહે છે. માટે પહેલું જ્ઞાન, પછી મહિમા એ બેય જોઈએ; પછી સાધન જોઈએ, એકલા વૈરાગ્યાદિક સાધને કરીને સુખિયા ને નિર્વાસનિક થવાય નહીં. જેમ રાજાનો મહિમા જાણે છે તો આજ્ઞા પળે છે, તેમ શ્રીજીનો અને મોટાનો મહિમા જાણે તો આજ્ઞા પળે અને લૂખાપણું ટળે; માટે મહિમા સમજવો. મહિમા વિના લૂખાપણું જાય નહીં. ।। ૧૫૨ ।।
વાર્તા ૧૫૩
મહા વદ ૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સંત છે તે શ્રીજીનું પાકું ગોત્ર છે. તેમને શ્રીજી કહે છે કે તમે જીવકોટિથી લઈને મૂળઅક્ષરકોટિ પર્યંતનાં સુખ ખોટાં જાણો. કીટ એટલે જીવકોટિ, ને બ્રહ્મા એટલે મૂળઅક્ષરકોટિ જાણવી, તેમાં બંધાવું નહિ એમ કહે છે. પંચવર્તમાન પાળવાનાં કહ્યાં છે તેમાં બરાબર વર્તવું અને ગૃહસ્થોએ સ્ત્રી, પુત્રાદિકને બંધનકારી માનીને તેમાં હેત ન કરવું. એક સુતારનો છોકરો મરી ગયો; તેના હાથમાં કુહાડો આપીને કહ્યું કે ઘસ. એમ કહીને વળી ફેર કહ્યું જે, સારો ઘસ્યો; એવું હેત થઈ જાય છે માટે જ્ઞાન જોઈએ. પારકી અને પોતાની સ્ત્રી, તે પણ તરવારની પેઠે નાશ કરે એવી છે માટે તેથી બીતા રહેવું. કેટલેક ઠેકાણે બાપ થકી દીકરીને બાળક થાય છે, માટે એકાંતમાં મા, બહેન, દીકરી તથા પરસ્ત્રી ભેળું રહેવું નહીં. કળીનું રૂપ એવું છે જે કળીમાં કામનું જોર છે. સત્યુગમાં સંકલ્પનાં ફળ થતાં, ત્રેતામાં દૃષ્ટિનાં ફળ થતાં, દ્વાપરમાં સ્પર્શનાં ફળ થતાં અને કળીમાં વીર્યનાં ફળ થાય છે; માટે મા, બહેન ને દીકરીથી પણ છેટે રહેવું. આજ્ઞા ન પાળે તો પૈસા ખૂએ, નાત-જાતમાં ફજેતી થાય, લાજ વંજાવે ને મોક્ષથી પડે. સ્ત્રીની દૃષ્ટિમાં ઝેર રહ્યું છે તે ચઢીને જીવ લે એવી છે. ગૃહસ્થના આશ્રમમાં રહીને પણ નિર્વાસનિક રહેવું. સ્ત્રી-પુરુષનો ભેદ મૂળમાયા સુધી છે, મૂળમાયા ઉપર સ્ત્રી-પુરુષનો ભેદ નથી. સર્વે પુરુષાકાર છે ને દિવ્ય છે, તે બ્રહ્મકોટિમાં ને અક્ષરકોટિમાં અને મહારાજના ધામમાં આ ત્રણ ઠેકાણે દિવ્ય પુરુષાકાર છે. એમ કહીને વળી કહ્યું જે, આજ્ઞારૂપી લીટો લોપે તેનું રૂડું ન થાય; આજ્ઞા આત્મસત્તારૂપનું કામ કરે છે. ઇન્દ્રિયોના ગણ જીવને ક્યાંય લઈ જઈ ફગાવી દે. જેણે જેણે આજ્ઞા લોપી છે તે મોટા હતા તોપણ ધર્મથી પડ્યા છે. રણછોડભાઈ મિસ્ત્રીએ સત્સંગમાં ઘણી સેવા કરી હતી, પણ આજ્ઞા લોપી તો વટલાઈને ભ્રષ્ટ થઈ ગયા અને મોટા સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીનું કહ્યું પણ ન માન્યું. એને સિદ્ધિઓ આકાશમાંથી આવીને ઉપાડી ગઈ. કેવાં કેવાં કીર્તન બોલતાં ને ગર્જના કરતા પણ ક્યાંય તુર્કસ્તાનમાં જતા રહ્યા. ત્યાગી તથા ગૃહસ્થ લોભથી કસાઈના જેવું કર્મ કરે છે. લોભથી લાંચ લેવાય, કોઈકને મારે, જૂઠું બોલે, અન્યાય કરે; માટે ભેંસનું ગાય તળે અને ગાયનું ભેંસ તળે એમ ન કરવું. તેમ કરવાથી ધાવી શકાય નહિ ને લાતો ખાઈ ખાઈને ડાચું ભાંગી જાય અને યમના માર ખાવા પડે માટે તેમ ન વર્તવું; ચોખ્ખું વર્તવું. શાસ્ત્રનું ને સંતનું વચન પાળે તો સુખી થાય. મોડજી દરબારે સ્વામી હરિકૃષ્ણદાસજીનું વચન માન્યું તો સુખી રહ્યા, જો ન માન્યું હોત ને સરકારના સામા થયા હોત તો કલેવરનો નાશ થાત. સૂકા કાષ્ઠમાં ઘણ (જીવડાં) પડે છે તેને પણ ભગવાન ખાવા-પીવા આપે છે ને પશુ-પક્ષી પણ ખાઈને આરામ કરે છે. તે સર્વેના દિવસ નીકળે છે માટે દ્રવ્ય કાંઈ કામમાં આવતું નથી. જો લાંચ લે તો આગળનું રળેલું હોય તેને પણ તાણી જાય, માટે ગૃહસ્થોએ લાંચ ન લેવી. કન્યાવિક્રયનું પાપ પણ અતિશય છે અને લાંચનું પણ પાપ છે માટે તે માર્ગે ચાલવું નહિ અને કોઈનો વાદ પણ લેવો નહીં. ડોસીની પેઠે પોતે ઊગરવું તો જગ તર્યો. શાસ્ત્રમાં ને ધર્મમાં કોઈનો વાદ ન લેવો. ને ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા. બ્રહ્મચર્યવ્રતમાં કુશળ ન હોય તેની રસોઈ ન લેવી તે શુદ્ધ આહાર કહેવાય, અને અજાણમાં લેવાઈ જવાય તેનો બાધ નહિ; પણ મહોબત રાખીને ન લેવી. મહોબત રાખીને લે તો એક ઉપવાસે શુદ્ધિ થાય, અજાણમાં લેવાઈ ગયું હોય તેની ખબર કોઈ દિવસ પડે તો સો માળા ફેરવે શુદ્ધિ થાય. આ ધનબાઈ ડોશી ખાવા-પીવા આપે છે ને કથા સંભળાવે છે માટે તેનાં ધન્ય ભાગ્ય છે, અને જે હેતે કરીને સાંભળે તેનાં પણ ધન્ય ભાગ્ય ! ।। ૧૫૩ ।।
વાર્તા ૧૫૪
મહા વદ અમાસને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ સભાના સંકલ્પ ચાલે છે. ને ભક્તને તેડીને અક્ષરધામમાં લઈ જાય એવી સામર્થી છે; પણ શ્રીજીમહારાજે રોકી રાખી છે. દાસપણું રહે એટલા માટે તમને જાણવા દેતા નથી. આવા સંતને વિષે દિવ્યભાવ રાખીને દાસાનુદાસ થઈ રહે તો શ્રીજીમહારાજની હજૂરમાં રહેવાય, “દાસ તમારા દાસનો મને, રાખો નાથ હજૂર એ વર માગું છું.” એમ દાસનો દાસ થાય તેને મહારાજ હજૂરમાં રાખે છે, માટે સર્વેના દાસ થાવું પણ મોટા થાવું નહીં. વળી, પોતાપણું લાવવું નહિ, અવગુણ લેવો નહિ ને જેમ ભૂંડા ભૂંડાઈ ન મૂકે તેમ આપણે ભલાઈ ન મૂકવી. શ્રીજીમહારાજે વચનામૃતમાં અડધોઅડધ એ વાત લખી છે જે કોઈ મોટાનો અવગુણ ન લેવો, ને અડધમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ, મહાત્મ્ય આદિકની વાત લખી છે; માટે દ્રોહથી બીતા રહેવું પણ પોતાનું ડહાપણ કે બુદ્ધિનો ડોડ ન રાખવો. આ સભામાં અવગુણ લે તે તો ખોખા જેવો થઈ જાય છે, જેમ હિમ પડે તો બીજ બળી જાય છે ને ફોતરાં રહે છે તેમ. આ સત્સંગમાં સદ્. સ્વામી હરિનારાયણદાસજી જેવા સત્પુરુષનો અવગુણ લઈને કેટલાય જતા રહ્યા. ખારેક આદિના ઝાડમાં પાણી છાંટીએ તો ફળ આવે છે પણ તે વિના આવતાં નથી તેમ મૂર્તિ રાખી હોય તો સુખ આવે પણ એકલે સાધને સુખ ન આવે. શ્રીજીમહારાજે માંચી ઉપર કુલ્લું મૂકી દીધું તેમાંથી ઘી નીકળ્યા જ કરતું તેમ મુક્ત અનાદિકાળથી મૂર્તિમાં રહ્યા છે તેમને પણ મૂર્તિનો કે સુખનો પાર નથી આવતો. જેમ બાળક ધાઈમાંથી ધાવીને સુખિયું રહે છે તેમ મહારાજના સુખમાં મુક્ત સુખિયા રહે છે. જેમ મહારાજ ને મુક્ત દિવ્ય છે તેમજ તેમની સેવા પણ દિવ્ય છે, માટે સત્સંગીઓએ ધર્માદો પૂરો આપવો પણ દેવના લાભને અર્થે સરકારમાં જતો હોય તો સરકારમાં જાય છે કે પહાણા ખડકે છે કે કૂવા કરે છે એમ ન જાણવું; એ તો શ્રીજીમહારાજને જ અર્પણ થાય છે. શ્રીજીમહારાજ જડ વસ્તુને બદલે દિવ્ય સુખ આપે છે, માટે એમાં શંકાઓ કરવી નહીં. ।।૧૫૪ ।।
વાર્તા ૧૫૫
ફાગણ સુદ ૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ હીરેથી હીરો વીંધાય છે અને અગ્નિને પ્રસંગે કાષ્ઠ અગ્નિરૂપ થાય છે; તેમ જીવ મહારાજને ભજી ભજીને દિવ્ય થઈ જાય છે. શ્રીજીમહારાજના મહિમાનો પાર નથી, માટે સંત શ્રીજીમહારાજનો ને મુક્તનો મહિમા કહે તે સાચો માનવો. કોઈ પોતે શ્રીજીમહારાજ થાય તેની વાત ન સાંભળવી પણ દાસપણું રાખીને સ્વામી-સેવકને ભાવે શ્રીજીમહારાજનો મહિમા ઘણો કહે તે માનવો. શ્રીજીમહારાજનો મહિમા તો અનાદિમુક્તો મૂર્તિમાં રહ્યા છે, તેમનાથી પણ પૂરો કહેવાય તેમ નથી માટે શાસ્ત્રની સાખ ન લેવી; કેમ જે મુક્ત તો દેખીને કહે છે. મૂર્તિ વિના તેજ નથી માટે શ્રીજીમહારાજ નિરાકાર નથી. બ્રહ્મજ્ઞાનીનો માર્ગ ખોટો છે ને તે નર્કમાં પડે છે. મહારાજ ને મુક્ત અહીં દર્શન આપીને પોતાનો આશરો કરાવે છે ને મહિમા સમજાવે છે ત્યારે જીવનું કલ્યાણ થાય છે. પણ પ્રકાશ આવીને કોઈને ઉપદેશ કરતો નથી માટે તેજથી કલ્યાણ ન થાય. મહારાજ ને મુક્ત સદા દિવ્ય ને સાકાર છે તે કલ્યાણ કરે છે. જેમ ક્ષય રોગ વાસના ટાળે છે તેમ જેને માણસાઈએ સાધુને એટલે મુક્તને રાખતાં આવડે એટલે મુક્તની સાથે આત્મબુદ્ધિ કરે તો સાધુ એટલે મુક્ત રાજીપેથી તેની સાથે રહે અને તેની વાસના ટાળીને મોક્ષ કરે; માટે સાધુને એટલે મુક્તને રાખવા. આ પરભાવનો અર્થ છે. અમે છપનામાં (૧૯૫૬માં) છપૈયે ગયા હતા ત્યારે ભગવાન પ્રસાદજીએ એક ચાકર રાખ્યો, તેને હવેલીમાં સુવાર્યો. તે બીન્યો ને કહ્યું જે, “મોકું મેરે ઘર પુગાઓ, ઓ પડે તો દટાઈ મરું.” પછી તેને બહાર ચોકમાં સુવાર્યો ત્યારે ઊંઘ આવી. માટે જ્યારે સાધુ ભેળું એટલે મુક્ત ભેળું રહેવાય ત્યારે વાસના બળે ને મૂર્તિના સુખે સુખિયા થવાય. જે જીવના હાથમાં રામપાત્ર હોય તેને બીજાના વૈભવ જોઈને એના જેવું થવાનો સંકલ્પ થાય, પણ મોટા ભક્તને જોઈને તેમના જેવું થવાનો સંકલ્પ ન થાય અને તેમના જેવું આપણે થાવું પરવડે નહિ એમ કહે. ત્યાગી થયા હોય તે પણ બીજાના પદાર્થ જોઈને પોતે ભેળા કરવાની ઇચ્છા કરે પણ કોઈક ધ્યાન-ભજન ઝાઝું કરતા હોય તેનો વાદ ન લે એવા જીવના અવળા સ્વભાવ છે; તે ઊતરી જાય પણ ચઢતો રંગ ન રાખે . ।।૧૫૫ ।।
વાર્તા ૧૫૬
ફાગણ સુદ ૨ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મુક્તના સમૂહમાં રહે ને મુક્તને વિષે જોડાય તેને આ લોકમાં કાળ, કર્મ, માયા, સ્વભાવ, કામાદિક શત્રુરૂપી સિંહ, સર્પાદિકની બીક ન રહે. માયામાં રહીને પણ મુક્તમાં જોડાય તો ઉપર કહ્યા જે શત્રુ તેની બીક ન રહે. જેમ ગૃહસ્થ પોતાનાં છોકરાં સારુ રળે છે ને પછી પોતાનાં છોકરાંને આપે છે તેમ શ્રીજીમહારાજે દેહભાવ દેખાડીને તપ કર્યું, સેવા કરી, વન જંગલમાં ફર્યા એવી રીતે વર્તીને આપણને શીખવ્યું છે. જે આંધળો હોય તે શ્રીજીમહારાજને ને મુક્તને જતા રહ્યા એમ જાણે. શ્રીજી ને મુક્ત તો આ સભામાં બેઠા છે, એવો વિશ્વાસ રાખીને આ સભામાં બેસે તેનું પૂરું થાય. બાળકિયા સ્વભાવથી સુખ ન આવે. જાણપણારૂપ દરવાજે રહીને અંતર્વૃત્તિ કરે તો સુખ આવે પણ એ આકારે વૃત્તિ થાતી નથી ને સાધનને આકારે વૃત્તિ રહે છે, માટે સાધન કરતાં કરતાં મહારાજમાં ને મુક્તમાં વૃત્તિ રાખવી. સાધુને તેમજ ગૃહસ્થને માળા, માનસીપૂજા, કથા-વાર્તા, ધ્યાન, ભજન તે ન થાય તો ખોટ કહેવાય. માળામાં, માનસીપૂજામાં, ધ્યાનમાં બરાબર શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર થાય છે કે કાંઈ ફેર રહે છે તેનો તપાસ કરે તો પતિવ્રતા કહેવાય. શ્રીજીમહારાજના કહેવાયા તો હોઈએ પણ માળા, માનસીપૂજાનો નિયમ ન હોય તો જેમ રાજાનો ચાકર સલામ ભરવા ન જાય તો દંડ પડે તેમ થાય; માટે મૂર્તિનું મંથન કરવું, પણ માયારૂપી સમુદ્રનું મંથન કરવું નહીં. સુખ તો મૂર્તિમાં જ છે પણ બીજે નથી. બીજે ખોટી થાવું તેમાં નુકસાની છે. કથા કરે, વાર્તા કરે, જોગ કરે ને બીજાને અક્ષરધામમાં મોકલે ને પોતાનું અધૂરું રહે. આ સત્સંગમાં લક્ષાવધિ માણસોને કથા-વાર્તા કરીને અક્ષરધામમાં પહોંચાડે ને પોતે રહી જાય તે તો કેવું છે, કે બીજાને ખૂબ પીરસે પણ પોતે જમે નહિ ને ભૂખ્યો રહી જાય. નારાયણપુરના ધનજીભાઈએ બીજાને રેલમાં બેસાર્યા ને પોતે રહી ગયા. એમ આ સત્સંગમાં મોટા કહેવાતા હોય ને વાતો કરતા હોય પણ પાછી વૃત્તિ ન રાખે તો ખોટ રહી જાય. પાકશાળા હાથ હોય પણ પોતે જમ્યા વિના રહી જાય એવું થાય. આ પુરુષોત્તમ ભગવાન ને મુક્ત તો જુદા પડતા જ નથી માટે એમને વળગી રહેવું અને ધર્માદો લેવા જવો, પણ શ્રીજીમાં વૃત્તિ રાખવી. હજારો માણસની સભા જેની આગળ બેસતી હોય પણ જો તેને વિચાર ન હોય તો પોતે રહી જાય. અંતર્વૃત્તિ ન હોય તો રહી જવાય માટે જમવું ને જમાડવું. અનાદિ મહામુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને શ્રીજીમહારાજને વિષે પ્રીતિ હતી તો મહારાજને આફૂડા સંભારવા પડ્યા તેમ મહારાજને વિષે એમના જેવી આપણે પ્રીતિ કરીએ તો શ્રીજીમહારાજ આપણને પણ તેમની પેઠે જ સંભારે. અમે આજ તમને સુખ આપવાને અર્થે સખાભાવે વર્તીએ છીએ તેથી તમને બોલવા, ચાલવા, પૂછવાનું સુખ આવે છે. માયિક પદાર્થ ત્યાગી-ગૃહી સર્વેને આડું આવે એવું છે; પણ જો શ્રીજીમહારાજને આત્માને વિષે પધરાવી દે તો કાંઈ આડું આવે નહીં. પ્રસાદીનું પદાર્થ પણ પ્રીતિ હોય તો આડું આવે માટે એનો પણ ખપ ન પડે તેમ કરવું. ચરણારવિંદ જો દસ-વીસ હોય તો નગરશેઠિયો થઈ પડે પણ ચરણારવિંદ કાંઈ કામ ન આવે. પ્રસાદીએ કરીને તો શ્રીજીમહારાજની સ્મૃતિ રહે એટલું જ કામ કરે. એ તો સ્થાવર તીર્થ જેવું છે. એનાં દર્શન તો લાખો ફેરા કરીએ પણ સમજવાનું એ છે જે મૂર્તિ વિના એ કાંઈ કામ આવે નહીં. જો ગૃહસ્થને રૂપિયા હોય ને તે વડે સત્સંગની સેવા કરે તો સારું થાય ને વ્યવહારમાં વાપરે તો બંધનકારી છે. કેરામાં એક કણબી પચીસ હજાર કોરી રળી લાવ્યો, એને સ્વામી અક્ષરજીવનદાસજીએ કહ્યું જે કાંઈક પૈસા સંબંધી મદદ કરો તો મંદિર કરીએ. તેણે કહ્યું જે, બાપાશ્રી કહે તો એ જે કહે તે આપું. પછી સ્વામીએ આવીને અમને કહ્યું એટલે અમે તથા સ્વામી ત્યાં ગયા ને કહ્યું, જે આ ભગવાનના મંદિરમાં મદદ કરો. તેણે કહ્યું જે, આ રળીને લાવ્યો છું એમાંથી તો એક જંઈ પણ તોડવો નથી પણ હવે પરદેશમાં રળવા જાઉં તેમાંથી કાંઈ આવશે તો મદદ કરીશ; એેવી યુક્તિથી ના પાડીને પછી પરદેશ કમાવા ગયો. ત્યાં સામસામાં બે વહાણ ભટકાણાં તેની વચ્ચે આવ્યો ને મરી ગયો. એમ મોટાનું વચન મનાણું નહિ અને વાંસેથી બધું ધૂળધાણી થઈ ગયું. માટે જોગ મળતાં તરત સત્સંગમાં સેવા કરી લેવી. આત્માને વિષે મૂર્તિ ને સભા બેસારવી તો સુખિયા થવાય. પ્રેમજીભાઈને કારખાનામાં ખોટ ગઈ તે રોવા મંડ્યા ત્યારે અમે કહ્યું જે, ખોટ ગઈ પણ કાંઈ ભગવાન ગયા નથી માટે ભગવાનને સંભારો; એ તો જે દુઃખદાયક હતું તે ગયું છે. આમ સમજી ગૃહસ્થે માયિક પદાર્થમાં અને ત્યાગીએ પ્રસાદીના પદાર્થમાં હેત ન રાખવું. ।। ૧૫૬ ।।
વાર્તા ૧૫૭
ફાગણ સુદ ૩ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૬૧મું વચનામૃત વંચાતું હતું; તેમાં નિયમ, નિશ્ચય ને પક્ષની વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાનના ભક્તનો પક્ષ ઘવાઈ પડીએ એટલો અથવા જરૂર પડે તો છેવટે મરણ થાય ત્યાં સુધી પણ રાખવો. ગુંદાળી ગામના કાઠીએ મરણ સુધી પક્ષ રાખ્યો તો મોક્ષ થયો. પક્ષ, નિયમ ને નિશ્ચય એ ત્રણે સરખા છે માટે ભગવાનના ભક્તને દુઃખ પડે તો રક્ષા કરવી અને ભગવાનના ભક્તને પાપી દુઃખ દે તો એના ઉપર દાઝ કરવી ને સત્સંગીને પોતાના ગોત્રી જાણીને પક્ષ રાખવો. પક્ષ રાખતા થકા મરણ થાય એવો પક્ષ રાખે તો નિયમ ને નિશ્ચયથી પણ પક્ષ વધી જાય એવો છે. આપણે એક બાપના દીકરા છીએ માટે બધા સત્સંગનો પક્ષ રાખવો, તેમાંયે જે શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાયેલા હોય તેમનો પક્ષ શિર સાટે રાખે તો આત્યંતિક મોક્ષ થાય. શબને શણગારવું નહીં. એટલે વર્તમાનમાં ફેર હોય તો મા, બાપ, દીકરા, દીકરી, તે કોઈનો પક્ષ રાખવો નહીં. એક હરિભક્તે દીકરાનો પક્ષ રાખ્યો તો કેદ ભોગવવી પડી, માટે વર્તમાન ન હોય તેને ભેળો રાખવો નહિ ને એનો સંગ પણ ન રાખવો. ભક્તનો પક્ષ રાખવાથી બહુ જ કામ થાય છે માટે વાણિયાની પેઠે જાગું છું, જાગું છું એમ ન કરવું. મોટેરાઓએ તો ધર્મ પાળવો ને પળાવવો ને ધર્મવાળાનો પક્ષ રાખવો. પક્ષ રાખવામાં શ્રીજી બહુ રાજી છે. ભગવાનના ભક્ત સાથે કોઈ પ્રકારની આંટી ન રાખવી. વંટોળિયાને છોકરાં ધૂળ ઉડાડે ને ખાસડે મારે ત્યારે આંટી મેલી દે છે, તેમ આપણે આંટી ન મેલીએ તો શ્રીજીમહારાજ ખાસડે મારે, માટે કોઈ પ્રકારની આંટી રાખવી નહીં. શ્રીજી કે એમના ભક્ત મુકાવે તો તરત આંટી મૂકી દેવી પણ દક્ષને બકરાનું મોઢું થયું ત્યારે આંટી મૂકી એમ ન કરવું. જો નિર્ગુણ થઈને શ્રીજીમહારાજને પધરાવી દે તો દોષ રવાના થઈ જાય. એ બધા માયાના ગુણ છે. તે માયાથી નોખા થાવું તો ભક્ત ખરા. જ્યાં સુધી પ્રકૃતિની છાયામાં રહેશો ત્યાં સુધી રાગ ટળવાના નથી, મૂર્તિ પધરાવી દે તો માયા નાશ પામે. જેમ વૃક્ષની છાયામાં તાપ ટળી જાય છે તેમ મૂર્તિને જોગે માયા નાશ પામી જાય છે ને શીતળ ને શાંત એવું મૂર્તિનું સુખ મળે છે. શ્રીજીમહારાજને અને મોટા મુક્તને સાથે રાખે તો જેમ બાપ પોતાના દીકરાને પોતાનો ખજીનો આપે છે, તેમ શ્રીજી ને મુક્ત તે પોતાનો સુખરૂપી ખજીનો ભક્તને આપે છે. વાર્તાની સમાપ્તિ કરી.
પછી વચનામૃત વાંચવા માંડ્યું, તે મધ્ય પ્રકરણનું ૬૨મું વચનામૃત આવ્યું. તેમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે તથા શ્રી રઘુવીરજી મહારાજે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યા એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે ને શ્રી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યા તે એવું મોટા સદ્ગુરુઓએ એમને શિખવાડ્યું હતું. આજના આચાર્યોને સંતો કેવો ઉપદેશ આપે છે તે કહો. ત્યારે સંતોએ કહ્યું જે, આજના એવી રુચિવાળા નથી, માટે શી રીતે શિખવાડાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે આદિ આચાર્ય જે બે ગાદીએ બેસાર્યા હતા તે તો પોતાના ધામમાંથી પોતાની સાથે લાવેલા હતા. તેમણે શ્રીજીમહારાજની પેઠે જ સર્વે સત્સંગને સુખિયો કર્યો; હવે તો એવાં સુખ આવે તેમ નથી. ।। ૧૫૭ ।।
વાર્તા ૧૫૮
ફાગણ સુદ ૫ને રોજ સવારે સભામાં સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, થોડી બુદ્ધિવાળાને કોઈના દોષ નહિ સૂઝતા હોય તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, થોડી બુદ્ધિવાળાને મૂઢપણું છે ને મોટાને વિષે વિશ્વાસ ને હેત હોય તેથી કોઈના દોષ સૂઝે નહિ અને એને સંતનું વચન અકેકું લાખો હીરાનું થઈ પડે ને દોષ તો દેખવામાં આવે જ નહીં. આ રામપરના ધનબાઈના ભાઈ દેવશી ભક્ત ભોળા હતા તે બીજા હરિભક્તોને શ્રીજીમહારાજની વાતો કરતા, તે જોઈને કુસંગીઓ મશ્કરીમાં હસે; ત્યારે તે ભક્ત બોલે જે, જુઓ ! આ ભક્ત વાતોમાં કેવું સમજે છે ને એને કેવો મહિમા છે તે વાતો સાંભળીને રાજી થાય છે. એવા વિશ્વાસુ હતા તે એમને કુસંગીના દોષ દેખવામાં આવ્યા નહીં. વ્યાવહારિક બુદ્ધિ કાંઈ કામમાં આવતી નથી. દીવાનજીને હાથમાં વચનામૃત આપીએ તો તે શું સમજે ? વ્યાવહારિક બુદ્ધિમાં રાગ-દ્વેષ ગરે ને પ્રશ્ન-ઉત્તરમાં પણ વિક્ષેપ થઈ જાય ને ભગવાન ભુલાય; માટે વ્યાવહારિક બુદ્ધિ મોક્ષના ઉપયોગમાં આવતી નથી. બાળક અવળું ચાલે ત્યારે એને ધીરે રહીને સમજાવવું. વાતમાં રાગ-દ્વેષ થાય તો વાત, કથા, દર્શન તે ગમે નહિ, માટે વાત કરનારે સમુદ્ર જેવા થઈ રહેવું. ગુણ નહિ આવવા દેવાનો ખટકો રાખવો અને વાંચનાર વાંચતાં કોઈ અક્ષર ભૂલી જાય તો તેને બતાવવું ને શાંતિ રાખીને સમજાવવું. સમજનારે પણ શાંતિ રાખીને સમજવું; પણ ધમાધમ કરવી નહિ ને રાગ-દ્વેષ ન રાખવો. શ્રીજીમહારાજનાં વચનની સાહેદી લેવી, પણ જાડી બુદ્ધિએ કરીને જેમ તેમ ન બોલવું. વચનામૃતમાં ન હોય ને તેથી બીજું કહેતા હોય તો તે ન માનવું ને વચનામૃતમાં હોય તેને તો સત્ય માનવું પણ તેમાં બીજા કોઈ ગ્રંથની સાખ ન ગોતવી. વચનામૃતમાં જે વાત હોય તે સમજાય નહિ તો તે જાડી બુદ્ધિ કહેવાય, માટે વચનામૃત પ્રમાણે કહેતા હોય તેની વાત ખોટી ન માનવી. મોટાની વાતોની સાખ પણ વચનામૃતને મળતી આવતી હોય તેટલી જ લેવી અને વચનામૃતને મળતી ન આવે તો ન લેવી. વચનામૃતને મુખ્ય માનવાં ને વચનામૃતમાંથી જે શબ્દ બતાવે તે માનવા પણ વચનામૃતમાં કોઈની સાખ ન લેવી. સંતને વિષે બરોબરિયાપણું ન કરવું પણ મહિમા સમજવો. બંદરાના નારણજીએ સ્વામી અક્ષરજીવનદાસજીને જારના છોડમાત્રને હાથ દેવરાવ્યા, તે એમ જાણીને કે એ ખડને ને દાણાને જે જમશે તે ઢોરનો ને માણસનો મોક્ષ થશે, એવો મહિમા આપણે સમજવો. આ સંત તો શ્રીજીમહારાજની સભા છે ને એમને શ્રીજીમહારાજ બોલાવે છે. તેમનાં વચનને માન તથા બુદ્ધિનો ડોડ મૂકીને તથા વૈરાગ્યનો ડોડ મૂકીને માનવાં. નારણજીના દીકરા રવાજીને ઘેર અમે ગયા ત્યારે એની સ્ત્રીને કહે જે, અનાદિમુક્ત આવ્યા છે માટે ઘરમાંથી નીકળીને એમનાં દર્શન કરો; નહિ તો યમ લઈ જશે, કોઈ ધણી નહિ થાય. ત્યારે અમે કહ્યું જે, તમે છેટે જાઓ તો આવે. ત્યારે તે કહે જે, “એને કલ્યાણની ગરજ હોય તો ઓઝલ છોડીને દર્શન કરે, હું તો દર્શન મૂકીને છેટે નહિ જાઉં.” એવો એેમનો પ્રેમ; અને બબ્બે દાણા પુંખના સંતોને જમાડીને રાજી થયા જે, “મારી રસોઈ મુક્ત જમ્યા” એવો એમનો વિશ્વાસ. માટે વિશ્વાસ રાખીને મોટાની વાત સાંભળવી. મોટાને વિષે હેત ન હોય તો મોટાના શબ્દ ડુંગર જેવડા થઈ પડે ને એકેય શબ્દ મનાય નહીં. મોટાને વિષે હેત અને વિશ્વાસ રાખીએ તો વાત મનાય ને સમજાય ને તેથી બહુ કામ થાય. વચનામૃત નિત્ય નિત્ય વાંચીએ છીએ તોપણ નવું નવું સમજાતું જાય છે. આ સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ છે અને શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી મુક્તાનંદ સ્વામી જેવા પૂછનારા છે ને મહારાજ ઉત્તર કરે છે ને પોતાના મુક્ત પાસે કરાવે છે. આ સભામાં એ સર્વે બેઠા છે ને ચંદન, પૂજા, આરતી ઉતારે છે ને હાર પહેરાવે છે, એવી આ સભા છે. એવી જાણે તો વાતમાં તર્ક ન થાય અને એવું દેખાતું ન હોય તો જાણવું જે મને માયારૂપી પડળ વળગ્યાં છે. જો આડા-અવળા બુદ્ધિને ડહાપણે હાલીએ તો મહારાજ ને મોટા હસે છે, માટે સભામાં આડા-અવળા ન થાવું. કોણ પાર પામ્યો છે તે મહિમાની બંધી કરવી ? કોઈ પાર પામે એમ નથી. શ્રીજીના ને મુક્તના મહિમાનો પાર પામવો તે રમતવાત નથી. સાત સમુદ્રની શાહી કરે, પૃથ્વીનો કાગળ કરે ને વૃક્ષમાત્રની કલમો કરે ને કલ્પની આયુષ્ય કરે ને લખે તોપણ પાર આવે તેમ નથી. મોટા મોટા ઈશ્વરકોટિ ને બ્રહ્મકોટિ ને તેથી પર મૂળઅક્ષરકોટિ તે જેને જાણી શકતા નથી અને સદા સમીપે રહેનારા એવા પરમએકાંતિક સિદ્ધમુક્ત તે પણ પૂરો મહિમા જાણી શકતા નથી તેમજ મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે તે પણ જેના મહિમાનો પાર પામી શકતા નથી તો આપણી શી બુદ્ધિ જે પાર પામીએ ? શ્રીજીમહારાજે પોતે પણ કહ્યું છે જે અમારા મહિમાનો અમે પાર પામતા નથી તો બીજો કોણ પાર પામે ? માટે કોઈ કહેશે જે શ્રીજીમહારાજ તો આવા જ છે તે તો એણે એના ઘરનું ઘાલ્યું. તે ઘરનું ઘાલવાથી પૂરું ન થાય. આ સંપ્રદાય શ્રીજીમહારાજે તથા મોટા મોટા સદ્. શ્રી મુક્તાનંદ સ્વામી, શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી નિત્યાનંદ સ્વામી એવા મોટાએ પૃથ્વી ઉપર આવીને અનંત જીવોના કલ્યાણને અર્થે ચલાવ્યો છે. આજ મોટા અધિકારીઓએ તો કાયમ રાખવો અને સાધુ-સત્સંગીને તથા ગરીબ-ગરબાંને સુખી કરવાં. કોઈને વિક્ષેપ ન થાય ને ત્યાગી તથા ગૃહસ્થો ભગવાન ભજે એવું કરી દેવું તો શ્રીજીમહારાજ બહુ રાજી થાય. માટે મોટેરાઓએ ધર્મમાં વર્તીને ને વર્તાવીને આ સંપ્રદાયની રીતિ ચલાવવી. શ્રીજીમહારાજના વચનમાં વર્તો ને વર્તાવો તો શ્રીજીમહારાજ અતિશે રાજી થાય. આ સત્સંગમાં ગરીબ સાધુ અને ગરીબ સત્સંગી ઉપર રહેમની નજર રાખવી ને સુખિયા રાખવા તો મહારાજ ને મોટા તથા સર્વે સત્સંગ આશીર્વાદ આપે. દેહ મૂકીને અક્ષરધામમાં ગયા કેડે પણ બધા સત્સંગનો આશીર્વાદ મળે જે, નિયમમાં રહેતા ને રખાવતા તેથી અહીં સર્વેને સુખિયા કર્યા ને પોતે સુખિયા રહ્યા; એમ આશીર્વાદ મળે. આશીર્વાદે દિવ્યભાવ આવે છે. મોટાની સારપે સૌને સારપ છે. મોટા મોટા સંત બ્રહ્માનંદ સ્વામી આદિ સભામાં બેસતા ને આજ પણ એવા ને એવા જ છે. અક્ષરધામની સભાના છે ને મૂર્તિની સભાના કહેનારા આવ્યા છે. એમનું ન માનીએ તો આપણે કઈ જગ્યામાં રહેવું ? મોક્ષનો દરવાજો બંધ કરવો નહીં. આથી પછી બીજા કિયા કહેનારા આવશે ? આજ અભયદાન આપે છે તે માયામાંથી મુક્ત કરીને તથા સર્વે આવરણ ટાળીને મહારાજની મૂર્તિમાં બેસારી દે છે, માટે દાસપણું રાખવું. આ સભા મળે તેમ નથી માટે એનાં વચન સત્ય માનવાં ને પૂરું કરી લેવું. અક્ષરજીવનદાસજી સ્વામી સુખી રહેતા અને રાખતા. લીલાપુરના સ્ટેશને શેદલાવાળા પુરાણી પ્રાણજીવન આવીને “કાનજીભાઈ માંદા છે.” એમ કહીને અમને શેદલે લઈ ગયા, ત્યારે વલુ પટેલે કહ્યું જે, અમે રસોઈ તૈયાર કરાવી છે તે તમે સંકલ્પે કરીને જમી ગયા ને દાસને પ્રસાદી રહી, એમ બોલ્યા ને રજા આપી, તેના ઉપર અમે રાજી થયા. વળતા કચ્છમાં આવતાં અમારે જાવું હતું પણ જાદવજીભાઈ માંદા હતા તેથી અમે કચ્છમાં આવ્યા ને સ્વામી લીલાપુર ગયા. દાસ ઉપર એવા રાજી થયા, માટે દાસપણામાં સુખ છે. “દાસ તમારા દાસનો, મને રાખો નાથ હજૂર.” એમ પ્રેમાનંદ સ્વામીએ પણ માગ્યું છે, માટે દાસપણું રાખવું, અને સત્સંગની ખબર રાખવી તો મહારાજ રાજી થઈને અક્ષરધામમાં લઈ જાશે. પોતાની સામર્થી પ્રમાણે આ સંપ્રદાય સુધારવો તેમાં શ્રીજીમહારાજનો રાજીપો બહુ છે. માટે સાધુ થવું, ને રજ, તમ ન લાવવો ને જાણપણું રાખવું. ।। ૧૫૮ ।।
વાર્તા ૧૫૯
ફાગણ સુદ ૫ને રોજ સાંજે સભામાં અબડાસાના જીવા પટેલ આદિ હરિભક્તો આવ્યા હતા. તે વખતે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે છાણીના શૂદ્ર ભક્ત, મોઢ બ્રાહ્મણ આગળ બે-ચાર શ્લોક બોલ્યા ને તેનો ઉત્તર કરવાનું કહ્યું. તે મોઢ બ્રાહ્મણથી થયો નહિ તેથી તેણે શૂદ્ર ભક્તનાં વખાણ કર્યાં. તે શૂદ્ર ભક્તો નાત-જાતને ત્યાગીને ભગવાન ભજે છે, તેમ જ અબડાસાના હરિભક્તો પણ મોક્ષનો દરવાજો આ ઠેકાણે જાણીને એંસી ગામની દસ-પંદર હજાર ઘરની નાત ત્યાગીને શ્રીજીમહારાજને શરણે થયા છે, એમના ઉપર શ્રીજીમહારાજનો બહુ જ રાજીપો છે. જેણે નાત-જાત, માબાપ, દીકરા, ભાઈ, સંબંધી સર્વેનો ત્યાગ કર્યો તેણે લોયાના ૩જા વચનામૃતમાં કહ્યા પ્રમાણે “મહાત્મ્ય જાણે તેનાથી અમારે અર્થે શું ન થાય ?” તેવું એમણે કર્યું છે. દસ-વીસ પેઢીની ભૂલ ઓળખીને શ્રીજીને શરણે થયા એમને ધન્ય છે. આવા મુમુક્ષુને શ્રીજીમહારાજ અને અમે અક્ષરધામમાં લઈ જઈશું, એ શ્રીજીનો ને મોટાનો પ્રતાપ છે. તે પુરુષોત્તમ ભગવાન પ્રગટ્યા ને મોક્ષનો બરાબર દરવાજો આપ્યો ત્યારે સર્વેમાંથી તૂટીને આ જોગમાં આવ્યા. બીજા અવતારોના જોગમાં ન આવ્યા ને આ મોટા અવસરમાં આવીને શ્રીજીમહારાજના ને સંતના થયા. તેમને તથા છાણીના શુદ્ર ભક્તને તથા સુંદરિયાણાવાળા વનાશા તથા પુંજાશાને ધન્ય છે. તેમણે કારસો વેઠીને સત્સંગ રાખ્યો છે માટે તેમનાથી સાધનભક્તિ ઓછી થાય તોપણ શ્રીજીમહારાજ એમના ઉપર બહુ જ રાજી છે. જેવો અભય પુત્રને ધન્ય, તેવો જ એમને ધન્ય છે. ધન્ય છે જીવા પટેલને જે એમણે પોતાના દીકરાને કાઢી મૂક્યો ને સત્સંગ રાખ્યો. આપણો તો સત્સંગમાં જ જન્મ છે માટે આપણા કરતાં એમને ઘણો જ ધન્ય છે. વળી પોતાની સ્ત્રીને પણ કાઢી મૂકીને કહ્યું કે, જો સત્સંગી થાઓ તો રહો, ને સત્સંગ ન રાખો તો સત્સંગ મૂકીને જાઓ. જો આવાનો લક્ષ લઈએ તો આપણે બહુ જ કામ આવે. કેટલાક સત્સંગી તો સાધુ જો લગારેક મરડે તો સત્સંગ મૂકીને બહાર જાય એવા હોય ને ઉપરથી તો અટાટોપ રાખે. તે અટાટોપ શું ? તો ઉપર ઉપરથી સ્વામિનારાયણનો વેશ રાખે, ત્યારે જાણવું જે એને શ્રીજીમહારાજનો નિશ્ચય નથી. જે ઉપાસક હોય તે તો સત્સંગની પ્રથાથી ઊલટી રીતે વર્તે નહીં. અબડાસાવાળાને શ્રીજીમહારાજનો નિશ્ચય પરિપક્વ છે. વાર્તાની સમાપ્તિ કરી.
પછી ‘ભક્તચિંતામણિ’ વંચાતી હતી. તેમાં ૭૨મા પ્રકરણમાં કુશળકુંવરબાઈની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ કુશળકુંવરબાઈએ શ્રીજીમહારાજને રાજ્ય સોંપવાનું કર્યું પણ મહારાજ રહ્યા નહિ ને તે બાઈ મહારાજની મૂર્તિ ધારીને બેસી રહ્યાં અને પંદર દિવસે દેહ પડી ગયો ત્યારે મહારાજ ધામમાં લઈ ગયા. તમે ને તમારા સ્વામી એવા છો, એટલે શ્રીજીમહારાજ ને સંત એવા છે જે જીવને મૂકે નહિ, લઈ જ જાય. આ સંતનો એવો મહિમા સમજવો અને શુદ્ધ સત્ત્વગુણમાં રહેવું ને સર્વે ક્રિયા શુદ્ધ સત્ત્વમાં રહીને કરવી. તે શુદ્ધ સત્ત્વ તે શું ? તો આત્માને વિષે મૂર્તિ પધરાવવી ને સદા સાથે રાખીને કથા-વાર્તા, આદિ ક્રિયા કરવી પરંતુ મૂર્તિને ભૂલીને કોઈ ક્રિયા કરવી નહિ તે શુદ્ધ સત્ત્વ કહેવાય. તેમાં રજ, તમ તથા માયાનો સત્ત્વગુણ તે ન ભળે, પણ જો શ્રીજીમહારાજને સાથે ન રાખે તો વાતચીત અથવા જે જે ક્રિયા કરે તેમાં રજ, તમ તથા મલિન સત્ત્વગુણ એટલે માયાનો સત્ત્વગુણ તે ભળી જાય. અમારે અહીં લોકનાથાનંદ સ્વામી તથા બદરિનાથાનંદ સ્વામી આવ્યા હતા. તેમના ભેળા લક્ષ્મણદાસજી નામે સાધુ હતા. તેમણે એક મહિનો વૃષપુરમાં રામાયણ વાંચ્યું. તેમને અમે છેલ્લે દિવસે કહ્યું જે સ્વામી, તમે દોરડું હાથમાં રાખીને સમુદ્રમાં હિલોળા દીધા કે દોરડું મૂકી દઈને દીધા ? ત્યારે તે બોલ્યા જે, એ શું કહ્યું કાંઈ સમજાયું નહીં. ત્યારે અમે કહ્યું જે, શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રાખીને કથા કરી હતી કે મૂર્તિ ભૂલીને કરી ? અમે તમારી કથા એક મહિનો સાંભળી પણ ક્યાંય મહારાજનું નામ તો આવ્યું નહિ; માટે એવા લૂખા રહેવું નહીં. આજ કોઈ એમ કહે જે, અક્ષરધામમાંથી મુક્ત ઊતરી આવ્યા છે ને ભૂજમાં છે, તો આ સભામાં સાધુ કે સત્સંગી કોઈ ઊભો રહે નહિ; બધાય ત્યાં જાય. આ સભામાં શ્રીજીમહારાજ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધાય બેઠા છે પણ તેમને વિષે મનુષ્યભાવ છે તેથી અહીં ન રહેવાય ને ભૂજ જવાય. આ લોકને વિષે રાજા છે તે મનુષ્ય છે તોપણ તેને વિષે મનુષ્યભાવ નથી લાવતા ને જેમ કહે તેમ કરવું પડે છે, તો આ તો દિવ્ય મૂર્તિઓ છે માટે તે અત્યારે ખરા બપોર કહે તોપણ જીવમાંથી હા પાડવી જોઈએ; કેમ કે એમને તો રાત્રિ-દિવસ છે જ નહીં. આપણે જેમ દિવસે સૂઈ, ઊઠીને નહાતા નથી ને પૂજા કરતા નથી અને રાત્રિએ સૂઈએ તો સવારે ઊઠીને દાતણ, નાહવું, પૂજા, બધું કરવું પડે છે તેમ મોટાને રાત્રિ-દિવસ નથી, માટે તે જે કહે તે સત્ય માનવું તો મનુષ્યભાવ ટળે ને દિવ્યભાવ આવે ને કલ્યાણ થાય. તમે એવા છો પણ તમને તમારી સામર્થીની ખબર પડતી નથી. જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતાના બળની ખબર પડી નહિ; પણ જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે પડી. તેમ તમારામાં અપાર સામર્થી છે પણ તમને ખબર નથી. તમે એક જીવને અક્ષરધામમાં મૂકો તો બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ થાય, તે કેવી રીતે તો ઉદ્ભિજ, જરાયુજ, સ્વેદજ અને અંડજ એ ચાર ખાણમાં એ જીવને ફરવું પડે છે તે ફરવાનું મટી જાય, તેથી બ્રહ્માંડના જીવને ઉગાર્યા જેટલું ફળ એક જીવને ઉગારવાથી થાય છે. આ સભાને એવી જાણે તેને બહુ સુખ આવે પણ તે વિના સુખ ન આવે. આ સભાનો મહિમા સમજીને વાતચીત કરવી ને સાંભળવી, તો સમાસ ઘણો થાય. ।।૧૫૯ ।।
વાર્તા ૧૬૦
ફાગણ સુદ ૬ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, વ્યાવહારિક કામમાં સાધુ અમંગળિક છે, માટે જેટલો વ્યાવહારિક કામમાં ભાગ રાખે તેટલું દુઃખ આવે; પછી મહારાજને માથે નાખે જે શ્રીજીમહારાજની મરજી હશે તેથી એમ થયું હશે. પણ એમાં શ્રીજીમહારાજ શું કરે ? એ તો સ્વભાવ-પ્રકૃતિએ થાય છે અને કેટલુંક તો ક્રિયમાણથી થાય છે, માટે મહારાજને માથે નાખવું નહીં. ભૂંડા દેશકાળ થાય છે તે પણ પુરુષને લઈને થાય છે. સત્સંગનો વ્યવહાર કરનારામાં જો શ્રીજીમહારાજ ન હોય તો એ શું સારું કરે ? ક્રિયમાણના કર્તા તો પુરુષ છે, તે પુરુષ જો સારા હોય તો સારું ચલવે ને નબળા હોય તો બગાડે. અમે તો એવા હોય તેને જાણી લઈએ જે આથી સમાસ થાશે કે નહિ થાય. એમ વાત કરીને બોલ્યા જે, સાધુનો તો અહિંસા ને બ્રહ્મચર્ય એ જ ધર્મ છે માટે કોઈ જીવ દુઃખાય એવું વચન પણ બોલવું નહીં. તમારા સંકલ્પથી જેમ જીવનાં કલ્યાણ થાય છે, તેમ જ ભૂંડું થવાનો સંકલ્પ કરો તો ભૂંડું પણ થાય; માટે ક્ષમા રાખવી. કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ કરવો નહીં. એમ વાત કરીને બોલ્યા જે, તમે શાસ્ત્ર ભણેલા છો તે એકધારી વાત કરો, અને અમે તો ટોકર-ટોકર માગીને ભેળું કરીએ છીએ, પણ એમાં ભગવાનને સાથે રાખીને વાત કરીએ છીએ. પરોક્ષના શાસ્ત્રમાં તો પૂર્વે કોઈએ દોઢ, કોઈએ બે, કોઈએ અઢી એવા ઉગાર્યા છે, તે પણ મૂળમાયામાંથી ઉગાર્યા નથી. આજ તો આ વચનામૃતને ભણે ને સમજે તો અનંત જીવનો ઉદ્ધાર કરવાની તેમાં સામર્થી આવે. જ્યારે આ વચનામૃત ભણવા અને કથા કરવા પાટે બેસવું ત્યારે એમ જાણવું જે હું પાટે બેઠો નથી પણ શ્રીજીમહારાજ બેઠા છે ને તે બોલે છે ને મહારાજ ને અનાદિમુક્ત તે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરે છે ને હું સાંભળું છું એમ જાણવું. કોઈના સામું જોવું નહિ, ફક્ત શ્રીજીમહારાજ તથા તેમના મુક્તની સભા સામું જોઈ રહેવું. પણ પોતે કર્તા ન થાવું જે હું કથા-વાર્તા કરું છું ને બીજાને સંભળાવું છું. એ તો મહારાજ ને મુક્ત મારે મુખે બોલે છે પણ હું નથી બોલતો એમ જાણવું. કોઈક પૂજા કરે તો મહારાજની અને મુક્તની કરે છે પણ મારી નથી કરતા એમ માનવું. આપણે વખત સારો આવ્યો છે કેમ જે આ મહારાજ ને મુક્ત ખરેખરો સ્વાંત વરસાવે છે તેને જો અધ્ધરથી ઝીલે તો મૂર્તિના સુખે સુખી થવાય. આ સંતને વિષે રહીને શ્રીજીમહારાજ બોલે છે, જમે છે, માટે આ સંત ને ભગવાન તેમની અન્ન, જળ, દ્રવ્યે કરીને સેવા કરવી. કોઈને એમ થાય જે સત્સંગમાં તો ઘણાય રૂપિયા છે, એમને શી ખોટ છે તે આપીએ ? ગરીબને આપણે આપીએ તો ઠીક. આ તો દરિયામાં વરસાદ થયો તોય શું ? અને ન થયો તોય શું ? સૂકામાં વરસે તો અનાજ પાકે છે તેમ ગરીબને આપીએ તો દુઃખી થતા મટે, એમ કોઈને થાય તો તેમને જણાવીએ છીએ કે સૂકામાં તો કેવળ અનાજ જ પાકે ને સમુદ્રમાં વરસવાથી તો સાચાં મોતી પાકે. એટલે સત્સંગમાં ધનથી કે અન્ન-જળાદિકથી સેવા કરે તો સાચાં મોતીરૂપી આત્યંતિક મોક્ષ થાય છે તેવો બીજે મોક્ષ નથી, માટે જે જે સેવા કરવી તે સત્સંગમાં જ કરવી ને તે દિવ્ય જાણીને કરવી. આ સંત કેવા છે તો અકેકા સંતમાં શ્રીજીમહારાજ અને અનંત મુક્ત રહ્યા છે, તેથી એક સંતની સેવા કરે તો શ્રીજીમહારાજની ને અનંત મુક્તની સેવા જેટલું ફળ થાય છે, એવી આ સેવા છે. ।। ૧૬૦ ।।
વાર્તા ૧૬૧
ફાગણ સુદ ૬ ને રોજ સાંજે સભામાં ‘ભક્તચિંતામણિ’ વંચાતી હતી તેમાં સંતનાં લક્ષણ આવ્યાં. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ બનાવટિયા હીરા થાય છે, તે સાચા હીરા જેવા જણાય છે તેથી કેટલાક ઝવેરી પણ છેતરાઈ જાય છે. જો સાચો ઝવેરી હોય તો તેને ખબર પડે જે આ બનાવટિયો હીરો છે. તેમ આ સત્સંગમાં કેટલાક મુક્ત થઈ પડ્યા છે તેમને કેટલાક ખોટા માને છે તે ભેળા સાચા મુક્તને પણ ખોટા માને છે, તે જો સાચા ઝવેરી મળે તો હીરાને ઓળખાવે. જેમ સાચી મા મળે તો બાપને ઓળખાવે તેમ સાચા મુક્ત મળે તો શ્રીજીને ઓળખાવે. બીજા તો ક્યાંય ફગાવે. માટે સાચા મુક્ત ઓળખીને તેમનો જોગ કરવો, તો શ્રીજીમહારાજ મળે અને કલ્પેકલ્પ વીતી જાય તોપણ સુખનો પાર ન આવે એવું નિર્ગુણ સુખ આપે. આ જીવ ઝીણા છે તોપણ તેમને શ્રીજીમહારાજે ને મુક્તોએ કેવડું સુખ આપી દીધું છે ! એવડી બધી દયા છે. રાજાના વૈભવ રાંકને સોંપી દે તો ગંડવા થઈ જાય, તેમ આ સુખ તમને આપ્યું છે, એ સુખ આ સભામાંથી મળે છે તે પાત્ર થઈને લેવું. શ્રીજીમહારાજે એવો રસ મેલ્યો છે તે મનુષ્યભાવમાં સેવા-સમાગમનું સુખ આપે છે. જો મનુષ્યભાવ ટળી જાય ને બીજી તાણ મૂકી દે તો દેહ છતાં સુખ આવે ને મૂર્તિ, સભા ને અક્ષરધામ તે અણુ જેટલું છેટે ન રહે, પણ બહારવૃત્તિવાળાને લાખો ગાઉનું છેટું છે. આ તો બ્રહ્મસભા છે ને સુખદાયી છે. આ સભામાં શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત વિરાજે છે તેનો ખરો અનુભવ થાય તો આથી બીજું સુખ નથી. જેમ દીવો ફાનસમાં હોય પણ કાચના આવરણને ભેદીને અજવાળું કરે છે, તેમ જીવ પોતે દિવ્ય થાય તો આવરણ ન રહે ને મૂર્તિનું સુખ આવે. આ સભા પાસેથી જેટલું સુખ લઈએ તેટલું મળે એવું છે પણ વિશ્વાસ નથી. શ્રીજીમહારાજ અને અનાદિમુક્ત આ સભામાં સાક્ષાત્ બિરાજે છે એવી આ સભા ભાસતી નથી, એ જ નાસ્તિકભાવ છે. બ્રહ્મકોદાળ કરતાં પણ આ સભામાં છાના નાસ્તિક છે, તેને જેમ કહીએ તેમ મનાતું નથી અને મુક્તનો ખપ પણ છે. આ સભાનો અક્ષરધામની સભા જેટલો મહિમા સમજાય તો દેહ મૂકીને છેટે જાવું નથી. માયાનો પડદો ટળે તો આ સભા દિવ્ય, તેજોમય, ઝળઝળાટ તેજમાં મૂર્તિ ને મુક્ત દેખાય. ખરેખરા સિદ્ધ થાય તો આ સભાને દિવ્ય ભાળે. જ્યાં લગી માયિક દૃષ્ટિ છે ત્યાં સુધી માયિક લાગે છે. સાધુ તેડવા આવે તો ભૂજના કે અમદાવાદના આવ્યા એમ દેખે પણ દિવ્ય ન દેખે, પરંતુ આનંદઘન આ સભા છે તે તેડી જાય છે, અને મોટા મોટા અનાદિમુક્ત સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી આદિ અનંત મુક્ત દેહ મૂકીને ગયા છે, તે પણ આ સભામાં બેઠા છે; છતાં નાસ્તિકભાવ છે, તેથી મર્યાદા રહેતી નથી. મોટા મોટા અદૃશ્ય થઈ ગયા તેમના જેવો નવા સાધુનો મહિમા જાણે તો મોક્ષ થઈ ગયો જાણવો. જેમ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ કોઠારમાં હતી ત્યારે તે મૂર્તિ પાસે કોઈ કાંઈ માગતા નહોતા અને હોમ-હવન કરીને પધરાવ્યા પછી તે મૂર્તિ પાસે મોક્ષ માંગીએ છીએ, તો એક દિવસમાં એટલો ફેર પડ્યો; તેમ સંત કર્યા છે તેમને એવા દિવ્ય કલ્યાણકારી જાણવા. જ્યારે કથા થાતી હોય ત્યારે મુક્ત એમ જાણે જે પ્રત્યક્ષ શ્રીજીમહારાજ બોલે છે, ને સાધનિક એમ જાણે જે લખ્યું છે તે વંચાય છે. બત્રીસ લક્ષણે યુક્ત સંત થાય તેને આ કથા પ્રત્યક્ષ મહારાજ બોલે છે એમ જણાય, અને આ પ્રત્યક્ષ ભગવાન ને મુક્ત દિવ્ય ભાસે. માયિક અક્ષર બત્રીસ છે, તેમાં કેટલુંયે બોલાય છે ને વંચાય છે, તે માયિકમાં એટલું અપારપણું છે તો આ સભા ને મહારાજમાં શું ન હોય ? એ તો અપાર છે, માટે નાસ્તિકભાવ ટાળવો. જીવ ઝીણો અને મહારાજ ને મુક્ત મોટા તેનો પાર ક્યાંથી પમાય ? આ સભાને શ્રીજીમહારાજે મોકલી છે ને મહારાજ પણ ભેળા બિરાજે છે ને સુખ આપે છે, તે જે મુક્ત છે તે દેખે છે. આવું બીજે સુખ નથી. આ સભાનું ને મૂર્તિનું સુખ માયિકભાવ ટળે તો જણાય ને ત્રણે અવસ્થામાં સુખિયા થઈ જવાય. આજ ત્રણે અવસ્થામાં મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દે, એવા તમને મળ્યા છે, તે અનુભવે મળ્યા હોય તો પૂરા મળ્યા કહેવાય. જીવાત્માને વિષે સાક્ષાત્કાર થાય તે અનુભવ કહેવાય. આ વાત એકાંતિક ભક્ત આગળ કરવી. જ્યારે કુસંગીને વાત કરવી ત્યારે રામકૃષ્ણ નામે મહારાજ થયા હતા. અને આજ સ્વામિનારાયણ નામે થયા છે એમ કહેવું. નિશ્ચયની વાત અટપટી છે, જેને નિશ્ચય ન થયો હોય તે કહે જે, જાઓ, તમારો છેલ્લો જન્મ; એમ કહે તો ખરા પણ તેમાં કાંઈ વળે નહીં. જેણે શ્રીજીમહારાજની મૂર્તિ રાખી હોય ને મહારાજના ગુણ આવ્યા હોય, તે તો સંકલ્પમાત્રમાં કલ્યાણ કરે. જેમાં શ્રીજીમહારાજના જેવા ગુણ હોય તેને કલ્યાણની કૂંચી આપે છે, ને તેને જ કલ્યાણની સોંપણી કરે છે, અને જે એવા ગુણે યુક્ત ન થયા હોય ને કહે જે કલ્યાણ કરીશ, પણ તેનાથી કાંઈ ન થાય ને પોતાનું ધર્મ-જ્ઞાનાદિક સુકૃત હોય તે પણ જાતું રહે. શ્રીજીમહારાજે પોતાના જે લાડીલા ને ખાનગી હજૂરી છે તેને કલ્યાણની કૂંચી સોંપી છે. જેમ રાજાનો દેશ લેવા બીજો રાજા આવે ત્યારે પોતાને ચઢવું પડે, તેમ આ જીવને લેવા શ્રીજીમહારાજ ને એમના મુક્ત આવ્યા છે. આજ ન્યાલકરણ પધાર્યા છે, જે લેવું હોય તે લો. ખોટ બધી આ સભાના જોગથી નીકળે છે ને જાત-કુજાત જોતા નથી, સર્વેને ન્યાલ કરે છે. ।। ૧૬૧ ।।
વાર્તા ૧૬૨
ફાગણ સુદ ૭ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ રાજાનો દ્રોહ કરે તો કેદમાં નાખે તેમ ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો બહુ માર કરે, બીજા જીવનો દ્રોહ એવો માર ન કરે. શ્રીજીમહારાજે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહિ એમ કહ્યું છે, માટે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો જીવ નાશ પામે. સાધુનો ને સત્સંગીનો દ્રોહ થાય તો ભગવાનનો પણ થાય; કેમ જે દ્રોહ કરવા માંડે તો ઠેકાણું ન રહે. જેને ગુણ લેવાનો અભ્યાસ હોય તેને સર્વેનો ગુણ આવે ને સર્વે દિવ્ય જણાય; તેથી બધાયનાં દર્શન વિવેકે સહિત કરે માટે અવગુણને માર્ગે તો ચાલવું જ નહીં. કલ્યાણને ઇચ્છે તેને આ વાત અવશ્ય સમજવાની છે. જેને પોતાના દોષ ઓળખાય ને પસ્તાવો કરે ને માફી માગે તેને ધન્ય છે. એક સંતે અમારી પાસે આવીને કહ્યું કે આપ મારા ઉપર રાજી થાઓ અને જાણે-અજાણે ભૂલો થઈ હોય તે સર્વે માફ કરો. એવાને શું બાકી રહે ? તે સાધુ નિર્માની હતા માટે એવું માગ્યું.
પછી મધ્ય પ્રકરણના ૫૨મા વચનામૃતમાં ત્યાગીએ દાઢી-મૂછ ન રાખવા ને ભગવાં વસ્ત્ર રાખવાં એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજે વસ્ત્ર રાખવાનું કહ્યું તે જાડું-મોટું જે સહેજે મળે તે રાખવું, પણ જગન્નાથી કે મલમલ ન રાખવું. ધન-સ્ત્રીનો ત્યાગ રાખવો ને એક વાર પ્રસાદી જમવી, તે સાધુનો ધર્મ છે. ઢગલામાંથી ઉથલાવીને મનગમતા લેવાય તો રાગ ભળ્યો એમ જાણવું. ઝીણું લૂગડું ન પહેરવું, અંગ ન દેખાય તેવું પહેરવું. નાનું-મોટું જોઈતું હોય તો તે લેવું તે તો ઠીક; પણ ઝીણું ન લેવું. જેમ નાનું છોકરું ચોરી કરવા શીખે તે રાજાનો ખજીનો પણ ફોડે; એમ જીવને છૂટો મૂકીએ તો ચટણો થઈ જાય, માટે ચટણો થવા દેવો નહિ એ સાધુનો ધર્મ છે. ગૃહસ્થને ઘરેણાં, વસ્ત્ર, વાહન, સ્ત્રી-છોકરાં એ બધું હોય પણ તેમાં હેત ન રાખવું તો કલ્યાણ થાય. આજ મહારાજ ને મુક્ત કથા-વાર્તારૂપી અભયપદ આપે છે. આજ્ઞા પાળે નહિ ને વાસના ટાળે નહિ, તેને નવ મહિનાની કેદ મળે ને નીચે જઠરાગ્નિ બળે ને હેરાન થવું પડે, એ મોટું લાંછન છે, તે સર્વેએ પોતપોતાનું તપાસવું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, દેહ મૂકીને ધામમાં અથવા મૂર્તિમાં ગયા કેડે જે સ્થળમાં સાધન કર્યું હોય તે સાંભરતું હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ધામમાં અથવા મૂર્તિમાં ગયા કેડે હું અનાદિનો અહીં જ છું એમ જણાય છે. પણ બીજું કાંઈ સાંભરતું નથી. પછી વાત કરી જે, માળા ને માનસીપૂજામાં, કથા-વાર્તામાં, ધ્યાન-ભજનમાં લગની લગાડવી તે ખાટલો શોભાડવો. ચક્રવર્તી રાજ્ય મળે ત્યારે લાકડાના ભારા ઉપાડવાની ઇચ્છા ન રાખવી એટલે મહારાજ તેડવા આવે ત્યારે અહીં રહેવાનો સંકલ્પ ન રાખવો. અણદા ભક્તને તેડવા શ્રીજીમહારાજ ને મુક્ત આવ્યા ત્યારે તે બોલ્યા જે, મહારાજ ને મુક્ત આવ્યા છે તે મુક્ત વડે બધું બ્રહ્માંડ ભરાઈ ગયું છે, તે માર્ગ નથી તો મહારાજ પાસે કઈ જગ્યાએ થઈને જવું, એમ બોલ્યા. બહારવૃત્તિવાળાને ધ્યાન કરતાં સિદ્ધિઓ દેખાય છે ને સમાધિમાં પણ સિદ્ધિઓ દેખાય છે ને દેહ મૂકીને પણ સિદ્ધિઓ મૂર્તિમાન દેખાય છે, તેમ અંતર્વૃત્તિવાળાને અહીં દેહ છતાં માન, મોટપ, યશ, પ્રસિદ્ધિ આદિક સિદ્ધિઓ આવે છે; માટે લક્ષાવધિ માણસો માને, અને માન, સન્માન, પૂજા, પ્રતિષ્ઠા, જે થાય, તે સર્વે મહાપ્રભુજીને થાય છે એમ માનવું, પણ મને થાય છે એમ ન માનવું. શ્રીજીમહારાજ વડે મોટપ છે પણ કોઈ જાણે જે હું મોટો છું તો એનું તો થઈ જ રહ્યું. એમાં રૂડા ગુણ પણ ન આવે. એક સમયે શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા ત્યારે કોઈને એમ થયું જે આ પૂજા આદિ આપણને થાય છે માટે આપણે પણ કાંઈક છીએ ખરા, પછી શ્રીજીમહારાજે એમના મસ્તક ઉપર બીજી દિવ્ય તેજોમય સભા કરીને પૂજા કરી, તે જોઈને તે સંતે કહ્યું જે, આ અમારા મસ્તક ઉપર તેજોમય સભા છે તે કોણ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમે અમને મૂકી દઈને નોખા પડ્યા ત્યારે અમે અક્ષરધામની સભા કરી.” માટે માન-સન્માન આદિના ધણી શ્રીજીને અને મોટાને કરવા પણ પોતાને માથે લઈને ધણી થાવું નહિ અને આ સભાથી બીજે સ્થળે કલ્યાણ માનવું નહિ, તેમજ આથી બીજી સભા અક્ષરધામમાં જુદી છે એમ પણ ન માનવું. જ્યારે ઉપશમ થાય ત્યારે માયાના ગુણ બધાયે જાય ને ઠરાવ જાય ને મૂળઅક્ષર પર્યંત કોઈ રોકે નહીં. આગળ તો સાઠ હજાર વર્ષના તપવાળાને ને રાફડા થઈ જનારાઓને પણ માયાના ગુણ ગયા નહોતા માટે ધણીના થઈને રહેવું. સત્કાર થાય છે તે ધણીને થાય છે અને અપકાર (અપમાન) થાય છે તે દેહને થાય છે એમ જાણે તો તે કરોડો જીવને સુખિયા કરે એવો થાય. મહાપ્રભુજી બોલતા જાય છે તોય વિશ્વાસ ન આવે ત્યારે હવે તો છડી ઝાલવી પડે કે નહીં ? શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેવા અમને જાણે તેવો થાય; માટે સમજવાનું બહુ છે પણ પોતાને સમજાય નહિ ને બીજાનું મનાય નહિ, તે ઘાંટી જબરી છે. માટે આગળનું સમજેલું મૂકી દઈને મોટા કહે તેમ માનવું. તર્ક મૂકી દેવા ને જ્ઞાનમાર્ગમાં કોઈ આઘા લઈ જાય તો આઘા ચાલવું પણ અઠે દ્વારિકા માનીને બેસી રહેવું નહિ, તત્કાળ સમજીને ચાલ્યા જવું. આ વસ્તુનો પાર પમાય તેવો નથી, અપાર વસ્તુ છે. માટે બીજું મૂકી દઈને મોટાપુરુષ શ્રીજીમહારાજનો મહિમા કહે તે સાચો માનવો. આ તો મૂળઅક્ષરથી પર એકાંતિકમુક્ત ને તેથી પર પરમ એકાંતિકમુક્ત અને તેથી પર અનાદિમુક્ત મૂર્તિમાં રહ્યા છે તે મળ્યા છે ને તેમના ભેળું મૂર્તિમાં રહેવું છે, તેમાં શંકા થાશે તો અધૂરું રહેશે ને નવ મહિનાની કેદ મળશે. મૂળઅક્ષરકોટિ તથા તેથી નીચે બ્રહ્મકોટિ તથા તેથી નીચે કૃષ્ણાદિક બીજા અવતારો તે સર્વે અન્વય સ્વરૂપમાંથી થયા છે, અને વ્યતિરેક સ્વરૂપે તો મુક્તને મળ્યા છે પણ મૂળઅક્ષરાદિકને કોઈને મળ્યા નથી. એમાં તો અન્વય એટલે શ્રીજીમહારાજના તેજરૂપી ઐશ્વર્ય રહ્યું છે. સત્સંગમાં ચાલોચાલ ભક્તોમાં અંદર પડદે રહ્યા છે અને એકાંતિકમાં વ્યતિરેક એટલે મૂર્તિમાન રહ્યા છે, અને પરમએકાંતિકને સન્મુખ રહ્યા છે, ને અનાદિ તો મૂર્તિમાં જ રહ્યા છે; એ તો બહુ સુખિયા છે ને એમની તો વાત જુદી છે. તે ભગવાન અહીં સાક્ષાત્ વિરાજે છે. ।। ૧૬૨ ।।
વાર્તા ૧૬૩
ફાગણ સુદ ૮ને રોજ સભામાં છેલ્લા પ્રકરણનું ૧૨મું વચનામૃત વંચાતું હતું, તેમાં માનની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માન જબરી ચીજ છે. માનવાળો લાખો રૂપિયાની સેવા કરે ને ભગવાનને ભગવાન જાણે અને સંતને કલ્યાણકારી જાણે તોપણ માનને આગળ ને આગળ રાખે, તે માનવાળો જીવે નહિ એટલે મોક્ષના માર્ગથી પડી જાય. પણ માન મૂકીને ભગવાન અને સંતને રાજી કરે તો સુખના સમુદ્રમાં ઝીલે. શ્રીજીમહારાજને અને સભાને ભેળી રાખીને કોઈકને વર્તમાન ધરાવે તો તે વર્તમાન ધારનારનું આત્યંતિક કલ્યાણ થાય પણ પોતે એકલો-લૂખો થઈને ધરાવે તો ધારનારનું બીજબળ થાય. અન્ન-જળાદિક અંગીકાર કરવામાં પણ શ્રીજીને તથા મુક્તને ભેળા રાખે, તો તે અન્ન-જળાદિક દિવ્ય થઈ જાય ને અર્પણ કરનારને મહારાજનું સુખ મળે; પણ પોતાપણું લાવીને અંગીકાર કરે તો અર્પણ કરનારનું બીજબળ થાય. શ્રીજીનો નિશ્ચય રાખીને આજ્ઞામાં નહિ રહે તો તેને ને અમારે લેવાદેવા નથી. અને આજ્ઞામાં રહીને પુરુષોત્તમરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાશે તે સુખિયા થશે; માટે સત્સંગ થયા પછી ચઢતો ને ચઢતો રંગ રાખવો. ત્યાગીએ ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી જેવા થાવું ને ગૃહસ્થોએ પર્વતભાઈ આદિ જેવા થાવું. ત્યાગી તથા ગૃહસ્થ તે સાધુ કે હરિભક્ત કહેવાય એમ જાણીને બેસી રહે તો લૂખા રહે. કોઈકનો અવગુણ આવે તો સત્સંગમાં મડદા જેવો રહે એ મોટો દોષ છે, માટે પંચવર્તમાને યુક્ત એવા સંતનો કે હરિજનનો દ્રોહ થઈ જાય, તો તેની આગળ દંડવત, વિનય, પ્રાર્થના, હાથ જોડીને કરે તો પ્રાયશ્ચિત્ત થઈ જાય ને દ્રોહ ટળી જાય; પણ માન હોય તો એમ ન થાય. શ્રીજીમહારાજને અંતર્યામી જાણે તોપણ તે માન વસ્તુ ભેળી રાખે તો તે બહુ નુકસાન કરનાર છે. કોઈ કહે જે સર્પ જેવો છે કે રાક્ષસ જેવો છે તો ખમાય નહિ પણ પોતાની મેળે સર્પ જેવો કે રાક્ષસ જેવો થાય. જો કોઈ માનનું ખંડન કરે તો ક્રોધ આવી જાય તે સર્પનો દેહ જાણવો, કેમ કે તે વખતે ગુરુની કે સભાની કે ઇષ્ટદેવની માઝા રહે નહીં. ક્રોધ પહેલો ઉત્પન્ન કરનારને દસગણું પાપ લાગે છે, કેમ જે બીજામાં નહોતો તે તેણે ઉપજાવ્યો. માન, ઈર્ષ્યા ને ક્રોધ, તે મોક્ષનો માર્ગ ને વ્યવહાર એ બેય બગાડે એવા છે તોપણ તેને જીવ મૂકતાં નથી. એ તો કાંઈ કામનાં નથી. ઊલટું ભૂંડું કરે એવાં છે માટે તેને રાખવાં નહીં. દુર્વાસાને ક્રોધ હતો તે મહાઘોર કહેવાણા પણ સાધુ ન કહેવાણા. ક્રોધવાળાથી સાધુ-હરિજન બીએ, તેથી ગુનામાં આવી જવાય. શ્રીજીમહારાજનાં વચન ખોટાં નથી. ક્રોધ આવે તે ટાણે જ તેને સમાવી દે તો મહારાજ રાજી થાય, પણ પછી વિચાર થાય તેમાં રાજી ન થાય; માટે ક્રોધ આવ્યો કે તરત જ મૂંઝાવીને બેસારી દેવો. શ્રીજીમહારાજે કહ્યું છે જે, લાખ રૂપિયાનો બગાડ કરે તોપણ અમને ક્રોધ નથી આવતો. આપણે પણ મહારાજના છીએ માટે ક્રોધ ન રાખવો, ને શુદ્ધ સત્ત્વગુણી થઈને ટાઢા શીતળ જેવા થઈ રહેવું; અને વાદ-વિવાદમાં પણ ક્રોધ ન કરવો. દાસપણું રાખે તો નિયંતા ન થવાય, કેમ કે તે હાજી હાજી કરે, માટે દાસત્વભક્તિ બહુ વિશેષ છે. આ લોકમાં માન, મોટપ, યશ, કીર્તિ, તેમાં કાંઈ માલ નથી. માનાદિક કાંઈ ન હોય તેના ઉપર શ્રીજીમહારાજને અને મુક્તને હેત વધતું જાય છે. માયાના સત્ત્વગુણવાળાને કોઈ ગોદો મારે તો તરત ક્રોધ નીકળી આવે, પણ નિર્ગુણ થાય તેને ક્રોધ ન આવે, માટે શીળવંતા સાધુ થાવું. ત્રણ દેહના ભાવ ટાળીને ખરા સાધુ થાવું. જે શબ્દની કિંમત કરે તે દુઃખિયો, ને ન કરે તે સુખિયો. ચામડાની નોટમાં કિંમત નાખી છે તો થાય છે, માટે સાધુએ કોઈ માન કરે, અપમાન કરે તોપણ તેની કિંમત ન કરવી. જો નબળા ઘાટ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરી નાખવું, પણ તેને સંભારવા નહીં. સંભારવાથી તે દોષની મૂર્તિ બંધાઈ જાય છે માટે વિસારી દેવા, ને જાણપણારૂપી દરવાજે ઊભા રહેવું તો આ સભામાં મનુષ્યભાવ ન આવે. સદા દિવ્યભાવ રહે પણ અભાવ ન આવે એ જાણપણારૂપી દરવાજો જાણવો અને મહારાજ વિના બીજો ઘાટ ન થવા દેવો તે પણ જાણપણારૂપી દરવાજો જાણવો. શ્વાન હાડકું ચાવે તે પોતાના મોઢામાંથી લોહી નીકળે તે જોઈને સુખિયો થાય; તેમ કામ, ક્રોધ, માનરૂપી હાડકાં ન ચાવવાં. માનાદિક દોષરૂપી કિલ્લા છે, તેને શ્રીજીમહારાજના વચનરૂપી તોપના ગોળા ખૂબ મારીએ તો એ દોષરૂપી કિલ્લા તૂટી પડે. હારવું-જીતવું તે કેસ જીત્યા એમ કહે છે, તે કેશ એ તો વાળ કહેવાય, તે વાળમાં શું કિંમત છે તે જીત્યા એમ કહેતા હશે ? જીવ તો ભૂખ, દુઃખ ને માર ભોગવે પણ સાધુ ન થાય; સાધુ થાવું કઠણ છે. શ્રીજીમહારાજે કહ્યું છે કે, એવો સાધુ તો હું છું. ભગવાનમાં હેત હોય તોપણ જ્ઞાન ન હોય તો ભગવાન વિના બીજો ઘાટ થાય, અને હેતના ભેળું જ્ઞાન હોય તો બીજો ઘાટ ન થવા દે; માટે હેત ને જ્ઞાન બેય જુદાં છે. પ્રેમલક્ષણા ભક્તિ આવે તોપણ તે ભક્તિ ને જ્ઞાન જુદાં છે. જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે એ જ્ઞાનમાં ધર્મ, ભક્તિ આદિ સર્વે આવી જાય. તેથી અનુભવજ્ઞાન સદા રહે છે. ।। ૧૬૩ ।।
વાર્તા ૧૬૪
ફાગણ સુદ ૯ને રોજ સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સત્સંગમાં કોઈકને વિષે દેહસ્વભાવ દેખાય તોપણ એને ધન્ય છે, કેમ જે આવા જોગમાં રહીને ભગવાન ભજે છે એમ જાણવું, પણ અવગુણ લેવો નહીં. પણ પંચવર્તમાનમાં ફેર પડે તો તેનો અવગુણ આવે ખરો, કેમ જે વર્તમાનમાં ફેર પડે તે નાસ્તિક છે; માટે એણે મહારાજની મર્યાદા લોપી; તેને તો મહારાજનો આશ્રિત ન જાણવો. અને આ સમૈયો છે તેમાંય દિવ્યભાવ લાવવો પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવો ભાવ આ સભાને વિષે ન લાવવો. આ સભાને વિષે દિવ્યભાવ આવે તો પ્રેમલક્ષણા ભક્તિ આવે, ને અનુભવજ્ઞાન થાય, ને આત્યંતિક મોક્ષ થાય તેવી શ્રીજીમહારાજે સહી નાખી છે. આ જોગ મહિમાએ સહિત થયો હોય તો પરભાવને પમાડે. જેમ ઝૂઝારી લડાઈમાં જાય તે કપાઈ પડે તોપણ ખબર રહે નહિ એમ આ સભામાં દિવ્યભાવ આવે તો છતા દેહે ધામમાં બેઠા છીએ એવું થઈ જાય પણ જાવાનું બાકી રહે નહીં. અહીં પ્રત્યક્ષ મહારાજ મધ્યસ્થ વિરાજે છે. ઉપાસનાવાળાને આ સભા નાશ થાતી નથી. અહીં કાશી, વૃંદાવન, જગન્નાથ તે સર્વે છે. આ સભા અનાદિ ને સનાતન છે માટે આપણે તો આ જગન્નાથ. આ પ્રસાદીનો દોષ નહિ એમ જાણવું પણ પરોક્ષ જગન્નાથમાં જઈને કેટલાક રાંધેલા ભાતની પ્રસાદી ખાઈ આવે છે તે આપણાથી ન ખવાય; ખાઈએ તો વટલાઈ ભ્રષ્ટ થવાય. આપણે તો સંતની પ્રસાદી તે જગન્નાથ જાણવું. બીજું આ બ્રહ્મસભાનો દોષ ન લેવો ને ગુણ જ લેવા. તે ગુણરૂપી બીજી પ્રસાદી જાણવી અને આ બ્રહ્મરૂપ ને દિવ્ય ને સનાતન સભા પાસેથી જ્ઞાન લેવું તે ત્રીજી પ્રસાદી છે. સૂર્ય, શિવ, શેષાદિક તે આ સંતની પ્રસાદી લેવા આવતા અને શ્રીજીમહારાજ પણ સંતના પત્તરમાંથી પ્રસાદી લેતા. આ સભા નાશ નથી થાતી પણ જે પરોક્ષમાં પ્રમાણ કરી ગયા છે તે તો નાશ પામનાર છે. આ જોગ મળ્યો છે તોપણ કેટલાક કાશી, વૃંદાવન ને દ્વારિકા જાય છે તે પતિવ્રતા ન કહેવાય. કદાપિ કોઈક હરિભક્તને રોજગાર માટે આપત્કાળે જગન્નાથ જાવું પડે તોપણ પ્રસાદી ન લેવી, જો લે તો અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય; અને સાધુ, બ્રહ્મચારીએ તો જાવું જ નહીં. શ્રી સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકામાં ગુગળીએ કહ્યું હતું જે, પ્રગટ સ્વામિનારાયણ ભગવાનને મૂકીને અહીં શા પાપે આવ્યો છું ? તે ‘ભક્તચિંતામણિ’ના ૯૨મા પ્રકરણમાં ૫૮મી ચોપાઈમાં કહ્યું છે કે “વળી કહેવાય છે પ્રભુ આપે, તેને મૂકીને આવ્યો શે પાપે.” માટે બીજે ગયા જેવું નથી. અમે નગરઠઠ્ઠામાં ગયા હતા, ત્યાં એક હરિભક્તે વૈરાગીને રસોઈ આપી ને વસ્ત્ર આપ્યાં. તેને આપણા સાધુએ કહ્યું જે, તમને વૈરાગી જે ધર્મ વિનાના છે તેને જમાડે શું મળે તેમ છે ? ત્યારે તેણે શિક્ષાપત્રી બતાવી કહ્યું જે, અભ્યાગતને આપવું એમ લખ્યું છે. તે આ અર્થને જાણતા નહોતા, પણ આ અર્થ સમજવો. બધું પ્રત્યક્ષમાં ઘટાવવું, પણ પરોક્ષમાં જાવું નહીં. શ્રીજીમહારાજ જેને પ્રત્યક્ષ મળ્યા તેને વૈભવ ઘણા મળ્યા છે, માટે અયોગ્ય ક્રિયા ન કરવી. રાજાનો કુંવર પોતાનું અધૂરું માને તેમ શ્રીજીના આશ્રિત બીજે માથાં ભટકાવાં જાય તે બહુ જ અજ્ઞાન છે. આપણે તો શ્રીજીની સભામાં જ બેઠા છીએ, પણ મરીને જાવું નથી. આવો મોટો લાભ મળ્યો તેને મૂકીને પરોક્ષમાં જાવું નહિ, માનવાળાને આ બ્રહ્મઅગ્નિમાં કરોડો વાર નાહવું પડે અને આસુરી જીવ બ્રહ્મને વિષે અનંત વાર લીન થાય; તે બ્રહ્મરૂપ એવા સત્સંગીના ગર્ભમાં આવે, તે બ્રહ્મમાં નવ નવ મહિના અનંત વાર લીન થઈને જન્મે, ને આ બ્રહ્મસભામાં આવીને જોગ કરે, ને અવગુણ ન લે તો દૈવી થાય. તેમજ માનીને પણ અનંત વાર મરવું અને અવતરવું પડે, એવું દુઃખ જીવ ખમે પણ માન મૂકે નહિ; જો માન જાય તો મરવા પડે ને છેવટ જીવ નાશ થાય તો થવા દે પણ માન મૂકે નહિ, એ બહુ જ અજ્ઞાન છે. આ સભામાં માન મૂકીને વ્યવહાર કરે તો અનાદિમુક્ત થઈ જાય, અને માન આવે ને અવગુણ લે, કે દ્રોહ કરે, તો ભગવાન ભજતો હોય ને કથા-વાર્તા કરતો હોય, ને તે સાધુ કે સત્સંગી હોય, તોપણ બહુ જ મોટી ખોટ આવે; માટે સમજી-વિચારીને સત્સંગમાં માન રાખવું નહીં. માનવાળો ભગવાનને ને ભગવાનના ભક્તને જીતીને રાજી થાય એટલે તેનાં સાધન સર્વે બળી જાય.
એટલી વાત કરીને પછી વચનામૃત વંચાવવા માંડ્યાં. તેમાં છેલ્લા પ્રકરણના ૧૪મા વચનામૃતમાં કાયસ્થની વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ વાત જ્યારે આવે ત્યારે ભૂજના માધવજીભાઈ તેને બહુ ફટકાર કરતા જે, તું અમારી જાતિમાં આવ્યો, તે અમારી જાતિની લાજ વંજાવી. શ્રીજીમહારાજને કર્તા ન જાણે તેને એવી પાપરૂપ વાસના રહે. સકામ રસ્તામાં વાસનાઓ રહે છે. રાજા પાસેથી બાવે ચાર દરવાજાનું છાણ માગ્યું, એવું માગતાં આવડે પણ મોક્ષ માગતાં ન આવડે. લોઢવાની લખુ ચારણે ઢોરાં ને ચેલાં કુશળ રહે એવું મહારાજ પાસે માગ્યું, એમ જ્ઞાન વિના સર્વે કાચું છે.શ્રીજીમહારાજને દર્શને કોઈ ગરાસિયા આવ્યા, તે મનુષ્યચરિત્ર જોઈને પાછા ગયા. ફરીવાર તે ગરાસિયા પાછા ત્યાં કોઈક કાઠીને ઘેર આવ્યા, તેમને કાઠીએ જમાડ્યા તેથી પવિત્ર થયા. ત્યારે સંકલ્પ થયો જે કદાપિ ભગવાન હોય તો આપણને ખોટ જાય, માટે આપણે ફેર ચાલો ને આપણે જે સંકલ્પ કરીએ તે સત્ય કરે તો ભગવાન ખરા. પછી સંકલ્પ કરીને આવ્યા, જે કામળાનો શણગાર પહેરીને જો હાથમાં પાનું લઈને વાંચતા હોય, એવાં દર્શન થાય તો એ ભગવાન ખરા; એમ ધારીને ફરીથી આવ્યા. તે વખતે શ્રીજીમહારાજે બ્રહ્મચારી પાસે “અમને શીળો ધાયો છે.” એમ કહી સર્વે પોષાક કામળાનો મંગાવીને ધારણ કરેલો, અને પાનું હાથમાં લઈને બેઠેલા, એવાં તેમને દર્શન દીધાં પછી નિશ્ચય કર્યો, પણ શ્રીજીમહારાજે કહ્યું જે, હજી તમને અમારો બરાબર નિશ્ચય થયો નથી માટે બીજો પરચો માગો. ત્યારે તે ચાર જણ બોલ્યા જે, ગઈ કાલે અમે ક્યાં હતા તે કહો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ગઈ કાલે તમે તમારા સંબંધીને ઘેર અખાજ (અભક્ષ્ય) ખાધું, તેના તમે ચારે સાક્ષી છો. પછી તે ચારે જણા સત્સંગી થઈને ઘેર ગયા. ભગવાન ઓળખવા એ વાત કાંઈ સુગમ નથી, એ તો ભગવાન દયા કરે ત્યારે જ ઓળખાય. ।। ૧૬૪ ।।
વાર્તા ૧૬૫
ફાગણ સુદ ૧૦ને રોજ કથાની સમાપ્તિ કરી અને ધનબાએ સર્વે સંતોને બારસ સુધી રોક્યા અને આથમણા સુખપરના લક્ષ્મણ ભક્ત તથા કચરો ભક્ત તે પોતાને ગામ ગયા. તેમણે તે દિવસે રાત્રિએ ગામ રોહે જઈને ત્યાંના દીવાન કુંવરજીભાઈને બાપાશ્રી તથા સર્વે સંતોના જય શ્રી સ્વામિનારાયણ કહ્યા. ત્યારે તેમણે પૂછ્યું જે, ક્યાં સુધી ત્યાં રહેવાના છે ? ત્યારે કહ્યું જે, આજ કથાની સમાપ્તિ થઈ તે હવે કાલનો દિવસ રહીને બારસનાં પારણાં કરીને રામપુરથી જવાના છે. પછી દીવાનજીએ રાત્રિએ રાજા પાસે રજા માગી ને પાછલી રાત્રે ચાલ્યા તે સવારે વેકરાના મંદિરમાં આવીને સૌ પૂજા કરતા હતા ત્યાં બેઠા ને બાપાશ્રીને પ્રશ્નો પૂછ્યા, તે સાંજે આરતી થઈ ત્યાં સુધી વાતો ચાલી. આરતી થઈ રહ્યા કેડે બેઠા તે બાર વાગ્યા સુધી બાપાશ્રીએ વાતો કરી ને પછી સૂતા. સવારે નાહી, ધોઈ, પૂજા કરીને પછી પારણાં કરીને સૌ ચાલ્યા તે કુંવરજીભાઈ રોહે ગયા અને ભૂજના સાધુ ભૂજ ગયા. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ અમદાવાદ તથા મૂળીના સંત તથા પરદેશી હરિજનો તે સર્વે બાપાશ્રીની સાથે વૃષપુર ગયા. ત્યાં ઠરાવ કર્યો જે ફૂલદોલને બીજે દિવસે છપૈયે જવા નીકળવું. નીકળવાને દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે પાટડી કાગળ લખાવ્યો જે, અમે ફાગણ વદ ૧૨ને રોજ તમારે ત્યાં આવીને મૂર્તિ પધરાવશું. પછી વૃષપુરથી ભૂજ આવીને સર્વેને ખબર આપી જે, જેને આવવું હોય તે આવજો. પછી ભૂજથી રેલે બેઠા, તે તૂણા થઈ, નગર થઈ, મૂળી આવ્યા ને ત્યાંથી ફાગણ વદ ૧૦ને રોજ લીલાપુર ગયા ને ત્યાંથી બીજે દિવસે શેદલે ગયા; અને ફાગણ વદ ૧૨ને રોજ સવારે પાટડી જઈને મૂર્તિ પધરાવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ મંદિરમાંથી હવે બીક ગઈ માટે કોઈ બીશો નહીં. પછી સંત-હરિજનોની પંક્તિ જમવા બેઠી ત્યાં પહેલી પંક્તિમાં જ લાડુ ઘણા વરી ગયા ને થોડા જ રહ્યા તેથી ખૂટવાની બીકે કાળીદાસભાઈ બાપાશ્રીને કહેવા લાગ્યા જે, આ ગામમાં લોટ પણ તૈયાર નહિ મળે અને લાડુ તો થઈ રહેવા આવ્યા અને લાજ જશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે ફિકર રાખશો નહીં. લાડુ વધી પડશે. સ્વામિનારાયણ ભગવાન ખૂટવા નહિ દે.” પછી સૌ જમ્યા અને લાડુ તો ઘણા વધ્યા. બીજે દિવસે અમદાવાદ આવ્યા ને ત્યાંથી જેતલપુર ગયા. ત્યાં અસલાલીનાં કંકુબાએ ‘સત્સંગિજીવન’ના દ્વિતીય પ્રકરણની પારાયણ સાત દિવસની કરાવી. છેલ્લે દિવસે કથાની સમાપ્તિ કરીને છત્રીએ ચરણારવિંદ પધરાવ્યાં, ત્યાં બાપાશ્રીએ વર આપ્યો જે, “આ છત્રીએ જે દર્શન કરશે તે સર્વેને અમે અક્ષરધામમાં લઈ જઈશું અને ઉપરથી ઊડીને પક્ષી જશે તેનો પણ મોક્ષ થશે.” જેતલપુરથી પાછા અમદાવાદ આવ્યા. અમદાવાદમાં નર્મદાબાએ ‘સત્સંગિજીવન’ના ત્રીજા પ્રકરણની પારાયણ બેસાડી તેની સમાપ્તિ રામનવમીને દિવસે થઈ. ચૈત્ર સુદ ૧૩ને રોજ ત્યાંથી રનોડે ગયા ને ત્યાંથી ધોળકે ગયા ને ત્યાંથી અસલાલી, ગામડી, બારેજડી થઈ સરસપુર આવ્યા. ત્યાં તો કચ્છથી ચૈત્ર સુદ ૭ને રોજ અમદાવાદમાં નવસો માણસનો સંઘ આવેલો હતો, તે સર્વેને લઈ ત્યાંથી છપૈયા તરફ ચાલ્યા ને જયપુર ઊતર્યા, ને ત્યાંથી છપૈયે ગયા. ત્યાં ઉપરદળના ઠક્કર મોતીભાઈ જીવણભાઈએ ચૈત્ર વદ ૪ને રોજ ‘સત્સંગિજીવન’નું પારાયણ બેસાડ્યું હતું. ત્યાં કૉલેરાનો રોગ હતો તેથી વ્યાર ગામના હરિભક્તે દેહ મેલ્યો, તેને બાપાશ્રીએ દર્શન આપી અક્ષરધામમાં મૂકી દીધો. પછી સર્વે સંતોએ તથા ઘણાક દેશાંતરના હરિજનો આવ્યા હતા તેમણે બાપાશ્રીને પ્રાર્થના કરી જે, આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીએ ત્યાં સુધી આ રોગ બંધ રહે, એવી કૃપા કરો; ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હવે કોઈ નહિ મરે. તે પછી રોગ બંધ થઈ ગયો હતો.
એક દિવસે સંધ્યા આરતી વખતે બાપાશ્રીએ ખીમજીભાઈને કહ્યું જે, નાહવું છે માટે ચાલો. પછી ખીમજીભાઈ દોરી-લોટો લઈને ચાલ્યા તે માંહીલે કૂવે જઈને લોટો ભરી આપ્યો, તે લઈને બાપાશ્રી બહિર્ભૂમિ જઈ આવ્યા ને હાથ ધોયા. પછી લોટો ઊટકીને નવરાવવા માંડ્યા, એટલામાં આરતીનો ડંકો થયો. ત્યાં તો આકાશમાં તેજોમય અનંત વિમાન ને તેમાં તેજોમય મૂર્તિઓ એવું દેખવામાં આવ્યું. ત્યારે ખીમજીભાઈ બોલ્યા જે, બાપા આ શું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઘનશ્યામ મહારાજની આરતી થાય છે, તેમને દર્શને આ બધા મુક્ત આવ્યા છે. ત્યારે ખીમજીભાઈ કહે જે, આમ નિત્ય આવતા હશે ને આવાં દર્શન થતાં હશે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, આવે તો નિત્ય, પણ આજ મહારાજની ને મોટાની ઇચ્છાથી દર્શન થયાં, આ દર્શન ભૂલી ન જતાં. પછી નાહીને મંદિરમાં આવ્યા. બીજે દિવસે નારાયણસરની ઉગમણી બાજુએ અગ્નિખૂણામાં નાહીને પૂજા કરવા બેઠા. ત્યારે પણ આકાશમાં અનંત વિમાન સહિત અનંત મુક્ત એવી જ રીતે તેજોમય દેખાયા; ત્યારે ત્યાં ભેળા ગયેલા સંત તથા હરિજનોએ પૂછ્યું જે, આ શું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, તે ભગવાનનાં દર્શન કરવા મુક્ત આવ્યા છે. પછી તે અદૃશ્ય થઈ ગયા, ને સર્વે મંદિરમાં આવ્યા. બીજે દિવસે ગૌઘાટ નાહી આવ્યા અને ચૈત્ર વદ ૧૦ને રોજ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીને જયજયકાર વર્તાવી દીધો.
ચૈત્ર વદ ૧૧ને રોજ સવારમાં સર્વે છપૈયાથી રેલે બેસીને અયોધ્યા આવ્યા ને ત્યાંથી આગ્રા, જયપુર, ખારચી, સિદ્ધપુર થઈને ભંકોડે ઊતર્યા ને દેવપરે ગયા. ત્યાંથી મણિપુરા, જોશીપુરા, વિરમગામ થઈને મૂળી ગયા. જે પચાસ માણસોને કૉલેરા થયેલો હતો તેમને સદ્. શ્રી હરિનારાયણદાસજી સ્વામીએ ત્યાં બાર મણ દહીં ને આઠ મણ ખાંડ પિવરાવીને બધાયને ઠંડા કર્યા. તેમને ઊલટીઓ ને ફેરા બંધ થઈ ગયાં ને સાજા થઈ ગયા. વળી, વાંટાવદરના શેઠ ભૂરાભાઈ ગોવિંદશાની પાસે બે ગાડાં તડબૂચ મંગાવીને, અને કાંપમાંથી દાડમ આઠ મણ મંગાવીને સર્વેને જમાડ્યા. પછી બાપાશ્રીએ કહ્યું જે, સ્વામી ! ખર્ચ બહુ કર્યું. ત્યારે સ્વામી બોલ્યા જે, અમે બધા જમીએ છીએ તેમ તમે પણ અમારા ભેગા છો તે તમે દુઃખી થાઓ તે અમારાથી કેમ દેખ્યું જાય ? અમે તમારા સંઘના ગોર છીએ અને આ સંઘ યજમાન છે. યજમાન દુઃખી તો અમે પણ દુઃખી, માટે સર્વે તમારું છે, એમ બોલ્યા. એવી સેવા કરી, તેમજ બાપાશ્રી આદિક સંઘે પણ સ્વામીની બહુ સેવા કરીને રાજી બહુ થયા ને બોલ્યા જે, તમે કર્યું એવું તો કોઈ મંદિરમાં કોઈ પણ કરી શકે નહિ; એવું કર્યું જે બધાયને સાચવ્યા. અમદાવાદમાં છત્રી કરવા સારુ કાનજીભાઈ મહેસાણેથી જુદા પડીને ત્યાં ગયા. તેમને કૉલેરા થયો ને ત્યાં દેહ પડી ગયો, પણ એમને એકને પણ કોઈ સાચવી શક્યા નહિ તેમ કોઈ પાસે પણ ગયા નહીં. જો છત્રી કરવા તે ન ગયા હોત ને અમારા ભેળા રહ્યા હોત તો એમને પણ આ પચાસના ભેળા રાખત, પણ મરવા દેત નહિ એમ બોલ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે મોરબી ગયા, ત્યાં સુધી સ્વામીએ દહીં ભેળું મોકલ્યું હતું. મોરબીથી ગોવિંદભાઈ તથા કાળુભા તથા લધુભાઈ આદિ સર્વે નવલખી સુધી ભેળા જઈને આગબોટમાં તથા વહાણમાં સર્વે સંઘને બેસારીને પાછા વળ્યા, અને બાપાશ્રી આદિ સર્વે સંઘ તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ આદિ સર્વે ભેળા ગયા. તે ખારીરોલ ઊતરીને અંજાર થઈ રેલે બેસી ભૂજ ગયા. ભૂજમાં રસોઈ આપીને પછી સંઘ વેરાણો, તે સૌ પોતપોતાને ગામ ગયા અને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ આદિ ગુજરાત તરફ આવ્યા. અને ખીમજીભાઈ દહીંસરે ગયા, ત્યાં તેમના પિતાશ્રી મુક્તરાજ કેસરાભાઈએ તેમને કહ્યું જે, દીકરા, તમે છપૈયે જઈ આવ્યા તે કિયે કિયે સ્થળે દર્શન કર્યાં તે સર્વે વાત કરો. પછી ખીમજીભાઈએ વિસ્તારીને વાત કરી તેમાં જે જે વાત ભૂલે તે કેસરાભાઈ સંભારી આપે. ત્યારે ખીમજીભાઈ બોલ્યા જે બાપા, તમે ભેળા તો હતા નહિ ને વાત ક્યાંથી જાણો છો ? પછી કેસરાભાઈ બોલ્યા જે, છપ્પનની સાલમાં બાપાશ્રી અને તમે છપૈયે ગયા ત્યારે મારે ભેળું આવવું હતું, ત્યારે બાપાશ્રીએ મને કહ્યું જે, તમારો દેહ ખમશે નહિ માટે તમે અહીં રહો, તેથી ઉદાસ થઈ ગયા. પછી બાપાશ્રીએ કહ્યું જે, તમે અહીં બેઠા અમે જ્યાં જ્યાં જઈશું ને દર્શન કરીશું, ને લીલા કરીશું તે સર્વે દેખશો. ત્યારથી મારે આવરણ ટળી ગયાં છે, માટે હું દેખું છું; એવો બાપાશ્રીનો પ્રતાપ છે. ।। ૧૬૫ ।।
વાર્તા ૧૬૬
સંવત ૧૯૭૩ના વૈશાખ માસમાં અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા મૂળીથી સ્વામી ભગવત્સ્વરૂપદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંત તથા હરિજનો કચ્છમાં ગયા હતા. તે ભૂજ થઈને વૈશાખ સુદ ૧૦ને રોજ શ્રી વૃષપુર પહોંચ્યા.
વૈશાખ સુદ ૧૧ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ જીવને પાંચ ભૂત વળગ્યાં છે, તેનો વિશ્વાસ ન રાખવો. ભૂજમાં સુંદરજીભાઈ હતા તેમણે પ્રવૃત્તિ ઘણી રાખી હતી. તેથી શ્રીજીમહારાજે પંદર દિવસ સુષુપ્તિ અવસ્થામાં રાખ્યા ને પ્રવૃત્તિ ટાળીને શુદ્ધ કરીને દિવ્ય દર્શન કરાવીને લઈ ગયા. અમદાવાદ, ભૂજ, વડતાલ આદિના સાધુ, સત્સંગી જે પંચવર્તમાને યુક્ત હોય તે સર્વે એક મંડળ છે. તેને જુદા જાણે તો ધામમાં ન જવાય, અને તેમનો દ્રોહ કરે તેને શ્રીજીમહારાજ તેડવા ન આવે, માટે સત્સંગ સર્વે એક જાણવો; પણ જુદો ન જાણવો. સર્વેના ધણી એક શ્રીજીમહારાજ છે, માટે એક જાણે તો શ્રીજીમહારાજનો રાજીપો થાય છે. ત્યાગીએ જડ-ચૈતન્ય માયાનો ત્યાગ રાખવો, અને જો એ માયા ગરી આવે તો તેથી ગૃહસ્થમાં રહેવું સારું; માટે વેશ લીધો તે ભજવે નહિ તો દુઃખ થાય. વૈભવ તો મોટા રાજાથી પણ અધિક મળ્યા છે કેમ જે શ્રીજીમહારાજે ખાવા-પીવાનું, ઓઢવા-પહેરવાનું-રહેવાનું ઘણું આપ્યું છે પણ એક જડ ને ચૈતન્ય માયાનો જ ત્યાગ રાખવાનું કહ્યું છે; માટે તેનો તો પ્રસંગ જ થાવા દેવો નહીં. બોકડવટ કર્યું તો વેશ ભજવવો ને જો વેષ ન ભજવાય તો બોકડવટ કરવું નહોતું, એટલે સંસાર મૂકીને સાધુ થાવું નહોતું. સાંખ્યયોગી રહીને ઘરનું ખાઈને મોટાનો જોગ કરવો તે ઠીક, પણ ત્યાગી થઈને ધનનો પ્રસંગ રાખવો તે તો બહુ જ ભૂંડું કહેવાય. તેમાં તો સ્ત્રી પણ ભેળી આવી ગઈ. માટે ધનનો પ્રસંગ રાખે તેના ધણી મહારાજ ને અમે નહિ થઈએ. માયા તો જ્યાંથી ત્યાંથી ગરી આવે એવી છે, માટે સાવધાન રહેવું. મોટા મોટા સંત છે તે તો પરભાવમાં એટલે મહારાજની મૂર્તિમાં રહીને અને અવરભાવમાં એટલે આ સ્થળમાં રહીને મૂર્તિનું સુખ ત્રણે અવસ્થામાં ભોગવે છે; માટે મૂર્તિનું સુખ લેવું પણ બીજું સંભારવું નહીં. આ જડ-ચૈતન્ય માયાના નિષેધની વાત કરીએ છીએ, તેમાં કોઈને દુઃખ તો નથી લાગતું ને ? આ તો આપણા બાપની કહેલી વાત કરીએ છીએ, માટે દુઃખ લગાડશો નહીં. આ લોકમાં ગૃહસ્થમાં કોઈના બાપે મરતી વખતે કહ્યું હોય જે, મારી કેડે આમ કરજે તો તે પ્રમાણે જ તેના દીકરાને કરવું પડે છે; તો આ તો શ્રીજીમહારાજનાં વચન છે તે પાળવાં જ જોઈએ અને તો જ મહારાજ ને મુક્ત રાજી થઈને સુખિયા કરે; પણ વચન ન પાળે તો સુખિયા કરે નહીં. આ જોગમાં રહીને એવા અવળા સ્વભાવ રાખવા નહિ ને પાત્ર તો પોતાને જ થાવું જોઈએ. આજ્ઞા, નિયમ યથાર્થ પાળે તે પુરુષપ્રયત્ન કહેવાય; તે પુરુષપ્રયત્ન પણ પોતે જ કરવો, તો મહારાજ ને મોટા પછી કૃપા કરે. ।। ૧૬૬ ।।
વાર્તા ૧૬૭
વૈશાખ સુદ ૧૧ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને આંબા તળે બેસીને માનસીપૂજા કરી.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, પ્રત્યક્ષ મહારાજ ને મુક્ત મળ્યા માટે અખંડ શ્રીજીમહારાજની મૂર્તિ અંતર્વૃત્તિએ ધારવી, તે ધારતાં ધારતાં તેજમાં મૂર્તિ દેખાય ત્યારે જે કરવાનું છે તે કર્યું કહેવાય. સત્સંગીને કથા-વાર્તા કરવી તે તો ચારો છે પણ અખંડ મૂર્તિમાં રહેવું તે જ કરવાનું છે, એ તો નક્કી કરવું જોઈશે. જ્યારે મહિમાની વાતો કરીએ ત્યારે સૌને સારી લાગે અને ધ્યાન કરવાની વાતો કરીએ છીએ ત્યારે સૌ અટકી પડે છે, તે જેમ ઘવરાવવા લીધા હોય ને શું ? તેમ થઈ જાય છે, પણ એ તો જરૂરાજરૂર કરવું જોઈશે. મૂર્તિની વાત કરીએ ત્યારે જાણે વજ્ર કમાડ દીધાં. જેમ છોકરો કુપાત્ર હોય તેને પોતાનો બાપ કહી કહીને થાકી જાય પણ કહ્યું કરે નહિ, તેમ કહી કહીને થાકી ગયા તોપણ ધ્યાન કરતા નથી. જ્યારે ગોદો મેલે ત્યારે બે ડગલાં ચાલે ને વળી પાછો ઊભો થઈ રહે, તે પંથ કેમ કપાય ? તેમ જ્યારે વાતો કરીએ ત્યારે જીવમાં શેડ્ય આવે ને થોડીક વાર ધ્યાન કરે ને પાછું મૂકી દે. જીવ શૂનકાર થઈ ગયો છે, તે માર્ગે જ ચાલતો નથી ને કોઠારું, ભંડારું, મહંતાઈ વગેરેમાં સારું લાગે, જે આપણા તડના ભંડારી કે મહંત થયા; પણ ધ્યાન કરવાની તો વાતેય નહિ ને તે કરવુંય નહિ, પણ તે કર્યા વિના છૂટકો નથી. આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહિ કરે તો મહારાજના ને મોટાના ગુનેગાર થાશે. જો ધ્યાનનો આગ્રહ કરે તો છ મહિનામાં ઝળળળ તેજમાં મૂર્તિ દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય અગર છ મહિનાની માંહે પણ મૂર્તિ સિદ્ધ થઈ જાય. આ દેહે શું ન થાય ? જે કરે તે થાય. બે મહિના ઠાકોરજીને ન જમાડીએ તો દેહ રહે નહિ, તે દેહ રાખવાનું જેટલું જતન છે તેટલું જો મૂર્તિનું જતન કરે તો મૂર્તિ સાક્ષાત્ થાય.
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ કહ્યું જે, કૃપા કરો તો થાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટાની કૃપા તો એવી છે જે મૃત્યુ આડી અર્ધી ઘડી રહી હોય તેટલામાં મૂર્તિ આપી દે ને પૂરું કરી દે, તો આજ મહારાજ ને મોટા સભામાં વિરાજે છે, તે આગ્રહ કરો તો સાક્ષાત્કાર કરાવી દે. તે છ મહિના પણ પૂરા થવા દે નહિ, એની આ સભા સાક્ષી છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ઝુમખરામને સોટી મારી ને તરત મૂર્તિ શ્રીજીમહારાજે આપી દીધી, તેમ કરો તો મૂર્તિ દેખાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ ઝોળી માગીને જમવા કરતાં પોતે રળીને જમવું તે ઠીક, તેમ પોતે કાંઈક દાખડો કરીને સિદ્ધ કર્યું હોય તો તે દાખડો જોઈને મોટા બહુ રાજી થાય, ને બહુ સુખ આવે; માટે જે સુખ દેહ મૂકીને પામવું છે તે છતે દેહે ભોગવવું; એ કરવાનું છે, તે જરૂર કરવું જોઈશે. મહારાજની ને મોટાની કૃપા છે, તો આજ સાક્ષાત્ મહારાજ ને મુક્ત મળ્યા છે. આ વખતે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય એવું છે. આવી આવી વાત પછી કોણ કરશે ? આ ટાણે મૂર્તિનો સાક્ષાત્કાર નહિ કરો તો પછી કોણ કરાવશે ? માટે આ કરો, આ કરો, બીજું સર્વે પડ્યું મૂકો. પગલાં-પદાર્થ કાંઈ કામનાં નથી. મૂર્તિ રાખો તો બધુંય આવ્યું. પણ કાર્યમાં તાન છે તેટલું કારણમાં તાન થાતું નથી. તે બહુ ખોટ છે. આ લાભ આ ટાણે મળ્યો છે તે લેવો ને જરૂર મૂર્તિ સિદ્ધ કરવી. એટલી વાત કરીને સર્વેને મળ્યા ને પછી સૌ મંદિરમાં આવ્યા. ।। ૧૬૭ ।।
વાર્તા ૧૬૮
વૈશાખ સુદ ૧૨ને રોજ સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૩૩મું વચનામૃત વંચાતું હતું, તેમાં મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ ત્રણ પ્રકારના આશ્રયની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂઢપણું, પ્રીતિ ને સમજણ તેમાં મૂઢપણું ક્યારે કહેવાય; તો જ્યારે પોતાના વ્યવહારની ખબર પણ રહે નહિ ત્યારે મૂઢપણું ખરું કહેવાય. એમ કહીને પછી અમદાવાદના સોમા ભક્તને કહ્યું જે, તમારે મૂઢપણું છે ? ત્યારે તે કહે જે, હા બાપા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને પગાર કેટલો મળે છે તેની ખબર છે કે નહિ ? ત્યારે તે કહે જે, એ તો ખબર છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પોતાના વ્યવહારની ને દેહની બીજા ખબર રાખે, અને કુંડાળના કલા ભક્તની પેઠે ઉગમણા-આથમણાની ખબર પણ રહે નહિ ત્યારે ખરું મૂઢપણું જાણવું. મહારાજમાં ને મુક્તમાં પ્રીતિ થાય ને બીજે ક્યાંય પ્રીતિ ન રહે તે પ્રીતિનું લક્ષણ છે; તે પ્રીતિનો તો કાંઈક પત્તો લાગે ખરો, પણ મૂઢપણાનો પત્તો લાગે તેમ નથી. એ તો જ્યારે ભોજા ભક્ત જેવું થાય જે કોઈક મરી જાય તેની પણ ખબર રહે નહિ, અને પાટડીના નાગજીભાઈ કાકરવાડીએ નાહવા ગયા હતા, તે ક્યાંય બીજે રસ્તે ચઢી ગયા, તે ઝીણાભાઈને કૂવે જઈને બળદેશ્વર મહાદેવ આગળ પૂછ્યું જે, કાકરવાડીએ ક્યાં થઈને જવાશે ? પછી હરિજનો ત્યાં પહોંચાડી ગયા. તે જેને ઉગમણા-આથમણાની ખબર નહિ એવા છે, એવું થાય ત્યારે મૂઢપણું કહેવાય. અમારે અહીં કલ્યાણ ભક્ત હતા, તે અમદાવાદથી આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પધાર્યા તેમને કહે જે, આ સ્વામિનારાયણ છે, પણ એવી ખબર નહિ જે આચાર્ય મહારાજ છે, આ મૂઢપણું કહેવાય. તેથી તો પ્રીતિનું અંગ કરવું તે સુગમ છે. પછી વાત કરી જે, આજ આ મુક્ત સખાભાવે વર્તે છે તો તમે બોલવા-ચાલવામાં, બેસવા-ઊઠવામાં, પ્રશ્ન-ઉત્તરમાં સુખ લો છો, એવું સુખ જો સદ્. શ્રી નિત્યાનંદ સ્વામી તથા સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના જેવી આકરી પ્રકૃતિ રાખી હોય તો ના આવે અને પ્રશ્ન પૂછવો પણ કઠણ થઈ પડે. આજ તો તમને સુખ આપવા સારુ સખાભાવે વર્તીએ છીએ. આ સભા બેઠી છે તે સ્થળ પણ પવિત્ર છે, તે જ્યારે અમે અદૃશ્ય થઈશું તે પછી પણ આ સ્થાનમાં દર્શન કરશે તેને આ સભા સાંભરી આવશે, ને ઘાટ-સંકલ્પ ટળી જાશે, ને ધ્યાન કરશે તેને મૂર્તિનું સુખ આવશે ને કામ, ક્રોધ, માન આદિ સર્વે અદૃશ્ય થઈ જશે, અને જ્યાં જુએ ત્યાં મૂર્તિ દેખાશે, એવો આ સ્થાનનો મહિમા છે. માટે આવા મોટાને પ્રસન્ન કરવા, અને અમારો સિદ્ધાંત શો છે તે જાણીને તે પ્રમાણે વર્તવું. મોટા મોટા વનમાં રહેતા તે કૂતરું ભસે તે પણ સંભળાય નહિ એટલા તો છેટે રહેતા, અને વૃક્ષને છાંયે પણ બેસતા નહીં. અને માખ-મચ્છર કરડે તે પણ સંભાળતા નહિ અને ભિક્ષા માગવા જાય તે ક્યારેક અન્ન મળે ને ક્યારેક ન મળે ને વસ્ત્ર પણ મળે નહિ એવી રીતે રહેતા; તેવો ખટકો રાખવો. આ વચનામૃત છે, તે ચિંતામણિ ને કલ્પતરુ જેવા છે તે જે વાતનો પ્રસંગ નીકળે છે તે જ વાત તેમાં આવે છે. આપણે પંચવિષયના અભાવની વાત કરતા હતા તે જ વાત આવી છે. શ્રીજીમહારાજનો રાજીપો જે પંચવિષયનો અભાવ કરે ને પુરુષપ્રયત્ન કરે તે ઉપર જ થાય છે અને પછી કૃપા કરે છે. માટે પંચવિષયનો અભાવ કર્યા વિના છૂટકો નથી; તે તો સો જન્મે કે હજાર જન્મે કે લાખ જન્મે પણ એનો અભાવ કર્યા વિના છૂટકો નથી. જો નહિ ટાળો તો ઓચિંતાની કેદ આવી પડશે ને નવ મહિના સુધી પાચ, પરુ, વિષ્ટા, મળ, મૂત્રમાં ઊંધે માથે રહેવું પડશે ને બારી કે વાયરો કાંઈ મળે નહિ એવું દુઃખ આવી પડશે. આજ ભગવાં લૂગડાં મૂકી દઈને ધોળાં પહેરવાં પડે તો આબરૂ આડી આવે, ને મરીને જન્મ ધરવો પડે તેમાં આબરૂ આડી ન આવે, તે સમજણ કેવી ઊંધી કહેવાય ? મોટાનો જોગ કરીને જો આજ્ઞા ન પાળે ને માયાના કાર્યમાં લેવાય તો મોટાને ખતરાવ્યા કહેવાય, કેમ કે બીજા સૌ અવગુણ લે જે મોટાનો જોગ કરે છે પણ એમ વર્તતા નથી એમ બીજા પાસે અવગુણ લેવરાવે તેનું પાપ લાગે. માટે બે વાનાંનો તો પ્રસંગ જ થવા દેવો નહીં. નિષ્કામ શુદ્ધિ ને ધર્મામૃત પ્રમાણે વર્તવું પણ તેમાં લેશમાત્ર ફેર પડવા દેવો નહીં. શ્રીજીમહારાજે ધાતુપાત્ર પણ રાખવાની ના પાડી છે, અને પોતાને નવરાવવા પણ કાષ્ઠના પાત્ર જે કઠારી, કટોરા તે આપ્યા છે ને સાધુને જમવા કાષ્ઠપાત્ર આપ્યાં છે. તેમાં ફેર ન પાડવો ને માયાના પેચમાં ક્યાંય આવવું નહીં. ચોખ્ખાચણક કુંદન જેવા થઈ રહેવું તો જ મહારાજ ને અમે રાજી થઈને સાથે ને સાથે રહીશું. માયા સન્મુખ તો થાવું જ નહિ, એને તો પૂંઠ દેવી પણ તેના સામું જોવું નહીં. શ્રીજીની પ્રસાદી પણ ચરણરજની કે પથ્થર-કાષ્ઠની લેવી, પણ ખાવા-પીવાની પ્રસાદીની ઇચ્છા રાખવી નહીં. ખાવાની, પ્રસાદીની ઇચ્છા રહે તે માયાનો મોહ છે તેથી ચરણરજની પ્રસાદી શ્રેષ્ઠ છે, માટે તે પ્રસાદી લેવી. ખાવાની, પ્રસાદી મહિમાએ સહિત તો લેવી પણ રસાસક્તિએ કરીને ન લેવી. જેમ પ્રકૃતિપુરુષના કાર્યમાંથી ને તેના વૈભવમાંથી લૂખા થાવું, તેમજ બ્રહ્મકોટિના ને અક્ષરકોટિના ઐશ્વર્યમાંથી ને એમના સુખમાંથી પણ લૂખા થાવું અને છેવટે શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તેમાં પણ સુખ ન માનવું. એક શ્રીજીમહારાજની મૂર્તિમાં જ સુખ માનવું ને હેત કરવું તો શ્રીજી ને મોટા રાજી થઈને કૃપા કરે અને પોતાના તુલ્યપણાને પમાડે. ।। ૧૬૮ ।।
વાર્તા ૧૬૯
વૈશાખ સુદ ૧૩ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું ૩૫મું વચનામૃત વંચાતું હતું. તેમાં સંતના દ્રોહનું પાપ ભગવાનનો દ્રોહ કર્યા સરખું અને સંતની સેવાનું ફળ ભગવાનની સેવા કર્યા સરખું થાય છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બીજા અવતારાદિકના તથા તેમના ભક્તના દ્રોહથી ભૂંડું થોડું થાય, ને તેમની ભક્તિથી મોક્ષ પણ અલ્પ થાય; અને આજના ભક્તના અપરાધથી ભૂંડું બહુ થાય, ને પ્રસન્નતાથી કલ્યાણ પણ મોટું થાય; કેમ જે બીજા અવતાર તો કેટલાક માયામાંથી આવ્યા છે ને કેટલાક માયાથી પર જે ઈશ્વરકોટિ તેમાંથી આવ્યા છે, અને કેટલાક બ્રહ્મકોટિમાંથી આવ્યા છે. અને આ તો બ્રહ્મકોટિથી પર અક્ષરકોટિ અને તેથી પણ પરના જે પરમએકાંતિક ને અનાદિ તે આવ્યા છે; અને શ્રીજીમહારાજ તો તેથી પણ પરના આવ્યા છે. બીજા અવતારોનાં ઐશ્વર્ય તો શ્રીજીમહારાજ લઈ લે છે ને પોતે તો સ્વતંત્ર છે. જેમ આકડાનું ફળ ને આંબાનું ફળ તે સરખાં નથી, તેમ મહાપ્રભુજી અને બીજા મૂળઅક્ષરાદિક તે સરખા નથી. જો આ મહારાજનો મહિમા સમજાય તો કામ, ક્રોધ, લોભ, માન એ સર્વે દોષ જતા રહે ને દેહ ખોખું થઈ જાય, જેમ સદાનંદ સ્વામીએ કહ્યું જે, ગુરુભાઈની લકડી ભાગ ગઈ. અને શ્રી ગોપાળાનંદ સ્વામીને નાગડા વૈરાગીએ માર્યા ત્યારે તેમને પૂછ્યું જે સ્વામી, તમને બહુ માર્યા ? ત્યારે સ્વામી બોલ્યા જે, લાકડાને લાકડે માર્યા એમાં તે શું ? એવા સાધુ થાવું. મહારાજની નાની-મોટી આજ્ઞા સર્વે યથાર્થ પાળીને ધ્યાન કરવું. તે આજ કરો કે લાખ-કરોડ જન્મે કરો, પણ તે કર્યા વિના મહારાજ કે મોટા પ્રસન્ન થાય નહીં. આ જોગ કરો છો પણ જો ફણા અધર રાખી તો માયાનું ઝેર ઊતરશે નહિ ને કોઈના પ્રાણ લેશો. તે શું તો કોઈક જાણે જે આ મોટાના જોગવાળા છે, એમ જાણીને સેવા કરે તે પ્રાણ લીધા કહેવાય માટે એમ ન કરવું. અને સિદ્ધિઓ જે ઘી, સાકર, ફળ, ફૂલ, મેવા આવે તે સાધુને દઈ દેવા, જેમ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી દઈ દેતા તેમ ગરીબ સાધુને દઈ દેવું. આ મહારાજ ને આ મહારાજના સંત કેવડા મોટા છે તો દેહ મૂકતી વખતે આ સભા સાંભરે તો કાંઈ વાંધો રહે નહિ ને પૂરું થઈ જાય. જો મહારાજ ને મોટા કૃપા કરે તો ઝાડને પણ જ્ઞાન થાય ને મોક્ષ થાય છે. જો દ્વેષી જીવ પણ પ્રાર્થના કરે તો તેનું કલ્યાણ થાય છે, એવો મોટાનો પ્રતાપ છે. ।। ૧૬૯ ।।
વાર્તા ૧૭૦
વૈશાખ સુદ ૧૪ને રોજ સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. તેમાં વૈરાગ્યની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રકૃતિ પર્યંત સર્વે ખોટું છે તેને ખોટું કરે તે પણ વૈરાગ્ય છે અને પ્રકૃતિ પર અક્ષર પર્યંત જે સાચું છે તેને પણ ખોટું કરવું તે વૈરાગ્ય કહેવાય. તેમજ જ્ઞાન પણ ઘણાં પ્રકારનાં છે પણ અનુભવજ્ઞાન ખરું. મૂર્તિમાં રસબસ રહેવું તે અનુભવજ્ઞાન કહેવાય. “રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી.” એમ મૂર્તિમાં જ રહેવું પણ બહાર નીકળવું નહીં. મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહિ એને કાંઈ જોઈએ જ નહીં. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક કોઈ સાધનની ખખા રહે નહિ, મૂર્તિ વિના બીજી કાંઈ સ્મૃતિ જ નહિ, કોઈ પ્રકારનો ઠરાવ જ નહીં. એક મૂર્તિ જ રહે.
પછી લોયાનું ૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં ઇન્દ્રિયોને જીતવે કરીને અંતઃકરણ જિતાય છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઇન્દ્રિયો તો જેમ પાડાને બાર વર્ષ ખવરાવીને ખૂબ તાજા કરીને વચ્ચે સૂએ તો સુખે સૂવા દે નહિ એવી છે. સત્સંગમાં બધી વસ્તુ છે, પણ ભોગવવી નહિ ને રસના-ઇન્દ્રિયને તો વિશેષે કરીને નિયમમાં રાખવી. જો ખાધાની બહુ આસક્તિ હોય તો ક્યાંયે વાડ તોડે એટલે નિયમ-ધર્મ મૂકી દે, માટે સૂકા હાડકા જેવા વિષયમાંથી લૂખા થાય તો વિઘ્ન નહીં. ધણીના દરબારમાં તો ઢગલા છે પણ બધું ભોગવવાનું નથી. જો મૃત્યુ સામી નજર હોય તો વિષયથી લૂખા થાય. જો પાંચ-દસ દિવસમાં મરવાનું છે એમ કોઈક કહે તો કેવી ભીતિ લાગે ? તેવી ભીતિ વિષયની લાગે તો વિષયના સંકલ્પ થાય નહીં. જોકે આહાર બધાય અશુદ્ધ છે. તોપણ રસમાં આસક્તિ તે અતિ અશુદ્ધ આહાર છે. લક્ષ્મીરામભાઈએ મૂળીમાં રસના-નિષેધની વાત કરી. પછી કોઈ સંત સારી રસોઈ કરે નહીં. પછી તેમણે કહ્યું જે, ઠાકોરજીને વાસ્તે તો સારી રીતે રસોઈ કરવી. પણ પોતે તો પાણીમાં મેળાવીને રસ રહિત જમવું. આ વાત કહી એમ કરો તો ગઈ કાલે વાત કરી હતી તે વાતમાં પુષ્ટિ થાય. જડ માયાથી તો નાગની પેઠે બીવું. જડ માયાને જો એક મિનિટ રાખે તેમાં જે પાપ થાય તેનું પણ માપ થાય તેમ નથી તો જે ધર્મામૃત, સત્સંગિજીવનને વિસારીને પોતાનું ગમતું કરવા એ પાપ દેહ પર્યંત રાખે તો તો પાપનો પાર જ ન રહે, માટે પોતાનું કરીને દ્રવ્ય રાખવું-રખાવવું નહીં. કાળા નાગને સોડમાં ઘાલીને સૂએ તે જ્યાં જ્યાં અડે ત્યાં ત્યાં કરડે, માટે કાળા નાગની પેઠે દ્રવ્યથી બીવું. અમે ચાલી ચાલીને તીર્થે જાતા પણ હવે તો હલાતું નથી. સંવત ૧૯૪૨ની સાલમાં છસો મનુષ્યનો સંઘ અહીંથી અમદાવાદ ગયો હતો, ત્યારે માર્ગમાં સાત પારાયણો વચનામૃતની કરીને પહોંચ્યા. તે જ્યાં ઊતરીએ ત્યાં ફાનસો કરીને કથા-વાર્તા કરતા. ગાડીમાં તો મહાદુઃખ છે, મુસલમાન તથા ડોસીઓ અડી જાય અને આગબોટ પણ એવી જ છે. મૂળી ને અમદાવાદથી અહીં કચ્છમાં આવવું એમાં શું ? હાથે ઝાલીને ઉપાડી લઈએ એટલું છેટું છે, માટે હાલીને આવવું એમાં લાભ ઘણો છે. એટલો લાભ રેલે બેસીને આવવામાં નથી ને સત્સંગના આશીર્વાદ પણ મળે નહીં. અમે થોડી વાત કરીએ તે ઝાઝી માનવી ને બીજો સાંખ્ય ભેળવવો.
પછી સાધુ મુક્તજીવનદાસજીએ પૂછ્યું જે, કોઠારમાં ધોતિયાં નાખીને કાંઈ લેવાની ઇચ્છા ન હોય પણ તેનું નામ યાદી રાખવા લખે જે, ફલાણા સાધુનાં આટલાં ધોતિયાં આવ્યાં. તેમાં ધોતિયાં નાખનાર સાધુને બાધ હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાંઈ લેવાની ઇચ્છા ન હોય ને યાદી રાખવા સારુ કોઠારી લખે તેનો બાધ નથી. સાધુ, પાળા, બ્રહ્મચારીને પોતાનું દ્રવ્ય રાખવા-રખાવવામાં સરખું પાપ છે અને પાર્ષદે શ્રી ઠાકોરજીના ધર્માદાનો પૈસો ઝાલવો તેમાં બાધ નથી. એમ કહીને બોલ્યા જે, સ્વામી, તમે આ લખો છો તે ક્યાંઈક બતાવશો તો અમને માર ખવરાવશો. ત્યારે સ્વામીએ કહ્યું જે, નહિ બતાવીએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બતાવજો, બતાવજો મર માર દે ફિકર નથી, ખબડદાર રહેજો ને જડ માયાને પાટુ મારજો તો ધામમાં હડહડાટ હાલ્યા જાશું. એનો શો ભાર છે, તે એ આપણી પાસે આવે ? આમથી આવે તો આમ જાવું ને આમથી આવે તો આમ જાવું એટલે ગુરુએ શિષ્યનો ને શિષ્યે ગુરુનો ત્યાગ કરવો. આપણે જેને મેલ્યું તે ફેર આવવા કેમ દઈએ ? એના ઉપર તો બહિર્ભૂમિ જવરાવ્યા છે તે સામું કેમ જોઈએ ? માયા તો દેહને રાજી કરાવે છે પણ કાંઈ જીવને રાજી કરાવતી નથી, માટે જડ-ચૈતન્ય માયાને પાસે આવવા દેવી નહીં. એને મૂકવામાં દુઃખ નહિ થાય, સુખ થશે; એના સ્વામિનારાયણ સાક્ષી છે, પણ જીવ બાળકિયા છે તે સર્પને તથા ઉઘાડી તરવારને ઝાલવા જાય છે, તે ઝાલવા ન દઈએ તો દુઃખિયા થાય ને ઝાલવા દઈએ તો મરી જાય. ગુરુ-શિષ્યે એકબીજાનો ત્યાગ કરવો પણ મહોબત રાખવી નહિ; જે જડ માયા રાખે તેનો ત્યાગ કરવો. આ લોકમાંથી જેમ ઘરબાર, ખેતર, વાડી, સગાંવહાલાં મૂકીને ભાગ્યા; તેમજ જડ-માયાના પ્રસંગવાળા શિષ્યને અથવા ગુરુને મૂકી દેવા, પણ ભેળું રહેવું નહીં. ભૂજના રાજા દીપડો મારવા ગયા હતા ત્યાં ઘણાકને લઈ ગયા હતા. તે બોડ ખોદીને કાઢવાનો હતો તેથી બોડ ખોદતા જાય, ઝાંખરાં દેતા જાય પછી નીકળ્યો ત્યારે ગોળી મારી તેથી તે મરી ગયો. એમ ગુરુ-શિષ્યે ગોળી મારવી પણ ભેળા પડી રહેવું નહીં. પછી બોલ્યા જે, હવે એ વાત નહિ કરીએ કેમ જે કોઈકને ખોટું લાગે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, ખોટું નહિ લાગે, વાત કરો. પછી બાપાશ્રી બોલ્યા જે, ખાવા-પીવાનું સદ્ગુરુને અને નવા સાધુને સરખું આપ્યું છે, અને સિદ્ધિઓના પણ ઢગલા ને ઢગલા બાપો કરે છે ને કરશે, સિદ્ધિઓ તો હાજર રહેશે. જેમ સમુદ્રમાં સિંધુ આદિ નદીઓ આવે છે તે માર્ગ કરીને દસ-વીસ ગાઉમાં સમુદ્રનું પાણી મીઠું કરી દે છે; તેમ સમુદ્રને ઠેકાણે માયા છે ને નદીઓને ઠેકાણે સંત છે ને માયાને ભીંસ કરીને હઠાવી દઈને માર્ગ કરી દેવો. વળી જેમ નદીઓ સમુદ્રને પાછો હઠાવી નવો કાંપ પાથરી તે સ્થળ રસાળ કરે છે અને તેમાંથી અનાજના ઢગલા ને ઢગલા પાકે છે તેથી લોકો જીવે છે; તેમ આપણે નદીની પેઠે માયામાં માર્ગ કરીને કેટલાક આસુરી જીવોને માયાથી રહિત કરવા. માયા તો મારી દે એવી છે. તે રણછોડ મિસ્ત્રીને ક્યાંય લઈ ગઈ. એટલા સારુ આ માથું કૂટવું પડે છે. એ મિસ્ત્રીએ સમાગમ ને સેવા બહુ કરી હતી તો પણ લઈ ગઈ, માટે કુસંગ કરવો નહિ ને વેશ લીધો તે પૂરો ભજવવો; એકલા વેશમાં સુખ નથી. જેમ સિંધુ નદી મોટા મોટા પહાડ ને ઝાડ તોડતી આવે છે, ને કાંપ પાથરે છે તેમાં બહુ જ અનાજ ને ફળ પાકે છે તેમ આપણે પણ માયાને હઠાવી દોષમાત્ર ટાળીને ફળ પકવી લઈએ, એટલે ધ્યાને કરીને મહારાજની મૂર્તિ સિદ્ધ કરી લઈએ તો ઠીક. મહારાજે તો પોતાના ભક્તનું દુઃખ પોતે માગી લીધું છે. એવડી બધી દયા છે. કોઈ હરિજન દરિદ્રી રહે છે તે તો મહારાજ એને પાકો કરે છે. એક હરિજન મહારાજને દર્શને આવે ત્યારે દંડવત કરતો કરતો આવે. પછી લાડુબા, જીવુબા આદિ બાઈઓએ કહ્યું જે આને ગરીબ કેમ રાખ્યો છે ? ત્યારે મહારાજ કહે, અમે સમજીને રાખ્યો છે. પછી બાઈઓ કહે જે, તમે ભૂલ્યા છો. ત્યારે મહારાજ કહે, અમે નથી ભૂલ્યા. પછી બાઈઓ કહે જે, ના મહારાજ, ભૂલ્યા છો. ત્યારે મહારાજ કહે જે, તમે એને આપજો, અમારી આજ્ઞા છે. પછી બાઈઓએ એને આપ્યું તેથી તે નગરશેઠ થયો. પછી તો ગામ રાખ્યાં ને ચક્રવર્તી રાજ્ય ઇચ્છ્યું ને રાજા પણ થયો. પછી ઇન્દ્ર, બ્રહ્મા, વૈરાજ, સંકર્ષણાદિક, મહત્તત્ત્વ અને પ્રધાનપતિ થયો. છેવટે મૂળપુરુષ થઈને લક્ષ્મીજીને વરવા ઇચ્છ્યો, ત્યારે મહારાજે કહ્યું જે, આ તો લક્ષ્મીજીને વરવા ઇચ્છ્યો; હવે કેમ કરવું ? ત્યારે તે બાઈઓએ શાપ દીધો જે, હે પાપી ! જા, તું અસુર થા. પછી તે અસુર થયો અને બાઈઓએ કહ્યું જે, હે મહારાજ ! તમે ઠીક જ કરતા હશો. તૃષ્ણા એવી છે, “તૃષ્ણા તું બડી ભઈ નકટી, સબ જીવન કી લાજ લેત.” એવી છે જે ભક્તને અસુર થવું પડ્યું. અને માંડવીના વાંઝા રામજીએ વેપાર કર્યો હતો. તે બાર હજાર કોરી હતી તે બધી ખોટ ગઈ ત્યારે હવે બેઠા જોગ કરે છે. અને ભૂજનો વેલજી સુતાર અમલદાર હતો, તેણે ઊંધુંચત્તું કરીને દ્રવ્ય ભેળું કર્યું હતું પણ મરતી વખતે સવળો વિચાર ઊપજ્યો, તેથી શ્રી ઠાકોરજીને સર્વસ્વ આપ્યું, તો મુક્તોએ તેને ધામમાં પહોંચાડ્યો. દ્રવ્ય હોય તો મહારાજને અર્થે વાપરવું પણ સગાંસંબંધીને આપી દેવું નહિ, તો મોક્ષ કરે. ।। ૧૭૦ ।।
વાર્તા ૧૭૧
વૈશાખ સુદ ૧૫ને રોજ સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. તેવામાં કુંભારિયેથી ગોવાભાઈનો પત્ર આવ્યો જે, કુંભારિયે ક્યારે પધારશો તે લખી મોકલો તો સિગરામ મોકલીએ. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે બાપાશ્રીએ કાગળ લખાવ્યો જે, અમે તથા સર્વે સંત-હરિજનો વદ ૭મે અહીંથી ચાલીશું, માટે તમે સિગરામ વદ ૬ને દિવસે મોકલશો અને કથા વાંચવાનું મંદિરની ઓસરીમાં રાખો તો ઠીક, કેમ જે ઇન્દ્ર ઘેલો થયો છે તે વિઘ્ન કરશે.
પછી સારંગપુરનું ૧૭મું વચનામૃત વંચાવ્યું, તેમાં ગરુડ પણ આકાશનો પાર પામે નહિ એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગરુડનું દૃષ્ટાંત તો મૂળઅક્ષર સુધી પહોંચે ને તેથી પર એકાંતિક ને પરમએકાંતિક ને અનાદિ એ ત્રણને ગરુડનું દૃષ્ટાંત લાગુ પડે નહીં. તેમાં એ પરમએકાંતિક ને અનાદિ તો ભગવાનરૂપ છે, તે એકાંતિકને મૂર્તિમાં ખેંચી લે છે. આ છેલ્લા મુદ્દાની વાત છે, હવે ખોળવું બાકી નથી. અક્ષરથી પર એકાંતિક, તેથી પર પરમએકાંતિક, તેથી પર અનાદિ અને તેથી પર શ્રીજીમહારાજ છે; આ છેલ્લો મુદ્દો હાથ આવ્યો. જેમ સમુદ્ર વેળ લાવે ને ખેંચી જાય, તેમ મૂર્તિમાંથી અનુભવજ્ઞાન આવીને મૂર્તિમાં ખેંચી જાય છે તે કૃપાસાધ્ય છે. “ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના” તે સમય આજ આવ્યો છે. એક સમયે એક ગામમાં પર્વતભાઈ ને ઝીણાભાઈ આદિ સત્સંગી બેઠા હતા; ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, મહારાજની ને મુક્તની ખુશબો આવે છે, એટલામાં તો મહારાજ અને મુક્ત આવ્યા. અનુભવજ્ઞાનમાંથી ખુશબો આવે છે, તે મૂર્તિમાં લઈ જાય છે; ત્યારે એક પુરુષોત્તમ જ રહે છે, અક્ષરાદિક બીજું કોઈ રહેતું નથી, એક કારણ મૂર્તિ રહી. “સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન.” - બ્રહ્મકોટિ, અક્ષરકોટિ એ સર્વેના પ્રકાશને મહારાજનો પ્રકાશ લીન કરી નાખે છે.
પછી ભૂજના લાલશંકરભાઈએ પૂછ્યું જે, મૂળઅક્ષર ને અક્ષર તે એક છે કે જુદા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂળઅક્ષર કહો કે અક્ષર કહો તે એક જ છે ને એની કોટિઓ છે, અને અક્ષરધામની કિરણમાં એમની અનંતકોટિઓ રહી છે. અક્ષરધામ તો એ કોટિઓનું આધાર, અંતર્યામી, પ્રેરક ને નિયંતા છે; અને તે અક્ષરધામ તે શ્રીજીમહારાજનું તેજ છે. આ સભાનો મહિમા તો અતિશે મોટો છે. ઉદ્ધવજી વૃક્ષને નમ્યા હતા, તેથી આ બાગ તથા જે જે વૃક્ષ આ મુક્તનાં દર્શન કરે છે તેમનો મહિમા તો અતિશે અપાર છે. રામજીભાઈ આ બાગમાં ઝાડ છે તેને બાથમાં ઘાલીને મળતા ને પ્રાર્થના કરતા જે મારે ઉપરદળ જાવું પડશે ને તમારે આ મુક્તનો વિયોગ નહિ થાય, માટે મારા કરતાં તમારાં ભાગ્ય મોટાં છે. વળી, નાનાં છોકરાંને પણ પગે લાગતા ને કહેતા જે, આ બધા મોટા થશે ત્યારે બ્રહ્મયજ્ઞ કરશે ને શ્રીજીમહારાજના સ્વરૂપનો નિર્ણય કરશે, તે સમયે મારાથી અવાશે નહિ તે સારુ આજથી દર્શન કરી લઉં છું. આ છોકરાં નાનાં નથી, કેમ જે તમારાં દર્શન સદાય કરે છે અને હું તો છ મહિને કે બાર મહિને આવું ત્યારે મહિનો કે બે મહિના તમારાં દર્શન તથા જોગ મળે. અને આ છોકરાં તથા વૃક્ષો તે તો સદાય તમારાં દર્શન ને જોગ કરે છે. માટે બહુ મોટાં ભાગ્યશાળી છે, અને પુરુષોત્તમરૂપ થઈ ગયાં છે, કેમ કે તમારાં દર્શન સદાય કરે છે, એમાં શું બાકી રહે ? એવા મહિમાવાળા હતા. માટે કારણ જે પુરુષોત્તમ તેમને પકડે તો ઊંડા ઊતરી જવાય અને કાર્ય જે પરોક્ષ અક્ષરાદિક અવતારો તેમને પકડે એટલે સંભારે તો બહાર નીકળી જવાય. જ્યારે વચનામૃતમાં નારદ-સનકાદિક નામે કહ્યા હોય ત્યારે મુક્તને સમજવા તો મૂર્તિથી ઓરું ન અવાય અને પરોક્ષ નારદ-સનકાદિક સમજાય તો બહાર નીકળી જવાય, એટલે ઓરું આવી જવાય. શ્રીજીમહારાજે પોતાનો મહિમા પરોક્ષ નામે કહ્યો છે તે પામર અને વિષયી જીવને પણ લઈ જવા છે તે માટે કહ્યો છે. આપણે રામકૃષ્ણ ગોવિંદ કહીએ છીએ, તે શ્રીજીમહારાજને જ કહીએ છીએ. પણ પરોક્ષ નામથી કહીએ છીએ, તેથી એમના ઉપાસકોને સારું લાગે છે, તે સારુ કહીએ છીએ. અક્ષરધામમાં બાગ-બગીચા કહ્યા છે તે આ લોકના કહ્યા છે પણ દિવ્યભાવમાં નથી, માટે પરભાવ ને અવરભાવ એ બે શબ્દ મહારાજે મેલ્યા છે, તે સમજવા જોઈએ. જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્ય રૂપે ને પ્રતિમા રૂપે દર્શન આપે છે, એમ સમજાય તો કામ નીકળી જાય. મંદિરમાં મૂર્તિ પધરાવ્યા પછી ભાવ સારો આવ્યો છે કે નથી આવ્યો, એમ ભાવ જોવો નહિ, કેમ જે અક્ષરધામમાં મૂર્તિ છે તે જ પ્રતિમા છે, પણ એક રોમનો ફેર નથી; જો ફેર જાણે તો દ્વેષ કર્યો કહેવાય. આજ ધણીય મોટા મળ્યા ને પ્રાપ્તિય મોટી મળી, માટે હવે તો કરવા મંડવું; જો ન કરે તો કૃતઘ્ની કહેવાય, આ દેહે કરીને શું ન થાય ? જે કરે તે સર્વે થાય એવું છે. આ અમારી આજ્ઞા પાળશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં લઈ જાશું. અમે તો મૂર્તિમાંથી આવ્યા છીએ, તે તમને મૂર્તિમાં લઈ જાશું; અને જો આજ્ઞા નહિ પાળો તો તમારે અમારે લેણા-દેણા નથી, એમ વર ને શાપ આપીને વાર્તાની સમાપ્તિ કરી; ને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય, એમ બોલ્યા. ।। ૧૭૧ ।।
વાર્તા ૧૭૨
વૈશાખ વદ ૧ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં જે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ્ઞા છે તે આત્મસત્તાનું કામ કરે છે, એટલે આજ્ઞા પાળનારો આત્મસત્તારૂપ એટલે મહારાજના તેજરૂપ થાય છે, ત્યારે તે પાત્ર થયો; પછી મોટા મુક્ત એમાં મૂર્તિ પધરાવી દે છે. એમ કહીને બોલ્યા જે, અમે તમને મૂકીને એકલા ગયા તે ઘેર નિસરણી ચઢતાં પગે મચકોડ આવ્યો, તેમ તમે જો મહારાજને ને અમને મૂકી દેશો તો એવું થાશે; માટે આજ્ઞામાં રહીને મહારાજને સંભારજો; પણ “રાંડીને ઘેર માંડી ગઈ તે આવ બાઈ, હું જેવી તું થા” એમ ન કરશો. જેને ઘાટ થતા હોય તેના આગળ પોતાના ઘાટ કહીએ ત્યારે તે બોલે જે, એ તો દેહના ભાવ છે તે ઘાટ તો થાય ખરા, એવી મોળી વાત કરે તે રાંડી પાસે સુવાસણી ગયા જેવું છે. અને બરોબરિયાનો જોગ કરીએ તે કૂતરાનું મુખ કૂતરે ચાટ્યું એવું છે. કેમ કે એવાના જોગથી વૃદ્ધિ ન પમાય અને જે અવગુણિયા હોય તે ભેગા થઈને મોટા સત્પુરુષની નિંદા કરીને તે અવગુણરૂપી ઝેર પરસ્પર ચઢાવે; તે સર્પને ઘેર પરોણો સાપ એવું છે, માટે એ કુસંગ ઓળખીને તેથી છેટે રહેવું પણ તેનો સંગ ન કરવો. શ્રીજીમહારાજે કહ્યું છે જે સત્સંગમાં રાહુ-કેતુ જેવા પડ્યા છે, તેમનો સંગ ન કરવો. જે મોટા હોય તેમને કોઈક પોતાના ઘાટ કહેવા આવે ત્યારે તેને ઘાટની નિવૃત્તિ થાય, તેવી રીતે શુદ્ધ સત્ત્વગુણમાં રહીને શાંતિથી કહેવું, પણ ક્રોધે કરીને તેનો તિરસ્કાર ન કરવો. કોઈકને આજ્ઞા લોપ થઈ ગઈ હોય તેને પણ શાંતિથી કહેવું; પણ કોપ તો કરવો જ નહિ, કેમ કે કોપ તો પોતાનું ભૂંડું કરે એવો છે. સંગ કરનારે પણ તપાસીને સંગ કરવો ને જે સંકલ્પને ટાળી નાખે તેનો જોગ કરવો, અને પંચ જ્ઞાનેન્દ્રિયો તથા ચાર અંતઃકરણ દ્વારે ભગવાનનો રસ લેવો, એટલે તે ઇન્દ્રિયો દ્વારે શ્રીજીમહારાજને સંભારવા અને આજ્ઞા પાળવી. દ્રવ્યને તો વિષ્ટા તુલ્ય જાણવું, એટલે તેનો વિષ્ટાની પેઠે ત્યાગ કરવો. જો વિષ્ટાનો સંકલ્પ થાય તો દ્રવ્યનો સંકલ્પ થાય. જેટલું વિષ્ટામાં હેત હોય તેટલું દ્રવ્યમાં હેત રાખવું. એટલે જેમ વિષ્ટાનો સંગ્રહ થતો નથી તેમ દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં. અરે ! તેથી પણ ભૂંડું જાણીને તેનો ત્યાગ કરવો. એ વિના શું ચાલતું નથી ? ત્યાગીને ખાવા-પીવા, લૂગડાં સર્વે ગૃહસ્થ આપે છે તો બીજું શું જોઈએ ? ત્યાગી તો ગૃહસ્થ અન્ન-વસ્ત્ર આપે છે તેના પણ દેણદાર થયા, માટે એ દેણું વાળવાને માટે માળાઓ ફેરવવી અને પોતાનું પણ કરવું માટે ખૂબ ખબડદાર રહેવું; નહિ તો હરિભક્તને ઘેર જન્મવું પડશે, ને નવ મહિનાની કેદ આવી પડશે. જે દ્રવ્યનો ને સ્ત્રીનો બેયનો ત્યાગ રાખશે તેનું અમે પૂરું કરીશું. માટે એ બેયની તો અંતરમાંથી ઊલટી કરી નાખવી તો અમે શ્રીજીની મૂર્તિમાં લઈ જાશું ને સુખિયા કરીશું. કારિયાણીના ૧૦મા વચનામૃતમાં શ્રીજીમહારાજે “અમને સર્વ કર્તા જાણવા અને પ્રેમે સહિત તપ કરવું.” એ પોતાનો સિદ્ધાંત કહ્યો છે. માટે માયાનો ત્યાગ કર્યો છે તેને પેસવા દેવી નહિ, એટલે ચૈતન્ય માયા જે સ્ત્રી અને જડ માયા જે દ્રવ્ય તેનો સંકલ્પ થવા દેવો નહિ, તો રખાય કે રખાવાય જ કેમ ? એ પ્રમાણે રહેવું પણ એમાં ફેર પડવા દેવો નહીં. એટલી વાત કરીને પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમે વાડ કરજો એટલે સર્વેને વર્તમાન પળાવજો, અને તેને તેડવા અમે આવશું. એમ કહીને બોલ્યા જે, તમને કોઈ કહે જે, તમે ભાડાં ખરચીને શું કરો છો ? તો તેને આ લખેલું બતાવજો અને કહેજો જે અમે આ કરીએ છીએ. ને તમેય આ કરો એમ કહેજો. ।।૧૭૨ ।।
વાર્તા ૧૭૩
વૈશાખ વદ ૩ને રોજ સવારે સભામાં અમદાવાદનું ૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં સર્વેને અંતર્યામી જેવા કરીશું. અને બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક કરે એવા સમર્થ કરીશું એ વાત આવી.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, એ કેવી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની મૂર્તિને વિષે શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, પર્વતભાઈ આદિ અનંત મુક્ત રહ્યા છે તે જે સુખ લે છે, તે એકબીજા જાણે છે જે, આ મુક્ત આટલું સુખ લે છે ને આ મુક્ત આટલું સુખ લે છે, એમ જાણવું તે અંતર્યામીપણું કહ્યું છે, અને આ લોકમાંથી જીવને વર્તમાન-નિયમ પળાવીને માયાથી પર કરીને સત્સંગમાં લાવીને ધામમાં કે મૂર્તિમાં લઈ જવા તે ઉત્પત્ત્યાદિક જાણવું.
પછી ભૂજના ભોગીલાલભાઈએ પૂછ્યું જે, લોયાના ૧૩મા વચનામૃતમાં તુચ્છ જેવો જીવ હોય એ જો ભગવાનનાં ચરણારવિંદમાં નિર્વિકલ્પ સ્થિતિએ કરીને રહ્યો હોય, તેને દેશકાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય, ને બ્રહ્માદિક એવી રીતે રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય એમ કહ્યું છે; તે જે ભગવાનનાં ચરણારવિંદમાં રહ્યો હોય તેને તુચ્છ જેવો કહ્યો છે તે કેમ સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ લોકની દૃષ્ટિએ મનુષ્યભાવે તુચ્છ કહ્યો છે, પણ ભક્તપણાની દૃષ્ટિએ જોઈએ તો બ્રહ્માદિકથી પણ ઘણો મોટો છે, અને બ્રહ્મા જેવા કહ્યા છે તે ઐશ્વર્યની દૃષ્ટિએ કહ્યા છે, પણ ઐશ્વર્યાર્થીઓ તો કેટલાક માયાની અંદરના છે ને તે માયારૂપી કેદખાનામાં પડ્યા છે અને કેટલાક માયાથી પરના છે તે ઐશ્વર્યરૂપી કેદખાનામાં પડ્યા છે અને આ જીવ તો મહારાજના મુક્તને વિષે હેત કરીને માયામાંથી અને ઐશ્વર્યમાંથી છૂટી ગયા માટે ઘણા મોટા છે. મહારાજની ઉપાસના તો આ સત્સંગમાં છે, પણ બીજે ગોલોક, વૈકુંઠ, બ્રહ્મકોટિ કે અક્ષરકોટિમાં ક્યાંયે નથી. એ સર્વે આજ મનુષ્ય રૂપે થઈને પોતાના કલ્યાણને અર્થે આ સત્સંગમાં આવ્યા છે. તેમાં કેટલાક તો મુક્તને જોગે કરીને અક્ષરધામમાં જતા રહ્યા, અને કેટલાક મુક્તનો જોગ કરે છે, તે મહારાજનો મહિમા સમજીને અક્ષરધામમાં જાય છે અને કેટલાક આવે છે તે મુક્તનો જોગ કરીને જશે; માટે બીજી સભાઓના મુક્તોથી તથા તેમના સ્વામીઓથી પણ આ સત્સંગમાં શ્રીજીમહારાજના મુક્ત વિશેષ છે. આટલી વાર્તા કરીને પછી સર્વેને હાર પહેરાવ્યા, ને પછી પુષ્પની પાંખડીઓ સંતો ઉપર નાખીને બોલ્યા જે, આ વિનગુણ એટલે દિવ્ય હાર છે. તેની પાંખડીઓ પડી છે તે વીણી લો. પછી સંતે પુષ્પની પાંખડીઓ વીણી લીધી. પછી બોલ્યા જે, ધણી અહીં મળ્યા છે ને કસર ટાળવા જ્યાં ત્યાં જાય તે સમજણમાં ખામી છે, માટે જે છે તે અહીં છે. જેતલપુરમાં સંતદાસજીએ સર્વે સંતોને કહ્યું હતું જે, “જે છે તે અહીં છે ને બધા અહીંનું ભજન કરે છે.” માટે બીજી કોઈ જગ્યાએ એટલે કોઈ ધામમાં કે તેના ધામીમાં વૃત્તિ કરવી નહીં. “મેરે તો તુમ એક આધારા” એમ એક શ્રીજીમહારાજનો જ આધાર હારલની લકડીની પેઠે રાખવો. બીજા મોટા મોટા મૂળઅક્ષર પર્યંત સર્વે શ્રીજીના સકામ ભક્ત છે તે કોઈનો આધાર કે ભાર ન રાખવો. શ્રીજીમહારાજ પાસેથી માયિક સુખ કે ઐશ્વર્ય કાંઈ ઇચ્છવું નહિ, અને જો ઇચ્છે તો કીડીસખી (એ નામે સાધુ)ની પેઠે માર ને ભાઠાં પડે, માટે એક મૂર્તિ જ ઇચ્છવી તો નિષ્કામ ભક્ત કહેવાય, ને મુક્તની પંક્તિમાં ભળાય. જુઓને ! કેવા મહારાજ મળ્યા ને કેવા મુક્ત મળ્યા, આવું કોઈ નથી. મૂળઅક્ષરકોટિને પણ આ મુક્તનાં દર્શન નથી. તે તમને મળ્યા છે; માટે મૂળપુરુષરૂપ ઈશ્વરકોટિનો તથા બ્રહ્મકોટિનો તથા અક્ષરકોટિનો ને એમનાં કાર્યનો એ સર્વેનો નિષેધ કરી નાખવો. જેમ મહારાજ ને મુક્ત મોટા મળ્યા છે તેમ જ આ લોકમાં સાધનદશાવાળાને કળિયુગ પણ મોટો મળ્યો છે, તે રૂપ ફેરવી નાખે છે ને મોટા મોટાને પણ કલ્યાણના માર્ગમાંથી પાડે છે. એ તો જે મહારાજના સ્વરૂપમાં જોડાય તેને બાધ ન કરે પણ બીજાને તો કરે ખરો. એમ વાતો કરતા હતા એટલામાં માવજીભાઈ જમવા બોલાવવા આવ્યા. પછી ઊઠતી વખતે બોલ્યા જે, અખાડો ચલાવો, આ ઝાડવાં સાંભળશે તે અક્ષરધામમાં ચાલશે, એમ કહીને જમવા પધાર્યા ને સંતોએ કથા ચાલતી રાખી. પછી બાપાશ્રી જમીને આવ્યા, ત્યારે સંતોએ જય સ્વામિનારાયણ કહ્યા ત્યારે મૂર્તિ સામે હાથ કરીને બોલ્યા જે આ સ્વામિનારાયણ ઊભા, જેને લેવા હોય તે લો. ।। ૧૭૩ ।।
વાર્તા ૧૭૪
વૈશાખ વદ ૪ને રોજ સવારે સભામાં સારંગપુરનું ૨જું વચનામૃત વંચાતું હતું. તેમાં પરમેશ્વર તથા મોટા સંત તે યોગ્ય અથવા અયોગ્ય વચન કહે તે તત્કાળ સ્નેહે સહિત માનવું એમ આવ્યું.
ત્યારે મોડાસરના માસ્તર લલ્લુભાઈએ પૂછ્યું જે, સંતનું અયોગ્ય વચન કયું જાણવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગુરુ હોય તે પોતાના શિષ્યને ગુણમાં આવીને શિખામણ દે તે અયોગ્ય વચન કહેવાય, અને શુદ્ધ સત્ત્વગુણમાં એટલે નિર્ગુણ થઈને બોલે, વઢે તે યોગ્ય કહેવાય. શિષ્ય હોય તે ગુરુનું અયોગ્ય વચન માને તો તેને શ્રીજીમહારાજનું વચન પળે અને વચનના માર્યા જુદા ન પડે તો, તે શૂળીનું દુઃખ સહન કર્યું કહેવાય. જે શિષ્ય હોય તેણે ગુરુ આગળ યુક્તિ ન કરવી ને ખટપટિયા ન થાવું અને અગડમ્ બગડમ્ ન કરવું. જેવા માંહી તેવા બહાર રહેવું, પણ લેશમાત્ર કપટ ન રાખવું તો ગુરુ તથા મહારાજ રાજી થાય અને મોક્ષ થાય; માટે ચોખ્ખા થઈને ધામમાં જાવું. અગડમ્ બગડમ્ કામ નહિ આવે, ધામ નહિ મળે ને મળશે ધક્કા, એવું થાશે. આવા ગુરુ ને આવા મહારાજ મળ્યા, ત્યારે શીદ ચોખ્ખા ન થાવું ? એ તો થાવું જ. ગોબરા ગુરુનો ત્યાગ કરવો. પણ ગુરુ-શિષ્યે એકબીજાની મહોબત ન રાખવી. જે ગુરુ સેવા કરાવે ને મોક્ષ પણ કરે એવા ભેળા રહેવું. એક સડેલ સરખી ચીજ ન મુકાય તો મોટાને ને મહારાજને શું રાજી કર્યા ? તેને તો સાધુનો માર્ગ જ હાથ નથી આવ્યો, માટે સડેલ ગુરુનો ને સડેલ શિષ્યનો ત્યાગ કરવો. વહેલા ઊઠી, નાહી-ધોઈને, પૂજા કરીને હરિભક્તને કથા-વાર્તા કરવી તે સેવા કહી છે. આ જ્ઞાન જેને થયું હોય તેને કદાપિ વાસના રહી જાય ને ઇન્દ્ર કે બ્રહ્માના લોકમાં જાવું પડે તો ત્યાં પણ આ જ્ઞાન રહે છે. ને પછી પસ્તાવો કરીને એ લોકને મૂકીને અહીં આવીને મોક્ષને માર્ગે ચાલે છે ને પછી કલ્યાણ થાય છે, એવું આ જ્ઞાનનું મહાત્મ્ય છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આવો જોગ મળ્યો તોપણ આળસ ને પ્રમાદ કેમ રહેતાં હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રથમ તો નિશ્ચયમાં કસર છે, ને બીજી મહિમામાં કસર છે ને ત્રીજી શ્રદ્ધા ઓછી છે, તેથી આળસ ને પ્રમાદ રહે છે. જો મહારાજને ને અનાદિમુક્તને સાથે ને સાથે રાખે તો સત્સંગ દિવ્ય જણાવે ને નિશ્ચય ને મહિમા તે યથાર્થ દૃઢ કરાવે, એટલે આળસ, પ્રમાદ આદિ સર્વે દોષથી રહિત થવાય. એમ કહીને પછી બોલ્યા જે, સાંભળજો ! અલીખાં પઠાણે જેતલપુરમાં છ મહિના શ્રીજીમહારાજની વાતો સાંભળી અને બધી કહી સંભળાવી અને સંતોથી કહેવાણી નહીં. એવા શ્રોતા હતા, માટે એવા શ્રોતા થાવું.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, શ્રીજીમહારાજને મહાત્મ્યજ્ઞાને સહિત જેવા છે તેવા જાણતો હોય ને મુક્તને પણ જેવા છે તેવા જાણતો હોય પણ આત્માને વિષે સાક્ષાત્ દેખાતા ન હોય, તે ભક્તનાં ઇન્દ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થયાં કહેવાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનાદિમુક્ત થકી જ્ઞાન પામ્યો તે જ્ઞાન દિવ્ય છે, માટે તે મૂર્તિને દેખે નહિ તોપણ તે પુરુષોત્તમરૂપ થયો છે, કેમ જે અહીં મનુષ્ય રૂપે શ્રીજીમહારાજ કે અનાદિમુક્ત વિરાજતા હોય તેમને વિષે એને દિવ્યબુદ્ધિ થઈ ગઈ છે, માટે તે પુરુષોત્તમરૂપ થઈ ગયો છે પણ જો આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ ન થાય તો. એમ કહીને બોલ્યા જે, તમને બધાયને મૂર્તિમાં મૂક્યા છે ને દેહમાં ક્રિયા મહારાજ કરે છે માટે જેવો જોગ તમને મળ્યો છે તેવો કોઈને મળ્યો નથી. પણ ગાંડાને ગાદી જેવું ન થવા દેવું. આ સુખ મોટું મળ્યું, પ્રાપ્તિ મોટી મળી, ધણી મોટા મળ્યા, તોપણ વલખાં કરે ને અકળાય જે મારે કાંઈ નથી. પણ શું નથી ? બધુંય આ સભામાં છે, પણ તેનો મહિમા નહિ એટલે પરભાવમાં જોવા ઇચ્છે છે; પણ બધું અવરભાવમાં છે એમ ન સમજાય, તેથી અક્ષરધામની વાટ જુએ, ને સભાની ને મૂર્તિની વાટ જુએ, જે અક્ષરધામમાં જ્યારે જઈશું ત્યારે દેખશું. એ અજ્ઞાન છે ને એટલી નિષ્ઠામાં કસર છે. સુખમાત્ર બધું આ સભામાં છે પણ મફતનું અપૂર્ણપણું રાખે છે. શ્રીજીમહારાજ અને અનાદિ તથા પરમ એકાંતિકમુક્ત આ સભામાં દર્શન આપે છે, અને વળી સમર્થ થકા જરણા કરે છે જે, કોઈ અલ્પ જીવ માન-અપમાન કરે તેને સહન કરે છે; પણ જીવને નાસ્તિકપણું છે તેથી દિવ્ય જાણતા નથી. સત્સંગમાં બધું છે, તે વળી ક્યાંઈક નહિ પણ અહીં જ છે, ખોળવા જશો નહીં. આવા પુરુષ ને આવા સંત કહેનારા ક્યાંથી હોય ? આ મુક્ત તો શ્રીજીમહારાજના પડછંદા છે. શ્રીજીમહારાજને આત્માને વિષે પધરાવ્યા એટલે બધા દેવતા ઠેઠ અક્ષર સુધીના ઊઠી ગયા, ને એક મહારાજ દેવતા થયા, અને બધું કર્તાપણું મહારાજ દ્વારે જીવને રહ્યું તે વ્યતિરેકપણે રહ્યું; પણ અન્વયપણે નહીં. અન્વયપણે તો અક્ષરકોટિથી લઈને જીવકોટિ સુધી જ. આ તો વ્યતિરેકપણે એટલે મૂર્તિમાન આત્માને વિષે રહીને સર્વે ક્રિયા કરે છે. જેમ લોકમાં ગરબા કરે છે, તેમાં કાણાં કરે છે ને માંહે દીવો મૂકે છે, તેનું અજવાળું કાણાંમાં દેખાય છે; તેમ આત્મામાં શ્રીજીમહારાજ રહીને સર્વે ઇન્દ્રિયોમાં ક્રિયા કરે છે. નેત્રે જુએ છે, પગે ચાલે છે શ્રોત્રે સાંભળે છે, એમ સર્વે ક્રિયા મહારાજ કરે છે. આવા મોટાનો વાયરો અડીને જેના ઉપર આવે તેનો મોક્ષ કરે છે. જેમ પુષ્પાદિકની ખુશબો આવે છે તેમ મહારાજનો ને મોટાનો સ્પર્શ થાય તેને તેમનું સુખ આવે છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે, કેમ કે મહારાજ ને મુક્ત એના આત્મામાં વિરાજે છે; માટે અકેકામાં અનેક અનેક થયા. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી અહીં ભૂજના સભામંડપની લખણી કરવા આવ્યા હતા. તેમની સાથે અમો ગામ જતા હતા, તે રસ્તામાં જતાં એક વળાંકમાં સંતો આગળ જતા રહ્યા અને અમે તથા સ્વામી રહી ગયા એટલે સ્વામીએ સંતોને લાકડી ઊંચી કરીને ઊભા રાખ્યા ને બોલ્યા જે, અનંત સાધુ આપણા ભેળા છે એવા આપણે બે છીએ, તોપણ આ લોકનું રાખવું પડે છે; નહિ તો આપણા ભેળા કરોડો કરોડો મુક્ત છે, એટલા કહીએ તોયે થોડા કહેવાય, તોપણ સાધુને ઊભા રાખવા પડ્યા; કારણ કે શ્રીજીમહારાજે ધર્મપ્રબંધ બાંધ્યો છે તે મોટા મુક્ત પાળે તો જ સાધનિક પાળે એમ બોલ્યા.
પછી વળી સ્વામીએ કહ્યું જે, આવા ને આવા સદા અમારા ભેળા રહેજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આવા ને આવા સદાય ભેળા રહીશું પણ તમે ભેળા રાખજો, એટલે અમને સદાય પાસે જાણજો. અને આજ્ઞા નાની-મોટી લોપાતી હોય તો એમ જાણીએ જે આ આવ્યા, તો આવીને ઊભા રહીશું. આજ્ઞા પાળે તો અમે વગર બોલાવે આવીએ, માટે આજ્ઞા પાળવી, પણ એમ ન જાણવું જે એ હતા ત્યારે હતા ને હવે નથી. જો એમ જાણે તો આજ્ઞા લોપાય, માટે સદા સાથે છે એમ જ જાણવું. ।। ૧૭૪ ।।
વાર્તા ૧૭૫
વૈશાખ વદ ૫ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૫૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં નદી, સતી ને પતંગ તથા શૂરાના દૃષ્ટાંતની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ ત્રણે સાધનદશાની સ્થિતિના ભેદ છે, પણ સિદ્ધદશામાં તો જેને અહીં પરમએકાંતિક મળ્યા હોય તેને પોતાના જેવી સ્થિતિ કરાવે તે તેજમાં મૂર્તિમાન થઈને મૂર્તિનું સુખ ભોગવે છે, અને અહીં જેને અનાદિ મળ્યા હોય તે મૂર્તિમાન થઈને મૂર્તિમાં રહીને સુખ લે છે. આવું સુખ પામવા સારુ આગળ સંતો ગોળા ખાઈને તથા ભૂખ, દુઃખ, ટાઢ, તડકો, વરસાદની ધારાઓ સહન કરીને સમાગમ કરતા. આજ તમને જ્યારે ઢગલા ને ઢગલા મળે છે ત્યારે એવો ખપ નથી. આજ તો આ ગામથી બીજે ગામ જવું હોય ત્યારે હરિભક્તો પૂછે જે, સ્વામી કેટલાં ગાડાં લાવીએ ? તે હરિભક્તોને તો ઠીક જે સેવા થાય, પણ બેસનારને ખોટ આવે. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી તથા અક્ષરજીવનદાસજી સ્વામી તે તો બેસતા નહીં. સંવત ૧૯૬૨ની સાલમાં અમે ને સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સૌ અમદાવાદ જતા હતા. તે મૂળીથી કાળિયાણા ગયા ને ત્યાંથી આરતી ટાણે ચાલ્યા તે વિરમગામ ગયા. ત્યાં મંદિરમાં દર્શન કરીને રાત્રિના દસ વાગે ચાલ્યા તે સાજી રાત ચાલ્યા, અને સવારે સાબરમતી આવીને નાહીને પૂજા કરી અને અગિયાર વાગે અમદાવાદના મંદિરમાં આવ્યા. સ્વામી અક્ષરજીવનદાસજી બહુ સમર્થ હતા. તેમને મંદવાડ હતો ત્યારે એક જણે કહ્યું જે, તમે પ્રાયશ્ચિત્ત અધૂરાં બતાવ્યાં છે તે પાપ તમારે ભોગવવું પડે છે, એમ માયિકભાવ પરઠ્યો. મૂળીમાં સદ્. સ્વામી હરિનારાયણદાસજી મુક્ત હતા તેમને વિષે દોષ કલ્પેલો કાગળ અમારી પાસે આવ્યો હતો તે અમે ફાડી નાખ્યો, એમ અજ્ઞાની જીવ મોટાને વિષે દોષ ન હોય પણ મોટાનું ખોટું દેખાડવા અવગુણ લે. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીનો મહિમા જાણીને નદી સ્પર્શ કરવા આવી હતી, ત્યારે કેટલાક કહે જે, એમને મૂઆ પછી પણ સુખ ન આવ્યું, પણ વર્ષાઋતુ નહોતી ને એકદમ પૂર આવીને સ્પર્શ કરીને પાછું તુરત જતું રહ્યું તોયે ખબર ન પડી. એ માયિકભાવના પરઠનારા નર્ક-ચોરાસીમાં ભમે, માટે મહારાજને ને મોટાને દિવ્ય જાણવા, પણ દેહધારી ન જાણવા ને એમને વિષે માયિકભાવ પરઠવો નહીં.
પછી સ્વામીએ પૂછ્યું જે, દુષ્ટ વાસના કઈ જાણવી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજી ઇચ્છા રહે તે દુષ્ટ વાસના જાણવી.
પછી ભૂજના ઘેલાભાઈએ પૂછ્યું જે, કોઈક ભક્ત દેહ મૂકે તેને જે સંતને વિષે અથવા હરિજનને વિષે હેત હોય તે અંત સમયે દેખાય છે, તે એ પોતે દેખાતા હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને વિષે હેત હોય તે રૂપે શ્રીજીમહારાજ દર્શન આપે પણ સાધનદશાવાળા દર્શન આપી શકતા નથી; અને જે સિદ્ધમુક્ત છે તે તો પોતે દર્શન આપીને તેડી જાય છે. પણ જે પરિપક્વ જ્ઞાની ન થયો હોય તેને સાધનદશાવાળા રૂપે મહારાજ દર્શન આપે ને તેને જન્મ ધરવાનો બાકી રહે છે, અને જે પરિપક્વ જ્ઞાની થાય તેને તો મહારાજ ને મુક્ત પોતે દર્શન આપીને તેડી જાય છે, ને મૂર્તિના સુખે સુખિયો કરે છે. ।। ૧૭૫ ।।
વાર્તા ૧૭૬
વૈશાખ વદ ૭ને રોજ સવારે બાપાશ્રીને તાવ આવ્યો હતો તે પડખાભર સૂતા હતા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, એ રોગ મને આપો ને આપ વાતો કરો. પછી બાપાશ્રી બોલ્યા જે, એ તો સકામ થવાય માટે ન અપાય. અમે તો સ્વતંત્ર છીએ ને દિવ્ય મૂર્તિ છીએ, ને અમારી ઇચ્છાથી ક્યારેક માંદા દેખાઈએ, ક્યારેક સાજા દેખાઈએ, ક્યારેક અદૃશ્ય થઈએ, ને ક્યારેક પ્રગટ થઈએ એવા સમર્થ છીએ. જેમ રાજા હોય તે તમારા જેવાં લૂગડાં પહેરીને તમારા ભેળો બેઠો હોય તેને કોઈ ઓળખી શકે નહીં. તેમ આ મુક્ત તમારા ભેળા મનુષ્ય રૂપે થઈને બેઠા છે, તે ઓળખી શકાય નહીં. અમારે દર્શને, સ્પર્શે ને સંકલ્પે કરીને અનંત જીવનો ઉદ્ધાર થાય છે. એમ કહીને પછી વાત કરવા માંડી જે, ભગવાનના ભક્તે ત્રિવિધ તાપમાં અંતર ડોલવા દેવું નહિ, તે કિયા તો અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ. તેમાં અધ્યાત્મ એ જે, દેહમાં ઘાસણી (સંગ્રહણી) રોગ થાય તે અધ્યાત્મ. અને રાજાનો ઉપદ્રવ જે પકડો, ઝાલો, બાંધો, મારો, કેદ કરો એવું રાજા સંબંધી દુઃખ આવી પડે તે અધિભૂત. અને સો વર્ષ લગી લાગટ કાળ પડે એવું દુઃખ આવે તે અધિદૈવ, એવા દુઃખમાં રાજી રાજી રહે; પણ ભગવાનની મૂર્તિ મૂકે નહીં. આવો પ્રશ્ન એક સમયે સદ્. નિર્ગુણદાસજી સ્વામીના શિષ્ય પુરાણી શ્રી કૃષ્ણદાસજી અહીં આવ્યા હતા તેમને ખોજાએ પૂછ્યો હતો તેનો અમે આવો ઉત્તર કરી આપ્યો હતો. કેમ ઈશ્વરબાવા! તમને સાંભરે છે કે નહીં ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, હા. ઓગણપચાસ (૧૯૪૯)ની સાલમાં અમે અહીં આવ્યા હતા, ત્યારે ભારાપરના ખોજા આવ્યા હતા, તેમણે પૂછ્યું હતું અને આપે ઉત્તર કર્યો હતો. પછી બાપાશ્રી બોલ્યા જે, અમારું તો એવું છે, તમારા સંસ્કૃતમાં અમે કાંઈ ન જાણીએ.
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછ્યું જે, આપણાં મંદિરોમાં મૂર્તિઓ પધરાવી છે તેને કેટલાક એમ કહે છે જે, સત્પુરુષના લાવ્યા ભગવાન આવે છે તો તો ભગવાન કરતાં સત્પુરુષ વધે, માટે તે કેમ સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ સત્પુરુષને વશ થઈને પોતે સાક્ષાત્ વિરાજમાન થાય છે, પણ મુક્ત તો સેવક છે ને મૂર્તિઓ તો સ્વામી છે. જે મુક્ત હોય તે મૂર્તિઓને પોતાના સ્વામી માને છે, અને જે આધુનિક સાધનદશાવાળા છે તે તો મૂર્તિથી સત્પુરુષને વિશેષ જાણે છે પણ તેની સમજણ ખોટી છે.
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, મૂર્તિ પધરાવનાર એમ જાણે જે હું મૂર્તિથી વિશેષ છું, તેનું શું થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને વિષે માયિક ત્રણ ગુણ હોય, તે મૂર્તિથી પોતાને વિશેષ માને ને બીજા આગળ એમ બોલે, પણ તે નાસ્તિક છે, અને તેનું તથા તેની વાત સાંભળીને તેવી રીતે સમજનારનું કલ્યાણ થાય નહીં. તે જ દિવસે સાંજે કુંભારિયેથી સિગરામ તથા ગાડાં તેડવા આવ્યાં. ।। ૧૭૬ ।।
વાર્તા ૧૭૭
વૈશાખ વદ ૮ને રોજ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા કથા વાંચનાર પુરાણી ધર્મકિશોરદાસજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી એ બે તથા સ્વામી ભગવત્સ્વરૂપદાસજી તથા પુરાણી હરિપ્રસાદદાસજી તથા સ્વામી કૃષ્ણસેવાદાસજી તથા સ્વામી શ્વેતવૈકુંઠદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી આદિ સર્વે કુંભારિયે ગયા. ત્યાં કથાની ગોમટી બહાર વાડામાં જોઈને બાપાશ્રીએ ભૂજના સંત તથા કુંભારિયાના હરિજનોને કહ્યું જે, ઇન્દ્ર અતિશે ઘેલો થયો છે, માટે માંડવામાં ગોમટી કરી છે તે મંદિરમાં લાવો; એમ બે-ત્રણ વાર બોલ્યા. પણ સંત-હરિજનોએ મંદિરમાં સાંકડ પડે એમ જાણીને ત્યાં જ કથા કરવાનું રાખ્યું. પછી બાપાશ્રીએ આસને પધારીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, કહી કહીને થાકી ગયા, પણ સાધુએ કે હરિભક્તોએ માન્યું નહીં. સાધુ ઝાલ્યું મૂકતા નથી. અમે નહિ હોઈએ ત્યારે કોઈનું નહિ માને ને એમનાં પોત ઉઘાડાં થશે ને કેટલાયને દુઃખિયા કરશે અને પોતે દુઃખી થશે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા, ઇંદ્રને ના પાડો જે આવે નહીં. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સાધુ ને સત્સંગી માનતા નથી ને ઇંદ્ર કેમ માને ? ત્યારે સ્વામીએ કહ્યું જે, બાપા ! આ સંત-હરિજનો તો આપનાં છોકરાં છે તે છોકરાં તો કદાપિ ન માને, પણ ઇંદ્ર તો બિચારો ચાકર છે તે ચાકરને તો જેમ આજ્ઞા કરો તેમ કરવું પડે. પછી બાપાશ્રી બોલ્યા જે, ત્યારે હવે તો ઇંદ્રને જ કહેશું; નહિ તો અમારી લાજ જાય જે આવા મોટા કહેવાય છે ને વરસાદે વિઘ્ન કર્યું તે ટાળી શક્યા નહીં. પછી કથા બેઠી તે જ દિવસે વરસાદ આવ્યો ને ગોમટી ઉપર ટાટપટીઓ બાંધી તોપણ ઘણો આવવા માંડ્યો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, બાપા ! ઇંદ્રને હવે કાંઈક કહો. પછી બાપાશ્રીએ ઇંદ્રને કહ્યું જે, આ ગામની અંદર ન વરસીશ ને આ ગામના ફરતો બીજે બધે વરસજે. પછી વરસાદ ગામ ફરતો થાય ને બીજે બધે થાય ને નદીએ પૂર આવ્યું પણ ગામમાં ન આવ્યો. પછી બારશને દિવસે સાંજની કથામાં વરસાદ બહુ ચઢી આવ્યો, ત્યારે જયરામભાઈએ કહ્યું જે, બાપાશ્રીનું આસન નેવા તળે છે તે ટાટપટી તળે લાવો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપાશ્રીનું આસન નેવા તળેથી ટાટપટી તળે લાવશો તો વરસાદ વરસશે માટે ત્યાં ને ત્યાં રહેવા દો. તોપણ હરિભક્તો આસન ઉપાડવા ગયા પણ બાપાશ્રીએ આસન ઉપાડવા દીધું નહીં. પછી વરસાદ રહી ગયો અને ફરતા ગામડામાં વરસાદ બહુ થયો ને તળાવોમાં છ છ મહિનાનાં પાણી થયાં ને નદીઓમાં પૂર પણ ઘણાં આવ્યાં. વાગડ દેશમાં તો રાજાનું ખડ હતું તેમાં વીજળી પડી તે ચાર લાખ મણ ખડ બળી ગયું, એવું દેશાંતરમાં વરસાદનું તોફાન ઘણું થયું પણ કુંભારિયામાં ન વરસ્યો. તે કથામાં બાપાશ્રીએ વાતો કરી તે લખી છે. ।। ૧૭૭ ।।
વાર્તા ૧૭૮
વૈશાખ વદ ૧૦ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં એક પુરુષોત્તમ રહે છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગાડું મહારાજે વીંખી નાખ્યું ને એક પોતે જ રહ્યા, બીજું અક્ષરાદિક સર્વે નથી એમ કહ્યું. તે જેમ ગાડામાં ખીલા હોય તે કાઢી નાખીએ તો ગાડું વીંખાઈ જાય, તેમ મહારાજે પૃથ્વીથી લઈને મૂળઅક્ષર સુધી બધું ખોટું કરી નાખ્યું ને એક પોતે જ રહ્યા. માટે એક મહારાજને રાખવા ને મૂર્તિમાં વળગી પડવું પણ મૂર્તિ મૂકવી નહિ; તે એક ક્ષણ વાર પણ ન મૂકવી. સાધુ થયા કે સત્સંગી થયા એટલે થઈ ગયું, એમ માની બેસી રહેવું નહિ ને હિલોળે ચઢી જાવું નહિ એટલે કાર્યમાં ખોટી થાવું નહીં.
મહારાજની માનસીપૂજા દિવસમાં પાંચ વાર કરવી, તે અડધો કલાક કે એક કલાક કરવી. માનસીપૂજા કરી રહીએ ને બે કલાક થાય પછી વળી માનસીપૂજા કરવી. એમ ને એમ માનસીપૂજા કરે તો મૂર્તિમાંથી નવરું થવાય નહીં. સુંથ પાસે રામપુરમાં સુખરામ નામે બ્રાહ્મણ હતા. અમે એકાવનની સાલમાં અમદાવાદ ગયા હતા, ત્યાં એ આવ્યા હતા. તેમણે વાત કરી હતી જે, “હું આથી પહેલો અહીં આવ્યો હતો, ત્યારે સોનાનો દાગીનો વેચવા લાવ્યો હતો તે સોંઘો માંગ્યો તેથી ન આપ્યો તે લઈને પાછો ઝાડીમાં જતો હતો ત્યાં માર્ગમાં માનસીપૂજા કરવા બેઠો ત્યારે ચોર આવીને દાગીનો છોડવા લાગ્યો તે વખતે મહારાજને માનસીપૂજામાં હું જમાડતો હતો તેથી જમાડવા પડ્યા મૂકીને કેમ ચોરની સાથે બોલાય ? કે સાન પણ કેમ થાય ? એમ જાણીને ચોરને દાગીનો લઈ જવા દીધો. જ્યારે હું માનસીપૂજા કરી રહ્યો ત્યારે ચોર તો જતો રહેલો. પછી મેં સંકલ્પ કર્યો જે, મૂઆ ! હું મહારાજને જમાડતો હતો ને તું છોડી ગયો તો તને ઢીંચણમાં પથ્થર વાગો ને ભાઠાં પડો ને તું મરી જા. પેલા ચોરને દોડતા દોડતા વચમાં વોકળો આવ્યો, તેમાં પડી ગયો ને વાગ્યું. તે આગળ એક ગામમાં ધર્મશાળામાં પડ્યો હતો, ત્યાં લોટ માગીને ગયો ત્યારે મેં તેને ઓળખ્યો. પછી તે બીન્યો ને દાગીનો મને પાછો આપી દીધો, તે લઈને હું ગયો અને ચોર મરી ગયો. તે મારે મહારાજની માનસીપૂજા થઈ ને દાગીનો પણ આવ્યો.” એવી માનસીપૂજા કરવી. કોઈકને ટોપલો, કોદાળી કે પાવડો દેખાડવો હોય, એટલામાં પણ સાન કરે કે હાથ હલાવે, પણ માનસીપૂજા પૂરી કરે નહિ ને સાધુ કે સત્સંગી કહેવાતા હોય ! માટે બહુ વિચાર કરવો ને મૂર્તિમાં સદાય રહેવું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, સંવત ૧૯૫૫ના વૈશાખ-જેઠમાં હું લુણાવાડા ગયો હતો. ત્યાં આપનો પત્ર આવ્યો જે, અમને રામજીભાઈ માંદા છે તેના કાગળો બહુ આવે છે જે, મને દર્શન દેવા પધારો, તેથી અમારે ઉપરદળ આવવાનું થશે; માટે તમે ત્યાં આવજો. એવો કાગળ જેઠ સુદ ૧૧ને રોજ આવ્યો; ત્યારે મેં ધાર્યું જે, બે-ચાર દિવસ સુખરામભાઈનાં દર્શન કરીને પછી જઈએ. પછી અમે રામપુર ગયા, ત્યારે સુખદેવ ભક્તે કહ્યું જે, અહીં દસ દિવસ રહો. ત્યારે મેં કહ્યું જે, બાપાશ્રી અમદાવાદ તરફ પધારવાના છે એવો કાગળ આવ્યો છે, માટે અમારે બે-ચાર દિવસ રહીને જવું છે. પછી તે બોલ્યા જે, બાપાશ્રી વૃષપુરથી જ્યારે નીકળશે ત્યારે તમને રજા આપીશું. ત્યારે મેં કહ્યું જે, તમને શી રીતે ખબર પડશે ? ત્યારે તે બોલ્યા જે, મારે આવરણ નથી, માટે જે દિવસે નીકળશે તે દિવસે તમને રજા આપીશ. જ્યારે અમને દસ દિવસ થયા, ત્યારે સાંજ વખતે સુખદેવ ભક્તે કહ્યું જે, આજ વૃષપુરથી બાપાશ્રી ભૂજ આવ્યા, માટે તમે ભાતું કરો ને સવારમાં વહેલા નીકળો. ત્યાંથી અમે સવારમાં નીકળ્યા તે જે દિવસે આપ ઉપરદળ પધાર્યા તે જ દિવસે બે કલાક પહેલાં અમે ઉપરદળ આવ્યા ને પછી આપ પધાર્યા ને આપનાં દર્શન કર્યાં; એવા સુખદેવ ભક્ત સમર્થ હતા, પછી બાપાશ્રીએ કહ્યું જે, સત્સંગમાં એવા ચીંથરે વીંટેલાં રત્ન પડ્યાં છે. ।। ૧૭૮ ।।
વાર્તા ૧૭૯
વૈશાખ વદ ૧૧ને રોજ સભામાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ કહ્યું જે, કૃપા કરો તો સુખદેવ ભક્તના જેવી માનસીપૂજા અમારે થાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માનસીપૂજા ને ધ્યાન કરવા માંડો તો કૃપા થાય, સૂતે સૂતે કૃપા માગો તે ક્યાંથી થાય ? જીવ લગાર કામમાંથી નવરો થાય તો સૂઈ રહે કે ગપ્પાં દે, ૫ણ ભગવાન સંભારે નહિ, એવો રમતિયાળ છે; માટે એવા બાળકિયા સ્વભાવ રાખવા નહીં. બાળકમાંથી વૃદ્ધાવસ્થા લાવવી, પણ યુવાન અવસ્થા આવવા દેવી નહીં. મોટાનો જોગ કરીએ ને દેહાભિમાન રહી જાય તો જોગ કર્યો તે ન કર્યા જેવો છે. જીવ પાત્ર થાય તો પછી કૃપા થાય, માટે પાત્ર તો સર્વેને થાવું પડશે; પછી કૃપા થશે. મનનું ધાર્યું મૂકી દઈને જેમ મોટા કહે તેમ કરો તો પાત્ર થવાય. જો ધ્યાન કરો તો છ મહિના પૂરા થવા દઈએ નહિ ને મૂર્તિનું સુખ આપી દઈએ, માટે પાત્ર થાવું; અને જડ-ચૈતન્ય માયાનો તો સંકલ્પ પણ ન કરવો. જો એ બેનો સંકલ્પ થાય તો પાપ લાગે અને પ્રસંગ થાય તો ઘણું પાપ લાગે. આ મુખે મહારાજ બોલે છે, બીજા કોઈ બોલતા નથી, માટે સાચું માનજો ને એ બેયનો સંગ થવા દેશો નહિ, તો તમે અમારા છો. અને અમે તો છીએ કે નથી પણ જો તમે આજ્ઞા પાળશો તો તમારા ભેળા સદાય રહીને તમારી રક્ષા કરીશું ને અમારા ભેળા રાખીશું; અને નહિ વર્તો તો તમારે ને અમારે લેવાદેવા નથી. ભાડા ખરચીને, દરિયો ઉલ્લંઘીને, દુઃખ વેઠીને આવો છો તેનું ફળ એ છે જે આજ્ઞા પાળવી, ધ્યાન-ભજન કરવું, આ લોકમાંથી નિર્વાસનિક થાવું, ને અખંડ મહારાજની મૂર્તિને સંભારવી; એ કરવા ભેગા થયા છીએ તે કરવું. કોઈ કહે જે તમે વારંવાર કચ્છમાં શું કરવા જાઓ છો ? તો તેને કહેવું જે ભાઈ, અમે તો આ કરવા જઈએ છીએ અને તમારે પણ કરવું હોય તો તમે પણ આમ વર્તો એમ કહેવું. ।। ૧૭૯ ।।
વાર્તા ૧૮૦
વૈશાખ વદ ૧૨ને રોજ રાત્રિએ મંદિરના દરવાજાના મેડા ઉપર બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી સૂતા હતા. ત્યારે બાપાશ્રી રાત્રિના બે વાગ્યે સ્વામી ઈશ્વરચરણદાસજીને પૂછવા લાગ્યા જે તમને માનકુવાવાળા ગાંગજી પટેલ ભૂજમાં ભેળા થયા હતા કે નહીં ? ત્યારે સ્વામીએ કહ્યું જે, હા, થયા હતા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમને માનકુવે આવો એમ કહ્યું હતું ? ત્યારે સ્વામીએ કહ્યું જે, માનકુવે આવો એમ તો કહ્યું ન હતું, પણ ભૂજની વાડીમાં ભેગા થયા હતા ત્યારે એમ કહ્યું હતું જે, છોકરો જાદવજી માંદો છે તે અમારાથી કુંભારિયે નહિ અવાય. ત્યારે મેં પૂછ્યું હતું જે, છોકરો કેવો માંદો છે ? ત્યારે તેમણે કહ્યું જે, માંદાઈ તો છે પણ હાલમાં ઠીક છે, દેહ પડે તેમ નથી; એમ કહ્યું હતું, પણ દર્શન દેવા કેમ ન આવ્યા, કે આવો એમ કાંઈ બોલ્યા નહોતા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ ટાણે એ છોકરાને અમે ધામમાં મૂકી આવ્યા. તે છોકરાને તમે પરદેશી સાધુ મોટા મોટા આવ્યા હતા; તે તમારાં દર્શન એના બાપે મંદવાડમાં કરાવ્યાં નહીં. માંદાને તો અવશ્ય સંતનાં દર્શન કરાવવાં જોઈએ. તે છોકરો સારો ભગવદી હતો ને એ થોડીક વારમાં દેહ મૂકી ગયો પણ એના બાપે તમારાં દર્શન કરાવ્યાં નહિ, એમ વાત કરીને સૂઈ રહ્યા.
પછી બીજે દિવસે ભારાસરના માવજી તથા ગાંગજી પટેલ તથા તેજો ભક્ત તથા કેસરો ભક્ત આદિ હરિભક્તો આવ્યા, તેમણે વાત કરી જે જાદવો ધામમાં ગયો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ બાવાને અમે રાત્રિના બે વાગે વાત કરી હતી જે, અમે એને ધામમાં મૂકી આવ્યા. કેમ બાવા ! તમને કહ્યું હતું કે નહીં ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે; હા, કહ્યું હતું. પછી બાપાશ્રી બોલ્યા જે, વળી એટલું એંધાણ આપીએ છીએ જે એ છોકરા પાસે કોઈ હતું નહિ ને ખાટલામાં દેહ મૂકી ગયો. ।। ૧૮૦ ।।
વાર્તા ૧૮૧
વૈશાખ વદ ૦)) અમાસને રોજ મંદિરના દરવાજાના એ જ મેડા ઉપર સિનોગરાના મિસ્ત્રી ડાહ્યાભાઈને બાપાશ્રીએ કહ્યું જે, ડાહ્યાભાઈ ! તૈયાર છો કે નહીં ? ધામમાં તેડી જવા છે. ત્યારે ડાહ્યાભાઈ બોલ્યા જે, બાપા, મારે ત્રણ વર્ષ રહેવાની ઇચ્છા છે તે રાખો તો બહુ સારું. પછી બાપાશ્રી બોલ્યા જે, ત્રણ વર્ષે પરવારી રહેજો, પછી કહેશો તો નહિ રાખીએ. આજથી ત્રણ વર્ષે તમને તેડી જાશું. જો પરવાર્યા હોત તો તો હમણાં જ તેડી જાત, પણ તમે પરવાર્યા નથી એટલે માયામાંથી આસક્તિ તોડી નથી, તેથી તમને ત્રણ વર્ષની અવધિએ રાખીએ છીએ, પણ જો ત્રણ વર્ષે વાસના નહિ ટાળો તો અમે તમને પછી રહેવા દઈશું નહીં. ત્યારે તે બોલ્યા જે, ત્રણ વર્ષે પરવારીશ, પછી ભલે તેડી જાજો. એમ આયુષ્ય વિના ત્રણ વર્ષ રાખીને બાપાશ્રી એમને તેડી ગયા. ।। ૧૮૧ ।।
વાર્તા ૧૮૨
જેઠ સુદ ૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે શ્રીજીમહારાજ ને આ સંત મળ્યા છે તે દિવ્ય છે. તેમને જે દિવ્ય જાણે તે પણ દિવ્ય થઈ જાય. તે શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેવા અમને ને અમારા મુક્તને જાણશો તેવા કરીશું અને અંતર્યામી જેવા કરીશું. તે અંતર્યામી એટલે અનાદિમુક્ત સુખ લેતા હોય તેને જાણી શકે અને પરમએકાંતિકના સુખને જાણે ને એ સર્વેને ઓળખે અને એ જે સુખ ભોગવતા હોય તે સર્વે દેખે અને તેથી ઓરા જે અક્ષરકોટિ ને બ્રહ્મકોટિ ને ઈશ્વરકોટિ ને જીવકોટિ તેમના અંતરનું જાણે પણ ઉત્પત્ત્યાદિક કરે કે એમને કર્મફળ આપે એવા નથી કરવા પણ ઉપર કહ્યા એવા અંતર્યામી કરવા છે; એમ જાણવું. ત્યારે સંતોએ કહ્યું જે, મૂર્તિ થોડીક વાર બતાવો તો એમ ને એમ ધારી રહીએ. પછી બાપાશ્રી બોલ્યા જે, એ તો નાસ્તિકપણું છે, જે છે તે અહીં છે. આ મૂર્તિઓ દિવ્ય જાણે ને સંતને દિવ્ય જાણે તો બધું અહીં છે, માટે આમને દિવ્ય જાણવા, પણ બીજું જોવા ઇચ્છવું નહીં. આ સભા વિના બીજું જોવા ઇચ્છે તો તેને પ્રથમ પ્રકરણના ૯મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કેવી મોજ આપી છે જે, એનાં દર્શન કરવાં નહિ ને એના મુખની વાત પણ ન સાંભળવી. આ મૂર્તિ ને આ સંત તેમને દિવ્ય જાણવાં ને આ મૂર્તિનું ધ્યાન કરવું તો મૂર્તિ તેજોમય ઝળળળ ઝળળળ તેજમાં દેખાય, એવું સુખ છતે દેહે આવે. પણ જીવ શૂનકાર થઈ ગયો છે તેથી દુઃખિયો રહે છે, તે આવા જોગમાં દુઃખિયો રહે ત્યારે બીજું ઠેકાણું સુખિયા થાવાનું ક્યાં મળશે ? આ સભા અક્ષરધામની છે અને તેથી પર મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે અને શ્રીજીમહારાજ વિરાજમાન છે. એવી આ સભાને જાણે તે દિવ્ય થઈ જાય. જો ખોટું કહેતા હઈશું તો એનો જોખો એટલે ગુનો અમને છે પણ જે સાચું માનશે એને બહુ લાભ મળશે. માનો તોય ભલે અને ન માનો તોય ભલે. અમારે તો જેમ છે તેમ કહેવું છે, માટે આ વાત ભલા થઈને માનજો, તો અમ ભેગા હાલશો. અમે તો જીવને શ્રીજીમહારાજ પાસે લઈ જવા આવ્યા છીએ, માટે અમારો દાખડો સુફળ કરજો. આવા કહેનારા નહિ આવે ને આવા કહેનારા ક્યાંયે છે પણ નહીં. સ્વામિનારાયણની સાખે કહીએ છીએ. ખોટું કહેતા નથી, જેવું છે તેવું દેખીને કહીએ છીએ. બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ તથા અક્ષરકોટિને રહેવાની અસંખ્ય કરોડ ભૂમિકાઓ કહી છે, અને શ્રીજીને રહેવાનું અક્ષરધામ જે પોતાનો પ્રકાશ અને અનાદિમુક્ત તથા શ્રીજીમહારાજ તે સર્વે અહીં છે, માટે બીજે લેવા ન જાવું. શ્રીજીમહારાજે બદરિકાશ્રમમાં ને શ્વેતદ્વીપમાં જાવું પડશે એમ કહ્યું છે તે બધું અહીં છે. તે જે તપ કરાવે તેના ભેળા રહીને તપ કરે તે બદરિકાશ્રમ જાણવું, અને જે અંતર્વૃત્તિ કરાવીને ધ્યાન કરાવે તેના ભેળા રહીને ધ્યાન કરે તે શ્વેતદ્વીપ જાણવું. અને જે મૂળઅક્ષરનો મહિમા વર્ણન કરે ને ભેળો મહારાજનો મહિમા પણ કહે અને અક્ષરનો ભાર રહે તે અક્ષરકોટિના જાણવા, અને તે અક્ષરોથી પર જે અક્ષરધામ તેમાં પરમ એકાંતિકમુક્ત રહ્યા છે તેમનો જોગ અહીં કરે તો તે શ્રીજીમહારાજની મૂર્તિ સન્મુખ રહેવાની વાત કરે ને મૂર્તિના સમીપમાં લઈ જાય, અને અનાદિમુક્ત મળે તો મૂર્તિમાં રહેવાનું કહે ને મૂર્તિમાં રાખે. આ બધી સભાઓ આ સત્સંગમાં છે, માટે બધાં ધામ આ સત્સંગમાં જાણવાં, ને તે તે લક્ષણે કરીને તે સર્વેને જાણીને પછી અનાદિમુક્તનો જોગ કરવો, પણ પરોક્ષનું આપણે કામ નથી.
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, વાસુદેવબ્રહ્મના મુક્તોને જુદી સભા હશે કે નહિ હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વાસુદેવના નિષ્કામ મુક્ત નરનારાયણ છે, અને વાસુદેવ તથા નરનારાયણ તે બેય જીવનો મોક્ષ કરે છે. તેમાં વાસુદેવબ્રહ્મ પોતાના ધામમાં રહ્યા થકા શ્વેતદ્વીપમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સમીપે લઈ જાય છે. અને નરનારાયણ છે તે પણ બ્રહ્મપુરમાં રહ્યા થકા બદરિકાશ્રમમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સ્વામી જે વાસુદેવબ્રહ્મ તેમની સમીપે લઈ જાય છે પણ પોતાના શિષ્ય નથી કરતા. અને મહાકાળ છે તેમને વાસુદેવબ્રહ્મે મહાપ્રલય કરવાનું કામ સોંપ્યું છે, તે વાસુદેવબ્રહ્મની સમીપે રહ્યા થકા તે કામ કરે છે; તેમને પણ પોતાના શિષ્ય જુદા નથી. અને મૂળપુરુષને સૃષ્ટિ કરવાનું કામ સોંપ્યું છે, તે સૃષ્ટિ સમયને વિષે માયા સાથે જોડાય છે, ત્યારે ગોલોક ધામ રચે છે ને ત્યાં રહે છે, તેમને પોતાના પાર્ષદો જુદા છે. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે તે મૂળપુરુષો બ્રહ્મપુરમાં વાસુદેવબ્રહ્મના તેજમાં પોતાના પાર્ષદોએ સહિત રહે છે, તે પાર્ષદો પોતાના સ્વામી જે મૂળપુરુષ તેને દેખે પણ મહાકાળ, નરનારાયણ ને વાસુદેવ તેમને દેખે નહીં. મૂળઅક્ષરોના મુક્તોને માથે કાંઈ પણ ક્રિયા નથી, ને એમને પોતાના શિષ્ય પણ નથી. એ તો અક્ષર જે પોતાના સ્વામી તેનું સુખ લે છે, અને એ મુક્ત નિષ્કામ છે. અને ઉત્પત્ત્યાદિક ક્રિયા કરવી તથા કર્મફળ આપવાં તે શ્રીજીમહારાજે પોતાના તેજ દ્વારે મૂળઅક્ષરોને પ્રેરણા કરી છે, તે સર્વે ક્રિયા મૂળઅક્ષરોએ વાસુદેવબ્રહ્મને સોંપી છે. પણ અક્ષરોના ને શ્રીજીમહારાજના મુક્તોને માથે કાંઈ ક્રિયા નથી; ફક્ત મોક્ષ કરવાની ક્રિયા છે. તે અક્ષરો તથા તેમના મુક્તો અક્ષર પાસે લઈ જાય છે, અને શ્રીજીમહારાજ ને તેમના મુક્તો શ્રીજીમહારાજ પાસે લઈ જાય છે. માટે આજ બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ બેયને મૂકીને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેવાનો વખત આવ્યો છે. તે જો ચૌદ લોકના સુખથી લૂખા થવાય તો મૂર્તિનું સુખ મળે. ।। ૧૮૨ ।।
વાર્તા ૧૮૩
જેઠ સુદ ૨ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ગઈ કાલે આપે કહ્યું હતું કે ચૌદ લોકના સુખથી લૂખા થવું તે ચૌદ લોક કિયા જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સાત પાતાળ ને સાત સ્વર્ગ તે ચૌદ લોક કહેવાય છે પણ તેમાંથી લૂખા થવે કરીને કાંઈ કલ્યાણ થાય તેમ નથી, કેમ જે તેના ઉપર તો ઘણા લોક રહ્યા, માટે દસ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણ તેમાંથી પ્રીતિ ટાળવી તો ચૌદ લોક જિતાણા, માટે એ ચૌદ લોક જાણવા. એ ચૌદ ઇન્દ્રિયોમાંથી વાસના ટાળવી તો આગળ કાંઈ આડું નહિ આવે; માટે ચૌદ ઇન્દ્રિયોને જીતવી. એમ કહીને પછી બોલ્યા જે, જીવ બિચારા સાધન શું કરશે ? આજ તો એક એરંડાકાકડી રાજાને ભેટ મૂકે તો રાજ્ય આપી દે એવી કૃપા છે. સાધન ક્યાં સુધી પૂગે એવા છે ? શ્રીજીમહારાજે અમદાવાદના ૭મા વચનામૃતમાં કહ્યું છે જે, ગરુડ ઊડી શક્યો નહિ, પછી અમે એકલા જ ઊડ્યા. એમાં સમજવાનું એ છે જે ગરુડની ગતિ ગોલોકથી આગળ ન ચાલી તેમ સાધનની ગતિ ગોલોકથી આગળ નથી. ગોલોક આગળ તો કૃપાએ ચલાય છે. ગોલોક સુધી સાધન ચાલે, ત્યાંથી સાધન તૂટ્યાં. પછી તો શ્રીજીમહારાજ અથવા મુક્ત કૃપા કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે, ત્યારે પરમએકાંતિક થાય. પછી શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન છૂટે છે, તે મૂર્તિમાં લઈ જાય છે. જેમ સમુદ્રમાંથી વેળ આવે તે વેળ પાછી વળે ત્યારે જીવજંતુને પાછા લઈ જાય છે. તેમ અનુભવજ્ઞાન મૂર્તિમાં લઈ જાય છે ત્યારે તે મુક્ત અનાદિ કહેવાય છે. તે અનુભવજ્ઞાન તે અનાદિમુક્ત જાણવા. આજ તો કૃપાસાધ્ય મહારાજ ને કૃપાસાધ્ય મુક્ત છે. આવા મહારાજ ને આવા મુક્ત કૃપા કરીને પધાર્યા છે, ને કૃપા કરીને મહિમાની વાત કરે છે, તેમાં કોઈને એમ થાય જે આ તો પોતાનો મહિમા કહે છે, પણ અમે તો ધણીનો ને ધણીના લાડીલા મુક્તનો મહિમા કૃપા કરીને કહીએ છીએ. તે જે માનશે તેને અમે જ્યાંથી આવ્યા છીએ ને જ્યાં રહીએ છીએ ત્યાં લઈ જઈને રાખીશું ને જેટલું છે તે સર્વે સુખ આપીશું. જેને વિશ્વાસ નહિ હોય ને આગળ થઈ ગયા તેવા આજ નથી, એમ સમજતા હશે તેને ખોટ બહુ જ આવશે. અમારે તો સર્વેને લઈ જવા છે ને સર્વેને સમજાવી દેવા છે, પછી માનો કે ન માનો પણ જેમ છે તેમ કહેવું છે. માટે અમારો દાખડો ભલા થઈને સુફળ કરજો, એટલે વાતો સાચી માનજો તો અમે તમામ પૂરું કરી દઈશું; ને નહિ માનો તો અમારે ફેર દાખડો કરવો પડશે ને તમારે પણ ફેર જન્મ ધરવો પડશે ને નવ મહિનાની કેદ મળશે. તે દિવસે પણ આ વાત સમજશો તો જ પૂરું થશે, ને તે દિવસે પણ નહિ માનો તો વળી અધૂરું રહેશે. અમે તો છીએ કે નથી, માટે આ અવસર મળ્યો છે તેનો લાભ લઈ લો. જો શ્રીજીમહારાજને જેવા છે તેવા સમજો ને આજ્ઞા પાળો તો અમે સહાય કરીને મૂર્તિના સુખમાં મૂકી દઈશું, અને જો મહિમા નહિ સમજો ને આજ્ઞા નહિ પાળો તો પછી પસ્તાવો ઘણો જ થશે. આવા કહેનારા સદાય ન હોય માટે આજ કરી લો. અહીં મહારાજ ને મુક્ત બેઠા તો હોય પણ તેમનો મહિમા ન સમજાય ને બીજે ખોળે જે અક્ષરધામમાં મહારાજ ને મુક્ત રહ્યા છે, પણ અહીં નથી. મહારાજ ને મુક્ત અહીં જ છે, પણ જીવને નાસ્તિકપણું ટળતું નથી એટલે માયાનાં પડળ ફરી વળ્યાં છે તેથી દેખાતું નથી ને સમજાતું નથી. તેને ખોટનો પાર નહિ રહે, બહુ જ ખોટ આવશે. માટે આ સંતનો મહિમા જાણીને તેમનો વિશ્વાસ લાવીને આ વાત સાચી માને તો આસ્તિકપણું આવે ને આ સભા દિવ્ય જણાય અને એ જીવ પોતે દિવ્ય થઈ જાય અને મહાસુખિયો થઈ જાય. ઇત્યાદિ ઘણીક વાતો કરી.
જેઠ સુદ ૩ને રોજ પારાયણની સમાપ્તિ કરીને કુંભારિયાના તળાવ ઉપર પ્રસાદીને ઠેકાણે મિસ્ત્રી ગોવાભાઈ જીવણભાઈએ છત્રી કરાવીને તેમાં ચરણારવિંદ પધરાવ્યાં તથા હનુમાનજી પધરાવ્યા, તે વખતે બાપાશ્રીએ વર આપ્યો જે, આ છત્રીનાં ને હનુમાનજીનાં જે દર્શન કરશે તેને તેડવા અમે આવીશું ને મૂર્તિમાં રાખીશું. પછી કુંભારિયેથી ચાલ્યા તે વખતે ઘણા સંતો ને હરિજનો બાપાશ્રીને વળાવવા આવ્યા, તેમને સર્વેને મળીને બોલ્યા જે, સૌ મહારાજને સંભારજો, અને સેવા-ભક્તિ ઓછી કરીને મૂર્તિમાં જોડાજો; એમાં અમારો ઘણો રાજીપો છે. શ્રીજીમહારાજે મધ્ય પ્રકરણના ૨૨મા વચનામૃતમાં કહ્યું છે જે, કાંકરિયાની ચોરાસીની પ્રવૃત્તિ વિસારવા માટે અમે ચાલી નીકળ્યા તે પોતાના ભક્તને શીખવ્યું છે જે, બધી ઉપાધિ ટાળીને અમારી મૂર્તિમાં જોડાવું; માટે મૂર્તિમાં જોડાવું ને મહારાજની આજ્ઞા પાળવી. એ કરશો તો અમે તમને સર્વેને તેડી જાશું ને સુખિયા કરીશું. અમે તો છીએ કે નથી, માટે મહારાજની મૂર્તિમાં જોડાજો ને આજ્ઞા પાળજો. એવી રીતે સર્વેને શિક્ષાનાં વચન કહીને બાપાશ્રી વૃષપુર પધાર્યા. અને અમદાવાદ, મૂળી, ભૂજ વગેરેના સંતો તથા સૌ હરિજનો પોતપોતાને સ્થાને ગયા, અને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો મિસ્ત્રી ડાહ્યાભાઈના આગ્રહથી સિનોગરે ગયા ને ત્યાંથી જેઠ સુદ ૧૪ને રોજ શ્રી વૃષપુર ગયા. ।। ૧૮૩ ।।
વાર્તા ૧૮૪
જેઠ સુદ ૧૫ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૧૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં બ્રહ્મજ્ઞાનીને અન્ય દેવની ઉપાસના થઈ જાય એમ આવ્યું.
ત્યારે સાધુ પુરુષોત્તમચરણદાસજીએ પૂછ્યું જે, બ્રહ્મજ્ઞાનીને અન્ય દેવની ઉપાસના શી રીતે થાતી હશે ? કેમ જે એ તો કોઈ દેવને માનતા નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પહેલો તો ઉપાસક હોય ને તે જો શુષ્ક વેદાંતશાસ્ત્રનું શ્રવણ કરે તો તેને સર્વે દેવને વિષે સમભાવ આવી જાય ને બધાય અવતારો એક જ છે એમ સમજે, એટલે જેને ભજીશું તે બધાય એક જ છે, એમ જાણીને અન્ય દેવની ઉપાસના પણ કરે અને ઉપાસનામાંથી ઊતરી પણ જાય. એમ કહીને પછી વાત કરી જે આ જોગ સર્વોપરી છે, તે જો ખબડદાર થઈને મંડે તો આ ને આ જન્મે પૂરું થઈ જાય ને અનાદિની સ્થિતિમાં રહેવાય ને કાંઈ પણ બાકી રહે નહીં.
પછી સંતોએ પૂછ્યું જે, આ વચનામૃતમાં અમે ગોલોકમાં ગયા એમ શ્રીજીમહારાજે કહ્યું તે ગોલોક કિયું જાણવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને આ ઠેકાણે ગોલોક કહ્યું છે. એમ કહીને બોલ્યા જે, તમો સર્વે અવતાર છો પણ તમને બાધિતાનુવૃત્તિ રાખી છે, તેથી તમારા સ્વરૂપની ને તમારા મહિમાની તમને ખબર નથી. અક્ષરધામમાં બેઠા છો પણ તમારું અંતર્યામીપણું મહારાજે બંધ કર્યું છે. સર્વે સભાનું તથા મૂર્તિનું તથા મૂર્તિના સુખનું સર્વનું જાણપણું તમને છે, ને ત્યાંથી આવેલા છો તોપણ રોકી રાખ્યું છે, તે અમારું સુખ તમને અહીં મળે તે સારુ રોકી રાખ્યું છે. એમ કહીને પછી બોલ્યા જે ગોલોકમાં એટલે અક્ષરધામમાં કીર્તન ગાય છે એમ કહ્યું છે તે કણસલાં દેખાડ્યાં છે પણ ત્યાં કીર્તન ગવાતાં નથી. એ તો જીવને ઉપાસના-ભક્તિને રસ્તે ચઢાવવાને માટે કહ્યું છે અને શ્રીજીમહારાજ તો સર્વે ઠેકાણે છે. માટે ગોલોક એટલે અક્ષરધામ જાણવું અને કીર્તન પણ અહીં ગવાય છે. અહીં ને ત્યાં એક જ છે; જુદું નથી, પણ સાધનિકને હેત થાય એટલા માટે કહ્યું છે. અને પરભાવમાં તો એક સુખ જ લેવાય છે. પછી બોલ્યા જે, તમો લખો છો તેમાં આફૂડું બરાબર લખાઈ જશે એમ વર આપ્યો. ।। ૧૮૪ ।।
વાર્તા ૧૮૫
જેઠ સુદ ૧૫ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો છત્રીએ નાહવા ગયા. ત્યાં નાહીને માનસીપૂજા કરી.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ મહારાજનો ને મોટા મુક્તનો જોગ મળ્યો છે, તેમનો વિશ્વાસ રાખીને તથા પોતાના ડહાપણનો તથા વિદ્યાદિકનો ડોડ મૂકીને જોગ કરે ને મહિમા જાણે તો આજ એવો લાભ મળે જે, જેવા અમે સુખિયા છીએ તેવો સુખિયો થાય. આ શબ્દ નીકળે છે તે સ્વામિનારાયણની મૂર્તિમાંથી નાદ નીકળે છે. આ મહિમા સમજાય તો કાંઈ બાકી રહે જ નહીં. આવા કહેનારા ને વાત કરનારા ને પૂરું કરનારા બીજે ક્યાંય સત્સંગમાં પણ નથી. તે જુઓ, હોય તો જોઈ જોજો, ક્યાંય નહિ જડે. મૂળીના પુરાણી સ્વામી ત્યાગવલ્લભદાસજીને કોઠારી વલ્લભજીભાઈએ પૂછ્યું જે, તમે બાપાશ્રી સાથે હેત કર્યું છે તે સમજીને કર્યું છે કે સૌનું દેખાદેખી કર્યું છે ? ત્યારે તેમણે કહ્યું જે, “મેં તો પ્રતાપ જાણીને હેત બાંધ્યું છે કેમ કે હું બાપાશ્રી પાસે ગયો ત્યારે મારા તમામ ઘાટમાત્ર બંધ થઈ ગયા. તેથી મેં તેમની મોટપ જાણી લીધી જે, આ જેવા તો આ એક જ છે, કેમ જે બીજે ઘણે ઠેકાણે તપાસ કર્યો તો કોઈથી મારા ઘાટ-સંકલ્પ ટળ્યા નહિ, ને ત્યાં ગયો કે તરત જ ટળી ગયા અને ધ્યાન વખતે પણ કાંઈ વિક્ષેપ આવતો નથી, ને મૂર્તિનું સુખ આવે છે.” ત્યારે સંતોએ કહ્યું જે, બાપા ! અમે પણ બધે જોઈને પછી આપની પાસે આવ્યા છીએ ને આપના જોગથી સુખ આવે છે, એવું બીજેથી આવ્યું નહીં. પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ વાત કરી જે, બાસઠ (૧૯૬૨)ની સાલમાં વલ્લભજીભાઈએ મને કહ્યું હતું જે, જ્યારે હું સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયો હતો ત્યારે જેવું સુખ અને શાંતિ આવતી એવું જ સુખ અને શાંતિ મને અહીં આવે છે. પછી બાપાશ્રી બોલ્યા જે, આમ ને આમ હેત ને એકતા રાખજો ને આત્મબુદ્ધિ રાખજો તો શ્રીજીમહારાજની મૂર્તિમાં નિમગ્ન કરીશું ને સુખિયા કરીશું. કોઈ આઘા-પાછા થાશો નહિ એટલે અણવિશ્વાસ લાવશો નહિ, આ તો સ્વામિનારાયણની સાખે કહીએ છીએ.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, અમને કેવા કર્યા છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને અનાદિમુક્ત કરી મેલ્યા છે, ને બીજા જીવોનો ઉદ્ધાર કરો એવા કર્યા છે એમાં અમે ખોટું કહેતા હોઈએ તો તેનો જોખો એટલે ગુનો અમને છે. આ ફેરે તો પાત્ર-કુપાત્ર જેને જેને આ જોગ થયો છે તે સર્વેને લઈ જવા છે. આ ચૌદ ઇન્દ્રિયરૂપી ચૌદ લોકમાંથી જુદા થાવું તે તમારે કરવાનું છે ને પછી કલ્યાણ કરવું તે અમે કરીશું.
પછી વળી સ્વામીએ કહ્યું જે, શ્રીજીમહારાજ વિના બીજેથી પ્રીતિ પણ તોડાવો ને મૂર્તિનું સુખ પણ આપો એવી અમારી પ્રાર્થના છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ તો કૃપાસાધ્ય છે માટે બધું પૂરું કરીશું; અમે તો જીવને નિર્વાસનિક કરીને દેહ છતાં મૂર્તિનું દર્શન પોતાના આત્માને વિષે કરાવીએ છીએ, અને દેહ મુકાવીને મૂર્તિમાં લઈ જઈએ છીએ, એવો દૃઢ વિશ્વાસ રાખશો તો જેવા મહારાજ અને અનાદિમુક્ત છે તેવા અંતર્યામી ને સુખિયા કરીશું. આ ટાણે જે જે બેઠા છે તે સર્વેને એવા જ કર્યા છે પણ તમારી સામર્થી અમે ઢાંકી રાખી છે ને તે પણ તમારા સુખને માટે છે; સાધને કાંઈ થાતું નથી. જેમ દહાડી કરી કરીને રૂપિયા ભેળા કરીને રાજા સાથે લઢીને રાજ્ય લેવું હોય તો કોઈ દિવસ ન મળે, પણ એક ચીભડું ભેટ મૂકીએ તો રાજા રાજ્ય આપી દે, તેમ સાધને કરીને કલ્યાણ લેવું તે દહાડી કર્યા જેવું છે ને આશરે આવીને દેહ, મન ને જીવ તે સોંપી દે તો કલ્યાણ થાય, તેમાં કાંઈ વાર લાગે નહિ; એવા આજ મહારાજ ને મુક્ત કૃપાસાધ્ય છે. એમ વાત કરી પછી વશરામ ભક્ત બાજરાનો પોંક લાવ્યા હતા તે સંત-હરિજનોને વહેંચી આપ્યો ને બોલ્યા જે, આ પોંકનો અકેકો દાણો જમશે તેનું આત્યંતિક કલ્યાણ થાશે.
એમ વાત કરીને પછી છત્રીએથી ચાલ્યા તે માર્ગમાં આવતા અસલાલીના રાવ સાહેબ બાલુભાઈને કહ્યું જે, તમે આ છત્રીએ આવ્યા હતા કે નહીં ? ત્યારે તે બોલ્યા જે, ના બાપા ! હું નથી આવ્યો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે ઇકોતેરની સાલમાં છત્રી કરાવીને યજ્ઞ કર્યો હતો, ત્યારે આખો સત્સંગ તેડાવ્યો હતો અને ચારસો-પાંચસો સંત આવ્યા હતા અને હરિજનો તો ઘણાક આવ્યા હતા, ત્યારે તમે ક્યાં ગયા હતા ? જૂનાગઢ, વરતાલ, ગઢડા, ધોલેરા, ત્યાં સુધીના તો આવ્યા હતા, અને અમદાવાદ, મૂળી, ભૂજના સંતો તો પાંચ-દસ દિવસ આગળથી આવ્યા હતા, અને કરાંચી, મુંબઈ, કલકત્તા, કટક, ઝરિયા, હૈદરાબાદ, બિલાસપુર, ખડકપુર, મનહરપુર એ કારખાનામાંથી પણ ઘણા હરિભક્તો આવ્યા હતા અને તમે કેમ રહી ગયા ? ત્યારે તે બોલ્યા જે, તે દિવસે મને આપશ્રીની ઓળખાણ નહોતી. પછી બાપાશ્રી બોલ્યા જે, આ કાળી તળાવડી ઉપર છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં તે અમારું જન્મસ્થાન કર્યું છે. ત્યારે બાલુભાઈએ પૂછ્યું જે આપ તો ગામમાં જન્મ્યા હશો અને તળાવ ઉપર જન્મસ્થાન કેમ કહો છો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમારાં માતુશ્રી દેવબાઈ નામે હતાં, તે તળાવમાં નાહીને તળાવમાંથી બહાર નીકળ્યાં અને જ્યાં છત્રી છે ત્યાં આવ્યાં, તે ઠેકાણે ડુંગરી હતી, તેના ઉપર શ્રીજીમહારાજે દર્શન આપ્યાં ને કહ્યું જે, બાઈ, તમારા ઉપર અમે પ્રસન્ન થયા છીએ તે જે માગો તે આપીએ. ત્યારે અમારાં માતુશ્રી મહારાજને બહુ રૂપાળા જોઈને એમ બોલ્યાં જે, “મહારાજ ! તમ જેવા પુત્ર મને આપો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારા જેવા તો અમે એક જ છીએ અને અમારા અનાદિમુક્ત પણ અમારા જેવા કહેવાય તે અનાદિમુક્ત તમારે ત્યાં પ્રગટ થશે અને અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરશે અને અબ પ્રગટ થશે માટે અબજી એવું નામ ધારજ્યો, એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થયા. પછી અમારાં માતુશ્રી ઘેર ચાલ્યાં, ત્યારે એમને વિશ્વાસ લાવવાને માટે માર્ગમાં ચાલતાં બે બાજુએ મુક્તની પંક્તિ દેખાઈ, તે સર્વે મુક્ત એમ બોલ્યા જે, “બાઈ ! તમારે પુત્ર થાશે, પુત્ર થાશે.” આ વાત અમારાં માતુશ્રીએ ઘેર આવીને અમારા પિતાશ્રીને સર્વે કહી. જ્યાં શ્રીજીમહારાજે વર આપ્યો તે જ ઠેકાણે અમારું જન્મસ્થાન છે, ત્યાં અમે છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં છે. જે વખતે ચરણારવિંદ પધરાવ્યાં તે વખતે આ બાવે (સ્વામી ઈશ્વરચરણદાસજીએ) અમને કહ્યું જે, વર આપો. ત્યારે અમે વર આપ્યો જે, આ છત્રીનાં દર્શન જે કરશે તેનું અમે આત્યંતિક કલ્યાણ કરીશું ને મહારાજના સુખમાં લઈ જઈશું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આપ પ્રગટ થયા તે કઈ તિથિ અને કયું વરસ તે કહો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સંવત ૧૯૦૧ના કાર્તિક સુદ ૧૧ને રોજ પ્રગટ થયા હતા. ।। ૧૮૫ ।।
વાર્તા ૧૮૬
જેઠ વદ ૧ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૪૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં માન વિના તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માન, કામ, ક્રોધ, ઈર્ષ્યા આદિ શત્રુ છે, તેની વહારે ચઢે તો માર ખાય ને શત્રુનું બળ વધે. કોઈકને પ્રાયશ્ચિત્ત કરવાનું હોય ને મોટેરા કરાવે તોપણ માનવાળાને પ્રાયશ્ચિત્ત કરનાર માન આપે તો તેનો પક્ષ રાખે, જે નહિ કરે, એવો અધર્મનો પક્ષ માને કરીને રહે છે; માટે શત્રુમાત્રનો નાશ કરીને ભગવાનની મૂર્તિમાં જોડાવું.
અમે કુંભારિયે ગયા હતા ત્યાં જયરામભાઈ મિસ્ત્રીને ઘેર એક બાવો હતો. તેણે અમને પૂછ્યું જે સંત કોને કહીએ ? ત્યારે અમે કહ્યું જે, તું ઉત્તર કર. પછી એ બાવે કહ્યું જે, “મનકુ છૂટા મૂકે, સો સંત કહીએ.” પછી અમે જયરામભાઈને કહ્યું જે, જુઓ ! તમારા બાવાનો માલ નીકળે છે. પછી જયરામભાઈએ બાવાને કહ્યું જે, ચૂપ ! પછી બાવો બોલતો રહી ગયો; એવું આ લોકમાં ચાલે છે.
સિનોગરામાં કલો મિસ્ત્રી બ્રહ્મજ્ઞાની હતો, તેના છોકરાની સ્ત્રીને બાવો લઈને ભાગી ગયો તોપણ એવા બાવાને ઘરમાં રાખે છે, કેમ કે અમે ફેર સિનોગરે ગયા હતા, ત્યારે પણ બીજો બાવો એને ઘેર બેઠો હતો. એ લોકો ગુરુનો મહિમા એવો વધારે જે, ગુરુ કામી હોય તો શ્રીકૃષ્ણ જેવા જાણવા, અને ક્રોધી હોય તો નૃસિંહજી જેવા જાણવા, અને લોભી હોય તો વામનજી જેવા જાણવા; અને સ્વામિનારાયણ કા સાધુ તો કચ્ચા હૈ તે સ્ત્રી-દ્રવ્યથી દૂર ભાગતા હૈ, એમ બોલે. એ મિસ્ત્રી લોકો આપણા સાધુનો મહિમા તો બહુ જાણે પણ આપણો આશરો કરે નહિ અને સાચી વસ્તુમાં હેત અને વિશ્વાસ ન આવે. અને હરજીભાઈની ને ગોવાભાઈની મા હતાં, તે બાવાને આપવામાં બે-ચાર હજાર કોરી બાર મહિને વાપરતાં. તે હરજીભાઈ તથા ગોવાભાઈ કહેતા કે, શું કરીએ ! બધું કલરમાં (ખારભૂમિમાં) જાય છે પણ જો ન આપીએ તો લોકોમાં ડોસી અમારી ફજેતી કરે. અને કુંભારિયામાં વાલજીભાઈ મિસ્ત્રીના ભાઈ જગમાલ હતા, તેને અમે ને સાધુએ કહ્યું જે, શ્રીજીમહારાજ રાધિકા-લક્ષ્મીના પતિ છે, ત્યારે તેણે ના પાડી. ત્યારે વાલજીભાઈએ કહ્યું જે, “હું યમને રજા આપીશ જે જગમાલને યમપુરીમાં લઈ જાઓ એટલે તને યમપુરીમાં લઈ જશે; કેમ કે સ્વામિનારાયણને તું ભગવાન કહેતો નથી.”
કેટલાક સત્સંગીઓ વ્યવહારમાં ને સત્સંગમાં બહુ મોટા હોય ને શ્રીજીમહારાજે દ્રવ્ય પણ ઘણું આપ્યું હોય તોપણ એ મોટપ સત્સંગમાં ને પરોક્ષમાં બેય ઠેકાણે લોકલાજે વાપરે છે, તેમ આપણે ન કરવું. શ્રીજીમહારાજના આશ્રિતને તો આ સત્સંગમાં જ વાપરવું એટલે મહારાજ ને મુક્ત રાજી થાય તો મોટી મોજ મળે ને સુખિયા થવાય.
વિરમગામમાં મોરાર ઠક્કર છે, તેમની પાસે રૂપિયા એકવીસ હજાર હતા. તે સત્સંગમાં જ વાપરે છે પણ બીજે કોઈ ઠેકાણે એક પાઈ પણ વાપરતા નથી, અને એમ કહે છે જે, મારો પૈસો છે, તે સ્વામિનારાયણનો ને એમના સાધુનો છે; પણ બીજા કોઈનો એમાં ભાગ નથી. પોતાની દીકરીઓ તથા જમાઈ આવે તેમને પણ દાળ, ભાત, રોટલી ખવરાવે અને કહે જે, મારી પાસે જે છે તે સ્વામિનારાયણનું ને સાધુનું છે. તેથી હું મારે હાથે સત્સંગમાં વાપરીને ધામમાં જઈશ, માટે એમાં તમે કાંઈ આશા રાખશો નહીં. જ્યારે છપનો કાળ પડ્યો ત્યારે અમદાવાદના મંદિરમાં આવીને કહ્યું જે, મારી પાસે એકવીસ હજાર રૂપિયા છે તે તમારા છે. માટે બસો-ચારસો જેટલા સંત હોય તે વિરમગામ પધારો ને ત્યાં જમો, ને ભગવાન ભજો ને ભજાવો. એમનો એવો મહિમા હતો તો સત્સંગ વિના બીજે ક્યાંયે પોતાની મોટપ જણાવી નહિ; માટે એવા સત્સંગી થાવું.
જ્યારથી વર્તમાન ધરાવ્યા ત્યારથી તન, મન, ધન, અનેક જન્મનાં કર્મ એ બધું શ્રી સ્વામિનારાયણને અર્પણ કર્યું. માટે ત્યારથી સ્વામિનારાયણ ધણી થયા; તો તે ધણીનું નામ લઈને પછી બીજાને કેમ અપાય ? તોપણ કેટલાક માને કરીને પરોક્ષમાં વાપરે છે. માન એવું છે કે તેણે કરીને મોટાની મોટપ પણ સહન થાતી નથી. આપણે સંવત ૧૯૭૨ની સાલમાં ચૈત્ર માસમાં છપૈયે જતા હતા ત્યારે અમદાવાદમાં કેટલાકે અવિદ્યા કરી. ત્યારે ગાંગજી પટેલે કહ્યું જે, આપણે પાછા કચ્છમાં ચાલો; છપૈયે જવું નથી. તેથી આપણે ધનજી પટેલ સિદ્ધપુર ગયા હતા તેમને તાર કરીને પાછા બોલાવ્યા, તે અમદાવાદ આવ્યા. પછી બધાએ મળીને વિચાર કર્યો જે આપણે પાછા જાવું. ત્યારે એમ કહ્યું જે, શ્રીજીમહારાજ જીવોનાં કલ્યાણ કરવા પધાર્યા હતા, તેમનું અસુરો અપમાન કરતા, તોપણ કલ્યાણ કરવા પડ્યા મૂકીને પાછા ગયા નહિ, એમ આપણે છપૈયે જવા આવ્યા છીએ તે છપૈયે જઈશું; પણ કોઈના રોક્યા રોકાશું નહીં. પછી છપૈયે ગયા અને ત્યાં આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ પધાર્યા હતા અને ત્યાં પારાયણ બેસારીને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી ને જયજયકાર થયો. ।। ૧૮૬ ।।
વાર્તા ૧૮૭
જેઠ વદ ૧ને રોજ રાત્રિએ નવ વાગ્યા વખતે વરસાદ બહુ ચઢીને ઘૂઘવતો આવ્યો, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આએશ (ગામધણી) બાજરી ભરવા આવ્યો નહિ ને હવે પલળી જાશે, એમ કહીને છોકરાંઓને કહ્યું જે ખળામાં જઈને હઈયા (તુરત) બાજરી ઢાંકી વાળો ને ફરતી અટાર (રેતી)ની પાળ બાંધી વાળો તો પાણી નહિ પેસે, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! એટલી બધી મહેનત કરાવો છો, ત્યારે વરસાદ બંધ કરો ને ! ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઘૂઘવતો આવે છે પણ આથમણો જાશે, એમ કહ્યું એટલે વરસાદ ગયો. તે વખતે વીજળીઓ બહુ થતી હતી, ત્યારે સંતોએ કહ્યું જે, બાપા ! આ વીજળીને અજવાળે તમારાં દર્શન થાય છે તે એને પુણ્ય થશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ બિચારી ભિખારણ શું તમને દર્શન કરાવશે ? તમમાં એટલોય પ્રકાશ નથી ? તમમાં તો બહુ જ પ્રકાશ છે. તમે તો તેજમાં મૂર્તિ છે, તે મૂર્તિમાં રહ્યા થકા સુખ લો છો ને કેટલાયનો મોક્ષ કરો છો. સાચું મનાય છે કે નહીં ? ત્યારે તે બોલ્યા જે, હા બાપા, તમારા પ્રતાપે એવા થયા છીએ. પછી બાપાશ્રી બોલ્યા જે, તમારા પ્રતાપની ને તેજની ને સુખની ખબર તમને નથી પડતી કેમ કે અમે રોકી રાખી છે, પણ તમારો પ્રકાશ તો અક્ષરકોટિથી પણ ઘણો વધુ છે. તમે કામ કરો તે અક્ષરકોટિથી પણ થાય નહિ એવો તમારો મહિમા છે, માટે તમે કાંઈ અધૂરું માનશો નહિ; પૂર્ણકામ માનજો. અને આપણને જે મૂર્તિ મળી છે તેથી બીજી તેજોમય મૂર્તિ ધામમાં છે તે દેખાશે ત્યારે પૂરું કલ્યાણ થાશે એમ ન માનશો. પછી સંતો બોલ્યા જે, બીજી જોવાની ઇચ્છા નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તો તો પૂરું થયું જ છે, ને તમારા સંકલ્પ તો જીવોને તેડવા મૂર્તિમાન થઈને જાય છે; એવી તમારી સામર્થી છે. ત્યારે વળી સંતોએ કહ્યું જે, શ્રીજીમહારાજ અમારે વિષે રહીને સદા બોલે, જમે, હાલે, ચાલે ને સર્વે ક્રિયા કરે એવી કૃપા કરજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બહુ સારું; મહારાજ જુદા નહિ રહે.
જેઠ વદ ૨ને રોજ બપોરના બાર ઉપર બે વાગે બાપાશ્રીએ સંતોને કહ્યું જે, સંતો, નાહવા ચાલો, નહિ તો વરસાદ આવશે ને પલાળશે. પણ સંતોએ ચાલતાં વાર લગાડી ને ત્રણ વાગે નાહવા ચાલ્યા. તે નાહી રહ્યા પછી ઓચિંતો વરસાદ આવ્યો ને પલાળ્યા. પછી મંદિરમાં આવતાં માર્ગમાં બાપાશ્રી બોલ્યા જે, અમે કહેતા હતા જે નાહી આવો પણ તમે ચાલ્યા નહીં. અમે કહ્યું જે, ઝાલાવાડમાં વરસાદ થાય છે તે હમણાં અહીં આવશે. ગઈ કાલે બંધ રાખ્યો હતો, તે આજ છૂટી આપી છે, માટે તરત નાહી આવો તોપણ તમે ચાલ્યા નહિ તો પલાળ્યા, એમ વાત કરતાં કરતાં મંદિરમાં પધાર્યા. ।। ૧૮૭ ।।
વાર્તા ૧૮૮
જેઠ વદ ૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જે વર્તમાન લોપે તે જો ગૃહસ્થ હોય ને ઠાકોરજીની સેવા કરે તો તેમાં લોભાઈને તે સેવા ન લેવી. જ્યારે પ્રાયશ્ચિત્ત કરે ત્યારપછી સત્સંગમાં લેવો, પણ પૈસાના લોભથી પ્રાયશ્ચિત્ત કરાવ્યા વિના છોડી મૂકવો નહીં. પ્રાયશ્ચિત્ત તો કરાવવું જ. જો સાધુનો શિષ્ય હોય ને તે સેવા બહુ કરતો હોય, પણ તે ધર્મમાંથી પડે તો તેનો પક્ષ ગુરુએ રાખવો નહિ ને તેને પ્રાયશ્ચિત્ત કરાવવું. પણ સેવાને લોભે કરીને પક્ષ ન રાખવો. તેમજ ગુરુ હોય ને ઘણા પદાર્થ આપતો હોય પણ જો ધર્મથી પડે તો શિષ્યે તેનો ત્યાગ કરવો, પણ ઝાઝા પદાર્થના લોભે કરીને પક્ષ ન લેવો અને તેના ભેળાયે રહેવું નહીં. અને આચાર્યે પણ પ્રાયશ્ચિત્ત કરવું તો શ્રીજીમહારાજ ને મુક્ત રાજી થઈને પોતાને સુખે સુખિયા કરે. જો ગાફલાઈ અથવા મહોબત રાખીને કોઈને કાંઈ ન કહે અને ભેળા રહે તો તેનું કલ્યાણ થાવું કઠણ છે; માટે સર્વેને પ્રાયશ્ચિત્ત કરાવવું. જે પ્રાયશ્ચિત્ત ન કરે તેનો ત્યાગ કરવો. અને બ્રાહ્મણ સત્સંગી ન હોય તેના હાથની રસોઈ જમવી નહિ, કેમ જે એમાં ધર્મ ન હોય અને સ્વામિનારાયણની કંઠીયે ન હોય. આપણી સંવત ૧૯૫૯ની સાલની પારાયણમાં એક બ્રાહ્મણ આવ્યો હતો, તેણે કહ્યું જે, અમને કોઈ માનતા નથી, ત્યારે કેરાના હરિભક્તે કહ્યું જે, એ દારૂ પીએ છે માટે અમે નથી માનતા; પછી તે ભૂંઠો પડ્યો. અને દેવપરામાં એક બ્રાહ્મણ તમાકુ સૂંઘતો હતો તે એવા બ્રાહ્મણ પાસે રસોઈ કરાવો છો તે અમને ગમતું નથી. અમારે અહીં ભૂજમાં બ્રાહ્મણ અન્નકૂટ કરતા તે છીંકણી સૂંઘતા, તેથી હવે વૃષપુરના હરિભક્તો હાથે રસોઈ કરીને સર્વે સત્સંગને જમાડે છે. સાધુ ઘણા છે તે સારી રીતે રસોઈ કરે તો સેવાથી અંતઃકરણ પણ પવિત્ર થાય. કદાપિ સત્સંગી બ્રાહ્મણ હોય તોપણ તેના ભેળા કુસંગી બ્રાહ્મણ ભળે માટે તેમની પાસે રસોઈ કરાવવી નહિ ને જમવીયે નહીં. ।। ૧૮૮ ।।
વાર્તા ૧૮૯
જેઠ વદ ૪ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આ સત્સંગમાં સાધુ ને સત્સંગી તે પોતપોતાના નિયમ બધા પાળતા હોય પણ શ્રીજીમહારાજનો મહિમા પૂરો સમજી શકે નહિ અને કોઈ મોટા પણ મળ્યા ન હોય તેને અંત વખતે પ્રાપ્તિ કેવી થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તેને મહારાજ ને મોટા કૃપા કરીને જ્યાં મોટા મુક્તનો જોગ હોય ત્યાં રાખીને મહિમા સમજાવીને લઈ જાય. અને જે શાસ્ત્રમાંથી યથાર્થ મહિમા સમજ્યો હોય ને તેને મોટાનો જોગ ન મળ્યો હોય તોપણ તેને મહારાજ ને મોટા કૃપા કરીને જેવો મહિમા સમજ્યો હોય તેવી પ્રાપ્તિ અંત વખતે કરાવે; પણ જેને મોટાનો જોગ થયો હોય તે તો ઇયળ-ભ્રમર ન્યાયે બીજા અનંત જીવોને મુક્ત કરે. જોગ વિનાનાને અંત વખતે સુખની પ્રાપ્તિ થાય, અને જોગવાળાને છતે દેહે સુખની પ્રાપ્તિ થાય એટલો વિશેષ છે.
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછ્યું જે, એક મહારાજની સમીપે રહે ને એક મહારાજની મૂર્તિમાં રહે તેને સુખમાં શો ફેર રહેતો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રહેનારાને સુખ લેવાની ગતિ અધિક છે, કેમ જે તે સમગ્ર મૂર્તિમાં રહીને રોમ રોમનાં સુખ એકકાળાવિચ્છિન્ન લે છે, અને પરમએકાંતિકની એવી ગતિ નથી, માટે એટલું સુખ લઈ શકતા નથી. આ સમાગમ કરવા સમુદ્ર ઉલ્લંઘીને આવો છો, ને દેહને દુઃખ પડે છે તે ગણતા નથી તેનું ફળ જે આ સમાગમે કરીને સંપૂર્ણ મહિમા સમજાય છે, ને સુખ લેવાની સામર્થી સંપૂર્ણ આવે છે; એવી સામર્થી જેને અનાદિનો જોગ ન હોય તેને આવતી નથી. મહારાજની મૂર્તિમાં સુખ બહુ છે.
તે જ દિવસે બપોરે સભામાં સંતે કહ્યું જે, મહારાજની મૂર્તિનું દર્શન કરાવો તો તે મૂર્તિને બાઝી પડીએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હમણાં તો મહારાજ પોઢ્યા છે, તે ચાર વાગે જાગશે ત્યારે દર્શન કરાવશું. પછી વળી કહ્યું જે, સુખ દેખાડો, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સર્વે સંત છે એ જ સુખ જાણવું. એ સુખ મોટા થવા જાય તેને મળતું નથી, તેના તો બાર વાગી જાય. એમ બોલતા જ ઘડિયાળમાં બાર વાગ્યા, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જુઓ ! ઘડિયાળે સાખ પૂરી, માટે દાસપણું રાખવું. તે જેમ સ્વામી કહે તેમ કરવું તે દાસપણું છે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી પ્રત્યે બોલ્યા જે, આ તમે લખો છો તે શ્રીજીમહારાજનો સિદ્ધાંત સજીવન કરવા સારુ લખો છો અને કોઈક સારુ લખો છો એટલે પાછળવાળાને કામ આવે તે માટે લખો છો. તો ખૂબ ખબડદાર થઈને લખજો. અને તમે વચનામૃતની ટીકા લખી ગયા હતા તે લખી રહ્યા કે હજી કાંઈ બાકી છે ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, પૂરી થવા આવી છે, ફક્ત છેલ્લા પ્રકરણની બાકી છે. પછી બાપાશ્રી બોલ્યા જે, ભલે લખજો અને અમે સદાય ભેગા રહીને સહાય કરીશું ને પૂરું કરાવી દઈશું ને માંહે પૂરો સિદ્ધાંત આવ્યો છે. ।। ૧૮૯ ।।
વાર્તા ૧૯૦
જેઠ વદ ૫ને રોજ સવારે સભામાં સાધુ ભક્તિતનયદાસજીએ પૂછ્યું જે, કેટલાક પ્રતિમાથી સંતને અધિક કહે છે તે કેમ સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજનો સિદ્ધાંત એના જાણ્યામાં આવ્યો નથી. કેમ જે એને સિદ્ધમુક્ત મળ્યા નથી, માટે તેની માયિક બુદ્ધિથી જેવું સમજાણું હશે તેવું કહેતા હશે; પણ પ્રતિમા તો સાક્ષાત્ શ્રીજીમહારાજ છે. જેને મોટા મુક્ત ન મળ્યા હોય તે પોતાની આધુનિક બુદ્ધિએ શાસ્ત્ર સમજવા જાય તેને શાસ્ત્રનું રહસ્ય હાથ આવે નહિ ને પોતે ભગવાન થઈ પડે. એમ કહીને પછી બોલ્યા જે, સત્સંગમાં કેટલાક હું ભગવાન છું એમ કહેતા હોય તે ન માનવું. ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે. વળી કેટલાક વીર સાધે છે. તે થોડુંક તેજ ને માંહે વીરની મૂર્તિ લોકોને બતાવે છે, તેથી અજ્ઞાની બિચારા આ મહારાજ બતાવ્યા, એમ જાણીને કેટલાક વિશ્વાસ લાવીને ફસાય છે, માટે એવા કપટીનો વિશ્વાસ ન રાખવો. વળી, ગુજરાતમાંથી એક જણે અમને તથા સ્વામી અક્ષરજીવનદાસજીને કાગળ લખ્યો હતો, જે તમે મારું ભજન કરો અને કદાપિ મારું ભજન ન કરો તો તમારા ભૂજના મંદિરમાં જીવી ડોસી છે તે મારી ચેલી છે તેનું ભજન કરશો તોપણ તમારું કલ્યાણ થાશે. એ ડોસી વીરવિદ્યાવાળી હતી તે થોડુંક તેજ ને વીરની મૂર્તિ બતાવતી તેથી લોક છેતરાતા. તેને અમે તથા સ્વામીએ સત્સંગ બહાર કરી હતી, તે ચોસઠની સાલમાં રામપરામાં ધનબાએ પારાયણ કરાવી ત્યારે પ્રાયશ્ચિત્ત કરાવીને સત્સંગમાં લીધી. એમ કહીને પછી બોલ્યા જે, આજ કેટલાક સત્સંગમાં સ્ત્રીઓની સભા કરીને બેસે છે અને સ્ત્રીઓ પગચંપી કરે છે એવો ભ્રષ્ટાચાર કરે છે. તેમને કારણ જે મહારાજ ને મુક્ત ઓળખાણા નથી તેથી કામ, ક્રોધ, લોભ, માનાદિક દોષ ટળ્યા નથી ને પોતે મોટા બનીને સત્સંગનું ધોરણ ન જાણનારા એવા અજ્ઞાની લોકોને છેતરે છે; માટે એવા કપટીનો સંગ ન કરવો.
માનકુવામાં દમો બ્રાહ્મણ ભગવાન થઈ પડ્યો હતો, તેનો સંગ કેટલાક રાખતા તેમને અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું જે, એમનો સંગ છોડી દો પણ તે લોકોએ ન માન્યું. પછી મહારાજશ્રી બોલ્યા જે, આ માનનો કૂવો આપણું નહિ માને, એમ કહીને જમ્યા વિના ચાલી નીકળ્યા ને ભારાસરમાં પધાર્યા. ત્યાં રસોઈનો સામાન મળે નહિ તેથી ત્યાં એક સુરદાસ અને ગરીબ ખોડા ભક્ત નામે હતા તેમણે કહ્યું જે, હે મહારાજ, આ ગામડાગામમાં તો કાંઈ સામાન નથી માટે માનકુવેથી સામાન લઈ આવું ને રસોઈ કરાવો. ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, માનકુવાનું અનાજ તો અમે નહિ જમીએ. પછી સામત્રામાં દેવજીનો દાદો રૂડો ભક્ત શ્રીજીમહારાજને મળેલા હતા, તેમણે લોટ, ગૉળ, ઘી, ખીચડી લાવીને ભારાસરમાં મહારાજને ને સંતને જમાડ્યા. અને સુરદાસને ગરીબ જાણીને તેમની રસોઈ ન લીધી. માટે ઝેરની પરીક્ષા ન લેવી. “મેરે તો તુમ એક આધારા.” એક શ્રીજીમહારાજનો જ આશરો રાખવો; એટલી વાત કરીને પછી સમાપ્તિ કરી. ।। ૧૯૦ ।।
વાર્તા ૧૯૧
જેઠ વદ ૫ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જ્યાં મહારાજ ને મોટા મોટા સંત હોય ત્યાં આનંદ આનંદ હોય. અમે નવલખીએ રાત રહ્યા હતા ત્યાં કથા-વાર્તા કરી તે માસ્તરો આવીને બેઠા ને કથા-વાર્તા સાંભળી. જ્યાં મહારાજ ને મોટા વિચરે તે ભૂમિ ચૈતન્ય કહેવાય. જે પૃથ્વી ઉપર મહારાજ ને મુક્ત વિચર્યા, જમ્યા, હર્યા, ફર્યા તે સર્વે ભૂમિ પ્રસાદીની ને પવિત્ર થઈ. જેમ એક લૂગડાને કે એક પથ્થરને એક કોરે અડે તોપણ બધું પવિત્ર થાય, તેમ પૃથ્વી શ્રીજીમહારાજના સંબંધને પામી તે સાજી પ્રસાદીની થઈ ગઈ. ઇત્યાદિક ઘણીક વાતો કરીને પછી સર્વે સૂતા. પછી અઢી વાગે બાપાશ્રી બોલ્યા જે, સંતો, નાહવા ચાલો. આજ તો વાડીએ બેસીશું કેમ કે વરસાદ આખા પીપલાણા, પંચાળામાં વરસે છે તે આપણે અહીં આજ નહિ આવે. પછી બાપાશ્રી તથા સર્વે સંત ચાલ્યા તે વાડીએ જઈ નાહ્યા. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, આ કૂવા સદ્. સ્વામી નિર્ગુણદાસજીએ પ્રસાદીના કર્યા છે. અહીં સ્વામીશ્રી અમારા ભેગા ફરતા ને વાતો કરતા જે, અમે ફલાણા ગામના ફલાણા હરિભક્તને તેડીને ધામમાં મૂકી આવ્યા. અને લુણાવાડામાં એક હરિભક્તે દેહ મૂક્યો ત્યારે સ્વામીએ કહ્યું જે, લુણાવાડામાં સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી તથા અમે ફલાણા હરિભક્તને તેડી આવ્યા; એવી ઘણીક વાતો કરતા. સ્વામીશ્રી તો બહુ સમર્થ હતા. એમ કહીને પછી માનસીપૂજા કરવા બેઠા ને માનસીપૂજા કરીને પછી ત્યાંથી પાછા સર્વે મંદિરમાં આવ્યા. ।। ૧૯૧ ।।
વાર્તા ૧૯૨
જેઠ વદ ૬ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ સભામાં શ્રીજીમહારાજ તથા અનાદિ તથા પરમએકાંતિક તથા એકાંતિક એ સર્વે વિરાજે છે ને સાધનિકને બ્રહ્મચર્ય પળાવીને મુક્ત કરે છે. જેમ રાજા રૈયતની ખબર રાખે છે, તેમ તે સાજા સત્સંગની ખબર રાખે છે, એવો આ સંતને વિષે વિશ્વાસ હોય તો સુખ આવે; માટે આવા સંતમાં હેત કરવું. “હેત જોઈ હરિજનનાં વાલો પોતે થયા પ્રસન્ન.” માટે શ્રીજીમહારાજ હેત જોઈને બહુ પ્રસન્ન થાય છે. આ મોંઘી વસ્તુઓ બહુ ઠેકાણે ન હોય ! ઘરોઘર ન હોય ! ઠામઠેકાણે જ હોય. આ મોંઘી વસ્તુ તમને મળી છે. આ વખતે ચીંથરે વીંટ્યાં રત્ન છે, માટે મીન તથા ચકોરની પેઠે હેત કરીને પૂરું કરી લેવું. આ વખત ને આ દાવ જો ભૂલ્યા તો પૂરું થાય એમ નથી, માટે ચાલોચાલ સત્સંગ ન કરવો તો સુખ આવે. અમે અડતાલીસની સાલમાં સ્વામીશ્રીને દર્શને અમદાવાદ ગયા હતા. ત્યાં જાદવજીભાઈ, વશરામભાઈ, કેસરાભાઈ એ સર્વે આગલે દિવસે આહીરના ગામથી દરિયે આવીને તે પછી વહાણમાં બેસીને વવાણીએથી રેલે બેસીને અમદાવાદ પહોંચેલા અને અમે બીજે દિવસે અમદાવાદ પહોંચ્યા, ત્યારે સ્વામીએ તેમને કહ્યું જે, જુઓ ! અમારા જીવનપ્રાણ આવ્યા, એમ કહીને ઊઠીને મળ્યા ને બહુ રાજી થયા. એમ મોટા સુખિયા કરતા, તેમ તમને અમે સુખિયા કરીએ છીએ. અમારા ગામમાં પ્લેગ આવ્યો ત્યારે સૌ ઠાકોરજીને મૂકીને વગડે ભાગી ગયા, પછી અમે શ્રી ઠાકોરજીને વાડીએ લઈ ગયા ને મંદિર કરીને પધરાવ્યા. તે સૌ હરિભક્તો ત્યાં આવીને દર્શન કરે અને દાક્તર આવે તે દર્શન કરીને કહે જે, “તુમ અચ્છા કરતે હો, અહીં ભગવાન છે તે પ્લેગ નહિ આવે.” પછી જ્યારે હરિભક્તોએ જાણ્યું જે, હવે પ્લેગ ગયો છે માટે ગામમાં ચાલો; ત્યારે અમે કહ્યું જે, દસ દિવસ ખમીને પછી ગામમાં ચાલશું. પણ કાનજીભાઈ આદિકે ભડાભૂટ કરીને કહ્યું જે, અમારા ઠાકોરજી આપો, અમારે તો ગામમાં જાવું છે. તેમને અમે કહ્યું જે, હજી પ્લેગ ગામમાં છે, તોપણ તે ગામમાં ગયા. પછી તો કાનજીને ઘેરથી જ બે-ત્રણ મનુષ્ય મરી ગયા, તેથી દાક્તરે કહ્યું જે, એનું ઘર લગાડી દો. પછી ગામધણી અને દાક્તર આપણી વાડીએ આવ્યા. તેમણે અમને કહ્યું જે, ખાવંદ ! અમને તમે કહ્યું હોત તો અમે ગામમાં કોઈને પેસવા દેત નહીં. પછી અમે કહ્યું જે, અમે તો કહ્યું હતું જે, હવા સારી નથી ને પ્લેગ ગયો નથી. ત્યારે એમણે કહ્યું જે, હા ખાવંદ ! તમે એવું તો કહ્યું હતું. પછી તેમણે કહ્યું જે, કાનજીનું ઘર બાળવાનો ઠરાવ કરીને આવ્યા છીએ. ત્યારે અમે બાળવાની ના પાડી ને કહ્યું જે, એને બદલે અમારું ઘર બાળો, પણ એનું બાળશો નહિ અને પ્લેગ હવે જતો રહેશે. તેમણે અમારા વચનના વિશ્વાસથી ઘર ન બાળ્યું, પણ કાનજીને છેટે રાખ્યો ને બધાય બહાર ગયા. પછી અમે જ્યારે કહ્યું ત્યારે ઠાકોરજીને લઈને ગાજતે-વાજતે ગામમાં પેઠા ને ગામ જમાડ્યું. ત્યારે ગામધણીએ કહ્યું જે, શોક છે ને જમાડો છો તેનું કેમ ? પછી અમે કહ્યું જે, અમારે શોક ન હોય, તેથી તેને ગુણ બહુ આવ્યો. તેથી આજ પણ આપણું વચન ઉલ્લંઘતો નથી. અને ભોજો ભક્ત હતા તેમણે કહ્યું જે, વાડીમાં તો પ્લેગ નહિ આવે માટે તમે બોલાવીને મને ધામમાં મોકલો. ત્યારે અમે કહ્યું જે, કાલે બોલાવશું; પછી બીજે દિવસે પ્લેગ આવ્યો ને શીરો જમાડીને તેમને ધામમાં મોકલ્યા. ત્યારે લોકો કહે જે, તમે એમને અડ્યા તે તમને પાસ લાગશે. ત્યારે અમે કહ્યું જે, અમને તો કાંઈ પાસ લાગતો નથી. અને અમે વાડીમાં સાત પારાયણો વચનામૃતની કરી ને ડોસા ડોસા દસ બેસતા, ત્યારે પણ કાનજીએ ભૂજ જઈને કહ્યું જે, કથા-વાર્તા કરે છે. તેથી સ્વામીએ કાગળ લખ્યો જે, તમે માણસો ભેળા કરશો નહીં. ત્યારે અમે લખ્યું જે, અમે કથા-વાર્તા ન કરીએ ત્યારે શું કરીએ ? એમ મોટાઓને ઉપાધિઓ થતી આવે છે. અહીં ભૂજમાં સૂરજબા હતાં તેમને સંતોએ ત્રણ દિવસ સુધી મંદિરમાં પેસવા દીધાં નહીં. જ્યારે શ્રીજીમહારાજે શ્રી અચ્યુતદાસજી સ્વામીને દર્શન આપીને કહ્યું જે, “અમને થાળ ત્રણ દિવસથી ભાવતો નથી, કારણ કે તમે અમારા મુક્તને મંદિરમાં પેસવા દેતા નથી.” ત્યારે સૌને ૫શ્ચાત્તાપ થયો ને કોઠારી પાસે સૂરજબાને વિનંતી કરીને બોલાવરાવ્યાં. તેમ જ આજ પણ આપણને કોઈક કહે તોપણ કામ કરી લેવું; પણ પોચા પોચા ન રહેવું. મહારાજની આજ્ઞા પાળવી ને અંગ ફેરવવું તે સૌ જાણે જે આમણે જોગ કર્યો તેથી આમનું અંગ ફરી ગયું છે. જેમ સમુદ્રમાં મીઠું પાણી આવે છે તે ખારા પાણીને ઠેલીને પાછું લઈ જાય છે તેમ આપણે આજ્ઞામાં ફેર પડવા દેવો નહિ અને આસક્તિ ટાળીને મહારાજમાં જોડાવું. દેશ-પરદેશ ફરવું ને રમવું તે સર્વે મૂકી દેવું, અને ઊતરતા ભેગા ભળી જાવું નહીં. સત્સંગની લટક હાથ આવે ત્યારે જોગ કર્યો કહેવાય. આ સંતનાં દર્શન, સ્પર્શ, પ્રસાદથી કલ્યાણ થાય, એવા દ્વિભુજવાળા આ પરમહંસ છે. આ સંત સાંભરે તો મૂર્તિ સાંભરે. માંદાને શીરો-પૂરી-લાડુ તે ઝેર થઈ પડે ને બળહીન થઈ જાય પણ સાજો થાય તો જમાય ને બળિયો થાય, તે પાંચ મણનો પથ્થર ઉપાડે; તેમ આ જીવને જીવના વૈદ મળે તો આ લોકમાંથી લૂખા કરીને મહારાજના સુખે સુખી થાય એવા બળિયા કરી દે. જે સ્વામિનારાયણના છે તે સર્વે આપણા છે. તે ઉપર દયા રાખીને તેમનો મોક્ષ કરવો એ આપણું કર્તવ્ય છે. આ કુંવરભાઈ, ઘેલાભાઈ, ભોગીલાલભાઈ, ધનજીભાઈ તથા તમે સર્વે મૂર્તિમાં રહેવા ભેળા થયા છો તે અમે રાખીશું. આપણે બીજા માટે ભેગા થયા નથી. એક મૂર્તિ સારુ જ ભેગા થયા છીએ, માટે તમને મૂર્તિમાં ભેળા રાખીશું. શ્રીજીમહારાજ વિના બીજા કાળ-કર્માદિકને તથા અક્ષરાદિક કોઈને કર્તા જાણે તે મોટો દ્રોહી કહેવાય. દેવ, દેવલા, વૈદ, ઔષધ, જંત્ર, મંત્ર એ આદિક સર્વેને કર્તા જાણે તે પણ મોટો દ્રોહી કહેવાય. ઔષધ એનું એ હોય પણ એથી એકને મટે ને એકને ન મટે તેનું કારણ એ જે, એમાં મહારાજ ન ભળે તો ન મટે ને ભળે તો મટે. મહારાજને તથા અનાદિને તથા પરમએકાંતિકને જેવા છે તેવા જાણીને પછી કોઈકના કહેવાથી મોટપ ટળી જાય તો તે પણ મોટો દ્રોહી કહેવાય. માટે મરીચ્યાદિકથી લઈને મૂળઅક્ષર સુધી કોઈને કર્તા ન જાણવા. જો કર્તા એમને જાણે તો મોટો દ્રોહી કહેવાય. અને પ્રકૃતિ સુધીનું ખોટું કરે એ તો સુરતના ખાડા ગણી આવ્યા જેવું છે કેમ કે તેમાં તેણે શું કર્યું ? એ તો ખોટું જ છે. શ્રીજીમહારાજે કહ્યું છે જે, “અમારા તેજરૂપ પોતાને માનવું તથા અનાદિમુક્તરૂપ માનવું.” જેમ ચમક લોહને ખેંચે છે તેમ અનાદિમુક્ત મૂર્તિમાં ખેંચી લે છે, જેમ મૂળજીને તથા કૃષ્ણજીને મહારાજ ખેંચતા તેમ. મહારાજની મૂર્તિમાં અનાદિમુક્ત રહે છે તે એક થઈ જતા નથી, જુદા રહે છે ને દાસપણે રહે છે. જેની દૃષ્ટિ એટલે પહોંચી ન હોય તેને એમ જણાય જે ભગવાન થઈ જવાય, પણ ભગવાન શી રીતે થઈ જવાય ? કેમ જે ધણી પાસેથી સુખ લે છે, તે ધણીને કેમ ભૂલી જવાય ? માટે સ્વામી-સેવકપણું તો રહે છે જ. પછી ઝીણાભાઈએ ભોગીલાલભાઈની ને કુંવરજીભાઈની પ્રશંસા કરી જે તમે બરાબર ભક્ત છો કેમ જે ટૂંકા થયા છો એટલે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત થયા છો. ।। ૧૯૨ ।।
વાર્તા ૧૯૩
જેઠ વદ ૭ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૬૨મું વચનામૃત વંચાતું હતું, તેમાં દાસત્વના અંગમાં ગોપાળાનંદ સ્વામીને તથા મુક્તાનંદ સ્વામીને વખાણ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દાસત્વપણામાં સર્વેના ગુલામ થઈને રહેવાય છે. આ બે સ્વામીને દાસત્વપણું ઘણું હતું, એવું દાસપણું દૃઢ કરવું. કોઈકને કહેવું તે દાસપણે સત્ત્વગુણમાં રહીને દયા લાવીને ધીરે રહીને કહેવું, પણ રીસ લાવીને કે નિર્દયપણું લાવીને કહેવું નહિ, ને ફજેત કરવો નહિ અને પ્રાયશ્ચિત્ત દેવું તે દયા કરીને દેવું પણ રીસ કરીને દેવું નહીં. અહીં મોટા માણસને પ્રાયશ્ચિત્ત આપવું હતું, તેણે મરવાનો આદર કર્યો હતો. તેને અમે પુરુષોત્તમ માસમાં છાનું પ્રાયશ્ચિત્ત આપીને બચાવ્યો, પછી તે ધામમાં ગયો. એવી રીતે દયા લાવીને વાતચીત કરી શિખામણ દેવી ને પ્રાયશ્ચિત્ત આપવું અને જો ન માને તો પછી જાહેર કરવું. કાંકરિયા તળાવે શ્રીજીમહારાજ પધાર્યા હતા ને ભેળા સંત ઘણા હતા. તેમાં મોટા મોટા સંતને અજીર્ણ આવ્યું જે આપણે ન હોઈએ તો આ સત્સંગમાં દિગ્વિજય કોણ કરે ? પછી શ્રીજીમહારાજે એ સભાના ઉપર બીજી સભા કરી. ત્યાં પૂજાઓ થાય, આરતીઓ થાય તેવું દેખીને મોટા મોટા સંતોએ શ્રીજીમહારાજને દંડવત કરીને પ્રાર્થના કરીને કહ્યું જે, હે મહારાજ ! તમે અમારું અજીર્ણ ટાળ્યું; એમ દાસપણામાં શ્રીજીમહારાજનો રાજીપો ઘણો છે. અને કીડીસખીને રાજ્ય જોઈતું હતું પણ માર ખાવો પડ્યો, માટે મૂર્તિના સુખ વિના બીજું કાંઈ ઇચ્છવું નહિ ને પવિત્રપણે રહેવું. પછી પોતાની બાજરીના ઢગલામાં સંતને લઈ જઈને ફેરવ્યા ને બોલ્યા જે, આ બાજરીને પાપી લોકો અડ્યા હતા તે તમને ફેરવ્યા એટલે પવિત્ર થઈ. આ તમને અમે શીખવીએ છીએ જે પવિત્રનો સંગ કરવો ને સંતની સેવા કરવી. એક ખોજાએ છપના કાળમાં સડક બંધાવી, તેનાં પાપ મનુષ્યને મારેલાં એવાં હતાં પણ એ સડકમાં કણબી લોકો મજૂરી કરીને છપનો કાળ ઊતર્યા, તે સર્વે સત્સંગી હતા, તેમની સેવાએ કરીને ખોજાનાં પાપ બળી ગયાં ને તેના ઉપર દયા કરીને અમે અંત વખતે પ્રસાદી આપીને મોક્ષ કર્યો. માટે સત્સંગીનું પોષણ કરવાથી પાપ બળીને કલ્યાણ થાય છે, એવો સત્સંગનો પ્રતાપ છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે તે દિવસે ઉપવાસ કરાય છે અને દેહોત્સવ કરે તે દિવસે ઉપવાસ નથી કરતા તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે આનંદમાં ને આનંદમાં ભૂખની ખબર ન પડે, માટે ઉપવાસ કરાય છે. અને ભગવાન પ્રગટ થઈને આત્મા-પરમાત્માનું તથા અજર-અમરપણાનું તથા સર્વત્રપણાનું જ્ઞાન પોતાના ભક્તને આપે તેણે કરીને ભક્ત એમ જાણે જે ભગવાન અદૃશ્ય થતા જ નથી. જેવા છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે છે પણ કોઈ ઠેકાણે નહિ હોય એમ નથી. ભગવાન તો છે, છે ને છે જ, પણ જ્યારે દર્શન આપ્યાં ત્યારે આપણને જાણ પડી પણ પહેલાં નહોતા એમ નહીં. આપણા જાણવામાં નહોતા પણ એ તો સદાય છે જ, અને અદૃશ્ય પણ થતા જ નથી એમ સમજે, માટે ભૂખ્યું રહેવાની જરૂર નથી. એમ ઉત્તર કરીને પછી વાત કરી જે, શ્રી ગોપાળાનંદ સ્વામીને એક હરિજને પૂછ્યું જે, હું કપાસની સાંઠિયો ખોદું છું ત્યારે મહારાજ તેજોમય દેખાય છે, તે શી રીતે ખોદું ? મહારાજને વાગે તે સારુ ખોદતો નથી. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, મહારાજને નહિ વાગે, ખોદજો. આપણે પણ એમ મૂર્તિ દેખાય એ કરવાનું છે. જેમ દિવસમાં રાત્રિ લીન થાય છે તેમ માયાને તેજમાં લીન કરીને મૂર્તિ જોવી. જો આગ્રહ કરે તો દેખાય, પણ આગ્રહ નથી કરતા એટલે મૂર્તિ નથી દેખાતી. મહારાજ મોંઘા બહુ છે, તે તપે કરીને, સેવાએ કરીને, ભક્તિએ કરીને કે કોટિ સાધને કરીને પણ મળે તેમ નથી, પણ આજ સોંઘા થયા છે; માટે ધ્યાન, માળા, પૂજા એ કર્યા કરવું તો મૂર્તિ સિદ્ધ થઈ જાય. જો માયિક વસ્તુ લાવવી હોય તો મુંબઈ જઈને પણ લઈ આવે, પણ મહારાજ જેવી દિવ્ય વસ્તુને લેવાનો આગ્રહ કરતા નથી. એક સાધુએ મુંબઈથી મનગમતાં વસ્ત્ર મંગાવીને પહેર્યાં; એવી તાણ મૂર્તિમાં થાય તો શું બાકી રહે ? અમે મૂર્તિમાં રહીને આ વાતો કરીએ છીએ, પણ જીવ જાણી શકે નહિ; એવા આ મુક્ત તમને મળ્યા છે. વળી ધક્કો મારીને પણ જીવને મહારાજની મૂર્તિમાં પહોંચાડી દઈએ. એવો આ મુક્તનો ધક્કો છે, તે કોઈને રહેવા દેવા નથી.
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું જે, બાપા ! મારી એક અરજ છે જે, મને ભૌતિક દેહમાંથી જુદો પાડીને મૂર્તિમાં લઈ જાઓ. તમારા વિના બીજો મારે આધાર નથી ને હું દુઃખી થાઉં છું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ બાવો (સ્વામી ઈશ્વરચરણદાસજી) તથા તમે બીજા જે જે શરણે આવેલા સદ્રુચિવાળા છો, તે સર્વેનું અમારે પૂરું કરવાનું છે. એમને કોઈને માથે ગુનો નથી, બધાયનું પૂરું અમે કરીશું, ત્યારે તેમણે કહ્યું જે, બાપા ! મેં સાધન કાંઈ કર્યાં નથી ને થાય તેમ પણ નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમારે નિશ્ચિંત રહેવું. તમને આ માયિક દેહમાં રહીને શું માગતાં આવડે ? મુક્તનું ને મહારાજનું સુખ ને મહિમા ને સામર્થી તેનો કોઈ પાર પામે તેમ નથી, માટે જે સુખ અમારે છે તે સર્વેને આપવું છે. તે દિવ્યભાવે યુક્ત થાશો ત્યારે સમજાશે. દિવ્ય સુખ તો માયિક દેહથી ને માયિક બુદ્ધિથી માગી લેવાય એવું નથી. એ તો અમે પોતે આપી દઈશું, એવો વિશ્વાસ રાખવો. અમે તમને મળ્યા છીએ તે એક મિનિટમાં સુખ આપી દઈએ એવા છીએ. અમે તો કર્તા થકા અકર્તા છીએ, “કર્તા થકા અકર્તા રે યુગયુગમાં નર દેહ ધરે” એવા મહારાજ ને મહારાજના મુક્ત છે. જેવા છીએ એવા ઓળખો તો દરિયામાં દોટ દેવાનું કહીએ તોપણ દો તથા તડકે રાખીએ, ભૂખે મારીએ તોપણ તેમ કરો. રાત કહીએ તો રાત કહો અને દિવસ કહીએ તો દિવસ કહો, એવા થઈ જાઓ, જો પૂરો મહિમા જાણો તો. તમે સર્વેએ આ મુક્તને ઓળખ્યા છે તે પૂર્વે તમે બધાંય સાધન કર્યાં હશે, ત્યારે જ તમને આવા મોટા ઓળખાણા છે. માટે તમારે એમ સમજવું જે સત્સંગમાં જે જે અંગ દૃઢ કરવાનાં કહ્યાં છે તે સર્વે અંગ સંપૂર્ણ થઈ ગયાં છે; તો જ તમે આવા મોટાને ઓળખ્યા છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આ વચનામૃતના પહેલા પ્રશ્નમાં યોગ્ય-અયોગ્ય કર્મ કહ્યું તે કિયું જાણવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ્ઞા પ્રમાણે વ્યવહાર કરે તે યોગ્ય કર્મ જાણવું, અને તેમાં આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થઈ જાય તે અયોગ્ય કર્મ જાણવું. અને કોઈક ઉપર ક્રોધ થઈ આવે તે પણ અયોગ્ય કર્મ જાણવું; અને તેનું પ્રાયશ્ચિત્ત કરવું. તે પ્રાયશ્ચિત્ત જો તુરત આવીને મોટાપુરુષને નિવેદન કરે તો અર્ધું કરવું પડે, અને પૂછતાં વાર લગાડે તો તો પૂરું કરવું પડે, ને કોઈક કરાવે ને કરે તો બમણું કરવું પડે. માટે નિષ્કામવ્રતનો ઉપવાસ પડે તો તુરત કરવો, પણ કાંધાં કરવાં નહિ, એટલે વાર લગાડવી નહીં. જો એકાદશી આદિ વ્રતનો ઉપવાસ બીજે દિવસે આવતો હોય તો પ્રાયશ્ચિત્તનો ઉપવાસ તેરસને દિવસે કરવો પણ એવી અડચણ ન આવતી હોય તો તે દિવસે જ કરી નાખવો. નિયમ રાખવા તે ઓછા રાખવા પણ ઘણા રાખીને પડ્યા મૂકવા નહીં. જો ઘણા રાખીને પડ્યા ન મૂકે તો તે શ્રેષ્ઠ છે, પણ ઘણા રાખીને પડ્યા મૂકવા પડતા હોય તો થોડા રાખવા તે ઠીક છે. એમ વાત કરીને પછી બોલ્યા જે, વચનામૃતમાં નારદ-સનકાદિક તથા રામકૃષ્ણાદિક અવતાર કહ્યા હોય તે મુક્તને કહ્યા હોય છે એમ જાણવું, કેમ કે બીજા પરોક્ષ રામકૃષ્ણાદિક અવતાર થાય છે તે તો અન્વય સ્વરૂપના અવતાર છે; તેમનાથી શ્રીજીમહારાજના જેવું આત્યંતિક કલ્યાણ થાય નહીં. અને તેમાંના કેટલાક તો માયામાંથી આવ્યા છે અને વ્યતિરેક મૂર્તિના અવતાર જે મુક્ત તે તો આત્યંતિક કલ્યાણ કરે છે; માટે તે અવતાર જાણવા. માયા તો મેશનો ઓરડો છે.
પછી નાનોદરાના ઠક્કર કાળીદાસે પૂછ્યું જે, મારે તો આ ત્રણ અંગમાંથી એકેય સંપૂર્ણ થયું નથી ત્યારે કેમ થશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આવા મોટા ને મહારાજ મળ્યા છે, તેમનો મહિમા જણાય ને તેમની સાથે મન જોડો તો છતે દેહે મોક્ષ થઈ જાય. જેના ભેળા બેઠા છો તેના ભેળું જ રહેવું છે, માટે જ્યારે આવા મળ્યા ત્યારે જાણવું જે પૂરું થઈ જ રહ્યું છે ને કડેડાટ કરતા ધામમાં જાશું; ફિકર રાખવી નહીં. આ તમને મળ્યા છે તે કાંઈ અક્ષરકોટિ સુધીને પણ મળ્યા નથી ને મળવા પણ ઘણા દુર્લભ છે. આ વાતનો મુદ્દો હાથ આવે તો બહુ સુખ આવે ને ઊંઘ, આહાર, ભૂખ, દુઃખ સર્વે ભૂલી જવાય; એવો મૂર્તિનો આનંદ છે. તે આનંદમાં આપણે રહ્યા છીએ એમ જાણવું. ।। ૧૯૩ ।।
વાર્તા ૧૯૪
જેઠ વદ ૮ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૧૬મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધ્યાન કરતાં જે પદાર્થના ઘાટ થાય તેવા ભોગ જે લોકમાં હોય તે લોકમાં તેને પહોંચાડે છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જો આસક્તિપૂર્વક ઘાટ થતા હોય તો તેને જેવા ભોગ વહાલા છે તે લોકમાં મૂકે છે અને ઘાટ થાય ત્યારે દાઝ થાય તેને તો એ લોકમાં મૂકતા નથી, માટે ઇચ્છા વિનાના ઘાટ સહેજે થાય તેને તો એ લોકમાં જાવું પડે નહીં. તેને તો સત્સંગમાં જ જન્મ ધરાવે ને જોગ સારો આવે, તે જો ખબડદાર થઈને જોગ કરે ને જેમ મોટા કહે તેમ સાધન કરે, તો તો ઝટ નિર્વાસનિક થઈને ધામમાં જતો રહે; અને આળસ રાખે તો વારંવાર સત્સંગમાં જન્મ ધરે, તે જ્યારે નિર્વાસનિક થાય ત્યારે ધામમાં જાય. કારણ મૂર્તિ-મહારાજ ને મુક્ત તેમનું દર્શન આત્માને વિષે થાય નહિ ત્યાં સુધી થોડોક વાંધો ખરો, પણ જેમ પોતાના દેહને વિષે કાંઈક પીડા થાય ને ભુલાય નહિ તેમ મહારાજને અને મોટાને સદાય અખંડ સંભારે તો તેને વાંધો નહિ; માટે મોટાને વિષે મન બાંધવું એટલે કાંઈ વાંધો નહીં. આ તમને મળ્યા છીએ તે અંત સમયે અનાદિની પંક્તિમાં ભેળવી દેશું, કોઈ દુઃખિયા રહેશે નહીં. સૌને પોતપોતાની પંક્તિમાં ભેળવવાનું તાન છે. જેમ ગામોગામના હરિભક્તો તમને પોતપોતાનાં ગામોમાં લઈ જવાની તાણ કરે છે તેમ તમને અમારા ભેળા લઈ જવાની અમારે તાણ છે, માટે લઈ જાશું. તે અમે સાચા મળ્યા છીએ તે લઈ જાશું પણ જેને આધુનિક મળ્યા છે તે આધુનિક તો પોતેય નહિ જાય ને એને વિષે હેતવાળા હશે તેનેય નહિ લઈ જાય. એ તો ભૂખ, દુઃખ ને માર ખાવાના છે, માટે એવાનો વિશ્વાસ ન રાખવો. મોટા સાથે હેત હોય તો તેમની સાથે જોડાઈ જવાય. જે મોટા મૂર્તિમાં જોડાયા છે, તેમને વિષે જે જોડાય તે પણ મૂર્તિમાં જોડાય ને સુખિયો થઈ જાય; માટે કારણ વસ્તુમાં બાઝવું. જેને આવા અનાદિ સાથે હેત થયું તેને વલખાં ન કરવાં જે કેમ થાશે ? એ તો પૂરું જ થઈ રહ્યું છે. મહારાજ વિના કાળ-કર્માદિકને કર્તા જાણવા નહીં. વાયુ કે વરસાદ ન થાય કે ઘણો થાય એના કર્તા મહારાજ છે, માટે મહારાજની મરજી પ્રમાણે થાય છે. “મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.” એક હરિજને મહારાજને વરતાલમાં કહ્યું જે, હું તરણું તોડી આપું એમ કહી ઘાસનું તરણું તોડવા ગયો તો હાથ ઝલાઈ ગયા, તે આઘા કે પાછા થાય જ નહીં. આવા કર્તા મહારાજને જાણે તો મૂર્તિ ન દેખાય તોપણ તેને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, ને એ તો છતે દેહે જ મૂર્તિમાં છે, માટે સર્વ કર્તા મહારાજને જાણે તો એનું પ્રારબ્ધ શ્રીજીમહારાજ પોતે જ છે, તોપણ ભૂંડા દેશકાળમાં ન રહેવું; રૂડા દેશકાળમાં રહેવું.
પછી ગોધાવીના માસ્તર જગન્નાથે પૂછ્યું જે, સર્વે જીવ જે જે ક્રિયા કરે છે તે મહારાજની મરજી પ્રમાણે કરતા હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો જગતની ઉત્પત્ત્યાદિકના કર્તા જે મૂળપુરુષો તથા વાસુદેવબ્રહ્મ તથા અક્ષરો તેમને કહ્યું છે, જે એ સર્વે અમારી મરજીથી ઉત્પત્ત્યાદિક કરે છે; અમારી મરજી ન હોય તો કાંઈ કરી શકે નહીં. બીજા જે કર્માધીન જીવો છે તે તો પોતપોતાનાં કર્મ તથા સ્વભાવ-પ્રકૃતિ પ્રમાણે ક્રિયા કરે છે, તેમને તો શાસ્ત્ર ને સત્પુરુષ કહે છે જે, આ ક્રિયા કરજો ને આ ક્રિયા ન કરશો. તે શ્રીજીમહારાજે શિક્ષાપત્રી આદિકમાં આજ્ઞાઓ કરી છે તે પ્રમાણે વર્તવું અને મૂળઅક્ષરાદિક ઈશ્વરોને શાસ્ત્રમાં આજ્ઞા કરી નથી, એ તો શ્રીજીમહારાજની મરજી પ્રમાણે કરે છે, પણ એ કર્માધીન નથી. જે કર્માધીન જીવ છે તેમને તો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તવું ને ન વર્તે તો દુઃખ ભોગવે. એટલી વાત કરીને સંતોને કહ્યું જે, તમે ક્યાં સુધી પૂગ્યા છો તેનો સરવાળો કરો. ત્યારે સંતોએ કહ્યું જે, શ્રી સ્વામિનારાયણના ચરણ સુધી પહોંચ્યા છીએ, જેમ કરવું હોય તેમ કરે. પછી બાપાશ્રી બોલ્યા જે, “સત્પુરુષ વાક્યં ન ચલતિ ધર્મઃ” પછી પુરાણી નંદકિશોરદાસજીને પૂછ્યું જે, તમે કેમ સમજો છો ? આ વાત ક્યાંથી આવે છે ? ત્યારે તે બોલ્યા જે, ઠેઠ મહારાજની મૂર્તિમાંથી થાય છે. પછી બાપાશ્રી બોલ્યા જે, ભૂલી ન જાતા હોં, પણ અમને એમ જણાય છે કે, તમે નક્કી ભૂલી જશો; જરૂર ભૂલી જશો. એમ કહીને પછી વાત કરવા લાગ્યા જે, ધ્યાન કરતાં કરતાં મૂર્તિ નખશિખા પર્યંત સમગ્ર ન દેખાય, એટલે ચરણ સામું જુએ તો મુખારવિંદ કે મસ્તક ન દેખાય ને મુખારવિંદ કે મસ્તક સામું જુએ તો ચરણ ન દેખાય, તે નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું; અને સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે તે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું. એવી રીતે ધ્યાન કરતાં કરતાં એક મૂર્તિ આકારે વૃત્તિ થઈ જાય પણ દેહનું કે જગતનું ભાન રહે નહિ તે ઉપશમ કહેવાય. તે ઉપશમવાળાની ક્રિયા શ્રીજીમહારાજ અનુસંધાન પ્રમાણે કરાવે છે, પણ તેને ખબર રહેતી નથી. ગોરધનભાઈ છોકરાને ટાંગો ઝાલીને ખણી જાતા તે કેમ ઝલાય તેની ખબર નહિ, અને સાકર છે કે મીઠું છે તેની ખબર નહિ, અને કોઈક વખતે ઘણું જમે ને ક્યારેક થોડું જમે ને ક્યારેક જમે પણ નહિ, બધું મહારાજના હાથમાં. એ તો શ્રીજીમહારાજ જાળવે જ. જેમ બાળકનું પ્રારબ્ધ માવતર છે તે બાળકને નાગ, વાઘ, અગ્નિ આદિથી જાળવે છે તેમ. આપણો હરજી નાનો હતો ત્યારે ગંજીમાંથી નાગને પૂંછડેથી ઝાલ્યો તે અમે મુકાવ્યો, તેમ ઉપશમદશાવાળાને મહારાજ જાળવે છે. અયોધ્યાપ્રસાદજી મહારાજને ધ્યાન કરતાં લૂગડામાં વીંછી હતો તે સાત-આઠ ઠેકાણે કરડ્યો તોપણ ધ્યાનમાંથી ઊઠ્યા નહિ, ને ધ્યાન કરીને પછી વાત કરી જે, આ લૂગડામાં શું છે, જુઓ ! પછી પાળાએ જોયું તો વીંછી નીકળ્યો. તેવી સ્થિતિ ઉપશમ કરતાં પણ અધિક કહેવાય. વળી, ગામડી ગામમાં પધાર્યા હતા; ત્યારે દૂધપાકમાં સાકરને બદલે ભૂલથી મીઠું નાખ્યું હતું, તોપણ નિત્ય જમતા તેટલું જમી ગયા, તે પણ ગોરધનભાઈથી અધિક સ્થિતિ કહેવાય, કેમ જે ગોરધનભાઈને તો ખબર નહોતી પડતી, ને મહારાજશ્રીને તો આત્મનિષ્ઠા હતી. તે આત્મનિષ્ઠાને બળે કરીને વીંછીની પીડાને ખમ્યા ને મીઠું જમી ગયા, માટે તે વિશેષ કહેવાય અને તેથી પણ ત્રણે અવસ્થામાં અખંડ મૂર્તિ દેખાય તે શ્રેષ્ઠ છે અને તે જીવસત્તાએ જોવાય છે. તે કરતાંયે શ્રીજીમહારાજનું તેજ જેને આત્મા કહે છે તે તેજને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય તે શ્રેષ્ઠ છે, ને તે સિદ્ધમુક્ત કહેવાય ને પરમએકાંતિક કહેવાય. અને જે મૂર્તિમાં સળંગ વ્યાપીને મૂર્તિનું સુખ લે તે અનાદિ કહેવાય અને તે સૌથી શ્રેષ્ઠ છે. એક સમયને વિષે શ્રી રઘુવીરજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા ત્યારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું જે, તમો તો આ મોટા શહેરના વ્યવહારમાં બહુ જ બંધાઈ ગયા. પછી શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, તમો ભગવત્પ્રસાદજીને વરતાલનો વ્યવહાર સોંપી દો અને અમે કેશવપ્રસાદજીને સોંપી દઈએ, અને આપણે બંને ગઢડા, મૂળી, જૂનાગઢ, ભૂજ, જ્યાં કહો ત્યાં એક ઠેકાણે બેઠા બેઠા શ્રીજીમહારાજનું અખંડ ધ્યાન-ભજન કરીએ. પછી શ્રી રઘુવીરજી મહારાજ તો કાંઈ બોલ્યા નહિ, ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, “જે દિવસના શ્રીજીમહારાજ પાસે આવ્યા છીએ ત્યારથી અમે તો ત્રણે અવસ્થામાં શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ તેજના સમૂહમાં દેખીએ છીએ અને આ અમદાવાદનો સત્સંગનો વ્યવહાર તો અમને રંચમાત્ર પણ ગણતીમાં નથી; અમે તો સદાય મૂર્તિમાં જ નિમગ્ન રહીએ છીએ.” એવી સ્થિતિ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની હતી. ।। ૧૯૪ ।।
વાર્તા ૧૯૫
જેઠ વદ ૧૦ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૫૯મું વચનામૃત વંચાતું હતું તેમાં ભવ-બ્રહ્માદિક દેવ થકી સાધુ અધિક છે એમ વાત આવી. ત્યારે બાપાશ્રીએ સંતોને પૂછ્યું જે : એ ભવ-બ્રહ્માદિક કિયા હશે ? પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આ ભવ તે મહાકાળને કહ્યા છે જે દિવ્ય સંકર્ષણ છે તે, અને તે મૂળપુરુષનો ઉપરી છે. અને બ્રહ્મા તે મૂળઅક્ષર - જેને દિવ્ય અનિરુદ્ધ કહીએ છીએ તે. જે પંચાળાના રજા તથા લોયાના ૭મા વચનામૃતમાં કહ્યા છે તે. પછી બાપાશ્રી બોલ્યા જે, તમે એ મૂળઅક્ષરથી અધિક છો અને કેટલાકને તેડવા જાઓ છો, તે તમને સાચું મનાય છે ? ત્યારે સ્વામી બોલ્યા જે તમે કહો છો ત્યારે સાચું હશે; અમને તો કાંઈ જણાતું નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સાચું છે, પણ તમારી પાસે કામ કરાવીએ છીએ, ને વળી જણાવા દેતા નથી એમ તમે અકર્તા છો. અને નથી જણાવતા તેનું કારણ એ છે જે તમારા સમાસને માટે તમારી સામર્થી રોકી રાખી છે. તમે તેડવા જાઓ છો ત્યારે કોઈકને અહીં રાખો છો પણ ખરા; એમ કરો છો અને વળી તમે જાણતા નથી પણ તમારી સામર્થી અક્ષરથી પર છે.
પછી શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજીએ પૂછ્યું જે, ઘાટ-સંકલ્પ થતા હોય તેનું શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો તમને હોય જ નહિ, પણ ફડકાવવા રાખ્યા છે, તે મરેલા સર્પ જેવા છે ને પોતાને વિશેષ મનાય નહિ ને નિર્માની રહેવાય એટલા સારુ છે. ત્રણે અવસ્થામાં મૂર્તિ દેખે ને સર્વેના ભેળા ગોથાં ખાય ને તુચ્છ જીવ માન-અપમાન કરે તે સહન કરે એવા સંત છે. સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહિ, એ તો મહારાજ કે મહારાજના મુક્ત અને એકાંતિક સંત તે સહન કરે. તુચ્છ જેવા જીવ ગોપાળિયું જ્ઞાન કહેતા, ને અત્યારે પણ ગોપાળિયું જ્ઞાન દે છે એમ કહે છે; એવા જીવનું માન-અપમાન સહન કરવું એ જ મોટાઈ છે. એવો મહારાજે માર્ગ ચલાવ્યો છે તે જીવનાં કલ્યાણરૂપી કાર્ય કરવા સમર્થ રાખ્યા છે એટલે જીવનો મોક્ષ કરવો તે સંકલ્પમાત્રમાં કરે અને કોઈનું ભૂંડું કરવાનો સંકલ્પ કરે તો તે ન થાય. જ્યારે ભદ્રમાં શ્રીજીમહારાજને તેલના ટાંકામાં નાંખવાનું કર્યું હતું ત્યારે દેવાનંદ સ્વામી (સંન્યાસી)એ શહેર ઊંધું વાળવાનો સંકલ્પ કરવા માંડ્યો તે વખતે શ્રીજીમહારાજે કહ્યું હતું જે, મારા આશ્રિતનો શાપ કોઈને ન લાગે. એક મોક્ષ સંબંધી સંકલ્પ સત્ય થાય. આવું સમજીને વિશ્વાસ રાખે ને આત્મબુદ્ધિ કરે તો મોક્ષ થાય ને સુખિયો થાય. જે ધોકાપંથી થાય તેને તો કાંઈ કહેતા નથી. ભૂજમાં એક હરિભક્તનો છોકરો મરવા પડ્યો ત્યારે તેણે કહ્યું જે, મારો છોકરો રાખો. ત્યારે અમે કહ્યું જે, અમે તો કલ્યાણ કરીએ છીએ, પણ બીજું કાંઈ કરતા નથી. પછી છોકરો મરી ગયો અને તેનો ધીરે ધીરે શોક ટાળ્યો. એમ મોટા, કલ્યાણ વિના બીજું માયિક સુખ આપે નહીં. ।। ૧૯૫ ।।
વાર્તા ૧૯૬
જેઠ વદ ૧૧ને રોજ સવારે સભામાં વરતાલનું ૧લું વચનામૃત વંચાતું હતું, તેમાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ શોભારામ શાસ્ત્રીએ મહારાજને પૂછ્યું એવો વખત આ મુક્તને જોગે કરીને તમારે છે કે નહીં ? ત્યારે સંત બોલ્યા જે, એવો જ વખત અમારે છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજના જેવો જ મુક્તનો જોગ કહેવાય, એવું ન જાણે તો નાસ્તિકભાવ છે. પછી એમ આવ્યું જે, નિશ્ચય હોય તો નાડીપ્રાણ ન તણાય તોપણ નિર્વિકલ્પ સમાધિ જ છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જુઓ નાડીપ્રાણ ન તણાય તોપણ નિર્વિકલ્પ સમાધિ છે એમ જાણજો. પછી નિશ્ચયનું રૂપ કર્યું જે, મીંઢળ તોડીને રાજ્ય પડ્યાં મૂકીને ધનનો, સ્ત્રીનો ને સ્ત્રી હોય તો પતિનો ત્યાગ કરે અને કહીએ જે આ ટાણે અહીં આવો તો સર્વે કામ પડ્યા મૂકીને આવે ને દેહ માંદો હોય તો દેહ પણ આડો ન આવે; જેમ મૂળજી બ્રહ્મચારીએ મહારાજને પાણી પાવા સારુ ઓટા ઉપરથી પડતું મૂક્યું, પણ દેહ આડો ન આવ્યો જે મને વાગશે, એમ વચન પળે તો નિશ્ચય છે એમ જાણવું પણ તે કઠણ છે. અયોધ્યામાં સીતાની પાસે જઈને માથાં ભટકાડી આવે અને અહીં મોટા મુક્ત ને મહારાજ બેઠા હોય તેનો મહિમા ન જણાય; પરંતુ પ્રગટ ઉપર જ નિષ્ઠા થાય ને તેમના મુક્ત ઉપર જ નિષ્ઠા રહે, પણ બીજા પરોક્ષનો ભાર એક લેશમાત્ર ન આવે, એવો નિશ્ચય હોય તે નિશ્ચય જાણવો. એમ કહીને પછી વાત કરવા લાગ્યા જે, આગળ કેટલાક ઋષિઓ શાસ્ત્ર કરી ગયા છે તે તમોગુણમાં લખી ગયા છે જે, “શૂદ્ર વેદ સાંભળી જાય તો તેના કાનમાં ઊનું સીસું રેડવું.” અને બ્રહ્મચારી અવકીર્ણી થયો તેણે “કાણિયો ગધેડો મારીને તેનું ચામડું ઓઢીને ફરવું ને માગી ખાવું.” એવું પ્રાયશ્ચિત્ત લખ્યું છે, પણ તે યથાર્થ નથી. પછી સભા સામું જોઈને બોલ્યા જે, જાગો, ઊંઘ ગરી આવી તે સાંભળી જાશે ને તમને સાંભળવા નહિ દે. આ ભગવાન ને આ સંત બેઠા છે તેમાં પણ ગરી આવે એવી છે. પછી સંતને કહ્યું જે, તમે ભગવાનને ને સંતને બતાવો તો સંત સાચા. પછી સંતોએ કહ્યું જે, આ મહારાજ ને આ સંત. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હા, આ પ્રતિમા તે સાક્ષાત્ મહારાજ ને આ સભા તે સંત, તે અમારાથી ના પડાય નહિ, માટે તમે બત્રીસ લક્ષણે યુક્ત સંત ખરા, બરાબર એમ બોલ્યા. પછી બોલ્યા જે, આઠ વાગ્યા હોય તો સમાપ્તિ કરો, તે પહેલાં સમાપ્તિ કરો તો મહારાજના ગુનેગાર થાઓ, માટે આઠ વાગ્યા પહેલાં સમાપ્તિ કરવી નહિ; એવી આજ્ઞા કરીને પછી સમાપ્તિ કરી. ।। ૧૯૬ ।।
વાર્તા ૧૯૭
જેઠ વદ ૧૧ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ જોગ હવે ઝાઝા દિવસ નહિ રહે. કેમ જે અમને પંચોતેર વર્ષ પૂરાં થયાં. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આપ સંવત ૧૯૦૧ની સાલમાં પ્રગટ થયા છો, માટે બે વર્ષ બાકી છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે ૭૩ વર્ષના અધિક માસ ચોવીસ ગણીને અમે બરાબર પોણોસો વર્ષ કહ્યાં છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! અધિક માસ તો ન ગણાય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમારે અહીં વેપારી પુરુષોત્તમ માસનું વ્યાજ ગણી લે છે. માટે એ માસ બધા લેખો તો પૂરા પોણોસો થાય છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, વેપારી તો લોભિયા હોય તે વ્યાજ લે, પણ આપને એમ ગણીને પૂરા કરવા ન જોઈએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બહુ સારું મહારાજ ! એમ નહિ ગણીએ. પછી વાત કરી જે, તમે સર્વે આજ્ઞા યથાર્થ પાળજો. આજ્ઞા છે તે આત્મસત્તારૂપનું કામ કરે છે, માટે નાનાં-મોટાં વચન શ્રીજીમહારાજનાં યથાર્થ પાળવાં, પણ તેમાં ફેર પડવા દેવો નહીં. જો ફેર પડવા દે તો તેને બીજો જન્મ ધરીને પણ પાળ્યાં વિના છૂટકો નથી. જે જડ-ચૈતન્ય માયાનો ત્યાગ યથાર્થ નહિ કરે તે તો બળેલો કોયલો છે ને તે અમારો નથી ને એના ધણી અમે નહિ થઈએ. અમારે અહીં જે ધર્મમાં કુશળ ન હોય તેના કાગળો આવે તે અમે વાંચતા કે વંચાવતા નથી ને જવાબ પણ લખતા નથી, એવો અમારે ધર્મ પાળવા-પળાવવાનો આગ્રહ છે. એમ વાત કરીને બોલ્યા જે, જુઓને ! આપણે રામપરામાં સં. ૧૯૬૪ની સાલમાં કથા સાંભળવા ગયા હતા, ત્યારે એક હરિજન બહુ સારો હતો પણ તેને નાનપણમાં બ્રહ્મચર્યવ્રતમાં ફેર પડ્યો હતો, તેનું તેણે પ્રાયશ્ચિત્ત માગ્યું. તેને પ્રાયશ્ચિત્ત કર્યા પહેલાં પાણી પણ ભરવા દીધું નહિ ને એની કાંઈ પણ સેવા દેહે કરીને અમે કરવા દીધી નહિ, એવી ચોખવટ અમે રાખીએ છીએ. તમે પણ જે અમારા જોગવાળા છો તે સર્વે એવી રીતે ધર્મ વિનાનો હોય તેની સેવા અંગીકાર કરશો નહિ ને શિષ્ય હોય તો જુદો કરજો ને ગુરુ હોય તો પડતો મૂકજો, એ અમારી આજ્ઞા છે તે શિર ચઢાવજો તો અમે બહુ રાજી થઈશું ને તમને ઘણાક અધમ જીવોનો ઉદ્ધાર કરો એવા સમર્થ કરીશું ને જેવા અમે છીએ એવા જ કરીશું અને આપણ સર્વે મૂર્તિમાં ભેળા રહીને મૂર્તિનાં સુખ ભોગવશું.
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછ્યું જે, અમને યથાર્થ આજ્ઞા પાળો તો શ્રીજીમહારાજના સુખમાં આવશો એમ કહો છો તો અમે અધમ જીવને આજ્ઞા પળાવ્યા વિના એમ ને એમ શી રીતે મહારાજના સુખમાં લાવીશું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અધમ નર્કે જવાનો હોય તે સંકલ્પે કરીને એનાં પાપ બળી જાય તેથી નર્કે જવાનું બંધ થાય ને આ સત્સંગમાં આવે તે કલ્યાણ જાણવું; પછી એક-બે જન્મે કલ્યાણ થાય અને ખબડદાર થઈને મંડે તો એ ને એ દેહે કલ્યાણ થઈ જાય, એમ ઉદ્ધાર કરો એવા કરવા છે. એમ કહીને બોલ્યા જે, “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા.” પછી સંતોએ કહ્યું જે, આ અમે આવ્યા છીએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોક્ષ થઈ ગયો છે અને જે નવા આવે છે તેનો પણ થઈ જાય છે. એમ કહીને જનોઈઓ પહેરાવીને સર્વે સંતોને વર આપ્યો જે, આ અચળ જનોઈઓ અક્ષરધામ સુધી ને પછી સભાની માયાનો ક્ષય ને તમારી જય એમ બોલ્યા.
બીજે દિવસે એટલે વદ ૧૨ને રોજ સર્વે સંતોને આજ્ઞા કરી જે, આજ ગુજરાત તરફ જાઓ એટલે સર્વે ભૂજ થઈને ગુજરાત આવ્યા. ।। ૧૯૭ ।।
વાર્તા ૧૯૮
સંવત ૧૯૭૪માં જેઠ માસમાં શ્રી વૃષપુરથી બાપાશ્રીના ત્રણ કાગળો સ્વામી ઈશ્વરચરણદાસજી ઉપર આવ્યા જે, તમે તરત આવો, તમારું જરૂરનું કામ છે. તેથી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ગુજરાતથી કચ્છમાં ગયા ને અષાડ સુદ ૧ને રોજ દિવસ આથમતી વખતે વૃષપુરના મંદિરમાં પહોંચ્યા. ત્યાં કૂવા ઉપર બાપાશ્રી ઊભા હતા, તે મળ્યા અને કહ્યું જે, એક માસથી તમારી વાટ જોતા હતા, પણ તમે વાર ઘણી લગાડી. અમારે મંદવાડ ગ્રહણ કરવો હતો, તે આજ સુધી ખમ્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, વિશોતપરામાં મંદિરની તકરાર છે તેથી રહેવું પડ્યું હતું, પણ આપનો ત્રીજો કાગળ આવ્યો તેથી તરત આવ્યો. પછી આરતી થઈ તે આરતી કરીને બેઠા ને બાપાશ્રીએ તાવ ગ્રહણ કર્યો તે ત્રણ દિવસ સુધી ઊલટી ને ફેરો રાખ્યો ને પછી ઊંડા ઊતરી ગયા, તે છ દિવસ સુધી બહાર આવ્યા નહીં. પછી અષાડ સુદ ૯ને રોજ નેત્ર ઉઘાડીને બોલ્યા જે, ધનજીભાઈને નારાયણપુરથી તેડાવો. પછી તેમને તેડવા માણસ મોકલ્યું, પણ તે ઘેર નહોતા તેથી દસમને દિવસે સવારે આવ્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, ધનજીભાઈ આવ્યા. પછી બાપાશ્રી નેત્ર ઉઘાડીને બોલ્યા જે, અમારો ખાટલો ઘેર લો, પછી ઘેર લઈ ગયા. પછી ઘેર જઈને પોતાને જે કાંઈ પોતાનાં સગાંવહાલાંને તથા ગરીબ સત્સંગીને દેવું હોય તે, તથા ભૂજના ઠાકોરજીની સેવા, તથા પારાયણ કરાવવી તથા બેય દેશમાં રસોઈઓ દેવી ઇત્યાદિક સર્વે મળી કોરી ૨૮,૦૦૦નું વીલ કર્યું. અને બારસને દિવસે સવારે સૌ સંત-હરિજનો પાસે રજા માગી જે અમે આજ બાર વાગે અંતર્ધાન થઈશું. માટે સૌ સંતો થાળ કરીને જમાડો ને પારણાં કરો અને હરિભક્તોને આજ્ઞા કરી જે, મોટા મોટા હોય તે ઘેર રહેજો, અને પૂજારી રામજી ભક્તને કહ્યું જે, તમે હાર ગૂંથી લાવો. પછી અમદાવાદ, મૂળીના સંત પચાસ તથા ભૂજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી તથા કચ્છ, ગુજરાત, ઝાલાવાડના હરિજનો હતા તે સર્વે ઉદાસ થઈ ગયા. સંતોએ ઠાકોરજીનો થાળ પણ કર્યો નહિ ને અગિયાર વાગી ગયા ત્યાં સુધી સૌએ પ્રાર્થના કરી જે, અમારા ઉપર કૃપા કરીને હમણાં દર્શન આપો. પછી બાપાશ્રી બહુ દયા લાવીને બોલ્યા જે, “હેત જોઈ હરિજનનાં, વહાલો પોતે થયા પ્રસન્ન.” જાઓ, શ્રીજીમહારાજે તમારી પ્રાર્થના સાંભળીને અમને રાખ્યા; તમે રસોઈ કરો, અમે રહીશું. પછી હરિજનોને કહ્યું જે, જાઓ, સૌ પોતપોતાનું કામ કરો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આપનો ખાટલો મંદિરમાં લઈએ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે ભલે, મંદિરમાં લો. પછી મંદિરમાં લાવ્યા ને ઠાકોરજીનો થાળ કરીને બાપાશ્રીને જમાડ્યા ને સર્વે સંત-હરિજનો જમ્યા અને બાપાશ્રીએ મંદવાડ કાઢી મૂક્યો.
પછી તો બાપાશ્રીને સંત-હરિજનો નિત્યે માંચીએ બેસારીને છત્રીએ લઈ જતા ને કોઈક દિવસ વાડીએ લઈ જતા. તે મંદવાડ સાંભળીને ઝાલાવાડ, ગુજરાતના ઘણા સંતો તથા હરિજનો આવતા હતા. ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, સંત ને હરિજનો ઘણા આવ્યા છે, માટે આપણે પારાયણ કરવાની છે તે હમણાં જ કરીએ અને કંકોત્રીઓ લખીએ એટલે થોડાઘણા રહી ગયા હશે તે પણ આવશે. પછી કંકોત્રી લખી મોકલીને શ્રી નિર્ગુણાનંદજી બ્રહ્મચારીએ “શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર” નામનો ગ્રંથ કર્યો છે, તેની પારાયણ સાત દિવસની કરાવીને તેની સમાપ્તિ અષાડ વદ ૦)) અમાસને રોજ કરી. તે દિવસે છત્રીએ રસોઈ કરાવી અને હરિભક્તોને માટે છત્રીની ઉગમણી બાજુએ તલાવડીમાં રસોઈ કરવાનું કહ્યું, પણ ત્યાં સંકડાશ પડે એટલા માટે હરિભક્તોએ છેટે ખેતરમાં આગલે દિવસે માંડવા બાંધી રાખ્યા હતા ને ચૂલા કરી નાખ્યા હતા. તેમને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પાસે કહેવરાવ્યું જે, વાયુ અતિશે આવશે ને માંડવા ઊડી જશે અને રસોઈમાં અટાર ઊડીને પડશે ને તમને સુખ નહિ આવવા દે માટે છત્રીની ઓથે તલાવડીમાં રસોઈ કરો પણ હરિભક્તોએ માન્યું નહીં. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! તલાવડીમાં ઘણા માણસો હરતા-ફરતા હોય તે ઠેકાણે બહુ સંકડાશ પડે એવું છે માટે પવનને ના પાડો જે વિઘ્ન કરે નહીં. પછી બાપાશ્રી બોલ્યા જે, ઠીક ત્યારે પવનને ના પાડશું. પછી રસોઈ કરી સંત-હરિજનો સૌ સૌને ચોકે જમ્યા અને બાપાશ્રી પણ સંતની પ્રાર્થનાથી થોડુંક જમ્યા. પછી સાંજના મંદિરમાં આવ્યા. બીજે દિવસે પરદેશથી આવેલા હરિભક્તોમાંથી કેટલાક સૌ સૌને ગામ ગયા અને થોડાક હરિજનો તથા બધાય સંત બાપાશ્રીની સેવામાં રહ્યા હતા. અને વચનામૃતની ટીકાની કથા સાંજ-સવાર હંમેશાં શ્રી વૃષપુરના મંદિરમાં થતી હતી. અને સાંજ વખતે માંચીએ બેસીને એક દિવસ વાડીએ ને એક દિવસ છત્રીએ જતા એમ નિત્ય લીલા કરતા.
એક દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પ્રાર્થના કરી જે, આપ અંતર્ધાન થવાના હતા તે દયા કરી રહ્યા એ મોટો કાળ તો કાઢ્યો, પણ હવે એક બીજો કાળ રહ્યો છે તેને કૃપા કરીને કાઢી મૂકો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ કાળને પણ લત હણીશું તે જતો રહેશે, અને વરસાદ આવશે ને ઘઉં-ચણા સાજા દેશમાં ઘણા થશે, અને પશુને ખાવાને ખડ પણ થાશે, અને કપાસ પણ થાશે, પછી બધું તે પ્રમાણે થયું હતું.
એક દિવસ બાપાશ્રી છત્રીએ પધાર્યા ત્યારે માંચી તૈયાર કરી પણ બેઠા નહિ ને ચાલ્યા તે આગળ છત્રી આવે છે ત્યાં સુધી ચાલ્યા ને પછી માંચીએ બેઠા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા મંદિરમાંથી કેમ ન બેઠા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ લાલુભાઈને તથા મહાદેવભાઈને સંકલ્પ થયો હતો જે, બાપાશ્રી આ ગામ બહાર દહેરી છે ત્યાં સુધી ચાલે એવા સાજા થાય ત્યારે આપણે કરાંચી જાવું, તેથી ચાલ્યા અને હવે એમને રજા આપીશું. પછી છત્રીએ જઈને નાહીને માનસીપૂજા કરીને પછી સંત ચંદન ઘસી લાવ્યા હતા, તેણે કરીને સર્વેએ બાપાશ્રીની પૂજા કરી; પછી બાપાશ્રીએ સર્વેની પૂજા કરી. પછી મંદિરમાં આવ્યા અને લાલુભાઈ, મહાદેવભાઈ આદિ કરાંચીના હરિજનોને રજા આપી જે તમારો સંકલ્પ પૂરો કર્યો માટે હવે તમો કરાંચી જાઓ. પછી તેમણે ઓરતો કર્યો જે આવો સંકલ્પ આપણે કર્યો તે બહુ ખોટું કર્યું, કેમ જે આવો જોગ ને દર્શન મૂકીને જાવું પડશે. પછી આંખમાં હેતનાં આંસુ લાવ્યાં ને બહુ દિલગીર થયા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમે કચ્છમાં જ રહીએ છીએ એમ ન જાણશો, કરાંચીમાં પણ છીએ. અમે તો શ્રીજીમહારાજ ભેળા સત્સંગમાં મૂર્તિમાન રહ્યા છીએ, માટે તમો જાઓ. અમે તમારા ભેળા સદાય છીએ; પછી હરિભક્તો ગયા.
શ્રાવણ સુદ ૧૧ને રોજ સવારે બાપાશ્રી છત્રીએ પધાર્યા. અને ત્યાં વચનામૃતની ટીકાની કથા કરાવી. અને સાધુ મુક્તવલ્લભદાસજી ચંદન ઘસીને લાવ્યા હતા તે બાપાશ્રીને ભાલે સંત-હરિજનોએ ચર્ચ્યું. પછી બાપાશ્રી બોલ્યા જે, આ અક્ષરધામમાં દિવ્ય ચંદન ચર્ચ્યાં છે, પણ આ લોકનું ચંદન નથી એમ જાણજો. આ ચંદનનો છાંટો જેને અડશે તેને અક્ષરધામમાં લઈ જઈશું, તેમ કહીને મળ્યા, ને પછી સૌ સંત-હરિજનો સહિત મંદિરમાં પધાર્યા.
શ્રાવણ સુદ ૧૫ને રોજ બાપાશ્રી સૌ સંત-હરિજનોએ સહિત છત્રીએ પધાર્યા. ને ત્યાં વચનામૃતની કથા વંચાવી અને સાધુ દેવજીવનદાસજી આદિ સંત ચંદન ઘસી લાવ્યા હતા, તેણે કરીને સૌ સંત-હરિજનોએ બાપાશ્રીની પૂજા કરીને હાર પહેરાવ્યા. પછી બાપાશ્રીએ સર્વેને ચંદન ચર્ચ્યું ને સર્વેને મળીને મંદિરમાં પધાર્યા.
શ્રાવણ વદ ૧૧ને રોજ સવારે બાપાશ્રી છત્રીએ પધાર્યા ને વચનામૃતની ટીકાની કથા કરાવીને પુસ્તકની પ્રશંસા કરી. પછી સંત-હરિજનોએ બાપાશ્રીને ચંદન ચર્ચીને હાર પહેરાવ્યા ને બાપાશ્રી પણ સર્વે સંત-હરિજનોને ચંદન ચર્ચીને મળ્યા ને પછી મંદિરમાં પધાર્યા.
શ્રાવણ વદ ૦)) અમાસને રોજ બાપાશ્રી માંચીએ બિરાજીને સંત-હરિજનોએ સહિત કાકરવાડીએ પધાર્યા, ત્યાં સંતોએ સહિત નાહ્યા ને માનસીપૂજા કરી. પછી વચનામૃતની ટીકાની કથા વંચાવીને પરસ્પર ચંદન-પુષ્પના હારથી પૂજા કરીને સર્વેને મળીને પાછા મંદિરમાં પધાર્યા.
સામવેદી શ્રાવણીને દિવસે બાપાશ્રી સંત-હરિજનોએ સહિત છત્રીએ પધાર્યા ને ત્યાં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત કથા વંચાવીને પછી સર્વે સંતોને જનોઈઓ પહેરાવીને બોલ્યા જે, આ અક્ષરધામની દિવ્ય જનોઈઓ છે. પછી સંતોએ બાપાશ્રીની ચંદન-પુષ્પના હારથી પૂજા કરી અને બાપાશ્રીએ પણ સર્વેની એવી રીતે પૂજા કરી. અને તાંસળાં ભરી ભરીને ચંદન છાંટ્યું અને બોલ્યા જે, આ સર્વેને વર્તમાન. જેવો પર્વતભાઈએ યજ્ઞ કર્યો હતો એવો આ યજ્ઞ છે. આ યજ્ઞમાં જે જે આવ્યા છે તે સર્વેનો આત્યંતિક મોક્ષ થઈ ગયો. એમ હજારો હજાર સંત-હરિજનોને કૃપા કરીને વર આપ્યો ને પછી સૌ મંદિરમાં પધાર્યા.
ભાદરવા સુદ ૫ને રોજ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાની કથાની સમાપ્તિ થઈ. તે વખતે બાપાશ્રીએ વચનામૃત સટીકની પૂજા કરીને સર્વે સંતોને ધોતિયાં ઓઢાડ્યાં. તે દિવસે રામપુરાના મેરાઈ ખીમજી ભક્ત તથા પરમાર ડાહ્યા ભક્ત તથા વાલજીએ સમાપ્તિ નિમિત્તે રસોઈ આપી. પછી અમદાવાદ, મૂળીના સંતોને તથા પરદેશના સર્વે હરિભક્તોને રજા આપી, તેથી સત્સંગીઓ સૌ સૌને ગામ ગયા અને સંત નારાયણપુર જવા નીકળ્યા. તેમને વળાવવા બાપાશ્રી ભાગોળ સુધી પધાર્યા હતા અને સ્વામી ઈશ્વરચરણદાસજીના સાધુ ઘનશ્યામદાસને તાવ આવ્યો હતો, તેમને બાપાશ્રીએ કહ્યું જે, કેમ, ધામમાં જવું છે ? ત્યારે તેમણે કહ્યું જે હા, બાપા ! મહારાજની મૂર્તિમાં મૂકી દો. પછી બાપાશ્રી ઘેર પધાર્યા ને સંત નારાયણપુર ગયા. ત્યાં બીજે દિવસે સાધુ ઘનશ્યામદાસે બપોરે જમીને પત્તર ધોઈને તથા તુંબડું કોરું કરીને ઝોળીમાં મેલ્યાં પછી દિશાએ જઈને નાહ્યા ને ઓસરીમાં આવીને બેઠા ને ધૂન કરવા લાગ્યા. બીજા ત્રીસ સંત જોડે હતા તે સર્વેએ ભેળી ધૂન પા કલાક સુધી કરી ને સાધુ ઘનશ્યામદાસજીએ દેહ મેલી દીધો અને સર્વે સંત ત્યાં પંદર દિવસ રહ્યા. ત્યાં બાપાશ્રી પધાર્યા અને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આપણે મંદવાડમાં પારાયણ આદિકનો સંકલ્પ કર્યો હતો તે સર્વે કર્યું ને હવે રસોઈનું બાકી છે. તે રૂપિયા તમો લેવરાવતા જાઓ ને બેય દેશમાં રસોઈ દેજો. પછી તે રૂપિયા કલ્યાણ ભક્ત પાસે લેવરાવ્યા ને બેય દેશમાં રસોઈઓ દીધી. ।। ૧૯૮ ।।
વાર્તા ૧૯૯
સંવત ૧૯૭૫ના વૈશાખ સુદ ૩ને રોજ અમદાવાદ તથા મૂળીના સંત તથા હરિજનો કચ્છમાં ગયા હતા, તે ભૂજમાં દર્શન કરી વૈશાખ સુદ ૧૫ને રોજ વૃષપુર ગયા.
વૈશાખ વદ ૧ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૩૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં ઘાટ-સંકલ્પ ટાળવાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા અનાદિમુક્તનો પ્રસંગ રાખે ને તેમને અંતર્યામી જાણીને સદા સમીપે રાખે તો ઘાટ-સંકલ્પ ટાળી નાખે. જો “ગુરુ ગયા ગોકળ ને ચેલાને થઈ મોકળ” એમ જાણે તો સંકલ્પ ટળે નહિ, માટે મોટાને સદા સર્વત્ર ને અંતર્યામી જાણવા. આ ટાણે જો આચાર્ય બોલાવીને ધોળકા કે જેતલપુરની કે હરકોઈ ધામની મહંતાઈ આપે તો આવો સમાગમ મૂકીને ચાલી નીકળે, એવા જીવના સ્વભાવ છે માટે તેમાં લોભાવું નહીં. અને માન, મોટપ, વિદ્યા, અધિકાર એમાં મોટપ માનવી નહિ, એક મહારાજની મૂર્તિમાં જોડાવું ને તે સુખમાં મોટપ માનવી. આ લાભ ને આ જગ્યાની ખબર ન મળે, આ તો અક્ષરધામ છે પણ વૃષપુરના મંદિરની ઓસરીમાં બેઠા છીએ એમ ન જાણવું. આ ઠેકાણે જે કરો તે થાય તેમ છે, તોપણ જેને નિશ્ચય ન હોય તે એમ કહે જે, આ સભામાં મુક્ત આવે જ નહિ; તે નાસ્તિક છે અને તેને આ સભાનું સુખ ન આવે ને કલ્યાણ પણ થાય નહીં. જીવ એવા છે જે જીવને, માયાને, ઈશ્વરને, બ્રહ્મને, અક્ષરને એ સર્વેને અનાદિ કહે પણ જે અનાદિમુક્ત હોય તેમને અનાદિ કહીએ તો ન કહેવા દે. કરમશી કોઠારી અને બીજા સાધુઓ હતા, તે ગુજરાતમાંથી નિર્ગુણાનંદ બ્રહ્મચારીને કાગળમાં અનાદિમુક્ત લખ્યા હતા તે વાંચે અને હસે. કરમશી ભક્તે તે કાગળ દોડીને સ્વામી મહાપુરુષદાસજીને બતાવ્યો. પછી સ્વામી મહાપુરુષદાસજીએ કહ્યું જે, “બરાબર છે, એમાં શું ખોટું છે; એ એવી સ્થિતિના છે.” પછી તો અમારી પાસે આવીને કહ્યું જે જુઓ. ત્યારે અમે કહ્યું જે, એ બ્રહ્મચારીને તમે દીઠા છે, તે કોણ છે ? એ બ્રહ્મચારી તો શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા છે. જ્યારે એને અનાદિ નહિ કહો ત્યારે તમે મૂંડાવા આ સત્સંગમાં આવીને બેઠા છો ? જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર એ સર્વેને અનાદિ કહેવાય અને જે અનાદિ છે તેને ન કહેવાય તેનું શું કારણ છે ? તું આમાં શું લઈને આવ્યો છે ? આ તમારી સમજણ કેવી રીતની છે ? પછી તે ચાલ્યો ગયો. એમ કહીને પછી વાત કરી જે, આજ અનાદિમુક્ત મનુષ્ય રૂપે દર્શન આપે છે. માટે ખરેખરી શરદઋતુ આવી છે. આ ઋતુમાં જેવાં ફળ પકવવાં હોય તેવાં પાકે તેમ છે. આગળ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુક સ્વામી ભેગા બેસીને સમાગમ કરતા, તે વંશના આપણે છીએ, માટે આ સમાગમ કરી લેવો. આ રસનું પાન કરે તો રસ મળે, તે રસ મોટા અનાદિ તથા પરમએકાંતિક ભોગવે છે ને સત્સંગમાં પ્રવર્તાવે છે તે સુખ લેવું જોઈએ. આ સભામાં અનાદિ તથા પરમએકાંતિક તથા એકાંતિક છે અને શ્રીજીમહારાજ માંહે વિરાજે છે. માટે આ ને આ દેહે કરીને મૂર્તિના સુખના ભોક્તા થાવું ને મૂર્તિમાં જોડાવું. જે મૂર્તિથી ને આ સભાથી નોખા પડશે તેને સુખ નહિ આવે, માટે અનાદિનો વિશ્વાસ રાખવો. આ બોલીએ છીએ તે સાચું છે, પણ આ મુક્ત ક્યાંથી હોય એવો તર્ક ન કરવો; કરશો તો ખોટ આવશે. “પંડિતથી ગાઉ પચાસ, જ્ઞાનીથી ગાઉ વીસ; પ્રેમીને આસપાસ, ને વિશ્વાસીને શીશ.” કલ્યાણસંઘજીને વિશ્વાસ આવ્યો તો પૂરું થઈ ગયું.
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, વાસનાવાળા ત્યાગીને સાક્ષાત્ ભગવાન મળ્યા હોય તો તેને જન્મ ધરવો પડે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જડભરતનું વિચારો. એમ કહીને પછી બોલ્યા જે, આ સાધુ શ્રીજીમહારાજના બાળક છે તેમની સેવા કરે તો શ્રીજીમહારાજ ઘણા રાજી થાય અને તે સેવા કરનારની કસર એક જન્મે ટાળી નાખે. તે સમયે એક બ્રાહ્મણ હતો તેને પૂછ્યું જે, આ સંત કેવડા મોટા છે ? ત્યારે તેણે કહ્યું જે, બહુ મોટા છે. પછી બાપાશ્રી બોલ્યા જે, અક્ષરધામ સુધી મોટા છે. આવા કોઈ અવતાર તથા મૂળઅક્ષરાદિક કોઈ નથી. એવા આ સંત મોટા છે. જે મોટા ભાગ્યવાળો હોય તે આ સંતને ઓળખે, જેવા તેવાના ઓળખ્યામાં આવે તેમ નથી. અમે મૂળીમાં શ્રી નિર્ગુણદાસજી સ્વામીના આસને બેઠા હતા, ત્યાં કોઈક અધિકારીએ કહ્યું જે, આપ સ્વામિનારાયણને ભગવાન કહો છો તે તો હિંદુસ્તાની બાવો હતા ને તેમણે ઘણાં સાધન કર્યાં હતાં ને યોગ સિદ્ધ કર્યો હતો તેથી મોટાપુરુષ તો ખરા પણ ભગવાન કહો છો તે સમજાતું નથી. તેને સ્વામીએ કહ્યું જે, તમારા હાથમાં એ વસ્તુ ન આવે અને આ નાના લોકો કામ કાઢી જાય છે. એમ કહીને દૃષ્ટાંત દીધું જે, એક વેપારી રેલમાં હિંદુસ્તાનમાંથી ખાંડ ભરીને લાવતો હતો, તે વેરાતી વેરાતી અહીં સુધી આવી. તે કીડીઓ પહોંચી તે બધી જમી ગઈ ને ખૂબ સુખી થઈ, તેમ કીડી જેવા જે જીવ હતા તે મુક્તના જોગથી ભગવાનને ઓળખીને મહાસુખિયા થઈ ગયા છે. અને જે મોટાં મોટાં પશુ હતાં તેમનાથી ખાંડ ખવાણી નહિ; તેમ બહારવૃત્તિવાળા જીવને આ ભગવાન ને આ મુક્ત ઓળખાય નહિ ને એમનું સુખ ન આવે. પછી તેને સ્વામીનો ગુણ આવ્યો ને આશ્રિત થયો. ।। ૧૯૯ ।।
વાર્તા ૨૦૦
વૈશાખ વદ ૨ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૫૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનના ભક્તને વિષે જેને આત્મબુદ્ધિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સંતને વિષે એટલે મુક્તને વિષે આત્મબુદ્ધિ થાય તો જેમ કહે તેમ કરે ને દેહાભિમાન આડું આવે નહીં. જો દેહાભિમાન ટળી જાય તો મહારાજને વિષે ને અનાદિમુક્તને વિષે આત્મબુદ્ધિ થાય. એવી રીતે ઘણીક વાત કરી ને પછી સંત ચંદન ઘસી લાવ્યા હતા તેણે કરીને સર્વેએ બાપાશ્રીની પૂજા કરી અને હરિભક્ત પોંક લાવ્યા હતા, તે સર્વેને વહેંચી આપ્યો. પછી બોલ્યા જે, આ પ્રસાદી કોઈને મળે એવી નથી અને આ ચંદન ચર્ચ્યું તે સાંભરે તો તે અક્ષરધામમાં જાય; પણ જેને મહિમા ન હોય તે એમ જાણે જે આ નિત્ય ઊઠીને કપાળ ચોપડે છે તે છોકરાની રમત જેવું કરે છે એમ જાણે તેને આ સભાનો મહિમા સમજાણો નથી; માટે આ રમત ન જાણશો, આ તો અનંત જીવનો ઉદ્ધાર કરવા સારુ કરીએ છીએ. જેને જેને અમે ચંદન ચર્ચ્યા તે સર્વે અક્ષરધામમાં જાવાના; ને આ અક્ષરધામમાં પૂજા થાય છે એમ જાણજો, પણ આ લોકમાં થાય છે એમ ન જાણશો. આ ચંદન દિવ્ય છે તે જેને અડે તેને દિવ્ય કરે, અને આ પ્રસાદી વહેંચાય છે તે આ લોકનું અનાજ કે આ લોકનાં ફળ, ફૂલ, મેવા નથી; આ તો દિવ્ય છે. એમાં માયાનો ગુણ નથી અને તેને જમનારા અક્ષરધામમાં જાશે એવો આ પ્રસાદીનો મહિમા છે. આ સભાને દિવ્ય જાણે તેને અક્ષરધામનું સુખ છતે દેહે આવે ને સાક્ષાત્ મહારાજની મૂર્તિમાં જોડી દે, એવા આ મુક્ત છે. આપણે એ કરવા બેઠા છીએ પણ બીજો ધંધો કરવા બેઠા નથી. અમે ધોળાં પહેરીને ને તમે ભગવાં પહેરીને બેઠા છીએ, તેણે કરીને આ જ્ઞાન થાય તેમ નથી. આ લોક, દેહ, લૂગડાં, સર્વે મેલવું પડશે ને અનુભવજ્ઞાન થશે ત્યારે આ સભા ઓળખાશે ને મૂર્તિ મળશે. તમે કાલે મૂર્તિની કોરેમોરે ખોજ કરતા હતા, તે ક્યાંથી હાથ આવે ? એ તો જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે હાથ આવે. અનુભવજ્ઞાનની વાત જુદી છે ને એના સાંભળનારા ને કહેનારા જુદા છે; આ વાત બધાયને ન સમજાય. ઉપાસના સમજવી તથા મૂર્તિમાં જોડાઈ જવું તથા મોટાનો મહિમા સમજવો તે કાંઈ રમતવાત નથી. અહીંથી ને અહીંથી જ કાંઈક ખોટ દેખીને લઈ જાય ને પછી કહે જે આમ હતું, આમ હતું. એટલે ભાભો તો ગંગામાં નાહી રહ્યા. આ લોકનું મહારાજને અને મોટાને બરાબર કરતા આવડતું નથી, તે બરાબર ન કરે તેનો અવગુણ લે જે, એ તો આમ કરે છે, ને ઘરમાં છોકરાં દિશાએ જાતાં હોય ને મૂતરતાં હોય તેનું કાંઈ નહિ, અને સાધુમાં ને મોટા મુક્તમાં દોષ કાઢે એવા જીવના સ્વભાવ છે. એવાનો જોગ થાય તો મહારાજના ને મુક્તના દોષ કાઢીને અવગુણ લેવરાવીને જીવનું ભૂંડું કરે. આ સભામાં પણ કોઈક એવા હશે તે મોટાની ને સાધુની ક્રિયામાં દોષ પરઠતા હશે તેને શું મળે ? જે કંઈક પૂર્વનું હશે તે પણ ખોઈને જવાના ! ઉદ્ધવજીએ વૃક્ષ-વેલીનો અવતાર માગ્યો ! એવો મહિમા શ્રીકૃષ્ણનો જાણ્યો. માંડવીના રામકૃષ્ણભાઈને જ્યારે આ વાત સમજાણી ત્યારે મુખમાં ખડ લઈને કણબીનો અવતાર માગ્યો અને એમ બોલ્યા જે, આ લક્ષ્મીરામભાઈ તમારો સમાગમ કરવા આવતા ત્યારે મને સંશય થતો જે, આવા પંડિત થઈને કણબીનો જોગ શું કરતા હશે ? પણ આજ તમારો મહિમા સમજાણો. અને તમે કાંઈ દેવને દર્શને આવ્યા નથી, અમારે માટે આવ્યા છો, એવા તમે મોટા છો માટે મારું કલ્યાણ આ ફેરે જ કરો; અને જો જન્મ આપો તો તમારી કણબીની નાતમાં આપજો એમ માગ્યું.
છપૈયામાં નારાયણસર તળાવ ઉપર શિવ રજમાં લોટ્યા ત્યારે પાર્વતીએ પૂછ્યું જે, અહીં કેમ લોટો છો ? ત્યારે શિવ બોલ્યા જે, અહીં અક્ષરધામના પતિ રમ્યા છે ને આ નારાયણસરમાં નાહ્યા છે તે પ્રસાદી છે અને હું નિત્ય અહીં આવીને આ રજ માથે ચઢાવું છું ને આ સરોવરમાં નાહું છું. ત્યારે પાર્વતીએ કહ્યું જે, કેટલાં વર્ષની વાત કહો છો ? ત્યારે શિવજીએ કહ્યું જે, હમણાંની જ વાત છે. ત્યારે પાર્વતીએ કહ્યું જે, એ ભગવાનનાં મને દર્શન કરાવો. પછી શિવજીએ કહ્યું જે, એ તો વનમાં વિચરે છે. ત્યારે પાર્વતીએ કહ્યું જે, વનમાં ચાલો. પછી વનમાં ગયા ને દર્શન કરાવ્યાં. તે વખતે મહારાજને વનમાં અન્ન, જળ, ફળ કાંઈ મળ્યું નહોતું અને અષ્ટસિદ્ધિઓ ને નવનિધિઓ અને રાધિકા, લક્ષ્મી આદિક થાળ લઈને વાંસે ફરતા ને પ્રાર્થના કરતા જે, હે મહારાજ ! આ અમારી સેવા દયા કરીને અંગીકાર કરો, તોપણ મહારાજ સામું ન જોતા હતા. એવી રીતે શ્રીજીમહારાજનાં દર્શન શિવજીને અને પાર્વતીને થયાં, ત્યારે શિવજીએ કહ્યું જે, આ અક્ષરધામના પતિ પુરુષોત્તમ ભગવાન છે; પછી પાર્વતીએ દર્શન કર્યાં. એવામાં એક કૂવો આવ્યો ત્યાં મહારાજ નાહ્યા ને વિષ્ણુને નવરાવ્યા. તે નવરાવતાં વિષ્ણુ પાણી પી ગયા અને શિવજીએ સાથવો ને મીઠું આપ્યાં તે વિષ્ણુને જમાડીને જમ્યા. માટે જેવી નારાયણસરમાં પ્રસાદી હતી એવી જ આ રજ છે. જેવી શ્રીજીમહારાજની તેવી જ તેમના મુક્તની; પણ જેમ શાહુકારનાં છોકરાં હોય તે દુકાનમાં તો ઘણાંય પકવાન પડ્યાં હોય પણ જમે નહિ, તેમ આ સભાનો મહિમા નહિ જાણે તેને એવું છે. ભગવાનની મૂર્તિમાં જોડાઈ રહેલા ધર્મ-નિયમે યુક્ત એવા આ સાધુનો છાંટો પડે તો કહે જે, મારા પત્તરમાં છાંટો પડ્યો, પણ મોટા અવતારોને પણ ન મળે એવી પ્રસાદી મને મળી એમ ન થાય. ।। ૨૦૦ ।।
વાર્તા ૨૦૧
વૈશાખ વદ ૩ ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ માયિક જ્ઞાને કરીને આ લોકનું બધુંય ઓળખાય છે; કાંઈ બાકી રહેતું નથી; તેમ અનુભવજ્ઞાન થાય ત્યારે ધામ, સભા, સુખ, મૂર્તિ એ સર્વેનો સાક્ષાત્કાર થાય પણ કોઈને કાંઈ શીખવવું પડતું નથી.
પછી સ્વામી નારાયણસેવકદાસજીએ પૂછ્યું જે, આ સત્સંગમાં ભેળ ઘણી થઈ ગઈ છે તે શ્રીજીમહારાજ કેમ જોઈ રહ્યા હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રી સ્વામિનારાયણ ભગવાન તત્કાળ કાંઈ કામ કરતા નથી, એ તો વાણિયા જેવા છે તે ખસતાં ખસતાં બધુંય લઈ લેશે; એક દિવસ બધુંય સારું કરશે. આંધળે ઘોડે ચઢે તે બધાય કૂવામાં પડવાના. ને આંધળાઈ વિક્ષેપમાંથી જાગી છે. ગૃહી-ત્યાગીના ધર્મ પ્રવર્તાવવામાં આચાર્યજી મહારાજ કારણરૂપ છે. પણ શ્રીજીમહારાજ સારું કરશે; પોતાનો સત્સંગ ભેળાવા દેશે નહીં. એમ વાત કરીને પછી બોલ્યા જે, જેને કથા-વાર્તા તથા આ સભા વિના રહેવાય નહિ અને શ્રીજીમહારાજના એકાંતિક તે આવા છે અને પરમએકાંતિક તે આવા છે અને અનાદિમુક્ત આવા છે ને આવા શ્રીજીમહારાજ છે ને આવું તેમનું ધામ છે એવો મહિમા જાણે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ થઈ જાય ને તેની બુદ્ધિ થોડી હોય તોપણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. અને જેને આ લોકનું ડહાપણ હોય પણ શ્રીજીમહારાજનો ને એમના મુક્તનો મહિમા ન સમજાણો હોય ને તેની વ્યાવહારિક બુદ્ધિ ઘણી હોય તોપણ તે જાડી બુદ્ધિવાળો છે. તે સૌ સૌના મનમાં તપાસી જુઓ તો જણાઈ આવે. જેની કુશાગ્ર બુદ્ધિ થઈ હોય તેને આ સભા દિવ્ય ભાસે. આવા સાધુ ક્યાંય નથી ! એવા આ સાધુ છે, પણ જાડી બુદ્ધિવાળાને મનુષ્ય જેવા જણાય. આ સભામાં મહારાજ ને મુક્ત વિરાજે છે પણ જાડી બુદ્ધિવાળાને જાણ્યામાં ન આવે.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, આ સભાનું પૂરું થયું હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પૂરું થઈ રહ્યું એમ કહીએે તો જીવને ચિંતા રહે નહિ ને ખાય, ખેલે ને ઝગઝગાટ ફેંટા બાંધે ને પોતાનું પૂરું માને ને કાંઈ સાધન કરે નહીં. કેટલાક સાધુ અહીં આવે ત્યારે અમે એમનાં લૂગડાંથી ઓળખી લઈએ, જે આ ફલાણા ધામના છે. આ અમે વઢતા નથી, હેતની વાત કહીએ છીએ. માટે સૌ ધ્યાનમાં લઈ તે પ્રમાણે રહેશો તો અમે તમારા કલ્યાણમાં વાંધો નહિ આવવા દઈએ. જે અમારાં વચન પ્રમાણે નહિ વર્તે તો તેનું તે જાણે, માટે આવો જોગ મળ્યો તો બીજો જન્મ ધરવો પડે નહિ એમ વર્તવું. એટલી વાત કરીને પછી બોલ્યા જે, પરમપદ તે પરમએકાંતિકની પ્રાપ્તિ છે અને અનાદિની તો વાત જ જુદી છે. તેનું સ્વરૂપેય જુદું ! એને પમાડનારાય જુદા ને પામનારાય જુદા ! ને એનું સુખ પણ જુદું ! ને પ્રાપ્તિયે જુદી ! તેની તો વાત જ જુદી છે. અનાદિ તો સદાય મૂર્તિમાં છે, છે ને છે જ. ।। ૨૦૧ ।।
વાર્તા ૨૦૨
વૈશાખ વદ ૪ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં ભગવાનના ભક્તનો પક્ષ રાખવો પણ વિમુખનો પક્ષ ન રાખવો એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજનો આશ્રિત હોય પણ તે શ્રીજીમહારાજના કહેલા ધર્મ ન પાળતો હોય તેને વિમુખ જાણવો. જે અધર્મીનો પક્ષ રાખે તે આ જન્મે અથવા બીજે જન્મે જરૂર વિમુખ થાય, માટે અધર્મી હોય તેનો પક્ષ ન રાખવો. અને તેનો પક્ષ ન રાખવે કરીને કોઈનો ચૂડો નહિ ભાંગે; શ્રીજીમહારાજને ચૂકશો તો ચૂડો ભાંગશે એટલે કલ્યાણ નહિ થાય. જેને શ્રીજીમહારાજને વિષે ને મોટા મુક્તને વિષે દૃઢ આત્મબુદ્ધિ થઈ હોય ને દેહાભિમાન ટળી ગયું હોય તેનાથી ધર્મનો પક્ષ રહે. આ ટાણે દેવની મિલકત કરાવવા સારુ સ્વામી વૃંદાવનદાસજીએ તથા આ ઈશ્વર બાવે અમારી આજ્ઞાથી દેવનો પક્ષ રાખીને દુઃખ માથે લીધું છે, પણ લેશમાત્ર દેહાભિમાન રાખ્યું નથી. “હિંમતે મરદા તો મદદે ખુદા.” માટે હિંમતમાં રહેવું તો મહારાજ સારું કરશે. અને અન્ન-વસ્ત્રાદિક નહિ આપે કે મંદિરમાં રહેવા નહિ દે, એમ બીક રાખવી નહીં. અને દેવનો પક્ષ માથા સાટે રાખવો તો શ્રીજીમહારાજ પ્રસન્ન થાશે, પણ પાર્ટી બાંધીને પાર્ટીનો પક્ષ રાખવો નહીં. ધર્મનો પક્ષ રાખવો. જો પાર્ટીનો પક્ષ રાખીને ધર્મનો ત્યાગ કરે તો તે શ્રીજીમહારાજનો ભક્ત હોય તોપણ આ જન્મે અથવા બીજે જન્મે જરૂર વિમુખ થાય, માટે તપાસ રાખવો. બાપાના ધામમાં જાવું છે તે છેટું થાય નહિ એમ વર્તવું. ગુરુ હોય તેણે શિષ્યને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સિદ્ધ કરાવવાં. અમે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને - શ્રીકૃષ્ણદાસજી, યોગેશ્વરદાસજી, મુક્તજીવનદાસજી તથા રામકૃષ્ણદાસજી - એ ચાર સાધુ આપ્યા હતા. તેમને સ્વામીએ કેવી સાધુતા દૃઢ કરાવી હતી ! તેમ પોતાના શિષ્યને ધર્મ દૃઢ પળાવવો ને જ્ઞાન શીખવવું. ઠોઠ જેવો હોય છે તે પણ નિશાળે જાય છે તો ભણીને પંડિત થાય છે, એમ આપણી પાસે આવીને સાધુ થાય તેને ધર્મ, જ્ઞાન આદિક શુભ ગુણ ભણાવવા. અમે અમારાં છોકરાંને ચેષ્ટાનાં પદ પૂરાં થાય ત્યાં સુધી બેસવાની આજ્ઞા કરી છે તો ગમે તેવું કામ હોય તોપણ નિયમ ચૂકતા નથી ને કોસ હાંકીને વાડીમાંથી ખાવાનું પેદા કરે છે ને ભગવાન ભજે છે અને કેટલાકનાં છોકરાં કાનોમાં ફૂલ ઘાલતાં તે આજ કોઈ માંડવી, કોઈ કરાંચી, કોઈ કલકત્તા ને કોઈ આફ્રિકા સેવે છે ને સંતનાં દર્શનનો કે કથા-વાર્તાનો પત્તોય નથી ને કુસંગી જેવા થઈ ગયા છે, માટે આશરે આવે તેને નિયમમાં રાખવા. સ્વામીશ્રી નિર્ગુણદાસજીના સાધુ રામકૃષ્ણદાસજી અમદાવાદના મંદિરમાં શ્રી ઠાકોરજીનાં દર્શન કરવા ગયા હતા ત્યાં માનસીપૂજા કરવા બેઠા તે ઊંઘ આવી ગઈ. પછી મોડેથી જાગ્યા ત્યારે આસને આવ્યા. તેમને સ્વામી બહુ લઢ્યા; તેમ ગુરુની પાસે ચેલાનું આસન કરાવવું, પણ ગુરુ ક્યાંય ને ચેલા અર્ધો માઈલ છેટે હોય તે શું કરતા હશે ? માટે આસન પાસે કરાવવું. જેમ ગાયનું વાછરડું ગાયની પાસે હોય તેમ પોતાના શિષ્યને પોતાની પાસે રાખવા. અને રાત્રિએ અગ્નિ જે દીવો તેની સાખ રાખવી પણ દીવા વિના રહેવું નહીં. દીવો હોય તો કોઈ ચાળો ન કરે પણ ગુરુ ક્યાંય હોય ને શિષ્ય ક્યાંય હોય, ગુરુ કથા કરતા હોય ને શિષ્ય ક્યાંય સૂતા હોય તેની ખબર ન લે, તે શિષ્યમાં શું ગુણ આવે ? કોઈ ખોટું ન લગાડશો. અમે તો મહાપ્રભુજીની મરજી જોઈને બોલીએ છીએ, અમથા નથી બોલતા. જુઓને - જડભરતને ત્રણ જન્મ ધરવા પડ્યા. માટે તપાસ કરવો. એને તો વિજાતિ મૃગલું હતું. તેમાં કાંઈ પણ સ્વાર્થ નહોતો તોપણ બંધાઈ ગયા; તો ત્યાગીને તો ગોદડી, તુંબડી, આસન, પટારો, પુસ્તક, ગુરુ, ચેલા એવાં ઘણાં ઠેકાણાં બંધાવાનાં છે. એ તો અહીં બેઠા હોય ને અમદાવાદ કે મૂળી જઈને પટારો જોઈ આવે ને શિષ્યને કાંઈક કહી આવે. આ સભામાં બેઠા હોય તોપણ ચોરી કરીને ક્યાંય જઈ આવે. અમારે અહીં એક કણબી સવલો નામે હતો, તે લોકને કહે જે, અહીં ચોર છે ને પછી પાનબાજરીમાં ને બધે કચરામાં ફરે ને પછી કહે જે, આ પાનમાં ચોર જાતો રહ્યો, એમ લોકોને છેતરે. તેમ કામ-ક્રોધાદિક શત્રુ છે તે જીવને માયારૂપી કચરામાં ફેરવે છે પણ જીવ ઓળખતો નથી ને આપણે સાધુ થયા છીએ તે આપણને કામાદિક શત્રુ શું કરનારા છે ? એમ જાણીને ગાફલાઈ રાખે પણ એ તો ક્યાંય ઉપાડીને લઈ જાય એવા છે. એક વાણિયાના ઘરમાં ચોર પેઠા, ત્યારે તેની સ્ત્રીએ કહ્યું જે, ચોર પેઠા. ત્યારે કહે જે, જાગું છું. પછી કહે જે, પટારો તોડ્યો. તો કહે જે, જાગું છું. પછી કહે જે, લઈને ગયા. તો કહે જે, જાગું છું. પણ ઊઠ્યો નહિ ને પછી કહે જે દાટ વળી ગયો. એમ થાય માટે દાટ વળવા દેવો નહિ ને ખાનપાનમાં ક્યાંય આસક્તિ રાખવી નહિ; એક મૂર્તિમાં જ આસક્ત થાવું અને કામ વ્યાપે તે ટાણે યક્ષ-રાક્ષસનો અવતાર આવ્યો જાણવો ને કોઈ વસ્તુમાં તથા ચેલામાં, આસનમાં, ખાવા-પીવામાં ક્રોધ આવે તે ટાણે સર્પનો દેહ આવ્યો જાણવો; માટે કામ-ક્રોધાદિક વિકારનો ત્યાગ કરીને સાધુ થાવું, પણ સ્વભાવને વશ થાવું નહિ ને સ્વભાવ હોય તો તે ટાળવા. સ્વામી અચ્યુતદાસજીને ચાર-પાંચ ગાઉ ચાલવું પડ્યું તોપણ શાંત રહ્યા તેવા થાવું. ।। ૨૦૨ ।।
વાર્તા ૨૦૩
વૈશાખ વદ ૫ને રોજ સભામાં સારંગપુરનું ૧૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં એ ભક્તને ભગવાન ભાગવતીતનુ આપે છે એમ આવ્યું. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ભાગવતીતનુનો અર્થ કેવી રીતે સમજવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એક પરભાવનું ભાગવતીતનુ છે ને એક અવરભાવનું ભાગવતીતનુ છે; તેમાં આ પરભાવનું કહ્યું છે. તે ભક્તનો ચૈતન્ય મૂર્તિમાન થાય છે તેને શ્રીજીમહારાજ પોતાનું ધામ જે મૂર્તિ તેમાં રાખે છે; માટે ભાગવતીતનુ એટલે ભગવાનની મૂર્તિ તેમાં રાખે છે; અને સર્વે સાધનસંપન્ન થઈને ઉપશમદશાને પામે ને ખાધા-પીધાની તથા દેહની ખબર જ રહે નહિ એવો થાય ને પછી આત્માને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થાય, પણ જે દેહે સાધન કર્યું છે તે દેહમાં રહ્યો હોય ત્યાં સુધી તે અવરભાવનું ભાગવતીતનુ કહેવાય. એમ ઉત્તર કરીને પછી વાત કરવા માંડી જે, જોગ તો બહુ સારો મળ્યો છે, પણ જીવ શૂનકાર થઈ ગયો છે. સ્વામિનારાયણ જેવા પતિ મળ્યા તેમને પડ્યા મૂકીને ક્યાંય ને ક્યાંય દોટ્યો દે છે. ત્યારે પછી એનો ધણી કોણ થશે ? શ્રીજીમહારાજ તો થાશે નહીં. તેના ધણી યમરાજા થશે. આવા ભગવાન મળ્યા તેમની આજ્ઞા લોપીને ક્યાં જાવું ? આજ્ઞા છે તે કોટ છે, તેને લોપવામાંથી દુઃખ થાય છે. જુઓને ! આ સત્સંગ કેવો ફૂલી રહ્યો છે ! તેમાં કેટલાક પાપી છે, તે આજ્ઞા લોપીને ભડાભૂટ કરી મૂકે છે. ત્યાગી-ગૃહીને આજ્ઞા પાળવામાં સુખ છે. દેહ તો નક્કી પડી જાશે, માટે મૃત્યુ સામી નજર કરી રાખવી અને તેડવા તો આ સભા આવશે પણ જીવ અજ્ઞાને કરીને જ્યાં ત્યાં પરોવાઈ પડ્યા છે, તે દુઃખિયા થાય છે. લાભ ને પ્રાપ્તિ તો બહુ મળી છે, પણ ભોગવતાં આવડતું નથી. સ્વામિનારાયણને જેવા જાણીશું તેવા તે કરશે. ક્યાં મહારાજ ને ક્યાં મુક્ત ને ક્યાં જીવ ! એવા મોટા મળ્યા છે તોપણ જીવ કાંઈ માલ ન હોય તેમાં પણ બંધાઈ રહે. પટેલને છોકરે છ મહિના વિચારીને હેડમાં પગ ઘાલ્યો, પછી એના બાપ પાસેથી પાંચ-દસ હજાર રૂપિયા રાજાએ લઈ લીધા. તેમ જ ભક્તિમાર્ગ છે તે પણ હેડમાં પગ ઘાલ્યા જેવું છે, માટે મંદિરો કરવાં તથા મંદિરનો વ્યવહાર કરવો તેમાં મહારાજને સાથે રાખે તો સારું ને જો સાથે ન રાખે તો હેડમાં પગ પડ્યો તે બંધાઈ રહે તેવું છે. માટે શ્રીજીમહારાજને ભૂલીને તો ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ તે પણ ન કરવાં. સર્વે ક્રિયા મહારાજને ભેળા રાખીને કરવી. મહારાજ ભેળા હોય તો જેમ જીવરામની તથા વ્યાપકાનંદ સ્વામીની તથા અખંડાનંદ સ્વામીની સહાય કરી તેમ સહાય કરે. જેમ ધણી વિનાની પત્ની શોભે નહિ તેમ કથા-વાર્તા, માળા, માનસીપૂજા આદિ સાધનમાં શ્રીજીમહારાજને સાથે ન રાખે તો શોભે નહિ ને સુખ ન આવે; અને વાતચીતમાં પણ શ્રીજીમહારાજની મૂર્તિરૂપી બીજ લાવવું. આ સત્સંગમાં દોડાદોડ કરીએ છીએ તેમાં શ્રીજીમહારાજને રાખીએ તો સુખ આવે. આજ અનાદિમુક્ત શ્રીજીમહારાજનો રસ પ્રવર્તાવે છે તેમાં ઊતરે તે સુખી થાય, અને આ સમાગમમાં લૂખા થાશે તેને તો રંડાપો આવી જાશે એટલે કાંઈ નહિ મળે. આ સભા ક્યાંથી મળે ? તોપણ જીવને આ સભામાં હેત થાતું નથી ને બીજે ધોડા કરે છે. રોટલા તો સ્વામિનારાયણ દે છે, ને ચેલામાં, પુસ્તકમાં ધોડા કરે. વળી, કેટલાક તો આ સભાને ઓળખે પણ નહિ ને આ સાધુ આમ કરે છે, આ હરિભક્ત આમ કરે છે, એમ ટોચા મારે; પણ પોતાને ખબર નથી જે મારું કલ્યાણ આ સભા કરશે. તેમ પોતાનું તો વિચારે નહિ ને જાતો ક્યાંય ટોચો મારે ! આ સભામાં દોષ પરઠે પછી એકલો રહે તેમાં શું રૂડા ગુણ આવે ? માટે આજ્ઞા ને ઉપાસના દૃઢ કરવા અને આ પ્રતિમા ને સંત દિવ્ય સમજવા તો શ્રીજીમહારાજ આ ફેરે જ મોક્ષ કરશે. આ લીંબડો છે તેને બરાબર જાણ્યો છે તેમ શ્રીજીમહારાજનો નિશ્ચય અડગ થાય તો તેને કદાપિ બીજી કાચપ રહી જાય તોપણ તેનું પૂરું થઈ જાશે. નાના-મોટા સર્વેને દિવ્ય સમજવા તો સુખ બહુ આવે. પછી કહ્યું જે વાંચો.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, કથા વાંચવા કરતાં તમારી વાતો બહુ સારી લાગે છે ને બહુ સુખ આવે છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ વાતો ને કથા એક જ છે. નિશ્ચય મહાપ્રભુનો એવો રાખવો જે રોગમાં, દુઃખમાં ક્યાંય મહારાજ વિના વૈદ-ઔષધમાં પ્રતીતિ આવે નહીં. આ મૂર્તિ ને આ સંત સુખ કરે ને બધી પીડાનો નાશ કરે ને ભગવાનની મૂર્તિમાં ઊતરી જાય તો તાવની કે રોગની કાંઈ પીડા વર્તાય જ નહીં. આ લોક, ભોગ, પદાર્થ, દેહ સર્વે નાશવંત છે, પણ જીવને તૃષ્ણા છે તે રહેવાય જ નહીં. પાંચ પાંચ પેઢી સુધી ખાય એટલું હોય પણ ભગવાન ભજે નહિ ને વ્યવહારને વળગી રહે. શ્રીજીમહારાજનો નિશ્ચય ન હોય ને તેણે જે સાધન કર્યાં હોય તે સાધન દિવ્ય થઈને મહારાજ પાસે જતાં રહે ને ભાઈ તો અહીં પડ્યા હોય. તે જ્યારે નિશ્ચય થાય ને મહારાજ પાસે જાય ત્યારે સાધનનું ફળ મળે. અને જો કોઈ મોટાનો દ્રોહ કરે તો જીવ નાશ થઈ જાય ને સાધન તો મહારાજ પાસે જતાં રહ્યાં હોય તે ફેર ભેળાં થાય નહિ એટલે તેનો મોક્ષ થાય નહીં. માટે શ્રીજીમહારાજની ઉપાસનાવાળા તથા પંચવર્તમાને યુક્ત જે સંત અથવા હરિભક્ત હોય તેનો દ્રોહ ન કરવો; એવાનો દ્રોહ કરીએ તો સાધન બળી જાય છે. આ સત્સંગનો વ્યવહાર છે તેમાં પણ દેવને માટે સરકારમાં કામ ચાલે તો સત્સંગીઓ સરકારમાં પૈસો જાય છે એમ જાણીને ન આપે તેને મોટી ખોટ આવે, માટે ધર્માદો આપવામાં સંશય કરવો નહિ; કેમ જે દેવની મિલકતને બથાવી પાડતા હોય તેને માટે સરકારમાં પણ જાવું પડે, તેમાં શ્રીજીમહારાજનો બહુ રાજીપો છે. પછી બોલ્યા જે, તમારા આવ્યા પહેલાં અમે ભૂજ ગયા હતા ત્યાં તાવ આવ્યો, ત્યારે અમે આ સભાને સંભારી જે અમારી સભા આવે તો સારું; એટલામાં તુરત તમે આવ્યા, એવી મહારાજની દયા છે. આ સભા બહુ દુર્લભ છે. આવી સભામાં રાત્રિ-દિવસ બેઠા હોઈએ પણ મહિમા ન હોય તો લૂખાશ મટે જ નહીં. અમારે કણબીમાં કોઈકનું બાજરિયું ખવાઈ ગયું હોય તો પ્રાયશ્ચિત્ત માગે અને મહેતા તથા સોની હોય તે સિંધની કમાઈ ખાય પણ પ્રાયશ્ચિત્ત કોઈ પૂછે નહીં. જે ચોરી ન કરે તે અક્ષરધામમાં સૌથી આગળ બેસે ને ચોરી કરે તેનો સાંધો આવે નહીં. કરાંચીવાળા લાલુભાઈના જમાઈને મોટર હાંકતાં કોઈકનું ખૂન થઈ ગયું તેથી તેને સજા થતી હતી, તેને લાલુભાઈએ ઘણા રૂપિયા ખરચીને છોડાવ્યો. મોટા તો એવા દયાળુ હોય પણ જીવ કૃતઘ્નીપણું મૂકે નહીં. એટલી વાત કરીને બોલ્યા જે, દુઃખમાં ભગવાન બહુ સાંભરે. સુખદાયી તો ભગવાન ને સંત છે પણ બીજા કોઈ દેવ-દેવલાંથી સુખ કે દુઃખ આપી શકાય તેમ નથી. એક વખત તીડ આવ્યા હતા ત્યારે એક ડોસીએ કહ્યું જે, હે શિવજી ! મારા ખેતરમાં ન ખાય; ને મારા દિયરના ખેતરમાં ખાય પણ એનું જ ખેતર ખાધું. પછી તેણે પથરો ઉપાડીને શિવજીના લિંગમાં માર્યો તેથી તે ભાંગી ગયું ને બોલી જે, તારી પૂજા કરી કરીને મરી ગઈ તોપણ મારું ખેતર રાખ્યું નહિ; એવા પણ જીવ છે. બીજું કામાદિક શત્રુની વહારે ન ચઢવું ને તે શત્રુને વશ ન થાવું ને કોઈ તેનું ખોદે તો દુઃખ ન લગાડવું; આ જીવ મોહરૂપી આંધળે ઘોડેથી ઊતરીને એટલે મોહ મૂકી દઈને શ્રીજીમહારાજ પાસે મોજ લે તો સુખિયો થાય. મહિમામાં કસર હોય તો શ્રીજીમહારાજની સન્મુખ ચાલવામાં શ્રદ્ધા ન આવે માટે પહેલો તો પરિપક્વ નિશ્ચય કરવો; પછી શ્રદ્ધા વધે, પછી પ્રેમલક્ષણા ભક્તિ આવે ને આત્યંતિક મોક્ષ થાય. ગૃહસ્થને રૂપિયાનો નિશ્ચય થયો છે તો પોતાની સ્ત્રી-છોકરાંને પડ્યાં મૂકીને પાંચ-દસ હજાર ગાઉ જઈને કમાઈ લાવે છે. તેમ જેને પરિપક્વ નિશ્ચય હોય તે ભગવાન ને સંતને અર્થે ઘવાઈ પડે ને આડો જઈને મરે પણ ખરો. પછી કહ્યું જે, ત્યાગી તો અમંગળિક છે, તેણે ગૃહસ્થની પેઠે વ્યાવહારિક કામમાં મંગળિક થાવું નહિ એટલે વ્યાવહારમાં ભળવું નહિ, અને વર્તમાન ન હોય તેને બોલાવવો-ચલાવવો નહિ ને તેની પાસે ઠાકોરજીની તથા પોતાની સેવા ન કરાવવી. અને જો એવાનો પ્રસંગ રાખે ને સેવા કરાવે તો એના જેવો ભ્રષ્ટ થઈ જાય. અને આત્મનિષ્ઠા દૃઢ કરવી, પણ દેહાભિમાન રાખવું નહિ ને સેવા કરવી. દેહાભિમાન રાખે તો સેવા ન થાય. ।। ૨૦૩ ।।
વાર્તા ૨૦૪
વૈશાખ વદ ૬ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૮મું વચનામૃત વંચાતું હતું; તેમાં કોઈને દીકરો દેવો કે ધન દેવું કે રાજ્ય દેવું કે કોઈ મૂઆને જીવતો કરવો તે અમને આવડતું નથી એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને અમે કલ્યાણ કરવાનું આપ્યું છે તે કલ્યાણ કરવામાં અમે તમારા ભેગા છીએ. પણ આ લોકની માયિક વસ્તુ આપવામાં અમે ભળતા નથી, માટે માયિક વસ્તુ માગે તો કહેવું જે, એ કામ અમારું નથી. અહીં ધનબાઈ ડોસીએ અમને વાત કરી જે, હું જે જે વચન આપું છું તે સત્ય થાય છે. કોઈકને દીકરો કે દ્રવ્ય કે જે જે માગે તે આપું છું, પણ મારું વચન એકેય ખાલી ગયું નથી. પછી અમે કહ્યું જે, એ તો બ્રહ્માનું કામ કરો છો, તેમાં શું કરો છો ? પછી તે સમજી ગયાં જે, બાપાશ્રીની મરજી તો એક કલ્યાણ કરવું એવી છે. માટે અમારી દૃષ્ટિ તો જીવોનો ઉદ્ધાર કરી જન્મમરણથી રહિત કરવા, ને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આપવું એ જ છે, અને તમારે પણ કલ્યાણ કરવું તેમાં અમે તમારા ભેગા છીએ. પણ જો માયિક વસ્તુ કોઈક માગે તો કહેવું જે, કલ્યાણ ખપતું હોય તો અમારી પાસે છે, બાકી માયિક વસ્તુ જે કાળી વસ્તુ તે અમારી ઝોળીમાં નથી; તમારું પ્રારબ્ધ હશે તેમ થશે. પછી વાત કરી જે, ભગવાનનો આશરો કર્યો હોય પણ જો મહારાજને કે મુક્તને ઓળખ્યા ન હોય ત્યાં સુધી નિવૃત્તિ કર્મ ને પ્રવૃત્તિ કર્મ કરે તોપણ માયા તરાય નહિ, એટલે જન્મમરણ ટળે નહિ; તે સુષુપ્તિમાં લીન થયો જાણવો. મહારાજ ને મોટા મુક્ત સત્સંગમાં હોય તેમને ઓળખ્યા ન હોય તે આંધળો કહેવાય. અને સ્વામિનારાયણ તો સર્વ કહેતા હોય પણ આવા મુક્તને ને આ પ્રતિમાને દિવ્ય ન જાણે, ત્યાં સુધી જન્મમરણ માથે રહે. પછી બીજી વાત કરી જે, શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામ શુદ્ધિ તે વાંચવાં ને પાળવાં, તે ન વાંચે કે ન પાળે તો જીવ બાળકિયા થઈ જાય. ગૃહસ્થ હોય તે જો શિક્ષાપત્રી વાંચે તો દેવની કે રાજાની કોઈની આજ્ઞા લોપાય નહિ, અને ત્યાગી નિષ્કામ શુદ્ધિ વાંચે તો નાગના જેટલી સ્ત્રીની બીક લાગે. પણ પચાસ પચાસ વર્ષ સત્સંગમાં થયાં હોય તોપણ નિષ્કામ શુદ્ધિ કે ધર્મામૃત વાંચ્યું ન હોય તો પોતે શું પાળે ? ભૂજમાં જેઠ મહિનામાં ધર્મામૃત વંચાય છે ને મૂળીમાં ભાદરવામાં વંચાય છે. ધર્મામૃતમાં જે પાપનું પ્રાયશ્ચિત્ત આવે તે કરવું ને ઝીણા જીવ - માખ, મગતરું, માંકડ, ચાંચડ, કીડી, મંકોડી મરે તો સ્વામિનારાયણ નામનો મહામંત્ર જપવો; અને વીંછી, ભમરો, દેડકું, ચરકલું એવા જીવ મરે તો એક ઉપવાસ કરવો; અને તેથી મોટા જીવ મરે તો પાદકૃચ્છ વ્રત કરવું. જો નિષ્કામ, નિર્લોભમાં ચૂક પડે તો મહિનો, બે મહિના, ત્રણ મહિના, પંદર દિવસ, વીસ દિવસ ધારણાં-પારણાં અથવા ચાંદ્રાયણવ્રત કરવું. એવી રીતે પાપનું પ્રાયશ્ચિત્ત કરે તો પછી માળા, માનસીપૂજા આદિક સાધન કરે તે ખજીને પડે ને મહારાજની મૂર્તિનું સુખ મળે. માટે પ્રાયશ્ચિત્ત કર્યા વિના ચલવવું નહિ, અને પ્રાયશ્ચિત્ત ન કરે એવા પાપી ભેળા ભળવું નહીં. જે અમારા હોય તેમણે એવા પાપમાં પાંતી ન લેવી, તે ધર્મવાળાએ બહુ વિચાર રાખવો. સૌ સરત રાખજો અને જેને ભગવાનના ધામમાં જાવું હોય તે બરાબર વર્તજો. ધર્મ-નિયમે યુક્ત એવા સાધુની સેવા કરવી અને એવા સાધુ, સત્સંગી સાથે હેત રાખવું. નહિ તો ક્યાંય રખડવું પડશે. આ તો સૌનું સારું થાય એટલા સારુ કહીએ છીએ. જે પાપીનો પક્ષ રાખે તેને દક્ષિણને દરવાજે એટલે યમપુરીમાં જવું પડે. જે મહારાજની આજ્ઞા પાળતા ન હોય તે પાપી જાણવા ને તેમનો પક્ષ રાખવો નહીં. અમારે તો જેમ જેતલપુરમાં તથા અગત્રાઈમાં આશજીભાઈએ ને પર્વતભાઈએ કોઈને યમપુરીમાં જાવા દીધા નહિ, તેમ કોઈને યમપુરીમાં જવા દેવા નથી, પણ જીવ છેટા છેટા ભાગે છે. અમે તો આખા ગામમાં કોઈ માંદું-સાજું હોય તેને ઘરોઘર જઈને દર્શન ને પ્રસાદી આપીએ છીએ. ગયે વર્ષે રોગ હતો તે આખા ગામમાં પ્રસાદી લઈને અગિયાર વાગ્યા સુધી ફરતા. અમે નહિ હોઈએ તો પછી હાથ ઘસવા પડશે, જેમ પર્વતભાઈના સેવકોને કંકોત્રી આવી ત્યાં મૂર્તિ પધરાવવા ગયા પણ સાત્ત્વિક યજ્ઞમાં રહ્યા નહિ ને પર્વતભાઈ દેહોત્સવ કરી ગયા તે વખતે મનુષ્ય, પશુ, પક્ષી સર્વેને દર્શન આપીને વર આપ્યો જે અમે આ સર્વેને તેડી જાશું; એ વાત જાણીને જે મૂર્તિ પધરાવવા ગયા હતા તેમને પસ્તાવો થયો તેમ, અમે પણ સર્વેને તેડી જાશું. માટે તમે ત્યાગી-ગૃહી સર્વે એવો મહિમા સમજીને મોટાની અનુવૃત્તિમાં વર્તજો. જેની સર્વે ઇન્દ્રિયોને વિષે શ્રીજીમહારાજ રહ્યા હોય એવા ગુરુની આજ્ઞા તે શ્રીજીમહારાજની જાણવી. એવા ગુરુ કહે જે, આ કામ કરવા જાઓ તો શરીરને કારસો આવે એવું વચન હોય તોપણ તે પ્રમાણે વર્તવું પણ ફલાણાને કહે તો ઠીક એવો ઘાટ ન કરવો. તે જેને મહિમા હોય તેનાથી વચન મનાય ને શત્રુ ભેળો મૂકે તોપણ જાય, અને જેને મહિમા ન હોય તેને સારો દેશ ન આવે તો નિરાશ થઈ જાય. જોગ-સમાગમ સારો હોય એવો દેશ ઇચ્છે તો તો સારું, પણ સારું ખાવાનું કે વસ્ત્રની ઇચ્છાથી સારો દેશ ઇચ્છે તે તો નહિ સારું. તમારે પદાર્થની ઇચ્છા નથી તો અહીં આવ્યા છો ને કથા-વાર્તા, દર્શન-સમાગમનું સુખ લો છો. તે સુખ શ્રીજીમહારાજે મેળવ્યું છે માટે જોગ-સમાગમની ઇચ્છા રાખવી પણ વસ્ત્રાદિક પદાર્થની ઇચ્છા ન રાખવી, ને સારું સારું ખાવાની ઇચ્છા રહે તો બાપો ચામડી કાઢે એવા છે. મન તો એવું છે કે જેટલું બ્રહ્માંડમાં હોય તેટલું બધુંય મને લાવો એમ ઇચ્છે છે, માટે મનનો વિશ્વાસ ન રાખવો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આ બ્રાહ્મણ બાલકૃષ્ણ તમારા ખાખરિયામાં મણિપુરામાં ભાઈઓના મંદિરમાં સેવા કરે છે તેને અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની મદદમાં ઠાકોરજીની સેવામાં ભૂજમાં આપો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, એને સાટે મહારાજ તથા આપ મારા ભેળા સદાય રહો તો આપું. કદાપિ એ અહીંથી જતો રહે તોપણ તમારે ભેળા રહેવું જોઈશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ બ્રાહ્મણ અહીંથી જતો રહેશે તોપણ અમે તમારા ભેળા રહીશું, અને જીવોનાં કલ્યાણ કરશો તેમાં અમે તમારા ભેળા છીએ. પણ કોઈને ધન કે દીકરા દેવા તેમાં અમે ભેગા નહિ ભળીએ; માટે એવું કામ ન કરશો. અને કલ્યાણ તો પામર અને અધમ જીવનું પણ કરશો તેમાં અમે તમારા ભેળા છીએ. પછી બોલ્યા જે, એક ડોસી હતી. તેને ચાર દીકરા હતા અને તેની પાસે ચાર રોટલા હતા. ત્યારે ડોસી બોલી જે, તમે તમારા ભાગમાંથી અર્ધો અર્ધો રોટલો મને આપો, પછી એ છોકરાઓએ અર્ધો અર્ધો આપ્યો, તેથી ડોસીને બે રોટલા થયા. તે અર્ધમાં ડોસી ને અર્ધમાં છોકરા થયા, એવું તમે માગ્યું. પછી બાપાશ્રી બોલ્યા જે, જેણે મન અર્પ્યું હોય તે દેશકાળમાં ખબર પડે. દેશકાળમાં પડખે તરી જાય તેણે અમને મન અર્પ્યું નથી ને આત્મબુદ્ધિ કરી નથી ને મહિમા પણ જાણ્યો નથી.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, પ્રથમ પ્રકરણના ૫૧મા વચનામૃતમાં હીરે હીરો વીંધાય એમ કહ્યું છે તે વેંધનારો હીરો કિયો જાણવો ને વેંધવાનો હીરો કિયો જાણવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત તે વેંધનાર હીરો જાણવો ને વેંધવાનો હીરો તે મુમુક્ષુ જીવ જાણવા. તે શ્રીજીમહારાજ અથવા મુક્ત મળે તે જીવને મુક્ત કરે તે હીરો વીંધ્યો કહેવાય. શ્રીજીમહારાજ પોતે મળે અથવા મુક્ત મળે તો શ્રીજીમહારાજનું સર્વોપરીપણું ને સદા દિવ્ય સાકારપણું સમજાવીને મુક્ત કરે, માટે જીવને મુક્ત કરવા તેમાં જેવા શ્રીજીમહારાજ છે તેવા જ તેમના મુક્ત સમર્થ છે, પણ મુક્ત સેવક છે ને મહારાજ સ્વામી છે, અને મુક્ત સુખના ભોક્તા છે ને મહારાજ સુખના દાતા છે, પણ જીવનાં કલ્યાણ કરવામાં તો મહારાજ ને મુક્ત બેય સરખા છે. એવા ભગવાન કે મુક્ત મળે ત્યારે એમની અનુવૃત્તિમાં રહેવું, પણ મહારાજ કે મુક્ત બોલાવે-ચલાવે નહિ તથા અપમાન કરે ત્યારે આપણે ઘેર બેઠા ભગવાન ભજશું એમ ન કરવું. એમ સમજે તેનાથી ભગવાન ભજાય નહિ ને આ સાધુ આમ કરે છે, આ હરિભક્ત આમ કરે છે, માટે આપણે એમની શી ગરજ ? એમ અવગુણ લેવાય. જીવાખાચરની પેઠે ભાવનગર જાઉં ને આ સાધુને ને આ સત્સંગીને આવું દુઃખ દઉં, એવા ઘાટ થાય ને સત્સંગમાં હોય ને સત્સંગી કહેવાતા હોય, પણ કુસંગીનો પક્ષ લે, ને કોઈને ભૂત મૂકે, ને કોઈને ભેંસ દોહવા ન દે, ને કોઈને તાવ લાવે, ને નાક કપાવે એવાં કર્મ કરવાં શીખે, ને પોતાનું કલ્યાણ બગાડે; માટે સત્સંગથી બેપરવાઈ ન થાવું. ।। ૨૦૪ ।।
વાર્તા ૨૦૫
વૈશાખ વદ ૭ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ચાર ખાણના જીવમાંથી એક જીવને છોડાવો તો એક બ્રહ્માંડ ઉગારો એવા તમે છો. તમને તમારા બળની ખબર ક્યાં છે ? તમારી તો સંકલ્પની મૂર્તિઓ ચાલે છે, ક્યાંય બેઠા હો ને ક્યાંય જઈને જીવને અક્ષરધામમાં મૂકી આવો. બેઠા છો અવરભાવમાં ને છો પરભાવમાં, તે આ ચામડાના ચક્ષુથી ન દેખાય. દિવ્ય દેહ થશે ત્યારે અનંત લોચન થાશે, તે લોચનથી મૂર્તિ ને મુક્ત દેખાય, ને કોઈક હરિભક્ત દેહત્યાગ કરે તેને દેખે જે ફલાણા હરિજન કે સાધુ અક્ષરધામમાં ગયા. તમે જેટલા સંકલ્પ કરો તેટલી મૂર્તિઓ થાય છે. તમને હાથીની કે ગરુડની ઉપમા દેવાય એવી નથી. એમ કહીને પછી વાત કરી જે, બંદરામાં નારાયણજીની મા રાઈબાઈ હતાં તેને ઘાસણીનો રોગ થયો હતો તેથી તેને લોકો એમ કહે જે, તમારા સ્વામિનારાયણ ક્યાં ગયા ? પડી પડી રીબે છે તોય તેડવા કેમ આવતા નથી ? પછી તેને અંતકાળે શ્રીજીમહારાજ તેડવા આવ્યા, ત્યારે તેણે કહ્યું જે, હવે કેમ આવ્યા ? તો જે દાદે કી દાઢિયાં કૂટે; જા, નહિ આવું. પછી શ્રીજીમહારાજ બધા ગામમાં પરચો દઈને તેને તેડી ગયા. અને તે નારાયણજીના બાપને દીકરો નહોતો, એમને મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ પાસે દીકરો માગો, ત્યારે તેમણે કહ્યું જે, હું કડે ન માંગું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સ્વામી ! તમે સકામ થયા પણ એ ડોસો સકામ ન થયા. પછી નારાયણજી દીકરા થયા અને તે નારાયણજીના દીકરા રવોજી છે. તેનું ખેતર દેવામાં વોરા લઈ ગયા હતા. પછી ઉચક વિઘોટી કરીને તેમાં કપાસ વાવ્યો તે ઘણો થઈ પડ્યો. તેની પાંચ હજાર કોરી ઊપજી તે કોરી દઈને ખેતરાં પાછાં લીધાં ને કહે જે, “મારા સ્વામિનારાયણ આવ્યા તે ભૂખને લત હણીને દરિયામાં નાખી દીધી.” વળી, એક દિવસ નારાયણજીનું શ્રાદ્ધ હતું તે રવાજીની માએ રાવળને પત્તર પૂરવા સારુ ખીર કરી હતી તે ડોસીને આડે-અવળે મોકલીને શિક્ષાપત્રીને જમાડીને રવોજી પોતે જમી ગયા. જ્યારે એની મા આવ્યાં ને કહ્યું જે, રાવળને પત્તર પૂરવા ખીર કરી હતી તે ક્યાં ગઈ ? ત્યારે રવોજી બોલ્યા જે, મેં મારા બાવાને પહોંચાડી ! એ રાવળ શું પહોંચાડે ? સ્વામિનારાયણ ભગવાન જમ્યા ને હું પ્રસાદી જમી ગયો ને મારા બાવાને પહોંચી ગઈ; રવોજી એવા મહિમાવાળા છે.
પછી વાત કરી જે, શેરડી તથા બાજરી વાવે એમાં ભુંડિયા ને સૂવર ખાઈ જતા હોય તેને તગડે તે ભુંડિયા બહાર આવીને લોણો ફેરવે તો ગોળી વાગે; તેમ શ્રીજીમહારાજ વિના બીજા કોઈ ધામની કે ઐશ્વર્યની કે કોઈ અવતારની ખબર રાખે તો તે લોણો ફેરવ્યો કહેવાય; માટે તેમને સંભારવા નહિ, કેમ જે તે તો કાર્ય છે. જેમ રાજાએ નોકરોને રાજ્યમાં મૂક્યા હોય તેમ શ્રીજીમહારાજે બ્રહ્માંડોમાં મૂક્યા છે, તેમનું આપણે કાંઈ કામ નથી. આપણે તો શ્રીજીમહારાજનું ને એમના મુક્તનું જ કામ છે એવો નિશ્ચય જોઈએ. તમારે કેટલુંક મોટપમાં ને પુસ્તકોમાં વીંટાઈ જવાય, પણ તે કાંઈ કામનું નથી. જો કોઈ ભણેલા ખોટું લગાડતા નહીં. બ્રાહ્મણ મુહૂર્ત જુએ છે તોપણ તે રાંડે છે અને બ્રાહ્મણીયે રાંડે છે, માટે એ બધું ખોટું છે. એક શ્રીજીમહારાજ ને મુક્ત સત્ય છે, તે વિના બીજું છે જ નહિ એવો નિશ્ચય કરવો. તે બ્રહ્મા આવીને મુકાવે તોપણ મુકાય નહિ એવું આ સમાગમથી થાય છે, માટે આ સમાગમ કરી લો. વૃંદાવન જે મુક્તનો સમૂહ તેમની રક્ષા કરનારા તે તમને મળ્યા છે, માટે આ પ્રાપ્તિનો સરવાળો કરો. જેવડા મહારાજને ને મુક્તને જાણશો તેવડા થાશો, આ પ્રાપ્તિ કોઈને મળી નથી. આ તો સત્સંગ માંહીથી સત્સંગ મળ્યો. આ વખતે પૂરું થાય એવું મળ્યું છે. કેટલાક અવતારો થઈ ગયા પણ કોઈનું પૂરું થયું નથી, માટે આ ફેરે પૂરું કરી લેવું, પણ ફરી મહારાજને કે મુક્તને આવવું પડે તેમ ન કરશો. ભવ-બ્રહ્માદિકને એટલે મહાકાળને ને અક્ષરને પણ આ જગ્યા મળતી નથી, તે તમને મળી છે. પુરુષોત્તમ પાસે બેસવા કોણ દે ? આ લીલા સંભારી રાખજો. આ બધી સભા છે તે મુક્ત છે ને શ્રીજીમહારાજના અવતાર છે, માટે આ લીલા સંભારી રાખવી, જો આ સર્વે અવતાર સમજાય તો. પણ જો સાધુ કે સત્સંગી સમજાય તો તો ઠીક નહીં. કેટલાક તો બહિર્ભૂમિ જઈને પાણી લેતાં પણ ન આવડે એવા હોય ને અનાદિમુક્તની ખોટ કાઢે ને પોતે પોતાને પૂર્ણકામ માને, પણ કંઠી બાંધી ને સત્સંગી કે સાધુ થયા એટલે પૂર્ણકામ માનવું નહીં. પૂરું તો આ જોગ કર્યા વિના થાય તેમ નથી. લાંબા લાંબા રાગ કરીને રામાયણ ને ગીતા વાંચે અને આ શ્રીજીમહારાજના મુખનાં વચન તેનો ભાવ પૂછે નહિ; પણ શાસ્ત્રમાં શાસ્ત્ર આ વચનામૃત ને શિક્ષાપત્રી છે. શ્રીજીમહારાજનો મહિમા ને જ્ઞાન જાણવામાં વચનામૃત છે અને આજ્ઞા પાળવામાં શિક્ષાપત્રી ને ધર્મામૃત છે. તે વિના બીજા પરોક્ષ શાસ્ત્રમાં તણાય તો તેનું માથું ફર્યું એમ જાણવું. અમે તો એવું ધારી બેઠા છીએ, માટે બીજા પુસ્તક ઉપર તાન રાખવું નહિ અને અથોગતિ ન કરવું એટલે ભણવામાં તાન રાખવું નહીં. અમારા સત્સંગી તો વચનામૃતમાં રાજી બહુ. એક પુરાણી બાર વર્ષ ભણ્યા પણ વચનામૃત વાંચતાં ન આવડ્યું તેથી તેમને ઉઠાડવા પડ્યા. માટે એવું ન કરવું. સ્વામિનારાયણને તો બરાબર રાખવા. આ વાતો અમે કરીએ છીએ તે કેટલાક ભગવાઓને નહિ ગમતી હોય, પણ આગળ તો ઘણી કામ આવશે. સ્વામીશ્રી નિર્ગુણદાસજીએ રાજાભાઈ પગે બાંધીને ત્રણ નાળિયેર લઈ ગયા એ વાત લખી છે. તે અમને ભૂજમાં એક સાધુ કૃષ્ણચરણદાસજીએ કહ્યું જે, તમારા સ્વામી આ બાળી ગયા તે કાઢી નાખો. પછી અમે કહ્યું જે, શ્રીજીમહારાજ લીંબલીમાં શૂદ્ર ભક્તને ઘેર પધાર્યા અને બ્રહ્માએ ગોપીઓના ચરણની રજ માગી, તેનું તમે કેમ કરશો ? માટે મોટાપુરુષ કરે તેમાં શંકા કરશો તો ઊડી જાશો. મોટાના કરેલામાં શંકા કરવી નહીં.
તે જ દિવસે બાપાશ્રીની કરેલી વચનામૃતની ટીકાની સપ્તાહ પૂરી થઈ, ત્યારે બાપાશ્રીએ પુસ્તકની પૂજા કરી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, આ આપની કરેલી ટીકા મેં લખી છે તો મને તથા પુરાણી ધર્મકિશોરદાસજીએ વાંચી તેમને તથા આ સંત-હરિજનોએ સાંભળી તે સર્વેને આશીર્વાદ આપો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને તથા વાંચનારને તથા સાંભળનાર સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, સાધુ દેવજીવનદાસજી, શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી તથા અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી આદિ સંત ત્રીસ તથા હરિજનો પચાસના આશરે છે, તે સર્વેને અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જાશું. આ ફેરો કોઈનો ખાલી નહિ જાય એવી રીતે આશીર્વાદ આપ્યો. પછી મૂળીના સંતોને કહ્યું જે, જેમ પુરાણી હરિપ્રસાદદાસજી સદ્ગુરુઓની મદદમાં ભળ્યા છે તેમ તમે સદ્ગુરુઓની મદદમાં ભળજો તો શ્રીજીમહારાજ ને અમે રાજી થઈને અક્ષરધામમાં લઈ જાશું. ।। ૨૦૫ ।।
વાર્તા ૨૦૬
વૈશાખ વદ ૮ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, એક ગુરુ હતા. તેમણે શિષ્યોને કહ્યું જે, અમે દેહ મૂકશું ત્યારે નગારાં વાગશે. પછી તે ગુરુ દેહ મૂકી ગયા પણ નગારાં તો ન વાગ્યાં. પછી એમના શિષ્યોએ શ્રીજીમહારાજને કહ્યું જે, અમારા ગુરુએ કહ્યું હતું જે, અમે દેહ મૂકશું ત્યારે આકાશમાં નગારાં વાગશે પણ તે વાગ્યાં નહિ, તેનું શું કારણ હશે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તમારા ગુરુની પાસે ચરણારવિંદની જોડ્યો ચોવીસ છે તેમાં સૌથી તળે છે તે લઈ આવો. પછી સાધુ લાવ્યા, તેને મહારાજે ખંખેરી એટલે તેમાંથી રાતી ચોળ જેવી ઇયળ પડી તે ઘડીક તરફડીને મરી ગઈ, પછી નગારાં વાગ્યાં. માટે સરત રાખજો, એમ ન થાય. કાગળના ચીંથરામાં હેત ન રાખવું. ગોરધનભાઈના જેવું ઉપશમ કરવું એ આપણી સુષુપ્તિ છે, એવી મોટી સુષુપ્તિમાં રહેવું; પણ મહંતાઈ કે કોઠારું કે પટેલાઈ એમાં લોભાવું નહીં. અને જમવા બેસવું ત્યારે ખાટું, ખારું, મોળું, મીઠું એવો ભાવ આવવા દેવો નહિ, એમ કર્યા વિના ઉપશમ આવે નહિ ને રાગ ટળે નહીં. માટે મહાપ્રભુજીનું સુખ જેને લેવું હોય તેણે ખાધા-પીધાના, માન-મોટપના રાગ ટાળવા જોઈશે; તો મૂર્તિમાં ઉપશમ થાશે. મૂળીમાં સ્વામી અક્ષરજીવનદાસજીએ સર્વે રાગ ટાળી નાંખ્યા તો દેહની વિસ્મૃતિ થઈ ગઈ છે ને સુષુપ્તિ (ઉપશમ)માં જતા રહ્યા છે ને મૂર્તિનું સુખ લે છે. ગૃહસ્થે પણ વિચાર કરવો જે, મારાથી સંતની સેવા ન થઈ અને અનીતિ તથા અવગુણ સામું જોવાણું નહિ ને વખત આવી ગયો. અને સંતને વિષે આત્મબુદ્ધિ કરવી ને અપમાન કરે તો સિદ્ધપુરના રણછોડલાલભાઈની પેઠે ગુણ લેવો. રણછોડલાલભાઈનું અયોધ્યાપ્રસાદજી મહારાજે અપમાન કર્યું ત્યારે એમ બોલ્યા જે, “આપ શ્રીજીમહારાજના મુક્ત છો ને મોટા મોટા ઈશ્વરોને તથા બ્રહ્મને તથા અક્ષરોને પણ આપનાં દર્શન દુર્લભ છે એવા મોટા છો તે આપ અપમાન કરો એવું મારું મોટું ભાગ્ય ક્યાંથી હોય !” એવું નિર્માનીપણું ને દાસપણું આવે તેને કલ્યાણમાં કાંઈ બાકી રહે નહીં. એનું તો છતા દેહે કલ્યાણ થઈ રહ્યું છે. પછી બોલ્યા જે, કથા વાંચો.
પછી છેલ્લા પ્રકરણનું ૨૩મું વચનામૃત વાંચવા માંડ્યું, તેમાં ત્રણે ઋતુની માનસીપૂજાની વિક્તિ આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પર્વતભાઈ સાંતી હાંકતાં હાંકતાં માનસીપૂજા કરતા હતા, તે તાંસળું પડી ગયું તેવી કરવી, પણ દોડાદોડ ન કરવી. શ્રીજીમહારાજના સ્વરૂપમાંથી કોઈક કાઢે ત્યારે નીકળાય એવી કરવી, પણ માનસીપૂજા કરતા હોય ને કોઈક પૂછે જે, કપચાની ટોપલી ક્યાં છે ? ત્યારે સાન કરીને બતાવે એમ ન કરવું. જેટલી ઘડી માનસીપૂજા કે પૂજા કરવી ત્યાં સુધી મૂર્તિ વિના બીજું સંભારવું નહીં. મોટા આગળ માન મૂકે ને ગરજવાન થાય તો એવી સ્થિતિ થાય. “માન મૂકી મહંતને મળિયે, જેમ વાળે તેમ વળીએ.” એ સાખી બોલ્યા. પછી બોલ્યા જે, જેમ વૈશાખ-જેઠમાં કોયલનું ગળું ઊઘડે અને અષાડ માસમાં બપૈયાનું ગળું ઊઘડે, તેમ આ અવસર તેવો મળ્યો છે. સંવત ૧૮૩૭ની સાલથી આ અવસર આવ્યો છે. આવા મહારાજ ને આવા મુક્ત તે ક્યાંય નથી, અહીં જ છે; માટે તેનો કેફ રાખવો ને અધૂરું ન માનવું. આવો મહિમા ન સમજાય તેને નિશ્ચય નથી. જેમ બાળક પાસે રૂપિયાનો ને હીરા-માણેકનો ઢગલો કરીએ તોપણ ભૂખ્યો હોય તો રુએ કેમ જે રૂપિયામાં બધી વસ્તુ છે તેની ખબર નથી; જ્યારે તેની ખબર પડે છે ત્યારે દરિયામાં દેહ ફગાવીને પણ કરકા સારુ રૂપિયા લઈ આવે છે; તેમ શ્રીજીમહારાજ પાસે બેઠા હોય પણ નિશ્ચય ન હોય તો મહિમા ન સમજાય ને સુખ ન આવે. જો નિશ્ચય થાય તો ઠેઠ અક્ષર સુધી ખોટું થઈ જાય. અક્ષરથી પર અક્ષરધામ તેમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ ને તેમના અનાદિમુક્ત રહ્યા છે, તેમની સભા આ બેઠી છે; માટે ધામમાં જાવું છે જાવું છે એમ ન કરવું. મુમના અઠે દ્વારકા કરી આવ્યા; તે વટલાઈ ગયા એમ ન કરવું. એટલે જે મુક્ત ન હોય તેને મુક્ત જાણીને વળગી ન રહેવું. નિશ્ચયની વાત અટપટી છે, ને તે કહેતાં બીક લાગે છે જે રખે મૂળગેથી જાય. મોટા મોટા સંતને નિશ્ચયમાંથી બ્રહ્મા જેવા આવીને ડોલાવે તોપણ ડગમગાટ થાય નહિ, એવા છે. મહારાજ ને મોટાને ઓળખવા જોઈએ. આ લોકની સિદ્ધિઓ જે ખાવા-પીવાના પદાર્થ તેમાંથી રાગ ટળી જાય તો દેહની વિસ્મૃતિ થાય, ત્યારે કોઈ આવરણ કે કોઈ ધામ આડાં આવે નહીં. મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, હે મહારાજ ! મને ક્ષયરોગ થયો છે, તે મટાડો તો હું આપનો મહિમા કહીને આપની ઉપાસના પ્રવર્તાવું ને આપનો દિગ્વિજય કરું. પછી મહારાજે એમનો ક્ષયરોગ મટાડ્યો ને કહ્યું જે, બેસો ખુરશીએ ને વાત કરો. પછી મુક્તાનંદ સ્વામી ખુરશીએ બેસીને વાત કરવા લાગ્યા ત્યારે સંત ઊઠી ગયા ને કેટલાક સંત તુંબડા ઘસવા લાગ્યા ને કેટલાક પુસ્તક શોધવા મંડ્યા ને કેટલાક પાઠ ભણવા મંડ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ ! મારી વાતો તો કોઈ સાંભળતા નથી ને બધાય ઊઠી ગયા. ત્યારે મહારાજે કહ્યું જે, બધાય ધામમાંથી આવેલા છે, તે તમારી વાતો સાંભળે તેવા નથી. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ, હું એકલો જ સકામ થયો.” માટે સકામ થાવું નહીં. ।। ૨૦૬ ।।
વાર્તા ૨૦૭
વૈશાખ વદ ૧૦ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે મૂળજી બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામીએ ચાર દિવસ સુધી શ્રીજીમહારાજના થાળનું વહેલું-મોડું કર્યું. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “યજ્ઞ કોના સારુ કરો છો ? અમને તો ચાર દિવસથી ટાણે ટાણે જમાડતા નથી.” માટે કેવળ ક્રિયારૂપ ન થાવું; ને સર્વે ક્રિયામાં શ્રીજીમહારાજની સ્મૃતિ રાખવી પણ મહારાજને ભૂલીને કાંઈ ક્રિયા કરવી નહીં. પછી બોલ્યા જે, કથા વાંચો.
પછી પ્રથમ પ્રકરણનું ૬૩મું વચનામૃત વાંચવા માંડ્યું; તેમાં નિશ્ચયની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજને અંતર્યામી કહે પણ જાણે નહિ અને મારું કલ્યાણ થાશે કે નહિ એવા ઘાટ થાય તે નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો કહેવાય. અને પૂર્ણાનંદ સ્વામી જે ગજો ગઢવી તે માને કરીને ગયા અને ગૃહસ્થાશ્રમ કર્યો તોપણ શ્રીજીમહારાજનો નિશ્ચય જો બરાબર હતો તો અંત સમયે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તેડવા આવ્યા. તેમને કહ્યું જે, તમારો તેડ્યો નહિ આવું; મહારાજ આવશે ત્યારે આવીશ, પછી તે પાછા ગયા ને શ્રીજીમહારાજ પધાર્યા ને કહ્યું જે ચાલો, ત્યારે પોતે બોલ્યા જે, ગામમાં પરચો આપીને તેડી જાઓ તો આવું. પછી મહારાજ આખા ગામને દર્શન આપીને તેડી ગયા. તેમને પરિપક્વ નિશ્ચય હતો તો ત્યાગી મટીને ગૃહસ્થ થયા તોપણ મારું કલ્યાણ થાશે કે નહિ થાય, એવો સંકલ્પ જ થયો નહિ; એનું નામ નિશ્ચય કહેવાય.
અને ડુમાલી ગામમાં રામજી ઠક્કર હતા, તેમને સંવત ૧૯૪૬ના વૈશાખ માસમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સાત મુક્ત તેડવા આવ્યા ત્યારે તેમણે કહ્યું જે, મેં શિક્ષાપત્રીનું કિયું વચન લોપ્યું છે, તે શ્રીજીમહારાજ ન આવ્યા ? તે કહો. ત્યારે મુક્ત બોલ્યા જે, શિક્ષાપત્રીનું વચન તો લોપ્યું નથી. ત્યારે તે ભક્ત બોલ્યા જે, તો તો તમારો તેડ્યો નહિ આવું. પછી મુક્ત બોલ્યા જે, આજથી ચોથે દહાડે એકાદશીને દિવસ શ્રીજીમહારાજ તેડવા પધારશે, એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી એકાદશીને દિવસે મહારાજે દર્શન આપ્યાં ને કહ્યું જે ચાલો, ત્યારે તેમણે એમના મોટા ભાઈ જે પ્રાગજીભાઈ, તેમને તથા તેમની માતુશ્રીને કહ્યું જે, મહારાજ તેડવા પધાર્યા છે ને હું જાઉં છું. પછી એમની માતુશ્રીએ કહ્યું જે, તારે સાટે મને લઈ જાય એમ મહારાજને કહે. ત્યારે તેમણે કહ્યું જે, મારું બગાડીને તારું કેમ સુધારું ? મને આ નર્કરૂપ દેહમાંથી છોડાવીને પોતાની મૂર્તિને સુખે સુખિયો કરવા પધાર્યા છે, તે સુખ મૂકીને નર્કમાં શું કરવા રહેવું પડે ? પછી એમની માતુશ્રીએ કહ્યું જે, મને મહારાજ ક્યારે લઈ જાશે તે તો પૂછી જો. પછી તેમણે મહારાજને પૂછ્યું, ત્યારે મહારાજ બોલ્યા જે, “આજથી બે વર્ષે તારી માતુશ્રીને લઈ જઈશું અને પાંચ વર્ષે તારા મોટા ભાઈને લઈ જઈશું.” રામજી ભક્તે એ વાત પોતાના ભાઈ તથા માતુશ્રીને કહી દેહ મેલ્યો. એ પ્રમાણે એમની માને તથા એમના ભાઈને મહારાજ તેડી ગયા હતા. એમ પરિપક્વ નિશ્ચયવાળાને ડગમગાટ ન રહે. પછી વાર્તાની સમાપ્તિ કરીને સંત સર્વે થાળ કરવા ગયા અને થોડીક વાર પછી બાપાશ્રી જમવા પધાર્યા ને સંતની જમવાની પંક્તિ થઈ હતી, એમને દંડવત કરીને દર્શન કરતા હતા. ।। ૨૦૭ ।।
વાર્તા ૨૦૮
વૈશાખ વદ ૧૦ને રોજ બપોરે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી, તે કથાની સમાપ્તિ કરી પોતે તથા સંત પોઢી જતા હતા. અને બે કલાક પછી વાડીએ સંત સહિત નાહવા પધાર્યા ને પોતે વાડીમાં બાજરી જોઈને કૂવા પાસે જાંબુડાના ઝાડ તળે બેસતા હતા અને સંત કાકરવાડીએ નાહવા જતા હતા. તે સ્નાન કરીને બાપાશ્રી પાસે નવી વાડીએ આવ્યા ને પછી સંત-હરિજનોએ બાપાશ્રીની ચંદન-પુષ્પ વડે પૂજા કરી અને બાપાશ્રી નાના પ્રકારનાં ફળ-ફૂલની પ્રસાદી સંત-હરિજનોને આપતા હતા. પછી બોલ્યા જે, આ પ્રસાદી ને આ દર્શન અને આ જોગ બહુ દુર્લભ છે ને શ્રીજીમહારાજ ને મોટા તો જેવા ધામમાં છે તેવા ને તેવા જ દિવ્ય છે અને આ મનુષ્યભાવ તો પોતાના સંકલ્પે કરીને દેખાડે છે, માટે જે જોઈએ તે પ્રત્યક્ષ મહારાજ ને મોટા મળ્યા છે. આ પ્રાપ્તિ મોટી છે. અતિશય મોટી છે, અને કિયા સ્થાનમાં બેઠા છીએ ને કોનો જોગ થયો છે ? તો અનાદિમુક્ત સાક્ષાત્ મળ્યા છે. એટલી વાત કરીને જાંબુના ખોબા ભરી ભરીને સંત-હરિજનોને આપતા હતા, એવી રીતે જાંબુફળ જમાડીને મંદિરમાં આવતા હતા. પછી શ્રી ઠાકોરજીનાં દર્શન કરીને વચનામૃતની કથા વંચાતી. તે પ્રથમ પ્રકરણનું ૩૮મું વચનામૃત વંચાતું હતું, તેમાં જીવની વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જીવ છે તે વસ્તુગતે ચોખ્ખો કંચન જેવો છે પણ સંગદોષે કરીને અવરાઈ ગયો છે પણ મૂળ ચોખ્ખો છે; તો જ મૂર્તિમાં ચોંટાય છે.
પછી કરાંચીવાળા લાલુભાઈએ પૂછ્યું જે, લોયાના ૭મા વચનામૃતમાં કહ્યું છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ ત્રણેય પહોંચે નહિ તેને તો જન્મ-મૃત્યુ થાય તે તો ઠીક, પણ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો જે કૈવલ્યાર્થી તેને જન્મ-મૃત્યુ કેમ છે ? કારણ કે ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષરબ્રહ્મ તેમાં લીન થયો જે કૈવલ્યાર્થી તે તો નદી સમુદ્રવત્ બ્રહ્મમાં ભળી ગયો તે કેમ સૃજાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કૈવલ્યાર્થી જળમાં પાષાણવત્ તથા વૃક્ષે ખગવત્ લીન થાય છે, પણ સમુદ્રમાં નદીવત્ લીન થાતો નથી, તે જ્યારે શ્રીજીમહારાજ કૃપા કરીને જીવોનો મોક્ષ કરવા પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તે કૈવલ્યાર્થી ઉપર દયા કરીને તેઓને પણ સૃષ્ટિ ભેળા સૃજે છે, કેમ જે વિષયમાં લુબ્ધ જીવો ઉપર દયા કરે છે. તો કોઈ પણ સાધને કરીને બ્રહ્મ સુધી પહોંચ્યો હોય તેના ઉપર દયા કરે એમાં શું ? એ તો કરે જ. માટે શ્રીજીમહારાજ એને સૃષ્ટિમાં લાવીને પોતાની સાકારપણાની ઉપાસના કરાવીને મોક્ષ કરે છે.
પછી બીજી વાત કરી જે, એક સમયે વડોદરામાં શ્રીજીમહારાજને ને ગોસાંઈજીવાળાને સંવાદ થયો. તેમાં શ્રીજીમહારાજના ભણેલા સૌ સાધુ અને ગોસાંઈજીના સૌ શાસ્ત્રીઓ તેમને સામસામો સંવાદ કરવો અને તેમાં જે હારે તેને મુસલમાન કરવા એવો ઠરાવ કર્યો. પછી નિત્ય સભા થાય ને પ્રશ્ન-ઉત્તર ને સંવાદ થાય તેમાં ગોસાંઈજીવાળાની જીત થાય અને મહારાજના સંત હારે; તોપણ સંત કહે જે, કાલે ગોસાંઈજીવાળાને જીતી લઈશું, પણ સંત તો નિત્ય હારતા જાય અને મહારાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને સંભારે ને કહે જે,
અહો ! અમારું રત્ન આવ્યું નહીં. એમ કરતા એક દિવસ બાકી રહ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી આવ્યા. એમને જોઈને મહારાજ બહુ રાજી થયા ને કહ્યું જે, અમારું રત્ન આવ્યું, હવે અમારી જીત થશે. પછી બીજે દિવસે સભા થઈ અને શ્રી ગોપાળાનંદ સ્વામી સભામાં આવીને બેઠા, ત્યારે શાસ્ત્રીઓએ તથા બીજા સર્વેએ સ્વામીશ્રીને તેજોમય ને ચારેકોરે અનંત દેવો ને અનંત અવતારો સ્તુતિ કરતા તથા અનંત નાના પ્રકારનાં ઐશ્વર્ય સહિત દેખ્યા, એટલે શાસ્ત્રીઓ તો સ્વામીશ્રીનું આવું આશ્ચર્યકારક ઐશ્વર્ય જોઈને દબાઈ ગયા ને કહેવા લાગ્યા જે, “અમે હાર્યા ને તમે જીત્યા.” એમ કહીને વંદના કરવા લાગ્યા ને મહારાજની જીત થઈ. પછી શ્રીજીમહારાજ કહે જે, સંતો તો હારીને અમને મુસલમાન કરાવનારા હતા; પણ આ ગોપાળાનંદ સ્વામીએ આવીને અમારી જય કરાવી. આમાં સમજવાનું એ છે જે, હજારો સાધનિક સંત હોય તે એક અનાદિમુક્તની તુલ્ય ન થાય, એવી અનાદિમુક્તની અલૌકિક સામર્થી છે. ।। ૨૦૮ ।।
વાર્તા ૨૦૯
વૈશાખ વદ ૧૧ને રોજ બાપાશ્રી સર્વે સંત, બ્રહ્મચારી, હરિજનો સહિત છત્રીએ પધાર્યા હતા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે વચનામૃતની ટીકાની કથા કરાવી. પછી બાપાશ્રીએ પુસ્તકની પૂજા કરી અને પછી સૌ સંત, બ્રહ્મચારી, હરિજનોએ બાપાશ્રીની પૂજા કરી. પછી બાપાશ્રી સર્વે સંત, બ્રહ્મચારી, હરિજનોને ચંદન ચર્ચીને બોલ્યા જે, આજ તો જેવો પર્વતભાઈએ યજ્ઞ કર્યો હતો જે, મારી નજરે જે પડે તે સર્વેને હું અંતકાળે આવીને અક્ષરધામમાં લઈ જઈશ, એવો આ યજ્ઞ છે. આ ટાણે જે જે અમારી નજરે પડ્યા તે સર્વેને અમે અક્ષરધામમાં લઈ જાશું, એમ વર આપીને પછી ત્રણ ફેર ફરતા કરાવીને રાસક્રીડાનાં કીર્તન ગવરાવ્યાં. પછી કાળી તલાવડી સામા છત્રીના ઓટા ઉપર પગથિયાં પાસે ઉગમણા મુખારવિંદે વિરાજમાન થયા અને સંત, બ્રહ્મચારી, હરિજનોએ છત્રીની ચારે પાસે ફરતાં ઘણી વાર સુધી કીર્તન ગાયાં. તે સમયે આકાશમાં વાદળ છાઈ રહ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ મુક્તોએ વિમાન સહિત આકાશમાં આવીને આપણને છાંયો કર્યો છે. શ્રીજીમહારાજે પંચાળામાં રાસ રમાડ્યો હતો, તે દિવસે અર્ધો કળિ કાઢી મૂક્યો હતો. અને સાત ફેર કર્યા હતા ને જેટલા સંત હતા તેટલાં રૂપ ધારીને તેમના ભેળા ફરતા, એવાં દર્શન દીધાં હતાં. એમ વાત કરીને પછી મંદિરમાં પધાર્યા ને નારાયણપુર, કેરા આદિના હરિભક્તો સૌ પોતપોતાને ગામ ગયા.
પછી તે જ દિવસે બપોરે સભા કરી તે વખતે પ્રથમ પ્રકરણનું ૬૯મું વચનામૃત વંચાતું હતું, તેમાં હિંસાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૃગાસુર નામનો દૈત્ય બગીચો ખોદતો હતો, તેને રામચંદ્રજી મારવા ગયા હતા ત્યારથી હિંસા ચાલી છે, પણ હિંસા કરવી તે રાજાનો ધર્મ નથી.
પછી વાત કરી જે, સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી માંદા હતા ત્યારે અમે અમદાવાદ ગયા હતા. પછી સ્વામીશ્રી અમારા સામું જોઈને બહુ રાજી થયા ને કહ્યું જે, તમે આવ્યા તેથી બહુ શાંતિ થઈ ને હવે અમારો મંદવાડ મટી જશે. એમ મોટાનો મહિમા મોટા જાણે. અમે એકાવનની સાલમાં કચ્છથી ગુજરાત જતાં ગઢડે ગયા, ત્યારે ભૂજથી ઉપરદળ રામજીભાઈને કાગળ લખ્યો હતો જે અમે અહીંથી નીકળ્યા છીએ, તે જૂનાગઢ, ગઢડા થઈને અમદાવાદ આવીશું. તે કાગળ વાંચી રામજીભાઈ રેલે બેસી નીંગાળે ઊતર્યા ને એકો ભાડે કર્યો ને એકાવાળાને પૂછ્યું જે, કચ્છના કોઈ આવ્યા છે ? ત્યારે તેણે કહ્યું જે, ઘેરવાળાં કેડિયાં પહેર્યાં હતાં ને સૂંથણાં પહેર્યાં હતાં ને સવારે ઘેલામાં નાહવા જતા હતા, એવા કોઈક આવ્યા છે ખરા. પછી રામજીભાઈ મંદિરમાં દર્શન કરવા ચઢ્યા, ત્યાં ઠાકોરજી પાસે અમે ઊભા હતા તે મળ્યા. પછી એકાવાળાને ભાડા સિવાય એક રૂપિયો ઇનામ આપ્યો. ત્યારે અમે કહ્યું જે, એક રૂપિયો વધારે કેમ આપ્યો ? ત્યારે રામજીભાઈએ કહ્યું જે, માણસો દીકરાની વધામણી ખાય તેને દસ-વીસ રૂપિયા આપી દે છે તો આ તો આપની વધામણી ખાધી તેને તો હજાર રૂપિયા આપીએ તોપણ ઓછા છે. તમારી વધામણી ક્યાંથી હોય ! એવા મહિમાવાળા હતા. એમ કહીને પછી બોલ્યા જે, આ દર્શન ક્યાંથી મળે ? મોટા મોટા સદ્ગુરુની પાસે જાવું પણ કઠણ પડતું અને આ તો બાળક જેમ માવતરના ખોળામાં આળોટે તેમ ચરણમાં સૌ લોટો છો ને આવા અનાદિમુક્ત સાથે ભાષણ કરો છો તે કેટલી મોટી પ્રાપ્તિ કહેવાય ! ઇત્યાદિક વાતો કરીને પોઢી ગયા.
પછી સાંજના કાકરવાડીએ નાહવા પધાર્યા. ત્યાં નાહીને આંબા નીચે બેસીને માનસીપૂજા કરીને પછી સંત સહિત નવા ડહેલામાં જઈને બેઠા. તે સમયે બાપાશ્રી કરુણા કટાક્ષે કરીને સંત-હરિજનો સામું જોઈને બોલ્યા જે, આ સભા દિવ્ય છે. અને આ સભામાં આ મુક્તને વિષે દિવ્ય મૂર્તિ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ વિરાજીને મંદ મંદ જુએ છે, મંદ મંદ હસે છે, મંદ મંદ પ્રસાદી આપે છે; જો ઓળખાય તો. પણ જીવ ઓળખતો નથી ને માયાનો લહરકો લેવા જાય છે. જેમ એક બ્રાહ્મણ ચક્રવર્તી રાજા પાસે દાન લેવા ગયો. પછી રાજાએ તેની પરીક્ષા લેવા માટે સારાં સારાં ભોજન તથા પલંગ તથા સેવક તેની સેવામાં આપ્યા અને કહ્યું જે, બપોરે બાર વાગે દાન લેવા આવજે, તો પાંચ હજાર સોનામહોરો આપશું. પછી તે બ્રાહ્મણ સારી પેઠે ભોજન જમીને જરાક પલંગ ઉપર સૂતો ને સેવક પગચંપી કરવા લાગ્યા, તેથી ઊંઘ આવી ગઈ ને દાન લેવાનો વખત વીતી ગયો. પછી રાજા પાસે ગયો, ત્યારે રાજા કહે જે, વખત વીતી ગયો, હવે નહિ મળે. તેમ આ જીવ માયાનો લહરકો લેવા જાય છે ને મહારાજને ને મોટાને ભૂલી જાય છે. તે માયાનો ત્યાગ કર્યો હોય તોપણ અંતરમાં તેનો રાગ રહી જાય છે, એવા જીવના સ્વભાવ છે; તે ભગવાન જેવડી વસ્તુને શી રીતે ઓળખી શકે ? એમ વાત કરીને પછી સૌ સંતોને મળીને અતિ આનંદિત કરીને મંદિરમાં પધારતા હવા. અને આરતી થઈ રહ્યા પછી સંતોને સભામાં વાત કરવાની આજ્ઞા કરી અને કહ્યું જે, કાલે તમારે ચાલવાનું છે; માટે હરિભક્તોને વાત કરજો. પછી સંતોએ સભામાં વાત કરી ને સમાપ્તિ વખતે હરિભક્તોને કહ્યું જે, કાલે અમારે ચાલવું છે. પછી બીજે દિવસે પારણાં કરીને સંત તથા હરિજન સર્વે ભૂજ થઈને ઝાલાવાડ તથા ગુજરાત તરફ આવ્યા. ।। ૨૦૯ ।।
વાર્તા ૨૧૦
સંવત ૧૯૭૬ના શ્રાવણ માસમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ બાપાશ્રીને મૂળીએ તેડી લાવવા કચ્છમાં ગયા હતા. ત્યાંથી બાપાશ્રી પચાસ હરિજનોએ સહિત મૂળી પધાર્યા અને ત્યાંથી ભૂજના રાજાના હજૂરી ઘેલાભાઈ તથા ધનજીભાઈ આદિ પાંચ હરિજનોને શ્રીયુત્ મહારાજશ્રીને તેડવા અમદાવાદ મોકલ્યા અને કહેવરાવ્યું જે તમે અહીં આવો, અમે તમારું સારી રીતે સમાધાન કરીશું, તોપણ તે આવ્યા નહીં. પછી બાપાશ્રી કચ્છમાં પધાર્યા. તેમને મૂકવા સારુ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ ગયા હતા.
ભાદરવા વદ ૧૦ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૨૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારેનું સ્વરૂપ સત્પુરુષના સમાગમે પમાય છે, પણ તે વિના શાસ્ત્રમાંથી પોતાની માયિક બુદ્ધિએ કરીને પમાતું નથી. શાસ્ત્ર તો દિશ બતાવે છે, પણ મોટા મળે ત્યારે વાસ્તવિક સમજાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે મહારાજની તથા અનાદિમુક્તની શક્તિઓ છે, તે સત્પુરુષના સમાગમે કરીને જીવને વિષે આવે છે, ત્યારે જીવને મુક્ત કરે છે. જેમ આંબા આદિ ઝાડમાંથી ફળ થાય છે તેમ મૂર્તિમાંથી ને મુક્તમાંથી એવા અનંત ઐશ્વર્ય પ્રગટ થાય છે ને લીન થાય છે. પછી કેટલાક સંતોને ઊંઘતા જોઈને બોલ્યા જે, સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! સભામાં ઝાંપડી આવી છે, તે આવવા દેવી નહીં. એક સમયે મુક્તાનંદ સ્વામીને ઊંઘ આવી ત્યારે મહારાજ કહે, “ઝાંપડી આવી, માટે સ્નાન કરી આવો.” પછી તે સ્નાન કરી આવ્યા. અને અક્ષરજીવનદાસજી સ્વામીને જ્યારે ઊંઘ આવતી ત્યારે લોઢાનો ખીલો ઘૂંટીમાં મારતા, એવો ખટકો રાખવો. એક સમયે બદરિનાથાનંદ સ્વામી અહીં આવ્યા હતા, તેમના એક સાધુ ઊભા ઊભા ઊંઘતા હતા તે તાસડાના કાંઠા ઉપર પડ્યા ને તાસડો ઊભો થયો તે દીવાને ભટકાઈને સાધુ ઉપર પડ્યો તેથી દીવો ઓલાઈ ગયો ને સાધુને વાગ્યું; એવી ઊંઘ છે. તે જો આ કથા-વાર્તામાં ચિત્ત રાખે તો ઊંઘ ન આવે. રામપરાના હરિભક્ત ભવૈયા જોવામાં ચોયણામાં લઘુ કરી ગયા, એવું તાન માયામાં છે; તેવું હેત કથામાં કરવું. અને ગઢડામાં એક હરિભક્ત વાતો સાંભળવામાં એકવૃત્તિ રાખીને લઘુ કરવા ન ઊઠ્યા ને પેડુ ફાટીને લઘુ નીકળ્યું, એવી આસક્તિએ સહિત વાતો સાંભળતા. ત્યારે કોઈ કહે જે, લઘુ દ્વારે લઘુ નીકળે પણ પેડુ કેમ ફાટે ? તો એ તો શ્રીજીમહારાજે જણાવ્યું જે, આમને આવું હેત વાતોમાં છે માટે એવું હેત રાખવું અને ત્રિવિધિ તાપે પણ અંતર ડોલવા દેવું નહિ એમ વર્તવું.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, સમાધિવાળાને સમાધિ દેહમાં થાતી હશે કે જીવ દેહથી બહાર નીકળતો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અંતઃકરણમાં જીવ રહે છે ત્યારે જ સમાધિ થાય છે, એટલે સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહમાં જીવ જાય છે તે સૂક્ષ્મ દેહમાં રહીને સર્વેને જુએ છે; અને એ પાછો સ્થૂળ દેહમાં આવે છે તે વિષયની આસક્તિથી અવાય છે. અને જે કોઈકના સમાસને અર્થે સમાધિ કરતા હોય તે તો સ્વતંત્રપણે જાય, આવે, લઈ જાય, લાવે; એ તો સમર્થ કહેવાય. એ તો ઘણા જીવોને સમાસ કરવા માટે પોતે સ્વતંત્ર સમાધિ કરે, તેમાં બીજા જીવને સમાસ બહુ થાય. અમે એટલા સારુ સમાધિ કરતા પણ અમે તો સદાય મૂર્તિમાં ઝીલીએ છીએ, તે કેટલાકના જાણ્યામાં ન આવે. સમાધિ કરીએ ત્યારે ઘણા જીવને આશ્ચર્ય થાય જે સમાધિવાળા છે તે બહુ મોટા છે, પણ મૂર્તિમાં ઝીલીએ તેમાં આશ્ચર્ય ન થાય, કેમ જે એ કોઈના દેખ્યામાં ન આવે; માટે સમાધિ કરીને પ્રખ્યાતિ કરી અને હવે વાર્તા કરીને જ્ઞાન આપીને મોક્ષ કરીએ છીએ. અમે જન્મ્યા નથી અને આ લોકમાં છીએ પણ નહિ; સદા મૂર્તિમાં જ છીએ, તે શ્રીજીમહારાજે મધ્ય પ્રકરણના ૧૩મા વચનામૃતમાં કહ્યું છે જે, “માતાના ઉદરમાં મૂર્તિ દેખતા” તે મુક્તની સ્થિતિ કહી છે. આજ આવા મોટાપુરુષને મહારાજે મોકલ્યા છે, માટે આ દાવ હારવો નહીં. આ શબ્દ જીવમાં ઉતારતા આવો તો જીવ પાત્ર થતો આવે. આ વખતે શરદઋતુ છે. જો આ વાતોમાં આતુરતા હોય તો મહારાજની મૂર્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય ને એક એક શબ્દ લાખ-કરોડ રૂપિયાનો થઈ પડે. જો આ શરદઋતુ જાણી હોય તો જેમ ફળ-પુષ્પની ઉત્પત્તિ થવાની ઋતુ આવે છે, તેમ આ મોક્ષની ઋતુ આવી છે. અમારા મુખમાંથી વચન આવે છે તે સ્વાંત છે, તેને ઝીલનાર હોય તો કાંઈનાં કાંઈ ફળ પાકી પડે. બીજા અવતારો હતા તે શરદઋતુ ન કહેવાય. આજ શરદઋતુ ખરી આવી છે. તે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે જે, “શરદઋતુમાં આવે જો શ્યામ, રંગભર રમીએ.” આ સંત અક્ષરધામનો દરવાજો છે. અમે શ્રીજીના મુખમાંથી લઈને સુખ પ્રવર્તાવીએ છીએ; અને મૂર્તિમાંથી લઈને વાતો કરીએ છીએ ને મૂર્તિનો રસ પ્રવર્તાવીએ છીએ; એ સ્વાંત વરસાવીએ છીએ, તે કંઈકનાં કામ થઈ જાય છે. સાધુ થઈને સંત થાવું. જે શ્રીજીમહારાજની મૂર્તિના સુખનો આહાર કરે તે સંત થાય, માટે સંત થાવું, અને મહારાજની મૂર્તિમાં ને આ મુક્તમાં વળગ્યા રહે તો સંત થવાય. જેમ વડવાનળ (અગ્નિ) સમુદ્રનું જળ મીઠું કરીને, વરસાવીને ચાર ખાણના જીવોને સુખિયા કરે છે તેમ આ મુક્ત જીવોને સુખિયા કરે છે, માટે સમજીને મહિમા જાણીને સંગ કરવો તો કામ થઈ જાય. સાધુને બે વાત જે જડ ને ચૈતન્ય માયા, તેને હરામ કરીને સાધુ થાવું. આગળ મોટા મોટા સંત ગોળા જમતા, વનમાં રહેતા, જીવડાં કરડે તેને ઉડાડતા નહિ, ને બે દિવસે, ત્રણ દિવસે, ચાર દિવસે ગોળો મળે તોપણ આનંદમાં રહેતા ને મૂર્તિના સુખે સુખી રહેતા. તે મોટેરા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કોઈ દિવસ છાશ કે ગળ્યું કે રહેવાનું કે લૂગડાં તે દેખતા નહિ તોપણ આનંદમાં રહેતા; માટે આપણે પણ ઠરાવ એવા રાખવા. અને આવાં મોટાં મંદિરો કર્યાં પણ એક ખીંટી સરખીય પોતાની કોઈએ રાખી નથી; તેમજ આપણે પણ એ મોટા રાખી ગયા તેમ રાખવું. ગૃહસ્થને આવી હવેલીઓ ન હોય ને પત્તરમાં જે જમવાનું આવે છે તેવું જમવાનું પણ ગૃહસ્થને ન હોય તોપણ ઊઠીને ભાગવા માંડે એ કેવા કહેવાય ? દુઃખના દરિયામાં દોટ દે એવી ઊંધાઈ જીવને છે. એક બ્રહ્મચારી મૂળીમાં હતા તે ઘેર ગયા, તે વખતે સ્વામી હરિનારાયણદાસજીએ મને કહ્યું જે, એને સમજાવો, બિચારો દુઃખિયો થશે. તે સમજાવ્યો પણ રહ્યો નહિ ને એને ઘેર કોઈ હતું નહિ, તોપણ ગયો; એવા જીવ ઊંધા છે. માટે શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ જેવા હતા તેવો હું થાઉં, એવા ઠરાવ કરવા, પણ ઊતરતા જેવાના ઠરાવ ન કરવા. અને ગૃહસ્થોએ પણ પર્વતભાઈ તથા દાદાખાચર હતા, તેમના જેવા થવાના ઠરાવ કરવા પણ આ લોકના સુખના ઠરાવ ન કરવા. સર્વસ્વ ભગવાનને અને સંતને અર્પણ કરી દઉં, એવા ઠરાવ કરવા. સાધુએ ઠાકોરજીની તથા સંતની ચંદન, પુષ્પ ને ફળ, જળે કરીને સેવા કરવી; પણ સાધુ કથા-વાર્તા કરતા હોય તેને સાધુએ ધોતિયાં ઓઢાડવાં નહીં. એક ત્યાગીએ મુંબઈથી લૂગડાં મંગાવીને પહેર્યાં, તે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ એની ઘણી વલે કરી. પણ મોહ ન મુકાય. અમારે અહીં હીરો ભક્ત હતા, તેની પાસે સાધુએ જીરું મંગાવ્યું તે કેરા ગામમાં જઈને લાવી આપ્યું, એવો સ્વાદ રાખે તેને આ વાત શું સમજાય ને ક્યારે ભગવાનમાં પ્રીતિ થાય ને ક્યારે સાધુ થવાય ને ક્યારે મહારાજ મળે ને ક્યારે મોક્ષ થાય ? એ બધુંય વિચારવાનું છે. માટે એવું કામ ન કરવું. આગળ સંતો ગોળા જમતા તેમાં કોણ જીરું નાખતું હતું ? માટે, એવા રાગ ટાળીને મહારાજ ને મુક્ત સાથે જોડાવું તો મોક્ષ થાય. ।। ૨૧૦ ।।
વાર્તા ૨૧૧
ભાદરવા સુદ ૧૧ને રોજ સવારે બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો છત્રીએ દર્શન કરવા ગયા હતા. ત્યાં દર્શન કરીને બાપાશ્રી છત્રીના ઓટા ઉપર વિરાજ્યા. તે વખતે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ડાંગરવામાં શ્રીજીમહારાજ પધાર્યા હતા, ત્યાં જતનબાએ પોણોસો માણસની રસોઈ કરી હતી, તે શ્રીજીમહારાજે ચાર સંતોને જમાડી દીધી; અને જીવાખાચરની હજાર મનુષ્યની રસોઈ એક સચ્ચિદાનંદ સ્વામી જમી ગયા, તે પરભાવનાને જમાડ્યા. એવા મોટા સંત મળે ને તેમને જમાડે તે મહારાજ ને મુક્ત જમી જાય. માટે હરકોઈ અભ્યાગત આવે તેને અન્ન આપવું. કેમ જે તેમાં મોટા મુક્ત આવ્યા હોય તે જમે તો બહુ ફળ થાય. બુધેજમાં શ્રીજીમહારાજે ખોડાભાઈની મા પાસે રોટલો માગ્યો પણ આપ્યો નહિ તે એને બહુ ખોટ આવી. અને જેતલપુરમાં કોઠાના ઉગમણા દરવાજા પાસે વાવ છે ત્યાં એક વડ છે, તે વડ તળે શ્રીજીમહારાજ વનમાંથી આવતા બેઠા હતા, ત્યાં ગંગામા આવીને કહેવા લાગ્યાં જે, બાવા, જમવા ચાલો. ત્યારે મહારાજે ચરિત્ર કર્યું જે, અમે તો ચાલીને ક્યાંય જતા નથી. ત્યારે ગંગામાએ કહ્યું જે, અહીં શી રીતે આવ્યા ? ત્યારે મહારાજ બોલ્યા જે, અમારા સેવક લાવ્યા. ત્યારે તેમણે કહ્યું જે, સેવક ક્યાં છે ? તમે એકલા છો ને ? ત્યારે મહારાજ બોલ્યા જે, અમારા સેવકો અદૃશ્ય છે, તે તમે દેખી શકો નહીં. ત્યારે ગંગામાએ જાણ્યું જે આ નાનું બાળક છે તે હઠ કરે છે, પણ ભૂખે મરશે એમ જાણીને મહારાજને તેડીને લઈ ગયાં. પછી ઓસરીમાં ઉતારીને સોળે થઈને જમવાનું કાઢી લાવ્યા ને કહ્યું જે, બાવા, જમો. ત્યારે મહારાજ બોલ્યા જે, હું તો દિશાએ ગયો નથી ને દાતણ કર્યું નથી ને નાહ્યો પણ નથી. ત્યારે ગંગામાએ કહ્યું જે, જાઓ, દિશાએ જઈને તળાવમાં નાહી આવો. ત્યારે મહારાજે કહ્યું જે, જેને જમાડવા હોય તે લઈ જાય તો જઈએ, પણ તે વિના જવું પડતું નથી. ત્યારે ગંગામા કહે જે, રોજ કોણ લઈ જાય છે ? પછી મહારાજ બોલ્યા જે, જેને જમાડવાની ગરજ હોય તે લઈ જાય. પછી ગંગામાએ જાણ્યું જે, આ તો ગાંડા છે, તે એનાં માબાપે કાઢી મેલ્યા છે પણ હવે ક્યાં જશે ? એમ જાણીને તેડીને એક કોરે દિશાએ બેસાર્યા અને હાથે પાણી લેવાનું કહ્યું, ત્યારે કહ્યું જે તમારે ગરજ હોય તો ધુઓ. પછી ગંગામાએ ધોયા ને દાતણ પણ પોતાને હાથે કરાવ્યું ને પછી નવરાવીને વસ્ત્ર પણ પોતે પહેરાવ્યાં અને ઉપાડીને ઓસરીમાં લઈ જઈને બેસાર્યા ને કહ્યું જે, જમો. ત્યારે મહારાજે કહ્યું જે, અમારી સેવા કરવાની ગરજ હોય તો જમાડો. પછી પોતાના હાથે કોળિયા લઈને જમાડ્યા, એવી સેવા કરી તો બહુ લાભ મળ્યો; કેમ જે સાક્ષાત્ ભગવાનની સેવા થઈ અને જો એવાં ચરિત્ર જોઈને સેવા ન કરી હોત તો બહુ ખોટ જાત. અને મહારાજે પણ એવી સેવાથી બહુ પ્રસન્ન થઈને પોતાની મૂર્તિમાં તેમની વૃત્તિ ખેંચી લીધી, તેથી તેમને મહારાજ સાથે હેત થઈ ગયું. તે મહારાજ ક્યાંઈક આઘા-પાછા જાય ત્યારે શોધી કાઢીને પોતાને ઘેર લાવે, એમ પંદર દિવસ થયા. એવામાં રામાનંદ સ્વામી અમદાવાદમાં હીરાચંદ ચોક્સીને ઘેર આવ્યા હતા, તેમણે ખબર મોકલી જે, અમે અહીં આવ્યા છીએ ને બે દિવસ રહેવું છે માટે દર્શને આવવું હોય તો આવી જાજો. પછી ગંગામાએ જાણ્યું જે, હું દર્શને જઈશ ત્યારે આ બ્રહ્મચારી ક્યાંઈક જતા રહેશે, એમ જાણી ઘરમાં પૂરી તાળું દઈને અમદાવાદ ગયા. ત્યાં શ્રી રામાનંદ સ્વામીનાં દર્શન કરીને કહ્યું જે, મારે ઘેર એક બ્રહ્મચારી આવ્યા છે, તેમને ઘરમાં પૂરીને આવી છું, તે જો હું રાત રહું તો મૂંઝાય, માટે મેં આપનાં દર્શન કર્યાં ને હવે રજા માગું છું. ત્યારે શ્રી રામાનંદ સ્વામીએ કહ્યું જે, જાઓ, એ બ્રહ્મચારીની સેવા કરજો; બહુ મોટા છે. પછી તે જેતલપુર આવ્યા ને તાળું ઉઘાડીને ઘરમાં જુએ તો મહારાજ ન મળે. પછી ગામમાં ફરીને સર્વેને પૂછી જોયું જે, બ્રહ્મચારી દેખ્યા ? ત્યારે લોકોએ કહ્યું જે, કોઈએ દેખ્યા નથી. પછી જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે ગઢડે ગયા, ત્યારે મહારાજ ઊઠીને કોટે વળગી પડ્યા ને કહ્યું જે, આ અમારી મા આવ્યાં. જેમ મા સેવા કરે તેમ અમારી સેવા જેતલપુરમાં એમણે કરી હતી, માટે આ અમારાં મા છે. એમને સર્વે મા કહીને બોલાવજો; એટલો બધો લાભ ગંગામાને મળ્યો. પછી તે મહારાજની રસોઈ સદાય કરતાં ને મહારાજ ગામોગામ વિચરતા ત્યાં પણ ભેળાં જાય. તે માર્ગમાં અડવાણે પગે સોળે રહીને માથે સગડી મૂકીને માર્ગમાં રસોઈ થતી આવે એમ ચાલતાં એવી સેવા કરી. તેમને એક દિવસે શ્રીજીમહારાજે કહ્યું જે, તમે અમને કેવા જાણો છો ? ત્યારે તેમણે કહ્યું જે, તમે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન છો ને શ્રી રામાનંદ સ્વામી પણ શ્રીકૃષ્ણ ભગવાન હતા, તેના તે તમો છો, પણ શ્રી રામાનંદ સ્વામી ને શ્રીકૃષ્ણ ને તમે જુદા નથી; એક જ છો. ત્યારે મહારાજ બોલ્યા જે, મેર મૂંડી, માથે સગડી ઉપાડીને માથાની ટાલ તો બાળી મૂકી, તોપણ ઓળખ્યા નહીં. અમે તો શ્રીકૃષ્ણથી પર મહાકાળ ને તેથી પર નરનારાયણ, એથી પર વાસુદેવબ્રહ્મ, એથી પર મૂળઅક્ષરના મુક્ત, ને એથી પર મૂળઅક્ષર, અને તેથી પર તો શ્રી રામાનંદ સ્વામી અમારા મુક્ત હતા; અને અમે તો એવા અનંત મુક્તના સ્વામી છીએ, ને શ્રી પુરુષોત્તમનારાયણ છીએ. અમે એક જ ભગવાન છીએ, પણ અમારી કોઈ જોડ નથી ને અમારા જેવો કોઈ થાય તેમ નથી; એમ કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું. માટે ભગવાન ને ભગવાનના મુક્તની સેવા જેવું કોઈ સાધન નથી. પણ ભગવાનની ને સંતની સેવા કરવી તેમાં વિવેક રાખવો. આપણા સંત હૈદરાબાદ ગયા હતા, તે હરિભક્તે રસોઈ કરાવીને જમાડ્યા ને ધોતિયાં ઓઢાડ્યાં, અને વૈરાગીને પણ મોતૈયા જમાડીને ધોતિયાં ઓઢાડ્યાં, એમ ન કરવું; વાપરવામાં પણ વિવેક રાખવો. આપણું તન, મન, ધન છે તેના ધણી સ્વામિનારાયણ છે, તે સત્સંગ વિના બીજે ન વપરાય. સત્સંગમાં પણ ધર્મ વિનાના ને ધર્મવાળા હોય તેમને ઓળખીને ધર્મવાળાની સેવા કરવી અને સમાગમ પણ ઓળખીને કરવો. કોઈ દ્રવ્યના યારી હોય તેની તો કોઈ પ્રકારે સેવા કરવી નહિ, કેમ જે એ તો સ્વામિનારાયણનો છે જ નહિ તેથી તેની કરેલી સેવા શ્રીજીમહારાજને પહોંચે નહિ; માટે સેવા કરવામાં પણ વિવેક રાખવો. ભગવાનની વાર્તા કરવામાં પણ જેવી સભા તેવી વાત કરવી, પણ જે સમજવા માટે પૂછે તેને બરાબર કહેવું. કદાપિ તેમાં કોઈક ન સમજે ને કચવાય તો ભલે પણ બરાબર કહેવું, કેમ જે મહારાજનો મહિમા ઓછો કહીએ તો મહારાજના ગુનેગાર થઈએ અને બીજા સંત કચવાય તેથી મહારાજ કચવાય તો મહારાજનો અપરાધ થાય, માટે મહારાજને ઓછા ન કહેવા. એટલી વાત કરીને પછી સર્વેને મળ્યા ને આશીર્વાદ આપીને મંદિરમાં પધાર્યા. પછી બીજે દિવસે સ્વામી આદિ ભૂજ થઈને અમદાવાદ પધાર્યા. ।। ૨૧૧ ।।
વાર્તા ૨૧૨
સંવત ૧૯૭૮ની સાલમાં બાપાશ્રીએ કણબીની જ્ઞાતિના પટેલિયાઓને તેડાવીને કહ્યું જે, અમે જીવોનાં કલ્યાણ કરવા સારુ આવ્યા છીએ, પણ તમારી નાત કે સગાંસંબંધી નથી. અમે તો સ્વામિનારાયણ ભગવાનના મુક્તાવતાર છીએ. અમારે જીવોના મોક્ષ સારુ યજ્ઞ કરવો છે, તેમાં જે જમે તેનો મોક્ષ કરવાનો સંકલ્પ છે, માટે મોક્ષ જોઈતો હોય તે આ યજ્ઞમાં જમવાની હા પાડો ને મોક્ષ ના જોઈતો હોય તે આ યજ્ઞમાં જમવાની ના પાડો, પણ વર્તમાન લોપનારને ને સત્સંગ બહાર કર્યો હોય તેને તથા તેનો પક્ષ રાખે તેને મૂકીને આવવું પડશે. ત્યારે સર્વેએ હા પાડી જે અમે જમવા આવીશું ને જે બતાવશો તે સેવા કરીશું. પછી ચૈત્ર વદ ૧૨ ને રોજ ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસારવાનું મુહૂર્ત નક્કી કર્યું ને સ્વામી ઈશ્વરચરણદાસજી ઝરિયા તરફ ગયા હતા; તેમના ઉપર રામનવમીને દિવસે બાપાશ્રીએ તાર કર્યો જે, અમે યજ્ઞ કરીએ છીએ માટે તમે તરત આવો. અને એક બીજો તાર કુંભારિયાવાળા મિસ્ત્રી ગોવાભાઈએ અમરસી ઉપર કર્યો ને સ્વામી ઈશ્વરચરણદાસજીને બાપાશ્રી માગે છે માટે તરત મોકલો, પછી સ્વામી ઈશ્વરચરણદાસજી અમદાવાદ આવ્યા ને ત્યાંથી કચ્છમાં ગયા. ત્યાં બાપાશ્રીએ મોટો યજ્ઞ કર્યો ને સંત-બ્રહ્મચારી તથા દેશાંતરના હરિજનો હજારો હજાર આવ્યા હતા. અને ચૈત્ર વદ ૧૨ને રોજ ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસારીને વૈશાખ સુદ ૩ને રોજ સમાપ્તિ કરીને છત્રીએ હનુમાનજી પધરાવ્યા. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, વર આપો. ત્યારે બાપાશ્રીએ વર આપ્યો જે, આ હનુમાનજી સારંગપુરના હનુમાનજીની પેઠે કામ કરશે અને જે આ ઠેકાણે દર્શન કરવા આવશે તે સર્વેને અમે અક્ષરધામમાં તેડી જઈશું. વૈશાખ વદ ૪ને રોજ ઘણાક સંત-હરિજનો પોતપોતાને સ્થાનકે ચાલ્યા. તે સર્વેને સુખડીની પ્રસાદી આપી બાપાશ્રી બોલ્યા જે, આ પ્રસાદી જે જમશે તેને અક્ષરધામમાં લઈ જઈશું. અમારી ક્રિયા તો સર્વે કલ્યાણકારી છે. એમ વાત કરીને સર્વેને આનંદ પમાડતા હતા. ।। ૨૧૨ ।।
વાર્તા ૨૧૩
વૈશાખ સુદ ૫ને રોજ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ગુણાતીતદાસજી તથા સ્વામી ભગવત્સ્વરૂપદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંતોએ બાપાશ્રીને પૂછ્યું જે, મૂળીનો શતવાર્ષિક પાટોત્સવ કરવો કે નહીં ? ત્યારે બાપાશ્રીએ પાટોત્સવ કરવાની આજ્ઞા કરીને કહ્યું જે, અમે આવીશું. પછી તે સર્વે સંત મૂળી તથા અમદાવાદ ગયા. તે વર્ષે વરસાદ નહિ હોવાથી યજ્ઞ કરવાનો વિચાર મૂળીમાં જન્માષ્ટમીના સમૈયામાં બંધ રાખ્યો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પત્ર લખ્યો જે, આ દેશમાં વરસાદ નથી તેથી દુકાળમાં પૈસા ભેગા થાય તેમ લાગતું નથી. માટે જો આપ દયા કરીને વરસાદ કરો તો પાટોત્સવ કરવાની હિંમત આવે. પછી બાપાશ્રીએ લખી મોકલ્યું જે, તમે ખરડો કરવા નીકળશો ત્યાં જ તે દિવસે વરસાદ આવશે ને વર્ષ બહુ સારું પાકશે, માટે વિચાર કાયમ રાખજો. પછી ખરડા કરવા નીકળ્યા તે પહેલાં વાંકાનેર ગયા, ત્યાં માર્ગમાં જ વરસાદ થવા મંડ્યો, તે બધા દેશમાં થયો અને હરિભક્તોએ રાજી થઈને ખરડા કર્યા. પછી સંવત ૧૯૭૯ના પોષ માસમાં રાજકોટથી મનાઈહુકમ આવ્યો જે પાટોત્સવ ન કરવો. પછી પાટોત્સવ ન કરવો એવો ઠરાવ કરવા સારુ વઢવાણ કાંપમાં સર્વે સત્સંગીએ આવવું એવા કાગળો મૂળીથી મોટેરા સાધુ અને મોટેરા સત્સંગીઓએ લખાવ્યા. તે જ દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી, દેવજીવનદાસજી આદિ કચ્છમાં બાપાશ્રી પાસે ગયા. અને સવારમાં સભામાં બાપાશ્રીને પ્રાર્થના કરી જે, પાટોત્સવ ન કરવો એવો મનાઈહુકમ રાજકોટથી વુડ સાહેબનો આવી ગયો અને આજે વઢવાણ કાંપમાં સંત-હરિજનોની કમિટી ભરાઈ હશે તે પાટોત્સવ ન કરવો એવો ઠરાવ કરશે, માટે આપને પૂછવા આવ્યા છીએ જે પાટોત્સવ થશે કે નહિ થાય ? જો મુંબઈ અપીલ કરીએ તો મહા સુદ ૫ નજીક આવી છે તેટલામાં આપણને હુકમ મળે નહિ ને પછી મળે તો કાંઈ કામ ન આવે. પછી બાપાશ્રી બોલ્યા જે, યજ્ઞ થશે માટે પ્રયત્ન કરો, અને સારું કામ છે માટે મહારાજ ને મુક્ત પ્રેરણા કરશે. પછી બળદેવભાઈ શેઠે મૂળી ઠાકોરશ્રી મારફત પ્રયત્ન કરી યજ્ઞ થવા બંદોબસ્ત કર્યો. પછી સત્સંગ ભેળો કર્યો ને પાટોત્સવ કરવાની વાત કરી ત્યારે કેટલાક સંત અને જીવા પટેલ આદિ સત્સંગીઓેએ કહ્યું જે, લાખ રૂપિયાનું કામ છે, તેમાં ખૂટે તો કોણ પૂરું કરે ? પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, લોકમાં વાત ફેલાઈ ગઈ છે ને ન થાય તો ઠીક ન દેખાય. ત્યારે પટેલે કહ્યું જે, માથે કોણ રાખે છે ? પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, શ્રીજીમહારાજ પૂરું કરશે. પછી પાટોત્સવ કરવાનું નક્કી કર્યું. ને બાપાશ્રીને તેડવા પોષ વદ અમાસને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ ગયા, તે રાત્રિએ સ્ટીમર ચાલી નહિ ને મહા સુદ ૧ને રોજ સવારે સાડા અગિયાર વાગે ચાલી તે સાડા ચાર વાગે તુણા બંદરે ઊતર્યા. ત્યાં નાહી, પૂજા કરી, આરતી કરીને પછી તુણે જઈ ગાડી કરી બાર વાગે રાત્રે અંજાર જઈ ઘોડાગાડી કરી મહા સુદ ૨ને રોજ સવારે પાંચ વાગે ભૂજની વાડીએ પહોંચ્યા. ત્યાં નાહી, પૂજા કરીને ભૂજના મંદિરમાં ગયા. ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ તથા પુરાણી કેશવપ્રિયદાસજીએ તથા મહંત સ્વામી મહાપુરુષદાસજીએ કહ્યું જે, બાપાશ્રી તો માંદા છે, તે આવી શકશે નહિ, કેમ જે મોતીભાઈનો દીકરો મગનલાલ ઘણો માંદો છે, તેને દર્શન દેવા પધારવા ઘોડાગાડી મોકલી હતી પણ આવી શક્યા નહિ એવા માંદા છે, તે નભી શકશે નહીં. માટે બાપાશ્રીને તમે લઈ જવાનો આગ્રહ કરશો નહીં. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, એ તો અમે ને બાપાશ્રી જાણીએ પણ તમે સંતો આવશો કે કેમ ? તે કહો. ત્યારે તેમણે કહ્યું જે, અહીં તો સાધુ માંદા બહુ છે. તેથી અમારાથી તો આવી શકાશે નહીં. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ ત્રણે ઘોડાગાડી ભાડે કરીને વૃષપુર દસ વાગે પહોંચ્યા ને ઝાંપેથી ઊતરીને ચાલ્યા ત્યાં બાપાશ્રી પોતાના ઘરના બારણામાં ઊભા હતા, તે મળ્યા ને બોલ્યા જે આવડલી વાર ક્યાં લગાડી વીરા ! પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, રાત્રિએ આગબોટ ઊપડી નહિ ને પડવેને રોજ સાડા અગિયાર વાગે ઊપડી, તેથી રેલ ન મળી ને રાતોરાત ઘોડાગાડીથી આવ્યા તે આજ આવ્યા ને ટપાલ તો આગબોટમાં જ રહી. તેમાં આપણી કંકોત્રીઓ રહી છે. પણ બીજી હું સાથે લાવ્યો છું. તે લખીને બેય ઢોળમાં મોકલાવીએ; પણ આપને ચરણે ‘વા’ છે તેને શેકો છો, તેનું કેમ કરશો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘વા’ને તો રજા આપીશું, પણ યજ્ઞ થશે કે નહિ તે કહો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપાશ્રી ! એ તો આપ જાણો. જો થાય તેમ હોય તો પધારો; ને ન થાય એમ હોય તો હું પણ અહીં આપની સેવામાં રહીશ. પછી બાપાશ્રી બોલ્યા જે, યજ્ઞ અમારે કરવો છે. કોણ બંધ કરનાર છે ? કોઈનો ભાર નથી જે બંધ કરી શકે. પછી બેય ઢોળમાં કંકોત્રીઓ પાંટિયા સાથે મોકલાવીને લખ્યું જે, અમો મૂળી યજ્ઞ કરવા સારુ મહા સુદ ૩ને રોજ નીકળશું અને જેને આવવું હોય તે સુદ ૪ને રોજ નીકળજો. તમારે માટે નારાયણપુરના પટેલ ધનજીભાઈને રાખ્યા છે તે તમને સર્વેને મૂળી લાવશે. અમે આગબોટ સ્પેશિયલ તમારે માટે કરશું. એવી રીતે કંકોત્રીઓ મોકલાવીને બોલ્યા જે, બાવા ! તમે ઠાકોરજીને જમાડવા રસોઈ કરો; આપણે રાત્રિએ નીકળશું, તે સવારે પરબારા સ્ટેશને જઈશું. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, રસોઈ તો નહિ કરીએ. અમારે અત્યારે જ જવું પડશે, કેમ જે ભૂજ ઑફિસમાં ઘણા તાર કરવાના છે અને આપ મગનલાલને દર્શન આપીને સ્ટેશને પધારજો. પછી બાપાશ્રીએ ટીમણ જમાડ્યું ને બપોરે દોઢ વાગે નીકળ્યા તે સાડા ત્રણ વાગે તાર ઑફિસમાં પહોંચ્યા. ત્યાં એક હરિભક્ત પ્રથમથી આવેલા હતા, તેમને સ્વામીએ પૂછ્યું જે, તમે કેમ આવ્યા છો ? ત્યારે તેમણે કહ્યું કે, સ્વામી મહાપુરુષદાસજીએ તાર કરવા મોકલ્યો હતો તે આવ્યો છું. પછી કહ્યું જે, ક્યાં તાર કર્યો ને કેવી રીતે કર્યો ? ત્યારે તે હરિભક્તે કહ્યું જે, કરાંચી કર્યો ને બાપાશ્રી કે સંત-હરિજન કોઈ મૂળી જવાના નથી ને તમે પણ જશો નહિ, એવો તાર કરાવ્યો છે. એવામાં મોતીભાઈ એક તાર લઈને આવ્યા તે તાર કરનારે સ્વામી ઈશ્વરચરણદાસજી અને પુરાણી કેશવપ્રિયદાસજી ઉપર તાર કરેલો જે, “અહીં તો ખૂન થયું છે ને બહુ તોફાન થયું છે માટે આવશો નહીં. કદાપિ બાપાશ્રી નીકળી ગયા હોય તો તાર કરીને નગરથી પણ પાછા વાળજો.” માટે આનો જવાબ મંગાવીએ. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, એ તાર ખોટો છે; કાંઈ જવાબ મંગાવવો નથી. પછી કરાંચી, મુંબઈ, મૂળી, અમદાવાદ, કલકત્તા, ઝરિયા, કટક ઇત્યાદિ સ્થળોએ તાર કર્યો જે, અમે ને બાપાશ્રી મહા સુદ ૩ને રોજ મૂળી જઈએ છીએ ને જેનાથી અવાય તે આવજો. પછી સ્વામી ભૂજમાં ગયા. ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ ખીચડી કરી, તે શ્રી ઠાકોરજીને જમાડી. પછી આશાભાઈને ભૂજથી ઘોડાગાડી કરીને સાડા છ વાગે પાછા વૃષપુર મોકલ્યા ને કહેવરાવ્યું કે, આશાભાઈની સાથે રાત્રિએ ત્રણ વાગે નીકળી ભૂજમાં મોતીભાઈને ઘેર પધારી મગનલાલને દર્શન આપીને પછી સ્ટેશને પધારશો, પછી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મુક્તવલ્લભદાસજી સર્વે સ્ટેશને ભેળા થયા, અને ભૂજના સાધુ તથા ભૂજના હરિજનો ઘણાક સ્ટેશને મળવા આવ્યા, તેમને બાપાશ્રીએ કહ્યું જે, તમે અમારા ભેળા મૂળી આવતા નથી ને એમ જાણો છો જે યજ્ઞ નહિ થાય ને બાપાશ્રી પાછા આવશે ને ફજેતી થશે પણ અમે યજ્ઞ કરવા જઈએ છીએ અને આ ટાણે જ અમારો યજ્ઞ શરૂ થઈ ગયો. અમે જયજયકાર કરીને આવીશું પણ એમ ને એમ પાછા નહિ આવીએ, માટે જેને આવવું હોય તે આવતી કાલે સુદ ૪ને રોજ ધનજીભાઈ જાદવજીભાઈની સાથે આવજો. પછી ગાડી ઊપડી તે તુણે આવ્યા. ત્યાં ટીમણ કરીને દોઢ વાગે આગબોટમાં બેઠા તે રાત્રિએ જામનગર પહોંચ્યા, ત્યાંથી સુદ ૪ને રોજ સવારે રેલમાં બેઠા ને રાજકોટ આવ્યા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને વિનંતી કરી જે, આ કામ તાબડતોબ થયું છે માટે વાસણ, બળતણ આજે જ સાંજે મૂળી પહોંચશે અને પાગરણ કે ઓઢવાનું બિલકુલ છે જ નહિ, માટે ટાઢને રજા આપો તો સારું. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ચાર દિવસ રજા આપીશું. એક લૂગડે જ ચાલે એટલી રહેશે, વધુ નહિ રહે. પછી રેલ ઊપડી તે રાજકોટ સિટીએ આવી. ત્યારે ખોટો તાર કરનાર જોવા આવ્યા જે, બાપાશ્રી આવ્યા છે કે નહીં ? પણ તેમના દેખવામાં બાપાશ્રી આવ્યા નહીં. પછી મૂળી આવ્યા ને હજારો માણસો સ્ટેશને સામા આવેલા તેમણે વીંટાણા થકા સિગરામમાં બેસીને બાપાશ્રી મૂળીના મંદિરમાં પધાર્યા ને શ્રી ઠાકોરજીનાં દર્શન કરીને સભામંડપમાં ઘડીક બેસીને પછી ઉતારે પધાર્યા. રાત્રિએ સ્વામી ઈશ્વરચરણદાસજીને પાકશાળામાં મોકલ્યા જે જોઈ આવો, કેટલો શીરો કર્યો છે ? કેટલું સીધું છે ? પછી તે ગયા ને જોઈ આવીને બાપાશ્રીને કહ્યું જે, આટલો શીરો થઈ ગયો છે ને આટલું સીધું છે. પછી ફેર મોકલ્યા જે જાઓ, બંધ રખાવી આવો. પછી તે ફેર જઈને બંધ કરાવી આવ્યા. પછી સવારે સ્વામી ગુણાતીતદાસજીએ કહ્યું જે, તમે અમને શીરો કરવા દો. ખૂટે તો અમારી લાજ જાય. પછી બાપાશ્રી બોલ્યા જે, લાજ તો અમારી જાય કેમ કે અમારો યજ્ઞ છે ને અમે યજ્ઞ કરવા આવ્યા છીએ તેથી અમારે ખૂટવા દેવો નથી. લાજ રાખવી તે તમારા હાથમાં નથી, એ તો અમારા હાથમાં છે. પણ તેમના માનવામાં આવ્યું નહીં. પછી શેઠ બળદેવભાઈએ કહ્યું જે બાપા, કરવો હોય તો બીજો કરવા દો. પછી બાપાશ્રી બોલ્યા જે, અમારે તો અડધો શીરો પણ વરવા દેવો નથી, ઘણો વધશે ને ગાડે ઘાલીને ગામોગામ વહેંચશે ને ભાડાં ખરચી ખરચીને થાકી જશે તોપણ ખૂટશે નહીં. પછી સવારે બાપાશ્રી પાકશાળામાં પધાર્યા ને સાકરની પ્રસાદી, જેટલા હોજ હતા તે સર્વેમાં નાખીને બોલ્યા જે, આ તો ગાડે ઘાલ્યો પણ નહિ ખૂટે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા, બંધ કરાવો. પછી પુરાણી ધર્મકિશોરદાસજીને બોલાવીને બાપાશ્રીએ કહ્યું જે, શીરો કરવો બંધ કરાવો. પછી તેમણે બંધ કરાવ્યો ને પછી મંદિરમાં આવ્યા ને જે યજ્ઞમાં આવ્યા તે સર્વેને બે દિવસ જમાડ્યા. જેને લઈ જવો હોય તે સર્વેને લઈ જવાની છૂટ આપી તેથી લોકો ગાડીઓમાં તથા વાસણમાં લઈ ગયા તોયે એટલો વધ્યો કે ભાડે ગાડા કરીને ગામોગામ પહોંચાડ્યો ને માણસો, ગાયો, કૂતરાં વગેરેને જમાડ્યો અને સુદ ૫ને રોજ ધનજીભાઈ કચ્છનો સંઘ લઈ આવી પહોંચ્યા હતા તેમને તો એક આખો હોજ સોંપી દીધો હતો તે રહ્યા તેટલા દિવસ બધો સંઘ જમ્યો હતો. પછી મૂળીથી બાપાશ્રી પાટડી, વિરમગામ થઈ મહા સુદ ૧૦ને રોજ મણિપરે પધાર્યા ને ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી જોશીપરા, કલ્યાણપરા, ધરમપુર, વિશોતપરા, કડી થઈ અમદાવાદ, સરસપુર, જેતલપુર, અસલાલી, રાયપુર, વહેલાલ, કણભા, કુજાડ, બાકરોલ, મોટેરા આદિ ગામોમાં ફરીને સુરત, વડોદરા, વરતાલ, નળકંઠો આદિમાં દર્શન આપ્યાં. ત્યાં કેસરડીથી વનાળિયે આવતાં ઝાંપ ગામમાં થઈને જતાં વગડામાં એક તળાવ આવ્યું ત્યાં ફરતાં ગામોની ગાયો ચરતી હતી, તે બધી મોટર સામી આવીને પૂંછડાં ઊંચાં કરીને ઊભી રહી. પછી રબારી આવ્યા ને બોલ્યા જે, આમાં કોઈક કાનુડો છે; નહિ તો અમારી વાંભ ઉલ્લંઘે નહિ; માટે માનો કે ન માનો પણ આ મોટરમાં કાનુડો છે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને બતાવ્યા ને કહ્યું જે, આ મોટાપુરુષ છે; તેમનાં દર્શન કરો. પછી તેમણે બાપાશ્રીનાં હાથ જોડીને દર્શન કર્યાં, ત્યારે બાપાશ્રીએ તે સર્વેને વર આપ્યો જે, તમારું કલ્યાણ કરીશું ને આ ગાયોનું પણ કરીશું. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આ ગાયો ખસશે નહિ માટે તમારી કામળી અમને ઓઢાડો. પછી તેમણે કામળી ઓઢાડી એટલે ગાયો ચાલી ગઈ ને મોટર હાંકી તે વનાળિયા, ઉપરદળ થઈને વાંસવે પધાર્યા. ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા બાઈઓના મંદિરમાં કરી. બીજે દિવસે અમદાવાદ આવ્યા. ત્યાં કરાંચીથી મુક્તરાજ લાલુભાઈ તથા સાવલદાસભાઈ, સોમચંદભાઈ, ગોવિંદભાઈ, ગોવર્ધનભાઈ આદિ હરિજનો બાપાશ્રીને તેડવા આવ્યા હતા. તેથી સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, સાધુ દેવજીવનદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી આદિ સંત તથા આશાભાઈ, દલસુખરામ, મોહનલાલ આદિ હરિજનોએ સહિત બાપાશ્રી કરાંચી પધાર્યા. ત્યાં સ્ટેશને હજારો હજાર માણસ સામા આવ્યા હતા તેમની સાથે મંદિરમાં ગયા. ત્યાં હરિજનોને ઘણું સુખ આપીને અતિ આનંદિત કર્યા અને ધામમાં તેડી જવાના વર આપ્યા અને સર્વેને ઘેર પધાર્યા. ત્યાં જે જે લોકો દર્શને આવે તે સર્વેના ઘાટ-સંકલ્પ બંધ થઈ જતા અને સુખિયા થતા ને શાંતિ પામતા તેથી સર્વે લોકો એમ પ્રાર્થના કરતા જે અમારા ઉપર કૃપા કરીને અમારા ઘાટ-સંકલ્પ ટાળી નાખ્યા ને અમને સુખિયા કર્યા; તેમ અમને ગર્ભવાસ થકી પણ છોડાવજો અને અમારાં આત્યંતિક કલ્યાણ કરજો. વળી કેટલાકને ભૂત વળગેલાં તે પણ આવેલા, તે સર્વેને ભૂત થકી છોડાવ્યા. એમ સર્વેને સુખ આપતા થકા દસ દિવસ રહી ત્યાંથી ચાલ્યા તે સ્ટેશને આવ્યા, ને ઘણાક હરિજનો સ્ટેશન સુધી વળાવવા આવ્યા અને પચાસને આશરે તો હૈદરાબાદ સુધી ભેળા આવીને ત્યાંથી પાછા કરાંચી ગયા. બાપાશ્રી તથા ગુજરાતના સંત-હરિજનો સર્વ ચાલ્યા તે ખારચી આવ્યા. ત્યાં ધર્મશાળામાં ખારચી પાસે દેવરાસણ ગામ છે ત્યાંની ચાર-પાંચ જાનો ઊતરી હતી અને બાપાશ્રી નાહી, પૂજા કરીને મંદિરમાં બેઠા હતા. ત્યાં સર્વેએ આવીને પગે લાગીને પ્રાર્થના કરી જે, તમે મોટાપુરુષ છો ને જીવોનો મોક્ષ કરવા આવ્યા છો તો અમારો મોક્ષ કરજો. પછી બાપાશ્રીએ તે સર્વેને વર આપ્યો જે, તમો સર્વેનું આ જન્મે જ આત્યંતિક કલ્યાણ કરીશું, એમ કહીને સર્વેને પ્રસાદી આપીને ત્યાંથી અમદાવાદ આવ્યા અને શેઠ બળદેવભાઈની મિલમાં ઊતર્યા. એક માસ ત્યાં રહી ત્યાંથી ઝાલાવાડમાં પધાર્યા. ત્યાં ધ્રાંગધ્રા સ્ટેશને ગયા તે વખતે રાજ્યમાં કુંવરનો જન્મ થયો તેથી વધામણી આવી; ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ રાજા થશે. તે રાણીએ બાપાશ્રીને તથા સંતોને રોકીને રસોઈ દીધી ને ધોતિયાં ઓઢાડ્યાં. ત્યાંથી વાંટાવદાર, ઘાંટીલા, માલણિયાદ આદિ ગામોમાં ફરીને હળવદ થઈ પાછા ધ્રાંગધ્રા સ્ટેશને આવ્યા. ત્યાં ઘણાક હરિજનો સ્ટેશન સુધી વળાવવા આવ્યા હતા. તેમાં એક ચંચળ નામે બ્રાહ્મણ બાઈ હતી, તેણે પ્રાર્થના કરી જે મને ધામમાં લઈ જાઓ. મારે આ દેહમાં ને આ લોકમાં રહેવું નથી; પછી તેને કહ્યું જે, સવારે લઈ જઈશું. તેણે બીજે દિવસે સવારે હરિજનોને બોલાવી કહ્યું જે, મને બાપાશ્રી તેડવા આવ્યા છે ને મહારાજના ધામમાં લઈ જાય છે, જુઓ, આ ઊભા ! એમ કહીને પછી દેહ મૂક્યો. બાપાશ્રી ઝાલાવાડ, પાળિયાદ, ગઢડા, ભાવનગર આદિ ગામોમાં ફરીને પછી કચ્છમાં પધાર્યા. તેમની સાથે સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજી અને આશાભાઈ કચ્છમાં ગયા. ને ભૂજ જઈ રસોઈ આપીને ધોતિયાં ઓઢાડીને વૃષપુર પધાર્યા; અને સંઘના માણસો સર્વ પોતપોતાને ગામ ગયા.
પછી બાપાશ્રીએ ચૈત્ર વદ (બીજી) દસમે શિક્ષાપત્રીની પારાયણ બેસાડી હતી, તેની સમાપ્તિ ચૈત્ર વદ અમાસને રોજ કરી, તે વખતે ઘણા દેશ-દેશાંતરના હરિજનો આવ્યા હતા, તે સર્વેને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખવાનો વર આપ્યો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ ગુજરાત તરફ આવ્યા અને સૌ હરિજનો પણ અનાદિ મહામુક્તરાજના વચનથી પોતે શ્રીજીમહારાજની મૂર્તિમાં જાણે નિમગ્ન હોય એવા આનંદથી હર્ષાયમાન થતા ને કિલ્લોલ કરતા સૌ સૌને સ્થાનકે ગયા. ।। ૨૧૩ ।।
વાર્તા ૨૧૪
સંવત ૧૯૮૧ના ચૈત્ર સુદ ૯નો સમૈયો કરી અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તથા મૂળીના સંતો સર્વે ભૂજ થઈને વૈશાખ સુદ ૧૧ને રોજ શ્રી વૃષપુર ગયા.
વૈશાખ સુદ ૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મૂર્તિમાં જોડાઈ બેઠા હોય તે મૂર્તિમાંથી બહાર ન નીકળે, રસબસ જોડાઈ રહ્યા હોય. ધ્યાનમાં જાય તે જળમીનવત્ રહે, જેમ જળમાં પડ્યો તે કોરો રહે નહિ તેમ. એના અવયવ શીતળ, ઇન્દ્રિયો શીતળ, અંતઃકરણ શીતળ અને ચિત્ત અખંડ ભગવાનના ચિંતવનમાં રહે. ધ્યાન કરતાં, માળા ફેરવતાં, એ મૂર્તિની બહાર નીકળાય નહિ; એ યોગીની નિદ્રા કહેવાય. મૂર્તિના ઘરાક થાવું, જે એના ઘરાક નથી થતા તે તો મૂર્તિ વિના વાંઝિયા પડ્યા છે, માટે એક ભગવાન ને એમના સંત રાખીએ તો શીતળ શાંત રહેવાય. એ મૂર્તિનું તેજ ઝળળળ ઝળળળ નીકળે છે. એ તેજમાં ઠરે પણ નહિ, બળે પણ નહિ, આનંદ આનંદ રહે, બીજું કાંઈ ભાસે જ નહીં. મહારાજ કહે, મંદવાડ એવો ખરેખરો કરી દેવો કે આ લોક, ભોગ, સગાંસંબંધી, નાત, જાતમાં ક્યાંય વૃત્તિ રહે નહીં. એક મૂર્તિના સુખે જ સુખી થઈ જવાય. એ સાધનમાં સર્વેએ રહેવું. એ સાધન જબરું છે. એ સાધન કર્યા વિના પાર નહિ આવે; એ સાધન તે સર્વે સાધનનું ફળ છે. આજ વખત સારો છે. એ જોગ તમને મળ્યો છે. મોટાનો જોગ કરતાં કરતાં મૂર્તિ મળે છે અને આવો મોટો જોગ મળવો તે પણ મોટા ભાગ્યવાળાને મળે છે, માટે આ જોગ કરવો. મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી અને અખંડ મહારાજના સ્વરૂપમાં જોડાઈ રહેવું, એ બહુ જબરી વાત છે. માટે હળીમળીને એક થઈ રહેવું. અધિકાર ઉપર તાન હોય, જડ ઉપર તાન હોય તો મહારાજ ભૂલી જવાય. મહારાજ કે મહારાજના સંત મળે ત્યારે કલ્યાણ થાય. તે મળેલા કોને કહેવાય ? તો કોઈ વખત જરા પણ મૂર્તિથી જુદા ન થાય તે મળેલા કહેવાય. આપણે પણ તેમ વર્તવું. મોટા સૂતા હોય ત્યારે આપણે સૂતા છે એમ જાણીએ પણ એ તો મૂર્તિમાં કિલ્લોલ કરતા હોય. ચાલીસની સાલમાં મૂળીમાં ભોજો ભક્ત હતો તે અખંડ મૂર્તિમાં જોડાઈ જાતો. તેને નિશ્ચયમાં ખામી હતી તે એકલો નીકળીને રખડી મૂઓ. સત્સંગમાં આજ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. તેમને મળેલાનો જોગ અને સમાગમ કરવો અને કથા-વાર્તા કરવી. એવાના જોગથી જુદું ન પડવું. જડ માયામાં લેવાઈને એવાના પક્ષથી જુદું ન પડવું. આજ મોટા મુક્ત મૂર્તિમાં રમ્યા કરે છે. આ તમને મળ્યા છે તે કોઈને મળ્યા નથી. એ જોગ અને ટાણું મળ્યું છે. જોગ, ટાણું અને કહેનારા સારા છે. જેવા મહારાજને અને મુક્તને જાણશો તેવા થશો. મોટા મુક્તની વૃત્તિ તો શ્રીજીમહારાજ વિના બીજે છે જ નહિ, પણ અજ્ઞાની અને વિષયીને એવા મોટા પણ વિષયી ને અજ્ઞાની ભાસે છે. એમ કહીને વાત કરી જે રસનામાં વૃત્તિ તણાઈ જાય તો પાછી વાળવી ને મૂર્તિનો માર્ગ લેવો. મોટાની વાતો જોઈએ તો એ મૂર્તિ બહારની હોય જ નહીં. મોટા મુક્ત છે તેમના હાથની પ્રસાદીથી, દૃષ્ટિથી તથા તેમને ભટકાઈને આવેલા વાયુનો સ્પર્શ થવાથી પણ કલ્યાણ થાય. પ્રતાપ તો જુઓ ! જેવી ગોપાળાનંદ સ્વામીની સ્થિતિ, તેવી જ નિર્ગુણદાસજી સ્વામીની ! અને તેવી જ તેમના આ ચેલા સ્વામી ઈશ્વરચરણદાસજીની ! એવા મૂર્તિના સુખે સુખિયા થાવું. આમાં તો ઘણું સુખ પડ્યું છે, પણ જીવ અધિકાર વગેરેમાં ગૂંચાઈ જાય છે. હવે તો સાધુ જડ ભેળું કરીને પટારા, પૈસા વગેરે કરે છે. એમાંથી નીકળીને આપણે શુદ્ધ થાવું છે. માટે સુરત રાખવી. એ સામી દૃષ્ટિ જ કરવી નહીં. નકરાં ચીંથરાં ભેગાં ન કરશો. બરાબર વર્તવું જોઈશે. પરિપક્વ નિશ્ચયવાળાને સિદ્ધિઓ મળે છે. બીજાને મળતી નથી. તે પરિપક્વ નિશ્ચયવાળા કિયા ? તો કોઠાર, ભંડાર, મહંતાઈ મળે તે નહીં. સ્વામી આવે ત્યારે સાકર ને ધોતિયાંનાં ગાડાં ભરાઈ જાય, તે પોતે સંતના મંડળને વહેંચી આપતા. અહીં સદ્. શ્રી લોકનાથાનંદ સ્વામી આવ્યા હતા, તે કૂવે નાહવા ગયા હતા, ત્યાં તેમના શિષ્યે શકરિયાનો વેલો ઊંચક્યો તેને લોકનાથાનંદ સ્વામી વઢ્યા જે એ કામ તારે કરવું છે તે ઉપાડ્યો ? અને હવે તો પાંચ હજાર, દસ હજાર પટારામાં ભરે છે. આપણે તે ગરવા ન દેવું, ન દેવું, ન દેવું. આ જોગ નહિ આવે. માલપૂઆ, બિરંજ, કેરીની રસોઈ દે છે તે સિદ્ધિઓ પરિપક્વ નિશ્ચયવાળાને આવે છે, તેમાં લોભાવું નહીં. બાળકિયા, રમતિયાળ સ્વભાવ ન રાખવા ને ન કરવા. મૂર્તિથી બહાર નીકળાય નહીં. મૂર્તિમાંથી બહાર નીકળાય તો માયિક વૈભવમાં લેવાઈ જવાય, માટે મૂર્તિમાં બેસી રહેવું. મંદિરના કાર્યમાં હાથ ઘાલવામાં સાધુતા ન રહે. ખરેખરા વાદીને નાગ ન કરડે; બીજાને કરડી ખાય. તે વાદી કોણ ? તો જે મહારાજની આજ્ઞા પ્રમાણે ચાલે તે. મોટા મોટાને વગોઈ નાખ્યા. આ વાત પોતાના જાણીને કરીએ છીએ. અમે વ્યવહાર પૈસા વગેરેમાં પડ્યા હોઈએ પણ તેનાં દુઃખ જાણી લીધાં છે. કોઈ મોજા મેલતા હોય તો સહન કરીએ છીએ. અમારે તો આ સંત ને હરિજન વિના બીજી કોઈ વસ્તુ જ નથી તે ત્રણે અવસ્થામાં મૂર્તિમાં રહેતા હશે તે જાણતા હશે. રામજીભાઈએ અમે સંત જમાડ્યા ત્યાં ઘણીક વાર સુધી દંડવત કર્યા, એવું હેત હતું; એવાં હેત અને વિશ્વાસ જોઈએ. ધૂળ માથે નાખે અને વળી ફેર નાખે એટલે એક વાર ભગવાં પહેરે અને ધોળાં પહેરીને ફરી વાર ભગવાં પહેરે. આ મારગથી પડે તે બાપડાનું બગડી જશે. ।। ૨૧૪ ।।
વાર્તા ૨૧૫
વૈશાખ સુદ ૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, પહેલાં સંત ગોળા જમતા ને ડાંસ કરડે તો શરીર હલાવવું નહીં. આવાં આવાં કષ્ટ ભોગવીને સત્સંગ કરાવતા; અને આજ તો સંસાર ત્યાગ કરે ત્યારે સંકલ્પ કેવા કરે કે મૂર્તિ એક જ ધારશું. બીજું કાંઈ નહિ કરીએ, એવા ઠરાવ હોય. પછી તે ભૂલી જાય ને રજોગુણ, તમોગુણના ભાવ વધતા જાય. પહેલાં તો મોટા મોટા સંત હતા તે મૂર્તિમાં રસબસ જોડાઈ બેઠા હોય. એ મૂર્તિમાં તેજના ફુવારા છૂટે. તે શીતળ ને શાંત ને સુખરૂપ ને આનંદરૂપ એવા મહારાજની મૂર્તિના સુખે સુખિયા હતા. આજ આપણે ઘરાક થાવું. આજ તો સાધન ઉપર તાન, તે સાધન તો ચાલી ચાલીને બહુ કરે તો અક્ષર સુધી જાય, તોય લૂખું ને લૂખું. પછી સંતોને કહ્યું જે સત્સંગમાં દેખાઈ રહેજો જે અમારો સત્સંગ કર્યો, પણ રસિક માર્ગના કે ઝેરના દેખા દેજ્યો નહીં. આજ્ઞા યથાર્થ પાળજો. કોઈ ખસી જાય તો બળતરા થાય જે બાપડાનું બગડી જશે. આપણે વ્યવહારિક કાર્ય કરતા મહારાજની મૂર્તિથી નોખું પડવું જ નહિ; નોખું પડાય તો સત્સંગમાં તેની જય થાય નહીં. મૃત્યુ સામી નજર રાખવી. અમારા બ્રહ્મચારી શ્રી નિર્ગુણાનંદજી માંદા હતા, ત્યાં અમે ગયા અને કહ્યું જે, સ્વામી, હવે ઘેર ચાલો. અક્ષરધામ તે ઘર અને મૂર્તિમાંહી રહેવાનું તે ઘર - પછી દેહ પડી ગયો. પોતે તો મૂર્તિમાં જોડાઈ બેઠા હોય અને કલેવરનું ગમે તેમ થતું હોય. દેહને દુઃખ-સુખ થાય તેમાં આપણે શું ? પછી કહ્યું જે, મૂર્તિમાં જોડાઈ જાય ને તેમાં સ્થિર વૃત્તિ થાય તેમાં દાખડો નથી પડતો. અને જેમ જેમ તેવી સ્થિતિ થાય તેમ તેમ અનુભવજ્ઞાન આવતું જાય. સર્વે જ્ઞાનનો રસ તે સાક્ષાત્ પુરુષોત્તમનારાયણનું જ્ઞાન તે અનુભવજ્ઞાન છે. એ ગૃહસ્થને અને ત્યાગીને સર્વેને કરવાનું છે. આ કળિ ખરેખરો આવ્યો છે તેમાં આપણે સત્સંગ સ્થાપી દેવો અને સદાય આનંદ વર્તે અને અપારપણું રહે તેમ કરવું. જીવને પ્રસન્નતાનાં સાધન કરવાનાં છે. પુરુષપ્રયત્ન તો જોઈએ જ. તે શું તો મહારાજના ને મોટાનાં વચનમાં ખરેખરો વિશ્વાસ, જે રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ, એમ સમજવું. શ્રી ગોપાળાનંદ સ્વામીએ એમના સંતોને અર્ધી રાત્રિએ પૂછ્યું જે, રાત્રિ છે કે દિવસ ? ત્યારે સંતોએ કહ્યું જે, આપ રાત્રિ કહો તો રાત્રિ અને દિવસ કહો તો દિવસ. માટે મોટા પાસે પોતાના મનનું ગમતું કરાવવું નહીં. આંખ મીંચો એટલે અંધારું અને ઉઘાડીએ એટલે અજવાળું; એટલી જ વાર છે. પરોક્ષ શાસ્ત્ર વૈરાજમાંથી થયાં છે, તેનું આપણે કામ નથી. આપણે તો સ્વામિનારાયણ જોઈએ છીએ. તે અજ જે અનાદિ તે કોઈ દિવસ માયામાં આવતા જ નથી. તેવા અનાદિમુક્ત તે મૂર્તિમાં રહ્યા થકા ખંપાળી નાખીને મુમુક્ષુઓને ઘસડી લે છે. તે ખંપાળી નાખી એટલે કૃપાસાધ્ય કહેવાય. એરંડાકાકડીની ભેટ કરવી તે મહારાજ ને મોટાને મન સોંપી દીધું કહેવાય. જેમ મોટા કહે તેમ કરવું તે મન સોંપ્યું કહેવાય; પણ બધું મહારાજ ને મોટા પાસે ન કરાવવું. મોટા જ્યાં જોઈએ ત્યાં હાજર જ છે, પણ તેટલો વિશ્વાસ નથી. આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા છો, તે દોષ રહેશે નહિ; ઘસાઈને નાશ પામી જશે. અહીં જે વાવશો તે ઊગશે, અપરાધ કરશો તોય ઊગશે અને સેવા કરશો તોય ઊગશે. જો તન કુરબાન કરી નાખશો તો મૂર્તિના સુખે સુખિયા થશો. પરોક્ષના કાર્યમાં રજોગુણ ને તમોગુણ છે. પાંડવોનાં યુદ્ધ, હિરણ્યકશ્યપુનાં યુદ્ધ, એ તમોગુણ-રજોગુણ કહેવાય; પણ અહીં તો નૈમિષારણ્ય ક્ષેત્રમાં એવું એકેય નથી, આ તો દિવ્ય સભા છે. તેમાં આવીને ભગવાનને ને મુક્તને જે મનુષ્ય જેવા જાણે તેને ભગવાનમાં ને મુક્તમાં દોષ જણાય છે. તે દોષ લઈને ભેગા કરે છે. તે માંસના પિંડા ખણે છે, જીવને મોહે કરીને દેહના રૂપમાં આનંદ મનાય છે, પણ હાડકાંની મેડી છે તેમાં શું આનંદ માનતો હશે ? ।। ૨૧૫ ।।
વાર્તા ૨૧૬
વૈશાખ સુદ ૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, નૃસિંહ ચૌદસ તે પરોક્ષવાળા માટે છે. આપણે તો સર્વોપરી પુરુષોત્તમ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તે એક જ રાખવા. શિક્ષાપત્રીમાં કહ્યું છે જે, કિયા પુરુષોત્તમ ? તો પરબ્રહ્મ જે શ્રી સ્વામિનારાયણ તે. એ ભગવાનની ઉપાસના રાખો તો બધું થાય. આ શ્રીજીમહારાજની નીચે જેટલા જેટલા ભેદ છે તેને અક્ષર સાચવે છે, તે અક્ષરની મોટાઈ છે. પછી બોલ્યા જે, હવે વાંચો. પછી સંતે વાંચવા માંડ્યું, તે પ્રથમ પ્રકરણનું ૯મું વચનામૃત હતું, તેમાં ધામને વિષે મૂર્તિઓ તથા ઐશ્વર્ય દેખાડે છે એમ આવ્યું.
પછી ભૂજના સોની મોતીભાઈએ પૂછ્યું જે, મૂર્તિઓ અને ઐશ્વર્ય કિયાં જાણવાં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિઓ તે અનાદિમુક્ત મૂર્તિમાં રહ્યા છે તે સમજવા અને મૂર્તિમાંથી સુખ આવે તે ઐશ્વર્ય જાણવાં. પછી ત્રીજે દિવસે એટલે વૈશાખ વદ ૧ને રોજ બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો નારાયણપુર પધાર્યા. ।। ૨૧૬ ।।
વાર્તા ૨૧૭
વૈશાખ વદ ૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે મન છે તે આ સભા મેલીને ક્યાંય જતું રહે. એટલામાં ધનજીભાઈએ આવીને બાપાશ્રીને પ્રાર્થના કરી જે જમવા પધારો. પછી બાપાશ્રી બોલ્યા જે, ભલે ચાલો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ રમૂજ કરી કે, ધનજીભાઈને ત્યાં આપ એકલા જમવા પધારશો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે એકલા જમતા હશું ? સર્વેને ભેળા જમાડીએ છીએ. પછી જમવા પધાર્યા અને જમીને પાછા મંદિરમાં પધાર્યા અને વચનામૃતની કથા વંચાતી હતી.
પછી વઢવાણવાળા માસ્તર કેશવલાલે પૂછ્યું જે, ભગવાનની વાત કરતો હોય અને આજ્ઞા લોપતો હોય તેની વાત સાંભળવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હા, થાય ખરી. એ વાચ્યાર્થવાળો હલકારો તો બહુ કરે પણ લૂખો હોય અને લક્ષ્યાર્થવાળો મહારાજની મૂર્તિને લઈને વાતો કરે અને તેજોમય ઝળળળ ઝળળળ મહારાજની મૂર્તિ ધારીને વાતો કરે. અને તે તો મૂર્તિમાં રહીને ધીમે ધીમે બોલે પણ ધડાકા ન મારે. એને એક નિશાન મહારાજ સામું હોય, અને વાચ્યાર્થવાળો વાતો કરે તે આ લોકમાં ખૂબ મળતું આવે પણ તેની વાતો ફળ વિનાનાં થોથાં જેવી હોય.
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ વિચરતું હોય તેનો નિશ્ચય સંપૂર્ણ હોય પણ આત્મામાં દેખતો ન હોય અને એક તો દેખતો હોય, એ બેયને સરખી પ્રાપ્તિ થાય કે કાંઈ ફેર રહે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાંઈ ફેર રહે ખરો. કેમ કે એ દેહાભિમાની કહેવાય, તે જોગ કરતાં કરતાં આત્મામાં દેખે. એ તો ખરેખરો ચઢી ચૂક્યો જે, આત્માને વિષે મહારાજ પધરાવી દીધા અને ઓ તો દેહ રૂપે દેખે છે.
પછી શેઠ બળદેવભાઈએ કહ્યું જે, મનુષ્યરૂપને દિવ્ય જાણતો હોય તો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દેહ રૂપે વર્તે છે તેને ધક્કો લાગે છે. ઓલ્યાને ધક્કો ન લાગે, જો સાચો ભાવ હોય તો બધુંય પૂરું થઈ જાય.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, તેણે ઓના જેવો નક્કી વિશ્વાસ કરી રાખ્યો હોય તો કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દેખતો તો ન હોય પણ પરિપક્વ નિશ્ચય હોય તો તો બરાબર કહેવાય. જો નિશ્ચયરૂપી પાયો નક્કી કરી રાખ્યો ન હોય તો તેને સંગદોષ લાગે ખરો. પરિપક્વ નિશ્ચયવાળાને તો કાંઈ વાંધો નહીં. જીવના સ્વભાવ એવા છે જે મોટાને લાખો વાતો પૂછી હોય ને નિશ્ચય કર્યો હોય અને મોટાની દૃષ્ટિ પણ એવા ઉપર પડી હોય પણ ચઢી બેસે ઝાડની ટોચે. ‘હમ બી હૈ’ એવું સંગદોષથી થાય. અમે ગોધલા પાળી પાળીને ખૂબ મજબૂત કરીએ અને પછી જો આડા સૂએ તો પેટ બળે. આપણે તો અધમ જેવા જીવને વિષે પણ અહિંસા ધર્મ રાખવો એટલે દયા રાખવી. તેવાને પણ ઉદ્ધારવા છે, માટે એવાનું સારું થાય એમ સૌ ઇચ્છજો. એવાનું બહુ અવળું કહે કહે કરવું નહીં. સંગદોષે કરીને કોઈક બાળક થઈ ગયું તો જે વસ્તુ તેને જોઈએ તે આપીને રાજી કરીને તેને રસ્તે ચઢાવવો. કોઈક માયિકે રાજી થાય. આ છોકરું છે તે રૂપિયા આપો તો રાજી ન થાય અને કોડીએથી રાજી થાય. જીવના સ્વભાવ એવા થાય છે તે બહુ કૂટો તો સમું ન થાય. એણે નનામા કાગળો લખ્યા પણ અમે તો હસ્તામળ દેખીએ છીએ. આપણે શું ? તે પોતાનું બગાડે છે. આપણે તો એક સ્વામિનારાયણ છે. એ લોકો ભૂંઠા પડે છે. પ્રકૃતિના કાર્યમાં માલ શું છે ? આપણે એક શ્રીજીમહારાજને પકડીને તે આપણા ભેળા હોય તો હય્યો. અમારે ઘેર એક વેપાર છે. બીજો વેપાર છેય નહિ ને કોઈ કરશોય નહીં. આપણે એક રુચિવાળાને તો હારીને જ રાજી થાવું. જો હારીને રાજી થઈએ તો મહારાજ ધણી થાય. અમે મૂળીમાં યજ્ઞ કરવા ગયા હતા, તે યજ્ઞ બગાડવો અને અમને પાછા વાળી મૂકવા એવો ઠરાવ હતો, તોપણ અમે જઈને યજ્ઞ કર્યો. મૂળીના વાસ્તે રાત્રિ-દિવસ વલખાં કર્યાં ને કાગળો વાંચી વાંચીને થાકી પડ્યા. દહાડો ઊગે ને કાગળ આવે, હવે તો બ્રહ્માનો દિવસ થઈ ગયો તોપણ કાગળ લખતા નથી. એવા ધક્કા લાગે છે, તે મહારાજને મૂકીને પરા જાતા રહેવાય; માટે એવા ન થાવું. પર્વતભાઈ, દાદાખાચર, માંચાખાચર, સોમલાખાચર, વસ્તાખાચર આદિના ગુણ ગવાય છે તેવા ગુણ શીખવા. જેવા દાદાખાચરના ગુણ ગવાય છે તેવા જ કોઈકના ભાવનગરિયા સ્વભાવ હોય તે પણ ગવાય. દાદાખાચરનું સારું દેખાશે તે ઠીક નહિ, એમ જાણીને જીવાખાચર ઘોડીએ ચડીને મંદિર બંધ કરાવવા ભાવનગર ગયા. તે સચ્ચિદાનંદ સ્વામી પહોંચ્યા તે ઘોડીએથી હેઠે પાડી નાખ્યા, તેમને ખાટલે સુવારીને ઘેર લાવ્યા. તેમને જોવા મહારાજ પધાર્યા અને કહ્યું કે તમે ઘોડે ચઢાઉ બરાબર છો ને કેમ પડી ગયા ? ત્યારે તે કહે જે, કોઈકે મારો ટાંટિયો ઝાલીને પછાડ્યો. પછી મહારાજે સભામાં વઢવા માંડ્યું, ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા જે, કોઈ બીશો નહિ, એમને પાડનારો સાક્ષાત્કાર હું છું તે મને વઢે છે. પછી મહારાજ બોલ્યા જે ભાઈ, કોઈએ એવા ભાવનગરિયા સ્વભાવ ન રાખવા. તેમ ચાલો આપણે જઈએ ને તેમનું ખોટું દેખાડીએ એ ભાવનગરિયા સ્વભાવ કહેવાય. ભત્રીજાનું સારું જોઈને કાકાથી દેખી ખમાયું નહિ, તેમ અમારે પણ કાકા-ભત્રીજાનું ચાલે છે. અમને ભત્રીજો માવજી એવો મળ્યો છે તે એવા સ્વભાવ વર્તાવે છે. શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, “મારે એકે ન રહ્યો આધાર, ક્યાં જઈ ઊભિયે” એમ એમને હતું. માટે મુક્તને તો એક શ્રીજીમહારાજ વિના બીજો આધાર નથી. શ્રીજીમહારાજ સંવત ૧૮૩૭થી પ્રગટ થયા ત્યારથી કરીને સંવત ૧૮૮૬ની સાલે અંતર્ધાન થયા તોપણ એવો ને એવો જોગ છે, કારણ કે શ્રીજીમહારાજનો અને તેમના અનાદિમુક્તનો જોગ એકસરખો છે. અત્યારે ધ્યાન, કથા-વાર્તા કરીને આનંદ થાય છે, આ જોગે કરીને જન્મ ધરવા ન દઈએ. અધિકારમાં કાંઈ માલ નથી. ખરો અધિકાર તો સંતના ચરણમાં રહીએ તે જ છે. ।। ૨૧૭ ।।
વાર્તા ૨૧૮
વૈશાખ વદ ૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, બે હરિભક્તો શ્રોતા અને વક્તા વગડામાં સમાગમ કરવા ગયા, ત્યાં બેયના દેહ પડી ગયા. તેમની ખબર તેમની સ્ત્રીઓને પડી. પછી તે ગઈ, પણ બંનેનાં હાડકાં ભેળાં હતાં. પછી શ્રોતાની સ્ત્રી કહે, આપણે ઓળખીશું કેમ ? પછી વક્તાની સ્ત્રીએ કહ્યું કે તારો પતિ શ્રોતા હતો ને મારો પતિ વક્તા હતો. તે મારા પતિનાં હાડકાં ગળી ગયાં હશે અને તારો પતિ શ્રોતા હતો તેનાં હાડકાંમાં શાર પડી ગયાં હશે, પછી ઓળખી કાઢ્યા; તેમ મહારાજ અને મુક્તને ઓળખવા. એક નિશાન જે શ્રીજીમહારાજની મૂર્તિ તે રાખવી. ત્યાગી ત્યાગ કરીને નીકળ્યો અને ત્યાગીનો ધર્મ ન પાળે તે સતી મટીને કુત્તી કહાવે એવું થયું. સ્વામી અક્ષરજીવનદાસજીને દેહ પડી જાય એવી ચૂંક આવી. ત્યારે બીજા સાધુ કહે જે, ભૂજ લઈ જઈએ. ત્યારે સ્વામી કહે કે ભૂજ તમારા બાપનું છે ? માટે ત્યાગી થયા કેડે ઘર સંભારવાનો સંકલ્પ ન કરવો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ગંગાજીને તમે પવિત્ર કરો કે ગંગાજી તમને પવિત્ર કરે ? ત્યારે સ્વામીએ કહ્યું જે, મહારાજ અને સંત ગંગાજીને પવિત્ર કરે. ।। ૨૧૮ ।।
વાર્તા ૨૧૯
વૈશાખ વદ ૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ધ્યાનની લટક એવી શીખવી જે મહારાજની મૂર્તિમાં હું છું અને બોલે છે, ચાલે છે તે તો મહારાજ કરે છે એમ સમજવું. પણ તે કૃપા સિવાય થાય નહીં. મોટાની કૃપા વિના ધ્યાન કરે ને સિદ્ધિઓ દેખાય ને જો તેમાં લેવાઈ જાય તો કુટાઈ પડે. પરિપક્વ નિશ્ચયવાળો લેવાય નહીં. એ સિદ્ધિઓ પણ સ્વામિનારાયણના પ્રતાપે કરીને પરિપક્વ નિશ્ચયવાળાને મળે છે. પછી વાત કરી જે એક સમયે હળવદવાળા અમરશી ભક્તના દીકરા મહાદેવ ભક્ત આ કચ્છ દેશમાં આવ્યા હતા. તેમને રામપરાના મંદિરમાં પેસવા પણ ન દીધા, ધક્કો દઈને કાઢ્યા અને બે દિવસ ખાવા ન મળ્યું, તે કેરે ગયા અને ત્રીજે ઉપવાસે એક ડોસી પાસે ગાજર માગ્યાં ને જમ્યાં. પછી આપણી વાડીએ આવીને દંડવત કરવા માંડ્યા એટલે અમે કોસ હાંકવો પડ્યો મૂકીને તેમની પાસે ગયા ને ઓળખ્યા ને તેમને જમાડ્યા. પછી તે માંડવી ગયા. તે માંડવીથી પાછા આવ્યા તે આથમણી કોરે કૂવો છે ત્યાં મળ્યા ને ખૂબ વાતો કરી. તે અમરશી ભક્તે શ્રીજીમહારાજ પાસે એવો લેખ લખાવ્યો હતો કે હળવદમાં જેટલા સંત હોય તે સર્વેને દર બારસે પોતાની રસોઈ આપવી. તે જેસીંગભાઈ હતા ત્યાં સુધી આપી હતી, અને તે જેસીંગભાઈ દર બારસે રસોઈ દેતા તેથી હળવદમાં તે બારસિયા કહેવાતા. અને મહાદેવભાઈ સાધુ થવા નીકળ્યા હતા. તેમને શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે ના પાડી, છતાં સાધુ થયા ત્યારે મહારાજશ્રીએ શાપ દીધો કે ક્યાંય ટકશો નહીં. એ અયોધ્યાપ્રસાદજી મહારાજનો મહિમા શ્રીજીમહારાજના જેવો હતો. એમને દર્શને શાંતિ થાય એવા હતા. શ્રીજીમહારાજ રોઝે ઘોડે સત્સંગમાં ફરે છે. અને મુક્તો ભેળા ફરે છે અને સત્સંગની રમત જુએ છે, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, જુએ છે ખરા પણ કરતા તો કાંઈ નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આપણે ભગવાનના ભક્તને કાંઈ નથી ગયું. જે ખપે તે સત્સંગમાં છે. ખજીનો સાજો ભર્યો પડ્યો છે, પણ બાળકિયા સ્વભાવને લીધે ખબર પડતી નથી. જો મૂર્તિનો આનંદ અને ખુમારી હોય તો બીજું કાંઈ જોઈએ જ નહીં. ।। ૨૧૯ ।।
વાર્તા ૨૨૦
વૈશાખ વદ ૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે અનુભવજ્ઞાન સાક્ષાત્કાર થાય ત્યારે વિઘ્ન ન થાય. બ્રહ્મા-નારદને આવી પ્રાપ્તિ નહોતી. આજનો પ્રતાપ બહુ મોટો છે. તમને તો બહુ મોટી પ્રાપ્તિ મળી છે. શિવ, બ્રહ્મા, વિષ્ણુ એ ત્રણે મળીને એક ગામડાનું કામ ચલાવે છે, એના ઉપરી વૈરાજ છે, તે બ્રહ્માંડરૂપી ગામડાના અધિપતિ છે. એના ઉપરી અહંકાર છે, એના ઉપરી મહત્તત્ત્વ છે, એના ઉપરી પ્રધાનપુરુષ છે અને એવા અનંત પ્રધાનપુરુષોના ઉપરી મૂળપુરુષ ઈશ્વર જે શ્રીકૃષ્ણ તે છે, એવા અનંત શ્રીકૃષ્ણના ઉપરી વાસુદેવબ્રહ્મ છે, એવા અનંત વાસુદેવોના ઉપરી અક્ષર છે જેને મૂળઅક્ષર કહે છે તે. અને આ તો એવા અનંતકોટિ મૂળઅક્ષરોરૂપી બ્રહ્માંડના ઉપરી મહારાજાધિરાજ છે તે આપણને મળ્યા છે.
પછી હરિજનો પ્રત્યે બોલ્યા જે, તમારે સંતનાં દર્શન કરવાં, સમાગમ કરવો, પણ જ્યારે કોઈક વખતે ભેખ મળે અને અવળું સમજાવે ત્યારે હા સ્વામી, હા સ્વામી એમ ન કરશો. ઊભા થઈ રહેવું, પણ કૂદકા મારવા નહીં. એવાનાં દર્શન ને સમાગમનો ત્યાગ કરવો. જીવનું ગજું શું જે ભગવાનને ને ભગવાનના ભક્તને ઓળખી શકે ? આપણે સ્વામિનારાયણને ઘેર જાવું છે તે આવરણ ઘણાં હોય, તે ન જાણ્યાં હોય તો ક્યાંય બંધાઈ જવાય. જુઓને ! શિવ, બ્રહ્મા, નારદ, સનકાદિક આદિ બંધાઈ ગયા ! માટે ભગવાનના ભક્તે સરત રાખવી. ભારાસરના હરિભક્તો છે તે અમારો મહિમા બહુ જાણે છે અને અમારી મરજી બહુ સાચવે છે અને અમારા વ્યવહારમાં પણ બહુ કામ આવે છે. પછી વાત કરી જે ભગવાનના ભક્ત મોટા હોય તેની અંત વખતની સ્થિતિ જોઈને મનમાં સંદેહ લાવવો નહીં. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીના જેવા ચોવીસ મંદિરમાં એકેય નથી એવા એ હતા. તેમને કેટલાક કહે છે કે બ્રહ્મચારી બહુ દુઃખી થયા તે અણસમજણથી કહે છે. એવા વખતના જાણનારા તો એક સ્વામી અક્ષરજીવનદાસજી હતા, તે કહેતા કે આ દિવ્ય મૂર્તિઓમાં એવી નજર કરશે તો જીવ નીકળી જશે - આંખો નીકળી જશે... અને કેટલાક બોલતા કે કચરો ભક્ત ભૂત થયા છે. ત્યારે અમે કહ્યું જે એ તો ત્રણે અવસ્થામાં ભગવાનને દેખતા, એ ભૂત થયા ત્યારે તમે ક્યાં જશો ? પછી તો બધાય ચૂપ રહ્યા. આજ તો ભૂજના મંદિરમાં ભૂતને નાળિયેરમાં રાખીને કથા સંભળાવે છે, તેથી અમે કહ્યું જે, હવે મઠ બનાવ્યો. ત્યારે સાધુ બાળકૃષ્ણદાસે કહ્યું જે, અમારા મંદિરમાં કોરીઓની ઊપજ થાય છે માટે અમે ભૂત મંદિરમાં રાખીએ છીએ. ત્યારે અમે કહ્યું જે તમને ભગવાનનો નિશ્ચય નથી. જો ભગવાનનો નિશ્ચય હોય તો આવી ક્રિયા ન થાય. હજી તો માયાનો નિશ્ચય છે અને માયાને પ્રભુ માની છે, એમ અમે વઢ્યા. નિર્ગુણાનંદજી બ્રહ્મચારી માંદા હતા, તેમને અમારા જાણીને એ બ્રહ્મચારીની સેવામાં સાધુ આવતા નહિ; તે સાધુની બુદ્ધિ ઓછી સમજવી. તે ભૂજના સાધુઓને અમારો મહિમા નથી એટલે પાછળથી ગલોલા ફેંકે, પણ અમારી રૂબરૂ તો કાંઈ ન બોલે. હાલ તો અમારા દાબથી દબાઈ ગયેલ છે, તે જ્યારે અમે અદૃશ્ય થઈશું ત્યારે તેમના વર્તન જેવા છે તેવા જણાઈ આવશે. પછી સાંજના બાપાશ્રી, સંત-હરિજનોએ સહિત વૃષપુર પધાર્યા. ।। ૨૨૦ ।।
વાર્તા ૨૨૧
વૈશાખ વદ ૬ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને બહુ હરકત કરવાનો સાધુને ઇરાદો હતો. તેમાં દેવરાજભાઈ, ખીમજીભાઈ પણ ભળ્યા હતા, પણ બ્રહ્મચારીને અમે મૂર્તિમાં લઈ લીધા અને સુખિયા થઈ ગયા; એવા બ્રહ્મચારી બેય દેશમાં નથી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે તમને તો ખૂબ સાંભરતા હશે ? અમને પણ ખૂબ સાંભરે છે. સાજુ બ્રહ્માંડ ફરી આવે તોપણ એવા પુરુષ ક્યાંય ન મળે, વાતોના ધડાકા કરતા આવે; કોઈની પરવા રાખતા નહીં. હવે એ ગુણ આ પુરાણી કેશવપ્રિયદાસજીમાં આવે એવો સંકલ્પ કરીએ છીએ, જેથી કચ્છના હરિજનો સુખી રહે. પછી બોલ્યા જે, જેને જડ-ચૈતન્યનો સંસર્ગ ન હોય અને ભગવાનના અખંડ સંબંધવાળા હોય એવા હોય તે ગુરુ કહેવાય; માટે એવાને ગુરુ કરવા, પણ ગુરુનાં લક્ષણ બહાર જાય એ ગુરુ શાનો ? સનાતન હોય તે ગુરુ. તે સનાતન એટલે અનાદિ જે ધામમાંથી આવેલા હોય તે જાણવા. અને સંત એટલે સંતના લક્ષણે યુક્ત હોય તે જાણવા. આજ સત્સંગમાં ભગવાન બિરાજે છે પણ પાપી અને અધર્મી છે તેના મતે નથી, તે તો અદૃશ્ય થયા જાણે છે, કેમ જે સત્સંગની શૈલી જાણતા નથી તેથી એમ સમજે છે જે ભગવાન અંતર્ધાન થયા છે. અમને તો એમ જણાય છે જે એવું સમજનારા સાધુ શું કરવા થયા હશે ? મૂંડાવા ? અને એવા વચ્ચે આવે તે ગુરુ ન જાણવા. એવાનો જોગ થયો હોય તો તે મોક્ષમાર્ગમાં મોટું વિઘ્ન થયું જાણવું. તેવાના જોગથી જુદા પડી જાવું અને તેનો ત્યાગ કરવો. જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય તે તો પાંચ વખત માનસીપૂજા કરે, ધ્યાન કરે, માળા ફેરવે. ।। ૨૨૧ ।।
વાર્તા ૨૨૨
વૈશાખ વદ ૭ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૩૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં સર્વ કારણના કારણ એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાં બે કારણ થયાં. એક અનાદિ એ કારણ અને તેના કારણ શ્રીજીમહારાજ. જ્યાં સુધી આવું પુરુષોત્તમનારાયણનું જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્યાં ત્યાં વલખાં કરાય છે. મહારાજે આ સભા અક્ષરધામની કહી છે, માટે આ સભાને દિવ્ય જાણવી અને મૂર્તિઓને વિષે ધાતુ-પાષાણભાવ ન રાખવો. અમારો સિદ્ધાંત એવો છે, પછી તમે મરડી-મચોડી ક્યાંઈક લઈ જાવ તો ભલે. મહારાજે તો કહ્યું જે, અમારા સંતને ને અમને જેવડા જાણશો તેવા થાશો. સ્વામિનારાયણને ઘેર બધી વસ્તુ છે. વિષયી, મુમુક્ષુ, પરમ એકાંતિકમુક્ત અને અનાદિમુક્ત એ સર્વે છે. માટે મોટાને ન ઓળખે અને મોટાનો મહિમા ન સમજે તો તે કયે ઠેકાણે જાય ? આ સભા તો અક્ષરધામનો દરવાજો છે અને પૂરું તો સાક્ષાત્કાર અનુભવજ્ઞાન થાય ત્યારે થાય. જે મૂર્તિ સાથે રસબસ કરે તે અનુભવજ્ઞાન કહેવાય. તે મહારાજની મૂર્તિમાં જોડાય તો એવું જ્ઞાન થાય.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, અનુભવજ્ઞાન તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ જળ પોતે ઊંડું લઈ જાય છે તેમ પુરુષોત્તમનારાયણની ખુશબો છે તે જીવને ખેંચીને મૂર્તિમાં લઈ જાય છે. એ ખુશબો તે અનુભવજ્ઞાન જાણવું. તે સર્વેથી પર શ્રીજીમહારાજ અને અનાદિમુક્તને સમજે ત્યારે અનુભવજ્ઞાન થયું કહેવાય, પણ ખોટાને ખોટું કરે તે સાચું જ્ઞાન ન કહેવાય. મહારાજની મૂર્તિથી ઓરું અક્ષર પર્યંત સર્વે ખોટું થઈ જાય અને મહાપ્રભુજીની મૂર્તિમાં જોડાઈ જવાય એ અનુભવજ્ઞાન કહેવાય, માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરીને મૂર્તિમાં રસબસ થઈ જવું. અનાદિ વસ્તુ જે મહારાજ ને મુક્ત તેમને ઓળખવા. તે બહુ કઠણ છે. સોની હોય તે સોનાની ભૂલ શોધી કાઢે. આ અક્ષરધામની સભા છે તેને ચૂંથી ન નાખવી એટલે સાધનદશાવાળાની સાથે ન ગણવા. કલ્યાણસંગજીને રામપરામાં ચિત્રની પ્રતિમા અમે બતાવીને કહ્યું કે આ મૂર્તિને શું કહેશો ? ત્યારે એમણે કહ્યું જે, સાક્ષાત્ મહારાજ છે. ભારાસરમાં એક સાધુ માંદા હતા તેને જોવા માટે અમે ગયા. ત્યારે સ્વામી અક્ષરજીવનદાસજીએ સાધુને કહ્યું કે, આ કોણ છે ? ત્યારે તે સાધુએ કહ્યું કે, આ વૃષપુરના અબજીબાપા છે. એની બાધિતાનુવૃત્તિ હતી. આપણે તો મહારાજની સભા અને મહારાજની મૂર્તિ જોઈએ. જુઓને ! સ્વરૂપાનંદ સ્વામીનો મંદવાડ, દાદાખાચરનો મંદવાડ. તે જુએ તો અધૂરા જ્ઞાનવાળાને સરખું ન રહેવાય. પછી એક હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, આ સંત કોણ છે ? ઓળખો છો ? ખોળી આવો, આખા બ્રહ્માંડમાં ક્યાંય જડ-ચૈતન્યના ત્યાગી આવા મળે છે ? પછી સંતો પ્રત્યે બોલ્યા જે, જડમાં માલ શું છે ? એ તો ઝેર છે. જો ખરું જ્ઞાન હોય તો તેના ઉપર લઘુ કરીને અને ઝાડે ફરીને ચાલ્યા જાય. એમાં શું માલ છે ? પણ આવા મોટા મળવા કઠણ છે. અમે માંડવી ગયા હતા ત્યાં રામકૃષ્ણભાઈએ કહ્યું કે આ કણબી કેમ ફરતા હશે ? ત્યારે અમે કહ્યું કે, કણબી તે બીવાળા છે. તે બી તે મહારાજની મૂર્તિ તેમાં રસબસ રહેલા છે. તમારું બી બળી ગયું. તમે આવાં પુસ્તકો વાંચો છો. તે શાસ્ત્ર તો વૈરાજનારાયણની વાતો કરે છે. તે તમે વૈરાજનારાયણને ત્યાં જશો કે અક્ષરધામમાં જશો ? પછી તો વાત સમજાણી એટલે મુખમાં તરણું લઈને રોયા ને બોલ્યા જે, મારો મોક્ષ કરજો અને જો જન્મ ધરાવો તો કણબીના કુળમાં જન્મ આપશો, પણ બ્રાહ્મણના કુળમાં ન આપશો. આપણે તો અધમ જીવને પણ ઉદ્ધારવા છે. આપણે ઘેર વસ્તુ સાચી છે, તેને શીદ વંજાવવી જોઈએ ? બ્રહ્મચારીની વાત ઉડાડી તે સાંભળીને અમારું તો કાળજું બળી ગયું. આવા અપરાધ થાય તો સાધન બધાં બળી જાય ! જેમ “કોળી કોળીથી કાંપો, ને કાંપે કાંપેથી ભારી; અને ભારી ભારીથી ગાડું અને ગાડે ગાડેથી ગંજી થાય.” તેમાં એક દીવાસળી મૂકે તો બધું બળી જાય. માટે આવો એક અપરાધ થાય તો બધું બળી જાય. મહારાજ કહે ત્રણ ગુણ કાઢી નાખવા. એ ગુણ હોય ત્યાં સુધી સત્સંગમાં સુખ આવવા દે નહીં. બધે જોઈ આવે, તમોગુણ બધાનું ખાઈને અભડાઈ આવે. નબળા માણસ સત્સંગમાં ન ખપે (જોઈએ). એ ભગવાન ભજ્યામાં કામ ન આવે. સાચું બી રાખશો તો ઊગી આવશે. જેમ આ બાજરો પરમ દિવસે વાવ્યો હતો અને આજ ઊગી ગયો તેમ. પછી બોલ્યા જે, લીલું બે પ્રકારનું છે. એક દેવાળું કાઢે તે પણ લીલું કહેવાય અને સારું કામ કરે તે પણ લીલું કહેવાય. તેમ મોટા સત્પુરુષની નિંદા કરનારા નબળા માણસ સત્સંગમાં નખોદ વાળે એવા હોય તે ભગવાનને અને અનાદિમુક્તને પણ ઓળખે નહીં. જેને પોતામાં દોષ છે તેને મોટામાં દોષ સૂઝે છે. નિશ્ચયમાં કસર હોય તો ડગી જવાય, માટે નિર્વાસનિક થઈને ભગવાન ને ભગવાનના સંત સાથે એકતા કરવી. જેને પરિપક્વ નિશ્ચય હોય તેને કાંઈ ન અડે. અનાદિ કોઈના દોષ દેખતા નથી, અધમ જેવા જીવને પણ ઉદ્ધારે છે અને બિચારો કોઈ જીવ રખે દુઃખિયો થઈ જાય એવી દયા રાખે છે. એવી દયા રાખે તો મહારાજ રાજી થાય. તે વખતે બે કબૂતર લડતાં હતાં. તેને જોઈને કહ્યું કે આમ કાંઈ મ કરજો. આમ કરતાં કરતાં બાજ પક્ષી ઉપાડી જાય, તેમ કાળ લઈ જાય. આ વખત નહિ મળે. મહારાજને સંભારશો તો સદ્ગુરુ થાશો અને મહારાજને મૂકશો તો કોઈ ભાવ નહિ પૂછે. જેવા ગોપાળાનંદ સ્વામી હતા, જેવા નિર્ગુણદાસજી સ્વામી તેવા આ ઈશ્વર બાવો છે ! મીસરી દૂધમાં નાખી હોય તો ખોળી ન જડે, તેમ મુક્ત મૂર્તિમાં રસબસ રહે છે. સર્વના આધાર, સર્વના કર્તા, સર્વના નિયંતા અને સર્વે દિવ્યના પણ દિવ્ય એવા ભગવાન આપણને મળ્યા ! એમાં કોઈએ કુતર્ક કરવો નહીં. મહારાજની આજ્ઞામાં રહેવું; નાટક, ચેટક, ભાંડ, ભવાઈ, જોવી નહીં. આ તો જેમ શુદ્ર ભિખારણે છોકરી ઉકરડામાં નાખી તેને કોઈ સારા માણસે લઈ મોટી કરી. તે રૂપાળી હતી તેથી રાજા પરણ્યો. પછી તે બહુ માંદી પડી. પછી ગોખલામાં રોટલાનાં બચકાં મૂક્યાં. તે તેણે ગોખલા પાસેથી માગી માગીને ખાધાં ને પુષ્ટ થઈ; પછી તેને રાજાએ ગોળીએ દીધી. તેમ જે શૂદ્ર ભિખારણ જેવા સ્વભાવ રાખે તેનો શ્રીજીમહારાજ ત્યાગ કરે, માટે માયિક વાસના ન રાખવી. સત્સંગમાં દાસપણું રાખવું. રજોગુણ-તમોગુણ તો પાપરૂપ છે, તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્ત્વગુણ રાખવો; જેથી ગુરુની, સભાની, સત્સંગની સેજા રહે. ભગવાન કરતાં ગુણો વહાલા રાખે તો દુઃખી થાય. તમોગુણ તો કાળા નાગ જેવો છે. આ માયિક જણસ તો જોઈએ જ નહીં. જેને અખંડ સોહાગી થાવું હોય તેણે મોહનિદ્રામાંથી જાગી જાવું અને દાસપણું રાખવું. ।। ૨૨૨ ।।
વાર્તા ૨૨૩
વૈશાખ વદ ૯ને રોજ સભામાં સાધુ મુક્તજીવનદાસજીએ પૂછ્યું જે, ઉપાસના પરિપક્વ ન થઈ હોય તો તેની શી ગતિ થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને ભગવાનની ઉપાસના પરિપક્વ ન થઈ હોય તેને જે બ્રહ્માંડમાં ભગવાન પ્રગટ હોય ત્યાં જન્મ ધરાવીને ઉપાસના પરિપક્વ કરાવીને ધામમાં લઈ જાય છે.
પછી બ્રહ્મચારી વૈરાગ્યાનંદજીએ પૂછ્યું જે, કેટલાક કહે છે કે સત્સંગમાં ભગવાન હોય તો આવા ડખા કેમ થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, રામ-કૃષ્ણના વખતમાં કેટલા થતા હતા ? બીજા અવતારોમાં પણ કેટલાય થયા હતા અને લોહીની નદી ચાલી હતી. એ અવતારોમાં પણ ડખા થયા છે. માટે ડખા થાય તેણે કરીને ભગવાન નથી એમ ન જાણવું. જેને પરિપક્વ નિશ્ચય ન હોય તેને એવી શંકાઓ થાય. પરિપક્વ નિશ્ચયવાળો તો ભગવાનની લીલા જાણે. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તે ભગવાનની લીલા છે. એમ જાણીને તે લીલા કહે ને સાંભળે તેનો મોક્ષ થાય. આવા તીર્થક્ષેત્રમાં શંકા કરે તે અજ્ઞાની છે. પછી બોલ્યા જે, સ્વામિનારાયણ ભગવાન - શ્રીજીમહારાજનો મહિમા એવો છે જે, એક સમયે વ્યાપકાનંદ સ્વામી કચ્છમાં પધાર્યા હતા. તેમણે શ્રીજીમહારાજને કહ્યું જે, હે મહારાજ ! આપ જ્યાં જ્યાં વિચર્યા છો ત્યાં ત્યાં મારે જાવું છે, પણ એ આપની પ્રસાદીનાં સ્થાન શી રીતે મારે ઓળખવાં ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ત્રણે અવસ્થામાં અમારી મૂર્તિ દેખાશે અને તમને અમારા હેમના જેવાં દિવ્ય પગલાં દેખાશે. પછી તેમને એવી રીતે દેખાયું હતું અને આજ પણ સાચો ભાવ હોય તો દેખાય. ।। ૨૨૩ ।।
વાર્તા ૨૨૪
વૈશાખ વદ ૧૦ને રોજ સાંજના બાપાશ્રી સંત-હરિજનોએ સહિત વાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસીપૂજા કરી અને જાંબુના વૃક્ષ નીચે સભા કરીને બેઠા. પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ભૂતયોનિ છે તો ખરી, પણ એકાંતિકને મતે તો ભૂત વસ્તુ જ નથી. તેમ જ ચાર પ્રકારની મુક્તિ છે, તે મુક્તિને ઇચ્છે તેને શ્રીજીમહારાજની મૂર્તિનો સંબંધ થાય નહીં. જે સેવા ઇચ્છે તેને મૂર્તિ મળે.
પછી વાત કરી જે, શ્રીજીમહારાજ જેતલપુરમાં સભાઓ કરીને નિત્ય વાર્તા કરતા તે સમે કોઈને નિદ્રા આવે તો ઊભા કરતા. કોઈક દિવસ શ્રી મુક્તાનંદ સ્વામીને સભામાં ડોલું આવ્યું, ત્યારે મહારાજ કહે કે ઊભા થાઓ, સભામાંથી જાઓ. ત્યારે સ્વામીશ્રીએ ઊભા થઈને વિચાર કર્યો જે, આ નિદ્રાએ વાતો સાંભળવામાં વિઘ્ન કર્યું માટે તેને કાઢવી. પછી ચૈત્ર માસની તપેલી રેતીમાં જઈ સૂતા, તે સ્વામીશ્રીનું શરીર કોમળ હોવાથી શરીરમાં ફોલ્લા પડ્યા અને નિદ્રાને કહ્યું કે તેં મને અભડાવ્યો અને અક્ષરધામની સભામાંથી કાઢી મુકાવ્યો. પછી તો નિદ્રા મૂર્તિમાન હાથ જોડીને સામી ઊભી રહી અને પ્રાર્થના કરી કે, “મારો ગુનો માફ કરો, હવે તમારી પાસે નહિ આવું.” તે જોઈને શ્રીજીમહારાજ બહુ રાજી થયા. પછી તો જ્યારે બોલાવે ત્યારે નિદ્રા આવે પણ એ વિના આવે નહીં. એવો નિદ્રા ટાળવાનો પ્રયાસ કર્યો માટે નિદ્રા ટાળવી. ઊંઘ ને આહાર વધાર્યાં વધે છે ને ઘટાડ્યાં ઘટે છે.
વળી, એક સમય શ્રીજીમહારાજે જેતલપુરમાં છ મહિના લાગટ કથા કરી અને બીજી ચાતુર્માસમાં ચાર મહિના કથા કરી. ત્યાં અલીખાં નામે પઠાણ હતો, તે પણ કથા સાંભળવા સભાથી છેટે બેસતો. પછી એક દિવસે મહારાજ રમૂજમાં આવ્યા અને સૌ સંતોને પૂછ્યું કે હે સંતો ! ચાર મહિનાની કથા થાય છે તેમાં કયે વખતે કઈ કથા આવી તે કહો. નહિ તો સભામાં બેસવા નહિ દઈએ. પણ સંતો તથા આશજીભાઈ આદિ હરિભક્તો કોઈ પૂરું કહી શક્યા નહીં. પછી મહારાજે અલીખાં પઠાણને પૂછ્યું તો ચાર મહિનાની સોંસરી કથા કહી ગયો. તે પઠાણ, જાડો-કાળો સૂંથણો પહેરતા અને બગલમાં કાળું ખપ્પર રાખતા ને માગી ખાતા. જેતલપુર બહુ રમણીક સ્થાન છે. જેતલપુર જઈએ તો કેવું મંદિર ! કેવો મહોલ ! કેવું તળાવ ! અક્ષરધામની ઉપમા દઈએ તેવું ! તેમાં સ્વામી નિર્ગુણદાસજી તથા ભગવત્ચરણદાસજી અને તમે રહેતા ત્યારે અમે આવતા ને બહુ રળિયામણું લાગતું. આ સત્સંગમાં મહારાજ ઘોડે ચઢીને ફરે છે. આજ્ઞા લોપે તેને ચાબુક મારે છે. પછી “શ્રીહરિ સુરનર મુનિ શિરતાજ” એ કીર્તનની ટૂંક બોલ્યા ને કહ્યું જે, શ્રીજીમહારાજ પ્રત્યક્ષ હોય ત્યારે શાસ્ત્રની સાખ લેવી તે દોષ છે, માટે ન લેવી. શાસ્ત્રની સાખ લે તો ઠીકરું ફૂટી જાય. એવા માણસ હોય તે તીર્થમાં, કથામાં, શાસ્ત્રમાં બધેય દોષ કાઢે. ।। ૨૨૪ ।।
વાર્તા ૨૨૫
વૈશાખ વદ ૧૧ને રોજ બાપાશ્રી, સર્વે સંત-હરિજનોએ સહિત છત્રીએ પધાર્યા. ત્યાં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત પારાયણ કરાવી અને તેની સમાપ્તિ થઈ. પછી છત્રી ઉપર મૂર્તિ પધરાવી ને તે છત્રીના પરથાર ઉપર બાપાશ્રી બિરાજમાન થયા. પછી સૌ સંત-હરિજનોએ બાપાશ્રીની ચંદન-પુષ્પે કરીને પૂજા કરી અને સર્વે બેઠા. પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ વચનામૃતના પ્રશ્ન લખી સ્વામી ઈશ્વરચરણદાસજીને આપ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું કે પુરાણી આપને પ્રશ્ન પૂછે છે. ત્યારે બાપાશ્રી કહે કે કાલે પૂછજો. આજ તો વખત થઈ ગયો છે, માટે મંદિરમાં ચાલો. પછી સર્વે મંદિરમાં આવ્યા.
પછી બીજે દિવસે એટલે વદ ૧૨ને રોજ સાંજના બાપાશ્રી સર્વે સંત-હરિજનોને સાથે લઈને લખાઈવાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસીપૂજા કરી અને જાંબુડાના વૃક્ષ નીચે સભા કરીને બેઠા. પછી સર્વેએ બાપાશ્રીની ચંદન-પુષ્પહાર વડે પૂજા કરી અને બાપાશ્રીએ પણ સર્વેની પૂજા કરી અને આશીર્વાદ આપ્યા. પછી સૌ સંત-હરિજનો ઊઠવાને તૈયાર થયા ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ “સત્પુરુષ વાક્યં ન ચલંતિ ધર્મ” એમ કહીને કહ્યું કે, બાપા, ગઈ કાલે પૂછેલા પ્રશ્નના ઉત્તર આજ કરવાનું આપે કહ્યું હતું તે ઉત્તર કરવા કૃપાવંત થશોજી. પછી બાપાશ્રી ઘડીક વાર વિચારીને બોલ્યા જે, આજ તો મહારાજ કૃપાસાધ્ય છે પૂછો.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, આ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાની પારાયણ કરે તો શું ફળ થાય ? ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને પામે અને પારાયણ કરાવનાર પારાયણ કરાવીને તે પારાયણને અંતે નાહતા હોય તે પાણીમાં મહિમાએ સહિત જે નહાય અથવા તે પાણી માથે ચઢાવે તેનાં પંચમહાપાપ બળી જાય.
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, કેટલી પારાયણ વાંચવાથી આત્મામાં અખંડ મૂર્તિ દેખાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પાંચ પારાયણે. અને આજ્ઞા યથાર્થ પાળીને દિવસ દિવસ પ્રત્યે પાઠ કરે તો તેનું આત્યંતિક કલ્યાણ થાય. ।। ૨૨૫ ।।
વાર્તા ૨૨૬
વૈશાખ વદ ૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેમ તમારા ત્યાગીના ધર્મ જે બાઈ મનુષ્યને ન અડવું, પણ તે બૂડતું હોય તો તેને ઝાલીને બહાર કાઢવાની આજ્ઞા છે; તેમ કોઈની આસુરી બુદ્ધિ થાય ને તે આપણો અવગુણ લે તોપણ આપણે તેનો હાથ ઝાલીને તે સત્સંગમાં આવે એવી રીતે ગમે તેમ કરીને પણ તેનું સારું થાય તેમ કરવું; પણ પડ્યો મૂકવો નહીં. એ આપણો ધર્મ છે. માટે તેનું સારું ઇચ્છવું.
પછી પ્રથમ પ્રકરણનું ૩૮મું વચનામૃત વંચાવ્યું, તેમાં ઘાટ ટાળવાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કેમ સંતો ! ઘાટ થયા કરે છે કે કેમ ? ત્યારે સાધુ અક્ષરજીવનદાસજી બોલ્યા જે, ઘાટ ન થાય એવી કૃપા કરશો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાંઈ કરવું નહિ ને આમ ને આમ કરો એમ કહેવું તે ઠીક નહીં. કાંઈક પ્રસન્નતાનાં સાધન કરવાં જોઈએ. પછી બોલ્યા જે, અમારાથી કોઈક જુદા પડે ત્યારે વિચાર થાય જે ત્રણ-ચાર વર્ષ થયાં. પાળી પાળીને થાક્યા અને આવો નીકળ્યો ! પછી તેને કંથેરના કાંટાવાળા ઝાંખરા વળગાડે તો કોઈક ઊભો થાય ને કોઈક થાય પણ નહિ, એટલે પાછો વળે નહિ, તો તેને બહુ ગોદા ન મારવા ને સારું ઇચ્છવું. તેને મૂર્તિ ન જોઈએ અને માયિક વસ્તુ જોઈતી હોય તે આપવી પણ તેને આપણો ગુણ આવે તેમ કરવું. આપણે એવા સ્વભાવ રાખવા પણ તેના જેવા ન થાવું; દયા રાખવી. તેમનું આ જન્મે અથવા બીજે જન્મે પણ અંતે સારું કરવું, વ્યવહાર એવો છે. પછી બોલ્યા જે, સાંભળજો ! આ વાત ખોટી નથી કહેતા. હવે કોઈ આઘા-પાછા થશો નહીં.
પછી તે જ દિવસે સાંજના બાપાશ્રી સંત-હરિજનોએ સહિત વાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને માનસીપૂજા કરીને જાંબુના વૃક્ષ નીચે સર્વે બેઠા. અને સભામાં પ્રથમ પ્રકરણનું ૨૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે એ વાત આવી.
પછી સંતે પૂછ્યું જે, આવી સમજણ આવ્યા પહેલાં ભગવાન નિવાસ નહિ કરતા હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ રહે પણ ઠીકરા આદિકના વાસણમાં ન રહે તેમ પાત્ર થાય ત્યારે શ્રીજીમહારાજ નિવાસ કરે પણ તે પહેલાં નિવાસ ન કરે, તે માટે પાત્રની તારતમ્યતાએ રહે છે.
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, જેના હૃદયમાં ભગવાન નિવાસ કરે તે મુક્ત કેવી સ્થિતિના કહેવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એકાંતિકની સ્થિતિ કહેવાય, કેમ કે એનો દેહ માયાનો છે, તેમાં છે ત્યાં સુધી તે એકાંતિક કહેવાય. જ્યારે એ દેહનો વિયોગ થાય ત્યારે તે પરમએકાંતિક કહેવાય. ।। ૨૨૬ ।।
વાર્તા ૨૨૭
વૈશાખ વદ ૧૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ ગામના રત્નો ભક્ત નાનાં રામબાઈના ભાઈ હતા, તેમની ઉપર ગામલોકોને બહુ દ્વેષ હતો, તેથી તેનાં વાડી-ઓરડા ખેંચી લીધાં અને ધૂળ નાખતા ને દંડ કરતા, જેમાં ગામધણી પણ ભેળો ભળ્યો હતો. એક વખતે ગઢડે એ રત્ના ભક્ત શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા, તેમનો નખ શ્રીજીમહારાજને વાગ્યો. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, કોઈ ધખશો નહિ, રામબાઈનો ભાઈ તે મારો ભાઈ છે. વળી, એક વખતે તેમણે કાચ કાઢીને મહારાજની મૂર્તિને ચંદન ચર્ચ્યું તે લેપો થઈ ગયું, ત્યારે અમે કહ્યું જે, આ શું કર્યું ? ત્યારે તે કહે જે, લૂક બહુ હતી તે મહારાજને તાપ લાગતો હતો તેથી ચર્ચ્યું ! એવા હતા; જેને આ લોકનું ભાન નહોતું. પછી બેચરભાઈને માથે હાથ મૂકીને બોલ્યા જે, તમને શરદી હોય એમ લાગે છે. પછી તે કહે જે, ફેર ચઢે છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, મને ફેર તો ચઢે છે પણ વહાણમાં કે આગબોટમાં નથી ચઢતા. પછી બાપાશ્રી બોલ્યા જે, તમારો દેહ ઉપરથી ભારે છે ને નીચેથી પાતળો છે તેથી આમ ચાલતા આમ જવાય ને આમ ચાલતા આમ જવાય એ વાંકડું પ્રશ્ન કહેવાય. વાંકડું એટલે ટીખળવાળું જાણવું. પછી બહેચરભાઈને કહ્યું જે, અમને સંભારો છો ? ત્યારે તે કહે જે બાપા, મૂર્તિ ખપે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઘરાક થાશો તો જડશે અને કિંમત કરીને નાસવા માંડશો તો થઈ રહ્યું. મુમુક્ષુઓને ભેખ ભગાવે છે એટલે તેને અમારા અભાવ ઘાલે છે એમ કહીને પછી વાત કરી જે, જેમ રાજાને પોતાનો દીકરો મરી જાય તો શોક થાય છે તેમ મહારાજની મૂર્તિમાંથી નોખું પડાય તો કેટલો બધો શોક થવો જોઈએ ? તે વસ્તુ માયિક છે અને મહારાજની મૂર્તિ તો દિવ્ય છે માટે નોખું પડાય તો બહુ નુકસાન થાય. ચાર દિવસ રહેવું છે. મૃત્યુ આડી એક ઘડી રહી હોય ને એવામાં પણ આવા મોટાને વિષે જોડાય તો આત્યંતિક મોક્ષ થાય. મોટા તો જાગ્રત, સ્વપ્ન, ને સુષુપ્તિથી પર વર્તતા હોય તેમને કોણ ઓળખે ? તો જે ગરજુ હોય તે ઓળખે. આજ મૂર્તિમાં જોડાઈ બેઠા હોય અને કલેવરને ગમે તેમ થાતું હોય એવા સત્સંગમાં છે. એવી સ્થિતિમાં સદાય રહેવું. સુખ આવે કે દુઃખ આવે તોપણ કોઈનો અભાવ આવવા દેવો નહીં. કળિ ખરેખરો આવ્યો છે તેમાં સત્યુગ સ્થાપવો. આજ સિદ્ધિઓનું જોર વધ્યું છે. આવો ભા, આવો સ્વામી, આવું માન વધ્યું છે. ।। ૨૨૭ ।।
વાર્તા ૨૨૮
વૈશાખ વદ અમાસને રોજ સાંજના બાપાશ્રી સંત-હરિજનોએ સહિત નવી વાડીએ પધાર્યા. ત્યાં નાહીને જાંબુડાના વૃક્ષ નીચે સર્વેએ બેસીને માનસીપૂજા કરી.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સર્વે સાધનનું ફળ એક મૂર્તિ જ છે, તે સામું જોઈ રહેવું. એવામાં કેરાનો એક હરિભક્ત હતો, તેનો છોકરો રમતો હતો તેને આંચકી આવી અને તેના બાપના ખોળામાં તે છોકરાનો દેહ પડી ગયો. પછી તેના બાપે તે છોકરાને સ્વામી ઈશ્વરચરણદાસજીના ખોળામાં નાખ્યો. ત્યારે સ્વામી કહે જે, આ તો મને અભડાવ્યો. ત્યારે બાપાશ્રી કહે જે, એ છોકરાને પાણી પાઓ, પછી પાણી પાયું ને તે છોકરો જીવતો થયો. પછી બાપાશ્રી બોલ્યા જે, આ નૈમિષારણ્ય ક્ષેત્ર હતું તો આ છોકરો બચી ગયો, એનું પણ કામ થઈ ગયું. જુઓને, આ સ્વામિનારાયણના પરચા. આ છોકરો મરી ગયો હતો પણ જીવ્યો. આવા પરચા દેખે તોપણ જેને પ્રતીતિ આવતી નથી તેને એટલી નિશ્ચયમાં કસર છે. પછી એક સાધુને કહ્યું જે, તમે ત્યાગી થયા છો તે વાણી મેલવી, જડ મેલવું, ચૈતન્ય મેલવું, તેમાંથી જેટલું ઓછું ન થાય તેટલું મહારાજથી છેટું રહે. શીતળ ને શાંત રહેવું, દુઃખિયા ન થાવું. ધ્યાન : સાંગ, ઉપાંગ, સલીલ ને સપાર્ષદ - એમાં કિયું ધ્યાન કરો છો ? અને કોનું ધ્યાન કરો છો ? તે કહો. શ્રીજીનું ધ્યાન કરવું. કરવી સેવા તો મળે મેવા; અસેવા ન કરવી. ઝાઝું બોલવું નહીં. દાસાનુદાસ થઈ રહેવું. “દાસ તમારા દાસનો મને, રાખો નાથ હજૂર.” મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીના જેવું દાસપણું રાખવું. જડ (વૃક્ષ) જેટલો લાભ પણ લેવાય નહીં ! ભાડું ખરચાવીને કચ્છમાં આવ્યા છો. તે વખતે ઝાડ ખડખડ્યું. ત્યારે બોલ્યા જે, જુઓ આ જાંબુ હસે છે, જે મારાં ધનભાગ્ય ! આવા મોટા મારે છાંયે બેઠા છે એમ જાણીને હસે છે. આવી રીતે જડ જાતિ પણ કામ કાઢી જાય છે અને મનુષ્યો કેટલાક બેસી રહે છે. થાંભલા જેવા અને વૃક્ષ જેવાય આપણે ન થઈએ ત્યારે શું કર્યું ? આ જોગમાં આ વૃક્ષનુંયે સારું થઈ જશે. ઝાડ આખો કલ્પ તપ કરી કરીને મરી જાય તોપણ આવું કામ ન થાય. રામજીભાઈ ઉપરદળવાળા અહીં આવતા તે અહીંના મંદિરના ચોકમાં નાળિયેરી, જામફળી આદિ વૃક્ષોને બાથમાં ઘાલીને મળે ને રુએ ને કહે જે, તમે મોટાં ભાગ્યવાળાં છો, તે સદાય આવા મોટાનાં દર્શનનો લાભ લો છો, અને મારે આ દર્શન મેલીને જાવું પડશે. એમ બોલ્યા ત્યારે એમ જાણીએ જે, એને ખરું હેત અને મહિમા છે; એવા થાવું. પણ “ચલ બે રંડી હમ ખાખ બને હૈં” એવું ન કરવું. શ્રીજીમહારાજની મૂર્તિ ત્રણે અવસ્થામાં રાખવી. રસનાનું જોવું, માનનું જોવું, વખત, જોગ બહુ સારો છે તો પૂરું કરી લેવું. જાણ્યા વિના, જોયા વિના ઉપરથી પથ્થરનો ઘા કરે. સ્થિતિ જાણી ન હોય, ગુણ જાણ્યા ન હોય અને અપમાન કરે. આ સેવા-ક્રિયા કરું છું તેમાં મહારાજની શી મરજી છે તે તપાસવું. વડોદરાના મોટા મોટા શાસ્ત્રી આવ્યા તે બોલ્યા જે, આ તમારો ધર્મ કલ્પિત છે અને તમે તમારા સંતને વખાણો છો, તે અમને પરચો દો તો માનીએ. ત્યારે શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે સ્વામી, તમારું કામ પડ્યું છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! કહી દેખાડું કે કરી દેખાડું ? ત્યારે શ્રીજીમહારાજ કહે, તમારી મરજી હોય તેમ કરો. પછી સ્વામીએ હેમનું પારણિયું કર્યું અને નાના બાળક થઈને માંહી પોઢ્યા. પછી વેદ આવીને પારણિયું હીંચોળવા મંડ્યા ને મહિમા ગાવા લાગ્યા ને બ્રહ્માનંદ સ્વામીએ સૂર્ય, ચંદ્ર બેયને પકડીને પારણિયાને બે છેડે લટકાવ્યા અને તારાઓનું ઝૂમખું કરીને વચ્ચે લટકાવ્યું ને રમવા લાગ્યા; તે જોઈ પંડિત આશ્ચર્ય પામ્યા. તેવા અનાદિ આજ છે પણ તેને ઓળખે નહીં. આજ એ જ મળ્યા છે, પણ મહિમાએ સહિત જોગ-સેવા કરીએ તો બ્રહ્માનંદ સ્વામી જેવા આ સભામાં જ છે, પણ તેમની સામર્થી રૂંધી રાખી છે. વખત ન વંજાવવો, ન વંજાવવો. આ વખત ન મળે. એમને વિષે ભાવ એવો ને એવો રાખવો. તે વખતે પણ મહારાજ આમ ને આમ સુખિયા કરતા અને આજ પણ એમ ને એમ કરે છે. આપણે ભેળા બેસીએ છીએ ને કથા-વાર્તા કરીએ છીએ તેથી સખાભાવ રહી જાય એટલે ખબર ન પડે, પણ જેને એવું દિવ્ય ભાસતું હશે તેને અતિ આનંદ થતો હશે ને મૂર્તિમાં વૃત્તિ લીન થઈ જાતી હશે અને તેજોમય ફુવારા ઝળળળ ઝળળળ છૂટતા હશે. અને જેને એવું દિવ્ય નહિ ભાસતું હોય તેને અભાવ આવતો હશે અને આ ચંદન ચર્ચે છે, મળે છે, તે રમત કરે છે એવું કેટલાક જાણતા હશે. આ સભાથી બીજું તેજોમય સ્વરૂપ દેખાણું નથી ત્યાં સુધી મારું કલ્યાણ થયું નથી એમ સમજે તો કાંઈ ન મળે અને તેને મહારાજે ચંડાળ કહ્યો છે. માટે આ સભા દિવ્ય તેજોમય અક્ષરધામની સમજવી. ।। ૨૨૮ ।।
વાર્તા ૨૨૯
જેઠ સુદ ૧ને રોજ સભામાં સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, મહાકાળ જ્યારે મહાપ્રલય કરે ત્યારે બધા જીવ ક્યાં રહેતા હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સર્વે જીવ માયામાં લીન થઈ જાય છે અને માયા, મૂળપુરુષ જે શ્રીકૃષ્ણ તેને વિષે લીન થઈ જાય છે અને એ પુરુષ વાસુદેવબ્રહ્મની સભામાં રહે છે. જ્યારે સૃષ્ટિ સૃજવાનો સમય થાય ત્યારે પુરુષે માયાને લીન કરી હોય તેને બહાર કાઢીને તે માયા થકી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. પછી બોલ્યા જે, બ્રહ્માંડ વસ્યું તોય શું ? અને ન વસ્યું તોય શું ? આપણે તો મહારાજ ને મહારાજના મુક્તને પકડીને તેમાં આત્મબુદ્ધિ કરીને તેમાં જોડાવું. અમે તો બદ્રીકાશ્રમ નથી દેખ્યું, શ્વેતદ્વીપ નથી દેખ્યું, ગોલોક નથી દેખ્યું અને અનંતકોટિ બ્રહ્માંડ પણ નથી દેખ્યાં. અમે તો કાંઈ દેખ્યું નથી તો અમે શો જવાબ દઈએ ? તમે આ લોકનું પૂછો તેમાં અમે મૂંઝાઈ પડીએ. એવા ઉત્તર તો વિદ્વાનો કરી શકે. જેણે ગામ કે માર્ગ દેખ્યો ન હોય તેનાથી શો ઉત્તર દેવાય ? જેમ ગાદી ઉપર રાજા બેઠો હોય તે મારાં ગામ કે દેશ કેટલાં છે તે જાણતો નથી, તો પુરુષોત્તમનારાયણ ને એમના મુક્ત ક્યાંથી જાણે ? છે તો બધુંય હસ્તામળ. પણ જેમ બહિર્ભૂમિ જઈ આવે તે કોઈ જોતા નથી, તેમ ભગવાનના સુખ આગળ અને મૂર્તિ આગળ એ બહિર્ભૂમિ ગયા જેવું છે. એ તો ઢૂંઢિયા છે તે વિષ્ટાને ખોળે છે એવું છે. અમારો સિદ્ધાંત તો એવો છે જે “મેરે તો તુમ એક આધારા” જે એક પુરુષોત્તમનારાયણની મૂર્તિ અને તેના સંત તે વિના બીજી કોઈ વાત જ નથી. તે વિના બીજી વાતો કરીએ તેમાં મૂંઝાઈ જવાય. દ્રૌપદીનું મહાભારત થયું અને સીતાનું રામાયણ થયું, એમાં આપણું કાંઈ ન વળે, એમાં આપણે ફસાઈ પડીએ. એક જણસ જે મહારાજ તે ઓળખાય એ સર્વે સાધનનું ફળ છે. પાત્ર થઈએ તો બધુંય આવે. જેમ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહે તેમ શ્રીજીમહારાજના જેવા શુદ્ધ પાત્ર થઈએ તો શ્રીજીમહારાજ રહે. તે પુરુષપ્રયત્ન કરવા માંડે તો શ્રીજીમહારાજ પાત્ર કરી દે. ચિંતામણિ તો મળી છે પણ દરજીની માફક સીવવામાં જાય છે; તેમ મૂર્તિ તો મળી છે પણ તેમાં આપોપું કરીને જીવ જોડતા નથી. ।। ૨૨૯ ।।
વાર્તા ૨૩૦
જેઠ સુદ ૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો વાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસીપૂજા કરી. પછી સર્વે જાંબુડાના વૃક્ષ નીચે બેઠા.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, અમે ૧૯૫૧ની સાલમાં ગુજરાત તરફ ગયા હતા, ત્યાં ધોળકામાં આ સ્વામી વૃંદાવનદાસજી મહંત હતા. તેમને પરભાવની વાતો કરી તે જીવમાં પેસી ગઈ, પછી તેમણે મહંતાઈ મૂકી દીધી ને ઉપશમમાં જ રહે છે. આપણે ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમનારાયણની મૂર્તિ તેને બાઝવું. આવો જોગ ક્યાંથી મળે ? એમ કહીને પછી બોલ્યા જે, ઉપાસના કોને કહીએ, તો શ્રીજીમહારાજની મૂર્તિ વિના “સબ જગ જરત અંગારા” એવું થઈ જાય, તેને ઉપાસના કહીએ. મૂળજી તથા કૃષ્ણજીને એવી ઉપાસના હતી તો મહારાજ વિના બીજું સર્વે વિષ જેવું લાગ્યું, તેથી ઘર મેલીને નાઠા તે ગઢડે આવ્યા અને મહારાજે પાછા મોકલવા માંડ્યા તોપણ ગયા નહીં. અને મહારાજે વિમુખ કરીને કાઢી મૂક્યા તોપણ તે વિમુખપણાની માનીનતા રાખી નહિ ને ઘેલાને સામે કાંઠે જઈને બેઠા, પણ મહારાજને મૂક્યા નહિ તો આફૂડા મહારાજે બોલાવીને સાધુ કર્યા. એવી સમજણ થાય તો પરિપક્વ ઉપાસના કહેવાય. પછી બહેચરભાઈને કહ્યું જે મૂર્તિના ઘરાક થયા છો ? ત્યારે બહેચરભાઈ બોલ્યા જે, બાપા, કોસ હાંકવાનું કહો તે કેમ આવડે ? ત્યારે બાપાશ્રી કહે જે, આફૂડું આવડે. મૂર્તિના ખપવાળાને આફૂડું આવડે. પછી રાજી થઈને કહ્યું જે, બધું મહારાજ સારું કરશે. ખૂબ કેડ બાંધીને ભગવાન ભજો. અક્ષરધામમાં કડેડાટ ચાલ્યા જઈએ. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. મેખોન્મેખ આંખમાંથી પાણીની ધારા ચાલે ત્યાં સુધી જોવું, એમ ખરેખરું અંતર્દૃષ્ટિથી જોઈ રહેવું. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, આ ડખામાં મૂર્તિને આધારે જિવાય છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય અને ડખા, દેહ ને દુઃખ એ સર્વે લીલા કહેવાય. જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય એમ કહ્યું છે તે આ સાધુની સભા તે અવતાર છે અને આ લીલા થાય છે તે લીલા છે. આ લીલામાંથી ભગવાનની મૂર્તિ સાંભરી આવે. મહારાજની મૂર્તિને લગતા થાવું. તે અભ્યાસ ન કરે અને ચાલોચાલમાં ચાલ્યા જાય તો ન થવાય. ।। ૨૩૦ ।।
વાર્તા ૨૩૧
જેઠ સુદ ૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહાપાપ તે શું ? તો જે આધાર વિનાના હોય તેને દુઃખ દેવું તે મહાપાપ છે. હમણાં તો દ્રોહની નદીઓ ચાલે છે. સાધુ અમંગળિક, ઓલ્યા ઓનું ખોદે, ઓલ્યો ઓનું ખોદે; એમ દ્રોહ થાય છે. પાણી બંધ કરો એટલે અહીંથી ફાટે, અહીંથી ફાટે; એમાં વચમાં ધર્મવાળા પણ આવી જાય. સત્પુરુષ કેવળ ભગવાનમાં જોડાઈ બેઠા હોય તેને શું છે ? તમે છો અમંગળિક, પણ આમાં હાથ ઘાલો ત્યારે શું ? મોટાની મોટાઈ કઈ ? તો આપણા સ્વામી નિર્ગુણદાસજી હતા તેમનો દેહ રહ્યો ત્યાં સુધી આમાં કાંઈ કર્યું ન હતું એ મોટાઈ. અને સદ્. બળરામદાસજી શાસ્ત્રી ડભાણમાં મંદિર કરતા હતા, તેમને સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી વઢ્યા કે મૂઆ મેલી દો મેલી દો, મરી જાશો. આપણા આચાર્યજી શ્રી કેશવપ્રસાદજી મહારાજે વાર્યા તોપણ સ્વામી તો વઢ્યા. એ પુરુષ સર્વદેશી ખરા. વખત અત્યારે કૃતઘ્નીનો છે. આપણા ભેગા હોય અને સાથે મેલીને આડા ચાલે. મુમુક્ષુને પણ આસુરીના શબ્દ આવે તો ધક્કો મારે એટલે મોક્ષના માર્ગથી પાડી નાખે; માટે જેના શબ્દ સારા હોય તેનો વિશ્વાસ રાખે તો તે બચે. આવો સમાગમ કરીએ છીએ, સુખ આવે છે પણ મહીં ફાંટા પડી જાય તો મન જુદાં થઈ જાય. મોટાપુરુષનો દ્રોહ થાય તો જીવ આસુરી થઈ જાય. મોટાપુરુષ તો કોપ કરતા જ નથી, પણ જીવ આફૂડો આસુરી થઈ જાય. જેમ એકને સો દીકરા હોય તેમાં એક અકર્મી હોય તોપણ તેને માર્યાનો સંકલ્પ થતો નથી; તેમ મોટા છે તે અધમ જેવા જીવને વિષે પણ સારો સંકલ્પ કરે છે. જીવ માયાને લઈને તોફાન કરે છે. આપણે અહીં ચાર દિવસ રહેવું છે તે પૂરું કરી જાવું. સૌ ઉપર દયા રાખવી. “દયા ધર્મ કો મૂળ હે.”
પછી સભામાં પ્રસંગ નીકળ્યો જે, સાધુ માળા-માનસીપૂજા કરે છે ? ધ્યાન કરે છે ? ત્યારે સંત બોલ્યા જે, કોઈક કરતા હશે અને કોઈક નહિ કરતા હોય. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ત્યારે શું મૂંડાવા સાધુ થયા હશે ? આજ શ્રીજીમહારાજ સત્સંગમાં પ્રત્યક્ષ વિચરે છે, તેમને પાપી-અસુર તે ન જાણે અને જ્ઞાની ને દૈવી હોય તે જાણે. શિવ, બ્રહ્મા અને સૌભરીની પ્રાપ્તિ તો જુઓ ! ક્યાં તેમની પ્રાપ્તિ ! ને ક્યાં આ પ્રાપ્તિ ! આજનો પ્રતાપ તો અતિશે અપાર છે. બ્રહ્મા, શિવ અને વિષ્ણુ મળીને સૌ સૌનાં બ્રહ્માંડ ચલવે છે. તેવા અનંતકોટિ બ્રહ્માંડના કર્તા-હર્તા ઈશ્વર છે અને આપણને તો એ સર્વેથી પર મોટા મુક્ત ને મહારાજ તે મળ્યા છે. ।। ૨૩૧ ।।
વાર્તા ૨૩૨
જેઠ સુદ ૪ને રોજ સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ગુરુનો દ્રોહ કરે તેનું મુખ ન જોવું તેમ લખ્યું છે તેનું કેમ સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો સેવકનો ધર્મ છે, તે પ્રમાણે સેવકે વર્તવું. પછી બહેચરભાઈને પૂછ્યું કે, કેનું ધ્યાન કરો છો ? જડનું, આત્માનું કે પરમાત્માનું ? ત્યારે તે કહે કે, પરમાત્માનું. ત્યારે બાપાશ્રી કહે જે, અનાત્મા કોને કહીએ ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, જેમ જીવ આગળ દેહ અનાત્મા તેમ જ શ્રીજીમહારાજ આગળ અક્ષર સુધી અનાત્મા કહેવાય. ત્યારે બાપાશ્રી કહે કે, ભલે મહારાજ.
પછી બહેચરભાઈએ પૂછ્યું જે એવી કઈ પ્રાર્થના છે કે જે પ્રાર્થના ન કરીએ તો ખોટ કહેવાય ? અને પ્રાર્થના કરીએ તો અંતર્યામી જાણ્યામાં ફેર કહેવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાન નહિ જાણતા હોય ? “તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી; ઇનકી પાસે ક્યા છુપાઈએ, જિન કે હાથ મેં જીવનદોરી.” પ્રાર્થના કરે તે સકામ કહેવાય. આપણે પાત્ર થાશું તો એની મેળે સુખ આવશે. આપણે માગીએ તો ગઢડાવાળી ડોસી માફક થાય. દાદાખાચરને કહે કે, છાણાં આપું, પણ ગઢડાનાં ચારે નાકાંનું ગોબર હું મેળવું, એ વસ્તુ આપણે મોટા પાસે માગીએ, તે આપણાથી તો મંગાય જ નહીં. ઝવેરી હીરાનું પારખું કરે. અક્ષરધામની, મૂર્તિના સુખની ને મોટાની ગતિની શું ખબર પડે ? માગતાં માગતાં અધૂરું મંગાઈ જાય. માગવામાં ફળની પ્રાપ્તિ થઈ જાય, તે ફળ તો અક્ષરધામમાં છે જ નહીં. ફળ તો આપણે જોઈએ નહીં. મોટા મોટા કહી ગયા કે મૂર્તિનું સુખ પણ ન માગવું, કાંઈ ન માગવું. આ વખતે ભૂલ્યા ત્યારે ભૂલ ક્યાં કાઢશો ? માટે ભગવાન પાસે શું માગવું ? એક રાજાના કુંવરને કાષ્ઠનું પારણિયું જોઈતું હતું, તે બીજા સોનાનાં આવ્યાં તે ન લીધાં ને એક વહોરાને ત્યાંથી તે લાવી આપ્યું, તેણે રમવા મંડ્યા. તેમ માગી માગીને કાષ્ઠનું પારણિયું માગીએ ને સોનાનું રહી જાય માટે માગવું નહિ; માગતાં આવડે નહીં. અપાર સુખ મહારાજનું છે તે કોણ લે ? હાથ જોડીને વિનંતી કરવી ને પાત્ર થાવું પણ માગવું તો નહિ જ. મહારાજ કેમ પ્રસન્ન થાય તે તપાસી પ્રસન્નતાનાં સાધન કરવાં. મૂર્તિનું સુખ માગવું એ પણ સકામ. ભગવાન કને આપણે માગીએ તેવી વસ્તુ શું હોય ? એ તો ઢગલા ને ઢગલા છે. માગીએ તો મૂર્ખ કહેવાઈએ. જે માગીએ તે પ્રકૃતિનું માંહેલું માગીએ. મૂર્તિનું સુખ અપાર, અપાર અને અપાર ! તેનો કોણ પાર લે ? હાથ જોડી વિનંતી કરીએ તો સુખિયા કરી દે. માગવું તો નહિ જ. માગ્યામાં તો ભગવાન ખોટા પડી જાય. આ મનુષ્યરૂપ છે તે મને તેજોમય દર્શન દેતા નથી એમ જાણે તે ચંડાળ છે, માટે મહારાજની મૂર્તિને જોવા મંડ્યા રહેવું; તો મહારાજ જાણે જે આ બિચારો મંડ્યો છે તો મહારાજ ઝળેળાટ દર્શન આપે. મંડ્યા રહો તો મહારાજ ને મોટા રાજી થાય છે. માગે ત્યારે સભા હસે છે કે મહારાજ નહિ જાણતા હોય ? હું તો પાકો સિદ્ધાંત કહું છું, માલની કિંમત કેટલી ? પ્રસન્નતા મંગાય અને પ્રસન્ન થાય એવી ક્રિયા કરવી. મોટો આત્યંતિક મોક્ષનો ઘંટ વાગે ત્યારે ‘નારાયણ હરે’ કરીને ખોળો ધરે તો પાલી બે પાલી આપે, વધુ ન આપે.
પછી શિવલાલભાઈએ પૂછ્યું જે, વ્યવહારની વાત પૂછવી કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પોતાના દોષ હોય તે કહેવા અને પ્રાર્થના કરવી. મોટા મોટા કહે છે કે માયિક ન માગવું, દિવ્ય માગવું; તે પાત્ર થઈને માગવું. બહિર્ભૂમિ જતાં આવડતું ન હોય ને દિવ્ય માગવું !! તેથી કાંઈ પાત્ર થવાય ? માંહી સંકલ્પ થયા કરતા હોય અને વળી મહારાજના કહેવાય. મહારાજે પણ કહ્યું છે કે, પાત્રની તારતમ્યતા પ્રમાણે સુખ મળે છે, જેમ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહે, પણ બીજામાં તો સ્રવી જાય પણ રહે નહિ તેમ. પછી માસ્તર કેશવલાલભાઈને કહે જે, માસ્તર ! માની કરો. માનીને ઓળખો છો ? ત્યારે કહે જે, બાપા ! હું નથી ઓળખતો. ત્યારે બાપાશ્રી કહે જે, એ તો મુસલમાનની બોલી છે કે મારો દીકરો સાજો થાય તો આભ જેસી માની પીરને ચઢાવું. ।। ૨૩૨ ।।
વાર્તા ૨૩૩
જેઠ સુદ ૪ને રોજ સાંજના બાપાશ્રી, સંત-હરિજનો સહિત લખાઈવાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસીપૂજા કરી, પછી આંબાના વૃક્ષ નીચે સર્વે બેઠા અને પ્રથમ પ્રકરણનું ૩૬મું વચનામૃત વંચાતું હતું. પછી બાપાશ્રી બોલ્યા જે, મોટા શાહુકાર આગળ ઉકરડામાંથી દાણા વીણી ખાતા હોય તે જેવા કંગાળ છે તેવા જ મોટા સંત આગળ જેને કચરો ને કંચન સરખાં ન હોય તેવા સાધુને કંગાળ કહ્યા છે. જડ અને ચૈતન્ય ભેગું કરે છે તેનું કેમ થાશે ? આ વાંચતા નહિ હોય ? આ દેહને-ચામડાને ભોગવવું, તેને ખવરાવો તોય શું અને ન ખવરાવો તોય શું ? દેહ મૂકી દીધો, ડાચું આમ ફાટી ગયું. એને વસ્ત્ર પહેરાવો તો શું શોભાવે ? તે શું શબ શોભે ? જે સાધુ જડ-ચૈતન્ય રાખે ને દેહને સુખી રાખે તે શબ શણગારવા બરોબર છે. ત્યાગીને કૌપીન તો જરૂર જોઈએ. કૌપીન વિના ત્યાગી ફરે તે નગ્ન જાણવો. જડ રાખવું, ચૈતન્ય રાખવું, કૌપીન ન રાખવી એવા સાધુને શું મનમાં હશે ? દ્રવ્ય રાખે તેવા ત્યાગીને મહારાજે પાપી કહ્યો છે માટે એ માર્ગે ન ચાલવું. ગુરુ હોય તો પડ્યો ખાડમાં. ચેલો હોય તો ગયો બીજા નર્કમાં. આપણે આપણું સાચવવું. વૈતરણી જેવી નદી વહેતી હોય તેમાં કોઈ પડે ? આ જીવના સ્વભાવ ઊંધા છે તે દુઃખ દે. એ પૈસા રાખનાર શું સમજતો હશે ? તે પોતાને ત્યાગી માનતા હશે ? પોતાના સ્વભાવ ન મેલાય, પ્રકૃતિ ન મેલાય, મદોન્મત્ત થઈને ફરે અને વળી મોટા મોટાની ખોટ કાઢે. આ ગૃહસ્થ આમ કરે છે, સાધુ આમ કરે છે, તે શું સમજીને કહેતા હશે ? શું મોં દેખાડીને ફરતા હશે ?
પછી પ્રથમ પ્રકરણનું ૩૭મું વચનામૃત વંચાવ્યું, તેમાં જેવા તેવાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેવો તેવો એટલે જેની ક્રિયા સત્સંગની શૈલી પ્રમાણે ન હોય તે. રત્ના ભક્તને જમતાં બોલતાં ન આવડે. તેમના દીકરા માવજી લડતા જે, બાપા, તમને ખાતાય નથી આવડતું. શાક જમે તે મોંમાંથી પડી જાય, ખીચડી પણ પત્તરથી પડી જાય એવા હતા. એવાને જેવો તેવો કહ્યો છે. પછી તે (માવજી) શ્યામચરણદાસજી નામે સાધુ થયા. તે ઘેર હતા ને માંદા થયા હતા ત્યારે ફકીરે આવીને તેની ડોસીને કહ્યું જે, તમારો માવજી મરશે નહીં. ત્યારે કહે કે નક્કી નહિ મરે ? જો ન મરે તો લખી દે જે નહિ મરે, નહિ તો નીકળ ઘર બહાર; એમ કહીને ઘર બહાર કાઢી મૂક્યો. એવાને કાળ થકી, કર્મ થકી, માયા થકી રક્ષા મહારાજ કરે છે. જેમ માબાપ બાળકને નાગ, વાઘ, અગ્નિથી જાળવે તેમ એનું પ્રારબ્ધ મહારાજ છે તે જાળવે છે; એમ મહારાજે કહ્યું છે. આવા હોય તે જેવા તેવા જાણવા. મહારાજ કહે, એવાના પગની રજ અમે માથે ચઢાવીએ છીએ. તે ગઢડામાં સાધુના પત્તરમાંથી પ્રસાદી લઈને જમી ગયા. એમ સંતનો મહિમા દેખાડ્યો.
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, જડ-ચૈતન્ય ત્યાગ કરે તેને મિનિટે મિનિટે મૂર્તિનું બહુ સુખ કલ્પેકલ્પ સુધી રહે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખનું ભોક્તાપણું નવું ને નવું રહે ને અપારપણું રહે. જે મહારાજની મૂર્તિનો સુખભોક્તા થયો તેને ઝળળળ ઝળળળ મૂર્તિનું તેજ છૂટે, પૂરું ન થવાય કે હવે જમી રહ્યા, કલ્પેકલ્પ વીતી જાય ત્યાં સુધી અપારપણું રહે. મહારાજની શું મોટાઈ કહેવાય ! એ સુખ એવું છે કે અપારપણું જ રહે. ।। ૨૩૩ ।।
વાર્તા ૨૩૪
જેઠ સુદ ૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, લાખ વર્ષ હરિજનોએ અને સાધુએ તપ કર્યાં હશે ત્યારે આવા બ્રહ્મચારી (નિર્ગુણાનંદજી) મળ્યા હશે. કરસન ભક્ત શિક્ષાપત્રીનો પાઠ કરતો જાતો હતો, તે ચોપડીમાં સો રૂપિયાની નોટ હતી તે નીચે પડી ગઈ, તે કોઈક સાધુએ દબાવી દીધી. તે કણબીને તો રોજના આઠ દોકડા જ મળે પણ એથી વધુ ન મળે, તો સો રૂપિયાની નોટ તો મારી દે. તેને કેટલું દુઃખ થયું હશે ? પછી વાત કરી જે, ભૂતક્રિયામાં મહારાજ એકે સેવા અંગીકાર કરે નહીં. ભૂતક્રિયા એટલે શૌચ ન જાવું તે, માટે નાહી, ધોઈને પૂજા કરવી તેમ વચનામૃતમાં કહ્યું છે. એમ કહીને હસ્યા કે શૌચવિધિ તે તો સત્તરમું સાધન કહેવાય. બહાર જવાનો સંકલ્પ હોય અને બહિર્ભૂમિ ગયા વિના નાહીને પૂજા-સેવા કરે તે દેવ અંગીકાર ન કરે, જરા પણ સેવા આટલીયે અંગીકાર ન કરે. દેવ જેવો થાય ત્યારે જ દેવ પૂજા અંગીકાર કરે. તે દેવ એટલે દિવ્ય સમજવું. કોણ પૂજા એની અંગીકાર કરે ? એનો બાપ. બાપો (મહારાજ) તો પરો ભાગી જાય ! અને મંદિરના ખાડે હજાર માળા ફેરવે તેનાથી જવાય. આ ગૃહસ્થને પણ શિક્ષા છે. લાભ કઈ સેવામાં વધુ છે ? લાભની વાત લેવી. મહારાજ અને મોટા તો જાણે છે. તન કી, મન કી, ચિત્ત કી સર્વે જાણે છે.
એમ કહીને પછી બોલ્યા જે, મહારાજની સ્મૃતિ રાખતા રાખતા વૃત્તિ દિવ્ય થઈ જાય અને પછી તેજોમય ફુવારા ઝળળળ ઝળળળ દેખાય અને મૂર્તિ તેજોમય દેખાય. ટાણું સારું છે, પણ ઠરાવ બધા બહારવૃત્તિના. ત્યારે સંતે કહ્યું જે, અગમ-નિગમ દેખવું નથી, મૂર્તિનું સુખ દેખવું છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ અને મોટાની કૃપા થાય અને એવો અભ્યાસ મૂર્તિ જોવાનો રાખે તો મૂર્તિનું સુખ મળે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય ટૂંકા કરવા અને મલિન સત્ત્વગુણ આવી જાય તો મોટા કુરાજી થઈ જાય, માટે શુદ્ધ સત્ત્વગુણે વર્તવું. ગુણ આવી જાય તો ગુરુની સેજા (માજા) ન રહે, માટે શુદ્ધ સત્ત્વગુણ રાખવા; મલિન ન રાખવા. શુદ્ધ સત્ત્વગુણ રાખે (નાખે અદાવત ને દિયે ગાળ્યું, તેને ભક્ત સમજે છે દયાળુ) તે શબ્દની કિંમત ન કરે. સદાનંદ સ્વામીને નાગડા વૈરાગીએ લાકડીથી માર્યા તે લાકડી ભાંગી ગઈ તોય “મેરે ગુરુભાઈ કી અચ્છી સીસમ કી લકડી ભગ ગઈ” એમ બોલ્યા; પણ પોતાને વાગ્યું તે ગણ્યું નહીં. દેહને વાગ્યું તે “દેહ તો કુચ્છ કામ કા નહિ હૈ” એમ બોલ્યા માટે એવા થાવું. ઇન્દ્રિયો જાગૃત-સ્વપ્નમાં નિયમમાં ન રહે; પાડા જેવી થઈ જાય અને ઉપવાસ ભૂસોભૂસ પાડે માટે નિયમમાં રાખવી.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બીજા પ્રશ્નમાં બહાર અથવા માંહીલી કોર ભગવાનની મૂર્તિ સામી વૃત્તિ કરવી એ જ અંતર્દૃષ્ટિ કહી તે બહાર-માંહી કેવી રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પોતાને દેહરૂપ માનીને સન્મુખ મૂર્તિ ધારે તે બહારદૃષ્ટિ કહેવાય અને વૃત્તિઓ પાછી વાળીને આત્માને વિષે મૂર્તિને ધારે તે અંતર્વૃત્તિ કહેવાય (એ અવરભાવનો અર્થ). અને પોતાને પુરુષોત્તમરૂપ માનીને સન્મુખ મૂર્તિ જુએ તે મૂર્તિથી બહાર રહીને કહેવાય, અને મૂર્તિની અંદર રહીને મૂર્તિને જુએ તે માંહી રહીને કહેવાય (એ પરભાવનો અર્થ). માટે આ ઠેકાણે માંહી અથવા બહાર જુએ તે અંતર્દૃષ્ટિ કહી તે મૂર્તિની માંહી એ પરભાવમાં અને મૂર્તિથી બહાર રહીને જુએ એ અવરભાવમાં એમ કહ્યું છે. ।। ૨૩૪ ।।
વાર્તા ૨૩૫
જેઠ સુદ ૬ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી જે પુરુષોત્તમની દૃષ્ટિએ જોઈએ ત્યારે પુરુષોત્તમ સિવાય બીજું કશું દેખાતું નથી.
પછી કરાંચીના સોમચંદભાઈએ પૂછ્યું જે, તે દૃષ્ટિ નેત્ર દ્વારે હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પુરુષોત્તમની મૂર્તિમાં આપોપું કરીને એટલે મૂર્તિમાં આત્માને લીન કરીને પુરુષોત્તમના નેત્રે કરીને જુએ તે પુરુષોત્તમની દૃષ્ટિએ કરીને જોયું કહેવાય.
પછી કરાંચીના શેઠ હીરાલાલભાઈએ પૂછ્યું જે, પુરુષોત્તમને વિષે લીન કેમ થવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ પોતાને વિષે અતિ સ્નેહવાળા ભક્તને પોતાની મૂર્તિને વિષે દૂધમાં સાકરવત્ રાખે છે.
ત્યારે તેમના ભાઈ શેઠ સાવલદાસભાઈએ પૂછ્યું જે, દૂધ ને સાકર તો નિરાકાર છે ત્યારે ભગવાન ને મુક્ત તે સાકાર હશે કે નિરાકાર હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ ને એમના મુક્ત સદા સાકાર છે ને શ્રીજીમહારાજ ભક્તના ચૈતન્યને સાકાર કરીને પોતાની મૂર્તિમાં ચરણમાં ચરણ, હાથમાં હાથ, મસ્તકમાં મસ્તક, શ્રોત્રમાં શ્રોત્ર, ચક્ષુમાં ચક્ષુ એમ સર્વ રીતે દરેક અવયવે અવયવમાં રાખે છે.
પછી અમદાવાદના સોમાભાઈએ પૂછ્યું જે, આ વચનામૃતમાં કહ્યું જે ભગવાનનો મહિમા સંતના સમાગમે કરીને સમજાય છે ત્યારે ભગવાન થકી ભગવાનનો મહિમા સમજાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાન પ્રત્યક્ષ મળે તો ભગવાન પોતાનો મહિમા સમજાવે અને સંત મળે તો સંત સમજાવે તે સંત દ્વારાએ પણ ભગવાન જ સમજાવે છે માટે ભગવાનનો મહિમા ભગવાન થકી જ સમજાય છે એમ જાણવું.
પછી જેતપુરવાળા ગોવિંદભાઈએ પૂછ્યું જે, હીરે કરીને હીરો વીંધાય છે એમ કહ્યું તે બે હીરા કિયા સમજવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એક હીરો મહારાજ અને સંત, અને બીજો હીરો મુમુક્ષુ. તે ધ્યાન કરતા મહારાજના મસ્તકમાં મસ્તક, હાથમાં હાથ એમ રસબસ રહેવાય ત્યારે હીરો વેંધાણો કહેવાય.
પછી વાત કરી જે, ઝાલાવાડના રામપરામાં સ્વામી બાલકૃષ્ણદાસજી વાતો કરી સર્વોપરી ઉપાસના કરાવતા, પાછળથી બીજા બ્રહ્મચારી આવે તે ડોળી નાખે એટલે મહારાજની ઉપાસના દૃઢ થવા દે નહીં. એવાં ક્રિયમાણ કરે તેનું ફળ ભોગવવું પડે. ક્યાં તમે ! ક્યાં અમે ! “કીડી અને કુંજરનો મેળાપ, જીવન જાણું છું.” સરત રાખજો, બાપા ! ખાધાનાં ઠામણાં ફોડી દેશે. હમણાં સૈયદ આવ્યો છે તે બધાં ત્યાં દોડે છે પણ આ સંતો આગળ કોઈ ન દોડે. રોગ તમે ટાળો એવા છો, જો તમારું શરણું લઈએ તો. ભક્ત તો બધાય કહેવાય, હરિજન પણ કહેવાય અને સૈયદ પણ કહેવાય. પણ તેમાં શું વળે ? જ્ઞાન થાય તો અનંત જન્મનાં પાપ કાઢી નાખે. પછી રસોઈ વિષે વાત કરી જે ઇન્દ્રિયોને લાડ લડાવવા તેમાં શું માલ છે ? ત્યારે પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, એવી પ્રવૃત્તિ અમારે બહુ હોય છે તો કેમ કરવું ? ત્યારે બાપાશ્રી કહે કે દાળ, શાક વરે પણ લાડુ થોડા વરે ? અહીં ગોવિંદપ્રિયદાસજી આવ્યા ત્યારે રસોઈ આપનારે શીરામાં ખૂબ ઘી નંખાવ્યું, ત્યારે તેમણે શીરો બગાડી દીધો એવો તેમનો વૈરાગ્ય હતો. વાસના વિના જીવ રહી ન શકે. શું કરીએ ? અમે છોકરાને માયામાં બંધાવા દેતા નથી. અમારો તો સિદ્ધાંત એવો છે જે અમને ઓળખે, વળગે, તેને માયામાંથી બચાવી લઈએ. આ ગામ કમળની પેઠે ખીલી રહ્યું હતું, તેમાં એક કહે ‘ત્રો’, બીજો કહે ‘ધ્રો’, ત્રીજો કહે ‘મો’, એમાં શું કરવું કહો ? ચોખ્ખો ચૈતન્ય દિવ્ય છે પણ સંગદોષ લાગી ગયો. દિવ્ય થયો, પુરુષોત્તમરૂપ થયો, તે સાચો હતો ત્યારે થયો ને ? પણ સંગદોષથી અવરાઈ ગયો. કાળો હતો તે ગોરો થયો, લાંબો થયો, પછી ટૂંકો થયો. કહો કેવો થયો ? બીજ સાચું છે તે માયામાંય ઊગે છે અને વળી આવા જોગમાંય ઊગે છે. ચાલતા ક્યાંઈક આંખો મીંચાઈ જાય અને કોઈકનું અભરું પણ દેખાડી દે; તે ભગવાનના ભક્તે વિચારવું. સંગદોષ મોટાનો મહિમા સૂઝવા દેતા નથી, એમ કહી બીજી ઘણીક વાત કરી. પછી બોલ્યા જે, જીવમાં સત્સંગ હોય તો સત્સંગનું અભિમાન રહે, તે ઉપર કેશવલાલભાઈ (અમદાવાદવાળા)નો હાથ ભાંગ્યો તે વાત કરી. ત્યારે કરાંચીના શેઠ લાલુભાઈ બોલ્યા જે, ભૂજના સાધુ એવું ન કરે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો અમારા દાબે દબાઈ રહ્યા છે પણ અમે નહિ હોઈએ ત્યારે જોજો. એ તો મોટા રાજાને પણ ગણે નહિ એવા છે અને ન કરવાનું કરી નાખે એવા છે. ।। ૨૩૫ ।।
વાર્તા ૨૩૬
જેઠ સુદ ૬ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો પહેલી વાડીમાં નાહવા પધાર્યા. ત્યાં નાહીને જાંબુના વૃક્ષ નીચે બેસી સર્વેએ માનસીપૂજા કરી અને સર્વે બેઠા. પછી પ્રથમ પ્રકરણનું ૫૬મું વચનામૃત વંચાવ્યું તેમાં ધ્રુવજીએ નારાયણ અસ્ત્રે કરીને એક લાખ ને ત્રીસ હજાર યક્ષ માર્યા એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ ધ્રુવજીએ જે યક્ષને માર્યા તે યક્ષનું નરનારાયણના પ્રતાપથી કલ્યાણ થઈ ગયું. ભગવાનનો અને ભગવાનના ભક્તનો એવો પ્રતાપ છે. પછી માનની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માન જીવનું બહુ બગાડે છે. “સાધન સર્વે માન બગાડે પળ વિષે.” માન બધાંય સાધન બગાડી નાખે તોપણ તે માન મુકાય નહીં. મરેલામાંય માન હોય છે. “કનક તજ્યો, કામની તજ્યો, તજ્યો ધાતુ કો સંગ; તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ.” એ સાખી બોલ્યા.
પછી ભાવનગરના હરગોવનભાઈએ પૂછ્યું જે, મરેલા એટલે કેવા જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઘરબાર-સંસાર મૂકીને ત્યાગી થાય તો પણ માન રહી જાય તે. માનીથી સંતની સેવા પણ ન થાય. માનને લીધે સાત મન્વંતર સુધી નારદજીએ ગાનવિદ્યા શીખવા દાખડો કર્યો. મોડા-વહેલા માન, લોભ, ક્રોધ, મત્સર, ઈર્ષા, અસૂયા કાઢવા જોઈશે. એ જાય તો જિવાય કેમ ? પછી એક સંતને કહે જે, આમાંનું તમારાથી કાંઈ નહિ નીકળે, તમે એમાં માલ જાણ્યો છે; પણ કરડી ખાય એવો છે. મોટાને જીવ સોંપે તો સર્ગે જાય, પણ જીવ સોંપાય નહિ એટલે તે જાય નહીં. નિર્માનીપણાનું માન આવે, દાસત્વપણાનું માન આવે; જે મૂર્તિમાં રહે તેને તો કાંઈ ન રહે. એને તો શાંતિ શાંતિ રહે ને મહારાજનું સુખ આવ્યા કરે. આ ભેળા થયા છીએ તે શું કરવા થયા છીએ ? માટે તેને આવવા દેવું નહીં. સાવ ગરીબ રાંકડું હોય તેને પણ વખાણે તો ફૂલી પડે. એ માન મુકાશે ત્યારે સુખી થવાશે, તેનો લોભ રાખશે તો સુખી નહિ થવાય. પછી સંતે કહ્યું કે, એવું રાખવાની તો ઇચ્છા કોઈને નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જોગે કરી નીકળે પણ સાંભળેથી અને કહેવેથી ન નીકળે; ખટકો રાખીને કાઢે તો નીકળે. નારાયણ ભક્ત રાજકોટમાં કોલ પીલવા ગયા. ત્યાં એક બાવો મુનિ થઈને બેઠો હતો; તે બોલે કે જમે નહિ, ને કોઈ બે રૂપિયા મૂકે તો મોં ફાડે ને મોંમાં રાખી મૂકે અને ઝોળીમાં રાખ રાખી મૂકે. એક દિવસે રાત્રિએ કૂતરે આવીને ઝોળી ફાડી ત્યારે બાવાએ તે કૂતરાને મારી કાઢ્યો. તે વખતે નારાયણ ભક્તે બૂમ પાડી જે, “મુનિ બાવાને કૂતરે બોલાવ્યા.” એ વાત કરી ત્યારે સંત બોલ્યા જે, અમારા બધાય શત્રુ કાઢી મૂકજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે તો કચ્છમાંથી બધાય લઈ જજો. ત્યારે સંત બોલ્યા જે, તમારે શરણે આવ્યા છીએ માટે ઉગારો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બધાયના સરદાર થઈને જાણે બેસીએ ને બધાયને નિયમમાં વર્તાવીએ તેમ કંઈ ટળે ? જો મેલવા માંડીએ તો બધાય દોષ ટળી જાય. કાઢવા માંડે તો છ મહિનામાં નીકળી જાય ને મૂર્તિ આમ ઇદમ્ દેખાય. તમે અહીં શા સારુ આવ્યા છો તે કહો. બધુંય સારું થશે. મારી-કૂટીને બેસારી દેશું અને મૂર્તિનું સુખ આપીશું. ।। ૨૩૬ ।।
વાર્તા ૨૩૭
જેઠ સુદ ૭ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો લખાઈવાડીએ નાહવા ગયા. નાહીને આંબાના વૃક્ષ નીચે બેસી માનસીપૂજા કરી.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ” એ ચાર પદ છે. તેમાં પાછલાં બે પદ “મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ.” શ્રીજીમહારાજ બોલ્યા છે, અને આગલાં બે પદ “આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ.” પ્રેમાનંદ સ્વામી બોલ્યા છે. પછી પ્રથમ પ્રકરણનું ૨૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં પ્રણવ ને નાદની વાત આવી. ત્યારે સાધુ અક્ષરજીવનદાસે પૂછ્યું જે, પ્રણવ અને નાદ શું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ અગ્નિનો ભડકો જબરો હોય તેનો ઘોષ થાય છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાંથી ઝળેળાટ તેજ નીકળે છે તેનો ઘોષ થાય છે તે પ્રણવ અને નાદ કહેવાય. ત્યારપછી વાત કરી જે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જાણવા જોઈએ. જેમ કે, “એક પટેલ પૂજા કરતો હતો તેને ઘેર એક જણે આવી પૂછ્યું જે, પટેલ ક્યાં ગયા છે ? ત્યારે તેના દીકરાની સ્ત્રીએ કહ્યું જે પટેલ ચર્મકારને ત્યાં ગયા છે. ત્યારે તે કહે જે, હું પૂજા કરું છું અને એમ કેમ કહો છો ? ત્યારે બાઈ બોલી જે, તમે ચામડું લેવા જવાનો સંકલ્પ કરો છો ને ? ત્યારે કહે જે, હા ખરું.” એમાં પૂજા કરતા હતા તે વાચ્યાર્થ છે અને ચર્મકારને ત્યાં ગયા છે એ લક્ષ્યાર્થ કહેવાય. શ્રીજીમહારાજની મૂર્તિની સ્મૃતિ રાખતાં વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં જવાય અને ત્રણે અવસ્થામાં મૂર્તિમાં તેલધારાની પેઠે સાક્ષાત્ જોડાઈ જાય એ લક્ષ્યાર્થ ખરો કહેવાય. લક્ષ્યાર્થ-વાચ્યાર્થ જ્ઞાન જાણવું જોઈએ. કેટલાક કથા શીખે તેથી કાંઈ ન થાય. પછી તલ-ટોપરાની તથા મગફળીની પ્રસાદી વહેંચી ને પછી કેશ ઉતરાવ્યા ને પછી નાહ્યા. પછી કેરીની પ્રસાદી વહેંચી ને વહેંચતા બોલ્યા જે, “થોડું જમ્યામાં ઘણું સારું રે બેની” એ ટૂંક બોલ્યા. પછી અરસપરસ બાપાશ્રી તથા સંત-હરિજનોએ ચંદન ચર્ચ્યાં. પછી મળ્યા ને મંદિરમાં આવ્યા. બીજે દિવસે નીકળ્યા તે સંત-હરિજન સર્વે ગુજરાત તરફ આવતા હતા. ।। ૨૩૭ ।।
વાર્તા ૨૩૮
સંવત ૧૯૮૨ના માગશર માસમાં બાપાશ્રી પોતાના મોટા દીકરા કાનજીભાઈની તથા નાના દીકરા મનજીભાઈના દીકરા રામજીની આંખો સજ કરાવવા નિમિત્તે કૃપા કરી ગુજરાત દેશમાં પધાર્યા હતા ને સરસપુરના મંદિરમાં ઊતર્યા હતા, ત્યાં જે વાતો કરી છે તે લખી છે.
સંવત ૧૯૮૨ના માગશર સુદ ૧૧ને રોજ સવારે સરસપુરના મંદિરમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૭૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં નિશ્ચયની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ સત્સંગનું ખૂંદ્યું ખમે તે આત્મનિષ્ઠા કહેવાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો અપમાન થાય ત્યારે મંડળ મૂકીને બીજે જાય અને ત્યાં અપમાન થાય તો એથી પણ બીજે જાય. અને જો આત્મનિષ્ઠા ખરેખરી હોય તો આચાર્ય, સાધુ, હરિજનનો અવગુણ ન આવે ને પદાર્થ સારુ ભડાભૂટ ન કરે. જો આવો નિશ્ચય શ્રીજીમહારાજનો કર્યો હોય તો “મેરે તો તુમ એક આધારા, તુમ બિન સબ જગ જરત અંગારા.” એવું થાય. અક્ષર પર આનંદ ઘન એટલે અક્ષરથી પર આનંદ ઘન જે પોતાનું તેજ તેમાં શ્રીજીમહારાજ પોતાના મુક્તો સહિત રહે છે, ત્યાં તેજના ફુવારા છૂટે છે, તેમાંથી ખુશબો આવે છે, તે ખેંચીને મૂર્તિમાં લઈ જાય છે માટે તે મૂર્તિમાં રસબસ થઈ રહેવું. ભક્તિ-સેવા કરીએ તેમાં મહારાજ ભેગા ને ભેગા રહે એવી રીતે કરવી. રસ તો એનો એ છે પણ કડવો લાગે છે, વાંચીને કહી જઈએ પણ તે તરત રહેતું નથી તેમ વર્તાતું પણ નથી. જીવમાં મહારાજનો સાક્ષાત્કાર કરવો તો ડખા-બખેડા થાય નહીં. દેહાભિમાન હોય તો મોટા અનાદિમુક્તનું પણ અપમાન કરી નાખે. જો આત્મનિષ્ઠા થઈ હોય તો બધું દિવ્ય થઈ જાય અને મોટાને વિષે મનુષ્યબુદ્ધિ આવે નહીં. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણમાં મૂર્તિમાંથી વૃત્તિ ડગે નહીં. ત્યારે પરિપૂર્ણ નિશ્ચય થયો જાણવો. સાધન ઉપર બહુ તાન થઈ જાય તો મહારાજને ભૂલી જવાય, પણ જે વસ્તુ ખપે તે વસ્તુ ઉપર તાન રાખવું. નિશ્ચયની વાત અટપટી છે. કહેતાં બીક લાગે છે કેમ જે અવતારાદિકમાં વૃત્તિ જાતી રહે ને બીજે પણ જાતી રહે. આ મહારાજે ધર્મધુર માર્ગ બાંધ્યો છે. સાધનમાં દહાડો જતો રહે, કથા-કીર્તનમાં દહાડો જતો રહે, પણ તેમાં કાંઈ ન વળે ને સુખ પણ ન આવે. મૂર્તિમાં જ સુખ છે. ભૂજમાં અમૃતબાઈને સાધનમાં તાન હતું. તે આ લોકમાં તો વિખ્યાતિ થાય, પણ વળે કાંઈ નહીં. સાધન તો પોતાના પતિને રાજી કરવા સારુ જ કરવાં, પણ તેનો ભાર ન રાખવો. નિશ્ચયરૂપી પાયો પાકો જોઈએ, હલર-વલર કરવું નહીં. ધ્યાન-ભજનમાં તાન રાખીને મૂર્તિ સિદ્ધ કરવી જોઈએ. ધણી હાથ આવે તો રસના આદિકમાં તાન રહે નહીં. જો “વાલા એ રસના ચાખણહાર, છાસ તે નવ પીવે રે લોલ.” જો મૂર્તિનો રસ ચાખ્યો હોય તો બીજા કોઈ પદાર્થમાં તાન રહે નહીં. ખોળીએ તો એ વસ્તુ આ જ છે. કેમ હશે કે નહિ હોય ? ત્યારે સંત બોલ્યા જે છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય જગન્નાથ આદિમાં ભટકે. કેમ છે કોચબીન ? ધોતિયાં પહેરવાની કે ખાધા-પીધાની ખબર નહોતી તે હવે થાવા માંડી છે તેની ખબર રાખજો. માયા જગ-ઠગણી છે એમ જાણીએ તોય ફેર પડતો જાય છે. કાલે સાધુએ કહ્યું જે, અમને ન તેડ્યા, તે દેહાભિમાન બોલાવે છે. સમૈયા પામર અને વિષયીને પણ સમાસ કર્તા છે, એકાંતિકને તો પરભાવ ને અવરભાવ એક જ છે, અને ખાવા-પીવામાં માન-મહોબતમાં લેવાય તે પામર અને વિષયીનું લક્ષણ છે. એ સત્સંગમાં અભાવ લઈ લે છે, એ ધર્મરાજાના ઘરના અધિકારી છે. આપણો સિદ્ધાંત શો છે ? કે એનું પણ કલ્યાણ કરવું છે, જે એનું પણ ભલું થાજો. આજ સત્સંગમાં એવા મુક્ત છે જે સંકલ્પમાત્રે કરીને બ્રહ્માંડને ઊંધું કરી નાખે તોપણ પામર ને પતિત જીવનું માન-અપમાન સહન કરે છે તે જીવોના રૂડા માટે છે. આપણે ભેગા થઈએ છીએ તે એ બધું ટાળીને મૂર્તિમાં જોડાવું છે. “પણ ચલ બે રંડી હમ ખાખ બને હૈ.” એમ ન થાવું. મૂર્તિમાં જોડાવું છે. પાકો સત્સંગ થયો હોય તે કોઈ પદાર્થમાં ન જોડાય. કોઈ જાણે જે હું પટેલ છું, દાક્તર છું, પંડિત છું એ બધું મૂર્તિ મળે તો જાતું રહે. આજ એકાદશી છે તે કોઈ ઇન્દ્રિય મૂર્તિ વિના બીજે ન જાય એવું કરવું. કોઈ મૂળીના અધિકારી થાશે, કોઈ અમદાવાદના અધિકારી થાશે પણ સ્વામિનારાયણને ઘેર મોટા થઈએ તો ઠીક એમ નથી થાતું. આ લોકમાં અધિકાર આવે તે તો રાખનાં પડીકાં છે. રસ આદિક પાપમાં લેવાવું નહીં. સાધન કરી કરીને મોટા થયા એ તે કેવડા મોટા થયા ? એમાં કાંઈ સુખ ન આવે. મહારાજની મૂર્તિથી એ સાધનો છેટાં રાખે. આજ મોટા મોટા સત્સંગમાં બેઠા છે, તેમનો જોગ કરીને પૂરું કરી લેવું. આ સભા અક્ષરધામની જ છે અને ત્યાં જ વાતો થાય છે. શ્રીજીમહારાજે નરનારાયણના સમ ખાધા છે, માટે આ સભા અક્ષરધામની જાણે તો સુખના સમુદ્રમાં ઝીલે. દાસાનુદાસ થાય તો મૂર્તિમાં જોડાય. ત્રિવિધના તાપ સહન કરીને મૂર્તિમાં જોડાઈ જાવું, તેમાં સુખ છે. જેમ દૂધ ને સાકર એકરસ થઈ જાય છે, તેમ મૂર્તિમાં રસબસ થઈ જાય તો ત્રિવિધ તાપ ન નડે. ગઈ કાલે સાધુ બોલવા મંડ્યા, તે કાંઈ બોલ્યાની ખબર રહી નહિ, જે અમે કોણ છીએ અને કહે જે, અમને યજ્ઞમાં તેડાવતા નથી. તેમને અમે કહ્યું જે યજ્ઞ તો નિત્ય થાય છે, જો કરો તો. વાચ્યાર્થ કામ ન આવે. લક્ષ્યાર્થ હોય તો કામ આવે. ભગવાનના ભક્ત આજ્ઞા લોપે તેટલું દુઃખ અને પાળે તેટલું સુખ. ।। ૨૩૮ ।।
વાર્તા ૨૩૯
માગશર સુદ ૧૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આપણે મૂર્તિમાં રહેવું. મૂર્તિ મૂકવી નહીં. જો મૂર્તિ ભૂલ્યા તો ગોળીઓ આવે, માટે સભા સહિત મહારાજને પધરાવી લેવા. એકાંતિકથી પર પરમએકાંતિક ને તેથી પર અનાદિ જુદા છે. “મૈં હૂં આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ.” આદિ તે આ બેઠા જો ઓળખો તો; અને અનાદિ તે અક્ષરધામમાં બેઠા તે. જો મહારાજ ભેગા હશે તો બધુંય છે. મહારાજને મેલીને મોટા થાવું તે તો કાંઈ કામનું નથી. કાંઈ માગવું કે સમાધિ-પરચા જોવા ઇચ્છવું તે સર્વે સકામ માર્ગ છે અને મુક્ત પાસેથી મૂર્તિમાં જોડાવા ઇચ્છવું તે નિષ્કામ માર્ગ છે.
પછી પ્રથમ પ્રકરણનું ૩૬મું વચનામૃત વંચાવ્યું, તેની ટીકામાં વાત આવી જે પૈસાવાળા ત્યાગીના મુખથી કથા સાંભળે તેણે ચાંદ્રાયણવ્રત કરવું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બહેચરભાઈ, સાંભળો ! હવે કેમ કરશો ? પૈસા રાખે તેવા સાધુ થકી કથા ન સાંભળવી, તેમ જ કાંઈ દેવું પણ નહીં. પૈસા રાખે તેના પર શ્રીજીનો કુરાજીપો થઈ જાય અને મોટું પાપ લાગે. ઘર શું મૂંડાવવા મૂક્યું ? બે વાતના તો હરામના સમ ખાઈને બેઠા, માટે તેનો તો વિષ્ટાની પેઠે ત્યાગ કરવો. એ પાપનો ત્યાગ કર્યા વિના સાધન કરે તોપણ એને કાંઈ પહોંચે નહીં. આ વાત સર્વે ધ્યાનમાં રાખજો. આવું ને આવું ધ્યાનમાં રાખજો. એમાં ધજ કહેવાશે; અભરું નહિ કહેવાય. અન્ન-વસ્ત્રનો તોટો નથી, લાડુ ને ગાડું તૈયાર છે તોપણ વચમાં બીજું ખપે. વળી, બધુંયે મેલ્યું તેમાં શું મેલ્યું ? બે વસ્તુમાં બધુંય આવી ગયું. સ્વામિનારાયણની આજ્ઞા પાળીએ તો બધુંય આવી ગયું. અમારે ત્યાં એક નીકળ્યો તે રખડે છે. એને કોઈ આશ્રમમાં રાખ્યો નથી. મોટાનું સુખ કેટલાક છેટે રહ્યા હોય તે પણ લઈ શકે છે અને ઘણાક સમીપમાં રહ્યા હોય પણ એ સુખ લઈ શકતા નથી; જેમ ગાયનું વાછરડું છેટે રહ્યું હોય તોપણ દૂધનો સ્વાદ લે છે અને ઇતરડી આઉમાં રહીને પણ એ સ્વાદ લઈ શકે નહિ તેમ. એનું કારણ દેહાભિમાન છે, તેથી એ માર્ગ જડતો નથી. સત્સંગમાં એવાં રત્ન પડ્યાં છે કે તેમને ઓળખીને જોગ કરે તો અક્ષરધામમાં લઈ જાય. ।। ૨૩૯ ।।
વાર્તા ૨૪૦
માગશર સુદ ૧૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મુક્તજીવનદાસજીના ડોસા કલ્યાણ ભક્ત હતા. તે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ કચ્છમાં પધાર્યા હતા અને ઢોલિયે વિરાજ્યા હતા, તેમને કહે જે, આ શ્રીજીમહારાજ છે. પછી તે તેડવા આવ્યા ત્યારે તે બોલ્યા જે, આ ખાટલાવાળા ભગવાન મને તેડવા આવ્યા છે, એવા ભક્ત હતા; તેમના જેવા થાવું. અમારા ગામમાં એક કૂવો હતો તેમાંથી અયોધ્યાપ્રસાદજી મહારાજ પાણી પોતે સીંચીને નાહવા મંડ્યા એવા એ આચાર્યજી હતા. વાહ રે વાહ અયોધ્યાપ્રસાદજી મહારાજ ! તેઓ કારણ જે મહાપ્રભુજી તેમના સુખને સુખ માની તે સુખે સુખિયા રહેતા, તો ખારામોળાની ખબર નહોતી ને દૂધપાકમાં મીઠું જમી ગયા. દેહાભિમાન હોય તો ચેલા કહે જે, સ્વામી, ઊઠો, પાણી થયું છે, ત્યારે સ્વામી નાહવા ઊઠે. માટે કારણમાં સુખ માનવું ને કારણ હાથ રાખવું. અમારે ગામ શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ પધાર્યા તે છ ઘોડાની ગાડી હતી, તેમાં એક ઘોડો માંદો થયો તે બીજો લઈ આવ્યા ત્યારે ગામમાં પેઠા. આજ તો કાર્યમાં સુખ મનાય છે. તેમને અમે કહ્યું જે, અયોધ્યાપ્રસાદજી મહારાજ બળદની ગાડીમાં એકલા આવ્યા હતા, પછી તે હસ્યા. જડ નડે છે. એક સાધુ બારની સાલમાં આવ્યા હતા, તેમને એક હરિજને રૂપિયા પાંચ દીધા, તેમને અચ્યુતદાસજી સ્વામીએ પ્રાયશ્ચિત્ત કરાવ્યું. વિદ્વાન હોય, પંડિત હોય પણ જડમાં લોભાય તો તેથી ભગવાન કુરાજી થાય અને જો પ્રાયશ્ચિત્ત ન કરે તો જન્મ ધરાવીને પણ પ્રાયશ્ચિત્ત કરાવે, પછી મોક્ષ કરે. “સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન.” એ કારણ શ્રીજીમહારાજ, તે ઓળખવા અને સંત ઓળખવા જોઈએ તો જ આજ્ઞા પળે, પણ તે વિના તો આજ્ઞા પણ પળે નહિ ને મોક્ષ પણ થાય નહીં. કેવડા આદિક પુષ્પમાંથી સુગંધી આવે છે તે કળાય છે તેમ મુક્તને ઓળખવા. શ્રી ગોપાળાનંદ સ્વામી તથા મહારાજ ચાર-પાંચ બ્રાહ્મણને તેડવા ગયા. તેમને સંતોએ પૂછ્યું જે, બ્રાહ્મણને તેડવા ગયા તેનું શું કારણ ? પછી મહારાજે કહ્યું જે, અમારા ગોપાળાનંદ સ્વામીનો વાયરો અથડાયો હતો તે પ્રતાપે તેડી ગયા. તે ખબર કેમ પડે, તો એમાં જીવ ખેંચાય તેથી માલમ પડે. માટે વિશ્વાસ અને હેત રાખવું તો મોક્ષ થાય, અને તર્ક કરે તો કાંઈ મોક્ષ ન થાય. તમે ગોપાળિયું જ્ઞાન કહેતા અને હવે ગાંડા થઈને વાંસે વાંસે કેમ ફરો છો ? ત્યારે સ્વામી બોલ્યા જે, હવે તો સ્વામીશ્રી નિર્ગુણદાસજીની વાતોએ રોટલા મળે છે. બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિ વિનાના તે વાંઝિયા કહેવાય. જો ખરેખરો મહિમા સમજાય તો વાંધો રહે નહિ અને કોઈનો ડગાવ્યો ડગે નહીં. જો મહિમા ન હોય તો દાદાખાચરનો દરબાર વંચાય છે એમ કહે પણ એનો રસ ન લેવાય. આ અમારે મુખે મહારાજ પંડે વાતો કરે છે. આ મહારાજનાં વચન છે એમ જાણજો. પછી બોલ્યા જે, વાંચો મહારાજ. એમ કહીને બોલ્યા જે, મૂર્તિમાં રસબસ થઈ જાય તો મહારાજને ને એને છેટું ન રહે અને નિશ્ચય પણ એ જ કહેવાય. નિશ્ચય કાચો હોય તો કોઈ પાડી નાખે જે આમ કરે છે, આમ કરે છે તેથી ડગી જાય. મહારાજની મૂર્તિ અખંડ રાખે તો જ એવો નિશ્ચય થાય અને જેને એવો નિશ્ચય હોય તે એમ જાણે જે મહારાજ ને મુક્ત તો જેમ છે તેમ ને તેમ છે અને અકર્તા ને નિર્લેપ છે. તમે બે ભુજાવાળા ભગવાન છો પણ તે ઓળખવા દુર્લભ છે. જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી; તે આ લીલા છે, તે અવતાર આ બેઠા છો. કેમ છો કે નથી ? ત્યારે સંત બોલ્યા જે, બાપા તમો કહો તો છીએ, શું કરવા ના પાડીએ ? પછી બોલ્યા જે, બીજા અવતારે કરીને શું થાય ? કાંઈ ન થાય. આ અવતારથી આત્યંતિક મોક્ષ થાય. જેમ શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ ચાલતા તેમ તમે સંકલ્પ છો. માયિક આકારના ફોટા પાડીને તેની મૂર્તિ પડે છે તો દિવ્ય મૂર્તિના સંકલ્પની મૂર્તિ થાય તેમાં શું ? એની લડાઈ કુંભારિયામાં ચાલી હતી. તેને ધનજીભાઈએ જવાબ આપ્યો જે, સર્વે સૃષ્ટિ સંકલ્પની જ છે એમાં શું ? માટે સત્સંગમાં મન બાંધવું. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી ઇસ્પિતાલના મેડા ઉપર રહેતા. તે કોઈ હરિભક્ત જાય તેને એક સાધુ કહે કે જાઓ ઉપર એમની પાસે, અમારામાં તો કાંઈ નથી એમ બોલે. શાથી ? જે કારણ હાથ નહોતું આવ્યું તેથી લૂખું રહેવાતું.
પછી મધ્ય પ્રકરણનું ૪થું વચનામૃત વંચાતું હતું તેમાં વાત આવી જે, ભગવાન પ્રકૃતિપુરુષમાં આવે તોપણ જેવા છે તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે. પછી બાપાશ્રી બોલ્યા જે, ભગવાનને આવવું-જવું પડતું નથી. એ તો મહાતેજમાં રહ્યા થકા જ દેખાય છે, પણ આ લોકની દૃષ્ટિએ અવરભાવવાળાને મતે આવ્યા-ગયા છે. પછી બોલ્યા જે, ઉદ્ધવ, નારદ-સનકાદિક અહીં સત્સંગમાં છે. ગોપીઓ તે અહીં છે પણ બહાર લેવા ન જાવું. આ બધા સંત તમે ગોપીઓ છો ને આ સત્સંગી ઉદ્ધવાદિક છે એમ જાણવું. “પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો.” માટે મહારાજની આજ્ઞામાં ન વર્તાય તો ખોટ આવી જાય. મોટા હોય તે પ્રારબ્ધ ટાળી નાખે. ત્યારે ધનજીભાઈ બોલ્યા જે હા, બાપા. તમે મને આયુષ્ય વિના રાખ્યો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમને સત્સંગના કામ માટે રાખ્યા છે. સત્સંગીને સુખ-દુઃખ પડે ત્યારે તમે બહુ કામના છો. તમે સત્સંગીને ઢાલરૂપ છો, તેથી અમે તમારું પ્રારબ્ધ ઠેલી મૂક્યું. કુંભારિયામાં એક વર્તમાન ચૂકેલો આવ્યો હતો તેને એના પક્ષમાં ભળીને ત્યાંના ભગવા લાવ્યા હતા પણ તમે તરત ઉઠાડીને કાઢી મૂક્યો અને સાધુનું કાંઈ પણ ચાલ્યું નહીં. અને અમારો સંબંધી હતો પણ અમે તેનો પક્ષ ન રાખ્યો, માટે સંબંધ જવા દેવો પણ ધર્મ ન જવા દેવો એમ વાર્તા કરી. પછી વાત કરી જે કથા-વાર્તા, માળા, કીર્તન, માનસીપૂજા કરે પણ ધ્યાનમાં ન બેસાય તે મનુષ્યભાવે મહિમા સમજ્યો છે અને ધ્યાનમાં ને ધ્યાનમાં રહે તે દિવ્યભાવે મહિમા સમજ્યો છે એમ જાણવું. જ્યારે દિવ્યભાવ સમજાય ત્યારે મોટાપુરુષ રાત્રિ કહે તો રાત્રિ અને દિવસ કહે તો દિવસ એવું થઈ જાય પણ તર્ક ન થાય. પછી બોલ્યા જે હરે, વાંચો. સંત માયા મેલીને ભાગ્યા પણ લબક-ઝબક કરતી આવે છે. સુષુપ્તિમાં, સ્વપ્નમાં, જાગૃતમાં, સ્થૂળ દેહમાં પણ ઝાવાં નાંખે છે. એ તો જ્યારે મૂર્તિમાં કલ્પેકલ્પ વીતી જાય પણ તેમાંથી બહાર નીકળે નહિ ત્યારે માયા જાય. તે મૂર્તિ અપાર છે. પાર આવે તેમ નથી. એ મૂર્તિના પમાડનારા મળ્યા છે. અનુભવજ્ઞાન (સાક્ષાત્કાર) થાય ત્યારે ખરેખરું જ્ઞાન કહેવાય, પણ ખોટાને ખોટું કરીએ તો અનુભવ થાય નહીં. મહારાજની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન છૂટે છે, તે મૂર્તિમાં ખેંચીને લઈ જાય છે. માનકુવાના મૂળજી અને કૃષ્ણજી હતા. તેમને અનુભવજ્ઞાન થયું હતું તે મહારાજની મૂર્તિને ખેંચી લેતા, તેમને મહારાજે વિમુખ કર્યા પણ મહારાજને મૂક્યા નહિ એ સાચું અનુભવજ્ઞાન કહેવાય. ગૌરીશંકરે ચૈતન્ય-માયાનો અર્થ ભગવાન કહ્યા, એ ભક્ત તો બહુ સારો હતો પણ આવડ્યું નહીં. ।। ૨૪૦ ।।
વાર્તા ૨૪૧
માગશર સુદ ૧૫ પૂનમને રોજ સવારે મધ્ય પ્રકરણનું ૬૨મું વચનામૃત વંચાતું હતું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સંસ્કૃત બાર બાર વર્ષ સુધી ભણ્યા હોય તોપણ વચનામૃત ન આવડે, માટે વચનામૃત જાણવાં; જેવાં છે તેવાં જાણવાં. ભગવાનનો ભક્ત કાળનો આહાર કરી જાય તે શું ? તો જન્મમરણ માથેથી ઉતારી નાખ્યું, તે કાળનો આહાર કરી નાખ્યો કહેવાય. “કાળ કર્મની રે શંકા દેવે વિસારી.”
પછી કરાંચીના હીરામલભાઈએ પૂછ્યું જે, કાળ વિના દુઃખ કોણ દેતું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ્ઞા લોપાય એટલું દુઃખ થાય છે અને સંગદોષે કરીને દુઃખ થાય છે. અધર્મી સાથે હેત રાખે તો દુઃખ આવે. પ્રમાદ અને મોહ તે આંધળો ઘોડો છે. આંધળાને લાકડી દઈએ જે દોરી જા, તે ક્યાંય દોરી જાય અને કચરી મારે. આજ્ઞા, ઉપાસના, ધ્યાન, ભક્તિ, મહિમા ન હોય તે ક્યાં જાય ? તે આંધળા કહેવાય. “જુઓ જાગી રે.” મોટાનો સમાગમ ન કરી શકે અને મંદવાડ આવે તો મહિનો- બે મહિના પડ્યો રહે તે અજ્ઞાન છે; તે ટાળવું અને આવા પુરુષનો સમાગમ રાખવો તો કાંઈ વાંધો જ નહીં. મહારાજે લખ્યું છે જે, સાધુ ઓળખવા, તે હવે ઓળખાય છે કે નહીં ? મહારાજ સત્સંગમાં અખંડ બિરાજે છે, ખાલી સત્સંગ નથી. પણ ગાંડા-ઘેલા હોય તેને મતે નથી. શરીરના શરીરી થઈ રહ્યા, તેને કાંઈ જુદું નથી. પણ જીવને નાસ્તિકભાવ છે તેથી એવું સમજાતું નથી. ભગવાન અને તેમના ભક્તનો મહિમા અતિશે મોટો છે. તેમાં તમે ને અમે ભેળા આવ્યા હોં ! કેટલાક અજ્ઞાની, સંત પાસે ને દેવ પાસે આ કલેવર સારુ પ્રાર્થના કરે છે, તે કલેવરમાં શું માલ છે ? મુક્તાનંદ સ્વામીએ દરેકને સારું મનાવવા સારુ જ, હું પણ જાણું છું એમ કહ્યું છે. મુક્તાનંદ સ્વામીએ બીજાને માટે પૂછ્યું છે, પણ તેમને વિષે કસર હતી એમ ન માનવું. એમ માને તો માનનારાને વિષેથી દોષ ટળે નહીં. પાંચ કર્મ ઇન્દ્રિયો અને પાંચ જ્ઞાન ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, તે ઇન્દ્રિયો ઘસાણી કહેવાય. તેમજ સર્વે ઇન્દ્રિયો પોતપોતાના વિષયની ઇચ્છા ન કરે તે ઘસાણી કહેવાય. રૂપ, શબ્દ આદિમાં વટલાઈ જાય, તે કોઈએ વટલાવું નહીં. પૂજા કરે, નહાય, ધૂએ ને ઓથી વટલાઈ જાય તે ભૂખ, દુઃખ ને માર ભોગવે ને વળી ભગવાનના ભેળા હોય. “ચેત ચેત મન બાવરા, સંત શિખામણ દેત.” ઓઢવા, પહેરવા, ખાવા, પીવા તે સર્વે ધૂળમાંથી ઉત્પન્ન થયું છે ને પાછું વળી ધૂળ. તેમાં કાંઈ માલ નથી. જેવું મળે તેવું ગુજરાન કરવું. અમને શરદી થઈ છે ને ગરમી પણ છે પણ આવા સંત મળ્યા છે તે જીવને તો આનંદ આનંદ છે. મૂળીમાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના આસને વડોદરાનો બ્રાહ્મણ આવ્યો હતો. તેણે કહ્યું જે, ઢેબરિયા તમને માને તેણે કરીને શું ? સત્સંગ તમારો સાચો ન કહેવાય. અમારા જેવા પંડિતને સત્સંગી કરો ત્યારે સ્વામિનારાયણ ભગવાન ખરા. પછી સ્વામીએ વાત કરી જે, આજ તો ભગવાન પંડિતથી પચાસ ગાઉ છેટે રહે છે ને વિશ્વાસીને શિર પર છે. એવામાં એક છોકરો રોવા માંડ્યો તેને બાપાશ્રીએ માથે હાથ મૂકીને કહ્યું જે, તમોગુણ માંહી પેસી આવ્યો છે. શ્રીજીમહારાજ સાથે હોય તો દેહનું દુઃખ જણાય નહીં. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહનો ભાવ ટાળી નાખે તો સુખ સદાય રહે અને ભગવાનના ભક્તનો અવગુણ કોઈ દહાડો ન આવે. આ લોકમાં ચાર દિવસ રહે તેવા દેહને તો શબ શણગાર્યા જેવું છે, તેને શણગારવાથી કોઈ રાજી ન થાય. ખપ સત્સંગનો સૌને છે, પણ વાત જબરી બહુ એટલે હાથ ન આવે. જેવડા મહારાજને અને સંતને સમજે તેવડો થાય. તે આજ છે તેનો જેટલો મહિમા સમજશું તેટલો લાભ થશે, તે મોટા થકી જણાય છે. ચાર દિવસ રહેવું અને જન્મ ખરાબ કરી નાખવો એમ ન કરવું. પાછું એને કોણ હાથ ઝાલે ? આવા સંત ઝાલે. માટે એક સ્વામિનારાયણની પ્રતીતિ રાખવી અને પરભાવનો જોગ (ઓળખીને) કરવો, “મૈં હૂં આદિ અનાદિ, મિટ ગઈ સર્વે ઉપાધિ.” આદિ આ સભામાં બેઠા, તેને ઓળખે તો સર્વે કામ પૂરાં થઈ જાય. મોટા મોટાને એટલે પંડિત, વિદ્વાન, ડાહ્યાને આગળ બેસાર્યા તે અવરભાવ, અને બધાય સરખા કહ્યા તે પરભાવમાં. બધા સરખા જાણે ને અવરભાવ ને પરભાવ ન સમજે તો સાધન કરે, પણ એમાં કાંઈ ન વળે. પછી રસોડામાં વઘાર કર્યો તે બહાર આવ્યો, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બહાર આટલો બગાડ કરે ત્યારે માંહી બગાડ કરે જ. તે ઉપર સુરાખાચરની વાત કરી. જમવા બેસવું તે ઘણાં વાનાં હોય તે પડ્યાં મૂકીને એક વસ્તુ જ જમી લઈએ. સબડકાઓ એ બધું રસિક છે. મોટા સંતોએ રસિક માર્ગ કર્યો છે, તે મૂર્તિમાં રહીને કર્યો છે. આપણે દેહમાં રહીને કરીએ તો કીર્તન બોલતાં બોલતાં ક્યાંય ચઢી જવાય. તમારે પાણી મેળાવીને જમવું તે ઠીક અને ભૂલી જવાય તો મોટો વાંધો આવે. ઘોડા ઉન્મત્ત થઈ જાય તો નુકસાન કરે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તે મોટા પાડા છે તે નુકસાન કરે. જેમ ચાર પાડા ખાટલાને પાયે બાંધીને સૂતો તે જીવતો રહે નહિ એ તો મરી જ જાય. એમ તે ચાર મોટા પાડા જેવા છે, તેનો વિશ્વાસ કરે તો કાયમ ન રહે. પછી ટીકામાં પ્રાયશ્ચિત્ત કરવાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રાયશ્ચિત્ત કેટલાં કરાય છે તે સંભારજો. આ અમારા ધનજીભાઈ પ્રાયશ્ચિત્ત કરાવવામાં ઉપરી છે. તમે બેય જાડા ને ઊંચા સરખા છો; માટે પ્રાયશ્ચિત્તના ઉપરી થાઓ. ત્યારે દેસાઈભાઈ બોલ્યા જે, બાપા ! એ તો મોટા છે. મારાથી એવું થવાય તેવું નથી. પછી બાપાશ્રી બોલ્યા જે, મોટાને સંભારીને થોડું કે વધુ પ્રાયશ્ચિત્ત અપાઈ જાય તેનો દોષ નહિ, માટે શ્રીજીમહારાજની મૂર્તિ સંભારીને પ્રાયશ્ચિત્ત એક જણ જ આપે તો દોષ નહિ અને તે પ્રાયશ્ચિત્ત કરનારનાં પાપ પણ બળી જાય. પ્રાયશ્ચિત્ત કરીને માળા, માનસીપૂજા કરે તે સર્વે ખજીને પડે. તે સર્વે દિવ્ય થાય છે અને ન કરે તો તેનાં સાધન સર્વે નિષ્ફળ જાય છે. “સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કો વિશ્રામ.” અમદાવાદની સભામાં ક્યારેય બે કે ચાર દેખાય એમ મહારાજની આજ્ઞા છે ? નથી. તમારી ધર્મવાળાની વાત કરીએ છીએ, પછી સંતની ભીડ થઈ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અહીં ન માયા તે અક્ષરધામમાં કેમ માશે ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, આ અક્ષરધામમાં જેમ માય છે તેમ માશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એક ગજનો તક્તો છે. તેના સામા આઠ-દસ હજાર સંત કે હરિજન બેઠા હોય તે સર્વે તક્તામાં દેખાય છે; તેમ મહારાજની મૂર્તિમાં અનંત મુક્તો રહ્યા છે. સાંકડમાં તો ઠીક અને મોકળમાં તો ઘોડા ભાગે, લઢાલઢ થાય. શાંતિનો શો ઉપાય ? તો મૂર્તિમાં અખંડ રહેવાય તે. “જુઓ રે આ જીવની ચતુરાઈ.” ભગવાન પાસે નાશવંત સુખ માગે. છોકરાં છે તે પણ મૃગલાં છે ને નાશવંત છે, માટે એવું નાશવંત ન માગવું. એક ભગવાનમાં લગની લગાડવી. સૌ ભક્તને સુરત રાખવી. મોટાનો આશરો કરવો. મહારાજ શિક્ષાપત્રીમાં લખી ગયા તેમ વર્તવું. ।। ૨૪૧ ।।
વાર્તા ૨૪૨
માગશર વદ ૨ને રોજ સવારે વચનામૃતની કથા વંચાતી હતી, તેમાં નારદ-સનકાદિકની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ નારદ-સનકાદિક કહ્યા તે પરોક્ષ ન જાણવા. આ ઠેકાણે પોતાના સિદ્ધમુક્તોને એ નામે કહ્યા છે એમ સમજવું. પછી બોલ્યા જે, જીવાત્માને ફરતી ઇન્દ્રિયો છે તે ગોલોક કહેવાય અને મહારાજના તેજની કિરણો છે તે ગોલોક કહેવાય છે. આજ મહારાજ અને સંત શીખવવા આવ્યા છે. તે મહારાજ તથા સંત પોતાનું સ્વરૂપ શિખાવે છે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનાં સ્વરૂપ સમજાવે છે. એવામાં સંતો દર્શને આવ્યા ને બાપાશ્રીને પગે લાગ્યા. તેમને કહે જે આજ સંગદોષે કરીને આવા દેશકાળ આવ્યા છે તે આપણા ઘરમાં ન હોય. ત્યારે તે બોલ્યા જે, મહારાજની મરજી હશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની મરજી આવી ન હોય. જીવનું ક્રિયમાણ છે. ભક્ત કાળનો આહાર કરે છે, તેમના ઉપર કાળનું બળ ન ચાલે. તે તેવો થયો તેની વાત છે.
પછી પ્રથમ પ્રકરણનું ૨જું વચનામૃત વંચાવ્યું, તેમાં જનકની વાત આવી. ત્યારે બાપાશ્રી કહે જે, આજ તો એવા સત્સંગી લાખો છે. અવતાર કહેવાના પરોક્ષ ને બતાવવાના સંત, તે આ સંત અવતાર છે. સન્માન, સેવા, ફળ, ફૂલ, ખાન, પાન, માન, મહોબત મળે તે સર્વે સિદ્ધિઓ છે. મહારાજ કર્તુમ્, અકર્તુમ્ અને અન્યથાકર્તુમ્ છે એટલે સેવા અંગીકાર કરે ખરા; પણ સંતો રાગે રહિત કરે તો. પણ જો ઠીક મળ્યું છે એમ જાણીને ગ્રહણ કરે તો સિદ્ધિઓ અંત લે. ઇન્દ્રિયો-અંતઃકરણ વકરીને પાડા જેવા થઈ જાય ને પોતે આહાર ન કરે ને મહારાજને અર્પી દે તો બાધ ન કરે. એવામાં બળોલના હરિભક્ત માલુભાઈ દ્રાક્ષ તથા વરિયાળી પ્રસાદી કરવા લાવ્યા હતા. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, આ સિદ્ધિઓ. જુઓ ! વાતો બંધ રહી. પ્રસાદી છે તો કલ્યાણકારી, જે જમે તેનું કલ્યાણ થાય. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી પાસે સાકરના પડિયા વગેરે ઘણી સિદ્ધિઓ આવતી. તે સર્વે સાધુને આપી દેતા. એમ કહીને પછી બોલ્યા જે, આ ધનજીભાઈના ગામનો ઉપલ્યા વાસનો એક ભક્ત હતો, તે નિત્ય એક કોરીનું અફીણ ખાતો; એવો વ્યસની-પાપી હતો. તે વડવાડીમાં બેઠો હતો, ત્યાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત નારાયણપુરની ભાગોળમાં રંગ ઉડાડતા હતા અને રાસ રમતા હતા; એવું તેના દેખવામાં આવ્યું. ત્યાં તેને શ્વાસ ચઢ્યો અને તાવ આવ્યો. પછી તે ઘેર ગયો. ઘેર પણ “એ સાધુ આવે છે, મારા ઉપર રંગ ઉડાડે છે, મને વટલાવશે” એ પ્રમાણે બોલતો બોલતો અગિયાર વાગે દેહ મૂકી ગયો. તે અતિ પાપી હતો, પણ અંતકાળે મહારાજની ને મોટાની સ્મૃતિ થઈ આવી અને તેમનો વાયરો અથડાયો તેણે કરીને તે ઠેઠ અક્ષરધામમાં ગયો; એવો મહારાજનો ને મોટાનો પ્રતાપ છે. પછી ખંભાતના હરિજનો દર્શને આવ્યા ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કૃષ્ણારામ મહારાજને મળેલા છે, તે અમને પાછા વાળીને ખંભાત લઈ જવા આવ્યા હતા. પરંતુ દહીંસરાનો કણબી ધનજીભાઈનો ફુઓ રવજી, તેણે અમને જવા દીધા નહીં. તે મરીને ભૂત થયો અને કહે જે, બધા ભેગા થાઓ ને મારો ગુનો માફ કરો; પણ કોઈ ભેળા થયા નહિ ને તે બહુ હેરાન થઈ ગયો. પછી થોડાકને જાદવજીભાઈએ ભેળા કર્યા ને અમે આશીર્વાદ આપ્યો ને કલ્યાણ કર્યું. અને માનકુવાના ગાંગજી પટેલે આપણને છપૈયે જતાં સિદ્ધપુરથી પાછા તેડાવ્યા, તોપણ આપણે છપૈયે જઈને પંદર હજાર રૂપિયાની ઊપજ કરી આપી. અમે તો જેમ બાળકને માવતર જાળવે છે તેમ બધાયને અક્ષરધામમાં લઈ જઈશું. અમારે ઘેર બીજો વેપાર નથી. અમે તો કલ્યાણ કરવારૂપી એક જ વેપાર રાખ્યો છે.
પછી પ્રથમ પ્રકરણનું ૫મું વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં રાધિકાએ સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન કરવાનું આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ રાધિકા કોણ ? પછી તેનો ઉત્તર પોતે જ કર્યો જે, આ સંત-હરિજનો સર્વ રાધિકા, ગોપીઓ જે કહો તે આ છે અને શ્રીજીમહારાજ ભગવાન છે, બીજે લેવા જાઓ તો માર પડે. પછી બોલ્યા જે, “ગિરધર નાય ને ગોપીઓ ગાય, જોઈ પ્રેમાનંદ વારી જાય.” તે પ્રેમાનંદ સ્વામી ઓલી ગોપીઓને ક્યાં જોવા ગયા હતા ? તેમણે તો આ સંતોને જ ગોપીઓ કહી છે. માટે વચનામૃત આદિ શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણ તથા રાધિકાદિ પરોક્ષ નામો આવે તે મહારાજને તથા મુક્તને લગાડવા. પછી બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન બોલ્યા જે, “અબળા અબળાને શું વરવું રે રઢ લાગી; એક પુરુષ દીઠા અલૌકિક રે રઢ લાગી” માટે સાચાને ખોળવું.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, રાધિકા સન્મુખ એટલે પરમએકાંતિક અને લક્ષ્મીજી લીન કહ્યા એટલે અનાદિ, એ બેમાં સુખ કોને વિશેષ હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પરમએકાંતિકથી અનાદિને સુખ વિશેષ હોય. આ અર્થ પરભાવનો છે. ।। ૨૪૨ ।।
વાર્તા ૨૪૩
માગશર વદ ૩ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શિવ જેવા વૈરાગ્યવાન છે” એમ ‘ભક્તચિંતામણિ’માં કહ્યું છે તે શિવ કિયા, તો ? અનાદિ અને નારાયણ પણ અનાદિ; એ બેય અનાદિ. ઓલ્યા બ્રહ્માંડના શિવ તે આ ઠેકાણે લેવા નહીં. સત્ય એવા જે ભગવાન અને સત્ય એવા જે આ સાધુ તેને સત્ય જાણે ત્યારે સત્સંગી કહેવાય. ભજન કરે તે ભક્ત અને મૂર્તિમાં રહે તે મુક્ત કહેવાય.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, સિદ્ધદશાને પામે તે સર્વત્ર ગતિ કરે તે અક્ષરધામમાં એને એ દેહે જાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ સકામ માર્ગ છે અને એ બધું અન્વયમાં છે. એક મૂર્તિ જ રહે ને મૂર્તિમાં રસબસ રહેવું તે વ્યતિરેક છે અને તે નિર્વિકલ્પ સમાધિ છે તે અક્ષરધામમાં જાવું હોય તો અહીં બેઠે બેઠે જાય, હાલતે-ચાલતે જાય, ખાતે-પીતે જાય એમ એ તો સદાય અક્ષરધામમાં છે.
એમ કહીને પછી વાત કરી જે, જેમ જળમાં માછલાં રમે તેમ મૂર્તિમાં રમનારા આ સંત છે. જ્યારે મૂર્તિમાં રસબસ થઈ જવાય ત્યારે સત્સંગ થયો કહેવાય. પણ જીવ બધા આ લોકના સાધનદશાના શબ્દ સાંભળીને ટૂંટિયાં વાળીને બેસી રહે છે. અમારે તો સર્વે સરખા છે તે પામર, વિષયી અને મુમુક્ષુ એ સર્વેને સરખા સુખિયા કરવા છે. સર્વે સાધનનું ફળ તે એક મૂર્તિ જ છે. તેને બતાવનારા પરમએકાંતિક છે અને શરણે આવે તેને મૂર્તિનો સાક્ષાત્કાર થાય. અને અનાદિ તો મહારાજની મૂર્તિમાં જ છે.
પછી વરતાલનું ૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં અન્વય-વ્યતિરેકપણાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ ભૂજના રાજા છે તે રાજ્યમાં બેઠા છે અને એમની સત્તા બધાં રાજ્યમાં ચાલે છે તે રાજાના જેવી ક્રિયા કરે છે; પણ તેઓની સત્તા રાજા લઈ લે તો તે કામોરાથી કાંઈ થાય નહિ તેમ શ્રીજીમહારાજ વ્યતિરેક મૂર્તિમાન અક્ષરધામમાં રહ્યા છે અને એમની સત્તા અક્ષરકોટિથી લઈ સોંસરી બ્રહ્મ તથા પ્રકૃતિપુરુષ આદિક સર્વમાં રહી છે તેથી તે સર્વે ઉત્પત્ત્યાદિક કરે છે. તે સત્તા મહારાજ લઈ લે તો કોઈથી કાંઈ પણ ન બને એમ અન્વય-વ્યતિરેકપણું અમને ભાસે છે. વચનામૃતમાં આવી વાતો આવે છે તે ખણતા આવીએ છીએ. ।। ૨૪૩ ।।
વાર્તા ૨૪૪
માગશર વદ ૪ને રોજ સવારે પ્રથમ પ્રકરણનું ૨૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં આત્મનિષ્ઠા અને નિશ્ચય વિના અપૂર્ણપણું રહે છે એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એકલા સાધને સુખ ક્યાંથી આવે ? સંતની ઇન્દ્રિયોમાં રહીને મહારાજ પોષે છે એમ પ્ર.૨૭મામાં કહ્યું છે તે શ્રીજીમહારાજને લઈને છે (પણ જો એમને મેલ્યા તો થઈ રહ્યું) અને તે સંત આધાર થયા - અક્ષરધામનો દરવાજો થયા - તે જો મહારાજની ચાકરી એવી કરે તો સંત થવામાં દાખડો છે. જો મહારાજની અને મોટાની પ્રસન્નતાનાં સાધન કરે અને આજ્ઞા યથાર્થ પાળે તો સંત થાય. તે એક શ્લોકે, બે શ્લોકે, સો શ્લોકે, હજાર શ્લોકે કરીને એટલે એટલા જન્મે કરીને સંત થવાય. જો મોટાની પ્રસન્નતા ન કરે તો તે જ્યારે પ્રસન્ન કરે ત્યારે એવા સંત થાય. ઇન્દ્રિયો છે તે આંધળો ઘોડો છે તે ક્યાંય ફગાવે, તે જે નિયમ-ધર્મ રહિત હોય તે આંધળો કહેવાય. પછી સારી તુંબડીમાં મોહ પામે એ વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તુંબડીમાં શું સારું-નરસું હશે ? એ બધા મોહ છે. આગળ મંડળ અમદાવાદથી આવતાં તે ચાર માસ ભૂજમાં રહે અને ચાર માસ ગામડામાં રહે અને ચાર માસ કરાંચીમાં રહે. એક વખતે વૃષપુરમાં આવતાં વાડમાં એક તુંબડી સારી હતી. તેના સામું બધાયનું મન ગયું તે બાઝાબાઝી કરે. પછી કુંવરજી પટેલે કહ્યું જે, લાવો મને બતાવો. પછી બતાવી તેને કુંવરજીભાઈએ ભાંગીને એક એક કટકો વહેંચી દીધો. પછી તે સંત શરમાણા જે પટેલે આપણું નાક કાપી લીધું. જીવને મોહ છે તે આંધળો ઘોડો છે. “જુઓ જીવન મોહ નિદ્રામાંથી જાગી.” આવા સ્વામિનારાયણ ભગવાન અને સંત તે અનંતકોટિ બ્રહ્માંડમાં ન મળે તે આજ મળ્યા છે. મોંઘા હતા તે સોંઘા થયા. એવામાં મોટેરાના હરિજનો દર્શને આવ્યા તેમને માથે સાધુએ હાથ મૂકવાનું કહ્યું, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટેરાય મૂકવું પડશે અને અમદાવાદે મૂકવું પડશે. પાકું કર્યા વિના છૂટકો નથી. ઉપાસના, નિશ્ચય, આત્મનિષ્ઠા એ સર્વે પરિપક્વ જોઈએ તો છતે દેહે દિવ્ય દેહ પામી રહ્યા જ. મારું પૂરું કરી લીધું છે એમ જાણે તો ન થાય; માટે ચાર દિવસ રહેવું છે તેમાં પૂરું કરી લેવું. સિદ્ધિઓ બહુ બગાડે છે. કોઈક જાણે જે સિદ્ધિઓ અક્ષરધામમાં જાતાં આવે છે પણ એમ નથી. સેવા, સન્માન, અધિકાર આવે તે સિદ્ધિઓ કહેવાય. આ સિદ્ધિઓમાં ન લેવાયા તો બીજી સિદ્ધિઓ આડી આવે જ નહિ - રૂપ, રસ આદિકમાં ક્યાંય લેવાય જ નહિ, ત્યારે સિદ્ધિઓ જીતી કહેવાય. “કનક તજ્યો કામની તજ્યો, તજ્યો ધાતુ કો સંગ; તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ.” માન બહુ ઊંડું છે. મહારાજે તો સુખ ઘણું આપ્યું છે પણ જીવથી ભોગવાય નહિ, તે બાળકિયા સ્વભાવ છે. સત્ય એવા ભગવાન, આત્મા, સંત તેને સત્ય જાણે તો મોહ ટળી જાય અને પરિપક્વ સત્સંગી ત્યારે કહેવાય. આજ્ઞા ન પાળે તેના કલ્યાણની ના પાડી દીધી. ।। ૨૪૪ ।।
વાર્તા ૨૪૫
માગશર વદ ૫ને રોજ સવારે સભામાં અસલાલીના રાવ સાહેબ બાલુભાઈએ પૂછ્યું જે, જીવ સાકાર છે કે થાય છે કે એને બીજો દેહ બંધાય છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જીવ સત્ય ચૈતન્ય વસ્તુ છે તે શ્રીજીમહારાજને ધ્યાને કરીને દિવ્ય સાકાર શ્રીજીમહારાજના જેવો થાય છે. શાસ્ત્રના સમજનારા શાસ્ત્રમાંથી ગોઠવે તે કોઈ આમ ને કોઈ આમ કહે. ગોથાં મારે પણ હાથ ન આવે. આ તો દેખીને કહેવાય છે, જે જીવ માયામાં નિરાકાર છે તે ભગવાનના ધામમાં દિવ્ય સાકાર થાય છે. જ્યારે જીવને અનુભવજ્ઞાન થાય ત્યારે મૂર્તિમાંથી ખુશબો છૂટે છે તે ખેંચીને જીવને મૂર્તિમાં લઈ જાય છે. એ થયા વિના બધુંય કાચું. પંડિતથી ગાઉ પચાસ, તમારા પંડિતોથી ભગવાન પચાસ ગાઉ છેટે છે તે શાસ્ત્રમાં ગોથાં ખાઓ છો પણ તે જડે તેમ નથી. એ તો મહારાજના અનાદિ કાં પરમએકાંતિક મળે તો જ ભગવાન મેળવે. આજ મળેલા સંત ખોળવા જોઈએ તે આ જ છે, એવાનો જોગ કરે તો સુખિયો થાય, એવાની તો ખબરે ન હોય. અમે ૧૯૨૨ની સાલમાં આવ્યા હતા ત્યારે ઘણા મળેલા હતા, તે પણ મળેલા. અને આજ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેતા હોય એવા મળેલાને ઓળખીને તેમાં આપોપું કરીને તેમનો જોગ કરવો ને તેમને મન અર્પી દેવું. રાત્રિ કહે તો રાત્રિ અને દિવસ કહે તો દિવસ, પણ તર્ક ન કરવો તો બધી માયા ટળાવે. આ સંત અક્ષરધામનો દરવાજો છે તે પોતાના જેવી સ્થિતિ કરાવે, જો કરવા માંડીએ તો. અને પુરુષપ્રયત્ન કરે તો મોટાપુરુષ રાજી થાય ને કૃપા કરે. જીવ સર્વ સત્સંગને દિવ્ય સમજે તો પોતે દિવ્ય થઈ જાય. પછી મંડાળાના હરિજન દર્શને આવ્યા. તેમને માથે ચાર ફેરા બે હાથ મૂકીને કહ્યું જે, નિયમ, નિશ્ચય ને પક્ષ રાખવો અને મૂર્તિ ધારવી તે સબીજ કહેવાય, તેને વાંધો રહે જ નહીં. અને એકલા સાધન કરે તેમાં ન વળે. અવરભાવ જે આ દેહમાં રહ્યા તે અને પરભાવ જે મહારાજની મૂર્તિમાં રહ્યા તે. તે પરભાવમાં સર્વેને રાખવા છે. આ સત્સંગમાં કેટલાક અનાદિ છે ને કેટલાક આદિ છે. આ બેઠા તે સર્વે આદિ છે અને અનાદિ જે ધામમાં બેઠા તે જ આ આદિ છે. જેમ અહીં માયામાં મૂર્તિ છે ને પડછાયો પણ છે તેમ આ આદિ તે પડછાયાને ઠેકાણે છે. “જ્ઞાનીને જ્ઞાની મળે, રસની લૂંટાલૂંટ; જ્ઞાનીને અજ્ઞાની મળે તો થઈ પડે માથાકૂટ.”
પછી તલ્લીનપણાની વાત આવી, ત્યારે એક બ્રાહ્મણે પૂછ્યું જે, આ મૂર્તિનું તલ્લીનપણું કે વૃત્તિનું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વૃત્તિનું લીનપણું એ તો સાધનદશાનું છે, સિદ્ધકાળમાં તો જીવનું જ લીનપણું છે તે કરવું. વૃત્તિ તો માયિક છે ને જીવ ને ભગવાન તો દિવ્ય છે. તે દિવ્ય વસ્તુને વૃત્તિ હોય નહીં. એ તો આપસત્તાએ જુએ છે. આ સભામાં ઉપશમદશાવાળા છે તથા નિરાવરણ દૃષ્ટિવાળા છે અને સ્વતંત્ર અનાદિમુક્ત પણ છે તેમને ઓળખીને જીવ જોડવો તો સુખી થાય. જો આવા પુરુષને ઓળખીને સમાગમ કરે તો જીવને સાધનનો અવધિ આવી રહે ને સાધનના ભાવ મટીને સિદ્ધભાવ આવી જાય. પછી તેને ખારા, ખાટા, મોળા, સ્વાદુ, કુસ્વાદુની ખબર રહે નહિ એવો થઈ જાય. સત્ય, શ્રીજીમહારાજ તથા પોતાનો આત્મા તથા સંત તથા સત્શાસ્ત્રમાં કહ્યો એવો ધર્મ તે મળીને સત્સંગ કહેવાય. આંધળા ન રહેવું ને આવા સંતના ગુલામ થઈને રહેવું. ।। ૨૪૫ ।।
વાર્તા ૨૪૬
માગશર વદ ૧૧ને રોજ સવારે સારંગપુરનું ૧૩મું વચનામૃત વંચાતું હતું, તેમાં મહારાજનાં અને મુક્તનાં લક્ષણ જાણવાની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ ને સંત આજ સત્સંગમાં બિરાજે છે પણ જે ગાળો બોલે, ચોરી કરે, જૂઠા બોલે તેને ક્યાં ઓળખાણા છે ? મનમાં ખોટો ઘાટ થાય તે પણ શ્રીજીમહારાજ જાણે છે એવું નથી સમજાણું તેને નિશ્ચય નથી. અને સંપ્રદાયમાં બેઠા હોય ને કથા-વાર્તા કરે ને એમના કહેવાતા હોય તોપણ આજ્ઞા ન પાળે તે શાહુકાર ચોર કહેવાય અને એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. આજ મહારાજ ને મુક્ત વિચરે છે તે સર્વેના ઘાટ-સંકલ્પ જાણે છે. સત્સંગમાં કૂટાય અને ચોરીદારીનો ત્યાગ ન થાય ને સારાં સારાં વસ્ત્ર-ઘરેણાં પહેરીને ફરે તે ઠગારો કહેવાય ને તેને કાંઈ લાભ મળે નહીં. જેમ તાબૂત ઉપાડવામાં પકડાય તે આવી ફસ્યા એમ જાણે, તેમ તે પણ જાણે જે સત્સંગમાં આવી ફસ્યા છીએ. તે પર રામકૃષ્ણભાઈની વાત કરીને કહ્યું કે એવો નિશ્ચય કરવો ને આજ્ઞામાં રહીને કથા-વાર્તા, ધ્યાન-ભજન કરવું. કૂટી કૂટીને મરી જાઓ તોય વડોદરાનું રાજ્ય ન મળે, તે આજ સ્વામિનારાયણનું ધામ મળે છે. તે જુઓ તો ખરા ! માયા મેલીને ભાગ્યા પણ વળી વળીને ગળાં ઝાલે છે. ક્યાંય ન હોય તોપણ લૂગડાંમાં હોય. એક સાધુ મુંબઈથી લૂગડાં મંગાવીને રંગીને તે પહેરીને સભામાં આવ્યા, તેનાં લૂગડાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કઢાવી નંખાવીને સળગાવી મેલાવ્યાં. સંત તો મૂળીમાં સ્વામી હરિનારાયણદાસજી હતા. તે રૂમાલ પણ એક આંટો આમ ને એક આંટો આમ બાંધતા અને વચનામૃત બધાં કંઠે હતાં એવા થાવું અને સરત રાખવી. પછી બોલ્યા જે, રાજાને પણ હાથ જોડીને મહેરબાન કહેવું પડે અને આજ સત્સંગમાં મહારાજ અને મુક્ત બિરાજે છે તેને ઓળખે તો શું ન કરે ? મહારાજ અને મુક્ત ગરીબ થઈને માણસ ભેળા ફરે છે. તે ઉપર જેતલપુરના માંડણ ભક્તની વાત કરી. જેતલપુરમાં મોટા આનંદસ્વામીને કોઈકે કહ્યું જે, આ માંડણ ભક્તને તમે ક્રિયા બતાવવી રહેવા દો; એમને ધ્યાનમાં વિક્ષેપ થાય છે, એ વચન સ્વામીથી ન મનાણું ને કહે જે, માણસનો તોટો છે માટે કામ બતાવવું પડે છે. તેમને વાડીમાં રાખ્યા હતા. તે એક વખત ચાર વાગે માનસીપૂજા કરતાં તેજનો પ્રકાશ બહુ થયો તે પ્રથમ થોડું હતું તેમાંથી વધતું વધતું દેવ સરોવર તથા વાડી તથા મહોલ એ સર્વે તેજોમય થઈ ગયું. તે જોઈ આનંદસ્વામી વગેરે મંદિરમાં બેઠા હતા, ત્યાંથી થોડાક સાધુને સાથે લઈને એમ વિચાર કરતા ચાલ્યા જે આ તે આપણી વાડીમાં કાંઈ બળે છે કે શું ? એમ જાણી વાડીએ આવ્યા ને તેજથી વીસ હાથ છેટે ઊભા રહ્યા ને વિચાર્યું જે, આ તો અગ્નિ નથી, તેજ છે. પછી સૌ સોંસરા ચાલ્યા ત્યાં માંડણ ભક્તને માનસીપૂજા કરતા દીઠા ને મહારાજની મૂર્તિના સભા સહિત તેજમાં દર્શન સ્વામીને થયાં. સ્વામીએ મહારાજની સ્તુતિ કરી તે વખતે મહારાજે કહ્યું જે, આ માંડણ ભક્તને તમે કામ બતાવશો નહિ, કેમ જે એમને અમારા ભજનમાં વિક્ષેપ થાય છે ને એ તો મારી મૂર્તિનું અખંડ ચિંતવન કરે છે ને મારા સ્વરૂપમાં નિરંતર રહે છે, માટે કોઈ ક્રિયા બતાવશો નહીં. ત્યારે આનંદસ્વામી “સારું મહારાજ”, એમ કહીને મહારાજને પગે લાગ્યા. પછી મહારાજ તેજ સંકેલીને અદૃશ્ય થયા. પછી સાધુ મંદિરમાં આવ્યા ને તે વાત સર્વેને કરી. તે વાત સાંભળી સર્વે આશ્ચર્ય પામ્યા કે માંડણ ભક્ત તો સમાગમ કરવા જોગ છે પણ મંદિરના વ્યવહારકામમાં આપણે પ્રવૃત્તિને લીધે સમાગમ કરી શક્યા નહીં. ત્યારપછી માંડણ ભક્તને મહારાજ એક મહિને તેડી ગયા. પછી બોલ્યા જે, અમે વૃષપુરમાં પારાયણ કરી હતી ત્યારે અમને કોઈકે પાઘડી બંધાવી તે ઊજળી હતી અને પ્રથમની પાઘડી હતી તે કોઈક મહિમા જાણીને લઈ ગયો. પછી અમે તે પાઘડીને ધૂળમાં રોળીને બાંધી. અમે સાઠ-એંસી વરસથી ઊજળું લૂગડું પહેર્યું નથી. આપણે ધોળકે પરમ દિવસે ગયા ત્યારે લૂગડાં દીઠાં તે રંગ મળે જ નહિ, બીજો રંગ હતો. અને સંત દૂધપાક, માલપૂવા, લાડુ આદિ નિત્ય નવી નવી રસોઈઓ આવે તે જમે અને અમે તો ભૂજમાં સાધુ મોહનથાળ જમતા હતા તેને પૂછ્યું જે, આ શું છે ? ત્યારે તે બોલ્યા જે, આવડા મોટા થઈને આનીયે ખબર નથી ? ત્યારે અમે કહ્યું જે, તમને એની ખબર કાઢવા મોકલ્યા છે. માણસાવાળા નરસિંહભાઈને ઉપરદળના રામજીભાઈએ કહ્યું જે, મને મૂર્તિ દેખાતી નથી. પછી નરસિંહભાઈએ કહ્યું જે, આવડા બધા લડધા વધારીને મૂર્તિ લેવી છે ? જીવ ચટણો થઈ જાય છે. સ્વામી અક્ષરજીવનદાસજી સર્વેને જમતા જોતા, જે આ સંત આટલું જમ્યા અને આ આટલું જમ્યા. જીવ રસ સારુ દુઃખિયા થાય. અમે તો ગૉળ-ઘી ખાતા નથી. બાજરાનો રોટલો ને મઠની ખીચડી ખાઈએ છીએ. આગળ કેટલાક સંત દેહે જાડા અને મોટા હતા, તે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ હતા, તે મૂર્તિને સુખે સુખી હતા પણ જમીને થયા નહોતા. સ્વામી નિર્ગુણદાસજી શ્રીજીમહારાજ વિના બીજું પેસવા દે નહિ એવા હતા, ને ત્યાંથી જ આવેલા હતા. ગૃહસ્થને છોકરો જન્મે ત્યારે તેમાં બહુ હેત થાય, પણ મોટો થાય ત્યારે શું સુખ કરી દે ? કાંઈ ન કરે. જેમ ઝાઝાં છોકરાં તેમ ઝાઝું દુઃખ. અમે પણ છોકરાં સારુ અહીં આવ્યા છીએ. ત્યારે સંત બોલ્યા જે, તમે તો હજારો જીવોને સુખિયા કરવા આવ્યા છો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સત્સંગ આપણું ગોત્ર છે. તેમને તો સુખિયા કરવા જ છે, પણ માને કરીને પડી જાય તેને શું કરીએ ? ભગવાનના ભક્ત આગળ માન રાખવું નહીં. બીજે રાખવું તે તો ઠીક, પણ મોટા આગળ અભિમાન રાખે તે નડે ખરું. સ્વામિનારાયણનો રસ કાંઈક આવ્યો હોય તો સર્વે મૂકી દેવાય. ।। ૨૪૬ ।।
વાર્તા ૨૪૭
માગશર વદ ૧૨ને રોજ સવારે સભામાં બ્રહ્મચારી વૈરાગ્યાનંદજીએ પૂછ્યું જે, સારંગપુરના ૧૭મા વચનામૃતમાં દસ પ્રકારના મુક્તના ભેદ કહ્યા છે તેમાં મહાતેજરૂપ મુક્તને શ્રેષ્ઠ કહ્યા છે તે આપણે મહાતેજરૂપ થયા છીએ કે નહિ તે શી રીતે જણાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહાતેજરૂપ તો પરમએકાંતિક કહેવાય અને તમો તો આ જોગથી ને કૃપાથી મહાતેજથી પર અનાદિમુક્તરૂપ થયા છો અને જે જણાતું નથી તેનું તો એમ છે જે, જેમ પક્ષીનું ઈંડું પરાધીન છે પણ જ્યારે ઈંડું ફૂટીને પાંખો આવશે ત્યારે આકાશમાં રહેશે માટે તે ખેચર કહેવાય. તેમ જે શ્રી પુરુષોત્તમના આશ્રિત સર્વે દેહના આવરણમાં છે ત્યાં સુધી ઈંડાની પેઠે પરાધીન છે પણ જ્યારે આ દેહનો જોગ મટી જશે ત્યારે આવરણ રહિત થઈને શ્રી પુરુષોત્તમના સુખમાં રમશે. એ મૂર્તિમાં અપાર ને અલૌકિક સુખ છે ને અનંત મુક્ત મૂર્તિમાં રહીને ભોગવે તે પણ પાર પામી શકતા નથી. જેમ ચિંતામણિ નાની છે પણ અનંત જનના સંકલ્પ સત્ય કરે છે અને જે જે ઇચ્છે તે આપે છે; તેમ મહારાજની મૂર્તિનાં સુખમાં અપારપણું છે. ।। ૨૪૭ ।।
વાર્તા ૨૪૮
પોષ સુદ ૧ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ધ્યાનમાં આવરણ કરનાર દોષને ટાળવાનું ભગવાન પાસે માગે તે સકામ કહેવાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તે તો સકામ ન કહેવાય. પછી બોલ્યા જે, તમે સર્વે શ્રીજીના અવતાર છો, કેમ છો કે નહીં ? ત્યારે સંત બોલ્યા જે, હા બાપા. આપ કહો તો છીએ. પછી બાપાશ્રી બોલ્યા જે, જો અવતાર થયા હો તો અનંત જીવનો ઉદ્ધાર કરો, અને જો મોઢું વાઘનું ને પાછળ બીજું એવું હોય તો તો મૂર્તિનું સુખ ન આવે, અને તે વાંઝિયું કહેવાય. તે વિના કેટલાંક દીકરા-દીકરી, સ્ત્રી-ધનાદિક માગે ને તેમાં સુખ માને પણ તેમાં સુખ નથી. ત્યારે સંત બોલ્યા જે, છોકરાં હોય તે કેડે શ્રાદ્ધ કરે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રાદ્ધ તો નારાયણજીનું ખરું. માટે શ્રીજીમહારાજનું શ્રાદ્ધ આવે તે ભેળું સર્વેનું શ્રાદ્ધ આવી જાય. પછી બોલ્યા જે, રસના તો મહા ભૂંડી છે, એમાં કાંઈ માલ નથી. તેને તો આની કોરથી ખોસે ને ઓલી કોરથી કાઢે ને પૂછ્યા કરે જે, મારા ઘાટ-સંકલ્પ કેમ ટળતા નથી ? તે શી રીતે ટળે ? મઠના રોટલા ને મઠની દાળ જમે તો ઘાટ કાંઈ ન રહે. અમારા યજ્ઞમાં આ ઈશ્વર બાવે મગ મંગાવ્યા હતા તે કહે કે મઠ સર્વને નડે છે. પછી બોલ્યા જે, અદાજી ઉપર મહારાજ અનંતકોટિ બ્રહ્માંડનો ભાર મૂકીને બેઠા તે ઊઠી શક્યા નહીં. પછી તેમને ગરુડજી બનાવ્યા ત્યારે ઊડ્યા ને એક મિનિટમાં કાળે તેરે લઈ ગયા. (તેમણે મહારાજને કાંકરી મારી હતી ને તેમનું કાંકરીએ મોત થયું હતું.) એવામાં ઘાંટીલાના વિઠ્ઠલ ભક્તે આવીને જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઘાંટીલાના હરિભક્તો સર્વે સુખી છે, એ બહુ સારા છે ને વિશ્વાસી ને નિર્મળ છે ને અમો ઘણા રાજી થયા છીએ ને એમણે બહુ લાવ લીધો છે, તે એવા ને એવા છે કે ? ત્યારે તે ભક્તે કહ્યું જે, બાપા, આપે તળાવમાં પાણી થશે એ વર આપ્યો ને તરત જ તળાવમાં પાણી આવ્યું તેવો પરચો દીધો છે ને વર્ષ પણ સારું પાક્યું છે, તેથી આપનો ઘણો મહિમા સર્વે જાણે છે. અને સર્વ હરિજનોનો આગ્રહ બહુ જ છે જે બાપાશ્રી એક વાર પધારે તો સર્વ હરિજનોને આપનાં દર્શન થાય ને અસંખ્ય જીવનું કલ્યાણ થાય ને આપને પાલખીએ બેસારીને ફેરવશું અને મંદિર ફરીથી કર્યું છે તે પ્રસાદીનું કરવા પધારો એમ પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમારે કાંઈ માન-મોટપ જોઈતી નથી. તમે કહ્યું એટલે અમને ત્યાં આવેલા જ જાણજો. અને તમે “એક એક સંતમાં અનેક મુનિનાં વૃંદ રહ્યા હોય” એવા સંતનો સમાગમ કરજો તો મોક્ષમાં વાંધો નહિ આવે. આવા સંતનો જોગ, સમાગમ ને સેવા કરજો તો જીવતા રહેશો. અમે રખડતા રખડતા ક્યાંય ભાવનગર ને ક્યાંય ફરતા હતા ને ત્યાંથી ઘાંટીલે આવ્યા હતા અને કેટલાક કહે કે, અમારે દર્શનથી આનંદ થયો અને કેટલાક કહે જે અમારે જમાડે આનંદ થયો અને કેટલાક કહે જે અમારે પ્રસાદી જમવે કરીને આનંદ થયો અને કેટલાક કહે જે ઘેર પધાર્યાથી આનંદ થયો એવી રીતે સર્વ આનંદ પામ્યા હતા, તે એવા ને એવા રહેજો. અમારે તો અધમ જીવને પણ ઉદ્ધારવા છે, માટે તમારે માયા ટાળવી હોય તો મહારાજને ને અમને ભૂલશો નહીં. અમારાથી જુદા પાડે એવાનો સંગ કરશો નહીં. જો એવાનો સંગ કરશો તો જેમ બાર સાહેબે વાઘ માર્યો. પછી તેની પાસે ગયા ત્યારે વાઘે ઊઠીને બારેના પ્રાણ લીધા તેમ થાય. ।। ૨૪૮ ।।
વાર્તા ૨૪૯
પોષ સુદ ૨ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે વડનું બીજ ખસખસના દાણા જેવું નાનું હોય તે ઊગે ત્યારે હાથે તાણીએ તો તણાઈ જાય, પણ જ્યારે વડ મોટો થાય ત્યારે એક વીઘામાં વીખરાઈ જાય એવડો થઈ જાય છે. આપણી લખાઈવાડીમાં વડ હતો તે પડ્યો ત્યારે તેને કઢાવતાં ત્રણસે કોરી ખર્ચ લાગ્યું. સર્વના કારણ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે તે મનુષ્ય જેવડા છે અને તેમનું કાર્ય અનંતકોટિ બ્રહ્માંડ છે. સાધુ કે સત્સંગી થઈને તુચ્છ પદાર્થ સારુ ભડાભૂટ કરવી તે ઠીક કહેવાય નહિ, અને પ્રસાદીની વસ્તુ જે ચરણારવિંદ તે પણ અંદર રાખ્યાં હોય તો પછી બહારનાં જોઈએ નહિ, માટે ખબર રાખવી. રાજકાજ સારુ માથાં કપાવે અને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તે સારુ કાંઈ ન થાય. દેહ ઉપર ડગલી છે તેમ દેહરૂપી ડગલો કાઢી નાખીએ એટલે જીવ દેહરૂપ થઈ જાય અને મહારાજ દેહી થઈ જાય. આજ સેવા દિવ્ય છે તે એક રૂપિયે કે એક પૈસે પણ ભગવાન ને ભગવાનના સંત મળે. એક શેર જમાડે તે એક સંત જમે તો એમના ભેળા અનંત મુક્ત અને મહારાજ જમે. લાલુભાઈને કોઈએ કહ્યું જે, કહો સ્વામિનારાયણ. ત્યારે તે બોલ્યા જે, “મુખેથી ભજન કરવું તેથી કંઠમાં કરવું ઉત્તમ છે અને તેથી હૃદયમાં ભજન કરવું તે ઉત્તમ છે અને તેથી પણ નાભિમાં ભજન કરવું તે ઉત્તમ છે, કેમ જે નાભિમાંથી સંકલ્પ ઊઠે છે તે સંકલ્પ નાભિમાં ભજન કરવાથી બંધ થઈ જાય છે અને તેથી પણ સત્તારૂપ થઈને મૂર્તિ ધારવી તે ઉત્તમ છે. અને તેથી પણ મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિનું સુખ લેવું તે અતિ ઉત્તમ છે અને અમને તો બાપાશ્રીએ કૃપા કરીને એટલે પહોંચાડ્યા છે” એમ કહ્યું. માયાના ગુણને ઓથે હાલે-ચાલે તેમાં શું ? માટે મૂર્તિ વિના રહેવું નહિ, સૂરત રાખજો. સૌ મૂર્તિ મૂકશો નહીં. ।। ૨૪૯ ।।
વાર્તા ૨૫૦
પોષ સુદ ૪ને રોજ સવારે સભામાં એક બ્રાહ્મણ કહે જે, મૂર્તિ ખપે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ મૂર્તિ સાક્ષાત્ ભગવાન છે એવો વિશ્વાસ આવે છે ? આવે તો દર્શન કરો. “એક બ્રાહ્મણ હતો તે ખાવા બેઠો ને કહે જે ગળે ઊતરતું નથી, પછી તેને કહ્યું જે, ગળામાં લાકડું ખોસો.” તેમ તમારે ગળે ઊતરે તો માનો ને દર્શન કરો, પણ નાસ્તિકભાવ રાખશો નહીં. આ પ્રતિમા સાક્ષાત્ ભગવાન છે એવો આસ્તિકભાવ રાખવો. તે ઉપર કલ્યાણસંગની વાત કરી જે રામપુરમાં કલ્યાણસંગજી (માથકવાળા) આવ્યા હતા તે બહુ મોડા નાહતા હતા. તેમને અમે કહ્યું જે વહેલા નાહો તો ભગવાનનાં દર્શન કરાવીએ. પછી બીજે દિવસે વહેલા નાહીને અમારી પાસે આવીને બોલ્યા જે, અમને ભગવાનનાં દર્શન કરાવો. પછી અમે તેમને પ્રતિમાની પાસે લઈ જઈ કહ્યું કે, જુઓ, આ ભગવાન ખરા કે નહીં ? ત્યારે તે બોલ્યા જે, હા, ભગવાન ખરા. એવો વિશ્વાસ ને આસ્તિકપણું રાખવું. અને આ મૂર્તિ માંહી દેખાય એવો સાક્ષાત્કાર કરવો. પ્રતિમાને દિવ્ય ન જાણે ને મૂર્તિ સારુ વલખાં મારે તેમાં શું વળે ? માટે તેમાં દિવ્યભાવ સમજીને ધ્યાન કરીને મૂર્તિમાં જોડાવું તે મહારાજે સોંપ્યું છે. ભૂત, ભવિષ્ય ને વર્તમાન તેના ભાવ ટાળી નાખવા. દેહના જે શણગાર છે તે ટાળી નાખવા અને મહારાજની મૂર્તિમાં એકતાર જોડાવું. વૈભવ એકેય મેલાય નહિ અને મૂર્તિ ખપે તે કેમ મળે ? મોટા મોટા સંતો પણ મૂર્તિ સારુ વલખાં કરે છે તો સર્વેને ક્યાંથી મળે ? ઝેરનું ઝાડ રોપો તો પાંદડાં, ડાળાં, પાંખડી સર્વે ઝેર હોય; તે ઝેરનું ઝાડ મેલીને સ્વામિનારાયણની એક મૂર્તિમાં તેલધારા અખંડ વૃત્તિ કરવી, તેમ શ્રીજીમહારાજનું સુખ આપનારા સંતને ઓળખીને તેમનો સંગ કરે તો જે સુખ ઇચ્છે તે મળે. જો પ્રયત્ન કરવા માંડે તો મૂર્તિ સિદ્ધ થઈ જાય, માટે પુરુષપ્રયત્ન કરવો. એક બ્રાહ્મણે ભાતું માગ્યું ત્યારે કહ્યું જે, સૌનું ભેળું માંગવું; એકલાનું ન માંગવું. ત્યારે કહે જે, મારી દાઢી પહેલી ઓલવું. માયિક ઇન્દ્રિયે કરીને માયિક વસ્તુ ઝેર જેવી થઈ જાય ને અખંડ મૂર્તિમાં વૃત્તિ રાખે તો છ મહિનાની અંદર મૂર્તિ સિદ્ધ થઈ જાય. જ્યારે ખારું, ખાટું, તીખું, તમતમું આદિકના ભાવ એકેય ન રહે ત્યારે મૂર્તિ દેખાય. જ્યારે પુરુષોત્તમરૂપ થશો ત્યારે પુરુષોત્તમનું જ્ઞાન થશે. આ દેહનું સુખ ભેળું રાખવું અને મૂર્તિનું સુખ લેવું તે થાય નહીં. રસના આદિક મૂકે તો થાય, પણ ભગુડી ભેંસનું દૂધ સારું એમ રહે ત્યાં સુધી મૂર્તિ ક્યાં મળે તેમ છે ? અમે ક્યાંથી આવ્યા ? આજ મહારાજ મૂર્તિ દેખાડે છે. હરે છે, ફરે છે, સુખ આપે છે. પણ નાસ્તિકભાવ છે. આ દેહનું જ સુખ જોઈએ. ખાવા-પીવા, પહેરવા ને શોખ માણવા તો મૂર્તિ ક્યાંથી દેખાય ? તે ઉપર હરજીભાઈની વાત કરી જે તેમને ચંદનના ઝાડનો યોગ થયો તે ઝેર ઊતરી ગયું અને દેહનો ભાવ ટાળીને એક તાંસળામાં ભેળું મેળાવીને જમે અને અમારા ગામનો ઇજારો લઈને અમારી પાસે રહ્યા અને જોગ કર્યો ને બીજું બધું ભૂલી ગયા. એમનો સેવક હતો તે સવારે - સાંજે પાસે જાય ત્યારે તેમને વિષે તેજ દેખતો અને જો એવો ખપ થયો તો અમારી પાસે જ રહ્યા. અને અમને કહ્યું જે, ગોવાભાઈને કહો જે કારખાનાં માત્ર બંધ કરે. ત્યારે અમે કહ્યું જે, એમની સ્થિતિ એવી થઈ નથી તે શી રીતે મૂકે ? સર્વે ઇન્દ્રિયોને વશ રાખે તે વનમાં ગયો જાણવો. એવા ભગવાન ને સંત આપણને મળ્યા છે ને ભેગા કુટાય છે તોપણ મોહ ન મેલાય. પછી સાંજના બાપાશ્રી તથા સર્વ સંત-હરિજનો વિરમગામ પધાર્યા. ।। ૨૫૦ ।।
વાર્તા ૨૫૧
પોષ સુદ ૫ને રોજ સવારે શ્રી વિરમગામના મંદિરમાં લોયાનું ૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં ધામમાં મૂર્તિ અને મનુષ્યરૂપ અને પ્રતિમા તે એક જ સમજવાનું આવ્યું.
પછી સંતે પૂછ્યું જે, મનુષ્ય રૂપે ઓળખ્યા વિના દર્શન થાય તેનું જન્માંતરે કલ્યાણ થાય તેવું પ્રતિમાનાં દર્શને થાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રતિમાનાં દર્શને પણ એવું જ કલ્યાણ થાય અને જો પ્રતિમાનો મહિમા જાણીને દર્શન કરે તો આ જન્મે જ આત્યંતિક કલ્યાણ થાય. ઉપશમ થાય ત્યારે કાંઈ ખબર રહે નહિ અને ક્રિયા બધી કર્યા કરે. પર્વતભાઈ સાંતી હાંકે, ગાડું હાંકે, સાંઠીઓ ખોદવા જાય એમ બધી ક્રિયા કરે તોપણ મહારાજની મૂર્તિ અખંડ રાખે. નિર્વિકલ્પ સમાધિ છે તે ઘણા જીવોને સમાસ કરે છે અને અક્ષરધામની છે, અને સવિકલ્પ સમાધિ તો ચમત્કાર જણાવે, પણ સમાસ એવો ન થાય. ઉપશમ અવસ્થાવાળામાં ભગવાન સદા બિરાજમાન છે, એમ વિશ્વાસ રાખે તો તેનું કલ્યાણ થાય. અને એવા પુરુષ નહાતા હોય, તેનું પાણી ઉપર પડે તો પંચમહાપાપ બળી જાય. જળને પાવન કરનાર મોટાપુરુષ છે. જ્યાં શ્રીજીમહારાજ નાહ્યા હોય અથવા મોટાપુરુષ નાહ્યા હોય તે જળમાં જે નહાય તે પાવન થાય છે. ગુરુસ્ત્રીનો સંગ, બાળહત્યા, બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા એવાં પંચમહાપાપ તેને મોટાપુરુષ બાળી નાખે છે એવું મોટાપુરુષના (નાહેલા) જળનું મહાત્મ્ય છે. કલ્યાણ તો ઘણાં છે પણ આ તો આત્યંતિક કલ્યાણ થાય છે. કલ્યાણની કેટલાકને તો ખબરે નથી. એક બ્રાહ્મણે દેહનું કલ્યાણ માગ્યું. આવા મહારાજ અને આવા તમ જેવા સંત એ તો આત્યંતિક કલ્યાણ કરે છે. પ્રથમ શ્રવણભક્તિ, પછી અનુક્રમે પ્રેમલક્ષણા ભક્તિ આવે, તે ઉપર અમરા ભક્તની વાત કરી જે; અમરા ભક્તને રાજાની પાસે હજૂરમાં નોકરી હતી, તે રાજાની આગળ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ એમ વારંવાર કહે પણ મર્યાદા રાખે નહીં. એવી પ્રેમલક્ષણા ભક્તિ આવે તે ખરી કહેવાય અને આત્યંતિક કલ્યાણ પણ ત્યારે થાય. માટે પ્રથમ નિશ્ચય જોઈએ તે ઉપર કઠિયારાની વાત કરી. મહારાજ અને સંત આજ મળ્યા છે, મળશે એમ ન જાણશો. આજ આવો, આગળ બેસો, એમ કહીએ છીએ તે અવરભાવમાં છે અને પરભાવમાં સર્વે સરખા છે. એવો ભાવ ન સમજાય તેને જન્મમરણ ટળે નહીં. ગઢડામાં મોટા મોટા સંત બેઠા હોય તે પાછળ બેઠેલા સંત-હરિજનોથી પોતાને મોટા જાણતા, પછી મહારાજે પાછળ બેઠેલા સંત-હરિજનોમાંથી તેજનો સમૂહ બતાવ્યો તે આગળ બેઠેલાઓએ પૂછ્યું જે, મહારાજ, આ શું ? પછી મહારાજે કહ્યું જે, તમે અવરભાવના છો ને એ પાછળ બેઠેલા સિદ્ધમુક્ત છે. પછી તેમની મર્યાદા રાખવા માંડી અને જાણ્યું જે, આ બધા મુક્ત છે અને આપણે સાધનદશાવાળા છીએ, તે આ લોકમાં અવરભાવમાં આગળ બેસીએ છીએ. કાર્યમાં જીવને હેત છે, તે કાર્ય કલ્યાણકારી ખરું, પણ વિષયી ને પામર જીવને માટે છે. “સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન” એમ કહીને બોલ્યા જે, “સર્વે કારણના કારણ જીવન જાણું છું.” એનો અર્થ કર્યો જે, બીજું કારણ કિયું ? તો સંત જાણવા, ને તેના કારણ મહારાજ છે. જો અંતઃકરણ ઠારે તો જાણવું જે એમાં કારણ હોવું જોઈએ. જેમ ગાડીનું પાણી ઊનું નીકળે છે તે બાળે છે અને વરસાદનું પાણી ઠારે છે અને સર્વ જીવને જિવાડે છે તેમ સંતને ઓળખવા. સૌ સૌનું ઘર તપાસવું જે કઈ જગ્યામાં છીએ અને કોના છીએ, ત્યાગીનો વેશ હોય પણ મહારાજને ન રાખ્યા હોય તો બીજાનું પણ બગાડે. ભગવા પહેર્યે શું થાય ? જીવાત્મા ભગવો થાય અને મહાપ્રભુજીમાં જોડાય તે ખરું. મૂર્તિ વિના ક્યાંય જોડાય નહિ અને ખાનપાન, ખારું, મોળું, તીખું આદિકની ખબર પડે નહીં. આ ગામમાં મોરારભાઈ રહેતા ત્યારે પાંચ-સાત હરિભક્ત હતા અને આજ ઘણા થયા છે તે કાર્ય વધ્યું, તેમાં મહારાજને ભૂલી જવાય તો કાર્ય ખોટું થઈ ગયું. સંવત ૧૯૧૮ની સાલમાં ગંગાસર તળાવ ઉપર સભા કરી અને નકરી (એકલી) પરભાવની વાતો કરી હતી. અમારો સંઘ ઘણો મોટો હતો અને આજ કાર્ય વધી ગયું એટલે ઝાઝા સત્સંગી થયા છે. કારણનું નિશાન સાથે રાખવું. કાર્ય અને કારણમાં ઘણો ફેર છે. કારણવાળો કારણમાં જોડાય અને જેને કારણ સાથે ન હોય તેને પરચા-ચમત્કાર જોવાની ઇચ્છા રહે પણ તેમાં શું ? કામરૂ દેશના ઘણાય દેખાડે છે, માટે તે જોવાની ઇચ્છા રાખવી નહીં. મૂર્તિમાં જોડાવાની ઇચ્છા અને આગ્રહ રાખવો. કારણમાં જોડાયો હોય તેને બ્રહ્મા જેવો ડોલાવે તોપણ ડોલે નહીં. ચાલ્યો જા કહે તો ચાલ્યો જાય અને જેમ કહે તેમ કરે અને કારણ ન ઓળખ્યું હોય તો કોઈ નિશ્ચયમાંથી ડોલાવે તો ડગી જાય. આપણે જ્ઞાનપ્રલય રાખવો. અવરભાવમાં મનુષ્યભાવે હાલે, ચાલે, જમે, રમે તેમ પરભાવમાં અક્ષરધામમાં કેમ હોય ? એમ કહીને બોલ્યા જે, ધામમાં તો દર્શન કરતા કરતા કલ્પેકલ્પ વીતી જાય અને અહીં નેત્ર મીંચીએ તો કાંઈ નથી અને ઉઘાડીએ તો બધું દેખાય છે (એટલું તો માયિકભાવમાં છે) તો પરભાવમાં તો ઘણું જ્ઞાન છે. સર્વે મુક્ત સાકાર છે અને મૂર્તિમાં રસબસ રહ્યા છે ને બધુંયે જ્ઞાન છે. જેમ ભક્તને દેખવા હોય તેમ દેખાય, મહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ જવાય, ત્યાં દેહના ભાવ નથી. પ્રકૃતિનું કાર્ય મેલીને પરભાવ થાય ત્યારે અનુભવજ્ઞાન તાણી જાય, જેમ ઊંડા પાણીમાં જઈએ તો જળ તાણી જાય છે તેમ. શ્રીજીમહારાજ અને અનાદિ પધાર્યા. આદિ આ બેઠા, પણ છીએ અનાદિ જો ઓળખો તો. અમે આ સભામાં મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરીએ છીએ એવું અનુભવજ્ઞાન થાય ત્યારે સુખ આવે.
પછી અમદાવાદનું ૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં ગરુડ પણ ઊડી શક્યો નહિ એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગરુડ અટક્યો, પછી મહારાજ ઊડ્યા, કાંઈ તેના સારુ બેસી રહે ? પછી સાધુને કહે જે, મહારાજો ! એ ધણીમાં જોડાશું ત્યારે એવી સ્થિતિ થાશે. આવા સંત અને મહારાજનું ગમતું કરીએ તો અનુભવજ્ઞાન થાય અને ત્યારે મૂર્તિમાં રસબસ થવાશે. અનુભવજ્ઞાન આપનારા સત્સંગમાં બિરાજે છે ને શ્રીજીમહારાજની મૂર્તિમાં ખેંચી જાય છે તે આ બેઠા. પછી બોલ્યા જે, મોટાનું ધાર્યું કરીએ નહિ ને પોતાનું ધાર્યું કરાવીએ તો ખોટ આવે. આ સંત ને મહારાજ કોઈ બ્રહ્માંડમાં મળે એવા નથી તેનો મહિમા સમજાય નહિ ને એવાને પણ અલ્પ જીવ હોય તે ધોકા મારે ને કહે જે, આટલું ઠીક કરતા નથી પણ અમે તો અનંત જીવનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. આજ ભગવાન ને સંત મળ્યા તો હવે ઇન્દ્રિયોને છૂટી ન કરવી. તે ઘોડા છે તે ઝાલ્યા રહે એવા નથી માટે એને નિયમમાં રાખીને મૂર્તિમાં જોડાવું. મનોમયચક્ર છે તેમાં એક ડોડી છે તેને સાત પડ છે તેની માંહી જીવાત્મા રહે છે. અગ્નિના તણખા જેવો ઝીણો જીવાત્મા છે તેમાં અંતર્યામી ભગવાન રહ્યા છે. તે જ શ્રીજીમહારાજના પ્રકાશથી વિકાસ પામે છે. જીવાત્મા સંગદોષથી અવરાઈ ગયો છે પણ વસ્તુગતે ચોખ્ખો છે. તે ચોખ્ખો હતો તો ચોખ્ખો થયો. પછી બોલ્યા જે તપ, ધર્મ ને વૈરાગ્ય હોય તોપણ ભગવાન અને તેમના સંતનો વિશ્વાસ ન હોય તો કાંઈ કામ આવે નહીં. આપણને તો જોગ મળ્યો છે. બજારમાં જાય તેમાં એક તો મૂર્તિ સંભારતો જાય અને બીજો તો રૂપ જોતો જાય. આપણે તો શ્રીજીમહારાજ, આ સભા, આ સંત રાખવા; તેમાં ખોટ પડે તો જડ માયા અને ચૈતન્ય માયા પેસે, તેથી ગૃહસ્થે નિર્વાસનિક રહેવું; તો સુખિયા રહેવાય. આજ ચોખ્ખું થવાય તો મહારાજ નિવાસ કરીને રહે. વખત સારો છે; જોગ સારો છે. માયા ઓછી કરવાને બદલે વધારે કરે એટલે એક ચામડું જાય ને વળી બીજું કરે. પણ આપણે તો અક્ષરધામની સભા ઓળખીને માયાને તજી દેવી. કહેવાયા તો સારા ને હરાયા ઢોરની પેઠે ચોરીઓ-દારીઓ કરે પણ તે સત્સંગી ન કહેવાય. માટે સત્સંગીએ મોટાં પાંચ વર્તમાન અવશ્ય પાળવાં તથા લોભ તજવો જોઈએ. કારણ કે લોભીની તથા ચોરની આબરૂ જાય છે અને આપઘાત પણ કરવો પડે છે. અમને વીસનગરના સોનીએ કહ્યું કે મને ચોરી કરવાની રજા આપો, કારણ કે બીજા સોની કરે છે. તો અમે કહ્યું કે ભિક્ષા માગીને નિર્વાહ કરવો પણ ચોરી ન કરવી. એમ કહીને પછી વાત કરી જે, શીતળ શાંત જે અક્ષરધામ તેમાં મહારાજ બેઠા છે તે આપણે નજરે દેખીએ છીએ. આવા પ્રત્યક્ષ સંતની સન્મુખ મન, કર્મ, વચને થાય અને મૂર્તિનો જોગ રાખે તેનાં કામ, ક્રોધ અને લોભ ટાળી નાખીએ છીએ. ચાલોચાલ સત્સંગથી તે થાય નહીં. આવી વાત અમે એક બાવાને કરી હતી તે સાંભળીને તેણે અમારો મહિમા જાણ્યો અને કહ્યું કે તમારા દર્શનથી આજ પવિત્ર થયો. પછી વાત કરી જે એક ડોસીને એક છોકરો હતો તે છોકરો સદ્. શ્રી મહાનુભાવાનંદ સ્વામી પાસે સાધુ થયો ત્યારે તે ડોસી હાય મહાનુભાવાનંદ ! હાય મહાનુભાવાનંદ ! એમ કૂટવા મંડી. માટે સંબંધીમાં હેત હોય તો એવું થાય. તમે અમારા કહેવાઓ છો તો ખોટું કહેવરાવશો નહીં. મહારાજની મૂર્તિથી જુદા પડવું નહીં. પછી સંત સામી આંગળી કરીને કહે જે, જે અવતાર તે આ સર્વે સંત તે જ અવતાર જાણવા. મહારાજે તમારું ઐશ્વર્ય રૂંધી રાખ્યું છે. એક સંતે સંકલ્પ કર્યો તે ભેળે પ્રલય થવા મંડ્યો તેથી સામર્થ્ય રૂંધી રાખ્યું છે. અત્યારે તો એકડમલ પણ સત્સંગ કરાવે છે. તમે અવતાર છો ત્યારે આવી સેવા અને સન્માન થાય છે તે અવતાર આપણે દેખીએ છીએ. મનન દ્વારે બ્રહ્મનો સંગ કરતા કરતા સાક્ષાત્કાર થાય અને પંચભૂતનો ઘોડો ખોટો થઈ જાય, તે અક્ષરધામરૂપ થયો. પછી મૂર્તિનો સંગ કરવો એટલે મૂર્તિરૂપ થાય. જીવને આ લોકના કાર્યમાં તાન છે તેવું કારણમાં થાતું નથી.
પછી બીજે દિવસે બાપાશ્રી આદિ સૌ સરસપુર પધાર્યા. ત્યાં આસપાસનાં ઘણાંક ગામોના હરિભક્તોને દર્શન-સમાગમ તથા કથા-વાર્તાથી અલૌકિક આનંદ પમાડી શ્રી હરિજીની દિવ્ય મૂર્તિના સુખભોક્તા કરી મૂર્તિમાં રસબસ કરતા. એટલું જ નહિ પણ ગામ-પરગામથી, દૂર દેશાંતરથી ઘણાક હરિભક્તો તે સુખ લેવા આવતા અને પોતાનાં ગામોમાં બાપાશ્રીને પધારવા વિનંતી કરતા અને પ્રાર્થના કરતા જે અમને તો આપે સુખ આપી ન્યાલ કર્યા, પરંતુ જે દર્શને ન આવી શકે તેવાં બાળક અને વૃદ્ધોને પણ સુખી કરવા અમારા ગામે પધારો તો તેઓ પણ સુખ પામે અને વળી દર્શન કરીને રસ્તામાં આવતાં વૃક્ષ, વેલી, ઝાડ, પહાડ, નદી, સરોવર, પશુ, પક્ષી સર્વે મોક્ષના અધિકારી થાય. આવી રીતે પ્રેમી હરિભક્તોની ગદ્ગદ કંઠે કરેલી પ્રાર્થનાને વશ થઈ પોતે ગુજરાત, નળકાંઠો, ભાલ, ચરોતર, કાઠિયાવાડ, ઝાલાવાડ, હાલાર, કડી પ્રાંત વગેરેનાં ઘણાં ગામોમાં પધારી કોઈ સ્થળે કલાક, બે કલાક, ચાર કલાક યા કોઈ સ્થળે દિવસ, બે દિવસ, ચાર દિવસ રહી કોઈને દર્શન, સ્પર્શ, સેવા, સમાગમનું સુખ આપી સર્વ હરિભક્તોને માયાનાં બંધન થકી છોડાવી મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિમાં સંલગ્ન કરાવી મૂર્તિમાં રસબસ કરતા, તેમજ ઘણાને મૂર્તિમાં રાખવાનાં વરદાન પણ આપતા તેમજ કેટલાક પ્રેતયોનિને પ્રાપ્ત થયેલા જીવોને પણ બદરિકાશ્રમ તથા અક્ષરધામમાં મોકલીને તેવા હરિભક્તોનું સંકટ નિવારણ કરતા. આવી રીતે ઘણાં ગામોના હરિભક્તોને આનંદ પમાડી પોતે કચ્છમાં પધાર્યા. ।। ૨૫૧ ।।
।। શ્રી સ્વામિનારાયણો જયતિ ।।
શ્રી અબજીબાપાશ્રીની વાતો
(ભાગ-૨)
વાર્તા ૧
સંવત ૧૯૮૨ના આસો માસમાં બાપાશ્રીએ વૃષપુરમાં અનંત જીવોને દર્શન દેવાનો સંકલ્પ કરીને મંદવાડ ગ્રહણ કર્યો હતો. તે મંદવાડનો કાગળ આવવાથી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ અમદાવાદના તથા મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી, આદિ ઘણાક સંતો તથા શેઠ બળદેવભાઈ, ડૉ. મણિલાલભાઈ, નાગરદાસભાઈ તથા માસ્તર કેશવલાલભાઈ, આશાભાઈ, શંકરભાઈ, બાલુભાઈ, જેઠાભાઈ, બહેચરભાઈ વગેરે અમદાવાદ દેશના તથા ઝાલાવાડ, પાટડી, સુરત, કરાંચી આદિ દેશ-દેશાંતરના હરિજનો દર્શને ગયા. એ સર્વે બાપાશ્રીનાં દર્શન કરી સેવામાં રોકાયા. પુરાણી કેશવપ્રિયદાસજી, શ્રીરંગદાસજી તથા મોતીભાઈ તો પ્રથમથી જ સેવામાં હાજર હતા. તે વખતે બાપાશ્રીએ ચોકમાં ચંદની બંધાવેલી, ત્યાં કથા-વાર્તા થતી હતી. જ્યારે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિક સંતો-હરિભક્તો આવ્યા ત્યારે બાપાશ્રીને શરીરે મંદવાડ ઘણો હતો તે જોઈ સૌ ઉદાસ થઈ ગયા. ત્યારે બાપાશ્રીએ હિંમત આપીને કહ્યું કે મંદવાડ જતો રહેશે. તમે કોઈ મૂંઝાશો નહીં. એમ કહી શરીરે સુવાણ બતાવી.
આસો વદ ૪ ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, આ મંદવાડ કાઢી મૂકવા દયા કરો. ત્યારે પોતે દયા કરીને બોલ્યા જે, આ અમારો મંદવાડ છે તે સર્વેને દર્શન દેવા નિમિત્તનો છે. અમે મંદવાડ ગ્રહણ કર્યો તેથી જેમ સમુદ્રમાં નદીઓ હડેડાટ આવે છે તેમ તમે સર્વે હડેડાટ આવીને ભેગા થઈ ગયા. કોઈને તેમાં સંશય થાય નહિ જે આ વારેવારે કેમ આવે છે ? એટલા સારુ આ મંદવાડ નિમિત્તરૂપ છે. ભૂજના સંતો બધા આવી ગયા અને જે ન આવી શક્યા હોય તેને પણ એમ થાય જે આપણે રહી ગયા એમ જાણીને સર્વે દર્શને આવે છે અને છેલ્લી વારે ઓહલો પણ આવી ગયો. આ રીતે હેતરુચિવાળા સર્વેને દર્શન દેવા આ મંદવાડ છે.
બીજે દિવસે સવારમાં વૃષપુરના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ત્રણે અવસ્થામાં મૂર્તિ અખંડ રાખવી, રસના આદિકમાં લેવાવું નહિ; એ તો બીજો જન્મ ધરાવે તેવું પાપ છે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા ! બધાને ખેંચી ખેંચીને મૂર્તિમાં લઈ લેજો.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શું મૂંડાવાને આવ્યા છીએ ? એ જ કરવા આવ્યા છીએ. પણ જીવ મહારાજને તથા અમને ઓળખતા નથી તેથી સાધનનો ભાર રહે છે. ઓળખ્યા વિના શું થાય ? ઓળખાય તો બધુંય થાય. આ બહેચરભાઈના બાપ શંકરભાઈ અમને ઓળખતા નહોતા તે વખતે બહેચરભાઈ અહીં આવતા તેમને તે ઘણું લડતા અને અમને ઓળખ્યા તો હવે પોતે પણ આવે છે. પછી શંકરભાઈ બોલ્યા જે, બાપા ! મને આગબોટમાં બીક લાગતી હતી જે, આ બહુ ડોલે છે તે ડૂબી જશે કે શું ? એવો સંકલ્પ થયો ત્યાં તો આપ આંગડી પહેરેલી, માથે પાઘ ધારણ કરેલી, કેડ બાંધેલી અને હાથમાં લાકડી, એવા આગબોટમાં ફરતા દેખાયા ને બોલ્યા જે, ડોસા ! બીશો નહીં. આગબોટ ડૂબવા નહિ દઈએ. અમે તમારા ભેળા છીએ, એમ કહી અદૃશ્ય થઈ ગયા. તેથી મને બીક મટી ગઈ. તમે આગબોટમાં એવાં દર્શન આપ્યાં હતાં ને અહીં તો આમ સૂતા છો. પછી શંકરભાઈનો હાથ ઝાલીને બાપાશ્રી બોલ્યા જે, આ મંદવાડ દેખાવામાત્ર છે, અમે તો અનંત જીવનો મંદવાડ મટાડવા આવ્યા છીએ. પછી શંકરભાઈ બોલ્યા જે, બાપા ! હાથ ઝાલ્યો છે તે મૂકશો નહિ હોં ! ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સારું ડોસા ! નહિ મૂકીએ. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને સૂતાં સૂતાં બાઝી પડ્યા ને બોલ્યા જે, મારી સંભાળ લીધી, સંભાળ લીધી, એમ બોલતાં અતિ હેત જણાવ્યું. પછી બોલ્યા જે, અમારો આરો કરજો એટલે આ ને આ ફેરે મહારાજના સ્વરૂપનું જ્ઞાન સમજી લેજો. ત્યારે સ્વામી બોલ્યા જે, તમારો આરો તો બધાય મૂર્તિમાં આવી રહે ત્યારે જ થાય ને ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, હા, એ જ. સર્વે મૂર્તિમાં આવે તો અમારો આરો આવે. આજ તો અમે ખંપાળી નાખવા આવ્યા છીએ. લાંપડામાં ઝાકળ આવે અને ખંપાળી નાખીએ તોપણ રહી જાય તેનું શું કરવું ! ભટુમાં (ડુંગર) ને કાંટામાં રખડીએ છીએ પણ જીવને સુખિયા કરવા આવ્યા છીએ એમ જાણતા હોય તે જાણે. આ લોકમાં કાંઈ કામ નહિ આવે, ઓચિંતાનું ચાલવું પડશે. સ્વામિનારાયણ પોતે લેવા આવ્યા હોય તેનો પણ વિશ્વાસ આવે નહિ તેનું શું કરવું ? શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા મહા અનાદિને પણ તે દિવસ માનતા નહિ, આજ હવે હાથ ઘસે છે તથા સંભારે છે. સદ્. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિક રમણ મહારાજના છે તે મહારાજની મૂર્તિમાં જોડે છે. અમારે પણ મહારાજની મૂર્તિમાં જોડવા એ જ કામ છે, બીજું નથી. પણ ઓળખાય છે ? ત્રણ મહિનાથી માંદા છીએ, દેહમાં કાંઈ રહ્યું નથી, તોપણ આ બાવા ખપે (જોઈએ) છે. આ ગામ પધારો, આ ગામ પધારો, એમ સૌ આગ્રહ કરે છે એથી આવા માંદા છીએ તોપણ બધે જીવોના કલ્યાણ અર્થે રખડીએ છીએ. માટે હરિભક્તો ! સમજજો. અમે કોઈ દિવસ ગળ્યું, ચીકણું, ખાંડ, ગૉળ, આદિ કાંઈ જમ્યા નથી. અમે તો આનંદઘન અને સુખરૂપ છીએ, એમ કહીને બોલ્યા જે, જેને ત્રણે અવસ્થામાં શ્રીજીમહારાજની મૂર્તિને વિષે નિષ્ઠા નથી આવતી તેને ઘણી ખોટ આવે છે ને તે મોટી ભૂલ છે. ।। ૧ ।।
વાર્તા ૨
આસો વદ ૬ને રોજ શ્રી વૃષપુરના મંદિરમાં બાપાશ્રીની પાસે સર્વે સંત હરિજનો બેઠા હતા. તે વખતે વઢવાણવાળા ડૉ. મણિલાલભાઈને સંકલ્પ થયો જે, બાપાશ્રી પ્રશ્ન-ઉત્તર કરે તો સારું. તે દિવસે સાંજ વખતે સભામાં ચોકમાં ચંદની તળે કારિયાણીનું ૧૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં ગોપીઓના પ્રેમની વાત આવી, ત્યારે બાપાશ્રી તેમનો સંકલ્પ સત્ય કરવા દયા કરીને બોલ્યા જે, સંતો ! ગોપીઓ કોણ ? મથુરા ને ગોકુળ કયે ઠેકાણે આવ્યું ? તે કહો. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામ. મૂર્તિ ત્યાં ગોકુળ અને ગોપીઓ છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, હા, બરાબર. જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં ગોકુળ ને મથુરા છે અને જે શ્રીકૃષ્ણ તે શ્રીજીમહારાજ પોતે છે. પણ જે શ્રીકૃષ્ણ પરોક્ષ થઈ ગયા એ નહીં. એ ઉપર પ્રેમાનંદ સ્વામીના કીર્તનની ટૂંક બોલ્યા જે, “ગિરધર નાય અને ગોપીઓ ગાય, જોઈ પ્રેમાનંદ વારી જાય.” તે પ્રેમાનંદ સ્વામી એ ગોપીઓને ક્યાં જોવા ગયા હતા ? એમણે તો આ સંતોને ગોપીઓ કહેલ છે. તેમને એ જોતા હતા. માટે આ સંત તે ગોપીઓ અને જ્યાં મહારાજ ત્યાં ગોકુળ, મથુરા - આ મર્મ સમજવો એ જબરી ઘાંટી છે. એ ઘાંટી ઉલ્લંઘાય તો બધુંય સમજ્યા. આમ ન સમજાય તો રખડવું પડે. એમ કહીને પાટડીના નાગજીભાઈ સામે હાથ કરીને બોલ્યા જે, કેમ નાગજીભાઈ ! ખરું કે નહીં ? ત્યારે નાગજીભાઈ બોલ્યા જે, હા બાપા ! બરાબર છે. એવી રીતે બાપાશ્રીએ કૃપા કરીને મણિલાલભાઈનો સંકલ્પ સત્ય કર્યો. ।। ૨ ।।
વાર્તા ૩
આસો વદ ૭ ને રોજ સવારે વૃષપુરના મંદિરમાં વચનામૃતની કથા વંચાતી હતી. ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, મહારાજ અમને ઠેલી ઠેલીને પોતાનો મહિમા કહેવા સારુ મૂકે છે, તેથી મહારાજનો મહિમા જેવો છે તેવો કહીએ છીએ પણ એ મહિમાની વાતો કેટલાક સમજી શકતા નથી. તેથી સંશય કરે છે જે, તમે આમ કેમ કહો છો ? તેઓ મહારાજનો મહિમા, ઐશ્વર્ય, પ્રતાપ જેવો છે તેવો જાણી શકતા નથી તેથી એમ બોલે છે. આગળ પણ જેને સંશય થતા તે માનતા નહીં.
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, બાપા ! શ્રીજીમહારાજ સાથે આવેલા મુક્તો તો મહાપ્રતાપી હતા. તે તો જેવા શ્રીજીમહારાજ સર્વોપરી છે તેવા જ વર્ણન કરતા. એવા મોટાના જોગવાળા સર્વોપરી મહિમા કહેવામાં અટકે નહિ તોય જીવને સંશય કેમ રહેતો હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ વખતે પણ બધાયને મહિમા એકસરખો ન કહેવાય. શ્રીજીમહારાજ પોતાની સાથે જે મુક્તોને લાવે છે તે તો એ મૂર્તિના સુખભોક્તા હોય તેથી તેમનું કાંઈ પણ અજાણ્યું હોય નહીં. પણ કેટલાક બીજા ધામમાંથી આવેલ હોય તે જેવો છે તેવો મહિમા જાણવામાં અટકે ખરા. જ્યારે મહારાજ મનુષ્યચરિત્ર કરતા હોય, પોતાના પ્રતાપને ઢાંકીને વર્તતા હોય ત્યારે તેમની રીત જુદી જ દેખાય. તે જુઓને ! ‘સત્સંગિજીવન’ ગ્રંથ લખાતો હતો ત્યારે સાત દિવસ સુધી સદ્. નિત્યાનંદ સ્વામીએ સૌથી જુદા પડી મહારાજને જેવા છે તેવા લખાવવા તે ગ્રંથ અટકાવ્યો હતો. તે સમયે મહારાજે સદ્. નિત્યાનંદ સ્વામીની ખૂબ પરીક્ષા લીધી, પણ સ્વામી લેશમાત્ર ડગ્યા નહીં.
પછી સ્વામી ઈશ્વચરણદાસજીએ પૂછ્યું જે, બાપા ! ‘સત્સંગિજીવન’ ગ્રંથ લખાતો હતો ત્યારે સદ્. નિત્યાનંદ સ્વામીની કેવી રીતે પરીક્ષા લીધી હતી ? તે વિસ્તારથી સમજાવવા કૃપા કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજે ‘સત્સંગિજીવન’ ગ્રંથ કરવા માંડ્યો. ત્યારે મોટા મોટા સંતોને પૂછ્યું જે, આ ગ્રંથમાં અમને કેવા લખવા ? ત્યારે કેટલાક સંત કહે કે, આપની જેમ ઇચ્છા હોય તે પ્રમાણે લખો. કેટલાક સંત એમ બોલ્યા જે, મહારાજ ! શાસ્ત્ર પ્રમાણે લખાય તો ઘણા જીવને સમાસ થાય. કેટલાક સંતોએ કહ્યું કે, મહારાજ ! આપ જેવા છો તેવા જ લખાવો ને ! એવી રીતે જેને જેમ ઠીક લાગ્યું તેમ સર્વે બોલ્યા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, તમારો અભિપ્રાય અમે જાણ્યો; હવે અમને ઠીક પડશે તેમ કરીશું. થોડી વાર પછી નિત્યાનંદ સ્વામી મહારાજ પાસે ગયા ને કહ્યું જે, મહારાજ ! આવું શું ચરિત્ર આદર્યું છે ? મારે સભામાં આપને કહેવું હતું પણ આપ એમ બોલ્યા જે અમને ઠીક પડશે એમ કરીશું. તે તમને કેવી રીતે ઠીક પડે છે ? ત્યારે મહારાજ કહે કે, અમે શ્રીકૃષ્ણ છીએ એમ લખવા ધાર્યું છે. ત્યારે સ્વામી કહે, મારે એટલું જ જાણવું હતું તેથી બોલ્યો ન હતો. જ્યારે બીજા મોટેરા સંતો સદ્. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા આ વાત જાણશે ત્યારે એ તો હા નહિ જ પાડે; કદાચ એ હા પાડે તોપણ હું તો હા પાડવાનો નથી. ત્યારે મહારાજ કહે કે, અમે કેવી રીતે લખીએ તો તમે હા પાડો ? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, મહારાજ ! તમે સર્વોપરી, સર્વ કારણ, સર્વ અવતારના અવતારી, સર્વના નિયંતા, અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ મહારાજાધિરાજ એવા લખો તો હું હા પાડું. ત્યારે મહારાજ કહે, તમે તમારે આસને જાઓ; અમે જેમ ધાર્યું હશે તેમ કરીશું. તેમના ગયા પછી મહારાજે સદ્. ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી એ બંનેને પોતાની પાસે બોલાવીને આ વાત કરી. તે વખતે સદ્. ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, મહારાજ ! આપ અક્ષરધામમાંથી જે સંકલ્પ કરી પધાર્યા છો તેવું જ ગ્રંથમાં લખાય તો ઘણા જીવને સમાસ થાય. બીજા અવતાર જેવા લખવાથી આપનો મહિમા જેવો છે તેવો કોણ જાણી શકે ? માટે કૃપા કરી જેમ નિત્યાનંદ સ્વામી કહે છે તેમ લખાય તો આપ જેવા સર્વોપરી છો તેવા એ ગ્રંથમાંથી મુમુક્ષુ જીવો સમજીને સુખિયા થાય. જો આપનું પ્રગટપણું, સર્વોપરીપણું, સર્વાવતારીપણું, નિયંતાપણું, કર્તાપણું, કારણપણું આવા ગ્રંથમાં ન લખાય તો આપની ચોખ્ખી ઉપાસના કેમ સમજાય ? તે વખતે સદ્. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, મહારાજ ! રાજાને ચાકરની ઉપમા ઘટે ? ચંદ્રમાને શું તારાની ઉપમા શોભે ? ત્યારે મહારાજ કહે, રાખો ! તમારા બંનેનો અભિપ્રાય અમે જાણી લીધો. હવે અમારી મરજી હશે તેમ કરીશું.
બીજે દિવસે મહારાજે સભામાં સર્વે સંતોને બોલાવ્યા અને કહ્યું જે, ‘સત્સંગિજીવન’ ગ્રંથમાં અમને ‘શ્રીકૃષ્ણ’ જેવા લખવાની અમારી ઇચ્છા છે. તે વખતે સદ્. નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ ! આપને અવતાર જેવા લખવાની આ સભામાં કોઈ પણ હા નહિ પાડે. ત્યારે મહારાજ કહે, સભાની વાત પછી. તમે હા પાડો છો કે ના પાડો છો ? ત્યારે સદ્. નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ ! એ વાત નહિ બને. કેમ કે ચક્રવર્તી રાજાને ખંડિયા રાજાની ઉપમા લખવી શું યોગ્ય છે ? જો એમ જ લખાય તો આપનો સર્વોપરી મહિમા જીવ કેવી રીતે સમજી શકે ? માટે હું તો બીજા અવતાર જેવા તમને લખવાની ના પાડું છું. પછી મહારાજે સર્વે સંતોને કહ્યું જે, જુઓ ! આ નિત્યાનંદ સ્વામી અમારું માનતા નથી ને સામા પડે છે. માટે તમો અમારા પક્ષમાં રહો તો આ ગ્રંથ કરીએ. તે વખતે કેટલાક સંત એમ બોલ્યા જે, મહારાજ ! અમે કાંઈ નિત્યાનંદ સ્વામી સારુ મૂંડાવ્યું નથી. અમે તો તમારા જ પક્ષમાં છીએ અને રહીશું. તમે જેમ લખો એમ અમે રાજી છીએ. ત્યારે મહારાજ કહે કે, તો તો ઠીક.
પછી સંતોને મહારાજે આસને આસને ફરી પૂછ્યું જે, આ નિત્યાનંદ સ્વામી અમારા સામા પડ્યા છે, તે તમે અમારા પક્ષમાં રહેશો કે તેમનો પક્ષ રાખશો ? તે વખતે પણ સંતોએ કહ્યું જે, મહારાજ ! તમારા પક્ષમાં કેમ ન રહીએ ? અમે તો તમારા આજ્ઞાધીન છીએ, તમારા વચનમાં અને તમારા રાજીપામાં જ અમે કલ્યાણ માન્યું છે. પછી મહારાજ આસને પધાર્યા. વળી અર્ધી રાત્રિએ ડુંગરજી પાર્ષદને મોકલી સદ્. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ બંનેને મહારાજે પોતાની પાસે બોલાવીને સદ્. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ નિત્યાનંદ સ્વામી સામા પડ્યા છે તેનું કેમ કરવું ? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, મહારાજ ! જેમ આપની મરજી હોય તેમ કરો. તે વખતે સદ્. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, સ્વામી ! નિત્યાનંદ સ્વામી કહે છે એમ કરવાનું કહો ને ! ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામી કહે કે, મારાથી એમ ન કહેવાય, તમે કહો. ત્યારે સદ્. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ મને પૂછે તો હું એમ જ કહું ત્યાં તો મહારાજ બોલ્યા કે તમને કોણ પૂછે છે તે તમે બોલ્યા ? તમને તો અમારે એટલું જ પૂછવાનું કે, તમે અમારા પક્ષમાં રહેશો કે નહિ રહો ? એ કહો. ત્યારે સદ્. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, મહારાજ ! નિત્યાનંદ સ્વામીનું કહેવું સાચું છે. તેથી મારો આત્મા તો નિત્યાનંદ સ્વામીના પક્ષમાં જ છે અને દેહ તો આપના પક્ષમાં રાખવો જ પડશે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારે દેહનું જ કામ છે. આત્મા ભલે નિત્યાનંદ સ્વામીના પક્ષમાં રાખો. પછી બંને સદ્ગુરુઓને રજા આપી તેથી તે આસને ગયા.
સવારે નિત્યવિધિ કરીને વળી એ જ વાત લીધી કે, સભા કરો ને સૌ સંતોને બોલાવો, અમારે નક્કી કરવું છે. એમ આજ્ઞા થવાથી સભા મોટી થઈ. સૌ સંતો શ્રીજીમહારાજના મુખકમળ સામું જોઈ રહ્યા હતા. તે વખતે મહારાજ બોલ્યા જે, અમારા વચનમાં તત્પર હો અને અમારા પક્ષમાં રહેવા રાજી હો એટલા સંતો અમારી પાસે બેસો અને આ નિત્યાનંદ સ્વામીના પક્ષમાં જેને રહેવું હોય તે તેમના ભેળા બેસે. કોઈ અમારી મહોબતમાં તણાશો નહીં. પછી સૌ સંતો મહારાજ પાસે બેઠા. સદ્. નિત્યાનંદ સ્વામી તો એકલા જુદા બેસી રહ્યા. તે વખતે મહારાજે એમ કહ્યું જે, જુઓ ! તમારું હવે શું ચાલવાનું છે ? તમે હવે એકલા થઈ રહ્યા. માટે અમારું માનો અને જેમ લખીએ તેમ હા પાડો. ત્યારે સદ્. નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ ! ભલે હું એકલો રહું. મને તમે ગમે તેમ કરો પણ હું આપને જેવા છો તેવા જ લખવાની હા પાડીશ. મારે તમારું વચન લોપવું નથી. પણ તમારી મોટપ તથા સામર્થ્ય જાણવા છતાં બીજા અવતાર જેવા લખવાનું કહો તે કેમ માન્યામાં આવે ? પછી મહારાજે કહ્યું કે, તમે બધા સંત કરતાં શું મોટા થઈ ગયા ? જુઓ ! આ બધાય અમારું વચન માને છે ને તમે નથી માનતા, તે એમાંથી ઠીક નહિ થાય. ત્યારે સ્વામી કહે, મહારાજ, હું પણ આપના વચનમાં જ છું. કદાચ આપની મોટપ કહેતાં દુઃખ આવશે તો સહન કરીશ. પણ બીજા અવતાર જેવું આપનું વર્ણન લખવા નહિ દઉં. ત્યારે મહારાજ કહે, તમે માનતા નથી પણ આગળ ખબર પડશે.
બીજે દિવસે દીનાનાથ ભટ્ટ પાસે મહારાજે ગ્રંથ લખાવવા માંડ્યો તે વાત સદ્. નિત્યાનંદ સ્વામીના જાણવામાં આવી. તેથી ભટ્ટ પાસે જઈને લખેલાં પાનાં જોવા માગ્યાં અને વાંચીને તરત ફાડી નાખ્યાં. પછી કહ્યું જે મારી આજ્ઞા વિના જો તમે લખશો તો હું તમને કાઢી મૂકીશ ને મહીસાગર ઓળંગીને આ બાજુએ આવવા નહિ દઉં. ત્યારે ભટ્ટજી કહે, સ્વામી ! આમાં મારો શો વાંક ? મહારાજ શાસ્ત્ર પ્રમાણે બરાબર લખાવે છે. તમે મારી મહેનત વ્યર્થ કરી તેથી મહારાજ મને ઠપકો આપશે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, તમે મહારાજને કહેજો કે, નિત્યાનંદ સ્વામી આ રીતે લખવાની ના પાડે છે. પછી ભટ્ટજીએ શ્રીજીમહારાજ પાસે જઈને આ સર્વ વાત કહી અને કહ્યું જે, એમની મરજી વિના હું હવે લખી શકીશ નહીં. પછી શ્રીજીમહારાજે શુકાનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે, તમે નિત્યાનંદ સ્વામી પાસે જઈને એમ કહો કે, શ્રીજીમહારાજે એમ કહ્યું છે કે અમે ગ્રંથ કરીએ છીએ તેમાં તમે આડા કેમ આવો છો ? ને એ ગ્રંથનાં લખેલાં પાનાં કેમ ફાડી નાખ્યાં ? ભટ્ટજીને લખવાની ના કેમ પાડી ? તમે કાંઈ સત્સંગના ધણી નથી. સત્સંગના ધણી તો અમે છીએ તેથી અમને ગોઠે તેમ કરીએ. અમે જે કરતા હોઈએ તેમાં તમારે સામા ન પડવું. સામા પડશો તો એમાંથી ઠીક નહિ થાય. પછી સદ્. શુકાનંદ સ્વામીએ સદ્. નિત્યાનંદ સ્વામી પાસે જઈ એવી જ રીતે કહ્યું. ત્યારે સદ્. નિત્યાનંદ સ્વામીએ તેમનું અપમાન કરીને કહ્યું કે, તમે આવો સંદેશો લઈને શું આવ્યા ? જાઓ મહારાજને કહેજો કે હું ધણી છું હું. તમે જાણતા નહિ કે હું મહારાજને ભૂલીને બોલું છું. મહારાજ તો મારા પ્રાણ સમાન છે, પણ આવા સમાચાર લાવ્યા તેથી તમને કહેવું પડે છે. તમે મહારાજની ભુજારૂપ કહેવાઓ છો. તમે પાસે રહીને મહારાજના કેટલાય પ્રતાપ જોયા છે, તોય મહારાજને અવતાર જેવા લખવા તે શું તમને ઠીક લાગે છે ? તમે મહારાજને કહેજો કે, દયા કરીને ભટ્ટને જેવા છે તેવા લખવાની આજ્ઞા કરો. જો મને એ સેવા આપો તો હું તો તૈયાર જ છું એમ કહેજો. અને જો એમ નહિ થાય તો હું તમને કહું છું કે ભટ્ટને આવી રીતે તો ગ્રંથ લખવા નહિ દઉં. પછી સદ્. શુકાનંદ સ્વામીએ શ્રીજીમહારાજ પાસે આ સર્વે વાત કહી. આવી રીતે સાત દિવસ સુધી મહારાજે સ્વામીશ્રીને સમજાવવાના ઘણા ઉપાય કર્યા, પણ સ્વામીશ્રી તો લેશમાત્ર ડગ્યા નહીં. પછી શ્રીજીમહારાજે ભગુજી આદિક પાર્ષદોને આજ્ઞા કરી કે અમારે આ નિત્યાનંદ સ્વામીનું સત્સંગમાં કામ નથી, કારણ કે તે અમારા કામમાં આડા આવે છે. અમારું વચન માનતા નથી તેથી તમો તેમને મારે વચને કરી એવા વિકટ વનમાં મૂકી આવો કે ફરીથી તે પાછા આવી શકે નહીં. આજ્ઞા થતાં ભગુજી, ડુંગરજી આદિક પાર્ષદોએ સ્વામીશ્રી પાસે આવીને કહ્યું કે સ્વામી ! ઊઠો ! તમને વનમાં મૂકી આવવાની મહારાજની આજ્ઞા થઈ છે. તે વખતે લોયાના સુરાખાચર સભામાં બેઠા હતા. તે ઊભા થઈ મહારાજને કહેવા લાગ્યા જે, મહારાજ ! આ પાર્ષદ અજાણ્યા છે તે ક્યાં મૂકી આવશે ? આ કામ પાર્ષદોથી ન થાય. હું મારી સાથે દસ પસાયતા લાવ્યો છું. તે સહુની પાસે ઘોડાઓ છે ને તે આવા કામમાં કસર નહિ રાખે. જો આપની આજ્ઞા હોય તો અહીં મોકલું તે હાલ ને હાલ ઘોડે બેસાડીને લઈ જાય. ત્યારે મહારાજે રાજી થઈને કહ્યું કે ભલે, એમને અહીં ઝટ મોકલો. પછી સુરાખાચરે પોતાના ઉતારે જઈને તે પસાયતાને આ વાત સમજાવીને કહ્યું જે, શ્રીજીમહારાજ સદ્. નિત્યાનંદ સ્વામીને દેશવટો દેવાના છે. એ કામ તમારા પાસે કરાવવાનું છે. તો તમે આ ઓરડીમાં પાણીનો ઘડો મૂકી કૂંચી તમારી પાસે રાખીને મહારાજ પાસે જઈને કહો જે, મહારાજ ! અમને કેમ બોલાવ્યા છે ? ત્યારે મહારાજ તમને એમ કહેશે જે, આ નિત્યાનંદ સ્વામી ફરી પાછા ન આવે એવા વન-પર્વતમાં કે ઘાટી ઝાડીમાં મૂકી આવો. ત્યારે તમે એમ કહેજો કે, અમે આપનું આ કામ કરીએ તે બદલ અમને મોજ શું આપશો ? ત્યારે મહારાજ તમારા ઉપર રાજી થઈ મોક્ષ કરવાનું વરદાન આપશે. પછી તમે સદ્. નિત્યાનંદ સ્વામીને ઘોડા પર બેસારી દસ-બાર ગાઉ ફેરવી વિસામો કરાવી, આ ટીમણ હું તમને આપું છું તે જમાડજો અને જ્યારે ગામ બધુંય જંપી જાય ત્યારે આ ઓરડીમાં લાવીને સુવાડજો. પછી રાત્રિએ મહારાજ પાસે જઈ મહારાજને જગાડી કહેજો કે, મહારાજ ! અમે તમારા કીધા પ્રમાણે કરી આવ્યા. આવી રીતે શિખવાડીને સુરાખાચરે તે પસાયતાઓને મહારાજ પાસે મોકલ્યા. તે દસે પસાયતાઓ આવી મહારાજને પગે લાગી બોલ્યા કે, મહારાજ ! અમને સુરાખાચરે આપની પાસે મોકલ્યા છે તે અમારું શું કામ છે ? ત્યારે શ્રીજીમહારાજે છેલ્લીવારે સભામાં સર્વને સાંભળતાં સદ્. નિત્યાનંદ સ્વામીને કહ્યું કે, સ્વામી ! હવે તમારે માટે જ આ બધા તૈયાર ઊભા છે, માટે માનો તો ભલે, નહિ તો થાઓ તૈયાર. ત્યારે સ્વામીશ્રી કહે, મહારાજ ! તમે મને વિકટ વનમાં મૂકો કે ઉજ્જડ અરણ્યમાં મૂકો કે પર્વતની ટોચે પહોંચાડો, પણ હું તો તમને સર્વોપરી જેવા છો તેવા લખાવવાનો જ. હવે જેમ આપની મરજી હોય તેમ કરો. ત્યારે મહારાજે પસાયતાઓને આજ્ઞા કરી કે, આ સાધુ કોઈનું માને તેમ નથી માટે તમો તેમને એવે ઠેકાણે મૂકી આવો કે ફરીને તે પાછા આવે નહીં. ત્યારે તે પસાયતાઓ કહે, ભલે મહારાજ ! એ કામ અમારું; તેમાં કાંઈ કહેવું પડશે નહીં. પણ અમને મોજ શું આપશો ? ત્યારે મહારાજ કહે કે આ અમારા મોટા સંત મુક્તાનંદ સ્વામીની હારે તમારું કલ્યાણ કરીશું. તેથી પસાયતા રાજી થયા. પછી સ્વામીને કહે જે, ઊઠો ! ઘોડા પર બેસો, જો નહિ ઊઠો તો બાવડાં ઝાલીને ઉઠાડવા પડશે, માટે ઝટ ઊઠો. આવાં તે પસાયતાનાં વચન સાંભળી સૌ સંતો તેમજ પાર્ષદો સભામાં બેઠા હતા તે દિલગીર થઈ ગયા ને વિચારવા લાગ્યા જે, આવા સર્વોપરી નિશ્ચયવાળા વિદ્વાન સદ્ગુરુને મહારાજ રજા આપે છે તે ઠીક થતું નથી. પણ શું કરવું ? આપણાથી તો મહારાજને શું કહેવાય ? એમ વિચાર કરે છે ત્યાં તો સ્વામીશ્રીને પસાયતાઓએ ઘોડા પર બેસાર્યા તે મહારાજ તથા બીજા સંતો-પાર્ષદો જોઈ રહ્યા. પછી પસાયતાઓ સુરાખાચરે જે પ્રકારે શીખવ્યું હતું તે પ્રમાણે ઘોડા આઠ-દસ ગાઉ ફેરવી રાત્રે ઓરડીએ લઈ આવ્યા. પછી મહારાજ પાસે ઉતાવળા ઉતાવળા આવીને કહ્યું જે, મહારાજ ! નિત્યાનંદ સ્વામીને બહુ જ છેટે વનમાં મૂકી આવ્યા, ત્યાં એવી ઝાડી ને ડુંગરા છે કે કોઈ માણસનો પત્તો જ ન લાગે. એ સાંભળી શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થઈ બોલ્યા જે, તમે બહુ સારું કર્યું. જાઓ ! તમારું મુક્તાનંદ સ્વામીની હારે કલ્યાણ ! એવું વચન સાંભળી પસાયતાઓ રાજી થઈને પોતાને ઉતારે ગયા.
બીજે દિવસે જ્યારે સભા થઈ ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! આજ આ સભા શોભતી નથી કેમ જે, સભાનું ભૂષણ હતું તે ગયું. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ત્યાગીને વળી ભૂષણ શું હોય ? ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, મહારાજ ! નિત્યાનંદ સ્વામી આ સભાનું ઘરેણું હતું. એવા સાધુ અનંતકોટિ બ્રહ્માંડમાં ગોત્યા જડે નહિ, એવા સદ્ગુરુને વગર વાંકે કાઢી મૂક્યા તે ઠીક તો ન થયું. ત્યારે મહારાજ બોલ્યા જે, સ્વામી ! એ અમારી ભૂલ થઈ ખરી. અમે તમને લોજમાં ગુરુ કર્યા હતા તે ગુરુપણું આજ તમે સાર્થક કર્યું અને અમારી ભૂલ ઓળખાવી. પણ જ્યારે અમે તમને બોલાવીને પૂછ્યું હતું ત્યારે તમે કહ્યું હોત તો આમ થાત નહીં. ત્યારે સ્વામીશ્રી કહે કે, મહારાજ ! મને પણ આવી ખબર નહિ કે આપ આવી લીલા કરશો. બ્રહ્માનંદ સ્વામીને તો કહેવાની મરજી હતી પણ આપે ના પાડેલી તેથી તે પણ બોલ્યા નહોતા. ત્યારે મહારાજે કહ્યું કે, એમ થયું ખરું. અમને ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું પણ તે વખતે અમે તેમને પણ એમ કહેલું જે, અમને ઠીક પડશે તેમ કરીશું. નિત્યાનંદ સ્વામી હવે ક્યાંથી આવે ? અને કોણ લાવે ? અમે તો એ સ્વામીનાં દર્શન કર્યા વિના થાળ જમીશું નહીં. એમ કહી મહારાજ પાર્ષદો પ્રત્યે બોલ્યા કે, નિત્યાનંદ સ્વામીને ગમે ત્યાંથી ખોળી લાવો; તેનાં દર્શન વિના અમારાથી જમાશે નહીં. ત્યારે સુરાખાચર કહે, મહારાજ ! એ પાર્ષદો ક્યાંથી ખોળી લાવશે ? એ તો જે મૂકી આવ્યા હોય તે જ જાય તો ખબર પડે. એમ કહી પસાયતાને બોલાવ્યા. તેને મહારાજે આ વાત કરી ત્યારે તેઓ કહે જે, મહારાજ ! હવે એ સ્વામી ક્યાંથી જડે ? એ તો ક્યાંઈ જતા રહ્યા હશે. કાં તો કોઈ જનાવરે ઠેકાણે પાડી દીધા હશે. ભગવાને એમનું મોઢું જોવાનું લખ્યું હોય તો એ આવે. હવે તમે કહો તો જઈએ ખરા પણ લાવવા માટે બંધાતા નથી, જો જડશે તો લાવીશું. એમ કહીને પસાયતા ગયા. પછી પ્રથમની પેઠે ઘોડા દોડાવી રાત્રે પાછા આવી જ્યાં નિત્યાનંદ સ્વામી હતા ત્યાંથી ઘોડે બેસાડી મહારાજ પાસે લાવ્યા ને કહ્યું જે, મહારાજ ! સ્વામીને લાવ્યા. એ તો જ્યાં અમે બેસાર્યા હતા ત્યાં બેઠા હતા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતા હતા. હવે તમે અમારા ઉપર રાજી થાઓ ત્યારે મહારાજ બોલ્યા જે, તમે આ સંતને લાવ્યા તે બહુ ભારે કામ કર્યું, એમ પ્રસન્નતા જણાવી કલ્યાણ કરવાનું ફરીથી વચન આપ્યું. પછી સદ્. નિત્યાનંદ સ્વામીને મહારાજ બાથમાં ચાંપીને બહુ હેતથી મળ્યા ને પોતે જમીને સ્વામીશ્રીને પ્રસાદી જમાડીને કહ્યું જે જાઓ, અત્યારે આસને સૂઈ જાઓ, અમે તમારા ઉપર બહુ જ રાજી છીએ.
બીજે દિવસે સભા થઈ ત્યારે સદ્. નિત્યાનંદ સ્વામીનો હાથ ઝાલી શ્રીજીમહારાજ સભામાં પધાર્યા. સૌ સંત-પાર્ષદ તેમને જોઈ અતિ રાજી થયા. પછી સદ્. નિત્યાનંદ સ્વામીને મહારાજે આગળ બેસાર્યા અને કહ્યુ જે, સ્વામી ! અમે તમારી ઘણી કસોટી કરી. તમે અમારા ડગાવ્યા પણ ડગ્યા નહીં. બીજા સંતોએ તો અમારી હા એ હા કહી, પણ તમે અમને જીત્યા; માટે આજ તમે અમારી પૂજા કરો. પછી સદ્.નિત્યાનંદ સ્વામીએ ચંદન-પુષ્પહારથી મહારાજની પૂજા કરી, ત્યારે શ્રીજીમહારાજ ઊભા થઈને સ્વામીશ્રીને બાથમાં ચાંપી ઘણું હેત જણાવીને મળ્યા ને તેમની પૂજા પણ મહારાજે કરી. અને પોતાના કંઠમાંથી હાર ઉતારી સ્વામીશ્રીને પહેરાવ્યો અને મસ્તકે હાથ મૂકી સભા પ્રત્યે બોલ્યા જે, સંતો ! ઉપાસક તો આવા જ જોઈએ. આ સંત અમારો સંપૂર્ણ મહિમા જાણે છે. કેટલાક તો અમારા ફેરવ્યા ફરી ગયા પણ આ એક સ્વામી ફર્યા નહીં.
પછી મહારાજે સદ્. નિત્યાનંદ સ્વામીને સમજાવીને કહ્યું જે, શાસ્ત્રમાં લખાણ શાસ્ત્રની રીતે થાય અને તમે કહો છો તે પણ ખરું છે. અમે આ ‘સત્સંગિજીવન’ ગ્રંથ અનંત જીવના હિતને અર્થે લખાવીએ છીએ. તેથી આ ગ્રંથમાં અમારું જે રહસ્ય છે, જેવું અમારું સ્વરૂપ છે, જેવું અમારું સામર્થ્ય છે, જેવો અમારો મહિમા છે, જેવા અમે છીએ, તેમજ જો લખીએ તો સાધારણ જીવો તથા અન્ય ઉપાસકો એ વાત સમજી શકે નહિ એટલે સાંભળવા પણ ન આવે અને તમારી પાસે બેસે પણ નહીં. તે સર્વને આ ગ્રંથ ખેંચી લાવશે. પછી તેમને તમો અમારો મહિમા સમજાવજો. આ ગ્રંથમાં તો આમ જ ઠીક. અમારી ઉપાસના માટે અમે જે વચનામૃત ગ્રંથ કરીએ છીએ તેમાં અમારું પૂરેપૂરું રહસ્ય છે અને અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે. તેને સમજીને તે પ્રમાણે જે વરતશે તેનો આત્યંતિક મોક્ષ થશે, માટે એ ગ્રંથ સર્વોત્તમ છે, એમ વાત કરી. એવી રીતે શ્રીજીમહારાજે સદ્. શ્રી નિત્યાનંદ સ્વામીની પરીક્ષા લીધી હતી.
વળી બાપાશ્રીએ બીજી વાત કરી જે, એક સમે શ્રીજીમહારાજ ગામ તેરે બિરાજતા હતા, ત્યાં પોતાના મહિમાની ઘણીક વાતો કરી. તે સમે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું જે, સ્વામી ! અમને કેવા જાણો છો ? ત્યારે સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! પૂર્વે થઈ ગયા જે શ્રીકૃષ્ણ તે જ તમે છો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમે કાળાતળાવે રવજીભાઈ પાસે હમણાં જાઓ, ત્યાં તેમને આ પ્રશ્ન પૂછજો. આજ્ઞા થતાં મુક્તાનંદ સ્વામી કાળાતળાવ જવા માટે નીકળ્યા. મારગમાં ચાલતાં એક સંત મળ્યા. તેમણે કહ્યું જે, સાધુરામ ! ક્યાં જાઓ છો ? ત્યારે સ્વામીના મનમાં એમ થયું જે, આ સંત દેખાય છે તો આપણા સાધુ જેવા, પણ હું ઓળખતો નથી. મને એમણે ક્યાંથી ઓળખ્યો હશે ? એટલામાં તો એ સંત અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી તો આગળ ચાલ્યા, ત્યાં થોડેક છેટે એવા ને એવા બીજા સંત મળ્યા. તેમણે પણ એવી જ રીતે પૂછ્યું જે, મુક્તાનંદ સ્વામી ! ક્યાં જાઓ છો ? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, કાળાતળાવે રવજીભાઈ પાસે જાઉં છું. એમ કહે છે ત્યાં તો એ સંત પણ અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી તો આશ્ચર્ય પામતાં થકા આગળ ને આગળ જતા હતા. થોડેક છેટે ત્રીજા સંત મળ્યા, એમણે પણ એવી જ રીતે કહ્યું જે, મુક્તાનંદ સ્વામી ! ક્યાં જાઓ છો ? ત્યારે સ્વામીએ આશ્ચર્ય પામીને કહ્યું જે, કાળાતળાવ રવજીભાઈને પ્રશ્ન પૂછવા જાઉં છું. ત્યારે તે સંત બોલ્યા જે, તમારે શું પૂછવું છે ? જે પૂછવું હોય તે મને પૂછો. ત્યારે સ્વામી બોલ્યા જે, શ્રીજીમહારાજે મને પ્રશ્ન પૂછ્યો જે, તમે મને કેવા જાણો છો ? ત્યારે મેં કહ્યું જે, પૂર્વે થઈ ગયેલા શ્રીકૃષ્ણ તે જ તમે છો. ત્યારે મને મહારાજે કાળાતળાવ રવજીભાઈ પાસે જવાની આજ્ઞા કરી છે. આમ મુક્તાનંદ સ્વામીએ કહ્યું એટલાકમાં તો એ સંતે લાંબો હાથ કરીને મુઠ્ઠી વાળીને ઉઘાડી, ત્યાં તો કોટાનકોટિ કૃષ્ણ દેખાડ્યા ને કહ્યું જે, આમાં તમારા સ્વામિનારાયણ શ્રીકૃષ્ણ કયા ? તે બતાવો. એમ કહીને ચપટી વગાડી ત્યારે તે બધાં શ્રીકૃષ્ણનાં રૂપ અદૃશ્ય થઈ ગયાં; પછી એ સંત બોલ્યા જે, આવા કોટાનકોટિ શ્રીકૃષ્ણ એક વાસુદેવબ્રહ્મના તાબામાં છે, એવા કોટાનકોટિ વાસુદેવ તે એક મૂર્તિમાન અક્ષરના તાબામાં છે, અને એવા કોટાનકોટિ અક્ષરોથી પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના તેજરૂપ અક્ષરધામમાં અનંત પરમ એકાંતિકમુક્ત શ્રીજીમહારાજની સન્મુખ રહ્યા છે. તથા શ્રીજી મહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રહ્યા છે, તેમાંના અમે અનાદિમુક્ત છીએ અને આપણા સ્વામી શ્રીજીમહારાજ છે તે સર્વના ઉપરી છે, એથી પર કોઈ નથી. એવા શ્રીજીમહારાજને જાણીને પાછા વળો. એમ કહીને એ મુક્ત અદૃશ્ય થઈ ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પાછા તેરે આવીને શ્રીજીમહારાજને આ વાત કહી જે, હે મહારાજ ! હું અનાદિમુક્ત થકી આપનો સર્વોપરી મહિમા હવે સમજ્યો. પછી શ્રીજીમહારાજે રાજી થઈને કહ્યું જે, અમે એવા જ છીએ એમ અમને સમજજો; પછી સ્વામી સભામાં બેઠા. આવી રીતે શ્રીજીમહારાજનો મહિમા સમજવો તે બહુ કઠણ છે; બધાયથી પોતાની મેળે સમજી શકાય તેવો નથી. તે ઉપર વાત કરી જે સંવત ૧૯૦૬ની સાલમાં અમદાવાદની હવેલી પૂરી થઈ ત્યારે વડતાલથી ધ.ધુ. આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને તેડાવ્યા હતા. તે વખતે અ.મુ. શ્રી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ભોમાનંદ સ્વામી આદિ ઘણા સંતો-પાર્ષદોને સાથે લઈને પધાર્યા હતા. ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજ બંને સભામાં એક પાટ ઉપર બિરાજતા હતા, ત્યાં વારાફરતી મોટા મોટા સદ્ગુરુઓ વાતો કરતા. એક દિવસ સદ્. ગુણાતીતાનંદ સ્વામીને સભામાં વાતો કરવાની આજ્ઞા આચાર્યશ્રી મહારાજે કરી. ત્યારે પ્રથમ થોડીક વાર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો કરીને પછી શ્રીજીમહારાજના મહિમાની અને સર્વોપરી ઉપાસનાની વાતો કરવા માંડી. તેમાં સર્વે અવતારોથી મહારાજને મોટા કહ્યા, તે વાત કેટલાકને સમજાણી નહીં. પછી શણગાર આરતી થયા કેડે બંને આચાર્યજી મહારાજ પાસે કેટલાક સંતો-હરિજનોએ જઈને કહ્યું કે, સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ આજે સભામાં વાત કરી તેમાં ઘણાંક શાસ્ત્રોને બાધ આવે એવી વાત થઈ, માટે આપ તેમને બોલાવીને કહો તો ઠીક. પછી તેમને બોલાવ્યા ને કહ્યું જે, સ્વામી ! તમારે શાસ્ત્ર વિરુદ્ધ વાતો સભામાં ન કરવી. તે વખતે આનંદાનંદ સ્વામીએ આચાર્ય મહારાજ પાસે ઊભેલા કેટલાક ન સમજનારા સંતો તથા હરિભક્તોને કહ્યું જે, બેટી કા બાપ ! તેરામાં શ્રીજીમહારાજ આવી જ વાતો કરતા. તે શું તમે નથી જાણતા ? ત્યારે કેટલાક સંત બોલ્યા જે, સ્વામી ! તે દિવસ તો એવું પ્રકરણ હતું. પછી આનંદાનંદ સ્વામી બોલ્યા જે, બેટી કા બાપ ! પ્રકરણ તો ક્રિયા કા ફિરતા હે, જ્ઞાન તો મુદ્દા હે, ઉસકા પ્રકરણ નહિ ફિરતા. ત્યારે કોઈક સંતે પૂછ્યું જે, વચનામૃતમાં આવી વાતો છે ? ત્યારે શુકાનંદ સ્વામીએ કહ્યું જે, હા, ઘણે ઠેકાણે છે. જુઓને મધ્ય. પ્ર.૩૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે,“એવા અક્ષરાત્મક બ્રહ્મરૂપ પુરુષ ઘણાક છે અને એ અમારી ઉપાસના કરે છે.” ત્યારે કેટલાક સંતોએ કહ્યું જે, વચનામૃતમાં હોય પણ સભામાં આવી વાત ન કરવી. તે વખતે અ.મુ. ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, ગુણાતીતાનંદ સ્વામીને છૂટી. તમારે શાસ્ત્રવાળાને કરવી હોય તો કરજો ને ન કરવી હોય તો ન કરજો, પણ મહારાજને સર્વોપરી જાણ્યા વિના છૂટકો નથી. આ રીતે સમજાવનારા દયા કરીને સમજાવે તોપણ સમજવું તે બહુ કઠણ છે. ।। ૩ ।।
વાર્તા ૪
આસો વદ ૧૧ ને રોજ શ્રી વૃષપુરના મંદિરમાં સવારે સભામાં વચનામૃતની કથા થતી હતી.
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, અનાદિમુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહ્યા છે તે સાકાર છે કે નિરાકાર છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સાકાર છે. પછી વાત કરી જે જીવના સ્વભાવ એવા અવળા હોય છે તે મોટાના સમાગમમાં હોય પણ જો તેને અધર્મમાં માન-સત્કાર મળે તો મોટાનો સમાગમ મૂકી દે ને અધર્મમાં માને કરીને બંધાઈ જાય છે. તમે ક્યાંય બંધાશો નહીં. તમને ત્રણેને અમે મહંતાઈ મુકાવી છે. આ સ્વામી વૃંદાવનદાસજીને ધોળકાની, આ સ્વામી ઘનશ્યામજીવનદાસજીને અમદાવાદની અને આ સ્વામી ઈશ્વરચરણદાસજીને જેતલપુરની મુકાવી. તમે હવે ભલા થઈને કોઈ દિવસ મહંતાઈ લેશો નહીં. પછી બોલ્યા જે, કેટલાક ગુરુ વૃદ્ધ હોય, ત્યારે પોતાનો શિષ્ય પંડિત થાય અને તેને માન-સત્કાર મળે તો ઠીક એવી ઇચ્છા કરે. માટે ભલા થઈને કોઈ મહંતાઈ લેશો નહીં. ભગવાન ભજજો અને ભજાવજો, એ જ કામ કરજો. એમ પોતાને વિષે હેતરુચિવાળા સંતોને શિક્ષાનાં વચન કહ્યાં. પછી બોલ્યા જે, તમે જડ-ચૈતન્ય માયાને ત્યાગી. હવે તમારે એક માળા ફેરવવાની છે, એ જ કરજો. ત્યારે સંતોએ માગ્યું જે, આપ અમને મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય બંધાવા દેશો નહીં. પછી અતિ પ્રસન્નતા જણાવી તે વર સંતોને આપ્યો. બપોરના એક વાગે બાપાશ્રી કૃષ્ણસર (કાળી તલાવડી) નાહવા સારુ ઘોડાગાડીમાં બેસી પધાર્યા, સાથે કેટલાક સંત-હરિજન હતા. ત્યાં છત્રીએ દર્શન કર્યા પછી તળાવમાં સૌ નાહી સભા કરી બેઠા. થોડી વાર પછી બાપાશ્રી બીજી વાર નાહવા પધાર્યા. તે વખતે અતિ પ્રસન્નતા જણાવી ઊંડા પાણીમાં પોતે તરવા લાગ્યા, તે જોઈને સ્વામી વૃંદાવનદાસજી કહે જે, આમને કોણ માંદા કહે ? આ તો તરવા મંડ્યા છે. એ સાંભળી બાપાશ્રી આદિ સૌ સંત-હરિજન હસ્યા. એ સમયે સાજા માણસની પેઠે બાપાશ્રી ઉતાવળા થકા તરત જ તળાવ બહાર નીકળ્યા ને સાધુ મુક્તવલ્લભદાસજીનો હાથ ઝાલી ઉપર આવ્યા. ત્યાં સ્વામી વૃંદાવનદાસજીને બહુ હેતે કરી ખભે હાથ નાખી “યમુનામાં ઝીલે રે સુંદર શ્યામળો રે” એમ બોલી સંત-હરિજનોને આનંદથી મળ્યા. પછી છત્રી ઉપર ચરણારવિંદનો સ્પર્શ કરી આસન ઉપર આવીને બેઠા. તે સમયે સર્વે સંત-હરિજનોએ પ્રાર્થના કરવાથી મૂર્તિમાં રાખવાનો વર આપ્યો. પછી અતિ પ્રસન્ન થકા પોતે છત્રીએ પધરાવેલા ભીડભંજન હનુમાનજીની પ્રશંસા કરીને કહ્યું જે, આ હનુમાનજી બહુ ચમત્કારી છે. હમણાં જ ભવાનીપુરના એક છોકરાનો મરિયો (વાઈ) કાઢ્યો. તેની માએ સવા સવા રૂપિયાના પાંચ થાળ કર્યા હતા. એવી જ રીતે કોઈને ભૂત-પ્રેતાદિકનું દુઃખ હશે તો આ હનુમાનજી મહારાજની ઇચ્છાથી નાશ કરશે. પણ એમ સમજજો કે આ સર્વે ચમત્કાર શ્રીજીમહારાજના પ્રતાપથી છે. મહારાજના ખરા ઉપાસકને તો કોઈ દેવની માનતા ન થાય અને આસ્થા પણ ન રખાય. કદાચ સકામ ભક્ત હોય તો તેને પણ શ્રીજીમહારાજ પાસે જ માગવું ઘટે અને જે નિષ્કામ ભક્ત હોય તે તો શ્રીજીમહારાજ પાસે પણ કાંઈ માંગે નહિ; આ તો ચમત્કારી સ્થાન, ચમત્કારી સભા, એને લઈને આ હનુમાનજી પણ ચમત્કારી છે. એ સર્વે પ્રતાપ શ્રીજીમહારાજનો છે એમ જાણવું. પછી બાપાશ્રી તથા સર્વે સંતો મંદિરમાં પધાર્યા. ત્યાં સંતોએ ચંદન ચર્ચી પૂજા કરી. તે સમયે બાપાશ્રીએ પણ સૌને ચંદન ચર્ચી માથે હાથ મૂકી મૂર્તિમાં રાખવાનો વર આપ્યો. ।। ૪ ।।
વાર્તા પ
આસો વદ ૧૩ને રોજ સવારે શ્રી વૃષપુરના મંદિરમાં વચનામૃતની કથા વંચાતી હતી. તે વખતે ભૂજના વિઠ્ઠલજીભાઈએ પૂછ્યું જે, બાપા ! મૂર્તિમાં રસબસ કોણ રાખે છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિ રાખે છે. પછી પૂછ્યું જે, દાતા કોણ અને ભોક્તા કોણ ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, મૂર્તિ સર્વેના દાતા અને મુક્ત ભોક્તા.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, મહારાજ સર્વે ભોક્તાને સુખ આપે છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હા, આપે છે એમ સમજવું; એ જ સત્સંગમાં સત્સંગ. સર્વ ભોક્તા-ભોક્તા પ્રત્યે દાતા એક દેખાય છે. એમ કહી બાપાશ્રી ઘેર પધાર્યા. થોડી વારે પાછા મંદિરમાં આવ્યા અને બોલ્યા જે, અમારા હરજીને તાવ આવે છે. આજ તો તે રોયો ને કહ્યું જે, બાપા ! મટાડો. પછી અમે તેને કહ્યું જે, બચ્ચા ! મટી જશે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, આપે પંચોતેરની સાલમાં મંદવાડ ગ્રહણ કર્યો હતો, ત્યારે અનંત જીવોનો સોથ વળી ગયો હતો. વળી આ મંદવાડ આપે ગ્રહણ કર્યો છે તે કોણ જાણે કેમ થશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નારાયણપુરથી ધનજી ને તેના દીકરા અમને આંહીં પૂછવા આવ્યા હતા જે, કારખાનાં લઈએ ? ત્યારે અમે કહ્યું જે, કારખાનાં મ રાખો. આ વર્ષમાં મંદવાડ બહોળો આવવાનો છે; તે તેમને પૂછી જુઓ. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, બાપા ! એમાં શું પૂછવું છે ? એ તો જ્યારે આપે મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે સર્વત્ર એમ હોય જ. ત્યારે બાપાશ્રી બોલ્યા કે એ તો શ્રીજીમહારાજ ધારે એમ કરે. પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી આવ્યા, તેમને બાપાશ્રીએ કહ્યું જે, કેમ છે બાવા ! તમારે જાવું છે કે રહેવું છે ? ત્યારે તે બોલ્યા જે, અમારે તો જેમ સ્વામી કહે તેમ કરવાનું છે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, મારે આપને મૂકીને ક્યાંય જવું નથી. એ સાંભળી બાપાશ્રીએ અતિ પ્રસન્નતા જણાવી સ્વામીની દાઢીએ એક હાથ રાખી અને એક હાથ મસ્તક ઉપર રાખ્યો અને હલાવીને કહ્યું જે, આવા સાધુ ક્યાંથી મળે ! પૂરી, રોટલી, દાળ-ભાતના જમનારા તે અહીં મઠિયાં જમે છે; એવી જ રીતે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ ત્રણે સંતો ઉપર અતિ હેત જણાવીને બોલ્યા જે, આવા સાધુ અક્ષરકોટિ સુધી ક્યાંય નથી. આ સાધુ મઠિયાં જમીને મારી સેવા કરે છે. આવા સાધુ મઠ જમે ત્યારે મારે જુવાર જમવી જ પડે. એમ સંતોની અતિ પ્રશંસા કરીને આનંદ પમાડ્યો.
પછી બાપાશ્રી કૃપા કરીને એમ બોલ્યા જે, આ સભામાં સર્વે છે. મહારાજ, અનાદિમુક્ત, પરમએકાંતિક, એકાંતિક સર્વે છે, પણ જીવને આમ સમજાય નહિ તેથી બીજી તાણ બહુ રહે. આપણે તો જે જોઈએ તે અહીં છે. મહારાજે એટલા સારુ જ પરમહંસના સમ ખાઈને કહ્યું છે જે, “તમે દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી.” પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, આજ મુક્તાનંદ સ્વામી અહીં હશે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, હા. ત્યારે વળી પૂછ્યું કે ક્યાં હશે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, નામ ન કહેવાય. બધાયને જાણીએ તો તે ભેળા આફૂડા આવી જાય. સ્વામી હરિનારાયણદાસજી કેવડા હતા ! તેમને પણ કેટલાક ઓળખતા નહીં. પછી સંતો સામું જોઈને અતિ કરુણા કરીને બોલ્યા જે, અનંતકોટિ બ્રહ્માંડમાં ફરી આવો. આવા સાધુ બ્રહ્મા, વિષ્ણુ, શિવથી લઈને મહાકાળ, વાસુદેવ તથા ઠેઠ અક્ષર સુધી ક્યાંય નથી; એથી પરના આ સાધુ છે. માટે સમજીને સુખિયા થાવું. બીજા પદાર્થ બધાય દુઃખરૂપ છે. પંચવિષય નાશવંત છે, તોપણ એ ધૂળનો વેપાર કરવા સૌ ખબાશાની પેઠે મંડી જાય છે. કેમ જે ભગવાન ભજ્યા વિના બધોય ધૂળનો વેપાર છે. તે માયિક પદાર્થ સર્વે ધૂળનાં. તે જુઓને આ ભૂજમાં કેટલું અનાજ પાકે છે ને બહારથી પણ આવે છે, આખો ગઢ ભરવો હોય તો ભરાઈ જાય. પણ ગામની ભાગોળે ધૂળ ભેળું ધૂળ થઈ જાય છે. તેમાં કંઈ માલ છે ? તે જ્યારે લડાઈ થાય છે ત્યારે કોઈ પાછું વાળીને જોતા નથી પણ વિચાર કરે તો એક શેર અનાજ જોઈએ. એટલું પોતાને માટે છે તેમાં કેવાં કેવાં દુઃખ વેઠે છે ! જુઓને, કોઈ કોઠારી થવા, ભંડારી થવા કે મહંત થવા વલખાં કરે છે. એવી માયા દુઃખરૂપ છે. તે સમે લાલજી ઊભો ઊભો ઊંઘતો હતો, તેને કહ્યું જે લાલજી ! બેસી જા; પડી જાઈશ તો વાગશે. પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, એટલે છેટે દેખો છો ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમે તો બધેય દેખીએ. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! દેહ પહેલો દેખાડતા તેવો દેખાડો ને ! ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમારે સેવા કરવા આવો રાખ્યો છે. તમે ઘણાં ખોખાંની સેવા કરી હશે. પણ આ સેવા મળે એવી છે ! આ સેવા બહુ મોંઘી છે. આ તો કીડી-કુંજરનો મેળાપ છે. એમ વાતો કરી, સંતોને કહ્યું જે, તમો ભૂજમાં અન્નકૂટનાં દર્શન કરી બીજાં ગામોમાં હરિભક્તોને દર્શન દઈ ભારાસર આવજો, અમે પણ ત્યાં આવીશું. ।। પ ।।
વાર્તા ૬
સંવત ૧૯૮૩ના કારતક સુદ ૬ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ભારાસર આવ્યા ને બાપાશ્રી પણ ત્યાં પધાર્યા. બીજે દિવસે સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૧લું વચનામૃત વંચાતું હતું. ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, માયા તે શું ? તો આ દેહ છે તે જ માયા છે. તેમાંથી હેત ટાળવું અને મૂર્તિમાં જોડાવું. મૂર્તિમાંથી તેજ હડડ હડડ નીકળે છે એવી એ મૂર્તિ છે, પણ મહિમા સમજવો જોઈએ. અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામી કેવડા મોટા હતા ! અને તેમના શિષ્ય સ્વામી નિર્ગુણદાસજી પણ તેવા જ સમર્થ, તોપણ તેમની કેટલાક નિંદા કરતા, હવે તેમને સંભારે છે. આ સભામાં એવા હોય પણ ઓળખાય તો કામ થાય. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, જાઓ નાહવા. ત્યારે સ્વામી બોલ્યા જે, ભલે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, મૂર્તિમાં નાહવું એ ખરું છે. કેટલાક સાધનમાં અધિક માલ માને છે અને પ્રત્યક્ષ ભગવાન તથા પ્રત્યક્ષ સંત તેને ઓળખે નહિ ને મૂર્તિમાં જોડાય નહિ; પણ મૂર્તિમાં જોડાવું એ જ ખરું છે. હરિજનો ! આ વાત સર્વે સમજી રાખજો, મહારાજને તથા આ સંતને ઓળખજો ! અમે આજે જઈશું. ત્યારે હરિજનો બોલ્યા જે, આજ તો રહેવું જોઈશે; કાલે પધારજો. પછી બાપાશ્રી બોલ્યા જે, કલ્યાણ કરશો તો કાલે પણ રહીશું, અમને ઓળખજો. અમે અક્ષરધામમાંથી તમને સર્વેને ખણવા (લઈ જવા) આવ્યા છીએ, તે ખંપાળી નાખી છે. પણ ખંપાળી નાખતાંય કોઈ પડ્યા રહે તેનું શું કરવું ? તે તો રહી જાય. માટે કોઈ રહેશો નહીં. ।। ૬ ।।
વાર્તા ૭
કારતક સુદ ૮ને રોજ શ્રી ભારાસરના મંદિરમાં સવારે સભામાં વચનામૃત વંચાતું હતું. તે વખતે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ગાય-વાછરડાની પેઠે હીંસોરા કરતા આવીને ભેળા થાઓ છો. તે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમારૂપી ભાતાં બંધાય છે. આ વખત સારો છે તે જાણી લેજો. “પરમારથને કારણે પધાર્યાં પૂરણકામ.” આજ સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, તે આપણને મળ્યા છે. અમે ડુંગરમાં રખડતા આવીએ છીએ, પણ તમને દેખીએ છીએ ત્યારે શાંતિ થાય છે. ત્યારે સંત બોલ્યા જે, આપ જે કહો છો તે તો અમારે કરવાનું છે. અમને દયા કરીને મૂર્તિમાં ખેંચી લેજો. પછી બાપાશ્રી બોલ્યા જે, આપણે મૂર્તિનો આનંદ છે. આવા ભગવાન મળ્યા તે જરૂર ખેંચી લેશે; આપણે ભગવાન ભજી લેવા. આવા ગુરુ ને આવા ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે, આ લાભ મોટો છે. તેનો આનંદ સદાય રાખવો.
બીજે દિવસે ભારાસરના મંદિરમાં બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, હરિજનો ! આ સંતો બધા અનાદિમુક્ત છે ને ભગવાનરૂપ છે. તે પ્રત્યક્ષ ભગવાનનો અનુભવ કરાવે છે અને અનુભવજ્ઞાન આપી સાક્ષાત્કાર કરાવે એવા છે એમ સમજજો. સત્સંગમાં કેટલાક સમજ્યા વિના સામસામા લડે છે. કોઈક તો અક્ષરથી બહાર નીકળતા જ નથી, એ તો અક્ષરમાં જ રહેવાના. આપણે તો આવા મુક્તનો જોગ રાખવો તો અનાદિમુક્ત થઈને મૂર્તિમાં રહેવાય. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી કહે આ બધાને અનાદિ કરજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આવશે તો અમારી નાય નથી. પછી હરિભક્તો બોલ્યા જે, અમે તો તમારા ચરણમાં છીએ, તો મહારાજનું સુખ અપાવજો. પછી સામતરાના ગોપાળ ભક્ત બેઠા હતા, તેમને પૂછ્યું જે, તમે ક્યાં સુધી પહોંચ્યા છો ? ત્યારે તે કહે જે અક્ષર સુધી. પછી બાપાશ્રી બોલ્યા જે, “અક્ષર પર આનંદઘન પ્રભુ, કીયો હૈ ભૂપર ઠામ” એ અક્ષરની સભા જુદી થઈ. આપણે તો અક્ષરથી પર મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છીએ. અહીં એક મંડળધારી આવ્યા હતા, તે માથું કુટાવી કુટાવીને થકવી નાખ્યા પણ માન્યું નહીં. એ બીજાનો શું ઉદ્ધાર કરીને મહારાજ પાસે લઈ જાય ! સાકાર અક્ષરથી પર જે મહારાજના તેજરૂપ અક્ષરધામ, તેમાં રહ્યા જે શ્રીજીમહારાજ, તે પોતે પધારે ત્યારે તેમને ઓળખીને તેમનો આશરો કરે, તો એ અનુભવજ્ઞાન આપીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી મૂર્તિમાં જોડી દે. કાં તો એ મૂર્તિમાં રહેનારા આવા અનાદિમુક્ત મળે તો એવી પ્રાપ્તિ કરાવે. તે વિના સાધને કરીને એ સ્થિતિ પમાય નહીં. એવા મુક્તનો મહિમા તો અપાર છે. તે અ.મુ. સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહેલ છે જે, તમારા પરમહંસની મોટા મોટા દેવ, તથા અક્ષરાદિક મુક્ત, અને સર્વે અવતાર પ્રાર્થના કરે છે ને દર્શનને ઇચ્છે છે. એવી જ રીતે વિધાત્રાનંદ સ્વામીએ કરેલ “પુરુષોત્તમ નિરૂપણ” તથા ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ મહિમા કહેલ છે.
પછી તે દિવસે રાત્રિએ ગાંગજી પટેલે કહ્યું જે, બાપજી ! અમારા રંક ઉપર બહુ દયા કરીને પધાર્યા અને અમને બહુ સુખિયા કર્યા, બહુ કૃતાર્થ કર્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે પથરામાં અને ભટુમાં ઊંટની ગાડીમાં પછડાતા પછડાતા આવ્યા તે જીવોનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. નહિ તો વૃષપુરના મંદિરમાં ઢોલિયામાં સૂતા હોઈએ નહીં ! કોણ અમારો નિયંતા છે જે અહીં લાવે ? બ્રહ્મા નથી, વૈરાજ નથી, પ્રકૃતિપુરુષ નથી, મહાકાળ નથી, વાસુદેવબ્રહ્મ નથી, અક્ષર નથી, એક શ્રીજીમહારાજ જ નિયંતા છે. એવડા મોટા અમે છીએ અને એવડા લાંબા અમારા હાથ છે, એ અક્ષરધામમાંથી અમે આવ્યા છીએ. પછી બોલ્યા જે, આ મૂર્તિ ને આ સંત તે અનાદિ કરે એવા છે. આજ તો ખંપાળી નાખવા આવ્યા છીએ. તે જેમ લાંપડામાં ઝાકળ પડે તે ભીનું કરે, પછી ખંપાળી ફેરવે તે બધું તણાઈ આવે; તેમ આ સંત ભીના કરે છે. અમે ભેળા કરીએ છીએ, એટલે મહારાજની મૂર્તિમાં લઈ જઈને સુખિયા કરીએ છીએ. તેમાં વળી કોઈ તરણું હેઠે પડી જાય તો પડ્યું રહે; તેમ કોઈ ન માને તો પડ્યા રહે છે. પછી આશાભાઈ પૂજા કરીને આવ્યા ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આશોબાપો પરવાર્યા તે કાંઈક નવા જૂનું થવું જોઈએ, એટલે અહીંથી ચાલવાનું થાય તેમ જણાય છે; પછી એમ બોલ્યા જે, આ સાચો સેવક છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે આપને જોગે એ પણ મુક્ત થયા છે. પછી બાપાશ્રી બોલ્યા જે, શામળભાઈએ આપણે વિષે જીવ જોડ્યો છે તો હેત બહુ રાખે છે. એમ કહી બાપાશ્રી સંત-હરિજનો સહિત નાહવા પધાર્યા અને ત્યાંથી નારાયણપુર પધાર્યા. ।। ૭ ।।
વાર્તા ૮
કારતક સુદ ૧૧ને રોજ શ્રી નારાયણપુરના મંદિરમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૧લું વચનામૃત વંચાતું હતું. તેમાં તીર્થક્ષેત્રની વાત આવી. ત્યારે બાપાશ્રી “અન્યક્ષેત્રે કૃતં પાપમ્” એ શ્લોક બોલ્યા અને કહ્યું જે, આ તીર્થક્ષેત્ર. અહીં આવીને જે મહારાજનો અને અનાદિમુક્તની સભાનો અવગુણ લે તે તીર્થક્ષેત્રનું પાપ છે તે વજ્રલેપ થાય, પછી તેનો ક્યાંય પત્તો લાગે નહીં. જેને આ વાતની ખબર ન હોય તે અવગુણ લે. અ.મુ. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી ઠેઠ મૂર્તિમાં ગતિ કરે, કરાવે અને મૂર્તિમાં રમે; એવા મોટા, તેમને મંદવાડ આવ્યો, ત્યારે બે સાધુ બાવડાં ઝાલે, તે ઊમરો આવ્યો ત્યારે અટકી રહ્યા. ત્યારે સાધુ કહે, સ્વામી ! કેમ પગ ઉપાડતા નથી ? વાતો તો ઠેઠ અક્ષરધામ અને તેથી પર મૂર્તિમાં રસબસ રહેવાની કરો છો, કેટલાયને મૂર્તિમાં મૂકી દ્યો છો અને પગ તો ઊપડતો નથી; એમ બોલ્યા. પણ મોટા તો હજારો જીવોના આત્યંતિક કલ્યાણ માટે મંદવાડ ગ્રહણ કરે છે. સાજા હોય તો તુંબડી પણ હાથે ભરે પણ કોઈને ભરવા ન દે. આ તો મંદવાડ ગ્રહણ કરીને સેવા અંગીકાર કરે છે. માટે મોટાના મંદવાડ એવા છે. પણ એ તો મૂર્તિમાં રસબસ રહેતા હોય તેની ખબર ન હોય, પણ મંદવાડ જણાવે ત્યારે એમ જ હોય. અમારે પણ મંદવાડનું આ વર્ષમાં એવું થયું છે. મોટા મંદવાડ ગ્રહણ ન કરે તો એમની સેવા ક્યાંથી મળે ? એટલા સારુ આ મંદવાડ ગ્રહણ કર્યો છે. આ દેહ એવો જ છે, પણ મહિમા સમજાય તો કાંઈનાં કાંઈ કામ થઈ જાય. અમને ધનજીભાઈએ આગ્રહ કર્યો, પણ મંદવાડને લઈને ઘેર જવાણું નહીં. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આપને ક્યાં દેહ છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સમજવાનું તો એમ જ છે. મહારાજ ને મોટા તો સદા દિવ્ય જ છે. શ્રીજીમહારાજે અમદાવાદની ચોરાસી કરીને પ્રવૃત્તિને ટાળવા ઠેઠ ગણેશ ધોળકાની રાણ્યોમાં રહ્યા, તે અધિક કે ઉત્સવ-સમૈયા કરવા તે અધિક ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, સમૈયા તો સાધારણ મુમુક્ષુના સમાસને અર્થે છે, મૂર્તિમાં તો અનાદિમુક્ત પહોંચાડે; સમૈયામાં તો વૃત્તિ ફેલાઈ જાય.
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, પામર, વિષયી તથા મુમુક્ષુને મૂર્તિમાં કોણ લઈ જાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનાદિમુક્ત લઈ જાય. અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીએ ગઢડાના મંદિર ઉપર ચડીને સંકલ્પ કર્યો જે, પ્રલય કેમ થાતો હશે ! ત્યાં તો ઝાડ અને ઘર ધબોધબ પડવા લાગ્યાં, તેથી સ્વામીશ્રીએ તુરત સંકલ્પ બંધ કર્યો, એવા મહા સમર્થ હતા. એવાની સાથે જીવ જોડે તો તે મૂર્તિમાં લઈ જાય. ।। ૮ ।।
વાર્તા ૯
કારતક સુદ ૧૧ને રોજ સાંજના સભામાં પ્રથમ પ્રકરણનું રજું વચનામૃત વંચાતું હતું, તેમાં વૈરાગ્યની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રકૃતિ પર્યંત સર્વે ખોટું છે તેને ખોટું કરે તે પણ વૈરાગ્ય અને પ્રકૃતિ પર અક્ષર પર્યંત જે સાચું છે તેને પણ ખોટું કરવું તે વૈરાગ્ય ખરો કહેવાય. તેમ જ જ્ઞાન પણ ઘણાં પ્રકારનાં છે, પણ અનુભવજ્ઞાન થાય તે ખરું. મૂર્તિમાં રસબસ રહેવું, તે અનુભવજ્ઞાન કહેવાય. “રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી” એમ મૂર્તિમાં જ રહેવું, પણ બહાર નીકળવું જ નહીં. મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહિ, કાંઈ જોઈએ નહિ; ધર્મ, જ્ઞાન-વૈરાગ્યાદિક કોઈ સાધનની ખખા રહે નહીં. મૂર્તિ વિના બીજી કાંઈ સ્મૃતિ જ નહીં. કોઈ પ્રકારનો ઠરાવ જ નહિ, એક મૂર્તિ જ રહે. આપણને કોઈ કહે કે આવો ભક્ત ! ત્યારે એમ સમજવું કે આપણે ભક્ત સંજ્ઞામાં નથી, આપણી તો મુક્ત સંજ્ઞા છે; અનાદિમુક્ત છીએ. એ બે સંજ્ઞા આપણી છે. પાર્ષદ ધોળે લૂગડે હોય તેને ભક્ત કહે છે પણ અંતરમાં આપણે મુક્ત સમજવા. તમે સાધુ છો તે તમને કોઈ ભક્ત કહે તો કેવું લાગે ? માટે આપણે તો તેમને મુક્ત સમજવા. એ સાધુ થાશે, ત્યારે તેમને સાધુ કહેવાશે પણ ભક્ત નહિ કહેવાય; માટે સાધુને પણ મુક્ત કહેવા. સાધુ ધામમાં જાય તો મુક્ત ધામમાં પહોંચ્યા; એમ કહેવું તે ઉત્તમ છે. પછી પ્રથમ પ્રકરણનું ૪થું વચનામૃત વાંચ્યું, તેમાં નારદજીની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નારદજી દ્વારકા કેમ ગયા હશે ? ત્યારે સંત બોલ્યા જે, શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા ગયા, ત્યારે નારદજી પણ સાથે ગયા હતા. પછી બાપાશ્રી બોલ્યા જે, અહીં એક સાધુ અમદાવાદથી દ્વારકા જવા આવ્યા હતા. તેમને અમે સમજાવ્યા, પણ માન્યું નહિ ને બોલ્યા જે, મહારાજની આજ્ઞા છે. પછી અમે કહ્યું જે દ્વારકાનો અર્થ શ્રીજીમહારાજે એવો કર્યો છે જે, દ્વારકા તો જ્યાં મોક્ષનું દ્વાર ઊઘડે ત્યાં જાણવું, તે આવા મોટા જ્યાં હોય તેનાં દર્શન-સમાગમ થાય ત્યાં દ્વારકા જાણવું અને સંત મોક્ષનું દ્વાર ઉઘાડે એટલે મોક્ષ કરે, ત્યાં દર્શને જાવું. આવું મોટાના સમાગમથી સમજાય.
પછી પ્રથમ પ્રકરણનું ૬૩મું વચનામૃત વંચાતું હતું તેમાં નિશ્ચયમાં કસરની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાન દિવ્ય ચરિત્ર કરે ત્યારે આનંદ થાય, પણ જ્યારે પ્રાકૃત ચરિત્ર કરે ત્યારે અંતરમાં મૂંઝાય અને એમ સંકલ્પ કરે જે ભગવાન હશે કે નહિ હોય ! પછી પરિપક્વ નિશ્ચયની વાત આવી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બાપા ! આમાં બાઈઓને સીતા, રુક્મિણી, લક્ષ્મી જેવી કહી અને ભાઈઓને વૃંદાવનના ગોપ જેવા કહ્યા, તે ગોપમાં શ્રીકૃષ્ણ આવી ગયા કે નહિ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હા, આવી ગયા. પછી ખીમજીભાઈએ પૂછ્યું જે, બાપા ! મહામુનિ કહે છે તે કોને કહેવાય ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, મોટા હોય તે ઉત્તર કરો. પછી ખીમજીભાઈ બોલ્યા જે, મોટા તો આપ છો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત તે મહામુનિ કહેવાય છે, તે પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે, “મહામુક્ત મુનિને સાથે લાવિયા રે લોલ, જેનાં દર્શન કર્યાંથી પાપ જાય.” તે મહામુનિ આ સંત. “મહામુક્ત પૂજે જેની પાદુકા રે લોલ” તે આ મહામુનિ મહાપ્રભુજીની પાદુકા પૂજે છે.
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, બાપા ! ગરીબ કોને કહેવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા, શ્રીજીમહારાજની આજ્ઞા ને વચન ઉપર નિષ્ઠા હોય એ ગરીબ. લોકમાં તો નીચલી વર્ણ જેવાને ગરીબ કહેવાય છે. પણ આપણે તો અજ્ઞાની જીવના ઉપદ્રવને સહન કરનારા ભગવાનના ભક્ત કે સાધુ હોય, તેને ગરીબ જાણવા.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આપની જન્મતિથિ નિમિત્તે ભૂજમાં આપે રસોઈ બાંધેલી છે તે બ્રહ્મયજ્ઞમાં સંતો ત્યાં જમશે અને અહીં આપના સેવકોને મૂર્તિમાં જોડી દ્યો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ જ કૃપાસાધ્ય ભગવાન છે તે કૃપા અપાર કરે છે. પણ તમારે સર્વેને મૂર્તિમાં જોડાવું પડશે. તમે મહારાજની મૂર્તિમાં જોડાઓ, અમે સુખ અપાવીશું; એમ વર આપ્યો.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, સુખ અપાવીશું એમ આપ કહો છો તે અહીં જેને ગુરુ કર્યા હોય તે ત્યાં સુખ અપાવતા હશે કે મહારાજ પોતે આપતા હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગુરુ મહારાજની મૂર્તિમાં લઈ જાય પછી સુખ મહારાજ આપે. પણ વચમાં અપાવનાર કોઈ નથી. એ તો જેવા ગુરુ હોય તેવો પોતે જ થાય. જેમ ગુરુ મૂર્તિનું સુખ ભોગવે છે તેમ એ પણ ભોગવે. પછી બાપાશ્રી ધનજીભાઈને ઘેર જમવા પધાર્યા તે જમીને પાછા મંદિરમાં આવ્યા. પછી સ્વામી શ્વેતવૈકુંઠદાસજીને કહ્યું જે, આ અમારા પુરાણી અને સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને કહ્યું જે, આ અમારા તાબેદાર. અને સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું જે, આ અમારા ગુરુ. પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, તમારા ગુરુ કોણ ? ત્યારે તે કહે જે, યજ્ઞપુરુષદાસજી. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, એ નહીં. તમારા ગુરુ તો અ.મુ. મહાનુભાવાનંદ સ્વામી. તે તો મહાપ્રતાપી હતા. તમે પણ એમના આશીર્વાદથી ગાદીતકિયે બેસનારા સદ્ગુરુ થયા તે તમે છેડો સુધાર્યો છે. “હમ સબ જાનતા હે” એમ રમૂજ કરી. પછી બાપાશ્રી તથા સર્વે સંત-હરિજનો વૃષપુર પધાર્યા. ત્યાં રામજી દેવજી સામો આવીને બાપાશ્રીને પગે લાગ્યો. તેને બાપાશ્રીએ પૂછ્યું કે, તને તાવ આવે છે ? ત્યારે તે કહે કે આવતીકાલે વારો છે, એકાંતરિયો છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગામમાં પણ તાવ બહોળો છે અને ભારાસરમાં પણ બહોળો હતો. પછી સ્વામીએ કહ્યું જે, આપે ગ્રહણ કર્યો તેથી બ્રહ્માંડમાં સર્વત્ર મંદવાડની પ્રસાદી વહેંચાઈ છે. પછી બાપાશ્રીએ ડૉ.નાગરદાસભાઈનો વિરમગામથી કાગળ આવેલ હતો જે મારી ઇસ્પિતાલમાં સવાર-સાંજ દરદીનો મેળો ભરાયો રહે છે તે વાત કરી. પછી સ્વામીશ્રી બોલ્યા જે, હવે આપે મંદવાડ દૂર કર્યો તેથી સર્વત્ર શાંતિ થઈ જશે. એ સમયે બાપાશ્રીએ નાગરદાસભાઈની પ્રશંસા કરીને કહ્યું જે, એ બહુ હેતવાળા છે ને મહિમા જાણે છે, ને તન, મન, ધનથી સત્સંગની સેવામાં તત્પર છે. ।। ૯ ।।
વાર્તા ૧૦
કારતક સુદ ૧૪ને રોજ શ્રી વૃષપુર મધ્યે સવારે સભામાં પ્રથમ પ્રકરણનું ૫૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં રાંક હોય તે રાજા થાય એમ આવ્યું. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, બાપા ! એનો અર્થ કેવી રીતે સમજવો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વચનામૃતના શબ્દ દ્વિઅર્થી છે. તેમાં પરભાવ તથા અવરભાવ જાણવો જોઈએ. મહારાજની મૂર્તિમાં તથા હજૂરમાં રહે તે રાજા જાણવા. આ પરભાવનો અર્થ છે. બીજો અવરભાવનો અર્થ એ છે જે, આ લોકનું રાજ્ય મળે તે પણ રાજા કહેવાય, પણ તે તો રાંક જ છે. જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, માન આદિક દોષનો દોર્યો દોરાય ત્યાં સુધી રાંક અને એ દોષને જીતીને વશ કરે ને એથી રહિત થાય તે રાજા કહેવાય. આ અવરભાવનો અર્થ છે. પરભાવમાં તો કાળ, કર્મ, માયા આદિક સર્વેથી રહિત થઈને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો જોઈએ. પછી પ્રથમ પ્રકરણનું ૫૯મું વચનામૃત વંચાવ્યું. તેમાં શુભ-અશુભ દેશકાળના હેતુ શુભ અને અશુભ બે પ્રકારના પુરુષ છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, અમદાવાદની સભામાં ખોરજના શંભુજી ગરાસિયા પોક મૂકીને રોવા લાગ્યા, ત્યારે અમે પૂછ્યું જે, કેમ રુવો છો ? ત્યારે તે બોલ્યા જે, આગળ મોટા મોટા સદ્ગુરુઓ અને ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા તે જોયું છે અને આજ આવું જોઈને રોઉં છું. જે કોઈકને મારે છે, લડે છે અને ભડાભૂટ કરે છે, એ દહાડા આવ્યા.
પછી પ્રથમ પ્રકરણનું ૨૫મું વચનામૃત વંચાતું હતું, તેમાં છક ન રાખવો એમ આવ્યું. ત્યારે સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, તે છક કેમ જાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નિશ્ચય હોય તો છક ન આવે. ।। ૧૦ ।।
વાર્તા ૧૧
કારતક સુદ ૧૫ને રોજ શ્રી વૃષપુર મધ્યે સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, વ્યતિરેક મૂર્તિમાં અનાદિમુક્ત રહ્યા છે તેમને બોલવા-ચાલવાનું હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દિવ્ય મૂર્તિમાં રહ્યા તેમાં બોલવાનું-જોવાનું છે તે બધું મહારાજનું છે. એકાંતિકને વિષે પણ મહારાજ સર્વે ક્રિયા કરે છે તો અનાદિને તો કાંઈ પણ ક્રિયા હોય જ શાની ? એ તો મૂર્તિના સુખમાં લુબ્ધ હોય, તેથી બીજું કાંઈ કરતા જ નથી. એવી સ્થિતિ ન થઈ હોય તેનાથી મહારાજની આજ્ઞા પળતી નથી અને આજ્ઞા પાળ્યા વિના મહારાજનો રાજીપો થતો નથી. કેટલાક તો વ્યસનમાં અને દ્રવ્યમાં આસક્ત હોય પણ એ ખોટને ઓળખે નહીં. સત્સંગમાં પચાસ-સાઠ વર્ષ થયાં હોય તોય પણ પ્રાયશ્ચિત્ત કરે નહિ તો તેને શું સરવાળો રહે ? જે માને તેને કહેવાય પણ બીજાને ન કહેવાય. જો કહીએ તો મારે ધોકા. પહેલાં ઊઠે ત્યારે ચા પીએ, પછી કરે દાતણ, પછી જાય નાહવા અને પછી કરે પૂજા. અમારા ગામમાં બ્રાહ્મણ એકાદશીને દિવસે જમતો હતો, તેને કહ્યું કે, આજ એકાદશી છે ને કેમ જમો છો ? ત્યારે કહે જે, ભૂલ્યા. એક વખત અમે મૂળીએ ગયા હતા. ત્યારે એક માણસ દેગડું ભરીને ચા અમારી પાસે લાવ્યો અને કહ્યું જે આ બધાને પાઓ. ત્યારે અમે કહ્યું જે, આ કોઈ પીએ તેવા નથી; તોપણ આગ્રહ મૂક્યો નહીં. ત્યારે અમે કહ્યું જે, એવું અભરું કોણ પીએ ? ત્યારે તે કહે જે અભરું કેમ કહો છો ? ત્યારે અમે કહ્યું જે, એમાં અશુદ્ધ વસ્તુની મેળવણી આવે છે. માટે તે સત્સંગીથી તો પિવાય જ નહિ, તોપણ કેટલાક ત્યાગી પીએ છે; તે બહુ ખોટું કરે છે. તેમાં મહારાજની આજ્ઞા લોપાય છે. પછી બોલ્યા જે, જામનગરમાં પણ એક જણે કેટલાકને ચા પાયો હતો તે બધાને અમે ઉપવાસ કરાવ્યો. અહીં કચ્છમાં તો અમે ચાની બંધી કરી છે. અમે આગળ સત્તાવનની સાલમાં મૂળીએ ગયા હતા, ત્યારે પણ મુંબઈવાળા મોતીલાલભાઈ સૉલિસિટર ચા પાવા આવ્યા હતા. ત્યારે પણ અમે કહ્યું જે, એ ચા અમે ન પીએ. કેટલાક સંતો હરિભક્તોને ચા પાય છે, એ પાપ શું કરવા ઘાલતા હશે ? એમાં તો કામ, ક્રોધ, લોભ, માન, એ આદિક દોષ વધે. કામરૂ દેશના માણસ ઠગારા, તે આવે ત્યારે પોતાની ક્રિયા કરે. એવાની વાત શું કરવી ! તે વર્તમાન શું પાળતા હશે ! અને એ શું ભક્તિ કરતા હશે ! એવા આ દિવ્ય સભામાં આવીને બેઠા હોય તોપણ લાભ લઈ શકે નહીં. તમને તો અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં નિમગ્ન રાખીને મૂર્તિનું સુખ ભોગવાવે એવા અનાદિમુક્ત મળ્યા છે, તેથી તમારે તો જીતનો ડંકો વાગી ગયો છે. તે જ દિવસે સાંજના બાપાશ્રી નાહીને ખુરશી પર તડકે બેઠા. પછી છાતી તથા પેટ ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, હવે જુઓ ! શરીર સારું થઈ ગયું જણાય છે, એમ અતિ પ્રસન્નતા જણાવી. ।। ૧૧ ।।
વાર્તા ૧૨
કારતક વદ ૧ને રોજ સવારે ચાર વાગ્યા ટાણે બાપાશ્રી નાહી, પૂજા કરી ઢોલિયા ઉપર બેઠા હતા અને સંત-હરિભક્તો સેવા કરતા હતા. તે સમયે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આવી સેવા કોઈને મળતી નથી; આ સેવા ને આ વસ્તુ તમને મળી છે. તેથી તમારા જેવાં કોઈનાં ભાગ્ય નથી. આ સેવા દિવ્ય છે. બીજા ઘણા જાડા ને બળવાન, ને વીશ ગાઉ ચાલી શકે તેવા હોય, કેટલાક મોટા મોટા ઉત્સવ, સમૈયા ને યજ્ઞ કરે એવાય હોય, પણ આ સેવા વિના બધુંય કાર્ય છે ને વાચ્યાર્થ છે. જો લક્ષ્યાર્થ હોય તો શ્રીજીમહારાજ કાંકરિયે ચોરાસી કરીને શું કરવા ચાલી નીસરે ? માટે કાર્યમાં શાંતિ નથી. શ્રીજીમહારાજ ગણેશ ધોળકા જઈને રહ્યા ત્યારે શાંતિ થઈ. મૂર્તિમાં શાંતિ છે, બીજે શાંતિ નથી. માટે મૂર્તિમાં અખંડ જોડાઈ રહેવું. આપણે તો એ કારણ મૂર્તિનું જ કામ છે. તમે કારણને ઓળખીને તે સેવા કરો છો. “તમે છો કારણના કારણ જીવન જાણું છું.” એમ મહારાજ ને મુક્ત બે કારણ છે. પછી આશાભાઈની પ્રશંસા કરીને કહ્યું જે, જેમ પર્વતભાઈના સેવક રાજાભાઈ હતા, તેમ આ અમારો રાજોભાઈ છે.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, આત્મા તો મૂર્તિમાં રહ્યો છે અને દેખાવ તો શ્રીજીમહારાજનો છે, ત્યારે કોઈ દંડવત કરે તે તો મહારાજને કરે છે તેને આપણાથી રાખો એમ કેમ કહેવાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે ગઢડે ગયા હતા તે કોઠારમાં રહેલા એક અધિકારી આસને બેઠા હતા. ત્યાં સાધુ આવ્યા ને દંડવત કરીને થાકી ગયા તોપણ રાખો એમ તે ન બોલ્યા, એટલે સાધુએ થાકીને પડ્યા મૂક્યા એમ ન કરવું. રાખો એમ તો કહેવું. એ રૂઢિ મૂકી દેવી નહીં. મૂર્તિમાં રસબસ રહેવું. આ સેવા-સમાગમ જેવું કોઈ સાધન નથી. અતિ મોટાં ભાગ્યવાળાને આવી સેવા મળે છે. એમ કહીને સર્વેને માથે હાથ મૂકીને બોલ્યા જે, હવે તમે જશો ત્યારે અમને આવા સાધુ ક્યાંથી મળશે ! આવા સાધુ કોઈ બ્રહ્માંડમાં નથી, એમ સંતો ઉપર અતિ પ્રસન્નતા જણાવી. ।। ૧૨ ।।
વાર્તા ૧૩
કારતક વદ રને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૩૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં પોતાના સાથળને વિષે ઝાડનો ખાંપો લાગ્યો હતો એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સ્વામી વૃંદાવનદાસજીને ભારાસરમાં મંદવાડ આવ્યો હતો; તે જ્યારે નારાયણપુર જવા નીકળ્યા ત્યારે મટી ગયો.
ત્યારે કરસન હરજીએ પૂછ્યું જે, બાપા ! સ્વામીને શું મંદવાડ હતો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજની આજ્ઞા એવી છે કે, ત્યાગી હોય તેને પોતાની જન્મભૂમિમાં ન જાવું. તેથી સ્વામી ભારાસરમાં જતા નહીં. પણ હરિભક્તોએ અમને બહુ પ્રાર્થના કરી જે, દયા કરીને સ્વામી સહુને દર્શન દેવા પધારે તો ઠીક. ત્યારે અમે આજ્ઞા કરીને ભેગા લીધા. અમારા વચને આવ્યા તો ખરા, પણ રુચિ નહિ; તેથી શરીરમાં મંદવાડ હોય એમ જણાવ્યું. તે જ્યારે ભારાસરથી ચાલ્યા અને નારાયણપુર આવ્યા ત્યારે સાજા થયા હોય એમ લાગ્યું. આમ મોટા સંત રુચિ જણાવે, તે તો બીજાના સમાસને અર્થે હોય. એમ ઘણીક વાતો કરીને સમાપ્તિ કરી. તે વખતે વાંટાવદરથી સોમચંદભાઈ, અમૃતલાલભાઈ તથા શિવલાલ આદિ દર્શને આવ્યા, સાથે ભૂરાભાઈ તથા મનસુખભાઈનો કાગળ લાવ્યા હતા. તે સ્વામીએ બાપાશ્રી પાસે વાંચ્યો, તેમાં શિવલાલને શરણે લેવાની પ્રાર્થના હતી તે સ્વીકારી. પછી બંને સદ્ગુરુઓએ સહિત તેનો હાથ ઝાલી વર્તમાન ધરાવી, તેના ગુના માફ કર્યા અને તેનું કાંડું ઝાલીને બોલ્યા જે, અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન વિના આમ ગુના માફ કરનાર કોઈ છે ? પછી સોમચંદભાઈની પ્રશંસા કરી જે, આ પંડ્યો અમે પ્રમાણ કર્યો છે, તે ઠાવકો પંડ્યો છે. એમ કહીને બોલ્યા જે, આ પંડ્યાનો ને લાલુભાઈનો જોગ કરજે અને મહારાજની આજ્ઞામાં રહેજે. પછી એ ત્રણે હરિભક્તોએ બાપાશ્રીની પૂજા કરી મગફળી, ટોપરા, ખારેકોના હાર પહેરાવ્યા અને હથેળીમાં કુંકુમ લઈને ભાલમાં મોટો ચાંદલો કર્યો. તે વખતે બાપાશ્રીનું નવીન દર્શન થતું હતું. તેથી સ્વામી વૃંદાવનદાસજી રમૂજે યુક્ત વચન બોલ્યા જે, અબધૂત જોગી કહાં સે આયે હો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન.’ યહાં સે આયે હે. યહ મૂર્તિ હમેરે ખાવંદ હે. થોડી વાર પછી તડકે આવી ખુરશી પર બેઠા. ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી આવ્યા. પછી સ્વામી વૃંદાવનદાસજી પાસે બેસી શિક્ષાપત્રીનો પાઠ કરવા મંડ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ! વાંચો. ત્યારે સ્વામીશ્રી એક શ્લોક બોલીને અર્થ કરવા લાગ્યા. પછી બાપાશ્રી બોલ્યા જે, આ શિક્ષાપત્રી તે અમારુ પકડ છે, આ પકડથી તમને પકડાય. આમાંની કઈ આજ્ઞા પળાય છે તે ખબર પડે. તરબી જાણું, ઢબબી જાણું, ઓસાણ નહિ આયા, તે આ ઓસાણ છે. કોઈક શાસ્ત્રી આવ્યો હોય તો તેને કહીએ કે આ તમે પાળો છો કે નહીં ? એમ પકડીએ. પછી સર્વેને પ્રસાદી વહેંચીને બોલ્યા જે, લો લો. એમ કહીને પ્રસાદી આપતા કીર્તનની ટૂંક બોલ્યા જે, “નહિ આવે ફેરી, નહિ આવે ફેરી; આ અવસર નહિ આવે ફેરી.” પછી બપોરના બે વાગે સંત-હરિજનો સહિત બાપાશ્રી નાહવા ગયા, ત્યાં ધરામાં સંત-હરિભક્તોએ સહિત નાહી પરસ્પર મળ્યા ને ત્યાં બેસી સર્વેએ માનસીપૂજા કરી. પછી નારાયણપુરના હરિભક્તોની પ્રાર્થનાથી પરબાર્યા સંત-હરિજનોએ સહિત બાપાશ્રી નારાયણપુર પધાર્યા. ।। ૧૩ ।।
વાર્તા ૧૪
કારતક વદ ૩ને રોજ સવારે નારાયણપુરના મંદિરમાં સભામાં વચનામૃતની કથા વંચાતી હતી.
તે વખતે બાપાશ્રીએ સંતોને પૂછ્યું જે, તમે ન્યાલકરણને ઓળખ્યા છે ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, હા, મહારાજ ન્યાલકરણ છે. પછી બાપાશ્રી એમ બોલ્યા જે, વાહ રે, વાહ ! જેવા સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી ! તેવા જ સ્વામી નિર્ગુણદાસજી ! તે અમારા ગુરુ હતા. એ સ્વામીએ આ ઈશ્વર બાવાને મેળવી દીધા એટલે અમને ઓળખાવ્યા. બીજા તો હતા પણ તે સ્વામીનુંય માનતા નહોતા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને બોલ્યા કે, સ્વામી ! ન્યાલ કર્યો તે તમે કચ્છમાં આવ્યા. સાજું બ્રહ્માંડ ફરી આવો તોય આવા સંત ક્યાંય ન મળે. આ સંતનાં દર્શન પણ દુર્લભ છે, આ સંત સાંભરે તો મૂર્તિ સાંભરે. ન્યાલ કર્યો ! મને ન્યાલ કર્યો ! બીજા તો એનું એ જાણે. હવે આપણે ચાર દિવસમાં વિયોગ થાશે. પછી સંતોએ કહ્યું જે, બાપા ! વિયોગ થવા દેશો નહીં. સદાય આવાં ને આવાં દર્શન દેજ્યો. પછી બાપાશ્રી બોલ્યા જે, બહુ સારું મહારાજ ! આમ ને આમ કથા-વાર્તા કરજો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આપ અમારા ભેળા રહી કથા-વાર્તા કરાવજો અને કૃપા કરી મૂર્તિના સુખમાં જોડી દેજ્યો. ત્યારે બાપાશ્રી કહે જે, બહુ સારું. પછી એમ બોલ્યા જે, મોટાની કૃપા તો જોઈએ. કૃપા વિના કાંઈ કામ ન થાય. આ વસ્તુ ઓળખવી તે બહુ ઓંઝી (કઠણ) છે. પોતાની મેળે ઓળખાય એવી નથી. કેવા સ્વામિનારાયણ ભગવાન ! કેવા આ સાધુ ! કેવી આ પ્રાપ્તિ ! આ તો બહુ જબરી વાત છે. હવે આપણે દિવસ બે કે ત્રણ રહ્યા. તો આપણે શું કરવાનું ? સદા ભેળું રહેવાય, નોખું કોઈ દિવસ ન પડાય એ કરવાનું. આ બધી બ્રહ્મની મૂર્તિઓ છે, પણ એવો મહિમા સમજાય તો. પછી દેવરાજભાઈને કહ્યું જે, આ જણસ કેવડી ! તે પામવી છે. એને એવા મોટાપુરુષ ઓળખાવે. આવા ન ઓળખાય તો કામ ન સરે અને જો ઓળખાય તો કાંઈ બાકી ન રહે. પછી કહે, સ્વામી નિર્ગુણદાસજી કેવા ! સ્વામી હરિનારાયણ દાસજી કેવા ! જાણે બ્રહ્મની મૂર્તિઓ ઊભી હોય ને શું ! ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે જે, તમે કોઈકમાં પ્રવેશ કરો તો એવા થાય. પછી બાપાશ્રી બે સદ્ગુરુ પ્રત્યે બોલ્યા જે, તમોએ આ એક દેવરાજભાઈને સાજા કરી દીધા એટલે દિવ્યભાવ સમજાવ્યો તેથી અમને આનંદ થયો છે. પછી દેવરાજભાઈએ પ્રાર્થના કરી જે, બાપા ! મારી ભૂલ માફ કરો. આ સંતે બહુ દયા કરી મને ઉગાર્યો ને મહિમા સમજાવી તમારી ઓળખાણ પડાવી. હવે મને સદાય ભેળો રાખજો. ત્યારે બાપાશ્રી કહે જે, તમે તો મારી જોડે છો, એમ કહીને હાર પહેરાવીને બહુ જ રાજી થઈ માથે હાથ મૂક્યા ને સંતોને આજ્ઞા કરી જે, એને માથે હાથ ફેરવો. ત્યારે સર્વેએ હાથ ફેરવ્યા તેથી તેમણે રાજી થઈ દંડવત કર્યા. એવી રીતે ખીમજીભાઈએ પણ પ્રાર્થના કરીને ભૂલ માફ કરાવી. ત્યારે તેમને બાપાશ્રીએ કહ્યું જે, સદાય આવો ને આવો દિવ્યભાવ રાખજો. પછી બોલ્યા જે, આ કાંઈ અમારી મોટપ સારુ નથી કહેતા. અમે તો સર્વેના સેવક છીએ પણ તમારું સારું થાય તે સારુ વાત કરીએ છીએ. તમે મહારાજ અને આવા સંતને ઓળખજો અને સદાય દિવ્યભાવ રાખજો. ।। ૧૪ ।।
વાર્તા ૧૫
કારતક વદ ૭ને રોજ સવારે નારાયણપુરના મંદિરમાં વચનામૃતની કથા વંચાતી હતી, એવામાં ઝીણાભાઈ વૃષપુરથી આવ્યા. તેમને બાપાશ્રીએ પૂછ્યું જે, મકડ (તીડ) આવ્યાં હતાં તે છે કે ગયાં ? પછી તે કહે જે, ઉગમણા ગયાં જણાય છે. ત્યારે બાપાશ્રી કહે, ડુંગરા ઉપર ગયાં છે ? તો કહે જે, હશે ખરાં. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આપ સર્વે જાણો છો, ને એ બિચારાને કેમ પૂછો છો ? બધી આપને ખબર તો છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમારે બેય જોઈએ. મહારાજ અને મુક્તની લીલા નટની માયા જેવી છે. આ લોકના ભેળા વર્તીએ અને કુટાઈએ, આપણી વાત અમે ને તમે જાણીએ. બીજા શું જાણી શકે ? બીજાને ન જણાવીએ. આ લોકના ભેળું આ લોકનું રાખીએ. અમારે મોલ વાવવો ખપે, હજાર-પંદરસોનું બી વાવી મૂક્યું છે તે મકડ ખાઈ જાય તો છોકરાં શું ખાય ! અમને તો ખાવાનું મહારાજે અને તમે ઘણું આપ્યું છે. આ લોકમાં અમનેય ખપે ને તમનેય ખપે. તમારે લાડુ ને ગાડું જોઈએ. તમને લાડુ જમાડીને કોઈ એમ જાણે કે એ તો ચાલ્યા જશે. ગાડાંનું કાંઈ નહિ, એમ સમજીને ગાડું ન જોડે તો કાંઈ ચાલે ? એ તો બધુંય જોઈએ. દિવ્ય વાત તો અમારી ને તમારી જુદી છે. આ લોકમાં તો બધુંય ખપે. એક વાત ન રાખીએ, બેય વાત જોઈએ. જો એમ ન રાખીએ તો લોકમાં સાનુકૂળ પડે નહિ, માટે એમ રાખીએ છીએ. ।। ૧૫ ।।
વાર્તા ૧૬
કારતક વદ ૧૦ને રોજ સવારે બાપાશ્રી નાહી, પૂજા કરી સર્વે સંતોને ઉઘાડે શરીરે મળ્યા. પછી વસ્ત્ર પહેરીને આસને આવ્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આ દેવરાજભાઈ આપનો હવે બરાબર દિવ્યભાવ સમજ્યા માટે એમનું અને સર્વેનું સહિયારું કરો. પછી બાપાશ્રીએ સર્વેના હાથ ભેળા કરાવીને પોતાનો એક હાથ નીચે રાખ્યો અને બીજો ઉપર રાખ્યો અને સર્વેને કોલ દીધો જે, આ સર્વેને સહિયારું. પછી સ્વામી કહે જે, પાણી લાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે ભૂલો છો, પાણી અધિક કે આ અધિક ? પછી સ્વામી કહે જે, સર્વેને સંભારણા માટે. ત્યારે બાપાશ્રી બોલ્યા તો તો ઠીક, લાવો. પછી પાણી લઈને સર્વેને આશીર્વાદ આપ્યા જે, આમ ને આમ સર્વેને ભેળા રાખીશું. પછી સંતોએ હેત-રુચિવાળા સંત-હરિભક્તોનાં નામ લઈને કહ્યું જે, એ સર્વેને ભેળા રાખજો. ત્યારે બાપાશ્રી કહે જે, બહુ સારું. તે વખતે ખીમજીભાઈ આવ્યા. તેમને પણ એવી જ રીતે આશીર્વાદ આપ્યા. પછી બોલ્યા જે, તમને આશીર્વાદ તો આપ્યા પણ તમો સાચવી રાખજો અને આવા સંતનો જોગ કરજો. હવે સંતો દેશમાં જવા તૈયાર થાય છે.
પછી ભૂજના બે સંત આવ્યા. તેમને પણ એવી જ રીતે આશીર્વાદ આપ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ઠાકોરજીને જમાડીને આવ્યા ત્યારે કહ્યું જે, સ્વામી ! તમારાં ગાડાં આવ્યાં ? ત્યારે કહે, ના, હજી આવ્યાં નથી. જો આપ દયા કરીને રાખો તો અમે રહીએ. ત્યારે કહે જે, ના, હવે ઘણું રહ્યા ને ન્યાલ કર્યા. તમે ન્યાલ કરો એવા છો. એમ કહીને બાપાશ્રી દેવરાજભાઈ પ્રત્યે બોલ્યા જે, તમે આ સંતને ઓળખ્યા તેથી કામ થઈ ગયું, આવા સંત ક્યાંય ન મળે. સંત તો બધાય છે પણ આવા સંતથી કામ થાય તે બીજાથી ન થાય. ઉત્સવ, સમૈયા, મંદિરો એ આદિ કામ આ સંત કરતા ન જણાય. પણ જે કામ આ સંત કરે તે બીજાથી ન થઈ શકે. મૂર્તિમાં રસબસ કરવા તે આવા સંતથી થાય. આ સંતનાં દર્શનથી, સ્પર્શથી કામ સરે. એમનો વાયુ ભટકાઈને જેના ઉપર પડે તે બધાનું કલ્યાણ થાય, એવા સમર્થ આ સંત છે. માટે આવા સંતનો જોગ રાખજો; તો ધામમાં હડેડાટ ચાલ્યા જવાય. આ સંત બ્રહ્મની મૂર્તિઓ છે. પછી બોલ્યા જે, સંત કોને કહીએ તો શાંતિને પમાડે તે સંત. આ સંત તો ગૌમુખી ગંગા છે, તે ગૌમુખીમાંથી મહારાજનું સુખ આવે છે. આવા જંગમ તીર્થનો મહિમા સમજીને જોગ કરવો, એમ વાત કરી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! અમને વૃષપુર ભેળા લઈ જાઓ. ત્યારે બાપાશ્રી કહે જે, હવે નહિ, ઘણું રહ્યા. સાધુ પણ નહિ ને આશાભાઈ પણ તમારા ભેળા ચાલે. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, બાપા ! તમે શરીરે તાવ દેખાડો છો તેથી આપને મૂકીને જવાનો સંકલ્પ થતો નથી. ત્યારે બાપાશ્રી કહે જે, હવે તાવ નહિ રહે. પછી સ્વામીએ કહ્યું જે, અમે ફેર આપને દર્શને આવીએ ત્યાં સુધી તાવ કે બીજો મંદવાડ કાંઈ પણ રાખશો નહીં. ત્યારે બાપાશ્રી કહે જે, “હવે મંદવાડ જતો રહેશે; તમે કાંઈ ચિંતા રાખશો નહીં.” પછી સંતોએ પ્રાર્થના કરી જે, તમે અમારા ભેગા સદાય રહેજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે સદાય તમારા ભેગા રહેશું. તે વખતે આશાભાઈએ કહ્યું જે, બાપા ! આપ ઠાકોરજી જમાડી લો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમને વળાવીને પછી જમવા જઈએ. ત્યારે સ્વામીએ કહ્યું જે, અમારા ગાડાંની ઘણી વાર છે, આપ જમીને પધારશો પછી અમારે જવાનું થશે. થોડી વાર પછી બાપાશ્રી જમીને પાછા આવ્યા, તે વખતે સર્વે સંત આવીને પગે લાગીને બેઠા. ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમે જો ભૂજ કાલે રહેવાના હો તો અમે ભૂજ આવીએ અને જો કાલે જ ભૂજથી નીકળવાના હો તો અમે ગરનાળા સુધી વળાવવા આવીએ. ત્યારે સંતોએ કહ્યું જે, ના બાપા ! આમ ને આમ મહારાજ ને આપ સદા ભેળા રહેજો. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, અમે આપની વાતો લખી છે તે છપાવીએ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે આ વચનામૃત છપાવ્યાં છે તે વાંચીને અનેક મુમુક્ષુઓ ન્યાલ થાય છે. માટે વાતો પણ છપાવજો તેથી અનંત જીવનો આત્યંતિક મોક્ષ થશે. પછી બાપાશ્રીએ કહ્યું જે, સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી અમારા જીવનપ્રાણ હતા. તેમના તમે બધાય છો તે ભેળા રહેજો, કોઈ નીકળી જાય તો તે જાણે. પછી એમ બોલ્યા જે, મહારાજ ! તમને કોઈક અહીં તેડાવે તો સુખેથી આવજો. તમારે આવવેથી સંત-હરિજનોમાં ઘણો સમાસ થયો, તેથી સૌ રાજી રાજી થઈ રહ્યા છે. પાછા વળી ફેર આવશો એટલે વધારે સમાસ થશે. કેમ દેવરાજભાઈ ! સમાસ થયો કે નહીં ? ત્યારે તે કહે જે, હા બાપા ! સમાસ બહુ સારો થયો. વળી ફેર પધારે તો ઘણો લાભ થાય. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે એ તો આપના પ્રતાપથી સહુ સુખિયા થયા છે. પછી બાપાશ્રી બોલ્યા જે, તમોએ પણ આ ફેરે વાતોચીતોનું સુખ બહુ આપ્યું છે. વળી કોઈક યજ્ઞ કરશે, તો તમને જરૂર તેડાવીશું. ત્યારે તમે આવજો. તમે ખરા સાધુ છો તે ભૂજમાં અને ગામડાંમાં બધેય હરિભક્તો લઈ જશે. અમારે ઘેર તો ઘણું રહેજો. અમારાં છોકરાં બાજરો પકવશે ને આપણે ઠાકોર જમાડીશું ને ભેળા મળીને મહારાજનું સુખ લેશું ને જે લેશે તેને આપીશું. આ ફેરે તમે બહુ દયા કરી તે કેટલાય સુખિયા થયા છે. હવે તમે જ્યાં જાઓ ત્યાં બ્રહ્મયજ્ઞ કરજો. મૂર્તિનો રસ રેલાવજો. અમે સદાય તમારા ભેળા રહીશું ને જ્યાં જાશો ત્યાં અમે ભેગા જ છીએ એમ જાણજો. પછી સ્વામીએ બાપાશ્રીને કહ્યું જે, ભૂજમાં ઘેલાભાઈએ વાત કરી છે કે મારે પારાયણ કરાવવી છે, તે બાપાશ્રી પધારે તો કરાવું. તમે બાપાશ્રીને મારી વતી વિનંતી કરજો કે મારો સંકલ્પ દયા કરીને સત્ય કરે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમે ભૂજ જઈને તેમને કહેજો કે તમારો સંકલ્પ સત્ય કરીશું. પણ એ દીર્ઘસૂત્રી છે તે જો વિચાર કર્યા કરશે તો ભેળું નહિ થાય. આમ વાત કરી એટલામાં બાપાશ્રીની ઘોડાગાડી તથા સંતોનાં ગાડાં આવ્યાં. ત્યારે બાપાશ્રી કહે જે, અમને ઊભા કરો, એટલે આશાભાઈ હાથ ઝાલવા ગયા. તેમને કહ્યું જે તમે નહીં. અમને આ બે બાવા ગાડીએ ચડાવે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ તથા સાધુ મુક્તવલ્લભદાસજીએ બાપાશ્રીને બાવડે ઝાલીને ગાડી ઉપર ચડાવ્યા. પછી બાપાશ્રી ગાડીમાં બેસીને વિરહના કીર્તનની ટૂંક બોલ્યા જે,“આજ સોહાગણ હું રંડાણી, ભરદરિયે વહાણ ભાંગ્યું રે” ત્યારે સ્વામી કહે જે, બાપા ! અમારે જવું નથી, આજ્ઞા કરો તો રહીએ. પછી બાપાશ્રી બોલ્યા જે, સર્વેની વૃત્તિઓ ગુજરાત અને ઝાલાવાડ તરફ ગઈ છે તેથી તમને જુદા પાડીને રખાય નહીં. માટે તમે આશાભાઈ આદિ સર્વે જાઓ, એમ આજ્ઞા કરી. પછી હરજીભાઈએ ગાડી હાંકી અને સંત સર્વે સડક ઉપર ચોકીએ આવ્યા, ત્યાં બાપાશ્રીએ વૃષપુર તરફ વડ નીચે ગાડી ઊભી રખાવીને મોતીભાઈને કહ્યું જે, સંતોને અહીં બોલાવી લાવો. તેથી તે સ્વામીને બોલાવી લાવ્યા. પછી સર્વે સંત-હરિજનોએ આવીને દંડવત કર્યા તે વખતે પણ બાપાશ્રી ઉપરના કીર્તનની ટૂંક બોલ્યા. ત્યારે પણ સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! અમે જવા રાજી નથી, આજ્ઞા કરો તો રહીએ. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ના જાઓ; અમે સદા ભેળા જ છીએ. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, અમારે સર્વેને આપની પાસે એક વચન માગવું છે તે આપવા કૃપા કરશો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હા. ત્યારે કહ્યું જે, અમને આ દેહ સાંભરે છે, તે ન સાંભરે ને એક મહારાજની મૂર્તિ જ સાંભરે, ને તે અખંડ દેખીએ, એવી કૃપા કરો. પછી બાપાશ્રીએ રાજી થઈને માથે હાથ મૂકીને કહ્યું જે,‘આજથી સર્વેને એમ જ રહેશે’ એ વર આપ્યો. એમ સર્વે ઉપર બહુ રાજી થયા. પછી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સંત સર્વે ભૂજ આવ્યા. પછી સ્વામીએ ઘેલાભાઈને પારાયણ વિષે બાપાશ્રીની હા છે, એ વાત કરી. તે સાંભળીને ઘેલાભાઈ બહુ જ રાજી થયા અને સંતો ગુજરાત તરફ આવ્યા. ।। ૧૬ ।।
વાર્તા ૧૭
સંવત ૧૯૮૩ના ભાદરવા સુદ ૯ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજી ઉપર બાપાશ્રીનો તાર આવ્યો. તેથી સ્વામીશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતો ગુજરાતથી સિનોગરે ગયા. ત્યાં કથાની સમાપ્તિ વદ ૧ને રોજ થઈ. બીજે દિવસે બાપાશ્રી સાથે સર્વે સંતો ભૂજ ગયા. ત્યાં સભામાં કથા પ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, આ સભા દિવ્ય છે, મહારાજ ને તેમના અનાદિમુક્ત નિર્ગુણ છે; આ સભાને મહારાજ સાથે એકતા છે. આવા મોટા સંત જ્યાં વિચરે તે ભૂમિનાં અહોભાગ્ય ! આ ટાણું બહુ દુર્લભ છે. આ સભા અક્ષરધામની છે, એમ મહારાજ કહે છે. એવો મહિમા જણાય તો કાંઈ બાકી રહે નહીં. એ રીતે ઘણી વાતો કરી. પછી સર્વે સંતોને આજ્ઞા કરી જે, તમે ભોગીલાલભાઈ, ઘેલાભાઈ, ધનજીભાઈ, વાલજીભાઈ, લાલશંકરભાઈ આદિ સર્વ હરિજનોને રાજી કરીને નારાયણપુર આવજો. અમે પણ ત્યાં આવીશું. એમ કહીને વૃષપુર પધાર્યા. બીજે દિવસે સાધુ ભક્તિપ્રિયદાસજીએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને આસને આવીને કહ્યું જે, તમને હાથ જોડીને વિનંતી કરું છું જે, તમે સભામાં વાતો કરો છો તે કેટલાક સમજી શકતા નથી. ત્યારે સ્વામીએ કહ્યું જે, આ ન સમજે ત્યાં સુધી જન્મમરણ ટળે નહીં. તે વખતે ભોગીલાલભાઈ બેઠા હતા. તે બોલ્યા જે, તમે આ સદ્ગુરુઓની વાતોમાં મૂંઝાઓ છો તે મૂંઝાવા જેવું શું છે ? અમે આ વાતો બરાબર સમજી શકીએ છીએ ને બાપાશ્રીએ અમને આ બધી વાતો સમજાવી છે; માટે અમે સદ્ગુરુઓને પ્રાર્થના કરીએ છીએ કે આ વાતો બધેય કરજો. આ સદ્ગુરુઓ કેવા છે તો જેનાં દર્શનમાત્રે કરીને પામર અને પતિત જીવોના ઉદ્ધાર થાય છે ને ઠેઠ શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં પહોંચાડી દે છે. તમને વાતોમાં મૂંઝવણ થાય છે તેનું કારણ તમારી નજર પહોંચતી નથી. પણ આ વાતો સમજ્યા વિના આત્યંતિક મોક્ષ થાય તેમ નથી, એમ કહ્યું એટલે તે કાંઈ બોલી શક્યા નહીં. પછી જ્યાં સુધી સંતો ભૂજમાં રહ્યા ત્યાં સુધી વચનામૃતની કથા પ્રસંગે બંને સદ્ગુરુઓ મહારાજ તથા મોટાના પ્રતાપની અલૌકિક વાતો કરતા, પ્રશ્ન-ઉત્તર થતા તેથી હરિભક્તો બહુ રાજી થયા.
ભાદરવા વદ ૯ને રોજ સર્વે સંતો નારાયણપુર ગયા. બાપાશ્રી પણ બીજે દિવસે એટલે વદ ૧૦ને રોજ નારાયણપુર પધાર્યા. ત્યાંથી એકાદશીને રોજ સંતો ભારાસર ગયા અને બાપાશ્રી વદ ૧૨ને રોજ તડકામાં ઘોડીએ બેસીને બપોરે બે વાગે ભારાસર પધાર્યા. તે વખતે એમ બોલ્યા જે, અમે આજ તપ કર્યું. તમે દરિયો ઝંઘી ઝંઘીને અમ સારુ આવો છો તે અમે જાણીએ છીએ. અમે કાંઈ કૃતઘ્ની નથી. તાપ-તડકો વેઠીને તમ કેડે વાંસે વાંસે ફરીએ છીએ એમ વાત કરી. પછી સંતો તથા હરિભક્તોના આગ્રહથી બાપાશ્રીએ ઠાકોરજીને જમાડ્યા, પછી જળપાન કરી સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને ઊભા થયા ને મંદિરમાં હરતાં-ફરતાં પેટ ઉપર હાથ ફેરવતા જાય ને સ્વામીને કહેતા જાય જે, આજ તો તમારા આગ્રહથી અને હેતથી અમે મહારાજને ખૂબ જમાડ્યા. ।। ૧૭ ।।
વાર્તા ૧૮
ભાદરવા વદ ૧૩ને રોજ શ્રી ભારાસરના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, અમે અમદાવાદ સંઘ લઈને ગયા હતા. ત્યાં એક વિદ્વાન સાધુએ વાત કરી, તે મહારાજને પ્રકૃતિપુરુષ જેવા વર્ણવ્યા અને મહાકાળ, નરનારાયણ, વાસુદેવબ્રહ્મ તેથી પર મૂળઅક્ષર એ બધાય રહી ગયા ને પ્રકૃતિપુરુષ જેવા કહ્યા. પછી અમે કહ્યું જે તમે વિદ્વાન તો મહારાજને માયા સુધી વર્ણવો છો, તેથી પર તો સમજતા જ નથી. માટે અમે વિદ્વાનથી તો બીએ છીએ; વિદ્વાનને મહારાજ હાથ આવવા ઘણા દુર્લભ છે. આપણે તો મૂળઅક્ષરથી પર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે, જેમાં રસબસ થઈ રહેવું. આ સાકરની ગુણ આવી છે તેને લૂણ ન માનશો. પ્રકૃતિના કાર્યને તો જોઈ જોઈને જીવ થાકી ગયા છે. તે જો મહારાજની મૂર્તિમાં જોડાય તો અહોહો થઈ જાય. તમે પ્રકૃતિ આદિકમાંથી અને મૂળઅક્ષરમાંથી નીકળીને મહારાજને ઓડા થયા છો. જે મૂર્તિમાં જોડાઈ ગયો તેને બીજું કાંઈ ભાસે કે સાંભરે નહીં. તે અનુભવજ્ઞાન કહેવાય. જેમ ખોટો પૈસો બહાર કાઢી નાખીએ, તેમ પ્રકૃતિ આદિકને ખોટું કરે તેમાં શું વળે ? કાંઈ ન વળે. આ જોગ ને વખત સારો છે. પછી બોલ્યા જે, તમને ક્યાંઈક ખણીને વનમાં જઈએ તો કેમ કરો ? ત્યારે સંત કહે જે, તમારા ભેગા મહારાજની મૂર્તિમાં રહીએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કલ્પેકલ્પ વીતી જાય તોપણ એ સુખમાંથી બહાર નીકળાય નહિ ને પૂર્ણ ન થવાય. મૂર્તિમાં જોડાયા વિના સુખિયું થવાય નહીં.
પછી જામનગરવાળા રતિલાલ કરુણાશંકરે પૂછ્યું જે : મૂર્તિમાં હરવા-ફરવાની જગ્યા ખાલી હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં હરવું-ફરવું ક્યાંય નથી. જેમ રહ્યા છે તેમ જ છે અને સભા સહિત છે. તે મહારાજ ને મુક્ત અરસપરસ દેખે છે. બહારના દેખતા નથી. એટલી વાત કરીને બોલ્યા જે, અમારે હાલ જવું છે તમે કેમ કરશો ? ત્યારે સ્વામી કહે જે, આજ તો આપને હરિભક્તો રોકશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભલે, રોકશે તો આપણે કોઈ બીજો અર્થ નથી. એક મોક્ષ કરવા માટે ફરવું છે, તે જે આવે તેને મૂર્તિમાં રાખીશું. પણ કોઈ અજ્ઞાની અવગુણ લઈ મરી રહે તેનું કેમ કરવું ? ત્યારે સ્વામીએ કહ્યું કે, તેણે કરીને કાંઈ મોક્ષ કરવો તે બંધ રખાય ? મરનાર હશે તે મરશે અને જે મોક્ષાર્થી હશે તે મૂર્તિના સુખમાં આવશે. પછી બાપાશ્રી એમ બોલ્યા જે, આજ આપણે ચારે જણ પગે ચાલીને જઈએ તો કેમ ? હું ને સ્વામી વૃંદાવનદાસજી તો ચાલી શકીએ પણ તમે (સ્વામી ઈશ્વરચરણદાસજી) ને સ્વામી ઘનશ્યામજીવનદાસજી બે ચાલી શકો નહીં. એમ રમૂજ કરીને જવાનું બંધ રાખ્યું. ।। ૧૮ ।।
વાર્તા ૧૯
ભાદરવા વદ ૧૩ને રોજ બપોરે સભામાં જેતલપુરનું ૪થું વચનામૃત વંચાતું હતું. તેમાં અર્જુને મચ્છ વેંધ્યો એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેમ અર્જુને પક્ષીનું એકલું મસ્તક જ દેખ્યું તેમ આપણે એક મૂર્તિ જ રાખવી. પણ મૂર્તિ વિના કાંઈ છે જ નહિ એમ સમજવું. તે મૂર્તિમાંથી ઝળળળ ઝળળળ તેજ છૂટે છે. તે તેજમાં મૂર્તિ રહી છે. તે મૂર્તિમાં કલ્પેકલ્પ વીતી જાય, તોપણ એ સુખમાંથી બહાર અવાય જ નહીં. સદાય મૂર્તિમાં જ રહેવાય, તે ઉત્તમ સ્થિતિ છે. એ કરવા આપણે ભેળા થયા છીએ. આ ગામમાં બધાય એવા છે. એમણે તો અમને આ (ભારાસર) ગામમાં લાવવાનો પાસ મેળવ્યો છે, એટલે અતિ હેતે કરીને મહારાજનો અને મોટાનો દિવ્યભાવે મહિમા સમજ્યા છે તેથી એ સુખિયા છે. તેમના ઉપર મહારાજનો ને મોટાનો ઘણો રાજીપો છે. અમે એમના હેતને લઈને વારેવારે આવીએ છીએ. તમે સંતો પણ અમને લઈને આવો છો. અમે ન હોઈએ તો તમો આ દેશમાં કોઈના લાવ્યા પણ આવો તેમ નથી. એમ અમો જાણીએ છીએ. પછી સાંજના ભારાસરમાં બાપાશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી એ ત્રણ સંતોને ગાડીમાં બેસારીને તે ગાડી હરિજનો તાણીને તલાવડીએ લઈ ગયા; સાથે સંત-હરિજનો ઘણા હતા. તે તલાવડીમાં બાપાશ્રી તથા સદ્ગુરુઓ ત્રાપેથી તરીને નાહ્યા. પછી સર્વેને નવરાવીને મળ્યા અને પાળ ઉપર બાવળની નીચે બાપાશ્રીની સર્વે સંત-હરિજનોએ ચંદન-પુષ્પ વડે પૂજા કરી. તે વખતે એ તલાવડીનું ‘ઘનશ્યામ તલાવડી’ નામ પાડ્યું અને ઘાટનું ‘પુરુષોત્તમ ઘાટ’ એ નામ પાડ્યું. પછી પ્રસાદી વહેંચીને મંદિરમાં પધાર્યા. ત્યાં રામજીભાઈએ પ્રાર્થના કરી જે, બાપા ! ગામમાં પધારવાની દયા કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કોને ઘેર જવું છે ? ત્યારે રામજીભાઈ કહે, બાપા ! સૌ હરિભક્તો પોતાને ઘેર લઈ જવાનું કહે છે. ત્યારે બાપાશ્રી કહે, ભલે, અમારી ક્યાં ના છે ? અમે તો જેમ હરિભક્તો રાજી થાય તેમ કરીએ છીએ. થાકનું કે ભૂખનું પણ ગણતા નથી. અમારે તો સર્વેને દિવ્યભાવ સમજાવી મૂર્તિના સુખે સુખિયા કરવા છે, બીજો કોઈ અર્થ નથી. એમ કહી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે અહીંના હરિભક્તો આખા ગામમાં લઈ જવાનું કહે છે તો કેમ કરીશું ? ત્યારે સ્વામી કહે, બાપા ! આ ગામ બધુંય મહિમાવાળું છે તેથી સૌની તાણ પૂરી કરવી જોઈએ. ત્યારે બાપાશ્રી કહે, અમે અહીંના હરિભક્તોનાં હેત જાણીએ છીએ. એમ કહીને પછી ગામમાં પધાર્યા અને ઘરોઘર ફર્યા. હરિજનોએ ચંદન-પુષ્પાદિક ઉપચારે કરીને પૂજ્યા. એમ આખું ગામ પ્રસાદીનું કરીને રાત્રે મંદિરમાં પધાર્યા. પછી બાપાશ્રીએ બીજે દિવસે સવારમાં વહેલા ઊઠી નિત્યવિધિ કરીને વાત કરી જે, અમે ને આ સર્વે સંત અક્ષરધામમાંથી આવ્યા છીએ. આ સંત પણ મહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે. આ વાત તમે ભૂલશો મા. અમે અને સંત તમારા હેતના બાંધ્યા આવ્યા છીએ અને તમારા ઉપર બહુ રાજી છીએ. એમ વાત કરીને સંતોને કહ્યું જે, તમે માનકુવે જાઓ. હેતરુચિવાળાને વાત કરીને શાંતિ પમાડજો. અમે વૃષપુર જઈશું. પછી સંતો બે દિવસ માનકુવે રોકાઈ હરિભક્તોને વાતેચીતે સુખિયા કરીને આસો સુદ ૧ને રોજ સાંજના દહીંસરે આવ્યા. ત્યાં બીજે દિવસે બાપાશ્રી વૃષપુરથી ઘોડીએ બેસી આશાભાઈ સાથે સવારમાં દહીંસરે પધાર્યા. ।। ૧૯ ।।
વાર્તા ૨૦
આસો સુદ ૩ને રોજ દહીંસરાના મંદિરમાં સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૨૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં પ્રત્યક્ષ ભગવાન તથા તે ભગવાનના સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહે નહિ એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પ્રગટ હોય ત્યારે ઓળખવા ઘણા દુર્લભ છે. આ સભા સર્વે દિવ્ય તેજોમય છે અને અનાદિમુક્ત તો મહારાજની મૂર્તિમાં રસબસભાવે જોડાઈ રહ્યા છે. મુમુક્ષુને પણ મૂર્તિમાં રસબસ કરી મૂકે છે. પરમએકાંતિક તો પોતા જેવા કરે છે, અનાદિ તો મૂર્તિમાં જ છે અને દેખાવ શ્રીજીમહારાજનો છે. તે અનાદિ તો મૂર્તિમાં લુબ્ધ છે એટલે મહારાજ સર્વેને ઉપદેશ કરે છે અને દર્શન આપે છે.
પછી બાપાશ્રી પુષ્પ હાથમાં લઈને બોલ્યા જે, આ પુષ્પ તથા જે જે મહારાજના સંબંધને પામ્યા તે સર્વે દિવ્ય છે. “સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કો વિશ્રામ.” એમ સર્વત્ર દિવ્યભાવ રાખવો. જીવ જ્યાં સુધી કાળો હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં. તે કાળો એટલે માયિક ૫દાર્થમાં આસક્તિવાળો અને ગોરો એટલે મૂળઅક્ષર પર્યંતના ઐશ્વર્યની ઇચ્છાવાળો, તેને પણ આ વાત સમજાય નહીં. એ તો મહારાજ દયા કરે ત્યારે સમજાય. મહારાજ તો જેટલા સંકલ્પ કરે તેટલી મૂર્તિઓ થાય ને જીવનો મોક્ષ કરે. કેમ લાલશંકરભાઈ ! આ વાત સમજાય છે ? આ સંતો ભાતાં બાંધીને મૂર્તિ આપવા આવ્યા છે, તો આપણે પણ એ મૂર્તિના ઘરાક થાવું. પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી આવ્યા એટલે બાપાશ્રી કહે, આ બાવો અમને મૂંઝવે છે. ત્યારે તે બોલ્યા જે, આપને મૂંઝવે એવો કોણ છે ? કોઈ નથી. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમે ચરાચર બ્રહ્મ છો પણ ભૂલી જતા નહીં. એટલે પ્રવાહ વાયુમાં જતા રહેતા નહિ, ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજી બોલ્યા જે, બાપા ! આપ મળ્યા છો તે વાંધો નહિ આવે. તમે રાજી છો તેથી મારે કોઈ વાતની ફિકર નથી. પછી બાપાશ્રી બોલ્યા જે, કંઈક જીવના કષાય કાઢી નાખે એવા મહારાજ આપણને મળ્યા છે. શ્રીજીમહારાજ સત્સંગમાં રોઝે ઘોડે બેસીને ફરે છે તે જે આજ્ઞા લોપશે, તેને ફડાક ફડાક મારશે. તે દીઠા છે ? ત્યારે સંતોએ કહ્યું જે હા, દીઠા છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ તો કેવળ કૃપાસાધ્ય છે, તે કૃપા કરીને આજ જીવના ઉદ્ધાર કરે છે. તેને રાજી કરવા ખપે. જીવ મહારાજને રાજી કરવા કઈ ક્રિયા કરે ? ક્રિયા એ જે પુરુષપ્રયત્ન કરે ત્યારે મહારાજ ને સંત તેના ઉપર કૃપા કરે. હવે તો ક્રિયાસાધ્ય ગઈ અને કૃપાસાધ્ય રહી. સંતો ! હવે તમે વાતો કરો અમે તો આજ થાકી ગયા. પછી સંતો બોલ્યા જે, આજ રાત્રિએ પોણા વાગે વિરમગામથી નાગરદાસભાઈ આવ્યા હતા ત્યારથી એમની સાથે વાતો કરીને એમને કાગળ લખાવી આપ્યો. એ પાછા ભૂજ ગયા ત્યારથી નાહી, પૂજા કરીને આપ બિરાજ્યા છો અને વાતો કરો છો તે સાત વાગ્યા સુધી રસ રેલાવ્યો. આજ તો બહુ વાતો કરી તે થાક લાગે ખરો જ તો ! પછી બાપાશ્રી બોલ્યા જે, એક હરિભક્તને સંકટ આવ્યું હતું તેને ટાળવા સારુ પ્રાર્થના કરી તે પાછા આજ ને આજ તુરત જ ચાલ્યા ગયા. તેને આપણો ભરોસો છે જે એમના વિના આ કામ બીજા કોઈથી થાય તેમ નથી. એમણે રક્ષાના કરનારા મહારાજ તથા મુક્ત વિના બીજા કોઈને જાણ્યા નથી તેથી પાંચસો ગાઉનો ધક્કો ખાધો, એવા મહિમાવાળા છે. અહીં એવો મહિમા સમજનારા થોડા. અહીંના હરિભક્તોને હેત તો બહુ પણ જાડી બુદ્ધિ છે તેથી કોઈ સંશય નાખનાર મળે ત્યારે મહિમા જાણ્યો હોય, પરચા-ચમત્કાર દેખ્યા હોય; તોય જેમ પ્રવાહ વાયુમાં ઊડી જવાય તેમ કેટલાક ભૂલી જાય છે. પછી સંતોને કહ્યું જે, હવે આ હરિભક્તોને નિયમ-ધર્મની વાતો કરો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, બાપા ! એ વાતો તો સત્સંગમાં થયા જ કરે છે. અને આપ જે જે વાતો કરો છો તેમાં મૂર્તિનું જ મુખ્યપણું આવે છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કરી કરીને કારણ મૂર્તિનું જ કામ છે, કરવાનું એ જ છે, તે નિયમ-ધર્મ પાળીને પવિત્ર થાય ત્યારે આ સભા મૂર્તિ પધરાવે છે. માટે મૂર્તિમાં રહેવાય તેવા પાત્ર થાવું અને મૂર્તિમાં રહેનારા અનાદિને ઓળખવા. પછી ખીમજીભાઈએ બાપાશ્રીને વિનંતી કરી જે હરિભક્તો સૌ પોતપોતાને ઘેર આપને તેડી જવા પ્રાર્થના કરે છે, તો સંત-હરિભક્તોએ સહિત ગામમાં પધારવા દયા કરો. તે સાંભળી બાપાશ્રી આખા ગામમાં સંત-હરિજનોએ સહિત દર્શન દેવા પધાર્યા. ત્યાં હરિભક્તોએ કેસર, ચંદન, કુમકુમ આદિકે બાપાશ્રીની તથા સંતોની પૂજા કરી. પછી આરતી વખતે મંદિરમાં પધાર્યા. ।। ૨૦ ।।
વાર્તા ૨૧
આસો સુદ ૪ને રોજ દહીંસરાના મંદિરમાં નિત્યવિધિ કરીને બાપાશ્રી આસને બેઠા. તે વખતે રામપુરથી દેવરાજભાઈ આવ્યા. તેમણે બાપાશ્રી તથા સંતોને પોતાને ગામ લઈ જવાની પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આ દેવરાજભાઈ રામપુર લઈ જવાની પ્રાર્થના કરે છે તે જાવું જોશે અને આ ગોડપુરના હરિભક્તો પણ તેમને ગામ લઈ જવા આવ્યા છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! પ્રથમ રામપુર જઈએ પછી ગોડપુર જઈશું. પછી વચનામૃતની કથા થતી હતી ત્યારે ખીમજીભાઈએ કહ્યું જે, બાપા ! આજ આપ રામપુર પધારવાના છો તેથી થાળ વહેલા તૈયાર થયા છે, માટે જમવા પધારો. ત્યારે કથાની સમાપ્તિ કરીને ખીમજીભાઈને ઘેર બાપાશ્રી જમવા પધાર્યા. થોડી વારે પાછા મંદિરમાં આવી સંત-હરિભક્તોએ સહિત રામપુર જવા તૈયાર થયા, ત્યારે ગામના હરિભક્તો સૌ વળાવવા આવ્યા. તે સર્વેને રાજી કરીને બપોરે ચાર વાગે બાપાશ્રી રામપુર પહોંચ્યા. ત્યાં મંદિરમાં ઉતારા કરી તરત જ ગંગામાં સ્નાન કરવા ગયા. સાથે ગામના કેટલાક હરિજનો હતા. ત્યાં વસ્ત્ર ઉતારી સંતોએ સહિત કીર્તન બોલતાં નાહીને પરસ્પર જળ ઉછાળી બાપાશ્રી સૌને મળ્યા. પછી વસ્ત્ર પહેરી નદીના કાંઠા ઉપર સર્વે માનસીપૂજા કરવા બેઠા. જાગૃત થયા ત્યારે હરિભક્તોએ બાપાશ્રી તથા સંતોની ચંદન-પુષ્પાદિકે પૂજા કરી. એ સમયે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, આપણે બધા આંખો મીંચીને માનસીપૂજા કરતા હતા ત્યારે ઓચિંતાનું નદીનું પૂર બે કાંઠે આવ્યું હોય તો કેમ થાય ? ત્યારે સંતોએ કહ્યું જે, બાપા ! મહારાજની મૂર્તિમાં અખંડ રહેવાનું મળે. ત્યારે બોલ્યા જે, તો તો ઠીક. એમ કહી સૌ મંદિરમાં પધાર્યા. રાત્રે સભામાં પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામૃત વંચાતું હતું, તેમાં અમારી મૂર્તિ વિના અક્ષર પર્યંત સર્વે વિસારી દેવું એમ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ વચનામૃતમાં તો શ્રીજીમહારાજના આશ્રિતને શ્રીજીમહારાજે પોતાની મૂર્તિ વિના બીજું કોઈ પ્રધાન રહે તેવું રાખ્યું નથી. તોપણ કેટલાક પરોક્ષ અવતારમાં જ અટકી પડે છે, તે આવા વચનને સમજી શકતા નથી. હમણાં અહીં એક સાધુ આવ્યા હતા. તે વિદ્વાન કહેવાતા હતા પણ મહારાજને ને અવતારને જુદા જાણતા નહિ તેથી વચનામૃત વાંચે ને સભામાં વાતો કરે જે, મહારાજ ને બીજા અવતાર ક્યાં જુદા છે ? તેને અમે કહ્યું જે, તમે અમદાવાદનું ૭મું વચનામૃત વાંચો. ત્યારે તે કહે, એ તો પાછળથી વચનામૃત થયાં છે. અમારા દેશની પ્રતમાં એ નથી. પછી અમે કહ્યું જે, પ્રથમ પ્રકરણનું ૨૪મું વચનામૃત વાંચો, એ તો તમારા દેશની પ્રતમાં છે ને ? ત્યારે તેમણે એ વચનામૃત વાંચ્યું, તેમાં ‘જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિપુરુષ ને એનું કાર્ય એ કાંઈ નજરમાં આવતું નથી; એકરસ ચૈતન્ય ભાસે છે. તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે; બીજો કોઈ આકાર રહેતો નથી. ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિ જે પોતે તેમાં અખંડ વૃત્તિ રાખવાથી એવી સ્થિતિ થાય છે’ તેમાં એમ આવ્યું, તેથી કાંઈ બોલ્યા નહીં. પછી અમે કહ્યું જે, મધ્યનું ૬૨મું વચનામૃત છે તેમાં જેને દાસત્વભક્તિ હોય તેને પોતાના ઇષ્ટદેવનું દર્શન, તેનો સ્વભાવ તથા તેની જ વાર્તા સાંભળવી ગમે, તે આપણા ઇષ્ટદેવ કયા ? ત્યારે તે કહે, મહારાજ. બીજું શું બોલે ! પછી અમને પૂછ્યું જે, મહારાજે મંદિરમાં પોતાની જ મૂર્તિઓ કેમ ન પધરાવી ને તે અવતાર કેમ પધરાવ્યા ? ત્યારે અમે કહ્યું જે, એ તો શ્રીજીમહારાજે પોતે જે લોજ, માંગરોલ આદિકમાં અવતાર રૂપે દર્શન આપ્યાં હતાં તે પોતાની જ મૂર્તિઓ પધરાવી છે, તોપણ તેનું ધ્યાન થાય નહીં. ધ્યાન તો મૂળ મૂર્તિ જે સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ એ નામની મૂર્તિઓનું જ થાય. કેમ જે એ કારણ મૂર્તિ છે, તે લોયાના ૧૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે આજ્ઞા કરી છે જે, અમારા આશ્રિતને અમારું જ ધ્યાન કરવું પણ પૂર્વે અવતાર થઈ ગયા તેનું ધ્યાન ન કરવું. તેમાં અવતાર-અવતારીની વિક્તિ સમજાવી છે. તેમજ છેલ્લાના ૧૬મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે, ભગવાનના ભક્તને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતા જેવી દૃઢ પ્રીતિ બંધાણી છે તેને પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. એ વચન પ્રમાણે બીજા અવતારમાં સ્વામિનારાયણ ભગવાન જેવો ભાવ બેસે તો પતિવ્રતાપણું જાય. એટલા માટે એ જ વચનામૃતમાં વ્યભિચારિણીના જેવી તથા પોતાનું નાક કપાય તેવી ભક્તિ કરવાની ના પાડી છે. આવી રીતે મહારાજે વચનામૃતમાં ખુલાસા કર્યા છે તોય આપણે ન સમજીએ તો પછી મહારાજનો મહિમા શું જાણ્યો ! પછી તો તે સાધુ સમજી ગયા ને કહેવા લાગ્યા જે, બાપા ! મારે તો પંચતીર્થી લેખે લાગી. મેં તો આજ સુધી જેને જેને વાતો કરી છે, તેને મહારાજ ને અવતારનું ભેળું ને ભેળું વર્ણન કર્યું છે તે મહારાજ રાજી થાય તો ઠીક. હું તો એમ જાણતો જે આ સત્સંગમાં કેટલાક અવતાર-અવતારીના જ્ઞાનનાં ચૂંથણાં કરે છે, તેમાં ભગવાનનો અપરાધ થાય છે, પણ હવે તો મને એમ સમજાય છે જે, મહારાજ જેવા છે તેવા ન ઓળખાય તો જ અપરાધ થાય. ત્યારે અમે કહ્યું જે મોટા સદ્ગુરુઓએ વાતોમાં જે જે લખ્યું છે તે તો કેટલાક મોટાનો મહિમા ન જાણનારા ને પોતાના ડહાપણના ડોડવાળા એમ કહે છે કે, એ તો વાતોમાં લખ્યું છે ને ! એવાને શું સમજાવવું ! પણ જો પોતાની બુદ્ધિનો ડોડ મૂકીને મોટાને મન, કર્મ, વચને સેવે, ને તેના વચનમાં વિશ્વાસ કરે તો આવી વાત હાથ આવે. શ્રીજીમહારાજ જેવા સર્વોપરી ભગવાન મળ્યા ને ગૉળ-ખોળ એક કરે તેને બીજું શું કહેવું ! અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રગટ થવાના છ હેતુ લખ્યા. તેમાં અવતાર તથા અવતારના ભક્તને પોતાની ઉપાસના અને પોતાનું જ્ઞાન આપી પોતાની મૂર્તિને પમાડવાપણું લખ્યું, તે જો અવતાર-અવતારી એક હોય તો એમ મહારાજ શું કરવા કરે ? શાસ્ત્ર ભણેલાઓને આવી વાતો કેમ સમજાતી નહિ હોય ! અમને તો નવાઈ લાગે છે. શાસ્ત્રમાં શબ્દછળ હોય તથા દ્વિઅર્થી હોય તે મોટા દયા કરી સમજાવે તો ખરા પણ તે મનાય નહિ તેથી આવી વાતો ન સમજાય. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે, જેમ તીર ને તીરના નાખનારામાં ભેદ, રાજા ને રૈયતમાં ભેદ, ચંદ્રમા ને તારામાં ભેદ; એવાં વચન ન સમજાય તેને શું કહેવું ? અમારા ગુરુ સદ્. નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં લખ્યું છે જે, આ મૂર્તિને ભજીને તો અનંત કમળાપતિ થાય છે. વળી મહારાજ અમદાવાદના ૭મા વચનામૃતમાં લખે છે કે મારા વિના બીજો કોઈ પુરુષોત્તમ દેખ્યો નહીં. આમ શ્રીજીમહારાજ જેવા સર્વોપરી ભગવાન દયા કરીને પોતાનું મિષ લઈને સમજાવે તોય ન સમજાય તેને શાસ્ત્ર શું કામ કરી દે ! આવી વાતો કરી તેથી તે સાધુને તો અમારે વિષે હેત બહુ થઈ ગયું. પછી વારેવારે એમ બોલે જે, બાપા ! હું તો સાધુ આજ થયો એવું મને લાગે છે. આમ મોટાનાં વચન મનાય તો કામ સરે. અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે જે, મને મહારાજે એમ કહ્યું જે, મારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો ત્યાં સુધી તમને આ દેહમાં રાખીશ. તથા અ.મુ. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, અમને તો સ્વામિનારાયણ ભગવાને કાનમાં છાના મંત્ર ફૂંક્યા છે તેથી મહારાજને જેવા છે તેવા કહીશું. વળી નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, “ધન્ય ધન્ય આ અવતારીને રે, જોવા રાખી નહિ જોડ” તથા “અષાઢી મેઘે આવી કર્યા રે, ઝાઝા બીજા ઝાકળ.” આવી જ રીતે સદ્. નિર્ગુણદાસજી સ્વામી વાતો કરતા તેથી તેમને ઉપાધિ બહુ થઈ હતી. જ્યારે શ્રીજીમહારાજે દર્શન દઈને ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું ત્યારે વાત સમજાણી. આગળ મોટા મોટા સંતો જાણતા, પણ જીવ પાત્ર નહિ તેથી જેમ જેમ સમજતા ગયા તેમ તેમ દૃષ્ટાંત આપીને સમજાવતા ગયા. શાસ્ત્રમાં તો અનંત જીવને હળવે હળવે પોતાને વિષે હેત થાય ને મહિમા જણાય તેવાં લખાણ હોય તથા સર્વોપરી વાતો પણ હોય. એ વાત મોટા મુક્ત વિના પોતાની બુદ્ધિબળે સમજવા જાય તેથી ગૉળ-ખોળ એક હારે ગણે. તે ઉપર મહારાજ તથા મોટા રાજી ન થાય ને જાણે જે આને આપણા મહિમાની કે ઐશ્વર્ય-પ્રતાપની ખબર નથી. આ તો અલૌકિક અવતાર ને અલૌકિક રીત તે જે જાણતા હોય તે જાણે. મહારાજે પંચાળાના ૧લા વચનામૃતમાં એમ વાત કરી છે જે, જ્યારે અક્ષરધામના સુખનો વિચાર કરીએ છીએ ત્યારે બીજાં સુખ ઊતરતાંથી ઊતરતાં થઈ જાય છે. પછી કહ્યું જે, જેવું આ ભગવાનમાં સુખ છે તેવું કોઈને વિષે નથી. તે મશાલનું દૃષ્ટાંત દઈ સમજાવ્યું છે. માટે મહારાજ તો સર્વોપરી, સર્વકારણ, સર્વાધાર એ જેવા એ એક છે. એના આશ્રિત થઈને હવે બીજા દૃષ્ટાંત ને સિદ્ધાંત મેળવવા બેસીએ તો શું વળે ? એ તો કણ મૂકીને કુશ્કા લીધા જેવું થાય. કેટલાક તો વચનામૃત વાંચીને ઊલટા પાછા વળે છે ને કહે છે કે, મહારાજ રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહે છે ને તમે તો મુક્ત ને મહારાજનું ધ્યાન કરવાનું સમજાવો છો. તેવાને આવી વાતો ક્યાંથી હાથ આવે ! તેવા સાધારણ જીવો ઉપર પણ આપણે દયા રાખવી. એમ કહીને બોલ્યા જે, કેટલાક તો શાસ્ત્રના ભણેલા હોય પણ મોટાનો વિશ્વાસ ને જોગ વિના અટકીને ઊભા થઈ રહે છે, ને કહે છે કે, જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. તે સદ્. શુકાનંદ સ્વામીએ હરિવાક્ય - સુધાસિંધુના અર્થમાં પૂર્વ અવતારનાં સ્થાન મથુરા, દ્વારકા આદિક લખ્યાં છે, તેથી એમ સમજે કે, એ સ્થાનની ને એ અવતારની લીલા સંભારવી પણ અવરભાવ-પરભાવને ન સમજ્યા હોય તેને આવી વાત ક્યાંથી સમજાય ! પરભાવમાં તો મહારાજ ને મહારાજના મુક્ત તે અવતાર-અવતારી સમજવાના છે. શ્રીજીમહારાજ શિક્ષાપત્રીમાં લખે છે જે, હું શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે જો લખેલું વાંચી પરભાવનો અર્થ ન સમજવો હોય તો મહારાજનું ભગવાનપણું ક્યાંથી હાથ આવે ! વચનામૃતમાંથી પણ સમજતાં ન આવડે ને બુદ્ધિબળે વાંચી, વિચારે ને મોટાનો વિશ્વાસ ન હોય એ શું સમજે ? જુઓને ! એક ઠેકાણે ‘અમે નરનારાયણ છીએ’ એમ કહ્યું; બીજે ઠેકાણે ‘નરનારાયણને અને અમારે સૂધો મનમેળાપ છે’ એમ લખ્યું, એવી જ રીતે ‘હું ભગવાનના ભક્તનો ભક્ત છું.’, ‘તમે મને ભગવાન જાણો છો ?’, ‘તમારો આચાર્ય, ઉપદેષ્ટા, ગુરુ, ઇષ્ટદેવ એવો જે હું’ તથા ‘નરનારાયણ અમારા હૃદયમાં બિરાજે છે.’, ‘અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને મંદિર કર્યાં છે.’, ‘નરનારાયણ ભરતખંડના રાજા છે.’ ‘આ ભગવાનમાંથી સર્વે અવતાર થાય છે.’, ‘અક્ષરધામના ધામી તમારી સભામાં બિરાજે છે.’, ‘અમારે શ્રીકૃષ્ણને વિષે કોટિગણું હેત છે.’, ‘તેજમાં મૂર્તિ છે તે અમે પોતે જ છીએ.’ એવાં વચન પોતાની મેળે ન સમજાય એટલે વરુણના દીકરાની પેઠે કહે જે, વધુ સમજીશ તો અપરાધ થઈ જશે. એમ કહી પરોક્ષ અવતાર ને મહારાજનું એકમેક વર્ણન કરે. તેને બીજું શું કહેવું ! તે તો સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું જે, સ્વપ્નમાં ઘોડાનો પગ ભાંગ્યો, તે એકસો ઘોડા ઉપર સવારી કરીને ભડાકા કરે ને બધા ઘોડા દોડે ત્યારે તે પગ ઊપડે. તેમ જેને શાસ્ત્રનાં વચનથી વહેમ બંધાઈ જાય છે, તેને તો મહારાજના મોટા મુક્ત દયા કરીને સમજાવે ને તેના વચનમાં વિશ્વાસ લાવે તો જ સમજાય એ વાત કરી. ।। ૨૧ ।।
વાર્તા ૨૨
આસો સુદ ૫ને રોજ સવારમાં શ્રી રામપુરના મંદિરમાં બાપાશ્રી તથા સંત-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે જેતલપુરનું ૧લું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનને મળેલા મુક્તની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ મહારાજને મળેલા હોય કે નહીં ? એમ કહીને પોતે જ બોલ્યા જે, મૂર્તિમાં રહેતા હોય તે મળેલા કહેવાય. કેટલાક ત્યાગી તથા ગૃહસ્થ બહાર દૃષ્ટિએ જોઈને એમ કહે છે કે આજ મહારાજને મળેલા ક્યાંથી હોય ? પણ, આજ તો મળેલા ઘણા છે. મહારાજ અને મુક્ત સદા સત્સંગમાં છે, છે ને છે જ. આજ સાક્ષાત્ શ્રીજીમહારાજ મધ્યસ્થ બિરાજે છે અને મુક્ત ફરતા બેઠા છે, માટે સદાય પ્રત્યક્ષ છે. તે અંતર્દૃષ્ટિએ કરીને જુએ અને મહારાજનો ને મોટાનો વિશ્વાસ લાવે, તો આ ફેરે જ છેલ્લો જન્મ થઈ જાય. એવો જોગ ને વખત છે. આ વાતો આ ગૌમુખીમાંથી આવે છે. તે જ દિવસે બપોરના કૃપા કરીને વાત કરી જે, આ ઠેકાણે તો અક્ષરધામ, મહારાજ અને તેમને મળેલા છે, તોપણ કેટલાકને સઈના શેભામાં જાય છે. તે શું ? તો આવું ધામ, આવા મુક્ત, આવા મહારાજ તે સાક્ષાત્કાર બિરાજે છે, તોપણ પૂરું ન થાય તો તેનું સઈના શેભામાં ગયા જેવું થયું. આવા જોગ વિના એકલા શાસ્ત્ર વાંચે કાંઈ નહિ વળે. આ ભણતર ભણાય તો પાકું થાય. આવા પરભાવના અર્થ મોટા મોટા વેદિયા પંડિતો આવે તોય ન કરી શકે. આ અનુભવી સંત કરી શકે ખરા. એટલી વાત કરીને પછી વચનામૃત વાંચવા માંડ્યું, તેમાં ગાલવ રાજાની વાત આવી, ત્યારે બાપાશ્રીએ સંતોને પૂછ્યું જે, શ્યામકરણ ઘોડા ને ગાલવ રાજા તે કોને જાણવા ? પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આ વચનામૃત તે વરુણ, જ્ઞાન તે ઘોડા, જીવ તે ગાલવ રાજા અને ગુરુ તે ગરુડ; તે ગુરુ મળે ત્યારે આ વચનામૃતરૂપી વરુણમાંથી જ્ઞાન સમજાવે અને મોક્ષ કરે. પછી બાપાશ્રી બોલ્યા જે, ખરો ઉત્તર લાધ્યો. આ સભામાં આવા ઉત્તર ન થાય તો પછી બીજે ક્યાં થાય ! પછી બોલ્યા જે, આજ પ્રગટના સુખના આહારી છે તેને પ્રગટ છે અને જે એ સુખના આહારી નથી તેને પરોક્ષ છે. આ બદરિકાશ્રમ, આ શ્વેતદ્વીપ, આ અક્ષરધામ, આ બધા અવતાર બેઠા. આમાં માયાનો અંશ નથી. શુકદેવજી બહુ મોટા કહેવાતા. પણ સત્સંગમાં આવ્યા ત્યારે મુક્ત થયા. આજ કેટલાક ઈશ્વરકોટિમાંથી, કેટલાક બ્રહ્મકોટિમાંથી કેટલાક અક્ષરકોટિમાંથી એમ આવ્યા છે, તે આજ અક્ષરધામની સભામાં આવી બેઠા છે. જે સ્વામિનારાયણના થાય તેની સ્વામિનારાયણ ખબર રાખે છે. એ સમયે લાલશંકરભાઈ આવ્યા. તેમની બાપાશ્રીએ પ્રશંસા કરી, માથે હાથ ફેરવી કહ્યું કે, આ તો અમારા સિપાઈ છે. પછી ગોડપુરના હરિજનોએ પ્રાર્થના કરવાથી બાપાશ્રી સંતોએ સહિત ગોડપુર પધાર્યા. ।। રર ।।
વાર્તા ૨૩
આસો સુદ ૬ના રોજ શ્રી ગોડપુરના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ શ્વેતવૈકુંઠદાસજી અમારા પુરાણી છે. તે મહારાજની કથારૂપી અમૃતરસ પિવરાવે છે. પછી સંતોને કહ્યું જે, તમે તો મોટા ધનાઢ્યને ઓળખો અને બોલાવો. અમને ગરીબને કોણ બોલાવે ! ત્યારે સંતોએ કહ્યું જે, બાપા ! તમે ગરીબ ખરા, કેમ કે જીવ જીવ પ્રત્યે મહારાજ ભેળા લકાઈ રહ્યા છો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સંત આટલા થોડાક જ છે તોપણ સદાય રાખવા હોય તો ન રાખી શકાય અને ગૃહસ્થ એક ઘરમાં દસ-વીસ માણસો હોય તો તેનું સદાય પોષણ કરે. એમ ઘરમાં બંધાઈ રહ્યા છે તે સર્વેને છોડાવવા આવ્યા છીએ. મહારાજે દેહોત્સવ કર્યો તે સાલને અને અમારે, હવે બે વર્ષનું છેટું છે. એટલે અમને ચોરાસી વર્ષ થયાં. પછી સ્વામી વૃંદાવનદાસજી બેઠા હતા ત્યાં સૂર્યનો તડકો આવવાથી એકકોર ખસીને બેઠા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સૂર્યનું તેજ ઝિલાતું નથી તો ધામનો પ્રકાશ કેમ ઝીલશો ? લાડકીબાઈને તેજ ન ઝિલાણું. પછી મહારાજે સામર્થી આપી ત્યારે ઝિલાણું. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આ સ્વામી જેવાને તેજ ન નડે. પછી સૌ હરિભક્તોની પ્રાર્થનાથી ઘેર ઘેર પધારી દર્શન દઈ બાપાશ્રીએ સૌને આનંદ પમાડ્યો. તે જ દિવસે બપોરના સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, નંદરાજાને નાણું કાંઈ કામ આવ્યું નહીં. તેમ આ સંત નિર્ભય નાણું છે. તે મહિમા જાણીને સમાગમ નહિ કરે તેને નંદરાજા જેવું થશે. આ સંત અક્ષરધામથી પરના એટલે મૂર્તિમાં રહેનારા છે, તોપણ કેટલાક બાળક જેવા છે તે સમજી શકતા નથી. ભૂજમાં અમે સવારે જાગ્યા ત્યારે ‘શ્રીજી શ્રીજી’ કરતા હતા. ત્યારે એક સાધુએ અમને કહ્યું જે, અત્યારમાં ઊઠીને ‘સિદ્ધિ સિદ્ધિ’ શું કરો છો ? એવા ડાહ્યા છે, તે સત્સંગમાં શું સમાસ કરતા હશે ! પછી વાત કરી જે, આપણે પ્રકૃતિના કાર્યમાં કાંઈ જોવું નહિ જે, આમ બોલ્યા કે આમ બોલ્યા. શબ્દો તો વૈરાજના કરેલા છે તે સામું જોવું નહીં. કોઈક કોઠારુ કરે, કોઈક ભંડારુ કરે, કોઈક મહંતાઈ કરે, પણ આવા સંત ક્યાંથી મળે ! આ સંત કરે તે કામ કોઈ ન કરે. એવા સંત આપણે ઘેર આવી બેઠા છે. પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની પ્રશંસા કરી. લાલશંકરભાઈ સામે હાથ કરીને કહ્યું જે, આ પ્રથમ ચિત્તા જેવા આકળા હતા, પણ એ બ્રહ્મચારીએ પકડીને હાથ કરી લીધા છે તે અત્યારે ‘હા બાપા, હા બાપા’ એમ કરે છે અને સંત-હરિજનનો મહિમા જાણે છે, તે આજ જ્ઞાને કરીને બ્રહ્મરૂપ થઈ ગયા, તેથી કેડે કેડે ફરે છે, જેમ કહીએ તેમ કરે છે. જો પ્રકૃતિના કાર્યમાં ઊભા રહીએ તો મૂર્તિ ક્યાંય જાય, વૈરાજ તો આંહીં કૂટાય છે. આ બ્રહ્મરૂપ સંત બેઠા છે તે ક્યાં મળે ! આ મહાપ્રભુજીની મૂર્તિ ક્યાં મળે ! માટે કોઈનો શબ્દ ન લાગે અને કોઈનો અવગુણ ન આવે. “મેરે તો તુમ એક આધારા, તુમ બિન સબ જગ જરત અંગારા.” એથી એ આઘો નીકળી ગયો. તેને શબ્દ ક્યાં લાગે ! આવડા સ્વામિનારાયણ ભગવાન મળ્યા તે જુઓને કેવડા ! જેવડા સમજશું તેવડા ! તોય અપાર ને અપાર ! એમ કહીને પછી બોલ્યા જે, તમે પંડિત તો મહારાજને પ્રકૃતિથી આઘા સમજવા દેશો નહીં. અરે ! તમે તો મારી દેશો. પ્રકૃતિના કાર્યમાંથી ઉત્પન્ન થયેલ તેને પણ તમે ભગવાન માનો છો, એવી સમજણમાં શું પાકશે ? જુઓ એ વિદ્વાન ! આજ આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે તેવા બીજા કોઈને મળ્યા નથી.
બપોરે ગોડપુરના મંદિરમાં સભામાં બાપાશ્રીએ વાત કરી જે, અહીં ધ.ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ આવ્યા હતા. તે અહીંના સત્સંગીને મઠની ખીચડી ખાતા જોઈને કહ્યું જે, એ ખીચડી મારે પણ ખાવી. પછી અમે કહ્યું જે, મહારાજ ! તમને નહિ સદે. તોપણ ખાધી, તેથી ફેરો થઈ ગયો. પછી સ્વામી વૃંદાવનદાસજી કહે કે, કોઠો ન પડ્યો હોય તેને નડે. પછી બાપાશ્રી બોલ્યા જે, જો જમાય તો કોઠો પડે. અમે નિત્ય મઠ જમીએ છીએ અને મૂર્તિનું સુખ ભોગવીએ છીએ, માટે મૂર્તિ ન મૂકવી. મૂર્તિ રહે તો સર્વે રહ્યું. સમજણ વિના તો આવા સંત આવે અને એક જ દિવસ રહે તોપણ ઝાઝું થઈ પડે, પોતે તો પચાસ વરસ રહીને કેટલુંય ખાઈ ગયો હોય, પણ આવા સંતને એક દિવસ જમાડવા કઠણ થઈ પડે. પછી સ્વામી બોલ્યા જે, આજ જેવું સુખ આવે છે તેવું મૂર્તિમાં આવતું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં તો સુખ અપાર છે, આપણે તેનું વર્ણન કરવું. પણ વૈરાજના શબ્દોનું આપણે કામ નહીં. ત્યારે સંતે પૂછ્યું જે, વૈરાજના શબ્દ વિના બોલવું શું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આવા સંતને મુખે શ્રીજીમહારાજ પોતે બોલે છે. વૈરાજ બિચારો શું બોલશે અને શું કરશે ? જીવાખાચરને ઘેર કૂડિયાં ગવાતાં હતાં એટલે શ્રીજીમહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા તે સુખપુર ગયા, ત્યાં પણ એવો ને એવો જ વિવાહ હતો. ત્યાંથી ચાલ્યા તે કુંડળની ભાગોળે થઈને અરધી રાત્રે જતા હતા. ત્યાં મામૈયો પટગર ઘરમાં રહ્યો થકો ‘હે સ્વામિનારાયણ બાપા !’ એમ બોલ્યો, ત્યારે શ્રીજીમહારાજ તુરત દર્શન આપીને બોલ્યા જે, ‘હા બાપા.’ એમ સંત બોલાવે તોપણ બોલે અને સંતને મુખે પણ બોલે. વૈરાજ તો ક્યાંય ભાગી જાય; તેનું કાંઈ કામ પડે નહીં. એના શબ્દમાં શું માલ છે. માટે મૂર્તિ ન ભૂલવી. મૂર્તિમાં રહીએ તો મહારાજ જ બોલે. માટે વૈરાજનું ખાતું પડ્યું મૂકવું, એને સાચું ન માનવું. પછી સભાને કહ્યું જે, સત્સંગીઓ ! આ વાતો સમજાય છે કે તુંબડીમાં કાંકરા ખખડાવ્યા જેવું થાય છે ? એમ કહીને બોલ્યા જે, આ સત્સંગી બધાય વિશ્વાસી છે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, સાચી વસ્તુ ન ઓળખાય અને બધે વિશ્વાસ કરે તો કેમ થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તો તો મરવા જેવું થાય. સાધુને પણ ઓળખવા ખપે. આવા મોટા સાધુ સાથે હેત કરવું અને વિશ્વાસ પણ આવાનો જ કરવો. એમ વાત કરીને કથાની સમાપ્તિ કરી. પછી ત્યાંથી સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી નારાયણપુરના હરિજનોને દર્શન દઈને વૃષપુર પધાર્યા. ।। ૨૩ ।।
વાર્તા ૨૪
આસો સુદ ૭ને રોજ શ્રી વૃષપુર મધ્યે સંતો બાપાશ્રી પાસે મૂર્તિઓ લાવ્યા; તેને જોઈને પોતાની પ્રસન્નતા જણાવી અને તે મૂર્તિઓ સંતને આપી.
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, પુસ્તકમાં વાત મૂર્તિમાં જવાની આવે છે અને આપના મુખ થકી મૂર્તિમાં આવવાની વાત થાય છે, તેનું કેમ સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાંથી અને એમાંથી બધેય મૂર્તિમાં આવવાની વાત આવે છે. જેમ નદીઓ બધી સમુદ્રમાં આવે છે તેમ. એમ કહીને પછી બોલ્યા જે, દાંત પડી ગયા છે પણ અમારે કોઈ જીવને પડવા દેવા નથી. જીવના સ્વભાવ ચટણા છે, તેથી ભમી જાય છે. પણ અમારે તો કોઈને ભમવાય દેવા નથી. સર્વેને મહારાજની મૂર્તિમાં રાખવા છે. પછી સંતોએ બાપાશ્રીને ચંદન ચર્ચ્યું, તે વખતે એમ બોલ્યા જે, આ ચાંદલો છે તે કારણ છે, તે બગાડવાનો નહીં. “સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન” એ કારણ મૂર્તિનો ચાંદલો છે, માટે આપણે કારણ મૂર્તિ રાખવી. પછી હરિભક્તો સામું જોઈને બોલ્યા જે, આવો ! સંતોની પૂજા કરો. કોઈ પૂજા કર્યા વિના રહી જશો નહિ, એમ કહીને બાપાશ્રીએ પોતે સૌ સંતોની તેમજ હરિભક્તોની ચંદનથી પૂજા કરી. તે વખતે કૃપા કરીને બોલ્યા જે, આ અક્ષરધામમાં દિવ્ય ચંદન ચર્ચાય છે, આ ચર્ચનાર અક્ષરધામના ધામી શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે. આ ટાણું ને આ જોગ બહુ ભારે આવી ગયો. ત્યારપછી પોતાનું આસન લાંબું હતું તે ટૂંકું કરાવીને બોલ્યા જે, ટૂંકા થાવું. જીવ કાળો, ગોરો, લાંબો અને છેવટે મૂર્તિમાં રહ્યો ત્યારે ટૂંકો. માટે ટૂંકા થાવું તે શ્રેષ્ઠ છે. પછી કેરાવાળા જાદવજીભાઈ ચંદન ઉતારીને લાવ્યા હતા, તે સંતોએ બાપાશ્રીને ચર્ચ્યું. પછી બાપાશ્રીએ પણ સંતોની તથા હરિભક્તોની પૂજા કરી. તે વખતે બોલ્યા જે, નારાયણપુરથી અને કેરાથી હરિજનો ચંદન ઉતારીને લાવે છે પણ આંહીંના કોઈને એ કરવાનું સૂઝતું નથી તે કોણ જાણે શું સમજતા હશે ? પછી કથા ચાલુ થઈ તેમાં સમાધિમાં આકાશ લીન થઈ જાય છે, એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આકાશ તમોગુણમાંથી થયો તે લીન થઈ જાય, પણ જેને શ્રીજીમહારાજ કૃપા કરીને સમાધિ કરાવે તેને તો આ લૌકિક આકાશ ન દેખાય તે લીન સમજવો. ચિદાકાશ દેખાય તે ચિદાકાશની ઉત્પત્તિ જાણવી. પાછો દેહમાં શ્રીજીમહારાજ લાવે ત્યારે ભૌતિક આકાશ ઉત્પન્ન થયો કહેવાય અને ચિદાકાશ ન દેખાય તે ચિદાકાશ લીન થયો કહેવાય; પણ છે તો જેમ છે તેમ જ. આ વાત કરી તે વખતે સ્વામી વૃંદાવનદાસજીને એવી રીતે અંતર્વૃત્તિએ દેખાડ્યું. પછી ગામ સુખપરના કરસન ભક્ત જે ધમડકે રહેવા ગયેલા તે ધમડકેથી દર્શને આવ્યા. તેમણે બાપાશ્રીને એક પાંચિયો ભેટ મૂકીને વાત કરી કે, આ પાંચિયો બે મહિના ઉપર આપ શ્રીજીમહારાજે સહિત ધમડકે ખીમા કુંભારના છોકરા વીરજીને સોનાનો રથ અને સુવર્ણમય ઘોડા જોડીને તેડવા આવ્યા હતા. તે વખતે એ છોકરો બોલ્યો જે, મહારાજ અને બાપા આ રથમાં બેઠા છે અને મને કહે છે કે ચાલ, અમે તને અમારા ધામમાં લઈ જઈએ. અહીં તો ગધેડાં ચારવાં પડશે, માટે ચાલ અક્ષરધામમાં, ત્યાં બહુ સુખ છે, એમ કહે છે માટે હું જઈશ. પછી એના બાપે કહ્યું જે, મહારાજ ને બાપા ક્યાં છે ? ત્યારે છોકરે કહ્યું જે, આ ઊભા, દેખોને ! પછી તેને પણ એ છોકરે જેવા કહ્યા એવાં જ દર્શન થયાં. ત્યારે તેણે રથમાં એક પાંચિયો નાખ્યો તે રથમાં ન પડતાં પૃથ્વી ઉપર પડી ગયો. પછી તો મહારાજ ને આપ એ છોકરાને તેડી ગયા. પછી તેના બાપે કહ્યું જે, આ પાંચિયો બાપાશ્રીને પહોંચાડવાનો છે. તેણે એ પાંચિયો રાખી મૂકેલો, તે હું આપને દર્શને આવતો હતો એવી ખબર પડવાથી મને એ કુંભારે આપ્યો, તે હું આપની પાસે લાવ્યો છું એમ વાત કરી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ ખીમા કુંભારને કહેજે કે, તારા છોકરા વીરાને અમે મહારાજની મૂર્તિને સુખે સુખિયો કર્યો છે અને અનાદિમુક્તની પંક્તિમાં રાખ્યો છે. ।। ૨૪ ।।
વાર્તા ૨૫
આસો સુદ ૭ને રોજ સાંજે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, અખંડ સમાધિવાળો છે તેને તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ ભાસે જ નહીં. ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં સર્વે ક્રિયામાં મૂર્તિ હોય અને જે ચમત્કાર, સમાધિ, પરચા આદિક દેખાય તે તો મહારાજ પોતાની મરજી પ્રમાણે દેખાડે પણ તેમાં અનુક્રમનો મેળ નહીં.
પછી પ્રથમ પ્રકરણનું ૬૫મું વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં ઇન્દ્રિયોના અંતને પામે તો તેના દેવને પમાય એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ બધાયને ઠેક દઈને ઠેઠ મહારાજની મૂર્તિને વળગી જઈએ તો એ એકે આડું આવે નહીં. બીજું તો શાસ્ત્રવાળા જાણે. આપણે તો વૈરાજ શું ! અહંકાર શું ! મહત્તત્ત્વ શું ! પ્રધાનપુરુષ શું ! પ્રકૃતિપુરુષ શું ! વાસુદેવબ્રહ્મ શું ! મૂળઅક્ષર શું ! અને અક્ષરધામ તે શું ! એક મહારાજની મૂર્તિ રાખવી. તે આ ઈશ્વરબાવે રાખી છે, બીજા બધાયને ઉલ્લંઘી ગયા છે. ભગવાનનો ભક્ત કાળ-કર્મનો આહાર કરી જાય. “કાળ કર્મની રે શંકા તે દેવે વિસારી.” આહાર એટલે શું ? તો કાળ-કર્મને ધોકા મારીને કાઢી મેલે; એવા આ સંત છે. તે શાથી તો એને પ્રત્યક્ષ મહારાજની મૂર્તિ મળી છે. તેથી બીજું બધું ખોટું થઈ ગયું છે. જ્યારે પ્રગટ મહારાજ મળે એટલે તે મૂર્તિમાં એકતા થાય અને તે મૂર્તિના આકારે આકાર થઈ જાય, ત્યારે એ બધાયનો ચારો કરી શકે એવી સામર્થી આવે છે. પછી બાપાશ્રીએ સંતોને વાતો કરવાની આજ્ઞા કરી, ત્યારે સંતોએ કહ્યું કે, સ્વામી ઘનશ્યામજીવનદાસજીને વાતો કરવાની આજ્ઞા કરો. પછી બાપાશ્રી બોલ્યા કે, એમનાં તો દર્શન પણ દુર્લભ છે, કેમ જે આટલી મોટી અવસ્થાએ પણ એ અહીં આવે છે. એમને તો ભૂજના મહંત કરવા જેવા છે. એમ કહીને કીર્તનની ટૂંક બોલ્યા જે, “સખી ઘન સજી શણગાર ધરા લીલી થઈ.” ઘન કહેતાં વરસાદનું નામ તે તો ઉપમા. કેટલીક અવરભાવની અને પરભાવની વાત જાણવી જોઈએ. મહારાજ બહુરૂપી કહેવાય. મહારાજ તો શ્વેત તેજોમય છે. તે તેજ ઘન એટલે ઘાટું છે, તેને વીજળી, ચંદ્ર, સૂર્ય આદિકનાં દૃષ્ટાંત દેવાય છે. પછી બોલ્યા જે, “શ્વેત હાર પહેર્યા ઉર પર કાજુ, બાંધ્યા શ્વેત ફૂલોના બાજુ”, “લ્હેરી લટકાળા” એમ ઉપમાઓ દીધી છે, પણ એ તો અલૌકિક છે. અક્ષરધામમાં બે ભુજાવાળા ભગવાન બિરાજે છે અને ચાર ભુજા, અષ્ટભુજા કે હજાર હાથનાં નામ પડ્યાં એ તો બીજા અવતાર આવ્યા. આપણા પતિ બે ભુજાવાળા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને ઓળખવા. કેમ બાવા ! એ બે ભુજાવાળા ખપે કે બીજું ખપે ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, અમારે તો દ્વિભુજાવાળા ખપે. ત્યારે બોલ્યા જે, એ મૂર્તિ હરતી-ફરતી દેખાય તે અને ઘનશ્યામ કહી તે અવરભાવના ભાવ ને અડખે-પડખે, હરતાં-ફરતાં માતાના ઉદરમાં દેખીએ છીએ એમ કહ્યું છે, તે કેટલાક પરમ એકાંતિકમુક્તના તથા કેટલાક અનાદિમુક્તના ભાવ છે.
પછી સાંજના પ્રથમ પ્રકરણનું ૩જું વચનામૃત વંચાતું હતું. ત્યારે બાપાશ્રી સભા સામું જોઈને બોલ્યા જે, સંતો ! આ વચનામૃત પ્રમાણે તમે અવતાર ઠર્યા. “જે જે અવતારે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી.” તે અવતાર મચ્છ, કચ્છ, વારાહ, હયગ્રીવ, વ્યાસ, રામ, કૃષ્ણ ? ના, ના. એ કોઈ નહીં. આ તમે છો તે બધા અવતાર છો. પરોક્ષ અવતારોથી આત્યંતિક કલ્યાણ ન થાય. આ વાત નથી સમજાતી એટલી ખોટ કહેવાય. આ વાત સમજાય ત્યારે પૂરણકામ થઈ જવાય. જો મૂર્તિમાં રહે તો એ સમજાય પણ અંતર્વૃત્તિ કોઈ દિવસ કરે નહિ તો શું સમજાય ? પછી હરિભક્તો ચોક ચોખ્ખો કરતા હતા તે જોઈને બોલ્યા જે, “નીચી ટેલ મળે તો માને મોટાં ભાગ્ય જો.” માંદા સાધુની સેવા કરવી, મંદિર વાળવું, ખાડાં ધોવાં એ બધી નીચી ટેલ કહેવાય. એમ વાત કરીને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય એમ પ્રસન્ન થઈને બોલ્યા. ।। ૨૫ ।।
વાર્તા ૨૬
આસો સુદ ૮ને રોજ સવારે વચનામૃતની કથા વાંચવાનો આરંભ કર્યો ત્યારે એક હરિભક્ત દર્શને આવેલ તેમણે બાપાશ્રીને વાત કરી જે, હું ઘણી વખત ભૂજના મંદિરમાં દર્શને જાઉં છું. હમણાં અમદાવાદના સાધુ આવેલા. તેમણે સભામાં વાત કરી જે, નરનારાયણ ભગવાનની જે મૂર્તિઓ છે તે સ્વામિનારાયણ પોતે જ છે, બદરિકાશ્રમમાં રહ્યા છે એ નહીં. તેમની સાથે મારે વાતચીત થતાં તેમણે તો સ્વામિનારાયણ વિના બીજા ભગવાન કોઈ છે જ નહિ, એ એક જ ભગવાન છે એમ કહ્યું. પછી તેઓ ત્યાંથી ગામડામાં ગયા છે. એ વાત મારા સાંભળવામાં આ ફેરે જ આવી તેથી મને સમજાણી નહીં. તો એ વાત જેમ હોય તેમ દયા કરીને મને સમજાવો. મારે તમારો ખરો વિશ્વાસ છે. ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, તમને જે સાધુએ વાત કરી હતી તે સાધુ અહીં જ છે, હમણાં નાહવા ગયા છે તે આવે છે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી નાહીને આવ્યા ત્યારે તે કહે, આ એ જ. પછી તો સ્વામીએ તેને બહુ રીતે વચનામૃતમાંથી સમજાવ્યા. તેથી ઘણા રાજી થઈને એમ બોલ્યા જે, બાપા ! તમારી પાસે દર્શને આવવાથી આ લાભ મને મોટો મળ્યો, હવે મને આ વાત સમજાણી. પછી બાપાશ્રીએ વાત કરી જે, સત્સંગમાં મહારાજને સર્વોપરી જાણવા અને જણાવવા એ કામ બહુ જબરું છે. શ્રીજીમહારાજ પોતે પ્રત્યક્ષ દર્શન દેતા તોપણ જ્યારે આ મૂર્તિ સૌથી નોખી છે, આ મૂર્તિને સુખે અનંત મુક્તો સુખિયા છે, મોટા મોટા અક્ષરાદિક અવતારો ને તેમના મુક્તો આ મૂર્તિનું ધ્યાન કરે છે; એમ વાત થતી ત્યારે કેટલાક મૂંઝાતા. અ.મુ. ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમર્થ મુક્તને ખૂણિયા જ્ઞાનવાળા કહેતા. પણ એવા જીવને ખબર ન પડે કે આ ભગવાન કેવડા મોટા છે, એમના મુક્ત કેવા સમર્થ છે. જુઓને ! નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે, “આ મૂર્તિ સૌથી નોખી, આચરજકારી છે; કહું છું ચોક્કસ વાત ચોખ્ખી આચરજકારી છે.” એવી રીતે મોટા મુક્તોએ મહિમા કહ્યો છે. મહારાજને તથા મોટા મુક્તને જીવો ઉપર અપાર દયા છે તેથી જેમ જેમ મહિમા સમજાય તેમ સમજાવે છે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આપે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકામાં આ બધીયે વાત સમજાવી છે તથા આપ વાતો કરો છો તેમાં એ ભાવ ઘણો આવે છે. તેથી સત્સંગમાં હવે મહારાજ તથા મોટાનો મહિમા, અવતાર-અવતારીનો ભેદ ઘણા સમજી ગયા છે ને બીજા ધીરે ધીરે સમજશે. અ.મુ. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આદિક મુક્તોએ એ જ કામ કર્યાં છે. તોપણ અનાદિકાળનું અજ્ઞાન જીવને વળગ્યું છે, તેથી આવી વાતો ઝટ સમજી શકતા નથી. એમ કહીને બોલ્યા જે, શ્રીજીમહારાજને જેવા છે તેવા જાણવા એ તો બહુ ભારે વાત છે. આ વાત સમજાવવા મોટા મોટા સંતોએ બહુ દાખડા કર્યા છે, ઉપાધિઓ સહન કરી છે. પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, એક વખત ગઢપુરમાં મહારાજે ઉદાસી જણાવી, તે થાળ તૈયાર થયો તોય જમવા ઊઠે નહીં. મૂળજી બ્રહ્મચારી કહે, મહારાજ ! થાળ ઠરી જાય છે માટે જમવા પધારો; જ્યારે આપ જમશો ત્યારે જ સંતોની પંક્તિ થશે. ત્યારે મહારાજ કહે ચાલો. પછી થાળ જમતાં ઉદાસી જણાવતા હોય તેમ થોડુંક જમ્યા ને પાછા અક્ષરઓરડીમાં આવીને પોઢ્યા. થોડી વાર પછી સદ્. ગોપાળાનંદ સ્વામી મહારાજ પાસે ગયા ને કહ્યું જે, મહારાજ ! આજ કેમ ઉદાસ જણાઓ છો ? ત્યારે મહારાજ કહે, સ્વામી ! આપણે અક્ષરધામમાંથી મોટા મોટા અવતારોનો તથા તેમના ભક્તોનો તથા અનંત જીવોનો આત્યંતિક મોક્ષ કરવા આવ્યા છીએ. પણ તમારા જેવા સંતો જ્યારે અમારા સ્વરૂપની જેમ છે તેમ વાતો કરે છે, ત્યારે તેઓ સમજી શકતા નથી ને પોતાની પૂર્વની સમજણને લઈને તમારા જેવા મોટા મુક્તોને વાતો કરતાં અટકાવે છે ને સમજવા દેતા નથી. કેટલાક સાધારણ જીવો તો અનાદિકાળના અજ્ઞાનથી પરવશ થયેલા તમારા જેવા સંતોને અનેક પ્રકારના ઉપદ્રવે કરીને કુરાજી કરે છે. તેથી આજ મને એ વાતની ઉદાસી થઈ આવી. પછી મહારાજ એમ બોલ્યા જે, સ્વામી ! તમારા દાખડા બહુ છે તે અમે જાણીએ છીએ. તમે અમારા સારુ અજ્ઞાની જીવોનાં માર તથા અપમાન સહન કરો છો તેથી અમને ઘણું દુઃખ થાય છે. એમ કહી મહારાજનાં નેત્ર હેતનાં આંસુથી ભરાઈ આવ્યાં. પછી ગોપાળાનંદ સ્વામી કહે, મહારાજ ! આપ રાજી રહો; અમને કાંઈ દુઃખ નથી. ત્યારે મહારાજ કહે, સ્વામી ! અનંતધામના મુક્તો તથા અધિપતિઓ જેવી મારી મૂર્તિ છે, જેવો મારો મહિમા છે, જેવું મારું સામર્થ્ય છે તેને જાણે તો અમારો ને તમારો દાખડો લેખે આવે, એમ કહી પોઢી ગયા. આવી રીતે શ્રીજીમહારાજે પોતાની રુચિ અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામી જેવા સર્વોપરી સંતને કહી હતી. તોપણ હજી સુધી કેટલાક એવી વાતો સમજતા નથી. તે મહારાજની દયાથી ધીરે ધીરે સમજશે. આપણે તો સૌ ઉપર દયા રાખવી. દયા તે શું ? તો મહારાજ સર્વોપરી છે એ વાત સમજાવવી. ।। ર૬ ।।
વાર્તા ૨૭
આસો સુદ ૯ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૪૫મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરવાની વાત આવી. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, ભગવાન ને ભગવાનના ભક્તને તો રાજી કરીએ પણ મુક્ત તો મૂર્તિમાં રહ્યા હોય તેમને શી રીતે રાજી કરવા ? પછી બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રહેલા મુક્તને જુદા રાજી કરવા ન પડે; એ તો મહારાજ ભેળા રાજી થાય, એટલે મહારાજને રાજી કરવાથી એ રાજી થઈ ગયા એમ જાણવું. પરમ એકાંતિકમુક્ત તથા સાધનદશાવાળા એકાંતિકને રાજી કરીએ તો તે ભેળા મહારાજ રાજી થાય. પછી બાપાશ્રી બોલ્યા જે, દાસત્વપણું આવે તો મૂર્તિમાં રહેવાય. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આપ સર્વેને મૂર્તિમાં રખાવજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બહુ સારું મહારાજ ! એ વર આપ્યો.
રાત્રે સભામાં છેલ્લા પ્રકરણનું ૨૭મું વચનામૃત વંચાતું હતું, તેમાં ભગવાનની અલૌકિક સુખમય દિવ્ય મૂર્તિમાં સર્વે પ્રકારે જોડાવું એમ આવ્યું. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, એ સર્વે પ્રકારે તે કેમ સમજવું ? પછી બાપાશ્રી બોલ્યા જે, એક દેશમાં ન રહેવું; સર્વ દેશમાં રહેવું. નખશિખ મૂર્તિમાં ચારે દિશે એટલે સર્વત્રપણે જોડાવું. મૂર્તિથી બહાર ન રહેવું; સળંગ મૂર્તિમાં રહેવું.
ત્યારે વળી પુરાણીએ પૂછ્યું જે, પરમએકાંતિક તો મૂર્તિની સમીપે રહે છે, પણ મૂર્તિની અંદર રહેલા મુક્તને સન્મુખ કેવી રીતે જાણવું ? પછી બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં સળંગ રહ્યા થકા સમગ્ર મૂર્તિને એકકાળાવિચ્છિન્ન દેખે છે એમ સન્મુખ જાણવું. પછી વચનામૃતમાં એમ આવ્યું જે માને કરીને પડી જાય છે એવા કામે કરીને પડતા નથી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાધન સર્વે માન બગાડે પળ વિષે.” માનીને માન બધુંય બગાડે. કદાચ કામી હોય તો નભ્યો જાય પણ માનીને જોખો મોટો છે. કેમ જે કોઈ મોટા સંત-હરિભક્ત પ્રકૃતિને મરોડે ત્યારે માનરૂપ દોષને લીધે તેના અવળા સંકલ્પ થયા કરે. માટે માનીને એવા સંકલ્પ થાય એ જોખો મોટો છે. કારણ કે એમાંથી જીવનું બગડે. એમ વાત કરતા હતા ત્યાં બાપાશ્રીના પૌત્ર જાદવજી બાજરાનો પોંક લાવ્યા તે ઠાકોરજીને જમાડી સંત-હરિભક્તો સૌને પ્રસાદી વહેંચીને બોલ્યા જે, માવતર હોય તે પહેલું છોકરાને જમાડે ને વધે તો પોતે જમે અને ન વધે તો ભૂખ્યા રહે. એમ કહીને બોલ્યા જે, “હાથ ખલ્લા તો દે અલ્લા.” પછી સંતોને કહ્યું જે, આપણે તો એક સ્વામિનારાયણ ભગવાનમાં વળગી રહેવું, એટલે આનંદના ઢગલા; મૂર્તિમાં રસબસ રહેવું. પછી આશાભાઈને પૂછ્યું જે, તમે આત્મા, અનાત્મા અને પરમાત્મા તેને ઓળખો છો ? જો ઓળખતા હો તો બતાવો. ત્યારે આશાભાઈ બોલ્યા જે, મહારાજના તેજથી ઓરું બધુંય અનાત્મા અને મહારાજનું તેજ તે આત્મા અને મહારાજ તે પરમાત્મા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ તો સિદ્ધ થઈ ગયો. એમ કહીને બોલ્યા જે, જેને ખરી સિદ્ધદશા આવે તે તો એક મહારાજને દેખે; બીજું કાંઈ એને હોય નહીં. કેટલાક સમાધિને અધિક કહે છે પણ એ ઉત્તમ માર્ગ નથી; તે તો સકામ કહેવાય. એને ઐશ્વર્યનું રહે, જોયાનું રહે, માટે સિદ્ધદશા તે અખંડ સમાધિ કહેવાય અને તે ઉત્તમ છે. તે જ્યાં જુએ ત્યાં મૂર્તિ જ જુએ, બીજું કાંઈ દેખે જ નહીં. જો એમ ન સમજાય તો લાડકીબાઈ તેજ જોઈને ચીસો પાડવા માંડ્યાં. ત્યારે મહારાજે કહ્યું જે, એક મૂર્તિ જુઓ, ભાટનો દેહ ને બીજી વસ્તુ નથી. પછી મૂર્તિ જોઈ તો આનંદ આનંદ થઈ ગયો. એવી રીતે ગોરધનભાઈ પણ મૂર્તિ વિના બીજું દેખતા જ નહીં. પાણી જોવા મોકલ્યા તો કહે જે નથી. એવી સ્થિતિવાળા એક મૂર્તિને જ દેખે, ઘોડે ચડેલા દેખે, હરતાં-ફરતાં દેખે. એમ મૂર્તિ વિના બીજું કાંઈ દેખે જ નહીં. હાથી, રથ, ઘોડા, વિમાન તે તો થોડી વારમાં અદૃશ્ય થઈ જાય; પછી કાંઈ હોય નહીં. ગોરધનભાઈને તો મીઠું ને સાકર બે જમાડ્યાં તે એક થઈ ગયું. તે અખંડ સમાધિ કહેવાય. ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ દૂધપાકમાં અજાણમાં મીઠું નાખેલ તે જમી ગયા. બીજા સર્વેને ખારું લાગ્યું. એ તેથી ઉત્તમ સમાધિ કહેવાય, એ સમાધિમાં કાંઈ વિઘ્ન આવે નહીં. એમ કહી વાર્તાની સમાપ્તિ કરી. ।। ૨૭ ।।
વાર્તા ૨૮
આસો સુદ ૧૦ના રોજ સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. ત્યારે નારાયણપુરથી ધનજીભાઈના દીકરા લાલજી તથા હરજી આવ્યા તેમને કહ્યું જે, તમે હમણાં કેમ દેખાતા નથી ? અમારાથી બીઓ છો કે શું ? માયા ભેળી કરો છો તે ભેળી ખણી જાવી છે ? ત્યારે તે કહે, ના બાપા ! એ ભેળી આવે એવી તો નથી, પણ એણે રોકી રાખ્યા છે. પછી બાપાશ્રી બોલ્યા જે, “તૃષ્ણા તું બડી નકટી, સબ લોકન કી લાજ લેત.” તૃષ્ણા મૂક્યા વિના છૂટકો નથી. આ નહિ મળે પછી ક્યારે જોગ કરશો ? આ કરી લો, કરી લો, કરી લો. એમ કહી જમવા પધાર્યા. પછી બપોરના બાપાશ્રી મંદિરની ઓસરીમાં પોઢ્યા હતા, તે સૂતા સૂતા બોલ્યા જે, આ આકાશમાં વાદળી છે, એટલી વાદળી જોઈને મહારાજે ગઢડામાં કહ્યું હતું જે, આ વાદળી પછેડી જેટલી છે તેમાંથી આપણે પાણી લેવું છે. પછી વાદળી તૂટી પડી, તેથી ઘેલામાં પૂર આવ્યું. તેને પાછું હઠાવવા સારુ દાદાખાચર પાસે મહારાજે નદીને વધાવી. તેથી સાજા ગઢડાને વીંટો દીધો એટલું પાણી હતું તે તુરત જ હડેડાટ કરતું પાછું વળી ગયું. પછી મહારાજ કહે જે, અહોહો ! દાદાખાચરનું કેવું પરિબળ ! એમ પ્રશંસા કરી. કામ તો પોતે જ કર્યું હતું, પણ દાદાખાચરને જશ આપ્યો. એવા મહારાજ છે. તે આજ પણ એમ જ કરે છે. તે વખતે પ્રસન્નતા જણાવી સર્વેને મળ્યા. પછી બોલ્યા જે, આવો આવો, સંતો ! બેસો. તમે આજ સભામાં બપોરે પ્રશ્ન પૂછ્યો હતો તે ટાણે ઉત્તર થાય તેમ નહોતું, માટે અહીં પૂછો તો ઉત્તર કરીએ. પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, જ્યારે મોટાએ વર્તમાન ધરાવ્યા, ત્યારે તન, મન, ધન, અનેક જન્મનાં કર્મ અર્પણ કરાવ્યાં. પછી એ ચૈતન્યને રહેવાનું ક્યાં રહ્યું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ એ ચૈતન્યને પોતાની મૂર્તિને વિષે રાખે છે. એમ કહીને બોલ્યા જે, તમે સર્વે શ્રીજીમહારાજના સંકલ્પ છો, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બધાય મહારાજના સંકલ્પ હોય તો માંડવીમાં ખૈયા ખત્રીના પ્રશ્નના ઉત્તર બ્રહ્માનંદ સ્વામીથી કેમ ન થયા ને શ્રીજીમહારાજે કેમ કર્યા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો મહારાજની ઇચ્છા પ્રમાણે જે સંકલ્પ દ્વારે જેટલું જણાવવું હોય તેટલું જણાવે છે એમ કહી સર્વેને મળ્યા.
પછી છેલ્લા પ્રકરણનું ૩૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં કીડામાંથી કીડો, માણસમાંથી માણસ અને પશુમાંથી પશુ થાય છે તે સર્વેના કર્તા એક જ ભગવાન છે એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હવે બ્રહ્માનું કર્તવ્ય ક્યાં રહ્યું ? સર્વ કર્તા-હર્તા એક શ્રીજીમહારાજ જ રહ્યા, પણ બીજો કોઈ કર્તા નથી. ।। ૨૮ ।।
વાર્તા ૨૯
આસો વદ ૧૧ને રોજ સવારે વચનામૃતની કથા થતી હતી તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બાપા ! શ્રીજીમહારાજ છપૈયે પ્રગટ થયા ને ગઢપુરમાં અંતર્ધાન થયા એ બે ધામમાં અધિક કયું જાણવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂળીવાળા સદ્. હરિનારાયણદાસજી સ્વામીની છપૈયે બદલી થઈ હતી ને ઘનશ્યામ મહારાજની સેવા કરતા. ત્યાં તેમણે બધાં વચનામૃત કંઠે કર્યાં હતાં. તેમને એવો સંકલ્પ રહેતો કે છપૈયા અધિક કે ગઢપુર અધિક ? પછી શ્રીજીમહારાજે રાત્રિએ સ્વપ્નમાં દર્શન આપ્યાં તે સાથે અયોધ્યાપ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ તથા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક ઘણા સંતોની મોટી સભા થઈ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તમારે શું પૂછવું છે ? પૂછવાનું હોય તે પૂછો. ત્યારે તેમણે આ બે ધામમાં અધિક ધામ કયું ? એમ પૂછ્યું. ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા જે, ગઢપુર અધિક. પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, એમાં તમે ન જાણો, આ છપૈયા અધિક. કેમ જે, ભગવાનનો પ્રાદુર્ભાવ જ્યાં થયો હોય તે ધામ તુલ્ય બીજું ન કહેવાય. પછી શ્રીજીમહારાજે ઊભા થઈને સ્વામી હરિનારાયણદાસજીને કહ્યું જે, ચાલો, અમારું જન્મસ્થાન બતાવીએ. પછી સભામાંથી બંને ઊઠીને ચાલ્યા તે આગળ શ્રીજીમહારાજ ને પાછળ સ્વામી ચાલ્યા; તે જ્યાં પોતે પ્રગટ થયા હતા ત્યાં ઊભા રહીને કહ્યું કે, આ સ્થાને અમે પ્રગટ થયા હતા. આ સ્થળે ધૂળની ઢગલી કરો અને આ જગ્યાએ અમારું જન્મસ્થાન કરાવજો. એમ કહીને મહારાજ તથા સંતની સભા અદૃશ્ય થઈ ગઈ. એમ વાત કરી. પછી જેતલપુરનું ૧લું વચનામૃત વાંચ્યું તેમાં એમ આવ્યું જે, સો મનુષ્ય માને, હજાર મનુષ્ય માને, લાખ મનુષ્ય માને, ક્યારેક બ્રહ્મા જેવો, શિવ જેવો, ઇંદ્ર જેવો થાય તેણે કરીને મોટપ માને નહીં. આત્મા વડે અને સંતના સમાગમે કરીને મોટપ છે એમ આવ્યું, પછી સંતની મોટપ આવી. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, પહેલી આત્મા વડે કરીને મોટપ કહી તે આત્મા કયો જાણવો ? પછી સંતની આત્મનિષ્ઠાએ કરીને મોટપ છે, એમ કહ્યું તે આત્મનિષ્ઠા કઈ જાણવી ? પછી બાપાશ્રી બોલ્યા જે, પહેલી સાધનદશાવાળાને આત્મા વડે કરીને મોટપ કહી. તે પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનવું, તે આત્મા જાણવો અને સંતને આત્મનિષ્ઠા કહી તે આત્મા જે શ્રીજીમહારાજ તે શ્રીજીમહારાજમાં નિષ્ઠા કહેતાં સ્થિતિ તે આત્મનિષ્ઠા જાણવી. પછી વાત કરી જે, તમે સર્વે મહારાજની મૂર્તિમાં રહ્યા છો. માટે મૂર્તિમાં રહ્યા છીએ અને ક્રિયા મૂર્તિ જ કરે છે, એમ જાણજો. ।। ૨૯ ।।
વાર્તા ૩૦
આસો વદ ૧૨ને રોજ સાંજે છેલ્લા પ્રકરણનું રજું વચનામૃત વંચાતું હતું તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, કેવા હોય તે સાધુ કહેવાય ? ત્યારે બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, સાધન કરીને એકાંતિકભાવને પામ્યો હોય, અખંડ શ્રીજીમહારાજની સ્મૃતિ રહેતી હોય, મહારાજ વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય પણ જે દેહે કરીને સાધન કર્યા હોય તે દેહે સહિત હોય તેને સાધુ કહેવાય. તથા છેલ્લા પ્રકરણના ૮મા વચનામૃતમાં મોટા સંત કહ્યા છે, તેવા લક્ષણવાળા હોય અને દેહની ક્રિયા પણ આ લોકમાં જમવું જોઈએ, એ આદિક થતી હોય તેને સાધુ કહ્યા છે. મહારાજ અને મુક્ત તો દેહ વિનાના કહેવાય તેમને તો આ લૌકિક ક્રિયા જે ખાવું-પીવું તે નથી. તે તો જમતા થકા અજમતા છે. એમ જ સર્વે ક્રિયા કર્તા થકા અકર્તા છે. આવી રીત મોટા મુક્તની છે. પછી વાત કરી જે, નારાયણપુરમાં ખીમજીભાઈના દીકરા ભીમજીને ઘેર અમે ગયા હતા. ત્યાં હનુમાનજીની છબી જોઈને અમે કહ્યું જે આ શું છે ? પછી તે કાંઈ બોલ્યો નહીં. આપણે તો સ્વામિનારાયણનો જ આશરો રાખવો. બધે માથાં ભટકાવવાં નહીં. મહારાજ તો કૃપાસાધ્ય છે. તેના મુક્ત પણ એવા જ છે. તે જે જીવ આશરે આવે તેને સુખિયો કરી મૂકે. પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી આવ્યા અને કહ્યું જે, બાપા ! મૂર્તિમાં રાખજો. ત્યારે બાપાશ્રી કહે, બહાર રાખીએ તો ? ત્યારે કહે કે, ના, મૂર્તિમાં રાખજો. ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, માંહી મૂંઝવણ થાય તો ? ત્યારે સ્વામી કહે, મૂંઝવણ નહિ થાય. પછી બાપાશ્રી બોલ્યા જે, સારું મહારાજ ! મૂર્તિમાં રાખશું. આપણે તો જે છે તે અહીં છે. અહીં અક્ષરધામ, મૂર્તિ, મુક્ત, સર્વે છે. પણ અક્ષરધામ બીજે છે અને મૂર્તિ બીજે છે, એમ ન જાણશો. સર્વે અહીં જ છે. એમ વાત કરી ઠાકોરજીનાં દર્શને પધાર્યા અને દર્શન કરી સર્વેને મળ્યા.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, મૂર્તિનું સુખ ને આનંદ વધતાં જાય, તેનો શું ઉપાય હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહેવું, તેણે કરી આનંદ ને સુખ વધતાં જાય. આ બાવો ઈશ્વરચરણદાસજી જાણે જે, હું બધો મહિમા લખી નાખું, પણ તમે બધી વનસ્પતિની કલમો કરો, સાત સમુદ્રની શાહી કરો, તે લખતાં કલમો ઘસાઈ જાય, શાહી ખૂટી જાય તોપણ મહારાજના મહિમાનો પાર ન આવે. એવી દિવ્ય મૂર્તિ છે, અપાર છે, તે પાર પામી શકાય તેવું નથી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, બાપા ! આપની મરજી હોય તો લખું. ત્યારે બાપાશ્રી માથે હાથ મૂકી અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, ભલે ! લખો. અમો રાજી છીએ. મોટા મોટા સંતોએ મહારાજનાં ચરિત્ર, પ્રતાપ, ઐશ્વર્ય, મહિમાના અનેક ગ્રંથો લખ્યા. તોપણ જેવો છે તેવો મહારાજનો મહિમા લખવાને કોણ સમર્થ છે ! મહારાજ કહે છે કે હું પણ મારા મહિમાનો પાર પામતો નથી તો બીજા કોણ પાર પામી શકે ! એવી એ કારણ મૂર્તિ છે. એ કારણ મૂર્તિના આધારે સૌ સુખિયા છે. આપણને તો મહારાજે ન્યાલ કર્યા છે. તે ગામોગામ મંદિર ! જ્યાં જઈએ ત્યાં હરિભક્તોનાં હેત પણ એવાં. તે જુઓને ! આપણે ગામ મેડા ગયા હતા. ત્યાંના હરિભક્તોનાં શું હેત ! આપણે સૌને રાજી કરીને ત્યાંથી ચાલ્યા ત્યારે સૌ હરિભક્તો ઘણે છેટે સુધી વળાવવા આવ્યા, તે કહીએ તોય પાછા ન વળે. પછી અમે કહ્યું જે, હવે પાછા વળો. ત્યારે તે શું કરે ? પછી ઊભા રહ્યા; એવાં તેમનાં હેત. જે મહારાજનો તથા મોટાનો મહિમા જાણે તેને સદાય એવું હેત રહે. એમ કહીને બોલ્યા જે,
સ્વામી ! તમારા દાખડા ઘણા છે, ગામેગામ ફરીને હરિભક્તોને મહારાજના સુખની ને મહિમાની વાતો કરો છો તેથી સત્સંગ બધો પ્રફુલ્લિત થઈ રહ્યો છે. મહારાજ કહે, તમ જેવા ધર્મ-નિયમવાળા સંતની વાત નોખી છે, એવા તમે છો એમ પ્રસન્નતા જણાવી.
પછી બીજે દિવસે સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો પર બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, હવે તમને ગુજરાતના હરિભક્તો સંભારે છે તે કેમ કરશો ? અમારે અહીં આવા સંતોની તાણ ઘણી છે. અમને આવી સભા અખંડ ખપે. આ દેશનાં ભાગ્ય મોટાં જે આવા સંત ઘેર બેઠાં આવીને દર્શન દે છે. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી બોલ્યા જે, બાપા ! આ બધું આપની કૃપાનું કારણ છે. આપે સાજો સત્સંગ સુખિયો કરી મૂક્યો છે. તેથી બધા તણાઈને અહીં ચાલ્યા આવે છે. મહારાજનું સુખ આ ટાણે આપે બહુ સુગમ કરી દીધું છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ભલે મહારાજ ! તમો હવે દેશમાં જાઓ ને હરિભક્તોને સુખિયા કરો. તેડાવીએ ત્યારે આવજો. અમારે અહીં સંતોને રાખ્યાની તાણ તો રહે પણ હરિભક્તોના હેત સામું જોવું ખપે. આવી રીતે બાપાશ્રીની ઇચ્છા જાણી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી, શ્વેતવૈકુંઠદાસજી તથા દેવજીવનદાસજી અને આશાભાઈ, આદિક સર્વે બાપાશ્રીને પ્રસન્ન કરી દેશમાં જવા તૈયાર થયા તે ટાણે પોતે સૌને મળ્યા. અને માથે હાથ મૂકીને બોલ્યા જે, આમ ને આમ મહારાજની મૂર્તિમાં રસબસ રહેજો, આપણે સદાય ભેળા જ છીએ. એવા આશીર્વાદ આપીને વિદાય કર્યા. પછી સંતો ભૂજ બે દિવસ રોકાઈને ગુજરાતમાં આવ્યા. ।। ૩૦ ।।
વાર્તા ૩૧
સંવત ૧૯૮૩ના ફાગણ સુદ ૧૧ને દિવસે કરાંચીના શેઠ સાંવલદાસભાઈ સરસપુર આવ્યા. ત્યાં એક દિવસ રહી બાપાશ્રીને કરાંચી તેડી જવા સ્વામી ઈશ્વરચરણદાસજીને વિનંતી કરી કહ્યું કે તમે ભેળા ચાલો ને બાપાશ્રીને તેડી કરાંચી પધારો, કેમ કે લાલુભાઈ આદિક ત્યાંના હરિભક્તોના આગ્રહથી હું તેડવા આવ્યો છું. એવી રીતે પ્રાર્થના કરી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળને સાથે લઈ વૃષપુર જાવા તૈયાર થયા. સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું કે, તમો સાથે ચાલો. ત્યારે સ્વામીશ્રી કહે, તમે વૃષપુર જાઓ. બાપાશ્રી કરાંચી પધારશે તો હું જરૂર કરાંચી આવીશ. તમો તારથી ખબર આપજો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે ભૂજ ગયા, ઠાકોરજીનાં દર્શન કરી ત્યાંના સંતોને કહ્યું કે, બાપાશ્રીને કરાંચી તેડી જવા આ હરિભક્ત આવેલા છે. ત્યારે તેમણે કહ્યું કે, બાપાશ્રીનું શરીર કાંઈક નરમ રહે છે. તે આવશે કે કેમ ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે ત્યાં જઈએ, દર્શન કરીએ, પછી જેમ બાપાશ્રીની મરજી હશે તેમ કરીશું. એમ કહી સ્વામીશ્રી સંતોએ સહિત વૃષપુર જવા તૈયાર થયા. તે વખતે સાંવલદાસભાઈએ તો ભૂજથી માંડવી સુધીનું ભાડું ઠરાવી મોટર સાથે લીધી ને વૃષપુર આવી બાપાશ્રીનાં દર્શન કરી સૌએ દંડવત કર્યા. તે સૌને બાપાશ્રી મળ્યા. સ્વામીશ્રીએ તરત કરાંચી પધારવા પ્રાર્થના કરી, ત્યારે પ્રથમ તો ના કહી અને કહ્યું કે, મારે શરીરે સારું ક્યાં છે ? તમે ઉતાવળા થઈને આવ્યા, ખબર પણ આપ્યા નહિ, વગેરે વાતો કરી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, બાપા ! બીજી વાતો આપ ભલે કરો, પણ આ સાંવલદાસભાઈ મોટર સાથે લઈને આવ્યા છે, તે કરાંચી આવવું પડશે. તે વખતે પોતે નહિ આવી શકાય એમ કહેતા હતા પણ સ્વામીશ્રી તથા સાંવલદાસભાઈની પ્રાર્થનાથી પછી હા પાડી. પોતાના પૌત્ર તથા સ્વામી આદિ સંતો અને સાથે આવવાની ઇચ્છાવાળા હરિભક્તો (સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી, હરિજીવનદાસજી, કુબેર ભક્ત, મોતીભાઈ, આશાભાઈ, સાંવલદાસભાઈ, બાપાશ્રીના પૌત્ર માવજીભાઈ, નારાયણપુરવાળા ખીમજીભાઈ તથા શિવલાલભાઈ, મોહનભાઈ) આદિને સાથે લઈને ફાગણ સુદ ૧૫ને રોજ સવારે મોટરમાં બેસી બાપાશ્રી માંડવી પધાર્યા. ત્યાંના હરિભક્તોને ખબર પડવાથી સમુદ્રના કાંઠા ઉપર સૌ દર્શને આવ્યા, તે સર્વને મળી સ્વામી વંૃદાવનદાસજીને કરાંચી આવવા તાર કરાવી આગબોટમાં બેસી ફૂલડોલના દિવસે બાપાશ્રી કરાંચી પધાર્યા. માંડવીથી ખબર આપેલા, જેથી હરિભક્તો ઘણાક સામા આવ્યા હતા. બાપાશ્રીનાં દર્શન થતાં સૌ હરિભક્તોના હર્ષનો પાર રહ્યો નહીં. ઉત્સાહભર્યા જય જય બોલાય, મંડળીઓ ઝાંઝ-મૃદંગ સહિત કીર્તન બોલે, પરસ્પર ગુલાલ છંટાય, એ રીતે બાપાશ્રીનાં દર્શન કરતા થકા સૌ આનંદભર્યા માર્ગમાં ચાલતા હતા. બાપાશ્રી તે વખતે મોટરમાં બિરાજેલા, ભાલમાં ચંદન ચર્ચેલું ને કંઠમાં ઘણાંક ફૂલના હારે સહિત સૌને શહેરમાં દર્શન દઈ ગાજતે-વાજતે મંદિરમાં ૧૧ વાગ્યાને સુમારે સર્વે સમૂહ સહિત પધાર્યા. તે વખતે ઠાકોરજી પાસે આનંદ ઉત્સવ થઈ રહ્યો હતો. મંદિરમાં હરિભક્તો તથા મંદિર પર દર્શને આવનાર બાઈઓનો સમૂહ એટલો બધો જણાતો હતો કે જાણે મોટો સમૈયો થયો હોય તેમ સૌને લાગતું હતું. મંદિરમાં મહારાજ પાસે છડીદાર ઘણી ખમ્માના ઉચ્ચાર કરતા હતા. તે વખતે બાપાશ્રીએ રંગ ભરેલા કુંજવિહારી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કર્યાં, ઠાકોરજીના સેવકે બાપાશ્રી ઉપર રંગ છાંટ્યો. ગુલાલથી આંગડી, પાઘ, ખેસ, ધોતિયું તે રંગચોળ થયાં, તે સમયે સૌને આનંદ આનંદ થઈ રહ્યો. જ્યારે ઉત્સવની સમાપ્તિ થઈ ત્યારે હરિભક્તો સૌ મંદિરના ચોકમાં આવ્યા. રંગનું તપેલું તથા ગુલાલ લાલુભાઈ આદિકે લાવીને પ્રાર્થના કરી જે, બાપા ! આપે દયા કરી દર્શન આપ્યાં, તેમ સૌના ઉપર થોડો થોડો પ્રસાદીનો રંગ છાંટો તો નાનામોટા સર્વ હરિભક્તો રાજી થાય. પછી બાપાશ્રીએ સૌ ઉપર રંગ છાંટ્યો ને ગુલાલ નાખી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. હરિભક્તો ઝીલણિયાં કીર્તન બોલ્યાં. એમ સૌને રાજી કરી બાપાશ્રી નાહવા પધાર્યા. થોડી વારે નાહી, પૂજા કરી સંત-હરિભક્તોને જય સ્વામિનારાયણ કર્યા. લાલુભાઈ પાસે સાંવલદાસભાઈને બેઠેલા જોઈ બાપાશ્રીએ લાલુભાઈને કહ્યું કે, આ ફૂલડોલનો સમૈયો સાંવલદાસભાઈએ કરાવ્યો. કેમ કે અમારે શરીરે બરાબર નહોતું. પણ એમનું હેત બહુ તે ભૂજથી મોટર ભાડે કરી તેડવા આવ્યા, ભેળા સ્વામી ઈશ્વરચરણદાસજીને લાવ્યા. સ્વામી વૃંદાવનદાસજીને તો કરાંચી આવવાનો વાયદો કરીને આવ્યા છે. તે અમો માંડવીથી આગબોટમાં બેઠા તે પહેલાં તાર કરી દીધો છે; આવું એમનું હેત ને તમારી સૌની તાણ પણ એવી, જેથી અવાણું, નહિ તો મારાથી હમણાં નીકળાય એમ નહોતું. પછી હરિભક્તો સામું જોઈને બોલ્યા જે, આ લાલુભાઈ પણ મહામુક્ત છે, એમ પ્રશંસા કરતા હતા. ત્યાં ઠાકોરજીના થાળ તૈયાર થવાથી આશાભાઈએ પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રી પોતાની સાથે આવેલા હરિભક્તોએ સહિત ઠાકોરજીને જમાડવા પધાર્યા. મંદિરમાં હરિભક્તો સર્વે હેતભર્યા સભામાં વાટ જોતા હતા કે બાપાશ્રી ક્યારે પધારે. લાલુભાઈ તથા મહાદેવભાઈએ સ્વામીશ્રીને કહ્યું કે, આ વખતે આપે બહુ દયા કરી તે બાપાશ્રીને સાથે લઈને આવ્યા. સાંવલદાસભાઈએ પણ એવી જ હિંમત કરી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, બાપાશ્રી તો સ્વતંત્ર છે. એમની દયાથી તમો સર્વેને આ લાભ મળ્યો છે. અમો તો અમદાવાદ હતા તે અમને પણ ખેંચ્યા. કરાંચીના હરિભક્તો પર બાપાશ્રીની દયા ઘણી છે, અમો જ્યારે કચ્છમાં જઈએ ત્યારે કરાંચીના સમાચાર પૂછ્યા વિના રહે જ નહીં. તમો સર્વે બાપાશ્રીના રાજીપામાં આવ્યા છો તે તમારાં મોટાં ભાગ્ય છે. આ વખતે તાણ રાખીને લાભ લેજો. કેમ કે બાપાશ્રી વાતોમાં મર્મ હવે બહુ જણાવે છે. એમની શી મરજી છે, તે આપણે ન જાણી શકીએ. ત્યારે લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, કાલિદાસભાઈ, ત્રિભુવનભાઈ, ઠાકરશીભાઈ આદિ ઘણા હરિભક્તોએ પ્રાર્થના કરી જે, સ્વામી ! આ વખતે તો આપ બાપાશ્રીને અરજ કરીને દર્શન, સેવા તથા વાતોનું સુખ બહુ અપાવજો. કચ્છમાં અમો જઈએ, ત્યારે પાંચ-આઠ દિવસ રહેવાનું હોય; ત્યારે સભામાં, વાડીએ, તળાવે, ઘેર, સવાર, બપોર, સાંજ અને રાત્રે વાતો બહુ થાય અને સેવાનો અવસર મળે. પણ લ્હાવ થોડો લેવાય, તેમાં પણ ત્યાં દર્શને જનારા હરિભક્તો જ એ સુખ લે. અહીં તો બધા હરિભક્તો સેવા-સમાગમના પ્યાસી છે તેથી આ વખતે બાપાશ્રીને રાજી કરીને પ્રસન્નતાનું તથા વાતોનું સુખ આપ દયા કરી અમને અપાવશો, એટલી અમારી સૌની પ્રાર્થના છે. આમ જ્યાં વાત થતી હતી ત્યાં બાપાશ્રી મંદિરમાં પધાર્યા ને સર્વે સભાને જય સ્વામિનારાયણ કહીને આસન ઉપર બિરાજ્યા. સૌ સંત-હરિભક્તો બાપાશ્રીને પગે લાગી જય સ્વામિનારાયણ કરતા હતા. ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, સ્વામી ! આ વખતે હરિભક્તોને ખૂબ મહારસ રેલાવી સુખિયા કરજો. ત્યારે સ્વામીએ પ્રાર્થના કરી કે, બાપા ! એ જ વાત થાય છે, બધા હરિભક્તો કહે છે કે બાપાશ્રીને અમારી વતી વિનંતી કરજો કે આ વખતે અમને સેવાનું તથા વાતોનું સુખ ઘણું મળે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આપણે તો એ જ કરવા આવ્યા છીએ. આપણે ધંધો એ જ છે, કથા-વાર્તા, ધ્યાન, માળા, માનસીપૂજા એ કરવાનું. મોટા મોટા મુક્તો એમ જ કરતા. શ્રીજીમહારાજ પોતે પણ કથા-વાર્તાનો અખાડો ચાલુ રાખતા. કોઈ જમવા બોલાવવા આવે ત્યારે જો કથા-વાર્તા ચાલતી હોય તો રાજીપો ન બતાવે, અને જમવા પધારે ત્યારે પણ જમતાં ‘હરે... હરે...’ એમ બોલાઈ જતું. એવા ઢાળ આપણને શીખવવા માટે બતાવ્યા છે, એમ વાત કરી પ્રસન્નતા જણાવી.
ફાગણ વદ ૧ ને રોજ મંદિરના મેડા ઉપર આસને બાપાશ્રીએ લાલુભાઈને પૂછ્યું કે, તમારું શરીર પ્રથમ ઠીક રહેતું નહિ તે હવે કેમ છે ? ત્યારે લાલુભાઈએ કહ્યું કે, બાપા ! આપનાં દર્શનથી હવે ઠીક થઈ ગયું. થોડા દિવસ શરીરમાં તાવ રહેતો પણ આપના પધારવાના સમાચારથી ઊતરી ગયો છે ને આજ તો આપે તથા આ સ્વામીશ્રીએ અમોને બહુ સુખિયા કરી દીધા. અમારા ઉપર બહુ દયા કરી.
પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જીવનો સ્વભાવ એવો છે જે, પંચવિષયના સુખમાં તથા મોહ-પ્રમાદમાં ચોંટી રહે છે, પણ જેવું મૂર્તિમાં સુખ છે તેવું કોઈ ઠેકાણે નથી. સર્વે સાધનનું ફળ શ્રીજીમહારાજની મૂર્તિ છે, તેનું ધ્યાન કરે તો સુખમય-આનંદમય ફુવારા છૂટે. આવી વસ્તુ અદ્ભુત મળી છે. એ વસ્તુ મળી, પણ જીવને અજ્ઞાન છે તથા મહિમાની કસર છે; શ્રદ્ધા નથી અને જેવો હીરો છે તેવો જાણ્યો નથી. જ્ઞાને સહિત મહિમા હોય તો જણાય. જેમ શ્રીજીમહારાજ દિવ્ય છે તેમ મોટા પણ દિવ્ય છે. પણ સુખભોક્તામાં સ્વામી-સેવકપણું રહે છે. મહારાજ સુખના દાતા છે અને મુક્ત સુખના ભોક્તા છે. પછી બોલ્યા જે, “વ્હાલા એ રસના ચાખણહાર, છાસ તે નવ પીવે રે લોલ.” શ્રીજીમહારાજે પોતાના મુક્તોને કહ્યું જે, તમે પૃથ્વી ઉપર જાઓ, ત્યાં તમો જેને કથા-વાર્તા કરશો, તમારા હાથની જે પ્રસાદી જમશે તે સર્વેને અમારા ધામની પ્રાપ્તિ થશે. પણ જીવને નાસ્તિકપણું છે તેથી કરવાનું રહી જાય છે. તે બધી વસ્તુ આ ટાણે છે, પણ મહિમામાં કસર છે તેથી તર્ક કરે જે આવું સુખ હશે કે નહિ હોય ! ત્યારે મહારાજ તેને ફટ ફટ કરે છે. આવું મહારાજનું અને મુક્તનું સુખ છે તોય મહારાજ તથા મોટાને વિષે જીવને નાસ્તિકભાવ રહે છે. મોટા તો જ્યાં વિચરતા હોય ત્યાં ઝાડ, પહાડ, સર્વેનાં ધન્ય ભાગ્ય કહેવાય. મહારાજ અને મોટા આપણાથી દૂર નથી. આ પંચભૂતનો દેહ ન જાણવો. મહારાજની મૂર્તિના સુખે સુખિયા થાવું હોય તો માયિક પદાર્થમાંથી પ્રીતિ ટાળી આવા મોટાનો મન, કર્મ, વચને જોગ-સમાગમ કરીએ તો સંસારરૂપી સમુદ્રમાંથી ઊગરીને ભગવાનની મૂર્તિના સુખમાં ઝટ પહોંચી જવાય ને ભારે કામ થઈ જાય. મોટાની અનુવૃત્તિમાં રહે તો ધક્કે મારીને પૂરું કરી આપે. મોટા અનાદિ દ્વારા જે સત્સંગમાં વપરાણું તે અનંતગણું થાય છે. આવો સત્સંગ જેને ઓળખાણો તેને પૂરું થઈ ગયું. તે ઉપર કુંભારિયાના હરજીભાઈની વાત કરીને કહ્યું જે, એવી રીતે ઇન્દ્રિયો-અંતઃકરણના ભાવ ટાળીને શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં રહેવું.
આ સત્સંગમાં જેટલા ગુણ-દોષ દેખાય છે તેટલું નાસ્તિકપણું છે. દિવ્યભાવ દેખાય તેટલું આસ્તિકપણું છે. આશરો એવો દૃઢ કરવો જે, મહારાજ તથા અનાદિમુક્ત તે વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. મહારાજના સુખમાં દૃષ્ટિ પહોંચે તો દેહ ને આત્મા જુદા પડે. જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્કાર થાય છે. જેમ જળમાં માછલાં રમે છે, તેમ મુક્ત મહારાજની મૂર્તિમાં રમે છે. જીવ તો પુરુષોત્તમની મૂર્તિ આગળ અસમર્થ છે પણ જ્યારે એકતા થઈ જાય ત્યારે સમર્થ થઈ જાય. આ સભા સર્વે અક્ષરધામની છે અને મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે એવું ભાસે ત્યારે એમ ધારવું જે દિવ્યભાવ થયો. પછી એમ બોલ્યા જે, જીવની વૃત્તિએ કરીને ભગવાન જોવા. ઇન્દ્રિયો-અંતઃકરણનો પ્રતિહાર કરતાં મૂર્તિમાં જોડાવાનો પ્રયાસ કરવો નહિ પડે, ને સહેજે મૂર્તિમાં વૃત્તિ રહેશે ને મૂર્તિ સળંગ ધરાશે. તે મૂર્તિ શ્વેત (તેજોમય) બે ચક્ષુની ધારવી. આભૂષણ તથા પુષ્પના હાર, બાજુબંધ વગેરે શ્વેત દિવ્ય મહારાજના અંગને વિષે છે જ, એવી રીતે ધારવું. પાઘ ને છોગું પણ શ્વેત ધારવું. મૂર્તિમાં સ્થિર વૃત્તિ થાય એટલે સળંગ મૂર્તિમાં રસબસ રહીને તે મૂર્તિનું સુખ લેવું. મોટા સંતનો મહિમા કેવો છે તો મહિમાએ સહિત જે સ્પર્શ કરે છે તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે અને હેતે સહિત જમાડી પુષ્પ-ચંદને પૂજા કરીને વસ્ત્ર ઓઢાડે છે તે છતે દેહે ભગવાનના અક્ષરધામને પામે છે. જીવ મહારાજને તથા મોટા મુક્તને સંભારે તો તરત સુખિયો થઈ જાય અને કામ-ક્રોધાદિક સર્વે ટળી જાય. માણસ પથરા ઉપર પાણી નાખીને ક્ષેત્રપાળ કરીને પૂજે છે તો આ તો સાક્ષાત્કાર પુરુષોત્તમ ભગવાન તથા તેના અનાદિમુક્ત; તોપણ માયિક જેટલો નિશ્ચય થતો નથી ને મહિમા જણાતો નથી એ કેટલું અજ્ઞાન કહેવાય ! રાજા અસવારી કરે ત્યારે કોઈને ભેગા કરવા ન પડે, તેમ શ્રીજીમહારાજની મૂર્તિ જ્યાં હોય ત્યાં આવું જ છે. મોટાનો ખરો સિદ્ધાંત એ છે જે, જીવને ભગવાન સન્મુખ કરવા. જીવને બહુ પ્રકારના મોહ થાય છે પણ વસ્તુ વિચાર કરીને ભગવાન સન્મુખ થાય તો મોહ ટળી જાય ને ભાગવતીતનુ આવે. ભાગવતીતનુ એટલે ભગવાનના ગુણ. પુરુષોત્તમરૂપ જે સંત તેને જોગે કરીને પુરુષોત્તમરૂપ થવાય છે. પ્રથમ તો ખદ્યોત જેટલો જીવમાં પ્રકાશ હોય અને થોડે થોડે મહાતેજ જેવો થાય, પછી પુરુષોત્તમરૂપ થાય છે. જેમ અગ્નિમાં લાકડું નાખે તે અગ્નિરૂપ થઈ જાય તેવી રીતે કનિષ્ઠના જોગથી પુરુષોત્તમરૂપ થવાય નહીં. જેમ બાળકના હાથમાં લાકડું આપ્યું તે અગ્નિ તો ક્યાંય રહી જાય ને આડે-અવળે ફેંક્યું તે અગ્નિરૂપ થાય નહીં.
મહારાજની મૂર્તિમાં અનંતકોટિ મુક્ત સાકાર થકા સળંગ રહ્યા છે, તે અનાદિની સ્થિતિ છે અને પોતાનું સ્વરૂપ તેજોમય માનીને તે તેજના સમૂહમાં શ્રીજીમહારાજની મૂર્તિ ધારીને તે મૂર્તિ સામું જોઈ રહેવું, તે એકાંતિકની સ્થિતિ છે અને જે મૂર્તિમાન થઈને મૂર્તિની સન્મુખ રહી મૂર્તિનું સુખ લેવું તે પરમએકાંતિકની સ્થિતિ છે.
આવી રીતે અતિ પ્રસન્ન થકા બાપાશ્રી વાતો કરતા હતા ત્યારે લાલુભાઈ તથા હીરાભાઈએ પ્રાર્થના કરી જે, બાપા ! આપને આગબોટમાં પરિશ્રમ બહુ પડ્યો હશે માટે સ્વામીશ્રી આદિક સર્વે તથા આપ જરા વિશ્રાંતિ લો તો સારું. ત્યારે બાપાશ્રી કહે, આપણે તે સદાય વિશ્રાંતિ છે. મહારાજની મૂર્તિમાં સુખ, સુખ ને સુખ જ છે, તોપણ સૌ ભલે આરામ કરે; એમ કહી પોતે જળપાન કરી થોડી વાર શયન કર્યું. ।। ૩૧ ।।
વાર્તા ૩૨
પછી બાપાશ્રી ચાર વાગે ઠાકોરજીનાં દર્શન કરી આસને આવ્યા અને સર્વેને જય સ્વામિનારાયણ કર્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! મહારાજની મૂર્તિના સુખભોક્તા મળે એટલે સાધન સમાપ્ત થતાં હશે કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સાધનની સમાપ્તિ ખરી પણ ભગવાનના મહિમાની, ભગવાનની મૂર્તિની, ભગવાનના સુખની અને સુખભોક્તાની અવધિ જ નહીં. તે તો વધતું જ જાય, તેનો અંત નહીં. તે તો અપાર, અપાર ને અપાર જ સમજવું. શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્ત રહીને ક્ષણ ક્ષણ પ્રત્યે કોટાનકોટિ નવીન નવીન ઉત્પન્ન થતાં જે સુખ તેને ઉત્પન્ન થવાનાં સ્થાનક તેણે સહિત એકકાળાવિચ્છિન્ન એ સર્વે સુખને જાણતા થકા ભોગવે છે. તે મૂર્તિનો અને સુખનો પાર કોઈ પામી શકતા નથી, એવું એ મૂર્તિનું અકળપણું છે. તેમ પોતે ભોક્તાપણે સર્વેને જાણતા થકા એકસાથે જ સર્વ સુખને ભોગવે છે. એ મૂર્તિને વિષે અસાધારણ સ્નેહ હોય તે ખરું સુખ કહેવાય ને આનંદ પણ તે જ કહેવાય. મહારાજ અને અનાદિમુક્તનું સ્વરૂપ તો સદા ભેગું જ છે. જુદાપણું છે ખરું. કેવી રીતે ? તો મુક્ત ભોક્તા છે અને પુરુષોત્તમ દાતા છે. મુક્ત દાસ છે અને પુરુષોત્તમ સ્વામી છે; તેમ પુરુષોત્તમના અને અનાદિમુક્તના સામર્થ્યમાં ને સુખમાં ફેર છે. પુરુષોત્તમના સાધર્મ્યપણાને તો એવા અનંત મુક્ત પુરુષોત્તમની કૃપાએ કરીને પામ્યા છે, તોપણ પુરુષોત્તમના સુખનો કોઈ પાર પામી શકતા નથી. અપાર ને અપાર સદા રહ્યા કરે છે અને નિત્ય ક્ષણ ક્ષણ પ્રત્યે અધિક અધિક, અપાર ને અપાર સુખ વધતું જ જાય છે, તેનો અંત જ આવતો નથી; એવા પુરુષોત્તમ ભગવાન છે. એમ વાત કરતા હતા ત્યાં મગનભાઈએ આવીને ફૂલનો હાર પહેરાવ્યો ને દંડવત કર્યા. ત્યારે તેના માથે હાથ મૂકીને બોલ્યા જે, આ સભા દિવ્ય છે, મહારાજ અને મોટા મુક્ત જ્યાં વિચરતા હોય ત્યાં બહુ ભારે કામ થાય છે; આટલા હારથી પણ બહુ મોટું કામ થઈ જાય. આ સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ દર્શન દે છે, સેવા અંગીકાર કરે છે; એવી અલૌકિક સભા છે. આ સંત-હરિભક્ત સર્વે શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા છે. તે મૂર્તિ દિવ્ય તેજોમય છે.
પછી મગનભાઈએ સ્વામી ઈશ્વરચરણદાસજીને પૂછ્યું જે, સ્વામી ! મહારાજની મૂર્તિ કઈ ધારવી ? ત્યારે બાપાશ્રી કહે, સ્વામી ! એ શું કહે છે ? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, બાપા ! એ કહે છે કે મૂર્તિ કઈ ધારવી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તેજનો સમૂહ અધોઊર્ધ્વ પ્રમાણે રહિત ધારીને તેના મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિ બે ચક્ષુવાળી ગમે તે ધારવી. હિંડોળામાં ઊભી મૂર્તિ છે તે ધારો, અગર ઘનશ્યામ મહારાજની છે તે ધારો.
પછી ગોવિંદભાઈએ પૂછ્યું, તેજના મધ્યે તેજોમય મૂર્તિ છે એમ સમજણ રાખી ધ્યાન કરીએ તો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એમ અટકળથી ગમે તેવી મૂર્તિ તેજમાં છે તેમ નહિ, પણ આકાર તો માંહી બે ચક્ષુવાળી મહારાજની મૂર્તિનો જ ધારવો. તે મૂર્તિમાંથી તેજની શેડ્યો છૂટે છે. જ્યારે ધ્યાન કરવા બેસવું ત્યારે મોટાને સાથે લેવા એટલે મૂર્તિ ધારતાં કોઈ વિઘ્ન ન આવે તેવી સહાય માગવી, કેમ કે તેમનું જરૂર કામ પડે છે. બીજાં સાધન પ્રસન્નતાનાં કર્યાં કરવાં પણ મોટા મુક્તને દિવ્ય જાણી તેમની સેવા, સમાગમ ને જોગ કરવો એ તો અવશ્ય કરવાનું છે.
ભગવાનના ભક્તને મહામુક્તના જોગ આગળ સાધન છે તે તો દાડિયું કર્યા જેવાં છે. મોટા અનાદિની તથા મહારાજની કૃપા મેળવીને મહારાજનું અહોનિશ ધ્યાન કરવું, તે તો મોટાં રાજ્ય જીતવા જેવું છે. જીવ મહારાજના અને મોટા અનાદિના જોગમાં આવે છે તેના ભાગ્યનું વર્ણન કરી શકાય તેમ નથી. પણ આપણે સંપૂર્ણ પાત્ર થવાની જરૂર છે. કારણ કે શ્રીજીમહારાજની મૂર્તિનું સંપૂર્ણ સુખ ત્યારે જ ભોગવી શકાય છે. માટે મોટાનું મહાત્મ્ય જાણી મન, કર્મ, વચને જોગ કરવો અને પુરુષોત્તમરૂપ પાત્ર થાવું. પુરુષોત્તમની મૂર્તિ સંબંધી સુખ કેવું છે ? તો, બહુ અલભ્ય છે, બહુ આનંદ આપનારું છે, અતિશે અપરિમિત છે. પણ જીવ અલ્પજ્ઞ છે તેથી પાત્ર થયા વગર એ સુખ જેટલું મળે તેટલે કરીને સંપૂર્ણપણું માની બેસે. પછી તેને વૃદ્ધિ પામવું એ ઘણું કઠણ છે. કેની પેઠે તો જેમ ક્ષુધાતુર મનુષ્યને પોતાના આહાર જેટલું ઉત્તમ ભોજન જમાણું પછી તેને કોઈ રીતે ક્ષુધા સંબંધી પીડા રહેતી નથી ને આનંદ વર્તે છે. તેમાં જેને અર્ધા શેરનો આહાર હોય તેને તેટલું મળે એટલે તૃપ્ત થઈને આનંદ માને છે. પણ વધારે જમવાની તેને રુચિ રહેતી નથી અને જે વધારે આહાર કરનાર મોટાં પાત્ર છે તે થોડું જમનારને કહે ને સમજાવે તોય તેને તે વાત સમજાતી નથી અને તે ઉપદેશની ગરજ પણ રહેતી નથી. કેમ કે તે પોતાના ગજા પ્રમાણે આહારમાં જ પૂર્ણપણું માની લે છે. માટે સંપૂર્ણ પાત્ર થવું જોઈએ અને સંપૂર્ણ પાત્ર થવાય તેવા મોટાનો જોગ કરવો જોઈએ.
પછી કણભાવાળા આશાભાઈએ પૂછ્યું જે, બાપા ! શ્રીજીમહારાજની મૂર્તિમાં અતિ ઉત્તમ સ્થિતિને પામેલા જે મુક્તો તેને શ્રીજીમહારાજનું દાસપણું કેવી રીતે રહે છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા અનાદિના જોગે કરીને મોટાના સરખું શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ જે ભક્ત પામે છે તેને એક મહારાજને વિષે જ દાસપણું રહે છે અને મહારાજની મૂર્તિમાં રહ્યો થકો એકકાળાવિચ્છિન્ન એ મૂર્તિમાંથી અનંત ઉત્પન્ન થતાં નવીન નવીન સુખ તેને જાણતો થકો ભોગવે છે. પછી બોલ્યા જે, એવા મોટા અનાદિમુક્તને વિષે જીવ જોડવો, કેમ કે તેમને તો એક શ્રીજીમહારાજની મૂર્તિ જ છે. જુઓને ! જળને વિષે માછલાંને અસાધારણ સ્નેહ છે તે જળનો વિયોગ થાય તો પ્રાણનો ત્યાગ કરી દે એવું જળને વિષે જીવનપણું માછલાંને છે. તેણે કરીને જળનો ગમે તેટલો બળવાન વેગ હોય તોપણ તે સામા પ્રવાહે ચાલે છે. પણ તે વેગે કરીને પરાભવ પામતા નથી. સામા પૂરે કિલ્લોલ કરતા ચાલે છે. માછલાંને જુઓ તો તેમાં કાંઈ એટલું બળ નથી અને દેહ પણ એટલો જબરો નથી જે જળના વેગને ઝીલી શકે, તોપણ તેને જળ સાથે જીવનપણું છે, એટલે તેને જળનું બળવાનપણું નડતું નથી. બીજું, ગમે તેવો પદાર્થ, ઝાડ કે પર્વત વગેરેથી જળના પ્રવાહનો વેગ ઝીલી શકાતો નથી ને જળના મારથી ગમે તેવું ઝાડ હોય તે પણ ઊખડી પડે છે તથા પર્વત, પથ્થર, વગેરેને તોડી નાખે છે અને હાથી આદિક મોટાં જનાવરો પણ તે જળના સામા પ્રવાહે ચાલી શકતાં નથી. નાની સરખી માછલી હોય તે પણ સુખેથી જળ સામે સામા પ્રવાહે ચાલે છે. તેમ માયામાંથી નીકળીને શ્રી પુરુષોત્તમ ભગવાનને પામવું, તે જીવથી સાધને કરીને કે સમજણે કરીને પમાતું નથી. એ તો માછલાંને જેમ જળ એ જ જીવન છે, તેમ જીવ જ્યારે અતિ મોટાપુરુષ જે અનાદિ મહામુક્ત તેમને વિષે પોતાના જીવને જોડીને એકાત્મપણું કરે ત્યારે તે માયા તરીને શ્રી પુરુષોત્તમરૂપ થઈને પુરુષોત્તમ ભગવાનના સુખમાં રમે, તેમાં કાંઈ પણ કઠણ પડતું નથી. એ વિના તો પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સન્મુખ ચાલવાની સામર્થી કોઈથી પમાતી નથી, માટે એવા મહાસમર્થ અનાદિનો ખપ કરવો જોઈએ.
જેમ મહાસમુદ્ર રેલે છે તે સમે તેમાંથી જેટલું જેટલું જળ જેવું જેવું પાત્ર હોય તે તે પ્રમાણે લઈ લે છે. તે મીઠા મહાસમુદ્રના જળે કરીને અનંત પ્રકારના રસ-મેવા પાકે છે, બાકીનું જળ પાછું સમુદ્રને વિષે લીન થઈ જાય છે. તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિમાંથી અનંત અપાર સુખ ઉત્પન્ન થઈ મહા અનાદિમુક્ત દ્વારે સત્સંગમાં ફેલાય છે. તેના જેટલા જે અધિકારી પાત્ર હોય તેટલું સુખ તેમાં રહે છે. બાકીનું સુખ પાછું શ્રીજીમહારાજની મૂર્તિને વિષે લીન થઈ જાય છે પણ તે મૂર્તિ વિના અધરપધર બીજે રહેતું નથી.
જેમ ખેડુ ખેતીની કોઈ પણ કળા જાણતો ન હોય અને ખેતરમાં સારી પેઠે ખેડ કર્યા કરી હોય ને તેમાં ઓચિંતો ખૂબ વરસાદ વરસે પછી તેમાં મોલ વાવે તે અતિ બળિયો થાય અને મોટાં મોટાં કણસલાં કાઢે છે. તેમ કાંઈ સમજાણું ન હોય અને વગર ખબરે અનાદિ મહામુક્તનો જોગ કરેલો હોય પછી તેને અંત વખતે મહામોટા સુખની પ્રાપ્તિ થાય ને શ્રી પુરુષોત્તમને પામે છે.
આ રીતે બાપાશ્રી વાતો કરતા હતા. તે સમે ગાડી ખાતામાં એક વૃદ્ધ બાઈને મંદવાડ બહુ થઈ ગયેલ હોવાથી તેણે કહેવડાવ્યું હતું કે, હરિભક્તોએ સહિત બાપાશ્રી પધારે અને મને દર્શન દે તો મારો અંત સમો સુધરી જાય. તેથી લાલુભાઈ તથા મહાદેવભાઈએ વિનંતી કરી જે, બાપા ! એક બાઈ માંદાં છે, તેને આપનાં દર્શનની ઇચ્છા છે તો આપ દયા કરી પધારશો ? ત્યારે બાપાશ્રી કહે, અમે અહીંના ભોમિયા નથી. તમે કહેતા હો તો ભલે. તમે પણ સાથે ચાલો. એમ કહી બાપાશ્રી તે બાઈને ઘેર પધાર્યા. જય સ્વામિનારાયણ કહી આશીર્વાદ આપીને બોલ્યા જે, બાઈ ! તમે હિંમત રાખજો, મહારાજ સારું કરશે. આ ટાણે મૂર્તિ વિના કાંઈ સંભારવું નહીં. મહારાજની પોતાના આશ્રિત ઉપર બહુ જ દયા છે. આપણે તેને ઘડીએ મૂકવા નહીં. એમ ભલામણ કરી જય સ્વામિનારાયણ કહી પાછા મંદિરમાં પધાર્યા. ।। ૩૨ ।।
વાર્તા ૩૩
સંધ્યા આરતી થયા પછી સભામાં પ્રથમ પ્રકરણનું ૬૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં અંત સમે આત્મનિષ્ઠા કેટલી સહાય કરે છે ? એમ આવ્યું. ત્યારે ગોરધનભાઈએ પૂછ્યું જે, આમાં અંત સમયનું લખ્યું છે તે તથા દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે એમ કહેવાય છે, તે કઈ રીતે સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દેહ મૂકીને ભગવાનના ધામમાં જાવું છે એમ કહેવાય છે એ અંતસમો જાણવો. તે દેહ મૂક્યો ક્યારે કહેવાય તો આ જીવને જ્યારે મહારાજ તથા મોટા મળે અને તેમનો જોગ-સમાગમ કરવા થકી હું દેહથી જુદો આત્મા તે પુરુષોત્તમરૂપ છું એમ મનાય એટલે દેહ મૂક્યો કહેવાય. તે છતે દેહે દેહનો અંત સમો સમજવો. મહારાજ ને મુક્ત મળ્યા વિના અને તેમને વિષે આપોપું કર્યા વિના પંચભૂતનો દેહ છૂટે છે પણ પાછો બંધાય છે, માટે છૂટ્યો ન કહેવાય અને દેહ છતે જ અક્ષરધામમાં જાવું-આવવું તથા પામવું અને મૂર્તિના સુખમાં જવું-આવવું અને તે મૂર્તિને પામવું, તે ઉધારો મટીને પામવા યોગ્ય જે શ્રીજીમહારાજ તેને છતે દેહે પામ્યા પછી મોક્ષ થવાનો છે કે મૂર્તિ વિના બીજે ક્યાંય અક્ષરધામ કે અનંતકોટિ મુક્ત કે બીજાં જે જે અનંતકોટિ ઐશ્વર્ય, સ્થાનક કે યત્કિંચિત્ સુખ તે મૂર્તિ વિના બીજે છે એમ ભાસે જ નહીં. સર્વે મૂર્તિમાં ભેગું જ છે. આવું જ્ઞાન મોટા અનાદિમુક્ત થકી પામ્યા તેને મોક્ષ થાવો છે કે પામવાનું બાકી છે કે કાંઈ સુખ હજી રહી ગયું છે; એમ રહે નહીં. અને શ્રીજીમહારાજનાં નિત્ય નવાં સુખ, ઐશ્વર્ય, મહિમા તે વધતાં જ જાય છે. તેને પોતે ભોગવતો થકો જળમાં માછલાં આનંદ પામે છે, તેમ આનંદ પામતો થકો અનંત મુક્ત તેણે સહિત શ્રીજીમહારાજના સુખમાં રમે છે. એમ વાતો કરતા થકા અતિ પ્રસન્ન થઈને બોલ્યા જે, મોટા અનાદિનો જોગ જેને થયો છે તેને આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવી દીધી છે. પણ તે જોગ કરનારને ખબર નથી. પણ તે જોશે ત્યારે દેખાશે. “સર્વેને સન્મુખ ભાસે રે, સર્વે સામું જોઈ રહ્યા.” એમ બોલીને કહ્યું જે, સૂર્ય અને ચંદ્રને જે જુએ તેને આકાશમાં પોતા પસોર લાગે, તે સર્વ પૃથ્વીમાં જ્યાં જ્યાં જુએ અને જે જે જુએ તે સર્વેને પોતા પસોર દેખાય છે. તેમ પુરુષોત્તમ ભગવાન સર્વે મુક્તોને સન્મુખ અને સામું જોઈ રહ્યા છે; તેમ ભાસે છે. વળી પુરુષોત્તમરૂપ જે મહામુક્તનાં સમાગમ, સેવા, આશીર્વાદ વડે કરીને જે મુક્ત થયા તે સર્વે જેટલામાં પુરુષોત્તમની દૃષ્ટિ પહોંચે છે, જેટલું પુરુષોત્તમ જાણે છે તેટલું જાણે છે ને દેખે છે. જેમ સૂર્યની દૃષ્ટિને પામ્યા એવા જે પુરુષ તે જેટલામાં સૂર્યની દૃષ્ટિ પહોંચે છે તેટલામાં તેની પણ દૃષ્ટિ પહોંચે છે તથા જેટલું પુરુષોત્તમ જાણે છે તેટલું જાણે છે ને તે મુક્ત પુરુષોત્તમ જેટલું દેખે છે તથા જ્યાં પુરુષોત્તમ ભગવાન હોય ત્યાં તે પણ હોય અને તેટલું દેખે ત્યારે પુરુષોત્તમ તો સર્વત્ર છે, સર્વત્ર દેખે છે, જાણે છે, તેવા તે મહામુક્ત પણ છે એમ પુરુષોત્તમથી જરાય જુદા રહેતા નથી અને અજાણ્યું પણ કાંઈ નથી. એમ વાત કરતા સમય થયો ત્યારે સમાપ્તિ કરી અને શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલતા થકા શયન આરતી થઈ તેથી મંદિર ઉપર દર્શન કરવા પધાર્યા. ।। ૩૩ ।।
વાર્તા ૩૪
ફાગણ વદ ૨ને દિવસે સવારે મેડા ઉપર નિત્યવિધિ કરી બાપાશ્રી સર્વેને મળ્યા ને પ્રસન્ન થકા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, આ સર્વે હરિભક્તો બહુ હેતવાળા છે, તેમનાં હેત જોઈને અમે ઘણા રાજી થઈએ છીએ. આવા શહેરમાં રહીને આવો સત્સંગ રાખવો તે કામ ભારે કહેવાય. તમારા જેવા સંતની દયાથી મહારાજ અને મોટા મુક્તને રાજી કરે છે. લાલુભાઈ જેવા મુક્ત તેનાં હેત તો જુઓ ! મહારાજે સત્સંગમાં આવા મુક્ત રાખ્યા છે, તેમને સેવા-સમાગમે પ્રસન્ન કરે તો સર્વે વૃત્તિઓ ભગવાનમાં રહે. નાનાં-મોટાં, બાઈ-ભાઈ સર્વે ઉપર મહારાજ તથા મોટાની દયા બહુ છે, નહિ તો આવા બળિયા હોય નહીં. એમ વાત કરતા હતા તે સમે માથકવાળા ગોરધનભાઈએ ગુલાબનું ફૂલ બાપાશ્રીને આપ્યું, તે લઈને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, જેમ આ પુષ્પને પાંખડીઓની ઘટા છે તેમ મહારાજને ફરતી મુક્તની ઠઠ છે. તે મૂર્તિમાંથી નવીન નવીન ખુશ્બો છૂટે છે તેણે કરીને એ સર્વે મુક્તો સુખમાં કિલ્લોલ કરે છે. અનાદિ તો રસબસ રહ્યા થકા રોમ રોમનાં સુખ લે છે. આવો લહાવ આ ટાણે મહારાજે સુગમ કર્યો છે. મહાપ્રભુ ન્યાલકરણ પધાર્યા છે. આ સભા દિવ્ય જણાય તો મહારાજ, અનંત મુક્ત, આ સંત-હરિભક્તો, સર્વે દિવ્ય તેજોમય ભાસે. આ તો અલૌકિક વાત છે. એમ કહીને વાત કરવા લાગ્યા જે, જેમ કૂવામાં ઘડો સીંચે છે તે દોરડું સીંચનારના હાથમાં હોય; તે સળંગ રહે તો પાણી ભરીને ઘડો નીકળે છે, પણ દોરડું તૂટે તો ઘડો કૂવામાં રહે છે અને પાણી પણ આવતું નથી. તેવી રીતે ભગવાનના ભક્તની વૃત્તિ શ્રીજીમહારાજની મૂર્તિ વિષે સદા સંલગ્ન રહે છે, તેને શ્રીજીના સુખરૂપ પરમાનંદનો લાભ થાય છે, પણ જો વૃત્તિ તૂટે તો કૂવામાં ઘડો રસાતળ થયો તેમ માયાને વિષે જીવ લીન થાય છે.
શ્રીજીમહારાજની મૂર્તિને વિષે અનંત અપાર મુક્ત રહ્યા છે, જેમ કમળના ફૂલને વિષે પાંખડીઓ રહી છે તેમ. એક હરિભક્તને મહારાજે એવું દર્શન આપ્યું જે, મુક્તો ચારે તરફ બ્રહ્માંડમાં ઝળેળાટ કમળની પાંખડીઓ ઉપરાઉપર દોઢે ગૂંથાયેલી છે તેમ તે મુક્તોની ઠઠ દેખી. પછી તે સર્વે પાછા શ્રીજીમહારાજની મૂર્તિને વિષે ભાસ્યા.
પછી બોલ્યા જે, જ્યારે મૂર્તિમાં સંલગ્ન થાય ત્યારે વૃત્તિ ન સમજવી, એ જીવસત્તાએ જોવાય છે. તેને મૂર્તિથી ઓરું જ્ઞાન રહેતું નથી અને તેની ક્રિયા મહારાજની ઇચ્છાથી થાય છે. જેમ મહારાજે કહ્યું જે, પૂંજાજી બોલે તો વરસાદ થાય. પણ પોતાની મરજી નહોતી તો તેનાથી બોલી શકાણું નહીં. તેમ જ્યારે મૂર્તિના સુખમાં ઊતરે ત્યારે તે વિના બીજું કાંઈ દેખે જ નહીં. જેને મોટા મુક્તને વિષે આત્મબુદ્ધિ થઈ હોય ને તેમને સાચે ભાવે સંભારે તો મોટા પ્રત્યક્ષ મળ્યા હોય ને કામ કરે તેવું જ કામ કરે છે. જેમ આંબલીને સંભારે તો મુખમાં પાણી આવે છે, તેમ મોટાને જ્યાં જ્યાં સંભારે ત્યાં પોતે પ્રગટ આવીને તેનું કામ કરે છે. પણ જો સાચો વિશ્વાસ હોય અને સંપૂર્ણ મહિમા જાણ્યો હોય તો પાત્ર થવામાં કાંઈ દાખડો નથી. પોતાનું મનગમતું મૂકી દઈને જેમ મોટા કહે તેમ સરળપણે વર્તે તો પાત્ર તુરત થાય. મોટાની સેવા અને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે, ત્યારે મહારાજને સર્વત્ર દેખે છે. જેમ સાધુ કેશવદાસજી તથા અવલબાને વિષે મહારાજે પ્રવેશ કર્યો હતો તે ટાણે મહારાજ પોતે જ છે એમ જણાતું હતું. તેમ સિદ્ધદશાને પામે ત્યારે સર્વેને વિષે મહારાજને દેખે ત્યારે માયા ટળી એમ જાણવું. જેમ કડિયા મૂર્તિ કરે પછી તેમાં મહારાજનું આવાહન કરી પધરાવે છે, ત્યારે તેમાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે અને જીવ છે તે તો પાત્ર છે, તો તેમાં મૂર્તિ પધરાવવી તેમાં શી વાર ? કાંઈ પણ વાર ન લાગે. માટે મોટાને વિનંતી કરીને મૂર્તિમાં વળગી પડવું. જેમ ગાયનું વાછરડું સ્તનમાં વળગીને દૂધ ધાવે છે, તેમ મહારાજની મૂર્તિમાંથી સુખ લીધા કરવું, પણ બીજો સંકલ્પ તથા મનન કાંઈ થવા દેવું નહીં. કદાપિ દેહના સંબંધ થકી ઉપવાસ પડી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું, પણ તેનું મનન કરવું નહીં. અનંત પ્રકારનાં સુખ માત્ર શ્રીજીની મૂર્તિમાં રહ્યાં છે તે એક દર્શનમાત્રમાં આવી જાય છે. જો મૂર્તિના સુખમાં ઊતરે તો સાધનમાત્ર તે ભેળાં સિદ્ધ થઈ જાય છે. મહારાજ તથા મોટા અનાદિની વાતો ન સમજ્યામાં આવે તોપણ તેનો કસ જીવમાં રહે છે. જેમ પૂળાની કાલરમાં ઝાકળ પડે છે તેની હવા કાલરમાં સોંસરી પડી જાય છે તેમ વાતો ન સમજાય તોપણ તેની હવા જીવમાં સોંસરી પડી જાય છે. જો દેહને ખોટો કરીએ તો તે ભેળી જેટલી અસત્ય વસ્તુ છે તે સર્વે ખોટી થઈ જાય. જો એક મહારાજની મૂર્તિ આવી તો સર્વે વસ્તુ હાથ આવી. આપણે તો પુરુષોત્તમરૂપ થાવું તો જ પુરુષોત્તમ પમાય. તેમાં કોઈને શંકા થાય જે, પુરુષોત્તમરૂપ થઈએ તો સ્વામી-સેવકપણું કેમ રહે ? તો, એનું એમ છે જે, જેમ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય પણ દીકરાનો નાતો ટળતો નથી; તેમ પુરુષોત્તમ તે સ્વામી અને મુક્ત તે સેવક એ નાતો ટળતો નથી. પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમરૂપ થઈ જાય તોપણ સુખના આપનાર મહારાજ છે ને મુક્ત સુખ લેનાર છે. મહારાજની મૂર્તિમાંથી સર્વેને સુખ આવે છે માટે સ્વામી-સેવકપણું વધતું જાય છે. મોટા તો સદા મૂર્તિના સુખે સુખિયા છે, કલ્પેકલ્પ વીતી જાય તોપણ મૂર્તિના સુખમાંથી નીકળતા જ નથી. મોટા મુક્ત તો સર્વેને દિવ્ય જ દેખે છે. જીવમાં માયા હોય તો મોટાની દૃષ્ટિમાં આવે જ નહીં. અનંત મુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા છે તે જેમ મંદિરમાં હજારો મનુષ્યની સભા ભરાઈને બેઠી હોય ને તે ઉપર બીજી સભા હોય તેમ એક બીજી સભા ઉપર સભા હોય, તેમ હજારો સભાઓ થઈ હોય તે સર્વે આ તકતામાં મૂર્તિ છે, તે મૂર્તિમાં જોઈએ તો સર્વે સભાઓ દેખાય છે. તે મૂર્તિને સભાની રોકાણ થતી નથી; તેમજ મહારાજને તથા મુક્તને એકબીજાની રોકાણ થતી નથી. મૂર્તિમાં મુક્ત સુખ લીધા જ કરે છે. તેમાં કોઈને એકબીજાનું આવરણ નથી; તે મુક્ત સર્વે મૂર્તિમાં લુબ્ધ છે. એવી રીતે બાપાશ્રી પ્રસન્ન થકા વાત કરતા હતા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પ્રાર્થના કરી જે, બાપા ! હવે અમારે સભામાં જવાનો વખત થયો છે, તેથી જઈએ અને આપ અહીં રોકાઓ, કેમ કે કાલનો રસ્તાનો હડદો બહુ થયો છે તો જરા આરામ થાય. ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, સ્વામી ! આપણે આ ફેરે આવ્યા છીએ તે સર્વેને સુખિયા કરવા છે, કેમ કે વારેવારે આમ દરિયા જંઘીને કાંઈ અવાય છે ! આ તો સાંવલદાસભાઈ બળિયા બહુ અને અહીંના હરિભક્તોનાં હેત, તેથી ખેંચીને લાવ્યા. મને પણ એમ થયું જે, સાંવલદાસભાઈ તમને સરસપુરથી કરાંચી તેડી લાવવા ભેગા લાવ્યા તેથી ન જઈએ તો તે રાજી ન થાય એમ જાણીને આવ્યા. આ ફેરે તો સર્વેને ખૂબ રાજી કરવા છે; એમ કહીને કહ્યું કે, ચાલો અમે પણ સભામાં આવશું. ।। ૩૪ ।।
વાર્તા ૩૫
સવારની સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જેને મહારાજની મૂર્તિનું સુખ જોઈતું હોય તેને સત્સંગમાં દાસાનુદાસ થઈ રહેવું. ભગવાનના ભક્ત સાથે મીન સ્નેહી જળ તેવું હેત રાખવું. નિર્માનીપણું રાખવું. મહારાજનું અખંડ ભજન કરવું તો મહારાજ તથા મોટા રાજી થાય. જ્યારે મહારાજ આપણું પ્રારબ્ધ છે ત્યારે આપણે કોઈને ગાળ દેતાં પણ વિચાર કરવો, કારણ કે સુખ-દુઃખ શ્રીજીમહારાજની ઇચ્છાથી જ આવે છે. જો આપણે કોઈનું અનિષ્ટ ઇચ્છીએ તો શ્રીજીમહારાજના નિશ્ચયમાં ફેર છે અને મહારાજને સર્વ કર્તા જાણતા નથી. જુવાન દીકરાનું મરણ થાય તોપણ એમ સમજવું કે મહારાજની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા છે. ઇંદ્ર, બ્રહ્માદિક દેવ જે કાંઈ કરે છે તે પણ શ્રીજીમહારાજની આજ્ઞાનુસાર થાય છે એમ માનવાનું છે. કોઈને મંદવાડ આવ્યો ને દવા કરી તો એમ ન માનવું જે દવાએ સાજો કર્યો, એ તો જ્યારે મહારાજ ભળે છે ત્યારે જ સાજા થવાય છે. એવી રીતે દરેક કાર્યમાં શ્રીજીમહારાજને જ કર્તા જાણવા, પણ મહારાજનું કર્તાપણું લેશમાત્ર ઓછું થવા દેવું નહીં. તે વિના કોઈથી સૂકું પાંદડું પણ તોડાતું નથી, માટે દેહના સુખ સારુ શ્રીજીમહારાજનું વચન લોપવું નહીં. તો મહારાજ તથા મોટા મુક્ત અતિ પ્રસન્ન થાય છે. મહારાજના મુક્ત છે તે તો અમૃતના ઝાડની પેઠે છે, તે જ્યાંથી ઉપયોગમાં લો ત્યાંથી અમૃત; તેની સેવા, સ્પર્શ વગેરે અમૃત છે. પંચભૂતનો દેહ છે તે તો ઝેરનું ઝાડવું છે, તે જ્યાંથી અડો ત્યાંથી ઝેર ચડે, તે ખાધામાં ઝેર, પીધામાં ઝેર, દરેક ઉપયોગમાં ઝેર. માટે તેને ફગાવીને ત્રણ દેહથી પર પોતાના સ્વરૂપને મહારાજના તેજરૂપ માનીને તેમાં મહારાજની મૂર્તિ પધરાવે તો સુખિયું થવાય. મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય સુખ નથી. એ મૂર્તિમાંથી તેજ ફરર ફરર છૂટે છે. તેને પામે તો જીવ સુખિયો થઈ જાય; બાકી અક્ષર સુધી ક્યાંય સુખ નથી. માટે મૂર્તિ સિવાય કાંઈ ઇચ્છવું નહીં. જીવને પરોક્ષનો મહિમા, પણ પ્રત્યક્ષનો નહીં. મથુરા, ગોકુળ જાય, તો ત્યાંની તલાવડીની માટી તિલક કરવા માટે લઈ આવે એવું મહાત્મ્ય. પણ અમારે ભૂજના હમીરસર તળાવની માટી કોઈ લઈ જાય નહીં. નહિ તો જુઓને ! તેમાં મહારાજ નાહ્યા છે, સંતદાસજી નાહ્યા છે, મોટા મોટા મુક્ત નાહ્યા છે, પણ એવું સમજાય છે ? પછી એમ બોલ્યા જે, એવા મોટા અનાદિની સેવા કાંઈ થોડે ભાગ્યે મળતી નથી અને તેથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી; માટે મોટાની ક્રિયામાં સંશય કરવો નહીં. મોટા ઊંઘે ત્યારે નસકોરાં બોલતાં હોય એમ જણાય પણ તે તો મહારાજની મૂર્તિમાં ગુંજારવ કરતા હોય. ભગવાનનો નિશ્ચય કરવો તે કારણ મૂર્તિ ઓળખીને કરવો. જે કાર્ય ઉપરથી નિશ્ચય કરે છે, તેના નિશ્ચયમાં ડગમગાટ રહે છે. તે કાર્ય શું ? તો, આવા સાધુ, આવો ધર્મ, આવો ત્યાગ, આવા મોટા યજ્ઞ, આવી પ્રથા એ ઉપરથી કરેલો નિશ્ચય. પણ જો શ્રીજીમહારાજની મૂતિનાં સુખ, ઐશ્વર્ય, મહિમા જાણીને નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય કોઈ કાળે ફરતો જ નથી. એવો દિવ્યભાવે નિશ્ચય કરી મોટા અનાદિને ઓળખી, તેમને મન સોંપી દે તો એક ક્ષણમાં કલ્યાણ કરે. નહિ તો છ માસ ભેળો રહે તોપણ શું ? તે મન સોંપી દીધું ક્યારે કહેવાય ? તો પોતાનું મનગમતું મૂકીને મોટા કહે તેમ કરવું તે. આવા દિવ્ય સત્સંગમાં કોઈનો અવગુણ ન આવવો જોઈએ. કદાપિ કાંઈક વિક્ષેપ જેવું જણાતું હોય તોપણ સમજણ એમ રાખવી જે સામા પક્ષવાળા વિક્ષેપમાં રહીને પણ ભજન કરે છે તેથી તેને ધન્ય છે. આપણે તો એક ચિંતામણિરૂપ મહારાજની મૂર્તિ રાખવી ને અનાદિમુક્તનો જોગ રાખવો. આવા મુક્તના પ્રસંગ સિવાય મહારાજની મૂર્તિ દેખાતી નથી. શ્રીજીમહારાજે કહ્યું છે, “તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસે પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોર પણ દેખતા.” તે અનાદિમુક્તની સ્થિતિ છે.
પછી એમ બોલ્યા જે, જીવનું કારણ શરીર વજ્રસાર જેવું છે, પણ શ્રીજીમહારાજનો જરાક ઝબકારો જીવમાં આવે કે તુરત કારણ શરીર બળી જાય છે. જેમ જરાક અગ્નિનો તણખો બાળી મૂકે છે તેમ. માટે કારણ મૂર્તિને પામવા કારણરૂપ એવા અનાદિમુક્તનો જોગ-સમાગમ કરી મહિમા જાણવો. મોટા મુક્તનો મહિમા સ્વામી-સેવકભાવ રાખીને જેટલો કહેવો હોય તેટલો કહેવાય. તે એવી રીતે કે મહારાજ સુખદાતા છે ને મુક્ત સુખભોક્તા છે. એવા મુક્તની કૃપા ક્યારે થાય ? તો પુરુષપ્રયત્ને કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ કરે તો. મોટાની કૃપા વિના મહારાજના સુખમાં કે મૂર્તિમાં કોઈ પણ પ્રકારે જીવની દૃષ્ટિ પહોંચતી નથી. જુઓને ! ભગવાન કેવડા મોટા છે ! તો તેમના મુક્ત પણ કેવડા હોવા જોઈએ ! વચનામૃતમાં મહારાજ તથા મોટા મુક્તનો મહિમા બહુ લખ્યો છે, પણ મોટાના જોગ વિના એના અર્થ સમજાય નહીં. તે અર્થ કયા ? તો, એક પરોક્ષભાવ, બીજો પ્રત્યક્ષભાવ, ત્રીજો પરભાવ. તેમાં કેટલેક ઠેકાણે એકાંતિકની, કેટલેક ઠેકાણે પરમએકાંતિકની અને કેટલેક ઠેકાણે અનાદિની સ્થિતિની વાત કરી છે. એ શબ્દછળ મોટા ઓળખે ને તેનો જોગ કરે ત્યારે સમજાય, નહિ તો ન સમજાય. તે ઉપર જારના છોડનો દાખલો દીધો. તે સાંઠો ઢોર ખાય છે ને કણ મનુષ્ય ખાય છે. પછી એમ બોલ્યા જે, સિદ્ધમુક્તને મતે તો અણુ અણુ પ્રત્યે ભગવાન રહ્યા છે. ક્યાં ભગવાન નથી ? બધે ભગવાન છે. કેમ જે એમની દૃષ્ટિ મૂર્તિ આકારે છે એમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં. જેમ મીંચેલી આંખ ઉઘાડીએ તો અજવાળું દૂર નથી; તેમ અજ્ઞાન આંખ ઊઘડે (અજ્ઞાને કરીને આંખ મીંચાયેલી છે તે જ્ઞાને કરીને ઊઘડે) કે મહારાજ ને મુક્ત આ રહ્યા. ત્રણે અવસ્થામાં મહારાજની મૂર્તિ ધારે તેનો તો વાયરો ભટકાઈને કોઈ જીવ મરતો હોય તેને અડે તો તેનું પણ કલ્યાણ થાય. આ વખત બહુ સારો છે, કલ્યાણ સોંઘું છે, સંત સોંઘા છે. માટે મન-ઇન્દ્રિયોને વશ થઈને મહારાજની મર્યાદા લોપવી નહિ અને કોઈ સંત-હરિજનની સ્વાભાવિક ક્રિયા જોઈને તેનો અવગુણ લેવો નહીં. તેનો જીવ કેવો હોય તેની આપણને ખબર કેમ પડે ! માટે જેટલો લેવો હોય તેટલો પોતાનો અવગુણ લેવો. મોટા તો ગમે તે ક્રિયા કરે પણ મૂર્તિ ભૂલે નહીં. આપણે તો કથા-વાર્તા કરતા હોઈએ, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હોઈએ, પણ કોઈ ઢાલ-તરવાર બાંધીને આવે તો તરત આપણી વૃત્તિ ત્યાં ખેંચાઈ જાય; એવી વૃત્તિ ભગવાનમાં રહે નહીં. મહારાજે એક સંતને પૂછ્યું કે, તમને સંકલ્પ કેવા થાય છે ? ત્યારે તે કહે કે, મુઠ્ઠીમાં રેતી રાખીને ખરર ખરર રેડીએ તેવા થાય છે. ત્યારે મહારાજ કહે, મને તો એક પણ સંકલ્પ ઊપજતો નથી. એમ કહ્યું તે મોટા મુક્તની વાત છે. આવા મહારાજ ને આવા મુક્ત પ્રત્યક્ષ છે, માટે જે કરો તે થાય. આવો વખત ભૂલવો નહિ અને સત્સંગની લટક રાખવી. લટક તે શું ? તો મહારાજની મૂર્તિનું તાન રહે તેવા ગુણ દરેકમાંથી લેવા. જેમ ભમરી મધ કરે છે તે અશુદ્ધ વસ્તુમાંથી પણ રસ ગ્રહણ કરે છે એવો તેની દાઢમાં ગુણ છે, તેમ આપણે પણ એવી જ લટક રાખવી ને સર્વેનો ગુણ જ લેવો. પોતાના જીવાત્માને ત્રણ દેહથી નોખો માનીને મૂર્તિમાં જોડાવું. એ મૂર્તિમાંથી જળસ્ જળસ્ તેજ નીકળે છે. તે તેજ શીતળ, શાંત, બાળે તેવું નહિ, તેમજ ઠારે તેવું નહિ; એવું તેજ છે, એવો મહારાજની મૂર્તિમાં માલ છે, માટે સર્વ ક્રિયામાં મૂર્તિમાં જોડાવું, તેના સામું જોઈ રહેવું, તેનો વિચાર કરવો. આવા સંત મળ્યા છે, આવો જોગ મળ્યો છે. આ વખતે નહિ કરીએ ત્યારે ક્યારે કરશું ? વસમી વેળાએ વહાર કરનારા આ મુક્ત છે તે અત્યારે જણાય નહીં. અત્યારે આપણી સાથે વાત કરતા હોય અને કેટલાકને અક્ષરધામમાં મૂકી આવતા હોય. એવા મુક્ત ઓળખાય નહિ તો મોટી ખોટ આવે. તેથી મુક્ત ઓળખવા જોઈએ. મુક્તના તો સંકલ્પ ચાલે છે. ગુજરાતમાં એક હરિભક્તને એક લાખ ગોપાળાનંદ સ્વામી દેખાણા ત્યારે તેણે પૂછ્યું જે, સ્વામી તો એક છે અને આટલા અનેક કેમ ? ત્યારે તે બોલ્યા કે, અમે ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ છીએ. એવા મોટાને અતિ હેતે સંભારવા ને મૂર્તિમાં જોડાઈ રહેવું. દેહ મૂકતી વખતે મહારાજ ને લાખો મુક્ત તેડવા આવશે, ત્યારે મહારાજ ને આવા અનાદિનો ખરેખરો મહિમા સમજાશે. ।। ૩૫ ।।
વાર્તા ૩૬
બપોરે મેડા ઉપર આસને બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, કોઈ હરિભક્તનો અવગુણ લેવો નહીં. અવગુણ જેવું જણાય તો સમાગમ કરવો નહીં. સમાગમ કરતાં અવગુણ આવે તો જેમ કાંકરી ઘડાને ફોડી નાખે તેમ આપણા જીવનું બગડી જાય. જેમ રાજાનો કુંવર ગાંડો-ઘેલો હોય તેને થપાટ મારીએ તો કેદમાં જાવું પડે તેમ થાય. મહારાજ અને મુક્ત તથા આપણે સર્વે ભેળા જ છીએ, એક ક્ષણમાત્ર પણ દૂર નથી એવું જેને રહેતું હોય તેને પણ જ્ઞાનનો વધારો થવા માટે એવા મહામુક્ત પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યાં સુધી જોગ કરી લેવો. મોટાની અનુવૃત્તિમાં રહી પ્રસન્ન કરે તેનું કલ્યાણ થાય એવા એ કૃપાસાધ્ય છે. મહારાજનો કે મોટાનો જોગ થયો એટલે સંપૂર્ણ માનવું. મહિમા અપાર છે અને કરવાનું પણ અપાર છે. મહારાજ તથા મોટાની સાથે જીવ જોડીને આજ્ઞા પાળવાથી પૂર્ણ થવાય; માટે મહારાજનાં વચન યથાર્થ પાળવાં. આપણને મહારાજ અને મોટા મળ્યા, હવે કોઈ વાતનો વાંધો રહે તેમ નથી. નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તોપણ નાશ થઈ જાય છે. શ્રીજીનો અને મોટાનો મહિમા બરાબર સમજાય તો પંચવિષય પ્રયાસ વિના જિતાઈ જાય. બાપની મિલકતના સર્વે સરખા ધણી છે. આવી રીતે સમજે તો કોઈનો અવગુણ ન આવે. સમાગમ તો મોટાનો જ કરવો. ટિકિટ તો આપણે ઠેઠ મહારાજ પાસે જવાની લઈએ છીએ પણ ફેર ન પડે તો ઠીક. મોટા મુક્તને વિષે મન, કર્મ, વચને બંધાઈએ તો તેમના જેવી સ્થિતિ થાય, માટે મોટા અનાદિને દિવ્યભાવે સંભારવા તો મૂર્તિથી બહાર નીકળાય નહિ, ને સાધર્મ્યપણું આવે. મહારાજને સજાતિ થાય ત્યારે સાધર્મ્યપણું કહેવાય. એક હરિભક્તે દેહ મૂક્યો તેને મહારાજ અને અનંત મુક્ત તેડવા આવ્યા, તે સર્વેમાંથી તેજ દેખાણું. ત્યારે વિચાર્યું જે મહારાજ ક્યાં હશે ! પછી તેજ સમાઈ ગયું અને મહારાજ જેવા હતા તેવા જણાણા; એટલે મહારાજને તથા સર્વ મુક્તને ભાગવતીતનુએ મળ્યા ને સાષ્ટાંગ દંડવત કર્યા; એવું બીજા હરિભક્તને પ્રત્યક્ષ દર્શન થયું. એક હરિભક્તને મહારાજ તેડવા આવ્યા; ત્યારે તેમને એવું દેખાણું જે આખું બ્રહ્માંડ મુક્તથી ઠસાઠસ ભરાઈ રહ્યું છે અને વચ્ચે મહારાજ બિરાજમાન છે. પછી તેમને સંકલ્પ થયો જે મારે મહારાજ પાસે ક્યાં થઈને જવું ? એટલે સર્વે મુક્ત મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. એમ મુક્ત મૂર્તિમાં રહે છે, તે મુક્ત સદા સાકાર છે. એવા મહામુક્તની કૃપાએ અંતર્વૃત્તિ થાય તો સત્સંગ બધો દિવ્ય જણાય. આપણને ખરેખરો મુદ્દો મળ્યો છે પણ બાળકની પેઠે અજાણમાં જાય છે. મહારાજની મૂર્તિથી મુક્ત જુદા નથી, જુદા સમજે તો નાસ્તિકભાવ છે. મૂર્તિ તો સદાય એકસરખી જ છે પણ મહિમાનું અપારપણું છે અને સુખ, પ્રકાશ, સામર્થીનું અપારપણું છે. તે હેતુ માટે મૂર્તિનું અપારપણું કહેવાય છે. મૂર્તિના તેજની કિરણો નીકળે છે તેને રોમ કહે છે. જેને મહારાજ ને મોટાને વિષે અનન્ય પ્રીતિ થાય તેને પ્રારબ્ધ બળી જાય છે અને કોઈ પણ પ્રકારનું બંધન રહેતું નથી. એમ ન જાણવું જે મોટું પદાર્થ હોય તે જ જીવને બંધન કરે, એમ નથી; નાનું-મોટું સર્વે બંધન કરે છે એમ જાણી મહારાજની અખંડ સ્મૃતિ રાખવી. અખંડ સ્મૃતિ તો પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન તુલ્ય છે અને એ બહુ કામ કરે છે. આપણને તો સર્વદેશી મોટાપુરુષ મળ્યા છે, માટે મહારાજ તથા મોટા અનાદિમુક્તના મહિમાનું બીજ સર્વે વાતમાં લાવવું. અનાદિમુક્તમાં જીવ બાંધે તેને પોતાના જેવા દિવ્ય કરી મૂકે છે. જેને મોટા મુક્તનો જોગ ન થયો હોય તેને માયા ઘણી બળવાન જણાય છે પણ મોટાના જોગમાં રહે તેને પરાભવ કરી શકે નહીં. મોટા તો સ્વતંત્ર હોય તે માયામાં પણ નિર્લેપ રહે, સ્વતંત્ર પ્રગટ થાય અને અનંત પતિત જીવોનો ઉદ્ધાર કરી નાખે એવું એમાં સામર્થ્ય છે. જેટલું મહારાજ જાણે દેખે ને કરે તેટલું મોટા મુક્ત પણ કરે. એ માટે અનાદિમુક્તને વિષે પણ મહારાજના જેવો દિવ્યભાવ લાવવો. આવો સત્સંગ સમજાણો અને ખરા મોટા મળ્યા તેને બીજે તણાવું નહીં. મોટા અનાદિ અનંતકોટિ બ્રહ્માંડની ક્રિયાને હસ્તામળ દેખે છે અને અસંખ્ય જીવને વર્તમાનકાળે અક્ષરધામમાં મૂકી આવે છે માટે સત્સંગમાં જ છે, ખોળવા જવું પડે તેમ નથી, પણ જીવને વિશ્વાસ આવતો નથી. જો મહિમા સમજે તો મહારાજનાં દર્શન જેવો જ અનાદિમુક્તનાં દર્શનનો લાભ છે. એવા મોટા મુક્ત મહારાજની સમૃદ્ધિ છે. શાસ્ત્રમાં જે કાંઈ વાત આવે તે મહારાજ તથા તેમના મુક્તના સંબંધને પમાડવી. મૂર્તિના સુખના ભોક્તા તો મુક્ત જ છે પણ અક્ષરાદિક કોઈ અવતાર એ સુખને પામતા નથી. ગર્જના ભેળી વીજળી હોય, તેમ મહારાજ ભેળા મુક્ત છે; તે અહીં પણ ભેળા જ છે. શ્રીજીમહારાજ કેટલાક મુક્તોને સ્વતંત્ર રાખે ને કેટલાક મુક્તોને પરતંત્ર રાખે છે. પણ જેવા સ્વતંત્ર મુક્ત સમાસ કરે તેવો એ મુક્તથી ન થાય. એવી સ્વતંત્ર મુક્તમાં સત્તા રહી છે. જેમ પૃથ્વીમાં ચક્રવર્તી રાજાની સત્તા છે, તેમ સ્વતંત્ર મુક્તની સત્તા છે. માટે સ્વતંત્ર મુક્તનો જોગ મન, કર્મ, વચને કરે તો કાંઈ ખામી રહે નહીં. પછી એમ બોલ્યા જે, આપણે મહારાજના પ્રસંગ વિનાની લૂખી વાત ક્યારે પણ કરવી નહીં. મહાપ્રભુના પ્રસંગ વિના અને સ્મૃતિ વિનાની વાતો તો સમુદ્રમાં પડ્યા જેવી છે, તે તો મરી જવાય. મહારાજના યથાર્થ નિશ્ચયવાળા મૂર્તિને સાક્ષાત્ દેખતા ન હોય પણ એના શબ્દ મહારાજના સંબંધના હોય તે જીવને બહુ સમાસ કરે છે અને જેને જીવમાં ઊતરે તેને બ્રહ્મરૂપ કરી મૂકે છે, મુક્તરૂપ કરી મૂકે છે. તેના ઉપર મહારાજ અને મુક્ત બહુ પ્રસન્ન હોય છે. ।। ૩૬ ।।
વાર્તા ૩૭
સાંજે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, શ્રીજીમહારાજ નરનારાયણને મિષે પ્રગટ થયા તેથી મહારાજને નરનારાયણ કહ્યા હોય ત્યારે નર તે મુક્ત અને નારાયણ તે મહારાજ એમ જાણવું. મહારાજ અને અનાદિમુક્તને જુદાપણું નથી, રસબસ છે, તાણાવાણાની પેઠે છે. બીજા અવતાર તો પોતે પોતાના ધામ બાંધીને બેઠા છે, માટે નોખા છે ને અતિશે ન્યૂન છે અને ઐશ્વર્યાર્થી છે. આવું જેને મહારાજનું મહાત્મ્ય સમજાણું હોય તેને પ્રકૃતિપુરુષથી લઈને અક્ષર પર્યંત સર્વે તુચ્છ થઈ જાય. જેમ નઠારી વસ્તુને ફેર સંભારતા નથી એવું માયાનું કાર્ય થઈ જાય. મહારાજ અણુ અણુ પ્રત્યે અંતર્યામી શક્તિએ રહ્યા છે અને સત્સંગમાં સાક્ષાત્ રહ્યા છે. પણ જીવને એવું જણાતું નથી, કેમ જે મનુષ્યની મર્યાદા રહે છે એટલી પણ મહારાજની મર્યાદા રહેતી નથી. એટલું છાનું નાસ્તિકપણું છે. મહારાજ અને મોટાની મોટ્યપ માયિક દૃષ્ટાંતે કરીને કહેવી પડે છે તે તો કેવું છે તો ચક્રવર્તી રાજાને રાંકની ઉપમા દીધા જેવું છે. અનાદિમુક્તને મતે એક મૂર્તિ વિના બીજું કોઈ ધામ કે કાંઈ નથી. એવા મોટાને વિષે જેને આત્મબુદ્ધિ થઈ તેને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે એમ જાણવું. અભક્ત હોય તે મોટા અનાદિને ઓળખે નહિ અને આસુરી જીવ હોય તે તો ઊલટો દ્રોહ કરે. અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીને અને ગુણાતીતાનંદ સ્વામીને ખૂણિયા જ્ઞાનવાળા કહેતા, એ સત્સંગમાં કુસંગ કહેવાય. તેને મોટાના સમાગમવાળા જાણે જે આ બિચારા પામર છે, તે એને ગૉળ-ખોળની ખબર નથી. જેણે જેણે ભગવાનના મુક્ત સાથે કપટ કર્યું હશે તે સુખિયા થયા નથી અને થશે પણ નહિ, સામા વધુ દુઃખિયા થશે; તે ઊંડા ઊતરીને જુએ તો માલમ પડે. આપણે તો મહારાજના મોટા અનાદિમુક્તનો જોગ કરી લેવો, કેમ જે શ્રીજીમહારાજ કલ્યાણ તથા પોતાનું સુખ તે મુક્ત પાસે અપાવે છે. માટે સાધનદશાવાળા મોક્ષાર્થીને મુક્તને શરણે થયા વિના પોતાને બળે તે સુખ પમાતું નથી અને મહારાજના સુખમાં પહોંચ્યા પછી કોઈ મુક્તની અપેક્ષા રહેતી નથી. મહારાજે કહ્યું જે, નાથ ભક્તના હજાર રૂપિયા અને ઝીંઝુવાડાનું કાસીદું કરી આવ્યો જે બ્રાહ્મણ તેનો એક રૂપિયો તે બેય સરખું છે. કેમ જે નાથ ભક્ત પાસે હજાર રૂપિયા હતા તેથી તેણે ઘેબરની રસોઈ આપી ને એ બ્રાહ્મણ પાસે એક રૂપિયો હતો તે મહારાજને અર્પણ કર્યો, માટે બેયને બરાબર કહ્યા. ભગવાન અને સંત ધીરે ધીરે બહુ કામ કરે છે, પણ તુરત સુખ દેખાડી દેતા નથી. જ્યારે પ્રગટ સુખ મળે ત્યારે તો એ મૂર્તિના સુખ વિના બીજું કાંઈ રહે જ નહીં. મોટા મુક્ત તો જેમ ઘડામાં ઘી થીજી જાય તેમ મૂર્તિમાં થીજી ગયા છે અને જીવને એવી જ રીતે મૂર્તિમાં સુખિયા કરે છે. આપણે તો નાના-મોટા જે સ્વામિનારાયણના આશ્રિત છે એ સર્વે અક્ષરધામમાં મહાપ્રભુની સભામાં જે છે તે જ આ છે એમ જાણવું, પણ અણુમાત્ર ન્યૂન નથી. જેમ રાજાને ઘેર કુંવર જન્મે તે રાજા જ કહેવાય. તેમ જેને સ્વામિનારાયણનો આશરો છે, તે સ્વામિનારાયણના દીકરા છે. તે અક્ષરધામમાં અનાદિમુક્ત છે તે જેવા જ થશે; માટે આજથી આપણે તેમને મુક્ત જાણવા. શ્રીજીમહારાજ પોતાના સર્વે આશ્રિતોને સરખું સુખ આપે છે. જેમ આ લોકમાં એક બાપને ત્રણ દીકરા હોય તેમાં એક ગાંડો હોય ને એક વ્યવહાર ચલાવતો હોય ને એક નિત્ય પચાસ રૂપિયા કમાઈ લાવતો હોય, પણ તે સર્વેના ઉપર બાપ સરખા પ્રસન્ન રહે છે. તેમાં જે ગાંડો હોય તેની ખબર પોતે રાખે છે તેમ મહારાજ પણ નિજ આશ્રિતોની ખબર રાખે છે. જેમ નંદાસણથી ભુલા ભક્ત ગઢડે મહારાજનાં દર્શન કરવા ગયા, ત્યારે મહારાજે માર્ગમાં રક્ષા કરી તેમ સહાય કરે છે. અનાદિમુક્તની તો વાત જ જુદી છે. માટે અનાદિમુક્તનો જોગ કરવો. તો અનાદિમુક્ત પોતાના જોગ કરનારને માયા, દેહ, વિષય, રાગ એ આદિક સર્વે થકી ત્યાગી કરી મૂકે. એવા મુક્ત તો સરવાણી પાણી જેવા છે. તેને શબ્દની કિંમત નથી, પ્રકૃતિપુરુષ ને તેના કાર્યની કિંમત નથી, તે તો સદા મૂર્તિના સુખે સુખિયા છે ને સદા મૂર્તિમાં જ રસબસ છે. તે મૂર્તિ સર્વોપરી છે, બીજા કોઈ અવતારની એને ઉપમા દેવાય નહીં. મહારાજે લોયાના ૧૪મા વચનામૃતમાં કહ્યું છે જે, અમો અવતાર-અવતારી ભેદમાં નથી, એ સર્વેથી ન્યારા છીએ. એ વાત અનાદિમુક્તના જોગથી સમજાય છે, તે અનાદિના જોગથી નિષ્કામ એટલે અનાદિ થાય. એક પારસથી પારસ બને તે પારસ ઉત્તમ છે તેમ પોતા જેવા કરે તે અનાદિમુક્ત છે. ઉત્તમ રુચિવાળાને મહારાજ જરૂર એવો જોગ મેળવે. આપણે તો મહારાજને સદાય સાથે રાખવા, દાસપણું રાખવું. સત્સંગમાં દાસપણું હોય એ જ ઊંચે દરજ્જે ચડે છે. આ લોકમાં અપમાન થાય તોય સહન કરવું, તો ઘણો લાભ થાય. સત્સંગમાં કુસંગ કીયો ? તો, મહારાજને હાથમાં આવવા દે નહિ તે. મૂર્તિ સિદ્ધ કરી હોય તોપણ તેને પરમએકાંતિક તથા અનાદિનો જોગ જોઈએ કેમ કે, ભોમિયા તો એ જ છે. તે મહારાજનો દિવ્યભાવ સમજાવે, મહિમા જણાવે, જ્ઞાનનો પાર પમાડે ને સુખની પ્રાપ્તિ કરાવે. જેના અંતરમાં મહારાજનું સુખ છે તેને ત્રણેય અવસ્થામાં સાક્ષાત્કાર થઈ ગયો છે તે જુદા પડતા નથી. જેમ દેહ ને જીવ જુદા પડતા નથી તેમ એ કારણ મૂર્તિ હાથ આવે તેને કાર્યની જરૂર રહેતી નથી. જ્યારે તેજમાં મૂર્તિ દેખાય ત્યારે તે કારણ મૂર્તિ છે એમ જાણવું. તે મૂર્તિ શ્વેત છે, તેજોમય છે. તે મૂર્તિ વિના પોતાનો દેહ આદિક કાંઈ વ્હાલું ન હોય, ત્યારે જાણીએ જે પૂરું થયું. મૂર્તિ વિના બીજું પ્રધાન જણાય એટલું અધૂરું જાણવું. અંતર્વૃત્તિએ અને સાંખ્ય વિચારે કરીને દાખડો કરતો જાય તેમ તેમ દિવ્યભાવ જણાતો જાય ને સુખ આવતું જાય. એમ કરતાં કરતાં જ્યારે શુદ્ધ પાત્ર થાય ત્યારે પ્રતિમાનાં દર્શન સાક્ષાત્કાર જેવા થાય અને સર્વે મનોરથ પૂર્ણ કરે. પછી તેની સાથે બોલે, વાતો કરે, જો દિવ્યભાવ આવે તો. પણ જીવ માયાને આધીન થઈ ગયો છે, તે સાધુ, બ્રહ્મચારી, હરિજનોની ગણતરી નહિ; એવો એકદેશી થઈ ગયો છે. તેથી માયાપ્રધાન રહે છે ને મૂર્તિનો, સાધુનો અને હરિજનનો ભાર નથી આવતો. એને ક્યાંથી સુખ આવે ! મૂર્તિ અને મુક્તને ભૂલીને વિદ્યા, સાધન એ આદિકને સંભારવા, એ હલર-વલર કહેવાય, ત્યારે મહારાજ ને મોટા એમ જાણે જે આ બાળકિયા સ્વભાવ કરે છે. માટે કાર્યથી જુદો પડીને મૂર્તિ પકડે તો સદા સુખિયો થઈ જાય. મોટાનો જોગ કરીને ધ્યાન સિદ્ધ કરીને મૂર્તિ પામવી. તો જોગ કર્યાનું ફળ મળ્યું જાણવું. જેમ શાળ ઉપર ફોતરું હોય છે તેણે કરીને દાણા પાકે છે. તેમ સાધને કરીને મૂર્તિ સિદ્ધ કરવી. મૂર્તિ સિદ્ધ થયા પછી સાધન પૂરાં થયાં જાણવાં, માટે એક મૂર્તિ રાખવી. પદાર્થ પોતે ભેળા કરીને તેણે કરીને ઉત્સવ સમૈયા કરે ને તેને સંભારીને રાજી થાય તે કાર્ય કહેવાય, પણ મૂર્તિ વિના એણે કરીને સુખ ન થાય. મૂર્તિ ભૂલીને એકલું કાર્ય સંભારે તો તે કણ ફગાવીને કુશકા રાખ્યા જેવું છે. ઘેર ઘેર આવા મુક્ત ન હોય. માટે આ અવસરે ચેતી લેવું. એક ક્ષણવાર મૂર્તિ ભૂલવી નહીં. મોટાના જોગનો પારખું થાય અને મોટા કહે તેમ કરે ને આ લોકના સુખથી લૂખો થઈ મહારાજના સુખમાં જોડાઈ જાય; અવયવ ન ફરે તો આ લોકમાંથી લૂખો થાય નહીં. માટે આ લોકમાંથી લૂખા થઈને મહારાજની મૂર્તિમાં જોડાઈ જાય તો અવયવ ફર્યા કહેવાય. પ્રાયશ્ચિત્ત કરે તો દેહની શુદ્ધિ થાય અને સેવા, માળા, ધ્યાન આદિકે જીવની શુદ્ધિ થાય છે. ખરેખરો થઈને મંડે તો મહારાજ અને મોટા સહાયમાં ઊભા છે, કોઈ દિવસ જુદા છે જ નહીં. હું જે જે ઘાટ-સંકલ્પ કરું છું તે સર્વે મહારાજ ને મોટા જાણે છે એવી મર્યાદા રાખીને ખરી આતુરતાથી મંડે તો મહાસુખિયો બ્રહ્મરૂપ કરી મૂકે. બ્રહ્મમય દેહ એટલે બ્રહ્મ જે ભગવાન તે મય એટલે તે રૂપ થાય છે; ત્યારે મૂર્તિને પામે છે. જેમ હજૂરી રાજાનો માણસ છે અને થાણદાર પણ રાજાનો મનુષ્ય છે, પણ હજૂરી તેડવા આવે તો રાજા પાસે બેસારે અને થાણદાર તેડવા આવે તો કેદમાં પૂરે. તેમ અનાદિમુક્ત મળે તો શ્રીજીની મૂર્તિમાં લઈ જાય અને તે વિનાના તો બીજા ધામમાં લઈ જાય. મહારાજ અને મોટા અનાદિનો મહિમા સમજાય ત્યારે શ્રદ્ધા વધે, દેહના ઘસારાને પણ ન ગણે, માન-અપમાનને પણ ન ગણે; એને તો એક મૂર્તિનું જ તાન હોય. એ જેવો તેવો હોય તોપણ અમને ગમે છે. જેવો તેવો એટલે મૂર્તિમાં જોડાઈ જાય તેથી નાવા-ધોવાની કે કોઈને અડી જવાની એવી ક્રિયા કદાપિ ન કરી શકે. જેમ ગોરધનભાઈ દાતણ પડ્યું મૂકીને નાહ્યા વિના જમવા મંડ્યા અને મહારાજની પૂજા કરવાનું ચંદન ડબામાં હતું તેમાં પગ બોળ્યો, એમ થઈ જાય તોપણ મહારાજને ગમે છે. એવા મુક્તને બાધ નથી, જેમ રાજાનો કુંવર રાજ્યમાં ચાહે ત્યાં હરે-ફરે, પણ કોઈથી એને દુઃખ દઈ શકાય નહીં. તેમ એવા મુક્તને માથે કાળ, માયા, પુરુષ, બ્રહ્મ, અક્ષર આદિ કોઈનો હુકમ નથી ને એ સર્વે રાજી કરવા ઇચ્છે છે. આમ ન સમજાય ને એકલી વિદ્યાને નોરે ચડી જવાય એમાં તો કુસંગ કહેવાય. માટે વિદ્યાની શુદ્ધિ પણ મોટાનો જોગ હોય ત્યારે જ થાય છે અને ત્યારે જ ભગવાનમાં વૃત્તિ રહે છે. શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના ૪૯મા વચનામૃતમાં કહ્યું છે જે, ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ ન રહે તે ભગવાનનો ભક્ત નહીં. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તો જ ભક્ત કહેવાય. જ્યાં સુધી ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ ન રહે ત્યાં સુધી માયાના ગુણ ટળે નહિ અને દુઃખિયો મટે નહીં. પણ મૂર્તિમાં વૃત્તિ રાખતાં રાખતાં જ્યારે માયા છે જ નહિ એવું થાય ત્યારે સુખિયો. ।। ૩૭ ।।
વાર્તા ૩૮
રાત્રે સભામાં પ્રસન્નતાનાં સાધન કરવા વિષે વાત ચાલતી હતી ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, સાધન સર્વે ઉપકારી છે. પણ મૂર્તિને સન્મુખ થયા વિના સુખ નથી એમ જાણે ત્યારે દોષ ટળે. મહારાજનો મહિમા યથાર્થ હોય તેને બહુ સુખ આવે છે. એ ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર છે, એટલે પુરુષોત્તમ ભગવાન અને તેમના મુક્ત એ બે વિના સર્વે માયિક આકાર છે. તે કહ્યું છે જે, “મુજ વિના જાણજો રે, બીજા માયિક સૌ આકાર.” એવા મહારાજ અને મહામુક્ત તે આજ કૃપાસાધ્ય છે. એટલો દૃઢ નિશ્ચય કરી રાખવો. નિશ્ચયની વાત બહુ અટપટી છે, તે કોઈ ચમત્કાર દેખાડે તો વળગી જાય ને કેનીક ખાઈમાં પડે કહેતાં કામ, ક્રોધ, લોભમાં લેવાઈ જાય. ભગવાનની ચૂંદડી ઓઢી બેઠા છો, પણ કાળ, કર્મ, માયામાં લોભાઈ જવાય તો વાંધો રહી જાય. સુખમાત્ર મહારાજની મૂર્તિમાં છે. જીવ માયિક પદાર્થમાં ઝાવાં નાખે અને ઐશ્વર્ય આદિકમાં ઝાવાં નાખે એ નિશ્ચયમાં ખામી કહેવાય. ચમક દેખી લોહા ચળે, તેમ પરિપક્વ નિશ્ચય હોય તો મૂર્તિમાં ખેંચાઈ જાય. એવો દૃઢ નિશ્ચય જેને થયો તે કોઈની ખાડમાં ન પડે. બ્રહ્મા જેવો આવે અને તે મહારાજ રૂપે દેખાય તોય લોભાય નહીં. મોટા સંત સ્વરૂપાનંદ સ્વામી આદિક બેઠા છે ત્યાં હું છું, આ સભા અક્ષરધામની છે, આપણે અક્ષરધામની મધ્યે જ બેઠા છીએ, આ પ્રતિમા સાક્ષાત્ અક્ષરધામમાં મૂર્તિ છે તે જ છે; એમ નિશ્ચય થઈ જાય તો સાક્ષાત્કાર સુખ આવે. “સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કો વિશ્રામ” એટલે પુરુષાકાર શ્રીજીમહારાજ દિવ્ય મૂર્તિ છે અને સંતન કો વિશ્રામ એટલે સંત જે મુક્ત તેમને મૂર્તિમાં રાખી સુખ આપનારા એવા મહારાજ તેનો સાક્ષાત્કાર થાય તો સુખ આવે.
આ જીવને જ્યાં સુધી મહારાજનો પરિપક્વ નિશ્ચય થતો નથી, ત્યાં સુધી બાળકિયા સ્વભાવ ટળતા નથી. માટે મહારાજ તથા મોટાને ઓળખી તેમનો મન, કર્મ, વચને સંગ કરે તો તે ખરેખરો બાળકમાંથી વૃદ્ધ થાય ને વચલા ઝોબા ન આવે. દેહ માટે અને સગાં માટે કંઈક કુટારા કરવા પડે છે તે ભગવાનને મેલીને ન કરવા પડે, જો નિશ્ચય પરિપક્વ રાખે તો. એમ હરિભક્તોને કહીને સંતોને કહ્યું જે, વાતો કરો. અમે તો તૂટક તૂટક વાતો કરીએ છીએ. અમારા છે તે તો જાણે કે ‘ઘર કી બાત’ એમ ન કરવું. હમણાં દ્રોહની નદીયું વહે છે તેમાં ભગવાનના ભક્તને જાળવવું. કોઈને ખોટું ખોટું ભરાવીને અવગુણ લેવા નહીં. આપણા સારુ સંત દાખડા કરે છે. માટે કામ, ક્રોધ, જુવાની કે રાજ, ધન આદિક કોઈનો કેફ ન રાખવો. આપણે પોતાનું ખાવું અને કમાવું તેમાં સુખ છે. પછી બોલ્યા જે, આ જીવને ઉગારવા સંત ભાતાં બાંધી બાંધીને ફરે છે, ભૂલ્યાને વાટે કરવા ફરે છે તેથી એમના થઈ રહેવું. મોટાઈ, અધિકાર કાંઈ કામ નહિ આવે. “દાસ તમારા દાસનો મને, રાખો નાથ હજૂર.” એમ દાસના દાસ થઈ રહેવું. અહીંના હરિજનોનાં તપ જબરાં તેથી આવા મોટા ચાલી ચાલીને દર્શન દેવા આવે છે. પછી લાલુભાઈએ કહ્યું કે, બાપા ! એ તો તમારો પ્રતાપ અને દયા તેથી અમારાં મોટાં ભાગ્ય ! આ મૂળી ને અમદાવાદથી સંત આવ્યા છે તે પણ આપની કૃપાનો લાભ લે છે. પછી બાપાશ્રી બોલ્યા જે, કલ્યાણ સ્વામિનારાયણને ઘેર છે, બીજે ક્યાંય નથી. એવા નિશ્ચયમાં કસર એટલી મહિમામાં કસર અને મહિમામાં કસર હોય તો શ્રદ્ધા ન આવે. જો શ્રદ્ધા આવે તો પ્રેમલક્ષણા ભક્તિ આવે. “પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો.” તે જેટલી આજ્ઞા છે તેટલી પાળે તો પતિવ્રતા કહેવાય. વર્તમાન ધારી સગપણ કર્યું એટલે ચૂંદડી ઓઢાડી. હવે આજ્ઞા યથાર્થ પળે તો પરણાય, પણ ગમે તેમ વરતે તો ક્યાં પતિવ્રતાપણું રહ્યું ? આપણાં પ્રારબ્ધ શ્રીજીમહારાજ છે. જેમ છોકરાનું પ્રારબ્ધ તેનાં માબાપ, તેમ શ્રીજીમહારાજ આપણાં પ્રારબ્ધ છે. છોકરાને અગ્નિ-જળાદિકથી તેનાં માબાપ જાળવે છે, તેમ શ્રીજીમહારાજ કાળ, કર્મ, માયાથી જાળવે છે. દંડ દેવો હોય તો શ્રીજીમહારાજ પોતે દે. માટે એ જ આપણું પ્રારબ્ધ છે. આપણે શા સારુ બીજું પ્રારબ્ધ કહીએ ?
પછી બાપાશ્રી એમ બોલ્યા જે, શ્રીજીમહારાજનો પ્રતાપ બહુ જબરો છે. જ્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામી પરોક્ષના દ્વારામાં હતા, ત્યારે કોઈક વૈરાગી મહારાજને ગાળો દેવા લાગ્યો. તે જેમ જેમ ગાળો દે તેમ મહારાજનું નામ આવવાથી તે સ્થાનમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. તે જોઈ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને એમ વિચાર થયો જે જેનું નામ લેતાં આવો પ્રકાશ થઈ ગયો તો તે પોતે તો સાક્ષાત્ ભગવાન હોવા જોઈએ. એમ નિશ્ચય કરી મહારાજ પાસે સોરઠમાં આવ્યા. તેમને મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે સાધુ કરાવ્યા. તે સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામી એવું નામ રાખ્યું. ત્યારે મહારાજ કહે, સ્વામી ! તમે જાણો છો ને શું ! પછી સભા સામું જોઈને કહ્યું જે આ સંત તમારા પાસે છે તેમને એવી રીતે નિશ્ચય થયો હશે પણ કહે નહીં. મૂર્તિનું તેજ ભડાક ભડાક દેખ્યું તેથી સ્વયંપ્રકાશાનંદ સ્વામીને તરત નિશ્ચય થઈ ગયો. માટે સૌ ખૂબ ભગવાન ભજજો. હમણાં પાણી ટોનાર સારા આવ્યા છે, માટે વ્યવહારમાં પડી ન રહેવું. સંત શત્રુને ખોદે ત્યારે શત્રુની વહારે ચડે તો કેવો જાણવો ? તે તો પાકો મૂર્ખ કહેવાય. સામો શત્રુ ભલે નગારું દેતો ચડે, તોય શત્રુને ઓળખે નહીં. રાજાની સવારી ચાલે ત્યારે નાગો બાવો ધજાગરો લઈ ચડે તેમ આ પણ હાથમાં ધજાગરો આગળ કરે છે; તે તો સાયદી રાખી શત્રુની સહાય કરે એવો છે. સંત તો તેનું સારું કરે પણ તે સ્વભાવને ન મૂકવાના ઉપાય કરે. જેને સત્સંગની લટક ખરેખરી આવી હોય તે કામ, ક્રોધ, રસના આદિકના પેચમાં ન આવે ને મૂર્તિ સન્મુખ રહે. માટે આશ્રમનું, સ્થાનનું એમ કોઈનું માન ન રાખવું. અમદાવાદનું વૃત્તાંત કાંઈ નહિ, મૂળીનું સારું; મૂળીનું કાંઈ નહિ, ભૂજનું સારું એવું કાંઈ માન ન રાખવું. બધેય મહામણિઓ પડી છે. મહારાજે અક્ષરધામની સભા કહી છે તે બધાય એવા હશે. ।। ૩૮ ।।
વાર્તા ૩૯
ફાગણ વદ ૩ને રોજ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાવાળા વચનામૃતની પારાયણ હીરાભાઈ, સાંવલદાસભાઈ તથા હરિભાઈ તરફથી બેસવાની હતી, તેથી સંતો, હરિભક્તો સહુ તૈયારી કરતા હતા. બાપાશ્રી પણ નિત્યવિધિ કરી સભામાં પધાર્યા. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી એ બંને સદ્ગુરુઓ પારાયણ વાંચવાના હતા, તેથી સૌના હૃદયમાં આનંદ ઊભરાતો હતો. મંડપની તૈયારી સંપૂર્ણ થઈ રહી. મહાપ્રભુની સ્થાપના થઈ, વિધિ પૂરો થઈ રહ્યો, ત્યારે બંને સદ્ગુરુઓને પાટ ઉપર બેસારી બાપાશ્રીએ આરતી ઉતારી, વચનામૃતની પૂજા કરી; સંતોને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા. પછી લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, હરિભાઈ, આદિક સહુએ પૂજા કરી. “વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા”ના મૂળ કર્તા બાપાશ્રી તથા સંગ્રહ કરનાર અને સર્વે પ્રશ્નોત્તર રૂપે યથાર્થ જ્ઞાન પ્રવર્તાવવા ઇચ્છનાર સદ્ગુરુઓ હોવાથી એ પારાયણનો અતિ ચમત્કારિક દિવ્યભાવ જણાતો હતો. કથા ચાલતી થઈ, વચનામૃત પૂરાં થતાં જય બોલાતી અને સમાપ્તિ થયે કીર્તન બોલાતું. એ રીતે જ્યારે કથાની સમાપ્તિ થઈ ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, બાપા ! આ સંત-હરિભક્તોને દિવ્ય ભોજન જમાડો. ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, ભલે સ્વામી ! આપણે તો એ જ કરવાનું છે. શ્રીજીમહારાજ સૌને અભયદાન આપે છે તેથી સત્સંગમાં સર્વે સુખિયા છે. ક્યાં મહારાજ ! ને ક્યાં તેમના અનાદિમુક્ત ! આ તો બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. પુરુષોત્તમના મહા અનાદિનો જોગ મળવો ઘણો દુર્લભ છે, એ જોગ આ ટાણે મળ્યો છે. માટે કોઈ વાતનો ખાંગો ન રાખવો ને કોઈને વિષે ખામી ન સમજવી. જીવ અવળે રસ્તે ચડી જાય તો “અઠે દ્વારકા” કરી બેસે. તે ઉપર મુમનાનું દૃષ્ટાંત આપ્યું, એમ આપણે અઠે દ્વારકા ન કરવું. આવા જોગનો તપાસ કરવો. બીજે ખોળવા જાય અને ચમત્કાર ઇચ્છે, પણ તેમાં શું માલ છે ! આ જોગ ને આ પ્રસાદી મળવી દુર્લભ છે, માટે મહિમામાં સુખ છે. ઉપરદળના રામજીભાઈ અમારી પાસે દર્શને આવે ત્યારે ફળીમાં જામફળી, લીંબુડીને દંડવત કરે, બાથમાં લઈને મળે ને રોતા જાય અને એમ બોલે જે, અહો ! તમે મોટાં ભાગ્યવાળાં અહીં પ્રગટ થઈને રહ્યા ને મારે તો જવું પડે છે. તે ઉપર બ્રહ્માએ વૃક્ષ-વેલીનો અવતાર માગ્યો, એ વાત કરીને કહ્યું જે, મહારાજ અને તેમના અનાદિમુક્તનો મહિમા બહુ જબરો છે.
પછી એમ બોલ્યા જે ઉપાસનાની વાત સર્વેથી જબરી છે. ઉપાસના દૃઢ હોય તો ધણીના ખોળામાં બેઠો અને તેમાં કાચું હોય તો કાળ, કર્મ તથા બીજા અદેવમાં વળગે. જો પાકી ઉપાસના હોય તો સેવા-ભક્તિ કરાય. તેમાં જો કાચું હોય તો જાણે સેવા-ભક્તિ અધિકારી કરશે. પણ જો ઉપાસના દૃઢ હોય તો સેવા-ભક્તિ, મંદિર આદિ કરવામાં અટકે નહિ; અધિકારી કરશે એમ વાટ ન જુએ. જો અનુભવજ્ઞાન હોય તો વાંધો જ નહીં. બીજું તો ખોટું છે તેને ખોટું કરવું તેમાં શું વળે ? આપણે તો સાચી વસ્તુ જે મહારાજની મૂર્તિ તે રાખવી. બહુ કટ કટ વાતો કરે તોય શું ! ખરેખરું અનુભવજ્ઞાન થાય અને મૂર્તિમાં જોડાય તો જ કામ આવે. મહારાજની મૂર્તિમાં દૃષ્ટિ પહોંચી તો ગોલોક, બ્રહ્મપુર, અક્ષર ને અક્ષરધામ એ સર્વે આવી ગયું. બીજે ક્યાં ખોળવું ? મૂર્તિમાં સર્વે છે. દિવ્યભાવ પામે તો મૂર્તિઓ દિવ્ય અને મુક્ત પણ દિવ્ય ભાસે. આ વાતમાં જીવ ખોટ કાઢે ને મોટા મુક્તમાં પણ ખોટ કાઢે એ દિવ્યભાવ અને મનુષ્યભાવમાં શું જાણે ! દિવ્ય મુક્તની કિંમત કેમ કરી શકાય ! એ વાત ન સમજાય ત્યારે આ તો આમ ખાય છે, આમ બોલે છે, આમ ભોગવે છે, આમ જુએ છે એવા ભાવ પરઠે. એવા અવગુણ પ્રકૃતિના કાર્યને લઈને દેખાય છે. દિવ્યભાવ આવે તો અવગુણ ન આવે, પણ જીવને અજ્ઞાન બહુ છે. જો મહારાજ તથા સંત ઢસરડીને લઈ જાય તો જાય. સાધુ તો અક્ષરધામનો દરવાજો છે, તે દ્વારા મહારાજ સુખ આપે છે, એમ જાણે તેને સંત વઢે તો તપે નહીં. ક્યાંઈક મોકલે તો રાજી થકો જાય. જેમ મહારાજ સૂઝે તે કામ બતાવે પણ તે રાજી થકો કરે તેમ જેને પરિપક્વ સમજણ હોય તેને આ વાત સમજાય. પરિપક્વ સમજણવાળો તો સર્વે કર્તા મહારાજને જાણે. એવી દૃઢતા ન હોય તો અત્યારે મંદિરનો ખજાનો કોઈ લેવા આવે તો હાયવોય થાય. પણ મૂર્તિને કોઈ લઈ જાય છે ? આપણે તો એક સ્વામિનારાયણ રાખવા. ધણી સત્સંગમાં અખંડ બિરાજે છે તેને કેટલાક સંભારતા નથી ને ધૂળ-બલાને સંભારે છે. મહારાજ કહે, એવા દૃઢ સમજણવાળા તો ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી છે. તેમની પેઠે દાસપણું આવવું કઠણ. મહારાજ તો જેમ છે તેમ કહેતા આવે છે, પણ આપણે પૂર્ણકામપણું માની બેઠા છીએ; એટલે આશ્ચર્ય મનાતું નથી. “મૈં હૂં આદિ અનાદિ, મિટ ગઈ સર્વે ઉપાધિ” - આદિ તો આ બેઠા, તે જ અનાદિ છે. આ તો કઈ જગ્યામાં હોય ને આપણે શુંય સમજતા હોઈએ. મોટાને તો ત્રણે અવસ્થામાં સદા મૂર્તિ જ છે. આ સત્સંગમાં એવી વસ્તુ છે, પણ ઓળખે નહિ ને મોટા અનાદિમાં મનુષ્યભાવ પરઠે તો કામ માર્યું જાય, કેમ જે એ તો સદાય મૂર્તિમાં જ છે ને મહારાજની ઇચ્છાથી દેખાય છે. એક હરિભક્તે સદ્. નિર્ગુણદાસજી સ્વામીને પૂછ્યું જે, શ્વેતદ્વીપ ને બદરિકાશ્રમમાં કોણ રહે છે ? ત્યારે એ બોલ્યા જે, અમે એવું જાણતા નથી. ચક્રવર્તી રાજા બીજાનું જોવા ન જાય, તેમ મૂર્તિ વિના અમે બીજું જોતા નથી. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાં જોડાઈ રહ્યા એને બીજુ કાંઈ છે ? એવું જોયાનું શું કામ ? માયિક વસ્તુથી શું જોવાય ? તેથી તો માયામય જ જોવાય ને દિવ્ય વસ્તુ રહી જાય. સૂરત રાખો. ઘણાં સુખ મળ્યાં છે, સ્વામિનારાયણ આજ તો અઢળક ઢળ્યા છે. આ લોકમાં ચાર દહાડા રહેવાનું એટલામાં આપણે ખરો સિદ્ધાંત સમજી લેવો. મોટા તો મૂર્તિથી નોખા જ ન પડે. એવી સ્થિતિવાળાને માળા પૂરી ન થાય, માનસીપૂજા પણ પૂરી ન થાય, તેને તો આકાશ-પાતાળમાં મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં. સ્વામી નિર્ગુણદાસજીને મેં પૂછ્યું જે સુખમાં જોડાઈ જવાય છે તેથી માળા પૂરી નથી થાતી. ત્યારે સ્વામીશ્રી કહે, હવે તેનું કાંઈ નહિ; સર્વે થઈ રહ્યું છે. એવા સંત અદૃશ્ય થઈ ગયા. એવા ક્યાંથી મળે! આજ પણ મોટા સોંઘા થઈને દર્શન દેવા આવ્યા છે, પણ જીવ શૂનકાર થઈ ગયો છે તેથી લાભ લેતાં આવડતું નથી. ।। ૩૯ ।।
વાર્તા ૪૦
બપોરે મંદિરના બગીચામાં બાપાશ્રી નાહવા પધારેલા ત્યાં લાલુભાઈ, હીરાભાઈ, હરિભાઈ, સાંવલદાસભાઈ, સોમચંદભાઈ, ગોવિંદભાઈ, લાલજીભાઈ આદિ હરિભક્તો પાસે ઊભા હતા. તેમને બાપાશ્રીએ કહ્યું જે, બેય સદ્ગુરુઓને ખૂબ રાજી કરજો. આ સંતો તો મહા સમર્થ છે. તમોએ પારાયણનો સંકલ્પ કર્યો તે બહુ સારું કર્યું છે. અમારે તો કચ્છમાં કથા-વાર્તાના મોટા મોટા યજ્ઞ થાય ત્યાં સંતો આવે, સૌ દર્શન-સેવા-સમાગમ કરે, પણ તમારે તો ઘેર બેઠા ટાણું આવી ગયું. સંતો ચાલીને ઘેર આવે એવાં તમારાં સૌનાં હેત છે. કરાંચીમાં તમે રહ્યા છો પણ અહીં તો આ સ્થાન અક્ષરધામ તુલ્ય થઈ ગયું છે. મહારાજ ને મોટા મુક્ત જ્યાં વિચરે ત્યાં ભૂમિકા નિર્ગુણ. આ સંત તો જંગમ તીર્થ છે. “ભવ બ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો.” એવા મહારાજ ને તે મૂર્તિના સુખભોક્તા આ સંત તે ક્યાંથી મળે ! અમે પણ એવા મોટા સંતોના જોગે આનંદ કરીએ છીએ. આ ફેરે આવવું નહોતું પણ તમારા હેતે ખેંચ્યા. એમ કહીને મેડા ઉપર આસને પધાર્યા. ત્યાં પ્રથમ પ્રકરણનું ૬૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં વાસના ટાળવાની વાત આવી. ત્યારે સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, બાપા ! આવો જોગ મળ્યો તેને વાસના ટળી જાય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનુભવજ્ઞાન-સાક્ષાત્કાર થાય તો વાસના બળે, નહિ તો બળે એવી નથી.
પછી એમ બોલ્યા જે, સત્સંગમાં સિદ્ધિઓ હાજર છે. તે ‘આવો, જમો, બેસો, ભાતાં, પોતાં’ એ બધી સિદ્ધિ જાણવી. સ્વામી નિર્ગુણદાસજી પાસે વસ્તુ આવતી તે કોઠારમાં નાખે, કાં તો સંતને વહેંચી દે; પોતાના સાધુને તો અવશ્યનું જ આપે. મોટેરા સાધુ હોય તેને તો ગાડાં ભરાય એટલું આવે અને નાના હોય તેને ન આવે તોપણ મોટેરાને એ સિદ્ધિઓ ન ભોગવવી. ભૂજમાં અક્ષરજીવનદાસજી સ્વામી હતા ત્યારે એક સાધુની ઝોળીમાંથી કંઈક વસ્તુ નીકળી તેથી તે સાધુને સ્વામીશ્રીએ ઉપવાસ કરાવ્યો. હવે તો મહારાજ કરે તે ખરું. સંગ્રહ ન કરવો, એમાં સુખી રહેવાય. જડ માયાનો સંગ્રહ કરનારા આ બ્રહ્માંડમાં ભટક્યા કરે છે. (તેનો મોક્ષ થતો નથી.) આ સત્સંગમાં રહી એવું પાપ રાખે તે પાપની કેમ ગણતરી થાય ! જડ માયા એટલે દ્રવ્ય. એ દ્રવ્ય કાળા નાગ જેવું છે, તે નાગ માંહી પેસી જાય તો ચસકા કરાવે. માટે ત્યાગીને માંહી-બહાર સરખું રહેવું. તે વિના આચાર્ય, સદ્ગુરુ કોઈ કામ નહિ કરી દે. શ્રીજીમહારાજને આગળ રાખી બરાબર વર્તવું ને વર્તાવવું. આ જોગ, સમાગમ સારો છે. પુરુષોત્તમની મૂર્તિમાં અનુભવજ્ઞાન વિના જોડાવાય નહીં. અમદાવાદમાં અમે ૧૭ની સાલમાં ગયા હતા ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ વગેરે હતા, તે કેવા ! અને આજ જુઓ ! આ બધા સંગદોષ છે. તે દિવસ કેવી સભા! જાણે અક્ષરધામની સભા બેઠી હોય ને શું ! હજી સભા ઠીક છે, પણ જોઈને સમાસ થાય તેમ ન મળે. પગથિયે ચડતાં જઈએ તો સુખી રહેવાય. તે વિના સુખિયા ક્યાંથી થવાય ! કેટલાક અધિકાર સારુ વલખાં મારે છે, પણ અધિકાર તો કૂટણું છે. મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે, વર્તાવે તો વાંધો નહીં. પણ એ વિના અધિકાર છે તેમાં તો નુકસાન છે. તેથી પરલોક બગડે. કર્યા વિનાનું ન ચાલે પણ વિચાર જોઈએ. આપણને વસ્તુ બહુ સારી મળી છે. શ્રીજીમહારાજ ને આવા મોટા સંત હરકોઈ બ્રહ્માંડમાંથી ખોળી લાવે તો ઇનામ દઈએ. પણ મળે જ નહીં. તે તો સત્સંગમાં છે. આજ શ્રીજીમહારાજ સત્સંગમાં બિરાજે છે તે આપણે ન દેખીએ પણ દિવ્ય ચક્ષુવાળા દેખે. આ બધી માંહીની રમત છે. જડમાં હેત છે, તેવું શ્રીજીમહારાજમાં થાય તો શું વાંધો રહે ? આપણે હીરો હાથ આવ્યો છે તે વંજાવવો નહીં. અમારે તો સૌનું સારું કરવું છે પણ મોહરૂપી અંધે ઘોડે ચડે તે જ્ઞાન કે વાત સાંભળે નહિ અને છેટેથી ભડકી મરે છે. આજ આપણે મોહ કાઢવો છે તે કાઢીએ તો અખંડ સોહાગ થાય. પાંચ વખત માનસીપૂજા કરવી, ધ્યાન કરવું, તે સૂતાં, બેઠાં, ચાલતાં સર્વે ક્રિયામાં ધ્યાન કરવું. સ્મૃતિ રાખવી, મૂર્તિને ક્ષણમાત્ર વિસારવી નહીં. એક દોર રાખે તો બીજું દીઠું ન ગમે. નહિ તો માયાનું બળ બહુ છે. સત્યુગમાં આત્મનિષ્ઠા કેવી હતી તો કાનમાં સીસાં ઊનાં રેડે તથા લોઢાના ગજ આંખમાં ઘાલે અને દાંત સાણસીથી કાઢી નાખે તોપણ ગણતા નહીં. તેમ આજ કળીમાં ખૂંદ્યું ખમે. “નાખે અદાવત દીયે ગાળ્યું, તેને ભક્ત સમજે દયાળુ” એમ ગુણ લે પણ તપે નહીં. ધૂળ નાખે, કચરો નાખે તોય સાધુને સમભાવ રહે, એ આત્મનિષ્ઠા જાણવી. કોઈ આંગળી ચીંધી ન શકે એવો શાંત અને સરળ સ્વભાવ રાખવો. આપણે તો પ્રકૃતિના કાર્યથી બહાર છીએ તો દુઃખ ન લગાડવું. જો દુઃખ લાગે તો પ્રકૃતિના કાર્યમાં રહ્યા કહેવાઈએ. વચનામૃતમાં નિત્ય પાંચ ખાસડાં મારવાનું કહ્યું છે, તે જો જરામાં શોકવાન થઈ જાય તો એ ખાસડાં કેમ ખમાય ! જો શ્રીજીમહારાજને રાજી કરવા તત્પર થાય તો એનાથી બધુંય થાય. ।। ૪૦ ।।
વાર્તા ૪૧
સાંજે સભામાં કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી બોલ્યા જે, આ તો પ્રત્યક્ષ પુરુષોત્તમની સભા છે અને મોટા અનાદિના સંકલ્પ ચાલે છે. તે હજારો રૂપે થઈને હજારો જીવને અક્ષરધામમાં મૂકી આવે છે. એવા અનાદિમુક્ત જ્યાં રહેતા હોય ત્યાં જીવને અપરંપાર લાભ થાય છે. એવા અનાદિમુક્ત આ રહ્યા. અમે ખોટું કહેતા હોઈએ તો અમને પાપ છે, એમ ત્રણ વખત કહ્યું.
પછી હીરાભાઈએ કહ્યું જે, બાપા ! આવા મોટાને ઓળખે તેને કેવો લાભ થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ઓળખે છે કોણ ? જો ઓળખે તો તેને અમારા જેવા કરીએ. જેને વેદ નેતિ નેતિ કહી ગાય છે ને જે વસ્તુ પામવી છે તે આ ટાણે છે. શ્રીજીમહારાજ વિના બીજું જોવાની ઇચ્છા રહે તો મોટી ખોટ કહેવાય અને નાસ્તિકભાવ કહેવાય. માટે બીજે જોવાનું કાંઈ બાકી નથી.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, સિદ્ધદશામાં મુક્તને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણ રહેતા હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સિદ્ધદશામાં બીજા ગુણ કહેવાય નહીં. સિદ્ધદશામાં તો એકલું અનુભવજ્ઞાન રહે છે. તે અનુભવજ્ઞાનની વાત જબરી છે. મહારાજની મૂર્તિમાં અને મહારાજના સુખમાં અપારપણું રહે એ અનુભવજ્ઞાન કહેવાય. મૂર્તિના સુખનું, અનંત મુક્તનું, અને અક્ષરધામનું એ સર્વેનું જ્ઞાન અનુભવજ્ઞાનથી થાય છે. જેમ આ લોકમાં માયિક પદાર્થનું જ્ઞાન અહીંના જ્ઞાનથી થાય છે, તેમ પરભાવમાં મૂર્તિ, મુક્ત, ધામ, સુખ એ સર્વનું જ્ઞાન અનુભવજ્ઞાનથી થાય છે. સૌના કારણ શ્રીજીમહારાજ છે. એ મૂર્તિને ખરેખર તેજોમય સમજવી. મનુષ્યભાવ કે પ્રતિમાભાવ એ મૂર્તિમાં નથી. દિવ્ય મૂર્તિ છે. જળસ્ જળસ્ તેજ છૂટે છે; અતિ તેજોમય છે. માટે એને વિષે મનુષ્યભાવ, પ્રતિમાભાવ ન સમજવો. આ સભા પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણની છે, તેમાં બેઠા છો. આ સભામાં બેસવાનું ક્યાંથી મળે ! જોગ ખરેખરો છે. આ જોગમાં પડી રહે તો કામ થઈ જાય. માટે જોગ કરીને મૂર્તિમાં જોડાવું. તે જેમ વૃક્ષ સાથે છાલ વળગી છે તેમ મુક્ત મૂર્તિમાં વળગ્યા છે. અનાદિ જેમ વૃક્ષમાં રસ વ્યાપી રહ્યો છે તેમ મૂર્તિમાં જોડાઈ ગયા છે. તેવી રીતે આપણે મૂર્તિમાં જોડાવું. મોટાનો જોગ કરવાથી તેવું થવાય છે. મોટાના જોગ વિના તેવી પ્રાપ્તિ થાય નહીં. આ સભામાં અનાદિમુક્ત અને મહારાજ બિરાજે છે. ઝળળળ ઝળળળ તેજ ઝળકે છે. સૌ સંત જોઈને રાજી થાય છે, હસે છે, એ મહારાજ વિના આવો આનંદ હોય નહીં. પણ જીવને નાસ્તિકભાવ છે તેથી આવી મોટી વાત સમજાય નહીં. આ સભા અક્ષરધામની છે, દિવ્ય છે, અખંડ છે, અનાદિ છે. પૂર્વે શુકદેવજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા તો આ સંત વૃક્ષમાં રહી બોલે કે ન બોલે ? એમ કહીને બોલ્યા જે, વૃક્ષમાં રહીને બોલે એમાં શું ? આ સંત તો અક્ષર પર્યંત સર્વમાં બોલે ને જ્ઞાને કરીને મહારાજ વિના સર્વને ખોટા કરી દે. સંતો ! તમે તો મહારાજ સન્મુખ જબરા વેગવાળા છો, પણ તમને તમારા બળની ખબર નથી. તમારા તો સંકલ્પ ચાલે છે. આ લોકમાં ચક્રવતી રાજા ખંડિયા રાજાને કાંઈ પોતાનું બધું આપી દેતા નથી અને મહારાજ તો પોતાનું બધુંય સુખ આપી દે છે, એવા દયાળુ છે; માટે સર્વ કર્તા એક શ્રીજીમહારાજ જ છે. મહારાજ વિના કાળ, કર્મ, માયા, દેવ, મંત્ર, ઔષધિ એ આદિક કોઈને કર્તા ન જાણવા. મહારાજ વિના કોઈથી તૃણ તૂટવા સમર્થ નથી. “મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.” ત્યારે સાધુ હરિજીવનદાસજીએ પૂછ્યું જે, અવળી ક્રિયા કોણ કરાવતું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, નબળી ક્રિયામાં મહારાજ ભળે નહીં. મહારાજ તો જે શુદ્ધ પાત્ર હોય તેના ભેળા રહે ને સારી ક્રિયા કરાવે. પાત્ર ન હોય તેના ભેળા રહીને મહારાજ ક્રિયા ન કરે. તેમાં તો માયા રહીને તેના સ્વભાવ પ્રમાણે કરાવે તે મહારાજે કર્યું ન જાણવું. પછી મધ્ય પ્રકરણનું ૨૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં સમાધિની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સમાધિની વાત જબરી નહિ, મહારાજના સ્વરૂપનો પરિપક્વ નિશ્ચય જોઈએ. નિશ્ચયની વાત જબરી બહુ. નિશ્ચયવાળો ભક્ત હોય તે ત્રિવિધના તાપમાં ક્યાંય લેવાય નહીં. સો કાળ સામટા પડે અને અન્ન ખાવા ન મળે અથવા રાજાના માણસો કહે ચાલો, પકડો, બાંધો અને બાંધીને મારવા માંડે જે હમણાં પ્રાણ જતા રહેશે; એવાં ત્રિવિધ તાપનાં દુઃખ આવી પડે તોપણ એમ સમજે જે મહારાજની મરજી વિના કોઈ કર્તા નથી. દેહ પડવાનો થાય ત્યારે આનંદ થાય તો પરિપક્વ નિશ્ચય જાણવો. દેહ પડવાનો થાય ત્યારે જાણે જે બધા રહ્યા ને મારે જાવું પડશે એમ ન જાણે અને એમ જે ક્યાં જાવું છે ? ધામમાં, ખરે ઘેર મહારાજ પાસે જવું છે. એમ જાણીને રાજી થાય તો પરિપક્વ નિશ્ચય જાણવો. જો મહારાજ તથા મોટાને પોતાની મરજી પ્રમાણે કરાવે તો અપરાધ થાય અને મોટી ખોટ આવે.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, મોટા અનાદિ મળ્યા પછી શું કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રસબસ થઈને આનંદના સમુદ્રમાં ઝીલવું. તે મૂર્તિનું સુખ યથાર્થ જણાય તો માયિક સુખ સર્વે ખારાં થઈ જાય છે અને જો માયિક સુખ સારું લાગે તો દુખિયો થઈ જાય છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, પ્રથમ પ્રકરણના ૭૮મા વચનામૃતમાં નિર્મળાનંદ સ્વામીના પ્રશ્નમાં રામકૃષ્ણાદિક અવતારનો મહિમા વિચારવાનું કહ્યું છે તે અવતાર અન્વય સ્વરૂપના સમજવા કે વ્યતિરેક સ્વરૂપના સમજવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ વચનામૃતમાં કહ્યું છે તે રામકૃષ્ણાદિક તથા અક્ષરાદિક અન્વય સ્વરૂપના અવતાર છે અને મહારાજની ઇચ્છાએ અનાદિ તથા પરમ એકાંતિકમુક્ત આવ્યા હોય તે વ્યતિરેક સ્વરૂપના અવતાર સમજવા. શ્રીજીમહારાજે આત્યંતિક કલ્યાણ વર્તમાનકાળે અનાદિમુક્ત દ્વારાએ સુગમ કર્યું છે; શ્રીજીમહારાજના આશ્રિતે વચનામૃત, ભક્તચિંતામણિ જેવા ગ્રંથ એ જ પોતાને કલ્યાણકારી શાસ્ત્ર સમજવાં. એ વિના શ્રીજીમહારાજનું સ્વરૂપ સમજવામાં પરોક્ષ શાસ્ત્ર એકે કામ ન આવે. સીતાજીને વચને રામાયણ થયું અને દ્રૌપદીને વચને ભારત થયું. તેવાં શાસ્ત્ર કોઈ મહારાજ સુધી પહોંચે નહીં. મહારાજનો મહિમા તો મહારાજના મુક્ત જ વર્ણવે, આપણે તો એ જ શાસ્ત્ર મોક્ષનાં છે. વેદ વૈરાજ સુધી પહોંચે છે. પ્રકૃતિપુરુષનું ઐશ્વર્ય વૈરાજમાં આવ્યું છે. તે વૈરાજ દ્વારે પ્રકૃતિપુરુષનું ઐશ્વર્ય વેદ વર્ણવે છે. બીજાં શાસ્ત્ર તો પ્રકૃતિપુરુષ સુધી પહોંચે. પણ મહારાજ સુધી કોઈએ શાસ્ત્ર પહોંચે નહીં. ક્યાં હાથી ! અને ક્યાં વાંદરું ! તેમ ભગવાનની કેવી મોટાઈ ! તોપણ દયા કરીને જીવ સાથે જોડ કરે છે.
આપણે તો મૂર્તિ અને મુક્ત અખંડ સંભારવાં. મૂર્તિ હોય તો ઘેર જાણવો અને ન હોય તે બહાર કહેવાય. અક્ષરકોટિ, બ્રહ્મકોટિ, ઈશ્વરકોટિ, માયાકોટિ ને જીવકોટિ આદિને ન સંભારવા; એને તો ભૂલી જ જાવું. તેલધારા મૂર્તિમાં વૃત્તિ રાખવી. અખંડ વૃત્તિ બહુ કામ કરે છે. માળા ફેરવવામાં, માનસીપૂજા કરવામાં ઉપશમ થઈ સંલગ્ન મૂર્તિમાં જોડાઈ જવાય તેમ કરવું. મૂર્તિની સ્મૃતિ રાખવી. કીર્તન-કથા-વાર્તાની કકડાટી વગાડવી, પણ આડાં-અવળાં બેસી ન રહેવું. મહારાજની આજ્ઞામાં ખરા ખબડદાર થઈને વર્તવું. ત્યાગીને પંચવર્તમાન કહ્યા છે અને ગૃહસ્થને અગિયાર નિયમ કહ્યા છે, તેમાં ફેર પડે તો પ્રાયશ્ચિત્ત કરવું. જો ન કરે તો જીવ ચટણો થઈ જાય. એક વાર કરે, બે વાર કરે એમ કરતાં કરતાં જીવ ભ્રષ્ટ થઈ જાય. માટે આજ્ઞામાં બરાબર વર્તવું.
પછી પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, મહારાજની આજ્ઞા પ્રમાણે પાંચ વર્તમાન તથા અગિયાર નિયમમાં રહ્યો હોય અને ઉપાસના પરિપક્વ હોય પણ તેને ત્યાગ, વૈરાગ્ય તથા ધ્યાન કરવા આદિકમાં મંદ શ્રદ્ધા હોય પણ મોટાનો દૃઢ વિશ્વાસ હોય તો તેનું મોટા પૂરું કરે કે ન કરે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટાનો વિશ્વાસ હોય અને ઉપાસના પરિપક્વ હોય ને બીજી વાતમાં કાંઈક કસર હોય તોપણ તેનું આત્યંતિક કલ્યાણ મોટા કૃપાસાધ્ય છે માટે કરે. પ્રથમ પ્રકરણના ૨૭મા વચનામૃતમાં કહ્યું છે જે, એવો ભગવાનનો ભક્ત અનંત ઐશ્વર્યને પામે તે ઐશ્વર્ય તે શું ? તો મૂર્તિનાં નાના પ્રકારનાં સુખ, તેને પામે છે. એ વચનામૃતમાં કહ્યું છે જે, એવા ભક્તનાં નેત્રમાં ભગવાન જોનારા છે, પગમાં ચાલનારા ભગવાન છે, એ સાધનદશામાં એકાંતિકની સ્થિતિ કહી છે અને જે અક્ષરધામમાં શ્રીજીમહારાજની સન્મુખ સિદ્ધમુક્ત રહ્યા છે તેને તો એક મહારાજ જ છે.
પછી હીરાભાઈએ પૂછ્યું જે, અક્ષરધામમાં આથમણું-ઉગમણું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સાધનકાળમાં છે. સિદ્ધકાળમાં તો મહારાજ અને મુક્તને દિવસ-રાત્રિ નથી, આથમણું-ઉગમણું નથી. પૂરો વિશ્વાસ હોય તો તત્કાળ પૂરું થઈ જાય અને દિવ્યભાવ આવે. આ સભા પુરુષોત્તમ ભગવાન અને અનાદિમુક્તની છે. મહારાજ અખંડ બિરાજે છે; પણ મનાય નહીં. એ નાસ્તિકભાવ છે. વિશ્વાસ હોય તો મોટા પૂરું કરી દે, માટે વિશ્વાસ જોઈએ. આ પિંડનું આવરણ મોટું છે, એ ટળી જાય તો મહારાજ અને સભા પ્રત્યક્ષ છે. જેમ આંખને પડળ હોય તે દેખે નહિ, પડળ ઊતરે એટલે દેખાય છે. તે ઉપર ગોવિંદપ્રિયદાસજીની વાત કરી જે તેને પડળ ઊતર્યાં એટલે તુરત દેખાણું. તેમ માયાનુ આવરણ મોટા ટાળી નાખે ત્યારે સભા, મૂર્તિ સર્વે દેખાઈ જાય. પણ આવવું-જવું ક્યાંય નથી. માટે મોટાનો પરિપક્વ નિશ્ચય કરવો. વચનામૃતમાં પણ મહારાજે એમ કહ્યું છે જે, “આ ગઢડું શહેર કે ઓસરી એ કાંઈ દેખાતું નથી.” તે સ્થિતિની વાત છે. એવી સ્થિતિ થાય તેને મૂર્તિ વિના કાંઈ દેખાતું નથી. અક્ષરધામ વિના અણુમાત્ર ખાલી નથી. મહારાજે કહ્યું જે, મૃત્યુ સમે એક ઘડી આડી હોય, ત્યારે પણ નિર્વાસનિક થઈ મૂર્તિમાં જોડાય તો કસર ટળી જાય છે. તે અંત સમે તો મોઢું ફાટ્યું રહે, આંખ્યો ફાટી રહે, ત્યારે મૂર્તિમાં ક્યાંથી જોડાવાય ! પણ જો આવા મોટા અનાદિને વિષે દિવ્યભાવ હોય, વિશ્વાસ હોય, હેત હોય અને આજ્ઞામાં રહ્યો હોય તો મોટા કૃપાસાધ્ય છે તે કૃપા કરીને કસર ટાળી નાખે છે અને અનાદિમુક્ત જેવું અનુભવજ્ઞાન આપે છે. અનંતકોટિ મુક્તને મેળાવે છે. અને અનંત પ્રદક્ષિણા, દંડવત કરાવે છે. ત્યારે મહારાજ કૃપા કરીને પોતાની મૂર્તિમાં જોડીને, મૂર્તિને સજાતિ અનાદિમુક્ત જેવા અનાદિ કરે છે. જેમ વૃક્ષની કલમ સંધાડે છે, ત્યારે એે કલમ ચોંટીને એક વૃક્ષ થાય છે. અને ફળ જુદાં થાય છે; તેમ મહારાજ સાથે એકતા થાય છે તોપણ સ્વામી-સેવકપણાનો ભાવ કોઈ દિવસ જતો નથી, સદાય રહે છે. માટે મોટા તેનું કામ કરી દે છે એમ જાણવું. તે જો મોટાનો મહિમા સમજાય તો વિશ્વાસ આવે અને વિશ્વાસ આવે ત્યારે હેત થાય. જ્યારે હેત થાય ત્યારે હેતે કરીને મોટામાં જોડાઈ જાય. હેત ને વિશ્વાસથી બહુ કામ થાય છે. જો મહિમા સમજાય તો વિશ્વાસ ને હેત થાય. માટે જોગ સારો છે, કહેનારા સારા છે, તેવા સમયમાં પોતાનું પૂરું કરી લેવું.
પછી મિસ્ત્રી લાલજીભાઈએ પૂછ્યું જે, અક્ષરધામમાં મહારાજની મૂર્તિ દિવ્ય છે તે દિવ્ય મૂર્તિની સેવા કરવાની શું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિનું સુખ ભોગવવું તે જ ધામમાં સેવા કરવાની છે. પણ બીજી સેવામાં તો ગુણ આવે. ચંદન-પુષ્પ વડે તો અવરભાવમાં સેવા કરવાની છે. પરભાવના ને અવરભાવના શબ્દ ભેળા હોય તે જ્યાં ઘટે ત્યાં ઘટાડવા. પણ દિવ્ય મૂર્તિ, દિવ્ય સભા અને દિવ્ય સેવા. “સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કો વિશ્રામ” તે દિવ્ય મુક્ત, દિવ્ય મૂર્તિ, તેથી સેવા પણ દિવ્ય થઈ. “મારી મૂર્તિ રે, મારા લોક, ભોગ ને મુક્ત; સર્વે દિવ્ય છે.” એમ મહારાજ કહે છે. પરોક્ષ શાસ્ત્રવાળાને અવતારનું કર્તાપણું રહી જાય. મહારાજ આગળ અવતાર તો કાંઈ ગણતરીમાં નથી. જેમ રાજા આગળ તેની પ્રજા ગરીબ હોય તેવા છે. પછી લોયાનું ૧૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નમાં આવ્યું જે, ભૂંડો દેશકાળ વર્તતો હોય ત્યાં ન રહેવું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભૂંડા દેશકાળમાં ન રહેવું તે પરિપક્વ નિશ્ચયવાળો ન હોય તેને માટે કહ્યું છે, પણ પરિપક્વ નિશ્ચયવાળાને તો મહારાજ વિના કોઈ કર્તા નથી. તેને બીજે જવાનું કહ્યું નથી. ભૂંડો કાળ પણ બે પ્રકારનો છે. એક તો ભૂંડાનો સંગ તે ભૂંડો કાળ કહેવાય. બીજો દીર્ઘ રોગ આદિક ઉપદ્રવ હોય તે પણ ભૂંડો કાળ કહેવાય. તેમાં ભૂંડાનો સંગ તે રૂપી ભૂંડો કાળ હોય ત્યાં ન રહેવું. પણ મરવાના ભયે કરીને દીર્ઘ રોગ આદિથી ભાગવું નહિ, કેમ જે ભક્ત હોય તે તો મરવું મંગળ જાણે. મહારાજના ખરા ભક્ત હોય તે મહારાજ વિના ઔષધ, વૈદ, ચોઘડિયું, મુહૂર્ત આદિ કોઈને કર્તા ન જાણે તે છેલ્લા મુદ્દાની વાત છે. ક્રિયમાણ કરવું પડે તે કરવું, પણ તેનો ભાર રાખવો નહીં. તેમાં મહારાજની મરજી હોય તો મટે એમ જાણીને કરવું પણ ક્રિયમાણરૂપ ન થવું, એક મહારાજને જ કર્તા જાણવા. મહારાજ જે કરતા હોય તે સારું જ કરતા હોય તેની આપણને ખબર પડે નહીં. મુક્તાનંદ સ્વામીના સાધુને પેટમાં અતિ દુઃખવા આવ્યું. ત્યારે બીજા સર્વે સંતોએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે, આટલી બધી પીડા આ સાધુને થાય છે તે મટાડે એમ મહારાજને કહોને ! ત્યારે સ્વામી કહે, મહારાજ ! આ સંતને દુઃખ ખમાતું નથી. ત્યારે મહારાજ કહે, ચાર જન્મની કસર છે તે ચાર દિવસમાં ભોગવાવવી છે. તે જો ચાર જન્મની કસર કોઈ લો તો પેટમાં દુઃખતું તુરત મટાડીએ. ત્યારે સ્વામીશ્રી કહે, મહારાજ ! એમ હોય તો ભોગવાવો. માટે મહારાજ જે કરતા હોય તે સારું જ કરતા હોય એમ સમજવું.
પછી બાપાશ્રી એમ બોલ્યા જે, ભગવાનના ભક્તનો અવગુણ લેવો તે મોટું પાપ છે માટે સાધુ કે હરિભક્ત કોઈનો અવગુણ ન લેવો. સ્વામિનારાયણનું નામ લેતો હોય, તેનો અવગુણ લઈએ તો આપણું ભૂંડું થાય. માટે સત્સંગમાં સૌના દાસ થઈ રહેવું. આ સભામાં કોઈનો વાંક હોય, અગર ન હોય તોપણ પંચ મળી વ્રત-ઉપવાસ કરવાનું કહે તો કરવું. જો નિર્માની થઈને કરે તો તેના ઉપર શ્રીજીમહારાજ રાજી રહે. વાંક હોય અને ન કરે તો તેને બહુ દોષ લાગે છે. વાંક ન હોય અને ન કરે તો સભાનું અપમાન કર્યું કહેવાય; માટે દોષ લાગે તેથી નિર્માની થઈને પંચ કહે તેમ કરવું.
વળી, બીજી વાત કરી જે સત્સંગમાં દેશ-વિદેશમાં ગામોગામ ફરીને મોટા એકાંતિક, પરમએકાંતિક અને અનાદિ હોય તેને ઓળખવા ને તેમનો જોગ કરવો અને પોતાની ખોટ્યું હોય તે કાઢવી. જેમ દત્તાત્રેયે સર્પ, સમળીમાંથી ગુણ લીધો તેમ આપણે પણ સંત-હરિભક્તમાંથી ગુણ લેવો અને વૈરાગ્યનો તથા સુખ-દુઃખ સહન કરવાનો લક્ષ લેવો. તે ઉપર વાત કરી જે અમારે ત્યાં હરિભક્ત બે વાગે ઊઠીને, નાહી, પૂજા કરીને કામ કરવા મંડે છે. તેને ખાવાના પણ રોટલા હોય. છાશ-મરચું કોઈકને મળે ને કોઈને ન મળે, તોપણ દાખડા કરીને પોતાનો નિર્વાહ કરે છે અને ઠાકોરજીની તથા સંતની સેવા કરે છે. આપણને તો તૈયાર જોઈએ તેવું મળે છે તો આપણે પણ બે વાગે ઊઠીને માળા, ધ્યાન, ભજન કરવું, પણ સૂઈ ન રહેવું. ।। ૪૧ ।।
વાર્તા ૪૨
રાત્રે સભામાં વાત કરી જે ભાગવતીતનુ આવે છે એટલે ભગવાનની મૂર્તિમાં રાખે છે એમ જાણવું. તે સારંગપુરના ૧૪મા વચનામૃતનો ભાવ છે અને મધ્ય પ્રકરણના ૬૬મા વચનામૃતમાં ભગવાનની ઇચ્છાએ કરીને ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એમ કહ્યું છે. એ ચૈતન્ય પ્રકૃતિ એટલે મૂર્તિનું તેજ અને તેજ સ્વરૂપ થયેલા મુક્ત તે અહીં ચૈતન્ય પ્રકૃતિ જાણવી. તે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એટલે ચૈતન્ય પ્રકૃતિરૂપ થયો જે ભક્ત તે ભગવાનની ઇચ્છાથી સાકાર થાય છે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, અનાદિમુક્ત થાય છે તે કયા શબ્દથી જાણવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે અતિ સ્નેહે કરીને ભગવાનને વિષે લીન થઈ જાય છે એવા મુક્તને ભગવાન પોતા જેવો કરે છે. એ ભક્ત જેવા ભગવાનને જાણે છે તેવો થાય છે. આત્મસત્તાને પામ્યા પછી ભગવાનની કૃપાથી ભગવાનના તુલ્યપણાને પામે છે અને મૂર્તિને વિષે લીન થાય છે, એવા એવા શબ્દથી જાણવું. તે બ્રહ્માનંદ સ્વામીએ પણ કહ્યું છે કે, “રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી.” તે અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ જોડાઈ રહ્યા છે, મૂર્તિરૂપ છે; તોપણ સ્વામી-સેવકભાવ દૃઢ રહે છે, માટે મહારાજ અને મોટાને જેવા જાણશું તેવા થાશું. પછી મધ્ય પ્રકરણનું ૧૩મું વચનામૃત વંચાતું હતું તેમાં રહસ્યની વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટા મોટા હો તે આગળ બેસો તે સાધનકાળનો તથા અવરભાવનો શબ્દ છે અને સર્વે સરખા જણાય છે એમ કહ્યું તે સિદ્ધકાળમાં સરખા છે તે પરભાવનો શબ્દ છે. અમારા હૃદયમાં તેજ વ્યાપી રહ્યું છે તે તેજમાં મૂર્તિ દેખાય છે તે સાધનકાળમાં પરમ એકાંતિકમુક્તની સ્થિતિ દેખાડી છે. પછી કહ્યું છે જે, અમે માતાના ઉદરમાં હતા તે દિવસ પણ મૂર્તિ દેખતા અને ઉદરમાં આવ્યા પહેલાં પણ દેખતા તે સિદ્ધમુક્તની સ્થિતિ દેખાડી છે. સર્વે અવતાર પુરુષોત્તમમાં લીન થાય છે અને પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે તે અનાદિમુક્ત જાણવા. પુરુષોત્તમ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે પ્રગટ થાય છે એટલે રામકૃષ્ણ તે મૂર્તિને પમાડનાર મુક્ત જાણવા. તે મુક્ત રૂપે સત્સંગમાં પ્રગટ થાય છે. મનુષ્યરૂપ અને પ્રતિમા તો એક જ છે, તેથી અમે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ ને તેજને વિષે જે મૂર્તિ છે, તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ કહ્યું છે, તે પોતાનું સર્વોપરીપણું બતાવ્યું છે. આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધ કર્મે કરીને ઊંચ-નીચ દેહની પ્રાપ્તિ થાય એમ કહ્યું છે તે આવું જ્ઞાન જેને થયું હોય તેનું પ્રારબ્ધ તો મહારાજ થયા કહેવાય. પણ જો ભૂંડા દેશકાળને લઈને વર્તમાનમાં ફેર પડે તો પ્રારબ્ધ પાછું વળગે છે. તેણે કરીને જન્મ લેવો પડે અને જ્ઞાન રહે તેણે કરીને પાછો ભગવાનને પામે.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બાપા ! તેજમાં મૂર્તિ ક્યારેક બેઠી દેખાય છે, ક્યારેક હરતી-ફરતી દેખાય છે અને ક્યારેક ઊભી દેખાય છે તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મનુષ્ય રૂપે પ્રત્યક્ષ વિચરતા હોય ત્યારે ક્યારેક બેઠા હોય, ક્યારેક ઊભા હોય, ક્યારેક ચાખડીઓ પહેરીને ચાલે, હરે ફરે તેમ દેખાય તે અવરભાવની વાત છે. અમદાવાદના ૬ઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે જે, ધામમાં બહુ પ્રકારના મહોલ છે, બહુ પ્રકારના ફુવારા છે અને બહુ પ્રકારના બાગ-બગીચા છે. તે ત્યાં મહોલ ચણવા કોણ ગયું હશે ? એ શબ્દ અવરભાવના છે. માટે આ લોકને વિષે મહોલ, ગોખ, ઝરૂખા, બાગ-બગીચાને વિષે શ્રીજીમહારાજ બિરાજ્યા હોય તે કહ્યા છે. કેટલાંક વચનામૃતમાં ભવ, બ્રહ્માદિક દેવ કહ્યા છે તે અક્ષર, મહાકાળ આદિકને કહ્યા છે એમ જાણવું. અમદાવાદના ૭મા વચનામૃતમાં અસંખ્ય કોટિ બીજી ભૂમિકાઓ કહી છે તે અક્ષરકોટિના સ્થાનકને કહી છે. વળી અંતર્યામી જેવા કરવા છે એમ કહ્યું છે તે અંતર્યામી એટલે પરભાવમાં મૂર્તિનું સુખ તથા મુક્ત આદિનું જાણપણું જાણવું તે; પણ માયાના કાર્યમાં અંતર્યામી તે ન જાણવું. એવી જ રીતે અનંતકોટિ બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિકને કરે છે એવા કરવા છે એમ કહ્યું તે પણ પરભાવમાં નિયમ ધરાવી સત્સંગ કરાવવો ને તેને શુદ્ધ એકાંતિક કરવો અને બધેથી લૂખો કરી મૂર્તિમાં જોડવો તે બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક કરે છે એમ જાણવું. તથા જીવને મૂર્તિના સુખમાં પહોંચાડે તેવા કરવા એમ જાણવું. એમ કહીને પ્રસન્ન થકા સ્વામી ઈશ્વરચરણદાસજી સામું જોઈને બોલ્યા જે, સ્વામી ! તમો સંતોએ બહુ દયા કરી આવા દેશમાં અક્ષરધામ કરી દીધું છે. હરિભક્તોનાં હેત તો જુઓ ! શ્રીજીમહારાજ આવાં હેત જોઈ વશ થઈ જાય તેવું છે. આવા હેતવાળા હરિભક્તોના મનોરથ મહારાજ પૂરા કરે જ. આ જોગ દુર્લભ છે, આવા મહારાજ ને તેમના અનાદિ આ સભામાં દર્શન દે તે કાંઈ થોડીઘણી વાત નથી; આ સભા દિવ્ય તેજોમય છે. આવું ટાણું વારેવારે ન આવે, આ ટાણે તો અમૃત લૂંટાય છે. આવા જોગમાં કોણ રહી જાય ! આવી દિવ્ય સભાનાં સુખ કોણ મૂકી દે...! કેવડા મહારાજ ને કેવડા મુક્ત ! તે દયા કરી જીવને ઉદ્ધારવા આવ્યા. આવો સમાજ અનંતકોટિ બ્રહ્માંડમાં ક્યાંય નથી; એક મહારાજને ઘેર છે. એ મૂર્તિ આપણને મળી છે. આવા જોગમાં રહી ન જાવું. આ સભાને દિવ્ય જાણે તેને કાંઈ કસર ન રહે. મૂર્તિમાંથી તેજના ફુવારા છૂટે છે; અનંત મુક્ત સુખમાં રમૂજો કરે છે. સળંગ રહ્યા થકા સુખ ભોગવે છે. આવી પ્રાપ્તિ તો એક મહાપ્રભુની કૃપાથી જ થાય, સાધન બિચારાં ક્યાં સુધી પહોંચે ? આજ તો મહારાજ અઢળક ઢળ્યા છે એટલે ગામમાં વન (મંદિર) કરી દીધાં છે, ને આવા સંત તેમાં રાખ્યા છે. તે રાત ને દિવસ મૂર્તિના સુખની વાતો કરે છે. એ સુખના જ ભોગી છે. ઘેર ઘેર ફરીને અનંત જીવના ઉદ્ધાર કરે છે તે મહારાજના સંકલ્પે “અનંત જીવ ઉદ્ધારવાને આવિયા રે લોલ બ્રહ્મમોલ વાસી હરિરાય” એવી એમની અપાર દયા છે. ।। ૪૨ ।।
વાર્તા ૪૩
ફાગણ વદ ૪ને દિવસે સવારે પૂજા કર્યા પછી બાપાશ્રી સંત-હરિભક્ત સર્વેને મળ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, સ્વામી ! આ મળવું બહુ મોંઘું છે. આ તો અક્ષરધામમાં અનંતમુક્તે સહિત શ્રીજીમહારાજની પૂજાઓ થાય છે. ‘એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ’ એવી આ દિવ્ય અલૌકિક સભા છે. આ સભાનો વાયરો જેને અડે તેનાં અનંત જન્મનાં પાપ બળી જાય છે. આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે. આવા મહારાજ, આવા તેમના અનાદિ, આવી દિવ્ય સભા અને આ વાતો સંભારજો; પણ ભૂલશો નહીં. આ બધુંય દિવ્ય છે, તે જો અંત સમે સાંભરી આવે તો નિશ્ચે આત્યંતિક કલ્યાણ થાય. આપણે તો અહોનિશ મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું ને મૂર્તિમાં જોડાવું, ત્યારે મૂર્તિનું સુખ આવે. પણ પાત્ર થયા વિના એ સુખ ન આવે માટે પાત્ર થાવું.
પછી એમ બોલ્યા જે, મહારાજ ને મોટા મુક્ત ખરેખરા ક્યારે મળ્યા કહેવાય ? તો માન, મોટપ, રસાસ્વાદ એ આદિક સર્વે દોષ મૂકીને મૂર્તિમાં જોડાઈ જાય ત્યારે મળ્યા કહેવાય અને મોટાનો જોગ પણ ત્યારે થયો કહેવાય. મોટાનો જોગ કરીને બાળકિયા સ્વભાવ મૂકવા જોશે ને મહારાજની આજ્ઞા બરાબર પાળવી જોશે. ત્યાગીને અધર્મી શિષ્ય હોય તો શિષ્યનો ત્યાગ કરવો અને ગૃહસ્થને અધર્મી દીકરો હોય તો તે દીકરાનો ત્યાગ કરવો, પણ આજ્ઞામાં ફેર પાડવો નહીં. ત્યાગીને જડ માયા જે દ્રવ્ય અને ચૈતન્ય માયા જે સ્ત્રી, તેનો ક્યારેય જોગ થાવા દેવો નહીં. જો જોગ થાય તો કાળો સર્પ વળગ્યો જાણવો. તે જેમ સર્પ વળગીને પ્રાણ લે તેમ તે કલ્યાણના માર્ગથી પાડે. ગૃહસ્થને પણ તેવા સાધુનો ત્યાગ કરવો. સ્ત્રી-દ્રવ્યનો જોગ રાખતા હોય તેનો સંગ ક્યારેય ન કરવો. જીવના સ્વભાવ એવા છે જે શત્રુની વહારે ચડે. જેણે પોતાની લાજ લીધી હોય, કેદમાં નાંખ્યો હોય, માર્યો હોય ને તે શત્રુને કોઈક મારે, ત્યારે કહેશે જે, એને મારશો નહિ અને તેનો પક્ષ લે. માટે સંત અંતઃશત્રુને ખોદે ત્યારે શત્રુની વહારે ચડવું નહીં. આ લોકમાંથી ને આ દેહમાંથી લૂખા થાવું. પંચભૂતનો દેહ તો હાડકાંની મેડી છે, તેને માંસનું લીંપણ કર્યું છે, ચર્મનો કળીચૂનો દીધો છે, માંહી પરુ, પાચ, રુધિર, વિષ્ટા આદિ મળ ભર્યાં છે અને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, રસાસ્વાદ, ઈર્ષ્યા, અહંકાર આદિક દોષરૂપી જાળું છે. જીવ તેવા દેહને મોહે કરીને સારો માને છે. પણ તેમાં સારું શું છે ? સારું કાંઈ નથી તે દેહને રાજી કરવા સારુ જીવ નાના પ્રકારની તૃષ્ણા કરે છે, તે તૃષ્ણાનો પાર આવે તેમ નથી. સંતને પેટી, આસન, પૂજા, પ્રસાદીનાં પગલાં તે સર્વેની તૃષ્ણા મેલવી; નહિ તો લાજ ખોવરાવે. મન તો હરામજાદું છે. “ઝટકી ઝટકી જાત હે, લટકી લટકી વિષય ફળ ખાત.” તે મૂર્તિમાંથી ઝટકી ઝટકીને ક્યાંય જાતું રહે છે અને લટકી લટકી વિષયરૂપી ફળ ખાય છે, માટે મનને પાછું વાળી, મૂર્તિમાં જોડાવું, તે મધ્ય પ્રકરણના ૨૩મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે જે, “સારા-નરસા વિષયના જોગે કરીને જેનું મન ટાઢું-ઊનું ન થાય તેને પરમ ભાગવત સંત જાણવા.” તે સંત કોને કહીએ, તો જે શાંતિ કરે તે સંત કહેવાય. કલ્યાણ કરે તે સંત કહેવાય. અંત સમે તેડવા આવે તે સંત કહેવાય; તેવા સંત થાવું. આ લોકના રાગ મેલવા, તે અમારાં છોકરાં કહે જે, બાપા ! તમારા સારુ ખાવા-પીવાનું આ કરીએ, તે કરીએ. ત્યારે હું કહું જે, આ મને ગરમી કરે, આ ટાઢુ પડે, આ વાયુ કરે એમ કહીને ત્યાગ કરી દઈએ અને બાજરાનો રોટલો ને મઠની ખીચડી તે વિના ફરે જ નહીં. તે અમારે કોઠીમાં બાજરો ભરે તોપણ આનંદ, જુવાર ભરે તોપણ આનંદ. ઘી, ગૉળ, ઘઉં ભરે તોપણ સરખો આનંદ. તેમ કોઠી જેવો દેહ કરી મેલવો. જે મૂર્તિમાં રસબસ જોડાઈ જાય તેને મૂર્તિ વિના બીજું સર્વે સુખ તૃણ જેવું થઈ જાય છે. આપણે કઈ વસ્તુ પામવી છે, તો શ્રીજીમહારાજ પામવા છે. માટે બીજામાંથી ટૂંકું કરવું જોશે, જરૂર કરવું જોશે તે વગર છૂટકો નથી. આપણને મહારાજ કેવડા મળ્યા છે તે વિચારવું. જેમ મોટા ચક્રવર્તી રાજાને આ ગરીબ છે કે શાહુકાર છે તેવું કાંઈ નજરમાં નથી, માટે જોતાં નથી. તેવી રીતે મહારાજનો અને મોટાનો મહિમા સમજાય તો પંચવિષય, દેહાભિમાન, કાંઈ જણાય નહિ ને મૂર્તિની સન્મુખ ચાલ્યા જાય. માટે કહેનારા સારા છે, જોગ સારો છે તેથી પોતાનું પૂરું કરી લેવું; જરૂર પૂરું કરી લેવું. આ જીવ છે તે માયાનો લહરકો લેવા જાય છે એટલામાં મહારાજને ભૂલી જાય છે. માયા ત્યાગ કરી બેઠા હોય પણ જો અંતરમાં ઘાટ-સંકલ્પ રહે તો સુખ ન થાય ને સામું દુઃખ થાય. માટે ઘાટ-સંકલ્પ મૂકી મૂર્તિમાં વૃત્તિ રાખવી. જીવમાંથી માયાનો રાગ કાઢી નાખવો અને જે માયાને તર્યા હોય ને મહાકાળ-અક્ષરથી પર એકાંતિક કે પરમએકાંતિક તથા અનાદિ હોય તેનો સંગ કરવો.પણ માયામાં બંધાયેલા હોય તેનો સંગ ન કરવો, તો જ સુખ થાય. શ્રીજીમહારાજ ને મોટા અનાદિ તો જેવા ધામમાં છે તેવા ને તેવા જ અહીં દિવ્ય છે. મનુષ્યભાવ તો પોતાના સંકલ્પમાત્રે કરીને દેખાડે છે. જેના સારુ મૂંડાવ્યું છે; જે જોઈએ તે જ પ્રત્યક્ષ મહારાજ અને મોટા મળ્યા છે. આ પ્રાપ્તિ બહુ જ મોટી છે. અતિ બહુ મોટી છે. કયા સ્થાનમાં બેઠા છીએ, કોનો જોગ થયો છે ? તો અનાદિમુક્ત અને પ્રત્યક્ષ શ્રીજીમહારાજ તે સાક્ષાત્ મળ્યા છે. એટલી વાત કરીને સંત-હરિભક્તોને દ્રાક્ષ તથા કાજુની પ્રસાદી આપી. ।। ૪૩ ।।
વાર્તા ૪૪
સવારે સભામાં કથા વંચાઈ રહ્યા પછી બાપાશ્રી બોલ્યા જે, આ મહારાજની મૂર્તિ (પ્રતિમા રૂપે) છે તે દિવ્ય અક્ષરધામમાં છે તે જાણવી. “આ સભા દિવ્ય અક્ષરધામની છે. તે જો અમે ખોટું કહેતા હોઈએ તો અમને નરનારાયણનાં સમ છે.” એમ મહારાજે સમ ખાધા છે. આ સભા અનાદિમુક્તની છે. આ સભામાં પ્રત્યક્ષ મહારાજ બિરાજે છે. તે જો અમે ખોટું કહેતા હોઈએ તો અમને ભાર છે. એ બે વાતો દૃઢ કરવી જોશે. એ બે વાતો દૃઢ થઈ તો અંતર્વૃત્તિ થઈ જાણવી. જો એ બે વાતો સિદ્ધ થાય તો ખરેખરો એકાંતિક થાય. તે એકાંતિક કેને કહીએ ? તો આંખે આંધળો થાય, કાને બહેરો થાય, ત્વચા, રસના, નાસિકા આદિના સર્વે વિષયે રહિત થયો ને માંહી રાગ ન રહે તે એકાંતિક કહેવાય, તે કૃપાનો પાત્ર થયો. પછી પરબ્રહ્મ પરમાત્મા ભગવાનને આત્મામાં પધરાવે ત્યારે પરમએકાંતિક થાય છે, તે ખરી કૃપાનો પાત્ર થયો. પછી મહારાજ તેના ઉપર પૂર્ણ દયા કરે ત્યારે અનુભવજ્ઞાન મૂર્તિમાંથી છૂટે છે, તે અનુભવજ્ઞાન ભક્તને મૂર્તિમાં ખેંચે છે ને મૂર્તિમાં જોડી દે છે, ત્યારે અનાદિમુક્ત થાય છે. સાધનકાળમાં પણ મોટાની કૃપા હોય તો જ સિદ્ધ થવાય છે.મોટાની સહાયતા વિના કાંઈ થાય નહીં. ઇંદ્રથી લઈને અક્ષર સુધી સાધન છે, અક્ષરથી પર એકાંતિક, પરમએકાંતિક થાય ત્યારે કૃપા થાય. પછી કૃપાથી મૂર્તિના સુખમાં પહોંચાય છે. એ સારુ મોટા અનાદિ સાથે દૃઢ આત્મબુદ્ધિ કરવી. જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી કરવી. મહારાજ અને મોટાની આજ્ઞા બરાબર પાળવી, ઉપાસના પરિપક્વ સમજવી, મૂર્તિમાં ધ્યાને કરીને જોડાવું; તે જો પ્રત્યક્ષ મહારાજની મૂર્તિ પધરાવીને પ્રદક્ષિણા કરે તો અનંત બ્રહ્માંડ, અનંત અક્ષર, અનંત પાર્ષદ ને દિવ્ય સભા તે સર્વે આવી જાય છે.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, બાપા ! અનુભવજ્ઞાન મૂર્તિમાં ખેંચે છે તે અનુભવજ્ઞાન કોને કહીએ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં ખેંચે છે, મૂર્તિનું પ્રમાણ કરે છે, મૂર્તિના સુખનું પ્રમાણ કરે છે અને મૂર્તિમાં જોડાવે છે તે અનુભવજ્ઞાન કહેવાય. અને એમ જાણે જે આ ગોપાળાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામી, આ બ્રહ્માનંદ સ્વામી, આ દાદાખાચર, આ પર્વતભાઈ એવી રીતે જાણપણું રહે તે અનુભવજ્ઞાનથી રહે છે. પછી મધ્ય પ્રકરણનું ૪૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં આવ્યું જે, “આ રોગે સારું સારું ખાવાનું ખંડન કરી નાખ્યું. તે મુમુક્ષુ હોય તેને એમ જણાય જે, આ ક્ષયરોગ રૂપે મોટાપુરુષનો સમાગમ થયો.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાનના ભક્તને રોગ થાય તો મોટાનો સમાગમ મળ્યો જાણી તેમાં દુઃખ માનવું નહીં.
ત્યારે પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, રોગ સમાગમમાં વિઘ્ન કરતો હોય તેનું કેમ કરવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં અને સંતમાં હેત રાખવું. મૂર્તિમાં હેત હોય તો હજાર ગાઉ છેટે હોય કે લાખ ગાઉ છેટે હોય તોપણ મહારાજ ને મોટા પાસે જ છે. અને ખરું હેત હોય તો જળમાં, અગ્નિમાં ગમે તે ઠેકાણે હોય તોપણ મહારાજ તથા મોટા ભેગા રહે, દર્શન આપે અને રક્ષા કરે. જેમ કૈવલ્યાનંદ સ્વામીને જળમાં દર્શન દીધાં અને રક્ષા કરી તથા જેમ મામૈયા ભક્તે, હે સ્વામિનારાયણ બાપા !, એમ હેતથી સંભાર્યા તે વખતે મહારાજે દર્શન આપ્યાં, એમ હેતથી સંભારે તો મહારાજ સાથે રહે. આવી દિવ્ય સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, મંદ મંદ જુએ છે, મંદ મંદ હસે છે, મંદ મંદ બોલે છે, મંદ મંદ પ્રસાદી આપે છે; પણ જેને દિવ્યદૃષ્ટિ થાય તે દેખે.
પછી લાલુભાઈએ પૂછ્યું જે, અનાદિમુક્ત દ્વારે શ્રીજીમહારાજ સુખ આપે છે એમ કહેવાય છે તે શું સમજવું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનાદિ તો મૂર્તિરૂપ છે, દ્વાર તો બીજા સાધનિક ભક્તને સમજાવવા કહેવાય, પણ અનાદિ તો મૂર્તિ-સ્વરૂપ છે. મૂર્તિથી જુદા નથી. તોપણ દાતા-ભોક્તા અને સ્વામી-સેવકપણું દૃઢ રહે છે; તેમની સાથે ભાષણ કરીએ છીએ, તે સભામાં બેઠા છીએ. એ કેવી મોટી પ્રાપ્તિ છે ! અક્ષર છે તે તો પોતાની જુદી સભા કરીને બેઠા છે. અક્ષરમાં જાવું છે એમ જે કહે છે તે પણ આ સુખમાં રહી ગયા ! રહી ગયા ! રહી ગયા !! આ સુખ તો બહુ જબરું છે, સુખના ઢગલે ઢગલા છે. તે સુખ અત્યારે જીરવાય નહીં. તેવો પાત્ર થાય ત્યારે તે સુખ ભોગવાય. તે સુખ જ્ઞાને કરીને ઓળખાય ત્યારે અહોહો થાય. દીવાના-મસ્તાના થઈ જવાય. તે સુખ મહારાજને કહીને તમને અપાવશું. શ્રીજીમહારાજ અમારું નહિ માને ! માનશે. જરૂર માનશે જ. મહારાજે જય સચ્ચિદાનંદ કહ્યા, તે શું ? તો, પોતાના વ્હાલા અનાદિમુક્તને સંભાર્યા. આ સંત છે તે પરભાવમાં અવતાર છે અને અવરભાવમાં સંત છે. તેથી એમ જાણવું જે શ્રીજીમહારાજ અને મોટાને લઈને આપણી મોટપ છે. માટે કોઈ પ્રકારનું માન આવવા દેવું નહીં. માન છે તે સર્વે સાધનમાં આગળ પડે છે. જેમ રાજા જતો હોય તેની આગળ ઘોડેસવાર દોડ્યા જાય, તેમ માન છે તે સર્વે સાધનમાં આગળ પડે છે; પણ મહારાજ અને અનાદિની આગળ આ સાધનિક શી ગણતરીમાં છે. કાંઈ નથી. હજારો સાધનિક સંત હોય તે અનાદિમુક્તની તુલ્ય થાય નહીં. તે એકાંતિક, પરમએકાંતિક, ઉપશમ અવસ્થાવાળા અને નિરાવરણ દૃષ્ટિવાળા સ્વતંત્રપણે તેડવા જાય એવા સત્સંગમાં હોય, પણ અનાદિમુક્તની વાત તો અલૌકિક છે. તે તો મૂર્તિમાં રસબસ રહ્યા થકા શ્રીજીમહારાજના સંકલ્પે કરીને દેખાય છે. એવા મહા અનાદિમુક્ત તો બહુ ચમત્કારી તથા પ્રતાપી હોય. તે પર વાત કરી જે, સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા, ત્યારે એક વખત મહારાજનાં દર્શને જેતલપુર આવ્યા, ત્યાં મહારાજનાં દર્શન કર્યાં; તે સમે મહારાજે પણ ખુશાલભાઈને બહુ હેત જણાવીને અત્યંત સુખ આપ્યું. પછી મહારાજ વારેવારે એમ કહે જે, આ તો બહુ મોટા મુક્ત છે. એવામાં દામોદરભાઈ શ્રીજીમહારાજને થાળ જમવા બોલાવવા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, તમે ગંગામાને પૂછો કે અમે એકલા આવીએ કે મંડળે સહિત આવીએ ? ત્યારે દામોદરભાઈએ ગંગામા પાસે આવીને મહારાજે કહ્યું હતું તેમ સર્વે વાત કરી. ત્યારે ગંગામાએ કહાવ્યું જે, મહારાજ ! થાળ તમારા સારુ કર્યો છે તે તમે સર્વે જાણો છો. માટે તમારી મરજી હોય તેમ કરો. પછી મહારાજ મંડળે સહિત જમવા ચાલ્યા, તે મહારાજ અને ખુશાલભાઈ બંને હાથ ઝાલીને આગળ ચાલ્યા આવે, ત્યાં વાટમાં એક ખાલી કૂવો આવ્યો તેમાં કેટલાંક ભૂત કળાહોળ કરતાં હતાં, ત્યારે મહારાજ કહે કે, જુઓ તો ખરા આ શું થાય છે ? એમ કહીને મહારાજ તથા ખુશાલભાઈ (ગોપાળાનંદ સ્વામી)એ કાંઠા ઉપર ઊભા રહીને તેના સામી કૃપાદૃષ્ટિ કરી અને સ્વામીશ્રીએ તે સર્વે ભૂતનો મહારાજની ઇચ્છાએ કરીને મોક્ષ કર્યો. પછી ત્યાંથી ઘેર પધાર્યા. મહારાજ તો ખુશાલભાઈ ઉપર વારેવારે બહુ હેત જણાવે. પછી ગંગામાને મહારાજે કહ્યું જે, તમે આમને ઓળખો છો ? ત્યારે ગંગામાએ કહ્યું જે, ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું જે, આ તો બહુ મોટા છે. પછી ગંગામા પણ મહારાજ તથા ખુશાલભાઈના સામું બહુ જ જોઈ રહ્યાં. ત્યારે મહારાજ બોલ્યા જે, હવે જમવા સારુ જે થાળ કર્યો હોય તે બહાર લાવો. એમ કહીને મહારાજે સંતને પંક્તિ કરવાની આજ્ઞા આપી, એથી પંક્તિ થઈ. પછી મહારાજ પોતે પીરસવા ઊઠ્યા. ગંગામાએ જે થાળ બહાર મૂક્યો તેમાંથી મહારાજે બે ભાગ કર્યા, તે અર્ધો ભાગ લઈને મહારાજે ખુશાલભાઈને કહ્યું જે, આવો ! આ પંક્તિમાં પીરસો. ત્યારે મહારાજની આજ્ઞાથી ખુશાલભાઈ થાળ લઈને પંક્તિમાં પીરસવા મંડ્યા. તે અડધા થાળમાં સર્વે સંતને બે-ત્રણ વાર પંક્તિમાં ફરીને ખૂબ જમાડ્યા. આવો એમનો પ્રતાપ જોઈને ગંગામાને બહુ જ આશ્ચર્ય થયું. પછી મહારાજ અને ખુશાલભાઈ બેય ભેળા જમવા બેઠા, તે જમતાં જમતાં મહારાજ તેમના ઉપર બહુ હેત જણાવે. તે ગંગામા પણ સામું જોઈ રહ્યાં જે, આ તે કોણ છે ! નવા છે પણ ચમત્કારી બહુ જ છે. તે સમે મહારાજ તથા ખુશાલભાઈ, બંનેની મૂર્તિમાંથી ઝળેળાટ તેજના સમૂહ નીકળવા મંડ્યા. તે બેય રૂપ મહારાજ જેવાં જ દેખાણાં; એ જોઈને ગંગામા તો બહુ જ આશ્ચર્ય પામ્યાં જે, આ બેમાં મહારાજ કોણ ! પછી થોડી વાર તેવાં દર્શન દઈને મહારાજે તેજ સમાવી પ્રથમના જેવું રૂપ ધારણ કરી દર્શન દીધાં. એમ મહારાજ અને અનાદિમુક્ત જુદા નથી. તે અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા થકા સેવકભાવે સુખ ભોગવે છે. માટે મહિમા સમજવો ને સુખ તો મૂર્તિમાં જ છે, તે જોડાવાય તો સુખિયું થવાય માટે રસબસ રહેવું. જીવને કાર્યમાં બહુ તાન છે, પણ કારણ મૂર્તિ વિના કારણ શરીર ટળે નહીં. માટે ધ્યાન-ભજનનો આગ્રહ રાખવો. મંદવાડમાં જેમ તણાઈ જવાય છે, તેમ સર્વે ક્રિયામાં મહારાજમાં વૃત્તિ રાખવી અને આવા અનાદિમુક્તને વિષે હેત ને વિશ્વાસ રાખી મહિમા સમજવો તે જો હેત અને વિશ્વાસ હોય તો બહુ કામ થાય અને મૂર્તિને સુખે સુખિયું થઈ જવાય.
બપોરે મેડા ઉપર આસને સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, બાપા ! તમારો દાખડો ઘણો છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ! મહારાજે અનંત મનવારો ભરવાનું ધાર્યું છે; એમના મુક્તનું પણ એ જ કામ છે. એ તો સંકલ્પમાત્રમાં અનેક જીવને મૂર્તિના સુખમાં મૂકી સુખિયા કરી દે. એને દાખડો શું પડે ! આ સમે મહારાજે કલ્યાણનું બહુ સુગમ કર્યું છે. આગળ તો રાફડા થઈ જતા તોય કલ્યાણનું કાચું અને આજ તો નાના નાના સત્સંગીના દીકરા પણ મૂર્તિના સુખની વાતો કરે છે. આ બધો પ્રતાપ શ્રીજીમહારાજનો ને તેમના અનાદિ મહામુક્તનો છે. મુક્ત તો મૂર્તિથી જુદા રહેતા જ નથી. તેથી જેમ મહારાજ કલ્યાણકારી તેમ એ પણ એવા જ. આ સમય બહુ ભારે આવી ગયો. જુઓને ! આ દેશમાં અક્ષરધામના જેવું મંદિર. શ્રીજીમહારાજનો પ્રતાપ તો બહુ જબરો. ગામોગામ મોક્ષના દરવાજા ઉઘાડા મેલ્યા છે. કોઈ આવો ! કોઈ આવો ! “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા, આજ ધર્મવંશીને દ્વાર.” આવો ઉત્તમ અવસર મળ્યો છે, એમ જાણી પોતાનું પૂરું કરી લેવું.
પછી બાપાશ્રી એમ બોલ્યા જે, ભગવાનના મળેલા કોને કહીએ ? તો જેને માનસીપૂજા કરતાં, ધ્યાન કરતાં, મૂર્તિમાંથી પાછા ખેંચવા પડે તેવી રીતે મૂર્તિમાં જોડાઈ જાય તે મળેલા કહેવાય અને સેવામાંથી પાછા વાળવા પડે તેમ સેવામાં જોડાય તે મળેલા કહેવાય. આ પ્રત્યક્ષ ભગવાનને પૂજેલાં પુષ્પ પણ આત્યંતિક કલ્યાણ કરે, માટે અતિ હેતે કરીને ભગવાનનું ધ્યાન કરવું, કથા-વાર્તા કરવી ને સાંભળવી, કીર્તન બોલવાં ને શીખવાં. તે મને અગિયારસો ચોસર કીર્તન કંઠે આવડતાં હતાં, તે બીજા કીર્તનિયા સાથે કીર્તન બોલીએ અને કીર્તનની ઝૂક મચાવીએ. મંદિરમાં કીર્તન બોલીએ, વાડીમાં બોલીએ, અત્યારે પણ કેટલાક છોકરાઓને એ નોરે ચડાવ્યા છે. તે મંદિરમાં આવીને કીર્તન બોલે ને કથા થઈ રહે ત્યારે વળી બોલે અને પછી છેલ્લી બાકી પણ બોલે; એમ ત્રણ-ચાર થોકે કીર્તન બોલાવીએ. માટે કીર્તન બોલવા-શીખવામાં મહારાજ અને મોટા રાજી થાય. ।। ૪૪ ।।
વાર્તા ૪૫
રાત્રે સભામાં લોયાનું ૧૦મું વચનામૃત વંચાતું હતું. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, બાપા, આ વચનામૃતમાં કહ્યું છે જે, પરમાત્મા છે તે તો સર્વાત્મા બ્રહ્મના આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે તે કોને જાણવા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ ઠેકાણે સર્વાત્મા બ્રહ્મ અનાદિમુક્તને જાણવા, અક્ષર તે મૂર્તિના તેજરૂપ ધામને જાણવું, મુક્ત તે પરમએકાંતિકને જાણવા અને મહારાજ તે સર્વના આત્મા છે એટલે મૂર્તિમાન થકા આધાર છે અને સુખદાતા છે એમ સમજવું. આ પરભાવનો અર્થ છે.
પછી સ્વામીએ પૂછ્યું જે, એક તો આત્માને વિષે તેજોમય મૂર્તિ દેખે છે અને એકને તો અનંતકોટિ બ્રહ્માંડના જીવ-ઈશ્વરો મળીને નિશ્ચયમાંથી ડગાવી શકે નહિ એવા દિવ્યભાવે સહિત મનુષ્ય રૂપે ભગવાન વિચરતા હોય તે મૂર્તિને દિવ્ય જાણે તે બેયને સરખા જાણવા કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જો બરાબર જાણે તો બેય સરખા પણ જો બરાબર ન જાણે તો એને કુસંગનો જોગ થાય તો ધક્કો લાગે, તેથી મહારાજને મૂકીને પરા જાતું રહેવાય. આ લોકનાં સગાંસંબંધી, નાત-જાતમાં, ક્યાંય હેત રાખવું નહીં. એક મૂર્તિમાં જોડાઈ જવું, એ સાધન કર્યા વિના પાર ન આવે, તે આવા મોટાનો જોગ કરતાં સમજાય, જો સત્સંગમાં ટકાય તો. અખંડવૃત્તિ જોડીને અખંડ મહારાજના સ્વરૂપમાં જોડાઈ જાવું, એ તો બહુ જબરી વાત છે. આજ પ્રત્યક્ષ શ્રીજીમહારાજ સત્સંગમાં બિરાજે છે, તેમને મળેલાનો જોગ-સમાગમ કરવો. કથા-વાર્તા, રમવું-જમવું વગેરે કરવું, પણ જડ માયામાં લેવાઈને એમના જોગથી જુદા ન પડવું. આજ મોટા મુક્ત મૂર્તિમાં રમ્યા કરે છે. એ જોગ ને એ ટાણું મળ્યું છે; કહેનારા સારા છે, આવા કોઈને મળે નહીં. જેવા મહારાજ અને મુક્તને જાણશો તેવા થાશો. એકલાં સાધન ઉપર તાન ન રાખવું. રસનામાં અને રસિક માર્ગમાં વૃત્તિ તણાઈ જાય તે સાચવવું, મોટાની વૃત્તિ તો શ્રીજીમહારાજ વિના બીજે હોય જ નહિ, પણ અજ્ઞાની અને વિષયી જીવ એવા મોટાને પણ ઓળખે નહિ, તેથી પોતા જેવા ભાવ પરઠે; માટે મોટા મુક્તને વિષે સદાય દિવ્યભાવ રાખવો. અક્ષર પર્યંત તો સર્વે ખોટું છે તેને ખોટું જાણીને શ્રીજીમહારાજની મૂર્તિનું અનુભવજ્ઞાન થાય તો સાક્ષાત્ મૂર્તિમાંથી તેજ ઝળળળ ઝળળળ નીકળે છે તે દેખાય અને મૂર્તિમાં લઈ જાય. આજ મોટા અનાદિમુક્ત જીવને લેવા આવ્યા છે તેમનાં દર્શન થાય, દૃષ્ટિ પડે, વાયુ ભૂટકાઈને અડે તેનાં કલ્યાણ થાય છે.
પછી એમ બોલ્યા જે, સિદ્ધિઓ પરિપક્વ નિશ્ચયવાળાને મળે તે પરિપક્વ નિશ્ચયવાળો કયો ? તો કોઠાર, ભંડાર, મહંતાઈ ચલાવે તે નહીં. સ્વામી નિર્ગુણદાસજી આવે કે સાકરનાં અને ધોતિયાંનાં ગાડાં ભરાઈ જાય, તે કોઠારમાં નાખતા અને સંતના મંડળને વહેંચી આપતા. હવે તો કેટલાક પટારા ભરે છે ને જડમાં લોભાઈ જાય છે. જડ-ચૈતન્યના તો હરામ ખાવા જોઈએ. કોઈ ઝેર પીએ ? જડ-ચૈતન્ય તો ઝેર જેવાં છે. આપણે તે ગરવા ન દેવું... ન દેવું !! એ સામી દૃષ્ટિ જ ન કરવી. ચીંથરાં ભેળાં ન કરવાં. ચીંથરાં ભેળાં કરી રાખે ને આજ્ઞા પ્રમાણે વર્તે નહિ તે ચીંથરાં ભેળાં કર્યાં કહેવાય. એ ભેળાં નહિ આવે. માલપૂઆ, બિરંજ, કેરીની રસોઈ દે છે. તે સિદ્ધિઓ પરિપક્વ નિશ્ચયવાળાને આવે છે તેમાં લોભાવું નહીં. બાળકિયા સ્વભાવ ન રાખવા અને ન કરવા. મૂર્તિ બહાર નીકળવું નહિ અને વૈભવમાં હાથ ન ઘાલવા. એણે તો મોટા મોટાને વગોવી નાખ્યા છે. મહિમા જાણીને જે આવો જોગ કર્યા કરે છે તે સુખિયા થશે. ખરેખરા વાદી હોય તેને નાગ ન ચડે, તેમ ખરેખરા હોય તે જડ-ચૈતન્યમાં ન લેવાય. પોતાના જાણીને કહીએ છીએ. ગૃહસ્થ સગાંસંબંધી માટે કરે છે તો પણ જાણે છે જે, એ ખોટું છે. અમારે તો સાચાં સગાં આ સંત છે, પણ બીજા નથી; તે ત્રણે અવસ્થામાં મૂર્તિમાં રહેતા હશે એ જાણતા હશે.
પછી વાત કરી જે, આજ્ઞા લોપતો હોય તેની વાત વાચ્યાર્થ હોય, તે સાંભળનારાની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે અને તે હલકારો બહુ કરતો હોય. પણ જે મૂર્તિમાં રહીને બોલતા હોય તે તો મૂર્તિમાં રહીને ધીમું ધીમું બોલે પણ ધડાકા ન કરે. એની વાતોથી સમાસ બહુ થાય. એમ વાત કરતા થકા હીરાભાઈ તથા સાંવલદાસભાઈ સામું જોઈને બોલ્યા જે, તમે બ્રહ્મયજ્ઞ સારો કર્યો. વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાની પારાયણ કરાવી તેમાં વક્તા સારા લાવ્યા. સદ્ગુરુ બેય મૂર્તિના સુખભોક્તા. તે વચનામૃત વાંચવા માંડે છે, ત્યારે સુખના ફુવારા છૂટે છે ને વચન બધાંય મૂર્તિમાન થઈ જાય છે. આ તો પ્રગટ શાસ્ત્ર, પ્રગટ મહારાજ, પ્રગટ સંત, પ્રગટ સભા, કલ્યાણ પણ પ્રગટ. પછી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, તમે પ્રગટ પ્રતાપ બહુ જણાવ્યો; એમ કહીને અતિ પ્રસન્નતા જણાવી. ।। ૪૫ ।।
વાર્તા ૪૬
ફાગણ વદ ૫ને રોજ સવારે મેડા ઉપર પૂજા કર્યા પછી બાપાશ્રીએ ઠાકોરજીને જમાડેલી લીલી દ્રાક્ષ સંત-હરિભક્તોને વહેંચી. લાલુભાઈને પ્રસાદી આપતા રમૂજે યુક્ત વચન સિંધી ભાષામાં બોલ્યા જે, ‘લાલુભાઈ ! હી પ્રસાદી કેડી આહે ?’ ત્યારે લાલુભાઈ કહે, ‘બાપા ! હી પ્રસાદી અક્ષરધામજી આહે.’ તે વખતે સંતો સામું જોઈને બોલ્યા જે, જુઓ તો ખરા ! આ બાપડા કેવા વિશ્વાસી ! બે દાણા પ્રસાદી જડે તોય સૌને ઘરમાં આપે ને કહે જે, આ પ્રસાદી અહીંની નથી, અક્ષરધામની છે. આવો દિવ્યભાવ ! કેમ કે, મહારાજ અને અનંતકોટિ મુક્ત જમ્યા પછી એ વસ્તુ દિવ્ય થઈ ગઈ. સત્સંગમાં કેટલાક ઝાઝાં વર્ષ થયાં કુટાતા હોય પણ મહારાજ તથા મોટા મુક્તનો મહિમા હાથ આવ્યો ન હોય, તે આવી વાત જાણી ન શકે. આ દ્રાક્ષમાં રસ ભર્યો છે; એમ આવા દિવ્યભાવમાં પણ નકરો રસ છે. મહારાજનો સાક્ષાત્કાર થયો તેને તો બધુંયે દિવ્ય થઈ ગયું. જવું-આવવું ક્યાંય ન રહ્યું. “રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણાકંદ” એ ટૂંક બોલીને કહ્યું જે, ચાલો સૌ સભામાં, કથા ટાણું થઈ જશે; એમ કહી પોતે ઠાકોરજીનાં દર્શન કરી સભામાં પધાર્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી સામું જોઈને કહ્યું કે, સ્વામી ! આ ફેરે તમે બેય સદ્ગુરુઓએ અહીંના હરિભક્તોને ન્યાલ કર્યા છે. તમે જ્યાં બેઠા હો ત્યાં માગ ન જડે, રાત્રે કે દિવસે, આસને, સભામાં, નાવા જાઓ ત્યારે પણ હરિભક્તો તો ઘેરીને જ ઊભા હોય છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે કે, બાપા ! એ બધો પ્રતાપ આપનો છે. ચમકની પેઠે આપ સૌને ખેંચો છો. તમારાં દર્શનથી બધાય સુખિયા થાય છે. હરિભક્તોને એમ જે, બાપાશ્રી દયા કરીને પધાર્યા છે તેથી જેટલો લેવાય એટલો દર્શન-સેવાનો લાભ લઈએ. આપે પણ આ ફેરે ઘણી પ્રસન્નતા જણાવી છે એટલે મૂર્તિના સુખની, આજ્ઞા-ઉપાસનાની, નિશ્ચયની નવી નવી વાતો થાય છે તેથી સૌને તાણ રહે જે આ ટાણે આપણે રહી ન જઈએ, તેથી રાત્રે બાર વાગી જાય છે તોય હરિભક્તો ઊઠતા નથી. સવારે ચાર વાગે છે ત્યાં તો પૂજાઓ કરીને મંદિરમાં આવી જાય છે. એમ આપ સૌને ખેંચો છો. લાલુભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિભાઈ, મોહનભાઈ, સોમચંદભાઈ તથા નાના-મોટા બધાય રાજીપા સારુ તલખે છે. તે વહેલા આવી ચંદન ઘસી સૌને ચર્ચે છે. હારથી, ચંદનથી સંતોની પૂજા કરે છે, દંડવત કરે છે, પારાયણમાં પણ હાજર થઈ જાય છે, વારાફરતી રસોઈઓ કરાવવા માગણી કરે છે, આપને ઘેર તેડી જવા પ્રાર્થનાઓ કરે છે. આમ, નકરો દિવ્યભાવ વર્તાઈ રહ્યો છે. આપે પણ આ વખતે કૃપા બહુ કરી શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા કરવાનું સદાવ્રત ઉઘાડ્યું છે. ત્યારે બાપાશ્રી કહે, સ્વામી ! મહારાજનો સંકલ્પ છે કે અમારી નજરે ચડ્યો તેને મૂકવો નથી. એમના અનાદિને પણ એ એક જ કામ છે. જીવ ગમે તેમ ધારે; એમ કહેતાં કથા ચાલતી થઈ. કથાપ્રસંગે મહિમાની વાત આવી, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સભા અલૌકિક દિવ્ય છે. મહારાજ સામી સૌની નજર છે ને મહાપ્રભુની નજર આ સભા સામી છે એ વાત હાથ આવે એટલે દર્શનની, સેવાની ને જમાડ્યાની ત્વરા થાય. એ ઉપર વાત કરી જે મહિમાવાળા તો રામજીભાઈ ખરા જે, તેમણે સંતોને જમાડ્યા ને ઘણી વાર સુધી દંડવત કર્યા એવું હેત. વાહ રે વાહ ! રામજીભાઈ ! વળી વળીને ધૂળ (ચરણરજ) માથે ચડાવે અને ઝાડવાંને પ્રાર્થના કરે જે, તમે મોટાં ભાગ્યવાળા, તે આ સભાનાં દર્શન નિત્ય કરો છો ને હું અભાગિયો રહી જાઉં છું, જે સદાય અહીં રહી શકતો નથી એમ બોલતાં. એવી મહિમાની વાતો છે. એવી રીતે વાત કરતાં સમય થયો ત્યારે, સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી કથાની સમાપ્તિ કરી. ।। ૪૬ ।।
વાર્તા ૪૭
બાપાશ્રી વાત કરી રહ્યા ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ સભામાં ઊભા થઈ બે હાથ જોડી પ્રાર્થના કરી કે, બાપાશ્રી તથા સદ્ગુરુ સ્વામી આદિ સંતો ફૂલડોલના દિવસે અહીં પધાર્યા, તેથી અહીંના સર્વે મુક્તોએ અતિ હેતભર્યા ફૂલડોલનો સમૈયો કર્યો, શ્રીજીમહારાજનો પ્રસાદીરંગ હરિભક્તોએ બાપાશ્રી પર નાખ્યો ને બાપાશ્રીએ પણ સૌ હરિભક્તો પર પ્રસાદીરંગ નાખ્યો ને કીર્તન બોલાણાં. હું પાછળથી બીજી આગબોટમાં આવ્યો જેથી મારે એવાં દિવ્ય દર્શન થયાં નહીં. આવું ટાણું ફેર વળી ક્યારે આવે ? માટે મારી બે હાથ જોડી આ સભાને પ્રાર્થના છે કે, આજ પાંચમ છે તે મારી વતી બાપાશ્રીને સૌ પ્રાર્થના કરો જે, ઠાકોરજી પાસે ફૂલડોલના દિવસની પેઠે બે કીર્તન ઉત્સવનાં બોલાવી પ્રસાદીનો રંગ બાપાશ્રી સૌ પર નાખે ને ગરબી ગવાય તો એ દિવ્ય અલૌકિક દર્શનનો સંકલ્પ મારે રહી ન જાય. મેં અહીંના ફૂલડોલનું વર્ણન સાંભળ્યું જે, બાપાશ્રી પધાર્યા ત્યારે શું હરિભક્તોનો સમૂહ ! ને શું ઠાકોરજીનાં રંગભર્યાં વસ્ત્ર ! ને ઉત્સવમાં હરિભક્તોનાં શું હરખ ! એ તો ટાણું બહુ ભારે બની ગયું. આમ વાત સાંભળી છે ત્યાંથી ઊઠતાં-બેસતાં એ તાણ ઊંડી રહી જાય છે. અમારે કચ્છમાં રંગ પાંચમ કહેવાય છે, તો આજે અહીં પણ સૌ મારા પર દયા કરો, તેથી રંગ પાંચમનું સંભારણું થાય. તમે સૌ રાજી હો તો મારી આ પ્રાર્થનામાં ભેળા ભળો ને મારો મનોરથ પૂરો કરાવો. તે વખતે સભામાં લાલુભાઈ, મહાદેવભાઈ, હરિભાઈ, મોહનભાઈ, હીરાભાઈ, અમીચંદભાઈ, ગોવિંદભાઈ, સોમચંદભાઈ આદિ હરિભક્તોએ ધનજીભાઈની તાણ પૂરી કરવા પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી કહે, ભલે કરો સમૈયો, બોલો કીર્તન ને ગાઓ ગરબી. એવાં વચન સાંભળી હરિભક્તો ઠાકોરજી પાસે ઉમંગભર્યા ઉત્સવ કરવા લાગ્યા. સભામાં આવાં અલૌકિક દર્શન કરવા સૌ આતુર બન્યા. થોડી વારમાં રંગ તૈયાર થયો, ઠાકોરજી પાસે પ્રસાદી કરાવી, હરિભક્તો હેતભર્યા આવ્યા ને ગરબી ગાવા તૈયારી કરી. વચમાં બાપાશ્રીને એક ખુરશી પર બેસાર્યા. હરિભક્તો કીર્તન બોલવા લાગ્યા જે, “મારે આનંદનો દિન આજ રે, પ્રભુ પ્રગટ્યા કલ્યાણને કાજ રે.” તથા “પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ, કાંઈ કહ્યામાં ના’વે વાત.” એ કીર્તન બોલતા હતા ને ફરતા હરિભક્તો પર બાપાશ્રી રંગ નાખતા હતા. સૌ ઉપર ગુલાલ નાખ્યો તે વખતે અતિ હેતમાં ધનજીભાઈએ બાપાશ્રી પર રંગ નાખ્યો. પછી તો લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, શિવજીભાઈ, અમીચંદભાઈ આદિક મોટા તથા નાના હરિભક્તોએ થોડો થોડો રંગ તથા ગુલાલ બાપાશ્રી પર નાખી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. સૌ રંગ ભરેલા બાપાશ્રીને ભેટ્યા. બાપાશ્રી ના પાડતા હતા કે થોડો રંગ નાખો પણ અતિ હેતના ભર્યા સૌ હરિભક્તોએ એક પછી એક થોડો થોડો રંગ નાખી લ્હાવ લીધો. તે વખતે બાપાશ્રી પ્રસન્ન થકા બોલ્યા જે, આ રંગ પાંચમ ધનજીભાઈની. કેમ કે એની તાણને લઈને આ સમૈયો ફરીવાર થયો. પછી સૌને કહ્યું કે, તમો બધાય ધનજીભાઈને ભેટજો. એમ કહી પોતે નાહી વસ્ત્ર બદલી મેડા પર આસને પધાર્યા. ત્યાં સૌ હરિભક્તો આવ્યા તેમને દ્રાક્ષ તથા કાજુની પ્રસાદી વહેંચી. પછી સદ્ગુરુ આદિક સંતોની તાણે સર્વે સંતોને બાપાશ્રી મળ્યા ને અતિ કૃપા કરીને આશીર્વાદ આપ્યો જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં સૌ આમ ને આમ સુખ ભોગવજો. આ ટાણે મહારાજ ને મુક્ત કૃપાસાધ્ય છે તે જેવાં માગે ને ઇચ્છે તેવાં સુખ મળે છે, વખત બહુ સારો છે, જોગ જબરો મળ્યો છે. એમ કહીને ધનજીભાઈની ઘણી પ્રશંસા કરીને કહ્યું જે, આ બહુ શૂરવીર છે. જુઓને ! કીર્તન બોલે છે ત્યારે હેત તો ઊભરાઈ જાય છે. નિયમ, નિશ્ચય ને પક્ષ ત્રણે માથા સાટે. જાદવજીભાઈ એમના પિતા મહામુક્ત હતા. તેમનું નામ એમણે રાખ્યું, ઘર બધુંયે એવું. નાના-મોટા સહુ વચનમાં વર્તનારા. નારાયણપુરમાં એમણે સત્સંગનો રંગ ચડતો ને ચડતો રાખ્યો છે. પછી લાલુભાઈને કહે કે, જોયા અમારા ધનજીભાઈ ! એમ પ્રશંસા કરીને કહ્યું જે, અહીંના નાના-મોટા હરિભક્તો પણ બધાય બળિયા છે. કથા-વાર્તામાં, કીર્તન ને સેવા-ભક્તિમાં જ્યાં જુઓ ત્યાં તૈયાર; આવા દેશમાં સત્સંગનો રંગ ચડતો ને ચડતો રાખી રહ્યા છે. એમને મહારાજને રાજી કરતાં આવડે છે; અમે પણ સૌનાં હેત જોઈને ઘણા રાજી થઈએ છીએ. સત્સંગે કરીને મહારાજને અને મોટા મુક્તને રાજી કરવા, એ કરવાનું છે; તે આ સર્વેને કરતાં આવડે છે; એમ કહીને સૌને મૂર્તિમાં રાખવાનો આશીર્વાદ આપ્યો. ।। ૪૭ ।।
વાર્તા ૪૮
રાત્રે સભામાં વચનામૃત વંચાતું હતું. તેમાં ત્યાગીએ જડ-ચૈતન્યમાં લેવાવું નહિ, એ પ્રસંગની વાત માંહોમાંહી સંતો કરતા હતા. ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, સંતો સત્સંગમાં દેખાઈ રહેજો. જોગ કર્યો તે લેખે લગાડજો. પણ જડનાં લેખાં થાય તેમ ન દેખાવું. અમારાથી કોઈ જુદો પડે ત્યારે અમને એમ બળતરા થાય જે બાપડાનું બગડી જશે, એવી અમારી નજર છે. આવા જોગમાં હારી ન જવું; મોટાં ભાગ્યવાળાને આ જોગ મળે છે. અમે આ બોલીએ છીએ, ચાલીએ છીએ, તેનું અમારે કાંઈ નથી. પણ જેમ રાજાનો છોકરો મરી જાય તેનો શોક થાય તેમ મહારાજની મૂર્તિથી નોખું પડી જવાય તો શોક થવો જોઈએ. આ લોકમાં ચાર દિવસ રહેવું તેમાં છેલ્લી એક ઘડી મૃત્યુ આડી રહી હોય, એટલામાં પણ આવા મોટાને વિષે જોડાય તો આત્યંતિક મોક્ષ થાય. અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ અમને કહ્યું જે, આપણે ઘેર ચાલો ત્યારે અમે કહ્યું કે, ઘર કયું ? તો કહે, મહારાજની મૂર્તિ. ત્યારે અમે કહ્યું જે, ચાલો એમ કહેતામાં તો મૂર્તિમાં જોડાઈ ગયા. બીજા તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિએ ન ઓળખે એવા હોય તે આ ખરું ઘર શું ઓળખે ? આજ મૂર્તિમાં જોડાઈ બેઠા હોય ને કલેવરને ગમે તેમ થાય એવી સ્થિતિમાં સદાય રહેવું. સુખ આવે કે દુઃખ આવે તોપણ કોઈનો અભાવ ન આવવા દેવો. સ્થિતિ જાણ્યા વિના અભાવ આવે. ૨૦ની સાલમાં ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને અમે જોવા ગયા હતા. તે શહેરમાં વંતાક જોઈને અમે કહ્યું જે, આ શું છે ? ત્યારે વેપારીએ હસીને કહ્યું જે, આ લોક ક્યાંથી આવ્યા છે ? પણ એણે સ્થિતિ ન ઓળખી. “દરદીની વાતો દરદીડા જાણે, બેદરદીને શું ભણીએ ?” આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે, મૂર્તિમાં જોડાઈ જવાય એવું આ ક્ષેત્ર છે. તે અનુભવજ્ઞાન થાય ત્યારે મૂર્તિમાં જોડાય એવું સાક્ષાત્ પુરુષોત્તમનું અનુભવજ્ઞાન કહેવાય અને અક્ષરાદિકને ખોટા કરવા તે જ્ઞાન આવું ન કહેવાય. માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરીને મૂર્તિમાં રસબસ થઈ જવું. ગૃહસ્થ પોતાનો ધર્મ સાચવે તો તે આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો કહેવાય. એને માથે એ ભાર રાખ્યો, જેમ મુક્તાનંદ સ્વામીનું નામ લઈને મહારાજે દૃષ્ટાંત દીધું જે એવા રહે કે ન રહે. આજ કળી ખરેખરો આવ્યો છે તેમાં આપણે સત્યુગ સ્થાપવો છે, તેથી ખબડદાર રહેવું. કેમ કે હવે સિદ્ધિઓનું જોર વધ્યું છે. આવો ભાઈ ! આવો સ્વામી ! એવાં માન મળે છે. આપણે તો સર્વે સાધનના ફળરૂપ શ્રીજીમહારાજની મૂર્તિ સામું જોઈ રહેવું એ કરવાનું છે. જીવનું ગજું કેટલું ! થાંભલા જેવા અને વૃક્ષ જેવા પણ આપણે ન થઈએ ત્યારે શું કર્યું ! મોટા મોટા સંત ખીજડા, રાયણ, લીમડા હેઠે બેસતા અને વાતો કરતા ત્યારે તે ઝાડ હસતાં. તે જડ પણ કામ કાઢી ગયા અને મનુષ્યથી એટલુંય ન થાય. ઝાડ આખો કલ્પ તપ કરીને મરી જાય તોપણ આવું કામ થાય ? રામજીભાઈ એ ઝાડનો મર્મ જાણતા, એમ કરવું અને અખંડ મૂર્તિમાં જોડાવું. પછી એક હરિભક્તને કહ્યું જે, મોટા મોટાની સ્થિતિઓ જોઈએ તો તમારો શું ધડો લાગે ! વખત ને જોગ સારો છે તે કરી લેવું. જાણ્યા વિના, જોયા વિના ઉપરથી પથરાનો ઘા ન કરવો. સ્થિતિ જાણી ન હોય, ગુણ જાણ્યા ન હોય ને અપમાન કરે એવું ન કરવું. ત્રણે અવસ્થામાં મૂર્તિમાં જોડાઈ રહેવું અને આ ક્રિયા કરું છું તેમાં મહારાજની શી મરજી છે, તે તપાસ કરતા રહેવું. મોટા મોટા ત્યાગી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા આ સભામાં છે તેમની સામર્થી મહારાજે રૂંધી રાખી છે. વખત ન વંજાવવો, ન વંજાવવો. આ વખત અને આવા નહિ મળે. એમને વિષે ભાવ એવો ને એવો રાખવો. મહારાજે તો કહ્યું છે જે, “આ ને આ તેજોમય સ્વરૂપ જ્યાં સુધી મને દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી.” એવું સમજે તેના મુખ થકી વાત ન સાંભળવી. એવાં વચન સામી નજર રાખવી. આપણે ભેળા બેસીએ છીએ; કથા-વાર્તા કરીએ છીએ, તે સર્વે દિવ્ય છે એમ જાણવું. સ્મૃતિ રાખતાં રાખતાં વૃત્તિ લાલ થઈ જાય, પછી એમ ને એમ વૃત્તિ તેજોમય દિવ્ય થાય એટલે તેજના ફુવારા ઝરર ઝરર દેખાય, તેમાં મૂર્તિ તેજોમય દેખાય ત્યારે પૂરું થયું જાણવું. આ ટાણું સારું છે. પણ જીવના ઠરાવ બધા બહારવૃત્તિના. ત્યારે સંતોએ કહ્યું જે, અગમ-નિગમ દેખવું નથી, મૂર્તિનું સુખ દેખવું છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિ જોવાનો અભ્યાસ રાખે તેને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એવા વિષય ટૂંકા કરવા. મલિન સત્ત્વગુણ આવી જાય તો મોટા કુરાજી થઈ જાય. કેમ કે, એ વખતે મોટાની સેજા ન રહે; તેથી મહારાજ અને મોટાની કૃપા ન થાય. પછી એમ બોલ્યા જે, ઇન્દ્રિયો જાગ્રત-સ્વપ્નમાં નિયમમાં ન રહે, પાડા જેવી થઈ જાય અને ઉપવાસ ભૂસોભૂસ પાડે એવી છે. માટે તેને નિયમમાં રાખવી. આજ સંત સારા મળ્યા છે અને વખત પણ સારો મળ્યો છે. સત્સંગમાં ઝીણામાં ઝીણું થાવું. પછી દાદાખાચર અને ઝીણાભાઈનાં દૃષ્ટાંત આપીને કહ્યું જે, એણે કેવા મહારાજને રાજી કર્યા ! એ હેતની વાત જુદી. હુતાશનીનો સમૈયો આવ્યો ત્યારે મહારાજ કહે, આવો મળીએ. ત્યાં તો રત્નો ભક્ત મહારાજને મળ્યા અને ચરણમાં લોટી પડ્યા. તેનો નખ મોટો હતો તે મહારાજને લાગ્યો તે લોહી નીકળ્યું. તોપણ મહારાજ કહે કે, રામબાઈના ભાઈ તે અમારા જ ભાઈ છે, એવી હેતની વાત છે. ધ્યાનની લટક કેવી શીખવી ? તો હાલનાર-ચાલનાર અને ક્રિયા કરનાર મહારાજ, પોતાને તો મૂર્તિમાં રહીને સુખ લેવું, તેવી લટક શીખવી.
પછી બાપાશ્રી બોલ્યા જે, આજ સંત-હરિજન ઉપર મહારાજની અપાર દયા છે. અમારે ગૃહસ્થને કોઈ વખત લાખો રૂપિયાની સમૃદ્ધિ હોય અને કોઈ વખત કાંઈ ન હોય. બધા દિવસ સરખા હોય નહીં. તેમ મહારાજ કહે છે કે, અમારે તો સત્સંગ બધો ઉજ્જડ થઈ જાય તોય કાંઈ નથી. આપણે ભગવાનના ભક્તને તો એક ભગવાન ખપે. એનો આનંદ અને એની ખુમારી જોઈએ. ખરેખરી અંતર્દૃષ્ટિ થાય તો આંખોમાંથી ધારાઓ છૂટે ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહેવું તે મૂર્તિ સામું જોયું કહેવાય. આ જીવનું ગજું કેટલું જે મહારાજની ને મોટા મુક્તની મરજી જાણી શકે ! માટે અખંડ સ્મૃતિ રાખવી. તે ઉપર વાત કરી જે, આ ક્રિયા કરું છું, આ સેવા કરું છું, તેમાં મહારાજની શી મરજી છે, એમ સ્મૃતિ રાખવી. આપણને બધુંય મળ્યું છે, પણ ગ્રહણ કરતાં આવડે તો. ભેળા બેઠા હોઈએ; કથા-વાર્તા કરીએ પણ ખબર ન પડે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંત સૌની સાથે બેસતાં-ઊઠતાં પણ સ્મૃતિ રૂંધેલી તેથી તેમની મોટપ બીજાને ન જણાય; એમ મહારાજ સૌની સ્મૃતિ રૂંધી રાખે. મોટા અનાદિ તો બધુંય જાણે પણ જણાવે નહિ કારણ કે, એમાં કેટલાયના સમાસ હોય. અધમ જેવા જીવ હોય તેનો ઉદ્ધાર કરવો એ આપણો ધર્મ છે. સત્સંગમાં કોઈ આડોઅવળો વર્તે તોય તિરસ્કાર ન કરવો. કેમ જે, આપણો અહિંસા ધર્મ છે. ઘણાય બિચારા કોઈ આમ બોલે ને કોઈ આમ ચાલે, પણ આપણે તો એમ જાણવું જે, એ મહાપ્રભુજીના ગુનામાં ન આવે તો ઠીક. અમને પણ કોઈ કેમ જાણતા હશે અને કોઈ કેમ કહેતા હશે પણ આપણે તેને કાંઈ કહેવું નહીં. આ લોક જ દુઃખનો ભરેલો છે. અધર્મી તો લાયું વરસાવે છે, એવા પાપીના સંગેથી લાયુ વરસાય. તેવાને જો ઓળખે નહિ તો જીવનું ભૂંડું થઈ જાય. અધિકાર તો ચાર દહાડા રહે, એટલામાં પણ વિચાર ન રાખે તો જડ ને ચૈતન્ય માયા દુઃખ દે. એ બેય વસ્તુ તમે મેલી છે. બેમાંથી એકેયનો પ્રવેશ થાય તો નખોદ વાળે, હરામના સમ ખાઈને નીસર્યા છો. આ હું વઢતો નથી હોં ! પણ સૌએ ખટકો રાખવો. જળમાં પડે તે કોરો રહે નહીં. ઇન્દ્રિયું બધી શીતળ થઈ અખંડ ભગવાનનું ચિંતવન કરે એવો જોગ આપણને મળ્યો છે. ધ્યાન કરતાં કરતાં, માળા ફેરવતાં ફેરવતાં, મૂર્તિથી બહાર નીકળાય નહિ, વૃત્તિઓ મૂર્તિમાં તણાઈ જાય. માટે એક પુરુષોત્તમ ભગવાન ને તેમના અનાદિ રાખીએ તો બીજું કાંઈ ભાસે જ નહિ અને આનંદ આનંદ થઈ જાય. મહારાજ કહે, મંદવાડ એવો ખરેખરો કરી દેવો કે લોક-ભોગમાં ક્યાંય વૃત્તિ રહે નહીં. એક મૂર્તિને સુખે સુખિયું થઈ જવાય એ સાધનમાં સર્વેને રહેવું. એ સાધન બહુ જબરું છે. મહારાજની મૂર્તિ તો મોટાં ભાગ્યવાળાને મળે છે. તે મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી. એમની આજ્ઞામાં અખંડ જોડાઈ રહેવું, એ જબરી વાત છે. એ માટે સૌએ હળીમળીને એક થઈ રહેવું. મહારાજ કહે છે કે, ભગવાનને મળેલા સંત મળે ત્યારે કલ્યાણ થાય. તે કોઈ વખત જરાય પણ મૂર્તિથી જુદાં ન પડે એ મળેલા કહેવાય. એવા આપણને મળ્યા છે તોય પણ સાધન ઉપર તાન થઈ જાય છે. રસનામાં વૃત્તિ તણાઈ જાય છે તે માર્ગ બંધ રાખવો; શ્રીજીમહારાજની મૂર્તિનો માર્ગ લેવો. મોટાની સ્થિતિ આપણે શું જાણીએ ! મોટા તો મૂર્તિથી બહાર રહે જ નહીં. એમની દૃષ્ટિ જેના ઉપર પડે તે બધાયનું કલ્યાણ થાય, એવાના જોગમાં આવ્યા હોય તેને પણ અંતરમાં ખુમારી રહે તે માટે મોટાનો ખપ કરવો. જ્યાંત્યાં પડી ન રહેવું. મૂર્તિના ઘરાક થાશો તો જડશે; કિંમત કરીને નાસવા માંડશો તો થયું. તન જેવા અને પ્રાણ જેવા તે પણ મોટાને જોગે અભાવ લઈને ખસી જાય તેને શું કરીએ ? માટે સર્વે સરત રાખજો. આપણે તો સૌનું સારું કરવું છે. જીવને રજોગુણ-તમોગુણના ભાવ વધતા જાય છે અને મોટાને તો મૂર્તિનો રસ હોય. મૂર્તિમાં રસબસ જોડાઈ બેઠા હોય. એ મૂર્તિમાં તેજના ફુવારા છૂટે છે તે શીતળ-શાંત અને સુખરૂપ અને આનંદરૂપ. એવા સંત મહારાજની મૂર્તિને સુખે સુખિયા છે. માટે આપણે મૂર્તિના ઘરાક થાવું. સાધન તો ચાલી ચાલીને બહુ કરે તો અક્ષરધામ સુધી જાય, તોય લૂખું ને લૂખું. દરેક કાર્ય કરતાં મહારાજની મૂર્તિથી નોખું પડવું નહીં. નોખું પડાય તો સત્સંગમાં તેની જય થાય નહીં. મૃત્યુ સામી નજર રાખવી. ।। ૪૮ ।।
વાર્તા ૪૯
બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, જેને મૂર્તિમાં જોડાઈ રહેવું હોય તેને એમ જાણવું જે, આ કલેવરનું ગમે તે થાય. દેહને દુઃખ થાય કે સુખ થાય તેમાં આપણે શું ! કોઈનો અભાવ ન આવે તેમ વર્તવું. મહારાજ અને મોટા વિચરતા હોય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું, સ્થિરવૃત્તિ ત્યાં થાય. જેમ જેમ મૂર્તિમાં જોડાતું જવાય તેમ તેમ અનુભવજ્ઞાન આવતું જાય. ગૃહસ્થ અને ત્યાગીને એ કરવાનું છે. આપણે કળિયુગમાં સત્યુગ સ્થાપી દેવો, તો સદાય આનંદ વર્તે અને અપારપણું રહે. અનંત મુક્ત મહારાજની મૂર્તિમાં સુખ લે છે, એ સર્વે મુક્તને મહારાજનું અપારપણું રહે છે. સાધનવાળાને મતે જવું-આવવું છે, પણ સિદ્ધદશાવાળાને મતે જવું-આવવું નથી. જીવને તો પ્રસન્નતાનાં સાધન કરવાનાં છે અને પુરુષપ્રયત્ન પણ જોઈએ. તે પુરુષપ્રયત્ન શું ? તો મહારાજના ને મોટાના વચનમાં ખરેખરો વિશ્વાસ. એ દિવસ કહે તો દિવસ ને રાત કહે તો રાત એમ સમજવું. અ.મુ. ગોપાળાનંદ સ્વામીએ એમના સંતને અડધી રાત્રીએ પૂછ્યું, ત્યારે સંતે કહ્યુ જે, આપ રાત કહો તો રાત અને દિવસ કહો તો દિવસ. એવો વિશ્વાસ હોય ત્યારે મહિમા જાણ્યો કહેવાય. મોટા આગળ પોતાનું મનગમતું કરાવવું નહીં. આંખ મીંચો એટલે અંધારું અને આંખ ઊઘડે એટલે અજવાળું એટલી જ વાર છે. પરોક્ષ શાસ્ત્ર વૈરાજથી થયાં છે પણ આપણે સ્વામિનારાયણ જોઈએ છીએ. અજ એટલે અનાદિ; એ તો કોઈ દિવસ માયામાં આવતા જ નથી. અનાદિમુક્ત તો મૂર્તિમાં રહ્યા થકા ખંપાળી નાખીને જીવને ઢસરડી લે છે. તે ખંપાળી એટલે કૃપાસાધ્ય. મોટાની પાસે ને મહારાજની પાસે ધાર્યું ન કરાવવું, તે કહે તેમ કરવું તે મન સોંપ્યું કહેવાય. મોટા જ્યાં જોઈએ ત્યાં હાજર જ છે, પણ તેટલો વિશ્વાસ નથી. “સૂના સર્વે લોક ચડે મારી નજરે.” તેમ કાંઈ પણ અનાદિની દૃષ્ટિએ છે ? નથી. આ નૈમિષારણ્યમાં આવ્યા છીએ તે શું દોષ રહેશે ? ઘસાઈને બૂઠા થઈ જશે. અહીં જે વાવશે તે ઊગશે. અપરાધ કરશો તો તે ઊગશે તે અને સેવા કરશો તો તે ઊગશે. મોટાના વચનમાં તો તન કુરબાન કરી નાખીએ. પરોક્ષના કાર્યમાં તમોગુણ અને રજોગુણ છે, પણ અહીં તો નૈમિષારણ્યમાં એવું એકે નથી. ભગવાનને તથા મોટા મુક્તને મનુષ્ય જેવા જાણે તેને ભગવાનમાં ને મોટામાં દોષ જણાય છે. તેવા દોષથી જીવ માંસના પિંડા ખણે છે (દેહ ધરે છે). દેહના રૂપમાં મોહે કરીને જીવને આનંદ મનાય છે પણ આનંદ નથી, કેવળ દુઃખ જ છે. જો વિચાર ન હોય તો મન આવી સભા મૂકીને ક્યાંય જતું રહે; માટે આ સભા ને મૂર્તિ તે ન મૂકવી. આપણે તો એક છોગલાંવાળા સ્વામિનારાયણને રાખવા. જો એ આપણી ભેળા હોય તો હય્યો. અમારે ઘેર એ જ વેપાર છે. બીજો વેપાર કોઈ કરશો નહીં. આવું અનુભવજ્ઞાન-સાક્ષાત્કાર થાય ત્યારે કોઈ વિઘ્ન ન થાય. બ્રહ્મા-નારદને આવી પ્રાપ્તિ નહોતી; આજનો પ્રતાપ બહુ મોટો છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ ત્રણે મળીને પોતાનું ચલાવે છે. આ તો અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, એવું જ્ઞાન ખરેખરું સિદ્ધ કર્યું હોય તો એ તો ભિક્ષુક જણાય. સ્વામિનારાયણને ઘેર જવું તેમાં ઘણાં આવરણ છે. તે ન જાણ્યાં હોય તો ક્યાંય બંધાઈ જાય. જુઓને ! શિવ, બ્રહ્મા, નારદ-સનકાદિક બંધાઈ ગયા. એ કાંઈ સ્થિતિ કહેવાય ? પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીના દેહ મૂકવા સમયની વાત કરીને કહ્યું જે, એમના જેવા આ ચોવીસ મંદિરમાંથી એક તો કોઈ ગોતી લાવે ! ભગવાનના ભક્તને સરત રાખવી. આવા સંતના સમાગમ કરવા, દર્શન કરવાં, પણ જ્યારે આપણને કોઈ કૂદકા મરાવે ત્યારે ઊભા થઈ રહેવું, એટલે અવગુણ ઘાલે ત્યારે અટકવું. જડ-ચૈતન્યનો ત્યાગ કરે તેને ગુરુ કહેવાય. ગુરુના લક્ષણની બહાર જાય તે ગુરુ શેનો ? ભીમસેન જેવા હોય તે ગુરુ નહીં. સનાતન હોય તો ગુરુ, વચ્ચે આવે એ ગુરુ નહીં. સનાતન માર્ગ રાખવો. સનાતન એટલે અનાદિ, ધામમાંથી ને મૂર્તિમાંથી આવેલા હોય તે. સંત એટલે સંતના લક્ષણે યુક્ત. સત્સંગમાં તો ભગવાન બિરાજે છે, પાપી અને અધર્મીને મતે નથી, તે તો આગળ હતા એમ જાણે છે, તેથી સત્સંગની શૈલી રાખતા નથી. એવા શું મૂંડાવા સાધુ થયા હશે ? જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય તે ધ્યાન કરે, સેવા કરે, પાંચ વખત માનસીપૂજા કરે, એમ ને એમ મૂર્તિથી જુદા ન પડે. એવા સંત દર્શન, સેવા અને સમાગમ કરવા જેવા છે. પણ જેને મહિમા નથી તેની બુદ્ધિ ઓછી સમજવી. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાંથી ખુશ્બો ઊઠે છે તે ખુશ્બો મુક્તને ખેંચે છે અને મૂર્તિ સાથે રસબસ કરે છે, તે અનુભવજ્ઞાન. આપણને જ્યાં સુધી પુરુષોત્તમનારાયણનું એવું જ્ઞાન નથી થયું ત્યાં સુધી જ્યાંત્યાં વલખાં કરીએ છીએ. સ્વામિનારાયણને ઘેર બધી વસ્તુ છે. મહારાજ કહે, અમારા સંતને ને અમને જેવડા જાણશો તેવડા તમે થાશો. મહારાજે બે કલમ મૂકી છે. તે અક્ષરધામની સભા તથા મૂર્તિને વિષે ધાતુ કે પાષાણાદિકનો ભાવ નહીં. અમારો તો સિદ્ધાંત એક જ છે. તમે મરડી-મચરડીને ક્યાંય લઈ જાઓ તો ભલે. મોટાને એમાંથી કોઈ સાથે ન ગણીએ તો સમજનારો કયે ઠેકાણે જાય ! મહારાજે આ સભાને અક્ષરધામનો દરવાજો કહ્યો છે. પૂરું તો સાક્ષાત્કાર-અનુભવજ્ઞાન થાય અને મહારાજની મૂર્તિમાં જોડાઈ જવાય ત્યારે જ થાય. ।। ૪૯ ।।
વાર્તા ૫૦
રાત્રે મેડા ઉપર આસને પૂરું થયું ક્યારે કહેવાય ? એ પ્રસંગ ચાલતો હતો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ખોટાને ખોટું કરીએ, તેમાં કાંઈ પૂરું થયું ન કહેવાય. જેમ જળ પોતે ઊંડું લઈ જાય છે, તેમ પુરુષોત્તમનારાયણની ખુશ્બો છે તે ખેંચે છે. સાધન ઉપર તાન હોય તોપણ ભગવાનને અને મુક્તને સાથે રાખીને કરવાં. અનાદિ વસ્તુ ઓળખવી બહુ કઠણ છે. સોની હોય તે સોનાને ઓળખે તેમ આ સભા અક્ષરધામની છે તેને ચૂંથી ન નાંખવી. માથકવાળા કલ્યાણસંગજીને અમે રામપુરમાં મહારાજની મૂર્તિ સિંહાસનમાં બતાવીને કહ્યું કે, આ મૂર્તિને શું કહેશો ? ત્યારે તે કહે કે, સાક્ષાત્ મહારાજ, એ મૂર્તિને બીજું શું કહે ? આપણે તો મહારાજની સભા અને મૂર્તિ એ બે જોઈએ. આગળના સાધુ તો જુઓ ! લોકનાથાનંદ સ્વામી તથા બદરિનાથાનંદ સ્વામી જેવા મોટા સંત અહીં આવતા, તેમને વાટમાં વાડી આવે છે ત્યાં કેરીયું ઘોળી-ઘોળીને ખવરાવી છે. અમારે તો કાંઈ મોટપ જોઈતી નથી. આપણે એક સ્વામિનારાયણ ખપે. જેને દોષ જોવાનો સ્વભાવ થયો હોય તેને તો શ્રીજીમહારાજમાંય દોષ દેખાય. આપણે તો અધમ જેવા જીવને પણ ઉદ્ધારવા પડશે. આપણે ઘેર વસ્તુ સાચી છે તે શીદ વંજાવવી જોઈએ. મોટા મુક્તના અપરાધ થઈ જાય તેને તો બધુંય બળી જાય; એ જાળવવું. મહારાજ કહે કે, ત્રણ ગુણ કાઢી નાખવા. એ ગુણ હોય ત્યાં સુધી સત્સંગમાં સુખ આવવા દે નહીં. તેમાં તમોગુણ તો બધાનું ખાઈને અભડાઈ આવે એવો છે. નબળા માણસ સત્સંગમાં ન ખપે, ભગવાન ભજવામાં એ કામ ન આવે, બી સાચું ખપે; સાચું બી રાખશો તો ઊગી આવશે. આ નિયમ નથી પાળતા, આ ધર્મ નથી પાળતા એમ જે જાણે તેનું ઠીકરું ફૂટ્યું. માટે નિર્વાસનિક થઈને ભગવાન ને ભગવાનના ભક્ત સાથે એકતા કરવી. અનાદિ તો કોઈના દોષ દેખતા નથી, શાથી ? કે બિચારો એ જીવ દુઃખિયો થઈ જશે. અધમ જેવા જીવ હોય તેને ઉદ્ધારે તો મહારાજ ઘણા રાજી થાય. શ્રીજીમહારાજને સંભારશો તો સદ્ગુરુ થાશો અને મૂકશો તો કોઈ ભાવ નહિ પૂછે. સર્વેના આધાર, સર્વેના કર્તા, સર્વેના નિયંતા, સર્વે દિવ્યના દિવ્ય ભગવાન આપણને મળ્યા છે, તેથી જેને અખંડ સોહાગી થાવું હોય તેને મોહ-નિદ્રામાંથી જાગી જાવું, દાસપણું રાખવું. શુદ્ધ પાત્ર થાય ત્યારે ભગવાન રહે. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે તેમ. જેને નિશ્ચયનું કાચું હોય તેની વાત તે જાણે. મહારાજ અને તેમના અનાદિ તો આ રહ્યા; પ્રત્યક્ષ છે. તેજોમય ફુવારા ઝળળળ ઝળળળ છૂટે છે. આપણે તો મહારાજ અને મહારાજના મુક્તને વળગી રહેવું. અમે બીજાં કોઈ ધામ, કે બીજા કોઈ લોક દેખ્યા નથી. અમને કોઈ કહે તો અમે શું જવાબ દઈએ ? ભગવાનના સુખ આગળ ને ભગવાનની મૂર્તિ આગળ બીજું શું જોવું ! અમારો સિદ્ધાંત તો એવો છે કે મૂર્તિ અને મુક્ત વિના બીજી કોઈ વાત જ નથી. આપણે આમ વારંવાર મૂર્તિની જ વાતો કરીએ છીએ તેમાં જેની નજર ન પહોંચે તે એમ જાણે જે, આ તો એનું એ વર્ણન કરે છે, બીજી વાત જ કરતા નથી. જેમ ઘાંચીનો બળદિયો ઘાણીએ ફરે તેને એ જ ઘર ને એ જ ઘાણી, જરાય પંથ ખૂટે નહીં. મહારાજે બીજાં સાધન શું કરવા કર્યાં હશે ? આમ બોલે. પણ, તેને એમ ખબર નથી, જે ભગવાનની મૂર્તિ ધાર્યા જેવું કોઈ સાધન નથી. ઘાંચીનો બળદિયો ઘાણીએ ફરે અને પંથ ન ખૂટે, પણ સાંજે તેલનું કુડલું એ ભરી દે અને બીજો સૂઝે એટલું ચાલે, સૂઝે એટલો પંથ કાપે પણ તેથી તેલનું કુડલું તો શું પણ તેલની ચીકાશ પણ ન ભાળે. માટે મૂર્તિની વાતો કરવાથી જ સર્વે પ્રાપ્તિ થાય. કેમ જે મૂર્તિ છે તે ચિંતામણિ છે, કલ્પતરુ છે, મહા મોંઘી વસ્તુ છે. તેને મોટા મુક્ત પારખે છે. જેવા તેવાનું આમાં કામ નથી. માટે આપણે તો મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ રાખવી. ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમનારાયણની મૂર્તિ તેને બાઝવું. મૂર્તિમાંથી અનુભવજ્ઞાનની ખુશ્બોના ગોટા આવે તે લેવા. માનકુવાના મૂળજી તથા કૃષ્ણજીને કાઢ્યા તે ઘેલાને કાંઠે બેઠા, તેને પાળાઓ પાણા મારે તોપણ જાય નહીં. અક્ષરઓરડીમાં મહારાજ બેસે, ઊઠે ને એમ કહે કે, કચ્છના એ વિમુખ મને બેસવા દેતા નથી. એમ મહારાજની મૂર્તિની ખુશ્બોથી એ આઘા જઈ શકતા નહિ અને મહારાજ વિમુખ કહેતા પણ તેમને વિસારતા નહીં.
પછી બાપાશ્રી બોલ્યા જે, ખોટો માર્ગ છે ત્યાં સુધી ગરુડ ઊડ્યો અને સાચા માર્ગમાં મહારાજ કહે, અમે ઊડ્યા, એટલે એક મહારાજ રહે એ સાચો માર્ગ છે. એ મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત છે. એ આપણી નાત ને એ જ આપણાં સગાંવહાલાં. આપણે એ સરત રાખવી. કોઈ અભરાના સંગ ન કરવા. એ સભાના ઘરાક થાવું. ખૂબ કેડ બાંધીને તેમને સંભારવા તો અક્ષરધામમાં કડેડાટ ચાલ્યા જઈએ. મોટાની દયા તો અપાર છે. જેમ એકને છ દીકરા હોય, તેમાં એક દીકરો અકર્મી હોય તોપણ તેને માર્યાનો સંકલ્પ થતો નથી; તેમ મહારાજ તથા મોટા મુક્તને છે, તે અધમ જેવા જીવને વિષે પણ સારો સંકલ્પ કરે છે. ખરો ઝવેરી હોય તે આવા હીરાનું પારખું કરે. અક્ષરધામનું સુખ અને મોટાની ગતિની બીજાને શું ખબર પડે ? એ તો સંકલ્પ કરે એટલામાં અનંત જીવનાં આવરણ ટળી જાય અને અહીં બેઠે થકે અક્ષરધામમાં અનંત મુક્તે સહિત મહાપ્રભુનાં દર્શન કરાવે. તે ઉપર વાત કરી જે, કાંકરિયાથી દક્ષિણ દિશા તરફ આંબલીમાં જ્યાં હાલ ઓટો છે ત્યાં મહારાજ આંબલી તળે ઢોલિયા ઉપર આંબલીની ડાળખી ઝાલીને બોલ્યા જે, ચાર સદ્ગુરુને બોલાવો. પછી તેમને બોલાવ્યા ને ઢોલિયા ઉપર ચાર પાયે બેસાર્યા અને સર્વે હરિજનોની પૂજા અંગીકાર કરી. તે વખતે મહારાજ તે સદ્ગુરુઓ પ્રત્યે બોલ્યા જે, તમો આગળ જઈને માયાનું આવરણ ભેદો, એટલે આ હરિજનોને અક્ષરધામનું સુખ તથા અમારી પૂજાનું ફળ તે નજરે જોવામાં આવે. પછી આવરણ ભેદ્યાં, તેથી કેટલાક હરિજનોને દિવ્ય ચક્ષુ આવ્યાં, તે અહીં જેવી રીતે પૂજાઓ થઈ તેવી જ રીતે અક્ષરધામમાં દર્શન થયાં; એમ મહા મુક્તની સામર્થી અપાર છે. મહારાજને અને એવા મહા અનાદિને સદાય એકતા છે, તોપણ ક્યારેક મનુષ્યભાવ જણાવે તેણે કરીને મૂંઝાવું નહિ અને એવી સમજણ દૃઢ કરવી જે, એવા મોટા અનાદિ તો કર્તા થકા અકર્તા છે. એમને તો શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ જ છે; બીજું કાંઈ નથી. એવું ન જાણ્યું હોય તો મૂંઝાઈ જવાય. તે ઉપર વાત કરી જે, સુરતમાં જીવરામને મહારાજના અંતર્ધાન થયાની પોતાને ઘેર બેઠાં ખબર પડી. પછી તે જીવરામ ઘણા આકુળ-વ્યાકુળ ને ઉદાસ થઈ ગયા ને ઘણું રુદન કર્યું, તેથી મૂર્છા આવી ગઈ. પછી તો તે ગઢપુર ગયા. ત્યાં ઘણું ગાંડપણ તથા ઉદાસીપણું થઈ ગયેલ જોઈને અનાદિ મુક્તરાજ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, “કેમ ગાંડિયો થઈ ગયો ?” તે શબ્દ તેને શ્રીજીમહારાજના જેવો જ લાગ્યો; તે સાંભળી બહુ જ રાજી થયા ને ચિત્ત ઠેકાણે આવી ગયું ને એમ જાણ્યું જે, શ્રીજીમહારાજ સ્વધામ ગયા નથી. સદાય છે, છે ને છે જ; એ રીતે મહારાજ તથા અનાદિમુક્તને એકતા છે. મોટા અનાદિ શબ્દ બોલે તે ભગવાન જેવો શબ્દ મરજી પ્રમાણે બોલે; જેમ મોટા મંદિરમાં પડછંદા બોલે છે તે બોલનારાના જેવા જ જણાય છે. માટે એવા મોટા જેને મળે તેમનાં દર્શને કરીને, સ્પર્શે કરીને તથા તેમની જ્ઞાનવાર્તા સાંભળવે કરીને મનમાં રાજી રહેવું, પણ એમ ન ધારવું જે કેમ ચમત્કાર જણાવતા નથી. મોટા મુક્ત જે કરે છે તે સમજીને કરતા હશે. જીવ જેમ જેમ પાત્ર થતા જાય તેમ તેમ ચમત્કારની વાતો કરતા જાય. પાત્ર વિના જીરવી શકાય નહિ ને મૂળગું પોતાની ગાંઠનું ખોઈને ચાલ્યા જાય. માટે ધીરે ધીરે જોગ કરતાં ઘણા દિવસે મોટાની દયાએ કચાશ ટળે. આપણે તો એક પ્રસન્નતાનાં સાધન કરવાં, કાંઈ જોવા ઇચ્છવું નહિ કે કાંઈ માગવું નહીં. મૂર્તિનું સુખ માગવું એ પણ સકામ. ભગવાન પાસે સુખના ઢગલે ઢગલા છે, તેથી માગીએ તો મૂર્ખ કહેવાઈએ. મૂર્તિના અપાર સુખનો પાર કોણ લહે ! હાથ જોડીને વિનંતી કરીએ એટલે સુખિયા કરી દે, જો માગે તો સભા હસે કે મહારાજ નહિ જાણતા હોય; આ સિદ્ધાંત વાત છે. માટે પ્રસન્નતા માગવી અને પ્રસન્નતા થાય એવી ક્રિયા કરવી. સંતનો મહિમા તો મહારાજ પોતે કહે છે જે, “તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ.”
ગઢડામાં મહારાજે સંતોને જમાડીને તેમનાં પત્તર ધોઈને એ જળ પોતે પીધું, એમ મહિમા દેખાડ્યો. “કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું, ક્યાં અમે અને ક્યાં આપ જીવન જાણું છું.” એવી વાત છે. મહારાજનો ખરેખરો મહિમા તો અનાદિમુક્ત જ જાણે. એવા મોટા મુક્તને જે ઓળખે અને વળગે તેને તો અમે માયામાંથી બચાવી લઈએ અને મૂર્તિના સુખમાં મૂકી દઈએ. અમારી નજર સદાય એવી જ છે. એમ કહીને લાલુભાઈ, હીરાભાઈ, મહાદેવભાઈ, હરિભાઈ, મોહનભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ આદિક હરિભક્તોને કહ્યું જે, આજે તમે અમારા ધનજીભાઈને બહુ રાજી કર્યા. તમારાં હેત જોઈને મહારાજ પણ ઘણા રાજી થયા. ત્યારે લાલુભાઈ કહે કે, બાપા ! આપ કૃપા કરીને સુખ આપવા પધાર્યા છો તે સુખિયા કરો છો. મહારાજની મૂર્તિનાં નવાં નવાં સુખ ભોગવાવો છો, આપની દયાનો પાર નથી; આપને જોઈને હજારો મનુષ્યનાં મન ખેંચાય છે એ બધો પ્રતાપ શ્રીજીમહારાજનો છે. ત્યારે બાપાશ્રી કહે કે લાલુભાઈ ! મહારાજ આજ અનંત જીવને મૂર્તિમાં રાખે છે, શરણાગતને ન્યાલ કરે છે, પણ દેહાભિમાનીને આ વાત હાથ ન આવે. આવી દિવ્ય સભાનો જોગ કરે તો તુરત કામ થઈ જાય. ।। ૫૦ ।।
વાર્તા ૫૧
ફાગણ વદ ૬ને રોજ સવારમાં નિત્ય વિધિ કરી બાપાશ્રી સૌ હરિભક્તોને મળ્યા. પછી કૃપા કરીને વાત કરી જે, ધામરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે જોડાવું તે એકાંતિકપણું ને શ્રીજીરૂપ થઈને શ્રીજીના રોમ રોમનું અત્યંત સુખ તેના ભોક્તા રૂપે થઈ ગુલતાન રહેવું તે પરમએકાંતિકપણું. પછી લક્ષ્મીચંદભાઈએ પૂછ્યું જે, આસ્તિકભાવ દૃઢ રાખવો એમ કહેવાય છે તે આસ્તિકભાવનું લક્ષણ શું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજને અને મોટા અનાદિને ક્યારેય પણ છેટા ન જાણવા ને પોતાને પણ છેટે ન રહેવું. આપણને કોઈ દોષ નડતા હોય કે કાંઈક જ્ઞાન વાત સમજાતી ન હોય તો મહારાજને અને મોટાને સંભારીને નિરંતર પ્રાર્થના કરવી એટલે તમામ દોષ ટળી જાય અને જે ન સમજાતું હોય તે પણ સમજાય. મહારાજ ને મોટાનાં વચનમાં જરાપણ સંશય ન કરવો. થાય તો પ્રાર્થના કરી, સંશય ટાળવા આગ્રહ કરવો તો તરત ટળી જાય. એવી રીતે મહારાજ ને મોટાને વિષે કોઈ કાળે ક્યારેય પણ મનુષ્યભાવ આવવા દેવો નહીં. સદાય દિવ્યભાવે સહિત દર્શન, સેવા, સમાગમ વગેરે કરવું. તો જ આપણે દિવ્ય થઈએ; માટે નિરંતર તેની સરત રાખવી ને તેનું મનન કરવું તો તમામ નાસ્તિકભાવ ટળી જાય અને આસ્તિકભાવ આવે. આ રીતે બાપાશ્રી વાતો કરતા હતા, ત્યાં લખમશી ભક્ત દર્શને આવ્યા ને દંડવત કરી ચાલ્યા, તેમને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, કેમ ચાલ્યા ? ત્યારે હાથ જોડીને કહે કે, સ્વામી ! પ્રવૃત્તિ નડે છે ખરી. તે સાંભળી બાપાશ્રી કહે, સ્વામી ! ગૃહસ્થને વ્યાવહારિક પ્રવૃત્તિના કુટારા બહુ. એમ કહીને વાત કરવા લાગ્યા જે, ગૃહસ્થ હરિભક્તોને વ્યવહાર કરવો પડે, પણ તે વ્યવહાર કેવો કરવો ? તો વ્યવહાર કરતા થકા શ્રીજીમહારાજ સુખે કરીને સંભારાય અને કથા-વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસીપૂજા એ આદિ નિયમો બરાબર સચવાય; એવી રીતે પોતાના જીવાત્માને પરલોક સંબંધી સુખ થવાનું મુખ્ય સાધન છે. વ્યવહાર દેહનિર્વાહને અર્થે કરવો તે પણ શ્રીજીમહારાજ અને મોટાની આજ્ઞા પ્રમાણે જ કરવો પણ જે વ્યવહાર કરતે થકે મહારાજની મૂર્તિને ભુલાય તેવો વ્યવહાર ભગવાનના ભક્તને કોઈ દહાડે કરવો નહિ અને વ્યવહારરૂપ થઈ જવાય એવા વેગે સહિત પણ વ્યવહાર કરવો નહીં. પોતાના આત્યંતિક મોક્ષને માટે પોતાની કોઈ પ્રકૃતિ નડતી હોય તે મોટાના જોગમાં રહીને ટાળવી; પણ મોટા ને મહારાજની આજ્ઞામાં લેશમાત્ર ફેર આવવા દેવો નહિ અને એમ જાણવું જે આપણે જે જે ક્રિયાઓ તથા સંકલ્પ કરીએ છીએ તેને મહારાજ તથા મોટા મુક્ત સદાય દેખે છે ને જાણે છે. વળી એમ વિચારવું જે, તેમની મરજી તથા આજ્ઞા વિરુદ્ધ કાંઈ કરશું તો તે કુરાજી થશે તો આપણું બગડી જશે અને આપણે નિર્લજ કહેવાશું. એમ નિરંતર તપાસ રાખીને શ્રીજીમહારાજ અને મોટા મુક્ત જેમ પ્રસન્ન થાય તેમ આપણે વર્તવાનો આગ્રહ રાખવો. ભગવાનના ભક્તને મુખ્ય તો એ કરવાનું જે, મહારાજનું ધ્યાન અને પોતાના દેહના ભાવ વિસારી દઈને બ્રહ્મરૂપ-અક્ષરધામરૂપ થાવું ને શ્રીજીમહારાજની મૂર્તિમાં વળગી જવું. તેજ દેખાય તેમાં પણ અટકી જવું નહીં. એક મહારાજની મૂર્તિ વિના બીજું જોવાનો ઠરાવ રાખવો નહીં. મૂર્તિમાં ચોંટવાથી અત્યંત સુખ આવે છે. પણ તેજ સામું જોવાથી ધીરજ રહે નહિ અને મૂર્તિમાં ચોંટ્યા પછી તેજ વગેરે અનંત ઐશ્વર્ય દેખાય પણ હરકત પડે નહિ, કેમ કે મૂર્તિમાં જોડાવાથી સામર્થી વધે છે. અમે એક હરિભક્તને ધ્યાનમાં બેસાર્યા; તેને તેજ બહુ દેખાણું. પછી તેણે બોલવા માંડ્યું અને ભભકારા કરી બહાર નીકળી જવા માંડ્યું. પછી અમે કહ્યું જે, દેહના ભાવ છોડી દો અને મૂર્તિમાં વળગો. પછી દેહના ભાવ ટાળી તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં ચોંટ્યા, ત્યારે શાંતિ, શાંતિ; સુખ, સુખ અને આનંદ, આનંદ થઈ ગયો. બહાર નીકળી જવાપણું અને અકળાવાપણું વગેરે હતું તે મટી ગયું. માટે તેજનો સમૂહ દેખાય તો તેમાં શ્રીજીમહારાજની મૂર્તિ જોવી ને તેમાં વળગી જાવું પણ તેજ દેખાય તે તેજમાં સુખ માનીને મૂર્તિ વિના એેને જોવું નહિ, નહિ તો ઠીક ન રહે. પછી વાંટાવદરવાળા ત્રિભોવનભાઈએ પૂછ્યું જે, બાપા ! વચનામૃતમાં પ્રગટ ભગવાન ને પ્રગટ સંત મળે ત્યારે કલ્યાણ થાય એમ લખ્યું છે તે કઈ રીતે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ સંત છે તે પ્રગટ છે, મહારાજ પણ પ્રગટ છે. મોટા મુક્ત બોલે તે મહારાજ પોતે બોલે છે. માટે ભાવ તથા મહિમા જોઈએ. તળાવ, ડુંગર કે ટેકરી ઉપર જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીએ તો ત્યાં પણ બોલે. જ્યાં મહારાજની મરજી હોય ત્યાં બોલે. ત્યારે કોઈ કહે જે તમને કોણ કહી જાય છે ? તો અમને તો સ્વામિનારાયણ બોલાવે છે. અમે કાંઈ દેખતાં-ભાળતાં નથી, પણ એ બોલાવે છે; બોલનારા શ્રીજીમહારાજ છે. આવી મહારાજે દિવ્ય સ્મૃતિ આપી હોય તોપણ તેનો ભાર આવવા દેવો નહીં. દેહ તો મરો કે જીવો પણ પોતાપણાનો ભાવ લાવવો નહીં. એવો મોટાનો સિદ્ધાંત છે તેને જાણવો જોઈએ તો સર્વે વાત હાથ આવે. ।। ૫૧ ।।
વાર્તા ૫૨
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મીન સ્નેહી નીર, ચંદ્ર સ્નેહી ચકોર.” એમ હેતે કરી ભગવાનમાં સર્વે ઇન્દ્રિયો તણાય ત્યારે ભગવાનના ભક્તમાં મોટા ગુણ આવે છે. એક હરિભક્તે નિરાવરણ દૃષ્ટિનું પૂછ્યું ત્યારે કહ્યું જે, ભગવાનની મૂર્તિ વિના બીજું જે કાંઈ માયિક પદાર્થ તથા દેશાંતર આદિક દેખાય અને ભીંતને પાણી સોંસરું ચાલ્યા જવું એવી નિરાવરણ દૃષ્ટિમાં નવાણું ટકાનું જોખમ છે. કેમ કે આગળ રવાજી તથા જેસાજીને વિઘ્ન આવ્યાં. મોટા તો કેને નિરાવરણ દૃષ્ટિ કહે છે ? તો, એક ભગવાન તથા મુક્ત વિના માયિક પદાર્થની વિસ્મૃતિ તેને ઉપશમ અવસ્થા તથા નિરાવરણ દૃષ્ટિ ખરેખરી કહે છે. આજ તો સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુક્ત અઢળક ઢળ્યા છે, તેથી એમના જોગે સર્વે વાત સિદ્ધ થઈ જાય છે. પણ કેટલાકને વળગાડ નડે છે, તે વળગાડ અધિકારના, માન-મોટપના, વિદ્યાના, ડહાપણના, એવા કંઈક જાતના છે. તે રાખશો તો આવા લાભમાં રહી જશો. આવા નૈમિષારણ્યમાં અને આવી દિવ્ય સભામાં મોક્ષનું દાન માગવું. એ દાનનો વિધિ આવડે નહિ તો આ લોકમાં જ્યાં ત્યાં રખડે. ગઢડામાં હરિસ્વરૂપદાસજી કહેતા કે, અમારા હાથ જુઓ. સ્વામિનારાયણને ઘેર અંધારું નથી. માટે સૌ નિયમ-ધર્મમાં ખબડદાર રહેજો ને મહારાજને રાજી કરજો. એમ કહીને પછી બોલ્યા જે, ભગવાનના ખરેખરા ભક્ત તો એક ભગવાનને જ દેખે. તેને ખાવું, પીવું, સૂવું, બેસવું તેની પણ ખબર રહે નહીં. બહારવૃત્તિએ એવા ન ઓળખાય. તે ઉપર વાત કરી જે, ગઢપુરમાં એક સમયને વિષે સભામાં શ્રીજીમહારાજે એમ કહ્યું જે, એક સાધુ તો સૂઈ જ રહે છે. એ સાંભળી સર્વે સાધુએ પોતાના અને બીજાના આસને તપાસ કરી જે કોણ સૂઈ રહેતું હશે ? પણ કોઈ જોવામાં આવ્યું નહિ, તેથી સર્વેને આશ્ચર્ય જણાણું. પછી મહારાજે હરિસ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે, તમે શું ક્રિયા કરો છો ? ત્યારે તેમણે કહ્યુ જે, પાંચ વખત કથા-વાર્તા કરું છું, ઘેલે તથા નારાયણ ઘાટે નાહવા જાઉં છું. ભંડારે ખાવા જાઉં છું એમ સર્વે ક્રિયા કરું છું પણ મને સાત દિવસ થયા, કાંઈ આ લોકની તથા ક્રિયાની સ્મૃતિ રહેતી નથી. જો રહેતી હોય તો પરમહંસના સમ છે. તે સાંભળીને સર્વે સભાને મહારાજે કહ્યું જે, જુઓ ! આ સૂઈ રહ્યા કહેવાય. એમ ભગવાનના ભક્ત ત્રણે અવસ્થામાં ભગવાનને દેખે છે, તેને ઊંઘી રહ્યા ન જાણવા; તે તો મહારાજના સ્વરૂપમાં સદાય રહ્યા છે. એવી રીતે જે ભક્ત ભગવાનને વિષે જોડાણો છે તેના દેહની તથા વ્યવહારની સર્વે ખબર ભગવાનને રાખવી પડે છે. તે ઉપર ઝીણાભાઈની વાત કરી જે, ઝીણાભાઈ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલ્યા જતા હતા તે દેહની સ્મૃતિ રહી નહીં. એમ ચાલતાં ચાલતાં જ્યારે કૂવાને કાંઠે આવ્યા ને જાણે હમણાં કૂવામાં પડશે, તે સમે મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા ત્યાં કમકમાટી આવી ને તરત ઝીણાભાઈને કૂવાને કાંઠેથી બાવડું ઝાલીને તાણી લીધા. તે સમે કોઈ હરિજને પૂછ્યું જે, હે મહારાજ ! તમે કમકમાટી કેમ ખાધી ? ત્યારે મહારાજ બોલ્યા જે, ઝીણાભાઈ અમારી મૂર્તિમાં વૃત્તિ રાખીને ચાલ્યા આવતા હતા. તે જો અમે તેમને બાવડે ઝાલીને તાણી લીધા ન હોત તો તે કૂવામાં પડી જાત, એવું જોઈને કમકમાટી આવી. તેમ ભગવાનના ભક્ત ભગવાનને વિષે એકાગ્રવૃત્તિએ કરીને દેહની ક્રિયા તથા વ્યવહારની ક્રિયા ભૂલી જાય ત્યારે ભગવાનને તેની ખબર રાખવી પડે છે. એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હોય તેવા ભક્તને ખવરાવવું, પિવરાવવું વગેરેની જે ભક્ત ખબર રાખે છે તેના ઉપર મહારાજની બહુ પ્રસન્નતા થાય છે. કોઈ સાધન એને કરવું બાકી રહેતું નથી, એવું ફળ મોટાની સેવાનું છે. ।। ૫૨ ।।
વાર્તા ૫૩
સવારે સભામાં કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રીએ વાત કરી જે, મહારાજની મૂર્તિમાંથી અલૌકિક સુખ આવે છે, તે કલ્પેકલ્પ વીતી જાય તોપણ નવીન નવીન સુખ આવે જ જાય છે; મહારાજ અને અનાદિમુક્ત અરસપરસ છે. મહારાજની મૂર્તિમાં અનંત મુક્તનાં દર્શન થાય છે એ જ મૂર્તિનું અપારપણું છે. અપારપણું એટલે સમુદ્રમાં માછલું ફર્યા કરે પણ છેડો ન આવે, વાદળાં જમીનને અડ્યાં હોય એમ લાગે પણ છેડો નથી; એવી રીતે મૂર્તિ નાની જણાય છે પણ અપારપણું ઘણું છે. જેમ આકાશમાંથી વાદળાંના કોટ ઊતરે છે પણ તે કળાય નહિ તેમ એ મૂર્તિમાં રહેલા મુક્ત પણ ગતિમાં અકળિત છે, ચૈતન્ય મૂર્તિ છે ને પુરુષોત્તમરૂપ છે. “ચૈતન્યરૂપ છે ભૂમિ રે, મુક્તવૃંદ તેમાં રહ્યા.” એવી રીતે આ ભૂમિ પણ ચૈતન્ય છે અને જેવી અક્ષરધામમાં સભા છે તેવી આ સભા છે, કેમ જે આ સભામાં મોટા અનાદિમુક્ત બેઠા છે, જો એવા મોટા અનાદિ ન હોય તો આ સભા ગણાય નહીં. એવા મોટા મુક્તના જોગે કરોડો સુખિયા થઈ ગયા. આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વે શ્રીજીમહારાજ તથા મોટા અનાદિને લઈને છે.
એવા મોટા અનાદિના શબ્દ જીવમાં ઉતારે તો ભાગવતીતનુ થાય છે, તેથી આ બધું દિવ્ય દેખાય છે; પણ એવું અનુસંધાન અખંડ રહેતું નથી. કોકડા તૂટે ને સંધાય એમ જેને રહેતું હોય તેને તેલધારા કહેવાય નહિ ને એટલો દિવ્યભાવ પણ નહિ, તે છાનું નાસ્તિકપણું ગણાય. એનો ખટકો રાખે તો મોટા મુક્ત દયા કરીને મહારાજની સન્મુખ કરી દે, એટલે પૂરું થઈ જાય. જે દીન-આધીન થઈને હાથ જોડે તેમાં રાજીપો આવે છે. જેમ નાના છોકરા હાથ જોડે છે તેથી રાજીપો આવે છે તેમ. જ્યાં સુધી સત્સંગ સમજાય નહિ ત્યાં સુધી અવળા સ્વભાવ ટળતા નથી. તે ઉપર વાત કરી જે, લક્ષ્મીબાઈની ઓરમાન મા પૂતળીબાઈ હતી, તે જ્યારે લક્ષ્મીબાઈ પૂજા કરતાં ત્યારે પૂતળીબાઈ મૂર્તિને ઠેબું મારીને કહેતી કે તારા ઠાકોરજી કેવા દોડે છે ? તે જોઈને લક્ષ્મીબાઈ બહુ રોતાં. પછી પૂતળીબાઈએ જ્યારે દેહ મૂક્યો ત્યારે એ પાપે જમપુરીમાં જઈ નર્કના કુંડમાં ડબકાં ખાતી હતી. પછી મહારાજે કહ્યું જે, તારી મા નર્કમાં પડી છે તે દેખાડું ? પછી તેણે હા કહી તેથી દેખાડી. પછી લક્ષ્મીબાઈએ મહારાજ પાસે પ્રાર્થના કરી તેનું કલ્યાણ કરાવ્યું; એમ મોટા મુક્ત જીવને ઉદ્ધારે છે, વાંક-ગુનો જોતા નથી. આ સત્સંગ તો કલ્પતરુ છે, એમ જાણ્યા વિના સત્સંગી અથવા સાધુને વેશધારી સમજી બેસીએ તો કાંઈ ફળ ન મળે. આ સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે, આ સભા અક્ષરધામની છે, માટે પક્ષાપક્ષીથી અવળું ન સમજતાં સર્વે દિવ્ય છે એમ જાણવું. મહારાજે સમ ખાધા છે કે, બધાય મુક્ત છે, તેજોમય છે, તેમ હું સર્વેને દેખું છું. કોઈ કહેશે કે અમારું ગામ ભિખારી છે, ત્યારે જાણવું જે એનો ભાવ એવો છે. કેમ કે, નગરશેઠ તથા શાહુકાર પણ ગામમાં હોય પણ પોતાના ભાવ ભિખારી; તેથી એમ ભાસે છે. મહારાજ દિવ્ય છે, સત્સંગી દિવ્ય છે, એમ આ સત્સંગ તુલ્ય કોઈ નથી. રાજાના કુંવરને કોઈ એમ નહિ કહે કે, આ રાજા નથી. તેમ સંતને જમાડ્યા, ધોતિયાં ઓઢાડ્યાં, સત્સંગીને રાજી કર્યા, તેનું ફળ મહારાજની પ્રસન્નતારૂપ થયું એમ જાણવું. જેમ અગ્નિમાં સરપટા નાખીએ તો અગ્નિરૂપ થઈ જાય, તેમ મહારાજ તથા મોટા મુક્તમાં આત્મબુદ્ધિ થાય તો કામ થઈ જાય. આપણે બધેય દિવ્યભાવ જોવો. લીલા બધી અલૌકિક છે, એમ જાણે તો અતિ લાભ થાય, નહિ તો પોતાને નુકસાન છે. કોઈના દેહ-સ્વભાવ જોવા નહીં. નહિ તો ઠીક ન પડે. સત્સંગમાં પહેલું પોતાનું તપાસવું. પ્રસંગે કહેવું-કથવું પડે, પણ દિવ્યભાવમાં રહીને કહેવું તો પોતે સુખિયા અને બીજા પણ સુખિયા રહે. બીજાને શિખામણ દેતાં પોતામાં રજ, તમ આદિક ગુણ લાવે તો પોતાનું બગાડે; કદાપિ કહેવું પડે તો શુદ્ધ સત્ત્વગુણમાં રહીને કહેવું. શુદ્ધ સત્ત્વગુણ દિવ્ય છે અને મલિન સત્ત્વગુણ માયિક છે. જેમ કાળા નાગની ફેણ ચંદનને વીંટાવાથી વિખ જતું રહે છે તેમ મહારાજને વિષે દિવ્યભાવે જોડાવાથી દિવ્ય થઈ જવાય છે. આપણે કેના રાજ્યમાં છીએ ? તો અક્ષરધામના પતિ પુરુષોત્તમનારાયણના રાજ્યમાં છીએ. વડોદરાના રાજ્યમાં શૂદ્ર ભિખારણ જઈ બેસે તો તેને કેટલો કેફ વર્તે; તેમ આપણને પુરુષોત્તમનારાયણ જેવા પતિ એટલે અવિનાશી વર મળ્યા એમ જાણી આનંદના સમુદ્રમાં ઝીલવું. આ વખત બહુ સારો છે. આ દિવ્ય મૂર્તિનાં દર્શને આનંદ, સ્પર્શે આનંદ, સેવાએ આનંદ, પ્રસન્નતાએ આનંદ, વાયુ ઉપર થઈને આવે તોપણ આનંદ, એમ મહારાજના સર્વે સંબંધે આનંદ, આનંદ ને આનંદ.
પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, મોટા મુક્ત મહારાજ વિના એક ક્ષણમાત્ર પણ જુદા રહેતા નથી. તે ઉપર વાત કરી જે, એક વખત મુક્તાનંદ સ્વામી પાસે સંત-હરિભક્ત ફરતા બેઠા હતા, ત્યારે સ્વામી વાતચીત કરતા નહોતા, કેમ કે અવસ્થાને લીધે બહુ બોલાતું નહીં. એવામાં દેવાનંદ સ્વામી પાસે થઈને નીકળ્યા; તેમને એમ સંકલ્પ થયો જે, સ્વામી તો પોઢી રહ્યા છે અને કાંઈ વાતચીત તો કરતા નથી, તોપણ હરિભક્તો શા સારુ બેસી રહ્યા હશે ? તે સમે દેવાનંદ સ્વામીને એમ જણાણું જે, એક કોરે અક્ષરધામના મુક્તની સભા ભરાઈને બેઠી છે અને એક કોરે ભરતખંડમાં રહ્યા જે મુક્ત તેની સભા ભરાઈને બેઠી છે. એવું મહારાજની ઇચ્છાથી જણાણું. તેથી દેવાનંદ સ્વામીને એમ થયું જે, અહોહો ! આવા મોટા અનાદિ બેઠા હોય ત્યાં મહારાજ તથા અનંત મુક્ત બિરાજે છે. ભગવાન વિના આવા મુક્ત ક્ષણમાત્ર પણ જુદા રહેતા નથી. માટે મોટા વાત કરે અગર ન કરે તોપણ તેની છાયામાં અપાર સુખ રહ્યું છે. તે મોટા કેવા છે ? તો મહા અનાદિમુક્ત છે. મહારાજના મહિમારૂપી જે રસ તેનું પાન કરાવે છે ને કારણ સ્વરૂપની દૃઢતા કરાવે છે ને મૂર્તિના સુખનું અપારપણું સમજાવે છે. જીવ જેમ જેમ સમાગમ-સેવા કરતો જાય, મોટા અનાદિને વિષે દિવ્યભાવ લાવતો જાય, તેમ તેમ પાત્ર પણ થતો જાય. મોટા તો પુરુષોત્તમ ભગવાનના લાડીલા મુક્ત છે. એમ વાત કરીને સૌને મૂર્તિમાં રાખવાનો આશીર્વાદ દીધો. ।। ૫૩ ।।
વાર્તા ૫૪
બપોરે મેડા ઉપર લાલુભાઈ, હીરાભાઈ આદિ હરિભક્તો ને સ્વામી વૃંદાવનદાસજી વાતો કરતા હતા કે, આ ફેરે બાપાશ્રીની દયા તમારા ઉપર અતિ ઘણી છે. બાપાશ્રીનો ઠરાવ એવો છે જે, સૌને મૂર્તિના સુખભોક્તા કરવા. તમારાં તો અમને બહુ મોટાં ભાગ્ય જણાય છે કેમ કે કેટલાય હરિભક્તો દેશોદેશમાં સંભારે છે, પ્રાર્થનાઓ લખે છે, તેમ કેટલાકને વચન આપ્યાં છે, કે આ ફેરે તમારે ગામ જરૂર આવીશું. તે સર્વેને જાગ્રત, સ્વપ્નમાં દર્શન દઈ તાણ પૂરી કર્યાના કાગળો આવે છે. તમને તો વગર માગે સુખ મળે છે તે બહુ મોટું છે. આ બાપો ક્યાંથી ? બાપાશ્રી આ વખતે વાતો બહુ કરે છે. એમનો સિદ્ધાંત એ છે જે, સૌને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખવા. સાધનના બળે મૂર્તિમાં રહેવાતું નથી, એમાં તો કેવળ કૃપા જોઈએ. એ રીતે મહિમાની વાતો થતી હતી ત્યાં બાપાશ્રી ઠાકોરજીને જમાડીને આવ્યા. ત્યારે હરિભાઈએ કહ્યું જે, બાપા! સૌ તમારી વાટ જુએ છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, છેટું રહેવાનું હોય ત્યાં સુધી વાટ જોવાની રહે ખરી, મૂર્તિમાં તો બધાયને ભેળા રહેવાનું છે. એમ કહીને બોલ્યા જે, હરિભાઈ ! જીવના વાંક-ગુના ને પાપ એટલાં બધાં હોય છે કે કોણ જાણે કેટલાય જન્મ લેવા પડે તોય આરો ન આવે. એવા ગુના આજ મહારાજ અને મોટા શરણે આવે એટલામાં માફ કરી દે છે. કેમ સાચી વાત લાગે છે ને ? ત્યારે હરિભાઈ કહે, હા બાપા ! સાચી વાત લાગે છે. આપે કૃપા બહુ કરી છે. તે ટાણે વાંટાવદરવાળા ત્રિભુવનભાઈ અને તેમનો નાનો દીકરો રાઘવજી દર્શને આવ્યા. દંડવત કરી જય સ્વામિનારાયણ કહ્યા. તેના પર બાપાશ્રીએ હાથ મૂકીને રમૂજ કરી કે, છોકરા ! રૂપિયા ખપે ? ત્યારે તે કહે હા બાપા. પછી કહ્યું જે, કેટલા ? ત્યારે તે રાઘવજી કહે, બે-ચાર. ત્યારે પોતે એમ બોલ્યા જે, જુઓ તો ખરા ! એક-બે નહિ ને પાધરા બે-ચાર; આવું કામ છે. આ સમયમાં કળિયુગ એવો છે, જે નાનપણથી જ વાસના ઉદય થઈ જાય છે. ।। ૫૪ ।।
વાર્તા ૫૫
રાત્રે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, ભાગવત ધર્મ છે તેણે કરીને ભાગવતીતનુ બંધાય છે. જેમ જળ પાવાથી ફળફૂલ વગેરે બંધાય છે તેમ. માટે એ ધર્મમાં એવી મોટપ છે. શ્રીજીમહારાજની મોટાઈ જાણીને મહિમાએ સહિત ભક્તિ કરતો જાય, તો બાકી શું રહે ! માટે દાસપણું રાખવું ને મૂર્તિનો રસ લેવો. જો હુંપણું આવી જાય તો સ્વામિનારાયણ ભગવાન રાજી થાય નહીં. જગતમાં હોલો બેસે તો કેડો ભાંગી જાય એમ કહે છે, તેમ હુંપણું એ સત્સંગનો હોલો છે. તે આવે તો જરૂર ભૂંડું કરે, માટે કોઈ જાતનું હુંપણું આવવા દેવું નહીં. જો હુંપણાની માનીનતા આવી જાય અને કોઈનો અભાવ લેવાય તો કેડો ભાંગી દે, માટે સત્સંગમાં દાસપણું રાખવું. દાસપણું રાખવામાં બહુ સુખ છે. મહારાજ કહે છે, કે વૈકુંઠ, ગોલોક આદિક ધામથી આ સભા અધિક છે. શ્રીજીમહારાજે સર્વ ધામને એકઠાં કરીને પોતાના સંત-હરિભક્તોનો મહિમા અધિક કહ્યો છે. અને સૌથી પર સુખ આપ્યું છે તે સુખ ભોગવવું; પણ દુઃખમાં દોટ ન દેવી. સાધનથી પાર આવે તેમ નથી. વૈરાગ્ય વગેરે સાધન બિચારાં શું કરે ! વૈરાગ્ય તો આ વૃક્ષને પણ છે તે સો વર્ષે પણ પાણી માગશે નહીં. કોઈ કાપશે તો બોલશે પણ નહિ, તેથી કાંઈ સિદ્ધિ નથી. શ્રીજીમહારાજે પોતાના મોટા મુક્તનો મહિમા ઘણો કહ્યો છે જે, અમારા અનાદિમુક્ત સત્સંગમાં જશે તો મનવારો ભરી ભરીને લાવશે એ શી રીતે ? તો જે તેમની નજરે પડશે, તેમની સાથે હેત રાખશે, તેમનો જોગ કરશે, તેમને હાથ જોડશે તે બધાયનું આત્યંતિક કલ્યાણ થશે. માટે કાળ-કર્મથી છૂટવાને એવા મોટાને વળગી પડવું. આ તો સર્વે દિવ્ય વસ્તુ છે. આવો જોગ મળ્યા છતાં બીજે ધોડા કરાય તે ઠીક નહીં. મહારાજ અને મોટાનો સિદ્ધાંત તો એવો છે જે, જેને અમારો જોગ થાય તેને અઠે દ્વારકા કરી દેવું અને દિવ્યભાવે સુખ લેવું. મહારાજ અને મોટા અનાદિ જેમ કરતા હશે તેમ ઠીક જ કરતા હશે.
પછી એમ બોલ્યા જે, “હરિકૃપા જબ હોત હૈ, સૂઝત અપના દોષ.” તેમ આપણને પોતાનો દોષ માલમ પડે ત્યારે એમ જાણવું જે કાળો નાગ મરેલો પડ્યો છે; તે મરેલાનો પણ ભય રાખવો એટલે પાછું શૂરવીરપણું રાખવું. ઘાટ-સંકલ્પ જોઈને હારી જવું નહીં. મહારાજ ને મોટાને પ્રાર્થના કરવી ને મહારાજનાં વચન લોપાય નહિ તેમ વર્તવું. કોઈ વાતે નિશ્ચયમાં કસર રાખવી નહીં. મહારાજ ને મોટાનો મહિમા સમજીને એમને વિષે દિવ્યભાવે જોડાવું. મોટા અનાદિને હાથ જોડે એટલામાં ઘાટ-સંકલ્પ થતા હોય તે બળી જાય. પ્રગટ હોય કે દૃષ્ટિગોચર ન હોય તોપણ અંતર્વૃત્તિએ હાથ જોડવા, કેમ કે મહારાજ અને મોટા અનાદિ તો સર્વે જાણે છે તેથી સહાયમાં રહે. શ્રીજીમહારાજની જોડે એવા મુક્તને ધારવાથી હેત વધારે થાય છે. સર્વે સાધનનું ફળ શ્રીજીમહારાજનું ધ્યાન છે, તે વિના કારણ દેહ બળે નહીં. જો આપણે ધ્યાન કરવા માંડીએ તો મહારાજ ને મોટા તુરત સહાયમાં ભળે. સત્સંગમાં હજારો-લાખો મુક્ત છે તે બધાય સહાયમાં છે. મહારાજ સત્સંગની વહારે ચડ્યા છે તેથી સંપ્રદાયની સારી સ્થિતિ રહે છે. મહારાજ અને મોટાનો પ્રતાપ જોઈએ તો બહુ જબરું સમજાય. એટલું તો સમજવું જે, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મહા અનાદિમુક્તોએ શ્રીજીમહારાજના સંપ્રદાયમાં નિયમની પાળ બાંધી છે માટે આપણે એ સંપ્રદાયની સેવા કરવી. અમારો તો સંકલ્પ એવો છે કે સર્વેનું મહારાજ સારું કરે. જીવને પોતાની ખોટ ઓળખાય એટલે પૂરું થયું જાણવું. અહિંસા, નિયમ-ધર્મ પાળવા, આજ્ઞા પાળવી, પણ કોઈ દુઃખાય એવો તો સંકલ્પ પણ કરવો નહીં. અમારે તો કોઈને મૂકવા નથી, ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડવા છે. જગતના જીવ હાથ ઝાલે તે પણ મૂકતા નથી તો અમે કેમ મૂકીશું ? ।। ૫૫ ।।
વાર્તા ૫૬
રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રીએ વાત કરી જે, મહારાજનું ધ્યાન ખટકો રાખીને કરવું, સંકલ્પરૂપી ગઠિયાનો વિશ્વાસ કરવો નહીં. ધ્યાન કરીને અંતર્વૃત્તિ કરીએ તો તેજ દેખાય ને તેજના ઝબકારામાં મૂર્તિ દેખાવા માંડે એટલે સભાએ સહિત મુક્તોથી બ્રહ્માંડ ઠસાઠસ ભરેલું છે એવી રીતે જોડાવું. એક કલાક બેસવા ધાર્યું હોય તો બે કલાક થઈ જાય એમ કરવું. આપણાથી લાખ મણનો પથ્થર ઊપડતો ન હોય તોપણ મોટા મુક્ત હાથ દે તો ઊપડે; તેમ ધ્યાનથી સુખિયા થવાય છે. કારણ મૂર્તિનું ધ્યાન કર્યા વિના ચાલોચાલથી સુખ ન આવે. આ દિવ્ય સભા સંભારશો તો મોટાની સહાયતાથી એ વાત સિદ્ધ થશે, તે શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના ૩જા વચનામૃતમાં કહ્યું છે કે, “જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી, જેથી ભગવાન સાંભરે.” એમ કહીને સભાનો દિવ્યભાવ જણાવ્યો ને કહ્યું જે, સો કાળ સામટા પડે પણ ભાવ ઓછો થવા દેવો નહીં. કોઈનું કર્યું કાંઈ થતું નથી. આવી રીતે સમજે ત્યારે જ કૃપાપાત્ર થવાય. પાત્રની તારતમ્યતાએ અધિક-ન્યૂન સુખ આવે છે. જેને અખંડ મૂર્તિ દેખાય એ કૃપાપાત્ર કહેવાય અને સુખ પણ ત્યારે જ આવે. તેમાં મોટા અનાદિનાં આશીર્વાદ ને દયા જોઈએ. અમો ખેતર ખેડીએ, ખાતર પૂરીએ, પાણી પાઈએ વગેરે પ્રયત્ન કરીએ પણ ફળપ્રદાતા શ્રીજીમહારાજ છે. કેટલુંક પુરુષપ્રયત્ને થાય છે ને કેટલુંક ભગવાન અને ભગવાનના મુક્તની દયાથી કામ થાય છે એ જાણવું જોઈએ. પુરુષપ્રયત્ન ન કરે તો મોટા અનાદિને વિષે દિવ્યભાવ ન આવે. કેટલાક અમદાવાદ, ભૂજ, ગઢડા, વડતાલ આદિ બધે ફરી આવે પણ મોટા મુક્તને ઓળખ્યા વિના ને જોગ-સમાગમ અને સેવાએ રાજી કર્યા વિના પાત્ર થાય નહીં. વીજળીના ઝબકારા કાયમ રહેતા નથી, તેથી આ ઝબકારામાં મોતી પરોવી લેવું. પાત્ર થઈને મોટા અનાદિની વાતો ઝીલીને જીવમાં ઉતારે તો પુષ્ટિ બહુ થાય છે ને ભાગવતીતનુ બંધાય છે. જેમ હાંડીનું આવરણ ભેદીને પ્રકાશ થાય છે ત્યારે હાંડી પણ પ્રકાશમય થઈ, તેમ દિવ્ય દેહ થાય તો આ સમજાય; આ તો સાકરનું નાળિયેર એટલે દિવ્ય મૂર્તિને લઈને બધુંય દિવ્ય. આ મંદિર આંહીં કર્યું અને પ્રતિમા માંહી પધરાવી એટલે મંદિરને પણ કલ્યાણકારી દિવ્ય જાણવું. આપણે મહારાજ અને મોટાનો જોગ થયો એ કાંઈ થોડી વાત નથી. જેમ વૃક્ષમાં ગુણ છે, જળમાં ગુણ છે, તેમ મહારાજ તથા મોટા અનાદિમાં ગુણ છે. એમ મહિમા સમજી ધ્યાન કરવું, માળા ફેરવવી, સત્સંગમાં દિવ્યભાવ લાવવો એ બધું પાત્ર થવાનું કારણ છે. એવો પાત્ર થાય ત્યારે મહારાજ અને મોટા અનાદિની સંપૂર્ણ કૃપા થાય. આ વચનામૃતનો મુદ્દો છે. બીજાં શાસ્ત્ર બાર ને બાર ચોવીસ વર્ષ સુધી ભણે, પણ કારણ મૂર્તિ હાથ ન આવે. માટે આવું દિવ્ય ભણતર આવા મોટા મુક્ત પાસેથી શીખવું.
પછી એમ બોલ્યા જે, વચનામૃત અને ભક્તચિંતામણિ આદિ સત્શાસ્ત્ર, શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ આદિ આજ્ઞા, સત્ એવો જે આત્મા તથા સત્ એવા પરમાત્મા જે ભગવાન શ્રીજીમહારાજ, એ ચાર વાતો સિદ્ધ કરે તે સત્સંગી કહેવાય. હવે સત્સંગી થયો પણ દેવ પધરાવવા જોઈએ. તે મોટા અનાદિમુક્ત પધરાવે છે. મોટાના આશીર્વાદના શબ્દે કરીને ભગવાન આવે છે. એવા મોટા અનાદિ સત્યસંકલ્પ છે. જુઓને ! વચનામૃત વંચાય છે તેમાં કેવળ શ્રીજીમહારાજનો અમૃતરસ ચાલ્યો આવે છે. તે અમૃતરસ પાન કરનારા સર્વે મહામુક્ત છે. આ સભામાં એકાંતિક, પરમએકાંતિક અને અનાદિ બધાય છે. આપણે આ સભા મહારાજની મૂર્તિમાં જોવી. મુક્ત મૂર્તિમાં સળંગ રહ્યા છે. રસબસ રહ્યા થકા સુખ ભોગવે છે. મહારાજ દાતા અને મુક્ત ભોક્તા એમ સ્વામી-સેવકપણું રહે છે. મુક્ત મૂર્તિમાં રહે એટલે આધાર મહારાજ થયા ને સેવકપણું મુક્તને દૃઢ થયું. પછી તો એને મૂર્તિ વિના કાંઈ છે જ નહીં. અનંત મુક્ત એ રીતે મૂર્તિમાં રસબસ રહી સુખ ભોગવે છે. ।। ૫૬ ।।
વાર્તા ૫૭
ફાગણ વદ ૭ને રોજ સવારે નિત્ય વિધિ કરીને બાપાશ્રીએ લાલુભાઈ સામું જોઈને સંતોને કહ્યું કે, આ અમારા વિશ્વાસી. જેમ કહો તેમ હા બાપા ! વચનમાં વિચાર કે તર્ક નહીં. મહારાજ આવા વિશ્વાસીને વશ થઈ જાય છે, આ ટાણે સંત પણ એવા આવ્યા છે તે ઠેઠ મૂર્તિમાં મૂકી દે છે. કેમ લાલુભાઈ ! ત્યારે લાલુભાઈ કહે, બાપા ! આપ કહો છો એવા જ સંત છે. પછી બાપાશ્રીએ કહ્યું જે, આ સદ્ગુરુ, આ પુરાણી તથા આ સંત રાત ને દિવસ મહારાજને રાજી કરવામાં તત્પર રહે છે. અનેક જીવને અભયદાન આપી મૂર્તિના સુખમાં મૂકી દે છે, નિત્ય નવા બ્રહ્મયજ્ઞ કરે છે. અમૃતના મેહ વરસાવે છે, કંઈકને ન્યાલ કરે છે. એમનો દિવ્યભાવ આવે તો કાંઈનું કાંઈ કામ થઈ જાય. આત્યંતિક મુક્તિ આજ આવા સંતના પ્રતાપે સુગમ છે. મહારાજ કહે છે કે, તમ જેવા ધર્મ-નિયમવાળા સંતની વાત જ જુદી છે, એવા આ સંત છે. પણ દેહાભિમાની જીવ આવી વાત ન સમજી શકે. શ્રીજીમહારાજને રાજી કરવા જેણે સત્સંગ કર્યો છે, તેને તો આવા મોટા સંત ને આવા અનાદિ જેવા છે તેવા ઓળખાય. આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે. વિચારી જુઓ તો ખબર પડે જે, આવા ધન-સ્ત્રીના ત્યાગી સંત કોઈ બ્રહ્માંડમાં નથી. માટે સર્વેને દિવ્ય સમજવા જેથી કોઈનો અપરાધ થાય નહીં. શુભ વાતોનું મનન કરવું પણ નબળી વાતોનું મનન કરવું નહીં. મોટા અનાદિની છાયામાં ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય છે એવો મહિમા ન હોય તો ઠાકોરજી પાસે પણ વઢવેડ કરે અને કોઈ શિખામણ દેતાં પોતાને ગુણ આવી જાય, તો મહારાજને ભૂલી જવાય. શ્રીજીમહારાજને સાથે રાખીને જે કાંઈ થાય તે ખરું. પર્વતભાઈના ગામની ભાગોળે માતરો ધાંધલ ગયા; ત્યાં અંતઃકરણમાં સત્ત્વગુણ વરતાયો.
ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ પૂછ્યું જે, બાપા ! માતરા ધાંધલને સત્ત્વગુણ વરતાયો તે શું ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, માતરા ધાંધલનો બાપ ધીંગાણામાં મરાણો હતો. પછી તેને લોકો મેણાં દેતાં કે, તું મોટી મોટી વાતો કરે છે પણ તારા બાપનું વેર તો લઈ શકતો નથી ! એમ લોકોનાં મેણાંથી તેને મનમાં બહુ ખેદ રહેતો. પણ મહારાજનાં દર્શન કરવા જાય ત્યારે મહારાજ તેના અંતરનું જાણીને વાત કરે તેથી એ વિચાર સમાઈ જાય. પાછો ઘેર આવે ત્યારે તેના ભાઈબંધ જે શૂરવીર હતા તે કહેતા કે, માતરા ! મોટી મોટી મૂછો રાખીને ફરે છે પણ જીવતર શું જીવે છે ? તારા બાપને બહારવટિયાએ મારી નાખ્યો તે ભેળો તને ઝટકાવી નાખ્યો હોત તો અમને દાઝ ન થાત. હવે તો તું તારા બાપ વાંસે મર કાં તો તારા બાપને મારનારનું માથું ઉતાર. અમને લાજ આવે છે પણ તને કેમ કાંઈ થતું નથી ? તને ખાવું કેમ ભાવે છે ? સાચો શૂરવીર હો, તો મરીને પાળિયો થા, કાં જીવીને જશ લે. અમને તો બહુ શરમ આવે છે. એમ કહે ત્યારે પાછું ચાનક ચડી જતું. પછી એક વખત તેના ભાઈબંધોને સાથે લઈ વેર લેવા જવાનું નક્કી કર્યું. હવે માતરા ધાંધલને એમ થયું જે, મરવું કાં મારવું, પણ ગઢડે મહારાજનાં દર્શન કરીને જવું એટલે મરીએ તોય ફિકર નહીં. આમ વિચાર કરી તૈયાર થઈ ગઢપુર ગયા. ત્યાં મહારાજનાં દર્શન કરી દંડવત કર્યા. ત્યારે મહારાજે અજાણ્યા થઈને કહ્યું કે, માતરા ધાંધલ ! આ ફેરે તો સંઘ લઈને દર્શને આવ્યા ? ત્યારે તેણે પોતાની વાત વિસ્તારીને કરી. શ્રીજીમહારાજે તેનો અતિ વેગ જોઈને કહ્યું જે, ભલે જાઓ, પણ પહેલાં અગત્રાઈ જજો. ત્યાં અમારા મોટા મુક્ત પર્વતભાઈ છે તેમનાં દર્શન કરીને જશો તો તમારી જીત થશે ને દર્શન વિના જશો તો પરાભવને પામશો. એવું સાંભળી માતરો ધાંધલ મનમાં રાજી થયા ને જાણ્યું જે પર્વતભાઈનાં દર્શન કરી જઈશું તો તેમાં બે લાભ છે. એક તો મોટા મુક્તનાં દર્શન થશે અને બાપાનું વેર પણ લેવાશે. એમ વિચાર કરી ભાઈબંધોને સાથે લઈ ત્યાંથી ચાલ્યા, તે વાટમાં ટીમણ કરતાં કરતાં ત્રણ-ચાર દિવસે સવારે અંધારામાં અગત્રાઈ પહોંચ્યા. ત્યાં સૌએ ગામ બહાર ઉતારો કર્યો. માતરો ધાંધલ કહે, આપણે ત્રણ દિવસ થયા ટીમણ કરીએ છીએ; તેથી આજ આપણે રસોઈ કરી જમવાનું કરીએ. હું ગામમાં પર્વતભાઈનું ઘર ગોતી, તેમને મળી, સીધું-સામાન લઈ આવું, એમ કહી તે ચાલ્યા. ત્યાં ગામની ભાગોળે જ પર્વતભાઈ સામા મળ્યા તે હાથમાં લોટો, અડધું ધોતિયું પહેરેલ, અડધું ઓઢેલ એવા જંગલ જવા નીકળ્યા હતા તેમને પૂછ્યું કે, આ ગામમાં પર્વતભાઈ રહે છે તેમનું ઘર ક્યાં હશે ? ત્યારે કહ્યું કે, હું જ પર્વતભાઈ છું, તમારે શું કામ છે ? તરત જ માતરો ધાંધલ દંડવત કરી મળ્યા અને કહ્યું જે, હું અહીં ઊભો છું; તમો બહાર જઈ આવો; મારે તમારી સાથે વાત કરવી છે. પછી પર્વતભાઈ બહાર જઈ આવ્યા એટલે સાથે સાથે ઘેર ગયા ને પર્વતભાઈએ નાહી, પૂજા કરી ત્યાં સુધી બેઠા. પછી બધી વાત કરી જે, અમે આ કામે જઈએ છીએ. મહારાજે તમારાં દર્શન કરી જવાનું કહ્યું છે. પર્વતભાઈ તો મહારાજની મરજી સદાય જાણતા; તેથી માતરા ધાંધલને પોતાની પાસે મોકલવાનું કારણ એમનું અજાણ્યું ન હતું. તેથી કહ્યું જે, તમે ઠીક કર્યું. ખરા દીકરા હોય તે બાપનું વેર લે જ. પણ એક બાપનું વેર લીધે વેર વળ્યું ન કહેવાય. આ જીવને ચોરાસી લાખ જાતના દેહ ધર્યા તેમાં અનેક બાપ થયા છે. તેમાં કોઈ મોતે મર્યા હોય અને કોઈ કમોતે મૂઆ હોય. એ બધાયનું વેર લેવાય તો વેર વળે. એમ કહી મહારાજના ઐશ્વર્ય-પ્રતાપની તથા આજ્ઞાની વાતો કરવા માંડી, તેથી તેને વેર લેવાના અંકુર બળી ગયા. પણ મોડું બહુ થયું તેથી સાથે આવેલા માણસો પર્વતભાઈનું ઘર પૂછતાં પૂછતાં ત્યાં આવી વઢવા લાગ્યા કે અમે ભૂખ્યા ને ભૂખ્યા તારી વાટ જોઈ જોઈને થાકી ગયા અને તું તો અહીં જ બેસી રહ્યો. તે ધાર્યું છે શું ? પછી તેને સીધું-સામાન લઈ જમાડ્યા ને કહ્યું કે, હવે મારે મારા બાપનું વેર લેવા જવું નથી. એમ સમજાવી સૌને પાછા જવા કહ્યું. ત્યારે તેના ભાઈબંધ કહેવા લાગ્યા જે, અરે ફોશી ! અહીં આવીને ફસકી ગયો. અમે ગામમાં જઈને લોકોને મોઢું શું દેખાડશું ? એમ ઘણાં તિરસ્કારનાં અને ચાનક ચડાવવાનાં વચન કહ્યાં, પણ પર્વતભાઈનાં દર્શન, સમાગમ ને કૃપાથી તેના અંતરમાં ગુણના વેગને લીધે જે ઉદ્વેગ હતો તે નિવૃત્ત થઈ ગયો. પછી તેના ભાઈબંધ ખિજાઈને દાઝે બળતાં, જેમ-તેમ બોલતાં બોલતાં ચાલ્યા ગયા. પછી માતરા ધાંધલે બે મહિના સુધી પર્વતભાઈનો જોગ-સમાગમ કર્યો ને બહુ રાજી થયા ને મહારાજે દર્શન કરી જવાથી જીત થશે એમ કહેલું તે વાત સમજાણી. પછી ગઢપુર આવી મહારાજનાં દર્શન કર્યાર્ં. ત્યારે મહારાજે કહ્યું કે, આવો માતરા ધાંધલ ! તમારા બાપનું વેર લઈ આવ્યા ? ત્યારે તેણે પર્વતભાઈના પ્રતાપની અને મોટપની વાતો કરી જેથી મહારાજ રાજી થઈને બોલ્યા કે, જોયું ! અમારું હથિયાર કેવું ? પર્વતભાઈ તો અમારા અનાદિમુક્ત છે ને તે તો અમારું હથિયાર છે. એમ મોટાના જોગથી બહુ ભારે કામ થાય છે. એક વખત ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ જામફળી નીચે પોઢેલા હતા. ત્યાં ઝાડ ઉપરથી જામફળ પડ્યું, તે સુધારી ઠાકોરજીને જમાડી એક ચીર હરિભક્તને આપી, તે પ્રસાદી જમતાં તે ભક્તને અલૌકિક દિવ્યભાવ આવ્યો. ત્યારે તે ભક્ત એમ બોલ્યા જે, આ તો ભગવાન છે. ત્યારે સંતોએ કહ્યું જે, આ તો આચાર્યજી મહારાજ છે. એમ મોટાને દર્શને તથા પ્રસાદી જમવે કરીને એવો દિવ્યભાવ આવે છે. કમળના ફૂલને જેમ પાણીનો પાસ અડે નહિ તેમ ઉત્તમ પુરુષને વ્યવહાર અડે નહીં. તે ઉપર ભોજા ભક્તની વાત કરી. પછી એમ બોલ્યા જે, મલિન અંતઃકરણ હોય તો ભૂત, પ્રેત, પંચવિષય વિગેરે બધાંય નડે, સ્વામિનારાયણ પધરાવી દીધા હોય તો એ કોઈ આવે જ નહિ; પંચભૂતનો જે દેહ તો બ્રહ્મરાક્ષસ છે. તે કાંઈ ને કાંઈ માગ્યા જ કરે છે. મરચાં માગે, ગૉળ માગે, ધાણાજીરું માગે એવા સ્વાદ માગે પણ તેને આપણે નવરો મેલવો નહીં. જો ભગવાનમાં જોડી દઈએ તો એ કામ કરી આપે માટે તે ભૂતને વશ કરવું. આ ટાણે સત્સંગમાં એ બધો વખત છે, જોગ છે અને આવા સંત સમજાવનારા છે પણ જીવ મોટાને ઓળખે નહિ અને પોતાની મહત્તા જણાવે એટલે કાંઈ કામ થાય નહિ, માટે ગુમાસ્તા થઈને રહેવું. મહારાજ કહે છે કે, મરેલાને પહોંચીએ, પણ જીવતાને ન પહોંચાય. જેમ કોઈકને ભૂત વળગ્યું હોય અને વળી પાછો બાધા રાખે, વળી કામણ-ટૂમણ કરે એને કેમ પહોંચાય ! એ કરતાં તો વાસનિકને એક સંકલ્પમાત્રે દુઃખમાંથી છોડાવી દઈએ. જેમ હાથીને મા’વત કબજામાં રાખે છે, તેમ આ દેહરૂપ ભૂતને કબજામાં રાખવું. કોઈ ખરેખરો ગોળી ભરીને ઊભો રહે તો પચાસ માણસ સામા આવ્યા હોય તોપણ ભાગી જાય. માટે ગોળી ખરેખરી ભરવી. ખાલી બંદૂક લઈને ઊભા ન રહેવું. મંદવાડ હોય અને માથામાં લોઢાના ગોળા મારે એથી કાંઈ દુઃખ ઓછું થાય ? ન જ થાય. માટે અવળા ઉપાય ન કરવા. મહારાજ અને મોટાના આશરે સુખિયા રહેવું પણ જાણીને દુઃખમાં પગ ઘાલવો નહીં. આવો જોગ છે તોપણ જીવ બહુ દુઃખિયા છે. કેટલાક તો એમ કહે છે કે, મારે કોઈ નથી તેનું શું કરવું ? માળામાં જેમ દોરો સળંગ છે તેમ માન, અપમાન, જાગ્રત, સ્વપ્ન વગેરેમાં મૂર્તિ મુખ્ય રાખવી. પ્રથમ મોટા મોટા સંતનાં કરડાં વર્તમાન કેવાં હતા ? ઠરાવ એવો રાખવો. વાછરડું કૂદકા મારતું જાય તો પગ ભાંગી જાય, માટે મહારાજની આજ્ઞા પાળવામાં યુક્તિ ન કરવી. મોટા મુક્ત તો બહારનો વ્યવહાર બધો કરે, પણ મૂર્તિને તો જાળવે અને બીજાને પણ એ મૂર્તિનું સુખ આપે. પણ જીવમાં મંદવાડ છે તેથી એ સમજાતું નથી. મંદવાડમાં લાડુ હોય તે ઝેર જેવા લાગે અને ભજિયાં-ફાફડા ને વડાં ભાવે. પણ જો સાજો હોય તો માલપૂઆ, લાડવા ને શીરો જમે ને પાંચ મણનો પથ્થર પણ ઉપાડે. શીરો ખાવા માંડે તો રોગીને ન ફાવે. તેમ પરભાવની વાતો મહારાજ અને મોટાનો મહિમા ન સમજ્યા હોય તેને ન ગમે. દોરડું હાથમાં રાખીને સમુદ્રમાં પડવું; તેમ શાસ્ત્ર છે, તે સમુદ્ર છે માટે મહારાજની મૂર્તિરૂપી દોરડું છોડવું નહીં. ।। ૫૭ ।।
વાર્તા ૫૮
પછી બાપાશ્રીએ વાત કરી જે, કોઈનું સંપેતરું પહોંચાડવું હોય અને કોઈ પરબાર્યો જમી જાય; તેમ જેને દેહ ને જીવ જુદા છે, એવી વિક્તિ નથી તેવા જીવનું જ્ઞાન ઇન્દ્રિયો બારોબાર વાપરી નાખે છે. ત્યારે સુખપરવાળા મિસ્ત્રી માવજીભાઈએ પૂછ્યું જે, મોટા મુક્ત જીવને બારોબાર જ્ઞાન આપે તો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ તથા મુક્તને વિષે દિવ્યભાવ હોય તો આનંદ થાય ને જીવ બારોબાર ગ્રહણ કરે ને તેમને વિષે મનુષ્યભાવ હોય તો ઇન્દ્રિયો દ્વારા વપરાઈ જાય, તેથી જીવ સુધી પહોંચે નહીં. માટે વાંદરાની પેઠે અધરપધર વૃત્તિ ન રાખવી. મોટા અનાદિમુક્ત વાત કરતા હોય તે દિવ્ય જાણવી. તેજના સમૂહને વિષે શ્રીજીમહારાજ છે અને ચારે બાજુ મુક્તની સભાથી બધું બ્રહ્માંડ ઠસાઠસ ભરાઈ ગયું છે, તેજનાં કૂંડાળાં પડે છે અને તેજનો ઘોષ થઈ રહ્યો છે. તેને પ્રણવનાદ કહે છે. એમ કહીને સૌને મૂર્તિના સુખનો આશીર્વાદ આપ્યો.
પછી એમ બોલ્યા જે, માળામાં મણકાનો દોરો જુદો દેખાય છે તે માયિકભાવ છે ને સળંગ દેખાય તે અનુભવજ્ઞાન છે. આ લોકનું જ્ઞાન ભણવેથી વધી જાય છે તો અનુભવજ્ઞાન વધે એમાં શું કહેવું ! એ જ્ઞાનને કોઈ પહોંચી શકતું નથી. આ લોકનું બહુ ભણીને પૃથ્વીનું અને જળનું પ્રમાણ કરે, પણ શ્રીજીમહારાજની મૂર્તિનું જ્ઞાન એનાથી થાય નહીં. મોટા અનાદિ તો અનુભવજ્ઞાનથી કરોડોને મૂર્તિનું સુખ આપે. દાડિયું કરીને વડોદરાનું રાજ્ય લેવું હોય તો ન મળે પણ રાજાની કૃપા થાય તો રાજી થઈને આપી દે. મોટા અનાદિમુક્ત અને મહારાજે આ સડક કાઢી છે. આ સભામાં જે મોટાને ન ઓળખે તેને તેટલું નુકસાન છે. છેવટ એમ સમજે તોય ઠીક જે, ભગવાનને ત્યાં બધુંય છે. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તથા આજના સંત તે સર્વે દિવ્ય છે. ખરેખરા સાધુતાના ગુણ આવે ત્યારે જ કામ પૂરું થાય. ખરેખરું સત્સંગમાં દાસપણું રખાય અને નિર્માનીપણે રહેવાય તો મનુષ્યભાવ તથા દિવ્યભાવ એક સમજાય, નહિ તો ન સમજાય. તે ઉપર ભૂજમાં વેદાંતાનંદ બ્રહ્મચારી મહારાજની પ્રસાદી જમ્યા નહોતા ને પછીથી પસ્તાવો કર્યો તે વાત કરી. એમ પ્રગટમાં સંશય રહી જાય છે, તે ન રાખવો. આજ તો મોટા અનાદિ શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ પ્રવર્તાવે છે અને મનવારો ભરી ભરીને અક્ષરધામમાં મોકલાવે છે. એવા મોટાનો જોગ કરીએ તો મહારાજને વિષે દિવ્યભાવ આવે ને નિઃસંશય થવાય. મોટા હજાર હજાર રૂપિયાના બારિસ્ટર આવતા ને સામા ઊભા રહેતા તોપણ શ્રીજીમહારાજના પ્રતાપે કેટલાક ભક્તોની રક્ષા થઈ છે, એવો મહારાજનો અલૌકિક પ્રતાપ છે. જેણે હાથ ઝાલ્યો તે કોઈ દિવસ મૂકે નહિ તેમ શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત સાથે સંબંધ થયો પછી તે કેમ મૂકે ? આવો જોગ મળ્યો છે તોપણ કેટલાક ભૂલી જાય છે તે કેવું અજ્ઞાન કહેવાય ? આ લોકમાં મોટા મોટા વ્યવહારના પહાડ પડ્યા છે, તેને તોડીને બ્રહ્મરાક્ષસને મારીને મહારાજને પધરાવી દેવા, જેથી કરીને મહારાજની મૂર્તિને પ્રતાપે અલૌકિક જ્ઞાન થઈ જાય. ત્યારે કોઈ એમ કહે જે, મોટાની ઓળખાણ વિના ને મહારાજનું સુખ આવ્યા વિના હેત કેમ થાય ? તેનું તો એમ છે જે, આપણે ભેગા થઈને કથા-વાર્તા કરીએ છીએ તે કેવળ મોક્ષને માટે ને મહારાજનું સુખ આવવા માટે કરીએ છીએ. આપણે તો એક શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિ ખરેખરી સાક્ષાત્કાર ચૈતન્યમાં પધરાવી દેવી તે પધરાવનારા મોટા અનાદિ આ વખતે તૈયાર છે તેમની સાથે દિવ્યભાવે જોડાવું.
પછી એમ બોલ્યા જે, સૂર્યના રથમાં બેઠાં તેને રાત્રિ-દિવસ નથી. એમ મૂર્તિ આકારે દૃષ્ટિ થઈ તેને કાળ નથી, કર્મ નથી, દિવસ નથી, રાત નથી, અવસ્થા નથી. એને તો પુરુષોત્તમનારાયણની મૂર્તિના તેજમાં સર્વે સુખમય થઈ ગયું છે. માટે મહારાજની મૂર્તિ વિના બ્રહ્મપુર, ગોલોકાદિક કાંઈ સંભારવું નહિ ને પૂછવું પણ નહીં. સંભારીએ તો મોટા કચવાય કે તેની કાંઈ ઇચ્છા હશે કે કેમ ? આપણે મોટા પાસે તેનું પ્રમાણ કરાવીએ તે ઠીક નહીં. એક સાધુએ અમને પૂછ્યું ત્યારે અમે કહ્યું કે, મૂર્તિ વિના અમે તો બીજું કાંઈ ભાળ્યું નથી ને જોયું પણ નથી. જો ખપે તો મહારાજની મૂર્તિ છે. શ્રીજીમહારાજે ગામમાં વન કર્યાં છે; તે વન તે શું ? તો જ્યાં માયા નથી, એવાં દિવ્ય મંદિરો કર્યાં છે; તે નાવરૂપ છે. નાવનો એટલો વિશ્વાસ રહે છે કે બેઠા પછી નક્કી કાંઠે ઉતારશે; તેમ મોટા મુક્તનો એટલો વિશ્વાસ રાખવો કે તે નક્કી મહારાજના સુખમાં પહોંચાડશે. “નિર્ગુણના ગુણ ગાય ધરમસૂત લાડીલો.” બીજું જ્ઞાન ઓછું થશે તો ચાલશે પણ એવો પ્રબળ નિશ્ચય રાખવો કે, આ સંત છે તે અનાદિ છે, નિર્ગુણ છે ને સભા બધી સળંગ છે; વચમાં મહારાજની મૂર્તિ છે. મૂર્તિને અને મુક્તને ભેગાપણું છે એમ સમજે તો બહુ કામ કરી દે. શાસ્ત્ર આડાં આવે તેને આ વાત સમજાતી નથી. બાળકનો રમાડનાર હોય તે બાળક જેવી વિધિ કરે અને જુદું જુદું પણ બતાવે તેમ સંત, મુક્ત, સભા ને મહારાજ એમ જુદું પણ રાખે ને ભેળું પણ બતાવે. ગૉળ, ખાંડ, ઘી બધુંય ભેગું થયે સુખ વધે, એકલો લોટ ખાધે સુખ ન આવે; માટે ભેગામાં સુખ છે. મહારાજની મૂર્તિ છે ત્યાં સર્વે મુક્ત બેઠા છે, આ તો દિવ્ય સભા છે તેને મૂકીને એકલા ન રહેવું ને કોઈ વાતે ધોખો ન કરવો. મહારાજ અને મોટા અનાદિ મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. છેલ્લી વખતે આવું ને આવું રહે એટલે બસ છે. આ લોકનો વ્યવહાર ભૂત જેવો છે તે બાઝે તો મૂકે તેવો નથી. કાઠિયાવાડના બળદને આર મારે છે પણ આરનો ભય નથી રહેતો કે હમણાં બીજી આવશે તેમ જોગ કરતાં કરતાં આ જ્ઞાન પેસી જશે એટલે બધુંય સમજાશે. જીવનો તો એવો સ્વભાવ છે જે, કાંઈક નજરે ભાળે તો આનંદ પણ અંદરનો આનંદ નહીં. માટે ખરેખરો મૂર્તિના સુખનો આનંદ અંદરનો રાખવો. સંપ્રદાયનું આડું-અવળું કાંઈક થાય તેમાં મહારાજ ને મોટા જે કરતા હશે તે ઠીક કરતા હશે એમ ન જાણે ને વચમાં પોતે કૂદી પડે, પણ મહારાજ ઉપર ન લાવે, એવી રીતે જીવ બહુ ભુલાણો છે. જીવનું શું ગજુ ? દેખાતું કાંઈએ ન હોય અને ધણી પોતે થાય, તેને ઘણી ખોટ આવે છે. ધણી તો મહારાજ તથા મોટા મુક્ત છે; માટે તેમને સાથે રાખીશું તો કાંઈ વાંધો નહિ રહે. મહારાજ અને સંતને ખરેખરા વોળાવા કરવા, એટલે તે ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડે. ।। ૫૮ ।।
વાર્તા ૫૯
કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી સભામાં બેઠા હતા. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, બાપા ! સૌને મૂર્તિના સુખમાં મેલી દેજો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, આપણે એ જ કરવા આવ્યા છીએ, તમારું પણ એ જ કામ છે. મહારાજ ને મુક્ત તો એ એક જ કામ કરે છે. આવી વાત ન જાણતા હોય એ તો ફાવે તેમ બોલે તેનું આપણે કાંઈ નહીં. આપણે તો મૂર્તિના સુખનો જ આહાર કરવો. સુખના નિધિ એક શ્રીજીમહારાજ છે તે મૂર્તિ મૂકવી નહીં. ત્રિવિધ તાપમાં બળતા જીવને મહારાજ અને મોટા અનાદિ શીતળ શાંત કરે છે. તાપ બળતો હોય અને જો એ આપણને જ્ઞાન કરે તો ટાઢા થઈ જવાય. “શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય.” એવું શ્રીજીમહારાજની મૂર્તિનું તેજ છે, તે જો ભડકે તો લાડકીબાઈના જેવું થાય, માટે ભડકવું નહીં. કલ્પેકલ્પ વીતી જાય તોપણ સુખ ને સુખ જ રહે છે. આપણે તો મહારાજ અને મોટાના ખોળામાં મસ્તક મૂકી દેવું. મોટા અનાદિ પૂરું કરી દેશે. એ વસ્તુ બહુ મોંઘી છે. સહેજમાં હાથ આવે એવી નથી; તેનો વિચાર કરવો તે અતિ કઠણ વાત છે. આપણા ઉપર મહારાજ તથા મોટાની દયા થઈ છે તેથી ખૂણામાંથી વસ્તુ મળી ગઈ છે તેને સાચવી રાખવી એ કરવાનું છે.
પછી સંતો સામું જોઈને કહ્યું કે, અમારા દેશમાં મોટા મોટા સદ્ગુરુ ફર્યા તે બહુ સમાસ થયો ને ધોતિયાંનું ગાડું ભરી લાવ્યા. એમાં સમજવાનું એમ છે જે, પરિપક્વ નિશ્ચયવાળાને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે પણ એમાં લેવાવું નહીં. અને એમ જાણવું જે રાજાના કારભારી હોય તે જ્યાં જાય ત્યાં નવાં નવાં સન્માન મળે, એ બધું રાજાને લઈને છે; માટે પારકી મિલકતના ઘરાક થાવું નહીં. કોઈને એમ થાય જે અમે મોટા દિગ્વિજય કરીએ છીએ અને સત્સંગીને વાતેચીતે સુખિયા કરીએ છીએ એમ ન જાણવું. એ તો સર્વે મૂર્તિને લઈને સુખિયા છે. તે વિના કૂદી કૂદીને દેહ પાડી નાખે તોય સુખ ન થાય. આ તો મૂર્તિનો આનંદ છે પણ સમજાતું નથી. નારદ, શુક, સનકાદિક તથા ગોપીઓ આદિકની પ્રાપ્તિ તો આ સુખની આગળ કાંઈ ગણતરીમાં નથી. આ ખંડનની વાત નથી પણ મોટપની વાત છે. સંતના પાત્રમાંથી મોટા દેવાદિક પ્રસાદી લઈ ગયા. એ બધા દેવ દિવ્ય થવા આવ્યા હતા. આપણા ઘરની આપણને જ ક્યાં ખબર છે ? જેમ જેમ મહારાજની મૂર્તિને સમીપે ચાલે તેમ તેમ વિધિ વધારે કરવી જોઈએ. ખંડિયો રાજા રાજી થાય તો શું આપે ? પણ ચક્રવર્તી રાજા રાજી થાય તો ન્યાલ કરે; તેમ બીજા અવતાર ખંડિયા રાજા જેવા છે અને મહારાજ તો ચક્રવર્તી રાજાને ઠેકાણે છે. સરકાર તો ફક્ત ટોપી પહેરીને ઘોડે બેસીને ફરવા જાય અને બીજાં રજવાડાં છે તે બાર મહિનામાં પાંચ-સાત વખત તો અસવારીયું કાઢે છે તે મોટાઈ દેખાડવા માટે છે તેમ મહારાજ પોતાની મોટપ દેખાડતા નથી. પણ અવતારો મોટપ દેખાડે છે. તેથી મહારાજની મોટપ દેખાઈ આવે છે. કેમ કે, “સર્વેના સ્વામી શ્રીહરિ રે, સર્વેના કહાવિયા શ્યામ.” માટે શ્રીજીમહારાજને સાથે રાખે તો કોઈનો ભય રહે નહીં. ખરી મોટપ એક મહારાજની મૂર્તિમાં છે. જગતના જીવનું પ્રારબ્ધ બીજા છે અને આપણું પ્રારબ્ધ મહારાજ છે. ઘાટ-સંકલ્પ થતા હોય અને મહિમાએ સહિત ગદ્ગદ કંઠે થઈને પ્રાર્થના કરે તો ઝેર ઊતરી જાય. પછી આ લોકમાં મોટપ, સારપ, કામ, ક્રોધ એ કાંઈ વસ્તુ જ નથી. મોટપ એક મહારાજની મૂર્તિમાં છે. શીતળતા વગેરે સર્વે ગુણ તેમાં છે. બીજાં સુખ તો નકામાં છે. પણ મહારાજનો મહિમા ન હોય તો એમાંય માલ જણાય. દિવ્યભાવમાં માનસીપૂજા કરે તેને બહુ સુખ આવે. જેમ ભાવ બેસે તેમ કરવું. ભાવ ફક્ત સુખનો છે. સુખ મહારાજની મૂર્તિમાં છે. જબરા રાજ્યમાં બેઠા છીએ અને ધણી મોટા મળ્યા છે, પણ ભિખારણના સ્વભાવ જીવને બહુ નડે છે. જે સત્સંગને દિવ્ય ન સમજે અને સર્વેના ઉપરી મહારાજ છે એમ ન સમજે તેને આ લોકમાં ઘણું કરવાનું રહી જાય. એક પારસથી પારસ બને એવા મહારાજ છે. ઝવેરી જેમ નંગની પરીક્ષા કરે છે તેમ મહારાજની મૂર્તિનું પારખું કરવું. મોટા શેઠિયામાં ભાગ રાખવો પણ જ્યાં ત્યાં ન રાખવો. “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા, આજ ધર્મવંશીને દ્વાર.” આ તો સુખનો સમુદ્ર છે; કૂવો-તળાવ નથી જે સુકાઈ જાય. માટે મોટા સુખને પામવું હોય તો આવો મૂર્તિમાં. જેમ જેમ નવાં નવાં સુખ ભોગવતા જાય તેમ તેમ અપારપણું વધતું જાય. કલ્પેકલ્પ વીતી જાય એટલું એ સુખનું અપારપણું છે. અમે તો એવો જ આશીર્વાદ દઈએ છીએ કે, બધોય સત્સંગ સાજો આબાદ ભગવાન પાસે જાય અને બધાય અનાદિની પંક્તિમાં ભળી જાય. અનાદિના સંકલ્પે કરીને મૂર્તિ મળે છે ને ધામ મળે છે. જેમ વીજળી સડકો મારીને નાસી જાય તેમ મહાપ્રભુનું સુખ ક્યારેય ભુલાય એવું નથી. માયિકભાવવાળાને મતે અક્ષરધામમાં મૂકી આવ્યા અને દિવ્યભાવવાળાને મતે પાસે રાખ્યા એમ છે. પોતે પોતાની કસર જાણપણારૂપ દરવાજે રહીને કાઢી નાખવી. સ્વામિનારાયણને ત્યાં મડદું નહિ શોભે. બાર મહિના સુધી બેઠા હોય, પણ જો મોટાની દયા થાય તો એક કલાકમાં કામ કાઢી નાખે. માંહી કામ, ક્રોધ આદિક ચોરંટા છે. એને કાઢી નાખવાં; તેમાં શ્રીજીમહારાજને સાથે રાખે તો કોઈનો ભય રહે નહીં. મહારાજની પ્રસન્નતાને અર્થે જેમ જેમ મૂર્તિ સન્મુખ ચાલે તેમ તેમ વિધિ વધારે કરવો જોઈએ તો મહારાજ તથા મોટા રાજી થાય. ।। ૫૯ ।।
વાર્તા ૬૦
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ભમરી મધ ભેળું કરે છે તેમાં થોરિયાનું લાવે, આંબાનું લાવે અને અભરી વસ્તુમાંથી પણ લાવે; એમ ભેગું કરીને પણ રસ મીઠો મેળવે છે. તેમ આપણે પણ સર્વેમાંથી ગુણ લઈ લેવા. મૂર્તિરૂપ તથા મોટા અનાદિરૂપ નિશાનને ઝાલી રાખવું. આંહીં ગોલોકના મુક્ત, તથા અક્ષરના મુક્ત છે અને પૃથ્વીના મુક્ત પણ છે. માટે અનાદિના ભેળા જવાનો છેલ્લો ઠરાવ રાખવો. જેને મહારાજ સાથે એકતા થઈ હોય તેને તો જ્યાં મહારાજ હોય ત્યાં અનાદિમુક્ત હોય, તેને જવા-આવવાનું નથી. અ.મુ. ગોપાળાનંદ સ્વામીને કોઈકે કહ્યું જે, તમે ક્યાં છો ? ત્યારે તે બોલ્યા જે, મહારાજની સેવામાં, એવું છે. એવા મોટાની આગળ નિષ્કપટપણે ન વર્તે તો અંતઃશત્રુ ઘા કરે જ. મોટાની પ્રસન્નતા વિના રાજ-અધિકારે કાંઈ નામ ન રહે. દાદાખાચર અને પર્વતભાઈ જેવા મહારાજની સાથે રહ્યા તો તેમનાં નામ અખંડ છે. એવા શુદ્ધ પાત્ર થવું ને પોતાના દોષ ટાળવા. જે નિષ્કપટપણે ગદ્ગદ કંઠે થઈને મોટા મુક્તને પ્રાર્થના કરે તેના દોષમાત્ર ટળી જાય, માટે દોષને તો સભામાં ફજેત કરીને પણ કાઢવા જેવા છે. તે જો ઝાઝા માણસમાં ફજેત થઈને જાય તો ફરીથી આવે નહીં. પોતાની ભૂલ ને દોષ ઓળખાય તે કાંઈ ઓછી વાત નથી, એ પ્રતાપ સ્વામિનારાયણનો છે. માટે ભૂલ જણાવે તો તે દંડવત કરવા યોગ્ય થાય. એ તો ભૂલો પડેલો ઘેર આવ્યો કહેવાય. માટે મહારાજ તથા મોટા મુક્તને રાજી કરી લેવા. મોટા અનાદિને તો અવતારાદિક પણ વંદે છે. આ સંત બધા શ્રીજીમહારાજનાં સ્વરૂપ છે. જો મહારાજની મૂર્તિમાં રહે ને સમીપમાં રહે એટલે જુદાપણું ન મનાય તો દેહધારી આગળ આ વાતનું પ્રમાણ કેમ થાય ? “એ તો દેહદર્શી દેખે પોતા જેવા સંસારી.” “સૌના સન્મુખ શામળિયો.” એ મૂર્તિમાં વૃત્તિ રહે તેને તો અતિ હેત થાય. એવો દિવ્ય આકાર, દિવ્ય સ્વરૂપ, દિવ્ય મૂર્તિ, જેટલા ભગવાનના અવયવ તેટલા અનાદિમુક્તના અવયવ. તેજોમય મૂર્તિ ઝળક ઝળક ઝળકે છે. તેમાં મુક્ત સર્વે રહ્યા છે. મહારાજનું સુખ જ્યાંથી લેવું હોય ત્યાંથી મળે છે. રોમ રોમનાં નવાં નવાં જુદાં જુદાં સુખ ભોગવે છે. એ વસ્તુ એવી છે કે તે શાસ્ત્રથી કે કહ્યાથી ખબર પડે તેમ નથી. તે તો સુખમાં પહોંચશે એટલે જણાશે. મહારાજની મૂર્તિમાં અનેક જાતનાં સુખ રહેલાં છે. મુક્તને મહારાજનું સન્મુખપણું છે અને મહારાજને મુક્તનું સન્મુખપણું છે. મોટા અનાદિને તો રોમ રોમ પ્રત્યે રસબસ રહેવાપણું છે. એ સર્વે શ્રીજીમહારાજની મોટાઈ છે. નરનારાયણ, રાધાકૃષ્ણ એ સર્વે મહારાજના સંકલ્પ છે અને ધ્યાન તો મૂળ મૂર્તિ જે હરિકૃષ્ણ મહારાજ તેનું જ થાય છે. માટે એ બધાંય સ્વરૂપનાં દર્શન કરતી વખતે શ્રીજીમહારાજની મૂર્તિ ધારીને કરવાં. સર્વેમાં શ્રીજીમહારાજનો ભાવ લાવવો. મહારાજ અહીં સર્વે દિવ્ય સુખનો સમાજ લાવ્યા છે. પણ જીવ જેમ જેમ પાત્ર થતા જાય તેમ તેમ આ અલૌકિક વાત સમજાય છે અને સુખિયા થતા જાય છે.
પછી એમ બોલ્યા જે, જેને જેટલી સ્થિતિ થઈ હોય, મૂર્તિના સુખની પ્રાપ્તિ થઈ હોય, અનાદિમુક્તની ઓળખાણ થઈ હોય એટલા સુધીની જ બીજાને વાત કરવી, તો તેટલી સ્થિતિ બીજાને પમાય; પણ સ્થિતિ વિના વાત કરે તેનાથી બીજા જીવને સમાસ થાય જ નહીં. મોટાની પ્રાપ્તિનું પણ એમ જ સમજવું અને કેટલાક તો પોતે પોતાની સ્થિતિ ઉપર વાત કરે તે પોતાનેય સમજાય નહિ અને બીજાને લોચા વળાવે તેથી સમાસ થાય નહીં. માટે પોતાની સ્થિતિ સુધીની બીજાને વાત કરવી. લાખ મણ લોઢાનો ગોળો ઘસાઈ જાય એટલું ધામ છેટે છે તે સાધનદશાવાળાની વાત છે. અહીં અને ત્યાં એ આ લોકનો શબ્દ છે. ત્યાં એટલે દિવ્યભાવ અને આંહીં તે આ લોકનો ભાવ. બહારવૃત્તિવાળાને આંહીં ને ત્યાં છે. અક્ષરધામમાં તો સર્વે મુક્ત સૌની સાથે સન્મુખ દેખાય છે. અનાદિમુક્ત તો રસબસ રહ્યા થકા મૂર્તિમાં કિલ્લોલ કરે છે. મહારાજ સહુને સર્વત્ર દેખાય, મંદમંદ હસતા હોય અને મંદ મંદ બોલતા હોય, બધાય મુક્ત મૂર્તિનું સુખ લે છે. ત્યારપછી પુરાણી ધર્મકિશોરદાસજીને વાતો કરવાની આજ્ઞા કરીને બાપાશ્રી નાહવા પધાર્યા. ।। ૬૦ ।।
વાર્તા ૬૧
રાત્રે મેડા પર આસને બાપાશ્રી વાતો કરતા હતા. તે વખતે મનફરાવાળા માનસંગ ભક્તે પૂછ્યું જે, બાપા ! સત્સંગમાં મહારાજના મહિમાની વાતો બહુ થાય છે તે સાંભળીએ છીએ તોપણ ઘાટ-સંકલ્પ કેમ ટળતા નહિ હોય ? ને માનસીપૂજા કરવા ટાણે, માળા ફેરવવા ટાણે ને ધ્યાન કરવા ટાણે કંઈક ઘાટ-સંકલ્પ આડા આવીને ઊભા રહે છે તે કેમ ટળે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજના આશ્રિતને એ મૂર્તિનું બળ રાખવું ને મોટા સંતનો મહિમા સમજવો એટલે એ ઘાટ નડી ન શકે. આ ટાણે બહુ ભારે કામ થાય છે. માટે ઢીલા-પોચા ન રહેવું અને દેહમાં ટોળું ભરાઈ ગયું છે તે બહુ જબરું છે. એના જ્યારે ઘાટ થાય ને મનન કરે ત્યારે એનો સાક્ષાત્કાર થાય. માટે થતા ઘાટને જ દંડ દઈને કાઢી મૂકવો અને જેમ વિદ્યાર્થી ભણે છે ને ગોખે છે તે પાકું થઈ જાય છે તેમ મનન કરવાથી પાકા ઘાટ થઈ જાય છે, માટે ઘાટનું મનન કરવું નહીં. આપણને નબળા ઘાટનો અભાવ હોય તો મરેલા જાણવા અને હેત હોય તો જીવતા જાણવા. માટે ખબડદારી રાખવી અને પોતાને પાપી ન માનવું. આપણે ગૃહસ્થને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે, તેથી આઘું-પાછું વર્તવાનું કદી કરવું નહીં. અને કોઈ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે નહિ તેના વચનમાં વિશ્વાસ કરવો નહીં. મોટાનો મહિમા બરાબર સમજે તેનું તરત કામ થઈ જાય છે તે જ્યારથી જોડાય ત્યારથી તેનું કલ્યાણ થાય. સાધનવાળાને દેહને અંતે કલ્યાણ છે. જેમ એકને રોકડા રૂપિયા ને એકને હૂંડી વટાવવી બાકી છે તેમ. મહારાજની મૂર્તિનું અનુસંધાન સર્વે ક્રિયામાં રાખવું. મહારાજના સંત સર્વેને દિવ્ય જાણવા, તેનું મનન કરવું પણ એથી પરવારવું નહીં. પાંચ વખત માનસીપૂજા કરવી અને તેનો કેફ પંદર કલાક એટલે આખો દિવસ રહે. વ્યવહાર કરવામાં એક વરસ આગળથી ઠરાવ કરે છે. તો માનસીપૂજા કરતાં એક એક કલાક ઠરાવ થાય અને એક એક કલાક પછી સાંભર્યા કરે એમ કરતાં કરતાં અખંડ થઈ જાય. બહારની સેવા-ભક્તિ થાય પણ ટાણું આવે ત્યારે માનસીપૂજા ભૂલી જવાય. આગળ-પાછળ થઈ જાય તો તે કેવું થયું કે, જેમ કોઈકને નોતરું દઈને પછી ટાણે જમાડે નહિ તો કચવાઈ જાય; તેમ નિયમ વિનાની માનસીપૂજા પણ એવી છે. એક વખત ભૂલી જવાય તો બે વખતની ભેગી કરે એમ કાંધા કરે, એમ કાંધા કરતાં પણ પૂરું થાય નહિ ત્યારે દેવાદાર થઈ જવાય, માટે નિયમસર માનસીપૂજા કરવી, પણ કાંધા કરવા નહીં. ધણીના ઘરમાં આવ્યા પછી ધણીની મરજી પ્રમાણે વર્તવું જોઈએ, નહિ તો કાઢી મૂકે. મહારાજે એક સાધુને ચોંટી ભરી તેથી જતા રહ્યા. દેહનું કામ એવું છે. ।। ૬૧ ।।
વાર્તા ૬૨
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ધર્મ તો સ્વામિનારાયણને ઘેર છે, બાકી તો ઘેર ઘેર ભાંગેલાં ઠીકરાં છે. ખપ હોય તેને સત્સંગમાં ઘણાં મોટેરા પડ્યા છે તેને જોગે કરીને પોતાનું પૂરું કરી લેવું. આ સભાની ચરણરજ વાળેલી હોય તે રજનો મહિમા જાણીને પાપી જીવ માથે ચડાવે તો તે પાપી હોય તો પણ પાપથી મુક્ત થાય અને ભૂત-પ્રેત હોય તો તે પણ જતું રહે. તે ભૂત-પ્રેત વાસનાએ કરીને અને મોટાનો અપરાધ કરવે કરીને થાય છે. પ્રેત એટલે વાસનાવાળું, પ્રેતને લાજ હોય અને ભૂત એટલે વધારે પાપવાળું. જેણે મોટા મુક્તનો દ્રોહ કર્યો હોય, ભગવદીનો દ્રોહ કર્યો હોય તે ભૂત થાય. તેને લાજ પણ હોય નહીં. વળી તેનો આહાર મલિન એટલે ખાવા-પીવાની નકારી વસ્તુ, જેથી કરીને દિવસે દિવસે વધારે મલિન થતો જાય. કેટલાક આવા દુઃખિયા વિચાર વિના થઈ જાય છે. માટે કોઈને શિખામણ દેવી હોય તોપણ શુદ્ધ સત્ત્વમાં રહીને દેવી, તમોગુણી થઈને ન કહેવું. જેમ મા-બાપ છોકરાંને શિક્ષા કરે છે, પણ અંતરમાં રાજીપો રાખીને. પછીથી કાંઈ ખાવાનું આપીને છોકરાંને રાજી કરે છે; તેમ કરવું પણ બીજાને ટાઢા કરવા જાય ને પોતાને બળાપો થાય અને નાના-મોટાનો અપરાધ થઈ જાય એમ ન કરવું. સત્ત્વગુણથી સમાસ થાય છે. તે શુદ્ધ સત્ત્વગુણથી થોડુંક કહે તોપણ દાબ વધારે બેસે છે. મલિન સત્ત્વગુણ એ તો માયાનો ગુણ છે. તેમાં રહીને કદાપિ ધ્યાન કરતો હોય કે માળા ફેરવતો હોય, પણ માંહીથી ધક્કો લાગે ત્યારે બીજાને લડવા માંડે ને ક્રોધ આવે, માટે શુદ્ધ સત્ત્વગુણી થાવું. મલિન સત્ત્વગુણ ઉપરથી તો શાંત દેખાય છે પણ એ ત્રણે ગુણ એક જ ભાઈ છે. જેમ લીંબોળી પાકી હોય તેને ઉપરથી ખાય તો જરાક ઠીક લાગે, પણ કચરીને ખાય તો તે પણ ઝેર જેવી કડવી લાગે. તેમ ત્રણ ગુણથી જુદા રહી નિષ્કપટપણે સત્સંગ કરવો. મોટા મુક્ત આગળ નિષ્કપટપણે અને સરળ સ્વભાવે વર્તવાથી મોટા બહુ રાજી થાય છે.
પછી એમ બોલ્યા જે, અમે એક વખત જેતલપુર જતા હતા. ત્યાં અસલાલીની ભાગોળે કેટલાંક નાનાં નાનાં છોકરાં દોડતાં દોડતાં આવ્યાં ને આળોટવા મંડ્યા. તે જોઈ અમે બહુ રાજી થયા અને સિગરામમાંથી નીચે ઊતર્યા, તેથી તે દર્શન કરી બહુ આનંદ પામ્યા. એમ જે મોટાના જોગમાં આવી જાય તેનું તો બહુ ભારે કામ થાય છે. આ સમે મહારાજ કહે, અમારે પાત્ર-કુપાત્ર જોવાં નથી. અમે તો અનંત જીવને અભયદાન આપવા આવ્યા છીએ. અમારા મુક્તનો ને અમારો વાયરો અડે એટલામાં કામ પૂરું થઈ જાય. મોક્ષનાં લાખો સાધન લખ્યાં છે, પણ મહિમા ને દિવ્યભાવ જેવી મોટી વાત કોઈ નથી, એમ ભગવાનના ભક્તે સમજવું. જો એમ ન સમજાય તો મહારાજની પ્રસન્નતા થાય નહીં. આ સમે મહારાજે જીવો ઉપર અપાર દયા કરી છે. ।। ૬૨ ।।
વાર્તા ૬૩
ફાગણ વદ ૮ને રોજ સવારે નિત્ય વિધિ કરીને સંત-હરિભક્તોને મળ્યા ને બોલ્યા જે, આ મળવું બહુ મોંઘું છે. આ સભા અક્ષરધામની છે, મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે. મહારાજ મધ્યસ્થ બિરાજે છે, સૌને અમૃત નજરે જુએ છે. આપણે એ મૂર્તિના સુખનો આહાર કરવો. જીવ પંચવિષયના વલખામાં આવરદા ખોઈ નાખે છે. આપણને તો કારણ મૂર્તિ શ્રીજીમહારાજ મળ્યા છે, તે કામ બહુ ભારે થઈ ગયું છે, એ લાભનો કેફ રાખવો. “સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે” એવા શૂરવીર થાવું. મહાપ્રભુએ દયા કરી એટલે સોંઘા થયા. મૂર્તિમાં રહેનારા મુક્ત ઓળખાણા એ બધો શ્રીજીમહારાજનો પ્રતાપ; હવે તો “અમૃતરસ મેલી રે વિખ હું નહિ ચાખું, રસિયા તમ વિના રે વા’લું નહિ રાખું” એમ રહેવું. એમ વાત કરતા હતા ત્યાં એક હરિભક્તે આવીને સભાનાં દર્શન કર્યાં ને બાપાશ્રીને ફૂલનો હાર પહેરાવી દંડવત કર્યા. ત્યારે બાપાશ્રી કહે, રાખો ! એમ કહીને તેના મસ્તકે હાથ મૂક્યા. પછી હારને હાથમાં લઈને સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું, સ્વામી ! આ ફૂલ ખોટાં છે; માંહી સુગંધ નથી. ત્યારે સ્વામી કહે, બાપા ! આપે અંગીકાર કર્યાં એટલે સાચાં થયાં. ત્યારે બાપાશ્રી કહે, હા, એ વાત તો સાચી; આ સભા સર્વે દિવ્ય છે. આ સભા સ્વામિનારાયણ ભગવાનની છે, તેમાં જે આવે તે દિવ્ય. વસ્ત્ર, વાહન, સેવક, સર્વે અલૌકિક, દિવ્ય. આજ તો બહુ ઉત્તમ જોગ બન્યો છે, એમ વાત કરતા હતા ત્યાં સાંવલદાસભાઈ આવ્યા ને દર્શન કરી જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે બાપાશ્રીએ રમૂજ યુક્ત સિંધી ભાષામાં પૂછ્યું જે, ‘આંઈ કિતે હુઆ ?’ (તમે ક્યાં હતા ?) ત્યારે સાંવલદાસભાઈ કહે, ‘બાપા ! શ્રીજીમહારાજજી મૂર્તિ મેં.’ તે સાંભળી બાપાશ્રી પ્રસન્ન થયા. તે વખતે ચંદનનો વાટકો લઈ પુરાણી ધર્મકિશોરદાસજી આવ્યા ને શ્લોક બોલીને બાપાશ્રીને ભાલે ચંદન ચર્ચ્યું. ત્યારે બાપાશ્રીએ તે વાટકો લઈ બંને સદ્ગુરુ, પુરાણી, પાર્ષદ, આશાભાઈ, મોતીભાઈ આદિ સૌને ચર્ચવા માંડ્યું. પછી સોમચંદભાઈને આગળ બોલાવતાં કહ્યું જે, આવો ઓરા. પછી સદ્ગુરુ સ્વામીને કહે, જુઓ ! આ અમારા ગરીબડા સેવક. એમ કહીને સૌના ભાલે બાપાશ્રીએ પોતે ચંદન ચર્ચ્યું. પછી હાથ લૂઈને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આ ટાણે આ સભામાં જે આવે તેનાં અહોભાગ્ય ! આ સભામાં બહુ મોટું કામ થાય છે. ક્યાં જીવ ને ક્યાં જીવન ! આ તો બહુ જબરી વાત છે. આવો આ સભાનો દિવ્યભાવ સમજાય એટલે પૂરું થઈ રહ્યું. જુઓને ! પૂજા કર્યા પછી સાત વખત મેળાપ થયો. ઊઠતાં, ના’તાં, પૂજા કરીને મળતાં, હાર પહેરાવતાં, પ્રસાદી આપતાં, સૌ સંત-હરિભક્તોને ચંદન ચર્ચતાં, ચરણસ્પર્શ કરતાં, આવો મહિમા જણાય તો કામ થઈ જાય. ચારેકોરે સંતનાં વૃંદ છે ને મહારાજ સર્વેને સન્મુખ છે. અનાદિની તો વાત જ શી કહેવી ! તેને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં. એવી આ સભા તેનાં દર્શન, સ્પર્શ, પ્રસાદી, મળવું, પૂજા કરવી, વાયરો લેવો; એ જેવું બીજું કાંઈ નથી. આ સભામાં મહારાજ અખંડ બિરાજે છે. તે ભગવાન જેવા બીજા કોઈ અનંત બ્રહ્માંડમાં નથી. આ તો ન્યાલકરણ પધાર્યા છે.
પછી બાપાશ્રી પ્રસન્ન થકા વાત કરવા લાગ્યા જે, અમારી પાસે કેટલાક પોતાના દોષની માફી માગી જાય છે. તે અમે તો તેનો દોષ માફ કરીએ છીએ પણ મહારાજનો સિદ્ધાંત એ છે જે મોટાની આગળ માફી માગીને દોષ ટળાવવા જાય અને પછી પાછા કપટ રાખીને એને એ માર્ગે ચાલે તો કૃતઘ્ની કહેવાય, માટે એમ ન કરવું અને સાચાભાવે મહિમા સમજીને માગવું. તે ઉપર વાત કરી જે, સ્વામી નિર્ગુણદાસજી તથા લક્ષ્મીરામભાઈ આદિ અમો ભૂજમાં હતા. ત્યાં એક હરિભક્તે આવીને પ્રાર્થના કરીને પ્રાયશ્ચિત્ત માગ્યું, તે દેહે થાય તેવું નહિ ને દ્રવ્યની સત્તા પણ નહીં. પછી અમે કહ્યું જે, આ લક્ષ્મીરામભાઈ વ્યાસગાદી જેવા કહેવાય. સ્વામી, તમે પણ એવા જ છો અને હું તો આપનો દાસ છું, તે થોડું ઘણું જાણું છું માટે કૃપા કરો ને ! એનાં પંચમહાપાપ હોય તે બળી જાય. શાસ્ત્ર તો પૂર્વે ઋષિ લખી ગયા છે, પણ તમે તો હજૂરી મુક્ત છો તે દયા કરો. પછી એના ઉપર કૃપા કરીને કહ્યું જે, આજથી તમારા ગુના માફ છે. એમ અમે મહારાજ પાસે માગીએ છીએ. મોટાની નજર તો એવી છે કે જીવને કોઈ પણ પ્રકારે ઉગારવો. કોઈ તર્કબુદ્ધિ ન કરશો. તર્ક થાય તો તેને માથે ભાર છે. માટે સૌ નિઃસંશય રહેજો. માયા પાપરૂપ છે તે ફેરવી નાખે છે. ગોથાં ખવરાવી સંસારમાં નાખી દે એવી છે. માટે શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળવી. મહારાજ ને મોટાનો પ્રતાપ બહુ જબરો છે અને એ પણ જાણવું જોઈએ કે આ થડ સાચું છે. જો સત્સંગમાં દિવ્યભાવ હોય તો પાર આવી જાય. આ ટાણે જોગ સારો છે, સર્વેનું પાર કરી દીધું છે. જો મહિમા હોય તો સર્વેના નવા અવતાર થઈ ગયા છે એમ જણાય. મહારાજે અક્ષરધામની સભા કહી એવી આ સભા છે. અહીં નાના-મોટા જણાય છે પણ પરભાવમાં બધાય સરખા છે; એમ મહારાજે સમ ખાઈને કહ્યું છે.
પછી એમ બોલ્યા જે, અમારો નાનો દીકરો દર્શને આવ્યો હતો. તેની પાસે અમે સર્વે સંતને દંડવત કરાવ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ તેને કહ્યું જે, તું બાપાને દંડવત કર, પણ તેણે દંડવત કર્યા નહીં. ત્યારે અમે કહ્યું કે, એ તો ઘર કી બાત હે. ભેળા રહે ને મહિમા ન હોય તો ઘર કી બાત જેવું થઈ જાય. મુદ્દો હાથ ન આવે. સત્સંગી હરિભક્ત, સંત સર્વે દિવ્ય છે. એટલું તો ખરું કે મોટાને જોગે કામ બહુ થઈ જાય છે. ઝાડની છાયા તળે બેઠા હોઈએ તેમાં બધાને કેવી શાંતિ થઈ જાય છે ? ત્યારે મોટાપુરુષની છાયામાં કાંઈ હશે કે નહીં ? ત્યારે સ્વામીએ કહ્યું જે, તડકે જઈએ તો તાપ લાગે છે તેનું કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ તથા મોટા મુક્તને સંભારી દિવ્યભાવે ભેળા રાખવા. નહિ તો વાતોના પકવાન જેવું થાય ને ભૂખ ન ભાગે. ચાલોચાલ સત્સંગથી સુખ ન આવે. અને કોઈના દોષ, અવગુણ આવે તો વેપારમાં કમાવાને ઠેકાણે ખોટ આવી જાય. ડુંગરાને પોતાની મેળે ઉથામી નાખે તો કાંઈ ન મળે પણ કોઈના કહેવાથી થોડી મજૂરી કરે તો ચાર પૈસા મળે. તેમ મહારાજ અને મોટાની આજ્ઞાથી કરે તો બહુ કામ થાય. મહારાજ અને મોટા કૃપાસાધ્ય છે. આ તો શ્રીજીમહારાજનો ચમત્કાર છે. સંતદાસજીનો દિવ્ય દેહ થયો ત્યારે શ્રીજીમહારાજ અને અનંત મુક્ત સાથે ને સાથે, એ બધોય પ્રતાપ કારણ મૂર્તિનો. મહારાજના અનાદિને હાથ જોડવા એ કાંઈ ઓછી વાત નથી. આ વાત આપણને મોટી મળી છે. આવા મોટાનો વિશ્વાસ રાખવો. આપણું પૂરું કરવું તે મહારાજ અને મોટા મુક્તના હાથમાં છે. મોટાની સ્થિતિ બહુ જબરી છે, આ લોકના ભાવ દેખાડે છે તે પણ અનંતના સમાસને અર્થે છે. એમની સ્થિતિને સંભારે તો કામ-ક્રોધાદિક નડી શકે નહિ, કદાપિ નડતા હોય તોપણ મોટા મુક્ત તેની સહાય કરે. સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજીમહારાજનો વિયોગ થાય તો રુધિર નીકળતું તોપણ મોટાએ કબૂલ કર્યું નહીં.
પછી સોમચંદભાઈએ પૂછ્યું જે, બાપા ! જીવને વ્યતિરેક મૂર્તિનો સંબંધ ક્યારે થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ તો જીવથી લઈને અક્ષર પર્યંત સર્વેને વિષે અંતર્યામીપણે એટલે અન્વય સ્વરૂપે રહ્યા છે. તે સારંગપુરના ૫મા વચનામૃતમાં કહ્યું છે, પણ જ્યારે શ્રીજીમહારાજ આ લોકને વિષે મનુષ્ય રૂપે દેખાય ત્યારે જે જીવ મોટાપુરુષનો સમાગમ કરીને શ્રીજીમહારાજને જેવા છે તેવા સર્વોપરી જાણે ત્યારે તેનું મૂળ અજ્ઞાન નાશ પામે ને શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનો સંબંધ થાય. ત્યારે તે મુક્ત થાય. માટે વ્યતિરેક મૂર્તિનો સંબંધ તો મુક્તને જ છે. ।। ૬૩ ।।
વાર્તા ૬૪
બાપાશ્રીએ વાત કરી જે, મહારાજને પામવા સર્વદેશી પુરુષ જે મોટા મુક્ત તેની જરૂર પડે છે. મહારાજ કહે છે કે, દેવ જેવો થાય ત્યારે દેવ પૂજા અંગીકાર કરે. પણ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા અનાદિમુક્તનો જોગ આવી જાય તો કામ કરી નાખે. ખંડિયા રાજા અને સ્વતંત્ર રાજા એ બેયના હુકમ સરખા હોય, પણ સામર્થીએ કરીને બળ જુદું રહે છે. તેમ મોટા મુક્ત દેવ પધરાવી દે તો સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિ એમના આશીર્વાદે દેખાય. એવા મોટાની સેવા કરવી હોય તો એક કલાક પણ ન થાય, એ મહિમા ન કહેવાય. આ તો ખરો મુદ્દો હાથ આવ્યો છે તે જો મૂકી દઈએ તો રખડી પડીએ. ખરેખરો તારુ હોય તોપણ સમુદ્રમાં દોરડું રાખે છે, તેમ ઉપાસનારૂપી કાંઠો હાથમાં રાખવો. પટાવાળો પટો મૂકી દે તો માર ખાય, તેમ જીવ ધણીની સહાયતા મૂકી દે તો આગળ કેટલું ચાલે ! રાજાના કુંવરને પોતાના વૈભવ વધારે તેનો સંકલ્પ પણ ન થાય અને એમ જાણે જે સર્વે મારા પિતાનું જ છે. પછી બીજાને શું બતાવવા જાય ? તેમ આપણને મહારાજનું આપેલું સન્માન છે. માટે રાજી રહેવું પણ પોતાપણું આવવા દેવું નહીં. કારણ કે પોતાપણું આવે તો દુઃખિયો થઈ જાય અને એમ જાણવું જે, જે જે સેવા-સન્માન થાય છે તે મહારાજને થાય છે. રાજા સાથે કારભારી જાય તો રાજા સાથે તેને પણ સત્કાર મળે છે, એ બધું રાજાને લઈને છે. તેમ આ સત્સંગમાં સર્વેની મોટપ મહારાજને લઈને છે. તે વિના તો કોઈ સંત બીજા રૂપમાં દર્શન દે તો અમારે ચપટી લોટ પણ આપવો તેમાં વિચાર કરવો પડે, માટે બધુંય તપાસવું. મોટા મોટા સદ્ગુરુ હોય તેમણે પણ એમ જાણવું જે પૂજા સર્વે મહારાજને થાય છે; આપણે તો નિમિત્તમાત્ર છીએ. જેમ લોટો હોય તો પાણી પિવાય છે, તેમ આ જે બધા સંત છે તે પાત્રરૂપ છે. સાબરમતીમાં એક લોટો પાણી રેડે તો સમુદ્રમાં પહોંચી જાય અને સરપટું અગ્નિમાં નાખે તો અગ્નિરૂપ થઈ જાય. પછી તે અગ્નિનું કામ કરે, પણ મૂળસ્વરૂપ વડવાનળ અગ્નિ, તેનું કામ ન કરી શકે. મહારાજે કહ્યું છે જે, પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વતે જ થાય છે. જેથી કારણ તો એક મહારાજ જ થયા. ।। ૬૪ ।।
વાર્તા ૬૫
સભામાં કથા પ્રસંગે સંતો માંહોમાંહી વાત કરતા હતા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જીવની માનીનતા એવી છે કે કોઈકનો માલ ને કોઈકનો ખજાનો, પણ ધણી પોતે થઈ બેસે છે. બહિર્ભૂમિ ગયાની સત્તા પોતાનામાં હોય નહિ ને પોતે ભગવાન થઈ બેસે, માટે મહારાજને તો જુદા ને જુદા જ રાખવા. તેજમાં તેજ ભળી જાય એવું ન સમજવું. મહારાજ તો સદાય દિવ્ય, સાકાર, અખંડ, અવિનાશી છે. વચનામૃતને મથાળે મહારાજનું સ્વરૂપ વર્ણવ્યું છે તેના સામી નજર જોઈએ. માંહી બધાંય વચન ચમત્કારી છે. તેનો દિવ્યભાવ આવે તો ભારે કામ થઈ જાય. આ તો દરરોજ સમૈયા કહેવાય. પૂછનારા કેવા છે, સાંભળનારા કેવા છે, તે બધાય પ્રગટ જાણવા. શ્રીજી શ્રીજી કહે અને જ્ઞાન ન સાંભળે તેથી શું સમાસ થાય ! માટે આ વચનામૃત ભણે તો બધાં શાસ્ત્ર આવી જાય. એને લઈને બેસે તો કોઈ અટકાવ કરે નહીં. આ તો ઠેઠ હજૂરનો ખુલાસો છે. જેથી નીચલી કોર્ટવાળાનું કાંઈ ચાલે જ નહીં. માટે વચનામૃત બરાબર ભણવાં અને એમાંથી ભગવાનનો રસ આવે એટલે સુખિયો, નહિ તો લૂખો. રસ વિના જ્યાં ત્યાં ડાચિયું નાખે તો ધૂળ-કાંકરા આવે; તોય રસને ખોળવાની જીવને આસક્તિ થતી નથી. કચ્છ દેશમાં ધ.ધુ. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ પધાર્યા હતા. ત્યારે વચનામૃતની કથા કરાવી હતી. તે વખતે માંહી ભારે ભારે વાતો આવતી, પણ કેટલાક શાસ્ત્રના ભણેલા પરોક્ષ દૃષ્ટાંતે વાતો કરે તેને અમે કહેતા જે, લૂગડાં પહેર્યાં, શણગાર પહેર્યા, પણ હાથેવાળો બાકી રહ્યો. તેમ જેણે આ વચનામૃત જેવાં દિવ્ય શાસ્ત્ર ન જાણ્યાં તેણે હાથેવાળો મેળવ્યો ન કહેવાય. એક શબ્દના લાખ અર્થ થાય અને કરોડ કરો તો તેટલા થાય, જેટલા કરવા હોય તેટલા થાય એવું આ દિવ્ય શાસ્ત્ર છે.
પછી એમ બોલ્યા જે, મૃત્યુ આવ્યું જાણીને પોતાનું પૂરું કરી લેવું. મૃત્યુ આડી એક ઘડી હોય ને પૂરું થાય તો કૃપાસાધ્ય જાણવું. એવું બધાયને હોય નહીં. એવો જોગ તો કોઈકને જ મળે. ચાર હથિયારવાળા પડખે ચાલ્યા આવતા હોય તો ચોરથી ચોરી થઈ શકે નહીં. તેમ આવા મોટા શ્રીજીમહારાજના અનાદિમુક્ત જેવા જેના ભેળા હોય તેની પાસે કાળ, કર્મ, માયા વગેરે કેમ આવી શકે ! આવો જોગ હોય ને ન કરી લે તો પછી તેને કેવો જાણવો ? સિંધ જેવા દેશમાં પણ આવો ધમકાર વર્તાવી દીધો છે. એ બધો શ્રીજીમહારાજનો પ્રતાપ છે. મહારાજના મોટા મુક્તને અને સત્ શાસ્ત્રને જાણ્યા હોય તેને આ વાત સમજાય. મહારાજે કહ્યું છે જે, શાસ્ત્ર સત્પુરુષના મુખથી સાંભળવાં પણ પોતાની બુદ્ધિબળે સમજવા જાય તો ખરી વસ્તુ રહી જાય. શ્રીજીમહારાજ પોતાનો દિવ્ય સાજ લઈ પધાર્યા છે. તેથી અક્ષરધામની ને અહીંની એકતા છે. માટે ધામમાં સ્ત્રી-પુરુષનો ભાવ નથી. લક્ષ્મીજી બહાર સેવામાં રહે છે તથા ચિહ્ન રૂપે હૃદયમાં રહ્યાં છે તે બધા વર્તમાનકાળના ભાવ છે. ધામમાં ગોખ, જરૂખા, મેડીઓ, ફુવારા છે તે બધા ભાવ અહીં ઘટાડવાના છે. ભૂજ, મૂળી કે ગુજરાતના સંત તેડવા આવ્યા, રથ-પાલખીઓ આવી, એ બધુંય અહીં ઘટાડવું. બધુંય દિવ્ય છે પણ માયિકદૃષ્ટિથી ન જોવું. આ સર્વે સંતો તથા હરિભક્તો તેજોમય બ્રહ્મની મૂર્તિઓ છે એમ જાણે તેને માયિકભાવ ન આવે. પોતે દુઃખિયો હોય તેને બીજા પણ દુઃખિયા દેખાય, માટે પોતાના ભાવ હોય તેવું દેખાય છે. આપણો તો અહિંસા ધર્મ છે. અહિંસા ધર્મ એટલે કોઈને મન, કર્મ, વચને દુભાવવો નહીં. અધિકારવાળાએ કોઈને કહેવું પડે તેથી બીજા દુઃખાય અને ન કહે તો સરખું ચાલે નહીં. તે વખતે બરાબર સત્સંગની લટક શીખી રાખી હોય અને મૂર્તિમાં જોડાવાનો અભ્યાસ હોય તો ઠીક રહે. મહારાજે કહ્યું છે કે, ભીમસેન જેવા ડારા દેનારા તો ઘણાય હોય, પણ જે મૂર્તિ પાસે રાખે તેને વાંધો નહીં. વ્યવહાર તો બીજા પણ કરી લે. એ કાંઈ અટકે નહીં. મોટા મોટા સંતો, હરિભક્તો અધિકારવાળા હતા પણ પાસે સત્સંગની લટક હતી તેથી શોભ્યા. મહારાજ તથા મોટા અનાદિનો મહિમા ખરેખરો સમજવો. એને ખરેખરું પોતાનું જીવન માનવું, તે વિના બળ આવે નહીં. માછલું છે તો અલ્પ ગજાવાળું, પણ તેને પાણી સાથે એટલું જીવનપણું છે કે એક ઘડી પણ વિયોગ થાય તો તરત જ તરફડીને મરી જાય. માટે મહિમા સમજવો તો એવો સમજવો કે વિયોગ થાય એટલે જીવનપણું મટી જાય અને મહિમા સમજે તો ગમે તેવા અલ્પ જીવ હોય પણ માછલાંની પેઠે બળ આવે છે.
પછી કથાની સમાપ્તિ થઈ તે વખતે સહુ હરિભક્તો આગળ આવ્યા. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, બાપા ! સૌને તમારી વાતોની તાણ મટતી નથી, ત્યારે બાપાશ્રી કહે, અમે મૂર્તિ વિના બીજું કાંઈ ભણ્યા નથી. એમ કહીને વાતો કરવા લાગ્યા જે, મહારાજની મૂર્તિ વિના કાંઈ જોયા જેવું નથી, કેમ કે તે વિના સર્વે વિઘ્નકર્તા છે. તે કેવી રીતે તો એક વખત ગઢપુરમાં મહારાજે સિદ્ધાનંદ સ્વામી ઉપર વાત કરીને એમ બોલ્યા જે, મોટા સાધુ થઈને હરિભક્તના અંતર જોતા ફરે છે ને હરિજનને બિવરાવે છે તેમ શું કરવા કરતા હશે ? તે જોવામાં શું ફાયદો પડતો હશે ? તે તો નબળી વસ્તુનો ટોપલો લઈને કોઈ જતું હોય, તેમાં જોવાનું મન થાય તેવું છે. ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ જાણ્યું જે મારા ઉપર વાત કરી છે. તે હું સર્વે જીવના અંતરની વાત કરું છું; તેવું મહારાજે જાણી લીધું. પછી ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! એમ કોણ જુવે છે ? ત્યારે મહારાજ બોલ્યા જે, આ તમે છો તે નાહવા જતા હો ત્યાંથી બીજે જ્યાં ત્યાં સ્ત્રી આદિક તથા બીજા નબળા-સબળા પદાર્થ, તેના સામું જોવાની શી જરૂર ? જવું ત્યાંથી જ સરત રાખવી અને આપણને મળ્યા જે ભગવાન તેમને જોવા. તે વિના બીજું જોવાનું શું પ્રયોજન હોય ? ત્યારે સ્વામી કહે, મહારાજ ! એ ખરું. ત્યારે વળી મહારાજે કહ્યું કે, આપણને જે વસ્તુનું કામ હતું તે વસ્તુ હાથ આવી તો તેના સામું જોઈ રહેવું, પણ બીજું શું કામ જોવું પડે છે ? એમ કહીને મહારાજે સિદ્ધાનંદ સ્વામીને જે પ્રતાપ આપ્યો હતો તે પાછો સંકેલી લીધો. પછી મહારાજની મૂર્તિનું સુખ રહ્યું ને બીજું સામર્થ્ય જીવના અંતર જોવાનું હતું તે ગયું. જેમ બાળકનું ધન માબાપ સાચવે તેમ મહારાજ ને મોટા મુક્ત જીવને સાચવે છે, માટે મોટાનો વિશ્વાસ રાખી આનંદ માનવો અને પોતાને કૃતાર્થ માનવું. નહિતર આવા મોટાનો જોગ થાત નહીં. આમ જાણીને ભગવાનને ભજ્યા કરવું. પછી એમ બોલ્યા જે, સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ પોતાના શિષ્ય શ્રીકૃષ્ણજીવનદાસજીને કહ્યું જે, તમારે કોઈ ઐશ્વર્યની અભિલાષા રહેતી હોય તો પ્રાપ્ત કરાવીએ. ત્યારે શ્રીકૃષ્ણદાસજી બોલ્યા જે, ના સ્વામી ! એમાંથી તો અવળું પડે તો મારું ઠેકાણું રહે નહિ એમ કહ્યું. ત્યારે સ્વામી તેના ઉપર ઘણા રાજી થયા. માટે, મોટા રાજી થઈને ઐશ્વર્ય આપે તો પણ એમ માગવું જે, અંત સમયે ભગવાનના ધામમાં લઈ જજો અને તમારી જોડે મહારાજની સેવામાં રખાવજો એવું માગવું. ।। ૬૫ ।।
વાર્તા ૬૬
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આપણે તો બધો દિવ્યભાવ સમજવો. મોટા અનાદિમુક્ત મળ્યા છે તે ધક્કા મારીને ધામમાં લઈ જાય તેવા છે તે શું ? તો માયાનાં આવરણ બધાં તોડીને, સામ્યાવસ્થા ભેદાવીને અક્ષરધામમાં પહોંચાડે એવા અનાદિમુક્ત આ રહ્યા. આ સભા સર્વે દિવ્ય છે. આ ટાણે જમ્યા તે પણ દિવ્ય છે. જીવને મોટા મળ્યા એટલે સોંઘા થઈ ગયા એમ જાણવું. પરોક્ષ હોત તો મોંઘા હોત, આ લોકમાં એક ને એક વસ્તુનું નામ લે તો ગાંડો કહેવાય અને ઘણી વસ્તુનું નામ દે તો ડાહ્યો કહેવાય. તેમ આ લોક-પરલોકનાં દૃષ્ટાંત-સિદ્ધાંત, અવતાર-અવતારીનાં દૃષ્ટાંત-સિદ્ધાંત એ બધી વાત કરે અને તે વિશેષ પ્રમાણ કરે એ લાંબા ફેરનો રસ્તો છે. આમ સમજ્યા વિના મહારાજને, ધામને તથા મોટાને વગોવ્યા; એમ દહાડો નીકળી ગયો એવું થયું. શ્રીજીમહારાજ તથા મોટાએ તો પરબાર્યો રસ્તો કર્યો છે. એ ખરી વાત જીવમાં પેસે તો ગાંડા થઈ જવાય, પણ ગાંડા થવાતું નથી એટલી નિશ્ચયમાં કસર છે તથા શ્રદ્ધામાં કસર છે. મહારાજની સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિનું સુખ આપણને મળ્યું છે. સાધનથી કાંઈ પૂરું થાય તેમ નથી. માટે જળ અને મીનના જેવું મોટાને વિષે હેત રાખવું. શ્રીજીમહારાજના લાડીલા છે તે ત્રણે અવસ્થામાં મૂર્તિને ભેળી જ રાખે છે પણ મહિમા નથી કે આ ક્યાંના આવેલા છે ! આ કાંઈ થોડી વાત નથી. મોટા મુક્ત ભેળા બેસીને વાત કરે છે ને સુખ આપે છે, તે જીવમાં કસ આપે છે. ને તેજ, સામર્થી અને સુખ આપે છે પણ સમાગમ વિના એવું સમજાતું નથી. “રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી.” તેમ મહારાજ અને મોટા સાથે રસબસ થઈ રહેવું, એટલે આપણો ખરેખરો આત્યંતિક મોક્ષ થઈ ગયો. ખરો મુદ્દો અને ખરા ખેવટિયા હાથ આવ્યા છે, તે મનવારો ભરી ભરીને જીવને અક્ષરધામમાં લઈ જાય છે, તે વિષે મનવારની વાત કરી. એવી લાખો મનવારો ભરીને મહારાજ અને મોટા અનાદિ જીવને લઈ જાય છે, કાંઈ એક-બેનું કલ્યાણ કરે એવાં નથી પણ નજરે ચડ્યા એ બધાયનું કલ્યાણ છે. માટે પરિપક્વ નિશ્ચય જોઈએ. સમુદ્રમાં પડે, કૂવામાં પડે, અગ્નિમાં બળી જાય, વીજળી પડે અને મરે; પણ જેને મોટા મળ્યા હોય તેને આત્યંતિક કલ્યાણમાં સંશય નહીં. મોટા અનાદિને વિષે આત્મબુદ્ધિ રાખતાં કલ્યાણમાં ફેર રહે તો મોટાને માથે જોખમદારી છે. ભૂત સર્વત્ર દેખાય છે, ત્યારે મોટા અને મહારાજની મૂર્તિ સર્વત્ર કેમ ન દેખાય ? મૂર્તિનો મહિમા ખરેખરો સમજાય ત્યારે આ લોકની તુચ્છતા થઈ જાય માટે આ વાતનો કેફ રાખવો કે કલ્યાણ થઈ જ ગયું છે. આ તીર્થમાં નાહ્યા તેનો કેટલો મહિમા છે. બધાય રસબસ નાહ્યા તેમાં શું બાકી કહેવાય ! અનંત બ્રહ્મહત્યાઓ, પંચમહાપાપ સર્વે નાશ પામી ગયાં. પછી પોતાને કોઈ પાપી માને એ અણવિશ્વાસ કહેવાય; જો વિશ્વાસ હોય તો અનંત જન્મનાં પાપ બળી જાય. એ વાતમાં સંશય નથી. આવી વાત હાથ ન આવી હોય અને ભૂત, ભવિષ્ય ને વર્તમાનની વાતો કરે, ઐશ્વર્ય-ચમત્કાર જણાવે, તોય શું ! એ બધુંય મહારાજની મૂર્તિ વિના વિઘ્નકર્તા છે. માટે આપણે તો એક મૂર્તિમાં ખેંચાવું ને એ મૂર્તિમાં રહ્યા હોય તેમની સાથે દૃઢ હેત કરવું. ।। ૬૬ ।।
વાર્તા ૬૭
બપોરે મેડા પર આસને બાપાશ્રીએ વાત કરી જે, આપણે તો મહારાજ, મુક્ત, સંત, હરિભક્તો સર્વે દિવ્ય છે, એવો મહિમા રાખવો, પણ બીજું ન સમજવું. “ચૈતન્યરૂપી ભૂમિ રે હરિજન ચૈતન્ય હજારું” - ભક્તજનોને રહેવાને ભૂમિ પણ ચૈતન્ય છે. આ અલભ્ય લાભ છે, માટે ચાલોચાલ સત્સંગ ન કરવો. આવો મોટો જોગ થયો છે તેથી એમ જાણવું જે આ વેપારમાં આપણે કરોડો મનવારો ભરી લાવ્યા છીએ તે ખૂટે તેમ નથી. આ બધા હરિભક્તો જમે છે તે બધું અક્ષરધામનું દિવ્ય સુખ છે. કોણ પીરસે છે અને કોણ સુખ આપે છે એ જોવું. સર્વે દિવ્ય છે. મહિમા ઓછો હોય તો એમ જાણે જે રોટલા ખાઈને આવ્યા પણ સમજ્યા વિના રોટલામાં તો ઓટલા વળી જાય. કેટલાંક શાસ્ત્ર ભણીને દિગ્વિજય કરે, ભારે ભારે વાતો કરે, તોય પણ શું ! આવી નવીન મહારાજ અને મોટા મુક્તની વાતો તેનો બીજા કોઈથી પાર પામી શકાય એવો નથી. બીજાના જોગથી તો બીજાના ગુણ ગરી આવે. આ બધું સુખ ચૈતન્યમાં લેવું. ખરેખરો પાત્ર થઈ જાય તો સળંગ સુખની ધારાઓ છૂટે છે. જ્યાં મહારાજ અને મોટા વિચર્યા ત્યાં ઝાડ, પહાડ, વસ્ત્ર, વાહન આદિ સર્વે ચૈતન્યમય જણાય છે. તેમ મોટા મુક્તને વિષે પણ એવું નિર્ગુણપણું થવું જોઈએ. જ્યાં લગી કલેવરના ભાવ હોય ત્યાં લગી સુખ નથી. માટે એ ભાવ ટાળવો. મહારાજના સુખમાં દૃષ્ટિ ન પહોંચી હોય તો ક્યાંય ને ક્યાંય ભમે. પણ મોટા અનાદિને વિષે વિશ્વાસ હોય તો કૃપા કરી પૂરું કરી આપે. તોપણ આજ્ઞા, નિયમ, ધર્મ પાળવા અને સર્વેને દિવ્ય જાણવા. દિવ્ય સિંહાસનમાં તેજોમય મૂર્તિ છે, એ મૂર્તિના સુખમાં રસબસ રહેવું. મૂર્તિમાંથી તેજ ફરર ફરર નીકળ્યે જાય છે. મૂર્તિનું તેજ એ સિંહાસન છે, તેમાં શ્રીજીમહારાજ બિરાજે છે. તે મૂર્તિમાં મહા અનાદિમુક્તરાજ સદ્. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિક સર્વે છે, મંદ મંદ હસે છે અને સુખ લીધા જ કરે છે.
પછી એમ વાત કરી જે, મહારાજના મોટા મુક્ત ઉપરથી સૂતા જણાય, જાગતા જણાય, જમતા, નહાતા, ઊઠતા, બેસતા, વાતો કરતા એમ સર્વે ક્રિયા કરતા જણાય, પણ તે તો મૂર્તિનું સુખ રસબસભાવે લીધા જ કરે છે. તેને મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં. જેમ આકાશ ને પૃથ્વીનો કોઈ ઠેકાણે સંબંધ નથી, તેમ એ તો મહારાજની મૂર્તિમાં નિરંતર રહ્યા છે; તેને ક્યારેય પણ માયાનો સંબંધ નથી. જેમ વાયુ ઝાડને ભટકાય છે તે દેખાતો નથી, તેમ મોટા મુક્તને વિષે જોવાનો, ખાવાનો, સાંભળવાનો ભાવ દેખાય પણ એ તો સુખના સમુદ્રમાં ઝીલતા, ઝીલતા ને ઝીલતા જ રહે છે. કેટલુંક તો મહારાજનો મહિમા જણાવવા માટે ઉપશમ આદિ જણાવે છે એમ જાણવું. પણ એ તો ઉદરમાં નથી આવ્યા. એમ કહીને બોલ્યા જે, આ કલેવર તો બધાયને સુખિયા કરવા માટે રહ્યું છે એમ કહેવાય, પણ મહારાજને અને મોટાને કલેવર જ નથી. એ તો સદાય દિવ્ય મૂર્તિ જ છે. એવા મોટાને જોગે શ્રીજીમહારાજની મૂર્તિમાં ત્રણે અવસ્થામાં જોડાઈ જાય તે નિષ્કામભાવ અને સાધને કરી ઇન્દ્રિયો સંકોચાઈ જાય તથા સમાધિ થાય તે સકામભાવ ગણાય. આ તો બહુ જબરી વાત છે, અતિ મોટી પ્રાપ્તિ છે. જેને મળવે કલ્યાણ, સ્પર્શે કલ્યાણ, ઉપરથી વાયરો આવે તોય કલ્યાણ એ કાંઈ થોડી વાત કહેવાય ? વરસાદ વરસે અગર ઝાકળ પડે તો ડહેલામાં વસ્તુ હોય તો પણ હવાઈ જાય. આ તો “અમૃતના સિંધુ ઊલટ્યા રે, રંગડાની વાળી છે રેલ. પુરુષોત્તમ પ્રગટી” એમાં શું બાકી રહે ? બાકી તો નહિ પણ આપણા ઠરાવ બાકી છે. જુઓને ! આ લોકમાં માયિક વસ્તુ ઘી, ખાંડ, ગૉળ આદિક ખાધાથી બળ આવે છે તો આ તો ચૈતન્યનું બળ તે શું ઓછું સમજવું ? એમ કહીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમને તો અનેકને મૂર્તિના સુખભોક્તા કરો એવા કરીશું ને ભેળા રાખીશું, એમ કહીને અતિ પ્રસન્નતા જણાવીને કહ્યું જે, ગરીબને ઝાઝું સુખ દઈશું. આ તો દિવ્ય સેવા, દિવ્ય મુક્ત, દિવ્ય મહારાજ સર્વે સાથે મળ્યું છે પણ કાષ્ઠના લાડવામાં મોતૈયાનું મૂલ આવે નહીં. તેમ આવી પ્રાપ્તિ વિના મૂળઅક્ષરનો અધિકાર આવે તોપણ આ જેવું નથી. આ તો અનાદિમુક્તની પંક્તિમાં ભેળવ્યા પણ સમજણ વિના કોઈ મૂંઝાઈને કહે જે મને કાંઈ ન મળ્યું તો તેનું તે જાણે. આપણે તો આ જ્ઞાનગંગામાં નાહ્યા તથા આ બ્રહ્મયજ્ઞ કર્યો તેથી સર્વેનાં આગળ-પાછળનાં ગમે તેવાં પાપ હોય તે બળી ગયાં એમ જાણવું ને હવેથી નવાં કર્મ કરવાં નહીં. ખબડદાર થઈને મહારાજની આજ્ઞા પાળજો. અંતઃકરણરૂપી માયા કાંઈ વિઘ્ન કરવા આવે તો મહારાજ તથા મોટાને હથિયારબંધ જોડે રાખવા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એમ પ્રાર્થના કરવી. મોટા અનાદિમુક્ત છે તે તો બારિસ્ટર જેવા છે. જેમ અહીંના બારિસ્ટર છે તે એક શબ્દ સૂઝે તેવો આંટીવાળો હોય તેને તોડીને આ લોકમાં જેમ સુખ થાય તેમ કરી આપે છે, તેમ જે અક્ષરધામના બારિસ્ટર છે તે એક શબ્દે માયારૂપી આંટી તોડીને અક્ષર પર અનાદિની સ્થિતિ કરાવી આપે છે. અહીંના બારિસ્ટર જેમ એક શબ્દના રૂપિયા પાંચસો અથવા હજાર લે, તેમ આવા મહામુક્ત જે મૂર્તિનું સુખ પમાડે છે તેને શું આપીએ ? માટે મોટાને તો સેવાએ જ પ્રસન્ન કરવા ને એવા મોટા સાથે મન, કર્મ, વચને જીવ બાંધી દેવો તો અક્ષરધામનું તથા પુરુષોત્તમનું સુખ જીવને પ્રાપ્ત થાય. ।। ૬૭ ।।
વાર્તા ૬૮
બપોરે મંદિરની ઓસરી પર બાપાશ્રી પાટ ઉપર બેઠા હતા, ત્યાં સંત-હરિભક્તો આવીને બેઠા. તે વખતે બાપાશ્રીએ વાત કરી જે, મોટા મુક્ત પાંચસો ગાઉ છેટે રહેતા હોય કે હજાર ગાઉ છેટે રહેતા હોય અને બહુ હેતવાળા હરિભક્ત મૂંઝાય ત્યારે તેને દર્શન દઈને વચન કહે કે તમે મૂંઝાશો મા, આપણે ભેળા છીએ; તો તેને આવરણ ટળી જાય. એમ મોટાનાં વચન સદા સત્ય છે અને જ્યારે કામ-ક્રોધાદિક સંકલ્પ થાય તથા બીજા મલિન ઘાટ થાય તેને પોતાના સ્વરૂપના વિચારે કરીને, મહારાજ તથા મોટાના મહિમાના બળે કરીને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ એવા નામને ઉચ્ચારે કરીને તથા મોટા સદ્ગુરુનાં નામ લઈને ટાળી નાખવાં. પછી એ દોષ, સંકલ્પ, ઘાટ તેને વારંવાર સંભારવા નહીં. એક મૂર્તિ જ સંભારવી. આપણે અક્ષરધામ સુધી વર્ણન કરીને રહેવા દઈએ પણ જો તેમાં શ્રીજીમહારાજનો શબ્દ આવે નહિ તો તે વર્ણન શું કામનું ! માટે જે જે વર્ણનમાં અને બીજાં પણ તેવા તેવા પ્રસંગમાં સર્વ વાતે, સર્વ શબ્દે, સર્વે સંબંધ શ્રીજીમહારાજની મૂર્તિને લગાડવો એ ઉત્તમ ભક્તનું લક્ષણ છે. પછી માથકવાળા અમીચંદભાઈએ પૂછ્યું જે, બાપા ! પરોક્ષ જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને યથાર્થપણે ભજનારા ભક્ત તે શ્રીજીમહારાજને જાણતા કે ઓળખતા ન હોય તેથી પ્રતીતિ પણ ન આવે તેનો મોક્ષ થાય કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જ્યારથી મહારાજ પ્રગટ થયા ત્યારથી પરોક્ષ અવતારોના ભક્તોને એ અવતારોથી તેડવા આવી શકાય નહીં. તેમને તો શ્રીજીમહારાજ સત્સંગમાં જન્મ ધરાવીને પોતાની ઉપાસના સમજાવી અક્ષરધામમાં લઈ જાય. તે સદ્. નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે, “બંધ કીધાં બીજાં બારણાં રે, વહેતી કીધી અક્ષરવાટ પુરુષોત્તમ પ્રગટી રે.” આમ, શ્રીજીમહારાજે આ સમે આત્યંતિક મોક્ષ કરવા અક્ષરધામનાં બારણાં ઉઘાડાં મેલ્યાં છે પણ આ લોકમાં મહારાજને રાજી કરવામાં આવરણ ઘણાં છે. નાત-જાતનાં, કુટુંબનાં, સગાંસંબંધીનાં એ આવરણને તો જીવ બળિયો થાય તો ન ગણે, પણ પૃથ્વીનાં, જળનાં, તેજનાં, વાયુ અને આકાશ આદિકનાં આવરણ ભેદવાં બહુ કઠણ છે.
ત્યારે ઠાકરશીભાઈએ પૂછ્યું જે, બાપા એ આવરણ કેમ ભેદાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ ને તેમના મોટા મુક્ત જેને પ્રત્યક્ષ મળ્યા તેને એ આવરણ તથા બીજાં અક્ષરકોટિ સુધીનાં તમામ આવરણ ભેદાઈ ગયાં એમ જાણવું. આવી વાત પોતાની બુદ્ધિબળે સમજવી બહુ કઠણ છે, પણ મહારાજ તથા મોટા મુક્ત મળે તેને કાંઈ કઠણ નથી. તે પ્રત્યક્ષ દૃષ્ટિગોચર હોય કે પ્રતિમા રૂપે દર્શન દેતા હોય અને આપણને કોઈ વાતની મૂંઝવણ થઈ હોય ને તેમને સંભારીએ તો તરત દર્શન દઈ મૂંઝવણ ટાળી નાખે અથવા મનમાં કોઈક શંકા ઉત્પન્ન થઈ હોય તે વખતે તેમને હેતે સહિત સંભારીએ તો તે શંકા પણ ટાળી નાખે, ત્યારે એમ જાણવું જે મહારાજ તથા મોટાએ મારી એ શંકા ટાળી; એમ સદાય તે તો પોતાના આશ્રિતની રક્ષામાં જ છે. મહારાજના મોટા અનાદિમુક્ત સર્વે વાતને હસ્તામળ જાણે છે. એવા મોટાને જીવના અનંત જન્મની ખબર છે, જેથી એ કોઈને અવળું પડે તેમ કહે કે કરે નહીં. પણ કદાચ કાંઈ કહ્યું ને આપણે જાણીએ કે મારે વિષે તો આવું કાંઈ નથી તો એ બીજા જન્મનું હશે એમ જાણીને મોટા મુક્તનું વચન સત્ય માનવું. પણ તેમાં તર્ક કરવો નહીં. એવા મોટા મુક્ત મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા ન જાણવા. એ તો સદાય દિવ્ય જ છે. “સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કો વિશ્રામ.” એમ એ તો સદા દિવ્ય મૂર્તિ છે અને શ્રીજીમહારાજના સંબંધને પામ્યાં જે વસ્ત્ર, વાહન, પરિચર્યાના કરનાર સેવક, ખાન-પાન સર્વે દિવ્ય છે એમ મહારાજે વચનામૃતમાં લખ્યું છે તેથી એમને વિષે ક્યારેય મનુષ્યભાવ લાવવો નહીં.
પછી માસ્તર મોહનલાલે પૂછ્યું જે, બાપા ! પરમાર્થ તે શું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જીવને અવળે રસ્તેથી પાછો વાળીને શ્રીજીમહારાજને વિષે અને મોટા મુક્તને વિષે જોડવો તે, તથા તેમનો સ્પર્શ, યોગ, સમાગમ કરાવવો એ ખરો પરમાર્થ કર્યો કહેવાય.
પછી બાપાશ્રી મેડા ઉપર આસને પધાર્યા, ત્યાં છેલ્લા પ્રકરણનું ૨૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં બાઈઓએ હરિભક્તનું મહાત્મ્ય ઝાઝું સમજવું નહીં. તેમ હરિભક્તોએ બાઈઓનું મહાત્મ્ય ઝાઝું સમજવું નહિ પણ સમપણે સમજવું. જો એમ ન સમજે તો એમાંથી મોટું વિઘ્ન થાય એ વાત આવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ભગવાનના ભક્ત પુરુષો ને બાઈઓ તેમનો પરસ્પર પ્રસંગ બહુધા રાખવો નહિ તથા તેમની પાસેથી જ્ઞાનવાર્તા સાંભળવી નહીં. પોતાને વિકાર ન ઊપજતો હોય ને દેહભાવ ન હોય અને કદાપિ કોઈ વાત સંભળાય તોપણ પોતાના મનનો તપાસ પોતાને જ કરવાનો છે, કેમ કે એ રસિક માર્ગ છે. તે માટે વિચાર રાખવો અને મહારાજની આજ્ઞામાં ખબડદાર રહેવું ને મહારાજને એક પળમાત્ર પણ વિસારવા નહીં. તે ઉપર વાત કરી જે, જેમ અસવાર ઘોડીને કૂંડાળે નાખે છે, તે ઘોડી કૂંડાળે પડે, પણ અસવાર મૂકીને જાતી નથી. તેમ ભગવાનના ભક્તને અનેક પ્રકારની વ્યાવહારિક ક્રિયાઓ તથા ભક્તિમાર્ગની ક્રિયાઓ ભગવાનને ભૂલીને કરવી નહીં. મહારાજ તથા તેમના અનાદિમુક્તનો મહિમા અતિશે જાણવો, કેમ જે એમનું પ્રગટપણું અનંત જીવોના કલ્યાણને અર્થે છે. એવા મુક્તને જન્મ ધરવો અને દેહત્યાગ કરવો એ કેવું તો ફક્ત અજ્ઞાનીને મોહે કરીને દેખાવામાત્ર જ છે. મહારાજની મૂર્તિમાં મોટા અનાદિને રસબસભાવે રહેવાપણું છે, તે તો અતિ અલૌકિક વાત છે. તે દૃષ્ટાંતે કરીને શું સમજાવાય ! એ તો જેમ છે તેમ ને તેમ છે પણ દેખાવામાત્ર આવ્યા-ગયાપણું છે એમ જાણવું. બીજું કાંઈ મોટાના મહિમામાં સમજતા ન હોઈએ તો છેવટે એટલું સમજીએ કે બધો સત્સંગ માનતો હશે ત્યારે કાંઈક હશે ખરું. એવા મોટાનાં દર્શન કર્યાં હોય અને તેમનું નામ સાંભળીને પછી તે સંભારવા માંડે તોય તે સર્વે પાપ થકી મુકાઈને બળિયો થાય છે. તેની મહારાજ અને મોટા ખબર રાખે છે એમ જાણવું. ।। ૬૮ ।।
વાર્તા ૬૯
રાત્રે મેડા ઉપર આસને સંત-હરિભક્તો બેઠા હતા. ત્યારે બાપાશ્રીએ હીરાભાઈ તથા હરિભાઈને કહ્યું જે, તમોએ ‘વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા’ની પારાયણ બેસારીને બહુ લ્હાવ લીધા. બધાયને બ્રહ્મયજ્ઞ કરાવીને ખેંચી લીધા. કથામાં જે નાદ થાય છે તે બધાય પરભાવના છે. તે શ્રીજીમહારાજનાં ને મહામુક્તનાં વચન છે. અનંત બ્રહ્માંડમાં ફરી વળે તોય આ નાદ ન સંભળાય. શ્રીજીમહારાજના ઘેર આ બધુંય છે. આ તો ચમત્કારિક વાતો થાય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ, એવા આ મોંઘા મુક્ત છે, તે શ્રીજીમહારાજે સોંઘા કર્યા છે. તેથી મળો છો, વાતો કરો છો, જમાડો છો, આશીર્વાદ લો છો, આ તો મહારાજના પડછંદા છે. મુક્ત તો હજૂરના રહેનારા ને મહારસનાં પાન કરનારા છે. તે રસબસભાવે મૂર્તિના સુખભોક્તા ભેગા ને ભેગા જ. પછી બાપાશ્રીએ લાલુભાઈ સામું જોઈને કહ્યું જે, કેમ લાલુભાઈ ! આમ હશે કે નહિ હોય ? ત્યારે લાલુભાઈ કહે, બાપા ! એમ જ છે, આ દર્શન ક્યાંથી મળે ? મહારાજની મૂર્તિમાંથી સુખ લીધા કરે ને સૌને એ સુખ આપ્યા કરે, એ અલૌકિક દિવ્ય મૂર્તિનાં દર્શન બધાયને થાય છે. શ્રીજીમહારાજની દયા આ સમે અમારા ઉપર ઘણી છે. આપે તો અમને આ ફેરે ન્યાલ કર્યા છે. ત્યારે બાપાશ્રી કહે, લાલુભાઈ ! મહારાજની દયાનું માપ થાય તેમ નથી. અમૃતના સિંધુ ઊલટ્યા છે, કોઈ આવો ! કોઈ આવો !! ગુણ-અવગુણને નાથ ગણતા નથી. આ ટાણે મહારાજે મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે.
રાત્રે કેટલાક હરિભક્તો સમય થઈ જવાથી ગયા અને થોડા હરિભક્તો બેઠેલા તે સેવા કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, સ્વામી ! અમારો દેહ હવે ચાલતો નથી. મહાદેવભાઈને ઘેર તેની દીકરીના આજે સંબંધ થવાના હતા તે નિમિત્તે બહુ કરગરીને અમને તેડી ગયા, પણ હવે શરીરમાં થાક જણાય છે. અહીંના હરિભક્તો પ્રેમી બહુ તે મહાદેવભાઈના એક ઘેર જવાનું હતું પણ, આ કહે મારે ઘેર ને ઓ કહે મારે ઘેર, એમ ફળિયામાં ઘેર ઘેર અમને તેડી ગયા. ત્યાં હરિભક્ત કીર્તન બોલે, ઘેર ઘેર ઠાકોરજીની મૂર્તિઓ આગળ ઘીના દીવા બળે, અગરબત્તીના ધૂપ ને જ્યાં જઈએ ત્યાં મેવા આદિકના થાળ જમાડી પ્રસાદી હરિભક્તોને વહેંચે, આરતીઓ થાય. નાનાં નાનાં છોકરાંને લાવી લાવીને ખોળામાં મૂકે, વર્તમાન ધરાવવાનું કહે, એમનાં હેત જોઈને તો અમે ઘણા રાજી થયા. મહારાજની અહીંના સત્સંગ પર બહુ દયા જણાય છે, નહિ તો આવા બળિયા ન હોય. એ તો હેતવાળા; પણ અમારા ભેગા આ આશાભાઈ, મોતીભાઈ, ખીમજીભાઈ આદિ ભેળા હોય તે પણ એમ ન કહે જે આમને થાક લાગ્યો હશે. તે તો મૂળગા એમ કહે જે, બાપા ! જાવું ખપે, હરિભક્તો રાજી થાય. એવા ભેગા ચાલનારા. ત્યારે આશાભાઈ કહે, બાપા ! સૌને તાણ રહી જાય તેથી અમે તો એમ કહીએ. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કહે, બાપા ! આ ફેરે આપ અહીં પધાર્યા ત્યારથી થાકનું કે ભૂખનું ક્યાં ગણો છો ! આપને તો એમ જે બધાય રાજી કેમ થાય ! ત્યારે બાપાશ્રી કહે, આ બધું અવરભાવમાં છે. પરભાવમાં તો એક મહારાજની મૂર્તિ જ છે. અનંત મુક્ત એ મૂર્તિ ભેગા છે. મહારાજ નવાં નવાં સુખ આપે છે, મુક્ત એ સુખ ભોગવે છે. ત્યાં ભૂખ કે થાક નથી, ત્યાં તો આનંદ, આનંદ ને આનંદ છે. કોટાનકોટિ કલ્પ વીતી જાય તોપણ એ સુખમાંથી તૃપ્ત ન થવાય એવું મહા મોંઘું સુખ શ્રીજીમહારાજે આ સમે સોંઘું કર્યું છે. અમે તો જ્યાં જઈએ ત્યાં સિંહાસનમાં મહારાજની મૂર્તિ વિનાનાં કોઈ ઘર દેખાતાં નથી, હરતાં ફરતાં નાનાં નાનાં છોકરાં દર્શન કરે, થાળ જમાડીને જમે, આરતીયું બોલે, ‘જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ’ કરે, ઠાકોરજીને જગાડે, પોઢાડે, આવી શ્રીજીમહારાજે નૌતમ રીત ચલાવી છે. તે ઘર બધાંય અક્ષરધામરૂપ કરી દીધાં છે. અમે શેરીઓમાં નીકળીએ, ત્યારે હરિભક્તોનાં નાનાં-મોટાં છોકરાંથી ને બીજા કેટલાક મુમુક્ષુઓથી રસ્તાઓ ભરાઈ જાય છે. સૌને રાજી કરવાનું તાન. કોઈ હાથ જોડે, કોઈ પગે અડે, કોઈ પ્રાર્થના કરે, કોઈ કરગરે પણ સૌને એમ જે, અમારા ઉપર રાજી થાય. અમને પણ એમ થઈ જાય છે જે, મહારાજ સૌને મૂર્તિમાં રાખી સુખિયા કરે. સંતો ! તમે પણ સૌ દયા કરજો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આપના સંકલ્પ ભેગા સૌના સંકલ્પ. આપ રાજી છો તે તેમના ભાગ્યનો પાર ન કહેવાય. ત્યારે બાપાશ્રી કહે, મહારાજ આ ટાણે પાત્ર-કુપાત્ર જોતા નથી. આ વખતે મહારાજે ખંપાળી નાખી છે. તેથી નજરે પડ્યો તેનું કામ થઈ જાય છે. પણ જીવને આ જોગનો નવો આદર ને માયામાં ગોથાં બહુ ખાધાં છે તે હજી ફેર ચડી ગયેલા ઊતરતા નથી. મહારાજે ને મોટાએ તો એવો સંકલ્પ કર્યો છે કે કોઈ રહી જાય નહીં. સૌને મૂર્તિમાં રાખવા છે. જુઓને ! આ કુંજવિહારી હરિકૃષ્ણ મહારાજ કેવા પ્રતાપી બિરાજે છે. આ ઠેકાણે તો દરિયાનાં પાણી આવતાં તે ઠેકાણે અક્ષરધામ તુલ્ય સ્થાન થઈ ગયાં. મહારાજની ને તમારા જેવા મોટા સંતોની કૃપાનાં આ ફળ છે.
પછી સેવા કરનારા હરિભક્તો સામું જોઈને કહ્યું કે, તમે સૌ સેવા કરો છો તે અપરાધ નહિ થાય ? ત્યારે સોમચંદભાઈએ કહ્યું કે, બાપા ! આ સેવાથી તો અનંત જન્મના અપરાધ ટળે. પછી ગોવિંદભાઈ, ગોરધનભાઈ, વલ્લભદાસભાઈ, માવજીભાઈ, ડોસાભાઈ, લાલજીભાઈ આદિ સેવા કરનારા હરિભક્તો કહે, બાપા ! આ સેવા મોંઘી બહુ છે પણ તમે દયા કરી છે તેથી મળે છે. ત્યારે બાપાશ્રી કહે, આપણને મહારાજ મળ્યા છે તે ન્યાલકરણ છે. તેમના મુક્ત પણ બીજું શું કરે ? એ જ કરે. જેને જેને એ મળે તેને મહારાજના સુખે સુખિયા કરે છે. મહારાજ કહે છે કે અનંત મનવારો લાવ્યા છીએ. તે મહારાજના મુક્ત અનંતકોટિ જીવને ખણી ખણીને મૂર્તિમાં મૂકે છે તેથી મહારાજ અનંતગણી મોજ આપે છે. આ બધોય શ્રીજીમહારાજનો દિવ્ય સાજ છે. તે જીવને અભયદાન આપે છે. જુઓને ! અહીં લાલુભાઈ જેવા મુક્ત કેવા હેતવાળા છે, કેવા નિર્માની છે, હીરાભાઈ, સાંવલદાસભાઈ પણ એવા. બીજા નાના-મોટા સૌ બળિયા છે. તે સર્વેને મહારાજને રાજી કરતાં સારું આવડે છે. સત્સંગ બધોય દિવ્ય છે એવું જણાય ને સૌના દાસ થઈને વર્તે તો સુખિયો થતાં વાર ન લાગે એવો આ સમાગમ છે. કેટલાક આવો જોગ હોય તોય માન, સ્વાદ, આદિકમાં અટકી પડે છે. આપણે મૂર્તિ વિના ક્યાંય અટકવું નહીં. એમ સૂતાં સૂતાં વાતો કરતા હતા ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, બાપા ! મોડું બહુ થયું છે અને આપને આજે થાક લાગ્યો છે તે જરા આરામ કરો. ત્યારે બાપાશ્રી કહે, આપણે તો સદાય આરામ જ છે, મૂર્તિના સુખમાં તૃપ્ત થવાતું નથી. તમ જેવા સંતની દયા થઈ છે તે થાક કે ભૂખ કાંઈ જણાતું નથી. ત્યારે સ્વામીશ્રી કહે કે, બાપા ! આપ તો સુખ દેવા આવ્યા છો તેથી સૌને સુખિયા કરો છો. આપ અહીં પધાર્યા ને અમને ભેગા લીધા તેથી અમને પણ લ્હાવ છે ને ! ત્યારે બાપાશ્રી કહે “બડા બડાઈ ન કહે, બડા ન બોલે બોલ; હીરા મુખ સે ના કહે, લાખ અમારા મોલ” તેમ તમારી વાતો અમે જાણીએ છીએ. આપણા ગુરુ સ્વામી નિર્ગુણદાસજી કહેતા કે, ‘મઢી નાની ને બાવો મોટો’ એમ આ ટાણે બન્યું છે. સૌ મહારાજની કૃપાએ સુખિયા છે. સાજો સત્સંગ દિવ્ય. કરાંચી શહેર આ ટાણે અક્ષરધામ બની ગયું છે; આ બધોય શ્રીજીમહારાજનો પ્રતાપ છે. આમ ને આમ સૌ મૂર્તિના સુખમાં કિલ્લોલ કરજો એ આશીર્વાદ આપ્યો. ।। ૬૯ ।।
વાર્તા ૭૦
ફાગણ વદ ૯ને રોજ મેડા ઉપર બાપાશ્રી પૂજા કરી રહ્યા તે વખતે મગનભાઈ ફૂલના હાર લાવ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી આદિક સંતોને કહ્યું જે, બાપાશ્રીની પૂજા કરો. પછી સંતમંડળે બાપાશ્રીને ચંદન ચર્ચી , હાર પહેરાવ્યા ને હરિભક્તોએ પણ એક પછી એક બાપાશ્રીની તથા સંતોની ચંદન-હારથી પૂજા કરી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ! આ અક્ષરધામમાં ચંદન ચર્ચાય છે. આ ચંદન ને પુષ્પ સર્વે દિવ્ય છે. મહારાજની મૂર્તિમાંથી તેજ ઝળળળ ઝળળળ નીકળે છે, અનંત મહામુક્તો એ મૂર્તિમાં રસબસ છે. અવરભાવમાં આમ દેખાય છે, પણ પરભાવમાં દિવ્ય તેજોમય છે. આ વાત સમજાય તો પડદા તૂટી જાય. પછી ચંદનવાળા હાથ લૂઈને બંને સદ્ગુરુઓ તથા પુરાણી આદિક સંતોને કહ્યું જે, આજ પારાયણની સમાપ્તિ છે તે ચાલો સભામાં. એમ કહી પોતે પણ ઠાકોરજીનાં દર્શન કરી સભામાં પધાર્યા. હરિભક્તો ને સંતોથી સભામંડપ ભરાઈ ગયો. પુરાણીની ચંદન-પુષ્પથી પૂજા થતી હતી તે વખતે હરિભાઈએ બાપાશ્રીને કહ્યું જે, બાપા ! આપે બહુ દયા કરી, જેથી આ વચનામૃતના પરભાવ તથા અર્થ સૌને સમજાય તેવી રહસ્યાર્થ-પ્રદીપિકા ટીકા થઈ તે સાંભળી સૌ હરિભક્તો અતિ રાજી થાય છે ને કહે છે કે, બાપાશ્રીએ આ અતિ મોટો ઉપકાર કર્યો છે. વચનામૃતનું અધ્યાત્મ જ્ઞાન આવું સુગમ કરી કોણ સમજાવે ! ત્યારે બાપાશ્રી કહે, આ બધી શ્રીજીમહારાજની દયા છે. એમના સંકલ્પે આવાં કામ થાય છે. આપણે તો નિમિત્તમાત્ર છીએ. કર્તા-હર્તા શ્રીજીમહારાજને રાખીએ એટલે જે સમજવાનું છે, તે સમજાણું. પછી કથામાં વચનામૃત વંચાવા લાગ્યાં. સૌ હરિભક્તો એકચિત્તે શ્રવણ કરતા હતા. પછી તે કથાની સમાપ્તિ વખતે હીરાભાઈ તથા હરિભાઈએ ઠાકોરજીને ભેટ ધરવા છાબું ભરાવી; કેમ કે તે બંનેની પારાયણ હતી. હરિભક્તો ઉત્સવ કરતાં કરતાં એ છાબું લાવ્યા. બંને સદ્ગુરુઓની ચંદન તથા પુષ્પના હારથી પૂજા કરી. સૌ હરિભક્તોએ સદ્ગુરુઓ તથા પુરાણી હરિપ્રસાદદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંતોને પ્રાર્થના કરી જે, વચનામૃતની પારાયણ વાંચનારની પૂજા સાથે, બાપાશ્રી રહસ્યાર્થ-પ્રદીપિકા ટીકા કરનાર હોવાથી તેમની પણ પૂજા થાય તો વધુ ઠીક, એ પ્રાર્થના સૌ સંતોને ગમી. પછી બાપાશ્રીને હાથ જોડી બંને સદ્ગુરુઓએ કહ્યું કે, બાપા ! આપે રહસ્યાર્થ-પ્રદીપિકા ટીકા કરી છે તો આપ આ પાટ ઉપર બેસો તો સૌ સંત-હરિભક્તો ચંદન-હારથી પૂજા કરે. પ્રથમ તો બાપાશ્રી કહે, મહારાજ અને સંતોની પૂજામાં અમારી પૂજા થઈ ગઈ. પણ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીનાં વિનય-વચન એવાં હતાં કે, બાપાશ્રી તેમને રાજી કરવા પાટ ઉપર કથામંડપમાં બેઠા. પછી સૌ સંત-હરિભક્તોએ એક પછી એક પૂજા કરી. સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં, છાબું ઠાકોરજી પાસે હરિભક્તો વાજતે-ગાજતે લાવ્યાં, ચોઘડિયાં તો વાગતાં જ હતાં. હરિભક્તોથી મંદિર ઊભરાઈ જતું હતું. પછી હીરાભાઈ, હરિભાઈ, સાંવલદાસભાઈ, હરિલાલ, કુંદન આદિક સૌએ આરતી ઉતારી. તે વખતે બાપાશ્રી ધ્યાનસ્થ બેઠા હતા, ચંદન અને કુમકુમથી કપાળ ભરાઈ ગયેલ ને કંઠમાં હારની ઠઠ થઈ રહી હતી. તે સર્વે હાર ઉતારી સૌ હરિભક્તોને પહેરાવ્યા. પછી સભામંડપમાં બાપાશ્રી આસને પધાર્યા. હરિભક્તો એક નજરે બાપાશ્રી સામું જોઈ રહ્યા હતા. પછી બાપાશ્રીએ તથા સૌ હરિભક્તોએ સંતોની પૂજા કરી, વસ્ત્ર ઓઢાડ્યાં ને બાપાશ્રીને હીરાભાઈ તથા હરિભાઈએ પાઘડી બંધાવી તથા બીજા હરિભક્તોએ પણ પાઘડીઓ બંધાવી. એમ પારાયણ વિધિ પૂરો થયો, કીર્તન બોલાયાં. પછી બાપાશ્રી ઠાકોરજીને જમાડવા ઉતારે પધાર્યા. ત્યાં એક જેઠીબાઈ નામની બાઈને વળગાડ હતો. તે બાઈ બાપાશ્રીને જોતાં જ ધૂણવા મંડી, તે રાડોરાડ થઈ જતાં બાઈઓએ મળી તે બાઈને ઝાલી. બાપાશ્રી કહે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂૂન કરો ને પૂછો કે તું કોણ છે ? તે વખતે તેને બાઈઓએ પૂછતાં કોઈ બાઈનું નામ લીધું અને કહ્યું જે, મેં એનું દોઢ રોજ કામ કર્યું હતું તેના પૈસા નથી જડ્યા. તે પૈસા સારુ હું આને વળગી છું. ત્યારે બાપાશ્રી કહે, હવે તારે પૈસા જોઈએ છીએ ? ત્યારે તે કહે, ના. પૈસાની વાસનાથી તો મારા આવા હાલ થયા છે. તમે મોટાપુરુષ છો તે મારું સારું કરો, હું બહુ દુઃખી છું. તે વખતે બાપાશ્રીએ જળ મંગાવી તે બાઈને છાંટ્યું ને કહ્યું જે, જા બદરિકાશ્રમમાં. એ વચન કહેતાં તરત જ તે બાઈ તેના શરીરમાંથી નીકળી ગઈ. પછી બાપાશ્રીએ ભેળો થઈ ગયેલ બાઈઓનો સમૂહ તેને કહ્યું કે, સૌ ભગવાન ભજજો. મહારાજની આજ્ઞા ખરેખરી પાળજો. આ લોકનું તાન હોય તેના આવા હાલ થાય છે, એમ કહ્યું. તે વખતે નાળિયેર ને સાકર મંગાવી તે બાઈએ બાપાશ્રી આગળ મુકાવીને પ્રાર્થના કરી જે, મારું દુઃખ તમે દયા કરી કાઢ્યું. મને મરવા સુધી આ દુઃખ મટે એવું નહોતું. પછી બાપાશ્રીએ નાળિયેર ઠાકોરજી પાસે મુકાવ્યું ને સાકર મહારાજને જમાડી તેને પાછી અપાવીને કહ્યું કે, જ્યાં સુધી આ સાકર પહોંચે ત્યાં સુધી એક એક ગાંગડો નિત્ય જમજો ને મહારાજનો આશરો દૃઢ રાખજો. એમ કહી ઠાકોરજીને જમાડી મેડા ઉપર આસને પધાર્યા. ત્યાં બંને સદ્ગુરુ આદિ સંતોને તે ઝોડ સંબંધી વાત કરીને કહ્યું જે, જીવને માયારૂપી ઝોડનો વળગાડ થયો છે, તે આ દિવ્ય સભાને પ્રતાપે નીકળે છે; પણ ગરજુ થાવું ખપે. આ સભા તો જન્મમરણનાં ખાતાં વાળે છે. કેમ સ્વામી ! તમારું એ કામ છે કે બીજું ? મહારાજે અનંત જન્મનાં પાપ બાળવાનો સંકલ્પ કર્યો છે તેથી જીવના મોક્ષ થાય છે. નહિ તો અનંત જન્મના અપરાધ કોણ માફ કરે ! આ તો કેવળ દયાના સાગર મહારાજ ને તેમના મુક્ત છે, તે ઘેર ઘેર ફરીને જીવને માયામાંથી બહાર કાઢી લે છે. પણ જીવને માયાનો ફેર બહુ ચડી ગયો છે તે મનાય નહીં. મહારાજને સર્વોપરી જાણવા તેમાંય અટકે. જીવનાં કલ્યાણ કરવાં અતિ દયા કરી મોટા મુક્તોએ સત્શાસ્ત્ર લખ્યાં તેમાં મહારાજનું સર્વોપરીપણું અને દિવ્યપણું સમજાવ્યું, મોટા મુક્તોનો મહિમા તથા અવતાર-અવતારી એવો ભેદ સમજાવ્યો. ક્યાં મહારાજ ! ક્યાં મુક્ત ને ક્યાં અવતાર ! તોય કેટલાક મહારાજને ને અવતારને સરખા વર્ણવે છે. પ્રથમ અનાદિ મહામુક્તરાજ સદ્. ગોપાળાનંદ સ્વામી તથા સદ્. ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંતો મહારાજને સર્વોપરી કહેતા તેથી ઉપાધિઓ બહુ થતી હતી. તે વખતે કેટલાય માનતા પણ ન હતા અને હવે તેમની વાતોનાં પુસ્તક ખભે ઊંચકીને ફરે છે ને એમાંથી નિર્વાહ ચાલે છે. માટે એવા મોટાનાં દિવ્ય શાસ્ત્ર ને એ શાસ્ત્રમાં લખ્યા સિદ્ધાંતોનું મનન કરવું. ચાલોચાલ સત્સંગમાં આ વાત હાથ ન આવે. એમ કહીને બોલ્યા જે, સત્શાસ્ત્ર ક્યારે જાણ્યાં કહેવાય ? તો, જે શાસ્ત્રને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ અને તેનાં લીલાચરિત્ર વર્ણવ્યાં હોય તે ઉપર જ પ્રીતિ અને પ્રતીતિ, પણ પરોક્ષ શાસ્ત્ર ઉપર તેવી નહિ, તેમ વર્તતું હોય ત્યારે સત્શાસ્ત્ર જાણ્યાં કહેવાય. તેમ સત્પુરુષ પણ શ્રીજીમહારાજના ઉપાસક અને તેમને વિષે જ પ્રીતિવાળા તેમનો જ સંગ ગમે. પણ બીજા મતના ગમે તેવા મોટા કહેવાતા હોય પણ તેને વિષે પ્રીતિ નહિ અને પ્રતીતિ નહિ, એવી સમજણ હોય તો સત્પુરુષ જાણ્યા કહેવાય. તેમ જ આત્મા સત્ય તે પણ પોતાના સંપ્રદાયમાં જેવી રીતે આત્મ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું હોય, તેવી રીતે સત્ય સમજીને દૃઢ કરે, પણ પરોક્ષ શાસ્ત્રમાં કે પરોક્ષવાળા જે આત્મ સ્વરૂપનું નિરૂપણ કરે છે તેને વિષે પ્રીતિ કે પ્રતીતિ નહિ ત્યારે આત્મા સત્ય જાણ્યો કહેવાય. તેમ જ પરમાત્મા પણ સત્ય ક્યારે જાણ્યા કહેવાય ? તો જે પોતાના સંપ્રદાયમાં મોટા અનાદિમુક્ત, અવતાર-અવતારી ભેદ સમજાવે અને શ્રીજીમહારાજનું સર્વોપરીપણું કહે તેને નિઃસંશય થકો માને અને પોતાના સંપ્રદાયના ગ્રંથમાંથી અને સત્પુરુષ થકી શ્રવણ કરીને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવું ઘટે તેમ સમજે, તેને વિષે જ પ્રીતિ અને પ્રતીતિ; પણ પરોક્ષ શાસ્ત્રમાંથી સમજવામાં તેવી પ્રીતિ નહિ તે પરમાત્મા સત્ય જાણ્યા કહેવાય. પછી એમ કહ્યું જે, કાર્ય દેખીને તેમાં જરાય લેવાવું નહિ ને કારણમાં ચોંટવું, એમ મોટા મુક્તનો સિદ્ધાંત છે ને મંદિર, હવેલી, હાથી, ઘોડા, રથ, પાલખી, બાગ, બગીચા, ઘરેણાં વગેરે સત્સંગની શોભા તે કાર્ય કહેવાય પણ તેના કારણ પોતે શ્રીજીમહારાજ છે, તેમને લઈને એ બધુંય છે. ।। ૭૦ ।।
વાર્તા ૭૧
સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આપણે કારણ મૂર્તિ જે સ્વામિનારાયણ ભગવાન તેમને વળગવું ને મોટા મુક્તની વાત સાંભળીને તેનું મનન કરવું અને તેનો નિદિધ્યાસ કરવાથી સાક્ષાત્કાર થાય. એમ કહીને પોતાની વાત કરી જે, સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો સાંભળીને હું અને કુંવરજી પટેલ રાત બધી મનન કરતા. શું તેમની વાતોની ઢબ ! સભામાંથી કોઈ સંત-હરિભક્ત વાતો થતી હોય ત્યાં સુધી ઊઠી શકે જ નહીં. શ્રીજીમહારાજે સદ્. ગોપાળાનંદ સ્વામીને કહ્યું હતું જે, તમે મારું પુરુષોત્તમપણું નહિ પ્રવર્તાવો ત્યાં સુધી આ દેહમાં રાખીશ. એ આજ્ઞા આ સ્વામીશ્રીએ માથે ચડાવી હોય ને શું ! તેમ શ્રીજીમહારાજના સર્વોપરીપણાની, અવતાર-અવતારીના ભેદની વાત સમજાવવાની તથા મહાસમર્થ મુક્તોના ઐશ્વર્ય પ્રતાપની, દિવ્યભાવની, જેને જેને એ સર્વોપરી મૂર્તિનો સંબંધ થયો તેનાં અહોભાગ્યની વગેરે ઘણી વાતો કરતા. સ્વામીની ત્યાગ-વૈરાગ્યની છટા પણ સર્વોત્તમ હતી કે જેથી ભેળા રહેનારા કોઈ પણ સંત તેમની મરજી લોપી શકતા નહીં. તેમજ આજ્ઞા પાળવા-પળાવવામાં એવું જ તાન કે કોઈ પણ સંત રંચમાત્ર આજ્ઞા લોપી શકે નહીં. સભામાં કોઈ વેદ, વેદાંત આદિક શાસ્ત્ર જાણનાર વિદ્વાન આવતા તે પણ સ્વામીની વાતોની છટા તેમજ પ્રમાણભૂત વચનો સાંભળી દબાઈ જતા, એવો તેમની વાતોનો પ્રભાવ હતો. મહારાજને સર્વોપરી કહેવામાં સ્વામીને સત્સંગમાં કેટલીક ઉપાધિ થયેલી પણ એ ગણતા જ નહિ ને એમ જાણતા જે બિચારા સમજતા નથી તેથી એમ બોલે છે. જ્યારે એ બોલનારા તેમજ ઉપાધિ કરનારા મહારાજને સર્વોપરી સમજશે ત્યારે તેમને આ વાતોનો ધોખો નહિ થાય એમ કહેતા. એક વખત મહારાજના હજૂરી પાર્ષદ ભગુજીએ સભામાં કહ્યું હતું કે, હું આ સ્વામીની વાતો સાંભળું છું ત્યારે મોટા સદ્. નિત્યાનંદ સ્વામી જેવા સમર્થ મુક્તોનો જેમ સભામાં દાબ પડતો તેમ આ સ્વામીશ્રીનો પણ એવો જ ભાર પડે છે. તેમણે વાતો ઘણી કરી છે પણ તે વખતે કોઈએ લખી નહીં. મહારાજના લીલાચરિત્ર ને પરચાની કેટલીક વાતો લખી પણ જો સ્વામી જેવી વાતો કરતા તેવી લખી હોત તો સત્સંગમાં મહારાજને સર્વોપરી સમજાવવાનું એક સર્વોત્તમ ચમત્કારી પુસ્તક થાત. અમે તો એમની વાતો સાંભળી છે, શું એમની વાતો કરવાની છટા ! સ્વામી ગામડામાં ફરવા નીકળે ત્યારે વીસ-પચીસ ને ક્યારેક તેથી પણ અધિક સંતો ભેળા હોય ને કથા-વાર્તાનો અખાડો સદાય ચાલુ જ હોય. સવારે ચાર વાગે નાહી, પૂજાઓ કરી લે; તે એક વખત ભંડારમાં હરે થાય એટલી પ્રવૃત્તિ જણાય. પછી તો રાત્રિના બાર વાગ્યા સુધી કથા-વાર્તા થયા જ કરે, તેમાં મુખ્યપણે સ્વામી જ વારંવાર વાતો કરતા. સર્વોપરી ગ્રંથ વંચાવતા. કોઈ સંત તેમજ હરિભક્ત ગ્રામ્ય વાત તો કરી જ ન શકે એવો તેમનો દાબ. અમને બહુ હેત જણાવી મળતા ને અમે પણ એ સ્વામીનો બહુ મહિમા જાણતા. વાહ રે વાહ, સ્વામી નિર્ગુણદાસજી, વાહ ! આ બાવે (સ્વામી ઈશ્વરચરણદાસજીએ) એમનો ચીલો રાખ્યો છે એમ કહી અતિ પ્રસન્નતા જણાવી.
પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, મહારાજ તથા તેમના મોટા મુક્તનો મહિમા જાણવો ને એટલું તો દૃઢ કરી રાખવું જ મોટા અનાદિને વળગ્યા છીએ તે આપણને પાકા કરીને બ્રહ્મરસ જરૂર રેડશે જ, પણ ભૂલશે નહીં. ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈએ કહ્યું કે, બાપા ! અમે જેટલું પાત્ર થયા હોઈએ તેટલું તો અમને આપો. ત્યારે બાપાશ્રી કહે કે, પુરુષોત્તમ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમના અનાદિ મહામુક્ત એવા ચાળા-ચૂંથણાં કરતા નથી. એમ કહીને બોલ્યા જે, મોટા પાસે બહુ આગ્રહ કરીને ઐશ્વર્ય લે છે તે માગીને ઘરેણું પહેર્યા જેવું છે. તે જ્યારે તેનો ધણી ઘરેણું ઉતારી લે ત્યારે તે પહેરનાર લૂખો થઈ જાય. માટે જ્યારે ખપ પડે તે ટાણે આપે તે ઠીક છે. ભગવાન ને ભગવાનના મોટા મુક્તને અંતર્યામી જાણવા જોઈએ. શ્રીજીમહારાજને અંતર્યામી જાણે અને મોટા અનાદિને અંતર્યામી ન જાણે તો તે અડધો નાસ્તિક કહેવાય. કેમ જે મહારાજ અને મોટા મુક્ત સદા સાથે જ છે, ક્યારેય પણ જુદા નથી એમ સમજવું. પછી કહ્યું જે, ખોટા ખોટા સંકલ્પ અને મલિન ઘાટ થાય કે તરત તેના ઉપર ખોટા કરી નાખવાના વિચાર ઊપડે તો તે ક્યાં સુધી રહે ! જેમ દુશ્મન માથું ઉપાડે કે તરત તેના ઉપર ઘણનો ઘા થાય તે કેટલું નભે ! ન જ નભે, મરી જાય. તેમ તેવા ઘાટ-સંકલ્પ વિચારે કરીને ટાળી નાંખવા. ।। ૭૧ ।।
વાર્તા ૭૨
બપોરે આસને બાપાશ્રી પાસે સંતો તથા હરિભક્તો બેઠા હતા, ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી વાતો કરતા હતા. તે વખતે કડીવાળા સોની દલસુખભાઈ તથા મોરવાડવાળા લક્ષ્મીચંદભાઈએ આવીને પ્રાર્થના કરી જે, બાપા ! અમારે ઘેર આપ દર્શન દેવા પધારો તો નાનાં-મોટાં બાળકો તથા વૃદ્ધ આદિ સૌને દર્શન થાય ને કેટલાક મુમુક્ષુ નજરે ચડે તે પણ મોક્ષભાગી થાય. પછી તેમણે સ્વામી વંૃદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને પણ એ વાત કરી, જેથી બંને સદ્ગુરુઓએ કહ્યું જે, બાપા ! હેતવાળા હરિભક્તો છે તેમને રાજી કરવા જોઈએ. તે વખતે બાપાશ્રી કીર્તનની ટૂંક બોલ્યા જે,“સંત પરમ હિતકારી, જગત મેં સંત પરમ હિતકારી” આવા સંતને રાજી કરવા જવું જોઈશે. એમ કહી તે બંનેને ઘેર તથા સદરમાં રહેતા હેતવાળા હરિભક્તોને ત્યાં દર્શન દઈ કેટલાંક બાળકોને અને નવા મુમુક્ષુઓને વર્તમાન ધરાવી માર્ગમાં નજરે ચડતા અનેક જીવોને દૃષ્ટિમાત્રે પાવન કરતા આરતી સમયે બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ઠાકોરજીનાં દર્શન કરી મેડા ઉપર આસને આવ્યા ને એમ બોલ્યા જે, સ્વામી ! હવે દેહના ભાવ જણાય છે. જરાક હડદો થાય છે તોય ખમાતો નથી, થાકી જવાય છે. પણ તમો રાજી થાઓ એટલે શ્રીજીમહારાજ રાજી થાય એમ જાણી, જઈએ છીએ. હરિભક્તોનાં હેતની વાત જ શી કહેવી ! આજ દલસુખભાઈ તથા લક્ષ્મીચંદભાઈને ત્યાં જવા તમોએ કહેલ, પણ ત્યાં ગયા પછી બધાયને તાણ એવી ને એવી. શેરીમાં ચાલવાનો માગ ન મળે. નાના-મોટા હાથ જોડી ઊભા રહે. બાપા ! મારું ઘર આ રહ્યું, મારું ઘર આ રહ્યું ! એક દાદરો ચડવાનો છે. જરાય છેટું નથી. અમારે ત્યાં આમ છે, તેમ છે એમ કહે ને કરગરે તેથી ત્યાં જઈએ એટલે બધાયને રાજી કરવા પડે. મહારાજનો રાજીપો આવા વિશ્વાસી હરિભક્ત ઉપર બહુ. જેથી અમે સૌને રાજી કરીએ છીએ પણ શરીરમાં અવસ્થાના ભાવ જણાય છે. એ વખતે અમીચંદભાઈએ પ્રાર્થના કરી જે બાપા ! આપને સદરમાં હરિભક્તો તેડી ગયા હતા, તેથી મોડું ઘણું થયું. મારે ઘેર આજે પધારશો એમ જાણી હું વાટ જોઈ રહ્યો હતો. સ્વામીશ્રીને સવારમાં પ્રાર્થના કરી હતી પણ તમો થાકેલા જણાવો છો એટલે મારાથી કહી શકાતું નથી. જો દયા કરીને આપ પધારો તો ભલે; પણ જો આપને થાક લાગ્યો હોય તો કાલે દર્શન દઈ જજો એમ કહ્યું. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, તમારા જેવા મહિમાવાળા ભગવાનના ભક્તને રાજી કરવા ખપે. તમારું ઘર ક્યાં છે ? ત્યારે અમીચંદભાઈ કહે, બાપા ! આ સામે બારી દેખાય એ જ. તે વખતે અતિ પ્રસન્નતા જણાવી બાપાશ્રી, થાકને ન ગણીને તેમને ઘેર પધાર્યા. ત્યાં તેમના ભાઈઓ, નાનાં-મોટાં બાળકો અને પાડોશમાં રહેનારા સર્વે, દર્શનથી અતિશે આનંદ પામ્યાં. ઘરનાં સૌ કુટુંબીજનોએ બાપાશ્રીની પ્રાર્થના કરી મૂર્તિના સુખમાં રહેવાના આશીર્વાદ લીધા. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, તમારા ભાઈ અમને માથક તેડી ગયા હતા ત્યારે સદ્ગુરુઓ પણ સાથે હતા. આખા ગામમાં અમને ને સંતોને ફેરવ્યા ને કહે જે, આપ પધાર્યા તેથી સૌના મોક્ષ થશે એવો મહિમા. તે વખતે માથકથી અમીચંદભાઈ ઉપર તેમનો કાગળ આવેલ તે વંચાવ્યો. તેમાં લખેલ જે, બાપાશ્રી આપણે ઘેર પધારે ત્યારે આટલી પ્રાર્થના મારી વતી કરવી જે, બાપા ! અમારા કુટુંબમાં સૌને આપને વિષે દિવ્યભાવ રહે, ક્યારેય મનુષ્યભાવ ન આવે તથા નવા જે જીવ જન્મે ને મરે તે સૌને શ્રીજીમહારાજ મૂર્તિના સુખમાં રાખે, કોઈ આસુરી જીવનો જન્મ અમારા કુટુંબમાં ન થાય ને કુટુંબમાંથી સત્સંગ ન જાય. વળી અમારે ત્યાં દીકરી જન્મેલ હોય તેને જ્યાં પરણાવીએ ત્યાં સત્સંગનું બળ ન હોય તોય તેને મહારાજ અને આપ મૂર્તિના સુખમાં પહોંચાડજો. આવો કાગળ વંચાવ્યો. વાહ રે વાહ ! શું હરિભક્તોનાં હેત ! મહિમાવાળા પણ એવા. કુટુંબમાં તથા ઘરમાં તેમના બીજા ભાઈઓ, નાના-મોટા દીકરા સૌ દંડવત કરી રાજી કરવા હાથ જોડતા હતા. આવા દેશમાં મહારાજે ઘણી દયા કરી છે. મહિમાની વાતો આવી છે. કેટલાક આવી વાત ન જાણનારાને મૂંઝવણ થતી હોય કે સંકલ્પ થતા હોય તો તે જાણે, પણ અમારે તો એક શ્રીજીમહારાજને રાજી કરવા છે; બીજું કાંઈ જોઈતું નથી. એમ કહી સૌને રાજી કરી બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ।। ૭૨ ।।
વાર્તા ૭૩
સાંજે મેડા ઉપર આસને બાપાશ્રી કૃપા કરીને વાત કરવા લાગ્યા જે, મોટા અનાદિમુક્ત છે તે તો અખંડ મહારાજની મૂર્તિમાં રસબસ છે. તે અનંત જીવના આત્યંતિક મોક્ષને અર્થે દયા કરી પૃથ્વી ઉપર મહારાજના સંકલ્પે દેખાય છે. ત્યારે જે જે જીવ દૃષ્ટિએ ચડે તેને ન્યાલ કરે છે. શ્રીજીમહારાજ કહે છે કે એવા અનાદિના જોગથી હું તરત પ્રાપ્ત થાઉં છું. એવા મુક્ત છે તે તો બ્રહ્મની જ મૂર્તિ છે. તેને હરિરૂપ કહીએ, પુરુષોત્તમરૂપ કહીએ અને મૂર્તિના મહારસના પાન કરનારા કહીએ. એની સર્વે ક્રિયા અલૌકિક છે, નિર્ગુણ છે, દિવ્ય છે. તેને ઓળખવા ન પડે. એની દરેક ક્રિયામાં જણાય. તે ઊઠતા જણાય, બેસતા જણાય, મૂર્તિના સુખની ચમત્કારિક વાતો કરતા જણાય, ધ્યાનમાં નિમગ્ન રહેતા જણાય. અલૌકિકભાવના સિદ્ધાંત દેખાડતા જણાય. એવી રીતે અનેક પ્રકારે મોટા અનાદિમુક્ત ઓળખાય. એ જ્યાં વિચરતા હોય ત્યાં પુરુષોત્તમ ભગવાન ને અક્ષરધામ જે શ્રીજીમહારાજનું તેજ તથા અનંતમુક્ત એ સર્વે હોય. તે પોતાને સામર્થ્યે અનેકને દિવ્યદૃષ્ટિ કરાવી, એ સર્વેને દેખાડે. તેથી અનંતનાં આવરણ ભેદાઈ જાય. મનુષ્યભાવ, પ્રતિમાભાવ, દિવ્યભાવ, એ સર્વેનું યથાર્થ વર્ણન કરે એથી સમજાય જે, આ અનાદિ મહામુક્ત છે એની છાયામાં સુખ, સુખ ને સુખ જ હોય. એવા મળે ત્યારે પૂરું થાય. આપણા ગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજી દૃષ્ટાંત દેતા જે, મોટા મુક્ત પુરુષોત્તમનું સુખ લઈ સત્સંગમાં કેવી રીતે પ્રવર્તાવે છે. તો જેમ વરાળના દીવાનું કારખાનું હોય છે તે એંજિનમાંથી અગ્નિ વરાળ રૂપે થઈને જ્યાં દીવા થવાનાં સ્થાન હોય ત્યાં જાય છે અને દીવા રૂપે થઈને સર્વેને પ્રકાશ કરે છે. તે વરાળને અને એંજિનને સંબંધ હોય છે તે જરાક સંબંધ તૂટે તો તરત દીવો ઓલવાઈ જાય છે. તેમ એંજિનને ઠેકાણે તો ભગવાન અને મહામુક્ત છે. તે મનુષ્ય રૂપે દેખાઈને દિવ્યરૂપ જે પુરુષોત્તમનું સ્વરૂપ, જ્ઞાન અને સુખ તે પ્રગટ કરીને જીવના અજ્ઞાનરૂપી અંધકારને ટાળી જ્ઞાનરૂપી પ્રકાશ કરીને મહાસુખિયા કરી મૂકે છે. તે મહામુક્તને શ્રીજીમહારાજનો સંબંધ સદાય છે. અને તે મહામુક્ત તો પુરુષોત્તમની મરજીરૂપ સદાય વર્તે છે અને મૂર્તિના સુખમાં લુબ્ધ રહે છે. જેમ લક્ષ્મીજી શ્રીકૃષ્ણના સ્વરૂપમાં સ્નેહે કરીને લીન થઈ રહે છે, તેમ તે મુક્ત પણ સ્નેહના અધિકપણે કરીને લીન રહે છે. એ મોટા મુક્ત કેવા છે, તો આ લોક-પરલોકને વિષે જીવને સુખિયા કરી મૂકે એવા છે અને સદાય જીવના હિત કરવાને અર્થે જ પ્રવર્તેલા છે. એવા મોટા મુક્ત પોતાની જરા પણ મોટપ કે સામર્થી કહેતા નથી, કેમ કે તેમને પોતાપણું છે જ નહીં. તે તો જેટલી જેટલી સામર્થી, સુખ, મોટાઈ કહે છે તે સર્વે પુરુષોત્તમ ભગવાનની જ કહે છે. એવા મોટા મનુષ્ય જેવા ભાસે છે, પણ તે તો અલૌકિક દિવ્ય મૂર્તિ જ છે. તે જન્મ્યા નથી, મનુષ્ય રૂપે થયા નથી. પણ તે તો સદાય પુરુષોત્તમની મૂર્તિમાં જ છે અને સુખને વિષે નિમગ્ન છે અને આ લોકમાં મહારાજની ઇચ્છાએ કરીને મનુષ્ય જેવા દેખાય છે એમ દયા કરીને વાત કરી. ।। ૭૩ ।।
વાર્તા ૭૪
રાત્રે બાપાશ્રીએ વાત કરી જે અનાદિ મહામુક્તનો મહિમા બહુ સમજવો અને હેતે કરીને તેમની સેવા કરવી, પ્રસન્ન કરવા જેથી શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ તત્કાળ મળે. એમને વિષે ક્યારેય મનુષ્યભાવ ન લાવવો. એમની સર્વે ક્રિયા દિવ્ય સમજવી. એ તો જાણતા થકા અજાણતાપણું દેખાડે ને દેહના ભાવ દેખાડે તથા હર્ષ-શોક દેખાડે એ સર્વે રીત અલૌકિક છે, એમ જાણવું. જો મહિમાની કસર હોય તો કોઈ વખત મૂંઝાઈ જવાય. તે ઉપર વાત કરી જે દંઢાવ્ય દેશમાં જેઠાભાઈ નામના ઉત્તમ હરિભક્ત હતા. તેને અનાદિ મહામુક્તરાજ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે ખરેખરું હેત તથા અત્યંત આત્મબુદ્ધિ હતી. પછી એક સમયને વિષે સ્વામીશ્રીને અતિ મંદવાડ થઈ ગયેલો તે મંદવાડની વાત જેઠાભાઈએ સાંભળી તેથી ઉદાસ થઈ ગયા. પોતે પચાસ ગાઉ છેટે રહેતા હતા તોપણ મંદવાડની વાત સાંભળતાં તરત જોવા સારુ ચાલી નીકળ્યા; તે જ્યાં સ્વામી હતા ત્યાં આવ્યા. તે વખતે સ્વામી અબોલ થઈ ગયા હોય ને બોલતા ન હોય તેવો ભાવ દેખાડ્યો. તે જોઈને જેઠાભાઈ મૂર્છાગત થઈ ગયા અને બોલ્યા જે, અત્યારે સ્વામી મને એક વખત જવાબ આપે ને મારી સાથે વાત કરે તો મારું સર્વે દ્રવ્ય વાપરી નાખું. પછી બીજા સાધુ હતા તે કહે જે, જેઠાભક્ત ! વિચાર કરીને બોલો, સ્વામી તો હમણાં બોલશે. પછી જેઠાભાઈએ કહ્યું જે, સ્વામી ! હું સત્ય બોલું છું. લાવો ‘પણ’ કરું. જો એક વખત જવાબ આપે તો મારું દ્રવ્ય વાપરી નાખું. આમ કહ્યું, પણ સ્વામી તો તે વખતે બોલ્યા નહીં. પછી રાત્રે સ્વપ્નમાં આવી જેઠાભાઈને દર્શન દીધાં ને કહ્યું જે, જેઠાભાઈ ! તમે અમારા સમાચાર સાંભળીને આવ્યા ને અમે તમારી સાથે બોલ્યા વિના રહ્યા. તે બોલત તો ખરા પણ તમારું બધું દ્રવ્ય વાપરી નાખવાનું તમોએ કહ્યું તેથી અમો તે વખત બોલ્યા નહીં. માટે ક્યારેય આવું ‘પણ’ ન કરવું. આવી રીતે મોટા અનાદિની વાત જુદી છે. એ તો એક જ સ્થિતિમાં વર્તતા હોય, પણ મનુષ્યપણાના ભાવ જણાવે, તેથી જો મહિમાની કચાશ હોય તો સંકલ્પ થઈ જાય જે, કેમ હશે ! પણ મોટા મુક્તને તો દેહના કે અવસ્થાના ભાવ છે જ નહીં. તે તો અખંડ મૂર્તિમાં રહ્યા છે ને અનંત જીવને મહારાજના સુખમાં લઈ જવા દયા કરીને દેખાય છે.
પછી માથકવાળા ગોરધનભાઈએ પૂછ્યું જે, મોટા મુક્ત છે તે તમામના અંતરનું જાણતા હશે ? ત્યારે બાપાશ્રી કહે, મહારાજની પેઠે મોટા મુક્ત પણ સર્વે જાણે. “એક પારસથી પારસ બને અને એક પારસથી હેમ હોય” એમ મોટા તો પારસથી પારસ કરી મૂકે છે. પછી કઈ ન્યૂનતા રહી ! એવા મોટા મુક્તને વિષે જ્યારે કાંઈ દોષ દેખાય ત્યારે એમ જાણવું જે મારે વિષે એ દોષ રહ્યા છે તેથી મોટાને વિષે ભાસે છે, પણ મોટા મુક્તને વિષે તો કોઈ જાતનો કાંઈ પણ દોષ છે જ નહીં. તે કેવી રીતે જાણવું ? તો જેમ આપણે દર્પણ લઈને જોઈએ તો જેવો પોતાનો ચહેરો હશે તેવો જ સામો દેખાશે. પણ તેવો ચહેરો બીજાનો નથી, તે તો પોતાનો જ ચહેરો દેખાય છે. તેમ, તે દોષ પોતાના છે અને મોટા મુક્તમાં જણાય છે, માટે તેને મોટા મુક્તનો જોગ કરીને તે દોષ ઓળખીને કાઢવા તથા તેમને પોતાના દોષ નિષ્કપટપણે કહેવા તો તે ટાળી નાખે. તેમની આગળ કોઈ પણ જાતનું કપટ રાખવું નહીં. એમ કહીને બોલ્યા જે, આપણે કોઈને સુખ કરીએ તો તે આપણને સુખ થાય છે અને દુઃખ દઈએ તો આપણને જ દુઃખ થાય છે. કેની પેઠે ? તો, જેમ દર્પણમાં દેખાતું જે રૂપ, તેના કપાળમાં કંકુનો ચાંદલો કરીએ તો તેવો ચાંદલો પોતાને જ કપાળે થાય છે, એમ જો મેશનો ચાંદલો કરે તો સામો પોતાને કપાળે મેશનો ચાંદલો થાય છે. તેમ કેટલાક કહે છે કે, મારા ઉપર રાજી થાઓ, મારા માથા ઉપર હાથ મૂકો. એમ મોટા મુક્તને કાંઈ કહેવું પડે છે ? એ તો તેને વિષે ભગવાનને રાજી કરવાના રૂડા સ્વભાવ અને ગુણ જોઈને વગર કહે જ રાજી થઈ જાય છે અને માથે હાથ મૂકીને સુખિયા કરે છે. તે ઉપર વાત કરી જે, સદ્. નિર્ગુણદાસજી સ્વામી પાસે કોઈક દેહે કરીને પુષ્ટ એવો હરિભક્ત આવ્યો, તે સ્વામીને પગે લાગીને ઉતાવળો ઉતાવળો કહે કે, સ્વામી ! તમે મારા ઉપર રાજી થાઓ અને મારે માથે હાથ મૂકો, એમ કહીને સ્વામીના બે હાથ ઝાલીને પરાણે ખેંચીને પોતાના માથે મૂક્યા. સ્વામીનું શરીર તો દૂબળું સરખું તે શું કરે ? પછી સ્વામી કહે, ભાઈ ! એમ પરાણે હાથ મુકાવવાથી શું થાય ! એમ તો તું દેહે જબરો છું, તે ઠામૂકો મને ઉપાડીને માથે મૂકવા ધારે તો મૂકી શકે પણ તેણે કરીને કાંઈ રાજીપો થાય છે ? માટે ભગવાનને રાજી કરવા હોય તેને તો રૂડા સ્વભાવ ને રૂડા ગુણ અવશ્ય રાખવા. વળી શ્રીજીમહારાજની કૃપાએ પોતાને કાંઈક ઐશ્વર્ય-સામર્થી પ્રાપ્ત થઈ આવે તોપણ કાંઈ ન સમજતો હોય તેવો ગરીબ થઈને તથા ભગવાનના ભક્તનો દાસાનુદાસ રહીને, સત્સંગમાં જે મોટા અનાદિમુક્ત હોય તેમનો જોગ કરે અને ભગવાનનો મહિમા અધિક સમજીને સુખને દબાવે. એમ કરતો જાય તો તે વૃદ્ધિને પામતા થકો મહામુક્ત થઈને શ્રી પુરુષોત્તમના સ્વરૂપ સંબંધી મહા મોટા અચળ સુખને તથા અદ્ભુત અખંડાનંદને પામીને શ્રી પુરુષોત્તમરૂપ થઈ જાય છે અને જો તેને કાંઈક ઐશ્વર્યસુખ પ્રાપ્ત થઈ આવ્યું હોય તેનો ઉદ્ઘોષ કરીને પોતાને વિષે માણસ ખેંચવા માટે અથવા પોતાની મોટપ ને પોતાનું સુખ તે બીજાને જણાવવા માટે કાંઈક ચમત્કાર બતાવે અથવા ચમત્કારની ને સુખની વાતો કરવા માંડે તો તે પોતાની સ્થિતિમાંથી પડી જાય છે અને લૂખો થઈ શૂનકાર જેવો થઈ જાય છે અને છેવટે સત્સંગમાંથી પડી જાય એવાં મોટાં વિઘ્નને પામે છે. કેમ કે તેનો કોઈ સંત-હરિભક્ત નિષેધ કરે, પછી પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તવાના આગ્રહ માટે તેને એ સંત-હરિભક્તનો અવગુણ આવે ત્યારે પડી જાય, માટે પોતાનો ગૉળ પોતે ચોળી ખાવો. પછી એમ બોલ્યા જે, નાના હોય તેનો મહિમા આપણે સમજીએ તેમાં ખોટ નથી. પણ મોટાને નાના સમજાય તો ખોટ રહી જાય, માટે મહિમા બરાબર સમજવો. અને કોઈ મહારાજની આજ્ઞામાં રહીને કદાચ થોડી ભક્તિ કરતા હોય તોપણ તેનો અવગુણ લેવો નહિ, પણ આજ્ઞામાં ફેર પાડતા હોય ત્યાં તો પોતાને અટકવું, ત્યાં મહિમાએ કરીને ચાલ્યા જવું નહીં. ।। ૭૪ ।।
વાર્તા ૭૫
ફાગણ વદ ૧૦ને રોજ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રીએ વાત કરી જે, વ્યાવહારિક શબ્દ મરચાં-મીઠાંને ઠેકાણે વાપરવા અને ભગવાન સંબંધી શબ્દ તે તો પકવાનને ઠેકાણે જાણવા. અવશ્ય જરૂર હોય તેટલું જ બોલવું તેમજ ક્રિયા કરવી અને જમવાનું ઝાઝું હોય પણ મરચું-મીઠું તો તેમાં ચપટીમાં લઈને જ નંખાય તથા જોઈતું જોઈતું વપરાય અને પકવાન તો પેટ ભરીને જમાય; તેમ ભગવાન સંબંધી ધ્યાન, કથા-વાર્તા, કીર્તન, ભગવાનની લીલા, ચરિત્ર, ભજન, સ્મરણ જે થાય તેટલું શ્રદ્ધા રાખી કર્યા કરવું અને બાળકિયા સ્વભાવવાળા હોય તેનો સંગ ન રાખવો. વ્યવહાર સંબંધી કાર્ય તો પોતાને અવશ્ય અને જરૂર જેટલું જ કરવું અને તેટલું જ બોલવું, કેમ કે તે ભગવાનના માર્ગમાં વિઘ્નરૂપ છે. આપણે સત્સંગમાં શું કરવા આવ્યા છીએ ? તો, અનાદિ મહામુક્ત છે તેમનો જોગ-સમાગમ કરવા. એ અવશ્ય કરવાનું છે તે કરી લેવું અને વચલો જે વ્યવહાર છે તે ખોટી કરે તેવો છે, માટે તેમાં ક્યાંય રોકાઈ જવું નહીં.
પછી બાપાશ્રી એમ બોલ્યા જે, મંદિરમાં જ્યારે હોમ-હવન કરી મૂર્તિ પધરાવી, પછી તે મૂર્તિમાં તર્ક ન કરવો; જે આ ભાવ સારો છે ને આ ભાવ સારો નથી. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરમાં આવી પછી કહે જે, પતિ કુરૂપ છે; સારો નથી; તેવું થાય. જેને આંખમાં કમળો થાય તેને આવા મુક્ત અને મહારાજ પીળા દેખાય. તે શું ? તો આવા સંત અને આવા મુક્તમાં મનુષ્યભાવ જણાય અને મૂર્તિમાં ચિત્ર-પાષાણનો ભાવ આવે તે મંદવાડ થઈ આવ્યો કહેવાય. મહારાજે તો એમ કહ્યું છે જે, અક્ષરધામની મૂર્તિ ને આ મૂર્તિમાં એક રોમનો ફેર નથી. સ્વામિનારાયણમાં ત્યાગ-ભાગ નથી. આ તો અચળ, સનાતન ને અનાદિ છે ને સર્વેના ઉપરી છે તે કોઈથી દબાય નહીં. પણ બીજાને પોતે દબાવી દે; એવી સામર્થી એ યુક્ત મહારાજ સદાય છે, છે ને છે. એવા સર્વોપરી મહારાજ અને મુક્ત આ સભામાં બેઠા હોય તોપણ તેનો મહિમા ન જાણે તેને તો પરોક્ષ છે. જેને જ્ઞાન હોય તેને તો મહારાજ અને મુક્ત કોઈ કાળે પરોક્ષ થાય તેમ નથી. જેમ મહારાજ અનાદિ છે તેમ મુક્ત પણ અનાદિ છે એવા મુક્તો તો સદાય મૂર્તિમાં જ રહે છે. જેમ દેહમાં જીવ રહે છે તેમ સાથે જ રહે છે, એવો મહિમા જાણે તો તે મહિમા જાણનારથી પણ મહારાજ જુદા ન રહે. તે મોટા અનાદિ તો સદાય મૂર્તિમાં રહે છે જેથી અનંત મનુષ્ય ખેંચાય છે. એવા મુક્તનો જોગ ક્યાંથી મળે ! એવું મોટાના સમાગમનું અધિકપણું છે. તેમાંથી પ્રીતિ, આત્મનિષ્ઠા, મહિમા, સ્વધર્મ, ભક્તિ એ સર્વે આવે તો મોટું કામ થઈ જાય; માટે જોગ કરી લેવો. સર્વોપરી ઉપાસના સમજીને મોટાની સાથે જોડાય તો અનાદિમુક્તની સ્થિતિને પામે. તેને માટે બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ કે અક્ષરાદિક કોઈ ધામ નથી અને રાત-દિવસ નથી. તે તો અનંતકોટિ કલ્પ સુધી મૂર્તિમાંથી નવાં નવાં સુખ ભોગવે છે. એવા અનાદિને તો એક મૂર્તિ જ છે.
પછી તુલસીદાસભાઈએ પૂછ્યું જે, અક્ષરને મહારાજનું દર્શન ને સુખ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજનું સુખ ને દર્શન, અક્ષરને હોય તો અક્ષર જુદા શું કરવા રહે ? મુક્ત ભેગા બેસી ન જાય. માટે અક્ષરની સભા જુદી છે અને દરજ્જો પણ જુદો છે. કારણ કે અક્ષરને તેજનો પડદો રહ્યો છે. જેમ આપણને સૂર્યની મૂર્તિ દેખાતી નથી અને વાલખિલ્ય ઋષિને પ્રકાશનો પડદો નથી. તેમ શ્રીજીમહારાજના જે હજૂરી મુક્ત છે તેને શ્રીજીમહારાજના તેજનો પડદો નથી, તે તો સદાય મહારાજનું સુખ ભોગવે છે. આપણે તો એક મહારાજનું જ કામ છે અને એ સર્વેના કારણ છે એમ જાણી, આપણે કારણનું મંથન કરવું, પણ કાર્યનું મંથન કરવું નહીં. તે કાર્ય તે શું ? તો મૂર્તિ વિના બીજાં શાસ્ત્ર, ઐશ્વર્ય, દિગ્વિજય, સમૈયા, ઉત્સવ એ આદિક સર્વે કાર્ય છે અને એક મૂર્તિ કારણ છે. માટે આપણે કારણનું સુખ ને કારણની સભા, કારણનું તેજ, કારણની સામર્થી તેનું કામ છે. તેમાં જ્ઞાનમાર્ગ તે પગથિયું છે; તે જ્ઞાનમાર્ગ જાણે ત્યારે ઠેઠ પહોંચાય; નહિ તો જાણ્યા વિના ક્યાંય અટકી પડે. આ સંત બ્રહ્મવિદ્યાના ભોમિયા છે; બ્રહ્મની મૂર્તિઓ છે. અચળ, સનાતન ને દિવ્ય છે. બીજાં સૌને પોતપોતાને સ્થાનકે રાખવા ને મહારાજ વિના બીજું સંભારવું તે તો ખોટી થવા જેવું છે, માટે હલરવલરમાં કાંઈ નહિ વળે. આપણે તો એક મૂર્તિ જ રાખવી. ।। ૭૫ ।।
વાર્તા ૭૬
બાપાશ્રીએ વાત કરી જે, મહારાજ અને અનાદિમુક્ત તો જુદા રહેતા જ નથી, પણ ભાવ જુદા. દાતા-ભોક્તાપણું અને સ્વામી-સેવકપણું. અનાદિમુક્તને એમ સમજવામાં બાધ નહિ આવે, નુકસાન નહિ આવે અને જેવડા જાણે તેવડા કરે છે. ગમે તેવા મોટા જાણો. મોટા જાણ્યામાં લાભ છે. માટે જેવા છે તેવા મહારાજને તથા અનાદિમુક્તને જાણવા જોઈએ. જેને મહારાજની મોટપ ખરેખરી જાણ્યામાં આવે, તેને જ કુશાગ્રબુદ્ધિવાળા કહ્યા છે. આગળ લાખો વર્ષ તપ કર્યાં તોપણ આવા મહારાજ ને આવા મુક્ત મળ્યા નથી ને મહારાજનું દિવ્ય સુખ મળ્યું નથી. માટે અવરભાવનો ત્યાગ કરીને પરભાવમાં રસ છે. આપણે શ્રીજીમહારાજની મૂર્તિમાંથી બહાર નીકળવું નહીં. એટલામાં જ રહેવું એવો ખટકો થાય તો મહારાજ જરાય છેટા નથી. ખટકો રાખીને મંડે તો છ મહિનામાં પૂરું થઈ જાય તે પૂરું નક્કી કરવું પડશે; છૂટકો નથી. બીજું બધુંય થાય. માળા, કીર્તન, સેવા, મંદિરનો વ્યવહાર, મહંતાઈ એવું બધુંય થાય, પણ કારણ વસ્તુ જે શ્રીજીમહારાજની મૂર્તિ તેમાં ન રહેવાય; માટે મૂર્તિરૂપ માળામાં જ રહેવું. કોઈ ભગવાન સામો એક ગજ ચાલે તો ભગવાન તેના સામા બે ગજ ચાલે એવા દયાળુ છે, પણ જીવને ગરજ થોડી છે. મહારાજ અને મોટા મુક્ત મળ્યા છે, તે પૂરું કરાવી દેશે, પણ ખટકો રાખીને મંડવું. પંચભૂતના દેહને પડ્યો મૂકીને ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જવું. મોટા તો મૂર્તિમાંથી ઘડીએે નોખા પડતા નથી, તેવા મોટાને વિષે હેત રાખશો તો વાંધો નહિ આવે. હિંમત હારશો નહિ, જે કેમ થાશે ? હમણાં તો કારણ મૂર્તિમાં રહેવું કઠણ પડે છે, પણ રહેવા માંડે તો નીકળવું કઠણ પડે. તે આપણે કરવાનો ખટકો ઓછો છે અને ખપ થોડો છે. મહારાજે કહ્યું છે જે, એણે ક્યારે આગ્રહ કર્યો ને ક્યારે ન થયું ? કરવા માંડે તેને કાંઈ કઠણ નથી. મોટા કરે તેમ ન કરવું, પણ કહે તેમ કરવું. આ જીવને સર્વે કામ પુરુષપ્રયત્નથી થાય તેમ છે, પણ પુરુષપ્રયત્ન વિના કાંઈ બને નહિ, તે કરવાની શ્રદ્ધા નથી ને નકરી કૃપા જોઈએ છીએ. પણ પાત્ર થશે તો એની મેળે જ કૃપા થશે. જ્યાં સુધી આ લોકની મોટપ, માન, સ્વાદ, મહોબત એ બધુંય રાખે તો ક્યાંથી પાત્ર થવાય ! આવાં વચન સાંભળે ત્યાં સુધી ઠીક રહે અને પછી કાંઈ ન મળે. માટે આપણે જરૂર કરવું પડશે, છૂટકો નહિ થાય એમ જાણીને મંડી પડવું, તો મહાપ્રભુનું અચળ, અનાદિ ને સનાતન સુખ લેવાય. પ્રથમ મોટા સદ્ગુરુઓએ કેટલાંક દુઃખ સહન કર્યાં છે; તો આજે અચળ અનાદિ ને સનાતન સુખને પામ્યા છે. તેની આપણે વાતો કરીએ છીએ, પણ ટાણું આવે ત્યારે પાછું કાંઈ ન મળે. નહિ તો આવાં વચનની સેડ્યું જીવમાં ઊતરી જાય ને સૂકાં હાડકાં જેવું લૂખું થઈ જવાય, પણ માંહી ઊતરતું નથી. માટે પાત્ર થવા પુરુષપ્રયત્ન જરૂર કરવો પડશે. જો તળાવમાં પાણી નિર્મળ, શાંત ભરેલ હોય તો સૂર્યને કહેવું પડે નહિ જે મારા ઉપર દયા કરો, એ તો એની મેળે જ માંહી દેખાય. લાખો-કરોડો ગાઉ ઉપર સૂર્ય છે પણ સહેજે એમાં દેખાય છે અને જરાક પાણી ડોળાય તો ન દેખાય; માટે પાત્ર થવું. કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાદ એમાં તણાવું નહીં. તેનો ખટકો ન રાખે તો ખોટ બહુ આવે. આ દેહ અંધો ઘોડો છે તે ક્યાંય ફગાવી નાખે એમ જાણી જાણપણારૂપ ભગવાનના ધામના દરવાજામાં રહીને ભગવાનની મૂર્તિમાં જોડાઈ જવું તો સુખિયા થવાય. નહિ તો આ લોકમાં નકરું દુઃખ જ છે, ક્યાંય સુખ નથી. જાણપણામાં ન રહેવાય તો ખોટ બહુ આવે. કારણ કે, આ લોક જ એવો દુઃખદાયી છે. માટે નિયમ, નિશ્ચય, આજ્ઞા, ઉપાસના આદિમાં ખબડદાર થઈ રહેવું. તે જો નિયમ ન હોય તો ક્યાંય જતું રહેવાય. અમારે ત્યાં બે-ચાર હરિભક્ત આવ્યા હતા. તે રામજીભાઈને કહે જે, ચાર પડની રોટલી તથા સવારે શેર દહીં ને શેર દૂધ જોઈશે. આવા ઠરાવવાળા થઈ જવાય, માટે સ્વભાવ જીતવા. જીવના ઠરાવ જ ઊંધા તે જો પ્રસાદી વહેંચાતી હોય તો એમ થાય જે કાંઈક ગળ્યું હોય તો ઠીક. આવા ઠરાવમાં મહાપ્રભુનું સુખ ક્યાંથી આવે ! માંડવીના મંદિરમાં લક્ષ્મીરામભાઈએ રસનાનું બહુ ખંડન કર્યું, ત્યારે એક સાધુને ઠીક ન લાગ્યું, આવા સ્વભાવ પડે છે, માટે સ્વભાવ વાંસે તણાઈ જવું નહિ અને મહાપ્રભુની મૂર્તિનું સુખ લેવું. ।। ૭૬ ।।
વાર્તા ૭૭
કથાનો સમય થઈ ગયો હતો, તેથી ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી સભામાં પધાર્યા. તે વખતે સાંવલદાસભાઈ, શિવજીભાઈ, ગોવિંદભાઈ આદિક હરિભક્તોએ સભાનો ફોટોગ્રાફ લેવાનું ઠરાવેલું તે વાત સંતોને કહી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, બાપાશ્રીને આ વાત જણાવો. ત્યારે સૌ હરિભક્તોએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, બાપા ! અમને આ દિવ્ય સભાની સ્મૃતિ રહેવા માટે ફોટોગ્રાફ લેવાની ઇચ્છા છે. ત્યારે બાપાશ્રી કહે, આમ ને આમ સભા અખંડ સંભારે એટલે ફોટોગ્રાફ લેવાઈ ગયો. આ સભા દિવ્ય તેજોમય છે, અક્ષરધામની છે, અનાદિમુક્તની છે, મહારાજ વચ્ચે બિરાજે છે, તેવી સ્મૃતિ અખંડ રાખવી એમ મોટા મોટા સંતો કહે છે. ફોટોગ્રાફ તો હમણાં નીકળ્યા છે. પ્રથમ મોટા મોટા સદ્ગુરુઓ, મહામુક્તો, નિરાવરણ દૃષ્ટિવાળા હતા તથા સમાધિવાન હતા, તે તો લીંબડાના વૃક્ષ નીચે સંત-હરિભક્તની સભાએ સહિત મહારાજને નિરંતર દેખતા એવું કરવું તો ફોટોગ્રાફ લેવા ન પડે. ત્યારે હરિભક્તોએ પ્રાર્થના કરી જે, બાપા ! એવી મોટી સ્થિતિવાળા મુક્તોને એમ વર્તતું, આ તો સાધારણ સ્થિતિવાળા નાના બાળક આદિને પણ દર્શનની સ્મૃતિ થાય. ત્યારે બાપાશ્રી કહે, ભલે, સાજી સભા બેસે તો અમારી ના નથી. એમ કહીને મંદિરની જગ્યામાં રહેતા હરિભક્તો મગનભાઈ આદિના આગ્રહથી તેમને ઘેર દર્શન દઈને આવ્યા. ત્યાં સંત-હરિભક્તોની ગોઠવણ થતી હતી. બાપાશ્રીને સૌની વચ્ચે બેસાર્યા, પડખે સંતમંડળ તથા સાથે આવેલા સેવક બેઠા. કેટલાક હરિભક્તો પાછળ ઊભા રહ્યા. લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, મોહનભાઈ, અમીચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ આદિક ઘણાક નાના-મોટા હરિભક્તો પાસે પાસે બેઠા. ફોટોગ્રાફવાળો કહે, એક મિનિટ, સરખા સૌ બેસી રહેજો. એમ કહેતાં તરત ફોટો પાડી લીધો. ત્યારે બાપાશ્રી પ્રસન્ન થયા ને કહે જે, આટલી જ વાર ! એમ કહીને બોલ્યા જે, જેમ આ ફોટો પાડતાં વાર નથી લાગતી; તેમ મહારાજની મૂર્તિ ચૈતન્યમાં પધરાવતાં વાર ન લાગે. આમાં સરખું બેસવું ખપે છે. તેમ, મહારાજ ને મોટા અનાદિના ઠરાવે ઠરાવ થાય તો તુરત સુખમાં મૂકી દે. મહાપ્રભુ આજ અઢળક ઢળ્યા છે. અનંતને ઉદ્ધારવા આવ્યા છે. જીવ ઉપર મહારાજની બહુ દયા છે. મોટા મુક્તોએ એમની દયા શાસ્ત્રમાં લખી છે. આજ વર્તમાનકાળે એવાં ને એવાં કામ શ્રીજીમહારાજ કરે છે, તેથી જે શરણે આવ્યો તે નિર્ભય. નો’તી દીઠી નો’તી સાંભળી એવી રીત ચલાવી છે. એમ વાત કરતા હતા તે વખતે એક સંત છેટે બેઠાં કીર્તન કંઠે કરવા ગાતા હતા. તે સાંભળી બાપાશ્રી ચપટી વગાડી ડોલતા અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, જેને ભગવાનને વિષે હેત હોય તેને આમ કીર્તનભક્તિ બહુ શ્રેષ્ઠ છે. તે કીર્તન મૂર્તિ સંભારીને બોલવાં. ચિહ્નનાં, લીલાનાં, ચરિત્રનાં બોલવાં. તે સાંભળીને ભગવાન અને ભગવાનના મુક્ત ઘણા રાજી થાય છે. આપણે સત્સંગમાં આવ્યા પછી શું કરવાનું છે ? તો શ્રીજીમહારાજને જેવા સર્વોપરી છે તેવા જાણવા ને મહાત્મ્યે સહિત ભક્તિ કરવી. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, સર્વે ક્રિયામાં મૂર્તિમાં નિમગ્ન રહેવું. મહારાજ આપણી સામું જોઈ રહ્યા છે અને તે બધુંય જાણે છે એવી સમજણ રાખવી. મહારાજથી કોઈ વાત અજાણી નથી. એમ જાણવાથી મહારાજની પ્રસન્નતા ભળે છે. તે ઉપર વાત કરી જે, એક ગામમાં ત્રણ ભાઈ ભેગા રહેતા હતા તે જુદા થયા. ત્યારે એક ભાઈના ભાગમાં મૂળ રહેવાનું જૂનું ઘર આવ્યું. ચાર-પાંચ વર્ષે જ્યારે તે ઘર સમું કરાવતો હતો ત્યારે તે ઘરમાંથી રૂપિયાની માટલી નીકળી. તે વખતે તેણે તેના બીજા ભાઈઓને બોલાવી ભાગ વહેંચી દીધો. ત્યારે તેને પોતાના મળતાવાળાઓએ કહ્યું કે, તમારા ભાઈને ક્યાં રૂપિયા નીકળ્યાની ખબર છે ? ને તમારા ઘરમાંથી નીકળ્યા છે તેથી તે શેનો ભાગ માગે ? ત્યારે તેણે તે કહેનારાને કહ્યું જે, તેને તો ખબર નથી, પણ શ્રીજીમહારાજ તો જાણે છે ને કે આ દ્રવ્ય સહિયારું છે. માટે તેમાં તે કેમ ભાગ ન માગે ? આવી રીતે ભગવાનના ભક્તની સમજણમાં, ‘ભગવાન સર્વે જાણે છે’ એમ રહે છે. તેથી તે એમ જાણે જે, હું અન્યાય કરીશ તો શ્રીજીમહારાજનો રાજીપો મારા ઉપર નહિ રહે, માટે શ્રીજીમહારાજ કુરાજી થાય એવું હરિભક્ત ક્યારેય પણ કરે નહીં. એવા ભક્ત ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. આમ વાત કરતા હતા તે વખતે મોહનલાલ નથુભાઈ બાપાશ્રી પાસે આવ્યા ને કહ્યું જે, બાપા ! કાલે આપને તથા સર્વે સંતોને મેં પ્રાર્થના કરી હતી જે, મારે ઘેર શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવવી છે. ત્યારે આપે મને કહ્યું હતું જે, આવતીકાલે સારું મુહૂર્ત છે. તેથી હું તૈયારી કરી આપને તેડવા આવ્યો છું, તો દયા કરી પધારો. ત્યારે બાપાશ્રી કહે, ભલે, એમ કહી સ્વામીશ્રી આદિ સંતોને તૈયાર થવા કહ્યું. તે વખતે મોહનભાઈએ મહારાજની મૂર્તિને ગાદી-તકિયા તથા ભારે ભારે વસ્ત્ર પાથરીને ગાડીમાં પધરાવી, અને બીજી ગાડીમાં બાપાશ્રી તથા બંને સદ્ગુરુઓને બેસાર્યા, હરિભક્તો કેટલાક સાથે ચાલતા હતા ને કેટલાક આગળ ઉત્સવ કરતા હતા એવી રીતે તેમને ઘેર ગયા. ત્યાં મહારાજની જય બોલાવીને સૌ બેઠા. તે વખતે મોહનભાઈએ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત વચનામૃતની પારાયણ કરાવવાનો પોતાનો સંકલ્પ હતો તે જણાવ્યો. ત્યારે સ્વામીશ્રીએ સંતો તથા હરિભક્તોને જુદાં જુદાં વચનામૃતનાં પાનાં આપીને પારાયણ વંચાવી તેમનો સંકલ્પ પૂરો કર્યો. પછી સમય થયો એટલે મૂર્તિની પ્રતિષ્ઠા કરી, થાળ જમાડી, આરતી ઉતારી જય બોલાવી, સંતો તથા હરિભક્તો અષ્ટક તથા કીર્તન બોલ્યા. તે વખતે ઘરમાં ને ફળિયામાં માણસની ભીડ ઘણી થઈ હતી. સૌને પ્રસાદી વહેંચી. પછી બાપાશ્રીએ બંને સદ્ગુરુઓને કહ્યું જે, સ્વામી ! હરિભક્તોનાં હેત તો જુઓ ! સવારથી રાત સુધી નાના-મોટા સૌ વાંસે જ ફરે છે. મોક્ષના ખપ કેવા છે ? સૌના મનમાં એમ જે, આમ સેવા કરીએ, કે આમ રાજી કરીએ, એમ સર્વે ઉતાવળા થઈ જાય છે. અમે તો હરિભક્તનાં હેત જોઈ ઘણા રાજી થઈએ છીએ. કેમ કે આવા દેશમાં રહી આવો સત્સંગ રાખવો તે બહુ મોટી વાત કહેવાય. ધન્ય છે આવા હરિભક્તોને ! એમ કહી સૌને મૂર્તિમાં રાખવાનો આશીર્વાદ દઈ બાપાશ્રી મંદિરે પધાર્યા. મોડું થઈ જવાથી આશાભાઈ બાપાશ્રીને ઠાકોરજી જમાડવા બોલાવવા આવ્યા, ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, સ્વામી ! આ આશાભાઈ અમારો બહુ ખટકો રાખે છે. બિચારા મહિમાવાળા તેથી તાણ રહે; હું બધુંય જાણું છું, એમ કહી ઠાકોરજી જમાડવા પધાર્યા. ।। ૭૭ ।।
વાર્તા ૭૮
બપોરે મેડા ઉપર આસને બાપાશ્રી દયા કરીને વાત કરવા લાગ્યા જે, જ્યારે મહારાજ અને મોટા મુક્ત મનુષ્ય રૂપે દેખાતા હોય ત્યારે તેમનામાં મનુષ્ય જેવા બધા સ્વભાવ જણાય. તેમાં પણ ક્યારેક અજ્ઞાનીપણું જણાવે, ક્યારેક કાયરપણું જણાવે, ક્યારેક પરતંત્રપણું જણાવે, ક્યારેક રોગીપણું જણાવે; તેથી વિમુખને મોહ થાય છે ને હરિભક્ત તો ચરિત્ર જાણીને આનંદ પામે છે. પછી બોલ્યા જે, આપણે સત્સંગમાં દિવ્યભાવ રાખવો. કોઈ અવળું વર્તતું હોય તો તેને સમજાવવું. તે જો માને તો ભલે, નહિ તો તેને હાથ જોડીને છેટે રહેવું. પણ વચ્ચે શેરડા પાડવા નહીં. એકસરખું રહેવું.
પછી કાળીદાસભાઈએ પૂછ્યું જે, બાપા ! ધ્યાન-ભજન કરવા બેસીએ છીએ ત્યારે ઊંઘ આવે છે ને આળસ બહુ થાય છે, તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહિમાની કસર છે; તેથી એમ થાય છે. આ જીવને ખાવા-પીવાનું સર્વે સાનુકૂળ હોય તોય ભગવાન ભજી ન શકે. એ તો અજ્ઞાન જ કહેવાય. કેટલાક મોટા મુક્તની પાસે હોય ત્યાં સુધી ઠીક રહે, પણ ઘેર જાય એટલે એવા ને એવા થઈ જાય. તે જો મહારાજને અને મોટાને અંતર્યામી જાણે ને મહારાજની અને મોટાની બીક રાખે તો સારું રહે. મોટા મુક્તના શબ્દ સર્વે નિશાન ઉપર જ હોય. નિશાન તે શું ? તો શ્રીજીમહારાજની મૂર્તિ, તે મૂર્તિ વિના એકે શબ્દ એમના હોય નહીં. મહારાજ તથા મોટાને વિષે ભૂંડો ઘાટ થાય, અગર સ્ત્રી આદિકના ભૂંડા ઘાટ થાય તે વખતે મહારાજને અને મોટાને પ્રાર્થના કરવી તો આપણું ભક્તિરૂપ ધન, જે જે રળીએ તે પૂરેપૂરું ખજીને પડતું જાય અને આ કહ્યું તેમ ન થાય તો પૂરેપૂરું ખજીને ન પડે, માટે મહારાજને તથા મોટાને નિરંતર સંભારવા, તેમનો જોગ સદાય રાખવો. તે તો જેમ વાછરડું તેની માને સામું ધાવે ને જેવું બળિયું થાય અને વૃદ્ધિને પામે તેવું છે, એમ જાણવું. મોટા મુક્ત તો જીવને સંકલ્પમાત્રે સુખિયો કરી મૂકે છે પણ તેની જીવને ખબર પડતી નથી. જેમ આ લોકમાં કોઈ મોટા વાંકમાં આવ્યો હોય, ત્યારે તેને ફાંસીનો હુકમ થાય છે, તે વખતે તેનાં સગાં રાજા પાસે જઈને શોર-બકોર કરે અને બોલ બોલ કરે તો તેની વાત કોઈ ધ્યાનમાં લે નહિ અને એ ગુનાથી છૂટે પણ નહીં. તે વખતે જો મોટા બારિસ્ટર એક જ સવાલ કરે તો તે સવાલને ધ્યાનમાં લઈને રાજાને તેને છોડી મેલવો પડે. તેમ મોટા મુક્ત છે તે જીવને સંકલ્પમાત્રમાં છોડાવે છે. પણ તે વિના બીજાં ગમે તેટલાં સાધન કરે, બીજાની સહાયતા મેળવે, પણ તે જીવ માયાના પાશલાથી મોટાના શરણે થયા વિના છૂટે નહીં. એવા મોટા અનાદિમુક્ત છે તે તો શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં ગુલતાન થકા જેમ રહ્યા છે તેમ ને તેમ જ સદાય છે અને બોલે છે, ચાલે છે, ક્રિયા કરે છે, અંતર્યામીપણે કોઈને વાત કરે છે, ઐશ્વર્ય દેખાડે છે, કોઈને અંતર્યામીપણું જણાવે છે; એ સર્વે ક્રિયા કરતાં દેખાય છે, પણ તે ક્રિયાઓ બધી મહારાજની ઇચ્છાથી થાય છે, એમ જાણી દિવ્યભાવ રાખવો.
પછી સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, બાપા ! મહારાજનાં ચરિત્રને વિષે સંશય કરવો નહિ એમ કહ્યું છે, તે અત્યારે મહારાજનાં કયાં ચરિત્ર સમજવાં ? અને તે મનુષ્યચરિત્રને વિષે દોષ ન પરઠવો એમ પણ કહ્યું છે તે અત્યારે મહારાજની મૂર્તિઓ છે તે શું મનુષ્યચરિત્ર કરે છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજે જે જે મનુષ્યચરિત્ર કર્યાં હોય તેનું વર્ણન થતું હોય તે સાંભળીને તેને વિષે દિવ્યભાવ લાવવો પણ દોષ ન પરઠવો અને અત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ એ સાક્ષાત્ ભગવાન પોતે જ છે, એમ માનવું. અને મૂર્તિનાં ઘરેણાં, વસ્ત્ર વગેરે કોઈ લઈ જાય તોય તેમાં અવગુણ ન લે જે, મૂર્તિ ધાતુ, કાષ્ઠ-પાષાણાદિકની છે એવો ભાવ ન લાવે અને એમ ન થાય જે, પોતે પ્રત્યક્ષ બિરાજતા હોય તો ચોરને કેમ લેવા દે ? એમ નાસ્તિકભાવ ન આવે. વળી સંભારે ત્યારે દર્શન દે અગર ન દે, દુઃખ હોય તે ટાળે અગર ન ટાળે, તોય અવગુણ ન આવે, ને દોષ ન પરઠે કે ભગવાન સત્સંગમાં પ્રગટ હોય તો કેમ ન આવે ! અને કેમ દુઃખ ન ટાળે ! પણ એ તો ભક્તની ધીરજ જોતા હોય અથવા કસર ટાળતા હોય, એમ અત્યારે જાણવું. સત્સંગમાં વિષમ દેશકાળ જેવું જણાતું હોય ત્યારે પણ સમજણ ન હોય તો દોષ પરઠાય જે, ભગવાન પ્રત્યક્ષ હોય તો આમ કેમ થાય ? એવાં મનુષ્યચરિત્ર પ્રાકૃત જેવાં લાગે તેને વિષે પણ દિવ્યભાવ રાખવો ને એમ સમજવું જે, સર્વ કર્તા-હર્તા મહારાજ છે, તે તેમની મરજી હશે તેમ કરતા હશે અને જે કરતા હશે તે સારું જ કરતા હશે, એમ રહે તે અત્યારનાં ચરિત્ર કહેવાય. તેને વિષે દોષ પરઠ્યો ન કહેવાય. જે ચમત્કાર-ઐશ્વર્ય જોઈને મહારાજનો અને મોટાનો નિશ્ચય કરે છે તે કરતાં જેને વિશ્વાસે કરીને નિશ્ચય થાય છે તે શ્રેષ્ઠ છે. પછી એમ બોલ્યા જે, આપણા ઉપર કોઈ દ્વેષ રાખતા હોય પણ તેને જો આપણા જેવું કામ પડે તો તેના કૃત્ય સામું જોવું નહીં. આપણાથી બને તેટલું તેનું સાચા દિલથી સારું કરવું. એવી ભગવાનના ભક્તની રીત છે. ।। ૭૮ ।।
વાર્તા ૭૯
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મહારાજ તથા તેમના અનાદિમુક્તને વિષે દિવ્યપણું સમજવું અને દિવ્યપણામાં મનુષ્યપણું જાણવું, તે શું ? તો તેમના દુઃખે દુઃખી અને તેમના સુખે સુખી થાવું. પણ મોટાને દુઃખ થતું હોય તો જાણે એમને શું ફિકર છે ! એવું નિર્દયપણું ન રાખવું. એમ મોટા મુક્તના દુઃખમાં ભાગ રાખવો. પછી એમ કહ્યું જે, મોટા અનાદિના જે શબ્દ છે તે ઇન્દ્રિયો-અંતઃકરણ ઝીલી શકતા નથી. એ શબ્દને તો જીવ ઝીલવા સમર્થ છે. માટે જે જે શબ્દ મોટા અનાદિ થકી નીકળે તેને શ્રવણ, મનન, નિદિધ્યાસ કરી જીવમાં ઉતારી દેવા. તો જેમ કીટ મટીને ભમરી થઈ જાય છે તેમ તત્કાળ મોટાના જેવું થઈ જવાય છે. પણ જો ગાફલાઈ હોય તો શબ્દ જતા રહે. પછી એમ બોલ્યા જે, એક હરિભક્તે ચરણારવિંદનું મહાત્મ્ય જાણીને સંત પાસેથી ચોરી લીધાં. તે સારા હરિભક્ત ગણાતા હતા, પણ એમ વિચાર ન થયો જે હું ચરણારવિંદનું મહાત્મ્ય જાણું છું; પણ જેનાં આ ચરણારવિંદ પાડેલાં છે તેનું તો મહાત્મ્ય કાંઈ સમજાણું નહિ અને ઊલટું કુરાજી થાય એવું ચોરીનું કર્મ કર્યું, માટે એમ કોઈએ ન કરવું. મહારાજ તથા મોટા અનાદિમુક્તનો મહિમા અતિશે જાણવો. જો રાત હોય ત્યારે એ દિવસ કહે તો દિવસ જ છે અને દિવસ હોય ત્યારે કહે કે અડધી રાત છે તો રાત જ છે. એમ બરાબર નિઃસંશયપણે માને, કેમ કે એમને દિવસ કે રાત્રિ એવું આવરણ નથી; એમ સમજે તો તે ખરેખરો વિશ્વાસી કહેવાય. પછી તેને મહારાજનું અને મોટાનું સુખ જેમ છે તેમ સમજાય. એ ઉપર શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહેવરાવ્યું હતું એ વાત કહીને બોલ્યા જે, મહારાજ અને મોટા મુક્ત કહેતા હોય તે તો બરાબર હોય, સત્ય હોય; પણ જીવ જાણી શકે નહિ કેમ કે મહારાજ અને મોટાની અલૌકિક દૃષ્ટિ અને જીવની માયિક દૃષ્ટિ ! તેથી તેને તે વાતમાં ગમ પડે નહિ ને મોટાની વાતમાં ચાંચ ખૂંચે નહીં. જો તે એમ જાણે જે મોટા અનાદિ અને મહારાજ તો કેવળ જીવના રૂડા માટે જ પધાર્યા છે, તેથી જીવનું બગડે નહિ એવું જ તે કહે. વળી તેમને જીવ થકી કાંઈ બીજો સ્વાર્થ સાધવો નથી ને જીવ ઉપર તેમને કાંઈ વેર નથી, જે અવળે રસ્તે ચડાવે. એવી સમજણ ન આવે ત્યાં સુધી દુઃખિયો મટે નહીં. મહારાજ ને મોટા મુક્ત તો કેવળ જીવોનાં કલ્યાણ માટે પ્રવર્તેલા છે, એમ સર્વે વાતમાં સમજે તો તેને કોઈ વચન માનવું કઠણ ન પડે, પણ પોતા જેવા મોટા મુક્તને સમજીને અજ્ઞાન દૃષ્ટિએ સોતો એમનો જોગ કરે, તો તેને જે વાત સમજવાની છે, તેની ઘેડ્ય ક્યાંથી બેસે ! ન જ બેસે. માટે અનાદિને અને મહારાજને દિવ્ય જાણીને, પોતાના અજ્ઞાનપણાને મૂકીને દર્શન, સ્પર્શ, જોગ, સમાગમ કરે તો તે ઠીક ગણાય. મોટા અનાદિ ને મહારાજ તે તો કૃપાસાધ્ય છે. તેમની અપાર દયા છે, કરુણાના સાગર છે; એમ કૃપા કરીને વાત કરી. ।। ૭૯ ।।
વાર્તા ૮૦
રાત્રે આરતી થયા પછી બાપાશ્રી સભામાં વાતો કરતા હતા, ત્યારે ડોસાભાઈએ પૂછ્યું જે, બાપા ! મહારાજ અને મોટા મુક્ત મળ્યા ત્યારથી મૂર્તિમાં રાખ્યાની વાત સમજાણી છે, છતાં મોટા મુક્ત જેવું સુખ ભોગવે છે તેવું સુખ કેમ આવતું નહિ હોય ? તથા વ્યવહારમાંથી અરુચિ કેમ નહિ થતી હોય ? અને પ્રકૃતિ ટળતી નથી તેનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજની મૂર્તિના સુખભોક્તા થવામાં પાત્ર થવાની જરૂર છે. પાત્ર થયા વિના એ સુખ જીરવાય નહીં. જો હમણાં જ એમ થાય તો પછી કોઈની ગરજ રહે નહિ અને પૂર્ણપણું જ મનાઈ જાય, તેથી કરીને વૃદ્ધિ પામી શકાય નહિ, તેથી કોઈને જણાવવાનું મન થાય જે, આ મિત્ર છે, આ હેતુ છે, આને કહ્યા વિના કેમ ચાલે એમ થાય તેથી ઠીક ન રહે. જીવનો તો એવો જ સ્વભાવ છે જે સારું સ્વપ્ન આવ્યું હોય તોપણ બીજાને કહે ત્યારે સુખ થાય. જુઓને ! આ જીવને કેટલું બધું અજ્ઞાન છે, કેટલો બધો મોહ છે અને કેટલી બધી વાસના છે; જે પોતાની સ્ત્રી-છોકરાં સારુ આખો દહાડો ખડિયો ખંભે લઈને ફર્યા કરે અને સાંજે માંડ ચાર પૈસા કે આઠ પૈસા રળે. એ લાવીને સ્ત્રી-છોકરાને ખવરાવે અને રાજી રાજી થાય પણ કષ્ટ વેઠવું પડ્યું હોય તેનું દુઃખ મનમાં ન ધરે અને વૈરાગ્ય પણ ન થાય. જો એટલું ભગવાન સારુ કરે તો કેવડું સુખ પ્રાપ્ત થાય, પણ જીવથી એ થાય નહિ અને માયિક નાશવંત, તુચ્છ ને દુઃખદાયી તથા કોટિ કલ્પ લગી માયામાં ભમાડે એવા માયિક પદાર્થ સારુ કેટલું બધું થાય છે. ભગવાનના ભક્તને એવું ન જોઈએ. ભગવાનના ભક્ત તો મહારાજની આજ્ઞાનુસાર મહારાજની મૂર્તિ રાખીને વ્યવહાર કરે, તે પણ ખોટો જાણીને કરે અને તેને તો એવી સમજણ હોય જે, ભગવાન સારુ રામપત્તર લઈને માગવું પડે તોય શું ! પણ રાજી રાજી રહે. માથું જાતા પણ ભગવાન ને ભગવાનના મુક્ત મળે તોય બહુ જ સોંઘા મળ્યા છે, એમ જાણે. તે ઉપર કીર્તનની ટૂંક બોલ્યા જે, “સો સો માથાં જાતાં રે સોંઘા છોગાળા” - ભગવાનના ભક્તની એવી સમજણ હોય. તેથી વ્યાવહારિક પદાર્થની હાણ-વૃદ્ધિએ કરીને હર્ષ-શોકને ન પામે અને તે પદાર્થ મેળવવાના પ્રયત્નમાં મંડ્યો ન રહે. મહારાજની અને મોટાની આજ્ઞાનુસાર વ્યવહાર કરે. તે વ્યવહાર મહારાજ અને મોટા મુકાવે તો તરત મૂકી દે, પણ કોઈ પ્રકૃતિ આડી આવે નહિ અને મૂંઝાય પણ નહિ, તો તેનો મહારાજના સુખમાં મોટા મુક્ત ભાગ રાખે છે. જેમ નબળો ખેડુ હોય તે સારા ધનાઢ્ય ખેડુ સાથે સહિયારો ભાગ કરે, પછી પોતાના બળદો નબળા હોય અને તે ખેડુના તો મોટા જબરા હોય પણ મોલ પાકે ને વહેંચે ત્યારે જેટલું સારાને આવે તેટલું નબળાને આવે; પણ જો દાડી કરી હોય તો ભાગ વહેંચાય નહિ ને દાડીના જેટલા પૈસા મળે. તેમ આપણે મોટા મુક્ત સાથે ભાગ કરવો પણ દાડીઓ કરવી નહીં. પછી એમ વાત કરી જે, આપણે ઘેર કોઈ વ્યાવહારિક સંબંધવાળા આવે તેને મહેમાન કહેવા, પણ સત્સંગી આવે તેને મહેમાન કહેવા નહિ ને મહેમાન જાણવા નહીં. કારણ કે દેહનાં સગાંસંબંધી તો એક-બે દિવસ રહે ત્યાં સુધી ભેગાં રહે છે અને પછી નોખા પડે છે. તેમ સત્સંગી તો કોઈ દિવસ નોખાં પડવાના નથી. ત્યારે મહેમાન કેમ કહેવાય ? આ સમયે મહારાજનો અને મોટા મુક્તનો પ્રતાપ બહુ જબરો છે. એમની દૃષ્ટિએ જે જે પશુ, ઝાડ, પહાડ વગેરે પડે છે તે તે સર્વેનું બીજબળ થાય છે અને સર્વે સંસ્કારી થાય છે. વળી જેણે જેણે મોટા મુક્તનો જાણે-અજાણે સ્પર્શ કર્યો, અગર જે જે મોટાના ઉપયોગમાં આવ્યા તે તે સર્વે અહોભાગ્યવાળા છે અને તેમનું કલ્યાણ થાય છે. જ્યાં જ્યાં મોટા મુક્ત વિચરે છે તે તે સર્વે સ્થાન પ્રસાદીના તીર્થરૂપ થાય છે અને દિવ્ય થાય છે. મોટા મુક્તના જોગમાં જડ-ચૈતન્ય જે કોઈ આવે છે તે નિર્ગુણ થઈ જાય છે, તે સર્વેને પવિત્ર કરે છે એટલે એ મોક્ષને આપવાવાળા થઈ જાય છે. એવો મોટા મુક્તના સંબંધનો પ્રતાપ છે, કેમ કે એ મહારાજની મૂર્તિ વિના ક્યારેય એકલા રહેતા નથી. એવા મોટા મુક્ત માયાને ટાળવાનો કવાજ શિખવાડે, એટલે માયા એની મેળે જ છેટી રહે. મોટા અનાદિ તો જીવને પુરુષોત્તમ ભગવાન સન્મુખ કરે છે. તેથી માયા વાંસે ગોથાં ખાતી રહે પણ તેનું કાંઈ ચાલતું નથી, માટે મુક્ત સાથે અતિશે હેત કરવું. તે હેત રૂપે કરીને, સ્વાર્થે કરીને, ભયે કરીને અને ગુણે કરીને થાય છે. તેમાં ગુણે કરીને જે હેત થાય છે તે સર્વેથી ઉત્તમ છે. માટે સ્નેહ કરવો તે બીજા સર્વને મૂકીને ગુણે કરીને જ કરવો. આવા મોટા અનાદિને વિષે વિશ્વાસ લાવવો અને એમ જાણવું જે, એ જ્યાં છે ત્યાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. તે જેને આવા સત્સંગની જરાકેય પ્રતીતિ હશે ને વિશ્વાસ હશે તેને તો તુરત જ હા પડશે. પણ જેને સત્સંગની ઠામૂકી પ્રતીતિ નહિ હોય ને નાસ્તિકભાવ હશે તથા જે સત્સંગને કલ્પિત જાણતા હશે તેની તો વાત નથી કહેવી. કેમ જે મોટા અનાદિ છે તેમનાં દર્શનને તો મોટા મોટા અવતારાદિક ઇચ્છે છે તે ઉપર દૃષ્ટિ રહે તો એ વાત સમજ્યામાં આવે. કેટલાક પરની ને અવરની વાતો તથા નવાં નવાં ઐશ્વર્ય તેને જાણવા ઇચ્છે પણ તેમાં કાંઈ માલ નથી. એ તો જેમ દ્રવ્ય સાચવે એવો દીકરો થાય પછી તેનો બાપ તેને સામટી ભંડારની કૂંચી સોંપી દે છે તેમ ઠીક. એ રીતે જ્યારે અવસર આવે ત્યારે મહારાજ અને મોટા મુક્ત તેમ કરી દે, પછી તે સમે તેને કોઈની કશી ધ્રા (બીક) નહીં. પણ જો મોટા મુક્તમાં મનુષ્યભાવ પરઠીને લગારેક અવગુણ લે તો એ જીવનું તૈયાર થઈ ગયેલું કામ બગડી જાય છે. જેમ કોઈએ પ્રથમ વાઢ કરેલો હોય તે શેરડી પાક્યા પછી તેને પીલીને રસ ઉકાળીને ભીલીયું તૈયાર થઈ ગઈ હોય પણ તે રાત્રે તેના ઉપર મેહ બહુ વરસે તો ગૉળનું પાણી થઈ જાય. પછી તે ગૉળને ફરીવાર ઉકાળી ભીલીયું કરવા માંડે તો ભીલીયું થાય નહિ અને કાળો રગડા જેવો નઠારો ગોળ થઈ જાય. તેમ આપણે ગૉળની ભીલીયું તૈયાર થઈ ગયેલી છે, તેથી જાળવવા જેવું ખરું. તે શું ? તો કોઈનો અવગુણ ન આવે એમ વર્તવું. ।। ૮૦ ।।
વાર્તા ૮૧
ફાગણ વદ ૧૧ને રોજ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રીએ વાત કરી જે, આ સભા અક્ષરધામની છે. આ સભાને જે સંભારે તેને જન્મમરણ ન રહે. સંતો ! હરિભક્તો ! જુઓ આવી સભા બીજે ક્યાંય છે ? આ સભામાં તો અક્ષરધામના ધામી બિરાજે છે. માટે આ સભા સંભારજો. આપણને લાભ બહુ મળ્યો છે. ક્યાં પુરુષોત્તમનારાયણ ને ક્યાં જીવ ! આ તો બહુ ભારે વાત મળી છે. બહારદૃષ્ટિ હોય તેને આવી વાત ન સમજાય. કેટલાક કહે છે કે, સત્સંગમાં ફીટાડો છે, પણ જેને એક મહારાજના સુખે સુખ છે તેને ક્યાં ફીટાડો હતો ! તેને તો એક મહારાજ જ જીવન છે. તે તો મૂર્તિના રોમ રોમનાં સુખ ભોગવે છે, ક્યારેય તૃપ્ત થતા નથી. બહાર કાંઈ જોતાં જ નથી. મહારાજની મૂર્તિ અને મહામુક્ત એ બે સામું જોઈએ એટલે બીજું બધું દુઃખ મટી જાય. દુઃખ મટવાનું એ એક જ સાધન છે. મહારાજ તો આ સમે સત્સંગમાં પ્રગટ બિરાજે છે. જેને જેવું જોઈશે તેવું લેશે. આપણે તો એક મહારાજને રાખવા. તેમની મરજી વિના આ લોકમાં કાળ, કર્મ કે માયા બાપડાં શું કરે એવાં છે. એનો શો ભાર છે કે ભગવાનના ભક્ત પાસે આવી શકે. આપણે તો અખંડ એકતાર મહારાજમાં જોડાઈ જાવું. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, સૂતાં-જાગતાં, હરે મહારાજ ! સ્વામિનારાયણ ! એમ ધૂન કરવી, શ્વાસોશ્વાસ તેમને સંભારવા એટલે બધુંય દુઃખ ગયું. સત્સંગમાં મહારાજ તથા મોટાના પ્રતાપે સંત-હરિભક્ત સૌ સુખિયા છે. તમારે પણ સુખિયા રહેવું હોય તો મહારાજ તથા મોટાને આગળ રાખજો. શ્રીજીમહારાજ આ સમે મુક્ત દ્વારે બધી ક્રિયા કરે છે એવું જેને જણાણું હોય તેને તો બધી ક્રિયા દિવ્ય લાગે.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, બાપા ! આ સમે અક્ષરધામમાં મહારાજનું દર્શન કેવું થતું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ! મહારાજ તો ઝળઝળાટ તેજમાં દર્શન દે છે. દિવ્ય દૃષ્ટિ થાય એટલે આ રહ્યા, ક્યાંય હશે એમ નથી. અનંત મુક્ત એ મૂર્તિમાં રહીને સુખ ભોગવે છે. અનંત સન્મુખ રહી સુખ ભોગવે છે. અપરિમ્ અપરિમ્ સુખનું સ્થાન એ મહાપ્રભુ છે. અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્વર્યાર્થી , અનંત માયિક જીવ તે સર્વેમાં જ્યાં જ્યાં સુખ છે તે મહારાજનો જેટલો સંબંધ તેટલું છે. જેટલું સમીપે સુખ તેટલું છેટે ક્યાંથી હોય ? સર્વથી પર અક્ષરધામ, તેમાં તો અતિ અપાર સુખ શ્રીજીમહારાજની મૂર્તિનું છે. મુક્ત તેજોમય, ધામ તેજનો જ અંબાર, સર્વ દિવ્ય સમાજ, દિવ્ય સુખ, દિવ્ય વર્ણન, “અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય.” એવા દિવ્ય ધામમાં મહાપ્રભુ બિરાજે છે. તે મૂર્તિમાં મુક્ત રસબસ રહ્યા છે. એ મહારાજ ને મુક્ત વિના આપણો ક્યાંય ભાગ નથી અને એ બે વિના બીજું ઠરવાનું ઠામ ક્યાંય નથી. માટે જે જે વચન આવે તે ઠેઠ મૂર્તિમાં લગાડવાં. એ મૂર્તિ ને મુક્ત આ સભામાં દિવ્ય તેજોમય દર્શન દે છે. જેને દિવ્યભાવ થાય તે દેખે. શ્રીજીમહારાજ આ સભામાં અખંડ બિરાજે છે, પૂજા સ્વીકારે છે. મંદ મંદ હસે છે, મંદ સુગંધવાયુ વાય છે; આ સર્વે અહીં જ છે. સ્થાવર-જંગમ સર્વે ઠેકાણે મહારાજ દેખાય એ સ્થિતિ, અને એ વિના કાંઈ ન દેખાય તે પ્રાપ્તિ. ક્યાં મહારાજ ને ક્યાં આવા મુક્ત ! આ તો કેવળ શ્રીજીમહારાજની દયા છે. એમ કહીને બોલ્યા જે, કેમ સ્વામી ! આમ હશે કે નહીં ? ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, હા બાપા ! એમ જ છે. પછી હરિભાઈએ પ્રાર્થના કરી કે, સ્વામી ! બાપાશ્રીને તેડીને અમારે ત્યાં પધારવા દયા કરો, તે વખતે બાપાશ્રી કહે, તમારાં ઘર ક્યાં છે ? ત્યારે સ્વામી કહે, આ રહ્યાં મંદિરની જગ્યામાં. ત્યારે બાપાશ્રી કહે, ચાલો, પછી સંત-હરિભક્તોએ સહિત તેમને ઘેર પધાર્યા. ત્યાં હરિભાઈએ સૌને ચંદન ચર્ચી , હાર પહેરાવી, વસ્ત્ર ઓઢાડ્યાં, તે સમે બાપાશ્રીએ હરિભાઈને કહ્યું કે, તમે જૂના સત્સંગી છો કે નવા ? ત્યારે હરિભાઈ કહે, બાપા ! આપ કહો તેવા. ત્યારે બાપાશ્રીએ કહ્યું, અમે તો કચ્છમાં રહીએ તે અમને તો તમે કહો તો ખબર પડે, એમ રમૂજ કરી. ત્યારે હરિભાઈ કહે, બાપા ! આપ તો સમર્થ છો, અંતર્યામી છો. તમે ન જાણો તેવું કાંઈ નથી, તમને લઈને તો આ સત્સંગ ફૂલી રહ્યો છે. નિત્ય સમૈયા થાય છે. ત્યારે બાપાશ્રી કહે, હરિભાઈ ! આવા સંતે આપણને દર્શન આપ્યાં તે સંત ભેગા શ્રીજીમહારાજ અખંડ હોય. મહારાજ સૌને સુખ આપે છે. તમે, અમે ને આ સંત સર્વે શ્રીજીમહારાજના સુખે સુખિયા છીએ. આ સહુ દોડ્યા આવે છે તે એમને બીજું કાંઈ ખપતું નથી, એક મહારાજ ખપે છે; તે અમે આપીએ છીએ, કેમ કે અમારે મૂર્તિનો જ વેપાર છે. જો અમને સાચો થઈને કોઈ મન સોંપે તેને તો અમે અનાદિમુક્તની પંક્તિમાં ભેળવી દઈએ. આ સમે કોઈને કેડે રહેવા દેવા નથી. મહારાજ કહે છે કે, અમારે અનંત જીવના ઉદ્ધાર કરવા છે. તેથી મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે. કારણ મૂર્તિનું એ જ કામ છે. મહારાજ સત્સંગમાં સદાય પ્રત્યક્ષ દર્શન દે છે. અણસમજણવાળાને એવું ન દેખાય તેથી બિચારા દુખિયા મટે નહીં. આપણે તો સર્વેનું સારું જ કરવું છે. તમે તો જૂના સેવક છો એમ કહી પ્રસન્નતા જણાવી. એ સમે સંતો “આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ” એ કીર્તન બોલ્યા. પછી મંદિરમાં આવતા માર્ગમાં હરિભક્તોના ઘેર પ્રાર્થના થવાથી સંતો મંદિરમાં ગયા ને બાપાશ્રી તે સર્વેને દર્શન દઈ થોડી વારે મંદિરમાં પધાર્યા. ત્યાં બે કણબી પાણાની ખાણેથી દર્શન કરવા આવેલ, તેમને સમાચાર પૂછ્યા. પછી તેમના પર પ્રસન્નતા જણાવતાં બોલ્યા જે, સત્સંગમાં સર્વે ભગવાન ભજે છે. તેમાં કણબી સત્સંગી છે તેની એક જ વૃત્તિ અને બિચારા વિશ્વાસી બહુ ને વેપારી તથા બીજાઓની વૃત્તિ ડોળાયેલી હોય પણ તે ઠીક અને બ્રાહ્મણને સૂઝે તેમ પણ કાંઈક પોતાપણું રહેતું હશે ખરું, એમ અમને તો જણાય છે.
પછી માસ્તર પ્રભાશંકરભાઈએ પૂછ્યું જે, બાપા ! કારણ શરીર તે શું ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માયિક પદાર્થની વાસના તેને કારણ શરીર જાણવું. એ કારણ શરીર વજ્રસાર જેવું છે, તે શ્રીજીમહારાજના ધ્યાને કરીને ટળે છે. અને નાના પ્રકારનાં ઐશ્વર્યના રાગ તેને મહાકારણ કહેવાય. તે મહાકારણ, શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ને તે મૂર્તિમાં આપોપું થાય ત્યારે ટળે છે. પછી એમ બોલ્યા જે, આજે સત્સંગમાં મોટા મુક્ત છે તેમાં કોઈક નિરંતર કથા-વાર્તા કરીને સુખ આપે એવા હોય અને કોઈક દર્શનમાત્રે સુખ આપે એવા હોય. તે સર્વે શ્રીજીમહારાજને રાજી કરવા કરે છે એમ જાણવું.
પછી શિવજીભાઈએ પૂછ્યું જે, બાપા ! આપ વાતોમાં બહુધા મહારાજનું વર્ણન કરો છો તેમાં મહારાજનાં બીજાં નામ કરતાં ‘શ્રીજીમહારાજ’ એ શબ્દ વધારે આવે છે તેનું શું કારણ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ નામ બહુ રમણીય છે, માટે વધારે વપરાય છે. પછી વાત કરી જે, જેને અંતરદૃષ્ટિ હોય તે તો મહારાજની મૂર્તિને વિષે દિવ્યભાવે જોડાઈ જાય તે નિષ્કામ કહેવાય. તેને મૂર્તિ વિના બીજું કાંઈ ખપે જ નહીં. અને બહારદૃષ્ટિવાળો સકામ કહેવાય. તેને મહારાજ તેડવા આવશે કે રથ વિમાન લાવશે, એમ વાટ જોવી પડે. ।। ૮૧ ।।
વાર્તા ૮૨
સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, જુઓને ! સત્સંગમાં કેવા ચમત્કાર થાય છે. તેનું કારણ ભગવાન ને મોટા મુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. એ મહારાજની બહુ દયા છે, આપણે તેમને રાજી કરવા. ભગવાને તો આ સમે બહુ સામર્થી જણાવી છે. હજારો ને લાખો પરચા થાય છે. જ્યાં જોઈએ ત્યાં સ્વામિનારાયણ દેખાય. આવી સભામાં બેઠા હોય તોપણ ચોરીઓ કરે તે ચોરી દેહની, મનની ને જીવની. ખલ્લા જડે તોય કરે. ભગવાને હાથ આપ્યા, પગ આપ્યા, આંખો આપી, કાન આપ્યા, સત્સંગનો જોગ આપ્યો તોય જીવ કૃતઘ્ની થાય ને જન્મ ખરાબ કરી નાખે એવા પણ જીવ હોય છે. આપણે તો બહુ ખટકો રાખવો. નાનું-મોટું પાપ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરી નાખવું. આવી દિવ્ય સભામાં કોઈ હાથ જોડીને કહે જે, હે મહારાજ ! હે ભગવાન ! હું તમારો ગુનેગાર છું. મારા ઉપર રાજી થાઓ. મારાથી આવી ભૂલ થઈ ગઈ. એમ કહે તો તત્કાળ મહારાજનો રાજીપો થઈ જાય અને દોષમાત્ર ટળી જાય. જો અજાણે કાંઈક દોષ થઈ જાય તો મોટાને પૂછીને તે જે કાંઈ પ્રાયશ્ચિત્ત દેખાડે તે તરત કરી નાખવું, પણ અભડાયેલ ન રહેવું. આવી સભામાં બેસીને પોતાનું પૂરું કરી લેવું. દેહનો નિરધાર ક્યાં છે. અમે એક હરિભક્તને ઘેર ગયેલ, ત્યાં છોકરો બહુ માંદો હતો તે રાડ્યો પાડીને કહેતો જે, હું મરી જાઉં છું, મરી જાઉં છું, આવું દેહનું કામ છે. “મરના, મરના સૌ કહે મરી ન જાણે કોઈ, બ્રહ્માનંદ કહે એસા મરના ફેર જન્મમરણ ન હોઈ” - આવી અવસ્થામાં અને આવા સમયમાં ભગવાન ન ભજાય, તો ખોટ ટળે નહીં. આપણને તો લાભ બહુ મોટો મળ્યો છે, માટે થોડા જીવતરમાં કોઈએ ખોટનો વેપાર ન કરવો. જીવ તો ખાનપાન અને વિષયમાં ભરાય તો નીકળી ન શકે ને વિષયમાં ખૂંચે એટલે એવા સંકલ્પ થાય જે, “ક્યાં ગયું કુળ માહરું, ક્યાં ગઈ મૃગાનેણી નાર” એવા ખોટા ઘાટ થાય. માટે ભગવાનના ભક્તે બહુ બીતા રહેવું. કામ, ક્રોધ ને માન આદિ બહુ ભૂંડાં છે. મોટા મોટાને ફગાવી નાખ્યા છે, સત્સંગીને એ સર્વે વિચારવું. બાળપણામાંથી પાધરી વૃદ્ધ અવસ્થામાં જવું. તરુણ અવસ્થા આવે તો ન કર્યાંનાં કામ થાય. તે શું ? તો છાનાં કામ કરે, ધર્મ લોપે, તેમ કરતાં જીવતર બગાડી નાખે, બહાર ફરતાં શીખે, એમાંથી સંગદોષ લાગવા માંડે; તેનો વિચાર ન હોય તો ક્યાંય જતું રહેવાય. અહીં કેવી સભા છે, પણ આવી સભા મૂકીને કેટલાક બીજે જાય અને વિચાર ન રાખે તો થઈ રહ્યું. નબળા માણસ સાથે ભાઈબંધી કરે અને જે તે ખાય, પછી ભગવાન ભજવાનું પણ વીસરી જાય. આ બધુંય જડ માયા માટે થાય છે. આપણે તો ખરાબ માણસ સાથે સહિયારો વેપાર પણ ન કરવો ને ભગવાનને રાજી કરવાનું તાન રાખવું. પહેલાં ભગવાન અને પછી બીજા બધાય. ભાઈ હોય તોય શું ! દીકરો હોય તેોય શું ! પછી હરજી ઠક્કરની માએ મહારાજને નાહવા સારુ મોટો ચરુ આપ્યો, ત્યારે તેના દીકરા પ્રેમજીએ કહ્યું જે, આવડો મોટો ચરુ કેમ આપ્યો ? નાનો આપ્યો હોત તો ન ચાલત ? એમ કહ્યું કે તરત જ તેનો સામાન ખણીને ગાડામાં ભરાવ્યો ને રજા દઈ દીધી. પછી કહ્યું કે હું તારું મોઢું નહિ જોઉં, એમ કહીને દેહ મૂક્યો ત્યાં સુધી તેનું મોઢું જોયું નહીં. એ રીતે મહારાજની મૂર્તિને સૌ કરતાં વહાલી રાખવી. તે હરજી ઠક્કરની માએ વીસ વરસ સુધી તે દીકરાનું મોઢું જોયેલ નહિ, તોપણ શુભ ઇચ્છા રહી જે, મહારાજને મારા હાથથી થાળ કરીને જમાડ્યા નહિ એવી શુભ વાસના પણ નડી. દેહ પડ્યા પછી ફેર જન્મ લીધો તે નાનપણમાં મહારાજને દર્શને આવેલ, તે વખતે મહારાજે હરજી ઠક્કરને કહ્યું જે, હરજી ઠક્કર ! તમારી માને ઓળખો ખરા ? ત્યારે તે કહે, મહારાજ ! એને એ રૂપે હોય તો ઓળખું. ત્યારે મહારાજ કહે, આ સામે બેઠી છે તે તમારી મા છે, એમ ઓળખાવ્યાં. પછી તે બાર વર્ષનાં થયાં ત્યારે મહારાજને અતિ હેતે કરીને પોતાના હાથે થાળ કરીને જમાડ્યા એટલે દેહ મૂકીને અક્ષરધામમાં પહોંચ્યાં. આવી શુભ વાસના પણ નડે. માટે સર્વે પ્રકારની વાસના ટાળી એક મહારાજની મૂર્તિ રાખવી. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ હાલતાં-ચાલતાં કરવું. આજ સત્યુગ છે તે સ્વામિનારાયણના ઘરમાં છે, બીજે નથી. જે સ્વામિનારાયણનું નામ લેતા હોય એવાનો પણ જાણે-અજાણે દ્રોહ થઈ જાય તો જીવનો નાશ કરી નાખે એવું કામ છે. કેટલાક ભગવાનના ભક્ત ગરીબ હોય છે. તે ગરીબ પણ ઓળખવા. ખાવા ન મળે તે ગરીબ નહીં. રૂપિયા લાખો હોય ને સ્વભાવે ગરીબ હોય તે. આજ તો મહારાજ ને સંત આ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે, તેમને રાજી કરી લેવા. પછી સભામાં સામું જોઈને કહ્યું જે, કેમ ! આ સભામાં મહારાજ હશે કે નહિ હોય ? ત્યારે સૌ હરિભક્તોએ હા કહી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આવા મોટા અનાદિમુક્તને રાજી કરે તો ઠેઠ પહોંચી જાય. હજારો ચમત્કાર થાય છે, તે જુએ તેને ખબર પડે. એક ગામમાં ગોપાળાનંદ સ્વામી ગયા, ત્યાં ગામમાં કોઈ માણસને મંદિર ક્યાં છે એમ પૂછ્યું. તે માણસ ઓટલે બેઠો દાતણ કરતો હતો તે ત્યાં બેઠે બેઠે દાતણની સાને કરીને મંદિર બતાવ્યું કે આમ ને આમ ચાલ્યા જાઓ, સામે મંદિર છે. એટલું કહેલ અને એટલું કરેલ તે પુણ્યે દેહ મુકાવી મહારાજે સત્સંગમાં જન્મ આપ્યો. વર્તમાન ધરાવ્યા પછી તો તે મોટી ઉંમરે સાધુ થયો. તેને દેહ મૂકવા ટાણે ગોપાળાનંદ સ્વામીએ અદ્ભુત પ્રતાપ જણાવ્યો. તે શું ? તો આમ જુએ ત્યાં લાખો રૂપે ગોપાળાનંદ સ્વામી દેખ્યા; તે ટાણે કહેવા લાગ્યો જે, અહો ! આ લાખો સંત ક્યાંથી આવ્યા ! એમ સ્વામીશ્રીએ અલૌકિક પ્રતાપ બતાવી દેહ મુકાવી દીધો. આ રીતે ભૂજ, વડતાલ, અમદાવાદના જેને સંભારીએ તે મહારાજ સાથે આવીને ઊભા રહે; પણ સાધુ કહે સાધુ નહીં. સાચા સાધુ હોય તે જ આવે. માટે આ બધું વિચારવું. આવા સંતનો ને ભગવાનનો જોગ ન વંજાવવો. ખાવા ખપે, વસ્ત્ર ખપે, બીજું શું જોઈએ ? જેને સ્વામિનારાયણને ઘેર જાવું હોય તેને શીળ, સંતોષ, ધીરજ આદિ ગુણ રાખવા, ગરીબને કલ્પાવવા નહીં. ગરીબને કલ્પાવવાથી વંશે સહિત નાશ પામે છે. જો ગરીબ સ્વભાવ હોય તો. ભગવાન પણ ગરીબનિવાજ કહેવાય છે. કોઈ તો ચાલોચાલ સત્સંગ કરે છે, તે કંઠી ને તિલક કરીને થયા સત્સંગી, એમ ન કરવું. એક હરિભક્ત તો માંહી સાવ ગોબરો, પણ બીજા સારા હરિભક્ત સાથે તકરાર કરી બેઠો ને કહે જે, હું શું સત્સંગી નહીં ? એવાને સત્સંગની શી ખબર પડે ? આજ મહારાજ સત્સંગમાં બિરાજે છે તેમને રાજી કરવા. રાજી થતાં ક્યાં વાર છે ? જેને ભગવાનને રાજી કરવા હોય તેણે ધડોધડ પાંચ વખત માનસીપૂજા કરવી. એક વારની થઈ ને બીજી વારની. વળી કથા-વાર્તા, ધ્યાન, ભજન કરી ભગવાનને રાજી કરવા. અધિકાર તો કાળા નાગ જેવો છે. આ સત્સંગમાં, આ સભામાં જ્યાં જોઈએ ત્યાં મહારાજ બિરાજે છે, પણ દેહાભિમાની જે આંધળા છે તે દેખતા નથી તે સમજતા પણ નથી, માટે ચાલોચાલ ન કરવું. કોઈના અવગુણ ન લેવા. આવો વખત નહિ મળે. મોટા મોટા સત્સંગમાં કહેવાય છે તે ખોટા નહિ હોય, એમ જાણવું. અને કામ, ક્રોધ, લોભ, માન આદિ દોષ બધાય સર્પ જેવા છે તેને ટાળીને મહારાજ અને મોટા મુક્તને રાજી કરી લેવા. ।। ૮ર ।।
વાર્તા ૮૩
બપોરે મેડા ઉપર આસને બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આપણે તો શ્રી પુરુષોત્તમનારાયણને સર્વે કારણના કારણ જાણવા. જેમ વડનું ઝાડ મોટું દેખાય છે અને બીજ નાનું છે. તે નાનામાં ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયની સામર્થી છે, તેમ ભગવાન તો આવડા મનુષ્ય જેવડા જ હોય પણ અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયનાં કારણ છે. તે શ્રીજીમહારાજે કહ્યું છે જે, “સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન” એમ કારણમાં અલૌકિકપણું છે. આવા ભગવાન તે તો કેવળ કૃપાએ કરીને જ ઓળખાય. સાધનથી એ પમાય એવા નથી. સાધન તો દિનકઢણી કહેવાય. ખેતરમાં બાજરી આદિક વાવે તેમાં દાડિયા કામ કરનારાં હોય તેને તો થોડીક મજૂરી મળે ને ઘરધણીને તો બધુંય ઘેર આવે, તેમ મૂર્તિમાં રહ્યા હોય તેને આ વાતો બધી ઘેર આવે, પણ જે દાડિયાની પેઠે સત્સંગમાં રહ્યા હોય તે તો જ્યારે આવી વાતો થાય ત્યારે બીજા ઉપર નાખી દે, તેને તો આ લાભ ને આ કૃપાની ઓળખાણ પડી નથી. મુક્તાનંદ સ્વામી અને પર્વતભાઈ જેવા મૂર્તિમાં રસબસ રહેનારા મુક્ત પણ એમ કહેતા જે, મહારાજ ને મોટા મુક્તની અનુવૃત્તિમાં આ સર્વે પ્રાપ્તિ થાય. શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર કરવાનું આ ટાણું છે. આ સમયે ભગવાન કેવળ કૃપાસાધ્ય છે. મહાપ્રભુ દયાએ કરીને પધાર્યા છે, માટે ભગવાનને અખંડ રાખવા. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં, માળા, માનસીપૂજા આદિમાં મૂર્તિ રાખવી. મૂર્તિ વિના ભવસાગરનો પાર નથી આવતો. “ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના” માટે નિશ્ચય પરિપક્વ કરવો જોઈએ. મહારાજ કહે છે કે, જેવા અમે છીએ તેવા અમને જાણશો અને જેવા અમારા મુક્ત છે, તેવા તેમને જાણશો તો કલ્યાણ થશે. અનાદિમુક્ત તો મૂર્તિના સુખમાં ઝીલે છે. આ સભા દેખાય છે તેમાં અનાદિમુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે. પણ જીવને અજ્ઞાન બહુ છે તેથી ઓળખી ન શકે. મહારાજ અને અનાદિ તો સદાય ભેળા જ રહે છે. “રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી” એમ સાથે જ રહે છે. જુદા ન પડે, તેથી એ મૂર્તિને સુખે સુખિયા. મહારાજ અને અનાદિનો એવો સંબંધ છે. આવી સમજણ હોય તે લોક, ભોગ, માન, મોટપનો ત્યાગ કરે, તેને લોકો કહેશે કે આ ગાંડા થયા; પણ આ વાતો તો બહુ મોટી તેથી કઠણ પડે ખરી. જો સમજાય નહિ તો લાભ ન મળે. મોટાના વચનમાં વિશ્વાસ હોય તો તે પાત્ર થયો કહેવાય. “ભગવાન વિશ્વાસીને શીશ” એમ કહ્યું છે. વિશ્વાસ હોય તો સદાય દાસપણું રહે. જુઓને ! મુક્તાનંદ સ્વામી બે હાથ જોડી ગદ્ગદ કંઠ થઈને મહારાજને પૂછતા. આવાં દાસપણાનાં લક્ષણ છે. ભગવાનના ભક્તમાં તો શૂરવીરપણું, પ્રીતિ, દાસપણું, એવાં એવાં અંગ હોય જ. વાળાંક દેશના આહીર પટેલ સામતને તેની માનો સત્સંગ, તોય કેવા બળિયા ! માનકુવાના મૂળજી ને કૃષ્ણજી, લાધીબાઈ, માતાજી, ઉદેપુરનાં રાણી તે સર્વેએ ભગવાનને અર્થે બહુ કર્યું તો તે લખાણાં. તે સમયે મિસ્ત્રી નાજુભાઈએ કહ્યું જે, અમે તો આવું કાંઈ કરી શકતા નથી તેથી આપ કૃપાદૃષ્ટિ રાખજો. ત્યારે બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, કૃપાસાધ્યમાં મહારાજ અને મોટા રાજી થાય, એવી ક્રિયા કરતાં આવડવું જોઈએ. પણ મનધાર્યું કરવાનું થતું જાય તો મેળ રહે નહીં. રાજી કરતા તો ક્યાંય નીકળી જવાય. રાજી કરવા માટે તો દેહ પણ પાડી નાખે, જો મહિમા સમજાય તો. શ્રીજીમહારાજ અને મોટા અનાદિ વર્તમાનકાળે સાવ સોંઘા છે. પણ જીવને સમજણ નહિ, તેથી લ્હાવ ન લઈ શકે. એમ વાત કરતા હતા તે વખતે નાજુભાઈ, સાંવલદાસભાઈ, અમીચંદભાઈ, ગોવિંદભાઈ, શિવજીભાઈ આદિક હરિભક્તોએ એકાદશી હોવાથી સમુદ્રમાં નાહવા જવા માટે આગળથી ગોઠવણ કરેલ હોવાથી મોટરો આવી, એટલે સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી હવાબંદર નાહવા પધાર્યા. સંત-હરિભક્તો એ કીર્તન બોલતાં બોલતાં સમુદ્રકિનારે પહોંચ્યા. ત્યાં બેઠક જેવું કાંઠા પર જોઈને બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ! તમે સર્વે નાહી આવો ને હું અહીં બેસું તો ? હજી ચાલવાનું છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, બાપા ! આપ ઠેઠ સુધી આવો તો સહુ રાજી થાય. ત્યારે બાપાશ્રી કહે, ભલે સ્વામી, જેમ તમે કહો તેમ. પછી પગથિયાં ઊતરતાં વધુ પરિશ્રમ થાય નહિ તે માટે માંચીમાં બેસી, સૌની સાથે બાપાશ્રી કાંઠે આવ્યા, ત્યાં સર્વે ધૂન કરીને નાહ્યા. નહાતાં નહાતાં બાપાશ્રીના પૌત્ર માવજીભાઈને એક હરિભક્ત અતિ હેતે સમુદ્રમાં જરા આગળ લઈ જતા હતા ત્યારે બાપાશ્રીએ હરિભક્તોને કહ્યું, એને બહુ આઘે લઈ જશો નહિ, કેમ કે તમારા દરિયા મોટા બહુ. અમારે ત્યાં દરિયા છે, પણ તેમાં તો દોરડે પાણી સિંચીએ ત્યારે પાણી મળે, એટલે આ દરિયા મોટા લાગે, એમ વાત કરી. ત્યારે વાંટાવદરવાળા ત્રિભુવનભાઈનો નાનો દીકરો રાઘવજી પાસે ઊભો હતો. તેના હાથમાં એક રૂપિયો હતો તે જોઈ બાપાશ્રીએ રમૂજ કરી કે, છોકરા ! રૂપિયો મને આપીશ ? ત્યારે તેણે હા કહી અને તે રૂપિયો બાપાશ્રીને આપી દીધો. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, આવા ને આવા હીરા અહીં પડ્યા છે. કાંઈ છે એને ? નહિ તો છોકરા એક બદામ પણ હાથમાંથી મૂકે નહીં. આમ મહારાજ ને મોટા મુક્તની સન્મુખ જીવ થાય તો હીરા થવાય. લોકમાં કહે છે કે, “હીરા એટલે હીરા ને બીજા બધા પાંચીકા” એમ કહી તેને રૂપિયો પાછો આપ્યો. પછી કાંઠા પર મહાદેવના મંદિર પરથી જવાતું હતું, ત્યાંથી સૌ ધીમે ધીમે ચાલતાં કીર્તન બોલતા વિશાળ બેઠકમાં આવ્યા, ત્યાં સભા થઈ. હરિભક્તો મેવો લાવેલ તે ઠાકોરજીને જમાડી સૌને પ્રસાદી વહેંચી. હરિભક્તોએ ત્યાં થોડી વાર ઉત્સવ કર્યો. પછી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, સૌ આવો ને આવો આનંદ રાખજો; શ્રીજીમહારાજને આવું બહુ ગમે છે. સંત-હરિભક્તોનાં આવાં હેત જોઈને મહાપ્રભુ ઘણા રાજી થાય છે. અમે કચ્છમાં રહ્યા થકા હેતવાળા સહુને સંભારીએ છીએ, એમ કહી લાલુભાઈને આગળ બોલાવીને કહ્યું જે, લાલુભાઈ ! શું વાતો થઈ ? ત્યારે તે કહે, બાપા ! મૂર્તિના સુખની. આ સભા બધી મૂર્તિમાં રહે છે. મૂર્તિમાં રાખવા આપ પધાર્યા છો, તેથી અમારાં મોટાં ભાગ્ય છે. આપે આ વખત બહુ દયા કરી અમને ન્યાલ કર્યા. ત્યારે સંતો સામું જોઈને બાપાશ્રી બોલ્યા જે, જુઓ ! કેવા મહિમાવાળા છે, વિશ્વાસી પણ એવા. આવા હેતવાળા છે તેથી કરાંચી અક્ષરધામ જેવું થઈ રહ્યું છે. આ નાના હરિભક્તો પણ રાજી કરવા સારુ રાત-દિવસ દાખડા કરે છે. “હેત જોઈ હરિજનનાં વાલો પોતે થયા પ્રસન્ન” આવા પ્રેમ જોઈને મહારાજ રાજી થાય છે, તેવા ડહાપણે કે બીજે સાધને રાજી થાય નહીં.
તે વખતે એક હરિભક્તે ચરણરજ માથે ચડાવી, ત્યારે બાપાશ્રી કહે, તમે આ શું કર્યું ? ત્યારે તેણે કહ્યું કે, બાપા ! તીર્થનો વિધિ. ત્યારે બાપાશ્રી કહે, આપણે વિધિ બધોય મૂર્તિ ભેગો રાખવો. સાધનની ખખા આવવા દેવી નહીં. મૂર્તિના સુખમાં મહારાજ અથવા એમના અનાદિમુક્ત એ બે પહોંચાડે, નકરાં સાધને તો કેટલાય આંટા થાય પણ પહોંચાય નહીં. એમ કહી સંત-હરિભક્તો સામું જોઈને બોલ્યા જે, જુઓને શોભા ! આ બધી સ્વામિનારાયણની ફૂલવાડી છે. સૌનાં હેત તો જુઓ ! અહીંથી માયા બિચારી રાડ પાડીને ભાગી જાય. આવી સભાનાં દર્શન ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ આદિકને દુર્લભ છે. તે તો ઝંખના કરે છે, તોપણ મહારાજ ને મુક્ત જ્યારે દયા કરી દૃષ્ટિગોચર થાય, ત્યારે તેને દર્શનનો લાભ મળે. આ સમે આ શહેર ધામરૂપ બની ગયું છે. સમુદ્રમાં જેમ બધાંય તીર્થ છે, તેમ મહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રહે છે. સુખનો સમુદ્ર તો એક શ્રીજીમહારાજ જ છે. મહારાજ તથા તેમના અનાદિમુક્ત તો સદાય સાથે જ છે. એ જેમ છે તેમ દેખાય તો દીવાના થઈ જવાય. આ ફેરે મહારાજ કેવળ કૃપાદૃષ્ટિથી જીવોને માયામાંથી કાઢી આત્યંતિક મુક્તિ આપે છે. આવા તીર્થમાં મહિમાએ સહિત ને દિવ્યભાવે સહિત જે નહાય તેનાં અનેક જન્મનાં કર્મ બળી જાય. એમ કહી ત્યાંથી મોટરમાં બેસી મંદિરમાં આવતાં, વચમાં નાજુભાઈના આગ્રહથી તેમને ઘેર ગયા. ત્યાં સર્વેને રાજી કરી વચમાં આવતાં હરિભક્તોને દર્શન દઈ મંદિરમાં પધાર્યા. થોડી વાર પછી ધનજીભાઈએ નારાયણભાઈના આગ્રહથી હવાઈ વિમાન જોવા જવાની ઇચ્છા કરી; તે વાત બાપાશ્રીને જણાવી કે, બાપા ! હવાઈ વિમાન જોવા જાઉં. ત્યારે બાપાશ્રી કહે, અમે અહીં ઘેર બેઠાં વિમાન દેખાડશું. શહેરમાં આવીને એવા ફંદ ન કરીએ. પછી સભામાં બાપાશ્રીએ ધનજીભાઈને કહ્યું જે, જુઓ ધનજીભાઈ ! આ આપણાં વિમાન. આ સંત-હરિભક્તરૂપ દિવ્ય વિમાન અક્ષરધામ સુધી ઊડે છે, તે ઠેઠ મહારાજની મૂર્તિમાં ઠરીને બેસે છે. માટે આપણે આવાં દિવ્ય વિમાન જોવાં. બીજાં તો માયા ને માયાના કાર્યમાં ઊડનારાં છે, તેનું આપણે શું કામ છે ? આપણે જોયા જેવું તો એક મહારાજનું રૂપ છે. એમ કહીને બોલ્યા જે, “સુરપુર, નરપુર, નાગપુર એ તીન મેં સુખ નાંહીં, કાં સુખ હરિ કે ચરણ મેં કાં સંતન કે માંહી” - મહારાજની મૂર્તિ વિના બીજે રોગી વાની છે, તે ઊડીને આંખોમાં પડે. પછી સભામાં મધ્ય પ્રકરણનું ૧૩મું વચનામૃત વંચાતું હતું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજે ‘તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે’ એમ કહ્યું, તથા ‘જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો’ એમ પણ કહ્યું. એવા તેજોમય દિવ્ય મૂર્તિ શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે. એમનાં વચન પણ સર્વોપરી. સંત-હરિભક્ત સર્વોપરી. આવા મંદિર ને આવી રીત, બધુંય સર્વોપરી છે. આવી પ્રાપ્તિ થઈ છે તોપણ જીવ માયામાં ભડાભૂટ કરે છે ને આ સભામાંથી અવકાં કાઢે છે. તેને મોટી ખોટ આવે છે; માટે એ માર્ગે કોઈએ ચાલવું નહીં. આપણે સત્સંગમાં શ્રીજીમહારાજને રાજી કરવા આવ્યા છીએ, તેથી એમની આજ્ઞામાં રહેવું ને મૂર્તિ મૂકવી નહીં. ભગવાનના ખરેખરા કૃપાપાત્રને ભગવાનની મૂર્તિ અને ભગવાનના મુક્ત એ વિના બીજે રહેવાય જ નહિ; એ અક્ષરધામના મુક્તનું લક્ષણ છે. ખાતાં, પીતાં, નહાતાં, ધોતાં, હાલતાં, ચાલતાં, સુખમાં, દુઃખમાં મૂર્તિ સંભારવી. મહારાજે પોતે ભક્તિ કરી તે આપણને શીખવવા માટે, એમ જાણવું. મૂર્તિ સંભારતાં જે જે વિઘ્ન આવે તેને મૂર્તિને બળે ટાળી નાખવા. માયાના ગુણને ગરવા દેવા નહીં. માન-અપમાન થાય કે ત્રણ ગુણનું પ્રધાનપણું થાય ત્યારે ગુણ વ્યાપે, તેથી ખબર રહે નહીં. એ ગુણને ઓળખીને કાઢી નાખવા. ખાવું-પીવું, પહેરવું-ઓઢવું તેમાં રુચિ રહે તે રજોગુણ અને અંધધંધ જેવું વર્તે તે તમોગુણ તથા ગરીબ રાંક જેવા થઈ રહેવાય તે સત્ત્વગુણ. માટે માયાના ગુણ થકી રહિત થાવું. ।। ૮૩ ।।
વાર્તા ૮૪
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, ભગવાનનો ભક્ત ખટકો રાખી કથા-વાર્તા, સાધુ-સમાગમ, સેવા-ભક્તિ આદિક કરે તો આ ને આ દેહે પૂરું થઈ જાય. જીવને તો કાંઈ કરવું નહિ ને કૃપાસાધ્ય ગોતે, પણ ક્રિયાસાધ્ય નહીં. કેમ જે તેમાં કારસો આવે; માટે ઢીલા ન રહેવું. મહારાજને રાજી કરવા તત્પર થવું. મહારાજ સાચા ભાવવાળા ઉપર તરત પ્રસન્ન થઈ જાય છે. તે ઉપર વાત કરી જે દંઢાવ્ય દેશમાં એક ડોસી મહામુક્ત હતાં તે હાથ જોડીને કહે, મહારાજ ! હું તમારો થાળ કરું ? એમ કહીને મહારાજનો થાળ કરે. પછી રસોઈ સારી થવા માટે માંહીથી જરા ચાખી જુએ ને એક એક ગટ્ટો ભરે. પછી એ વાતની ભગુજીને ખબર પડી ત્યારે કહ્યું જે, મહારાજ ! તમને આ ડોસી આવો થાળ જમાડે છે. ત્યારે મહારાજે પરીક્ષા લેવા કહ્યું જે, એમ કરતાં હોય તો તમે જઈને તેને મારો. તે મારવાની તો આજ્ઞા થઈ, પણ ડોસી ખરેખરાં મહિમાવાળાં; તેથી રેંટિયો ફેરવતાં ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ...’ એમ બોલે , ત્યારે વિચાર્યું જે આવા ભક્તને કેમ મરાય ? પછી તે વાત બ્રહ્માનંદ સ્વામીને કહી, ત્યારે તેમણે મહારાજને કહ્યું કે, મહારાજ ! તમે આવું વચન કીધું છે, પણ તે બહુ આકરું છે; કેમ જે ડોસી મહામુક્ત છે. ત્યારે શ્રીજીમહારાજ કહે, આવું વચન તો અમારું પણ ન માનવું એમ કહીને તે રાજબાઈની પ્રશંસા કરી. માટે સાચાભાવથી જે થાય તે ઠેઠ પૂગે ને મહારાજ રાજી થાય. જેને સર્વદેશી સમજણ હોય તે તો ક્યાંય અટકે નહીં. મોક્ષ તો શ્રીજીમહારાજ કૃપાએ કરીને કરે છે.
પછી એમ વાત કરી જે, મહારાજના અનાદિમુક્તનો મહિમા બહુ ભારે છે. એવા મોટાને જમાડે તો અનંતકોટિ બ્રહ્માંડને જમાડે તેટલું ફળ થાય છે. તે ઉપર વાત કરી જે, એક વખતે રાજબાઈએ પાંચસો સાધુને જમાડવાની રસોઈ કરાવી, તે તૈયાર થયા પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ ચાર સંતને જમવા મોકલ્યા. આ સંતો તો ત્યાં જઈને પાંચસો સાધુની રસોઈ જમી ગયા, તેવી આ બાઈને ખબર પડી જેથી દિલગીર થઈ રોવા લાગ્યાં જે, હવે આટલા સંતને હું શું જમાડીશ ! એમ કહીને બીજી રસોઈ કરાવી. તે પણ એ ચાર સદ્ગુરુઓ એવી જ રીતે જમી ગયા. ત્યારે એ બાઈ ઉદાસ થઈને મહારાજ પાસે ગયાં અને મહારાજને આ વાત કરી. ત્યારે મહારાજે એ ચારે સદ્ગુરુને બોલાવીને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું જે, તમે કેટલું જમ્યા ? ત્યારે સ્વામી કહે, મહારાજ ! હું તો એક નવટાંક જમ્યો છું અને બીજા સંતો પણ નવટાંક-નવટાંક જેટલું માંડ જમ્યા હશે, બીજું તો સર્વે ધામના મુક્તોને જમાડી દીધું. તે અનંતકોટિ મુક્ત જમ્યા. આ વાત સાંભળીને એ બાઈ કૂદવા માંડ્યાં ને બહુ જ પ્રસન્ન થયાં. આવા મોટા મુક્તને ઓળખવા ને તેમની સેવા કરવી ને રાજી કરવા એટલે ભેગા મહાપ્રભુજી પણ રાજી થાય. આ રીતની ખબર ન હોય તેને સાચા-ખોટાની વાત જાણ્યામાં ન આવે. સર્વેના કારણ શ્રીજીમહારાજ છે, ને તેમનું કાર્ય અનંત અવતાર, ઐશ્વર્ય, વિભૂતિ છે. માટે તે કાર્ય-કારણરૂપ શ્રીજીમહારાજની સમૃદ્ધિ ને સામર્થી જોઈ મહારાજનો મહિમાએ સહિત નિશ્ચય રાખીને દિવ્ય મૂર્તિનું ધ્યાન કરવું. મહારાજ તથા મોટાને વિષે સદાય દિવ્યભાવ રાખવો. મોટાની અનુવૃત્તિમાં સુખ છે. મહારાજની મૂર્તિમાં રસબસ રહેવું. પ્રગટ ભગવાન, પ્રગટ મુક્ત, પ્રગટ સંત હોય ત્યારે માણસને સમજાય નહિ, પણ પછી આવા મળે નહિ; માટે મહિમા બહુ સમજવો. ભગવાન અને મોટા મુક્તના રાજીપા વિના વાસના ટળતી નથી. તે ઉપર એક કણબીની વાત કરી જે, તેને અંત સમે રાબ ખાવાની વાસના થઈ. પછી રાબ કરતાં જરા વાર લાગી ત્યાં તો તેનો દેહ પડી ગયો, પણ રાબમાં વૃત્તિ રહેલ તેથી મરીને તે ભૂત થયો. માટે મહારાજની મૂર્તિ વિના ક્યાંય વાસના રાખવી નહીં. મહારાજની તથા મોટાની અનુવૃત્તિમાં રહે અને મૂર્તિમાં રસબસ જોડાઈ જાય તો આ દેહે જ જાણે અક્ષરધામમાં બેઠો છે અને તે જ છેલ્લો જન્મ છે, ને તેનો જ આત્યંતિક મોક્ષ થયો જાણવો. છ મહિના સુધી સત્સંગ અહોરાત્રિ કરીએ તેટલું કામ, જો મોટા મુક્તનો વિશ્વાસ હોય તો એક દિવસમાં મોટા પૂરું કરી આપે. આ વખત ફરી મળે તેવો નથી. સત્સંગનો નિશ્ચય ક્યારે કહેવાય ? કે મહારાજ તથા મોટા મુક્ત સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આવે નહીં. કોઈ દેવ-દેવલાંનો તેને ભાર રહે નહીં. આંબાના વૃક્ષનો એક વખત જાણીને નિશ્ચય કર્યો, જે આ આંબો છે, તે પછી રાત્રિ હોય કે દિવસ હોય કે ગમે તે આવીને કહે જે, આ આંબો નથી ને લીમડો છે; પણ જાણનારને આંબા સિવાય બીજો નિશ્ચય થાય નહીં. તેમ ભગવાન તો એક પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જ છે, તે સિવાય બીજા કોઈ ભગવાન નથી અને તેમના મુક્ત તથા સંત તે પણ એ મૂર્તિરૂપ જ છે. એમ દૃઢ નિશ્ચય કરવો. ।। ૮૪ ।।
વાર્તા ૮૫
રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રીએ લાલુભાઈને કહ્યું કે, તમે સત્સંગ બહુ ખિલાવ્યો છે. ત્યારે લાલુભાઈ કહે, બાપા ! આ બધો શ્રીજીમહારાજનો અને આપના જેવા મહા સમર્થ અનાદિમુક્તનો પ્રતાપ છે. આપે દયા કરી છે તેથી સર્વને શાંતિ વર્તે છે. કોઈ થાકને કે ભૂખને ગણતા નથી. ત્યારે બાપાશ્રી કહે, અહીંના હરિભક્તોને હેત ઘણું છે. આવા દેશમાં રહીને આવો સત્સંગ રાખવો તે તો મહારાજ ને મોટાનો રાજીપો હોય તો જ રહે. તમે પણ દાખડા ઠીક કર્યા છે. આ હીરાભાઈ, સાંવલદાસભાઈ, અમીચંદભાઈ જેવા તથા સૌ નાના-મોટા હરિભક્તો, સોરઠવાસી કડિયા તથા કચ્છના કણબી અને વેરણિયા આદિક સર્વે કેવા નિર્માની થઈ ગયા છે. અહીં કથા-વાર્તાનું સુખ સારું છે, તેથી આવા ગુણ જણાય છે. કથા-વાર્તા, ધ્યાન, ભજનનો ખટકો રાખનારા ઉપર મહારાજનો રાજીપો ઘણો થાય છે ને મોટા મુક્તની પ્રસન્નતા પણ બહુ થાય છે. મહારાજનો તથા મોટા મુક્તનો રાજીપો થયો તેનાં સર્વે સાધન પૂરાં થયાં. એમની પ્રસન્નતા થઈ એટલે એ છતે દેહે મૂર્તિના સુખમાં પહોંચી ગયો. આપણે ઘેર અક્ષરધામ, શ્વેતદ્વીપ બધુંય છે. શ્વેતદ્વીપ તે શું ? તો જે પાંચ વખત મહારાજ તથા મોટાને સંભારીને માનસીપૂજા કરે તેને મહારાજ પાંચ વખત દર્શન આપે છે એ શ્વેતદ્વીપ. બીજા અવતાર છે તે સર્વે મહારાજના સામર્થ્યને લઈને છે. આપણને મહારાજ બહુ મોટા મળ્યા છે. એમની દયા પણ બહુ જબરી છે. તે જુઓ તો ખરા ! એવડા મોટા ભગવાન, તે આપણી સાથે વાતો કરે, થાળ આપે, પ્રસાદી આપે, તે કેવડી બધી દયા ! મહારાજ ને મહારાજના અનાદિમુક્ત, તે તો એક સંકલ્પે અક્ષરધામમાં પહોંચાડી દે છે, એવા સમર્થ છે. માટે મોટા અનાદિનો જોગ કરી લેવો. મૂર્તિમાંથી અનંત પ્રકારનાં સુખ આવે છે. એ સુખ ભોગવતાં કલ્પેકલ્પ વીતી જાય પણ એ સુખનો પાર આવે નહીં. એ રસ અદ્ભુત છે. તે તેમની કૃપાએ મળ્યો છે. એ સુખ આપણે ભોગવવું. મહારાજ કહે છે કે અમે તો મોક્ષનો દરવાજો ઉઘાડો મૂક્યો છે, અમો ક્યાંય ગયા નથી. એવા ને એવા જ છીએ. વળી અમારા મોટા મુક્તના શબ્દ સાંભળશે, સેવા કરશે, તેમને રાજી કરશે તેનું પણ કલ્યાણ થશે. આ ભરતખંડમાં આવો જોગ મળ્યો, છતાં આ વાત હાથ ન આવી તો મનુષ્યદેહનું શું પ્રયોજન ? અનુભવજ્ઞાને કરીને મૂર્તિમાં જોડાઈ જાય તો અનંતકોટિ બ્રહ્માંડને તથા માયાને દાબીને અક્ષરધામમાં પહોંચે. જેને સ્વામિનારાયણ મળ્યા તેને આ લોકની મોટપ તથા આબરૂનું કામ નથી, તેને તો મુક્તનો ખપ કરવો જોઈએ. મોટા તો મૂર્તિમાં સળંગ જોડાયેલા છે. આપણે જાણીએ જે બેઠા છે, સૂતા છે; એમ ન જાણવું. સદા દિવ્યભાવ સમજવો. કલેવર દેખાય છે તે તો નિમિત્તમાત્ર છે. એવા મોટા મુક્તને વિષે દિવ્યભાવ સમજવાથી દિવ્ય થવાય છે. આપણને લાગે જે એમનો પંચભૂતનો દેહ છે તેથી જમવા જોઈએ છીએ, તો એટલો મનુષ્યભાવ આવી જાય છે; પણ મોટા તો સદાય મૂર્તિમાં જ છે અને અનેકને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે છે, ને મનુષ્ય જેવા થઈને અનેકની સેવા અંગીકાર કરે છે. તે સેવા સર્વે મૂર્તિના સંબંધે દિવ્ય થઈ જાય છે. તેને એ ભક્ત પામે છે. માટે મોટા મુક્તને વિષે ક્યારેય મનુષ્યભાવ પરઠવો નહીં. મોટા તો મહારાજની પેઠે સદા દિવ્ય જ છે. એટલા માટે આવા મુક્તનો જોગ મૂકવો નહીં. આવા મોટા મુક્ત ભેળું બેસવા ક્યાંથી મળે ! બીજા કોણ બેસવા દે ! આવા અનાદિમુક્ત મૂર્તિમાં કિલ્લોલ કરનારા તેમના પગરખામાં પણ આ જીવને બેસવા ન મળે. તે આપણને દયા કરીને કહે કે આવો, અહીં બેસો. આમ, સર્વે અક્ષરધામના દરવાજા ઉઘાડા મૂક્યા છે એમ જાણવું અને મોટાને વિષે કોઈ રીતે મનુષ્યભાવ કલ્પવો નહીં. “પુરુષોત્તમ વિવાહ થયો શુભ ભરતખંડમાં આજ” એમ આપણે એવો વિવાહ થયો છે તેથી સર્વે અભયપદ પામ્યા છે, રસબસ થયા છે. ।। ૮૫ ।।
વાર્તા ૮૬
બાપાશ્રીએ વાત કરી જે, મોટા સંત દેશાવરમાં ફરે છે તે અરસપરસ સમાગમ માટે છે. એવા મોટા સંત, હરિભક્તને સુખિયા રાખે છે તેથી હરિભક્તને સંતનો ગુણ આવે છે અને ઉત્તમ હરિભક્ત જોઈને સાધુ પણ તેનો ગુણ લે છે, તેથી અરસપરસ બહુ મોટા લાભને પામે છે. મહારાજ ને મોટાનો પણ એ જ સિદ્ધાંત છે. મોટા મોટા દેવ હાથ જોડીને એમ કહે છે કે, અમને મનુષ્યદેહ આપો; એનું કારણ પણ, આવા મોટા સંતનો મહિમા અને તેમને રાજી કરવાની ગરજ છે. એવા દેવતાને દુર્લભ આવા સંત મળ્યા છે ને મહારાજ સત્સંગમાં બિરાજે છે. તોપણ સ્ત્રી, દ્રવ્ય, દીકરા આદિક પ્રકૃતિના કાર્યમાંથી પાછું ન વળાય તેને શ્રીજીમહારાજની મોટપ અને આવા સંતનો મહિમા હાથ આવ્યો નથી. આપણને તો બહુ મોટું સુખ મળ્યું છે. બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, તેથી ખરેખરો ફેરો ફાવ્યો છે. મહારાજ અને મોટાનાં દર્શન ક્યાંથી ! મોટા તો ત્રણે અવસ્થામાં મહારાજની મૂર્તિમાં જોડાઈ બેઠા છે. તેથી સૂર્ય-ચંદ્ર આદિક સર્વે પ્રાર્થના કરે છે જે, અમારું સારું કરો અને તે સર્વે પ્રસાદી લેવા મહારાજ પાસે આવ્યા હતા. એકલાં સાધનથી શું કામ થાય ? કૃપાસાધ્યનો જોગ થાય તો કામ થઈ જાય. કાળમાં વરસાદ વરસે તે ભારે કામ થયું કહેવાય. તેમ આજ ખરેખરી શરદઋતુ છે. આ વાતો ક્યાંથી આવે છે ? તો મહારાજની મૂર્તિમાંથી આવે છે. “વસંતઋતુમાં આવે જો શ્યામ, તો રંગભર રમીએ” એમ આજ એ ઋતુ છે કે નહીં ? આપણે તો મહારાજ પ્રગટ થયા ત્યારથી જ શરદઋતુ બેઠી છે. આવા સંતો વાતો કરે તે અંતરમાં ઉતારે તો પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામી જાય. બીજી માયિક ઋતુ અને આ દિવ્ય ઋતુ છે. મોટા વાતો કરે તે ચકોરપક્ષીની પેઠે સાંભળવી. આ બ્રહ્માંડ પલટાશે ત્યારે આ ઋતુ પાછી આવશે, તે શું ? તો, આ ધણી જ્યારે પધારશે ત્યારે ઋતુ આવશે. અવતાર તો ઘણાય થાય પણ આત્યંતિક મોક્ષ તો કારણ મૂર્તિથી જ થાય. “આ વખત નહિ આવે ફેરી નહિ આવે ફેરી” વલખાં મારીને ઘણાય મરી જાય, પણ આ વખત ન મળે તે આપણને મળ્યો છે. પુરુષોત્તમના અનાદિ ને લાડીલા કહેનારા ક્યાંથી મળે ? તે આ ટાણે છે. તો, સત્સંગમાંથી સત્સંગ મળ્યો છે. ઘણાય બહાર પડ્યા હશે, પણ પંચવિષય મૂકી શકે નહીં. જો મોક્ષ સારુ પડ્યા હોય તો આવા મોટાને તરત ઓળખી કાઢે. આપણે એક મહારાજનું કામ છે. મહારાજે સૌને રોટલા આપ્યા છે, તે ખાઈને ભગવાન ભજી લેવા. આ દેહ માટે ઘણું કરી કરીને મરી ગયા પણ કોઈનું પૂરું થયું નહીં. પૂરી જોઈએ, રોટલી જોઈએ, તેનાથી કાંઈ થાય નહીં. પણ જો ભગવાનને જમાડીને જેવું મળે તેવું ખાઈને સુખિયો રહે ને ભગવાનને ભજે તે ડાહ્યો છે. આ દેહ તો કોઠી જેવો છે. તેમાં જે ભરે તે ચાલે. હાડકાં ઉપર ચામડું મઢ્યું છે. અંદર નકારી વસ્તુ ભરેલી છે, માટે મોહે કરીને કોઈ ઠેકાણે બંધાવું નહીં. આ લોક ખોટો છે, ખોટો છે, એમ મોટાપુરુષ ડંકા વગાડીને કહે છે, પણ લાખ - બે લાખનો ફાયદો થતો હોય તો કહેશે કે મોટા પડ્યા રહ્યા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પાંચ હરામજાદા છે, માટે પંચવિષયના દોર્યા દોરાવું નહીં. આપણે શા સારુ ભેગા થયા છીએ ? તો એક શ્રીજીમહારાજ સારુ. એમ કહીને બોલ્યા જે, સ્વામિનારાયણ હરે ! ચલાવો કથા, મહારાજને બોલાવો. આપણે મહારાજની મૂર્તિમાં તથા આ દિવ્ય સભામાં જવું એટલે તરત પાર આવે. સભામાં બેઠાં નિદ્રા આવે તો માયા આવી જાણવી. માટે સાવચેત રહેવું. મોટા મુક્તનો વ્યવહાર બધો દિવ્ય જાણવો. તેમાં કોઈ અયોગ્ય સંકલ્પ કરવો નહીં. મહારસના પીરસનારામાં ફેર હોય નહીં. પણ જમનારામાં ફેર છે એમ જાણવું. મહારાજ અને મોટા તો કલ્યાણકારી જ છે, તેમાં કોઈ જાતનો તર્ક કરવો નહીં. જમનારે દિવ્ય અને જમાડનારે દિવ્ય. તમો સર્વે વેપારી છો, માટે તમારા અંતરમાં તર્ક થઈ જાય, તેથી રુચે તેવી સર્વદેશી વાતો કરીએ છીએ. ભગવાનના ભક્તને સર્વદેશી સમજણ રાખવી. મૂર્તિ વિના બીજું જોવામાં કાંઈ માલ નથી. ચાલોચાલ સત્સંગ કરવો નહીં. બરાબર સાવચેતી રાખવી. શામ, દામ, ભેદ ને દંડનો માર્ગ જાણવો. સંત-હરિભક્તને ઓળખવા. અમારી તો વાતો આવી છે, તેને જાણી હોય તો કોઈ વખત સમાસ જરૂર થાય. સત્સંગ છે તે અગ્નિરૂપ છે, માટે સત્સંગમાં હાથ ન નાખવો. કારણના કારણ કોણ છે તે ખબર છે ? કારણ અનાદિમુક્ત, મહારાજના લાડીલા અને કારણના કારણ શ્રીજીમહારાજ છે. એમના સાથે હાથેવાળો મેળવી દેવો. “હાથેવાળો હરિ સંગાથે કીધો” - અમારે તો કોઈને બીજે જવા દેવા નથી. ઠેઠ અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં મૂકી દેવા છે. કેટલાયને મૂકી દીધા છે. આવું સુખ સાધને મળે નહિ, માટે મહારાજની મૂર્તિના ધ્યાનનો અભ્યાસ રાખવો. કલાક કલાક, બબ્બે કલાક ધ્યાન કરવું. સમર્થ ધણીએ હાથ ઝાલ્યો છે, ને મૂકે એવા નથી. આ અભયદાન છે; એ છેલ્લો લેખ છે, એ નક્કી જાણજો. તેનો દૃઢ ભરોસો રાખી વિશ્વાસ રાખવો. સત્ત્વગુણ, રજોગુણ ને તમોગુણ એ માયાના છે, માટે એનો વિશ્વાસ ન રાખવો. ।। ૮૬ ।।
વાર્તા ૮૭
ફાગણ વદ ૧૨ ને રોજ નિત્યવિધિ કર્યા પછી બાપાશ્રી સંત-હરિભક્તોને મળ્યા ને જય સ્વામિનારાયણ કરી આસને બેઠા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી ચંદનનો વાટકો લઈ બાપાશ્રીને ચર્ચવા આવ્યા. ત્યારે બાપાશ્રીએ તે વાટકામાં હાથ બોળી સ્વામી ઈશ્વરચરણદાસજીના ભાલે ચંદન ચર્ચ્યું ને વાટકો હાથમાંથી લઈ લીધો. પછી સ્વામી વૃંદાવનદાસજીને ચંદન ચર્ચીને બોલ્યા જે, આવો સંતો ! તમારી પૂજા કરીએ. એમ કહીને સંતોને ચંદન ચર્ચવા લાગ્યા ને બોલ્યા જે, આજ અક્ષરધામમાં પૂજા થાય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે. આ સભા દિવ્ય તેજોમય છે. કોઈ રહી જાશો મા. આ અવસર દુર્લભ છે. પછી કીર્તનની ટૂંક બોલ્યા જે, “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર” એમ બોલી ચંદન ચર્ચતાં વળી કહ્યું જે, કોઈ રહી જાશો મા. આવા ક્યાંથી આવશે ? તે વખતે એક સંત ઠાકોરજીનાં દર્શન કરવા ગયેલ તે આવ્યા. તેને ભાલે ચંદન ચર્ચી કહ્યું કે, આ તો મંડળધારી છે. પછી પોતે એમ બોલ્યા જે, સંત મંડળધારી કે ભગવાન મંડળધારી ? ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કહે, બાપા ! મહારાજ મંડળધારી. મુક્તનાં તો અનેક મંડળ. પછી બોલ્યા જે, સ્વામી ! કારણને ઓળખો છો ? “સર્વેના કારણ શ્રીહરિ રે.” કારણ એક મહારાજ, બીજું બધુંય કાર્ય. “સૌને વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન” એવા સર્વોપરી મહારાજ છે. માટે શ્રીજીમહારાજ વિના ક્યાંય અટકવું નહીં. આવી વાતો આ સભામાં થાય છે. બીજે તો કોઈ કાંઈ કરશે ને કોઈ કાંઈ કરશે. કોઈ વેપાર કરશે, કોઈ બજર કૂટશે. કેમ મહાદેવભાઈ ? ત્યારે મહાદેવભાઈ કહે, બાપા ! સાચી વાત છે. તમે દયા કરશો તો એ કાંઈ નહિ નડી શકે. આમ ને આમ સાથે રાખજો, ત્યારે બાપાશ્રી કહે, બહુ સારું, પછી પાર્ષદ કુબેર ભક્ત પૂજા કરી દર્શને આવ્યા તેના સામું જોઈને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આ આપણી સેવા સારી કરે છે, ત્યારે બાપાશ્રી કહે હા, એની સેવાને હું જાણું છું. મહારાજને સેવાભક્તિ ગમે છે. જીવને દિવ્યભાવ ન હોય એટલે દેહનો ઘસારો ખમી શકે નહિ, જેથી સેવામાં કારસો આવે. પછી વળી એમ કહ્યું જે, આવો લાભ અને આવી પ્રાપ્તિ થઈ છે તેને ભૂલીને કોઈ રાહુ-કેતુ જેવા સ્વભાવ મા રાખજો. કેટલાક રાહુ-કેતુ જેવા સત્સંગમાં હોય, તે પહેલાં તો સહુ ભેગા ભળી જાય, પણ પછી સ્વભાવ જણાવે. સ્વભાવ છે તે જીવને દુઃખ દે છે. એમ કહી અહિરાવણ-મહિરાવણની વાત કરી. પછી વળી લક્ષ્મણજીની વાત કરી જે, તે રાવણની ગાદીએ જરાક બેઠા એટલામાં બુદ્ધિ ફરી ગઈ ને બોલ્યા જે, આ કેનું નગારું વાગે છે ? કોનું સૈન્ય છે ? બોલાવો આપણા સૈન્યને, એના સૈન્યને મારી કાઢો. એમ ગમ વિના ગાદીએ બેસતાં થયું. પછી વિચાર હાથ આવ્યો ત્યારે પસ્તાવો બહુ કર્યો, તેમ સ્વભાવને વશ થઈ જાય તે ટાણે કાંઈનું કાંઈ બોલાઈ જાય. ને રાહુ-કેતુ જેવા માંહી પ્રવેશ કરે ત્યારે માથાં ફેરવી નાખે ને સુખ બધું ખોઈ નાખે, એવા જીવ અવળા છે. માટે સૌ ઓળખજો. આ સભાનો દિવ્યભાવ આવે તો એ કોઈ નડી શકે નહીં. જુઓને ! જાગ્યા ત્યારથી આઠ વાર તો સૌના પર હાથ ફર્યા એ કાંઈ થોડી વાત નથી. આવો લાભ મનાય તો અહો ! અહો ! થઈ જાય. મહારાજે સંતનાં મંડળ બાંધ્યાં છે તે કથા-વાર્તા કરવા અને દેશમાં ફરવા. આ તો સ્થિતિ થઈ ન હોય ને “હમ બન ગયે રાજા” એમ માનીને બેસે છે. એમ સદ્. સ્વામી નિર્ગુણદાસજી કહેતા. એ સ્વામીનો હું સેવક છું. પછી સ્વામીશ્રીએ મણિલાલભાઈનો કાગળ ચરણારવિંદ પધરાવવા સંબંધી આવેલ તેની વાત પૂછી. ત્યારે બાપાશ્રી કહે, ત્યાં તો જવું જોઈશે. પછી એક સાધુની છાતીએ હાથ ફેરવીને બોલ્યા જે, કહો તો અહીં પગલાં પધરાવી દઈએ. સાધનદશાવાળાને આ સલો છે. સિદ્ધદશાવાળાને તો મૂર્તિરૂપી ખજાનો. આપણે પાકો સિદ્ધાંત એ છે કે હૃદયમાં પધરાવી દેવા. મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસ તે જેટલાં રૂપ એ સર્વે દિવ્ય મૂર્તિઓ. તે મહારાજ ભેગા અનંત, એટલે જેટલી મૂર્તિઓ તેટલાં પગલાં થયાં. એમને છેટા રાખીને રખડે તો આ લાભ ન મળે. બીજે તો લાંબા વિધિ ને લાંબા કુટારા. જુઓને વૈરાટનારાયણ કેવડા ! એનાં દિવસ, વરસ ને માસ કેવડાં ! કામ પણ કેવડાં ! એનો પાર ન આવે તેવું છે. તો આ તો પરભાવની વાત. આ લોકમાં કેટલાક સમજ્યા વિના કહે છે કે, હે ત્રણ લોકના નાથ ! તે ત્રણ લોક કયા ? તો પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી. આપણે તે વાત પરભાવની છે, એમાં તો અક્ષરકોટિથી પર એકાંતિક, પરમએકાંતિક અને અનાદિ છે; પણ અવરભાવવાળાને એ હાથ ન આવે. મહારાજની પાઘ ન્યારી, તેમ રીત ન્યારી, મૂર્તિ ન્યારી, કૃપા ન્યારી એ વાતમાં ગતિ પહોંચે પછી તો એ મૂર્તિના સુખ વિના સંકલ્પ પણ ઊઠે નહીં. નવાં નવાં સુખ ઇચ્છે છે તે મહારાજ પમાડે, ક્યારેય તૃપ્તિ ન થાય. એમ કહીને સંતો સામું જોઈને રમૂજે યુક્ત વચન કચ્છી ભાષાનું બોલ્યા જે, સંતો ! “અસાંજી તો એડી ગાલ્યું આહે” (અમારી તો એવી વાતો છે) અમે તો રાત-દિવસ મૂર્તિનો જ વેપાર કરીએ છીએ. પણ આવી વાત ન સમજ્યા હોય ને રાહુ-કેતુ જેવા નબળા સ્વભાવ મૂક્યા ન હોય તો માથાં ફેરવી નાખે, તે કાંઈનું કાંઈ બોલે. એમ કહીને બોલ્યા જે, કાળી તલાવડીએ એક સાધુએ અમને કહ્યું જે, આ સ્થાનમાં કોઈને વાસના રહે તો ? તે સાંભળીને અમે કહ્યું જે, આમાં વાસના રહે તો શું ખોટી ? એમ અમને ભેગા ગણીને આવી વાત કરેલ. આવું ઊંધું સમજે છે, તોય અમે એવું કાંઈ મનમાં લાવતા નથી. અમે તો એનેય જમાડીએ છીએ, કલ્યાણ પણ કરીએ છીએ. એવી અમારી આવડત છે. પછી આશાભાઈ આવ્યા, તેની પ્રશંસા કરીને કહ્યું જે, આ બાપડો મારી સેવા બહુ કરે છે. એને ઊંઘ કે થાક નડતાં નથી. મહિમા જાણ્યો હોય તેને દેહનો કારસો વેઠવો કઠણ ન પડે. ।। ૮૭ ।।
વાર્તા ૮૮
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આપણે તો મૂર્તિના સુખમાં ઝીલવું, બીજું તાન ન રાખવું. આજ ભગવાન સોંઘા છે. મૂર્તિ ને મુક્ત તે વિના ક્યાંય અટકવું નહીં. આ લોકના ઠરાવ રાખનારને આવી વાતો મળે નહીં. આપણે તો આનંદમાં ને આનંદમાં રહેવું. એક મહારાજ ને તેમના અનાદિ, તે વિના બીજે ક્યાંય ભાગ રાખવો નહીં. દેહ રહે ત્યાં સુધી આમ ને આમ વર્તવું. મહારાજને તથા અનાદિમુક્તને પળમાત્ર પણ મૂકવા નહીં. આમ સમજે નહિ તે ઇન્દ્રિયોના દેવ વરુણ, ચંદ્ર, સૂર્ય આદિ જાણે, પણ આપણને તો મહારાજ મળ્યા તે બીજા દેવ ઊઠી ગયા. તેથી આપણા દેવ મહારાજ થયા છે, તે આત્મામાં મૂર્તિ રહે ત્યારે મહારાજ નેત્રથી જુએ, કાને સાંભળે, મુખે બોલે એમ બધી ઇન્દ્રિયોમાં મહારાજ રહે છે, તોપણ ધામની અને મહારાજની વાટ જુએ, મુક્તની વાટ જુએ, જે ક્યાં હશે ? પણ આત્મામાં છે તેને આકારે વૃત્તિ થતી નથી. જો એમાં વળગી રહે તો જેમ ફૂલની સુગંધી આવે છે તેમ મૂર્તિની અને મુક્તની ખુશ્બો આવે છે પણ જીવનો સ્વભાવ ચટકાવાળો છે, તે ક્યારેય ચટકો લઈ લે. એમ કહીને બોલ્યા જે, “ગુરુ ગયા ગોકળ ને ચેલાને થઈ મોકળ” એમ અહીં જોગમાં રહે ત્યારે ઠીક રહે અને છેટે જાય તો આજ્ઞા લોપી નાખે. માટે આવા કહેનારા છે, તે પછી ક્યાંથી મળે, આવા મોટા છે તે મહારાજના પડછંદા છે, તે મહારાજની મરજી પ્રમાણે જ બોલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે તે સર્વે મહારાજની મરજી પ્રમાણે જ કરે છે. અહીં આદિમાં દેખાય છે, પણ અક્ષરધામમાં રહ્યા થકા જ દેખાય છે. માટે જોગ સારો છે, વખત સારો છે, તે એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ. એમ આપણને મૂર્તિ અને મુક્તનાં મંડળ એવું દિવ્ય સુખ મળ્યું છે. માટે દેહ છતે ભેગા અને દિવ્યભાવમાં પણ ભેગા જ છે. જરાય જુદાપણું નથી. અંત વખતે મહારાજ તથા મોટા લાખો પ્રદક્ષિણાઓ કરાવી, લાખો દંડવત કરાવીને મૂર્તિના સુખમાં લઈ જશે. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, દંડવત-પ્રદક્ષિણાઓ શી રીતે કરાવશે ? ત્યારે બાપાશ્રી કહે કે, તેવું જ્ઞાન આપીને સંકલ્પે કરીને કરાવી દેશે. અને મૂર્તિમાં રસબસ કરી અનાદિમુક્તની પંક્તિમાં ભેળવી દેશે, માટે વિશ્વાસ દૃઢ રાખવો. મોટાનો જોગ-સમાગમ કરવાથી મોટા મુક્ત જીવને પોતાના જેવા કરે છે. તે કેવી રીતે ? તો મોટાની સાથે નિર્મળ મને જોડાવાથી મોટા અનાદિ આ જીવને દેહ, ઇન્દ્રિયો-અંતઃકરણ, દેવતા, એ સર્વમાંથી મુકાવીને બ્રહ્મરૂપ કરી દે એટલે છતે દેહે જ બ્રહ્મરૂપ કહેવાય. આ તો કૃપાસાધ્ય પુરુષ મળી ગયા છે. આ સભા શ્રી પુરુષોત્તમ ભગવાનની છે. તેથી આ સહેજમાં મોક્ષ થાય છે, માટે આ લાભ લઈ લેજો. શ્રીજીમહારાજ સત્સંગમાં બિરાજે છે ને જુએ છે. આવા ભગવાન, આવા સંત, આવો ધર્મધુરંધર માર્ગ, અષ્ટસિદ્ધિ, નવનિધિ એ બધુંય છે. તો પણ જીવને ગમે તેમ વર્તવું અને મોટાપુરુષનાં વચન મનાય નહિ તથા મહારાજની આજ્ઞા પાળે નહિ એટલું દુઃખ છે. આ સત્સંગમાં શા માટે ભેગા થયા છીએ ? મોક્ષને માટે કે બીજાને માટે ? શ્રીજીમહારાજનાં સિદ્ધાંત અને આજ્ઞા પ્રમાણે ગૃહસ્થને તથા ત્યાગીને વર્તવું તો દુઃખિયા થવાય નહીં. સત્સંગમાં પડ્યા હોય ને ઇન્દ્રિયોને લાડ લડાવ્યા કરતા હોય તે શોભે નહિ; કેમ કે ઇન્દ્રિયો તૃપ્ત થાય એવી નથી. સુખમાં સુખ તો શ્રીજીમહારાજની મૂર્તિ છે, તે કારણ મૂર્તિને બાઝવું. તે થાય નહિ ને આ લોકનાં સાધન કરવા માંડે તેથી શું ? તે તો દહાડા કાઢવા જેવું છે, સાધનથી કાંઈ નથી. ખરું સુખ તો મહારાજની મૂર્તિમાં છે, બીજે સુખ નથી. આ જોગ ને આ વખત સારો છે. માટે નિયમ રાખી કથા-વાર્તા કરવી. સત્સંગમાં એકાંતિક, પરમએકાંતિક અને અનાદિમુક્ત પણ વિચરતા હોય માટે તેમનો જોગ કરી દિવ્ય સુખ ભોગવવું. માનરૂપી રોગ, લોભરૂપી રોગ, કામરૂપી રોગ, એ સર્વે મૂકીને મહારાજના સ્વરૂપમાં જોડાઈ જવું. એ વસ્તુ સત્ય છે. મહારાજનું ધ્યાન કરવા બેસે ને મન તો ક્યાંય ફરતું હોય એવું ધ્યાન ન કરવું. મહારાજ કહે છે કે સત્સંગ દિવ્ય છે માટે સૌના ધર્મ સહુએ સંભારવા. સત્સંગ સમુદ્ર જેવો છે તે આજ્ઞા પ્રમાણે ન વર્તે તો મડદું બહાર કાઢી નાખે. મોટા મોટા સંત જે રસ્તો બાંધી ગયા છે તે રસ્તે આપણે ચાલવું, નહિ તો મહારાજ છેટા થઈ જાય. શ્રીજીમહારાજની સન્મુખ દૃષ્ટિ રાખવી, મહારાજ દિવ્ય છે. જરા પણ આજ્ઞા લોપીશ તો તે કુરાજી થશે એવું જાણપણું નિરંતર રાખવું. મૂર્તિમાં જોડાઈ જવાય એટલે દેહનું દુઃખ રહે નહીં. અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ બધી મૂર્તિઓ છે, એમ જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. મૂર્તિઓને ચિતરામણની કે પાષાણાદિકની ક્યારેય જાણવી નહીં. સદાય દિવ્ય છે. પણ જીવનો સ્વભાવ એવો છે તે નવા નવા ઘાટ કરે છે. આપણે તો સદાય નૈમિષારણ્ય ક્ષેત્ર છે, કેમ કે મહારાજ તથા મોટા આ સત્સંગમાં વિચરે છે. ત્યાગીને મહારાજે ગામમાં વન કરી દીધાં છે. તોપણ કથા-વાર્તામાં રુચિ ન હોય તેમાં રૂડા ગુણ આવે નહિ એમ જાણવું. આપણે શ્રીજીમહારાજને પામવાનો વેપાર કરવા બેઠા છીએ તે રાતમાં ઊઠી ઊઠીને ધ્યાન કરવું. ।। ૮૮ ।।
વાર્તા ૮૯
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આપણે તો સ્વામિનારાયણને સાથે જ રાખવા. પાધરા થયા વિના અક્ષરધામમાં ગરવા દેશે નહીં. આકરા બહુ છે, માટે આઘા-પાછા અને વાંકા-ચૂંકા ચાલવું નહીં. મહારાજની આજ્ઞામાં રહી સદાય સરખા એટલે પાધરા રહેવું. મોટા તો મોક્ષનો દરવાજો છે. આ સભા દિવ્ય જાણે તેને માયાનો પડદો ટળી જાય છે. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાંથી ખુશ્બો છૂટે છે. મૂર્તિથી બહાર નીકળે તે સુખિયા ન થાય. મૂર્તિ વિનાનું બીજું જ્ઞાન છે તે પ્રકૃતિનું છે, તેમાંથી નીકળી શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવું. તે મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે એટલે સુખ આવે છે. “સાચા શૂરા રે જેના વેરી ઘાવ વખાણે” માટે ફોશી ન થાવું. સૌને માથે ઠેક દઈને પુરુષોત્તમનારાયણ પાસે પહોંચવું, પણ માન આદિક દોષ નડતા હશે તો છેટું ઘણું થઈ પડશે. જીવને અહમ્-મમત્વ ન રાખવો. આ લોકની બીક લાગે, પણ સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં અખંડ બિરાજે છે તેમની બીક ન લાગે, એ કેવડું બધું અજ્ઞાન ! કેટલાક તો પકડી વાત મૂકે નહિ, એમ ન કરવું. આજ્ઞા લોપે તો દેવાળું નીકળે છે. તેવી જ રીતે ભગવાન અને ભગવાનના મુક્ત સન્મુખ ન થવાય તે દેવાળું કહેવાય. લોકાલોક પર્વત પાડવો હોય તો વાર લાગે, પણ ધૂડનો ઢગલો પાડતાં વાર ન લાગે. તેમ મહારાજની આજ્ઞા લોપાય તો અપમૃત્યુ થયું જાણવું. અમારે ત્યાં લોક મજૂરીએ જાય છે; તોપણ તપ કરે છે, ધર્મ પાળે છે, ભગવાન ભજે છે. એમ કરવું તો ભગવાન રાજી થાય.
પછી બાઈઓના મંદિરમાં સુખશય્યામાં મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું. તેથી સમય થયો એટલે મોટર આવી. વાજાં, પડઘમ આદિ સર્વે તૈયારીઓ થવા લાગી. બાપાશ્રી પણ સર્વ સંતો સહિત સાથે જવા તૈયાર થયા. મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી તે મૂર્તિઓ ગાદી-તકિયાએ સહિત મોટરમાં પધરાવી. એ રીતે મહારાજની બે મહાન ચમત્કારી દિવ્ય મૂર્તિઓ ને પાછળ બાપાશ્રી તથા સંતોની ગાડીઓ. આગળ ઉત્સવ કરનાર હરિભક્તોની મંડળી, પાછળ હરિભક્તો તથા પુરવાસી મુમુક્ષુજનો. એ રીતે ગાજતે-વાજતે શહેરમાં દર્શન દેતાં ગાડીખાતામાં બાઈઓના મંદિરે પધાર્યા. ત્યાં સંતોએ મહારાજની ચંદન-પુષ્પાદિકે પૂજા કરી. હરિભક્તો ઉત્સવ કરતા હતા, ને સંતો શ્લોક બોલતા હતા. વચમાં હરિભક્ત સૌ પર ગુલાલ નાખતાં છડીદાર ઊંચે સાદે “મહારાજાધિરાજાને ઘણી ખમ્મા....” એમ છડી પોકારતા હતા. એવા ઉમંગભર્યા હરિભક્તો તથા મુમુક્ષુજનોથી મંદિર ઊભરાતું હતું. સમય થયો ત્યારે બાપાશ્રીએ શ્રીજીમહારાજની મૂર્તિઓ સુખશય્યામાં પધરાવી મહાપ્રભુજીની જય બોલાવી. મોહનલાલ નથુભાઈએ તે વખતે રૂ. ૫૦૦/- ભેટ કરી આરતી ઉતારી બાપાશ્રીની પ્રસન્નતા મેળવી. સૌને એ દિવ્ય મૂર્તિ તથા મુક્તમંડળનાં દર્શનથી આનંદ આનંદ થઈ રહ્યો હતો. મંદિરમાં હરિભક્તો ન સમાતાં હજારો માણસો બહાર આ દિવ્ય શોભાનાં દર્શનથી કૃતાર્થ થતા હતા. પછી ત્યાંથી ગાજતે-વાજતે શ્રીજીમહારાજ દિવ્ય સ્વરૂપે કરાંચીમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા વખતે પધારેલા છે, તેની સ્મૃતિરૂપ છત્રી કરી જે સ્થળે ચરણારવિંદ પધરાવેલાં છે, ત્યાં પણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા બાપાશ્રીને હાથે કરવાની હતી, તેથી સૌ ત્યાં આવ્યા. ત્યાં પણ એવી જ ધામધૂમથી પ્રતિષ્ઠાવિધિ થયો. શ્રીજીમહારાજની તથા ચરણારવિંદની, બાપાશ્રી તથા સર્વ સંતોએ આરતી ઉતારીને જય બોલાવી. પછી બંને સદ્ગુરુઓએ કહ્યું જે, બાપા ! આ દેશમાં શ્રીજીમહારાજ દિવ્ય સ્વરૂપે પધાર્યા છે તેની સ્મૃતિરૂપ આ સ્થાન બન્યું છે ને આપે અહીં મહારાજની પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી, માટે આશીર્વાદ આપો. ત્યારે બાપાશ્રી કહે, અહીં આવીને જે શ્રીજીમહારાજ તથા ચરણારવિંદનાં દર્શન કરશે તેનો આત્યંતિક મોક્ષ થશે, એ વર આપ્યો. પછી ઠાકોરજીને થાળ જમાડેલ મગજની પ્રસાદી સૌને વહેંચી. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, આ દેશમાં શ્રીજીમહારાજ દિવ્ય સ્વરૂપે પધાર્યા છે, એમ અમે આપણા ગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજીની વાતોમાં સાંભળેલું. પણ આ સ્થાન થતાં સૌને શ્રીજીમહારાજની સ્મૃતિ થશે. વળી અહીં મૂર્તિની પ્રતિષ્ઠા થઈ તેથી લાખો જીવોના આત્યંતિક મોક્ષ થશે. આ સ્થાન બહુ ભારે થયું, એમ પ્રશંસા કરી. પછી લાલજીભાઈને ઘેર ઠાકોરજીના થાળ થયેલ તેથી બાપાશ્રી સર્વે હરિભક્તોએ સહિત તેમને ઘેર ઠાકોરજી જમાડવા ગયા. ત્યાં લાલજીભાઈએ પ્રાર્થના કરી જે, બાપા ! બહુ મોડું થયું. ત્યારે બાપાશ્રી કહે, આવું મોડું તો અનંત જીવના મોક્ષ કરી નાખે તેવું છે. આજ તો કાંઈનાં કાંઈ કામ થયાં તે શું ? તો આત્યંતિક મોક્ષનું સદાવ્રત ઊઘડ્યું. શ્રીજીમહારાજને ઘેર આવાં કામ થાય છે. “અસંખ્ય જીવ ઉદ્ધારવાને આવિયા રે લોલ, બ્રહ્મમોહોલવાસી હરિરાય” એ રીતે આવાં સમૈયાનાં દર્શનથી સહેજે મહારાજની પ્રસન્નતા થાય. આવાં હેતવાળાં હરિભક્ત બાઈ-ભાઈ સૌને ધન્ય છે. બાઈઓએ આ ભારે સેવા કરાવી છે. હરિભક્તોનાં હેત પણ એવાં. અમારે આ વખતે પાંચ દિવસ રહેવાનું હતું, પણ દસ-બાર દિવસ તો થઈ ગયા. હજી સૌ રોકાવાની તાણ કરે છે. સંતોને પણ વશ કરી લીધા છે. હરિભક્તોનાં હેત જોઈને એમ થાય છે, જે આમને શુંયે આપી દઈએ ! અમે તો મહારાજ વિના બીજો ઠરાવ રાખ્યો નથી. સૌને મૂર્તિમાં જોડવા છે. અહીં હરિભક્તોના સમૂહ કરતાં બાઈઓનો સમૂહ મોટો જણાય છે. અહીં સાંખ્યયોગી બાઈઓએ સત્સંગ ભારે ફેલાવ્યો છે. ધર્મવાળા હોય તેના પર શ્રીજીમહારાજનો રાજીપો થાય. તેથી પોતે સુખિયા રહે ને જોગ કરનારને પણ સુખિયા રાખે. બાઈઓ ભોળાં ને વિશ્વાસી હોય, તેથી મહારાજમાં હેત થતાં વાર ન લાગે. અહીં મંદિર પણ ભારે થયું છે. મહારાજ તો ચમત્કારી છે જ, એમાં શું કહેવું ? આ બધુંય જોતાં કરાંચીવાસી સૌ સત્સંગી બાઈ-ભાઈનાં મોટાં ભાગ્ય લાગે છે. જેને આ ટાણે સત્સંગ ઓળખાણો, જેને શ્રીજીમહારાજનો આશરો થયો; તેને તો ભારે લ્હાવ આવી ગયો છે. “આવ્યો અવસર ને ચેત્યા ટાણે” એવું અહીં થયું છે. સૌ આવું ને આવું હેત છેલ્લી ઘડી સુધી રાખજો. પછી મહારાજને થાળ જમાડી બાપાશ્રી લાલુભાઈને ઘેર જતાં મારગમાં જે જે હરિભક્તોના આગ્રહ હતા તે સર્વને દર્શન દઈ તેમના પર અમૃત નજર કરતા, આશીર્વાદ આપી નાનાં બાળકોને વર્તમાન ધરાવી, અનેકને દર્શનદાને સુખિયા કરતા લાલુભાઈને ઘેર પધાર્યા. લાલુભાઈએ ચંદનપુષ્પથી પૂજા કરી દંડવત કર્યા ને કહ્યું જે, બાપા ! આવાં ને આવાં સદાય દર્શન દેજો. ત્યારે બાપાશ્રી તેમના પર પ્રસન્ન થઈને બોલ્યા જે, લાલુભાઈ “જીતે હલો ઈતે વલો” (જ્યાં ચાલો, ત્યાં વાલો) - મહારાજની મૂર્તિમાં આનંદ કરજો. એમ અહીં સૌ હરિભક્તોને કહ્યું જે, આ લાલુભાઈ મહામુક્ત છે; રત્ન છે. ક્યાં સિંધ ને ક્યાં આવા મુક્ત ! આ બધી શ્રીજીમહારાજની દયા છે, નહિ તો આવી વાત દુર્લભ. એમ કહી પછી દેવજીભાઈ આદિને ત્યાં દર્શન દઈ કેટલાક મુમુક્ષુને મોક્ષના આશીર્વાદ દેતાં બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ।। ૮૯ ।।
વાર્તા ૯૦
રાત્રે મેડા પર આસને બાપાશ્રી તથા સંત-હરિભક્તો ઘણા બેઠા હતા. પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, મોટા મુક્ત મહારાજની હજૂરની સભામાં બેસનારા તેની ભેગા બેઠા હોય તોપણ ભાવ બેસે નહિ, એ ઠીક ન કહેવાય. અંતર્વૃત્તિવાળાને તો અણુ જેટલું છેટું નથી. બહારવૃત્તિવાળાને લાખો ગાઉનું છેટું છે. આ વખતે જોગ ખરેખરો છે, કહેનારા પણ તેવા જ મળ્યા છે. આવો અવસર ફેર મળવો દુર્લભ છે. જેટલા ઘાટ-સંકલ્પ થાય તેટલો નિશ્ચય જીવમાં નથી; ઇન્દ્રિયો-અંતઃકરણમાં છે. પછી એમ બોલ્યા જે, એક હરિભક્તે અમને કહ્યું કે, ગુજરાતમાં આવો તો પહેલાં મારે ગામ આવજો, પણ અમારી પાસે રહ્યા નહિ ને ચાલી નીસર્યા, પણ બે દિવસ વધુ ટક્યા નહીં. એમ જીવને મહિમા નથી. સુખમાત્ર શ્રીજીમહારાજની મૂર્તિ અને મોટા અનાદિમુક્તને આશરે રહ્યું છે. જુઓને ! ઘણાય ભટકે છે અને બહુ હેરાન થાય છે, પણ સમજાતું નથી. મહારાજનો ખપ બધાયને છે. પણ મોટા ઓળખવા જોઈએ. સ્વામી નિર્ગુણદાસજી જેવા અમારી પાસે આવતા. એવી રીતે આપણે પણ જોગ-સમાગમ કરી લેવો. મહારાજ તથા મોટાના સિદ્ધાંતની હારો કરવી. દેશ, કાળ, ક્રિયા, સંગ, રૂડાં સેવવાં. મહારાજની મૂર્તિનો આશરો દૃઢ રાખવો. પોતાની ભૂલ ઓળખવી ને ટાળવી. આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વે મહારાજને લઈને છે અને સત્સંગ તે તો કલ્પતરુ સમ છે. શ્રીજીમહારાજે સમ ખાધા કે આ બધા અક્ષરધામના મુક્ત છે એમ હું સર્વેને દેખું છું. મહારાજ દિવ્ય, સત્સંગ દિવ્ય માટે આ સભા તુલ્ય કાંઈ નથી. રાજાના કુંવરને કોઈ એમ નહિ કહે કે, આ રાજા નથી. એ પ્રમાણે દિવ્યભાવ લાવવો. જો દિવ્યભાવ ન જુએ તો પોતાને નુકસાન છે. મહારાજ અનાદિ અને મુક્ત પણ અનાદિ, તે મુક્તને મહારાજ નવીન નવીન સુખ આપ્યા જ કરે છે. જેમ જેમ સુખ મળે તેમ તેમ તૃપ્તિ જ ન થાય. અલૌકિક અનહદ સુખ છે. કલ્પેકલ્પ વીતી જાય પણ તૃપ્તિ નથી. એવા મુક્તને ઓળખવા એ પર્વત જેવડી ઘાંટી છે. કાળ-કર્મથી છૂટવાને આવા મોટાને વળગીએ તો ઠીક. આવા ખરેખરા મળ્યા છે, પણ જીવ બીજે ફરે છે. મોટાનો પ્રતાપ જોઈએ તો બહુ જબરું સમજાય. આપણે દોડાદોડ શા માટે કરીએ છીએ ? તો અનંત જન્મના થાક ઉતારીએ છીએ. સભા સામું જોઈને કહ્યું જે, આવા સંત સમજાવનારા છે, પણ જીવ આવા મોટાને ઓળખે નહિ અને પોતાની મહત્તા જણાવે, એટલે કાંઈ કામ થાય નહીં. માટે ગુમાસ્તા થઈને રહેવું. મહારાજના અનાદિમુક્ત તો કરોડોને મૂર્તિનું સુખ આપે તેવા સમર્થ છે, તે જે જાણતા હોય તે જાણે. મોટા અનાદિમુક્ત શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ પ્રવર્તાવે છે. અનેક મનવારો ભરી અક્ષરધામમાં મોકલાવે છે, એવા મોટા મુક્તનો જોગ કરીએ તો નિઃસંશય થવાય. મહારાજે તથા મોટા અનાદિમુક્તે હાથ ઝાલ્યો તે કોઈ દિવસ મૂકે નહીં. મહારાજની મૂર્તિના પ્રતાપે અલૌકિક જ્ઞાન થઈ જાય છે, પણ ઓળખાણ વિના ને સુખ વિના હેત કેમ થાય ? આપણે ભેગા થઈ કથા-વાર્તા કરીએ છીએ તે કેવળ મોક્ષને માટે કરીએ છીએ. મોટા મુક્તને અવસ્થા નથી, કાળ નથી, કર્મ નથી, દિવસ નથી, રાત્રિ નથી, જેમ સૂર્યના રથમાં બેઠેલાને રાત નથી તેમ. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાં એ સર્વે સુખમય થઈ ગયા છે. આવા સંત છે તે અનાદિમુક્ત છે. આ સભા બધી સળંગ છે અને જ્યાં જુએ ત્યાં મૂર્તિ જ છે. એવા મુક્ત મૂર્તિમાં રસબસભાવે સુખ લીધા જ કરે છે. આ તો દિવ્ય સભા છે. માટે કોઈ વાતે ધોખો ન કરવો. મહારાજ ને મોટા મુક્ત મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. છેલ્લી વખતે આવું ને આવું રહે એટલે બસ છે. આ સમે મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે. લાખો-કરોડો જન્મે આવું થાય તેમ નથી. આ સર્વે સુખ મૂર્તિને લઈને છે. આપણે કૂદી કૂદીને દેહ પાડી નાખીએ એટલો આનંદ થાય, પણ સમજાતું નથી. આપણા ઘરની આપણને ક્યાં ખબર છે ? જેમ મહારાજની મૂર્તિનું સમીપપણું તેમ વિધિ વધારે કરવો જોઈએ. શ્રીજીમહારાજ અને મોટા મુક્તને સાથે રાખીએ તો કોઈ જાતનો વાંધો ન આવે. જેટલા ભગવાનના અવયવ તેટલા મુક્તના અવયવ. તેજોમય મૂર્તિ ઝળક ઝળક ઝળકે છે, તેમાં અનાદિમુક્ત રહ્યા છે. રસબસ રહ્યા થકા રોમ રોમનાં નવીન નવીન સુખ ભોગવે છે. એ વસ્તુ એવી છે કે શાસ્ત્રથી કે કહ્યાથી ખબર પડે તેમ નથી. મૂર્તિમાં અનેક જાતનાં સુખ રહેલાં છે, એવી મહારાજની મોટપ છે. આપણે ખરેખરું મહારાજની મૂર્તિનું જાણપણું રાખવું. સંત-હરિભક્ત સર્વેને દિવ્ય જાણવા. મનન પણ તેવું જ કરવું; ધણીના ઘરમાં બેઠા પછી ધણીની મરજી પ્રમાણે વર્તવું જોઈએ, નહિ તો કાઢી મૂકે. અનાદિમુક્ત નહાતા હોય તે પાણી મહિમાએ સહિત માથે ચડાવે તો તેનાં પંચમહાપાપ બળી જાય. તેવા પુરુષ ઓળખવા જોઈએ. પણ માયા પાપરૂપ છે તે જીવને ફેરવી નાખે છે. ગોથાં ખવરાવી, સંશયમાં નાખી આ સભાથી નોખા પાડે છે. માટે મહારાજની આજ્ઞા યથાર્થ પાળવી, જેથી માયા નડી શકે નહીં. મહારાજ તથા મોટાને સંભારીને દિવ્યભાવે ભેળા રાખવા, નહિ તો વાતોના પકવાન જેવું થાય. મહારાજ ને મોટા મુક્ત આ વખતે કૃપાસાધ્ય છે. શ્રીજીમહારાજનો ચમત્કાર બહુ મોટો છે. આ વાત પણ આપણને બહુ મોટી મળી છે. અક્ષરધામની મૂર્તિ ને સભા તેનું યથાર્થ જ્ઞાન થાય તેને અણુ જેટલું છેટું નથી. આવા વચનનો વિશ્વાસ રાખવો. ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ મહારાજની લીલા સમજાય, જો પરિપક્વ નિશ્ચય હોય તો. નિશ્ચયમાં કસર હોય તો દુઃખિયું રહેવાય. તે ઉપર વાત કરી જે, એક સાધુના શિષ્ય દેહ મૂકી ગયા, પછી તે સાધુએ અમને પટારો ઉઘાડી બતાવ્યો ને કહ્યું કે, આ બધાં પુસ્તકો કોણ વાંચશે ? એમ કહીને રોવા લાગ્યા, એવું છે. ભણાવી-ગણાવીને શિષ્યને સભામાં કથા કરાવે તો રાજી રાજી અને દેહ મૂકે તો દુઃખી થઈ જાય. મોટાના જોગ વિના આવું છે. આપણું પૂરું કરવું એ મહારાજ ને મોટા મુક્તના હાથમાં છે અને આજ્ઞા પાળવી એ આપણા હાથમાં છે. આ ટાણે ખરો મુદ્દો હાથ આવ્યો છે તે પાછો મૂકી દઈએ તો રખડી પડીએ. ધણીની સહાયતા મૂકી દે તો આગળ કેટલું ચાલે ! માટે જીવને મહારાજ તથા મોટા અનાદિમુક્તનો વિશ્વાસ જોઈએ. આવા મુક્ત કોઈ બ્રહ્માંડમાં નથી. જેથી વિશ્વાસ રાખી તે રાજી થાય તેમ મંડવું, પણ બેસી રહેવું નહીં. શ્રીજીમહારાજ ભેળા અનંતકોટિ મુક્ત છે, એમ જાણવું. જેમ રાજાની સવારી સાથે તેનું લશ્કર હોય તેમ. આવા મોટા ભગવાન મળ્યા ને આવા હજૂરી મુક્ત મળ્યા તે તો બહુ ભારે લાભ થયો છે એનો કેફ રાખવો. મહારાજની મૂર્તિમાં મુક્ત છે તે સળંગ રહ્યા છે તેમાંથી જેટલો લાભ લેવો હોય તેટલો મળે. પારસ, ચિંતામણિ, કલ્પતરુ, તે પાસેથી જેટલું ચિંતવે તેટલું મળે. તેમ મોટા અનાદિ સાથે જીવ બાંધે એટલે ચિંતવે તેટલું સુખ પ્રાપ્ત થાય. ભગવાનના સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ સુખિયો થતો નથી, આપણા દેહનો કાંઈ નિરધાર નથી માટે મોટા દર્શન દેતા હોય ત્યાં સુધી સમાગમ કરી લેવો. આ જોગ બહુ દુર્લભ છે, ચોમાસું હોય ત્યારે આડે વગડે પાણી હોય. મહારાજ અને મોટા મુક્ત સદાય સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. વર્તમાનકાળે સુખ ઘણું પ્રવર્ત્યું છે. આપણને જે વસ્તુ જોઈએ તે અહીંયાં છે. બીજે કોઈ ધામમાં નથી. બીજે આ પુરુષોત્તમ ભગવાનની ઉપાસના નથી, તેથી તે ધામ ન્યૂન છે, ત્યાં પાર પડતું નથી, એમ જાણી ઉપાસના દૃઢ કરવી. જેને ઉપાસના ન હોય તે માથા વિનાનું મનુષ્ય કહેવાય. મોટા મુક્ત છે તે તો પુરુષોત્તમરૂપ છે. તેથી ભગવાન ને ભગવાનના મુક્તની સેવાનું સરખું ફળ છે. તેમને અને ભગવાનને જુદાપણું નથી. મહારાજનું સુખ અપાર છે. મહારાજ ને સભા બંને અનાદિ છે. મહારાજના મહિમાનો કોઈ પાર પામતા નથી. પ્રત્યક્ષ ભગવાન ને બીજા માયિક આકાર, એમ વચનામૃતમાં કહ્યું છે એટલે ભગવાનની મૂર્તિ વિના બીજા સર્વે માયિક આકાર કહેવાય. અધોઊર્ધ્વ પ્રમાણે રહિત તેજનો રાશિ છે. તે મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિ છે. એ મૂર્તિ તો ખરેખરું ઠરવાનું ઠામ છે ને તેજ શીતળ શાંત અને શ્વેત છે. અંતર્વૃત્તિવાળાને જેવો શ્રીજીમહારાજનો મહિમા રહે છે તેવો બહારવૃત્તિવાળાને રહેતો નથી, માટે અંતર્વૃત્તિનું સુખ વિશેષ છે. સાંખ્ય વિચાર તો લાખ વાર કરવો. એમ કરતાં કરતાં મૂર્તિ સાક્ષાત્કાર થઈ જાય, માટે દાખડો કરવો જોઈએ. મોટા મુક્ત છે તે તો એક-બે જન્મનું અથવા અનંત જન્મનું જાણે છે અને અનંતકોટિ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં અવતાર થાય છે તેનું પણ જાણે છે. પણ શ્રીજીમહારાજની મરજી પ્રમાણે જ બોલે ને લાભનો જ વેપાર કરે. એ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં સદા સળંગ નિમગ્ન રહે છે. એ મૂર્તિનું સુખ અપાર અપાર છે. તે સુખને આ લોક તથા અનંત બ્રહ્માંડમાં કોઈ ઉપમા દેવાય તેવું નથી. ઉપમા દઈએ છીએ તે તો સર્વેને સમજાય તેટલા સારુ. અંતરમાં દુઃખ થાય છે, પણ સમજાવવા માટે કહેવું પડે છે. પછી બોલ્યા જે, ભગવાનનો ભક્ત જ્યારે શ્રીજીમહારાજની મૂર્તિના સુખને, મોટા અનાદિમુક્તના સમાગમ-સેવાએ કરીને, શ્રીજીરૂપ થઈને ભોગવે છે, ત્યારે એને કોઈ વાતની અપેક્ષા રહેતી નથી. સર્વે ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે. તેને કાંઈ અલભ્યપણું રહેતું નથી, સર્વેનું સુલભપણું થઈ જાય છે. તેને કોઈ મનોરથનું અપૂર્ણપણું તથા ન્યૂનપણું રહેતું નથી. સર્વે પરિપૂર્ણપણું થઈ જાય છે. અને શ્રીજીમહારાજની મૂર્તિના સુખથી બીજું સર્વે સુખ અતિ તુચ્છ, લૂખું અને અતિ અલ્પ ભાસે છે. ।। ૯૦ ।।
વાર્તા ૯૧
ફાગણ વદ ૧૩ને રોજ સવારે નિત્ય વિધિ કરીને બાપાશ્રી નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનની ટૂંક બોલ્યા જે, “મૈં હૂં આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ; કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત; કોણ ભ્રાત ને કોણ ભગિની, બ્રહ્મ હમારી જાત.” પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, સ્વામી ! અમે હરિભક્તને ઘેર જઈએ છીએ ત્યારે હરિભક્તો કંઈક રમૂજો કરીને રાજી થાય છે. અમે તો એક મૂર્તિ સામે નજર રાખીએ છીએ. અમારે તો મહારાજનો સિદ્ધાંત છે, તે પ્રમાણે જીવનાં કલ્યાણ થાય તેમ કરવું છે, તેથી જેમ કહો તેમ કરીએ છીએ, હરિભક્તો રાજી થાય તેમ કરીએ છીએ. પણ અમારે મૂર્તિનો ઠરાવ છે. અમે અહીં એટલા માટે આવ્યા છીએ. હસવું અને રમવું તેમાં રમતિયાળ થઈ જવાય અને તે રસિક માર્ગ છે. ગાવું, વગાડવું, કીર્તન બોલવાં તેમાં અંતર્વૃત્તિ હોય તો મૂર્તિ વિના કાંઈ દેખાય નહીં. જુવાની તો આવવા જ ન દેવી. સભા સામું જોઈને કહ્યું કે, આ ઈશ્વરબાવો પાધરા જ વૃદ્ધ થઈ ગયા છે, એમ કરવું. રમતિયાળ ન થાવું. પછી બોલ્યા જે, જેમ મહારાજની પાઘના તોરામાં મધુકર ગુંજારવ કરે છે તે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે જે, “તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર” તેમ મુક્ત મૂર્તિની ખુશ્બો લે છે. મૂર્તિ વિનાની ખુશ્બો કાર્ય છે. આપણે તો કારણને બાઝવું. કારણ જે મૂર્તિ તેની ખુશ્બો લેવી. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, કાર્યથી કારણ મૂર્તિ રાજી થાય કે કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આપણે તો કારણ જાણવું. કાર્ય ઉપર તાન ન રાખવું. “તમે છો કારણના કારણ જીવન જાણું છું.” એમ કહીને કહ્યું જે, સ્વામી ! જુઓ આપણે સૌ માંડવીથી કરાંચી આવવા આગબોટમાં બેઠા, તે અહીં આવ્યા ત્યારે કાંઠો દીઠો. અને બીજા તો આ જુએ, તે જુએ. મહાનુભાવાનંદ સ્વામી, લોકનાથાનંદ સ્વામી વાડીએથી નાહીને આવ્યા તેમને પૂછ્યું કે, તમે ક્યાં નાહ્યા સ્વામી ? તો કહે, ક્યાં નાહ્યા તેની ખબર ન રહી, એમ મોટાના સિદ્ધાંત છે. મહારાજ અને મુક્ત એ બે વસ્તુ રાખ્યા જેવી છે. સ્વામી ભક્તિપ્રિયદાસજી પણ એમ કહેતાં જે, આપણે કાંઈ ન જાણીએ તો એમ જાણવું જે માંહી બાવો બેઠા છે. તે બાવો કિયા તો મહારાજ પોતે. અમારા દેશમાં રાજાને બાવો કહે છે પણ આ તો અનંત રાજાઓના રાજા માંહી બેઠા છે એમ જાણવું. તે ભગવાનને મૂકીને બીજે મન લોભાવા દેવું નહીં. શ્રીજીમહારાજ કહે છે કે અમને વન, પર્વત, જંગલ બહુ ગમે છે. બીજા લોકમાં વૈભવ છે તે નથી ગમતા, તે વૈભવ દેખાય તો જાણવું જે એ તો દેખાડ્યા સારુ કર્યા છે. પણ જીવને મોહ થઈ જાય છે તે વિચાર રહે નહીં. સાણંદવાળા દરબારે અમને એમના વૈભવ દેખાડ્યા. પછી અમે કહ્યું જે આમાં શું જોવું છે ? આપણે ઘોડા, રથ, પાલખી એવામાં શું એમ જણાય. જગતના જીવને આવી વાતની ખબર ન પડે. રાજ્ય ને મોટાઈમાં કાંઈ સુખ છે ? મહારાજ કહે, અમારે મોટાઈવાળા સાથે બને નહિ, કેમ જે એમને રાજ્યનો અને ધનનો મદ હોય ને આપણે ભક્તિનો મદ હોય, માટે કોઈ કોઈને નમી દે એવું કામ નથી. પછી પોતાને લીંબડીના દરબારે બોલાવ્યા, તેની વાત કરી જે, રાજાના દીવાન ડાહ્યા ને વિવેકી સારા તે બહુ જ સરભરા કરી. સંતોને તથા અમને જમાડ્યા. ઘેર તેડી ગયા. બંગલે લઈ ગયા. એમને ઓરડો હતો તેમાં મોટાં મોટાં ચિત્ર રાખેલાં હતાં. તેમને ડહાપણ ખરું, તેથી સંતો આગળ પ્રાર્થના કરી જે, મારા ઉપર રાજી રહેજો. તેથી સંતો રાજી થયા અને અમે પણ રાજી થયા. એમના કુંવરને માથામાં ચકરી આવતી હતી, તેને સંતોએ અને અમે આશીર્વાદ દીધો જે, મહારાજ સારું કરશે. તેથી તે બહુ રાજી થયા.
પછી સ્વામીશ્રીએ એમ કહ્યું જે, બાપા ! દીવાન ઝવેરભાઈએ આપશ્રીને બહુ રાજી કર્યા છે તે હવે તેમને કેવી પ્રાપ્તિ થશે ? ત્યારે બાપાશ્રી કહે, આપણે તેમને ઠેઠ પહોંચાડવા છે. આપણે તો કોઈ દિવસ બીજો સંકલ્પ ન કરવો ને વૃથા બોલવું નહીં. અમારે તો એવો સિદ્ધાંત છે જે, અધમ જેવા જીવ હોય તેને પણ મૂર્તિમાં મૂકી દેવા છે. તોય જીવ જડ-ચૈતન્ય માયાને આધીન થઈ જાય છે એટલે શું કરીએ ? અક્ષરધામમાં મહારાજ અને મુક્ત બે જ છે, બીજા સ્થાનમાં કાંઈ ને કાંઈ હોય પણ ત્યાં બીજું કાંઈ ન મળે. પછી સાંવલદાસભાઈએ પૂછ્યું જે, આપણા શાસ્ત્રમાં એમ લખ્યું છે, જે સંત પ્રથમ મળે તો સંતથી મહિમા સમજાય અને ભગવાન મળે તો ભગવાનથી મહિમા સમજાય, પણ અનાદિનું બધુંય ભેગું હોય તેનું કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો સદાય ભેગા છે એ ક્યાં નોખા પડે છે ? અમારે ગૃહસ્થ જુવાર વાવે તો કણસલામાં જુવાર આવે તે બધી જુવાર. એમ મહારાજ ને અનાદિ ભેળા જ છે, પણ જીવને અનાદિની હા ન પડે. પુરાણી કહેવાતા હોય, શાસ્ત્રી કહેવાતા હોય તેવા પણ જીવ, ઈશ્વર, માયા વગેરેને અનાદિ કહે અને જ્યાં અનાદિમુક્તની વાત થાય ત્યારે આ નવો માર્ગ કાઢ્યો, એમ બોલે. પાંચ ભેદ અનાદિ કહે તો રાજી થાય, પણ મુક્તને અનાદિ કહે તો મૂંઝાય; એવું ન કરવું. એમ કહીને પુરાણી ધર્મકિશોરદાસજીને કહ્યું કે, તમે આવું ભણતા હો તો ! પછી લાલુભાઈ તથા સાંવલદાસભાઈ સામું જોઈને બોલ્યા જે, આ કોઈ જૂના આવ્યા લાગે છે. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કહે, બાપા ! એ વિશ્વાસી છે. મોટાને અને મહારાજને રાજી કરતાં એમને બહુ આવડે છે. પછી એમ વાત કરી જે, અમારે ત્યાં બે સાધુ દર્શને આવેલા, તેનો કોઈકે મહિમા જાણ્યો અને કોઈકે કાંઈ કીધું; પણ તે સંતો કહે કે, આપણે તો ભારે જોગ થયો. એમ નાના-મોટાનાં અંગ હોય. સહુ પોતાની ગતિ પ્રમાણે લાભ લઈ જાય. નાના હોય ને સુખ લેતાં આવડે અને મોટા કહેવાતા હોય તોય ન આવડે, તે બધું સમજણમાં રહ્યું છે. “પંડે છોટો રે મોટા મેંગળને મારે” એમ કહી પુરાણીને હાર પહેરાવ્યો ને બોલ્યા જે, લો ! કારણ લો ! આમાં કારણ છે. તમે જાઓ સભામાં કથા વંચાવો. અમે હમણાં આવીએ છીએ. ।। ૯૧ ।।
વાર્તા ૯૨
પછી બાપાશ્રી સભામાં પધાર્યા ત્યાં વચનામૃતની કથા વંચાતી હતી તે પ્રસંગે વાત કરવા લાગ્યા જે, જેને શ્રીજીમહારાજનું સુખ અંતરમાં વર્ત્યું, તેને સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે; માટે મહિમા બહુ સમજવો. જેમ ગૉળ-સાકરનું મોટું પાત્ર ભર્યું હોય તેમાંથી કીડી કેટલુંક ખાય, પણ મનમાં જાણે જે આખું પાત્ર લઈ લઉં પણ તે તેનાથી લેવાય નહિ; તેમ શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ અપરંપાર છે તેનો અનાદિમહામુક્ત પણ પાર પામતા નથી, એવું સુખ છે. જેમ હીરો તથા ચિંતામણિ ઘરમાં રાખી હોય, પણ તેની કિંમતની ખબર પડતી નથી, તે તો જ્યારે કિંમત કરનાર મળે ત્યારે પડે છે; તેમ જીવ પંચભૂતના દેહનો ત્યાગ કરીને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામશે ત્યારે ગતિ પહોંચશે. આજ શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર કરાવનાર બેઠા છે. આપણે તો અલભ્ય લાભ મળ્યો છે. તેથી અંતર ઠરીને હીમ થઈ જાય છે. જીવ મહારાજને તથા મોટા મુક્તને સંભારે તો તરત શાંતિ થઈ જાય. સો ગાઉ ઉપર હોય અથવા હજાર ગાઉ ઉપર હોય પણ તેનું તેને બળ આવે છે; તેવો મોટા મોટા સદ્ગુરુનો અભિપ્રાય છે. આવો અભિપ્રાય અંતરમાં ઉતારે તો ત્રિવિધના તાપ ટળી જાય. આવા શબ્દ પાત્ર વિના ઝીલી શકાય નહીં. કસ્તૂરી હોય ત્યાંથી કસ્તૂરીની સુગંધ આવે, તેમાંથી બીજી આવે નહીં. આ સત્સંગ કરીએ છીએ, તે માંહેલી કોરે કરોડ પડ રહ્યાં છે, તે જેમ જેમ ઊંડા ઊતરશું તેમ તેમ અપારપણું જણાશે. બત્રીસ અક્ષરની વિદ્યા કોઈનો કાગળ વાંચતા હોય ત્યારે સાચી મનાય છે. તેમ મોટા સદ્ગુરુ જે જે કહી ગયા અને જે જે વાત છે તેમાં વિશ્વાસ રાખવો. જેટલો વિશ્વાસ ન આવે તેટલો નાસ્તિકભાવ. આપણા સંપ્રદાયમાં બત્રીસ લક્ષણવાળા સંત કહેવાય છે, તે અક્ષરધામની ખબર લાવે, તેમાં કાંઈ નવાઈ નથી. મોટા અનાદિમુક્ત સાથે મન બાંધ્યું હોય તો તેને ઠેઠ પુરુષોતમ ભગવાનને મેળવી દે અને જે પુરુષોત્તમ ભગવાનનો વિશ્વાસ રાખીને મંડ્યો હોય તેને ભગવાન મોટા મુક્તનો જોગ મેળવી દે. માયા છે તે સુલભા છે, ને મોક્ષાર્થી જીવ છે તે વિદેહી છે; એમ જાણવું. મોટા મોટા સદ્ગુરુ હતા, તે પોતે સદા મૂર્તિમાં રહેતા અને કથા-વાર્તા કરતા. વળી શ્રીજીમહારાજના સંકલ્પ ભેળો સંકલ્પ મેળવીને હજારો, લાખો જીવને સુખિયા કરી મૂકતા. ખંડિયો રાજા હોય તેને બીક રહે, પણ ચક્રવર્તી રાજા હોય તેને કોઈની બીક હોય નહીં. તેમ મહારાજ સ્વતંત્ર છે અને અનાદિમુક્ત પણ સ્વતંત્ર છે. આ સત્સંગમાં ચીંથરેવીંટ્યાં રત્ન છે. તે સમાગમ કરે ત્યારે ખબર પડે. ક્યાં પુરુષોત્તમ ભગવાન ને ક્યાં તેમના અનાદિમુક્ત ! તેમનો મેળાપ ક્યાંથી થાય ? આ તો બહુ ભારે વાત છે. શ્રીજીમહારાજનો અવતાર કેવળ કૃપાસાધ્ય છે. તેમના અનાદિમુક્ત આપણને મળ્યા તે પણ કૃપાસાધ્ય. “કીડી કુંજરનો મેળાપ, જીવન જાણું છું” એવું છે. સમુદ્રને ઠેકાણે મહારાજ છે. ગંગાજી ઠેકાણે મહારાજના મુક્ત છે. ધરાના પાણીને ઠેકાણે સાધનદશાવાળા છે. તે સિદ્ધદશાવાળા મુક્તને જોગે કરીને શ્રીજીમહારાજની મૂર્તિરૂપ સમુદ્રને પામે છે, ત્યારે સર્વે સજાતિ થાય છે. પછી વૃષપુરના પ્રેમજીભાઈએ પૂછ્યું જે, બાપા ! તેની વિલક્ષણતા કેમ જણાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ગંગા વગેરે જળમાંથી મોતી નીપજે નહિ, ને સમુદ્રમાંથી મોતી નીપજે, તેમ સર્વે મહારાજની મૂર્તિના સુખભોક્તાએ કરીને ભારે ભારે સુખ લે છે. તે સુખ મોતીને ઠેકાણે છે, પણ ગંગાજીનાં પાણીમાંથી એ નીપજે નહીં. તેમ સજાતિપણે એકસરખા જણાય પણ સુખભોક્તાએ કરીને વિલક્ષણપણું છે. મહારાજ તો સૌને અભય સુખ આપી દે છે, એ સુખ લેવાની ત્વરા કરવી. મોટા હાથ ઝાલે છે તે મૂકતા નથી. એક નાવમાં બેઠા તે સર્વે સાથે ઊતરી જશે. એક નાવવાળો જુદો પડે નહીં. મોટાને વિષે વિશ્વાસ ન આવે ને તર્ક રહે, તો જાણીએ જે જુદા નાવમાં બેઠો. કોઈ વાત ઝીણી હોય અને તે સમજાતી ન હોય તો એમ જાણે જે આ વાત છે તો સાચી, પણ મને સમજાતી નથી, તો તર્ક ન કહેવાય. મહારાજની મૂર્તિને વિષે મુક્ત રહ્યા છે તે મહારાજરૂપ કહેવાય. એવી રીતે સમજે તો નિસ્તર્ક થયો જાણવો, ત્યારે જાણીએ જે સંપૂર્ણ વિશ્વાસ આવ્યો. જેટલો તર્ક કરે તેટલો સુખમાં ફેર છે. મોટા મુક્ત જે જે વાત કરે તેમાં મહારાજનું મુખ્યપણું આવે એવો મોટાનો સિદ્ધાંત છે, તેથી એ પોતાની મોટાઈ તો જણાવે જ નહીં. કેમ જે એમને તો એક મૂર્તિ જ છે. એવા અનાદિમુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત રહ્યા છે. તે તો એ મૂર્તિનું જ સુખ લે છે. મહારાજના સંકલ્પે અહીં દેખાય છે, તોપણ એ તો છે એમ ને એમ છે. પોતે પોતાનો યશ કે ચમત્કાર કોઈને જણાવવા ઇચ્છતા જ નથી. મહારાજના અપાર સુખમાં પોતે લુબ્ધ રહે છે અને સમર્થ થકા જરણા કરે છે. શ્રીજીમહારાજ જેટલું કરે તેટલું મોટા મુક્ત કરે. કેમ જે તે તો સદાય મૂર્તિમાં રસબસ રહ્યા છે અને કર્તાપણું મહારાજનું છે, જેથી જે મુક્ત દ્વારે ધારે તેટલું શ્રીજીમહારાજ બતાવે. આ લાભ મળ્યો છે તે ફોગટ જાવા દેવો નહીં. આજ્ઞા-ઉપાસના અને આવા મોટા મુક્તનો મહિમા સમજાય એ શરદઋતુ ગણાય. મોટાના શબ્દ છે તે શ્રીજીમહારાજની મરજી વિના પડતા નથી. જેમ જેમ મહિમા સમજાતો જાય તેમ તેમ સુખ વધતું જાય. આપણને અત્યારે ખરેખરી શરદઋતુ મળી છે એમ જાણવું. શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ ક્યારે રહેવાય ? તો, જ્યારે દેહનાં સુખ-દુઃખને ન ગણીને કારણ ઉપર નજર રાખે ત્યારે. માટે કાર્ય ઉપર નજર રાખવી નહીં. મહારાજને સર્વોપરી સમજવા; બીજાને સૌ સૌના સ્થાને રાખવા. મહારાજનો બાંધેલો સંપ્રદાય તેમની પુષ્ટિમાં રહીએ તો મહારાજ રાજી થાય ને જો તોડાય તો મહારાજ કુરાજી થાય, માટે જે કરશે તે ભોગવશે. બીજા કોઈના હાથમાં હુકમ નથી. કારણ મૂર્તિ વિના મોટાઈ બધી આ લોકની છે. પછી બોલ્યા જે, પ્રસન્નતાનાં સાધન જે કરી રહ્યા હોય તેને આવરદા હોય તોપણ મહારાજ દેહ મુકાવીને મૂર્તિના સુખમાં લઈ જાય અને એવો ન હોય તેને આવરદા ન હોય તોપણ રાખે. ।। ૯૨ ।।
વાર્તા ૯૩
પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, ગૃહસ્થ સત્સંગી હોય તેને ખરું કુટુંબ આ સત્સંગ જાણવો. તે વિના આ ગૃહસ્થનું કુટુંબ છે તે તો ખાડ કહેવાય. ખરું કુટુંબ અને ખરું ઘર એ તો સત્સંગ છે. કુસંગી દીકરો હોય તો તે પણ કુટુંબ ન કહેવાય. તેમ સગાંનું પણ જાણવું. બીજા દેહનાં સગાંથી આખું બ્રહ્માંડ ભર્યું છે તેનો કાંઈ પાર આવે તેમ નથી. એક બાપના દીકરા તે તો સત્સંગી જ કહેવાય. મહારાજ આપણા સર્વેના બાપ છે એમ જાણી કથા-વાર્તા કરી સુખિયા રહેવું. કથા-વાર્તા છે તે તો ધ્યાનમાં ને ભગવાનની મૂર્તિના સુખમાં પોષણ આપે છે. સિદ્ધદશાવાળા તો મૂર્તિથી બહાર નીકળતા જ નથી. તેમને તો મહારાજનો અખંડ સંબંધ છે માટે જેટલું ચલાય તેટલું ચાલવું; પણ મોટા મુક્ત સાથે મન બાંધવું તો અંત વખતે તે પૂરું કરી દે. મહારાજ અને મોટામુક્ત રખવાળા છે તે જેમ સમુદ્ર ઊતરવો હોય તો વહાણને પ્રતાપે કરીને ઊતરાય, તેમ મહારાજ વિના મોક્ષ ન થાય. આંધળો હોય તેને દોરવો પડે તેની પેઠે મહારાજ અને મોટા મુક્ત જીવની બહુ રક્ષા કરે છે, નહિ તો જીવનો શો આધાર ! આ ખજીનો બહુ મોટો છે તેનું જતન રાખનાર શ્રીજીમહારાજ અને મોટા મુક્ત છે, નહિ તો વિઘ્ન ઘણાં છે. બાળક હોય તે એમ જાણે કે મને વસ્તુ આપશે કે નહીં. પણ માબાપ તો તે માટે જ રાખે છે, તે કેમ ન આપે ? તેમ મહારાજની મૂર્તિનું જે સુખ તે જેને ખરી ઉપાસના હાથ આવે તેને માટે વસ્તુ રાખી છે તે જરૂર આપશે જ. આપણને બહુ મોટો લાભ મળ્યો. આ તો અલભ્ય લાભ. ક્યાં મહારાજ ! અને ક્યાં મોટા મુક્ત ! ને ક્યાં આપણે ! તેનો ઓચિંતાનો સંબંધ થઈ ગયો. જેમ અંગ્રેજ ને ગરીબ હમેલિયો, તેનો ઓચિંતાનો સંબંધ થઈ જાય. તેની પેઠે આપણને મહારાજ તથા મોટાનો મેળાપ થઈ ગયો છે. શ્રીજીમહારાજના લાડીલા સ્વતંત્ર અનાદિ મહામુક્તને વિષે હેત, નિષ્ઠા અને અનન્યપણું થયું તેનું અધૂરું ન રહે. આપણું સુખ તો મહારાજ અને મોટા ભેગું કરી રાખે છે. પાત્ર વિના મહારાજનું સુખ જેમ છે તેમ આવે તો પોતે ભગવાન થઈ બેસે અથવા બીજાને ભગવાન કરી બેસાડે. જીવને ખરેખરી વસ્તુ દેખાય તો જીરવાય નહિ, માટે પાત્ર થઈને મૂર્તિના સુખની ત્વરા રાખવી, પણ પોતાપણું આવવા દેવું નહીં. આ શબ્દ ને આવી વાતો અને આવો જોગ તે ક્યાંથી મળે ! માટે અપચો થવા ન દેવો. પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામેલો હોય તેને આ સત્સંગ દિવ્ય ભાસે. જે મોટાના વચનમાં વર્તે છે તે શ્રીજીમહારાજના વચનમાં વર્તે છે. શ્રીજીમહારાજ અને મોટાના શબ્દ એક જ છે અને તે તો તેમના પડછંદા છે, એવી એકતા છે. જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય જાણવું. માયિકદૃષ્ટિવાળાને માયિક ભાસે, પણ છે તો દિવ્ય. મોટા સંત પણ અહીં રહ્યા થકા બીજે દર્શન આપે છે ને તેમની સામર્થી છુપાવી રાખે છે. એમની કૃપામાં જે આવે તેને પણ મહારાજ અને મુક્ત વિના બીજું કાંઈ ભાસતું નથી. એવા મોટા મુક્તનો સંબંધ થયો તેને થોડાકમાં કામ થઈ જાય. મહારાજ ને મોટા મુક્ત કાંઈ છેટે નથી. બધો મુદ્દો આપણને હાથ આવ્યો છે. મૂર્તિના તેજની સામર્થી ને સુખના ભોક્તાની આ દેહે કરીને ઉપમા દેવાય તેવી નથી. તેનો પાર પમાય નહીં. દિવ્ય દેહે પણ પાર પમાતો નથી. જેમ સમુદ્ર બાહુબળે કરીને તરાય નહિ તેમ. માટે ખરેખરા ખેલાડુ થઈ, આવા મોટા મુક્તને ઓળખી, સમાગમ કરીને સુખ લઈ લેવું. એ સુખ વિના અંતર ટાઢું થાય એવું નથી. શ્રીજીમહારાજની મૂર્તિનો મહિમા સમજાય તો સુખમાં દૃષ્ટિ પહોંચે અને તરત પાછું વળાય. નહિ તો મંદિર સર્વે સોનાનાં કરે તોય અંતર ટાઢું થાય નહિ; માટે પોતાનું પૂરું કરી લેવું. મહારાજના મુક્ત જેવા પ્રગટ જોઈએ તેવા સત્સંગમાં છે. તેમની સાથે મન, કર્મ, વચને જીવ જોડે તો તેને માયા પરાભવ ન કરે. લૂ વાતી હોય, ને વરસાદ વરસે એટલે સર્વે ટાઢું થઈ જાય, એટલો તો માયિકનો પ્રતાપ છે; તો શ્રીજીમહારાજ જેના ભેળા અખંડ રહ્યા હોય તેને કોઈ જાતનો તાપ નડે નહિ તેમાં શું કહેવું ? માટે ખરેખરા મોટાપુરુષ મળે તેમને ઓળખીને જોગ-સમાગમ કરે તો સર્વે કામ થઈ જાય. આ તો બહુ જબરું સુખ અને જીવ નાનો તેથી જીરવી શકે નહીં. દેહ મૂકીને મહારાજ પાસે જઈએ ત્યારે આપણી કમાણીની ખબર પડે. મહારાજની મૂર્તિનું તેજ શીતળ, શાંત અને સુખરૂપ છે. તેમાં શ્રીજીમહારાજ અખંડ રહ્યા છે. ખરું સુખ તો એ મૂર્તિમાં જ છે. અત્યારે આપણને ખરેખરો વખત મળ્યો છે, પણ જીવ અનાદિનો નાદાન છે તેથી ભગવાન સન્મુખ થતો નથી. આપણો માર્ગ જુદો છે, માટે બીજા કોઈની માનીનતા ન રાખવી અને પોતાને અપૂર્ણપણું ન માનવું. પૂર્ણપણું માનીને છકી પણ જાવું નહીં. કથા-વાર્તા ને મોટા મુક્તનો સમાગમ કર્યા કરવો. મોટાની કૃપાએ હું તો મહારાજ સાથે જ છું, ક્યાંય જવું-આવવું નથી, એમ જે સમજે તેને આત્યંતિક કલ્યાણ કહેવાય. મહારાજની મૂર્તિમાં મુક્ત સર્વે રહ્યા છે, તે પરસ્પર એકબીજાને કેવી રીતે ઓળખે છે ? તો જેમ પુષ્પની સુગંધ આવે છે તે સુગંધી ભિન્ન ભિન્ન છે, તેથી જુદી જુદી જાતનાં પુષ્પમાંથી ખબર પડે છે તેમ. એમ વાત કરી સંતો તથા હરિભક્તોને બાપાશ્રીએ સાકરની પ્રસાદી વહેંચી. તે સમે પુરાણી હરિપ્રસાદદાસજીએ પૂછ્યું જે, બાપા ! આ પ્રસાદી જમનારને કેવી પ્રાપ્તિ થશે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અક્ષરધામમાં મહારાજની મૂર્તિના સુખની. આ પ્રસાદી મળવી અતિ દુર્લભ છે, આ સાકર તો અક્ષરધામની દિવ્ય વસ્તુ જાણવી. અને જ્ઞાનમાર્ગમાં તો એમ જે, આ થકી આ, ને આ થકી આ, આ ખોટું, આ સાચું, એમ વર્ણન હોય, પણ અમને તો એક સાચી જણસ સ્વામિનારાયણની મૂર્તિ લાગે છે અને એ જ જ્ઞાન ખરું છે. અક્ષરાધિપતિ પુરુષોત્તમનારાયણ શ્રીજીમહારાજ છે. એ કારણ મૂર્તિ, તે મૂર્તિને જ્ઞાને સર્વે ખોટું કરી નાખવું એટલે થયું. કેમ કે આપણે એક મૂર્તિ જ પામવી છે. ખોટાને સાચું કોણ કહે ? હજાર રૂપિયા હોય તેમાંથી ખોટા હોય તે જુદા કાઢી નાખો, પછી તેને સાચા કોણ કહે ? આપણે તો સાચી વસ્તુ શ્રી સ્વામિનારાયણ તે રાખવા. દિવ્ય સ્વરૂપ મૂર્તિનું અને દિવ્ય સ્વરૂપ મુક્તનું. એ બેય સ્વરૂપ દિવ્ય છે. એમને જોગે કરીને સર્વે દિવ્ય થાય છે. મહારાજ જય સચ્ચિદાનંદ કહે છે તે પોતાના મુક્તને કહે છે. જેમ આ લોકમાં કોઈ બીજાને ત્યાં જમવા જાય ત્યારે પોતાનાં ઘરનાંને તથા છોકરાંને સંભારે છે. તેમ જય સચ્ચિદાનંદ કહી મહારાજ પોતાને ઉતારે પધાર્યા. એમાં તો પોતાની દિવ્ય સભાને સંભારી છે. એ સભા તો છે, છે ને છે જ. સડેલા હશે તે એક કોર પડ્યા રહેશે. મુક્ત, મુમુક્ષુ એ સર્વે મહારાજને આશરે છે. જ્યારે અનુભવજ્ઞાન ખરેખરું થાય ત્યારે મૂર્તિને ખેંચે, તે ઉપર મૂળજી અને કૃષ્ણજીનું દૃષ્ટાંત દીધું. આ તો બહુ મોટી વાત છે પણ આ લોકના ડહાપણે જીવને વિશ્વાસ આવતો નથી. માટે મહારાજ તથા મોટાનો વિશ્વાસ રાખે તો કામ થઈ જાય. ।। ૯૩ ।।
વાર્તા ૯૪
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, પંચવર્તમાન દૃઢ કરીને પાળવાં. વર્તમાનમાં ફેર પડે તે કેવું અજ્ઞાન કહેવાય ! મસ્તક પડી ગયું હોય (વર્તમાન લોપ્યું હોય) તેનો અવગુણ આવે. જીવમાં કુપાત્રપણું રાખે તે મહારાજથી પણ ન ખમાય. મહારાજે કહ્યું છે જે, નિષ્કામી વર્તમાનમાં ફેર પડવા દેવો નહીં. કોઈ ફેર પાડે તો જેમ વાંઝિયાને ઘેર દીકરો આવીને મરે, તેવું અમને વસમું લાગે છે. કળિયુગમાં કામનું જોર વધારે છે. મોટા મોટાની તથા બ્રહ્મા જેવાની પણ લાજો લીધી છે. આ વખત એથીયે જબરો છે. પણ આ ટાણે સાવચેત થાય તો આજ એને મારનારા ખરેખરા મળ્યા છે. વાદી સાણસો લઈને પકડવા ઊઠ્યો છે, પણ જીવ નાક મૂકીને ફરે તેનું કેમ કરવું ? આવા દેશકાળમાં જેણે મસ્તક હાથ રાખ્યું, તેનો ખરેખરો સત્સંગ કહેવાય. આપણે સૌને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું છે, તેથી કોઈ આઘું-પાછું વર્તવાનું કહે અને વચનમાં વર્તે નહિ, તો તેનો વિશ્વાસ ન કરવો. જો આપણે કરવા માંડીએ તો મહારાજ અને મોટા સહાયમાં ભળે છે. જીવનો ઢાળ એવો છે કે ગૉળ મૂકીને ખોળ ખાવા જાય, એમ ન કરવું. ભગવાનના ભક્તને તો ભગવાનનાં વચનમાં દૃઢપણે વર્તવું, એ વિના ચાલશે નહીં. પછી એમ બોલ્યા જે, મહારાજના અનાદિમુક્તને તો મહારાજની હારે ગણવા જોઈએ, પણ સ્વામી-સેવકપણું રાખીને. મહારાજ સૌને સુખ આપે છે ને મુક્ત સુખ ભોગવે છે તોપણ તૃપ્ત થતા જ નથી. મૂર્તિમાં અપાર, અલૌકિક, અનહદ સુખ છે, તેને કઈ ઉપમા આપીએ ? જેમ કોઈ મહાસુખિયો થયો હોય તેને દુઃખ નજરમાં જ ન આવે; તેમ જેને મહારાજની મૂર્તિનો અલૌકિક આનંદ છે, તેને જગતનું કોઈ સુખ નજરમાં આવતું નથી. મૂર્તિનું સુખ અપાર છે. જેમ નદીયું હોકારા કરે, સમુદ્ર મર્યાદા મેલે, એમ તે છે. મહારાજે કહ્યું છે જે, માતાના ઉદરમાં હતા ત્યારે પણ મૂર્તિને દેખતા અને આજ પણ દેખીએ છીએ. એમ મોટા અનાદિની મનુષ્યના જેવી ક્રિયા જણાય પણ એમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં. અનાદિમુક્ત અને શ્રીજીમહારાજની ક્રિયા અલૌકિક છે. એવા અનાદિ ભેગા રહ્યા થકા ઓળખાય, તેમનું વૃત્તાંત જોવું, રુચિ જોવી, સિદ્ધાંત જોવો, અભિપ્રાય જાણવો, ક્રિયાઓ જોવી, તે સર્વે મહારાજની આજ્ઞા પ્રમાણે જ હોય, પણ આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કરે નહિ અને કરાવે નહીં. ચક્રવર્તી રાજાએ પોતાનું રાજ્ય બીજાને દેવું હોય તો કેટલી વાર લાગે ? તેમ મોટાને સુખ આપતાં એટલી વાર લાગે છે, માટે આવા મોટાને અતિ રાજી કરવા. મોટા મુક્ત તો આપણને કોઈ દિવસ વિસારે નહિ, પણ આપણને જો એમનો અભાવ આવે તો મોટા વિસારે છે. એમને વિષે હજારો માણસો ખેંચાય છે, તે મોટા કોઈને કહેવા જતા નથી કે દાખડો કરતા નથી, પણ જ્યાં એ છે ત્યાં મહારાજ અને અનંતકોટિ મુક્ત છે તેથી સર્વે ખેંચાય છે. આપણી વૃત્તિ મોટા મુક્ત સુધી પહોંચાડીએ તો મોટા મુક્ત ઠેઠ મહારાજ સુધી આપણી વૃત્તિને પહોંચાડે છે. લખતરવાળા ગણપતરામભાઈએ અમને કહ્યું જે, મને મહારાજ તેજના સમૂહમાં દર્શન દે છે અને મારા સામું જોઈને ક્યારેક મંદ મંદ હસે છે, પણ મારી સાથે બોલતા નથી ને વાતો કરતા નથી. તે મેં પ્રાર્થના કરી તોય બોલતા નથી તે શું સમજવું ? ત્યારે અમે કહ્યું જે, એમ ને એમ મૂર્તિને સંભાર્યા કરજો, ધ્યાન કર્યા કરજો, પણ બોલવાનું કે બીજું કાંઈ ઇચ્છવું નહિ, કેમ કે ઇચ્છીએ ત્યારે એટલો સકામભાવ કહેવાય. પછી તો તે સમજી ગયા અને મહારાજે પણ તેમના મનોરથ પૂરા કર્યા. શ્રીજીમહારાજના મોટા મુક્તના સામર્થ્યની કે ગતિની જીવને ખબર પડે નહીં. કેમ કે સ્વામી નિર્ગુણદાસજી પોતે વારેઘડીએ એમ બોલતા જે માંહી બાવો બેઠો જ છે, એટલે આપણે તો એક મૂર્તિ જ માંહી બિરાજે છે, એમ સદાય સૂરત રાખવી. મોટાના શબ્દ પણ ભગવાનની સ્મૃતિ કરાવે છે. એક સાધુએ અમને એક જોડ મહારાજનાં (પ્રસાદીનાં) ચરણારવિંદ આપવા માંડ્યાં અને કહ્યું જે, તમે મારા ઉપર રાજી થાઓ. ત્યારે અમે કહ્યું જે, અમારે તો જીવમાં શ્રીજીમહારાજનાં ચરણારવિંદ છે, માટે તમે તમારી પાસે રાખો. એમ આપણે મૂર્તિ ભેગું સર્વે છે એમ જાણવું. ।। ૯૪ ।।
વાર્તા ૯૫
બપોરે મેડા ઉપર બાપાશ્રીએ વાત કરી જે, જેમ મહારાજ દિવ્ય તેજોમય છે, તેમ મહારાજના મુક્ત પણ દિવ્ય તેજોમય છે. એવી સમજણ રાખવી જે, એ મનુષ્ય જેવા દેખાતા હોય તોય દિવ્ય છે. જીવને મોટું સુખ પામવું છે, પણ મોટાની સમજણ ગ્રહણ કરતા નથી. તે જો મોટાની સમજણ ગ્રહણ કરે તો એ દિવ્ય સુખ મળે. જુઓને ! લોકમાં મોટું થવાનું જીવને કેવું તાન છે ? કેટલેક ઠેકાણે એવી રીત હોય છે કે, જ્યારે વેપારી ચોપડા લખે ત્યારે ગમે ત્યાંથી મંગાવીને સાકરકોળું ખાય છે, તે સાકરકોળાંનું શાક ખાય તો ગરાસવાળા થવાય, એમ જાણીને ખાય છે. તે ગરાસવાળા થવામાં દુઃખ બહુ છે, પણ કાંઈ સુખ થાય તેમ નથી; તોપણ એવું થવાની ઇચ્છા રાખે છે, એવા જીવના સ્વભાવ છે. પણ જેમાં સદાય અપાર મહાસુખ રહ્યું છે એવા જે સર્વોપરી શ્રીજીમહારાજ તેમને પામવાને માટે જીવ આગ્રહ કરતા નથી, એવું જીવમાં અજ્ઞાન છે એમ વાત કરતા હતા. ત્યાં લાલજીભાઈ આવીને દંડવત કરવા મંડ્યા, પણ બાપાશ્રીની દૃષ્ટિ સભા સામી હતી, એટલે વલ્લભદાસભાઈએ કહ્યું કે, બાપા, આ લાલજીભાઈ આપને દંડવત કરે છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ તો દંડવત મહારાજને કરે છે. આપણે પોતાને માથે શીદ લઈએ ? જે જે થાય તે સર્વે મહારાજની મૂર્તિને વળગાડી દઈએ. શ્રીજીમહારાજને આગળ રાખીએ અને પોતે પાછળ રહીએ તો બાધ ન આવે. કોઈ પૂજા-પ્રતિષ્ઠા કરે કે માન-સત્કાર મળે એ સર્વે શ્રીજીમહારાજને જ થાય છે. આ આપણે વિષે તો કાંઈ ગુણ નથી. એમ સર્વે વાતમાં મહારાજને જ આગળ રાખવા. બોલવું, ચાલવું, ખાવું, પીવું વગેરે ક્રિયા મહારાજની સ્મૃતિએ સહિત કરવી. જોવું તે પણ મૂર્તિની સ્મૃતિએ સહિત જોવું. એમ સર્વે ક્રિયાઓ મહારાજની મૂર્તિને લઈને કરવી, પણ મૂર્તિને મૂકીને કાંઈ પણ કરવું નહીં. અને પોતાને વિષે કોઈ રૂડા ગુણ બતાવે અથવા પોતાને રૂડા ગુણ ભાસે એ સર્વે મહારાજને લઈને છે, માટે મૂર્તિને વિષે સર્વ વળગાડવું, પણ લગારે પોતાપણું આવવા દેવું નહિ, એવી નિરંતર સૂરત રાખવી. તો મહારાજને વિષે દાસપણું દૃઢ થાય છે. આપણે મહારાજને અને મોટા મુક્તને દર્શને ગયા. પછી પાંચ દિવસ રહીને ઘેર જઈએ ત્યારે એમ રહે જે આટલા દિવસ આપણે મહારાજ તથા મોટા ભેગા રહ્યા અને ત્યાંથી જુદા પડીને પાછા આપણે ઘેર આવ્યા, તે સમજણ સારી ન કહેવાય. હરિભક્તોએ એવી સમજણ ન રાખવી; ને એમ સમજવું જે, મહારાજ અને મોટા સદાય આપણી ભેળા જ છે. તે જરા વાર પણ જુદા પડતા નથી. એમ જાણીને મહારાજનો અને મોટા મુક્તનો અંતરદૃષ્ટિ કરીને નિરંતર જોગ કર્યા કરવો. તે જોગ તે શું ? તો તેમને સંભારવા, તેમના સામું જોઈ રહેવું, તેમના વચનનો વિચાર કરવો, એ આદિ કરવું. અંતરદૃષ્ટિ કર્યા વિના સમીપપણું રહેતું નથી, પોતાના દોષ ઓળખાતા નથી અને ભગવાનના ભક્તનો મહિમા પણ જણાતો નથી. અંતરદૃષ્ટિથી તે સર્વેનું સમીપપણું થાય છે. માટે અંતરદૃષ્ટિ ભગવાનના ભક્તની છે અને બહારદૃષ્ટિ અભક્તની છે ને દ્રોહદૃષ્ટિ તે તો અસુરની કહી છે; માટે નિરંતર અંતરદૃષ્ટિ રાખવી. જેને મહારાજનો અને મોટા મુક્તનો વિશ્વાસ આવ્યો હોય તેને સર્વે વાતે સવળું પડતું જાય છે, પણ અવળું તો પડે જ નહીં. તે સુખ-દુઃખમાં, હાણ-વૃદ્ધિમાં, વાતચીતમાં, કોઈના કહેવા-સાંભળવામાં એ સર્વેમાં સવળું ને સવળું જ પડતું જાય છે. તેથી મોટા મુક્ત અને મહારાજનો વધારે ને વધારે વિશ્વાસ આવતો જાય છે. તથા વધારે ને વધારે હેત થતું જાય છે તેથી એને મહારાજની મૂર્તિમાં વધારે ચોંટાતું જવાય છે. જેણે મહારાજને અને મોટા મુક્તને અંતર્યામી જાણ્યા હોય તેનાથી સર્વ આજ્ઞાઓ પળે; તેમની સદાય બીક રહે તેથી ખોટા સંકલ્પ પણ ન થાય, અને એમ નિરંતર રહ્યા કરે જે, હું જે જે કરું છું તે સર્વેને મહારાજ તથા મોટા મુક્ત નિરંતર જાણે છે. મહારાજ અને મોટા મુક્ત તો સદા ભેળા ને ભેળા જ છે અને તે સર્વે જુએ છે માટે હું જરાય પણ આજ્ઞા વિરુદ્ધ વર્તન કરીશ તો એમનો મારા પર અતિશે કુરાજીપો થશે તો મારું બગડી જશે, એમ રહ્યા કરે, તેથી તે ફડકમાં કાંઈ પણ ભૂંડો ઘાટ કરી શકે નહીં. તો બીજું તો શું કરે ? નાસ્તિકભાવ પણ ત્યારે જ ટળ્યો કહેવાય. પછી બોલ્યા જે, આપણે પોતાની સરસાઈ કરવા સારુ કોઈની સાથે બગાડવું નહિ ને કોઈ પ્રકારનો ક્લેશ થાય તેમ પણ ન કરવું. સર્વે સાથે હળીમળીને રહેવું. કેમ કે, ક્લેશથી ભગવાન ભજવામાં વિઘ્ન થાય છે, માટે કોઈ સાથે વિરોધ કરવો નહીં. અને પોતાનું માન ખંડન થતું હોય કે પોતાની વાત જતી હોય તો તે ભલે જાય, તેનું આપણે સત્સંગીને કામ નહીં. માટે કોઈનો ઘસારો ખમીને પણ સંપ રાખવો ને નમીને સર્વે થી ચાલવું. મહારાજને અખંડ સંભાર્યા કરવા અને સંગ કરવો તેમાં પણ ભેદ છે. સંગ તો ઉત્તમ પુરુષનો જ કરવો. મોટા મુક્ત સાથે જુદાપણું ન રાખવું. કેટલાક તો ઉપર ઉપરથી મળતું રાખે ને પાસે આવે, જાય, બેસે, ઊઠે, વાતો સાંભળે, પૂછે પણ અંતરમાં જુદાપણું હોય; એ પણ સંગ કર્યો કહેવાય. અને એક તો મન, કર્મ, વચને શુદ્ધભાવે, નિષ્કામપણે, ગરજુ થઈને સંગ કરે તે પણ સંગ કર્યો કહેવાય. માટે જેને ભગવાનને રાજી કરવા હોય અને પોતાનું પૂરું કરી લેવું હોય તેને તો નિષ્કપટભાવે મન, કર્મ, વચને દાસાનુદાસ થઈને સંગ કરવો તો શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત રાજી થાય છે. અને તે સંગ કરનારો પણ મોટાને જોગે કરીને મોટા સુખને તથા મહામોટા આનંદને પામે છે, તેથી અખંડ આનંદ તથા અખંડ સુખમાં રહ્યો થકો મહારાજની અખંડ સેવામાં રહે છે. જેમ નાના છોકરાને કાંઈક ભય આવે તો દોડીને બાપના પગમાં પેસી જાય છે એમ આપણે પણ માયાના ગુણ કાંઈ વ્યાપે તો ચેતી જવું ને તરત મોટા મુક્તને વળગી પડવું એટલે જેમ છોકરાને તેના માવતરના આશ્રયથી ભયની નિવૃત્તિ થઈ જાય છે. તેમ આપણે પણ મોટાના આશ્રયથી માયાના ભયની નિવૃત્તિ થઈ જાય છે, તેથી માયાના ગુણ એકેય ટકી શકતા નથી એટલે કોઈ દુઃખ દઈ શકતા નથી. ।। ૯૫ ।।
વાર્તા ૯૬
રાત્રે સભામાં બાપાશ્રીએ કૃપા કરી વાત કરી જે, આ પૃથ્વી ઉપર ભગવાન રાજા રૂપે અને રાજાધિરાજ રૂપે તથા સદ્ગુરુ રૂપે અને સાધુ રૂપે વર્તતા હોય તે રીત જાણવી. તે જ્યારે રાજા રૂપે ભગવાન વર્તે ત્યારે કોઈ સાધારણ મનુષ્યને જોગ કરવો હોય તેને કઠણ પડે અને રાજાધિરાજ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે અતિ મોટાપુરુષને પરાણે પરાણે જોગ થાય અને સદ્ગુરુ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે પણ મોટા હરિભક્તોની સભા બેઠી ને બેઠી હોય તે કોઈને કાંઈક પ્રશ્ન પૂછવો હોય તો તે પૂછતાં પૂછતાં કેટલોક વખત વીતી જાય પણ પૂછવાનો મેળ મળે નહીં. તો બીજું તો ક્યાંથી પુછાય ? તેથી જોગ કરવો ઘણો કઠણ થઈ પડે અને જ્યારે સાધુ રૂપે ભગવાન વર્તતાં હોય ત્યારે તો તેમને ગમે તેમ પૂછો, ગમે તે આવો, ગમે તેમ બોલો, ચાલો, વાતો કરો, તેમાં જરા પણ કોઈને કઠણ પડે જ નહિ ને સર્વેને જેવું જોઈએ તેવું સુખ આવે ને કોઈ રીતે આમન્યા રહે નહીં. નાના-મોટા સૌને જોગ કરવાનો સમય મળે અને સૌને સખાભાવ રહે. તેથી આ સમયે શ્રીજીમહારાજ સૌ જીવને સુખિયા કરવા માટે સાધુ રૂપે વર્ત્યા. વળી વાત કરી જે, આપણે ભગવાનના ભક્તને એમ વિચાર કરવો જે, હું ભગવાનનો ભક્ત છું તે મારે જગતના જીવની પેઠે શી રીતે વર્તાય ? આપણે તો ભગવાનને અને મોટા મુક્તને રાજી કરવા છે તથા અખંડ અલૌકિક સુખને પામવું છે. માટે જગતના જીવની સમજણ ક્યાં ! અને આપણી સમજણ ક્યાં ! એવો વિચાર રાખી જગતના જીવની ક્રિયાને વિષે હર્ષ-શોક ન કરવો અને એમ વિચારવું જે જગતના જીવ ઘણા પ્રકારનાં સુખ-દુ:ખને પામે છે, તોપણ પોતાના સ્વભાવને મૂકતા નથી. તો હું તો શ્રીજીમહારાજનો દાસ છું, તો હું મારો સ્વભાવ જે શ્રીજીમહારાજની મૂર્તિનું જ સુખ ભોગવવું તેને કેમ મૂકું ? જીવને માયામાંથી નીકળીને પુરુષોત્તમ ભગવાનને પામવા એ પોતા થકી કોઈ સાધને કરીને કે સમજણે કરીને પમાતું નથી. તે તો માછલાંને જેમ જળ જીવન છે તેમ જીવ જ્યારે અતિ મોટાપુરુષ જે અનાદિ મહામુક્ત તેમને વિષે પોતાના જીવને બાંધીને એવા મોટાને વિષે એકાત્મપણું કરે ત્યારે માયાને તરીને શ્રી પુરુષોત્તમરૂપ થઈને એ મૂર્તિના સુખમાં રમે, તેમાં કાંઈ પણ કઠણ પડતું નથી. તે વિના તો શ્રી પુરુષોત્તમની સન્મુખ ચાલવાની સામર્થી કોઈ જીવને થતી નથી. માયાના ભાવથી મુકાઈને શ્રી પુરુષોત્તમ સન્મુખ ચાલવું તે આવા મહામોટા સમર્થ અનાદિના જોગથી થાય. જેમ ભૂચર અને ખેચર પંખી છે; તેમાં ભૂચર પંખી ઊંચે બેઠું હોય અને ખેચર પંખીનું ઈંડું પૃથ્વી ઉપર પડ્યું હોય પછી તે ઈંડું સેવાય ને બચ્ચું થાય એટલે ઊડીને ઊંચું ચાલ્યું જાય; તેમ શ્રી પુરુષોત્તમની ઉપાસનાવાળા જે મહામુક્ત તેમના જે જોગવાળા છે તે પ્રકૃતિપુરુષ, બ્રહ્મ, અક્ષર આદિ સર્વથી પર શ્રી પુરુષોત્તમનારાયણ સહજાનંદ સ્વામી ભગવાન તેમને જ પામે છે; પણ વચમાં એ ક્યાંય અટકતા નથી. એવું તેમનું શ્રીજીમહારાજની મૂર્તિના બળે સામર્થ્ય છે. ।। ૯૬ ।।
વાર્તા ૯૭
પછી બાપાશ્રી એમ બોલ્યા જે, શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અપરંપાર તેજ છૂટે છે, તે તેજ અતિ શ્વેત છે, શાંત છે, શીતળ અને ઘાટું છે. તેમાં રહી જે મૂર્તિ તે ચંચળ છે. શ્રીજીમહારાજના રોમ તે શું ? તો મૂર્તિમાંથી તેજની છટાઓ છૂટે છે અને તેજના અનંત બંબ છૂટે છે. તે મૂર્તિને ચારે તરફ તથા સર્વે ઠકાણે તેજની ઠઠ છે. તે સામસામી તેજની સેડ્યું દોઢે વળે છે અને અનંત તેજના ઢગલા છે, તે અપાર છે, એવી અલૌકિક મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રસબસ રહ્યા થકા પુરુષોત્તમના સંકલ્પે અહીં દેખાય છે. એવા મોટા અનાદિની પાસે આ લોકનું કાંઈ માગવું નહીં. એ ઉપર વાત કરી જે, જેમ હીરા, માણેક, મોતી, ઝવેરાત, રત્ન, ચિંતામણિના વેપારીને કોઈક વેપારી તેની નબળી ચીજનો કોથળો ભરેલો જાળવવાને આપે તો તે મોટા ઝવેરાતના વેપારીને સારું ન લાગે, પણ તે મોટા વેપારી પોતાની મોટાઈ સામું જોઈને મહોબતે કરીને રાખે. તેમ શ્રીજીમહારાજના લાડીલા અનાદિ મહામુક્તને પોતાના દેહની રક્ષા કરવા તથા સકામપણામાં માયિક પદાર્થની ઇચ્છા પૂરી કરવા ભલામણ કરવી તે આ દૃષ્ટાંત દીધા બરોબર છે. વળી આ જીવને જેટલો મહારાજનો અને મોટા મુક્તનો મહિમા હોય તેટલું સુખ આવે છે. અને જેવો મહિમા સમજાય તેવું થવાય છે. માટે મોટાને વિષે આપોપું રાખવું તથા આત્મબુદ્ધિ કરવી તેથી મોટાને સુખે સુખ અને મોટાને દુઃખે દુઃખ થાય. સદ્. સ્વામી નિર્ગુણદાસજીએ દેહ મૂક્યો ત્યારે કેટલાકને દુઃખ થયું હતું; આત્મબુદ્ધિ એવી કરવી. પછી બોલ્યા જે, જ્યાં પહોંચાડવાના છે ત્યાં જ્યારે પહોંચાડશું ત્યારે મહિમાની ખબર પડશે. આપણે તો સ્વામિનારાયણનાં ગીત ગાવાં, તરવાર માથામાં મૂકે તોપણ ગાવાં અને સાધુ, સત્સંગી, હરિભક્ત કોઈનો અપરાધ ન કરવો. ભગવાનના ભક્તનો અપરાધ થઈ જાય તો જીવ નાશ થઈ જાય છે.
પછી નારાયણપુરવાળા ધનજીભાઈએ પૂછ્યું જે, બાપા ! શ્રીજીમહારાજનાં સંબંધને પામેલાં વૃક્ષને પરમપદના અધિકારી કહ્યાં છે, તો તે પાધરા ધામમાં જાય કે તેમને સત્સંગમાં આવવું પડે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, આવા જોગમાં આવે તો પાધરા અક્ષરધામમાં જાય; કેમ જે આ સભા દિવ્ય છે. આપણે તો પ્રેમમગ્ન થઈ માનસીપૂજા કરવી, સેવાભક્તિ કરવી. તે પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થાય ? તો અતિ હેતે કરીને મૂર્તિમાં જોડાય તો અંગોઅંગને વિષે પ્રેમ પ્રગટ થાય અને જો શ્રવણ, મનન, નિદિધ્યાસથી આવી વાતો જીવમાં ઊતરી જાય તો જીવમાં સાક્ષાત્કાર થાય; લોચો-પોચો રાખે તેથી કામ ન થાય. એક તો વીસ ગાઉ ચાલે અને એક ચાર ડગલાં ચાલે તે સરખો ક્યાંથી આવે ? અમારે ત્યાં ભૂજમાં શામજીમલ હતા એ ખરેખરા મંડ્યા હતા તે હેતભર્યાં કીર્તન બોલતા આવે, ત્યારે કેટલાક હસે; તોપણ તેનું તેમને કાંઈ નહીં. પ્રથમ તો એ ઘણા આકરા હતા પણ ઓળખાણ થઈ ને મહારાજ તથા મોટાનો દિવ્યભાવ આવ્યો ત્યારે બહુ સુખિયા થઈ ગયા. ભોળા ને વિશ્વાસી પણ એવા હતા તે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને ઘણી વાર કહેતા જે, મને સેવા બતાવો. ત્યારે બ્રહ્મચારી કહે, તમે શું સેવા કરી શકશો ? ત્યારે તે કહે જે, તમો કહો તે કરીશ. પછી એ બ્રહ્મચારીએ સભાનો દિવ્યભાવ સમજાવીને કહ્યું જે, તમારે અહીં બેસીને હાથમાં પંખો રાખી સભાને વાયરો નાંખવો ને એમ ધારવું જે, શ્રીજીમહારાજ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે અને વાયરેથી છોગું ફરકે છે. પછી તો તે એવી રીતે કરતા. જ્યારે બ્રહ્મચારી પૂછે જે, શામજીભાઈ શું કરો છો ? ત્યારે કહે, મહારાજને પવન નાખું છું, તેથી શ્રીજીમહારાજનું છોગું ફરક ફરક થાય છે. એમ હેત થઈ જવાથી ને મોટાનો મહિમા જણાવાથી ભાવ સાચો હતો તો મુક્ત થઈ ગયા. તે વખતે મોહનભાઈએ પૂછ્યું જે, બાપા ! જીવને એવો ભાવ કેમ નહિ થતો હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટાનો વિશ્વાસ રાખે ને તે કહે તેમ કરે તથા મહારાજની આજ્ઞામાં મંડ્યો રહે તો એવો ભાવ આવે. માથકવાળા કલ્યાણસંગજીને પ્રત્યક્ષ દર્શનનું તાન હતું તે અમોએ મહારાજની મૂર્તિ પાસે લઈ જઈને કહ્યું જે, જુઓ આ ભગવાન ખરા કે નહીં ? ત્યારે તે કહે હા. હવે મારી ખોટ ઓળખાણી. આમાં સમજવાનું એ છે કે મહારાજની મૂર્તિ છે તે મહારાજ પ્રત્યક્ષ છે, આવો દિવ્યભાવ સમજવો.
રાત્રે મેડા ઉપર આસને બાપાશ્રીએ વાત કરી જે, સેવકરામ નામનો સાધુ કૃતઘ્ની હતો, પણ મહારાજના હાથથી સેવા થઈ. તેથી તેનો મોક્ષ થયો. ભગવાન કે સંત કોઈના અપરાધ સામું જોતા નથી. જે સેવા કરવાનું બતાવ્યું છે તે તો મોક્ષનો માર્ગ છે, માટે આપણે સંતની સેવા કરવી ને સંત આપણી સેવા કરે. માવતર છોકરાંની સેવા કરે છે કે નથી કરતાં ? એમ, ભગવાન અને સંત સેવા કરે છે, તે ચોરાસી લાખ ખાણથી જીવને છોડાવે છે. તેથી તેમનો મોટો પાડ માનવો. જીવ કેટલાય જન્મથી ભમે છે ! કહો સંતો ! ખરો સિદ્ધાંત છે કે ગપાટાં દઈએ છીએ ? પછી સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, બાપા ! સેવકરામે તો કૃતઘ્નીપણું કર્યું હતું, તોય તેનો મોક્ષ કેમ થયો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ સેવકરામને અંત વખતે પણ મંદવાડ બહુ થયો હતો, તેના શિષ્યો તે વખતે પાસે હતા પણ તેની સેવા કોઈ કરી શક્યા નહીં. ત્યારે તે એમ બોલ્યો જે, હું પ્રથમ વેંકટાદ્રિથી રામેશ્વર જતો હતો; ત્યાં માર્ગમાં મને ઘણો મંદવાડ થઈ ગયેલ તેથી મારામાં ચાલવા જેટલી શક્તિ રહી નહીં. તે ટાણે મને એક નીલકંઠ બ્રહ્મચારી મળ્યા હતા. તેમણે મારી બહુ ચાકરી કરી હતી. તમે આટલા બધા ભેગા થઈને તેમના હજારમા ભાગની પણ ચાકરી કરી શકતા નથી. અરે ! હું કેવો અજ્ઞાની કે મેં એ બ્રહ્મચારીને તે વખતે ખાવાનું પણ આપેલ નહિ અને તમે તો આ મઠના ધણી થઈ બેઠા છો, તોય મારી કોઈ સેવા કરતા નથી. અત્યારે એ નીલકંઠ બ્રહ્મચારી અહીં ક્યાંથી આવે ? મેં એ વખતે બહુ ભૂલ કરી. એમ મહારાજને સંભારી પસ્તાવો કરતો હતો, તે વખતે પોતાનું બિરદ જાણી મહારાજે તેજોમય દર્શન આપ્યાં ને બોલ્યા જે, અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ ને તેડવા આવ્યા છીએ. ત્યારે તે સેવકરામ અતિ સ્નેહથી કહેવા લાગ્યો જે, અહો ! આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા. પછી તેના શિષ્યોને બોલાવીને કહ્યું જે, આ ભગવાનનાં દર્શન કરો ને હવે સૌ એમનું ભજન કરજો, એમ કહી પ્રાર્થના કરવા લાગ્યો જે, હે નીલકંઠવર્ણી ! તમને મેં આવા ભગવાન જાણ્યા નહોતા, તેથી તમારો બહુ અપરાધ થયો. હવે મારો ગુનો માફ કરો. એમ પ્રાર્થના કરતો તે દેહ મૂકી ગયો. પછી શ્રીજીમહારાજે તેને સત્સંગમાં જન્મ ધરાવ્યો, પણ મહારાજને જરાય અન્ન આપેલ નહિ; તેથી તેને દેહ રહ્યો ત્યાં સુધી ખાવા-પીવાનું દુઃખ બહુ રહ્યું હતું. પછી શ્રીજીમહારાજ તેને પોતાનો શરણાગત જાણી અંત વખતે દર્શન દઈ, અક્ષરધામમાં તેડી ગયા; એવી મહારાજની દયા છે. માટે એવો સર્વોપરી દૃઢ નિશ્ચય કરવો. જો શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિ ધારે તો નિશ્ચયમાં કસર ન કહેવાય. એમ ધારવાથી સાક્ષાત્કાર થઈ જાય. પછી એમ બોલ્યા જે, કેટલાંક મંડળ અક્ષરધામમાં પહોંચાડે તેવી વાતો કરે, અને કોઈક તો અક્ષરધામમાંથી પાછા ખણી લાવે તેનું કેમ કરવું ? બધાંય લૂગડાં સારાં પહેરે તેથી શું ખબર પડે ? પણ રાજાને ઓળખવો જોઈએ. જો ઓળખે તો કામ થાય. એમ જેણે પુરુષોત્તમનારાયણનો સર્વોપરી નિશ્ચય નથી કર્યો, ત્યાં સુધી એ જીવ આડોઅવળો ધોબીના કૂતરાની પેઠે વલખાં મારે છે. તે કૂતરે એમ નિશ્ચય કરેલો કે આ ભીના પગવાળો તે મારો ધણી છે, પણ બીજી કાંઈ ખબર નહીં. પછી ચોમાસામાં સર્વેના પગ ભીના જોઈ એકબીજાની કેડે દોડી દોડી મરી ગયો; તેમ ન કરવું. પુરુષોત્તમનારાયણને ઓળખીને દૃઢ નિશ્ચય કરવો. તેમ સંતને પણ ઓળખવા જોઈએ, પણ રૂડાજીના ભદ્રની પેઠે ન કરવું. ઉપાસના દૃઢ ન હોય તો એવું થાય. આપણા ધણી કેવડા છે તોય પણ કેટલાક ચાલોચાલ સત્સંગ કરે છે. તેને ખબર પડતી નથી. તેને તો સાધુ-અસાધુનીયે ખબર નહિ, અવતાર-અવતારીની પણ ખબર નહિ, એમ ન કરવું. મોટા મુક્તને ઓળખવા, નહિ તો ક્યાંય ને ક્યાંય અટકી રહે. દેવલોકમાં, વૈકુંઠમાં કાં તો ગોલોકમાં, જ્યાં ત્યાં અટકી રહે, પછી આ બધું હાથ ન આવે. મુદ્દો હાથ ન આવ્યો હોય તો એવું થાય. સુખ તો એક મહારાજની મૂર્તિમાં જ છે, તે વિના બીજે ક્યાંય નથી. જેને આ લાભ હાથ આવે તે તો મૂર્તિમાં થીજી જાય, સુખિયો થઈ જાય. આપણે સત્સંગમાં એ કરવા બેઠા છીએ. મોટા અનાદિમુક્તને મન સોંપવું એ કાંઈ રમતવાત નથી. મોટા સંત એ વાત સમજાવે છે, તેથી સંતને મોક્ષના દ્વારરૂપ કહ્યા છે. માટે બત્રીશ લક્ષણે યુક્ત સંત હોય એ અક્ષરધામની વાત કેમ ન કરે ? સાડા ત્રણ કરોડ રૂંવાડે રૂંવાડે સ્વામિનારાયણ બોલાય છે. ચમક દેખી લોહા ચળે તેમ અનુભવજ્ઞાને કરી મૂર્તિનું સુખ લેવું. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાં જોડાવું. જે શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવે એ સાધુ ખરા. આ નક્કી કરવું જોશે; હરામના સમ ખાઈને કરવું જોશે. સંત તથા હરિભક્ત મોટા કહેવાતા હોય, પણ આટલું તો જરૂર કરવું પડે. મૂર્તિ વિના માયાનું આવરણ ટળે તેવું નથી. માયા ત્રિગુણાત્મક છે. એ મલિન ગુણનો સંબંધ ન રાખવો. સત્સંગમાં દાસના દાસ થઈને રહેવું, તે વિના તો કોઈ જરાક ગોદો મારે તો ચમકી જાય એવું છે. સરકારે હજારો રૂપિયાના કાગળો છપાવી દીધા તે ચાલે છે, કેમ કે આ લોકમાં તેની સત્તા છે; તેમ શ્રી પુરુષોત્તમનારાયણ તો અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, તે ધારે તેમ કરી શકે. મૂર્તિ રાખ્યા વિના સાજો જન્મારો એમ ને એમ નીકળી જાય, પણ કામ ન થાય. સત્સંગમાં ઘણો માલ છે. મોતી, ઝવેરાત, હીરા ભર્યાં છે. જે માલ ખપે તે મળે છે. તેમાં જો ખપવાળો થઈને એક નંગ લે, તો નગરશેઠિયો બની જાય. આ જોગ ને વખત સારો છે. જમાડનારા તો તૈયાર છે, પણ જમનારા જોઈએ. મહારાજની મૂર્તિ વિના ઘડી પણ રહેવું નહીં. મહારાજનો પ્રતાપ બહુ જબરો છે. એ પ્રતાપે શું ન થાય ? છ મહિનામાં સિદ્ધ કરવું હોય તો થઈ જાય. રાત-દહાડો મૂર્તિમાં ઝીલતો રહે તે આનંદમાં રહે. કેટલાક જળમાં પડે તોય કોરા રહી જાય, એવા જીવના સ્વભાવ છે. આ વર્તમાનકાળે શ્રીજીમહારાજની બહુ દયા છે, તેથી મૂર્તિમાં રહે તે સુખિયો થઈ જાય છે. વ્યવહારમાં થોડો રહે તેનું કાંઈ નહિ, પણ ભગવાનની આજ્ઞામાં તો રહેવું જ. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને સ્થૂળ, સૂક્ષ્મ, કારણ તથા ભૂત, ભવિષ્ય, વર્તમાન એ સર્વે કાળમાં મૂર્તિમાં રહેવું. આ વાત સર્વેને માટે છે. કેમ કે મહારાજ ને મુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. હીરા, માણેક, મોતીની દુકાનમાં ભાગ રાખે તેને બહુ લાભ મળે અને તે શેઠિયો થઈ જાય; પણ હળદર-મરચાંની દુકાનમાં ભાગ રાખે તો આખા દિવસમાં બે-ચાર આના મળે, તેમાં શું ? માટે ખરેખરો સત્સંગ કરવો. ત્રો-ત્રો ન કરવું. એમાં કાંઈ વળે નહીં. મોટા સદ્ગુરુ કેવા ! મોટા હરિભક્ત કેવા ! જોગ અને ટાણું સારું છે, કહેનારા સારા છે, આ ટાણે જે ખપે તે લેતા જાય. આવા મહારાજ, આવા મુક્ત, આવી સભા, આ સર્વે અક્ષરધામનો સાજ છે. ।। ૯૭ ।।
વાર્તા ૯૮
ફાગણ વદ ૧૪ને રોજ સવારે મેડા ઉપર નિત્યવિધિ કરીને બાપાશ્રી સંત-હરિભક્તોને મળ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, બાપા ! આ હરિભક્તો કહે છે કે, અમારા પર રાજી રહેજો. ત્યારે બાપાશ્રી કહે, આથી રાજીપો કેટલો ખપે ? આપણે આ બધું દિવ્યભાવમાં જોવું ને ઘરમાં જ રહેવું. તે ઘર કયું ? તો મહારાજની મૂર્તિ. એમ કહી અતિ પ્રસન્ન થકા બાપાશ્રી વાત કરવા લાગ્યા જે, ભગવાનના ભક્તે પોતાના સ્વરૂપનો તપાસ કરવો. શ્રીજીમહારાજે શૂદ્રના છોકરાને સો વાર આત્મા કહેવરાવ્યું. પણ જ્યારે પૂછ્યું ત્યારે કહ્યું જે, બાપજી હું તો શૂદ્ર છું. એમ ન કરવું. શૂદ્ર મટી જવું અને ઝળળ ઝળળ તેજોમય દિવ્ય સ્વરૂપ બનાવી મૂર્તિ સાથે રસબસભાવે સુખિયા રહેવું. પ્રકૃતિના કાર્યને ખોટું કરે તે એકાંતિક. પરમાત્માને પધરાવીને સાજી સભા તે મૂર્તિ સાથે જુએ તે પરમએકાંતિક. પછી મૂર્તિની ખુશ્બો આવી ત્યારે તેને અનુભવજ્ઞાને કરીને મૂર્તિમાં જોડ્યો, એટલે મૂર્તિરૂપ થયો; તોપણ સુખનું દાતા-ભોક્તાપણું રહે છે, સ્વામી-સેવકપણું રહે છે. ચમક લોહને ખેંચે તેમ મૂર્તિમાં ખેંચાય છે. ગરુડ ઊડ્યો પછી અટક્યો, એટલે મહારાજ એકલા ઊડ્યા. ગરુડથી પહોંચાણું નહિ, કેમ જે તેને અનુભવજ્ઞાન નહોતું. આપણે મહારાજને એકલા ઊડવા દેવા નહિ, પણ ભેગા ઊડતાં શીખવું. પછી બોલ્યા જે, મહંત કોણ ? તો, ભગવાનને ઓળખાવે અને મૂર્તિમાં રહે તે. જીવને પંચવિષય છે તે વિઘ્નરૂપ છે, તેને ઓળખવા જોઈએ. અને નેત્ર-શ્રોત્રાદિકને તો ભગવાનની મૂર્તિમાં જોડી દેવા, નહિ તો મોટી ખોટ આવે. જેના ઘરમાં ભગવાન નહિ, તેના ઘરમાં મોટા કામ-ક્રોધાદિક સર્પ રહે છે. માટે આપણે તો એક ભગવાનની જ મૂર્તિ રાખવી અને જે મૂર્તિ રાખે તેને આવરણ ટળી જાય. શ્રીજીમહારાજના કહેવાણા હોય તેની તુચ્છ જેવા દોષ ફજેત કરી કિંમત કરાવે તે ઠીક નહીં. જેમ હીરા-મોતીના હારની ચણોઠીએ કિંમત કરી, તેમ આપણી કિંમત બીજા પાસે ન કરાવવી. આપણે તો મહારાજના જેવું બીજે ક્યાંય હેત થવા દેવું નહીં. રાખના પડીકામાં શું માલ છે ? પણ જીવને અજ્ઞાન ભર્યું છે તેથી ખબર પડતી નથી, નહિ તો ભગવાનના જેવો બીજે ક્યાંય આનંદ થાય નહીં. આ તો વાચ્યાર્થ જ્ઞાન છે. તે જ્યારે લક્ષ્યાર્થ થાય ત્યારે સુખિયા થવાય. કેવી રીતે ? તો, સર્વે વિષય-વાસના મૂકીને ભગવાનને તથા મોટા મુક્તને વળગી પડે. તે વિના પિંડ-બ્રહ્માંડમાં કાંઈ છે જ નહિ, એવું કરી નાખે ત્યારે બીજે ક્યાંય માલ માનીને આનંદ પામે જ નહીં. આપણને બહુ જ મોટો લાભ મળ્યો છે. આવા સમયમાં ખોટનો વેપાર કરવો નહીં. ખરા ગરજુ થઈને પોતાનું પૂરું કરી લેવું. ભગવાનના ભક્તનો અવગુણ ન આવે ને એનો દ્રોહ ન થાય એવો ખટકો રાખવો. વાસના બહુ ભૂંડી છે. એ તો જમપુરીએ લઈ જાય. આપણે આવી વાતનો વિચાર ઘણો રાખવો. અવગુણથી બહુ બીવું. આ સભા અક્ષરધામની છે, તેના અવળા સંકલ્પ થઈ જાય છે ત્યારે શું કમાણા ? આ ટાણે બહુ ભારે કામ થાય છે. જે જોઈએ તે આ સભામાં છે. આ સંત-હરિભક્ત સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે, માટે કોઈને વિષે ભાવ ફરે નહિ, એવી સૂરત રાખવી. મહારાજની મૂર્તિમાં સર્વે સુખ છે. મૂર્તિને મૂકીને ક્યાંય સુખ નથી. બીજે સુખ મનાય છે તે જ અજ્ઞાન છે. મૂર્તિને રાખ્યા વિના તો કોઈ નોરમાં ચડી જવાય તે ઠેકાણું પણ ન રહે. પછી સંતો સામું જોઈને બોલ્યા જે, સંતો ! તમારે ને અમારે સહુને એમ જ રહેવાનું છે. તમે તો સદાય તે મૂર્તિરૂપી માળામાં જ રહો છો, પણ અમારે વ્યવહારિકને કઠણ ખરું. ખટકો તો બેયને રાખવો જોઈએ. જો તમારામાં ખટકો ન રાખે તોય કેટલાંય વિઘ્ન થાય; ચેલો, પદાર્થ, આસન, પૂજા, પ્રતિષ્ઠા વગેરે વિઘ્નરૂપ થઈ પડે. અને અમારે દ્રવ્ય, છોકરાં, ખેતર, મેડી અને સંબંધી એ સર્વે વિઘ્ન કરે; માટે એ વિઘ્નમાંથી ઊગરવાને મહારાજ રાખવા, તે ઉપાય બહુ જબરો છે. માટે મહારાજને ભૂલવા નહીં. આજ મહારાજ ને મોટા સૌને સુખિયા કરે છે. જુઓને ! આવી સભા ક્યાંય છે ? આવી વાતો ને આવી દિવ્ય સભા તથા આવું સુખ સ્વામિનારાયણ ભગવાનના ઘર વિના બીજે ક્યાંય નથી. એક સત્સંગમાં જ છે. આપણે તો એ અખંડ અવિનાશી વરને મુખ્ય રાખવા. વર મહારાજ ને જાનૈયા મુક્ત. તે જો વર ન રાખે તો કોઈ જમવા આપે નહીં.
પછી કડીવાળા દલસુખભાઈએ પૂછ્યું જે, બાપા ! વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે, માનવાળા તો કોઈ નભી શક્યા નથી. તે માન ટાળવાનો કોઈ ઉપાય હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, માન ક્યાંથી ટળે ? તન, મન, ધન અને અનેક જન્મનાં કર્મ તે ભગવાનને આપવાનાં. તેમાં કર્મ આપે છે, તન ન આપે, મન ન આપે ને ધન પણ ન આપે. આ તો એકલા કાંકરા આપે છે, તે એકલા કાંકરા કોણ લે ? ઘઉં ભેળા હોય તો ચાલે. તેમ, એકલાં કર્મ કોણ લે ? તોપણ મહારાજ ને મોટા તો જીવને બહુ સુખિયા કરે છે અને સ્વભાવ મુકાવી મૂર્તિના સુખમાં મૂકી દે છે. આ સમયમાં બહુ લાભ છે. માયિકમાંથી માયિક સુખ મળે છે તો દિવ્ય મૂર્તિમાંથી દિવ્ય સુખ મળે તેમાં શું કહેવું ? પણ અંતરાય ન રાખે તો સુખ લેવાય. મહારાજ અને મોટા મુક્ત તો જીવને કેવળ સુખ દેવા જ પધાર્યા છે. બીજું કાંઈ એને કામ નથી, પણ માન રાખે તો મોટા રાજી ન થાય. “મોહનવરને માન સંગાથે વેર” - માન એવું છે કે બધાંય સાધન થોડીક વારમાં બગાડી દે અને આ સભામાંથી ક્યાંય જતું રહેવાય. જ્યાં સુધી ત્રણ ગુણમાં વર્તાય છે ત્યાં સુધી સુખ આવે જ નહીં. માટે સર્વેને દિવ્ય સુખ લેવાનો આગ્રહ રાખવો. મોટા મુક્ત તો તરત એ સુખ પમાડે એવા છે. પછી ઝળળળ ઝળળળ તેજમાં મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય સુખ મનાય જ નહીં. એ સુખ તો અતિ અલૌકિક છે. એ મૂર્તિમાં સુખ, સુખ અને સુખ જ છે, તે સુખનો જે પારખુ થયો હોય તેને ખબર પડે. ।। ૯૮ ।।
વાર્તા ૯૯
સવારે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, શ્રીજીમહારાજને રાજી કરવા માટે એ દિવ્ય મૂર્તિનું ધ્યાન જરૂર કરવું પડશે. ત્યારે હીરાભાઈએ પૂછ્યું જે, બાપા ! ધ્યાન કરવા બેસીએ છીએ તે થોડી વારમાં જાણે કેટલીયે વાર થઈ ગઈ. અંતરમાં આગ્રહ તો હોય પણ કલાકના કલાક બેસી શકાતું નથી, એનું શું કારણ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં જોડાવાનો ખરેખરો આગ્રહ નથી અને આગ્રહ છે તોપણ તે વાચ્યાર્થ છે. જીવને ખપ તો હોય પણ ખપમાં ફેર છે. જુઓને ! હીરો ખોવાણો હોય તો રાત્રિ-દિવસ શોધ્યા કરે અને તે ન જડે ત્યાં સુધી કેવો વ્યાકુળ થઈ જાય ! તેમ આગ્રહ હોય તો ધ્યાનમાં બેસાય. પછી ધ્યાન કરતાં સમુદ્રના જેવા તરંગ ઊપજે છે, તે પણ મટી જાય. માટે ધ્યાન કર્યા સિવાય છૂટકો નથી. એ તો જરૂર કરવું પડશે. તે જો ખરેખરો આગ્રહ રાખીને ધ્યાન કરવા મંડે તો ત્રણે શરીર ટળી જાય ને મહારાજનો સાક્ષાત્કાર તરત થાય; એવો મૂર્તિનો પ્રતાપ છે. આજ મહાપ્રભુનું સુખ બહુ જ સોંઘું છે. મહારાજની મૂર્તિનું અનુભવજ્ઞાન, તેના ફુવારા છૂટે છે, તે જ્ઞાનથી મહારાજ ને મુક્ત મૂર્તિમાં ખેંચી લે છે. તે સુખ અનાદિ, સનાતન, અનંત ને અપાર છે. જેને એક મહારાજને સુખે સુખિયા થવું હોય તેને તો એ સુખ તરત આવે એવું છે. પણ માંહી બીજું રહી જાય છે, જેથી એ સુખ મળતું નથી. રોટલો તથા શેરડીનો કૂચો બેય ભેળું થાય એટલે સુખ ક્યાંથી આવે ? આ સભામાં તો મહારાજ, અનાદિ, સંત-હરિભક્ત સર્વે છે. આ દિવ્ય સભા છે. આ સભાની વાત શું કહેવી ? મહારાજ કહે છે કે, આ સભાનું કર્યું સર્વે થાય છે. આ સર્વે દિવ્ય મૂર્તિઓ છે. આ મુક્ત તો ગૌમુખી ગંગા છે. તે ગૌમુખીમાંથી મહારાજનું સુખ આવે છે; માટે મહિમા સમજીને તેમનો જોગ કરવો. જેમ ગૃહસ્થને દ્રવ્યની ને પુત્રની આલોચના રહે છે, તેમ આપણે મહારાજની આલોચના રહે તો મૂર્તિ સન્મુખ થઈ જવાય; માટે ઘણો જ વિચાર જોઈએ. તેમાં પણ કોઈ પ્રકારનો અહંકાર આવવા દેવો નહીં. મૂર્તિથી જુદા પડવું નહીં. મૂર્તિમાં રહીને સર્વે ક્રિયા કરવી, તે પણ પ્રસન્નતા માટે કરવી. તેથી કચરો ને કંચન સમાન થાય છે; એવી રીતે વર્તે તે જ સાધુ કહ્યા છે. માટે શબ્દને બારોબાર રજા દેવી નહીં. આપણે મોટી વસ્તુ લેવી છે, તેથી શૂરવીર થઈને આજ્ઞારૂપી કોટમાં રહીને અંતરશત્રુને જીતીએ, ત્યારે મહારાજની મૂર્તિ મળે. ત્યાગીને ધર્મામૃત ને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે રહેવું, અને ગૃહસ્થ હરિભક્તને શિક્ષાપત્રી પ્રમાણે રહેવું તો શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આવે પણ તે વિના આવે નહીં. તે વિના સુખની આશા કરે છે તે સર્વે વલખાં છે. આપણે મહારાજનો ને અનાદિ મહામુક્તનો મહિમા તથા જશ ગાતા જઈએ જે, આવા ગોપાળાનંદ સ્વામી, આવા મુક્તાનંદ સ્વામી, આવા બ્રહ્માનંદ સ્વામી, આવા ગુણાતીતાનંદ સ્વામી, આવા નિષ્કુળાનંદ સ્વામી એ આદિક મોટાં મોટાં તપ કરીને નિર્વાસનિક થઈને સુખિયા થઈ ગયા. પણ તેમણે તો જેમ જનુની ઓસડ ખાઈને બાળકને નીરોગી કરે છે; તેવી રીતે પોતે તપ કરીને, ભક્તિ કરીને મુમુક્ષુને બળિયા કર્યા અને મોટામુક્તોને રાજી કરવાની તથા મહારાજને પામવાની રીત દેખાડી. એ મહામુક્તો તો મૂર્તિમાં રસબસ રહેતા ને સદાય એ સુખ ભોગવતા, તોપણ આપણા મોક્ષને અર્થે એમણે સર્વે કરી દેખાડ્યું; એમ જાણવું. ।। ૯૯ ।।
વાર્તા ૧૦૦
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજે સમ ખાઈને કહ્યું છે કે, “આ સભા અક્ષરધામની છે” તે દિવ્ય દૃષ્ટિએ દેખાય છે. આ સભાનો તથા મહારાજનો મહિમા ને સુખ કોઈ અનુમાને કરીને કહે છે, કોઈ પ્રમાણ કરીને કહે છે, કોઈ દેખીને કહે છે; તેમાં જે સાક્ષાત્ દેખીને કહે છે તે ખરું છે. તે સાક્ષાત્ દેખનારા આ સભામાં બેઠા છે, ભેળા મહારાજ પણ સાક્ષાત્ બિરાજે છે. જેમ દ્રવ્ય હોય તેમાં ઘી, સાકર આદિ વસ્તુ રહી છે. તેમ એવા મોટા મુક્ત હોય ત્યાં મહારાજ સાક્ષાત્ બિરાજતા હોય, તે ખોળે તો હાથ આવે. માટે જોગ સારો છે, વખત સારો છે તેથી આ કામ અવશ્ય કરી લેવું. આ જોગ તો અક્ષરને પણ નથી, કેમ કે તે અક્ષર ઐશ્વર્યમાં એટલે જ રહે છે તેથી આગળ ગતિ નથી. તેથી પર એકાંતિક છે, ત્યાં સુધી અવરભાવ છે. તેના ઉપર પરમએકાંતિક છે, તે પરભાવમાં છે. અને જે અનાદિમુક્ત છે તે તો તેથી પણ પરભાવમાં છે. તેની સ્થિતિ કરવાની પૂરી થઈ રહી. એવા અનાદિમુક્ત અનંતકોટિ દિવ્ય સાકારરૂપ થકા મૂર્તિમાં રહ્યા છે, એવું એ મૂર્તિનું અપારપણું છે. માટે મૂર્તિનું બીજ સર્વે વાતમાં વારેવારે લાવવું, પણ વાતોને નોરે મૂર્તિથી બહાર નીકળી જવું નહીં. મૂર્તિથી બહાર નીકળે તો માર ખાય છે. માટે માળા, માનસીપૂજા, કથા-વાર્તા, ધ્યાન એ સર્વેમાં મૂર્તિ મુખ્ય રાખવી. આ મુક્ત આદિ જેવા જણાય છે પણ આદિ નથી; અનાદિમુક્ત છે. એવા મોટાનો જોગ કરી લેવો ને મૂર્તિમાં સદા રસબસ રહેવું, પણ મૂર્તિથી બહાર નીકળવું નહીં. આપણે નિજમંદિર કરવું એટલે મૂર્તિમાં જ રહેવું. તે નિજમંદિર ક્યારે થાય ? તો જ્યારે મોટા અનાદિને વિષે આત્મબુદ્ધિ રાખીને વર્તે તો થાય. તે આત્મબુદ્ધિની વાત જબરી છે. આજ મહારાજ તથા અનાદિમુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ વિચરે છે. જો ખરું હેત હોય તો તેને મહારાજ પોતે હેતે કરીને ખેંચે છે, આ સભામાં મહારાજ અને મુક્ત બેઠા છે. આ સંત દિવ્ય મૂર્તિ છે. આ સભા ધામની છે; આ સંત સાક્ષાત્ મહારાજ ભેળા રહ્યા થકા દેખાય છે, આ સંત બહુ જબરા છે; તે ઓળખવા લોકાલોક જેવડી જબરી ઘાંટી છે. તેથી પ્રત્યક્ષ ભેળા બેઠા હોય, પણ પરોક્ષ જેવો પ્રત્યક્ષનો મહિમા સમજાતો નથી. પછી એમ વાત કરી જે, ચાર પ્રકારનો પ્રલય મહારાજની ઇચ્છા પ્રમાણે થાય છે. તેમાં જ્ઞાનપ્રલય તો પુરુષપ્રયત્ને કરીને થાય; તે જ્ઞાનપ્રલય સદાય રહે છે અને ચૈતન્યની મૂર્તિ થાય એટલે મહારાજના અનુભવજ્ઞાને કરીને અનાદિમુક્ત થાય છે. તેવા અનાદિમુક્તનો ને મહારાજનો દ્રોહ કરે તો તે દિવ્ય ગુણ પામેલો હોય તોપણ નાશ પામી જાય. જેમ મંદિરનો દ્રોહ કરે તે ભેળો મહારાજનો દ્રોહ થાય તેમ. આત્યંતિક મોક્ષ તો મોટાની કૃપાએ જ થાય, કારણ કે પોતે દિવ્ય મૂર્તિ છે. સત્સંગમાં પ્રસાદીનાં ચરણારવિંદમાં પણ કેટલાકને ખેંચાતાણ થાય છે. તેનું કારણ કે એ દિવ્ય વસ્તુ છે, પણ પોતાના ચૈતન્યમાં મૂર્તિ પધરાવે તો લાખો-કરોડો ચરણારવિંદની જોડ્યું થાય છે, તે ખૂટે નહિ; માટે આત્માને વિષે મહારાજ પધરાવીને પરમએકાંતિક થવું, તો તેને પછી મહારાજ તથા અનાદિમુક્ત મૂર્તિના સુખમાં ખેંચી લે છે. સર્વે સંત અક્ષરધામમાં બેઠા છો એટલે વનમાં બેઠા છો, પણ રાજ્યમાં નથી. મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય તમારો ભાગ નથી, એમ જાણવું અને જે મૂર્તિમાં રહેતા હોય તેમનો જોગ કરવો. તેવા મોટા આજ સત્સંગમાં દયા કરીને દર્શન આપે છે. આ સભા તથા આ સંત તે દિવ્ય ચૈતન્ય બ્રહ્મની મૂર્તિઓ છે. તેમની અખંડ સ્મૃતિ રાખવી. સમાધિ કરતાં અખંડ સ્મૃતિ વિશેષ છે, કેમ જે સમાધિવાળાને સમાધિ થાય ત્યારે સુખ, પછી ખાલી; માટે અખંડ સ્મૃતિવાળાને મૂર્તિ ન દેખાય તોપણ અધિક છે. આપણે તો સદાય દિવ્યભાવ રહે એવી મહારાજની પ્રાર્થના કરવી, તો મહારાજ તથા મોટા અનાદિ રાજી થાય છે. જો અનાદિમુક્તની કૃપાસાધ્યમાં પડ્યો રહે તો એ મૂર્તિના સુખમાં લઈ જાય, માટે કૃપાસાધ્યમાં કામ બહુ થાય છે. મોટા અનાદિમુક્ત આ સભામાં પ્રત્યક્ષ બેઠા છે ને પોતે કહે છે, પણ પરોક્ષ નથી; માટે દિવ્યભાવ રાખવો ને ચડતો રંગ રાખવો. મહારાજનો અને મોટાનો મહિમા વાચ્યાર્થ જાણે તો કામ ન થાય, પણ જો લક્ષ્યાર્થ જાણે તો કામ પૂરું થઈ જાય. અત્યારે શરદઋતુ ચાલે છે, તેમાં ફળ થાય છે. જેમ ચાર યુગનાં ફળ થાય છે, તેમ મોટા અનાદિના શબ્દ, હેત-વિશ્વાસથી સાંભળે તો ભાગવતીતનુરૂપ ફળ થાય છે. મોટાની વાતોમાં કેટલાકનાં હાડકાં વીંધાઈ જાય છે. પણ નિશ્ચય નથી તેથી મહિમા જણાતો નથી, શ્રદ્ધા આવતી નથી; માટે તર્ક કરે તો મોક્ષ ન થાય. પણ જો લક્ષ્યાર્થ મહિમા જણાય તો તેને ભાગવતીતનુ બંધાઈને કિશોર અવસ્થા આવે છે અને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમરૂપ થાય છે. તેમાં સ્વામી-સેવકપણું દૃઢ રહે છે ને પુરુષોત્તમના જેવો આકાર થાય છે. અને અક્ષરાદિક સર્વેને વિષે તો શ્રીજીમહારાજનું તેજ અન્વયપણે રહ્યું છે. મુક્ત તો નકરું મૂર્તિનું સુખ ભોગવે છે; માટે આપણે ખૂબ જમી લેવું. એમ વાત કરી રહ્યા પછી પોતે બીજે દિવસ કચ્છમાં જવાની ઇચ્છા બતાવી ને હરિભક્તોને કહ્યું જે, અમારે આ વખતે આઠ દિવસ રહેવાનું હતું, પણ પંદર દિવસ થવા આવ્યા, હવે કાલે અમારે જવું છે. તે વખતે લાલુભાઈ, મહાદેવભાઈ, દેવજીભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિભાઈ, માસ્તર પ્રભાશંકરભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, લાલજીભાઈ આદિક હરિભક્તોએ વિનંતી કરી જે, બાપા ! હજી આઠ દિવસ રોકાઓ તો સારું. કેમ કે ઘણા હરિભક્તો દર્શન, સેવા, સમાગમના પ્યાસી રહી ગયા છે. તમે દયા કરીને પધાર્યા છો તો દયા કરી આઠ દિવસ વધુ રહો તો રાજી થઈએ. ત્યારે બાપાશ્રી કહે, આઠ દિવસ વધુ રહીએ કે અખંડ રહીએ, બેમાં કયું સારું ? સ્વામી સામું જોઈને કહે, બોલો, સંતો ! તમને કેમ લાગે છે ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, બાપા ! આપ જેમ રાજી થાઓ તેમ કરો. આઠ દિવસ વધુ રોકાશો તોપણ અખંડ રહ્યા વિના ક્યાં ચાલે તેમ છે ? જ્યાં મહારાજ ત્યાં આપ છો તે મહારાજ કયે ઠેકાણે ન હોય ? મહારાજ તો સર્વત્ર છે, તેમ આપનું પણ એવું છે. માટે જેમ ઠીક લાગે તેમ કરો. તે વખતે બાપાશ્રીની મરજી કચ્છમાં પધારવાની જાણી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ કોઈ સંતોએ વધુ આગ્રહ કર્યો નહીં. હરિભક્તોને કહ્યું કે, તમો કરાંચીવાળા હરિભક્તોએ ઘણા લ્હાવ લીધા. બાપાશ્રીએ પણ તમને સર્વેને પોતાના જાણી ન્યાલ કરી મૂક્યા છે. હવે તો જેમ મૂર્તિમાં રાખ્યા છે તેમ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવજો. મૂર્તિ ભેળા અનંત અનાદિમુક્ત રસબસભાવે એ સુખ લીધા જ કરે છે. વર્તમાનકાળે બાપાશ્રી એ દિવ્ય સુખ પમાડવા દૃષ્ટિગોચર વર્તે છે. ગામોગામ ફરી જે જે શરણે આવે છે તેને મહારાજની મૂર્તિના સુખભોક્તા કરવાનો જ એમનો ઠરાવ છે. માટે તમો જેમ બાપાશ્રી રાજી થાય એમ રાજી રહો. જુઓને ! બાપાશ્રીની આ શહેરના હરિભક્તો ઉપર કેટલી દયા છે ! તેથી દિવ્ય રૂપે મહારાજની મૂર્તિમાં તો બાપાશ્રી અખંડ રહ્યા છે, પણ આ તો સૌને દેખાય કે બાપાશ્રી પધાર્યા ને આઠ દિવસ રહ્યા કે દસ-પંદર દિવસ રહ્યા; આમ લ્હાવ લીધા, આવા આશીર્વાદ મળ્યા. એવી રીતે આ શહેરમાં બાપાશ્રીએ ચાર વખત પધારી દર્શન આપ્યાં; તેમાં પ્રથમ ૧૯૬૭ની સાલમાં, પછી વળી ૧૯૭૨માં, ત્રીજી વખત ૧૯૭૯માં અને આ વખતે ૧૯૮૩માં; એમ ચાર વખત બાપાશ્રીએ પ્રત્યક્ષ નાના-મોટા સ્થિતિવાળા, સ્થિતિ વિનાના, એકાંતિક, પરમએકાંતિક, મુમુક્ષુ કે સાધારણ અલ્પ જીવો આદિકને દર્શન આપ્યાં. તેમાં કેટલાંય પ્રસિદ્ધ કાર્યો કર્યાં. કેટલીક પારાયણો થઈ, ગાડીખાતાના મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. શ્રીજીમહારાજ દિવ્ય રૂપે મૂર્તિઓની પ્રતિષ્ઠા વખતે પધારેલા, જેનું સ્મૃતિરૂપ સ્થાન (છત્રી) કરાવી ચરણારવિંદ પધરાવેલાં, ત્યાં મહારાજની મૂર્તિ પધરાવી. ઘેર ઘેર બ્રહ્મયજ્ઞ થયા. મોહનભાઈને ઘેર પણ મૂર્તિ પધરાવી, પારાયણ થઈ તથા સુખશય્યામાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી તે ઉપરાંત, મલીરબાગ પ્રસાદીમય થયો. હજારો હરિભક્ત તથા મુમુક્ષુએ સહિત હવાબંદરનો સમુદ્રકિનારો સ્મૃતિરૂપ કર્યો. વળી કેટલાય જીવોને આત્યંતિક મોક્ષરૂપ અભયદાન આપ્યાં. આવી રીતે બાપાશ્રીએ કરાંચીના હરિભક્તોને ઘણાં સુખ આપ્યાં છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ઈશ્વરચરણદાસજીએ અમારું અહીં આવ્યાનું યાદ ઠીક રાખ્યું છે; તોય બે વખતનું તો ભૂલી ગયા. ત્યારે સ્વામીશ્રી કહે, બાપા ! આપ કયે વખતે પધારેલા તે રહી ગયું ? ત્યારે પોતે કૃપા કરીને બોલ્યા જે, અમે નાના હતા ત્યારે અમારા પિતાશ્રીની સાથે આવેલા તથા જ્યારે વીસ વર્ષના હતા ત્યારે પણ આવેલા. તે વખતે આ કરાંચી બીજી ભાતની હતી, હવે તો મોટું શહેર બની ગયું છે. અમે આવેલ તે દિવસ તો આવું કાંઈ નહોતું, એમ કહી પોતાની બે વખત વધારે આવ્યાની સ્મૃતિ કરાવી આપી, તેથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ પ્રથમ સાંભળેલ જે, બાપાશ્રી નાના હતા ત્યારે કરાંચી આવેલ, તે સ્મૃતિ યથાર્થ થઈ. પછી હીરાભાઈ, ઉકાભાઈ તથા સાંવલદાસભાઈએ બાપાશ્રી તથા સદ્ગુરુ આદિ સંતમંડળ અને હરિભક્તોને મલીરના પોતાના બગીચામાં તેડી જવાનું આગલે દિવસે નક્કી કરેલ, તેથી સમય થયો એટલે સૌને તૈયાર થવાનું કહીને વાર્તાની સમાપ્તિ કરી. બાપાશ્રી તથા સંતોએ ઠાકોરજીને થાળ જમાડ્યા. હરિભક્તો પણ સાથે ચાલવા હાજર થયા, ત્યાં મોટરો આવી. તેમાં બેસીને સંત-હરિભક્તો કીર્તન બોલતા મલીરના બગીચે જવા નીકળ્યા. વચમાં નદી આવે છે, તે ઠેકાણે ઉકાભાઈ તથા બગીચામાં રહેનારા માણસો સામા આવ્યા. રેતીને લીધે મોટર ન ચાલતી હોવાથી સંત-હરિભક્તો ચાલ્યા ને બગીચામાંથી એક ગાડું આવેલ, તેમાં બેસી બાપાશ્રી બગીચામાં આવ્યા. પછી પાથરેલ આસન પર બેસી વૃક્ષની ઘટા સામું જોઈને કહ્યું કે, સ્વામી ! આ વૃક્ષ બધાં આ દિવ્ય સભાનાં દર્શન કરે છે, તેથી સર્વે દિવ્યભાવને પામી ગયા. આ સભાની રજ લઈને કોઈ માથે ચડાવે તો તેના અનંત જન્મનાં પાપ બળી જાય. આ સ્થાન સર્વે નિર્ગુણ થઈ ગયાં. મહારાજ કહે છે કે, “તમે જે વૃક્ષ તળે બેઠા હોય તથા જે નદી-તળાવને વિષે પગ બોળો, તે સર્વે તીર્થરૂપ થાય છે, એમ તમ જેવા ધર્મ-નિયમવાળા સંત તેની તો વાત જ નોખી છે. એવી આ સંત સભા છે. આ તો મૂર્તિના સુખમાં ઝીલનારા સંત; તેમનાં દર્શન ક્યાંથી ! આવાં દર્શને આત્યંતિક મોક્ષ થઈ જાય; એમ કહી ઉકાભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિલાલ, કુંદન આદિક સર્વેની પ્રશંસા કરીને કહ્યું જે, આ સર્વેનાં હેત બહુ છે તેથી હાથ જોડીને સદાય રાજી કરવા તત્પર રહે છે. એમની સેવા પણ એવી, ભોળા ને વિશ્વાસી બહુ. આવા સ્વભાવથી મહારાજ તરત રાજી થઈ જાય. સત્સંગમાં દાસપણું રાખવું, એ જેવી કોઈ વાત નથી. પછી હીરાભાઈની પ્રાર્થનાથી હોજમાં સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી નાહ્યા. સંતો કીર્તન બોલતાં હતાં અને હરિભક્તો પણ પ્રસાદી જળ માથે ચડાવી નહાતા હતા. તે વખતે બાપાશ્રી કીર્તનની ટૂંક બોલ્યા જે, “ઝીણી ઝીણી બુંદ પડે છે મેઘની” એમ બોલતાં સૌને મળ્યા ને કહ્યું જે, મહારાજની મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે. અનંત મુક્ત એ સુખમાં કિલ્લોલ કરે છે. આ સર્વે દિવ્યભાવમાં જોવું. આપણે તો મૂર્તિ વિના કાંઈ છે જ નહીં. પછી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, સૌને મૂર્તિના સુખમાં ઝિલાવજો. અમે તો એ જ કામ કરીએ છીએ. સત્સંગમાં કેટલાય જૂના કહેવાતા હોય પણ આવી વાતની ખબર નહીં. એવાને જ્યારે આવી વાતો સમજાય છે ત્યારે અહો અહો થઈ જાય છે. આવાં તીર્થ સ્મૃતિએ સહિત બહુ મોટું કામ કરે છે. આવી દિવ્ય સભાની સ્મૃતિથી આત્યંતિક મોક્ષ થાય છે. એમ કહી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. પછી વસ્ત્ર બદલી ઓસરી પર આસને આવીને બેઠા. ત્યારે ઉકાભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિલાલ, કુંદન તથા હીરાભાઈના નાના દીકરા આદિ સહકુટુંબે મળી મહારાજની મૂર્તિને અને બાપાશ્રીને તથા સંતોને હાર પહેરાવ્યા. બાપાશ્રીએ પણ તે સર્વેને પ્રસાદીના હાર આપ્યા ને આશીર્વાદનાં વચન કહ્યાં જે, આમ ને આમ સદાય ચડતો રંગ રાખજો ને મૂર્તિનાં સુખ ભોગવજો. પછી કહ્યું જે, હીરાભાઈ ! તમારો હોજ ભારે પ્રસાદીનો થયો. આવા સંત-હરિભક્તો નાહ્યા; આ તો મોટું તીર્થ થયું. મહારાજ ને સંત તે તો કેવળ કલ્યાણકારી છે. એમના સંબંધને જે પામે તેનાં બહુ મોટાં ભાગ્ય, ક્યાં જીવ ને ક્યાં ભગવાન ને ક્યાં આવા સંત ! અમને આ સંત અહીં લાવ્યા. આ તો અનેકને મહારાજના સુખમાં સંકલ્પમાત્રે પહોંચાડી દે; એવા જબરા છે. પછી હરિભક્તોએ ઉત્સવ કરી કીર્તન ગાયાં તે સર્વેને પ્રસાદી આપીને લાલુભાઈની પ્રશંસા કરી કહ્યું જે, આવા દેશમાં કેવા મુક્ત મહારાજે રાખ્યા છે. આ તો જંગમ તીર્થ કહેવાય. એમ કહી તેમને મસ્તકે હાથ મૂક્યા. પછી હીરાભાઈની પ્રાર્થનાથી તેમનો બીજો બગીચો, નદીને સામે કાંઠે હતો ત્યાં સંત-હરિભક્તોએ સહિત જવા તૈયારી કરી, પણ નદીમાં રેતી હોવાથી બાપાશ્રી ચાલી નહિ શકે એમ ધારી, ઉકાભાઈ તથા સાંવલદાસભાઈ ઘોડી લાવ્યા. બાપાશ્રીને તે પર બેસારીને કીર્તન બોલતાં સૌ એ બગીચે ગયા. ત્યાં કૂવાનું જળપાન કરી વૃક્ષો પર દૃષ્ટિ કરતાં, માર્ગમાં ચાલતાં સૌને દર્શન દઈ, બાપાશ્રી રેલવે સ્ટેશન પર આવ્યા. ગાડીને આવવાની વાર હતી અને સંધ્યા આરતીનો સમય થવાથી ત્યાં સંત-હરિભક્તોએ આરતી-ધૂન કરી. સ્ટેશન માસ્તરે આ દિવ્ય સમૂહ જોઈ, ખુરશીઓ મંગાવીને પ્રાર્થના કરી તેથી બાપાશ્રી તથા સંત-હરિભક્તો સહુ બેઠા. ।। ૧૦૦ ।।
વાર્તા ૧૦૧
બાપાશ્રીએ તે વખતે કૃપા કરીને વાત કરી જે સ્થાવર ને જંગમ બે પ્રકારનાં તીર્થ છે. તેમાં સ્થાવર તીર્થ વિષયી તથા પામરને માટે છે, તે સ્મૃતિ કરાવી દે. અને સંત તથા અનાદિમુક્ત છે તે તો જંગમ તીર્થ છે. તે માયા પર કરી મૂકે. એવા મહારાજ ને મુક્ત તે આપણા આધાર છે. શું તેજ ! શું લાવણ્યતા ! શું ઐશ્વર્ય ! ઝળળ ઝળળ મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે, એ મૂર્તિમાં મુક્ત સદાય રસબસ રહ્યા છે; એમ દૃઢ નિશ્ચય કરે તો જ મૂર્તિ હાથમાં આવે. બીજે હણોહણ કરે, પણ મૂર્તિ કોઈ પધરાવે નહીં. માટે ચોખ્ખો થઈને મંદિર તૈયાર કરે તો મોટા તરત મૂર્તિ પધરાવી આપે, પણ વાર ન લાગે. જીવ કાર્યમાં ખેંચાય પણ કારણ મૂર્તિનો એવો આનંદ ને મહિમા નહીં. પણ ખરું સુખ તો મહારાજ અને અનાદિમુક્તના જોગમાં છે. તે અનાદિમુક્ત અનંતકોટિ કલ્પ સુધી મૂર્તિના સુખમાં ઝીલે છે, તેમ આપણે પણ સદાય મૂર્તિમાં ઝીલવું; મૂર્તિ બહાર નીકળવું નહીં. અત્યારે મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિક મહામુક્તો પ્રત્યક્ષ બેઠા છે એમ જાણવું. આવા સંતને દિવ્ય જાણવા. આ સંત સર્વે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે એમ જાણે તો હેત બહુ થાય. જેમ ઝાડને કલમ કરે છે, તેમ રસબસ થઈને મૂર્તિમાં જોડાઈ રહેવું. આ સંત અમદાવાદના છે, ભૂજના છે એવો ભાવ ટાળવો; આ તો સર્વે શ્રીજીમહારાજના સંકલ્પ છે; એવો ભાવ લાવવો. સંતનું મધ્ય તે શું ? તો આ સભામાં બિરાજે છે, તે સંતનું મધ્ય છે. ત્યાં જન્મ માગવો ને મૂર્તિ વિના બીજી ઇચ્છા રહે તો નવ મહિનાની કેદ મળે, તે કેદમાં વાર ન લાગે. પણ જો બ્રહ્મ તથા અક્ષર આદિના ઐશ્વર્યમાં રાગ હોય તો કોટિ કલ્પે છૂટકો ન થાય. માટે ચૈતન્યભૂમિમાં જન્મ લેવો. તે ચૈતન્યભૂમિ એટલે અક્ષરધામ (મહારાજની મૂર્તિનો પ્રકાશ) એ અક્ષરથી પર છે. “ગોલોક મધ્યે અક્ષરધામ, તે મધ્યે સાકાર મૂર્તિ સહજાનંદ શ્યામ.” તે ગોલોક મહારાજના તેજની કિરણો, તે મધ્યે મહારાજનો ઘાટો પ્રકાશ છે. તે મધ્યે મૂર્તિ છે, એ મૂર્તિના સુખમાં રહેવું, તો માયા છેટી થઈ જાય તે ગોતી જડે નહીં. શ્રીજીમહારાજને અંતર્યામી જાણવા ને નાની-મોટી સર્વે આજ્ઞામાં દૃઢપણે વર્તવું અને ઉપાસનામાં તો વાંધો ન જ આવવા દેવો. અજાણમાં કોઈ આજ્ઞામાં ફેર પડ્યો હોય તો તપ કરાવીને અથવા જન્મ ધરાવીને વાંધો ભાંગે; પણ જો ઉપાસનામાં કાચું હોય તો વાંધો ભાગે નહિ, માટે પતિને પડ્યા મેલવા નહિ, એમ વાત કરતાં ગાડી આવી તેથી સર્વે સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ।। ૧૦૧ ।।
વાર્તા ૧૦૨
રાત્રે મેડા પર આસને બાપાશ્રીએ લાલુભાઈને કહ્યું જે, તમે તો જંગલમાં મંગલ કરી દીધું છે. આજ અમને ને સંતોને બહુ ફેરવ્યા. બગીચા ને વન સર્વે તીર્થ થઈ ગયાં. આ સંત-હરિભક્ત સર્વે અક્ષરધામના છે. મનુષ્ય જેવા દેખાય છે, પણ બહુ જબરા છે. ત્યારે તે કહે, બાપા ! આપની દયા છે તેથી બધાય મૂર્તિનાં સુખ ભોગવે છે. આપે અમને ન્યાલ કર્યા છે. પછી બાપાશ્રી કહે, આ બધો શ્રીજીમહારાજનો પ્રતાપ છે. મહારાજ કહે છે કે, અમારે કોઈ જીવને મૂકવા નથી. સૌને સુખિયા કરવા છે. આજ તો મહારાજની દયાથી ભારે કામ થાય છે. પછી લાલુભાઈએ કહ્યું જે, બાપા ! આજે આપને થાક લાગ્યો હશે તેથી આરામ કરો. ત્યારે બાપાશ્રી કહે, સૌ હરિભક્તોને તાણ ઘણી છે જે પાંચ દિવસ હજી વધુ રોકાય તો ઠીક, પણ અમારે હવે જવાનું છે તેથી સૂઈ રહીએ તો તમને તાણ રહી જાય. અમે તો હરિભક્તોનાં આવાં હેત જોઈએ છીએ એટલે કાંઈનું કાંઈ થઈ જાય છે. એમ કહીને બંને સદ્ગુરુ પ્રત્યે બોલ્યા જે, સુખિયો કોણ ? તો, જે મહારાજની મૂર્તિ રાખે, સાધુતા ખરી રાખે ને સત્સંગમાં દાસભાવે વર્તે તે. એ વિના ગાદી-તકિયાવાળા અધિકારી, મહંત ને કોઠારી આદિકનાં કોઈ નામ જાણતું નથી. અને માન, મોટપ, યશ, કીર્તિનો ત્યાગ કરી સત્સંગમાં દાસત્વપણે વર્તે છે તેને સહુ વખાણે છે. તેનું તો બહુ જ કામ થઈ જાય છે. તેને દેહ મૂક્યા કેડે પણ આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી વાંસે સર્વે સંતના આશીર્વાદ જાય છે, જે કેવા સાધુ હતા ! કેવા હરિભક્ત હતા ! જેમ દાદાખાચરના ને પર્વતભાઈનાં વખાણ થાય છે તેમ. એવા મોટા સત્સંગમાં છે તેમનો વાયરો અડે તો ટાઢું થઈ જાય. માયિક વાયરે પણ ટાઢું થાય છે તો દિવ્યથી કેમ ટાઢું ન થાય ? જરૂર થાય જ. એવા અનાદિમુક્ત મૂર્તિનું સુખ લઈ સત્સંગમાં પ્રવર્તાવે છે અને સુખનો વરસાદ વરસાવે છે, તેણે કરીને ચાર ખાણના જીવ સુખિયા થાય છે. એવા મોટાને ખોળે તો તરત હાથ આવે. આપણે તો મૂર્તિના સુખનાં પારણાં કરવાં, તે અચળ ને સનાતન છે. મૂર્તિના સુખ વિના બીજું જમવું તે ચળ છે, તે ટકે નહિ; માટે એ દિવ્ય સુખનો આહાર કરવો, તે કોઈ કાળે નાશ ન થાય. જો મૂર્તિ વિના બીજો માયાનો આહાર થાય તો અભડાવે છે, કેમ જે માયા વટલાવે એવી છે. તેના કાર્યમાં જીવ હણોહણ કરે છે. માટે આપણે તો સર્વેના કારણ ને સર્વેને વશ કરનારા, સર્વોપરી, સર્વ સુખનાં ધામ શ્રીજીમહારાજ છે. એ મૂર્તિના સુખનો જ આહાર કરવો. જે જે કરવું તે એકાંતમાં બેસી એકવૃત્તિએ કરી મૂર્તિમાં જોડાવાય તેવું કરવું, તો તે મૂર્તિ સાક્ષાત્ દેખાય છે. માયા ઝેરરૂપ છે તેને જીવ ઇચ્છે છે પણ અમૃતને કોઈ ન ઇચ્છે. આપણે તો પ્રકૃતિરૂપ માયાને ગણવી જ નહીં. પ્રકૃતિનું જ્ઞાન ખોટું છે. સાચું જ્ઞાન અનુભવ અને સત્ય સનાતન છે. માટે માયા ભેદીને, એકાંતિક તથા પરમએકાંતિક ભેદીને તેથી પર અનાદિમુક્ત તે ભેળા ભળી જવું. એવા અનાદિમુક્ત અને મહારાજ સદા અનાદિ છે જ, પણ જે અવરભાવવાળા છે તેની દૃષ્ટિ અવરભાવવાળી છે તેથી તેને મહારાજ અને મોટા અનાદિ, આદિ જેવા દેખાય છે; પણ તે આદિ નથી, સદા અનાદિ ને સનાતન છે. એવો મહિમા કાલ સાધુ થયા હોય તેનો પણ જાણવો, જે આ સાધુ બહુ જ મોટા છે; એમ સર્વેને દિવ્ય જાણવા. અને જ્યારે સંગ કરવો ત્યારે તો મોટાનો જ કરવો. મહારાજે અવરભાવમાં કહ્યું જે, મોટા મોટા આગળ બેસો, પણ પરભાવમાં સરખા કહ્યા છે; માટે આપણે સર્વેને દિવ્યભાવે બ્રહ્મની મૂર્તિઓ છે એમ જાણવું. મોટા અનાદિમુક્ત છે તે તો અનંતકોટિ કલ્પ સુધી મૂર્તિનું સુખ ભોગવે છે, તોપણ પાર પામતા નથી. તે મૂર્તિમાંથી તરેહ તરેહનાં નવાં નવાં સુખ આવે છે. જેમ પૃથ્વી માયિક છે તો પણ તેમાંથી જુદા જુદા રસ ઘણાંક થાય છે. તો આ તો દિવ્ય મૂર્તિ છે, તેમાંથી નવીન નવીન સુખ આવે તેમાં શું આશ્ચર્ય હોય ! તે સુખની આપણે ત્વરા કરવી ને મૂર્તિમાં વળગવું, પણ મૂર્તિ વિના બીજે હેત કરી બંધાવું નહીં. હેત કરવા જેવા તો એક ભગવાન ને મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે. માટે એવા મોટા મુક્તને વિષે કોઈ દિવસ મનુષ્યભાવ આવવા દેવો નહીં. સદાય દિવ્યભાવ રાખવો. અને મહારાજ પાસે એમ પ્રાર્થના કરવી કે, કોઈ દિવસ નાસ્તિક તથા કુસંગીનો સંગ ન થાય. તે કુસંગ તે શું ? તો મોટા ભગવદીનો દોષ આપણા જીવમાં ઘાલી દે એ મોટો કુસંગ કહેવાય. આપણે સાજો સત્સંગ દિવ્ય જાણવો, પણ સમાગમ તો મહારાજનો મહિમા તથા સુખ મળે તેવાનો કરવો. ને આજ્ઞા પાળવાનો ખટકો ઘણો રાખવો. તેનો લોપ ક્યારેય કરવો નહીં. ગંગાજીનું જળ ગૌમુખીમાંથી આવે છે, તેમ ગંગાજીને ઠેકાણે મૂર્તિ છે, જળને ઠેકાણે મૂર્તિનું સુખ છે અને ગૌમુખીને ઠેકાણે મુક્ત છે. તે મુક્તરૂપ મહારાજનું મુખ, તે દ્વારે મૂર્તિનું સુખ આવે છે. માટે મૂર્તિથી જુદા ન પડે તે મોટા જાણવા ને કોઈનો મન, કર્મ, વચને કરીને દ્રોહ ન થાય તેવો ખટકો રાખવો. કેમ જે, આ બધો સત્સંગ આપણું ગોત્ર છે, તેથી કોઈનો ભૂંડો સંકલ્પ પણ ન કરવો. જે સ્વામિનારાયણ નામ લેતા હોય તેવાના દોષનો સંકલ્પ થાય તો આપણું ઠીકરું ફૂટી જાય ને વજ્રલેપ થાય. કારણ કે જેના જીવમાં સ્વામિનારાયણ હોય તેના મુખથી જ તે શબ્દ નીકળે, માટે તેવાના દ્રોહથી પણ આપણે બીતા રહેવું. ।। ૧૦૨ ।।
વાર્તા ૧૦૩
બાપાશ્રી બોલ્યા જે, “મારી મૂર્તિ રે, મારા લોક, ભોગ ને મુક્ત; સર્વે દિવ્ય છે” એમ મહારાજે કહ્યું છે. તેથી આપણે પણ એ દિવ્ય સાથે ભળી જવું, નોખા ન રહેવું. સત્સંગરૂપ સમુદ્રમાં રહ્યા થકા કોરા ન રહેવું. અતિ હેતે મોટા અનાદિ સાથે જોડાવાથી અત્યંત સુખિયા થવાય છે. હેત કેને કહેવાય ? તો રોઈ જવાય, ગદ્ગદ થઈ જવાય; પણ જો પથ્થર જેવું હૃદય હોય તો જેમ પથ્થર પાણીમાં હોય તોય કોરો રહે છે તેમ તેવા જીવને મોટાનો સંગ અડે નહીં. માટે ગરજુ થઈને મોટા મુક્તનો મન, કર્મ, વચને જોગ કરવો. એવો જોગ કરવાથી ચાલોચાલમાંથી એકાંતિક થઈ પરમએકાંતિક થાય, પછી અનાદિ થાય. તે પણ જો ખરેખરો વિશ્વાસ હોય અને હેત હોય તો થાય. નહિ તો જેમ રોટલી કરતાં ઘી ચોપડે છે તેથી પડ નોખાં થઈ જાય છે તેમ થાય. સર્વે સંત બ્રહ્મની મૂર્તિઓ છે. આ સભા અક્ષરધામની છે અને અનાદિમુક્ત છે તે તો મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરે છે, અમૃતમાં નહાય છે, અમૃતના યજ્ઞ કરે છે; તે સુખ આપણે પામવું છે. તે સારુ ભેગા થયા છીએ. પછી દેહ પડી જાય તો આ જોગ બહુ દુર્લભ થઈ પડે. માટે એવા મુક્તનો જોગ કરવો અને મૂર્તિમાંથી અનુભવજ્ઞાન નીકળે છે, તેનો જ્યારે ખરો લક્ષ્યાર્થ થાય તો મહારાજના ભાવને તથા સુખને પામે. ત્યારે તેને મહારાજ ને મોટા જળસ્નેહી મીનની જેમ જીવનરૂપ થઈ જાય. જેને એ રીતે મોટા જીવનરૂપ થયા હોય તેને મૂર્તિનો વિયોગ થાય તો દેહ પડે તેવું કષ્ટ થાય. મૂર્તિ વિના બીજો સંકલ્પ જ ન થાય એવા નિષ્કામ ભક્ત ખરા છે. જો મોટાને મન સોંપે તો ખરો પાત્ર થાય એટલે દેહ છતે આત્યંતિક મોક્ષ થઈ જાય. જો કોઈ પોતાનું સર્વસ્વ મહારાજને અર્પણ કરે તો તેને મહારાજ પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. પછી મૂર્તિ વિના બીજો ઘાટ ન થાય. કલ્પતરુ સંકલ્પ સત્ય કરે છે, તો મહારાજ અને મુક્ત સંકલ્પ સત્ય કરે તેમાં શું નવાઈ ! ખરો થઈને મંડે તો કાંઈ વાંધો રહે નહિ; પૂરું થઈ જાય. પણ જીવને પરભાવની વાત ભાવતી નથી ને કાર્યમાં ભડાભૂટ કરે છે; તેથી ઐશ્વર્ય, ચમત્કાર, દિગ્વિજય આદિકથી ખુશી રહે. પણ મહારાજ મળ્યા, મોટા મુક્ત મળ્યા, એનો કેફ ને આનંદ નહિ તે ઠીક નહિ, માટે મૂર્તિનું સુખ પામવા સજાતિ થવું તો મૂર્તિનું સુખ આવે. શ્રીજીમહારાજે કહ્યું છે કે, અમે તો દિવ્ય તેજોમય છીએ. એવું મુક્તનું સમજવું. આ દેખાવામાત્ર મનુષ્યભાવ છે. પણ શ્રીજીમહારાજ તથા મુક્ત તો સદાય દિવ્યભાવમાં રહે છે. આપણે એવા અનાદિનો જોગ કરી માયાનું કાર્ય ખોટું કરીને હીરાના વેપારી થવું, ને મૂર્તિ પામવાનો ઠરાવ રાખવો. જ્ઞાનપ્રલય થઈ જાય તો બીજું કાંઈ રહે નહિ, એક મહારાજ ને તેમના મુક્ત રહે એટલે સુખિયો. આવો મહારાજ ને અનાદિમુક્તનો જોગ છે તોપણ જીવ ગરજુ ન થાય. એ મોહરૂપ અંધે ઘોડે ચડ્યો છે, માટે ક્યાંથી સુખ આવે ? તોપણ મોટાને સંભારીને બીજા સંકલ્પ ન કરે તો મોહરૂપ અંધો ઘોડો ટળી જાય. જીવને માયિક વસ્તુની કિંમત છે ને શ્રીજીમહારાજ તથા અનાદિ તેની કિંમત નથી તે નાસ્તિકભાવ કહેવાય. મહારાજે તો કાંઈ બાકી રાખ્યું નથી. બધુંય વચનામૃતમાં છે. તે ચોપડો લઈને બેસે તો મહાપ્રભુજીની મૂર્તિ વચનામૃતમાંથી હાથ આવે છે. એકેય શબ્દ મૂર્તિ વિના ખાલી નથી. બધાય શબ્દ એમાં છે. બીજાં શાસ્ત્ર તો વૈરાજ સુધી કે પ્રકૃતિપુરુષ સુધી પહોંચે; તે શાસ્ત્ર મહારાજ સુધી ન પહોંચે. બીજાં શાસ્ત્ર અવરભાવનાં છે ને મહારાજનાં વચનામૃત તો પરભાવનાં છે. ।। ૧૦૩ ।।
વાર્તા ૧૦૪
બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડવૃત્તિ રાખવાથી બહુ મોટું કામ થાય છે અને મહારાજના આકારે થઈ જાય છે તેને ભાગવતીતનુ કહે છે. એટલે મહારાજ પોતાની મૂર્તિમાં રાખે છે અને અપરિમ્ અપરિમ્ સુખ આપે છે. એ મુક્તને મૂર્તિમાં આવરણ નથી. સાકાર થતાં મૂર્તિમાં રહ્યા છે. તે મુક્ત, મુક્તમાં સોંસરા ચાલ્યા જાય છે. જેમ સંતદાસજી ભીંત સોંસરા ચાલતા, તેમ મુક્ત મુક્તને એકબીજાનું આવરણ નથી. આવા મહારાજ અને અનાદિમુક્ત મળ્યા, એવા જોગમાં હારી જવું નહીં. તે હારી જવું એ શું ? તો આવા સંતમાં મનુષ્યભાવ રહે ને મૂર્તિઓમાં મનુષ્યભાવ રહે, તથા ચિત્રભાવ, ધાતુભાવ રહે કે દોષ પરઠાય તો હારી જવાય, માટે પાત્ર થવું. તે પાત્ર ક્યારે થવાય ? તો કામ, ક્રોધ, માન, ઈર્ષ્યા, કપટ એ સર્વેનો ત્યાગ કરી મોટા અનાદિમુક્તને વિષે આત્મબુદ્ધિ કરે. જેમ મોટી નદીમાં પાણીનો લોટો નાખે તે સમુદ્રમાં પહોંચે છે, તેમ મોટાને વિષે હેત હોય ને તેમને જીવ સોંપે તો મોટા પાત્ર કરીને ધક્કો મારીને ધામમાં લઈ જાય; એમ જાણી હિંમત રાખી મંડવું જોઈએ. આપણે શ્રીજીમહારાજ તથા દિવ્ય સભા, એ ભેળું રહેવું; પણ જુદા રહેવું નહીં. અનુભવજ્ઞાન થાય તો બધુંય દેખાય છે, કેમ કે મહારાજ તથા મોટાને પોતાનાં સુખમાં જીવને લઈ જવા છે, ને પોતાના જેવા કરવા છે. માટે પુરુષપ્રયત્ને કરીને જડ-ચૈતન્ય માયાનો ત્યાગ કરવો. હમણાં એ માયાએ તો ડોકું કાઢ્યું છે, તેથી આજ્ઞામાં ખબડદાર રહેવું. અને વૈરાગ્ય, આત્મનિષ્ઠા, શ્રદ્ધા, અહિંસાધર્મ અને બ્રહ્મચર્ય એ પાંચ સાધને યુક્ત થાય ત્યારે મહારાજની કૃપા થાય, ત્યારે તે ભગવાનના તુલ્યપણાને પામે ને શુભ-અશુભ કર્મથી બંધાય નહીં. એમ સ્વતંત્ર થાય છે. ને મૂર્તિમાં લીન એટલે મહારાજનાં અંગોઅંગમાં રસબસ રહે છે. એવા મુક્તની સામર્થી મહારાજે રોકી રાખી છે તેથી જાણતા થકા અજાણતા રહે છે, પણ એ સર્વત્ર જાણે છે. તમને તમારી સામર્થીની ખબર નથી. આ સભા સર્વે ચૈતન્યની મૂર્તિઓ છે. તે મુક્ત ને મહારાજ જ્યાં હોય ત્યાં માયા રહે જ નહિ, મરી જાય; ગોતી હાથ ન આવે. મોટા મુક્તના સંબંધને જે જે પામે છે તે નિર્ગુણ થાય છે. તેવા નિર્ગુણના ગુણ મહારાજ પણ ગાય છે. “નિર્ગુણના ગુણ ગાય ધર્મસૂત લાડીલો” માટે આપણે આપણું કરવું. મહારાજ અને આવી દિવ્ય સભાથી બહાર નીકળવું નહીં. પોતાના ઘરમાં રહેવું, એટલે મૂર્તિમાં જ રહેવું. પછી એમ બોલ્યા જે, આ વખતે કરાંચીમાં આઠ દિવસ રહેવા ધારેલ, પણ હરિભક્તોના હેતને લીધે પંદર દિવસ થઈ ગયા. નાના-મોટા સૌ હરિભક્તોએ લાભ લીધો. સર્વેને સરખી ને સરખી તાણ છે. સત્સંગમાં ચડતો રંગ છે તે શ્રીજીમહારાજનો પ્રતાપ છે. અહીંના સર્વે હરિભક્તોની તાણ એવી છે જે હજી ચાર મહિના રહીએ તોપણ તૃપ્ત ન થાય. પણ સ્વામી ! અમારે દેશમાં જવું ખપે. એમ કહીને બંને સદ્ગુરુઓ તથા પુરાણી આદિ સંતોને કહ્યું જે, તમો હવે સૂઈ જાઓ. પછી પોતાની સાથે આવેલા હરિભક્તો તથા પોતાના પૌત્રાદિકને કહ્યું જે, તમારા સામાન બાંધી રાખજો. આ હરિભક્તોનાં હેત ઝાલ્યાં રહે તેવાં નથી. તમને તો કાલે માર્ગ નહિ જડે, આગબોટના ટાણે પહોંચાય ત્યારે પહોંચ્યા. એમ કહીને બાપાશ્રી પોઢી ગયા. ।। ૧૦૪ ।।
વાર્તા ૧૦૫
ફાગણ વદ ૦)) અમાસને રોજ સવારે સાડા ત્રણ વાગે વહેલાં ઊઠી, નાહી, પૂજા કરી બાપાશ્રી સૌને મળ્યા. અને જય સ્વામિનારાયણ કરી આસને આવ્યા. પછી સદ્ગુરુ આદિ સંતોને કહ્યું કે, સ્વામી ! જુઓને ! અહીં કેવો દિવ્ય સત્સંગ ફૂલી રહ્યો છે ! સૌનાં હેત નવીન ને નવીન. પંદર દિવસ થયા પણ જાણે પાંચ દિવસે થયા નથી. સવાર-સાંજ સભા ઊભરાતી જ રહે છે. નાના-મોટા સર્વે મહારાજને તથા મોટાને રાજી કરવા ઘણો ખટકો રાખે છે.
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, બાપા ! દિવ્ય સત્સંગ કેમ જણાય ? ત્યારે બાપાશ્રી કીર્તનની ટૂંક બોલ્યા જે, “સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કો વિશ્રામ” એમ ભગવાનને દિવ્ય જાણે એટલે મૂર્તિને પામેલા સર્વે દિવ્ય. ત્યારે સ્વામીશ્રી કહે, બાપા ! સંત મૂર્તિમાં વિશ્રામ કરીને રહે તેને દેખાય કોણ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિમાં રહ્યા હોય તેને તો શ્રીજીમહારાજ દેખાય. એમ કહીને વાત કરવા લાગ્યા જે, આપણે ભગવાન ભજી લેવા ને સત્સંગ દિવ્ય સમજવો. મોટા મુક્તનો ખપ કરવો, એમને ઓળખવા. પછી વળી સ્વામીશ્રીએ પૂછ્યું જે, બાપા ! મોટા ઓળખાય કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મોટાને તો એક ભગવાન જીવન હોય, એટલે ખપવાળાને ભગવાનની દયાએ મોટા જરૂર ઓળખાય. મોટા અનાદિ ને મહારાજ એ તો ભેગા જ રહે છે. એવા અનંત મુક્ત સાકાર થકા મૂર્તિમાં રહીને મૂર્તિનાં સુખ ભોગવે છે. જેમ સમુદ્રમાં અનંત માછલાં કિલ્લોલ કરતાં થકાં રહ્યાં છે, તેમ મૂર્તિમાંથી મુક્ત સુખ લીધાં જ કરે છે. આ લોકના દૃષ્ટાંતમાં મળતું ન આવે એટલે બીજું શું કહેવું ? એ સુખ તો મહા અલૌકિક છે, દિવ્ય છે. એ સુખની આગળ કોઈ સુખ ગણતરીમાં ન આવે. આપણે ધ્યાન, ભજન, કથા, વાર્તા, સેવા-ભક્તિ કરીએ, પણ સુખ તો મહારાજ આપે ત્યારે જ આવે અને ટાઢું પણ ત્યારે જ થાય. મહારાજની મૂર્તિમાંથી તેજ ફરર ફરર છૂટે છે. “શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય” એ સુખ આગ્રહથી નથી મળતું; પ્રસન્નતાથી સાવ સોંઘું છે. આગ્રહથી તો લાડકીબાઈના જેવું થાય. તે એને એવું શીતળ તેજ ન ખમાણું, ને ચીસો પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું’, તે પછી ગણપતિ ને વિષ્ણુનાં સ્થાનક દેખાડતાં દેખાડતાં પોતાનું સ્વરૂપ સમજાવ્યું ત્યારે શાંતિ થઈ. એમ ત્રણ દેહના ભાવ મેલ્યા વિના શાંતિ થાય નહીં. આપણે એકાંતિક, પરમએકાંતિક ને અનાદિ, તેમાં કયા મંડળમાં રહેવું છે, તેનો તપાસ કરવો. આ લોકનાં દ્રવ્ય, સ્ત્રી, પુત્રાદિક કોઈ કામ નહિ આવે. સ્વામિનારાયણ ભગવાન એક જ કામ આવે એવા છે. એ મૂર્તિ જ અલૌકિક છે, દિવ્ય છે, સનાતન છે. એમના થયા એટલે બધી વાત સમજાણી. એ મૂર્તિમાં જોડાઈ જઈએ તો કામ જબરું થઈ જાય. ચમક લોઢાને ખેંચે તેમ મહારાજ પોતાના થયા હોય તેને પોતાની મૂર્તિમાં ખેંચી લે છે. મહારાજે એટલા સારુ સમ ખાધા છે. આ વાતો પણ ચમત્કારી છે, આ સભામાં બધુંય છે. જુઓને ! રાજાભાઈએ મહારાજના રાજીપા સારુ પર્વતભાઈનું સાંતી બાર વરસ ચલાવ્યું. પછી બોલ્યા જે, સદ્. ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ ! તેમના શિષ્ય સ્વામી નિર્ગુણદાસજી અને એ સ્વામીના શિષ્ય આ ઈશ્વરબાવો, તે આવા મોટાના જોગથી મૂર્તિમાં સળંગ જોડાઈ ગયા. આપણે પણ મૂર્તિ રાખવી, એ સાચી વસ્તુ છે. “શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું” એવું કરવું. ખોટામાં ખોટી થઈએ એટલા બાળકિયા સ્વભાવ કહેવાય. ખોટી વસ્તુ સાચી થાય તેમ નથી. “માયા જગ ઠગણી” - ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ આપણે ભગવાનની લીલા જાણવી. “જ્ઞાની મારો આત્મા, મેં જ્ઞાની કો પ્રાણ” આવા મોટા અનાદિનો જોગ દુર્લભ છે. આ તો ઠેઠ મૂર્તિમાં જોડી દે તેવા સંત છે, તે ઓળખાય ને જીવ દેવાય તો બધાંય કામ પૂરાં થઈ જાય. આ તડાકા-ફડાકા નથી. આ તો મુદ્દાની વાતો છે. હીરાભાઈ તથા સાંવલદાસભાઈ સામું જોઈને કહ્યું કે, તમને આવા સંત મળ્યા છે, તે વાત બહુ જબરી થઈ છે. અખતરડાહ્યા આવી દિવ્ય સભામાંથી ખોંચું કાઢે, પોતામાં તો કોઈ માલ ન હોય પણ આ સભાનો તોલ કરવા બેસે, એને શું ખબર પડે ? આ સંત મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે. આ સભા મહા અલૌકિક છે. એમ અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, “મૈં હૂં આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ” એ ટૂંક બોલીને કહ્યું જે, મહારાજની મૂર્તિમાં જોડાઈ રહેનારાને બીજું બધું મૂકી દીધા જેવું છે. એટલું સમજ્યા તો સર્વે વાત સમજાણી. શ્રીજીમહારાજ અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. સર્વના કારણ છે, સર્વના કર્તા-હર્તા છે, સર્વના નિયંતા છે, સર્વોપરી છે, અકળ મૂર્તિ છે. તે આ સભામાં પ્રગટ બિરાજે છે. આ સભા એ ભગવાનની છે. આ મુક્ત સર્વે એ મૂર્તિના સુખભોક્તા છે. આ સભાનો મહિમા બહુ જબરો છે. શિવ-પાર્વતી ચાલ્યા જતાં હતાં, ચાલતાં ચાલતાં માર્ગમાં આંબલીની ઘાટી છાયા આવી ત્યારે શિવજીએ રજ લઈને માથે ચડાવી. ત્યારે પાર્વતીએ પૂછ્યું કે, આમ શું કરો છો ? ત્યારે કહે જે, મોટાપુરુષ અને ભગવાન આ ઠેકાણે ચાલ્યા છે. તેથી આ ભૂમિનાં હું શું ભાગ્ય કહું ! ત્યારે પાર્વતીને એ વાત સમજાણી. અને એક મકોડો ઇંદ્રના સિંહાસન ઉપર ચડતો હતો, તે જોઈને ઇંદ્રને હસવું આવ્યું. તે સમે મકોડાને વાચા આવી ને બોલ્યો કે હું ઇકોતેર વખત ઇંદ્ર થયો છું. એમ મહિમાની વાતો જાણવાની છે. બીજું સુખ-વૈભવ દુર્લભ નથી. ભગવાન ને સંત બે જ દુર્લભ છે. તે આજ સુલભ થયા છે. જીવને જાણવાનું ગજું નહિ, તેથી દયા કરી અગમ સુગમ થાય; તોય જીવને મહિમા નહિ, તેથી જાણી ન શકે. શિવજીએ મહિમા જાણ્યો ને પાર્વતીએ પૂછ્યું તો ખબર પડી. તેમ આપણામાં શિવ કોણ ? માયાથી જે પરના હોય ને મૂર્તિમાં રહ્યા હોય એ અનાદિમુક્ત આપણા શિવ. એમાંથી મનુષ્યભાવ કાઢી નાખવો. નકરો દિવ્યભાવ રાખવો. પછી એમ બોલ્યા જે, આપણે રંગરાગમાં ન લેવાવું. જુઓને ! મહારાજે અમદાવાદની ચોરાસી કરી, પછી તે પ્રવૃત્તિ વિસારવા સારુ ગણેશ ધોળકાની રાણ્યોમાં જઈને તે પ્રવૃત્તિ વિસારી દેવાનું શીખવ્યું. કાર્ય તો ગમે તેટલું હોય પણ કારણને લઈને છે. એમ જાણી આપણે તો કારણ મૂર્તિ એક શ્રીજીમહારાજ રાખવા, એટલે કાંઈ આવરણ ન નડે. કાચાંને આવરણ ઘણાં છે; માટે બીજી પ્રવૃત્તિ પડી મેલવી. આવો જોગ બહુ દુર્લભ છે, મળે તેવો નથી. ।। ૧૦૫ ।।
વાર્તા ૧૦૬
બાપાશ્રીએ સવારે સભામાં વાત કરી જે, મહારાજની મૂર્તિમાં અનાદિમુક્ત રસબસ રહ્યા છે. ને મૂર્તિમાંથી સુખ લીધા કરે છે. કોટિ કલ્પ વીતી જાય પણ એ સુખથી તૃપ્ત થતા નથી. ત્યાં આપણે સર્વેને રહેવું છે. ત્યાં કેમ જવાય ? તો, એકાંતિક થઈને પરમાત્મા જે શ્રીજીમહારાજ તેમને પધરાવે એટલે પરમએકાંતિક થાય ત્યારે તેને મહારાજનું અનુભવજ્ઞાન ખેંચી લે છે. એટલે જેમ સમુદ્રની વેળ આવે છે એમ ઝળળ, ઝળળ કરતું મહા તેજોમય સુખ તેના હિલોળામાં પરમએકાંતિકને લઈ જાય છે. ત્યાં બીજા કોઈની ગતિ નથી. ત્યાં ગયા પછી મહા તેજોમય, દિવ્ય સનાતન એવું સુખ તેને અનાદિમુક્ત સાથે ભોગવે છે. આ વાત મુદ્દાની છે. મુદ્દો રાખવો એ શું ? તો કારણ મૂર્તિ રાખવી. તે ભેળું બધુંય આવશે. વિશ્વાસ રાખજો. મહારાજ કહે છે કે, “મારા લોક, ભોગ ને મુક્ત; સર્વે દિવ્ય છે.” એ દિવ્ય વસ્તુ આપણને મળી છે. માટે સર્વેનાં કારણ મહારાજને જાણીને સાધનનો ભાર કાઢી નાખવો. પછી પ્રથમ પ્રકરણનું ૫૧મું વચનામત વંચાણું. ત્યારે બોલ્યા જે, આમાં પણ એ વાત આવી જે સર્વેના કારણ મહારાજ તે દેહરૂપી ગાડું વીંખી નાંખ્યું. માટે કારણને વળગી રહેવું તો રસ મળશે. આ વાત જેમ છે તેમ કહીએ છીએ. એમાં સ્વામિનારાયણ સાક્ષી છે. માટે આ મુદ્દો જરૂર રાખજો. કાળ, કર્મ, માયા એ કોઈ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી. સર્વ કર્તા શ્રીજીમહારાજને જાણવા. આવો મહિમા જાણે તેનો પાયો સત્સંગમાં અચળ છે, તે કોઈનો ડગાવ્યો મોક્ષના માર્ગમાંથી ડગે નહીં. મુખ્ય કરવાનું તો એ છે જે, એકવૃત્તિ કરીને અખંડ મૂર્તિમાં જોડાવું, પણ ચાર-આઠ વૃત્તિ ન કરવી, તો જ મહાપ્રભુ રાજી થાય અને સુખ પણ જ્યારે એકવૃત્તિ થાય ત્યારે જ આવે છે. પછી સાધુ દેવજીવનદાસજીએ પૂછ્યું જે, જામફળીના ઝાડને વિષે ફળ બધાં એકસરખાં હોય છે, તેમ મુક્ત દિવ્યભાવમાં બધાય સરખા છે. તેથી પોતાને કેવી રીતે ખબર પડે, જે આમને જોગે હું મહારાજને પામ્યો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અનુભવજ્ઞાન થાય ત્યારે એને કોઈ વાત અજાણી રહે નહીં. એ મૂર્તિ જ અલૌકિક છે. આ સમે શ્રીજીમહારાજની અપાર કરુણા છે, તેથી પ્રાપ્તિ બહુ મોટી થાય છે. પણ કરવાનું છે તેમાં જીવને આળસ બહુ રહે છે. આવા સમયમાં જે આળસ રાખે તે કેવો કૃતઘ્ની કહેવાય ? આપણે મહારાજ સન્મુખ થઈએ તો તે ધક્કે મારીને લઈ જાય એવા છે. પણ જીવને કારણમાં હેત થતું નથી ને કાર્યમાં બહુ રાજી થાય છે, ઉત્સવ, સમૈયા ને ધામધૂમ હોય તેમાં રાજી થાય તેવો કારણનો આનંદ હોય તો કાંઈ વાંધો રહે ? અને કાર્ય હોય તેમાં પણ મૂર્તિનો સંબંધ રાખે તો કેવું સુખ થાય ? પણ જીવને કાર્યમાં જ ભડાભૂટ કરવાનું બહુ ગમે છે. મોટાને બીજું કહેવાનું નથી, પણ જે કરવાનું છે તે કહેવું જોઈએ. આવું સુખ અને આવા સંત ક્યાંથી હોય ? આ સંત તો મૂર્તિમાં રસબસ રહેનારા છે તેથી આપણ ન્યાલ થયા છીએ, નહિ તો ક્યાંય રખડવું પડત. માટે દિવ્ય સભા જાણવી. ।। ૧૦૬ ।।
વાર્તા ૧૦૭
બાપાશ્રીએ વાત કરી જે, આપણે શ્રીજીમહારાજના પ્રતાપે સુખિયા છીએ તેથી મોટા મોટા હવેલા તથા જે જે ઇચ્છીએ તે ભેળું હાજર થાય છે, એ બધી મહારાજની કૃપા છે. પણ આપણે વિચાર રાખીને ભોગવવું. પછી સભા સામું જોઈને કહ્યું જે, કોઈને ખોટું તો નથી લાગતું ને ? જો ખોટું લાગતું હોય તો ન કહીએ. ત્યારે સંતોએ કહ્યું જે, બાપા ! કોઈને ખોટું લાગતું નથી. ખોટું લગાડીએ તો મહારાજ કેમ રાજી થાય ? તે સમે બાપાશ્રી અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, ફકર રાખશો મા, માયાનો શો ભાર છે, તે બાપડી શું કરનારી છે ? આપણે તો મારી નાખી છે. આપણે ભેળા ચાલશું. આ તો મરેલ શત્રુથી બીતા રહેવું, નહિ તો એનો શો ભાર છે ? જેમ સિંધુ, સરસ્વતી આદિ નદીઓ સમુદ્રમાં આવે છે, તેનો એવો વેગ જે, મોટાં મોટાં ઝાડ, પહાડ, ખેંચીને સમુદ્રમાં મળે છે. તે સમુદ્રમાં પણ તેનું પાણી મીઠું જ રહે છે. તેનો રંગ પણ બીજો; તે પડખે ખારું અને એ નદીનું મીઠું. તેમ આપણે તેનો જોગ છે. પણ આ મીઠાં પાણીની પેઠે નિર્લેપ રહેવું અને બહુ ખટકો રાખવો; નહિ તો જડ માયા તો તાણી જાય એવી છે. આ સત્સંગમાં કોઈનો અવગુણ ન લેવો. સર્વેને દિવ્ય જાણવા. પણ બીજો ઘાટ ન ઘડવો. આપણને કેવું સુખ મળ્યું છે ! કેવી પ્રાપ્તિ થઈ છે ! કેવા મોટા ધણી મળ્યા છે ! દિવ્ય જ્ઞાન અને તે જ્ઞાન આપનારા પણ દિવ્ય મળ્યા છે, તોપણ જીવ એ સુખ લે નહીં. એ તો જેમ ગાંડાને ગાદીએ બેસાડે એવું કરે છે. તે શું ? તો, શાસ્ત્રમાં ખોળે, અગમ-નિગમમાં ખોળે અને એમ જાણે કે ક્યાંઇક હશે, પણ સત્સંગમાં બધુંય છે. તોપણ વલખાં કરે જે, હવે સત્સંગમાં કાંઈ નથી. પણ જેમ છે તેમ મહિમા ન સમજાય, તેથી આ સભા ભેગા મહારાજ અને મોટા છે એવું ન મનાય, એટલું નાસ્તિકપણું છે. તે ટાળીને ખરા આસ્તિક થવું. ખરેખરા થઈને મહારાજ અને મોટાને વિષે જોડાઈ જવું. પછી એમ બોલ્યા જે, આંખમાં ઝોંકો વાગે તો વોયકારો થઈ જાય, તેમ જીવમાં ઝોંકો વાગે નહિ એવો ખટકો રાખવો. મોટા મુક્તના અવગુણ લેવાથી જીવને ઘણું દુઃખ વેઠવું પડે છે; માટે એ માર્ગે ચાલવું નહીં. વિચાર ન હોય તો સત્સંગમાં કેટલીક જાતના વેગ ચઢી જાય છે. તેથી કોઈ ઝાડ રોપે, કોઈ ઉછેરે ને કોઈ કુહાડા પણ મારે, એવું કેટલુંક અજ્ઞાનથી થઈ જાય છે, માટે ખબડદાર રહેવું. શૂરવીર થઈને આવી સભાનો જોગ કરી લેવો. તમને પોતાના જાણીને કહું છું. આ લોકમાં સમજણ વિના કેટલાકને તનના, મનના ને ધનના અથવા બુદ્ધિના મદ હોય છે, તેથી આવો લાભ લઈ ન શકે ને ઝીણા હોય તે કામ કાઢી જાય. જેને ભગવાનની લગની હોય તેને તો ભગવાન વિના બીજું દેખાય જ નહીં. વ્યવહાર ને લોક-ભોગ બધુંય નાશવંત ને દુઃખરૂપ છે. જેમ પૃથ્વીમાં ડુંગળી, લસણ આદિ વસ્તુ થાય છે, પણ ખવાતી નથી. જો ખાય તો ભગવાનના ગુનેગાર થાય ને દંડ ભોગવવો પડે, પણ તેને વેચીને તેમાંથી ભગવાનની તથા સંતની સેવા કરે તો અક્ષરધામમાં જાય. આવું સમજણનું કામ છે. બીજા કોઈ ગમે તેમ જાણતા હશે, પણ અમને તો એક સ્વામિનારાયણ, સ્વામિનારાયણ આવડે છે. એ મૂર્તિ વિનાનો અમારે બીજો એકે ઠરાવ નથી. સૌને મૂર્તિમાં રાખવા છે. તમારે પણ એ મૂર્તિનો ખપ કરવો, એમનો રાજીપો તથા એમની આજ્ઞા, એ વિના બીજું કોઈ સુખદાયી નથી એટલી વાત દૃઢ કરવી. આ વસ્તુ બીજે ન જડે. એમના મુક્ત, સંત પણ એવા જ મોંઘા છે. બજારમાં જાઓ તો જાતજાતના મનુષ્ય તથા પદાર્થો દેખાય, પણ આવા મોટા મુક્ત દેખાય નહિ. એ તો દુર્લભ; ઠામ ઠેકાણે હોય. એમનાં દર્શન, સેવા, પ્રસન્નતા, જોતામાં જડે નહિ; એવી વાતો છે. પણ જીવના સ્વભાવ એવા જે નઠારી વસ્તુનાય વેપાર કરે. ડુંગળી તથા લસણ આદિના ખડિયા ખણી ખણીને વેચે, પણ રત્ન તથા ચિંતામણિરૂપ મૂર્તિનું સુખ, તેની તાણ ન કરે. અંજારમાં ચાગબાઈ મુક્ત હતાં તે એમ કહેતાં કે, મોટા અનાદિનો જોગ તે તો જંઈનો વેપાર ને લાખનો લાભ. તેવું મહારાજ અને સંતના જોગનું છે. આપણે તો મહારાજ અને મુક્ત એ ખરેખરો માલ છે, તે માલનો જ વેપાર કરવો. પછી લાલુભાઈ સામું જોઈને કહ્યું જે, આ બહુ હેતવાળા છે. હીરાભાઈ, સાંવલદાસભાઈ અને નાના-મોટા બધાય સંતોને તથા અમને જવાના સાંભળ્યા છે, ત્યારથી આમથી આમ ને આમથી આમ જાય છે ને આવે છે. જાણે કેમે કરતાં બેપાંચ દિવસ હજી રોકાય. એવા વિચાર સહુનાં અંતરમાં છે. પણ કોઈ આગ્રહથી કહી શકતા નથી. અહીં અમને આ ફેરે પંદર દિવસ થયા, પણ પંદર મહિના રહીએ, તોય અહીંના હરિભક્ત તૃપ્ત થાય તેમ નથી; એવા તેમનાં હેત છે. એમ કૃપા કરીને વાત કરી. તે વખતે પુરાણી ધર્મકિશોરદાસજીએ આવીને બાપાશ્રીને તથા સંતોને ચંદન ચર્ચ્યું ને પ્રાર્થના કરી કહ્યું જે, બાપા ! સહુને મૂર્તિમાં રાખજો. ત્યારે અતિ હેત જણાવીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમે સૌ જોજો તો ખરા; આમ ને આમ સાજી સભા અક્ષરધામમાં જઈને બેસશું. તે વખતે સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું કે, બાપા ! સૌ હેતરુચિવાળાને મૂર્તિમાં ભેળા રાખજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સંતો ! સહુ રહેજો; અમે રાખીશું. જો ન રાખીએ તો અમને હત્યા લાગે. તેના સ્વામિનારાયણ સાક્ષી છે. એમ કહી ઠાકોરજીનાં દર્શન કરીને બાપાશ્રી સભામાં પધાર્યા. ।। ૧૦૭ ।।
વાર્તા ૧૦૮
બાપાશ્રીએ સભામાં વાત કરી જે, શ્રીજીમહારાજના અનાદિ મહામુક્ત છે તે તો પોતે સુખિયા છે ને અનેક જીવોને મૂર્તિના સુખે સુખિયા કરે છે. તે જો પરમએકાંતિક થાય તો મહારાજ તથા અનાદિ તેને અનુભવજ્ઞાનથી ખેંચીને મૂર્તિમાં રાખે છે. એવા મુક્તની સ્થિતિ જે જાણે તે જ તેમને ઓળખે, પણ સ્થિતિ જાણ્યા વિના ઓળખાય નહીં. તે જો એવા મુક્તથી આવી પરભાવની વિદ્યા ભણે તો બધાય શબ્દ પરભાવમાં લઈ જાય. વચનામૃતના શબ્દ સર્વે પરભાવના છે; એકે ઓરા નથી. ઠેઠ મૂર્તિના શબ્દ છે. આ સંતમંડળનાં કમળ ખીલી રહ્યાં છે. તે સર્વેની નજર એ કારણ મૂર્તિ સામી છે. તેથી જેટલું રાજાનું રાજ્ય તેટલું રાણીનું રાજ્ય. આ તો તમને બહુ જ મોટા મળ્યા છે. માટે મૂર્તિમાં રસબસ રહેજો ને સુખમાં ઝીલજો. આ સભાનાં જે જાણે-અજાણે દર્શન કરે તેનો પણ આત્યંતિક મોક્ષ થઈ જાય; એવી આ દિવ્ય સભા છે. અમે તો એ જ ભલામણ કરીએ છીએ કે મહારાજને તથા મોટાને સદાય પ્રત્યક્ષ જાણીને સૌ આજ્ઞા પાળજો અને આમ ને આમ સદાય મૂર્તિનાં સુખ ભોગવજો. આ લોકમાં પ્રકૃતિના કાર્યમાં કાંઈ જોયા જેવું નથી. મહારાજ અને આ સભામાં એ બે જ કલ્યાણકારી છે, માટે મહારાજના અનાદિ મહામુક્તનો વિશ્વાસ રાખીને પોતાનું પૂરું કરી લેવું. તમને આ ટાણું ભારે મળી ગયું. સદ્ગુરુઓ બેય સુખદાયી છે. સત્સંગમાં અનેક જીવને મહારાજના સુખે સુખિયા કરવા દેશોદેશમાં ફરીને ન્યાલ કરે છે. મને ૫ણ એ ખેંચી લાવ્યા. મારે શરીરે ઠીક નહોતું તે ઠીક થઈ ગયું. અહીંનાં હરિભક્તોનાં હેત પણ એવાં. લાલુભાઈ, હીરાભાઈ, અમીચંદભાઈ આદિ નાના-મોટા સર્વેની એક જ રુચિ. રાત-દિવસ મહારાજની મૂર્તિના સુખનું જ તાન. આ નાના હરિભક્તો છે તે પણ સર્વે વચનમાં વર્તે છે. અમને આવા હરિભક્તોને જોઈને બહુ રાજીપો થાય છે. બ્રાહ્મણમાં માસ્તર પ્રભાશંકરભાઈ જેવા ઉત્તમ હરિભક્ત છે; એ સર્વે શ્રીજીમહારાજનો પ્રતાપ. નાના છોકરાઓ તો જાણે પૂર્વના સંસ્કારી અહીં આવ્યા હોય ને શું ! તેમ એ પણ આવી દિવ્ય સભાને જોગે સુખિયા થઈ ગયા. સાંખ્યયોગી બાઈઓએ પણ સત્સંગ બહુ સાચવ્યો છે. કરાંચી જેવા શહેરમાં હજારો હરિભક્તો તથા બાઈઓનો સમૂહ દેખાય એ બધો મહારાજનો પ્રતાપ છે. શ્રીજીમહારાજે આવા દેશને પાવન કર્યો, તેથી આ શહેરમાં ભારે ધામ થયું. અક્ષરધામ ને આવા સ્થાનની એકતા છે. આ સભા સર્વે દિવ્ય છે, મધ્યે મહારાજ તેજોમય બિરાજે છે; એવો સદાય દિવ્યભાવ રાખવો. અમે તો શ્રીજીમહારાજના સંકલ્પથી જીવોને મૂર્તિનું સુખ પમાડીએ છીએ.
પછી લાલુભાઈ સામું જોઈને બોલ્યા જે, લાલુભાઈ ! તમે આ સત્સંગરૂપ બગીચો ભારે ખિલાવ્યો છે. ત્યારે લાલુભાઈએ કહ્યું જે, બાપા ! એ બધો આપનો પ્રતાપ છે. પછી મહાદેવભાઈને કહ્યું જે, તમે પણ બહુ લાભ આપ્યો. ત્યારે મહાદેવભાઈ બોલ્યા જે, બાપા ! આપ તો મહાસમર્થ છો. શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ પમાડવા ગામોગામ ફરી સૌને સુખિયા કરો છો. કરાંચીના હરિભક્તો ઉપર આપની બહુ દયા છે તેથી અમો મોટાં ભાગ્યવાળા છીએ. ક્યાં મહારાજ ! અને ક્યાં આપના જેવા મહાસમર્થ મુક્તો ! અમને તો આ વખતે આપે ન્યાલ કરી મૂક્યા છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ સર્વે શ્રીજીમહારાજની દયા છે. એમ કહી આસને પધાર્યા.
ત્યાં લાલુભાઈ, હીરાભાઈ, હરિભાઈ તથા સોમચંદભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, બાપા ! આપે અમને દયા કરી પોતાના જાણ્યા છે તેથી અમો સર્વે કૃતાર્થ થયા છીએ. આ વખતે સદ્ગુરુઓને સાથે લાવીને આપશ્રીએ દર્શન-સેવા-સમાગમનું બહુ સુખ આપ્યું. તથા શ્રીજીમહારાજના અદ્ભુત પ્રતાપની, અનાદિમુક્તની સ્થિતિની અને તેમની જીવો ઉપર અપાર દયાની નવીન નવીન ઘણી વાતો કરી. તેથી સર્વે નાના-મોટા હરિભક્તો સુખિયા થઈ ગયા છે. વળી આવી જ રીતે વારેવારે અમને પોતાના જાણી સુખિયા કરજો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, આવું ને આવું હેત સૌ મહાપથારી સુધી રાખજો. અમે તો જીવોને શ્રીજીમહારાજના સુખે સુખિયા કરીએ છીએ, અમારે બીજું કાંઈ કામ નથી. અહીં સદ્ગુરુ આદિ સંતો હજી રોકાશે. એમ કહીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમો બે દિવસ વધુ રહી હરિભક્તોને મહારાજના મહિમાની વાતો કરીને સુખિયા કરજો. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, બાપા ! જેમ આ વખતે સાંવલદાસભાઈ તેડવા આવ્યા ને આપ પધાર્યા, તેમ જ્યારે જ્યારે હરિભક્તો તેડાવે ત્યારે પધારવા કૃપા કરશો એમ આ હરિભક્તો પ્રાર્થના કરે છે. ત્યારે બાપાશ્રી કહે, સ્વામી ! હવે અમારો દેહ ખમતો નથી ને જ્યાં જઈએ ત્યાં હરિભક્તોના હેતનો છેડો નહિ, તેથી હવે તો વિચાર થાય છે જે વૃષપુરમાં રહીશું ને મૂર્તિના સુખમાં આનંદ કરીશું. જો જવાય તો અડખે-પડખે ગામ હોય ત્યાં જવાય અને ભૂજમાં ઠાકોરજીનાં દર્શને તો જવું જ પડે. પણ હવે અવસ્થાના ભાવ જણાય છે તેથી હિંમત ચાલતી નથી. એમ કહીને બોલ્યા જે, સ્વામી ! હવે અમારી વતી સત્સંગમાં તમે ફરજો. અમે ઘણું ફર્યા, અમારાથી થયું એટલું બધુંય કર્યું. હવે શ્રીજીમહારાજ રાખશે તેમ રહીશું. અમે આવા સંત-હરિભક્તોનાં હેતને લીધે સૌને મૂર્તિનાં સુખ પમાડવા તથા શ્રીજીમહારાજને રાજી કરવા બની તે સેવા કરી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! અમો આપની પાસેથી દેશમાં જવા નીકળ્યા ત્યારે આપે ઉદાસી જણાવી હતી તથા બીજી વાર જ્યારે કચ્છમાંથી ગુજરાતમાં ગયા ત્યારે પણ ચાલતી વખતે અમને ઘણાં મર્મનાં વચનો કહ્યાં હતાં ને આજ વળી આમ બોલો છો તે આપે શું કરવા ધાર્યું છે. આપ કહો છો કે, અમારી વતી તમે સત્સંગમાં ફરજો, એ વચન અમને બહુ મૂંઝવે છે. ત્યારે બાપાશ્રી કહે, સ્વામી ! આપણે તો અખંડ ભેગા જ છીએ ને ભેગા રહીશું. હું તમને મૂંઝવું એવો નથી. તમે કેવા સમર્થ છો તે બધુંય હું જાણું છું. તમે તો મારાં સુખ-દુઃખના ભાગિયા છો. આજ દિવસ સુધી મેં જે જે વચનો કહ્યાં હશે તે પ્રમાણે જ તમે કર્યું છે. ક્યારેય દેહનાં સુખ-દુઃખ સામું જોયું નથી. તમારો ઠરાવ શ્રીજીમહારાજ તથા અમને રાજી કરવાનો છે, બીજું તમારે કાંઈ ખપતું નથી. એ વાત મારી અજાણી નથી. તમે અમારે અર્થે દરિયા જંઘીને ઘણી વાર આવ્યા છો એ બધું હું ભૂલી જાઉં એવો નથી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, બાપા ! કચ્છમાંથી આસો માસમાં અમે ગુજરાતમાં ગયા ત્યારે જે જે મર્મવચનો આપે કહેલ તે તો અમને ઘણાં ખટકતાં હતાં, તે આ ફેરે કરાંચીમાં અતિ ઉમંગભર્યાં દર્શનથી, અદ્ભુત ચમત્કારી વાતોથી અને મૂર્તિની પ્રતિષ્ઠા વખતે તથા બીજા ઘણાક પ્રસંગોએ અતિ પ્રસન્નતા જણાવેલ હોવાથી એ બધું ભુલાઈ જાય તેવું થયું હતું, તે પાછા આ ટાણે તાજું કરી દીધું. તેથી આપને અમે બીજું શું કહીએ ? અમે તો એટલું માગીએ છીએ કે અમને ક્યારેય જુદા ન રાખશો. ત્યારે બાપાશ્રી વળી એ મર્મવચનોને ભુલાવવા બોલ્યા જે, સ્વામી ! તમે જોજો તો ખરા. આપણે કચ્છમાં મોટો યજ્ઞ કરશું ને સાજોય સત્સંગ તેડાવશું. કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞ કરી સંત-હરિભક્તોને જમાડી-રમાડી, મૂર્તિનાં સુખ પમાડી સૌના મનોરથ પૂરા કરીશું. અમે તો મહારાજની મૂર્તિમાં રહીએ છીએ; ક્યારેય જુદા પડતા નથી. તમને પણ એવી જ રીતે રાખ્યા છે અને હેતવાળા સર્વને મૂર્તિમાં રાખશું. અમે આજ સુધી એ એક જ કામ કર્યું છે. ન સમજતા હોય તે ગમે તેમ ધારે, ગમે તેમ બોલે પણ આપણે તો જીવોને સુખિયા કરવા છે. તમે પણ કોઈ વાતે મૂંઝાશો નહીં. અમને હવે અવસ્થાના ભાવ જણાય છે, તેથી કહીએ છીએ જે, આમ દરિયા ઊતરીને ક્યાંથી અવાય ? તમો તો બધે ઠેકાણે ફરી વળો એવા સમર્થ છો. તેથી સત્સંગમાં ગામોગામ ફરીને શ્રીજીમહારાજના સુખની વાતો કરો છો, માટે સર્વેને મૂર્તિના સુખે સુખિયા કરજો એમ કહીએ છીએ. પછી સ્વામીશ્રીનો હાથ ઝાલીને બોલ્યા જે, સ્વામી ! આ હું ખરું કહું છું. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ જાણ્યું જે, બાપાશ્રી આજ પધારવાના છે ને મને આવી વાત કરી. આ ત્રણ-ચાર હરિભક્તો વિના બીજા કોઈ આ વાત જાણશે તો ઉદાસ થાશે, તેથી પોતે સાથે કચ્છમાં જવા પ્રાર્થના કરી જે, બાપા ! અમે આપની સાથે કચ્છમાં આવીએ ? ત્યારે બાપાશ્રી કહે, તમને તો સદાય અમારી સાથે ને સાથે રાખ્યા છે. અમે યજ્ઞ કરીએ ત્યારે તમે જ્યાં હો ત્યાંથી ઊડીને આવજો. તે વખતે તમારું ગમે તેવું કામ હોય તોય મૂકી દેજો. અમે નક્કી યજ્ઞ કરશું. પછી લાલુભાઈ, હરિભાઈ આદિ પાસે બેઠેલા હરિભક્તોને પણ એમ કહ્યું જે, જેમ પર્વતભાઈના સેવક સાત્ત્વિક યજ્ઞમાં રહી ગયા હતા, તેમ તમે કોઈ રહી જશો નહીં. જ્યારે કંકોત્રી આવે ત્યારે સૌ હેતવાળા યજ્ઞમાં આવી પહોંચજો. તે વખતે લાલુભાઈ તથા હરિભાઈ આદિકે સ્વામી ઈશ્વરચરણદાસજીને પ્રાર્થના કરીને કહ્યું જે, સ્વામી ! બાપાશ્રી આમ કેમ બોલે છે ? એમણે શું ધાર્યું છે તે તો આપ જાણતા હશો. ત્યારે સ્વામીએ કહ્યું જે, બાપાશ્રીએ આજ આવાં વચન કહ્યાં અને અમે જ્યારે કચ્છમાંથી ગુજરાતમાં આવ્યા ત્યારે ચાલતી વખતે જે જે વચનો કહ્યાં હતાં તે ઉપરથી સમજી શકાતું નથી કે બાપાશ્રીએ હવે શું કરવા ધાર્યું છે ? વળી એમ કહે છે કે, મોટો યજ્ઞ કરશું, બધોય સત્સંગ તેડાવશું, તમે ઊડીને આવજો. એવાં એવાં વચનથી એમની મરજીની કાંઈ ખબર પડતી નથી. તે વખતે લાલુભાઈએ પૂછ્યું જે, સ્વામી ! કચ્છમાંથી આપ જ્યારે ગુજરાત પધાર્યા, ત્યારે બાપાશ્રી એવું શું બોલ્યા હતા ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, અમે કચ્છમાં બે માસ રહીને જ્યારે ચાલવા રજા માગી, ત્યારે ચંદન-પુષ્પથી બાપાશ્રીની સૌ સંતોએ પૂજા કરી, ત્યારે બાપાશ્રીએ પણ સૌ સંતોને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા. પછી સૌનાં માથે હાથ મૂકી એમ બોલ્યા જે, સંતો ! આ વખતે ચંદન-પુષ્પથી પૂજા થઈ તેને સંભારી રાખજો. આ સભા ને આ પૂજા તેને જે કોઈ સંભારશે તેના ઘાટ-સંકલ્પો ટળી જશે. પછી મને કહ્યું જે, તમો સર્વે અમારા છો, અમારું મંડળ છો તે સદાય ભેળા રહેજો, પણ કોઈ દિવસ અમારું મંડળ વિખાય નહીં. જો તમારી મરજી હોય તો ચાર દિવસ રહો કે દસ દિવસ રહો અને મરજી ન હોય તો આજ કે કાલ જાઓ, પણ સૌ મૂર્તિમાં રહેજો. આપણે જુદા નથી. મૂર્તિમાં રસબસ ભેગા જ છીએ, માટે કોઈ અધિકાર કે વ્યવહારમાં ચિત્ત રાખશો નહીં. સદાય આમ ને આમ મૂર્તિમાં રહેજો, અમે રાજી છીએ. તમને અમે તેડાવીએ ત્યારે આકાશમાર્ગે ઊડીને આવી પહોંચજો. કેમ તમે વિમાન જેવા ખરા કે નહીં ? અવાશે કે કેમ ? પછી પોતે જ બોલ્યા જે, બિચારું વિમાન તે શું ? તમે તો બધેય પહોંચી જાઓ એવા છો. પછી એમ કહ્યું જે, સંતો ! રહો તો આંખ-માથા ઉપર, ને ન રહો તો સદાય મૂર્તિમાં રહેજો. એ મૂર્તિ દિવ્ય તેજોમય છે, કારણ છે, અપાર છે, તેનો કોઈ પાર પામી શકે તેવું નથી. એમ કહી સંતોને સુખડીની પ્રસાદી વહેંચીને બાથમાં ચાંપી અતિ હેત જણાવી મળ્યા. પછી મને બે-ત્રણ વખત મળીને બોલ્યા જે, સ્વામી ! હવે આમ કેટલુંક મળાશે ? તમો સર્વે સંતો મને પ્રાણ જેવા વ્હાલા છો. એમ કહેતાં બાપાશ્રીનાં નેત્રમાંથી પ્રેમનાં આંસુ વહ્યાં તે વખતે સંતો તથા હરિભક્તો સૌનાં હૈયાં ભરાઈ આવ્યાં. પછી બાપાશ્રીએ મને કહ્યું જે, સ્વામી, મોડું થાય છે, માટે ગાડે બેસી જાઓ. એમ આજ્ઞા કરી જેથી કોઈ બોલી શક્યા નહિ ને કાંઈ સૂઝે નહિ જે શું કરવું ? પછી વળી એમ કહ્યું જે, સંતો ! તમે અમારું ખાધાનું ઠામણું ભાંગીને ચાલ્યાં; એમ બોલતાં બહુ ઉદાસી જણાવી, તેથી કોઈને ત્યાંથી જવાનું મન જ ન થાય. તે વખતે મેં કહ્યું જે, બાપા ! આપની મરજી હોય તો હું પાછો વળું, મને અહીંથી જવું સારું લાગતું નથી. તે વખતે બાપાશ્રી ફરીવાર બોલ્યા જે, તમને આ ફેરે જવા દેવા નહોતા પણ હવે થયું. તમે સૌ ભેળા જાઓ એ ઠીક ગણાય. જુદા પાડીએ તે ઠીક નહિ, પણ તમને અમે તેડાવીએ ત્યારે તરત આવજો, આવાં વચનોથી મને કોઈ રીતે જવા ઇચ્છા ન હતી, પણ આજ્ઞા થવાથી શું કરવું ? પછી બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક તથા મહિમાવાળા હરિભક્તોને તે વખતે મેં ભલામણ કરી જે, તમો બાપાશ્રીની સેવા મન, કર્મ, વચને કરજો. આ દિવ્ય મૂર્તિના પ્રતાપે અનંત જીવો મહારાજની મૂર્તિમાં સહેજે પહોંચે છે, આ સમે તમારાં બહુ મોટાં ભાગ્ય છે, આવા મોટાને ઓળખવા તેથી કોઈ મોટું સાધન નથી. એમની સેવા ભેગી મહારાજની સેવા થાય છે માટે બને તેટલી સેવા કરજો. એમ ભલામણ કરી અમો ગુજરાતમાં ગયા હતા. તોપણ એ મર્મવચનો વિસરતાં નહીં. તે આ વખતે બાપાશ્રી અહીં પંદર દિવસ રહ્યા તેમાં અતિ કૃપા કરી સૌને જ્ઞાનામૃતનો એવો તો મહારસ પાન કરાવ્યો કે સર્વત્ર દિવ્યભાવ વર્તાઈ રહ્યો. પણ આવાં મર્મ વચનોથી વળી ઉદ્વેગ થયો. એવાં વચન સાંભળી લાલુભાઈ, હરિભાઈ, આદિ સૌ વિચારમાં પડ્યા. તેમને સ્વામી ઈશ્વરચરણદાસજીએ ધીરજ આપીને કહ્યું કે, તમે બીજા હરિભક્તોને આ વાત જણાવી ઉદ્વેગ કરાવશો નહીં. બાપાશ્રી તો મહાસમર્થ છે, અતિ દયાળુ છે. તેથી તે જેમ રાજી થાય તેમ આપણે રાજી રહેવું. આ વખતે બાપાશ્રીએ મને આવાં વચનો કહ્યાં તે વાત સંતો તથા હરિભક્તોના જાણવામાં આવે તો જેમ પંદર દિવસ સુધી સૌ મૂર્તિના સુખનો આનંદ લઈ રહ્યા છે; તેમજ સૌને આવાં વચનોથી ઉદ્વેગ થાય, માટે તમો કાંઈ મનમાં લાવશો નહિ અને બીજા હરિભક્તોને આ વાત જણાવશો નહીં. ત્યારપછી બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરવા મંદિર પર આવ્યા, તે વખતે ઠાકોરજીના સેવકે બાપાશ્રીને ગુલાબનો હાર પહેરાવ્યો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, બ્રહ્મચારી મહારાજ ! તમે તો ભગવાનના હજૂરી તે તમારી પાકી મજૂરી; એમ કહીને તેમના પર પ્રસન્નતા જણાવી સભામાં પધાર્યા. ।। ૧૦૮ ।।
વાર્તા ૧૦૯
બાપાશ્રી આજે પધારવાના હોવાથી એક પછી એક હરિભક્તો બાપાશ્રીની તથા સંતોની ચંદન-પુષ્પહારથી પૂજા કરવા લાગ્યા. ફળ-મેવા આદિ ભેટ મૂકે, હાથ જોડે, દંડવત કરે. બાપાશ્રી સૌને બેઠા થઈ મળે, માથે હાથ મૂકે, કોઈને રમૂજ કરી હસાવે, કોઈને વ્યાવહારિક દુઃખ હોય તેને મહારાજ સારું કરશે એમ આશીર્વાદ આપે. એવી રીતે ઘણાક હરિભક્તો વારાફરતી દર્શનનો લ્હાવ લેતાં તેથી સભામંડપ હરિભક્તોથી ઊભરાઈ જતો હતો. સૌને હજી એ જ તાણ કે બાપાશ્રી તથા સંતો રોકાય તો ઠીક, પણ કોઈ બોલી શકે નહીં. બાપાશ્રી તેમનો આવો સ્નેહભાવ જોઈ અતિશે રાજી થઈ, સૌને મૂર્તિમાં રાખવાનાં વરદાન આપી પ્રસન્ન કરતા. મધુરે વચને બોલાવતાં, સર્વ હરિભક્તો પર અમૃત નજર કરી આશીર્વાદ આપતા, બ્રહ્મચારી તથા હરિભક્ત નાના-મોટા સર્વેને મળ્યા ને સૌને જય સ્વામિનારાયણ કહી આગબોટ પર જવા ગાડીમાં બેઠા. હરિભક્તોની ભીડ તથા મંદિર બહાર બાઈઓનો સમૂહ, તે સર્વે બાપાશ્રીના ચાલવા સમયનાં દર્શન કરતાં હતાં. સૌને જય સ્વામિનારાયણ કહી, કિયામાડી પર હરિભક્તો રહેતા હતા; તેમની તાણે તેમને ઘેર દર્શન દઈ, સર્વને રાજી કરી બાપાશ્રી બંદર પર પધાર્યા. સમુદ્રકિનારે હજારો મુમુક્ષુ તથા સંત-હરિભક્તો આવેલા. નાજુભાઈ પ્રેમભર્યાં કીર્તન બોલાવે, હરિભક્તો ઝીલે. નારાયણપુરના ખીમજીભાઈ આગબોટમાં ઊભા રહી, કીર્તન બોલતા હતા. એવી રીતે બાપાશ્રીને સૌએ પ્રસન્ન કર્યા. હરિભક્તો આગબોટ પર જઈ ચંદન-હારથી પૂજા કરતા, પ્રાર્થના કરતા, કેટલાક તો આગબોટ પાસે હરિભક્તો ઊભા રહેલા તે દર્શનની તાણે આઘા ખસે નહીં. બાપાશ્રીને રાજી કરવા કેટલાક નીચે હાથ જોડી ઊભા રહેલા. તે વખતે બાપાશ્રીને હરિભક્તો હાર પહેરાવતા તે પાઘડીમાં અટકી રહેતા હોવાથી માથા પરની પાઘડી ઉતારી એક ટૂંકું ધોતિયું માથે બાંધ્યું. જાડા કેડિયાએ સહિત ધોતિયું પહેરેલ, ભાલમાં હરિભક્તોએ ચંદન ઝાઝું ચર્ચેલ અને કંઠમાં ઘણાક હારે સહિત; એવા બાપાશ્રીનાં અલૌકિક દર્શન કાંઠે ઊભા રહેલા સર્વેને થતાં હતાં. પછી સૌને જય સ્વામિનારાયણ કરી આગબોટ પર ઊભા રહેલા પરમ કૃપાળુ બાપાશ્રીએ પોતાને ભેટ આવેલાં ફળોમાંથી અતિ ભીડને લીધે નીચે ઊભેલા સદ્ગુરુ સ્વામી આદિ સંતોને આપવા એક પછી એક ફળ નાંખવા માંડ્યાં. લો ! સ્વામી વૃંદાવનદાસજી, લો ! સ્વામી ઈશ્વરચરણદાસજી, પુરાણી હરિપ્રસાદદાસજી, દેવજીવનદાસજી, મુક્તવલ્લભદાસજી, આ પુરાણી ધર્મકિશોરદાસજી, આ આશાભાઈ; એમ કહી ફળ આપવા માંડ્યાં; તે જેને આપે તેના જ હાથમાં આવે. એ જોઈ ઘણાક મુમુક્ષુજનો આશ્ચર્ય પામ્યા. એમ એ વખતે અદ્ભુત પ્રતાપ જણાવ્યો. જ્યારે સમય થયો ત્યારે આગબોટ ચાલી. સૌ નીચે ઊભેલા હરિભક્તો દંડવત કરવા લાગ્યા. આગબોટમાં બાપાશ્રી પોતાના બેય હાથ ઊંચા કરી અભયદાનરૂપ આશીર્વાદ આપતાં, રાખો, રાખો એમ કહેવા લાગ્યા. સૌ હાથ જોડી જય સ્વામિનારાયણ કરતા હતા. આગબોટમાં ઊભેલા બાપાશ્રીની સાથે આવેલા હરિભક્તો પણ સૌને જય સ્વામિનારાયણ કરતા હતા. તે વખતે એ દિવ્ય સમૂહ પર સર્વત્ર ચંદનનાં છાંટણાં પડ્યાં તેથી સૌને આનંદ આનંદ થઈ રહ્યો. એ પ્રકારે બાપાશ્રીનાં અલૌકિક દર્શન આગબોટ ચાલતાં સૌને થયાં. આવી રીતે બાપાશ્રી સૌને આત્યંતિક મોક્ષના આશીર્વાદ આપી કચ્છમાં પધાર્યા.
આ વખતે બાપાશ્રી કૃપા કરી પંદર દિવસ કરાંચીમાં રહ્યા, તેમાં અનેક મુમુક્ષુજનો ન્યાલ થયા. સવારે જાગતા ત્યારથી સંત-હરિભક્તોના સમૂહ પાસે બેઠેલ હોય તે રાત્રે સૂએ ત્યાં સુધી એક પછી એક હરિભક્ત આવ્યા જ કરે. કેટલાક તો વ્યવહારનાં કામ મૂકી પાસે રહી દર્શન-સેવાનો લાભ લીધા જ કરતા. સવારે મંગળા આરતી થાય તે પહેલાં તો બાપાશ્રી નિત્યવિધિ-પૂજા આદિક કરી લે. હરિભક્તો એ ટાણે પ્રભાતિયાં બોલે, પુષ્પહારથી પૂજા કરે, મળે, ચંદન ચર્ચે. તે વખતે વાતોનો પ્રસંગ નીકળે અથવા તો પોતે કૃપા કરીને વાતો કરવા માંડે તે કલાક - બે કલાક થઈ જાય. વાતોમાં મહારાજની મૂર્તિનું જ વર્ણન, દિવ્ય મૂર્તિ, દિવ્ય સભા, દિવ્ય મુક્ત, દિવ્ય ધામ, દિવ્ય પુષ્પ, દિવ્ય પૂજા, દિવ્ય ક્રિયા એમ સર્વત્ર દિવ્યભાવ રાખવાની ચમત્કારી વાતો થાય. પછી ઠાકોરજીની શણગાર આરતી થયા પછી રાજભોગ આરતી સુધી સભામાં, વળી બપોરે મેડા પર કથા-વાર્તા થતી. સાંજે સંધ્યા-આરતી પછીથી રાત્રે ૧૨ વાગ્યા સુધી સભામાં તથા આસને હરિભક્તો બેઠા જ હોય. બાપાશ્રી જ્યારે વાતો કરવા માંડે ત્યારે સંત-હરિભક્તોને શાંતિ શાંતિ થઈ જાય. મૂર્તિના સુખની, રસબસ રાખ્યાની, મહારસનું પાન કર્યાની, અઢળક ઢળ્યાની, દિવ્યભાવની, મહાત્મ્યજ્ઞાનની એવી વારંવાર નવીન નવીન વાતો થાય. વળી કેટલાક રોગે કરીને પીડાતા મુમુક્ષુ દર્શને આવતા, તે પ્રાર્થના કરી આશીર્વાદ લઈ સાજા થતા. તો કોઈ ભૂત-પ્રેતના વળગાડવાળા દર્શને આવી દુઃખથી નિવૃત્ત થતા. આવી રીતે અનેક પ્રકારે હરિભક્તોને બાપાશ્રીએ કરાંચીમાં પધારી શ્રીજીમહારાજનું અલૌકિક સુખ આપવાની સાથે દૈહિક દુઃખ ટાળી સુખિયા કરી મૂક્યા. ઘણાંક બાળકોને તેનાં સગાંવહાલાંઓ શરણે લાવી અનેક જન્મનાં કર્મથી રહિત કરી શ્રીજીમહારાજના કૃપાપાત્ર ને મોક્ષના અધિકારી કરી ગયા. કેટલાક પોતાના ભૂલથી થયેલ દોષોની માફી માગી શુદ્ધ થયા. એમ અનેક જીવોના આત્યંતિક મોક્ષનું દ્વાર ઉઘાડતા બાપાશ્રીએ કરાંચીમાં આ વખતે બહુ પ્રતાપ જણાવ્યો. સભામાં મહારાજના અલૌકિક પ્રતાપની એવી ચમત્કારી વાતો કરતા કે, જે હરિભક્ત દર્શને આવે તે ત્યાંથી જઈ શકે જ નહીં. કેટલાય હરિભક્તો પુષ્પના હાર લાવી સભામાં પૂજા કરતા. એમ અનેક રીતે પોતાને વિષે હેતવાળા તથા ગુણબુદ્ધિવાળા હરિભક્તોને તથા મુમુક્ષુઓને સુખિયા કર્યા. વળી સભામાં હરિભક્તોને ઘેર અથવા બીજે જે જે સ્થળે બાપાશ્રી જતા ત્યાં વારંવાર એવાં વચનો બોલતાં જે, આ બધું અક્ષરધામરૂપ છે, આ સર્વે તેજોમય છે. મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસભાવે સુખ લીધા કરે છે, સભા ભેળી જ છે, આપણને આ દિવ્ય પ્રાપ્તિ થઈ છે, માટે હલર-વલર ન કરવું. પ્રકૃતિનાં કાર્યમાં ક્યાંય ખોટી ન થાવું. આ સભાના સંકલ્પ ચાલે છે, આ સભા સનાતન છે, આ સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, જમે છે, રમે છે, દર્શન દે છે, પોતાના આશ્રિતોની રક્ષા કરે છે. આપણા ઉપર મહારાજની અમૃત નજર છે. અમે તો સૌને એ મૂર્તિમાં રાખીએ છીએ. અમારું કામ ને અમારો વેપાર એ જ છે. કોઈ લો ! કોઈ લો ! આ સમે મહારાજ અઢળક ઢળ્યા છે. એમના અનાદિમુક્ત પણ એ મૂર્તિની પ્રાપ્તિ કરાવવા આવ્યા છે. આવો અવસર કોઈ વંજાવશો નહીં. આ ટાણું બહુ દુર્લભ છે. આ સમે કાંઈના કાંઈ કામ થઈ જાય છે. પુરુષકોટિ, બ્રહ્મકોટિ તથા અક્ષરકોટિ આદિને મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અગમ છે, તે આપણને દયા કરી શ્રીજીમહારાજના લાડીલા અનાદિમુક્તોએ સુગમ કરી છે. આ અવસરે બહુ ભારે કામ થાય છે એવાં દિવ્યભાવનાં વચનોથી સંત-હરિભક્તો ઘણા જ રાજી થતા. હંમેશાં નવીન પ્રસાદીઓ વહેંચાય, આશીર્વાદ લેવાય, દર્શન-સેવા થાય તેથી હરિભક્તો હેતમાં ગરકાવ થઈ રહેતા. એમ કરાંચીમાં પંદર દિવસ સુધી બાપાશ્રીએ અનેક પ્રકારે મૂર્તિનાં સુખ પમાડ્યાં. ચમત્કારી વાતો કરી તેથી સૌ સંત-હરિભક્તો, બાઈ-ભાઈ, દિવ્યભાવે એ મહારસનું પાન કરે ને જેમ શ્રીજીમહારાજનું દિવ્ય સુખ, દિવ્ય સ્વરૂપ, દિવ્ય સામર્થી વર્ણવી છે તેમ હૃદયમાં ઉતારી તથા મહાપ્રભુના લાડીલા અનાદિમહામુક્ત જે અહોનિશ મૂર્તિના સુખરૂપ અમૃતરસ પાન કરનારા છે, તેમનો અલૌકિક પ્રતાપ વિચારી આ લૌકિક સુખને અસાર જાણી દિવ્ય સુખની ત્વરા કરી પોતાનો મોક્ષ સાધી લેશે, તેના પર શ્રીજીમહારાજ તથા અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીની પ્રસન્નતા થશે. આથી પહેલાં ત્રણ વખત બાપાશ્રી કરાંચીમાં પધારેલા, તે વખતે પણ આવી જ રીતે નવાં નવાં સુખ આપેલાં. તેનું યથાર્થ વર્ણન જો લખાયું હોત તો બાપાશ્રીના અધ્યાત્મ જ્ઞાનની વાતોનું પુસ્તક ફક્ત આ શહેરમાં આઠ દિવસ, દસ દિવસ કે પંદર દિવસ રહ્યા તેટલામાં જ લખાત. પણ જ્યારે અનરાધાર વરસાદ વરસે ત્યારે તે વરસાદનું મહાત્મ્ય એટલું બધું જાણી શકાય નહીં. પણ જ્યારે વરસાદની તાણ હોય છે ત્યારે તેનો મહિમા સમજાય છે; તેમ શ્રીજીમહારાજની સાથે આવેલા અને મૂર્તિમાં રસબસ રહેનારા અનાદિમુક્તરાજ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તથા અ.મુ. પર્વતભાઈ જેવા મહાસમર્થ મુક્તોએ અનંત શરણાગતને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી અનંત અદ્ભુત કાર્યો કર્યાં. તે વખતે શ્રીજીમહારાજે પરચા, ચમત્કાર, ઐશ્વર્ય, સામર્થી પોતે તથા પોતાના આવા મહાપ્રતાપી મુક્તો દ્વારાએ દેખાડવા સંકલ્પ કરેલો, તેથી અનંત જીવને સહેજે કારણ મૂર્તિની સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ. તોપણ આવા અધ્યાત્મ-લખાણથી શ્રીજીમહારાજનો અલૌકિક દિવ્યભાવ, સર્વોપરી મહિમા તથા કારણપણું, આધારપણું, અનવધિકાતિશયપણું, નિયામકપણું એ આદિક અનેક રીતે એ મૂર્તિનો મહિમા સમજાવવાને અર્થે જો અનાદિમુક્તરાજ પર્વતભાઈ જેવા શ્રીજીમહારાજના હૃદ્ગત અભિપ્રાયને જાણનાર મોટાં પાસેથી તેમની વાતોરૂપ લખાણ સંપ્રદાયને મળ્યું હોત તો સૌ વધુ ભાગ્યશાળી થાત. શ્રીજીમહારાજનાં ચરિત્ર-પ્રતાપનાં અદ્ભુત વર્ણનો લખવામાં અનાદિમુક્તરાજ સદ્ગુરુઓએ જરાએ ઓછપ રાખી નથી, તોપણ એ સાથે જો પર્વતભાઈ જેવા અનાદિ મહામુક્તોનાં અમૃત વચનો આપણને પ્રાપ્ત થયાં હોત તો વધુ આનંદ થાત. પણ એ તો જેવી શ્રીજીમહારાજની તથા તેવા મહાપ્રતાપી મુક્તોની મરજી. આપણે તો આ સ્થળે બાપાશ્રીએ કરેલા ઉપકારથી પણ એ લાભ મળ્યો જાણીએ, તોપણ શ્રીજીમહારાજની તથા તેમની અત્યંત પ્રસન્નતા થાય. ।। ૧૦૯ ।।
વાર્તા ૧૧૦
સંવત ૧૯૮૪ના કારતક સુદ ૩ને રોજ સવારે નારાયણપુરના મંદિરમાં બાપાશ્રી નિત્યવિધિ કરીને ધનજીભાઈને ઘેર પધાર્યા. ત્યાં તેમના અતિ આગ્રહથી ઠાકોરજીને જમાડ્યા. તે વખતે કેટલાક હરિભક્તોની પ્રાર્થનાથી હેતવાળા હરિભક્તોને ઘેર ઘેર પધારી દર્શન આપી રાજી કર્યા. પછી મંદિરમાં આવીને થોડી વાર પોઢ્યા. બપોરે બાપાશ્રી નાહવા પધારે છે, એમ ખબર પડવાથી ગામના નાના-મોટા હરિભક્તો સડક પર નદીના ધરામાં જ્યાં પાણી ખળખળાટ કરતું વહે છે, તે ઠેકાણે સૌ ગયા. બાપાશ્રી પણ નિત્યે નહાતા તે ઠેકાણે ગાડીમાં બેસીને આવ્યા. પછી સૌ સાથે નાહ્યા. તે વખતે બાપાશ્રી એમ બોલ્યા જે, કોઈ મૂર્તિની સ્મૃતિ વિના ન્હાશો નહિ; અનંત મુક્તે સહિત મહારાજને નવરાવજો. તે વખતે હરિભક્તો કીર્તન બોલ્યા જે,“આજ મેં તો દીઠા વાલાને વાટ વહેતા.” સૌ હરિભક્તો કીર્તન બોલી રહ્યા એટલે બાપાશ્રી પાણીમાં સર્વેને મળ્યા. પછી વસ્ત્ર બદલી રેતીમાં બેઠા ને માનસીપૂજા કરી. હરિભક્તો ચંદન, કુંકુમ તથા ફૂલના હાર લાવેલા તે ચંદન ચર્ચી ચાંદલા કરી હાર પહેરાવ્યા. બાપાશ્રીએ પણ સર્વેને ચંદન ચર્ચ્યું. હરિભક્તો પોપૈયાં તથા કેળાં લાવેલાં તે સુધારી ઠાકોરજીને જમાડી સર્વેને પ્રસાદી વહેંચી. પછી બાપાશ્રી એમ બોલ્યા જે, આવા બ્રહ્મયજ્ઞમાં ઉદ્ઘોષ કાંઈ ન મળે, પણ મૂર્તિનું સુખ ઘણું આવે. જીવને કાર્યમાં તાન તેથી આ વાતની ખબર પડે નહીં. આવી દિવ્ય સભામાં બધુંય છે. મહારાજે આ સમે બહુ દયા વાપરી છે તેથી અનાદિમુક્ત રસબસ રહ્યા થકા અનેકને મૂર્તિમાં ખેંચી લે છે. તેમનાં દર્શન-સેવા, સ્પર્શ ક્યાંથી મળે ? આ તો શ્રીજીમહારાજે દયા કરી છે, તેથી આ લાભ મળ્યો છે, આ ટાણું ને આ જોગ બહુ ભારે છે. જુઓને ! મહારાજ કચ્છમાં ઘેર ઘેર ફર્યા. તેથી ભૂમિ સર્વે પાવન થઈ. આ દેશનાં ભાગ્ય કેવડાં ! મોટા મોટા મુક્ત પણ એવા જ પ્રતાપી. આપણે આવા સ્થાનમાં બેઠા છીએ તે કેવી શાંતિ વર્તે છે. મોટાં શહેરમાં તો રાત ને દિવસ જ્યાં જોઈએ ત્યાં જંપ મળે નહીં. એટલા સારુ મહારાજ કહે, અમને વન, પર્વત ને જંગલ બહુ ગમે છે. એવી રુચિ આપણે રાખવી જોઈએ. આવા સ્થાનમાં જે કરીએ તે અનંતગણું થાય. આપણને મહારાજે પોતાના કર્યા છે, તેથી કૃતાર્થપણું માનવું. આવા મોટાના જોગમાં મહારાજનો તથા મૂર્તિના સુખભોક્તાનો દિવ્યભાવ વધતો ને વધતો જાય છે, એમ જાણવું ને સદાય આનંદમાં રહેવું. મહારાજ આપણા સામું જોઈ રહ્યા છે. એમની સાજા સત્સંગ ઉપર એવી ને એવી દયા છે, નહિ તો જીવનું ગજું શું ! જે મહારાજ તથા મોટાને ઓળખે. આ તો મહાપ્રભુ અઢળક ઢળ્યા છે. આપણે એ મૂર્તિને તથા મોટા અનાદિને વિષે ક્યારેય મનુષ્યભાવ ન પરઠવો. લાખો વરસ તપ કરે તોય મહારાજ ને મુક્ત મળવા કઠણ, તે આજ ઘેર બેઠાં મળે છે. પાત્ર-કુપાત્ર જોતા નથી ને સૌને દર્શન દે છે એ કેવડી મોટી વાત કહેવાય ! એમ કહી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી, ગાડીમાં બેસી હરિભક્તોએ સહિત ધનજીભાઈની પ્રાર્થનાથી તેમને ઘેર ગયા. ત્યાં નવી મેડી પર પાથરેલ આસન પર બાપાશ્રી બેઠા. આખો ઓરડો હરિભક્તોથી ભરાઈ ગયો, તે વખતે ધનજીભાઈ તથા તેમના પુત્ર રામજીભાઈ, લાલજીભાઈ અને હરજીભાઈએ બાપાશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી, દંડવત કર્યા ને પ્રાર્થના કરી જે, બાપા ! અમે સૌ આપનાં બાળક છીએ. તમે અમારાં પર કૃપાદૃષ્ટિ રાખો છો તેવી સદાય રાખજો. આપને રાજી કરતાં અમને આવડતું નથી, પણ આપ દયા કરી પોતાના જાણો છો તેથી આવા ને આવા રાજી રહેજો. આપને વિષે ક્યારેય મનુષ્યભાવ ન આવે તથા મહારાજના આશ્રિત સંત-હરિભક્ત સૌનો અમારા પર રાજીપો રહે એવી દયા કરજો. ત્યારે બાપાશ્રી કહે, તમારા ઉપર અમો ઘણા રાજી છીએ, કેમ જે તમારાં હેત એવાં છે. તમને અમારા રાજીપાની તાણ ઘણી છે, તેથી સૌને મહારાજની મૂર્તિમાં રાખ્યા છે એ વાત ભૂલશો મા. નાના-મોટા સંપ સંપીને રહેજો. સત્સંગમાં પરસ્પર હેત હોય તો મૂર્તિ ભુલાય નહીં. એમ વાત કરતા હતા તે વખતે લાલશંકરભાઈએ બાપાશ્રીને ચંદન ચર્ચ્યું ને માથે પાઘડી બંધાવી પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી કહે, તમે આ શું કર્યું ? ત્યારે ધનજીભાઈ કહે, બાપા ! આ જગ્યામાં લાલશંકરભાઈ એક મહિનો રહ્યા હતા. તે વખતે આપને અહીં તેડાવી પૂજા કરવાનો તેમનો સંકલ્પ હતો તે આજ આપે દયા કરીને પૂરો કર્યો. તે સાંભળી બાપાશ્રી પ્રસન્ન થઈને તેમને તથા સૌ હરિભક્તોને મળ્યા, પછી મંદિરમાં પધાર્યા. સભામાં કથા પ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, મહારાજની મૂર્તિને આપણે ઘડીએ મૂકવી નહિ એટલે સાધનમાત્ર પૂરાં થયાં. તે વિના તો બધુંય કાર્ય છે; તેનો અંત નથી. માટે આપણે તો એક મૂર્તિને સુખે સુખિયા રહેવું. આ લોકમાં બીજું કાંઈ જોયા જેવું નથી. જોયા જેવા તો એક શ્રીજીમહારાજ છે. દોયલી વેળાનાં દામ અને ખરી વેળાનો ખજીનો પણ એ છે ને એ જ જીવનમૂડી છે. માટે બીજી વાતમાં મન ન દેવું ને મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લેવું. આવો જોગ અક્ષરકોટિ સુધી મળે નહિ; તે આજ હરતાં-ફરતાં દર્શન થાય છે એ મહાપ્રભુની દયા છે. ।। ૧૧૦ ।।
વાર્તા ૧૧૧
કારતક સુદ ૪ને રોજ બાપાશ્રી સવારમાં નાહી, પૂજા કરીને હેતવાળા હરિભક્તોના આગ્રહથી તેમને ઘેર દર્શન દઈ મંદિરમાં આવ્યા. કથા-વાર્તા કરી સમય થયો એટલે ધનજીભાઈને ઘેર ઠાકોરજી જમાડવા પધાર્યા, ત્યાં પોતાને વૃષપુર જવાની ઇચ્છા જણાવી. પછી ધનજીભાઈ તથા તેમના પુત્રોએ પ્રાર્થના કરી જે, બાપા ! શી ઉતાવળ છે ? પાંચ-દસ દિવસ વધુ રહો તો ઠીક. તે વખતે બાપાશ્રીએ રમૂજ કરી કહ્યું જે, તમે આ નવાં ઘર કર્યાં છે તે અમને રહેવા આપો તો રહીએ. ત્યારે હરજીભાઈ કહે, બાપા ! ભલે, આ ઘર આપનાં જ છે; માટે સુખેથી રહો. ત્યારે બાપાશ્રી કહે, તમે ત્રણે ભાઈ ને તમારો બાપ, તે ચારે મળીને ઠરાવ કરો. અમે રહીશું ખરા, પણ એકે ઢીંગલો તમને આપશું નહીં. પછી હરજીભાઈ કહે, બાપા ભલે ! એ કોઈનું કામ નથી. હું આપની પાસે તુલસીને પત્રે અર્પણ કરું છું. પણ જોજો, બોલ્યા ફરતા નહીં. તે વખતે બાપાશ્રીએ હરજીભાઈની પ્રશંસા કરી કહ્યું જે, નાનો છે પણ બળિયો બહુ છે. આખું ઘર એવું છે. આ ધનજીભાઈ પણ શૂરવીર છે. ઘરમાં બધાય હેતવાળા, તે અમારું વચન કોઈ દિવસ ફેરવતા નથી. વ્યવહારમાં, સુખ-દુઃખમાં, મંદવાડમાં જ્યારે જોઈએ ત્યારે બળનાં જ વચન. અમે પણ સૌને અમારા જ માનીએ છીએ. પછી બોલ્યા જે, તમને તાણ છે તેથી બે દિવસ રોકાશું, એમ કહી મંદિરમાં પધાર્યા. વળી સાંજના ચાર વાગ્યાને સુમારે બાપાશ્રી ગાડીમાં બેસીને તથા સૌ હરિભક્તો પગે ચાલીને નાહવા જતા હતા અને માર્ગમાં હરિભક્તો કીર્તનો બોલતાં હતાં. તે વખતે નદીના ધરે કેરા, વૃષપુર, રામપુર, દહીંસરા, ભારાસર, સુખપુર, માનકુવા વગેરે ગામના ઘણા હરિભક્તો આગળથી બાપાશ્રીને નાહવા આવ્યાની વાટ જોઈ રહ્યા હતા. તે સર્વે બાપાશ્રીને જોઈને આનંદ પામ્યા. પછી સંતો તથા હરિભક્તોએ સહિત બાપાશ્રી નાહ્યા. હરિભક્તો કીર્તનો બોલતાં હતાં. ત્યાં પોતે રેતીમાં માનસીપૂજા કરવા બેઠા ને હરિભક્તોએ ગરબી લઈ કીર્તન ગાયાં. પછી બાપાશ્રી જાગ્રત થયા ને કહ્યું જે, તમો સૌ ગામોગામથી દર્શનની તાણે કામ ખોટી કરીને દોડ્યા આવો છો તે અમે જાણીએ છીએ. મહારાજને રાજી કરવા સારુ આવા દાખડા છે. સૌને મહારાજની મૂર્તિનું તાન છે. કોઈ દેહધારી મૂંઝાતા હોય તો એ જાણે. તેનું પણ સારું થાય એવો આપણે સંકલ્પ કરવો. અમારે તો જીવને ઠેઠ મૂર્તિમાં મૂકવા છે. બીજો કોઈ અર્થ સારવો નથી. તેથી રાત કે દિવસ જોતા નથી. ક્યારેય નવરા રહેતા નથી. મોટા મોટા નંદ સાધુઓને અમે જોયા છે, તે તો ક્યારેય મૂર્તિને મૂકતા નહીં. માળા, માનસીપૂજા, ધ્યાન, ભજન, સેવા, કથા-વાર્તા નિરંતર કર્યા જ કરતા. એમને તો એમ જે એ સુખ વિના બીજું શું જોયા જેવું છે ? આપણે પણ એ માર્ગ લેવો. કેટલાય રાગ-રંગમાં, મારા-તારામાં, પંચવિષયના વલખામાં આવરદા ખોઈ નાખે છે. આપણને તો શ્રી પુરુષોત્તમનારાયણ અવિનાશી વર મળ્યા છે, તેથી ક્યાંય અટકવું નહીં. કેવડા મહારાજ ને કેવડા તેમના અનાદિમુક્ત ! આ તો ભારે વાત બની ગઈ છે. નહિ તો જીવનું શું ગજું, એમ કહી સમય થઈ જવાથી પાછા ગાડીમાં બેસી હરિભક્તોએ સહિત ગામમાં આવતા ધનજીભાઈની પ્રાર્થનાથી તેમની વાડીએ પધાર્યા. તે વાડીમાં બધે ફરીને બોલ્યા જે, આ વાડીના ધણી ઘનશ્યામ મહારાજ છે, માટે આજથી આનું નામ ‘ઘનશ્યામ વાડી’ કહેજો ને વાડીના નામ ભેગી એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સંભારજો. પછી ધનજીભાઈએ કેળાં તથા પોપૈયાં સુધારીને ઠાકોરજીને જમાડ્યાં, પછી સૌને બાપાશ્રીએ પ્રસાદી વહેંચી અને હરિભક્તોએ સહિત મંદિરમાં પધાર્યા. ।। ૧૧૧ ।।
વાર્તા ૧૧૨
કારતક સુદ ૭ને રોજ સવારે વૃષપુરના મંદિરમાં બાપાશ્રી ચોકમાં તડકે બેઠા હતા, તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજી ઉપર કરજીસણથી સાધુનો કાગળ આવેલ, તે વાંચતા હતા. ત્યારે બાપાશ્રી કહે, પુરાણી ! કાગળ ક્યાંથી આવ્યો છે ? ત્યારે પુરાણી કહે, બાપા ! કરજીસણથી સાધુનો. ત્યાંથી એ સાધુએ તથા ત્યાંના હરિભક્તોએ આપને જય શ્રી સ્વામિનારાયણ લખ્યા છે. ત્યારે બાપાશ્રી અજાણ્યા થકા પૂછવા લાગ્યા જે, પુરાણી ! એ કરજીસણ કયું ? ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ કહ્યું જે, બાપા ! શ્રીજીમહારાજે ગુજરાતમાં કરજીસણ અને ડાંગરવામાં ગોવિંદભાઈ તથા જતનબાને ત્યાં બહુ લીલાઓ કરી છે તે. આપ પણ ત્યાં પધાર્યા હતા. તે આપનાં દર્શનથી સૌ સુખિયા થયાં છે, એમ કાગળમાં લખે છે. ત્યારે બાપાશ્રી કહે, હા, હવે યાદ આવ્યું. અમે મૂળીનો યજ્ઞ થયો ત્યાર પછી કરાંચી ગયા હતા. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કરજીસણ હતા, ત્યાંથી તેમના કાગળો આવતા જે, વળતાં અહીં જરૂર પધારજો. પછી અમો કરાંચીથી વળ્યા ત્યારે સ્વામીશ્રીને, અમારા દેશમાં આવ્યાનાં ખબર પડવાથી તાર કર્યો ને સ્ટેશને સૌ સામા આવ્યા હતા. પણ અમો તે વખતે રોકાણા નહિ, પરબારા અમદાવાદ ગયા. ત્યાં સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતો તથા ત્યાંના પાંચ-છ હરિભક્તો પણ સાથે આવ્યા હતા. પછી અતિ હેત જણાવીને અમને તેડી ગયા. તેમાં સોમાભાઈ, હરજીવનદાસ, નારણદાસ, ભાઈચંદ, મોહનભાઈ, ઈશ્વરભાઈ આદિક હરિભક્તો ડાંગરવે ગાડાં લાવી કરજીસણ તેડી ગયા હતા. ત્યાં ભારે ધામધૂમ કરી મહારાજનાં ચરણારવિંદ પધરાવ્યાં. પછી ત્યાં અમે ઠાકોરજીને જમાડ્યા, તેથી સર્વેને આનંદ આનંદ થઈ રહ્યો. પછી ગોવિંદજીભાઈના માઢમાં મથુરભાઈના ઘેર થઈ સોમાભાઈ તથા મણિભાઈ આદિક ઘણા હરિભક્તો પોતપોતાને ઘેર તેડી ગયા હતા. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી કહે, બાપા ! આ કાગળમાં તો એક હરિભક્તને ત્યાં તેમનો ઇચ્છિત મનોરથ આપે પૂરો કર્યો હતો તેવું લખે છે. ત્યારે બાપાશ્રી કહે, એ શું ? તે વખતે પુરાણીએ કહ્યું જે, આ કાગળમાં હરિભક્તો લખે છે કે, બાપાશ્રીને અમારાં સૌ હરિભક્તોના દંડવતે સહિત જય સ્વામિનારાયણ કહેશો અને સાથે એટલી યાદી આપશ્રીને આપવા તેમની વિનંતી છે જે, એક હરિભક્તે પોતાને ત્યાં દીકરા થવાનું માગેલ; ત્યારે આપ એમ બોલ્યા હતા જે, અમે તો મહારાજની મૂર્તિ આપીએ છીએ. દીકરાનું તો શ્રીજીમહારાજની મરજી પ્રમાણે થાય. તો પણ તેમણે ફરીવાર પ્રાર્થના કરેલી, જેથી આપે કહ્યું હતું જે, અમારે વચને તમારો સંકલ્પ મહારાજ પૂરો કરતા હોય તો અમે રાજી છીએ. ત્યારપછી તે હરિભક્તનો મનોરથ મહારાજે પૂરો કર્યો છે. એ યાદી આપીને આપને તેમણે જય સ્વામિનારાયણ કહેવાનું લખ્યું છે. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, જુઓને ! આ લોકનાં કેવાં તાન છે ? આવું હેત મહારાજની મૂર્તિમાં હોય તો કાંઈ વાંધો રહે નહીં. આ સમે મહારાજે કોઈ વાતે સુખ આપવામાં મણા રાખી નથી. મોટા મોટા સંતો તથા સ્થિતિવાળા હરિભક્તો તો મૂર્તિમાં ગુલતાન જ રહે છે. પણ ઉત્તમ સ્થિતિને ન પામ્યા હોય તે આવા લૌકિક પદાર્થમાં સુખ માને તોપણ સત્સંગમાં જેનો જન્મ આવે તેનાં મોટાં ભાગ્ય ! કેમ કે આ સત્સંગ દિવ્ય છે, તેથી મહારાજ તથા મોટા મુક્તનો જોગ અહીં તરત મળે. એમ કહી પોતે ઠાકોરજીને થાળ જમાડવા ઘેર પધાર્યા. ।। ૧૧૨ ।।
વાર્તા ૧૧૩
કારતક સુદ ૮ને રોજ સવારે બાપાશ્રી નાહી, પૂજા કરી ઠાકોરજીનાં દર્શન કરી ઘેર ગયા; થોડી વાર પછી સભામાં પધાર્યા. પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ અમદાવાદનું ૭મું વચનામૃત વાંચ્યું, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાં તો મહારાજ કહે છે કે,“સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કર્તા હું જ છું તથા અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. અને મારે પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે તથા સૂર્ય, ચંદ્ર, તારા આદિ મારે તેજે તેજાયમાન છે તથા અનંતકોટિ બ્રહ્માંડનો આધાર ને સર્વનો કારણ હું જ પુરુષોત્તમ છું. મારા વિના બીજો કોઈ મોટો દેખ્યો નહીં. એવો સર્વોપરી હું તે મારે વિષે આમ સમજીને નિશ્ચય કરે તો તે નિશ્ચય ડગે નહીં.” આમાં તો શ્રીજીમહારાજ સર્વના કારણ થયા. તોપણ જેને આવો મહિમા સમજાતો નથી તે બીજા અવતારનું તથા સર્વોપરી પુરુષોત્તમનારાયણનું ભેળું ને ભેળું વર્ણન કરે છે. પણ ક્યાં મહારાજ ને ક્યાં અવતાર ! શ્રીજીમહારાજની કોઈ જોડ નથી. એમના જેવા તો એ એક જ છે. “આ મૂર્તિ સૌથી નોખી આચરજકારી છે” તથા “જોવા રાખી નહિ જોડ પુરુષોત્તમ પ્રગટી” એવી એ કારણ મૂર્તિ છે. મહારાજને સર્વના કારણ, સર્વના નિયંતા, સર્વોપરી, સર્વાધાર જાણ્યા વિના જીવનો આત્યંતિક મોક્ષ ન થાય. એટલા માટે શ્રીજીમહારાજ કહે છે કે, શ્વેતદ્વીપ તથા ગોલોક, વૈકુંઠ, બદરિકાશ્રમ આદિ ધામોની સભા કરતા આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશે પ્રકાશે યુક્ત દેખું છું એમાં જો લગાર પણ મિથ્યા કહેતાં હોઈએ તો આ સંત સભાના સમ છે. આવી રીતે મહારાજે સમ ખાધા છે તોય કેટલાક નવા આદરવાળા અવતાર-અવતારીની વાત સમજી શકતા નથી અને મોટા મુક્ત દયા કરી સમજાવે છે તે સમજતા નથી, પણ જો આ અમદાવાદનું ૭મું વચનામૃત વાંચી મનન કરે તો સમજાય તેવું છે.
પછી સોની મગનભાઈએ પૂછ્યું જે, બાપા ! આપણા દેશમાં ૨૭૩ વચનામૃત છે અને વરતાલ દેશની પ્રતમાં ૨૬૨ છે, તે ૧૧ વચનામૃત એ દેશની પ્રતમાં ઓછાં કેમ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પહેલાં ૨૬૨ વચનામૃત હતાં તે જ્યારે સભામાં વંચાવા માંડ્યાં; ત્યારે અમદાવાદના કુબેરસિંહ છડીદારે ધર્મધુરંધર આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કહ્યું જે, મહારાજ ! આ શું વંચાય છે ? ત્યારે તેમણે કહ્યું જે, શ્રીજીમહારાજે જે જે ગામમાં વાર્તાઓ કરેલી તે મોટા સદ્ગુરુઓએ લખી હતી. તે બધી ભેગી કરીને શ્રીજીમહારાજનાં વચનામૃત લખાયાં છે, તે વંચાય છે. ત્યારે કુબેરસિંહજી છડીદારે કહ્યું જે, અહીં શ્રીજીમહારાજે જે જે વાતો કરેલી તથા તે વખતે જે જે પ્રશ્નો મેં પૂછ્યા હતા તેના મહારાજે પ્રસન્ન થઈને ઉત્તર કરેલા, તે વાતો મેં પણ લખી રાખી છે. પછી જેતલપુરના આશજીભાઈએ પણ એમ જ કહ્યું જે, મહારાજે જેતલપુરમાં તથા અસલાલીમાં વાતો કરેલી તે મારા પાસે લખેલી છે. પછી તે બંનેને આચાર્યજી મહારાજે કહ્યું જે, તમે તે વાતો અમારી પાસે લાવો. પછી તરત જ તેમણે લખેલી વાતોના ખરડા મહારાજશ્રીને આપ્યા. તેમાં ચમત્કારી પ્રશ્નોત્તર જોઈ ધ.ધુ. અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા મોટા સંતો રાજી થયા ને કહ્યું જે, તમે આ વાતો લખી તે બહુ સારું કર્યું. પછી તેમાંથી એ સંતો પાસે વાતો એકંદર કરાવી તેનાં ૧૧ વચનામૃત થયાં. પછી ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીએ વરતાલ મંદિરમાં પત્ર લખ્યો ને કહેવરાવ્યું જે, આપણે વચનામૃતો તૈયાર કર્યાં છે તે ઉપરાંત અમને અહીંથી આ રીતે ૧૧ વચનામૃતો થયાં તેટલા ખરડાઓ મળ્યા છે, તેમાં શ્રીજીમહારાજનું સર્વોપરીપણાનું વર્ણન સારું છે, તેથી તમો એ વચનામૃત ૧૧ લખી લો ને તેમાં કાંઈ ફેરફાર ન કરશો. કેમ કે તેમાં મહારાજનો સર્વોપરી ભાવ તથા શ્રી નરનારાયણ નામથી મહાત્મ્ય કહેલ છે. ત્યારે વરતાલથી ધર્મધુરંધર આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે સંતોને પૂછીને તે ૧૧ વચનામૃતો જેમ બીજાં વચનામૃતો શોધ્યાં હતાં તેમ શોધીને નાખવા ઇચ્છા જણાવી. પછી અમદાવાદથી આચાર્ય મહારાજનો બીજો પત્ર ગયો જે આમાં શ્રીજીમહારાજે પોતાનું પુરુષોત્તમપણું વર્ણવેલું છે તેથી તેમાં શોધવાની જરૂર જણાતી નથી. એવો અહીં મોટા મોટા સંતોનો અભિપ્રાય છે, તેથી અમોને એ વચનામૃતમાં કાંઈ શોધવા જેવું જણાતું નથી. માટે તમો એ વચનામૃતો જેમ છે તેમ જ લખો તો ઠીક. ત્યારે વરતાલથી આચાર્યશ્રીનો જવાબ આવ્યો જે અમે તો શોધ્યા વિના જેમ છે તેમ ઠીક લાગે તો લખીએ; કેમ કે બીજાં વચનામૃતો શોધાયાં છે તેથી આ વધારાનાં શોધવાં પડે. પછી અમદાવાદથી આચાર્યજી મહારાજે જાણ્યું જે, આ વચનામૃતોમાં જે સર્વોપરીભાવ છે તથા શ્રીજીમહારાજ સર્વના કારણ છે એવું શ્રીમુખે બોલ્યા છે તેવાં વચનથી આગળ ઘણો સમાસ થશે, એમ જાણી મોકલ્યાં નહીં. તેથી તે દેશની પ્રતમાં એ ૧૧ વચનામૃતો લખાયાં નથી એમ અમે મોટા સંતો પાસેથી સાંભળ્યું છે. એ ૧૧ વચનામૃતમાં વાતો ચમત્કારી થઈ છે, કેમ જે તેમાં શ્રીજીમહારાજ સ્વયં પુરુષોત્તમનારાયણ તેવું સ્પષ્ટ વર્ણન છે. માટે આપણા દેશની પ્રતમાં એ ૧૧ વચનામૃત વધારે છે. તેને કેટલાક સમજ્યા વિના નવાં કહે છે, પણ એવું કહેનારા આવી વાત જાણે તથા એ વચનામૃતો વાંચે-વિચારે તો શ્રીજીમહારાજનો મહિમા વધુ સમજાય તેવું છે. ।। ૧૧૩ ।।
વાર્તા ૧૧૪
કારતક સુદ ૧૦ને રોજ સવારે ગામ શ્રી કેરાના મંદિરમાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ ગામમાં સાત કુંડ છે. તે ગંગાએ શ્રીજીમહારાજે એક મહિનો લાગટ કથા કરી હતી. અને આ ગઢમાં સદાબા રહેતાં હતાં તે મહાસમર્થ હતાં. તેમણે અને માનકુવાના અદાભાઈએ કથા (પારાયણ) કરાવી હતી. વળી એ સ્થળે સદ્. સ્વામી નિર્ગુણદાસજીએ પણ આવીને, સભા કરીને મહારાજના સર્વોપરીપણાની તથા લીલાચરિત્રની બહુ વાતો કરી હતી. તે વખતે એક બાવો આ ગઢના તિલાટનો માનીતો હતો, તે સંવાદ કરવા લાગ્યો. તેને સ્વામીશ્રી શાસ્ત્રનાં વચનોથી સમજાવતા હતા, પણ તે સમજે નહીં. પછી પુરાણી દેવચરણદાસજી શ્લોક બોલ્યા, ત્યારે તેણે કહ્યું જે, તમે ન બોલો. તમારું પ્રમાણ નહિ કરું. આ બુઢ્ઢા સ્વામી ભલે બોલે, પછી સ્વામી સાથે સંવાદ કરતાં કરતાં મિથ્યા જ્ઞાનીની પેઠે બ્રહ્મ નિરૂપણ કરવા લાગ્યો જે, બ્રહ્મ તો નિર્ગુણ હે, ઉનકું કોઈ પાપ-પુણ્ય નહિ હે. પછી તો છકમાં બોલવા લાગ્યો જે, “મા કોન હૈ ? બાપ કોન હૈ ? બહેન કોન હૈ ? સ્ત્રી કોન હૈ ? સબહી કા સરખા આકાર હૈ. પથ્થર મેં ઔર મૂર્તિ મેં ક્યા ભેદ હૈ ?” પછી સ્વામીએ કેટલાંક શાસ્ત્રનાં પ્રમાણ આપી પકડ્યો. તેથી તે કાંઈ બોલી શક્યો નહીં. પછી સ્વામીશ્રીએ તિલાટને કહ્યું જે, જુઓ ! આ તમારા ગુરુ. એના બોલ કેવા છે ? એણે તો બધુંય બોળ્યું. પછી તે તિલાટને પણ રીસ ચડી, તેથી તેને કાઢી મૂક્યો. જગતમાં આવા મિથ્યા જ્ઞાનીને પણ કેટલાક વળગે છે. આપણા ઉપર તો ભગવાને બહુ દયા કરી છે, તેથી સુખિયા છીએ. મહારાજનો મહિમા તથા પ્રતાપ જાણે તેને સુખ બહુ આવે. જુઓને ! શ્રીજીમહારાજ પૂર્વમાં પ્રગટ્યા અને પશ્ચિમમાં આવીને રહ્યા. વળી દેશોદેશમાં ફરી અનંત જીવો ઉપર અપાર કરુણા કરી તેમનો ઉદ્ધાર કર્યો. એ કેવડી મોટી દયા કહેવાય ! ।। ૧૧૪ ।।
વાર્તા ૧૧૫
કારતક સુદ ૧૧ ને રોજ ગામ શ્રી કેરાના મંદિરમાં સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. તે સમયે મનજી હરજી પાંચાણી એમ બોલ્યા જે, બાપા ! આપણે શું થઈએ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમને મનુષ્ય જેવા જાણો તો અમે કુટુંબી થઈએ, અને જેવા છીએ તેવા જાણો તો સર્વના સ્વામીશ્રી પુરુષોત્તમ ભગવાન તેમની મૂર્તિમાં જ રસબસ છીએ. અમે જીવોને એ મૂર્તિના સુખમાં રાખવા આવ્યા છીએ, પણ અમે કોઈના બાપ, દીકરા કે સંબંધી નથી. અમે તો અનાદિમુક્ત જ છીએ. અમારી આ લોકમાં કોઈ જોડ નથી. એમ પોતાનો અલૌકિક દિવ્યભાવ જણાવ્યો. પછી બાપાશ્રી કુંવરજીભાઈની વાડીએ નાહવા પધાર્યા અને સંતોને કહ્યું જે, તમે જમીને ત્યાં આવજો. બાપાશ્રી નાહીને કુંવરજીભાઈની વાડીએ બેઠા હતા, તે વખતે વૃષપુરથી ભૂજના સ્વામી ભક્તિપ્રિયદાસજી તથા શ્રીવલ્લભદાસજી આદિ સંતો આવ્યા. તેમણે પૂછ્યું જે, બાપા ! આપની અમોએ માંદાઈ સાંભળી હતી, તે હવે આપને શરીરે કેમ છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે માંદા નથી. માંદા તો દેહધારી હોય. અમે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા સદાય સુખ લઈએ છીએ. અમને જે ઓળખે તેને પણ એવા જ સુખિયા કરીએ છીએ. તમે સૌ અમારા જેવા સુખિયા રહેજો. કેટલાક અમારે વિષે મનુષ્યભાવ પરઠીને દુઃખિયા થાય છે તેવું કોઈ કરશો મા. અમે તો સદાય મહારાજની મૂર્તિમાં રસબસ છીએ. તેના સ્વામિનારાયણ સાક્ષી છે. અને જે અમારી સામે દૃષ્ટિ રાખશે તેને પણ મૂર્તિને સુખે સુખિયા કરીશું, એમ કહીને પછી સંતોએ સહિત મંદિરમાં પધાર્યા. ।। ૧૧૫ ।।
વાર્તા ૧૧૬
કારતક સુદ ૧૩ને રોજ વૃષપુરના મંદિરની મેડી કરવાનું કામ ચાલતું કરવા સાધુ ભક્તિપ્રિયદાસજી આદિ સંતમંડળ ભૂજથી આવેલા અને પુરાણી કેશવપ્રિયદાસજી પણ ત્યાં રહેતા હતા, તેમણે તથા હરિભક્તોએ વિચાર કરી બાપાશ્રીને માણસ મોકલી તેડાવ્યા, તેથી તરત સૌ હરિભક્તોને રાજી કરી બાપાશ્રી વૃષપુર આવ્યા. સવારે ઓસરીમાં સંત-હરિભક્તોની સભા બેઠી હતી. તે સૌ ઊઠીને મળ્યા. પછી બાપાશ્રીને સંતોએ વાત કરી જે, હવે મેડીનું તથા કૂવો ફેરવવાનું કામ ચાલતું કરવું છે તો આપની મરજી થાય તેમ કરીએ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ મંદિરમાં જે જે કામ થયાં તેમાં આપણને બધાયને સરખી જ લાગણી છે, ને અહીં સત્સંગ સારો છે, હરિભક્તો પણ બનતી સેવા કરશે. માટે મેડી તથા મંદિર બહુ સારું થઈ જશે, કૂવો અહીં છે તે આગળ કરવો. હવે તમો બધા મૂર્તિ ધારીને કામ ચલાવો. મહારાજ તથા મોટા મોટા સંતોએ મંદિરોની સેવાનો મહિમા બહુ કહ્યો છે, તેથી સૌ હરિભક્તો સેવામાં બને તેટલો લાભ લેજો. અમે પણ થાશે તે કરશું. આપણે અવરભાવમાં મંદિર તે અક્ષરધામ ને માંહી મહારાજ બિરાજે છે તે અક્ષરધામના ધણી. પરભાવમાં તો શ્રીજીમહારાજે દયા કરી મૂર્તિમાં રાખ્યા ત્યારથી અનંત મુક્ત સહિત મહારાજ ભેગા ને ભેગા છે એમ જાણી આનંદમાં રહેવું, એમ વાત કરી.
પછી જ્યારે કૂવો ફેરવવાનું કામ ચાલતું કર્યું ત્યારે બાપાશ્રી ઓસરીમાં બેઠા હતા, તે હરિભક્તો પાસે બોલ્યા જે, જેમ કૂવામાં પાણી ખારું-મોળું કે મીઠું એમ જુદા જુદા પ્રકારનું નીકળતું જણાય છે, તેમ પાત્રની તારતમ્યતાએ સુખમાં ફેર પડે છે. એવી જ રીતે મોટા મુક્ત, સંત તથા હરિભક્ત જુદા જુદા જણાય છે. સર્વેને કારણ મૂર્તિ એક જ છે, તોપણ સુખભોક્તામાં ભેદ પડે છે તે પાત્રપણાનો છે. કેમ કે સૌ એક મૂર્તિમાંથી જ સુખ ભોગવે છે. માટે ઉત્તમ પાત્ર થવું ને અનાદિનો જોગ કરવો. કેમ જે અનાદિમુક્ત તો રસબસભાવે સુખ લીધા જ કરે છે. તેમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં. માટે એવા ઉત્તમ જોગથી ઉત્તમ પાત્ર થવાય.
પછી મેડીનું કામ ચાલવા માંડ્યું. ત્યારે બાપાશ્રી ક્યારેક ઓસરીમાં આસન કરતા, મંદિરને ખૂણે મોદ બાંધેલી હતી ત્યાં પણ બેસતા. સવારે, બપોરે વચનામૃત વંચાય. પુરાણી વચનામૃત વાંચે ત્યારે બાપાશ્રી વાતો કરતા. કામ કરનારા સૌ નાના-મોટાને બાપાશ્રીને રાજી કરવાનું તાન અને બાપાશ્રી પણ હરિભક્તો પર ઘણી પ્રસન્નતા જણાવતા હતા. એક દિવસ સભામાં એમ વાત કરી જે, તમે કામ કરો છો તે મૂર્તિમાં વૃત્તિ રાખીને કરજો. સર્વેના કારણ શ્રીજીમહારાજ છે તે કારણ સામી નજર રાખવી. મહારાજે આ લોકમાં દર્શન આપી અક્ષરધામ તુલ્ય સુખ વર્તાવી દીધું છે. તમે સેવા કરો છો તે મહારાજ જોઈ રહ્યા છે. પછી સંતોને કહ્યું જે, તમારા દાખડા પણ ઘણા છે. પછી એમ બોલ્યા જે, અહીં જે જે સેવા કરે છે તેના પર મહારાજ અમૃત નજરે જુએ છે, અતિ રાજી થાય છે. જેને એવો દિવ્યભાવ હોય તેને તો મહારાજ સદાય પ્રગટ છે. ‘જ્યાં દેખું ત્યાં રામજી બીજું કાંઈ ન ભાસે’ એવું અ.મુ. સદ્. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે તથા “રસબસ હોઈ રહી રસિયા સંગ” એવાં વચન મૂર્તિ આકારે દૃષ્ટિ થઈ હોય તેને સમજાય છે; બહાર દૃષ્ટિવાળાને એવું પ્રગટપણું જણાય નહિ, માટે અંતરદૃષ્ટિ રાખવી. મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહીં. આપણે એક કારણનું કામ છે. ।। ૧૧૬ ।।
વાર્તા ૧૧૭
કારતક વદ ૨ને રોજ સવારમાં વચનામૃતની કથા થતી હતી ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, મહારાજ ને મોટા રાજી થાય તો જરાક વારમાં કામ થઈ જાય, તે વિના નકરાં સાધનથી લાખો-કરોડો જન્મે કામ થાય નહીં. મોટા અનાદિની વાત નોખી છે; એ તો મૂર્તિમાં સળંગ રહ્યા છે, તોપણ મહારાજે માયાનું બળવાનપણું કહ્યું, ત્યારે મુક્તાનંદ સ્વામી જેવાને પણ એના પ્રસંગે ઠેકાણું રહે કે ન રહે એવું એનું પ્રધાનપણું જીવોને સમજાવવા કહ્યું છે. પણ મોટા તો સદાય નિર્લેપ છે. કેમ કે કાળ, કર્મ ને માયાનો ભગવાનના ભક્તને માથે હુકમ નથી તો આ તો મૂર્તિમાં રસબસ રહેનારા અનાદિમુક્ત તેને શું હોય ? પણ જ્યારે જીવોને એવી વાત સમજાવવી હોય ત્યારે મહારાજ મોટા મોટા મુક્તનાં નામ લઈને વાત કરતા એમ જાણવું. મોટાની છાયામાં રહે તેને પણ માયા નડી શકે નહિ તો એવા મોટાની તો વાત જ શી કહેવી ? જીવને ઘાટ-સંકલ્પ નડતા હોય તો મહિમાએ સહિત ગદ્ગદ કંઠે થઈને મહારાજ તથા મોટા મુક્તને પ્રાર્થના કરે તો ટળી જાય. જેમ નોળિયો નોળવેલ સૂંઘી આવે તો સર્પનું ઝેર ઊતરી જાય છે, તેમ આ લોકમાં મોટપ, સારપ, કામ, ક્રોધ આદિ કોઈ વસ્તુ જ નથી. મોટપ ને સારપ તો એક મહારાજની મૂર્તિમાં જ છે. શીતળતા વગેરે ગુણ પણ એમાં જ છે; પણ જેને મહિમા હોય તેને ખબર પડે. શ્રીજીમહારાજ તથા મૂર્તિમાં રહેનારા મુક્ત એ બે અનાદિ છે. મહારાજની વ્યતિરેક સાક્ષાત્ મૂર્તિનું સુખ આપણને મળ્યું છે. તે એવા અનાદિમુક્તની કૃપાએ મળ્યું છે. તપથી કે સાધનથી એ સુખ મળે તેવું નથી. આ કાંઈ થોડી વાત ન કહેવાય. મોટાને પ્રતાપે આપણો તો ખરેખરો આત્યંતિક મોક્ષ થઈ ગયો છે એમ જાણી મૂર્તિમાં સળંગ જોડાય તો સુખની ધારાઓ છૂટે. “અમૃતના સિંધુ ઊલટ્યા, રંગડાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી” એવું છે. આ તો દિવ્ય મૂર્તિ ને અલૌકિક પ્રાપ્તિ છે. માટે એ મૂર્તિને મૂકીને શાસ્ત્ર ભણે, કથા-કીર્તન કરે તોપણ મોટા સંતે દિનકઢણી કહી છે.
પછી એમ બોલ્યા જે, પાણો હોય તે અગ્નિથી શેકાઈ જાય છે ને પાણી અડે એટલે ચૂરેચૂરા થઈ જાય છે અને ઔષધિમાં પણ એવો ચમત્કાર છે, જે સોના આદિક વસ્તુને ગાળીને શુદ્ધ કરી નાખે છે. તો આ તો સર્વોપરી ભગવાન અને સર્વોપરી મુક્ત મળ્યા છે. તોપણ અંતર ગળતું નથી, તેનું કારણ જે મહારાજનો તથા અનાદિમુક્તનો જેવો છે તેવો મહિમા જાણ્યામાં આવ્યો નથી. ને સર્વોપરી ભગવાન તથા મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવનારા અનાદિમુક્ત તેમની ઓળખાણ થઈ નથી. કદાપિ ઓળખાણ થઈ છે તો તે સંગાથે જીવ જોડ્યો નથી. તે જો મન, કર્મ, વચને જીવ જોડે તો કાંઈ ખામી રહે નહીં. જેટલી ખામી રહે છે તેટલી જીવ જોડવામાં તથા આજ્ઞા પાળવામાં કસર છે તેથી અંતર ગળતું નથી. કેમ કે અગ્નિ તથા ઔષધિ તે તો જડ છે તોય સોના આદિકનો મેલ મુકાવી દે છે. તો આ તો દિવ્ય મહારાજ ને દિવ્ય મુક્ત તે શું ન કરે ? પણ અંતરાય રહે છે તેથી જેમ છે તેમ સમજાતું નથી, માટે સાચે ભાવે જોડાવું. પછી એમ બોલ્યા જે, સાંખ્ય ને યોગ તે શું ? તો શ્રીજીમહારાજ વિના સર્વે ખોટું જાણવું તે સાંખ્ય અને મહારાજની મૂર્તિમાં રસબસ રહેવું તે યોગ. ।। ૧૧૭ ।।
વાર્તા ૧૧૮
સાંજે સંત ગોડી બોલ્યા, તેમાં “ત્રિગુણાતીત ફીરત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી; જગત મેં સંત પરમ હિતકારી.” તે ટૂંક બોલી રહ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સંતો તમારી તો રીત ન્યારી છે. અમારે વ્યવહારમાર્ગમાં કુટારા ઘણા. આજ તો અમે ઘેર છોકરાંને કથામાં મોડાં આવે છે તેથી વઢ્યા તે જરા ગુણમાં આવી ગયા. ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી કહે, બાપા ! આપ તો સદાય નિર્ગુણ છો. આપના જોગે અનેક નિર્ગુણ થઈ જાય છે, તો તમારે ગુણમાં આવવાનું શું હોય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ તો અમે ગુણમાં આવીને કોઈને ન વઢવું એવી ભલામણ કરીએ છીએ. અમે તો મૂર્તિ વિના બીજું કાંઈ રાખ્યું નથી ને રાખવુંય નથી. મહારાજના અનાદિમુક્ત તો મૂર્તિના સુખરૂપ અમૃત વિના બીજો આહાર કરતા જ નથી. તેમની સામર્થી અપાર છે, પણ જીવને ખબર પડે નહીં. મહારાજે તો રાજાનું રાજ્ય તેટલું રાણીનું રાજ્ય કહ્યું છે. તોપણ અનાદિ મહામુક્તરાજ ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીને સત્સંગમાં કેટલાક મૂળઅક્ષર નામે કહે છે. તેમ કહેવાનું તાન એ છે કે બીજા મુક્ત અક્ષર ને આ તેમનાથી મોટા એટલે મૂળઅક્ષર.
વળી કેટલાક તો સમજ્યા વિના એમ બોલે છે જે, અક્ષર વિના પુરુષોત્તમ પમાય નહીં. સ્વામી અને નારાયણ એમ જુદું જુદું નામ છે તે મહારાજે અક્ષર-પુરુષોત્તમનું ભજન કરાવવા ભેળું કરેલ છે. આવા પોતાના ઠરાવે મહિમા સમજાવવા જાય છે અને કહે છે કે બધાય અવતારને જોડ ને મહારાજને જોડ નહીં ! એવી સમજણ બંધ બેસારે છે. પણ તે જો મહારાજનો મહિમા મોટા અનાદિ થકી સમજે તો આપણે કહીએ છીએ તેથી મોટપ વધે છે કે ઘટે છે તેની ખબર પડે. મહારાજના અનાદિમુક્તને તો મહારાજરૂપ જ કહેવાય. મહારાજનું તેજરૂપ ધામ તો સર્વત્ર પૂર્ણ સચ્ચિદાનંદપણે અખંડ છે. મહારાજ તે તેજના કારણ એટલે જ્યાં મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. એ મૂર્તિ અખંડ અનાદિ છે તેથી તે મૂર્તિમાં રસબસ રહેનારા મુક્તોને મહારાજથી પૃથક્ જે જે ઉપમા દેવાય તે અધૂરી જ છે. મહામુક્તને તો એક શ્રીજીમહારાજ જ છે, તેથી તે મૂર્તિરૂપ છે. અને ‘જોવા રાખી નહિ જોડ પુરુષોત્તમ પ્રગટી.’ ક્ષર-અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહેનારા મહારાજ તેથી તેમને મહારાજની જોડે ગણાય નહીં. જો એમ એ કહેતા હોય કે અમે તો અક્ષર દરજ્જાવાળાને નથી કહેતા તો મહારાજના અનાદિ મહામુક્ત તો મહારાજની મૂર્તિથી પૃથક્ રહેતા નથી. “રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણાકંદ” એ દિવ્ય મૂર્તિના મહારસનું સદાય પાન કરનારા છે. એ દિવ્ય સુખના જ ભોગી છે. અનાદિ મહારાજ એટલે એ પણ અનાદિ, તેને જે જે બીજી ઉપમા દેવાય તે ઓછી છે. આવા જે મહા અનાદિ તે તો મહારાજની મૂર્તિમાં સુખભોક્તાપણે રસબસભાવે રહ્યા છે. અને પરમએકાંતિક સન્મુખ રહ્યા છે, તેને પણ સર્વ મુક્તથી અધિક આ મુક્ત એમ નથી. સર્વ મુક્તોને સર્વોપરી એક મૂર્તિ જ છે ને મુક્તોને તો એ મૂર્તિના સુખમાં ક્યારેય પાર પામવાપણું નથી, સદાય અપાર ને અપારપણું છે. એવો મહિમા જેને સમજાય તેને એ મૂર્તિ વિના બીજા કોઈનો ભાર રહે નહીં. ।। ૧૧૮ ।।
વાર્તા ૧૧૯
કારતક વદ ૩ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, મહારાજની આજ્ઞામાં જે ખબડદાર ન રહે ને ઉપર ઉપરથી મોટા મુક્ત પાસે આવે-જાય ને પ્રાર્થના કરે તેથી તેનું કામ થાય નહીં. એ તો જ્યારે મહારાજને તથા મોટા અનાદિને અંતર્યામી જાણી તેમનાં વચન સામી સૂરત રાખે તો મોક્ષ થતાં કાંઈ વાર ન લાગે. નહિ તો સો ગાઉ સામો ચાલીને આવે તોપણ મૂર્તિનું સુખ તેને મળતું નથી; માટે દેખાવનો સત્સંગ ન કરવો. મહારાજ તથા મોટાનાં વચન પ્રમાણે નિયમ, ધર્મ પાળ્યા વિના ચાલે નહીં. મોટા અનાદિમુક્ત તો બહુ દયાળુ હોય, તેથી મહારાજનાં વચનમાં વર્તે તેને તરત મૂર્તિમાં મૂકી દે છે. જીવને મોટાના સંબંધનું ફળ જતું નથી, પણ જેવું તેમના ગમતા પ્રમાણે રહે ને ફળ મળે તેવું ઉપરના દેખાવથી મળે નહિ. મોટાને વિષે હેત કરવું તેમાં પણ કોઈ વાતનો અંતરાય ન રાખે ને કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, કપટ એ સર્વેને મૂકીને દાસભાવે વર્તે તેને તો મહારાજ તથા મોટા અનાદિ પળમાં ન્યાલ કરી મૂકે. કેમ જે શ્રીજીમહારાજ ન્યાલકરણ છે, તેથી જીવના વાંક-ગુના સામું જોતા નથી, એવા દયાળુ છે, પણ મહારાજને તથા મોટા મુક્તને જીવ સોંપવો જોઈએ. તે વિના ત્રણ દેહનું આવરણ ઉલ્લંઘાય તેવું નથી. આવી વાતનો નામામેળ કરવો જોઈએ. મહારાજના તથા મોટા મુક્તના પ્રતાપે જ જીવોનો મોક્ષ થાય છે, તે વાતમાં કાંઈ સંશય નથી. તેથી મોટા મુક્તોએ શાસ્ત્રમાં લખ્યું જે, હરિ કાં હરિના મળેલાંનો ખપ કરવો જોઈએ. બહારદૃષ્ટિએ વર્તે ને સાધન ઘણાં કરે, પણ સમાસ થાય નહીં. અક્ષરધામ અંતર્વૃત્તિએ આ રહ્યું. બહારવૃત્તિએ લાખ મણ લોઢાનો ગોળો વાયુએ કરીને ઘસાઈ જાય એટલું છેટું કહ્યું છે, તેથી સાધને પાર ન આવે. માટે મૂર્તિ આકારે વૃત્તિ થાય ત્યારે અણુ જેટલું છેટું નહીં. એમ આજ શ્રીજીમહારાજ તથા મોટાને આશરે વધુ સુગમ છે. “ગાજવીજ ને વરસવું રે, અગમ સુગમ કર્યું સોય પુરુષોત્તમ પ્રગટી રે. સૌ જનને સુખ આપિયું રે, દુઃખી રહ્યું નહિ કોય... પુરુષોત્તમ પ્રગટી રે” એવું છે. શ્રીજીમહારાજ તથા મોટા મુક્તોએ અક્ષરધામમાંથી દયા કરી દર્શન આપ્યાં, એટલે જીવને આવો જોગ થયો. માટે એવા મોટાને ઓળખીને તેમની સાથે હેત કરીને વચનમાં વર્તે તથા અંતર્યામી જાણે અને તેમની ક્રિયા અલૌકિક સમજે તો મોક્ષ થતાં જરાય વાર નથી. આવી વાત જો ખરેખરી મનાય તો ટૂક ટૂક થઈ જવાય. માટે પાત્ર થઈને મહારાજ તથા અનાદિને રાજી કરવા ને પોતાને કરવાનું છે તેમાં કસર ન રાખવી. કેટલાકને આજ્ઞા-નિયમનો પત્તો હોય નહિ, ને આસુરી જીવ જેવી ક્રિયા કરતા હોય તેવા પણ ઉપરનો અટાટોપ રાખી આજ્ઞા પાળવાની બીજાને વાતો કરે. એવાને બહુ મોટી ખોટ આવે, માટે કોઈએ એવું ન કરવું. કેટલાક તો દ્રોહને માર્ગે ચડી જાય છે તે કોઈના સમજાવ્યા પણ સમજે નહિ, એવા જીવને મોક્ષમાર્ગમાં બહુ વિઘ્ન થાય. ફેર આવો જોગ મળવો દુર્લભ. અ.મુ. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે, મંદિર સોનાનાં થશે, પણ આવા કહેનારા નહિ મળે. તેમ કહેવાનું કારણ, એવા મોટા મુક્ત દુર્લભ છે. તેથી તેમની પ્રસન્નતા થાય એ માર્ગે ચાલવું. જો પ્રસન્નતા ન લઈ શકાય તોપણ અપરાધને માર્ગે ચાલી મોટા કચવાય એવું તો કરવું જ નહીં. જેમ વહાણ કાંઠે આવ્યું હોય, તેમ મહારાજ ને મોટા મળ્યા તેને એવું થયું છે. માટે આ ટાણે મોક્ષ સુધારી લેવો. ।। ૧૧૯ ।।
વાર્તા ૧૨૦
કારતક વદ ૪ને રોજ સવારે સભામાં પુરાણી કેશવપ્રિયદાસજી સંતના મહિમાની વાત કરતા હતા. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, પ્રથમ તો આસુરી જીવો સંતોને બહુ દુઃખ દેતા. તે જ્યાં જાય ત્યાં કોઈ મારે, કોઈ કાઢી મૂકે, કોઈ તિરસ્કાર કરે. ગામમાં મંદિર નહિ, તેથી જ્યાંત્યાં ઊતરવાનું હોય. વળી તે વખતે ત્રણ વર્ણની તૈયાર ભિક્ષા લેવાની આજ્ઞા હતી. તેથી જ્યાંથી મળે ત્યાંથી મહારાજને સંભારી જમી લેતા, પણ આવું સાનુકૂળ નહોતું. એક વખત કોઈ હરિભક્તે સાધુઓને જમાડવા બાજરાની ઘેંશ કરાવી. તે સાધુ જમવા બેઠા તેની કુસંગીને ખબર પડી, એટલે ત્યાં આવીને પથરા મારવા માંડ્યા. તેથી સાધુઓ જમતાં જમતાં ઊઠીને ભાગી ગયા, એવાં દુઃખ હતાં. રાજ્યમાં પણ કોઈ વાત સાંભળે નહીં. આજ તો મોટા મોટા મંદિરમાં રહેવાનું, નાહવાનું, જમવાનું સરખું, હરિભક્તો પણ બહુ બળિયા અને રાજ્ય પણ એવું જે કોઈ આંગળી ચીંધી ન શકે. અત્યારે તો એકલા છપૈયે ચાલ્યા જાઓ તોપણ કોઈ વાટમાં પૂછે નહીં. પ્રથમ તો એક ગામથી બીજે ગામ જવામાં વિચાર થતો. સાધુનાં મંડળ દેશમાં ફરીને આવતાં ત્યારે અજ્ઞાની જીવોએ આપેલાં દુઃખોની વાતો સાંભળીને મહારાજનાં નેત્રમાંથી આંસુ આવતાં. હવે તો સ્વામિનારાયણના સાધુને જુએ તો જાણે ભગવાનનાં દર્શન જેવો મહિમા, એવો મોટા સંતનાં વૃત્તાંતથી ભાર પડતો. પણ હવે પાછો કેટલાકને મહારાજનાં વચનમાં ફેર પડતો જણાય છે તેથી એકબીજાનાં રૂપ ઉઘાડાં થાય છે, ક્લેશ થાય છે. એ માર્ગ જ એવો છે. જેને આ દેહે એક મહારાજને રાજી કરી લેવા હોય તેને તો પોતાના ઠરાવ પડ્યા મૂકી શીળા થઈ જવું, તો મૂર્તિનું સુખ આવે. મહારાજ સર્વ કર્તા-હર્તા છે, અંતર્યામી છે, તેથી એ જે કરશે તે ઠીક જ કરશે. માટે સત્સંગમાં દાસપણું અને નિર્માનીપણું રાખવું અને ઢાળ પણ એવો જ પાડવો, તેમાં બહુ સુખ છે. એ ઢાળમાં મહારાજની પ્રસન્નતા વહેલી થાય છે. તે વિના તો હું અધિકારી, હું મહંત, હું કોઠારી એવું માન આવી જાય અને પક્ષા-પક્ષી વધે. આ જીત્યો ને આ હાર્યો એમ થાય; પણ ખરી હાર-જીત એ નથી. મહારાજ તથા મોટાને આશરે રહી તેમને રાજી કરે તેની જીત છે અને તે દિવ્ય મૂર્તિઓને ભૂલીને એ કુરાજી થાય તેવું કરે તેની હાર છે. જેને મૂર્તિનું સુખ લેવું હોય તેને તો બધી તાણાતાણ મૂકી મહારાજનું ધ્યાન કરવું. મૂર્તિનું સર્વે વાતમાં બીજ લાવવું. અમો ખેતરમાં પણ બીજ પ્રથમથી વાવી મૂકીએ; કેમ જે એ ખેતરનું કારણ ગણાય. તેમ શ્રીજીમહારાજને અનંતકોટિ બ્રહ્માંડ, અનંત અવતાર તથા અનંત મુક્તના કારણ જાણીને સર્વે વાતમાં એ મૂર્તિ મુખ્ય રાખવી; તે વિના કોઈથી આત્યંતિક મોક્ષ થાય તેવું નથી. એ મૂર્તિને લઈને જ બધાની મોટાઈ છે. શ્રીજીમહારાજે આપણો હાથ ઝાલ્યો છે તે મૂકે તેવા તો નથી પણ આપણે અહમ્-મમત્વ કરીને મૂર્તિથી જરાય જુદા ન પડવું. નહિ તો માયા ખિજાણી છે તે રૂપ ઉઘાડાં કરાવે. ।। ૧૨૦ ।।
વાર્તા ૧૨૧
કારતક વદ ૫ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૭૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં એમ આવ્યું જે, શ્રીજીમહારાજ જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ ને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ તથા પોતાનાં સર્વે ઐશ્વર્ય તે સહિત પધારે છે. તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, બાપા ! આ વચનામૃતમાં મહારાજ તથા મુક્ત પધારે છે, એ ભેગું અક્ષરધામનું નામ છે. એવાં વચનથી સત્સંગમાં કેટલાંક અક્ષરધામ એ અક્ષર અને મહારાજ તે પુરુષોત્તમ તથા ચૈતન્ય મૂર્તિ પાર્ષદ જે મુક્તો તે સહિત પધારે છે એમ કેમ સમજતા હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વરુણ ને જળ નોખું ન પડે, અગ્નિ ને પ્રકાશ જુદા ન રહે, સૂર્ય ને પ્રકાશનું પણ એમ જ; તેમ મૂર્તિ તેજોમય, તેથી તેજ જુદું ને મહારાજ જુદા એમ કેમ કહેવાય ? મહારાજ તેજનાં કારણ છે, એ તેજ દેખાડવું કે નહિ તે તેમની મરજી. શ્રીજીમહારાજની મોટપ જેવી છે તેવી જેના જાણ્યામાં આવે તે તો એમ ન કહે. કેમ જે મોટા મુક્તોએ મહારાજને સર્વોપરી, સર્વકારણ, સર્વાધાર લખ્યા અને એ બધી વાત સમજાવી છે તેવો મહિમા જેને સમજાણો હોય તેને તો ચોથા ભેદવાળા મૂર્તિમાન અક્ષર આદિ બીજા કોઈની મોટાઈ નજરમાં ન આવે. કેમ કે મૂર્તિ આકારે દૃષ્ટિ થાય તે તો આત્માના સુખે કરીને તથા અક્ષરના સુખે કરીને અકળાઈ જાય ને મૂર્તિ વિના રહી શકે જ નહીં. એવું અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામીએ ઘણું કહ્યું છે, પણ તે વિચારે તો ખબર પડે. મહારાજની મૂર્તિ પાસે અક્ષર આદિકની મોટપ શી ગણતીમાં ? એ તો રાજા ને ચાકરમાં ભેદ, સૂર્ય ને પતંગિયામાં ભેદ તથા ચંદ્ર ને તારામાં ભેદ, એવો ભેદ છે. શ્રીજીમહારાજ તો એ અક્ષરાદિક સર્વના નિયંતા ને પ્રકાશક છે. કેટલાક કહે છે કે, મહારાજ અક્ષરના આધારે રહ્યા છે, એવાને શ્રીજીમહારાજના મહિમાની શું ખબર પડે ? “જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે” એમ એ તો અક્ષરના અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે. મહારાજ ઘોડે બેઠા હોય ત્યારે ઘોડો મહારાજને ઉપાડીને ચાલે છે એવું દેખાય, પણ એ તો સર્વના આધાર છે; જેથી અક્ષરના આધારે મહારાજ રહ્યા છે એમ કહેનારાને મહારાજની મોટપ હાથ આવી જ નથી. શ્રીજીમહારાજ તો એ અક્ષરાદિક સર્વના આધાર છે. “અક્ષરના છો આત્મા રે, અનંત ભુવનના ઈશ.” એવી રીતે શ્રીજીમહારાજ સર્વના નિયંતા છે, આધાર છે, કારણ છે, સૌને પ્રકાશના દાતા છે. એમના તેજે અક્ષરાદિક સર્વે તેજોમય છે અને એ સર્વેને વિષે શક્તિએ કરીને અન્વયપણે રહ્યા થકા પણ પોતે તો પોતાના પ્રકાશરૂપ અક્ષરધામને વિષે સ્વતંત્રપણે રહ્યા છે. એ મૂર્તિને પામ્યા જે મુક્ત તે તો એ મૂર્તિના સુખભોક્તાપણે મૂર્તિમાં અખંડ રહ્યા છે. મૂળપુરુષ તથા અક્ષર એ આદિ સર્વના ભક્ત પરતંત્ર છે; અને શ્રીજીમહારાજના મુક્ત છે તે તો સ્વતંત્ર છે. તેમને તો એ કારણ મૂર્તિને સુખે જ સુખ છે. અનંતકોટિ બ્રહ્માંડના આધાર, સર્વોપરી, કારણમૂર્તિ, શ્રીહરિ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિના સુખ તુલ્ય કોઈ સુખ કહેવાય જ નહીં. માટે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયે કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં અતિ પ્રેમલક્ષણા ભક્તિએ સ્નેહ કરીને એ મૂર્તિના સુખમાં ગુલતાન રહેવું. પણ અક્ષર આદિકની મોટપ તથા સુખમાં લેવાવું નહીં. કેમ જે અક્ષર સૃષ્ટિ સમે મહાપુરુષ સામું જુવે છે, ત્યારે તે મહાપુરુષ માયાને પ્રેરવાને સમર્થ થાય છે. માટે તેના સુખનું અધિકપણું પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષાદિકને હોય. પણ જેને શ્રીજીમહારાજની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ છે, તે તો જ્યારે એ મૂર્તિના સુખનો વિચાર કરે ત્યારે એ અક્ષરનું સુખ પણ તુચ્છ થઈ જાય છે. માટે શ્રીજીમહારાજની મૂર્તિ તો અદ્વિતીય છે. તે મૂર્તિ પમાડવા અનાદિ મહામુક્ત વિના કોઈ અવતારાદિકની સામર્થી નથી. કેમ જે અવતારોનાં ધામ જુદાં છે ને મહામુક્તોને તો શ્રીજીમહારાજનો સાક્ષાત્ સંબંધ છે. અક્ષર, મૂળપુરુષ આદિકને તો મહારાજ પોતાની અંતર્યામી શક્તિએ કરીને પ્રકાશ કરે છે, પણ તેને બીજા કોઈ જાણી શકતા નથી. જેમ કોઈ પુરુષ બરછી કે તીર નાખે તે બરછી કે તીરમાં નાખવાની શક્તિ જાય ખરી, પણ હાથમાં જેટલી શક્તિ હોય તેટલી ન જાય, લેશમાત્ર જાય; તેમ તે શક્તિ પણ એવી અને પોતાને વિષે તો અપાર શક્તિ હોય. તેથી મહારાજે કહ્યું છે જે, ક્ષર-અક્ષરને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ. મોટાએ પણ એવું સમજાવ્યું. તોપણ જાણ્યા વિના અક્ષરના આધારે મહારાજ રહ્યા છે એમ જે કહે છે તેને શ્રીજીમહારાજના મહિમાની ખબર શું પડે ? અને મોટાપુરુષના સામર્થ્યની પણ શું ખબર પડે ? આપણે તો સદાય મૂર્તિમાં રહ્યા છીએ એમ જાણવું. શ્રીજીમહારાજને તથા મોટા મુક્તને જીવના પાત્રપણાની ખબર પડે, કેમ કે તેમને સર્વે વાત હસ્તામળ હોય, તેથી જીવને ધીરે ધીરે સમજાવવા પ્રથમ મહારાજે સત્પુરુષ રૂપે પોતાને ઓળખાવ્યા, પછી અવતાર રૂપે, પછી પોતે અવતારીપણે જણાણા. મુક્તોનું પણ એવું; નારદ, શુક, સનકાદિક તથા વ્યાસાદિક કહ્યા. કોઈને દત્તાત્રેય, કપિલજી જેવા, તો કોઈને અવતાર જેવા કહ્યા, પછી અક્ષરની ઉપમા આપી. પછી વળી સિદ્ધમુક્ત મૂર્તિની સન્મુખ રહી એકકાળાવિચ્છિન્ન મૂર્તિનું સુખ ભોગવે છે એમ જણાવી એકાંતિક, પરમ એકાંતિકમુક્તના નામે કહ્યા અને અનાદિ તો મૂર્તિમાં જ રસબસ રહ્યા છે તેમ પણ સમજાવ્યું. એ રીતે જેમ જેમ જીવો સમજતા ગયા તેમ તેમ મહારાજ તથા મોટા અનાદિમુક્ત સમજાવતા ગયા. કેટલાક એમ કહે છે જે, મોટાપુરુષોએ લખ્યું તે સાચું નહિ ને તમો કહો તે સાચું ? પણ તેને આવી વાતોની ખબર નહિ જે, મોટા મુક્તોએ તો ધીમે ધીમે પચ પડતું જાય તેમ વાતો કરી સમજાવ્યું છે અને જેમ છે તેમ પણ લખ્યું છે. “એક હરિજન પર્વતભાઈ આચરજકારી છે; સદા રહે મૂર્તિમાંહી આચરજકારી છે.” વળી “એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ રહ્યાં છે” એમ પણ લખ્યું છે તથા “જેમ જળ તરંગ નહિ ભેદ જુદા, તેમ તેજ અગ્નિ નહિ ભિન્ન તદા; એમ હરિ હરિજન છે એક સદા”, “રસબસ હોઈ રહી રસિયા સંગ” એમ મહારાજ તથા અનાદિની આવા દૃષ્ટાંતે એકતા બતાવી છે. તોપણ સદા સાકારપણું, સ્વામી-સેવકપણું, દાતા-ભોક્તાપણું ક્યારેય ટળતું નથી. તેથી આપણે તો કારણમૂર્તિને જ સર્વોપરી જાણી સુખિયા રહેવું. મહારાજ જેવા તો મહારાજ એક જ છે. તેથી જેને જેટલો મહારાજનો મહિમા સમજાય તેટલો તેને આનંદ આવશે તથા પ્રાપ્તિ થશે. ।। ૧૨૧ ।।
વાર્તા ૧૨૨
કારતક વદ ૬ને રોજ રાત્રે કથા પ્રસંગે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સત્સંગમાં આગળ મોટા મોટા મુક્ત હતા તે હવે જતા રહ્યા, એમ કેટલાક બોલે છે. તેને તો શ્રીજીમહારાજના પ્રતાપની ને મહિમાની ખબર નથી. કેમ જે મહારાજ તથા મોટા તો સદાય પ્રગટ પ્રમાણ છે. તેજોમય છે. દિવ્ય છે એવો દિવ્યભાવ આવવો જોઈએ. દિવ્યભાવ આવ્યા પછી આનંદ સમાય નહીં. અમારે અહીં એક સંતને છેલ્લી અવસ્થાએ દિવ્યભાવ આવી ગયો, એટલે આ ઓસરી, ઓરડી, ડેલી, મંદિર, ચારે તરફ તેજના ફુવારા છૂટ્યા ને તેજ તેજ થઈ રહ્યું. એ તેજમાં કૂંડાળા જેવો ચક થયો તે વચમાં શ્રીજીમહારાજ બિરાજેલા એવું દેખાણું. તે જોઈને તેમની સર્વે વૃત્તિઓ તદાકાર થઈ ગઈ, તેથી મૂર્તિમાં જોડાઈ ગયા, એટલે દિવ્ય દેહ થઈ ગયો. પછી હેતે કરીને મહારાજને મળ્યા. બીજા સાધુએ પૂછ્યું તો કહે, અહો ! શું મૂર્તિનું તેજ ! દેહધારી એ તેજ ઝીલી ન શકે. મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે તથા મૂર્તિને ફરતાં મુક્તની ઠઠ છે. તેજ શીતળ ને શાંત છે તેનું વર્ણન કેવું કરવું ! એમ બોલ્યા. એવા તેજોમય શ્રીજીમહારાજ આપણને મળ્યા છે તોપણ રાખનાં પડીકાં જેવા માયિક પદાર્થ માટે મારું-તારું થાય એ કેવું અજ્ઞાન કહેવાય ! મહારાજની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. અનંત બ્રહ્માંડમાં જે જે તેજોમય છે, તે મહારાજના તેજ વડે છે. એવા શ્રીજીમહારાજ આ લોકમાં પોતાનું તેજ-ઐશ્વર્ય ઢાંકી મનુષ્ય જેવાં દર્શન આપે છે. તોપણ તે તો જેમ છે તેમ ને તેમ જ છે. સાકરના નાળિયેરની પેઠે ત્યાગ-ભાગ નથી. મોટા મુક્તોએ એ મૂર્તિનો મહિમા જીવોને સમજાવવા અંગોઅંગની ઉપમા આપી તે મુખારવિંદ સૂર્ય-ચંદ્ર જેવું, નાસિકા પોપટની ચાંચ કે દીપકની સગ જેવી, હોઠ પરવાળા સમાન, દાંત દાડમના બીજની શોભા હરે તેવા, કંઠ કંબુ જેવો, ઉદર પીપળ પાન સમું, હાથ હાથીની સૂંઢ જેવા, નાભિ નૌતમ, કેડ કેસરી સિંહને મોહ પમાડનારી, સાથળ કેળના સ્તંભ જેવા, આંગળીઓના નખ લાલ મણિ જેવા, એમ ઉપમા આપી એ મૂર્તિનો મહિમા વર્ણવ્યો; કેમ કે જીવને ઝાઝું સમજવાની ગતિ નહિ તેથી એવી રીતે કહ્યું. શ્રીજીમહારાજે એક વખત સભામાં રમૂજ કરી કહ્યું જે, આવી ઉપમાથી અમારો મહિમા ન કહેવાણો, પણ જીવોને સમજાવવા અમને વગોવ્યા જેવું થયું. અને અમારા સંતને પણ નારદ, શુક, સનકાદિક, જડભરતની ઉપમા કેમ અપાય ? પણ મોટા મુક્તને એમ જે, જે તે પ્રકારે જીવને મૂર્તિમાં હેત થાય ને દેહ તથા માયિક પદાર્થમાંથી વૃત્તિઓ ઊખડે. તેમાં પણ જીવને મોટો કુસંગ તો આ દેહનો છે તે દેહભાવ ટળવો કઠણ છે. એ તો કર્મની કોટડી છે. તે દેહને લઈને જીવને ઘણા જન્મ ધરવા પડ્યા છે, પણ તેનો ઊંડો અભાવ થતો નથી ને મોઢેથી દેહ નાશવંત છે, અસત્ય છે, દુઃખરૂપ છે. એમ કહેવાય છે ને બીજાને સમજાવાય છે પણ પોતાને એ વાત પૂરી સમજાણી ન હોય. તેની ખબર કેમ પડે ? તો હમણાં પડખેથી સર્પ નીકળે તથા ઘર સળગ્યું હોય ને ફરતી ઝાળું નીકળતી દેખાય તે વચમાં પોતે રહી ગયો હોય અથવા પોતે વહાણમાં બેઠો હોય ને દરિયામાં સઢ ભાંગે ને વહાણમાં પાણી ભરાવા માંડે તે વખતે સમજણની ખબર પડી જાય. પછી બોલ્યા જે, આપણે તો એક મૂર્તિનું જ અનુસંધાન રાખવું, નહિ તો દેહનો મમત્વ મટે તેવો નથી. માટે દેહ, લોક, ભોગ, વિષય એ બધાંમાંથી વૃત્તિઓ ઉખાડી એક મૂર્તિ આકારે રહેવું. શ્રીજીમહારાજ સુખના નિધિ છે. જીવનદોરી છે. એ મૂર્તિને ચિંતામણિ, પારસમણિ, કલ્પતરુ એવી ઉપમા અપાય છે એ પણ ઘટતું નથી. તોપણ એથી વધુ શું કહેવું ? પરભાવમાં તો બોલવાનું રહેતું નથી. સિદ્ધદશાવાળાને તો મૂર્તિ જ દેખાય એટલે સર્વત્ર સુખ, સુખ ને સુખ જ છે. એમ વાતો કરતાં સમાપ્તિ કરી, હરિભક્તોને કેળાંની પ્રસાદી વહેંચી. ।। ૧૨૨ ।।
વાર્તા ૧૨૩
કારતક વદ ૭ને રોજ સભામાં નારાયણપુરવાળા ખીમજીભાઈ “આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે” એ કીર્તન બોલ્યા. પછી બાપાશ્રીએ સભામાં વાત કરી જે, આ સમયે તો જ્યારથી મહારાજ પ્રગટ થયા ત્યારથી શરદઋતુ બેઠી છે તે આનંદના ફુવારા છૂટ્યા કરે છે તેથી આવા જોગમાં જીવ બહુ સુખિયા થાય છે. જે જોઈએ તે આ સભામાં છે. મહારાજના સુખનો જેને અનુભવ થયો હોય તેને બીજું કાંઈ નજરમાં જ આવે નહીં. તે ઉપર વાત કરી જે, અ.મુ. સદ્. સ્વરૂપાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી દેશમાં ફરવા ગયા પણ ક્યાંય મૂર્તિ વિના મનુષ્ય દેખ્યા નહીં. તેમ આપણે પણ મહારાજ તથા આવી દિવ્ય સભા વિના બીજે ક્યાંય મનુષ્ય નથી એમ જાણી મૂર્તિમાં વળગી પડવું. આ સભામાં મનુષ્યભાવ પરઠી અવળા સંકલ્પ કરે તેને ઘણો વાંધો આવી જાય છે. તે ઉપર વાત કરી જે, જય-વિજય ભગવાનના ધામને દરવાજે હતા, પણ પોતાને માને કરીને ખબર ન રહી. તેથી સનકાદિકનું અપમાન કર્યું. પછી શ્રાપ થયો એટલે ત્રણ જન્મ અસુરભાવે ભજન કર્યું. ત્યાં સુધી દ્રોહનું ફળ ભોગવવું પડ્યું. માટે ભગવાનના ભક્તનો દ્રોહ કરે તેની આસુરી મતિ થઈ જાય છે, તેથી એ માર્ગે ચાલવું જ નહીં. આ સભામાં મહારાજ તથા અનાદિ બિરાજે છે. આ તો અક્ષરધામની સભા છે એવો દિવ્યભાવ રાખવો. હેત ને વિશ્વાસ લાવીને મોટા મુક્તનો બહુ મહિમા જાણે તો કામ ભારે થઈ જાય. જો આપણે એક ભગવાનની મૂર્તિ રાખીએ તો આવરણ સર્વે ટળી જાય ને સુખિયા થવાય. ઘણાક જીવ મુમુક્ષુ, એકાંતિક તથા પરમએકાંતિક થાય છે. તેને પહેલું પૃથ્વીનું આવરણ ટળે છે તેની આપણને ખબર કેમ પડે ? તો જ્યારે કોઈ ફૂલનો હાર સારો-નરસો પહેરાવે ત્યારે ખબર પડી જાય. બીજું આવરણ રસનું છે, તે જો ઇન્દ્રિયો રસમાં લેવાય તો તેમાં તણાણો કહેવાય. એવી રીતે બીજાં બધાંય આવરણની વાત જાણવી. આપણે તો ગરજુ થઈને આજ્ઞા પ્રમાણે વર્તવું, તેટલું જ કરવાનું છે. તે ઉપર વાત કરી જે, એક વાણિયાને લાખ રૂપિયાની ખોટ ગઈ. પછી લેણાંવાળાએ રૂપિયા માગ્યા પણ તે ક્યાંથી આપે ? ત્યારે તે શાહુકારે એક હજાર રૂપિયા માગ્યા ને કહ્યું જે, એટલા રૂપિયા આપ તો બધું દેણું માંડી વાળું. ત્યારે તે વાણિયો કહે જે, મારી પાસે કાંઈ નથી તે હું ક્યાંથી આપું ? પછી તો તે શાહુકારે કહ્યું જે, એક સો રૂપિયા આપ એટલે થયું, પણ તે કહે જે, મારી પાસે કાંઈ નથી. ત્યારે લેણાંવાળાએ કહ્યું જે, હું કહું તેમ કર. તું મારા ઘરના દરવાજે બેસ ને જે કોઈ માગવા આવે તેને સદાવ્રત આપ અને કૂતરાં, ગધેડાં આદિકને ઘરમાં પેસવા ન દેવાં એટલું કર, તો તારું સર્વે દેણું માંડી વાળું. પછી તેણે તેમ કર્યું. આપણે પણ જાણપણારૂપ દરવાજે રહેવું અને સદાવ્રત જે શ્રીજીનું જ્ઞાન તે સર્વેને આપવું. અને કૂતરાં-ગધેડાંની પેઠે નબળા દોષ કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર આદિક તેમને જીવમાં પેસવા દેવા નહિ, તો સર્વે દેણું વળી જાય એટલે પાપ નાશ પામે અને એમ કરે તો જ ધણીની મરજી સાચવી કહેવાય. આપણે શ્રીજીના કહેવાણા માટે તુચ્છ જેવા દોષ ફજેત કરે નહિ તે જાળવવું અને મહારાજ તથા મોટા મુક્તને રાજી કરી પોતાનું પૂરું કરી લેવું. ।। ૧૨૩ ।।
વાર્તા ૧૨૪
કારતક વદ ૮ને રોજ સભામાં બાપાશ્રી તથા સર્વ સંત-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી બાપાશ્રીએ પુરાણી કેશવપ્રિયદાસજીને કહ્યું જે, મુનિ સ્વામી ! કથા ચલાવો ને અમૃતરસ વરસાવો એટલે મૂર્તિના સુખની વાતો કરો. એમ કહી તેમના માથે હાથ મૂકીને બોલ્યા જે, આ મંદિર, આ સભા ને આવી વાતો જે સંભારે તે તરત મૂર્તિના સુખમાં પહોંચે. પછી જ્યારે કથાની સમાપ્તિ થઈ ત્યારે પુરાણીને પાસે બેસારીને બાપાશ્રીએ કહ્યું જે, આપણે આ મેડીનું કામ પૂરું થાય એટલે મોટો યજ્ઞ કરવો છે. અમોએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ મંડળને કહ્યું છે જે, અમો યજ્ઞ કરશું તે ટાણે તમે સૌ આવી પહોંચજો. આ અમારો છેલ્લો યજ્ઞ છે તેથી સંત-હરિભક્ત સર્વેને તેડાવીને સુખિયા કરવા છે.
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ કહ્યું જે, બાપા ! આપે સદ્ગુરુઓને રજા આપી ત્યારે કેટલાંક મર્મવચનો કહ્યાં હતાં, ને વળી આજ છેલ્લો યજ્ઞ કરીશું એમ કહો છો તેથી આપની કેવી મરજી છે તે કાંઈ સમજણ પડતી નથી. ત્યારે બાપાશ્રી કહે, પુરાણી ! છેલ્લો યજ્ઞ એટલે છેલ્લી સ્થિતિ અનાદિની કરવાનો બ્રહ્મયજ્ઞ. તેમાં તમામ હેતવાળા સંત-હરિભક્તોને તેડાવીને મૂર્તિના સુખની વાતો કરશું. સૌને મૂર્તિના સુખમાં રહેવાની છેલ્લી પ્રાપ્તિ કરાવશું, ઘેર ઘેર જઈશું, ઉતારે ઉતારે ફરશું, સૌને દિવ્ય ભોજન જમાડશું. સભામાં બેઠાં હઈશું અને જે સંભારશે તેના મનોરથ પૂરા કરશું, એમ સૌને રાજી કરવા છે. આ ફેરે કોઈને તાણ રહેવા દેવી નથી.
તે વખતે વાલજી લાલજી દર્શને આવ્યા ને કહ્યું જે, બાપા ! આપને માંદાઈ બહુ ગઈ. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમને કોણ માંદા કરે એવું છે. તે વખતે જાદવજી કડિયા પાસે ઊભા હતા, તેના સામું જોઈને બાપાશ્રી બોલ્યા જે, આ માંદો જણાય છે. ત્યારે જાદવજીભાઈ કહે જે, બાપા ! હું માંદો નથી, હું તો કડિયા કામે જાઉં છું. મને ખબર પડતી નથી જે હું કેમ માંદો ? ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, મહારાજના અનાદિમુક્ત દયા કરી જીવોને મૂર્તિને સુખે સુખિયા કરવા દૃષ્ટિગોચર વર્તતા હોય, તેમને ન જાણીને તેમને વિષે મનુષ્યભાવ પરઠે તે મંદવાડ. ત્યારે તે જાદવજીભાઈ કહે, બાપા ! આપને વિષે મને ક્યારેય મનુષ્યભાવ આવ્યો જણાતો નથી, તોપણ જાણે-અજાણે કોઈ વખત મન, કર્મ, વચને સંકલ્પ થઈ ગયો હોય તો દયા કરી માફ કરો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમે તો બધાંયના મંદવાડ ટાળીને શુદ્ધ અનાદિ કૈવલ્ય મુક્ત કરીને એટલે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ કરીને મૂર્તિને સુખે સુખિયા કરવા આવ્યા છીએ; એમ તમે સમજો એટલે સાજા. પછી તે બોલ્યા જે, બાપા ! હવે હું આજથી એમ જ સમજીશ. તે વખતે બાપાશ્રીએ રાજી થઈને તેના માથા પર હાથ મૂકી પ્રસન્નતા જણાવી. ।। ૧૨૪ ।।
વાર્તા ૧૨૫
વૃષપુરના મંદિરની મેડીનું કામ ચાલતું હતું, ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી ભૂજ ગયા હતા. તે માગશર માસમાં વૃષપુર બાપાશ્રીનાં દર્શને આવેલા, સાથે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈ આવ્યા હતા. તે સર્વેને બાપાશ્રી મળ્યા ને કહ્યું જે, અમારે તો હમણાં મંદિરની મેડીનું કામ ચાલે છે તેથી હરિભક્તો સવાર-સાંજ કામમાં પડ્યા હોય છે. રાતે થાક્યા હોય તેથી કથા-વાર્તા ટાણે પતાવી લઈએ છીએ, એમ કહી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને પાણી મંગાવીને પાયું. પછી બાપાશ્રી ખુરશી પર ચોકમાં બેઠેલા ને હરિભક્તો કામ કરતા હતા. તેમની બાપાશ્રીએ પ્રશંસા કરી કે, નાના-મોટા સૌ હરિભક્તોને સેવા કરવાની તાણ સારી છે. વાડીઓનાં કામકાજ મેલીને સૌ દાખડા કરે છે. મંદિરનાં કામમાં સંત-હરિભક્તોને સૌને સરખી તાણ ને હોંશ છે. કેમ જે આ સેવાથી શ્રીજીમહારાજ રાજી થશે, એમ એ બધા જાણે છે. એમ કહી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને કહ્યું જે, મોટા મોટા નંદ સદ્ગુરુઓ તથા હરિભક્તોએ આવાં મંદિર તૈયાર કરી દીધાં છે, તેથી આપણે કાંઈ કરવું રહ્યું નથી. એમના દાખડા બહુ જબરા. ગામોગામ નાનાં-મોટાં મંદિર તથા મોટાં ધામ પણ જબરાં બાંધ્યાં, દિવ્ય શાસ્ત્રો કર્યાં, મોટા મોટા મુક્તો લાવ્યા; એવી શ્રીજીમહારાજે જીવો ઉપર ઘણી દયા કરી છે. હવે તો એ મૂર્તિને મુખ્ય રાખીને પોતાનું પૂરું કરી લેવું. પછી પુરાણી કેશવપ્રિયદાસજી આવ્યા. ત્યારે ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને કહ્યું જે, આ પુરાણી શ્રીજીમહારાજને સુખે સુખિયા છે. અર્જુને મચ્છ વેંધવા એક વૃત્તિ કરી હતી, તેમ મૂર્તિ આકારે વૃત્તિ તેમણે કરી મેલી છે. જેને મૂર્તિના સુખનો મહિમા સમજાય તેને બીજાં સુખ કચરા જેવાં થઈ જાય છે. આપણને તો મૂર્તિની પ્રાપ્તિનો લાભ જબરો મળ્યો છે. પણ જો સમજણ ન હોય તો અફસોસ મટે નહીં. આપણે હવે મહારાજ તથા મોટા અનાદિને ખરેખરા જીવનરૂપ કરી રાખવા, કેમ કે તે થકી આપણું આત્યંતિક મોક્ષરૂપ કામ થાય છે, મોટા મુક્ત દયા કરીને હિંમત આપે છે. ત્યારે કસરમાત્ર ટળી જાય છે તેથી જીવમાં તત્કાળ બળ આવે છે. એમના રાજીપા વિના કારણ શરીર નાશ પામે નહીં. મોટા અનાદિ તો મહારાજના સંકલ્પ ભેગો સંકલ્પ મેળવીને અનેક જીવને સુખિયા કરી મૂકે છે. તેથી જીવને શું ખબર પડે ? સાધનદશાવાળાને મૂર્તિના સુખની પ્રાપ્તિ થઈ હોય તોપણ બીજી ક્રિયામાં તેને વિક્ષેપ થઈ જાય અને મોટા મુક્તને તો શ્રીજીમહારાજની પેઠે કોઈ વિક્ષેપ છે જ નહિ, એવા સ્વતંત્ર મુક્તની વાત જુદી છે. માટે એમને રાજી કરવા, મહિમા જાણી જોગ કરવો. શ્રીજીમહારાજે કેવળ કરુણા કરી પોતાના અનાદિ મુક્તોએ સહિત આ લોકમાં દર્શન આપ્યાં. એ કેવડી દયા ! નહિ તો લાખ વરસ ઊંધે માથે વાયુ ભક્ષણ કરીને તપ કરે તોય એમનાં દર્શન ન થાય, એવા મોંઘા છે. મહારાજ તથા મોટા મુક્તનાં દર્શન થયાં હોય, વાયરો અડ્યો હોય અથવા બે શબ્દ જીવમાં પડી ગયા હોય તોય બહુ બળ આવે છે. ઝાડ, પહાડ, વૃક્ષ, વેલી આદિ જે જે તેમની દૃષ્ટિએ પડે તેનાં પણ ધન્ય ભાગ્ય. આપણે તો બહુ ભારે ટાણું આવી ગયું છે, માટે અખંડ સોહાગી થવું. જીવ માયાને આધીન થઈને સુષુપ્તિમાં જાય છે, પણ જો અંતર્વૃત્તિ કરીને મૂર્તિમાં ઉપશમ કરે તો સુખિયો થઈ જાય. આવો જોગ ને આ સુખ ખોળ્યું પણ જડશે નહિ, માટે લક્ષ્યાર્થ કરવો. અને આવી વાત એકબીજાને કહેવી. આ જોગ અત્યારે બહુ સુગમ છે, પણ અગમ થાય તો પસ્તાવો ઘણો થાય. માટે કથા, વાર્તા, ધ્યાન, ભજન કરીને મૂર્તિમાં જોડાવું. સર્વે સારનું સાર શ્રીજીમહારાજની મૂર્તિ છે. આવી વાતો કરતાં કરતાં જીવમાં સાક્ષાત્કાર થઈ જાય. મોટા અનાદિના શબ્દ તો બહુ ચમત્કારી હોય, તેથી એવા શબ્દ જીવમાં જેમ જેમ ઊતરતા જાય તેમ તેમ સુખ, સામર્થી ને પ્રકાશ વધતાં જાય; માટે તેમના જોગ-સમાગમની, રાજીપાની ને સેવાની ગરજ રાખવી. મોટા તો મૂર્તિના સુખમાં જ રમ્યા કરે છે ને મૂર્તિમાં રહ્યા થકા મહારાજના સંકલ્પે દેખાય છે. તેથી એવા મોટા, મહારાજનો જેવો છે તેવો મહિમા સમજાવે તો સુખ લેવાની ગતિ વધારે થાય. મોટાની દૃષ્ટિમાં તથા રાજીપામાં જે આવ્યા હોય તે કેમ ઓળખાય ? તો એ મૂર્તિ વિના રહી શકે નહિ, એ તો કથા, વાર્તા, ધ્યાન, ભજન કર્યા કરે. એની દરેક વાતમાં મૂર્તિનું મુખ્યપણું આવતું હોય. સત્સંગમાં સૌ તેનું પ્રમાણ કરે ત્યારે જાણવું જે આના ઉપર મોટાનો રાજીપો છે. પછી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, બાપા ! આપે અમને પોતાના જાણ્યા છે, તેમ સદાય કૃપાદૃષ્ટિ રાખજો. ત્યારે બાપાશ્રી પુરાણી કેશવપ્રિયદાસજીને માથે હાથ મૂકીને બોલ્યા જે, આવા સાધુને સેવજો, આ સાધુ ખરા છે. કારણ મૂર્તિને વળગી પડ્યા છે અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજી જેવા નિર્ગુણ છે, તેને મારું-તારું નથી, હર્ષ-શોક નથી, તેમ કોઈ પ્રકારનું મમત્વ નથી. અમારા સારુ અમદાવાદથી અહીં આવીને બેઠા છે. અમે પણ આવા સાધુને અખંડ સંભારીએ છીએ. એમ કહી ભોગીલાલભાઈ તથા ધનજીભાઈને બાપાશ્રી મળ્યા ને કહ્યું જે, આ મેડીનું કામ પૂરું થયે હવે અમારે એક મોટો યજ્ઞ કરવો છે એમ અમે સદ્ગુરુઓને કહ્યું છે; તે ચૈત્ર માસમાં જરૂર કરશું. ત્યારે ભોગીલાલભાઈ કહે, બાપા ! આપ તો સદાય એ જ કરો છો અને એવો સંકલ્પ કરશો તો તે પણ થશે. એમ કહી તે બંને ભૂજ ગયા. અને પુરાણી કેશવપ્રિયદાસજી પણ બે દિવસ રહી પછી ભૂજ ગયા. બીજા સંત-હરિભક્તો દર્શને આવે ને જાય તે સર્વને કથા પ્રસંગે બાપાશ્રી વાતો કરે. એમ મેડીનું કામ પૂરું થયું ત્યાં સુધી બાપાશ્રી પણ સવારે કથા-વાર્તા કરી કામ કરનારા પાસે સવારે તથા સાંજના આવી બેસે, જે જે સેવાઓ કરતા તેના પર ઘણો રાજીપો બતાવી પ્રસાદીઓ આપે, રાત્રે સભામાં વાતો કરે. એમ મહા વદમાં લગભગ કામ પૂરું થઈ રહ્યું. ।। ૧૨૫ ।।
વાર્તા ૧૨૬
ફૂલડોલ પર બાપાશ્રી ભૂજ ઠાકોરજીનાં દર્શન કરવા ગયેલા, ત્યારે સાધુઓએ તથા વૃષપુરના હરિભક્તોએ સેવા બહુ કરી તેની સભામાં વાત કરી રાજીપો જણાવ્યો. ને કહ્યું જે, આવાં મોટાં મંદિરને આવાં સ્થાન છપૈયા સુધી જ્યાં જઈએ ત્યાં દેખાય છે, એ બધા સંતોના ને હરિભક્તોના દાખડા છે. એ સેવાએ કરીને અનેક અક્ષરધામમાં મહારાજની મૂર્તિના સુખભોક્તા થઈ ગયા છે; કેમ જે આવા સ્થાનમાં મહારાજે આત્યંતિક મોક્ષનું સદાવ્રત ચલાવ્યું છે, તેથી અહીં સર્વે ક્રિયા મૂર્તિના સંબંધની જ હોય. મહારાજના અનાદિમુક્ત જીવને મૂર્તિનાં સુખ પમાડવા દૃષ્ટિગોચર વર્તતા હોય, તેમનો રાજીપો થાય ને એ જે કહે તેમાં વિશ્વાસ હોય તો એ લટક હાથ આવે ને મૂર્તિને સુખે સુખિયો થઈ જાય; નહિ તો દાખડો ઘણો ને ફળ થોડું થાય. શ્રીજીમહારાજે મોટા મુક્તને જોગે તથા સેવાએ સો જન્મની કસર ટળવાની હોય તે આ જન્મે ટળે એમ કહ્યું છે, તેનું કારણ પણ એ જ છે. માટે અવસર ન ચૂકવો. કેટલાક સત્સંગમાં જૂના કહેવાતા હોય પણ સમજવામાં કાંઈ ન આવ્યું હોય, તેથી મહારાજને તથા બીજા અવતારોને એકમેક વર્ણન કરે. તેને મોટા અનાદિનો મહિમા જીવમાં ક્યાંથી ઊતરે ? કેટલાક તો જગતના જીવની સમજણની પેઠે એમ બોલે છે, જે બધાય ભગવાનના અવતાર સરખા. તેમ આ વાત ન સમજ્યા હોય તે પણ એમ કહે જે રામ, કૃષ્ણ આદિ જે અવતાર થયા તે જ મહારાજ. એ ટાણે થોડી સામર્થી જણાવી હતી ને આ ટાણે ઘણી જણાવી છે. વળી એમ પણ કહે છે કે, ભગવાન તો એક છે તે એના એ ભગવાન. તેમાં વળી નાના-મોટા કેમ કહેવાય ? એવી સમજણ પોતાને તો હોય, પણ તેનો જે વિશ્વાસ કરે તેના જીવમાં પણ એવી સમજણ નાખે તેથી તેના ઉપર મહારાજનો ને મોટાનો રાજીપો ક્યાંથી થાય ? મોટા મુક્તોએ સમજાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી, તોય સર્વોપરીપણાની, અવતાર-અવતારીની વાત જીવનમાં ઊતરે નહીં. તેને મહારાજનું સુખ ક્યાંથી આવે ! અનંતકોટિ રામ ને અનંતકોટિ કૃષ્ણ અને અનંતકોટિ મુક્ત એ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે, ત્યારે જ્ઞાન થઈ રહ્યું. આ તો અનંત ભગવાનના ભગવાન છે તે આપણે ઘેર આવીને બેઠા છે, એમ અ.મુ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. તથા અ.મુ. ગોપાળાનંદ સ્વામીએ પણ મહારાજનો સર્વોપરી મહિમા બહુ જ કહ્યો છે. જો મોટા અનાદિમુક્તનો વિશ્વાસ હોય તો એ વાત સમજાય, પણ પોતાની બુદ્ધિબળે સમજાય એવું નથી. કેટલાક ભણેલા-ગણેલા કહેવાતા હોય, પણ પરોક્ષ શાસ્ત્રમાં આ વાત ખોળે, તે ક્યાંથી જડે ! શ્રીજીમહારાજ તો એમ કહે છે જે, “આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, તે તો વિચારો ને મનમાંથી રે;” તેથી એ મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત વિના શ્રીજીમહારાજનો મહિમા કોણ સમજાવે ? જ્યારે શ્રીજીમહારાજ અ.મુ. રામાનંદ સ્વામીને મળ્યા ત્યારથી સ્વામીશ્રી તો એમ જ કહેતા જે આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ, કૃષ્ણ, વાસુદેવ ને અક્ષરાદિક એ સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે; પણ આવા શબ્દ જીવમાં ઉતારે નહિ ને મોટા કહે તે મનાય નહિ, તેને મહારાજનું સુખ કેમ આવે ? માટે સૌ મહારાજને જેવા છે તેવા જાણજો. એમ વાતો કરી હરિભક્તોને રાજી કરી બાપાશ્રી વૃષપુર પધાર્યા. ।। ૧૨૬ ।।
વાર્તા ૧૨૭
ફાગણ વદ ૭ને રોજ નારાયણપુરના ધનજીભાઈને મંદવાડ વધુ જણાવાથી તેમના નાના દીકરા હરજીભાઈએ વૃષપુર આવી બાપાશ્રીને પ્રાર્થના કરી, તેથી તેમને દર્શન દેવા પોતે નારાયણપુર પધાર્યા. બાપાશ્રીને જોઈને ધનજીભાઈ બેઠા થઈ ગયા અને જય સ્વામિનારાયણ કહી મળ્યા. તે વખતે બાપાશ્રીએ તેમના શરીર પર હાથ ફેરવીને કહ્યું જે, કાંઈ ફિકર રાખશો નહિ, મહારાજ સારું કરશે. ત્યારે ધનજીભાઈએ કહ્યું કે, બાપા ! આપની કૃપાએ મારે કાંઈ ફિકર નથી. પણ આપને મારે અરજ એટલી કરવાની છે જે, આથી પહેલાં જ્યારે જ્યારે મંદવાડ થઈ ગયેલો, ત્યારે ત્રણ-ચાર વખત સાંધા દઈ દઈ મને રાખ્યો છે. તો આ વખતે મારી માંગણી એવી છે કે, હવે મને દયા કરી મહારાજની મૂર્તિમાં જોડી દો. મારે હવે મૂર્તિ વિના બીજો કાંઈ સંકલ્પ નથી. ત્યારે બાપાશ્રી કહે જે, તમે સાવ ઉદાસ કાં થાઓ. અમારે તમારું આ લોકમાં કામ પડે તો રાખવાય જોઈએ. ત્યારે ધનજીભાઈએ બહુ પ્રાર્થના કરી જે, બાપા ! હવે મને આ લોકમાં રહેવાની મુદ્દલ ઇચ્છા નથી, માટે દયા કરી મહારાજના સુખમાં મૂકી દો. એવાં વચન સાંભળી બાપાશ્રી અતિ પ્રસન્ન થયા ને કહ્યું જે, ભલે, તમે જાઓ. અમે પણ પાછળથી આવીએ છીએ. એમ કહી તેમના ત્રણે દીકરાઓને ભલામણ કરી જે, તમો સર્વે હવે ધનજીભાઈની સેવા બરાબર કરજો. તેમની વૃત્તિ હવે મહારાજની મૂર્તિ સન્મુખ થઈ ગઈ છે.
પછી બાપાશ્રી તથા સૌ ઘરનાં માણસો પાસે બેઠાં હતાં. તે વખતે ધનજીભાઈ પ્રાર્થના કરવા લાગ્યા જે, બાપા ! આપે જે જે વરદાન આપ્યાં હતાં તે બધાંય સત્ય કર્યાં એમ કહીને નેત્ર પ્રેમનાં આંસુથી ભરાઈ ગયાં. પછી હાથ જોડીને બોલ્યા જે, બાપા ! બહુ દયા કરી. મહારાજને લાવ્યા, સંતોને લાવ્યા, સર્વે દિવ્ય તેજોમય બાપા ! તમે પણ આવા તેજોમય છો ! એમ કહી ઊંડા ઊતરી ગયા. વળી થોડી વારે જાગ્રત થઈ હાથ જોડીને બોલ્યા જે, બાપા ! તમે બહુ દયા કરી. તમે આવા દયાળુ છો ! ત્યારે બાપાશ્રી કહે, ધનજીભાઈ ! મહારાજમાં વૃત્તિ જોડી મેલો. એ મૂર્તિમાં તેજની શેડ્યો તથા ફુવારા છૂટે છે. માંહી અનંત મુક્ત સાકાર થકા રહ્યા છે, માટે મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહિ અને કાંઈ બોલવુંય નહીં. એમ કહી ધનજીભાઈને શાંત કર્યા. પછી બાપાશ્રીએ તેમના પુત્રાદિકને ભલામણ કરીને કહ્યું જે, તમે હવે ચિંતા મ કરજો. ધનજીભાઈ તો મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા છે. ત્યારે તેમના સંબંધીઓએ કહ્યું જે, બાપા ! આ ધનજીભાઈ વિના અહીં તો દુકાળ જેવું લાગશે. તે વચન સાંભળી પોતે બોલ્યા જે, આ દુકાળ તો બહુ નહિ જણાય, પણ જ્યારે મોટો દુકાળ પડશે ત્યારે સૌને ખબર પડશે. એમ કહી સૌને પાસે રહેવાની ભલામણ કરી બાપાશ્રી વૃષપુર પધાર્યા.
વળી ધનજીભાઈ પાછલી રાત્રે બેઠા થઈને પગે લાગવા મંડ્યા ને બોલ્યા જે, વાહ મહારાજ ! વાહ મારા બાપ ! મારા પર ઘણી દયા કરી. સાથે બાપાશ્રીનાં દર્શન થતાં હતાં. તેમને પણ કહ્યું જે, બાપા ! ઓરા આવો. તમે આવા તેજોમય ! આજ દિવસ સુધી આવા કેમ દેખાતા નહોતા ? આજ તો ભારે દયા કરી. તે વખતે ઘરમાં તેમના સંબંધી તથા ત્રણ પુત્રો રામજીભાઈ, લાલજીભાઈ તથા હરજીભાઈ આદિ જાગતા હતા. તે વખતે નાના દીકરા હરજીભાઈએ કહ્યું જે, બાપા ! તમે આ શું બોલો છો ? ત્યારે તેના સામું જોઈને કહે, હરજી બચ્ચા ! ઘરનાં સૌ દર્શન કરો, આવડી સભા અહીં બેઠી છે ને તું મને એમ કેમ પૂછે છે જે, શું થાય છે. આ મહારાજ ! આ બાપા ! આ સંત બધાય તેજોમય બેઠા છે. એમ કહી વળી ઊંડા ઊતરી ગયા. ઘરનાં માણસોએ એમ જાણ્યું જે આમની વૃત્તિ મૂર્તિ આકારે થઈ ગઈ છે ને બાપાશ્રીએ આપણને સેવા કરવાનું કહ્યું છે, તેમાં જમવાનું તથા પાણી પાવાનું એમની મરજી પ્રમાણે આપણે કરીએ છીએ, પણ બીજી સેવા કરવાની હવે રહી નહીં. પણ તેમને શ્રીજીમહારાજ તથા દિવ્ય સભાનાં દર્શન થાય છે તે લાભ આપણને મોટો મળ્યો. એમ વિચારી ઘરનાં નાનાં-મોટાં સૌ પ્રાર્થના કરી પગે લાગ્યાં ને કહ્યું જે, અમારા સૌની ઉપર રાજી રહેજો. તે વખતે ધનજીભાઈ પણ સર્વેને હાથ જોડી જય સ્વામિનારાયણ કહી, પગે લાગવા મંડ્યા ને બોલ્યા જે, વાહ મહારાજ ! વાહ દયાળુ ! ભલે આવ્યા. ઘણી ખમ્મા ! બહુ દયા કરી. હે મહારાજ ! તમે ભક્તવત્સલ ખરા. આ ટાણે મારી સંભાળ લીધી. મહારાજ, તમે મારી લાખેણી લાજ રાખી. એમ કહી હાથ જોડી વળી સૂઈ ગયા અને સૂતાં સૂતાં હાથ જોડી પગે લાગતાં બોલ્યા જે, બાપા ! તમે ખરે ટાણે મહારાજને લઈને પધાર્યા, એમ કહી મૌન રહ્યા. થોડી વાર થઈ ત્યારે પોતે સૂતાં સૂતાં હાથ જોડતા હતા. તે વખતે તેમના દીકરાઓએ પૂછ્યું જે, શું કરો છો ? ત્યારે ધનજીભાઈ કહે, બાપાને પગે લાગું છું. ત્યારે તેમના દીકરાઓએ કહ્યું જે, બાપા ક્યાં છે ? તો કહે, આ રહ્યા. આ નદીના ધરે નહાય. પછી તેમના દીકરા હરજીએ ખબર કાઢી તો બાપાશ્રી નહાતા હતા, તે તેડી આવી દર્શન કરાવ્યાં. તે રીતે બાપાશ્રીએ ધનજીભાઈને નિરાવરણ કરી દીધા. ।। ૧૨૭ ।।
વાર્તા ૧૨૮
બીજે દિવસે ફાગણ વદ ૯ને રોજ ધનજીભાઈ જાગ્રત થયા ને પાસે બેઠેલાં, ઘરનાં માણસોને જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે તેમના દીકરાઓએ કહ્યું કે, બાપાશ્રીને તેડી આવીએ ? ત્યારે ધનજીભાઈ કહે, તમે મારી રાત-દિવસ સેવા કરો છો. વળી વચનામૃતની પારાયણ વાંચી ભક્તચિંતામણિની કથા કરી તોય તમે બાપાશ્રીને તેડી આવીએ એમ કેમ કહો છો ? બાપાશ્રી તો આ રહ્યા. મહારાજ તથા અનંત મુક્ત પણ આ બેઠા. જુઓને ! આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ અનેક સંતો બેઠા છે. સર્વે તેજોમય છે, તોપણ તમે આમ કેમ બોલો છો ? એમ એ વખતે ધનજીભાઈને મહારાજ તથા બાપાશ્રી આદિ અનેક મુક્તોનાં દર્શન થયાં. પછી સૌને જય સ્વામિનારાયણ કહી, ધનજીભાઈએ દેહ મૂક્યો. તે વાત વૃષપુરમાં બાપાશ્રીએ હરિભક્તોને કહી, પછી પોતે નારાયણપુર જવા નીકળ્યા. ધનજીભાઈને પાલખીમાં બેસારી હરિભક્તો ઉત્સવ કરતાં કરતાં અગ્નિદાહ દેવા જતા હતા. તે ઝાંપામાં બાપાશ્રી સામા મળ્યા. પછી હરિભક્તોએ પાલખી ઉતારી દંડવત કર્યા. ત્યારે બાપાશ્રી ધનજીભાઈ ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, ધનજી બચ્ચા ! જા, અમે આવીએ છીએ; એમ કહીને પોતે એક કોરું વસ્ત્ર તેમના પર ઓઢાડ્યું. પછી હરિભક્તોને પાલખી લેવા કહ્યું. જ્યારે પાલખી લઈને સૌ ચાલ્યા ત્યારે ગુલાલની ધોખડ થઈ રહી અને બહુ સુગંધી આવવા માંડી, તેથી બધા ઊંચું જોવા લાગ્યા જે, આટલો બધો ગુલાલ અને આટલી બધી સુગંધ, ક્યાંથી આવે છે ? પછી તેમને દેન દેવા માટે નદીને ધરે લઈ ગયા. ત્યાં અગ્નિસંસ્કાર કર્યો, ત્યારે પણ બાપાશ્રી સૌની સાથે હતા. તે વખતે બોલ્યા જે, નારાયણપુરમાં આજે કાળ પડ્યો અને કચ્છમાં તથા સાજા સત્સંગમાં કાળ પડ્યો, પડ્યો અને પડ્યો; એમ સમજી લેજો. એવી રીતે પોતાને અંતર્ધાન થવાની વાત મર્મમાં જણાવી.
ફાગણ વદ ૧૨ને રોજ ધનજીભાઈના ખરખરે કણબીની નાતના માણસો આવેલા, ત્યારે પણ બાપાશ્રી તે સર્વે પ્રત્યે એમ બોલ્યા જે, ધનજી ગયો તે ખાલું પડ્યું; તે આ લોકની દૃષ્ટિએ બહુ ખોટું થયું. અમો પણ મહેમાન છીએ, જાવાની તૈયારીમાં છીએ. આવું સાંભળીને હરિભક્તોને અંતરમાં બહુ દુઃખ થયું. તેથી સૌએ પ્રાર્થના કરી જે, બાપા ! તમે કેમ વારેવારે ઉદાસી જણાવો છો ? ત્યારે બાપાશ્રી કહે, મહારાજની મરજી હશે તે પ્રમાણે બોલાતું હશે. આપણે તો ધનજીભાઈની પેઠે મૂર્તિમાં જોડાઈ જવું ને સુખિયા થાવું. એમ કહી સૌને ધીરજ આપી. ।। ૧૨૮ ।।
વાર્તા ૧૨૯
ચૈત્ર માસમાં બાપાશ્રીએ મહામોટો યજ્ઞ કરવા ધાર્યું હતું, તે યજ્ઞનું પરિયાણ કરવા સારુ કણબીની નાતના ગામોગામના હરિભક્તોને તેડાવેલા, તે ફાગણ વદ ૧૪ને રોજ આવ્યા હતા. તે સર્વે પ્રત્યે બાપાશ્રીએ કહ્યું જે, આ અમારો છેલ્લો યજ્ઞ છે, માટે તમો સૌ ભાઈઓ મળીને અમારો યજ્ઞ સુધારી દો. અમે તમારી નાત નથી, જાત નથી, કોઈના બાપ નથી, કોઈના દીકરા નથી, કોઈનાં સગાંસંબંધી નથી. અમે તો અવતારી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમના અવતાર જે અનાદિમુક્ત તે છીએ. આ યજ્ઞમાં આવી, જે કોઈ જમશે તેનો આત્યંતિક મોક્ષ કરશું. માટે જેને આત્યંતિક મોક્ષ જોઈતો હોય તે જમવાની હા પાડો. પછી સર્વે બોલ્યા જે, બાપા ! અમે સર્વે જમવા આવશું અને સેવા બતાવશો તે કરશું. તે વખતે પણ બાપાશ્રી એમ બોલ્યા જે, હવે અમને તમે ત્રણ મહિના સુધી દેખશો, પછી આ મુખ જોવાની આશા રાખશો નહીં. એમ કહીને વાડીએ પધાર્યા. ત્યાં પરદેશથી બે હરિભક્તો દર્શને આવ્યા હતા, તેમણે બાપાશ્રીની દીકરી રાધાબા ધામમાં ગયેલાં, તેનો ખરખરો કર્યો. ત્યારે પણ બાપાશ્રી એમ જ બોલ્યા જે, આ તો કરવરિયું વર્ષ થયું, તેમાં શું શોક કરો છો; કાળ તો હવે પડવાનો છે, તે થોડા વખતમાં પડશે.
યજ્ઞ પ્રસંગે ગુજરાતમાંથી સંતોને કાગળો લખી તથા તાર કરી તેડાવેલા હોવાથી ચૈત્ર સુદ ૧ને રોજ અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ બાવીસ સંતો ભૂજમાં ઠાકોરજીનાં દર્શન કરી વૃષપુર ગયા અને સૌ મહારાજને દંડવત કરી બાપાશ્રીને મળ્યા. પછી બાપાશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહે જે, આવડલી વાર ક્યાં લગાડી વીરા ! એમ કહીને બોલ્યા જે, અમે પોષ માસમાં તમોને પત્ર લખ્યો હતો જે, આપણે છત્રી ઉપર ધર્મશાળા કરી છે, તે નિમિત્તે યજ્ઞ કરાવવાનો ઠરાવ આપણે કર્યો હતો, તે હવે નક્કી કર્યું છે. અને આ મંદિરની જે મેડી કરી છે તેનું ભર્યું કરવાનું સંત-હરિભક્તો અમને કહે છે. તો તે બંને જગ્યાઓનું ભર્યું કરવા નિમિત્તે આપણે પારાયણ કરવાની છે. માટે પંદર દિવસ અગાઉથી એટલે ફૂલડોલ પછી તરત જેટલા સંતને લાવવા હોય તેટલા સંતોને સાથે લઈને જરૂર આવજો. પછી કથાનો દિવસ ચૈત્ર સુદ ૧૩ સોમવારથી ચૈત્ર વદ ૬ બુધવારનો નક્કી કરીને તાર કર્યો જે, તમે જલદી આવો અને કંકોત્રી છપાવતા આવજો. તમે આવશો તે પછી કંકોત્રી લખાશે. એવી વિગતનો પત્ર પણ તમને લખ્યો હતો તેથી તમે આવી પહોંચ્યા તે બહુ સારું કર્યું. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે અમે ચૈત્ર સુદ ૧ને રોજ ભૂજ આવ્યા. ત્યાંથી દેશદેશના હરિભક્તોને આપશ્રીના લખવા પ્રમાણે કંકોત્રી લખી મોકલી અને ચૈત્ર સુદ ૪ને રોજ સાંજના નારાયણપુર થઈને અહીં આવ્યા. પછી બાપાશ્રી બહુ રાજી થયા ને બોલ્યા જે, અમે વાટ જોતા હતા ત્યાં તમો સર્વે આવ્યા, તેથી આ દિવ્ય મૂર્તિઓનો મેળાપ થયો. આ યજ્ઞ તમને અને સર્વ હરિભક્તોને તેડાવીને મૂર્તિનું સુખ આપવા સારુ કરીએ છીએ. અમે ભૂજ યજ્ઞનો દિવસ નક્કી કરવા ગયા હતા. ત્યાં સંતોએ કહ્યું જે, કથા વાંચવા કોને બોલાવશું ? ત્યારે અમે કહ્યું જે, આપણે કોરીઓ ખરચીને સાધુઓને ભણાવ્યા છે તે શું કરશે ? અમે તો એમની પાસે જ કથા વંચાવશું. ત્યારે સંતોએ કહ્યું જે, બહુ સારું; આપની મરજી. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! ધનજીભાઈની ખોટ બહુ આવી, પણ તેના દીકરાઓ સમજુ સારા છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તે પણ ખરેખરા છે. અમને આવીને એમ કહ્યું જે, બાપા ! આપે યજ્ઞની તિથિ નક્કી કરી છે તે ફેરવશો નહિ અને ધનજીની તો વાત જ શી કહેવી ! દેહ મૂકતી વખતે તેમના દીકરાઓએ કહ્યું જે, બાપાને અહીં તેડાવીએ ? ત્યારે ધનજીએ એમ કહ્યું જે, એમણે તો મને નિરાવરણ કરીને મૂર્તિનું સુખ દેખાડ્યું છે. મહારાજ તથા મોટા મોટા સંત આ રહ્યા, બધાય તેજોમય છે. બાપાશ્રી પણ આ રહ્યા. ત્યારે તેમના દીકરાઓ કહે, બાપા ક્યાં છે ? ત્યારે ધનજીભાઈ કહે, બાપા તો આ નદીના ધરામાં નહાય; જાઓ તેડી આવો. પછી અમે ખળખળીએ નહાતા હતા. ત્યાં તેના દીકરા તેડવા આવ્યા એટલે અમે ગયા. વાહ રે વાહ ! ધનજી ! એમ કહીને બાપાશ્રીનાં નેત્ર સજળ થઈ ગયાં. પછી બોલ્યા જે, દીકરા પણ એવા જ છે. અમે એમને કહ્યું જે, તમે ધનજીની પાછળ કોઈ રોકકળ કરશો નહિ, તે તો મૂર્તિના સુખમાં બેઠા છે. અમારા વચનથી તેમણે એક આંસુ પણ પડવા દીધું નહિ અને વિવાહ જેવો ઉત્સવ કર્યો. આ યજ્ઞ પણ વિવાહ જેવો કરવો છે. ત્યારે સંતોએ કહ્યું જે, આપ જેને મળ્યા ને કૃપાદૃષ્ટિ કરી તેને એવું હોય તેમાં શું કહેવું ! એમ વાત કરતા હતા, તે વખતે રાત્રિના બાર વાગ્યા. પછી સંતોને કહ્યું જે, તમે હવે સૂઈ જાઓ એમ કહી પોતે પણ પોઢી ગયા. ।। ૧૨૯ ।।
વાર્તા ૧૩૦
ચૈત્ર સુદ ૬ને રોજ સવારે વૃષપુર મધ્યે બાપાશ્રી પૂજા કરીને શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા. તે વખતે હરિભક્તો પ્રત્યે એમ બોલ્યા જે, આ શિક્ષાપત્રી મહારાજે લખી છે તે આચાર્ય, સંત, બ્રહ્મચારી, પાર્ષદ, હરિભક્તો, બાઈ, ભાઈ સર્વેને પાળવાની છે. તેને મહારાજે પોતાનું સ્વરૂપ કહ્યું છે. મહારાજના આશ્રિત હોય તે સર્વે એમાં લખી આજ્ઞા પ્રમાણે રહે. ખરા સાધુ કે ખરા હરિભક્ત પણ એને જ કહેવાય. આજ્ઞા-પરાયણ અંગ હોય તેને વચનનિવાસી કહ્યા છે. મહારાજ એવા ભક્ત ઉપર અતિ પ્રસન્ન થાય, પણ જો એ માંહેલું એકે વચન લોપે તો રાજી ન થાય. માટે અધિકાર, મોટાઈ આદિમાં લેવાઈ કોઈ વચનનો લોપ ન કરવો.
પછી બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરી ઓસરીમાં સભામાં આવીને બેઠા ને સૌને જય સ્વામિનારાયણ કહ્યા. પછી સંતો પ્રત્યે એમ બોલ્યા જે, તમે મહારાજના સંત છો તે મહારાજ વિના બીજું કાંઈ ઇચ્છશો નહીં. તમને શ્રીજીમહારાજે વ્યવહારમાર્ગમાં અમંગળિક ગણ્યા છે. માટે તમારે એક મહારાજ વ્હાલા રાખવા. ત્યાગીની રીત ભૂલીને ગૃહસ્થને માર્ગે ચલાય તો મોટી ખોટ આવે. માટે કોઈ સંત મૂર્તિ વિસારીને અમંગળિક થશો નહીં. અમંગળિક તે શું ? તો દ્રવ્ય, ખેતર આદિ રાખવું તે. તેવું કાંઈ ન હોય ને એક શ્રીજીમહારાજની મૂર્તિ હોય તે ખરા માંગળિક. તમારે તો મહારાજની મૂર્તિ વિના બધુંય મૂકી દીધા જેવું છે. અમે આમ વાતો કરીએ છીએ. પણ મૂર્તિને ભૂલીએ નહિ અને સંત-હરિભક્ત અહીં આવે છે તેમને એક મૂર્તિ આપવાનો જ અમારો ઠરાવ છે. આ અમારો અહિંસામય યજ્ઞ છે. તેમાં કોઈનું મન દુઃખાય નહિ, એવો ખટકો રાખીએ છીએ, કેમ જે આપણો અહિંસા ધર્મ છે. સાધુને બીજે ગામ જવા ટાણે ગાડાં જોડાવવાં, તેમાં આવો વિચાર કરવો ખપે. અમારો ઠરાવ એવો જે, ક્યાંઈક જવું હોય ને કોઈ ગાડું જોડે, પણ બળદ ઘરડા-દૂબળા હોય તો અમે કાંઈક બાનું કાઢીને જઈએ નહીં. એવા અબોલ જીવને દુઃખ થાય તે કરતાં પગે ચાલીને જવું એ ઠીક ને એમાં મહારાજ રાજી થાય. મોટા સંતો પ્રથમ એમ કરતા. એવી રીતે બીજા કામમાં પણ કોઈનું મન ન દુઃખાય એવો ખટકો રાખીએ છીએ. અમે આ યજ્ઞમાં સૌને કહ્યું જે, જે કોઈનો બળદ માંદો હોય અથવા ઘરડો કે દૂબળો હોય તેને ગાડે જોડવો નહીં. કોઈ એવાને જોડે તેથી તેને પરાણે ચાલવું પડે, એટલે એ નિસાસા નાખે તેનું પાપ અમને લાગે. અમે કોઈને દુઃખ દઈએ એવા નથી. ધર્મ પળાવવામાં તો મન દુઃખાય તોય કહ્યા વિના ચાલે નહિ, કેમ જે ધર્મ લોપનારને આગળ દુઃખ બહુ વેઠવું પડે તે કરતાં તેને ઠપકો આપીને કે પ્રાયશ્ચિત્ત કરાવીને પણ ઠેકાણે પાડીએ તો તેને સારું થાય. હમણાં એક ગામથી એક જણનો કાગળ આવ્યો હતો જે, મારે યજ્ઞમાં આવવું છે તે તમો લખો તો આવું; પણ તેણે પ્રાયશ્ચિત્ત કર્યું નથી, એટલે અમે તેને હા પાડીએ જ નહીં. કોઈકને ભૂલચૂક થઈ હોય અને પ્રાયશ્ચિત્ત કરે તો તેને સત્સંગમાં લઈએ. તે જો ન કરે તો તેને પડ્યો મૂકીએ. પછી કેરાના હરિભક્તો દર્શને આવ્યા. તેમાં પણ એકને પ્રાયશ્ચિત્ત આપવાનું હતું, તેથી તેમને કહ્યું જે, તમારા ગામના હરિભક્તો ઠરાવ કરીને એક કે બે તમારામાંથી ભૂજ જાઓ અને સંતો કહે તેમ શ્રી નરનારાયણ દેવની સમક્ષ કરાવી આવો. તેમાં ઝાઝા મનુષ્યને સંભળાવવું નહીં. ઝાઝાને જણાવવું તે પૂંઠ દેખાડવા જેવું છે, માટે પાંચ મનુષ્ય જાણતા હોય તે જ જાણે. તે રીતે જેમ બને તેમ છાનું કરાવી ચોખ્ખો કરવો.
પછી માથકના ભગવાનજીભાઈએ હાથ જોડીને પ્રાર્થના કરી જે, બાપા ! અમારું અને અમારા કુટુંબનું કલ્યાણ કરજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સારું. સૌનું કલ્યાણ કરશું, પણ જેને શ્રીજીમહારાજનો આશરો નહિ હોય તે તો ચોરાશીમાં અથડાશે. આ સમે શ્રીજીમહારાજે કલ્યાણ બહુ સોંઘું કર્યું છે, પણ અભાગિયા જીવ ઓળખે નહિ એટલે કલ્યાણ થાય નહીં. જો ઓળખે તો મહારાજ તથા મહારાજના મુક્ત એક ઘડીમાં મોક્ષ કરી દે એવાં છે. અમારી દૃષ્ટિ તો એવી છે જે, નજરે ચડે એટલામાં કલ્યાણ કરીને મૂર્તિમાં મૂકી દઈએ.
પછી વચનામૃતની કથા થઈ રહી ત્યારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, સત્સંગમાં જેને દિવ્યભાવ આવે તેને મહારાજ ને મુક્ત સર્વે તેજોમય ભાસે. આ મંદિર, મેડી, ઘર, ઓસરી સર્વે તેજોમય છે, તેજનો અંબાર છે, વચ્ચે મહારાજ બિરાજે છે. એ મૂર્તિમાં અનંત મુક્ત કિલ્લોલ કરે છે, ફરતી સભા બેઠી છે, સર્વે તેજોમય છે. મહારાજ કહે છે કે, જ્યાં પુરુષોત્તમની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય એટલે મૂર્તિને ફરતું તેજ, તેમાં ચારેકોર મુક્તનાં મંડળ બેઠાં છે. મહારાજના અનાદિમુક્તનો વિશ્વાસ હોય તેને આ વાત મનાય ને આઠે પહોર આનંદ આનંદ રહે, મૂર્તિના સુખની ખુમારી રહે.
તે વખતે નારાયણપુરવાળા ખીમજીભાઈ ચંદન તથા હાર લઈને આવ્યા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સોઢીનું શણગારમાં ગયું તે સોઢી હતી તે શણગારમાં રહી. ત્યાં તો જાન જતી રહી. તેમ તમે પૂજાની સામગ્રી કરવા રહ્યા, ત્યાં કથા-વાર્તા જતી રહી એવું થયું. અત્યારે સંત-હરિભક્તોની સભામાં બ્રહ્મયજ્ઞ થાય છે. આ જુઓ ! ગામોગામના હરિભક્ત આવ્યા છે અને હજી સંઘ આવ્યા કરે છે. સભામાં કાંઈની કાંઈ વાતો થાય છે. મૂર્તિના સુખનાં અમૃતઘન વરસે છે, માટે અત્યારે તો જેટલો લાભ લેવાય તેટલો લેવો; એમ ખીમજીભાઈ નિમિત્તે સૌ સંત-હરિભક્તોને મહિમા સમજવાની વાત કરી. ।। ૧૩૦ ।।
વાર્તા ૧૩૧
ચૈત્ર સુદ ૭ને રોજ સવારે બાપાશ્રી નિત્યવિધિ કરી સભામાં આવ્યા. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી આદિ સંતો યજ્ઞ સંબંધી વાતો કરતા હતા. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ! આપણે આ યજ્ઞ કરવો છે તેમાં જે કોઈ આવે તેને મૂર્તિમાં મૂકી દેવા છે. શ્રીજીમહારાજની મરજી આ યજ્ઞમાં એવી છે એમ જાણજો. તમે ટાણે આવી ગયા તે બહુ સારું કર્યું. તમે મહારાજના સંકલ્પથી દર્શન આપો છો તેથી બધુંય જાણો, પણ તમે તમારું સામર્થ્ય ઢાંકીને ફરો છો. મોટા મોટા અક્ષરાદિક અવતારોને આ સભા દુર્લભ છે. આ સભામાં તમે ન આવ્યા હોય ત્યાં સુધી સૌ વાટ જુએ. અમે આ યજ્ઞ કરવાની વાત સર્વે હરિભક્તોને ભેળા કરીને જણાવી ત્યારે ઝીણાભાઈ તથા મૂળજીભાઈ આદિ સૌ કહે કે, બાપા ! તમે સંકલ્પ કરશો એટલે જેવો ધારશો તેવો યજ્ઞ કરશો, પણ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ મંડળને બોલાવો તો ઠીક; કેમ જે, એ સદ્ગુરુઓ વિના કોઈની એવી નજર નહિ પહોંચે; એમ કહ્યું એટલે અમે તમને તેડાવ્યા, તે તમો તરત આવ્યા. હવે યજ્ઞની સામગ્રી સર્વે તૈયાર કરો. જે જે માલ ખપે તે બધો આગળથી મંગાવી લો, ગોદડાં તથા તાડપત્રીના કોસનું નક્કી કરો. ગૉળ, ઘી તો અમે લઈ રાખ્યાં છે. ઘઉં તથા ચોખા, દાળ વગેરે બધુંય તૈયાર છે. ઉતારાની સગવડ પણ કરી છે. વધુ કરાવવા જેવું લાગે તો કરાવીએ. શીરાના હોજ કરવાનું અથવા રસોડામાં જેમ જેમ ગોઠવણ કરાવવી હોય તેમ કરાવો. અમારે તો તમે આવ્યા એટલે બધુંય કામ પૂરું થયું. મહારાજને સંભારીને આ યજ્ઞમાં સૌને સુખિયા કરો. અમે તો જે જે હરિભક્તો આવશે તેને મૂર્તિના સુખની વાતો કરશું. અમારા છોકરા કહે, બાપા ! સ્વામીને પહેલાં તેડાવજો, પણ અમને ખાતરી હતી જે તમને એક કાગળ લખશું કે તમે આવી પહોંચશો. જેથી તમને વહેલા તેડાવ્યા નહિ, કેમ કે તમારે મંદિરનાં કામકાજ હોય. તે ઉપરાંત જે જે ગામમાં જાઓ ત્યાં હરિભક્તોને મૂર્તિના સુખે સુખિયા કરો તેથી ટાણે તેડાવ્યા. આ યજ્ઞમાં કોઈ વાતની કસર રાખવી નથી. અમે ત્રણે સદ્ગુરુઓ પર અતિ પ્રસન્નતા જણાવી.
ચૈત્ર સુદ ૧૧ને રોજ બાપાશ્રીએ સ્વામીશ્રી આદિ સંતોને વાત કરી જે, આજ સર્વે હરિભક્તો બેઠા છે તેથી તમો સર્વેને ભલામણ કરો જે, યજ્ઞની સેવા સૌ ખબડદાર થઈને કરે. આ યજ્ઞમાં મહારાજની ઘણી પ્રસન્નતા છે, એમ કહી સંતોને કહ્યું જે, તમો પણ તમારાથી થાય તે બધી સેવા કરજો. પરમ દિવસે પારાયણનો આરંભ થશે જેથી ચોકમાં ચંદની બંધાવો, વચ્ચે કથામંડપ સારો શણગારી મહારાજ પધરાવજો. પુરાણી તો આપણા કેશવપ્રિયદાસજી તથા બીજા ઉત્તમપ્રિયદાસજી છે તે મૂર્તિ ધારીને કથા કરશે. આ સભામાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત બિરાજશે, માટે તેમને રાજી કરવાનું સૌ તાન રાખજો. પછી દેશોદેશથી જે જે હરિભક્તો આવે તેની સરભરા કરવાની જેને જેને આજ્ઞા કરવાની હતી તેને કરી. આ રીતે યજ્ઞમાં કામકાજની ગોઠવણ ઉપરાંત સવારે, બપોરે, રાત્રે કથા-વાર્તા થાય. પણ સૌ ચૈત્ર સુદ ૧૩ને સોમવારની સવાર ક્યારે આવે તે વાટ જોતા હતા. આગલે દિવસે કેળના સ્તંભથી સુશોભિત કથામંડપ શણગાર્યો તથા ચંદની બંધાઈ. હરિભક્તો ઘણા ગામના આવવા લાગ્યા. સૌ ઉમંગભર્યા શ્રીજીમહારાજ તથા બાપાશ્રી અને સંતોનાં દર્શન કરે, તેથી સૌનાં અંતરમાં આનંદ આનંદ થઈ રહ્યો હતો. ।। ૧૩૧ ।।
વાર્તા ૧૩૨
ચૈત્ર સુદ ૧૩ની સવારે ચોઘડિયાં વાગવા લાગ્યાં, તે તો જાણે આવા બ્રહ્મયજ્ઞમાં તેડાવવા આમંત્રણ કરવાના નાદ થતા હોય તેમ જણાતું હતું. સંતો તૈયારી કરતા હતા. હજારીફૂલના હાર, ચંદન, કુંકુમ, શ્રીફળ, સોપારી, અક્ષત, ધૂપ, દીપ, આદિક જે જે સામગ્રી વિધિમાં જોઈએ તે સર્વે તૈયાર કરી હતી. મહારાજની મૂર્તિને ઘણાક ગુલાબ અને હજારીફૂલના હાર પહેરાવેલા. આગળ ઘીના દીવા તથા અગરબત્તીના ધૂપ થઈ રહ્યા હતા. કથાના વક્તા પુરાણી કેશવપ્રિયદાસજી તથા ઉત્તમપ્રિયદાસજી પાટ પર બેઠા. બાપાશ્રી તથા તેમના પુત્ર-પૌત્રાદિક પૂજા કરવા તૈયાર થયા, તે વખતે વિપ્ર દેવશંકરે પૂજાવિધિ કરી મહારાજનું ધ્યાન ધરી શ્લોક બોલી બાપાશ્રીને કાંડે મંગળસૂત્ર બાંધવા માંડ્યું. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, ગોર મહારાજ ! કાંડાને બરાબર બાંધજો. આ મૂર્તિ ઊડી જાય એવી છે. એવાં મર્મવચનથી સૌ સંત-હરિભક્તોનાં મનમાં અનેક જાતના તર્ક થયા પણ એ મર્મ કોણ જાણી શકે ? પછી બાપાશ્રી તથા તેમના પુત્ર-પૌત્રાદિકે મળી શ્રીજીમહારાજની તથા પુસ્તકની અને પુરાણીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી. પછી બાપાશ્રીએ થાળીમાં વાટો પ્રગટાવી આરતી ઉતારી. તે વખતે ચોકમાં ચંદની નીચે હરિભક્તોની ઘણી ભીડ હતી. સૌએ ઊંચે સાદે સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી દંડવત કર્યા. એ રીતે કથા ચાલતી થઈ, પછી સંતોને ચંદન ચર્ચી બાપાશ્રી સૌને જય સ્વામિનારાયણ કરી સભામાં બેઠા. પછી ક્યારેક ધ્યાનમાં બેઠા હોય તેમ જણાય, તો ક્યારેક સભા સામું પ્રસન્ન નજરે જુએ, નાના-મોટા હરિભક્તો આવે તેને માથે હાથ મૂકે, સમાચાર પૂછે; એમ સવારના ૧૦ વાગ્યા સુધી કથા ચાલે. પછી સમય થાય એટલે હરિભક્તોને જમવાનો સાદ પડે ત્યારે વાડીમાં પંક્તિ થાય. મંદિરમાં સંતોની પંક્તિ વખતે બાપાશ્રી દર્શન દેવા પધારે, વાડીમાં હરિભક્તોની પંક્તિ થઈ હોય ત્યાં પણ પોતે ચાલીને જાય, કાં માંચીમાં બેસારીને હરિભક્તો તેડી જાય. ત્યાં સૌને દર્શન આપે. ક્યારેક સભામાં બેસી વાતો કરે. રાત્રે કથા-વાર્તા-ચેષ્ટા આદિ નિયમ થઈ રહે, ત્યારે કાં તો ચોકમાં જ આસન કરે, ક્યારેક ઓસરીમાં ને ક્યારેક નવી મેડીના છેલ્લા ઓરડે પોઢે. સવારે વહેલા ઊઠી નિત્યવિધિ કરી સભામાં બેસે, ઘેર જઈ આવે, સંતોને બોલાવે એ રીતે યજ્ઞમાં જે જે સંત-હરિભક્તો આવેલા તેમને અત્યંત સુખિયા કરવા બાપાશ્રી મહારાજના દિવ્યભાવની, મૂર્તિમાં રસબસ રાખ્યાની તથા અદ્ભુત પ્રતાપની વાતો કરતા તેથી સર્વત્ર આનંદ વર્તી રહ્યો હતો. ।। ૧૩૨ ।।
વાર્તા ૧૩૩
બાપાશ્રીએ કાંડું બાંધતી વખતે મર્મવચન કહેલ, તેથી કેટલાક હરિભક્તો મનમાં વિચાર કરે અથવા સંતો એ વાતનું વર્ણન કરતા હોય ત્યાં પોતે તેમના સંકલ્પને જાણી અચાનક આવી રમૂજે યુક્ત વચન કહી તેમને રાજી કરી તે વાત ભુલાવી દેતા. સભામંડપમાં વચ્ચે બાપાશ્રીનું આસન રાખેલું તેથી સર્વેને દર્શન થાય. હરિભક્તો જય સ્વામિનારાયણ કરે ત્યારે તેમના માથા ઉપર હાથ મેલે, કોઈને પોતે ચંદન ચર્ચી હાર પહેરાવે. ક્યારેક સભામાંથી ઊઠી હાથમાં ચંદનનો વાટકો લઈ સંતોને ચંદન ચર્ચે. એવી રીતે હરિભક્તોની સભામાં પણ ચંદન ચર્ચતા કોઈ હરિભક્તો કહે, બાપા ! લાવો હું ચંદન ચર્ચું, આપ બેસો; ત્યારે પોતે એમ બોલે જે, આ સભા દિવ્ય છે, તેજોમય છે, આ તો મહારાજ તથા અનંત મુક્તોની પૂજાઓ થાય છે. એમ કહી પોતે જ ચંદન ચર્ચે, કોઈ હરિભક્તોના માથા ઉપર ચંદનવાળા હાથ લૂઈને હસાવે અને કહે જે, આ તો અક્ષરધામનું ચંદન છે. અમે તમને ચંદન ચર્ચવા અક્ષરધામમાંથી અહીં આવ્યા છીએ, એમ જાણજો. આ અવસર બહુ દુર્લભ છે. આ તો મહારાજે દયા કરી તથા તમે પણ દરિયા ઊતરીને અહીં આવ્યા, તેથી અમે તમારા ઉપર રાજી થઈએ છીએ. અમે તમને આ અમારો છેલ્લો યજ્ઞ છે એમ લખીને તેડાવ્યા છે, તેથી સર્વેને રાજી કરવા છે; એટલા સારુ આ દાખડા કરીએ છીએ. ત્યારે હરિભક્તો કહે જે, બાપા ! આપે સુખ આપવા ધાર્યું છે, તેથી આવો મહાયજ્ઞ કરી બધાયને ખેંચી લાવ્યા. એમ કહી સર્વેને રાજી કરતા, વળી જ્યારે પંક્તિમાં દર્શન દેવા જાય ત્યારે નાના-મોટા, બાઈ-ભાઈ સર્વે હાથ જોડી જય સ્વામિનારાયણ કરે. પંક્તિમાં પીરસનારા હરિભક્તોને પોતે ભલામણ કરે કે જોજો, પીરસવામાં કસર મ રાખજો. મહારાજ આ પંક્તિમાં દર્શન દેવા દિવ્ય રૂપે ફરે છે. મંદમંદ હસે છે, તેથી કોઈને જમાડવામાં કસર રાખશો તો મહારાજ રાજી નહિ થાય. માટે સૌને તાણ કરી કરીને ખૂબ જમાડજો. કોઈ ગમે તેવો આવીને જમવા બેસે તેને ના પાડશો નહીં. વળી બાપાશ્રી કોઈને એમ પૂછે જે, તમે ક્યારે આવ્યા છો ? કેટલા છો ? આ તો આપણા છે, એમ કહે. વળી કોઈને કાંઈ જરૂર હોય તેને સંભારે, એટલાકમાં તો કોઈ મિષ લઈ પાસેથી પોતે નીકળે અથવા સામેથી ચાલ્યા આવીને તેમની ઇચ્છા પ્રમાણે કહે ને કોઈને તો અજાણ્યા થકા કહે. સભામાં બેઠા હોય તે વખતે કોઈક ઉતારામાં સંભારે તો તેમના સંકલ્પને જાણી ત્યાં જઈ તેમના મનોરથ પૂરા કરવા જય સ્વામિનારાયણ કહે ને પૂછે જે, તમને તમારા ઉતારા મળ્યા છે ને ? ગોદડાં તથા જે કાંઈ જોઈએ તે હીરજીભાઈને તથા જાદવાભાઈને કહેજો, અમારા મનજીને કહેજો. આપણા ઘેરથી જોઈએ તે લઈ લેજો. કાંઈ મૂંઝાશો મા. અહીં તો સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ તથા બીજા બધા સંતોએ આ યજ્ઞનું કામ માથે લીધું છે. તેથી તમને જે કાંઈ ચીજ જોઈતી હોય તો તેમને કહેજો. તમે અજાણ્યા તેથી અમે કહીએ છીએ. પછી જ્યારે સંતની પંક્તિ થાય ત્યારે પોતે ત્યાં આવી દંડવત કરવા માંડે, સંતો ઊભા થઈ જાય, સદ્ગુરુઓ ના પાડે, બાપા ! રાખો, તમારાથી ન થાય. એમ કહે તોય દંડવત કરે. કેટલાક સંતો ઊભા થઈ રહ્યા હોય ત્યારે પોતે એમ કહે જે, તમને તો મહારાજે મૂર્તિમાં રાખ્યા છે, તમે મૂર્તિમાં રહ્યા થકા દર્શન કરો છો. મહારાજ જમે છે તેથી અમે દંડવત કરીએ છીએ. તમે તો સર્વે અનાદિમુક્ત છો. મૂર્તિના સુખમાં કિલ્લોલ કરો છો. એમ મહિમાનું વર્ણન કરે. ।। ૧૩૩ ।।
વાર્તા ૧૩૪
એક વખતે ભૂજથી વિઠ્ઠલજીભાઈ તથા મગનભાઈ દર્શને આવ્યા ને સાથે લીલી દ્રાક્ષ લાવેલા તે વખતે બાપાશ્રી હરિભક્તોની પંક્તિમાં દર્શન દેવા પધાર્યા હતા. ત્યાં આવી તેમણે દર્શન કર્યાં. ને તે દ્રાક્ષ બાપાશ્રીને આપીને પ્રાર્થના કરી જે, બાપા ! આ મેવો અંગીકાર કરો. ત્યારે બાપાશ્રી પ્રથમ તો એમ બોલ્યા જે, અમે આ લોકના મેવા જમનારા નહીં. અમે તો મહારાજની મૂર્તિના સુખરૂપ દિવ્ય ભોજન સદાય જમીએ છીએ. પણ તમે આખી વાટ સંકલ્પ કરતા આવ્યા છો, તેથી લાવો મહારાજને જમાડીએ. એમ કહી ઠાકોરજીને જમાડી બે દાણા બાપાશ્રી જમ્યા. પછી પાસે ઊભેલા નાના-મોટા હરિભક્તોને બબે દાણા પ્રસાદી આપીને કહ્યું જે, આ વિઠ્ઠલજીભાઈ તથા મગનભાઈનો યજ્ઞ. પછી એક હરિભક્ત છોકરાને તેડીને પગે લગાડવા પાસે ઊભેલ; તે છોકરાને પોતે દ્રાક્ષનો દાણો મોઢામાં આપીને બોલ્યા જે, આ અત્યારે નાનો બાળક છે, પણ મોટો થશે ત્યારે બહુ બળિયો થશે. એમ કહીને તેના માથા પર હાથ મૂકી બાપાશ્રી મંદિરમાં પધાર્યા. મંદિરના ચોકમાં જરાવાર સૂવાની ઇચ્છા જણાવી. પછી સેવકે આસન પાથર્યું તે પર આવીને બેઠા. તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીને પાસે બોલાવીને કહ્યું જે, તમે જરાવાર આરામ કેમ કરતા નથી ? તમારે કથા વાંચવી, તેથી જરા વિસામો કરવો ખપે. ત્યારે પુરાણી કહે, બાપા ! તમને જોઈએ છીએ એટલે આરામ થઈ જાય છે. સંત, હરિભક્તો નાના-મોટા આપની કૃપાથી સુખિયા છે. આ સમયે આપે દયા કરી આ બ્રહ્મયજ્ઞરૂપી મોટું સદાવ્રત ઉઘાડું મેલ્યું છે, તેથી કંઈકનાં કામ થઈ જાય છે. આવા મૂર્તિનાં સુખરૂપ દિવ્ય ભોજન આપના વિના બીજા કોણ જમાડે ? આપની દયાનું અધિકપણું તો, મોટા સદ્ગુરુ સ્વામી જેવા છે તે જેમ છે તેમ જાણી શકે. સંત-હરિભક્ત સર્વે નાના-મોટાને આપની કૃપાએ આનંદ વર્તે છે. પણ આપે કાંડું બાંધતી વખતે આ મૂર્તિ ઊડી જાય નહિ એમ જે મર્મવચન કહેલ છે તેથી કેટલાયને વિચાર થઈ પડ્યો છે. ત્યારે બાપાશ્રી કહે જે, પુરાણી ! શ્રીજીમહારાજ બધું સારું કરશે. આપણે ઊડીને ક્યાં જવું છે ? આપણને તો ધણી બહુ જબરા મળ્યા છે, તેથી મૂર્તિમાં જ રાખ્યા છે; માટે અમે જે બોલીએ તેમાં કોઈને બીજો વિચાર ન કરવો. મહારાજ ગમે તેમ રાખે. આપણે તેમની મરજી પ્રમાણે રાજી રહેવું. અમને સદ્ગુરુઓ તથા શેઠ બળદેવભાઈ, ચતુરભાઈ, નાગરદાસભાઈ, આદિ પૂછતા હતા જે, બાપા ! તમે કાંડું બાંધતી વખતે સભામાં સૌના સાંભળતા એમ બોલ્યા હતા જે, ગોર મહારાજ ! કાડું તાણીને બાંધજો. જોજો, આ મૂર્તિ ઊડી જાય નહીં. તે આપની શી મરજી છે ? અમારા ઉપર આપ ઘણી પ્રસન્નતા જણાવો છો, આવા મોટા બ્રહ્મયજ્ઞ કરો છો તથા કાંઈ કાર્ય આદરો છો ત્યારે કહો છો કે આનું કેમ કરશું ? આપનાથી અજાણ્યું કાંઈ નથી. તોપણ અમને રાજી કરવા આપ એમ કહો છો; પણ આટલી વાત અમારાથી અજાણી રાખો છો તેનું કારણ અમે સમજી શકતા નથી. ત્યારે અમે તેમને કહ્યું જે, સ્વામી, આપણે ક્યાં જુદા છીએ ? મૂર્તિમાં સદાય ભેળા જ છીએ. આ લોકમાં તો કોઈનું ધાર્યું કાંઈ કામ આવતું નથી. “મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય” એમ શ્રીજીમહારાજે કહ્યું છે. માટે એમની મરજી પ્રમાણે આપણે રહેવું. તમારે કોઈ વાતનો વિચાર મનમાં લાવવો નહીં. આપણે તો અખંડ મૂર્તિમાં ભેગા જ છીએ. ક્યારેય જુદા નથી; એમ કહ્યું હતું. એ પ્રમાણે પુરાણી કેશવપ્રિયદાસજીને કહીને ધીરજ આપી.
સાંજે બાપાશ્રી સભામાં આવ્યા ત્યારે શ્રીજીમહારાજની તથા પુસ્તકની અને પુરાણીની ચંદન-પુષ્પાદિકે પૂજા કરી. સભાને જય સ્વામિનારાયણ કરી આસને બેઠા. તે વખતે બાપાશ્રી કેડિયું તથા પાઘડી ઉતારી ધોતિયું ઓઢી હાથમાં ચંદનનો વાટકો લઈ સંત-હરિભક્તોને ચંદન ચર્ચવા લાગ્યા. ત્યારે બાપાશ્રીના મોટા દીકરા કાનજીભાઈએ હાથમાંથી વાટકો લઈ બાપાશ્રીને સભામાં બેસવાની પ્રાર્થના કરી, સૌને ચંદન ચર્ચ્યું. ।। ૧૩૪ ।।
વાર્તા ૧૩૫
બીજે દિવસે સવારે સભામાં એવી જ રીતે મહારાજની તથા પુરાણી આદિ સંતોની પૂજા કરી આસને બેઠા. થોડી વારે કથામાં વાતોનો પ્રસંગ ચાલ્યો. તે વખતે બાપાશ્રીએ વાત કરી જે, જુઓ તો ખરા ! આ સંતની સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. અનંત મુક્તો એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે. આ દિવ્ય સભામાંથી તેજ ફરર ફરર નીકળે છે. અનંતકોટિ બ્રહ્માંડમાં આવા સંત અને આવી દિવ્ય સભા હોય તો શોધી લાવો ! આ તો બ્રહ્મની મૂર્તિઓ છે. આ બધાયનાં તેજ શ્રીજીમહારાજે ઢાંકી રાખ્યાં છે. આ રીતે વાતો કરતાં સવાર અને સાંજ સંત-હરિભક્તોથી મંદિર ઊભરાઈ જતું હતું. કથા વાંચનાર બંને પુરાણી મૂર્તિ ધારીને કથા વાંચતા હતા અને શ્રોતાજનો પણ મૂર્તિમાં વૃત્તિ રાખી સાંભળતા હતા. સાંજે હરિભક્તોની પંક્તિ થાય તે વખતે પણ બાપાશ્રી વાડીમાં ફરીને સૌને દર્શન આપી સુખિયા કરતા. એક દિવસ સવારે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, મહારાજે આ સમે જીવો પર બહુ દયા કરી છે, તેથી શરણે આવે તેનાં જન્મમરણનાં ખાતાં વાળી નાખે છે. આવા બ્રહ્મયજ્ઞમાં શ્રીજીમહારાજ દિવ્ય રૂપે દર્શન દઈ અનેકને પોતાની મૂર્તિનું સુખ આપે છે. મોટા મુક્ત દ્વારે પોતાનો મહિમા સમજાવે છે. આવા સંતો પણ જીવને ઉગારવા ભાતાં બાંધીને ઘેર ઘેર ફરે છે. વાંક-ગુના માફ કરી દે છે. મહારાજે અનેક પ્રકારનાં લીલા-ચરિત્રો કર્યાં તથા અનાદિ મહામુક્તોએ જે જે કર્યું તેમાં એ એક જ તાન છે; પણ જીવને એ વાતની શી ખબર પડે ? આ તો “અનંત જીવ ઉદ્ધારવાને આવિયા રે લોલ, બ્રહ્મમોહોલવાસી હરિરાય” એવું છે. ક્યાં જીવ ને ક્યાં જીવન ! આ તો મહાપ્રભુએ અતિ કરુણા કરી છે. મોટા મુક્તોએ એ મૂર્તિનો અપાર મહિમા વર્ણવ્યો છે જે, સદા સાકાર, નિર્ગુણ મૂર્તિ સ્વતંત્ર થકા પોતાના તેજે અનંત બ્રહ્માંડને તથા અનંત ઐશ્વર્યાર્થી ઓને પ્રકાશના દાતા, સુખમય મૂર્તિ, સર્વના આધાર પરમએકાંતિક તથા અનાદિ મહામુક્તોએ સેવ્યાં છે ચરણકમળ જેમનાં, એવા અને એ મુક્તોને રસબસભાવે સળંગ પોતાની મૂર્તિનું નવીન નવીન સુખ પમાડનાર, સુખના ધામ, મનોહર મૂર્તિ, અક્ષરબ્રહ્મના આધાર, અક્ષરના આત્મા, દિવ્ય મૂર્તિ, અનંત બ્રહ્માંડમાં અન્વયશક્તિ વડે પ્રકાશના કરનારા, સર્વના કારણ શ્રીહરિ, એ જેવા એ એક; એમ શાસ્ત્રમાં લખ્યા એવા અખંડ અવિનાશી મહારાજ તેમની પ્રાપ્તિ આપણને થઈ છે, તેની ખુમારી રાખવી. એ મહાપ્રભુ આ સભામાં અખંડ બિરાજે છે. સભા સામું અમૃત નજરે જોઈ રહ્યા છે, માટે આપણે પોતાનાં અહોભાગ્ય માની કૃતાર્થપણું માનવું. જીવને વિષે નાદારપણું તો રાખવું જ નહીં. આવી દિવ્યસભાનો મહિમા અતિશે જાણવો. “ભવ બ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો” એવી પ્રાપ્તિ આપણને થઈ છે એમ જાણવું. શ્રીજીમહારાજે કૃપા કરી આ જોગ આપ્યો, તેથી જ તેમના આવા અનાદિ મહામુક્ત ઓળખાણા છે. માટે આપણે પોતાનું અહોભાગ્ય માનવું ને સદાય આનંદમાં રહેવું. ।। ૧૩૫ ।।
વાર્તા ૧૩૬
સંતની પંક્તિ થઈ ત્યારે બાપાશ્રી દંડવત કરવા લાગ્યા. ત્યારે સંતોએ કહ્યું જે, બાપા ! તમે દંડવત ન કરો. ત્યારે પોતે એમ બોલ્યા જે, શ્રીજીમહારાજ સંતની પંક્તિમાં દિવ્ય રૂપે દર્શન દેવા પધાર્યા છે. અમે એમને દંડવત કરીએ છીએ. તમે ફિકર ન કરો. મહારાજે આ યજ્ઞમાં પ્રસન્નતા બહુ જણાવી છે. આજે સભામાં પણ દિવ્ય તેજોમય દર્શન આપી સંત-હરિભક્ત સામું અમૃત નજરે જોઈ પ્રસન્નતા જણાવી મંદ મંદ હસતા હતા. એમ કહી પીરસનારા સંતોને કહ્યું જે, તમારે મહારાજને રાજી કરવા હોય તો સંતોને સિંહગર્જના કરે ત્યાં સુધી પીરસજો. આ બ્રહ્મયજ્ઞમાં તો જમવું, રમવું ને આત્યંતિક મુક્તિના કોલ લેવા એટલું કરવાનું છે. અમારે તો સર્વેને મૂર્તિને સુખે સુખિયા કરવા છે. આ યજ્ઞમાં શ્રીજીમહારાજનો રાજીપો ઘણો જણાય છે. એમ વાત કરીને પછી વચનામૃતની કથા પ્રસંગે બાપાશ્રી બોલ્યા જે, આ ફેરે કોઈને તાણ રહેવા દેવી નથી. સ્વામી ઈશ્વરચરણદાસજીને કહે, સ્વામી ! તમે ત્રણે સદ્ગુરુઓ સૌને કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞથી આનંદનો સાગર ઉલટાવજો. આ તો કપિલાછઠ ને મહોદયપર્વ આવ્યું છે, આવો સમૈયો વારેવારે થવો દુર્લભ છે. આવી રીતે સવારે, બપોરે, સાંજે, રાત્રે કથામાં તથા પંક્તિમાં દર્શન દેવા પધારે ત્યારે વાતો કરી બાપાશ્રી અત્યંત પ્રસન્નતા જણાવતા હતા.
એક વખત સવારે સભામાં અતિ હેત જણાવીને બાપાશ્રીએ પુરાણી કેશવપ્રિયદાસજીને ચંદન ચર્ચતાં કહ્યું જે, પુરાણી મહારાજ ! તમે તો ભારે કામ કરી લીધું. મૂર્તિમાં રહ્યા થકા કથા કરો છો, તેથી મહારાજ તથા સંત-હરિભક્ત સર્વે ઘણા રાજી થાય છે. આ સભામાં મધ્યસ્થ મહારાજ તેજોમય બિરાજે છે, મૂર્તિ ફરતા અનંત મુક્ત અનાદિ તો રસબસભાવે સુખ લીધા જ કરે છે, સર્વે તેજોમય છે; તેજ ઝળળ ઝળળ થાય છે. જેને એવો અલૌકિક ભાવ આવે છે તે તો દીવાના (મસ્તાના) થઈ જાય. ક્યાં અનંતકોટિ બ્રહ્માંડના પતિ ને ક્યાં પામર જેવા જીવ ! આ તો ન બનવાની વાત બની ગઈ છે, એમ કહીને સભામાં બેઠા. પછી કથાની સમાપ્તિ થઈ, ત્યારે સહુ સંતો પાસે આવીને બેઠા. તે વખતે હરિભક્તોને જમવાનો સાદ થયો એટલે સર્વે ગયા ત્યારે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી સામું જોઈને બીજા સંતોને કહ્યું જે, આ અમારા મોટા સંત, જુઓને ! મૂર્તિમાં સદાય ગુલતાન રહે છે. તમો સર્વે આવા થજો. મૂર્તિ વિના બીજે ક્યાંય અક્ષરકોટિ આદિમાં ભાગ-લાગ રાખવો નહીં. આપણે એ એક જ કામ કરવા આવ્યા છીએ. કેટલાકને વ્યવહારમાં ડહાપણ ઘણું હોય, તેથી મૂર્તિને ભૂલીને કાર્યમાં હણોહણ કરે, તો તે શું કમાણા ? આપણે તો પુરુષોત્તમનારાયણના થયા છીએ. માટે એ મૂર્તિનો સદાય કેફ રાખવો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું, આવો સ્વામી ! સંત-હરિભક્તોને ખૂબ સુખિયા કરજો. આ બધાય હરિભક્તો દરિયા ઊતરી ઊતરીને તમને રાજી કરવા આવ્યા છે. ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજી કહે, બાપા ! ચમકરૂપ તો આપ છો, અમે તો તમારા વાંસે છીએ. ત્યારે બાપાશ્રી કહે, સ્વામી ! તમે તમારું સામર્થ્ય ઢાંકો છો પણ હમ સબ જાનતા હૈ. તમે તો મહાનુભાવાનંદ સ્વામીનો ચીલો રાખ્યો છે. તમે મૂર્તિ વિના કાંઈ વહાલું રાખ્યું નથી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આ સ્વામી આજ્ઞા પાળવામાં શૂરવીર ખરા. તેમની પાસે કોઈ મોળી વાત કરી શકે નહીં. મહાનુભાવાનંદ સ્વામીની પ્રસાદી એવી જ હોય. મોટા મોટા નંદ સદ્ગુરુ શ્રીજીમહારાજ વિના ઘડીએ રહેતા નહિ; તેથી એ સભાનો અલૌકિક પ્રતાપ સહેજે જણાતો. એ સર્વે મહારાજના સંકલ્પથી દેખાતા. એમની ગતિ જીવ શું જાણી શકે ? મુક્તાનંદ સ્વામી કહે છે કે,“હરિ હરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી” એમ દિવ્યભાવ વિના જેવા છે તેવા ઓળખાય નહીં. આ સભા અલૌકિક છે, દિવ્ય તેજોમય છે, નિર્ગુણ છે. આ સભાના સંકલ્પ ચાલે છે. આ ટાણે કંઈક ન્યાલ થાય છે. આવા સંતની સર્વે ક્રિયા કલ્યાણકારી જાણવી. સભામાં સંતો બેસે છે તે જાણે સૂર્યમુખી કમળનાં વન ખીલ્યાં હોય ને શું ! તેમ મૂર્તિ સન્મુખ સૌની નજર હોય છે. આવા મોટા સદ્ગુરુ આગળ બેઠા હોય તેથી આ દિવ્ય સભા ચમત્કારી લાગે છે. શ્રીજીમહારાજ સર્વેને અમૃત નજરે હેરે છે.
રાત્રે સભામાં વચનામૃતની કથા થતી હતી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાં મહારાજે બધુંય સમજાવ્યું છે. કાંઈ કહેવાનું ને સમજાવવાનું બાકી રાખ્યું નથી. પણ જીવની વૃત્તિ અધરપધર રહે છે તેથી આ વાતની ખબર પડતી નથી. આ અધ્યાત્મ વાતો કેટલાક બુદ્ધિ બળે સમજવા જાય તે ક્યાંથી સમજી શકે ! મહારાજ કહે છે તે શાસ્ત્રમાં લખ્યું તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે તેના મુખ થકી સમજાય. તે રીતે આવા સંત રાત-દિવસ સમજાવે છે, પણ જીવને માયાના ફેર બહુ ચડી ગયા છે, તેથી જેમ મહારાજ કહે છે તેમ સમજાતું નથી. કેટલાક તો મહારાજને બીજા અવતાર જેવા સમજી બેઠા છે. કેટલાક અક્ષરાદિકમાં અટકી રહે છે. પણ મહારાજ વિના બીજું બધુંય કાર્ય છે. કારણ વિના આત્યંતિક મોક્ષ ન થાય. આ તો અતિ અગમ વાત, તે મહારાજ તથા મોટાએ સુગમ કરી દીધી છે, તેથી કલ્યાણ સોંઘું થયું છે. અનાદિ થકી અનાદિની સ્થિતિ થાય, પણ તે વિના ન થાય. સાધને કરીને કેટલુંક થાય ? મૂર્તિમાં તો મહારાજ કેવળ કૃપાએ કરીને રાખે છે. માટે મહાપ્રભુના અનન્ય આશ્રિતને એ મૂર્તિના બળની ખુમારી રાખવી. ।। ૧૩૬ ।।
વાર્તા ૧૩૭
એક વખત સભામાં બાપાશ્રીએ વાત કરી જે, મહારાજની મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે. આ તો “અમૃતના સિંધુ ઊલટ્યા રે; રંગડાની વાળી છે રેલ પુરુષોત્તમ પ્રગટી રે” એવું છે. આ યજ્ઞમાં મહારાજ, અનંત મુક્ત સાથે દર્શન દઈ સૌને સુખિયા કરે છે, તેથી સર્વેને આનંદ આનંદ વર્તે છે. સવારમાં ચાર વાગ્યાથી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ થઈ રહે છે. કૂવા પર એ નામના જ ઉચ્ચાર થાય છે. મંદિરમાં તથા ઓસરીમાં અને ચોકમાં પૂજા કરવાની જગ્યા રહેતી નથી. કેટલાક હરિભક્તો વાડીઓમાં નાહી, પૂજા કરી આવે છે. કથા વખતે મંદિર, ઓસરી ને ચોકમાં હરિભક્તો સમાતા નથી. કથાની સમાપ્તિ થાય છે ત્યારે કીર્તન બોલાય છે. ચોઘડિયાં વાગે ત્યારે તો જાણે આકાશમાર્ગે દુંદુભિના તથા જય જયના નાદ થતા હોય તેમ જણાય છે. રાત્રે, પ્રભાતે, કેટલાક ચમત્કાર થાય છે. કંઈકને મહારાજ જાગ્રત તથા સ્વપ્નમાં દર્શન દે છે. તે કેવી રીતે ? તો શ્રીજીમહારાજ જાણે સભામાં બિરાજતા હોય, કથા થતી હોય, માણકીએ ચડી પંક્તિમાં દર્શન દેવા પધારતા હોય, ઉઘાડે શરીરે બેઠેલા, ચંદનની ભાલમાં આડે સહિત તથા ગુલાબ કે મોગરાના હારથી ગરકાવ એવા અને ક્યારેક ચોકમાં ચંદની નીચે પોઢેલા; એવા જુદા જુદા પ્રકારે સંતો તથા હરિભક્તોને દર્શન થાય છે. એ દર્શનની સભામાં આવીને કેટલાક વાતો કરે છે. એવી મહારાજે આ યજ્ઞમાં દયા વાપરી છે. આ સાયલાના ચુનીલાલભાઈને સભામાં બેઠા હતા ત્યારે મહારાજે સામા ઢોલિયા પર બેઠેલાં, એવાં દર્શન આપ્યાં હતાં. આ કરાંચીના લાલુભાઈને પૂછી જુઓ. તે સવારમાં અમે પૂજા કરતા હતા ત્યારે આવીને એમ કહેવા લાગ્યા જે, બાપા ! આજ તો શ્રીજીમહારાજ સભામાં ગાદી-તકિયા પર સોનેરી વસ્ત્રોએ સહિત બિરાજેલા હતા, અને તે મૂર્તિમાંથી તેજની સેડ્યો નીકળતી હતી, સભા સર્વે તેજોમય, મહારાજ સભા સામું જોઈ મંદ મંદ હસતા હતા, મને પાસે બોલાવીને મારા માથા પર હાથ મૂક્યા. તે વખતે મહારાજે કંઠમાં મોટો ગુલાબનો હાર પહેરેલો હતો, તે હારમાં બહુ સુગંધ હતી. સભામાં સંતો તથા હરિભક્તો મહારાજની સામે જોઈ રહ્યા હતા. એવી રીતે આ યજ્ઞમાં શ્રીજીમહારાજે અપાર દયા કરી છે, તેથી સહુ સુખિયા છે. તમે સંતો રાત ને દિવસ ઉજાગરા કરો છો. ભૂજના, આ ગામોના તથા દેશોદેશના હરિભક્તો આવી ગયા છે એ સર્વેને આનંદ આનંદ થઈ રહ્યો છે. નાગજીભાઈ તથા ભૂરાભાઈ જેવા ઉત્તમ સ્થિતિવાળા તે તો મૂર્તિના સુખને ઢાંકીને વર્તે એવા છે. તમે સંતો પણ કોઈને જણાવો નહીં. પણ આ લાલુભાઈ જેવા તો અમારા વિશ્વાસી, તેથી અમને કહે અને આનંદમાં ને આનંદમાં કોઈ સંત-હરિભક્તને પણ કહે. આ માલણિયાદના હરિભક્તો તથા મેડા, મણિપરા, જોશીપરા આદિ ગામોના હરિભક્તો આ યજ્ઞમાં ખબડદાર થઈને બહુ જ સેવા કરે છે. બધાય મહેનતુ અને મહિમાવાળા છે. મૂળીના યજ્ઞમાં પણ એ બધા શીરાના હોજ ઉપર હતા. તેમાં પણ ચતુરભાઈ જેવા તે તો સ્થિતિવાળા ને સુખિયા, પણ કોઈને જણાવે નહીં. સરાવાળા મનસુખભાઈ તથા જામનગરના રતિલાલભાઈ જેવા તો કાને સાંભળે ઓછું, પણ હેત બહુ ભારે. ભૂજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, વાલજીભાઈ, નાનાલાલભાઈ, લાલશંકરભાઈ, મોતીભાઈ, તેમના દીકરા તથા વિઠ્ઠલજીભાઈ આદિક બળિયા બહુ છે. કરાંચીનો સંઘ તો બધોય વિશ્વાસી, નાના-મોટા સહુ વચનમાં વર્તનારા. આ દેશના હરિભક્ત પણ મહિમા જાણી સેવા ઘણી કરે છે. સૌને મહારાજના રાજીપાની તાણ છે. અમે પણ તેમનાં હેત જોઈને ઘણા રાજી થઈએ છીએ. આ ફેરે અમને એમ જ થયું જે સંત-હરિભક્તોને તેડાવીને કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞ કરી સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા. અમારે બીજું કાંઈ કામ નથી, એ એક જ કામ છે. કેટલાક આવી વાત નથી સમજતા તે આ ટાણે રહી જાય છે. તેને આવો લાભ મળવો દુર્લભ છે. આ તો જેમ સમુદ્રમાં વેળ આવે છે તે જે કાંઈ વસ્તુ માંહી આવે તેને સમુદ્રમાં ખેંચી જાય છે. તેમ અમારે તો આવા જોગમાં જે જે આવે તેને મૂર્તિમાં ખેંચી લેવા છે. મહારાજે આ સમે પાત્ર-કુપાત્ર જોયાં નથી. મહારાજના અનાદિ મહામુક્તનો ઠરાવ પણ એવો જ છે. એમની દૃષ્ટિમાં મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં. તમો સંતો સર્વે એ જ કામ કરો છો, પણ તમે તમારી સામર્થી ઢાંકીને વર્તો છો તે બીજા કોણ જાણી શકે ! પણ મહારાજની કૃપાએ અમે તો જાણી જઈએ છીએ. અમને તો એમ છે જે, કોઈ હાથ જોડે તેટલામાં ન્યાલ કરી મૂકીએ એટલે મૂર્તિના સુખમાં પહોંચાડી દઈએ. પણ જીવો અનાદિકાળના અજ્ઞાને કરીને ભૂલેલા છે, તથા માયામાં પરાધીન જેવા થઈ રહ્યા છે, તેથી આવા દિવ્ય સુખની એ બિચારાને શી ખબર પડે ! ।। ૧૩૭ ।।
વાર્તા ૧૩૮
એક વખત વાડીમાં હરિભક્તોની પંક્તિ જમવા બેઠી હતી. ત્યાં બાપાશ્રી પધારેલા, તે સર્વેને દર્શન દઈ આંબાના વૃક્ષ હેઠે બેઠા હતા. અને ડા. નાગરદાસભાઈ તથા મણિલાલભાઈ, કરાંચીના લાલુભાઈ, હીરાભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ આદિ તથા સરાવાળા મનસુખભાઈ તથા માથકવાળા ભગવાનજીભાઈ અને બીજા કેટલાક હરિભક્તો પંક્તિનાં દર્શન કરતા હતા. તે સૌએ મળી બાપાશ્રીના ભાલે કુમકુમના ચાંદલા કર્યા. પછી બાપાશ્રીએ પણ સૌને ચાંદલા કર્યા ને બોલ્યા જે, આ કંકુના ચાંદલા મ જાણજો. આ તો અક્ષરધામના ચાંદલા થાય છે. એમ કહી નાગરદાસભાઈ તથા મણિલાલભાઈને કહ્યું જે, અમે ધનજીભાઈના હરજીને તાવ બહુ આવી ગયો છે, તે નારાયણપુર ગયા હતા. ત્યાં જઈ તેમને ધીરજ આપી છે ને કહ્યું છે જે, કાલે તાવ ઊતરી જશે. પણ તમે બેય ભાઈ ત્યાં જઈ આવજો ને કહેજો કે કાંઈ મૂંઝાશો નહીં. મહારાજ સારું કરી દેશે, તેથી તેને યજ્ઞમાં દર્શને અવાશે, એવી સુવાણ થઈ જશે. ઘણો તાવ છે તેથી તેને એમ રહે જે હું આવા યજ્ઞમાં રહી જઈશ, પણ તમે ધીરજ દેજો. આ લાલુભાઈને પણ સાથે તેડી જજો. હરજી તો મહિમાવાળો બહુ છે તેથી લાલુભાઈ અને તમારાં દર્શન થશે એટલે સાજો થઈ જશે. એમ તેમને ભલામણ કરી બાપાશ્રી મંદિરમાં આવવા સૌ હરિભક્તો સાથે ચાલ્યા. માર્ગમાં લાલુભાઈને કચ્છી ભાષામાં વાત કરતાં બાપાશ્રીએ રમૂજ કરી જે, લાલુભાઈ ! આંઈ કીતે હુઆ ? (તમે ક્યાં હતા ?) ત્યારે લાલુભાઈ કહે, બાપા ! મહારાજજી મૂર્તિમેં. પછી એમ કહ્યું જે, વાડીમેં કુરો થિયો ? (વાડીમાં શું થયું ?) ત્યારે લાલુભાઈ બોલ્યા જે, બાપા ! વાડીમેં તો અક્ષરધામજા ચાંદલા, આંઈ શ્રીજીમહારાજજો પ્રસાદ મીલ્યો. (અક્ષરધામના ચાંદલા તથા મહારાજની પ્રસાદી મળી.) તેવાં વચન સાંભળી હરિભક્તો પાસે તેમનું તથા હીરાભાઈ, સાંવલદાસભાઈ આદિનાં હેત અને વિશ્વાસનું વર્ણન કરતા બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ।। ૧૩૮ ।।
વાર્તા ૧૩૯
ચૈત્ર વદ ૪ને રોજ કણબીની ચોવીશ ગામની નાતના હરિભક્તો આવવા માંડ્યા, સાથે મંડળીએ ઝાંઝ, મૃદંગ વગાડે, કીર્તન બોલે. કોઈ “આજ સખી આનંદની હેલી”, તો કોઈ “લટકાળો લટકંતો આવે”, “માણકીએ ચડ્યા રે મોહન વનમાળી” તથા “ઓરા આવો મારા લેરખડા લ્હેરી”, કોઈ હરખભર્યા બોલે જે, “રાય રે તારાં શહેર બહુ સાંકડાં, મારા હરિવરના હાથીડા ન માંય”. વળી “ઊઠ ઊઠ રે ભીમકની નાર, તોરણે આવ્યા જગદાધાર” એવાં એવાં કીર્તન બોલે, ચોઘડિયાં વાગે, સભામાં સૌ બેઠાં હોય. સંતની સભામાં સૌના કંઠમાં હજારીફૂલના હાર, મહારાજ પાસે જે દર્શને આવે તે શ્રીફળ, મેવા આદિક લાવીને મૂકે, પુરાણી અને પુસ્તકની પૂજા કરી બાપાશ્રીને હાર પહેરાવે, ચંદન ચર્ચે; તેવાં દર્શનથી સૌનાં હૃદયમાં આનંદ સમાય નહીં. ગામ અને સીમમાં હરિભક્તો ઊભરાતા દેખાય. એ સર્વેને જમાડવા સુખડીના મોટા ઓરડા ભરેલા તથા શીરાના હોજ કરેલા; અને ખીચડી-શાક આદિ ભોજન તૈયાર કરવા તથા પીરસવા ઘણા હરિભક્તો તત્પર થઈ રહ્યા હતા.
બાપાશ્રી તથા સંતોએ મહારાજની મૂર્તિ લઈને, હરિભક્તોએ સહિત તે પાકશાળામાં પધારી, જ્યાં સુખડીના ઓરડા ભરેલા હતા ત્યાં મહારાજને પધરાવ્યા, આગળ ઘીના દીવા કર્યા, પછી સૌએ થાળ બોલી મહારાજને જમાડ્યા અને જળપાન કરાવ્યું. તે વખતે બાપાશ્રી બોલ્યા જે, આ સુખડી મહારાજ હેતે કરીને જમ્યા છે. તેથી આ પ્રસાદી જમનારા અપાર સુખમાં પહોંચશે કેમ કે મહારાજ તથા અનંતકોટિ મુક્તો જમ્યા એવી પ્રસાદી ક્યાંથી મળે ? તે વખતે સાધુ દેવજીવનદાસજી પંખેથી વાયુ નાખતા હતા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે મહારાજને વાયરો નાખો છો તે બોલતા જાઓ જે, “તમે જમોને ઢોળું હું તો વાય રે, વારી જાઉં વાલમજી” એમ રમૂજ કરી. પછી થાળીમાં વાટો પ્રગટાવી બાપાશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોએ મળી આરતી ઉતારી. પછી બાપાશ્રી એમ બોલ્યા જે, આપણે આવા યજ્ઞ કારણ મૂર્તિ શ્રીજીમહારાજને રાજી કરવા કરીએ છીએ. તેથી જુઓને ! મહારાજ મંદ મંદ હસે છે, સૌને અમૃત નજરે જુએ છે. તે વખતે નારાયણપુરના ખીમજીભાઈએ છડી પોકારી સૌને રાજી કર્યા. પછી બાપાશ્રીએ સ્વામી આદિ સંતોને કહ્યું જે, આ સુખડી જે જમશે તેનો અમે આત્યંતિક મોક્ષ કરી મૂર્તિના સુખમાં રાખશું. તમો પણ સર્વે એવો સંકલ્પ કરજો. આપણે કોઈને મૂકવા નથી. આ સભાનો દિવ્યભાવ આવે એટલે કાંઈનું કાંઈ કામ થઈ જાય અને જો અભાવ આવે તો મોક્ષમાં વાંધો આવી જાય. એમ કહીને ત્યાંથી શીરાના હોજ પાસે જવા સૌ ચાલ્યા. મારગમાં હરિભક્તો કીર્તનો બોલતાં હતાં તેથી સર્વે નાના-મોટા દર્શન કરી રાજી થતા. પાકશાળામાં શીરો આદિક પાક તૈયાર કરનારા, બાપાશ્રી તથા સંતોને આવતાં જાણી અતિ હર્ષાયમાન થયા અને પોતપોતાનાં સ્થાનકે ઊભા રહી, બાપાશ્રીને હાથ જોડી જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે બાપાશ્રીએ સેવા કરનારા હરિભક્તો ઉપર અમૃત નજરે અતિ પ્રસન્નતા જણાવી. પછી શીરાના હોજ ભરેલા હતા. ત્યાં રેશમી ચાકળાએ સહિત બાજોઠ ઉપર મહારાજને પધરાવ્યા. આગળ ઘીના દીવા તથા અગરબત્તીના ધૂપ થયા. સંત તથા હરિભક્તો ફરતા ઊભેલા ત્યાં વચમાં આસન પાથરી બાપાશ્રી તથા સદ્ગુરુઓને બેસાડ્યા. સંતો “અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ, શ્રી ભક્તિ ધર્મ સુત રે જમાડું પ્રીત કરી” એ થાળ બોલવા લાગ્યા. થાળ બોલી રહ્યા ત્યાં સુધી બાપાશ્રી ધ્યાનસ્થ બેઠા હતા. તે જાગ્રત થઈ અતિ પ્રસન્નતા જણાવી, મહારાજને જળપાન કરાવ્યું. ત્યાં પણ શ્રીજીમહારાજની બાપાશ્રી તથા સદ્ગુરુઓએ આરતી ઉતારી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. ત્યાં કરાંચીવાળા સોમચંદભાઈએ છડી પોકારી. પછી બાપાશ્રી એમ બોલ્યા જે, શ્રીજીમહારાજે કાંકરિયે યજ્ઞ કર્યો તે વખતે અતિ પ્રસન્નતા જણાવી પોતે અનંત મુક્તોએ સહિત થાળ જમ્યા હતા. તે રીતે આપણા યજ્ઞમાં આજ પણ મહારાજે ઘણી પ્રસન્નતા જણાવી છે. આ શીરો, સુખડી તો સર્વે દિવ્ય વસ્તુ થઈ ગઈ. આ મહાપ્રસાદી જે કોઈ જમશે તેને વગર સાધને મહારાજની મૂર્તિનું સુખ મળશે. એમ આશીર્વાદ દઈ સંતોએ સહિત માર્ગમાં હરિભક્તો કીર્તન બોલતાં આવે; એ રીતે બાપાશ્રી મંદિરમાં પધાર્યા. આવી રીતે વૃષપુરમાં બાપાશ્રીની કૃપાથી હજારો સંત-હરિભક્તો આત્યંતિક મુક્તિના ભાગ્યવાન બન્યા. સંતોમાં સદ્. સ્વામી વૃંદાવનદાસજી, સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સદ્. સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, હરિપ્રસાદદાસજી, કેશવપ્રિયદાસજી તથા સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, દેવજીવનદાસજી, મુક્તવલ્લભદાસજી આદિ તથા અમદાવાદ, મૂળી, વરતાલ, ગઢડા, જૂનાગઢ આદિક ધામોના સંતો આવેલા હતા, તે આ યજ્ઞમાં હરિભક્તોની સરભરા કરવામાં, કથા-વાર્તા કરી સુખિયા કરવામાં તત્પર હોવાથી બાપાશ્રી પણ તેમને વારંવાર બોલાવતા, રમૂજ કરી હસાવતા, પ્રશંસા કરતા, તેથી સંતો પોતાનું અહોભાગ્ય માનતા હતા. હરિભક્તોમાં અમદાવાદના શેઠ બળદેવદાસ, શંકરભાઈ, બહેચરભાઈ, ચુનીલાલભાઈ, સોમચંદભાઈ આદિ તથા સરસપુરના કોઠારી ઈશ્વરદાસ વગેરે ઘણાક હરિભક્તો તથા વિરમગામના ડૉ. નાગરદાસ અને તેમના ભાઈ મણિલાલ તથા વઢવાણવાળા માસ્તર કેશવલાલ, પાટડીના નાગજીભાઈ, વાંસવાના શામજીભાઈ, માંડલના ઠક્કર મોતીભાઈ, રણછોડભાઈ, મેરાઈ લવજીભાઈ આદિ, મેડાના મોહનભાઈ, જટાભાઈ આદિ તથા ડાંગરવાના મિસ્ત્રી દલસુખરામ, મણિપરાના જીવા પટેલ, ઝવેરભાઈ આદિ તથા જોશીપરાના કલ્યાણદાસ, ખોડીદાસ આદિ તથા ધરમપુરના ઝવેરભાઈ, ભાવજીભાઈ આદિ તથા કડી, કરજીસણ આદિ ઘણાંક ગામોના હરિભક્તો અને અસલાલીના જેઠાભાઈ તથા રાવસાહેબ બાલુભાઈ, વહેલાલના ચતુરભાઈ તથા કણભાવાળા આશાભાઈ તથા પટેલ ભલાભાઈ, છોટાભાઈ, ગોધાવીના માસ્તર જગન્નાથ તથા તેમના દીકરા મણિલાલ આદિ, મોડાસરના માસ્તર લલ્લુભાઈ તથા રનોડા, ઉપરદળ, રેથલ આદિ નળકંઠાના ઘણાક હરિભક્તો સૌ બાપાશ્રીને રાજી કરવા અતિ હર્ષાયમાન થકા સેવા કરતા હતા તથા ભાલ, ચરોતર, કાઠિયાવાડ, ઝાલાવાડ, હાલાર, કલકત્તા, કટક, ઝરિયા, કરાંચી, સુરત, ભરૂચ, ખંભાત આદિ દેશોદેશના હરિભક્તોથી વૃષપુરમાં ચાલવાની જગ્યાએ પણ ભીડ થઈ રહી હતી. માલણિયાદના ચતુરભાઈ, વેલસીભાઈ, જેઠાભાઈ, ઈશ્વરલાલ, પ્રાણજીવન આદિ સવારથી રાત સુધી સેવાઓ કરતા. જ્યારે ગરબી ગવાય ત્યારે તેમનાં હેત સૌને દેખાઈ આવતાં તેથી બાપાશ્રી પોઢ્યા હોય તોય જાગીને એ ગાતા હોય ત્યાં વચ્ચે આવીને બેસે, પ્રશંસા કરે, પ્રસાદી આપે, મળે; એ જ રીતે ગામોગામના હરિભક્તો પણ જુદી જુદી રીતે બાપાશ્રીને રાજી કરી, પોતાને કૃતાર્થ માનતા હતા. બાઈઓનો સમૂહ પણ જ્યાં બાપાશ્રીનાં દર્શન થાય ત્યાં છેટેથી જય સ્વામિનારાયણ કરતા તથા યજ્ઞની સામગ્રી તૈયાર કરવાની સેવા કરી, બાપાશ્રીની પ્રસન્નતા મેળવી મહારાજને રાજી કરવા કોઈ રાત કે દિવસ જોતા નહીં. હરિભક્તો કોઈ થાકને તો ગણે જ નહીં. જાગ્રત, સ્વપ્નમાં એક જ તાન, મહારાજ તથા બાપાશ્રી અને સંત-હરિભક્તનાં દર્શન, કથા-કીર્તન તથા પંક્તિ ટાણે દર્શન, વળી આરતી થાય, ચોઘડિયાં વાગે એ સર્વેમાં પણ આનંદ ને આનંદ. એવી રીતે સૌ આત્યંતિક મુક્તિના ભાગ્યવાન થતા હતા.
બે દિવસ રાત્રે પાલખીમાં મહારાજને પધરાવી આગળ ગામોગામની મંડળીઓ ઉત્સવની ઝીક વગાડે, આરતી વાગે, છડીદાર મહારાજાધિરાજને ઘણી ખમ્મા એમ ઊંચે સ્વરે બોલે, ચમર ઢોળે, શેરીઓમાં કોઈ આવે-જાય એટલી જગ્યા પણ નહીં. સૌને હર્ષ સમાય નહિ, ગુલાલ ઊડે, વચમાં હેતવાળા હરિભક્તો મંડળીઓને પાણી પાય, કીર્તનમાં પણ હેત ઊભરાય. “મારો વાલોજી વરતાલ આવ્યા”, “મહારાજ આજ વરતાલથી આવશે”, “માણકીએ ચડ્યા રે મોહન વનમાળી”, “લટકાળો લટકંતો રે આવે” એવાં જુદાં જુદાં કીર્તન બોલે. એ રીતે શેરીએ શેરીએ પાલખી લઈ જાય. સૌ દર્શન કરે, શ્રીફળ તથા રૂપામહોર મહારાજને ભેટ કરે અને ચોક વચ્ચે સલોકા બોલાય; એમ ગામ આખામાં ફરી પાછાં ગાજતે-વાજતે સૌ મંદિર આવે. મંદિરના બારણેથી મંડળીઓને કીર્તન બોલતાં બબ્બે કલાક થઈ જાય પણ એકબીજા થાકે નહિ. એ બધાં જ્યારે ચોકમાં આવે, ત્યારે બાપાશ્રી સૌને રાજી થઈ પ્રસાદી આપે. રાત્રે વાડીઓમાં ગામોગામના હરિભક્તો કીટસન લાઇટો વચમાં રાખી ગરબીઓ ગાય. કેટલીક મંડળીઓ ઉત્સવ કરે. એકબીજા થાકે નહીં. ઊંઘ ઉજાગરાનું તો કોઈ યાદ જ ન કરે. સવારો સવાર કીર્તન બોલાય. આ રીતે આ યજ્ઞમાં વૃષપુર મહા મોટું ધામ બની ગયું હોય તેમ શોભી રહ્યું હતું. ।। ૧૩૯ ।।
વાર્તા ૧૪૦
ચૈત્ર વદ ૬ને રોજ સવારમાં અમદાવાદના શેઠ બળદેવભાઈ તથા ભૂજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, લાલશંકરભાઈ તથા રામપુરના દેવરાજભાઈ અને ભારાસર તેમજ નારાયણપુરના મોટેરા હરિભક્તો તથા કરાંચીના લાલુભાઈ અને પાટડીના નાગજીભાઈ, ડા. નાગરદાસભાઈ, મણિલાલભાઈ, શિવલાલભાઈ આદિ મોટા મોટા હરિભક્તોને બાપાશ્રીના મોટા પુત્ર કાનજીભાઈએ કહ્યું કે, આજે આપણે ત્યાં ઠાકોરજીની છાબો ભરાય છે, માટે તમે ઘેર ચાલો; એમ કહી સૌને ઘેર તેડી ગયા, મંદિરમાં કથા ચાલુ થઈ. સમાપ્તિનો દિવસ હોવાથી જરિયાની તથા સોનેરી વસ્ત્ર અને રૂપામહોર ભરી છાબો તૈયાર કરી મંદિરમાં લાવતાં આગળ મંડળીઓએ ઉત્સવ કરી કીર્તન બોલવા માંડ્યાં જે, “વા’લો વધાવું, મારો વા’લો વધાવું, આજની ઘડી રળિયામણી રે, મારો વા’લો વધાવું” એ કીર્તન બોલતાં સૌ મંદિરમાં આવ્યા. છાબો સભામાં મૂકી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલ્યા. કથાની સમાપ્તિ થઈ ત્યારે બાપાશ્રી તથા તેમના પુત્ર-પૌત્રાદિકે મળી આરતી ઉતારી. પુરાણી આદિક સર્વે સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં. સભામાં “આનંદ આપ્યો અતિ ઘણો રે” એ કીર્તન બોલાતું હતું. પછી હરિભક્તોને પૂજા કરવાની છૂટી થઈ. ત્યારે સૌએ સંતોની પૂજા કરી અને ભૂજના મંદિર તરફથી કોઠારીએ બાપાશ્રીને તથા તેમના પુત્રોને પાઘડીઓ બંધાવી. પછી સદ્ગુરુઓએ તથા બધા સંતોએ બાપાશ્રીને ચંદન ચર્ચ્યાં અને હરિભક્તોએ પણ સંતોને ધોતિયાં ઓઢાડ્યાં તથા બાપાશ્રીને પાઘડીઓ બંધાવવા માંડી. એમ બે કલાક થઈ, ત્યારે બાપાશ્રી કહે, હવે હરેને મોડું થાય છે, તે રાખો ને સહુ પંક્તિમાં જાઓ. સંતો પણ ઠાકોરજીને જમાડવા જાય. આવા દિવ્ય સુખમાં કોઈને મૂર્તિ વિના બીજું કાંઈ સાંભરે તેવું નથી. તે વખતે કાલાવડથી રાજકવિ માવદાનજી આવેલા. તેમણે સંતો પાસે પ્રાર્થના કરી બાપાશ્રીના ગુણનું તથા દિવ્યભાવનું વર્ણન કવિતામાં કરેલ તે બોલ્યા. તેની પ્રથમ ટૂંક “કળિયુગમાં કલ્યાણકારી આજ અબજીભાઈ છે” તે ઘણી કડીઓ એક પછી એક બોલતા, સંત-હરિભક્તો સૌ પ્રસન્ન પ્રસન્ન થઈ રહ્યા. તેમાં સાર એવો હતો કે, આ સમયમાં સત્સંગમાં આપે મહારાજનું સુખ આપવાનો સુગમ માર્ગ કર્યો, આત્યંતિક મુક્તિના કોલ આપ્યા, અનાદિની સ્થિતિ કરાવવા અતિ સામર્થી વાપરી, કણબી કુળમાં પ્રગટ થવા છતાં તત્ત્વજ્ઞાનીને પણ અગમ્ય એવા ગૂઢ જ્ઞાનની લહાણી કરી, અનેકને તાર્યા, ઉગાર્યા, દુઃખિયા મટાડી સુખિયા કર્યા, શરણાગત પર અઢળક ઢળ્યા. શ્રીજીમહારાજની પ્રસન્નતા જેને આ સમયે જોઈતી હોય તેને થોડે દાખડે ને વગર સાધને “કળિયુગમાં કલ્યાણકારી આજ અબજીભાઈ છે” એવાં વચનોની ટૂંક વારંવાર બોલી બાપાશ્રીને પાઘડી બંધાવી, સંતો તથા હરિભક્તોને અતિ રાજી કર્યા ને પોતે સભામાં બોલ્યા જે, મહારાજે મારા પર દયા કરી. જેથી મને આ યજ્ઞમાં બાપાશ્રીને પ્રસન્ન કરવાનો લાભ મળ્યો. એ પછી બીજા હરિભક્તો પણ એ યજ્ઞના મહિમાના શ્લોક બોલ્યા, તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, હવે સૌ રાખો. ઠાકોરજીને જમાડવાનું હવે મોડું થાય છે, એમ કહી સભાની સમાપ્તિ કરી. પછી બાપાશ્રી સંતોને તાણ કરી જમાડી હરિભક્તોની પંક્તિમાં બે-ત્રણ કલાક ફર્યા. હરિભક્તો હાથ જોડે, હાર પહેરાવે, દંડવત કરે, ચંદન ચર્ચે, કોઈ નાના નાના છોકરાને બાપાશ્રી પાસે લાવી માથે હાથ મુકાવે. બાપાશ્રી પંક્તિની વચમાં જરા ટૂંકું ધોતિયું પહેરેલ, ને ઢીંચણથી નીચે સુધી જાડી ઘેરવાળી આંગડી ને માથે સાદી પાઘડી, ખભે ખેસ અને હાથમાં લાકડીએ સહિત ફરે. હરિભક્તોનો સમૂહ ફરતો ચાલે. એ રીતે ધીરે ધીરે ચાલતાં સૌને દર્શન દેતાં પીરસનારાંઓને કહે જે, ખૂબ પીરસજો, કસર મ રાખજો; નહિ તો મહારાજ લડશે. એમ કહી પીરસવાનું કહેતાં, કોઈ લે નહિ તેને એમ કહે જે, આ પ્રસાદ દુર્લભ છે. શ્રીજીમહારાજ ને અનંત મુક્ત જમ્યા એવી પ્રસાદી ક્યાંથી મળે ! તમે ના ન પાડો, નહિ તો દેવતા આકાશમાંથી આવીને લઈ જશે. વળી પીરસનારા તથા પાકશાળાના આગેવાન હરિભક્તોને બાપાશ્રી કહે જે, પંક્તિમાં શીરો તથા સુખડી પિરસાવવામાં ખટકો રાખજો. જરાય બીશો નહિ કે કેમ થાશે ? જેતલપુરના યજ્ઞ વખતે દેવસરોવરમાં બ્રાહ્મણોએ લાડવા નાખી દીધા હતા તથા કાંકરિયે યજ્ઞ થયો ત્યારે લાખો મનુષ્યો તથા પશુ, પક્ષી જમતાં હતાં, પણ મહારાજે એક કુડલામાંથી ઘી કાઢી સૌને જમાડી દીધા ને જરાય ખૂટવા ન દીધું. એ જ મહાપ્રભુ આ પાકશાળામાં દિવ્ય રૂપે બધાયની સેવા તથા ભક્તિભાવ જોઈ રહ્યા છે. સેવા કરનારા પર રાજી થાય છે, માટે કોઈ વાતે ફિકર મ રાખજો ને ખૂબ પીરસજો. આ પંક્તિમાં શ્રીજીમહારાજ પોતે સંતોએ સહિત ફરે છે. એ મૂર્તિને રાજી કરવા આ યજ્ઞ છે, તેથી સૌ ખટકો રાખજો. એમ કહી બાપાશ્રી પંક્તિમાં ફરતા હતા, તે વખતે ભડાકા થયા, એટલે જમવાની છૂટી થઈ, ચોઘડિયાંના નાદથી તથા મંડળીઓના ઉત્સવથી વૃષપુર ગાજી રહ્યું હતું.
પછી બાપાશ્રી પોતે હરિભક્તોની પંક્તિમાં સૌને સુખડી પીરસવા લાગ્યા. આગળ હરિભક્તો સુખડીનાં પાત્ર ઉપાડી ચાલે, તેમાંથી પોતે ધીરે ધીરે ચાલતા, ઊભા ઊભા મોટા મોટા કટકા સહુને આપે, હરિભક્તો હાથ ધરે, પાત્ર ધરે, તેને સુખડી આપે. એમ પંક્તિમાં દર્શન દઈ સહુને રાજી કરતાં ટૂંક બોલ્યા જે, “સુખડી સુખ દેશે અપાર, જમ્યા છે પોતે ધર્મકુમાર” એમ બોલી અતિ પ્રસન્નતા જણાવીને કહ્યું જે, અમારે તો આમ સુખડી જમાડીને, શીરો જમાડીને, કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞ કરીને, સર્વને મૂર્તિનું સુખ આપવું છે. આ સમે શ્રીજીમહારાજની અપાર દયા છે તેથી મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ ભોગવવું. મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોયા જેવું નથી. અમે તો ગમે તે કામ કરીએ, વાતો કરીએ, કોઈને હેતે કરીને મળીએ, કોઈને વઢીએ, કોઈને વખાણીએ, જમીએ કે જમાડીએ; એવી અનેક ક્રિયા કરીએ પણ મૂર્તિને ઘડી વાર મૂકીએ નહીં. આવી દિવ્ય સભાનો જે ગુણ લેશે તેને પણ મૂર્તિમાં મૂકી દેશું. આવો અમારો અભિપ્રાય છે તે જે જાણતા હોય તેને આનંદ વર્તે. આ લોકમાં તો એકે કાંઈ કીધું ને બીજાએ કાંઈ કીધું એવું ચાલે છે. પણ જેને મહારાજ તથા મોટા મુક્ત મળ્યા છે તેને એ કામનું નથી. આપણે તો મૂર્તિના સુખરૂપ મહારસનું પાન કરવું; એ અમૃતરસ મેલીને પ્રકૃતિના કાર્યમાં કુટાવું નહીં. આ સમે મહારાજે જીવો ઉપર ઘણી દયા કરી છે તેથી વાંક-ગુના સામું જોતા નથી. નજરે ચડ્યા તે ન્યાલ થાય છે. એવી રીતે વાતો કરતા બાપાશ્રી સૌને દર્શન દઈ આંબાને છાંયે પાથરેલ આસન પર બેઠા. પછી સૌ જમી જમીને આવતાં મોટી સભા ભરાઈ. બાપાશ્રીએ તે વૃક્ષ નીચે વાત કરી જે, આ યજ્ઞમાં જે જે આવ્યા અને જે આ મહાપ્રસાદી જમ્યા તેનો છેલ્લો જન્મ થયો જાણજો. અમે તો સૌને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે. આ સભા દિવ્ય છે. આ મુક્ત સર્વે અક્ષરધામના છે. મૂર્તિમાં રહેનારા છે. મહારાજના અનાદિમુક્તોએ દયા કરીને મૂર્તિનું સુખ પમાડવા આવા માર્ગ કાઢ્યા છે. અમે તો આજ સુધી આવાં જ કામ કર્યાં છે. અમને બીજું કાંઈ આવડતું નથી. તમો આ યજ્ઞ, આવાં દર્શન, આ જમવું, રમવું અને મળવું, એ બધુંય સંભારી રાખજો. એમ કહીને આશાભાઈને આગળ બોલાવ્યા ને એમ કહ્યું જે, આવો આશાભાઈ ! પછી પોતાના હાથે તેમના માથે પાઘડી બાંધવા માંડી, ત્યારે આશાભાઈ કહે, બાપા ! તમે રાજી છો, દયા કરી સેવામાં રાખો છો તે મને ખરેખરી સાચી પાઘડી બંધાવી છે. આ સેવા ક્યાંથી મળે ! તમે આવા ને આવા સદાય રાજી રહેજો એટલે મને બધુંય આપ્યું. ત્યારે સૌ હરિભક્તોને સાંભળતાં બાપાશ્રી બોલ્યા જે, આ આશાભાઈ મારી રાત ને દિવસ સેવા કર્યા કરે છે. તેને ઊંઘ, ઉજાગરો, ભૂખ કે થાકની ગણતરી નથી. આ તો મહિમાની મૂર્તિ છે. હું આને વઢું, વખાણું, બોલાવું કે ન બોલાવું, રહેવાનું કહું કે જવાનું, પણ ક્યારેય અકળાય નહીં. પૂરી ઊંઘ એણે કરી મેં જોઈ નથી. હું કહું એ તો કરે, પણ ઘરમાં નાનું છોકરું હોય ને તે કહે, આશા બાપા ! તો કહે હાં, બાપા ! એમ કહેતાં તરત ઊઠીને જાય. અમારે વાડીમાં કામ હોય તો ત્યાં પણ પહોંચી જાય. મંદિરમાં સાધુ કે હરિભક્ત સર્વે તેમની સેવાએ રાજી રાજી થઈ જાય છે. આ આશાભાઈ ને આ ભૂજના મોતીભાઈ બંને મારા કામમાં બહુ આવે છે. મોતીભાઈ તો ઢૂંકડા રહે, જેથી સમાચાર મોકલીએ તે તરત આવ્યા જ છે, તેમના દીકરા પણ એવા. અહીં આ હીરજી તથા જાદવજી પણ મારી સેવા ઘણી કરે છે. અમારા કાનજી અને મનજી તો બેસવાનું કહીએ તો બેસે ને ઊઠવાનું કહીએ તો ઊઠે એવા, આ નાનો માવજી તથા જાદવો અને હરજી વગેરે મહિમાવાળા છે. એ બધાય સેવા કરનારા ખરા, પણ આ આશોભાઈ તો આશોભાઈ. એમ કહી પ્રસન્નતા જણાવી તેમને પોતાના હાથે પાઘડી બંધાવી અને મોતીભાઈ આદિક સૌને પણ પાઘડીઓ બંધાવી. પછી બોલ્યા જે, આ હીરજીભાઈનો પ્રેમજી નાનો તે પણ મારી સેવા બહુ કરે છે. નાહવા ટાણે એ પાસે આવીને ઊભો જ હોય, નવરાવે. રાત્રે એમ ને એમ પાથર્યા વિના સૂએ. ઓચિંતાનો જાગીને મારી પાસે આવે. બાપા ! શું કામ છે ? ત્યારે હું કહું, પ્રેમજી બચ્ચા ! આ ટાણે હજી રાત છે, સૂઈ જા; ત્યારે જાય, સભામાં બેસે. વાતો થાય તેમાં સમજે ને સાધુ આવે ત્યારે તો દોડી દોડીને સેવા કરે. આટલી નાની ઉંમરમાં સમજણે સહિત મહિમા તે મોટાના રાજીપાનું ફળ છે. એમ કહીને તેને કંઠમાંથી હાર ઉતારીને આપ્યો ને માથે હાથ મૂક્યા પછી પાકશાળામાં કામ કરનારા તથા ગામોગામના આગેવાન હરિભક્તોને બાપાશ્રીએ પાઘડીઓ બંધાવવા માંડી, ત્યારે સૌએ પ્રથમ બાપાશ્રીની તથા તેમના પુત્રોની ચંદન-પુષ્પહારે પૂજા કરી લ્હાવ લીધો. એમ યજ્ઞની સમાપ્તિ સુધી અનેક પ્રકારે બાપાશ્રીએ સૌને મૂર્તિનાં નવાં નવાં સુખ પમાડ્યાં. પછી ગામેગામની મંડળીઓ અને નાતના તથા આસપાસનાં ગામડાંના જે જે હરિભક્તો જવા તૈયાર થાય તે સર્વેને મળીને બાપાશ્રી એમ બોલે જે, આવા યજ્ઞ હવે થવા દુર્લભ. આ યજ્ઞ, આ સભા, સંત, હરિભક્ત, સૌને સંભારી રાખજો. આ તો શ્રીજીમહારાજના સંકલ્પથી આમ દેખાય છે, પણ આ સભા સનાતન છે, દિવ્ય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે. આપણે સર્વે મૂર્તિમાં જ છીએ. એમ કહેતાં હરિભક્તો પ્રાર્થના કરે તેને આશીર્વાદ આપી, મળી, માથે હાથ મૂકી રાજી કરતા મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરી સૌને વિદાય કર્યા. પછી વાંસે રહેલા સંત-હરિભક્તોને કહ્યું જે, તમો કાલે છત્રીએ રહસ્યાર્થવાળા વચનામૃતની પારાયણ સૌ મળીને કરો, એવો મને સંકલ્પ થયો છે. ત્યારે સંતો રાજી થયા. ત્યાર પછી બીજે દિવસે સવારે બાપાશ્રી નિત્યવિધિ કરીને છત્રીએ આવવા તૈયાર થયા. આગળ ઠાકોરજીની પાલખી તથા ઉત્સવિયા ઝાંઝ-મૃદંગે સહિત કીર્તન બોલતાં આવે, તે રીતે બાપાશ્રી છત્રીએ પધાર્યા. સદ્ગુરુ સ્વામી આદિ સંતોએ પારાયણ કરવા તૈયારી કરી હતી, તેથી બાપાશ્રીએ પુસ્તકની તથા સંતોની ચંદન-પુષ્પહારે પૂજા કરી. સૌ આજ્ઞા થતાં વાંચવા લાગ્યા. પછી જ્યારે સમાપ્તિ થઈ ત્યારે સંતોને વળી ચંદન ચર્ચ્યાં, તે વખતે હરિભક્તો કીર્તન બોલ્યાં. પછી બાપાશ્રીની સૌ સંત-હરિભક્તોએ ચંદન-પુષ્પે પૂજા કરી ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, આ સભા દિવ્ય છે, તેમાં કોઈ મનુષ્યભાવ પરઠશો નહીં. આ તો બહુ અલૌકિક પ્રાપ્તિ છે. અમારે તો સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા છે. આ વાત જે જાણી રાખશે તેને મોહ નહિ થાય. પણ જે આવી દિવ્ય સભાને વિષે તથા અમારે વિષે સંશય કરશે તેને તો આ સભાથી છેટું થઈ જશે. માટે ભલા થઈને સહુ દિવ્યભાવ રાખજો. અમારે તો સૌનું સારું કરવું છે, તેથી તમને કહીએ છીએ. પછી એમ બોલ્યા જે, હવે હરે વખત થઈ ગયો છે, તે સમાપ્તિ કરો. એમ કહી સંત-હરિભક્તોએ સહિત મંદિરમાં આવ્યા ને સંતોને જમાડી, હરિભક્તોની પંક્તિમાં પોતે ફરી દર્શન દઈને, ઘેર ઠાકોરજીને જમાડવા પધાર્યા. થોડી વારે આવ્યા પછી જે જે હરિભક્તો પોતાને ગામે જાય તેને મળીને, અત્યંત પ્રસન્ન થઈ આશીર્વાદ આપી રજા આપે. મર્મવચનો કહે પણ સાથે રમૂજ કરે એટલે કોઈ સમજી શકે નહિ, જે બાપા ! આમ કેમ બોલે છે ! તે મર્મ વચન તે શું ? તો મહારાજને અંતર્યામી જાણજો. હવે સૌ આજ્ઞામાં ખબડદાર રહેજો, વચનમાં ફેર પડે તો જાણજો જે આ બાપો તે વખતે આવીને ઊભા રહેશે, પણ આમ પ્રત્યક્ષ દેખો છો તેમ તો ક્યાંથી દેખશો ? વળી કોઈને એમ કહે જે, આ મળવું કેવું સુગમ છે, પણ અક્ષરધામમાં મળવા જવું હોય તો કેટલું ખર્ચ કરવું પડે ! અત્યારે મળો છો તે તો મહારાજે અગમ સુગમ કર્યું છે. પણ આ જોગમાં રહી જશે તેને તો આમ સુગમ ક્યાંથી થશે ? આ ટાણે તો રોકડું કલ્યાણ છે. ભાદરવામાં મેહ મોંઘાં ન હોય પણ પછી તો મોંઘાં ખરા. આ સભા ભેગી રાખજો. હવે મનુષ્યભાવે આમ સહેજમાં મળાય કે નહિ, પણ દિવ્યભાવે મૂર્તિમાં ભેગા જ છીએ એમ જાણજો. એવાં કેટલાંક વચનોમાં મર્મ કરતા, પણ સર્વેને યજ્ઞમાં બહુ સુખ આપેલાં તેથી કોઈ બાપાશ્રી આમ કેમ કહે છે તે સમજી શકે નહીં. એવી રીતે બાપાશ્રીએ મહાયજ્ઞમાં આવેલા સૌ સંતોને તથા દેશોદેશના હરિભક્તોને અપાર સુખ આપ્યાં. ।। ૧૪૦ ।।
વાર્તા ૧૪૧
ચૈત્ર વદ ૦)) અમાસને રોજ શ્રી વૃષપુરના મંદિરમાં સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આ સંત અમારી ગાયો છે. આ સંત સુખી તો અમે સુખી અને આ સંત દુઃખી તો અમે દુઃખી. કેમ જે આવા સંતને જોગે ભગવાન ઓળખાય. તે વિના સર્વોપરી ભગવાન પ્રત્યક્ષ વિચરતા હોય તોપણ ઓળખાય નહીં. સૂર્ય, ચંદ્ર, શિવ, બ્રહ્માદિક કોઈ આ બ્રહ્માંડથી આગળ નથી ગયા. પુરુષોત્તમનારાયણ તો સર્વેનાં કારણ છે, એમનો કોઈ કર્તા નથી. એ સૌનાં કારણ છે, કર્તા છે, નિયંતા છે, આધાર છે; એમ સમજે તો કામ થાય. કાં તો મહારાજની મૂર્તિના સુખભોક્તા આવા સંત મળે તો આગળ જાય, એટલે એ વાત સમજાવે. આ બધા સંત આવ્યા છે તે મૂકશે નહિ; ઉપાડી જશે, એટલે કે ઠેઠ મહારાજની પાસે લઈ જશે એમ રમૂજ કરી.
પછી બપોરના ત્રણ વાગે બાપાશ્રી તથા સંત-હરિભક્તો સર્વે છત્રીએ ગયા. ત્યાં સૌ દર્શન કરી ધર્મશાળામાં બેઠા. પછી બાપાશ્રીએ મહારાજના મહિમાની ઘણીક વાતો કરીને સર્વેને સુખિયા કર્યા. તે વખતે નારાયણપુરથી ખીમજીભાઈ તથા હરજીભાઈ આદિ ચંદન ઘસીને તથા હજારીફૂલના હાર તૈયાર કરીને લાવેલા, તેથી બાપાશ્રીની અને સંતોની પૂજા કરી હાર પહેરાવ્યા. બાપાશ્રીએ પણ સૌના ભાલે ચંદન ચર્ચ્યું ને બોલ્યા જે, આ ચંદન દુર્લભ છે, ચર્ચનારા પણ એવા જ છે. આ સંત પણ મૂર્તિમાં રહેનારા છે, તેથી સૌને ચમકની પેઠે ખેંચે છે. એ જ્યાં બેઠા હોય ત્યાં સભા ભરાઈ જાય છે. સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોની પ્રશંસા કરતા બોલ્યા જે, અમે આવા સંતના જોગ-સમાગમ ને રાજીપાથી સુખિયા છીએ. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, બાપા ! આપે સાજા સત્સંગને સુખિયો કર્યો છે. અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં આપના એવા સમાચાર મળે છે કે આજ અમને બાપાશ્રીનાં દર્શન થયાં, અમારા પર અતિ પ્રસન્નતા જણાવી, મહારાજ તથા સંતનાં મંડળ પણ સાથે હતાં. આમ કહ્યું, આમ ભલામણ કરી. આવી રીતે આપે આ સમે સત્સંગમાં બહુ દયા વાપરી છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ સૌને સુખ આપે છે. એ મૂર્તિ જ એવી ચમત્કારી છે. મૂર્તિમાં રહેનારા મુક્ત તો મૂર્તિ ભેળા જ હોય. તેમ વાત કરતા હતા, ત્યાં ગોધાવીના માસ્તર જગન્નાથ તથા તેમના દીકરા મણિલાલે આવી બાપાશ્રીને પગે લાગી જય સ્વામિનારાયણ કર્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આ માસ્તરને ઓળખ્યા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે હા, આ તો ખરેખરા વિશ્વાસી ને પ્રેમી. આપણે જ્યારે સાણંદ દરબારને ત્યાં ગયા હતા, ત્યારે ત્યાં તેડવા આવેલા જે, બાપા ! સ્વામી આદિ સંતોને લઈને અમારે ગામ ગોધાવી પધારો. પણ આપણે ઉતાવળ હતી તેથી અમે કહ્યું જે, માસ્તર આપણે સદાય ભેળા જ છીએ, અમે તમારે ગામ આવ્યા એમ જાણી રાજી રહો. ત્યારે તે કહે બહુ સારું, જેવી આપની મરજી. એવા વિશ્વાસી છે. એમ કહી તે બંનેને બાપાશ્રીએ ચંદન ચર્ચી પોતાના કંઠમાંથી ઉતારી હાર પહેરાવ્યા અને માથે હાથ મૂકી અતિ પ્રસન્નતા જણાવી. પછી સૌ સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી છત્રીની ધર્મશાળા પર અગાસીમાં પધાર્યા. ત્યાં સંતોએ બાપાશ્રીનું વચમાં આસન કર્યું, ને ફરતા સૌએ ગરબા ગાયા. પછી એ સર્વેને મૂર્તિમાં રાખવાનો વર આપી સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી મંદિરમાં પધાર્યા. ।। ૧૪૧ ।।
વાર્તા ૧૪૨
વૈશાખ સુદ ૨ને રોજ સવારે શ્રી વૃષપુરના મંદિરમાં સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, વૈરાગ્ય શ્રેષ્ઠ કે ભક્તિ તે કહો ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ ભક્તિ વિશેષ કહી. પછી બાપાશ્રી બોલ્યા જે, ભક્તિમાંથી વૈરાગ્ય આવે. પછી સંતો સામું જોઈને એમ કહ્યું જે, ભક્તિ કરશો તો મહારાજ રાજી થશે. કેમ વૈરાગ્યને ઓળખો છો ? પત્તર ભરીને ખાઈએ તો કૂખો ફાટી જાય, માટે ખૂબ ખાવું નહીં. સ્વામી અક્ષરજીવનદાસજી સંતની પંક્તિમાં પીરસે તે વખતે જુએ, ત્યારે કેટલાક દાળ પીને પૂર્ણ રહે; કેટલાક કહે લાવો બે, ત્રણ, ચાર, પાંચ લાડુ અને સ્વામી તો અડધો લાડુ કાં અડધી રોટલી અને ઉપર દાળ નાખીને પીએ. જ્યારે ડોલું આવે ત્યારે લોઢાની આર ઢીંચણમાં ટચકાવે તે લોહી નીકળે. અને સમૈયો આવે ત્યારે સંતો દર્શન કરવા ગયા હોય પણ તેમાંથી જેને મહારાજનાં વચનમાં ફેર પડ્યો હોય તેને પાછળથી લખે કે તમે અહીં આવશો નહીં. એમ આજ્ઞા વિરુદ્ધ વર્તનારાને બારોબાર રજા આપી દેતા, પણ તેવાને એટલે ધર્મામૃત શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તતા હોય તેને મંદિરમાં રહેવા દે નહીં. જ્યારે મંડળ ફરીને આવે ત્યારે ઝોળીઓ તપાસે તે ચપ્પુ કે કાગળ જે હોય તે કાઢી લે અને કાગળ તો મંડળધારી જ લખે. સાધુ વિશ્વજીવનદાસજી નાના છોકરા રાખતા, તેથી તેમને ભૂજમાંથી કાઢી મૂક્યા. પછી તે અમારી પાસે આવ્યા અને એમ કહ્યું જે, સ્વામીએ મને રજા આપી છે. ત્યારે અમે કહ્યું જે, જેમ સંતની રીતિ હશે તેમ સ્વામી કરતા હશે, એનું નામ વૈરાગ્ય. મોટા હોય ત્યાં સુધી એવું પ્રવર્તાવે. પછી એમ બોલ્યા જે, અમે પણ મોટા મોટા સંતોના પ્રતાપે સુખિયા છીએ. અમને ભૂખ હોય તોપણ કોઈ દિવસ જમીએ છીએ ? જો જમીએ તો સ્વામિનારાયણ તાજેણાં મારે. કહો સંતો ! મઠની ખીચડી અને બાજરાના રોટલા વિના લાડુ, પ્રસાદી કે ઘી, ગૉળ, સાકર, ખાંડ દેખો છો ? કોઈક પ્રેમમાં કરે તે દિવસ ભૂખે મરીએ. અમારી વાત આવી છે. કેટલાકને તો ખૂબ પત્તર ભરાય તો જ ઠીક પડે. પછી એમ કહ્યું જે, હું તો ગરીબ માણસ છું, પણ જો એમ થાય તો વૈરાગ્ય શાનો ? અમે તો ભૂજમાં જઈએ ત્યારે પણ મઠની ખીચડી કરાવી ઠાકોરજીને જમાડીએ. લાડુ કે બીજી વસ્તુ નહીં. ખોટી વાત હોય તો પૂછો. આવા કહેનારા નહિ મળે, નહિ મળે, નહિ મળે. તમે અમારા છો તેથી કહું છું, માટે નિઃસ્વાદી રહેવું, સ્વાદે જાવું નહીં. એ વાતનો ખટકો ન રાખે તો એમાંથી સ્વામિનારાયણ રાજી ન થાય. માટે વૈરાગ્ય ને ભક્તિ અવશ્ય રાખવાં. એ તો ઝેર છે, ખટકો ન રાખીએ તો વૈરાગ્ય શાનો ? ‘જ્ઞાન સમ વસ્ત્ર નહિ, ધીરજ સમ નહિ ઢાલ; શિયળ સમ સિંહાસન નહિ’ એવું કરી રાખવું તો ગલોલી આવે તોપણ લાગે નહીં. હું તો તમારા ભલામાં છું તે તમને સાચી વાત કહું છું. તમે પણ ખબડદાર રહેજો. લાડુ પત્તરમાં ન આવે તો ઠીક ન લાગે, અને એક આવે તો બીજો ઇચ્છે, ત્રીજો ઇચ્છે એમ ન કરવું. જો વૈરાગ્ય ન રાખો તો તમે અમારા શાના થયા ? સંતો, કેમ સાચી વાત કે ખોટી ? આ લોકમાંથી જેમ તેમ કરીને લૂખા થાવું છે. સમજ્યા કે ? પછી હાથ જોડીને બોલ્યા જે, કેમ મહારાજ ! સૂરત રાખી જોશે ને ? પછી પાસે બેઠેલા એક હરિભક્તને કહ્યું જે, લડધા સુકાશે તો કામ આવશે. અમે સાચું કહીએ છીએ. વૈરાગ્ય ખરેખરો હોય તોપણ બહુ તો પ્રકૃતિનાં કાર્ય સુધી જાય. આ તો ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમ પામવા છે. એમ કહીને સ્વામી ઘનશ્યામજીવનદાસજી સામું જોઈને બોલ્યા જે, સ્વામી ! કેમ ખરી વાત કે ખોટી ? આવા પુરુષ કોઈ બ્રહ્માંડમાં મળે તેવા નથી. આ સંત તો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. અમને તો વૈરાગ્ય નથી તોપણ તમને કહીએ છીએ, કેમ જે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને આપણે રાજી કરવા છે. પછી લાલશંકરભાઈ સામું જોઈને બોલ્યા જે, હરિભક્તો ! આપણે પણ વૈરાગ્યની વાત જાણવી જોઈએ. નહિ તો દૂધપાક, પૂરી આદિક ખૂબ ખાઓ, એ વાત તો સંતોની કહી છે એવું થાય; માટે એમ ન કરવું. અમે તો એ વસ્તુનાં પૂરાં નામ પણ ન જાણીએ. પછી બોલ્યા જે, સંતો, તમારે તો દૂધપાક, માલપૂઆ વગેરેના નિત્ય થાળ થાય. આજ શિખંડ છે, આજ જલેબી છે, એવી રસોઈઓ કરો તે વિચારતા રહેજો. વિચાર ન હોય તો એ તો આંતરડાં કાઢે. “રાંડીની પાસે માંડી જાય, આવ બાઈ તું પણ હું જેવી થા” એમ કોઈએ ન કરવું. કામાદિક શત્રુ છે તેનો ઓછાયો પણ ન લેવો. વૈરાગ્યવાળા ન હોય તો એ માથું ઉડાડી દે. રસનામાંથી કામાદિક ઉત્પન્ન થાય છે, એ જાણી રાખવું. સ્થૂળ ઇન્દ્રિયો જિતાય ત્યારે કારણ શરીર બળે. એ કારણ શરીર તો અનાદિ અજ્ઞાનમય જીવમાં રાગ રહ્યો છે, તે છે. તે તો આત્યંતિક પ્રલય જે, જ્ઞાન પ્રલયના ઉપશમે કરીને શ્રીજીમહારાજનું ધ્યાન કરે ત્યારે ટળે. ।। ૧૪૨ ।।
વાર્તા ૧૪૩
વૈશાખ સુદ ૪ને રોજ શ્રી વૃષપુરના મંદિરમાં સભામાં બાપાશ્રીએ વાત કરી જે, સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ભૂજની ધર્મશાળા કરાવી ત્યારે દરબારી જગ્યામાં પાયો ખોદાવ્યો અને બોલ્યા જે, એ જગ્યા આપણને આવશે. પછી સ્વામીશ્રીના કહ્યા પ્રમાણે દરબારશ્રીએ તે જગ્યા આપી; એવા વચનસિદ્ધિ હતા; તેમના પ્રતાપથી એ હવેલી થઈ, તે વખતે સ્વામી અક્ષરજીવનદાસજી જેવા મોટા હતા તે સ્વામી નિર્ગુણદાસજીનો મહિમા જાણતા. આજ તો એકબીજાને કહેવે જાણે, પણ મહિમા ન મળે.
પછી એમ વાત કરી જે, અમે પુરાણી શ્રીકૃષ્ણદાસજીને ચાર મહિના સુધી છાના ખાવાનું પહોંચાડતા. દિવસના એ પાન્યમાં સંતાઈ રહેતા અને રાત્રિએ આપણી છત્રી પાસે દહેરી છે તેમાં સૂઈ રહેતા, એવાં દુઃખ સાધુ થવા સારુ સહન કર્યાં છે. એવા વૈરાગ્યવાન થવું જોઈએ. પૂર્વાશ્રમમાં એનો બાપ પ્રેમજી હતો. તે કહેતો જે મારો ભીમજી જો હાથ આવે તો મારી કાઢું, પણ તેને હાથ આવવા દીધા નહીં. અને એક ઝાલાવાડનો બ્રાહ્મણ અહીં આવ્યો હતો તેની સાથે કાગળ લખીને સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી પાસે મોકલ્યા અને ખરચી સારુ એંસી કોરી આપી. પછી તેમણે વઢવાણ પાસે રામપરામાં સ્વામી હતા ત્યાં જઈને કાગળ આપ્યો. કાગળ વાંચીને સ્વામીશ્રી તેમના પર રાજી થયા ને સાધુ કરીને ભણાવ્યા તે પુરાણી થયા. તેમને બાર વર્ષ થઈ ગયાં, ત્યારે પ્રેમજીએ અમને કહ્યું જે, મારા ભીમજીનાં દર્શન કરાવો તો તમને ઇનામ આપું. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, અમારે તારું ઇનામ ખપતું નથી, પણ તને દર્શન કરાવશું. પછી અમે સ્વામીશ્રીને કાગળ લખ્યો જે, શ્રી કૃષ્ણદાસજીને સાથે લઈને કચ્છમાં પધારશો. ત્યારે સ્વામીશ્રી અમારો કાગળ વાંચીને મંડળે સહિત ભૂજ આવ્યા. એટલે અમે પ્રેમજીને ભૂજ લઈ જઈને શ્રી કૃષ્ણદાસજીને બતાવ્યા, તેના સામું જોઈને કહે જે, આ નહીં. આ તો બહુ જાડા છે, મારો ભીમજી તો પાતળો હતો. પછી એના ગળામાં રસોળી કપાવી હતી તેનું ચિહ્ન હતું તે બતાવ્યું. ત્યારે કહ્યું જે હા, હવે ખરા. તે વખતે અમે તેને કહ્યું જે, એમને તું ધોતિયું ઓઢાડ. ત્યારે તે કહે જે, ના, એક ચોટ તો ખૂબ માર કાઢું એમ બોલ્યો. પણ અમે આગળથી નાયબ દીવાન માધવલાલભાઈ ઠાસરાવાળાને સિપાઈઓ સાથે લઈને સભામાં બેસાર્યા હતા, તેમણે તેને ધમકી દીધી જે, જો તું મારીશ તો તને બેડિયું પહેરાવી દઈશ, એમ કહ્યું તેથી તે દબાઈ ગયો અને ધોતિયું ઓઢાડ્યું. તેમને તથા યોગેશ્વરદાસજીને સ્વામીશ્રી પાસે મોકલ્યા હતા, તેથી ભૂજવાળા કૃષ્ણચરણદાસજીએ કહ્યું જે, તમે આ દેશમાંથી સાધુને અમદાવાદ સ્વામીશ્રીની પાસે કેમ મોકલો છો ? ત્યારે અમે કહ્યું જે, સ્વામીએ તમને સભામંડપ કરી આપ્યો તે વખત તમારી પાસે બે સાધુ માગ્યા હતા. ત્યારે તમે કહ્યું હતું જે, આ સાધુમાંથી બે લઈ જાઓ. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, એવા નહિ, અમારે તો નવા સાધુ કરી તેમને ભણાવીએ એવા જોઈએ, તેથી અમે મોકલ્યા છે. પછી તે કાંઈ બોલ્યા નહીં. અને બીજા ગોવિંદપ્રિયદાસ, તે પણ અહીંના હતા. તે જ્યારે ઘેર હતા ત્યારે તેમને ભૂજના મંદિરમાંથી એનો બાપ ઊંધે માથે ઊંટિયાને કાઠે લટકાવીને મેઘપુર પટેલિયા પાસે લઈ ગયો ને બધી વાત કરી. તેથી પટેલિયે તેને બાંધીને પાંટિયા પાસે તાજેણા મરાવ્યા. પછી શ્રીજીમહારાજે કોઈ કુસંગી દ્વારે કહેવરાવ્યું જે, તમે આવા અન્યાય કરો છો ને કોઈની બીક મનમાં રાખતા નથી; પણ આવાં કામ કરતા બધાય જેલમાં જશો તે વિચારજો. એ વાત સાંભળી તેને મારતા અટકાવ્યા ને છોડી મૂક્યા. એવી રીતે શ્રીજીમહારાજે તેની રક્ષા કરી. તેમની પાસે પૂજા હતી તે આપણા કાનજીભાઈના સસરા શામજીભક્ત હતા, તે દર્શન કરાવીને પાછા લઈ લેતા. પછી એક દિવસે ઘરામાંથી મૂર્તિઓ કાઢી લઈને કહ્યું જે, આ લો, પૂજા રાખો. ત્યારે શામજીભક્તે પૂજા રાખી અને ગોવિંદપ્રિયદાસજી જતા રહ્યા, તે બીજે દિવસે પૂજા જોઈ ત્યારે ઘરામાં મૂર્તિઓ ન મળે. ખાલી ઘરા જોઈને કહ્યું જે, આ તો લકડેકા ભારા છે; ભગવાન તો જતા રહ્યા છે. પછી તેનો બાપ બોલ્યા જે, હવે હાથ આવે તો બાંધીને આ કૂવામાં લટકાવી મૂકું અને કાં તો પગ ભાંગી નાખું, તે ક્યાંય જઈ શકે નહિ; તેવી તેને ઉપાધિ હતી. તેમને પણ અમે સંતાડી છાના રાખતા ને ઘસિયો-સુખડી ખાવા આપી આવતા, એમ કરી કરીને સાધુ કર્યા છે; એવાં કામ અમે કરતાં. પછી એમ બોલ્યા જે, તમે અમારા છો તે આવા ઉપકારી થાજો.
પછી સાંજના સભામાં પ્રથમ પ્રકરણનું ૫૬મું વચનામૃત વંચાતું હતું, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મૂર્તિનું સુખ અને મૂર્તિના સુખભોક્તાનો મહિમા સમજે તો કલ્પેકલ્પ વીતી જાય તોપણ સુખ આવતું જ રહે, એમાંથી પૂરું થવાય જ નહીં. પકવાન્ન જમતાં પૂર્ણ થવાય, પણ મૂર્તિના સુખમાંથી પૂર્ણ ન થવાય. એ સુખ તો માંહી ને માંહી ભોગવે તેથી આનંદ આનંદ રહ્યા કરે. મૂર્તિનો ખરેખરો દિવ્યભાવ વર્તે એ જ સુખ જાણવું. ।। ૧૪૩ ।।
વાર્તા ૧૪૪
વૈશાખ સુદ ૫ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજીમહારાજ અથવા મોટા મુક્ત જ્યારે આ પૃથ્વી ઉપર દયા કરીને દર્શન આપે, ત્યારે જે જીવ સંતસમાગમે કરીને તેમનો આશરો કરે, દિવ્યભાવ રાખે અને અનુવૃત્તિમાં રહે એટલે મોક્ષ થાય; કેમ જે ભોમિયા હોય તે જ માર્ગ બતાવે. તેમ એ મુક્ત મૂર્તિના સુખભોક્તા છે તેથી એ દિવ્ય સુખમાં પહોંચાડે. તે વિના કોટિ ઉપાયે એ સુખ પમાય નહીં. જેવડા શ્રીજીમહારાજને જાણી શકો તેવડા જાણો તોય મહારાજ તો સર્વેને અપાર ને અપાર રહે છે. મહિમા તો ઘણો સમજવાનો છે, પણ જેમ છે તેમ કહીએ તો ખમાય નહીં. જે વાતની જેને ખબર ન હોય તે શું જાણે ! મહારાજની મૂર્તિમાં તો અપરંપાર તેજ છે. એ મૂર્તિમાં અનાદિમુક્ત રસબસ રહ્યા છે. અહીં તો મૃત્યુલોકના જેવા ભાવ દેખાય, પણ બધુંય દિવ્ય છે. મહારાજ કહે છે કે,“મારી મૂર્તિ રે મારા લોક, ભોગ ને મુક્ત; સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત.” એ બધુંય કારણ મૂર્તિનું અપારપણું છે, એમ વાત કરી. પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, સ્વામી ! આપણે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવું અને વચનામૃતમાંથી પરભાવ જાણવા ને શીખવા.
સાંજે સભામાં મધ્ય પ્રકરણનું ૧૨મું વચનામૃત વંચાતું હતું, તેમાં કાયાનગરને વિષે જીવ રાજા છે. તે જેમ રાજા રાજનીતિ ભણીને રાજ્ય ચલાવે છે, તેમ કાયાનગરને વિષે સર્વે ઇન્દ્રિયોને નિયમમાં રાખીને વર્તાવે તો જીવને મૂર્તિનું સુખ આવે ને સુખિયો થાય, એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કાયાનગરને વિષે જીવ કાને કરીને નબળા શબ્દ સાંભળે નહિ, નેત્રે કરીને ભગવાન વિના બીજું રૂપ જુએ નહિ, નાકે કરીને ભગવાનની પ્રસાદી વિના બીજી અત્તર-ચંદનાદિકની સુગંધી ન લે, જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદી વિના બીજો રસ ન લે. એવી રીતે દસ ઇન્દ્રિયો, તથા ચાર અંતઃકરણ એ સૌને વશ કરીને ભગવાન સંબંધી ક્રિયા કરાવે તો સુખિયો થાય એટલે મહારાજની મૂર્તિને દેખે. એવું આવા સંત હોય ત્યાં થાય. આ સંત નૈમિષારણ્ય ક્ષેત્ર છે. ત્યાં દશ ઇન્દ્રિયોની ધારા બુઠ્ઠીઓ થઈ જાય. મનોમય ચક્ર તે મન છે અને દસ ઇન્દ્રિયો તે મનની ધારા છે. તે આવા સંતના સમાગમથી બુઠ્ઠીયું થાય. જીવરૂપી રાજા ગાંડો થાય તો મોક્ષના માર્ગથી પડી જાય, નહિ તો પોતે રાજ્ય કરે એવો છે; માટે ઇન્દ્રિયોને નિયમમાં રાખવી. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, સંતો ! બોલો ગોડી, તે મહારાજ આવે દોડી. ।। ૧૪૪ ।।
વાર્તા ૧૪૫
વૈશાખ સુદ ૬ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, આવો સમય ફેર ફેર નહિ મળે, માટે બીજાં બધાંય કામ ખોટી કરીને આ જોગ કરી લેજો. આ લાભ અક્ષરધામમાં છે કે અહીં છે. એમ કહીને પ્રસન્નતા જણાવી, સૌ સંતોને બોલાવીને કહ્યું જે, આવો સંતો ! આજ બ્રહ્મરસ વરસે છે. આ દિવ્ય સભામાં શ્રીજીમહારાજ તેજોમય બિરાજે છે. મૂર્તિમાંથી સુખની ધારાઓ છૂટે છે. આપણે એ દિવ્ય સુખનો આહાર કરવો. સંતો ! તમે અમારા માટે દરિયામાં આગબોટ તથા વહાણનાં દુઃખ વેઠો છો ને અહીં આવી જોગ-સમાગમ કરો છો તેથી તમને સમાસ ઘણો થાય છે અને અહીંના છે તે લાભ લઈ શકતા નથી. કેટલાક તો ‘હમારા ઘર કી બાત હે’ એમ જાણતા હશે, પણ તમારા પર શ્રીજીમહારાજની તથા મોટાની દયા છે, તેથી મહિમા જાણી જોગ-સમાગમ કરો છો. અમારે તો સૌને મૂર્તિમાં રાખવાનો જ ઠરાવ છે, બીજું કાંઈ કામ નથી. તેથી ઘેર ઘેર જઈએ, ગામ-પરગામ જઈએ. પણ ઠરાવ એ એક જ. આ વાત જે જાણતા હોય તે જાણે. સત્સંગમાં બધાય પોતાના મોક્ષ માટે આવ્યા છે, તે ગરજુ તો હોય, પણ નબળાના સંગદોષે મહિમા જાણી ન શકે. કેટલાક તો સમજ્યા વિના ખોટનો વેપાર કરી બેસે, એવાય હોય. એવા જીવનું પણ આપણે તો સારું થાય એવો સંકલ્પ કરવો. મહારાજ તથા મોટા મુક્તને તો સૌ જીવને સુખિયા કરવા છે, એવી જ એમની દયા છે. તેથી મોટા સંતો એમ કહે છે કે, જીવને કલ્યાણ માટે મહારાજ તથા મોટા મુક્તના વેચાણ થઈ રહેવું, પણ જીવમાં અનાદિકાળનું અજ્ઞાન ભર્યું છે, તેથી એવો મહિમા જાણી ન શકે. શ્રીજીમહારાજ સર્વત્ર છે, તેમ આ સભા પણ એ પુરુષોત્તમ ભગવાનની છે, તેથી સર્વત્ર છે. કયા ઠેકાણે ન હોય ? માટે સંતો ! મહારાજ તથા આવી દિવ્ય સભાને ભેગી ને ભેગી રાખજો. આ સભા છેટી છે બીજે છે, એમ જાણશે તેને ખોટ જશે. પછી દાખડો ઘણો પડશે, પણ આવું સુગમ નહિ થાય. માટે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહેવું ને સદાય એમ જ વર્તવું અને વાતો પણ એવી જ કરવી. પણ મૂર્તિ ભૂલીને વાતોને નોરે ચડી જવું નહીં. મૂર્તિ વિનાની બીજી વાતો કરવી તે તો ખોટી થવા જેવું છે, માટે ખરા અનુભવી થવું. આવો અવસર ફેર આવવો બહુ દુર્લભ છે એમ વાતો કરી સૌ સંતોને રાજી કર્યા. પછી નારાયણપુરથી ધનજીભાઈના ત્રણે દીકરા વૃષપુર આવ્યા ને બાપાશ્રીનાં દર્શન કરીને પ્રાર્થના કરી જે, બાપા ! સંતો અહીં ખપે એટલા દિવસ રહે, પણ જ્યારે દેશમાં પધારે ત્યારે તમો આ સદ્ગુરુ તથા સંતોને સાથે લઈને નારાયણપુરમાં સૌને દર્શન દઈ જજો. ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, સંતો દેશમાં જવાની ઉતાવળ કરે છે; કેમ જે તેમને માથે મંદિરના વ્યવહાર; તેથી કથા-વાર્તા કરવા ગામડામાં જવું પડે, ધર્માદા પણ ઉઘરાવવા હોય; એવાં કામ તેમને ઘણાં, તેથી તાણ કરીને રોકીએ તો રાજી ન થાય, નહિ તો એક બે મહિના હજી રાખીએ. પછી સંતોને પૂછતાં એકાદ માસ રહેવામાં તાણ પડશે એમ માંહોમાંહી વાત કરતા હતા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમારે કામ હોય તો સુખે જાઓ. જો રહો તો રાજી છીએ અને જાઓ તો સદાય ભેગા છીએ. એમ કહી પુરાણી કેવશપ્રિયદાસજીને ભૂજ જવાની આજ્ઞા કરીને કહ્યું જે, તમે ત્યાં જઈને કથા-વાર્તા કરજો ને સૌને મૂર્તિને સુખે સુખિયા કરજો. આ સદ્ગુરુઓ, સંતોએ સહિત નારાયણપુર થઈને ભૂજ આવશે, તે ત્યાં ચાર દિવસ રોકાશે. એમ કહી તેમને વિદાય કર્યા. પછી પોતે પણ સંતોએ સહિત નારાયણપુર પધાર્યા. ત્યાં સૌ હરિભક્તોને દર્શન દઈ, વાતેચીતે સુખિયા કરી ધનજીભાઈને ઘેર ઠાકોરજી જમાડ્યા. પછી સંતોને દેશમાં જવાની આજ્ઞા કરી સર્વેને મળ્યા ને કહ્યું જે તમો ચાર દિવસ ભૂજમાં રોકાજો. ત્યારે સંતોએ પ્રાર્થના કરી જે, બાપા ! અમારા ઉપર આપ રાજી છો, તેવા ને તેવા સદાય રાજી રહેજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે તમારા ઉપર સદાય રાજી છીએ, તમો પણ સદાય મૂર્તિમાં રહીને મૂર્તિનાં સુખ ભોગવજો. એમ આશીર્વાદ આપી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સંતો ભૂજ ગયા. ।। ૧૪૫ ।।
વાર્તા ૧૪૬
વૈશાખ સુદ ૧૨ને રોજ બાપાશ્રીએ અરજણભાઈના દીકરા રામજીને સદ્ગુરુ આદિ સંતોને પાછા તેડી લાવવા માટે મોકલ્યા. તેમણે ભૂજ આવીને વાત કરી જે, તમને બાપાશ્રીએ તેડાવ્યા છે તેથી તમો સર્વે સંતો વૃષપુર આવો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બહુ સારું; પછી સંતો સુદ ૧૩ને રોજ વિઠ્ઠલજીભાઈની રસોઈ હતી, તે ઠાકોરજીને થાળ જમાડીને વૃષપુર આવ્યા. તે વખતે બાપાશ્રી ચોકમાં સૂતા હતા, તે સંતોને જોઈને બોલ્યા જે, અમે તમારી વાટ જોઈ રહ્યા હતા. તમો આવ્યા તે બહુ સારું કર્યું. એમ કહી ઊઠીને સર્વે સંતોને મળ્યા. પછી એમ બોલ્યા જે, તમારા વિના સૂનું દેખીને મનમાં એમ થયું જે, “સખી સૂનાં સર્વે લોક ચડે મારી નજરે”, “મારે એક ન રહ્યો આધાર ક્યાં જઈ ઊભીયે.”, “સખી પિયુ રિઝાવ્યાની રીત એકે મુને ન જડી” એમ તમને ન દેખીને અમે ઉદાસ થઈ ગયા હતા, તે તમે આવ્યા તેથી બહુ આનંદ થયો. પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, તમારે જવું હતું અને અહીં આવવાનું નહોતું પણ અમે પાછા વાળ્યા. અમે તમને નેવળ બાંધીને રાખીએ એવા છીએ. તે આગળ ફરી વળ્યા ને પાછા વાળી લાવ્યા. હવે જવાના સંકલ્પ કરતા નહીં.
પછી સાંજના પ્રથમ પ્રકરણનું ૬૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં એમ આવ્યું જે, તત્ત્વે કરીને ભગવાનને ઓળખવા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તત્ત્વે કરીને ભગવાનને જાણે એટલે મૂર્તિનું સુખ યથાર્થ આવે, એમ મહારાજ કહે છે. માટે આવા અનાદિમુક્તનો તથા આવા સંતનો જોગ-સમાગમ કરી મહારાજને જેવા છે તેવા જાણી પોતાનું પૂરું કરી લેવું. આવો જોગ ફેર આવવો બહુ દુર્લભ છે. અહીં હાલ વિવાહ ચાલે છે, તે લોકો ગાંડા જેવા થઈ ગયા છે. આપણે તો પુરુષોત્તમ વિવાહ કર્યો હતો, એવો વિવાહ તો મોટા રાજાથી પણ બની શકે નહીં. આપણે તો “સાહેબ સરીખા શેઠિયા, વસે નગર કે માંહી; તાકું ધન કી ક્યા કમી, જ્યા કી હૂંડી ચલે નવ ખંડ માંહી” એવું હતું. અહીં તો સર્વે મહિમાએ સહિત સેવા કરે પણ સૌની નજર મૂર્તિમાં હોય. બીજું કાંઈ દેખેય નહિ, તેમ બીજું કાંઈ પેસેય નહિ, સૌની એક જ વૃત્તિ. એવી મહિમાએ સહિત સેવા કરતાં દેહને તો ગણતા જ નહીં. આ રીતે પુરુષોત્તમ વિવાહ થાય.
પછી દેવરાજભાઈએ પૂછ્યું જે, મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે મૂર્તિ જેવડા જ મૂર્તિમાન છે, એમ મોટા સંતો કહે છે તે બધા કેવી રીતે રહ્યા હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, એ વાત આ લોકના દૃષ્ટાંતથી સમજાય તેવી નથી. એ તો સાક્ષાત્કારવાળા જેમ છે તેમ જાણે અથવા મહારાજ દયા કરીને બતાવે તે દેખે. મૂર્તિમાં મુક્ત સર્વે સાકાર થકા રસબસભાવે સળંગ મૂર્તિમાં રહ્યા છે. મહારાજની મૂર્તિમાં એવું જ અલૌકિક ઐશ્વર્ય છે. જેમ ચિંતામણિમાંથી બ્રહ્માંડ ભરાઈ જાય એટલા પદાર્થ નીકળે તોપણ ચિંતામણિ દૂબળી પડતી નથી અને એ બધું એમાં પાછું સમાઈ જાય તેણે કરીને પુષ્ટ પણ થતી નથી. એ તો જેવી હોય તેવી ને તેવી જ રહે છે. એવું સામર્થ્ય જેના પ્રતાપથી જડ વસ્તુમાં છે તો પોતાને વિષે અલૌકિક સામર્થ્ય હોય તેમાં શું કહેવું ? એ તો હોય જ. માટે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું. પછી એમ પૂછ્યું જે, બાપા ! મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે તે સર્વેને સુખ સરખું આવતું હશે કે અધિક-ન્યૂન આવતું હશે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, સર્વે મુક્તને એકસરખું જ સુખ આવે છે. અધિક-ન્યૂન આવે તે તો સાધકની સ્થિતિના ભેદ છે, સાધનકાળમાં અધિક-ન્યૂન ખરું, પણ સિદ્ધકાળમાં તો અધિક-ન્યૂન કહેવાય નહીં.
પછી વળી પૂછ્યું જે, ધ્યાનની લટક તો સન્મુખપણાની હોય અને સમજણ તો મૂર્તિમાં રહેવાની હોય તેને કેવી પ્રાપ્તિ થાય ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, જેવી સમજણ છે તેવી પ્રાપ્તિ થાય. જેને મૂર્તિમાં રહેવાની સમજણ છે તેને મહારાજ મૂર્તિમાં જ રાખે, પણ કાંઈ બાકી રહે નહીં. તે વખતે વળી દેવરાજભાઈએ પૂછ્યું જે, મૂર્તિઓને વિષે દિવ્યભાવ હોય જે, આ મૂર્તિઓ તે પ્રત્યક્ષ ભગવાન છે, પણ મનુષ્ય રૂપે મહારાજ તથા મુક્ત વિચરતા હોય તેમને ઓળખે નહિ તેનું શું કારણ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ અને મુક્ત મનુષ્ય રૂપે વિચરતા હોય તેમને ઓળખે નહિ તેણે મૂર્તિઓને વિષે પૂરો દિવ્યભાવ જાણ્યો નથી; તે તો મુખેથી કહેવામાત્ર જ છે. પણ જો મૂર્તિઓને દિવ્ય જાણી હોય તો તે મનુષ્ય રૂપે મહારાજ ને મુક્ત વિચરતા હોય તેમને જરૂર ઓળખે. એમને જે ન ઓળખે તેમને તો મૂર્તિઓને વિષે દિવ્યભાવ છે જ નહીં. ।। ૧૪૬ ।।
વાર્તા ૧૪૭
સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રી સભામાં પધાર્યા, સૌને જય સ્વામિનારાયણ કરી ધ્યાનસ્થ બેઠા, તે વચનામૃતની કથા થઈ રહી ત્યાં સુધી એમ ને એમ બેસી રહ્યા. પછી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોને કહ્યું જે, તમને અમે પાછા તેડાવ્યા તે ઠીક થયું ને ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! બહુ દયા કરી. ત્યારે બાપાશ્રી કહે, સ્વામી ! આ ફેરે તમે ગયા હતા, પણ અમને તમારા વિના સારું લાગ્યું નહીં. રામપુર એક રાત જઈ આવ્યા, પણ આ સભા વિના સૂનું લાગ્યું. અમને આવી સભા અખંડ ખપે. તમે પણ આ લાભ લઈ લેજો. અમે તો સૌને કારણ મૂર્તિમાં રાખીએ છીએ. અહીં કેટલાક એમ જાણે છે જે; બાપો અમારી નાતના છે, એવાને આ વાતની ખબર ન પડે. તમારામાંય કેટલાક અહીં મૂર્તિનું સુખ લેવા આવ્યા હોય, ને હેત બહુ જણાવતા હોય પણ જ્યાં કોઈ બે શબ્દ આમ-તેમ બોલે તેટલામાં તો બીજી રીતના ઘાટ-સંકલ્પ કરવા માંડે છે. એવાને આ જોગમાં સુખ આવે નહીં. પણ જેને દિવ્યભાવ છે તે તો આ સભાના જોગે ન્યાલ થાય છે. મહારાજ સૌને સુખ આપે છે. બહારવૃત્તિવાળાને આવી વાતની ખબર ન પડે. આજ તો અમૃતનાં ઘન વરસે છે, તેથી એ સુખમાં સૌ રસબસ ના’ય છે. આમ સમજાય તો કાંઈ અધૂરું ન રહે. આવી બ્રહ્મસભામાં જે આવે તેનાં અનેક જન્મનાં પાપ નાશ પામી જાય છે. મહારાજના અનાદિની વાત જ જુદી છે. કેટલાક સત્સંગમાં આવી વાત જાણ્યા વિના દૃષ્ટાંત-સિદ્ધાંત મેળવતા હોય તેવાને કહીએ, સમજાવીએ તોય માને નહિ; તેમ સમજે પણ નહિ અને તમારા જેવા વિશ્વાસી છે તે કામ કાઢી જાય છે. જ્યારે અનંત જન્મનાં સુકૃત ઉદય થાય ત્યારે આવા મોટાની ઓળખાણ થાય છે. શ્રીજીમહારાજને તથા મોટા મુક્તને જે ન ઓળખે તે તો ખીજડા જેવા છે. અને આ દિવ્ય સભાને વિષે નિષ્ઠા હોય તે તો આંબા જેવા છે એમ અ.મુ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. તે ખીજડામાં તો સાંગર્યો જ આવે. મહારાજ તથા મોટા મુક્તને વિષે હેત ન હોય તો તેનો મોક્ષ કેમ થાય ? એવી રીતે બાપાશ્રી સવાર, સાંજ કથા પ્રસંગે મહારાજના મહિમાની ઘણીક વાતો કરતા.
એક દિવસ બપોરે બાપાશ્રી તથા સર્વ સંત-હરિભક્તો વાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસીપૂજા કરી. પછી બાપાશ્રીએ વાત કરી જે, સ્વામી ! અમે તો આવા ડુંગરામાં બેઠા છીએ, પણ મૂર્તિને સુખે સુખિયા છીએ. અમે મૂર્તિ વિના બીજું કાંઈ રાખ્યું નથી. અમારે તો એક મૂર્તિ આપવાનો જ ઠરાવ છે. આ વખતે સૌને તેડાવી યજ્ઞ કરવાની તાણ હતી તે પૂરી થઈ, તમને પણ ઠીક રાખ્યા. અમારે તો તમને સર્વે સંતોને આ ફેરે રાખવાનો વિચાર ઘણો હતો. અમને એમ હતું જે, આ આંબામાં હજી કેરીઓ નાની છે તે અષાઢ મહિનો બેસતાં બરાબર પાકી જશે, ત્યાં સુધી જો સંતો રાજી થઈને રહે તો રસપૂરીની રસોઈ કરી ઠાકોરજીને તથા સંતોને જમાડીએ. કેમ કે હવે આપણે આવો જોગ વારેવારે ક્યાંથી આવે ? તમ જેવા સંતનું મળવું બહુ મોંઘું છે. અંતર્વૃત્તિએ તો સદાય ભેગા છીએ. પણ આમ પ્રત્યક્ષ ક્યારે મળાય ! આ વખતે સત્સંગમાં શ્રીજીમહારાજે બહુ સુખ આપ્યું, તેમ આવા અનાદિના જોગ-સમાગમે અનેક મૂર્તિના સુખભોક્તા થયા. ધ્યાને કરીને મૂર્તિમાં સ્થિતિ થઈ હોય તોપણ આવા જોગની વાત દુર્લભ છે. આ સભામાં જે કામ આ ટાણે થાય છે તે લાખો વરસ સાધન કરે તોપણ ન થાય. સ્થિતિવાળા પોતે તો સુખિયા રહે, પણ આમ કરોડો જીવને મૂર્તિના સુખમાં પહોંચાડી ન શકે. આ તો શ્રીજીમહારાજના સંકલ્પથી આવું સુગમ છે. એ લાભ આપણને મળ્યો છે, તે કેવાં મોટાં ભાગ્ય ! તમે રાજી થઈને રહો તો જ્ઞાનયજ્ઞ થાય. તમે અહીં રહેવામાં કાંઈ બીજો વિચાર ન કરશો, કેમ જે આપણે ઘેર કોઈ વાતની ખોટ નથી. અમારાં છોકરાં બાજરો પકવે છે, તે આપણે ભેગા મળી ઠાકોરજીને જમાડશું ને મૂર્તિના સુખની વાતો કરશું. આ વખતે તો તમને જવા દેવાની મારી ઇચ્છા જ થતી નથી. હવે તમે બધા ભેળા થઈ વિચારી નક્કી કરો. જો જવાનું કરો તોય તમારી મરજી, ને રહો તો આપણે ભૂજ, માધાપુર ભેગા જશું ને બ્રહ્મયજ્ઞ કરશું. આ ફેરે અહીં રહો તો ઠીક. અમે તમને અષાડ માસમાં જરૂર છૂટા કરશું. તમારે તો જ્યાં જાઓ ત્યાં આ એક જ કામ કરવાનું છે. વળી અમને પણ એવો જ સંકલ્પ થાય છે જે, તમ જેવા સંત ભેળા બે મહિના રહેવાય તો ઠીક. તમે જો રહો તો ભલે અને તાણ હોય તો સુખેથી જાઓ. એમ કહી બાપાશ્રી મંદિરમાં પધાર્યા. રાત્રે કથા-વાર્તા થઈ રહી, પછી પોતે પોઢી ગયા. અને સંતો વાડીમાં બાપાશ્રીએ વાતો કરેલ તેથી રહેવાનો કે જવાનો વિચાર કરતા હતા પણ કાંઈ નિર્ણય થયો નહિ, પછી સર્વે સૂઈ ગયા. ।। ૧૪૭ ।।
વાર્તા ૧૪૮
બીજે દિવસે સવારે બાપાશ્રી નિત્યવિધિ કરી સભામાં પધાર્યા. ત્યારે પૂછ્યું જે, સ્વામી ! તમે શું નક્કી કર્યું ? રાત્રે વિચાર કર્યો હોય તે અમને કહો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, બાપા ! મારે તો આપ રાખો ત્યાં સુધી રહેવું છે. બીજા સંતો હજી વિચાર કરે છે, પણ તમે રાજી હો તેમ કરે. ત્યારે બાપાશ્રી કહે, સંતોને જવાની તાણ અમને જણાય છે, તેથી જવાનું કરો. થોડા જાય ને થોડા રહે એમ જુદા પડો એ ઠીક ન કહેવાય. એમ કહીને બોલ્યા જે, સ્વામી ! આપણે મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહીં. મહારાજે દયા બહુ કરી, પોતાના જાણ્યા તે કામ ભારે થયું. આવા અનાદિમુક્ત મળ્યા એ કાંઈ સાધારણ વાત નથી. અક્ષરધામમાં મળવા જવું હોય તો શું બને ? આ તો સહેજમાં મેળાપ ! એ કાંઈ જેવીતેવી વાત નથી. પછી કહ્યું જે, સ્વામી ! તમે તો ઘણા જીવોને મૂર્તિને સુખે સુખિયા કરો છો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! આપ આ વખતે અમારા પર બહુ રાજીપો જણાવો છો. તેથી હેતે કરીને મળતાં, જમાડતાં, પ્રશંસા કરતાં, બોલાવતાં સંતો ઘણા સુખિયા થાય છે. તે વખતે બાપાશ્રી કહે, સ્વામી ! વારેવારે આવો અવસર ક્યાંથી આવે ! આ તો તમને ભૂજથી પાછા તેડાવ્યા ત્યારે આ મેળાપ થયો. બે મહિના રહેવાનું થયું હોય તો તમને ને અમને ઘણો લાભ થાત, પણ એ તો સૌની મરજી પ્રમાણે કરવું. એમ કહી બાપાશ્રી ઘેર ગયા. પછી ઠાકોરજી જમાડીને મંદિરમાં પધાર્યા. તે વખતે સંતો વચનામૃતની કથા વાંચતા હતા, તે સર્વેને જય સ્વામિનારાયણ કહી એમ બોલ્યા જે, સ્વામી ! જવાનો શો વિચાર કર્યો ? ત્યારે સ્વામીશ્રી કહે, બાપા ! આપ અંતર્યામીપણે બધુંય જાણો છો, તેથી જેમ આજ્ઞા કરો તેમ કરીએ. અમે તો હજી કાંઈ નક્કી કર્યું નથી. ત્યારે બાપાશ્રી કહે, આ સ્વામી ઈશ્વરચરણદાસજી કહે છે કે, અમે રહીએ ને બીજા સંતોને જવું હોય તે ભલે જાય, કેમ કે થોડાક સંતોને જવાની તાણ છે, એમ કહે છે, પણ અમને એમ થાય છે જે નોખાં નોખાં ન જાવું. તાણ હોય તો બધાય સાથે જાઓ. જુદા પડો એ ઠીક નહીં. આજ પાછલી રાત્રે ચાલજો ને ભૂજ રેલે બેસી જજો, એમ કહી પોતે ઘેર પધાર્યા. પછી બપોરના બાપાશ્રી હરિભક્તોને બોલાવીને ગાડાનું નક્કી કરવા લાગ્યા. તે વખતે પણ ગાડાવાળાને એમ કહ્યું જે, સંતોને રોકાવાનું છે એમ જાણીને તમને મેં કહેલ નહોતું, પણ હવે સંતોને જવાનું નક્કી થયું છે તેથી તમો ગાડાં જોડીને સંતોને ભૂજ મૂકી આવજો, એમ હરિભક્તોને આજ્ઞા કરી.
પછી વળી સાંજના સ્વામી ઈશ્વરચરણદાસજીએ પોતાને રહેવા માટે પ્રાર્થના કરી. તે વખતે પણ એમ બોલ્યા જે, તમને તો આ ફેરે મારે જવા જ દેવા નહોતા. કેમ જે આપણે બે મહિના ભેગું રહેવાનું થાય તો કેટલો લાભ મળે ! અમારે તો અખંડ કથા-વાર્તા ખપે. તે તમે હો તો સદાય કથા-વાર્તા થયા જ કરે. એમ કહીને બોલ્યા જે, સ્વામી ! જો રહ્યા હોત તો આપણે એકાંતનો છેલ્લો યજ્ઞ થાત. હમણાં યજ્ઞ બહુ મોટો થયો, તેમાં હજારો સંત-હરિભક્ત સુખિયા થઈ ગયા, પણ ઉદ્ઘોષ બહુ, પ્રવૃત્તિ પણ ખરી ને આમાં તો નકરી મૂર્તિની જ વાતો થાત, જેથી સમાસ ઘણો હતો. પણ તમારા ભેગા સંતો છે તેમને જવાના વિચાર રહે છે તેથી સૌ સાથે જાઓ. આપણે મૂર્તિમાં સદાય ભેગા રહીશું. અષાડ મહિના સુધી રહેવાણું હોત તો સાત્ત્વિક યજ્ઞ થાત, પણ જેવી શ્રીજીમહારાજની મરજી. હવે તમે તૈયાર થઈ રહેજો. ગાડાનું નક્કી કર્યું છે એટલે ટાણું થયે આવશે. તમે એ વખતે મોડું કરશો નહિ, ને અહીંથી પરબારા સ્ટેશને જજો. ત્યાં નાહી, પૂજા કરી લેજો. પછી સ્વામીશ્રીએ સૌ સંતોને બાપાશ્રીની મરજી જણાવી, પણ જવાનો વિચાર સૌએ કરેલો તેથી બાપાશ્રી આ બધું મર્મમાં કહે છે તે કોઈને ખબર પડી નહીં.
રાત્રિના બે વાગ્યા પછી ગાડાં આવ્યાં. સંતો પણ સર્વે તૈયાર થતા હતા ત્યારે બાપાશ્રી જાગીને મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કર્યાં. તે વખતે સૌ સંતો દંડવત કરવા લાગ્યા, તે સર્વેને બાપાશ્રી બાથમાં ઘાલીને મળ્યા. તે વખતે સંતોએ પ્રાર્થના કરી જે, બાપા ! અમારા પર આપ કૃપાદૃષ્ટિ રાખજો. અમે આપની મરજી ન જાણી શક્યા હોઈએ તોપણ આપ દયાળુ છો તેથી આવા ને આવા રાજી રહેજો. ત્યારે બાપાશ્રી કહે, અમે તો સદાય રાજી છીએ. મૂર્તિમાં આપણે સૌ ભેળા રહેશું; તમે પણ ભેળા રહેજો. દિવ્યભાવે મૂર્તિમાં રસબસ રહીએ એટલે સદાય સાથે ને સાથે. તમે સૌ આમ ને આમ આ દિવ્ય સભાને સંભારજો. એમ વાત કરતા હતા ત્યાં ગાડાંવાળાઓ ઉતાવળ કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રી પણ વળાવવા આવવા તૈયાર થયા. સંતો બાપાશ્રીનાં દર્શન કરે, બાપાશ્રી પણ સંતો પર પ્રસન્નતા જણાવીને વાતો કરે જે, સ્વામી ! આ સુખની કાંઈ તૃપ્તિ થાય તેવું છે ? લાખ વર્ષ સુધી આમ ને આમ દર્શન કરીએ, વાતો કરીએ તોય તૃપ્ત ન થવાય. એમ કહેતાં વળી સૌ દંડવત કરી મળ્યા, પછી બાપાશ્રી કહે, ચાલો સંતો ! હવે તમારે મોડું થાય છે. એમ કહી પોતે માંચીમાં બેસી ગાડાંની આગળ ચાલ્યા. જ્યારે ગામ બહાર આવ્યા, ત્યારે સૌ સંતો બાપાશ્રીને પગે લાગ્યા. બાપાશ્રી પણ હેત જણાવી સૌ સંતોને મળ્યા ને બોલ્યા જે, સ્વામી ! હવે દિવ્યભાવે સદાય ભેળા રહેજો. એમ પોતાને અંતર્ધાન થવાનું મર્મમાં જણાવ્યું. પણ તે વખતે કોઈ એ મર્મવચનને સમજી શક્યા નહીં. સ્વામી ઈશ્વરચરણદાસજીએ તો રહેવાની બહુ ઇચ્છા જણાવી, પ્રાર્થના કરી પણ સૌ સંતોની સાથે જવાની બાપાશ્રીએ આજ્ઞા કરવાથી એ પણ કાંઈ બોલી શક્યા નહીં. એ રીતે સદ્ગુરુઓ તથા સંતો ચાલતાં બાપાશ્રી ફરીવાર સર્વેને મળ્યા; માથે હાથ મૂકીને સદાય મૂર્તિનાં સુખ ભોગવજો એમ આશીર્વાદ આપી તથા આમ ને આમ દિવ્યભાવે આ સભા સંભારજો એમ આજ્ઞા કરી સંતોને વિદાય કર્યા ને પોતે મંદિરમાં પધાર્યા. ।। ૧૪૮ ।।
વાર્તા ૧૪૯
જેઠ વદ ૨ ને રોજ બાપાશ્રી ભૂજ ગયા ને ઠાકોરજીનાં દર્શન કરીને સભામાં બેઠા. વચનામૃતની કથા થઈ રહી ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીને કહ્યું જે, પુરાણી ! કાલે સવારમાં કથા પ્રસંગે એમ વાત આવી હતી જે, કારણ શરીરને બાળીને મૂર્તિમાં જોડાઈ જાય તો ખરું સુખ મળે. ત્યારે પુરાણી કહે, બાપા ! અમારાં કારણ શરીર બાળીને કૃપા કરીને મૂર્તિમાં જોડી દેજો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમારે કારણ શરીર ક્યાં છે ? તમને તો અતિ મોટા કર્યા છે ને મૂર્તિમાં જ રાખ્યા છે, માટે સદાય આનંદમાં રહેવું. કેમ ભોગીલાલભાઈ ! ત્યારે તે કહે જે, હા બાપા. મોટા તો હતા પણ તમે મળ્યા ને કૃપા કરી તેથી બહુ મોટા કર્યા, અમને પણ ન્યાલ કર્યા, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, શ્રીજીમહારાજ ન્યાલકરણ છે, તેથી જે આશરે આવે તે ન્યાલ થાય. જુઓને ! સત્સંગમાં સંત, હરિભક્ત, બાઈ, ભાઈ, નાના-મોટા એ કારણ મૂર્તિને પ્રતાપે સુખિયા થકા એ મૂર્તિનું સુખ ભોગવે છે. માટે કારણ મૂર્તિને મૂકીને કાર્યમાં એટલે હલરવલરમાં ભળવું નહીં. વચનામૃતમાં પણ એ જ વાત આવી હતી. વચનામૃત શ્રીમુખનાં વચન છે. એ વચનમાં વજ્રની પેઠે જોડાઈને વર્તવું. એમ કહીને બોલ્યા જે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, ભૂત, ભવિષ્ય ને વર્તમાન, એ કાંઈ નથી; એક મહારાજની મૂર્તિ જ છે, એવું કરવું ખપશે. મહારાજ વિના બીજું કોઈ સુખદાયી નથી. એ મૂર્તિમાં રહ્યા તે સુખિયા થઈ ગયા. કેમ પુરાણી મહારાજ ! એમ હશે કે નહીં ? ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી કહે, હા બાપા ! એમ જ છે. તે વખતે પોતે કૃપા કરીને બોલ્યા જે, પુરાણી ! અમે તો જ્યાં હશું ત્યાં સુખિયા હશું. વન, પર્વત, જંગલ, વાડી-ખેતર, જ્યાં હોઈએ ત્યાં મૂર્તિ વિના એકલું ન રહેવાય. એ મૂર્તિ અગમ્ય છે, તપ કરી કરીને મરી જાય તોપણ ન મળે; એવા શ્રીજીમહારાજ તે આપણને ઘેર બેઠાં મળ્યા તે કેવી દયા ! નવલખામાં જોગી તપ કરીને સુકાઈ ગયા ત્યારે એક વખત એ મૂર્તિનાં દર્શન થયાં, અને આપણને તો ગામની વચમાં વન કરી દીધાં છે ને ઘેર બેઠાં મહારાજ મળ્યા છે. માટે એ મૂર્તિમાં રસબસ રહેવું. આવા મહારાજ, આવા સંત, આવા હરિભક્ત ક્યાંથી મળે ! માટે ખરેખરા પાત્ર થઈને મોટા સંત જે અનાદિ મહામુક્ત, તેમનો સમાગમ કરીને શ્રીજીમહારાજનો દૃઢ નિશ્ચય કરવો. એવો નિશ્ચય જેને હોય તેને આમ હથેળીમાં મૂર્તિ બતાવીએ, મૂર્તિના સુખે સુખિયો કરી મૂકીએ. પણ જો આવા સંતને તથા આવા મુક્તને ઓળખે નહિ તો કલ્યાણ થવું કઠણ. જીવને સત્સંગની લટક હાથ આવે તો કામ થઈ જાય. આજ તો કૃપાસાધ્ય ભગવાન છે, ક્રિયાસાધ્ય નથી; એમ જાણી દિવ્ય મૂર્તિનું સુખ ભોગવવું. એ મૂર્તિ વિના આત્યંતિક મોક્ષ ન થાય. ‘મૈં હૂં આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ’ એમ કહીને બોલ્યા જે, અમે તો બધુંય જાણીએ છીએ. કેટલાક એમ કહે છે કે, અમારે ત્યાં મંદિર બહુ સારું થયું. તે મંદિર તો કાર્ય છે. પણ માંહી શ્રીજીમહારાજ બિરાજે છે; તે કારણ સામું જોવું. એ મૂર્તિમાં જ સર્વે સુખ છે. આપણે એનું જ કામ છે. કેમ જે,“સૌના કારણ શ્રીહરિ રે” એમ બોલ્યા.
પછી માધાપુરના હરિભક્તોએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, બાપા ! આ ભૂજમાં આપે દયા કરીને સૌને સુખિયા કર્યા તેમ અમારે ગામ જેઠ વદ ૨ થી ૯ સુધી પારાયણ બેસારવાનું નક્કી કર્યું છે. તો આપને તેડવા અમારે વૃષપુર આવવું હતું; પણ આપ અહીં પધાર્યા છો તેથી દયા કરી પારાયણમાં સૌને દર્શન દઈ, નાના-મોટા હરિભક્તોને સુખિયા કરો એવી અમારી પ્રાર્થના છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ભલે અમે આવશું; કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞ કરો. એમ કહી પોતે માધાપુર પધારી સૌને આનંદ પમાડ્યો. ।। ૧૪૯ ।।
વાર્તા ૧૫૦
જેઠ વદ ૫ને રોજ માધાપુરના મંદિરમાં બાપાશ્રીએ સભામાં વાત કરી જે, પુરાણી ! મહારાજની મૂર્તિ ધારીને કથા કરજો, પણ અમથા પુરાણી મ થાજો. મહારાજ ને મુક્ત આ સભામાં દિવ્ય તેજોમય દર્શન દે છે, તેથી સંત-હરિભક્તો સર્વેને આનંદ આનંદ વર્તે છે. આ દિવ્ય સભાનો મહિમા બહુ જબરો છે. જેને મહારાજ તથા મોટાની ઓળખાણ થઈ તેનું તો બહુ ભારે કામ થઈ જાય છે. જેવો છે તેવો મહિમા સમજાય તો ગાંડું થઈ જવાય. આ એમ વાત કરીએ છીએ તેમાં લેશમાત્ર ફેર ન જાણશો. જેનાં બહુ મોટાં ભાગ્ય હોય તેને શ્રીજીમહારાજનાં તથા આ દિવ્ય સભાનાં દર્શન થાય છે. તપ, ત્યાગ, વ્રત, યોગ, યજ્ઞાદિક કોઈ સાધને ન મળે તે આજ સહેજમાં મળે છે. આજ તો રોકડું કલ્યાણ છે, ઉધારાની વાત નથી. એમ વાત કરી તે વખતે મંદિરનું સિંહાસન કરવાવાળા કડિયા દર્શને આવ્યા. ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, વડોદરાનો કડિયો મંદિરનું સિંહાસન કરતો હતો. તે કારીગર સારો હતો, ઘડતો ઘડતો ઊંચું પણ ન જુએ. ત્યારે મહારાજે કહ્યું જે, તમારું નામ જાણીતું છે, પણ સાથે સાથે અમને રાખજો. એમ કહ્યું પણ તે તો ઘડતો જ રહ્યો ને ઊંચું પણ જોયું નહીં. ત્યારે મહારાજ કહે, ઊંચું જોઈને અમારાં દર્શન કરો. પછી તેણે દર્શન કર્યાં. એવું કામ છે. માટે કામકાજ કરતાં મૂર્તિમાં વૃત્તિ રાખવી પણ ક્રિયારૂપ થઈ જવું નહીં. આ હું કોઈને વઢતો નથી પણ મૂર્તિ મુખ્ય રાખવી તો સુખિયું થવાય. એ વિના કોટિ સાધને કામ થાય તેવું નથી એમ વાત કરી. પછી તે કડિયાએ ખૂબ દંડવત કર્યાં. ત્યારે બાપાશ્રી ઊભા થઈને તેમને મળ્યા ને પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, તમે અમારા છો તેથી તમને કહ્યું. ।। ૧૫૦ ।।
વાર્તા ૧૫૧
જેઠ વદ ૬ને રોજ માધાપુરના મંદિરમાં સભામાં લોયાનું ૧૩મું વચનામૃત વંચાતું હતું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમાં મહારાજે કહ્યું છે તે પ્રમાણે સર્વેને કરવાનું છે; પણ કાર્યમાં તાન છે, જેથી કારણમાં જીવ બેસે નહીં. તપ કરી કરીને થાકી જાય પણ જો આવી વાત હાથ ન આવે તો મોક્ષમાં ખામી રહી જાય. માલ તો મળ્યો છે પણ ભોગવે તો કામ થાય; એટલે મૂર્તિમાં જોડાય તો સુખ આવે.
પછી દેવરાજભાઈએ પૂછ્યું જે, બાપા ! સમાધિમાં અને દેહ મૂક્યા પછી મૂર્તિનું સુખ યથાર્થ આવે તેમ વચનામૃતમાં કહ્યું છે તેનું કેમ સમજવું ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, સમાધિ કરતાં અખંડ સ્મૃતિ શ્રેષ્ઠ છે. સમાધિ બે પ્રકારની છે : સકામ અને નિષ્કામ. ભૂત, ભવિષ્ય ને વર્તમાન તથા અગમ-નિગમ જાણવાની ઇચ્છા રહે એ સકામ માર્ગ. રવજીભાઈની પેઠે તે સત્સંગમાંથી પાડે. અ.મુ. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી તથા સચ્ચિદાનંદ સ્વામી જેવા મોટાને મહારાજની મૂર્તિ સિવાય કાંઈ ઇચ્છા જ નહિ ને અખંડ મૂર્તિમાં જ રહે, તે નિષ્કામ માર્ગ છે. તે સિદ્ધદશાવાળા કહેવાય. એમ કહીને બોલ્યા જે, આ જીવને દેહનું આવરણ બહુ મોટું છે. તે દેહને જ્ઞાને કરીને ખોટો કરી નાખવો, નહિ તો સુખ આવવા દે તેવો નથી. એ દેહ તે જડ છે તોય જીવને છેતરી જાય છે અને ચાળાચૂંથણો પણ છે. તે અહીં બેઠા રામપુર કે વૃષપુર પહોંચી જાય, માટે એને નાશવંત ને દુઃખરૂપ જાણી દેહ રૂપે વર્તવું નહીં. મહારાજ તથા મોટા મુક્તનું જ્ઞાન જેને થાય તેને તો અખંડ સ્મૃતિ રહે, મૂર્તિ ભુલાય નહીં. ક્યાં ભગવાન ને ક્યાં તેમના લાડીલા મુક્ત ! ક્યાં જીવ ! આ તો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. જેને મૂર્તિનું સુખ આવે તથા મોટા મુક્તનો મહિમા સમજાય તેને આનંદ આનંદ થઈ જાય. માટે સાંખ્ય ને યોગ એ બે સિદ્ધ કરવા. જનકવિદેહી જેવું જ્ઞાન થાય તો અર્ધા શરીરને ચંદન ચર્ચે ને અર્ધા શરીરને તલવારથી કાપે એ સરખું થાય, કેમ જે મૂર્તિના સુખમાં પહોંચ્યા પછી તેને કોઈ વાતની અપેક્ષા રહેતી નથી.
પછી લાલશંકરભાઈએ પૂછ્યું જે, બાપા ! મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કેમ કરવી ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દેહ ને દેહનાં સગાંસંબંધી સાથે છે તેમ કરવી. આ અગાસી જો હમણાં પડે તો બધાય ભાગે; એવું કામ છે. આપણે તો શ્રી પુરુષોત્તમરૂપ થઈને પુરુષોત્તમને ભજવા. શ્રીજીમહારાજ કહે છે કે, દેવ જેવો થઈને દેવની પૂજા કરે તો તેની પૂજા દેવ અંગીકાર કરે. તે વખતે ધનજીભાઈએ પ્રાર્થના કરી જે, બાપા ! સત્પુરુષની આપેલી બુદ્ધિએ કરીને જેવી આવડે તેવી આત્મબુદ્ધિ કરવી છે, તોપણ જેમ છે તેમ મહિમા નથી સમજાતો અને સુખ નથી આવતું તે કૃપા કરો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આમ ને આમ કરતા થઈ જશે. વચનામૃત તો મનવાર જેવાં છે. શ્રીમુખનાં વચન છે તેથી કોઈ રહી જાય નહિ, પણ જીવને આવો મહિમા નહિ તેથી પૈસા રોડરોડ (ભેળા) કરે પણ આ ન થાય. આપણે ઘેર ભારે સુખ છે. મહારાજ તથા આવા મુક્ત મળ્યા તોપણ વ્યવહારમાં ડૂબી પડ્યા હોય તે કેવી સમજણ ? કેમ રામજીભાઈ! આ અમે વાત કરીએ છીએ તે સાચી હશે કે નહીં ? ત્યારે રામજીભાઈ કહે, બાપા ! એમ જ. પછી વળી બાપાશ્રી બોલ્યા જે, જુઓને ! આવા સર્વોપરી મહારાજ મળ્યા, આવા અનાદિમુક્ત મળ્યા, આવા સંત મળ્યા, તોય ઓળખાય નહીં. તેવાને શું લાભ ! શ્રીજીમહારાજે કહ્યું છે જે,“જે જે અવતારે કરીને, જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય, તે સંભારી રાખવી” તે અવતાર આ સમજવા. પૂર્વે આવાં કલ્યાણ થયાં નથી. આજ તો અનંતનાં સહેજે આત્યંતિક કલ્યાણ થાય છે. પણ જીવમાં અજ્ઞાન છે તેથી મનાય નહીં. આ સંત-હરિભક્ત સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે.
પછી દેવરાજભાઈએ પૂછ્યું જે, “બાપા ! બ્રહ્મને તો નિરાકાર કહે છે તે કેમ સમજવું ?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ દેહનો ભાવ ટાળી ક્ષર-અક્ષરથી પર શ્રીજીમહારાજની મૂર્તિના તેજરૂપ થઈને મૂર્તિમાં જોડાઈ જવું. જેમ વાયુ આકાશમાં ચોંટી જાય છે તેમ. જુઓ તો ખરા ! આપણે ઘેર કેવાં રત્ન પડ્યાં છે ! અરે, વાહ રે વાહ ! “જાણે જીવ, ઈશ્વર, માયાના મર્મને રે; રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે” આમ ને આમ જોગ કરતાં, મૂર્તિમાં વૃત્તિ રાખતાં પુરુષોત્તમરૂપ થઈ જવાશે. કેમ દેવરાજભાઈ ! આ લોકમાં એવા હશે કે
નહિ હોય ? ત્યારે દેવરાજભાઈ કહે, હા બાપા ! શ્રીજીમહારાજે દયા કરી છે તે બધુંય અહીં છે. એવી રીતે અલૌકિક વાતો કરીને ગામમાં સૌ હરિભક્તોને દર્શનદાને સુખિયા કરતા બાપાશ્રી કથાની સમાપ્તિ થયા પછી વૃષપુર પધાર્યા. ।। ૧૫૧ ।।
વાર્તા ૧૫૨
સંવત ૧૯૮૪ના અષાડ સુદ ૨ સુધી બાપાશ્રીએ પોતાના જોગમાં જે જે સંત-હરિભક્તો આવેલા તેમને શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા કર્યા. મોટા મોટા સંતો તથા સ્થિતિવાળા હરિભક્તો બાપાશ્રીના અદ્ભુત પ્રતાપને જાણી, દેહનાં કષ્ટને ન ગણીને મહિનો મહિનો, કોઈ પંદર દિવસ, તો કોઈ પાંચ-આઠ દિવસ પોતપોતાનાં કામકાજ છોડીને, કેવળ બાપાશ્રીની પ્રસન્નતાને અર્થે વૃષપુરમાં આવતા. સૌને એમ જે, અત્યારે શ્રીજીમહારાજના સંકલ્પથી બાપાશ્રી દૃષ્ટિગોચર વર્તે છે અને અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા છે, એવી સ્થિતિ કૃપાએ કરીને કરાવે છે. એમ સૌ જાણતા હોવાથી હજારો સંત-હરિભક્તો નાના-મોટા, બાઈ-ભાઈ દર્શને આવી કૃતાર્થ થતાં. બાપાશ્રીએ મહામોટા યજ્ઞ કર્યા, તેમાં પણ એવો જ સંકલ્પ જે આ યજ્ઞમાં જે કોઈ આવે, તેનો અમારે આત્યંતિક મોક્ષ કરવો. શ્રી પુરુષોત્તમનારાયણના અનાદિમુક્ત પુરુષોત્તમરૂપ છે. તેથી એ દ્વારે સર્વે ક્રિયા શ્રીજીમહારાજ કરે છે. એ મુક્ત તો મૂર્તિમાં રસબસ રહ્યા થકા અનંતકોટિ કલ્પ સુધી મૂર્તિના સુખમાંથી તૃપ્ત થતા નથી. શ્રીજીમહારાજે સંકલ્પ કરી આ સમયમાં અ.મુ. બાપાશ્રી દ્વારે અનંત જીવોને મૂર્તિમાં ખેંચી લીધા. બાપાશ્રી કહે, અમે તો ખંપાળી નાખી છે. ખંપાળી એટલે કૃપાસાધ્ય. સાધને કરીને આ સ્થિતિ થાય તેમ ન હોવાથી મહારાજે નિજ આશ્રિત ઉપર કરુણા કરી તેથી આવા અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી દ્વારે અનેક જીવો મૂર્તિના સુખમાં પહોંચ્યા. શ્રીજીમહારાજની મૂર્તિમાં અનાદિમુક્તો રસબસભાવે અનાદિકાળના છે જ. જેમ શ્રીજીમહારાજ અખંડ, તેમ અનાદિની સભા પણ અખંડ. એ વાત બાપાશ્રીએ બહુ સુગમપણે સમજાવી, આશીર્વાદ આપી કંઈકને ન્યાલ કર્યા. જે જે શહેરમાં અથવા જે જે ગામોમાં ગયા, ત્યાં એ એક જ વાત. મોટાં મોટાં ધામ (મંદિરો)માં ગયા હોય ત્યાં પણ બાપાશ્રી તો પ્રસિદ્ધ થયા વિના રહે જ નહીં. સભામાં જ્યારે વાતો કરવા માંડે ત્યારે સૌ સંત-હરિભક્તોને સહેજે આકર્ષણ થતું. જે જે વાતો થાય તેમાં મુખ્યપણું તો મૂર્તિનું જ હોય. તેમાં પણ કેટલાંક મુખ્ય વચનો આ પ્રમાણે બોલતાં :- “આપણે સંવત ૧૮૩૭થી મહારાજ ને મુક્ત પ્રગટ થયા છે ત્યારથી શરદઋતુ બેઠી છે, આજ હજૂરી પધાર્યા છે તે ઠેઠ મહારાજની મૂર્તિના સુખમાં લઈ જશે. શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્ત રમે છે ને કિલ્લોલ કરે છે. મોટા રાજી થઈને કહે જે, માગો ! ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ માગવી. શ્રીજીમહારાજની મૂર્તિનો રસરૂપી મહાપ્રસાદ લેવો. આજ શ્રીજીમહારાજ મુક્ત દ્વારે સત્સંગમાં સુખ આપે છે. આ મુક્તને દર્શને મોટા મોટા અવતારાદિક આવે છે, આ તો સાક્ષાત્ પુરુષોત્તમ તુલ્ય એવા અનાદિમુક્ત તમને મળ્યા છે. આ મુક્ત તો પુરુષોત્તમ ભગવાન આગળ હજૂરી છે. મૂર્તિ ધામ ને મુક્ત સાથે રાખવાં. મહારાજ ને મુક્ત પૂરું કરી દેશે. ડંકો દઈને જઈશું તે અનંત મુક્ત દેખશે. શ્રીજીમહારાજનું સુખ છે તે મોટા ચાલતાં આપી દે છે. મોટાની સેવા ને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે. આપણે શ્રી સ્વામિનારાયણના દીકરા છીએ માટે અક્ષરધામના રાજ્યને લાયક થાવું, મૂર્તિને ભૂલી જવાય તો રાંડીને ખૂણે બેઠી એવું કહેવાય. શ્રીજીમહારાજના સુખની અવધિ નથી. મુક્તના જોગ વિના અંતર ખુલ્લાં કરી શકે એવું કોઈ સાધન કે વિધિ નથી, સાધનમાત્રનું ફળ મહારાજની મૂર્તિ છે. અનાદિમુક્ત અને શ્રીજીમહારાજ તો જળ-તરંગવત્ એક જ છે. પુરુષોત્તમના ઉપાસક છે તે તો મહાપ્રભુની સભાના છે. મોટા અનાદિમુક્તને સંભારવા તો મૂર્તિથી બહાર નીકળાય નહીં. મહાપ્રભુના અનાદિ મળ્યા એટલે આપણાં દારિદ્ર કપાઈ ગયાં. આજ અક્ષરધામમાંથી જાન આવી છે તેમાં પતિ મહારાજ છે, ને મુક્ત જાનૈયા છે તેની ખુમારી રાખવી. અક્ષરધામના ધામી શ્રી પ્રગટ પુરુષોત્તમનો ચાંદલો આવ્યો તે વાત કેવડી મોટી! બીજું બધું મળે પણ આ વસ્તુ જે શ્રીજીમહારાજ તથા મુક્ત તે ન મળે. આજ તો સ્વાંત વરસે છે, મહારાજને તથા મુક્તને ઉપમા દેવાય એવું કાંઈ છે જ નહીં. મહારાજની મૂર્તિ વિના બીજું વર્ણન છે તે તો નાવ વિના સમુદ્રમાં પડ્યા જેવું છે. શ્રીજીમહારાજની મૂર્તિરૂપી મોટી વસ્તુ હાથ આવે તો બીજું બધું ખોટું થઈ જાય, શ્રીજીની મૂર્તિ વિના સર્વે ખોટું કરી નાખવું. મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેને અનુભવજ્ઞાન કહીએ, શ્રીજીમહારાજના ગુણનો કે સુખનો કે મહિમાનો કે સ્વરૂપના જ્ઞાનનો પાર પમાય તેમ નથી; એ તો અપાર છે. આ વસ્તુ બહુ મોંઘી છે. જેના ભેળા મહારાજ હોય તેની વાતમાં શાંતિ, સુખ અને આનંદના ફુવારા આવે છે. લાખ જન્મ ધરે તોપણ કલ્યાણ ન થાય તે આજ દેહ છતાં જ કલ્યાણ થાય છે, આ તો બગાસું ખાતાં સાકરનો ગાંગડો મળ્યો છે. કારણ મૂર્તિના પધરાવનારા તો મુક્ત છે માટે આ જોગ કરી લેવો. મુક્ત તો એકલા હોતા જ નથી, અનાદિ સાથે હેત થયું તે તો છેડો હાથ આવ્યો. આજ તો અવતારી જે શ્રીજીમહારાજ ને તેમના મુક્ત તે કરોડો જીવોનાં આત્યંતિક કલ્યાણ કરે છે. આ મુક્ત શ્રીજીમહારાજના અવતાર છે, તે અનંત જીવોનાં કલ્યાણ સારુ મનુષ્ય રૂપે દેખાય છે. આ સત્સંગમાં શ્રીજીમહારાજના સંત છે તે ફૂલવાડી છે તેમાંથી સુગંધરૂપી ગુણ લેવા. મહારાજને સંભારે તો મુક્ત ભેળા આવી જાય ને અનાદિમુક્તને સંભારે તે મહારાજ ભેળા આવી જાય. આવા મુક્ત આ સત્સંગમાં છે તે જ તમને મળ્યા છે. મહારાજની મૂર્તિ વિના અન્ય પદાર્થમાં રુચિ એ જ મંદવાડ છે. સ્વામિનારાયણ આ સભામાં આ ઊભા ! જેને જોઈએ તે લો. જેના બેલી મહારાજ ને મુક્ત છે તેને કાંઈ બાકી રહેતું જ નથી. મોટાના સંકલ્પ તો કરોડો બ્રહ્માંડોને ધામમાં લઈ જાય એવા બળવાન છે. આજ સનાતન મહારાજ ને સનાતન મુક્ત મળ્યા છે તેમની બરાબર બીજું કોઈ છે જ નહિ, આજ તો મહારાજ તે મોટા કૃપાસાધ્ય છે. શ્રીજીમહારાજને મૂકીને બીજો સંકલ્પ કરવો નહીં. આજ અમૃતનું નોતરું આવ્યું છે તે શું ? તો સર્વે જીવોને મુક્ત કરીને મહારાજની મૂર્તિનું સુખ જેવું છે તેવું જ આપવું છે. અંતર્વૃત્તિ કરીને મહારાજની મૂર્તિમાં જોડાવું, સત્સંગની સર્વે ક્રિયામાં મહારાજને ધણી રાખવા, પણ પોતે ધણી થાવું નહીં. મહારાજને જે વખતે ભૂલી જવાય તે વખતે તે વાંઝિયો કહેવાય. મૂર્તિને સાથે ન રાખે તો તેને સુખ ન આવે. મોટા તો ધક્કો મારે તોય સર્વે આવરણ ટાળીને શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખમાં લઈ જાય. મહારાજની ને મોટાની સાથે રસબસ થઈ રહેવું, કલ્યાણમાં ફેર પડે તેના જોખમદાર અમે છીએ. શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો નાદ થાય છે, તે નાદ જેને મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય તે સાંભળે. શ્રીજીમહારાજ તો આ દ્વિભુજવાળા બેઠા. ક્યાં અનાદિમુક્ત ને ક્યાં મહારાજ ! તેમનું પ્રમાણ અવરભાવવાળા શું કરી શકે ! મૂર્તિ તો આ રહી. મૂર્તિનો વાંક નથી પણ મૂર્તિ લેનારાની ખોટ છે. મૂર્તિમાંથી તેજ ઝળક ઝળક કરે છે ત્યાં આ સભા બેઠી છે. રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય, આ તો શ્રીજીમહારાજની ચૂંદડી ઓઢી છે તે ધન્યભાગ્ય છે. લાખો-કરોડો જન્મનાં કર્મ તે પણ દર્શનમાત્રમાં નાશ કરી નાખે એવો મોટાનો પ્રતાપ છે. આપણે તો કારણ મૂર્તિનું જ કામ છે. મૂર્તિ વિના બીજું સર્વે વિષ જેવું છે. શ્રીજીમહારાજ જેવા ભગવાન ને આવા મુક્ત તે અનંતકોટિ બ્રહ્માંડમાં ક્યાંયે નથી. આ વર્તમાનકાળમાં લાખો-કરોડો જીવને મહારાજની મૂર્તિના સુખમાં લઈ જઈએ છીએ. અનંતકાળનાં સુકૃત ઉદય થયાં હોય ને છેલ્લી પ્રાપ્તિ થવાની હોય તેને આવા મોટા ઓળખાય છે. મહારાજની મૂર્તિમાં જ સુખ છે, બીજે બધે તો રોગી વાની ઊડે છે. શ્રીજીમહારાજ ને મુક્ત સાક્ષાત્ બિરાજે છે એવું જણાતું નથી ત્યાં સુધી મહિમા સમજાય નહીં. મહારાજનું સુખ તો બહુ જ જબરું છે, આજ તો શ્રીજીમહારાજે ચીંથરામાં રત્ન વીંટીને રાખી મૂક્યા છે. શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત પાસેથી જેટલું ચિંતવીએ તેટલું દિવ્ય સુખ મળે. આ સભા દિવ્ય છે એવું સમજાય તો શ્રીજીમહારાજ હડેડાટ તેડી જાય છે. તમારે તો જીતનો ડંકો વાગી ગયો છે. મહાપ્રભુજી અક્ષરધામનું જેટલું સુખ છે તેટલું બધુંય આપણા સારુ લાવ્યા છે. મૂર્તિથી ઓરું જે જે સુખ છે તે ગૂંદાના ઠળિયા જેવું છે. અંત વખતે મહારાજનું સુખ જેવું છે તેવું તમને બતાવી દેશું. મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે, ગરીબનિવાજ છે. સત્સંગમાં જે મુદ્દો છે તે આપણને મળ્યો છે, તે મુદ્દો શું ? તો મહારાજની મૂર્તિ. અમારો વેપાર તો જીવને કારણ મૂર્તિમાં પહોંચાડવા એ જ છે. મહારાજ વિના જો ખોટો ઘાટ થાશે તો જન્મ ધરવો પડશે. મહારાજ અને આ મુક્તનાં દર્શન-સ્પર્શાદિકનાં ફળનું માપ થાય નહિ; એ તો અપાર ને અવિનાશી છે. અનાદિમુક્ત અનાદિકાળથી મૂર્તિમાં સળંગ રહીને નવીન નવીન સુખ લે છે. એમને પણ મૂર્તિનો કે સુખનો પાર આવતો નથી. વચનામૃતમાં શ્રીજીમહારાજનો એકલો રસ ભર્યો છે. મહારાજ આજ મધ્યસ્થ બિરાજે છે ને ફરતાં મુક્ત બેઠા છે. આ સત્સંગમાં અવતારાદિકને, બ્રહ્મકોટિને તથા અક્ષરકોટિને પણ આવ્યા વિના છૂટકો નથી. શ્રીજીમહારાજ અને તેમના મુક્તને મુકરદમ રાખવા. શ્રીજીમહારાજ ને એમના મુક્તની સેવાથી, એમને જમાડવાથી મૂર્તિનું સુખ મળે છે. શ્રીજીમહારાજ અને મોટા મુક્તને સાથે રખવાળા રાખવા. એક મૂર્તિ ને મુક્ત તેમને બાઝવું. શ્રીજીના ભક્તની તો મોટા મોટા અક્ષરકોટિ પણ પ્રાર્થના કરે છે. આજ સંવત ૧૮૩૭થી મોક્ષનો માર્ગ શ્રીજીમહારાજે ચલાવ્યો છે માટે બીજે ભટકાવું નહીં. શ્રીજીમહારાજનો મહિમા તો અનાદિમુક્તોથી પણ પૂરો કહેવાય તેમ નથી, માટે મોટાનાં વચનમાં શાસ્ત્રની સાખ ન લેવી. સુખ તો મૂર્તિમાં જ છે પણ બીજે નથી. પુરુષોત્તમ ભગવાન ને મુક્ત તો જુદા પડતા જ નથી. મૂર્તિની સભાના કહેનારાનું ન માનીએ તો આપણે કઈ જગ્યામાં રહેવું ? મોક્ષનો દરવાજો બંધ કરવો નહિ, આથી પછી બીજા કિયા કહેનારા આવશે. આજ અભયદાન આપે છે તે સર્વે આવરણ ટાળીને મહારાજની મૂર્તિમાં બેસારી દે છે, આજ મહારાજ ને મુક્ત ખરેખરો સ્વાંત વરસાવે છે તેને જો અધરથી ઝીલે તો મૂર્તિના સુખે સુખિયા થવાય. આ સભાનો અક્ષરધામની સભા જેટલો મહિમા સમજાય તો દેહ મૂકીને છેટે જાવું નથી, માયાનો પડદો ટળે તો આ સભા દિવ્ય તેજોમય ઝળઝળાટ તેજમાં મૂર્તિ ને મુક્ત દેખાય. જીવ ઝીણો તે મહારાજ ને મુક્ત મોટા, તેનો પાર ક્યાંથી પમાય ! આ સભાને શ્રીજીમહારાજે મોકલી છે - મહારાજ પણ ભેળા બિરાજે છે ને સુખ આપે છે. જેમાં શ્રીજીમહારાજના જેવા ગુણ હોય તેને કલ્યાણની કૂંચી આપે છે ને તેને જ કલ્યાણની સોંપણી કરે છે. શ્રીજીમહારાજે પોતાના જે લાડીલા ને ખાનગી હજૂરી છે તેને કલ્યાણની કૂંચી સોંપી છે. આ જીવને લેવા શ્રીજીમહારાજ ને એમના મુક્ત આવ્યા છે. આજ ન્યાલકરણ પધાર્યા છે, જે લેવું હોય તે લો, ખોટ બધી આ સભાના જોગથી નીકળે છે ને જાત-કુજાત જોતાં નથી, સર્વેને ન્યાલ કરે છે. અનાદિ તો મૂર્તિમાં જ રહ્યા છે, એ તો બહુ સુખિયા છે. આ સભામાં દિવ્યભાવ આવે તો છતે દેહે ધામમાં બેઠા છીએ એવું થઈ જાય. શ્રીજીમહારાજ જેને પ્રત્યક્ષ મળ્યા તેને વૈભવ ઘણા મળ્યા છે, માટે અયોગ્ય ક્રિયા ન કરવી. શ્રીજીના આશ્રિત બીજે માથાં ભટકાવવા જાય તે બહુ જ અજ્ઞાન છે, આપણે તો શ્રીજીની સભામાં જ બેઠા છીએ પણ મરીને જાવું નથી. આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહિ કરે તો મહારાજના ને મોટાના ગુનેગાર થાશે. મૂર્તિની વાત કરીએ ત્યારે જાણે વજ્ર કમાડ દીધાં, પણ એ તો જરૂરાજરૂર કરવું જોશે. ધ્યાનનો આગ્રહ કરે તો છ મહિનામાં ઝળળળ તેજમાં મૂર્તિ દેખાય ને સાક્ષાત્કાર થઈ જાય. દેહ રાખવાનું જેટલું તાન છે તેટલું જો મૂર્તિનું જતન કરે તો મૂર્તિ સાક્ષાત્ દેખાય. આજ મહારાજ ને મોટા સભામાં બિરાજે છે તે આગ્રહ કરો તો સાક્ષાત્કાર કરાવી દે; એની આ સભા સાક્ષી છે. આ વખતે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય તેવું છે, આ ટાણે સાક્ષાત્કાર નહિ કરો તો પછી કોણ કરાવશે ? આવી વાત પછી કોણ કરશે ? માટે આ કરો, આ કરો, બીજું સર્વે પડ્યું મૂકો. મૂર્તિ રાખો તો બધુંય આવ્યું. આ લાભ આ ટાણે મળ્યો છે તે લેવો ને જરૂર મૂર્તિ સિદ્ધ કરવી. એક શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખ માનવું ને હેત કરવું. મૂર્તિમાં રહે તેને મારું નહિ, તારું નહિ, સાધુ નહિ, ગૃહસ્થ નહિ... એને કાંઈ જોઈએ જ નહીં. અનુભવજ્ઞાનમાંથી ખુશ્બો આવે છે તે મૂર્તિમાં લઈ જાય છે ત્યારે એ પુરુષોત્તમ જ રહે છે. આ સભાનો મહિમા તો અતિશય મોટો છે, જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્ય રૂપે અને પ્રતિમા રૂપે દર્શન આપે છે એમ સમજાય તો કામ નીકળી જાય. અક્ષરધામમાં મૂર્તિ છે તે જ પ્રતિમા છે પણ એક રોમનો ફેર નથી, જો ફેર જાણે તો દ્વેષ કર્યો કહેવાય. આજ ધણીયે મોટા મળ્યા અને પ્રાપ્તિ મોટી મળી માટે હવે તો કરવા મંડવું, જો ન કરે તો કૃતઘ્ની કહેવાય. મહારાજની ઉપાસના તો આ સત્સંગમાં છે, પણ બીજે ગોલોક, વૈકુંઠ, બ્રહ્મકોટિ કે અક્ષરકોટિમાં ક્યાંય નથી. બીજી સભાઓના મુક્તોથી તથા તેમના સ્વામીઓથી પણ આ સત્સંગમાં શ્રીજીમહારાજના મુક્ત વિશેષ છે. એક શ્રીજીમહારાજનો જ આધાર હારલની લકડીની પેઠે રાખવો. મૂળઅક્ષરકોટિને પણ આ મુક્તોનાં દર્શન નથી તે તમને મળ્યાં છે. જો મહારાજને અને અનાદિમુક્તને સાથે ને સાથે રાખે તો સત્સંગ દિવ્ય જણાય. તમને બધાંયને મૂર્તિમાં મૂક્યા છે. સુખમાત્ર બધું આ સભામાં છે પણ મફતનું અપૂર્ણપણું રાખે છે. આ મુક્ત તો શ્રીજીમહારાજના પડછંદા છે. શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજી ઇચ્છા રહે તે દુષ્ટ વાસના જાણવી. શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન છૂટે છે તે મૂર્તિમાં લઈ જાય છે. અમે તો ધણીનો ને ધણીના લાડીલા મુક્તનો મહિમા કૃપા કરીને કહીએ છીએ. શ્રીજીમહારાજને જેવા છે તેવા સમજો ને આજ્ઞા પાળો તો અમે સહાય કરીને મૂર્તિના સુખમાં મૂકી દઈશું. આ શબ્દ નીકળે છે તે સ્વામિનારાયણની મૂર્તિમાંથી નાદ નીકળે છે. આ મહિમા સમજાય તો કાંઈ બાકી રહે જ નહીં. સાધને કરીને કલ્યાણ લેવું તે દહાડી કર્યા જેવું છે ને આશરે આવીને દેહ, મન ને જીવ સોંપી દે તો કલ્યાણ થાય તેમાં કાંઈ વાર લાગે નહીં. આ વખત ને આ દાવ જો ભૂલ્યા તો પૂરું થાય એમ નથી, માટે ચાલોચાલ સત્સંગ ન કરવો. જેમ ચમક લોહને ખેંચે છે તેમ અનાદિમુક્ત મૂર્તિમાં ખેંચી લે છે. મહારાજ મોંઘા બહુ છે તે તપે કરીને, સેવાએ કરીને, ભક્તિએ કરીને કે કોટિ સાધને કરીને પણ મળે તેમ નથી, પણ આજ સોંઘા થયા છે. મુક્તનું ને મહારાજનું સુખ, મહિમા ને સામર્થી તેનો કોઈ પાર પામે તેમ નથી. જેવા છીએ એવા ઓળખો તો દરિયામાં દોટ દેવાનું કહીએ તોપણ દો. સ્વામિનારાયણને જેવા જાણશું તેવા કરશે. આવા મહારાજ ને આવા મુક્ત તે ક્યાંય નથી, અહીં જ છે માટે તેનો કેફ રાખવો. શ્રીજીમહારાજ ને મોટા તો જેવા ધામમાં છે તેવા ને તેવા જ દિવ્ય છે. મૂર્તિના ઘરાક થાવું, જે એના ઘરાક નથી થાતા તે તો મૂર્તિ વિના વાંઝિયા પડ્યા છે. સત્સંગમાં આજ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. આજ મોટા મુક્ત મૂર્તિમાં રમ્યા કરે છે. આ તો દિવ્ય સભા છે, શ્રીજીમહારાજ અને તેમના અનાદિમુક્તનો જોગ એકસરખો જ છે. શ્રીજીમહારાજ રોઝે ઘોડે સત્સંગમાં ફરે છે, મુક્તો ભેળા ફરે છે અને સત્સંગની રમત જુએ છે. આજ સત્સંગમાં ભગવાન બિરાજે છે પણ પાપી અને અધર્મી છે તેના મતે નથી. આ સભા તો અક્ષરધામનો દરવાજો છે. મહારાજને સંભારશો તો સદ્ગુરુ થાશો અને મહારાજને મૂકશો તો કોઈ ભાવ નહિ પૂછે. આ સત્સંગમાં શ્રીજીમહારાજ ઘોડે ચડીને ફરે છે, આજ્ઞા લોપે તેને ચાબુક મારે છે. આ સભા દિવ્ય તેજોમય અક્ષરધામની સમજવી. આજ શ્રીજીમહારાજ સત્સંગમાં પ્રત્યક્ષ વિચરે છે તેમને પાપી, અસુર તે ન જાણે. શ્રીજીમહારાજની મૂર્તિનો સુખભોક્તા થયો તેને ઝળળ ઝળળ મૂર્તિનું તેજ છૂટે; પૂરું ન થવાય કે હવે જમી રહ્યા. શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજ ઝળેળાટ નીકળે છે તેનો ઘોષ થાય છે. તેને પ્રણવનાદ કહેવાય. અક્ષરથી પર આનંદઘન જે પોતાનું તેજ તેમાં શ્રીજીમહારાજ મુક્તે સહિત રહે છે, ત્યાં તેજના ફુવારા છૂટે છે તેમાંથી ખુશ્બો આવે છે. મહારાજે ધર્મધુર માર્ગ બાંધ્યો છે. આ સભા અક્ષરધામની જાણે તો સુખના સમુદ્રમાં ઝીલે. મૂર્તિમાં રસબસ થઈ જાય તો ત્રિવિધ તાપ ન નડે. આવા સ્વામિનારાયણ ભગવાન અને સંત અનંતકોટિ બ્રહ્માંડમાં ન મળે તે આજ મળ્યા છે. મહારાજે તો સુખ ઘણું આપ્યું છે પણ જીવથી ભોગવાય નહીં. અમે તો અનંત જીવનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ; શીતળ શાંત જે અક્ષરધામ તેમાં મહારાજ બેઠા છે તે આપણે નજરે દેખીએ છીએ. મહારાજની મૂર્તિથી જુદાં પડવું નહીં. અમે તો જીવને શ્રીજીમહારાજ પાસે લઈ જવા આવ્યા છીએ માટે અમારો દાખડો સુફળ કરજો.
આજ તો કૃપાસાધ્ય ભગવાન છે તે કૃપા અપાર કરે છે. અમે અક્ષરધામમાંથી તમને સર્વેને ખણવા આવ્યા છીએ. આપણે તો એ કારણ મૂર્તિનું જ કામ છે. મૂર્તિમાંથી ઝળળળ ઝળળળ તેજ છૂટે છે તે તેજમાં મૂર્તિ રહી છે. મહારાજ તો કેવળ કૃપાસાધ્ય છે તે કૃપા કરીને આજ જીવના ઉદ્ધાર કરે છે. આ સભા મૂર્તિ પધરાવે છે. શ્રીજીમહારાજે પોતાની મૂર્તિ વિના બીજું કોઈ પ્રધાન રહે તેવું રાખ્યું નથી. બીજા અવતારમાં સ્વામિનારાયણ ભગવાન જેવો ભાવ બેસે તો પતિવ્રતાપણું જાય. આજ સાક્ષાત્ શ્રીજીમહારાજ મધ્યસ્થ બિરાજે છે અને મુક્ત ફરતા બેઠા છે, માટે સદાય પ્રત્યક્ષ છે. અમારે તો સર્વેને મહારાજની મૂર્તિમાં રાખવા છે, અક્ષરધામમાં બે ભુજાવાળા ભગવાન બિરાજે છે, આપણા પતિ બે ભુજાવાળા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને ઓળખવા. આપણને તો મહારાજે ન્યાલ કર્યા છે, એ કારણ મૂર્તિના આધારે સૌ સુખિયા છે. સર્વે સાધનનું ફળ શ્રીજીમહારાજની મૂર્તિ છે. મહારાજની મૂર્તિમાં સુખ, સુખ ને સુખ જ છે. મૂર્તિમાંથી તેજની શેડો છૂટે છે. શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિમાંથી અનંત અપાર સુખ ઉત્પન્ન થઈ મહા અનાદિમુક્ત દ્વારે સત્સંગમાં ફેલાય છે. મોટાની સેવા અને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે. અનંત પ્રકારનાં સુખમાત્ર શ્રીજીની મૂર્તિમાં રહ્યાં છે. મહારાજની મૂર્તિમાંથી તેજ ફરર ફરર છૂટે છે. આપણે તો એક ચિંતામણિરૂપ મહારાજની મૂર્તિ રાખવી ને અનાદિમુક્તનો જોગ રાખવો. વસમી વેળાએ વ્હાર કરનાર આ મુક્ત છે. મહારાજનો કે મોટાનો જોગ થયો એટલે સંપૂર્ણ માનવું; આપણને મહારાજ ને મોટા મળ્યા; હવે કોઈ વાતનો વાંધો રહે તેમ નથી. મહારાજના મહિમાનું બીજ સર્વે વાતમાં લાવવું. મહારાજના પ્રસંગ વિનાની લૂખી વાત ક્યારેય પણ કરવી નહીં. મહારાજ અને અનાદિમુક્તને જુદાપણું નથી. આ લોકમાંથી લૂખા થઈને મહારાજની મૂર્તિમાં જોડાઈ જાય તો અવયવ ફર્યા કહેવાય. આ સભા અક્ષરધામની છે, આપણે અક્ષરધામની મધ્યે જ બેઠા છીએ. આ જીવને ઉગારવા સંત ભાતાં બાંધી બાંધીને ફરે છે તેથી એમના થઈ રહેવું. કલ્યાણ સ્વામિનારાયણને ઘેર છે, બીજે ક્યાંય નથી. શ્રીજીમહારાજ સૌને અભયદાન આપે છે તેથી સત્સંગમાં સર્વે સુખિયા છે. આપણે સાચી વસ્તુ જે મહારાજની મૂર્તિ તે રાખવી. સાધુ તો અક્ષરધામનો દરવાજો છે, તે દ્વારા મહારાજ સુખ આપે છે. આપણે કારણ મૂર્તિ રાખવી. શ્રીજીમહારાજને જેવા છે તેવા જાણવા એ તો બહુ ભારે વાત છે. મહારાજની મૂર્તિમાંથી નવીન નવીન ખુશ્બો છૂટે છે, અનાદિ તો રસબસ થકા રોમ રોમનાં સુખ લે છે. મહાપ્રભુ ન્યાલકરણ પધાર્યા છે. મહારાજની મૂર્તિ આવી તો સર્વે વસ્તુ હાથ આવી. આપણે તો એક સ્વામિનારાયણ રાખવા. ધણી સત્સંગમાં અખંડ બિરાજે છે. મૂર્તિ વિના અમે બીજું જોતા નથી. આજ મોટા સોંઘા થઈને દર્શન દેવા આવ્યા છે. શ્રીજીમહારાજ ને આવા મોટા સંત હરકોઈ બ્રહ્માંડમાંથી ખોળી લાવે તો ઇનામ દઈએ, પણ મળે જ નહિ, તે તો સત્સંગમાં છે. આજ શ્રીજીમહારાજ સત્સંગમાં બિરાજે છે. આવા મહારાજ ને તેમના અનાદિ આ સભામાં દર્શન દે તે કાંઈ થોડીઘણી વાત નથી. આ ટાણે તો અમૃત લૂંટાય છે, આવા જોગમાં કોણ રહી જાય ? આવી દિવ્ય સભાનાં સુખ કોણ મૂકી દે ? મૂર્તિમાંથી તેજના ફુવારા છૂટે છે. શ્રીજીમહારાજ તથા મોટાને લઈને આપણી મોટપ છે. મહારાજે અનંત મનવારો ભરવાનું ધાર્યું છે, એમના મુક્તનું પણ એ જ કામ છે, આ સમે મહારાજે કલ્યાણનું બહુ સુગમ કર્યું છે. શ્રીજીમહારાજનો પ્રતાપ તો બહુ જબરો, ગામોગામ મોક્ષના દરવાજા ઉઘાડા મેલ્યા છે. મહારાજનો સાક્ષાત્કાર થયો તેને બધુંય દિવ્ય થઈ ગયું. મહારાજનો સંકલ્પ છે કે અમારી નજરે ચડ્યો તેને મૂકવો નથી, એમના અનાદિને પણ એ એક જ કામ છે. ભગવાનના ભક્તને તો એક ભગવાન ખપે, એનો આનંદ ને એની ખુમારી જોઈએ. એક પુરુષોત્તમ ભગવાન ને તેમના અનાદિ રાખીએ તો બીજું કાંઈ ભાસે જ નહિ, આનંદ આનંદ થઈ જાય. મૂર્તિથી નોખું પડાય તો સત્સંગમાં તેની જય થાય નહીં. અનાદિમુક્ત તો મૂર્તિમાં રહ્યા થકા ખંપાળી નાખીને જીવને ઢસરડી લે છે. આપણે તો એક છોગલાવાળા સ્વામિનારાયણને રાખવા, જો એ આપણી ભેળા હોય તો હય્યો. અમારે ઘેર એ જ વેપાર છે, બીજો વેપાર કોઈ કરશો નહિ, જેવી અક્ષરધામમાં સભા છે તેવી આ સભા છે કેમ જે આ સભામાં મોટા અનાદિ બેઠા છે, સત્સંગમાં હજારો-લાખો મુક્ત બધાય સહાયમાં છે, મહારાજ સત્સંગની વહારે ચડ્યા છે. આ તો અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાંથી ખુશ્બો ઊઠે છે તે ખુશ્બો મુક્તને ખેંચે છે અને મૂર્તિ સાથે રસબસ કરે છે તે અનુભવજ્ઞાન. સ્વામિનારાયણને ઘેર બધી વસ્તુ છે. મહારાજે આ સભાને અક્ષરધામનો દરવાજો કહ્યો છે. અનાદિ વસ્તુ ઓળખવી બહુ કઠણ છે. આ સભા અક્ષરધામની છે તેને ચૂંથી ન નાખવી. મહારાજ અને તેમના અનાદિ તો આ રહ્યા, પ્રત્યક્ષ છે. તેજોમય ફુવારા ઝળળ ઝળળ છૂટે છે. આપણે તો મહારાજને, મહારાજના મુક્તને વળગી રહેવું. અમારો સિદ્ધાંત તો એવો છે કે, મૂર્તિ અને મુક્ત વિના બીજી કોઈ વાત જ નથી. મૂર્તિ છે તે ચિંતામણિ છે, કલ્પતરુ છે, મહામોંઘી વસ્તુ છે તેને મોટા મુક્ત પારખે છે, જેવા તેવાનું આમાં કામ નથી. મહારાજ તથા મોટા મુક્ત અધમ જેવા જીવને વિષે પણ સારો સંકલ્પ કરે છે, ખરો ઝવેરી હોય તે આવા હીરાનું પારખું કરે. મહારાજનો ખરો મહિમા તો અનાદિમુક્ત જ જાણે, ભગવાન પાસે સુખના ઢગલે ઢગલા છે તેથી માગીએ તો મૂર્ખ કહેવાઈએ. મહારાજ અને મોટા અનાદિને ક્યારેય પણ છેટા ન જાણવા ને પોતાને પણ છેટે ન રહેવું. એક મહારાજની મૂર્તિ વિના બીજું જોવાનો ઠરાવ રાખવો નહિ, તેજના સમૂહ દેખાય તો તેમાં શ્રીજીમહારાજની મૂર્તિ જોવી ને તેમાં વળગી જાવું પણ તેજમાં સુખ માનીને મૂર્તિ વિના એને જોવું નહીં. આજ તો સ્વામિનારાયણ ભગવાન ને તેમના મુક્ત અઢળક ઢળ્યા છે. આવી દિવ્ય સભામાં મોક્ષનું દાન માગવું. મહારાજની મૂર્તિમાંથી અલૌકિક સુખ આવે છે. મહારાજ અને અનાદિમુક્ત અરસપરસ છે. સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વે શ્રીજીમહારાજ તથા મોટા અનાદિને લઈને છે, મોટા મુક્તને જોગે કરોડો સુખિયા થઈ ગયા. આપણે તો અક્ષરધામના પતિ પુરુષોત્તમનારાયણના રાજ્યમાં છીએ. આપણે પુરુષોત્તમનારાયણ જેવા પતિ એટલે અવિનાશી વર મળ્યા એમ જાણી, આનંદના સમુદ્રમાં ઝીલવું. મોટા મુક્ત મહારાજ વિના એક ક્ષણમાત્ર પણ જુદા રહેતા નથી. મોટા તો પુરુષોત્તમ ભગવાનના લાડીલા મુક્ત છે. અમારે તો કોઈને મૂકવા નથી. ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડવા છે. મહારાજ અને મોટાને આશરે સુખિયા રહેવું. તેજના સમૂહને વિષે શ્રીજીમહારાજ છે. ચારે બાજુ મુક્તની સભાથી બધું બ્રહ્માંડ ઠસાઠસ ભરાઈ ગયું છે, તેજનાં કૂંડાળાં પડે છે. મહારાજની મૂર્તિ છે ત્યાં સર્વે મુક્ત બેઠા છે. આ તો દિવ્ય સભા છે, તેને મૂકીને એકલા ન રહેવું. મહારાજ અને મોટા અનાદિ મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. આપણે તો મહારાજ અને મોટાના ખોળામાં મસ્તક મૂકી દેવું. અનાદિના સંકલ્પે મૂર્તિ મળે છે. મહારાજ તો ચક્રવર્તી રાજાને ઠેકાણે છે. ખરી મોટપ એક મહારાજની મૂર્તિમાં છે. એક પારસથી પારસ બને, એવાં મહારાજ છે. આ તો સુખનો સમુદ્ર છે. અમે તો એવો જ આશીર્વાદ દઈએ છીએ કે બધોય સત્સંગ સાજો આબાદ ભગવાન પાસે જાય અને બધાય અનાદિની પંક્તિમાં ભળી જાય. સ્વામિનારાયણને ત્યાં મડદું નહિ શોભે. મોટા અનાદિને તો અવતારાદિક પણ વંદે છે. જેટલા ભગવાનના અવયવ, એટલા અનાદિ મુક્તના અવયવ. તેજોમય મૂર્તિ ઝળક ઝળક ઝળકે છે તેમાં મુક્ત સર્વે રહ્યા છે. આ સમે મહારાજ કહે અમારે પાત્ર-કુપાત્ર જોવા નથી, અમે તો અનંત જીવને અભયદાન આપવા આવ્યા છીએ. આપણને તો કારણ મૂર્તિ શ્રીજીમહારાજ મળ્યા છે, આ સભા સ્વામિનારાયણ ભગવાનની છે. આ સભામાં બહુ મોટું કામ થાય છે, અનાદિની તો વાત જ શી કહેવી ? તેમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ, આ સભામાં મહારાજ અખંડ બિરાજે છે, તે ભગવાન જેવા બીજા કોઈ અનંત બ્રહ્માંડમાં નથી. આ તો ન્યાલકરણ પધાર્યા છે. મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે, આપણું પૂરું કરવું તે મહારાજ અને મોટા મુક્તના હાથમાં છે. આ તો ખરો મુદ્દો હાથ આવ્યો છે, તે જો મૂકી દઈએ તો રખડી પડીએ. શ્રીજીમહારાજ પોતાનો દિવ્ય સાજ લઈ પધાર્યા છે. મહારાજની સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિનું સુખ આપણને મળ્યું છે. આ બધા હરિભક્તો જમે છે તે બધું અક્ષરધામનું દિવ્ય સુખ છે, કોણ પીરસે છે ને કોણ સુખ આપે છે એ જોવું. આ તો મુક્ત-દિવ્ય મહારાજ સર્વે સાથે મળ્યું છે. શ્રીજીમહારાજે આ સમે આત્યંતિક મોક્ષ કરવા અક્ષરધામનાં બારણાં ઉઘાડાં મેલ્યાં છે. અનાદિમુક્તનો મહિમા અતિશે જાણવો, કેમ જે એમનું પ્રગટપણું અનંત જીવોનાં કલ્યાણને અર્થે છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ - એવા આ મોંઘા મુક્ત છે, તે શ્રીજીમહારાજે સોંઘા કર્યા છે. આ તો મહારાજના પડછંદા છે. મુક્ત તો હજૂરમાં રહેનારા છે, મહારસનાં પાન કરનારા છે. મહારાજની દયાનું માપ થાય તેવું નથી. અમૃતના સિંધુ ઊલટ્યા છે, કોઈ આવો ! કોઈ આવો ! આ ટાણે મહારાજે મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે. આ વખતે મહારાજે ખંપાળી નાખી છે તેથી નજરે પડ્યો તેનું કામ થઈ જાય છે. મહારાજે તો એમ કહ્યું છે જે, અક્ષરધામમાં મૂર્તિ ને આ મૂર્તિમાં એક રોમનો ફેર નથી. સ્વામિનારાયણમાં ત્યાગ-ભાગ નથી. આ તો અચળ, સનાતન ને અનાદિ છે ને સર્વેના ઉપરી છે. આપણે કારણનું સુખ, કારણની સભા, કારણનું તેજ ને કારણની સામર્થી તેનું કામ છે. મહારાજ વિના બીજું સંભારવું તે તો ખોટી થવા જેવું છે, માટે આપણે તો એક મૂર્તિ જ રાખવી. મહારાજ તો ઝળઝળાટ તેજમાં દર્શન દે છે. દિવ્યદૃષ્ટિ થાય એટલે આ રહ્યા. અપરિમ્ અપરિમ્ સુખનું સ્થાન એ મહાપ્રભુ છે. મહારાજ ને મુક્ત વિના આપણો ક્યાંય ભાગ નથી અને એ બે વિના બીજું ઠરવાનું ઠામ ક્યાંય નથી. મહારાજ કહે છે કે, અમારે અનંત જીવના ઉદ્ધાર કરવા છે તેથી મોક્ષનાં સદાવ્રત બાંધ્યાં છે. કારણ મૂર્તિનું એ જ કામ છે, શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર કરવાનું આ ટાણું છે. મહાપ્રભુ દયાએ કરીને પધાર્યા છે, સુખનો સમુદ્ર તો એક શ્રીજીમહારાજ જ છે. મહારાજ તથા તેમના અનાદિમુક્ત સદાય સાથે જ છે, એ જેમ છે તેમ દેખાય તો દીવાના-મસ્તાના થઈ જવાય. શ્રીજીમહારાજ અને મોટા અનાદિ વર્તમાનકાળે સાવ સોંઘા છે. આ બધી સ્વામિનારાયણની ફૂલવાડી છે. આ સંત-હરિભક્તરૂપ દિવ્ય વિમાન અક્ષરધામ સુધી ઊડે છે, તે ઠેઠ મહારાજની મૂર્તિમાં ઠરીને બેસે છે. આપણે જોયા જેવું તો એક મહારાજનું રૂપ છે. મહારાજની મૂર્તિ વિના બીજે રોગી વાની ઊડે છે. ભગવાન તો એક પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જ છે, તે સિવાય બીજા કોઈ ભગવાન નથી. મહારાજ ને મહારાજના અનાદિમુક્ત તે તો એક સંકલ્પે અક્ષરધામમાં પહોંચાડી દે છે એવા સમર્થ છે. આવા અનાદિમુક્ત મૂર્તિમાં કિલ્લોલ કરનારા તેમનાં પગરખાંમાં પણ આ જીવને બેસવા ન મળે, તે આપણને દયા કરીને કહે આવો, અહીં બેસો. આમ સર્વે અક્ષરધામના દરવાજા ઉઘાડા મૂક્યા છે, આજ ખરેખરી શરદઋતુ છે. આ વાતો ક્યાંથી આવે છે ? તો મહારાજની મૂર્તિમાંથી આવે છે. મોટા વાતો કરે તે ચકોર પક્ષીની પેઠે સાંભળવી. પુરુષોત્તમના અનાદિ ને લાડીલા કહેનારા ક્યાંથી મળે ? તે આ ટાણે છે. આપણે એક શ્રીજીમહારાજ સારુ ભેગા થયા છીએ. અમારે તો કોઈને બીજે જવા દેવા નથી, ઠેઠ અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં મૂકી દેવા છે. કેટલાયને મૂકી દીધા છે. સમર્થ ધણીએ હાથ ઝાલ્યો છે તે મૂકે એવા નથી, આ અભયદાન છે, એ છેલ્લો લેખ છે. આ તો કૃપાસાધ્ય પુરુષ મળી ગયા છે. સુખમાં સુખ તો શ્રીજીમહારાજની મૂર્તિ છે, તે કારણ મૂર્તિને બાઝવું. પુરુષોત્તમનારાયણની મૂર્તિમાંથી ખુશ્બો છૂટે છે. મૂર્તિથી બહાર નીકળે તે સુખિયા ન થાય. મૂર્તિ વિનાનું બીજું જ્ઞાન તે પ્રકૃતિનું છે. મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટે છે. સૌને માથે ઠેક દઈને પુરુષોત્તમનારાયણ પાસે પહોંચવું, સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં અખંડ બિરાજે છે, તેમની બીક ન લાગે એ કેવડું બધું અજ્ઞાન ! મહારાજની આજ્ઞા લોપાય તો અપમૃત્યુ થયું જાણવું. સુખમાત્ર શ્રીજીમહારાજની મૂર્તિ અને મોટા અનાદિમુક્તને આશરે રહ્યું છે. મહારાજના અનાદિમુક્ત તો કરોડોને મૂર્તિનું સુખ આપે એવા સમર્થ છે. મહારાજે તથા અનાદિમુક્તે હાથ ઝાલ્યો તે કોઈ દિવસ મૂકે નહીં. મહારાજ અને મોટા મુક્ત મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. છેલ્લી વખતે આવું ને આવું રહે એટલે બસ છે. આ સમયે મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે, લાખો-કરોડો જન્મે આવું થાય તેમ નથી. આપણે કૂદી કૂદીને દેહ પાડી નાખીએ એટલો આનંદ થાય, પણ સમજાતું નથી. શ્રીજીમહારાજનો ચમત્કાર બહુ મોટો છે. અક્ષરધામમાં મૂર્તિ ને સભા તેનું યથાર્થ જ્ઞાન થાય તેને અણુ જેટલું છેટું નથી. આ ટાણે ખરો મુદ્દો હાથ આવ્યો છે, આવા મુક્ત કોઈ બ્રહ્માંડમાં નથી. શ્રીજીમહારાજ ભેળા અનંતકોટિ મુક્ત છે. મહારાજ ને સભા બંને અનાદિ છે. મહારાજના મહિમાનો કોઈ પાર પામતા નથી. આ તો અનંત રાજાઓના રાજા માંહી બેઠા છે, તે ભગવાનને મૂકીને બીજે મન લોભાવા દેવું નહીં. અક્ષરધામમાં મહારાજ ને મુક્ત બે જ છે. શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ અપરંપાર છે. તેનો અનાદિ મહામુક્ત પણ પાર પામતા નથી. શ્રીજીમહારાજનો અવતાર કેવળ કૃપાસાધ્ય છે, તેમના અનાદિમુક્ત મળ્યા તે પણ કૃપાસાધ્ય છે. મહારાજને સર્વોપરી સમજવા. બીજા કોઈના હાથમાં હુકમ નથી. અમને તો એક સાચી જણસ સ્વામિનારાયણની મૂર્તિ લાગે છે. મૂર્તિમાં અપાર અલૌકિક અનહદ સુખ છે. શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અપરંપાર તેજ છૂટે છે, તેજની છટાઓ છૂટે છે, તેજના અનંત બંબ છૂટે છે, મૂર્તિની ચારે તરફ તથા સર્વ ઠેકાણે તેજની ઠઠ છે, સામસામી તેજની શેડ્યું દોઢે વળે છે, અનંત તેજના ઢગલા છે તે અપાર છે, એવી અલૌકિક મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રસબસ રહ્યા થકા પુરુષોત્તમના સંકલ્પે અહીં દેખાય છે. પુરુષોત્તમનારાયણ તો અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. મૂર્તિ રાખ્યા વિના સાજો જન્મારો એમ ને એમ નીકળી જાય પણ કામ ન થાય. મહારાજની મૂર્તિ વિના ઘડી પણ રહેવું નહીં. મહારાજનો પ્રતાપ બહુ જબરો છે, એ પ્રતાપે શું ન થાય ? આજ મહારાજ ને મોટા સૌને સુખિયા કરે છે, આવું સુખ સ્વામિનારાયણ ભગવાનના ઘર વિના બીજે ક્યાંય નથી. આપણે તો એ અખંડ અવિનાશી વરને મુખ્ય રાખવા. મૂર્તિમાં સુખ, સુખ ને સુખ જ છે; તે સુખનો જે પારખું થયો હોય તેને ખબર પડે. આજ મહાપ્રભુનું સુખ બહુ જ સોંઘું છે. મહારાજની મૂર્તિનું અનુભવજ્ઞાન તેના ફુવારા છૂટે છે. મૂર્તિનું બીજ સર્વે વાતમાં વારે વારે લાવવું. મૂર્તિથી બહાર નીકળે તો માર ખાય છે, અનાદિમુક્તની કૃપાસાધ્યમાં પડ્યા રહે તો એ મૂર્તિના સુખમાં લઈ જાય. આ સભાની રજ લઈને કોઈ માથે ચડાવે તો અનંત જન્મનાં પાપ બળી જાય. મહારાજની મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે. મહારાજ ને મુક્ત તે આપણા આધાર છે. ઝળળ ઝળળ સુખના ધોધ છૂટે છે, અનાદિમુક્ત મૂર્તિનું સુખ લઈ સત્સંગમાં પ્રવર્તાવે છે અને સુખનો વરસાદ વરસાવે છે. આપણે તો મૂર્તિના સુખનાં પારણાં કરવાં, મૂર્તિના સુખનો જ આહાર કરવો. સર્વ સુખના ધામ શ્રીજીમહારાજ છે. મૂર્તિમાંથી તરેહ તરેહનાં નવાં નવાં સુખ આવે છે. આપણે સાજો સત્સંગ દિવ્ય જાણવો. આ સભા અક્ષરધામની છે અને અનાદિમુક્ત છે તે તો મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરે છે, અમૃતમાં નહાય છે ને અમૃતના યજ્ઞ કરે છે - તે સુખ આપણે પામવું છે. મહારાજ અને આવી દિવ્ય સભાથી બહાર નીકળવું નહીં. શ્રીજીમહારાજ અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, સર્વના કારણ છે, સર્વના કર્તા-હર્તા, સર્વના નિયંતા, સર્વોપરી અકળ મૂર્તિ છે. બીજા કોઈ ગમે તેવા જાણતા હશે પણ અમને તો એક સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવડે છે, એ મૂર્તિ વિનાનો અમારે બીજો એકે ઠરાવ નથી. સૌને મૂર્તિમાં રાખવા છે, જોજો તો ખરા, આમ ને આમ સાજી સભા અક્ષરધામમાં જઈને બેસશું. મહારાજ ને આ સભા એ બે જ કલ્યાણકારી છે. આ તો મહાપ્રભુ અઢળક ઢળ્યા છે, કેવડા મહારાજ ને કેવડા અનાદિમુક્ત ! આ તો ભારે વાત બની ગઈ છે, આવા મહારાજ અને અનાદિમુક્ત મળ્યા, એવા જોગમાં હારી જવું નહીં. અમે તો સદાય મહારાજની મૂર્તિમાં જ રસબસ છીએ તેના સ્વામિનારાયણ સાક્ષી છે. આ સભા સનાતન છે. આપણા ઉપર મહારાજની અમૃત નજર છે. દોયલી વેળાના દામ ને ખરી વેળાનો ખજાનો એક શ્રીજીમહારાજ છે. આ સમે મહારાજે કોઈ વાતે સુખ આપવામાં મણા રાખી નથી. અમે તો મહારાજની મૂર્તિ આપીએ છીએ. મહારાજે આ લોકમાં દર્શન આપી અક્ષરધામ તુલ્ય સુખ વર્તાવી દીધું છે. શ્રીજીમહારાજ ન્યાલકરણ છે તેથી જીવના વાંક-ગુના સામું જોતા નથી એવા દયાળુ છે. આવી વાત જો ખરેખરી મનાય તો ટુક ટુક થઈ જવાય. શ્રીજીમહારાજે આપણો હાથ ઝાલ્યો છે તે મૂકે તેવા તો નથી, પણ આપણે અહમ્-મમત્વ કરીને મૂર્તિથી જરાય જુદું ન પડવું. મહારાજની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે, અનંત બ્રહ્માંડમાં જે જે તેજોમય છે તે મહારાજના તેજ વડે છે. આપણને તો મૂર્તિની પ્રાપ્તિનો લાભ જબરો મળ્યો છે, પણ જો સમજણ ન હોય તો અફસોસ મટે નહીં. આપણે હવે મહારાજ તથા મોટા અનાદિને ખરેખરા જીવનરૂપ કરી રાખવા. આપણે તો બહુ ભારે ટાણું આવી ગયું છે. સર્વે સારનું સાર શ્રીજીમહારાજની મૂર્તિ છે. અમે તો અવતારી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના અવતાર જે અનાદિમુક્ત તે છીએ. અમારો ઠરાવ તો એક મૂર્તિ આપવાનો જ છે. આ સમે શ્રીજીમહારાજે કલ્યાણ બહુ સોંઘું કર્યું છે, પણ અભાગિયા જીવ ઓળખે નહિ એટલે કલ્યાણ થાય નહીં. જો ઓળખે તો મહારાજ અથવા મહારાજના મુક્ત એક ઘડીમાં મોક્ષ કરી દે એવા છે. અમારી દૃષ્ટિ તો એવી છે જે નજરે ચડે એટલામાં કલ્યાણ કરીને મૂર્તિમાં મૂકી દઈએ. મૂર્તિમાં અનંત મુક્ત કિલ્લોલ કરે છે, ફરતી સભા બેઠી છે. સર્વે તેજોમય છે, સભામાં મૂર્તિના સુખનાં ઘન વરસે છે. આ સભા દિવ્ય તેજોમય છે, આ દિવ્ય સભામાંથી તેજ ફરર ફરર નીકળે છે. અનંતકોટિ બ્રહ્માંડમાં આવા સંત ને આવી દિવ્ય સભા હોય તો શોધી લાવો. આ સભાના સંકલ્પ ચાલે છે. આ ટાણે કંઈક ન્યાલ થાય છે. ક્યાં અનંતકોટિ બ્રહ્માંડના પતિ ને ક્યાં પામર જેવા જીવ ! આવો અલૌકિકભાવ આવે તો દીવાના થઈ જવાય. મૂર્તિને ભૂલીને કાર્યમાં હણોહણ કરે તો શું કમાણા ? અનાદિ થકી અનાદિની સ્થિતિ થાય પણ તે વિના શું થાય ? મહારાજ પોતાની મૂર્તિમાં કેવળ કૃપાએ કરીને રાખે છે. મહાપ્રભુના અનન્ય આશ્રિતને મૂર્તિના બળની ખુમારી રાખવી. અમને તો એમ છે જે કોઈ હાથ જોડે એટલામાં ન્યાલ કરી મૂકીએ એટલે મૂર્તિના સુખમાં પહોંચાડી દઈએ. જેનાં મોટાં ભાગ્ય હોય તેને શ્રીજીમહારાજનું ને આ સભાનું દર્શન થાય છે. આજ તો રોકડું કલ્યાણ છે, ઉધારાની વાત નથી. આપણે તો મૂર્તિ મુખ્ય રાખવી તો સુખિયું થવાય, એ વિના કોટિ સાધને આત્યંતિક મોક્ષરૂપ કામ થાય તેવું નથી. મહારાજ તથા મોટા મુક્તનું જ્ઞાન થાય તેને તો અખંડ સ્મૃતિ રહે, મૂર્તિ ભુલાય નહીં. આ તો સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. આપણે ઘરે ભારે સુખ છે. જેને મૂર્તિનું સુખ આવે તથા મોટા મુક્તનો મહિમા સમજાય તેને આનંદ આનંદ થઈ જાય. આવા સર્વોપરી મહારાજ મળ્યા, આવા અનાદિમુક્ત મળ્યા, આવા સંત મળ્યા તોય ઓળખાય નહિ તેવાને શું લાભ ? આપણે તો મૂર્તિના સુખરૂપ મહારસનું પાન કરવું, એ અમૃતરસ મેલીને પ્રકૃતિના કાર્યમાં કુટાવું નહીં. અમે તો સૌને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે, આ સભા દિવ્ય છે તેમાં કોઈ મનુષ્યભાવ પરઠશો નહીં. આ તો બહુ અલૌકિક પ્રાપ્તિ છે, અમારે તો સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા છે. જેવડા શ્રીજીમહારાજને જાણી શકો તેવડા જાણો તોય મહારાજ તો સર્વેને અપાર ને અપાર રહે છે. મહિમા તો ઘણો સમજવાનો છે, પણ જો જેમ છે તેમ કહીએ તો ખમાય નહીં. મૂર્તિમાંથી સુખની ધારાઓ છૂટે છે. આ સભા પુરુષોત્તમ ભગવાનની છે, તેથી સર્વત્ર છે. મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહેવું ને સદાય એમ જ વર્તવું.
આવી રીતે બાપાશ્રી વાતોમાં પ્રસંગે પ્રસંગે શ્રીજીમહારાજની મૂર્તિનો અલૌકિક પ્રતાપ તથા અનાદિમુક્તની સ્થિતિનું તથા સુખનું વર્ણન કરતા. આવી દિવ્ય ચમત્કારી મૂર્તિના તદાકારભાવને પમાડે તેવી વાતોથી સત્સંગમાં ઘણા સંત-હરિભક્તો શ્રીજીમહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા છે ને થાય છે. ।। ૧૫૨ ।।
વાર્તા ૧૫૩
અષાડ સુદ ૩ને રોજ બાપાશ્રી સવારે નાહી, પૂજા કરી ઓસરીમાં આસને સૂતા હતા. સમય થયે હરિભક્તોએ કથા કરી પણ પોતે કાંઈ બોલ્યા જ નહીં . સૌને એમ જે આજે બાપાશ્રીને શરદી જેવું છે. પછી જ્યારે ઘેર ઠાકોરજીને જમાડવા ગયા, ત્યારે પણ મને આજ રુચિ નથી એમ કહી થોડી ખીચડી અને છાશ જમ્યા. પાછા મંદિરમાં આવી ઓરડે સૂતા, તે સાંજે હળવે હળવે ઘેર ગયા. રાત્રે સભામાં આવ્યા પણ એમ જણાય જે, આજે બાપાશ્રીને શરીરે ઠીક નથી. એમ ને એમ સભામાં કથા થઈ રહી ત્યાં સુધી બેઠાં. પછી ઊઠતી વખતે ઊભા થઈ સભાને હાથ જોડી જય સ્વામિનારાયણ કર્યા. તે વખતે લથડિયું આવી ગયું, તેથી પૌત્ર જાદવજી તથા હીરજીભાઈના દીકરા પ્રેમજીએ હાથ ઝાલ્યા ને ઓરડામાં આસન પર લઈ ગયા. ત્યારે જાદવજી કહે, બાપા ! આજ આપને ઠીક નથી ? ત્યારે બાપાશ્રી કહે જાદવા, મને કાંઈ નથી. જરા ટાઢ વાય છે તેથી ગોદડું ઓઢાડ, એમ કહેવાથી બાપાશ્રીને ચોફાળ તથા ગોદડું ઓઢાડ્યું. હરિભક્તો જાય, આવે ને પૂછે, તે સૌને એમ કહે જે, આજ મને જરા ટાઢ વાય છે, હું પછાડનો નાહ્યો ત્યારથી ટાઢ ચડી છે. વળી આજ ખીચડીમાં છાશ લીધી હતી તેથી શરદી થઈ ગઈ જણાય છે. હવે ગોદડું ઓઢીને સૂતાં સૂતાં મહારાજને સંભારશું એટલે વાંધો નહિ આવે, એમ સૌને કહેતાં બાપાશ્રી પોઢી ગયા. બાપાશ્રીના દીકરા બંને ઘણી વાર બેઠા ને સેવા કરવા લાગ્યા. બાર વાગ્યા એટલે સર્વે સૂતા. બાપાશ્રી પોઢી ગયા હતા તે ઓચિંતાના એક વાગ્યાને સુમારે બેઠા થઈ ગયા. ત્યારે સેવક પ્રેમજીએ જાગીને પૂછ્યું જે, બાપા ! કેમ બેઠા થયા, નહાવું છે ? તે વખતે એમ બોલ્યા જે, પ્રેમજી બચ્ચા ! નહાવું નથી પણ જાવું છે. ત્યારે પ્રેમજી કહે, બાપા ! ઘેર જાવું છે ? તો કહે, હા; એટલે પ્રેમજીએ બાપાશ્રીને પાઘડી લાવીને આપી. ત્યારે તે પાઘડી હાથમાં લઈને કહ્યું જે, પ્રેમજી તું અહીં આવ; તને પાઘડી બંધાવું. મારે તો અક્ષરધામની પાઘડી છે. એમ કહી પાઘડી નીચે મૂકી દીધી. ત્યારે સેવક પ્રેમજીને એમ થયું જે બાપાશ્રીને ટાઢિયો તાવ આવ્યો છે તેથી આમ બોલે છે. એમ જાણી કહ્યું જે, બાપા ! સૂઈ જાઓ. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, પ્રેમજી ! તેં મારી નિષ્કામભાવથી સેવા કરી છે તેથી તું મારી પાસે આવ. એમ કહી તેને બાથમાં ચાંપી હેત જણાવી મળ્યા, માથે હાથ મૂક્યા ને કહ્યું જે, તું મારી સેવામાં રહીશને ? મને એમ થાય છે જે આ ટાઢ નડશે ખરી, આ ટાઢ ઊતરે એમ મને જણાતું નથી. ત્યારે પ્રેમજીએ વિચાર્યું જે બાપાશ્રી યજ્ઞમાં બોલ્યા હતા કે, “ગોર મહારાજ ! જોજો આ મૂર્તિ ઊડી જાય નહિ.” તથા સ્વામીશ્રી આદિ સંતોને આ વખતે મર્મમાં રોકવાની ઇચ્છા ઘણી જણાવતા હતા તેથી આ મંદવાડ વધશે તો બાપાશ્રીની મરજી કેવી છે તેની કોઈને ખબર નહિ પડે. એમ વિચાર કરે છે એટલામાં બાપાશ્રી કહે, પ્રેમજી બચ્ચા ! તું તારા મનમાં સંકલ્પ કર્યા કરે છે તે કરતાં સૂઈ જા. હું તારા સંકલ્પ જાણું છું. ત્યારે પ્રેમજી કહે, બાપા ! આજનું આપનું દર્શન સંકલ્પ કરાવે છે, એમ કહી દિલગીરી જણાવી. ત્યારે બાપાશ્રી કહે, બચ્ચા ! તું મારું માનીશ કે નહીં ? ત્યારે તે કહે, બાપા ! હું આપનું કેમ ન માનું ? જે કહેશો તે કરીશ. પછી બાપાશ્રી બોલ્યા જે, જોજે, તું મારું વચન લોપીશ તો નહિ ને ? ત્યારે પ્રેમજી કહે, બાપા ! આપનું વચન હું ક્યારેય નહિ લોપું. ત્યારે તેના ઉપર અતિ પ્રસન્નતા જણાવી માથે હાથ મૂકી કહ્યું જે, તારે આ વાત કોઈને કહેવી નહીં. તું સંકલ્પ કરે છે કે બાપો જતા રહેશે તો ! અને સ્વામી આદિકને ખબર નહિ પડે તો મને ઠપકો મળશે, પણ હું જાઉં તેવો નથી. હું તો અખંડ છું. પણ હવે આ દેહ દેખાય કે નહિ તે મહારાજની મરજી. તે સાંભળી પ્રેમજીને ધીરજ રહી નહિ, તેથી ખોળામાં માથું મૂકી રોવા લાગ્યો, ને છાનો જ રહે નહીં. ત્યારે તેને ધીરજ આપતાં બાપાશ્રી બોલ્યા જે, તું આમ દિલગીર મ થા. ત્યારે સેવક પ્રેમજી કહે, બાપા ! તમે મને બોલવાની બંધી કરી, તેથી કોઈને કહેવાય પણ નહિ અને જો આ વાત કોઈને કહું તો આપનું વચન લોપાય. ત્યારે બાપાશ્રી કહે, કહેવાનું કાંઈ નહિ; મહારાજ બધું સારું કરશે. તે વખતે પ્રેમજીએ પ્રાર્થના કરી જે, બાપા ! આપણા ઘરમાં સૌને તથા સર્વે હરિભક્તોને આપનાં દર્શનથી સુખ વર્તે છે. સાજો સત્સંગ આપની કૃપાદૃષ્ટિએ સુખિયો છે. તે કોઈને આ વાતની ખબર ન પડે તો કેવું લાગે ? વળી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને તો આ વાત જરૂર જણાવવી ખપે. હું તેમને આપના આ મંદવાડની ખબર આપું ? ત્યારે બાપાશ્રી કહે, એમને ખબર પડે એટલે તો સત્સંગમાં સૌને ખબર પડી જાય. તેથી બધા અહીં આવે, કરગરે, દિલગીર થાય, પ્રાર્થના કરે અને મને જવા દે નહિ; તેમજ ઘણા હરિભક્તો પણ આવે ને તે બધાય પ્રાર્થના કરે ને કરગરે. સ્વામીશ્રીને તો મારે આ વખતે રોકવા હતા પણ બીજા સંતોને જવાની તાણ હતી તેથી રોક્યા નહીં. એ જતાં મને ઠીક ન લાગ્યું તેથી છેલ્લો મેળાપ કરવા માટે ઠેઠ ભૂજથી માણસ મોકલી પાછા અહીં બોલાવી સુખિયા કર્યા છે તેથી કાંઈ ખબર આપવાની જરૂર નથી. આ વાત સાંભળી પ્રેમજીને વધુ દિલગીરી થઈ ને જાણ્યું જે, આ વખતે બાપાશ્રી રહે તેવું જણાતું નથી, તેથી દંડવત કરી પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે બાપાશ્રી કહે તું કહેતો હતો કે હું તમારું માનીશ. હવે આમ શોક શું કરે છે ? હું ક્યાં જાઉં એવો છું ? પણ આ વાત હમણાં તારે કોઈને જણાવવી નહીં. જો કોઈને કહીશ તો હું રાજી નહિ થાઉં. હવે હું બોલીશ નહીં. હું તારા ઉપર બહુ રાજી છું. મેં આજ દિવસ સુધી સૌને મૂર્તિના સુખની વાતો કરી. હવે શ્રીજીમહારાજની આવી મરજી છે એમ જાણી તારે રાજી રહેવું. હું તને મૂર્તિના સુખમાં રાખીશ, એમ કહી તેનો હાથ ઝાલીને પોઢી ગયા. પ્રેમજીને તે વખતે ઘણા વિચારો આવે પણ બાપાશ્રીએ કોઈને કહેવાની બંધી કરેલી તેથી શું કરે ? ઘણી વાર સુધી એમ ને એમ તેનો હાથ ઝાલી રાખ્યો. પછી ઊઠીને બીજી વાર કહ્યું જે, પ્રેમજી ! જોજે મારું વચન લોપતો નહિ હોં ! હું તારા ઉપર બહુ રાજી છું. એમ કહીને સૂઈ ગયા. ।। ૧૫૩ ।।
વાર્તા ૧૫૪
અષાડ સુદ ૪ને રોજ સવારે બાપાશ્રીએ નાહવાની ઇચ્છા જણાવી પણ શરીરમાં અશક્તિ જણાતાં ઊઠી શકાયું નહીં. તે વખતે બાપાશ્રીના પુત્રો કાનજીભાઈ તથા મનજીભાઈ આવ્યા ને પૂછ્યું જે, બાપા ! આ ટાણે કેમ છે ? નાહવા ઊઠશો ? પણ બાપાશ્રીએ તો કાંઈ વાત જ કરી નહિ; ને સેવક પ્રેમજીના મુખ ઉપર અતિ ઉદાસીપણું જોઈ તે બંનેએ પૂછ્યું જે, પ્રેમજી ! તું આમ કેમ થઈ ગયો છું ? તને કાંઈ કસર છે કે શું ? ત્યારે પ્રેમજી કહે, મને કસર ઘણી છે પણ કાંઈ કહેવાતું નથી. પછી કહ્યું જે, હમણાં બાપાશ્રીએ નાહવાનું કહ્યું હતું, પણ અશક્તિ વધારે જણાવે છે તેથી ઊઠ્યા નહીં. ત્યારે કાનજીભાઈએ કહ્યું જે, બાપા ! માંચી લાવીએ ? ત્યારે હા કહી. પછી સેવકો ઓરડા પાસે માંચી લાવ્યા, તેમાં બાપાશ્રીને બેસાડ્યા ને દાતણ આપ્યું. ત્યારે ઊલટી થઈ તેથી સેવકે કોગળા કરાવ્યા. તે વખતે કેટલાક હરિભક્તો પાસે ઊભા હતા. ત્યારે પોતે એમ બોલ્યા જે, પ્રેમજી ! જાદવા ! આપણે કયા સ્થાનમાં છીએ ? ત્યારે કાનજીભાઈ કહે, આપણે આ મંદિરના ચોકમાં છીએ. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, આપણે તો બધા અક્ષરધામમાં છીએ. આ મહારાજ ને આ અનંત મુક્તો રહ્યા. એમ કહી હાથ જોડ્યા ને કહ્યું જે, દંડવત કરો. તેથી સૌ દંડવત કરવા લાગ્યા. તે વખતે સૌને એમ થયું જે બાપાશ્રી આ બધું દિવ્યભાવમાં બોલે છે. સેવકોએ નવરાવ્યા, પણ કાંઈ બોલ્યા નહીં. તેથી સૌને ઉદાસી થઈ. પછી વસ્ત્ર બદલાવી પૂજાનાં દર્શન કરાવ્યાં ને એમ ને એમ માંચીમાં બેસાડી હરિભક્તો મંદિરમાં લઈ ગયા. ત્યારે પોતે મૂર્તિ ઉપર હાથ ફેરવી પગે લાગ્યા ને ઝાઝી વાર મૂર્તિ સામું જોઈ રહ્યા. પછી ઓરડામાં લાવી સુવાર્યા, તે વખતે મનજીભાઈએ કહ્યું જે, બાપા ! કાંઈ જમશો ? જે જમવાની રુચિ થાય તે ઘેરથી કરાવી લાવું. ત્યારે તેમના માથા ઉપર હાથ મૂકીને બોલ્યા જે, મનજી ! હું તો સદાય મૂર્તિના સુખરૂપ દિવ્ય ભોજન જમું છું, એમ કહી કાંઈ પણ બોલ્યા નહીં. થોડી વારે બાપાશ્રીના પૌત્ર માવજી ઘેરથી સાકર નાખીને કઢેલું દૂધ મહારાજને ધરાવીને લાવ્યા ને બહુ પ્રાર્થના કરી તેથી થોડુંક પીધું ને બોલ્યા જે, હવે મને કોઈ જમવાનું પૂછશો નહીં. તે સમયે જાદવજીભાઈ તથા હીરજીભાઈ આવ્યા ને દંડવત કરીને પૂછ્યું જે, બાપા ! આપને શું જણાય છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મને સાંજે ટાઢ બહુ હતી ને આ ટાણે ગરમી બહુ થાય છે. તેથી તમે મને વાડીએ લઈ ચાલો તો ઠંડક થાય. આવી બાપાશ્રીની રુચિ જાણી જાદવજી ગાડી લેવા ગયા. ત્યારે વળી બીજી વાર ઊલટી થઈ એટલે સેવકે કોગળા કરાવી પાણી પાયું. તે વખતે કાનજીભાઈએ કહ્યું જે, બાપા ! તમારે શરીરે અશક્તિ છે ને ઊલટી થાય છે તેથી વાડીએ ન જાઓ તો ? ત્યારે બાપાશ્રી કહે, મને ગરમી બહુ થાય છે માટે વાડીએ જવું છે. પછી ગાડી આવી એટલે હરિભક્તોએ ગાડીમાં બેસાર્યા. તે વખતે પોતાના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ એ બંનેને પોતાની પાસે બોલાવીને કહ્યું જે, હવે મારા દેહનો નિરધાર નથી. તેથી તમે સૌ ખબડદાર રહેજો. તમે મારો ચીલો રાખજો. મૂર્તિથી ક્યારેય જુદા રહેશો નહિ; ધ્યાન, ભજન, કથા, વાર્તા નિરંતર કર્યા કરજો; હવે તમને હું વધુ કહીશ નહિ, તમે મૂંઝાશો મા, હું જાઉં તેવો નથી, સત્સંગમાં અખંડ રહ્યો છું, મૂર્તિથી ક્યારેય જુદો રહેતો નથી, પણ તમે હવે આમ નહિ દેખો. આવાં વચન સાંભળી કાનજીભાઈ, મનજીભાઈ, માવજી, જાદવજી, સેવક પ્રેમજી, હીરજીભાઈ, જાદવજીભાઈ, નારાયણપુરવાળા ખીમજીભાઈ આદિક પાસે ઊભેલા સૌ અતિ ઉદાસ થઈ ગયા અને સૌનાં નેત્રમાંથી જળ પડવા લાગ્યાં. તે સર્વેને બાપાશ્રીએ કહ્યું જે, તમે કોઈ દિલગીર મ થાઓ. તમને સૌને મૂર્તિમાં રાખ્યા છે, તેથી આપણે સદાય ભેળા જ છીએ. એમ કહીને કાનજીભાઈ તથા મનજીભાઈને બહુ ઉદાસી જોઈ બોલ્યા જે, સ્વામી ઈશ્વરચરણદાસજી આવશે ત્યારે તમને બધુંય ઠીક કરી દેશે. એમ ધીરજ આપી વાડીએ પધાર્યા. ત્યાં પાસે રહેનારા સેવકોને કહ્યું જે, મને કૂવાના થાળામાં બેસારી મારા ઉપર ખૂબ પાણી રેડો તો મને ગરમી મટે. તે વખતે સૌએ પ્રાર્થના કરી જે, બાપા ! આપને ઠીક નથી ને શરીર ઉપર પાણી નાખીએ તે કરતાં વાયરો નાખીએ તો ? ત્યારે બાપાશ્રી કહે, હું કહું તેમ કરો. એમ કહી ઘણી વાર શરીર પર પાણી રેડાવ્યું. પછી ખીમજીભાઈએ પ્રાર્થના કરી જે, બાપા ! હવે રાખો તો ઠીક. ત્યારે કહે ભલે. એમ કહી ધોતિયું બદલાવી ખાટલા પર આવીને સૂતા. તે વખતે નારાયણપુરથી હરિભક્તો દર્શને આવેલ તેમણે ઘેરથી લાવેલ થાળમાંથી જમવા પ્રાર્થના કરી, પણ પોતે રુચિ જણાવી નહીં. તોપણ બહુ તાણ કરી તેથી એક ગ્રાસ જમ્યા ને બોલ્યા જે, હવે મને કાંઈ જમવાની રુચિ જ થતી નથી. તે વખતે હરિભક્તો હાર લાવેલા તે પહેરાવ્યા, તેમના માથે હાથ મૂકીને બોલ્યા જે, આમ ને આમ મૂર્તિમાં રહી સુખ ભોગવજો. એમ કહી પોતે ઊઠવા લાગ્યા. ત્યારે સેવકે કહ્યું જે, બાપા ! કેમ ઊઠો છો ? તો કહે, મારે લઘુ કરવા જવું છે તે મારો હાથ ઝાલો. પછી થોડેક છેટે લઘુ કરી આગળ ચાલવા મંડ્યા. ત્યારે મનજીભાઈ કહે, બાપા ! આમ ક્યાં જશો ? ત્યારે બાપાશ્રી કહે કે, હજી મારે નહાવું છે. તે વખતે ઘણી પ્રાર્થના કરી તોપણ નાહવાની રુચિ જણાવી. એ રીતે થોડી વાર નવરાવી પાછા ખાટલા ઉપર સુવાર્યા. તે સમયે બાપાશ્રીનું શરીર ટાઢું બહુ જણાયાથી સૌ મૂંઝાયા. મનજીભાઈ ઘેર ગયા. ત્યાં રામપુરથી હરિભક્ત દર્શને આવેલ તેમણે તથા ઘરના સૌએ સમાચાર પૂછતાં બધી હકીકત કહી, તેથી સૌ ઉદાસ થઈ ગયા ને હરિભક્તોને માંચી લઈને મોકલ્યા, તેમાં બેસારી બાપાશ્રીને ઘેર તેડી લાવ્યા. પછી બહુ નાહ્યાથી ઠંડક થઈ ગઈ છે એમ જાણી પાતળી રાબ કરી બાપાશ્રીને પાવા સારુ લાવ્યા ને કહ્યું જે, બાપા ! થોડી રાબ પીઓ ! ત્યારે બાપાશ્રી કહે, હવે મને એક મૂર્તિના સુખ વિના બીજું કાંઈ રુચતું નથી, માટે કોઈ જમવાનું પૂછશો નહીં. એમ કહી પોઢી ગયા. બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક કોઈને કાંઈ સૂઝે નહિ; તેથી ભૂજ, રામપુર આદિ ગામોમાં ખબર મોકલાવ્યા. લાલશંકરભાઈ, મોતીભાઈ, મગનભાઈ વગેરે ભૂજથી આવ્યા, તે સૌએ દંડવત કરી જય સ્વામિનારાયણ કર્યા, પણ બાપાશ્રી બોલ્યા નહીં. તેથી પ્રાર્થના કરી. ત્યારે નેત્ર ઉઘાડી સૌની સામું જોઈ તરત જ નેત્ર મીંચી ગયા. ઘરમાં સમાચાર પૂછતાં બાપાશ્રીએ સવારથી આ મંદવાડ વધુ જણાવ્યો છે તે વાત કરી. થોડી વારે રામપુરથી દેવરાજભાઈ પણ આવ્યા. તેમણે દંડવત કરી પ્રાર્થના બહુ કરી પણ બોલ્યા નહિ, તેથી જાણ્યું જે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા છે તે બોલશે નહીં. એમ જાણી અંતર્વૃત્તિએ પ્રાર્થના કરતા હતા, બીજું શું કરે ! બાપાશ્રી લઘુ કરવા ઊઠતા ત્યારે સેવક લઘુ કરાવતા ને પાણી પીવું હોય ત્યારે સાન કરે એટલે સેવક પાણી પાતા, પણ કોઈ સાથે વાત ન કરે. તેમ બહુ નેત્ર પણ ઉઘાડે નહીં. કોઈ પ્રાર્થના કરે ત્યારે સામું જોઈ નેત્ર મીંચી લે. આ રીતે બાપાશ્રીના મંદવાડની જેને જેને ખબર પડતી ગઈ તેમ તેમ હરિભક્તો દર્શને આવવા લાગ્યા. સૌ હાથ જોડે, પ્રાર્થના કરે, ત્યારે સહેજે નેત્ર ઉઘાડી સામું જુએ, પણ બોલે નહિ તેથી ઘરમાં સૌ મૂંઝાયા. આવા સમાચાર સાંભળી ભૂજના સંતો તથા ભોગીલાલભાઈ, ધનજીભાઈ, ઘેલાભાઈ વગેરે હેતવાળા હરિભક્તો પણ આવ્યા. સૌએ મંદિરમાં દર્શન કરી ઘેર આવી બાપાશ્રીને દંડવત કરી જય સ્વામિનારાયણ કર્યા, પણ બાપાશ્રી કાંઈ બોલે નહીં. પછી સંતો, હરિભક્તો કીર્તન બોલ્યા અને વચનામૃત વાંચી ઘણી વાર ધૂન કરી, તોપણ બાપાશ્રી કાંઈ બોલ્યા નહીં. એમ ભૂજથી તથા ગામડાંમાંથી હરિભક્તો આવી દર્શન કરવા લાગ્યા. સાંજના સંતો તથા ભોગીલાલ આદિક કેટલાક હરિભક્તો પાછા ગયા. પણ કોઈને કાંઈ ચેન પડે નહીં. પછી રાત્રિએ ઘણી પ્રાર્થના કરી બાપાશ્રીને દૂધ પાયું, તે થોડું પીધું ને જાગ્રત થઈ અમૃત નજરે કૃપા કરી સૌના સામું જોયું. તે સમયે જે સંત, હરિભક્તો પાસે હતા, તેમણે બાપાશ્રીની અતિ પ્રસન્નતા જોઈ ચંદન, કુંકુમ તથા પુષ્પથી પૂજા કરવા ઇચ્છા કરી. શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઘીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ કરી મૂર્તિને હાર પહેરાવ્યા. પછી બાપાશ્રીને પણ ચંદન ચર્ચી, કુંકુમના ચાંદલા કરી, પુષ્પના હાર પહેરાવ્યા. પછી આરતી ઉતારી સૌએ દંડવત કર્યા. તે સમયે બાપાશ્રીએ સૌના ઉપર પ્રસન્નતા જણાવી હોય તેમ સામું જોઈ રહ્યા. સૌએ પ્રાર્થના કરી તોપણ કાંઈ બોલ્યા નહિ, નેત્ર મીંચી દીધાં તે જાણે સમાધિ થઈ હોય ને શું ! તેમ ઘણી વાર દર્શન આપ્યાં, જેથી કોઈ સમજી શક્યા નહિ કે બાપાશ્રીએ શું કરવા ધાર્યું છે ? બાપાશ્રી તો સ્વતંત્ર છે, એમની મરજી આપણે જાણી શકીએ નહીં. એમણે તો અનેકને મૂર્તિના સુખમાં મૂકી દીધા છે, ઘણી વાર આશીર્વાદ આપ્યા છે; કોઈને સુખ આપવામાં મણા રાખી નથી, હવે એ જેમ રાજી રહે તેમ આપણે રાજી રહેવું. એમ પરસ્પર વિચાર કરતાં સૌ એક નજરે બાપાશ્રી સામું જોઈ ઊંચે સ્વરે ધૂન કરવા લાગ્યા. તે વખતે બાપાશ્રીએ પણ લીલા-વિગ્રહ બંધ કર્યો. એમ બાપાશ્રી આ લોકમાંથી અષાડ સુદ ૪ની રાત્રિએ એક વાગ્યે અંતર્ધાન થયા. તે વખતે બાપાશ્રીએ બધાયનાં નાડી-પ્રાણ આકર્ષણ કરી એવી તો ધીરજ પ્રેરી કે કોઈ વિલાપ કરી શક્યા નહીં. ।। ૧૫૪ ।।
વાર્તા ૧૫૫
અષાડ સુદ ૫ને રોજ બાપાશ્રીએ સ્વતંત્ર થકા શ્રીજીમહારાજના સંકલ્પથી ૮૪ વરસ આ લોકમાં દર્શન દઈ, અનેકને મહારાજની મૂર્તિના સુખભોક્તા કરી આજ પોતાનું પ્રત્યક્ષ દર્શન અદૃશ્ય કર્યું, તેથી પોતાના પુત્ર-પૌત્રાદિક તથા પાસે રહેનારા હરિભક્તોને આ દુઃખ અસહ્ય થયું. પણ શ્રીજીમહારાજની મરજી આમ હશે એમ જાણી સૌએ ધીરજ રાખી. પછી ચોવીસે ગામના હરિભક્તોને સાઇકલો, ઘોડાઓ તથા માણસો મોકલી બાપાશ્રીના અંતર્ધાન થવાના ખબર મોકલાવ્યા. કેટલેક ઠેકાણે તો તે વખતે પોતે પ્રત્યક્ષ દર્શન આપ્યા. લાલશંકરભાઈ બાપાશ્રીની ગાડી લઈને ભોગીલાલભાઈ વગેરેને ખબર આપવા તથા સુખડ લેવા ભૂજ ગયા. તે વખતે ભોગીલાલભાઈ ઘેર જાગતા હતા. તેમને લાલશંકરભાઈએ બાપાશ્રીનાં અંતર્ધાન થયાના સમાચાર કહ્યા. ત્યારે ભોગીલાલભાઈએ પૂછ્યું જે, બાપાશ્રી કેટલા વાગે અંતર્ધાન થયા ? ત્યારે તેમણે કહ્યું કે, એક વાગ્યે. ત્યારે ભોગીલાલભાઈએ કહ્યું જે, બાપાશ્રીએ મને હમણાં હાથ ઝાલી ઉઠાડ્યો ને માથે હાથ મૂકી અતિ પ્રસન્નતા જણાવી મળ્યા ને કહ્યું જે, હવે અમે જઈએ છીએ; એમ કહી અદૃશ્ય થઈ ગયા. તે વખતે મેં ઊઠીને જોયું તો એક વાગ્યો હતો. ત્યારથી હું એ જ વિચાર કરું છું કે આ શું થયું ? ત્યાં તો તમે આવીને આ સમાચાર આપ્યા. પછી ધનજીભાઈ આદિક સૌ હરિભક્તોને ખબર આપી સુખડ લઈને સર્વે વૃષપુર આવ્યા. તે વખતે બાપાશ્રીને માટે પાસે રહેલાં હરિભક્તો પાલખી તૈયાર કરતા હતા. દિવસ ઊગ્યા પહેલાં તો ચોવીસે ગામની મંડળીઓ તથા હરિભક્તો જ્યાં જેને ખબર પડી ત્યાંથી ગાંડા-ઘેલાની માફક ઉતાવળા ઉતાવળા આવ્યા. દિવસ ઊગ્યા સમયે તો આઠ-દસ હજાર માણસ ભેગું થઈ ગયું. તે સર્વેના હાથમાં ઘીનો લોટો તથા નાળિયેર એવી રીતના સૌએ આવી બાપાશ્રીનાં દર્શન કર્યાં. તે વખતે બાપાશ્રીના પુત્રોએ તથા પાસે રહેનારા હરિભક્તોએ તૈયાર કરેલી પાલખીમાં બાપાશ્રીને પધરાવ્યા. પછી ચંદન, કુંકુમ તથા પુષ્પના હાર અને ગુલાલથી પૂજા કરી. હરિભક્તો દર્શન કરવા લાગ્યા ને ગુલાલ ઉડાડતાં, વાજતે-ગાજતે વિરહનાં કીર્તન બોલતાં બાપાશ્રીની પાલખી લીધી. તે વખતે સૌને એમ જણાતું હતું જે, જેમ હંમેશાં બાપાશ્રી દર્શન આપતા તેમ ને તેમ જ અત્યારે પણ બેઠા છે ને જાણે હમણાં બોલાવશે. હરિભક્તોનો તો જાણે સમુદ્ર ઊલટ્યો હોય તેમ કોઈ ગાડીથી તો કોઈ ઘોડા ઉપર, કોઈ સાઇકલથી તો કેટલાક પગે દોડતાં, પડતાં, આખડતાં આવ્યા. પાલખીમાં બાપાશ્રી સામું સૌ એક નજરે જુએ, પાછા પગે ચાલે, તેમાં કોઈ પડે, કાંટા-કાંકરા વાગે તેનું પણ કોઈને ભાન રહે નહીં. હરિભક્તો તો આવ્યા જ કરે. ગુલાલના ગોટા આકાશમાં ઊડે, નીચે પૃથ્વી ઉપર પણ ગુલાલ જણાય. તે વખતે હરિભક્તો તથા ઉત્સવિયા “આવું નહોતું કરવું નાથજી રે, ચાલ્યા મારગડામાં મેલી.” તથા “સજની શ્રીજી મુજને સાંભરિયા રે” એવાં વિરહનાં કીર્તન બોલતાં ચાલતા હતા. વાંસે હરિભક્તો ઝીલતા આવે. સૌની વૃત્તિ બાપાશ્રી સામી જણાતી. કેટલાક તો ઊંચે સ્વરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ધૂન કરતા, કોઈ દિલગીર થઈ રુદન કરતા, કોઈ સમજણે કરી શોક સમાવતા જણાતા હતા, કોઈકને તો પોતાના દેહનું ભાન ન રહેતું. એ રીતે બાપાશ્રીનાં દર્શન કરતાં કરતાં સૌ ચાલ્યા આવે; એમ પાંચ કલાકે છત્રીના વંડા પાસે પહોંચ્યા, ત્યાં બહાર પાલખી પધરાવી. એ સમયે હરિભક્તો દર્શન માટે અધીરા થઈ ગયા. સૌ દંડવત કરી હાથ જોડી પગે લાગે, પ્રાર્થના કરે, એમ જ્યારે સૌને દર્શન થઈ રહ્યા ત્યારે શાંતિ પામ્યા. પછી ભોગીલાલભાઈ તથા મોતીભાઈએ કહ્યું જે, બાપાશ્રીએ મર્મમાં એક વખત કહ્યું હતું જે, અમારા દેહનો છેલ્લો વિધિ (અગ્નિસંસ્કાર) છત્રીની દક્ષણાદિ બાજુએ કરજો; એમ વાત કરી તે સૌને ઠીક લાગ્યું. પછી સંતો-હરિભક્તોએ બાપાશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી આરતી ઉતારી. પછી સુખડ તથા નાળિયેરથી ‘ચે’ રચી તે વખતે છેલ્લાં દર્શનની તાણે હરિભક્તો ઉપરાઉપરી પડવા લાગ્યા. તેમને ભોગીલાલભાઈ તથા લાલશંકરભાઈ આદિકે હાથ જોડી, વિનય કરી સમજાવી શાંત પાડ્યા. એમ બાપાશ્રીની દેહક્રિયા સમયે સૌ ઉદાસ ને શોકાતુર થઈ રહ્યા હતા, તે હરિભક્તોના સમૂહમાં સૌને શાંતિ પમાડી ધીરજ આપવા ભોગીલાલભાઈ વાતો કરવા લાગ્યા, “આપણે શ્રીજીમહારાજને સંભારી સૌ સંત-હરિભક્તોએ ધીરજ રાખવાની છે. આપણે એમ જાણવું જે, બાપાશ્રી જાય તેવા નથી; સદાય આપણી સાથે જ છે, છે ને છે. આપણામાંથી જે પાસે હતાં તે કહે છે કે, બાપાશ્રી કાંઈ બોલ્યા નહીં. પણ આપણે જાણવું જોઈએ કે બાપાશ્રી તો બોલતા જ હતા અને મર્મમાં ઘણી વાર જણાવતા, પણ આપણે સમજી શક્યા નહીં. એમણે તો એક એક જણને એક એક વાત લાખ લાખ વાર સમજાવી છે અને અંતર્ધાન થવાની ઇચ્છા તો ઘણી વાર જણાવી હતી. જ્યારે જ્યારે બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કરેલા, ત્યારે આપણને તો એમ જ લાગે જે, આ ફેરે બાપાશ્રી અંતર્ધાન થઈ જશે, પણ સંત-હરિભક્તોનાં હેત જુએ એટલે સંકલ્પ ફેરવી નાખે. એવું બહુ વાર જોયું છે.
સંવત ૧૯૪૮ના વૈશાખ-જેઠમાં બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો ત્યારે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીની ભલામણથી ભૂજના સંતો સેવામાં રહ્યા હતા. તે વખતે કેટલાય દિવસ જમ્યા ન હતા તેથી સૌને એમ જે બાપાશ્રી અંતર્ધાન થઈ જશે. પણ સદ્. નિર્ગુણદાસજી સ્વામીએ શ્રીજીમહારાજની પ્રાર્થના કરેલી, તેથી મહારાજે આપણા ઉપર દયા કરી બાપાશ્રીને રાખ્યા.
સંવત ૧૯૭૫માં પણ મંદવાડની રીત એવી જ હતી. છેલ્લી વ્યવસ્થા પણ કરેલી જે, બધાં મંદિરોમાં રસોઈ આપવી તથા થાળ કરવા, આટલી કોરીની આમ સેવા કરવી, આટલી કોરી અહીં વાપરવી એમ લખત કરી, સૌને રાજી કરી રજા માગી તૈયાર થયેલા; પણ તે વખતે આપણા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી તથા બંને સદ્ગુરુઓ અને ઘણા સાધુઓ પાસે હતા, તે એમ ને એમ સૌ ઠાકોરજીના થાળ કર્યા વિના ઉદાસ થઈ બેસી રહેલા, બ્રહ્મચારી તો જાણે ઉપશમ અવસ્થા ગ્રહણ કરી હોય તેમ બોલે જ નહીં. દેવરાજભાઈ જેવા પણ પાસે હતા. મહામુક્ત ધનબાઈ પણ રામપુરથી આવ્યા ને બાપાશ્રીની જવાની તૈયારી જોઈ દિલગીર થઈ ગયાં ને શ્રીજીમહારાજને પ્રાર્થના કરવા લાગ્યાં. તે સર્વેની આવી સ્થિતિ જોઈ બાપાશ્રીએ પોતાના ઠરાવ ફેરવી નાખ્યા.
એક વખત શરીરમાં ‘વા’ બહુ જણાવેલ ને સાથે પડખામાં શૂળ બહુ આવે. જેથી આ કાનજીભાઈ, મનજીભાઈ આવે ને જાય. હીરજીભાઈ, જાદવજીભાઈ તથા નાનાં છોકરાં બાપા ! બાપા ! કરે, ઘડીમાં મેથી ને ઘડીકમાં તીખા લાવે, પણ એ ઓસડ કાંઈ બાપાને હોય ! આ તો દિવ્ય મૂર્તિ ! પણ આપણને જ્યારે મનુષ્યભાવ વર્તે ત્યારે પોતે પણ બરાબર મનુષ્ય જેવા જ થઈ જાય. એવો મને પણ કેટલોક અનુભવ થયો છે. એક વખત મંદવાડમાં હું અને ધનજીભાઈ બાપાશ્રીને જોવા નિમિત્તે આવેલા, એટલે તો એ મંદવાડનું જ વર્ણન કરે ને, મને પાસે ખુરસી પર બેસાર્યો ને તરત મારી સાથે લીલા આદરી. ભોગીલાલભાઈ, હું બહુ માંદો થઈ ગયો છું, નથી મને ખાધાની ખબર રહેતી કે નથી ઉઠાતું-બેસાતું, ઘરમાં મને ફાવે નહિ તેથી મંદિરમાં ખાટલો રાખ્યો છે. આવતાં-જતાં હરિભક્તોને જોઈને દિવસ કાઢું છું. કેમ ભોગીલાલભાઈ ! મંદવાડ છે ને ? તે વખતે મેં કહ્યું જે, બાપા ! આપ તો જેમ છો તેમ ને તેમ જ છો. ત્યારે બોલ્યા જે, તો તો ઠીક. તોપણ આપણને એવે વખતે એમ થઈ જાય જે આજ બાપાને શરદી છે, આજ ગરમી છે, આજ શરીરે સારું નથી, આજ આમ છે તેમ છે. પણ જે દિવ્યભાવ સમજવાનો છે તે ન સમજાય.
એક વખત એવું નિમિત્ત કર્યું હતું જે પોતે ઘોડી ઉપરથી પડી ગયા. પાસે કોઈ નહીં. તેથી માર્ગમાં કોઈક ગાડાવાળાને ખબર પડી કે આ કોણ ? પાસે જઈને જોયું, ત્યાં તો આ બાપા ! પછી બેઠા કરી ગાડે બેસાડી ઘેર લઈ આવ્યા. તે વખતે પણ સૌ સમાચાર પૂછે, શેક કરે, કોઈ ચાંપે, તેનું કારણ ? મનુષ્યપણાના ભાવ. તેમાં ભલભલા પણ ભૂલ ખાઈ જાય. મોટા મોટા સંતોનાં તથા પર્વતભાઈ, દાદાખાચર જેવાનાં લખાણો આપણે વાંચ્યાં છે, પણ ટાણે યાદ ન આવે.
એક વખત બાપાશ્રીને કાનનો દુઃખાવો ઊપડ્યો તે જાણે રહેવાય જ નહીં. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે હતા. તે પણ આપણી પેઠે સમાચાર પૂછે, શેક કરે. એક વખત સ્વામી પાછલી રાતના સૂતેલા, એમના સાધુને બાપાશ્રી કહે, મને કાનની પીડા બહુ ઊપડી છે તેથી સ્વામીને જગાડો. સાધુએ જાણ્યું જે, સ્વામી હમણાં સૂતા છે તે ઉઠાડવા કે નહિ તે વિચાર કરતા હતા, ત્યાં તો પોતે સાદ પાડી જગાડ્યા ને કહ્યું જે, સ્વામી ! મને પીડા થાય છે ને તમને કેમ ઊંઘ આવે છે ? મને શેકો. ત્યારે સ્વામીશ્રીએ શેક કર્યો. તે વખતે પોતે એમ બોલ્યા જે, આ તમારા સેવક જાણે સ્વામી હમણાં સૂતા છે તે જગાડવા કે કેમ ! પણ અમે જગાડવા ધારીએ તો મોટા રાજાને પણ એક ચપટી વગાડી જગાડી દઈએ. એમ કહીને બોલ્યા જે, તમે શેક કર્યો તેથી પીડા મટી ગઈ. વળી સવારે બોકાની વાળી સભામાં આવ્યા. એમ તે કાનની પીડા લાંબી ચલાવી. આપણે અહીં એક ડૉક્ટર છે તેને આ વાતની ખબર પડી તેથી તે દર્શને આવ્યા ને કહ્યું જે, બાપા ! પિચકારી મારવા દો તો પીડા મટી જાય. તેની પ્રાર્થનાથી બાપાશ્રીએ કાન ધોવરાવ્યો ને સાજા થઈ ગયા. પણ મને તો એમ લાગ્યું જે કાન દ્વારે એ ડૉક્ટરનું કલ્યાણ કરવું હશે.
સંવત ૧૯૮૨ના ભાદરવા માસમાં બાપાશ્રીએ મોટો મંદવાડ ગ્રહણ કરેલો. ત્યારે પણ સૌને એમ થયું જે આ ફેરે તો બાપાશ્રી નક્કી અંતર્ધાન થવાના. એ વરસમાં વરસાદ બહુ થયો હતો ને બાપાશ્રીને પણ મંદવાડ બહુ અને ગામોગામમાં પણ એવી જ રીત હતી. જેમ પિંડ-બ્રહ્માંડની એકતા જણાવી હોય તેમ સર્વત્ર મંદવાડ જણાતો હતો. તે વખતે સદ્ગુરુઓ આવ્યા ને ગામોગામથી હેતવાળા હરિભક્તો પણ આવી પહોંચ્યા. તે સર્વેને જોઈ બાપાશ્રીને દયા આવી ગઈ, તેથી આજ સુધી આપણને દર્શન આપી સુખ આપ્યાં.
એવી રીતે જે જે વખતે લીલા-વિગ્રહ સંકેલવા ઇચ્છા કરી હશે તે તે સમયે સંત-હરિભક્તોની હેતભરી પ્રાર્થનાથી દયા લાવી રહી ગયા. આ વખતે તો જાણે કોઈને કાંઈ કહેવું જ નહિ એવું નક્કી કરીને સૂતા હોય ને શું ? તેમ બોલવાનું જ બંધ રાખ્યું. માંદગી પણ પૂરી બે દિવસ રાખી નહીં. અમે નજીક હતા તો પણ છેલ્લો મેળાપ અમને ન થયો, એટલે તે સમયે પોતે જ દયા કરી દર્શન આપ્યાં. આ મંદવાડમાં તો બોલવાનો ઠરાવ જ ન હતો. તે વાત મને આ પ્રેમજીએ હમણાં કરી જે, બાપાશ્રીએ મને અંતર્ધાન થવાનું જણાવ્યું હતું. પણ કોઈને કહેવાની ના પાડી હતી ને કહ્યું હતું જે, હમણાં તું કોઈને કહીશ તો હું તારા ઉપર રાજી નહિ થાઉં. સ્વામીશ્રીને ખબર આપવાનું પૂછ્યું, તોપણ ના પાડીને બોલ્યા જે, તેમને મેં મારો છેલ્લો મેળાપ કરવા ભૂજથી પાછા બોલાવી સુખિયા કર્યા છે. હવે હું બોલીશ નહીં. મહારાજની મરજી આવી છે, વગેરે કહ્યું હતું. માટે જે કાંઈ બાપાશ્રીએ કર્યું તેમાં આપણે રાજી રહેવું. હમણાં આ યજ્ઞ કર્યો તેમાં પણ સૌને લખાવ્યું હતું જે આ અમારો છેલ્લો યજ્ઞ છે માટે સૌ કામકાજ મૂકીને આવજો, કોઈ રહી જશો નહીં. તેથી સર્વે હેતરુચિવાળા હરિભક્તો આવી પહોંચ્યા હતા. તે સૌને બાપાશ્રીએ અદ્ભુત પ્રતાપ જણાવી મૂર્તિના સુખની વાતો કરી, જમાડી અલૌકિક સુખ આપ્યાં હતાં. હમણાં ભૂજમાં આવી સૌ હરિભક્તોને સુખિયા કર્યા. માધાપુરમાં પણ આઠ દિવસ રહી સૌને રાજી કર્યા. કરાંચી જેવા દૂર દેશમાં પણ હરિભક્તોના પ્રેમને આધીન થઈને ત્યાં પણ તેડાવ્યા તેટલી વખત ગયા. ત્યાં પંદર પંદર દિવસ રહીને મૂર્તિના સુખની અલૌકિક વાતો કરી હરિભક્તોને બહુ સુખિયા કર્યા. એવી જ રીતે દેશો-દેશમાં ઘણે ઠેકાણે ફરીને સત્સંગમાં બહુ સુખ આપ્યાં. શ્રીજીમહારાજના સ્વરૂપને જેમ છે તેમ સમજાવવાની ઘણી વાતો કરી, કંઈકને એ દિવ્ય મૂર્તિના સુખમાં મૂકી દીધા. એમ સત્સંગમાં બાપાશ્રીએ ઘણો સમાસ કર્યો. આપણને તો દરેક વાતની પાછળથી ખબર પડે. એ તો અગાઉથી સર્વે વાત જણાવતા હોય. તે સ્વામી ઈશ્વરચરણદાસજીને આ ફેરે મર્મમાં ઘણાં વચનો કહેલાં કે, સ્વામી ! અમને એમ થાય છે જે તમ જેવા સંત ભેળા બે મહિના રહેવાય તો ઠીક, તમે પણ એમ જાણો તો રહો. તમને જવા દેવાની મારી ઇચ્છા જ થતી નથી. જો રહો તો આપણે ભૂજ, માધાપર જઈશું ને બ્રહ્મયજ્ઞ કરશું. આ ફેરે બે મહિના રહો તો ઠીક, અમે તમને અષાડ માસમાં છૂટા કરશું. એમ ઘણુંય સૂચવ્યું હતું, તેથી તેમને પણ જવું જ ન હતું, રહેવાની માંગણી બહુ કરી, પણ બીજા સંતો રહ્યા નહિ એટલે એમને પણ રજા આપી કે તમે પણ સાથે જાઓ, જુદા પડી રહેવાય નહીં. એમ આજ્ઞા થવાથી તે ગયા હતા. એવા મોટા સંતોને પણ આ વખતે પાસે રાખવા માટે રોક્યા નહિ, તો આપણે પાસે નહોતા, કાંઈ બોલ્યા નહિ, એમ જાણી દિલગીર થઈએ કે શોક કરીએ તે કરતાં શ્રીજીમહારાજની મરજી પ્રમાણે એમણે જે કર્યું તે ખરું, એમ જાણી ધીરજ રાખીએ તે ઠીક. આપણને જે બાપાશ્રીની ખોટ પડી છે તે કોઈ રીતે પુરાય એવી નથી. આમ, પ્રત્યક્ષ સાક્ષાત્કાર સુખ ભોગવાવતા, લાડ લડાવતા, હાર આપે, પ્રસાદી આપે, માથે હાથ મૂકે, બાથમાં ઘાલીને મળે, જ્ઞાનવાર્તાઓ કરી મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી છતે દેહે મૂર્તિનું સુખ પમાડતા; એ હવે આ રીતે બંધ થયું. ગાયો પિયાવા ઉપરથી પાછી વળશે, સહેજમાં મળતું મોક્ષનું સદાવ્રત સુગમ હતું તે આજ અગમ થયું. આપણને તો અક્ષયપાત્ર આપ્યું છે, તેમાંથી લઈ લઈને જમશું. આ સમયમાં શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ અપાવવાનું બાપાશ્રીએ બહુ સુગમ કર્યું. આવી રીતે જ્ઞાન-દાન આપી મૂર્તિનો સાક્ષાત્કાર કરાવવો એ કાંઈ થોડી દયા ન કહેવાય. આ તો બધુંય મૂર્તિમાન થયું. શ્રીજીમહારાજ અને તેમના અનાદિ મહામુક્તોની અપાર દયાનો સાક્ષાત્કાર અનુભવ જેમણે સાંભળ્યો હતો, પણ નજરે દેખ્યો નહોતો તેમને પોતાના વર્તનથી મૂર્તિના સુખનું સુગમપણું કરીને અનેક સંત-હરિભક્તોને મહારાજની મૂર્તિના સુખે સુખિયા કરવાનો અનુભવ કરી દેખાડ્યો. કોઈને એમ થાય જે મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત કેવા હશે ? તો તેને બાપાશ્રીનાં દર્શન કરવાથી સાક્ષાત્કાર અનુભવ થતો, એટલું જ નહિ પણ બાપાશ્રીનાં દર્શનથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપશમ, નિર્વિકલ્પ સમાધિ, સ્થિતપ્રજ્ઞપણું વગેરેનો સાક્ષાત્કાર અનુભવ થતો. સંતનાં બત્રીસ લક્ષણ તથા કલ્યાણકારી ઓગણચાલીસ ગુણ બાપાશ્રીમાં પ્રત્યક્ષ દેખાતા. બાપાશ્રીએ જન્મથી આરંભી દેહોત્સવ પર્યંત પોતાનું અણિશુદ્ધ વર્તન રાખ્યું ને દરેક ક્રિયાની પણ એવી જ શુદ્ધિ રાખી હતી. કોઈને આ ને આ જન્મે ખરા ભાવથી પોતાનો આત્યંતિક મોક્ષ કરી લેવાની અતિ તીવ્ર ત્વરા થાય તો સહેલામાં સહેલો અને સુગમમાં સુગમ રસ્તો બતાવનાર બાપાશ્રી હતા. તેમની સેવા, સમાગમ, દર્શન, સ્પર્શ, પ્રસન્નતા વગેરેથી કેટલાયને પોતાનો આત્યંતિક મોક્ષ એટલે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયો. એવી રીતે અનેકને પૂર્ણકામપણું અને કૃતાર્થપણું મનાવી મૂર્તિના સુખની પ્રાપ્તિ કરાવવારૂપ સદાવ્રત હવે પોતે કરેલ વચનામૃત-રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા તથા તેમની કરેલી વાતોથી મળ્યા કરશે. આપણને આમ અંતર્ધાનપણું દેખાડ્યું તે તો બાપાશ્રીની મરજી. હવે તો તેમનાં વચન મુજબ વર્તવાની આપણી સૌની ફરજ છે. એવી ઘણીક વાતો કરી સૌને ધીરજ આપી. પછી બાપાશ્રીને ઘૃતથી નવરાવી, અગ્નિસંસ્કાર વિધિ કર્યો. ત્યારે પણ હરિભક્તો નાળિયેર તથા ઘી હોમવા સારુ અધીરા થઈ વ્યાકુળ થયા અને વિરહની વેદના સમાય નહીં. તે વખતે બાપાશ્રીએ સર્વેને ધીરજ પ્રેરી એટલે સર્વે શાંત થઈ ઊંચે સ્વરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. એમ અગ્નિસંસ્કાર થઈ રહ્યા પછી સર્વે સ્નાનવિધિ કરી વિરહનાં કીર્તન બોલતાં બોલતાં બાપાશ્રીને ઘેર આવી, મંદિરમાં દર્શન કરી શ્રીજીમહારાજને સંભારતાં અને બાપાશ્રીએ આપેલાં સુખ તથા તેમના ગુણોનું વર્ણન કરતાં કરતાં સૌ પોત-પોતાને ગામ ગયા. ત્યારપછી બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ અને ભૂજના ભોગીલાલભાઈ તથા મોતીભાઈ આદિક તથા રામપુરવાળા દેવરાજભાઈ વગેરે હરિભક્તોએ મળી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને તાર કરી બાપાશ્રી અંતર્ધાન થયાના ખબર આપ્યા, બીજા હેતવાળા સંત-હરિભક્તોને પણ તારથી તથા કાગળોથી ખબર મોકલાવ્યા. ।। ૧૫૫ ।।
વાર્તા ૧૫૬
અષાડ સુદ ૮ને રોજ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ બાપાશ્રીના અંતર્ધાન થયાના ખબર મળવાથી કચ્છમાં ગયા. ત્યારે બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ, મનજીભાઈ તથા રામપુરવાળા દેવરાજભાઈ આદિ બાપાશ્રીનાં કાર્ય નિમિત્તે ત્યાંના સંતો તથા હરિભક્તો સાથે મળી નિર્ણય કરવા ભૂજમાં આવેલા, ત્યાં સ્વામીશ્રી આદિ મળ્યા. ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રીના અંતર્ધાન સંબંધી હકીકત પૂછી, એટલે હરિભક્તોએ સર્વે સમાચાર કહ્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પોતાને મર્મ વચનો કહી બે મહિના રાખવાની તાણ બતાવી હતી વગેરે વાત કરી તથા મહારાજની મરજી હોય તેમ આપણે રાજી રહેવું; એમ કહી સૌને ધીરજ આપી. પછી કાર્ય કેમ કરવું તે વાત થતાં સદ્ગુરુઓ કહે, બાપાશ્રીનાં કાર્ય નિમિત્તે પારાયણ બેસારવી. તેમાં કચ્છ દેશ તથા દેશોદેશથી સર્વે સત્સંગ તેડાવવો ને મોટો યજ્ઞ કરવો. ત્યારે સંત-હરિભક્તોએ કહ્યું કે, બહુ સારું. એવી રીતે નિર્ણય કરી સર્વે ઠેકાણે કાગળો લખ્યા. પછી ભૂજના હરિભક્તો સાથે સ્વામીશ્રી આદિ સંતો વૃષપુર આવ્યા, ત્યાં બાપાશ્રીનાં પ્રત્યક્ષપણે દર્શન ન થતાં જોઈ સૌને દિલગીરી થઈ, પણ બાપાશ્રીએ અનાદિમુક્તની સ્થિતિ કરાવવા પોતાનું પ્રગટપણું જણાવેલું હોવાથી એ સ્થિતિમાં મહારાજ તથા અનાદિમુક્તનું સદાય પ્રગટપણું રહે છે એવા વિચારે શોક સમાવી દીધો. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ ત્યાંના અરજણ ગોવિંદ તથા બીજા સેવા કરવામાં તત્પર રહેલા હરિભક્તો પાસે યજ્ઞનો સામાન મંગાવ્યો ને બીજી જોઈતી સામગ્રી તૈયારી કરાવી. મંદિરમાં ઠાકોરજીની સમીપે ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસારી. તે પારાયણ પ્રસંગે ગામોગામના હરિભક્તો આવેલા હોવાથી મંદિરમાં સભા ઠસોઠસ ભરાઈ જતી. શ્રીજીમહારાજની મૂર્તિ પાસે બાપાશ્રીનાં દર્શન થતાં હતાં, તેથી એમની કૃપામય દૃષ્ટિ સર્વે સભા ઉપર પડતી હતી. સંત-હરિભક્તો બાપાશ્રીના બોલાવવા તથા મળવાની અને જમવા-જમાડવાની સર્વે ચેષ્ટા આગળની રીતે બાપાશ્રીએ બંધ કરી, ને આમ મૂર્તિ રૂપે દર્શન દે છે એ વિચારે મનમાં ને મનમાં એ સુખને સંભારતા, કથાનું શ્રવણ કરતા હતા. સૌનાં મુખ ઉપર બાપાશ્રીના અંતર્ધાન થયાનો ભાવ સહેજે જણાઈ આવતો. વૃષપુરમાં બાપાશ્રીએ ઘણા યજ્ઞ કર્યા અને તે પ્રસંગે લાખો સંત-હરિભક્તો આવી ગયા, પણ દરેક યજ્ઞમાં સૌ આનંદમાં ને આનંદમાં કિલ્લોલ કરતા. ત્યારે આ પારાયણમાં કથા-વાર્તા સમયે તથા જમવા જતાં પંક્તિ વખતે સૌ શાંત દેખાતા હતા. બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક કુટુંબીજનો તો જેમ સત્ત્વ વિનાના પદાર્થ હોય તેવા એ વખતે બની રહ્યા હતા. બંને સદ્ગુરુઓ સવાર-સાંજ સૌને ધીરજ આપવા સભામાં વાતો કરતા જે, “જેમ શ્રીજીમહારાજ અખંડ છે તેમ બાપાશ્રી પણ મૂર્તિમાં રસબસ રહ્યા થકા અખંડ છે. તથા અનંત મહામુક્તોની સભા જ્યાં મહારાજ બિરાજે છે ત્યાં છે, છે ને છે જ. આપણા ઉપર તો બાપાશ્રીએ અપાર દયા કરી છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રાખવા એ જ એમનું કામ હતું. બાપાશ્રી તો અનાદિમુક્તની સ્થિતિ કરાવવાને અર્થે જ દૃષ્ટિગોચર વર્તતા હતા. તેમની વાતોમાં એ જ સાર હતો કે મહારાજની મૂર્તિમાં રહેવું, બીજે રોગી વાની ઊડે છે. બ્રહ્મકોટિ, અક્ષરકોટિ આદિકમાં ક્યાંય અટકવું નહીં. શ્રીજીમહારાજ, અક્ષરધામ તથા અનાદિમુક્ત, પરમએકાંતિક, એકાંતિક આદિનાં સ્વરૂપ તથા સામર્થ્યનું વર્ણન સત્સંગમાં લક્ષાવધિ મનુષ્યના સમાસને અર્થે કરતા, પણ મુખ્ય તો એટલું જ રાખતા જે ‘રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી.’ એ રીતે એક મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ આપવાનો તેમનો ઠરાવ હતો. અમને પણ અંતર્ધાન વખતે પ્રત્યક્ષ મેળાપ ન થયો તોપણ અમે એમ જાણીએ છીએ કે, જેવી શ્રીજીમહારાજ તથા બાપાશ્રીની મરજી. તેમની મરજીમાં આપણને સુખ છે. તમારે પણ એ જ રીતે હિંમત રાખવી. જ્યાં શ્રીજીમહારાજ છે ત્યાં જ અનંત અનાદિમુક્ત છે; પરમએકાંતિકની ફરતી સભા છે. આપણે દિવ્યભાવે એવાં દર્શન કરીએ તો બાપાશ્રી જરાય છેટા નથી, તેમ ક્યાંય ન હોય તેમ પણ નથી.” આવી રીતે સદ્ગુરુઓ નવીન નવીન વાતો કરતાં તેથી હરિભક્તોને બાહ્યદૃષ્ટિએ થયેલ શોક અને વિરહનું દુઃખ નિવૃત્ત થયું. એ રીતે ‘સત્સંગિજીવન’ની કથા પ્રસંગે દિવ્યભાવની વાતો થતાં સૌ હરિભક્તો શાંતિ પામ્યા હતા. જ્યારે પારાયણની સમાપ્તિનો દિવસ આવ્યો ત્યારે બાપાશ્રીના દીકરા કાનજીભાઈ તથા મનજીભાઈએ પુસ્તકની તથા પુરાણીની પૂજા કરી શ્રીજીમહારાજની આરતી ઉતારી; ઠાકોરજીને વસ્ત્રાદિક ભેટ કરી સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં. તે વખતે પણ એક કલાક બંને સદ્ગુરુઓએ વાતો કરી. બાપાશ્રીના પ્રતાપ અને અતિ અપાર કરેલા ઉપકારો વર્ણવ્યા. પછી સૌને એમ કહ્યું જે, હવે આપણે બાપાશ્રીને દિવ્યભાવે જોવાના રહ્યા. હેત કરી બોલાવવું, મળવું, માથે હાથ મૂકવા, કંઠથી ઉતારી હાર આપવા; એ સર્વે દુર્લભ થયું. અતિ હેતવાળાને તો એ એમ ને એમ સુખ આપવાનાં. આ તો આ રીતે દેખાવાનો સંકલ્પ બંધ કર્યો એટલું જ. શ્રીજીમહારાજ અંતર્ધાન થયા પછી દાદાખાચરે અતિ હેતે સંભાર્યા ત્યારે સભાએ સહિત મહારાજે તરત જ દર્શન આપ્યાં તથા અ.મુ. ગોપાળાનંદ સ્વામી જેવા મહામોટા શ્રીજીમહારાજના લાડીલા મુક્ત સંતો તથા પર્વતભાઈ જેવા અનાદિમુક્તને પણ અતિ હેતે સંભારે તેને હજી પણ દર્શન આપે છે તેમ બાપાશ્રી પણ સૌને દર્શન દેશે. વર્તમાનકાળે શ્રીજીમહારાજની સાથે અંત સમયે બાપાશ્રી ઘણાને દર્શન દે છે અને દેશે. એમની દયાનો કાંઈ પાર જ નથી. બાપાશ્રીએ આ લોકમાં ચોરાસી વરસ દર્શન આપ્યાં. તેમાં પ્રગટ થયા ત્યારથી આજ દિવસ સુધી જે જે પ્રકારે પોતે સુખ આપ્યાં તેમાં દિન-પ્રતિદિન નવીન ને નવીન જ હતું. કેટલાક તો એમની આવી દિવ્ય ચેષ્ટા ન જાણી શકતા, તેથી એમ બોલતા જે, જુઓને ! આ ગાંડા થઈને બાપા વાંસે ફરે છે. એમ કહેનાર જો અમારી પાસે આવે તેને અમે એમ કહીએ કે એમનો મહિમા સમજનાર તો ગાંડા મટીને ડાહ્યા થયા છે ત્યારે જ આવા મહાસમર્થ અનાદિમુક્તને ઓળખ્યા. તમે પણ ડાહ્યા થઈ બાપાશ્રીનો મહિમા જાણી મહારાજની પ્રસન્નતાનો લાભ લો. આ દેશમાં પણ કોઈ કોઈ એમ બોલતા જણાય છે. કેટલાક પાસે રહેનારામાં પણ એવો ભાવ રહેતો હોય એમ જ જણાય છે. પણ અમે તો સૌને કહીએ છીએ કે, કોઈ મહિમાએ રહિત જાદવની પેઠે ભાગ્ય વિનાના થશો નહીં. આ દેશમાં બાપાશ્રી પોતાનું ઘર માની રહ્યા તેથી અહીં તો કોઈને સુખ આપવામાં જરાય કસર રાખી નથી. તેમની છાયામાં રહેનારા તમે સૌ તેમના કરેલા ઉપકાર ભૂલશો નહીં. ને કોઈ અવગુણની વાતો કરે તે હૈયે ધરશો નહીં. સૌ બાપાશ્રીને દિવ્યભાવે સંભારજો. અમે તથા કેટલાક દૂર દેશના હરિભક્તો દરિયા ઊતરીને બાપાશ્રીનાં દર્શનની ને સેવાની તાણે આવતા. હવે તો જે આવનારા હશે તે પણ આમ દોડી દોડીને નહિ આવે. સત્સંગમાં અત્યારે કચ્છનો સત્સંગ દિવ્ય ગણાઈ ગયો છે. એમ સદાય દિવ્ય ને દિવ્ય રાખજો. પરસ્પર હેત રાખી સૌ મૂર્તિનાં સુખ ભોગવજો. કથા, વાર્તા ભેળાં મળી કરજો. બાપાશ્રીએ મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા છે તે વિસારશો નહીં. શ્રીજીમહારાજ તથા બાપાશ્રીની સત્સંગ ઉપર અપાર દયા છે. અનંત મુક્તો મૂર્તિમાં સદાય રસબસ રહ્યા છે પણ જે વખતે જે મુક્ત શ્રીજીમહારાજના સંકલ્પથી દૃષ્ટિગોચર વર્તતા હોય તે થકી આત્યંતિક મોક્ષ સહેજમાં થાય છે. અક્ષરધામમાં અનંતકોટિ મુક્ત છે એમ આપણે સૌએ સાંભળ્યું છે, પણ સત્સંગમાં પાંચસો પરમહંસ ઉપરાંત ઘણા સંતો, હજારો હરિભક્તો એથી વધુ લાખો કહીએ પણ જો એક કરોડ (કોટિ) કહીએ તો ઘણા વર્ણવ્યા ગણાય. એવા અનંતકોટિ મુક્ત મહારાજની મૂર્તિમાં રસબસ રહ્યા છે, તેમના આકાર શ્રીજીમહારાજના જેવા જ દિવ્ય છે. એવા મુક્તોમાંથી જેટલા મુક્ત મહારાજે અહીં દેખાડ્યા, તેટલા આપણે જોયા. તેવા મહામુક્તને દર્શને, સ્પર્શે તથા સેવાએ અનંત જીવોના આત્યંતિક મોક્ષ થયા. કોઈ અન્ય અવતારોમાં મહારાજના અનાદિમુક્તની પેઠે દર્શને, સ્પર્શે આમ સહેજમાં આત્યંતિક મોક્ષ થયા લખાણા નથી. આજ તો મહાપ્રભુએ અગમ તે સુગમ કર્યું છે. આપણાં દરેક શાસ્ત્રમાં એ વાત લખાણી છે. વર્તમાનકાળે બાપાશ્રીએ ચોરાસી વરસમાં અસંખ્ય ઉદ્ધાર્યા ને છેલ્લી પ્રાપ્તિ અનાદિમુક્તની સ્થિતિ કરાવી. જે જે પોતાની દૃષ્ટિમાં આવ્યા, હાથ જોડ્યા, એટલામાં જ તેમને મૂર્તિમાં રાખવાના કોલ આપતા. આવી અપાર દયાને સદાય સંભારજો. બાપાશ્રીનો કોઈને અયોગ્ય ઘાટ-સંકલ્પ કે મન, કર્મ, વચને અપરાધ થઈ ગયો હોય તે પણ આ સભામાં મૂર્તિ પાસે માફી માગી લેજો અને હવેથી સદાય દિવ્યભાવે જોવાનું દૃઢ કરી રાખજો. આવી ઘણીક વાતો કરી. તે વખતે મંદિરમાં સભા ઠસોઠસ ભરાયેલી હતી. મંદિરની ઓસરીમાં પણ હરિભક્તો ઊભા ઊભા સમાતા ન હતા. તે વખતે જામનગરવાળા રતિલાલભાઈએ સભામાં ઊભા થઈ બાપાશ્રીના દિવ્યભાવની, અદ્ભુત પ્રતાપની વાતો કરી. સૌને બાપાશ્રીએ કરેલા ઉપકારો ન ભૂલવાની ભલામણ કરી હતી. આ પ્રસંગે ટપ્પરવાળા ફોજદાર રામજીભાઈ આવેલા, તેમણે સભામાં પોતે ઊભા થઈ સદ્ગુરુઓને પ્રાર્થના કરી કહ્યું કે, સ્વામી ! આ સભામાં મને બે વચન બોલવાની આજ્ઞા આપો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ભલે બોલો. ત્યાર પછી તેમણે સભાને હાથ જોડીને કહ્યું કે, સંતો ! હરિભક્તો ! હું અહીં આ ફેરે દર્શને આવ્યો છું, ને પ્રથમ પણ જ્યારે જ્યારે આવતો ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિનાં તથા બાપાશ્રીનાં દર્શન કરતો, તે વખતે શ્રીજીમહારાજની મૂર્તિ તથા બાપાશ્રીના દેખાવમાં, જેમ સગા બે ભાઈ હોય અને એકબીજાનાં મુખ મળતાં આવતાં હોય તેમ એવો ભાવ મને મુખનો જણાતો. પણ મારા મનમાં એમ થતું જે ભગવાનને ભાઈ હોય કે ન હોય ! આવા વિચારોને હું મનમાં ને મનમાં સમાવી રાખતો, પણ બાપાશ્રી જ્યારે મંદિરમાં હોય ત્યારે તો ખાસ કરીને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના મુખ સામું ઘણી ઘણી વાર જોયા કરતો. અમારું કામ એવું છે કે અમે બે વરસનું છોકરું નાનપણમાં જોયું હોય પછી તેને ચાલીસ-પચાસ વરસ થાય તોપણ મોઢા ઉપરથી પારખી શકીએ કે આ નાનપણમાં જે જોયેલ તે જ છે. તેમ બાપાશ્રીના અને મહારાજની મૂર્તિના મુખારવિંદના ભાવમાં મળતાપણું દેખાતાં મને આશ્ચર્ય થતું તે હું આજ કહું છું. હમણાં આ સ્વામીએ વાતોમાં કહ્યું કે, મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસ રહ્યા છે. તેમના આકાર મહારાજના જેવા જ દિવ્ય છે તેથી મને તો એમ જ થયું કે આ બાપાશ્રી પણ મૂર્તિમાં રહેલા સ્વતંત્ર અનાદિમુક્ત જ છે. મારે સત્સંગનો અનુભવ થોડો પણ બાપાશ્રી તથા સંત-હરિભક્તોની કૃપાનો લાભ મળે એમ જાણી આ પ્રસંગે મારા મનના વિચારો સભા સમક્ષ કહ્યા, તેથી સૌ મારા ઉપર રાજી રહેજો ને બાપાશ્રીના કરેલા ઉપકારોને આ સ્વામીશ્રી કહે છે તે પ્રમાણે ભૂલશો નહિ એમ કહ્યું, તે વખતે સૌ સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી સમાપ્તિ કરી કીર્તન બોલ્યા. પછી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીએ રામજીભાઈ ઉપર પ્રસન્ન થઈને પાઘડી બંધાવીને રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાવાળું વચનામૃત તથા એક મૂર્તિ ભેટ આપી તેથી તે ઘણા રાજી થયા. સમય થયો એટલે સૌ હરિભક્તો ઠાકોરજી જમાડવા ગયા. બપોરે પણ સદ્ગુરુઓએ સભામાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના મહિમાની ઘણી વાતો કરી સૌને રાજી કર્યા. પછી કાર્યની સમાપ્તિ થયે બંને સદ્ગુરુ આદિ સંતોની પ્રસન્નતા માગી સૌ હરિભક્તો પોતપોતાને ગામ ગયા. એવી રીતે બાપાશ્રીના કાર્યમાં આવેલા દેશોદેશના અને કચ્છના ગામોગામના હરિભક્તોને આ બ્રહ્મયજ્ઞનાં દર્શન થયાં. તે પ્રસંગે બાપાશ્રીએ ઘણાક હરિભક્તોને તથા સંતોને દિવ્ય રૂપે દર્શન આપેલાં; એવી બાપાશ્રીની સત્સંગ ઉપર અપાર દયા છે. ।। ૧૫૬ ।।
વાર્તા ૧૫૭
બાપાશ્રીના કાર્ય પ્રસંગે અમદાવાદ તથા મૂળીથી આવેલા સંતો અને આશાભાઈ જેવા બાપાશ્રીની સેવામાં નિરંતર રહેનારા હરિભક્તો પંદર-વીસ દિવસ રહીને જ્યારે ગુજરાત તરફ જવા નીકળ્યા, ત્યારે બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક સંબંધીજનો તથા ગામ-પરગામના ઘણા હરિભક્તો એક ગાઉ સુધી વળાવવા આવ્યા. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી સૌને પાછા વળો, ઊભા રહો, એમ કહે પણ કોઈ પાછા જ ન વળે. કેમ જે હવે બાપાશ્રી અંતર્ધાન થયા પછી મૂર્તિના સુખની વાતો કરનાર આ બંને સદ્ગુરુઓ હોવાથી સૌ હાથ જોડી પ્રાર્થના કરે, આશીર્વાદ માગે, એ સર્વેને ઊભા રાખી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, તમે હવે બાપાશ્રીની આજ્ઞા પ્રમાણે પરસ્પર મૂર્તિના સુખની વાતો કરી સુખિયા રહેજો. બાપાશ્રી ક્યાંય ગયા નથી. જ્યાં શ્રીજીમહારાજ છે ત્યાં બાપાશ્રી છે. અનંતકોટિ મુક્ત છે એમ જાણી તેમને સંભારી રાજી રહેજો. એમ કહી સૌને પાછા વાળ્યા ને સંતો ભૂજ ગયા. ત્યાં બે દિવસ રહ્યા, ત્યારે ભૂજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, લાલશંકરભાઈ, મોતીભાઈ, નારાયણભાઈ આદિક ભક્તોએ પ્રાર્થના કરી જે, સ્વામી ! આપ હજી એકાદ માસ વધુ રોકાઈને બાપાશ્રીને દેન દીધેલ છે તે ઠેકાણે સ્મૃતિરૂપ સ્થાન કરાવો તો સારું, કેમ કે એ જગ્યા મહાપ્રસાદીરૂપ છે. શ્રીજીમહારાજ જ્યાં બિરાજેલા હતા, તે ઠેકાણે બાપાશ્રીએ છત્રી કરાવી મોટો યજ્ઞ કરી મહારાજનાં ચરણારવિંદ પધરાવ્યાં છે અને ત્યાં દર્શન કરનારાઓને આત્યંતિક મોક્ષનો આશીર્વાદ આપ્યો છે. એવી પવિત્ર ભૂમિમાં જ બાપાશ્રીના પ્રગટ થવાનું નિમિત્ત થયું. વળી તેમનો છેલ્લો વિધિ પણ ત્યાં જ થયો તેથી એ સ્થાન બહુ ચમત્કારી ગણાય, માટે આપ દયા કરી જ્યાં બાપાશ્રીને દેન દીધેલ છે ત્યાં છત્રી કરાવીને પછી જાઓ તો સારું. પછી સદ્ગુરુઓ આદિ સંતોને એ વાત ઠીક લાગી એટલે વૃષપુરથી મિસ્ત્રી ગોવિંદ અરજણ મેપાણીને તેડાવીને નકશો કરાવ્યો. તે જોઈ સૌ હરિભક્તો રાજી થયા ને કહ્યું જે, સ્વામી ! આપે રોકાવાનું કર્યું તે ઠીક થયું. પછી મિસ્ત્રી ગોવિંદ અરજણ તથા બીજા જે જે એ કામ કરી શકે તેવા માણસોને સાથે લઈને થોડાક સંતોએ સહિત સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર આવ્યા. ત્યાં ગામના હરિભક્તોને આ વાત કરી, ત્યારે તે પણ રાજી થયા ને કહ્યું જે, સ્વામી ! આ કામ માટે તમે ભૂજથી પાછા આવ્યા તે બહુ સારું કર્યું. આવું બાપાશ્રીની સ્મૃતિરૂપ સ્થાન થતાં અનેક જીવોનો મોક્ષ થશે. એમ કહી એ કામ ચાલતું કર્યું. ગામના હરિભક્તો પણ આ કામમાં અતિ હેતે સહિત સેવા કરતા. સૌને એમ જે આવી દિવ્ય સેવા આપણને ક્યાંથી મળે ? પછી વેકરાના મિસ્ત્રી વીરજી મનજીભાઈને મિસ્ત્રી ગોવિંદભાઈએ તેડાવીને કહ્યું જે, આપણે છત્રીનું કામ કરવું છે તે માટે સ્વામીશ્રીએ તમને તેડાવ્યા છે. એવું સાંભળી તે પણ બહુ રાજી થયા ને ઠાકોરજીના તથા સ્વામી આદિ સંતોનાં દર્શન કરીને બોલ્યા જે, સ્વામી ! આપે મારા પર ઘણી દયા કરી ખબર આપ્યા તે ઠીક કર્યું. મને બાપાશ્રીના રાજીપાની તાણ ઘણી રહે છે, કેમ કે જ્યારે માધાપુરના મંદિરનું કામ ચાલતું હતું, ત્યારે નારાયણભાઈની મેડી ઉપર બાપાશ્રીએ પ્રસન્ન થઈને મને એમ કહેલ જે, તમો કારીગર છો, પણ જે જે કામ કરો તે મહારાજની મૂર્તિને સંભારીને કરજો, એમ કહ્યું છે. ત્યારથી મને એ વચન સાંભર્યા કરે છે. તેથી આવી બાપાશ્રીના સ્થાનની સેવા મારા જેવાને ક્યાંથી મળે ? એમ કહી તેમણે ઘણો ઉત્સાહ જણાવ્યો. બીજા પણ જે જે કામ કરનારા હતા તે સર્વે બાપાશ્રીની પ્રસન્નતાનું આ કાર્ય જાણીને હેતે સહિત સેવા કરતા હતા. તેમને તથા ઘરમાં બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક અને આ કામમાં સેવા કરવા તત્પર રહેલા હરિભક્તોને પોતાનો દિવ્યભાવ જણાવતા બાપાશ્રી વારંવાર દર્શન દેતા હતા. તેથી સૌના મનમાં એમ જે આ કામમાં બાપાશ્રીનો ઘણો રાજીપો છે. એક દિવસ થાંભલા ઘડવાનું કામ ચાલતું, ત્યારે રાત્રિના દસ વાગ્યે મિસ્ત્રી વીરજીભાઈને બાપાશ્રીએ પ્રત્યક્ષ દર્શન દઈને કહ્યું જે, ‘તમે તો છત્રીના થાંભલા ઘડો છો ને ?’ ત્યારે તે કહે, હા બાપા. તે વખતે બાપાશ્રીએ કહ્યું જે, “માધાપુરમાં અમે તમને કહ્યું છે તે સંભારી રાખજો ને કામ બરાબર કરજો.” એમ કહી અદૃશ્ય થઈ ગયા. તે વાત તેમણે સ્વામીશ્રી આદિ સંતોને કહી અતિ હેતભર્યા સૌ છત્રી કરવાના કામમાં તત્પર રહેતા. એમ એક મહિનામાં કામ પૂરું થયું, એટલે સ્વામીશ્રીએ મિસ્ત્રી ગોવિંદભાઈ તથા વીરજીભાઈને પાઘડીઓે બંધાવી. પછી તેમને તથા સેવા કરનારા સર્વે હરિભક્તોને બાપાશ્રીની પ્રસન્નતાના તથા મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપીને કહ્યું જે, તમોએ આ છત્રીના કામમાં સેવા બહુ સારી કરી. આ સ્થાન થવાથી અનેક સંત-હરિભક્તોને આત્યંતિક મોક્ષરૂપ એક નવું સદાવ્રત ચાલતું થયું. કેમ કે અહીં જે કોઈ દર્શને આવશે તેમને બાપાશ્રીનું સહેજે સ્મરણ થશે, તેથી બાપાશ્રીનાં ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ, તથા અપાર-અપાર કરુણામય દૃષ્ટિ વડે શ્રીજીમહારાજની અનંત મુક્તોએ સહિત સ્મૃતિ થતાં અનેક મુમુક્ષુજનોનાં મોક્ષરૂપી કાર્ય સિદ્ધ થશે. એમ કહી સૌ હરિભક્તોને પ્રસન્ન કરી સ્વામીશ્રી આદિ સંતો ભૂજ થઈને ગુજરાત તરફ વળ્યા. ।। ૧૫૭ ।।
સમાપ્ત
।। શ્રી સ્વામિનારાયણ નમઃ ।।
અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહાપ્રભુએ અનંતકોટિ અનાદિ મહામુક્તોએ સહિત આ લોકમાં પોતાનું સાક્ષાત્કાર દર્શન આપી અનેક મુમુક્ષુ જનોને ન્યાલ કર્યા. તેમનાં અનંત ચરિત્રો ગ્રંથમાં લખાણાં તથા અનાદિ મહામુક્તોનાં સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપનાં વર્ણનોથી આખા સંપ્રદાયને એ મહાપ્રભુના સ્વરૂપનું સાક્ષાત્કાર જ્ઞાન થતાં અતિ ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી મૂર્તિને સુખે સુખિયા થવાનું સુગમપણું થયું. સંવત ૧૯૦૧ થી ૧૯૮૪ સુધી અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ પણ અનંત પ્રકારે શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન પ્રવર્તાવવા જન્મથી અંતર્ધાન થવા સુધી ઘણુંય કર્યું. બાળ સ્વરૂપમાં એવાં ચરિત્રો કરતાં કે સહેજે અલૌકિકભાવ આવે. પછી જેમ જેમ પ્રસિદ્ધ થતા ગયા તેમ તેમ બહુ પ્રકારે શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા. ત્યાર પછી સમાધિ થવા માંડી, તેથી અનેક સંત-હરિભક્તો આકર્ષાયા. પછી પોતે શ્રીજીમહારાજની મૂર્તિમાં અનાદિમુક્તો રસબસભાવે કેવી રીતે સુખ ભોગવી રહ્યા છે તેનું વર્ણન કરવા માંડ્યું તેથી સ્થિતિવાળા મોટા મોટા સંતો, હરિભક્તો મૂર્તિનું સુખ લેવા જોગ-સમાગમ કરતા અને પોતાના સંબંધવાળા હરિભક્તો તથા મુમુક્ષુજનોને બાપાશ્રીની ઓળખાણ કરાવતા. ત્યાર પછી બાપાશ્રીએ મોટા મોટા યજ્ઞો કર્યા. તેમાં પોતે એવા સંકલ્પ કરતા જે, અમારા યજ્ઞમાં જે કોઈ આવી પ્રસાદી જમશે તેમનો અમે આત્યંતિક મોક્ષ કરી મૂર્તિના સુખે સુખિયા કરશું. એ જ પ્રમાણે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રાખવાની વાતોથી અનેક સંત-હરિભક્તો મહામોટી સ્થિતિને પામ્યા. એવી ચમત્કારી વાતોનો સંગ્રહ કરવા મેં (ઈશ્વરચરણદાસજીએ) જ્યારે ઇચ્છા જણાવી અને બાપાશ્રીએ જ્યારથી આજ્ઞા આપી ત્યારથી જે જે વાતો થઈ તેમાં પણ જે જે વખતે અમો સમાગમ કરવા જતા ત્યારે વાતો લખી લેતા; તે સંગ્રહ બાપાશ્રીની બે ભાગની વાતોનાં પુસ્તકમાં પ્રસિદ્ધ થયેલ છે. તેથી યાવદ્ચંદ્રદિવાકરૌ સંપ્રદાયમાં શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્તોની સ્થિતિને જાણી પોતે મૂર્તિના સુખભોક્તાપણે એ સ્થિતિ પ્રાપ્ત કરે એ તેમનો મુખ્ય હેતુ એમનાં કૃપામય વચનોમાં વારે વારે જોવામાં આવે છે. આ ઉપરાંત પોતાના સંબંધમાં આવેલા સંત-હરિભક્તો હેતે સહિત જ્યારે સંભારતા ત્યારે અદ્ભુત પ્રતાપ જણાવી પ્રત્યક્ષ દર્શન આપતા તથા કેટલાકને અંત સમે શ્રીજીમહારાજની સાથે પોતે દર્શન આપી દેહ મૂકાવી મૂર્તિના સુખે સુખિયા કરતા. એવા અનાદિમુક્તરાજ બાપાશ્રીના ઐશ્વર્ય પ્રતાપનો પાર પામી શકાય તેમ નથી, તોપણ બાપાશ્રીના અદ્ભુત પ્રતાપની જે કિંચિત્ વાતો જાણવામાં આવી છે તે શ્રીજીમહારાજ તથા બાપાશ્રીની પ્રસન્નતાને અર્થે લખી છે. તે વાંચી મુમુક્ષુ જનોને અનાદિ મુક્તરાજ બાપાશ્રીના અલૌકિક પ્રતાપની ખબર પડે અને તેમને વિષે હેત થતાં તેમની કરેલી શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહેવાની વાતોનું શ્રવણ-મનન-નિદિધ્યાસ કરી પોતે અનાદિમુક્ત થઈ મૂર્તિમાં રસબસ રહી મૂર્તિનું સુખ ભોગવે એ જ હેતુ છે.
પરચા
૧
સંવત ૧૯૪૨ની સાલમાં બાપાશ્રી છસો હરિભક્તોના સંઘે સહિત કચ્છથી મૂળી આવ્યા, ને ત્યાં બે રસોઈઓ આપી. ત્યાં બાપાશ્રીને સમાધિ થઈ હતી. પછી જ્યારે સંઘ ગઢડે ચાલ્યો ત્યારે સમાધિમાંથી તો જાગ્યા, પણ માંદા થઈ ગયા, તેથી જઈ શક્યા નહીં. તેમની સેવામાં મુક્તરાજ રત્ના ભક્તના પૌત્ર કાનજી ભક્ત રહ્યા. જ્યારે સંઘ ગઢડે પહોંચ્યો, ત્યારે મુક્તરાજ ધનબા ડોસીને શ્રીજીમહારાજ તથા મુક્તોનાં દર્શન થયાં. તે વાત કેસરાભાઈને જગાડીને કરી જે, આજ શ્રીજીમહારાજ અનંત મુક્તોએ સહિત અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીને તેડવા મૂળીએ ગયા, તે સત્સંગમાં આપણું મોટું સુખ ગયું. ત્યારે કેસરાભાઈ કહે, મા ! હું તમારો દીકરો છું. તે તમારા જેટલું તો ન જાણું, પણ એટલું તો મને નક્કી છે જે, આપણું સુખ નહિ જાય. કેમ કે મૂળીથી આપણે ચાલ્યા ત્યારે બાપાશ્રીએ મને કહ્યું છે કે, અમે જરૂર ગઢડે આવશું. તેથી જો મહાપ્રભુજી આવ્યા હશે તોપણ તેડી નહિ જાય, એમ વાત કરીને સૂઈ ગયા. બીજે દિવસે બાપાશ્રીને શરીરે ઠીક થયું એટલે કાનજી ભક્તને સાથે લઈને ગઢડે જવા નીકળ્યા. જ્યારે ગઢડું અડધો ગાઉ દૂર રહ્યું ત્યારે કેસરાભાઈએ સર્વે સંઘને કહ્યું જે, બાપાશ્રી આવે છે માટે ચાલો આપણે સામા જઈએ. એમ કહી હરિભક્તો સહિત સામા ચાલ્યા તે ગામ બહાર ભેગા થયા. ત્યાં સૌને મળ્યા ને બહુ પ્રસન્નતા જણાવી. સંઘે સહિત બે દિવસ ગઢડામાં રહી મહારાજના મહિમાની ઘણીક વાતો કરી, ઘણા સંત-હરિભક્તોને સુખિયા કર્યા. ત્યાંથી ધોલેરા થઈ ધોળકે આવ્યા. તે વખતે જેતલપુરમાં મોટા સંત સદ્. શ્રી ધ્રુવાનંદ સ્વામીને દેહ મૂકવા સમયે શ્રીજીમહારાજ તેડવા આવેલા, ત્યારે બાપાશ્રીએ મહારાજની પ્રાર્થના કરી જે, આ સંઘ બે દિવસમાં જેતલપુર પહોંચી જશે. માટે સ્વામીશ્રીને બે દિવસ રાખો તો આ સંઘને સંભારવા થાય. એવાં વચન સાંભળી શ્રીજીમહારાજે ધ્રુવાનંદ સ્વામીને રાખ્યા. જ્યારે સંઘ ધોળકેથી જેતલપુર પહોંચ્યો ત્યારે જસા ભક્ત મંદિરની વાડીમાં રહેતા હતા. તેમને શ્રીજીમહારાજ માણકી ઘોડી પર બેઠેલા ને વતુ વધેલું એવાં દર્શન થયાં. ત્યારે જસા ભક્તે કહ્યું જે, મહારાજ ! તમે આવા દૂબળા કેમ દેખાઓ છો ? ઘોડી પણ દૂબળી જણાય છે, વતુ પણ વધેલું છે તેનું શું કારણ ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આ કચ્છનો સંઘ જ્યારથી નીકળ્યો છે ત્યારથી અમે એમના ભેળા ચાલીએ છીએ. એ સંઘ મોટો બહુ છે અને કેડા મોર સૌ ચાલે છે તેથી કોઈ તેમને લૂંટી ન જાય, તેમ માર્ગ પણ ન ભૂલે એટલા માટે સાથે જ રહીએ છીએ, તેથી તમને આવા દેખાઈએ છીએ. એટલામાં તો સંઘ જેતલપુર જઈ પહોંચ્યો ને સર્વેને દર્શન થયાં. પછી બે દિવસ રહીને જ્યારે અમદાવાદ તરફ ચાલવાની તૈયાર કરી ત્યારે ધ્રુવાનંદ સ્વામીએ અદ્ભુત પ્રતાપ જણાવી દેહત્યાગ કર્યો. તે વખતે ચંદનની વૃષ્ટિ થઈ, તે સર્વત્ર સુગંધ સુગંધ થઈ રહ્યો. તે ચંદનની ગોળીઓ કરીને સંઘમાંના કેટલાક મનુષ્યોએ લઈ લીધી હતી, તે હજી પણ છે. પછી સંઘ અમદાવાદ આવ્યો ને ત્યાં રસોઈઓ આપી. અને બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી નિર્ગુણદાસજીના આસને દર્શને ગયા. ત્યાં સ્વામીને દંડવત કરીને મળ્યા. ત્યારે બાપાશ્રી કહે, સ્વામી ! ઘણા દિવસે દર્શન થયાં. ત્યારે સ્વામીએ કહ્યું જે, વૃષપુરમાં અણદા ભક્તે દેહ મેલ્યો ત્યારે તમે પાસે બેઠા હતા તે વખતે તમારા ભત્રીજા ગોવિંદ ભક્તને બહુ તેજ દેખાણું તે તેજ દેખીને બીન્યા. તેમને તમે ધીરજ આપીને કહ્યું જે, આ તો મહારાજનું અને મુક્તનું તેજ છે. પછી આપણે અણદા ભક્તને તેડી ગયા, તેને બે મહિના થયા છે અને ઘણે દહાડે ભેગા થયા એમ કેમ કહો છો ? ત્યારે બાપાશ્રી હસ્યા. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, અણદા ભક્તની મહાપથારી હતી તે ઠેકાણે શ્રીજીમહારાજ સંવત ૧૮૬૨ની સાલમાં થાળ જમ્યા હતા ત્યાં ઓટો કરાવજો. પછી જ્યારે બાપાશ્રી કચ્છમાં પધાર્યા ત્યારે તે ઠેકાણે ઓટો કરાવ્યો છે.
બીજે દિવસે સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને આસને મહારાજના મહિમાની વાતો થતી હતી. સભામાં બાપાશ્રી પણ બેઠેલા હતા. તેથી સભા મોટી થઈ હતી. ત્યાં અમદાવાદના શેઠ ચીમનલાલભાઈ તથા વકીલ સોમેશ્વરભાઈ આદિ હરિભક્તો આવીને સ્વામીને પગે લાગીને આગળ બેસતા જાય ને બાપાશ્રી પાછા ખસતા જાય. તે જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, તમે પગે લાગી લાગીને નજીક બેસો છો અને આ અનાદિમુક્ત પાછા ખસતા જાય છે તેમની તમે મર્યાદા સાચવતા નથી, પણ એ કેવા છે ? તો, જેતલપુરમાં સદ્. શ્રી ધ્રુવાનંદ સ્વામીને મહાપથારીમાંથી મહારાજને કહીને રખાવ્યા ને ચંદનની વૃષ્ટિ કરાવી એવા છે. શ્રીજીમહારાજ આ મુક્તનું માને છે, એવા મોટા છે તેમને તમે ગણતા નથી ને આગળ આગળ આવીને બેસો છો, પણ આ તો અનાદિ મહામુક્ત છે. તેમને શ્રીજીમહારાજે અનંત જીવોના મોક્ષને માટે મોકલ્યા છે. એવા સ્વામીશ્રીનાં વચન સાંભળી ચીમનલાલ શેઠ આદિ સૌ ઊઠીને બાપાશ્રીને દંડવત કરી પ્રાર્થના કરવા લાગ્યા જે, અમે તમને બીજા હરિભક્ત જેવા જાણીને મર્યાદા ન રાખી એ અપરાધ દયા કરીને માફ કરો. પછી સ્વામીશ્રીને પણ પ્રાર્થના કરીને ચીમનલાલ શેઠે કહ્યું કે, એમને મારી ભલામણ કરો જે, મને અક્ષરધામમાં લઈ જાય. પછી સ્વામીશ્રીએ બાપાશ્રીને કહ્યું જે, આ જીવ તમારો છે, તેને અંત વખતે સંભારી લેજો. ત્યારે બાપાશ્રી કહે જે, બહુ સારું, આપનું વચન માથે ચડાવશું. પછી ચીમનલાલ શેઠને બાપાશ્રીને વિષે ઘણું હેત થઈ ગયું, તેથી હાથ જોડી વિનય કરી બાપાશ્રીને પોતાને ઘેર તેડી ગયા ને પુત્રની ઇચ્છા જણાવી. તેમનાં વિનય વચનથી બાપાશ્રી રાજી થઈને બોલ્યા જે, મહારાજ તમારી ઇચ્છા પૂરી કરશે. આપણે તો શ્રીજીમહારાજને ઘડીએ વિસારવા નહીં. એ આશીર્વાદથી તેમને હાલમાં જેઠાલાલભાઈ પ્રોફેસર છે તે દીકરા થયા. ।। ૧ ।।
૨
સંવત ૧૯૪૪ની સાલમાં અનાદિ મુક્તરાજ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી મૂળીમાં ચાતુર્માસ કરવા રહ્યા હતા. ત્યાં બાપાશ્રી તથા કુંવરજી પટેલ આદિ ઘણા હરિભક્તો આવેલા હતા. એક દિવસ બપોરના ત્રણ વાગે જ્યાં સ્વામીને નાહવા માટે ચોકડી કરી છે ત્યાં સ્વામીશ્રી તથા બાપાશ્રી શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા હતા. તે વખતે પુરાણી શ્રીકૃષ્ણદાસજી તથા માળિયા ઠાકોર મોડજી દરબાર પાસે બેઠા હતા. તે વખતે સ્વામી નિર્ગુણદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, અહીં બેઠા થકા જીવને મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દે એવા કોઈ અત્યારે હશે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, હા. ત્યાગીમાં તો મારી પાસે બેઠા છે તે અને ગૃહસ્થમાં તમારી પાસે બેઠા છે તે છે. એમ મર્મવચનથી દિવ્યભાવ જણાવ્યો. ।। ૨ ।।
૩
સંવત ૧૯૪૮ની સાલમાં અમદાવાદમાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી માંદા હતા તે વખતે વૃષપુરમાં બાપાશ્રીએ પણ મંદવાડ ગ્રહણ કર્યો. જેથી સ્વામીશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે એક કાગળ ભૂજના મહંત સદ્. સ્વામી અક્ષરજીવનદાસજી ઉપર લખાવ્યો જે, વૃષપુરમાં અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે. તેમનો ખાટલો મંદિરમાં રાખશે માટે તેમની સેવામાં તમો બે સાધુ તરત મોકલજો. અને બીજો કાગળ બાપાશ્રી ઉપર પણ લખાવ્યો જે, તમારો ખાટલો મંદિરમાં રાખજો અને ભૂજથી બે સાધુ તમારી સેવામાં આવશે; એવી રીતે બે કાગળ લખાવ્યા. પછી ભૂજથી સાધુ જગજીવનદાસજી તથા નારાયણચરણદાસજી વૃષપુર ગયા ને ખાટલો મંદિરમાં લાવ્યા. તે વખતે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા તેને દસ દિવસ થયા પણ બહાર આવ્યા જ નહીં. ત્યારે સેવામાં રહેલા સાધુ તથા ગામના અને ફરતાં ગામોના સેવા કરનારા હરિભક્તોએ વિચાર કર્યો જે, બાપાશ્રી કદાપિ બહાર નહિ આવે ને આમ ને આમ ધામમાં જતા રહેશે તો આપણે કાંઈ પ્રાર્થના નહિ થાય અને આશીર્વાદ પણ નહિ મંગાય, માટે જગાડીએ તો ઠીક. એમ વિચાર કરી બહુ બોલાવી-હલાવીને જગાડ્યા ત્યારે બાપાશ્રીએ નેત્ર ઉઘાડીને કહ્યું જે, મને શું કરવા જગાડ્યો ? ત્યારે સંત-હરિભક્તો બોલ્યા જે, આપ ઊંડા ઊતરી ગયા હતા, તે એમ ને એમ ધામમાં જતા રહો તો અમારે આપની પાસે આશીર્વાદ માગવા છે તે રહી જાય, તે સારુ જગાડ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમે એવા પરતંત્ર નથી, અમે તો સ્વતંત્ર છીએ, તેથી અમારે જવાનું થશે ત્યારે તમારા સર્વના મનોરથ પૂર્ણ કરીને જઈશું, માટે તમે કાંઈ ફિકર રાખશો નહિ ને અમને જગાડશો પણ નહિ, એમ કહીને નેત્ર મીંચી ગયા. તે એમ ને એમ બીજા સત્તર દિવસ થયા એટલે સંત-હરિભક્તો વિચાર કરવા લાગ્યા જે, બાપાશ્રીએ આ ફેરે શું કરવા ધાર્યું છે તે કાંઈ ખબર પડતી નથી. આપણને કહ્યું છે જે, તમારા મનોરથ પૂર્ણ કરીશું, પણ આમ ને આમ ક્યાં સુધી આપણી ધીરજ રહેશે. પછી સૌએ મળી એમ વિચાર કર્યો જે, આપણને બાપાશ્રીએ ના પાડી છે તેથી જગાડાય તો નહિ, પણ ભૂજમાં સ્વામી અક્ષરજીવનદાસજીને ખબર આપીએ જે, બાપાશ્રીનું શરીર રહે તેમ લાગતું નથી, માટે સંત-હરિભક્તોને દર્શન કરવા હોય તે કરી જાઓ. પછી ભૂજ મનુષ્ય મોકલીને ખબર પહોંચાડ્યા, તેથી સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતો, બ્રહ્મચારી, પાર્ષદ સર્વે રાત્રે આઠ વાગે ભૂજથી ચાલ્યા તે વૃષપુર આવીને બાપાશ્રીના ખાટલાને ફરતા બેઠા. પછી સ્વામીશ્રીએ પ્રાર્થના કરી પણ બોલ્યા નહિ, તેથી સંત-હરિભક્તો ફરતા બેસી રહ્યા. પછી સવારમાં ચાર વાગે બાપાશ્રી ખાટલેથી પોતાની મેળાએ ઊઠીને મહારાજને પ્રદક્ષિણાઓ ફરવા મંડ્યા. ત્યારે બાપાશ્રી પડી જશે તેમ માનીને સામત્રાના મૂળજી ભક્તે ઝાલ્યા. તેમને બાપાશ્રી કહે જે, નહિ પડીએ, મૂકી દો. એટલે તેમણે મૂકી દીધા. પછી પચીસ-ત્રીસ પ્રદક્ષિણાઓ ફરીને પચીસ-ત્રીસ દંડવત કર્યા અને પગે લાગીને સિંહાસન આગળ બેઠા ને બોલ્યા જે, અમારો દાખડો નિષ્ફળ ગયો કેમ જે અમારે અક્ષરધામમાં શ્રીજીમહારાજની આગળ સત્તાવીશ દિવસ ચોવટ ચાલી જે, મને અક્ષરધામમાં લઈ જાઓ ત્યારે મહારાજે છેલ્લીવારે હા પાડી, પણ સ્વામીશ્રી નિર્ગુણદાસજીએ ના પાડી ને સ્વામીશ્રીને લઈ જવાનું ઠરાવ્યું. માટે તમે સૌ મોટા મોટા સંત તથા હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન કરી આવો, પછી નહિ થાય. ત્યારે સંત અને હરિભક્તો બોલ્યા જે, અષાડ મહિનો બેઠો છે ને વરસાદ પણ આવું આવું થઈ રહ્યો છે, માટે આખરના દિવસમાં દરિયામાં તોફાનને લીધે હેરાન બહુ થવાય તેથી દિવાળી ઉપર જઈએ તો કેમ ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ત્યાં સુધી સ્વામીશ્રી રહેશે નહીં. ત્યારે હરિભક્તો કહે, જન્માષ્ટમી ઉપર જઈએ તો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તે દહાડે દરિયામાં તોફાન હશે માટે હાલ જાઓ, તમે દરિયામાં જરાય દુઃખી નહિ થાઓ. મારે પણ આવવાની તાણ ઘણી રહે છે પણ મંદવાડને લીધે અવાશે નહીં. પણ તમે તો જાઓ અને સ્વામીશ્રીને અમારા જય સ્વામિનારાયણ કહેજો; એવા મોટા સંતનાં દર્શન ફેર મળે તેવાં નથી. પછી સંત-હરિભક્તો અમદાવાદ આવ્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રીને આસને આવી દંડવત કરવા લાગ્યા, ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, તમે આટલા બધા સંત-હરિભક્તો આવ્યા અને જીવનપ્રાણ મુક્તરાજ કેમ ન આવ્યા ? ત્યારે રામપુરવાળા વસરામભાઈ બોલ્યા જે, એ તો પડખું પણ બીજા ફેરવે ત્યારે ફરે એવા માંદા છે, તેથી પોતે ન આવી શક્યા ને અમને મોકલ્યા ને આપને જય સ્વામિનારાયણ કહ્યા છે. પછી સ્વામીશ્રી બોલ્યા જે, એ તો કાલે બપોરે અહીં આવશે.
પછી બીજે દિવસે સંતોએ રસોઈ કરીને સ્વામીશ્રીને ઠાકોરજી જમાડવાનું કહ્યું. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, અમે તો અનાદિ મુક્તરાજ ભાઈશ્રી આવશે ત્યારે તેમની સાથે જમશું. સભામાં પણ સૌ હરિભક્તોને સ્વામીશ્રીએ કહ્યું હતું જે, આજે જરૂર ભાઈશ્રી ગાડીમાં આવશે માટે જેને સામા જવું હોય તે જજો. તેથી રેલ ઉપર ઘણા હરિભક્તો ગયા હતા. જ્યારે બાપાશ્રી ગાડીએથી ઊતર્યા ત્યારે સૌ મળ્યા ને સ્વામીશ્રીએ અમને સભામાં વાત કરી હતી એમ કહી સાથે સાથે મંદિરમાં આવ્યા. પછી ઠાકોરજીનાં તથા સંતોનાં દર્શન કરીને સ્વામીશ્રી પાસે આવી દંડવત કરવા લાગ્યા. ત્યારે સ્વામીશ્રી ઊભા થઈ ગયા ને બહુ હેત જણાવીને મળ્યા, તે વખતે બાર વાગ્યા હતા. બાપાશ્રીના તથા સ્વામીશ્રીના મંદવાડની પરસ્પર વાતો કર્યા પછી સ્વામીશ્રીએ કચ્છના સંત-હરિભક્તોને કહ્યું જે, જુઓ ! આ અનાદિમુક્તરાજ આવ્યા. ત્યારે સૌ સંત-હરિભક્તો રાજી થયા ને બાપાશ્રીને કહ્યું જે, તમે બહુ માંદા હતા ને શી રીતે આવ્યા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમારા નીકળ્યા પછી અમને એમ સંકલ્પ થયો જે, મારે પણ સ્વામીશ્રીનાં દર્શન કરવાં, એવો વિચાર કર્યો ત્યાં તો મંદવાડ મટી ગયો એટલે ભાતું કરાવ્યું. અર્ધી રાત્રિએ વાડીએ આવીને અણદા ભક્તના લાલજીને જગાડીને સાથે લઈને ચાલ્યા તે ખારી રેલે આવ્યા. ત્યાં વહાણ મળ્યું, તેમાં બેસી ગયા ને વવાણિયે થઈને અહીં આવ્યા. ત્યારે સંત-હરિભક્તો બોલ્યા જે, અમે ગઈ કાલે પહોંચ્યા ત્યારે અમને સ્વામીશ્રીએ કહ્યું હતું જે, કાલે બપોરે અહીં આવશે તે અમને એમ થતું જે, આવો મંદવાડ થયો છે ને બાપાશ્રી કેમ આવી શકે ? પણ સ્વામીશ્રી કહેતા હતા તે પ્રમાણે જ તમે આવ્યા. પછી બાપાશ્રીએ નાહી, પૂજા કરી એટલે સ્વામીશ્રી તથા બાપાશ્રી પાસે બેસીને ઠાકોરજીને જમાડી સાંજના પણ સ્વામીશ્રી પાસે ઘણી વાર બેઠા. બીજે દિવસે સવારે સ્વામીશ્રી પાસે આવીને બાપાશ્રી તથા સંત-હરિભક્તો બેઠા હતા. ત્યાં કથા-વાર્તા થઈ રહ્યા પછી સૌ હરિભક્તો સદ્. જ્ઞાનાનંદ સ્વામીના મેડા ઉપર જ્યાં ઉતારો હતો, ત્યાં ગયા ને બાપાશ્રી તો સ્વામીશ્રી પાસે બેસી રહ્યા. હરે થયા એટલે સંતો જમવા ગયા. તે વખતે સ્વામીશ્રી બોલ્યા જે, આપનાં દર્શન મને બરાબર થતાં નથી, માટે મારી પાસે આવીને દર્શન આપો. પછી બાપાશ્રી સ્વામીશ્રીની પાસે આવ્યા ત્યારે સ્વામીશ્રીએ ચશ્માં પહેર્યાં ને બોલ્યા જે, હજી બરાબર દર્શન થતાં નથી, માટે આંગડી કાઢી નાખો. એટલે બાપાશ્રીએ આંગડી કાઢી કે, તુરત તેજનો સમૂહ નીકળ્યો, તે ચારે કોર તેજ તેજ છાઈ રહ્યું. એ જોઈને સ્વામીશ્રી બોલ્યા જે, અહોહો ! આવા તમે તેજોમય મૂર્તિ છો, આ તો એકલું તેજ જ ભર્યું છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમે પણ આવા જ તેજોમય છો. એમ કહી તેજ સંકેલી લીધું ને આંગડી પહેરીને બેઠા. તે વખતે મૂળીવાળા સ્વામી બાલકૃષ્ણદાસજી ઉપવાસી હતા, તે સ્વામીશ્રી પાસે બેઠા હતા. તેમણે કહ્યું જે, બાપજી, મને તેજ બતાવો ને ! પણ એમને તો ન બતાવ્યું. પછી સંતો જમીને આવ્યા ત્યારે આ બધી વાત સ્વામી બાલકૃષ્ણદાસજીએ સર્વેને કહી. પછી વચનામૃતની કથા વાંચીને સમાપ્તિ કરી સૌ પોતપોતાના આસને ગયા. ત્યારે સ્વામીશ્રીએ બાપાશ્રીને કહ્યું જે, મહારાજ, મને ધામમાં ક્યારે લઈ જશે ? તે સમાધિ કરીને પૂછો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, વૃષપુરમાં સત્તાવીસ દિવસ મહારાજ પાસે આપણી ચોવટ ચાલી હતી, તે તમારો ઠરાવ થઈ ગયો છે ને હવે શું પૂછવાનું બાકી છે ? આ લોકની રીત પ્રમાણે આવવાનું ને જવાનું કહેવાય છે, પણ આપણે તો મહારાજની મૂર્તિમાં જ રહ્યા છીએ. અને સ્વતંત્ર છીએ અને બધું જ જાણીએ છીએ. અને મૂર્તિમાં રહ્યા થકા જ મહારાજના સંકલ્પથી દેખાઈએ છીએ. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, એ તો આપણે બે જ જાણીએ, પણ સમાધિ કરો તો કેટલાકને આશ્ચર્ય થાય જે સમાધિમાં જઈને મહારાજને પૂછી આવે છે, માટે સમાધિ કરો તો ઠીક. પછી બાપાશ્રીએ સમાધિ કરી ને સાંજના જાગ્યા ને પાંચ વાગે સંત-હરિભક્તોની સભા ઇસ્પિતાલના મેડા ઉપર સ્વામીશ્રીને આસને થઈ. તે વખતે બાપાશ્રીએ વાત કરી જે, અમે ધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં અ.મુ. સદ્. ગોપાળાનંદ સ્વામી જેમ રસબસ રહ્યા છે તેવી રીતે આ સ્વામીશ્રી નિર્ગુણદાસજીને જોયા. અને શ્રીજીમહારાજે મને કહ્યું જે, એ તો અનંત જીવોનાં કલ્યાણ કરવા અમારી ઇચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે, એવા સમર્થ છે. અને તમારી પાસે સમાધિ કરાવીને પુછાવ્યું તે તો મનુષ્યચરિત્ર કરે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું. એમ કહીને બોલ્યા જે, આસો સુદ ૧ પડવેને રોજ રાત્રિએ એક વાગે સ્વામીશ્રી દેહોત્સવ કરશે. માટે સંતો તથા હરિભક્તો આ સ્વામીશ્રીનો મહિમા જાણી ખૂબ સેવા કરી લેજો. આ સેવા ફેર મળે એવી નથી માટે ઊંઘ, ઉજાગરો, ભૂખ કે થાક કોઈ ગણશો નહિ એમ વાત કરી. પછી કથા વાંચવા માંડી એટલાકમાં ઈશ્વરલાલભાઈ દર્શને આવ્યા, તે સર્વે હરિભક્તોના સોંસરા પડીને સ્વામીશ્રીના પગે અડવા ગયા. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, આ મોટા મોટા હરિભક્તો બેઠા છે તેમની મર્યાદા રાખતા નથી ? ત્યારે ઈશ્વરલાલભાઈએ કહ્યું જે, સ્વામી ! આમાં મોટા કોણ છે ? આ તો સર્વ કચ્છના કણબી છે. એમને તો હું ભૂજમાં દીવાન હતો ત્યારથી ઓળખું છું. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, આ અબજીભાઈ અખંડ મહારાજની મૂર્તિમાં રહ્યા છે, તેમને તમારો પગ વાગ્યો તેથી શ્રીજીમહારાજનો અપરાધ થયો. તે સાંભળીને ઈશ્વરલાલભાઈ તુરત બાપાશ્રીને દંડવત કરવા મંડી પડ્યા, એટલે બાપાશ્રીએ ઊભા થઈને ઝાલી લીધા ને મળ્યા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે ઈશ્વરલાલભાઈએ સ્વામીશ્રીની પ્રાર્થના કરી જે, બાપાશ્રીને મારે ઘેર પધારવાનું કહો. તમે મારા પરમ હેતુ છો, તે આ વાત મને સમજાવી. આવી મોટપ તો હું જાણતો નહોતો. એમ કહી બાપાશ્રીને પોતાને ઘેર લઈ ગયા. ત્યાં તેમને બાપાશ્રીએ મહારાજના મહિમાની ઘણી વાતો કરી, તેથી બહુ હેત થઈ ગયું. પછી જ્યારે બાપાશ્રી કચ્છમાં જવા તૈયાર થયા, ત્યારે સ્વામીશ્રી તથા સૌ સંત-હરિભક્તો બાપાશ્રીને મળ્યા. તે વખતે સૌ સભાને સાંભળતા સ્વામીશ્રીએ વાત કરી જે, આ પુરુષની કોઈ જોડ નથી. શ્રીજીમહારાજે એમને અનેક જીવોના મોક્ષને માટે મોકલ્યા છે, તેથી સૌ આ પુરુષનો જોગ-સમાગમ કરજો, પણ બીજે ક્યાંય ધોડા કરશો નહીં. સત્સંગમાં ક્યાંય આમના જેવા નથી એમ બોલ્યા. પછી બાપાશ્રી આદિક સંત-હરિભક્તો સૌ કચ્છમાં પધાર્યા. ।। ૩ ।।
૪
એક વખત ઉપરદળના રામજીભાઈ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને દર્શને અમદાવાદ આવ્યા. ત્યાં સ્વામીશ્રીને શરીરે મંદવાડ જોઈને અતિ હેતને લીધે રોવા લાગ્યા ને બોલ્યા જે, બાપજી ! તમે તો ધામમાં જવા તૈયાર થયા ને હું કોને આધારે જીવીશ ? મારાથી તમારો વિયોગ કેમ સહન થશે ? ત્યારે સ્વામીશ્રીએ તેમને કહ્યું જે, અમારા વિયોગનું દુઃખ ટાળે એવા કચ્છ દેશમાં વૃષપુર ગામમાં શ્રી અબજીભાઈ અનાદિ સિદ્ધમુક્ત છે તે શ્રીજીમહારાજના સંકલ્પથી દેખાય છે, તે તમને સુખિયા કરશે. માટે ત્યાં જજો પણ બીજે ક્યાંય જશો નહીં. એવા સ્વામીશ્રીનાં વચન સાંભળી રામજીભાઈ સંતોષ પામ્યા ને થોડા દિવસ રહી પોતાને ગામ ગયા. ।। ૪ ।।
૫
સંવત ૧૯૪૮ના આસો સુદ ૧ને રોજ એક વાગે રાત્રિએ (બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે) સ્વામીશ્રીએ દેહોત્સવ કર્યો, તે વખતે સ્વામીશ્રી અક્ષરજીવનદાસજી મંડળે સહિત વૃષપુર હતા. તેમને તથા ગામના હરિભક્તોને બાપાશ્રીએ જગાડીને કહ્યું જે, આપણા ગુરુ આ વખતે અમદાવાદમાં અંતર્ધાન થયા માટે આપણે સૌ સ્નાન કરીએ; પછી સર્વ નાહ્યા.
સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સ્વામીશ્રીની આજ્ઞાથી, સ્વામીશ્રી ધામમાં ગયા ત્યારથી બાપાશ્રીનો જોગ-સમાગમ કરતા હતા અને રામજીભાઈ તો એ વાત ભૂલી ગયા, તેને બાર મહિના થઈ ગયા. ત્યારે બાર મહિને સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ દિવ્ય રૂપે દર્શન આપીને કહ્યું જે તમને મેં મુક્તરાજ અબજીભાઈનો સમાગમ કરવાનું કહ્યું હતું તે કેમ ભૂલી ગયા ? પછી રામજીભાઈ સ્વામીશ્રીની આજ્ઞાથી બાપાશ્રીનાં દર્શને ગયા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, રામજીભાઈ ! તમે સ્વામીશ્રીને ફેર દાખડો કરાવ્યો ને ! એમ કહીને મળ્યા. પછી પાસે બેસારીને કહ્યું જે, તમે તો અમારા જૂના સેવક છો, એમ કહીને પૂર્વની સ્મૃતિ કરાવી એટલે રામજીભાઈને બાપાશ્રી સાથે એકતા થઈ ગઈ. પછી રામજીભાઈએ જે જે વર માગ્યા તે પ્રમાણે સર્વે આપ્યા. એવી રીતે થોડા દિવસ રહી જ્યારે પાછા દેશ તરફ જવા નીકળ્યા ત્યારે બાપાશ્રીએ મહારાજના અલૌકિક પ્રતાપની વાતો કરી સુખ આપેલા તેનું ચિંતવન કરતા આનંદમાં ને આનંદમાં ચાલ્યા જતા હતા. ત્યાં બાપાશ્રીએ આપેલાં વચનોની પરીક્ષા કરવાનો સંકલ્પ થયો એટલામાં તો તેજનો મોટો સમૂહ પોતા પાસે હમહમાટ શબ્દ કરતો ચાલ્યો આવે. તે જોઈને રામજીભાઈ ઝબક્યા તે બેસી ગયા. ત્યાં તો એ તેજ નજીક આવ્યું જે, એમના દેહ સોંસરું થઈને વૃષપુર તરફ ચાલ્યું ગયું ને પોતે તો બાપાશ્રીનો પ્રતાપ જાણી રાજી થયા થકા ઘેર ગયા. પછી રામજીભાઈ ઘણી વાર કચ્છમાં જઈને બાપાશ્રીનો સમાગમ કરતા, અને કેટલાક સાધુઓને પણ પોતાનું ભાડું આપીને કચ્છમાં તેડી જતા. એમ ઘણા સંત-હરિભક્તોને બાપાશ્રીની ઓળખાણ પડાવીને શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. ।। ૫ ।।
૬
સંવત ૧૯૫૦ની સાલમાં ભૂજમાં ‘સત્સંગિજીવન’ની પારાયણ થઇ હતી, ત્યાં કુંભારિયાવાળા મિસ્ત્રી હરજીભાઈ કારખાનામાંથી આવ્યા હતા, તેમનો ઉતારો બાપાશ્રી પાસે હતો. તે બાપાશ્રી જાદવજીભાઈ તથા ઉપરદળવાળા રામજીભાઈને રાત્રિએ શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા. તે સાંભળીને હરજીભાઈને એમ થયું જે મેં આટલા દિવસ સુધી સત્સંગ કર્યો પણ આવો મહિમા જાણ્યો નહીં. આ તો સર્વે અવતારાદિકથી ને બ્રહ્મકોટિથી ને અક્ષરકોટિથી પર એવા મહામુક્ત છે, ને સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે તે મેં જાણ્યા નહીં. આવા મોટા મુક્ત આગળ હું ઢોલિયામાં સૂઈ રહું છું તે મારે અપરાધ થયો, એમ જાણીને ઢોલિયેથી ઊતરી દંડવત કરવા મંડી પડ્યા અને પ્રાર્થના કરીને અપરાધ માફ કરાવ્યો. સાધુ રસોઈ કરીને જમાડતા અને પાળા પાણી મૂકીને નવરાવતા તેમને ના પાડી ને પછી ચાંદ્રાયણ કર્યું. પછી તાંસળામાં સાધુની પેઠે ભેળું કરીને પાણીમાં મેળાવીને જમવા મંડ્યા અને વસ્ત્ર પણ સાદાં પહેરવા માંડ્યાં. અને પારાયણ થઈ રહ્યા પછી બાપાશ્રી સાથે વૃષપુર ગયા ને મઠની ખીચડી ને જાર, બાજરી, નાગલીના રોટલા ખાવા મંડ્યા. પછી સંવત ૧૯૫૩ની સાલમાં બાપાશ્રીએ તેમને કહ્યું જે, તમે કુંભારિયે જાઓ. પણ તેમણે જવાની ના પાડી. પછી બાપાશ્રીએ કહ્યું જે, એક મહિનો જઈને પાછા આવજો. એટલે તે ગયા ને ત્યાં માંદા પડ્યા. દેહ મૂકવાને આગલે દિવસે તેમને સૂઝી આવ્યું જે, કાલે મારો દેહ પડશે. પછી એમની માતુશ્રીને કહ્યું જે, બાપાશ્રીને વૃષપુરથી તેડાવો. પછી ઊંટવાળાને તૈયાર કર્યો એટલામાં બાપાશ્રીએ દર્શન આપ્યાં ને સવારે દેહ મૂકવા ટાણે હરજીભાઈને કહ્યું જે, કાંઈ ચમત્કારની ઇચ્છા હોય તો તમારી સાથે જે આવવાની હા પાડે તેનો દેહ મેલાવીએ. પછી તેમણે સર્વને પૂછી જોયું જે, જેને મારી સાથે આવવું હોય તેને બાપાશ્રી દેહ મેલાવે. ત્યારે એમના ભાઈ ગોવામલભાઈની દીકરીએ હા પાડી. પછી તેનો દેહ મેલાવ્યો ને બેયને સાથે તેડી ગયા. પછી હરજીભાઈને દેહ મેલે દશ દિવસ થયા, ત્યારે સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી ત્યાં હતા, તેમને બાપાશ્રીએ કહ્યું જે, અમારે હરજીભાઈની લોકાઈએ જવું છે ત્યાં એમની માતુશ્રીને કંઠી બંધાવવી છે માટે કંઠી આપો. પછી એમણે કંઠી આપી. પછી બાપાશ્રી કુંભારિયે પધાર્યા ત્યારે હરજીભાઈની માતુશ્રી બોલ્યાં જે તમે મનુષ્ય નથી. મારા હરજીને ને મારા ગોવાભાઈની દીકરીને સાથે તેડી ગયા તે મેં નજરે જોયું, માટે તમે મોક્ષ કરો એવા સમર્થ છો, માટે મને કંઠી બાંધો ને સત્સંગી કરો. પછી બાપાશ્રીએ તેમને કંઠી આપીને કહ્યું જે, રામપરામાં ધનબાઈ ડોસી મહામુક્ત છે તેમની વાતો એક મહિનો જઈને સાંભળો તો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાશે. પછી અમે તમને હરજીભાઈની પાસે તેડી જઈશું. પછી તેમણે એવી રીતે સમાગમ કર્યો ને ધામમાં ગયાં. ।। ૬ ।।
૭
સંવત ૧૯૫૧ની સાલમાં બાપાશ્રી કચ્છથી મોટો સંઘ લઈને અમદાવાદ તરફ આવતાં મૂળી, લખતર આદિ ગામોમાં થઈને ઉપરદળ આવ્યા. ત્યારે રામજીભાઈએ બાપાશ્રીને પૂછ્યું જે, હું ગયે વર્ષે આપની પાસેથી આ દેશમાં આવતો હતો ત્યારે માર્ગમાં તેજ દેખાણું તે શું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે અમારાં આપેલાં વચનની પરીક્ષા લેવાનો સંકલ્પ કર્યો હતો, તેથી મહારાજે અને અમે પરીક્ષા આપી હતી. તે સાંભળી રામજીભાઈ વિસ્મિત થયા. એવી રીતે તેમને આપેલાં બધાંય વરદાન સત્ય કર્યાં. પછી બાપાશ્રી સંઘે સહિત ભાયલા, કેસરડી આદિ ગામોમાં થઈ ધોળકે ગયા, ત્યાંથી જેતલપુર દર્શન કરીને ચૈત્ર સુદ ૮ને રોજ અમદાવાદ પધાર્યા. ઠાકોરજીનાં દર્શન કરી સંઘે સહિત કાંકરિયામાં નાહવા ગયા હતા. ત્યાં ઈશ્વરલાલભાઈ કાંકરિયા તરફ ઘોડાગાડીએ બેસીને હવા ખાવા ગયેલા તે ભેળા થયા, એટલે બાપાશ્રીને બહુ વિનંતી કરીને પોતાની ગાડીમાં બેસારીને મંદિરમાં લાવ્યા. પછી જ્યાં સુધી સંઘ રહ્યો ત્યાં સુધી બાપાશ્રીનો સમાગમ કર્યો. અને જ્યારે સંઘ કચ્છ તરફ જવા નીકળ્યો ત્યારે ઈશ્વરલાલભાઈ મંદિરમાં આવ્યા ને કચ્છના હરિભક્તોને દેખ્યા નહીં. પછી સાધુને પૂછ્યું જે, કચ્છના હરિભક્ત ક્યાં ગયા ? ત્યારે તેમણે કહ્યું જે, એ તો સ્ટેશને ગયા. પછી પોતે સ્ટેશન પર આવીને, સમય થઈ ગયો હતો તોપણ ગાર્ડ પાસે ગાડી ઊભી રખાવીને, બાપાશ્રીને ઘણા હાર પહેરાવ્યા અને દંડવત કરીને પ્રાર્થના કરી જે, સદ્. નિર્ગુણદાસજી સ્વામીએ આપની ઓળખાણ કરાવીને મારો હાથ આપના હાથમાં આપ્યો છે, ત્યારથી હું આપનો છું ને મારો મોક્ષ આપના હાથમાં છે. મેં કંઈ પણ સાધન કર્યાં નથી, માટે તમે તમારા પ્રતાપથી મારું આત્યંતિક કલ્યાણ કરજો. હું આપની પાસે મારા મોક્ષ માટે આવ્યો છું, એમ ઘણીક પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ માથે હાથ મૂકીને કહ્યું જે, તમારું કલ્યાણ અમે કરશું. તમે કાંઈ ફિકર રાખશો નહિ; આજથી તમે મહારાજની મૂર્તિમાં રહ્યા છો, પણ આ લોકમાં કે આ દેહમાં નથી રહ્યા, એમ જાણજો. એવો આશીર્વાદ આપી બાપાશ્રી સંઘે સહિત કચ્છમાં પધાર્યા. પછી પંદર દિવસે સદ્. નિર્ગુણદાસજી સ્વામીના આસને સદ્. પુરાણી દેવચરણદાસજી સ્વામી તથા સંત-હરિભક્તોની સભામાં ઈશ્વરલાલભાઈ આવીને બેઠા કે તરત દેહ પડી ગયો ને બાપાશ્રીએ મૂર્તિના સુખમાં મૂકી દીધા. ।। ૭ ।।
૮
સંવત ૧૯૫૩ની સાલમાં ધ.ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ કચ્છમાં પધાર્યા હતા. તે જ્યારે કેરા ગામમાં પધાર્યા, ત્યારે બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સૌ સંત તથા વૃષપુરના હરિભક્તો કેરામાં દર્શને ગયા હતા. ત્યાં બાપાશ્રીને પોતાના તંબુમાં તેડાવીને કહ્યું જે, તમને શ્રીજીમહારાજે જીવોના ઉદ્ધાર કરવા સારુ મોકલ્યા છે; એમ અમે સદ્. નિર્ગુણદાસજી સ્વામીના કહેવાથી જાણીએ છીએ, માટે અમને તમારી પેઠે મૂર્તિનું સુખ આવે એવા આશીર્વાદ આપો. તમને મારે અમદાવાદ તેડાવી બે મહિના રાખીને જોગ કરવો છે. પછી બાપાશ્રીએ કહ્યું જે, બહુ સારું મહારાજ. પછી વ્યવહારિક વાત પૂછી જે, અમારાથી અબડાસામાં જવાણું નહિ તેથી તે દેશ ફર્યા વિનાનો રહી ગયો અને મિસ્ત્રીઓનાં ગામોમાં પણ ઝાઝું રોકાવાનું કહે છે, માટે ત્યાં રોકાઈએ તો શ્રી હરિનવમીએ અમદાવાદ પહોંચાય નહિ, માટે તે સમૈયો અહીં ભૂજ કરીએ કે અમદાવાદ કરીએ ? પછી બાપાશ્રીએ કહ્યું જે, એ સમૈયો તો અમદાવાદ કરવો. ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, તમે મિસ્ત્રીઓનાં ગામોમાં ભેળા આવીને તેમને સમજાવીને વહેલી રજા અપાવો તો અમદાવાદ પહોંચાય. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ભલે અમે ભેળા આવીને સમજાવશું. તમે કચ્છ મૂકીને ગુજરાત તરફ ચાલશો ને ધ્રાંગધ્રે પહોંચશો ત્યારે અમદાવાદથી કાગળ આવશે જે પ્લેગના રોગથી સમૈયો સરકારે બંધ કરાવ્યો છે માટે અહીં પેસવા દેશે નહીં. અને ધ્રાંગધ્રાના રાજા શ્રી માનસિંહજી બે મહિના સુધી રોકાવાનો આગ્રહ કરશે અને તમારા ભેળા મોટા મોટા સંત છે તે પણ ત્યાં રોકાવાનું કહેશે, પણ રોકાશો નહીં. સમૈયા નજીક અમદાવાદ ઢૂકડા થઈ જજો. પછી ફેર કાગળ આવશે કે સમૈયાની છૂટી થઈ છે, એટલે અમદાવાદ પધારશો. એમ વાત કરીને પછી રાત્રિએ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર ગયા. બીજે દિવસે મહારાજશ્રી વૃષપુર પધાર્યા. ત્યાં બે દિવસ રહીને પછી મિસ્ત્રીઓનાં ગામોમાં જવા નીકળ્યા. તેમના ભેળા બાપાશ્રી ચાલીસ-પચાસ હરિભક્તોને લઈને ગયા. તે મિસ્ત્રીઓને સમજાવીને સત્તર રસોઈઓ હતી તે ભેળી કરાવીને ત્રણ દિવસમાં રજા અપાવી ને રસોઈઓને બદલે બીજી સેવા કરાવરાવી. પછી કુંભારિયેથી ચાલ્યા તે દેવળિયા, સિનોગરા થઈને અંજાર સુધી વળાવીને ત્યાંથી પાછા વળ્યા. ત્યારે ગોવાભાઈએ બાપાશ્રીને કહ્યું જે, કુંભારિયે પધારો. પછી કુંભારિયે ચાલ્યા તે ચાલતાં માર્ગમાં એક ઉંદર દરમાંથી બહાર નીકળ્યો તેને સમળીએ ઝપટ નાખી પણ સમીપે ઘણાં મનુષ્ય જોઈને ઉંદરને પકડ્યા વિના ઊડી ગઈ. પણ પાંખની ઝાપટ લાગવાથી ઉંદરને કળ ચડી ને તરફડવા લાગ્યો. તેના ઉપર બાપાશ્રીએ ધૂળની ચપટી નાખીને વર્તમાન ધરાવ્યાં ને ઉંદરે દેહ મૂકી દીધો. ત્યારે સ્વામી અક્ષરજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ તથા કેસરાભાઈ આદિક હરિભક્તોએ પૂછ્યું જે, એની શી ગતિ થઈ હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આત્યંતિક મોક્ષ થયો. પછી કુંભારિયે ગયા ને ત્યાં બે-ત્રણ દિવસ રહીને ભૂજના સંત હતા તે ભૂજ ગયા અને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સૌ બાપાશ્રી ભેળા વૃષપુર ગયા. અને આચાર્ય મહારાજશ્રી તથા સર્વ સદ્ગુરુઓ અંજારથી ચાલ્યા તે ધ્રાંગધ્રે પહોંચ્યા ત્યાં અમદાવાદથી કાગળ આવ્યો જે અહીં સરકારે સમૈયાની બંધી કરી છે માટે અમદાવાદમાં પેસવા દેશે નહીં. ત્યાંના રાજાએ પણ બે માસ સુધી રોકાવાનો આગ્રહ કર્યો અને સદ્. વૃંદાવનદાસજી સ્વામી તથા સદ્. દેવચરણદાસજી સ્વામી તથા શાસ્ત્રી બાળમુકુંદાનંદજી બ્રહ્મચારી આદિ ઘણા સંતોએ પણ કહ્યું જે, અહીં આગ્રહ કરીને રોકે છે ને અમદાવાદમાં પેસવા દેશે નહિ, માટે રહીએ તો ઠીક. પણ મહારાજશ્રીએ કહ્યું જે, ચાલો, જેમ થનાર હશે તેમ થશે. પછી ત્યાંથી ચાલ્યા તે લીલાપુર આવ્યા. ત્યાં અમદાવાદથી કાગળ આવ્યો જે, સમૈયાની છૂટી થઈ છે માટે પધારો. પછી સર્વે અમદાવાદ આવ્યા અને સમૈયો થયો. ।। ૮ ।।
૯
એક દિવસ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા રામકૃષ્ણદાસજી ત્રણે વૃષપુરના મંદિરમાં સૂતા હતા. રાત્રિના બાર વાગે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, કાલે તમારે અમારો વિયોગ થશે. તેમણે કહ્યું જે કેમ, આપને ક્યાંય જાવું છે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આજ અમારા કુટુંબમાં નાનજીનો દીકરો દેવશી કૂવામાં પડી ગયો છે તેને અમે ધામમાં મૂકી દીધો છે, પણ હજી સુધી એ છોકરો પાણી બહાર દેખાયો નથી. તે સવારે દેખાશે ત્યારે ભૂજથી ફોજદાર આવશે ને પંચાતનામું થાશે, પછી તેને દેન દેવાશે તે સાંજ પડી જશે ત્યાં સુધી રહેવું પડશે, માટે તમારી પાસે નહિ અવાય. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, તમે જાણો છો ત્યારે તો તમારે સ્નાન આવે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે તો જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા સારુ અક્ષરધામમાંથી આવ્યા છીએ અને અમે તો દિવ્ય મૂર્તિ છીએ. માટે અમારે તો સ્નાન સૂતક આવે જ નહીં. બગદાલવ ઋષિ દેહધારી હતા, તોપણ એક વાળ તાણી નાખતા. તેમાં સ્નાન-સૂતક બેય જતાં તો અમારે હોય નહિ એમાં શું કહેવું ? પણ લોકના ભેળા રહ્યા તે લોકની રીતે ચાલવું જોઈએ. અત્યારે સૌ કહે છે કે જડતો નથી તો તે ભેળા અમે પણ એ જ કહીએ છીએ અને સવારે જડ્યો કહેશે તે ભેળા અમે પણ જડ્યો એમ કહેશું. જો કૂવામાં પડ્યો છે એમ કહીએ તો ઘણા માણસો અમારું અંતર્યામીપણું જાણી જાય માટે લોકોની પેઠે વરતીએ છીએ. ।। ૯ ।।
૧૦
સંવત ૧૯૫૫ના અષાડ માસમાં બાપાશ્રી તથા દહીંસરાના ખીમજીભાઈ આદિ સૌ ઉપરદળ રામજીભાઈને મંદવાડ વધુ હતો, તેમને દર્શન દેવા જતાં દરિયામાં તોફાન થયું. તેથી ખીમજીભાઈ આદિ સૌ હરિભક્તો બીવા અને ધ્રૂજવા લાગ્યા જે, આ વહાણ ડૂબશે ને આપણે મરી જઈશું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કોઈ ફિકર રાખશો નહીં. વહાણ ડૂબશે તો તમારું અધૂરું રહેવા દેશું નહિ; ઠેઠ મહારાજના સુખમાં મૂકી દઈશું, એમ કહીને સૌને ધીરજ આપી. પછી વહાણનો કાંઠો ઝાલીને બાપાશ્રી ઊભા થયા ને સમુદ્રને કહ્યું જે, આ ટાણે તોફાન હોય કે ? એટલે તરત પવન બંધ થઈ ગયો ને સમુદ્ર સ્થિર થઈ ગયો. પછી વહાણમાં બેઠેલા સર્વે મનુષ્યો તથા ખેવટિયા રાજી થયા ને બાપાશ્રીની પ્રાર્થના કરી જે, તમે સર્વેને ઉગાર્યા, નહિ તો આજ કોઈ ઊગરવાના નહોતા. પછી બાપાશ્રી ઉપરદળ આવ્યા, ત્યારે રામજીભાઈએ બાપાશ્રીને કહ્યું જે, બાપા ! ત્રણ મહિના સુધી અહીં રહીને દર્શન આપો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ત્રણ દિવસમાં તમે અમને રજા આપશો અને અમે જઈશું. પછી તો બાપાશ્રીના દર્શને ઘણા સંત-હરિભક્તો આવ્યા, તેથી ઉતારાની, વાસણની, સીધાની સગવડ થઈ શકી નહીં. પછી રામજીભાઈએ રજા આપી જે, હવે પધારો. પછી બાપાશ્રી ત્યાંથી ચાલ્યા તે ભાયલા, ધોળકા, ભાત થઈને જેતલપુર આવ્યા અને જેતલપુરથી અમદાવાદ આવ્યા. પછી છપૈયે પધાર્યા. ।। ૧૦ ।।
૧૧
છપૈયામાં અષાડ વદ ૧૦ને રોજ સવારના દશ વાગે બાપાશ્રી બોલ્યા જે, રામપરાના કાનજી વશરામની દીકરી આ ટાણે દેહ મૂકી ગઈ તેને અમે ધામમાં મૂકી આવ્યા. તે કુટુંબીમાં છે તેથી નહાવું પડશે એમ કહ્યું, તેથી પ્રેમજી ભક્તે નવરાવ્યા. પછી જ્યારે બાપાશ્રી વૃષપુર આવ્યા ત્યારે પ્રેમજી ભક્તે પૂછ્યું તે તિથિવાર પ્રમાણે મળ્યું. ।। ૧૧ ।।
૧૨
છપૈયામાં એક વખત રાત્રિએ સૂતી વખતે નારાયણપુરના પ્રેમજી ભક્તને સંકલ્પ થયો જે, કચ્છમાંથી બાપાશ્રી અહીં આવવા નીકળ્યા ત્યારે અમદાવાદ જઈને પાછા કચ્છ તરફ વળવાનો વિચાર હતો અને અહીં આવવાનું થયું તેથી દિવસ વધારે લાગશે. વળી છોકરાને ભલામણ કરી નથી તે ખેતીનું કામ શી રીતે ચલાવશે ? તે વખતે બાપાશ્રીએ એમને કહ્યું જે, ઊઠો, નાહવા જવું છે. પછી તે ઊઠ્યા ને બાપાશ્રી દરવાજા તરફ ચાલ્યા. ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા જે દરવાજો બંધ છે. માટે માંહીલે કૂવે નાહવા પધારો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તમે આંખો મીંચો. એટલે એમણે આંખો મીંચી. પછી કહ્યું જે, હવે ઉઘાડો; ત્યારે ઉઘાડી તે નારાયણ સરના કાંઠા ઉપર આવ્યા એમ દેખ્યું. પછી બાપાશ્રીને કહ્યું જે, આપ વસ્ત્ર બદલો, હું પાણીનો લોટો ભરી લાવું. ત્યારે બાપાશ્રી કહે જે, હમણાં બેસો, હવા સારી આવે છે. એટલાકમાં તો આકાશમાંથી હમહમાટ કરતું વિમાન આવ્યું ને કાંઠા ઉપર ઊભું રહ્યું. પછી બાપાશ્રી માંહી બેસી ગયા અને પ્રેમજીભાઈને કહ્યું જે, તમે બેસો. પછી તે પણ બેઠા. પછી વિમાન ઊડ્યું, તે બે મિનિટમાં નારાયણપુરમાં પોતાની વાડીએ આવ્યા. ત્યાં તેમના દીકરાઓએ બાપાશ્રીને દંડવત કર્યા અને મળ્યા. તે પ્રેમજીભાઈ ઊભા ઊભા જોતા હતા. તે વખતે બાપાશ્રીએ પ્રેમજીભાઈના દીકરાઓને કહ્યું જે, આ વર્ષમાં કાળ પડવાનો છે. માટે વાડી સિવાય બીજાં ખેતરો વાવશો નહીં. એમ કહીને વિમાનમાં બેસી એક મિનિટમાં પાછા છપૈયાના મંદિરમાં ચોકમાં આવ્યા ને વિમાનમાંથી ઊતર્યા કે તરત વિમાન અદૃશ્ય થઈ ગયું. પછી આસને આવીને સૂતા ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, કેમ ! તમારો સંકલ્પ સિદ્ધ થયો કે નહીં ? ત્યારે પ્રેમજીભાઈ બોલ્યા જે, હા બાપા ! તમે સત્ય કર્યો. પછી જ્યારે છપૈયેથી કચ્છમાં આવ્યા ત્યારે પ્રેમજીભાઈને એમના દીકરાઓએ કહ્યું જે, તમે ને બાપાશ્રી બેય પંદર દિવસ પહેલાં રાત્રિએ આપણી વાડીએ આવ્યા હતા ને પાછા ફેર ક્યાં ગયા હતા ? ત્યારે પ્રેમજીભાઈએ કહ્યું જે, એ તો બાપાશ્રી એમની સામર્થીએ કરીને લાવ્યા હતા. ।। ૧૨ ।।
૧૩
સંવત ૧૯૫૫ની સાલમાં બાપાશ્રી ઉપરદળ રામજીભાઈને દર્શન દેવા જતાં મૂળી ત્રણ દિવસ રહીને ચાલ્યા. તેમને સદ્. સ્વામી હરિનારાયણદાસજી તથા સ્વામી બાલકૃષ્ણદાસજી આદિ સંતો વળાવવા ગયા અને સ્વામી શ્વેતવૈકુંઠદાસજી કોઠારના કામમાં રોકાવાથી જઈ શક્યા નહિ, તેથી દિલગીર થયા. બાપાશ્રી તેમને દર્શન આપીને મળ્યા ને કહ્યું જે, તમારે માટે અમે પાછા આવ્યા, એમ કહી અદૃશ્ય થઈ ગયા. ।। ૧૩ ।।
૧૪
સંવત ૧૯૫૫ના ભાદરવા માસમાં રામજીભાઈને વધારે મંદવાડ થવાથી પોતાને કચ્છમાં જવાનો સંકલ્પ થયો. એટલે સગાંસંબંધીને કહ્યું જે, મારે તો જરૂર બાપાશ્રી પાસે જવું છે, માટે મેનામાં સુવારી મને કચ્છમાં લઈ જાઓ. ત્યારે તેમના સંબંધીઓએ કહ્યું જે, તમારો દેહ માર્ગમાં પડી જાય એવો છે માટે જવાય નહીં. ત્યારે રામજીભાઈ બોલ્યા જે, દેહ પડે તો ભલે પડે, પણ મારે તો નક્કી જવું છે. પછી સર્વે સંબંધી મૂંઝવણમાં પડ્યા જે, હવે આમને શી રીતે લઈ જવા ? તે રાત્રિએ બાપાશ્રીએ રામજીભાઈને તેજના સમૂહમાં દર્શન આપ્યાં અને બોલ્યા જે, રામજીભાઈ ! અમે કચ્છમાં છીએ અને અહીં નથી એમ ન જાણશો. અમે તો તમારી પાસે જ છીએ, કેમ જે અમે તો સર્વત્ર છીએ, માટે તમો કચ્છમાં જવાનો સંકલ્પ મૂકી દઈ મહારાજ તથા મોટાને સંભારો અને આજથી છઠ્ઠે દિવસે તમને તેડી જઈશું, એમ બોલીને અદૃશ્ય થઈ ગયા. પછી રામજીભાઈ બહુ રાજી થયા ને પોતાના સંબંધીઓને કહ્યું જે, મને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું છે જે, તને છઠ્ઠે દિવસે ધામમાં તેડી જઈશું. માટે તમે ચિંતા કરશો નહિ ને મારે હવે કચ્છમાં જવું નથી. પછી છઠ્ઠે દિવસે મહારાજ તથા બાપાશ્રી સૌને દર્શન આપીને તેડી ગયા. ।। ૧૪ ।।
૧૫
સંવત ૧૯૫૬ની સાલમાં બાપાશ્રી હરિભક્તો સાથે આગબોટમાં બેસીને ગુજરાત તરફ પધારતા હતા, તે આગબોટમાં મેમણ લોકો તથા બીજા માણસો પણ બેઠા હતા. આગબોટ બરાબર સમુદ્રના કંડલાના મધ્યોમધ્ય આવી, ત્યાં તોફાન થયું, તે બૂડવાનો સંભવ થયો. ત્યારે ખારવાઓએ કહ્યું જે, ભાઈઓ ! સૌ સૌના ઇષ્ટદેવ સંભારો. અમારું હવે કાંઈ કારીગરું ચાલે તેમ નથી ને આગબોટ બૂડવા માંડી છે, પછી સહુ ત્રાસ પામ્યા. ત્યારે બાપાશ્રીએ આગબોટમાં બેઠે બેઠે લાંબા હાથ વધારીને બેય બાજુએ આગબોટ હેઠે ઘાલ્યા ને આગબોટને ઉપાડી તે એક મેમણ જબરો શેઠિયો માંહી બેઠેલ તેણે જોયું. પછી તો આગબોટ તરીને સમી થઈ. પછી ખારવાએ ચાલતી કરી ને વવાણિયાના ખાળે આવીને સૌ ઉતારુઓ ઊતરી પડ્યા. પછી મેમણે ઊતરીને પોતાની પાસે મેવાનો ભરેલો કંડિયો હતો તે બાપાશ્રીને આપ્યો અને સૌના સાંભળતાં બોલ્યો જે, આ પુરુષે આપણ સર્વેને જીવતા રાખ્યા, નહિ તો આજ સર્વેનું મોત હતું. આ તો બહુ જ મોટા સમર્થ પુરુષ છે. તે લાંબા હાથ વધારીને આગબોટ હેઠે રાખીને આગબોટ ઊંચી ઉપાડી ને ઠેઠ અહીં લગી હેઠે હાથ રાખતા આવ્યા છે તે હું જોતો આવું છું. તે વાત સાંભળી સર્વે વિસ્મિત થઈ ગયા. પછી બાપાશ્રી ટ્રામમાં બેઠા. તે કંડિયામાં જે મેવા હતા તેની પ્રસાદી મૂળી સુધી સૌને વહેંચતાં વહેંચતાં આવ્યા. ।। ૧૫ ।।
૧૬
સંવત ૧૯૫૭ની સાલમાં લુણાવાડાના કાશીરામભાઈને શ્રીજીમહારાજ દર્શન આપી કહી ગયા જે, તમને આજથી ચોથે દિવસે રાત્રિના સવા આઠ વાગે અમે તેડી જઈશું. પછી એમણે પોતાના મોટાભાઈ જે રણછોડલાલભાઈ મોરબીમાં સર ન્યાયાધીશ હતા, તેમને તાર કરીને તેડાવ્યા ને વાત કરી જે, મને આજ રાત્રે સવા આઠ વાગે શ્રીજીમહારાજ તેડી જવાનું કહી ગયા છે તે તેડી જશે. પછી રણછોડલાલભાઈએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, કાશીરામભાઈને તેડી જવા દેશો નહિ; ત્યારે બાપાશ્રીએ શ્રીજીમહારાજને વિનંતી કરી જે, કાશીરામભાઈને તેડી જશો નહીં. તેથી મહારાજ તેડવા ન આવ્યા. ત્યારે કાશીરામભાઈએ મહારાજની પ્રાર્થના કરી. પછી શ્રીજીમહારાજ દર્શન દઈને બોલ્યા જે, તમારા મોટા ભાઈની અપીલ અમારી પાસે અક્ષરધામમાં આવી છે. માટે અમારાથી તેડી નહિ જવાય; કેમ જે રણછોડલાલભાઈને વશ અમારા અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ છે ને એમને વશ અમે છીએ; માટે રણછોડલાલભાઈએ એમને પ્રાર્થના કરી ને તેમણે અમારી પ્રાર્થના કરી, એટલે હવે અમારાથી તેડી જવાશે નહીં. જો રણછોડલાલભાઈ રજા આપે તો તેડી જઈએ; એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી સવાર થયું ત્યારે કાશીરામભાઈ દાતણ કરવા બેઠા. તે વખતે રણછોડલાલભાઈએ કહ્યું જે, મહારાજ તમને તેડી ન ગયા ને હવે તમે સાજા થઈ જાશો. ત્યારે કાશીરામભાઈ બોલ્યા જે, મને મહારાજે રાત્રિમાં દર્શન આપીને કહ્યું છે જે, તમારા મોટાભાઈની અપીલ અમારા પાસે આવી છે જે કાશીરામભાઈને તેડી જશો નહીં. પણ મારે તો કોટિ ઉપાયે રહેવું નથી, માટે તમે રાજી થઈને રજા આપો તો મહારાજ મને તેડી જાય. એમ બે દિવસ ઘણી પ્રાર્થના કરી. ત્યારે રણછોડલાલભાઈએ ત્રીજે દિવસે રજા આપી. પછી શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તેડી ગયા. ।। ૧૬ ।।
૧૭
સંવત ૧૯૫૭ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો કચ્છમાં ગયા હતા. ત્યાં બાપાશ્રી ઉપર મોરબીથી રણછોડલાલભાઈનો કાગળ આવ્યો જે, કાશીરામભાઈ દેહ મૂકી ગયા છે તેથી મને અશાંતિ રહે છે, માટે આપ સાત-આઠ દિવસ અહીં પધારી, વાતેચીતે કરીને સુખિયા કરશો. પછી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ વૃષપુરથી મોરબી જવા ચૈત્ર વદ ૯ને રોજ નીકળ્યા, તે ભૂજ થઈને અંજાર ગયા. ત્યાં સાધુ જગજીવનદાસનું મંડળ હતું. તેમણે કહ્યું જે, આજ એકાદશી છે, માટે સવારે પારણાં કરીને જજો તોપણ ચાલ્યા તે મારગમાં ચાલતાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આપણે સાધુના રોક્યા રહ્યા નહિ, પણ કાલે ખારીરોલમાં રહેવું પડશે ને ત્યાં પાણી મળશે નહિ; પછી તેમણે કહ્યું જે, જ્યાં રહીશું ત્યાં આપ ભેળા છો તો બધુંય છે. પછી ખારીરોલમાં જઈને રાત્રિ રહ્યા અને સવારે ખીચડી કરીને શ્રી ઠાકોરજીને જમાડી. મીઠું પાણી તો ત્યાં મળ્યું જ નહીં. અને તેરસને દિવસે સવારમાં આગબોટ ચાલવાની હતી. તે વખતે બાપાશ્રીએ કહ્યું જે, ટીમણ કરશો તો તરસ બહુ લાગશે, માટે ટીમણ કરશો નહીં. પછી આગબોટમાં બેઠા તે એક ખેતરવા ચાલી એટલે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આગબોટ તો માંદી છે. ત્યારે તેમણે કહ્યું જે કેવી માંદી છે ? ત્યારે બાપાશ્રી કહે જે, મરે એવી છે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, પહેલાં બોલ્યા હોત તો આપણે બેસત નહિ, હવે તો જે થયું તે ખરું. પછી આગબોટ ચાલતી થઈ તે ચાર-પાંચ ગાઉ જેટલે જઈને ભાંગી, તેથી દરિયામાં ત્રણ દિવસ સૌ રહ્યા ને બીજી આગબોટ મંગાવીને ઊતર્યા. પછી વવાણિયે થઈને મોરબી ગયા. ત્યાં ગોવિંદભાઈના દીકરા લધુભાઈ ત્રણ દિવસ સુધી દહીંસરેથી પાણી લઈને વવાણિયે લાગટ આવ્યા. તેમના ઉપર બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, આ છોકરો નાનો છે તેણે આપણી સેવા કરી, તેને આપણે મહારાજને સુખે સુખિયા કરશું. પછી મોરબી આઠ દિવસ રહી મૂર્તિના સુખની તથા મહિમાની ખૂબ વાતો કરીને જૂનાગઢ, ગઢડે, મૂળી થઈ પાછા કચ્છમાં પધાર્યા. અને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર થોડાક દિવસ રહીને બાપાશ્રીની આજ્ઞાથી ગુજરાત તરફ આવ્યા. ।। ૧૭ ।।
૧૮
સંવત ૧૯૫૮ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ગુજરાતમાંથી કચ્છમાં જતાં, મોરબીથી નવલખીએ જઈને આગબોટમાં બેઠા. આગબોટ ચાલતી થઈ ને આગળ જતાં સામું વહાણ આવ્યું, તે વહાણનો શઢ આગબોટના થાંભલામાં ભરાયો તે આગબોટને આડી પાડી દીધી, તેથી તેનો થાંભલો ભાંગી ગયો. પછી આગબોટ સમી થઈ ગઈ અને ચાલી તે ખારીરોલે ઊતર્યા. ત્યાં એક ઘેલાભાઈ પુરુષોત્તમ નામે ભાટિયા અંજારના રહીશ હતા. તેમણે સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને પોતાના સિગરામમાં બેસાર્યા તેને સ્વામીશ્રીએ પૂછ્યું જે, તમે સત્સંગી છો ? ત્યારે તેણે કહ્યું જે હું સત્સંગી તો નથી, પણ શેઠ કરમશીભાઈ દામજી તમારા સત્સંગી છે, તેમનો મિત્ર છું. તે હું મુંબઈથી નીકળ્યો ત્યારે વિચાર કર્યો જે બૈરાં-છોકરાં અને બધી કમાણી સાથે છે. તે ખાડીમાં જઈએ તો હરકત ન આવે. એમ જાણી મુંબઈથી પાધરો આગબોટમાં ન આવ્યો ને અહીં આવ્યો. ત્યારે અહીં પણ ડૂબવાનું થયું, તેમાંથી ઊગર્યા. એથી મને વિચાર થયો જે, આ સ્વામિનારાયણના સાધુ બહુ ધર્મવાળા છે, તેમના પ્રતાપે આગબોટ બચી. એમ જાણી તમને સિગરામમાં બેસાર્યા છે. પછી અંજાર ગયા. ત્યાં એમણે માણસ મોકલી પુછાવ્યું કે, તમારે સીધું કેટલું જોઈએ ? ત્યારે સ્વામીએ કહેરાવ્યું જે, આજ તો આગબોટમાં બેઠા છીએ, માટે જમાય નહીં. પછી બીજે દિવસે ગાડું મળ્યું, તેમાં બેસીને ભૂજ ગયા ને તેમણે સીધું મંદિરમાં મોકલાવ્યું, ત્યાં તો સ્વામીશ્રી આદિ નહોતા. પછી તે ઘોડાગાડી લઈને ભૂજ ગયા અને રસોઈ આપી, ધોતિયાં ઓઢાડ્યાં. પછી તેને સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, જેના પ્રતાપે થાંભલો ભાંગ્યો ને આગબોટ બચી છે તેમના દર્શને અમે જઈએ છીએ. પછી તે સાથે ગયા ને બાપાશ્રી વૃષપુરના મંદિરમાં પગથિયેથી ઊતરતા હતા ત્યાં સામા મળ્યા ને સ્વામીશ્રી આદિ સંતોને મળીને બોલ્યા જે, થાંભલો ન ભાંગ્યો હોય તો તમે ક્યાં હોત ? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, તમારા ભેળા હોત. પછી બાપાશ્રી બોલ્યા જે, તમને ઉગારવાને માટે અમે થાંભલો ભાંગીને આગબોટ બચાવી અને એ થાંભલો ગોઠવીને મૂક્યો તે કોઈને વાગવા દીધો નહિ એમ બોલ્યા. તે સાંભળીને શેઠને ઘણું આશ્ચર્ય થયું. અને પ્રાર્થના કરી જે, આપ મહાસમર્થ છો, તેથી આપને પ્રતાપે મારો મોક્ષ કરજો; એમ પ્રાર્થના કરી પોતાને ગામ ગયા. પછી બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમને કમળી થઈ છે તેથી દેહ મૂકવાનો સંકલ્પ કરીને અહીં આવ્યા છો પણ તમને મરવા દેવા નથી. એમ કહીને બાજરાનો રોટલો જમવાનું કહ્યું. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, મને કાંઈ ભાવતું નથી. પછી બાપાશ્રી કહે, જમજો, હવે ભાવશે. પછી ઠાકોરજીના થાળ થઈ રહ્યા એટલે પાસે બેસીને બાજરાનો રોટલો ચોથા ભાગનો સ્વામી ઈશ્વરચરણદાસજીને જમાડ્યો. એવી રીતે છ દિવસ સુધી સેવા-સમાગમથી સુખિયા કરીને કહ્યું જે, તમે હવે જેતલપુર જાઓ અને ભૂજ, મૂળી, અમદાવાદ ક્યાંય રોકાશો નહીં. પછી સ્વામીશ્રી આદિ સંતો ભૂજ ગયા. ત્યાં માનકુવાના હરિભક્ત સંતોને તેડવા ગાડા લઈને આવ્યા હતા. ત્યાં પારાયણ થવાની હતી, તેથી સ્વામીશ્રી અક્ષરજીવનદાસજી તથા હરિભક્તો આગ્રહ કરીને માનકુવે લઈ ગયા. ત્યાં બાપાશ્રી આવ્યા ને મળીને બોલ્યા જે, તમને જેતલપુર જવાનું કહ્યું હતું અને અહીં કેમ આવ્યા ? ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, સંતોના ને હરિભક્તોના આગ્રહથી આવવું થયું. હવે આ કથા થઈ રહેશે ત્યારે જવાનું કરશું. પછી બોલ્યા જે, હવે તો આપણે વૃષપુર જઈશું, કેમ જે તમારી સાથે સ્વામી ભગવત્ચરણદાસજીના નવા સાધુ બળદેવચરણદાસજી છે તે માંદા પડવાના હતા તેની તમારે ચાકરી કરવી પડે એટલા સારુ તમને રજા આપી હતી, પણ હવે તો નહિ જવાય અને કાલે સ્વામી વૃંદાવનદાસજી તથા ધોળકાના મહંત બળદેવચરણદાસજી તથા કાણોતરના બાપુભાઈ તથા રનોડાના પીતાંબરભાઈ આદિ હરિભક્તો આવશે, એટલે સેવાની ફિકર નહિ રહે. પછી બીજે દિવસે સ્વામી વૃંદાવનદાસજી આદિ સૌ આવ્યા અને કથાની સમાપ્તિ સાત દિવસે થઈ રહી. પછી સ્વામીશ્રી આદિ સૌ વૃષપુર ગયા, ત્યાં તે સાધુ માંદા પડ્યા તેને મંદવાડમાં વાસના સ્ફુરી આવી. તેને દેહ મૂકવા સમયે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજીને તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, આ સાધુનો દેહ આજે પડશે, માટે તેને ઉપદેશ કરીને મૂર્તિમાં વૃત્તિ રખાવો. પછી બંને સદ્ગુરુઓએ ઘણો ઉપદેશ કર્યો પણ તેમને કાંઈ સમજાય નહિ અને વાસના પણ મૂકી નહીં. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સ્થાનમાં દેહ મૂકે ને ભૂત થઈને ઘેર જઈને ધૂણે તો અમારી આબરૂ જાય, માટે એનું અધૂરું રહેવા દેશું નહીં. પછી બાપાશ્રી તથા સંતો એની પાસે ગયા અને ખાટલો ઓરડામાં હતો તે ઓસરીમાં લાવ્યા ને બાપાશ્રીએ મહારાજનાં દર્શન કરાવીને દેહની વિસ્મૃતિ કરાવી દીધી. ને સ્વામીશ્રી આદિ સંતોને કહ્યું જે, તમો ઠાકોરજીને થાળ કરીને જમાડો. પછી સંતોએ થાળ જમાડીને કહ્યું જે, હવે એને દેહ મુકાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજને પોઢવું છે પછી લઈ જશે. પછી દોઢ વાગ્યો ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, હવે મહારાજ જાગ્યા હશે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમે નાહી આવો. પછી સ્વામીશ્રી આદિ સંતો નાહી આવ્યા ને કહ્યું જે, હવે તેડી જાઓ. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, મહારાજને કીર્તન સાંભળવાં છે તે કીર્તન બોલો. પછી સંતો કીર્તન બોલ્યાં. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, હવે ત્રણ વાગ્યા અને સાંજ પડશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, મહારાજ કહે છે કે, અમને ભૂખ લાગી છે તે કાંઈ જમાડો તો પછી લઈ જઈએ. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, સુખડી કરી દઉં ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, એટલી વાર તો ખમે તેમ નથી, માટે કાંઈક ફળ જમાડીએ. એમ કહીને પોતે જામફળી ઉપર ચઢીને ફળ ઉતારી લાવ્યા. તે સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે સુધરાવીને પોતે મહારાજની મૂર્તિને જમાડતા હતા, ત્યારે સ્વામીશ્રી પાસે ઊભા હતા, તેમને કહ્યું જે, મહારાજ તો થાળ જમી રહ્યા ને સાધુને તેડવા ગયા. તમે જાઓ નહિ તો ગોદડાં અભડાશે. પછી સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી ઉતાવળા ગયા ને સાધુને હેઠે ઉતાર્યા કે તરત દેહ મૂકી દીધો. બીજે દિવસે સભામાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, તમે માંદા હતા ને તમારો વિચાર અહીં આવીને દેહ મૂકવાનો હતો, પણ તમે તો સાજા થઈ ગયા ને બીજા સાધુ દેહ મૂકી ગયા, માટે તમને હમણાં રાખવા છે. પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, એ સાધુને ક્યાં મૂક્યા ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, સ્વામી ઈશ્વરચરણદાસજીને બદલે લઈ ગયા, માટે બીજે ક્યાં મુકાય ? શ્રીજીમહારાજની મૂર્તિમાં મૂકી દીધા, એમ બોલ્યા. ।। ૧૮ ।।
૧૯
સંવત ૧૯૫૮ની સાલમાં કાણોતરના બાપુભાઈ બાપાશ્રીનો સમાગમ કરવા આવ્યા હતા. તેમને એમના પિતાશ્રી બોઘા પટેલનો કાગળ આવ્યો જે, તરત આવો. પછી તે જવા તૈયાર થયા, તેમને બાપાશ્રીએ કહ્યું જે, ચાલો વાડીએ નાહવા જઈએ છીએ, ત્યાંથી જજો. પછી વાડીએ જઈને નાહ્યા ને માનસીપૂજા કરીને એમને ઘેર જવાની આજ્ઞા કરી. પછી તે બોલ્યા જે, બાપા ! મને એકલાને જવું કેમ ફાવશે ! ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સામા ડુંગરામાં જુઓ. પછી ડુંગરામાં જોયું ત્યારે તેજના મંડળમાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખાણી. તે જોઈ બાપુભાઈ કહે જે, આમ ને આમ દર્શન રહે એવી કૃપા કરો. પછી બાપાશ્રી બોલ્યા જે, બહુ સારું, એમ ને એમ દેખાશે. પછી તે ઘેર આવ્યા ત્યાં સુધી દર્શન થયાં. અને બીજે વર્ષે દર્શને આવ્યા ત્યારે પણ ઘેર જતી વખતે બોલ્યા જે, બાપજી ! હું એકલો શી રીતે જઈશ ? પછી બાપાશ્રી બોલ્યા જે, આ રસ્તામાં જુઓ, સામું કોણ દેખાય છે ? પછી જોયું તો બાપાશ્રીને દેખ્યા. ત્યારે કહ્યું જે, ઠેઠ આમ ને આમ દેખાશે. એમ કહીને ચાલ્યા તે ઠેઠ ઘેર પહોંચ્યા ત્યાં સુધી છેટે ને છેટે આગળ બાપાશ્રી દેખાયા. તેમને પહોંચી વળવા સારુ બાપુભાઈ ઘણાય દોડે પણ એટલું ને એટલું છેટું રહે ને ધીમે ચાલે તોપણ એટલું ને એટલું છેટું રહે. એવું ઘેર પહોંચ્યા ત્યાં સુધી રહ્યું. ।। ૧૯ ।।
૨૦
બાપુભાઈએ નવાં ઘર કર્યાં હતાં. ત્યારે બાપાશ્રીએ દિવ્ય દર્શન દઈને કહ્યું જે, તમારા વાડામાં કાંઈક બીક છે તે કાઢવા આવ્યા છીએ, માટે ચાલો વાડામાં. પછી વાડામાં ગયા, ત્યાં તે એક કાળાં લૂગડાંવાળી સ્ત્રી નીકળી. તે તેમના ઘર સોંસરી થઈને દક્ષિણ તરફ ચાલી ગઈ, તે બાપુભાઈએ પણ દીઠી. પછી બાપાશ્રી બોલ્યા જે, હવે વાડામાંથી બીક ગઈ. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૨૦ ।।
૨૧
એક સમયને વિષે બાપુભાઈને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, તમારી સ્ત્રીને તથા મોટા દીકરાને અમે થોડાક દિવસમાં તેડી જઈશું. ત્યારે બાપુભાઈએ કહ્યું જે, આપની મરજી હોય તેમ કરો, પણ હાથે રસોઈ કરવી પડશે. મારા પિતાશ્રીને મોટા દીકરા ઉપર હેત બહુ છે તેથી તેમને પણ માઠું લાગશે. તે કરતાં નાનો દીકરો જન્મવાનો છે, એમ આપ કહો છો તે દીકરાની આયુષ્ય કેટલી છે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, એની આયુષ્ય તો વધારે છે. ત્યારે બાપુભાઈ કહે જે, તેની આયુષ્ય આ મોટા દીકરાને આપીને નાનો દીકરો જન્મે ત્યારે તેને તેડી જાવ તો ઠીક અને આપની મરજી હોય તો તેની માને પણ તેડી જજો. પછી બાપાશ્રીએ કહ્યું જે સારું. પછી મોટા દીકરાને રાખવાનું કર્યું ને બોલ્યા જે, એની માને પણ એક વર્ષે તેડી જઈશું. પછી બરાબર એક વર્ષ થયું ત્યારે તેને દર્શન આપીને તેડી ગયા. ।। ૨૧ ।।
૨૨
બાપાશ્રીએ સંવત ૧૯૫૯ના વૈશાખ માસમાં મોટો યજ્ઞ કર્યો હતો ને ‘સત્સંગિજીવન’ની ને ‘શિક્ષાપત્રી ભાષ્ય’ની કથા પંદર દિવસ સુધી કરાવી હતી. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ આગળથી ગયા હતા. તેમની પાસે બેય દેશમાં કંકોત્રીઓ લખાવેલ હોવાથી દેશ દેશાંતરના ઘણા સંત-હરિભક્તો ગયા હતા. તે યજ્ઞમાં બાપાશ્રીએ પોતાનો અલૌકિક પ્રતાપ જણાવવાથી અનેક મુમુક્ષુજનો મૂર્તિને સુખે સુખિયા થતા. કેટલાકને સામા જઈને દર્શન આપતા, તો કોઈને ઉતારે જઈને ખબર પૂછે, સભામાં બેઠા હોય ને પાકશાળામાં પણ દર્શન દેતા હોય, કોઈને પીરસતા જણાય, વાડીએ હરિભક્તો ગયા હોય ત્યાં કૂવે નહાતા હોય, ઘેર જાય તો ત્યાં પણ દેખાય, સભામાં તો જાણે બેઠા જ હોય. એમ સૌ સંત-હરિભક્તોને આશ્ચર્ય પમાડતા શ્રીજીમહારાજના મહિમાની ને મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્તના સામર્થ્યની નવીન નવીન વાતો કરી બહુ સુખ આપ્યાં હતાં. પછી યજ્ઞની સમાપ્તિ થઈ રહી ત્યારે સૌને સુખડીની પ્રસાદી આપી રાજી કર્યા. અને શાસ્ત્રી બાળમુકુંદાનંદજીને મૂર્તિના સુખે સુખિયા થવારૂપ ભાતું આપ્યું. તે પારાયણમાં ભૂજથી નડિયાદવાળા ઝવેરીલાલભાઈ તથા તેમના ભેળા સ્વામી બાળમુકુંદદાસજી તથા બીજા એક સાધુ ઘોડાગાડીમાં બેસીને ગયા હતા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, આ બાળમુકુંદદાસજી સ્વામી ગાડીમાં બેસતા નહિ ને દૂધ પણ પીતા નહિ ને હવે તો ગાડીએ બેસે છે તથા દૂધ પીએ છે તેનું શું કારણ ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, બાળમુકુંદદાસજી તથા મુક્તજીવનદાસજી એ બંને માંદા થયા હતા. ત્યારે બાળમુકુંદદાસજીના ચૈતન્યને દેહમાંથી કાઢીને મહારાજની મૂર્તિમાં મૂકી દીધો હતો અને મુક્તજીવનદાસજીના જીવને ફેર જન્મ ન ધરાવવા પડે એટલા માટે તપ કરાવવા બાળમુકુંદદાસજીના દેહમાં મૂક્યા છે, તે મુક્તજીવનદાસજીથી એમના જેટલું તપ થઈ ન શકે. પછી ભૂજવાળા સ્વામી અક્ષરજીવનદાસજી બોલ્યા જે, અહો ! તમે આવી રીતે દેહ બદલાવો છો ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે હા, મહારાજના પ્રતાપે કરીએ છીએ. એ વાત સાંભળી સંત-હરિભક્તો ઘણા આશ્ચર્ય પામ્યા. ।। ૨૨ ।।
૨૩
સંવત ૧૯૬૨ની સાલમાં દેવદિવાળીના સમૈયે બાપાશ્રી કચ્છનો સંઘ લઈને અમદાવાદ પધાર્યા હતા. ત્યાંથી જેતલપુર થઈને ડભાણ જતાં નવાગામમાં ડાહ્યાભાઈને રાત્રિએ અઢી વાગે દર્શન આપ્યાં. ત્યારે ડાહ્યાભાઈ પગે લાગ્યા ને બોલ્યા જે, બાપા ! સ્વામી ઈશ્વરચરણદાસજી ક્યાં ? એમ સ્વામીશ્રીનાં દર્શનની તેમની ઇચ્છા જાણી, બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીનાં દર્શન કરાવ્યાં. પછી ડભાણ થઈ વરતાલ ગયા ને વાડીમાં ઉતારો કર્યો. ત્યાં કાણોતરના બાપુભાઈએ આખી રાત પ્રદક્ષિણાઓ ફરીને ચોકી ભરી. તેમને સવારે બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, વર માગો, જે માગો તે આપીએ. પછી તેમણે કહ્યું જે, આ સંઘ લઈને કાણોતર પધારો. પછી બાપાશ્રીએ કહ્યું જે, આ સંઘ લઈને અમે તમારે ગામ બે મહિને આવીશું. પછી બે દિવસ રહીને બાપાશ્રી આદિક સર્વ નીકળ્યા, તે સ્પેશિયલ ગાડીમાં બેસીને અમદાવાદ આવતાં નડિયાદના સ્ટેશને એક મુસલમાનના છોકરાને બાપાશ્રીએ દિવ્ય દર્શન આપ્યાં. તેથી તે છોકરો ટોપી ઉતારીને પગે લાગ્યો ને બોલ્યો જે, મેરા અચ્છા કરીઓ, હમ તમારા ગુલામ હય; એમ વંદના કરવા મંડ્યો. એની પાસે બ્રાહ્મણનો એક છોકરો ઊભો હતો. તેને કહ્યું જે, અબે બમન, ક્યા દેખ રહેતા હે. પાઉં મેં શિર ધર દે, તેરા અચ્છા હો જાયગા; પણ તે છોકરો નમ્યો નહીં. પછી તેને કહ્યું જે, અબે બમન, નમતા નહિ હે, ક્યા બમન હુઆ હય ? એમ લડવા મંડ્યો. પછી રેલ ઊપડી તે સર્વે અમદાવાદ આવ્યા ને ત્યાંથી કચ્છમાં પધાર્યા. પછી બે મહિને કાણોતરમાં બાપુભાઈને સંઘે સહિત દર્શન આપીને તેડી ગયા. ।। ૨૩ ।।
૨૪
પાટડીના ઠક્કર ત્રિભોવનભાઈનાં પત્ની માંદાં હતાં. તેમને ત્રણ દિવસ લાગટ શ્રીજીમહારાજે અને બાપાશ્રીએ ભૂરા હાથી ઉપર બેઠેલાં એવાં દર્શન આપ્યાં. ત્યારે તે બાઈએ કહ્યું જે, મને તેડી જાઓ. પછી બાપાશ્રીએ કહ્યું જે, હમણાં નહિ, એમ કહી અદૃશ્ય થઈ ગયા. ।। ૨૪ ।।
૨૫
એક વખત બાપાશ્રી વૃષપુરના મંદિરમાં વાતો કરતા હતા. ત્યાં શેદલાના પુરાણી પ્રાણજીવનભાઈને ડોલું આવ્યું. તેમાં પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. પછી તેમણે જાગીને બાપાશ્રીને કહ્યું જે, સ્વપ્ન આવે તે સાચું હોય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સ્વપ્નું સાચું. એમ પૂર્વજન્મનું જ્ઞાન તેમણે ક્ષણમાત્રમાં કરાવી દીધું. ।। ૨૫ ।।
૨૬
શેદલાના હીરજીભાઈ દેહ મૂકતી વખતે બોલ્યા જે, આ મને બાપાશ્રી તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું. એમ કહીને દેહ મૂક્યો તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. ।। ૨૬ ।।
૨૭
વનાળિયાના ભગવાન ઠક્કર બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર ગયા ને ત્યાં બાપાશ્રીનાં ચરણ ઝાલ્યાં, ત્યાં તો અપાર તેજનો મોટો સમૂહ દીઠો અને તેના મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિ દેખાણી. તે મૂર્તિમાંથી તેવા જ આકારવાળી બાપાશ્રીની મૂર્તિ દીઠી, એમ ઘણી વાર દર્શન થયાં. પછી બાપાશ્રી મહારાજની મૂર્તિમાં લીન થયા ને મહારાજ ને તેજ અદૃશ્ય થઈ ગયું. ।। ૨૭ ।।
૨૮
સંવત ૧૯૬૩ની સાલમાં ભુંભલી ગામમાં પાર્વતીબાઈને મંદવાડ હતો. તેમને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, હમણાં તમને તેડી નહિ જઈએ. તમને બીજો મંદવાડ આવશે, ત્યાર પછી ફરી ત્રીજો મંદવાડ આવશે, ત્યારે મહારાજ ને અમે આવીને તેડી જાશું. હજી સાત વર્ષ સુધી તમને રાખવા છે, એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૨૮ ।।
૨૯
એક સમયે લુણાવાડાના રણછોડલાલભાઈ વૃષપુર ગયા હતા, ત્યારે બાપાશ્રીને દાડમ જમવા આપ્યું. તે જમ્યા ને એક દાણો ચાકળા તળે નાખેલો હતો. તે કાઢીને રણછોડલાલભાઈને આપ્યો ને કહ્યું જે, તમને કેસરોભાઈ વાત કરશે, દહીંસરે જાઓ. પછી તે દહીંસરે ગયા ને કેસરાભાઈને કહ્યું જે, વાતો કરો. પછી કેસરોભાઈ કહે જે, બાપ હું શું જાણું. ભાઈ ! તમે બાપાશ્રીને દાડમ જમાડ્યું અને એક દાણો તમને ચાકળા હેઠળથી આપ્યો. પછી રણછોડલાલભાઈ કહે, તમે ક્યાં હતા ? ત્યારે કેસરાભાઈ કહે જે, બાપાશ્રીએ મારા પર કૃપા કરી મને નિરાવરણ કર્યો છે, તે સાંભળી આશ્ચર્ય પામ્યા. ।। ૨૯ ।।
૩૦
સંવત ૧૯૬૨ની સાલમાં ગામ સરસપુરમાં પટેલ જેઠાભાઈ તથા ઈશ્વરદાસની ફઈ પાર્વતીબાઈને બાપાશ્રી તેડવા આવ્યા. તે સમે બાઈ બોલ્યાં જે, બાપા ! તમે મને અડશો નહીં. મને સંગ્રહણીનો રોગ છે તેથી ખાધેલું ને પાણી પેટમાં ટકતું નથી તેથી બોળે છું. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, આ ખાટલો ને ગોદડું બધુંય કાઢી નાખીને લીંપાવો ને બીજો ખાટલો ને ગોદડાં પાથરો અને જેટલી ચીજો જમવી હોય તેટલી આજ આખો દિવસ જમો અને પાણી પીઓ, પણ સાંજ સુધીમાં લઘુ તથા દિશાએ જવાનું નહિ થાય. પછી સર્વ વસ્તુઓ આખો દિવસ જમ્યા ને પાણી પીધું. અને બાપાશ્રીએ પાટ ઉપર બેઠેલા એવાં સવારથી સાંજ સુધી દર્શન આપ્યાં. ને રાત્રિ પડી એટલે શ્રીજીમહારાજ તથા ઘણાય મુક્તનાં દર્શન થયાં. તેવી રીતે બીજા ઘણાક મનુષ્યને પણ બાપાશ્રીનાં દર્શન થયેલાં. એ રીતે એ બાઈને દેહ મૂકતી વખતે ચમત્કાર જણાવી તેડી ગયા. ।। ૩૦ ।।
૩૧
ગામ ધ્રાંગધ્રાના સલાટ હરનારાયણભાઈ શ્રી વરતાલ કામ કરતા હતા તે ગણપતિના ઉપાસક હતા. ત્યાં સત્સંગી થયા. તેમને શ્રીજીમહારાજે દર્શન આપ્યાં અને જોડે નરનારાયણ, લક્ષ્મીનારાયણ આદિ દેખાયા ને તે મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. પછી ગણપતિએ હરનારાયણનું કાંડું ઝાલીને શ્રીજીમહારાજને કહ્યું જે, આ તમારું બાળક. પછી તેને શ્રીજીમહારાજે સમગ્ર પરમહંસનાં દર્શન કરાવીને કહ્યું જે, આ ગોપાળાનંદ સ્વામી તારા ગુરુ. એમ કહીને અદૃશ્ય થયા. પછી તે જ્યારે ધ્યાન કરે ત્યારે પાંચસો પરમહંસનાં દર્શન શ્રીજીમહારાજનાં ભેળાં થાય. પછી તે ધ્રાંગધ્રાના મંદિરમાં ગયા. ત્યાં શ્રીજીમહારાજ ખુરશી ઉપર બેઠેલા એવાં દર્શન થયાં. સંવત ૧૯૬૪ની સાલમાં માંદા થયા, તે સમયે તેને એમ જણાણું જે, મૂળીમાં સભામંડપમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પાસે બેઠો છું, એમ એકવીસ દિવસ સુધી દર્શન થયાં. પછી જ્યારે પુરાણી ધર્મકિશોરદાસજી ધ્રાંગધ્રે ગયા ત્યારે તેમને વાત કરી જે, આવી રીતે મને દર્શન થાય છે. પછી તેમણે કહ્યું જે, મહારાજ કે સંત તમારી સાથે બોલે છે ? ત્યારે તે કહે ના. પછી તેમણે કહ્યું જે, વરતાલના ૫મા વચનામૃતમાં કહ્યું છે જે, પ્રત્યક્ષ સત્પુરુષ મળે તો સો જન્મની કસર મટે ને આ જન્મે શુદ્ધ કરે, માટે પ્રત્યક્ષ મળે તો કામ થાય. એમ કહીને બાપાશ્રીની ઓળખાણ કરાવીને કહ્યું જે, મહારાજ અને સંતના ભેળા બાપાશ્રીને ધારજો. પછી ઘેર જઈને ધ્યાન કર્યું. ત્યારે સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી અને બાપાશ્રીની વચ્ચે શ્રીજીમહારાજનાં દર્શન થયાં. પછી બંને મહારાજની મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા અને એક શ્રીજીમહારાજ રહ્યા. પછી તે મૂળી ગયા. બ્રહ્મચારીને ત્યાં બ્રહ્માનંદ સ્વામીની મોટી મૂર્તિ છે તે ઠેકાણે દર્શન કરતાં બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિએ હરનારાયણ સામો હાથ કરીને કહ્યું જે, તમને અનાદિમુક્ત મળ્યા છે તે બહુ મોટા છે, તેથી કાંઈ અધૂરું નહિ રહે. પછી તે પાટણ ગયા. ત્યાં તેમના ભાઈનો દીકરો માંદો પડ્યો. તેને હરનારાયણે બાપાશ્રીને સંભારીને મહારાજની પ્રસાદીનું પાણી પાયું, તેથી તે સાજો થયો. પછી તેને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, એની આવરદા થઈ રહી હતી, પણ તમે અમારું નામ લીધું તેથી સાજો કરવો પડ્યો. પછી મૂળી દેવનાં દર્શન કરવા ગયા. તેમની પાસે જોખમ હોવાથી બીક લાગી, ત્યારે મહારાજ ને બાપાશ્રીએ દર્શન દઈને બે બાજુ કાંડાં ઝાલ્યાં ને બેય કોરે અનંત મુક્તો દિવ્ય તેજોમય દેખાય એવી રીતે સ્ટેશનથી મંદિરમાં આવ્યા. પછી મહારાજ ને બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. તે વખતે મૂર્તિઓ ને સભા દિવ્ય તેજોમય દેખી. પછી રાત્રિએ તાપ કરવા સારુ સાંઠીઓ લેવા ગયા. ત્યાં સંકલ્પ થયો જે, સાંઠીઓમાં કાંટા હશે તો ? ત્યારે બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, કાંટા નથી. પછી સાંઠીઓ લઈને આવ્યા ને સદ્. રામકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ધર્મકિશોરદાસજીને એ વાત કરી. તેથી રામકૃષ્ણદાસજી સ્વામીને બાપાશ્રીને વિષે બહુ હેત થઈ ગયું. પછી સ્વામી જ્યારે માંદા થયા ત્યારે નિરંતર શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાઈ રહેતા. તેમને અંત સમયે મહારાજ અને બાપાશ્રી દર્શન આપીને તેડી ગયા. ।। ૩૧ ।।
૩૨
એક સમયે બાપાશ્રી ભૂજ પધાર્યા હતા. તે પાછા વૃષપુર તરફ જવા તૈયાર થયા, એટલે બ્રહ્મચારી તથા સંતો કહે જે, બે દિવસ રહો ને વાત કરો. પછી બાપાશ્રી કહે જે, ઘર સુધી જઈ આવીએ, પછી પાછા આવશું એમ કહીને ચાલ્યા તે આઘા જઈને પાછા વળ્યા ને કહે જે, કોઈક સંત-હરિભક્ત અમને ખેંચે છે તે નહિ જવાય. એટલામાં તો રામજીભાઈ અંજારથી ભૂજ ગયા. ત્યાં બાપાશ્રી મંદિરના ચોકમાં મળ્યા અને ઉત્તમાનંદ બ્રહ્મચારી તથા સંત-હરિભક્તોએ કહ્યું જે, બાપાશ્રી તો ચાલ્યા હતા ને પાછા વળ્યા ને બોલ્યા જે, કોઈક હરિભક્ત ખેંચે છે તે અમને નહિ જવા દે; એમ કહેતા હતા એટલી વારમાં તો તમે આવ્યા. પછી બાપાશ્રી તેમને બાથમાં ઘાલીને મળ્યા ને કહ્યું જે, અમે સર્વેને કહ્યું હતું જે અમને કોઈક ખેંચે છે તે નહિ જવાય, તેથી રોકાણા છીએ. પછી તેમણે હાથ જોડીને કહ્યું જે, એક ગાઉ ઉપર નંદવાણાં મોંઘીબાએ આપના સમાચાર આપ્યા ને કહ્યું જે, બાપાશ્રી ભૂજ છે ને હમણાં વૃષપુર જવાના છે, ત્યાંથી જ મને બહુ ખેંચ થઈ હતી. એમ કહીને પોતે ભૂજ રહી બાપાશ્રી સાથે વૃષપુર ગયા. ।। ૩૨ ।।
૩૩
એક વખતે વૃષપુરમાં સ્વામી ઈશ્વરચરણદાસજીના સાધુ પુરુષોત્તમપ્રિયદાસજી ઠાકોરજીનાં દર્શન કરતાં હતાં, તે વખતે સ્વામીએ બાપાશ્રીને કહ્યું જે, આ સાધુ તમારા છે, તેમને દયા કરીને સુખિયા કરજો. ત્યારે બાપાશ્રીએ માથે હાથ મૂકીને કહ્યું જે, મહારાજની મૂર્તિ સામું જોઈ રહો, એટલે તે મૂર્તિ સામું જોઈ રહ્યા. ત્યાં તો તેમને મૂર્તિમાં અનંત મુક્ત સોંસરા દેખાવા લાગ્યા. જેમ બિલોરી કાચમાં અનંત રૂપ દેખાય તેમ અનંત મુક્ત એકબીજામાં નિરાવરણ જોઈ નેત્ર સ્થિર થઈ ગયા. એમ ઘણી વાર સુધી મૂર્તિ સામું જોઈ રહ્યા. પછી બાપાશ્રીએ કહ્યું જે, કેમ ! મૂર્તિનું સુખ કેવું ? ત્યારે તે કહે જે, બાપા ! બહુ દયા કરી, મને કૃતાર્થ કર્યો. એમ બાપાશ્રીએ તેમને મૂર્તિનો અલૌકિકભાવ બતાવી સુખિયા કર્યા. ।। ૩૩ ।।
૩૪
ભારાસરના ગોવિંદ ભક્ત અંત વખતે બાપાશ્રી પાસે દેહ મુકાય એવી ઇચ્છાથી વૃષપુર રહેવા આવ્યા હતા. એક સમયે ઘણા હરિભક્તો કરાંચી કમાવા જતા હતા, તેથી તે બાપાશ્રીને પૂછવા આવ્યા, ત્યારે બાપાશ્રીએ ના પાડી તોપણ ત્યાં ગયા ને ત્યાં માંદા પડ્યા. પછી પોતાના દીકરા લીંબાને વાત કરી જે, બાપાશ્રીએ ના પાડી છતાં આપણે અહીં આવ્યા ને મારો સંકલ્પ એવો હતો જે, બાપાશ્રી મારી પાસે બેઠા હોય ને મારો દેહ પડે. એટલામાં તો બાપાશ્રીએ તેમને દર્શન આપ્યાં. ત્યારે બોલ્યા જે, બાપાશ્રી પધાર્યા ને મને કહે છે જે, ચાલો ધામમાં. એમ કહીને દેહ મૂક્યો. ।। ૩૪ ।।
૩૫
એક સમયે ઘણા હરિભક્તો આફ્રિકા કમાવા જતા હતા, ત્યારે નારાયણપુરના પ્રેમજીભાઈ બાપાશ્રીને પૂછવા આવ્યા જે, હું જાઉં ? ત્યારે બાપાશ્રીએ ના પાડી. પછી ચોમાસામાં વરસાદ ઘણો થવાથી ડુંગરામાં ખડ ખૂબ થયું. પછી તેમને બાપાશ્રીએ આજ્ઞા કરી જે, આ ખડ લાવીને મોટી ગંજી કરો. પછી તેમણે તેમ કર્યું. પછી જેઠ મહિનામાં એક જણે એ ગંજી પાંચસો કોરીએ માગી, ત્યારે બાપાશ્રીએ ના પાડી. પછી વળી એક હજાર કોરીએ માગી, ત્યારે પણ ના પાડી. પછી વળી થોડા દિવસ કેડે પાંચ હજાર કોરીએ માગી, ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, હવે તારું કરજ વળી જશે, માટે આપી દે. પછી તેમણે આપી દીધી ને તેમનું કરજ વળી ગયું. અને બીજા આફ્રિકા ગયા હતા, તે ત્યાં પ્લેગ હોવાથી બધાને પાછા આવવું પડ્યું હતું. ।। ૩૫ ।।
૩૬
એક વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીને આંખમાં રોગ હતો, તે પીડા બહુ થતી ને કાંઈ ગરમ વસ્તુ ખવાતી નહિ ને વંચાય પણ નહીં. પછી બાપાશ્રીએ કહ્યું જે, આંખોનો રોગ મટી જશે ને જે મળે તે સર્વે જમજો, તમને નડશે નહીં. વળી એક વખત સ્વામીને કેડમાં આંટી પડી હતી તે બેઠું રહેવાતું નહોતું, તેથી સૂઈ રહ્યા હતા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, સભામાં તો બેઠા રહેવું જોઈએ. પછી સ્વામીશ્રીએ કહ્યું જે, કાંઈક ભાર ઉપાડવાથી કેડે આંટી પડી ગઈ છે. તેથી બેઠું રહેવાતું નથી ને સૂઈ રહેવું પડે છે. પછી તેમનું કાંડું ઝાલીને બોલ્યા જે બેઠા થાઓ, એટલે તરત આંટી છૂટી થઈ ને પીડા ટળી ગઈ. વળી એક સમયે મૂળી જતાં સ્વામીને રેલમાં બહુ શૂળ આવતું હતું તે ખમાયું નહિ, ત્યારે બાપાશ્રીને કહ્યું જે, શૂળ ખમાતું નથી. પછી તેમણે હાથ ફેરવ્યો એટલે મટી ગયું. ।। ૩૬ ।।
૩૭
જેતલપુરના મંદિરમાં એક બળદને ખરીમાં પૈડું વાગવાથી ખરી તૂટી ગઈ હતી. તે જોઈને બાપાશ્રી બોલ્યા જે, આ બળદને ચાકરી કરનાર હશે તો આઠ મહિને મટશે. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે જે, ચાકરી કરનાર કોઈ નથી. પછી બાપાશ્રી બોલ્યા જે, એક પાટો બાંધજો, આઠ દિવસે મટી જશે. પછી એમ કરવાથી તે બળદને મટી ગયું ને અગિયારમે દિવસે જોડ્યો. તે બાર ગાઉથી સુડતાળીસ મણ ઘઉં લઈ આવ્યો. ।। ૩૭ ।।
૩૮
એક વખતે જેતલપુરમાં સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને કૂતરું કરડ્યું હતું, તેની પીડા બહુ થતી. તેમને સ્વામી ઈશ્વરચરણદાસજી મહારાજની ને મોટાની વાતો કરી શાંતિ પમાડતા. પછી એક દિવસ સ્વામી અમદાવાદ આવ્યા, તેથી તે સાધુ ઉદાસ થઈ ગયા. તેથી પછી બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, તમે ઉદાસ થઈ ગયા ! અમે પાણી પીવા પણ ન રહ્યા ને તરત આવ્યા. અમે તમારા ભેળા જ છીએ, છેટે નથી. અને સ્વામી ઈશ્વરચરણદાસજી બે દિવસ પછી આવશે. કેમ જે શહેરમાં પાકી છે, તેથી જે વસ્તુ લેવા ગયા છે તે મળશે નહીં. તમે આંબવા (પ્રબોળિયા)નાં પાંદડાં વાટીને બાંધજો ને ત્રીજે દિવસે પાટો છોડજો. એવી રીતે ત્રણ પાટા બાંધવા પડશે, એમ કહીને અદૃશ્ય થઈ ગયા અને પછી ત્રણ પાટે મટી ગયું. ।। ૩૮ ।।
૩૯
માનકુવાના વીરજીભાઈએ લસણ વેચ્યું હતું, તેની કોરી છસો પોતાના ઘરમાં મૂકી હતી અને પોતે મંદિરમાં સૂતા હતા. તેમને બાપાશ્રીએ તેજોમય દર્શન આપીને જગાડીને ઘેર મોકલ્યા અને કહ્યું જે, કોઈક લઈ જશે તો મહારાજને ને અમારે માથે બદ દેશો. પછી તે ઘેર ગયા ને ચોર જતા રહ્યા. પછી કોરી ઠેકાણે મૂકીને તાળું દઈને મંદિરમાં ગયા, ત્યાં બાપાશ્રી દેખ્યા નહીં. પછી બીજે દિવસે તે વૃષપુર ગયા. ત્યારે બાપાશ્રીએ વાત કરી જે, અમે રાત્રિએ આવીને જગાડ્યા ન હોત તો ચોર કોરીઓ લઈ જાત. ।। ૩૯ ।।
૪૦
સરસપુરના કોઠારી ઈશ્વરદાસ પ્લેગ હોવાથી ગામ બહાર રહેતા. તેમના ઘરમાં રાત્રિએ ચોર પેઠા ને પટારો તોડ્યો. તેમને બાપાશ્રીએ કાઢી મૂક્યા ને કોઠારીને જગાડીને કહ્યું જે, તમારા ઘરમાં ચોર પેઠા, માટે જાઓ સંભારી આવો. પછી તે ઘેર ગયા ને પટારામાં જોયું તો સર્વ વસ્તુ હતી. એમ બાપાશ્રીએ રક્ષા કરી. ।। ૪૦ ।।
૪૧
એક સમયે બાપાશ્રી મંદિરમાં સૂતા હતા ને પોતાની વાડીમાંથી ચોર ચાસઠિયો કાપીને ચોફાળમાં નાંખે, તે પોતે મંદિરમાં સૂતાં સૂતાં ચોફાળ ને ચાસઠિયો ખેંચી લીધો. પછી તે ચોર ભાગી ગયો ને જાણ્યું જે, આ કોણે લીધું ? પછી બેચાર દિવસે તે ચોરને ચોફાળ આપીને કહ્યું જે, આવું કામ હવે કરીશ નહિ અને જો કરીશ તો અમે બધેય દેખીએ છીએ અને જાણીએ છીએ. પછી તેણે વિનંતી કરીને માફી માગી. ।। ૪૧ ।।
૪૨
એક સમયે નારાયણપુરના પ્રેમજીભાઈ આદિ છ-સાત જણા બાપાશ્રીની સાથે કાંઈક કામે જતા હતા. તે બીજા સર્વે આગળ ચાલતા હતા ને બાપાશ્રી વાંસે ચાલતા હતા. પછી વાટમાં કૂવો આવ્યો ને બીજા સર્વે ફરીને ચાલ્યા ને બાપાશ્રી તો કૂવામાં પડ્યા તે ધુબાકો થયો. ત્યારે સર્વેએ પાછું વળીને જોયું ત્યાં કાંઠા ઉપર ઊભેલા ને લૂગડાં પણ કોરાં. પછી પ્રેમજીભાઈએ કહ્યું જે, ધુબાકો થયો તે તમે પડી ગયા હતા કે શું ? ત્યારે બાપાશ્રી કહે જે, અમે નાહવા પડ્યા હતા. ત્યારે તેમણે કહ્યું જે, લૂગડાં તો કોરાં છે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમારાં નાહવા એવાં. ।। ૪૨ ।।
૪૩
એક સમયે પ્રેમજીભાઈ માંદા હતા. તેમનો ખાટલો ઉગમણી વાડીમાં હતો. ત્યાં બાપાશ્રી પધાર્યા ને તેમને બોલાવી જમાડ્યા. પછી તે બેઠા થયા ને દર્શન કર્યાં. પછી કલાક વાર થઈ એટલે દિવ્ય વહેલ લાવેલા તેમાં બેસીને વૃષપુર તરફ ચાલી નીકળ્યા ને થોડેક સુધી દેખાણા. પછી ન દેખાણા. વળી એક વખતે પોતે બહુ માંદા હતા ને આંખો બહુ દુઃખતી હતી ને ફૂલાં છવાઈને આંખો ધોળી થઈ રહી હતી. તેમને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે એક આંખ સારી થશે. એમ કહીને અદૃશ્ય થઈ ગયા તે એક આંખ સારી થઈ. ।। ૪૩ ।।
૪૪
એક સમયે બાપાશ્રી હરિભક્તોએ સહિત અમદાવાદ આવેલા ને કચ્છમાં પોતાના સંબંધીએ દેહ મૂક્યો. ત્યારે બાપાશ્રી કહે જે, અમારે નાહવું પડશે, ગરમાઈ લાગે છે; એમ કહીને નાહ્યા, પણ બીજાને વાત કરી નહીં. પછી કચ્છમાં જતાં મારગમાં ખબર પડી તે સર્વે નાહ્યા. પછી બાપાશ્રીને કહ્યું જે, તમે નહાવો, ત્યારે બાપાશ્રી કહે જે, હું તો એણે દેહ મૂક્યો તે દિવસે જ નાહ્યો છું. ।। ૪૪ ।।
૪૫
વળી એક સમયે બાપાશ્રી છપૈયા પધાર્યા હતા, ત્યાં નારાયણ સરમાં સાબોળ નાહ્યા. તે વખતે સરખેજના બ્રાહ્મણ નારાયણભાઈ ભેળા હતા. તેમણે પૂછ્યું જે, બાપા ! સાબોળ કેમ નાહ્યા ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ઠીક કર્યું. પછી ત્યાંથી અમદાવાદ આવ્યા ને કચ્છથી કાગળ આવ્યો. તે બીજા સર્વે નાહ્યા ને બાપાશ્રી કહે જે, અમે તો તે દિવસે જ નાહ્યા હતા, તેનો આ નારાયણ સાક્ષી છે. ।। ૪૫ ।।
૪૬
એક સમયે રામપરામાં વાઘજી પટેલ માંદા થયા. તેને દર્શન દેવા બાપાશ્રી પધાર્યા હતા. તેમની મૂર્તિમાંથી તેજ નીકળ્યું તે થોડીક વાર રહીને પાછું સમાઈ ગયું. પછી બાપાશ્રીએ તેમની ખબર પૂછી ને બેઠા, એટલામાં તો એમના ઘરના વળામાં મોટા મોટા તેજના ગોળા વળગેલા તે ચળક ચળક થાય. તે જોઈને આશ્ચર્ય પામ્યા ને બાપાશ્રીને પૂછ્યું જે, આ શું છે ? ત્યારે બાપાશ્રી કહે જે, જ્યાં મહારાજ ને મોટા પધારે ત્યાં અવતારાદિક દર્શન કરવા આવે, તે આવ્યા છે. પછી તે ઘડીક વાર દેખાઈને અદૃશ્ય થઈ ગયા. ।। ૪૬ ।।
૪૭
એક સમયે અમદાવાદથી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર ગયા હતા. સાંજના નિત્ય નિયમ પછી બાપાશ્રીના ભત્રીજા ગોવિંદ ભક્તે કહ્યું જે, બાપા ! વાડીએ હાલશું ? ત્યારે બાપાશ્રી કહે જે, આજ તો સંત આવ્યા છે તેથી અમારાથી નહિ અવાય; અને અમારા બળદને ચારો નાખજો. પછી તે ગયા ને બાપાશ્રીના બળદને ચારો નીર્યો ને તેમાંથી પોતાના બળદને પણ નીર્યો. પછી બાપાશ્રીએ લાંબો હાથ કરીને એના માથેથી પાઘડી લઈને પોતાના ઓશીકા તળે ઘાલી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, બાપા ! ઓશીકું નીચું પડે છે ? ત્યારે કહે જે, ના, આ તો ગોવિંદ ભક્તે અમારો ચારો એના બળદને નીર્યો તેથી એની પાઘડી અમે લઈને ઓશીકા તળે મૂકી. પછી તે સવારે મંદિરમાં ગયા ત્યારે, બાપાશ્રીએ કહ્યું જે, અમારો ચારો તારા બળદને નીર્યો તેથી આ પાઘડી અમે લઈ લીધી. માટે હવે આવું કામ કરીશ નહીં. પછી તેણે પ્રાર્થના કરીને કહ્યું જે, જી બાવા, મારો ગુનો માફ કરો; હવેથી આવું નહિ કરું. ।। ૪૭ ।।
૪૮
બાપાશ્રીની લખાઈ વાડીમાં કૂવા ઉપર વડનું ડાળ નડતું હતું. તે કાપવા બાપાશ્રીના ભત્રીજા ગોવિંદ ભક્ત ચઢ્યા હતા. તે કાપતાં કાપતાં હાથામાંથી કુહાડો નીકળીને કૂવામાં પડ્યો. તેને બાપાશ્રીએ લાંબો હાથ વધારીને કૂવામાંથી કાઢ્યો ને વડ ઉપર લાંબો હાથ કરીને ગોવિંદ ભક્તને આપ્યો, પછી હાથો ઘાલીને ડાળ કાપ્યું. ।। ૪૮ ।।
૪૯
એક સમયે રાત્રિએ બાપાશ્રી વાડીએ ન ગયા અને સંતો પાસે પોઢી રહ્યા. તે રાત્રિના દોઢ વાગે સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, વાડીમાં સૂવર પેસી ગયાં છે તે બાજરામાં ભંજવાડ કરે છે અને છોકરાં ઊંઘી ગયાં છે ને રખવાળ બીજે ગયો છે, માટે અમારે જાવું પડશે. ત્યારે સ્વામી કહે જે, ભલે, પધારો. પછી બાપાશ્રી વાડીએ જતા હતા, ત્યાં ડાબા હાથ તરફ એક ઓટો છે તેમાં જન રહેતો હતો, તે વળગવા આવ્યો. તેને પોતાની મૂર્તિમાંથી તેજ દેખાડ્યું, તેથી તેજમાં અંજાઈ ગયો ને ઊભો થઈ રહ્યો. પછી બાપાશ્રી તો ચાલ્યા ગયા ને તેજ જોઈને સૂવર પણ ભાગી ગયાં. ને પછી તેજ સંકેલી લીધું. તે જોઈને જનને આશ્ચર્ય થયું જે, આ તો બહુ સમર્થ લાગે છે. પછી તે બાપાશ્રીનાં પગલાં પડેલાં હતાં તેમાં આળોટ્યો. તેથી તેની બુદ્ધિ નિર્મળ થઈ એટલે ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. પછી બાપાશ્રી જ્યારે વાડીએથી પાછા મંદિર જતા હતા ત્યારે તેમના પગમાં પડ્યો ને પ્રાર્થના કરવા મંડ્યો જે, તમે તો મહાસમર્થ છો તે તમારા પ્રતાપે મારું કલ્યાણ કરો. મેં તો બહુ જીવ લીધા છે ને અત્યંત પાપી છું, પણ તમારાં દર્શન નિત્ય થાય છે એટલું પુણ્ય છે. હું તમારે શરણે આવ્યો છું ને તમો તો મોક્ષદાતા છો માટે મારો મોક્ષ કરો. ત્યારે બાપાશ્રીએ તેને કહ્યું જે, જા બદરિકાશ્રમમાં. પછી તે બોલ્યો જે, જ્યાં તમારાં દર્શન થતાં હોય ત્યાં મૂકો. પછી બાપાશ્રીએ તેના ઉપર દયા લાવી પોતાની ઓઢેલી પછેડી હતી તેનો છેડો મારીને કહ્યું જે, જા અક્ષરધામમાં. એમ તે જનનો મોક્ષ કર્યો. પછી આ વાત બાપાશ્રીએ મંદિરમાં જઈને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહી. ।। ૪૯ ।।
૫૦
એક સમયે બાપાશ્રી ડુંગરામાં ધૂળ ખોદતા હતા. તેમને દર્શને બે હરિભક્તો ગયા. તેમણે બાપાશ્રીના હાથમાંથી કોદાળી લઈને ધૂળ ખોદવા માંડી. પછી બાપાશ્રી ધ્યાનમાં બેસી ગયા તે સંધ્યા સમયે ઊઠ્યા. ત્યારે તેમણે કહ્યું જે, અમો તો તમારી વાતો સાંભળવા આવ્યા હતા ને તમે તો ધ્યાનમાંથી ઊઠ્યા જ નહીં. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ ગામમાં એક છોકરે દેહ મૂક્યો તેને ધામમાં મૂકવા ગયા હતા, પછી જ્યારે ઘેર આવ્યા ત્યારે તે છોકરો દેહ મૂકી ગયેલો જોઈને હરિભક્તો આશ્ચર્ય પામ્યા. ।। ૫૦ ।।
૫૧
વૃષપુરમાં આએશપીર સેવાનાથજીએ દેહ મૂક્યો ત્યારે તેના શિષ્ય આએશપીર બાળનાથજીએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, મારી પાસે પૈસા નથી, તેમ કાંઈ સગવડ નથી, માટે આપ કૃપા કરો તો મને ગાદી મળે. પછી બાપાશ્રીએ કહ્યું જે, ભૂજ પરબારા હજૂરશ્રી પાસે જાઓ; તમને ગાદી આપશે. પછી તે ભૂજ ગયા ને રાવસાહેબે તેને ગાદી આપવાનો હુકમ કર્યો. ત્યારથી બાપાશ્રીને બહુ મોટાપુરુષ જાણીને જ્યારે મળે ત્યારે પ્રાર્થના કરી રાજી કરતા. ।। ૫૧ ।।
૫૨
રામપુરમાં ધનબા ડોશીના ભત્રીજા કાનજીએ દેહ મૂક્યો, તે વખતે બાપાશ્રીએ વૃષપુરના મંદિરમાં પૂ. કેશવપ્રિયદાસજી તથા શ્રીરંગદાસજીને કહ્યું જે, મહારાજ તથા અમે અત્યારે કાનજી ભક્તને ધામમાં મૂકી દીધા. પછી સાંજના રામપુરના હરિભક્તો વૃષપુર ગયા. તેમણે કહ્યું જે, કાનજી ભક્તને મહારાજ તથા બાપાશ્રી દિવ્ય ચમત્કાર જણાવી તેડી ગયા. તે એવાં ઘણાંકને દર્શન થયાં. ।। ૫૨ ।।
૫૩
ગામ દહીંસરામાં કેસરાભાઈના દીકરા દેવજીભાઈના પૌત્ર હરજીએ દેહ મૂક્યો, તે જોઈને દેવજીભાઈ બહુ ઉદાસ થઈ ગયા. તે વખતે બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, તમે ઉદાસ કેમ થઈ ગયા છો ? અમે તમારા હરજીને સાજો કરવા આવ્યા છીએ. ત્યારે દેવજીભાઈ કહે, બાપા ! એ તો દેહ મૂકી ગયો. પછી બાપાશ્રી બોલ્યા જે, જુઓ, તે તો સાજો થયો છે. ત્યારે દેવજીભાઈએ તેની પાસે જઈને જોયું, ત્યાં તો હરજી બેઠો થયો ને બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. તે જોઈ દેવજીભાઈ અતિ આશ્ચર્ય પામ્યા. ।। ૫૩ ।।
૫૪
એક સમયે નારાયણપુરમાં ફૂલડોલને દિવસે બાપાશ્રી ધનજીભાઈની વાડીએ ગયા હતા. ત્યાં આંબા તળે ધ્યાનમાં બેસી રહ્યા. પછી અર્ધા કલાકે જાગ્યા. ત્યારે ધનજીભાઈ આદિક હરિભક્તોએ કહ્યું જે, અમારે રંગ નાખવાની હોંશ હતી, પણ આપ તો ધ્યાનમાં બેસી રહ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ગોડપરમાં કુંવરજીએ દેહ મૂક્યો તેને ધામમાં મૂકવા ગયા હતા. પછી કુંવરજીનો ભાઈ કાનજી ત્યાં હતો, તેને જોઈને બાપાશ્રી બોલ્યા જે, કાનજી ! તારો ભાઈ દેહ મૂકી ગયો છે માટે તું ઝટ ઘેર જા. ત્યારે તે કાનજી ઘેર ગયો. ત્યાં કુંવરજીને દેન દેવા લઈ ગયા હતા. તે અગ્નિસંસ્કાર કરતી વખતે ભેગો થયો, ને બાપાશ્રીએ કરેલી વાત કહી, તે સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા. ।। ૫૪ ।।
૫૫
એક સમયને વિષે બાપાશ્રી નારાયણપુર જાદવજીભાઈને ઘેર પધાર્યા હતા ને મેડા ઉપર રાત્રિએ ખાટલા ઉપર સૂતા સૂતા ઘણી વાર વાતો કરી તે ધનજીભાઈના ઘરનાં કેશરબાઈ પણ સાંભળતાં હતાં. પછી જાદવજીભાઈએ કહ્યું જે, સર્વે સૂઈ રહો. પછી સર્વે સૂઈ ગયા, પણ કેશરબાઈ તો નિસરણીનાં પગથિયે બેસી રહ્યાં. અને ઘડીક વાર થઈ ત્યાં તો તાળીઓ પડવા માંડી. પછી ઘણાક મોટા મોટા સંતો આવ્યા. તે પરસ્પર મળ્યા ને સામસામી વાતો કરે તે આપણા જેવું બોલે તે બધુંય સંભળાય, પણ સમજાય નહિ, એમ આખી રાત્રિ દેખ્યું. પછી તો પરોઢિયું થયું ત્યારે બાપાશ્રીએ ઊઠીને નિસરણીનાં પગથિયાં તરફ જોયું, ત્યાં કેશરબાઈને પગથિયે બેઠેલા દેખીને કહ્યું જે, અમે તો સૂઈ રહ્યા હતા અને તમે તો હજી બેઠાં છો ! ત્યારે તેણે કહ્યું જે, તમારું સૂઈ રહેવું તે બધું આજ જાણ્યું. ત્યાં જાદવભાઈ ઊઠ્યા ને કહ્યું જે, શું જાણ્યું ? પછી તે કહે જે કાંઈ નહીં. પછી જાદવજીભાઈએ કહ્યું જે, ના, કાંઈ છે ખરું. પછી કેશરબાઈએ આ બધી વાત કહીં. ત્યારે જાદવજીભાઈ કહે જે, જેમ ઇતરડી ઔમાં રહે તોય દૂધનો સ્વાદ ન લે અને વાછરડું છેટે રહે તોય દૂધ આવે. તેમ હું ભેગો પાસે સૂઈ રહ્યો ને કાંઈ જાણ્યું નહિ અને તમે જાગીને બધી વાતનું સુખ લીધું. ।। ૫૫ ।।
૫૬
એક સમયે કેસરાભાઈ નારાયણપુર ગયા, ત્યાં રાત્રિએ સૂતા હતા તેમને બાપાશ્રીએ દર્શન દીધું ત્યારે તે ઊઠીને બાપાશ્રીને મળવા ગયા. ત્યાં તો બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા, એટલે તે નિરાશ થઈને બેઠા. પછી સવારે ઊઠીને વૃષપુર બાપાશ્રી પાસે ગયા ને મળ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, રાત્રિએ કેમ ન મળ્યા ? ત્યારે કેસરાભાઈએ કહ્યું જે, બાપા ! હું તો તમને મળવા ઘણોય ઊઠ્યો, પણ તમે સંતાઈ ગયા. પછી હું કોને મળું ? પણ, તમે રાત્રે નારાયણપુરના મેડા ઉપર શી રીતે આવ્યા ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, જ્યારે કોઈક હેતવાળા હરિભક્ત અતિ હેતે કરીને સંભારે ને ચિંતવન કરે ત્યારે મોટા સંકલ્પ કરે તે સંકલ્પ મૂર્તિમાન થઈને દર્શન આપે, એમ વાત કરી. ।। ૫૬ ।।
૫૭
એક સમયે બાપાશ્રી દહીંસરા કેસરાભાઈને ઘેર પધાર્યા. ત્યાં કેસરાભાઈએ કહ્યું જે, બાપા આપની ગગીનું સગપણ ઝીણોભાઈ આ ગામમાં કરી ગયા છે. તેનું તો અમે પાણી પણ પીતા નથી, એવા આચારભ્રષ્ટ છે. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, આપણે સારે ઠેકાણે આવતીકાલે સગપણ કરીશું તે તમે પરમ દિવસે જાણશો. એમ કહીને સવારે વૃષપુર પધાર્યા ને તે દીકરીને માતા નીકળ્યા. તેની પાસે બાપાશ્રી તથા ગામના હરિભક્તો તથા નારાયણપુરના જાદવજીભાઈ તથા પ્રેમજીભાઈ આદિ ફરતાં ગામોના કેટલાક હરિભક્તો રાત્રે બેઠા હતા તે વખતે બાપાશ્રીએ તે દીકરીને કહ્યું જે, તારે ધામમાં જવું છે કે મટાડવું છે. ત્યારે તે બોલી જે, ઠેઠ મહારાજ પાસે મૂકો તો જાવું છે. પછી તેને કહ્યું જે, અમારા સામું જોઈ રહે. પછી તે દીકરી બાપાશ્રી સામું જોઈ રહી અને દેહ પડી ગયો ને ધામમાં મૂકી દીધી અને બે દીકરાઓને પણ માતા નીકળ્યાં હતાં. તે મેડા ઉપર સૂતા હતા. તેમને પૂછ્યું જે, તમારી બહેનને તો ધામમાં મૂકી દીધી ને તમારે જાવું હોય તો વગર સાધને ઠેઠ મૂકી દઈએ, ત્યારે તે દીકરા બોલ્યા જે, કલ્યાણ તો તમે મળ્યા ત્યારથી થઈ જ રહ્યું છે, પણ અમારે આપની સેવા કરવાની ઇચ્છા છે. પછી તેમને રહેવા દીધા. ।। ૫૭ ।।
૫૮
એક સમયે નારાયણપુરમાં જાદવજીભાઈ માંદા થયા હતા. તેમને તેડવા બાપાશ્રી પધાર્યા. તે વખતે જાદવજીભાઈના મનમાં એમ થયું જે મને તેડવા તો આવ્યા પણ મેં પૂરાં સાધન કર્યાં નથી, માટે મને બીજે ક્યાંઈક મૂકશે તો શું થશે ? એવો વહેમ આવ્યો. પછી બાપાશ્રીએ રહેવા દીધા ને સાજા થયા ને થોડા દિવસ પછી ધનજીભાઈનાં માતુશ્રી માંદાં પડ્યાં. તેમને જોવા સારુ દિવસમાં એક વાર બાપાશ્રી આવતા. તે એક દિવસ કાંઈક કામ આવ્યું, તેથી જવાણું નહિ ને બીજે દિવસે ગયા. ત્યારે તે બાઈ બોલ્યાં જે, ગઈ કાલે કેમ ન આવ્યા. ત્યારે કહે જે, કામ હતું તેથી અવાણું નહીં. ત્યારે તે બાઈ બોલ્યાં જે, આવતી કાલે કેમ કરશો ? ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, આવતીકાલે તો આવ્યા વિના છૂટકો જ નથી, માટે જરૂર આવીશું. પછી બીજે દિવસે સવારમાં વહેલાં વૃષપુરથી ચાલ્યા તે નારાયણપુરના ઝાંપામાં આવ્યા. ત્યાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રી આદિ અનંત મુક્ત રંગ રમે છે એવું એ બાઈના દેખવામાં આવ્યું. પછી બાપાશ્રી એમના ઘરમાં આવ્યા. ત્યારે તે બાઈએ શ્રીજીમહારાજ સાથે રંગ રમેલાં તે રંગવાળી પછેડી બાપાશ્રી પાસેથી માગી લીધી અને કહ્યું જે, આ પછેડી મારા ઉપર ઓઢાડજો. પછી એમણે દેહ મેલ્યો. તેમના ઉપર એ પછેડી ઓઢાડી તેમાંથી ખુશબો ઘણી આવતી હતી, તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા જે આ પછેડીમાંથી આવી અલૌકિક ખુશબો ક્યાંથી આવતી હશે ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમે તથા શ્રીજીમહારાજ અને અનંત મુક્ત આ નારાયણપુરના ઝાંપામાં હમણાં જ રંગ રમ્યા તેની ખુશબો છે. પછી જાદવજીભાઈને કહ્યું જે, તમારા કલ્યાણનો વહેમ છે કે મટી ગયો ? ત્યારે તે બોલ્યા જે, આ ધનજીની માનું કલ્યાણ કર્યું, એ પ્રમાણે તો મારે હવે વહેમ નથી રહ્યો. પછી જાદવજીભાઈને પણ તેડી ગયા. ।। ૫૮ ।।
૫૯
બાપાશ્રીને ત્રણ વાર સર્પ કરડ્યો. તેમાં એક વાર ગાડામાં નાખવા ઘરમાં આડાં લેવા ગયા ત્યાં કરડ્યો. તે ગાડું જોડીને ચાલ્યા ને વાટમાં જતાં ચડ્યો. તે ગાડું બીજા મનુષ્યે હાંક્યું ને ઘેર લાવ્યા, પણ ઉતરાવ્યો નહિ ને કોઈને વાત પણ કરી નહિ ને ઊતરી ગયો. બીજી વાર વાડીમાં બપોર વખતે સામો આવીને કરડ્યો તેને ચડવા દીધો નહીં. તે વાત વાદીના જાણવામાં આવી. તેણે વાડીએ આવીને બાપાશ્રીને કહ્યું જે, તમને નાગ ચડ્યો નહિ, માટે તમારી પાસે બહુ ચમત્કારી મંત્ર અથવા બુટ્ટી હોવી જોઈએ તે મને આપો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, અમારે તો સ્વામિનારાયણ એ જ મંત્ર અને એ જ બુટ્ટી છે. પછી તે વાદીએ પોતાની વિદ્યાથી ઝેર ચડાવ્યું એટલે બાપાશ્રી ઊંડા ઊતરી ગયા ને વાદી બેસી રહ્યો. પછી થોડીક વારે બાપાશ્રી બહાર આવ્યા તે જોઈને આશ્ચર્ય પામ્યો જે આ મંત્ર કે બુટ્ટીવાળા નથી. આ તો કોઈક મોટાપુરુષ છે. એમ જાણીને પગમાં પડ્યો ને પ્રાર્થના કરી જે, મેં તમને ઝેર ચડાવીને દુઃખ દીધું તે મારો ગુનો માફ કરો. પછી બાપાશ્રીએ કહ્યું જે, અમને તો કાંઈ દુઃખ જ નથી. તમે જ્યાં જતા હોય ત્યાં જાઓ. પછી તે ચાલી નીકળ્યો. વળી ત્રીજે ફેરે કરડ્યો ત્યારે પણ ચડવા દીધો નહીં. તે સર્પ એ ગામનો કણબી હતો. તેની સ્ત્રીને ભગવાન ભજવા દેતો નહીં. પછી બાપાશ્રીએ ત્યાગી બાઈઓના ભેળી તેની સ્ત્રીને મોકલી દીધી. તેનું વૈર હતું તે મૂઆ પછી સર્પ થઈને કરડ્યો હતો. ।। ૫૯ ।।
૬૦
લુણાવાડાના રણછોડલાલભાઈ બહુ માંદા હતા. તેમને એમ વિટંબણા થતી જે, શ્રીજીમહારાજ તથા મોટાનાં દર્શન થતાં નથી, તે મારી સંભાળ કેમ લેતા નહિ હોય ? પછી બાપાશ્રીએ તેમનાં ઘરનાં રુક્ષ્મણીબાઈને દર્શન આપીને કહ્યું કે, તમારા પતિ વિટંબણા કરે છે ને જમતા કેમ નથી ? ત્યારે તે બાઈ કહે જે, જમે છે એટલે મરડો આવે છે તે બીકે જમતા નથી. પછી બાપાશ્રીએ કહ્યું જે આ ફેરે એમને તેડી જવા નથી અને આ એલચી લો. તે જમાડીને પછી અનાજ જમાડજો. હવેથી મરડો નહિ આવે. પછી તેમણે તે પ્રમાણે કર્યું, તેથી જમાણું અને રોગ મટી ગયો. ।। ૬૦ ।।
૬૧
એક સમયે અમદાવાદ અને મૂળીના સંતો તથા ગુજરાત ઝાલાવાડના ઘણાક હરિભક્તો વૃષપુરના મંદિરમાં રાત્રે નવ વાગે બેઠા હતા. તેમાં એક હરિભક્તને એમ સંકલ્પ થયો જે, બાપાશ્રીની આગળ હજારો માણસ હાથ જોડીને ઊભા રહે છે અને મોટા મોટા સંત પણ સમાગમ કરે છે તેથી મોટા તો હશે ખરા, પણ કંઈક ચમત્કાર જણાવે તો ખાતરી થાય. એટલામાં તો મંદિરમાં અને ફળિયામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. તે ઘણી વાર સુધી દેખાયો. પછી ઘરેરાટ શબ્દ ઘણી વાર થયો, તે જોઈને સૌ આશ્ચર્ય પામ્યા ને બાપાશ્રીને પૂછવા લાગ્યા જે, આ શું હશે ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, કોઈને ચમત્કાર જોવાની ઇચ્છા થઈ હશે તેને ખાતરી થવા સારુ જણાવ્યું. પછી બીજે દિવસે સંત-હરિભક્તો નારાયણપુર ગયા. ત્યાં ધનજીભાઈએ વાત કરી જે, કાલે રાત્રે અગાસી ઉપર બેઠો હતો તે વખતે વૃષપુર તરફથી તેજોમય વિમાન આવ્યું. તે મારા માથા ઉપર બે હાથ ઊંચું ઊભું રહ્યું. તેમાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મારા પિતા જાદવજીભાઈ બેઠેલા, તે હું જરાવાર દર્શન કરીને લાંબો હાથ કરી સ્પર્શ કરવા ગયો, ત્યાં તો ઉત્તર દિશા તરફ ચાલ્યું ગયું. ।। ૬૧ ।।
૬૨
મૂળીના સાધુ સંતદાસજી તથા ભગવત્સ્વરૂપદાસજી તથા શ્વેતવૈકુંઠદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીના શિષ્યો પુરુષોત્તમપ્રિયદાસજી આદિ સંવત ૧૯૬૮ના ફાગણ માસમાં શ્રી વૃષપુર ગયા હતા. ત્યાં બાપાશ્રીએ સર્વેને અતિ પ્રસન્ન થકા જળ હાથમાં આપીને મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા. ત્યારે સંતદાસજી કહે જે, બાપા હું તુંબડું ભરવા ગયો હતો તે રહી ગયો છું માટે મને પણ હાથમાં જળ આપીને આશીર્વાદ આપો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પાણી અધિક કે વચન અધિક ? એમ કહીને બોલ્યા જે, “સત્પુરુષ વાક્યં ન ચળંતિ ધર્મ.” પછી કાંડું ઝાલીને કહ્યું જે, લો ! આ મૂર્તિ આપી. એમ કહીને અંતર્વૃત્તિ કરાવી દીધી. પછી બપોરના કાકરવાડીએ નાહવા ગયા ત્યાં નાહ્યા અને પુરુષોત્તમપ્રિયદાસજી આંબા નીચે વાતો કરતા હતા તે બોલ્યા જે, સંતદાસજી! અહીં આવોને, કેમ તડકે બેઠા છો ? ત્યારે કહે જે, તાવ આવ્યો છે તે તડકો ઠીક લાગે છે. પછી મંદિરમાં આવ્યા, ને સાંજ વખતે બાપાશ્રી ગાજર લાવીને સુધારીને બોલ્યા જે, જેમ સાધુ બળદેવચરણદાસનો જામફળનો દહાડો કર્યો હતો, તેમ આજ સંતદાસજીનો રાતડિયાંનો દહાડો કરીએ છીએ. પછી ઠાકોરજીને જમાડીને સર્વેને વહેંચી આપ્યાં અને બોલ્યા જે, હવે સંતદાસજી ધામમાં જશે. ત્યારે નાના સનાતનદાસજી બોલ્યા જે, બાપા ! મેં કોઈને દેહ મૂકતાં જોયા નથી, ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, જાઓ ઓરડીમાં સંતદાસજી દેહ મૂકે છે તે જુઓ. પછી તે ગયા ને સંતદાસજીએ દેહ મૂક્યો. ।। ૬૨ ।।
૬૩
મૂળીમાં બાપાશ્રી પાસે લીંબડીથી દીવાનજી સાહેબ ઝવેરભાઈ તથા મેઘાભાઈ આવ્યા અને દીવાનજીએ બાપાશ્રીને હાર પહેરાવ્યો. પછી સ્વામી હરિનારાયણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી ત્રણેએ બાપાશ્રીને કહ્યું જે, આ હાર ઝવેરભાઈને પહેરાવો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ મેઘાભાઈનો એવો સંકલ્પ છે જે મને હાર પહેરાવે તો હું મોટા માનું, માટે એમને પહેરાવવો પડશે. એમ કહીને તે હાર મેઘાભાઈને આપ્યો. ત્યારે મેઘાભાઈએ કહ્યું જે, અંતર્યામીપણાની ખાતરી કરવા સારુ મેં આવો સંકલ્પ કર્યો હતો. ।। ૬૩ ।।
૬૪
મૂળીમાં સ્વામી શ્વેતવૈકુંઠદાસજીના સાધુ સનાતનદાસજી માંદા હતા. તેમને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, તમને અન્નકૂટને દિવસે બપોરે તેડી જઈશું. પછી તે દિવસે શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તેડી ગયા. ।। ૬૪ ।।
૬૫
સંવત ૧૯૭૦ની સાલમાં કરાંચીના લાલુભાઈના ઘરનાં ગંગાબાઈ માંદાં થઈ જવાથી બે દિવસ અવાચક રહ્યાં. પછી ઓચિંતાં ઊઠીને સિંધી ભાષામાં બોલવા લાગ્યાં જે, મહારાજ મુખે સદ કરીંતા ચવિંતા જે હલો. (મહારાજ મને કહે છે જે ચાલો.) ત્યારે લાલુભાઈ પૂછવા લાગ્યા જે, મહારાજ કીઘે આંઈન આઉં તો નથો ડીસાં. (મહારાજ ક્યાં છે, હું તો નથી દેખતો.) ત્યારે એ બાઈએ કહ્યું જે, મથે વિમાન મેં બીઠા આંઈન મંજ બાપા આહે. (માથે વિમાનમાં બેઠા છે, માંહી બાપા છે.) મુખે ચવંતા જલ્દ સ્નાન કર તૈયાર થી. (કહે છે કે જલ્દી નાહીને તૈયાર થાઓ.) ત્યારે લાલુભાઈએ પોતાની સાસુ અને વૈદને કહ્યું જે, મહારાજ ને બાપા આને તેડવા આવ્યા છે, તે ભલે તેડી જાય, હવે એને નવરાવીએ. ત્યારે વૈદે તથા તેમની સાસુએ કહ્યું જે, હાણે હીતો ગાલાઈંતા હાણે હીતો ચંગા ભલા થયા ઈન જો સ્નાન કરાંઇંધા તો બીમારી બધી વેંધી સ્નાન ન કરાયો. (હવે તો વાતો કરે છે, તે સાજાં થઈ ગયાં છે અને જો નવરાવશો તો બીમારી વધી જશે માટે નવરાવશો નહીં.) પછી લાલુભાઈએ કહ્યું જે, મહારાજ તથા બાપાશ્રી તેડવા આવ્યા છે તો નવરાવો, ભલે તેડી જાય પણ બંનેએ માન્યું નહીં. ત્યારે વળી તે બોલ્યા જે, બાપા ચવીંતા જે, જલદી તૈયાર થીયો; હાણે અધ કલાકજી દેર આહે મુખે સ્નાન કરાયો. (બાપા કહે છે જે, જલ્દી તૈયાર થાઓ, અડધી કલાકની વાર છે માટે મને નવરાવો.) પછી લાલુભાઈએ એ બાઈને કહ્યું જે, મહારાજ કે વંજી પ્રાર્થના કરીઓ જે મુંજા શરીર તે કપડાં અંઈન સે મીડે પવીતર આંઈન હાણે મુખે હેતાં જ વઠી હલો. (મહારાજને પ્રાર્થના કરો જે, લૂગડાં છે તે પવિત્ર છે માટે અહીંથી જ તેડી ચાલો.) ત્યારે તેમણે મહારાજની એવી રીતે પ્રાર્થના કરી. ત્યારે મહારાજે કહ્યું જે, તું સબનીખાં મોકલ વઠ તો આઉં તોખે કોઠી હલાં (તમે બધાયની રજા લો તો તેડી જાઉં). પછી એ બાઈએ સર્વેને હાથ જોડ્યા જે, મુખે ચયો-ચવાયો તેંજી માફ કીજા મુખે મોકલ દયો આઉં હાણે વંજાતી. (બોલ્યુંચાલ્યું માફ કરજો; હવે હું જાઉં છું.) એમ કહીને સર્વની પાસે માફી માગી રજા લીધી એટલે બાપાશ્રી કહે, હવે મહારાજની મૂર્તિ સામું જોઈ રહો. ત્યારે તેમણે એકતાર વૃત્તિ મૂર્તિમાં જોડી દીધી ને મૂર્તિના સુખમાં ઊતરી ગયાં. આવાં દર્શનથી તેમનાં સગાંવહાલાંએ મહારાજ તથા બાપાશ્રીનો બહુ પ્રતાપ જાણ્યો. ।। ૬૫ ।।
૬૬
ભૂજના કોટવાળ સાહેબ ધનજીભાઈ બાપાશ્રીના યજ્ઞ ઉપર રજા ન મળી તેથી નોકરી છોડી દેવાનો સંકલ્પ કરીને વૃષપુર ગયા ને બાપાશ્રીનાં દર્શન કર્યાં. ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, તમે નોકરી છોડી દેવાનો સંકલ્પ કરી અહીં આવ્યા છો તે મૂકી દો અને જેમ ચાલે છે તેમ ચલાવો. તમને અમે મહારાજની મૂર્તિમાં રાખ્યા છે; કાંઈ પણ અધૂરું માનશો નહીં. પછી તે યજ્ઞની સમાપ્તિનાં દર્શન કરી ભૂજ પાછા ગયા. ।। ૬૬ ।।
૬૭
વૃષપુરમાં એક ખોજાને મહારોગ થઈ ગયો હતો. તેથી ડૉક્ટર-વૈદો વગેરે છૂટી પડ્યા હતા. એનો બાપ માંચીમાં ઉપડાવી બાપાશ્રી પાસે લાવ્યો ને પ્રાર્થના કરી જે, મારે આ એક જ છોકરો છે તેનો રોગ મટાડો. પછી બાપાશ્રીએ કહ્યું જે, આ વાલોળનું પોણો શેર શાક છે તે બધું જમી જાઓ તો બધા રોગ મટે અને થોડું જમો તો થોડો રોગ મટે. પછી તે બધું જમી ગયો ને સાજો થયો ને ચાલીને ઘેર ગયો. ને તેને બાપાશ્રીને વિષે હેત બહુ થઈ ગયું. પછી જ્યારે બાપાશ્રીએ સંવત ૧૯૭૧ની સાલમાં યજ્ઞ કર્યો હતો ત્યારે તેણે પોતાનાં નવાં મેડીબંધ મકાનો ઉતારા માટે આપ્યાં હતાં. તેમાં ભૂજના મોટા મોટા અમલદારો ઊતર્યા હતા. તેમણે પૂછ્યું જે, કણબી તો બાપાશ્રીની નાતના ગણાય, પણ તમે તો મુસલમાન કહેવાઓ ને આવાં નવાં ઘર યજ્ઞમાં વાપરવા આપ્યાં તેનું શું કારણ ? ત્યારે તે કહે જે, ઘર તો શું પણ મારું સર્વસ્વ અર્પણ કરું તોય ઓછું છે, કેમ જે હું કોઈ ઉપાયે જીવું તેમ ન હતો. પણ બાપાશ્રીએ મને વાલોળનું શાક જમાડીને જીવતો રાખ્યો, તે મહાન ઉપકાર મારાથી કેમ ભુલાય ? તે વાત સાંભળીને ગિરજાશંકરભાઈ આદિ અમલદારોને બાપાશ્રીને વિષે મુક્તપણાનું હેત થઈ ગયું. ।। ૬૭ ।।
૬૮
વાંકાનેરના સોની રવજીભાઈ ૧૯૭૧ના યજ્ઞમાં વૃષપુર ગયા હતા. તેમણે બાપાશ્રીની પ્રાર્થના કરીને વર માગ્યો જે, મને તેડવા આવજો. પછી ઘેર ગયા અને પક્ષઘાત થયો હતો. તેમને દોઢ મહિના સુધી લાગટ શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા સંતોનાં દર્શન થયાં અને દેહ મુકાવીને તેડી ગયા. ।। ૬૮ ।।
૬૯
એક સમયે કરાંચીનાં સાંખ્યયોગી ભાણુબાઈને મંદવાડ થઈ ગયો. તે શ્રીજીમહારાજને ને બાપાશ્રીને બહુ સંભારતાં. તેમણે દેહ મૂકવાને દિવસે લીરૂબા આદિ બાઈઓને કહ્યું જે, તમે સૌ આજ મારી પાસે રહેજો. પછી દેહ મૂકવાને દિવસે શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા અનંત સંતોનાં દર્શન થયાં, એટલે પગે લાગવા મંડ્યાં. ત્યારે લીરૂબાએ કહ્યું જે, આ શું થાય છે ? ત્યારે તે બોલ્યાં જે, મહારાજ તથા બાપા અને સંત આવ્યા છે તે કહે છે કે, તમને દશ વાગે તેડી જઈશું. પછી બરાબર દશ વાગે સૌને જય સ્વામિનારાયણ કહી દેહ મૂકી મૂર્તિનાં સુખમાં ઊતરી ગયાં. તે બાઈએ દેહ મૂક્યા અગાઉ પોતાનું સર્વસ્વ શ્રીજીમહારાજનું છે એવું લખત કર્યું હતું. ।। ૬૯ ।।
૭૦
પાટડીમાં એક જણના ઘરમાં જન રહેતો. તે ઘરમાં રાત્રિએ કોઈથી રહેવાતું નહિ, ને જે રહે તેનો જીવ લેતો. તે ઘર લઈને ભાઈઓનું મંદિર કરવાની બાપાશ્રીએ નાગજીભાઈને આજ્ઞા કરી. તેથી નાગજીભાઈએ લઈને મંદિર કરાવ્યું. ત્યાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવા બાપાશ્રી સંવત ૧૯૭૨ના ફાગણ વદ ૧૨ને રોજ પધાર્યા હતા. તે દિવસે પ્રતિષ્ઠા કરતી વખતે બાપાશ્રી બોલ્યા જે, આ ખૂણામાં જન ઊભો છે, તે અમારાં દર્શન કરવા સારુ રહ્યો હતો. તેને અમે મૂર્તિના સુખમાં મૂકી દીધો. એના રહેવાથી ઘર સોંઘું મળ્યું, એટલી એની સેવા માની એનો મોક્ષ કર્યો. પછી કાલિદાસભાઈને ઘેર પધાર્યા ને ત્યાં વર આપ્યો જે, આ ઘરનાં બારણાંમાંથી જે નીકળશે તેને અમે અક્ષરધામમાં લઈ જઈશું. ।। ૭૦ ।।
૭૧
બાપાશ્રી કચ્છમાંથી ગુજરાત તરફ સંઘ સહિત આવ્યા હતા. તે પાછા કચ્છમાં જતાં વાંકાનેર ઊતર્યા. ત્યાં ઢુવાવાળા દરબાર રવાજીભાઈએ આવીને બાપાશ્રીને ઢુવા લઈ જવા પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, હાલ ઢુવા આવી શકાશે નહીં. પણ અમે ઢુવામાં સદાય છીએ. એમ કહીને બોલ્યા જે, આવો આપણ મળીએ. પછી મળ્યા તે રવાજીભાઈની દૃષ્ટિ નિરાવરણ થઈ ગઈ, તેથી તે બહુ રાજી થયા. ।। ૭૧ ।।
૭૨
રાજકોટના મિસ્ત્રી કલ્યાણજીભાઈની દીકરીને જન વળગ્યો હતો, તે ઘણા ઉપાયથી ન ગયો. પછી બાપાશ્રી મૂળીએ સમૈયો કરવા આવ્યા હતા, ત્યાં એ દીકરીને લઈને આવતાં રેલમાં એ બાઈને બાપાશ્રીનાં શ્વેત વસ્ત્ર પહેરેલાં એવાં તેજોમય દર્શન થયાં. પછી તે ધ્રૂજવા લાગી ને તેમાં જન હતો તે બોલ્યો જે, આ મને બાળે છે. એમ બોલતાં બોલતાં મંદિરમાં આવ્યા ને ઉતારો કરીને ઠાકોરજીનાં દર્શન કર્યાં. પછી કલ્યાણજીએ બાપાશ્રીને આસને આવીને પ્રાર્થના કરી જે, મારી દીકરીને જન વળગ્યો છે, તેથી હું બહુ દુઃખિયો છું, માટે કૃપા કરીને એને કાઢો. પછી બાપાશ્રીએ કહ્યું જે, આ સભાની ચરણરજ લઈ જઈને એ બાઈને માથે નાખજો. પછી તે બાઈને માથે નાખી એટલે તરત જન ભાગી ગયો. ।। ૭૨ ।।
૭૩
મૂળીમાં સદ્. સ્વામી હરિનારાયણદાસજી માંદા થયા, ત્યારે ઢુવાવાળા રવાજીભાઈએ શ્રીજીમહારાજની ને બાપાશ્રીની પ્રાર્થના કરી જે, સ્વામીશ્રીને પાંચ વરસ રાખો તો ઘણો સમાસ થાય. ત્યારે બાપાશ્રીએ તેમને દર્શન આપ્યાં ને બે પડખે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી દેખાયા. પછી બાપાશ્રી બોલ્યા જે, એમને અહીં રહેવાની મરજી નથી માટે અમે તેડી જઈશું. એમ કહીને અદૃશ્ય થયા. દેહ મૂકવાને દિવસે સુસવાઈના ચંદનસિંહજી દર્શને આવવાના હતા. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, સૌ હરિભક્તો ઘણીક વાર દર્શન કરી ગયા, પણ એક હરિભક્ત દર્શન કરવા આવનાર છે તેને દર્શન દેવા અમે દેહોત્સવ મોડો કરશું. પછી તે આવ્યા ને દર્શન કર્યાં. પછી સ્વામીશ્રી બોલ્યા જે, ગુણાતીતદાસજી ! હવે અમને આસનથી ભોંય ઉતારો. ત્યારે તેમણે કહ્યું જે, સ્વામી ! હજી તો નાડી સારી ચાલે છે માટે વખત થશે એટલે ઉતારશું. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ઝટ ઉતારો, એની ખબર તમને ન પડે. પછી ઉતાર્યા ને દેહોત્સવ કરી દીધો. ।। ૭૩ ।।
૭૪
એક સમયે ગોધાવીના માસ્તર જગન્નાથ વૃષપુર ગયા હતા. તે પાછા ગોધાવી જવા તૈયાર થયા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, કાલે એકાદશીને દિવસે જજો. ત્યારે તે બોલ્યા જે મારે રજા પૂરી થઈ ગઈ છે, તેથી મારો પગાર કપાઈ જાય. એમ કહીને ચાલ્યા તે આગબોટ ઊપડી જવાથી તુણે ખમવું પડ્યું. તે વાત વૃષપુરમાં બાપાશ્રીએ સભામાં કરી જે, આ ગોકળભાઈ માસ્તર આજ જાય છે તેમની સાથે માસ્તર જગન્નાથ પહોંચશે, કેમ જે તુણે બોટ ન મળવાથી રોકાઈ ગયા. પછી હરિભક્તોએ કહ્યું જે, ત્યારે તો એમનો પગાર કપાશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પગાર નહિ કપાય. ।। ૭૪ ।।
૭૫
વિરમગામના કોઠારી ફૂલચંદભાઈ માંદા થયા હતા. તેમને બાપાશ્રીએ દર્શન આપ્યાં ને કહ્યું જે, આજથી ત્રીજે દિવસે તમને મહારાજના ધામમાં તેડી જઈશું. તે પ્રમાણે તેડી ગયા. ।। ૭૫ ।।
૭૬
માંડલમાં વિરમગામના ઠક્કર મોરારજીભાઈ બહુ માંદા હતા. તેમણે બાપાશ્રીને કાગળ લખાવ્યો જે, મને બહુ પીડા થાય છે માટે આ દેહમાંથી છૂટકો કરો. પછી બાપાશ્રીએ તેજોમય દર્શન આપ્યાં ને મહારાજના ધામમાં લઈ ગયા. ।। ૭૬ ।।
૭૭
વઢવાણ કાંપમાં પોસ્ટલ ઇન્સ્પેક્ટર મોહનલાલભાઈની દીકરી ઝવેરીબાઈ માંદાં હતાં. તેને અંત વખતે મૂર્તિમાંથી શ્રીજીમહારાજ તથા બાપાશ્રીના તેજોમય દર્શન થયાં અને તેનો દેહ પડી ગયો. તે દિવસે રાત્રિએ આખા ઘરમાં તેજ તેજ થઈ રહ્યું અને કંકુની ત્રણ ઢગલીઓ થઈ. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. વળી તેમની બીજી નાની બહેન મંગળાએ પણ દેહત્યાગ કર્યો. તેને પણ સિંહાસનમાં પધરાવેલી મૂર્તિનાં તેજોમય દર્શન થયાં, તે વાત સર્વેને કહીને દેહ મૂક્યો. ।। ૭૭ ।।
૭૮
ચુંવાળના ડાંગરવામાં દલસુખ મિસ્ત્રીની મા ઝવેરબાઈ માંદાં થયાં. તેમને બાપાશ્રીએ આગલે દિવસે દર્શન આપીને કહ્યું જે, કાલે તમને તેડી જઈશું. પછી તેને જે જોવા આવે તે સર્વને કહે જે, કાલે બાપાશ્રી મને તેડી જશે. તે પ્રમાણે બાપાશ્રી તેને તેડી ગયા. ।। ૭૮ ।।
૭૯
સંવત ૧૯૭૬ના માગશર વદ ૮ને રોજ ગામ મેડાના મંદિરમાં મૂર્તિ પધરાવવાનું મુહૂર્ત હતું. તેથી નરભેરામ પૂજારીને બાપાશ્રીને તેડી લાવવા કચ્છમાં મોકલ્યા. તેને બાપાશ્રીએ કહ્યું જે, વચલી મોટી મૂર્તિ પધરાવવાની ઉચ્છવણી રૂા. ૫૦૦/-ની મોહનભાઈ ભલાભાઈ બોલશે, તે મૂર્તિ તમારા હાથે પધરાવાય તો જાણજો જે અમે આવ્યા છીએ. પછી નરભેરામ મેડા ગયા અને મૂર્તિ પધરાવતી વખતે મોહનભાઈને બોલાવવા ગયા, પણ તે ઉચ્છવણીના કામમાં રોકાવાથી તેમણે નરભેરામને કહ્યું જે, મારે સાટે તમે પધરાવજો. પછી તે મૂર્તિ નરભેરામે પધરાવીને સૌને ઉપરની વાત કરી. ।। ૭૯ ।।
૮૦
સંવત ૧૯૭૮ની સાલમાં વઢવાણના દાક્તર નાગરદાસભાઈ તથા તેમના ભાઈ મણિલાલ તથા અસલાલીના રાવસાહેબ બાલુભાઈ આદિ વૃષપુર ગયા હતા. પછી તે રામપુર જવા તૈયાર થયા, ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમે સર્વે નાહીને પૂજા કરીને જાઓ. પછી તે સર્વે પૂજા કરીને ચાલ્યા તે રામપુરની ગંગામાં મણિલાલભાઈ લપસી પડ્યા ને વાગ્યું તેથી દેહનું ભાન ન રહ્યું. પછી તેમને વૃષપુર લાવ્યા, ત્યારે બાપાશ્રીએ વાગેલા ઉપર હાથ ફેરવ્યો કે તરત દુઃખાવો બંધ થઈ ગયો ને દંડવત કરી શક્યા. પછી ખબર પડી કે નાહ્યા; પૂજા કર્યા વિના ગયા હોત તો નાહવાનું કે પૂજા કરવાનું થઈ શકત નહીં. ।। ૮૦ ।।
૮૧
બાપાશ્રીનાં દીકરી રાધાબાને મંદવાડ ઘણો હતો ને દેહ રહે તેમ નહોતું. પછી દાક્તર મણિલાલે બાપાશ્રીની પ્રાર્થના કરી જે રાધાબાને રાખો તો અમારે આપની સેવા-સમાગમનું સુખ આવે. પછી બાપાશ્રી બોલ્યા જે, રાધાબાને સારું થશે. પછી બીજે દિવસે બાપાશ્રીએ તે સર્વેને કહ્યું જે, પરચા શું ? આ રાધાબાનો દેહ રહે તેમ નહોતો; તે રાખ્યો એ જ પરચો છે. ।। ૮૧ ।।
૮૨
એક સમયે બાપાશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત-હરિભક્તો કરાંચી પધાર્યા હતા. ત્યાં એક દાક્તર હતો. તેણે નીકળતી વખતે રોકવાનો આગ્રહ કર્યો, ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમારા દાક્તર નાગરદાસભાઈ વિરમગામમાં માંદા છે ત્યાં જવું છે, તોપણ બહુ આગ્રહ કરીને રોક્યા તેથી રહ્યા. તે વખતે વિરમગામમાં નાગરદાસભાઈને બાપાશ્રી તથા સંતોનાં દર્શન થયાં, તેથી બહુ આનંદ પામ્યા ને બોલ્યા જે, બાપા ! આપ કરાંચી હતા ને ત્યાંથી અહીં ક્યારે આવ્યા ? આપે મને દર્શન આપીને સુખિયો કર્યો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, અમે એક દાક્તરના રોકવાથી કરાંચી છીએ, પણ તમે બહુ સંભાર્યા તેથી દિવ્ય રૂપે દર્શન આપ્યાં; એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૮૨ ।।
૮૩
મોરબીના ફોજદારસાહેબ કાળુભાને સ્વામી શ્વેતવૈકુંઠદાસજીએ કહ્યું જે, તમે વર્તમાન ધારો. ત્યારે તેમણે કહ્યું જે, શ્રીજીમહારાજ અને બાપાશ્રી મને દર્શન આપે તો કંઠી બાંધું. પછી તે માંદા થયા. તેમને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, તમારી આયુષ્ય પૂરી થઈ છે પણ તમને રાખવા છે ને તમે કંઠી બાંધજો; એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી તે સાજા થયા ને મંદિરમાં આવીને વર્તમાન ધરાવ્યા. પછી જ્યારે બાપાશ્રી સંઘે સહિત છપૈયે જતા હતા, ત્યારે મોરબીથી ગોવિંદભાઈ તથા કાળુભા રાજકોટમાં આવીને મળ્યા. પછી કાળુભા બોલ્યા જે, તમે મને મંદવાડમાં દર્શન આપ્યાં હતાં ત્યારે તો તેજોમય દેખાયા હતા, એમ કહીને બીજી વાર મળ્યા અને તેમને બાપાશ્રીએ ફેર વર્તમાન ધરાવીને પ્રસાદીની કંઠી આપી અને બોલ્યા જે, અમે તમને તેડવા આવશું. પછી બાપાશ્રી મૂળી ગયા અને તે બંને મોરબી ગયા. તેમણે દેહ મૂક્યો ત્યારે બાપાશ્રી ઘણાકને દર્શન આપી તેડી ગયા હતા. ।। ૮૩ ।।
૮૪
એક સમયે ગામ બળોલમાં બાપાશ્રી પધાર્યા હતા. ત્યાં એક કોળીએ પ્રાર્થના કરી જે, મને બહુ તાવ આવે છે તે કૃપા કરીને મટાડો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, કાલે અમે તને ધામમાં તેડી જઈશું. પછી બીજે દિવસે બાપાશ્રી તેને દર્શન આપીને તેડી ગયા. ।। ૮૪ ।।
૮૫
એક સમયે બાપાશ્રી ધ્રાંગધ્રે પધાર્યા હતા, તે વખતે ઘણા હરિભક્તો સ્ટેશને સામા આવ્યા હતા. તે વખતે ત્યાંનાં સાંખ્યયોગી ચંચળબાઈએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, બાપા ! મને મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, કાલે સવારે સૌને દર્શન આપીને તમને તેડી જઈશું. આ વાત સર્વને કહેજો. પછી બીજે દિવસે સવારે બાપાશ્રી અનંત મુક્તોએ સહિત દર્શન આપી તેડી ગયા. તેથી આખા ગામમાં સૌને આનંદ આનંદ થઈ ગયો. ।। ૮૫ ।।
૮૬
સંવત ૧૯૭૯ની સાલમાં ધ્રાંગધ્રાના સોની લીલાધર, કુટુંબે સહિત વૃષપુર ગયા હતા. પછી તેમના ગામ પાછા આવતી વખતે બાપાશ્રીએ એમના ત્રણ દીકરાનાં કાંડાં ઝાલ્યાં, તે બે ભાઈનાં મૂકી દીધાં ને નાના ભાઈ મોહનનું કાંડું ઝાલી રાખ્યું ને કહ્યું જે, તને તો સેવામાં રાખવો છે; એમ કહીને એનું કાંડું પણ મૂકી દીધું. પછી તે ધ્રાંગધ્રે ગયા. ત્યાં મોહનને મંદવાડ થઈ ગયો, તેને બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, તને પૂનમના રોજ બપોરે બાર વાગે તેડી જઈશું એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી આ વાત તેના બાપને કરી. તેથી તેના બાપે બાપાશ્રીને તાર કર્યો જે મોહનને સાટે મને લઈ જાઓ, પણ એને રાખો.
પછી બાપાશ્રીએ તારનો જવાબ આપ્યો જે તમારી પ્રાર્થના મંજૂર. તે જોઈને તારમાસ્તર મણિલાલભાઈ સત્સંગી થયા અને મોહનને મંદવાડ મટી ગયો. ।। ૮૬ ।।
૮૭
એક સમયે વિરમગામ મંદિરમાં એક માણસ આવ્યો, તેને રાત્રિએ મંદિરમાં સૂવા દીધો. પછી તે માણસ રાજકવિ હમીરદાનજીનો ટ્રંક ઉપાડી બહાર જતો રહ્યો. ત્યારે પૂજારી નરભેરામને બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, પેલો માણસ ટ્રંક લઈને બહાર જતો રહ્યો, તેની કેડે જાઓ. પછી તે તથા સાધુ ગોપીવલ્લભદાસજી આદિક કેડે ગયા. પછી એને પકડીને ટ્રંક લઈ આવ્યા. ।। ૮૭ ।।
૮૮
સંવત ૧૯૮૦ના પોષ માસમાં અમદાવાદની નાગર બ્રાહ્મણ દિવાળીબાઈ વૃષપુર બાપાશ્રીનાં દર્શને ગયાં હતાં. ત્યાં તેમને મંદવાડ બહુ થઈ ગયો તેથી બાપાશ્રીની પ્રાર્થના કરી જે, બાપા ! મને મૂર્તિના સુખમાં મૂકી દો. ત્યારે બાપાશ્રી કહે જે, કાલે તમને મહારાજના સુખમાં મૂકી દઈશું. પછી બીજે દિવસે સવારે તે બાઈને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં ઘણી વાર દર્શન થયાં ને દેહ પડી ગયો. તે ટાણે કરાંચીના લાલજીભાઈને પણ તેવાં દર્શન થયાં હતાં. ।। ૮૮ ।।
૮૯
એક સમયે માનકુવાથી બે બાઈઓ બાપાશ્રીને દર્શને જતાં ડુંગરામાં શ્રીજીમહારાજની પ્રસાદીનું સ્થાન છે, ત્યાં આગળ વાતો કરતા જતાં હતાં જે, બાપાશ્રીનાં દર્શન કરશું પછી અન્ન-જળ લઈશું. તે સાંભળી જુમલો નામનો જન હતો તેણે જાણ્યું જે, આ કોઈક મહાત્મા પુરુષ પાસે જાય છે, માટે હું પણ ભેળો જાઉં તો મારો મોક્ષ થાય; એમ જાણી એક બાઈમાં પ્રવેશ કર્યો. પછી તે બાઈએ જાંબુડાવાળી નવી વાડીમાં આવી બાપાશ્રીનાં દર્શન કર્યાં. ત્યાં જે બાઈમાં જને પ્રવેશ કર્યો હતો તે બાઈ ધૂણવા લાગી. ત્યારે બાપાશ્રીએ પૂછ્યું જે, તું કોણ છે ? ત્યારે તે બોલ્યો હું જુમલો છું, મારો મોક્ષ કરો, તમે બહુ મોટા છો અને હું મોક્ષ માટે જ આવ્યો છું. પછી એને અક્ષરધામમાં પહોંચાડી દીધો. ।। ૮૯ ।।
૯૦
સંવત ૧૯૮૧ની સાલમાં નારાયણપુરના રામજી ધનજીનો દીકરો દેવરાજ અઢી વરસનો હતો તે ઊંડી કૂંડીમાં પાણી ભરેલું હતું, તેમાં પડી ગયો. તેને બાપાશ્રીએ દર્શન આપીને હાથે ઝાલીને બહાર કાઢી લીધો. તે ભીને લૂગડે રોતો રોતો વાડીમાં રામજીભાઈ આદિ માણસો કામ કરતા હતા, ત્યાં આવીને વાત કરી જે, હું કૂંડીમાં પડી ગયો હતો તે બૂડતો હતો. ત્યાં અજવાળું થઈ ગયું ને બાપા દેખાણા. તેમણે હાથે ઝાલીને મને બહાર મૂકી દીધો. ।। ૯૦ ।।
૯૧
સંવત ૧૯૮૨ની સાલમાં બાપાશ્રી સરસપુરમાં હતા. અને કાનજીભાઈ તથા મનજીભાઈનાં માતુશ્રીને જે દિવસે તાવ આવવાનો હતો તે દિવસે બાપાશ્રીએ અનંત સંતો ને મહારાજ સાથે વૃષપુરમાં એક હરિભક્તને દર્શન આપ્યાં. ત્યારે તેણે કહ્યું જે, આટલા બધા સંતોને ક્યાં ઉતારશો ? ને શું ખાવા આપશો ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, તારાં માતુશ્રીને આજ તાવ આવશે ને તેને પરમ દિવસે અમે તેડવા આવીશું; એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી તેમને તાવ આવ્યો ને ત્રીજે દિવસે બાપાશ્રી એવી જ રીતે તે હરિભક્તને દર્શન આપી તેડી ગયા. તેમનો દેહ મૂક્યાનો તાર બાપાશ્રી ઉપર આવ્યો. પછી બાપાશ્રીએ સ્વામીને કહ્યું જે, ગયે વર્ષે એ મેડીથી પડ્યાં હતાં અને બહુ વાગ્યું હતું તેમને ધામમાં મૂકવાં હતાં, પણ તમે ના પાડી. પછી અમે કહ્યું જે, તમે રાખવાનું કહો છો પણ તમને આડાં આવશે તોપણ તમે રખાવ્યાં. તે આજે આડાં આવ્યાં, કેમ જે આપણે પંદર-વીસ દિવસ અહીં રહેવું હતું તે હવે જવું પડશે. એમ વાત કરી તૈયાર થઈ પોતે વૃષપુર પધાર્યા. ત્યાં પારાયણ બેસારી અને એમનું કાર્ય બહુ મોટું કર્યું હતું. ।। ૯૧ ।।
૯૨
એક સમયને વિષે કરાંચીના લાલુભાઈને મારગમાં ચાલતાં સામેથી ગાડી ભટકાવાથી ઘણું લાગ્યું ને રુધિર ઘણું નીકળવાથી શરીરની શુદ્ધિ રહી નહીં. તેથી તેમને મોટી ઇસ્પિતાલમાં લઈ ગયા. જ્યારે શુદ્ધિ આવી, ત્યારે કહે જે મને ઘેર લઈ ચાલો, મારે અહીં રહેવું નથી. ત્યારે તેમનાં સગાંસંબંધીઓએ પ્રાર્થના કરી રાખ્યા. પછી રાત્રિએ શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા ઘણા સંતોએ સહિત તેજોમય આકાશમાર્ગે અધરથી આવતા હોય એમ તેમને દેખાયા. તે ખાટલા પાસે આવીને ઊભા રહ્યા. તેથી લાલુભાઈને બહુ આનંદ થયો. પછી મહારાજ તથા બાપાશ્રી સંતોએ સહિત અદૃશ્ય થઈ ગયા, ને પોતે બીજે દિવસે ઇસ્પિતાલમાંથી ઘેર આવ્યા. પછી દાક્તર પાસે પાટો બંધાવતાં પણ આરામ થયો નહિ ને તેમને બાપાશ્રી પાસે જવાની તીવ્ર ઇચ્છા થઈ, તેથી ઘણા ઉદાસ થઈ ગયા. તે જ દિવસે રાત્રિએ બે વાગે ઓચિંતા ત્રણ પુરુષનાં દર્શન થયાં. તે બહુ પુષ્ટ ને ઊંચા ને તેજોમય હતા. તે જોઈને લાલુભાઈએ પૂછ્યું જે, આપ કોણ છો ? ત્યારે તેમણે કહ્યું જે, અક્ષરધામમાંથી મહારાજની આજ્ઞાએ તમને તેડવા આવ્યા છીએ. તે સાંભળી લાલભાઈ બહુ રાજી થયા. ત્યાં તો એ ત્રણે મુક્તો લાલુભાઈને ઉપાડી અક્ષરધામમાં લઈ ગયા અને લાલુભાઈને એક મોટી પાટ ઉપર સુવાર્યા અને પાટા બાંધેલા હતા તે છોડી નાખ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી લાગેલા ભાગ ઉપર હાથ ફેરવ્યા અને તરત જ પાછા ઉપાડી તેમના ઘરમાં મૂકી ગયા. પછી સવારે દાક્તર પાટો બાંધવા આવ્યો તેણે પાટા છોડી નાખેલા જોઈને પૂછ્યું. ત્યારે લાલુભાઈએ બનેલી વાત વિસ્તારીને કહી. તેથી દાક્તરને તથા સૌને શ્રીજીમહારાજનો તથા બાપાશ્રીનો અલૌકિક પ્રતાપ જણાયો. પછી લાલુભાઈ સાજા થઈ ગયા અને હળવદ જઈને બાપાશ્રીનાં દર્શન કર્યાં. એમને બાપાશ્રીએ કહ્યું જે, તમને અમારાં દર્શને આવવાની ઘણી તાણ હતી, તેથી તમને મહારાજે ને અમે મટાડી દીધું. તે સાંભળી લાલુભાઈ બહુ રાજી થયા. ।। ૯૨ ।।
૯૩
એક સમયે બાપાશ્રી કરાંચી પધાર્યા હતા, અને વૃષપુરમાં રામજીભાઈ ગરાળાના દીકરા હરજીને મંદવાડ બહુ હતો. તેને બાપાશ્રીનાં દર્શનની ઝંખના બહુ થઈ. પછી વૃષપુરના મંદિરમાં ઓસરીમાં ઠાકોરજીના દીવા કરતી વખતે રામજીભાઈને દર્શન આપ્યાં ને કહ્યું જે, હરજીને કહેજો કે તને સવારે દર્શન આપીને તેડી જઈશું, એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી બીજે દિવસે સવારે બાપાશ્રી દર્શન આપીને તેડી ગયા. ।। ૯૩ ।।
૯૪
એક સમયે માથકના ભગવાનજીભાઈનાં દીકરી શાંતિબાઈને અગ્નિથી દાઝવાથી પીડા બહુ થતી હતી, તેથી મહારાજની પ્રાર્થના કરતાં હતાં. તેમનું આસન સિંહાસન પાસે હતું. તે સિંહાસનમાંથી શ્રીજીમહારાજ ને બાપાશ્રી દેખાયા ને તેના ઉપર હાથ ફેરવીને મટાડી દીધું. તેથી તે બહુ રાજી થઈ ને એનાં મા-બાપને વાત કરી. તે જાણી આખું ગામ આશ્ચર્ય પામ્યું. ।। ૯૪ ।।
૯૫
સરાવાળા મણિલાલના દીકરાને તાવ આવતો હતો તેથી એના સંબંધી ચિંતા કરતા હતા. પછી બાપાશ્રીએ મનસુખભાઈને દર્શન દઈને કહ્યું જે, ચિંતા કરશો નહીં. મટી જશે, એમ કહીને અદૃશ્ય થઈ ગયા ને મટી ગયું. ।। ૯૫ ।।
૯૬
બામણવામાં ‘પુરુષોત્તમ લીલામૃત સુખસાગર’ની કથા વંચાતી હતી. તે વખતે હરિભક્તોને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં, તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. ।। ૯૬ ।।
૯૭
સંવત ૧૯૮૪ના જેઠ માસમાં બાપાશ્રી માધાપુરના યજ્ઞમાં પધાર્યા હતા. તે ગામના કલ્યાણ ભક્તને ઘેર બાપાશ્રી પધાર્યા, તે સમયે તેના ઘરમાં બાપાશ્રીની છબી જોઈને પોતે બોલ્યા જે, ઓ છબી લાવો. પછી તે ભક્તે આપી. ત્યારે બાપાશ્રી તે છબી ઉપર ત્રણ વાર હાથ ફરવીને બોલ્યા જે, હવે આનાં દર્શન કરજો, પણ આ મૂર્તિનાં નહિ થાય; એમ ત્રણ વાર બોલ્યા. એવી રીતે મર્મમાં અતિ પ્રેમી ભક્તોને કોઈ કોઈ વાર પોતાનું અંતર્ધાનપણું અગાઉથી સૂચવી દેતા. ।। ૯૭ ।।
૯૮
સંવત ૧૯૮૪ના અષાડ સુદ ૪ને રોજ ગામ કણભામાં આશાભાઈને બાપાશ્રી કેરીનો રસ, પૂડલા આદિ ભોજનનો થાળ લાવેલા એવાં દર્શન દઈને કહ્યું જે, જમો. ત્યારે આશાભાઈ કહે, અત્યારે આ થાળ લઈને આપ ક્યાંથી પધાર્યા ? ત્યારે બાપાશ્રી કહે જે, તમને જમાડવા આવ્યા છીએ, તે જમો. પછી આશાભાઈ જમ્યા. ત્યારે બાપાશ્રી કહે જે, હવે અમે જઈએ છીએ; એમ કહી અદૃશ્ય થઈ ગયા. પછી સમાચાર થોડા દિવસ પછી જ્યારે જાણ્યા, ત્યારે સર્વ વાત સત્ય થઈ. ।। ૯૮ ।।
૯૯
ભૂજના તારમાસ્તર ભાઈશંકરભાઈને બાપાશ્રી અંતર્ધાન થયા તે વખતે દર્શન દઈને ખભા ઉપર હાથ મેલીને કહે જે, હવે જય સ્વામિનારાયણ; અમો જઈએ છીએ. એમ દર્શન દઈને અદૃશ્ય થઈ ગયા એટલે માસ્તર ઘણા શોકાતુર થઈ ગયા ને જાણ્યું જે, બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો તે નક્કી અંતર્ધાન થયા હશે. એમ ધારીને શોકમાં બેઠા હતા, ત્યાં તો લાલશંકરભાઈ વૃષપુરથી આવ્યા અને કહ્યું જે, બાપાશ્રી ધામમાં પધાર્યા. પછી આ વાત એમણે લાલશંકરભાઈને કહી. ।। ૯૯ ।।
૧૦૦
વિરમગામમાં વઢવાણવાળા દેપાળા અમરીશભાઈને રાત્રિના બાર વાગે અંતર્ધાન થયા તે વખતે બાપાશ્રીએ સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું જે, સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો બાઈઓના મંદિરમાં ચરણારવિંદ પધરાવવા ગયા છે, તે ચાલો આપણે જઈએ; એમ કહીને મંદિરમાં ગયા. પછી બાપાશ્રીએ ચરણારવિંદ ઉપર હાથ ફેરવ્યો, એટલામાં તો તેજ તેજ થઈ રહ્યું અને મહા ઘાટો પ્રકાશ થઈ ગયો. તે પ્રકાશમાં એક વિમાન દેખાયું. પછી તેમાં બાપાશ્રી બેસીને તેજના સમૂહમાં આકાશમાર્ગે પધાર્યા; એવાં દર્શન થયાં. ।। ૧૦૦ ।।
૧૦૧
ગામ બામણવાના ગોવાભાઈએ બાપાશ્રીના અંતર્ધાન થયાની વાત સાંભળી ત્યારે અતિશે શોકાતુર થઈ ગયા. તેમને બાપાશ્રીએ દિવ્ય રૂપે દર્શન દઈને કહ્યું જે, આમ શોકાતુર કેમ થઈ ગયા છો ? અમો સદાય સત્સંગમાં છીએ. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૧૦૧ ।।
૧૦૨
નારાયણપુરવાળાં સાંખ્યયોગી અમરબાઈ બાપાશ્રીના વિયોગથી ઘણાં દિલગીર થતાં હતાં. તે સમયે બાપાશ્રી તથા ધનજીભાઈ બંને દિવ્ય તેજોમય દર્શન આપીને બોલ્યા જે, શોક શું કરો છો ? લાવો દૂધ પીએ. પછી દૂધ લાવ્યાં તે પીને સર્વને શાંતિ પમાડી અદૃશ્ય થઈ ગયા. ।। ૧૦૨ ।।
૧૦૩
રાત્રિએ વૃષપુરના મૂળજી પર્વતનાં ઘરનાં બાઈ તેજાએ ખાવાનું રાંધ્યું નહિ અને રોતાં રોતાં એમ બોલ્યાં જે, મારી ગાયનું દૂધ બાપાશ્રી નિત્ય પીતા તે હવે કોણ પીશે ? એટલામાં તો બાપાશ્રી એના ઘરમાં આવીને ખાટલો ઢાળીને તે ઉપર બિરાજ્યા અને બોલ્યા જે, લાવો દૂધ-સાકર, ઊનાં કરો. અમે ગઈ રાત્રિ અગિયાર વાગે પીધું હતું; લાવો આજ પીએ. પછી દૂધ આપ્યું તે બાપાશ્રીએ અતિ હેતે કરીને પાન કર્યું ને પછી અદૃશ્ય થઈ ગયા. ।। ૧૦૩ ।।
૧૦૪
વૃષપુરના અણદાભક્ત કેરાઈ બાપાશ્રી અંતર્ધાન થયા તે વખતે પોતે પાસે હતા તે ઘણા ઉદાસ થઈ ગયા ને મનમાં એમ સંકલ્પ કરે જે અંત સમયે બાપાશ્રી બોલ્યા નહીં. એટલામાં બાપાશ્રી તેમને દર્શન દઈને બોલ્યા જે, ઉદાસી થાઓ મા, લાવો જમીએ. પછી તેણે વાલબાને કહ્યું જે, બાપાશ્રી સારુ જમવાનું લાવો, પછી થાળ લાવ્યા તેમાંથી એક ગ્રાસ જમ્યા ને જય સ્વામિનારાયણ કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૧૦૪ ।।
૧૦૫
એક સમયને વિષે વૃષપુરમાં પ્રેમજી હીરજી તથા જાદવજી કાનજી બંને દીવા વખતે ઉદાસ થકા રોતા રોતા મંદિરમાં બાપાશ્રીની ઓરડીએ આવ્યા. ત્યાં બાપાશ્રીને ઢોલિયામાં પોઢેલા દેખ્યા. પછી બાપાશ્રી બોલ્યા જે, પ્રેમજી બચ્ચા ! ઘેર જાવું છે. લાકડી લઈ આવ. પછી લાકડી લેવા જાદવજી ગયો અને પ્રેમજીને કહ્યું જે, તું અમને બેઠા કર. પછી પ્રેમજીએ બેઠા કર્યા અને તરત જ અદૃશ્ય થઈ ગયા. ।। ૧૦૫ ।।
૧૦૬
બાપાશ્રીના કાર્ય ઉપર પારાયણ બેસારી હતી, તે વખતે સોની મગનલાલ બાપાશ્રીના વિરહને લીધે શોકાતુર થઈને બેઠા હતા. તે સમયે કણભાવાળા આશાભાઈને બાપાશ્રી દર્શન દઈને બોલ્યા જે, આ મગન ભૂજથી આવ્યો છે તે ભૂખ્યો હશે માટે આપણા ઘેર જઈને જમાડી આવો. પછી આશાભાઈ ઘેર જઈ જમાડી આવ્યા. ।। ૧૦૬ ।।
૧૦૭
અષાડ વદ ૧ને રોજ બાપાશ્રીને ઘેર વાલબા, રામપુરનાં કાનબા, પ્રેમબા, નારાયણપુરનાં અમરબા, મેઘપરનાં અમરબા આદિ ઘણાં બાઈઓ શોકાતુર થઈ વિલાપ કરતાં હતાં. તે વખતે શ્રીજીમહારાજની તથા બાપાશ્રીની મૂર્તિ તેમને ઘેર હતી, તે મૂર્તિમાંથી બાપાશ્રી જેવા પોતે હતા તેવા મનુષ્ય આકારે દર્શને આપીને બોલ્યા જે, રુદન શું કરો છો ? અમે તો સદાય છીએ જ. તમે શોકમાં ને શોકમાં તેર દિવસથી અમને જમાડવા પણ ભૂલી ગયાં છો, માટે થાળ લાવો; જમીએ. પછી પ્રેમબાએ ઊઠીને થાળ તૈયાર કરીને આપ્યો, તે જમીને બોલ્યા, હવે તૃપ્ત થયા. પછી બોલ્યા જે, કાર્ય મોટું આદર્યું છે તે કાર્ય તો અમારે નીવેડવું છે તે શા માટે ફિકર કરો છો ? એમ મૂર્તિમાંથી પ્રગટ થઈને શોક નિવૃત્ત કર્યો. ।। ૧૦૭ ।।
૧૦૮
ભૂજના સાધુ રામચરણદાસજી (વૃષપુરવાળા)ને ભૂજની સભામાં અષાડ વદ ૧૦ને રોજ શ્રીજીમહારાજનાં દર્શન થયાં. તે દિવ્ય તેજોમય અને ચારેકોર અનંતકોટિ મુક્તો પ્રાર્થના કરતા, એવાં ઝળઝળાટ તેજમાં દર્શન થયાં અને ચરણારવિંદમાં સોળ ચિહ્ન જોયાં અને પડખે એવા જ તેજોમય બાપાશ્રીને દેખ્યા. પછી તેમણે પૂછ્યું જે, હે બાપા ! તમે તો અપાર તેજોમય છો. તે સાંભળી બાપાશ્રી કહે, અમે તો સદાય દિવ્ય તેજોમય છીએ. પછી તે સંત શિખરમાં મૂર્તિઓનાં દર્શન કરવા ઊઠ્યા, તે સુખસજ્જામાં શ્રીજીમહારાજની મૂર્તિ પાસે પણ બાપાશ્રીનાં દિવ્ય તેજોમય દર્શન થયાં અને સર્વે અંગોઅંગમાં દિવ્ય તેજની શેડો છૂટે અને મોતી જડ્યાં હોય તેમ ભાસ્યું; એવું અતિ અલૌકિક તેમને દર્શન થયું. ।। ૧૦૮ ।।
૧૦૯
એક સમયે અણદા કેરાઈ બાપાશ્રીનાં કાર્ય વીત્યા પછી વૃષપુરના મંદિરની ઓસરીમાં ઉદાસ થકા બેઠા હતા. તેવામાં બાપાશ્રી સદાય બેસતા તે તકિયા ઉપર લૂગડું ઓઢી વિરાજમાન થયેલા એવાં દર્શન થયાં. પછી મુખારવિંદ પરથી લૂગડું કોરે કરીને અણદાભાઈને બોલાવ્યા ને કહ્યું જે, અમે તો સદાય છીએ, છીએ ને છીએ જ; માટે જતા રહ્યા એમ ન જાણશો. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. એવી રીતે પોતાને વિષે હેતવાળા હરિભક્તને ઘણી વાર પોતાનું પ્રત્યક્ષપણું જણાવતા. ।। ૧૦૯ ।।
૧૧૦
ગામ વૃષપુરના રામજી હીરજી ઉદાસ થયા થકા વિચારમાં બેઠા હતા જે, બાપાશ્રી આપણને મૂકીને જતા રહ્યા. તેવામાં બાપાશ્રી જે ઓરડીમાં પોઢતા તે ઓરડીમાં બાપાશ્રીનાં દર્શન થયાં, તે એવી રીતે કે એક બાજુ સ્વામી વૃંદાવનદાસજી અને બીજી બાજુ સ્વામી ઈશ્વરચરણદાસજી અને તેવી જ રીતે બાપાશ્રીના દીકરા એક બાજુ કાનજીભાઈ ને બીજી બાજુ મનજીભાઈ; બે પડખે બબે બેઠેલા, એવાં દર્શન થયાં. તે સમયે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, આ કાનજીભાઈ ને મનજીભાઈને તો મૂર્તિમાં રાખ્યા છે, ત્યારે રામજીભાઈ અતિ દિલગીર થઈને બોલ્યા જે, મને પણ સદાય મૂર્તિમાં રાખજો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમને પણ મૂર્તિમાં રાખશું; કાંઈ ચિંતા રાખશો નહિ, અમે તમારા ભેગા છીએ. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૧૧૦ ।।
૧૧૧
એક સમયે ગામ વૃષપુરમાં રામજી હીરા રાત્રિએ વાડીએ ગાડા ઉપર સૂતા હતા. તેને ૧૨ વાગે બાપાશ્રી હાથમાં લાકડી લઈને ચાલ્યા આવે છે એવાં દર્શન થયાં. પછી પાસે આવીને બોલ્યા જે, બચ્ચા ! સૂતો છે કે ? પછી રામજીભાઈ બેઠા થઈને બાપાશ્રીને પગે લાગ્યા એટલામાં બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. ।। ૧૧૧ ।।
૧૧૨
એક સમયે સેવક પ્રેમજી મંદિરમાં દર્શન કરી બાપાશ્રીને ઘેર ઊભો રહ્યો. તેવામાં રામપરાવાળા કાનબા મેડા ઉપરથી ઠાકોરજીને દૂધ પાઈને હેઠળ આવ્યાં ત્યારે બાપાશ્રીએ પ્રેમજીને દર્શન દઈને કહ્યું જે, કોરે ખસ, આ દૂધ લાવ્યાં છે તે પીએ. પછી હાથમાં દૂધનો વાટકો લઈને દૂધ પી ગયા ને વાટકો કાનબાને પાછો આપ્યો. એવી રીતે એમનો મનોરથ પૂર્ણ કરીને અદૃશ્ય થઈ ગયા. ।। ૧૧૨ ।।
૧૧૩
વળી એક વખત રાત્રિએ મંદિરમાં બાપાશ્રીની ઓરડીમાં કાનજીભાઈ તથા પ્રેમજીભાઈ આદિ સૌ પોઢ્યા હતા. તેવામાં બાપાશ્રીએ સાદ કર્યો જે, પ્રેમજી, ઓરો આવ. પછી પ્રેમજી બેઠો થઈને જુએ તો બાપાશ્રીને ઢોલિયા ઉપર પોઢેલા દેખ્યા. પછી ચરણસ્પર્શ કરી પાસે બેઠો. પછી રોઈ ગયો ને દિલગીર થઈ ગયો. ત્યારે બાપાશ્રી કહે જે, મૂંઝાય છે શા સારુ ? અમે કાંઈ જતા રહ્યા નથી. આ સૂધાં તને ત્રણ વખત ધીરજ રહેવા સારુ દર્શન દીધાં, અમે કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૧૧૩ ।।
૧૧૪
સંવત ૧૯૮૪ના શ્રાવણ વદ ૬ને રોજ સવારે બે વાગે વૃષપુરમાં બાપાશ્રીની ત્રણે વાડીમાં ચંદનનો વરસાદ થયો ને ભેગો અત્તરનો સુગંધ પણ હતો, તેની ખબર વદ સાતમને રોજ સાંજના સાત વાગે પડી. પછી સભામાં સદ્ગુરુઓ તથા સંત, પાર્ષદ તથા દેવરાજભાઈ આદિ ઘણા હરિભક્તો આશરે પચાસેક હતા. તે જાદવા આશાએ બાપાશ્રીના ઘેરથી કણજરા આદિનાં ઘણાં પાંદડાં ઉપર ચંદન વળગેલું એવાં લાવીને મૂક્યાં, તેને જોઈને સૌ ઘણું આશ્ચર્ય પામ્યા. પછી તરત વરસાદ થયો તે બધું ધોવાઈ ગયું. પછી સંત-હરિભક્તો તેવે ટાણે વાડીમાં ગયા, પણ હાથ ન આવ્યું ને અંધારું થઈ ગયું. તે કોઈ કોઈને દેખે નહીં. પછી બાપાશ્રીનો પૌત્ર હરજીભાઈ કેળનાં પાંદડાં ઉપર વરસાદથી ધોવાતાં ધોવાતાં થોડું રહી ગયેલું તે લાવ્યાં; તેને જોઈને સૌને ઘણો આનંદ થયો. પછી તે દિવસે રાત્રિએ રામજી કરસન જેસાણીને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું કે, ચંદનનો વરસાદ તો અમે છઠના બપોરે બે વાગે કર્યો હતો, પણ તમો સર્વેએ બીજે દિવસે જાણ્યું છે. અને આવતીકાલે આઠમને દિવસે કાકરવાડીમાં ચંદનનો વરસાદ કરીશું, જેને જોવું હોય તે જજો. વળી તે દિવસે રામજીને કોઈક દ્વેષબુદ્ધિવાળાએ પાણીમાં ઝેર પાયું, તે બહુ ચડ્યું, તે ગળું બંધ થઈ ગયું. પણ બાપાશ્રીએ ઊલટી કરાવી. પછી સાંજે આરતી થયા કેડે મંદિરમાં તેમને લાવ્યા અને સ્વામીશ્રી વૃંદાવનદાસજીને કહ્યું જે, આને કાંઈક વળગાડ જેવું છે, તે પાઠ કરો. પછી સ્વામી બોલ્યા જે, તેને વળગાડ નથી; એમને કોઈકે ઝેર પાયું છે. ઘેર જઈને ખૂબ ઘી પાઓ. પછી ઘેર જઈને ઘી પાયું એટલે તુરત બોલવા માંડ્યો ને સાજો થઈ ગયો. પછી વદ સાતમની રાત્રે બાપાશ્રીએ દર્શન દીધાં, તે સમે વરસાદની તથા આ ઝેરની વાત કરી કે, તુને ઝેર બહુ આકરું દીધું હતું. થોડીક મુદતમાં પ્રાણ નીકળી જાય એવું હતું, પણ અમોએ ઊલટી કરાવીને સ્વામી વૃંદાવનદાસજી દ્વારે ઘી પીવાનું કહ્યું. માટે હવે ભૂલીશ મા. જ્યાંત્યાં પાણી પીવું નહિ ને ખાવું નહીં. પછી તે કહે જે, બાપા, એ તો મારે ન ચાલે; માટે રક્ષા કરજો, નહિ તો મને ધામમાં લઈ જજો. પછી બાપાશ્રી બોલ્યા જે, અમે તારી રક્ષા કરતા આવીએ છીએ. એમ કહી અદૃશ્ય થઈ ગયા. ।। ૧૧૪ ।।
૧૧૫
એક સમયે કરાંચીમાં લાલુભાઈની દીકરીએ દિવસના પાંચ વાગે સિંહાસન પાસે કૂંચીઓ હતી તે લેવા જતાં પડખે બાપાશ્રીની મૂર્તિ સામું જોયું તો બાપાશ્રીની આંખો મોટી જણાવા લાગી અને નેત્રમાંથી તેજની શેડો નીકળવા માંડી, તે જોઈ બહુ આનંદ પામી. એટલામાં લાલુભાઈ આવ્યા ને તેમને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં હસતે મુખે દર્શન થયાં, તેથી આનંદ પામ્યા. વળી એક સમયે ઠાકોરજી આગળ થાળ ધરેલ, તેમાંથી મહારાજ તથા બાપાશ્રી જમવા લાગ્યા, તે જોઈ લાલુભાઈ બહુ જ આનંદ પામ્યા. ।। ૧૧૫ ।।
૧૧૬
એક સમયે કરાંચીનાં મિસ્ત્રી નાજુભાઈનાં બહેન સાકરબાઈને કંઠમાળના દરદની પીડા વધુ જણાતાં, શ્રીજીમહારાજને તથા બાપાશ્રીને સંભાર્યા. પછી બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, આજ ૧૧ વાગે મહારાજ ને અમે તમને તેડી જઈશું. તે વખતે લીરૂબાએ તેમને પૂછ્યું જે, શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં દર્શન થાય છે ? ત્યારે તે કહે જે હા, મહારાજ ને બાપા આ રહ્યા. મને ૧૧ વાગ્યે તેડી જશે; ત્યાં સુધી મારી પાસે રહેજો. તે ૧૧ વાગ્યા એટલે જય સ્વામિનારાયણ કહી દેહત્યાગ કરી દીધો. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યાં. ।। ૧૧૬ ।।
૧૧૭
ગામ કણભાના પટેલ ભલાભાઈને મંદવાડ સખત આવ્યો, ત્યારે બાપાશ્રીની પ્રાર્થના કરી. પછી બાપાશ્રીએ દિવ્ય તેજોમય દર્શન આપ્યાં અને થોડી વાર થયા પછી કહ્યું જે, તમારો મંદવાડ મટી જશે. એમ કહીને અદૃશ્ય થઈ ગયા અને મંદવાડ મટી ગયો. ।। ૧૧૭ ।।
૧૧૮
ગામ ધરમપુરના દેવજી વરમોળાને તાવ આવ્યો. તે ત્રીજે દિવસે ખાટલામાંથી બેઠો થઈ પગે લાગવા માંડ્યો અને તેમના મોટાભાઈ ભાવજીભાઈને કહ્યું જે, આ મહારાજ અને બાપાશ્રી અને સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ આવ્યાં છે તેમનાં દર્શન કરો. અને હજી સવાર છે માટે રસોઈ કરી મહારાજને થાળ જમાડો. બાપાશ્રી મને કહે છે કે દશ વાગે મહારાજની મૂર્તિના સુખે સુખિયો કરવો છે. માટે ઉતાવળ કરો. તમે બધાય મહારાજ તથા બાપાશ્રીને સંભારજો અને આવા મોટા સંત સાથે હેત રાખજો. એમ કહીને ઊંડા ઊતરી ગયા. પછી જ્યારે દશ વાગ્યા ત્યારે સર્વને જય સ્વામિનારાયણ કહી દેહ મૂકી દીધો. ।। ૧૧૮ ।।
૧૧૯
માથકના અમૃતલાલના ઘરનાં મનુષ્ય કસ્તુરબાઈને અગ્નિથી બળવાથી બહુ જ વસમું લાગ્યું, ત્યારે બાપાશ્રીની પ્રાર્થના કરી. પછી શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ દર્શન આપી કહ્યું જે, મટી જશે, પછી તરત જ મટી ગયું. ।। ૧૧૯ ।।
૧૨૦
લુણસરમાં જેઠા ભક્ત માંદા હતા. તેમને તેડવા મહારાજ તથા બાપાશ્રી આવ્યા. પછી તેમણે હરિભક્તોને વાત કરી જે મને મહારાજ તથા બાપાશ્રી તેડવા આવ્યા છે તે હું જાઉં છું. એમ કહી દેહત્યાગ કર્યો. વળી એક સમયે લુણસરના મંદિરમાં સ્વામી શ્વેતવૈકુંઠદાસજી બાપાશ્રીની વાતો વાંચતા હતા. તે વખતે ભગવાન ભક્તને બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં, પછી તેણે વાત કરી જે, આ કથા વાંચવા માંડી ત્યારથી વાંચી રહ્યા ત્યાં સુધી મને બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં. ।। ૧૨૦ ।।
૧૨૧
સંવત ૧૯૯૨ની સાલમાં સવારના પાંચ વાગે કરાંચીમાં લાલુભાઈને ઘેર બાપાશ્રી આદિ અનંત મુક્તો ઓસરીમાં તેજોમય ફરતા હતા, એવાં દર્શન થયાં. પછી તેમણે દંડવત કર્યા ને તેમના દીકરા હરિલાલને કહ્યું જે, તું સૌ હરિભક્તોને ખબર આપ જે, અમારે ઘેર બાપાશ્રી આદિક મુક્તો નવીન રૂપે દર્શન આપે છે તે જેને દર્શન કરવાં હોય તે આવો. પછી સૌ આવ્યા ને પગે લાગીને નવીન સ્વરૂપ જોઈ રહ્યા અને લાલુભાઈ તો પલાંઠી વાળીને બાપાશ્રીના સામા બેઠા. તેમને બાપાશ્રીએ દિવ્ય હાર પહેરાવ્યો તે હારમાંથી બહુ સુગંધી આવવા માંડી. પછી બાપાશ્રી કહે જે, લાલુભાઈ ! અમને પાણી પાઓ. ત્યારે લાલુભાઈએ તેમના ઘરનાં માણસને કહ્યું જે, પાણી લાવો. ત્યારે બાપાશ્રી કહે જે, આ સામા લોટામાં છે તે આપો. પછી બાપાશ્રીએ જળ પીધું અને કહે જે, ખુરશી મંગાવો તો બેસીએ. પછી વળી કહ્યું જે, અમને ઊંઘ બહુ આવે છે તે આસન પાથરી દો; સૂવું છે. એમ કહીને જમીન ઉપર પાથર્યા વિના સૂઈ ગયા. પછી લાલુભાઈએ કહ્યું જે, આમ ને આમ સૌને દર્શન આપો, હું પાથરવા આસન લાવું છું. એમ કહી આસન લેવા ગયા. ત્યાં બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. વળી એક સમયે લાલુભાઈની દીકરી મેડેથી ઊતરતાં પગથિયું ભૂલવાથી પડી ગયાં. તેને બાપાશ્રીની છબીએ લાંબો હાથ કરીને ઝાલી લીધી. તેણે લાલુભાઈને વાત કરી જે આ મૂર્તિએ લાંબો હાથ કરીને મને ઝાલી લીધી. ।। ૧૨૧ ।।
૧૨૨
ગામ પાટડીમાં મોરબીવાળા શામજીભાઈ માંદા હતા. તેમને બાપાશ્રી તેડવા આવતાં ગામ જરવલામાં બાઈ શિવબાને દર્શન આપીને કહ્યું જે, અમે શામજીને તેડવા જઈએ છીએ. પછી તેને તેડી ગયા. ।। ૧૨૨ ।।
૧૨૩
એક સમયને વિષે રાત્રિના ૧૨ વાગે ગામ કણભામાં આશાભાઈ તથા તેમના દીકરા ગોવિંદભાઈ સૂતા હતા. તેમને બાપાશ્રીએ દર્શન આપી જગાડ્યા ને કહ્યું જે, તમને મારવાને માટે શત્રુ આવે છે, પણ અમે તમારી રક્ષા કરશું; તોપણ તમે સાવધાન રહેજો ને ઊંઘશો નહિ, એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી શત્રુઓ આવી દાંતીઓના ઘા કરવા માંડ્યા, પણ બાપાશ્રીએ એમના ઉપર લોઢાનું પાંજરું કરી દીધું અને વાગવા દીધું નહિ અને એક-બે દાંતીઓ ભાંગી ગઈ. પછી એ લોકોને બહુ મનુષ્યો દેખાડ્યા, તેથી ભય પામી ભાગી ગયા. ।। ૧૨૩ ।।