અથ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણમ્
વચનામૃત ગઢડા પ્રથમનું - ૧
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમે પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) સર્વે સાધનમાં કિયું સાધન કઠણ છે ? ત્યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ, તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો, અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કાં જે ભગવાનની મૂર્તિ છે, તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે, તે તો જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે, માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. (૧) ૧
૨ ત્યાર પછી કોઈક હરિભક્તે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૨) જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનો ભક્ત હોય, તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતે જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. (૨) ૨
૩ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે તે કેવા દેહને પામે છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે, તે ભગવાનની ઇચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે, અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે, ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે ને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, ને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે; એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. (૩) ૩
૪ પછી વળી કોઈક હરિભક્તે પૂછ્યું જે, (૪) કેટલાક તો ઘણા દિવસથી સત્સંગ કરે છે તોપણ તેને જેવી પોતાના દેહ ને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી, અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે, ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, ને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી, કાં જે અન્ય સ્થળને વિષે જે પાપ કર્યાં હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતાં નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે :
अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति ।
तीर्थक्षेत्रे कृतं पापं व्रजलेपो भविष्यति ।।
તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દૃઢ પ્રીતિ થાય. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૧।। ૪
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારો ગોલોકાદિક ધામ, જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ તેને જોવાને ઇચ્છે તો દેખે છે. (૧) બીજામાં અમારું ધ્યાન કરતાં, આવરણ કરે તે માયા જાણવી. (૨) ત્રીજામાં અમારા આશ્રિત દેહ મૂકીને બ્રહ્મમય દેહને પામે છે. (૩) ચોથામાં સ્વભાવ ઉપર વાત કરનારાનો અવગુણ લે તેને સત્સંગમાં પ્રીતિ થતી નથી ને પાપ લાગે છે, તે પાપ સંતના અનુગ્રહથી ટળે છે ને સંતને તીર્થ કહ્યા છે. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં મનની વૃત્તિ અખંડ રહે તે કઠણમાં કઠણ સાધન, ને સર્વથી શ્રેષ્ઠ પ્રાપ્તિ કહી તે મન તથા વૃત્તિ તો માયિક છે તે માયિક વસ્તુએ મહારાજ કેમ દેખાય ?
૧ ઉ. પ્રથમ તો જીવ મન દ્વારે ભગવાનની મૂર્તિને વિષે વૃત્તિ રાખે તે વૃત્તિ રાખતાં રાખતાં નિર્ગુણ થઈ જાય; ત્યારે જીવસત્તાએ જ મૂર્તિને જુએ છે. તે ‘હરિવાક્ય-સુધાસિંધુ’માં તરંગ (૨૦૮)માં કહ્યું છે કે : देहत्रयमलं तद्धसांख्यज्ञनांबुना स य । धुत्वा शुचिर्हरिंध्यायेत्तदाडति सुखभाग् भवेत् ।।૧૬।।
દેવ જેવો પવિત્ર થઈને દેવને પૂજે તો તે પૂજાને દેવ અંગીકાર કરે તેની પેઠે ત્રણ દેહરૂપી મળ ને સાંખ્યજ્ઞાનરૂપી જળ તેણે કરીને ત્યાગ કરીને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને શ્રીજીમહારાજનું ધ્યાન કરે ત્યારે શ્રીજીમહારાજનું અતિ સુખ તેને પામે છે.
૨ પ્ર. શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખનારો ભક્ત જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ તથા ગોલોકાદિક ધામને દેખે છે એમ કહ્યું; અને (પ્ર. ૪૯ના બીજા પ્રશ્નમાં) ભગવાનની મૂર્તિ વિના ષટ્ચક્ર તથા ગોલોકાદિક ધામ દેખાય તે બાહ્યદૃષ્ટિ કહી છે, તે કેમ સમજવું ?
૨ ઉ. આમાં સાધનદશાવાળા સકામ ભક્તને લોભ બતાવીને પોતાના સ્વરૂપમાં જોડવા માટે કહ્યું છે, માટે એ વચન અધિકારી પર છે અને (પ્ર. ૪૯માં) ભગવાનની મૂર્તિ વિના એ ધામાદિક દેખાય એ બાહ્યદૃષ્ટિ કહી છે; પણ વગર ઇચ્છે ભગવાનની મૂર્તિ ભેળાં ધામાદિક દેખાય એ બાહ્યદૃષ્ટિ કહી નથી. એ તો સિદ્ધદશાવાળા જાણવા. તે (સા. ૧૦ના ૨/૩ બીજા પ્રશ્નમાં) કહ્યું છે જે, અંતર્દૃષ્ટિવાળાને ભગવાન તથા ભગવાનનાં ધામ અણુમાત્ર છેટે નથી, કેમ જે એને ભગવાન વગર ઇચ્છે દેખાડે છે તે (પ્ર. ૯/૨ માં) અમારા ધામને વિષે અમારાં ઐશ્વર્ય તથા મૂર્તિઓ રહી છે તે ભક્તને બળાત્કારે દેખાડીએ છીએ એમ કહ્યું છે, માટે વગર ઇચ્છે શ્રીજીમહારાજ દેખાડે તે બાહ્યદૃષ્ટિ ન કહેવાય પણ ભક્ત પોતે જોવા ઇચ્છે તો તે બાહ્યદૃષ્ટિ કહેવાય.
૩ પ્ર. બીજા પ્રશ્નમાં ધ્યાનમાં આવરણ કરે તેને માયા કહી તે કઈ જાણવી ?
૩ ઉ. મૂળપ્રકૃતિ તથા તેમાંથી જે જે ઉત્પન્ન થયું તે, ને તે સંબંધી ઘાટ-સંકલ્પ થાય તે સર્વે માયા છે અને તે મૂળપ્રકૃતિથી પર મૂળપુરુષ જે ઈશ્વરકોટિ, તેથી પર બ્રહ્મકોટિ, તેથી પર મૂળઅક્ષરકોટિ તે સર્વે ધ્યાન-ઉપાસનામાં આવરણ કરનાર છે માટે મૂળઅક્ષર પર્યંત આવરણ કરનાર છે, એમ જાણવું; એ તો જ્યારે મૂળઅક્ષરથી પર ને તે મૂળઅક્ષરનું કારણ જે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ તે રૂપ પોતાને માનીને એ તેજમાં પોતાના આત્માને લીન કરીને શ્રીજીમહારાજની મૂર્તિને ધારે, ત્યારે શ્રીજીમહારાજની ને ધ્યાન કરનાર ભક્તની વચ્ચે બીજું આવરણ રહેતું નથી, માટે મૂળઅક્ષર પર્યંત આવરણ કરનાર છે એમ જાણવું.
૪ પ્ર. શ્રીજીમહારાજના તેજને મૂર્તિમાન મૂળઅક્ષરનું કારણ કહો છો તે કિયા વચનામૃતમાં છે ?
૪ ઉ. (કા. ૮/૧માં) શ્રીજીમહારાજે પોતાના નિર્ગુણ સ્વરૂપને એટલે તેજને મૂળઅક્ષરનું આત્મા કહ્યું છે અને (પ્ર. ૬૪/૧માં) એ તેજને મૂળઅક્ષરમાં વ્યાપક તથા તેનું આત્મા તથા દ્રષ્ટા કહ્યું છે, માટે મૂળઅક્ષરનું કારણ શ્રીજીમહારાજનું તેજ છે.
૫ પ્ર. માયા તો સંકલ્પ-વિકલ્પાદિક રૂપે આવરણ કરનાર છે તે સમજાય છે પણ ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ તે કેવી રીતે આવરણ કરતા હશે ?
૫ ઉ. જેમ દીવાના પ્રકાશનો સંબંધ આપણા નેત્રને થાય ત્યારે દીવો દેખાય છે, અને તારાના પ્રકાશનો સંબંધ થાય તો તારા દેખાય; અને ચંદ્રના પ્રકાશનો સંબંધ નેત્રને થાય તો ચંદ્ર દેખાય; અને સૂર્યના પ્રકાશનો સંબંધ નેત્રને થાય તો સૂર્ય દેખાય છે, તેમ મૂળમાયાથી પર મૂળપુરુષ છે; તેના તેજરૂપ આપણા આત્માને માનીએ તો મૂળપુરુષ ઈશ્વરના પ્રકાશનો સંબંધ આપણા આત્માને થાય તેણે કરીને મૂળપુરુષ પમાય, પણ તેથી પર જે બ્રહ્મકોટિ તેનો સંબંધ ન થાય, તે આવરણ કર્યું કહેવાય, તેમ જ બ્રહ્મના પ્રકાશનો સંબંધ થાય તો બ્રહ્મની પ્રાપ્તિ થાય પણ અક્ષર ન પમાય તે આવરણ કર્યું કહેવાય. તેમ જ અક્ષરના પ્રકાશનો સંબંધ થાય તો અક્ષર પમાય, પણ પુરુષોત્તમને ન પમાય એ આવરણ કર્યું કહેવાય અને પુરુષોત્તમના પ્રકાશનો સંબંધ આપણા ચૈતન્યને થાય તો પુરુષોત્તમ પમાય, ત્યારે અક્ષરાદિકનું આવરણ રહેતું નથી તે (પ્ર. ૫૧માં) કહ્યું છે જે, “પુરુષોત્તમને આકારે દૃષ્ટિ થાય ત્યારે જ પુરુષોત્તમનું દર્શન થાય છે” માટે અક્ષરાદિક સર્વેથી પર શ્રીજીમહારાજ છે તેમના પ્રકાશરૂપ આપણા ચૈતન્યને માનીને, તે પ્રકાશરૂપ ધામ સાથે એકતા કરીને, શ્રીજીમહારાજની મૂર્તિને આકારે થાય, તો જ શ્રીજીમહારાજને પમાય પણ તે વિના પમાય નહિ.
૬ પ્ર. આ તેજને શ્રીજીમહારાજને રહ્યાનું ધામ કિયા વચનામૃતમાં કહ્યું છે ?
૬ ઉ. (પં. ૧/૧માં) આ તેજને પોતાને રહ્યાનું ધામ કહ્યું છે તથા (પ્ર. ૬૬/૧માં) પોતાની મૂર્તિનો પ્રકાશ કહ્યો છે. આનો વિસ્તાર પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં છે.
૭ પ્ર. મૂળપુરુષની ને મૂળઅક્ષરની વચ્ચે બ્રહ્મ કહ્યા તે કિયા વચનામૃતમાં છે ?
૭ ઉ. (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) મૂળપુરુષની ને મૂળઅક્ષરની વચ્ચે બ્રહ્મનો ભેદ કહ્યો છે તે બ્રહ્મ શ્વેતદ્વિપપતિ વાસુદેવને કહ્યા છે અને એ વાસુદેવબ્રહ્મનું ધામ મૂળપુરુષના ગોલોક ધામથી પર છે તેને બ્રહ્મપુર નામે કરીને (અ. ૭/૧માં) કહ્યું છે.
૮ પ્ર. ત્રીજા પ્રશ્નમાં ધર્મકુળને આશ્રિત બ્રહ્મમય દેહને પામે છે એમ કહ્યું તે ધર્મકુળ શું સમજવું ? અને બ્રહ્મમય તે કેવો જાણવો ?
૮ ઉ. આ ઠેકાણે ધર્મકુળ એટલે ધર્મના પુત્ર એવા જે સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને જાણવા. તેમનો આશ્રિત થાય તે બ્રહ્મમય દેહને પામે છે એમ કહ્યું છે, અને બ્રહ્મ તે શ્રીજીમહારાજની મૂર્તિનું તેજ જાણવું, અને એ તેજ સાથે એકતા કરીને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરે તે ધ્યાને કરીને શ્રીજીમહારાજના જેવો સાકાર થાય તે બ્રહ્મમય દેહ કહ્યો છે.
૯ પ્ર. યથાર્થ જ્ઞાન થાય ત્યારે દેહ મૂક્યો કહેવાય કે દેહ પડે ત્યારે જ મૂક્યો કહેવાય ?
૯ ઉ. જ્યારે આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે દેહ મૂક્યો કહેવાય તોપણ સર્પની કાંચળીની પેઠે માયિક દેહ તો ઉપર હોય જ, પણ સિદ્ધમુક્ત જેમ શ્રીજીમહારાજની ઇચ્છાથી દિવ્ય મૂર્તિ થકા મનુષ્ય જેવા દેખાય છે તેવા તો ન કહેવાય, અને જ્યારે કાંચળીવત્ રહેલા દેહનો અંત આવે ત્યારે રથ-વિમાનાદિક બીજા જીવોના સમાસને અર્થે શ્રીજીમહારાજ બતાવે છે. પણ જે બ્રહ્મરૂપ થયો તેને રથ-વિમાનની જરૂર નથી. કેમ જે જેને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થયો તેને જવું-આવવું નથી એ તો પામી જ રહ્યો છે.
૧૦ પ્ર. ધામમાં જાય તેને યોગસમાધિવાળા દેખે છે તે યોગસમાધિવાળા કોને જાણવા ?
૧૦ ઉ. જેને શ્રીજીમહારાજની મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર હોય, તેને યોગસમાધિવાળા કહ્યા છે પણ યોગાભ્યાસ કરતા હોય ને મૂર્તિ સિદ્ધ ન થઈ હોય તેને આ ઠેકાણે યોગસમાધિવાળા નથી કહ્યા. ।।૧।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૨
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મયારામ ભટ્ટે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેનાં શાં લક્ષણ છે તે કહો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધકર્મ વશે કરીને વ્યવહારમાં રહે પણ તે વ્યવહારમાં જનકરાજાની પેઠે લોપાય નહિ, અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધાનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહિ ને તેનો ત્યાગ મોળો ન પડે અને તે વિષયને વિષે નિરંતર દોષને દેખતો રહે ને વિષયને શત્રુ જેવા જાણે, અને સંત, સત્શાસ્ત્ર ને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગ આદિક જો કઠણ આવી પડે તોપણ એની જે એવી સમજણ તે મોળી પડે નહિ, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય, ને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષે બંધાઈ જાય ને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય ને દોષે યુક્ત એવા પંચવિષય જો પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચવિષય પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં બંધાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૨।। ૧
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે તેમાં શ્રીજીમહારાજે ગૃહસ્થનાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વૈરાગ્યનાં લક્ષણ કહ્યાં છે. (૧) બાબત છે.
૧ પ્ર. કેવી રીતે વ્યવહારમાં રહ્યો હોય તે આજ્ઞાએ તથા પ્રારબ્ધે કરીને રહ્યો કહેવાય ?
૧ ઉ. ત્યાગી થવું હોય તેને ભગવાન અથવા સત્પુરુષ તે વ્યવહારમાં રહેવાની આજ્ઞા કરે એ આજ્ઞાએ કરીને રહ્યો કહેવાય. અને જેને માબાપ વૃદ્ધ હોય ને બીજો ભાઈ ન હોય ને તેને ખાવાપીવાનું ન હોય તેથી માબાપની સેવામાં રહેવું પડ્યું હોય તે પ્રારબ્ધે કરીને રહ્યો કહેવાય.
૨ પ્ર. ઉત્તમ વિષય કિયા જાણવા ? અને સામાન્ય ને દોષે યુક્ત કિયા જાણવા ?
૨ ઉ. સ્ત્રી રૂપવાન હોય ને પોતાની આજ્ઞામાં રહેતી હોય ને ધન-સમૃદ્ધિ ઘણી હોય તે ઉત્તમ વિષય કહેવાય. અને સ્ત્રી કુરૂપ હોય ને કહ્યામાં ન વર્તે અને ઘણે દાખડે ખાવા-પીવાનું મળે તે સામાન્ય ને દોષે યુક્ત વિષય કહેવાય.
૩ પ્ર. કઠણ દેશકાળમાં વૈરાગ્ય મોળો ન પડે તે દેશકાળ કેવા જાણવા ?
૩ ઉ. પોતાને સ્ત્રીઆદિક તથા ખાનપાનાદિક ઉત્તમ વૈભવ મળ્યા હોય પણ તેને પ્રારબ્ધાનુસારે પરદેશમાં જવું પડે ને ત્યાં પોતાના સ્ત્રીઆદિક સંબંધી તથા વૈભવનો યોગ ન રહે ને ત્યાં કોઈક રૂપવાન સ્ત્રી મળે ને તે પોતાનું ધન-ધામાદિક સર્વસ્વ આપીને લોભાવે અને કોઈક સમે પોતાના વૈભવ સર્વ નાશ પામી જાય તથા પોતાના શરીરમાં દીર્ઘ રોગ આવી પડે ને સત્પુરુષનો યોગ ન રહે ત્યારે તેને કોઈક અન્ય દેવના મંત્રથી તથા ઉપાસનાથી તથા ધ્યાનથી તથા પર સાંપ્રદાયિક શાસ્ત્ર શ્રવણ-પઠનાદિકથી, સ્ત્રીધનાદિક વૈભવની પ્રાપ્તિ થશે, તથા રોગાદિક કષ્ટ નાશ પામશે એવો ઉપદેશ કરે, એવા દેશકાળ સંગાદિક પ્રાપ્ત થાય તે કઠણ દેશકાળાદિક કહેવાય. ।।૨।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી, ને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેને સાથે હેત રાખવું ને એ સર્વેને સંભારી રાખવા. તે શા સારુ જે કદાપિ દેહ મૂક્યા સમે ભગવાનની મૂર્તિને ભૂલી જવાય તોપણ ભગવાને જે જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે ને તે જીવ મોટી પદવીને પામે ને તેનું ઘણું રૂડું થાય તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી ને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૩।। ૧
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારી મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ અમારી તથા અમારા અવતારોની લીલા સંભારી રાખવી, અને સાધુ, બ્રહ્મચારી તથા સત્સંગી સાથે હેત રાખવું. (૧) બાબત છે.
૧ પ્ર. અંતઃકરણમાં મૂર્તિ દેખાય અને જીવમાં દેખાય તેનું શું લક્ષણ હશે ?
૧ ઉ. હૃદયને વિષે મૂર્તિ મનુષ્યના જેવી દેખાય પણ તેજોમય ન દેખાય અને નખથી શિખા સુધી સમગ્ર ન દેખાય; ચરણ સામું જુએ તો મુખારવિંદ ન દેખાય ને મુખારવિંદ સામું જુએ તો ચરણ ન દેખાય, એવી રીતે ધ્યાન થાય તે અંતઃકરણમાં દેખી કહેવાય. અને તેજોમય ને સમગ્ર મૂર્તિ દેખાય તે જીવમાં દેખી કહેવાય.
૨ પ્ર. મૂર્તિ અખંડ દેખતો હોય તેને લીલા સંભારી રાખવામાં શું વિશેષ છે ?
૨ ઉ. આત્માને વિષે મૂર્તિ દેખે તેને લીલા સંભારી રાખવાનું કહ્યું નથી, પણ અંતઃકરણમાં મૂર્તિ દેખાતી હોય ત્યાં સુધી મૂર્તિ ભૂલી જવાનો સંભવ છે, માટે લીલા સંભારે તો મૂર્તિ સાંભરી આવે.
૩ પ્ર. અવતારોની લીલા સંભારી રાખવી એમ કહ્યું તે અવતાર કિયા જાણવા ?
૩ ઉ. શ્રીજીમહારાજની સાથે આવેલા સિદ્ધમુક્તોને આ ઠેકાણે અવતાર કહ્યા છે તે મુક્તોની લીલા શ્રીજીમહારાજના સંબંધવાળી હોય તેથી તેમની લીલા સંભારવાથી શ્રીજીમહારાજની મૂર્તિ સાંભરી આવે એમ કહ્યું છે. અને સાધનદશાવાળા એકાંતિકને આ ઠેકાણે સાધુ, બ્રહ્મચારી, સત્સંગી કહ્યા છે. તે સિદ્ધમુક્તનું લક્ષણ (વ. ૩ના ત્રીજા પ્રશ્નોત્તરમાં તથા જે. ૧ના આઠમા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે.
૪ પ્ર. સિદ્ધદશાવાળા મુક્તોને શ્રીજીમહારાજના અવતાર કહો છો તે કિયા વચનામૃતમાં છે ?
૪ ઉ. (પ્ર. ૩૩ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવના કલ્યાણને અર્થે અમે નારદ-સનકાદિક રૂપે વર્તીએ છીએ; માટે મુક્ત અવતાર છે. ।।૩।।
વચનામૃત ગઢડા પ્રથમનું – ૪
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૭ સપ્તમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશનાં હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! ઈર્ષ્યા તો રહે છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી, જેમ એક સમયને વિષે નારદજી ને તુંબરુ એ બે વૈકુંઠને વિષે લક્ષ્મીનારાયણનાં દર્શન કરવા ગયા તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું, તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બેય પ્રસન્ન થઈને તુંબરુને પોતાનાં વસ્ત્ર-આભૂષણ આપ્યાં, ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષ્યા આવી જે, હું તુંબરુના જેવી ગાનવિદ્યા શીખું ને ભગવાનને પ્રસન્ન કરું; પછી નારદજી ગાનવિદ્યા શીખતા હવા ને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું જે, તમને તુંબરુના જેવું ગાતાં નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને, ગાનવિદ્યા શીખીને, ભગવાન આગળ ગાતા હવા, તોપણ ભગવાન એની ગાનવિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે સાત મન્વંતર સુધી ગાનવિદ્યા શીખ્યા ને ભગવાન આગળ ગાયા તોપણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુંબરુ પાસે ગાનવિદ્યા શીખ્યા ને રુક્મિણી આદિક અષ્ટ પટરાણીઓ પાસે શીખ્યા ને શ્રીકૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હવા. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા, ને પોતાનાં વસ્ત્ર-અલંકાર નારદજીને આપ્યાં, ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા ને પોતાના અવગુણને ત્યાગ કરવા; ને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૪।। ૧
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં નિર્માની થઈને ગુણવાન પાસેથી તેના ગુણ શીખવા. પણ તેનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યા ન કરવી એમ કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. તુંબરુ પાસેથી ગાનવિદ્યા શીખ્યા પછી પટરાણીઓ પાસેથી શું શીખ્યા હશે ?
૧ ઉ. વખાણાવાની ઇચ્છાનો ત્યાગ કરીને, નિર્માની થઈને, પ્રસન્નતાને અર્થે ગાશો તો ભગવાન રાજી થશે, એ યુક્તિ શીખ્યા. ।।૪।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તોપણ ધ્યાન કરવું પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહિ, એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે ને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫।। ૧
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં મુક્તોએ સહિત પોતાનું ધ્યાન કરવાનું કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. આમાં રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે ને તમે તો રહસ્યાર્થમાં મુક્તોએ સહિત શ્રીજીમહારાજનું ધ્યાન કરવાનું કહ્યું તે કેમ સમજવું ?
૧ ઉ. તે સમયે પરોક્ષના ઉપાસકો સભામાં ઘણા બેઠા હતા તેથી રાધિકા નામે પોતાના મુક્તોને કહ્યા છે અને શ્રીકૃષ્ણ નામે પોતાને કહ્યા છે, પણ બીજા કોઈનું ધ્યાન કરવાનું કહ્યું નથી. તે (લો. ૧૧ના ૨/૪ બીજા પ્રશ્નમાં) અમારા વિના બીજા અવતારોનું ધ્યાન કરવું નહિ, તથા (મ. ૧૯/૨ માં) અમારું ધ્યાન કરવું અને અમે મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર ન હોઈએ ત્યારે અમારી પ્રતિમાનું ધ્યાન કરવું પણ બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહિ. માટે આ ઠેકાણે મુક્તોએ સહિત પોતાનું જ ધ્યાન કરવાનું કહ્યું છે.
૨ પ્ર. ભગવાન ભેળું રાધિકાનું ધ્યાન કરવાનું કહ્યું ને લક્ષ્મીજીનું ધ્યાન કેમ ન કહ્યું ?
૨ ઉ. રાધિકા શ્રીકૃષ્ણ ભગવાનની સમીપે રહે છે, અને લક્ષ્મીજી મૂર્તિને વિષે ક્યારેક લીન રહે છે તેથી તેની આકૃતિ બહાર દેખવામાં આવતી નથી, તેથી ધ્યાન કરવાનું કહ્યું નથી. તેમ રાધિકાને ઠેકાણે શ્રીજીમહારાજના પરમ એકાંતિકમુક્ત છે, તે શ્રીજીમહારાજને સન્મુખ રહ્યા છે, તે મુક્તે સહિત શ્રીજીમહારાજનું ધ્યાન કરવાનું કહ્યું છે; અને લક્ષ્મીજીને ઠેકાણે શ્રીજીમહારાજના અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજની મૂર્તિમાં સદાય રહ્યા છે, તેથી તેમની આકૃતિ બહાર દેખાતી નથી માટે પૃથક્ ધારવાના નથી કહ્યા. ।।૫।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે ને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે ને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે ને દુઃખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિષે મોટપને પામે છે. (૧) અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે ને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે અને ભગવાન ને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે ને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે ને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે, માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન ને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે ને સત્સંગમાં મોટપને પામે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૬।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે પોતાના ગુણના માનનો ત્યાગ કરીને અમારો ને સંતનો વિશ્વાસ રાખે તે મોટપ પામે છે. (૧) અને અવિવેકીને એના દોષ ટાળવાની અમે તથા સંત વાર્તા કરીએ તેને માને કરીને અવળી લે ને અમારો ને સંતનો અવગુણ લે તે પ્રતિષ્ઠાહીન થઈ જાય છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબત છે. ।।૬।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૭
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી ને ભ્રમી જવાય છે માટે એ અધ્યાત્મવાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો જે, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહે યુક્ત જે જીવને કહેવો તે એ જીવનો વાચ્યાર્થ છે ને એ ત્રણ દેહથી પૃથક્પણે સત્તામાત્ર જે કહેવો તે જીવનો લક્ષ્યાર્થ છે, તથા વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનો વાચ્યાર્થ છે અને એ ત્રણ શરીરથી પૃથક્ ને સત્તામાત્રપણે કહેવા તે ઈશ્વરનો લક્ષ્યાર્થ છે, તથા માયા ને માયાનાં કાર્ય જે અનંતકોટિ બ્રહ્માંડ તેને વિષે અન્વયપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનો વાચ્યાર્થ છે અને એ સર્વેથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનો લક્ષ્યાર્થ છે, તથા અક્ષરબ્રહ્મ ને ઈશ્વર ને જીવ ને માયા ને માયાનાં કાર્ય જે બ્રહ્માંડ એમને વિષે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા ને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનો વાચ્યાર્થ છે અને એ સર્વેથી પૃથક્પણે કરીને પોતાના ગોલોક ધામને વિષે જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનો લક્ષ્યાર્થ છે. (૧) અને એ પુરુષોત્તમ ભગવાન ને અક્ષરબ્રહ્મ ને માયા ને ઈશ્વર ને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૭।। રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે જીવકોટિ, ઈશ્વરકોટિ અને અક્ષરકોટિનું તથા પોતાનું વાચ્યાર્થ એટલે અન્વયપણું અને લક્ષ્યાર્થ એટલે વ્યતિરેકપણું કહ્યું છે અને પોતાને રહેવાનું પોતાની કિરણોના મધ્યને વિષે બ્રહ્મજ્યોતિરૂપ ધામ છે તેને જીવકોટિ, ઈશ્વરકોટિ તથા અક્ષરકોટિથી પર કહ્યું છે. (૧) અને પાંચ ભેદ અનાદિ કહ્યા છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં જીવ, ઈશ્વર ને અક્ષરબ્રહ્મ કહ્યા તે કોને કોને જાણવા ?
૧ ઉ. (છે. ૧૦માં) જે મૂળમાયામાં રહ્યા તે સર્વને જીવ કહ્યા છે માટે પ્રધાનપુરુષ સુધી જીવકોટિ છે. પણ આ ઠેકાણે વૈરાજથી ઉત્પન્ન થયા તે સર્વેને જીવ કહ્યા છે પણ વાસ્તવિક રીતે તો મૂળમાયાની અંદર જે રહ્યા છે તે સર્વે જીવ કહેવાય. અને ઈશ્વર પણ એ જ વચનામૃતમાં મૂળપુરુષને કહ્યા છે, પરંતુ આ ઠેકાણે વૈરાજપુરુષને ઈશ્વર કહ્યા છે પણ વાસ્તવિક રીતે ઈશ્વર તો મૂળપુરુષ છે, અને મૂર્તિમાન મૂળઅક્ષરને આ ઠેકાણે અક્ષરબ્રહ્મ કહ્યા છે. અને શ્રીજીમહારાજે પોતાને શ્રીકૃષ્ણ નામે કહ્યા છે.
૨ પ્ર. આમાં શ્રીજીમહારાજે વૈરાજથી પર પાધરા જ અક્ષરબ્રહ્મને કહ્યા છે ને તેના વચમાં પ્રધાનપુરુષ તથા પ્રકૃતિપુરુષને ગણ્યા નથી તેથી કરીને પ્રધાનના અધિષ્ઠાતા પુરુષને જ અક્ષરબ્રહ્મ સમજાય છે અને પ્રધાનપ્રકૃતિને જ માયા સમજાય છે ને મૂળપુરુષને શ્રીકૃષ્ણ સમજાય છે ને ગોલોક પણ મૂળપુરુષનું ધામ સમજાય છે ને બ્રહ્મજ્યોતિ તે મૂળપુરુષનો પ્રકાશ સમજાય છે અને તમે તો મૂળમાયાને માયા કહો છો ને તેથી પર મૂળપુરુષને તથા વાસુદેવબ્રહ્મને મૂકીને મૂળઅક્ષરને અક્ષરબ્રહ્મ કહો છો અને શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ કહો છો તે કાંઈ સમજાતું નથી માટે કૃપા કરીને સમજાવો.
૨ ઉ. શ્રીજીમહારાજે કહ્યું જે, અધ્યાત્મવાર્તા કોઈને સમજાતી નથી એનો અર્થ એવો છે જે કોઈને એટલે અમે ને અમારા મુક્ત વિના કોઈને સમજાતી નથી અને બીજું સર્વેને સાંભળવાનું કહ્યું છે. તેનો અર્થ એવો છે કે અક્ષરાદિક સર્વે અવતારોને પણ સાંભળવાનું કહ્યું, માટે શ્રીજીમહારાજે પોતાનો સિદ્ધાંત કહ્યો છે પણ પરોક્ષ શાસ્ત્રનો સિદ્ધાંત નથી કહ્યો કેમ જે પરોક્ષ શાસ્ત્રનો સિદ્ધાંત તો શાસ્ત્રોના કરનારા જાણે છે જ; તે સિદ્ધાંત કહેવાનું કાંઈ પ્રયોજન નથી, અને કોઈ વચનામૃતમાં પ્રધાનપ્રકૃતિને મૂળમાયા કહી નથી, ને તેના પતિ પુરુષને અક્ષર કહ્યા નથી; પ્રધાનપુરુષને તો (પ્ર. ૧૨ના બીજા પ્રશ્નમાં) મૂળમાયામાંથી ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે અને મૂળમાયાને ક્ષેત્ર કહી છે અને (છે. ૧૦માં) મૂળમાયાને પૃથ્વીને ઠેકાણે કહી છે અને પ્રધાનપુરુષાદિક સર્વેને બીજને ઠેકાણે એટલે જીવ કહ્યા છે ને મૂળપુરુષને ઈશ્વર કહ્યા છે ને મેઘને ઠેકાણે કહ્યા છે, માટે માયામાંથી ઉત્પન્ન થાય ને માયામાં લીન થાય તે તો જીવ જ કહેવાય પણ ઈશ્વર કહેવાય નહિ, તો બ્રહ્મ કે અક્ષર તો કહેવાય જ કેમ ? માટે શ્રીજીમહારાજે આ વચનામૃતમાં વૈરાજથી લઈને મૂળપુરુષ સુધી ઈશ્વરમાં ગણ્યા છે, અને મૂળમાયાને જ માયા કહી છે ને મૂળઅક્ષરને જ અક્ષરબ્રહ્મ કહ્યા છે અને પોતાના તેજની કિરણોને જ ગોલોક નામે કહેલ છે ને પોતાના તેજને જ બ્રહ્મજ્યોતિ કહેલ છે ને પોતાને જ શ્રીકૃષ્ણ નામે કહ્યા છે.
૩ પ્ર. પરથારાની પહેલી બાબતમાં ગોલોકના મધ્યને વિષે અક્ષરધામ કહ્યું છે અને આમાં તો ગોલોકને જ ધામ કહ્યું તે પરસ્પર વિરોધ આવ્યો તે કેમ સમજવું ?
૩ ઉ. ધામ શબ્દ ઘણે ઠેકાણે પ્રવર્તે છે. બ્રહ્મજ્યોતિની કિરણોને અને બ્રહ્મજ્યોતિને અને શ્રીજીમહારાજની મૂર્તિને અને મૂળઅક્ષર એ સર્વને ધામ નામે કહેવાય છે.
૪ પ્ર. શ્રીજીમહારાજને તથા મૂળઅક્ષરને કિયાં કિયાં વચનામૃતોમાં ધામ નામે કહ્યાં છે ?
૪ ઉ. (પં. ૭/૧માં) શ્રીજીમહારાજે પોતાને ધામ નામે કહ્યા છે. (પ્ર. ૫૧ તથા ૬૩ના ૩/૩ ત્રીજા પ્રશ્નમાં) તથા (સા. ૧૭માં) મૂળઅક્ષરને ધામ નામે કહ્યા છે, અને પરથારાની પહેલી બાબતમાં પોતાનો પ્રકાશ જે બ્રહ્મજ્યોતિ તેને ધામ નામે કહેલ છે અને આ ઠેકાણે બ્રહ્મજ્યોતિની કિરણોને ધામ નામે કહેલ છે.
૫ પ્ર. આમાં અક્ષરબ્રહ્મને સાકાર કહ્યા ને તેથી પર ગોલોક ધામને વિષે બ્રહ્મજ્યોતિ છે તેમાં અમે રહ્યા છીએ એમ કહ્યું, અને પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં (મ. ૫૦ની) શાખ્ય આપી છે, તેમાં શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરબ્રહ્મ કહ્યા છે માટે તે સાકાર અક્ષરબ્રહ્મ કોને જાણવા ? અને નિરાકાર અક્ષરબ્રહ્મ કોને જાણવા ?
૫ ઉ. આમાં અધિકારીવર્ગવાળા મૂળઅક્ષરને સાકાર અક્ષરબ્રહ્મ કહ્યા છે અને પરથારાના બીજા પ્રશ્નોત્તરમાં શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરબ્રહ્મ કહ્યા છે અને સાકાર અક્ષરબ્રહ્મને (પ્ર. ૬૪/૧માં) અક્ષર નામે કહ્યા છે ને નિરાકાર અક્ષરબ્રહ્મને આત્મા નામે કહ્યા છે ને સાકાર મૂળઅક્ષરના દ્રષ્ટા કહ્યા છે. ને સાકાર મૂળઅક્ષરને તે આત્માનાં દૃશ્ય કહ્યાં છે, તથા (કા. ૮/૧માં) સાકાર મૂળઅક્ષરને અક્ષર કહ્યા છે અને નિરાકાર અક્ષરબ્રહ્મને તે સાકાર મૂળઅક્ષરબ્રહ્મના આત્મા કહ્યા છે.
૬ પ્ર. કયાં કયાં વચનામૃતોમાંથી સાકાર અક્ષરબ્રહ્મને સમજવા ? અને કયાં કયાંમાંથી સાકાર અક્ષરબ્રહ્મથી પર ને તેના કારણ, આધાર, વ્યાપક, નિયંતા, દ્રષ્ટા ને આત્મા એવા જે શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મજ્યોતિ જે અક્ષરબ્રહ્મ તેને સમજવા ?
૬ ઉ. (પ્ર. ૭/૧માં) શ્રીજીમહારાજ અક્ષરબ્રહ્મને વિષે અન્વયપણે રહ્યા છે એમ કહ્યું છે તે અક્ષરબ્રહ્મ સાકાર જાણવા. (પ્ર. ૨૧/૭માં) એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમની સેવામાં રહે છે એમ કહ્યું છે તે શ્રીજીમહારાજના પ્રકાશરૂપ નિરાકાર અક્ષરધામ છે તે મૂળઅક્ષરમાં વ્યાપીને તે મૂળઅક્ષર દ્વારે સૃષ્ટિ કરાવે છે તે સૃષ્ટિકર્તા મૂળઅક્ષર તે નિરાકાર અક્ષરનું બીજું સ્વરૂપ છે અને તે સાકાર છે. (૩૩ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ અક્ષર રૂપે વર્તે છે એમ કહ્યું છે. (૪૧માં) શ્રીજીમહારાજ અંતર્યામી રૂપે રહ્યા છે. (૬૩ના ૩/૩ ત્રીજા પ્રશ્નમાં) અક્ષરધામ નામે કહ્યા છે. (૬૪માં) અક્ષર કહ્યા છે, (૭૨ના ૨/૩ બીજા પ્રશ્નમાં) અક્ષર કહ્યા છે. અને ચોથી બાબતમાં “અક્ષરબ્રહ્મના આત્મા છે. અને તે અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે ને તે અક્ષરથી ન્યારા છે.” તે અક્ષર સાકાર જાણવા. (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ અન્વયપણે રહ્યા છે. (કા. ૮/૧માં) “નિર્ગુણ સ્વરૂપ અક્ષરનું આત્મા છે.” (૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) “અક્ષર જેવો થાય” એમ કહ્યું છે. (લો. ૪ના ૨/૬ બીજા પ્રશ્નમાં) અમારા જેવો થવાને અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. (૭ના ૩/૮ ત્રીજા પ્રશ્નમાં) અક્ષરથી પર શ્રીજીમહારાજને કહ્યા છે. (૧૦ના ૬/૮ છઠ્ઠા પ્રશ્નમાં) અમે અક્ષરના આત્મા છીએ. (૧૩ના બીજા પ્રશ્નમાં) “અક્ષરને પણ ભગવાન ન કહેવાય.” (૧૫ના પાંચમા પ્રશ્નમાં) અક્ષર કહ્યા છે. (૧૭ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં) અક્ષરને શ્રીજીમહારાજે પોતાની શક્તિ કહી છે. (૧૮/૨માં) અક્ષરનો ભાવ અમારે વિષે આવે એમ કહ્યું છે. (અ. ૪/૧માં) અક્ષરાદિક મુક્તના નિયંતા છીએ. (૫ના પહેલા પ્રશ્નમાં) “અક્ષરાદિક મુક્તને નિયમમાં રાખવા સમર્થ છે.” (૬ના ૨/૩ બીજા પ્રશ્નમાં) “અક્ષરાદિકના સ્વામી ને પરબ્રહ્મ પુરુષોત્તમ તે જ આ સત્સંગને વિષે વિરાજમાન છે.” (પ્ર. ૫૧ તથા ૬૩ના ૩/૩ ત્રીજા પ્રશ્નમાં તથા સા. ૧૭/૧ એ ત્રણમાં) અક્ષરધામ નામે કહ્યા છે. એ વચનામૃતોમાં સાકાર અક્ષરબ્રહ્મ સમજવા. (૧)
હવે સાકાર અક્ષરબ્રહ્મથી પર ને એનું આત્મા, આધાર, વ્યાપક ને દ્રષ્ટા જે શ્રીજીમહારાજની મૂર્તિના તેજરૂપ નિરાકાર અક્ષરધામ જે બ્રહ્મજ્યોતિરૂપ અક્ષરબ્રહ્મ જેમાં કહેલ છે, તે વચનામૃતો લખીએ છીએ. પરથારાની પહેલી બાબતમાં સચ્ચિદાનંદ, બ્રહ્મપુર, અમૃતધામ, પરમપદ, અનંત, અપાર, બ્રહ્મ, ચિદાકાશ એ નામે કહેલ છે; (પ્ર. ૧ના ત્રીજા પ્રશ્નમાં) ભગવાનનું ધામ કહ્યું છે, (૭/૧માં) બ્રહ્મજ્યોતિ નામે કહેલ છે, (૮ના ૨/૪ બીજા પ્રશ્નમાં) “જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે અમને આવડે છે.” (૯/૨માં) “પોતાના ધામને વિષે ઐશ્વર્ય તથા મૂર્તિઓ દેખાડે છે.” (૧૨ના ત્રીજા પ્રશ્નમાં) “તેજોમય ભગવાનનું ધામ તેને પામે છે”, (૧૮/૪માં) “મુક્ત થઈને ધામમાં જાશે”, (૨૧/૬માં) “અર્ચિમાર્ગે કરીને અક્ષરધામને પામે છે” તથા (સાતમી બાબતમાં) “નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ; બ્રહ્મમોહોલ કહીએ” તથા અક્ષર તથા અક્ષરધામ નામે કહ્યું છે તથા (આઠમી બાબતમાં) અક્ષરધામ તથા અક્ષર નામે કહ્યું છે, (૩૧ના ૨/૩ બીજા પ્રશ્નમાં) “અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે મને પ્રત્યક્ષ મળ્યા છે.” (૩૭/૫માં) “ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે”, (૪૦ના પહેલા પ્રશ્નમાં) “અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને મૂર્તિને વિષે નિમગ્ન રહેતો હોય”, (૪૫માં) “સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેમનું તેજ છે”, (૪૬માં) સર્વાધાર અને ચિદાકાશ શબ્દથી કહેલ છે, (૫૬ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) “પરમપદને પામે છે.” તથા “સ્વામિનારાયણ નામ ઉચ્ચારણ થાય તો પાપથી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે”, (૫૯ના પહેલા પ્રશ્નમાં) “આ ભગવાન બ્રહ્મમોહોલાદિક ધામના પતિ છે”, (૬૦ના ૨/૨ બીજા પ્રશ્નમાં) “ભગવાનનું અતિશય માહાત્મ્ય જાણવું જોઈએ જે, ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોહોલ, તે સર્વે ધામના પતિ છે”, (૬૩ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) “પોતાની કાન્તિએ કરીને અન્વયપણે રહ્યા છે” ત્યાં કાન્તિ શબ્દથી પોતાના પ્રકાશરૂપ ધામને કહેલ છે. તથા “તે અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત મુક્ત ભગવાનની સેવાને વિષે રહે છે”, ત્યાં અક્ષરધામ શબ્દથી કાન્તિ જે પ્રકાશ તેને કહેલ છે, (૬૪/૧માં) આત્મા તથા બ્રહ્મ તથા દ્રષ્ટા નામથી કહેલ છે, (૬૬/૧માં) “બ્રહ્મસત્તારૂપ પ્રકાશ તે પુરુષોત્તમની મૂર્તિનો છે.” તથા (બીજી બાબતમાં) “એકાંતિક સંત ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે”, (૭૧ના પાંચમા પ્રશ્નમાં) નિરાકાર અક્ષરબ્રહ્મ, બ્રહ્મપુર, અક્ષરધામ શબ્દથી કહેલ છે, તથા (છઠ્ઠી બાબતમાં) ધામ તથા અક્ષરધામ શબ્દથી કહેલ છે, (૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં) “ભગવાન અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે,” તે શક્તિ શબ્દ શ્રીજીમહારાજના પ્રકાશવાચક છે. (૭૩ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં) “પુરુષોત્તમ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર તે થકી પણ પર છે” તથા (નવમી બાબતમાં) “બ્રહ્મથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે” તથા (૧૦મી બાબતમાં) “બ્રહ્મનો પ્રકાશ દેખીને પુરુષોત્તમ ભગવાનથી બ્રહ્મમાં અધિકપણું માને,” (૭૮ના નવમા પ્રશ્નમાં) “અક્ષરાતીત છે”, (અગિયારમા પ્રશ્નમાં) “આ ભગવાન ને આ સંત બ્રહ્મપુરાદિક ધામના નિવાસી છે”, (સોળમા પ્રશ્નમાં) “અક્ષરાતીત એવા જે આ પુરુષોત્તમ ભગવાન તેની ઇચ્છાએ કરીને બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, ને પોતાની શક્તિએ કરીને ધારી રહ્યા છે.” (સા. ૧૦ના ૨/૪ બીજા પ્રશ્નમાં) ધામ તથા શ્વેતદ્વીપ એ બે નામથી કહેલ છે, (૧૧ના બીજા પ્રશ્નમાં) “સાધનની ન્યૂનતાવાળો અક્ષરધામને ન પામે.” (૧૨ના ૨/૩ બીજા પ્રશ્નમાં) “બ્રહ્મને વિષે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન અખંડ વિરાજે છે.” (૧૪ના પહેલા પ્રશ્નમાં) “ભગવાનની ઇચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે છે.” (૧૭/૨માં) “મહાતેજ જેવો થાય.” (કા. ૭ના ચોથા પ્રશ્નમાં) “પ્રકૃતિપુરુષ તે અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે. પછી એકલું સચ્ચિદાનંદ ચિદ્ઘન તેજ રહે છે.” (પાંચમી બાબતમાં) અક્ષરધામ શબ્દથી કહેલ છે. (૮/૧માં) સગુણ-નિર્ગુણ ઐશ્વર્ય શબ્દથી કહેલ છે. (લો. ૩/૨માં) ધામ કહેલ છે અને (ત્રીજી બાબતમાં) બ્રહ્મમોહોલ કહેલ છે. (૪ના પહેલા પ્રશ્નમાં) અક્ષરધામ કહેલ છે. (૭ના ૨/૪ બીજા પ્રશ્નમાં) “બ્રહ્મરૂપ થયો તેને જ ભગવાનની ભક્તિનો અધિકાર છે.” (૧૦ના ૬/૮ છઠ્ઠા પ્રશ્નમાં) સર્વાત્માબ્રહ્મ નામે કહેલ છે. (૧૨ના પહેલા પ્રશ્નમાં) “ધામરૂપ અક્ષર તેને વિષે રહ્યો થકો પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે.” (૧૩ના બીજા પ્રશ્નમાં) અક્ષરધામ તથા અક્ષર નામે કહેલ છે. (૧૪ના પહેલા પ્રશ્નમાં) “તેજના સમૂહમાં દિવ્ય સિંહાસન ઉપર દિવ્ય મૂર્તિ પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે.” (૧૫ના પાંચમા પ્રશ્નમાં) “જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમના તેજમાં ભેદ ઘણો છે.” (પં. ૧/૧માં) “અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે અથવા રહ્યાનું ધામ છે.” (૨માં) “પોતાના આત્માને શુદ્ધ બ્રહ્મરૂપ માનીને ભગવાનનું ધ્યાન કરવું.” (૪માં) અક્ષરધામ નામે કહ્યું છે. (૭/૧માં) “અક્ષરધામમાં જેવું ભગવાનનું સ્વરૂપ છે તેવું જ આ પ્રત્યક્ષ જાણવું.” (મ. ૩/૨માં) બ્રહ્મ નામે કહ્યા છે. (૯/૧માં) અક્ષરધામ નામે કહેલ છે. (૧૦ના પહેલા પ્રશ્નમાં) બ્રહ્મરૂપ પોતાની શક્તિ કહી છે. અને એ બ્રહ્મને પોતાની કિરણ કહી છે. (૧૧/૧માં) ગુણાતીત જે ભગવાનનું ધામ ત્યાં ગુણથી પર એવું જે ધામ કહેતાં મહારાજનો પ્રકાશ તેને ગુણાતીત નામે કહેલ છે. (૧૩/૨માં) એકરસ તેજને આત્મા, બ્રહ્મ તથા અક્ષરધામ નામે કહેલ છે, (૨૨ના ૩/૫ ત્રીજા પ્રશ્નમાં ) ધામ નામે કહેલ છે, (૨૪માં) અક્ષરધામ નામે કહેલ છે, (૨૫ના પહેલા પ્રશ્નમાં) બ્રહ્મપુર ધામ નામે કહેલ છે, (૩૨/૨માં) અક્ષરધામ નામે કહેલ છે, (૩૪ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) ધામ નામે કહેલ છે, (૩૯ના પહેલા પ્રશ્નમાં) ચૈતન્યમય ને તેજોમય એવું ભગવાનનું અક્ષરધામ કહેલ છે, (૪૨/૧માં) અક્ષરધામ કહેલ છે, તથા (બીજી બાબતમાં) અક્ષરબ્રહ્મ કહેલ છે તથા “જ્યાં અમારી મૂર્તિ ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે”, (૪૭/૩માં) ધામ કહેલ છે, (૪૮/૧માં) પરમપદ તથા શ્વેતદ્વીપ નામે કહ્યું છે. (૫૦/૧માં) “એકરસ પરિપૂર્ણ એવું બ્રહ્મ સ્વરૂપ તથા તેજોમય એવું અક્ષરબ્રહ્મ તેને વિષે મૂર્તિમાન એવા પુરુષોત્તમ ભગવાન રહ્યા છે.” (૬૨ના બીજા પ્રશ્નમાં) ધામ કહેલ છે. (૬૪ના ૨/૨ બીજા પ્રશ્નમાં) “અક્ષરધામરૂપી તખત તેમાં વિરાજમાન છે” તથા (ત્રીજી બાબતમાં) “અક્ષરધામમાં રહ્યા થકા અનંત બ્રહ્માંડમાં દેખાય છે”, (૬૬ના ૪/૭ ચોથા પ્રશ્નમાં) અક્ષરધામ કહ્યું છે, (૬૭માં) ધામ કહેલ છે, (વ. ૯માં) “ચિદાકાશને મધ્યે સદા ભગવાનની મૂર્તિ વિરાજમાન છે”, (૧૨/૧માં) “અનંતકોટિ સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે.” (અ. ૫ના બીજા પ્રશ્નમાં) અક્ષરધામ કહેલ છે, (૬ના પહેલા પ્રશ્નમાં) અક્ષરધામ નામે કહ્યું છે તથા (બીજા પ્રશ્નમાં) બ્રહ્મમોહોલ તથા અક્ષરબ્રહ્મ તથા ગોલોક નામે કહ્યું છે. (૭માં) બ્રહ્મમોહોલ તથા પુરુષોત્તમનું ધામ નામે કહ્યું છે; (અશ્લા. ૧ના પહેલા પ્રશ્નમાં) અક્ષરધામ નામે કહેલ છે; (જે. ૪ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) નિર્ગુણ ધામ નામે કહેલ છે. (૫/૧માં) અક્ષરધામને પમાડીએ છીએ; (છે. ૫ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે, (૭/૨માં) બ્રહ્મપુર ધામને વિષે ભગવાન સદા સાકારમૂર્તિ વિરાજમાન છે તથા ધામ શબ્દથી કહેલ છે. તથા (ત્રીજી બાબતમાં) છતી દેહે જ ધામને પામી રહ્યો છે, (૯માં) અક્ષરધામ કહ્યું છે, (૨૧/૧માં) માયાને તરીને અક્ષરધામને પામે છે, તથા (છઠ્ઠી બાબતમાં) માયા પર દિવ્યધામ કહ્યું છે, (સાતમી બાબતમાં) ધામ શબ્દથી કહેલ છે, (૨૨ના ૨/૩ બીજા પ્રશ્નમાં) ધામ કહ્યું છે, (૩૦ના પહેલા પ્રશ્નમાં ) ચૈતન્યના તેજનો રાશિ છે તેને મધ્યે પુરુષોત્તમ ભગવાન સદા વિરાજે છે, (૩૧માં) તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે અને બ્રહ્મરૂપ તેજોમય ભગવાનનું ધામ કહ્યું છે તથા તે અક્ષરધામને ગુણાતીત કહેતાં ગુણ થકી પર એવું વિશેષણ આપ્યું છે. (૩૩ના ૨/૩ બીજા પ્રશ્નમાં ) તેજના મંડળને વિષે દિવ્ય મૂર્તિ એવા વાસુદેવ ભગવાનને વિષે એ ભક્તને સ્નેહ હોય. (૩૫ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં) સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે, (૩૬ના પહેલા પ્રશ્નમાં) પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ સમજવા. (૩૭માં) “ભગવાનના ધામમાં ભક્તનો આકાર પણ ભગવાનના જેવો છે,” (૩૮ના પહેલા પ્રશ્નમાં) “અક્ષરધામને વિષે જે ભગવાનનો મૂળ આકાર છે, તે તો મનુષ્યના જેવો છે”, (૩૯/૩માં) “પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે”, ઇત્યાદિક વચનામૃતોમાં બ્રહ્મ, ચિદાકાશ, બ્રહ્મમોહોલ, સચ્ચિદાનંદ, બ્રહ્મપુર, સર્વાધાર, તેજનો સમૂહ, મહાતેજ, શક્તિ, કાન્તિ, અક્ષરધામ, પરમપદ, કિરણ, અક્ષરબ્રહ્મ, બ્રહ્મજ્યોતિ, એકરસ તેજ, ચિદ્ઘન તેજ ઇત્યાદિક વિશેષણોથી શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશરૂપ અક્ષરધામને સમજવું. ।।૭।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૮
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન ને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે ને અનંતકાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે. (૧) અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે છે, તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. (૨) માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવ્યાનું કહ્યું છે, તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહિ અને સાધુનો સંગ રાખવો ને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, ત્યારે એને દેહને વિષે જે અહંબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને દેહના સંબંધીને વિષે જે મમત્વબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, ને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે, ને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે, (૩) પછી તે ને તે જ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દાદાખાચરના દરબારમાં લીંબડા સામા ગોખમાં વિરાજતા હતા ને દિવસ પહોર એક ચડ્યો હતો અને લીંબડા હેઠે પરમહંસની સભા બેઠી હતી. અને ગૃહસ્થ સત્સંગી પણ બેઠા હતા અને સાંખ્યયોગી-કર્મયોગી બાઈઓની સભા પણ હતી.
૨ તે સમાને વિષે શ્રીજી એમ બોલ્યા જે, (૨) હે પરમહંસો ! જેને જે અંગની અતિશે દૃઢતા હોય તે સર્વે પોતપોતાના અંગની વાત કરો, ને જે અંગ કાચુંપોચું જણાતું હોય તે અંગની કરશો મા. તે દૃઢ અંગની વિક્તિ : જેને ભગવાનના સ્વરૂપનો અતિ દૃઢ નિશ્ચય હોય તો તે અંગની વાત કરજ્યો ને જેને આત્મજ્ઞાનનું અતિ બળ હોય તો તે અંગની વાત કરજ્યો જે હું દેહ નથી; આત્મા છું ને જેને નિર્લોભી તથા નિષ્કામી તથા નિઃસ્પૃહી તથા નિઃસ્વાદી તથા નિર્માની એ પંચ વર્તમાનમાં જે જે અંગની અતિ દૃઢતા હોય તે તે અંગની સર્વે વાત કહો. પછી તો શ્રીજી પોતે પ્રસન્ન થઈને બોલ્યા જે, પ્રથમ તો અમે અમારા અંગની વાત કરીએ, પછી તમે તમારા અંગની વાત કહેજ્યો. શ્રી નરનારાયણના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે હું આત્મા છું, અછેદ્ય છું, અભેદ્ય છું, સચ્ચિદાનંદ છું, અને મારી મોટપ છે તે તો સ્વ-સ્વરૂપનો પ્રકાશ તથા શ્રી નરનારાયણની ઉપાસના તે વડે છે, પણ ભારે ભારે વસ્ત્ર તથા અમૂલ્ય આભૂષણ તથા રથ, પાલખી, હાથી, ઘોડા તેની જે અસવારી તે વડે કરીને મોટપ નથી અને જગત બધીના માણસ ને જગત બધીના રાજા સત્સંગી થઈને હાથ જોડીને ઊભા રહે તે વડે કરીને પણ અમારે મોટાઈ નથી અને આ સત્સંગી સર્વે છે તે વિમુખ થઈ જાય ને મને કોઈ માને નહિ અને પહેરવાને વસ્ત્ર ને રહેવાને જગ્યા ન મળે તેણે કરીને મારી હિણ્યપ થાતી નથી. મારી મોટપ તો શ્રી નરનારાયણની ઉપાસના વડે કરીને હું બ્રહ્મ છું, હું આત્મા છું એવી રીતની જે મારી મોટપ તે તો હું મૂકવાને ઇચ્છું અથવા બીજા કોઈ બ્રહ્માદિક દેવ છે તે મુકાવાને ઇચ્છે તોય પણ મારી મોટપ ટળે નહિ અને અમારે શ્રી નરનારાયણની ઉપાસના છે, તે પોતાનું જે બ્રહ્મરૂપ તેને વિષે પરબ્રહ્મ પરમાત્મા એવા જે શ્રી નરનારાયણ તેમની સાકાર મૂર્તિ તેની ઉપાસના છે, તે કોઈ પોતાને અનુભવે કરીને કહે અથવા શાસ્ત્રે કરીને કહે જે, પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે આકારે રહિત છે તો તે વાત અમને મનાય નહિ, કાં જે તે પુરુષોત્તમની કૃપા થકી એ પુરુષોત્તમનું સાકાર સ્વરૂપ તેને હું પ્રત્યક્ષ દેખું છું. અને અમારા હૈયામાં એમ સમજાય છે જે, પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ તેને આકારે રહિત કહે છે તેને પરમેશ્વરની વાત પણ સમજાણી નથી ને તેને તે સ્વરૂપનું દર્શન પણ નથી. અને તે શાસ્ત્રને સમજી જાણતા નથી. અને શાસ્ત્રમાં જે ભગવાનનું નિરાકાર સ્વરૂપ કહ્યું છે, તે તો માયિક આકારને ખોટા કરવાને અર્થે કહ્યું છે, કાં જે ભગવાનની મૂર્તિને વિષે માયિક જે પંચભૂત, તથા દશ ઇન્દ્રિયો તથા ચાર અંતઃકરણ તે પ્રાકૃત જીવના જેવા નથી, માટે શાસ્ત્રે નિરાકાર કહ્યા છે. અને ભગવાનને અલૌકિક આકાર તો છે ખરો. જો ભગવાનને નેત્ર છે તો તે નેત્રે કરીને પુરુષ દ્વારે માયા સામું જુએ છે ત્યારે તે માયામાંથી અનંતકોટિ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે તે બ્રહ્માંડોને વિષે બ્રહ્માદિક દેવ અનંતકોટિ ઉત્પન્ન થાય છે, અને તે બ્રહ્માંડમાં સરજ્યા એવા જે સ્થાવર-જંગમ જીવ તે સર્વે ઉત્પન્ન થાય છે, માટે ભગવાનને નેત્ર પણ છે. અને જે દહાડે સ્થાવર-જંગમ સૃષ્ટિ સર્વેનો નાશ થાય છે, ને મહાપ્રલય થાય છે, ત્યારે એક જ પુરુષોત્તમ રહે છે, તે દહાડે વેદ આવીને ભગવાનની સ્તુતિ કરે છે. તે સ્તુતિને સાંભળીને ભગવાન વિશ્વને સરજે છે, તો ભગવાનને કાન પણ છે, એવી રીતે ચૌદે ઇન્દ્રિયો છે પણ અલૌકિક છે, અને મન-વાણીથી પર છે, અને રામકૃષ્ણાદિક રૂપે કરીને જીવના કલ્યાણને અર્થે પ્રવર્તે છે, ત્યારે અતિશે દયા કરીને જીવને દૃષ્ટિગોચર થાય છે, ને એમ ધારે છે જે હું દૃષ્ટિગોચર નહિ થાઉં તો જીવ મારું ધ્યાન તથા સ્મરણ, પૂજન, અર્ચનાદિક શી રીતે કરશે ? માટે જ્ઞાની-અજ્ઞાની સર્વેને પ્રત્યક્ષ જણાય એવા થાતા હવા પણ ભગવાન તો જેવા છે તેવા જ છે, ને જીવને દૃષ્ટિગોચર થયા માટે કાંઈ માયિક એવા જે દેહ ને ઇન્દ્રિયે યુક્ત નથી. માટે જે ભગવાનને નિરાકાર કહે છે તે અમને કોઈ કાળે મનાય નહિ. અને તે શ્રી નરનારાયણની ઉપાસનાને પ્રતાપે કરીને આ બ્રહ્માંડનું રાજ્ય આવે, અને બ્રહ્માંડમાં જેટલી દેવાંગના આદિ દેઈને સ્ત્રીઓ છે તે સર્વે આવીને સેવામાં હાજર ઊભી રહે, અને જેટલા બ્રહ્માંડમાં સારા પદાર્થ છે તે સર્વે આણીને હાજર કરે તોપણ એ સર્વે મળીને અમને મોહ પમાડવા સમર્થ નથી. અને અમે ધારીએ જે હું મોહ પામીને એમાં બંધાઉ તોપણ કોઈ રીતે મારે બંધન જ થાય નહિ, એવી રીતે મારે ઇષ્ટદેવની કૃપાએ કરીને સ્વ-સ્વરૂપની દૃઢતા છે. અને કોઈને દીકરો દેવો, કે કોઈને દ્રવ્ય દેવું, કે કોઈ મૂઆને જીવતો કરવો, કે કોઈને મારવો એ તો અમને નથી આવડતું, પણ જીવનું જે રીતે કરીને કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે તો અમને આવડે છે. અને હવે તો અમે વધુ નહિ કહીએ, જો બોલીએ તો બોલતાં બોલતાં વધુ બોલાઈ જવાય, એવાં વચન કહીને સુંદર શરદઋતુના કમળ સરખાં નેત્રે કરીને સર્વે પરમહંસ સામું જોઈને હસતે મુખે સંતો પ્રત્યે બોલ્યા જે, હે સંતો ! હવે તમે તમારા અંગની વાત કહો. પછી પોતે એમ બોલ્યા જે, અમે ને તમે તો એક અંગવાળા છીએ, માટે અમારા અંગમાં તમારો ભાગ છે માટે અમે કહ્યું તે રીતે સર્વે દૃઢ નિશ્ચય રાખજ્યો. એવી રીતે શ્રીજીએ પોતાનું અંગ કહી દેખાડ્યું તે ભક્તજનને અર્થે છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૮।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં ઇન્દ્રિયોની ક્રિયાને અમારી તથા અમારા ભક્તની સેવામાં રાખવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે (૧) અને સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે તો ભ્રષ્ટ થઈને કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. (૨) અને શાસ્ત્રના નિયમ પ્રમાણે વર્તીને એકાંતિક સાધુનો સંગ કરવાથી અમારી મૂર્તિ વિના માયિક વૈભવમાં તથા મૂળઅક્ષરાદિકના ઐશ્વર્યમાં તથા અમારા તેજરૂપ અક્ષરધામમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી. (૩) બીજામાં પદાર્થ વડે કરીને તથા માને કરીને મોટપ માને નહિ; એક અમારી સદા સાકાર મૂર્તિની ઉપાસના વડે કરીને તથા પોતાના આત્માને અમારા તેજરૂપ માનવે કરીને જ મોટપ માને, ને તે મોટપ કોઈની મુકાવી મૂકે નહિ, ને અમારી મૂર્તિને સદાય દેખે, ને અક્ષરાદિકના ઐશ્વર્યમાં બંધાય નહિ, ને માયિક સુખ કોઈને આપવું તે રુચે નહિ; કેવળ જીવોને અમારા ધામમાં લઈ જવા એ જ રુચે, એ અમારા મુક્તનું અંગ છે, એવું અંગ સર્વેને કરવું એમ કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. (૨/૪ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે અમારે નરનારાયણની ઉપાસના છે, અને નરનારાયણના પ્રતાપે કરીને હું આત્મા છું એવું વર્તે છે એમ કહ્યું, તથા (પ્ર. ૧૮/૪માં) પણ અમારા હૃદયમાં નરનારાયણ પ્રગટ બિરાજે છે. અને અમે અનાદિમુક્ત છીએ એમ કહ્યું છે, તથા (૪૮/૩માં) પોતાને સત્પુરુષ કહ્યા છે અને નરનારાયણને ભગવાન કહ્યા છે અને પરથારામાં (નવમી બાબતમાં) સર્વે અવતારો રૂપે પોતે દર્શન આપીને પોતાનું સર્વોપરીપણું જણાવ્યું છે તથા (જે. ૪ના ૧/૩,૪ પહેલા પ્રશ્નમાં તથા ૫/૧માં) અમે પ્રગટ નરનારાયણ છીએ એમ કહ્યું છે, તથા (અ. ૭/૧માં) હું જ પુરુષોત્તમ છું અને સર્વે મારું કર્યું જ થાય છે એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવ્યો તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. આમાં તથા (૧૮/૪માં) તથા (૪૮/૩માં) શ્રીજીમહારાજ મુક્તભાવમાં રહીને બોલ્યા છે, અને પરથારામાં પોતાનું સર્વોપરી ઐશ્વર્ય જણાવ્યું છે, અને (જે. ૪ તથા ૫માં) તથા (અ. ૭માં) પોતે ભગવાનપણે બોલ્યા છે. માટે જ્યાં અમે ભગવાન છીએ એમ કહ્યું હોય ત્યાં પોતે ભગવાનપણે બોલ્યા છે એમ જાણવું; અને જ્યારે અમે ભગવાન છીએ એમ ન કહ્યું હોય ત્યારે મુક્તભાવે બોલ્યા છે એમ જાણવું.
૨ પ્ર. બ્રહ્માદિક દેવ મોટપ મુકાવે તોય મુકાય નહિ એમ કહ્યું તે દેવ કિયા જાણવા ?
૨ ઉ. શ્રીજીમહારાજે પોતાને મિષે પોતાના મુક્તની સ્થિતિ કહી છે ને આદિ સૃષ્ટિકર્તા મૂળઅક્ષર છે તેને આ ઠેકાણે બ્રહ્મા કહ્યા છે, અને આદિ શબ્દે કરીને બ્રહ્મકોટિને કહ્યા છે તે બ્રહ્મકોટિ તથા ઈશ્વરકોટિના ઐશ્વર્યમાં સારપ્ય ન મનાય ને તેમાં લોભાય નહિ, તે અક્ષરાદિકની મુકાવી મોટપ ન મૂકી કહેવાય એમ કહ્યું છે તે એવો પોતાના મુક્તનો મહિમા કહ્યો છે, પણ અક્ષરાદિક કોઈ મોટપ મુકાવા ઇચ્છે જ નહિ, કેમ જે શ્રીજીમહારાજના મુક્ત તો મૂળઅક્ષરાદિક થકી પર છે માટે એમની મોટપ મુકાવાને કોઈ સમર્થ હોય જ નહીં.
૩ પ્ર. આ ઠેકાણે ભગવાનને અલૌકિક ઇન્દ્રિયો છે; એમ કહ્યું ને (પ્ર. ૭૧ના ત્રીજા પ્રશ્નમાં) તો જ્યારે પૃથ્વીને વિષે ભગવાન પ્રગટ થાય છે, ત્યારે તત્ત્વને અંગીકાર કરે છે, તે તત્ત્વ બ્રહ્મરૂપ છે એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવ્યો અને વળી (મ. ૧૭ના બીજા પ્રશ્નમાં) ભગવાનની મૂર્તિમાં ત્યાગ-ભાગ છે જ નહિ એમ કહ્યું છે તથા (પં. ૭/૧,૨માં) તથા (છે. ૩૧માં) ધામમાં રહી જે મૂર્તિ ને મનુષ્યરૂપ મૂર્તિ તે એક જ છે; તેમાં એક રોમનો પણ ફેર નથી એમ કહ્યું છે તે કેમ સમજવું ?
૩ ઉ. ભગવાનને વિષે દેહદેહીભાવ નથી; ભગવાન તો દિવ્ય કૈવલ્ય મૂર્તિ જ છે, તેમાં ત્યાગ-ભાગ નથી; એક જ વસ્તુ છે. જેમ સાકરના રસની મૂર્તિ કરી હોય તેને નાસિકા, હાથ, પગ, મુખારવિંદ કર્યાં હોય તે સાકરનાં જ છે, પણ બીજી વસ્તુ નથી; તેમ ભગવાન દિવ્ય મૂર્તિ છે તેમાં બીજી વસ્તુ નથી, પણ હસ્ત, ચરણ, મુખારવિંદાદિક અવયવોને લઈને ઇન્દ્રિયો કહી છે પણ પોતે તો સદાય સાકાર મૂર્તિ જ છે તેની વિશેષ દૃઢતા કરાવવાને અર્થે કહ્યું છે; અને (૭૧માં) તત્ત્વનો અંગીકાર કરે છે એમ કહ્યું છે તે જ્યારે પૃથ્વી ઉપર દર્શન આપે છે ત્યારે સંકલ્પ કરે છે જે, અમને જ્ઞાની-અજ્ઞાની સર્વે મનુષ્ય જેવા દેખો; એમ સંકલ્પ કરે છે ત્યારે મનુષ્ય જેવા દેખાય છે, માટે અંગીકાર કરે છે એટલે સંકલ્પ કરે છે એમ સમજવું, અને (પ્ર. ૩૭/૫માં) મુક્તને ચૈતન્ય મૂર્તિ કહ્યા છે તે મુક્ત પણ ચૈતન્ય મૂર્તિ છે. અને મૂળઅક્ષરકોટિ તથા બ્રહ્મકોટિ તથા મૂળપુરુષ ઈશ્વરકોટિ તે પણ ચૈતન્ય મૂર્તિઓ છે; તો શ્રીજીમહારાજ ચૈતન્ય મૂર્તિ હોય તેમાં શું કહેવું ! એ તો હોય જ.
૪ પ્ર. સ્થાવર-જંગમ સૃષ્ટિ કહી તે કઈ જાણવી ?
૪ ઉ. પર્વત-વૃક્ષાદિક ન ચાલે તેને આ ઠેકાણે સ્થાવર સૃષ્ટિ કહી છે; અને મનુષ્ય, પશુ, પક્ષી આદિક જે હાલેચાલે તેને જંગમ સૃષ્ટિ કહી છે.
૫ પ્ર. જ્યારે મહાપ્રલય થાય છે, ત્યારે એક ભગવાન રહે છે, તે ભગવાનની વેદ સ્તુતિ કરે છે એમ આમાં કહ્યું અને (મ ૬૪ના ૨/૩ બીજા પ્રશ્નમાં) સર્વે બ્રહ્માંડ વસે જ છે; પણ એકસામટો પ્રલય થાતો નથી એમ કહ્યું તે કેમ સમજવું ?
૫ ઉ. મૂળપુરુષ ઘણા છે તે (મ. ૩૧ના ૨/૫ બીજા પ્રશ્નમાં ) કહ્યા છે તેમાંના એક મૂળપુરુષના કાર્યનો પ્રલય થાય છે તેને મહાપ્રલય કહે છે, ને સૃષ્ટિ સમે મૂળપુરુષ દ્વારે વેદ પુરુષોત્તમની સ્તુતિ કરે છે.
૬ પ્ર. શ્રીજીમહારાજની ઉપાસના વડે કરીને હું આત્મા છું, સચ્ચિદાનંદ છું, બ્રહ્મ છું, એ મોટપ ટાળી ટળે નહિ અને શ્રીજીમહારાજની મૂર્તિને સદાય પ્રત્યક્ષ દેખે અને એને મોહ પમાડવા કોઈ સમર્થ થાય નહિ; અને કોઈને માયિક પદાર્થ આપવું તે ગમે નહિ; કેવળ જીવોનો આત્યંતિક મોક્ષ કરવો એ જ ગમે તે મુક્તને કેવી સ્થિતિવાળા જાણવા ?
૬ ઉ. (વ. ૩ના ત્રીજા પ્રશ્નમાં) કહ્યા એવા સિદ્ધદશાવાળા પરમએકાંતિકની સ્થિતિ કહી છે.
૭ પ્ર. નરનારાયણ, પુરુષોત્તમ અને સ્વામિનારાયણ નામનો શો અર્થ હશે ?
૭ ઉ. નરના જેવો છે આકાર જેમનો માટે નરાકાર અને નાર જે મુક્તોનો સમૂહ તે જ છે નિવાસસ્થાન જેમનું તે નારાયણ કહેવાય. માટે નરાકાર સતા નારાયણ તે નરનારાયણ કહેવાય. માટે નરનારાયણ એવું શ્રીજીમહારાજનું નામ છે. અને પુરુષ જે મુક્તો તેમને મધ્યે ઉત્તમ માટે પુરુષોત્તમ એવું શ્રીજીમહારાજનું નામ છે. અને સ્વામી એટલે નિયંતાવાચક છે; તે જે સ્વતંત્ર ઐશ્વર્યવાન હોય તેને સ્વામી કહેવાય તે મૂળઅક્ષરાદિક સર્વે અવતારો તથા મુક્તો તેમના સ્વામી છે માટે સ્વામિનારાયણ એવું શ્રીજીમહારાજનું મુખ્ય નામ છે તે (પ્ર. ૧૪ના ૨/૩ બીજા પ્રશ્નમાં) પોતાને સર્વના સ્વામી કહ્યા છે; (૨૧/૮માં) અમે સર્વના સ્વામી છીએ. (૬૩ના ત્રીજા પ્રશ્નમાં) વૈરાજના તથા (ચોથી બાબતમાં) મુક્તોના સ્વામી કહ્યા છે. (સા. ૧ના બીજા પ્રશ્નમાં) અનંતકોટિ બ્રહ્માંડના પતિના અમે સ્વામી છીએ. (કા. ૧૦ના ૧/૫ પહેલા પ્રશ્નમાં) અમે મૂળપુરુષ ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ તે સર્વેના સ્વામી છીએ. (૨/૯ બીજા પ્રશ્નમાં) અમારી સ્વામી-સેવકભાવે ભક્તિ કરવી. (લો. ૧ના આઠમા પ્રશ્નમાં) અમારી સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી. (મ. ૩/૧માં) અમે સર્વેના સ્વામી છીએ ને (બીજી બાબતમાં) અમારી સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી. (૧૮માં) અમે સર્વેના સ્વામી છીએ. (૩૧ના ૨/૫ બીજા પ્રશ્નમાં) અમે સર્વેના સ્વામી છીએ (૬૭માં) અમારા મુક્ત અમારા સરખા થાય, તોપણ અમારે વિષે સ્વામી-સેવકપણું રહે છે. (અ. ૪/૧માં) અમે સર્વેના સ્વામી છીએ. (૫ના બીજા પ્રશ્નમાં) અમે સર્વેના સ્વામી છીએ. (૬ના ૨/૩ બીજા પ્રશ્નમાં) અક્ષરાદિક સર્વેના સ્વામી છીએ. (૮/૧માં) અમારા ભક્ત ઉપર ક્રોધ ઊપજે ત્યારે અમે તમારા સ્વામી છીએ, માટે તેને અમારા ભક્ત જાણીને તેને નમસ્કાર કરવો. (છે. ૩૭માં) અમે સર્વે મુક્તના સ્વામી છીએ (૩૯/૫માં) અમે સર્વના સ્વામી છીએ અને અમે એક જ ભગવાન છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે; માટે સ્વામી શબ્દ શ્રીજીમહારાજનું વિશેષણ છે, માટે સ્વામિનારાયણ નામમાં મૂળઅક્ષરાદિક કોઈ અવતારોને ભેળા ગણવા નહિ અને મુક્તોને પણ ગણવા નહીં.
૮ પ્ર. મૂર્તિમાન મૂળઅક્ષરને તમે શ્રીજીમહારાજના અવતાર કહો છો તે કિયા વચનામૃતમાં છે ?
૮ ઉ. (પ્ર. ૭/૧માં તથા ૩૩ના પહેલા પ્રશ્નમાં) ઉત્પત્તિકાળે અમે અક્ષર રૂપે વર્તીએ છીએ, તથા (૪૧માં) અમે સૃષ્ટિ સમયને વિષે અક્ષરમાં પ્રવેશ કરીએ છીએ, તથા (૬૩ના ત્રીજા પ્રશ્નમાં) અમે અક્ષરમાં પ્રવેશ કરીએ છીએ એમ કહ્યું છે માટે અક્ષર શ્રીજીમહારાજના અવતાર છે. ત્યાં ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના (૪૧ તરંગમાં) કહ્યું છે,
श्री कृष्णो भगवानस्ति सर्वकारण-कारणं । प्रकाशकानां सर्वेषां सचैवास्ति प्रकाशक:।।૧૦।।
सर्गादावक्षरं ब्रह्म वीक्षते स सिसृक्षया । अबुध्येतां तदा तत्र लीनौ प्रकृतिपुरुषौ ।।૧૧।।
ततोडक्षरात्मना मया-पुरुषाभ्यां बभूवतु: । तेनेक्षिताभ्यां प्रकटो प्रधानपुरुषौ मुने ।।૧૨।।
અર્થ : સર્વ કારણના કારણ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન છે અને સર્વને પ્રકાશના કરનારા અક્ષરાદિક તેને પણ પ્રકાશને કરનારા છે (૧૦) તે ભગવાન ઉત્પત્તિ સમયને વિષે સૃજવાની ઇચ્છાથી અક્ષરબ્રહ્મના સન્મુખ જુએ છે તે સમયને વિષે તે અક્ષરને વિષે લીન રહેલા એવા પ્રકૃતિપુરુષ તે જાગ્રત થાય છે. (૧૧) તે વાર પછી અક્ષરદ્વારાએ કરીને તે ભગવાન તેમણે જોયા એવા જે મૂળપ્રકૃતિ ને પુરુષ તે દ્વારાએ પ્રધાન ને પુરુષ પ્રગટ થતા હવા. (૧૨) તથા તરંગ (૫૧ માં) :
तद्ददृष्टया तं नेक्ष्यते माया पुमानेवैक ईक्ष्यते । आविर्भूतोडस्ति सोप्यादाडवक्षरस्यैकदेशत: ।।૧૭।।
अंतर्बहिश्च तं व्याप्यस्थितं तत् कृष्णा । कृणंणस्यैवांग-तेजश्च सच्चिदानंद लक्षणम् ।।૧૮।।
अनेक कोटि ब्रह्मांड-धारोडनंत-मनादि च । तदीय द्रष्ट्या त्वडस्त्येकं ब्रह्मैव न तु पुरुष: ।।૧૯।।
तत्र स्थितोडस्ति-भगवान् सर्वकारण-कारणम् । अनेक कोटि ब्रह्मांडोत्पति-स्थिति-लयक्रिय: ।।૨૦।।
सर्वातमात्मा स्वतंत्रश्च सर्वशक्तिपति: प्रभु: । परात्परतर: शुद्ध ईश्वराणामपीश्वर: ।।૨૧।।
सर्वत्र कारणत्वेनाडन्वितोडस्ति निज्तेजसा । व्यतिरिक्तश्च धाम्नि स्वे राजतेडनेकशक्तिभि: ।।૨૨।। અર્થ : તે મૂળપુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો માયા નથી દેખાતી; એક પુરુષ જ દેખાય છે. તે પુરુષ પણ પ્રથમ સૃષ્ટિકાળમાં અક્ષરના એક દેશમાંથી ઉત્પન્ન થયેલ છે. (૧૭) તે પુરુષમાં અક્ષર અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહેલ છે અને બહાર તે પુરુષના આધારભૂત થઈને રહેલ છે અને તે અક્ષર કૃષ્ણ (ભક્તના આધાર અને દુઃખ હરનાર શ્રી સ્વામિનારાયણ)નું ધામ છે, અને સત્, ચિત્ ને આનંદ છે લક્ષણ જેનું એવું જે ધામ તે કૃષ્ણ (આ પ્રગટ શ્રીકૃષ્ણ)ના અંગનું તેજ છે. (૧૮) તે તેજરૂપ અક્ષરધામ અનંતકોટિ બ્રહ્માંડનું આધાર ને અનંત એટલે બીજા સર્વ ધામથી મોટું ને અનાદિ છે, તે તેજરૂપ અક્ષરની દૃષ્ટિએ જોઈએ તો એ એક જ બ્રહ્મ છે, પણ બીજા કોઈ પુરુષ તથા મૂળ અક્ષરાદિક છે જ નહિ. (૧૯) ને સર્વ કારણનું કારણ એવું જે બ્રહ્મ તેને વિષે અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, લયરૂપી છે ક્રિયા જેની એવા જે ભગવાન તે રહેલા છે. (૨૦) અને અક્ષરાદિ સર્વના આત્મા અને સ્વતંત્ર ને સર્વે શક્તિના પતિ ને પ્રભુ અને સર્વ અક્ષરાદિક થકી પર એવું જે તેજરૂપ બ્રહ્મ તે થકી પર ને શુદ્ધ અને ઈશ્વર જે અક્ષરાદિક તેના પણ નિયામક છે. (૨૧) અને મૂળપુરુષ તથા વાસુદેવબ્રહ્મ અને અક્ષર એ સર્વને વિષે તેજરૂપ બ્રહ્મ તેણે કરીને અન્વયપણે રહ્યા છે; અને વ્યતિરેકપણે પોતાના તેજરૂપ ધામને વિષે અનેક શક્તિઓ તેમણે યુક્ત રહેલા છે. (૨૨) આવી રીતે મૂળઅક્ષરાદિક સર્વેને વિષે તેજ દ્વારાએ કરીને શ્રીજીમહારાજ વ્યાપીને રહેલા છે. માટે મૂળ અક્ષરાદિક સર્વે મહારાજના અવતાર છે એમ જાણવું.
૯ પ્ર. બોલતાં બોલતાં વધુ બોલાઈ જવાય એમ કહ્યું તે બોલવાનું શું બાકી હશે ?
૯ ઉ. શ્રીજીમહારાજ પોતે ભગવાન છે, તે અમે ભગવાન છીએ એમ નથી કહ્યું તે બાકી છે. અને શ્રીજીમહારાજે બોલવાનું બાકી છે એમ સૂચવ્યું તોપણ બોલવાનું શું બાકી હશે એમ કેટલાક ન સમજ્યા તેથી શ્રીજીમહારાજ હસતા હવા.
૧૦ પ્ર. અમારાં અંગમાં તમારો ભાગ છે એમ કહ્યું તે અંગ કિયાં જાણવાં ?
૧૦ ઉ. ઉપર કહ્યો જે શ્રીજીમહારાજનો નિશ્ચય તથા પંચવર્તમાનની દૃઢતા તથા પોતાને બ્રહ્મરૂપ માનીને શ્રીજીમહારાજની સાકારપણે ઉપાસના કરવી તથા શ્રીજીમહારાજના મનુષ્ય સ્વરૂપને દિવ્ય સમજવું ઇત્યાદિક અંગ કહ્યાં છે તે અંગ તમારે પણ દૃઢ કરવાં એમ ભાગ કહ્યો છે. ।।૮।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૯
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ને તેની ભક્તિ કરતો હોય ને તેનાં દર્શન કરતો હોય તોપણ જે પોતાને પૂર્ણકામ ન માને ને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે ગોલોક-વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે, તે મુને જ્યાં સુધી દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. (૧)
અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દૃઢ નિષ્ઠા રાખે છે, ને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે, ને બીજું કાંઈ નથી ઇચ્છતો તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે ને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઇચ્છવું નહિ. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૯।।
રહસ્યાર્થ પ્રદી - આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમારી મનુષ્યરૂપ મૂર્તિને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ ન માને તેના મુખની વાત ન સાંભળવી. (૧) અને અમારી આ મનુષ્યરૂપ મૂર્તિને વિષે દૃઢ નિષ્ઠા રાખીને, આ પ્રત્યક્ષ મૂર્તિના દર્શને કરીને જ જે ભક્ત પોતાને પરિપૂર્ણ માને તેને અમે અમારા ધામને વિષે જે અમારાં ઐશ્વર્ય ને મૂર્તિઓ છે તેને દેખાડીએ છીએ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં અમારા મનુષ્ય સ્વરૂપને દર્શને કરીને પરિપૂર્ણ ન માને તેના મુખની વાત ન સાંભળવી એમ કહ્યું તેનો શો હેતુ હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજ જીવોના મોક્ષને અર્થે મનુષ્ય જેવા થઈને દર્શન આપે છે તોપણ જેવા અક્ષરધામમાં દિવ્ય સાકાર મૂર્તિ છે, તેવા ને તેવા જ દિવ્ય છે તેમને વિષે મનુષ્યભાવ કલ્પે છે તે દોષ છે માટે તેની વાત સાંભળવાની ના પાડી છે.
૨ પ્ર. ધામને વિષે મૂર્તિ છે તે અને મનુષ્યરૂપ મૂર્તિ એક જણાયાનો શો ઉપાય હશે ?
૨ ઉ. ધામમાંથી આવેલા મુક્તના સમાગમથી દિવ્ય મૂર્તિ ને મનુષ્ય મૂર્તિ એક સમજાય છે.
૩ પ્ર. ધામમાંથી આવેલા સિદ્ધમુક્તનાં લક્ષણ કેવાં હોય ?
૩ ઉ. એવા સિદ્ધમુક્ત શ્રીજીમહારાજના ધામમાં તથા શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા શ્રીજીની ઇચ્છાથી આ લોકમાં મનુષ્ય રૂપે દેખાતા હોય તે મુક્ત જેમ અક્ષરધામમાં શ્રીજીમહારાજના ભેળા હોય, તેમજ આંહીં પણ એમના ભેળા મહારાજ હોય ને તેમની સાથે બોલે ચાલે ને સર્વ ક્રિયા કરે ને એવા મુક્ત અનંત જીવોને દર્શન આપીને ધામમાં પહોંચાડે તે દેહ મૂકનાર તથા બીજા પણ દેખે ને સર્વેના અંતરની વાત કહે; કાંઈ પણ અજાણ્યું હોય નહિ, એવાં લક્ષણ જેમાં હોય તેમને સિદ્ધમુક્ત જાણવા.
૪ પ્ર. શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે પ્રત્યક્ષ હતા તેવા પ્રત્યક્ષ આજ કેવી રીતે જાણવા ?
૪ ઉ. શ્રીજીમહારાજે પોતાની દિવ્ય મૂર્તિને મનુષ્ય રૂપે દેખાડી હતી, તે જ મૂર્તિને આજ પ્રતિમા રૂપે દેખાડે છે, માટે શ્રીજીમહારાજની પ્રતિમા તે પ્રત્યક્ષ શ્રીજીમહારાજ છે. તે પ્રતિમાને દિવ્ય ન જાણે ત્યાં સુધી કોટિ સાધન કરે તોપણ કલ્યાણ થાય નહિ, માટે આજ પ્રતિમા છે તે જ દિવ્ય મૂર્તિ છે અને પરોક્ષ શાસ્ત્રમાં પ્રતિમા ઉરુકાળે કલ્યાણ કરે તથા પ્રતિમાપૂજકને કનિષ્ઠ કહ્યા છે, પરંતુ શ્રીમુખે તો (પ્ર. ૪૮ તથા ૬૮માં) “અમારી મૂર્તિ તે અમે પંડે જ છીએ અને અમારી મૂર્તિની મર્યાદા ન રાખે ને ફેલફતૂર કરે તેને અમારો નિશ્ચય નથી, અને તે પાખંડી છે અને તેનું કલ્યાણ નહિ થાય” એમ કહ્યું છે. માટે પોતાની મૂર્તિને માટે ઉરુકાળવાચક કલમ શ્રીમુખે બાદ કરી છે, તેથી પ્રતિમા તે શ્રીજીમહારાજ પોતે જ છે એમ જાણવું.
૫ પ્ર. બીજી બાબતમાં ધામને વિષે ઐશ્વર્ય કહ્યાં તે કિયાં હશે ?
૫ ઉ. (કા. ૮/૩ આઠમામાં) સગુણ-નિર્ગુણરૂપ અનંત ઐશ્વર્ય પોતાની મૂર્તિના તેજમાંથી પ્રગટ થાય છે અને લીન થાય છે એમ કહ્યું છે તે ઐશ્વર્ય જાણવાં.
૬ પ્ર. શ્રીજીમહારાજની મૂર્તિ તો એક છે અને બહુ દેખાડે છે એમ કહ્યું તે કઈ જાણવી ?
૬ ઉ. શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં તથા મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે શ્રીજીમહારાજના સરખા જ છે, તે માટે મુક્તોને પોતાની મૂર્તિઓ કહી છે તે (મ. ૬૭માં) કહ્યું છે જે અમારા ભક્ત અમારા સરખા થાય છે, તેનાં દર્શન કરાવે છે.
૭ પ્ર. મૂર્તિમાં મુક્ત રહે છે એવું કયા વચનામૃતમાં કહ્યું છે ?
૭ ઉ. (સા. ૧૧ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) મુક્ત મૂર્તિમાં રહે છે, એમ કહ્યું છે. તે મુક્તોની અનાદિમુક્ત એવી સંજ્ઞા છે.
૮ પ્ર. (સા. ૧૧માં) તો લક્ષ્મીજીની પેઠે ક્યારેક મૂર્તિમાં લીન રહે છે અને ક્યારેક નોખાં રહ્યા થકા સેવામાં રહે છે, એમ કહ્યું છે પણ સદાય મૂર્તિમાં રહે છે એમ કહ્યું નથી, માટે અનાદિમુક્ત સદાય મૂર્તિમાં રહે છે કે ક્યારેક રહે છે ?
૮ ઉ. અતિ સ્નેહે કરીને લીન થાય છે એમ કહ્યું છે. માટે અનાદિમુક્ત અતિ સ્નેહવાળા છે તે (મ. ૫૬/૧માં) અતિશે પ્રીતિવાળા ગોપાળાનંદ સ્વામીને કહ્યા છે એવા અનાદિમુક્ત ક્યારેય બહાર આવતા નથી. અને બહાર આવે છે એમ કહ્યું છે તે શ્રીજીની ઇચ્છાથી જીવોનો ઉદ્ધાર કરવા સારુ મૂર્તિમાં રહ્યા થકા બહાર એટલે જગતને વિષે દર્શન આપે છે, તે બહાર કહ્યા છે અને અનંત જીવોનો ઉદ્ધાર કરે છે તે સેવા કહી છે.
૯ પ્ર. ‘અનાદિમુક્ત’ કહો છો તે કિયા વચનામૃતમાં કહ્યું છે ?
૯ ઉ. (પ્ર. ૩૨ના પહેલા પ્રશ્નમાં) નારદ-સનકાદિકને અનાદિમુક્ત કહ્યા છે તથા (પ્ર. ૧૮/૪માં) શ્રીજીમહારાજે “હું અનાદિમુક્ત છું” એમ કહ્યું છે, માટે અનાદિમુક્તની સંજ્ઞા છે અને “હું અનાદિમુક્ત છું.” એમ કહ્યું તે પરમએકાંતિકથી અનાદિમુક્તનું અધિકપણું દર્શાવ્યું છે. ।।૯।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૦
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જાતા હતા, ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો તે શ્રીમદ્ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો તે માર્ગમાં ચાલતાં માંદો પડ્યો, તેની પાસે રૂપૈયા હજારની સોનામહોરો હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહિ માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું જે કાંઈ ચિંતા રાખશો મા; તમારી ચાકરી અમે કરશું. પછી ગામને બહાર એક કેળાંની ફૂલવાડી હતી, તેમાં એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિષે હજારો ભૂત રહેતાં પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહિ, ને અતિશે માંદો થયો તે ઉપર અમને અતિશે દયા આવી પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળનાં પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહીખંડ-પેટબેસણું હતું તેને અમે ધોતા ને ચાકરી કરતા, ને તે સાધુ તો પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપૈયા આપીને મંગાવતો, તે અમે લાવીને રાંધી ખવરાવતા ને અમો વસ્તીમાં જઈને જમી આવતા, ને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહિ ત્યારે અમારે ઉપવાસ થાતો, તોપણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહિ જે અમ પાસે દ્રવ્ય છે, તે આપણે બેને કાજે રસોઈ કરો ને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારે પાસે ઉપડાવતો ને પોતે તો એક માળા લઈને ચાલતો ને દેહે પણ સાજો ને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો તોપણ ભાર અમારે પાસે ઉપડાવે ને પોતે અમથો ચાલે, ને અમારી પ્રકૃતિ તો એવી હતી જે, ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા. (૧) એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને એક પૈસાભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતઘ્ની જાણીને તેના સંગનો ત્યાગ કર્યો, એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતઘ્ની જાણવો. અને કોઈક મનુષ્યે કાંઈક પાપ કર્યું ને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત્ત કર્યું, ને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતઘ્ની જેવો પાપી જાણવો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૦।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે માંદાની તથા નિરાધારની સેવા કરવી, એમ દયાનું અધિકપણું જણાવ્યું છે. (૧) અને કૃતઘ્નીનું લક્ષણ કહ્યું છે અને પ્રાયશ્ચિત્ત કર્યું હોય તેને પાપે યુક્ત કહે તેને તેના જેવો જ પાપી કહ્યો છે. (૨) બાબત છે. ।।૧૦।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૧
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય ને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઇચ્છા વર્તે તેને વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય ને તેની જે અંતઃકરણને વિષે ઇચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. (૧)
૨ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય ને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૧।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે, તેમાં પહેલામાં અંતઃકરણમાં વિષયની ઇચ્છા વર્તે તેને વાસના કહી છે. (૧) અને બીજામાં નિર્વાસનિક થઈને બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ પોતાને માનીને અમારી ભક્તિ કરે તે એકાંતિક ભક્ત છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે. ।।૧૧।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૨
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૫ પૂનમને દિવસે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જગતનાં કારણ એવાં જે પુરુષ, પ્રકૃતિ ને કાળ ને મહત્તત્ત્વાદિક ચોવીશ તત્ત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિષે રહી જે અવિદ્યા ને તેના કાર્ય એવાં જે ચોવીશ તત્ત્વ તેના બંધન થકી મુકાય છે. (૧)
૨ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એમનાં સ્વરૂપ તો એમનાં લક્ષણને જાણવે કરીને જણાય છે. તે લક્ષણ કહીએ છીએ જે, પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતિ, ને અખંડ, ને અનાદિ, ને અનંત, ને સત્ય, ને સ્વયંજ્યોતિ, ને સર્વજ્ઞ, ને દિવ્ય વિગ્રહ, ને સમગ્ર આકારમાત્રની પ્રવૃત્તિના કારણ, ને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે, ને જડચિદાત્મક છે, ને નિત્ય છે, ને નિર્વિશેષ છે ને મહદાદિક સમગ્ર તત્ત્વ ને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે, ને ભગવાનની શક્તિ છે; અને ગુણસામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. અને હવે મહત્તત્ત્વાદિક જે તત્ત્વ તેનાં લક્ષણ કહીએ, તે સાંભળો : જે ચિત્તને ને મહત્તત્ત્વને અભેદપણે જાણવું, અને જે મહત્તત્ત્વને વિષે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે, ને પોતે નિર્વિકાર છે, ને પ્રકાશમાન છે, ને સ્વચ્છ છે, ને શુદ્ધ સત્ત્વમય છે, ને શાન્ત છે. અને હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ જે, અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂત, માત્રા, ને ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા ને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે, ને એને વિષે શાન્તપણું છે, ને ઘોરપણું છે ને વિમૂઢપણું છે. અને હવે મનનું લક્ષણ કહીએ છીએ જે, મન જે તે સ્ત્રીઆદિક પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે ને સંકલ્પ-વિકલ્પરૂપ છે, અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ જે, બુદ્ધિને વિષે પદાર્થમાત્રનું જ્ઞાન રહ્યું છે, અને સમગ્ર ઇન્દ્રિયોને વિષે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વતે છે, અને જે બુદ્ધિને વિષે સંશય, નિશ્ચય, નિદ્રા ને સ્મૃતિ એ રહ્યાં છે. અને શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક્, પાણિ, પાદ, પાયુ ને ઉપસ્થ એ જે દશ ઇન્દ્રિયો તેમનું લક્ષણ તો એ છે જે, પોતપોતાના વિષયમાં પ્રવર્તવું. હવે પંચમાત્રાનાં લક્ષણ કહીએ છીએ : તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે, શબ્દ જે તે અર્થમાત્રનો આશ્રય છે, ને વ્યવહારમાત્રનો કારણ છે; અને બોલનારાની જે જાતિને સ્વરૂપ તેનો જણાવનારો છે; ને આકાશને વિષે રહેવાપણું છે. ને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઇન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવે છે એ શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ જે, સ્પર્શ છે તે વાયુની તન્માત્રા છે, અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું ને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે પદાર્થમાત્રના આકારને જણાવી દેવાપણું ને તે પદાર્થને વિષે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું અને તેજ તત્ત્વનું તન્માત્રાપણું ને ચક્ષુ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ જે મધુરપણું, તીખાપણું, કષાયલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું ને જળનું તન્માત્રાપણું ને રસના ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ જે, સુગંધપણું, દુર્ગંધપણું ને પૃથ્વીનું તન્માત્રાપણું ને ઘ્રાણ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ જે, સર્વે જીવમાત્રનું ધારવાપણું, ને લોક રૂપે કરીને સ્થાનપણું, ને આકાશાદિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું, ને સમગ્ર ભૂત-પ્રાણીમાત્રના શરીરનું પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ જે, પૃથ્વી આદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું, ને પદાર્થને કોમળ કરવાપણું, ને ભીનું કરવાપણું, ને તૃપ્તિ કરવાપણું, ને પ્રાણીમાત્રને જિવાડવાપણું, ને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું, ને તાપને ટાળવાપણું, ને બહુપણું એ જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે, પ્રકાશપણું, ને અન્નાદિકને પચવી નાખવાપણું, ને રસને ગ્રહણ કરવાપણું, ને કાષ્ઠનું ને હુતદ્રવ્યાદિકનું ગ્રહણ કરવાપણું, ને ટાઢ્યને હરવાપણું, ને શોષણ કરવાપણું ને ક્ષુધા ને તૃષા એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે, વૃક્ષાદિકને કંપાવવાપણું, ને તૃણાદિકને ભેળાં કરવાપણું, ને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેને શ્રોત્રાદિક પંચ ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું ને સર્વે ઇન્દ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ જે, સમગ્ર જીવમાત્રને અવકાશ દેવાપણું, ને ભૂત-પ્રાણીમાત્રનો જે દેહને માંહીલો વ્યવહાર, ને દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું, ને પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એ સર્વેનું સ્થાનકપણું એ આકાશનું લક્ષણ છે.
એવી રીતે ચોવીશ તત્ત્વ, પ્રકૃતિ, પુરુષ ને કાળ એમનાં જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે. અને એ જે સર્વે તેની ઉત્પત્તિને જાણવી, તે ઉત્પત્તિ કહીએ છીએ જે, પોતાના ધામને વિષે રહ્યા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અક્ષરપુરુષ રૂપે કરીને માયાને વિષે ગર્ભને ધારતા હવા; ત્યારે તે માયા થકી અનંતકોટિ જે પ્રધાન ને પુરુષ તે થતા હવા. તે પ્રધાનપુરુષ કેવા છે તો અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાનપુરુષ તેને કહીએ છીએ જે, પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિષે ગર્ભને ધરતા હવા. પછી તે પ્રધાન થકી મહત્તત્ત્વ ઉત્પન્ન થાતું હવું ને મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાતો હવો; તેમાં સાત્ત્વિક અહંકાર થકી મન ને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થાતા હવા, ને રાજસ અહંકાર થકી દશ ઇન્દ્રિયો, બુદ્ધિ ને પ્રાણ એ ઉત્પન્ન થાતા હવા, અને તામસ અહંકાર થકી પંચભૂત ને પંચ તન્માત્રા એ ઊપજતાં હવાં. એવી રીતે એ સમગ્ર તત્ત્વ ઊપજ્યાં. પછી તે પરમેશ્વરની ઇચ્છાએ પ્રેર્યાં થકાં પોતપોતાને અંશે કરીને ઈશ્વરને જીવના દેહને સૃજતાં હવાં. તે ઈશ્વરના દેહ તે વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત ને જીવના દેહ તે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. અને વિરાટ નામે જે ઈશ્વરનો દેહ તેનું દ્વિપરાર્ધકાળ પર્યંત આયુષ્ય છે; અને તે વિરાટપુરુષના એક દિવસને વિષે ચૌદ મન્વંતર થાય છે; અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે; અને જ્યાં સુધી તેનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે, અને જ્યારે એની રાત્રિ પડે છે, ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે. તેને કહીએ. અને જ્યારે તે વિરાટપુરુષનો દ્વિપરાર્ધકાળ પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહનો સત્યાદિક લોકે સહિત નાશ થાય છે. અને મહદાદિક જે ચોવીશ તત્ત્વ, પ્રધાન, પ્રકૃતિ ને પુરુષ એ સર્વે મહામાયાને વિષે લય પામે છે; તેને પ્રાકૃત પ્રલય કહીએ. અને એ મહામાયા તે અક્ષરબ્રહ્મના પ્રકાશને વિષે લય પામે છે; જેમ દિવસને વિષે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે, તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ, દૈત્ય ને મનુષ્યાદિકના જે દેહ તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેને જો જાણે તો જીવને સંસારને વિષે વૈરાગ્ય થાય ને ભગવાનને વિષે ભક્તિ થાય છે. અને જ્યારે એ સર્વે બ્રહ્માંડનો લય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિષે રહે છે, ને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. (૨)
૩ ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) તે ભગવાનનું ધામ કેવું છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે, ને અખંડ છે તેને દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે, જેમ પર્વત ને વૃક્ષાદિકે સહિત ને મનુષ્ય, પશુ, પક્ષી આદિકની જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય ને આકાશને વિષે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય, પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિષે દેખે છે, ને દેહ મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧૨।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે, તેમાં (૧) પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે જગતના કારણ જે પુરુષપ્રકૃતિ આદિક તેમના સ્વરૂપને જાણે ત્યારે અવિદ્યા થકી મુકાય છે એમ કહ્યું છે. (૧) બીજામાં પુરુષપ્રકૃતિ આદિક સર્વનાં લક્ષણ તથા ઉત્પત્તિ કહી છે. (૨) ત્રીજામાં પોતાના તેજરૂપ અક્ષરધામનું રૂપ કર્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં જગતના કારણને જાણવે કરીને અવિદ્યાથી મુકાય એમ કહ્યું ત્યારે બીજાં સાધન કરવાનું શું પ્રયોજન હશે ?
૧ ઉ. એમના સ્વરૂપને જાણવે કરીને અજ્ઞાનથી મુકાય એટલે સત્યાસત્યનો વિવેક થાય ને અસત્યમાં વૈરાગ્ય થાય, ને સત્ય વસ્તુ જે આત્મા ને પરમાત્મા તેનું જ્ઞાન થાય. પછી ભગવાનને સર્વેથી પર ને સર્વે સુખમય મૂર્તિ જાણીને તેમની ભક્તિ કરે ને આજ્ઞા યથાર્થ પાળે ત્યારે બંધનથી મુકાય ને આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને પામે.
૨ પ્ર. જીવને વિષે અવિદ્યા કહી તે કઈ જાણવી ?
૨ ઉ. જેમાંથી સર્વ તત્ત્વ ઉત્પન્ન થાય છે ને જે જીવને જન્મમરણને પમાડે છે એવી જે માયા તેને અવિદ્યા કહી છે.
૩ પ્ર. પુરુષને નિયંતાદિક બાર વિશેષણો આપ્યાં તેનો અર્થ શો હશે ?
૩ ઉ. પ્રકૃતિ જે માયા તેને નિયમમાં રાખે છે માટે નિયંતા કહ્યા છે. અને માયામાં દેહદેહીભાવ છે અને પુરુષ ચૈતન્ય મૂર્તિ છે માટે વિજાતિ કહ્યા છે. અને ખંડાયમાન ન થાય માટે અખંડ કહ્યા છે અને પોતાનાં કાર્ય જે અનંતકોટિ પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ તેના આદિ કર્તા છે માટે તે બ્રહ્માંડથી અનાદિ કહ્યા છે. અને માયા તથા માયામાંથી જે જે ઉત્પન્ન થાય છે તે કોઈ પુરુષનો અંત જે પાર તેને પામતા નથી, માટે તેનાં કાર્ય જે માયા તથા પ્રધાનપુરુષાદિક તેમને મતે અનંત કહ્યા છે. અને અનંતકોટિ બ્રહ્માંડ છે તે મહાપ્રલયને વિષે લય પામે છે, ત્યારે તે સર્વેને પોતાને વિષે લીન કરીને પોતે (અ. ૭/૧માં) કહ્યું એવું જે પોતાનું ગોલોક ધામ તેથી પર વાસુદેવબ્રહ્મના બ્રહ્મપુર ધામમાં જઈને વાસુદેવને સમીપે રહે છે, પણ પરિણામ પામતા નથી માટે સત્ય કહ્યા છે. અને પોતાના પ્રકાશે પ્રકાશમાન છે, માટે સ્વયંજ્યોતિ કહ્યા છે. અને પોતાના કાર્યમાં રહ્યા એવા જે પ્રધાનપુરુષ, અહંકાર, વૈરાજ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા દેવ-મનુષ્યાદિક સમગ્રના અંતરને જાણે છે, માટે સર્વજ્ઞ કહ્યા છે. અને માયિક તત્ત્વોનો દેહ નથી; પોતે ચૈતન્યમૂર્તિ છે પણ ભાગ-ત્યાગ નથી, માટે દિવ્ય વિગ્રહ કહ્યા છે. અને પ્રધાનપુરુષાદિકની ઉત્પત્તિ કરે છે માટે પ્રવૃત્તિના કારણ કહ્યા છે, ને માયામાંથી ઉત્પન્ન થયા એવા જે પ્રધાનપુરુષાદિક સમગ્ર જીવ તે સર્વ ક્ષેત્ર છે, તેને જાણનારા છે, માટે ક્ષેત્રજ્ઞ કહ્યા છે.
૪ પ્ર. પ્રકૃતિરૂપ માયાને ત્રિગુણાત્મકાદિક વિશેષણો આપ્યાં તેનો અર્થ શો સમજવો ?
૪ ઉ. રજ, તમ, સત્ત્વ એ ત્રણ ગુણમય છે, માટે ત્રિગુણાત્મક કહી છે; તેનો દેહ જડ છે, ને જીવ ચૈતન્ય છે માટે જડચિદાત્મક કહી છે; અને ઉત્પત્તિકાળમાં પોતાના કાર્યને વિસ્તારીને રહે છે, અને આત્યંતિક પ્રલયને વિષે પોતાનું કાર્ય પોતામાં લીન કરીને પુરુષના અંગમાં લીન રહે છે માટે નિત્ય કહી છે; તેના કાર્યમાં કોઈ એના જેવું નથી માટે નિર્વિશેષ કહી છે, પણ પુરુષ આગળ નિર્વિશેષ નથી કહી; અનંત પ્રધાનપુરુષાદિક જીવ-પ્રાણીમાત્રનું સ્થાનરૂપ છે માટે ક્ષેત્ર કહી છે, ભગવાન જે પુરુષ તેની શક્તિ છે માટે ભગવાનની શક્તિ કહી છે; ત્રણ ગુણ સમપણે કરીને એને વિષે રહ્યા છે માટે ગુણસામ્ય કહી છે.
૫ પ્ર. કાળ કોને કહ્યો છે ? અને તે મૂર્તિમાન છે કે અમૂર્ત છે ?
૫ ઉ. મૂળપુરુષના કાર્યનો પ્રલય કરે છે તેને કાળ કહ્યો છે. અને તે મૂર્તિમાન છે. ને મૂળપુરુષથી પર છે, તે (પરથારાની બીજી બાબતમાં તથા લો. ૧૭ના ૫/૭ પાંચમાં) કાળ અમારી શક્તિ છે એમ શ્રીજીએ કહ્યું છે.
૬ પ્ર. માયાની સાથે તો મૂળપુરુષ જોડાય છે ને કાળને ક્ષોભકર્તા કહ્યો તેનો શો હેતુ હશે ?
૬ ઉ. મૂળપુરુષ સાથે જોડાવાને અર્થે માયાને સચેતન કરે છે માટે ક્ષોભકર્તા કહ્યો છે.
૭ પ્ર. ચિત્તને ને મહત્તત્ત્વને અભેદપણું કહ્યું તથા મહત્તત્ત્વમાં જગત રહ્યું છે તથા નિર્વિકાર, પ્રકાશમાન, સ્વચ્છ, શુદ્ધ સત્ત્વમય અને શાન્ત કહ્યું તે કેવી રીતે સમજવું ?
૭ ઉ. (કા. ૪ના બીજા પ્રશ્નમાં) મહત્તત્ત્વમાં સ્વચ્છપણું ને નિર્મળપણું છે તેમજ ચિત્તમાં પણ છે, માટે એ ગુણના સાદૃશ્યપણાથી અભેદપણું કહ્યું છે. અને મહત્તત્ત્વ તથા પ્રધાનપુરુષ એ સર્વે માયામાંથી ઉત્પન્ન થાય છે, પણ મહત્તત્ત્વ દ્વારે જગતની વ્યક્તિ થાય છે, માટે તેમાં જગત રહ્યું છે. અને તે પોતાના કાર્યમાં રહે છે તોપણ આકાશવત્ નિર્વિકાર છે. અને સૂર્યની પેઠે તેજસ્વી છે, માટે પ્રકાશમાન કહ્યું છે. અને મલિનગુણથી પર છે માટે સ્વચ્છ કહ્યું છે. અને રજ-તમ રહિત કેવળ સત્ત્વગુણ પ્રધાન વર્તે છે માટે શુદ્ધ સત્ત્વમય કહ્યું છે. અને શાન્ત સ્વભાવે વર્તે છે માટે શાન્ત કહ્યું છે.
૮ પ્ર. અહંકારને વિષે ઘોરપણું ને વિમૂઢપણું ને શાન્તપણું કહ્યું તે ઘોર ને વિમૂઢપણામાં શાન્તપણું કેવી રીતે સમજવું ?
૮ ઉ. રાજસ, તામસ ને સાત્ત્વિક એ ત્રણ પ્રકારનો અહંકાર છે તેમાં શાન્તપણું તે સત્ત્વગુણનું છે, અને ઘોરપણું તે તમોગુણનું અને વિમૂઢપણું એટલે ચપળપણું તે રજોગુણનું છે, માટે શાન્તપણું તે સત્ત્વગુણનું કહ્યું છે.
૯ પ્ર. રાજસ, તામસ ને સાત્ત્વિક અહંકાર તે કોને જાણવા ?
૯ ઉ. રાજસ તે અનિરુદ્ધ, તામસ તે સંકર્ષણ અને સાત્ત્વિક તે પ્રદ્યુમ્ન જાણવા. આ ત્રણેની ઉપાસના વૈરાજ કરે છે. તે (મ. ૩૧ના ૧/૩ પહેલા પ્રશ્નમાં) કહ્યું છે.
૧૦ પ્ર. તત્ત્વ કહ્યાં તે મૂર્તિમાન છે કે અમૂર્ત છે ?
૧૦ ઉ. તત્ત્વ મૂર્તિમાન છે તે (પ્ર. ૪૬ તથા ૬૩ના ત્રીજા પ્રશ્નમાં) કહ્યું છે.
૧૧ પ્ર. દેહનો માંહીલો ને બહારનો વ્યવહાર કહ્યો તે કેવી રીતે જાણવો ?
૧૧ ઉ. દેહમાં પ્રાણને ફરવાપણું તથા અન્નજળાદિકને અવકાશ દેવાપણું તે માંહીલો, અને દેહને હરવાફરવાદિક સર્વે ક્રિયા કરવાપણું તે બહારનો વ્યવહાર જાણવો.
૧૨ પ્ર. ધામને વિષે શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે કોને જાણવા ? અને એમનું ધામ કિયું જાણવું ?
૧૨ ઉ. આ ઠેકાણે શ્રીકૃષ્ણ નામે શ્રીજીમહારાજને કહ્યા છે અને પોતાના તેજને ધામ કહ્યું છે.
૧૩ પ્ર. માયાને વિષે અક્ષરપુરુષ રૂપે ગર્ભ ધરતા હવા એમ કહ્યું તે કોને જાણવા ?
૧૩ ઉ. મૂળપુરુષને અક્ષરપુરુષ નામે આ ઠેકાણે કહ્યા છે.
૧૪ પ્ર. પરાર્ધ કેટલે વર્ષે કહેવાય ?
૧૪ ઉ. (૮,૬૪,૦૦,૦૦,૦૦૦) આઠ અબજ ને ચોસઠ કરોડ વર્ષે બ્રહ્માનો એક રાત્રિ-દિવસ થાય છે, તેને નિમિત્ત પ્રલય કહે છે; એવા છત્રીસ હજાર નિમિત્ત પ્રલય થાય છે, ત્યારે વૈરાજનાં સો વર્ષ પૂરાં થાય છે; તેને દ્વિપરાર્ધ કહે છે, અને તેનાં પચાસ વર્ષને પરાર્ધ કહે છે.
૧૫ પ્ર. માયા અક્ષરબ્રહ્મના પ્રકાશમાં લય પામે છે, એમ કહ્યું તે અક્ષરબ્રહ્મ કિયાં જાણવાં ?
૧૫ ઉ. મહામાયા તો મૂળપુરુષમાં જ લીન થાય છે ને મૂળપુરુષ પણ વાસુદેવબ્રહ્મની સમીપે રહે છે પણ જેમ આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા સર્વે રહ્યા છે તેમ શ્રીજીમહારાજના તેજમાં અક્ષરની તથા બ્રહ્મની તથા મૂળપુરુષની કોટિઓ રહી છે તે સર્વેનું આધાર શ્રીજીમહારાજનું તેજરૂપ અક્ષરબ્રહ્મ છે, માટે અક્ષરબ્રહ્મમાં લીન થાય છે એમ કહ્યું છે તે (કા. ૭ના ચોથા પ્રશ્નમાં) પુરુષપ્રકૃતિ અક્ષરબ્રહ્મમાં લીન થાય છે એમ કહ્યું છે.
૧૬ પ્ર. ત્રીજા પ્રશ્નમાં ભગવાનનું ધામ સનાતન, નિત્ય, અપ્રાકૃત, સચ્ચિદાનંદ, અનંત, ને અખંડ કહ્યું અને (સા. ૧૧ના ૨/૩ બીજા પ્રશ્નમાં તથા છે. ૩૧માં) અમારું ધામ ગુણાતીત છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે એ અક્ષરધામનાં વિશેષણો છે કે તે તે નામે સાધુ હોય તેને અક્ષરધામ કહ્યાં હશે ?
૧૬ ઉ. એ સર્વે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનાં વિશેષણો છે. પણ સનાતનાનંદ, નિત્યાનંદ, અપ્રાકૃતાનંદ, સચ્ચિદાનંદ, અનંતાનંદ, અખંડાનંદ તથા ગુણાતીતાનંદ એવે એવે નામે સાધુ હોય તેમને અક્ષરધામ ન જાણવા. સનાતન એટલે અનાદિ જાણવું. નિત્ય એટલે નિરંતર જાણવું. અપ્રાકૃત એટલે દિવ્ય જાણવું. સચ્ચિદાનંદ એટલે સત્, ચિત્, આનંદમય જાણવું. અનંત એટલે પાર રહિત જાણવું. અખંડ એટલે અવિનાશી જાણવું. ગુણાતીત એટલે ગુણથી પર જાણવું. માટે તે તે વિશેષણે કરીને સાધુનાં નામ આવે તેણે કરીને સાધુઓને ધામ ન જાણવાં; ધામ તો શ્રીજીમહારાજનો પ્રકાશ છે.
૧૭ પ્ર. આપણા સંપ્રદાયમાં કેટલાક શ્રી ગોપાળાનંદ સ્વામીને તથા ગુણાતીતાનંદ સ્વામીને મૂળઅક્ષર કહે છે તે કેમ સમજવું ?
૧૭ ઉ. શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્ર. મુકુંદાનંદજી, કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી આદિ સર્વે અનાદિમુક્ત છે. પણ જીવને એકદમ મહિમા સમજાય નહિ તે સારુ શ્રીજીમહારાજે ઋષિઓ તથા અવતારોની ઉપમા આપી છે. પછી જેમ જેમ મહિમા સમજતા ગયા તેમ તેમ વધુ વધુ ઉપમા આપી છે. જેમ મુક્તાનંદ સ્વામીને નારદજીની ઉપમા આપી અને વળી અમારી સાથે આવ્યા છે એમ પણ છેલ્લી વારે કહ્યું અને નિત્યાનંદ સ્વામીને વ્યાસની ઉપમા આપી પણ ઉપાસના વિષેનો સંવાદ થયો ત્યારે આ સાધુ અમારો મહિમા જાણે છે તેવો કોઈ જાણતા નથી એમ પ્રશંસા કરી, તેમજ શ્રી ગોપાળાનંદ સ્વામીને પહેલી દત્તાત્રેયની ઉપમા આપી ને પછી શ્રીકૃષ્ણની ઉપમા આપી ને પછી મૂળઅક્ષરની ઉપમા આપી ને છેલ્લી વારે અક્ષરધામમાં દિવ્યમુક્ત છે તેથી પણ આ ગોપાળાનંદ સ્વામી અધિક છે એમ (છે. ૨૧/૬માં) પોતાના તથા પોતાના મુક્તોના સમ ખાઈને કહ્યું છે માટે તે સર્વે શ્રીજીમહારાજના અનાદિમુક્ત છે. અને તેથી નીચે પરમએકાંતિક છે ને તેથી નીચે શ્રીજીમહારાજના એકાંતિક તે આ સત્સંગમાં છે ને તેથી નીચે મૂળઅક્ષરની કોટિઓ છે ને તે અક્ષરોના પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ત્રણ પ્રકારના મુક્તો છે તે મૂળઅક્ષરોના ઉત્તમ મુક્તને પણ અનાદિ કહેવાય અને મધ્યમને પરમએકાંતિક કહેવાય અને કનિષ્ઠને એકાંતિક કહેવાય અને તે સર્વે અક્ષર સંજ્ઞિક પણ કહેવાય અને તેવી જ રીતે લક્ષ્મીજી શ્રીકૃષ્ણના અનાદિ કહેવાય અને રાધિકાજી પરમએકાંતિક કહેવાય અને શ્રીકૃષ્ણના સાધનદશાવાળા ભક્ત તે એમના એકાંતિક કહેવાય, અને તે મૂળપુરુષોના મુક્તો તથા મૂળપુરુષો તથા વાસુદેવબ્રહ્મ તથા તેમના મુક્તો તથા મૂળઅક્ષરો તથા તેમના મુક્તો એ સર્વે અક્ષર સંજ્ઞિક કહેવાય. પણ જેનાથી જે નીચા ગણ્યા હોય તે તેના મુક્ત જાણવા. અને શ્રીજીમહારાજનું તેજરૂપ જે અક્ષર તે ભાવને પામ્યા જે સાધનદશાવાળા એકાંતિક તે પણ અક્ષર સંજ્ઞિક કહેવાય. અને શ્રીજીમહારાજના ધામમાં શ્રીજીમહારાજના સન્મુખ રહ્યા જે પરમએકાંતિક તેમને પુરુષોત્તમરૂપ કહેવાય ને અક્ષર સંજ્ઞિક પણ કહેવાય અને મૂર્તિમાં રહ્યા એવા જે અનાદિમુક્ત તે પુરુષોત્તમરૂપ કહેવાય. એવા અનાદિ તથા પરમ એકાંતિકમુક્તોને જે અક્ષરાદિકની ઉપમા આપી છે તે ધીમે ધીમે મહિમા સમજાવવા સારુ આપી છે. આ અનાદિનો પ્રસંગ (પ્ર. ૧૮ના પાંચમા પ્રશ્નોત્તરમાં) છે. ।।૧૨।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૩
સંવત ૧૮૭૬ના માગશર વદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. અને રાતો સુરવાળ પહેર્યો હતો ને રાતી ડગલી પહેરી હતી ને માથે સોનેરી શેલું બાંધ્યું હતું, ને કટિને વિષે સોનેરી શેલું બાંધ્યું હતું, અને કંઠને વિષે મોતીની માળાઓ પહેરી હતી, ને પાઘને વિષે મોતીના તોરા લટકતા મૂક્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) દેહ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે ? ને જો એક કહેશો તો વડ-પીપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવો ને તેવો જ વૃક્ષ થાય છે એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો ? ને કહેશો જે એ તો એનો એ જીવ છે તો જીવ તો અખંડ છે ને અચ્યુત છે તે કપાણો કેમ ?
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એનો ઉત્તર કરીએ જે, શ્રીકૃષ્ણ ભગવાન છે તેની પુરુષ ને પ્રકૃતિ એ બે શક્તિઓ છે તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનું કારણ છે, તે પુરુષ ને પ્રકૃતિરૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા હવા. ને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રાહ્મકલ્પને વિષે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંબ પર્યંત સમગ્ર જીવને સૃજતા હવા. ને પાદ્મકલ્પને વિષે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હવા. ને કશ્યપ ને દક્ષ રૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય ને પશુપક્ષ્યાદિક સમગ્ર સ્થાવર-જંગમ જે જીવ તેને સૃજતા હવા. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે જે તે પુરુષપ્રકૃતિરૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે, ને જે જીવે જેવાં કર્મ કર્યાં છે તે જીવને તેવા દેહને પમાડે છે, ને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિષે કેટલાંક કર્મ તો સત્ત્વગુણ પ્રધાનપણે કરીને કર્યાં છે, ને કેટલાંક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યાં છે, ને કેટલાંક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યાં છે તે કર્મને અનુસારે કરીને એ જીવને ભગવાન જે તે ઉદ્ભિજ જાતિના જે દેહ ને જરાયુજ જાતિના જે દેહ ને સ્વેદજ જાતિના જે દેહ ને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે, ને સુખ, દુઃખરૂપ જે તે કર્મનાં ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે કરીને તેના દેહ થકી બીજા દેહને સૃજે છે, જેમ કશ્યપ આદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હવા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઊપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે, પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે, તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી, એ તો જે જીવને જેના દેહ થકી ઊપજ્યાનો કર્મસંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારાએ ઉપજાવે છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૩।। રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પુરુષ ને પ્રકૃતિ એ બે જે અમારી શક્તિઓ તેણે સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા થકા જે જીવને જેના દેહ થકી ઊપજ્યાનો કર્મસંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારે ઉપજાવીએ છીએ, પણ જીવ અનેક રૂપે થતો નથી, એમ શ્રીજીમહારાજે ક્હ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. પુરુષ, પ્રકૃતિ બે શક્તિઓ કહી તે પુરુષ કોને જાણવા ? ને પ્રકૃતિ કોને જાણવી ?
૧ ઉ. પરોક્ષ શાસ્ત્રમાં જેને શ્રીકૃષ્ણ કહ્યા છે તેને આ ઠેકાણે પુરુષ કહ્યા છે તે (મ. ૩૧ના બીજા પ્રશ્નમાં) બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કહ્યા છે, અને લક્ષ્મીરૂપ જે માયા તેને આ ઠેકાણે પ્રકૃતિ કહી છે.
૨ પ્ર. બ્રાહ્મકલ્પ તથા પાદ્મકલ્પ કહ્યા તે શું સમજવું ?
૨ ઉ. શેષશાયી નારાયણ જે તે નિમિત્ત પ્રલયમાં શેષશય્યાને વિષે જળાર્ણવમાં સૂતા હતા. તેની નાભિમાં પદ્મ થયું તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા ને તે પદ્મમાં બ્રહ્માએ ચૌદ લોકની રચના કરી તેને પાદ્મકલ્પ કહે છે. ને બ્રહ્માએ અંગ થકી સૃષ્ટિ કરી તે બ્રાહ્મકલ્પ કહેવાય છે.
૩ પ્ર. પુરુષપ્રકૃતિએ સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે કેવી રીતે રહ્યા હશે ?
ઉ. જીવ જીવ પ્રત્યે પુરુષ અંતર્યામી રૂપે પોતાના તેજ દ્વારે રહ્યા છે તે (પ્ર. ૪૬માં) પ્રકૃતિના કાર્યને વિષે અન્વય-વ્યતિરેકપણું પુરુષનું જ કહ્યું છે. અને (પ્ર. ૭માં તથા સા. ૫ના બીજા પ્રશ્નમાં) પ્રકૃતિપુરુષાદિક સર્વેને વિષે અક્ષરનું અન્વયપણું કહ્યું છે ને અક્ષરમાં, મુક્તજીવમાં તથા મૂળપુરુષ ઈશ્વરમાં તથા માયાબદ્ધ જીવ એ સર્વેમાં શ્રીજીમહારાજનું અન્વયપણું કહ્યું છે. અને (પ્ર. ૪૧માં) અક્ષરથી લઈને પશુપક્ષ્યાદિક સર્વેને વિષે શ્રીજીમહારાજ અંતર્યામીપણે તેજ દ્વારે રહ્યા છે તે ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના તરંગ (૫૧)માં શ્લોક :
सर्वात्मात्मा स्वतंत्रश्च सर्वशक्तिपति: प्रभु: । परात्परतर: शुद्ध: ईश्वराणामपीश्वर: ।।૨૧।।
सर्वत्र कारणत्वेनाडन्वितोडस्ति निजतेजसा । व्यतिरिक्तश्च धाम्नि राजतेडनेकशक्तिभि: ।।૨૨।।
સ્વતંત્ર ને સર્વેના આત્મા, અને સર્વે શક્તિના પતિ, અને પર થકી પણ પર, અને ઈશ્વરના ઈશ્વર, એવા જે શ્રીજીમહારાજ તે સર્વેને વિષે કારણપણે કરીને પોતાના તેજે કરીને અન્વયપણે રહ્યા છે. અને વ્યતિરેકપણે અનેક શક્તિએ યુક્ત પોતાના ધામને વિષે રહ્યા છે. (૨૧,૨૨) તે જેવા અક્ષરમાં છે તેવા ઉત્તરોત્તર એકબીજામાં નથી રહ્યા એમ કહ્યું છે, તેનું કારણ એ છે જે, મૂળઅક્ષરમાં શ્રીજીમહારાજ એક જ પોતાના તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે. અને વાસુદેવબ્રહ્મને વિષે શ્રીજીમહારાજ ને મૂળઅક્ષર એ બેય તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે. અને મૂળપુરુષમાં વાસુદેવબ્રહ્મે સહિત ત્રણેય તેજ દ્વારે રહ્યા છે. અને જીવમાં પુરુષે સહિત તેજ દ્વારે ચારેય અન્વયપણે રહ્યા છે. માટે અધિક-ન્યૂન રહ્યા છે એમ કહ્યું છે. અને પ્રકૃતિ પણ પુરુષના ભેળી જ રહે છે. માટે પ્રકૃતિ પણ જીવ જીવ પ્રત્યે અંતર્યામીપણે રહી છે. તથા તરંગ (૬૩)માં શ્લોક :
उपासकानां कृष्णस्य तेषआमेकांतिनामपि । एकैक रोम्णि तेजोडस्ति कोटिकोटयर्क सभिलम् ।।૫૧।।
तदावर्णयितुं शक्यं केन कृष्णांगजं मह: । स कृष्णो महसा स्वेनाडस्विनतोडस्ति पुरुषादिषु ।।૫૨।।
કૃષ્ણના (અમારા) ઉપાસક એવા એકાંતિકોના એક એક રોમને વિષે કોટાનકોટિ સૂર્યના સરખું તેજ છે (૫૧) તો કૃષ્ણના (અમારા) અંગનું તેજ તેને વર્ણન કરવા તો કોણ સમર્થ થાય ? એવા સાક્ષાત્ ભગવાન તે પોતાના તેજે કરીને પુરુષાદિકને વિષે અન્વયપણે રહ્યા છે. (પર) એવી રીતે શ્રીજીમહારાજ સર્વમાં અન્વયપણે રહ્યા છે. ।।૧૩।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૪
સંવત ૧૮૭૬ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાઘમાં વિરાજમાન હતા ને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા ને તે ગુચ્છની ઉપર ગુલાબનાં પુષ્પ વિરાજમાન હતાં ને કંઠને વિષે પીળાં પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) એક હરિજન છે તે સંસારને તજીને નીસર્યો છે, ને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે, અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે, તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે, એવો એક ત્યાગી ભક્ત છે, અને તેને ભગવાનનો નિશ્ચય પણ દૃઢ છે. અને વળી બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દૃઢ છે, ને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે ને સંસાર થકી ઉદાસ છે. અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે, એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે ? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નીસર્યો છે, તે કેઈ રીતે શ્રેષ્ઠ છે ? ને ગૃહસ્થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેઈ રીતે ન્યૂન છે ? પછી શ્રીજીમહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! તમે ઉત્તર કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ત્યાગી હોય ને તેને સારી પેઠે ખાવા મળે, અને જો કાચી મતિવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદે થાય, અથવા ઘણું દુઃખ પડે તોપણ પાછી સંસારની વાસના ઉદે થાય, એવા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો સારો, કેમ જે ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે જે રખે મારે આમાંથી બંધન થાય, એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો જે જેણે સંસાર મૂક્યો ને પાછી તે સંસારની વાસના રહે જ નહિ, અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે, જો ગૃહસ્થના ધર્મ સચવાય તો. પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે, ને અનંત પ્રકારનાં સુખ-દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી ને ધર્મમાંથી મનને આડુંઅવળું ડોલવા દે નહિ, અને એમ સમજે જે, સંતનો સમાગમ મળ્યો છે તે તો મુને પરમ ચિંતામણિ ને કલ્પવૃક્ષ મળ્યો છે, ને ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે, અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે, એમ સમજે, અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહિ એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે, અને સૌ કરતાં ભગવાનના ભક્ત થાવું એ ઘણું કઠણ છે, અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે, એમ કહીને તે ઉપર શ્રીજીમહારાજે ભગવાન ને સંતના મહિમાનાં મુક્તાનંદ સ્વામીનાં કીર્તન ગવરાવ્યાં. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) શ્રુતિમાં એમ કહ્યું છે જે ।। अन्ते या मति: सा गति: ।। એવી રીતે કહ્યું છે જે, અંતકાળે ભગવાનને વિષે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય, એવો એ શ્રુતિનો અર્થ ભાસે છે, ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તોપણ તેનું અકલ્યાણ થાય નહિ; તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતાં-ચાલતાં દેહ મૂકે છે પણ તેનું કલ્યાણ થાતું નથી ને મરીને યમપુરીમાં જાય છે ને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા-ચાલતાં દેહ મૂકે છે. અને ભગવાનનો ભક્ત હોય ને તેનું અકાળ મૃત્યુ થયું તે માટે શું તેનું અકલ્યાણ થાશે ? ને તે પાપીનું શું કલ્યાણ થાશે ? નહિ જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો જે, જેવી હમણાં એની મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે, અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ, ને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ, તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું ને મારું કલ્યાણ નહિ થાય, તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. (૨) અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું ? પણ ભગવાનનું દાસપણું આવવું એ ઘણું કઠણ છે. કેમ જે ભગવાનના દાસ હોય તેનાં તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે, ને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઇચ્છે જ નહિ, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહિ; એવો જે હોય તે હરિનો દાસ કહેવાય અને જે હરિનો દાસ હોય ને દેહ રૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં (૧) પહેલામાં શ્રીજીમહારાજે વાસનાવાળા ત્યાગી કરતાં સંસારથી ઉદાસ રહે એવા ગૃહસ્થને શ્રેષ્ઠ કહ્યો છે. (૧) બીજામાં અમારી સાક્ષાત્ પ્રાપ્તિ થઈ હોય તેને અંતકાળે અમારી સ્મૃતિ ન રહે અથવા અકાળ મૃત્યુ થાય તોપણ તેનું કલ્યાણ થાય ને વિમુખ નરકે જાય. (૨) અને પોતાના આત્માને સત્ય જાણે ને અમારે ભોગવવાના પદાર્થ તેને ભોગવવા ઇચ્છે નહિ અને સર્વના સ્વામી જે અમે તે અમારા ગમતા પ્રમાણે વર્તે તે અમારો દાસ કહેવાય એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં આજ્ઞાએ ઘરમાં રહ્યો હોય તેને શ્રેષ્ઠ કહ્યો તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. ત્યાગી થવું હોય તેને ભગવાન કે સંત સંસારમાં રાખે તે આજ્ઞાથી રહ્યો કહેવાય.
૨ પ્ર. ધામમાંથી આવેલા સિદ્ધમુક્તને ગૃહસ્થાશ્રમમાં રહેવાનું શું પ્રયોજન હશે ?
૨ ઉ. સર્વે જીવોના કલ્યાણને અર્થે શ્રીજીમહારાજની મરજીથી રહે છે.
૩ પ્ર. આમાં સંતને પરમ ચિંતામણિની ઉપમા દીધી અને (પ્ર. ૧ના પહેલા પ્રશ્નમાં તથા મ.૨૨ના ૩/૫ ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજને ચિંતામણિની ઉપમા દીધી છે એમ જોતાં તો ભગવાન કરતાં સંત વધે તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. શ્રીજીમહારાજ આગળ સંતને પરમ ચિંતામણિ કહ્યા નથી એ તો માયિક પદાર્થની આગળ સંતનો સમાગમ પરમ ચિંતામણિ એટલે અધિક કહ્યો છે. જેમ માયિક સર્વે પદાર્થથી ચિંતામણિ અધિક છે, તે ચિંતામણિથી પણ સંતનો સમાગમ વિશેષ છે એમ કહ્યું છે, પણ શ્રીજીમહારાજથી સંતને વિશેષ નથી કહ્યા. સંત તો શ્રીજીમહારાજના દાસ છે ને શ્રીજીમહારાજ તો સંતના સ્વામી છે. તેને જે બરોબર કહે તે તો મહાપાપી ને દુષ્ટ છે, તે (લો. ૧૩ના બીજા પ્રશ્નમાં) સર્વોપરી એવા જે અમે તે અમને ને બીજા અક્ષરાદિકને તથા મુક્તોને સરખા કહે છે તેને દુષ્ટ મતિવાળા જાણવા, ને અતિ પાપી જાણવા, ને એવાનાં દર્શન કરે તો પંચમહાપાપ જેવું પાપ થાય. માટે આ લૌકિક ચિંતામણિથી સંતનો સમાગમ વિશેષ કહ્યો છે. કેમ જે ચિંતામણિ નાશવંત સુખ આપનાર છે; અને સંતનો સમાગમ અવિનાશી ને દિવ્ય એવું શ્રીજીમહારાજનું સુખ આપનાર છે તેથી વિશેષ કહ્યો છે પણ શ્રીજીમહારાજથી સંતને વિશેષ નથી કહ્યા.
૪ પ્ર. બીજા પ્રશ્નમાં અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તોપણ કલ્યાણ થાય એમ કહ્યું અને (મ. ૪૮/૨માં) અમારી મૂર્તિ વિના બીજા પદાર્થનું ચિંતવન કરતાં દેહ પડે તેને દુઃખનો અંત આવતો નથી એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૪ ઉ. આમાં સ્વપ્ન અવસ્થામાં શ્રીજીમહારાજની વિસ્મૃતિ થાય તેનું કલ્યાણ થાય એમ કહ્યું છે. અને (મ. ૪૮માં) તો જાગ્રત અવસ્થામાં બીજા પદાર્થનું ચિંતવન કરતો હોય તેને દુઃખનો અંત ન આવે એમ કહ્યું છે. કેમ જે સાવધાનપણામાં બીજું સંભારે છે તેથી કહ્યું છે.
૫ પ્ર. કેવી રીતે પ્રાપ્તિ થઈ હોય તે સાક્ષાત્ પ્રાપ્તિ કહેવાય ?
૫ ઉ. જ્યારે શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હોય ત્યારે તે મનુષ્યરૂપ મૂર્તિને વિષેથી માયિકભાવ ટાળીને દિવ્યભાવ લાવે, ને તેમની આજ્ઞામાં રહે, ને આશરો કરે તો સાક્ષાત્ પ્રાપ્તિ થઈ કહેવાય તેમજ આજ પ્રતિમા રૂપે દર્શન આપે છે તેમાંથી પ્રતિમાભાવ ટાળીને દિવ્યભાવ આવે ને તેમની કહેલી આજ્ઞામાં વર્તીને આશરો કરે, અને (મ. ૬૬ના સાતમા પ્રશ્નમાં) ભગવાનની કથા-કીર્તન કરતાં થકાં દિવસ-રાત્રિ વીતે, અને પોતાના જીવાત્માનું બ્રહ્મ રૂપે સાક્ષાત્ દર્શન થાય અને ભગવાન વિના અન્યમાં વૈરાગ્ય થાય, અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિષે રહેવાય તેને સાક્ષાત્ પ્રાપ્તિ થઈ કહેવાય. અને જે મર્યાદા ન પાળે ને મનુષ્યભાવ ને પ્રતિમાભાવ ન ટાળે તેને પ્રાપ્તિ થઈ ન કહેવાય.
૬ પ્ર. મનુષ્યરૂપ ને પ્રતિમા તે એક કહો છો તે મનુષ્ય રૂપે તો બોલતાં-ચાલતાં ને જમતાં તેમ પ્રતિમા રૂપે બોલતાં-ચાલતાં નથી ને જમતાં નથી ત્યારે તે એક શી રીતે કહેવાય ?
૬ ઉ. (પં. ૪માં) કહ્યું છે જે “ભગવાન જ્યારે દેવલોકમાં દર્શન આપે ત્યારે દેવના જેવી ચેષ્ટા કરે અને મનુષ્યલોકમાં દર્શન આપે ત્યારે મનુષ્યની પેઠે વર્તે.” તેમ જ જ્યારે પશુના જેવા દેખાય ત્યારે પશુની રીતે વર્તે, અને જ્યારે પ્રતિમા રૂપે દર્શન આપે ત્યારે પ્રતિમાના ધર્મ પ્રમાણે વર્તે. માટે આજ પ્રતિમા રૂપે દર્શન દે છે, માટે પ્રતિમાના ધર્મ પ્રમાણે વર્તે છે. અને ક્યારેક કોઈક ભક્તની સાથે બોલવું ઘટે તો તેની સાથે બોલે છે, જમે છે, ને ચમત્કાર જણાવે છે, તે જો પ્રત્યક્ષ ન હોય તો શી રીતે ચમત્કાર જણાવે ? માટે આજ શ્રીજીમહારાજ પ્રતિમા રૂપે સાક્ષાત્ છે એમાં નાસ્તિકપણું લાવે એથી બીજો કોઈ પાપી નથી.
૭ પ્ર. વિમુખનું કલ્યાણ ન થાય એમ કહ્યું તે કેવો હોય તેને વિમુખ જાણવો ?
૭ ઉ. આમાં (૨/૨ બીજા પ્રશ્નમાં, તથા પ્ર. ૭૭ના ૨/૫ બીજા પ્રશ્નમાં, લો. ૩/૨માં, તથા મ. ૫/૨માં, ૧૭ના બીજા પ્રશ્નમાં, છે. ૪ના પહેલા પ્રશ્નમાં) એટલામાં જેને પ્રત્યક્ષ ભગવાનનો આશરો ન હોય તેને વિમુખ કહ્યા છે. આ કહ્યા તે સત્સંગ બહારના વિમુખ છે અને (પ્ર. ૭૬/૨માં) કામીને વિમુખ કહ્યો છે, (૭૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) ધર્મભંગ વાત કરે તેને ગુરુદ્રોહી, વચનદ્રોહી, અસુર, અધર્મી ને વિમુખ કહ્યો છે. (લો. ૧ના નવમા પ્રશ્નમાં) “સંતનો અવગુણ આવે તે વિમુખ થાશે.” (મ.૨૬/૨માં) જે બીજામાં અવગુણ પરઠે ને પોતામાં ગુણ પરઠે તે સત્સંગી ને અર્ધો વિમુખ કહ્યો છે. (૫૩/૨માં) જે શ્રીજીમહારાજનાં ને મોટાપુરુષનાં ચરિત્રમાં, ને તેમની સમજણમાં દોષ પરઠે તેને અધર્મી, મૂર્ખનો રાજા ને વિમુખ કહ્યો છે. અને (વ. ૧૨/૨માં) ભગવાનમાં દોષબુદ્ધિ થાય તે વિમુખ થાય. આ કહ્યા તે સત્સંગ માંહીલા વિમુખ છે.
૮ પ્ર. કોઈ દોષે વિમુખ થયેલો માન મૂકી સત્સંગમાં આવે તેનું કલ્યાણ થાય કે કેમ ?
૮ ઉ. સત્સંગમાં આવીને પોતાના ગુના માફ કરાવે તો શ્રીજીમહારાજ ને મોટા સંત કૃપાસાધ્ય છે તે કલ્યાણ કરે.
૯ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) સ્વામીને ભોગવ્યાના પદાર્થ ઇચ્છવા નહિ તે કિયા જાણવા ?
૯ ઉ. ત્યાગી તથા ગૃહસ્થો ખાવાપીવાની વસ્તુઓ શ્રીજીમહારાજની મૂર્તિને અથવા શિક્ષાપત્રીને જમાડ્યા વિના જમે, ને વસ્ત્ર-અલંકાર પણ મૂર્તિની અથવા શિક્ષાપત્રીની પ્રસાદી કર્યા વિના વાપરે તે સ્વામીને ભોગવ્યાના પદાર્થ પોતે ભોગવ્યા કહેવાય અને ગૃહસ્થોએ મંદિરનાં વસ્ત્ર, ઘરેણાં, વાહન, પાત્ર તે ભોગવવાં ઇચ્છવાં નહિ અને ત્યાગીએ ગામડામાં ગયા હોય ત્યાં ધર્માદા નિમિત્તે અન્ન-દ્રવ્ય આવે, તે અનાજ ઠાકોરજીને પહોંચ્યા પહેલાં પોતાને ખાવાપીવામાં વાપરવું નહિ, અને કથા નિમિત્તે વસ્ત્ર આવે તેમાંથી ધર્મામૃતમાં કહ્યા પ્રમાણે વાપરવાં અને વધે તે કોઠારમાં આપી દેવાં પણ પોતાની પાસે રાખવાં નહીં. આ કહ્યા પ્રમાણે ન વર્તે તો સ્વામીને ભોગવ્યાના પદાર્થ ભોગવ્યા કહેવાય. ।।૧૪।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૫
સંવત ૧૮૭૬ના માગશર વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૧) જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે, ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મુથી મનાશે ને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. (૧) અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે ને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તોપણ કાયર ન થાય, ને નિત્ય નવી શ્રદ્ધા રાખે ને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટ-સંકલ્પ થાય ને તે હઠાવ્યા હઠે નહિ, તો ભગવાનનો મોટો મહિમા સમજીને, પોતાને પૂર્ણકામ માનીને, તે સંકલ્પને ખોટા કરતો રહે, ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે; તે ધારતાં ધારતાં દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચવીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય, તોપણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે :
अनेक जन्म संसिद्धस्ततो याति परांगतिम् ।।
તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૫।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમે તથા સંત જેમ કહીએ તેમ કરે, (૧) ને અમારી મૂર્તિ ધારવામાં નિત્ય નવી નવી શ્રદ્ધા રાખે તે એકાંતિક છે. એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજી બાબતમાં મૂર્તિ ધારવામાં નવી નવી શ્રદ્ધા રાખવાનું કહ્યું તે શા ઉપાયે આવે ?
૧ ઉ. શ્રીજીમહારાજનો મહિમા જાણે તો શ્રદ્ધા વૃદ્ધિ પામે. તે મહિમા એમ જાણવો જે, શ્રીજીમહારાજ જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિથી પર છે, ને સદા સાકાર મૂર્તિ છે ને એ સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને એ સર્વેમાં અન્વયપણે રહ્યા થકા પણ અતિશે નિર્લેપ, અસંગી ને નિર્વિકાર છે, ને એ સર્વેને અગમ્ય છે. ને મૂળઅક્ષરાદિક કોઈ પણ શ્રીજીમહારાજનો મહિમા જાણી શકતા નથી તથા મૂળઅક્ષરાદિક અનંતકોટિઓનાં સુખ મળીને શ્રીજીમહારાજના એક રોમના કોટિમા ભાગના પાસંગમાં પણ આવતાં નથી. ને મૂળઅક્ષરકોટિથી પર પોતાના ધામમાં પોતાના સાધર્મ્યપણાને પામેલા પરમ એકાંતિકમુક્ત તથા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત જે સદાય ભેળા રહ્યા છે તે પણ જેના મહિમાનો તથા સુખનો પાર પામી શકતા નથી; અને એ સર્વે મુક્ત તથા મૂળઅક્ષરાદિક સર્વે અવતાર તે સર્વે જેની આજ્ઞામાં વર્તે છે. આવો અદ્ભુત મહિમા શ્રીજીમહારાજનો જાણે તો શ્રદ્ધા નવી નવી આવે. તે (પ્ર. ૨૭/૧, ૫૧, ૫૬ પ્રશ્ન ૩/૪, ૬૨ પ્રશ્ન ૧, ૬૩ પ્રશ્ન ૩, ૭૮ પ્રશ્ન ૧૬, સા. ૧ પ્રશ્ન ૨, ૧૭, લો. ૧૦ પ્રશ્ન ૬/૮, ૧૩ પ્રશ્ન ૨, ૧૭ પ્રશ્ન ૫/૭, પં. ૧/૧.૨, મ. ૧૩/૧.૨.૩, ૬૭, અ. ૭/૧.૨, છે. ૩૭, ૩૯/૫ ) એ આદિકમાં કહ્યો એવો શ્રીજીમહારાજનો મહિમા જાણે તો ઘાટસંકલ્પ ટળી જાય છે ને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવામાં નિત્ય નવી શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. ।।૧૫।।
વચનામૃત ગઢડા પ્રથમનું – ૧૬
સંવત ૧૮૭૬ના માગશર વદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૧) જે ભગવાનના ભક્તને સત્-અસત્નો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે, ને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય, તો તેને ત્યાગ કરી દે ને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહિ, અને ભગવાન ને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિષે સંશય કરે નહિ, અને સંત કહે જે તું દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો છું ને સત્ય છું ને એનો જાણનારો છું, ને એ દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને, તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ અને જેણે કરીને પોતાને બંધન થાય ને પોતાના એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે, ને તેથી છેટે જ રહે ને તેના બંધનમાં આવે જ નહિ, અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે, ને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૬।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે પોતાના અવગુણનો ત્યાગ કરીને, અમારો તથા અમારા ભક્તનો ગુણ ગ્રહણ કરે, ને અમારાં તથા અમારા સંતના વચનમાં વર્તે, ને આત્મા રૂપે વર્તે, ને બંધનકારી પદાર્થ તથા કુસંગથી છેટે રહે, ને સવળા વિચારને ગ્રહણ કરે તે વિવેકી છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. આમાં સંતમાં ને સત્સંગીમાં અવગુણ ભાસે તોપણ ન લેવો એમ કહ્યું, અને (પ્ર. ૫૩માં ને છે. ૨૧/૩માં) મોટા વર્તમાનમાં ચૂકે તો અવગુણ લેવો એમ કહ્યું છે. તે કેમ સમજવું ?
૧ ઉ. જે દોષનાં પ્રાયશ્ચિત્ત કરવાનાં કહ્યાં છે તે માંહેલો દોષ હોય તેનો અવગુણ લે તે અવગુણ લીધો ન કહેવાય. પણ જેનું પ્રાયશ્ચિત્ત ન કરવું પડે એવા સ્વાભાવિક અલ્પ દોષ દેખાય તેનો અવગુણ ન લેવો એમ કહ્યું છે.
૨ પ્ર. સંતનું વચન સત્ય માનવાનું કહ્યું, તેમાં કોઈ સંશય કરવા જેવું હશે કે કેમ ?
૨ ઉ. એનો ખુલાસો આમાં જ કરેલો છે, જે દેહાદિકને અસત્ય કહે ને આત્માને સત્ય કહે એમાં સંશય ન કરવો; અને પોતાના ઇષ્ટદેવની તથા મંદિરોની સેવા બતાવે તે શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે શક્તિ અનુસારે હેતે સહિત કરવી, પણ શ્રદ્ધાથી અધિક વચન માનવું નહીં. અને માંદાને ખાવાપીવાનું, તથા યોગ્ય ઔષધ માગે તો શ્રદ્ધા પ્રમાણે આપવું પણ રોકડો પૈસો ન આપવો. અને વસ્ત્ર ઓઢાડવાની ઇચ્છા હોય ત્યારે વસ્ત્ર લાવીને આપવું પણ તે નિમિત્તે રોકડા પૈસા ન આપવા. અને શ્રીજીમહારાજે ત્યાગી તથા ગૃહસ્થને શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ, ધર્મામૃત, જનશિક્ષા, બૃહદ્ધર્મ એ આદિકમાં જે આજ્ઞાઓ કરી છે તેને ઘસારો આવતો હોય એવું વચન કહે તે માનવું નહીં.
૩ પ્ર. સવળા વિચારને ગ્રહણ કરવો ને અવળાનો ત્યાગ કરવો એમ કહ્યું; તે વિચાર કિયા ?
૩ ઉ. શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય તે અવળા વિચારનો ત્યાગ કરવો અને પંચવિષયનો અભાવ કરવો, તપ કરવું, ત્યાગ કરવો, ધર્મ પાળવો, ભક્તિ કરવી તથા ધ્યાન-ભજન કરવું તે સંબંધી જે સંકલ્પ થાય તે સવળા વિચારને ગ્રહણ કરવા. ।।૧૬।।
વચનામૃત ગઢડા પ્રથમનું – ૧૭
સંવત ૧૮૭૬ના માગશર વદિ ૫ પંચમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડામાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાઘ બાંધી હતી અને પીળાં પુષ્પની માળા પહેરી હતી ને પીળાં પુષ્પનો તોરો પાઘને વિષે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા.
૧ સમયને વિષે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા ને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે, (૧) આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે, ને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વે પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે, ભગવાનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ? ને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે ? માટે જેટલું પળે તેટલું પાળીએ ને ભગવાન તો અધમ-ઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે, ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિક જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે, માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહિ; સદા હિંમત સહિત જ વાત કરજ્યો; અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો, અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તે દિવસ ઉપવાસ કરવો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૭।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે હિંમત વિનાની વાત કરીને અમારી પ્રસન્નતાના સાધનમાંથી બીજાને મોળા પાડે તે કુસંગી તથા નપુંસક છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે. ।।૧૭।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૧૮
સંવત ૧૮૭૬ના માગશર વદિ ૬ છઠને દિવસ રાત્રિ પાછલી પોહોર એક બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં.
૧ પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણી વાર સુધી તો પોતે વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, એક વાત કહીએ તે સાંભળો : એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહીએ પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ, અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે ને તે વિના તો ચાર વેદ, ષટ્ શાસ્ત્ર ને અઢાર પુરાણ ને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. તે વાત કહીએ તે સાંભળો જે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહિ ને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય એવો અમારો સ્વભાવ છે, માટે અમે હૃદયમાં વિચાર કર્યો જે ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે, તેનું કારણ તે શું છે ? પછી મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી; અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે જે, ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું નથી, એવું ગાફલપણું રહે છે એટલો જ અંતઃકરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાન-ઇન્દ્રિયોનો છે. તેની વિગતિ કહીએ છીએ જે, એ જીવ જે નાના પ્રકારનાં ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે, અને જુદા જુદા ગુણ છે તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે, અને જો લીલાગર ભાંગ્ય પીએ ને તે પ્રભુનો ભક્ત હોય તોપણ લીલાગર ભાંગ્યને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહિ ને પ્રભુના ભજનની પણ ખબર રહે નહિ તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગ્યની પેઠે જ અનંત પ્રકારના છે તેનો ગણતાં પણ પાર આવે નહીં. તેમ જ એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ એ જીવને અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે, જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય, અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય, અથવા લોક ને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય, તેની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ્ય પીએ અથવા દારૂ પીએ એવી છે. માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે, ને ભગવાનનું ભજન, સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમ જ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે, ને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ્ય-દારૂના જેવો છે, માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ-બુદ્ધને ભુલાડી દે છે. તેમ જ રૂપ પણ અનંત પ્રકારનાં છે ને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે, તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ્ય તથા દારૂ પીધે ભૂંડું થાય તેમ જ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમ જ ગંધ પણ અનંત પ્રકારના છે ને તેના ગુણ પણ અનંત પ્રકારના છે તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એવી રીતે જેમ ભૂંડાંને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે; અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તોપણ ભગવાન ને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે, તેમ જ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય, અને તેમ જ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવાં તેમ જ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે, તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી ને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમ જ તે મોટાપુરુષને ચડ્યું એવું જે પુષ્પ-ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે, તે માટે એ પંચવિષયને સમજ્યા વિના જે ભોગવશે, ને સાર-અસારનો વિભાગ નહિ કરે, ને તે નારદ-સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે; તો જે દેહાભિમાની હોય ને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું ? તે સારુ એ પંચે ઇન્દ્રિયોને યોગ્ય-અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે, તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચે ઇન્દ્રિયોના આહારમાંથી એકે ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કાંઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તે પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. (૧)
ને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય, અને તે જગ્યા પણ સુંદર સાત માળની હવેલી હોય, ને તે હવેલીને વિષે કાચના તક્તા સુંદર જડ્યા હોય, ને સુંદર બિછાનાં કર્યાં હોય તેમાં નાના પ્રકારનાં આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયીજન બેઠા હોય, અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, ને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય, ને વેશ્યાઓ થેઈથેઈકાર કરી રહી હોય, ને નાના પ્રકારનાં વાજિંત્ર વાજતાં હોય, ને તે સભામાં જઈને જે જન બેસે તે સમે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે; અને તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય, ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહવર્તમાન ભગવદ્વાર્તા થાતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે, માટે સત્સંગને તથા કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે, તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય અને જે કાંઈક વિવેકી હોય ને કાંઈક ભગવાનનો આશ્રિત હોય, તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહિ. (૨)
અને સત્સંગ મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય, તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે, તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો, અને જો ન કાઢે તો એમાંથી ઝાઝું ભૂંડું થાય, જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય ને તેટલું અંગ જો તુરત કાપી નાખે, તો પંડે કુશળ રહે ને તેનો લોભ કરે તો ઝાઝો બિગાડ થાય, તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજ્યો. (૩)
અને આ જે અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજ્યો, તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દેશું, ને તમો ઉપર ઘણા પ્રસન્ન થાશું, કાં જે તમે અમારો દાખડો સુફળ કર્યો. અને ભગવાનનું ધામ છે, ત્યાં આપણ સર્વે ભેળા રહેશું. અને જો એમ નહિ રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જાશે અને ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે ને હેરાન થાશો અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતાં રઝળતાં કોઈક કાળે પ્રગટ થાશે, ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો, અને જો કોઈ અમારો વાદ લેશે તો તેનું તો જરૂર ભૂંડું થાશે કાં જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે. અને હું તો અનાદિમુક્ત જ છું પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો, અને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર તેને તો હું પકડી લેઉં છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું, અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતાં નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહેશું તે તો નારદ-સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહિ, તો બીજાની શી વાર્તા કહેવી ? અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત થાશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈએ થયો નથી ને થાશે પણ નહીં. અને હમણાં પણ કોઈએ નથી. અને કોટિ કલ્પ સુધી સાધન કરીને પણ એવો થાવાને કોઈ સમર્થ નથી, માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થાશે. અને અમે જે કોઈને હેત કરીને બોલાવીએ છીએ, તે તો તેના જીવના રૂડા સારુ બોલાવીએ છીએ અથવા કોઈને હેત કરીને સામું જોઈએ છીએ અથવા કોઈ સારાં ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર-આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિક જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે અંગીકાર કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી ને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશો મા, ને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશે શુદ્ધપણે કરીને રાખજ્યો. એ વચન અમારું જરૂરાજરૂર માનજ્યો. અને આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે, માટે સર્વેના સમજ્યામાં તુરત આવી જાશે તે સારુ સત્સંગમાં અતિશે પ્રવર્તાવજ્યો. તેમાં અમારો ઘણો રાજીપો છે, એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૧૮।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય ને અંતઃકરણ શુદ્ધ થાય તો અખંડ અમારી સ્મૃતિ રહે. (૧) અને સત્પુરુષનો સંગ કરવો. (૨) અને કુપાત્રને સત્સંગ બહાર કાઢી મૂકવો. (૩) અને અમારો વાદ લેશે તેનું જરૂર ભૂંડું થાશે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. ત્રીજી બાબતમાં જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય તે અંગ કાપી નાખે તો પંડે કુશળ રહે, એમ કહ્યું તે અંગને ઠેકાણે શું જાણવું ? અને પંડને ઠેકાણે શું જાણવું ?
૧ ઉ. પંડ એટલે શરીર; તેને ઠેકાણે સત્સંગ-સમુદાય જાણવો, અને સર્પે કરડેલ આંગળી તથા કીડિયારાના રોગવાળા અંગને ઠેકાણે કુપાત્ર માણસ જાણવો. તે કુપાત્ર માણસને સત્સંગ બહાર કાઢે તો સત્સંગ સમુદાયરૂપી પંડ કુશળ રહે.
૨ પ્ર. કુપાત્ર માણસને સત્સંગમાંથી કાઢી મૂકવાની આજ્ઞા કરી તે કોને માથે જાણવી ?
૨ ઉ. જેના ઘરમાં જે મુખિયો હોય તે પોતાના ઘરના માણસોનો નિયંતા છે, તેને પોતાના ઘરના માણસોને ધર્મમાં વર્તાવવા ને પોતાને ધર્મમાં વર્તવું તે આજ્ઞા છે; અને ગામના હરિજનોને ધર્મમાં વર્તાવવા તે ગામમાં મુખિયા હરિજન ધર્મવાળા હોય તેમને માથે છે, ને સર્વે હરિજનોએ પણ મોટેરા હરિજનનું માનીને ધર્મમાં વર્તવું, અને જે હરિજન ધર્મમાં ન વર્તે તેને ધર્મનિષ્ઠ મોટેરા હરિજનોએ સત્સંગ બહાર કરવો, અને સાધુના મંડળમાં જે મુખિયો સાધુ હોય તેણે પોતાના શિષ્યોને ધર્મમાં વર્તાવવા અને જે ન વર્તે તેને સત્સંગ બહાર કાઢી મૂકવો, ને ગુરુ ધર્મમાં ન વર્તે તો શિષ્યોએ તેનો ત્યાગ કરવો; અને શિખરબદ્ધ મંદિરોના નિયંતા ધર્મનિષ્ઠ મહંત મંદિરના અધિકારી છે તેણે ધર્મમાં વર્તવું, ને મંદિરના માણસોને ધર્મમાં વર્તાવવા, ને ન વર્તે તેને સત્સંગ બહાર કાઢી મૂકવો, અને આચાર્ય તથા સાધુઓ તથા સત્સંગીઓએ મળીને જે ધર્મનિષ્ઠ હોય તેને મંદિરનો અધિકાર સોંપવો, અને અધિકારીની વર્તણૂક શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ જણાય, તો તેને પણ અધિકારથી દૂર કરવો, અને આચાર્યપદ આપવું તે પણ આચાર્ય તથા સાધુઓ તથા સત્સંગીઓએ મળીને આચાર્યના પુત્રમાંથી અથવા ધર્મકુળમાંથી ધર્મવાળા હોય ને ધર્મ પાળી-પળાવી શકે એવા હોય, તેને શ્રીજીમહારાજે બે ગાદીઓ નિર્માણ કરેલી છે, તે ગાદી ઉપર આચાર્ય નીમવાનું શ્રીજીમહારાજે લેખમાં કહ્યું છે અને આચાર્યના દીકરા હોય તેમાં ગાદીને લાયક ન હોય તો ધર્મકુળમાંથી જે લાયક હોય તેને આચાર્ય, સાધુ તથા સત્સંગીઓએ મળીને આચાર્યપદ આપવું તે (અ. ૩/૪ ત્રીજામાં) સાધુ અને સત્સંગીઓને ભલામણ કરી છે, જે આચાર્યને કોઈક એક જણના કહેવાથી કોઈ કામ કરવા દેવું નહિ, તેમાં શ્રીજીમહારાજનો ઘણો રાજીપો છે; અને જો કરવા દે તો ઘણું દુઃખ આવે. અને આચાર્યે પણ ધર્મમાં વર્તવું અને ત્યાગી-ગૃહી સર્વને ધર્મમાં વર્તાવવા ને જે ધર્મમાં ન વર્તે તેને સત્સંગમાંથી દૂર કરવો અને આચાર્ય તથા ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગી બાઈ-ભાઈ તેમાં જે શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ વર્તે તેને શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તનારાઓએ ન માનવા. આ અમારે મુખે શ્રીજીમહારાજ બોલ્યા છે એમ જાણજ્યો.
૩ પ્ર. ભૂતનો કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે એમ કહ્યું, તે સડેલ અંગવાળાને કહ્યું કે કેને કહ્યું તે સમજાતું નથી માટે કૃપા કરીને સમજાવો ?
૩ ઉ. કુપાત્ર માણસને સત્સંગ બહાર ન કાઢે એવા ઉપર કહ્યા તે સર્વ અધિકારીઓને ભૂતનો કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે. એ દંડ દીધો છે અને એમણે જે ભક્તિ કરી હશે તેનું ફળ રઝળતાં રઝળતાં મળશે, એટલે જ્યારે ભૂતના કે બ્રહ્મરાક્ષસના દેહનો અંત આવે, ત્યારે પણ આહાર શુદ્ધ કરશે ને કુસંગીના સંગનો તથા કુપાત્ર માણસનો ત્યાગ કરશે ત્યારે કલ્યાણ કરીશું એમ કહ્યું છે, માટે ત્યાગી હોય તેમણે ધર્મ પાળવો ને ધર્મવાળો સાધુ હોય તેની જ પાસે સેવા કરાવવી, પણ કુપાત્ર એટલે ધન-સ્ત્રીઆદિકનો પ્રસંગ હોય તેને સેવામાં ન રાખવો ને શિષ્યે પણ ધન-સ્ત્રીઆદિકના પ્રસંગવાળા ગુરુને સેવવા નહિ; ધર્મવાળાને જ સેવવા. અને ગૃહસ્થ હોય તેમણે પણ વર્તમાન રહિત એવા કુપાત્ર માણસનો પ્રસંગ કોઈ પ્રકારે ન રાખવો. ને જે આચાર્ય હોય તેમણે તો સર્વથી વિશેષ ધર્મ પાળવો. અને જે કુપાત્ર છે તે તો જીવતાં જ ભૂત ને બ્રહ્મરાક્ષસ છે, ને જીવે છે તોપણ મરેલો છે. અને કદાપિ સત્સંગમાં પડ્યો હોય તોપણ શબવત્ છે, તેને તો ભૂખ, દુઃખ ને માર જ મળે પણ કલ્યાણ ન થાય.
૪ પ્ર. (ચોથી બાબતમાં) શ્રીજીમહારાજે અમારા હૃદયમાં નરનારાયણ પ્રગટ વિરાજે છે, અને હું અનાદિમુક્ત છું એમ કહ્યું અને (મ. ૧૩/૩માં તથા અ. ૭/૧માં તથા જે. ૪ ના ૧/૩.૪ પહેલા પ્રશ્નમાં તથા ૫/૧ પાંચમામાં) અમે જ ભગવાન છીએ એમ કહ્યું છે તે કેમ સમજવું ?
૪ ઉ. શ્રીજીમહારાજ જ્યારે મુક્તભાવે બોલ્યા હોય, ત્યારે અમે ભગવાન છીએ એમ ન કહ્યું હોય, ને પોતે ભગવાનપણે બોલ્યા હોય, ત્યારે અમે જ ભગવાન છીએ એમ કહ્યું હોય પણ પોતે જ ભગવાન છે, અને અમે અનાદિમુક્ત છીએ એમ કહ્યું, તે અનાદિમુક્તના ભાવે બોલ્યા છે અને અનાદિમુક્ત છે તે પરમ એકાંતિકમુક્તથી અધિક છે ને શ્રીજીમહારાજની મૂર્તિમાં સદાય રહે છે.
૫ પ્ર. શ્રીજીમહારાજે “અનાદિમુક્ત હું છું” એમ પોતાને કહ્યું અને (પ્ર. ૩૨માં) નારદ-સનકાદિકને અનાદિમુક્ત કહ્યા છે અને તમે પણ (પ્ર. ૫ના બીજા પ્રશ્નોત્તરમાં) શ્રીજીમહારાજના મુક્તને અનાદિ કહ્યા છે તે કેમ સમજવું ?
૫ ઉ. સ્વસિદ્ધ અનાદિ તો જેને કોઈનો ઉપદેશ ન હોય, અને કોઈની ભક્તિ ન હોય, ને જે કોઈને આધીન ન હોય તેને જ કહેવાય, માટે આવા અનાદિ તો શ્રીજીમહારાજ એક જ છે. અને જે શ્રીજીમહારાજની મૂર્તિને વિષે રહ્યા હોય તેને પણ અનાદિ કહેવાય. જેમ શ્રીજીમહારાજ એક જ ભગવાન છે તોપણ તેમની સત્તા જેમાં આવેલી છે, તે સર્વે અવતારોને પણ શ્રીજીમહારાજને લઈને ભગવાન કહેવાય છે, તેમ જેને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે એકતા થાય, તેને શ્રીજીમહારાજને લઈને અનાદિ કહેવાય અને જેમ મૂળઅક્ષરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂળપુરુષકોટિને ભગવાન કહેવાય છે, તેમ જ તેમને વિષે એકતાને પામેલા તેમના ઉત્તમ ભક્તોને પણ અનાદિ કહેવાય. જેમ સરકાર એક જ છે પણ તેને લઈને બીજા અધિકારીઓને પણ સરકાર કહેવાય છે, પણ ખરા સરકાર તો વિલાયતમાં એક જ છે, તેમ ખરા અનાદિ ને ખરા ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે, અને બીજા એમને લઈને કહેવાય છે.
૬ પ્ર. શ્રીજીમહારાજે કહ્યું જે અમારો વાદ ન લેવો તે કેવી રીતે વર્તે ત્યારે વાદ લીધો કહેવાય ?
૬ ઉ. શ્રીજીમહારાજ જેમ જેને સમાસ થાય તેમ આચરણ તથા લીલાઓ કરતા તેમ ત્યાગી-ગૃહીએ ન કરવું. ત્યાગી-ગૃહીએ તો જેમ શ્રીજીમહારાજે પોતપોતાના ધર્મ કહ્યા છે તે પ્રમાણે વર્તવું, પણ શ્રીજીમહારાજ કરતા માટે આપણને શો બાધ છે, એમ જાણીને તેવી ક્રિયાનું આચરણ કરે તો તે વાદ લીધો કહેવાય. ।।૧૮।।
વચનામૃત ગઢડા પ્રથમનું – ૧૯
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ સંધ્યા સમે શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આત્મજ્ઞાનનું કામ ભારે છે, તેમ જ ભગવાનને વિષે જે પ્રીતિ તેનું કામ પણ ભારે છે, અને એકલે આત્મજ્ઞાને પણ કામ સરતું નથી, ને કદાપિ આત્મજ્ઞાન ન હોય ને એકલો પ્રેમ હોય, તો તેણે કરીને પણ કામ સરતું નથી, કાં જે આત્મજ્ઞાન ન હોય તો ભગવાનમાં પ્રીતિ કરતે કરતે દેહાભિમાનને યોગે કરીને બીજા પદાર્થમાં પણ પ્રીતિ થઈ જાય; અને આત્મજ્ઞાન હોય ને પ્રીતિ ન હોય તો તે મોટા ઐશ્વર્યને ન પામે, ને જ્ઞાની ભક્ત ન કહેવાય. માટે જે સ્વધર્મમાં રહીને પરમેશ્વરને ભજતો હોય તેને આત્મજ્ઞાન પણ દૃઢ જોઈએ, ને ભગવાનને વિષે પ્રીતિ પણ દૃઢ જોઈએ, અને વૈરાગ્ય પણ સુધો દૃઢ જોઈએ, ને એ ત્રણે અંગની જેને દૃઢતા હોય તેને પૂરો હરિભક્ત જાણવો ને તેમાં કાંઈ ન્યૂનતા હોય તેટલી ખોટ્ય જાણીને તેને ટાળી નાખવી. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૯।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ધર્મ, આત્મનિષ્ઠા, પ્રીતિ ને વૈરાગ્ય એ ચાર અંગની દૃઢતા કરવાનું કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. આમાં સ્વધર્મ, આત્મજ્ઞાન, પ્રીતિ ને વૈરાગ્ય તે સંપૂર્ણ ન હોય તેને ખોટ્ય કહી અને (મ. ૯/૫માં) અતિશે પ્રીતિ હોય તો કાંઈ કરવું રહેતું નથી એમ કહ્યું છે તે કેમ સમજવું ? તેમજ (પ્ર.૨૧/૧માં) પણ સ્વધર્માદિક ચાર સાધને પોતાની પ્રસન્નતા કહી છે, અને (મ.૬૨ના ત્રીજા પ્રશ્નમાં) આત્મનિષ્ઠા, પ્રીતિ ને દાસપણું એમાંથી એક અંગ દૃઢ કરે તોપણ મોક્ષ થાય એમ કહ્યું છે તે કેમ સમજવું ?
૧ ઉ. આમાં તથા (પ્ર. ૨૧/૧માં) સાધારણ પ્રીતિ કહી છે. અને (મ. ૯/૫માં અને ૬૨માં) અસાધારણ પ્રીતિ કહી છે અને આમાં તથા (પ્ર. ૨૧/૧માં) આત્મજ્ઞાન કહ્યું છે અને ત્રણ દેહથી નોખો જે જીવાત્મા તેનું જ્ઞાન કહ્યું છે. અને (મ, ૬૨માં) શ્રીજીમહારાજના તેજરૂપ જે આત્મા તે રૂપ થવું તે આત્મનિષ્ઠા કહી છે. તે (સા.૫ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) માહાત્મ્યે સહિત ભક્તિ આવે, તો કલ્યાણકારી સર્વે ગુણ આવે છે. તથા (વ. ૩ના બીજા પ્રશ્નમાં) અસાધારણ ભક્તિ આવે, તો જ્ઞાનાદિક ત્રણે એક ભક્તિમાં આવી જાય એમ કહ્યું છે. માટે આમાં તથા (પ્ર. ૨૧માં) ચાર સાધન કહ્યાં તે સામાન્ય કહ્યાં છે, અને અસાધારણ હોય તો એકના પેટામાં ચારે આવી જાય. ।।૧૯।।
વચનામૃત ગઢડા પ્રથમનું – ૨૦
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયો નખાવીને વિરાજતા હતા અને ધોળી પાઘ માથે બાંધી હતી ને તે પાઘને વિષે પીળાં ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિષે ધોળાં ને પીળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા જે, (૧) સાંભળો : સર્વેને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું જે પૂછો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની તે કોણ છે ? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વેએ રાજી થઈને કહ્યું જે, હે મહારાજ ! તમથી જ યથાર્થ ઉત્તર થાશે માટે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે ને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન ને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. અને કેવળ બાહ્યદૃષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે. પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક્, રસના, ઘ્રાણ ઇત્યાદિક સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષયસુખને ભોગવે છે, ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે, ને એ જ ઘેલામાં અતિશે ઘેલો છે, ને એ જ મૂર્ખમાં અતિશે મૂર્ખ છે, ને એ જ સર્વે નીચમાં અતિશે નીચ છે. (૧)
૨ ત્યારે શુકમુનિએ આશંકા કરી જે, (૨) પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે ? ને જો પોતાના હાથમાં હોય તો જીવ શીદ અતિશે અજ્ઞાની રહે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને સત્સંગ થયો છે, તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે ને કે દહાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો, ને ન દીઠું ? અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થામાં અંતર્દૃષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતર્દૃષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશે ઉજ્જ્વળ પ્રકાશમાન જુએ છે. ને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે. અને નારદ-સનકાદિક જેવો સુખિયો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૦।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે અંતરવૃત્તિએ કરીને પોતે પોતાને ન જાણે ને ન જુએ તેને અતિશે અજ્ઞાની કહ્યો છે. (૧) અને બીજામાં અમારો પ્રતાપ વિચારીને અંતર્દષ્ટિ કરે, તે પોતાના સ્વરૂપને પ્રકાશમાન દેખે અને તેને મધ્યે અમને પ્રત્યક્ષ દેખે છે અને નારદ સનકાદિક જેવો એટલે અમારા સિદ્ધમુક્ત જેવો સુખિયો થાય છે, એમ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં જે અમારો પ્રતાપ વિચારીને અંતરવૃત્તિ કરે તે પોતાના સ્વરૂપને દેખે છે, ને તેને વિષે અમારી મૂર્તિને પણ દેખે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે અંતર્દૃષ્ટિ તે શું ? અને જીવાત્માને વિષે તો શ્રીજીમહારાજ અન્વયપણે અંતર્યામી રૂપે રહ્યા છે, ને વ્યતિરેક મૂર્તિ તો અક્ષરકોટિથી પર પોતાના તેજરૂપ અક્ષરધામને વિષે રહી છે. તે જીવાત્માને વિષે શી રીતે દેખાય ?
૧ ઉ. દેહભાવ ભૂલીને પોતાના ચૈતન્યને શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ, તે રૂપ માનીને તે આત્માકારે વૃત્તિ કરીને તેમાં શ્રીજીમહારાજની મૂર્તિને ધારે, તે અંતર્દષ્ટિ કહેવાય અને સાધુનો સમાગમ કરીને, શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને, પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને, શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હોય, ત્યારે તે મનુષ્યરૂપ મૂર્તિને જીવાત્મામાં ધારે, અને મનુષ્ય રૂપે ન દેખાતા હોય ત્યારે શ્રીજીમહારાજની પ્રતિમાને ધારે, ત્યારે તે જીવ મહાતેજરૂપ થાય. ને તે તેજમાં મૂર્તિને પ્રકાશમાન દેખે. ।।૨૦।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૧
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજતા હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાઘ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ ઝાંઝ-પખાજ લઈને કીર્તન ગાતા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી તે સર્વેને શ્રીજીમહારાજે છાના રાખ્યા, ને એમ બોલ્યા જે, સર્વે સાંભળો એક વાર્તા કરીએ : એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, (૧) જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઇચ્છા હોય, તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિષે અચળ નિષ્ઠા, તથા આત્મનિષ્ઠાની અતિશે દૃઢતા, તથા એક ભગવાન વિના બીજા સર્વે પદાર્થને વિષે અરુચિ, તથા ભગવાનને વિષે માહાત્મ્યે સહિત એવી નિષ્કામભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશે પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ ને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે. (૧)
અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતાં-પીતાં, ન્હાતાં-ધોતાં, ચાલતાં-બેઠતાં સર્વે ક્રિયાને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું, અને જ્યારે અંતરમાં કાંઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું, ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું, અને જો અંતરમાં સંકલ્પ-વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા, વિષય એ સર્વેથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું, ને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું. (૨)
અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહિ ને દેહનાં જે સંબંધી તેને પોતાનાં સંબંધી માનવાં નહિ, કેમ જે આ જીવ છે તે ચોરાશી લાખ જાત્યના દેહને પૂર્વે ધરી આવ્યો છે, ને જેટલી જગતમાં સ્ત્રીઓ છે, તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરિયું, જેટલી મીનડિયું, જેટલી વાનરિયું, એ આદિક જે જે ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. અને જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે, તેમાં કેઈ એણે સ્ત્રી નથી કરી ? સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે તેમ જ એ જીવે સ્ત્રીના દેહ ધરીને જગતમાં જેટલી જાત્યના પુરુષ છે, તે સર્વેને પોતાના ધણી કર્યા છે, તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાત્યના સગપણને હમણે માનતા નથી, તથા ચોરાશી લાખ જાત્યના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમ જ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહિ, ને આ દેહનાં સંબંધીને પોતાનાં સંબંધી માનવાં નહિ, કેમ જે ચોરાશી લાખ જાત્યના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહિ, તો આ દેહનો સંબંધ પણ નહિ જ રહે. તે માટે દેહગેહાદિક સર્વે પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને, તથા પોતાના ધર્મમાં રહીને, ભગવાનની નિષ્કામભક્તિ કરવી. (૩) અને દિવસે દિવસે ભગવાનનું અતિશે માહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. (૪) અને જે આવી રીતે નથી સમજતો ને કેવળ દેહાભિમાની ને પ્રાકૃત મતિવાળો છે, ને તે જો સત્સંગમાં પડ્યો છે, તોપણ એને પશુ જેવો જાણવો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય ! પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. (૫) એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહ્યું એવી સમજણ હોય તેને જ કહીએ અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને, ને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, અર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. (૬) તે અક્ષરનાં બે સ્વરૂપ છે : એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ; બ્રહ્મમોહોલ કહીએ; અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે. (૭) અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, ને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામને વિષે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ તે સદા વિરાજમાન છે. અને એ અક્ષરધામને વિષે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંતકોટિ મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમના દાસભાવે વર્તે છે, ને પુરુષોત્તમનારાયણ તે સર્વેના સ્વામી છે, ને અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે, આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે ને એ અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજૂર રહેવું છે, પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઇચ્છવું નથી, ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. એવો દૃઢ નિશ્ચય રાખીને, નિરંતર ભગવાનની એકાંતિકભક્તિ કરવી, અને ભગવાનનું અતિશે માહાત્મ્ય યથાર્થ સમજીને, ભગવાન વિના બીજા જે સ્ત્રી-ધનાદિક સર્વે પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. (૮) અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વે પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. (૯) ઇતિ વચનામૃતમ્ ।।૨૧।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં સ્વધર્માદિક ચાર સાધન દૃઢ કરે તેના ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ. અને એ ચાર સાધન તે એકાંતિક ધર્મ છે. (૧) અને સર્વે ક્રિયામાં અમારી મૂર્તિનું ચિંતવન કરવું. (૨) અને દેહગેહાદિકને અસત્ય જાણીને તેથી પોતાનું સ્વરૂપ જુદું માનીને, ધર્મે સહિત અમારી નિષ્કામભક્તિ કરવી. (૩) ને અમારો મહિમા સમજવા માટે સાધુનો સંગ રાખવો. (૪) અને અમારે પ્રતાપે પશુનું પણ કલ્યાણ થાય છે. (૫) અને અમારા એકાંતિક ભક્ત અર્ચિમાર્ગે કરીને અક્ષરધામને પામે છે, ને અમારી સેવામાં રહે છે. (૬) અને તે અક્ષરધામનાં બે સ્વરૂપ છે. (૭) અને મુક્ત સર્વે અમારા દાસ છે ને અમે સર્વેના સ્વામી છીએ. (૮) અને અમારા વિના બીજી વાસના રહી ગઈ હોય, તેને સિદ્ધિઓ દેખાય તેમાં મોહ પામે તો મોટું વિઘ્ન થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૯) બાબતો છે.
૧ પ્ર. ચોથી બાબતમાં સાધુનો સમાગમ કરવાનો કહ્યો, તે સાધુ કોને જાણવા ? ને નિરંતર સંગ રાખવાનો કહ્યો, તે કેવી રીતે સંગ રાખે તે નિરંતર સંગ રાખ્યો કહેવાય ?
૧ ઉ. શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના હોય ને સ્વધર્માદિક ચાર સાધને યુક્ત હોય, તેને આ ઠેકાણે સાધુ કહ્યા છે. અને એ સાધુનો સંગ સદાય કરવો. એવા સાધુનો યોગ દેહે કરીને ન હોય ત્યારે એ સાધુ થકી પ્રથમ જ્ઞાન સાંભળેલું હોય, તે સંભારીને તે પ્રમાણે નિરંતર વર્તવું તે નિરંતર સંગ રાખ્યો કહેવાય.
૨ પ્ર. પાંચમી બાબતમાં પશુ જેવાનું કલ્યાણ થાય એમ કહ્યું, તે કેવાં લક્ષણવાળો હોય તેને પશુ જેવો જાણવો ?
૨ ઉ. સ્થૂળ દેહે વર્તમાન પાળતો હોય પણ સૂક્ષ્મ દેહમાં વિષયના સંકલ્પ થતા હોય, ને દેહાભિમાન હોય, ને વાસના હોય, ને આત્મા-પરમાત્માનું જ્ઞાન ન હોય, ને કથા-વાર્તામાં સમજતો ન હોય અને કોઈનો અવગુણ ન લેતો હોય, તે ત્યાગીમાં અથવા ગૃહસ્થમાં હોય તેને પશુ તુલ્ય કહ્યો છે.
૩ પ્ર. છઠ્ઠી બાબતમાં અર્ચિમાર્ગે કરીને અક્ષરધામને પામે છે એમ કહ્યું, તે અર્ચિમાર્ગ તે કિયો સમજવો ? અને અક્ષરધામ કિયું જાણવું ?
૩ ઉ. ચાર સાધને યુક્ત એવા એકાંતિક સાધુનો સંગ કરીને ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત નિષ્કામભક્તિ, એ ચાર સાધન સિદ્ધ કરીને એકાંતિક થાય, તે માયાથી મુક્ત થયો કહેવાય. પછી તેને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહેવા માંડે, તે વૃત્તિ રાખતાં રાખતાં દેહની વિસ્મૃતિ થાય ને શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ દેખાય. તે તેજદ્વારાએ શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય, તે તેજને અર્ચિમાર્ગ કહ્યો છે. અને શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરધામ કહ્યું છે. તે (પં. ૧/૧માં) પોતાની મૂર્તિના પ્રકાશને પોતાને રહેવાનું ધામ કહ્યું છે. તથા (મ. ૧૩/૨માં) પોતાના તેજને આત્મા તથા બ્રહ્મ તથા અક્ષરધામ કહ્યું છે. આનો વિસ્તાર (પ્ર. ૭ના છઠ્ઠા પ્રશ્નોત્તરમાં તથા ૪૫ના બીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૪ પ્ર. શ્રીજીમહારાજના તેજરૂપ ધામને શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવકભાવ છે કે નથી ?
૪ ઉ. જેમ સૂર્યના પ્રકાશને સૂર્યને વિષે તથા અગ્નિની જ્વાળાને અગ્નિને વિષે સ્વામી-સેવકભાવ નથી તેમ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવકભાવ નથી, કેમ જે એ તેજ મૂર્તિનું કાર્ય છે પણ મૂર્તિથી જુદી વસ્તુ નથી, માટે સ્વામી-સેવકભાવ નથી, પણ કાર્ય-કારણભાવ ને શરીર-શરીરીભાવ છે.
૫ પ્ર. જે વસ્તુ જુદી ન હોય તેમાં કાર્ય-કારણભાવ ને શરીર-શરીરીભાવ કેવી રીતે હોય ?
૫ ઉ. જેમ સૂર્યનું તેજ સૂર્યને આધારે છે ને અગ્નિની જ્વાળા અગ્નિને આધારે છે તેમ શ્રીજીમહારાજનું તેજ શ્રીજીમહારાજને આધારે છે. માટે આધાર-આધેયભાવ ને કાર્ય-કારણભાવ તથા શરીર-શરીરીભાવ છે એમ (પ્ર. ૬૪/૧માં) કહ્યું છે.
૬ પ્ર. અક્ષરધામ શ્રીજીમહારાજથી જુદી વસ્તુ નથી ત્યારે (૭મી બાબતમાં) એ અક્ષરધામ બીજે રૂપે કરીને શ્રીજીમહારાજની સેવામાં રહે છે, એમ કહ્યું તે બીજું રૂપ કેવી રીતે સમજવું ? અને સેવા શી સમજવી ?
૬ ઉ. શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ છે તે મૂર્તિમાન મૂળઅક્ષરનું શરીરી, વ્યાપક, દ્રષ્ટા, આત્મા ને આધાર છે. તે મૂળઅક્ષરમાં અંતર્યામીપણે રહીને તે મૂળઅક્ષર દ્વારે સર્વેની ઉત્પત્ત્યાદિક કરાવે છે. તે મૂર્તિમાન અક્ષરને આ તેજરૂપ અક્ષરધામનું બીજું રૂપ કહ્યું છે અને સર્વેની ઉત્પત્તિ કરવી તે સેવા કહી છે, પણ હજૂરની સેવા કહી નથી; અખંડ સેવામાં તો મુક્ત રહ્યા છે એમ કહ્યું છે. અને મુક્તને જ પોતાના દાસ કહ્યા છે, ને પોતાને મુક્તના સ્વામી કહ્યા છે. અને અક્ષરધામ તો શ્રીજીમહારાજનો પ્રકાશ છે તે પ્રકાશરૂપ ધામને ને શ્રીજીમહારાજને સ્વામી-સેવકપણું કહેવાય નહીં. અને (આઠમી બાબતમાં) અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, એમ કહ્યું છે, તે નિરાકાર અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, એમ કહ્યું છે. પણ મૂર્તિમાન અક્ષરના સાધર્મ્યપણાને પામે છે, એમ નથી કહ્યું, કેમ જે મૂર્તિમાન અક્ષરના મુક્ત તો જુદા છે. અને શ્રીજીમહારાજના તેજરૂપ થઈને એ તેજમાં એકતા કરે તો જ શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય. તે (મ. ૫૦માં) એકરસ પરિપૂર્ણ એવું બ્રહ્મ સ્વરૂપ, જે શ્રીજીનું તેજ, તેમાં આત્માને લીન કરીને, તેમાં મહારાજ ને મુક્ત રહ્યા છે તેમને વિષે પ્રીતિ જોડવી એમ કહ્યું છે. માટે અક્ષરના સાધર્મ્યપણાને પામવાની વાત જ્યાં આવે, ત્યાં શ્રીજીમહારાજના તેજરૂપ નિરાકાર અક્ષર જાણવું, તે નિરાકાર અક્ષર જે શ્રીજીમહારાજનું તેજ તેમાં એકતા કરવાથી શ્રીજીની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તે મુક્તનો ચૈતન્ય શ્રીજીમહારાજના જેવો જ સાકાર થઈ જાય છે, જેમ ભમરીને ધ્યાને ઇયળની ભમરી થઈ જાય છે તેમ.
૭ પ્ર. શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને સાકાર મૂળઅક્ષરનું શરીરી ને વ્યાપક, દ્રષ્ટા ને આત્મા કહ્યું તે કિયા વચનામૃતમાં કહ્યું છે ?
૭ ઉ. (પ્ર. ૬૪/૧માં) આ અક્ષરધામને સાકાર મૂળઅક્ષરનું શરીરી તથા વ્યાપક, દ્રષ્ટા ને આત્મા કહ્યું છે, ને (કા. ૮/૧માં) પણ સાકાર અક્ષરનું આત્મા કહ્યું છે.
૮ પ્ર. અક્ષરધામને વિષે શ્રીજીમહારાજની સેવા મુક્ત કરે છે એમ કહ્યું તે ધામમાં સેવા શી હશે ?
૮ ઉ. શ્રીજીમહારાજના મહિમાનું મુક્તને અપારપણું રહે છે તેણે કરીને અતિશે દૃઢ સ્વામી-સેવકભાવ છે. તે સ્વામી-સેવકભાવ એ જ સેવા કહી છે, માટે સેવકભાવ છે એ જ સેવા છે. ।।૨૧।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૨
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૪ ચોથને દિવસ મધ્યાહ્ન સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધાર્યાં હતાં ને પાઘને વિષે ફૂલનો તોરો ખોસ્યો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીનાં પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સાંભળો એક વાત કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ગાવવાં, તેને વિષે જો ભગવાનની સ્મૃતિ ન રહે, તો એ ગાયું તે ન ગાયા જેવું છે, ને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે, તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામરટણ કરવું તથા નારાયણ-ધૂન્ય કરવી, ઇત્યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિષે વૃત્તિ રાખે ને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે, ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહિ, માટે હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં સર્વે ક્રિયાને વિષે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે, અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજીમહારાજ બોલ્યા જે હવે કીર્તન ગાઓ. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૨૨।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં કથા-કીર્તનાદિક સર્વે ક્રિયામાં અમારી મૂર્તિને વિષે વૃત્તિ રાખે તો અમારી મૂર્તિમાં વૃત્તિ સ્થિર થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. વાજિંત્ર વજાડીને કીર્તન ગાતાં ભગવાનની સ્મૃતિ ન રહે, તો ગાયું તે ન ગાયા જેવું કહ્યું. તે જગતના જીવને તો ભગવાનની ઉપાસના નથી, એટલે ફળ નથી થતું પણ ભગવાનના ભક્ત તો કથા-વાર્તા કરતા હોય, ને મૂર્તિની સ્મૃતિ ન રહેતી હોય તેને કથા-કીર્તનનું ફળ થાય કે નહિ ?
૧ ઉ. જેને ભગવાનની સ્મૃતિ ન રહે તેને સ્મૃતિનું ફળ જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન આવે, ને સુખે મૂર્તિમાં વૃત્તિ રહે એ ફળ ન થાય. તેથી તે ગાયું તે ન ગાયા જેવું કહ્યું છે, પણ કથા-કીર્તનનું ફળ જે ભગવાનની સ્મૃતિ રહેવા માંડે, તે ફળ તો થાય, કેમ જે કથા-કીર્તનમાં ભગવાનની મૂર્તિના અંગનું વર્ણન આવે માટે કથા-કીર્તન છે તે સ્મૃતિ રહેવાનો ઉપાય છે. ।।૨૨।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૩
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્રીજીમહારાજે માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળું અંગરખું પહેર્યું હતું તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા કેડે કસુંબલ શેલું બાંધ્યું હતું ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજીમહારાજ વાત કરવા લાગ્યા જે, (૧) ‘વાસુદેવ માહાત્મ્ય’ નામે જે ગ્રંથ તે અમને અતિશે પ્રિય છે, કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે એ ગ્રંથમાં કહી છે. અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે, પણ તે દેહાત્મબુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે છે. અને બીજો તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે, પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશે પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે, તેવી અતિશે પ્રકાશે યુક્ત ભાસે એવી રીતની સ્થિતિવાળો હોય; અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે, તોપણ તેને માથે વિઘ્ન છે. અને જો એવી સ્થિતિમાં શિવજી નહોતા વર્તતા તો મોહની સ્વરૂપમાં મોહ પામ્યા. અને એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા. અને એવી સ્થિતિમાં નારદજી નહોતા વર્તતા તો પરણ્યાનું મન થયું. અને ઇન્દ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નહોતી તો કલંક લાગ્યાં. અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિષે પણ પ્રાકૃતભાવ પરઠાઈ જવાય છે, જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નહોતો તો રાસક્રીડા સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે સંશય થયો; અને શુકજી જો એવા ભક્ત હતા, તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહિ. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, મારે વિષે કોઈ દોષ અડી શકે નહિ તથા તે દોષ કાંઈ બાધ કરી શકે નહિ, તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને વિષે તો કોઈ માયિક દોષ હોય જ કેમ ? એમ દૃઢપણે સમજે છે. (૧) અને એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની મૂર્તિને વિષે જ્યારે વૃત્તિને રાખે છે, ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે, ને બીજી તો જે ભજનનો કરનારો તેમાં રહે છે, ને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે, તે પ્રેમે યુક્ત રહે છે, ને ભજનના કરનારામાં જે વૃત્તિ રહે છે તે તો વિચારે યુક્ત રહે છે, ને તે વૃત્તિ જે તે ભજનના કરનારાને વિષે ભગવાનના ભજન વિના બીજા જે જે ઘાટ-સંકલ્પ થાય છે તે સર્વેને ખોટા કરી નાખે છે, તથા તે ભજનના કરનારામાં જે દોષ તે સર્વેને ખોટા કરી નાખે છે, એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. અને ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે ને ઘડીકમાં તો ચાળા ચૂંથતો ફરે તેને તો એવી સ્થિતિ થાતી નથી. જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહિ, કાં જે આગલા દિવસનું જળ આગલે દિવસે સુકાઈ જાય, ને પાછલા દિવસનું પાછલે દિવસે સુકાઈ જાય; અને જો આંગળી જેવી નાની જ પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય, તેમ ખાતાં-પીતાં, હાલતાં-ચાલતાં તથા શુભ ક્રિયાને વિષે તથા અશુભ ક્રિયાને વિષે સર્વે કાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતાં રાખતાં એવી દૃઢ સ્થિતિ થાય છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૩।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં ત્રણ દેહથી પર જે પોતાનો જીવાત્મા તેને ચૈતન્યરૂપ જે અમારું તેજ તે રૂપ માનીને તેમાં અમારી આ પ્રગટ મનુષ્યરૂપ મૂર્તિને ધારે તો પોતાના સ્વરૂપને તથા તે સ્વરૂપને વિષે આ અમારી મૂર્તિને અતિશે પ્રકાશમાન દેખે, અને તેને અમારા ચરિત્રને વિષે સંશય થાય નહીં. (૧) અને અમારી આ મૂર્તિમાં એક વૃત્તિ પ્રેમે યુક્ત ને બીજી વૃત્તિ વિચારે યુક્ત અખંડ રાખવે કરીને એવી સ્થિતિ થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. (પહેલી બાબતમાં) ચૈતન્યને વિષે શ્રીજીમહારાજની મનુષ્યરૂપ મૂર્તિને ધારે તો દેખે એમ કહ્યું તે શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા, ત્યારે તો તે મૂર્તિ ધાર્યામાં આવે, પણ આજ તો શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા નથી ત્યારે કઈ મૂર્તિ ધારવી ?
૧ ઉ. જેમ મનુષ્ય રૂપે પ્રગટ હતા તેમ જ આજ પ્રતિમા રૂપે પ્રગટ છે. માટે શ્રીજીમહારાજના તેજરૂપ પોતાને માનીને તેમાં શ્રીજીમહારાજની પ્રતિમાને ધારે તો પ્રતિમાને તેજોમય દેખે માટે આજ શ્રીજીમહારાજની પ્રતિમા ધારવી.
૨ પ્ર. પોતાના ચૈતન્યને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને દેખે એવી સ્થિતિવાળો હોય તે એમ સમજે જે, મારે વિષે કોઈ દોષ અડી શકે નહિ તથા બાધ કરી શકે નહિ એમ કહ્યું તે એ દોષને વિષે પ્રવર્તે તોપણ બાધ ન થાય કે એ દોષ મોહ પમાડી શકે નહિ તે કેમ સમજવું ?
૨ ઉ. એવી સ્થિતિવાળો હોય તે તો શ્રીજીમહારાજની મૂર્તિને સુખે સુખિયો હોય ને માયિક પદાર્થને નરક તુલ્ય માને, અને આ લોકને વિષે ત્યાગીના આશ્રમમાં રહ્યો હોય, તો ત્યાગીના ધર્મ પ્રમાણે જ વર્તે અને ગૃહસ્થના આશ્રમમાં રહ્યો હોય તો ગૃહસ્થના ધર્મ પ્રમાણે જ વર્તે, પણ આજ્ઞા બહાર કોઈ ક્રિયા કરે જ નહિ અને જે કોઈ વર્તમાન વિરુદ્ધ ક્રિયા કરે તેને શ્રીજીમહારાજનું દર્શન જ નથી ને આશરો પણ નથી. એ તો કેવળ દંભી ને વિષયી જ છે ને મહાદુષ્ટ છે. તેને તો (મ. ૩૫/૪માં) ચંડાળ જેવો કહ્યો છે, માટે તેને ચંડાળ જાણીને શ્વપચની પેઠે ત્યાગ કરવો પણ તેને શ્રીજીમહારાજનો ભક્ત ન જાણવો. ।।૨૩।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૪
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૬ છઠને દિવસ સંધ્યા સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, (૧) જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિપુરુષથી પર છે, ને એ જ્ઞાનને વિષે સ્થિતિ થાય છે, ત્યારે પ્રકૃતિપુરુષ ને પ્રકૃતિપુરુષનું જે કાર્ય તે કાંઈએ નજરમાં આવતું નથી. ને એનું નામ જ્ઞાનપ્રલય કહેવાય છે અને એવી સ્થિતિ થાય છે તેને એકરસ ચૈતન્ય ભાસે છે, ને તેને વિષે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહિ; એકલો પ્રકાશ જ દેખાય છે ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય, એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. (૧) અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે. (૨) ને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે, ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે, ને જેટલો જેને ભગવાનનો નિશ્ચય, ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. ને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે, ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટમાત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર્ય ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહિ ને મગનો દાણો પરાણે પરાણે ચવાય, અને જો ઘણાં લીંબુ ચૂસ્યાં હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહિ, તેમ ભગવાનના નિશ્ચય ને માહાત્મ્યરૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયોરૂપ જે દાઢ્યો તે સર્વે અંબાઈ જાય છે, ત્યારે એ જીવ મનરૂપ પોતાની દાઢ્યે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થાતો નથી. તેમ જ ચિત્તરૂપ પોતાની દાઢ્યે કરીને વિષયનું ચિંતવન કરવા સમર્થ થાતો નથી. તેમ જ બુદ્ધિરૂપ પોતાની દાઢ્યે કરીને વિષયનો નિશ્ચય કરવા સમર્થ થાતો નથી. તેમ જ અહંકારરૂપ પોતાની દાઢ્યે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થાતો નથી, તેમ જ પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયોરૂપ જે દાઢ્યો છે, તે દાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થાતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય, ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેનાં ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતાં નથી. (૩) અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે, અને સર્વે વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે તે ભગવાનને વિષે જે અલ્પમતિવાળા છે, તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિષે તો એકે દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહિ. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, અને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે, એ આદિક જે જે દોષ ભગવાનને વિષે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિષે જે જાત્યનો દોષ કલ્પે છે તે પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશે નિર્દોષ સમજે, તો પોતે પણ અતિશે નિર્દોષ થઈ જાય છે. (૪)
૨ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) કોઈ વિષયમાં પણ પોતાનાં ઇન્દ્રિયો તણાતાં ન હોય, ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થાતા ન હોય, ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે; તોપણ અપૂર્ણપણું રહે છે, ને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ્ય છે; જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશે દૃઢ છે તોય પણ હૈયામાં અતિશે આનંદ આવતો નથી જે હું ધન્ય છું, ને હું કૃતાર્થ થયો છું, ને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિષે હેરાન થાતા ફરે છે, અને ત્રિવિધ તાપમાં રાત્ય-દિવસ બળે છે ને મુને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે, ને કામક્રોધાદિક સર્વે વિકારથી રહિત કર્યો છે, અને નારદ-સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે, માટે મારું મોટું ભાગ્ય છે, એવો વિચાર નથી કરતો, ને આઠે પહોર અતિશે આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ્ય છે. જેમ બાળકના હાથમાં ચિંતામણિ દીધો હોય, તેનું તેને માહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે ને તેનો અંતરમાં આઠે પહોર કેફ રહેતો નથી જે, મારું પૂર્ણકામપણું થયું છે એવું નથી સમજતો એ હરિના ભક્તને મોટી ખોટ્ય છે. (૫) અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે ને એ જો જેવોતેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે, એમ સમજીને તેનો પણ અતિશે ગુણ લેવો. એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૨૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં જ્ઞાને કરીને સ્થિતિ થાય ત્યારે એકરસ ચૈતન્ય ભાસે છે ને એ ચૈતન્યને વિષે અમારી મૂર્તિ ભાસે છે. (૧) અને એવી સ્થિતિ અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાથી થાય છે. (૨) અને અમારો મહિમા જણાય તેના હૃદયમાં પ્રકાશ થાય છે, ને પ્રણવ ને નાદ સંભળાય છે, ને ભૂંડા ઘાટ ટળી જાય છે. (૩) અને અમારે વિષે જે જે દોષ કલ્પે તે એને દુઃખ દે છે. અને અમને નિર્દોષ જાણે તે નિર્દોષ થઈ જાય છે. (૪) બીજામાં જેનું મન સ્થિર થયું હોય ને અમારો નિશ્ચય પણ દૃઢ હોય તોપણ તેના હૈયામાં આનંદ આવતો નથી તે મોટી ખોટ્ય છે. (૫) અને કોઈ હરિજનનો દોષ દેખવામાં આવે, ત્યારે એનો ભારે સંસ્કાર છે તો સત્સંગ મળ્યો છે એમ ગુણ લેવો એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૬) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં પ્રકૃતિપુરુષથી પર જ્ઞાન કહ્યું તે પર જ્ઞાન કેવી રીતે જાણવું ?
૧ ઉ. શ્રીજીમહારાજને જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂર્તિમાન મૂળઅક્ષરકોટિથી પર ને એ સર્વેના કર્તા ને એ સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા થકા અતિશે નિર્લેપ, નિર્વિકાર ને અતિશે અસંગી ને એ સર્વેથી જુદા જાણે, અને પોતાના ધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે પોતાના મુક્ત તેમને સુખદાતા, ને સર્વ સુખમય મૂર્તિ એવા જાણે, ને શ્રીજીમહારાજના તેજરૂપ જે પોતાનો આત્મા તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને સાક્ષાત્કાર દેખે તે જ્ઞાન પ્રકૃતિપુરુષથી પર કહેવાય. અને તે મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેવાય તે સ્થિતિ જાણવી.
૨ પ્ર. એકરસ ચૈતન્ય ભાસે છે એમ કહ્યું તે એકરસ ચૈતન્ય તે શું જાણવું ?
૨ ઉ. શ્રીજીમહારાજના તેજને એકરસ ચૈતન્ય કહ્યું છે તેને દેખે છે.
૩ પ્ર. ક્યારેક એકલો પ્રકાશ દેખાય ને મૂર્તિ ન દેખાય એમ કહ્યું તેનો શો હેતુ હશે ?
૩ ઉ. જ્યાં સુધી સિદ્ધદશા પરિપક્વ ન થઈ હોય ત્યાં સુધી કોઈક વખતે શ્રીજીમહારાજના તેજરૂપ પોતાના આત્માને વિષે મૂર્તિ દેખાય, ને કોઈ વખત ન દેખાય અને જ્યારે પરિપક્વ સિદ્ધદશા જેવી (કા. ૭ના ૪/૫ ચોથા પ્રશ્નમાં) કહી છે તેવી દૃઢ થાય ત્યારે મૂર્તિ સદાય દેખાય.
૪ પ્ર. (ત્રીજી બાબતમાં) પ્રકાશ, પ્રણવ ને નાદ કહ્યો તે શો સમજવો ?
૪ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજ છૂટે છે તેના ઝણઝણાટ જુદા જુદા શબ્દ થાય છે તે શબ્દને પ્રણવ કહ્યો છે અને તે પ્રણવનો ઘોષ થાય છે, તે ઘોષને નાદ કહ્યો છે, અને એ તેજને પ્રકાશ કહ્યો છે.
૫ પ્ર. (ચોથી બાબતમાં) અમારે વિષે દોષ દેખાય એમ કહ્યું, તે મનુષ્ય રૂપે હતા ત્યારે તો દોષ જોનારા ને દેખાય પણ આજ દોષ શી રીતે લેવાતા હશે ?
૫ ઉ. શ્રીજીમહારાજનાં ચરિત્ર શાસ્ત્રમાંથી સાંભળીને સંશય કરે તે શ્રીજીમહારાજનો દોષ લીધો કહેવાય.
૬ પ્ર. (૨/૫ બીજા પ્રશ્નમાં) નારદ-સનકાદિક કહ્યા તે કોને જાણવા ?
૬ ઉ. પોતાના મુક્તોને આ ઠેકાણે એ નામે કહ્યા છે. ।।૨૪।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૫
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૭ સપ્તમીને દિવસ પ્રભાત સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળો ફેંટો બાંધ્યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, (૧) બ્રહ્માનંદ સ્વામીએ કાલ્ય પ્રશ્ન પૂછ્યો હતો તેનો ઉત્તર વળી આજ કરીએ છીએ જે, ઇન્દ્રિયો-અંતઃકરણ પોતાને વશ હોય તોય પણ અંતર સૂનું રહે છે તેનું એ કારણ છે જે, એને એકલું સાધનનું બળ છે પણ ભગવાનના નિશ્ચયનું તથા આત્મજ્ઞાનનું બળ નથી, માટે એના અંતરમાં ન્યૂનતા રહે છે. તે સારુ ભગવાનના નિશ્ચયનો પ્રતાપ, તથા ભગવાનના મહિમાનો પ્રતાપ, તથા પોતાના જીવાત્માને બ્રહ્મ રૂપે માનવો, એ ત્રણ વાનાં તો એને અતિશે દૃઢ જાણ્યાં જોઈએ છીએ. અને એમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી તેને તેજ અતિશે દેખાણું તે તેજ જોઈને ચીસ પાડવા માંડી ને કહ્યું જે, હું બળું છું માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચ્યપ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે, તારું સ્વરૂપ તો આત્મા છે; દેહ નથી, ને આ લાડકીબાઈ નામ ને ભાટનો દેહ તે તું નથી, ને અછેદ્ય, અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે, ને પ્રકાશ દેખાય છે. ને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિષે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશે ઘણો દેખાય છે. અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશે નાદ સંભળાય છે ને તેથી તેજ પણ અતિશે દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિષે જાય છે તેમ તેમ વધુ વધુ નાદ સંભળાય છે, ને વધુ ને વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશે તેજ દેખાય છે, ને અતિશે નાદ થાય છે, ને કડાકા અતિશે થાય છે તે ગમે તેવો ધીરજવાન હોય તોપણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા ને મહા શૂરવીર હતા. તોપણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહિ માટે એમ બોલ્યા જે, હે મહારાજ ! આ રૂપ જોવાને હું સમર્થ નથી. માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિષે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે ને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી, તે સારુ દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. (૧) અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે : એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે; અને બીજો પ્રકાર એ છે જે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે તો જ્યારે સર્વે ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય ને તે ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય તો જ્યારે સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ, જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીસ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહિ, અને તે વીસે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશે બળવાન પ્રવાહ થાય તે કોઈનો હઠાવ્યો પાછો હઠે નહિ, તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે, ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર-ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ જ ત્વચા-ઇન્દ્રિય દ્વારે હજારું જાતના જે સ્પર્શ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમ જ નેત્ર-ઇન્દ્રિયની વૃત્તિ તે હજારું જાતનાં જે રૂપ તેને વિષે ફેલાઈ જાય છે, તેમ જ રસના-ઇન્દ્રિયની વૃત્તિ તે હજારું જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ નાસિકા-ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમ જ કર્મ-ઇન્દ્રિયોની વૃત્તિયું પણ પોતપોતાના વિષયને વિષે હજારું પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે દશે ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારું પ્રકારે ફેલાઈ ગયું છે તે જ્યારે ચિત્ત તે ભગવાનનું જ ચિંતવન કરે, અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે, અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિશ્ચય કરે, અને અહંકાર તે હું આત્મા છું, ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી. અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે તે અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિ એ જે આઠ અંગ તેણે યુક્ત છે. ને એ અષ્ટાંગ યોગ તે સાધનરૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિષે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે, ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે, અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિષે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે, માટે જેમ અષ્ટાંગયોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપને વિષે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગયોગ વગર સાધે સધાઈ રહ્યો, માટે એવો જે ભગવાનના સ્વરૂપનો મહિમા તેને મૂકીને એકલું સાધનનું બળ લે છે તેને કોઈ રીતે અંતરમાં સુખ રહેતું નથી અને તેનું અંતકાળે પણ સારું થાતું નથી. માટે સાધન છે, વર્તમાન છે, તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવાં, જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું-ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીએ જ નહિ તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહિ, કેમ જે એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે, અને ભગવાનનો નિશ્ચય તથા ભગવાનનું માહાત્મ્ય તથા વૈરાગ્યે સહિત આત્મજ્ઞાન એ ત્રણની અતિશે દૃઢતા રાખવી ને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું જે મુને સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ મળ્યા છે. ને તેની આજ્ઞામાં રહીને હું તેનું ભજન કરું છું, માટે હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી, ને તે સમજણને કેફે કરીને છકી પણ જાવું નહિ, અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહિ, અને જો અકૃતાર્થપણું માને તો એને ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારાપાટમાં બીજ વાવ્યું તે ઊગ્યું જ નહિ, ને જો છકી જઈને જેમતેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું, માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈક પ્રકારની ન્યૂનતા રહે નહિ. એમ કહીને શ્રીજીમહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૫।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો નિશ્ચય, મહિમા ને આત્મનિષ્ઠા એ ત્રણે ન હોય તેને એકલા સાધનથી કૃતાર્થપણું મનાતું નથી ને એ ત્રણનું બળ હોય તેને પૂર્ણકામ ને કૃતાર્થપણું મનાય છે. (૧) અને સમાધિના બે પ્રકાર કહ્યા છે. (૨) બાબતો છે.
૧ પ્ર. (પહેલી બાબતમાં) નિશ્ચય કહ્યો તે કેવો જાણવો ?
૧ ઉ. પુરુષ, કાળ, બ્રહ્મ, અક્ષર તથા મુક્ત એ સર્વેથી શ્રીજીમહારાજને પર, સદા સાકાર, સર્વેના કર્તા, નિયંતા, ને સર્વેના અંતર્યામી જાણવા, તે નિશ્ચય કહેવાય.
૨ પ્ર. શ્રીજીમહારાજનો મહિમા કહ્યો તે કેવો જાણવો ?
૨ ઉ. શ્રીજીમહારાજ જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિથી પર છે, ને સદા સાકાર મૂર્તિ છે, ને સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને એ સર્વેમાં અન્વયપણે રહ્યા થકા પોતાના તેજરૂપ અક્ષરધામમાં વ્યતિરેકપણે રહ્યા છે, એવો મહિમા જાણે તે મહિમા જાણ્યો કહેવાય.
૩ પ્ર. જીવાત્માને બ્રહ્મરૂપ માનવો એમ કહ્યું તે બ્રહ્મરૂપ એટલે કેવો માનવો ?
૩ ઉ. બ્રહ્મરૂપ એટલે શ્રીજીમહારાજના તેજરૂપ માનવો તે બ્રહ્મરૂપ માન્યો કહેવાય.
૪ પ્ર. (પહેલી બાબતમાં) નાદ સંભળાય છે, ને પ્રકાશ દેખાય છે એમ કહ્યું તે કોનો હશે ?
૪ ઉ. જેના જેના સ્થાનકને વિષે જાય તે તે સ્થાનના અધિપતિના તેજમાંથી ધ્વનિ થાય છે તેને આ ઠેકાણે નાદ કહ્યો છે અને પ્રકાશ પણ તે તે સ્થાનોના અધિપતિઓનો છે, તે દેખે છે.
૫ પ્ર. (બીજી બાબતમાં) સાક્ષાત્ પુરુષોત્તમ મળ્યા છે એમ કહ્યું, તે સાક્ષાત્ મળ્યા ક્યારે કહેવાય?
૫ ઉ. શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે દર્શન દેતા હોય, ત્યારે ધામમાં જે મૂર્તિ છે, તે જ આ મૂર્તિ છે એમ જાણે, અને પ્રતિમા રૂપે દર્શન આપતા હોય, ત્યારે તે પ્રતિમાને ધામમાં મૂર્તિ છે તે જ જાણે, ને આજ્ઞામાં રહીને ભક્તિ કરે તો સાક્ષાત્ મળ્યા કહેવાય.
૬ પ્ર. છકી જાવું નહિ એમ કહ્યું તે કેમ વર્તે તો છકી ગયો કહેવાય ?
૬ ઉ. શ્રીજીમહારાજના જ્ઞાનનો ને મહિમાનો ઓથ લઈને વર્તમાનમાં ફેર પાડે ને સત્સંગના ધોરણ પ્રમાણે ન વર્તે, ને બીજાથી પોતાને અધિક માને, તે છકી ગયો કહેવાય. તેને પ્રથમ શ્રીજીમહારાજની કાંઈક કૃપા થઈ હોય, તેણે કરીને કાંઈક શુભ ગુણ પ્રાપ્ત થયા હોય તે જતા રહે, ને ઊલટો શ્રીજીમહારાજનો કોપ થાય. ।।૨૫।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૬
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૧૧ એકાદશીને દિવસ બપોરના સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા બે કાનને ઉપર ગુલદાવદીનાં મોટાં બે પુષ્પ ખોસ્યાં હતાં તથા પુષ્પનો તોરો પાઘને વિષે ખોસ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાળપખાજ લેઈને કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) હવે કીર્તન બોલવાં રાખો ને અમે આ એક વાતરૂપી કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું જે, હે મહારાજ ! બહુ સારું, તમે વાત કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનાં રસિક કીર્તન ગાતાં ગાતાં જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો તો ઠીક છે, ને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તો એમાં મોટી ખોટ્ય છે, કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે તેમ જ ગીત-વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રીઆદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે, માટે એ ભક્તને અવિવેકી જાણવો, અને ભગવાન અથવા ભગવાનના સંત તેનાં જે વચન તેને વિષે જેવો રસ જણાય છે, તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે, એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો. અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને, એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું, ને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે, અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઇચ્છે. અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે ત્યારે તે રસિક ભક્ત સાચો, તેમ જ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે એ રસિક ભક્ત સાચો, તેમ જ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય, તેણે કરીને પરમ આનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદ ન પામે તે રસિક ભક્ત સાચો, તેમ જ ભગવાનને ચડ્યા એવા જે તુલસી-પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીએ યુક્ત એવાં અત્તર-ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે પણ કોઈ અન્ય વિષયી જીવે દેહે અત્તર-ચંદનાદિક ચર્ચ્યાં હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય, એવી રીતે પંચે વિષય ભગવાન સંબંધી હોય તેને વિષે અતિશે પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચવિષય તેને વિષે અતિશે અભાવે યુક્ત વર્તે તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગે કરીને આનંદ પામે છે તેમ જ અન્ય સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ તેને યોગે કરીને જો આનંદ પામે છે તો એ ખોટો રસિક ભક્ત છે, કેમ જે જેમ ભગવાનને વિષે આનંદને પામ્યો તેમ જ વિષયને વિષે પણ આનંદ પામ્યો માટે એવા રસિકપણા ને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી, કાં જે ભગવાન તો કાંઈ ખોટા નથી, પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા માટે એની ભક્તિ ને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહ ને જાગ્રત અવસ્થામાં પંચવિષયનો વિવેક કહ્યો તેમ જ સૂક્ષ્મ દેહ ને સ્વપ્ન અવસ્થા તેને વિષે સૂક્ષ્મ પંચવિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધે કરીને જેવો આનંદ પમાય તેવો ને તેવો જ જો અન્ય પંચવિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભક્તનું રસિકપણું ખોટું છે; અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય ને અન્ય વિષયને વિષે ઊલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાણા તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે. અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે. અને જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતવન રહે છે ત્યારે ચિંતવન કરતાં કરતાં શૂન્યભાવને પામી જાય છે ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ-બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી. પછી એવા શૂન્યને વિષે ભગવાનની મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઈ આવે છે, ને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે, માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. (૧) અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાઓ છો, ત્યારે આંખ્યું મીંચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ, અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી, અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે ને તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઊડી જાય એવો અમારો બળવાન વિચાર છે. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે તે તમ આગળ કહ્યું. એમ શ્રીજીમહારાજે પોતાનું મિષ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૬।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું જે અમારા સંબંધી પંચવિષયમાં પ્રીતિવાન હોય, ને જગત સંબંધી પંચવિષયમાં અભાવ રહે, તે સ્થૂળ દેહ ને જાગ્રત અવસ્થાનો વિવેક છે. અને સ્વપ્નમાં અમારા સ્વરૂપ વિના એટલે મૂર્તિ વિના બીજા વિષયમાં ન લોભાય તે સૂક્ષ્મ દેહ ને સ્વપ્ન અવસ્થાનો વિવેક છે. અને કારણ દેહમાંથી પંચવિષયની સારપ ટાળીને કેવળ અમારી મૂર્તિનું ચિંતવન કરે તે ચિંતવન કરતાં કરતાં દેહાદિકની વિસ્મૃતિ થાય એ કારણ દેહ ને સુષુપ્તિ અવસ્થાનો વિવેક છે. અને શૂન્યભાવ એટલે આકાશવત્ નિર્લેપ કહેતાં માયાથી રહિત નિર્ગુણ થઈને પોતાને વિષે અમારી મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઈ આવે, ને તે પ્રકાશમાં અમારી મૂર્તિ દેખાય છે તે જીવાત્માનો વિવેક છે. (૧) અને અમારે વિષે પ્રીતિમાં કોઈ વિષય આડો ન આવે તે વિચાર બળવાન છે. (૨) બાબતો છે. ।।૨૬।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૭
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ દિવસ ઊગ્યા પહેલાં શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે, (૧) પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઇચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે, માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય જે, આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વર્ષાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય, ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે ને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દશ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે ને તેમાં ગાજવીજ થાય છે. એવાં અનંત આશ્ચર્ય છે તે સર્વે મુને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે પણ પ્રગટ પ્રમાણ જે આ ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે જે અનંત પ્રકારનાં આશ્ચર્ય થઈ ગયાં છે તથા હમણાં જે થાય છે તથા આગળ થાશે તે સર્વે મુને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે અને વળી પોતે એમ સમજતો હોય જે, ચહાય કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચહાય કોઈ ગમે તેવું અપમાન કરો, ચહાય કોઈ હાથીએ બેસારો, ચહાય કોઈ નાક-કાન કાપીને ગધેડે બેસારો, તેમાં મારે સમભાવ છે તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે, અને એવી સામર્થી યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે, કાં જે સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહિ; એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો છે જે પોતાના નેત્રમાં ભગવાન જોનારા છે તે બ્રહ્માંડમાં જેટલાં જીવ-પ્રાણી છે તેના નેત્રને પ્રકાશે છે, અને પોતાના પગમાં ચાલનારા જે ભગવાન તે બ્રહ્માંડમાં સર્વે જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષે છે, એમ એ સંતની ચૌદે ઇન્દ્રિયો દ્વારે કરીને બ્રહ્માંડમાં સર્વે જીવોની ઇન્દ્રિયોને સચેતન કરે છે, માટે એ સંત તો સર્વે જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશે મોટ્યપ છે, ને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. (૧) અને જે આંખ્યું કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે, હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે એવા જે જગતમાં જીવ છે, તે ભગવાનના ભક્ત નથી; એ તો માયાના જીવ છે, અને યમપુરીના અધિકારી છે. ને એવાની જે મોટ્યપ છે તે સંસારના માર્ગમાં છે, જેમ સંસારમાં જેને ઘોડું ચઢવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો; અને એક ઘોડું જેને હોય તેથી જેને પાંચ ઘોડાં હોય તે મોટો એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર-વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. (૨) અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશે રૂપવાન છે, ને આ વસ્ત્ર તો અતિશે સારું છે, અને આ મેડી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો અતિશે સારી છે, ને આ પાત્ર તો અતિશે સારું છે, એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થાશે કે નહિ થાય ? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનુંય થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દહાડે આવતી નથી, તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાં જે એ પાત્ર થયો નથી. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૨૭।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમને સર્વે કર્તા-હર્તા જાણે, અને માન-અપમાન તથા સર્વ પદાર્થને વિષે સમભાવ થાય, એના હૃદયમાં અમે નિવાસ કરીએ છીએ. પછી તે ભક્ત અમારે પ્રતાપે કરીને અનંત ઐશ્વર્યને પામે છે, ને અનંત જીવોના ઉદ્ધારને કરે એવો સમર્થ થાય છે. (૧) અને ગરીબને બિવરાવે તથા સિદ્ધાઈ દેખાડીને લોકોને બિવરાવે તે માયાના જીવ છે, ને યમપુરીના અધિકારી છે. (૨) અને રૂપવાન સ્ત્રી, સારી મેડી, સારું વસ્ત્ર તેમાં મોહ પામે એવા ગૃહસ્થ તથા સારી તુંબડી, સારું પાત્ર તેમાં મોહ પામે એવા ત્યાગી તે તુચ્છ બુદ્ધિવાળા છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. (પહેલી બાબતમાં) આગળ થઈ ગયાં ને આજ થાય છે ને આગળ થશે તે સર્વે આશ્ચર્ય અમારાં જાણવાં એમ શ્રીજીમહારાજે કહ્યું તે આગળ તો બીજા અવતારોએ આશ્ચર્ય કર્યા છે, અને પછી થશે તે પણ બીજા અવતારો થશે તે કરશે તે બીજા અવતારોનાં કરેલાં આશ્ચર્ય તે શ્રીજીમહારાજનાં કેવી રીતે જાણવાં ?
૧ ઉ. શ્રીજીમહારાજનાં આપેલાં ઐશ્વર્ય વડે કરીને સર્વે અવતારો આશ્ચર્ય જણાવે છે, માટે સર્વે આશ્ચર્ય શ્રીજીમહારાજનાં છે એમ જાણવું.
૨ પ્ર. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યાદિક અનંત શુભગુણેસંપન્ન થાય અને તેમાં શ્રીજીમહારાજ નિવાસ કરે ત્યારે તે ભક્ત કેવો કહેવાય ?
૨ ઉ. શ્રીજીમહારાજ નિવાસ કરે ત્યારે તે ઉત્તમ એકાંતિક ભક્ત કહેવાય.
૩ પ્ર. એ સંતને સર્વ જગતના આધારરૂપ કહ્યા તે આધાર કેવી રીતે સમજવા અને સર્વની ઇન્દ્રિયોને સચેતન કરે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. આ ઠેકાણે આધારરૂપ એટલે સર્વ જીવમાત્રને આશ્રય કરવારૂપ કહ્યા છે પણ ધારણ કરનાર કહ્યા નથી અને એવા એકાંતિકને વિષે શ્રીજીમહારાજ રહીને તેનો આશ્રય કરનારને પોતાના સ્વરૂપનું જ્ઞાન સમજાવે ને એની ઇન્દ્રિયોને વિષયને માર્ગેથી પાછી વાળીને પોતાને સન્મુખ ચાલવાની સામર્થી આપે છે એમ સચેતન કરે છે એમ કહ્યું છે.
૪ પ્ર. (બીજી બાબતમાં) ગરીબને દુખાડે તો યમપુરીમાં જાય એમ કહ્યું અને (પ્ર. ૭૨ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) ગરીબને દુખાડ્યાનું બ્રહ્મહત્યા જેટલું પાપ કહ્યું છે તથા (વ. ૧૧ના પહેલા પ્રશ્નમાં ) ગરીબને દુખાડવાથી જીવ નાશ પામે છે એમ કહ્યું છે તે જે ગરીબને દુખાડવાથી યમપુરીમાં જવાય તે ગરીબ કેવો જાણવો ? અને જે ગરીબને દુખવેથી બ્રહ્મહત્યા જેટલું પાપ થાય તે ગરીબ કેવો જાણવો ? અને જે ગરીબને દુખવેથી જીવ નાશ પામે તે ગરીબ કેવો જાણવો ?
૪ ઉ. દબાઈને સામો થઈ શકે નહિ એવા ગરીબને દુખવે તો યમપુરીમાં જાય અને પહોંચી શકે એવો હોય પણ સ્વભાવે ગરીબ હોય તેને દુખવે તો બ્રહ્મહત્યા જેવું પાપ થાય અને સ્વભાવે ગરીબ હોય ને બ્રહ્મચર્ય-અહિંસાદિક ધર્મને વિષે અતિશે દૃઢતાવાળો હોય ને દુખવનારનું ભૂંડું થવાનો સંકલ્પ પણ કરે નહિ એવા ગરીબને દુખવે તો જીવ નાશ પામી જાય.
૫ પ્ર. (ત્રીજી બાબતમાં) સંતતા કહી તે કેવી જાણવી ? અને સંતના ગુણ કહ્યા તે કિયા જાણવા ?
૫ ઉ. સર્વ પદાર્થને વિષે તથા માન-અપમાનને વિષે સમભાવ તથા સહનશક્તિ તે સંતતા જાણવી અને આત્યંતિક કલ્યાણરૂપી પોષણ કરવાની સામર્થી તે સંતના ગુણ જાણવા.
૬ પ્ર. સત્સંગમાં પામર જેવો હોય તેનું પણ કલ્યાણ થાય છે એમ કહ્યું તે પામર જેવો કોને જાણવો ? તથા વિષયી તથા મુમુક્ષુ તથા પતિતનાં કેવાં લક્ષણ હોય ?
૬ ઉ. શ્રીજીમહારાજની બાંધેલી પંચવર્તમાનની મર્યાદા યથાર્થ પાળે પણ સાર-અસારનો કાંઈ વિવેક ન હોય, ને પ્રમાદી હોય, ને સત્સંગની સેવા કાંઈ પણ કરે નહિ, અને ધ્યાનભજન આદિક સાધન કરે નહિ, એ પામર કહેવાય. અને જે પંચવર્તમાનમાં રહીને નવધાભક્તિ આદિક શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન કરે, અને શ્રીજીમહારાજને પામવાની એટલે આત્માને વિષે દેખવાની ઇચ્છા રાખે, પણ તેનો ઉપાય ન કરે તે વિષયી કહેવાય. અને જે પંચવર્તમાનમાં રહીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા માહાત્મ્યે સહિત નિષ્કામભક્તિ આદિક શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન કરે, અને શ્રીજીમહારાજને પોતાના આત્માને વિષે દેખવાનો અતિ આગ્રહપૂર્વક અભ્યાસ કરે, તે મુમુક્ષુ જાણવો અને જે પંચવર્તમાનમાં ફેર પાડે તેને તો પતિત જાણવો ને તેનાથી કોઈ સાધન સિદ્ધ થાય જ નહિ, ને તેનું કલ્યાણ પણ થાય જ નહિ. ।।૨૭।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૮
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી.
૧ તે સમે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ્ વાસનાની વૃદ્ધિ થાય છે, ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગીમાત્રનો અવગુણ આવે છે, ને પોતાના હૈયામાં એમ જાણે જે, સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું, એમ સર્વેથી અધિક પોતાને જાણે, ને રાત્રિ-દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે, અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહિ, ને રાત્રિમાં સૂવે તો નિદ્રા પણ આવે નહિ, ને ક્રોધ તો ક્યારેય મટે જ નહિ, ને અર્ધબળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે, ને એેવો હોય ને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહિ ને અંતે પાછો પડી જાય છે. (૧) અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસે સત્સંગીમાત્રનો હૈયામાં ગુણ જ આવે. અને સર્વે હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે, ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે, એવાં લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે, ને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થાતો જાય, ને અતિશે મોટ્યપને પામી જાય છે. એવી રીતે શ્રીજીમહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૮।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ્ વાસના વૃદ્ધિ પામે ને સત્સંગીમાત્રનો અવગુણ આવે ને પાછો પડી જાય. (૧) અને સત્સંગમાં વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે, ને સત્સંગીનો ગુણ આવે, ને સત્સંગમાં મોટ્યપ પામે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. (બીજી બાબતમાં) આનંદ વર્તે તથા મોટ્યપ પામે એમ કહ્યું તે આનંદ ને મોટ્યપ શી સમજવી ?
૧ ઉ. શ્રીજીમહારાજનો નિશ્ચય સર્વોપરી હોય, ને પંચવર્તમાન દૃઢપણે પાળતા હોય, તેવા સત્સંગીમાત્રનો ગુણ આવે તેણે કરીને તેમને વિષેથી મનુષ્યભાવ ટળીને મુક્તપણાની બુદ્ધિ થાય જે મુને સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુક્ત મળ્યા, ને દેહ મૂકીને જેને પામવા હતા તે છતે દેહે મળ્યા એમ જાણે તેથી આનંદ આવે તે સત્સંગનો આનંદ જાણવો. અને પોતે મુક્ત થાય એ અતિશે મોટ્યપ સમજવી. ।।૨૮।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૨૯
સંવત ૧૮૭૬ના પોષ સુદિ ૧૫ પૂનમને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળાં પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે ધોળાં પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિ કેમ પામે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એના ઉપાય ચાર છે : એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ. તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે, ને દેશ, કાળ ને સંગનું કારણ વિશેષ છે, કેમ જે જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય, ને તમ જેવા સંતનો સંગ હોય, તો ત્યાં ક્રિયા રૂડી જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતર્યું ને ભડવા, અથવા દારૂ-માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય, માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘું-પાછું ખસી નીસરવું. અને સંગ પણ પ્રભુના ભક્ત ને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો, તો હરિભક્તને પરમેશ્વરની તે ભક્તિનું બળ અતિશે વૃદ્ધિ પામે એ પ્રશ્નનો એ ઉત્તર છે. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરુ સરખું હોય, અને પછી તો અતિશે શુદ્ધ થઈ જાય છે, તે એને કોઈ પૂર્વેનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું ? કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું ? કે એ હરિભક્તને પુરુષપ્રયત્ને કરીને થયું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે, જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય, અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે, એવી રીતે થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. અને જે રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જ સારો થાય તે તો એ ભક્તનો પુરુષપ્રયત્ન કહેવાય. પછી શ્રીજીમહારાજે પોતાની વાત કરી જે, અમે જે જે સાધન કર્યાં હતાં, તેને વિષે કોઈ રીતે દેહ રહે જ નહિ, ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું ? તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા, ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા ત્રણ-ચાર ગાઉના પહોળા પટવાળી એક નદી હતી તેને વિષે શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો ને ચોમાસું તેને વિષે છાયા વિના એક કૌપિનભર રહેતા તથા ઝાડીને વિષે વાઘ-હાથી તથા અરણા-પાડા તેની ભેળે ફરતા, એવાં એવાં અનંત વિકટ ઠેકાણાં તેને વિષે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહિ ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું અને પોતાને વિચારે કરીને પોતાને સમાસ થાય તેને તો પુરુષપ્રયત્ન કહીએ. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજીમહારાજ હસતાં હસતાં પોતાને આસને પધાર્યા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૯।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં દેશકાળાદિક સારા સેવે, અને પંચવર્તમાને યુક્ત એવા બ્રહ્મવેત્તા સાધુનો સંગ કરે, તો અમારી ભક્તિનું બળ અતિશે વૃદ્ધિ પામે છે. (૧) બીજામાં પૂર્વનું પ્રારબ્ધ, તથા અમારી ને અમારા મુક્તની કૃપા, તથા પુરુષપ્રયત્ન એ ત્રણ પ્રકારે અંતર શુદ્ધ થાય છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. ઘણાંક વચનામૃતોમાં દેશકાળાદિક કહ્યા છે, તે કેવા કેવા પ્રકારના જાણવા ?
૧ ઉ. (પ્ર. ૨માં) રૂપવાન સ્ત્રીનો એકાંતમાં યોગ થાય ને ધર્મમાંથી પાડવાનો આગ્રહ કરે, તથા આજ્ઞા વિરુદ્ધ ઘણુંક ધન પ્રાપ્ત થતું હોય તે કઠણ દેશકાળ કહ્યા છે. અને આમાં (પહેલા પ્રશ્નમાં) ધર્મવાળા ભગવાનના ભક્ત રહેતા હોય તે સ્થળને પવિત્ર દેશ કહ્યો છે, અને કોઈ પ્રકારનો ઉપદ્રવ ન હોય તે પવિત્ર કાળ કહ્યો છે, અને શ્રીજીમહારાજના એકાંતિક સંતનો સંગ હોય તે પવિત્ર સંગ કહ્યો છે, અને જે સ્થળમાં પાપી પુરુષો રહેતા હોય તે સ્થળને ભૂંડો દેશ કહ્યો છે, અધર્મીજનો ભગવાન ભજવામાં તથા ધર્મ પાળવામાં વિઘ્ન કરતા હોય તે ભૂંડો કાળ કહ્યો છે, અને ઉપર કહ્યા એવા પાપી પુરુષોનો સંગ થાય, તે ભૂંડો સંગ કહ્યો છે, અને (પ્ર. ૫૫/૧માં તથા મ. ૩૨/૪માં તથા ૩૯ના પહેલા પ્રશ્નમાં, તથા છે. ૧૪ના ૨/૨.૩ બીજા પ્રશ્નમાં, તથા ૧૫ તથા ૩૫ના પહેલા પ્રશ્નમાં) ભૂંડા તથા રૂડા દેશાદિક કહ્યા તે આ (૨૯માં) ભૂંડા તથા પવિત્ર દેશાદિક કહ્યા તેવા જાણવા, અને (પ્ર. ૫૯ના ચોથા પ્રશ્નમાં) શુભ-અશુભ દેશકાળાદિકના હેતુ પુરુષને કહ્યા છે, અને (૭૮ના બાવીસમા પ્રશ્નમાં) જે સ્થળમાં શત્રુ બહુ રહેતા હોય, તથા નાતનો તથા રાજાનો ઉપદ્રવ હોય, તથા ધનનો તથા લાજનો નાશ થતો હોય તે વિષમ દેશાદિક કહ્યા છે અને (લો. ૬ના ૧૮/૨૧ અઢારમા પ્રશ્નમાં) જે સ્થળમાં ત્યાગીઓને પોતાના દેહના સંબંધી રહેતા હોય તે દેશમાં રહેવું તે કઠણ દેશ કહ્યો છે, અને શ્રીજીમહારાજનાં દર્શન ભેળાં સ્ત્રીઓનાં દર્શન થતાં હોય તેવો સંગ તે કઠણ સંગ કહ્યો છે, અને મંદિરો આદિક કારખાનાં થાતાં હોય તેમાં સ્ત્રીઓ વારંવાર જોવામાં આવે તે કઠણ ક્રિયા કહી છે ને જે સ્થળમાં મારકૂટ થતી હોય તેને વિષમ કાળ કહ્યો છે, અને (લો. ૧૦ના ૪/૫ ચોથા પ્રશ્નમાં) કાળ કહ્યો તે (પ્ર. ૭૮માં) કહ્યો તેવો જાણવો. અને (૬ બાબતમાં) યુગના ધર્મને કાળ કહ્યો છે, તેમાં કળિયુગના ધર્મને વિષમ કાળ કહ્યો છે, અને (લો. ૧૭ના બીજા પ્રશ્નમાં તથા વ. ૧૨/૨માં તથા છે. ૧૧ના ત્રીજા પ્રશ્નમાં) પ્રગટ ભગવાન જે શ્રી સ્વામિનારાયણ તેમના દ્વેષીનો સંગ થાય તે ભૂંડા દેશાદિક કહ્યા છે, અને (મ. ૫૧ના બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની બાંધેલી મર્યાદામાં રહે તે રૂડા દેશાદિક કહ્યા છે, અને મર્યાદાથી બહાર વર્તે તે ભૂંડા દેશાદિક કહ્યા છે, અને (મ. ૫૬/૨માં) જે દેશમાં માન-મોટ્યપનો તથા માયિક પદાર્થનો ઘણો યોગ થાતો હોય તેને ભૂંડા દેશાદિક કહ્યા છે, અને (છે. ૨૬ના બીજા પ્રશ્નમાં) માનરૂપી દોષને ભૂંડા દેશાદિક કહ્યા છે.
૨ પ્ર. (બીજા પ્રશ્નમાં) હસતાં હસતાં પધાર્યા એમ કહ્યું તે હસવાનું શું કારણ હશે ?
૨ ઉ. અમારો દેહ પ્રારબ્ધે કરીને રહ્યો એમ કહ્યું તેથી કેટલાક શ્રીજીમહારાજને પ્રારબ્ધ છે એમ સમજ્યા તેથી હસ્યા જે અમારે માથે પણ પ્રારબ્ધ ઠરાવ્યું. ।।૨૯।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૦
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧ પડવાને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની હારે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળાં પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિષે ધોળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિષે ધોળાં પુષ્પના તોરા લટકતા હતા ને ધોળાં પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે તો પ્રશ્ન-ઉત્તર કરો ત્યારે શ્રીજીમહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું જે, (૧) હે મહારાજ ! કોઈક સમે તો હજારું ઘાટ થાય પણ તેનો મનને વિષે ડંસ બેસે નહિ અને કોઈક સમે તો અલ્પ ઘાટ થાય તેનો પણ મનને વિષે ડંસ બેસે તેનું કારણ શું છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનું કારણ તો ગુણ છે તે જ્યારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે તેમાં ઘાટનો ડંસ બેસે નહિ અને જ્યારે સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે માટે તે ઘાટનો પણ ડંસ બેસે નહિ અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિષે ડંસ બેસે. માટે ડંસ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમે ઘાટ થાય તે સમે તે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે ને ઘડી ઘડી, પળ પળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહિ, ને તમ જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિનમાં બે-ત્રણ-ચાર સ્થૂળ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે, અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થાતા હોય તે સામી દૃષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા-વિચાર્યા કરે, તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે, જે ગુણના ઘાટ થાતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે, ને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે, અને સત્સંગ વિના તો બીજાં કોટિ સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહિ, અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે-વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશે મોટો છે, અને બીજાં સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહિ, કાં જે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થાતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન, કર્મ, વચને નિષ્કપટપણે સત્સંગ કરવો, તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જાશે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૩૦।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં રજોગુણમાં ઘાટનો ડંસ બેસે છે, ને નિષ્કપટપણે સત્સંગ કરે તો ઘાટની નિવૃત્તિ થઈ જાય એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. અમારી વાર્તાને વિચારે તો ઘાટ ટળી જાય એમ કહ્યું તે વાત શી જાણવી ?
૧ ઉ. શ્રીજીમહારાજના મહિમારૂપ વાર્તા જાણવી. તે મહિમા એવો જાણવો જે, શ્રીજીમહારાજને જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર એ સર્વેના કર્તા, નિયંતા, આધાર, સર્વેને સુખના દાતા ને જેની સત્તાના પ્રતાપથી મૂળઅક્ષરકોટિ આદિક અનંત ઐશ્વર્યાર્થીઓ તે બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિક કરે છે, એવા અતિ સમર્થ ને સર્વ સુખમય મૂર્તિ શ્રીજીમહારાજને જાણે. આવો મહિમા વિચારે, ત્યારે બીજેથી પ્રીતિ ટળીને એક શ્રીજીમહારાજને વિષે જ પ્રીતિ થાય, ને નિરુત્થાન થવાય ને શ્રીજીમહારાજનું અખંડ ચિંતવન થાય. ।।૩૦।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૧
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૨ બીજને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં.
૧ ને તે સમે કોઈક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ભગવાનના ભક્ત બે હોય તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુઃખવે નહિ, ને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન-વસ્ત્ર-પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઈને દુઃખવાય ખરું, એવી રીતના બે ભક્ત તેમાં કિયો શ્રેષ્ઠ છે ? પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો નહિ, ને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવ્યા ને એ પ્રશ્ન સંભળાવ્યો, ને પછી કહ્યું જે, એનો ઉત્તર તમે કરો. ત્યારે એ બે જણે ઉત્તર કર્યો જે, વચને કરીને કોઈને દુઃખવે છે પણ ભગવાનની અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે ને નિવૃત્તિને વિષે રહે છે ને કોઈને દુઃખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થાતી નથી તેને અસમર્થ સરખો જાણવો, ને જે ટેલ-ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. (૧) પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એ ઉત્તર ઠીક કર્યો, ને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દૃઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ્ય છે, અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ્ય દેખાય ખરી. અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ્ય દેખાય ખરી, ને તે દોષને જોનારે ખોટ્ય કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં ? તે તો કલ્યાણકારી જ છે. પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂઝે, જેમ શિશુપાળ એમ જ કહેતો જે, પાંડવ તો વર્ણસંકર છે ને પાંચ જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે, કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો ને મધના પૂડા ઉખેડ્યા તેણે કરીને એને મધુસૂદન કહે છે પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી, ને વર્ણસંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો તેણે કરીને શું એ ભગવાન થયો ? એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો, માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. (૨)
૨ ત્યારે ફરીને તે હરિભક્તે પૂછ્યું જે, (૨) હે મહારાજ ! મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહિ પણ જેવોતેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ તમે સમજો છો તેમ નાન્યપ-મોટ્યપ નથી; મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે ને એ બે વાનાં જેને ન હોય, ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તોપણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટ્યપ તો આજ આપણા સત્સંગમાં સર્વે હરિભક્તને વિષે છે, કેમ જે આજ જે સર્વે હરિભક્ત છે, તે એમ સમજે છે જે, અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે ને અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહસ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહિ, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩૧।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અમારી ને અમારા સંતની સેવા કરતો હોય તેનાથી વચને કરીને કોઈકને દુઃખવાય તોપણ તે નિવૃત્તિવાળા ભક્ત કરતાં શ્રેષ્ઠ છે. (૧) તેમાં અલ્પ સરખો દોષ દેખીને અવગુણ લે તેને અમારે વિષે પણ દોષ દેખાય, તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. (૨) બીજામાં અક્ષરાતીત પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ જે અમે તે અમારો નિશ્ચય હોય ને અમારી આજ્ઞામાં વર્તે તે મોટો છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) અલ્પદોષ જોઈને અવગુણ ન લેવો એમ કહ્યું તે કિયા જાણવા ?
૧ ઉ. બહુ બોલવાની ને ધાર્યું કરવાની પ્રકૃતિ હોય તથા દેહની ક્રિયા કોઈને મળતી આવે એવી ન હોય, ને સરળપણું ન હોય એવા સ્વભાવ હોય તે અલ્પદોષ જાણવા.
૨ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) અક્ષરાતીત તથા પ્રત્યક્ષ કહ્યા તે કિયા અક્ષરથી પર કહ્યા હશે ?
૨ ઉ. પોતાના તેજરૂપ અક્ષરથી પર કહ્યા છે. અને વચનામૃતમાં પ્રત્યક્ષ શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં શ્રીજીમહારાજને જ કહ્યા છે; તે ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના તરંગ (૨૨૭)માં કહ્યું છે :
आज्ञाप्यतं चेक एव ह्यगमं ब्रह्मधाम वै ।। तत्र: मत: परतरो न र्द्रष्ट: पुरुषोत्तम: ।।
मामेव पूज्यामासु: सर्वे ब्रह्मांडनायका: ।।૧૭।। अहमेवाडिखिलांडानां जन्मादे-र्हेतुरस्मि वै ।।मत: परतर: कश्तचिभास्त्येव भगवान कवचित् ।। मतेजसैव सूर्याघा: सन्ति तेजास्विनोडखिला: ।।૧૯।।
मदिच्छयैव ब्रह्मांड-स्थितिरस्ति न चान्यथा । एंव मया स्वस्वरुपं सर्वथाडस्ति सुनिश्तितम् ।।૨૦।।
અર્થ : તે ગરુડને પડ્યો મૂકીને અમે એકલા જ બ્રહ્મધામ જે અમારું અક્ષરધામ ત્યાં જતા હવા. ત્યાં અમારા વિના કોઈ બીજો પુરુષોત્તમ ન દેખ્યો, અને સર્વે બ્રહ્માંડના અધિપતિઓ અમારું પૂજન કરતા હવા. (૧૭) અને સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિકના કર્તા અમે જ છીએ; અમારા વિના બીજો કોઈ પણ ભગવાન કોઈ સમયને વિષે છે જ નહિ. અને અમારે તેજે કરીને સૂર્યાદિક કહેતાં સૂર્યથી આરંભીને બ્રહ્મા,વિષ્ણુ, શિવ, વૈરાજપુરુષ, પ્રધાનપુરુષ, મૂળપુરુષ, બ્રહ્મ તથા મૂળ અક્ષરાદિક સર્વે તેજસ્વી છે. (૧૯) અને અમારી ઇચ્છાએ કરીને સર્વે બ્રહ્માંડોની સ્થિતિ છે; બીજે કોઈ પ્રકારે નથી, એ રીતે અમે અમારું સ્વરૂપ સર્વ પ્રકારે નિશ્ચય કર્યુ છે. (૨૦) માટે મૂળઅક્ષરથી પર જે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ તેથી પર સર્વેના કારણ, સર્વાધાર પ્રત્યક્ષ ભગવાન તે શ્રીજીમહારાજ છે એમ જાણવું. ।।૩૧।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૨
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૩ ત્રીજને દિવસ પ્રભાત સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિષે કેસરની આડ કરી હતી ને ધોળાં પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિષે ધોળાં પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને કીર્તન ગવાતાં હતાં.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સાંભળો એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું જે, હે મહારાજ ! પૂછો. પછી શ્રીજીમહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા જે, આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચવિષય વિના રહી શકે નહિ, તે જેમ એ વિમુખ જીવને પંચવિષય છે, તેમ હરિજનને પણ પંચવિષય છે પણ તેમાં ભેદ છે, તે ભેદ કેમ છે તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે, ને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે, અને ભગવાનનાં ચરણારવિંદનો સ્પર્શ કરવો, અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે, અને ભગવાન અથવા સંત તેનાં દર્શન કરવાં તે નેત્રનો વિષય છે, અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા તે જીભનો વિષય છે, અને ભગવાનને ચડ્યાં એવાં જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે, અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી, અને નારદ-સનકાદિક જેવા અનાદિમુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી; તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા-કીર્તન-શ્રવણાદિક વિષયને ભોગવે છે, અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે તે ચારો કરીને રાત્રિને સમે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જાતાં નથી, તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા-કીર્તન-શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ-પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ-વિદેશ જાય છે પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે. એ સર્વે દૃષ્ટાંત-સિદ્ધાંત કહ્યાં, તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચવિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળમાત્ર ચાલતું નથી તેમ તમે ભગવાનની કથા-વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દૃઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહિ ?
૨ અને વળી બીજું પ્રશ્ન પૂછીએ છીએ જે, (૨) જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા-કીર્તનાદિકરૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાંત્યાં વિરામ કરો છો ? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે, ને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહિ ને જેનુંતેનું ખેતર ખાઈને જ્યાંત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો ? કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાંત્યાં બેસીને વિરામ કરો છો ? એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા જે, હે મહારાજ ! ભગવાનની કથા-કીર્તનાદિકના વિષયી પણ થયા છીએ, (૧) ને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. (૨) તે વાર્તાને સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા, અને વળી તે ને તે દિવસ બપોર નમતે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબાર વચ્ચે લીંબડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતે શ્રી વાસુદેવનારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા ને મુનિ કીર્તન બોલતા હતા.
૩ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે તો પ્રશ્ન-ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) કોઈ સમે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન-સ્મરણ થાય છે, ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે, અને કોઈ સમે તો અંતર ડોળાઈ જાય છે, ને ભજન-સ્મરણનું સુખ આવતું નથી તેનું શું કારણ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી.
૪ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) કેવી રીતે યુક્તિ જાણવી ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, યુક્તિ તો એમ છે જે, અંતઃકરણને વિષે ગુણનો પ્રવેશ થાય છે, તે જ્યારે સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન-સ્મરણ સુખે થાય, ને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય, ને ઘાટ-સંકલ્પ ઘણા થાય ને ભજન-સ્મરણ સુખે થાય નહિ. અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે, માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા ને જે સમે સત્ત્વગુણ વર્તતો હોય, તે સમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહિ, ને શૂન્ય સરખું વર્તે, તેમાં ભગવાનનું ધ્યાન ન કરવું અને જ્યારે રજોગુણ વર્તતો હોય, ત્યારે ઘાટ-સંકલ્પ ઘણા થાય, માટે તે સમે પણ ભગવાનનું ધ્યાન કરવું નહિ. ને તે સમે તો એમ જાણવું જે, હું તો સંકલ્પ થકી જુદો છું ને આત્મા છું અને એ સંકલ્પનો જાણનારો છું ને મારે વિષે અંતર્યામી રૂપે આ પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહિ, કેમ જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા બાળકનો રમાડનાર તેવું છે, ને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે, માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જાવું નહિ ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહિ ને પોતાને અને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩૨।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલા તથા બીજામાં અમારી કથા-કીર્તનાદિકના વિષયી થવું. (૧) અને અમારી મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવું. (૨) ત્રીજા તથા ચોથામાં સત્ત્વગુણ વર્તે, ત્યારે અંતરવૃત્તિએ અમારું ધ્યાન કરવું, પણ રજ-તમ વર્તતા હોય ત્યારે ન કરવું, ને રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણથી પોતાના આત્માને જુદો માનીને અમારું ભજન કરવું ને ઘાટથી કચવાવું નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. વચનામૃતોમાં ઘણે ઠેકાણે નારદ-સનકાદિક કહ્યા છે તેમાં કિયામાં પરોક્ષ નારદાદિકને કહ્યા હશે ? અને કિયામાં શ્રીજીમહારાજના મુક્તને કહ્યા હશે ?
૧ ઉ. (પ્ર. ૨૦ના બીજા પ્રશ્નમાં, ૨૪ના ૨/૫ બીજા પ્રશ્નમાં, ૩૩ના પહેલા પ્રશ્નમાં, ૬૮ના ચોથા પ્રશ્નમાં, પં. ૭/૨માં, મ. ૨માં, ૪૭/૨ તથા ૬૨ના બીજા પ્રશ્નમાં, અ. ૧ના પહેલા પ્રશ્નમાં, જે. ૪ના ૨/૫ બીજા પ્રશ્નમાં, છે. ૧૦ એમાં) શ્રીજીમહારાજે પોતાના સિદ્ધ મુક્તોને નારદ-સનકાદિક નામે કહ્યા છે. અને (પ્ર. ૧૮/૧.૪માં ૩૨ના પહેલા પ્રશ્નમાં, ૪૦ના પહેલા પ્રશ્નમાં, ૬૩ના બીજા પ્રશ્નમાં, લો. ૧૩ના બીજા પ્રશ્નમાં, મ. ૫/૨માં, ૯/૫માં, ૧૩/૩માં, ૧૪/૧માં, ૧૮માં, ૨૭ના ૩/૨ બીજા પ્રશ્નમાં, છે. ૩/૧માં, ૨૧/૧માં, ૨૨ના બીજા પ્રશ્નમાં, એમાં) પરોક્ષ નારદ-સનકાદિકને કહ્યા છે. અને (પ્ર. ૨૩ના પહેલા પ્રશ્નમાં, ૩૪ના ૧/૨ પહેલા પ્રશ્નમાં, ૩૭/૨માં, કા.૧૦ના પહેલા પ્રશ્નમાં, લો. ૧૫ના ૬/૭ છઠ્ઠા પ્રશ્નમાં, મ. ૧૯/૨માં, ૩૪ના પહેલા પ્રશ્નમાં, ૫૧ના બીજા પ્રશ્નમાં, વ. ૨/૨માં, ૨૦માં, છે. ૩૯/૧, એમાં) પરોક્ષ નારદને કહ્યા છે. અને (પ્ર. ૪૫માં, મ. ૨૦ના ૧/૨ પહેલા પ્રશ્નમાં, ૨૧ના ૧/૩ પહેલા પ્રશ્નમાં, ૪૭/૨માં, છે. ૩૯/૩ એમાં) પરોક્ષ નારદ-સનકાદિક શુકજીને કહ્યા છે.
૨ પ્ર. (બીજા પ્રશ્નમાં) અમારી મૂર્તિરૂપી માળે તથા ખીલે રહેવું, એમ શ્રીજીમહારાજે કહ્યું તે મૂર્તિ તો એક જ છે ને માળાનું ને ખીલાનું બે દૃષ્ટાંત દીધાં તેનું શું કારણ હશે ?
૨ ઉ. જેમ પશુ ખીલે બંધાય છે તે ખીલાને મૂકીને કયાંય જતું નથી ને રજ્જુએ બંધાયા છતાં ખીલાને સન્મુખ જ રહે છે, તેમ શ્રીજીમહારાજના ભક્ત પ્રેમવૃત્તિએ કરીને શ્રીજીમહારાજને સન્મુખ રહીને કથા-વાર્તા, ખાવું-પીવું એ આદિ સર્વ ક્રિયા કરે તેમાં ક્ષણવાર મૂર્તિનો વિયોગ ન થાય; સર્વ ક્રિયા મૂર્તિને સન્મુખ રહીને જ કરે, એવી સ્થિતિને ખીલાને દૃષ્ટાંતે કહી છે; તે સ્થિતિ પરમ એકાંતિકમુક્તની છે. અને જેમ પક્ષી માળામાં રહીને બોલે, જુએ તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાં નિમગ્ન રહીને જ સર્વ ક્રિયા કરે પણ મૂર્તિથી બહાર આવે જ નહિ, એવી સ્થિતિને માળાને દૃષ્ટાંતે કહી છે તે અનાદિમુક્તની સ્થિતિ છે. તેમાં જેવી સ્થિતિ પ્રમાણે સાધનકાળમાં વર્તે તેવી સ્થિતિ અંતે પામે. ।।૩૨।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૩
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૫ પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગના છેડાનો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કિયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય તેવો એક ઉપાય કહો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દૃઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે, ને તે આશરો અતિ દૃઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહિ, તે આશરામાં ત્રણ ભેદ છે : એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે તે અતિમૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોપણ ડોલે નહિ, અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દૃઢ આશરો થાય છે, તે જેને દૃઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થાતી નથી, એવી રીતે જેને દૃઢ પ્રીતિ હોય તે પ્રીતિએ કરીને ભગવાનનો દૃઢ આશરો કહેવાય છે, અને ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું, તથા અન્વય-વ્યતિરેકપણું, તેને સમજતો હોય, અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય, અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય, અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષર રૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિ રૂપે વર્તે છે તથા વિરાટપુરુષ રૂપે વર્તે છે તથા બ્રહ્માદિકપ્રજાપતિ રૂપે વર્તે છે, તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિક રૂપે વર્તે છે એ સર્વે રીતને સમજી જાણે, અને પુરુષોત્તમ ભગવાનને સર્વેથી પર ને નિર્વિકાર સમજતો હોય, એવી રીતે જેની દૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દૃઢ આશરો છે. તે બીજાનો ટાળ્યો ટળે નહિ ને પોતાનો પણ ટાળ્યો ટળે નહિ અને ભગવાન મનુષ્યદેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાન્તિ થાય નહિ. (૧)
એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કહો તો તમને એક પ્રશ્ન પૂછીએ, ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, પૂછો મહારાજ ! પછી એમ પૂછ્યું જે, (૨) અમે કહ્યાં જે ત્રણ અંગ તેમાં તમારું કિયું અંગ છે ? અને એ ત્રણે અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય, માટે મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કિયું અંગ છે ? પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, અમારે તો સમજણનું અંગ છે અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતાં તે કહ્યાં. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩૩।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે મૂઢપણું, પ્રીતિ ને સમજણ એ ત્રણ પ્રકારે આશરો કરવાથી પોતાની પ્રસન્નતા કહી છે ને તે આશરાનાં ત્રણ પ્રકારનાં લક્ષણ કહ્યાં છે. (૧) બીજામાં સમજણનું અંગ શ્રેષ્ઠ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં મૂઢપણે આશરો કરવો એમ કહ્યું તેનાં કેવાં લક્ષણ હોય ?
૧ ઉ. શ્રીજીમહારાજ વિના બીજા કોઈને ભગવાન માને નહિ, ને જંત્ર, મંત્ર, ઔષધ, પરચા-ચમત્કારમાં ક્યાંય લેશમાત્ર પ્રતીતિ આવે નહિ ને શ્રીજીમહારાજ બીએ, ભાગે, હારે એવાં મનુષ્યચરિત્ર કરે અથવા એવી લીલા સાંભળે તેમાં લેશમાત્ર સંશય થાય નહિ, અને માયિક વિષયમાં તથા અક્ષરાદિકના ઐશ્વર્યમાં રંચમાત્ર રાગ હોય નહિ, અને બીજે દિવસ ખાવાનું કાંઈ ન હોય તેની પણ ચિંતા ન હોય, એક શ્રીજીમહારાજનો જ આધાર હોય એવાં લક્ષણ હોય, અને ઉગમણા-આથમણાની તથા પોતાના વ્યવહારની ખબર ન હોય તે મૂઢપણે આશરો જાણવો.
૨ પ્ર. બ્રહ્મા જેવો ડોલાવે તોપણ ડોલે નહિ એમ કહ્યું તે બ્રહ્મા જેવો તે કેવો જાણવો ?
૨ ઉ. બહુ વિચિત્ર બુદ્ધિશાળી ને યુક્તિવાળો ને શાસ્ત્રવેત્તા હોય તે ઘણાક પ્રકારની યુક્તિએ કરીને શ્રીજીમહારાજના આશ્રયમાંથી પાડવાના ઉપાય કરે, તેને આ ઠેકાણે બ્રહ્મા જેવો કહ્યો છે.
૩ પ્ર. સમજણના અંગવાળો અમારું સગુણ-નિર્ગુણપણું સમજે એમ કહ્યું તે કેમ સમજવું ?
૩ ઉ. અષ્ટાવરણે વેષ્ટિત એવાં જે બ્રહ્માંડ તે મૂળપુરુષના તેજને આધારે રહ્યાં છે તે મૂળપુરુષના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ પ્રધાન પુરુષાદિક સર્વે જીવને વિષે અંતર્યામીપણે રહ્યું છે તે મૂળપુરુષના તેજનું નિર્ગુણપણું છે, તેમ જ વાસુદેવબ્રહ્મના તેજને આધારે મૂળપુરુષ ઈશ્વરરૂપી કોટિઓ રહી છે તે બ્રહ્મના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ અંતર્યામીપણે મૂળપુરુષરૂપી કોટિઓમાં વ્યાપક છે તે બ્રહ્મના તેજનું નિર્ગુણપણું છે, અને તેમ જ અક્ષરના તેજને આધારે બ્રહ્મની કોટિઓ રહી છે તે અક્ષરના તેજનું સગુણપણું છે અને એનું એ જે અક્ષરનું તેજ તે બ્રહ્મની કોટિઓને વિષે વ્યાપક છે તે અક્ષરના તેજનું નિર્ગુણપણું છે, તેમ જ શ્રીજીમહારાજના તેજને આધારે મૂળઅક્ષરની કોટિઓ રહી છે તે શ્રીજીમહારાજના તેજનું સગુણપણું એટલે અપારપણું છે, જેમ સૂર્યના પ્રકાશમાં તારા-ચંદ્રાદિક પોતાના પરિવારે સહિત રહ્યા છે, તેમ જ એ સર્વે શ્રીજીમહારાજના તેજમાં પોતપોતાના પાર્ષદોએ સહિત રહ્યા છે, અને એનું એ તેજ મૂળઅક્ષરની કોટિઓને વિષે અંતર્યામીપણે વ્યાપક છે તે શ્રીજીમહારાજના તેજનું નિર્ગુણપણું એટલે સૂક્ષ્મપણું છે. અને શ્રીજીમહારાજ તો એ પોતાના તેજથી પણ પર છે ને એ તેજના પણ આધાર છે ને સદા મૂર્તિમાન છે તેમને તો સગુણ કે નિર્ગુણ કહેવાય જ નહિ. માટે જ્યાં જ્યાં શ્રીજીમહારાજનું સગુણ-નિર્ગુણપણું આવે ત્યારે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનું સગુણ-નિર્ગુણપણું જાણવું. તે (મ. ૪૨માં) કહ્યું છે.
૪ પ્ર. અન્વય-વ્યતિરેકપણું કેવી રીતે જાણવું ?
૪ ઉ. શ્રીજીમહારાજ જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ તથા મૂળઅક્ષરાદિક સર્વને વિષે પોતાના તેજ રૂપે અંતર્યામીપણે રહ્યા છે તે શ્રીજીમહારાજનું અન્વયપણું છે અને પોતાના બ્રહ્મજ્યોતિરૂપ અક્ષરધામને વિષે મૂર્તિમાન રહ્યા છે તે વ્યતિરેકપણું છે.
૫ પ્ર. ભગવાનની માયા થકી સર્ગ થયો છે એમ કહ્યું તે માયા તથા સર્ગ કિયો જાણવો ?
૫ ઉ. મૂળપ્રકૃતિને માયા કહી છે અને માયા થકી જે જે ઉત્પન્ન થાય તેને સર્ગ કહ્યો છે. તે (પ્ર. ૧૨ના બીજા પ્રશ્નમાં) કહ્યો છે.
૬ પ્ર. અમારા અવતારની રીત જાણવી એમ કહ્યું, તે રીત કેવી રીતે જાણવી ?
૬ ઉ. મૂળઅક્ષરથી લઈને પૃથ્વીને વિષે જે જે અવતાર થાય છે તે સર્વેને વિષે શ્રીજીમહારાજનો આવિર્ભાવ છે. તે સર્વે મહારાજના અવતાર કહેવાય અને તે અવતારો પોતપોતાનાં સ્થાનોમાં હોય ત્યારે અક્ષર, બ્રહ્મ, પુરુષ, પ્રધાનપુરુષ, વૈરાજપુરુષ અને વિષ્ણુ એવે એવે નામે કહેવાય છે અને પૃથ્વીને વિષે દત્ત, કપિલ, નરનારાયણ, વાસુદેવ ને રામકૃષ્ણાદિક નામે કહેવાય છે.
૭ પ્ર. ઉત્પત્તિકાળે મૂળઅક્ષરથી લઈને બ્રહ્માદિક રૂપે વર્તે છે એમ કહ્યું તે કેમ સમજવું ?
૭ ઉ. ઉત્પત્તિ સમયને વિષે અક્ષરાદિક સર્વેને વિષે કારણપણે અંતર્યામી શક્તિએ પ્રવેશ કરીને ન્યૂનાધિકભાવે પ્રકાશ કરે છે. તે, તે તે રૂપે વર્તે છે એમ જાણવું. તે (પ્ર. ૪૧માં) કહ્યું છે.
૮ પ્ર. જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિક રૂપે વર્તે છે એમ કહ્યું તે કેમ સમજવું ?
૮ ઉ. જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પોતાની ઇચ્છાથી પોતાના મુક્ત દ્વારે પૃથ્વીને વિષે દર્શન આપે છે તે નારદ-સનકાદિક રૂપે એટલે મુક્ત રૂપે વર્તે છે એમ કહ્યું છે.
૯ પ્ર. અમને પર ને નિર્વિકાર સમજવા એમ કહ્યું તે કેવી રીતે સમજવા ?
૯ ઉ. મૂળઅક્ષરાદિક સર્વેમાં અંતર્યામીપણે રહ્યા થકા મૂર્તિમાન સર્વેથી ન્યારા છે તે પર સમજવા અને એ સર્વેમાં અંતર્યામી રૂપે રહ્યા થકા તે તે ઉપાધિ થકી રહિત છે પણ કોઈની ઉપાધિ શ્રીજીમહારાજને અડતી નથી તે નિર્વિકાર સમજવા તે (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) “ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે ને તે તે ઉપાધિથી રહિત છે.” એમ કહ્યું છે. ।।૩૩।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૪
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સવારમાં શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદુ મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ વાજિંત્ર લેઈને કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કીર્તન રાખીને પ્રશ્ન-ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) સર્વ સુખના ધામ ને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી, ને માયિક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે તેનું શું કારણ છે ? પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ પ્રશ્નનો ઉત્તર સાંભળો અમે કરીએ છીએ જે, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે, ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહિ ને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂક્યો છે, તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે ને એ સ્ત્રીથી ઊપજી જે પ્રજા તેમાં પણ સહેજે હેત થાય છે તે હેતરૂપી જ ભગવાનની માયા છે. (૧) તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે, માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે ને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે, અને જો માયિક પદાર્થને વિષે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ, બ્રહ્મા ને નારદાદિક જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે, તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય તે સારુ પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે કોઈ ઠેકાણે પ્રીતિ રાખવી નહિ. (૨)
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો તે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) જીવને ભગવાનની પ્રાપ્તિ થાવી તે અતિ દુર્લભ છે, અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી, ને તેથી આનંદ પણ બીજો નથી, તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે ક્લેશને કેમ પામે છે ? એ પ્રશ્ન છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એનો અમે ઉત્તર કરીએ જે, પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડોઅવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે ને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે, માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું ને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય છે, અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્યવ્રત પૂરું કહેવાય, ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો ક્લેશ થાય છે અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે જે, પરસ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો ને ઋતુ સમે જ સ્ત્રીનો સંગ કરવો, એ આદિક જે જે ત્યાગીને ને ગૃહસ્થને નિયમ કહ્યા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે. (૩) અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ-દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે ને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું સુખ-દુઃખ થાય છે તે કર્મનું પ્રેર્યું થાતું નથી; ભગવાનના ભક્તને તો જેટલું દુઃખ થાય છે તે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૩૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં સ્ત્રી-પુરુષને તથા સ્ત્રીથી ઊપજેલી પ્રજાને પરસ્પર હેત થાય છે તે હેતરૂપી જ ભગવાનની માયા છે. (૧) અને જે અમારા સ્વરૂપથી એટલે અમારી મૂર્તિથી જુદા પડે તે માયિક પદાર્થમાં તણાઈ જાય છે. (૨) બીજામાં ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો અને ગૃહસ્થને પરસ્ત્રીનો ત્યાગ રાખવો તેમાં ફેર પડે તો ક્લેશ થાય છે અને અમારી આજ્ઞા પાળે તો સુખ થાય છે. (૩) અને વિમુખને કર્મ પ્રમાણે સુખ-દુઃખ આવે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે. ।।૩૪।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૫
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના ઝાડ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું જે, હે મહારાજ ! તમે પૂછો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તોપણ પોતાના કલ્યાણને અર્થે જે યત્ન કરવું તેમાંથી પાછો પડતો નથી, અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ્ય કાઢે એવો છે. તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે ? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજીમહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે ઉત્તર કરીએ જે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી, જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીએ તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે તે સર્પની લાળ સરખો છે માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે ? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. (૧) અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે; અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય, ને તે જો થોડી જ હોય તોપણ તે પોતાના કલ્યાણને અર્થે યત્ન કરતો થકો પાછો પડતો નથી. (૨)
૨ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહિ. (૩)
૩ ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) હે મહારાજ ! કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ એ ચાર વાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહિ, તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહિ, અને એ ચાર વાનાં માંહેલું એકે જો રાખે તો જેમ જય-વિજય ઘણાય ડાહ્યા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા, ને આસુરી બુદ્ધિ થઈ તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે ને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય ને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૩૫।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં જેની બુદ્ધિમાં અમારો તથા અમારા મુક્તનો અવગુણરૂપ દોષ હોય તે તથા તેની વાત સાંભળનારો એ બે કલ્યાણના માર્ગથી પડી જાય છે. (૧) અને જેની બુદ્ધિ એવી દૂષિત ન હોય ને તે થોડી હોય તોપણ તે કલ્યાણને માર્ગે ચાલે છે. (૨) બીજામાં દૂષિત બુદ્ધિવાળો અમારા સન્મુખ થાય જ નહિ. (૩) ત્રીજામાં ક્રોધ, માન, ઈર્ષ્યા ને કપટ એ ચાર વાનાં ન રાખે તેની બુદ્ધિ આસુરી ન થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે. ।।૩૫।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૬
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના ઝાડ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ધોળાં ને પીળાં પુષ્પના હાર ધારણ કર્યા હતા ને બે કાન ઉપર ધોળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારનાં રાતાં પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિષે ધોળાં પુષ્પનો દડો ફેરવતા હતા એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના જે અસત્ પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો ? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો, જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે, અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે આણે પાપ કર્યાં હશે, માટે એને અન્ન-વસ્ત્ર મળતું નથી, તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેને વિષે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે, કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેને વિષે પ્રીતિ થાતી નથી ને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. (૧) અને જે ત્યાગી હોય તેને તો કચરો ને કંચન એ બેય બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ હોય જ નહિ અને એક ભગવાનને વિષે જ પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩૬।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં વસ્ત્રાદિક પદાર્થને ભેળા કરી રાખે ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિમાં પ્રીતિ ન હોય એવા ત્યાગીને શ્રીજીમહારાજે પાપી કહ્યો છે. (૧) ને કચરો ને કંચન સરખાં થઈ જાય ને એક અમારે વિષે જ પ્રીતિ હોય તે સાચો ત્યાગી છે, એમ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. ત્યાગી વસ્ત્રાદિક પદાર્થ ભેગા કરી રાખે તેને પાપી કહ્યો તે પદાર્થ કિયા જાણવા ?
૧ ઉ. શ્રીજીમહારાજે “સત્સંગિજીવન”માં સાધુ-બ્રહ્મચારી-પાર્ષદોને વસ્ત્રાદિક રાખવાનું કહ્યું છે તેથી અધિક રાખે તેને પાપી કહ્યો છે.
૨ પ્ર. વસ્ત્રાદિક અધિક રાખે તેને પાપી કહ્યો ત્યારે દ્રવ્ય-પૈસા રાખે તે ત્યાગીને કેવો જાણવો ?
૨ ઉ. (મ. ૩૯ના ૨/૩ બીજા પ્રશ્નમાં) અમારી બાંધેલી મર્યાદા લોપે તેની અધોગતિ થાય છે. અને (જે. ૫/૧માં) અમારા સત્સંગના નિયમ નહિ પાળો તો મહાદુઃખ પામશો. તેમાં અમારે-તમારે લેણાદેણા નથી. અને (છે. ૩૮ના બીજા પ્રશ્નમાં) દ્રવ્યાદિક છો વાનાં હોય તેને જીવતાં ને મરીને સુખ નહિ થાય. અને (મ. ૩૫/૪માં) ધર્મ રહિતને ચંડાળ કહ્યો છે. અને (પ્ર. ૧૮/૩માં) સર્પે કરડેલ આંગળી તથા કીડિયારાના રોગવાળા અંગની પેઠે કુપાત્રનો તત્કાળ ત્યાગ કરવો. અને (પ્ર. ૫૩માં તથા છે ૨૧/૩માં) પંચવર્તમાનમાંથી કોઈ વર્તમાનનો ભંગ કરે તેનો અવગુણ લેવો. અને (પ્ર. ૭૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) ધર્મભંગ વાત કરે તેને અધર્મી, વિમુખ, ગુરુદ્રોહી, વચનદ્રોહી ને અસુર કહ્યો છે. અને (છે. ૧ના ૨/૩ બીજા પ્રશ્નમાં) શિક્ષાપત્રીનો પાઠ કરવાનું કહ્યું છે; તેમાં શ્લોક (૧૮૯)માં : ‘न द्रव्य संग्रह: कार्य: कारणीयो न केनचित्’ અમારા આશ્રિત ત્યાગીએ દ્રવ્ય રાખવું-રખાવવું નહિ. શ્લોક (૨૦૭)માં : ‘बहिर्भूता इति ज्ञेयं स्त्रीपुसै: सांप्रदायिकै:’ અમારા કહેલા ધર્મમાં યથાર્થ વર્તનારા એવા જનોએ જે અમારા કહ્યા પ્રમાણે નહિ વર્તનારા તેમને, અમારા સંપ્રદાયથી બહાર જાણવા. માટે જે દ્રવ્ય રાખે વા રખાવે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહિ. તે એવા ભેખધારીના મુખ થકી કથા સાંભળનાર ગૃહસ્થ ચાંદ્રાયણ કરે ત્યારે શુદ્ધ થાય. ।।૩૬।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૭
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ વિરાજમાન હતી અને તે પાઘમાં પીળાં પુષ્પનો તોરો વિરાજમાન હતો અને બે કાન ઉપર ધોળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિષે પીળાં અને ધોળાં પુષ્પનો હાર વિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તોપણ તેણે જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી, એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણમાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા જે, આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે, માટે જન્મભૂમિ તથા પોતાનાં સગાં-સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવાં તે ઘણું કઠણ છે, માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે સાંભરતા હોય તે બોલો ને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કેઈ ? ને તે આત્માનું સગું કોણ ? ને તે આત્માની જાત્ય પણ કેઈ ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાત્યના દેહ ધર્યા છે તે સર્વેનું સગપણ સરખું જાણવું ને તે સગાનું કલ્યાણ ઇચ્છવું તો સર્વેનું ઇચ્છવું અને આ મનુષ્યદેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતનાં જે માબાપ તે અજ્ઞાને કરીને વિસર્યાં છે તેમ આ મનુષ્ય-શરીરનાં જે માબાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવાં. (૧) અને અમારે તો કોઈ સગાં-સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતો હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. ને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. (૨) અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે જેવા આ પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે, તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે, અને આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય ને ગમે તેવા વેદાંતના ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહિ, અને એમ જાણે જે આ ભગવાન વિના બીજો કોઈ જગતનો કર્તા છે જ નહિ, અને એમ જાણે જે આ ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી, એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દૃઢ પ્રતીતિ હોય, ને તે જેવોતેવો હોય તોપણ એ અમને ગમે છે ને એને માથે કાળ, કર્મ ને માયા તેનો હુકમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી, અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ-વૈરાગ્યે યુક્ત હોય, તોપણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહિ અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલાં શાસ્ત્ર સાંભળે, અથવા ગમે તેનો સંગ કરે તોપણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહિ, અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહિ, એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ અને તેને દુઃખાવતા થકા મનમાં બીએ છીએ અને તેનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ. (૩) અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઇચ્છે છે પણ પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઇચ્છતા નથી એવા જે જડમતિવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઇચ્છે તેવા મૂર્ખ છે. (૪) અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઇચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઇચ્છે એવા ડાહ્યા છે, અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે; અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજાં સાધન જો કર્યાં હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનનાં દર્શન તુલ્ય છે અને એનાં દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજે કહ્યું જે કીર્તન બોલો. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૩૭।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં આત્મારૂપ માને તો જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટળી જાય છે. (૧) અને અમારી ભક્તિ ન હોય, ને તેમાં બીજા ગુણ ઘણા હોય, તોપણ તેની સાથે હેત ન કરવું. (૨) અને અમને ને અમારા મુક્તોને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે, અને અમને એકને જ કર્તા જાણે તેને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી. (૩) અને એવી નિષ્ઠા ન હોય તે જડમતિવાળા ને મૂર્ખ છે. (૪) ત્રીજી બાબતમાં કહી ગયા એેવા અમારા સ્વરૂપના જ્ઞાનવાળા છે તેમનો ચૈતન્ય મૂર્તિમાન થઈને અક્ષરધામને વિષે અમારી હજૂરમાં રહે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૫) બાબતો છે.
૧ પ્ર. બીજી બાબતમાં ભક્તિ રહિત ગુણવાન ગમે નહિ એમ કહ્યું તે ગુણ ને ભક્તિ કિયાં જાણવાં ?
૧ ઉ. શ્રીજીમહારાજની બાંધેલી મર્યાદાને સ્થૂળ દેહે કરીને યથાર્થ પાળે, તથા કથા, કીર્તન, જપ, તપ, વ્રતાદિક કરે તે ગુણ જાણવા, તે ગુણે સંપન્ન હોય તોપણ શ્રીજીમહારાજની મૂર્તિમાં હેત જે ભક્તિ તે ન હોય તે ગમતો નથી એમ કહ્યું છે.
૨ પ્ર. ત્રીજી બાબતમાં જેનાં દર્શનને શ્રીજીમહારાજ ઇચ્છે અને જેનાં દર્શનથી અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય તેવા સમર્થને જેવોતેવો કહેવાનો શો હેતુ હશે ?
૨ ઉ. શ્રીજીમહારાજને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ યુક્ત હોય, તે વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય અને શ્રીજીમહારાજ ને એમના મુક્ત જેવા અક્ષરધામમાં છે તેવા જ અહીં મનુષ્ય રૂપે દેખાતા હોય તેમને સદા દિવ્ય સાકાર જાણે, અને નિરાકાર પ્રતિપાદન કરનારા ગ્રંથનું શ્રવણ થાય, તોપણ શ્રીજીમહારાજને ને મુક્તોને નિરાકાર સમજે જ નહિ અને અતિ સમર્થ જાણે, એવી શ્રીજીમહારાજને વિષે દૃઢ પ્રતીતિ હોય, આવા ગુણે યુક્ત હોય, ને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા હોય, અને પ્રકૃતિપુરુષ, કાળ, બ્રહ્મ, તથા મૂળઅક્ષર એ આદિક કોઈને જગતના કર્તા જાણે નહિ ને એ સર્વેના કર્તા એક શ્રીજીમહારાજને જાણે અને શ્રીજીમહારાજ વિના બીજા કોઈને વિષે આસ્તા આવે નહિ ને જંત્ર, મંત્ર, દેવ, દેવીમાં ક્યાંય લેશમાત્ર પ્રતીતિ આવે નહિ, અને તે ત્યાગીમાં રહ્યો હોય ને વિદ્વત્તા કે આ લોકનો અધિકાર વગેરે લૌકિક મોટાઈ ન હોય ને ગૃહસ્થમાં હોય ને તેને ધન-સમૃદ્ધિ ન હોય અને ગરીબ સ્થિતિમાં હોય, તેને આ લૌકિક મોટાઈની દૃષ્ટિએ જેવોતેવો કહ્યો છે, એને દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે ને એને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી.
૩ પ્ર. એને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી એમ કહ્યું તે હુકમ શો સમજવો ?
૩ ઉ. કોઈકના કર્મમાં દુઃખ લખ્યું હોય તે મટાડીને સુખિયો કરે અને કોઈકના કર્મમાં જીવવું લખ્યું હોય તેનો દેહ મુકાવે તેમાં કર્મનું જોર ચાલે નહિ તે કર્મનો હુકમ ન ચાલ્યો કહેવાય. (૧) અને કોઈકની આયુષ્ય આવી રહી હોય તેને મરવા દે નહિ અને કાળ કોઈક જીવને લઈ જતો હોય, તેની પાસેથી મુકાવીને પોતાની ઇચ્છા હોય ત્યાં મૂકી દે, તેમાં કાળનું જોર ચાલે નહિ તે કાળનો હુકમ ન ચાલ્યો કહેવાય. (૨) અને માયાના તાબાના પામર જીવને વગર સાધને માયાથી મુકાવીને, શ્રીજીમહારાજના ધામમાં મૂકી દે તેમાં માયાનું જોર ચાલે નહિ તે માયાનો હુકમ ન ચાલ્યો કહેવાય. (૩)
૪ પ્ર. એવા સમર્થને શ્રીજીમહારાજ દંડ શો દેતા હશે ?
૪ ઉ. શ્રીજીમહારાજની મરજી વિના ઉપર કહ્યું એવું કામ કરે તેને શ્રીજીમહારાજ ઠપકો દે જે આવું કામ કેમ કર્યું ? એ દંડ જાણવો.
૫ પ્ર. પાંચમી બાબતમાં સાકાર નિષ્ઠાવાળો ચૈતન્યની મૂર્તિ થાય એમ કહ્યું તે કેમ સમજવું ?
૫ ઉ. શ્રીજીના ધ્યાનથી ભક્તનો ચૈતન્ય મૂર્તિમાન થાય છે તેને ચૈતન્યની મૂર્તિ જાણવી.
૬ પ્ર. સાધનને બળે કલ્યાણ ઇચ્છે તે દેવતાના લોકને પામે તે દેવ કિયા જાણવા ?
૬ ઉ. આ ઠેકાણે ઇન્દ્રથી લઈને પ્રધાનપુરુષ સુધી દેવતા કહ્યા છે. ।।૩૭।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૮
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઘોડશાળની ઓસરીએ ગાદલું નખાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમે શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા ને પછી એમ બોલ્યા જે (૧) સાંભળો વાત કરીએ છીએ જે, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી, એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો. અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી, અને એમ વિચારે નહિ ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહિ, જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચુકાવી દેઈએ તો દેતાં કઠણ ન પડે ને વર્ષ દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે તેમ નિરંતર વિચાર કરવો. અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે, જેમ ફૂલે કરીને તિલ વસાય છે, તેમ મનને ભગવાનનાં જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિષે વાસવું, અને ભગવાનનાં ચરિત્રરૂપ જાળાને વિષે મનને ઘૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા, એક શમ્યો ને બીજો કરવો; બીજો શમ્યો ને ત્રીજો કરવો એમ ને એમ મનને નવરું રહેવા દેવું નહીં. એમ કહીને પછી ભૂતનું દૃષ્ટાંત વિસ્તારીને કહી દેખાડ્યું ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એવી રીતે ભગવાનનાં જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસનાં જો સંભારવા માંડે તો તેનો પાર ન આવે તો સત્સંગ થયા તો દશ-પંદર વર્ષ થયાં હોય તે એનો તો પાર જ ન આવે, અને તે એવી રીતે સંભારવાં જે, આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તેને વારંવાર સંભારવાં; અને જે ઝાઝું ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી. ત્યારે તમે કહેશો જે, અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી, એ તો જેમ જેના નિયમ કહ્યા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. અને અમે તો એમ માન્યું છે જે, મન નિર્વાસનિક જોઈએ અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહિ અને બાહેર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય અને જેને મનમાં વાસના હોય ને તે બાહેર સારી પેઠે નિવૃત્તિપરાયણ વર્તતો હોય તો તેનું બાહેર લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય, કેમ જે મૂઆ ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે, જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું ત્યારે મૃગને આકારે થઈ ગયા ને પ્રથમ રાજ્ય મેલ્યું હતું ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તોપણ એમ થયું, માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય, માટે દેહે કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળાં જોઈએ અને જેને મનમાં ભગવાનના ઘાટ થાતા હોય ને જગતના ઘાટ ન થાતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે ને એવો જે ન હોય તે નાનેરો છે. અને ગૃહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતવન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો, અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું, તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે, અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થાતા હોય તે કહેવા પણ જેમ ‘કૂતરાનું મુખ કૂતરો ચાટે’ તથા ‘સર્પને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વળીઓ આપ’ તથા રાંડીની પાસે સુવાસણી સ્ત્રી જાય ત્યારે તે કહે જે આવ્ય બાઈ, હું જેવી તું પણ થા, તેમ પોતાની પેઠે જેને ભૂંડા ઘાટ થાતા હોય તેને આગળ જે ઘાટ કહેવો તે તો આ દૃષ્ટાંત દીધાં એમ છે, માટે ઘાટ કેને કહેવો તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થાતો હોય એવો બળિયો હોય તેની આગળ કહેવો અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે, તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી જાય, ત્યાં સુધી બેસતો-ઊઠતો, ખાતો-પીતો, સર્વ ક્રિયામાં વાત કર્યા કરે, અને તે ઘાટ ટાળ્યામાં કેવી ચાડ્ય હોય તો જેમ પોતાના ઘાટને ટાળવાની ચાડ્ય હોય તેવી જ હોય, એવા આગળ ઘાટ કહેવો; અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે ને પોતે આળસુ હોય તો શો સમાસ થાય ? માટે એવી રીતે પોતાના મનના ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિષે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસનિક થાવું. અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે તો, દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવાં તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય, ને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કર્યા કરવું. અને એવી રીતે જેનું મન નિર્વાસનિક ન હોય ને દેહે કરીને તો વ્રત-તપ કરે તોપણ તેનું અતિશે સારું થાતું નથી, માટે જે ભગવાનનો ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને, ને ભગવાનનું માહાત્મ્ય સમજીને, પોતાના મનને નિર્વાસનિક કરવાનો નિત્યે અભ્યાસ રાખવો, એમ વાર્તા કરી. (૧) અને વળી શ્રીજીમહારાજે બીજી વાર્તા કરી જે, સાચો ત્યાગી કેને કહીએ તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાછો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય, જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે તેનો પાછો સંકલ્પ થાતો નથી તેમ સંકલ્પ ન થાય. ત્યાં શુકજી પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે જે ।। त्यज धर्ममधर्म च ।। એ શ્લોકનું હાર્દ એ છે જે, એક આત્મા વિના બીજા જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી તેને પૂરો ત્યાગી કહીએ; અને જે ગૃહસ્થ હરિભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું જે, આ મારી મિથિલા નગરી બળે છે, પણ તેમાં મારું કાંઈ બળતું નથી, ત્યાં શ્લોક છે જે:-
मिथिभायां प्रदीप्तायां न मे दह्यति किंचन ।।
એમ સમજે ને ગૃહમાં રહેતો હોય તે ગૃહસ્થ હરિભક્ત ખરો કહેવાય, અને એવી રીતનો જે ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગૃહસ્થ ન હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય, અને મોરે કહ્યો એવો જે હોય તે તો એકાંતિક ભક્ત કહેવાય, એવી રીતે વાર્તા કરી. (૨)
૨ પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૨) દેહ, ઇન્દ્રિયો તથા અંતઃકરણ તથા દેવતા તેથી જુદો જે જીવાત્મા તેનું રૂપ કેવી રીતે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે, દેહ ને ઇન્દ્રિયાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને સર્વેથી જુદો છે એને જીવ કહીએ, અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદાં જુદાં સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એ સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ, એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે એવી રીતે વાર્તા કરી. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩૮।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, પોતાના મનનો નિરંતર તપાસ કરવો તથા અમારી મૂર્તિમાં નિમગ્ન રહી ન શકે તેને અમારાં લીલા-ચરિત્ર સંભારવાં, તથા અમારી મૂર્તિનું ચિંતવન કરવું, તથા બીજાના ઘાટને ટાળી નાખે એવા અમારા સમર્થ મુક્તનો સંગ કરવો ને પોતપોતાના ધર્મમાં રહેવું, અને અમારો મહિમા સમજીને નિર્વાસનિક થાવું. (૧) અને અમારા વિના બીજો સંકલ્પ જ ન થાય ને આત્માપણે વર્તે ને અમારી ઉપાસના કરે તે સાચો ત્યાગી છે, અને અમારા વિના બીજું કાંઈ પોતાનું મનાય જ નહિ તે ખરો હરિભક્ત છે. (૨) બીજા પ્રશ્નમાં જે સમજાવી શકે ને સમજી શકે તે જીવનું સ્વરૂપ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં જેને ઘાટ થતા હોય ને જેને ઘાટ ન થતા હોય ને જે બીજાના ઘાટ ટાળી નાખે તેને કેવા જાણવા ?
૧ ઉ. જેને ઘાટ થાતા હોય તે પ્રાકૃત ગુણબુદ્ધિવાળા જાણવા, અને જેને ઘાટ ન થાતા હોય તેને એકાંતિક સંત જાણવા, અને બીજાના ઘાટને ટાળી નાખે તેને સિદ્ધદશાવાળા જાણવા. ।।૩૮।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૩૯
સંવત ૧૮૭૬ના મહા સુદ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પીળાં પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા ને કાન ઉપર ધોળા ને પીળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને કંઠમાં પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો તેને પ્રશ્ન પૂછ્યો જે, (૧) તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઈશ્વર, માયા, ને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો, એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી, માટે તમને પૂછીએ છીએ તેનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ, ઇતિહાસ તેની સાખ્યે કરીને કરો પણ કોઈક કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ; અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્યાસજીના વચનમાં તો દૃઢ પ્રતીતિ છે. પછી તે વેદાંતીએ ઘણીક પ્રકારની યુક્તિઓ લાવીને ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજીમહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્નનું સમાધાન થયું નહિ; પછી શ્રીજીમહારાજ બોલ્યા જે સાંભળો : એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, એ તો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્થિતિના ભેદ છે, જેમ મેરુ પર્વત ઉપર ઊભા જે પુરુષ તે જે તે, તે મેરુ થકી ઓરા જે સર્વે પર્વત, તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત, વૃક્ષનું આધાર જે પૃથ્વીનું તળ તે સર્વેને પૃથક્ પૃથક્પણે દેખે છે, તેમ સવિકલ્પ સમાધિવાળા જે જીવનમુક્ત તે જે તે જીવ, ઈશ્વર, માયા તથા એમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક્ પૃથક્પણે દેખે છે, અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઊભા જે પુરુષ તે જે તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્વી રૂપે જ દેખે છે, પણ પૃથક્ પૃથક્પણે નથી દેખતા, તેમ નિર્વિકલ્પ સમાધિવાળા જે વિદેહમુક્ત તે જે તે જીવ, ઈશ્વર, ને માયા તેને એક બ્રહ્મ રૂપે કરીને જ દેખે છે પણ પૃથક્પણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્થિતિવાળા મુક્ત છે તેની સ્થિતિને યોગે કરીને એ સર્વેનું સત્યપણું કહેવાય છે ને અસત્યપણું કહેવાય છે, અને સવિકલ્પ સ્થિતિવાળાનાં વચન વેદ, શાસ્ત્ર, પુરાણાદિકમાં આવે છે તે એ સર્વને સત્ય કહે છે ને નિર્વિકલ્પ સ્થિતિવાળાનાં જે વચન તે એ સર્વેને અસત્ય કહે છે પણ કાંઈ એ સર્વે અસત્ય નથી, એ તો એને નિર્વિકલ્પ સ્થિતિને બળે કરીને દેખાતાં નથી, માટે અસત્ય કહે છે. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત્ય નથી પણ જે પૃથ્વી ઉપર રહ્યા છે તેને રાત્રિ-દિવસ છે, તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને મતે એ સર્વે છે નહિ પણ બીજાને મતે તો એ સર્વે છે; અને આવી રીતે બ્રહ્મનિરૂપણ કરે તો શાસ્ત્રનાં વચનમાં પૂર્વાપર બાધ ન આવે, ને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે તે બાધને તો સમજતો ન હોય તથા એવી રીતની સ્થિતિને પણ ન પામ્યો હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચનમાત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય ને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય તે તો મહામૂર્ખ છે, ને અંત્યે નારકી થાય છે. એમ કહીને બોલ્યા જે, આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો; ત્યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્યો જે, હે મહારાજ ! હે પ્રભો ! હે સ્વામિન્ ! તમે તો પરમેશ્વર છો ને જગતના કલ્યાણને અર્થે પ્રગટ થયા છો; તે તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માગ નથી એમ કહીને અતિ પ્રસન્ન થયો ને પોતાની જે અણસમજણ તેનો ત્યાગ કરીને શ્રીજીમહારાજને આશ્રિત થયો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૩૯।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે તેમાં સવિકલ્પ સમાધિવાળા જીવનમુક્ત જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એ સર્વેને જુદાં જુદાં દેખે છે, માટે સર્વેને સત્ય કહે છે અને નિર્વિકલ્પ સમાધિવાળા વિદેહમુક્ત તે જીવ, માયા, ઈશ્વર, તેમને બ્રહ્મ રૂપે દેખે છે, અર્થાત્ જીવ, માયા, ઈશ્વર, તેમને દેખતા જ નથી; એક બ્રહ્મને જ એટલે અમને જ દેખે છે, જેમ લોકાલોક ઉપર ચડેલા પુરુષને પૃથ્વી ઉપર ઝાડ, મનુષ્ય તથા બીજા પર્વત તે કાંઈ દેખાતાં નથી; એક પૃથ્વી જ દેખાય છે, તે માટે તે જીવ, માયા, ઈશ્વરને અસત્ય કહે છે, અને આવી સ્થિતિ ન થઈ હોય ને તે શાસ્ત્રમાંથી શીખીને જીવ, માયા, ઈશ્વર, ગુરુ, શિષ્ય, વેદ, પુરાણ, શાસ્ત્ર તેમને મિથ્યા કહે તે નારકી થાય છે. (૧) બાબત છે.
૧ પ્ર. આમાં બ્રહ્મ કહ્યા તે કોને જાણવા ?
૧ ઉ. આ ઠેકાણે બ્રહ્મ શબ્દે કરીને શ્રીજીમહારાજને કહ્યા છે.
૨ પ્ર. (પ્ર. ૪૫, ૬૬/૧, પં. ૧/૧, મ. ૩/૧.૨, ૧૦ના પહેલા પ્રશ્નમાં, ૧૩/૨ અને ૬૫/૧માં) બ્રહ્મને પરબ્રહ્મનો પ્રકાશ કહ્યો છે તથા (લો. ૧ આઠમા પ્રશ્નમાં, ૧૦ના ૬/૮ છઠ્ઠા પ્રશ્નમાં, મ. ૮ના બીજા પ્રશ્નમાં ઇત્યાદિકમાં) બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મના દાસ થવું એમ કહ્યું છે. અને (મ. ૨૧ના ૪/૮ ચોથા પ્રશ્નમાં, ૩૦માં અને અ. ૨/૧માં) બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ-ઉપાસના કરવાનું કહ્યું છે, તથા (છે. ૩૬ના ૨/૩ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની મૂર્તિની ઉપાસના વિના આત્મા તથા બ્રહ્મ દેખાય જ નહિ એમ કહ્યું છે માટે એમ જોતાં તો બ્રહ્મ તે શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ છે અને તમે શ્રીજીમહારાજને બ્રહ્મ કહો છો તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. આમાં નિર્વિકલ્પ સ્થિતિવાળાને સર્વત્ર બ્રહ્મ દેખાય છે એમ કહ્યું તે બ્રહ્મ શ્રીજીમહારાજને જાણવા; તે ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના તરંગ (૩૯)માં કહ્યું છે કે :-
आधायां तत्र पश्यंति जीवेशाद्यखिलं पृथक् । दिव्तीयायां तु नेक्षंते मुक्ता: किंचित्पृथग्धरे: ।।૧૨।।
लोकाभोक नगारुढास्-त्वेतत् किंचित् क्षिते: पृथक् । न पश्यंति यथा तद्वद् अनयेप्येतद्धरे: पृथक् ।।૧૪।। પહેલી સવિકલ્પ સ્થિતિવાળાને જીવ, ઈશ્વર વગેરે પૃથક્ પૃથક્ દેખાય છે પણ બીજી નિર્વિકલ્પ સ્થિતિવાળા મુક્તને તો એક હરિ શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ દેખાતું નથી. (૧૨) જેમ લોકાલોક પર્વત પર ઊભેલા મનુષ્યને પૃથ્વી વિના કાંઈ પણ દેખાતું નથી તેમ બીજી નિર્વિકલ્પ સ્થિતિવાળા મુક્તને પણ એક શ્રીહરિ વિના બીજું કાંઈ દેખાતું નથી. (૧૫) માટે બ્રહ્મ જે શ્રીજીમહારાજ તે સર્વત્ર દેખાય છે તે (કા. ૭ના ૪/૫ ચોથા પ્રશ્નમાં) આત્યંતિક કલ્યાણ પામીને સિદ્ધદશા પામ્યો હોય તે “અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે ને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ એ સિદ્ધદશાનું લક્ષણ છે” એમ કહ્યું છે. માટે આ ઠેકાણે બ્રહ્મ તે શ્રીજીમહારાજને કહ્યા છે પણ તેજને બ્રહ્મ કહેલ નથી, કેમ જે (અશ્લા. ૧ના ૨/૩ બીજા પ્રશ્નમાં ) આત્મદર્શનની ઇચ્છા રાખે તેને મધ્યમ કહ્યો છે તથા (છે. ૫ના ત્રીજા પ્રશ્નમાં) અમારા વિના બીજું કાંઈ આત્મદર્શનાદિક ઇચ્છે તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. અને (કા. ૧ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં) કૈવલ્યાર્થીનું અમારી મૂર્તિને વિષે તદાકારપણું થતું નથી. અને (લો. ૧૪/૨માં) “અમારું તેજ એકલું દેખાય તો કષ્ટ પામવું” અને (પાંચમી બાબતમાં) “અમારી સાકારપણે ઉપાસના-ભક્તિ કરવી” અને (વ. ૨/૧માં) “અમને નિરાકાર જાણે તે અમારો દ્વેષી છે.” અને (મ. ૬૫/૨માં) “એકલું બ્રહ્મજ્ઞાન નકારું અને અકલ્યાણકારી છે.” અને (છે. ૩૬ના બીજા પ્રશ્નમાં) મૂર્તિની ઉપાસના વિના આત્મા કે બ્રહ્મ દેખાય જ નહિ અને (છે. ૩૦/૧માં) કેવળ તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય તે અમને ગમે જ નહિ. એવી રીતે પોતાના તેજરૂપ બ્રહ્મનો પણ નિષેધ કર્યો છે, અને શુષ્ક વેદાંતીનો તો શ્રીજીમહારાજે (મ. ૧૮, ૧૯, પ્ર. ૪૮, લો. ૭ના ૩/૯ ત્રીજા પ્રશ્નમાં, છે. ૨૮ના પહેલા પ્રશ્નમાં, ઇત્યાદિકમાં) અતિશે નિષેધ કર્યો છે. (અને પ્ર. ૪૨, ૫૦ તથા પરથારાની બીજી બાબતમાં તથા વ. ૧૩ના બીજા પ્રશ્નમાં ) બ્રહ્મ તો અમે જ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. માટે બ્રહ્મ નામે શ્રીજીમહારાજને જ જાણવા પણ નિરાકાર બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે આ ઠેકાણે ન જાણવું. ।।૩૯।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૦
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૪ ચોથને દિવસ પ્રાતઃકાળે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો લટકતો હતો ને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ? ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમમાં મુનિ ભેળો રહીને તપ કરું અથવા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાઉં, એવી રીતનો વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. (૧)
૨ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! ભક્તિમાં ને ઉપાસનામાં તે શો ભેદ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે :
श्रवणं कीर्तनं विष्णो: स्मरणं पादसेवनम् ।
अर्चनं वंदनं दास्यं सख्यमत्मनिवेदनम् ।।
એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. (૨) અને ઉપાસના તો તેને કહીએ જે, ભગવાનના સ્વરૂપને વિષે સદા સાકારપણાની દૃઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય, તોપણ તે નિષ્ઠા જાય જ નહિ, ને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તોપણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે, અને શાસ્ત્રને વિષે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થાવા દે જ નહિ, એવી રીતે જેની દૃઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪૦।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અમારા તેજરૂપ અક્ષરધામના સાધર્મ્યપણાને પામીને અમારી મૂર્તિમાં સ્નેહે કરીને જોડાઈ જાય તે નિર્વિકલ્પ સમાધિવાળો છે, અને જેને અમારી મૂર્તિમાં સ્થિતિ થઈ હોય એટલે અમારી મૂર્તિને દેખતો હોય, પણ બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને એમના મુક્ત જેવો થાઉં એવો વિકલ્પ રહે તે સવિકલ્પ સમાધિવાળો છે. (૧) બીજામાં નવ પ્રકારે અમને ભજે તે ભક્તિ છે. (૨) અને અમને સદા સાકાર જાણીને અમારે વિષે સ્વામી-સેવકભાવ રાખવો તે ઉપાસના છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. આમાં (૨/૩ બીજા પ્રશ્નમાં સા. ૧૭, મ. ૧૯/૨, ૨૭ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં તથા લો. ૧૪/૨માં, એ પાંચમાં) ઉપાસના કહી તે એક પ્રકારની હશે કે જુદા જુદા પ્રકારની હશે ?
૧ ઉ. આમાં શ્રીજીમહારાજને સદા સાકાર જાણવા તે ઉપાસના કહી છે અને (મ. ૨૭માં) શ્રીજીમહારાજને સાકાર જાણીને શ્રીજીમહારાજની પ્રતિમાને થાળ જમાડવા, વસ્ત્ર, ઘરેણાં પહેરાવવાં, આરતી ઉતારવી તે સેવા ભક્તિરૂપ ઉપાસના કહી છે અને (મ. ૧૯માં) પતિવ્રતાપણું રાખીને પ્રેમે સહિત સેવાભક્તિ કરવારૂપી ઉપાસના કહી છે અને (સા. ૧૭માં) શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરીને સ્વામી-સેવકપણું ને દાસપણું દૃઢ કરવું એવી રીતની ઉપાસના કહી છે. આમાં ઉપાસના કહી તેથી (મ. ૨૭માં) કહી તે શ્રેષ્ઠ છે અને તેથી (મ. ૧૯માં) કહી તે શ્રેષ્ઠ છે, અને તેથી (સા. ૧૭માં) કહી તે શ્રેષ્ઠ છે અને (લો. ૧૪/૨માં) સર્વેથી પર તેજના સમૂહને મધ્યે દિવ્ય મૂર્તિ એવા ને પોતાના મુક્તોએ સહિત દેખે તે સર્વથી શ્રેષ્ઠ છે. ।।૪૦।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૧
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૫ પંચમીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે લીંબડા તળે ચોતરા ઉપર ઢોલિયે વિરાજમાન હતા ને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને પીળાં પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્નોત્તર કરો. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! एकोडहं बहुस्यां ।। એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે, પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તે જ પોતાની ઇચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વે જીવ-ઈશ્વર રૂપે થાય છે તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે, એટલે એ વાતની ઘેડ્ય બેસતી નથી ને અમે તો એમ સમજીએ છીએ જે, ભગવાન તો અચ્યુત છે તે ચ્યવીને જીવ-ઈશ્વર રૂપે થાય નહિ, માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી, એનો અર્થ તો બીજી રીતે છે. તે વેદસ્તુતિના ગદ્યમાં કહ્યો છે જે :
स्वकृत-विचित्र-योनिषु विशन्निव हेतुतया ।
तरतमतश्चकास्त्यनलवत् स्वकृतानुकृति ।।
એનો અર્થ એમ છે જે, પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિષે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિકભાવે પ્રકાશ કરે છે. તેની વિગતિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિષે અક્ષર સામી દૃષ્ટિ કરે છે, ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે, પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે ને પુરુષ રૂપે થઈ ને પ્રકૃતિને પ્રેરે છે, એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થાતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ ને પછી તે પ્રકૃતિપુરુષ થકી પ્રધાનપુરુષ થયા અને તે પ્રધાનપુરુષ થકી મહત્તત્ત્વ થયું ને મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને અહંકાર થકી ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે થયા ને તે થકી વિરાટપુરુષ થયા ને તેની નાભિ-કમળમાંથી બ્રહ્મા થયા ને બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા ને સ્થાવર-જંગમ સર્વે સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષપ્રકૃતિમાં નથી ને જેવા પુરુષપ્રકૃતિમાં છે તેવા પ્રધાનપુરુષમાં નથી ને જેવા પ્રધાનપુરુષમાં છે તેવા મહત્તત્ત્વાદિક ચોવીશ તત્ત્વમાં નથી ને જેવા ચોવીશ તત્ત્વમાં છે તેવા વિરાટપુરુષમાં નથી ને જેવા વિરાટપુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી ને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુપક્ષીમાં નથી, એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે, જેમ કાષ્ઠને વિષે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાંકા કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિષે તેટલી સામર્થીએ યુક્ત થકા રહે છે અને અક્ષર ને પુરુષપ્રકૃતિ આદ્યે સર્વેને વિષે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થીમાં તારતમ્યપણું છે એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને એ સર્વેને વિષે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ-ઈશ્વરપણાને પોતે પામીને બહુ રૂપે નથી થયા, એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૪૧।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં મૂળમાયા સુધી ક્ષર અને મૂળઅક્ષર સુધી અક્ષર તે સર્વેથી પર અને સદા મૂર્તિમાન પ્રત્યક્ષ પુરુષોત્તમ જે અમે તે મૂળઅક્ષરથી લઈને બ્રહ્મ, ઈશ્વર, માયા, જીવ એ સર્વેને વિષે પાત્રની તારતમ્યતાએ અંતર્યામી રૂપે એટલે અન્વય સ્વરૂપ જે અમારું તેજ તે દ્વારે કરીને રહ્યા છીએ પણ અમે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર તે રૂપે થયા નથી; અમે તો સર્વેથી પર છીએ અને એ સર્વેને અગમ્ય છીએ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. ઉત્પત્તિ સમે અક્ષર સામી દૃષ્ટિ કરે છે એમ કહ્યું તે દૃષ્ટિ કેવી રીતે કરતા હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજ મૂળઅક્ષરાદિક સર્વેમાં તેજ દ્વારે અન્વયપણે રહીને પ્રેરણા કરે છે તે (મ. ૧૦ના પહેલા પ્રશ્નમાં) અમે મૂર્તિમાન ને સર્વેથી જુદા છીએ અને બ્રહ્મરૂપ જે અમારી શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છીએ ને એ બ્રહ્મ તે અમારી કિરણ છે અને (પ્ર. ૬૪/૧માં) અમારું તેજ જે આત્મા તે મૂળઅક્ષરમાં વ્યાપક છે ને તે અક્ષરના દ્રષ્ટા છે એમ કહ્યું છે, માટે પોતાના તેજરૂપ અક્ષરધામની કિરણો દ્વારે મૂળઅક્ષરાદિક સર્વેને વિષે રહ્યા છે, માટે અક્ષર સામી દૃષ્ટિ કરે છે એમ કહ્યું તે અંતર્યામીપણે તેજ દ્વારે પ્રેરણા કરે છે એમ સમજવું. તે (પ્ર. ૪૫ના બીજા પ્રશ્નોત્તરમાં) છે.
૨ પ્ર. આ અક્ષરને વચનામૃતમાં ક્યાંયે મૂળઅક્ષર નામે કહ્યા નથી અને તમે મૂળઅક્ષર કહો છો તેનું શું કારણ હશે ?
૨ ઉ. શ્રીજીમહારાજ સૃષ્ટિ કરવાની પ્રેરણા પ્રથમ અક્ષરને કરે છે તે અક્ષર મૂળપુરુષ દ્વારે સૃષ્ટિ કરાવે છે, માટે સૃષ્ટિકર્તા મૂળકારણ એ છે, તેથી મૂળઅક્ષર કહેવાય છે.
૩ પ્ર. અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે તે પુરુષ માયા સાથે જોડાય છે. એમ કહ્યું તે પુરુષના ઉપરી તો (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) બ્રહ્મને કહ્યા છે તે બ્રહ્મને અહીં ગણ્યા નથી ને પાધરા જ અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે એમ કહ્યું અને (પ્ર. ૧૨ના બીજા પ્રશ્નમા) શ્રીજીમહારાજ અક્ષરપુરુષ રૂપે માયાને વિષે ગર્ભ ધરે છે એમ કહ્યું છે તે અક્ષરપુરુષ જે મૂળપુરુષ તેને તો પ્રેરણા બ્રહ્મની જોઈએ ને બ્રહ્મને અક્ષરની જોઈએ ને તે અક્ષરને શ્રીજીમહારાજની પ્રેરણા જોઈએ, કેમ જે એ સર્વે એકબીજાના ઉપરી છે તે ઉપરીની પ્રેરણા હોવી જોઈએ તેમને ગણ્યા વિના પાધરા જ શ્રીજીમહારાજ પુરુષ રૂપે માયાને વિષે ગર્ભ ધરે છે એમ કહ્યું અને વળી એ જ બાબતમાં પ્રધાનને વિષે પણ પ્રધાનના પતિ પુરુષ રૂપે કરીને શ્રીજીમહારાજ ગર્ભ ધરતા હવા એમ કહ્યું છે, તેમાં પણ મૂળપુરુષ, બ્રહ્મ, અક્ષર એ બધાયને ગણ્યા નહિ ને પાધરા જ પ્રધાનના પતિ પુરુષ રૂપે પ્રધાનને વિષે ગર્ભ ધરતા હવા એમ કહ્યું છે તેમ જ (પ્ર. ૫૬ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં પણ) આ પ્રગટ ભગવાન જે અમે તે સૃષ્ટિ રચવાને સમે પ્રકૃતિપુરુષ દ્વારા એ સૃષ્ટિને ઉપજાવીએ છીએ એમ કહ્યું છે તે ઠેકાણે પણ અક્ષર કે બ્રહ્મ કોઈને ગણ્યા નથી અને (મ. ૩૧ના પહેલા પ્રશ્નમાં) પુરુષ રૂપે કરીને માયાને વિષે વીર્ય ધરીએ છીએ અને એ જ બાબતમાં મૂળપુરુષ ને મૂળમાયા થકી વૈરાજપુરુષ ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે તે મૂળપુરુષ ને મૂળમાયા થકી તો પ્રધાનપુરુષ ઉત્પન્ન થાય છે અને તે પ્રધાનપુરુષ થકી મહત્તત્ત્વ ઉત્પન્ન થાય છે અને મહત્તત્ત્વ થકી અહંકાર ઉત્પન્ન થાય છે અને અહંકાર થકી ચોવીશ તત્ત્વ ઉત્પન્ન થાય છે અને વૈરાજ તો ચોવીશ તત્ત્વથી ઉત્પન્ન થાય છે અને પાધરા જ મૂળપુરુષ ને મૂળમાયામાંથી વૈરાજપુરુષ ઉત્પન્ન થયા એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. ઉત્પત્તિ સમે શ્રીજીમહારાજ પોતાની અંતર્યામી શક્તિ જે તેજરૂપ અક્ષર તે દ્વારે મૂળઅક્ષરને ઉત્પત્તિની પ્રેરણા કરે છે, અને મૂળઅક્ષર પોતાના તેજ દ્વારે બ્રહ્મને પ્રેરણા કરે છે ને વાસુદેવબ્રહ્મ પોતાના તેજ દ્વારે મૂળપુરુષને પ્રેરણા કરે છે તે મૂળપુરુષ માયા સાથે જોડાય છે ને તે થકી અનંત પ્રધાનપુરુષ થાય છે તે પ્રધાન સાથે તેનો પતિ પુરુષ જોડાય છે ને તે થકી બ્રહ્માંડ થાય છે, આવી રીતે અનુક્રમ પ્રમાણે જ પ્રેરણા થાય છે પણ એકબીજાના ઉપરીને મૂકીને પાધરા જ શ્રીજીમહારાજ પ્રેરણા કરતા નથી પણ એ સર્વેને વિષે શ્રીજીમહારાજની સત્તા રહી છે, માટે સૂઝે તે દ્વારે પ્રેરણા કરે તોપણ શ્રીજીમહારાજ પોતે જ પ્રેરણા કરે છે એમ કહ્યું હોય, માટે પુરુષ રૂપે કરીને પ્રધાનને વિષે તથા મૂળપુરુષ રૂપે કરીને માયાને વિષે શ્રીજીમહારાજ ગર્ભ ધરે છે એમ કહ્યું હોય તે ઠેકાણે તેમના ઉપરી દ્વારે જ પ્રેરણા કરે છે એમ જાણવું પણ શ્રીજીમહારાજ પોતે એકબીજાના ઉપરીને પડ્યા મૂકીને પ્રેરણા કરતા નથી પણ ગ્રંથ વિસ્તાર પામે તેથી સ્થળે સ્થળે લખતા નથી. આ એકબીજાના ઉપરીના ભેદ (સા. ૧૭ના ચોથા પ્રશ્નોત્તરમાં) છે. ।।૪૧।।
વચનામૃત ગઢડા પ્રથમનું – ૪૨
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંઘી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને બે કાનને ઉપર પીળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ અને તે સભાને વિષે કોઈક વેદાંતી બ્રાહ્મણ આવીને બેઠો હતો. તેને જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, વિધિનિષેધ તો મિથ્યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવાં જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે ને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે, એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે ? અને સર્વ વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ-કમંડલુ ધારણ કરાવ્યાં અને એમ કહ્યું જે, ભગવદ્ગીતા ને વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું, અને જેને ઝાઝાં ચોમાસાં થયાં હોય તેનું થોડાં ચોમાસાંવાળાએ વંદન કરવું, અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી, એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહિ હોય ? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતાં એ મોટા થયા ? માટે એમ જણાય છે જે, એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિનિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તે તો એમ કહ્યા છે જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિષે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહિ અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહિ તો ઝાડવાં તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે ? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહિ અને ઊંચું જુએ તો મોટી મોટી સમુદ્રની લહેર્યું ઊઠતી હોય, માટે ઊંચું પણ જળ જ જણાય ત્યારે તે વહાણને વિષે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે, એકલું જળ જ છે; બીજું કાંઈ નથી. એ દૃષ્ટાંતનો સિદ્ધાંત એ છે જે, જેને બ્રહ્મ સ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે, એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર ને માયા એ આદિક સર્વે તે મિથ્યા છે અને તેનાં વચન શાસ્ત્રમાં લખાણાં હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તોપણ વિધિનિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે ને છોકરાંની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે, એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહાઅધમ જાણવા ને નાસ્તિક જાણવા. (૧) અને શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ।। भज गोविंदं भज गोविंद भज गोविंद मूढमते ।। એ આદિક ઘણાંક વિષ્ણુનાં સ્તોત્ર કર્યાં છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદ્ય દૈને જે ઘણાક દેવતા તેનાં સ્તોત્ર કર્યાં છે જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાનાં સ્તોત્ર કર્યાં છે, અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટાં કરી નાખે છે ને વળી એમ કહે છે જે, જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તોપણ કાંઈ અડતું નથી તે મૂર્ખપણામાંથી કહે છે અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિષે જડભરત શ્રેષ્ઠ છે અને જેટલાં પુરાણમાત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિષે જડભરતની વાર્તા લખાણી છે એવા મોટા જે જડભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગ ને ટૂંકી પૂંછડી ને માથે નાની શીંગડીઓ એવો આકાર પોતાને પ્રાપ્ત થયો અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી તોપણ સર્વે ભગવાનની માયાને તરી ગઈ ને પોતે ગુણાતીત થઈ ને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામીયું, તેનું કારણ એ છે જે શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત્ પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા તો તે સંગાથે ગોપીઓએ જાણે-અજાણે પ્રીતિ કરી તોપણ તે ગોપીઓ ગુણાતીત થઈયું અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા, માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે. (૨) અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્ય સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે અને જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત ને જો ગુણાતીતપદને પામીયો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્ય મૂર્તિ જ છે અને વેદાંતી કહે છે જે, સર્વત્ર બ્રહ્મસભર ભર્યો છે, ત્યારે જેમ ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ કરી તેમ જ સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણીને વિષે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિષે પ્રીતિ કરે છે તોપણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થાતી નથી તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે, માટે જે વિધિનિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી ને જે એ વિધિનિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪૨।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં બ્રહ્મ સ્વરૂપને વિષે નિર્વિકલ્પ સ્થિતિ થયા વિના જીવ, માયા, ઈશ્વરાદિકને મિથ્યા કહે તથા વિધિનિષેધને ખોટા કહે તેને અધમ ને નાસ્તિક કહ્યા છે. (૧) અને કુસંગને યોગે ભૂંડું થાય છે. (૨) અને જેમ શ્રીકૃષ્ણને પ્રસંગે ગોપીઓ અભયપદ પામી તેમ અમારા પ્રસંગ થકી અભયપદને પામે છે અને નાસ્તિકને નરકની પ્રાપ્તિ થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. બ્રહ્મ સ્વરૂપનો અર્થ શો હશે ? અને નિર્વિકલ્પ સ્થિતિવાળાનાં લક્ષણ શાં હશે ?
૧ ઉ. આ ઠેકાણે બ્રહ્મ સ્વરૂપ એટલે શ્રીજીમહારાજને જાણવા અને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ દેખે નહિ તેને નિર્વિકલ્પ સ્થિતિવાળા જાણવા.
૨ પ્ર. બીજી બાબતમાં શ્રીકૃષ્ણને પ્રસંગે ગોપીઓ અક્ષરધામને પામી એમ કહ્યું તે શ્રીકૃષ્ણ કોને જાણવા અને અક્ષરધામ કિયું જાણવું ? અને શ્રીકૃષ્ણને ગુણાતીત કહ્યા તે ગુણાતીત કેવી રીતે જાણવા ?
૨ ઉ. આ ઠેકાણે મૂળપુરુષને શ્રીકૃષ્ણ કહ્યા છે ને તેના ગોલોક ધામને અક્ષરધામ કહ્યું છે અને માયાના ગુણથી પર છે, માટે ગુણાતીત કહ્યા છે.
૩ પ્ર. ગમે તેવા મોટાનું કુસંગે કરીને ભૂંડું થાય તે મોટો કેવો, અને કુસંગી તે શું ?
૩ ઉ. સાધનદશાવાળો ઉત્તમ મુમુક્ષુ હોય પણ એકાંતિક થયેલો ન હોય એવા મોટાને કુસંગ લાગે ને સ્ત્રીધનાદિક પદાર્થને વિષે મોહ પામીને તેમાં બંધાઈ જાય, અને જે એકાંતિક હોય તે તો સ્ત્રીધનાદિકને અતિ તુચ્છ જાણીને તેમાં પ્રીતિ કરે જ નહિ, અને શાસ્ત્રને વિષે કહેલા વિધિને ખોટા કરીને શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળે તે કુસંગી છે અને તેનો સંગ તે કુસંગ જાણવો.
૪ પ્ર. ત્રીજી બાબતમાં પાપી જીવ અમારો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે પ્રસંગ કેવી રીતે જાણવો ?
૪ ઉ. શ્રીજીમહારાજને અંતર્યામી જાણીને આશરો કરે તે પ્રસંગ કહેવાય, અને સત્સંગમાં આવ્યા પછી આજ્ઞામાં રંચમાત્ર ફેર પડે નહિ તો તેનાં પ્રથમ કરેલાં પાપ બળી જાય ને તે અભયપદ એટલે અક્ષરધામને પામે છે અને સત્સંગમાં આવ્યા પછી આજ્ઞા લોપે તો કલ્યાણ ન થાય. ।।૪૨।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૩
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૭ સાતમને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાઘને વિષે પીળાં પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિષે પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનની ઉપર પીળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમે શ્રીજીમહારાજ સર્વ ભક્તજન ઉપર કરુણાની દૃષ્ટિએ કરીને સર્વે સામું જોઈને બોલ્યા જે, સર્વે સાંભળો એક પ્રશ્ન પૂછીએ છીએ જે, (૧) શ્રીમદ્ ભાગવત પુરાણમાં કહ્યું છે જે, જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે, ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા તે ચાર પ્રકારની મુક્તિ તે શું ? તો એક તો ભગવાનના લોકમાં રહેવું અને બીજું ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ ને ઐશ્વર્ય પામવું અને ચોથું ભગવાનના સ્વરૂપને વિષે લીન થાવું, એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત ન ઇચ્છે ત્યારે એ શાને ઇચ્છે ? એ પ્રશ્ન છે તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઇચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય ને જે ચતુર્ધા મુક્તિને ન ઇચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઇચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય, તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે :
सालोक्य सालोक्य सालोक्य सार्ष्टि सामीप्य सारुप्यैकत्व मप्युत ।।
दीयमानं न गृह्यान्ति विना मत्सेवनं जना: ।।
नेच्छन्ति सेवया पूर्णा: साळोक्यादि चतुष्टम् ।।
એ શ્લોકનો અર્થ એ છે જે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઇચ્છે જ નહિ ને એક સેવાને જ ઇચ્છે અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે ને એ ભક્ત નથી ઇચ્છતા તોપણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય-સુખને પમાડે છે તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે :
अथो विभूति मम मायाविनस्तामैश्वर्यमष्टांगमनुप्रवृत्तम् ।
श्रियं भागवतीं चास्पृहयन्ति भद्रां परस्य मेतेडश्नुवते तु लोके ।।
અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે ને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે, માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઇચ્છવું ને ઇચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય અને જો કાચ્યપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચ્યપને ટાળવી. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૪૩।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે ચાર પ્રકારની મુક્તિને ઇચ્છે તે સકામ ને અર્થાર્થી છે અને તે ન ઇચ્છે ને એક સેવાને જ ઇચ્છે તે નિષ્કામ ને જ્ઞાની છે અને અમારા એકાંતિક ભક્તનો સમાગમ કરીને તે કાચ્યપ ટાળવી. (૧) બાબત છે.
૧ પ્ર. ભગવાનના સ્વરૂપમાં લીન થાવું તે મુક્તિ ન ઇચ્છવી એમ કહ્યું તે મુક્તિની ઇચ્છાવાળા કેવી રીતે લીન થવા ઇચ્છતા હશે તે ના પાડી હશે, કેમ કે (સા. ૧૧ના પહેલા પ્રશ્નમાં) અતિ પ્રેમવાળા ભક્ત ભગવાનની મૂર્તિમાં લીન થાય છે એમ કહ્યું છે, માટે તે કાંઈ સમજાતું નથી તે કૃપા કરીને સમજાવો ?
૧ ઉ. તે મુક્તિની ઇચ્છાવાળા જળમાં જળવત્ અને અગ્નિમાં અગ્નિવત્ એક થઈ જવા ઇચ્છે છે તેનો નિષેધ કર્યો છે અને સેવાને એટલે દાસપણાને ઇચ્છનારા નિષ્કામ ભક્ત તો જળમાં મીનવત્ મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે પણ એક થઈ જતા નથી. નિષ્કામ ભક્તને તો શ્રીજીમહારાજ પોતાની મૂર્તિમાં રાખીને પોતાનું સુખ-ઐશ્વર્ય આપે છે, આ અનાદિમુક્તની સ્થિતિ છે. અને પરમએકાંતિક જે મૂર્તિને સન્મુખ રહ્યા છે તે મુક્ત પણ દાસત્વભક્તિવાળા છે, અને શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામેલા છે.
૨ પ્ર. નિષ્કામ ભક્તને ઐશ્વર્ય-સુખ પમાડે છે એમ કહ્યું તે કિયાં જાણવાં ?
૨ ઉ. કાળ, કર્મ, માયાથી રહિતપણું અને અસંગી, નિર્વિકાર, નિર્લેપપણું અને અનંત જીવોનો મોક્ષ કરવાપણું, સ્વતંત્રપણું, સર્વજ્ઞપણું અને શ્રીજીમહારાજની પેઠે જ ચહાય તે કરવાપણું ઇત્યાદિ ઐશ્વર્ય જાણવાં અને શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખ રહ્યાં છે તે સુખ જાણવાં. ।।૪૩।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૪
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને તે ફેંટાને એક આંટે કરીને બોકાની વાળી હતી ને તે પાઘ ઉપર ધોળાં પુષ્પનો હાર વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનને વિષે સ્નેહ હોય તેનું શું રૂપ છે ? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તમને તો સ્નેહની દિશ જ જડી નહિ અને તમે જે પિંડ-બ્રહ્માંડથી નિઃસ્પૃહ રહેવું તેને સ્નેહ કહ્યો એ સ્નેહનું રૂપ નહિ; એ તો વૈરાગ્યનું રૂપ છે, અને સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ ને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિષે સ્નેહ હોય તેને એક ભગવાનના વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે-અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો, જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે, એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિષે પ્રીતિ છે એમ જાણવું, તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો, જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે. (૧)
૨ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) એવી દૃઢ પ્રીતિ ભગવાનને વિષે થાય તેનું શું સાધન છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિષે દૃઢ પ્રીતિ થાવાનું કારણ છે. (૨)
૩ ત્યારે સોમલોખાચર બોલ્યા જે, (૩) એવો પ્રસંગ તો અતિશે કરીએ છીએ પણ એવી દૃઢ પ્રીતિ કેમ થાતી નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રસંગ તો કરો છો પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો, ને અર્ધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિષે દૃઢ પ્રીતિ થાતી નથી. (૩)
૪ પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુ તેણે પ્રશ્ન પૂછ્યો જે, (૪) હે મહારાજ ! દેહ ને દેહના સંબંધીને વિષે અહંમમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે પોતાને દેહથી પૃથક્ જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે ને એ જીવાત્માને વિષે દેહ તો કેવી રીતે વળગ્યો છે તો, જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો, ત્યારે તે એમ માને જે, દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે એમ જે માને તે મૂર્ખ કહેવાય, તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાત થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિષે પોતાપણું માને ને તે દેહનાં માબાપને પોતાનાં માબાપ માને તે મૂર્ખ કહેવાય ને તેને પશુ જેવો જાણવો અને ચોરાશી લાખ જાતમાં જે પોતાની મા, બોન, દીકરીઓ ને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી, માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહંમમત્વના ઘાટ કેમ ટળશે ? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે, ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે, ત્યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી, માટે દેહ ને દેહના સંબંધીને વિષે અહંમમત્વનો ત્યાગ કરીને ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને, સર્વે વાસનાનો ત્યાગ કરીને, સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે ને એવો સાધુ તો હું છું જે, મારે વર્ણાશ્રમનું લેશમાત્ર પણ માન નથી, એવી રીતે શ્રીજીમહારાજ બોલ્યા તે તો ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૪૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં અમારી મૂર્તિની અખંડ સ્મૃતિ રહે તે સ્નેહનું રૂપ છે. (૧) બીજામાં સત્પુરુષને પ્રસંગે કરીને અમારે વિષે દૃઢ પ્રીતિ થાય છે. (૨) ત્રીજામાં જગતનો પ્રસંગ કરે તો અમારે વિષે એવી પ્રીતિ થાય નહિ. (૩) ચોથામાં દેહમાંથી ને સંબંધીમાંથી અહંમમત્વ ટાળીને, પોતાના આત્માને અમારા તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે રૂપ માનીને, વાસના ટાળીને, સ્વધર્મમાં રહીને અમને ભજે ત્યારે સાધુ થવાય એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કર્યું તે બ્રહ્માનંદ સ્વામી તો અનાદિમુક્ત હતા તેમણે સ્નેહનું રૂપ વૈરાગ્યના રૂપમાં કેમ કર્યું હશે ?
૧ ઉ. આ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીને શ્રીજીમહારાજ પાસે કરાવવો હતો ને શ્રીજીમહારાજને સ્વામી પાસે કરાવવો હતો તે શ્રીજીમહારાજે આગ્રહ કરીને સ્વામી પાસે કરાવ્યો, તેથી બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજ પાસે ઉત્તર કરાવવા સારુ યથાર્થ ઉત્તર ન કર્યો. ત્યારે શ્રીજીમહારાજે વિનોદ કર્યો જે, તમને તો દિશ જ જડી નહિ પણ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સર્વે અનાદિમુક્ત હતા ને શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામેલા હતા, એમનું કાંઈ પણ અજાણ્યું નહોતું અને એમણે જે જે પ્રશ્ન પૂછ્યા છે તે બીજા જીવોના સમાસને અર્થે છે.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં સત્પુરુષને પ્રસંગે શ્રીજીમાં દૃઢ પ્રીતિ થાય એમ કહ્યું તે સત્પુરુષ કેવા જાણવા?
૨ ઉ. આ ઠેકાણે શ્રીજીની મૂર્તિમાં નિમગ્ન એવા સિદ્ધમુક્તને સત્પુરુષ કહ્યા છે.
૩ પ્ર. ત્રીજા પ્રશ્નમાં જગતનો પ્રસંગ કહ્યો તે જગત શું જાણવું ?
૩ ઉ. આ ઠેકાણે દેહ ને દેહના સંબંધીને જગત કહ્યું છે.
૪ પ્ર. ચોથા પ્રશ્નમાં સ્વધર્મમાં રહીને શ્રીજીમહારાજને ભજે એમ કહ્યું તે સ્વધર્મ કયો જાણવો ?
૪ ઉ. દેહનો ને આત્માનો જે ધર્મ તે સ્વધર્મ જાણવો, તે દેહના ધર્મ જે સ્થૂળ દેહે નિયમ પાળવા અને સૂક્ષ્મ દેહે આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થવા દેવા નહિ અને આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ ધારી રાખવી તે આત્માનો ધર્મ છે.
૫ પ્ર. શ્રીજીમહારાજ પોતે જ ભગવાન છે તેમણે એવો સાધુ હું છું એમ કેમ કહ્યું હશે ?
૫ ઉ. વર્ણ જે બ્રાહ્મણાદિક અને આશ્રમ જે બ્રહ્મચર્યાદિક તેનું અભિમાન મૂકીને તથા માયિક વિષયની તથા ઐશ્વર્યની વાસનામાત્ર ટાળીને, બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થઈને, શ્રીજીમહારાજનું અખંડ ચિંતવન કરે તે સાધુને શ્રીજીમહારાજે પોતા તુલ્ય કહ્યો છે, માટે એવો સાધુ હું છું એમ કહ્યું તે જેવા અમે છીએ એવો જ એ સાધુ છે એમ કહ્યું છે. ।।૪૪।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૫
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૦ દશમને દિવસ સાંજને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! કેટલાક વેદાંતી એમ કહે છે જે, ભગવાનને આકાર નથી અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે અને કેટલાક જે નારદ-શુક-સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે તે એ બેમાંથી કોણ સાચા છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે ને મહા તેજોમય મૂર્તિ છે અને સર્વત્ર પૂર્ણ એવું સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે, તે ભગવાન માયા સામું જોતા હવા અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખ્ય જ હોય ? હાથ-પગ પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિષે સાકાર છે ને જળ નિરાકાર છે ને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર છે ને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિષે સાકાર છે ને જેમ સમગ્ર તડકો તે નિરાકાર છે ને સૂર્યના મંડળને વિષે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે અને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે અને કોઈ એમ કહે જે શ્રુતિમાં એમ કહ્યું છે જે, પરમેશ્વર તો કર-ચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે તો એ જે શ્રુતિએ કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કર-ચરણાદિકનો નિષેધ કર્યો છે અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી; અને જેમ સૂર્યનું તેજ છે તેને આગળ દર્પણ ધરીએ, ત્યારે તે કિરણનું જે રૂપ તે સૂર્યના જેવું જ ભાસે છે, તેમ પુરુષોત્તમ ભગવાન મૂર્તિમાન છે તેની કિરણરૂપ જે સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ તેનું રૂપ પણ દર્પણ જેવું જેનું નિર્મળ અંતઃકરણ થયું હોય તેને પુરુષોત્તમ ભગવાનના જેવું સાકાર જ ભાસે છે, માટે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી ને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૪૫।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે, તેમાં અમે મહા તેજોમય ને સદા સાકાર મૂર્તિ છીએ અને સર્વત્ર પૂર્ણ ને સર્વત્ર વ્યાપક એવું સચ્ચિદાનંદ બ્રહ્મ તે અમારું તેજ છે તે તેજ દ્વારા અમે સર્વત્ર વ્યાપક છીએ ને તે તેજ વસ્તુતાએ નિરાકાર હોવા છતાં પણ નિર્મળ અંતઃકરણવાળાને સાકાર જેવું ભાસે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. આમાં શ્રી ગોપાળાનંદ સ્વામીએ વેદાંતીની સમજણનો પ્રશ્ન પૂછ્યો છે તે વેદાંતી જેને બ્રહ્મ કહે છે તે તો મૂળપુરુષનો પ્રકાશ છે તેને જ બ્રહ્મ સમજે છે, માટે આમાં સચ્ચિદાનંદ તેજ કહ્યું તે મૂળપુરુષનું સમજાય છે ને મૂળપુરુષને જ પુરુષોત્તમ સમજાય છે માટે તે જેમ હોય તેમ કૃપા કરીને સમજાવો.
૧ ઉ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ તો, ભક્ત ભગવાનને સાકાર સમજે છે, ને વેદાંતી નિરાકાર કહે છે, પણ પરબ્રહ્મ પુરુષોત્તમ જે તમે તે તમને કેવા સમજવા, એવા ભાવથી પૂછ્યું છે, તેમને અમે સદા સાકાર છીએ ને સચ્ચિદાનંદબ્રહ્મ તે અમારો પ્રકાશ છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે.
૨ પ્ર. (લો. ૧૮/૨માં) શ્રીજીમહારાજને સચ્ચિદાનંદરૂપ કહ્યા છે અને (આમાં તથા પરથારાની બીજી બાબતમાં તથા કા. ૭ના ચોથા પ્રશ્નમાં) શ્રીજીમહારાજના તેજને સચ્ચિદાનંદ નામે કહેલ છે અને (પ્ર. ૭/૧માં) મૂર્તિમાન મૂળઅક્ષરબ્રહ્મને સચ્ચિદાનંદ નામે કહ્યા છે અને (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) ઈશ્વરના વ્યતિરેક સ્વરૂપને સચ્ચિદાનંદ નામે કહેલ છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. ઈશ્વર જે પુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર તથા શ્રીજીમહારાજ તે સર્વેને તથા તેમના તેજને સચ્ચિદાનંદ શબ્દે કરીને કહેવાય છે પણ જ્યાં જેનો પ્રસંગ હોય ત્યાં તેને સચ્ચિદાનંદ નામે કહ્યા હોય, પણ જેમ તારા, ચંદ્ર ને સૂર્યના તેજમાં તથા બિંબમાં ને સામર્થીમાં ભેદ છે, તેમ પુરુષ, બ્રહ્મ, અક્ષર ને પુરુષોત્તમ તેમને વિષે સુખ, સામર્થી ને પ્રકાશમાં ભેદ ઘણો છે પણ વસ્તુ સત્ય અને ચૈતન્ય છે, માટે સચ્ચિદાનંદ નામે કહ્યા છે અને અક્ષરકોટિ, બ્રહ્મકોટિ ને પુરુષરૂપ જે ઈશ્વરકોટિ તે સર્વ ચૈતન્ય મૂર્તિઓ છે પણ દેહદેહીભાવ નથી, માટે એ સર્વે દિવ્ય સાકાર છે અને માયાકોટિ ને જીવકોટિ તેને વિષે દેહદેહીભાવ છે અને એમના દેહનું પરિણામ છે, ને તે નિરાકાર છે તે સાકારની ઉપાસના તથા ધ્યાનથી તદ્ભાવને પામે છે. અને શ્રીજીમહારાજ તથા તેમના મુકત તો સદા સાકાર છે તે (પ્ર. ૩૭/૩માં) આત્યંતિક પ્રલયને અંતે અમે તથા અમારા મુક્ત સદા સાકાર છીએ. (૬૬/૨માં) મૂળઅક્ષરથી પર અમારા પ્રકાશરૂપ અક્ષરધામને વિષે અનંતકોટિ મુક્તે સહિત સદા મૂર્તિમાન છીએ અને અમારા તેજ દ્વારે સર્વેના આત્મા છીએ. (૭૧ના પાંચમા પ્રશ્નમાં) નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર છીએ. (કા. ૭ના ૪/૫ ચોથા પ્રશ્નમાં) જેવા અમારા તેજરૂપ અક્ષરધામને વિષે સદાય દિવ્ય રૂપે કરીને વિરાજમાન છીએ તેવા જ આ પ્રત્યક્ષ છીએ. (૮/૨માં) આ અમે મનુષ્ય રૂપે આંહીં પ્રત્યક્ષ વિચરીએ છીએ એ જ અમારું મૂળ સ્વરૂપ છે. (લો. ૧ના આઠમા પ્રશ્નમાં) ગોલોક, બ્રહ્મપુરાદિક ધામ તથા અનંતકોટિ મુક્ત તે સર્વેના સ્વામી છીએ ને જીવોના કલ્યાણને અર્થે સર્વેને દૃષ્ટિગોચર થયા છીએ. (૭ના ૩/૮ ત્રીજા પ્રશ્નમાં) પ્રકૃતિપુરુષ, અક્ષર તેથી પર ને સર્વેના કારણ ને સર્વેના આધાર એવા જે અમે તે સદા સાકાર મૂર્તિ છીએ, (૧૪/૨માં) સર્વેથી પર અમારા તેજના સમૂહને વિષે દિવ્ય મૂર્તિ થકા અનંતકોટિ મુક્તે સહિત સદાય વિરાજમાન છીએ. (૧૮/૨માં) અમે સચ્ચિદાનંદ તેજોમય મૂર્તિ છીએ અને સર્વેના નિયંતા ને અંતર્યામી છીએ. (પં. ૧/૧માં) અક્ષરબ્રહ્મ જે અમારા અંગનો પ્રકાશ તેમાં અમે સદા સાકાર છીએ. (૭/૧માં) અમારું સ્વરૂપ અમારા તેજરૂપ ધામમાં તેજોમય છે તેવું જ મનુષ્યાકાર પૃથ્વી ઉપર છે તથા બીજી બાબતમાં આત્યંતિક પ્રલયને અંતે અમે અક્ષરધામમાં સદા સાકાર ને દિવ્ય તેજોમય છીએ તેવા ને તેવા જ પૃથ્વી ઉપર છીએ. (મ. ૩/૨માં) બ્રહ્મ, સર્વના કારણ, આધાર ને અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે ને અમે એ બ્રહ્મના પણ કારણ ને આધાર છીએ. (૧૦ ના પહેલા પ્રશ્નમાં) અમે સદા સાકાર મૂર્તિમાન છીએ. ને બ્રહ્મરૂપ જે અમારી શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છીએ અને એ સર્વેથી જુદા મૂર્તિમાન છીએ અને એ બ્રહ્મ તે અમારી કિરણ છે. (૧૩/૩માં) અમારા તેજ રૂપ અક્ષરધામમાં અમે સદા મૂર્તિમાન છીએ એ જ આ પ્રત્યક્ષ પ્રમાણ વિચરીએ છીએ. (૩૯/૧માં) અક્ષરધામમાં અમે સદા સાકાર છીએ. (વ. ૨/૧માં) અમે સદા મૂર્તિમાન ને સર્વના કર્તા છીએ ને અમને જે અકર્તા તથા નિરાકાર કહે તે અમારો દ્રોહી છે. (૧૩ના બીજા પ્રશ્નમાં) અમે મૂર્તિમાન થકા સર્વેમાં વ્યાપક છીએ. (છે. ૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) અમે અમારા તેજરૂપ બ્રહ્મપુર ધામને વિષે સદાય સાકાર મૂર્તિ થકા અમારા મુક્તે સહિત વિરાજમાન છીએ (૩૦માં) ચૈતન્ય તેજના રાશિને મધ્યે મૂર્તિમાન સદા વિરાજમાન છીએ. (૩૧માં) બ્રહ્મરૂપ તેજોમય અમારા ધામમાં છીએ તે આ પ્રત્યક્ષ મનુષ્યાકાર છીએ. (૩૫ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં) અમારા તેજરૂપ અક્ષરધામને વિષે સદા સાકાર છીએ તે જ આ પ્રત્યક્ષ છીએ ને સર્વેના કર્તા છીએ, (૩૭માં) પ્રકૃતિમાંથી થયેલા જે આકાર તે સર્વેથી શ્રેષ્ઠ એવો અમારો સદા દિવ્યાકાર છે. (૩૮ના પહેલા પ્રશ્નમાં) અમે અમારા ધામમાં સદા દ્વિભુજ મનુષ્યાકાર છીએ તેવા ને તેવા જ પૃથ્વી ઉપર છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે માટે શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત તે સદા સાકાર, દિવ્ય તેજોમય છે તેવા ને તેવા જ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે દેખાય છે, ત્યાં ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના તરંગ (૯ નવમામાં) શ્લોક :
गोलोकाधिपतिर्यो हि स एवास्त्यडत्र नेतर: । स्वतंत्र: स्वेच्छयैवाडसौ नराकारेण दृश्यते ।।૧૦।।
वेषांतरं धृतवतो नटस्येवास्य सर्वथा । स्वसृपभेदो नास्त्येव ज्ञेयमित्थं मनीषिभि: ।।૧૧।।
અર્થ :- ગોલોકાદિક ધામના પતિ છે તે જ ભગવાન આ સ્થળને વિષે સ્વતંત્રપણે પોતાની ઇચ્છાએ મનુષ્યાકારે આ પ્રત્યક્ષ દેખાય છે, તે તો વેશાંતરને ધરતો એવો જે નટ તેમાં જેમ ભેદ નથી તેમ જ ધામમાં રહેલું જે સ્વરૂપ અને આમાં (પ્રત્યક્ષ જણાતા જે અમે તે અમારામાં) ભેદ નથી એમ બુદ્ધિવાળા પુરુષોએ જાણવું. ।।૧૦-૧૧।।
अत: प्रत्यक्षमासाद्य कृष्णं तदितरत् क्वचित् । वांच्छनीयं न वै वस्तु कार्या निष्ठाद्रठाडत्र च ।।૧૨।। અર્થ :- એ જ હેતુ માટે આ પ્રત્યક્ષ કૃષ્ણને ( જે અમે તે અમને) પામીને તે કૃષ્ણ વિના (અમારા વિના) બીજું કાંઈ ઇચ્છવું નહિ; અમારે વિષે જ દૃઢ નિષ્ઠા કરવી. ।।૧૨।। તરંગ (૩૭)માં :
साक्षात् कृष्णश्च तत्सेवा-निरता येडत्र पुरुषा: । भवंति याद्रशा: सर्वे लय आत्यंतिकेडपि ते ।।૧૬।।
तादृशा एव साकारा वर्त्तन्ते न त्वलिंगिन: । एवं यो वेद वे सम्यक् स भक्तो निर्भय: सदा ।।૧૭।।
અર્થ :- આ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણની સેવાને વિષે પ્રીતિવાળા ભક્તો આંહીં જેમ સાકાર મૂર્તિમાન છે, તેવા જ આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે સદા દિવ્ય સાકાર રહે છે, પણ નિરાકાર નથી એમ જે ભક્ત સર્વ પ્રકારે જાણે છે, તે ભક્ત સદાય નિર્ભય છે, અર્થાત્ તેને કલ્યાણમાં અધૂરાપણું રહેતું નથી. ।।૧૬-૧૭।। તરંગ (૪૫)માં :
तमुवाच हरि: साधो भगवान् साकृति: सदा । भूरि तेजो दिव्यमूर्ति-रस्तीत्येव मतं हि सत् ।।૬।।
सच्चिदानंदरृपं यत् पूर्ण ब्रह्मास्ति सर्वत: । तेजस् तस्यैव तज्ज्ञेयं निराकार-मनावृतम् ।।૭।।
યથા ચાર્કોરિત સાકાર આતપોસ્તિ નિરાકૃતિઃ । તથા કૃષ્ણોસ્તિ સાકારસ્તેજો બ્રહ્મ નિરાકૃતિઃ ।।૧૭।। અર્થ : શ્રી ગોપાળાનંદ સ્વામીને શ્રીજીમહારાજ કહેતા હવા જે ભગવાન દિવ્ય મૂર્તિ અતિ તેજોમય ને સદા સાકાર છે તે મત નિશ્ચય સત્ય છે, ।।૬।। અને સત્, ચિત્ ને આનંદરૂપ, સર્વત્ર પૂર્ણ, નિરાકાર ને આવરણે રહિત એવું જે બ્રહ્મ તે ભગવાનનું તેજ છે. ।।૭।। જેમ સૂર્ય સાકાર છે ને તેનો પ્રકાશ નિરાકાર છે તેવી રીતે કૃષ્ણ સાકાર છે ને તેજ જે બ્રહ્મ તે નિરાકાર છે. ।।૧૭।। તરંગ (૬૩) સ કૃષ્ણો મહસા સ્વેનાન્વિતોડસ્તિ પુરુષાદિષુ ।। ।।૫૨।। જેના સેવકના એક એક રોમને વિષે કોટાનકોટિ સૂર્યનો પ્રકાશ છે તો તે ભગવાનના અંગનું તેજ તો કોનાથી વર્ણન કરી શકાય ? તે કૃષ્ણ પોતાના તેજે કરીને પુરુષ, કાળ, બ્રહ્મ, અક્ષર એ આદિકને વિષે અન્વયપણે કરીને રહ્યા છે. ।।૫૨।। તરંગ (૬૬)માં
मुर्त: सूर्य: स्वतेजोभि-र्जगद्-व्याप्यास्ति तत्पृथक् ।
यथा तथा सोपि मूर्त: कांत्या व्याप्पाडस्ति तत्पृथक् ।।૧૧।।
निराधारं न तेज:स्यादिति सर्वत्र द्रश्यते ।
तदंगकांतिस् तेजोडतो यद् ब्रह्मे-त्युच्येडक्षरम् ।।૧૨।।
दिव्य विग्रह एवाडस्ति हरिस्तत् संगतस्तत: ।
दिव्यतां यांति बहव: प्राकृता अपि देहिन: ।।૧૭।।
अतो नराकृति-रपि कृष्णोडस्त्येवाडक्षरात्पर: ।
अमायिकाकृति र्दिव्य रृप इत्यडस्ति सन्तम् ।।૨૨।।
અર્થ : મૂર્તિમાન સૂર્ય પોતાના પ્રકાશે કરીને જગતમાં વ્યાપીને જેમ રહેલ છે ને તેથી મૂર્તિમાન જુદા છે તેમ પોતાના ધામને વિષે મૂર્તિમાન રહ્યા થકા કાન્તિએ કરીને સર્વત્ર વ્યાપક છે તોપણ તેથી વ્યતિરેક કહેતાં મૂર્તિમાન જુદા છે, (એમ તમે અમને જાણો.) ।।૧૧।। અને તેજ જે તે નિરાધાર નથી રહેતું એ પ્રકારે સર્વ સ્થળને વિષે દેખાય છે એ જ હેતુ માટે ભગવાનના અંગની કાન્તિ (અમારી મૂર્તિનો પ્રકાશ) જે તેજ તે અક્ષરબ્રહ્મ નામે કહ્યું છે. ।।૧૨।। હરિ દિવ્ય સ્વરૂપ છે એમ ભગવાનના સંતના સમાગમથી જાણીને ઘણા પ્રાકૃત મનુષ્યો તે પણ દિવ્યભાવને પામી જાય છે. અર્થાત્ ભગવાનને ધ્યાને કરીને સાકાર મૂર્તિમાન થાય છે. (૧૭) એ જ હેતુ માટે મનુષ્ય જેવા જણાતા છતાં પણ કૃષ્ણ (આ પ્રત્યક્ષ ભગવાન) અક્ષર થકી પર છે અને માયિક આકૃતિએ રહિત અને દિવ્ય મૂર્તિમાન છે; એ પ્રકારનો સત્પુરુષનો મત છે. ।।૨૨।। તરંગ (૭૧)માં :
साकारमेव कृष्णाख्यं ब्रह्मडस्त्यभिमतं हिन: । नराकृतेस् तस्य लब्द्या परं नि:श्रेयसं भवेत् ।।૧૭।।
नृत्य-दिव्यत्व-यो-र्भेदस्तेषां नास्त्येव सर्वथा । यत्तानेव समाधिस्था दिव्यरृपान् विचक्षते ।।૩૦।। કૃષ્ણ છે નામ જેનું એવું જે બ્રહ્મ તે સાકાર જ છે એ પ્રકારે અમારો મત છે, ને મનુષ્યાકૃતિ એવા ભગવાન તેને પામીને પરમ કલ્યાણ થાય છે. ।।૧૭।। અને ભગવાન ને મુક્તના મનુષ્યભાવ ને દિવ્યભાવમાં સર્વ પ્રકારે ભેદ નથી, કેમ જે સમાધિવાળા ભક્તો આ મનુષ્ય રૂપે વિચરતા એવા ભગવાન તથા મુક્તોને દિવ્ય રૂપે દેખે છે. ।।૩૦।। તરંગ (૧૦૩)માં :
आत्यंतिको लयोयर्हि जायते तर्हि लीयते । सह स्वकार्यै: प्रकृति: पुरुषे सोपि चाक्षरे ।।૨૮।।
तदैकं सच्चिदानंद रृपं तेज: प्रकाशते । ब्रह्माख्ये तत्र भगवान् राजते पुरुषोत्तम: ।।૨૯।।
दिव्यमूर्ति: कृष्णसंज्ञो दिव्यवासो-विभूषण: । सेव्यमानो महामुक्तै-र्ब्रह्मभूते: सहस्रश: ।।૩૦।।
.......... भूत्वा नराकृति-भूर्मौ-चरत्यद्भुत-चैष्टित: ।।૩૨।।
આત્યંતિક પ્રલય જ્યારે થાય છે, ત્યારે પ્રકૃતિ પોતાના કાર્યે સહિત પુરુષને વિષે લીન થાય છે, અને તે પુરુષ અક્ષરને વિષે લય પામે છે. ।।૨૮।। તે સમયમાં સત્, ચિત્ ને આનંદરૂપ બ્રહ્મને વિષે પુરુષોત્તમ ભગવાન રહે છે. ।।૨૯।। બ્રહ્મરૂપ અનંત મહામુક્ત તેમણે સેવનને કર્યા ને દિવ્ય વસ્ત્ર-આભૂષણને ધારણ કરી રહ્યા એવા દિવ્ય મૂર્તિમાન ભગવાન જે તે કૃપાએ કરીને મનુષ્યના જેવી આકૃતિ ધારણ કરીને આશ્ચર્યકારી ચરિત્રને કરતા છતાં આ પૃથ્વી ઉપર વિચરે છે. ।।૩૦-૩૨।। તરંગ (૧૨૧) માં :-
तेजोविग्रहता साम्याच् चंद्रताराश्च यद्यपि । तुल्या इव समीक्ष्यंते तथाडप्यस्त्येव तद्भिदा ।।૨૭।। અર્થ :- તેજોમય દેહે કરીને સરખાપણું એ હેતુ માટે તારા અને ચંદ્રમા જો પણ તુલ્ય હોય ને શું ? એમ દેખાય છે તોપણ તેમાં અતિ ભેદ છે તેમ જ અમારે વિષે ને મુક્તને વિષે ભેદ છે. ।।૨૭।। તરંગ (૧૨૨) માં :
सदा मंगलरृपो हि श्रीकृष्णोभगवान स्वयम् । अवताराडवतारित्व भेदो नैवात्र विधते ।।૨૪।।
दिव्यसिंहासनारुढोडनंतमुख्तगणै-र्वृत्त । अति तेज.स्वी दिव्यांगो दिव्यवासो ।।૨૫।।
અર્થ :- દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન ને દિવ્ય છે અંગ જેમનાં અતિ તેજસ્વી અને દિવ્યવસ્ત્રાભૂષણે યુક્ત ને અનંત મુક્તના જે સમૂહ તેણે વીંટાયેલા ને સદા મંગળમૂર્તિ એવા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન છે (અમે છીએ) આમાં અવતાર-અવતારી એવો ભેદ નથી. ।।૨૪-૨૫।। તરંગ (૧૨૬) માં :
सच्चिदानंदरृपोडति लावणयो दिव्य-विग्रह: । अप्राकृकेंद्रियो दिव्य वासोडलंकार मंडित: ।।૨૩।।
.............. सोडसौ कृष्ण: सदैलास्ते दिलभूजोडति मनोहर: ।।૨૮।।
અર્થ :- અક્ષરધામને વિષે સત્, ચિત્ ને આનંદરૂપ એવા અને અતિ સુંદર દિવ્ય છે દેહ જેમનો, અને અપ્રાકૃત છે ઇન્દ્રિયો જેમની, કહેતાં દિવ્ય સાકારમૂર્તિ અને દિવ્ય એવા વસ્ત્રાલંકારે યુક્ત. ।।૨૩।। તે જ આ પ્રત્યક્ષ પ્રમાણ કૃષ્ણ સદાય અતિ મનોહર દ્વિભુજ એવા સતા રહેલા છે. ।।૨૮।। તરંગ (૧૨૭) માં :
सच्चिदानंदरृपं यद् ब्रह्मनिर्गुणमक्षरम् । अंगप्रकाशस् तत्वडस्य धाम चेत्युक्तमस्ति हि ।।૧૧।।
અર્થ : સત્, ચિત્, આનંદ છે રૂપ જેનું એવું અને નિર્ગુણ એવું જે અક્ષરબ્રહ્મ તે તો આ પ્રત્યક્ષ પ્રમાણ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમારા અંગનો પ્રકાશ છે, અને તેને ધામ એવે નામે પણ કહેલું છે. તરંગ (૧૩૩)માં :
तथैवन्नाडकृतिरपि दिव्यमूर्ति: स्वयं प्रभु: । अस्तीति तत्त्वतो ज्ञेय: प्रत्यक्ष: पुरुषोत्तम: ।।૧૧।।
अत: साक्षाद्धरेरृपं रृपंयच्चाडक्षरस्थितम् । तयो-र्ये न विदु-र्भेदं ज्ञानी भक्तास्त उत्तमा: ।।૪૭।।
અર્થ :- જે પ્રકારે અક્ષરધામને વિષે દિવ્ય મૂર્તિમાન છે, તે જ પ્રકારે મનુષ્યાકૃતિ આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન દિવ્ય મૂર્તિમાન છે એમ યથાર્થપણે કરીને જાણવા. ।।૧૧।। એ જ હેતુ માટે આ પ્રત્યક્ષ પ્રમાણ એવા હરિ જે અમે તે અમારા રૂપમાં ને અક્ષરધામમાં રહ્યું છે જે રૂપ તે બેમાં જે ભેદ ન જાણે તે જ્ઞાની ને ઉત્તમ ભક્ત છે. ।।૪૭।। તરંગ (૧૪૬) માં :
यस्मिस्तेजसि तद्रूपं भवत्येकरसे सितेતે । आत्मब्रह्माडक्षराद्याभि-स्तदाख्याभि: प्रकीत्त्र्यते ।।૩૦।।
रृपस्तत्र भगवान् साक्षात् स परब्रह्म-संज्ञक: । आत्मतत्त्वाडभिधश्चासौ पुरुषोत्तम च्यते ।।૩૧।। અર્થ : એકરસ શ્વેત તેજ તેને વિષે ભગવાનનું સ્વરૂપ રહ્યું છે, તે તેજને આત્મા, બ્રહ્મ ને અક્ષર એ નામે કહેલું છે, અને તે તેજને વિષે પરબ્રહ્મ સાક્ષાત્ પુરુષોત્તમ એવા જે આ ભગવાન તે જે તે આત્મતત્ત્વ એવે નામે તથા પરબ્રહ્મ ને પુરુષોત્તમ એવે નામે કહ્યા છે. ।।૩૦-૩૧।। તરંગ (૧૮૩)માં:-
तादात्मयं तेन संप्राप्य निषेवे कृष्णमेव हि । तेजोमयेडक्षरे तस्मिन् धाम्नि दिव्यतनुप्रभुम् ।।૫।।
અર્થ :- તે બ્રહ્મના સંગાથે તદાત્મકભાવને પામીને, તેજોમય એવું તે અક્ષરધામ તેને વિષે દિવ્ય મૂર્તિમાન ભગવાન જે કૃષ્ણ તેમનું સેવન કરું છું એમ પોતાને મિષે ભક્તજનને શીખવવાને વાસ્તે શ્રીજીમહારાજે ધ્યાનની રીત બતાવી છે. ।।૫।। તરંગ (૧૯૭) માં :-
ब्रह्मधाम्नि हरि: साक्षात् महाराजाडधिराजवत् । वर्त्तते पूज्यमानांध्रि-र्नैकृ-ब्रह्मांड-नायकै: ।।૧૪।।
तत्रस्थ एव व्याप्नोति ब्रह्मांडानि स्वशक्तिभि: । गगनस्थो यथा भास्वान् देशान्सर्वान्मरीचिभि: ।।૧૬।।
અર્થ :- બ્રહ્મધામને વિષે અનંત બ્રહ્માંડનાં અધિપતિઓએ પૂજ્યાં છે ચરણકમળ જેમનાં એવા આ સાક્ષાત્ શ્રીહરિ તે મહારાજાધિરાજપણે વર્તે છે. ।।૧૪।। જેમ આકાશમાં રહેલો સૂર્ય પોતાનાં કિરણો વડે સર્વ દેશોમાં વ્યાપે છે તેમ અક્ષરધામમાં રહ્યા થકા આ ભગવાન પોતાની શક્તિ વડે બ્રહ્માંડોમાં વ્યાપીને રહે છે. ।।૧૬।। તરંગ (૨૧૩)માં :
ब्रह्म तत् कृष्ण एवोक्त एकदेशगतोडपि स: । सर्वत्र व्यापकोडस्त्येव स्वशकत्या तेजसात्डर्कवत् ।।૧૯।।
અર્થ :- બ્રહ્મ તે આ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જ છે તે એક દેશને વિષે રહ્યા છે, તોપણ પોતાની શક્તિરૂપ જે તેજ તેણે કરીને સર્વત્ર વ્યાપક છે. જેમ સૂર્ય પોતાની શક્તિ જે તેજ તેણે કરીને સર્વત્ર વ્યાપક છે તેમ. ।।૧૯।। તરંગ (૨૪૧)માં :
यो ब्रह्मधाम्नि भगवान् सदाडस्ते दिव्यविग्रह: । स एव साक्षात् कृष्णोस्ति नराकारो धरातले ।।૯।। અર્થ : બ્રહ્મધામ જે પોતાના તેજરૂપ અક્ષરધામ તેને વિષે જે ભગવાન સદાય દિવ્ય મૂર્તિમાન વિરાજમાન છે તે જ ભગવાન સાક્ષાત્ કૃષ્ણ (આ શ્રીજીમહારાજ) પૃથ્વી ઉપર વિરાજમાન છે. ।।૯।। તરંગ (૨૬૬)માં :
सदा कृष्णोस्ति साकारो बृहद्धाम्न्यति तेजसि । योंडतर्यामी च सर्वेषां सर्वकारण-कारणम् ।।૧૪।।
अनेकाकोटि ब्रह्मांड-महाराजश्च निर्गुण: । दिव्यानंदमयाडकार: प्रत्यक्षोडस्ति स वै हरि: ।।૧૫।।
અર્થ : અતિ તેજોમય એવું પોતાનું તેજરૂપ જે બ્રહ્મધામ તેમાં સદાય સાકાર કૃષ્ણ ભગવાન રહેલા છે તે જ સર્વના કારણ જે અક્ષર તેના કારણ ને અંતર્યામી ને અનંતકોટિ બ્રહ્માંડના રાજા અને નિર્ગુણ કહેતાં માયાના ગુણે રહિત દિવ્ય આનંદમય છે આકાર જેમનો એવા જે ભગવાન છે તે જ આ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે એમ નિશ્ચે તમે જાણો. ।।૧૪-૧૫।। તરંગ (૨૬૯)માં :
विराजतेडक्षरे धाम्नि स हि राजाधिराजवत् । स एव च नराकारो भुवि साक्षात्समीक्ष्यते ।।૪૮।।
અર્થ : અક્ષરધામને વિષે રાજાધિરાજપણે વિરાજે છે તે જ આ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ મનુષ્યાકારે દેખાય છે. ।।૪૮।। તરંગ (૭૧)માં :
तेज: पुजेडक्षरे धाम्नि नित्यं कृष्णो विरादते । तद्भक्ताश्च तदाकारा: सेवंते स्वामिनं हि तम् ।।૧૨।।
અર્થ : તેજોમય એવું જે અક્ષરધામ તેમાં ભગવાન વિરાજે છે અને તે ધામમાં ભગવાનના ભક્ત પણ ભગવાનના જેવા છે આકાર જેમના એવા સતા તે સ્વામિનારાયણ ભગવાન તેમનું સેવન કરે છે. ।।૧૨।। તરંગ (૨૭૨)માં :
दिव्यदेहस्य संप्राप्तिस्तस्य कृष्णेच्छया तत: । जायते तेन स हरिं सेवतेडतेडक्षकधामनि ।।૭।।
आकारस्तत्र कृष्णस्य मनुष्यस्येव वर्त्तते । चिदानंदमयो गोप-वेषो दिव्योडतिभासुर: ।।૮।।
અર્થ : પ્રત્યક્ષ ભગવાનની ઉપાસનાને કરતો એવો જે ભક્ત તેને ભગવાનની ઇચ્છાએ કરી ને દિવ્ય દેહની પ્રાપ્તિ થાય છે, અને તે દિવ્ય દેહે કરીને અક્ષરધામને વિષે હરિ (પોતાના ભક્તના દુઃખને હરનારા શ્રી સ્વામિનારાયણ)નું સેવન કરે છે, અને તે ધામને વિષે ભગવાનનો (અમારો) આકાર મનુષ્યના જેવો છે, અને ચૈતન્યઘન ને આનંદમય અને દિવ્ય અતિ પ્રકાશમાન છે. ।।૭-૮।। આવી રીતે શ્રીજીમહારાજ સદા દિવ્ય સાકાર મૂર્તિ છે અને દિવ્ય મૂર્તિમાન અનંત મુક્તોએ સહિત પોતાના તેજરૂપ અક્ષરધામને વિષે વિરાજમાન છે ને પોતાના મુક્તોને સુખ આપે છે, એવા ને એવા જ પોતે તથા મુક્તો તે જીવોના કલ્યાણને અર્થે મર્ત્યલોકને વિષે મનુષ્ય જેવા દેખાય છે, અને પોતાના તેજ રૂપે સર્વેના આધાર, કર્મફળપ્રદાતા ને અંતર્યામી છે.
અને મૂર્તિમાન પણ વ્યાપક છે તેની રીત કહીએ છીએ. તરંગ (૧૯૭)માં :
एकोडप्यनेकरुपेण प्रयोजनवशाच्च स: । जायेंडडेष्विच्छयैव स्वतंत्र: सिद्धयोगिवत् ।।૧૭।।
અર્થ :- એક એવા પણ ભગવાન તે ધર્મસ્થાપનરૂપ પ્રયોજનના વશપણા થકી અનેક રૂપે બ્રહ્માંડોને વિષે પોતાની ઇચ્છાએ સ્વતંત્રપણે પ્રગટ થાય છે જેમ સિદ્ધયોગી અનેક રૂપે થાય છે તેમ. ।।૧૭।। તરંગ (૨૧૩)માં :
यदा यदा यत्र यत्र दातुमिच्छेत् स्वदर्शनम् । तदा तदा तत्र तत्र स्वेच्छयाडडविर्मधत्यसौ ।।૨૨।।
एकोप्यनेक रृपोडसौ स्व-सामथ्र्येन जायते । एवं व्यपकता तस्य ज्ञतव्या न त्वरृपत: ।।૨૩।।
અર્થ : જ્યારે જ્યારે જે જે સ્થળને વિષે દર્શન દેવાને ઇચ્છે ત્યારે ત્યારે તે તે સ્થળમાં પોતાની ઇચ્છાએ આ ભગવાન પ્રગટ થાય છે. ।।૨૨।। અને એક એવા પણ આ ભગવાન તે અનેક રૂપે પોતાના સામર્થ્યે કરીને પ્રગટ થાય છે, એ પ્રકારે ભગવાનનું વ્યાપકપણું જાણવું પણ અરૂપપણે કરીને વ્યાપકપણું ન જાણવું. ।।૨૩।। તરંગ (૧૦૦)માં :
शुद्धदर्पणवत् तस्मिन् सकलाकृतयोडमले । व्याप्यस्थिता यथा तद्वत् सौडपि जीवेडतिनिर्मले ।।૧૨।।
અર્થ : શુદ્ધ દર્પણમાં જેમ આકૃતિઓ દેખાય છે, તેમ નિર્મળ એવા ચિત્તમાં આકૃતિઓ વ્યાપીને રહી છે, તેની પેઠે અતિ નિર્મળ કહેતાં ગુણ-સંબંધે રહિત એવા જીવને વિષે ભગવાન (શ્રી સ્વામિનારાયણ) મૂર્તિમાન રહ્યા છે. ।।૧૨।। તરંગ (૧૧૨)માં :
एकोडप्यनेक-रृपोडस्ति कृष्ण एवं निजेच्छया । नराकृतिं परं ब्रह्म तत सदैवाक्षरे स्थिरम् ।।૮।।
અર્થ : એ જ પ્રકારે કહેતાં જેમ બ્રહ્માંડમાં સૂર્ય દેખાય તથા મધ્યે રહેલ પુરુષ કાચની કોટડીઓમાં સર્વત્ર દેખાય છે, તેમ એક એવા મનુષ્યાકાર પરબ્રહ્મ કૃષ્ણ (મનુષ્યરૂપ જણાતા ને અક્ષરબ્રહ્મના કારણ ને પોતાના ભક્તોને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરનારા શ્રી સ્વામિનારાયણ) તે પોતાની ઇચ્છાએ કરીને અનેક રૂપે થાય છે તે સદાય અક્ષરધામને વિષે એક સ્થળમાં રહ્યા છે. ।।૮।। આવી રીતે જીવના કલ્યાણને અર્થે શ્રીજીમહારાજ અક્ષરધામમાં રહ્યા થકા અનંત રૂપે મૂર્તિમાન વ્યાપક છે તે (મ. ૬૪ના બીજા પ્રશ્નમાં) ધામમાં રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડમાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન આપીએ છીએ. (વ. ૧૩ના બીજા પ્રશ્નમાં) અમે અક્ષરધામમાં રહ્યા થકા જ અનંતકોટિ બ્રહ્માંડમાં અનંત રૂપે દર્શન આપીએ છીએ પણ અરૂપ થકા વ્યાપક નથી, માટે જીવોના મોક્ષને અર્થે શ્રીજીમહારાજ મૂર્તિમાન વ્યાપક છે અને પોતાના એકાંતિક ભક્તને વિષે પણ સાક્ષાત્ મૂર્તિમાન રહ્યા છે તે (પ્ર. ૨૭/૧માં) જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક અનંત શુભ ગુણે યુક્ત ભક્ત હોય તેના હૃદયમાં અમે નિવાસ કરીએ છીએ. (છે. ૨૭ના ચોથા પ્રશ્નમાં) નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણે યુક્ત હોય તે સંતને ને અમારે સાક્ષાત્ સંબંધ છે, (લો. ૧૫ના ચોથા પ્રશ્નમાં) તમારા ચિત્તની વૃત્તિનો મારે વિષે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો પણ રહ્યો તો મૂર્તિમાન છું, (વ. ૪ના બીજા પ્રશ્નમાં) એકાંતિક ભક્ત, અંતરને વિષે રહી જે સાક્ષીરૂપ મૂર્તિ ને બહારની મૂર્તિ તેને એક કરે. (છે. ૪ના બીજા પ્રશ્નમાં) જીવને વિષે પરમેશ્વર સાક્ષી રૂપે રહ્યા છે એમ કહ્યું છે, માટે એકાંતિકને વિષે શ્રીજીમહારાજ મૂર્તિમાન રહ્યા છે, અને (પ્ર. ૭૮ના સોળમા પ્રશ્નમાં) ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે અને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે એમ એકાંતિક ભક્ત સમજે છે, માટે એકાંતિકને વિષે સાક્ષાત્-મૂર્તિમાન રહ્યા છે અને જે સિદ્ધદશાવાળા છે તે તો અણુ અણુ પ્રત્યે જ્યાં દૃષ્ટિ જાય ત્યાં સાક્ષાત્કાર દેખે છે, પણ મૂર્તિ વિના બીજું અણુમાત્ર ભાસે નહિ, માટે સિદ્ધમુક્તોને તો સર્વત્ર સાક્ષાત્ મૂર્તિમાન છે. અને એકાંતિકને પોતાના આત્માને વિષે વ્યતિરેક મૂર્તિ વિરાજમાન છે, અને મૂળઅક્ષરાદિક સર્વે અવતારોને વિષે શક્તિ દ્વારે એટલે તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે એ શ્રીજીમહારાજનો સિદ્ધાંત છે. ।।૪૫।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૬
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૧ એકાદશીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો તેણે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) સમાધિને વિષે સર્વે લીન થાય છે, ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો જે, આકાશ તે અવકાશને કહીએ અને જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે; અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે ને એવું કોઈ પદાર્થ નથી જે જેને વિષે આકાશ ન હોય, કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિષે પણ આકાશ છે ને તે એક રજના કોટાનકોટિ કટકા કરીએ તોપણ તેને વિષે આકાશ છે, માટે આકાશની દૃષ્ટિએ જ્યારે જોઈએ, ત્યારે પૃથ્વ્યાદિક ચાર ભૂત દેખાતાં નથી; એકલો આકાશ જ દેખાય છે તે આકાશ સર્વનો આધાર છે અને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિષે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિષે રહ્યું છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશને વિષે છે, એવો જે આકાશ તે પ્રકૃતિપુરુષ ને તેનું કાર્ય જે પિંડ-બ્રહ્માંડ એ સર્વની માંહી પણ રહ્યો છે ને સર્વેનો આધાર થઈને બહાર પણ રહ્યો છે, એવો જે એ આકાશ તે તો સુષુપ્તિને વિષે અથવા સમાધિને વિષે લીન થાતો નથી અને કોઈ કહેશે જે, આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઊપજ્યાં છે તે આકાશ પુરુષ ને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય ? ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય ? તો એનો ઉત્તર એ છે જે, પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય, તો જેમ વૃક્ષમાંથી ફળ-પુષ્પાદિક બહાર નીસરે છે ને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નીસરે છે તેમ પ્રકૃતિમાંથી મહત્તત્ત્વ નીસરે છે તે કેમ નીસરે ? માટે પ્રકૃતિને વિષે આકાશ રહ્યો છે અને મહત્તત્ત્વમાંથી અહંકાર નીસરે છે, માટે મહત્તત્ત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી ત્રણ ગુણ નીસરે છે, માટે અહંકારને વિષે આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી આકાશાદિક પંચભૂત નીસરે છે માટે તમોગુણને વિષે પણ આકાશ રહ્યો છે ને તમોગુણમાંથી જે આકાશ નીસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે ને વિકારવાન છે ને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે ને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ; ચિદાકાશ કહીએ ને એ આકાશને વિષે પુરુષ ને પ્રકૃતિ તે સંકોચ અવસ્થા ને વિકાસ અવસ્થાને પામે છે, કેવી રીતે તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી-પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિરૂપ જે સ્ત્રી તે થકી મહત્તત્ત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે, એવી રીતે જે એ પ્રકૃતિ તે ચોવીશ તત્ત્વ રૂપે ને પિંડબ્રહ્માંડ રૂપે થાય છે એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે; અને જેટલાં પ્રકૃતિનાં કાર્ય છે તેને વિષે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે તે પુરુષની વિકાસ અવસ્થા છે અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે, અને પુરુષ પણ પ્રકૃતિનાં કાર્ય સર્વ નાશ પામ્યાં, ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો એ પુરુષની સંકોચ અવસ્થા છે, જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાનાં અંગ સર્વે બહાર કાઢે છે અને જ્યારે સંકોચને પામે છે, ત્યારે સર્વે પોતાનાં અંગ તાણી લે છે ને રુંઢમુંઢ થઈ રહે છે, તેમ પુરુષપ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા છે. અને એ પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિષે અન્વય-વ્યતિરેકપણું પુરુષનું જ છે, પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેનું નથી, કેમ જે, જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય ? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોરે લોકાલોક પર્વત છે તે ગઢની પેઠે રહ્યો છે ને તે લોકાલોકની બહાર તે અલોક છે ને તે અલોકથી પર સપ્ત આવરણ છે ને તેથી પર એકલું અંધારું છે ને તે અંધારાથી પર પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ, તેમ જ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય ને તેની ઉપર સપ્ત આવરણ છે ને તે આવરણની પાર અંધકાર છે ને અંધકારની પાર પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ ને તેમ જ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય ને તેથી હેઠાં સપ્ત આવરણ છે ને તેથી હેઠું અંધકાર છે ને તેથી હેઠો પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ, એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માંહી પણ છે અને એવો જે સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દૃષ્ટિ વર્તતી હોય તેને દહરવિદ્યા કહીએ, અને અક્ષિવિદ્યા આદિક ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે તે માંહેલી એ પણ એક બ્રહ્મવિદ્યા છે. અને એ ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને તે ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્પત્તિ-વિનાશ નથી અને જે આકાશની ઉત્પત્તિ ને વિનાશ કહ્યો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે ને અંધકારરૂપ છે તેની લીનતા થાય છે પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થાતી નથી. એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો, હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો. પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા સર્વે હરિજન બોલ્યા જે હવે કોઈને લેશમાત્ર સંશય નથી. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૪૬।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે, તેમાં શ્રીજીમહારાજે પોતાના પ્રકાશરૂપ ચિદાકાશને સર્વનો આધાર ને નિર્વિકારી કહ્યો છે, ને એની લીનતા નથી એમ કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. અષ્ટાવરણ પાર તો મૂળપુરુષનો પ્રકાશ છે અને રહસ્યાર્થમાં મહારાજનો કેમ કહ્યો ?
૧ ઉ. પુરુષની તો સંકોચ-વિકાસ અવસ્થા આમાં કહી છે, માટે તેના ભેળી તેના પ્રકાશની સંકોચ-વિકાસ અવસ્થા આવી ગઈ અને ચિદાકાશની તો સંકોચ-વિકાસ અવસ્થા ક્યાંય કહી નથી, ને શ્રીજીમહારાજથી ઓરા જે રહ્યા તે સર્વેનો આધાર કહ્યો છે, માટે સર્વાધાર તો શ્રીજીમહારાજનું તેજ છે તેને જ આ ઠેકાણે ચિદાકાશ કહ્યો છે અને મૂળપુરુષ તથા વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષર તે સર્વે એ ચિદાકાશને આધારે છે અને મૂળપુરુષાદિકના પ્રકાશને પણ પૂર્વ શાસ્ત્રોમાં ચિદાકાશ નામે કહ્યો છે.
૨ પ્ર. બ્રહ્માંડની ચારેકોરે લોકાલોક પર્વત ગઢની પેઠે રહ્યો છે એમ કહ્યું અને તે લોકાલોકથી બહાર અલોક કહ્યો ને તે અલોકથી પર સપ્ત આવરણ કહ્યાં અને તે આવરણથી પર અંધારું કહ્યું અને તે અંધકારથી પર પ્રકાશ છે તેને ચિદાકાશ કહ્યો અને હેઠે ને ઉપર પણ તેવી જ રીતે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. આ પૃથ્વીમાં પાતાળથી લઈને રસાતળ, મહાતળ, તળાતળ, સુતળ, વિતળ, અતળ, ભૂર ભૂવર, સ્વર્ગ, મહર, જન, તપ, અને સત્યલોક સુધી ચૌદ લોક રહ્યા છે તે ચૌદે લોકમાં સુંસરો લોકાલોક પર્વત રહ્યો છે તે પર્વતની બહાર અલોક છે તે ચૌદે લોકને બ્રહ્માંડ કહ્યું છે તે પૂર્વ-પશ્ચિમ અડતાળીશ કરોડ યોજનમાં છે અને ઉત્તર-દક્ષિણ પણ અડતાળીશ કરોડ યોજન છે તે અડતાળીશ કરોડ યોજન અવકાશ અને તે અવકાશમાં રહ્યા એવા જે ચૌદ લોક તેના ફરતું એક કરોડ યોજન જાડું પૃથ્વીનું દળ છે તે દળે સહિત પચાસ કરોડ યોજન પૃથ્વી છે અને તેના ફરતું તળે-ઉપર, અડખે-પડખે સર્વ દિશામાં ફરતું પાંચ અબજ યોજન જળનું આવરણ છે, એવી જ રીતે તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્ત્વ એમનાં એક એકથી દશ દશ ગણાં આવરણો છે. તેમાં મહત્તત્ત્વનું સાતમું આવરણ પાંચ જલદિ યોજનનું છે; અને તેથી પર પાંચ પાંચ અંત્ય યોજનનાં અનંત પ્રધાનપુરુષોનાં આવરણો છે; અને તેથી પર મૂળમાયાનો અંધકાર છે તે અંધકારમાં અનંત પ્રધાનપુરુષો રહ્યા છે તેમને માયાના અંધકારમાં ભેળા ગણ્યા છે, માટે મૂળમાયા સુધી આઠ આવરણ કહ્યાં છે અને તે માયાના અંધકારના ફરતો ચિદાકાશ જે શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ છે, અને જેમ આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા રહ્યા છે, તેમ એ ચિદાકાશને મધ્યે સૂર્યને ઠેકાણે શ્રીજીમહારાજ ને તેમના મુક્તો રહ્યા છે, ને ચંદ્રને ઠેકાણે મૂળઅક્ષરો ને તેમના મુક્તો રહ્યા છે, અને તારાને ઠેકાણે વાસુદેવબ્રહ્મ ને તેમના મુક્તો રહ્યા છે તે સર્વે અચળ છે.
૩ પ્ર. દહર તથા અક્ષિવિદ્યા કોને કહેવાય ?
૩ ઉ. હૃદયમાં તેજના સમૂહને મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિને ધારવી તે દહરવિદ્યા કહેવાય. અને એક નેત્રે અંતરમાં મૂર્તિ જુએ ને બીજા નેત્રને ઉઘાડું રાખીને મટકા રહિત કરીને બહાર મૂર્તિ જુએ, અને બેય નેત્રને ઊલટ-સૂલટ કરે એટલે જે નેત્રની વૃત્તિ અંતર સન્મુખ કરીને મૂર્તિ જોતો હોય તે નેત્રની વૃત્તિને બહાર લાવે ને બહાર મૂર્તિને જુએ; અને જે નેત્રને મટકાએ રહિત કરીને બહાર મૂર્તિ જોતો હોય તે નેત્રની વૃત્તિ અંતર સન્મુખ કરીને અંતરમાં મૂર્તિ જુએ તે અક્ષિવિદ્યા કહેવાય. ।।૪૬।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૭
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૨ દ્વાદશીને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા જે, (૧) સર્વે સાવધાન થઈને સાંભળો એક વાત કરીએ છીએ ને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સૂરત દઈને સાંભળશો તો સમજાશે નહિ તો નહિ સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું જે, હે મહારાજ ! કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને સ્વરૂપનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ત્યાગનિષ્ઠા પ્રધાન હોય ને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વે હરિભક્તમાં હોય. હવે જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો ભગવાનને થાળ ધરવા અને ભગવાનના મંદિરમાં ગાર કરવી અને ભગવાનનાં કથા-કીર્તન કરવાં તથા સંતની સેવા-ચાકરી કરવી, એવી રીતની ભક્તિ કર્યા વિના રહેવાય નહિ તેને ભક્તિનિષ્ઠા જાણવી. અને જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતાં થકાં કથા-કીર્તન અથવા સેવા-ચાકરી થાય તેટલી કરે પણ પોતાને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી તેમાં વિક્ષેપ થાય તે ખમી શકે નહિ, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને સ્વરૂપનિષ્ઠા જાણવી. અને જે આત્મા રૂપે વર્તે તે આત્માના સ્વરૂપને જ મોઢે કરીને પ્રતિપાદન કરે અને જે ગ્રંથમાં આત્માનું પ્રતિપાદન હોય તે ગ્રંથ તેને સારા લાગે, એવી રીતનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠા જાણવી. અને પંડે ત્યાગી રહેતો હોય ને ત્યાગની જ રીત ગમતી હોય અને મોઢે પણ ત્યાગની જ વાત કરતો હોય અને શાસ્ત્ર પણ ત્યાગનાં જ સારાં લાગતાં હોય, એવી રીતનો જે હોય તેને ત્યાગનિષ્ઠા જાણવી, માટે એ વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહોઃ અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહિ પણ પોતાના અંગને ઓળખે નહિ એટલે પોતાના અંગની દૃઢતા થાય નહિ અને જ્યાં સુધી પોતાના અંગની દૃઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય, માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દૃઢતા કરો ને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો. પછી હરિભક્તે સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેનું એકસરખું અંગ હોય તે ઊઠી ઊભા થાઓ. પછી જેનું જેનું એકસરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજીમહારાજે એ સર્વેને પાછા બેસાર્યા. (૧)
૨ પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) એ ચારે અંગવાળાને પોતપોતાના અંગમાં કાંઈ ગુણ-દોષ છે કે નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ગુણ-દોષ છે તે કહીએ તે સાંભળો જે, ભક્તિનિષ્ઠાવાળો જે હોય તે તો જેમ પરમેશ્વર કહે તેમ કરે, જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જે :
सर्वधमान् परित्यज्य मामेकं शरणं व्रज ।।
એવી રીતે જે વર્તવું તે ભક્તિવાળાને વિષે ગુણ છે. અને શાસ્ત્રની સાખ્ય લેવા જાય એટલો એને વિષે દોષ છે અને સ્વરૂપનિષ્ઠાવાળાને જે ભગવાનનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત થયું છે તે જ સ્વરૂપને વિષે મતિ અચળ રહે છે એ એને વિષે ગુણ છે અને એમ જાણે જે આ જે ભગવાનનું સ્વરૂપ તે તો સગુણ છે ને નિર્ગુણ સ્વરૂપ તો બીજું છે એમ જો સમજાય તો એ સ્વરૂપનિષ્ઠાવાળાને વિષે દોષ છે. અને આત્મનિષ્ઠાવાળાને દેહ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ થકી જુદું વર્તવું અને ભગવાનની કથા-કીર્તનાદિક કરવું તે પણ આત્મા રૂપે થઈને કરવું અને દેહાદિક જે માયિકભાવ તેમાં ભળી જાવું નહિ. એવી રીતે વર્તાય તે એને વિષે ગુણ છે; અને દેહાદિકને વિષે એકપણે વર્તાય એ એને વિષે દોષ છે, અને ત્યાગનિષ્ઠાવાળાને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડમાં તથા અષ્ટસિદ્ધિ, નવનિધિમાં તથા વૈકુંઠાદિક જે ભગવાનનાં ધામ તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહિ એ એને વિષે ગુણ છે; અને ભગવાન વિના બીજાને વિષે લેશમાત્ર પ્રીતિ રહે એ એને વિષે દોષ છે. અને એ ચાર પ્રકારની જે નિષ્ઠા તેનું ફળ એ છે જે, ભગવાનને વિષે દૃઢ પ્રીતિ થાય અને ભગવાન વિના બીજું જે માયિક પદાર્થમાત્ર તે તુચ્છ જણાય એ એનું ફળ છે. (૨)
૩ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) એ ચાર નિષ્ઠાને વિષે કોઈ અધિક ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિષે વર્તતા હોય, ત્યાં સુધી તો એ ચારે સરખા છે અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિષે વર્તે ત્યારે તે સર્વે થકી અધિક છે અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિષે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪૭।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે ભક્તિનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા, આત્મનિષ્ઠા ને ત્યાગનિષ્ઠા એ ચારનાં રૂપ કર્યાં છે. (૧) બીજામાં એ ચાર નિષ્ઠાવાળાને વિષે ગુણદોષ કહ્યા છે. (૨) ત્રીજામાં એ ચારે નિષ્ઠાઓને સરખી કહી છે ને ચારેય નિષ્ઠા એકને વિષે વર્તે તેને પરમ ભાગવત સંત કહ્યા છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં એકસરખું અંગ કહ્યું તે કેવું સમજવું ?
૧ ઉ. ચાર અંગમાંથી જે દૃઢ થયું હોય તે અંગ કોઈ રીતે ફરે નહિ તે સરખું અંગ કહ્યું છે.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં ભક્તિવાળો શાસ્ત્રની સાખ્ય લે તે તેને દોષ કહ્યો તે દોષ શો સમજવો ?
૨ ઉ. શ્રીજીમહારાજ પ્રત્યક્ષ મનુષ્ય રૂપે દર્શન આપતા હોય તે વખતે શાસ્ત્રમાં જે પ્રમાણે વર્તવાનું કહ્યું હોય તેથી બીજી રીતે વર્તવાનું કહે, ત્યારે શાસ્ત્રની સાખ્ય લેવા જાય તે દોષ કહ્યો છે. તે વચન પણ ક્યારેક નાહ્યા વિના જમવાનું કહે એવાં વચન જાણવાં પણ પંચવર્તમાન લોપવા સંબંધી વચન તો ન માનવાં તે (લો. ૬ના ૧૮/૨૧ અઢારમા પ્રશ્નમાં) અમારાં ભેળાં સ્ત્રીઓનાં દર્શન થતાં હોય, ત્યાં અમારી આજ્ઞાએ કરીને પણ ન બેસવું, માટે પંચવર્તમાન લોપવા સિવાયનાં બીજાં વચન શ્રીજીમહારાજ કહે તો, તેમાં શાસ્ત્રની સાખ્ય ન લેવી અને શ્રીજીમહારાજ પ્રતિમા રૂપે દર્શન દેતાં હોય તે વખતે તો શ્રીજીમહારાજનાં શાસ્ત્ર પ્રમાણે જ વર્તવું, અને કોઈક મોટા મુક્તનું વચન પણ શ્રીજીમહારાજના શાસ્ત્રથી વિરુદ્ધ હોય તે ન માનવું. અને જે મુક્ત હોય તે તો શ્રીજીમહારાજનાં વચન યથાર્થ પાળે ને પોતાના આશ્રિતોને પળાવે અને જે શ્રીજીમહારાજનાં વચનથી બહાર વર્તે ને વર્તાવે ને કહે જે, અમે મુક્ત છીએ એમ કહેતા હોય તેનું વચન ન માનવું.
૩ પ્ર. ભગવાનનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત થયું છે તે સ્વરૂપને વિષે મતિ અચળ રહે એ સ્વરૂપનિષ્ઠાવાળાને વિષે ગુણ છે એમ કહ્યું તે પોતાને પ્રાપ્ત થયું તે સ્વરૂપ કિયું જાણવું ?
૩ ઉ. શ્રીજીમહારાજ અનંત જીવોના આત્યંતિક કલ્યાણ કરવા સારુ દયા કરીને મનુષ્ય રૂપે શ્રી છપૈયા ધામને વિષે ભક્તિ-ધર્મ થકી પ્રગટ થયા તે સ્વરૂપ પોતાના આશ્રિત સર્વેને પ્રાપ્ત થયું છે તે સ્વરૂપ કહ્યું છે.
૪ પ્ર. શ્રીજીમહારાજે મનુષ્ય રૂપે દર્શન આપ્યાં તે વખતે તો શ્રીજીમહારાજનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું પણ આજ એ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થયું કહેવાય ?
૪ ઉ. જે સ્વરૂપ મનુષ્ય રૂપે હતું તે સ્વરૂપ આજ પ્રતિમા રૂપે દર્શન આપે છે, માટે તે સ્વરૂપ પ્રાપ્ત થયું છે એમ જાણવું; અને શ્રીજીમહારાજની પ્રતિમાને દિવ્ય ન જાણે ને પ્રતિમા જાણે ને શ્રીજીમહારાજના મનુષ્ય સ્વરૂપને દિવ્ય ન જાણે ને સગુણ એટલે મનુષ્ય જેવા જાણે તે એ સ્વરૂપનિષ્ઠાવાળાને દોષ કહ્યો છે.
૫ પ્ર. વૈકુંઠાદિક ધામોમાં પ્રીતિ ન રાખવી એમ કહ્યું તે તો ઠીક પણ અક્ષરધામમાં સદા રહેવું છે તેમાં પ્રીતિ રાખવી કે કેમ ?
૫ ઉ. (લો. ૧૪/૨માં) કહ્યું છે કે મુક્તે સહિત અમારાં દર્શન ન થાય ને એકલું અમારું તેજ દેખાય તો કષ્ટ પામવું માટે ધામમાં પ્રીતિ ન રાખવી. અને શ્રીજીમહારાજમાં ને મુક્તમાં પ્રીતિ રાખવી એમ (મ. ૫૦/૧માં) કહ્યું છે તેમાં મુક્તને વિષે પણ શ્રીજીમહારાજના જેવી પ્રીતિ ન રાખવી એમ (છે. ૧૬માં) કહ્યું છે. ।।૪૭।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૮
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યા સમે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ બે મશાલું બળતી હતી અને શ્રી વાસુદેવનારાયણની સંધ્યા-આરતી તથા નારાયણ ધૂન્ય થઈ રહી.
૧ તે કેડે શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વ સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વ મુનિ તથા હરિભક્ત બોલ્યા જે, હે મહારાજ ! કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) એ અમારી આજ્ઞા છે જે, હરિભક્તમાત્રને શ્રી નરનારાયણની મૂર્તિ કાગદમાં લખાવી દેશું તે પૂજજ્યો અને એ પૂજા સર્વે શાસ્ત્રે કરીને પ્રમાણ છે અને શ્રીમદ્ ભાગવતને વિષે પણ અષ્ટ પ્રકારની મૂર્તિ કહી છે, માટે ચિત્રમૂર્તિ પણ અતિ પ્રમાણ છે અને અમારી આજ્ઞા પણ છે, માટે હરિભક્તમાત્રને પ્રાતઃકાળમાં સ્નાન કરીને શ્રી નરનારાયણની પૂજા કરવી. (૧) અને પૂજા કર્યા પછી પ્રક્રમા કરવી ને સાષ્ટાંગ પ્રણામ કરવા. પછી ભગવાન પાસે એમ માગવું જે, હે મહારાજ ! અમારી કુસંગ થકી રક્ષા કરજ્યો, તે કુસંગ ચાર પ્રકારનો છે : એક તો કૂડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા વેદાંતી ને ચોથા નાસ્તિક એ ચાર પ્રકારનો કુસંગ છે, માટે જો કૂડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાં ચુકાડે અને શક્તિપંથીનો સંગ થાય તો દારૂ-માટી ખવરાવીને ભ્રષ્ટ કરે અને જો વેદાંતીનો સંગ થાય તો આકારમાત્ર ખોટા કરે અને ભગવાનનાં ધામ તથા ભગવાનની મૂર્તિઓ ખોટી કરી દેખાડીને ભ્રષ્ટ કરે, અને નાસ્તિક હોય તે કર્મને જ સાચા કરીને ઈશ્વરને ખોટા કરી દેખાડીને ભ્રષ્ટ કરે માટે એવા કુસંગથી તથા ક્રોધ-લોભાદિકથી રહિત થવા વાસ્તે નરનારાયણનું સ્તવન કરવું. (૨) અને તમે સર્વ હરિભક્ત એમ મનમાં લાવશો મા જે, એ તો કાગદ ઉપર ચિત્રામણ છે તે આપણી કેમ કુસંગ થકી રક્ષા કરશે ? એવો ભાવ તો કોઈ દહાડે લાવશો જ મા, કાં જે અમે તો સત્પુરુષ છીએ તે અમારી આજ્ઞાએ કરીને તમે સર્વે નરનારાયણની પૂજા રાખશો, તો અમારે ને નરનારાયણને તો સૂધો મનમેળાપ છે તે અમે નરનારાયણને કહેશું જે, હે મહારાજ ! જે પંચવર્તમાનમાં રહીને અમારી આપેલ જે તમારી મૂર્તિ તેને પૂજે તેમાં અખંડ વાસ કરીને રહેજો, માટે એ નરનારાયણદેવ છે તેને અમે સ્નેહરૂપી પાશે બાંધીને જોરાવરી પણ રાખીશું, માટે તમે સર્વે એમ નિશ્ચે જાણજ્યો જે, એ મૂર્તિ છે તે શ્રી નરનારાયણદેવ પંડે જ છે, એવું જાણીને કોઈ દહાડે મૂર્તિ અપૂજ્ય રહેવા દેશો મા અને પ્રાતઃકાળમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી ને પછી બીજો ધંધો કરવો અને જ્યાં સુધી પંચવર્તમાનમાં રહીને એ નરનારાયણદેવની પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિને વિષે શ્રી નરનારાયણ વિરાજમાન રહેશે એ અમારી આજ્ઞા છે તે સર્વે દૃઢ કરીને માનજ્યો, એવી રીતે શ્રીજી બોલ્યા તે શ્રીજીનાં વચન માથે ચડાવ્યાં. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪૮।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પોતાની ચિત્રમૂર્તિ પ્રમાણ કરી છે ને પ્રાતઃકાળે એ મૂર્તિ પૂજવાની આજ્ઞા કરી છે. (૧) અને ચાર પ્રકારના કુસંગથી તથા કામાદિક શત્રુથી રક્ષા કરજ્યો, એમ ચિત્રમૂર્તિની સ્તુતિ કરવાનું કહ્યું છે. (૨) અને એ ચિત્રમૂર્તિ અમે પંડે જ છીએ, માટે અપૂજ્ય રહેવા દેવી નહિ અને પંચવર્તમાનમાં રહીને પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિમાં અમે રહેશું એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. આમાં નરનારાયણની મૂર્તિ પૂજવાનું કહ્યું અને રહસ્યાર્થમાં શ્રીજીની કેમ કહી ?
૧ ઉ. મહારાજ મુક્તભાવે બોલ્યા છે માટે એમ કહ્યું છે તે (પ્ર. ૮ના પહેલા પ્રશ્નોત્તરમાં) છે.
૨ પ્ર. કુસંગથી રક્ષા માગવાનું કહ્યું તે બહારના તો ઓળખાય પણ સત્સંગમાં કેમ ઓળખાય ?
૨ ઉ. ત્યાગી હોય તે સ્ત્રી-ધનનો પ્રસંગ રાખે તથા સ્ત્રી સંબંધી સંકલ્પ થઈ જાય તેનું પ્રાયશ્ચિત્ત એટલે ઉપવાસ ન કરે અને ગૃહસ્થ હોય તે પરસ્ત્રીનો સંગ કરે તથા પરધનને ગ્રહણ કરવાની ઇચ્છા રાખે તે કૂડાપંથી જેવા જાણવા. અને ત્યાગી અથવા ગૃહસ્થ દારૂ-માંસના સંસર્ગવાળું ઔષધ ખાય અને જે પરદેશથી દવાની શીશીઓ આવતી હોય તે પણ દારૂ જ છે અને લશુન, ડુંગળી, તમાકુ, લીલાગર, હિંગ, અફીણ આદિક અભક્ષ વસ્તુ ખાતા હોય તે શક્તિપંથીના જેવા જાણવા. અને શ્રીજીમહારાજને અંતર્યામી ન જાણે ને મર્યાદા ન રાખે અને પંચવર્તમાને યુક્ત શ્રીજીમહારાજના ભક્તને વિષે મનુષ્યભાવ રહે અને શ્રીજીમહારાજની પ્રતિમાને વિષે ચિત્ર-પાષાણાદિકનો ભાવ રાખે પણ દિવ્ય ન જાણે તેને નાસ્તિકના જેવા જાણવા. અને જે શ્રીજીમહારાજને નિરાકાર સમજે તેને વેદાંતી જેવા જાણવા. તેમનો પણ સંગ ન કરવો. ।।૪૮।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૪૯
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૪ ચૌદશને દિવસ સંધ્યા સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ બે દીવીઓ બળતી હતી અને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર પહેર્યો હતો ને બે હાથમાં પીળાં પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વે ધોળાં વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સૂધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહિ અને તેને તો એ જ ફિકર રહે છે જે, મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે, માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે, માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહિ અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતાં સાંભળતાં પરમેશ્વરનો ભક્ત થાશે. (૧)
૨ પછી બ્રહ્માનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, (૨) એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનું સાધન તો અંતર્દૃષ્ટિ છે તે અંતર્દૃષ્ટિ તે શું, તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દૃષ્ટિ છે; અને તે મૂર્તિ વિના ષટ્ચક્ર દેખાય અથવા ગોલોક-વૈકુંઠાદિક ભગવાનનાં ધામ દેખાય, તોપણ તે અંતર્દૃષ્ટિ નહિ, માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંતર્દૃષ્ટિ છે અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્યદૃષ્ટિ છે. પછી વળી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, હવે તો બે બે જણ થઈને સામસામા પ્રશ્ન-ઉત્તર કરો. પછી ઘણી વાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કર્યા તેને સાંભળતા થકા શ્રીજીમહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હવા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૪૯।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારી મૂર્તિમાં વૃત્તિ ન રહે તે અમારો ભક્ત નહિ. (૧) બીજામાં અમારી મૂર્તિ સામું જોઈ રહેવું તે અંતર્દૃષ્ટિ છે અને મૂર્તિ વિના બીજે વૃત્તિ રહે તે બાહ્યદૃષ્ટિ છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં તમારે વિષે વૃત્તિ જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે એમ બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું તે બ્રહ્માનંદ સ્વામી તો અનાદિમુક્ત હતા તેમણે જોરે કરીને વૃત્તિ રાખીએ છીએ એમ કેમ પૂછ્યું હશે ?
૧ ઉ. સાધનિકને ઉપદેશને માટે સર્વેના ભેળા ભળીને પૂછ્યું છે પણ પોતાને માટે પૂછ્યું નથી. એ તો અનાદિમુક્ત હતા ને શ્રીજીમહારાજના ભેળા બીજા જીવોના કલ્યાણને અર્થે આવ્યા હતા, એમનું અજાણ્યું કાંઈ નહોતું.
૨ પ્ર. મૂર્તિમાં તો વૃત્તિ ન રહે પણ મહારાજની આજ્ઞા યથાર્થ પાળે તે ભક્ત કહેવાય કે નહિ ?
૨ ઉ. એકાંતિક ભક્ત ન કહેવાય; ચાલોચાલ કહેવાય. અને આજ્ઞા ન પાળે તે તો કુસંગી કહેવાય. ।।૪૯।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૦
સંવત ૧૮૭૬ના મહા વદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરની મેડીની ઓસરી આગળ પ્રાતઃકાળે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું જે, (૧) જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે તે કુશાગ્રબુદ્ધિ તે જે સંસાર-વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ? અથવા શાસ્ત્ર-પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ? પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, કેટલાક તો વ્યવહારમાં અતિ ડાહ્યા હોય, તોપણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ યત્ન કરે નહિ તથા કેટલાક શાસ્ત્ર-પુરાણ-ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતા હોય, તોપણ પોતાના કલ્યાણને અર્થે કાંઈ પણ યત્ન કરે નહિ, માટે એને કુશાગ્રબુદ્ધિવાળા ન જાણવા; એને તો જાડી બુદ્ધિવાળા જાણવા અને જે કલ્યાણને અર્થે યત્ન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તોપણ તે કુશાગ્રબુદ્ધિવાળો છે અને જે જગત-વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે, તોપણ તે જાડી બુદ્ધિવાળો છે, એ ઉપર ભગવદ્ગીતાનો શ્લોક છે જે :
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुने: ।।
એ શ્લોકનો અર્થ એમ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં ભગવાનનું ભજન નથી કરતા અને જે ભગવાનના ભક્ત છે તે તો, તે ભગવાનના ભજનને વિષે જાગ્યા છે; કહેતાં નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેને વિષે જીવમાત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે કહેતાં વિષયને ભોગવતા થકા જ વર્તે છે; અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષયભોગને વિષે અંધકારે યુક્ત વર્તે છે કહેતાં તે વિષયને ભોગવતા નથી, માટે એવી રીતે જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તે જ કુશાગ્રબુદ્ધિવાળા છે ને તે વિના તો સર્વે મૂર્ખ છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫૦।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તેને ઝીણી બુદ્ધિવાળો કહ્યો છે અને એને બ્રહ્મની એટલે અમારી પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. (૧) બાબત છે. (આ બ્રહ્મનો અર્થ પ્ર. ૩૯ના બીજા પ્રશ્નોત્તરમાં કર્યો છે.)
૧ પ્ર. બુદ્ધિ અંધકારે યુક્ત વર્તે છે એમ કહ્યું તે કેવી રીતે વર્તે તે અંધકારે યુક્ત કહેવાય ?
૧ ઉ. શ્રીજીમહારાજને વિષે પ્રીતિવાળા ભક્ત જગતથી ઉદાસ હોય, પણ જો તેને પ્રારબ્ધવશે કરીને ગૃહસ્થાશ્રમમાં રહેવું પડ્યું હોય તો તેને ગૃહસ્થાશ્રમની રીતિ પ્રમાણે વર્તવું જોઈએ, પણ ઉદાસ થકો વિષયને ભોગવે તે અંધકારે યુક્ત વર્તે છે એમ જાણવું; અને ત્યાગીમાં રહ્યો હોય તોપણ સારી પથારી, સારું ખાવાનું, સારું પાત્ર એ આદિક સારી વસ્તુને ગ્રહણ ન કરે ને જેવી તેવી વસ્તુએ કરીને ગુજરાન કરે અને સર્વે ક્રિયામાં શ્રીજીમહારાજની સ્મૃતિ રાખે પણ ક્રિયાની સ્મૃતિ ન રાખે, એવી રીતે વર્તે તે વિષયને વિષે અંધકારે યુક્ત વર્તે છે એમ જાણવું. ।।૫૦।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૧
સંવત ૧૮૭૬ના મહા વદિ ૨ બીજને દિવસ રાત્રિને સમે સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કાંઈ પ્રશ્ન પૂછો. પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) દશ ઇન્દ્રિયો છે તે તો રજોગુણની છે અને ચાર અંતઃકરણ છે તે તો સત્ત્વગુણના છે, માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય, માટે માયિક જે અંતઃકરણ ને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા એ રીતે તમારો પ્રશ્ન છે ? પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વ મુનિએ કહ્યું જે એ જ પ્રશ્ન છે તેને હે મહારાજ ! તમે પુષ્ટ કરી આપ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્વીનું પીઠ છે તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે અને જ્યારે પૃથ્વીની દૃષ્ટિએ કરીને જોઈએ, ત્યારે એ સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી ને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે ને જળ તો પૃથ્વીની હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે. માટે જળની દૃષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી; એકલું જળ જ છે અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે, માટે તેજની દૃષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી; એકલું તેજ જ છે અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે, માટે તે વાયુની દૃષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી; એકલો વાયુ જ છે ને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહિ; એકલો આકાશ જ સર્વત્ર ભાસે અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે ને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્ત્વિકાહંકાર ને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા એ સર્વે મહત્તત્ત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે, માટે મહત્તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી; એકલું મહત્તત્ત્વ જ છે અને તે મહત્તત્ત્વ પણ પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે, માટે પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્ત્વ નથી; એકલી પ્રકૃતિ જ છે અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે, માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો પ્રકૃતિ નથી; એકલો પુરુષ જ છે અને એવા અનંતકોટિ પુરુષ છે તે પુરુષોત્તમનું ધામ જે અક્ષર તેના એક દેશને વિષે લીન થઈ જાય છે ને પાછા ઊપજે છે, માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ સર્વે નથી; એક અક્ષર છે અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, ને તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કર્તા છે ને સર્વના કારણ છે અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે એ ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો-અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપ થઈ જાય છે, ત્યારે તેમણે કરીને આ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે ને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે પણ માયિક એવાં જે ઇન્દ્રિયો-અંતઃકરણ તેણે કરીને નથી થાતો, એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫૧।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, પૃથ્વીથી લઈને મૂળઅક્ષર આદિક સર્વેના કર્તા ને સર્વેના કારણ ને એ સર્વેમાં અમારી અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક ને મૂળઅક્ષરાદિક સર્વથી પર એવા જે અમે તે જીવોના કલ્યાણને અર્થે સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપીએ છીએ, ત્યારે જે જીવ અમારા મુક્તનો સમાગમ કરીને અમારો મહિમા સમજે ત્યારે તે જીવનાં ઇન્દ્રિયો-અંતઃકરણ સર્વે અમારાં રૂપ થઈ જાય છે ત્યારે અમારું દર્શન અને અમારો નિશ્ચય થાય છે. (૧) બાબત છે.
૧ પ્ર. પૃથ્વી આદિકની દૃષ્ટિએ જોઈએ એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. જે જે દેવની ઉપાસના કરે તે તે દેવના ભાવને પામીને એટલે તદ્રૂપ થઈને તે તે દેવના નેત્રે કરીને જુએ તે તેની દૃષ્ટિએ જોયું કહેવાય. એવી રીતે વરુણ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ અને પ્રધાનપુરુષ તેમની ઉપાસના કરીને, તેમના ભાવને પામીને તેમની દૃષ્ટિએ કહેતાં તેમના નેત્રે કરીને જુએ તો તેથી ઓરું હોય તે નજરમાં આવે નહિ એટલે તુચ્છ થઈ જાય. તેમજ મૂળપુરુષની ઉપાસનાવાળા મૂળપુરુષને નેત્રે જુએ તો તેથી ઓરું તેમનું કાર્ય જે મૂળમાયાદિક તે કાંઈ નજરમાં આવે નહિ અને વાસુદેવબ્રહ્મની ઉપાસના કરીને, તે રૂપ થઈને, તેમના નેત્રે કરીને જુએ તો મૂળપુરુષાદિક કાંઈ નજરમાં ન આવે અને એવી જ રીતે મૂળઅક્ષરની ઉપાસના કરીને તદ્રૂપ થઈને, તે મૂળઅક્ષરના નેત્રે કરીને જુએ ત્યારે વાસુદેવબ્રહ્મ આદિક કોઈ નજરમાં આવે નહિ. અને પુરુષોત્તમની ઉપાસના કરીને તદ્ભાવને પામીને એટલે તે રૂપ થઈને તે પુરુષોત્તમ પરબ્રહ્મ જે શ્રી સ્વામિનારાયણ તેમની દૃષ્ટિએ કહેતાં તેમનાં નેત્રે કરીને જુએ ત્યારે મૂળઅક્ષરાદિક કોઈ ભાસે જ નહિ, એટલે શ્રીજીમહારાજનું સુખ, સામર્થી ને પ્રકાશ તેના આગળ મૂળઅક્ષરનું સુખ, સામર્થી ને પ્રકાશ કોટિમાં ભાગના પાસંગમાં પણ આવે નહિ, તેથી એ અક્ષરાદિકની ગણતરી રહે જ નહિ, તેમ જ તે અક્ષરના સુખ આદિકની આગળ વાસુદેવબ્રહ્મનું સુખ, સામર્થી ને પ્રકાશ પણ તેવો જ છે, માટે મૂળઅક્ષર આગળ એ વાસુદેવબ્રહ્મની ગણતરી રહે નહિ, તેવી રીતે ઉત્તરોત્તર મૂળ પુરુષાદિકના સુખ-સામર્થ્યાદિકનું પણ જાણવું.
૨ પ્ર. પ્રલય સમે અનંતકોટિ પુરુષ જે મૂળપુરુષ તે અક્ષરધામને વિષે લીન થઈ જાય છે એમ કહ્યું તે મૂળપુરુષના ઉપરી તો વાસુદેવબ્રહ્મ છે તે વાસુદેવબ્રહ્મના તેજમાં લીન થવા જોઈએ અને અક્ષરધામમાં લીન થાય છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. યથાર્થ અનુક્રમ કોઈક ઠેકાણે કહ્યો હોય ને કોઈક ઠેકાણે ન કહ્યો હોય, જેમ મહત્તત્ત્વની લીનતા પ્રધાનપ્રકૃતિમાં છે ને પ્રધાનની લીનતા પુરુષમાં છે અને એવા અનંત પુરુષની લીનતા મૂળપ્રકૃતિમાં છે ને મૂળપ્રકૃતિની લીનતા મૂળપુરુષમાં છે તોપણ મહત્તત્ત્વની લીનતા આ વચનામૃતમાં પાધરી જ મૂળપ્રકૃતિમાં કહી, તેમ જ મૂળપુરુષની લીનતા બ્રહ્મના તેજને વિષે ન કહી ને પાધરી જ અક્ષરને વિષે કહી છે, માટે કોઈક ઠેકાણે અનુક્રમ ન કહ્યો હોય પણ અનુક્રમ પ્રમાણે જ ઊપજે છે ને લીન થાય છે એમ જાણવું.
૩ પ્ર. ઇન્દ્રિયો-અંતઃકરણ તો જડ છે તે પુરુષોત્તમરૂપ કેવી રીતે થતાં હશે ?
૩ ઉ. શ્રીજીમહારાજ તથા મુક્તને યોગે કરીને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજે પછી તે ભક્ત શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ પોતાને માનીને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરે તે ધ્યાને કરીને શ્રીજીમહારાજને આકારે થઈ જાય છે ત્યારે તે જીવ મટીને મુક્ત થાય છે, જેમ ભમરીને ધ્યાને કરીને ઇયળ ભમરી થાય છે, તેમ શ્રીજીમહારાજ દિવ્ય મૂર્તિ છે તેમને ધ્યાને કરીને ભક્તનો ચૈતન્ય દિવ્ય સાકાર થઈ જાય છે, માટે એનાં ઇન્દ્રિયો પુરુષોત્તમરૂપ થઈ જાય છે એમ કહ્યું છે, તે તો જેમ પુરુષોત્તમ ભગવાનને દિવ્ય અવયવ છે તેવા જ એના અવયવ દિવ્ય થઈ જાય છે એમ કહ્યું છે, માટે ઇન્દ્રિયો એટલે દિવ્ય અવયવ જાણવા પણ આ માયિક ઇન્દ્રિયો દિવ્ય થઈ જાય છે એમ ન જાણવું. આ નિશ્ચય સ્થિતિએ સહિત કહ્યો છે.
૪ પ્ર. ભગવાનનો મહિમા સંત-સમાગમે સમજાય એમ કહ્યું ત્યારે ભગવાનને સમાગમે સમજાય કે કેમ ? અને હીરે હીરો વીંધાય તે બે હીરા કયા ? અને ભગવાનનો નિશ્ચય ને દર્શન ભગવાન વતે જ થાય તે કેવી રીતે જાણવું ?
૪ ઉ. જ્યારે ભગવાન પૃથ્વીને વિષે પધારે ત્યારે સંત પણ ભેળા જ હોય તે સંત જેને પ્રથમ મળે તે સંતના સમાગમથી ભગવાનનો મહિમા જાણે અને ભગવાન જેને પ્રથમ મળે તે ભગવાન થકી મહિમા જાણે, માટે ભગવાન તથા સંત એ બેયના સમાગમથી શ્રીજીમહારાજનો મહિમા સમજાય છે અને સંતમાં પણ શ્રીજીમહારાજ સાક્ષાત્ રહ્યા છે, માટે સંત દ્વારે પણ શ્રીજીમહારાજ પોતે જ પોતાનો મહિમા સમજાવે છે. અને જેમ સમુદ્રમાં પાણીનો ઘડો ઢોળીએ તે સમુદ્રમાં જાય તેમ શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે મળે તે મૂર્તિમાં એકતા કરવાથી મૂર્તિમાં સંલગ્ન થવાય અને નદીમાં પાણી રેડીએ તે પાણીને નદી દ્વારે સમુદ્રમાં એકતા થાય છે, તેમ શ્રીજીમહારાજને મળેલા એટલે શ્રીજીમહારાજની મૂર્તિમાં સંલગ્ન રહેલા સંત જે મુક્ત તેને વિષે આપોપું કરીને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે એકતા કરે તો તે મુક્ત દ્વારે પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં એેકતા થાય છે, કેમ જે તે મુક્ત મૂર્તિમાં જ રહ્યા છે, માટે તેની સાથે આપોપું કરવાથી પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં એકતા થાય છે, તે મૂર્તિમાં નિમગ્ન રહેવાનું (લો. ૧૩ના પહેલા પ્રશ્નમાં) કહ્યું છે જે અમારે વિષે નિમગ્ન રહે તેને માયા પરાભવ ન કરે તથા (કા. ૧ના પાંચમા પ્રશ્નમાં) અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે અને મુક્તમાં આપોપું કરવાનું (જે. ૧ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે માટે વેંધનારા હીરાને દૃષ્ટાંતે શ્રીજીમહારાજને ને મુક્તને જાણવા અને વેંધવાના હીરાને દૃષ્ટાંતે મુમુક્ષુ જાણવા અને શ્રીજી થકી અથવા એમના મુક્ત થકી શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજીને શ્રીજીમહારાજની મૂર્તિમાં સંલગ્ન થઈને શ્રીજીમહારાજના મુખમાં મુખ, હસ્તમાં હસ્ત, ચરણમાં ચરણ, નેત્રમાં નેત્ર, મસ્તકે મસ્તક એવી રીતે એકતા કરીને શ્રીજીમહારાજને નેત્રે કરીને શ્રીજીમહારાજને જુએ તે ભગવાન વતે જ ભગવાનનું દર્શન કહેવાય ને ભગવાન વતે જ ભગવાનનો નિશ્ચય કહેવાય. આ ધ્યાનની લટક શ્રીજીમહારાજ કાં એમના અનાદિમુક્ત થકી જ પમાય છે. ।।૫૧।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૨
સંવત ૧૮૭૬ના મહા વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરની મેડીની ઓસરીમાં કથા વંચાવતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી તે કથામાં એમ આવ્યું જે, સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહેવાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને કેમ જાણવા ? ને એ ચાર શાસ્ત્રે કરીને જે ભગવાનને ન જાણે તેમાં શી ન્યૂનતા રહે છે તે કહો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જે સાંખ્યશાસ્ત્ર છે તે ભગવાનને પચવીશમા કહે છે ને ચોવીશ તત્ત્વ જેમ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી થાતાં, તેમ જીવ-ઈશ્વર પણ ભગવાન વિના કાંઈ કરવાને સમર્થ નથી, માટે એને પણ ચોવીશ તત્ત્વ ભેળાં જ ગણે છે ને જીવ-ઈશ્વરે સહિત એવાં જે ચોવીશ તત્ત્વ તેને ક્ષેત્ર કહે છે ને પચવીશમા જે ભગવાન તેને ક્ષેત્રજ્ઞ કહે છે અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને છવીશમા કહે છે ને મૂર્તિમાન કહે છે ને જીવ-ઈશ્વરને પચવીશમા કહે છે ને ચોવીસ તત્ત્વને પૃથક્ કહે છે ને એ તત્ત્વ થકી પોતાના આત્માને પૃથક્ સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. અને વેદાંતશાસ્ત્ર છે તે ભગવાનને સર્વકારણ, સર્વવ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન ને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણે સહિત એમ કહે છે અને પંચરાત્ર શાસ્ત્ર છે તે ભગવાનને એમ કહે છે જે, એક જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે તે જ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન એ ચતુર્વ્યૂહ રૂપે થાય છે ને પૃથ્વીને વિષે અવતારનું ધારણ કરે છે ને તેને વિષે જે નવ પ્રકારની ભક્તિને કરે છે તેનું કલ્યાણ થાય છે, એવી રીતે એ ચારે શાસ્ત્ર ભગવાનને કહે છે તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. અને જો બીજા ત્રણ શાસ્ત્રને મૂકીને એક સાંખ્યશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાધ આવે જે સાંખ્યશાસ્ત્રમાં જીવ-ઈશ્વરને તત્ત્વથી નોખા નથી કહ્યા તે જ્યારે તત્ત્વનો નિષેધ કરીને તત્ત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે પચવીશમો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય; અને જો એકલે યોગશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, યોગશાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કહ્યા છે તેને પરિચ્છિન્ન સમજે પણ સર્વાંતર્યામી ને પરિપૂર્ણ એવા ન સમજે; અને જો એક વેદાંતશાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, જે ભગવાનને સર્વકારણ ને સર્વવ્યાપક ને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે પણ પ્રાકૃત કર-ચરણાદિકે રહિત ને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે; અને જો એકલે પંચરાત્રશાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે જે, જે ભગવાનના અવતારને વિષે ભક્તિ કહી છે તેને વિષે મનુષ્યભાવ આવે તથા એકદેશસ્થપણું સમજાઈ જાય પણ સર્વાંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય, માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે છે ને જો એ સર્વે શાસ્ત્રે કરીને સમજે તો જે એક એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે. તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે, માટે એ ચારે શાસ્ત્રે કરીને જે સમજે તે પરિપૂર્ણ જ્ઞાની કહેવાય અને જો એ ચારમાંથી એકને મૂકી દે તો પુણો જ્ઞાની કહેવાય, ને બેને મૂકી દે તો અર્ધો જ્ઞાની કહેવાય, ને ત્રણને મૂકી દે તો પા જ્ઞાની કહેવાય, ને એ ચારેને મૂકીને જે પોતાના મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે ને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બેય ભૂલા પડ્યા છે પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી, માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે ને એ ઉપાસનાવાળો તે દંભી ભક્ત છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫૨।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે, તેમાં શ્રીજીમહારાજે સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એ ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તેને પૂરો જ્ઞાની કહ્યો છે અને શાસ્ત્રને મૂકીને મનમતે વર્તે તેને દંભી જ્ઞાની ને દંભી ભક્ત કહ્યો છે. (૧) બાબત છે.
૧ પ્ર. સાંખ્યને મતે ચોવીશ તત્ત્વના ભેળા જીવ-ઈશ્વરને ગણીને પચવીશમા પરમાત્મા કહ્યા તે મૂળપુરુષને કહ્યા છે; અને યોગને મતે તત્ત્વથી નોખા જીવ-ઈશ્વરને કહીને છવ્વીસમા પરમાત્મા કહ્યા તે પણ મૂળપુરુષને કહ્યા છે અને વેદાંત પણ એનો જ મહિમા કહે છે; પંચરાત્ર છે તે વાસુદેવ ભગવાને કર્યુ છે તે શ્વેતદ્વીપપતિ વાસુદેવનું વર્ણન કરે છે એમ (વ. ૨/૨માં) કહ્યું છે, એવી રીતે ચારે શાસ્ત્ર જેમ મૂળપુરુષનું તથા વાસુદેવનું ધ્યાન-ભજન કરવાનું કહે છે, તેમ શ્રીજીમહારાજના ભક્તને શ્રીજીમહારાજનું સ્વરૂપ કેવી રીતે સમજવું ?
૧ ઉ. જેમ સાંખ્યવાળે મૂળપુરુષ વિના જીવ-ઈશ્વર કાંઈ કરવા સમર્થ નથી એમ જાણીને મૂળપુરુષને પરમાત્મા કહ્યા છે, તેમ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણના ભક્તોએ મૂળપુરુષ તેથી પર બ્રહ્મકોટિ તેથી પર અક્ષરકોટિ તે કોઈ શ્રીજીમહારાજ વિના કાંઈ કરવા સમર્થ નથી એમ જાણીને શ્રીજીમહારાજને પરમાત્મા જાણવા. (૧) અને જેમ યોગવાળા ત્રણ દેહથી ભિન્ન જીવાત્માને માનીને મૂળપુરુષની મૂર્તિનું ધ્યાન કરવાનું કહે છે તેમ શ્રીજીમહારાજના ભક્તને શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ પોતાના આત્માને માનીને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. (૨) અને જેમ વેદાંત મૂળપુરુષને જીવ-માયાને વિષે વ્યાપક ને જીવ-માયાના કારણ જાણવા એમ કહે છે, તેમ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણના ભક્તોએ પ્રત્યક્ષ શ્રીજીમહારાજને જીવ, માયા, મૂળપુરુષ, બ્રહ્મ, અક્ષર એ સર્વેને વિષે પોતાના તેજ દ્વારે વ્યાપક ને એ સર્વેના આધાર, કર્તા, નિયંતા ને કર્મફળપ્રદાતા જાણવા. (૩) અને જેમ પંચરાત્રશાસ્ત્ર શ્વેતદ્વીપપતિ વાસુદેવને મચ્છકૂર્માદિક તથા રામકૃષ્ણાદિક સર્વ અવતારના કારણ જાણીને તેમની ભક્તિ કરવાનું કહે છે, તેમ શ્રીજીમહારાજના ભક્તોએ શ્રીજીમહારાજને અક્ષરાદિક સર્વે અવતારના કારણ અવતારી જાણીને તેમની ભક્તિ કરવી. (૪) આવી રીતે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણને ચારે પ્રકારે જાણે તે પૂરો જ્ઞાની કહેવાય. ।।૫૨।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૩
સંવત ૧૮૭૬ના મહા વદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને જરકસી છેડાનું કસુંબલ ભારે શેલું કેડે બાંધ્યું હતું ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેંટો માથે બાંધ્યો હતો ને તે પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે ને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે ને તે સાધુનો જે જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે ને તેને ભગવાનને વિષે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે, માટે તે સાધુનો અવગુણ ન લેવો, ને ગુણ જ લેવો ને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ જે પંચવર્તમાનની મર્યાદા તેમાંથી કોઈક વર્તમાનનો તે સાધુ ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો, પણ કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને તે સાધુમાં બીજા ઘણાક ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન-વૈરાગ્યાદિક જે શુભ ગુણ તે ઘટી જાય છે, માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ, ને જો અવગુણ લે નહિ તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થાતી જાય છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫૩।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પંચવર્તમાને યુક્ત એવા જે અમારા મોટા સાધુ તેની સ્વાભાવિક પ્રકૃતિ દેખીને તેનો અવગુણ લે તેના ભક્તિ-જ્ઞાનાદિક શુભ ગુણ ઘટી જાય છે અને એવા સાધુનો ગુણ લે તો તેના શુભ ગુણ વૃદ્ધિ પામે છે. અને પંચવર્તમાનમાં ફેર હોય તો અવગુણ લેવો એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે. (આ સ્વાભાવિક પ્રકૃતિનો ખુલાસો પ્ર. ૩૧ના ૧ પહેલા પ્રશ્નોત્તરમાં છે.) ।।૫૩।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૪
સંવત ૧૮૭૬ના મહા વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસુંબલ રેંટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે જે, ભાગવત ધર્મને આશર્યો જે જીવ તે આંખ્યું મીંચીને ચાલ્યો જાય તોપણ પડેય નહિ ને આખડેય નહિ તે ભાગવત ધર્મ તે કિયા ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે :
प्रसंगमजरं पाशमात्मन: कवयो विदु: ।
स एव साधुषु कृतो मोक्षद्वारमपावृत्तम् ।।૧।।
જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દૃઢ પ્રસંગ છે, તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના ભક્તને વિષે થાય તો એ ભગવાનના માર્ગ થકી કોઈ દિવસ પાછો પડે નહીં. (૧)
૨ પછી શુકમુનિએ પૂછ્યું જે, (૨) ગમે તેવો આપત્કાળ પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કિયે લક્ષણે કરીને ઓળખાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું-મોટું વચન લોપી શકે નહિ, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપત્કાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહિ, માટે જેને વચનમાં દૃઢતા છે તેનો જ ધર્મ દૃઢ રહે અને તેનો જ સત્સંગ પણ દૃઢ રહે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૫૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં જીવને જેવો દેહના સંબંધીને વિષે દૃઢ પ્રસંગ છે, તેવો અમારા ભક્તને વિષે થાય તે ભાગવત ધર્મ છે. (૧) બીજામાં અમારાં નાનાં-મોટાં વચન યથાર્થ પાળે તેનો જ ધર્મ ને સત્સંગ દૃઢ રહે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં ભાગવત ધર્મ કિયા હશે ? એમ પૂછ્યું છે તેના ઉત્તરમાં શ્રીજીમહારાજે સંતનો પ્રસંગ રાખવાનું કહ્યું તેનો શો હેતુ હશે ?
૧ ઉ. મને, વચને ને દેહે કરીને ભગવાન સંબંધી શુભ ક્રિયા કરવી તે ભાગવત ધર્મ છે, પણ એ ધર્મ મુક્તના પ્રસંગથી આવે છે માટે મુક્તનો પ્રસંગ રાખવાનું કહ્યું છે. ।।૫૪।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૫
સંવત ૧૮૭૬ના મહા વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉગમણે બાર ઓરડાની ઓસરી ઉપર વિરાજતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) જીવને ભજન-સ્મરણનો તથા વર્તમાનનો એક દૃઢાવ કેમ રહેતો નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા ને સંગ તેને યોગે કરીને રહેતો નથી ને તે દૃઢાવ પણ ત્રણ પ્રકારનો છે : ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દૃઢતા હોય ને દેશ, કાળ, ક્રિયા ને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દૃઢતાને પણ ટાળી નાખે તો મધ્યમ ને કનિષ્ઠ દૃઢતાની તો શી વાત કહેવી ? અને દેશ, કાળ, ક્રિયા ને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દૃઢતા જેમ છે એમ ને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે; અને દેશ, કાળ, ક્રિયા ને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે, કેમ જે દેશ, કાળ, ક્રિયા ને સંગ રૂડા છે તોય પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. (૧) માટે હવે જો મોટાપુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એનાં પાપ બળીને ભસ્મ થઈ જાય અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે અને મદિરાપાનની કરનારી જે પાતર્યો તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે જે, મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં ? તેને તો મહામૂર્ખ જાણવો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૫૫।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે દેશકાળાદિક અતિ ભૂંડા થાય તો અમારા ભજન-સ્મરણની તથા વર્તમાનની ઉત્તમ દૃઢતાને પણ ટાળી નાખે અને જેને પૂર્વનું ભારે બીજબળ ને ભારે પુણ્ય હોય તેની દૃઢતા ટળે નહિ અને જેણે પૂર્વજન્મે તથા આ જન્મે મોટું પાપ કર્યું હોય અથવા અમારા મોટા ભક્તનો દ્રોહ કર્યો હોય તેને દેશ, કાળ, સંગાદિક અતિ પવિત્ર હોય તોપણ તેનું અંતર ભૂંડું થઈ જાય છે. (૧) અને તે જો ખબરદાર થઈને એવા મોટાપુરુષની સેવા કરે તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય છે માટે સારા દેશાદિક સેવવા. (૨) બાબતો છે. (આ દેશકાળનું રૂપ પ્ર. ૨૯ના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યું છે.)
૧ પ્ર. પહેલી બાબતમાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ દૃઢતા કહી તેનાં લક્ષણ કેવાં હશે ?
૧ ઉ. રૂપવાન સ્ત્રીઓનો ને સારા ખાનપાનાદિકનો યોગ હંમેશાં રહે તો દેહાભિમાન ટળ્યું નથી તેથી ડગી જાય અને શ્રીજીમહારાજના ધ્યાન-ભજનમાં પણ તે સ્ત્રીઆદિકના સંકલ્પ વિક્ષેપ કરે તે કનિષ્ઠ દૃઢતા કહેવાય અને એકાંતમાં રૂપવાન સ્ત્રીઓનો તથા ખાનપાનાદિકનો યોગ હંમેશાં રહે તો ડગી જાય, અને ભજન-સ્મરણમાં પણ તે સંબંધી સંકલ્પ થાય તે મધ્યમ દૃઢતા કહેવાય. અને રૂપવાન સ્ત્રીઓ ધર્મથી પાડવા સારુ ઘણુંક દ્રવ્યાદિક આપીને પણ ધર્મથી પાડવાનો અતિ આગ્રહ કરે તથા દુષ્ટ કર્મ કરનારા પાપી લોકો નાત બહાર મૂકે તથા ધર્મમાંથી પાડવા સારુ વ્યવહારમાં અનેક પ્રકારની ઉપાધિઓ કરે તેને સહન કરી શકે નહિ ને ધર્મથી ડગી જાય ને એ ઉપાધિની ચિંતાએ કરીને ભજન-સ્મરણ પણ વિક્ષેપ રહિત થાય નહિ તે ઉત્તમ દૃઢતા જાણવી. અને આવી ઉપાધિને પણ આત્મવિચારે કરીને દેહ પર્યંત સહન કરે પણ પોતાના નિયમમાંથી પડે નહિ ને ભજનમાં પણ એ વિષેનો સંકલ્પ થાય જ નહિ તે અતિ ઉત્તમ દૃઢતા કહેવાય તે દેશકાળે કરીને પણ ટળે નહિ.
૨ પ્ર. દેશાદિક અતિ ભૂંડા થાય તોપણ દૃઢતા હોય તેવી ને તેવી રહે તેને ભારે બીજબળ ને ભારે પુણ્ય કહ્યું તે બીજબળ તથા પુણ્ય તે શું હશે ?
૨ ઉ. પોતાને પુરુષપ્રયત્ને કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર સાધને સંપન્ન થયો હોય તે ભારે બીજબળ કહ્યું છે. અને જે શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં રહ્યા હોય ને બીજાને મૂર્તિને સુખે સુખિયા કરતા હોય ને પંચવર્તમાન દૃઢ પાળતા-પળાવતા હોય એવા અતિશે મોટા મુક્તની નિષ્કામભાવે અતિશે સેવા કરીને તેમની પ્રસન્નતા મેળવી હોય તે ભારે પુણ્ય કહ્યું છે, એવાને દેશકાળાદિક અતિ મલિન હોય તોપણ તેની દૃઢતા લેશમાત્ર ટળે નહિ.
૩ પ્ર. બીજી બાબતમાં મદિરા ને પાતર્યો કહી તે મદિરા તથા પાતર્યો કોને જાણવી ?
૩ ઉ. ઇન્દ્રિયોને ને પંચવિષયને એકતા છે, માટે વિષયરૂપી મદિરા પીનારી ઇન્દ્રિયોને પાતર્યો કહી છે. તે ઇન્દ્રિયોનો દોર્યો દોરાય તેને ઇન્દ્રિયોરૂપી વેશ્યાના ગળામાં હાથ નાખીને બેસે એમ કહ્યું છે. ।।૫૫।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૬
સંવત ૧૮૭૬ના મહા વદિ ૧૨ દ્વાદશીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન કસુંબલ રેંટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધૂન્ય કરીને મુનિ ઝાંઝ-મૃદંગ લઈને કીર્તન ગાવતાં હતાં.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કીર્તન રાખો ને ઘડીક પ્રશ્ન-ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો હું પ્રશ્ન પૂછું છું જે, (૧) શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેઈ રીતે વિશેષ છે ? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તોય પણ પોતાને વિષે દેહાત્મબુદ્ધિ વર્તે છે તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે તે માટે જ્ઞાનીને બરોબર થાતા નથી, તે સારુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ્ય છે. (૧) અને જેને કોઈ જાતની વાસના ન હોય ને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિષે મોટી ખોટ્ય છે અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દૃઢ ભક્તિનું બળ હોય ને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહિ અથવા તેની આગળ દીન વચન બોલાય નહિ તો એ પણ એને વિષે મોટી ખોટ્ય છે તે ખોટ્યે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે જે પાણી ઘણું થાશે ને જો ઉપરથી રણકતો હોય ને માંહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે જે, આ કૂવામાં પાણી થાશે તો અર્ધા કોશનું કે પા કોશનું થાશે પણ વધુ નહિ થાય, તેમ જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે, તો એ મોટો તો કહેવાય પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે, માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થાવું નહિ તો એ પુરુષના હૃદયને વિષે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી નરનારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. (૨)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કિયા ઉપાયે કરીને ટાળવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા-ચાકરી કરે ને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય અને અતિશે પ્રેમલક્ષણા ભક્તિ હોય ને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ્ય છે, અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મબુદ્ધિને જ દૃઢ કરાવે, માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહિ, એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે અને અંતર્દૃષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે, અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે, માટે ભગવાનના ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદે થાવા દેવું નહિ અને જો માન સહિત જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ હોય તો, જેમ સોનું હોય ને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પનરવલું કહેવાય ને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય ને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય, તેમ એ ભક્તને જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણે ઓછાં થાતાં જાય છે, માટે માન રહિત જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે તો સોળવલ્લા સોના જેવા છે. અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે પણ એના અંતરમાં ઝાઝું બળ હોય નહિ, ત્યાં દૃષ્ટાંત છે : જેમ પચાસ કોટિ યોજન પૃથ્વી તે સમુદ્ર, પર્વત ને સર્વ ભૂત-પ્રાણીમાત્ર તેનો આધાર છે, માટે ઘણી બળવાન જણાય છે, ને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે, જે જળને વિષે પૃથ્વી છાણાની પેઠે તરે છે. અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે. અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી પણ આકાશ સર્વેથી બળવાન છે કાં જે એ ચારેનો આકાશ આધારરૂપ છે, તેમ માન રહિત જે એ ભક્તનાં જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તે આકાશ સરખાં બળવાન છે, માટે ઉપરથી તો જણાય નહિ પણ નિર્માની ભક્ત તે સૌથી શ્રેષ્ઠ છે. ને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ઘાટ-સંકલ્પ હોય નહિ તેમ જ સાધુને તો ગમે તેટલી પૂજા-પ્રતિષ્ઠા થાતી હોય પણ બાળકની પેઠે માન રહિત વર્તવું. (૩)
૩ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) ઇન્દ્રિયો, અંતઃકરણ ને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ શરીર એ સર્વે થકી જીવનું સ્વરૂપ ન્યારું છે, એવું સત્સંગમાંથી સાંભળીને દૃઢ નિશ્ચય કર્યો છે, તોય પણ ઇન્દ્રિયો-અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુઃખિયો કેમ થઈ જાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે, ઇત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે તથા પરમપદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થાતી નથી, માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, હું આત્મા-અનાત્માની વિગતિ કરી લેઉં એમ વિગતિ થાતી નથી, એ તો એ જીવને જેટલી પોતાના ઇષ્ટદેવ જે પરમેશ્વર તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે પણ ઇષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થાતાં નથી ને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયાં છે અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની એ મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે ને મર્ત્યલોકને વિષે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે પણ એ તો સૂર્ય-ચંદ્રાદિક સર્વેને પ્રકાશના દાતા છે ને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા-લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે ને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે, એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે ને જેટલી એ ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ગમે તેવો પાપી હોય ને અંત સમે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને, બ્રહ્મમહોલને વિષે નિવાસ કરે એવો ભગવાનનો પ્રતાપ મોટો છે માટે ભગવાનનું બળ રાખવું. જેમ ધ્રુવજી હતા તેણે યક્ષ સાથે લડાઈ કરી ત્યારે ધ્રુવ પાસે નરનારાયણનું આપેલું નારાયણ અસ્ત્ર હતું તે એક લાખ ને ત્રીસ હજાર ને ઉનમાને નારાયણ અસ્ત્રે કરીને યક્ષ માર્યા તે યક્ષ સર્વે મહાકામી ને અતિ પાપી હતા, તોય પણ નારાયણ અસ્ત્રને પ્રતાપે કરીને ઊર્ધ્વરેતા જે મુનિ તે જે લોકને પામે છે તે લોકને પામ્યા, માટે નરનારાયણના અસ્ત્રમાં એટલો પ્રતાપ છે, તો જેને પ્રગટ નરનારાયણ મળ્યા હોય તેનું નામસ્મરણ કરતા હોય, ને ધ્યાન કરતા હોય અને જે સત્સંગના નિયમ હોય તેને સર્વેને શિરસાટે પાળતા હોય તેના કલ્યાણમાં શું સંશય છે ? એમ માહાત્મ્ય સમજે તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૫૬।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે ત્રણ પ્રકારના ભક્તથી જ્ઞાનીને અધિક કહ્યો છે. (૧) અને જ્ઞાન, ભક્તિ આદિક ગુણનું માન આવે તેમાં મોટા ગુણ નથી આવતા અને એ ગુણનું માન રાખે નહિ તેના હૃદયમાં અમે નિવાસ કરીને રહીએ છીએ. (૨) બીજામાં ભક્તનું માહાત્મ્ય જાણીને સેવા કરે ને વિચારનું બળ રાખે તો એ રૂડા ગુણનું માન ટળી જાય છે. (૩) ત્રીજામાં અમે સર્વે ધામોના પતિ છીએ ને ભક્તના સુખને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ, પણ અમે ધામને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત છીએ ને આંહીં તો દીવો કરે ત્યારે અમારું દર્શન થાય છે પણ એ સર્વેને પ્રકાશના દાતા છીએ અને મહાપ્રલય થાય છે ત્યારે પણ અમે એક જ ભગવાન રહીએ છીએ. અને પ્રકૃતિપુરુષ દ્વારા એ અનંતકોટિ બ્રહ્માંડને અમે જ ઉપજાવીએ છીએ અને ગમે તેવો પાપી જીવ હોય તે અંતસમે અમારું સ્વામિનારાયણ એવું નામ-ઉચ્ચારણ કરે તો અમારા ધામને વિષે નિવાસ કરે એવો અમારો પ્રતાપ છે, એવો અમારો મહિમા જાણે તો શુદ્ધ આત્મારૂપ એટલે અમારા તેજરૂપ થઈને પરમપદ એટલે અમારા સાધર્મ્યપણાને પામે છે એમ કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની એ ચાર પ્રકારના ભક્ત કહ્યા તેમનાં લક્ષણ શાં હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજ વિના બીજા કોઈ પાસેથી દુઃખની નિવૃત્તિ ઇચ્છે નહિ તે આર્ત જાણવો. અને સ્ત્રી, ધન ને રાજ્યાદિકની ઇચ્છા હોય તે શ્રીજીમહારાજ વિના બીજા કોઈ દેવ પાસેથી ન ઇચ્છે તે અર્થાર્થી જાણવો. અને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિકની ઇચ્છા રાખે તેને જિજ્ઞાસુ જાણવો. તે જિજ્ઞાસુનું લક્ષણ (છે. પના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) કહ્યું છે અને પોતે અક્ષરધામરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાઈ રહે અને મૂર્તિ વિના બીજું કાંઈ પણ ઇચ્છે નહિ તેને જ્ઞાની ને નિષ્કામ જાણવો.
૨ પ્ર. શ્રીજી પાસેથી ઇચ્છે તેને સકામ કહ્યા, તો બીજા દેવ પાસેથી ઇચ્છે તેને કેવા જાણવા ?
૨ ઉ. શ્રીજીમહારાજ વિના બીજા કોઈ દેવ પાસેથી કાંઈ પણ ઇચ્છે તો તે સકામ ભક્ત પણ ન કહેવાય; તે તો ગુણબુદ્ધિવાળો પ્રાકૃત ને અજ્ઞાની ભક્ત કહેવાય અને એની ભક્તિ (મ. ૧૯/૨માં તથા છે. ૧૬માં ) વેશ્યાના જેવી કહી છે.
૩ પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) તીવ્ર વૈરાગ્ય, આત્મજ્ઞાન, ને ભક્તિનું માન આવે તેમાં મોટા ગુણ નથી આવતા એમ કહ્યું તે એવા રૂડા ગુણનું માન આવ્યાનું શું કારણ હશે ?
૩ ઉ. જેને શ્રીજીમહારાજનો મહિમા યથાર્થ ન સમજાણો હોય ને એમના ભક્તને વિષે દિવ્યભાવ ન આવ્યો હોય પણ પોતાને માયિક પદાર્થમાંથી વૈરાગ્ય થયો હોય તેને બીજા ભક્તને વિષે વૈરાગ્યમાં ખામી દેખીને માન આવે જે હું વૈરાગ્યવાન છું એવા બીજા નથી અને પોતાને આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું હોય પણ આત્માને વિષે સ્થિતિ ન થઈ હોય તેને બીજાને વિષે જ્ઞાન દેખવામાં ન આવે તેથી એમ જાણે જે, મારા જેવું જ્ઞાન બીજામાં નથી અને જે અતિશે માળા, માનસીપૂજા, ભજનસ્મરણ કરતો હોય તે આ ઠેકાણે ભક્તિ કહી છે તે ભક્તિ બીજાને વિષે ન દેખે તો એમ જાણે જે, મારા જેવી ભક્તિ બીજા કરતા નથી; હું સર્વથી ઝાઝી ભક્તિ કરું છું, એવી રીતે માન આવે, તે જો અતિશે મોટા સત્પુરુષની સેવા ને સમાગમે કરીને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજે તો માન ટળી જાય ને એને વિષે શ્રીજીમહારાજ પ્રસન્ન થઈને સાક્ષાત્ વિરાજમાન રહે એવા મોટા ગુણ આવે છે.
૪ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં, અતિશે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને અમે એને વશ વર્તતા હોઈએ તેનું માન આવે તે મોટી ખોટ્ય છે એમ કહ્યું તે ભક્તિ કઈ જાણવી ? અને શ્રીજીમહારાજ એને વશ કેવી રીતે વર્તતા હશે ? અને અંતર્દૃષ્ટિવાળાને માન કેવી રીતે આવતું હશે?
૪ ઉ. જે ભક્ત પ્રેમમગ્ન થઈને રોમાંચિત ગાત્ર ને ગદ્ગદ કંઠ થઈને, શ્રીજીમહારાજની માનસીપૂજા, ધ્યાન-ભજન કરે તેવી ભક્તિને આ ઠેકાણે પ્રેમલક્ષણા કહી છે અને એવા ભક્તના અંતરને વિષે શ્રીજીમહારાજ સર્વ ક્રિયામાં દર્શન આપતા હોય તે વશ વર્તે છે એમ જાણવું, પણ એને પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર નથી થયો તેથી સત્સંગ દિવ્ય જણાણો નથી, તેથી બીજાથી પોતાને સરસ માને છે તે માનરૂપ ખોટ્ય છે, અને સાક્ષાત્કારવાળાને તો માનનો સંભવ જ નથી અને અંતર્દૃષ્ટિવાળાને માન આવે છે એમ કહ્યું છે તે પણ ધ્યાને કરીને અંતરને વિષે મૂર્તિ દેખે છે પણ જીવાત્માને વિષે શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર નથી, માટે બીજા ધ્યાન ન કરતા હોય તેનાથી પોતાને સરસ માને, માટે એને લગારેક માન આવે છે એને પણ આત્માને વિષે સાક્ષાત્કાર થાય તો માન ન આવે.
૫ પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) અમારી ઉપાસનાને બળે કરીને સિદ્ધ, સર્વજ્ઞ ને દેવતા થાય છે તથા પરમપદને પામે છે તે કેવા થાય તે સિદ્ધ, સર્વજ્ઞ ને દેવતા કહેવાય, ને પરમપદને પામ્યા કહેવાય ?
૫ ઉ. પ્રકૃતિપુરુષના કાર્યમાં તથા બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિના ઐશ્વર્યમાં ક્યાંય મોહ પામે નહિ ને માયિક વિષય તથા અક્ષરાદિકનાં ઐશ્વર્ય તેને વિષે સમભાવ થઈ જાય તેને આ ઠેકાણે સિદ્ધ કહ્યા છે. અને એક ઠેકાણે રહ્યા થકા સર્વત્ર દેખે ને સર્વના અંતરને વિષે પ્રવેશ કરે અને સર્વના અંતરનું જાણે તેને સર્વજ્ઞ કહ્યા છે, અને મૂળઅક્ષરની પદવીને પામે તેને દેવતા કહ્યા છે, અને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહે તે પરમપદ કહ્યું છે.
૬ પ્ર. (૩/૪ પ્રશ્નમાં) જેટલી ઇષ્ટદેવને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું તેનો શો હેતુ હશે ?
૬ ઉ. (પ્ર. ૬૪/૧માં) શરીર-શરીરી ભેદ કહ્યો છે તેવી રીતે આ ઠેકાણે આત્મા-અનાત્મા એટલે શરીર-શરીરીભાવનો વિવેક સમજવાનું કહ્યું છે તે જે રામચંદ્રજીના ઉપાસક હોય તે રામચંદ્રજીને પરમાત્મા સમજે અને તેમનો પ્રકાશ તે આત્મા સમજાય અને પોતાને પણ એ તેજરૂપ સમજે, માટે તેમની ઉપાસનાને બળે એટલી જ આત્મનિષ્ઠા સિદ્ધ થાય અને તેમના તેજથી ને પોતાથી જે ઓરું રહ્યું તે સર્વ અનાત્મા સમજાય. અને તેમ જ મૂળપુરુષના ઉપાસક મૂળપુરુષને પરમાત્મા સમજે અને તેમના તેજને આત્મા સમજાય અને પોતાને એમના તેજરૂપ માને એટલી આત્મનિષ્ઠા પ્રાપ્ત થાય અને તેથી ઓરા જે પ્રધાનપુરુષાદિક તે સર્વ અનાત્મા સમજાય અને વાસુદેવબ્રહ્મની ઉપાસના મળી હોય તે તેમને પરમાત્મા સમજે અને તેમના તેજને આત્મા સમજીને તે રૂપ પોતાને માને એટલી આત્મનિષ્ઠા પ્રાપ્ત થાય અને તે બ્રહ્મથી ઓરા મૂળપુરુષાદિક સર્વને અનાત્મા સમજે. અને મૂળઅક્ષરના ઉપાસક મૂળઅક્ષરને પરમાત્મા સમજે અને તેના તેજને આત્મા સમજે ને તે આત્મારૂપ પોતાને સમજે અને વાસુદેવાદિક સર્વ અનાત્મા સમજાય. અને શ્રીજીમહારાજનો ઉપાસક શ્રીજીમહારાજની ઉપાસનાને બળે શ્રીજીમહારાજના તેજને આત્મા સમજે અને પોતાને એ આત્મારૂપ માને ત્યારે સંપૂર્ણ આત્મનિષ્ઠાની સિદ્ધિ થાય અને તેથી ઓરા મૂળઅક્ષરાદિક સર્વ અનાત્મા સમજાય, એવી રીતે જે જે ઇષ્ટદેવની ઉપાસના થાય તે તે ઇષ્ટદેવના તેજરૂપ પોતાને સમજે એટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય એમ સમજવું.
૭ પ્ર. (કા. ૭ના ૪/૫ ચોથા પ્રશ્નમાં, મ. ૧/૩માં, ૨૦/૧માં, વ. ૧૩ના બીજા પ્રશ્નમાં તથા અ. ૧ના પહેલા પ્રશ્નમાં) એમાં સિદ્ધદશા કહી તે કેવી જાણવી ?
૭ ઉ. (મ. ૧માં) સિદ્ધદશા કહી તે આમાં સિદ્ધ કહ્યા તેવી જાણવી અને (કા. ૭માં તથા અ. ૧માં તથા મ. ૨૦માં) કહી તે સરખી છે અને (વ. ૧૩માં) સિદ્ધદશા કહી તે આમાં સર્વજ્ઞ કહ્યા તેના જેવી જાણવી. આમાં પરમપદ સર્વથી અધિક છે.
૮ પ્ર. પ્રેમલક્ષણા ભક્તિ આવે તો સર્વે સાધન સંપૂર્ણ થાય એમ કહ્યું તે કેવી જાણવી ?
૮ ઉ. જગત સંબંધી સર્વે વિષય હરામ કરીને પાંચે પ્રકારે શ્રીજીમહારાજ સાથે જોડાણા હોય ને શ્રીજીમહારાજ વિના ક્ષણમાત્ર રહેવાય નહિ એવી પ્રેમલક્ષણા ભક્તિ આ ઠેકાણે કહી છે.
૯ પ્ર. સર્વ બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે પ્રગટ ભગવાન જે અમે તે અમે એક જ રહીએ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું તે પ્રલય તો મૂળપુરુષના કાર્યનો થાય છે એમ (પ્ર. ૧૨ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે અને મૂળપુરુષ ઈશ્વર તે વાસુદેવબ્રહ્મ ને સમીપે જઈને રહે છે એમ તમે એ જ વચનામૃતના (૩ત્રીજા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે. તેમ જોતાં તો ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ તથા મુક્તકોટિ એ સર્વે અચળ રહે છે, ને અમે એકલા જ રહીએ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવી રીતે સમજવું ?
૯ ઉ. અમે એક જ ભગવાન રહીએ છીએ એમ કહ્યું તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વે કાળે ભગવાન તો અમે એક જ છીએ પણ અમે જેની જેની પાસે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરાવીએ છીએ તે કોઈ ભગવાન નથી; ભગવાન તો અમે એક જ છીએ એમ કહ્યું છે, પણ અમારા વિના બીજું કાંઈ રહેતું નથી એમ કહ્યું હોય તો (પ્ર. ૩૭/૩ માં) પ્રલયકાળે અમે તથા અમારા મુક્ત સદા સાકાર રહીએ છીએ એમ કહ્યું છે અને આ ઠેકાણે મુક્તને પણ ગણ્યા નથી, માટે જો અમારા વિના બીજું કોઈ રહેતું નથી એમ કહ્યું હોય તો તો આ વચનામૃતમાં પોતાના મુક્તોને પોતાના ભેળા ગણવા જોઈએ, માટે અમે એક જ રહીએ છીએ એમ આ ઠેકાણે કહેવું નથી; આ ઠેકાણે તો પોતાનું ભગવાનપણું કહેવું છે જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયકાળે અમે એક જ ભગવાન છીએ પણ અમારા વિના બીજો કોઈ ભગવાન નથી એમ પોતાનું ભગવાનપણું તથા કર્તાપણું કહ્યું છે, અને મુક્તકોટિ, અક્ષરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂળપુરુષ ઈશ્વરકોટિ તે તો સદા અચળ રહે છે.
૧૦ પ્ર. પાપી જીવ અંતકાળે સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરે એટલામાં જ શ્રીજીમહારાજનો બ્રહ્મમહોલ જે અક્ષરધામ તેને પામે ત્યારે આજ્ઞા પાળે તેને શો વિશેષ છે ?
૧૦ ઉ. પાપી જીવને અંતકાળે શ્રીજીમહારાજનું નામ-ઉચ્ચારણ કરવાનું સૂઝે જ નહિ, પણ શ્રીજીમહારાજે ઉચ્છવ- સમૈયા કર્યા હોય તે તેના દેખ્યામાં આવેલા હોય તે એના અંત વખતે સાંભરી આવે કે તે વખતે સંત કે સત્સંગી આવી ચડ્યા હોય ને તેમણે ઉપદેશ કરીને શ્રીજીમહારાજનું નામ એના મુખ થકી ઉચ્ચારણ કરાવ્યું હોય તે જ વખતે તેનો દેહ પડે તો શ્રીજીમહારાજ પોતાના ધામમાં એ જીવને લઈ જાય, પણ એવો યોગ ક્વચિત્ બને પણ સર્વને એવો યોગ ન આવે, કેમ જે પાપી જીવ તો એમ જાણે જે હું પાપી છું તે મારું કલ્યાણ નહિ જ થાય એમ એની મતિમાં રહ્યું છે માટે તેનું કલ્યાણ ન થાય અને ભક્તની મતિમાં તો મારું કલ્યાણ થઈ જ રહ્યું છે એમ હોય માટે તેનું કલ્યાણ થાય, માટે કલ્યાણ તો શ્રીજીમહારાજના આશ્રયે કરીને જ થાય છે અને પ્રસન્નતા પણ શ્રીજીમહારાજની આજ્ઞા પાળવાથી જ થાય છે, માટે જે કોઈ સ્વામિનારાયણના નામ-ઉચ્ચારણથી પાપ બળી જાય એમ જાણીને આજ્ઞા લોપે તે તો મહાઅધમ, નાસ્તિક અને ચંડાળ છે ને એનું કલ્યાણ થાતું નથી ને એના સંગ કરનારનું પણ કલ્યાણ થાતું નથી.
૧૧ પ્ર. નરનારાયણના આપેલા અસ્ત્રે કરીને ધ્રુવજીએ યક્ષ માર્યા એમ કહ્યું તે નરનારાયણ કિયા જાણવા ? અને પ્રગટ નરનારાયણ કહ્યા તે કિયા જાણવા ?
૧૧ ઉ. ધ્રુવજીને મળ્યા તે નરનારાયણ જે બદરિકાશ્રમને વિષે દર્શન આપે છે તેમને કહ્યા છે અને પ્રગટ નરનારાયણ પોતાને કહ્યા છે.
૧૨ પ્ર. ધ્રુવ, નરનારાયણ, અસ્ત્ર તથા યક્ષના દૃષ્ટાંતનો સિદ્ધાંત શો હશે ?
૧૨ ઉ. ધ્રુવજીને ઠેકાણે ભક્ત જાણવા અને નરનારાયણને ઠેકાણે શ્રીજીમહારાજને જાણવા અને અસ્ત્રને ઠેકાણે શ્રીજીમહારાજનું જ્ઞાન જાણવું અને યક્ષને ઠેકાણે કામ-ક્રોધાદિક અંતઃશત્રુ જાણવા. તે શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય તો અંતઃશત્રુનો નાશ કરે એમ જાણવું. ।।૫૬।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૭
સંવત ૧૮૭૬ના ફાગણ સુદિ ૨ દ્વિતીયાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને પ્રશ્ન-ઉત્તર કરતાં આવડે તે એક એક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! મોક્ષનું અસાધારણ કારણ તે શું છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને ભગવાનનું માહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. (૧)
૨ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) ભગવાનને વિષે જે સ્નેહ તેનું શું રૂપ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ, અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય, માટે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું પણ વિચાર કરીને વારે વારે સ્થાપન-ઉત્થાપન કરવું નહિ ને મૂઢપણે ભગવાનને વિષે હેત કરવું ને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહિ, માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિષે હેત કરવું ને એ હેતને મૂઢપણાનું હેત કહીએ; અને ભગવાનનું માહાત્મ્ય જાણીને જે હેત થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું. (૨)
૩ પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) સત્સંગમાં રહેવાનો ખપ છે તોપણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે ? ને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે ? ત્યાં દૃષ્ટાંત છે : જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય, કાં જે મિત્ર કરતાં ભાઈનો સંબંધ અધિક છે, તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે, તોય પણ એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચઢતી નથી તો એને સત્સંગમાં પૂરું હેત નથી અને જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે, શા માટે જે જીવ તો અતિ સમર્થ છે, કેમ જે મન ને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે, માટે જે કરે તે થાય. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૫૭।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા સ્વરૂપનું જ્ઞાન ને અમારું માહાત્મ્ય એ બે મોક્ષના અસાધારણ હેતુ છે. (૧) બીજામાં દેહના સંબંધીમાં હેત છે તેવું અમારે વિષે હેત થાય તે હેત મૂઢપણાનું છે અને અમારો મહિમા જાણીને હેત કરે તે વિશેષ છે. (૨) ત્રીજામાં સત્સંગમાં હેત રાખે તો અયોગ્ય સ્વભાવ ટળી જાય છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં અમારું જ્ઞાન ને મહિમા મોક્ષના હેતુ છે એમ કહ્યું તે કેવી રીતે જાણવાં ?
૧ ઉ. સર્વ ક્રિયાના કર્તા થકા અકર્તા જાણવા ને સર્વના સંગી થકા અસંગી ને નિર્લેપ જાણવા, અને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય રૂપે દેખાતા હોય તોપણ જેવા અક્ષરધામમાં દિવ્ય છે તેવા દિવ્ય જાણવા તે શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન કહેવાય. આ જ્ઞાનનું રૂપ (કા. ૭ના ચોથા પ્રશ્નમાં) છે. અને મહિમાનું લક્ષણ (પ્ર. ૧૫ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યું છે.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં ગુણ વિચારીને સ્નેહ કરે તો અવગુણ દેખે ત્યારે હેત મટી જાય એમ કહ્યું અને (સા. ૨ના પહેલા પ્રશ્નમાં) ગુણે કરીને હેત થાય છે તે સદાય રહે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. આમાં દેહબુદ્ધિ સહિત હેત કહ્યું છે તે જ્યારે શ્રીજીમહારાજના મનુષ્યચરિત્ર દેખે અથવા સાંભળે ત્યારે અવગુણ આવે ને હેત મટી જાય અને (સા. ૨માં) શ્રીજીમહારાજનો દિવ્યભાવે સહિત મહિમા જાણીને હેત કર્યું હોય તે શ્રીજીમહારાજના મનુષ્યચરિત્ર જોઈને અથવા સાંભળીને પણ ન ટળે એમ કહ્યું છે. ।।૫૭।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૮
સંવત ૧૮૭૬ના ફાગણ સુદિ ૫ પંચમીને દિવસ સંધ્યા આરતીને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા ને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! જ્યારે ભજન-સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ-તમોગુણના વેગ આવે ત્યારે ભજન-સ્મરણનું સુખ આવતું નથી તે એ ગુણના વેગ કેમ ટળે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા-અનાત્માના વિચારે કરીને ટળી જાય છે ને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે ને જે રજોગુણ-તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે તે તો કોઈ પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે. (૧)
૨ પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, અતિશે જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે ને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય ને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય ને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. (૨)
૩ પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) શો ઉપાય કરે તો મોટાપુરુષ રાજી થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા એ સર્વેનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહે કરીને સર્વને નમતો રહે તો એને ઉપર મોટા સંત રાજી થાય છે. (૩)
૪ પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) હે મહારાજ ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય ને અતિશે જે મોટા હોય તેને જો અતિશે નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય અને જો મોટાપુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશે કામી થાય અને મોટાને વિષે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી-લોભી થાય ને જો મોટાપુરુષને અતિશે નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વે વિકારથી રહિત થઈ જાય ને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે, તેમ જેને સહેજે અભાવ રહે છે ને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. (૪) તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે ને એમ જાણે જે, એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું, એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે ને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે ને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૫૮।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કાર એ ત્રણ ગુણની પ્રવૃત્તિના હેતુ કહ્યા છે અને દેહને યોગે પ્રવર્ત્યા હોય તે ગુણ આત્મવિચારે કરીને ટળે છે અને કુસંગને યોગે પ્રવર્ત્યા હોય તે ગુણ સંતને સંગે કરીને ટળે છે. (૧) બીજામાં મોટાપુરુષના રાજીપાથી મલિન સંસ્કાર ટળે છે. (૨) ત્રીજામાં મોટાપુરુષની આગળ નિષ્કપટપણે વર્તે ને કામાદિક શત્રુનો ત્યાગ કરે ને તેનો ગુલામ થઈને રહે ને માન ટળે ભાવે, એટલે માન હોય તો ખરું પણ ઉપરથી દેખાવા દે નહિ એ રીતે રહે તો મોટાપુરુષ રાજી થાય. (૩) ચોથામાં મોટાપુરુષને નિર્દોષ જાણે તો સર્વે વિકારથી રહિત થઈને અમારો પાકો ભક્ત થાય. (૪) ને અમારા દાસનો ગુલામ થઈને રહે ને સર્વે ભક્તથી પોતાને ન્યૂન માને એ પાકા ભક્તનું લક્ષણ છે અને તેના શુભ ગુણ વૃદ્ધિ પામે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૫) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં સંત, મોટા સંત ને અતિશે મોટા સંત કહ્યા તે કોને જાણવા ?
૧ ઉ. (વ. ૩ના ત્રીજા પ્રશ્નમાં) વીજળી જેવા કહ્યા છે તે સંત જાણવા અને સિદ્ધદશાવાળા મુક્તોને મોટા તથા અતિશે મોટા સંત જાણવા.
૨ પ્ર. રાંક તથા રાજા કહ્યા તે કોને જાણવા ?
૨ ઉ. કાળ-કર્મ-માયાને આધીન હોય તેને રાંક જાણવા અને કાળ-કર્મ-માયાથી રહિત થઈને સ્વતંત્ર થાય તેને રાજા જાણવા.
૩ પ્ર. ભૂંડા તથા રૂડાં પ્રારબ્ધ કહ્યાં તે કિયાં જાણવાં ?
૩ ઉ. પૂર્વે અતિશે ભૂંડા દેશ, કાળ, સંગાદિકે કરીને અતિશે મલિન કર્મ થઈ ગયાં હોય તે કર્મને ભૂંડાં પ્રારબ્ધ જાણવાં. અને સર્વે કર્મથી ને વાસનાથી રહિત થવાય ને મોટાપુરુષ રાજી થાય એવી ક્રિયા કરી હોય તે રૂડાં પ્રારબ્ધ જાણવાં.
૪ પ્ર. વિઘ્ન તે શું જાણવું ? અને સ્વરૂપ તે શું જાણવું ?
૪ ઉ. કલ્યાણના માર્ગથી પાડે એવા ક્રોધ-માનાદિક દોષ હોય તથા જેમ ભરતજીને મૃગલા સાથે હેત થયું એવો સંગ થઈ જાય તથા કોઈક સત્સંગથી વિમુખ થનારો હોય તેની સાથે હેત થઈ જાય તો તેના ભેળા વિમુખ થઈને સત્સંગથી બહાર જવું પડે એવું હોય તથા જે પંચવર્તમાન પાળતા ન હોય તેને મુક્ત જાણીને તેની સાથે હેત થઈ જાય તથા કોઈ મોટાપુરુષનો દ્રોહ થાય એવી ક્રિયા થઈ જાય, એવાં ઘણાંક વિઘ્ન છે તે મોટાપુરુષ સાથે જીવ જોડ્યો હોય તો એ વિઘ્ન આવવા દે નહીં. અને સ્વરૂપ તે શ્રીજીમહારાજની મૂર્તિ જાણવી પણ સ્વરૂપ તથા મૂર્તિ જુદી ન જાણવી, જેમ લીંબડાનો વૃક્ષ કહીએ તે લીંબડો ને વૃક્ષ જુદાં નથી, તેમ ભગવાનનું સ્વરૂપ કહીએ અથવા ભગવાનની મૂર્તિ કહીએ અથવા ભગવાનનું અંગ કહીએ તે ભગવાનની મૂર્તિ કે સ્વરૂપ કે અંગ તે જુદાં ન સમજવાં; મૂર્તિ કહે તોય ભગવાન સમજવા અને સ્વરૂપ કહે તોય ભગવાન સમજવા અને ભગવાનનું અંગ કહે તોય ભગવાન સમજવા.
૫ પ્ર. ત્રીજા પ્રશ્નમાં કામ-માનાદિક સર્વે વિકારનો ત્યાગ કરે તો જ મોટાપુરુષ રાજી થાય એમ કહ્યું અને ઉપર બીજા પ્રશ્નમાં મોટાપુરુષનો રાજીપો થાય તો જ મલિન સંસ્કાર નાશ પામે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૫ ઉ. સ્થૂળ દેહે કરીને કામાદિક વિકારને વિષે પ્રવર્તે નહિ તે ત્યાગ કહ્યો છે, માટે સ્થૂળ દેહે કામાદિક વિકારનું કહ્યું ન કરે તેના ઉપર મોટાપુરુષ રાજી થાય અને મોટાપુરુષનો રાજીપો થાય ત્યારે એના જીવમાંથી કામાદિક સર્વે વિકારમાત્રનો નાશ થઈ જાય. ।।૫૮।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૫૯
સંવત ૧૮૭૬ના ફાગણ સુદિ ૧૪ ચતુર્દશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું ને લલાટને વિષે ચંદનની અર્ચા વિરાજમાન હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રશ્ન-ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, આ મુને મળ્યા છે તે નિશ્ચે જ ભગવાન છે તથા આસ્તિકપણું હોય તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે, આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરુષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવીશ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કર્તા જાણે નહિ; એક ભગવાન પુરુષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે, એવી રીતની સમજણ સોતો જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય તે જ પરમેશ્વરને વિષે અસાધારણ સ્નેહનું કારણ છે. (૧)
૨ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિષે અસાધારણ હેત છે પણ એ જાણતો નથી, જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈકના જણાવ્યા વિના જણાણું નહીં. અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા નહોતા પછી જ્યારે તપાસીને જોયું ત્યારે જાણ્યું તેવી રીતે એ ભક્તને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી. (૨)
૩ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) એ પ્રીતિનું બળ જણાયાનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સત્સંગ ને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે. (૩)
૪ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) દેશ, કાળ ને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વે ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે પણ અતિશે જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારાં થઈ જાય છે; ને અતિશે ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ, સારી ક્રિયા, ને સારો કાળ હોય તે પણ ભૂંડાં થઈ જાય છે. માટે શુભ ને અશુભ એવાં જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે તે પુરુષ જો અતિશે સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઊતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે, એવી રીતે શુભ-અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ ને અશુભ એ બે પ્રકારના પુરુષ છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૫૯।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો નિશ્ચય, વિશ્વાસ ને આસ્તિકપણું હોય ને અમને સર્વ કર્તા જાણે તો અમારે વિષે અસાધારણ સ્નેહ થાય છે. (૧) બીજામાં અમારો મહિમા જાણે છે તેને અમારે વિષે પ્રીતિ છે. (૨) ત્રીજામાં સત્સંગ ને સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે પ્રીતિ જણાયાનું કારણ છે. (૩) ચોથામાં શુભ-અશુભ દેશકાળાદિકના હેતુ શુભ ને અશુભ બે પ્રકારના પુરુષ છે. (૪) બાબતો છે. (આ દેશકાળનું રૂપ પ્ર. ૨૯ના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યું છે.)
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે નિશ્ચય કહ્યો તે પ્રત્યક્ષ કેવી રીતે સમજવા ?
૧ ઉ. શ્રીજીમહારાજે સંકલ્પ કર્યો જે, અમને મનુષ્ય જેવા દેખો, ત્યારે મનુષ્ય રૂપે દેખાયા અને પછી સંકલ્પ કર્યો જે, અમને પ્રતિમા રૂપે દેખો, માટે આજ પ્રતિમા રૂપે પ્રત્યક્ષ છે.
૨ પ્ર. પ્રતિમા રૂપે પ્રત્યક્ષ કહીએ ત્યારે તો સર્વે અવતારોની પ્રતિમાઓ છે તેને પરોક્ષ કેમ કહે છે ?
૨ ઉ. પ્રગટ થવે કરીને અને અંતર્ધ્યાન થવે કરીને પ્રત્યક્ષ ને પરોક્ષ કહેતા નથી; પ્રત્યક્ષ તો ઉપરીને કહે છે અને જે એના નીચે હોય તેને પરોક્ષ કહે છે, જેમ પરશુરામનું ઐશ્વર્ય રામચંદ્રજીએ લઈ લીધું ત્યારે પરશુરામ પરોક્ષ કહેવાયા અને રામચંદ્રજી પ્રત્યક્ષ કહેવાયા, માટે જે બીજાનું ઐશ્વર્ય ઢાંકીને વર્તે તે પ્રત્યક્ષ કહેવાય. અને જેનું ઐશ્વર્ય ઢંકાઈ જાય તે પરોક્ષ કહેવાય તે જેમ વ્યાપકાનંદ સ્વામીને તથા અભય રાજા આદિકને પોતાની મૂર્તિમાં સર્વ અવતાર લીન કરી દેખાડ્યા એમ પોતાનું અલૌકિક ઐશ્વર્ય-પ્રતાપ જણાવીને પોતાનું સર્વોપરીપણું જણાવ્યું છે, માટે શ્રીજીમહારાજ સદા પ્રત્યક્ષ છે પણ આગળ તે પરોક્ષ ને પછીથી આવે તે પ્રત્યક્ષ એમ ન સમજવું. સર્વોપરી હોય તે જ પ્રત્યક્ષ કહેવાય. ને પરતંત્ર હોય તે આગળથી આવે અથવા પાછળથી આવે તોપણ તે પરોક્ષ કહેવાય, માટે શ્રીજીમહારાજ સર્વના ઉપરી છે તેમની પ્રતિમાને સાક્ષાત્ પ્રત્યક્ષ જાણીને દિવ્યભાવ લાવીને નિશ્ચય કરવો તો મોક્ષ થાય.
૩ પ્ર. ત્રીજા પ્રશ્નમાં સત્શાસ્ત્ર કહ્યાં તે કિયાં જાણવાં ?
૩ ઉ. પ્રત્યક્ષ ભગવાન તથા એમના મુક્તનું સાકારપણું પ્રતિપાદન કરેલું હોય ને એમના ચરિત્રનું તથા એમણે કહેલા ધર્મનું જેમાં વર્ણન હોય તે સત્શાસ્ત્ર જાણવાં. અને એ શાસ્ત્રને વાંચવા-સાંભળવાથી શ્રીજીમહારાજને વિષે પ્રીતિ થાય છે ને તે પ્રીતિનું બળ જણાઈ આવે છે. ।।૫૯।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૦
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૧ પ્રતિપદાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને તે પાઘને વિષે ધોળાં પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળાં પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિક્તિ છે જે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેને વિષે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જે, મારે જેટલી ભગવાનને વિષે વાસના છે, તેટલી જ જગતને વિષે છે કે ઓછી-વધુ છે ? તેની પરીક્ષા કરવી ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે, ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે. એવી જ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો, અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચવિષયને વિષે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખાં લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે, તેમ જ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યૌવન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે, તેમ જ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય, ત્યારે જાણીએ જે વાસના જિતાણી, અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે, અને વાસના જરાકે રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી-પ્રાણ તણાતાં હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે, માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) વાસના ટળ્યાનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો આત્મનિષ્ઠાની દૃઢતા જોઈએ અને બીજું પંચવિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશે માહાત્મ્ય જાણ્યું જોઈએ જે, ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે, માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું ? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે જે, ભગવાનને ભજતાં થકાં પણ જો કાંઈક ખોટ્ય રહી જાશે ને કદાપિ જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટિ ગણાં વધુ સુખ છે, એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થાવું. અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યાર પછી એમ જણાય છે જે, મારે કોઈ કાળે વાસના હતી જ નહિ અને એ તો મુંને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું પણ હું તો સદા વાસનાએ રહિત છું એવું ભાસે છે. (૨) અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી વાત કહેવા જાય તો કહેતાં પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૬૦।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે વાસના ટાળે તેને એકાંતિક ભક્ત કહ્યો છે. (૧) બીજામાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને માહાત્મ્ય એ ત્રણ વાસના ટાળવાના ઉપાય કહ્યા છે. (૨) અને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિક ધર્મ પમાય છે એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં વાસના ટાળવી તે સર્વેથી મોટું સાધન કહ્યું તે વાસનાનું શું રૂપ હશે ?
૧ ઉ. આમાં માયિક વિષયમાં પ્રીતિ રહે તેને વાસના કહી છે તે વાસનાને (પ્ર. ૧૧ના પહેલા પ્રશ્નમાં, ૩૮ના પહેલા પ્રશ્નમાં, ૭૮ના તેવીશમા પ્રશ્નમાં, લો. ૧૬ના બીજા પ્રશ્નમાં, મ. ૨૫ના પહેલા પ્રશ્નમાં, તથા ૪૭/૨માં) માયિક પંચવિષયમાં આસક્તિરૂપ વાસના કહી છે. અને (પ્ર. ૫૮ના ચોથા પ્રશ્નમાં, કા. ૧૨ના ત્રીજા પ્રશ્નમાં તથા મ. ૭ના બીજા પ્રશ્નમાં) વિકાર નામે કહી છે, અને (છે. ૧૮ના બીજા પ્રશ્નમાં) પૂર્વકર્મરૂપ વાસના કહી છે, તથા (૨૦ના પહેલા પ્રશ્નમાં) પૂર્વકર્મ ને સ્વભાવ-પ્રકૃતિ ને વાસના એ ત્રણ નામે કહેલ છે. અને (છે. ૧૪ના પહેલા પ્રશ્નમાં તથા ૩૮ના બીજા પ્રશ્નમાં) સ્ત્રીના રાગ સંબંધી કામરૂપી વાસના કહી છે અને (પ્ર. ૭૩ના ત્રીજા પ્રશ્નમાં) બ્રહ્મચર્યમાં કસરરૂપી વાસના કહી છે.
૨ પ્ર. એ વાસના ટાળવાનો ઉપાય શો હશે ?
૨ ઉ. (પ્ર. ૩૮ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજનાં ચરિત્ર સંભારવાં, ને મુક્તોનો સમાગમ કરવો, એ બે ઉપાય બતાવ્યા છે અને (૫૮ના ચોથા પ્રશ્નમાં) મોટાપુરુષના એટલે મુક્તના સમાગમથી ને તેમના રાજીપાથી ટળે છે એમ કહ્યું છે અને (૭૩ના ૫/૮ પાંચમા પ્રશ્નમાં) આત્મનિષ્ઠા અને શ્રીજીમહારાજની મૂર્તિનું યથાર્થ જ્ઞાન, વૈરાગ્ય ને શ્રીજીમહારાજને ને મુક્તને નિર્લેપ જાણીને તેમને મન અર્પે તો ઊર્ધ્વરેતા થવાય અને સર્વ વિકારમાત્ર ટળી જાય એ ઉપાય બતાવ્યો છે અને (સા. ૫ના પહેલા પ્રશ્નમાં) શ્રદ્ધા તથા શ્રીજીમહારાજના ને એમના ભક્તના એટલે મુક્તના વચનમાં વિશ્વાસ તથા શ્રીજીમહારાજમાં પ્રીતિ તથા માહાત્મ્ય એ ચાર સાધને કરીને વાસના નિવૃત્તિ થઈ જાય એમ કહ્યું છે; અને (કા. ૧૨ના ત્રીજા પ્રશ્નમાં) વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત શ્રીજીમહારાજની વાત સાંભળવી એ ઉપાય બતાવ્યો છે. અને (લો. ૧૬ના બીજા પ્રશ્નમાં) આત્મનિષ્ઠા, વૈરાગ્ય, બ્રહ્મચર્યાદિક ધર્મ ને માહાત્મ્યે સહિત ભક્તિ એ ચાર ઉપાય બતાવ્યા છે અને (મ. ૭ના બીજા પ્રશ્નમાં) અતિશે મોટા સંતની સેવા કરવી તે ઉપાય બતાવ્યો છે. અને (૨૫ના બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની ને એમના સંતની સેવા એ ઉપાય બતાવ્યો છે. અને (૪૭/૨માં) સંતના સમાગમરૂપ ઉપાય બતાવ્યો છે અને (છે. ૧૪ના ૨/૩ બીજા પ્રશ્નમાં) પવિત્ર દેશ, કાળ, ક્રિયા ને સંગ એ ચાર ઉપાય બતાવ્યા છે. અને (૧૮ના ત્રીજા પ્રશ્નમાં) સત્પુરુષના સંગરૂપી ઉપાય બતાવ્યો છે આમાં સંતનો એટલે મુક્તનો સમાગમ મન-કર્મ-વચને નિષ્કપટપણે કરવો તે સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે.
૩ પ્ર. બીજા પ્રશ્નમાં આત્મનિષ્ઠા કહી તે કેવી જાણવી ?
૩ ઉ. ત્રણ દેહથી નોખો પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવો એ આત્મનિષ્ઠા આ ઠેકાણે કહી છે.
૪ પ્ર. પંચવિષયનું તુચ્છપણું જાણ્યાનો શો ઉપાય હશે ?
૪ ઉ. (પ્ર. ૧૫ના પહેલા પ્રશ્નમાં) મહિમા કહ્યો છે એવો શ્રીજીમહારાજનો મહિમા જાણે ત્યારે શ્રીજીમહારાજનું સુખ સર્વથી અધિક જણાય ત્યારે માયિક વિષય તુચ્છ થઈ જાય છે. ।।૬૦।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૧
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) કામ, ક્રોધ, લોભ, તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હું દેહ નહિ; હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું, એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશે દૃઢ થાય, ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહિ ને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તોપણ ધીરજ રહે નહીં. (૧)
૨ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) આત્મનિષ્ઠા હોય તે અંત સમે કેટલીક સહાય કરે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતાં આવડતું હોય તે તરી જાય ને જેને તરતાં ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે, તેમ ટાઢ-તડકો, ભૂખ-તરસ, માન-અપમાન, સુખ-દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય પણ મૃત્યુ સમો તો સમુદ્ર જેવો છે માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે, માટે અંતકાળે તો ભગવાનનો દૃઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંત સમે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી, તે સારુ ભગવાનની ઉપાસનાને દૃઢ કરીને રાખવી. (૨)
૩ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે ને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારુ ભગવાન જ પ્રેરે છે જે, એને હું ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે ? એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે, પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઇચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે, જેમ વામનજીએ બળિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદલોકનાં બે પગલાં કર્યાં અને ત્રીજા પગલા સારુ તે બળિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સોતા ભગવાનને સર્વસ્વ આપ્યું તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો, તોપણ ભક્તિ થકી પડ્યો નહિ ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળિના બંધનમાં આવતા હવા અને ભગવાને તો બળિરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાણા છે તે આજ દિવસ સુધી પણ અખંડ બળિને દરવાજે ઊભા છે અને બળિરાજાની દૃષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે થાતા નથી, એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને ને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને, ભગવાનના દાસ થઈ રહેશું અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જાશે, શા માટે જે પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે તે જેની પોતાને વિષે અતિ દૃઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે પછી છૂટવાને સમર્થ થાતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ભગવાન જેમ જેમ મુને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થાશે અને પળમાત્ર મુજથી છેટે નહિ રહે, એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થાવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહીં. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૬૧।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં આત્મનિષ્ઠા દૃઢ થાય તો ધીરજ ડગે નહીં. (૧) બીજામાં અંતસમે તો અમારી ઉપાસના જ કામ આવે છે. (૨) ત્રીજામાં પાકા ભક્તને જ સિદ્ધિઓ આવે છે તેમાં ન લોભાય; અમે કસણી દઈએ તો રાજી થાય તેને અમે વશ થઈએ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. ત્રીજા પ્રશ્નમાં સિદ્ધિઓ કહી તે શી સમજવી ? અને (પ્ર. ૨૧/૯માં) સિદ્ધિઓ કહી તે શી જાણવી ?
૧ ઉ. આમાં યોગમાર્ગે કરીને શ્રીજીમહારાજનું ધ્યાન કરતાં અણિમાદિક સિદ્ધિઓ દેખાય તથા બીજાના અંતરનું જાણે, એવું સર્વજ્ઞપણું આવે તથા વચનસિદ્ધિ પ્રાપ્ત થાય એવાં અનંત ઐશ્વર્ય આવે તથા આ લોકમાં પૂજા-પ્રતિષ્ઠા થાય એવાં ઐશ્વર્ય આવે તે સર્વે સિદ્ધિઓ કહેવાય તેમાં પણ ન લેવાય તે પરિપક્વ નિશ્ચયવાળો કહેવાય. અને (પ્ર. ૨૧માં) જેને માયિક વાસના યથાર્થ ટળી ન હોય તેને દેહ મૂકીને ધામમાં જાતાં અણિમાદિક સિદ્ધિઓ દેખાય તો તેમાં લોભાઈ જાય એમ કહ્યું છે.
૨ પ્ર. ભગવાન વધુ કસણી દે તો વધુ વશ થાય એમ કહ્યું તે કસણી શું દેતા હશે ? અને વધુ વશ કેવી રીતે થાતા હશે ?
૨ ઉ. ત્યાગી હોય તેને દેહમાં દીર્ઘરોગ આવી પડે ને કોઈ સેવા ન કરે ને ઔષધ કે ખાવાની વસ્તુ કાંઈ ન મળે, તોપણ રાજી રહે ને શ્રીજીમહારાજ મારું સારું જ કરે છે એમ સમજે પણ એ દુઃખ ટળે એવો સંકલ્પ પણ ન કરે. અને શ્રીજીમહારાજને વિષે પ્રીતિ અતિશે વૃદ્ધિ પમાડતો જાય પણ દુઃખે કરીને લેશમાત્ર ખેદ પામે નહિ, એવી કસણીમાં રાજી રહે તો એને શ્રીજીમહારાજ સદાય સંભારે ને એની દૃષ્ટિથી પળમાત્ર છેટે રહે નહિ તે વશ થયા કહેવાય. અને ગૃહસ્થ હોય તેને સત્સંગ નિમિત્ત નાતીલા નાતબહાર મૂકે ને છોકરાં પરણ્યા વિના રહે અને શ્રીજીમહારાજ ધન-સમૃદ્ધિનો ને સ્ત્રી-પુત્રાદિકનો નાશ કરે ને રોગાદિક આપદા મૂકે ને શ્રીજીમહારાજ દર્શન આપીને કહે જે, તારે દુઃખ ટાળવું હોય તો અમે ટાળીએ પણ એ ભક્ત મારું દુઃખ ટાળો એમ ન કહે અને કોઈ દિવસ દુઃખ મટવાનો સંકલ્પ પણ ન કરે તો એ ભક્તને શ્રીજીમહારાજ સદાય સંભારે ને એની દૃષ્ટિથી પળમાત્ર છેટે રહે નહિ એ વશ થયા કહેવાય. ।।૬૧।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૨
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે ।। सत्यं शोचं दया क्षान्ति ।। ઇત્યાદિક જે ઓગણચાળીસ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે એ ગુણ સંતને વિષે કેઈ રીતે આવે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે ને એ સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે અને એ સર્વને કર્તા થકા પણ નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે આ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહિ તે ગમે તેવાં તરેહ તરેહનાં શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહિ એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય, માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે, તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે, પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે ને જે ચહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશે સમર્થ થાય છે ને નિર્બંધ થાય છે. (૧)
૨ પછી વળી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષ્યા તો દિવસે દિવસે વધતી જાય છે તેનું શું કારણ હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડીયો વછનાગ લાવીએ અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વને ભગવાનના થાળમાં ધરીએ તોપણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહિ, તેમ જે જીવ આસુરી ને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહિ, પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય, શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઇચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણાવે છે, માટે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે. ત્યારે તે અપમાનના કરનારાનું અતિશે ભૂંડું થઈ જાય છે, જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો પણ તેણે જો પ્રહ્લાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાંખ્યો, એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશે ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહિ, કાં જે ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે, એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુબવો નહિ, અને જો અહંકારને વશ થઈને જેને તેને દુભવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ, પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે, તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશમાત્ર અભિમાન રાખવું નહિ અને એક કીડી જેવા જીવને દુભવવો નહિ એ જ નિર્માની સાધુનો ધર્મ છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૬૨।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને સર્વેથી જુદા અને સર્વેના નિયંતા ને સર્વેના કર્તા થકા નિર્લેપ જાણીને કોઈ રીતે ન ડગે એવો અમારો નિશ્ચય થાય તેને વિષે અમારા કલ્યાણકારી ગુણ આવે છે, પછી તે ભક્ત અમારા જેવો સમર્થ ને નિર્બંધ થાય છે. (૧) બીજામાં આસુરી ને અતિ કુપાત્ર જીવ હોય તે સ્વભાવને મૂકે નહિ ને અમારો ને અમારા ભક્તનો દ્રોહ કરે ને અમારા ગરીબ ભક્તનું અપમાન કરે તેથી અમે દુઃખાઈએ ને એનું ભૂંડું થાય. અને સાધુને લેશમાત્ર માન રાખવું નહીં. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં અમારે વિષે કલ્યાણકારી ગુણ રહ્યા છે એમ કહ્યું તે કિયા સમજવા ?
૧ ઉ. સત્ય = સર્વે જીવ-પ્રાણીમાત્રને માયાના બંધનથી રહિત કરીને બ્રહ્મભાવને પમાડવારૂપી હિત છે જેમને વિષે તથા પોતાના મુક્તો દ્વારે એવું હિત કરાવવાપણું તથા સત્ય જે બ્રહ્મ તેનું કારણપણું (૧), શૌચ = પોતાનું ધ્યાન કરનારા ભક્તોનું માયારૂપી વગળ ટાળીને પોતા જેવા નિર્દોષ કરવાપણું (૨), દયા = ભવાબ્ધિમાં ડૂબેલા એવા જીવોનાં જન્મમરણ ને યમયાતનાદિક દુઃખને ટાળીને પોતાનું સુખ આપવાપણું (૩), ક્ષાંતિ = આસુરી જીવોએ કરેલા અનેક ઉપદ્રવોનું સહન કરવાપણું તથા પોતાને મન અર્પનારા એવા પોતાના આશ્રિતજનો તેમને ક્રોધ થવાનું નિમિત્ત છતાં પણ ચિત્તમાં ક્રોધ ઉત્પન્ન ન થવા દેવાપણું (૪), ત્યાગ = મોક્ષાર્થી જનના અપરાધને ન ગણીને, પોતાની મૂર્તિના સુખને આપવાપણું (૫), સંતોષ = નિજાશ્રિતને પોતાને સુખે સુખી કરવાથી પોતાને પરિપૂર્ણ માનવાપણું (૬), આર્જવ = બહારની તથા અંદરની એકતારૂપી સ્વભાવની સરળતા, અથવા પોતાના આશ્રિતના રજ-તમાદિક દોષ ટાળીને મન-વાણી આદિકે કરીને કોઈને દુઃખનો ઉદ્ભવ ન થવા દેવાપણું તથા સત્પુરુષ દ્વારે પણ તેવી રીતે કરાવવાપણું (૭), શમ = યોગાદિક પ્રયાસ વિના પણ પોતાના ધ્યાનથી ભક્તના મનને વશ કરાવવાપણું (૮), દમ = પોતે કહેલી ધર્મ-મર્યાદામાં વર્તાવવાથી ભક્તની ઇન્દ્રિયોનું નિગ્રહ કરવાપણું (૯), તપ = જીવોના મોક્ષને અર્થે પૃથ્વી ઉપર વિચરીને અનેક જનોના અપમાનાદિકનું તથા અનેક પ્રકારના કષ્ટનું સહન કરવાપણું અથવા વન વિચરણાદિક (૧૦), સામ્ય = અનવધિકાતિશય જે પોતાનું સુખ તેને વિષે પોતાના ધ્યાનનિષ્ઠ ભક્તોને નિમગ્ન કરવાથી સારા-નરસા વિષયને વિષે સમભાવ પમાડવાપણું (૧૧), તિતિક્ષા = પોતાના આશ્રિતને પોતાને સંબંધે કરીને કોઈના અપરાધને ન ગણે એવા કરવાપણું (૧૨), ઉપરતિ = પોતાના આશ્રિતને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ છતાં પણ રાગે રહિત કરવાપણું (૧૩), શ્રુત = પોતાને વિષે નિષ્ઠાવાળા ભક્તને શાસ્ત્રના અર્થને યથાર્થ જાણી શકે એવી શક્તિ દેવાપણું (૧૪), જ્ઞાન = પોતાના આશ્રિતોને જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર તથા મુક્ત એ સર્વેનું નિયંતા એવું જે પોતાનું સ્વરૂપ તેનું યથાર્થપણે જણાવવાપણું (૧૫), વિરક્તિ = પોતાના આશ્રિતોને પોતાની મૂર્તિનું સુખ આપીને વાસનાએ રહિત કરવાપણું (૧૬), ઐશ્વર્ય = સર્વેનું નિયંતાપણું (૧૭), શૌર્ય = મહાપાપીને પણ ભક્ત બનાવી દેવાપણું તથા પોતાના આશ્રિતોને નાના પ્રકારના સ્વભાવ તથા કામ-ક્રોધાદિક શત્રુને જીતવામાં સામર્થી આપવાપણું (૧૮), તેજ = કોઈથી પરાભવ ન પામવાપણું અથવા પોતાના આશ્રિતોને કાળ-માયાદિકથી પરાભવ ન પામવા દેવાપણું (૧૯), બળ = અનેક જનને સમાધિ કરાવીને નાડી-પ્રાણનું આકર્ષણ કરવાપણું તથા પોતાના આશ્રિતોને પ્રાણને નિયમમાં કરાવવાનું સામર્થ્ય આપવાપણું (૨૦), સ્મૃતિ = પોતાના અક્ષરધામથી જે કર્તવ્યને અર્થે પોતે પૃથ્વીને વિષે પ્રગટ થયેલા તે કર્તવ્યનું અનુસંધાનપણું તથા પોતાના આશ્રિતોને તે અનુસંધાન કરાવવાપણું (૨૧), સ્વાતંત્ર્ય = સર્વોપરીપણું જે સર્વનું નિયંતાપણું અને પોતાના આશ્રિતોને કાળ-માયાદિકના ભયે રહિત કરીને પોતાનું સાધર્મ્યપણું પમાડીને સ્વતંત્ર કરવાપણું (૨૨), કૌશલ = આત્યંતિક મોક્ષ કરવારૂપ ક્રિયામાં નિપુણપણું, કોઈ પણ પ્રકારે ગમે તેવા જીવને પોતાના સન્મુખ કરી આકર્ષી લેવાની કુશળતા તથા પોતે કહેલા નિયમ પરાયણ એવા જે જન તેમને અનેક જીવના મોક્ષ કરવારૂપી ક્રિયાનું સામર્થ્ય દાતાપણું (૨૩), કાન્તિ = બ્રહ્મકોટિ, અક્ષરકોટિ, તથા મુક્તકોટિ તે સર્વેથી અતિશે પ્રકાશમાનપણું - વા તે સર્વને પ્રકાશ દેવાપણું (૨૪), ધૈર્ય = પોતાના આશ્રિતોને ઇન્દ્રિયો-અંતઃકરણને જીતવારૂપી ધીરજ આપવાપણું તથા પોતાના ધ્યાનનિષ્ઠ ભક્તોને સાક્ષાત્કાર થવા પર્યંત ધ્યાનમાં એકાગ્રતા, આગ્રહ તથા ઉત્સાહ ટકાવી રાખવારૂપી ધીરજ આપવાપણું (૨૫), માર્દવ = ભક્તોનાં દુઃખ ન જોઈ શકવાપણું તથા પોતાનું ધ્યાન કરનારા ભક્તોના ચિત્તને કોમળ કરવાપણું (૨૬), પ્રાગલ્ભ્ય = પોતાના ભક્તોને પોતાની મૂર્તિનું નવીન નવીન સુખનું અનુભવ કરવારૂપી જ્ઞાનનું દેવાપણું તથા વિદ્વત્સભામાં શાસ્ત્રાર્થ કરી પ્રતિપક્ષીઓને પરાસ્ત કરી સ્વમત સ્થાપન કરવાપણું (૨૭), પ્રશ્રય = પોતાના ભક્તોને સત્પુરુષ આગળ દાસપણું રહે એવી બુદ્ધિ દેવાપણું (૨૮), શીલ = પોતાના આશ્રિતોને બ્રહ્મચર્યવ્રત દૃઢ કરાવવાપણું (૨૯), સહ = પોતાના ભક્તોની પ્રાણવૃત્તિઓનું સ્વાભાવિક પોતાની મૂર્તિમાં આકર્ષણ કરવાપણું (૩૦), ઓજ = પોતાના ભક્તોની જ્ઞાનઇન્દ્રિયો તથા કર્મઇન્દ્રિયોને જીતવામાં સામર્થ્ય દેવાપણું તથા દેહે કરીને સુખ-દુઃખાદિકને સહન કરવાની સત્તા આપવાપણું (૩૧), બળ = જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ તથા મુક્તકોટિ તે સર્વેને પોતાને તેજરૂપ શક્તિ દ્વારે ધારવાપણું તથા તે સર્વને ધારણ કરવાની શક્તિને આપવાપણું (૩૨), ભગ = પોતાના મુક્તોને આત્યંતિક કલ્યાણ કરવાનું સામર્થ્ય આપવાપણું તથા મૂળઅક્ષર તથા મૂળપુરુષાદિક સર્વે અવતારોને ઉત્પત્ત્યાદિક કરવાનું ઐશ્વર્ય આપવાપણું (૩૩), ગાંભીર્ય = થોડી વાતમાં રાજી-કુરાજી ન થવારૂપ સાગરહૃદયપણું તથા મૂળપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષરાદિક તે કોઈએ પોતાનો અભિપ્રાય ન જાણી શકવાપણું તથા પોતાની સમીપે રહેનારા નિષ્કામ મુક્તો તેમણે પણ યથાર્થ અભિપ્રાય ન જાણી શકવાપણું તથા પોતાના આશ્રિતોને કોઈ વિકારે કરીને ક્ષોભ ન પામવા દેવાપણું (૩૪), સ્થૈર્ય = પોતાની મૂર્તિને પામેલા ભક્તોને પોતાના સુખથી ચળાયમાન નહિ થવા દેવાપણું (૩૫), આસ્તિક્ય = પોતાના ભક્તોને પોતાની સર્વોપરી ઉપાસનાના બળ વડે પોતા સિવાય બીજે ક્યાંય આસ્તા નહિ આવવા દેવાપણું (૩૬), કીર્તિ = ઘોર કલિયુગમાં એકાંતિક ધર્મસ્થાપન કરી મોક્ષદાનરૂપી અપૂર્વ કીર્તિ ફેલાવવાપણું અને પોતાની આજ્ઞા પાળીને ધર્મને દૃઢ કરનારા એવા જે ભક્તો તેમની કીર્તિનું વધારવાપણું (૩૭), માન = પોતાની સર્વોપરી ઉપાસના તથા ધ્યાને કરીને પોતાના તદાકારભાવને પામેલા એવા જે પોતાના ભક્તો તેમને મોટા મોટા ઈશ્વરો તથા બ્રહ્મકોટિ તથા અક્ષરાદિક ઐશ્વર્યાર્થીઓ દ્વારાએ માન-પૂજ્યપણું અપાવવાપણું (૩૮), અનહંકૃતિ = પોતાના ભક્તોની માયા નિવૃત્તિ પામવાથી અહંકારે રહિત કરવાપણું (૩૯) આ ઉપર કહ્યા જે શ્રીજીમહારાજના કલ્યાણકારી ગુણ તે રાજારૂપ ને સાધુરૂપ એ સર્વ અવતારોના કારણ એવા જે શ્રીજીમહારાજ તેમના નિશ્ચયે કરીને સંતમાં આવે છે.
૨ પ્ર. અમને કાળ, કર્મ, સ્વભાવ, માયા ને પુરુષ જેવા ન જાણે એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવા જાણે તો કાળ, કર્મ, સ્વભાવ, માયા અને પુરુષ જેવા જાણ્યા કહેવાય ? અને શ્રીજીમહારાજને સર્વેના નિયંતા, સર્વ કર્તા, ને નિર્લેપ કેવી રીતે જાણવા ?
૨ ઉ. કાળ છે તે પ્રકૃતિપુરુષ કાર્યનો પ્રલય કરે છે એટલો જ મહિમા શ્રીજીમહારાજનો જાણે તો કાળ જેવા જાણ્યા કહેવાય, અને કર્મ પ્રમાણે ફળ મળે છે પણ એથી અધિક ભગવાન આપી શકતા નથી, એમ જાણે તો કર્મ જેવા જાણ્યા કહેવાય. અને આ જગત સ્વાભાવિક થયા જ કરે છે પણ ભગવાન કર્તા છે એમ ન જાણે તો સ્વભાવ જેવા જાણ્યા કહેવાય. અને માયા દ્વારે જગત સૃજે છે તેટલું જ કાર્ય ભગવાન કરી શકે છે એમ જાણે તો માયા જેવા જાણ્યા કહેવાય. અને જેટલું મૂળપુરુષ થકી થાય છે તેટલું જ મહારાજ કરી શકે છે એમ જાણે તો પુરુષ જેવા જાણ્યા કહેવાય. અને જીવકોટિ, માયાકોટિ, પુરુષકોટિ, બ્રહ્મકોટિ, અક્ષરકોટિ ને મુક્તકોટિ, એ સર્વે શ્રીજીમહારાજની આજ્ઞામાં નિરંતર વર્તે છે, એવી રીતે જાણે તો નિયંતા જાણ્યા કહેવાય અને અનંત મૂળઅક્ષરો તે અનંતકોટિ બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિ કરે છે તે શ્રીજીમહારાજની આપેલી સત્તાથી કરે છે પણ શ્રીજીમહારાજ વિના બીજો કોઈ સ્વતંત્રપણે કરી શકે તેમ નથી, એવી રીતે શ્રીજીમહારાજને જાણે તો કર્તા જાણ્યા કહેવાય, અને મૂળઅક્ષરાદિક સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા છે પણ તે અક્ષરાદિકની તથા મૂળપુરુષાદિક કોઈની ઉપાધિ શ્રીજીમહારાજને અડતી નથી એમ જાણે તો નિર્લેપ જાણ્યા કહેવાય.
૩ પ્ર. સંત ભગવાનની પેઠે નિર્બંધ ને ચહાય તે કરવા સમર્થ થાય છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. નિર્બંધ એટલે મૂળઅક્ષરાદિક કોઈના ઐશ્વર્યમાં લેવાય નહિ અને આવરણ રહિત થાય તે નિર્બંધ કહેવાય, અને શ્રીજીમહારાજની પેઠે જ અસંખ્યાત જીવોનો ઉદ્ધાર સંકલ્પમાત્રમાં કરે તે ચહાય તે કરવા સમર્થ જાણવા, પણ મૂળઅક્ષરાદિકની પેઠે ઉત્પત્ત્યાદિક તથા કર્મફળ આપવું તે કામ નથી કરતા એ કામને તો તુચ્છ જાણે છે.
૪ પ્ર. બીજા પ્રશ્નમાં ગરીબને દુઃખવેથી શ્રીજીમહારાજ દુઃખાય એમ કહ્યું તે ગરીબ કેવા જાણવા ?
૪ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ ધારી રહ્યા હોય તેવા પોતાના ભક્તને ગરીબ કહ્યા છે, તે લોકવ્યવહારે ગરીબ હોય અને સ્વભાવે પણ ગરીબ હોય તે કોઈના સામો જવાબ ન આપે ને સંકલ્પ પણ ન કરે જે, આણે મારું અપમાન કર્યું, એવા મોટા સહનશક્તિવાળા ભક્ત હોય તેને દુઃખાવે તો તે પોતે તો ન દુઃખાય, પણ શ્રીજીમહારાજ દુઃખાય તો દુઃખાવનારના જીવનો નાશ થઈ જાય છે. ।।૬૨।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૩
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૭ સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું ને કોટને વિષે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિષે ગુલાબનાં પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થી દેખાય, ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થી ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય; અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થાતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહિ ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે જે, હું આટલા દહાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો, તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી, એવી રીતે ભગવાનમાં દોષ પરઠે, અને જે પદાર્થમાં પોતાને હેત હોય ને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય, ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિષે પરઠે જે, જેમ મારે વિષે કામાદિક દોષ છે, તેમ ભગવાનને વિષે પણ છે, પણ એ ભગવાન છે ને મોટા કહેવાય છે, એવી રીતના જેને અંતરમાં ઘાટ થાતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી; એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. (૧)
૨ પછી પરમચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે, મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે, અને આ સંત સર્વે તે નારદ-સનકાદિક જેવા છે, અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા ને વૃંદાવનના ગોપ તેવા છે, અને જે બાઈયું હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રુક્મિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે. અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી ને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું, એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે, એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. (૨)
૩ એમ કહીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, (૩) તત્ત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્ત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો : જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણી જોઈએ, જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા ને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય અને બાગ, બગીચા ને ઘોડા, વેલ્યું, ઘરેણાં એ આદિક જે સામગ્રી તેણે કરીને દેવલોક સરખાં તેનાં ઘર જણાય, ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રી તે તો અતિ શોભાયમાન હોય, તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક, ને તે લોકના વૈભવ તેના પારને પમાતો નથી તો જેના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટપુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય ? અને એવા અનંતકોટિ જે વિરાટપુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિષે એવાં અનંતકોટિ બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઊડતાં ફરે છે એવું એ ભગવાનનું ધામ છે, ને તે ધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે તે ભગવાનની મોટ્યપનો પાર તો આવે જ કેમ ? એવી રીતે ભગવાનની મોટ્યપ સમજે, અને જે જે થકી મોટો હોય તે તે થકી સૂક્ષ્મ હોય, અને તે તેનું કારણ પણ હોય, જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે અને તે થકી સૂક્ષ્મ પણ છે, ને જળ થકી તેજ મોટું છે, ને તેજ થકી વાયુ મોટો છે, ને વાયુ થકી આકાશ મોટો છે, એવી રીતે અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ ને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે ને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં જ ફરે છે, જેમ કોઈ મોટો હસ્તિ હોય તેના શરીર ઉપર કીડી ચાલી જાતી હોય તે કશી ગણતીમાં આવે નહિ, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય અને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય અને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્યે સમળા હોય તે મોટી દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય અને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે, તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે, એવી રીતે જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહત્તત્ત્વ છે, મહત્તત્ત્વનું કારણ પ્રધાન ને પુરુષ છે અને પ્રધાન ને પુરુષનું કારણ મૂળપ્રકૃતિ ને બ્રહ્મ છે અને એ સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે ને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્થા થાતી નથી; સદાય એક રૂપે રહે છે અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી, જેમ ચોવીશ તત્ત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે ને તે વિરાટપુરુષ જે તે કર-ચરણાદિકે કરીને યુક્ત છે પણ તેની મૂર્તિ અતિશે મોટી છે માટે નજરે આવતી નથી અને તેની નાભિમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા દેવતાનાં સો વર્ષ લગી ચાલ્યા પણ તેનો અંત ન આવ્યો, ને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટપુરુષનો પાર કેમ આવે ? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી, તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહિ, તે શા માટે જે એવાં એવાં બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઊડતાં જ ફરે છે એવડા મોટા છે તે અક્ષરધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે. (૩) અને પોતાની કાન્તિએ કરીને અક્ષરધામ અને અનંતકોટિ બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છે અને તે અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંતકોટિ મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે, અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્યના જેવો પ્રકાશ છે, માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય ? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે ને પછી મૂળપ્રકૃતિપુરુષ રૂપે થાય છે ને પછી પ્રધાનપુરુષ રૂપે થાય છે ને પછી પ્રધાનમાંથી થયાં જે ચોવીશ તત્ત્વ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, ને પછી તત્ત્વે કરીને સર્જાણા જે વિરાટપુરુષ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, ને પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવમાં પ્રવેશ કરીને તે તે રૂપે થાય છે એવી રીતે અતિ સમર્થ ને અતિ પ્રકાશે યુક્ત ને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય ને તેજ તેને પોતામાં સમાવીને, જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે ને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા-અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નીસરે નહિ; તે તો અતિશે ઝીણું લોઢું હોય તેણે કરીને નીસરે, તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશે અલ્પ રૂપનું ધારણ કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ ને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થી છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે, ભગવાન કાંઈ સામર્થી કેમ પ્રગટ કરતા નથી ? પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થી ઢાંકીને વર્તે છે અને જો પોતાની મોટ્યપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના ? એવી રીતે મહિમાએ સોતો જે આ ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દૃઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી, માટે એવી રીતે તત્ત્વે કરીને ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. (૪)
૪ પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અનુક્રમનો કાંઈ મેળ નથી, ત્યાં દૃષ્ટાંત : જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિષે ડબકી ખાય, તે ડબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નીસરે અથવા કાંઠે નીસરે અથવા આસપાસ નીસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિષે ડબકી ખાઈને ગમે તો ત્યાંથી પાધરા જ મનુષ્યાકૃતિને ધારે છે ને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધારે છે, એમ વાર્તા કરી. (૫)
૫ અને પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૫) જેને અતિ દૃઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપક્વ નિશ્ચય હોય ને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિમાર્ગની ક્રિયા કરાવીએ તો તેને કરે પણ તેમાંથી પાછો હઠે નહિ ને કચવાઈને પણ કરે નહિ; રાજી થકો કરે. ને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય ને તે કોટિક ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે ને ત્રીજું એ લક્ષણ જે, પોતાને કાંઈ વર્તમાનમાં ઠીક જેવું ન હોય, તોય પણ પરમેશ્વરની કથા-કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહિ ને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા-કીર્તન ને ભગવાનના સંત તેનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો, એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધને યોગે કરીને કાંઈક વર્તમાનમાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય. (૬) અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય, તોય પણ તેના કલ્યાણમાં ફેર છે. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૬૩।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૫) છે. ત્રીજું ને પાંચમું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે અમારે વિષે સામર્થી ન દેખાય, ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાને ભૂંડા ઘાટ થાતા હોય તે ટળે નહિ ત્યારે અમારે વિષે દોષ પરઠે જે, મારા ઘાટ કેમ ટાળતા નથી. (૧) બીજામાં અમારો પરિપક્વ નિશ્ચય હોય તે એમ જાણે જે, આ મહારાજ છે ત્યાં જ અક્ષરધામ ને મુક્ત છે. (૨) ત્રીજામાં પોતાને યથાર્થપણે જાણવાની રીત કહી છે જે પૃથ્વીથી લઈને મૂર્તિમાન મૂળઅક્ષરપર્યંત એકબીજાથી મોટા ને એકબીજાના કારણ ને એકબીજાથી સૂક્ષ્મ ને મૂર્તિમાન કહ્યા છે અને એ મૂળઅક્ષરને ધામ નામે કહ્યા છે ને અતિ મોટા કહ્યા છે ને એના અકેકા રોમમાં એટલે તેની કિરણોમાં અસંખ્યાત બ્રહ્માંડ ઊડતાં ફરે છે અને એ મૂળઅક્ષરને વિષે અમે સદા વિરાજમાન છીએ એમ કહ્યું છે તે કાન્તિએ કરીને રહ્યા છે તે ચોથી બાબતમાં કહ્યું છે. (૩) અને ચોથી બાબતમાં અમે અમારી કાન્તિએ કરીને એટલે અમારા તેજરૂપ અક્ષરધામ તે દ્વારે કરીને ત્રીજી બાબતમાં કહી ગયા તે અક્ષરધામ જે મૂળઅક્ષર તથા અનંતકોટિ બ્રહ્માંડ અને તે બ્રહ્માંડોના ઈશ્વરો તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છીએ. એવી રીતે મૂળઅક્ષરથી લઈને વિષ્ણુ, બ્રહ્મા, શિવાદિકને વિષે અન્વયપણે રહ્યા છીએ અને તે અમારી કાન્તિરૂપ જે અક્ષરધામ તેમાં કોટાનકોટિ સૂર્યના જેવા પ્રકાશમાન એવા અમારા મુક્તોએ સેવ્યા થકા વિરાજમાન છીએ એવા અતિ સમર્થ ને અતિ પ્રકાશે યુક્ત જે અમે તે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થયા છીએ. આવો અમારો મહિમા સમજે તેને અમારો અડગ નિશ્ચય થાય ને તે કાળ, કર્મ, માયાના બંધનથી મુકાય છે ને તેને કાંઈ કરવું રહેતું નથી. (૪) ચોથામાં અમે અનુક્રમે તથા અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધારીએ છીએ. (૫) પાંચમામાં અતિ દૃઢ નિશ્ચયવાળા ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (૬) અને એવો નિશ્ચય ન હોય તેના કલ્યાણમાં ફેર કહ્યો છે. (૭) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં જ્યાં અમે રહ્યા હોઈએ ત્યાં જ પરમધામ જાણે એમ કહ્યું તે કિયું જાણવું ?
૧ ઉ. શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને પરમધામ કહ્યું છે અને પ્રત્યક્ષ ભગવાન પોતાને કહ્યા છે, માટે વચનામૃતમાં જ્યાં જ્યાં પ્રત્યક્ષ ભગવાન કહ્યા હોય ત્યાં શ્રીજીમહારાજને જાણવા.
૨ પ્ર. સંતને નારદ-સનકાદિક જેવા, સત્સંગીઓને ઉદ્ધવ, અક્રૂર તથા ગોપ જેવા, બાઈઓને ગોપીઓ, લક્ષ્મી, સીતા, પાર્વતી જેવી કહી અને (છે. ૨/૨માં) ગોલોક-વૈકુંઠાદિક ધામોની સભાથી આ સત્સંગીની સભાને અધિક કહી છે, તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. જેમ નારદ-સનકાદિક, ઉદ્ધવાદિક તથા લક્ષ્મી આદિક તે સર્વે એમના ઇષ્ટદેવોના મુક્ત છે, તેમ આ સંત તથા સત્સંગીઓ તથા બાઈઓ તે સર્વે અક્ષરધામના ધામી જે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન અમે તે અમારા મુક્ત છે એમ કહ્યું છે તે (લો. ૧૧ના બીજા પ્રશ્નમાં) તે તે સ્થાનોને તે તે ઇષ્ટદેવનાં ધામ જાણવાં અને તે તે પાર્ષદોને તે તે ઇષ્ટદેવના મુક્ત જાણવા એમ કહ્યું છે.
૩ પ્ર. ત્રીજા પ્રશ્નમાં વૈરાજના સ્વામી પુરુષોત્તમ કહ્યા ને તેમનું ધામ અક્ષર કહ્યું તે વૈરાજની ને શ્રીજીમહારાજની વચ્ચે તો ઘણા ભેદ છે અને આ ઠેકાણે પાધરા જ વૈરાજના સ્વામી પુરુષોત્તમ કહ્યા તે પુરુષોત્તમ કિયા જાણવા ? અને એમનું અક્ષરધામ કહ્યું તે કિયું જાણવું ? અને અક્ષરધામનાં રોમ કહ્યાં તે કિયાં જાણવાં ?
૩ ઉ. વૈરાજથી લઈને મૂળઅક્ષરપર્યંત તથા તેથી પર જે મુક્ત તે સર્વેના મૂળ સ્વામી શ્રીજીમહારાજ છે, માટે શ્રીજીમહારાજને સ્વામી કહ્યા છે અને મૂર્તિમાન મૂળઅક્ષરને આ ઠેકાણે અક્ષરધામ કહ્યું છે અને એ મૂર્તિમાન અક્ષરધામની કિરણોને રોમ કહ્યાં છે.
૪ પ્ર. મૂળઅક્ષરના તેજની કિરણોરૂપી રોમને વિષે બ્રહ્માંડ ઊડતાં ફરે છે તે કિયાં જાણવાં ?
૪ ઉ. આ ઠેકાણે મૂળપુરુષરૂપી બ્રહ્માંડ કહ્યાં છે અને વાસુદેવબ્રહ્મને તેના ઈશ્વરો કહ્યા છે.
૫ પ્ર. પૃથ્વીથી લઈને ઠેઠ મૂળઅક્ષર સુધી એકબીજાના કારણ ને મૂર્તિમાન કહ્યા અને વળી પછીથી ભગવાનનું અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે એમ કહ્યું તે પહેલા અક્ષર કહ્યા તે કિયા જાણવા ? અને પછીથી અક્ષરધામ કહ્યું તે કિયું જાણવું ?
૫ ઉ. મૂર્તિમાન અક્ષર કહ્યા તે મૂળઅક્ષરને કહ્યા છે, અને એ અક્ષર શ્રીજીમહારાજના અન્વય સ્વરૂપને રહેવાનું પાત્ર છે, માટે એને જ અક્ષરધામ નામે આ ઠેકાણે કહ્યા છે.
૬ પ્ર. ઝીણા મચ્છરથી લઈને પૃથ્વી સુધી દશ દૃષ્ટાંતને ઠેકાણે સિદ્ધાંત શો સમજવો ?
૬ ઉ. જેમ આ પૃથ્વી આગળ ઝીણાં મચ્છર હોય, તેમ મૂર્તિમાન મૂળઅક્ષર આગળ અનેક બ્રહ્માંડોની અનેક પૃથ્વીઓનાં આવરણો છે તે ઝીણાં મચ્છર જેવાં છે. (૧) અને જેમ આ પૃથ્વી આગળ કીડીઓના સમૂહ હોય, તેમ એ અક્ષર આગળ જળનાં આવરણો તે કીડીઓ જેવાં છે. (૨) અને જેમ આ પૃથ્વી આગળ વીંછીઓ હોય, તેમ તે અક્ષર આગળ તેજનાં આવરણો છે. (૩) અને જેમ આ પૃથ્વી આગળ સર્પોના સમૂહ હોય, તેમ એ મૂળઅક્ષર આગળ વાયુનાં આવરણો છે. (૪) અને જેમ આ પૃથ્વી આગળ સમળાના સમૂહ હોય તેમ એ અક્ષર આગળ આકાશોનાં આવરણો છે. (૫) અને જેમ આ પૃથ્વી આગળ પાડાનો સમૂહ હોય, તેમ એ અક્ષર આગળ અહંકારોનાં આવરણો છે. (૬) અને જેમ આ પૃથ્વી આગળ હાથીના સમૂહ હોય, તેમ મૂળઅક્ષર આગળ મહત્તત્ત્વોનાં આવરણો છે. (૭) અને જેમ આ પૃથ્વી આગળ ગિરનારના સમૂહ હોય, તેમ મૂળઅક્ષર આગળ પ્રધાનપુરુષોનાં આવરણો છે. (૮) અને જેમ આ પૃથ્વી આગળ મેરુના સમૂહ હોય, તેમ મૂળઅક્ષર આગળ પ્રકૃતિપુરુષોના આવરણો છે. (૯) અને જેમ પૃથ્વી આગળ લોકાલોકો હોય, તેમ મૂળઅક્ષર આગળ વાસુદેવબ્રહ્મનાં આવરણો છે, એમ કહ્યું છે. (૧૦) માટે જેમ આ પૃથ્વી-મચ્છર આદિકથી લઈને લોકાલોક પર્યંત સર્વથી અતિશે મોટી છે, તેમ આ પૃથ્વીઓથી લઈને વાસુદેવબ્રહ્મની કોટિઓ પર્યંત સર્વથી મૂળઅક્ષર તે અત્યંત મોટા છે અને એવી જ રીતે શ્રીજીમહારાજની કાન્તિ જે અક્ષરધામ તેના આગળ મૂળઅક્ષરો પણ અનંત છે એવું શ્રીજીમહારાજના પ્રકાશરૂપ ધામ તે અત્યંત મોટું છે ને તે ધામના પણ શ્રીજીમહારાજ કારણ ને આધાર છે.
૭ પ્ર. મૂળપ્રકૃતિના કારણ બ્રહ્મ અને સર્વેના કારણ અક્ષરબ્રહ્મ કહ્યા તે કોને જાણવા ?
૭ ઉ. આ ઠેકાણે મૂળપુરુષને બ્રહ્મ નામે કહ્યા છે અને મૂળઅક્ષરને અક્ષરબ્રહ્મ કહ્યા છે.
૮ પ્ર. બ્રહ્મ તો વાસુદેવને કહેવાય છે અને મૂળપુરુષને બ્રહ્મ કહ્યા તેનું શું કારણ હશે ?
૮ ઉ. મૂળપુરુષ પોતાથી ઓરા સર્વે અવતારોના તથા અનંતકોટિ બ્રહ્માંડના કારણ છે ને પોતાના તેજ વડે કરીને માયા તથા માયામાંથી ઉત્પન્ન કર્યા એવા જે અનંતકોટિ બ્રહ્માંડ તે સર્વેના આધાર ને તે સર્વેમાં વ્યાપક ને કર્મફળપ્રદાતા છે ને પોતાના કાર્યમાં સર્વેથી મોટા છે, માટે બ્રહ્મ નામે કહ્યા છે.
૯ પ્ર. આમાં મૂળઅક્ષરરૂપ ધામની સંકોચ-વિકાસ અવસ્થા નથી, એમ કહ્યું ને (લો. ૭ના ૨/૬ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની પણ સંકોચ-વિકાસ અવસ્થા કહી છે તે કેવી રીતે સમજવું ?
૯ ઉ. પુરુષના કાર્યમાં અન્વય-વ્યતિરેકપણું તથા સંકોચ-વિકાસ અવસ્થા તે પુરુષની જ છે એમ
(પ્ર. ૪૬માં કહ્યું છે પણ તે પુરુષને વિષે અન્વયપણે શ્રીજીમહારાજ તેજ દ્વારે રહ્યા છે તે પુરુષની એકતાએ કરીને (લો. ૭માં) શ્રીજીમહારાજની સંકોચ-વિકાસ અવસ્થા કહી છે પણ વાસ્તવ્ય તો પુરુષની જ છે.
૧૦ પ્ર. વૈરાજનું ને મૂળઅક્ષરનું રૂપ અતિશે મોટું કહ્યું તે કેવી રીતે સમજવું ?
૧૦ ઉ. એમના તેજને ને મૂર્તિને અભેદપણે કરીને અતિશે મોટાં કહ્યાં છે તે (લો. ૨ના બીજા પ્રશ્નમાં) મૂળપ્રકૃતિ તથા અગ્નિ, વરુણ, સૂર્ય તથા શ્રીજીમહારાજ તે સર્વે મનુષ્ય જેવડા જ છે ને તેમનાં કાર્ય મોટાં છે એમ કહ્યું છે, માટે શ્રીજીમહારાજ તથા મૂળઅક્ષર તથા બ્રહ્મ તથા મૂળપુરુષ ઈશ્વર આદિ સર્વેની મૂર્તિઓ મનુષ્યના જેવડી જ છે પણ કોઈની મૂર્તિ મોટી નથી, માટે જ્યાં મૂર્તિ મોટી કહી હોય ત્યાં મૂર્તિના તેજનું ને મૂર્તિનું અભેદપણું કહ્યું છે એમ જાણવું, પણ મૂર્તિ મોટી છે એમ ન સમજવું, માટે આ ઠેકાણે અક્ષરની મૂર્તિ મોટી કહી છે તે એના તેજને ને એને અભેદપણે કરીને કહ્યું છે એમ જાણવું ને શ્રીજીમહારાજનું તેજ અતિશે અપાર છે તે (લો. ૧૫ના પાંચમા પ્રશ્નમાં) જીવ, પુરુષ, અક્ષર ને પુરુષોત્તમ તેમના પ્રકાશમાં ભેદ ઘણો છે, માટે મૂળઅક્ષરના પ્રકાશથી શ્રીજીમહારાજનું તેજ અનંતગણું છે અને શ્રીજીમહારાજના તેજ આગળ મૂળઅક્ષરની કોટિઓનાં તેજ તે કોટિમા ભાગના પાસંગમાં પણ નથી આવતાં, એવું શ્રીજીમહારાજનું તેજ છે તે જેના ઉપર શ્રીજીમહારાજ કૃપા કરે તે વિલક્ષણપણે દેખે છે પણ બીજો કોઈ પૃથક્ દેખવા સમર્થ નથી એમ કહ્યું છે, માટે જે પુરુષોત્તમરૂપ થયેલા પરમએકાંતિક તથા અનાદિમુક્ત છે તે પૃથક્ દેખે છે, પણ મૂળઅક્ષરરૂપ પોતાને માનતા હોય તે મૂળઅક્ષરના ને શ્રીજીમહારાજના પ્રકાશને પૃથક્ દેખી શકતા નથી. માટે શ્રીજીમહારાજની મોટ્યપ તો અતિશે અપાર છે અને (પ્ર. ૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં) જેના એક એક રોમના છિદ્રને વિષે અનંતકોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે એમ કહ્યું છે તે પણ શ્રીજીમહારાજની મૂર્તિને તેજની અભેદપણે મોટ્યપ કહી છે અને તે બ્રહ્માંડ મૂળઅક્ષરરૂપી જાણવાં.
૧૧ પ્ર. ધામ તો (પં. ૧/૧માં તથા પ્ર. ૬૬/૧માં) પોતાના પ્રકાશને કહેલ છે તથા (મ. ૧૩/૨માં) પોતાના તેજને અક્ષરધામ કહ્યું છે તથા (૫૦/૧માં) એકરસ પરિપૂર્ણ પોતાના તેજને કહ્યું છે અને તેમાં અમારા મુક્તોએ સહિત રહ્યા છીએ એમ કહ્યું છે તથા (પ્ર. ૪૫માં) પોતાના તેજને સર્વત્ર પૂર્ણ ને નિરાકાર કહ્યું છે તથા (પ્ર. ૭/૧માં) તથા (છે. ૩૬ના પહેલા પ્રશ્નમાં) પોતાના તેજને જ બ્રહ્મજ્યોતિનો સમૂહ કહ્યો છે ને તેમાં અમે ને અમારા મુક્ત સદા સાકાર મૂર્તિમાન રહ્યા છીએ ઇત્યાદિક ઘણે ઠેકાણે પોતાના તેજને જ અક્ષરધામ કહ્યું છે અને આમાં મૂળઅક્ષરને ધામ નામે કહ્યા તેનું શું કારણ હશે ?
૧૧ ઉ. મૂળઅક્ષરમાં શ્રીજીમહારાજ પોતાની કાન્તિ દ્વારે અન્વયપણે રહ્યા છે, માટે તેને ધામ નામે કહ્યું છે. આ મૂળઅક્ષરમાં શ્રીજીમહારાજ અન્વયપણે રહ્યા છે, તે (પ્ર. ૭/૧માં, ૪૧માં, સા. ૫ના બીજા પ્રશ્નમાં તથા કા. ૮/૧માં ઇત્યાદિકમાં) કહ્યું છે અને (પ્ર. ૨૧/૭માં) આ મૂળઅક્ષરને શ્રીજીમહારાજના તેજરૂપ ધામનું બીજું સ્વરૂપ કહ્યું છે અને ઉત્પત્ત્યાદિક કરે છે તે સેવા કહી છે.
૧૨ પ્ર. આ મૂળઅક્ષરને આ વિના બીજા કોઈ વચનામૃતમાં ધામ નામે કહ્યા હશે કે નહીં ?
૧૨ ઉ. (પ્ર. ૫૧માં તથા સા. ૧૭માં) આ મૂળઅક્ષરને ધામ નામે કહ્યા છે.
૧૩ પ્ર. અમારું સાધર્મ્યપણું પામેલા મુક્ત ધામમાં સેવામાં રહ્યા છે એમ કહ્યું તેને કેવા જાણવા ?
૧૩ ઉ. સ્વામીત્વપણું, દાતાપણું, નિયંતાપણું એ વિના બીજા રૂપ, ગુણ, લાવણ્યતા, સુંદરતા, સ્વતંત્રતા, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થી, સુખદાયીપણું ઇત્યાદિક ગુણે સરખા જાણવા. તે (મ. ૬૭માં) કહ્યું છે.
૧૪ પ્ર. અક્ષરમાં પ્રવેશ કરે છે તે અક્ષર કિયા જાણવા ? અને પ્રવેશ કેવી રીતે કરતા હશે ?
૧૪ ઉ. જેમાં પ્રવેશ કરે છે તે અક્ષર મૂર્તિમાન જાણવા અને તે અક્ષરથી લઈને બ્રહ્માદિક સર્વેને વિષે પાત્રની તારતમ્યતા પ્રમાણે પોતાની અંતર્યામી શક્તિએ કરીને રહ્યા છે, તે ઉત્પત્તિકાળે અંતર્યામી શક્તિ વડે પ્રેરણા કરે છે એમ પ્રવેશ જાણવો, માટે પ્રવેશ એટલે પ્રેરણા જાણવી અને મૂર્તિમાન તો એ સર્વેથી જુદા પોતાના તેજરૂપ ધામને વિષે રહ્યા છે ને પોતાના મુક્તોને આનંદ ઉપજાવે છે.
૧૫ પ્ર. (૪/૫ ચોથા પ્રશ્નમાં) અમે પાધરા જ મનુષ્યાકૃતિ ધારીએ છીએ અને અનુક્રમે કરીને પણ મનુષ્યાકૃતિ ધારીએ છીએ એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૧૫ ઉ. શ્રીજીમહારાજ પોતે સ્વયં પધારે તે પાધરા જ આવે છે એમ જાણવું અને બીજા પોતાના અવતારો આવે તેમાં પોતાનું ઐશ્વર્ય આવે છે તે અનુક્રમ જાણવો.
૧૬ પ્ર. (૫/૬ પાંચમા પ્રશ્નમાં) વર્તમાનમાં ફેર પડે તોપણ કલ્યાણ થાય તેમ કહ્યું તે વર્તમાન કિયું જાણવું ? અને કલ્યાણ કેવું થતું હશે ?
૧૬ ઉ. પંચવર્તમાન માંહેલું વર્તમાન જાણવું. તેમાં પ્રારબ્ધે કરીને ફેર પડે તોપણ દૃઢ નિશ્ચયવાળો કલ્યાણના માર્ગમાંથી પડે નહિ પણ દંડ ભોગવવો પડે ને પછી ધામમાં જાય. ।।૬૩।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૪
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને મસ્તકે હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું ને તુળસીની નવી કંઠી કંઠને વિષે પહેરી હતી ને મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુનિને પ્રશ્ન પૂછ્યો જે, (૧) પુરુષોત્તમ એવા જે ભગવાન તેમનું શરીર આત્મા તથા અક્ષર છે એમ શ્રુતિએ કહ્યું છે તે આત્મા તો સર્વત્ર પૂર્ણ છે ને વિકારે રહિત છે ને તે આત્માને વિષે કાંઈ હેય ઉપાધિ નથી ને જેમ ભગવાન માયા થકી પર છે, તેમ આત્મા પણ માયા થકી પર છે, એવો જે આત્મા તે કઈ રીતે ભગવાનનું શરીર કહેવાય છે ? ને જીવનું શરીર તો જીવ થકી અત્યંત વિલક્ષણ છે ને વિકારવાન છે ને દેહી જે જીવ તે તો નિર્વિકારી છે. માટે દેહને ને દેહીને તો અત્યંત વિલક્ષણપણું છે, તેમ પુરુષોત્તમને ને પુરુષોત્તમના શરીરને વિષે અત્યંત વિલક્ષણપણું જોઈએ તે કહો કેમ વિલક્ષણપણું છે ? પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ યથાર્થ ઉત્તર કોઈ થકી થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે ઉત્તર કરીએ જે, પુરુષોત્તમ ભગવાન છે તે સદાય મૂર્તિમાન છે ને મૂર્તિમાન હોય તે અશરીરીના આત્મા હોય, જેમ વરુણ મૂર્તિમાન છે તે અશરીરી જે જળ તે સર્વનો આત્મા છે ને મૂર્તિમાન જે અગ્નિ તે જ્વાળારૂપ જે અશરીરી અગ્નિ તે સર્વનો આત્મા છે ને મૂર્તિમાન જે સૂર્ય તે અશરીરી જે પ્રકાશ તેનો આત્મા છે, તેમ અશરીરી જે બ્રહ્મ તેના મૂર્તિમાન જે પુરુષોત્તમ ભગવાન તે આત્મા છે, એવી રીતે અક્ષર ને આ જે બ્રહ્મ તે પુરુષોત્તમનું શરીર છે ને પુરુષોત્તમ ભગવાન પોતે શરીરી છે અને જે અશરીરી હોય, તે અસમર્થ હોય ને આકાશની પેઠે શૂન્ય ધર્મવાળો હોય ને મૂર્તિમાન હોય, તે તો સમર્થ હોય ને જે ચાહે તે કરે, ને તે મૂર્તિમાન જે પુરુષોત્તમ ભગવાન તે આત્મા જે દ્રષ્ટા ને તે આત્મા જેમાં વ્યાપક છે એવું જે દૃશ્ય એ બેયના આત્માપણે કરીને વર્તે છે ને તે આત્મા જે પુરુષોત્તમ તે જ્યારે રૂપવાન એવું જે દૃશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દૃશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય ને જ્યારે એ દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય, ત્યારે એ પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રને વિષે કહ્યા હોય છે ને વસ્તુતાએ તો રૂપમાન જે દૃશ્ય ને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહિત છે ને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા ને દૃશ્ય એ બેયના દ્રષ્ટા છે. (૧) એવા જે પુરુષોત્તમ ભગવાન તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વીને વિષે મનુષ્ય જેવા જણાય છે. (૨) તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના-ભક્તિ કરે છે, તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, ને અનંત ઐશ્વર્યને પામે છે. (૩) અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરે છે, તે તો બ્રહ્મસુષુપ્તિને વિષે લીન થાય છે તે પાછો કોઈ દિવસ નીસરતો નથી ને કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે માટે એમાં કાંઈ સંશય નથી. (૪) અને આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી, માટે આ વાર્તાને અતિ દૃઢ કરીને રાખજો. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૬૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, દ્રષ્ટા જે અમારું તેજ તે જેમાં વ્યાપક છે એવું દૃશ્ય જે મૂર્તિમાન અક્ષર એ બેયના અમે આત્મા છીએ અને એ બેયથી ન્યારા ને સદા મૂર્તિમાન છીએ. (૧) અને જીવોના કલ્યાણને અર્થે કૃપાએ કરીને મનુષ્ય રૂપે દેખાઈએ છીએ. (૨) અને જે અમને આવી રીતે દિવ્ય મૂર્તિમાન જાણીને અમારી ઉપાસના-ભક્તિ કરે તે અમારા સાધર્મ્યપણાને પામે છે ને અનંત ઐશ્વર્યને પામે છે. (૩) અને જે અમને નિરાકાર જાણીને ભજે તે બ્રહ્મસુષુપ્તિમાં લીન થાય છે તે કોઈ દિવસ નીસરતો નથી. (૪) અને અમારી મૂર્તિમાં સ્થિતિ થઈ હોય તે થકી જ આ વાત પમાય છે. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં અક્ષર કરતાં આત્માને પહેલે નંબરે ગણ્યા છે અને વળી સર્વત્ર પૂર્ણ અને વિકારે રહિત કહ્યા છે એ આદિક મોટાં મોટાં વિશેષણો શ્રીજીમહારાજના જેવાં જ આપ્યાં છે તે આત્મા કોને સમજવા ? અને આત્મા જેમાં વ્યાપક છે એવું દૃશ્ય કહ્યું તે દૃશ્ય કોને સમજવું ? અને આત્માના શરીરી શ્રીજીમહારાજને કેવી રીતે જાણવા ?
૧ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને આત્મા કહ્યા છે અને આ આત્માને (પ્ર. ૪૫માં) સચ્ચિદાનંદ બ્રહ્મ નામે કહ્યા છે. (૬૬/૧માં) બ્રહ્મસત્તારૂપ પ્રકાશ નામે કહ્યા છે. (૭૧ના પાંચમા પ્રશ્નમાં) નિરાકાર અક્ષરબ્રહ્મ નામે કહ્યા છે. (કા. ૮/૧માં) નિર્ગુણ સ્વરૂપ નામે કહ્યાં છે ને અક્ષરના આત્મા કહ્યા છે. (પં. ૧/૧માં) પોતાની મૂર્તિનો પ્રકાશ તથા અક્ષરબ્રહ્મ તથા ધામ નામે કહ્યા છે. (મ. ૧૩/૨માં) આત્મા, બ્રહ્મ તથા અક્ષરધામ એ ત્રણ નામે કહેલ છે, (૫૦/૧માં) એકરસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ તથા અક્ષરબ્રહ્મ એ બે નામે કહ્યા છે, (છે. ૩૦ના પહેલા પ્રશ્નમાં) ચૈતન્યનો રાશિ કહેલ છે, (૩૬ના પહેલા પ્રશ્નમાં) આ આત્માને બ્રહ્મજ્યોતિ નામે કહ્યા છે, માટે આ બ્રહ્મ એટલે શ્રીજીમહારાજની મૂર્તિના તેજરૂપ આત્મા તે સર્વત્ર પૂર્ણ છે અને મૂર્તિમાન મૂળઅક્ષરના દ્રષ્ટા છે અને મૂર્તિમાન મૂળઅક્ષર તે આ આત્માનું દૃશ્ય છે. એટલે આ આત્મા મૂર્તિમાન મૂળઅક્ષરમાં વ્યાપક છે, માટે આત્માને દ્રષ્ટા કહ્યા છે. અને મૂર્તિમાન મૂળઅક્ષરને દૃશ્ય કહ્યા છે, માટે મૂળઅક્ષર છે તે આ આત્માનું શરીર છે અને આત્મા મૂળઅક્ષરના શરીરી છે એમ જાણવું. અને આ જે બ્રહ્મ કહેતાં આત્મા જે શ્રીજીમહારાજનું તેજ તે શ્રીજીમહારાજને આધારે છે, માટે શ્રીજીમહારાજ શરીરી છે ને આત્મા શરીર છે.
૨ પ્ર. અશરીરી હોય તે અસમર્થ હોય ને શૂન્ય ધર્મવાળો હોય ને મૂર્તિમાન હોય તે સમર્થ હોય એમ કહ્યું ત્યારે મૂળઅક્ષર તો મૂર્તિમાન છે, માટે સમર્થ હોવા જોઈએ અને આત્મા તો નિરાકાર છે માટે અસમર્થ હોવા જોઈએ, માટે અસમર્થ એવા જે નિરાકાર આત્મા તે મૂર્તિમાન મૂળઅક્ષરમાં વ્યાપક કેમ કહેવાય ?
૨ ઉ. જે મૂર્તિનું તેજ હોય તે મૂર્તિ આગળ અસમર્થ હોય પણ એથી જે ઓરા હોય તેનાથી તો સમર્થ હોય અને તેનું આધાર, વ્યાપક ને નિયામક હોય, માટે શ્રીજીમહારાજનું તેજ શ્રીજીમહારાજ આગળ અસમર્થ છે, પણ મૂળઅક્ષરનું તો આધાર ને વ્યાપક ને નિયંતા છે. અને મૂળઅક્ષરનું તેજ મૂળઅક્ષરની મૂર્તિ આગળ અસમર્થ છે, પણ વાસુદેવબ્રહ્મનું નિયંતા, આધાર ને વ્યાપક છે, અને વાસુદેવબ્રહ્મનું તેજ તે વાસુદેવની મૂર્તિ આગળ અસમર્થ છે, પણ મૂળપુરુષનું નિયંતા ને આધાર ને વ્યાપક છે, માટે કારણ આગળ અસમર્થ કહ્યું છે, પણ કાર્ય આગળ તો સમર્થ છે.
૩ પ્ર. દૃશ્ય અને દ્રષ્ટા કોને કોને કહેવાતા હશે ?
૩ ઉ. દેહને દૃશ્ય અથવા શરીર કહેવાય અને દેહને ધારણ કરનાર ચૈતન્ય વર્ગ જે જીવાત્મા તેને દેહના શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય, અને ચૈતન્ય જીવવર્ગને ધારણ કરનારું જે મૂળપુરુષનું તેજ તેને જીવવર્ગનું શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય, અને મૂર્તિમાન મૂળપુરુષને ચૈતન્ય જીવવર્ગના પરમાત્મા કહેવાય. અને વાસુદેવબ્રહ્મનું તેજ છે તેને મૂર્તિમાન મૂળપુરુષાદિકનું શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય, અને મૂર્તિમાન વાસુદેવને મૂળપુરુષાદિકના પરમાત્મા કહેવાય, અને મૂળઅક્ષરના તેજને વાસુદેવબ્રહ્મ આદિકનું શરીરી, આત્મા તથા દ્રષ્ટા કહેવાય, અને મૂર્તિમાન મૂળઅક્ષરને વાસુદેવબ્રહ્મ આદિકના પરમાત્મા કહેવાય. અને શ્રીજીમહારાજનું તેજ છે તેને મૂળઅક્ષરાદિકનું શરીરી, દ્રષ્ટા તથા આત્મા કહેવાય, અને મૂર્તિમાન પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તેમને મૂર્તિમાન મૂળઅક્ષરાદિક સર્વના પરમાત્મા કહેવાય.
૪ પ્ર. આ ઉપર કહ્યા તે સર્વેને એકબીજાના ઉપરીનાં દર્શન થતાં હશે કે નહીં ?
૪ ઉ. જીવવર્ગ તો માયાબદ્ધ છે, તેથી મૂળપુરુષના તેજની ને જીવની વચ્ચે માયાનો પડદો છે, માટે જીવવર્ગને મૂળપુરુષના તેજનું દર્શન ન થાય ને મૂળપુરુષ તો વાસુદેવબ્રહ્મની સભામાંથી ઊઠ્યા છે ને એના કાર્યનો પ્રલય થાય છે, ત્યારે વાસુદેવની સમીપે રહે છે અને વાસુદેવબ્રહ્મનાં તથા મૂળઅક્ષરોનાં ધામ જુદાં જુદાં છે ને અચળ છે ને એમને પોતપોતાના ઉપરી પાસે આવવા-જવાની ગતિ નથી, માટે વાસુદેવબ્રહ્મને મૂળઅક્ષરનાં તેજ દ્વારે દર્શન થાય છે અને મૂળઅક્ષરને શ્રીજીમહારાજનાં તેજ દ્વારે દર્શન થાય છે, જેમ સમુદ્રને વિષે જળજંતુ રહ્યાં છે તે જળને દેખે છે, પણ વરુણને દેખતાં નથી તેમ. અને જેમ સૂર્યના પ્રકાશને વિષે મનુષ્ય, પશુ, પક્ષી આદિક સર્વે રહ્યાં છે તે સૂર્યના તેજને દેખે છે, પણ સૂર્યની મૂર્તિને દેખતા નથી તેમ. અને જેમ વાલખિલ્ય ઋષિ સૂર્યના સમીપે રહ્યા થકા સૂર્યનાં દર્શન કરે છે, તેમ શ્રી સ્વામિનારાયણના પરમ એકાંતિકમુક્તો તો તે સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરે છે અને અનાદિમુક્ત શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહ્યા થકા સુખ ભોગવે છે, આ વાત અમે નજરે જોઈને યથાર્થ જેમ છે તેમ કહી છે.
૫ પ્ર. શ્રીજીમહારાજે મૂર્તિમાન મૂળઅક્ષરને દૃશ્ય કહ્યા ને તે દૃશ્ય જે મૂર્તિમાન મૂળઅક્ષર તેનું આત્મા પોતાનું તેજ કહ્યું અને પોતાનું તેજ જે દ્રષ્ટા તેના આત્મા મૂર્તિમાન પોતાને કહ્યા, અને શાસ્ત્રમાં દૃશ્યના આત્મા કહ્યા હોય, ત્યારે મૂર્તિમાન કહ્યા હોય અને દ્રષ્ટાના આત્મા કહ્યા હોય ત્યારે અરૂપ કહ્યા હોય એમ કહ્યું તે પરોક્ષ શાસ્ત્રનો મત જોતાં તો મૂર્તિમાનના આત્મા મૂર્તિમાન થયા અને નિરાકારના આત્મા નિરાકાર થયા તે કેવી રીતે સમજવું ?
૫ ઉ. પરોક્ષ શાસ્ત્રમાં મૂળપુરુષ પુરુષોત્તમ ને માયા થકી થયું જે વિશ્વ તેના આત્મા કહ્યા હોય ત્યારે વિશ્વ રૂપે વર્ણવ્યા હોય, અને એ મૂળપુરુષનું તેજ જે વિશ્વનું આત્મા તેના આત્મા કહ્યા હોય ત્યારે અરૂપપણે વર્ણવ્યા હોય પણ વિશ્વ જે દૃશ્ય અને દ્રષ્ટા જે તેજ એ બેથી ન્યારા ન કહ્યા હોય, કેમ જે પરોક્ષ શાસ્ત્રમાં દૃશ્ય જે વિશ્વ તેને વિષે પોતાના તેજરૂપ અંતર્યામી શક્તિએ વ્યાપક થકા એ બેયથી મૂર્તિમાન ન્યારા છે તે વર્ણવ્યા નથી. માટે શ્રીજીમહારાજે કહ્યું છે જે, આ જે અમે વાત કરી તે તો જેને અમારા સ્વરૂપમાં એટલે અમારે વિષે સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે. માટે શ્રીજીમહારાજે પોતાનો સિદ્ધાંત કહ્યો છે જે, અમારું તેજ મૂર્તિમાન અક્ષરનું આત્મા છે ને નિયંતા ને વ્યાપક છે અને એ તેજના પણ અમે મૂર્તિમાન આત્મા છીએ, અને એ અક્ષરથી ને અમારા તેજથી ન્યારા છીએ, એવી રીતે મૂળઅક્ષરથી તથા અમારા તેજથી અમને ન્યારા ને સદા દિવ્ય મૂર્તિમાન જાણીને અમારી ઉપાસના-ભક્તિ કરે તે અમારા સાધર્મ્યપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને પામે છે એટલે અમારા અનાદિમુક્ત જેવા થાય છે અને બીજા સર્વેને આવી વાત સમજાવીને, પોતાના જેવા મુક્ત કરીને, અમારી મૂર્તિના સુખે સુખિયા કરે છે એમ કહ્યું છે, પણ અમારા વિના કાં અમારા મુક્ત વિના કોઈથી આ વાત પમાતી નથી ને સુખિયા પણ થવાતું નથી એમ કહ્યું છે. અને માયાની અંદર રહ્યા જે ચૈતન્ય જીવવર્ગ તેમનાં દૃશ્ય જે માયિક દેહો તે સાકાર છે અને પોતે ચૈતન્ય જીવવર્ગ જે દ્રષ્ટા તે નિરાકાર છે અને માયાથી પર જે મૂળપુરુષ તથા વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષર તે સર્વે દિવ્ય મૂર્તિમાન છે અને એ સર્વેનાં જે પોતપોતાનાં તેજ છે તે પોતપોતાનાં દૃશ્ય છે માટે મૂર્તિમાનનાં દૃશ્ય નિરાકાર છે ને પોતપોતાના તેજના દ્રષ્ટા જે પોતે તે મૂર્તિમાન છે અને એ સર્વેના દ્રષ્ટા શ્રીજીમહારાજ છે અને શ્રીજીમહારાજનું તેજ છે તે મૂર્તિમાન શ્રીજીમહારાજનું દૃશ્ય છે ને મૂર્તિમાન મૂળઅક્ષરનું દ્રષ્ટા છે ને મૂળઅક્ષરનું તેજ તે મૂળઅક્ષરનું દૃશ્ય છે ને મૂર્તિમાન વાસુદેવબ્રહ્મનું દ્રષ્ટા છે ને વાસુદેવનું તેજ તે વાસુદેવનું દૃશ્ય છે ને મૂર્તિમાન મૂળપુરુષનું દ્રષ્ટા છે અને મૂળપુરુષનું તેજ તે મૂળપુરુષનું દૃશ્ય છે ને મૂળમાયાની અંદર રહ્યા જે સર્વ ચૈતન્ય જીવવર્ગ તેનું દ્રષ્ટા છે અને એ જીવવર્ગ સર્વે નિરાકાર છે ને પોતપોતાના દેહના દ્રષ્ટા છે, કેમ કે તેને વિષે દેહદેહીભાવ છે.
૬ પ્ર. ત્રીજી બાબતમાં ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન-ઉપાસના કરનારો બ્રહ્મસુષુપ્તિમાં લીન થાય છે એમ કહ્યું તે બ્રહ્મસુષુપ્તિ કઈ જાણવી ?
૬ ઉ. આંહીં સાધનકાળમાં ભગવાનના અવતાર થાય છે તેને સગુણ જાણીને ધ્યાન, ભજન, ઉપાસના, ભક્તિ કરતો હોય અને એમની આજ્ઞામાં યથાર્થ વર્તતો હોય ને શાસ્ત્રમાં કહ્યા જે વિધિ-નિષેધ તે યથાર્થ પાળતો હોય પણ નિર્ગુણ સ્વરૂપ છે તે તો નિરાકાર છે એમ જાણતો હોય તે ભગવાનને મૂળપુરુષના તેજથી પર જાણી શકે નહિ, માટે તે મૂળપુરુષના તેજમાં જળે પાષાણવત્ લીન થાય છે પણ તેથી પર નિરાકાર સમજનારની ગતિ નથી તે તેજને આ ઠેકાણે બ્રહ્મસુષુપ્તિ કહી છે અને જે ભગવાનને કેવળ નિરાકાર જાણે છે ને પૃથ્વીને વિષે ભગવાનના અવતાર થાય છે તેનું ભજન-વંદન કરતા નથી તે શુષ્ક વેદાંતી તો નારકી થાય છે. ।।૬૪।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૫
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને પોઢવાના ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને શ્રીજીમહારાજ કથા કરાવતા હતા તે સમે મોટા મોટા પરમહંસને પોતાને સમીપે બોલાવ્યા પછી કથાનો અધ્યાય પૂરો થયો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે જેટલા મોટા મોટા સાધુ છો તે પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો, કેમ જે પ્રશ્ન-ઉત્તર કરે ત્યારે જેને જેવી બુદ્ધિ હોય તે જાણ્યામાં આવે.
૧ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૧) આકાશની ઉત્પત્તિ ને લય તે કિયે પ્રકારે છે ? ત્યારે પરમાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોનાં છિદ્ર તે સૂક્ષ્મ હોય ને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય, તેમ તેમ છિદ્રની વૃદ્ધિ થાતી જાય ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થાતો જણાય અને જ્યારે એ વૃદ્ધ અવસ્થાને પામે, ત્યારે એનાં ઇન્દ્રિયોનાં છિદ્ર તે સંકોચને પામતાં જાય ને તેમાં આકાશ પણ લય થાતો જણાય, તેમ જ્યારે વિરાટ દેહ ઊપજે, ત્યારે તેને અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થાતો જણાય અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય, એમ આકાશની ઉત્પત્તિ ને લય છે, પણ જે આકાશ સર્વનો આધાર છે તે તો જેમ પ્રકૃતિપુરુષ નિત્ય છે તેમ નિત્ય છે; એની ઉત્પત્તિ ને લય તે કહેવાય નહિ અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિ ને લય છે તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે. (૧)
૨ પછી પરમાનંદ સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૨) સુષુમ્ણા નાડી તે દેહને માંહીલી કોરે કેમ રહી છે ? ને દેહથી બાહેર કેમ રહી છે ? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે તે પિંડમાં અલ્પ છે ને બ્રહ્માંડમાં મહત્ છે ને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે ને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાડીઓ છે ને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષિને વિષે જળ છે ને જેમ ત્યાં ચંદ્ર-સૂર્ય છે તેમ પિંડમાં ઇડા-પિંગળા નાડીને વિષે ચંદ્ર-સૂર્ય છે ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં છે અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેની બ્રહ્માંડ સાથે એકતા છે તે જિહ્વાના અંતને પામે, ત્યારે વરુણદેવ પમાય છે અને વાક્ ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પામે છે અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પામે છે અને શિશ્નના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે અને તેમ જ હૃદયને વિષે રહી જે સુષુમ્ણા નાડી તેનું અંત જે બ્રહ્મરંધ્ર તેને જ્યારે પામે ત્યારે શિશુમારચક્રને વિષે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ અભિમાની દેવતા તેને પામે છે ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પર પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે તેને દેખે છે તે તેજના માર્ગને સુષુમ્ણા કહીએ, એવી રીતે સુષુમ્ણા નાડી પિંડમાં ને બ્રહ્માંડમાં રહી છે. (૨)
૩ પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૩) પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય છે કે સુષુપ્તિનો લય છે ? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયંપ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જાગ્રત અવસ્થાને વિષે સ્નેહે કરીને ભગવાનની મૂર્તિને વિષે લક્ષ થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે ને પછી સ્વપ્નનો ને સુષુપ્તિનો લય થાય છે અને જ્યારે મને કરીને ચિંતવન કરતે કરતે સ્વપ્નને વિષે ભગવાનની મૂર્તિમાં લક્ષ થાય, ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય ને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય છે અને જ્યારે ઉપશમપણે કરીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતે કરતે સુષુપ્તિને વિષે લક્ષ થાય છે, ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે ને પછી જાગ્રતનો ને સ્વપ્નનો લય થાય છે એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. (૩)
૪ પછી વળી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૪) ભગવાનને વિષે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિ છે તે કેમ સમજવી ? ત્યારે શ્રીજીમહારાજ હસીને બોલ્યા જે, એનો ઉત્તર તો તમને પણ નહિ આવડતો હોય એમ કહીને પોતે ઉત્તર કરવા લાગ્યા જે, આ જીવ જ્યારે સત્ત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ને ત્યારે જે કર્મ કરે તે કર્મનું ફળ તે જાગ્રત અવસ્થા છે અને આ જીવ જ્યારે રજોગુણ પ્રધાનપણે વર્તે ને તે સમયમાં જે કર્મ કરે તે કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા છે. અને જ્યારે આ જીવ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય ને તે સમયમાં જે કર્મ કરે તેનું ફળ તે સુષુપ્તિ અવસ્થા છે અને તે સુષુપ્તિ અવસ્થાને આ જીવ પામે છે, ત્યારે જેવી પાણાની શિલા હોય તે જેવો જડ થઈ જાય છે અને એને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી જે, હું પંડિત છું કે મૂર્ખ છું કે આ કામ કર્યું છે કે આ કામ કરવું છે કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે કે આવો મારો આશ્રમ છે કે આ મારું નામ છે કે આ મારું રૂપ છે કે હું દેવ છું કે મનુષ્ય છું કે બાળક છું કે વૃદ્ધ છું કે ધર્મિષ્ઠ છું કે પાપિષ્ઠ છું ઇત્યાદિક કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી અને એવી રીતનો જ્યારે આ જીવ થઈ જાય છે ત્યારે જે ભગવાન છે તે એને જ્ઞાનશક્તિએ કરીને સુષુપ્તિમાંથી જગાડીને એને એની સર્વ ક્રિયાનું જ્ઞાન આપે છે તેને જ્ઞાનશક્તિ કહીએ; અને એ જીવ જે જે ક્રિયાને વિષે પ્રવર્તે છે તે ભગવાનની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ; અને એ જીવ જે જે કોઈ પદાર્થની ઇચ્છાને પ્રાપ્ત થાય છે તે પરમેશ્વરની ઇચ્છાશક્તિને અવલંબને કરીને પ્રાપ્ત થાય છે તેને ઇચ્છાશક્તિ કહીએ; અને એ જીવને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા ભોગવાય છે તે કેવળ કર્મે કરીને જ નથી ભોગવાતી; એ તો એને કર્મના ફળપ્રદાતા જે પરમેશ્વર તે એ જીવને જ્યારે કર્મફળને ભોગવાવે છે ત્યારે ભોગવે છે, કેમ જે આ જીવ જ્યારે જાગ્રત અવસ્થાના ફળને ભોગવતો હોય ને ત્યારે એ ઇચ્છે જે મારે સ્વપ્નમાં જવું છે તો એની વતે સ્વપ્નમાં જવાય નહિ, શા માટે જે ફળપ્રદાતા જે પરમેશ્વર તે એની વૃત્તિઓને રૂંધી રાખે છે અને સ્વપ્નમાંથી જાગ્રતમાં આવવાને ઇચ્છે તો જાગ્રતમાં અવાય નહિ અને સુષુપ્તિમાં પણ જવાય નહિ અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં તથા જાગ્રતમાં અવાય નહિ, એ તો જ્યારે જે કર્મના ફળના ભોગવાવનારા પરમેશ્વર છે તે એને જે અવસ્થાના કર્મફળને ભોગવાવે તેને જ ભોગવી શકે છે. પણ એ જીવ પોતાની ઇચ્છાએ કરીને અથવા કર્મે કરીને કર્મના ફળને ભોગવી શકતો નથી, એવી રીતે ભગવાનને વિષે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ ને ઇચ્છાશક્તિ તે રહી છે એમ શ્રીજીમહારાજે કૃપા કરીને ઉત્તર કર્યો. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૬૫।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે તમોગુણનું કાર્ય જે આકાશ તેની ઉત્પત્તિને લય કહ્યો છે પણ સર્વાધાર આકાશનો લય નથી કહ્યો. (૧) બીજામાં પિંડની ને બ્રહ્માંડની એકતા કહી છે ને સુષુમ્ણા નાડીનું અંત બ્રહ્મરંધ્ર કહ્યું છે તે બ્રહ્મરંધ્રને પામે ત્યારે મૂળપુરુષના તેજને દેખે છે. (૨) ત્રીજામાં સ્નેહે કરીને અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ જાગ્રતનો લય થાય છે અને મને કરીને ચિંતવન કરતાં કરતાં સ્વપ્નને વિષે અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય છે અને ઉપશમપણે કરીને અમારી મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં સુષુપ્તિને વિષે અમારી મૂર્તિમાં લક્ષ થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે. (૩) ચોથામાં જાગ્રત, સ્વપ્ન, ને સુષુપ્તિ અવસ્થાનું ફળ તેને જીવ પોતાની ઇચ્છાથી અથવા કર્મે કરીને ભોગવી શકતો નથી; અમે ભોગવાવીએ તે અવસ્થાના ફળને ભોગવી શકે છે એમ કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં સમાધિએ કરીને આકાશની ઉત્પત્તિને લય કહ્યો તે કેવી રીતે સમજવો ?
૧ ઉ. જેમ ઇન્દ્રિયોના છિદ્રની વૃદ્ધિ થવે કરીને અને સંકોચ પામવે કરીને ઉત્પત્તિને લય છે, તેવી રીતે સમાધિવાળા સમાધિમાં જાય છે ત્યારે નાડીઓ જીવમાં ખેંચાઈને સંકોચને પામે છે, ત્યારે આકાશ લય પામે છે, અને જ્યારે સમાધિમાંથી બહાર આવે છે ત્યારે નાડીઓ વિકાસને પામે છે, ત્યારે આકાશ ઉત્પન્ન થાય છે, એવી રીતે સમાધિને વિષે આકાશની ઉત્પત્તિ ને લય છે.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં ઇન્દ્રિયોના અંતને પામે, ત્યારે દેવને પામે એમ કહ્યું તે શી રીતે પમાતું હશે ?
૨ ઉ. યોગાભ્યાસવાળો હોય તે જે જે નાડીને જે જે ઇન્દ્રિયો સાથે એકતા હોય તે તે નાડીએ જીવને ચડાવે, ને તે નાડીના અંતને પામે ત્યારે તે ઇન્દ્રિયના દેવને દેખે.
૩ પ્ર. ચોથા પ્રશ્નમાં ભગવાનની જ્ઞાનશક્તિના અવલંબને કરીને જીવ જ્ઞાન પામે છે અને ભગવાનની ક્રિયાશક્તિને અવલંબને કરીને જીવ ક્રિયા કરે છે ને ભગવાનની ઇચ્છાશક્તિને અવલંબને કરીને જીવ પદાર્થની ઇચ્છાને પામે છે એમ કહ્યું, ત્યારે તો કર્મના કર્તા ભગવાન થયા ત્યારે પુણ્ય-પાપ જીવને માથે ન રહ્યું અને (પ્ર. ૨૯ના પહેલા પ્રશ્નમાં તથા ૭૮ના પહેલા પ્રશ્નમાં ઇત્યાદિકમાં) પવિત્ર દેશકાળાદિક સેવવા એમ કહ્યું છે તે જ્યારે કર્મના કર્તા ભગવાન હોય ત્યારે જીવને રૂડા દેશાદિક સેવવાનું શું પ્રયોજન છે, કેમ જે કર્મ તો ભગવાન કરાવે ત્યારે જ થાય છે, માટે એ પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. જીવે ત્રણ ગુણ પ્રધાનપણે પૂર્વે કરેલાં કર્મ તે કર્મનું ફળ ત્રણે અવસ્થાઓમાં ભોગવાય છે, તે ફળ ભોગવવાં તેમાં ભગવાનની ઇચ્છાશક્તિ, ક્રિયાશક્તિ ને જ્ઞાનશક્તિ ભળે તો ભોગવાય. પણ કેવળ જીવની ઇચ્છાથી કે કર્મે કરીને ફળને ભોગવી શકાતાં નથી એમ કહ્યું છે, પણ જીવ જે જે કર્મ કરે છે તેમાં તો ભગવાનની એકે શક્તિ ભળતી નથી; માત્ર ફળ ભોગવવામાં ભળે છે, પણ કર્મ કરવામાં ભળતી નથી; કર્મ તો બુદ્ધિ અનુસારે ને સંગાનુસારે કરે છે, તે (સા. ૬ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) કહ્યું છે જે જીવને ત્રણે અવસ્થાઓના ફળને ભોગવાવનારા ભગવાન છે પણ કર્મ કરાવનારા ભગવાન છે એવું ક્યાંય કહ્યું નથી, માટે સારા દેશાદિક સેવવા ને સંતનો સંગ રાખવો ને નિયમમાં વર્તવું; જો નિયમમાં વર્તે નહિ તો કરેલાં કર્મ જીવને ભોગવવાં પડે તે (જે. ૫/૧ માં) અમારા નિયમ નહિ પાળો તો અમારે ને તમારે લેવાદેવા નથી એમ કહ્યું છે. ।।૬૫।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૬
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીમદ્ ભાગવતને વિષે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન ને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે તે કોઈ ઠેકાણે એને સગુણ કરી કહે છે અને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરી કહે છે, તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે, ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે ને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે, માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય, ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે, ભગવાનને તો આકાર નથી તે સમજનારાની અવળી સમજણ છે અને શાસ્ત્રમાં જે શબ્દછળ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી તે કિયા શબ્દછળ ? તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે, એવાં વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે, શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કહ્યા છે અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ ને નિર્ગુણ કહ્યા છે તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે, અનંત કલ્યાણ ગુણે યુક્ત છે ને તેજપુંજ કહ્યા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહિ, માટે એ તેજ તે મૂર્તિનું છે, જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજુ હોય તે એમ જાણે જે, અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે તેમ જ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજુ હોય તે એમ જાણે જે, વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે, તેમ બ્રહ્મસત્તારૂપ જે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવાં વચન હોય જે, જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે ને ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે એવા જે શબ્દના છળ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે, પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણના પુત્ર લેવાને ગયા, ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સોતા ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિષે રથ હાંકીને તેજપુંજને વિષે પ્રવેશ કરીને અને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રીકૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વે દિવ્ય ને માયા પર જે ચૈતન્ય તે રૂપે થાતા હવા; અને જો દિવ્યરૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહિ, માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા; એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે. (૧) અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે ને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંતકોટિ મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે, માટે કોઈ ગમે તેવાં શાસ્ત્ર વંચાતાં હોય ને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જે, એ ભગવાનની મૂર્તિનો મહિમા કહ્યો છે પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે, એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૬૬।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ભાગવતમાં નિર્ગુણ કરીને કહ્યા હોય, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા હોય અને સગુણ કરીને કહ્યા હોય ત્યારે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહ્યા હોય એમ જાણવું. પણ તેજપુંજ કહ્યા હોય ત્યારે તે તેજ સૂર્ય અને અગ્નિના પ્રકાશની પેઠે મૂર્તિનું સમજવું, તેમ જ બ્રહ્મસત્તારૂપ એટલે અક્ષરબ્રહ્મરૂપ પ્રકાશ છે તે અમારી મૂર્તિનો છે અને અમે સદા દિવ્ય મૂર્તિ ને અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છીએ. (૧) અને એકાંતિક સંત અમને દિવ્ય સાકાર, અક્ષરાતીત અનંતકોટિ મુક્તના તથા અક્ષરધામના આત્મા જાણે છે અને અમે સદા સાકાર ને સર્વેના કારણ ને સર્વેના અવતારી છીએ. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં ભૂમાપુરુષ પાસે જતાં માયાનો અંધકાર આવ્યો તે કિયો જાણવો ?
૧ ઉ. આ પૃથ્વીના ગોળાની અંદર ૪૮ અડતાલીસ કરોડ યોજન અવકાશ છે તે અવકાશમાં સાત દ્વીપ ને સાત સમુદ્ર છે તેના ફરતો લોકાલોક છે ને તે લોકાલોકને ફરતું અંધકાર છે તે અંધકારના ફરતું આ પૃથ્વીના ગોળાનું દળ એક કરોડ યોજન જાડું છે તે દળની ને અંધકારની વચમાં ભૂમાપુરુષ પોતાના સાધનિક પાર્ષદોએ સહિત રહે છે તે અંધકાર આ ઠેકાણે કહ્યો છે.
૨ પ્ર. ઉપર કહ્યું તે સિવાય ભૂમાપુરુષને રહેવાનું બીજું ધામ હશે કે કેમ ?
૨ ઉ. જેને પ્રધાનપુરુષ કહે છે તે જ પોતે ભૂમાપુરુષ છે અને પૃથ્વીના દળના ફરતાં જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્ત્વ તેમના આવરણથી પર પ્રધાનપુરુષનું આવરણ છે તે જ ભૂમાપુરુષનું ધામ છે, ત્યાં રહ્યા થકા પ્રથમ કહ્યું જે અવ્યાકૃત ધામ તેને વિષે દર્શન આપે છે.
૩ પ્ર. રથ ને ઘોડા દિવ્ય ચૈતન્ય થયા તે કેવા જાણવા ? અને માયા પર બ્રહ્મ શું જાણવું ? અને માયા કઈ જાણવી ?
૩ ઉ. એ રથ-ઘોડાને વિષે શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું ઐશ્વર્ય મૂક્યું હતું તેને લઈને ચૈતન્યને દિવ્ય કહ્યા છે અને આ મર્ત્યલોકને વિષે લોકાલોકના ફરતું જે અંધકાર છે તે અંધકારને જ માયા કહી છે તે અંધકારરૂપ માયાથી પર ગયા એમ કહ્યું છે પણ માયાના આઠમા આવરણથી પર ગયા એમ નથી કહ્યું. અને જેમ આ પૃથ્વીમાં લોકાલોકના ફરતા અંધકારને માયાનો અંધકાર કહ્યો, તેમ જ ભૂમાપુરુષના તેજને બ્રહ્મ કહ્યું છે તે ભૂમાપુરુષ માયા સબળિત બ્રહ્મ છે, માટે તેનું તેજ તે પણ માયા સબળિત બ્રહ્મ છે પણ માયાથી પર જે બ્રહ્મ છે તે ન જાણવું. ।।૬૬।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૭
સંવત ૧૮૭૬ના ચૈત્ર સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) કોઈ પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી ને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારું અને જેટલું કાંઈ યત્ન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહિ, એવા જે પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિષે કેમ સમજે તો આવે ? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, જેને આ લોકના સુખમાં ઇચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિષે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને ને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ઉત્તર તો ખરો પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો જે, જે પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે, આ પુરુષ તો અતિશે મોટા છે ને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તોપણ લેશમાત્ર સંસારના સુખને ઇચ્છતા નથી અને હું તો અતિશે પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશમાત્ર સમજતો જ નથી, માટે મુને ધિક્કાર છે એવી રીતે અનુતાપ કરે, અને મોટાપુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિષે વૈરાગ્ય ઊપજે ને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. (૧)
૨ હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે, (૨) જે પુરુષ એમ સમજે જે, આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતાં-પીતાં પણ આવડતું નથી અને ઓઢતાં-પહેરતાં પણ આવડતું નથી ને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતાં પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે, એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે એવો જે કુમતિ પુરુષ હોય તેને વિષે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૬૭।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવવાની સમજણ કહી છે. (૧) બીજામાં સત્પુરુષના ગુણ ન આવે તેનાં લક્ષણ કહ્યાં છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલામાં સત્પુરુષ કહ્યા છે તે કોને જાણવા ? અને દેવ કહ્યા તે કોને જાણવા ?
૧ ઉ. આત્મા-પરમાત્માના સાક્ષાત્કારવાળા હોય તેને સત્પુરુષ કહ્યા છે. અને આ ઠેકાણે પોતાના ઇષ્ટદેવને દેવ કહ્યા છે તે દેવ જે શ્રીજીમહારાજ તેમના તુલ્ય એ મુક્તને જાણે તો તેના ગુણ મુમુક્ષુમાં આવે એમ કહ્યું છે.
૨ પ્ર. મુક્તાનંદ સ્વામીના ઉત્તરને સાચો કહીને શ્રીજીમહારાજે બીજી રીતે કેમ ઉત્તર કર્યો હશે ?
૨ ઉ. મુક્તાનંદ સ્વામીનો કરેલો ઉત્તર વાસ્તવ્ય છે અને શ્રીજીમહારાજે પણ (પ્ર. ૭૮ના બારમા પ્રશ્નમાં) આવી જ રીતે ઉત્તર કર્યો છે, પણ મોટા મુક્તની ક્રિયા દેખીને કોઈકને અવગુણ આવેલો તે અવગુણ ટાળવા માટે જેવી રીતે અવગુણ ટળે તેવો ઉપાય બતાવ્યો છે. ।।૬૭।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૮
સંવત ૧૮૭૬ના ચૈત્ર સુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળું હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે એક પ્રશ્ન પૂછીએ છૈએ. ત્યારે મુનિએ કહ્યું જે પૂછો, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ઓગણતેરા કાળમાં અમને એક મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસતું જે, અમે પુરુષોત્તમપુરીને વિષે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિષે પ્રવેશ કરીને રહ્યા છીએ ને તે મૂર્તિ તો કાષ્ઠની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ-કપટ સર્વ દેખતા અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે અને શાસ્ત્રમાં પણ એવાં વચન છે જે, શુકજી વૃક્ષમાં રહીને બોલ્યાં હતાં. માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઇચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે, માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે તેમાં પોતે સાક્ષાત્ પ્રવેશ કરીને વિરાજમાન રહે છે; તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય, ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય ને તેની મર્યાદા રાખે, તેમ તે મૂર્તિની પણ રાખી જોઈએ, અને તેમ જ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ તે તો એ ભક્ત લેશમાત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે, મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું. ને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલાં ફેલફતૂર કરે છે પણ લેશમાત્ર ભગવાનનો ડર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી ? એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસ બોલ્યા જે, જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. (૧)
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે, ત્યારે એનું કલ્યાણ થાશે કે નહિ થાય ? પછી સંત બોલ્યા જે એનું કલ્યાણ નહિ થાય. (૨)
૩ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૩) જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે ને સંતને વિષે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહિ રહે, એને તો જેનું ભજન-સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને એ ભગવાનનાં જે ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ છે તેને વિષે પણ નાસ્તિકપણું આવશે અને જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહિ માને એવો પાકો નાસ્તિક થાશે. (૩)
૪ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિષે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન ને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે, કેમ જે જ્યારે એ માંહેલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ-સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહિ અને એ નાસ્તિકપણું મટે ક્યારે ! તો જ્યારે શ્રીમદ્ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિષે કહી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય ને આસ્તિકપણું આવે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૬૮।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં ત્રીજું કૃપાવાક્ય છે. પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી પ્રતિમા તે અમે સાક્ષાત્ છીએ, માટે જે અમારી પ્રતિમાને સાક્ષાત્ ભગવાન જાણીને ન પૂજે ને અમારી પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેને અમારો નિશ્ચય નથી. (૧) બીજામાં પ્રતિમાની તથા સંતની મર્યાદા ન રાખે તેનું કલ્યાણ નહિ થાય. (૨) ત્રીજામાં જેને અમારી પ્રતિમાને વિષે ને મુક્તને વિષે નાસ્તિકપણું આવે તેને પ્રત્યક્ષ એેવા જે અમે તે અમારે વિષે ને અમારા ધામને વિષે પણ નાસ્તિકપણું આવશે ને અમને કર્તા નહિ માને, એવો પાકો નાસ્તિક થાશે. (૩) ચોથામાં નાસ્તિકના ગ્રંથ સાંભળવાથી તથા તે ગ્રંથમાં પ્રતીતિ આવવાથી અથવા નાસ્તિકના સંગથી નાસ્તિક થાય છે; અને ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારા ગ્રંથ સાંભળે તો નાસ્તિકપણું જાય ને આસ્તિકપણું આવે. (૪) બાબતો છે.
૧ પ્ર. ત્રીજા પ્રશ્નમાં મૂર્તિને વિષે નાસ્તિકપણું આવે તેને અમારા મનુષ્ય સ્વરૂપને વિષે પણ નાસ્તિકપણું આવશે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે મનુષ્ય સ્વરૂપ ને પ્રતિમા તે જુદા હશે કે કેમ ?
૧ ઉ. મનુષ્ય સ્વરૂપ ને પ્રતિમા તથા ધામને વિષે જે મૂર્તિ છે તે એક જ છે પણ જુદાં નથી, તેથી શ્રીજીમહારાજે કહ્યું છે કે જેને પ્રતિમાને વિષે નાસ્તિકપણું આવે તેને પ્રત્યક્ષ એવા જે અમે તે અમારે વિષે ને અમારા ધામને વિષે પણ નાસ્તિકપણું આવેલું જ છે, કેમ જે અમારે વિષે દિવ્યભાવ થયો નથી, તેથી અમારી પ્રતિમાને દિવ્ય જાણતો નથી એમ કહ્યું છે; તે જો શ્રીજીમહારાજનો દિવ્યભાવે સહિત મહિમા જાણે તો શ્રીજીમહારાજને વિષે સર્વાંતર્યામીપણું સમજાય, તો મનુષ્ય રૂપે શ્રીજીમહારાજ વિચરતા હોય, ત્યારે મનુષ્યચરિત્ર જોઈને સંશય થાય નહિ અને પ્રતિમા બોલે-ચાલે નહિ તોપણ પ્રતિમાને વિષે નાસ્તિકપણું આવે નહિ, માટે શ્રીજીમહારાજનો મહિમા યથાર્થ જાણીને પ્રતિમાને વિષે તથા મનુષ્ય સ્વરૂપને વિષે દિવ્યભાવ સમજે તો જ મોક્ષ થાય પણ તે વિના મોક્ષ થાય જ નહીં. ।।૬૮।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૬૯
સંવત ૧૮૭૬ના ચૈત્ર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી વાસુદેવનારાયણની સંધ્યા આરતી થઈ રહી.
૧ તે પછી નારાયણ ધૂન્ય કરીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ધર્મ તે કેનું નામ છે ? એનો શાસ્ત્રની રીતે કરીને ઉત્તર કરો. અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહિ અને મારવા પણ દેતા નહિ, માટે શરણે આવ્યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે, તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી ? પછી એનો ઉત્તર જેમ જેને ભાસ્યો તેમ તેણે કરવા માંડ્યો, પણ શ્રીજીમહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહીં. પછી મુનિ સર્વે બોલ્યા જે, હે મહારાજ ! અમે એ જ તમને પ્રશ્ન પૂછીએ છીએ જે, યજ્ઞાદિકને વિષે પશુ-હિંસા સહિત ધર્મ કહ્યો છે અને અહિંસારૂપ પણ ધર્મ કહ્યો છે, માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હિંસા યુક્ત જે ધર્મ છે તે તો ધર્મ, અર્થ ને કામ પર છે અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષપરાયણ છે અને એ સાધુનો ધર્મ છે ને હિંસામય જે ધર્મ છે તે તો વ્યવહારિક છે પણ કલ્યાણને અર્થે નથી અને જે અહિંસારૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે, માટે ગૃહસ્થ અથવા ત્યાગી એ સર્વેને અહિંસારૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કહ્યો છે, જેમ રાજા યુધિષ્ઠિર રાજ્યમાં હતા તોય પણ અહિંસા ધર્મને વિષે રહ્યા હતા, તે માટે સાધુને તો મન, કર્મ, વચને કરીને કોઈનું ભૂંડું વાંછવું નહિ અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહિ ને સર્વના દાસાનુદાસ થઈને રહેવું અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે, અને કોઈ કહેશે જે, હજારો માણસને નિયમમાં વર્તાવવાં હોય તેને કેમ સાધુતા ગ્રહણ કર્યે ચાલે ? તો એનો ઉત્તર એ છે જે, રાજા યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું, તોય પણ સાધુતા રાખી હતી ને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય તે વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહિ, માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ્ય નથી; એવા તો ઘણાય હોય, પણ સાધુ થાવું એ જ ઘણું દુર્લભ છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૬૯।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં અહિંસા ધર્મે કરીને કલ્યાણ થાય છે અને ક્રોધે યુક્ત પ્રકૃતિ હોય તે દુષ્ટનો ધર્મ છે ને શાન્ત સ્વભાવે વર્તવું તે સાધુનો ધર્મ છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે. ।।૬૯।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૦
સંવત ૧૮૭૬ના ચૈત્ર સુદિ ૧૫ પૂનમને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે હીરકોરનું ધોળું ધોતિયું બાંધ્યું હતું ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને હસ્તકમળમાં તુળસીની માળા લેઈને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટા મોટા પરમહંસ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો. ત્યારે ગામ રોજકાના હરિભક્ત કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૧) અંતરને માંહીલી કોર એક કહે છે જે, વિષયને ભોગવીએ ને એક તેની ના પાડે છે તે ના પાડે છે તે કોણ છે ? ને હા પાડે છે તે કોણ છે ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ના પાડે છે તે જીવ છે ને હા પાડે છે તે મન છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા ને માબાપની ઓળખાણ પડી તે દિવસથી માબાપે નિશ્ચય કરાવ્યો જે, આ તારી મા ને આ તારો બાપ ને આ તારો કાકો ને આ તારો ભાઈ ને આ તારો મામો ને આ તારી બોન ને આ તારી મામી ને આ તારી કાકી ને આ તારી માસી ને આ તારી ભેંસ ને આ તારી ગાય ને આ તારો ઘોડો ને આ તારું લૂગડું ને આ તારું ઘર ને આ તારી મેડી ને આ તારું ખેતર ને આ તારાં ઘરેણાં ઇત્યાદિક જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે તો, જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે ને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દ ને તેનાં રૂપ તે પંચવિષયે સહિત રહ્યાં છે ને તે જીવને પછી સત્સંગ થયો, ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની ને વિષયખંડનની ને જગત મિથ્યાની વાત કરી તે સંતની વાર્તા, ને તે સંતનાં રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યાં છે તે એ બે લશ્કર છે ને સામસામાં ઊભાં છે, જેમ કુરુક્ષેત્રને વિષે કૌરવ ને પાંડવનાં લશ્કર સામસામાં ઊભાં હતાં ને પરસ્પર તીર ને બરછી ને બંધૂક ને તોપ ને જંજાળોની લડાઈ થાતી હતી અને કોઈક તરવારે લડતા હતા ને કોઈક ગદાએ લડતા હતા ને કોઈક બથોબથ લડતા હતા તેમાં કોઈનું માથું ઊડી ગયું ને કોઈની સાથળ કપાઈ ગઈ એમ કચરઘાણ ઊડતો હતો, તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે કુસંગીનાં રૂપ છે તે પંચવિષયરૂપી શસ્ત્ર બાંધીને ઊભાં છે; અને વળી જે આ સંતનાં રૂપ છે તે પણ ભગવાન સત્ય ને જગત મિથ્યા ને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભાં છે ને એ બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે તે જ્યારે કુસંગીનું બળ થાય છે, ત્યારે વિષય ભોગવ્યાની ઇચ્છા થઈ આવે છે ને જ્યારે આ સંતનું બળ થાય છે, ત્યારે વિષય ભોગવ્યાની ઇચ્છા નથી થાતી, એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે તે જેમ...
यत्र योगश्वर: कृष्णो यत्र पार्थो धनुर्धर: ।
तत्र श्रीर्वजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ।।
એ શ્લોકમાં કહ્યું જે, જ્યાં યોગેશ્વર એવા શ્રીકૃષ્ણ ભગવાન છે ને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે ને અચળ નીતિ છે, તેમ જેની કોરે આ સંતમંડળ છે તેનો જ જય થાશે એમ નિશ્ચય રાખવો. (૧)
૨ ત્યારે વળી કાકેભાઈએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! એ સંતનું બળ વધે ને કુસંગીનું બળ ઘટે તેનો શો ઉપાય છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે અને વળી અંતરમાં સંત રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બળ વધે છે અને અંતરમાં જે સંત છે તેનું પણ બહાર જે સંત છે તેને પોષણે કરીને બળ વધે છે, માટે બહારના કુસંગીનો સંગ ન કરે ને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય ને સંતનું બળ વધે એમ શ્રીજીમહારાજે કહ્યું. (૨)
૩ ત્યારે વળી કાકેભાઈએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) હે મહારાજ ! એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે ને સંતનું જ બળ છે એક એવો છે અને એકને તો એમ ને એમ લડાઈ થાતી રહે છે તે બેમાં જેને લડાઈ આળસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કાંઈ સંશય નથી પણ જેને લડાઈ એમ ને એમ થાય છે તે મરે તેની શી ગતિ થાય તે કહો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ એક લડવા નીસર્યો તેને આગળ વાણિયા કે ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો તે પણ જીત્યો અને એક તો લડવા નીસર્યો તેને આગળ આરબની બેરખ આવી તથા રજપૂત આવ્યા તથા કાઠી તથા કોળી આવ્યા તેને તો જીતવા કઠણ જ છે પણ કાંઈ એ વાણિયાની પેઠે તરત જિતાઈ જવાય એવા નથી. માટે એ તો એમ ને એમ લડે છે ને તેમાં જો જીત્યો તો જીત્યો ને જો લડતે લડતે મરાણો તોપણ જે એનો ધણી છે તે શું નહિ જાણે જે એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહિ જિતાય ને આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જિતાય એવા હતા, એમ એ બેય ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે જે, આને આવા સંકલ્પ-વિકલ્પનું બળ છે ને લડાઈ લે છે માટે એને શાબાશ છે, એમ જાણીને ભગવાન એની સહાય કરે છે માટે બેફિકર રહેવું; કાંઈ ચિંતા રાખવી નહિ; ભગવાનને એમ ને એમ ભજ્યા કરવું ને સંતનો સમાગમ અધિક રાખવો ને કુસંગીથી છેટે રહેવું, એમ પ્રસન્ન થઈને શ્રીજીમહારાજ બોલતા હવા. (૩)
૪ ત્યારે જસકાવાળા જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૪) ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય ? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, કુસંગી થકી છેટે રહીએ ને સંતનો સમાગમ અતિશે રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય. ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે એનો ઉત્તર કરીએ જે, ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો પણ કોઈક પદાર્થની ઇચ્છાએ કરીને ન કરવો જે, હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંઝિયો છું તે દીકરો આવે કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થાઉં, કે ગામ-ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે, એવી જાતની પદાર્થની ઇચ્છા રાખીને સત્સંગ ન કરવો અને જો એવી જાતની ઇચ્છા રાખીને સત્સંગ કરે ને એ પદાર્થની ઇચ્છા પૂરી થાય તો અતિશે પાકો સત્સંગી થઈ જાય અને જો ઇચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય, માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો પણ કોઈ પદાર્થની ઇચ્છા તો રાખવી જ નહિ, કાં જે ઘરમાં દશ માણસ હોય ને તે દશેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઊગરે તો શું થોડો છે ? કે હાથમાં રામપત્તર આવવાનું હોય ને રોટલા ખાવા મળે તો શું થોડા છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું, એમ અતિશે દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું પણ એ જીવને એમ સમજાતું નથી અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે, ત્યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો તેને માર્ગને વિષે પગમાં કાંટો વાગ્યો તે પગમાં સોંસરો નીકળ્યો તેણે કરીને પગ સૂણ્યો તે ચોરીએ ન જવાણું ને બીજા ચોર તો ચોરી કરવા ગયા તે એક રાજાનો ખજીનો ફાડીને ઘણુંક ધન લઈ આવ્યા અને સૌએ માંહોમાંહી વહેંચી લીધું તે પૈસા બહુ આવ્યા, તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો તેનાં માબાપ, સ્ત્રી ને સગાં સર્વે વઢવા લાગ્યાં જે, તું ચોરી કરવા ન ગયો ને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું ને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા, એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું તે, તે સર્વે ચોરને ઝાલીને શૂળીએ દીધા તેને ભેળે એને પણ ઝાલીને શૂળીએ દેવા સારુ લઈ ગયા, ત્યારે તે સર્વે ગામ ને માણસે તથા સાધુએ સાખ્ય પૂરી જે, આ તો ચોરી કરવા નહોતો ગયો, એને તો કાંટો વાગ્યો હતો ત્યારે તે ઊગર્યો. એમ સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે, કાં જે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે, તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થાવાનું હોય તો તે મુને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મુને આવે પણ તમારા સત્સંગી અન્ન-વસ્ત્રે કરીને દુઃખી ન થાય એ બે વર મુને આપો, એમ અમે રામાનંદ સ્વામી પાસે માગ્યું, ત્યારે અમને રામાનંદ સ્વામીએ રાજી થઈને વર આપ્યો છે, માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થાવાનું લખ્યું હોય તે થાય નહિ તોય પણ પદાર્થ નાશવંત છે માટે એ પદાર્થની ઇચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહિ, માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો તો અડગ નિશ્ચય થાય ઇત્યાદિક ઘણીક વાત તો કરી છે પણ આ તો દિશમાત્ર લખી છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૭૦।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, કુસંગીના તથા સંતના શબ્દરૂપી લશ્કર આ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે બેને પરસ્પર શબ્દની લડાઈ થાય છે તેમાં કુસંગીના શબ્દનું બળ થાય ત્યારે જીવને વિષય ભોગવવાની ઇચ્છા થઈ આવે છે અને સંતના શબ્દનું બળ થાય ત્યારે જીવને વિષય ભોગવવાની ઇચ્છા થાતી નથી. (૧) બીજામાં બહારના કુસંગીનો સંગ ન રાખે ને બહારના સંતનો સંગ રાખે તો કુસંગીનું બળ ઘટી જાય છે. (૨) ત્રીજામાં સંકલ્પનો હઠાવ્યો હઠે નહિ ને સાધુનો સંગ રાખે તેનું અમે પૂરું કરશું. (૩) ચોથામાં બીજી સર્વે ઇચ્છાનો ત્યાગ કરીને પોતાના કલ્યાણને જ અર્થે સત્સંગ કરે તો અમારો અડગ નિશ્ચય થાય છે. (૪) બાબતો છે.
૧ પ્ર. ચોથા પ્રશ્નમાં નિત્યાનંદ સ્વામીએ અડગ નિશ્ચય થવાનો ઉત્તર કર્યો તે સાચો હશે, કે શ્રીજીમહારાજે કર્યો તે સાચો હશે ?
૧ ઉ. નિત્યાનંદ સ્વામીએ કરેલો ઉત્તર વાસ્તવ્ય છે. પણ કોઈ ભક્તને ગરાસ વગેરેની ઇચ્છા હોય તે ટાળવા માટે એવો ઉત્તર કર્યો છે. ।।૭૦।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૧
સંવત ૧૮૭૬ના ચૈત્ર વદિ ૪ ચતુર્થીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે કીર્તન-ભક્તિની સમાપ્તિ કરીને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો. પછી સોમલેખાચરે પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે પણ એવો કિયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા, માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં. (૧)
૨ પછી માતરેધાંધલે પૂછ્યું જે, (૨) ઈર્ષ્યાનું શું રૂપ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેની ઉપર જેને ઈર્ષ્યા હોય તેને રૂડું થાય ત્યારે તેથી ખમાય નહિ ને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય એ ઈર્ષ્યાનું લક્ષણ છે. (૨)
૩ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૩) ।। सर्व खल्विदं ब्रह्म ।। એ જે શ્રુતિ છે તેનો અર્થ સર્વે પંડિત એમ કરે છે જે, આ જે યત્કિંચિત્ નામરૂપ છે તે સર્વે બ્રહ્મ છે; અને વળી ।। घटवत्सगसर्गादि विनश्यति ।। એ જે શ્રુતિ તે સર્વેને નાશવંત કહે છે, માટે એ પરસ્પર શ્રુતિનો વિરોધ આવ્યો તે કેમ ટળે ? પછી સાધુમાં જેને જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે લ્યો અમે ઉત્તર કરીએ છીએ જે, પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે ભગવાન તે જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રગટ થાય છે ત્યારે જે જે તત્ત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્ત્વ બ્રહ્મરૂપ છે, કાં જે રામકૃષ્ણાદિક અવતારને વિષે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે તથા દશ ઇન્દ્રિયો, પંચ પ્રાણ ઇત્યાદિક સર્વે તત્ત્વ મનુષ્યની પેઠે જણાય છે પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી, એમ એ શ્રુતિનો અર્થ છે અને એ ભગવાનની મૂર્તિ વિના બીજું જે માયિક નામરૂપ છે તે સર્વે નાશવંત છે એમ બીજી શ્રુતિનો અર્થ છે, એવી રીતે એ બે શ્રુતિનો અર્થ કરીએ તો પરસ્પર વિરોધ નથી આવતો. (૩)
૪ પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૪) ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય ને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે ? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે માટે તેની કથા થાતી નથી અને શ્રીમદ્ ભાગવત પુરાણ ને ભારત એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે માટે તેની જગતમાં કથા થાય છે, માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થાતું હોય તેમ કહો ? અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે તે એ બે પ્રકારનું જે પ્રતિપાદન તે અનાદિ શાસ્ત્રમાં છે એટલે પ્રતિપાદન કર્યું છે, માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો. પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે, એવી રીતે પ્રતિપાદન કર્યું. (૪)
૫ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ જે, (૫) નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા, તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, એ આદિક જે ભગવાનનાં ધામ તેને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી ? પછી મુનિ બોલ્યા જે, ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય જે જ્યારે અક્ષરાદિક ધામ દેખશું અથવા કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ દેખશું ત્યારે આપણું કલ્યાણ થયું, એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે શું એણે પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો ? પછી મુનિ બોલ્યા જે, જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય તે બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનનાં જ છે, માટે તેની પણ અરુચિ શા સારુ રાખે ? પણ ભગવાન વિના એને ઇચ્છે નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તે ધામ ને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે, માટે એમાં શું દૂષણ છે જે એને ઇચ્છે નહીં ? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિરાજતા હોય ને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવાં હોય તે કેમ સમજો છો ? પછી મુનિ બોલ્યા જે, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિષે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે તેને મર્ત્યલોકનાં નાશવંત એવાં જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો ? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! એનો ઉત્તર તો તમે કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે, ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે પણ એ બીજાના દેખ્યામાં આવે નહિ અને જ્યારે કોઈ ભક્તને સમાધિને વિષે અલૌકિક દૃષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિષે કોટિ કોટિ સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે અને અનંતકોટિ જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે, માટે એ સર્વે ભગવાન ભેળું છે. (૫) તોય પણ ભગવાન મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે અને તે પોતાના ભક્તનાં ગાર, માટી ને પાણાનાં જે ઘર તેને વિષે વિરાજમાન રહે છે અને તે ભક્ત ધૂપ, દીપ, અન્ન, વસ્ત્રાદિક જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે તે વસ્તુ ભગવાનના ધામને વિષે દિવ્યરૂપ થાય છે ને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે, માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સોતું પૃથ્વી ઉપર વિરાજમાન છે, એમ સમજવું, અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૭૧।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા ભક્તનો દ્રોહ કરે તે અપરાધને અમે માફ કરતા નથી. (૧) બીજામાં કોઈનું રૂડું દેખી ખમાય નહિ તે ઈર્ષ્યાનું રૂપ છે. (૨) ત્રીજામાં જીવોના કલ્યાણને અર્થે અમે મર્ત્યલોકને વિષે દર્શન આપીએ છીએ ત્યારે અમારી દિવ્ય મૂર્તિને મનુષ્યના જેવી દેખાડીએ છીએ. પણ મનુષ્યભાવ નથી, માટે મનુષ્યના જેવા દેખાતાં એવાં ઇન્દ્રિયાદિક તત્ત્વ તે દિવ્ય છે પણ ત્યાગ-ભાગ નથી, માટે ।। सर्व खल्विदं ब्रह्म ।। એ જે શ્રુતિએ કહ્યું છે તે મનુષ્ય રૂપે દેખાતું એવું જે અમારું સ્વરૂપ તે બ્રહ્મ છે એટલે દિવ્ય છે, એવો એ શ્રુતિનો અર્થ છે પણ સમગ્ર જગત બ્રહ્મ છે, એમ એ શ્રુતિનો અર્થ ન સમજવો ને અમારી મૂર્તિ વિના જે માયિક નામરૂપ છે તે નાશવંત છે, એમ ।। घटवत्सर्गादि विनश्यति ।। એ શ્રુતિનો અર્થ છે. (૩) ચોથામાં અમને સદા સાકાર જાણીને ભક્તિ કરે તો કલ્યાણ થાય છે. (૪) પાંચમામાં જીવના કલ્યાણને અર્થે અમે મૂર્તિ ધારીએ છીએ ત્યારે અમારું અક્ષરધામ ને દિવ્ય મૂર્તિ એવા મુક્ત અને અમારાં સર્વે ઐશ્વર્ય તે સર્વે અમારી આ મૂર્તિના ભેળાં જ હોય છે, એમ સમજવું. (૫) અને આંહીં જે ભક્તજન માયિક પદાર્થે કરીને અમારી તથા અમારા સંતની એટલે મુક્તની સેવા કરે છે તેને અમારી મૂર્તિનું દિવ્ય સુખ આપીએ છીએ. (૬) બાબતો છે.
૧ પ્ર. પાંચમા પ્રશ્નમાં શ્રીજીમહારાજે પોતાને નિરાકાર અક્ષરબ્રહ્મથી પર કહ્યા તે સાકાર અક્ષરબ્રહ્મથી પર તો (પ્ર. ૭/૧માં, ૪૧માં, ૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં, સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં, કા. ૮/૧ ઇત્યાદિકમાં) કહ્યા છે અને નિરાકાર અક્ષરબ્રહ્મ જે પોતાનું તેજ તેને વિષે તો શ્રીજીમહારાજ સદા વિરાજમાન રહ્યા છે, એમ (પ્ર. ૭/૧માં, ૨૧/૮માં, કા. ૭ના ચોથા પ્રશ્નમાં, લો. ૧૪માં, પં. ૧/૧માં, મ. ૧૩/૨માં, ૪૨/૨માં, ૫૦/૧ ઇત્યાદિકમાં) કહ્યું છે અને આ ઠેકાણે સાકાર બ્રહ્મથી પર
એવું જે શ્રીજીમહારાજના તેજરૂપ નિરાકાર અક્ષરબ્રહ્મ, તેથી શ્રીજીમહારાજે પોતાને પર કહ્યા તે પોતાના તેજરૂપ અક્ષરબ્રહ્મમાં તો પોતે રહ્યા જ છે અને તેથી પર પોતાને કેમ કહ્યા હશે ?
૧ ઉ. સાકાર અક્ષરબ્રહ્મથી પર ને તેનું કારણ, આત્મા, આધાર, પ્રેરક ને નિયંતા એવું જે પોતાના તેજરૂપ નિરાકાર અક્ષરબ્રહ્મ તેના પણ શ્રીજીમહારાજ આધાર, કારણ ને આત્મા છે. તે સારુ પોતાના તેજથી પોતાને પર કહ્યા છે પણ પર એટલે પૃથક્ નથી કહ્યા, માટે પર એટલે કારણ, આધાર, આત્મા ને શરીરી કહ્યા છે એમ સમજવું.
૨ પ્ર. બ્રહ્મપુર, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ ધામ કહ્યાં તે કોનાં કોનાં સમજવાં ?
૨ ઉ. બ્રહ્મ જે શ્રીજીમહારાજ તેમને રહેવાનું ધામ માટે અક્ષરધામને આ ઠેકાણે બ્રહ્મપુર નામે કહ્યું છે અને ગોલોક તે મૂળપુરુષનું ધામ જાણવું અને વૈકુંઠ તે રામચંદ્રજીનું ધામ જાણવું અને વાસુદેવબ્રહ્મના સાધનિક મુક્તો પૃથ્વી પર સાધન કરે છે તે ધામને શ્વેતદ્વીપ કહ્યું છે.
૩ પ્ર. બ્રહ્મસ્વરૂપ કહ્યું તે બ્રહ્મ સ્વરૂપ શું સમજવું ?
૩ ઉ. (૪/૫ ચોથા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એ તે એણે શું પાપ કર્યું ? તેના ઉત્તરમાં ધામ અને ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્યમૂર્તિ છે, માટે એમાં શું દૂષણ છે જે એને ઇચ્છે નહીં ? એમ કહ્યું છે, માટે બ્રહ્મ જે શ્રીજીમહારાજ તેમના તદાકારભાવને પામેલા મુક્તોને બ્રહ્મ સ્વરૂપ કહ્યા છે.
૪ પ્ર. ધામ અને તે ધામને વિષે રહ્યા જે પાર્ષદ તે તો ચૈતન્ય મૂર્તિ છે એમ કહ્યું તે ચૈતન્ય મૂર્તિ તે પાર્ષદને જ કહ્યા છે કે ધામને પણ ચૈતન્ય મૂર્તિ કહ્યું છે તે સમજાતું નથી, કેમ જે આમાં પાંચમા પ્રશ્નમાં જ ધામને નિરાકાર કહ્યું છે માટે તે કેવી રીતે સમજવું ?
૪ ઉ. ચૈતન્ય મૂર્તિ તો મુક્તને જ કહ્યા છે તે પાંચમા પ્રશ્નના ઉત્તરમાં જ શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમે જીવના કલ્યાણને અર્થે મૂર્તિ ધારણ કરીએ છીએ ત્યારે અમારું અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ પાર્ષદો અને અમારાં સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારીએ છીએ તેમાં પાર્ષદને જ ચૈતન્ય મૂર્તિ કહ્યા છે પણ ધામને તથા ઐશ્વર્યને મૂર્તિ શબ્દનો સંબંધ નથી, માટે ધામને તો શ્રીજીમહારાજના તેજવાચક જ સમજવું.
૫ પ્ર. શ્રીજીમહારાજને વિષે કોટિ કોટિ સૂર્ય સરખો પ્રકાશ ભાસે છે અને અક્ષરધામ પણ તે મૂર્તિ ભેળું જ ભાસે છે એમ કહ્યું ત્યારે તો પ્રકાશ ને ધામ બે વસ્તુઓ જુદી થઈ અને તમે તો પ્રકાશને જ ધામ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૫ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશરૂપ અક્ષરધામની અનંત કિરણો છે તેમાંની એક કિરણના કિંચિત્ પ્રકાશને કોટિ કોટિ સૂર્ય સરખો પ્રકાશ કહ્યો છે અને એ સમગ્ર પ્રકાશને અક્ષરધામ કહ્યું છે, કેમ જે (પ્ર. ૬૩ના ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીના સેવકના અકેકા રોમમાં કોટિ કોટિ સૂર્યના જેવો પ્રકાશ કહ્યો છે તો જ્યારે સેવકના રોમમાં એટલો પ્રકાશ છે તો શ્રીજીમહારાજના રોમના કિંચિત્ પ્રકાશમાં કોટિ કોટિ સૂર્યથી અધિક પ્રકાશ હોય તેમાં શું કહેવું ? માટે આ ઠેકાણે અક્ષરધામની એક કિરણના કિંચિત્ પ્રકાશને કોટિ કોટિ સૂર્ય સરખો પ્રકાશ કહ્યો છે તે (પ્ર. ૫૬ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) અમારા એકેક નખમાં કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ છે માટે સમગ્ર પ્રકાશને અક્ષરધામ કહ્યું છે.
૬ પ્ર. ત્યારે અક્ષરધામનો પ્રકાશ દેખાય છે એમ કેમ ન કહ્યું ને પ્રકાશ ને ધામ એ બે દેખાય છે એમ કેમ કહ્યું ?
૬ ઉ. એનો ઉત્તર પાંચમા પ્રશ્નમાં જ છે જે સમાધિવાળાને દેખાય છે તે જેને જેટલી સ્થિતિ થઈ હોય તે પ્રમાણે પ્રકાશને દેખે છે, માટે સ્થિતિના ભેદે કરીને અધિક-ન્યૂન પ્રકાશ દેખવામાં આવે છે તે જે અધૂરી સ્થિતિવાળા હોય તે કિંચિત્ પ્રકાશ દેખે છે અને પરિપૂર્ણ સ્થિતિવાળો હોય તે સમગ્ર પ્રકાશરૂપ અક્ષરધામને દેખે છે અને શ્રીજીમહારાજને ને મુક્તને પણ દેખે છે, માટે દેખનારાની સ્થિતિનો ભેદ કહ્યો છે પણ આગળ કહ્યો જે કોટિ કોટિ સૂર્યનો પ્રકાશ તે તો એ અક્ષરધામનો જ છે. ।।૭૧।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૨
સંવત ૧૮૭૬ના ચૈત્ર વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરને સમીપે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! કાલ્યને દિવસ તમે દાદાખાચરના આગળ બહુ રૂડી વાર્તા કરી હતી તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઇચ્છા છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તોપણ તે ભક્તને એવી ભક્તિનું અતિશે બળ છે તે કાળ ને કર્મ એ બેય મળીને તેનું ભૂંડું કરી શકતા નથી અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિષે જો નિષ્ઠામાં કાંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાને ઇચ્છે તોય પણ રૂડું થાતું નથી. (૧) અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહિ અને મહાભારતમાં ભીષ્મપિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે, જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ, માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબમાત્રને લેશમાત્ર દુઃખાવવો નહિ અને જો ગરીબને દુઃખાડે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહિ અને જો ગરીબને દુઃખાડે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે અને તેમ જ કોઈકને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મહત્યા જેવું જ છે અને જો સાચું કલંક હોય તોપણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું પણ તેને ફજેત કરવો નહિ અને તેમ જ પાંચ પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મ ભંગ કરાવે તો તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગે છે તે પાંચ પ્રકારની સ્ત્રીઓ કેઈ તો, એક તો પોતાને શરણે આવી હોય અને બીજી તે પોતાનો સંગ કરવા ન ઇચ્છતી હોય અને ત્રીજી તે પતિવ્રતા હોય અને ચોથી તે વિધવા સ્ત્રી અને પાંચમી તે વિશ્વાસી સ્ત્રી એ પાંચ પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિષે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. (૨)
૨ પછી મુનિ જે તે ભગવાનનાં રસિક કીર્તન ગાવાં લાગ્યાં. તેને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે અને વિમુખ જીવ હોય અથવા કાચોપોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિષે દોષ પરઠે, જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો, પછી એમ પૂછ્યું જે, ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો ? એવી રીતે દોષ લીધો અને શુકજીએ તો સમજી-વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું જે, કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશે ગર્વ થયો તે ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો, તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાના ગાંઠની દારૂ-ગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય તેમ ભગવાને કામદેવરૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો તે શું, તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય તેમાં પણ શરદઋતુને વિષે રાત્રીમાં કામદેવનું વધુ બળ થાય તથા સ્ત્રીના રાગરંગ-વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો તેણે કરીને કામદેવનું અતિશે બળ વધે છે, એ સર્વે સામાન શ્રીકૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો. અને અખંડ બ્રહ્મચારીની પેઠે ઊર્ધ્વરેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનનાં ચરિત્રગાન કર્યાં. અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહિ, ત્યારે દોષ પરઠ્યો, માટે કોઈક એમ કહે જે તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાઓ છો ? તો તેને એમ કહેવું જે, જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનનાં રસિક ચરિત્રને વિષે દોષ પરઠીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક, વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી, શા માટે જે પરમહંસમાત્રના ગુરુ જે શુકજી તેણે ભગવાનનાં રસિક ચરિત્ર ગાયાં છે, માટે અમારે પણ જરૂર ગાવવાં. અને ક્ષર-અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિષે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે, ત્યારે સર્વે મનુષ્યના જેવાં જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિષે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય, તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે, તે સર્વે જીવોના કલ્યાણને અર્થે છે, પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે. (૩) અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે. તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે. અને ક્ષર-અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. અને પોતે તો ક્ષર-અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે, જેના એક એક રોમના છિદ્રને વિષે અનંતકોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે, એવા જે મોટા ભગવાન તે જીવોના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે, ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં. તો મનુષ્યને તો રહે જ ક્યાંથી ? અને જેમ વડવાનળ અગ્નિ છે, તે સમુદ્રના જળને વિષે રહ્યો છે, ને સમુદ્રના જળને પીએ છે, ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે, તે અગ્નિ જ્યારે આપણને ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણે દીવા જેવું સુખ થાય નહિ અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય; અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય, એવો અસમર્થ છે તોપણ તે થકી જ આપણને સુખ થાય. પણ વડવાનળ અગ્નિથી સુખ ન થાય, તેમ જ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય. પણ જેના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં. માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવાં જેવાં ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે પણ એમ ન સમજવું જે, ભગવાન થઈને એમ શું કરતા હશે ? અને ભગવાનનાં ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવાં એ જ ભક્તનો ધર્મ છે, અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. (૪)
૩ પછી રોજકાના હરિભક્ત કાકેભાઈએ પૂછ્યું જે, (૩) જેને માહાત્મ્ય વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ? અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને એકલો નિશ્ચય હોય, તેને એમ ઘાટ થાય જે, ભગવાન તો મળ્યા છે, પણ શું જાણીએ કલ્યાણ તો થાશે કે નહિ થાય ? અને જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય જે, જે દિવસે ભગવાનનું દર્શન થયું, તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે ? હું તો કૃતાર્થ છું. અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું, એમ સમજે તેને ભગવાનનો માહાત્મ્યે સહિત નિશ્ચય જાણવો. (૫)
૪ પછી વળી કાકેભાઈએ પૂછ્યું જે, (૪) ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે ભગવાનના ભક્ત તેનાં શાં લક્ષણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જડ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિક છે તે આત્માને વિષે માને નહિ અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિક જે આત્માના ગુણ તે દેહને વિષે માને નહિ અને પોતાના શરીરને વિષે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિષે રહ્યા જે પરમાત્મા તેમને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે ને એવો સમર્થ થયો છે તોપણ એ આત્મદર્શન થકી ભગવાન ને ભગવાનના સંત તેને અધિક જાણે છે પણ પોતાને આત્મદર્શન થયું છે તેનું અભિમાન લેશમાત્ર ન હોય, એવાં જેનાં લક્ષણ છે તે ઉત્તમ ભક્ત કહેવાય. હવે જેને ભગવાનનો નિશ્ચય હોય ને આત્મનિષ્ઠા પણ હોય તોપણ ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા આવે અને જો ભગવાન એનું અપમાન કરે તો ભગવાન ઉપર પણ ઈર્ષ્યા આવે જે મોટા થઈને વગર વાંકે આમ શીદ કરતા હશે ? એવાં જેનાં લક્ષણ હોય તે મધ્યમ ભક્ત જાણવો. અને ભગવાનનો નિશ્ચય તો હોય પણ આત્મનિષ્ઠા ન હોય અને ભગવાનને વિષે પ્રીતિ હોય ને જગતના વ્યવહારને વિષે પણ પ્રીતિ હોય અને સાંસારિક વ્યવહારને વિષે હર્ષ-શોકને પામતો હોય, તેને કનિષ્ઠ ભક્ત જાણવો. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૭૨।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય હોય, અને અમારા સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય તે ભક્તનું કાળ-કર્મ ભૂંડું કરી શકતાં નથી. અને એવી નિષ્ઠામાં ફેર હોય તેનું રૂડું થતું નથી. (૧) અને ગરીબને કલ્પાવે, કોઈને માથે જૂઠું કલંક દે તથા પાંચ પ્રકારની સ્ત્રીઓનો ધર્મ ભંગ કરાવે તેને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે. (૨) બીજામાં અમારા મનુષ્યચરિત્રને અમારા ભક્ત દિવ્ય જાણે અને વિમુખ તથા કાચો હરિભક્ત દોષ પરઠે છે. (૩) અને અમે ક્ષર-અક્ષરથી ન્યારા ને તેના આધાર છીએ. અને અમારા એક એક રોમના છિદ્રમાં અનંતકોટિ મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ પરમાણુવત્ રહ્યાં છે એવા જે અમે તે મનુષ્ય જેવી મૂર્તિ ધારીને મનુષ્ય જેવાં ચરિત્ર કરીએ તેને કલ્યાણકારી સમજે એ જ અમારો પૂરો ભક્ત છે. (૪) ત્રીજામાં જેને અમારો માહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય રહે છે. અને જેને અમારો માહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને કલ્યાણમાં સંશય નથી રહેતો. (૫) ચોથામાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (૬) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં અમારો નિશ્ચય માહાત્મ્યે સહિત હોય ને અમારા સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય ઘણું જાણતો હોય તેનું કાળ-કર્મ મળીને ભૂંડું કરી શકતાં નથી, એવું એ ભક્તને અમારી ભક્તિનું અતિશે બળ છે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે માહાત્મ્યે સહિત નિશ્ચય કેવો જાણવો ? અને સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય કેવું જાણવું ? અને ભક્તિ કેવી જાણવી ? અને કર્મ કિયાં જાણવાં ? અને કાળ કિયો જાણવો ? અને કાળ-કર્મ ભૂંડું શું કરતાં હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજને પ્રકૃતિપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષરના આત્મા જાણે અને અનંત મૂળઅક્ષરાદિક સર્વેને પોતાની અંતર્યામી શક્તિએ કરીને ધારણ કરી રહ્યા છે અને પોતાના તેજની એક એક કિરણના છિદ્રમાં અનંત મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ રહ્યા છે, એવા અતિશે ઐશ્વર્યયુક્ત, અતિશે નિર્લેપ, અતિશે અસંગી, અતિશે પ્રકાશે યુક્ત ને અતિશે સુખમય મૂર્તિ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તે જ આ પ્રત્યક્ષ મનુષ્ય રૂપે દર્શન આપે છે, એવા જાણીને નિશ્ચય કર્યો હોય તે માહાત્મ્યે સહિત નિશ્ચય કહેવાય અને આવો મહિમા શ્રીજીમહારાજનો જાણે ત્યારે એમના આશ્રિતને પણ શ્રીજીમહારાજના જેવા જ દિવ્ય ને સમર્થ જાણે એ સંતનું ને સત્સંગીનું માહાત્મ્ય જાણ્યું કહેવાય. અને શ્રીજીમહારાજને તથા એમના ભક્તને અતિશે દિવ્ય ને કલ્યાણકારી જાણીને સર્વ દોષે રહિત થઈને નિષ્કામભાવે અનુવૃત્તિએ સહિત અતિશે સેવાએ કરીને શ્રીજીમહારાજની તથા એમના ભક્તોની અતિશે પ્રસન્નતા મેળવી હોય તે ભક્તિ આ ઠેકાણે કહી છે. અને પૂર્વે કોઈક અતિશે ભૂંડા દેશ, કાળ, સંગાદિકે કરીને અતિશે ભૂંડાં કર્મ થઈ ગયાં હોય અને તે કર્મનો એના ચિત્તમાં અતિશે પાશ લાગ્યો હોય એ પ્રારબ્ધરૂપી કર્મ જાણવાં. અને અતિશે મલિન આચરણવાળા અધર્મી ને નિર્લજ મનુષ્યો રહેતાં હોય તે સ્થળમાં નિવાસ થયો હોય તે કઠણ કાળ કહ્યો છે. અને તે ભક્તને પ્રારબ્ધે કરીને મલિન દેશમાં જવું પડે ત્યાં શ્રીજીમહારાજનો કે સંતનો યોગ ન રહે ને નોખું રહેવું પડે પણ કાળ કે કર્મ તે એને એવી નિષ્ઠામાંથી તથા ધર્મમાંથી પાડી શકે નહિ તે ભૂંડું કરી શકે નહિ એમ જાણવું.
૨ પ્ર. (૨/૪ બીજા પ્રશ્નમાં) અમે ક્ષર-અક્ષર બેયના આત્મા છીએ અને ક્ષર-અક્ષર બેયને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એમ કહ્યું તે ક્ષર ક્યાં સુધી જાણવું ? અને અક્ષર કિયા જાણવા ? અને શક્તિ કહી તે શી જાણવી ?
૨ ઉ. મૂળપ્રકૃતિ સુધી ક્ષર જાણવું. અને મૂળઅક્ષરને અક્ષર જાણવાં. અને શક્તિ જે પોતાના પ્રકાશરૂપ અક્ષરબ્રહ્મ તેણે કરીને એ બેયને ધરી રહ્યા છે અને તે પ્રકાશની કિરણોરૂપી જે રોમ તેને વિષે મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ અનંત રહ્યા છે એમ સમજવું.
૩ પ્ર. બ્રહ્માંડ તો અષ્ટાવરણ સુધી કહેવાય છે ને મૂળઅક્ષરરૂપી કહ્યા તે કેમ સમજવું ?
૩ ઉ. અષ્ટાવરણે સહિત અનંત પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ તે મૂળપુરુષરૂપી બ્રહ્મના પ્રકાશમાં રહ્યાં છે, માટે મૂળપુરુષ આગળ પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય. અને મૂળપુરુષ છે તે વાસુદેવબ્રહ્મના પ્રકાશને આધારે રહે છે, માટે વાસુદેવબ્રહ્મ આગળ મૂળપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય. અને મૂળઅક્ષરના પ્રકાશને આધારે વાસુદેવબ્રહ્મ રહે છે, માટે મૂળઅક્ષર આગળ વાસુદેવબ્રહ્મરૂપી બ્રહ્માંડ કહેવાય, અને શ્રીજીમહારાજના પ્રકાશને આધારે અનંત મૂળઅક્ષર રહ્યા છે, માટે શ્રીજીમહારાજ આગળ મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ કહેવાય. માટે શ્રીજીમહારાજના રોમ એટલે બ્રહ્મજ્યોતિની કિરણો તેને વિષે મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ અનંત રહ્યાં છે, એમ પરંપરાએ બ્રહ્માંડનો અંતર્ભાવ છે માટે કહ્યાં છે.
૪ પ્ર. અમે જેવડા છીએ તેવડા ને તેવડા રહીએ તો બ્રહ્માદિકને પણ અમારાં દર્શન કરવાનું સામર્થ્ય રહે નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું તે જેવડા એટલે કેવડા જાણવા અને બ્રહ્માદિક કિયા જાણવા ?
૪ ઉ. (પ્ર. ૬૩ના ત્રીજા પ્રશ્નમાં) જેમ વૈરાજનું રૂપ નજરે આવતું નથી અને મૂળઅક્ષરનું રૂપ નજરે આવતું નથી તે તેમના અન્વય સ્વરૂપ સહિતનું રૂપ નજરે આવતું નથી એમ કહ્યું છે, તેમ શ્રીજીમહારાજનું તેજ અતિશે અપાર છે તે તેજે સહિત શ્રીજીમહારાજ દર્શન આપે તો મૂળઅક્ષરાદિક કોઈ પણ દર્શન કરી શકે નહીં. ઉત્પત્તિ સમયને વિષે શ્રીજીમહારાજ પોતાના તેજરૂપ અંતર્યામી શક્તિ દ્વારે મૂળઅક્ષરને પ્રેરણા કરે છે, પછી તે અક્ષર વાસુદેવબ્રહ્મ દ્વારે મૂળપુરુષને પ્રેરણા કરે છે, પછી તે મૂળપુરુષ માયા સાથે જોડાઈને સૃષ્ટિ કરે છે તે પહેલી પ્રેરણા મૂળઅક્ષરને થઈ, માટે આ ઠેકાણે મૂળઅક્ષરને બ્રહ્મા કહ્યા છે. ।।૭૨।।
વચનામૃત ગઢડા પ્રથમનું – ૭૩
સંવત ૧૮૭૬ના ચૈત્ર વદિ અમાસને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સાધુ ચાર તથા પચાસને આશરે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) કામનું શું રૂપ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વીર્ય એ જ કામનું રૂપ છે. પછી આશંકા કરી જે, વીર્ય તો સાત ધાતુ માંહીલો ધાતુ છે, માટે એ જ કામનું રૂપ કેમ કહેવાય ? અને તે વીર્યની ઉત્પત્તિ શાણે કરીને છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મનોવહા નામે નાડીને વિષે મન રહ્યું છે. તે મનને વિષે જ્યારે સ્ત્રી સંબંધી સંકલ્પ થાય છે, ત્યારે જેમ દહીં હોય તે રવાઈયે કરીને મથાય ત્યારે ઘી હોય તે સર્વ ઉપર તરી આવે છે, તેમ સ્ત્રી સંબંધી સંકલ્પે કરીને વીર્ય જે તે શરીરમાંથી મથાઈને મનોવહા નામે નાડીને વિષે ભેળું થઈને શિશ્ન દ્વારે આવે છે, અને જેને વીર્ય શિશ્ન દ્વારે ન આવે તે ઊર્ધ્વરેતા પુરુષ કહેવાય. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. અને શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડાને વિષે સ્ત્રીઓનો સંગ કરીને પણ વીર્યપાત થવા દીધો નહિ તે માટે ઊર્ધ્વરેતા બ્રહ્મચારી કહેવાણા ને કામને જીત્યો, માટે વીર્ય તે જ કામનું રૂપ છે. જેણે વીર્યને જીતીને વશ રાખ્યું તેણે કામને જીત્યો. (૧)
૨ પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) જ્યારે દેહને બાળી દે છે, ત્યારે સપ્ત ધાતુ દેહ ભેળા બળી જાય છે. માટે જો વીર્ય જ કામનું રૂપ હોય તો દેહ ભેળે વીર્યને બળવે કરીને કામ પણ બળી ગયો જોઈએ, ત્યારે એ જીવ બીજા દેહમાં જાય છે, ત્યારે કામના કેમ ઉદય થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સૂક્ષ્મ દેહ ભેળું વીર્ય રહે છે. તે સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થઈ આવે છે, જેમ ભૂત હોય તે સૂક્ષ્મ દેહ પ્રધાન હોય પછી સૂક્ષ્મ દેહમાંથી સ્થૂળ દેહને ધરીને સ્ત્રીનો સંગ કરે છે. તે સ્ત્રીને ભૂત થકી બાળક ઉત્પન્ન થાય છે, માટે સૂક્ષ્મ દેહ ભેળું જ વીર્ય રહે છે. (૨)
૩ પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) શિવજી ઊર્ધ્વરેતા હતા, પણ મોહની રૂપને જોઈને વીર્યપાત થયો, તેમ જેના દેહમાં વીર્ય હોય ને તેને જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો યોગ થાય ત્યારે વીર્યપાત થયા વિના રહે નહિ, માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય, ત્યાં સુધી નિષ્કામી કેમ કહેવાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શિવજીને પણ એટલી યોગકળામાં ખોટ કહેવાય છે. અને જેને જાગ્રત અથવા સ્વપ્નને યોગે કરીને સ્ત્રીના સંકલ્પ થકી વીર્યપાત થાય તો તેને પાકો બ્રહ્મચારી કહેવાય નહિ, માટે આ સંસારમાં દૃઢ બ્રહ્મચર્યવાળા તો એક નરનારાયણ ઋષિ છે. અને તે નરનારાયણનો આપણે આશ્રય છે, તેના પ્રતાપ થકી ધીરે ધીરે એ નરનારાયણનું ભજન કરીને આપણે પણ એ સરખા જ નિષ્કામી થાશું. અને દેહમાં જે વીર્ય રહે છે તેને બાળી નાખવાને અર્થે યોગી કેટલાક પ્રકારનું યત્ન કરે છે. અને શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું તે એવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય. પણ બીજાથી એમ રહેવાય નહિ, માટે બીજા યોગીને તો જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો સંકલ્પ ન થાય એવું યત્ન કરવું. (૩)
૪ પછી શુકમુનિએ પૂછ્યું જે, (૪) દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્ત્રીઓ તે પણ ભગવાનના મનને ચળાવવાને સમર્થ ન થાતી હવી, એમ કહ્યું છે. ને એક એક સ્ત્રીને વિષે દશ દશ પુત્રને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે તેનું કેમ સમજવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દ્વારિકાની વાત બીજી છે, ને વ્રજની બીજી છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્ય મતને આશર્યા હતા. તે સાંખ્યમતવાળો હોય, તે દેહ, ઇન્દ્રિયો, મન, સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે, ને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે ને તે ક્રિયાએ કરીને હર્ષ-શોકને પામે નહીં. એ મતને ભગવાન આશર્યા હતા, માટે ભગવાનને નિર્લેપ કહ્યા. અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્ય મતને આશર્યા હતા, તે મત તો જનક જેવા રાજાઓનો છે. જેમ રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્ય મતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા, અને દ્વારિકાના રાજા કહેવાતા હતા, માટે સાંખ્ય મતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા. અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા, તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રત રાખ્યું. એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું તે શ્રીમદ્ ભાગવતમાં કપિલદેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, સ્ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી, માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસાઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વે ગોપીઓને અન્નના થાળ ભરીને મોકલવા માંડી ત્યારે ગોપીઓ બોલી જે, અમે યમુનાજી કેમ ઊતરશું ? પછી શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, યમુનાજીને એમ કહેજો જે, જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજો. પછી ગોપીઓએ એમ કહ્યું, ત્યારે યમુનાજીએ માગ દીધો. પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલી જે, અમારે આડાં યમુનાજી છે, તે અમે ઘેર કેમ કરીને જાશું ? પછી ઋષિએ કહ્યું જે, કેમ કરીને આવ્યાં હતાં ? પછી ગોપીઓએ કહ્યું જે, અમે યમુનાજીને એમ કહ્યું જે, શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજો. એટલે યમુનાજીએ માગ દીધો. પણ હવે કેમ કરીને ઘેર જાઈએ ? પછી દુર્વાસાઋષિ બોલ્યા જે, યમુનાજીને એમ કહેજો જે, દુર્વાસાઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજો. પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો ત્યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્ચર્ય થયું. પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી. અને ભગવાન તો નૈષ્ઠિકવ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા, માટે બ્રહ્મચારી હતા. અને દુર્વાસાઋષિ તો વિશ્વાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને વિષે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા. ને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું. માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહીં. અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારું જડે પણ યોગ કળાએ કરીને ઊર્ધ્વરેતા હોય એવા તો એક નરનારાયણ જ છે. અથવા જે નરનારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દૃઢ બ્રહ્મચર્યવાળા થાય છે પણ બીજાથી થવાતું નથી. અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહીં. અને જે સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે, તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દૃઢ બ્રહ્મચારી થાશે. (૪) અને જ્યારે અમે નાના હતા, ત્યારે એમ સાંભળ્યું હતું જે, વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે, પછી તે વીર્યને ઊર્ધ્વ રાખવાને સારુ અમે બે પ્રકારની જળબસ્તિ શીખ્યા હતા અને કુંજરક્રિયા શીખ્યા હતા. અને કામને જીત્યા સારુ કેટલાંક આસન શીખ્યાં હતાં અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહીં. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે, શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ, અને ટાઢ-તડકો પણ લાગે નહીં. પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારુ બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા, તોપણ શરીરમાં પરસેવો આવ્યો નહિ, માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દૃઢ બળ હોય અને અતિશે પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશે ગાંઠ બંધાણી હોય તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે. (૫)
૫ પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વૈરાગ્ય તો એકલો ટકી શકે નહિ; અંતે જાતો નાશ થઈ જાય છે અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય પછી એમ વિચારે જે, હું તો આત્મા છું, સચ્ચિદાનંદરૂપ છું અને પિંડ-બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે માટે હું ક્યાં ને એ પિંડ-બ્રહ્માંડ ક્યાં ? અને મારા ઇષ્ટદેવ જે શ્રી પુરુષોત્તમ ભગવાન તે તો અનંતકોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર તે થકી પણ પર છે તે ભગવાનનો મારે દૃઢ આશરો થયો છે, એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહિ, જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી, તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વીજળીનો અગ્નિ તેવો છે તે કોઈ કાળે ઓલાય નહિ અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહિ અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે તે અમારા સ્વભાવને તો જે અતિશે અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તોપણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે જે, મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી, એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે. અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે બાઈ-ભાઈને મનમાં એમ સમજાવે છે જે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ્ય નથી. (૬) તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે, મોટાપુરુષને વિષે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વે દોષ થકી રહિત થાય છે અને જે મોટાપુરુષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે પછી એ સત્પુરુષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખિયો મટે નહિ; અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વ પ્રકૃતિને જાણે છે જે, જેટલામાં સંસારમાં મોહ ઉપજાવનારા પદાર્થ ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે તે કોઈમાં મહારાજને હેત નથી અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાનવાર્તા કરે છે તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે, તોય પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે. (૭) અને આ વાત સમજાય પણ તેને, જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્માને વિષે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય, તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહિ, માટે આત્મનિષ્ઠા ને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિષે વાસના રહેતી નથી. (૮) અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય, તેવા સુખદુઃખને ભોગવે ખરો પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે અને મનોમયચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે. તે જ્યારે બ્રહ્મ ને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે ત્યારે બૂઠિયું થઈ જાય છે, પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યાં હોય ને દાંત અતિશે અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહીં. અને અતિશે ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહીં. તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે, તેને કોઈ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો, પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે અને વાસના ટળવી એ પણ કામ અતિશે ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય, તોપણ રહી જાય છે અને સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી, અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે. તેમાં એક તો જો કાંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઇચ્છાએ પાછો દેહમાં આવે અને કાં તો કોઈ પોતા થકી અતિ સમર્થ હોય, તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. (૯) અને જ્યારે સમાધિ થાય છે ને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે, ત્યારે કોટિ કોટિ સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે, તેને વિષે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે એટલે ઉપાસનાનો ભંગ થયો, માટે પ્રત્યક્ષ મૂર્તિને વિષે અતિ દૃઢ નિશ્ચય થયો જોઈએ તો સર્વે કામ સરે, અને અમે પણ એમ દૃઢ નિશ્ચય કર્યો છે જે કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશમાત્ર અંતરાય રાખે નહિ તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહીં. (૧૦)
૬ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૬) જેણે મન દીધું હોય તેનાં કેવાં લક્ષણ હોય ? અને મન ન દીધું હોય તેનાં કેવાં લક્ષણ હોય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેણે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરનાં દર્શન થાતાં હોય અને તે સમે જો પોતે ન હોય તો તેની અતિશે પોતાના હૈયામાં દાઝ થાય. અને જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનનાં દર્શન કરે તેને વિષે અધિક અધિક પ્રીતિ થાતી જાય પણ તેમાંથી મન પાછું હઠે નહિ, અને પરમેશ્વર જ્યારે કોઈકને પરદેશ મૂક્યાની આજ્ઞા કરતા હોય, ત્યારે જેણે મન અર્પ્યું હોય તેના મનમાં એમ થાય જે, જો મુને આજ્ઞા કરે તો બુરાનપુર તથા કાશી જ્યાં મૂકે ત્યાં રાજી થકો જાઉં, એવી રીતે પરમેશ્વરના ગમતામાં રહીને જે રાજી રહેતો હોય તે તો હજારો ગાઉ ગયો હોય તોય અમારે પાસે છે. અને જેણે એવી રીતે મન ન અર્પ્યું હોય ને તે અતિશે અમારે સમીપે રહેતો હોય તોય તે લાખો ગાઉ છેટે છે. અને જેણે અમને મન ન અર્પ્યું હોય તેને તો ઉપદેશ કરતાં પણ બીક લાગે જે, શું જાણીએ સવળું સમજશે, કે અવળું સમજશે ? એવી રીતે મન અર્પ્યું હોય ને ન અર્પ્યું હોય, તેનાં લક્ષણ છે. (૧૧) ઇતિ વચનામૃતમ્ ।।૭૩।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૬) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે વીર્ય કામનું રૂપ છે. (૧) બીજામાં વીર્ય સૂક્ષ્મદેહ ભેળું રહે છે. (૨) ત્રીજામાં સ્ત્રીના સંકલ્પથી વીર્યપાત થાય તે કાચો બ્રહ્મચારી છે અને સ્ત્રીનો સંકલ્પ ન થાય એવું યત્ન કરવું. (૩) ચોથામાં દેહ-ઇન્દ્રિયોથી પોતાને જુદો સમજીને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ક્રિયા કરે તેમાં પોતાને અકર્તા સમજે ને હર્ષ-શોક પામે નહિ એ સાંખ્યવાળાનું લક્ષણ છે અને સ્ત્રીનો સંગ કરે તોપણ ઊર્ધ્વરેતા રહે તે તથા અમારે વિષે પોતાના આત્માની એકતા કરીને પોતાને મુખે અમને જમાડી દે તે યોગવાળાનું લક્ષણ છે. (૪) અને અમારી ઉપાસનાથી તથા નિર્વાસનિકપણાથી દૃઢ નિષ્કામી થવાય છે. (૫) પાંચમામાં આત્મનિષ્ઠા ને અમારું ધ્યાન ને યથાર્થ જ્ઞાને સહિત વૈરાગ્ય એ વાસના જીત્યાનો ઉપાય છે. (૬) અને મોટાપુરુષને વિષે નિર્દોષ બુદ્ધિ રાખે તે દોષે રહિત થાય છે ને દોષ પરઠે તે ભ્રષ્ટ થાય છે. (૭) અને આત્મનિષ્ઠા ને અમારી મૂર્તિનો મહિમા સમજે તેને વાસના રહેતી નથી. (૮) અને વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે એવી બળવાન છે. (૯) અને સમાધિમાં બ્રહ્મના પ્રકાશમાં અધિકપણું માને તો અમારી ઉપાસનાનો ભંગ થાય છે, માટે આ મૂર્તિનો દૃઢ નિશ્ચય કરવો. (૧૦) અને છઠ્ઠામાં અમારે વિષે અધિક પ્રીતિ થવાનું કારણ તે અમારી વાર્તા તથા દર્શન વિના રહેવાય નહિ તે છે; અને મન અર્પ્યું હોય ને ન અર્પ્યું હોય તેનાં લક્ષણ કહ્યાં છે. (૧૧) બાબતો છે.
૧ પ્ર. ત્રીજા પ્રશ્નમાં બ્રહ્મચર્ય કહ્યું તેનું શું રૂપ હશે ?
૧ ઉ. સ્થૂળ દેહે કરીને શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ, ધર્મામૃત તેમાં કહેલા નિયમ પાળે તથા તેમાં દેશકાળે ફેર પડવા દે નહિ તથા સ્વપ્નમાં વીર્યપાત થાય કે મનમાં સંકલ્પ થાય તેનું પ્રાયશ્ચિત્ત કરી નાખે તે કનિષ્ઠ બ્રહ્મચર્ય કહેવાય, અને મનમાં સંકલ્પ થવા દે નહિ તે મધ્યમ બ્રહ્મચર્ય કહેવાય, અને ઊર્ધ્વરેતા રહે તે ઉત્તમ બ્રહ્મચર્ય કહેવાય, ને તે યથાર્થ નિષ્કામી કહેવાય. તેના ઉપાય (લો. ૧ના ત્રીજા પ્રશ્નમાં તથા મ. ૩૩ના બીજા પ્રશ્નમાં ) કહ્યા છે, આ ત્રણ પ્રકારના બ્રહ્મચર્યમાં કનિષ્ઠ બ્રહ્મચર્ય પાળે તેના ઉપર પણ શ્રીજીમહારાજ ને સંત પ્રસન્ન થાય અને જેમ જેમ વિશેષ નિષ્કામી થાય તેમ તેમ વિશેષ પ્રસન્નતા થાય છે.
૨ પ્ર. નરનારાયણનો આપણે આશરો છે તે આપણે નરનારાયણને ભજને કરીને તથા એમને પ્રતાપે કરીને નરનારાયણ જેવા જ નિષ્કામી થાશું એમ શ્રીજીમહારાજે આમાં કહ્યું અને (જે. ૫/૧માં) અમે જ નરનારાયણ છીએ એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. કેટલાંક વચનામૃતોમાં શ્રીજીમહારાજ પોતે ભગવાનપણે બોલ્યા છે અને કેટલાંકમાં પોતાના ભક્ત ભેળા ભળીને પોતે ભક્તપણે બોલ્યા છે તે (લો. ૧૩ના બીજા પ્રશ્નમાં) જો ભગવાન સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ. અને (અ. ૭/૧માં) હું જ પુરુષોત્તમ છું એમ કહ્યું છે માટે જ્યારે ભક્તપણે બોલ્યા હોય ત્યારે પોતાના ભક્તોને શીખવવાને અર્થે મનુષ્યભાવ જણાવીને મનુષ્યભાવે બોલ્યા છે એમ જાણવું; અને જ્યારે ભગવાનપણે બોલ્યા હોય ત્યારે પોતાને સ્વરૂપે બોલ્યા છે એમ જાણવું, માટે ભગવાન તો શ્રીજીમહારાજ એક જ છે. અને આમાં નરનારાયણનો આશરો છે એમ કહ્યું છે તે નરનારાયણ નામે પોતાને જ કહ્યા છે અને આશરો તથા ભજન તે પોતાનું જ કરવાનું કહ્યું છે.
૩ પ્ર. ચોથા પ્રશ્નમાં શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડ્યું એમ કહ્યું છે તે નરનારાયણ ઋષિ કિયા જાણવા ? અને ઋષિપણું દેખાડ્યું તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. આ ઠેકાણે બદરિકાશ્રમને વિષે નરનારાયણ રહ્યા છે તે કહ્યા છે અને નરનારાયણ ઋષિપણું દેખાડ્યું એમ કહ્યું છે. તે નરનારાયણમાં ઊર્ધ્વરેતાપણાનો ગુણ છે તે એમાં આવેલો તે ગુણ દેખાડ્યો એમ જાણવું, માટે ઊર્ધ્વરેતાપણાનો ગુણ દેખાડવાપૂર્વક જાણવું, પણ નરનારાયણપણું બતાવ્યું એમ ન જાણવું.
૪ પ્ર. બદરિકાશ્રમમાં નરનારાયણ રહ્યા છે તેને ભજને કરીને ઊર્ધ્વરેતા થાય કે નહીં ?
૪ ઉ. શ્રીકૃષ્ણ, નરનારાયણ, વાસુદેવબ્રહ્મ, મૂળઅક્ષર તથા શ્રીજીમહારાજ એ સર્વેને ભજને કરીને ઊર્ધ્વરેતા થાય છે અને જન્મમરણથી રહિત પણ થાય છે પણ સર્વોપરી એવું આત્યંતિક કલ્યાણ તે તો શ્રીજીમહારાજને ભજને કરીને જ થાય છે.
૫ પ્ર. (૪/૫ ચોથા પ્રશ્નમાં) અતિશે નિર્વાસનિક કહ્યો તે કેવી સમજણવાળાને જાણવો ?
૫ ઉ. મૂર્તિમાન મૂળઅક્ષરકોટિ સુધીના ઐશ્વર્યની કે સુખની સારપ્ય ન રહે અને શ્રીજીમહારાજની મૂર્તિ સિવાય ને મૂર્તિના સુખ સિવાય શ્રીજીમહારાજના તેજરૂપ ધામને વિષે પણ પ્રીતિ ન રાખે તે અતિશે નિર્વાસનિક જાણવો.
૬ પ્ર. શ્રીજીમહારાજના તેજરૂપ ધામમાં પ્રીતિ ન રાખવી એવું કિયાં વચનામૃતમાં કહ્યું છે ?
૬ ઉ. (લો. ૧૪/૨માં) અમે ને અમારા મુક્ત વિના અમારું તેજ એકલું દેખાય તો કષ્ટ પામવું એમ કહ્યું છે, માટે તેજમાં પ્રીતિ ન રાખવી.
૭ પ્ર. (૫/૬ પાંચમા પ્રશ્નમાં) આત્મનિષ્ઠા કહી તે કેવી જાણવી ?
૭ ઉ. શ્રીજીમહારાજના તેજરૂપ જે અક્ષરધામ તે રૂપ પોતાના આત્માને માનવો તે આત્મનિષ્ઠા આ ઠેકાણે કહી છે.
૮ પ્ર. અનંતકોટિ બ્રહ્માંડ કિયાં જાણવાં ? ને બ્રહ્માંડોના આધાર અક્ષર કહ્યા તે કિયા જાણવા ?
૮ ઉ. મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ કહ્યાં છે અને પોતાના તેજને અક્ષર કહ્યું છે તે મૂળઅક્ષરનું આધાર છે.
૯ પ્ર. (૫/૯ પાંચમા પ્રશ્નમાં) બ્રહ્મનું સ્વરૂપ કહ્યું તથા દશમી બાબતમાં બ્રહ્મનો પ્રકાશ કહ્યો તે સ્વરૂપ તથા પ્રકાશ કહ્યો તે શો સમજવો ?
૯ ઉ. શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મજ્યોતિની કિરણના પ્રકાશને બ્રહ્મનું સ્વરૂપ તથા પ્રકાશ કહ્યો છે. આનો વિસ્તાર (પ્ર. ૩૩ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) છે.
૧૦ પ્ર. (૫/૧૦ પાંચમા પ્રશ્નમાં) સમાધિવાળો શ્રીજીમહારાજની મૂર્તિથી બ્રહ્મના પ્રકાશને અધિક માને છે એમ કહ્યું તે શ્રીજીમહારાજ કરતાં પ્રકાશને અધિક શાથી માનતો હશે ?
૧૦ ઉ. જ્ઞાનની અપક્વતા છે, તેથી એણે શ્રીજીમહારાજની મૂર્તિના સુખનું અતિશેપણું ને કારણપણું જાણ્યું નથી, માટે તે સમાધિમાં પ્રથમ બ્રહ્મનો પ્રકાશ દેખે તે પ્રકાશને અધિક માનીને તેના સુખમાં જોડાઈ જાય; અને શ્રીજીમહારાજને બ્રહ્મના પણ કારણ ને આધાર ને પર સમજે તો તેમાં બંધાય નહીં. ।।૭૩।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૪
સંવત ૧૮૭૬ના વૈશાખ સુદિ ૧૧ એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય, તે તો જ્યારે કોઈક વિષયભોગની પ્રાપ્તિ થાય, અથવા જ્યારે કોઈક આપત્કાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહિ, અને ઝાઝી સંપત કે આપત આવે એની વાત શી કહેવી ? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે. (૧) પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો તે પણ સમજીને રહે છે જે, જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહિ, એટલા માટે હર્ષ-શોક જેવું થઈ આવે છે.
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) આપણ તો શ્રી નરનારાયણના દાસ છીએ તે શ્રી નરનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું ને એ શ્રી નરનારાયણની ઇચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થાશે ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જાશે, અને એ નરનારાયણ આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. (૨) અને એ શ્રી નરનારાયણનાં ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. (૩) અને આવા થૂંકના સાંધા હોય તેને વિષે જેનું મન ક્ષોભ પામે તો જ્યારે સાચેસાચો જ જગત વ્યવહાર માથે આવ્યો હોય તો તેના શા હાલ થાય ? માટે આપણા પતિ જે શ્રી નરનારાયણ તે તો બોરડીના ઝાડ હેઠે બેઠા તપ કરે છે, અને કોઈ જાતના સંસારના સુખને સ્પર્શ કરતા નથી, ત્યારે આપણા પતિ જે નરનારાયણ તેના આપણ દાસ છીએ તે જેમ પતિવ્રતા સ્ત્રી હોય, તે પોતાના પતિ કરતાં ઘરેણાં, વસ્ત્ર, ખાનપાનાદિક જે ભોગ એ સર્વે પતિથી પોતાને વાસ્તે ન્યૂન રાખે પણ અધિક રાખે નહિ, તેમ આપણા પતિ જે શ્રી નરનારાયણ તે થકી આપણે પણ સાંસારિક સુખ ન્યૂન રાખ્યું જોઈએ. (૪) અને જેટલા કાંઈક ભગવાનને વાસ્તે સારા સારા પદાર્થ ઇચ્છવા તે તો એ ભક્ત પોતાની ભક્તિએ કરીને, નિષ્કામી થઈને ઇચ્છતો હોય તો તો ઠીક છે, પણ પોતે ઇચ્છનારો જે ભક્ત તેને તે ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાની ઇચ્છા રાખવી નહિ, અને ભગવાનને તો સંસારના સુખની ઇચ્છા નથી. પણ પોતાના ભક્તની ભક્તિ જાણીને પોતાને જે જે પદાર્થ અર્પણ કરે છે તેનો અંગીકાર કરે છે. (૫) અને જો ભગવાનને સંસારનું સારું સુખ જોઈતું હોય, તો અનંતકોટિ બ્રહ્માંડના પતિ, ને બ્રહ્મપુર, ગોલોક ને વૈકુંઠાદિક ધામના પતિ, અને રાધિકા-લક્ષ્મી આદિક જે પોતાની શક્તિઓ તેના પતિ, એવા જે ભગવાન તે સર્વે પોતાના વૈભવને તજીને બોરડીના ઝાડ હેઠે તપ કરવાને શા સારુ બેસે ? માટે ભગવાનને તો વિષય સંબંધી સુખની આસક્તિ હોય જ નહીં. તેમાં પણ બીજા અવતાર કરતાં આપણા પતિ જે નરનારાયણ તે તો અત્યંત ત્યાગી છે. અને જીવના કલ્યાણને અર્થે તપ કરે છે. અને એ નરનારાયણને કોઈ વૈભવ જોઈતો હોય તો બોર ખાઈને શા સારુ બેસી રહે ? ને આ સંસારમાં મૂર્ખા જીવ હોય છે તે પણ ગામ-ગરાસ ભોગવે છે, તો નરનારાયણ તો સાક્ષાત્ ભગવાન છે, તે જો એમને કાંઈ જોઈતું હોય તો વધુ તો નહિ પણ ચાર તો ગામડાં વસાવી બેસે ? પણ એ ભગવાનને કાંઈ જોઈતું જ નથી. માટે આપણા સ્વામી જ્યારે એવા ત્યાગી છે, તો આપણે તો એ થકી વિશેષ ત્યાગી રહ્યું જોઈએ અને ભગવાનની ઇચ્છાએ કરીને જેવી જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થાતી જાય તેવી તેવી રીતે રાજી રહેવું. પછી ભગવાનની ઇચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા સર્વે સત્સંગી મટી જાઓ પણ કોઈ રીતે હર્ષ-શો.ક મનમાં ધારવો નહીં. આ ભગવાનનું કર્યું સર્વે થાય છે, માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ ભગવાનને આધીન રહીને આનંદમાં ભજન કરવું. અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૭૪।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં સંપત મળવાથી વૈરાગ્ય કળાય છે અને આપત્કાળથી સમજણ કળાય છે. (૧) બીજામાં અમારી ઇચ્છાથી સત્સંગનું ઉત્કૃષ્ટપણું થાય અથવા ગૌણપણું જણાય અથવા પોતાને માન-અપમાન થાય તેમાં રાજી રહેવું. (૨) અને અમારી મૂર્તિ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. (૩) અને અમારે તપની રુચિ છે અને તમે અમારા દાસ છો માટે તમારે પણ તપની રુચિ વિશેષ રાખવી. (૪) અને અમે કાંઈક અંગીકાર કરીએ છીએ તે ભક્તની ભક્તિ જાણીને કરીએ છીએ. (૫) અને બીજા અવતાર કરતાં અમે અત્યંત ત્યાગી છીએ ને જીવોના કલ્યાણને અર્થે અમે તપ કરીએ છીએ માટે અમારા આશ્રિતો સર્વેને ત્યાગ વિશેષ રાખવો. અને અમારે આધીન રહીને અમારું ભજન કરવું, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૬) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં દાદાખાચરને આપત્કાળ જેવું આવ્યું હતું એમ કહ્યું તે આપત્કાળ શો આવ્યો હતો ?
૧ ઉ. દાદાખાચરને ને ભાણખાચરને વૈર હતું, તે લડાઈમાં ભગુજીને ને બેચર ચાવડાને ઘાયલ કર્યા હતા અને ગેબી તથા આરબની હલ્લાં આવી હતી તે આપત્કાળ આવ્યો હતો.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં શ્રીજીમહારાજે કહ્યું જે આપણ નરનારાયણના દાસ છીએ. ત્યારે તો શ્રીજીમહારાજ પણ દાસ ઠર્યા તે કેમ સમજવું ?
૨ ઉ. શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલ્યા છે પણ પોતાને જ નરનારાયણ નામે કહ્યા છે અને ચોથી બાબતમાં નરનારાયણ આપણા પતિ છે એમ કહ્યું છે તે પણ મનુષ્યભાવે બોલ્યા છે પણ સર્વેના પતિ શ્રીજીમહારાજ છે અને નરનારાયણ બોરડીના ઝાડ તળે બેસીને તપ કરે છે, એમ કહ્યું છે તે પણ શ્રીજીમહારાજ વનમાં વિચર્યા ત્યારે વૃક્ષ નીચે રહેતા ને અતિશે તપ કર્યું છે તે તપ આ ઠેકાણે સમજવું. આનો વિસ્તાર (પ્ર. ૮ના પહેલા પ્રશ્નોત્તરમાં તથા ૭૩ના બીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૩ પ્ર. (૨/૪ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ કરતાં આપણે વૈભવ ન્યૂન રાખવા એમ કહ્યું તે વૈભવ કિયા જાણવા ? અને એ વૈભવ ત્યાગીએ કેવી રીતે ન્યૂન રાખવા ? અને ગૃહસ્થોએ કેવી રીતે ન્યૂન રાખવા ?
૩ ઉ. ત્યાગીએ શ્રીજીમહારાજની ઇચ્છાથી જે અન્નાદિક આવે તેનો થાળ કરીને શ્રીજીમહારાજને જમાડવા ને તે પ્રસાદીનું અન્ન પ્રસાદીના પાણીથી મેળાવીને સ્વાદે રહિત જમવું પણ જુદું જુદું ન રાખવું અને મેળાવ્યા વિના ન જમવું અને કાષ્ઠ પાત્રમાં જમવું એ વૈભવ ઓછા ભોગવ્યા કહેવાય. અને ગૃહસ્થોએ જે વસ્ત્ર-ઘરેણાં ઠાકોરજીને ધરાતાં હોય તે પહેરવાં નહિ, ઇષ્ટદેવને જમવાના પાત્રમાં જમવું નહિ, એમને બેસવાના વાહનમાં બેસવું નહિ અને પોતાને જમવાની તથા પહેરવા-ઓઢવાની વસ્તુઓ શ્રીજીમહારાજની મૂર્તિની પ્રસાદી કરીને વાપરવી એ વૈભવ ન્યૂન ભોગવ્યા કહેવાય.
૪ પ્ર. ભગવાન તો દિવ્ય મૂર્તિ છે તે માયિક વસ્તુ જમતા હશે કે કેમ ?
૪ ઉ. જમાડનાર ભક્તને અતિશે ભાવ હોય તો તેનો ભાવ જોઈને ભગવાન એ માયિક વસ્તુને દિવ્ય નિર્ગુણ કરીને અંગીકાર કરે છે, માટે ભગવાનને જમાડ્યા વિના કોઈ વસ્તુ જમવી નહીં.
૫ પ્ર. (૨/૬ બીજા પ્રશ્નમાં) બ્રહ્મપુર નામે ધામ કહ્યું તે કિયું જાણવું ?
૫ ઉ. આ ઠેકાણે અક્ષરધામને બ્રહ્મપુર નામે કહ્યું છે.
૬ પ્ર. રાધિકાદિક શક્તિઓના પતિ અમે છીએ એમ કહ્યું તે એ શક્તિઓના પતિ શ્રીજીમહારાજને કેવી રીતે સમજવા ?
૬ ઉ. મૂળઅક્ષરથી લઈને વિષ્ણુ, બ્રહ્મા, શિવ સુધી સર્વેને વિષે શ્રીજીમહારાજ અન્વયપણે રહ્યા છે માટે રાધિકાદિક સર્વે શ્રીજીમહારાજની પણ શક્તિઓ કહેવાય તે (લો. ૧૭ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં) અક્ષર, પુરુષ, કાળ, માયાદિકને પોતાની શક્તિઓ કહી છે.
૭ પ્ર. બીજા અવતાર કરતાં અમે અતિશે ત્યાગી છીએ એમ કહ્યું તે શ્રીજીમહારાજને કેવી રીતે ત્યાગી સમજવા ?
૭ ઉ. શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા ત્યારે ત્યાગીના આશ્રમમાં રહ્યા હતા અને સ્ત્રીનો ગંધ આવે તો ઊલટી કરતા ને મરચાં ને મીંઢીઆવળ જમતા અને પછી પણ પોતાના ભક્તોને રાજી કરવા ને તેમનાં કલ્યાણ કરવા સારુ, સારાં સારાં ભોજન જમતા, પણ ત્યાગની રુચિ સદાય હતી એ ત્યાગ કહ્યો છે. ।।૭૪।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૫
સંવત ૧૮૭૬ના વૈશાખ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળાં પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે, (૧) જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થાય તો તેના ઇકોતેર પરિયાં ઊધરે છે એમ કહ્યું છે. અને તેના ગોત્રમાં કેટલાક તો સંતના ને ભગવાનના દ્વેષી પણ હોય ત્યારે તેનો કેઈ રીતે ઉદ્ધાર છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ કર્દમઋષિનો દેવહૂતિએ પતિબુદ્ધિએ કરીને પ્રસંગ કર્યો હતો, તોપણ કર્દમઋષિને વિષે સ્નેહ હતો તો એનો ઉદ્ધાર થયો, અને માન્ધાતા રાજાની દીકરિયું પચાસ તે સૌભરી ઋષિનું રૂપ જોઈને વરીયું તેને કામનાએ કરીને સૌભરીને વિષે હેત હતું, તો તે સર્વેનું કલ્યાણ ઋષિના જેવું જ થયું, માટે જેના કુળમાં ભક્ત થયો હોય ને તેના કુટુંબી સર્વે એમ માને જે, આપણું મોટું ભાગ્ય છે જે, આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે, એવી રીતે ભક્તનું માહાત્મ્ય સમજીને હેત રાખે તો તે સર્વે કુટુંબીનું કલ્યાણ થાય અને મરીને પિત્રી જે સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે જે, આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મોટું ભાગ્ય છે, એમ સમજીને ભગવાનના ભક્તમાં હેત રાખે તો તે પિત્રીનું પણ કલ્યાણ થાય, અને જે ભગવાનના ભક્ત સંગાથે વૈરબુદ્ધિ રાખે તેનું તો કલ્યાણ ન થાય, અને જેમ જેમ વૈર કરતો જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય, અને દેહ મૂકે ત્યારે પંચમહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે તે પણ તે જ કુંડમાં પડે છે, તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય, તો સંબંધી હોય અથવા બીજો કોઈ હોય તે સર્વનું કલ્યાણ થાય છે.(૧)
૨ પછી નાજે ભક્તે પ્રશ્ન પૂછ્યો જે, (૨) ભગવાનનો ભક્ત હોય તે એક તો દૃઢ નિશ્ચયવાળો હોય, અને એક તો થોડા નિશ્ચયવાળો હોય, અને ઉપરથી તો બેય સારા દેખાતા હોય તે બે કેમ ઓળખ્યામાં આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય, અને દૃઢ વૈરાગ્ય હોય, અને ભક્તિ ને સ્વધર્મ પણ અતિ દૃઢ હોય, તેને પરિપૂર્ણ નિશ્ચય જાણવો. અને એમાંથી જો એકે વાનું ઓછું હોય તો નિશ્ચય છે, તોપણ માહાત્મ્ય વિનાનો છે અને એ ચાર વાનાં સંપૂર્ણ હોય તે માહાત્મ્ય સોતો ભગવાનનો નિશ્ચય જાણવો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૭૫।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા ભક્ત ઉપર હેત રાખે તેનું કલ્યાણ થાય ને દ્વેષ કરે તે નરકે જાય. (૧) બીજામાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને સ્વધર્મ સંપૂર્ણ હોય તેને અમારો માહાત્મ્યે સહિત નિશ્ચય થાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને સ્વધર્મ કહ્યાં તેનાં લક્ષણ શાં હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજને સદા મૂર્તિમાન જાણે ને તેજ દ્વારે કરીને ક્ષર-અક્ષરના આધાર, પ્રેરક, ને નિયંતા જાણે અને એ તેજરૂપ શક્તિના પણ આધાર જાણે અને એ બ્રહ્મરૂપ એવો જે પોતાનો આત્મા તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને દેખે તે શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન કહેવાય. અને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય પ્રીતિ ન રહે તે વૈરાગ્ય કહેવાય. અને માહાત્મ્યજ્ઞાને સહિત શ્રીજીમહારાજની મૂર્તિમાં પ્રેમે કરીને જોડાવું તે ભક્તિ કહી છે. અને શ્રીજીમહારાજની મૂર્તિને આત્માને વિષે અખંડ ધારી રહેવું તે આત્માનો ધર્મ જાણવો અને સ્થૂળ-સૂક્ષ્મ દેહે કરીને સર્વે નિયમ પાળવા એ દેહનો ધર્મ જાણવો તે સ્વધર્મ કહેવાય. ।।૭૫।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૬
સંવત ૧૮૭૬ના પ્રથમ જ્યેષ્ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા.
૧ તેમની આગળ શ્રીજીમહારાજે વાર્તા કરી જે, (૧) ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો ય પણ તે સાથે અમારે બને નહિ, અને ક્રોધ ને ઈર્ષ્યા એ બેય માનને આશરે રહે છે. (૧) અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી, જે એ સત્સંગી છે અને કામી તો સત્સંગમાં હોય તો ય વિમુખ જેવો છે. (૨) અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, અને ગમે તેવા વચનના ભીડામાં લેઈએ ને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તોપણ કોઈ રીતે દેહપર્યંત મૂંઝાય નહિ એવો હોય, તે પાકો સત્સંગી છે, અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે અને એવા ગુણ ન હોય તો હેત કરવા જાઈએ તોપણ હેત થાય નહિ, અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય, તે ઉપર જ હેત થાય છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૭૬।।
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ક્રોધ, માન, ઈર્ષ્યા ને કપટ રાખે તે અમને ગમતો નથી. (૧) અને કામી તો વિમુખ છે. (૨) અને અમારા ગમતા પ્રમાણે વર્તવામાં મૂંઝાય નહિ તે પાકો સત્સંગી છે. (૩) બાબતો છે.
૧ પ્ર. ત્રીજી બાબતમાં અમે ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને અમારા ગમતામાં વર્તાવીએ તોપણ મૂંઝાય નહિ તેને પાકો સત્સંગી કહ્યો તે શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા તે વખતે તો જેમ કહે તેમ વર્તે તે વર્ત્યો કહેવાય પણ આજ કેવી રીતે વર્તે તો વચનમાં ભીડામાં તથા ગમતામાં વર્ત્યો કહેવાય ?
૧ ઉ. ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, શિક્ષાપત્રી આદિકમાં ત્યાગી-ગૃહીના ધર્મ શ્રીજીમહારાજે કહ્યા છે તે પ્રમાણે રાજી થકો વર્તે પણ તેમાં કાંઈ ફેર પડવા દે નહિ ને તે પ્રમાણે વર્તવામાં લેશમાત્ર મૂંઝાય નહિ તે વચનના ભીડામાં તથા ગમતામાં રહ્યો કહેવાય. અને તે પ્રમાણે યથાર્થ વર્તે પણ એ પ્રમાણે ન વર્તવાનો મનમાં સંકલ્પ થઈ જાય તે મૂંઝાણો કહેવાય. અને જે એ પ્રમાણે ન વર્તે તે સ્વામિનારાયણનો છે જ નહિ; એ તો સંપ્રદાયથી બહાર છે તે (પ્ર. ૩૬ના બીજા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે. ।।૭૬।।
વચનામૃત ગઢડા પ્રથમનું - ૭૭
સંવત ૧૮૭૬ના દ્વિતીય જ્યેષ્ઠ વદિ અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરતા હતા ને પછી એક મુનિએ અણસમજણે કરીને ભગવાનના નિશ્ચયનું બળ લઈને ધર્મને ખોટા જ કરવા માંડ્યા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ભગવાનના જ્ઞાનનો ઓથ લેઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો, અને ભગવાનના સ્વરૂપમાં તો કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે. તે શ્રીમદ્ ભાગવતને વિષે પ્રથમ સ્કંધમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કહ્યા છે, માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે, અને જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેમાં તો એકાદશ સ્કંધમાં કહ્યા એવાં જે સાધુનાં બત્રીશ લક્ષણ તે આવે છે, માટે જેમાં બત્રીશ લક્ષણ સંતનાં ન હોય તેને પૂરો સાધુ ન જાણવો, અને જેને ભગવાનનો નિશ્ચય હોય તેના હૈયામાં તો પ્રભુના કલ્યાણકારી ગુણ જરૂર આવે, અને પ્રભુના ગુણ સંતમાં આવે ત્યારે તે સાધુ બત્રીસ લક્ષણે યુક્ત હોય. (૧) માટે આજથી જે કોઈ પંચવર્તમાનરૂપ જે ધર્મ તેને મૂકીને જ્ઞાનનું કે ભક્તિનું બળ લેશે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી છે. અને એવી ધર્મભંગ વાત જે કોઈ કરતો હોય, તેને વિમુખ કહેવો, અને એમ કહેવું જે તમે તો અસુરનો પક્ષ લીધો છે, તે અમે નહિ માનીએ, એમ કહીને તે અધર્મીની વાતને ખોટી કરી નાખવી. (૨)
૨ પછી સંતે પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! કોઈક ભગવાનનો અતિ દૃઢ ભક્ત હોય ને દેહ મૂકવા ટાણે તેને પીડા થઈ આવે છે ને બોલ્યાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી, અને કોઈક તો કાંઈ પાકો હરિભક્ત જણાતો ન હોય ને તે દેહ મૂકવા સમે તો અતિ સમર્થ જણાય છે, ને અતિશે ભગવાનના પ્રતાપને જાણીને ને ભગવાનનો મહિમા મુખે કહીને, સુખિયો થકો દેહ મૂકે છે એનું શું કારણ છે, જે સારો હોય તેનું અંત સમે સારું ન દેખાય ને જેવો તેવો હોય તેનું અંત સમે સારું દેખાય છે એનું કારણ કહો ? એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દેશ, કાળ, ક્રિયા, સંગ, દેવતા, મંત્ર, દીક્ષા ને શાસ્ત્ર એ આઠ જેવાં હોય તેવી પુરુષની મતિ થાય છે, તે જો સારાં હોય તો સારી મતિ થાય છે, ને ભૂંડાં હોય તો ભૂંડી મતિ થાય છે, અને પુરુષના હૃદયને વિષે પરમેશ્વરની માયાના પ્રેર્યા થકા ચારે યુગના ધર્મ વારાફરતી વર્તતા હોય, તે જો અંત સમે સતયુગનો ધર્મ આવી જાય તો મૃત્યુ બહુ શોભી ઊઠે, અને ત્રેતા ને દ્વાપરનો ધર્મ આવે તો તેથી થોડું શોભે અને કળિનો ધર્મ મૃત્યુ સમે આવે તો અતિશે ભૂંડું દેખાય, એમ અંત સમે સારું-નરસું તે તો કાળે કરીને છે. અથવા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે તેમાં જો અંત સમે જાગ્રત અવસ્થા વર્તતી હોય તો પાપી હોય તે પણ બોલતાં-ચાલતાં દેહ મૂકે છે. અને અંત સમે સ્વપ્ન અવસ્થા વર્તતી હોય તો ઝંખ્યા જેવું કાંઈ ને કાંઈ બોલતો થકો ભગવાનનો ભક્ત હોય તોપણ દેહ મૂકે, અને અંત સમે સુષુપ્તિ અવસ્થા પ્રધાન વર્તે તો ભગવાનનો ભક્ત હોય અથવા વિમુખ હોય તોપણ ઘેનમાં ને ઘેનમાં રહીને દેહ મૂકે, પણ સારું કે નરસું કાંઈ બોલાય નહીં. (૩) અને અંતકાળે એ ત્રણ અવસ્થા થકી પર ને બ્રહ્મરૂપ એવો પોતાના જીવાત્માને સાક્ષાત્કાર માનતો થકો જે દેહ મૂકે તે તો જેવી ઈશ્વરને સામર્થી હોય તેવી સામર્થી જણાવીને દેહ મૂકે છે ને એમ બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને દેહ મૂકવો તે ભગવાનના ભક્તને જ થાય છે, પણ બીજા વિમુખ જીવને એમ થાય જ નહીં. (૪) એવી રીતે કાળે કરીને અંત સમે સારું-નરસું જણાય છે, અથવા અવસ્થાઓને યોગે કરીને સારું-નરસું જણાય છે, અને વિમુખ હોય તેને અંતકાળે જાગ્રત અવસ્થા વર્તતી હોય ને બોલતો બોલતો દેહ મૂકે તેણે કરીને કાંઈ તેનું કલ્યાણ થાતું નથી; વિમુખ તો સારી રીતે દેહ મૂકે અથવા ભૂંડી રીતે દેહ મૂકે પણ નરકે જ જાય, અને ભગવાનનો ભક્ત હોય તે બોલતો બોલતો દેહ મૂકે અથવા ઝંખ્યા જેવું બોલીને દેહ મૂકે, અથવા શૂન્ય મૂન્ય રહીને દેહ મૂકે પણ તેનું કલ્યાણ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી, એમ ભગવાનના ભક્તને જાણવું. અને ભગવાનનો ભક્ત હોય તેને અંત સમે સ્વપ્નાદિકને યોગે કરીને ઉપરથી પીડા જેવું જણાતું હોય પણ એને અંતરમાં તો ભગવાનને પ્રતાપે કરીને અતિ આનંદ વર્તતો હોય માટે નક્કી હરિભક્ત હોય ને અંત સમે લાવાં ઝંખાં કરતો થકો દેહ મૂકે પણ એના કલ્યાણમાં લેશમાત્ર સંશય રાખવો નહીં. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૭૭।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો આશરો ને નિશ્ચય હોય તેમાં અમારા કલ્યાણકારી ગુણ ને સાધુનાં બત્રીસ લક્ષણ આવે છે. (૧) અને જે પંચવર્તમાનને મૂકીને જ્ઞાન-ભક્તિનું બળ લે તે ગુરુદ્રોહી, વચનદ્રોહી ને અસુર છે તેની વાત ન માનવી. (૨) બીજામાં કાળે કરીને, અવસ્થાએ કરીને અંતસમે સારું-નરસું જણાય છે. (૩) અને બ્રહ્મરૂપ થઈને ને સામર્થી જણાવીને તો અમારો ભક્ત જ દેહ મૂકે (૪) ને વિમુખ સારી રીતે દેહ મૂકે તોય નરકે જાય ને અમારો ભક્ત શૂન્ય મૂન્ય રહીને દેહ મૂકે, તોપણ કલ્યાણ જ થાય. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં અમારે આશરે કરીને કલ્યાણકારી ગુણ આવે છે એમ કહ્યું અને (પ્ર. ૬૨ના પહેલા પ્રશ્નમાં) અમારા નિશ્ચયે કરીને જ કલ્યાણકારી ગુણ આવે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે કેમ સમજવું ?
૧ ઉ. નિશ્ચયમાં ને આશરામાં સરખી ગૌરવતા છે, માટે કલ્યાણકારી ગુણ એ બેય વતે આવે છે તે આમાં આ પ્રશ્નમાં જ શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો નિશ્ચય હોય તેમાં અમારા કલ્યાણકારી ગુણ જરૂર આવે અને સાધુનાં લક્ષણ પણ એ બેયથી આવે છે.
૨ પ્ર. જે આશરે કરીને શ્રીજીમહારાજના કલ્યાણકારી ગુણ આવે તે આશરાનું શું રૂપ છે ?
૨ ઉ. શ્રીજીમહારાજ વિના બીજા કોઈને કર્તા જાણે નહિ; એક શ્રીજીમહારાજને જ સર્વ કર્તા ને સર્વેના સુખદાતા જાણે અને શ્રીજીમહારાજની મૂર્તિના સુખ વિના બીજું કાંઈ સુખ કે ઐશ્વર્ય તેને ઇચ્છે જ નહિ ને જેમ શ્રીજીમહારાજની મરજી હોય તેમ જ વર્તે તે આશરો કહેવાય.
૩ પ્ર. સાધુનાં બત્રીસ લક્ષણ કહ્યાં તે કિયાં જાણવાં ?
૩ ઉ. (૧) કૃપાળુ = પરદુઃખને સહન નહિ કરનારા. (૨) અકૃતદ્રોહ = સર્વ પ્રાણીમાં કોઈનો દ્રોહ નહિ કરનારા. (૩) તિતિક્ષુ = ક્ષમાવાન. (૪) સત્ય = સત્ય એ જ છે સાર. (બળ જેને.) (૫) અનવદ્યાત્મા = અસૂયાદિ દોષે રહિત. (૬) સમ = સ્વ-પરમાં સમદૃષ્ટિવાળા. (૭) સર્વોપકારક = સર્વને ઉપકાર કરનારા. (૮) કામૈરહતધી = વિષયને વિષે ક્ષોભ નહિ પામનારા. (૯) દાન્ત = શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના, ઘ્રાણ એ જ્ઞાનઇન્દ્રિયો તથા વાક્, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ એ કર્મઇન્દ્રિયો તેને શ્રીજીમહારાજની આજ્ઞામાં યથાર્થ વર્તાવનારા. (૧૦) મૃદુ = કોમળ ચિત્તવાળા. (૧૧) શુચિ = બાહ્ય શૌચ જે સ્નાનાદિક ક્રિયા કરવી તથા સ્પર્શ કરવા યોગ્ય નહિ તેના સ્પર્શે રહિત અને અંતરમાં શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પે રહિત થઈને મૂર્તિનું ચિંતવન કરનારા. (૧૨) અકિંચન = ધનાદિક પરિગ્રહ રહિત (ધન જે સુવર્ણ, રૂપું, તામ્ર, મુદ્રા તથા નોટ આદિક) દ્રવ્યનો સંગ્રહ ન કરનાર - ન કરાવનાર એવા. (૧૩) અનીહ = નહિ કરવા યોગ્ય એવી શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ ક્રિયા તેને નહિ કરનારા. (૧૪) મિતભુક્ = ઉદરના ચાર વિભાગપૂર્વક બે ભાગ અન્ને કરીને પૂર્ણ કરનારા અને એક ભાગ જળે કરીને પૂર્ણ કરનારા અને એક ભાગ વાયુ પ્રચારને અર્થે ખાલી રાખીને એક જ વાર જમનારા. (૧૫) શાન્ત = મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ અંતઃકરણોને શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તાવનારા. (૧૬) સ્થિર = ત્યાગી-ગૃહી પોતપોતાના આશ્રમના ધર્મ પ્રમાણે યથાર્થ વર્તનારા. (૧૭) મચ્છરણ = સાક્ષાત્ સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમે જ છીએ રક્ષણ કરનાર ને પ્રાપ્ય તે જેને. (૧૮) મુનિ = શ્રીજીમહારાજની મૂર્તિનું મનન કરનારા. (૧૯) અપ્રમત્ત = સ્થૂળ, સૂક્ષ્મ દેહે કરીને પાળવાના જે ધર્મ તેને પાળવામાં તત્પર. (૨૦) ગંભીરાત્મા = જેનો અભિપ્રાય જાણી ન શકાય તેવા. (૨૧) ધૃતિમાન્ = આપત્કાળમાં પણ ધર્મનો ત્યાગ નહિ કરનારા. (૨૨) જિતષડ્ગુણ = ભૂખ-તરસ, શોક-મોહ, જરા-મૃત્યુ તે જીત્યાં છે જેણે એવા. (૨૩) અમાની = માનની ઇચ્છાએ રહિત. (૨૪) માનદ = બીજાને માન આપનારા. (૨૫) કલ્પ = બીજાને વિષયની આસક્તિ ટળાવીને મોક્ષને માર્ગે ચલાવવારૂપી જ્ઞાનબોધ દેવામાં સમર્થ. (૨૬) મૈત્ર = કોઈને ઠગનારા નહીં. (૨૭) કારુણિક = ભવાબ્ધિમાં બૂડેલા જીવોના દુઃખની નિવૃત્તિ કરવારૂપી કૃપાએ કરીને છે વિચરણ જેનું. (૨૮) કવિ = જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર તથા પરબ્રહ્મ જે શ્રીજીમહારાજ તેમના સ્વરૂપને યથાર્થ જાણનારા. (૨૯) સત્તમ = અમે ઉપદેશ કરેલા આત્મનિષ્ઠારૂપ ગુણ જે પોતાના આત્માને અમારા તેજરૂપ બ્રહ્મને વિષે એકતા કરીને, તેને વિષે અમારી મૂર્તિને ધારીને આત્માનો તથા અમારો સાક્ષાત્કાર કરવો અને દોષ જે દેહાભિમાન તેને જાણીને સર્વ ધર્મના ફળનો ત્યાગ કરીને અમને નિષ્કામભાવે ભજે તે ઉત્તમ સાધુ છે. (સાધુનું ઉત્તમ લક્ષણ છે.) (૩૦) ભક્તતમ = અમને ક્ષર જે મૂળમાયા પર્યંત અને અક્ષર જે મૂળઅક્ષર પર્યંત સર્વના નિયંતા, સર્વ કારણના કારણ, સર્વાન્તર્યામી, સર્વ કર્તા, સર્વના સુખદાતા, સર્વ સુખમય મૂર્તિ, અતિશે તેજસ્વી અને સૌશિલ્ય, વાત્સલ્યાદિ સ્વભાવ યુક્ત તથા અનંત ઐશ્વર્યસંપન્ન જાણીને અનન્યભાવથી અમારી મૂર્તિમાં લુબ્ધ થઈને, અમારા સુખને અનુભવે તે અતિ ઉત્તમ ભક્ત કહેતાં સાધુ છે. (તે સાધુનું અતિ ઉત્તમ લક્ષણ છે.) (૩૧) અજાતશત્રુ = નથી ઉત્પન્ન થયો શત્રુ જેને. (૩૨) સાધુ ભૂષણ = શીળ જે બ્રહ્મચર્ય તે જ છે ભૂષણ જેને. (અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય તેને પાળનારા.) આ બત્રીસ લક્ષણે યુક્ત હોય તે અમારા સંત કહેવાય એમ શ્રીજીમહારાજે કહ્યું છે. ।।૭૭।।
વચનામૃત ગઢડા પ્રથમનું – ૭૮
સંવત ૧૮૭૭ના અષાડ સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાઘ વિરાજમાન હતી ને કંઠને વિષે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે સંત સાંભળો : એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું જે, પૂછો મહારાજ ! પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતા, શાસ્ત્ર, ઉપદેશ એ આઠ સારાં હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે ને એ આઠ ભૂંડાં હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, માટે એ આઠેમાં પૂર્વકર્મનું કાંઈ જોર છે કે નથી ? પછી મુનિ બોલ્યા જે, પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું, જો સારાં કર્મ હોય તો પવિત્ર દેશને વિષે જન્મ આવે ને ભૂંડાં કર્મ હોય તો ભૂંડા દેશને વિષે જન્મ આવે, તેમજ કાળાદિક સાત છે તેમાંથી પણ જેવાં કર્મ હોય તેવાનો યોગ બને છે, માટે સર્વેમાં કર્મનું પ્રધાનપણું જણાય છે ને દેશકાળાદિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વેને વિષે કર્મને પ્રધાન કહો છો તે કિયા શાસ્ત્રને મતે કહો છો તેનું કોઈ વચન ભણી દેખાડો ? અને એક કર્મનું પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી; બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર ને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે, માટે તમે કર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું ? કેમ જે નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો નથી, અને નાસ્તિક તો વેદ, શાસ્ત્ર, પુરાણ ને ઇતિહાસ જે ભારતાદિક તેને ખોટાં જાણે છે ને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને જ સાચા માને છે, માટે મૂર્ખ થકા કર્મનું પ્રતિપાદન કરે છે અને જો કર્મે કરીને દેશાદિક આઠ ફરતા હોય તો મારવાડને વિષે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે તેમને અર્થે સો હાથ ઊંડાં પાણી હતાં તે ઉપરછલાં થયાં નથી ને જો કર્મને વશ દેશ હોય તો પુણ્યકર્મવાળાને અર્થે પાણી ઊંચાં આવ્યાં જોઈએ ને પાપીને અર્થે ઊંડાં ગયાં જોઈએ પણ એમ તો થાતું નથી ને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળા હોય, પણ ઊંડાં પાણી ઊપજે પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી માટે દેશકાળાદિક તો કર્મના ફેરવ્યા ફરે નહિ તે માટે જે પોતાના કલ્યાણને ઇચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બળ રાખવું નહિ અને ભૂંડાં દેશકાળાદિક આઠ હોય તેનો ત્યાગ કરીને, રૂડા જે દેશકાળાદિક આઠ તેનું સેવન કરવું અને દેશ તો બારણે પણ સારો-નરસો હોય અને પોતાના દેહમાં પણ હોય તે જ્યારે દેહરૂપ જે સારો દેશ તેને વિષે જીવ હોય ત્યારે શીળ, સંતોષ, દયા, ધર્મ ઇત્યાદિક જે કલ્યાણકારી ગુણ તે વર્તતા હોય અને જ્યારે આ દેહરૂપ જે ભૂંડો દેશ તેને વિષે જીવ રહ્યો હોય ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિક ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે અને સારો-ભૂંડો જે સંગ થાય છે તેની વિક્તિ એમ છે જે, જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહિ ત્યારે તેનો સંગ થયો જાણવો અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળે છે પણ અંતરમાં તો તે સાથે લાખો ગાઉનું છેટું છે, એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય અને મન, કર્મ, વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય, માટે એવી રીતે મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો જેથી જીવનું કલ્યાણ થાય પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો. (૧)
૨ પછી મધ્યાહ્ન સમે શ્રીજીમહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા ને એમ કહ્યું જે, તમે સર્વે વિદ્યાર્થી મુને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) જેને ભગવાનનો અચળ નિશ્ચય હોય તે કેમ ઓળખાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને અચળ નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વે કલ્યાણકારી ભાસે અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈક ઠેકાણે ભાગે અથવા ક્યારેક રાજી થાય, ક્યારેક શોક કરે ઇત્યાદિક અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે જે, પ્રભુની સર્વે ક્રિયા કલ્યાણને અર્થે છે તે જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણવો. (૨)
૩ પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) ભગવાન ને ભગવાનના સંત તેને વિષે દોષબુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચળ નિશ્ચય હોય, તો તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષબુદ્ધિ આવે નહિ અને એવા મોટા જે ભગવાન તેના દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે નહીં. (૩)
૪ પછી નિર્માનાનંદ સ્વામી ને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બેયે મળીને પૂછ્યું જે, (૪) જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણે અવસ્થાને વિષે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પૂર્વજન્મનો કોઈક શુભ સંસ્કાર બળિષ્ઠ હોય તેને ભગવાનની મૂર્તિ ત્રણે અવસ્થામાં અખંડ દેખાય છે અથવા ભય, કામ ને સ્નેહ એ ત્રણ જેને વિષે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણે અવસ્થામાં અખંડ દેખાય છે તો ભગવાન દેખાય એમાં શું કહેવું ? એ તો દેખાય જ. (૪)
૫ પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) સત્સંગને વિષે અચળ પાયો જેનો હોય તે કેમ ૬ જણાય ? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે જે, (૬) માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષ્યા ઇત્યાદિક જે શત્રુ તે કિયે પ્રકારે કરીને નાશ પામે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને સત્સંગનો અતિ દૃઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહિ, જેમ પોતાના કુટુંબી હોય ને તે સાથે કચવાણ થઈ હોય તોપણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહિ, એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિષે અચળ છે. (૫) અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર, ઈર્ષ્યા કેમ રાખી શકે ? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેનાં માન, મદ, મત્સર, ઈર્ષ્યા આદિક સર્વ શત્રુનો નાશ થઈ જાય છે. (૬) અને જેને સત્સંગીનો પક્ષ ન હોય અને સત્સંગી ને કુસંગીને વિષે સમભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જાતાં જરૂર વિમુખ થાય. (૭)
૭ પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૭) ભગવાન ને ભગવાનના સંત તે કોઈકને તો નિધડક થઈને જેમ કહેવું ઘટે તેમ કહે છે અને તેની કોરનો એમ ભરુંસો આવે છે જે, આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તોય પણ કોઈ રીતે એ પાછો નહિ પડે એવો જે ભરુસો તે ભગવાન ને
૮ ભગવાનના સંતને કેમ આવે ? એક તો એ પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે જે, (૮) જે સંતને પાસે રહેતા હોઈએ તેને જેવું આપણા ઉપર હેત હોય તેવું સમગ્ર સંતને કેમ રહે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દૃઢ પક્ષ હોય તો તેને કહેતાં-સાંભળતાં ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહિ અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહિ જે આને કહેશું તો આ સત્સંગમાંથી જાતો રહેશે; તેની કોરનો તો દૃઢ વિશ્વાસ જ હોય જે એનો સત્સંગ તો અચળ છે, માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને પાસે પોતે પ્રથમ રહેતા હોઈએ અને તેની સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે તોપણ જેની પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈક ઘસાતું બોલે તો ખમી શકે નહિ ત્યારે સર્વે સંતને એમ સમજાય જે આ તો કૃતઘ્ની નથી, જેને પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મૂકતો નથી, માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વે સંતને હેત રહે અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વ સંતને એમ જણાય જે આ કૃતઘ્ની પુરુષ છે તે જ્યારે આપણી સાથે નહિ બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને હેત રહે નહીં. (૮)
૯ પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૯) ભગવાન તો અક્ષરાતીત છે, અને મન-વાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે તેનો શો હેતુ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અક્ષરાતીત ને મન-વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે, જ્ઞાની-અજ્ઞાની એવાં જે મર્ત્યલોકનાં મનુષ્ય તે સર્વે મુને દેખો, એમ ધારીને સત્યસંકલ્પ એવા જે આ ભગવાન તે કૃપાએ કરીને મર્ત્યલોકનાં સર્વ મનુષ્ય દેખે એવા થાય છે. (૯)
૧૦ પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૦) ભગવાન રાજી કેમ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઇચ્છવું નહિ, અને દર્શનનો પણ લોભ રાખવો નહિ ને ભગવાન જેમ કહે તેમ કરવું, એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે. (૧૦)
૧૧ પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧૧) ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય ? અને આઠે પહોર અહો ! અહો ! સરખું કેમ રહે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભક્ત એમ સમજે જે, આ ભગવાન ને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક ને બ્રહ્મપુર તેના નિવાસી છે. તે સંત ને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ સર્વે ધામ છે, અને એ સંત ભેળો મારો નિવાસ થયો છે, તે મારું અતિ બડું ભાગ્ય છે, એવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે અને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. (૧૧)
૧૨ પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૨) સંતનાં બત્રીસ લક્ષણ કહ્યાં છે, તે શો ઉપાય કરે તો આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે બત્રીસ લક્ષણે યુક્ત સંત હોય તેને વિષે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન, કર્મ, વચને એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિષે પણ એ બત્રીસ લક્ષણ આવે છે. એવી રીતે સર્વ શાસ્ત્રમાં કહ્યું છે જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. (૧૨)
૧૩ પછી શાન્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૩) એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન-સ્મરણ પણ કરે, અને કથા-કીર્તન પણ કરે ને સાંભળે, એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કિયો શ્રેષ્ઠ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને નિર્વિકલ્પ સમાધિ થાતી હોય, અને દેહની ખબર રહે નહિ એવો હોય, તો તે કથા-કીર્તન ન કરે તોપણ શ્રેષ્ઠ છે, અને જેને દેહની ખબર રહેતી હોય, ને ભજનમાંથી પોતાની મેળે ઊઠીને ખાવું, પીવું, દેહની ક્રિયા તે સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા-કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા-કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે. (૧૩)
૧૪ પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૪) કેવી રીતે વર્તીએ તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ રીતે ખોટ્ય આવવા દેઈએ નહિ, તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે, એમાં લેશમાત્ર સંશય નહીં. (૧૪)
૧૫ પછી વેદાન્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧૫) જેણે પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય, પછી તે શો ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાન ને ભગવાનના સંત રાજી થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય, તેને દેખીને ભગવાન ને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વૈર કરીએ, ત્યારે જેને જે સાથે વૈર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય, તે સંતને પણ ખબર પડે. પછી સંત તો તે સ્વભાવના વૈરી છે, તે આપણા પક્ષમાં ભળીને આપણા ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે, માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સૂધું દૃઢ વૈર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો, ને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાન ને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે, અને જ્યારે હરિની ને હરિજનની તે ઉપર દયા થાય, ત્યારે તેને હૈયામાં અતિશે સુખ વર્ત્યા કરે, અને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થી વધે અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે, માટે જે પોતાના હૃદયને વિષે અતિશે શત્રુ પીડતા હોય, તે સાથે અતિશે વૈર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે, માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે, ને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે. (૧૫)
૧૬ પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૬) હે મહારાજ ! જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ ને રહે છે, તેવી ને તેવી બીક છેટે જાઈએ તોપણ રહે, તે કેમ સમજીએ તો રહે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે, તેવી છેટે જાય તોપણ રહે, જો ભગવાનનું પૂરું માહાત્મ્ય સમજે તો. તે માહાત્મ્ય એમ સમજવું જે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઇચ્છાએ કરીને અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે, અને અન્વય થકા પણ વ્યતિરેક છે, અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે, તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે. અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી, અને અનંતકોટિ બ્રહ્માંડને વિષે જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે, અને તેને વિષે સુખ-દુઃખનો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમના હાથમાં છે; જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે, એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે, પણ એ તો ઘોડાના આધાર છે અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય જે પૃથ્વી ભગવાનને ધરી રહી છે પણ એ તો સ્થાવર-જંગમ સોતી સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય પણ આ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વેને પ્રકાશના દાતા છે એવી અદ્ભુત સામર્થી છે, તોપણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મુને દર્શન આપે છે, એવી રીતે માહાત્મ્ય સમજે તો જેવી પાસે રહ્યે મર્યાદા રહે છે તેવી ને તેવી છેટે જાય તોય પણ રહે. (૧૬)
૧૭ પછી વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે, (૧૭) ભગવાનના કર્યા વિના કાંઈ થાતું નથી; સર્વ ભગવાનનું જ કર્યું થાય છે, ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કાંઈક જ્યારે ભૂંડો દેશકાળ આવે છે, ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી ? અને તેને ટાળ્યાના મનસૂબા કેમ કરે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો જ્યારે ભગવાન મનુષ્યદેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીત જ છે જે, મનુષ્યની પેઠે સર્વ વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થીને પ્રગટ કરે નહીં. એવી રીતે સર્વ શાસ્ત્રમાં ભગવાનનાં ચરિત્ર કહ્યાં છે, તેથી જ્યારે ભગવાન કાંઈ નવાં ચરિત્ર કરે ત્યારે સંશય કરજ્યો પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે, તેના જેવાં ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહીં. (૧૭)
૧૮ પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૮) કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશે જણાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મચ્છ, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે જે, જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે, તે ભગવાનના આ સંત છે, તેનો મારે સમાગમ મળ્યો છે તે માટે હું પણ અતિ બડભાગી છું એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશે જણાતો જાય. (૧૮)
૧૯ પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧૯) સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહને વિષે જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે દેહને વિષે સુખ-દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ-દુઃખને જીવ પોતાને વિષે માને ત્યારે તે જીવ અન્વયપણે છે અને જ્યારે ત્રણ દેહનાં સુખ-દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. (૧૯)
૨૦ પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨૦) જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં ને સત્સંગીમાં અતિશે હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ તો એને સંતને વિષે અલૌકિક મતિ હોય ને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરઠે છે; પછી એની અસદ્વાસના થઈ જાય છે તેણે કરીને સંતને વિષે ઓછો ભાવ થઈ જાય છે તે જો વિચારીને અસદ્વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય અને જો અસદ્વાસના ન ટાળે તો અંતે જાતાં વિમુખ થઈ જાય છે. (૨૦)
૨૧ પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨૧) જીવને મોક્ષનો શો હેતુ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે એ જ જીવને મોક્ષનો હેતુ છે. (૨૧)
૨૨ પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨૨) દેશ, કાળ, ક્રિયા, સંગ એનું વિષમપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દેશાદિક વિષમ હોય ત્યાં તો ઊગર્યાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું. (૨૨)
૨૩ પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨૩) ભગવાનનો નિશ્ચય છે તોપણ અસદ્વાસના કેમ ટળતી નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે અસદ્વાસના ટળતી નથી. (૨૩)
૨૪ પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨૪) ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે તોપણ ભગવાનને વિષે ને ભગવાનની કથાને વિષે હેત કેમ થતું નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનું જેવું માહાત્મ્ય છે, તેવું એને સમજ્યામાં આવ્યું નથી. અને જો યથાર્થ ભગવાનનું માહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તોપણ રહે નહિ, ને એક ભગવાન ને ભગવાનના સંત અને ભગવાનની કથા-કીર્તન તેને વિષે જ અચળ હેત થાય છે. (૨૪)
૨૫ પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨૫) ભગવાનની ભક્તિ અચળ કેમ રહે ? પછી શ્રીજીમહારાજ બાલ્યા જે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ ને વાસુદેવ એ જે ચતુર્વ્યૂહ તથા કેશવાદિક જે ચોવીશ મૂર્તિઓ તથા વારાહાદિક જે અવતાર એ સર્વેના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશેપણે કરીને સમજે, તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધાભક્તિ તે અચળ રહે. (૨૫)
૨૬ એવી રીતે સર્વે મુનિના પ્રશ્નનો ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ સર્વેને પૂછતા હવા જે, (૨૬) કામ, ક્રોધ ને લોભ એ ત્રણ નરકનાં દ્વાર છે એમાંથી જેને જે અતિશે જીત્યામાં આવ્યાં હોય તે સર્વે કહો ? પછી જેને જે વાતની અતિશે દૃઢતા હતી તે તેવી રીતે બોલ્યા. તે મુનિનાં વચન સાંભળીને શ્રીજીમહારાજ અતિશે રાજી થયા. (૨૬) અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ ચાર જણને રાજી થઈને હૃદયને વિષે ચરણારવિંદ દીધાં ને એમ બોલ્યા જે, જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક મોટેરા છે, તે ભેળા આ ચાર પણ છે, માટે એમનું કોઈને અપમાન કરવા દેશો મા, એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભલામણ કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે જમવા પધાર્યા. (૨૭) ઇતિ વચનામૃતમ્ ।।૭૮।।
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨૬) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, કર્મનું બળ રાખવું નહિ ને રૂડા દેશાદિક સેવવા. (૧) બીજામાં અમારાં પ્રાકૃત ચરિત્રને કલ્યાણકારી જાણે તેનો પરિપક્વ નિશ્ચય છે. (૨) ત્રીજામાં એવા નિશ્ચયવાળાને અમારે વિષે ને અમારા મુક્તને વિષે દોષબુદ્ધિ ન આવે. (૩) ચોથામાં પૂર્વનો બળિષ્ઠ સંસ્કાર અથવા ભય, કામ ને સ્નેહ અખંડ હોય તેને અમારી મૂર્તિ ત્રણે અવસ્થામાં દેખાય છે. (૪) પાંચમામાં સત્સંગનો પક્ષ હોય તેનો અચળ પાયો છે. (૫) છઠ્ઠામાં એવા પક્ષવાળાના કામાદિક શત્રુ નાશ પામે છે. (૬) અને જેને સત્સંગીને વિષે ને કુસંગીને વિષે સમભાવ હોય તે વિમુખ છે. (૭) સાતમા ને આઠમામાં જેને સત્સંગનો પક્ષ હોય તેનો અમને ને સંતને ભરુંસો આવે છે ને તેના ઉપર હેત રહે છે. (૮) નવમામાં ઇન્દ્રિયો-અંતઃકરણને અગોચર અને અક્ષરધામથી પર એવા અમોએ દયા કરીને દર્શન આપ્યાં છે. (૯) દશમામાં પોતાના રાજીપાનો ઉપાય બતાવ્યો છે. (૧૦) અગિયારમામાં અમે ને અમારા મુક્ત જેવા અક્ષરધામમાં દિવ્ય છીએ તેવા જ દિવ્ય જાણે અને જ્યાં અમે ને અમારા મુક્ત વિરાજતા હોઈએ તે સ્થાનને અક્ષરધામ જાણે તો આઠે પહોર આશ્ચર્ય ને આનંદ રહે છે. (૧૧) બારમામાં અમારા મુક્તને વિષે ગુરુ બુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન-કર્મ-વચને સમાગમ કરે તો એમાં સંતનાં લક્ષણ આવે છે. (૧૨) તેરમામાં નિર્વિકલ્પ સમાધિ ન થતી હોય તેણે કથા-કીર્તન કરવાં. (૧૩) ચૌદમામાં પંચવર્તમાન સંપૂર્ણ રાખે તેના ઉપર અમે ને અમારા મુક્ત પ્રસન્ન થઈએ. (૧૪) પંદરમામાં કામાદિક શત્રુનું બળ ઘટવાનો અને કલ્યાણને માર્ગે ચાલ્યાની સામર્થી વધવાનો ઉપાય બતાવ્યો છે. (૧૫) સોળમામાં અમને અક્ષરધામથી પર સર્વના કર્તા, નિયંતા ને મૂળઅક્ષરાદિક સર્વેને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એવો અમારો મહિમા જાણે અને અમને અણુ અણુ પ્રત્યે સર્વત્ર જાણે તો અમારી મર્યાદા રહે છે. (૧૬) સત્તરમામાં અમારાં પ્રાકૃત ચરિત્રમાં સંશય કરવો નહીં. (૧૭) અઢારમામાં અમે રામકૃષ્ણાદિક અવતારોમાં અમારું ઐશ્વર્ય મૂકીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે એવા જે અમે તે અમારા આ સંત છે એમ જાણે તો અમારા સંતનો મહિમા અતિશે જણાય છે. (૧૮) ઓગણીસમામાં જીવનું અન્વય ને વ્યતિરેકપણું કહ્યું છે. (૧૯) વીસમામાં અસદ્વાસના થવાનો ને વિમુખ થવાનો હેતુ કહ્યો છે. (૨૦) એકવીસમામાં મોક્ષનો ઉપાય બતાવ્યો છે. (૨૧) બાવીસમામાં મારકૂટ થાતી હોય, નિરાકારવાદી, ને કર્મવાદી, શક્તિપંથી, કુંડાપંથી તેમનો યોગ થતો હોય ત્યાંથી ભાગી છૂટવું. (૨૨) તેવીસમામાં અમારું માહાત્મ્ય યથાર્થ જાણે નહિ તેને અસદ્વાસના રહે છે. (૨૩) ચોવીસમામાં યથાર્થ માહાત્મ્ય જાણે તો અમારે વિષે ને મુક્તને વિષે ને અમારાં કથા-કીર્તનને વિષે અચળ હેત થાય છે. (૨૪) પચીસમામાં અમને સર્વ અવતારોના કારણ જાણે તો અમારી નવધાભક્તિ અચળ રહે છે. (૨૫) છવીસમામાં કામ, ક્રોધ, લોભ એ ત્રણ નરકનાં દ્વાર છે. (૨૬) અને આત્માનંદ સ્વામી આદિક ચાર સદ્ગુરુઓ મોટેરા છે એમ કહ્યું છે. (૨૭) બાબતો છે.
૧ પ્ર. ચોથા પ્રશ્નમાં ભય, કામ ને સ્નેહ એ ત્રણ વાનાં માયિક પદાર્થમાં હોય તો તે અખંડ દેખાય તો ભગવાન દેખાય એમાં શું કહેવું એમ કહ્યું અને (સા. ૩ના ૨/૩ બીજા પ્રશ્નમાં) માયિક પદાર્થ વીસરી જાય છે તો ભગવાન ક્યાંથી સાંભરે એમ કહ્યું છે તે કેમ સમજવું ?
૧ ઉ. શ્રીજીમહારાજ તો મોટા મોટા અક્ષરાદિક સર્વેને અગમ્ય છે ને મોટા મોટા યોગીઓને પણ ધ્યાન કરતાં કોટિ કલ્પ વીતી જાય તોપણ દેખાતા નથી એવા અતિશે અગમ્ય છે, એવા શ્રીહરિ તે આજ દયા કરીને જીવોને માયાનાં બંધનમાંથી છોડાવીને પોતાના તેજરૂપ દિવ્ય અક્ષરધામમાં લઈ જઈને પોતાનું અલૌકિક સુખ આપવા પધાર્યા છે, માટે દયા કરીને પોતાના ભક્તોને કહ્યું છે જે, માયિક પદાર્થમાં જેને ભય, કામ ને સ્નેહ હોય તેને માયિક પદાર્થ ત્રણે અવસ્થામાં અખંડ દેખાય છે, તેમ તમે જન્મમરણ થકી ભય પામીને અમારા સુખની ઇચ્છા રાખીને બીજું સર્વે વિસારીને અતિ સ્નેહે કરીને અમારી મૂર્તિનો આલોચ રાખો તો તમોને અખંડ દેખાશું એમ વરદાન આપ્યું છે, માટે બીજું સર્વે વિસારીને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી.
૨ પ્ર. અગિયારમા પ્રશ્નમાં આ ભગવાન ને આ સંત વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુરધામના નિવાસી છે એમ કહ્યું અને (પ્ર. ૩૭/૫માં, લો. ૧૩ના બીજા પ્રશ્નમાં, ૧૪/૨માં, ૧૮/૩માં, પં. ૧/૧માં, ૭/૧.૨માં, અ. ૬ના પહેલા તથા ૨/૩ બીજા પ્રશ્નમાં, છે. ૩૭માં, તથા ૩૮ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ ને મુક્ત તે અક્ષરધામના નિવાસી છે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. આમાં પોતાને તથા પોતાના મુક્તોને બ્રહ્મપુર એટલે અક્ષરધામના નિવાસી કહ્યા છે અને વૈકુંઠ તથા ગોલોકાદિકમાંથી પોતાના આત્યંતિક કલ્યાણને અર્થે આવેલા હતા તેમને વૈકુંઠ-ગોલોકના નિવાસી કહ્યા છે પણ પોતાને તથા પોતાના મુક્તોને વૈકુંઠ-ગોલોકના નિવાસી કહ્યા નથી, માટે જે ભક્ત એમ સમજે જે, વૈકુંઠ-ગોલોકના નિવાસી પણ પોતાના આત્યંતિક કલ્યાણને અર્થે આવ્યા છે, એવા મોટા શ્રીજીમહારાજ તેમના આ સંત છે, એવો મહિમા શ્રીજીમહારાજનો ને તેમના સંતનો સમજે તો તેને આઠે પહોર આનંદ વર્તે છે એમ સમજવું.
૩ પ્ર. ચૌદમામાં પંચવર્તમાન કહ્યા તે ત્યાગી તથા ગૃહસ્થ કેવી રીતે પાળે ત્યારે યથાર્થ વર્ત્યા કહેવાય ?
૩ ઉ. ત્યાગીના નિષ્કામ વર્તમાનનું લક્ષણ (પ્ર. ૭૩ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યું છે. (૧) અને ત્યાગીના નિર્લોભી વર્તમાનનું લક્ષણ કહીએ છીએ જે, ધર્મામૃતમાં કહ્યા પ્રમાણે વસ્ત્ર રાખે પણ વધારે ન રાખે અને દ્રવ્ય રાખે-રખાવે નહિ તે સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો કનિષ્ઠ નિર્લોભી કહેવાય, અને અગિયારથી વધારે વસ્ત્ર કે દ્રવ્ય રાખવાનો મનમાં સંકલ્પ જ ન થાય તે ત્યાગી વર્ગ મધ્યમ નિર્લોભી કહેવાય, અને અગિયારથી વધારે વસ્ત્ર કે દ્રવ્ય રાખવાનો મનમાં સંકલ્પ ન થાય અને મંદવાડમાં જોઈતી વસ્તુ ન મળે તોપણ કોઈ પ્રકારે મૂંઝવણ થાય નહિ તે ત્યાગી વર્ગ ઉત્તમ નિર્લોભી કહેવાય. (૨) અને નિઃસ્વાદી વર્તમાનનું લક્ષણ એ છે જે, ત્યાગી વર્ગ શ્રીજીમહારાજની ઇચ્છાથી જે મળે તેમાં જળ નાખી મેળવીને શ્રીજીમહારાજને સંભારીને જમે પણ કોઈ વસ્તુ કોઈની પાસેથી માગે નહિ તે કનિષ્ઠ નિઃસ્વાદી કહેવાય, અને સહેજે મળ્યું હોય તેને પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો જમે તે મધ્યમ નિઃસ્વાદી કહેવાય, અને સારી વસ્તુનો ત્યાગ રાખે તેનો પાછો સંકલ્પ જ ન થાય તે ઉત્તમ નિઃસ્વાદી કહેવાય. (૩) અને નિર્માની વર્તમાનનું લક્ષણ એ છે જે, કોઈ અપમાન કે તાડન કરે તેને સહન કરે ને તેના ઉપર ધોખો ન કરે ને તેનું ભૂંડું થવાનો સંકલ્પ ન કરે એ કનિષ્ઠ નિર્માની કહેવાય, અને માન-અપમાન કરનાર બેય સમ થઈ જાય તે મધ્યમ નિર્માની કહેવાય, અને નાના બાળકની પેઠે માન-અપમાનની માનીનતા રહે નહિ તે ઉત્તમ નિર્માની કહેવાય. (૪) અને નિઃસ્નેહી વર્તમાનનું લક્ષણ એ છે જે ત્રણ દેહથી પર એવો જે પોતાનો આત્મા તેને બ્રહ્મ જે શ્રીજીમહારાજનો પ્રકાશ તે રૂપ માનીને શ્રીજીમહારાજની અખંડ સ્મૃતિ રાખે તેમાં બીજો સંકલ્પ થાય તો તેનો નાશ કરી નાખે પણ તે સંકલ્પને પૂરો થવા દે નહિ તે કનિષ્ઠ નિઃસ્નેહી કહેવાય, અને કોઈક સમે ઘાટ થઈ આવે તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ ધૂળ નાખે ને વસમું લાગે તેવું તે વસમું લાગે તે મધ્યમ નિઃસ્નેહી કહેવાય, અને મૂર્તિ વિના બીજો સંકલ્પ થાય જ નહિ તે ઉત્તમ નિઃસ્નેહી કહેવાય. (૫) આ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદોનાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વર્તમાન કહ્યાં તેમાં કનિષ્ઠ વર્તમાન દૃઢ રાખે તેના ઉપર પણ શ્રીજીમહારાજ ને સંત રાજી થાય છે તો મધ્યમ ને ઉત્તમવાળા ઉપર તો રાજી થાય એમાં શું કહેવું ? માટે તે દૃઢ કરવા. હવે ગૃહસ્થના પંચવર્તમાનનાં લક્ષણ કહીએ છીએ જે, ગૃહસ્થને ત્રણ પ્રકારની સુરા, અગિયાર પ્રકારનું મદ્ય, ગાળ્યા વિનાનું દૂધ, ભાંગ્ય, અફીણ, તમાકુ, ગાંજો, માજમ, ચ્હા (ચા), ડાક્ટરી ઔષધ તથા જેમાં દારૂ આદિકનો સંસર્ગ હોય એવું અજાણ્યા વૈદ્યનું ઔષધ તે સર્વે દારૂ કહેવાય અને (પ્ર. ૫૫/૨માં) ઇન્દ્રિયોને પાતર્યું કહી છે અને વિષયને મદિરા કહેલ છે, માટે ભાંડ, ભવાયા, સરકસ, નાટક, તાયફા, જગતના મેળા, જૂગટું, ચોપાટ, ગંજીફો એ સર્વ દારૂ તુલ્ય છે, માટે આટલાનો ત્યાગ કરે તો દારૂનો ત્યાગ કર્યો કહેવાય. (૧) અને પ્રત્યક્ષ માંસ, શોધ્યા વિનાનું અન્ન, ગાળ્યા વિનાનું જળ, ઘી, તેલ, લસણ, ડુંગળી, હિંગ, ઉંબરાનાં ફળ, કઠોળનું ઊંધિયું, ડાક્ટરી કોરી ફાકી તથા માંસના સંસર્ગવાળી વસ્તુઓ આટલીનો ત્યાગ કરે તો માંસનો ત્યાગ કર્યો કહેવાય. (૨) અને કોઈની ધણિયાતી વસ્તુ તથા માર્ગમાં ને અરણ્યમાં પડેલી વસ્તુ ન લેવી તથા કોઈને દુઃખાવીને પરાણે તેની કાંઈ વસ્તુ ન લેવી તથા કોઈની થાપણ ન ઓળવવી તથા દેવની દશોંદ-વિશોંદ દેવને આપવી તો ચોરી કરી ન કહેવાય. (૩) હવે અવેરી એટલે બ્રહ્મચર્ય કહીએ છીએ જે, પરસ્ત્રી માત્રનો સંગ ન કરવો ને મનમાં તેને ભોગવવાનો સંકલ્પ ન કરવો અને એકાંતમાં તેની સાથે ભાષણ ન કરવું અને માર્ગમાં તેની સાથે એકલા ચાલવું નહિ અને કુદૃષ્ટિએ તેને જોવી નહિ, એવી રીતે પરસ્ત્રીનો ત્યાગ રાખવો અને પોતાની સ્ત્રીનો પણ આસક્તિએ રહિત ઋતુસમે સંગ કરવો તેમાં પણ એકાદશીઓ તથા તેના આગલ્યા-પાછલ્યા દિવસો તથા ભગવાનની જન્મતિથિઓ તથા તેના આગલ્યા-પાછલ્યા દિવસો, અમાસ, શ્રાવણ માસ, શ્રાદ્ધ, તીર્થ, વ્રત યજ્ઞાદિકના દિવસોમાં પોતાની સ્ત્રીનો ત્યાગ રાખવો અને સમીપ સંબંધ વિનાની વિધવાનો સ્પર્શ ન કરવો, આ ગૃહસ્થનું બ્રહ્મચર્ય કહેવાય. (૪) અને ન ખપતું હોય તેનું ખાવું નહિ અને જેને ન ખપે તેને ખવરાવવું નહીં. (૫) તે પંચવર્તમાન ગૃહસ્થનાં છે. આ કહ્યાં જે દારૂ-માંસાદિક ગૃહસ્થનાં વર્તમાન તે ત્યાગીને તો પૂર્વ ભાગમાં ત્યાગી થયા મોરનાં જ છે તેણે સહિત નિર્લોભાદિક પાંચ વર્તમાન જાણવાં. આ કહ્યાં તે વર્તમાન સર્વને પાળવાં અને સધવા-વિધવાઓએ પણ પુરુષવર્જનાદિક ધર્મો તે પોતપોતાના આશ્રમ પ્રમાણે જાણવા.
૪ પ્ર. સોળમા પ્રશ્નમાં ભગવાન વ્યતિરેક થકા અન્વય રહ્યા છે અને અન્વય થકા વ્યતિરેક છે અને આ પ્રત્યક્ષ પ્રમાણ છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે એમ કહ્યું તે પ્રમાણે તો શ્રીજીમહારાજ મૂર્તિમાન સર્વમાં રહ્યા છે એમ આવ્યું અને (પ્ર. ૧૩ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) અંતર્યામી રૂપે તેજ દ્વારે રહ્યા છે એમ કહ્યું છે તે પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું ?
૪ ઉ. શ્રીજીમહારાજ સર્વમાં તેજ દ્વારે અંતર્યામીપણે રહ્યા છે પણ જે સિદ્ધદશાવાળા છે તે અણુ અણુ પ્રત્યે મૂર્તિને જ દેખે છે, માટે તેમને તો વ્યતિરેક જ છે, તેવી સમજણ એકાંતિક ભક્ત રાખે તો મર્યાદા રહે એમ કહ્યું છે. આનો વિસ્તાર (પ્ર. ૪૫ના બીજા પ્રશ્નોત્તરમાં) છે.
૫ પ્ર. અઢારમા પ્રશ્નમાં શ્રીજીમહારાજે કહ્યું જે, રામકૃષ્ણાદિક અવતારોએ કરીને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો એવા જે અમે તે અમારા આ સંત છે એમ સમજે તો અમારા સંતનો મહિમા અતિશે સમજાય તે એમ સમજવાથી સંતનો મહિમા શો આવ્યો ?
૫ ઉ. જેમ રાજાના અમલદારોથી રાણી મોટી કહેવાય, તેમ અવતારોથી મુક્તને મોટા કહ્યા છે તે (મ. ૨૨ના ૩/૫ ત્રીજા પ્રશ્નમાં) મુક્તને રાણીને ઠેકાણે એટલે પોતાની તુલ્ય ગણ્યા છે અને મચ્છ-કચ્છાદિકથી લઈને મૂળઅક્ષર પર્યંત સર્વ અવતાર જાણવા. ।।૭૮।।
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં ગઢડા પ્રથમ પ્રકરણં સમાપ્તમ્
અથ વચનામૃત સારંગપુર પ્રકરણમ્
વચનામૃત સારંગપુરનું - ૧
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ।। જિતં જગત્ કેન મનો હિ યેન ।। એ શ્લોકમાં એમ કહ્યું છે જે, જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વ જગત જીત્યું, તે મન જીત્યું કેમ જણાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછી હઠે અને કોઈ વિષય પામવાની ઇચ્છા રહે નહિ, ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે ને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે, ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણ આવે નહિ ને હૈયામાં ને હૈયામાં રહે એવી રીતે જેને પંચવિષયનો ત્યાગ અતિ દૃઢપણે કરીને થયો, ત્યારે તેનું મન જીત્યું જાણવું અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તોપણ જીત્યું ન જાણવું. (૧)
૨ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું માહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, હું ચૈતન્ય છું ને દેહ જડ છે ને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે ને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે, એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશે વિલક્ષણ સમજે ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહિ, એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે અને ભગવાનનો મહિમા એમ વિચારે જે, હું આત્મા છું, અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વેના સ્વામી જે શ્રી પુરુષોત્તમ તે મુને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિષે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમિષમાત્રનું દર્શન તે ઉપર અનંતકોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાખી દેઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંતકોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળાં કરીએ તોપણ તેના કોટિમાં ભાગની બરોબર પણ થાય નહિ અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે, એવા જે ભગવાન તે મુને પ્રગટ મળ્યા છે તેને મૂકીને નરકના કુંડ જેવાં જે વિષયનાં સુખ તેને હું શું ઇચ્છું ? અને વિષયસુખ તો કેવળ દુઃખરૂપ જ છે, એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે. અને એવી રીતે જે આત્મજ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે તે વૈરાગ્યે કરીને સર્વે વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે અને જેણે એવી રીતે સમજીને વિષયસુખનો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહિ ને એનું જ મન જિતાણું કહેવાય છે. (૨) અને એવી સમજણ વિના ઝાઝું હેત જણાતું હોય પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય, ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્રકલત્રાદિકને વિષે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચવિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિષે પ્રીતિ રહે નહિ ને વિકળ જેવો થઈ જાય ને જેમ કૂતરાનું ગલૂરિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દીસે તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દીસે પણ અંતે શોભે નહીં. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૭૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં પંચવિષયનો અતિશે ત્યાગ થાય તો જ મન જીત્યું જાણવું. (૧) બીજામાં ત્રણ દેહથી પોતાના આત્માને વિલક્ષણ સમજે અને પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમને વૈકુંઠ ગોલોક, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુરાદિક ધામોના તથા અનંતકોટિ બ્રહ્માંડના પતિઓના સ્વામી જાણે અને અમને પોતાના આત્માને વિષે અખંડ વિરાજમાન જાણે અને અમારા એક રોમના સુખ આગળ અનંત જીવ, પુરુષ, બ્રહ્મ, અક્ષર તેમની કોટિઓનાં જે સુખ તેને અતિશે તુચ્છ જાણે, આવું અમારા સ્વરૂપનું જ્ઞાન થાય તેને જ સર્વે વિષયસુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય. (૨) અને આવી સમજણ વિનાનું ઝાઝું હેત જણાતું હોય તોપણ સારા વિષયની પ્રાપ્તિ થાય અથવા વિષયનું સુખ મટી જાય ત્યારે હેત રહે નહિ અને વિકળ જેવો થઈ જાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ ને બ્રહ્મપુર ધામ કહ્યાં તે કોનાં જાણવાં ? અને અનંતકોટિ બ્રહ્માંડના પતિ બ્રહ્માદિક દેવ કહ્યા તે કિયા જાણવા ?
૧ ઉ. મૂળપુરુષના ધામને ગોલોક કહ્યું છે. વિષ્ણુના ધામને વૈકુંઠ કહ્યું છે. વાસુદેવબ્રહ્મના સાધનિક મુક્તોના સ્થાનને શ્વેતદ્વીપ કહ્યું છે, અને એ વાસુદેવબ્રહ્મના મૂળધામને બ્રહ્મપુર કહ્યું છે. અને મૂળઅક્ષર સર્વેની ઉત્પત્તિનાં મૂળ કારણ છે તેમને આ ઠેકાણે બ્રહ્મા કહ્યાં છે અને આદિ શબ્દથી વાસુદેવબ્રહ્મ તથા મૂળપુરુષ જાણવા. ।।૧।। (૭૯)
વચનામૃત સારંગપુરનું - ૨
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછેડી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશે હેત કિયે પ્રકારે થાય ? પછી તે પ્રશ્નનો ઉત્તર મુનિએ માંહોમાંહી કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજે તેનો ઉત્તર કરવા માંડ્યો જે, સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે, તથા સ્વાર્થે કરીને પણ થાય છે, તથા ગુણે કરીને પણ થાય છે. તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જ્યારે તેના દેહમાં પિત્ત નીસરે અથવા કોઢ નીસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે, તેમ જ લોભ, કામ ને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. (૧)
૨ ત્યારે શ્રીજીમહારાજ પ્રત્યે સોમલોખાચર બોલ્યા જે, (૨) એ તે ગુણ કિયા ? ઉપરલા કે માંહીલા ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ઉપરલે ગુણે શું થાય ? એ તો વચને કરીને, દેહે કરીને ને મને કરીને જે ગુણ હોય ને તે ગુણે કરીને જે હેત થયું હોય તે નથી નાશ પામતું. (૨) અને તમે પૂછો છો તે ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ કેવળ પૂછો છો ? કે ભગવાનને ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો ? ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, એ બેયને પૂછીએ છીએ. પછી શ્રીજીમહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી જે, વચને કરીને તો કોઈ જીવ-પ્રાણીમાત્રને દુઃખવવાં નહિ અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન-ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થાતો હોય ને તેમાં પોતે જીતીએ એમ જણાય તોપણ જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું અને આપણા કરતાં મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન-ઉત્તરે કરીને ભૂંઠા પડે એમ કરવું નહિ; મોટા સંત આગે ને પરમેશ્વર આગે તો જરૂર હારી જાવું અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહિ પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય ને તેમાં આશંકા થાય એવું હોય તોપણ તે સમાને વિષે ના પાડવી નહિ; એ તો હા જ પાડવી અને એમ કહેવું જે, હે મહારાજ ! જેમ તમે કહેશો તેમ હું કરીશ, અને તે વચન પોતાને મનાય નહિ એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું જે, હે મહારાજ ! તમે જે વચન કહ્યું તે તો ઠીક છે પણ આટલી મને તેમાં આશંકા થાય છે એ પ્રકારનું દીન થઈને વચન કહેવું અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને આગે કહેવું જે, આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે તો મુને માન્યામાં આવતું નથી. પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગે કહીને એ વચનનું સમાધાન કરાવે પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમે ના પાડવી નહિ, એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહિ, એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તવું. પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિષે દૃઢ સ્નેહ થાય છે. હવે દેહને ગુણે કેમ વર્તવું તો પોતાના દેહમાં જો કાંઈ ઉન્મત્તપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું. પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે પણ પોતાને જાણે દેહનું યત્ન કરવું નહિ તથા દેહે કરીને ભગવાનની ને ભગવાનના ભક્તની ટેલ-ચાકરી કરવી, એવી રીતે જ્યારે દેહને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તે ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે અને એ ભક્તને પણ ભગવાનને વિષે પ્રીતિ થાય છે. હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ જે, પરમેશ્વરનાં જ્યારે દર્શન કરવાં ત્યારે મને સહિત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવાં અને પરમેશ્વરનાં દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુપક્ષી આવ્યું ત્યારે પરમેશ્વરનાં દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી-અવળી, ઊંચી-નીચી દૃષ્ટિ કરીને તેનાં પણ ભેળાં દર્શન કરતો જાય, પછી એવી ફાટેલ દૃષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થાતા નથી અને એ દર્શન કરે છે તે કેવાં કરે છે તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે અને એવી લૌકિક દૃષ્ટિવાળો તો જેમ ખિલકોડી બોલે છે તે ભેળે પૂંછડું ઊંચું કરે છે તેવો જાણવો, શા સારુ જે પરમેશ્વર ભેળે બીજાં દર્શન કરે છે અને એવાં લૌકિક દર્શન જ્યારે એ કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહિ અને તે દિવસે દિવસે ઊતરતો જાય. તે માટે પરમેશ્વરનાં દર્શન કરતાં કરતાં આડીઅવળી દૃષ્ટિ કરવી નહીં. પરમેશ્વરનાં દર્શન તો પ્રથમ પહેલે નવીન થયાં હોય ને તે સમયને વિષે જેવું અંતરમાં અલૌકિકપણું હોય, તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય ને એક દૃષ્ટિએ કરીને મૂર્તિને જોતે જાવું ને દૃષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી, જેમ ધર્મપુરમાં કુશળકુંવરબાઈ હતાં તે અમારાં દર્શન કરતાં જાતાં હતાં અને દૃષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતાં, તેમ દર્શન તો મને યુક્ત દૃષ્ટિને એકાગ્ર રાખીને કરવાં પણ જેમ બીજાં દર્શન કરે છે તેમ ન કરવાં; અને જો પરમેશ્વરનાં દર્શન ભેળે બીજાં દર્શન મનુષ્યનાં કે કૂતરા-બિલાડાનાં કરે છે તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય ને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય, તે માટે પરમેશ્વરનાં દર્શન તો એક દૃષ્ટિએ કરવાં પણ ચપળ દૃષ્ટિએ ન કરવાં અને પરમેશ્વરનાં દર્શન દૃષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીનમાં નવીન રહે છે અને પરમેશ્વરે જે જે વચન કહ્યાં હોય તે પણ એને નવીનનાં નવીન રહે છે અને લૌકિક બાહ્ય દૃષ્ટિએ કરીને દર્શન કર્યાં હોય તેને પરમેશ્વરનાં દર્શન તથા વચન એ સર્વે જૂનાં થઈ જાય છે તે રોજ દર્શન કર્યા કરે પણ એવાને તો જેમ ન થયાં હોય તેવાં ને તેવાં રહે છે તે જ્યારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહિ; બહુધારાએ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે ભેળે બીજાં દર્શન જે જે કર્યાં છે તે પણ વગર ધાર્યાં આવીને હૈયામાં સ્ફુરે છે, તે માટે દર્શન તો એક પરમેશ્વરનાં જ કરવાં ને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન-સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે પણ તેની બહુધારા નથી રહેતી; એક રહે છે અને જે ચપળ દૃષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું અને જેનાં દૃષ્ટિ ને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે જે, આ તો લૌકિક દર્શન કરે છે. પછી તે લૌકિક દર્શનનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઊતરતો જાય છે અને જેમ કોઈક કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દૃષ્ટિ પ્રોવાણી હોય તે સમે વચમાં કોઈક પશુપક્ષી આવે, જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહિ, એવી રીતે એકાગ્ર દૃષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું પણ લૌકિક દર્શન ન કરવાં.
૩ ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી જે, (૩) હે મહારાજ ! અમારે તો દેશદેશમાં મનુષ્ય આગળ વાર્તા કરવી પડે તેણે કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે પણ આંહીં મૂર્તિનાં દર્શન મેલીને બીજાં દર્શન કરવાં એવી કે દિવસ અમે આજ્ઞા આપી છે ? એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા જે, પ્રથમ જ્યારે મૂર્તિનાં દર્શન થાય છે, ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે ! તેવું ને તેવું અલૌકિકપણું તો, તો રહે જો મને સહિત દૃષ્ટિ એક પરમેશ્વરમાં રાખે, એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે તે ભક્તને ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે. ને તે ભક્તને પણ ભગવાનને વિષે નિત્ય પ્રત્યે નવીન ને નવીન હેત રહે છે. (૩) અને વળી નેત્ર ને શ્રોત્ર એ બેને તો વિશેષે કરીને નિયમમાં રાખવાં, શા સારુ જે જ્યાંત્યાં ગ્રામ્ય વાર્તા થાતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારે તણાઈ જઈને સાંભળીએ તો તે સર્વે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભરી આવે છે અને ફાટેલ નેત્રની વૃત્તિએ કરીને જે જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતાં સાંભરી આવે છે, તે સારુ એ બે ઇન્દ્રિયોને તો અતિશે નિયમમાં રાખવાં અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિનાં દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો જે, હે મૂર્ખ ! તું ભગવાન વિના અન્ય રૂપને જુએ છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે તેમાં તુંને શું પ્રાપ્ત થાશે ? અને હજી તુંને સિદ્ધદશા તો આવી નથી જે જેવું તું ચિંતવ્ય તેવું તુંને તત્કાલ મળે, શા સારુ જે હજી તો તું સાધક છું માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહિ અને ઠાલાં વલખાં કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે ? અને કાંઈક જો તુંને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતાં ખાતાં અંત નહિ આવે, એવી રીતે નેત્રને ને શ્રોત્રને ઉપદેશ દેવો અને વળી એમ કહેવું જે, જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધદશાને પામીશ પછી તું જે જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ અને બ્રહ્મા, વિષ્ણુ ને શિવના જેવા રૂપને ઇચ્છીશ તો તેવા રૂપને પામીશ અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થાવા ઇચ્છીશ તો તેવો થાઈશ અને ભગવાનનું ભજન કરતાં કરતાં સિદ્ધદશાને દેહ છતે નહિ પામ્ય તો દેહ પડ્યા પછી મુક્ત થાઈશ ત્યારે સિદ્ધદશા મળશે પણ સિદ્ધદશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જાઈશ તોપણ તે રૂપ મળશે નહિ અને ગ્રામ્ય શબ્દને પણ સાંભળી સાંભળીને મરી જાઈશ તો તેણે કરીને બુદ્ધિ તો અતિશે ભ્રષ્ટ થઈ જાશે પણ તેમાંથી કાંઈ પ્રાપ્તિ નહિ થાય, એવી રીતે નેત્રને ને શ્રોત્રને ઉપદેશ દેઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવાં અને એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે ને તે ભક્ત ઉપર પરમેશ્વરને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૮૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં રૂપ, કામ, લોભ ને સ્વાર્થે કરીને અમારે વિષે હેત કરે તે અંતે નાશ પામે છે. (૧) બીજામાં વચને, દેહે ને મને કરીને જે ગુણ તેણે કરીને અમારે વિષે હેત થયું હોય તે નાશ નથી પામતું. (૨) અને તે ગુણે કરીને અમારે ને ભક્તને પરસ્પર હેત થાય છે અને તે પ્રમાણે વર્તવાની વિક્તિ કહી છે. (૩) ત્રીજામાં મનુષ્ય આગળ વાત કરવી પણ અમારાં દર્શન કરતી વખતે બીજાં દર્શન કરવાં નહિ અને નેત્રને ને શ્રોત્રને વિશેષે નિયમમાં રાખવાં એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. આમાં પહેલા પ્રશ્નમાં ગુણે કરીને હેત થાય તે અંતે રહે છે એમ કહ્યું અને (પ્ર. ૫૭ના બીજા પ્રશ્નમાં) ગુણ વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહિ એમ કહ્યું છે તે કેમ સમજવું ?
૧ ઉ. આમાં શ્રીજીમહારાજનો દિવ્યભાવે સહિત મહિમા જાણીને હેત કર્યું હોય તે હેત શ્રીજીમહારાજનાં મનુષ્યચરિત્ર જોઈને અથવા સાંભળીને પણ ન ટળે એમ કહ્યું છે અને (પ્ર. ૫૭માં તો) દેહબુદ્ધિએ કરીને હેત કર્યું હોય તે જ્યારે શ્રીજીમહારાજનાં મનુષ્યચરિત્રને દેખે અથવા સાંભળે ત્યારે અવગુણ આવે ને હેત મટી જાય એમ કહ્યું છે.
૨ પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) સિદ્ધદશા પામ્યા પછી જે જે જોવાને ઇચ્છીશ અને જેવો થાવાને ઇચ્છીશ તેવો થઈશ, એમ કહ્યું અને (પ્ર. ૪૩/૧માં) ભગવાનના ભક્ત ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. આમાં માયામાં પ્રીતિવાળા સકામ ભક્તને લોભ બતાવીને પગથિયે ચડાવવા કહ્યું છે. ।।૨।। (૮૦)
વચનામૃત સારંગપુરનું - ૩
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૭ સાતમને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! એક ભક્ત તો નાના પ્રકારની પૂજા-સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસીપૂજા કરે છે એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનને વિષે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદ્ગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જે ભગવાનની માનસીપૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર ને ગદ્ગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે ને માનસીપૂજા કરે છે તોય ન્યૂન છે. (૧)
૨ ત્યારે સોમલેખાચરે પૂછ્યું જે, (૨) એવી રીતે જે પ્રેમમગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસીપૂજા કરતો હોય તે ભક્ત કિયે લક્ષણે કરીને ઓળખાય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનની પૂજા-સેવાને વિષે તથા કથા-વાર્તા-કીર્તનને વિષે અતિશે શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશે માહાત્મ્ય સમજતો હોય ને એ બે વાનાં દિવસે દિવસે નવાં ને નવાં જ રહેતાં હોય પણ ક્યારેય ગૌણ ન પડે જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા ને જેવી શ્રદ્ધા ને ભગવાનનું માહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડ્યું નથી, એવે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો અને એવી રીતે માહાત્મ્ય ને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રીકૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા ને જેમ બીજા રાજાની સેવા-ચાકરી કરે તેમ સેવા-ચાકરી કરતા તોપણ તેનું કોઈ નામ જાણતું નથી ને તે ભક્ત પણ કહેવાયા નથી અને ઉદ્ધવજી જો શ્રીકૃષ્ણ ભગવાનની શ્રદ્ધા-માહાત્મ્યે સહિત સેવા-ચાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાયા ને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશે પ્રસિદ્ધિ છે. (૨)
૩ પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) હે મહારાજ ! શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કાર તે કેને કહેવાય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે ને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ, અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત-દિવસ સંભારવાનો જે અધ્યાસ રાખવો તેને નિદિધ્યાસ કહીએ, અને જે વાર્તા જેવી હોય તેવી ને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઇદં સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહીએ. અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મ સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ-મનન-નિદિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે પણ મનન ને નિદિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થાતો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન ને નિદિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તોપણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય ને તે દર્શન તો કેવળ શ્રવણમાત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિદિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભરી આવતું હશે ને જે અંગનું દર્શનમાત્ર જ થયું હશે તો તે અંગને સંભારતો હશે તોપણ નહિ સાંભરતું હોય અને કેટલાક હરિભક્ત કહે છે જે, અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભારીએ છીએ તોપણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે ? તેનું પણ એ જ કારણ છે જે, એ ભગવાનની મૂર્તિનાં દર્શનમાત્ર જ કરે છે પણ મનન ને નિદિધ્યાસ નથી કરતો માટે કેમ ધાર્યામાં આવે, કાં જે જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દૃષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય ને તેને જો મનમાં સંભારી ન રાખ્યું હોય તો તે વીસરી જાય છે તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનન ને નિદિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભરે ? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહિ તો આખી ઉંમર દર્શન-શ્રવણ કરે તોપણ સાક્ષાત્કાર થાય નહીં. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩।। (૮૧) રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે પ્રત્યક્ષ પૂજા અને માનસીપૂજાનું સરખું ગૌરવ કહ્યું છે. તે બે પ્રકારની પૂજા આત્મામાં મૂર્તિનો સાક્ષાત્કાર થાય તોપણ દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી કરવી. (૧) બીજામાં પ્રત્યક્ષ પૂજા ને માનસીપૂજા કરતા હોય તેમને અમારી પૂજા, સેવા, કથા, કીર્તનને વિષે શ્રદ્ધા ને અમારું અતિશે માહાત્મ્ય હોય તે પરમ ભાગવત છે. (૨) ને ત્રીજામાં શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કારનાં લક્ષણ કહ્યાં છે. (૩) બાબતો છે. ।।૩।। (૮૧)
વચનામૃત સારંગપુરનું - ૪
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તર મુખારવિંદે વિરાજમાન હતા ને મસ્તકે શ્વેત પાઘ બાંધી હતી ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! આત્મા-અનાત્માની ચોખી જે વિક્તિ તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્મા-અનાત્મા એક સમજાય જ નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે, જે સમજાણા કેડે આત્મા-અનાત્માના એકપણાનો લોચો રહે નહિ અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી થાય છે અને ગોબરી સમજણ સુખદાયી થાતી નથી, માટે એમ ચોખ્ખું સમજે જે હું આત્મા તે મારા જેવો ગુણ દેહને વિષે એકેય આવતો નથી અને જડ, દુઃખ ને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિષે એકેય આવતો નથી એવી વિક્તિ સમજીને ને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્યરૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતવન કરે એવો જે જડ-ચૈતન્યનો વિવેક તેને દૃઢ વિવેક જાણવો. (૧) અને ઘડીક પોતાને આત્મારૂપ માને ને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એને ગોબરો જાણવો માટે એના અંતરમાં સુખ ન આવે, જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય, તો તે અન્ન સુખદાયી ન થાય; સામું દુઃખદાયી થાય છે, તેમ આઠે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે. (૨) માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો અને કોઈકને એવો સંશય થાય જે, અત્યંત નિર્વાસનિક નહિ થવાય ને કાચા ને કાચા મરી જાશું તો શા હવાલ થાશે, તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહિ ને એમ સમજવું જે, મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું ને અજર-અમર છું માટે હું મરું નહિ, એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળ મતિ કરવી અને એમ વાસના ટાળતાં ટાળતાં જો કાંઈક થોડીઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષધર્મમાં નરક કહ્યા છે તેવા નરકની પ્રાપ્તિ થાશે તે નરકની વિગતિ જે ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય ને તે લોકને વિષે જઈને અપ્સરાઓ તથા વિમાન તથા મણિમય મોહોલાત્ય એ આદિ દઈને જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહિ અને ચોરાશીમાં પણ જાય નહિ, માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તોપણ ઘણું થાશે તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થાશો ને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો પણ વિમુખ જીવની પેઠે નરક ચોરાશીને નહિ ભોગવો, એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહિ ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાન ને ભગવાનના સંતના વચનમાં દૃઢ વિશ્વાસ રાખવો. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪।। (૮૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પોતાના ચૈતન્યને ત્રણ દેહથી પૃથક્ માનીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે દૃઢ વિવેકી છે. (૧) અને દેહરૂપ માનીને એક ક્ષણવાર સ્ત્રીનું ચિંતવન કરે તે ગોબરો છે. (૨) અને અત્યંત નિર્વાસનિક થાય ત્યારે જ અમારા ધામને પામે; નહિ તો ઇન્દ્રથી લઈને પ્રધાનપુરુષ સુધી જે દેવતા તેના લોકને પામે; એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. આમાં બીજી બાબતમાં એક ઘડી એટલે ક્ષણવાર દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે તો તેનો આઠે પહોર કરેલો જે આત્માનો વિચાર તે ધૂળમાં મળી જાય એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. માયાના કાર્યમાંથી નિર્વાસનિક થયો નથી તે આત્માનો વિચાર કરે પણ દૃઢાવ થઈ શકે નહિ ને માયામય જે પંચભૂતાત્મક દેહ તેમાં ભળી જાય ને આત્મા સંબંધી કરેલો વિચાર નિષ્ફળ થાય તે દેહરૂપ ધૂળમાં મળી ગયો જાણવું. ।।૪।। (૮૨)
વચનામૃત સારંગપુરનું - ૫
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને શ્રદ્ધા તથા હરિ ને હરિજનના વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે. (૧) તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશે દૃઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દૂબળાં હોય, તોપણ મહાબળવાન થાય છે અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તોપણ અંતે નાશ થઈ જાય છે, જેમ દશ-બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષય રોગ થાય પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થાતી થાતી નાશ થઈ જાય છે અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તોપણ તેના હૃદયમાં સર્વે આવે છે અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો શમ-દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહિ જેવા જ છે, કેમ જે અંતે નાશ પામી જાશે. માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે, તે માટે માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટળ્યાનું મહામોટું અચળ સાધન છે. (૨)
૨ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) જીવ અન્વયપણે કેમ છે ? ને વ્યતિરેકપણે કેમ છે ? અને ઈશ્વર અન્વયપણે કેમ છે ? ને વ્યતિરેકપણે કેમ છે ? અને અક્ષરબ્રહ્મ અન્વયપણે કેમ છે ? વ્યતિરેકપણે કેમ છે ? અને પુરુષોત્તમ ભગવાનને અન્વયપણે કેમ જાણવા ? ને વ્યતિરેકપણે કેમ જાણવા ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જન્મ-મરણનું ભોક્તા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવું અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવું, અને વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ત્રણ શરીરમાં એકરસપણે વર્તે એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવું અને પિંડબ્રહ્માંડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, અને પ્રકૃતિપુરુષ તથા સૂર્ય, ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવું અને જે સ્વરૂપને વિષે પુરુષપ્રકૃતિ આદ્યે દઈને કાંઈ ઉપાધિ રહેતી નથી; એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે, અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે અને બદ્ધપણું ને મુકતપણું જેને અડતું નથી તેમ જ ઈશ્વરના અને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે અને તે તે ઉપાધિ થકી રહિત છે એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે અને જીવ, ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું, એવી રીતે અન્વય-વ્યતિરેકપણું છે. (૩)
૩ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) ભગવાનનાં દર્શનનો મહિમા તથા ભગવાનના નામ-સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારુ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે તે કહીએ તે સાંભળો જે, જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનનાં દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દૃષ્ટિ દ્વારે આવીને મને સોતી દૃષ્ટિએ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિસારે તોય પણ વીસરે નહિ એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વીસરે નહિ, જેમ ગોપાંગનાઓના ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે, હે ભગવન્ ! જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારમાં સુખ છે તે અમને વિષ જેવાં લાગે છે, એવી રીતે સર્વે જ્ઞાન-ઇન્દ્રિયે કરીને મને સહવર્તમાન જે દર્શન-સ્પર્શ-શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વીસરી જાતાં નથી, જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહવર્તમાન જે પંચજ્ઞાન-ઇન્દ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગવ્યા હોય તે વીસારે તોય પણ વીસરે નહિ એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું ને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું જ છે, કાં જે, જે સમે એણે દર્શન કર્યાં તે સમે એનું મન તો ક્યાંયે ફરતું હતું માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વીસરી જાશે અથવા પાંચ દિવસમાં અથવા પચાસ દિવસમાં અથવા છ મહિનામાં અથવા વર્ષમાં અથવા પાંચ વર્ષમાં જરૂર વીસરી જાશે પણ અંતે રહેશે નહિ, માટે જે માહાત્મ્ય જાણીને અતિ પ્રીતિએ કરીને મને સહિત દૃષ્ટિ આદિક જ્ઞાન-ઇન્દ્રિયે કરીને દર્શન-સ્પર્શાદિક કરે છે તેને જ તેમનું ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરનાં દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૮૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે શ્રદ્ધા તથા અમારા ને સંતના વચનમાં વિશ્વાસ ને અમારે વિષે પ્રીતિ ને માહાત્મ્ય એ ચાર હોય તેની વાસના ટળી જાય છે. (૧) તેમાં એક માહાત્મ્ય અતિશે દૃઢ હોય તોપણ વાસના ટળી જાય છે ને કલ્યાણકારી ગુણ આવે છે. (૨) બીજામાં જીવ, ઈશ્વર, અક્ષર ને પોતાનું અન્વય-વ્યતિરેકપણું કહ્યું છે અને અમે જેમ બદ્ધ ને મુક્ત જીવોને વિષે અંતર્યામીપણે રહ્યા છીએ તેમ જ ઈશ્વર ને અક્ષરને વિષે રહ્યા છીએ. (૩) ત્રીજામાં અમારું માહાત્મ્ય જાણીને મને સહિત જ્ઞાનઇન્દ્રિયોએ કરીને દર્શન, સ્પર્શ, શ્રવણાદિક કરે તેને જ દર્શનાદિકનું સંપૂર્ણ ફળ થાય છે અને બીજાને બીજબળ થાય છે. (૪) બાબતો છે.
૧ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) બદ્ધ જીવ, મુક્ત જીવ, ઈશ્વર ને અક્ષર કહ્યા તે કોને જાણવા ?
૧ ઉ. મૂળમાયાને વિષે રહ્યા તે સર્વેને બદ્ધ જીવ કહ્યા છે. અને તે બદ્ધ જીવને વિષે અંતર્યામીપણે રહીને કર્મફળ આપનારા ને તેમના ઉપરી જે મૂળપુરુષ તેમને ઈશ્વર કહ્યા છે. અને મૂળપુરુષ ઈશ્વરથી પર બ્રહ્મકોટિ ને તેથી પર મૂળઅક્ષરના મુક્ત તે સર્વેને મુક્ત જીવ કહ્યા છે. અને તેમના ઉપરી જે મૂળઅક્ષર તેને અક્ષર કહ્યા છે. અને તે અક્ષરને વિષે ને મુક્ત જીવને વિષે મૂળપુરુષ ઈશ્વરને વિષે તથા માયાબદ્ધ જીવને વિષે શ્રીજીમહારાજ તેજ દ્વારે અન્વયપણે રહ્યા છે અને બદ્ધજીવ તેથી પર જે ઈશ્વર ને તેથી પર મુક્તજીવ અને તેથી પર અક્ષર અને તે અક્ષરથી પર જે પોતાના તેજરૂપ બ્રહ્મજ્યોતિ જે અક્ષરધામ તેને વિષે દિવ્ય મૂર્તિમાન પોતાના મુક્તોએ સહિત વિરાજમાન છે તે શ્રીજીમહારાજનું વ્યતિરેક સ્વરૂપ છે. અને તે વ્યતિરેક મૂર્તિ જે શ્રીજીમહારાજ તેમનો સંબંધ પોતાના મુક્તોને છે પણ બીજા જે આગળ કહ્યા તે કોઈને નથી; એમને તો અન્વય સ્વરૂપનો સંબંધ છે.
૨ પ્ર. જીવ, ઈશ્વર ને અક્ષરનું અન્વય ને વ્યતિરેક સ્વરૂપ કહ્યું તે એ બે સ્વરૂપ જુદાં જુદાં હશે કે કેમ ? અને જીવનું એક સ્વરૂપ જન્મમરણ ભોગવતું હશે ને એેકને નહિ ભોગવવું પડતું હોય ? અને ઈશ્વરના અન્વય સ્વરૂપને જ ઉત્પત્ત્યાદિક પ્રવૃત્તિની ઉપાધિ હશે અને વ્યતિરેકને એ પ્રવૃત્તિનો સંબંધ નહિ હોય ? અને અક્ષરના અન્વય સ્વરૂપને જ પ્રેરણા કરવી પડતી હશે અને વ્યતિરેક સ્વરૂપ ને તેનો સંબંધ નહિ હોય ? તે કાંઈ સમજાતું નથી માટે કૃપા કરીને સમજાવો.
૨ ઉ. જીવને જન્મમરણ ભોગવવું પડે તે એનું અન્વયપણું કહ્યું છે પણ અન્વય ને વ્યતિરેક બે સ્વરૂપ નથી. તે જ્યારે માયાના બંધનથી મુકાય, ત્યારે જન્મમરણરૂપ ઉપાધિ ટળે, અને ઈશ્વરને ઉત્પત્ત્યાદિક કરવાં તે પોતાની સત્તાએ કરીને પોતે જ કરે છે તે સત્તાને અન્વય સ્વરૂપ કહે છે તે જ્યારે ઉત્પત્ત્યાદિક પ્રવૃત્તિ મૂકી દે ત્યારે જ તેને ઉપાધિ ટળે, અને અક્ષર પણ પોતાના તેજરૂપ સત્તાએ કરીને પોતે જ પ્રેરણા કરે છે, માટે શક્તિમાનને વ્યતિરેક સ્વરૂપ કહે છે અને શક્તિને અન્વય સ્વરૂપ કહે છે પણ બે સ્વરૂપ જુદાં નથી તે જ્યારે એ પ્રેરકપણું મૂકીને બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાય ત્યારે શ્રીજીમહારાજના પરમએકાંતિક મુક્ત થાય, ત્યારે જ ઉપાધિથી રહિત થાય. અને શ્રીજીમહારાજને કે તેજરૂપ શક્તિને ઉપાધિ છે જ નહિ અને અક્ષરના વ્યતિરેક સ્વરૂપમાં એક શ્રીજીમહારાજ રહે છે એમ કહ્યું છે તે અન્વયપણે સાક્ષી રૂપે રહ્યા છે તે સ્વરૂપ જાણવું.
૩ પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજનું માહાત્મ્ય જાણીને દર્શનાદિક કરે તેને દર્શનનું ફળ છે એમ કહ્યું તે ફળ કિયું જાણવું ? ને બીજબળ શું જાણવું ?
૩ ઉ. મહિમા સમજીને દર્શન-સ્પર્શ-શ્રવણાદિક કરે તે કોઈ કાળે વીસરી જાય નહિ તે ફળ કહ્યું છે, અને દેહને અંતે તેનો મોક્ષ થાય. અને મહિમા જાણ્યા વિના દર્શનાદિક કરે તેને દર્શનાદિક કરેલું વીસરી જાય પણ તે જીવ કલ્યાણને માર્ગે ચાલે ને તેનું જન્માંતરે કલ્યાણ થાય તે બીજબળ જાણવું.
૪ પ્ર. જીવને વિષે શ્રીજીમહારાજ વિના બીજા અક્ષરાદિકનું અંતર્યામીપણું છે તે ક્યારે ટળે ?
૪ ઉ. શ્રીજીમહારાજનો આશરો કરે પણ શ્રીજીમહારાજને શ્રીકૃષ્ણ જેવા જાણે ત્યાં સુધી પોતાને મૂળપુરુષના તેજરૂપ માને તેથી પુરુષનું અંતર્યામીપણું ટળે નહિ, અને શ્રીજીમહારાજને પુરુષથી પર જે બ્રહ્મ તેવા જાણે ત્યાં સુધી બ્રહ્મના પ્રકાશરૂપ પોતાને માને ત્યારે પુરુષનું અંતર્યામીપણું ટળી જાય પણ બ્રહ્મનું રહે, અને મૂળઅક્ષર જેવા શ્રીજીમહારાજને જાણે ત્યારે અક્ષરના તેજરૂપ પોતાને માને ત્યારે બ્રહ્મનું ટળી જાય ને અક્ષરનું રહે, અને જ્યારે શ્રીજીમહારાજને અક્ષરથી પર સમજે ને તેમનાં તેજરૂપ પોતાને માને ત્યારે શ્રીજીમહારાજ વિના બીજા કોઈનું અંતર્યામીપણું રહેતું નથી. ।।૫।। (૮૩)
વચનામૃત સારંગપુરનું - ૬
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ જીવાત્મા જે તે જેને વિષે રહીને વિષયભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજપુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિષે રહી છે, એવી જે જાગ્રત અવસ્થા તેને વિષે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો દશ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વ કર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચવિષયના ભોગને ભોગવે છે તેને સત્ત્વગુણપ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ, અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષયભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિષે સ્વપ્ન કહીએ, અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષયભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિષે રહી છે, એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિષે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને પૂર્વ કર્મને અનુસારે સુખદુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ, અને એ સ્વપ્નને વિષે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે, ત્યારે તેને સ્વપ્નને વિષે જાગ્રત અવસ્થા કહીએ, અને એ સ્વપ્નને વિષે જણાણા જે વાસનામય ભોગ તેને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિષે રહી છે, એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો-અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિષે લીન થઈ જાય છે અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું માયા સબળ બ્રહ્મના સુખલેશને વિષે અતિશે લીનપણું થઈ જાય છે તેને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ અને એ સુષુપ્તિને વિષે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થાવું તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન કહીએ, અને જાગ્રત ને સ્વપ્નને વિષે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિષે જાગ્રત કહીએ, એવી રીતે એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ રહી છે. (૧) અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે તે અવસ્થાને વિષે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્યપદ કહે છે, અંતર્યામી કહે છે, દ્રષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે. (૨)
૨ પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશે સૂક્ષ્મ છે ને શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો જે, પ્રથમ ઉત્પત્તિકાળને વિષે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજપુરુષના મસ્તકને વિષે રહ્યું જે સહસ્રદળનું કમળ તેને વિષે પ્રવેશ કરીને અક્ષરબ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા. પછી તે નાદ જે તે સુષુમ્ણા માર્ગે કરીને તે વિરાટપુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હવો તેણે કરીને તે વિરાટપુષનું જે નાભિપદ્મ તે અધોમુખ હતું તે ઊર્ધ્વમુખ થાતું હવું. એવી રીતે તે વિરાટપુરુષના નાભિકંદને વિષે જે નાદ થયો તેને પરાવાણી કહીએ. અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશી છે ને તેજના પ્રવાહરૂપ છે ને અર્ધમાત્રારૂપ છે. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થાતી હવી. ને ત્યાંથી કંઠદેશને પામીને મધ્યમા નામે થાતી હવી. ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હવી. અને અકાર, ઉકાર, ને મકાર એ ત્રણ વર્ણ રૂપે થઈને પ્રણવ રૂપે થાતી હવી ને પછી બાવન અક્ષર રૂપે થઈને ચાર વેદ રૂપે થાતી હવી. એવી રીતે વિરાટપુરુષને વિષે પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી એ ચાર વાણી સમજવી. (૩) હવે આ જીવના દેહને વિષે પણ ચાર વાણી કહીએ તે સાંભળો જે, એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિષે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. ને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિષે સ્વતંત્ર થકા અનુસ્યૂત છે, એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે અવતાર ધારે છે, ત્યારે એ જીવ જે તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનનાં જે ધામ, ગુણ ને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા-અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક્ પૃથક્ કહી દેખાડે, એવી જે વાણી તેને પરાવાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિષે એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે ને સ્વપ્ન ને સુષુપ્તિને વિષે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે પણ બીજાને સમજ્યામાં આવતાં નથી. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૬।। (૮૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે સ્થૂળ દેહે વિવેકે સહિત પૂર્વ કર્માનુસારે બાહ્ય પંચવિષયના ભોગને ભોગવે તે સત્ત્વગુણપ્રધાન જાગ્રત અવસ્થા કહી છે ને તેમાં ભ્રાંતિએ કરીને અયથાર્થપણે ભોગ ભોગવાય તે જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા કહી છે, ને જાગ્રતમાં વિવેક રહિત ભોગ ભોગવાય તે જાગ્રતમાં સુષુપ્તિ કહી છે, આ સ્થૂળ દેહની વિક્તિ છે અને સૂક્ષ્મ દેહમાં પૂર્વ કર્માનુસારે વાસનામય ભોગ ભોગવે તે રજોગુણપ્રધાન સ્વપ્ન અવસ્થા છે ને સ્વપ્નમાં વિવેકે સહિત વાસનામય ભોગ ભોગવે તે સ્વપ્નમાં જાગ્રત અવસ્થા છે ને સ્વપ્નના ભોગને ભોગવતો થકો જાણે નહિ તે સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા છે, અને ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ તથા વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વ કારણ દેહમાં લીન થઈ જાય તે તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા છે અને એ સુષુપ્તિને વિષે કર્તાવૃત્તિ ઉત્પન્ન થાય તે સુષુપ્તિમાં સ્વપ્ન છે અને જાગ્રત ને સ્વપ્નની પીડાના તાપની વૃત્તિ સુષુપ્તિના સુખમાં પ્રવેશ કરે તેના પ્રતિલોમપણાનું જ્ઞાન થાય તે સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા છે. આ કારણ દેહની વિક્તિ છે. (૧) અને આ અવસ્થાઓના ભેદનું જ્ઞાન આપનારા અને આ અવસ્થાઓને વિષે જીવોને કર્મફળને આપનારા મૂળપુરુષ દ્વારાએ અમે છીએ. (૨) બીજામાં વૈરાજપુરુષની ચાર વાણીનું રૂપ કર્યું છે. (૩) અને જીવની ચાર વાણીનાં રૂપ કર્યાં છે. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં જીવની જાગ્રત અવસ્થાને વૈરાજની સ્થિતિ અવસ્થાનું કાર્ય કહી, અને સ્વપ્ન અવસ્થાને હિરણ્યગર્ભની ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય કહી અને સુષુપ્તિ અવસ્થાને ઈશ્વરની પ્રલય અવસ્થાનું કાર્ય કહી તે વૈરાજ, હિરણ્યગર્ભ અને ઈશ્વર કિયાં જાણવાં ?
૧ ઉ. વૈરાજની સ્થિતિ અવસ્થા ને જીવની જાગ્રત અવસ્થા તે પ્રદ્યુમ્નની સ્થિતિ અવસ્થાનું કાર્ય છે, માટે આ ઠેકાણે વૈરાજ નામે પ્રદ્યુમ્નને કહ્યા છે. અને વૈરાજની ઉત્પત્તિ અવસ્થા અને જીવની સ્વપ્ન અવસ્થા તે અનિરુદ્ધની ઉત્પત્તિ અવસ્થાનું કાર્ય છે, માટે આ ઠેકાણે હિરણ્યગર્ભ નામે અનિરુદ્ધને કહ્યા છે. અને વૈરાજની પ્રલય અવસ્થા ને જીવની સુષુપ્તિ અવસ્થા તે સંકર્ષણની પ્રલય અવસ્થાનું કાર્ય છે માટે ઈશ્વર નામે સંકર્ષણને કહ્યા છે.
૨ પ્ર. માયા સબળિત બ્રહ્મ કહ્યા તે કોને જાણવાં ?
૨ ઉ. પ્રધાનના પતિ પુરુષને માયા સબળિત બ્રહ્મ કહ્યા છે.
૩ પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) તુર્યપદ, દ્રષ્ટા, અંતર્યામી, બ્રહ્મ તથા પરબ્રહ્મ કહ્યા તે કોને જાણવા ?
૩ ઉ. એ સર્વે નામે મૂળપુરુષને કહ્યા છે.
૪ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) અક્ષરબ્રહ્માત્મક નાદ કહ્યો તેનો અર્થ શો સમજવો ?
૪ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો ઘોષ કહ્યો છે તેને નાદ કહ્યો છે. તે નાદ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરબ્રહ્મમાંથી થાય છે, માટે અક્ષરબ્રહ્માત્મક કહ્યો છે તે નાદ મૂળઅક્ષર દ્વારે મૂળપુરુષમાં આવે છે અને મૂળપુરુષ દ્વારે વૈરાજપુરુષને વિષે આવે છે. ।।૬।। (૮૪)
વચનામૃત સારંગપુરનું - ૭
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને શ્રીજીમહારાજે શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે, જ્યાં મનોમયચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. ૧ એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! એ મનોમયચક્ર તે શું છે ? ને એની ધારા તે શી સમજવી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મનોમયચક્ર તે મનને જાણવું. ને એની ધારા તે દશ ઇન્દ્રિયો છે, એમ જાણવું. (૧) અને તે ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂઠી થઈ જાય, તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિનદિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું, અને જ્યારે મનોમયચક્રની ઇન્દ્રિયોરૂપ જે ધારા તે બૂઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ને ગંધ એ પંચવિષયને વિષે ક્યાંય પ્રીતિ રહે નહિ અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર-અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશે અભાવ આવે. પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહિ, જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વીંધીને માંહી પ્રવેશ કરી જાય છે, તે પાછું કાઢ્યું પણ નીસરે નહિ અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય, ને પછી થોથું રહ્યું હોય, તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે, પણ જેમ ફળ સોતું ભીંતને વિષે ચોંટી જાય છે તેમ ચોંટે નહિ, તેમ જ્યારે મનોમયચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બૂઠી થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય, તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં. અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હઠે એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમયચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. (૨) એવું સંતના સમાગમરૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઇચ્છવું ને ત્યાં અતિ દૃઢ મન કરીને રહેવું. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૭।। (૮૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે મનોમયચક્ર તે મન છે. અને દશ ઇન્દ્રિયો તે એની ધારા છે. (૧) અને તે ધારા એકાંતિક સંતના સમાગમથી બૂઠી થાય છે. એવા સંત જ્યાં રહેતા હોય તે નૈમિષારણ્ય ક્ષેત્ર છે. (૨) અને ત્યાં કલ્યાણને ઇચ્છવું ને ત્યાં જ દૃઢ મન કરીને રહેવું. (૩) બાબતો છે. ।।૭।। (૮૫)
વચનામૃત સારંગપુરનું – ૮
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ઈર્ષ્યાનું શું રૂપ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષ્યા પ્રવર્તે છે અને ક્રોધ, મત્સર ને અસૂયા તે પણ માનથી પ્રવર્તે છે. તે ઈર્ષ્યાનું એ રૂપ છે જે, પોતાથી જે મોટા હોય પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહિ એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવો જે આના હૈયામાં ઈર્ષ્યા છે અને યથાર્થ ઈર્ષ્યાવાળો હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે જ નહીં. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૮।। (૮૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં ઈર્ષ્યાની ને ક્રોધ, મત્સર ને અસૂયાની પ્રવૃત્તિનો હેતુ કહ્યો છે અને ઈર્ષ્યાનું રૂપ કર્યું છે. (૧) બાબત છે. ।।૮।। (૮૬)
વચનામૃત સારંગપુરનું - ૯
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્યા તે ગામ શ્રી પધાર્યા ને તે કુંડળ મધ્યે અમરાપટગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તર મુખારવિંદે વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળી પાઘ બાંધી હતી તથા ધોળી પછેડી ઓઢી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે તે જ્યારે શુદ્ધ સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સત્યયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્ત્વ અને રજ ભેળાં વર્તતાં હોય ત્યારે તેના હૈયામાં ત્રેતાયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો રજોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં દ્વાપરયુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કળિયુગની પ્રવૃત્તિ હોય એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે.
૨ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) ગુણની પ્રવૃત્તિ થયાનો શો હેતુ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે તે જેવાં પૂર્વ કર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે. (૨) માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહિ માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે, હું તો આત્મા છું તે મારે વિષે માયાકૃત ઉપાધિ હોય નહિ અને હું તો ગુણાતીત છું અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે, અજામેળ મહાપાપી હતો ને દીકરાને યોગે નારાયણ એવું નામ લીધું તે સર્વ પાપથી છૂટીને પરમપદને પામ્યો, તો મુને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત-દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું માટે હું તો કૃતાર્થ થયો છું. એવી રીતે વિચારીને આનંદમાં રહેવું, પણ જેને તમોગુણ-રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન-ધારણાને અર્થે આગ્રહ કરવો નહિ અને જેવું બની આવે તેવું ભજન-સ્મરણ કરવું ને દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂર્ણકામ માનવું. (૩)
૩ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) જેને તામસી કર્મ ઘણાં હોય તેના હૈયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાયે ટળે કે ન ટળે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિષે અતિશે શ્રદ્ધા હોય અને અતિ દૃઢ વિશ્વાસ હોય તો ગમે તેવાં તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય અને કળિયુગના ધર્મ મટીને સત્યયુગના ધર્મ હોય તે વર્તે, માટે અતિ સાચેભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહિ અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. (૪)
૪ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) સ્થાન તે કેને કહીએ ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ચાર વર્ણ ને ચાર આશ્રમ તે ને જે પોતપોતાનો ધર્મ તેને સ્થાન જાણવું અને તમે ત્યાગી છો તે તમથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાનકથી ભ્રષ્ટ થવાણું એમ જાણવું. માટે ગમે તેવો આપત્કાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તોપણ તમારે પોતાના ધર્મમાંથી ચળવું નહિ અને જેમ ગૃહસ્થ વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાને ઇચ્છે, તેમ તમારે ઇચ્છવું નહિ; તમારે તો પત્ર, પુષ્પ, ફળ ને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજાએ કરીને જ આનંદ માનવો પણ પોતાના ધર્મથી ચળાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી તે ઠીક નહિ માટે સર્વેને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે તેને દૃઢ કરીને સર્વે રાખજ્યો. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૯।। (૮૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે. (૧) બીજામાં કર્મે કરીને ગુણની પ્રવૃત્તિ છે. (૨) અને ધ્યાન કરવા ન દે એવા ગુણ જેને વર્તતા હોય તેણે પોતાને ગુણાતીત માનવું અને અમારો મહિમા સમજવો જે, જેમનું નામ લીધાથી સર્વે પાપ બળી જાય એવા આ ભગવાન શ્રી સ્વામિનારાયણ તે મને પ્રત્યક્ષ મળ્યા છે, એવો અમારો મહિમા સમજીને અમારી આજ્ઞામાં રહીને પોતાને પૂર્ણકામ માનવું (૩) ત્રીજામાં અમારા સંતનો સમાગમ કરે તો દેહ છતાં બ્રહ્મરૂપ થઈ જાય. (૪) ચોથામાં ગૃહસ્થની પેઠે ત્યાગીએ વસ્ત્ર-અલંકારે કરીને અમારી પૂજા કરવી નહિ; પત્ર, પુષ્પ, ફળ ને જળે કરીને જ કરવી પણ પોતાના સ્થાન એટલે ધર્મથી ચળવું નહીં. (૫) બાબતો છે.
૧ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) પોતાના આત્માને ગુણાતીત માનવાનું કહ્યું તે ગુણાતીતનો અર્થ શો સમજવો ?
૧ ઉ. માયાના ત્રણ ગુણથી પોતાના જીવાત્માને પર માનવો તે ગુણાતીત કહ્યો છે.
૨ પ્ર. અજામેળે નારાયણ નામ લીધું તે ભગવાન મને પ્રત્યક્ષ મળ્યા છે એમ કહ્યું તે અજામેળે તો પરોક્ષ નામ લીધું હતું તેમાં શ્રીજીમહારાજનો મહિમા શો આવ્યો ? અને તે પરમપદ પામ્યો તે કિયું જાણવું ?
૨ ઉ. નારાયણ આદિ સર્વ નામ શ્રીજીમહારાજનાં છે. તે પરથારાની બીજી બાબતમાં કહ્યાં છે તે પોતાનાં નામ સર્વ અવતારોને આપેલાં છે તે નામના નામી શ્રીજીમહારાજ મને પ્રત્યક્ષ મળ્યા છે એમ મહિમા સમજે. અને અજામેળે યમયાતનાના દુઃખથી મુકાઈને વિષ્ણુના વૈકુંઠ ધામને પામ્યો, તે ઇન્દ્રાદિકના લોકથી પર છે, તેથી પરમપદ કહ્યું છે.
૩ પ્ર. (૪/૫ ચોથા પ્રશ્નમાં) ત્યાગીએ વસ્ત્ર-અલંકારે કરીને અમારી પૂજા ન કરવી, એમ શ્રીજીમહારાજે કહ્યું તે સાધુ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પૂજવા રાખે તે મૂર્તિને જરિયાની વસ્ત્ર-ઘરેણાં પહેરાવાય કે નહીં ?
૩ ઉ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પોતે પૂજવા રાખી હોય તો તે મૂર્તિને સાચાં-ખોટાં તાર વિનાનાં વસ્ત્ર ધરાવવાં, પણ જરિયાની વસ્ત્ર કે સાચાં કે ખોટાં ઘરેણાં પહેરાવવાં નહિ અને કાષ્ઠ પાત્રથી નવરાવવા અને મંદિરોમાં પૂજા કરવા રહ્યા હોય તે મૂર્તિઓને વસ્ત્ર-ઘરેણાં પહેરાવે, તેનો બાધ નહીં. ।।૯।। (૮૭)
વચનામૃત સારંગપુરનું - ૧૦
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ સર્વે સંતનું મંડળ લઈને ગામ કુંડળથી ચાલ્યા તે વાટમાં ગામ ખાંભડે આવ્યા ને ત્યાં પીંપરના વૃક્ષ હેઠે ઊતર્યા. પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્યા અને તે સમે શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાને ચારે કોરે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને સાધુ કીર્તન ગાતા હતાં.
૧ તે કીર્તન રખાવીને શ્રીજીમહારાજે તે ગામના માણસ આગળ વાત કરી જે, (૧) આ સંસારને વિષે ધર્મવાળા ને અધર્મી એ બે પ્રકારના માણસ છે તેમાં ધર્મવાળા જે માણસ હોય તે તો ચોરી તથા પરસ્ત્રીનો સંગ તથા ચાડીચુગલી આદિક સર્વે પાપનો ત્યાગ કરીને ને પરમેશ્વરથી ડરીને ધર્મ-મર્યાદામાં ચાલે છે તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઈ બીજા હોય, પણ તે સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે વચન સૌને સત્ય જ ભાસે અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે, અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મદ્યમાંસનું ભક્ષણ, વટલવું-વટલાવવું એ આદિક જે સર્વે કુકર્મ તેને વિષે જ ભરપૂર હોય ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહિ ને એનાં સગાં હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમે જ નહીં. અને જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે તો તેનો પણ દ્રોહ કરે. (૧) માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહિ, અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચે જ એ જીવનું કલ્યાણ થાય એમાં કાંઈ સંશય નથી. એટલી વાર્તા કરી તેને સાંભળીને તે ગામના કેટલાક માણસે શ્રીજીમહારાજનો આશ્રય કર્યો. (૨) પછી ત્યાંથી શ્રીજીમહારાજ પાછા સારંગપુર પધાર્યા. પછી જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને તે સમે પોતે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી.
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનનાં ધામ તેને બાહ્યદૃષ્ટિએ કરીને જોઈએ તો ઘણાં છેટે છે અને આત્મદૃષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી, માટે બાહ્યદૃષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે. (૩) અને આત્મદૃષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે અને જે સાધુ એમ સમજતો હોય જે, મારા ચૈતન્યને વિષે આ ભગવાન સદાય વિરાજમાન છે તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે ને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનના ધામ તે અણુમાત્ર છેટે નથી અને એવી રીતનો જે સંત હોય તે તો જેવા શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મુને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે. (૪) અને જેને આવી સમજણ તો આવી શકે નહિ, ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહે ને તે સંત નિત્ય પાંચ ખાસડાં મારે તોપણ તે અપમાન સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહિ, જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહિ તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત-સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૧૦।। (૮૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે ધર્મી ને અધર્મી એ બે પ્રકારના માણસનાં લક્ષણ કહ્યાં છે. (૧) અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવાનું કહ્યું છે. (૨) બીજામાં બાહ્યદૃષ્ટિવાળાની સમજણ મિથ્યા છે. (૩) અને આત્મદૃષ્ટિવાળાની સમજણ સત્ય છે ને એ મુક્ત છે ને એનું દર્શન તે સાક્ષાત્ ભગવાન જે અમે તે અમારા જેવું જ છે. (૪) ને જે એવા સંતનું અપમાન સહન કરીને એના સમાગમમાં પડ્યો રહે તેને પણ એ સંતના જેવો જાણવો અને તે સંતના જેવી જ એને પ્રાપ્તિ થાય છે. (૫) બાબતો છે.
૧ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ધામ કહ્યાં તે કોનાં જાણવાં ?
૧ ઉ. મૂળપુરુષના ધામને ગોલોક કહ્યું છે ને વિષ્ણુના ધામને વૈકુંઠ કહ્યું છે અને શ્રીજીમહારાજના અક્ષરધામને આ ઠેકાણે શ્વેતદ્વીપ નામે કહ્યું છે અને વાસુદેવબ્રહ્મના ધામને બ્રહ્મપુર નામે કહ્યું છે.
૨ પ્ર. બાહ્યદૃષ્ટિવાળાને ધામ ઘણાં છેટે છે અને આત્મદૃષ્ટિવાળાને અણુ જેટલું છેટું નથી એમ કહ્યું, તે બાહ્યદૃષ્ટિવાળાને છેટે શી રીતે હશે ?
૨ ઉ. બાહ્યદૃષ્ટિવાળો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશાદિક સર્વે આવરણથી પર ભગવાનનું ધામ છે તે દેહ મૂકશું ને શ્રીજીમહારાજ તેડવા આવશે ત્યારે એ આવરણ ઉલ્લંઘીને ધામમાં જવાશે એમ સમજે તેથી તેને ભગવાનનું સમીપપણું રહેતું નથી એ દોષ છે, માટે એની સમજણ મિથ્યા કહી છે; અને આત્મદૃષ્ટિવાળો પોતાના જીવાત્માને અક્ષરથી પર શ્રીજીમહારાજના તેજરૂપ માને છે ને તેમાં શ્રીજીમહારાજ રહ્યા છે એમ માને છે તેથી એને શ્રીજીમહારાજનું સમીપપણું રહે છે પણ આવરણ રહેતું નથી માટે એની સમજણ સત્ય છે.
૩ પ્ર. (૨/૪ બીજા પ્રશ્નમાં) આત્મદૃષ્ટિવાળા સંતને શ્વેતદ્વીપના મુક્ત જેવો કહ્યો ને એનું દર્શન પોતાના જેવું જ કહ્યું અને તમે તો (સા. ૧ના પહેલા પ્રશ્નોત્તરમાં) વાસુદેવબ્રહ્મના સાધનિક મુક્તો રહ્યા છે તેને શ્વેતદ્વીપ કહી ગયા છો તે શ્વેતદ્વીપના મુક્તનું દર્શન તો શ્રીજીમહારાજનાં દર્શન જેવું ન કહેવાય તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. શ્વેત એવું જે તેજ તેનો દ્વીપ એટલે સમૂહ તે તેજના સમૂહને આ ઠેકાણે શ્વેતદ્વીપ કહ્યો છે માટે શ્વેતદ્વીપ એટલે અક્ષરધામ કહ્યું છે તે અક્ષરધામમાં જેવા મુક્ત છે તેવો એને કહ્યો છે અને તેનું દર્શન શ્રીજીમહારાજે પોતાના જેવું કહ્યું છે.
૪ પ્ર. (૨/૫ બીજા પ્રશ્નમાં) સંત નિત્ય પાંચ ખાસડાં મારે તે સહન કરે એમ કહ્યું તે શું સમજવું ?
૪ ઉ. પંચવિષયનું ખંડન કરે તે પાંચ ખાસડાં માર્યા તુલ્ય વસમું લાગે તે ખંડનરૂપી ખાસડાં કહ્યાં છે. ।।૧૦।। (૮૮)
વચનામૃત સારંગપુરનું - ૧૧
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) પુરુષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષપ્રયત્ને કરીને કેટલું કામ થાય છે ? અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે સદ્ગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દૃઢ વૈરાગ્યને પામ્યો હોય અને દૃઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દૃઢ પાળતો હોય અને અહિંસા-ધર્મને વિષે દૃઢ પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મમરણની નિવૃત્તિ થઈ જાય છે, જેમ શાળને માથેથી ફોતરું ઊતર્યું તે શાળ પાછી ઊગે નહિ તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે જન્મમરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે આટલું તો પુરુષપ્રયત્ને કરીને થાય છે. (૧) અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે ને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે અને શ્રુતિએ કહ્યું છે જે ।। निरंजन: परमं साम्यमुपैति ।। એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે કહેતાં જેમ ભગવાન શુભ-અશુભ કર્મે કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ-અશુભ કર્મે કરીને બંધાય નહિ, અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખાં રહ્યાં થકા ભગવાનની સેવામાં રહે છે, તેમ તે ભક્ત પણ અતિશે હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે ને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે, તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે, આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે. (૨)
૨ પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસાધર્મ ને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય અને મનુષ્યમાંથી વળી દેવતા થાય. અને .....
।। अनेक ज्मसिद्धस्ततो याति परां गतिम् ।।
એ શ્લોકનો પણ એ જ અર્થ છે જે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક ચોરાશીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે પછી જ્યારે પૂર્વે કહ્યા એવાં વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય ને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યાં એવે લક્ષણે યુક્ત થઈને અતિશે નિર્વાસનિક થાશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાશે ને આત્યંતિક મોક્ષને પામશે પણ તે વિના તો નહિ જ પામે. (૩)
૩ પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) આ દેહે કરીને જ સર્વ કસરમાત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો ખબડદાર થઈને મંડે તો આ ને આ દેહે જ સર્વે કસર મટી જાય અથવા દેહ પર્યંત કસર ન મટી હોય ને અંત સમે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિષે અતિશે પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે, માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશે ભગવાનને વિષે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૧૧।। (૮૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા ને આત્મનિષ્ઠા એ પાંચ સાધન તે પુરુષપ્રયત્ન છે તેણે યુક્ત થાય તે જન્મ-મરણથી રહિત થઈને આત્મસત્તાને પામે છે એટલે અમારા તેજરૂપ થાય છે. (૧) તે ઉપર જ અમારી કૃપા થાય છે ત્યારે અમારા તુલ્યપણાને પામે છે ને અમારા જેવો જ સમર્થ થાય છે. (૨) બીજામાં એ અંગમાં ન્યૂનતા હોય તો અમારા અક્ષરધામ વિના બીજાં ધામોને પામે છે ને વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે છે. (૩) ત્રીજામાં ખબડદાર રહીને મંડે તો આ દેહે જ સર્વે કસર મટી જાય. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા ને આત્મનિષ્ઠા એ પાંચ સાધન કહ્યાં તેનાં રૂપ શાં હશે ?
૧ ઉ. જીવકોટિ, તેથી પર માયાકોટિ, તેથી પર ઈશ્વરકોટિ, તેથી પર બ્રહ્મકોટિ, તેથી પર અક્ષરકોટિ, તેથી પર તે સર્વેનું આધાર જે શ્રીજીમહારાજની મૂર્તિનું તેજ તેમાં પણ પ્રીતિ નહિ; એક શ્રીજીમહારાજ તથા મુક્તમાં જ પ્રીતિ એ વૈરાગ્યનું રૂપ છે. અને શ્રીજીમહારાજ તથા મુક્તના વચનમાં આસ્તિક બુદ્ધિ તેને આ ઠેકાણે શ્રદ્ધા કહી છે. અને બ્રહ્મચર્યનું રૂપ (પ્ર. ૭૩ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યું છે. અને કોઈ જીવ-પ્રાણીમાત્રને મન, કર્મ, વચને દુઃખવવો નહિ તે અહિંસા જાણવી. ને પોતાના જીવાત્માને શ્રીજીમહારાજના તેજરૂપ માનવો તે આત્મનિષ્ઠા જાણવી.
૨ પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) શુભ-અશુભ કર્મે કરીને મુક્ત બંધાતા નથી એમ કહ્યું તે કર્મ કિયાં જાણવાં ?
૨ ઉ. અશુભ એટલે ભૂંડાં પાપ કર્મ અને શુભ તે ભગવાનના સંબંધે રહિત સુકૃત કર્મ તેમાં અશુભ કર્મે કરીને નરકમાં જવાય છે ને શુભ કર્મે કરીને દેવાદિકના લોકમાં જવાય છે. એવા કર્મવાળા જીવ પોતાને શરણે આવે તો તે જીવોને શુભ-અશુભ કર્મનાં ફળ ભોગવાવ્યાં વિના જ મુક્ત કરીને શ્રીજીમહારાજને સમીપે મૂકી દે પણ તેવા કર્મવાળા જીવોનો મોક્ષ કરવામાં બંધાય એટલે અટકે નહિ તે શુભ-અશુભ કર્મે કરીને નથી બંધાતા એમ જાણવું.
૩ પ્ર. ક્યારેક મુક્ત મૂર્તિમાં લીન રહે છે અને ક્યારેક બહાર રહે છે એમ કહ્યું તે કેમ સમજવું ?
૩ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા સદા સુખ ભોગવે છે તે લીન સમજવા ને સુખમાં રહ્યા થકા જ શ્રીજીમહારાજના સંકલ્પથી અનંત જીવોના ઉદ્ધારને અર્થે અનંત બ્રહ્માંડમાં મનુષ્ય રૂપે દર્શન આપીને શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં લઈ જાય એવી સેવા કરે છે તે બહાર સમજવા.
૪ પ્ર. જ્યારે મુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થાય ત્યારે તો મૂર્તિ વ્યાપ્ય થઈ ને મુક્ત વ્યાપક થયા તે મોટો બાધ આવે છે તે કેવી રીતે સમજવું ?
૪ ઉ. પોતાને વિષે અતિશે પ્રીતિવાળા ભક્તને શ્રીજીમહારાજ દયાએ કરીને પોતાની મૂર્તિને વિષે રાખે છે, પણ મુક્ત વ્યાપતા નથી અને સ્વામી હોય તે પોતાના સેવકને પોતાને વિષે લીન કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી, જેમ લક્ષ્મીજી છે તે શ્રીકૃષ્ણ ભગવાનનાં સેવક છે તેને શ્રીકૃષ્ણ ભગવાન પોતાને વિષે લીન કરે છે તેણે કરીને કાંઈ લક્ષ્મીજી વ્યાપક ન થયાં; એ તો ઉપરી હોય તે પોતાના સેવકને લીન કરે જ. તે (લો. ૧૩ના બીજા પ્રશ્નમાં) મુક્તોને લીન કરીએ છીએ એમ કહ્યું છે.
૫ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) પાંચ અંગમાંથી કોઈક અંગમાં ન્યૂનતા હોય તો અક્ષરધામ વિના બીજા ધામને પામે ને વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે એમ કહ્યું તે બીજાં ધામ કિયાં જાણવાં ? અને દેવલોક કિયાં જાણવાં ?
૫ ઉ. બીજાં ધામ કહ્યાં તે બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપ જાણવાં અને દેવલોક કહ્યા તે ઇન્દ્ર-બ્રહ્માદિકના લોક જાણવાં.
૬ પ્ર. ગુણાતીત એવું જે અક્ષરધામ કહ્યું તે ગુણાતીતનો અર્થ શો સમજવો ?
૬ ઉ. માયાના ગુણ થકી પર માટે ગુણાતીત કહ્યું છે. આનો વિશેષ વિસ્તાર (પ્ર. ૧૨ના સોળમા પ્રશ્નોત્તરમાં) કર્યો છે. ।।૧૧।। (૮૯)
વચનામૃત સારંગપુરનું - ૧૨
સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) સાધુને વિષે કિયા ગુણ અખંડ રહે છે ને કિયા ગુણ આવે-જાય એવા છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ ને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ ત્રણ ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા ને પાછા જાય પણ ખરા. માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ ત્રણ ગુણ તો અખંડ રહે છે. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) દેહની ને આત્માની નોખી વિક્તિ સમજાણી હોય તોય પણ તે વિક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દેહ-આત્માની વિક્તિ એક વાર ચોખ્ખી સમજાણી હોય તો પછી પાછી ભુલાય નહિ અને એમ માને જે, હું દેહ છું તોપણ દેહ પોતાનું રૂપ મનાય જ નહિ અને ભગવાનનો નિશ્ચય પણ જો એક વાર દૃઢ થયો હોય તો પાછો ટાળે તોપણ ટળે નહિ અને એમ જણાય છે જે આત્મબુદ્ધિ મટીને દેહબુદ્ધિ આવી જાય છે એ તો ખોટો ખોટો મનમાં ભ્રમ પડે છે પણ દેહાભિમાન તો આવતું જ નથી અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દૃઢ રહે છે. (૨) ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ ને અખંડ રહે છે. (૩)
૩ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) પોતાના આત્માનો વિચાર કેમ કરવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વીસરી જાય છે અને અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સર્વેના રૂપને જાણવાં પછી વિચારની દૃષ્ટિએ એ અંતઃકરણના ઘાટ સામું જોતાં જોતાં જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને જ્યાં સુધી ઘાટ-સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું પણ ધ્યાન ન કરવું અને જે બહાર સ્થૂળ દેહને વિષે પંચ જ્ઞાનઇન્દ્રિયો છે તે જ્યારે પોતપોતાના વિષય સામા જાય છે ત્યારે વિચારને બે પ્રકારે કરવો : એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષયને આકારે વિચાર કરવો અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિષે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશે તૂટી જાય છે, એમ વિચાર્યા વિના જો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહિ અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહિ, માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહિ અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું અને જ્યારે બહાર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો જે, જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહિ અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું અને દ્રષ્ટાને ને દૃશ્યને મધ્યે જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે દ્રષ્ટા ને દૃશ્ય તે અતિશે જુદાં જ છે, એમ સમજીને દેહના ભાવ તે દેહને વિષે હોમવા અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિષે હોમવા. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્માને વિષે માનવા જ નહિ; અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ, એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિષે સમજવા જ નહિ; એ ગુણ તો આત્માને વિષે જ સમજવા, ને એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ-સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહિ, જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહિ અને જ્યારે શત્રુમાત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે, તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન ને ઇન્દ્રિયોરૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યો એવો જે વિચાર તે દૃઢપણે રાખવો, અને જ્યારે મન-ઇન્દ્રિયોના ઘાટ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૧૨।। (૯૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં બીજા ગુણ તો આવ્યા-ગયા રહે પણ આત્મનિષ્ઠા, સ્વધર્મ ને અમારો નિશ્ચય એ ત્રણ ગુણ જેમાં અખંડ રહે તે જ સાધુ છે. (૧) બીજામાં પરિપક્વ જ્ઞાનીને આત્માનું અભિમાન દૃઢ રહે છે. (૨) ને તે બ્રહ્મરૂપ આત્માને વિષે અમે અખંડ રહ્યા છીએ એવો અમારો નિશ્ચય પણ અખંડ રહે છે. (૩) ત્રીજામાં સંકલ્પનું બળ હોય ત્યારે આત્મા-અનાત્માનો વિચાર કરવો ને ઘાટ શમી જાય ત્યારે અમારું ધ્યાન કરવું એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં સાધુને વિષે આત્મનિષ્ઠા, સ્વધર્મ અને અમારો નિશ્ચય એ ત્રણ ગુણ અખંડ રહે છે એમ કહ્યું તે ત્રણેનાં લક્ષણ શાં હશે ?
૧ ઉ. સાધુનાં (૩૨) બત્રીસ લક્ષણને આ ઠેકાણે સ્વધર્મ કહ્યો છે તે (પ્ર. ૭૭ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) કહ્યાં છે. અને મૂળ અક્ષરથી પર સર્વેનું આત્મા એવું જે શ્રીજીમહારાજનું તેજ જે બ્રહ્મ તે રૂપ આત્માને માનવો તે આત્મનિષ્ઠા કહી છે. અને એ તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિને ધારીને તેમની ઉપાસના કરવી તે નિશ્ચય કહ્યો છે.
૨ પ્ર. સાધુને વિષે બીજા ગુણ આવ્યા-ગયા રહે છે એમ કહ્યું તે ગુણ કિયા જાણવા ?
૨ ઉ. કોઈના અંતરનું જાણવું કે ભૂત-ભવિષ્યનું જાણવું કે વચન સિદ્ધ થાય કે ભગવાનનાં ધામ દેખવાં એ ગુણ આવે ને શ્રીજીમહારાજની ઇચ્છાથી જાય પણ ખરા.
૩ પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે વિચાર કરવો એમ કહ્યું તે વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે કેવી રીતે વિચાર કરવો ?
૩ ઉ. વિષયને વિષે દોષ, દુઃખ ને નાશવંતપણું વિચારવું અને આત્માનું અજર, અમર, સુખરૂપ, સત્તારૂપ, અવિનાશીપણું વિચારવું એવી રીતે વિચાર કરે ત્યારે ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાંથી પાછી વળીને સ્થિર થાય ત્યારે ધ્યાન કરવું.
૪ પ્ર. સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું જોવું નહિ અને અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું એમ કહ્યું તે કેવી રીતે વિસારવા ?
૪ ઉ. સ્થૂળ દેહે કથા-વાર્તા સાંભળવી તે સ્થૂળ દેહે વર્તવું કહેવાય. તે વખતે સૂક્ષ્મ દેહમાં ઘાટ-સંકલ્પ થતા હોય તેને સંભારે જે મને આવા ઘાટ થાય છે તો કથા-વાર્તા સમજાય નહિ, માટે તે ટાણે તો કથા-વાર્તા જ સાંભળવી પણ સૂક્ષ્મ દેહના ઘાટ સામું જોવું નહિ; અને જ્યારે અંતરવૃત્તિ કરીને આત્મા સામું જોવું ત્યારે પોતાને આત્મા રૂપે માનવું પણ દેહરૂપ ન માનવું તે સ્થૂળ દેહને વિસારી દીધું કહેવાય. ।।૧૨।। (૯૦)
વચનામૃત સારંગપુરનું - ૧૩
સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો ? પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, જેને પોતાના જીવાત્માને વિષે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહિ અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શાસ્ત્રને વિષે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કર્તાપણું, અકર્તાપણું, એવી અનંત જાતની વાત છે, માટે એવું કિયું શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો ? એ પ્રશ્નનો ઉત્તર કરો. પછી સર્વે મુનિ બોલ્યા જે, શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી, માટે હે મહારાજ ! એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે, કાં જે શાસ્ત્રમાં પરમેશ્વરનાં પણ લક્ષણ કહ્યાં હોય અને સંતનાં પણ કહ્યાં હોય માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે. (૧) અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યાં જ નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિષે પણ મા, બોન, દીકરી ને સ્ત્રી તેની વિક્તિરૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે તેનું કારણ પણ શાસ્ત્ર જ છે, કેમ જે શાસ્ત્રમાંથી કોઈકે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરાએ કરીએ સર્વ લોકમાં પ્રવર્તી છે, માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે તેને તે શાસ્ત્રના વચનની પ્રતીતિ જ નથી; એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે. (૨) ને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહિ, કાં જે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનનાં ચરિત્ર છે માટે પરમેશ્વર ગમે તેવાં ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બહાર હોય જ નહિ, માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે ને કલ્યાણ પણ તેનું જ થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહીં. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧૩।। (૯૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે અચળ રહે છે. (૧) અને મને કરીને નિશ્ચય કર્યો હોય તે ટળી જાય છે, ને જેને શાસ્ત્રના વચનની પ્રતીતિ ન હોય તે મનમુખી ને નાસ્તિક છે. (૨) અને શાસ્ત્રે કરીને જેને નિશ્ચય થયો હોય તેનું જ કલ્યાણ થાય છે ને ધર્મ પણ એનો જ અડગ રહે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં શાસ્ત્રે કરીને અમારો નિશ્ચય થાય એમ શ્રીજીમહારાજે કહ્યું અને (મ. ૩૧ના ૨/૫ બીજા પ્રશ્નમાં) શાસ્ત્રના શબ્દ સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી એમ કહ્યું છે. તથા (પ્ર. ૭/૧માં) શાસ્ત્રમાં અધ્યાત્મવાર્તા હોય તે કોઈને સમજાતી નથી; ભ્રમી જવાય છે એમ કહ્યું છે અને (મ. ૧૩/૩માં) સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે જ શાસ્ત્રની વાત સમજાય છે એમ કહ્યું તે કેમ સમજવું ?
૧ ઉ. આમાં ભગવાનના યોગ્ય-અયોગ્ય ચરિત્રમાં સંશય ન થાય એટલો જ નિશ્ચય કહ્યો છે પણ સર્વે અવતારોથી પર સમજાય એમ નથી કહ્યું અને (પ્ર. ૭માં) શાસ્ત્રમાં અધ્યાત્મવાર્તા સમજાય એવી ચોખ્ખી વિક્તિ નથી તે અમે સમજાવીએ એમ કહ્યું છે ને પછીથી પોતાનો સિદ્ધાંત કહ્યો છે. અને (મ. ૩૧માં) શાસ્ત્રના શબ્દ સાંભળીને અમારા સર્વોપરીપણામાં સંશય થાય એમ કહ્યું છે, પણ યથાર્થ નિશ્ચય ને યથાર્થ મહિમા ને શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર તે તો સત્પુરુષ થકી થાય છે તે જેને આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર હોય ને પોતાનો સંગ કરનારના માયિક ઘાટ ટાળીને મૂર્તિને સુખે સુખિયા કરે તે સત્પુરુષ જાણવા. ।।૧૩।। (૯૧)
વચનામૃત સારંગપુરનું - ૧૪
સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને કાન ઉપર પીળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પાઘમાં પીળાં પુષ્પનાં છોગાં ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર નાભિ સુધી હિંડળતો વિરાજમાન હતો અને આથમણું મુખારવિંદ કરીને શ્રીજીમહારાજ વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશેદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનાં ધામ જે વૈકુંઠાદિક તેને પામીને શે દોષે કરીને પાછો પડતો હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો ? પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ કહ્યું જે, એક તો વૈકુંઠમાંથી જય-વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામ પડ્યાં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જય-વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારુ પાડ્યા જે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે અને જય-વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા, માટે એ કાંઈ પડ્યા ન કહેવાય; એ તો ભગવાનની ઇચ્છાએ થયું અને પડ્યો તો તે કહેવાય જે તેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે અને ગોલોકથી રાધિકાજી પડ્યાં તે પણ ભગવાનની જ ઇચ્છા હતી અને પોતાને પણ મનુષ્યદેહ કરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાનાં કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવાં હતાં, માટે રાધિકાજીને કોઈ પડ્યાં કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય, તે સારુ ભગવાનની ઇચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિષે આવ્યાં એ તે કાંઈ પડ્યાં ન કહેવાય, એ ઠેકાણે તો ભગવાનની ઇચ્છા જાણવી. તે ભગવાનની ઇચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય, કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે તે જેમ કરે તેમ થાય પણ તે ભગવાનની ઇચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહિ અને જે પડે છે તે તો આધુનિક ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે તે તો યોગભ્રષ્ટ કહેવાય પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ ને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થયા તે તો જેવા શ્વેતદ્વીપને વિષે મુક્ત છે તે સરખાં છે; તે તો કોઈ કાળે પડતા નથી. (૧)
૨ એવી રીતે શ્રીજીમહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે, લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું જે પૂછો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) મહાભારતના ઉદ્યોગપર્વને વિષે સનતસુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે, એક તો પ્રમાદ ને બીજો મોહ એ બેયનો ત્યાગ કરે તો તે સર્વે પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યો છે અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે, માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે ને ભગવાનના મહિમાનું બળ લઈને જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો નહિ રાખતો હોય તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે ? એ પ્રશ્ન છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું માહાત્મ્ય અતિશે વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તોપણ તેની કાંઈ ઝાઝી ચિંતા રાખે નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનો ભક્ત હોય તેને પ્રમાદ ને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શો વિશેષ છે ? પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ જ છે તો પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો, જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશે મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહિ ને તેને એમ મનમાં બીક રહે જે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મુને વ્યભિચારિણી જાણશે તો મારી સેવા અંગીકાર નહિ કરે એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે, એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મૂળગી ખોટ બતાવો છો, અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો એ તે શું તમારી એવી અવળી સમજણ છે કે કેમ છે ? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તોપણ તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહિ રહે, જેમ મદિરા પીએ તથા ભાંગ્ય પીએ તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ જ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય તેમ મદિરા ને ભાંગ્યરૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ જ ભગવાનના ભક્તને પણ નડે અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો જ ફેર છે જે, વિમુખને એ બે શત્રુ ટળે નહિ અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય એટલો ભગવાનના ભક્તને વિશેષ છે અને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારો નહીં. (૨)
૩ પછી શ્રીજીમહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો જે, (૩) સ્થૂળ શરીર તે કેટલાં તત્ત્વનું છે ? અને સૂક્ષ્મ શરીર તે કેટલાં તત્ત્વનું છે ? અને સ્થૂળ દેહમાં ને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્ત્વ છે કે કાંઈ ઓછાં અધિકાં છે એ બે શરીરનું રૂપ કરો ? પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી સર્વે મુનિ બોલ્યા જે, હે મહારાજ ! એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પંદર તત્ત્વનું સ્થૂળ દેહ છે પણ તેમાં જ્યારે નવ તત્ત્વનું જે સૂક્ષ્મ દેહ તે વર્તે ત્યારે વિષયનું જ્ઞાન યથાર્થ થાય પણ તે વિના થાય નહિ, માટે સ્થૂળ દેહને વિષે પણ ચોવીશ તત્ત્વ છે તે તત્ત્વ કિયાં તો પંચભૂત, પંચ જ્ઞાનઇન્દ્રિયો, પંચ કર્મઇન્દ્રિયો એ પંદર તત્ત્વનું સ્થૂળ દેહ છે ને તે સ્થૂળ દેહ ને શ્રોત્ર ઇન્દ્રિય હોય ને તેણે કરીને વાત સાંભળતો હોય ને જો મન બીજે ઠેકાણે જાય તો તે વાર્તા સમજાય નહિ એવી રીતે દશે ઇન્દ્રિયોને વિષે જો મન વર્તે તો જ તે ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરવા સમર્થ થાય અને જો મન ન વર્તતું હોય તો કોઈ ઇન્દ્રિયો પોતાના વિષયને ગ્રહણ કરવાને સમર્થ થાય નહિ અને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ તો ભેળાં જ હોય અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ને ગંધ એ પંચતન્માત્રા પણ એ અંતઃકરણ ભેળી જ હોય, એવી રીતે ચાર અંતઃકરણ ને પંચતન્માત્રા એ નવ તત્ત્વનું સૂક્ષ્મ દેહ છે તે સ્થૂળ દેહને વિષે વર્તે છે ત્યારે વિષયનું યથાર્થ જ્ઞાન થાય છે, તેમ જ સૂક્ષ્મ દેહને વિષે પણ પંદર તત્ત્વનું જે સ્થૂળ દેહ તે એકત્વપણે વર્તે છે ત્યારે જ સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે અને સૂક્ષ્મ દેહ નવ તત્ત્વનું છે તેને વિષે પંદર તત્ત્વનું સ્થૂળ દેહ ભળે છે. માટે સૂક્ષ્મ દેહ પણ ચોવીશ તત્ત્વનું છે અને જો સૂક્ષ્મ દેહમાં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહમાં સ્ત્રીનો સંગ કરે છે તેનો સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે. માટે સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહની જાગ્રત અવસ્થાને વિષે ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે. (૩)
૪ પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો જે, (૪) હે મહારાજ ! આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું જ સૂક્ષ્મ દેહ થયું ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમ જ સૂક્ષ્મ દેહમાં લાગે છે કે કાંઈ ફેર છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સ્થૂળ દેહને વિષે જેવી દૃઢ પોતાપણાની માનીનતા છે તેવી જ જો સૂક્ષ્મ દેહને વિષે માનીનતા હોય તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મ દેહમાં પણ લાગે અને જે સૂક્ષ્મ દેહનાં કર્મને અલ્પ કહ્યાં છે તે તો જીવને હિંમત દેવા સારુ છે. (૪) અને જેને સ્થૂળ દેહને વિષે તથા સૂક્ષ્મ દેહને વિષે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મ દેહનું પણ લાગતું નથી, કેમ જે એ તો કેવળ આત્મસત્તા રૂપે જ વર્તે છે માટે એવા જે આત્મજ્ઞાની હોય તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહિ અને તે આ દેહે કરીને અશુભ કર્મને તો કરે જ નહિ ને પ્રારબ્ધાનુસારે જે સુખ-દુઃખ આવે તેને ભોગવે ને ભોગવતો થકો એમ માને જે, હું એનો ભોક્તા નથી; હું તો આત્મા છું. (૫) અને જે અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે અને તે કર્મ પ્રમાણે સુખ-દુઃખને પણ ભોગવે છે, કેમ જે, જે અજ્ઞાની છે તે જે જે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહ રૂપે માનીને એમ માને જે, હું એ વિષયનો ભોક્તા છું. (૬) પછી જ્યારે અંત સમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે પછી તે યમના દૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે પછી તે દેહે કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે. (૭) અને જ્ઞાની એવો ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે ને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે પછી એ દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતીતનુ આપે છે ને તે દેહે કરીને એ ભગવાનના ધામને વિષે રહે છે. (૮) ઇતિ વચનામૃતમ્ ।।૧૪।। (૯૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, પ્રેમલક્ષણા ભક્તિ ને બ્રહ્મચર્યાદિક ધર્મ એ ચાર સાધન સિદ્ધ કરે તે અમારા ધામમાંથી કોઈ કાળે પડે નહિ અને અમારી ઇચ્છાથી જીવોનાં કલ્યાણ કરવા સ્વતંત્રપણે આવે ને જાય. (૧) બીજામાં પ્રમાદ ને મોહ એ બે શત્રુને અમારો ભક્ત ખટકો રાખીને ટાળે તો જ ટળે. (૨) ત્રીજામાં સ્થૂળ-સૂક્ષ્મ એ બે દેહની જાગ્રત ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે. (૩) ચોથામાં સ્થૂળ-સૂક્ષ્મ એ બે દેહનું કર્મ સરખું છે પણ જીવને હિંમત દેવા સારુ સૂક્ષ્મ દેહનું પ્રાયશ્ચિત્ત અલ્પ કહ્યું છે પણ જો અલ્પ પ્રાયશ્ચિત્ત ન કરે તો સ્થૂળ દેહના જેટલું કર્મ લાગે. (૪) અને જેને સ્થૂળ તથા સૂક્ષ્મ દેહનું અભિમાન નથી એટલે તેને દેહની વિસ્મૃતિ છે ને કેવળ આત્મસત્તારૂપ એટલે પોતાના આત્માને જ આકારે વૃત્તિ રહેતી હોય ને જગતની કોરે ઉપશમ રહેતું હોય તેને સ્થૂળ-સૂક્ષ્મ દેહનું કર્મ લાગતું નથી. (૫) અને દેહાભિમાનીને કર્મ લાગે છે. (૬) અને અજ્ઞાની જીવ યમપુરીમાં જાય છે. (૭) અને અમારો જ્ઞાની ભક્ત ભાગવતીતનુએ કરીને અમારા ધામમાં રહે છે. (૮) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં વૈરાગ્ય, આત્મનિષ્ઠા, અમારી ભક્તિ ને બ્રહ્મચર્યાદિક ધર્મ તેણે કરીને સિદ્ધ થાય તે શ્વેતદ્વીપના મુક્ત સરખો છે એમ કહ્યું તે શ્રીજીમહારાજની ભક્તિ કરીને સિદ્ધ થાય તે તો શ્રીજીમહારાજના અક્ષરધામમાં મુક્ત છે તેવો થાવો જોઈએ ને શ્વેતદ્વીપના મુક્ત જેવો કહ્યો તેનું શું કારણ હશે ?
૧ ઉ. શ્વેત એવું તેજ તેનો દ્વીપ કહેતાં સમૂહ એટલે તેજનો સમૂહ જે અક્ષરધામ તેને આ ઠેકાણે શ્વેતદ્વીપ નામે કહ્યું છે.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં પ્રમાદ ને મોહ કહ્યા તેનાં રૂપ શાં હશે ?
૨ ઉ. ભગવાન ભજવા ને ભગવાનની આજ્ઞા પાળવી ને સંતનો સમાગમ કરવો એ કરવાનું છે તે ન થાય ને ન કરવાનું તે થાય તે પ્રમાદ જાણવો અને કરવા યોગ્ય ને ન કરવા યોગ્ય તે સૂઝે નહિ ને પંચવિષયને વિષે આસક્તિ હોય એ મોહનું રૂપ છે.
૩ પ્ર. પ્રમાદ ને મોહ તેને ટાળવાનો ઉપાય શો હશે ?
૩ ઉ. અતિશે મોટા સંત જે શ્રીજીમહારાજના ધામમાંથી જીવોનાં કલ્યાણ કરવાને અર્થે આવેલા હોય તેમની અતિશે સેવા કરે ને શ્રીજીમહારાજની આજ્ઞામાં યથાર્થ વર્તે તો શ્રીજીમહારાજ તથા મુક્ત દયા કરીને પ્રમાદ ને મોહને ટાળી નાખે.
૪ પ્ર. (૪/૫ ચોથા પ્રશ્નમાં) આત્મસત્તા રૂપે વર્તે તેને સ્થૂળ-સૂક્ષ્મ દેહનું કર્મ લાગતું નથી એમ કહ્યું તે કર્મ કિયું જાણવું ?
૪ ઉ. દેહે કરીને વર્તમાન લોપાય એવું અશુભ કર્મ તો કરે જ નહિ પણ એને સ્થૂળ, સૂક્ષ્મ દેહનું અભિમાન એટલે સ્મૃતિ ન હોય, તેથી નાહ્યા-ધોયા વિના તથા પૂજા કર્યા વિના જમી જવાય તથા સ્પર્શ ન કરવા યોગ્ય તેનો સ્પર્શ થઈ જાય એવું જે કર્મ તેનું પ્રાયશ્ચિત્ત ન લાગે અને જેને આત્મનિષ્ઠા હોય પણ જો દેહની સ્મૃતિ રહેતી હોય તેને તો ઉપર કહ્યાં તે કર્મ લાગે, તો પંચવર્તમાન લોપ્યાનું કર્મ લાગે તેમાં શું કહેવું ? એ તો લાગે જ.
૫ પ્ર. (૪/૮ ચોથા પ્રશ્નમાં) ભક્ત દેહ મૂકે છે ત્યારે તેને ભાગવતીતનુ આપે છે એમ કહ્યું તે ભાગવતીતનુ શું સમજવું ?
૫ ઉ. ભક્તને દેહ મૂકવા સમે જ્યારે શ્રીજીમહારાજનું દર્શન થાય છે ત્યારે એનો ચૈતન્ય શ્રીજીમહારાજના જેવો જ મૂર્તિમાન થાય છે તે ભાગવતીતનુ જાણવું ।।૧૪।। (૯૨)
વચનામૃત સારંગપુરનું - ૧૫
સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે, (૧) બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિષે અત્યંત પ્રીતિ છે અને ભગવાનનાં દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે તોપણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બેય નથી તોપણ એની ભક્તિ અતિશે શોભે છે અને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત છે, તોપણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે એ પ્રશ્ન છે. પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય નથી તોપણ જેને ભગવાનમાં અતિશે પ્રેમ છે તે જ સરસ છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો ? કેમ જે એ તો દેહાભિમાની છે માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થાશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જાશે પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો ? પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે, જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી; અમે તો ગોપીઓ જેવા પ્રેમી ભક્ત હોય તેને કહીએ છીએ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ગોપીઓ કાંઈ ભોળીઓ નહોતી, એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્યે યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી, જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડહાપણ હતું અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી અને સર્વે યાદવમાં અતિશે ડાહ્યા ને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણને જોઈને ગદ્ગદ કંઠ થઈ ગયા અને તે ઉદ્ધવજી એમ બોલ્યા જે, ગોપીઓ પાસે મુને જ્ઞાન કહેવા મોકલ્યો તે તો ભગવાને મારે ઉપર અતિશે અનુગ્રહ કર્યો અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા, પણ ગોપીઓનાં વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો અને તમે કહેશો જે ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી તો એમાં તો મુગ્ધા, મધ્યા ને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે, એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે, અમે તમારે અર્થે કરી કરીને મરી ગયાં તોપણ તમે નજરમાં લાવતા નથી અને એમ કરતાં જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડાં તોછડાં વચન બોલે જે જાણીએ હમણાં વિમુખ થઈ જાશે, એવી જાતનાં જેનાં શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે અને ડહાપણે કરીને યુક્તિએ યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવા દે નહિ અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહિ અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તોપણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે, એવાં જેના શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહિ અને કેવળ ભગવાનને રાજી કરવાને ઇચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરાબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષ્યા, ક્રોધ કરે જ નહિ અને માન, મત્સર આદિ સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઈ કાળે કરે નહિ, એવાં જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા, મધ્યા ને પ્રૌઢા એવા ગોપીઓના ભેદ છે, માટે ગોપીઓની સમજણમાં તો અતિશે વિવેક હતો તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહિ ને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી ને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય સ્હેજે એના હૈયામાં વર્તતાં હતાં, માટે એ ગોપીઓને વિષે તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના માહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા અને એવા ભક્તની રીત તો આમ છે જે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તે ભગવાન સંબંધી જ ઇચ્છે પણ બીજા કોઈ સંબંધી ઇચ્છે નહિ અને ભગવાનને વિષે એ પંચવિષયે કરીને જે અતિશે હેત તે હેતે કરીને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તોપણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહિ અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણનાં જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહિ અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલાં તૃણ ઊગે જે પૃથ્વી જ દેખાય નહિ, તેમ જે આત્મનિષ્ઠા ને વૈરાગ્યે કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થાશે ત્યારે વિષયના ઘાટ થાવા લાગશે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાશે ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહિ રહે ને અખંડ વિષયનું ધ્યાન થાશે પછી એ જે વૈરાગ્ય ને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે મારે ભગવાનમાં લેશમાત્ર પ્રીતિ નથી માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશે ન્યૂન છે. (૧) અને જેને આત્મનિષ્ઠા છે ને વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી છે તે તો એમ જાણે છે જે, મારા જીવાત્માને વિષે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે, એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિનાં દર્શન-સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાન્તપણા જેવું જણાય છે, તોપણ એની પ્રીતિનાં મૂળ ઊંડાં છે તે કોઈ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૫।। (૯૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે એકલા પ્રેમવાળા ભક્તને કુસંગનો યોગ થાય તો તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે માટે ન્યૂન કહ્યો છે. (૧) અને આત્મનિષ્ઠા ને વૈરાગ્યવાળા ભક્તને અમારું પ્રત્યક્ષપણું રહે છે તેથી એને કુસંગનો યોગ લાગે જ નહિ માટે તે શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં ગોપીઓ શ્રીકૃષ્ણનો મહિમા જાણતી હતી એમ કહ્યું અને (પ્ર. ૪૨/૨માં) ગોપીઓએ શ્રીકૃષ્ણને ભગવાન જાણ્યા નહિ એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. આમાં જે મહિમા જાણતી હતી તે ગોપીઓની વાત કહી છે અને (પ્ર. ૪૨માં) જે મહિમા નહોતી જાણતી તેની વાત કહી છે અને આમાં ત્રણ પ્રકારના ભેદ કહ્યા તે મહિમા જાણનારી ગોપીઓના કહ્યા છે અને શ્રીકૃષ્ણ ભગવાન માયાના ગુણથી પર છે તેને પામી માટે ગુણાતીત કહી છે. ।।૧૫।। (૯૩)
વચનામૃત સારંગપુરનું - ૧૬
સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૫ પંચમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ અને તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે, શ્રી નરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે ને સુખને અર્થે તપને કરે છે, ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતા ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ સૂર્ય છે તેમ નરનારાયણ ભગવાનનું તપ છે તે સૂર્ય જ્યારે અજવાળું કરે ત્યારે સર્વે પદાર્થ સૂઝે પછી જેને જેવા પદાર્થને જોયાની ઇચ્છા હોય તે તેવા પદાર્થને જુવે છે અને તે સૂર્યના અજવાળામાં જે પુણ્યવાળા જીવ છે તે પુણ્યને માર્ગે ચાલે છે તથા ભગવાન ને ભગવાનના સંતનાં દર્શન કરે છે અને જે પાપી જીવ છે તે પાપને માર્ગે ચાલે છે ને ન ઘટે એવું જોતા ફરે છે, તેમ જ ભગવાનના તપને પ્રતાપે કરીને કેટલાય જે મુમુક્ષુ જીવ છે તે મોક્ષને માર્ગે ચાલીને મોક્ષને પામે છે અને જે મુમુક્ષુ નથી તે તો વિષયસુખને માર્ગે ચાલીને વિષયસુખને પામે છે, માટે ભગવાનનું તપ તો જે જીવ જેવું કાર્ય કરવાને ઇચ્છે છે તેને તેવું કાર્ય કરવાને અર્થે બુદ્ધિમાં પ્રકાશ કરી આપે છે, અને વળી જેમ કોઈ પુરુષ મશાલને ભેળી લઈને ભગવાન ને ભગવાનના સંતનું દર્શન કરે તો તેને મશાલ પ્રકાશ કરી આપે અને પાતર્યોનું મોઢું જોવાને ઇચ્છે તો તેને પણ મશાલ પ્રકાશ કરી આપે, તેમ ભગવાનનું તપ છે તે જે જીવ જેવું કર્મ કરવાને ઇચ્છે તેને તેવાનો પ્રકાશ કરી આપે છે તેમાં જેની અલ્પબુદ્ધિ છે તે અલ્પ એવું જે વિષયસુખ તેને ઇચ્છે છે અને જેની મોટી બુદ્ધિ છે તે કલ્યાણને ઇચ્છે છે અને ભગવાનની તો સૌ ઉપર સમદૃષ્ટિ છે, માટે જે જીવ જેવું કર્મ કરે છે તેને તેવા ફળને પમાડી દે છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૬।। (૯૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં જેમ સૂર્ય સર્વને પ્રકાશ કરી આપવા ઉદય થાય છે પણ સૂર્યથી વિપરીત બુદ્ધિવાળા જે ઘુવડ તથા અંધને કામ નથી આવતો તેમ નરનારાયણ ભગવાન સર્વ જીવના કલ્યાણ સારુ તપ કરે છે, પણ ભગવાનથી વિમુખ ઘુવડ તુલ્ય જીવોને તથા અંધવત્ અજ્ઞાની જીવોને ઉપયોગમાં નથી આવતું; ભક્તને જ ઉપયોગમાં આવે છે. અને જેમ સૂર્ય તથા મશાલના પ્રકાશમાં પાપી પાપને માર્ગે ચાલે છે અને પુણ્યવાળા પુણ્યને માર્ગે ચાલે છે તેને સૂર્ય તથા મશાલ સમદૃષ્ટિએ પ્રકાશ કરી આપે છે, તેમ નરનારાયણ ભગવાન સમદૃષ્ટિએ સૂર્ય મશાલવત્ તપરૂપી પ્રકાશ કરી આપે છે પણ પ્રેરણા કરતા નથી, તેમાં જે જીવ જેવાં કર્મ કરે છે તેને તેવાં ફળને પમાડે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે. ।।૧૬।। (૯૪)
વચનામૃત સારંગપુરનું - ૧૭
સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૬ છઠને દિવસ સંધ્યા સમે શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થાતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે ને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે તે જ્યારે એ ભક્ત પોતાને દેહ રૂપે માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે, પછી જેમ જેમ સૂક્ષ્મ દૃષ્ટિ થાતી જાય તેમ તેમ તે ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજાતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દૃઢ થાતી જાય, ત્યાં દૃષ્ટાંત છે : જેમ સમુદ્ર છે તેને વિષે કીડી પણ જઈને પાણી પીએ અને ચરકલું પણ પીએ ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી તથા મોટા મોટા મગરમચ્છ એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે પણ સમુદ્ર લેશમાત્ર ઓછો થાતો નથી અને જે જે જીવનું જેવું જેવું મોટું ગજું હોય તે તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી, બીજું દૃષ્ટાંત છે : જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઊડે ને ચરકલું ઊડે ને સમળા ઊડે ને ગરજ્ય પણ ઊડે ને અનળપક્ષી પણ ઊડે ને ગરુડ પણ ઊડે તોપણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે અને જેને પાંખને વિષે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિષે ન્યૂનપણું સમજતો જાય છે તેમ મચ્છર જેવા જે મરીચ્યાદિક અને ચરકલા જેવા જે બ્રહ્માદિક અને સમળાને ઠેકાણે જે વિરાટપુરુષાદિક અને ગરજ્યને ઠેકાણે જે પ્રધાનપુરુષ અને અનળપક્ષીને ઠેકાણે જે શુદ્ધ પ્રકૃતિપુરુષ અને ગરુડને ઠેકાણે જે અક્ષરધામમાં રહેનારા મુક્ત તથા અક્ષરધામ એ સર્વે જેમ જેમ વધુ વધુ સામર્થીને પામ્યા છે તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે અને જેમ જેમ વધુ સામર્થીને પામતા ગયા તેમ તેમ ભગવાનને વિષે સ્વામી-સેવકપણાનો ભાવ પણ અતિ દૃઢ થાતો ગયો છે. (૧) અને જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો, પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો, એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો અને સામર્થી પણ વૃદ્ધિને પામી અને સુખ પણ વૃદ્ધિને પામ્યું, એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યંત આદ્ય, મધ્ય ને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું એમ કહીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઊઠ્યા. પછી આંબલીની ડાળખીને ઝાલીને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા થકા બોલ્યા જે, જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે આહીંથી તો નાની થાળી જેવું દેખાય છે પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય પછી અતિશે ઢૂંકડો જાય ત્યારે તો દૃષ્ટિ પણ પહોંચી શકે નહિ એવું મોટું જણાય, તેમ માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂંકડું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટ્યપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિ દૃઢ થાતું જાય છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૭।। (૯૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારો ભક્ત પોતાને દેહરૂપ માને ત્યારે અમને સાક્ષી જેવા એટલે પ્રધાનના પતિ પુરુષ જેવા જાણે અને પોતાને સાક્ષીરૂપ માને ત્યારે અમને સાક્ષીથી પર જે મૂળપુરુષ જેવા જાણે, ત્યારપછી સૂક્ષ્મદૃષ્ટિ થાવા માંડે તે જેમ જેમ સૂક્ષ્મદૃષ્ટિ થાતી જાય તેમ તેમ અમને પોતાથી પર જાણતો જાય અને અમારો મહિમા વધુ વધુ સમજાતો જાય અને અમારી ઉપાસના દૃઢ થાતી જાય અને અમારી અતિ અપાર મોટપ જણાતી જાય અને અમારે વિષે દાસપણું અતિ દૃઢ થાતું જાય. (૧) અને ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો, પછી દીવા જેવો થાય છે, પછી મશાલ જેવો થાય છે, પછી જ્વાળા જેવો થાય છે, પછી દાવાનળ જેવો થાય છે, પછી વીજળી જેવો થાય છે, પછી ચંદ્ર જેવો થાય છે, પછી સૂર્ય જેવો થાય છે, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થાય છે, પછી મહાતેજ જેવો થાય છે, એવી રીતે સુખ, સામર્થી ને પ્રકાશ તે વૃદ્ધિ પામે છે ત્યારે એ ભક્તને અમારે વિષે દાસપણું અતિ દૃઢ થાતું જાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં શ્રીજીમહારાજે સમુદ્ર તથા આકાશનું દૃષ્ટાંત દીધું તે સમુદ્ર તથા આકાશને ઠેકાણે શું સમજવું ? અને કીડી આદિકનાં દૃષ્ટાંત દીધાં તેનો સિદ્ધાંત શો સમજવો ?
૧ ઉ. સમુદ્રને તથા આકાશને દૃષ્ટાંતે શ્રીજીમહારાજે પોતાના મહિમાનું અપારપણું કહ્યું છે જે, ઐશ્વર્યાર્થીઓ અમારો મહિમા કેટલો જાણે છે તો કીડી સમુદ્રનો તથા મચ્છર આકાશનો જાણી શકે તેટલો મરીચ્યાદિક પ્રજાપતિ અમારો મહિમા જાણી શકે એટલે જેટલો બ્રહ્માનો મહિમા છે તેટલો જ જાણે છે. (૧) અને ચરકલું સમુદ્રનો તથા આકાશનો જાણી શકે તેટલો મહિમા બ્રહ્મા અમારો જાણી શકે, એટલે જેટલો વૈરાજપુરુષનો મહિમા છે તેટલો જ જાણે છે. (૨) અને મનુષ્ય સમુદ્રનો તથા સમળા આકાશનો જાણી શકે તેટલો વૈરાજપુરુષ અમારો મહિમા જાણી શકે છે એટલે જેટલો પ્રધાનપુરુષનો છે તેટલો જ જાણે છે. (૩) અને ગાય, ભેંસ, બળદ, ઘોડા, એ સર્વે પશુ કહેવાય તે સમુદ્રનો તથા ગરજ્ય પક્ષી આકાશનો જાણી શકે તેટલો પ્રધાનપુરુષ જાણી શકે છે એટલે જેટલો પ્રકૃતિપુરુષનો છે તેટલો જ અમારો મહિમા પ્રધાનપુરુષ જાણી શકે છે. (૪) અને હાથી સમુદ્રનો તથા અનળપક્ષી આકાશનો જાણી શકે તેટલો પ્રકૃતિપુરુષ અમારો જાણી શકે છે. એટલે જેટલો અક્ષરનો મહિમા છે તેટલો જ અમારો પ્રકૃતિપુરુષ જાણી શકે છે. (૫) અને મગરમચ્છ સમુદ્રનો તથા ગરુડ આકાશનો જાણી શકે તેટલો મહિમા મૂળઅક્ષર તથા તેના મુક્ત અમારો જાણી શકે છે પણ એ કોઈ અમારો મહિમા યથાર્થ જાણી શકતા નથી. આ મૂળઅક્ષરથી લઈને મરીચ્યાદિક સર્વે શ્રીજીમહારાજનો મહિમા પોતપોતાના ગજા પ્રમાણે જાણે છે, પણ જેમ મગરમચ્છાદિક સર્વે સમુદ્રનો તથા ગરુડાદિક સર્વે આકાશનો પાર પામતા નથી તેમ મૂળઅક્ષરાદિક કોઈ શ્રીજીમહારાજના મહિમાનો પાર પામતા નથી તે (અ. ૭/૧માં) ગરુડ પણ ઊડી શક્યો નહિ, એટલે ગરુડની ગતિ અટકી કહેતાં ત્યાં પહોંચી શક્યો નહિ તેમ મૂળઅક્ષરની ગતિ પણ અમે જ્યાં મુક્તોએ સહિત રહ્યા છીએ, ત્યાં સુધી પહોંચી શકે નહિ એમ ગરુડના દૃષ્ટાંતથી સૂચવ્યું છે. પછી અમે એકલા જ સર્વથી પર એવું જે અમારું ધામ ત્યાં ગયા એમ કહ્યું છે. માટે મૂળઅક્ષરાદિક કોઈ શ્રીજીમહારાજના પારને પામતા નથી અને મૂળઅક્ષર પર્યંત સર્વે શ્રીજીમહારાજને પ્રતાપે થયા છે તે (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) અમારા ભક્ત અમને ભજીને પ્રકૃતિપુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર જેવા અમારે પ્રતાપે થાય છે પણ અમારા જેવો કોઈ થતો નથી અને અક્ષરાદિક સર્વે અવતારોથી શ્રીજીમહારાજના મુક્ત પર છે ને તે શ્રીજીમહારાજનો મહિમા મૂળઅક્ષરાદિક સર્વેથી અતિશે જાણે છે, તોપણ શ્રીજીમહારાજના મહિમાનો યથાર્થ પાર પામી શકતા નથી, એવા સર્વોપરી, સર્વનિયંતા, સર્વાધાર, સર્વકર્તા શ્રીજીમહારાજ એક જ છે. (૬)
૨ પ્ર. અક્ષરધામ અમારો મહિમા જાણે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે અક્ષરધામને તમે પહેલા પ્રશ્નોત્તરમાં મૂળઅક્ષર કહ્યા તેનું શું કારણ છે ?
૨ ઉ. મૂર્તિમાન મૂળઅક્ષર છે તેને વિષે શ્રીજીમહારાજ અન્વય સ્વરૂપે રહ્યા છે માટે અન્વય સ્વરૂપનું ધામ કહેતાં પાત્ર છે, તેથી મૂળઅક્ષરને આ ઠેકાણે અક્ષરધામ નામે કહ્યા છે, આનો વિસ્તાર (પ્ર. ૬૩ના ૩/૩ ત્રીજા પ્રશ્નમાં તથા બારમા પ્રશ્નોત્તરમાંથી) જાણવો.
૩ પ્ર. બીજી બાબતમાં ખદ્યોતથી લઈને મહાતેજ પર્યંત મુક્તના ભેદ કહ્યા તે કેવી રીતે જાણવા ?
૩ ઉ. માયાથી ઉત્પન્ન થાય ને લય પામે તે મુક્ત ન કહેવાય માટે આ ઠેકાણે માયાથી પર જે મૂળપુરુષ તેમના મુક્તને ખદ્યોતને ઠેકાણે કહ્યા છે. (૧) અને બદરિકાશ્રમમાં રહ્યા જે નરનારાયણ તેમના મુક્તને દીવાને ઠેકાણે કહ્યા છે. (૨) અને મૂળપુરુષને મશાલને ઠેકાણે કહ્યા છે. (૩) અને મહાકાળને જ્વાળાને ઠેકાણે કહ્યા છે. (૪) અને શ્વેતદ્વીપમાં વાસુદેવબ્રહ્મના નિરન્ન મુક્તને દાવાનળને ઠેકાણે કહ્યા છે. (૫) અને નરનારાયણને વીજળીને ઠેકાણે કહ્યા છે. (૬) અને વાસુદેવને ચંદ્રને ઠેકાણે કહ્યા છે. (૭) અને મૂળઅક્ષરના મુક્તને સૂર્યને ઠેકાણે કહ્યા છે. (૮) અને મૂળઅક્ષરને પ્રલયકાળના અગ્નિને ઠેકાણે કહ્યા છે. (૯) અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુક્તને મહાતેજને ઠેકાણે કહ્યા છે. (૧૦) આ સર્વ શ્રીજીમહારાજના ભક્ત છે તે (પં. ૨માં) પ્રકૃતિપુરુષાદિક અમારા ભક્ત છે ને મોટા સંતની પેઠે ધ્યાન કરે છે માટે ભગવાનરૂપ છે એમ કહ્યું છે માટે સર્વ શ્રીજીમહારાજના ભક્ત જ છે.
૪ પ્ર. મૂળપુરુષ, મહાકાળ, નરનારાયણ ને વાસુદેવબ્રહ્મ તેમને ઉત્તરોત્તર શ્રેષ્ઠ કહ્યા તે કિયા વચનામૃતમાં કહ્યા છે ?
૪ ઉ. (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) અમારા ભક્ત અમને ભજીને પ્રકૃતિપુરુષ જેવા થાય અને બ્રહ્મ જેવા તથા અક્ષર જેવા થાય એમ કહ્યું છે, માટે બ્રહ્મનો દરજ્જો પુરુષથી પર છે ને તેથી પર અક્ષરનો દરજ્જો છે અને (મ. ૩૧ના પહેલા પ્રશ્નમાં) પણ એ પુરુષને બ્રહ્મને સુખે સુખિયા કહ્યા છે. અને (લો. ૧૨માં) પણ પહેલા પ્રશ્નમાં નિર્વિકલ્પ નિશ્ચયના ભેદમાં શ્રીકૃષ્ણ જેવા શ્રીજીમહારાજને જાણે તેને કનિષ્ઠ કહ્યા છે અને વાસુદેવ જેવા જાણે તેને મધ્યમ કહ્યા છે. અને (પં. ૬/૧માં) પણ શ્વેતદ્વીપપતિ વાસુદેવને શ્રીકૃષ્ણના અવતારી કહ્યા છે, માટે વાસુદેવબ્રહ્મ ઉપરી છે. અને નરનારાયણને શ્રીકૃષ્ણના અવતારી નથી કહ્યા, માટે નરનારાયણ વાસુદેવથી ન્યૂન છે. અને (કા. ૧૦ના ૧/૧ પહેલા પ્રશ્નમાં) દેવલોકથી લઈને વૈકુંઠાદિક કહેતાં ગોલોક પર્યંત પંચવિષય સંબંધી ભોગ-સુખ તે નથી જોઈતા, દેહ છતાં દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને સહસ્ર જન્મ સુધી તપ કરીને ભગવાનને રાજી કરવા એમ કહ્યું છે, માટે ગોલોકથી બદરિકાશ્રમને શ્રેષ્ઠ કહ્યું છે, માટે જેનું ધામ શ્રેષ્ઠ છે તો તેના ધામી શ્રેષ્ઠ હોય જ તેમાં શું કહેવું ! તે (લો. ૧૪/૧માં) પણ જેવા બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપ ગમે છે તેવા બીજા નથી ગમતા, માટે શ્રીકૃષ્ણથી નરનારાયણ શ્રેષ્ઠ છે. અને (લો. ૧૭ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં) કાળને શ્રીજીમહારાજે પોતાની શક્તિ કહેલ છે અને (પ્ર. ૧૨ના બીજા પ્રશ્નમાં) ક્ષોભકર્તા કહ્યો છે. અને (પ્ર. ૪૬માં) પ્રલયકર્તા કહ્યો છે તથા (છે. ૩૮ના પહેલા પ્રશ્નમાં) માયામાંથી થયા જે આકાર તે કાળે કરીને નાશ પામે છે તથા (છે. ૩૭માં) ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે એમ કહ્યું છે, માટે જેના ઉપજાવેલાનો નાશ કરે તે તેનાથી સમર્થ હોય તેથી મૂળપુરુષથી મહાકાળ શ્રેષ્ઠ છે અને (કા. ૧ના ત્રીજા પ્રશ્નમાં) માયાદિક તત્ત્વને નામરૂપપણાને અને અરૂપપણાને પમાડે છે તથા (વ. ૬/૧માં) પ્રથમ જીવના દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણને કાળે કરીને સૃજીએ છીએ એમ આ બે વચનામૃતમાં કર્તા પણ કહ્યો છે એમ જોતાં મૂળપુરુષથી મહાકાળ સમર્થ છે અને (મ. ૧૮માં) શ્વેતદીપને વિષે નિરન્ન મુક્ત છે તે બ્રહ્મ સ્વરૂપ છે ને કાળના પણ કાળ છે. એમ કહ્યું છે ત્યાં નિરન્ન મુક્તને મહાકાળથી સમર્થ કહ્યા છે, માટે નિરન્ન મુક્તથી મહાકાળ ન્યૂન છે. ।।૧૭।। (૯૫)
વચનામૃત સારંગપુરનું - ૧૮
સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૮ આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જે શ્રદ્ધાવાન પુરુષ હોય ને તેને જો સાચા સંતનો સંગ મળે, ને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિષે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રગટ થઈ આવે છે ને કામ-ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિષે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય-વિવેકાદિ જે ગુણ તે સર્વે નાશ પામી જાય છે, જેમ ખારભૂમિ હોય ને તેને વિષે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઊગતાં ન હોય ને તે જ ખારભૂમિને વિષે જો પાણીની રેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાંપ ચડી જાય, પછી તે કાંપ ભેળા વડ-પીપળા આદિક વૃક્ષનાં બીજ આવ્યાં હોય તે બીજ ઊગીને મોટાં મોટાં વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિષે પૂર્વે કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દૃઢ હોય ને જગત સંબંધી વિષયસુખનો અંકુર પણ ઊઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિષે કુસંગરૂપી પાણીને વેગે કરીને જગત-વાર્તારૂપિયો આવીને કાંપ ભરાય, પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે બીજ રહ્યાં છે તે સર્વે ઊગીને મોટાં મોટાં વૃક્ષ થાય છે, માટે ભગવાનનાં ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. (૧) અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તોય ભૂંડો સ્વભાવ ટળે નહિ અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે ને કાં તો રુએ અને કાં તો કોઈક સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે એ ચાર પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાના ઉપાય કરે અને એમ કરતાં જો અતિશે મૂંઝાય તો છેલી બાકી મરે પણ ખરો, એવી રીતે મૂર્ખને શોક ટાળ્યાનો ઉપાય છે પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહિ ને સ્વભાવ પણ ટળે નહિ અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બે ટળી જાય, માટે સમજુ હોય તે જ સુખી થાય છે, અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય અને વીજળીના અગ્નિનો તો થોડોક ઝબકારો થાતો હોય પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તોપણ ઓલાતો નથી, તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય તોપણ અગ્નિની જ્વાળાની પેઠે કુસંગરૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે અને સમજીને જે વૈરાગ્ય ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે તે થોડી હોય તોપણ નાશ ન પામે. (૨)
૨ પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! કોઈક પુરુષમાં ક્રોધાદિક ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામું માંડી રાખે છે તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે અને તે એમ વિચારે જે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે અને વર્ષોવર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કાંઈ ફેર રહેતો હોય તે સર્વેને તપાસ્યા કરે પણ મૂર્ખ વાણિયો જેમ નામું માંડે નહિ તેની પેઠે ન કરે, એવી રીતે જે સત્સંગ કરીને પોતાનો જો તપાસ કરતો રહે, તો તેના જે જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે. (૩)
૩ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતનો સમાગમ કરીને મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ હોય નહિ અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય પછી જ્યારે યુવાન અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે પછી તે જો જે સંતને વિષે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય, એવા સંતનો સમાગમ રાખે તો યુવાન અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે. (૪) અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે અને જેની પ્રૌઢ અવસ્થા હોય, અને તે સત્સંગ કરતાં થકા બગડે છે તેનું તો કારણ એ છે, જે મોટાપુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે અને જો મોટાપુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે મોટાપુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટાપુરુષ તો નિર્દોષ છે અને મુને દોષ જણાણો તે તો મારી કુમતિએ કરીને જણાણો છે, એમ વિચારીને સત્પુરુષના ગુણને ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે. (૫)
૪ પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) રાજસી, તામસી ને સાત્ત્વિકી એ જે ત્રણ ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. (૬)
૫ પછી વળી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) દુર્વાસાદિક મુક્ત થયા છે તોપણ તે તામસી કેમ રહ્યા છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દુર્વાસાદિકમાં જે તમોગુણ આદિક ગુણ વર્તે છે તે તો પોતાને એ ગુણ રાખવા છે માટે રહ્યા છે ને તે એમ જાણે છે જે કોઈક અવળો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારુ આપણે તમોગુણ છે તે બહુ રૂડો છે, એમ ગુણ જાણીને રાખ્યો છે અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તતો હોય ને તે ઉપર અભાવ આવે જે, હું ભગવાનનો ભક્ત છું તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહિ, એવી રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાને ઇચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૧૮।। (૯૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં સાચા સંતના યોગથી સ્વધર્માદિક કલ્યાણકારી ગુણ પ્રગટ થાય છે ને કામાદિક વિકાર બળી જાય છે ને કુસંગના યોગથી વૈરાગ્ય-વિવેકાદિક ગુણ નાશ પામે છે માટે કુસંગ ન કરવો. (૧) અને અયોગ્ય સ્વભાવ સંતના સમાગમથી જ ટળે છે. (૨) બીજામાં સત્સંગ કરે ને તપાસ કરે તો સર્વે સ્વભાવ નાશ પામે છે. (૩) ત્રીજામાં યુવાન અવસ્થામાં કામાદિક શત્રુએ રહિત એવા સંતનો સમાગમ રાખે તો તે અવસ્થાને તરી જાય. (૪) અને મોટાપુરુષને વિષે દોષ પરઠે તે દોષ તેને વિષે આવે છે ને મોટાપુરુષના સ્વભાવને કલ્યાણકારી જાણીને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો મલિનતા મટી જાય છે. (૫) ચોથામાં સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. (૬) પાંચમામાં દોષને વિષે ગુણ માન્યો હોય તો તે ટળે નહિ અને દોષરૂપ જાણે તો ટળે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૭) બાબતો છે.
૧ પ્ર. (૩/૫ ત્રીજા પ્રશ્નમાં) મોટાપુરુષ જે જે સ્વભાવ રાખે છે તે જીવના કલ્યાણને અર્થે છે એમ સમજે તેની મલિનતા મટી જાય એમ કહ્યું તે સ્વભાવ કિયા જાણવા ?
૧ ઉ. મોટાપુરુષ હોય તે ધર્મમાં રાખવા સારુ ક્રોધ કરીને તેને વઢે અથવા કોઈકને વર્તમાનમાં ચૂક પડે તો તેને પ્રાયશ્ચિત્ત કરાવે અથવા કોઈક અવળો ચાલતો હોય તેને સત્સંગમાંથી કાઢી મૂકે, એવા સ્વભાવ કોઈના હિતને અર્થે જણાવે તે સ્વભાવ કલ્યાણકારી કહ્યા છે પણ શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સ્વભાવ ન હોય ને જેમાં પંચવર્તમાન વિરુદ્ધ સ્વભાવ હોય તેને મોટાપુરુષ ન જાણવા. ।।૧૮।। (૯૬)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં સારંગપુર પ્રકરણં સમાપ્તમ્
અથ વચનામૃત કારિયાણી પ્રકરણમ્
વચનામૃત કારિયાણીનું - ૧
સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૧૨ દ્વાદશીને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપરપલંગ લાવ્યા હતા તે ઢાળ્યો હતો ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાડે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂનાં ઢીંચણિયાં મૂક્યાં હતાં ને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા, એવી શોભાએ યુક્ત જે પલંગ તેની ઉપર શ્રીજીમહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજીમહારાજના મુખારવિંદરૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા.
૧ પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો. ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે ? ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે ને તે બુદ્ધિ છે તે સર્વેનું કારણ છે ને સર્વેથી મોટી છે માટે તે બુદ્ધિ મનને વિષે રહી છે, ચિત્તને વિષે રહી છે, અહંકારને વિષે રહી છે, શ્રોત્રને વિષે રહી છે, ચક્ષુને વિષે રહી છે, ઘ્રાણને વિષે રહી છે, જિહ્વાને વિષે રહી છે, વાણીને વિષે રહી છે, ત્વચાને વિષે રહી છે, હાથને વિષે રહી છે, પગને વિષે રહી છે, શિશ્નને વિષે રહી છે, ગુદાને વિષે રહી છે, એવી રીતે બુદ્ધિ જે તે નખશિખા પર્યંત આ શરીરને વિષે વ્યાપીને રહી છે ને તે બુદ્ધિને વિષે જીવ રહ્યો છે પણ તે જીવ જણાતો નથી ને એકલી બુદ્ધિ જણાય છે, ત્યાં દૃષ્ટાંત છે : જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે તે વાયુએ કરીને વધે છે ને ઘટે છે તે અગ્નિની જ્વાળા વધતી-ઘટતી જણાય છે પણ વાયુ જણાતો નથી, અને જેમ અગ્નિ લઈને છાણામાં મૂકીએ ને તે છાણામાં સળગવા માંડે તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ તે ધૂંવાડો ઊંચો ચડવા માંડે તે ધૂંવાડો ઊંચો ચડતો જણાય પણ તેમાં વાયુ જણાતો નથી, અને જેમ આકાશને વિષે વાદળાં ચાલે છે તે વાયુએ કરીને ચાલે છે તે વાદળાં ચાલતાં જણાય છે પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી, તેમ જ્વાળા, ધૂંવાડો ને વાદળાં તેને ઠેકાણે બુદ્ધિ જાણવી ને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે તે બુદ્ધિમાં નિશ્ચયની વિગતિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે ને મનના સંકલ્પને જાણે છે અને તે મનના સંકલ્પની વિગતિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે અને ચિત્તના ચિંતવનને જાણે છે અને તે ચિત્તના ચિંતવનની વિગતિના કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે અને અહંકારની અહંમતિને જાણે છે અને તે અહંમતિની વિગતિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે, એવી રીતે જે ચાર અંતઃકરણ ને દશ ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વિગતિના કરનારા જે દેવતા એ સર્વેને એકકાળાવિચ્છિન્ન જાણે છે એવો જે જીવ તે જીવ જે તે એકદેશસ્થ જણાય છે અને બરછીની અણી જેવો તીખો જણાય છે અને અતિશે સૂક્ષ્મ જણાય છે તે બુદ્ધિએ સહિત છે, માટે એવો સૂક્ષ્મ જણાય છે પણ જ્યારે એ જીવને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા ને વિષય તેના પ્રકાશકપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે તે બુદ્ધિએ રહિત છે ને અનુમાને કરીને જણાય છે પણ સાક્ષાત્કાર નથી જણાતો, ત્યાં દૃષ્ટાંત છે : જેમ કોઈક દશ મણની તરવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે જે, એ તરવારનો ઉપાડનારો બહુ મોટો હશે, તેમ એ સર્વે દેહ-ઇન્દ્રિયાદિકને એક કાળે પ્રકાશે છે માટે એ જીવ બહુ મોટો છે, એવી રીતે અનુમાને કરીને જણાય છે એવી રીતે શ્રીજીમહારાજે ઉત્તર કર્યો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ ! એમાં તે શું ઉત્તર થયો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એમાં તો એ ઉત્તર થયો જે, જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું તે કેવી રીતે થાય છે તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે પછી અહંકારમાં નિશ્ચય થાય છે પછી ચિત્તમાં નિશ્ચય થાય છે પછી મનમાં નિશ્ચય થાય છે પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે પછી જીવમાં નિશ્ચય થાય છે. (૧)
૨ એમ શ્રીજીમહારાજે કહ્યું ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, (૨) હે મહારાજ ! ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ? ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય ? ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો જે, આ જગતને વિષે જે જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં, અડ્યામાં આવે છે તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે, ને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, ને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, ને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે એ સર્વે ભગવાનમાં જણાય તેણે કરીને કાંઈ સંશય ન થાય તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્ત્વ, રજ ને તમ એ ત્રણ ગુણનાં જે કાર્ય છે તેમાં આળસ-નિદ્રાદિક તમોગુણનું કાર્ય છે ને કામ-ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે અને જેમ નરનારાયણ પિતૃદેવ કર્મ કરતા હવા તે શમદમાદિક સત્ત્વગુણનું કાર્ય છે, એ સર્વે ભગવાનમાં દેખાય પણ તેમાં કાંઈ સંશય ન થાય તો એને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મત્ત થકા વિચર્યા ને મુખમાં પાણો રાખ્યો ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો તોય ખબર ન રહી, એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય ને તેમાં કાંઈ સંશય ન થાય તો એને જીવને વિષે નિશ્ચય જાણવો, ત્યાં દૃષ્ટાંત છે : જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાનાં નાંગળ હોય તેને સમુદ્રમાં નાખે તે તરત બૂડી જાય પણ જો તરત તેને તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નીસરી આવે પણ જો તેને ગાઉ અર્ધો ગાઉ જાવા દઈને તાણે તો ઘણી મહેનતે નીસરે અને જો ધીરે ધીરે જાવા દે ને ધરતીમાં ખૂંતે તો તે પાછો તાણ્યો તણાય નહિ ને નીસરે પણ નહિ, એમ જેને જીવને વિષે નિશ્ચય થાય તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહિ, એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા ઘણીક કરી પણ આ તો દિશમાત્ર લખી છે. (૨)
૩ પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) હે મહારાજ ! ભગવાન તો મન-વાણી થકી પર છે ને ગુણાતીત છે તેને માયિક એવાં જે અંતઃકરણ તે કેમ પામે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, આ દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એનાં ઇન્દ્રિયો-અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય ને જીવ એ સર્વેને ભગવાન પ્રકાશે છે અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે, એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે અને પ્રધાનમાંથી મહત્તત્ત્વ થયું અને મહત્તત્ત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયાં તેમને પણ જે ભગવાને પ્રકાશ્યાં છે અને એ સર્વે તત્ત્વે મળીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે એવી રીતે જીવ ને ઈશ્વર એ બેય જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે અને જ્યારે એ જીવ ને ઈશ્વર બેય નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે, ને જે કાળ એ માયાદિક તત્ત્વને નામરૂપપણાને પમાડે છે ને અરૂપપણાને પમાડે છે, એવો જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે એવા જે ભગવાન તે જે તે ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે ? એ તમારો પ્રશ્ન છે કે નહીં ? ત્યારે સૌએ કહ્યું જે, હે મહારાજ ! એ જ પ્રશ્ન છે, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો એમ ઉત્તર છે જે, એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ ને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી કાં જે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે :-
बुद्धींद्रियमन: प्राणान् जनानामसृझत् प्रभु: ।
मात्रार्थ च भवार्थ च ह्यात्मने कल्पनाय च ।।
એ શ્લોકમાં એમ કહ્યું છે જે, સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન ને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા તે જીવને વિષયભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જાવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે, માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે, કાં જે નાના પ્રકારની સંસૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે, એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે ? એ તો આવે જ. (૩)
૪ એમ શ્રીજીમહારાજે કહ્યું, ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) હે મહારાજ ! આ શ્રુતિમાં એમ કહ્યું છે જે ।। यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।। ત્યારે શ્રીજીમહારાજ પ્રસન્ન થકા બોલ્યા જે એનું એમ છે જે, જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી અને જળ આકાશને વિષે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું અને તેજ આકાશને વિષે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું અને વાયુ આકાશને વિષે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો; એમ મન-વાણી ભગવાનને નથી પામતાં. (૪)
૫ ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) હે મહારાજ ! શ્રૃતિ-સ્મૃતિમાં એમ કહ્યું છે જે, ।। निरजंन: परमं साम्यमुपैति बहवो ज्ञान तपसा पूता मद्भावमागता: ।। ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો અમે અભક્તનાં મન-ઇન્દ્રિયોને કહ્યું છે પણ ભક્તનાં મન-ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે, જેમ આકાશને વિષે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમે આકાશરૂપ થઈ જાય છે અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે. એમ જે ભગવાનના ભક્ત હોય તેનાં જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે, કાં જે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે તેનાં ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહે તેને આકારે એ ભક્તનાં દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે, ત્યાં દૃષ્ટાંત છે : જેમ ભમરી ઇયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે તેણે કરીને તે ઇયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઇયળનું રહેતું નથી; ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, તેમ ભગવાનના ભક્ત પણ એ ને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે અને આ જે અમે વાર્તા કરી તેનું હારદ એ છે જે, આત્મજ્ઞાને સહિત જે ભક્તિનિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિનિષ્ઠાવાળો છે, તે બેયની એ ગતિ કહી છે. (૫) પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેનાં દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થાતું, એ તો કેવળ બ્રહ્મસત્તાને પામે છે એમ વાર્તા કરીને બોલ્યા જે, હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે માટે કોઈક સારાં કીર્તન બોલો, એમ કહીને પોતે ધ્યાન કરવા મંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યાં. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૯૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જીવ બુદ્ધિએ સહિત હોય ત્યારે અંતઃકરણ, ઇન્દ્રિયો, વિષય ને દેવતા તેમને એકકાળાવિચ્છિન્ન જાણે છે અને બુદ્ધિએ રહિત હોય ત્યારે ઇન્દ્રિયાદિકનો પ્રકાશક ને વ્યાપક છે અને અમારો નિશ્ચય પ્રથમ ઇન્દ્રિયોમાં પછી અહંકાર, ચિત્ત, મન, બુદ્ધિ ને પછી જીવમાં થાય છે. (૧) બીજામાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવમાં નિશ્ચયનાં રૂપ કર્યાં છે. (૨) ત્રીજામાં મન-વાણીને અગોચર એવા અમે તે કૃપા કરીને મનુષ્ય રૂપે દર્શન આપીએ છીએ ત્યારે જે અમારા મુક્તનો સમાગમ કરે તેને જાણ્યામાં આવીએ છીએ. (૩) ચોથામાં અભક્તનાં મન-વાણી અમને પામતાં નથી. (૪) પાંચમામાં અમારા ભક્તનાં દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તે અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે. (૫) અને કૈવલ્યાર્થી કેવળ બ્રહ્મસત્તાને પામે છે. (૬) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં શુભ-અશુભાદિક પદાર્થ કહ્યા તે કિયાં જાણવાં ?
૧ ઉ. દૂધ, સાકર, ઘી, ગૉળ આદિક રસ તથા ઘઉં, ચોખા, તુવેર, બાજરી આદિક અનાજ તથા દાડમ, અંજીર આદિક ફળ તથા લવિંગ, એલચી, સોપારી, તજ એ આદિક મુખવાસ તથા ચંદન, તુળસી, જાઈ, મોગરા, ચંબેલી, ગુલાબ એ આદિક સુગંધીમાન પુષ્પ તે શુભ, સુખદાયી, પ્રિય ને યોગ્ય છે. અને કસાયેલું, ઊતરેલું, સડેલું, બગડેલું એવાં અનાજ તથા અફીણ, ગાંજો, માજમ, ભાંગ્ય, તમાકુ, મદ્ય, માંસ, હિંગ એ આદિક કેફી વસ્તુઓ તે અશુભ, દુઃખદાયી, અપ્રિય ને અયોગ્ય છે. તે સર્વે પદાર્થને ભગવાન અંગીકાર કરે તોપણ સંશય થાય નહિ તે ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો, અને આળસ, નિદ્રા, કામ, ક્રોધાદિક સ્વભાવ ભગવાનમાં દેખાય તથા ભગવાન કોઈક દેવની પૂજા કરતા હોય, ત્યારે સંશય ન થાય જે ભગવાન હશે કે નહિ હોય તે અંતઃકરણમાં નિશ્ચય જાણવો. અને પોતાના દેહની ખબર ન રાખે ને ઋષભદેવની પેઠે ગુણાતીત સ્થિતિમાં વર્તે તોપણ સંશય ન થાય જે ભગવાન તો સ્વતંત્ર હોય ને આવું પરતંત્રપણું જણાય છે માટે ભગવાન હશે કે નહિ તે જીવમાં નિશ્ચય જાણવો.
૨ પ્ર. ઇન્દ્રિયો-અંતઃકરણ તો જડ છે ને ભગવાનનો નિશ્ચય તો ચૈતન્યમાં થવો જોઈએ અને ઇન્દ્રિયોમાં થાય એમ કહ્યું તે શી રીતે સમજવું ?
૨ ઉ. ચૈતન્ય એવો જીવ તે હૃદયને વિષે રહ્યો થકો ઇન્દ્રિયો દ્વારે આવીને વિષયનું તથા જ્ઞાનનું ગ્રહણ કરે છે એમ (જે. ૨ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે, માટે સત્પુરુષ થકી અથવા ભગવાન થકી વાત સાંભળીને અથવા ભગવાન થકી પરચા, ચમત્કાર, સમાધિ જોઈને ભગવાન જાણ્યા હોય પણ તેનું મનન ને નિદિધ્યાસ કરીને ભગવાનનું અન્વય-વ્યતિરેકપણું, સગુણ-નિર્ગુણપણું, કર્તા-અકર્તા-અન્યથાકર્તાપણું, અવતાર-અવતારીપણું, નિર્લેપપણું, અસંગીપણું, નિર્વિકારપણું, સર્વોપરીપણું, એવું યથાર્થ જ્ઞાન થયું ન હોય તે નિશ્ચય ઇન્દ્રિયોમાં કહેવાય. અને ભગવાન અથવા સત્પુરુષ થકી ઉપર કહ્યો એવો યથાર્થ મહિમા જાણીને નિશ્ચય કર્યો હોય ને ધ્યાને કરીને અંતરને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને દેખે તે અંતઃકરણમાં નિશ્ચય કહેવાય. અને એવો મહિમા સમજીને પોતાના આત્માને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય તે જીવમાં નિશ્ચય કહેવાય, આ નિશ્ચય કોઈ રીતે ડગે નહીં.
૩ પ્ર. પાંચમા પ્રશ્નમાં અમારા ભક્તનાં ઇન્દ્રિયો-અંતઃકરણ સર્વે અમારે જ્ઞાને કરીને અમારે આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે, એમ કહ્યું તે શ્રીજીમહારાજને આકારે કેવી રીતે થતાં હશે ? અને દિવ્ય કેવી રીતે થતાં હશે ? અને એ ને એ દેહે કરીને શ્રીજીમહારાજને આકારે થઈ જાય છે એમ કહ્યું તે એ ને એ દેહે તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. જેવું (લો. ૭ના ૧/૩ પહેલા પ્રશ્નમાં) અનુભવજ્ઞાન કહ્યું છે જે, ભગવાનને જાણે ને દેખે એવું સ્થિતિએ સહિત જ્ઞાન કહ્યું છે તે એ ભક્ત શ્રીજીમહારાજના સ્વરૂપને, સંતના અથવા શ્રીજીમહારાજના સમાગમે કરીને, યથાર્થ જાણીને ધ્યાને કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરે ત્યારે ભગવાનને આકારે થાય છે એટલે ભગવાનના જેવો જ દિવ્ય મૂર્તિમાન થાય છે, માટે એના ઇન્દ્રિયો પુરુષોત્તમરૂપ થઈ જાય છે એમ કહ્યું તે જેમ પુરુષોત્તમ ભગવાનને દિવ્ય અવયવ છે તેમ એના અવયવ જાણવા પણ માયિક ઇન્દ્રિયો દિવ્ય થઈ જાય છે એમ ન જાણવું. અને એ ને એ દેહે કરીને એટલે જે દેહમાં રહ્યો છે તે દેહે જ શ્રીજીમહારાજને આકારે થઈ જાય છે પણ બીજો દેહ ધરવો પડતો નથી.
૪ પ્ર. ઇયળને દૃષ્ટાંતે શું જાણવું ? ને ભમરીના દૃષ્ટાંતે શું જાણવું ? ને ચટકાને દૃષ્ટાંતે શું જાણવું ? ને ગુંજારવને દૃષ્ટાંતે શું જાણવું ?
૪ ઉ. ઇયળને ઠેકાણે જીવ જાણવો, અને ભમરીને ઠેકાણે ભગવાન જાણવા, અને ચટકાને ઠેકાણે ભગવાનનું જ્ઞાન જાણવું, અને ગુંજારવને ઠેકાણે મહિમા જાણવો એટલે જીવને ભગવાન અથવા ભગવાનના સંત મળે તે ભગવાનનું જ્ઞાન આપીને વારંવાર ભગવાનનો મહિમા કહે તે મહિમા સમજાય ત્યારે ભગવાનનું ધ્યાન થાય તેણે કરીને જીવ ભગવાનના જેવો દિવ્ય સાકાર થઈને શ્રીજીમહારાજની હજૂર સેવામાં રહે છે.
૫ પ્ર. (૫/૬ પાંચમા પ્રશ્નમાં) કેવળ આત્મનિષ્ઠ બ્રહ્મસત્તાને પામે છે એમ કહ્યું તે બ્રહ્મસત્તા તે કઈ જાણવી ?
૫ ઉ. બ્રહ્મ જે મૂળપુરુષના તેજરૂપ અક્ષરબ્રહ્મ તેમાં લીન થાય તે બ્રહ્મસત્તા કહી છે. ।।૧।। (૯૭)
વચનામૃત કારિયાણીનું - ૨
સંવત ૧૮૭૭ના આસો સુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ અને શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન-ઉત્તર કરતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા જે, પૂછો મહારાજ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) એકની બુદ્ધિ તો એવી છે જે, જે દહાડાથી સત્સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો પણ રહે નહીં; ટળી જાય પણ એમ ને એમ ગુણ-અવગુણ આવ્યા કરે પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહિ, શા માટે જે એને બુદ્ધિ છે તે એમ જાણે જે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે અને એકની તો એવી બુદ્ધિ છે જે, સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ એ બેયને સરખો છે પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે ? એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. પછી એ શિવાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યો પણ ઉત્તર થયો નહિ, પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા જે, એની બુદ્ધિ શાપિત છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ઠીક કહે છે, એનો ઉત્તર એ જ છે, જે કોઈ જગતમાં કહેતા નથી જે, એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે, એમ મોટા સંતને દુઃખવ્યા હોય અથવા કોઈ ગરીબને દુઃખવ્યા હોય અથવા માબાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય તેણે કરીને એની બુદ્ધિ એવી છે. (૧)
૨ પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનું તો એમ છે જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય અને એક તો મોદ જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય ત્યારે તે કાંઈ સરખે દાખડે ધોવાય નહિ, કાં જે ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દેઈને ધોઈ નાખીએ એટલે તરત ઊજળું થાય અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને બે-ચાર દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિએ કરીને બાફે ને પછી સાબુ દઈને ધૂએ ત્યારે ઊજળું થાય. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે એટલું જ પાળે તો એ દોષ ટળે નહિ ને બીજા જેમ નિષ્કામી રહે છે, નિઃસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિઃસ્નેહી રહે છે, નિર્માની રહે છે તેમ જ એને ન રહેવું; બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષે નિષ્કામી રહેવું અને બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષે નિર્લોભી રહેવું અને બીજા નિઃસ્વાદી રહેતા હોય તેથી અને વિશેષે નિઃસ્વાદી રહેવું અને બીજા નિઃસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષે નિઃસ્નેહી રહેવું અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષે નિર્માની રહેવું અને બીજા સૂઈ રહે તે કેડે ઘડી મોડું એને સૂવું અને બીજા માળા ફેરવે તેથી એ વિશેષે માળા ફેરવે અને બીજા ઊઠે તેથી ઘડી વહેલો ઊઠે, એમ સર્વેથી વિશેષે પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે; નહિ તો ટળે નહીં. (૨)
૩ પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૩) કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે ? ત્યારે મોટાયોગાનંદ સ્વામીએ કહ્યું જે એનો ઉત્તર તો મુને આવડે એવું જણાતું નથી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, વસ્તુતાએ કર્મ તો અમૂર્ત છે અને કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે, અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે, કાં જે કર્મ જે ક્રિયા તે કાંઈ મૂર્તિમાન ન હોય. એવી રીતે શ્રીજીમહારાજે ઘણીક વાર્તા કરી તેમાંથી આ તો દિશમાત્ર લખી છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૯૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં સંત, ગરીબ ને માબાપ તેને દુઃખાવે તેની બુદ્ધિ શાપિત થાય છે તેથી અમારો ને સંતનો અવગુણ આવે છે. (૧) બીજામાં તે વિશેષે નિયમ પાળે તો શાપિત બુદ્ધિ ટળે છે. (૨) ત્રીજામાં કર્મ અમૂર્ત છે ને એનું ફળ મૂર્તિમાન છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. (ત્રીજા પ્રશ્નમાં) કર્મનું શુભ-અશુભ એવું ફળ તે મૂર્તિમાન કહ્યું તે ફળ મૂર્તિમાન કેવી રીતે જાણવું ?
૧ ઉ. શુભ કર્મે કરીને દેવાદિકના લોકની પ્રાપ્તિ થાય ને અનંત પ્રકારના વૈભવ પામે ને અશુભ કર્મે કરીને યમયાતના ને નરકચોરાશી આદિકની પ્રાપ્તિ થાય, એ શુભ, અશુભ કર્મનાં ફળ જે સુખ ને દુઃખ તે મૂર્તિમાન જાણવાં. ।।૨।। (૯૮)
વચનામૃત કારિયાણીનું - ૩
સંવત ૧૮૭૭ના આસો વદિ ૭ સાતમને દિવસ સાયંકાળને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી કરિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદા બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે શ્વેત ફેંટો બાંધ્યો હતો અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આ શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારે પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ તો પડતો નથી, માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે ને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી, કાં જે કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય પણ માંહી તો અતિ કામી હોય તેને દેખીને અણસમજુ હોય તે કહે જે, એ તો બહુ મોટો સાધુ છે અને કોઈક તો ફાટી દૃષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે જે, આ તો અસાધુ છે પણ તે માંહી તો મહાનિષ્કામી હોય, માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાતી નથી; પરીક્ષા તો ભેળે રહ્યાથી થાય છે ને ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઊઠતે જણાય, બેઠતે જણાય ઇત્યાદિક ક્રિયાને વિષે જણાય છે અને વિશેષે કરીને તો ગુણ-અવગુણ યુવાની અવસ્થામાં જણાય છે પણ બાળ અવસ્થામાં તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા, કાં જે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યૌવનમાં સરસ થાય ને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવાની અવસ્થામાં બગડી જાય છે. (૧) અને જેને ખટકો હોય જે મુને આ ઘાટ થયો તે ઠીક નહિ ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે ને તે જ્યાં સુધી ટળે નહિ ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય તે યુવાની અવસ્થામાં વધી જાય અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહિ ને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા જે, સારો હોય તેને તો બાળકપણામાંથી જ છોકરાંની સોબત ગમે નહિ ને જિહ્વાનો સ્વાદિયો હોય નહિ ને શરીરને દમ્યા કરે, જુઓને મુને બાળપણામાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઊપન્યો જે, મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દેવું નથી, માટે ઘણેક પ્રયત્ને કરીને શરીર એવું સૂકવી નાખ્યું જે, શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નીસરે પણ રુધિર તો નીસરે જ નહિ એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય. (૨)
૨ ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! એવો વિચાર તે મને કરીને રાખે તે ઠીક કે શરીર ને દમે તે ઠીક ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ ને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ, તેમાં શરીરના દોષ તે શું જે શિશ્ન ઇન્દ્રિય વારંવાર જાગ્રત થાય તથા તેમાં ચળ થાય તથા ઠેકડો ભરવો તથા ઘડીએકમાં સર્વેને જોઈ વળવું તથા ઘડીએકમાં ઘણા પ્રકારના ગંધ સૂંઘી લેવા તથા વીસ-પચીસ ગાઉની મજલ કરવી તથા બળે કરીને કોઈકને મળીને તેનાં હાડકાં ભાંગી નાખવાં તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે પણ મનના નથી, તે એ શરીરના જે દોષ તે અતિશે ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ જાણવા, એમ મનના ને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમવે કરીને ટાળવા ને શરીર ક્ષીણ થયા પછી જે મનમાં દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા જે, હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું. એવી રીતે શરીરનું દમન ને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે ને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહિ તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહિ, માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે અને શરીરનું દમન ને વિચાર એ બે વાનાં તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યાં જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યાં જ જોઈએ. (૩)
૩ ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) હે મહારાજ ! એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્યે કરીને રહેવાય છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. (૪) એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઇચ્છા રાખે છે તે ખડ ખાય છે, કાં જે એને એ ભોગ પ્રાપ્ત થાનારા છે નહિ ને તેની ઇચ્છા રાખે છે, માટે એના સમજ્યામાં એ વાત આવી નથી, કાં જે જે ગામ જાવું નહિ તેનું નામ શું પૂછવું ? તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે તે શું આ દેહે કરીને એને પ્રાપ્ત થવાનું છે ? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય પણ સત્સંગમાં રહ્યે થકે તો થાય નહિ, માટે સત્સંગમાં રહ્યે થકે તે ભોગની જે ઇચ્છા રાખે છે તે મૂર્ખ છે. (૫) કેમ જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળ્યું જોઈશે, જેમ કોઈક સતી થાવાને નીસરી ને પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેનાં સગાં પાછી વળવા દે ? એ તો જોરે કરીને બાળે અને જેમ કોઈક બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈને તે જો સુવાસણીના જેવો વેશ રાખે તો શું તેનાં સગાં રાખવા દે ? ન રાખવા દે. તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજ્યામાં આવી નથી ને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહિ, એવી રીતે વાત કરીને શ્રીજીમહારાજ જય સ્વામિનારાયણ કહીને શયનને અર્થે પધારતા હવા. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૩।। (૯૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ગુણે કરીને હેત થાય છે ને દોષે કરીને અવગુણ આવે છે તે દોષ ભેળું રહેવાથી જાણ્યામાં આવે છે. (૧) અને ખટકો રાખે તે વધે ને પ્રમાદી વધે નહીં. (૨) બીજામાં શરીરના ને મનના દોષ ઓળખાવ્યા છે અને દમન ને વિચાર હોય તેને મોટા સાધુ કહ્યા છે. (૩) ત્રીજામાં મોટા સંતને સમાગમે કરીને દમન ને વિચાર આવે છે અને એવા સમાગમે કરીને દમન ને વિચાર ન આવે તે મહાપાપી છે. (૪) અને ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઇચ્છા રાખે તે ખડ ખાનારો ને મૂર્ખ છે. (૫) અને ત્યાગી થઈને અયોગ્ય સ્વભાવ રાખે તેને ત્યાગીના ધર્મની વાત સમજ્યામાં આવી નથી. (૬) બાબતો છે. ।।૩।। (૯૯)
વચનામૃત કારિયાણીનું - ૪
સંવત ૧૮૭૭ના આસો વદિ ૮ અષ્ટમીને દિવસ દોઢ પહોર દિવસ ચડતે શ્રીજીમહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.
૧ ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું જે, (૧) આ દેહને વિષે જીવનું જાણપણું કેટલું છે ? ને સાક્ષીનું જાણપણું કેટલું છે ? પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો પણ ઉત્તર થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, બુદ્ધિ છે તે આ દેહને વિષે નખશિખા પર્યંત વ્યાપીને રહી છે તે બુદ્ધિ જે તે સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને એકકાળાવિચ્છિન્ન જાણે છે તે બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહ્યો છે તે બુદ્ધિના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું કહેવાણું ને તે જીવના જાણપણાને વિષે સાક્ષીનું જાણપણું રહ્યું છે, માટે જીવના જાણપણાને કહેવે કરીને સાક્ષીનું જાણપણું પણ કહેવાણું. (૧)
૨ ત્યારે શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જે આ જીવને વિષે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, મૂર્તિમાન હોય તે શું વ્યાપે નહીં ? જુઓને જ્યારે સ્વપ્ન આવે છે ત્યારે સ્વપ્નમાં ચિત્તને વિષે જે આકૃતિઓ જણાય છે તે મૂર્તિમાન છે કે અરૂપ છે ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે એ તો મૂર્તિમાન છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ચિત્તમાં જે આકૃતિઓ રહી છે તે ચિત્તને રહ્યાનું સ્થળ કેવડું છે ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, દશ આંગળનું છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, તે ચિત્ત કેવડું છે ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ચિત્ત તો અલ્પ છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ચિત્તમાં જે આકૃતિઓ રહી છે તે કેવડી મોટી છે ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ચિત્તમાં તો બધું બ્રહ્માંડ જણાય છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ચિત્ત નિર્મળ છે માટે જેમ દર્પણને વિષે બધી સભા જણાય છે તેમ ચિત્તને વિષે સર્વે આકૃતિઓ જણાય છે એમ એ જીવ છે તે અતિ નિર્મળ છે, માટે જીવને વિષે ભગવાન જણાય છે ને ભગવાન પણ અતિશે નિર્મળ છે, માટે તે ભગવાનને વિષે સર્વ વિશ્વ જણાય છે, એવી રીતે વિશ્વ ભગવાનમાં રહ્યું છે ને વિશ્વમાં ભગવાન રહ્યા છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૪।। (૧૦૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે દેહને વિષે બુદ્ધિ વ્યાપી રહી છે ને બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહ્યો છે તે બુદ્ધિના જાણપણાને કહેવે જીવનું જાણપણું કહેવાય છે અને જીવને વિષે સાક્ષીનું જાણપણું રહ્યું છે, માટે જીવના જાણપણાને કહેવાથી સાક્ષીનું જાણપણું કહેવાય છે. (૧) બીજામાં જેનો જીવ અતિ નિર્મળ એટલે સર્વ વાસના ટાળીને અમારા તેજરૂપ થાય તે પોતાને વિષે અમને દેખે છે અને અમારે વિષે એટલે સર્વાધાર એવું અમારા તેજરૂપ અન્વય સ્વરૂપ તેને વિષે વિશ્વ રહ્યું છે તેને પણ દેખે છે. (૨) બાબતો છે.
૧ પ્ર. (બીજા પ્રશ્નમાં) ચિત્તમાં બ્રહ્માંડ જણાય છે એમ કહ્યું તે બ્રહ્માંડ તો ચિત્તમાં નથી ને જણાય છે માટે જણાવામાત્ર છે, ત્યારે ભગવાન પણ તેમ જ જણાતા હશે કે સાક્ષાત્ જણાતા હશે ?
૧ ઉ. ચિત્ત તો દર્પણવત્ જડ છે તે જેમ દર્પણમાં આભાસ પડે છે તેમ જ ચિત્તમાં પણ આભાસ પડે છે અને ભગવાન તો સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા થકા સર્વને કર્મફળપ્રદાતા છે ને અતિશે સમર્થ છે ને સર્વદેશી છે તે પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અન્વય સ્વરૂપે સર્વને વિષે રહ્યા છે અને ચિત્ત તથા દર્પણનું દૃષ્ટાંત તો એકદેશી છે, કેમ જે જડ વસ્તુને વ્યાપવાની ગતિ નથી અને ચૈતન્ય વસ્તુ તો પોતાની ઇચ્છા હોય ત્યાં વ્યાપી શકે છે માટે સર્વત્ર વ્યાપક ને ચૈતન્યમૂર્તિ એવા જે ભગવાન તે તો અન્વય સ્વરૂપે સર્વને વિષે રહ્યા જ છે અને જડ વસ્તુનું દૃષ્ટાંત તો એકદેશી જ હોય પણ ચૈતન્ય વસ્તુની પેઠે સર્વદેશી ન હોય, માટે જ્યાં જ્યાં જડ વસ્તુનું દૃષ્ટાંત દીધું હોય તે ચૈતન્ય વસ્તુને મળતું ન જ આવે, માટે શ્રીજીમહારાજ જીવ, ઈશ્વર, બ્રહ્મ, તથા અક્ષર તે સર્વેને વિષે અંતર્યામીપણે રહ્યા છે ને વિશ્વ પણ અન્વય સ્વરૂપમાં જ રહ્યું છે તે (પ્ર. ૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં) અમારા એક રોમના છિદ્રમાં એટલે કિરણમાં અનંતકોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યા છે પણ મૂર્તિમાં વિશ્વ રહ્યું છે એવું કોઈ વચનામૃતમાં કહ્યું નથી, માટે અન્વય સ્વરૂપમાં જ વિશ્વ રહ્યું છે અને વિશ્વમાં પણ ભગવાન અન્વય સ્વરૂપે રહ્યા છે, અને જ્યારે જીવ શ્રીજીમહારાજને ભજને કરીને નિર્મળ એટલે મહાતેજ જેવો થાય ત્યારે તેને વિષે મૂર્તિમાન નિવાસ કરીને રહે છે.
૨ પ્ર. આમાં જીવને અતિ નિર્મળ કહ્યો અને (છે. ૩૧માં) ગુણમય કહ્યો છે તે કેમ સમજવું ?
૨ ઉ. જીવને તો (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) બદ્ધ કહ્યો છે માટે જીવ તો માયાબદ્ધ છે પણ તે જીવ જ્યારે ભગવાનનો ભક્ત થાય ને સત્પુરુષને યોગે કરીને શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ પોતાને સમજે ત્યારે અતિ નિર્મળ થાય છે અને અતિ નિર્મળ એવા ભગવાન તેમને વિષે એટલે ભગવાનના તેજને વિષે વિશ્વ જણાય છે માટે આમાં અતિ નિર્મળ જીવની વાત કહી છે અને (છે. ૩૧માં) પોતાને જીવરૂપ માનતો હોય તેની વાત છે. ।।૪।। (૧૦૦)
વચનામૃત કારિયાણીનું - ૫
સંવત ૧૮૭૭ના આસો વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ છપરપલંગ ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે એક પ્રશ્ન કરીએ છીએ. પછી મુનિ બોલ્યા જે પૂછો મહારાજ. પછી શ્રીજીમહારાજે પૂછ્યું જે, (૧) ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી ? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થી હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિષે પણ એટલું અસમર્થપણું આવે, માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે ને અવતાર ન ધરે તોપણ જીવનાં કલ્યાણ કરવા સમર્થ છે માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે ? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજીમહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે, ભગવાનને વિષે અતિશે પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઇચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે અને તે ભક્ત હોય તે સ્થૂળભાવે યુક્ત છે અને દેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂળભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે અને પોતાની સામર્થીને છુપાડીને તે ભક્ત સંગાથે પુત્રભાવે વર્તે છે અથવા સખાભાવે વર્તે છે અથવા મિત્રભાવે વર્તે છે અથવા સગાં-સંબંધીને ભાવે વર્તે છે તેણે કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી પછી જેવી એ ભક્તને ઇચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે, માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે, હવે એમાં આશંકા થાતી હોય તો બોલો, પછી મુનિએ કહ્યું જે, હે મહારાજ ! યથાર્થ ઉત્તર થયો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૧૦૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા પ્રેમીભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અમે પ્રગટ થઈએ છીએ તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ તથા ધર્મનું સ્થાપન કરીએ છીએ. (૧) બાબત છે. (આ છ હેતુ માંહીલો પહેલો હેતુ છે તે (મ. ૫૮ના પહેલા પ્રશ્નોત્તરમાં) કહ્યો છે.)
૧ પ્ર. અમે પ્રેમીભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું તે પ્રેમીભક્ત કેવા હશે ? અને એમના મનોરથ શા હશે ?
૧ ઉ. સાધનદશાવાળા એકાંતિકને પ્રેમીભક્ત જાણવા. તેમને ભગવાનના સંબંધવાળી ક્રિયાઓના મનોરથ હોય તે પૂરા કરવા માટે પ્રગટ થાય છે. ।।૫।। (૧૦૧)
વચનામૃત કારિયાણીનું - ૬
સંવત ૧૮૭૭ના આસો વદિ અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો ને તે મંચ ઉપર છપરપલંગ બિછાવ્યો હતો, તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વિરાજમાન હતા અને સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ-સ્વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિનખાબની ડગલી પહેરી હતી અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાઘ બાંધી હતી અને આસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો અને કંઠને વિષે પીળાં પુષ્પના હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી દીવબંદરના હરિભક્ત આવ્યા હતા, તેણે શ્રીજીમહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી, પછી શ્રીજીમહારાજ તે સિંહાસન ઉપરથી ઊતરીને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી, પછી તેનાં આપેલ વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર વિરાજમાન થતા હવા.
૧ પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, (૧) આટલાં આટલાં વર્ષ થયાં તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપૈયાના અલંકાર લાવે છે પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી અને આવી રીતે કોઈનાં વસ્ત્ર-ઘરેણાં પહેરીને રાજી થયા નથી અને આજ તો અમારે એ હરિભક્ત ઉપર અતિશે રાજીપો થયો. પછી મુનિ બોલ્યા જે, એવા જ એ પ્રેમી હરિભક્ત છે. એવા સમામાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજીમહારાજને પગે લાગીને બેઠા પછી શ્રીજીમહારાજે ભારે ભારે વસ્ત્ર હતાં તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યાં. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! ભગવાન પોતાના ભક્ત ઉપર કિયે ગુણે કરીને રાજી થતા હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા ને મત્સર એટલાં વાનાંએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. (૨) તેમાં પણ મત્સર છે તે સર્વે વિકારમાત્રનો આધાર છે. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતને વિષે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે, માટે મત્સર તે સર્વે વિકારથી ઝીણો છે અને મત્સર ટળવો તે પણ ઘણો કઠણ છે. (૩)
૩ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) મત્સર ટળ્યાનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સંતને માર્ગે ચાલે ને જે સંત હોય તેનો તો મત્સર ટળે ને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેનો તો મત્સર ન ટળે. (૪)
૪ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) મત્સર ઊપજ્યાનો શો હેતુ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક સ્ત્રી, ધન અને સારું સારું ભોજન એ ત્રણ મત્સરના હેતુ છે અને જેને એ ત્રણ વાનાં ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધાં તેમાં પણ મત્સર આવ્યો હશે પણ મત્સરવાળાને એવો વિચાર ન આવે જે વસ્ત્ર લાવ્યાં હતાં તેને ધન્ય છે જે આવાં ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યાં અને મહારાજને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણને દેઈ દીધાં. એવો જે વિચાર તે મત્સરવાળાના હૃદયમાં ન આવે અને કોઈક લે ને કોઈક દે તોપણ મત્સરવાળો હોય તે ઠાલોઠાલો વચમાં બળી મરે અને અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષ્યા એ સર્વેનો ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેનો તો હૈયામાં અતિશે અભાવ વર્તે છે પણ પંચવિષયમાંથી એકેને વિષે લેશમાત્ર ભાવ થાતો નથી, (૫) અને જેટલું કાંઈક અન્નવસ્ત્રાદિકનું ગ્રહણ કરતાં હશું તે તો ભક્તની ભક્તિ દેખીને કરતાં હશું પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું-પીવું, ઓઢવું-પહેરવું છે તે સર્વે સંત અને સત્સંગીને અર્થે છે અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલોખાચર એ આદિક જે હરિજન છે તે કેટલાંક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે જે, મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે હેત-સંબંધ નથી ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે એમ નિરંતર અમારે પાસેના રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે અને અમે તો જે મન-કર્મ-વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે, માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે અને ભગવાનના ભક્ત વિના તો અમારે ચૌદ લોકની સંપત્તિ તે તરખલા જેવી છે. (૬) અને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે જ દૃઢ પ્રીતિ હશે તેને પણ રમણીક જે પંચવિષય તેને વિષે તો આનંદ ઊપજે જ નહિ અને દેહને રાખ્યા સારુ તો જેવા તેવા જે શબ્દાદિક વિષય તેણે કરીને ગુદરાણ કરે પણ રમણીક વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૬।। (૧૦૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે દીવબંદરના પ્રેમી ભક્તની પૂજા સામા જઈને અંગીકાર કરીને એ ભક્ત ઉપર બહુ રાજીપો જણાવ્યો છે. (૧) બીજામાં, કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા ને મત્સરે રહિત થઈને અમારી ભક્તિ કરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ. (૨) અને સર્વે વિકારથી મત્સર ઝીણો વિકાર છે ને ટળવો કઠણ છે. (૩) ત્રીજામાં સંતને માર્ગે ચાલે તેનો મત્સર ટળે છે. (૪) ચોથામાં સ્ત્રી, દ્રવ્ય, સારું ભોજન ને માન એ ચાર મત્સર ઊપજ્યાના હેતુ છે. (૫) અને અમારો દેહ અમારા ભક્તના સુખને અર્થે રાખ્યો છે. (૬) અને જે રમણીક પદાર્થથી ઉદાસ રહે તે અમારો પરિપૂર્ણ ભક્ત છે. એમ કહ્યું છે. (૭) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં દીવબંદરના હરિભક્ત એક પીળું વસ્ત્ર ને પીળું છત્ર ને પાદુકા એ ત્રણ વસ્તુઓ લાવ્યા હતા એમ કહ્યું તે એટલામાં શ્રીજીમહારાજ અતિશે રાજી થયા તેનું શું કારણ હશે ?
૧ ઉ. એમનું નામ પ્રેમબાઈ હતું. તેણે પોતાના ઘરમાં જેટલું દ્રવ્ય હતું તેનાં વસ્ત્ર-ઘરેણાં શ્રીજીમહારાજને પહેરાવવા સારુ કરાવ્યાં હતાં તે કોઈક પરજિયા સોનીના જાણ્યામાં આવ્યું, તે સોનીએ શ્રીજીમહારાજનો વેશ લઈને રાત્રિએ એ બાઈ પાસે આવીને કહ્યું જે, અમે સ્વામિનારાયણ છીએ માટે અમારે અર્થે વસ્ત્ર-ઘરેણાં કરાવ્યાં છે તે લાવો પહેરીએ. પછી બાઈએ આપી દીધાં તે લઈને જતો રહ્યો તેની પાછળથી ખબર પડી, પછી તે બાઈ હલકી વસ્તુ લાવ્યાં હતાં પણ શ્રીજીમહારાજને અર્થે પ્રથમ કરાવેલાં તેથી બહુ રાજી થયાં અને દીનાનાથ ભટ્ટને વસ્ત્ર આપ્યાં તે બીજા કોઈ હરિભક્તે પ્રથમ પૂજા કરી હતી તે આપ્યાં હતાં.
૨ પ્ર. (૪/૬ ચોથા પ્રશ્નમાં) અમારા ભક્તને અર્થે અમારો દેહ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે અર્પણ કેવી રીતે સમજવો ?
૨ ઉ. શ્રીજીમહારાજનાં મન-કર્મ-વચને ભક્ત થાય એવા ભક્તને શ્રીજીમહારાજ પોતાની મૂર્તિને વિષે રાખે છે એમ દેહ એટલે મૂર્તિ અર્પણ કરી છે. ।।૬।। (૧૦૨)
વચનામૃત કારિયાણીનું - ૭
સંવત ૧૮૭૭ના કાર્તિક સુદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો ને તે પલંગ ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ત્યાગી હોય તે તો નિવૃત્તિમાર્ગને અનુસર્યા છે તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે અને જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિમાર્ગને અનુસર્યા છે માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે માટે તે ગૃહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ગૃહસ્થને તો એમ સમજવું જે, જેમ પૂર્વે ચોરાશી લાખ જાતનાં મારે માબાપ તથા સ્ત્રી-છોકરાં થયાં હતાં તેવાં ને તેવાં જ આ દેહનાં પણ છે ને કેટલાક જન્મની મા-બોન-દીકરીઓ તે કેટલીક રઝળતી હશે તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેની મારે પણ મમતા ન રાખવી, એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. (૧)
૨ પછી એવી રીતે શ્રીજીમહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જે ગૃહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થાશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસનામાત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મ-મર્યાદામાં રહેવું ને સંતનો ને નરનારાયણનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું જે, ભગવાન તો અધમ-ઉદ્ધારણ ને પતિતપાવન છે તે મુને સાક્ષાત્ મળ્યા છે. (૨)
૩ પછી એવાં શ્રીજીમહારાજનાં વચન સાંભળીને સર્વ હરિજન અતિશે રાજી થયા. પછી શ્રીજીમહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો જે, (૩) વૈરાગ્ય ઉદય થવાનું શું કારણ છે ? પછી જેને જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ, પછી સર્વે મુનિ બોલ્યા જે, હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વૈરાગ્યનું કારણ તો એ છે જે, સદ્ગ્રંથ ને સત્પુરુષનાં વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહિ એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે; બીજો વૈરાગ્યનો હેતુ નથી અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્ત્વિકી હોય તે સર્વેને વૈરાગ્ય ઊપજે અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઊપજે અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેડે ટળી જાતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ્ય અતિશે ખુવાર કરે, કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જાતો રહે ને પછી ભેખ લીધા કેડે જે ચટકી લાગી હોય તે ઊતરી જાય અને પછવાડે ઘર તો ધૂળધાણી થઈ ગયું હોય, પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહિ ને ઘાટનો નહિ તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે અને જે દૃઢ વૈરાગ્યવાળા હોય છે તે પરમપદને પામે છે. (૩)
૪ પછી શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા જે, (૪) આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તે પુરુષની સર્વ ક્રિયાને વિષે કેવી દશા વર્તતી હોય ? પછી જેને જેવો ભાસ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજીમહારાજ પ્રત્યે બોલ્યા જે, હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિનાં કાર્ય જે ચોવીસ તત્ત્વ તે સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિપુરુષ પણ અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ ચિદ્ઘન જે તેજ તે રહે છે અને તે તેજને વિષે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે અને તે જ તો પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે પણ એ માયિક ગુણે યુક્ત નથી; એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છે અને તેનું તે જ ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે તે જીવની બુદ્ધિમાંથી માયિકભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે અને એ ભગવાન તો ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વે કાળને વિષે એક રૂપે કરીને જ વિરાજમાન છે પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી; સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન રહે છે, એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિષે જે દૃઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. (૪) અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે પિંડ-બ્રહ્માંડનો તથા પ્રકૃતિપુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે ને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ એ સિદ્ધદશાનું લક્ષણ છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૭।। (૧૦૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, દેહના સંબંધીની મમતા ન રાખે અને અમારે વિષે દૃઢ પ્રીતિ કરે અને અમારા સંતનો સમાગમ રાખે તો ગૃહસ્થને અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે. (૧) બીજામાં જે નિર્બળ ભક્ત હોય તેમણે સાક્ષાત્ ભગવાન જે અમે તે અમારા આશરાનું બળ રાખવું. (૨) ત્રીજામાં ચટકીનો વૈરાગ્ય ટળી જાય તો ખુવાર થાય છે અને એ વૈરાગ્ય દૃઢ રહે તો પરમપદને પામે છે. (૩) ચોથામાં આત્યંતિક પ્રલયને વિષે અમે અમારા ચિદ્ઘન તેજમાં સદા દિવ્ય મૂર્તિમાન વિરાજમાન છીએ અને જીવોના કલ્યાણને અર્થે અમે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરીએ છીએ. તે અવતારોને મૂર્ખ જીવ માયિક ગુણે યુક્ત કહે છે અને અમે આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે મનુષ્ય રૂપે વિચરીએ છીએ તે અમને પણ મૂર્ખ જીવ માયિક ગુણે યુક્ત સમજે છે પણ અમે ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છીએ, એમ કહીને પછી વેદાંતના દૃષ્ટાંતપૂર્વક પોતાનું દિવ્ય નિર્ગુણપણું ને સાકારપણું કહ્યું છે, જે અમે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય સર્વ કાળને વિષે એકરૂપે સદા વિરાજમાન છીએ, એવી રીતે પ્રત્યક્ષ જે અમે તે અમારે વિષે દૃઢ નિષ્ઠા એટલે સાક્ષાત્કાર સ્થિતિ એ જ આત્યંતિક કલ્યાણ છે. (૪) અને એવી નિષ્ઠાને પામીને સ્થાવર-જંગમમાં જ્યાં જ્યાં જુએ ત્યાં અમારી મૂર્તિને જ દેખે તે સિદ્ધદશાનું લક્ષણ છે. (૫) બાબતો છે.
૧ પ્ર. ચોથા પ્રશ્નમાં પ્રકૃતિપુરુષ અક્ષરબ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે, એમ કહ્યું તે અક્ષરબ્રહ્મ કિયાં જાણવાં ?
૧ ઉ. ચિદ્ઘન તેજ જે શ્રીજીમહારાજનો પ્રકાશ તેને આ ઠેકાણે અક્ષરબ્રહ્મ કહ્યા છે. આ અક્ષરબ્રહ્મના તેજમાં એટલે કિરણોમાં મૂર્તિમાન અક્ષરની તથા બ્રહ્મની કોટિઓ સદા અચળ રહી છે અને પુરુષ પણ પ્રકૃતિને પોતાને વિષે લીન કરીને પોતે વાસુદેવબ્રહ્મના સમીપે રહે છે પણ જેમ તારા-ચંદ્રાદિક સૂર્યના તેજમાં રહે છે પણ જે સૂર્યના રથમાં બેઠા હોય તે તારા-ચંદ્રને દેખે નહિ તેમ શ્રીજીમહારાજને સમીપે રહ્યા જે મુક્ત તેની દૃષ્ટિમાં આવતા નથી; એકલું શ્રીજીમહારાજનું તેજ ને મૂર્તિ એ બે જ રહે છે તેથી તેમને ગણ્યા નથી અને પાધરું જ શ્રીજીમહારાજનું ચિદ્ઘન તેજ ને દિવ્ય મૂર્તિ એવા અમે રહીએ છીએ એમ કહ્યું છે.
૨ પ્ર. આમાં ચોથા પ્રશ્નમાં તથા (કા. ૧ના ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજને ગુણાતીત કહ્યા અને (સા. ૧૧ના ૨/૩ બીજા પ્રશ્નમાં, મ. ૧૧/૧માં તથા છે. ૩૧માં) શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને ગુણાતીત કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. ‘ગુણાતીત’ શબ્દ ઘણે ઠેકાણે વપરાય છે. ભગવાનને પણ ગુણાતીત કહેવાય છે, અક્ષરધામને પણ ગુણાતીત કહેવાય છે અને ઈશ્વરને પણ ગુણાતીત કહેવાય છે, તથા જે ત્રણ ગુણથી પર હોય તે સર્વેને ગુણાતીત કહેવાય છે. માટે આમાં તથા (કા. ૧માં) શ્રીજીમહારાજને ગુણાતીત કહ્યા છે ને (સા. ૧૧ના ૨/૩ બીજા પ્રશ્નમાં, મ. ૧૧/૧માં તથા છે. ૩૧) એ ત્રણમાં અક્ષરધામને ગુણાતીત કહ્યું છે અને (પ્ર. ૪૨/૩માં) શ્રીકૃષ્ણને તથા ગોપીઓને પણ ગુણાતીત કહેલ છે અને (મ. ૪૩ના પહેલા પ્રશ્નમાં) ભક્તની સ્થિતિને પણ ગુણાતીત કહી છે ને (વ. ૧ના પહેલા પ્રશ્નમાં) નિર્વિકલ્પ સમાધિને પણ ગુણાતીત કહી છે, માટે ગુણાતીત એવાં નામ વડે કરીને અક્ષરધામ જ કહ્યું છે એમ જ ન જાણવું; જે માયાથી પર હોય તે સર્વેને ગુણાતીત કહેવાય છે, માટે જે ઠેકાણે જેનું પ્રકરણ આવે તેને ગુણાતીત કહ્યા હોય માટે ગુણાતીત શબ્દ તે વિશેષણ છે.
૩ પ્ર. ચિદ્ઘન તેજને વિષે દિવ્ય મૂર્તિ એવા શ્રીજીમહારાજ અખંડ વિરાજમાન રહે છે અને એવા ને એવા દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્ય રૂપે દેખાય છે અને સર્વે કાળે એક રૂપે વિરાજમાન છે, એવી પ્રત્યક્ષ શ્રીજીમહારાજને વિષે દૃઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહ્યું અને (સા. ૧૧ના પહેલા પ્રશ્નમાં) વૈરાગ્યાદિક પાંચ સાધને યુક્ત થાય તો આત્યંતિક કલ્યાણને પામે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. જેને આમાં કહ્યું એવું શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય તે શ્રીજીમહારાજને સદાય સર્વત્ર પ્રત્યક્ષ જાણે છે ને દેખે છે તેણે કરીને શ્રીજીમહારાજની મર્યાદા યથાર્થ રહે છે અને શ્રીજીમહારાજ વિના માયિક વિષય તથા ઐશ્વર્ય તે સર્વે તુચ્છ જણાય છે માટે તેને વિષે વૈરાગ્યાદિક સર્વે ગુણ સહેજે જ આવી જાય છે માટે જેમાં આવું જ્ઞાન હોય તેમાં એવા ગુણ હોય જ.
૪ પ્ર. (૪/૫ ચોથા પ્રશ્નમાં) સિદ્ધદશાનું લક્ષણ કહ્યું તેમાં તો મૂર્તિને સદાય દેખે એમ કહ્યું અને (પ્ર. ૨૪ પહેલા પ્રશ્નમાં) ક્યારેક મૂર્તિ દેખાય ને ક્યારેક એકલું તેજ દેખાય એમ કહ્યું છે તેનું શું કારણ હશે ?
૪ ઉ. (પ્ર. ૨૪માં) થતી સ્થિતિવાળાની વાત છે અને આમાં પરિપક્વ સિદ્ધદશાવાળાની વાત છે. ।।૭।। (૧૦૩)
વચનામૃત કારિયાણીનું - ૮
સંવત ૧૮૭૭ના કાર્તિક સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! વેદ, શાસ્ત્ર, પુરાણ ને ઇતિહાસ તેને વિષે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે તે ભગવાન જે શ્રી પુરુષોત્તમ તેનું નિર્ગુણ સ્વરૂપ કેઈ રીતે સમજવું ? અને સગુણ સ્વરૂપ તે કેઈ રીતે સમજવું ? અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે ? અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિક જે સર્વ તત્ત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાનપુરુષ તેનું આત્મા છે અને તે પ્રધાનપુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ તેનું આત્મા છે અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે અને એ સર્વે ભગવાનનું શરીર છે અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે તેમ એ સર્વે થકી ભગવાન અતિશે સૂક્ષ્મ છે ને અતિશે શુદ્ધ છે અને અતિશે નિર્લેપ છે અને અતિશે પ્રકાશે યુક્ત છે, અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિક ચાર ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિક ચાર ભૂત થકી અસંગી છે અને એ ચાર ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી; આકાશ તો અતિ નિર્લેપ થકો એ ચાર ભૂતને વિષે રહ્યો છે, તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા રૂપે કરીને સર્વેને વિષે રહ્યા છે તોપણ અતિશે નિર્વિકાર છે ને અસંગી છે ને પોતે પોતાને સ્વભાવે યુક્ત છે અને તે સરખો થાવાને કોઈ સમર્થ નથી થાતો, જેમ આકાશ ચાર ભૂતમાં રહ્યો છે પણ આ ચાર ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થાવાને સમર્થ નથી થતાં, તેમ જ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે તોપણ અક્ષર પર્યંત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા થાવાને સમર્થ નથી થાતા, એવી રીતે જે અતિશે સૂક્ષ્મપણું અને અતિશે નિર્લેપપણું તે અતિશે શુદ્ધપણું અને અતિશે અસંગીપણું અને અતિશે પ્રકાશે યુક્તપણું ને અતિશે ઐશ્વર્ય યુક્તપણું તે એ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે. (૧) અને જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશે નાનો ભાસે પણ ગિરનાર પર્વત કાંઈ નાનો થયો નથી, એ તો લોકાલોકની અતિશે મોટાઈ આગળ નાનો જણાય છે તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણે યુક્ત જે અનંતકોટિ બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે પણ તે બ્રહ્માંડ કાંઈ નાનાં થઈ ગયાં નથી; એ તો ભગવાનની મોટપ આગળ નાનાં જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિષે જે અતિશે મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે. (૨) ત્યારે કોઈકને એમ આશંકા થાય જે ભગવાન નિર્ગુણ રૂપે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે અને સગુણ રૂપે તો અતિ સ્થૂળ કરતાં પણ સ્થૂળ છે ત્યારે એ બેય રૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ તે કેવું છે ? તો તેનો ઉત્તર એ છે જે, જે પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે, એ જ ભગવાનનું સદાય મૂળસ્વરૂપ છે અને નિર્ગુણપણું ને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે, જેમ શ્રીકૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારુ અર્જુન સોતા રથે બેસીને ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું તેને સુદર્શનચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા જે ભૂમાપુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લેઈ આવ્યા ત્યારે તે રથ ને ઘોડા તે માયિક હતા ને સ્થૂળભાવે યુક્ત હતા પણ તે શ્રીકૃષ્ણ ભગવાનને યોગે કરીને અતિ સૂક્ષ્મ ને ચૈતન્યરૂપ થઈને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા, એવી રીતે જે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે નિર્ગુણપણું છે અને એ જ શ્રીકૃષ્ણ ભગવાન તેણે પોતાની માતા જે યશોદાજી તેને પોતાના મુખને વિષે અષ્ટાવરણે યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિષે વિશ્વરૂપ દેખાડ્યું અને અર્જુન વિના જે બીજા હતા તે તો સાડા ત્રણ હાથની ભગવાનની મૂર્તિને દેખતા હતા અને જ્યારે ભગવાને વામનાવતાર ધાર્યો ત્યારે પ્રથમ તો વામન રૂપે દર્શન આપ્યું અને ત્રણ પગલાં ધરતી બળિ પાસે શ્રીકૃષ્ણાર્પણ કરાવ્યા પછી એવું પોતાના સ્વરૂપને વધાર્યું જે, સાત પાતાળનું તો એક પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધેય માઈ રહ્યું અને બીજું પગલું ઊંચું મેલ્યું તેણે સાત સ્વર્ગને વેંધીને અંડકટાહ ફોડ્યું, એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને બળિ રાજાએ દીઠું અને બળિ વિના જે બીજા હતા તેણે તો જેવું વામન સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું તેવું ને તેવું દીઠું, એવી રીતે જે ભગવાનને વિષે અતિશે મોટાઈ થકી જે મોટાઈ દેખાય એ ભગવાનની મૂર્તિને વિષે સગુણપણું જાણવું, જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્ણકાણે વાદળાંએ રહિત હોય અને જ્યારે વર્ષાઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાંની ઘટાએે કરીને ભરાઈ જાય છે તે કાળે કરીને આકાશમાં વાદળાં ઊપજે છે ને પાછાં લીન થઈ જાય છે તેમ ભગવાન પોતાની ઇચ્છાએ કરીને પોતાનામાંથી નિર્ગુણ ને સગુણરૂપ જે ઐશ્વર્ય તેને પ્રગટ કરીને પાછું પોતાને વિષે લીન કરે છે અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય પણ તેના મહિમાનો પાર કોઈ પામતા નથી. (૩) અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સગુણપણું સમજે તે ભક્તને કાળ, કર્મ ને માયા તે બંધન કરવાને સમર્થ થાતાં નથી. (૪) અને તેને આઠે પહોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૮।। (૧૦૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારું તેજ અક્ષરાદિક સર્વેમાં વ્યાપક છે અને અક્ષરાદિક સર્વેનું આત્મા છે અને અક્ષરાદિક સર્વેથી અતિશે વિલક્ષણ છે અને એ વ્યાપક તેજ તે નિર્ગુણ એટલે સૂક્ષ્મ છે. (૧) અને એનું એ તેજ અક્ષરાદિક સર્વેનું આધાર થઈને બહાર રહ્યું છે અને તે સગુણ એટલે અતિશે અપાર છે. (૨) અને એ બેય સ્વરૂપ છે તે અમારાં અલૌકિક ઐશ્વર્ય છે. (૩) અને જે ભક્ત આવી રીતે અમારું નિર્ગુણ સ્વરૂપ સમજે તેને કાળ, કર્મ, માયા બંધન કરવા સમર્થ થાતાં નથી. (૪) અને જે ભક્ત આવી રીતે અમારું સગુણ સ્વરૂપ સમજે તેને આઠે પહોર આશ્ચર્ય રહે છે. (૫) બાબતો છે.
૧ પ્ર. મુક્તાનંદ સ્વામીએ પરોક્ષ શાસ્ત્રમાં ભગવાનનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ કહ્યાં તે પૂછ્યાં છે અને શ્રીજીમહારાજે પોતાનાં કહ્યાં તેનું શું કારણ હશે ?
૧ ઉ. મુક્તાનંદ સ્વામીએ એમ પૂછ્યું જે, પરોક્ષ શાસ્ત્રમાં તો પરોક્ષ ભગવાનના સગુણ-નિર્ગુણ સ્વરૂપ કહ્યા છે જ પણ પુરુષોત્તમ એવા જે તમે તે તમારાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવાં એમ પૂછ્યું છે, તે ઉપર શ્રીજીમહારાજે પોતાનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ કહ્યાં છે જે, અમારા તેજરૂપ અક્ષરધામનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ છે તે મૂળઅક્ષરોના આત્મા ને આધાર છે એવી રીતે ઉત્તર આપ્યો છે, અને એવી જ રીતે મૂળઅક્ષરના બ્રહ્મજ્યોતિનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ છે તે વાસુદેવબ્રહ્મના આત્મા ને આધાર છે અને વાસુદેવબ્રહ્મના બ્રહ્મજ્યોતિનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ મૂળપુરુષોના આત્મા ને આધાર છે અને મૂળપુરુષોના બ્રહ્મજ્યોતિનાં સગુણ-નિર્ગુણ સ્વરૂપ તે પ્રધાનપુરુષાદિક સર્વે જીવમાત્રના આત્મા ને આધાર છે એમ જાણવું.
૨ પ્ર. પહેલી બાબતમાં તમોગુણનું કાર્ય જે આકાશ તેને નિર્વિકાર કહ્યો અને (પ્ર. ૪૬માં) એ આકાશને વિકારવાન કહ્યો છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. આમાં પૃથ્વી આદિક ચાર ભૂતથી નિર્લેપ કહ્યો છે પણ તેથી પર નિર્લેપ કહ્યો નથી અને (પ્ર. ૪૬માં) પોતાના તેજરૂપ ચિદાકાશ આગળ આ આકાશને વિકારવાન કહ્યો છે.
૩ પ્ર. ત્રીજી બાબતમાં સગુણ-નિર્ગુણ સ્વરૂપને શ્રીજીમહારાજે પોતાની મૂર્તિનાં ઐશ્વર્ય કહ્યાં છે, અને તમે રહસ્યમાં શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનાં ઐશ્વર્ય કહ્યાં અને જેમ તમે કહ્યું તેમ જ (મ. ૪૨/૧માં) પણ સગુણ-નિર્ગુણ ભેદ અક્ષરધામના કહ્યા છે માટે તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. (મ. ૪૨/૧માં) પોતાના તેજરૂપ અક્ષરધામના સગુણ-નિર્ગુણ બે ભેદ કહ્યા છે અને આમાં પણ પોતાના તેજરૂપ અક્ષરધામના જ સગુણ-નિર્ગુણ બે ભેદ કહ્યા છે તે દૃષ્ટાંતમાં કહ્યું છે જે, જેમ આકાશમાંથી વાદળાં ઉત્પન્ન થાય છે ને લીન થાય છે તેમ પોતાના તેજને આકાશને દૃષ્ટાંતે કહ્યું છે ને એ તેજનાં સગુણ-નિર્ગુણ ઐશ્વર્યને વાદળાંને ઠેકાણે કહ્યાં છે માટે પોતાના તેજના સગુણ-નિર્ગુણ બે ભેદ કહ્યા છે પણ આ ઠેકાણે પોતાની મૂર્તિને ને પોતાના તેજને અભેદપણે કહ્યું છે, માટે મૂર્તિમાંથી ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે તેથી શંકા ઉત્પન્ન થાય છે પણ મૂર્તિના તેજનાં જ ઐશ્વર્ય કહ્યાં છે તે (પ્ર. ૯/૨)માં કહ્યું છે જે અમારી આ મનુષ્ય મૂર્તિને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને તેને અમે અમારા ધામને વિષે ઐશ્વર્ય છે તે બળાત્કારે દેખાડીએ છીએ એમ કહ્યું છે માટે તે ઐશ્વર્ય શ્રીજીમહારાજના પ્રકાશરૂપ ધામનાં જ છે. (આ વચ.નો, મ. ૪૨નો, તથા પ્ર. ૬૪નો) એકસરખો ભાવ છે.
૪ પ્ર. ભૂમાપુરુષ રહ્યા છે તે સ્થાનને બ્રહ્મજ્યોતિ કહી અને (પ્ર. ૭/૧માં) મૂળઅક્ષરથી પર બ્રહ્મજ્યોતિ કહી છે તે કેવી રીતે સમજવું ?
૪ ઉ. સર્વના કારણ ને સર્વથી મોટા ને સર્વથી પર એવા શ્રીજીમહારાજ પરબ્રહ્મ છે તેમના તેજને (પ્ર. ૭/૧માં તથા છે. ૩૬માં) બ્રહ્મજ્યોતિ નામે કહેલ છે ને પ્રધાનપુરુષ છે તે માયા સબળિત બ્રહ્મ છે તે ભૂમાપુરુષ છે ને અવ્યાકૃત ધામને વિષે રહે છે, તેના તેજને આ ઠેકાણે બ્રહ્મજ્યોતિ નામે કહેલ છે. આનો ખુલાસો (પ્ર. ૬૬ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે. ।।૮।। (૧૦૪)
વચનામૃત કારિયાણીનું - ૯
સંવત ૧૮૭૭ના કાર્તિક સુદિ ૫ પાંચમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) જેને એવી મલિન રીસ હોય જે, જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહિ; પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ ? પછી એ બે બોલ્યા જે, જે એવો હોય તેને તો સાધુ ન કહેવાય. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ ભગવદીનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહિ અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહિ, જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો જે આ ગોપીઓના ચરણરજના અધિકારી એવા જે વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિષે હું પણ કોઈક થાઉં અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટાં ભાગ્યવાળાં કહ્યાં છે અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, હે પ્રભો ! આ જન્મને વિષે અથવા પશુપક્ષીના જન્મને વિષે હું જે તે તમારા દાસને વિષે રહીને તમારાં ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાઓ. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઇષ્ટદેવ જે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ તેનો જે ભક્ત તેને વિષે જે કાંઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહિ અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યાં એવાં જે પશુપક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે તો જે મનુષ્ય હોય અને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ-સ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે અને અવગુણ ન લે તેમાં શું કહેવું ? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું, માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય તો તે સત્સંગી છે તોપણ તેને અર્ધો સત્સંગી જાણવો, માટે ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા સમજે તો તે ભક્તના હૈયામાં કોઈ કાળે હરિજન સંગાથે વૈર બંધાય નહિ એનો એ ઉત્તર છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૯।। (૧૦૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે રીસની આંટી મૂકે નહિ તે સાધુ ન કહેવાય. (૧) બીજામાં પ્રત્યક્ષ ભગવાન એવા જે અમે તે અમારો ને અમારા ભક્તનો મહિમા સમજે તો અમારા ભક્ત સાથે વૈર બંધાય નહીં. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજામાં પ્રત્યક્ષ શ્રીજીમહારાજના ભક્તને વિષે અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે નહિ એમ કહ્યું તે મહિમા કેવો જાણવો ? ને અલ્પ દોષ કિયો જાણવો ?
૧ ઉ. (પ્ર. ૧૫ના પહેલા પ્રશ્નોત્તરમાં) મહિમાનું રૂપ કહ્યું છે અને પંચવર્તમાન સિવાયની દૈહિક પ્રકૃતિ બોલવા-ચાલવાની તથા પોતાનું ધાર્યું કરવાની ઇત્યાદિક પ્રકૃતિ હોય તે અલ્પ દોષ જાણવા.
ર પ્ર. ભગવાનના સંબંધને પામ્યાં એવાં જે પશુપક્ષી-વૃક્ષવેલી એમને દેવ તુલ્ય જાણવાં એમ કહ્યું તે દેવ તુલ્ય એટલે કેવાં જાણવાં ?
૨ ઉ. શ્રીજીમહારાજના સંબંધ વડે કરીને નિર્ગુણ, તીર્થરૂપ ને દર્શન કરવા યોગ્ય થાય છે માટે દેવ તુલ્ય એટલે દર્શનીય જાણવાં અને તેથી શ્રીજીમહારાજની આજ્ઞા પાળનારા ભક્તને અધિક કહ્યા છે. ।।૯।। (૧૦૫)
વચનામૃત કારિયાણીનું - ૧૦
સંવત ૧૮૭૭ના કાર્તિક સુદિ ૧૦ દશમીને દિવસ રાત્રિએ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડામાં વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ મોટેરા દશબાર તથા પાંચ-છ હરિભક્ત બેઠા હતા અને શ્રીજીને શરીરમાં તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા.
૧ પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, (૧) અમારી નાડી જુઓ; શરીરમાં કસર છે ? પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું જે, હે મહારાજ ! કસર તો બહુ છે. પછી મુક્તાનંદ સ્વામીએ વળી એમ કહ્યું જે હે મહારાજ ! હમણાં સત્સંગમાં કઠણ કાળ વર્તે છે, કેમ જે હે મહારાજ ! તમે તો સર્વે સત્સંગીના જીવનપ્રાણ છો તે મહારાજને શરીરે કસર જેવું છે એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ-તડકો તથા ભૂખ-તરસને સહન કરીને મહાતપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા, એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાનાં દેહ-ઇન્દ્રિયોને દમીને તપ કરે છે અને આપણે તો શરીરમાં જે કાંઈ સુખ-દુઃખ વર્તતું હશે તે તો શ્રી નરનારાયણની ઇચ્છાએ કરીને વર્તતું હશે માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ-ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ તો ઈશ્વર ઇચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને શીદ ટાળવાને ઇચ્છે ? અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ જ દૃઢ રુચિ રાખી જોઈએ જે, મારે તો દેવલોક, બ્રહ્મલોક ને વૈકુંઠાદિક લોકના જે પંચવિષય સંબંધી ભોગ-સુખ તે નથી જોઈતાં, ને મારે તો હમણે દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જાઈને, ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે તે એક જન્મ તથા બે જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે, (૧) અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી સ્વામિનારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થાતું નથી, એવી રીતે ભગવાનને વિષે જ એક કર્તાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. (૨) અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે અને તે તપને વિષે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિષે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ કર્તા જાણે તોય પણ જન્મમરણના દુઃખથી તો જીવ તરી જાય પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહિ અને જો નારદજીએ તપ કર્યું તો નારદ ઉપર શ્રી નરનારાયણ પ્રસન્ન થયા અને જ્યારે તપસ્યા નારદે અત્યંત કરી ત્યારે ભગવાને એમ ધાર્યું જે નારદજી જ્યાં હો ત્યાંથી અમારી પાસે આવો, પછી નારદજી મેરુ પર્વત ઉપર હતા ત્યાંથી ઊડ્યા તે ગંધમાદન પર્વત ઉપર આવ્યા અને તે ગંધમાદન પર્વતથી ઊડ્યા તે બદરિકાશ્રમને વિષે શ્રી નરનારાયણની સમીપે આવીને દર્શન કરતા હવા અને ભગવાને પણ નારદજી ઉપર પ્રસન્ન થઈને ઘણું સુખ આપ્યું અને જે જીવ ભગવાનને સર્વ કર્તા-હર્તા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી અને ગૌહત્યા, બ્રહ્મહત્યા, ગુરુસ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદ્ગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો, કાં જે ભગવાન વિના બીજા જે કાળ-કર્માદિક તેને એ કર્તા જાણે છે, માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહિ ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં. (૩) અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિપુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તોપણ શ્રી પુરુષોત્તમનારાયણ જેવો થાવાને તો કોઈ સમર્થ નથી. (૪) માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી-સેવકભાવ ટળી જાતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. (૫)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકારે તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ ભગવાનને રાજી કરવાને ઇચ્છે છે અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો તો ઠીક છે પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિષે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિષે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે એ બાધ છે, માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કર્તા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે. (૬)
૩ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) હે મહારાજ ! અમારું આ લોકને વિષે તથા પરલોકને વિષે સારું થાય તે કહો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારો જે આ સિદ્ધાંત છે તે જ આ લોક ને પરલોકને વિષે પરમ સુખનો હેતુ છે. (૭)
૪ પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) હે મહારાજ ! ત્યાગનો અને તપ કરવાનો મનમાં ઇશક તો હોય અને ત્યાગ કે તપ કરતાં વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને જે વાતનો ઇશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તોપણ તે અંતરાયનો રોક્યો રોકાય નહિ, ત્યારે તેનો સાચો ઇશક જાણવો, જુઓને અમે એકવીશ વર્ષ થયાં શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ તેમનાં અનંત ભાત્યનાં વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી, શા માટે જે અમારે ત્યાગનો જ ઇશક છે અને આ સંસારને વિષે કેટલીક રાંડું છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાયવોય કરતા ફરે છે અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે, એવી રીતે સૌ સૌના ઇશક જુદી જુદી જાતના છે અને અમારો તો એ જ ઇશક છે ને એ જ સિદ્ધાંત છે જે, તપે કરીને શ્રી નરનારાયણને રાજી કરવા. (૮) અને ભગવાનને સર્વના કર્તા-હર્તા જાણીને અને સ્વામી-સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહિ, માટે તમે પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજો અને આપણા સ્વામી જે શ્રી નરનારાયણદેવ છે તે તો બદરિકાશ્રમને વિષે તપ કરે છે અને શિયાળાની ટાઢ તથા ઉનાળાનો તડકો તથા ચોમાસાના વરસાદની ધારા એ સર્વે પોતાના શરીર ઉપર સહન કરે છે માટે એ શ્રી નરનારાયણના ભક્ત હોય તેને પોતાના સ્વામી કરતાં કાંઈક વિશેષ રાખ્યું જોઈએ એ જ સેવકનો ધર્મ છે. (૯) ઇતિ વચનામૃતમ્ ।।૧૦।। (૧૦૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે તપે કરીને પોતાની પ્રસન્નતા કહી છે અને અમારી ઇચ્છાએ કષ્ટ આવે તેને ટાળવા ઇચ્છવું નહીં. (૧) અને અમને એકને જ કર્તા જાણવા તે કલ્યાણનું પરમ કારણ છે. (૨) અને અમને સર્વ કર્તા-હર્તા ન જાણે અને બીજા કાળ-કર્માદિકને કર્તા જાણે તે પંચમહાપાપીથી વધુ પાપી, નાસ્તિક ને ચંડાળ છે, એની પાસે ઊભું ન રહેવું ને તેનું વચન પણ સાંભળવું નહીં. (૩) અને અમારા ભક્ત અમારે પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ જેવા થાય અને પ્રકૃતિપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષર જેવા પણ થાય પણ અમારા જેવો થવાને કોઈ સમર્થ નથી. (૪) એ સર્વે અમારા સેવક છે ને અમે એ સર્વેના સ્વામી છીએ. એવો ભાવ ટળી જાય અને અમને ને બીજા મૂળઅક્ષરાદિક અવતારોને સરખા મનાય એવા સંગનો તથા એવાં શાસ્ત્રોનો શ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. (૫) બીજામાં અમને સર્વ કર્તા-હર્તા જાણવા અને તપ કરવું અને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને અમને ભજવા એ અમારો સિદ્ધાંત છે. (૬) ત્રીજામાં એ સિદ્ધાંત આ લોક તથા પરલોકને વિષે પરમ સુખનો હેતુ છે. (૭) ચોથામાં જેને તપ-ત્યાગનો સાચો ઇશક હોય તે કોઈ અંતરાયનો રોક્યો રોકાય નહીં. (૮) અને અમારા ભક્તને અમારા કરતાં વિશેષ ત્યાગ રાખવો. (૯) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં દેહ છતાં તથા દેહનો ત્યાગ કરીને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જવાનું કહ્યું તે દેહ મૂકીને તો જવાય પણ દેહ છતાં શી રીતે જવાતું હશે ?
૧ ઉ. જે સંતની પાસે રહેતા હોઈએ તે સંત ખાધા-પીધાની આસક્તિવાળા હોય તેનો ત્યાગ કરીને તપના અંગવાળા સંતની પાસે રહેવું તે દેહ છતાં બદરિકાશ્રમ જાણવું અને જે સંત તપ તથા ધ્યાન એ બે અંગે યુક્ત હોય તેનો સંગ રાખવો ને તેના જેવું અંગ કરવું તે દેહ છતાં શ્વેતદ્વીપમાં ગયા જાણવું.
૨ પ્ર. આમાં (૧/૪ પહેલા પ્રશ્નમાં) અમારા ભક્ત અમારે પ્રતાપે કરીને પ્રકૃતિપુરુષ, બ્રહ્મ તથા અક્ષર જેવા થાય એમ શ્રીજીમહારાજે કહ્યું તે કોને જાણવા ?
૨ ઉ. મૂળમાયા ને મૂળપુરુષ છે તેમને પ્રકૃતિપુરુષ કહ્યા છે અને તેમના ઉપરી શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મ છે તેમને બ્રહ્મ કહ્યા છે. ને તેના ઉપરી મૂર્તિમાન મૂળઅક્ષર છે તેને અક્ષર કહ્યા છે તે શ્રીજીમહારાજને ભજીને અનંત થાય છે.
૩ પ્ર. જે પ્રકૃતિપુરુષના ઉપરી બ્રહ્મને કહ્યા તે બ્રહ્મને આ વિના બીજા કોઈ વચનામૃતમાં પુરુષના ઉપરી કહ્યા હશે ?
૩ ઉ. (લો. ૧૨ના પહેલા પ્રશ્નમાં) શ્રીકૃષ્ણની ઉપાસના કરનારાને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહ્યો છે અને વાસુદેવની ઉપાસના કરનારને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહ્યો છે તથા (પં. ૬/૧માં) વાસુદેવને શ્રીકૃષ્ણના અવતારી કહ્યા છે તથા (મ. ૩૧ના પહેલા પ્રશ્નમાં) મૂળપુરુષને બ્રહ્મ સુખે સુખિયા કહ્યા છે તે બ્રહ્મ વાસુદેવને કહ્યા છે. આ ચારમાં મૂળપુરુષના ઉપરી વાસુદેવને કહ્યા છે.
૪ પ્ર. શ્રીજીમહારાજને ભજને કરીને પુરુષ, બહ્મ ને અક્ષર જેવા થાય એમ કહ્યું તે એમ અધિક-ન્યૂન થવાનું કારણ શું હશે ?
૪ ઉ. શ્રીજીમહારાજને વૈરાજપુરુષ જેવા જાણીને ઐશ્વર્યની ઇચ્છાથી ભજન કરે તે બ્રહ્મા થાય અને અનિરુદ્ધાદિક જેવા જાણીને ભજે તે વૈરાજ થાય ને મહત્તત્ત્વ જેવા જાણીને ભજે તો અનિરુદ્ધાદિક થાય અને પ્રધાનપુરુષ જેવા જાણીને ભજે તે મહત્તત્ત્વ થાય અને મૂળપુરુષ જેવા જાણીને ભજે તે પ્રધાનપુરુષ થાય અને વાસુદેવબ્રહ્મ જેવા જાણીને ભજે તે મૂળપુરુષ થાય અને મૂળઅક્ષર જેવા જાણીને ભજે તે વાસુદેવબ્રહ્મ થાય અને શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને ઐશ્વર્યની ઇચ્છાથી ભજે તે મૂળઅક્ષર થાય, માટે મહિમાની તારતમ્યતાથી સામર્થીમાં ભેદ પડ્યા છે અને નિષ્કામભાવે જેને ભજે તે તેના પાર્ષદ થાય.
૫ પ્ર. આમાં ભક્ત છેવટ અક્ષર જેવો થાય એમ કહ્યું અને (પ્ર. ૫૧, ૬૩ના ત્રીજા પ્રશ્નમાં, કા. ૧ના પાંચમા પ્રશ્નમાં, મ. ૬૬ના સાતમા પ્રશ્નમાં, તથા ૬૭માં) અમારો ભક્ત અમારા સરખો થાય છે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૫ ઉ. આમાં ઐશ્વર્યની ઇચ્છાવાળા સકામ ભક્તની વાત કહી છે, જે ઐશ્વર્યને ઇચ્છે તે છેવટે મૂળઅક્ષર થાય એમ કહ્યું છે અને (પ્ર. ૫૧, ૬૩, કા. ૧, મ. ૬૬, તથા ૬૭માં) મોક્ષની ઇચ્છાવાળા નિષ્કામ ભક્તની વાત કહી છે એ નિષ્કામ ભક્ત શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામે છે ને શ્રીજીમહારાજની હજૂરમાં અખંડ સેવામાં રહે છે.
૬ પ્ર. શ્રીજીમહારાજના ભક્ત હોય અને એને શ્રીજીમહારાજની સેવામાં જ રહેવાની ઇચ્છા હોય પણ પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનવું એવી સમજણ ન હોય ને સાકાર મૂળઅક્ષરરૂપ પોતાને માનીને શ્રીજીમહારાજને ભજતા હોય તેને કેવી પ્રાપ્તિ થાય ?
૬ ઉ. એ ભક્ત નિષ્કામ છે માટે એને શ્રીજીમહારાજ પોતાના મુક્તનો યોગ આપે ને એવા મુક્તનો યોગ ન હોય તો બુદ્ધિયોગ આપે તે બુદ્ધિએ કરીને આ શાસ્ત્રમાંથી એ ભક્ત શ્રીજીમહારાજનો મહિમા જાણીને પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને શ્રીજીમહારાજને ભજે ને એનું શ્રીજીમહારાજ પૂરું કરે અને જો નિષ્કામ હોય ને મૂળઅક્ષરરૂપ માનવું એવી આંટી ન મૂકે તો એને ફેર જન્મ ધરાવીને મોટા મુક્તનો યોગ આપીને તેનું પૂરું કરે.
૭ પ્ર. પ્રકૃતિપુરુષોનાં, બ્રહ્મનાં ને મૂળઅક્ષરોનાં ધામ કિયાં હશે ?
૭ ઉ. (અ. ૭/૧માં) ગોલોક ધામ કહ્યાં છે તે પ્રકૃતિપુરુષોનાં છે અને બ્રહ્મપુર કહ્યાં છે તે વાસુદેવબ્રહ્મનાં ધામ છે અને અસંખ્ય કરોડ ભૂમિકાઓ કહી છે તે મૂળઅક્ષરોનાં ધામ છે.
૮ પ્ર. (આમાં ૨/૬ બીજા પ્રશ્નમાં) અમને પડ્યા મેલીને પદાર્થમાં પ્રીતિ કરે તો પદાર્થને ભોગવતો થકો વિષયી થઈને ભ્રષ્ટ થઈ જાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવી રીતે ભોગવે તો શ્રીજીમહારાજને પડ્યા મેલ્યા કહેવાય ?
૮ ઉ. શ્રીજીમહારાજને જમાડેલી વસ્તુમાં સ્વાદ માનીને તેને વિષે મોહ પામીને આસક્તિપૂર્વક જમે ને શ્રીજીમહારાજની સ્મૃતિ ભૂલી જાય તે શ્રીજીમહારાજને પડ્યા મેલીને ભોગવ્યું કહેવાય અને શ્રીજીમહારાજની મૂર્તિને ધારી મૂર્તિને જમાડું છું એવી સ્મૃતિ રાખીને આસક્તિએ રહિત થકો જમે ને શ્રીજીમહારાજને ભૂલે નહિ તે શ્રીજીમહારાજને પડ્યા મેલ્યા ન કહેવાય અને એવી રીતે ન જમે ને શ્રીજીમહારાજને ભૂલીને જમે તે વિષયી થઈને ભ્રષ્ટ થાય.
૯ પ્ર. (૨/૯ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે કહ્યું કે નરનારાયણ ભગવાન બદરિકાશ્રમને વિષે તપ કરે છે ને શિયાળાની ટાઢ્ય તથા ઉનાળાનો તડકો તથા ચોમાસાનો વરસાદ તે પોતાના શરીર ઉપર સહન કરે છે તેથી તેમના ભક્તને વિશેષ રાખવું જોઈએ તે નરનારાયણ કોને જાણવા ને વિશેષ કેવી રીતે વર્તવું ?
૯ ઉ. શ્રીજીમહારાજે પોતાને નરનારાયણ કહ્યા છે તે વનમાં વિચર્યા ને ઝાડ હેઠે તપ કર્યું તે બદરિકાશ્રમ જાણવું. એવી ત્યાગી તથા ગૃહસ્થોએ તપ કરવાની સદા રુચિ રાખવી ને તપ કર્યા કરવું અને મહારાજ રાજાધિરાજપણે ભેટ-સામગ્રીઓ ગ્રહણ કરતા તે પ્રમાણે ત્યાગી-ગૃહીએ પૂજાવા ઇચ્છવું નહિ ને પ્રતિમા રૂપે વિરાજતા હોય ત્યારે ભગવાનને થાળ ધરીને પ્રસાદી અન્ન ત્યાગીએ મેળાવી પાણી નાખીને જમવું ને ગૃહસ્થોએ પણ થાળ ધરીને મહારાજની સ્મૃતિ રાખીને જમવું. ।।૧૦।। (૧૦૬)
વચનામૃત કારિયાણીનું - ૧૧
સંવત ૧૮૭૭ના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ રાત્રિને સમે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને માથા ઉપર ધોળી પાઘ બાંધી હતી અને પીળાં ને રાતાં જે ગુલદાવદીનાં પુષ્પ તેના હાર પહેર્યા હતા અને પાઘમાં પીળાં પુષ્પના તોરા લટકતા હતા અને પોતાની આગળ બે કોરે બે વાળંદ મશાલ લઈને ઊભા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનને વિષે પ્રીતિ હોય તેનાં શાં લક્ષણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને પોતાના પ્રીતમ જે ભગવાન તેને વિષે પ્રીતિ હોય તે પોતાના પ્રીતમની મરજીને લોપે નહિ એ પ્રીતિનું લક્ષણ છે, જો ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિ હતી તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન મથુરા જાવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો જે, આપણે કુટુંબીની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખશું, પછી ચાલવા સમે શ્રીકૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહિ ત્યારે સર્વે ડરીને છેટે રહી અને અંતરમાં એમ બીની જે, જો આપણ ભગવાનના ગમતામાં નહિ રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઊતરી જાશે એમ વિચારીને કાંઈ કહી શકી નહિ, પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ ત્રણ ગાઉ ઉપર ભગવાન હતા તોપણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહિ અને ગોપીઓએ એમ જાણ્યું જે, ભગવાનની મરજી વિના જો આપણ મથુરા જાશું તો ભગવાનને આપણા ઉપર જે હેત છે તે ટળી જાશે માટે હેતનું એ જ રૂપ છે જે, જેને જે સાથે હેત હોય તેની મરજી પ્રમાણે રહે અને જો પોતાના પ્રીતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે અને જો પોતાના પ્રીતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે પણ કોઈ રીતે પોતાના પ્રીતમની આજ્ઞાને લોપે નહિ એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિષે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહિ, અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિષે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહિ; જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. (૧)
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એક અમે પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું જે, હે મહારાજ ! પૂછો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિના સંબંધ વિનાના જે અન્ય સંબંધી પંચવિષય તેને હરામ કરી નાખે છે અને પંચે પ્રકારે એક ભગવાનનો સંબંધ રાખે છે એવો જે ભક્ત તેને ભગવાન એમ આજ્ઞા કરે જે, તમે અમ થકી છેટે રહો, ત્યારે તે જો ભગવાનના દર્શનનો લોભ રાખે તો એને આજ્ઞાનો ભંગ થાય અને જો આજ્ઞા ન પાળે તો ભગવાનને એ ભક્ત ઉપર હેત ન રહે, માટે એ ભક્તે જેમ માયિક શબ્દાદિ પંચવિષયનો ત્યાગ કર્યો છે તેમ જ ભગવાન સંબંધી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ને ગંધ એ પંચવિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે ? એ પ્રશ્ન છે. પછી સર્વે મુનિ મળીને જેને જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજને કહ્યું જે હે મહારાજ ! એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ છે અને ભગવાનને અખંડ સંબંધે રહિત જે માયિક પંચવિષય તેને હરામ કરી નાખ્યા છે અને શબ્દાદિક પંચવિષયે કરીને ભગવાન સંગાથે દૃઢપણે જોડાણો છે તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે, ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી, તેમ જ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી અને એ ભક્તના હૃદયમાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી, માટે એ ભક્તને પાંચે પ્રકારે ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે, કેમ જે, જે શબ્દાદિક પંચવિષય વિના જીવમાત્રને રહેવાતું નથી તે શબ્દાદિક પંચવિષયને એણે હરામ કર્યા છે ને પંચે પ્રકારે કરીને ભગવાનને વિષે જોડાણો છે તે માટે એ ભક્તને ભગવાન સાથે અખંડ સંબંધ રહે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૧।। (૧૦૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારી મરજી એટલે આજ્ઞા લોપે નહિ એ પ્રીતિનું લક્ષણ છે. (૧) બીજામાં જગત સંબંધી પંચવિષયને હરામ કરીને પંચે પ્રકારે અમારી મૂર્તિમાં જોડાણો હોય તે ભક્તના હૃદયમાં અમે સદાય મૂર્તિમાન રહીએ છીએ. (૨) બાબતો છે.
(આ વાત સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજીમહારાજનો વિયોગ થાય ત્યારે રોમરોમ પ્રત્યે રુધિર નીસરતું ને શરીરનું ભાન રહેતું નહિ તેમના વિરહની નિવૃત્તિ સારુ કરી છે જે તમારા જેવા પ્રેમીભક્તને જ્યાં મૂકીએ ત્યાં અમે તમારા ભેળા જ રહીએ છીએ પણ ક્ષણમાત્ર છેટે રહેતા નથી.) ।।૧૧।। (૧૦૭)
વચનામૃત કારિયાણીનું - ૧૨
સંવત ૧૮૭૭ના કાર્તિક સુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને ધોળો ફેંટો બોકાની સહિત બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) પ્રશ્ન-ઉત્તર કરો. પછી મુનિએ માંહોમાંહી ઘણી વાર સુધી પ્રશ્ન-ઉત્તર કર્યા, તેમાં સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો તથા વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ત્રણ શરીરનો વિચાર નીસર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સુષુપ્તિ છે એ જીવની માયા છે તે જ સુષુપ્તિ, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ રૂપે થાય છે માટે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ જીવની માયા છે તેમ જ વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે તે જીવની કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી માટે જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે તેણે કરીને એ કારણશરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે, જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દૃઢ ચોંટી હોય પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાઝીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લેઈને ચોળે તો જુદી થઈ જાય તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેણે કરીને કારણશરીર શેકાઈને આંબલીનાં ફોતરાંની પેઠે જુદું થઈ જાય છે ને તે વિના બીજા કોટિ ઉપાય કરે તોય પણ કારણશરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થાતો નથી એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરી. (૧)
૨ પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૨) જાગ્રત અવસ્થામાં સત્ત્વગુણ વર્તે છે અને સર્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે તોપણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્યારે જે સાંભળ્યું હોય તે પાકું થાય છે અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે તોપણ જે જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે તેનું શું કારણ છે ? પછી મુનિ સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ, પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો એ છે જે, હૃદયને વિષે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે તે ક્ષેત્રજ્ઞ ચૌદ ઇન્દ્રિયોનો પ્રેરક છે તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દૃઢ થાય છે, કાં જે ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇન્દ્રિયો-અંતઃકરણ થકી સમર્થ છે, માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દૃઢ થાય છે. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. ત્યારે સર્વે મુનિએ કહ્યું જે, હે મહારાજ ! યથાર્થ ઉત્તર કર્યો; એવો ઉત્તર બીજા કોઈથી થાય નહીં. (૨)
૩ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૩) ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વે વિકાર ટળી જાય છે, જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહિ, તેમ ગમે તેવો કામાદિકને વિષે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયનાં સુખ ભોગવવાને સમર્થ રહે નહિ અને તપ્તકૃચ્છ્ર-ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તોપણ જેવું આવી ભગવદ્વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે તેવું તેનું થાતું નથી અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થાતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહિ થાતું હોય, માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમનારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧૨।। (૧૦૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે, તેમાં પહેલું ને ત્રીજું કૃપાવાક્ય છે, અને (જેતલપુર ૧ના પહેલા પ્રશ્નમાં) જેને સુષુપ્તિ કહી છે તે પ્રધાન સુષુપ્તિને આંહીં પહેલા પ્રશ્નમાં શ્રીજીમહારાજે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ ત્રણ દેહનું કારણ કહી છે ને એ પ્રધાન સુષુપ્તિને ને ત્રણ દેહને જીવની માયા કહી છે ને વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ઈશ્વરની માયા કહી છે. અને જીવની કારણશરીરરૂપ માયાને વજ્રસાર જેવી કહી છે. ને તે સંતના સમાગમથી અમને ઓળખીને અમારું ધ્યાન ને અમારા વચનમાં વર્તે તો કારણ દેહ બળી જાય છે. (૧) બીજામાં સૂક્ષ્મ દેહને ને ક્ષેત્રજ્ઞને સમીપપણું છે માટે જાગ્રતમાં સાંભળેલી વાર્તાનું સૂક્ષ્મ દેહમાં મનન કરે તેનું ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે છે ત્યારે દૃઢ થાય છે. (૨) ત્રીજામાં અમારો વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત અમારી વાત સાંભળવાથી મન સ્થિર ને નિર્વિષયી થાય છે તેવું કોઈ સાધને કરીને થતું નથી એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. આમાં ત્રીજા પ્રશ્નમાં આવી વાત સાંભળીને જેવું તમારું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો, માળા ફેરવતા હશો ત્યારે નહિ થાતું હોય અને આવી વાત સાંભળવી એથી મનને સ્થિર થવાનું ને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી એમ શ્રીજીમહારાજે કહ્યું એમ જોતાં તો સર્વ સાધનથી વાત સાંભળવી તે સાધન અધિક થયું ત્યારે તો બીજા સાધન કરવાનું કાંઈ પ્રયોજન રહ્યું નહિ માટે તે કેમ સમજવું ?
૧ ઉ. સર્વ સાધનથી ધ્યાન કરવું તે ઉત્તમ સાધન છે પણ શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન થયા પછી ધ્યાન કરે તથા માળા ફેરવે તો વિક્ષેપ ન થાય અને જેને જ્ઞાન થયું ન હોય, તેને માયિક વાસના ટળી ન હોય ને પોતાને શુદ્ધ આત્મારૂપ માનવું તે પણ સમજ્યો ન હોય તેથી તેને વિક્ષેપ ઘણા આવે અને જો પ્રથમ આસ્તિક થઈને વાત સાંભળે તો શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન યથાર્થ થાય ને મહિમા જણાય ત્યારે શ્રીજીમહારાજ વિના બીજું સર્વ તુચ્છ થઈ જાય પછી ધ્યાન તથા માળા જે કરે તે વિક્ષેપે રહિત સુખે થાય; માટે સર્વ સાધન કરતાં શ્રીજીમહારાજની જ્ઞાને સહિત વાર્તા સાંભળવી તે સર્વથી અધિક કહી છે. ।।૧૨।। (૧૦૮)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યેર્થ પ્રદીપિકાયાં કારિયાણી પ્રકરણં સમાપ્તમ્
અથ વચનામૃત લોયા પ્રકરણમ્
વચનામૃત લોયાનું - ૧
સંવત ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, (૧) શંકર શબ્દનો શો અર્થ છે ? પછી મુનિ બોલ્યા જે, સુખને કરે તેને શંકર કહીએ. પછી એ વાતને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, આજ પાછલી ચાર ઘડી રાત હતી તે સમે સ્વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધાં તે શિવજી મોટો જબરો નંદીશ્વર તે ઉપર બેઠા હતા અને શરીરે બહુ પુષ્ટ હતા ને ચાળીસ વર્ષની અવસ્થા હતી ને મોટી જબરી જટા હતી ને તે શિવજી ભેળે પાર્વતી હતાં તેણે ધોળાં વસ્ત્ર પહેર્યાં હતાં અને તે શિવજી મોટા સંતની પેઠે શાંત મૂર્તિ હતા ને અમારે ઉપર તો શિવજીને ઘણું હેત જણાણું તોપણ અમારે તો શિવજી ઉપર હેત ન જણાણું, કેમ જે અમે એમ જાણીએ છીએ જે, શિવ તો તમોગુણના દેવતા છે અને આપણ તો શાંત મૂર્તિ એવા જે શ્રી નરનારાયણ તેના ઉપાસક છીએ તે માટે રજોગુણી, તમોગુણી દેવ એવા જે બ્રહ્મા, શિવ ને ઇન્દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેસે નહિ અને તેમાં પણ ક્રોધ ઉપર તો અમારે ઘણું વૈર છે ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મુને ગમે જ નહિ તથાપિ જે શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે તો શિવજી તો ત્યાગી છે ને યોગી છે ને ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવને માનીએ છીએ અને ક્રોધ તો કેવો છે તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે, જેમ હડકાયા કૂતરાની જે લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચિયું નાખીને મરી જાય, તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચિયું નાખીને સંતના માર્ગ થકી પડી જાય અને વળી ક્રોધ કેવો છે તો જેવા કસાઈ, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ તે જેમ સર્વને બિવરાવે છે ને બીજાના પ્રાણને હરી લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બિવરાવે છે ને બીજાના પ્રાણને હરી લે છે એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તો તે અતિ ભૂંડો લાગે, કેમ જે સાધુ તો શાંત હોય પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે ને તે સાધુની આકૃતિ પણ ફરી જાય, કેમ જે એ ક્રોધનું નામ વિરૂપ છે માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે. (૧)
૨ ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જે લગારેક ક્રોધ ચડી આવે ને પછી તેને ટાળી નાખે એવો જે ક્રોધ તે કાંઈ નડતર કરે કે ન કરે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ આ સભા બેઠી છે તેમાં જો હમણે સર્પ નીકળે ને કોઈને કરડે નહિ તોપણ ઊઠીને સૌને ભાગવું પડે તથા સૌના અંતરમાં ત્રાસ થાય, અને વળી જેમ ગામને ઝાંપે આવીને વાઘ હુંકારા કરતો હોય ને કોઈને મારે નહિ તોપણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બારણે નીકળાય નહિ તેમ થોડોક ક્રોધ ઊપજે તે પણ અતિશે દુઃખદાયી છે. (૨)
૩ પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) કામને મૂળમાંથી ઉખેડી નાખવો તેનું શું સાધન છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો આત્મનિષ્ઠા અતિ દૃઢ હોય અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યવ્રત રાખવું એ આદિક જે પંચવર્તમાન તેને દૃઢ કરીને પાળે ને ભગવાનનો મહિમા અતિશે સમજે એ ઉપાયે કરીને કામનું મૂળ ઊખડી જાય છે, અને કામનું મૂળ ઊખડી જાય તોય પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહિ અને અતિશે કામનું મૂળ ઊખડ્યાનો તો ઉપાય એ છે જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો. (૩)
૪ અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૪) હે મહારાજ ! કનિષ્ઠ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય ને ઉત્તમ વૈરાગ્ય એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કનિષ્ઠ વૈરાગ્યવાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કહ્યા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં તેનું ચિત્ત ચોંટી જાય ને એનું ઠેકાણું ન રહે તેને કનિષ્ઠ વૈરાગ્યવાળો કહીએ, અને જે મધ્યમ વૈરાગ્યવાળો હોય તે તો કદાચિત્ જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉઘાડાં દેખીને ક્ષોભ થાતો નથી તેમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચિત્ત ચોંટી જાય નહિ તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ, અને જે ઉત્તમ વૈરાગ્યવાળો હોય તેને તો કદાચિત્ એકાંતમાં સ્ત્રીઆદિક પદાર્થનો યોગ થાય તોપણ એ ડગે નહિ તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. (૪)
૫ અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૫) કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે ને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટ જીવ દ્રોહ કરતા હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહિ એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ, અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનનાં શુભ-અશુભ એવાં મનુષ્યચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહિ તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ, અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે જે, ભગવાનને ગમે તેવી શુભ-અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહિ ને નિશ્ચય જાય નહિ તથા જેણે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળી કહે જે એ ભગવાન નથી ત્યારે તેને એમ જાણે જે, એનું માથું ફર્યું છે એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ. અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય અને મધ્યમ જ્ઞાનવાળો બે-ત્રણ જન્મે કરીને સિદ્ધ થાય ને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય એવી રીતે વાર્તા કરી. (૫)
૬ ત્યારપછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૬) ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય તોપણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી, તેનું શું કારણ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિક જે શત્રુ તેણે કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તતું હોય ને તેને નિશ્ચય હોય તોપણ પોતાને કૃતાર્થ માને નહીં. (૬)
૭ પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૭) એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ કામાદિક શત્રુ તો, તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે, જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લેઈને રાત-દિવસ તૈયાર રહે છે તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે ને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે. તેમાં ઇન્દ્રિયોને કૃચ્છ્ર-ચાંદ્રાયણે કરીને દંડ દે ને અંતઃકરણને વિચારે કરીને દંડ દે તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય ને પોતાને ભગવાનના નિશ્ચયે કરીને સંપૂર્ણ કૃતાર્થ માને. (૭)
૮ ત્યારપછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૮) સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો અતિશે દૃઢ આત્મનિષ્ઠા હોય ને તે પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશે અસંગી માને ને એ દેહ-ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તોપણ પંચવર્તમાનના નિયમમાં લેશમાત્ર ફેર પડવા દે નહિ અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે તોપણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહિ; સ્વામી-સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશે અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે ને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તોપણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વે ક્રિયાને કરતા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે અને તે ભગવાનનાં જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે, જે આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તોપણ અનંતકોટિ બ્રહ્માંડના કર્તા-હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઇત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે, અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વેના સ્વામી છે, એવો ભગવાનનો મહિમા જાણીને વિશેષે શ્રવણાદિક ભક્તિને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તેવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ. (૮)
૯ પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૯) ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશે સમજાય છે ને ક્યારેક તો અતિશે સમજાતો નથી તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સંત છે તે તો ધર્મવાળા છે તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતાં આવડે નહિ ને સામો તે સંતનો અવગુણ લે, માટે જ્યાં સુધી એને દુઃખાડીને કહે નહિ ત્યાં સુધી માહાત્મ્ય રહે ને જ્યારે હિતની વાત પણ દુઃખાડીને કહે ત્યારે અવગુણ લે ને માહાત્મ્ય ન જાણે અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિત્તે કરીને પણ શુદ્ધ થવાતું નથી, જેમ કામાદિક દોષનાં પાપનિવારણ છે તેમ સંતના દ્રોહનું પાપનિવારણ છે નહિ, અને જેમ કોઈને ક્ષયરોગ થાય તેને ટાળ્યાનું કોઈ ઔષધ નથી તે તો નિશ્ચે મરે, તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષયરોગ થયો જાણવો તે તો પાંચ દિવસ મોડો-વેલો નિશ્ચે વિમુખ થાશે, અને વળી જેમ મનુષ્યનાં હાથ, પગ, નાક, કાન, આંખ્ય, આંગળીઓ એ આદિક જે અંગ તે કપાય તોપણ એ મનુષ્ય મૂઓ કહેવાય નહિ અને જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મૂઓ કહેવાય, તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું અને બીજા વર્તમાનમાં કદાચિત્ ફેર પડે તો અંગ કપાણું કહેવાય પણ તે જીવે ખરો, કહેતાં તે સત્સંગમાં ટકે ખરો ને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચે સત્સંગથી જ્યારે-ત્યારે વિમુખ જ થાય એ એનું માથું કપાણું જાણવું. (૯)
૧૦ પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧૦) હરિજનનો અવગુણ આવ્યો હોય તેને ટાળ્યાનો કોઈ ઉપાય છે કે નથી ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ઉપાય તો છે પણ અતિ કઠણ છે, તે અતિશે શ્રદ્ધાવાળો હોય તેથી થાય છે, તે જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે જે, મેં અતિ મોટું પાપ કર્યું જે બ્રહ્મસ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો, એવા વિચારમાંથી અતિશે દાઝ હૈયામાં થાય તે દાઝને મારે અન્ન જમે તો તેના સ્વાદુ-કુસ્વાદુપણાની ખબર પડે નહિ તથા રાત્રિને વિષે નિદ્રા પણ આવે નહિ અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહિ ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશે ગુણ આવે ને તે સંત કોઈ વાતે દુઃખાણા હોય તો તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે, એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય તે પણ ટળી જાય ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય પણ એ વિના બીજો કોઈ એવો ઉપાય નથી કહ્યો; એ જ એક ઉપાય છે. (૧૦) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૧૦૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧૦) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, શાંત મૂર્તિ એવા જે અમે તે અમારા ઉપાસકોએ રજોગુણી-તમોગુણી દેવમાં હેત ન કરવું ને ક્રોધી મનુષ્ય તથા દેવતા તે અમને ગમતા નથી. (૧) બીજામાં થોડોક ક્રોધ પણ દુઃખદાયી છે. (૨) ત્રીજામાં આત્મનિષ્ઠા, બ્રહ્મચર્યાદિક પંચવર્તમાન અને અમારો મહિમા એ ત્રણ અતિશે દૃઢ થાય તો કામનું મૂળ ઊખડી જાય અને અતિશે કામનું મૂળ ઊખડ્યાનો ઉપાય તો અમારો સારી પેઠે મહિમા સમજવો તે જ છે. (૩) ચોથામાં ત્યાગીના ત્રણ પ્રકારના વૈરાગ્યનાં લક્ષણ કહ્યાં છે. (૪) પાંચમામાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ જ્ઞાનનાં લક્ષણ કહ્યાં છે. (૫) છઠ્ઠામાં અમારો નિશ્ચય હોય પણ કામાદિક વિકાર ન ટળ્યા હોય તો કૃતાર્થપણું મનાય નહીં. (૬) સાતમામાં ઇન્દ્રિયોને તપે કરીને દમે અને અંતઃકરણને વિચારે કરીને દમે તો વિકાર નાશ પામે ને કૃતાર્થપણું મનાય. (૭) આઠમામાં આત્મનિષ્ઠા અતિ દૃઢ હોય અને પંચવર્તમાન પાળે અને અમારી સ્વામી-સેવકપણે દૃઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમને અતિશે અસંગી ને અતિશે નિર્વિકાર ને સર્વેના સ્વામી ને સર્વના કર્તા-હર્તા સમજે અને અમારી નવધાભક્તિ કરે તથા અમારા ભક્તની સેવા કરે તેનો સંપૂર્ણ સત્સંગ કહેવાય. (૮) નવમામાં દેહાભિમાનીથી સંતની શિખામણ ગ્રહણ ન થાય ને સામો અવગુણ લે તે વિમુખ થાય. (૯) દશમામાં અતિ દીન થઈને તે સંતને પ્રસન્ન કરે તો અવુગણ આવ્યો હોય તે ટળી જાય છે. (૧૦) બાબતો છે.
૧ પ્ર. ત્રીજા પ્રશ્નમાં કામનું મૂળ ઉખાડ્યાનો ઉપાય અતિ દૃઢ આત્મનિષ્ઠા અને બ્રહ્મચર્યાદિક પંચવર્તમાનને દૃઢ પાળે અને અમારો મહિમા અતિશે સમજે એ ત્રણ ઉપાય શ્રીજીમહારાજે કહ્યા અને વળી કહ્યું જે, અમારો સારી પેઠે મહિમા સમજે તો અતિશે કામનું મૂળ ઊખડી જાય તે પ્રથમ અતિશે મહિમા કહ્યો તેમાં ને સારી પેઠે મહિમા સમજવાનો કહ્યો તેમાં શું ન્યૂન-અધિકપણું આવ્યું તે સમજાણું નહિ માટે કૃપા કરીને સમજાવો ?
૧ ઉ. પ્રથમ અતિશે મહિમા કહ્યો તે જ્ઞાને કરીને સમજવાનો કહ્યો છે અને જે સારી પેઠે મહિમા સમજવાનો કહ્યો તે મહિમા આકારે વૃત્તિ થઈ જાય તેણે કરીને જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે ને મૂર્તિ આકારે દૃષ્ટિ થઈ જાય એ સારી પેઠે મહિમા કહ્યો છે.
૨ પ્ર. આઠમા પ્રશ્નમાં અક્ષરરૂપ અનંતકોટિ મુક્ત કહ્યા તે અક્ષરરૂપ એટલે કેવા જાણવા ?
૨ ઉ. જે ન ક્ષરે તે સર્વ ચૈતન્યવર્ગને અક્ષર કહેવાય છે અને આ ઠેકાણે અક્ષર નામે શ્રીજીમહારાજને કહ્યા છે તે (પં. ૨માં) ભગવાન અચ્યુત છે, અક્ષર છે, અખંડ છે તથા (અ. ૪/૧માં) ભગવાન અક્ષરરૂપ છે, અંતર્યામી છે ને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે એમ કહ્યું છે માટે અક્ષર નામે શ્રીજીમહારાજને જાણવા ને તે શ્રીજીમહારાજરૂપ થયેલા મુક્તને અક્ષરરૂપ કહ્યા છે. આ અક્ષરરૂપનો અર્થ (અ. ૪ના બીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે. ।।૧।। (૧૦૯)
વચનામૃત લોયાનું - ૨
સંવત ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કિનખાબ તેની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી આસમાની રંગનો રેંટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો અને કસુંબી રંગનો રેંટો કેડે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુકડ, સરોદા, સતાર, મંજીરાદિક વાજિંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા.
૧ પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સર્વે પરમહંસ સાંભળો : હું તમને એક પ્રશ્ન પૂછું છું ત્યારે મુનિ બોલ્યા જે, હે મહારાજ ! પૂછો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ? અને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય ? પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા જે, હે મહારાજ ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે, ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે તે ચાર પ્રકારના હરિભક્તની વિક્તિ : એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો ને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ ચાર પ્રકારના ભક્તનાં લક્ષણ કહીએ છીએ : તેમાં જે વિશ્વાસી હોય તે તો ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહિ ને એમ જાણે જે, મુંને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું, અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ માને જે, હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું માટે એને પણ મૃત્યુનો ભય હોય નહિ, અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતાં રહે અને બીજા કોઈથી પણ ડરે નહિ માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહિ, માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશમાત્ર પણ હોય નહિ, અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહિ ને એક પોતાના પતિને વિષે જ પ્રીતિ રાખે તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિષે જ પ્રીતિ રાખે, માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશમાત્ર હોય નહીં. અને ચાર અંગ માહ્યલું એક પ્રધાન હોય ને બીજાં ત્રણ ગૌણ હોય તોપણ જન્મ-મૃત્યુના ભય થકી તરે છે અને એ ચાર માંહ્યલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહિ, એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, એ ચાર માંહ્યલાં જેને જે અંગ પ્રધાનપણે વર્તતાં હોય તે કહો. પછી પરમહંસ સમગ્રને જે જે અંગ વર્તતાં હતાં તે કહ્યાં અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતાં હતાં તે કહ્યાં તે સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ચાર અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો, પછી જેને જેને શૂરવીરનાં અંગ વર્તતાં હતાં તે સર્વે શ્રીજીમહારાજનાં ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા. (૧)
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ ત્યારે વડનું બીજ તે તો નાનું છે ને તે થકી મોટો વડ કેમ થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તોપણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે એ જ કારણમાં મોટાઈ છે, જેમ મૂળપ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે પણ કારણરૂપ જે મૂળપ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે ને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે, એમ જ આકાશ આદિક જે બીજાં ચાર ભૂત તેનો મોટો વિસ્તાર છે ને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે અને જે કારણ હોય તે નાનું હોય તોપણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી છે, જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાળાઓ તે તો અતિ મોટી છે, તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ ઝાઝું છે, અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્યના જેવી રથમાં બેઠી છે અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે, તેમ સર્વના કારણ એવા જે શ્રી પુરુષોત્તમનારાયણ તે તો ઋષિ રૂપે મનુષ્ય જેવડા છે તોપણ અનંતકોટિ બ્રહ્માંડના કારણ છે અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે જે, જેનું કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે ! એ તો મૂર્ખની સમજણ છે અને સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે તોપણ પોતાના અંગમાંથી યોગકળાએ કરીને અનંતકોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે ને પાછા પોતાને વિષે લય કરવાને સમર્થ છે : જેમ અગ્નિ, વરુણ, સૂર્ય તે પોતાના કાર્ય રૂપે મોટા જણાય છે ને વળી કાર્યને પોતામાં લીન કરીને એક પોતે જ રહે છે તેમ ભગવાનના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે તે અષ્ટાવરણ ને ચૌદલોક સૂધાં રહ્યાં છે, એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે તેને સમજુ હોય તે જાણે જે ભગવાન મનુષ્ય જેવા જણાય છે તોપણ આ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કર્તા છે ને સમર્થ છે એમ કહીને શ્રીજીમહારાજ શયન કરવા પધાર્યા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૧૧૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર ને પ્રીતિવાળો એ ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય નથી રહેતો. (૧) બીજામાં જેમ મૂળપ્રકૃતિ સ્ત્રી આકારે છે ને તેનું કાર્ય મોટું છે ને જેમ ચાર ભૂતનો મોટો વિસ્તાર છે ને તેના કારણ ગંધાદિક સૂક્ષ્મ છે અને જેમ સૂર્યાદિકની મૂર્તિઓ મનુષ્યના જેવડી છે ને તેનું કાર્ય જે પ્રકાશાદિક તે અતિ વિસ્તારવાન છે તેમ અમે મનુષ્ય જેવડા દેખાઈએ છીએ તોપણ સર્વના કારણ છીએ એવા પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમે મનુષ્યના જેવડા છીએ પણ અનંતકોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરવા ને મારે વિષે લીન કરવા સમર્થ છીએ અને અમારા એક એક રોમમાં એટલે કિરણોમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે એવું અમારે વિષે અલૌકિકપણું ને મોટાઈપણું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય ટળી જાય છે એમ કહ્યું તે આ દેહે મરવાની બીક ટળી જતી હશે કે ફેર જન્મ ધરવાની બીક ટળી જતી હશે ?
૧ ઉ. એવા ભક્તને ફેર જન્મ ધરવાનું તો હોય જ નહિ પણ આ દેહે કોઈક પ્લેગ, કોલેરા જેવો રોગ આવે અથવા રાજ્યચક્ર આવે તેમાં મરી જવાની બીક ન રહે એમ કહ્યું છે.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં શ્રીજીમહારાજના એક એક રોમમાં અષ્ટ આવરણે યુક્ત બ્રહ્માંડ રહ્યાં છે એમ કહ્યું તે અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડ તો મૂળપુરુષના રોમમાં રહ્યા છે અને શ્રીજીમહારાજના રોમમાં રહ્યા છે એમ કેમ કહ્યું હશે ?
૨ ઉ. અક્ષરનું તથા બ્રહ્મનું તથા મૂળપુરુષનું એ સર્વેનું આધાર તો શ્રીજીમહારાજનું તેજ છે તે (કા. ૮/૧માં) કહ્યું છે જે, પૃથ્વી આદિક સર્વ તત્ત્વથી લઈને અક્ષર પર્યંત સર્વેનું આત્મા અમારું તેજ છે માટે મૂળપુરુષના તેજમાં રહ્યા હોય તે પણ શ્રીજીમહારાજના તેજમાં જ કહેવાય. ।।૨।। (૧૧૦)
વચનામૃત લોયાનું - ૩
સંવત ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક-લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી : ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી તથા ધરમપુરવાળા કુશળકુંવરબાઈ તથા પર્વતભાઈ તથા રાજબાઈ તથા જીવુબાઈ તથા લાડુબાઈ તથા મોટાં રામબાઈ તથા દાદોખાચર તથા માંચોભક્ત તથા મૂળજી બ્રહ્મચારી તથા ભુજવાળાં લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી તથા વાળાક દેશનો આહીર પટેલ સામત તથા ગામ માનકૂવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ કહ્યું જે જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહિ ને જેમ કહે તેમ કરે તે ઉપર પોતાની વાત કરી જે, અમારો સ્વભાવ કેવો હતો તો ગોદોહન માત્ર એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહિ એવા ત્યાગી હતા ને વૈરાગ્ય અતિશે હતો, ને શ્રી રામાનંદ સ્વામી ઉપર હેત પણ અસાધારણ હતું તોપણ સ્વામીએ ભુજનગરથી કહાવી મોકલ્યું જે, જો સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે, એમ મયારામ ભટ્ટે આવીને કહ્યું ત્યારે અમે થાંભલાને બાથ લીધી. ત્યારપછી તેમણે કહ્યું જે, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. પછી અમે સ્વામીનાં દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા, એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને નિશ્ચય જાણીએ. અને પછી સુંદરજી સુતાર ને ડોસા વાણિયાની વાત કરી. અને વળી જેને ભગવાનનો ને સંતનો એવો નિશ્ચય હોય તેને તેની કોરનો કેફ વર્તે એમ કહીને રાણા રાજગરની વાર્તા કરી અને પ્રહ્લાદની વાર્તા કરી જે, પ્રહ્લાદ જે તે નૃસિંહજી પ્રત્યે બોલ્યા જે, હે મહારાજ ! હું આ તમારા વિકરાળ રૂપથી નથી બીતો ને તમે જે મારી રક્ષા કરી તેને હું રક્ષા નથી માનતો ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માનીશ, માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે તેણે કરીને શોક ન કરે અને અલમસ્ત થકો ભગવાનને ભજે ને ભગવાન ને સંત તેનું માહાત્મ્ય બહુ જાણે તે ઉપર ગામ કઠલાલની ડોશીની વાત કરી. (૧) અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં બૂડી જાય ઇત્યાદિક ગમે તેવી રીતે અપમૃત્યુએ કરીને દેહ પડે તોપણ એમ સમજે જે, ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહિ; એ તો ભગવાનના ધામને જ પામે અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે ને ચંદનના લાકડામાં સંસ્કારે યુક્ત બળે તોપણ તે તો નિશ્ચે યમપુરીમાં જાય. એ બેની વિક્તિ સારી પેઠે સમજે એ સર્વે પ્રકારની જેના હૃદયમાં દૃઢ ગાંઠ પડી હોય તેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યે સહિત નિશ્ચય છે એમ જાણવું. (૨) અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મમોહોલમાં જ પૂગે પણ બીજે ક્યાંય કોઈ ધામમાં ઓરો રહે નહીં. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩।। (૧૧૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારો તથા અમારા સંતનો એટલે મુક્તનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તે કુટુંબનો તથા લોકલાજનો, રાજ્યનો, સુખનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે અને અમારા વચનમાં ફેર પડવા દે નહિ અને દૈહિક સુખ-દુઃખમાં હર્ષ-શોક પામે નહીં. (૧) અને એવો જે અમારો ભક્ત તેનો દેહ અપમૃત્યુએ કરીને પડે તોપણ એ ભક્ત અમારા ધામને જ પામે અને વિમુખ યમપુરીમાં જાય એમ સમજનારાને અમારો માહાત્મ્ય સહિત નિશ્ચય છે. (૨) અને એવા નિશ્ચયવાળો અમારા ધામને જ પામે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં જેને અમારો ને અમારા સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તે કુટુંબ, લોકલાજ ને રાજ્યાદિકનો ત્યાગ કરે એમ કહીને શ્રીજીમહારાજે સર્વે હરિભક્તોનાં નામ કહ્યાં તેમણે શ્રીજીમહારાજને અર્થે શું શું કર્યું હશે તે કૃપા કરીને કહો ?
૧ ઉ. શ્રીજીમહારાજ અરેરા ગામમાં પધાર્યા હતા ત્યાંથી ગલુજીને કહાવી મોકલ્યું જે, ખાવા બેઠા હો તે પડ્યું મૂકીને ધન, ધાન્ય, માણસ, પશુ, સર્વસ્વ લઈને અહીં આવો. તે સાંભળીને પોતાનાં માતુશ્રી માંદાં હતાં તેમને મૂકીને બીજું બધું લઈને રાત્રિએ ગયા, એવા વચનમાં વર્તતા હતા અને તેમને ઘેર શ્રીજીમહારાજ સંતોએ સહિત પધાર્યા હતા અને પોતાની માતુશ્રીએ દેહત્યાગ કર્યો હતો તોપણ શ્રીજીમહારાજને ગાજતેવાજતે ઘેર પધરાવીને બે દિવસ પ્રેમપૂર્વક સેવા કરી ને કોઈને તે વાત જણાવા દીધી નહિ અને શ્રીજીમહારાજને વળાવવા સીમાડા સુધી ગયા ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, હવે જાઓ; તમારું કામ કરો. પછી તે પાછા વળ્યા, એવા મહિમાવાળા હતા. (પ્ર.) ગલુજી પાસે સર્વસ્વ મંગાવેલું તે શ્રીજીમહારાજે બધું રાખ્યું કે કેમ કર્યું ? (ઉ.) ગલુજીને ઘેર એ જ રાત્રિએ શત્રુ આવીને સર્વસ્વ લૂંટી જવાના હતા અને ગલુજીને તથા તેમના મનુષ્યોને મારી નાખવાના હતા એટલા સારુ શ્રીજીમહારાજે મંગાવ્યું હતું. તે શત્રુઓ રાત્રે ગલુજીને ઘેર આવીને પાછા ગયા અને સવારમાં શ્રીજીમહારાજે ગલુજીને સર્વસ્વ પાછું આપીને ડડુસર મોકલ્યા. એવી રીતે મહારાજે પોતાના દૃઢ નિશ્ચયવાળા ને વિશ્વાસવાળા ભક્તની રક્ષા કરી. ।।૧।।
અને કુશળકુંવરબાઈએ શ્રીજીમહારાજને પોતાને ઘેર તેડીને રાજ્ય આપવા માંડ્યું ને શ્રીજીમહારાજની મૂર્તિને નખથી શિખા પર્યંત સમગ્ર અંગ નીરખીને અંતરમાં ઉતારી લીધી અને જેવા ધામમાં દિવ્ય તેજોમય મૂર્તિ છે તેવી દેખતાં હવાં ને દેહનું ભાન ભૂલી ગયાં ને મૂર્તિમાં જોડાઈ ગયાં ને પંદર દિવસે દેહ મૂકીને અક્ષરધામમાં ગયાં એવાં હતાં. (પ્ર.) કુશળકુંવરબાઈને સત્સંગ શી રીતે થયો હતો અને તેમનો જન્મ કિયા ગામમાં હતો ? (ઉ.) એ પૂર્વજન્મમાં સંગ્રામજીત રાજાની બહેન રૂડબાઈ નામે હતાં. ત્યાં દિલ્હીનો બાદશાહ આવેલ તેણે સંગ્રામજીતને મારી નાખ્યો ને રૂડબાઈને લેઈ જવાનું કર્યું ત્યારે રૂડબાઈએ એને સમજાવ્યો જે, મારે નામના કરવી છે પછી તે ગયો. અને રૂડબાઈએ અડાલજની વાવ્ય કરાવીને દેહ મેલ્યો અને તે ઓળક ગામમાં કુશળકુંવરબાઈ નામે થયાં. તેમણે પૂર્વજન્મમાં કરાવેલી વાવ્યમાં શ્રીજીમહારાજ ને સંતો નાહ્યા ને જળ પીધું ને તેના ઉપર દયા કરીને પરમચૈતન્યાનંદ સ્વામીને પ્રેરણા કરી, તે ધરમપુર જઈને એમની ધર્મશાળામાં ઊતર્યા. અને એમને નિયમ હતું જે, જે અતિથિ આવે તેને નિત્ય જમાડે અને મહિમા સમજીને ચરણસ્પર્શ કરવા રાત્રે આવતાં. તેમને પરમચૈતન્યાનંદ સ્વામીએ સ્પર્શ કરવા દીધો નહિ તેથી તેમને સ્વામીનો ગુણ આવ્યો ને સ્વામીએ શ્રીજીમહારાજના મહિમાની ને પ્રગટપણાની વાતો કહીને સત્સંગ કરાવ્યો હતો અને પરમચૈતન્યાનંદ સ્વામીને શ્રી મુક્તાનંદ સ્વામી ગઢડે તેડી ગયા પછી તેમણે શ્રીજીમહારાજને ધરમપુર તેડાવ્યા હતા. ।।૨।।
અને પર્વતભાઈ પોતાનો દીકરો કંઠપ્રાણ હતો તેને મૂકીને શ્રીજીમહારાજનાં દર્શન કરવા ચાલ્યા તે ગામને સીમાડે પહોંચ્યા એટલામાં દીકરો મરી ગયો ને મનુષ્ય તેડવા ગયું તોપણ પાછા વળ્યા નહિ ને ગઢડે ગયા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, દીકરો મરી ગયો ને પાછા કેમ વળ્યા નહીં ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે એમાં શું ? એ તો છાણમાં જીવડા પડે ને મરી જાય એવું છે એમ બોલ્યા. અને ત્યાં સાત દિવસ સુધી જમ્યા નહિ ને પાણી પણ પીધું નહીં. તેમને શ્રીજીમહારાજે કહ્યું જે, તમે ક્યાં જમો છો ? ત્યારે બોલ્યા જે, આપનાં દર્શન કરું છું તેમાં બધું આવી જાય છે અને જે દાણા પાકે તે બધા શ્રીજીમહારાજના સદાવ્રતમાં આપી દેતા તેમને શ્રીજીમહારાજે કહ્યું જે થોડાક દાણા છોકરાને ખાવા સારુ રાખતા હો તો સારું. ત્યારે કહ્યું જે કણબીનાં છોકરાં તો જેમ કૂકડાનાં બચ્ચાં ઉકરડામાંથી દાણા ખોતરી ખાય તેમ પૃથ્વીમાંથી પેદા કરી ખાય માટે એવી ચિંતા શું કરવા રાખવી પડે એમ બોલ્યા અને શ્રીજીમહારાજે સંતોને ખટરસનાં વર્તમાન આપ્યાં ત્યારે પર્વતભાઈ તથા તેમના ઘરનાં સર્વે માણસોએ પણ તે વ્રત રાખ્યાં હતાં એવો મહિમા સંતોનો જાણતા. ઇત્યાદિક ઘણી વાતો છે તે લખે પાર આવે તેમ નથી. પર્વતભાઈ તો બહુ સમર્થ હતા અને શ્રીજીમહારાજે પણ એમને ઘેર બહુ લીલાઓ કરીને ઘણાંક સુખ આપ્યાં છે. (પ્ર.) પર્વતભાઈમાં શી સામર્થી હતી અને શ્રીજીમહારાજે એમને ઘેર શી શી લીલાઓ કરી હતી તે કહો ? (ઉ.) શ્રીજીમહારાજ સર્વે સંતોને તથા કાઠીઓને લઈને ગઢડેથી ચાલ્યા તે ફરતા ફરતા અગત્રાઈ આવ્યા ત્યાં તાપ ગાળવા એક ઝાડ તળે ઊતર્યા, ત્યાં હરિજનોએ ખાટલો લાવીને પાથર્યો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા અને સંત ને હરિજનો ખેતરમાં પાથર્યા વિના એમ ને એમ બેસી ગયા તે વખતે શ્રીજીમહારાજ બોલ્યા જે, મારો વ્હાલીડો કેમ ન આવ્યો? એમ બેચાર વાર બોલ્યા, એટલાકમાં પર્વતભાઈ કપાસની સાંઠીઓ ખોદીને આવ્યા ને ખભેથી કોદાળી નાખી દઈને દંડવત કરવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજ ઊભા થઈને બોલ્યા જે, મારો વ્હાલીડો આવ્યો, એમ બેચાર ફેરા બોલીને મળ્યા ને પોતાની પાસે મશરુની ગાદી નાખીને બેસાર્યા. ત્યારે સર્વે સંત-હરિજનોને સંશય થયો જે આપણે સર્વ પૃથ્વી ઉપર બેઠા છીએ અને આ કણબીને શ્રીજીમહારાજે ગાદી ઉપર બેસાર્યા એ ઠીક ન કર્યું. પછી સાંજ વખતે ત્યાંથી ચાલ્યા તે બીજે ગામ ગયા પછી ફરતા ફરતા જ્યારે પાછા આવ્યા ત્યારે પણ એ ઠેકાણે આવ્યા ને બપોર થયા એટલે ત્યાં જ ઊતર્યા. એવામાં પર્વતભાઈ આવ્યા તેમને કેડે કરોડો વિમાન આવ્યાં તે જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે પર્વતભાઈ, આ લશ્કર ક્યાં ફેરવો છો ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, એ તો માગણ છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ક્યાંથી આવેલા છે ? ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ સર્વે નિત્ય મારી કેડે ફરે છે ને આત્યંતિક કલ્યાણ માગે છે તેમને આપના ધામમાં મોકલું છું. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, આમને ધામમાં મોકલો તે અમે જોઈએ. પછી પર્વતભાઈ એમના સામું જોઈને બોલ્યા જે, “જાઓ અક્ષરધામમાં” એટલે બધાં વિમાન જતાં રહ્યાં તે જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા ને સંશય ટળી ગયો. અને એક સમે શ્રીજીમહારાજનાં દર્શન કરવા સારુ ગઢડે ગયા ને પોતાના ખેતરમાં ઘઉં પાકેલા હતા તે એક મુસલમાનને સોંપી ગયા હતા, તે મુસલમાને રાત્રે ઘઉં કાપવા માંડ્યાં તેને પર્વતભાઈએ સોટીઓ મારી તે દાતરડું ને ઘઉં મૂકીને જતો રહ્યો. પછી જ્યારે પર્વતભાઈ દર્શન કરીને આવ્યા ત્યારે એ મિયાંને કહ્યું જે તને સોટીઓ અમે મારી હતી. ત્યારે તે સિપાઈ અતિ આશ્ચર્ય પામીને પ્રાર્થના કરતો હવો ઇત્યાદિક ઘણીક વાતો છે. હવે શ્રીજીમહારાજે એમને ઘેર લીલા કરી છે તેમાંથી કિંચિત્ કહીએ છીએ :- પર્વતભાઈએ પોતાના દીકરા મેઘજીભાઈનો વિવાહ કર્યો ત્યારે ગઢડેથી શ્રીજીમહારાજને તથા સંતહરિજનો-બાઈ-ભાઈને અગત્રાઈ તેડી લાવ્યા ને શ્રીજીમહારાજને ઢોલિયો પાથરી આપ્યો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન થયા. અને પર્વતભાઈ પણ શ્રીજીમહારાજના ઢોલિયા પાસે બેસી ગયા પણ કોઈની સંભાવના રાખી નહિ ત્યારે કાઠીએ શ્રીજીમહારાજને કહ્યું જે, તમે તો પર્વતભાઈને બહુ વખાણતા હતા પણ હજુ સુધી અમારી ખબર લેતા નથી. ત્યારે શ્રીજીમહારાજે પર્વતભાઈને કહ્યું જે, કેમ આ સર્વની ખબર લેતા નથી ? ત્યારે પર્વતભાઈ બોલ્યા જે, મહારાજ ! હું તો ગુમાસ્તો છું અને ધણી તો આપ છો, માટે હવે મારે શા ઉચાટ ? પછી શ્રીજીમહારાજે સંતો પાસે રસોઈ કરાવીને અખંડ ધારે ઘી પીરસવા માંડ્યું તે જોઈને પર્વતભાઈ બહુ રાજી થયા ને બોલ્યા જે, મને ન્યાલ કર્યો માટે પર્વતભાઈએ ‘ન્યાલકરણ બાપો’ એવું શ્રીજીમહારાજનું નામ પાડ્યું પણ ઘી બગાડ્યું એવો સંશય થયો નહીં. તે જોઈને કાઠી તથા સર્વે સંતો આશ્ચર્ય પામ્યા ને બોલ્યા જે, પર્વતભાઈના જેવી આપણી સમજણ થઈ નથી. પછી સર્વે જમી રહ્યા ને સર્વ સીધાનાં વાસણ ઊંધાં વાળી મૂક્યાં તે બધાં સવારે જુએ ત્યારે સવળાં દીઠાં અને ઘી, ગૉળ આદિક સર્વે સામાન ભરેલો જોઈને આશ્ચર્ય પામ્યા, એવી રીતે નિત્ય ખાલી થાય ને નિત્ય ભરાઈ જાય એમ સોળ દિવસ સુધી સર્વે જમ્યા અને સોનેરી સાજે રોઝો ઘોડો શણગારીને રાત્રિએ વરઘોડો ફેરવીને મેઘજીભાઈને પરણાવીને ઘેર આવ્યા અને સવારે શ્રીજીમહારાજે બોલ્યા જે, અમારી આંખ્યમાં કણું પડ્યું છે તે કોઈ કાઢે એવું છે ? પછી મેઘજીભાઈની પત્નીએ જીભે કરીને કાઢ્યું તેને શ્રીજીમહારાજે વર દીધો જે, અમો તમને આ જન્મે જ અમારા અક્ષરધામમાં અખંડ અમારી સેવામાં રાખીશું, એવી અનંત લીલાઓ કરીને સુખ આપ્યાં છે તેનો લખે પાર આવે તેમ નથી. ।।૩।।
અને શ્રીજીમહારાજે અનંત જીવોના ઉદ્ધાર કરવાને અર્થે આંહીં પ્રગટ મનુષ્ય રૂપે દેખાવાનો સંકલ્પ કર્યો ત્યારે ઘણાંક મુક્તોને આજ્ઞા કરી જે, તમે સર્વે કોઈક સ્ત્રી રૂપે ને કોઈક પુરુષ રૂપે દેખાઈને જીવનો ઉદ્ધાર કરો. તે આજ્ઞા મુક્તોએ માથે ચડાવી ને તે પ્રમાણે જુદા જુદા વર્ણમાં દર્શન આપ્યાં. ને જીવુબા, લાડુબા ને રાજબાઈને કહ્યું જે, તમે કાઠીની જાત્યમાં સ્ત્રી રૂપે દેખાઓ. ત્યારે તેમણે મહારાજની પ્રાર્થના કરી જે, હે મહારાજ ! અમે સ્ત્રી આકારે દેખાઈએ તો એ લોકની રીતિ પ્રમાણે સભામાં આપની પાસે સંત તથા પુરુષો બેઠા હોય ત્યાં અમારાથી બેસાય નહિ અને તમે જે વાર્તાઓ કરો અને પ્રશ્ન-ઉત્તર થાય તે અમારા સાંભળ્યામાં આવે નહિ અને અમારાં માબાપ અમને જીવ સાથે પરણાવે તે અમારે મોટું લાંછન આવે અને વળી આપ દેશ-વિદેશ વિચરો ત્યાં અમારાથી સાથે અવાય નહિ અને તમે જે જે લીલા કરો તે અમારા જોયામાં આવે નહિ, માટે અમે સ્ત્રી-આકારે દેખાવામાં ખુશી નથી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, મર્ત્યલોકમાં તમે ને અમે ભેળાં એક સ્થાનમાં રહીશું અને તમને નિરાવરણ રાખશું તે અમારી સર્વ લીલા ઘેર બેઠા થકા દેખશો અને તમને પુરુષનો સ્પર્શ થવા નહિ દઈએ. પછી તેમણે તે આજ્ઞા માથે ચડાવી ને સ્ત્રી-આકારે દેખાયાં અને મહારાજ પણ એમને ઘેર રહેતા હવા. અને રાજબાઈને એમનાં માબાપે પરાણે પરણાવવાનું કર્યું ને ખાંડું મોકલ્યું ત્યાં રાજબાઈનું સ્વરૂપ સિંહના જેવું દેખીને પાછાં વાળી મૂક્યાં, પછી એમણે સર્વ સંબંધીનો તથા દેહનો અનાદર કરીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન ઘણાં કર્યાં. ।।૪।।
અને જીવુબાનું પણ કુંડળમાં રાઈબાઈના દીકરા મામૈયા પટગર સાથે સગપણ કર્યું હતું. પછી જીવુબાએ રાઈબાઈને કહ્યું કે મારે તો વ્યવહાર કરવો નથી; ભગવાન ભજવા છે. પછી રાઈબાઈએ રાજી થઈને રજા આપી ને ગઢડે મોકલી દીધાં. અને લાડુબાઈનું ખાંડું એમને સાસરે જતું હતું તે ગામમાં ધાડું પડ્યું તેની કેડે વાર ચડી હતી. તેમાં જેની સાથે લાડુબાઈનું સગપણું કર્યું હતું તે વારે ગયેલ તે મરાણો. પછી લાડુબાઈ ગઢડે આવતાં રહ્યાં, એવી રીતે એ ત્રણેની શ્રીજીમહારાજે રક્ષા કરી અને એ ત્રણેએ શ્રીજીમહારાજના ભેળા રહીને શ્રીજીમહારાજની પ્રસન્નતાનાં સાધન કર્યાં. ।।૫।।
અને મોટા રામબાઈ વાળાના-જેતપુરનાં હતાં. તેમને પિયરિયાંએ તથા સાસરિયાંએ વ્યવહાર કરાવવા બહુ ઉપાધિ કરી. પછી ભાદર નદીના ધરાના કાંઠા ઉપર રાત્રિએ પોતાનાં વસ્ત્ર મૂકીને ચાલી નીસર્યાં તે શ્રીજીમહારાજની પાસે ગઢડે જઈને ત્યાગી થઈને રહ્યાં. ।।૬।।
અને દાદાખાચરે પોતાનું સર્વસ્વ શ્રીજીમહારાજને અર્પણ કર્યું ને જેમ શ્રીજીમહારાજ કહે તેમ કરતા પણ કોઈ પ્રકારનો સંશય કરતા નહીં. એમની વાતો તો અપાર છે તે ઘણે ઠેકાણે લખી છે. ।।૭।।
અને માંચો ભક્ત પ્રથમ માર્ગીના પંથમાં હતા પણ બ્રહ્મચર્ય વ્રતમાં કુશળ હતા. અને એક કીમિયાવાળો પોતાને ઘેર આવીને ઊતર્યો હતો તેણે તાંબાનું રૂપું કરી બતાવ્યું તેને લાકડી લઈને ગામ બહાર કાઢી મૂક્યો પણ રૂપામાં લોભાયા નહિ અને જ્યારે શ્રીજીમહારાજ મળ્યા ત્યારે એકાંતિક ભક્ત થયા. તે મહારાજને દર્શને ગયા ત્યારે પોતાનો પાંચસો વીઘા કપાસ હતો તે સાંભરશે એમ જાણીને ભેળાવી દીધો. ।।૮।।
અને મૂળજી બ્રહ્મચારી મખિયાવ ગામના બ્રાહ્મણ હતા. તે યજમાનની દીકરીને તેડવા ગયા હતા, તેને તેડીને આવતાં માર્ગમાં એક ગામમાં રાત રહ્યા ત્યાં એ બાઈની નજર ખોટી દેખવામાં આવી, તેથી તેને ત્યાં ને ત્યાં પડી મૂકીને ચાલી નીસર્યા ને શ્રીજીમહારાજ પાસે આવીને બ્રહ્મચારી થયા એવા નિષ્કામી હતા તેમને શ્રીજીમહારાજે જોડા પહેરવાની અને ઘી-ગૉળ જમવાની બંધી કરી અને પોતાની સેવામાંથી પણ કાઢી મૂક્યા તોપણ શ્રીજીમહારાજને વિષે જેવી પ્રીતિ ને દિવ્યભાવ હતો ને જેવી દૃઢતા હતી તેવી ને તેવી જ રહી પણ તેમાં ફેર પડ્યો નહિ, એવી રીતે શ્રીજીમહારાજે ઘણીક પરીક્ષા લીધી તોપણ બ્રહ્મચારી ડગ્યા નહિ એવા પરિપક્વ નિશ્ચયવાળા હતા, એવી એમની કેટલીક વાર્તાઓ છે. ।।૯।।
અને લાધીબા ભુજનાં કાયસ્થ હતાં અને ભુજમાં ભોગીલાલભાઈ હતા તેનાં સંબંધી હતાં અને સ્વતંત્ર સમાધિનિષ્ઠ હતાં ને શ્રીજીમહારાજની મૂર્તિને દિવ્ય તેજોમય તેજના સમૂહને વિષે દેખતાં. તેમને એક ખેતરમાંથી કચ્છી બાર મણ મઠ આવતા, તેમાંથી નિર્વાહ ચલાવતા તેમને શ્રીજીમહારાજે કહાવી મોકલ્યું જે, તમારી પાસે માતાજીને મોકલ્યાં છે તેમનું પોષણ કરજ્યો ત્યારે રાજી થયાં પણ શી રીતે પોષણ કરીશ એવો સંકલ્પ પણ થયો નહિ, એવો શ્રીજીમહારાજના વચનમાં વિશ્વાસ હતો ઇત્યાદિક ઘણી વાતો છે. ।।૧૦।।
અને માતાજી મારવાડમાં એક મહાન રાજાનાં રાણી હતાં. તેમની કુંવરીનો વિવાહ હતો ત્યાં જાન આવી હતી તેમાં ઈડર તથા માણસા આદિકના રાજાની રાણીઓ ગયાં હતાં તે રાણીઓના મુખ થકી વાત સાંભળી જે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે તેથી પોતાના મનમાં વિચાર થયો જે, ભગવાન પ્રગટ થયા ને હું રહી જઈશ તો મારું કલ્યાણ નહિ થાય, એમ જાણીને રાત્રિએ બારીએ દોરડું બાંધીને ઊતરીને ચાલી નીસર્યા; તેમને ખોળ્યાં પણ જડ્યાં નહીં. તેથી રાણાએ ચારે દિશે અસવાર મોકલ્યા તે ઘોડાના ડાબલા વાગતા સાંભળીને એક મરેલા ઊંટના ખોખામાં પેસી ગયાં ને અસવાર પાછા વળ્યા ત્યારે નીસરીને ચાલ્યાં. તે વાટ્યમાં વણઝારાની પોઠ્ય સાથે વીસનગરના તળાવમાં ઊતર્યાં, ત્યાં રાત્રિના છેલ્લા પહોરે બાઈઓ ગામમાંથી નાહવા આવ્યાં તેમનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો શબ્દ સાંભળીને તેમની પાસે આવીને સર્વે હકીકત કહી, પછી તે બાઈઓ ગામમાં લઈ ગયાં, પછી શ્રીજીમહારાજ પાસે ગઢડે આવ્યાં. તેમને મહારાજે માતાજી નામ ધરાવીને લાધીબાઈ પાસે ભૂજ મોકલ્યાં ત્યાં રહીને લાધીબાની સેવા કરીને લાધીબાને દેહ મૂકવો હતો તે દિવસે માતાજીને કહ્યું કે મારે આજ ધામમાં જવું છે પછી માતાજી ઉદાસ થઈ ગયાં ને બોલ્યાં જે, મને સાથે લઈ જાઓ. પછી તેમને દેહ મુકાવીને પછી સ્વતંત્રપણે પોતે દેહોચ્છવ કરીને ધામમાં ગયાં. ।।૧૧।।
અને મુક્તાનંદ સ્વામીએ બેચાર ગુરુ કર્યા પણ ગુરુને વિષે નિષ્કામી વર્તમાનમાં ખામી દેખીને પડ્યા મૂક્યા ને રામાનંદ સ્વામી તથા તેમના સાધુને દૃઢ નિષ્કામી દેખીને ત્યાં રહ્યા અને મન-કર્મ-વચને દાસ થઈને સેવા કરી પણ ગુરુમાં ને અધિકારમાં ને મિલકતમાં બંધાયા નહિ અને શ્રીજીમહારાજ રાત્રિને દિવસ કહે ને રૂમાલને તરવાર કહે તોપણ જીવમાંથી હા પાડે પણ સંશય થતો નહીં. ।।૧૨।।
અને સામત પટેલ એના દીકરાની સ્ત્રીને તેડવા ગયા હતા. તેણે મેણું દીધું જે, તારા દીકરાને તો ખપ નથી ને જો તારે ખપ હોય તો તું લઈ જા. તે સાંભળીને વિચાર કર્યો જે હું સ્વામિનારાયણનો ભક્ત છું ને મને મેણું આપ્યું માટે ઇન્દ્રિય ન રાખવી, એમ વિચારીને ભસ્મ કરી નાખી. ।।૧૩।।
અને મૂળજી તથા કૃષ્ણજી કચ્છ દેશમાં ગામ માનકૂવાના હતા. તે શ્રીજીમહારાજ પાસે ત્યાગી થવા ગયા હતા તેમને મહારાજે ત્યાગી ન કર્યા ને પાછા વાળી મૂકયા. પછી તેમણે પોતે ભગવાં લૂગડાં પહેરીને ગામમાં ઝોળી માગવા માંડી. પછી તેમના સંબંધીએ રજા આપી એટલે ગઢડે આવ્યા. તેમને શ્રીજીમહારાજે વિમુખ કરીને કાઢી મૂક્યા તોપણ વિમુખપણાની માનીનતા રાખી નહિ અને ઘેલા નદીના કાંઠે દેરીમાં જઈને કીર્તન બોલવા માંડ્યા, પછી શ્રીજીમહારાજે તેડાવીને ભેળા રાખ્યા. (પ્ર.) બેમાંથી ભસ્મ કોણે કર્યું હતું ? (ઉ.) કૃષ્ણજીએ કર્યું હતું, તેમનું ઘનશ્યામાનંદ સ્વામી નામ હતું ને મૂળજીનું સર્વજ્ઞાનંદ સ્વામી નામ હતું. ।।૧૪।।
અને ગુંદાળી ગામના બે કાઠી હરિભક્તને ઘેર સાધુ આવ્યા તેમને એ કાઠીની માએ રસોઈ કરાવા માંડી તેની ગામના ઘરડેરા કાઠીને ખબર પડી. તેણે સાધુને રસોઈ કરવા દીધી નહિ ને કાઢી મૂક્યા તે ઘરડેરા કાઠીને મારી નાખ્યો ને પોતે પણ મરાણા એવો પક્ષ રાખ્યો. ।।૧૫।।
અને સુંદરજી સુતાર કચ્છ-ભુજના હતા. તેમણે શ્રીજીમહારાજની ઘણી સેવા કરી હતી અને શ્રીજીમહારાજ એમને ઘરે બહુ રહ્યા હતા તે શ્રીજીમહારાજની કૃપાથી દિવ્ય દૃષ્ટિ પામેલા હતા ને જાનમાં ગયા હતા તેમને શ્રીજીમહારાજે વસ્ત્ર, ઘરેણાં, થોભા ઉતરાવીને કૌપીન વળાવીને તુંબડી આપીને કાશીએ મોકલ્યા તોપણ એમ ન કહ્યું જે હું જાન વળાવીને પછી જાઉં ને મનમાં સંકલ્પ પણ થયો નહિ, એ મહિમા વિના થાય નહીં. ।।૧૬।।
અને ગામ બંધિયાના ડોસા વાણિયાનું ધન કૂવામાં નાખી દેવરાવ્યું ને કૌપીન પહેરાવીને તુંબડી લઈને કાશીએ મોકલ્યા. તે વડોદરે જાતાં શ્રી મુક્તાનંદ સ્વામી મળ્યા તેણે પાછા વાળ્યા ને શ્રીજીમહારાજ પાસે મોકલ્યા તે શ્રીજીમહારાજ પાસે આવ્યા. ત્યારે મહારાજે કહ્યું જે ઘેર જાઓ ને ઘરનું માણસ ઘરમાં હોય ત્યારે તમારે બહાર રહેવું અને એ બહાર નીકળે ત્યારે તમારે ઘરમાં જવું ને જો બેય સાથે ઘરમાં જાઓ તો ઉપવાસ કરવો એમ આજ્ઞા કરી તે દેહ પર્યંત પાળી. ।।૧૭।।
અને રાણો, રાઘવ, વશરામ ને ભીમ એ ચાર ભાઈ ગોલીડા ગામના રાજગર બ્રાહ્મણ હતા. તે ગામમાં યમ પેઠા તેને દેખીને તેમણે કહ્યું કે અમારા ગામમાં પેસશો નહીં. પછી યમ સામા થયા જે તમારાં ઘર સાચવો પણ ગામમાં તો તમારા રોક્યા નહિ રહીએ, પછી તેમને લડાઈ થઈ તે યમને મારીને કાઢી મૂક્યા એવા સમર્થ હતા. તે ભીમ દેહ મૂકી ગયા. ને વશરામ ને રાઘવ બે સાધુ થયા. ને રાણે દેહ મૂકતી વખતે એની માતુશ્રીને કહ્યું જે, મારા બારમાને બીજે દિવસે તને તેડી જઈશ. તે પ્રમાણે તેડી ગયા. ।।૧૮।।
અને કઠલાલની ડોસી કસળબા હતાં તેમણે શ્રીજીમહારાજનો અંગૂઠો પાણીના ઘડામાં બોળાવીને તે પાણી ગામના કૂવામાં નાખ્યું, જે ગામના લોકો પાણી પીશે તે બધાનું કલ્યાણ થાશે એવો તેમને શ્રીજીમહારાજનો મહિમા હતો. ।।૧૯।।
અને પ્રહ્લાદજીની વાત તો આ વચનામૃતમાં લખેલી છે.
૨ પ્ર. અમને રામાનંદ સ્વામીએ કહી મોકલ્યું જે સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ લઈને પણ રહેવું પડશે એમ શ્રીજીમહારાજે કહ્યું તેનું સિદ્ધાંત શું સમજવું ?
૨ ઉ. રામાનંદસ્વામીએ શ્રીજીમહારાજને એમ કહ્યું જે તમે સાક્ષાત્ ભગવાન છો ને જીવોના કલ્યાણ કરવા મનુષ્ય રૂપે પ્રગટ થયા છો તે તમારા આગળ તો સર્વે થાંભલા જેવા એટલે માયિક ને અસમર્થ છે તોપણ તમે જીવોના કલ્યાણ કરવા પધાર્યા છો તેથી આ લોકના મનુષ્ય ભેળું રહેવું પડશે અને મુક્તાનંદ સ્વામી આદિક મુક્તોને ભેળા લાવ્યા છો તે મુક્તોની આજ્ઞામાં રહેજો એટલે મુક્તો જેવા તેવા પામર ને અધમ જીવોનો ઉદ્ધાર કરવાનું કહે તે કરજ્યો ને કરવા દેજ્યો એમ કહ્યું છે. ।।૩।। (૧૧૧)
વચનામૃત લોયાનું - ૪
સંવત ૧૮૭૭ના કાર્તિક વદિ ૧૪ ચૌદશને દિવસ પહોર એક દિવસ ચઢતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) અનંતકોટિ બ્રહ્માંડ છે તે બ્રહ્માંડોને વિષે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાનકાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી જ છે કે અંશ કળાએ કરીને છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ બિલોરી કાચનું એક મોટું મંદિર હોય ને તેને દશે દિશે અનંત બિલોરી કાચની નાની ઓરડીઓ હોય પછી મધ્યનું જે કાચનું મંદિર તેમાં એક પુરુષ ઊભો હોય તે એક ઠેકાણે રહ્યો થકો સર્વે બીજી ઓરડીઓમાં ભાસે તેમ ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિષે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઊપજ્યા જે અનંતકોટિ પ્રધાનપુરુષ તે થકી અનંતકોટિ બ્રહ્માંડ ઊપજે છે પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઇચ્છાએ કરીને અનંતકોટિ બ્રહ્માંડને વિષે અનંત રૂપે દેખાય છે. (૧)
૨ પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) શ્રીકૃષ્ણનારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વે કાળે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મચ્છ, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંત રૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું ? અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ એકસરખી છે કે જુદી જુદી છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનની મૂર્તિ તો સદા એકસરખી છે, તોપણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે અને પોતે તો સદા દ્વિભુજ છે તોપણ પોતાની ઇચ્છાએ કરીને ક્યાંય ચાર ભુજ, ક્યાંય અષ્ટ ભુજ, ક્યાંય અનંત ભુજને દેખાડે છે તથા મચ્છ-કચ્છાદિક રૂપે કરીને ભાસે છે, એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે. (૨) અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે, જેમ વ્યાસજી એક હતા તે શુકજીને સાદ કર્યો ત્યારે સ્થાવર-જંગમ સર્વે જીવમાં રહીને સાદ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર-જંગમ સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો, એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ સર્વે જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગકળાને પામ્યા છે તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગકળાના નિધિ છે તે એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડમાં પોતાની ઇચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે છે તેમાં શું કહેવું ? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે ? કેમ જે કોઈક ગોડિયો હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે ને તેની યથાર્થ ખબર પડતી નથી તો ભગવાનમાં તો સર્વ યોગકળાઓ રહી છે તે મહાઆશ્ચર્યરૂપ છે તેને જીવ કેમ જાણી શકે ! (૩) માટે ભાગવતમાં કહ્યું છે જે આટલા ભગવાનની માયાને તર્યા છે અને વળી એમ કહ્યું જે, કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી તેણે કરીને એમ જાણવું જે, એ ભગવાનની યોગકળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું, તો જે એ ભગવાન તે કેમ એમ કરતા હશે ? અને ભગવાનને એમ સમજે જે, એ તો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે, એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય. (૪) અને કલ્યાણની રીત તો એકસરખી છે પણ ભજનારા જે પુરુષ તેને વિષે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે. (૫) ને તે ભગવાન અતિ સમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થાતો નથી એ સિદ્ધાંત છે. (૬) પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે ઝીણોભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા જે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહિ ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે ? એ વાત સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, મૂંઝાઈ ને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહિ અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સાર્વે અંતે ખોટાં થઈ જાય છે, માટે મૂંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ્ય છે.
૩ પછી ઝીણેભાઈએ પૂછ્યું જે, (૩) ભગવાન ને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ અને જ્યારે ભગવાન ને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જોઈએ અને હૈયામાં શોક પણ થયો જોઈએ, પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાન ને સંત તે આવે ત્યારે રાજી થાવું પણ શોક તો ક્યારેય પણ કરવો નહિ અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહિ, માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી પણ પોતાનું ગમતું કરવા સારુ કોઈ રીતે મૂંઝાવું નહિ અને ભગવાન ક્યાંય જાવાની આજ્ઞા કરે ને જો શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યાં હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાનવાર્તા કરી હોય ઇત્યાદિક ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જાતું રહે અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય તેણે કરીને કેવળ દુઃખિયો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પળે નહિ, માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તોપણ હૈયામાં લેશમાત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૪।। (૧૧૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે અમારા ધામને વિષે રહ્યા થકા અમારી ઇચ્છાએ કરીને અનંતકોટિ બ્રહ્માંડને વિષે અનંત રૂપે દર્શન આપીએ છીએ. (૧) બીજામાં અમારી મૂર્તિ સદાય એકસરખી છે પણ જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી અમારી ઇચ્છાએ કરીને દેખાડીએ છીએ અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરીએ છીએ અને સદાય દ્વિભુજ છીએ તોપણ અમારી ઇચ્છાએ કરીને ક્યાંક ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંત ભુજને દેખાડીએ છીએ તથા મચ્છ-કચ્છાદિક રૂપે દેખાઈએ છીએ. (૨) અને અનંતકોટિ બ્રહ્માંડને વિષે અમે અંતર્યામી રૂપે વ્યાપીને રહ્યા છીએ. (૩) અને અમને નિર્દોષ સમજે તે માયાને તર્યા કહેવાય. (૪) અને કલ્યાણની રીત એકસરખી છે પણ ભજનારા પુરુષના ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થાય છે. (૫) અને અમારા જેવો થાવાને અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. (૬) ત્રીજામાં અમારી પાસે તથા અમારા સંતની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું અને ભૂંડા દેશકાળાદિકમાં મૂંઝાવું નહીં. (૭) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં બિલોરી કાચના મધ્યના મંદિરમાં પુરુષ ઊભો હોય તે પુરુષ ફરતી ઓરડીમાં ભાસે તેમ અમે અક્ષરધામમાં રહ્યા થકા સર્વે બ્રહ્માંડોમાં દેખાઈએ છીએ એમ કહ્યું તે પુરુષનું તો પ્રતિબિંબ દેખાય છે તે પ્રતિબિંબ તો દેખાવામાત્ર જ છે પણ સત્ય નથી તેમ શ્રીજીમહારાજ પણ પ્રતિબિંબની પેઠે દેખાવામાત્ર જ ઠર્યા પણ સાક્ષાત્ દેખાતા નથી એવું થયું માટે તે કેમ સમજવું ?
૧ ઉ. પુરુષનો દેહ તો જડ છે તે બીજે ઠેકાણે દેખાવા સમર્થ નથી અને ભગવાન તો ચૈતન્ય મૂર્તિ છે ને અતિ સમર્થ છે ને સર્વત્ર વ્યાપક છે માટે અનંત બ્રહ્માંડમાં પોતે જ દર્શન આપે છે ને બોલવું ઘટે તેની સાથે બોલે ને ચહાય તેવું રૂપ ધરે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અને જડ દૃષ્ટાંત તો એકદેશી જ હોય, પણ સર્વદેશી ન હોય માટે જડ વસ્તુના દૃષ્ટાંત પ્રમાણે જ સિદ્ધાંત હોવો જોઈએ એમ ન જાણવું.
૨ પ્ર. શ્રીજીમહારાજે કહ્યું જે અમે એક ઠેકાણે રહ્યા થકા અનંત ઠેકાણે દેખાઈએ છીએ તે એ ને એ રૂપે દેખાતા હશે કે અનંતરૂપ ધારવાં પડતાં હશે ?
૨ ઉ. પોતાના તેજરૂપી અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત ઠેકાણે સંકલ્પે કરીને ધામમાં છે એ જ દેખાય છે પણ બીજું રૂપ ધારવું પડતું નથી એવી પોતામાં યોગકળા છે.
૩ પ્ર. બીજા પ્રશ્નમાં જે ભગવાન અક્ષરધામમાં રહ્યા છે તે જ ભગવાન પોતે ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંત ભુજને દેખાડે છે તથા મચ્છ-કચ્છાદિક અનંત રૂપે ભાસે છે એમ કહ્યું અને (પ્ર. ૪૧, ૪૫, ૫૧, ૫૬ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં, ૬૨ના પહેલા પ્રશ્નમાં, ૬૩ના ત્રીજા પ્રશ્નમાં, ૬૪/૧માં, ૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં, ૭૮ના નવમા પ્રશ્નમાં, સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં, ૧૭/૧.૨માં, કા. ૭ના ચોથા પ્રશ્નમાં, ૮/૧.૨.૩માં, ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં, લો. ૭ના ૩/૮ ત્રીજા પ્રશ્નમાં, ૧૦ના ૬/૮ છઠ્ઠા પ્રશ્નમાં, ૧૨ના પહેલા પ્રશ્નમાં, ૧૩ના બીજા પ્રશ્નમાં, ૧૪/૨માં, ૧૭ના પ/૭ પાંચમા પ્રશ્નમાં, પં. ૧/૧માં, ૨માં, ૪માં, ૬/૨માં, ૭/૨ માં, મ. ૯/૧માં, ૧૩/૧.૨.૩માં, ૩૧ના પહેલા પ્રશ્નમાં, તથા ૨/૫ બીજા પ્રશ્નમાં, ૫૦/૧માં, ૬૭માં અને અ. ૭/૧માં) શ્રીજીમહારાજને સર્વે અવતારોના કારણ ને સર્વેથી પર કહ્યા છે તે વિરોધ આવ્યો તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. શ્રીજીમહારાજમાં ને બીજા અવતારોમાં તો ભેદ અતિશે છે પણ આ વચનામૃતમાં તો શ્રીજીમહારાજ ઘણાક મતવાદીઓને મચ્છ-કચ્છાદિક તથા રામકૃષ્ણાદિક અનંત રૂપે તથા ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંત ભુજ રૂપે દેખાયા હતા તે રૂપ કહ્યાં છે તે પરથારામાં નવમી બાબતમાં કહ્યું છે જે, મતવાદીઓને એમના ઇષ્ટદેવ રૂપે પોતે દેખાતા હવા તે સ્વરૂપ જાણવાં.
૪ પ્ર. (૨/૫ બીજા પ્રશ્નમાં) ભજનારામાં, શ્રદ્ધામાં ને કલ્યાણમાં ભેદ કહ્યા તે કેવી રીતે જાણવા ?
૪ ઉ. શ્રીજીમહારાજને ભજે પણ મૂળઅક્ષરાદિક સર્વે અવતારોના અવતારી ને સર્વેના કારણ ને સર્વેથી પર ન જાણે ને બીજા અવતારો જેવા જાણે તે ઉપાસનાના ભેદ સમજવા તે ઉપાસનાને ભેદે કરીને ભજનારામાં ભેદ પડે છે એટલે કોઈક રામચંદ્રજી જેવા, કોઈક શ્રીકૃષ્ણ જેવા, ને કોઈક વાસુદેવ જેવા, કોઈક અક્ષર જેવા, અને કોઈક તો જેવા છે એવા જાણીને ભજે છે એવી રીતે ભજનારામાં ભેદ પડે છે અને શ્રદ્ધા એટલે આસ્થા તે પણ ઉપાસના પ્રમાણે જ બેસે એટલે આસ્થામાં પણ ભેદ પડે છે. અને કલ્યાણનો માર્ગ તો શ્રીજીમહારાજના તેજરૂપ થઈને શ્રીજીમહારાજને ભજે તો આત્યંતિક કલ્યાણ થાય તેમાં આત્યંતિક કલ્યાણ એ જ એક કલ્યાણનો માર્ગ છે પણ બીજો નથી, તે જ્યારે શ્રીજીમહારાજને સર્વોપરી જાણીને ભજે ત્યારે જ આત્યંતિક કલ્યાણ થાય; એ જ કલ્યાણ કહેવાય, પણ તે વિના બીજું એકે સર્વોપરી આત્યંતિક કલ્યાણ ન કહેવાય, માટે આત્યંતિક કલ્યાણનો એ એક જ માર્ગ છે. ।।૪।। (૧૧૨)
વચનામૃત લોયાનું - ૫
સંવત ૧૮૭૭ના કાર્તિક વદિ અમાસને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને
બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, (૧) કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ? ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય ? પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, પંચવર્તમાન સંબંધી પોતામાં કાચ્યપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચ્યપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો ત્યારે તે નિષ્કપટ કહેવાય. અને એ માંહીલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. (૧)
૨ પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૨) એવો કપટી હોય ને તે ડાહ્યો હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખીએ ? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે એ તો એમ ઓળખાય જે, એનો સહવાસ હોય ને ખાધે-પીધે, બેઠતે-ઊઠતે, ચાલતે-હાલતે પોતા ભેળો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે ને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખ્યામાં આવે. (૨)
૩ પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૩) દંભે કરીને વર્તમાન પાળે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન ને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એમ કેમ કળીએ જે એનો દંભે કરીને વર્તમાન ને નિશ્ચય છે ? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય; નહિ તો ન કળાય. (૩)
૪ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૪) ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બેમાંથી કેવો ઘાટ હોય તે પાડે ને કેવો ઘાટ હોય તોપણ ન પાડે ? અને તેનો અવધિ હોય તે કહેવો જે ક્યાં સુધી એ ઘાટ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે ? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસ વતે થયો નહિ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ઘાટને ટાળ્યાનો યત્ન કરે તોપણ ટળે નહિ એવો જે કાંઈક ધર્મ પાળ્યામાં અયોગ્ય ઘાટ રહેતો હોય અને તે ઘાટ પંદર દિવસ તથા મહિના સુધી ન થાય ને વળી કોઈક દિવસ પ્રગટ થઈ આવે એવો જે ઘાટ તે ધર્મમાંથી પાડે અને એમ જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું અને જે ઘાટ થયો ને તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ઘાટ થાય નહિ એવો જે ઘાટ તે એ બેમાંથી પાડી શકે નહીં. (૪)
૫ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૫) સત્સંગમાં દૃઢ પાયો કેનો થાય ને કેનો ન થાય ? પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દૃઢ પાયો થાય છે અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તોપણ એનો દૃઢ પાયો નથી. (૫)
૬ પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૬) સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણે હોય, ત્યારે અતિશે ઇન્દ્રિયો-અંતઃકરણ જિતાય કે એમાંથી એકે વાનું હોય તોપણ જિતાય ? અને જો એમ કહેશો જે એ ત્રણે વાનાં ભેળાં હોય તો જિતાય, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી ? અને શાસ્ત્રમાંથી શી યુક્તિ શીખવી ? અને પોતાનો વિચાર કરીને શી યુક્તિ શીખવી તે કહો ? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું માહાત્મ્ય સમજવું અને સંતથી એમ શીખવું જે, જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે જે આ રીતે નેત્રની દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિક જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે શિખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવીને તેમ વર્તવા લાગવું, એમ ત્રણે વાનાંએ કરીને ઇન્દ્રિયો-અંતઃકરણ જિતાય છે.(૬)
૭ અને તે પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૭) ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જિતાય છે કે અંતઃકરણને જીતે ઇન્દ્રિયોને જિતાય છે ? પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, બાહ્ય ઇન્દ્રિયોને દેહ-દમને કરીને જીતે અને દેહ-દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જિતાણી હોય તોપણ પાંચ વર્તમાનના નિયમમાં દૃઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને અંતઃકરણ જિતાય પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જિતાય નહિ અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જિતાય છે, કેમ જે જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તવા દે નહિ, ત્યારે અંતઃકરણ માંહીલી કોરથી નિરાશ થઈ જાય છે જે આ દેહે કરીને આ વાત બનવાની નથી. (૭)
૮ અને તે પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૮) બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જિતાય ને અંતઃકરણ શાણે કરીને જિતાય ? પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, ધર્મશાસ્ત્રમાં કહ્યા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્તકૃચ્છ્ર-ચાંદ્રયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરે અને ભગવાનનાં કથા, કીર્તન, વાર્તા કરે તથા ભજન-સ્મરણમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જિતાય છે અને ભગવાનના માહાત્મ્યનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જિતાય છે. (૮) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૧૧૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૮) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કપટી-નિષ્કપટીનું લક્ષણ કહ્યું છે. (૧) બીજામાં કપટીને ઓળખવાનો ઉપાય કહ્યો છે. (૨) ત્રીજામાં દંભીની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય છે. (૩) ચોથામાં અયોગ્ય ઘાટ ફેર ન થાય તો ધર્મમાંથી ને નિશ્ચયમાંથી પાડી શકે નહીં. (૪) પાંચમામાં સંતનો ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ હોય તેનો સત્સંગમાં દૃઢ પાયો કહ્યો છે. (૫) છઠ્ઠામાં ઇન્દ્રિયો-અંતઃકરણને જીત્યાની ત્રણ પ્રકારની યુક્તિ બતાવી છે.(૬) સાતમામાં ઇન્દ્રિયો જીતે અંતઃકરણ જિતાય છે. (૭) આઠમામાં ઇન્દ્રિયો-અંતઃકરણને જીત્યાના પૃથક્ પૃથક્ ઉપાય બતાવ્યા છે. (૮) બાબતો છે.
૧ પ્ર. (૪ ચોથા પ્રશ્નમાં) મહિના સુધીમાં ઘાટ થાય તે ધર્મ ને નિશ્ચયમાંથી પાડે એમ કહ્યું તે ઘાટ ટાળવાનો ઉપાય શો હશે ?
૧ ઉ. માન મૂકીને નિષ્કપટ થઈને દીનતાએ સહિત ભગવાનની અથવા મોટાપુરુષની પ્રાર્થના કરવી અને સેવાએ કરીને તેમને રાજી કરવા તો તે દયા કરીને ઘાટને ટાળી નાખે.
૨ પ્ર. (૫ પાંચમા પ્રશ્નમાં) દત્તાત્રેયના દૃષ્ટાંતે કરીને સંતનો ગુણ ગ્રહણ કરવાનું કહ્યું ને (પ્ર. ૫૩માં) પંચવર્તમાનરૂપી મર્યાદાનો ભંગ કરે તેનો અવગુણ લેવાનું કહ્યું તે કેમ સમજવું ?
૨ ઉ. શ્રીજીમહારાજની આજ્ઞા પાળતા હોય તે સર્વેનો ગુણ લેવાનું કહ્યું તે ગુણ લેવે કરીને વૃદ્ધિ પામવાનો ઉપાય છે, માટે જે પંચવર્તમાને યુક્ત હોય તે સર્વેનો ગુણ લેવો અને જે પંચવર્તમાનનો ભંગ કરતા હોય તેનો ગુણ લે તો તેને વિષે સત્પુરુષની બુદ્ધિ રહે; તેથી તેનો ત્યાગ કરીને ધર્મવાળાનો સમાગમ થઈ શકે નહિ તેથી રૂડા ગુણ ન આવે. ને એવી નબળી સોબતે કરીને ઘટી જાય માટે તેનો ગુણ ન લેવો એમ કહ્યું છે માટે જે શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળે તેનો સંગ કોઈ પ્રકારે ભૂલે પણ ન કરવો એ સિદ્ધાંત વાત છે. ।।૫।। (૧૧૩)
વચનામૃત લોયાનું - ૬
સંવત ૧૮૭૭ના માગશર સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને તે ધોળા ફેંટાનું છોગલું માથે લટકતું હતું ને ચોફાળ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે ? પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો, ત્યારે શ્રીજીમહારાજે કર્યો જે, એકાંતિકપણું એમાં આવે એ અતિશે દુર્લભ છે તે એકાંતિકપણું તે શું ? તો ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય એ ત્રણે યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું
કહીએ. (૧)
૨ પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૨) ધર્મ સંબંધી સાધનમાં એવું કિયું સાધન છે જે એક રાખવે કરીને સર્વે ધર્મ રહે અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કિયું છે જે આપત્કાળ હોય ને સર્વે જાય ને જો એક રહે તો સર્વે રહે ? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે. (૨) અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. (૩)
૩ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૩) કેવી મતિ એક પ્રકારની રાખ્યે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય ને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય ? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહિ ને ભગવાનનું માહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય અને પોતે પોતાના મનને જાણે જે મતિમાં નિશ્ચય કર્યો હોય જે, મારે આમ કરવું છે તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી ને સંત કહે જે, આંહીં બેસવું નહિ, ને આ કરવું નહિ તો તે ઠેકાણે બેસવું નહિ ને તે કરવું નહિ, એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય ને એ મતિને ફેરવે નહિ ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. (૪)
૪ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૪) કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય ને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય ને તેની પાસે બેસીએ ને વાત સાંભળીએ તો દોષ લાગે ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય તોપણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર લે, પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે, એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખવો ને રાખે તો ભૂંડું થાય. (૫)
૫ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૫) કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય તોપણ તેને ભેળે ના’વા જાવું નહિ ને પાસે પથારી કરવી નહિ ને તેની વાત પણ ન સાંભળવી ? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, જે સંત હિંમત રહિત વાત કરતો હોય જે શું, એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે ? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહિ તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય, પણ આ જ દેહે કરીને શું કલ્યાણ થાય છે ? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. (૬) અને જે એમ કહેતો હોય જે, આ ને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ ને કામ, ક્રોધ, મદ, મત્સર, માન ઇત્યાદિક દોષનો શો ભાર છે ? ભગવાન ને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખશું, એમ જે કહેતો હોય ને કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ સર્વે પ્રકારે કરવો. (૭)
૬ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૬) કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તોપણ તેનો ત્યાગ કરવો ? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, જે પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય ને પુરુષાર્થે કરીને જ પોતાને કૃતાર્થ માનતો હોય પણ ભગવાનનું બળ ન રાખે ને એમ સમજે જે, આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે તો તેનો પણ ત્યાગ કરવો. (૮)
૭ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૭) કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, વર્તમાન પણ સૂધાં સારાં પાળતો હોય ને નિશ્ચય સૂધો હોય ને તે પાસે આપણે રહેતા હોઈએ ને આપણને ટોકે નહિ ને પંપોળીને રાખે ને જાપરો રાખે તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહિ ને તે લોકવ્યવહારે મોટો ન કહેવાતો હોય તોપણ તેનો સંગ કરવો. (૯)
૮ પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૮) જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભક્તિ-જ્ઞાનાદિક હોય પણ તેમાં એક એવો કિયો ભૂંડો દોષ હોય જેણે કરીને તેનો સંગ ન કરીએ ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, જેને આળસ બહુ હોય ને નિદ્રા બહુ હોય ને સ્નાન-ધ્યાનાદિક જે નિયમ તેને પાળવાનું કોઈક કહે તો કહે જે, હમણાં કરશું; શી ઉતાવળ છે ? ધીરે ધીરે થાશે એમ બોલે તે સૂધો સારો હોય તોપણ તેનો સંગ ન કરવો. (૧૦)
૯ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૯) સૂધી સારી વાત કરતો હોય તોપણ તેની વાત ન સાંભળીએ એવો એની વાણીમાં શો દોષ જાણવો ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, વાત કરવામાં પોતાને વિષે જે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ને ધર્મ તેની જ અહંકારે કરીને પોતે સરસાઈ દેખાડે ને બીજા સંતમાં જે જ્ઞાન, ભક્તિ આદિક ગુણ તેની કાંઈક ન્યૂનતા દેખાડે, એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી. (૧૧)
૧૦ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૦) જેની વાણીમાં કુત્સિતપણું હોય તોપણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ એવી તે કેઈ વાણી છે ? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી મા, બાપ, બોન, ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સિત શબ્દે કરીને નિંદા કરતો હોય તો તે વાણી સારી જાણવી, શા સારુ જે, તે વાણીને જે સાંભળે તેને તે સંતની કોરનો એમ ગુણ આવે જે, આ સંતને તો કોઈ રીતે પોતાના દેહ-સંબંધી આદિકમાં હેત નથી માટે તે વાણીને અમૃતની પેઠે પાન કરવી. (૧૨)
૧૧ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૧) કિયે ઠેકાણે માન રાખવું ને કિયે ઠેકાણે માન ન રાખવું ? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ભગવાનનો દૃઢ આશ્રિત હોય ને તે જેવો તેવો ગરીબ હરિભક્ત હોય તોપણ તે આગળ માન ન રાખવું અને જેને સત્સંગ થકી કાંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું પણ તેથી દબાઈ જાવું નહિ ને પ્રશ્ન-ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું. (૧૩)
૧૨ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૨) કિયે ઠેકાણે હેત રાખવું ને કિયે ઠેકાણે ન રાખવું ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ જે બુરાનપુર તથા કાશીએ કોણ જાશે ? ત્યારે કાંઈ બોલે નહિ ત્યારે તે સભામાંથી પોતે ઊઠીને અમને એમ કહેવું જે કહો તો હે મહારાજ ! હું જાઉં, એમ કહીને અમારી આજ્ઞા લેઈને ત્યાં જવું; એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારાં દર્શનાદિકનું હેત પણ ન રાખવું. (૧૪) અને અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ ને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય ને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઈક એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હેત જણાવે ને એમ કહે જે હું તો એનો વેચાણ છું અને મારા કટકા કરી નાખે તોપણ મારે એમનો અવગુણ ન આવે; એ તો મારા કલ્યાણના કરતલ છે, એવી રીતે તે ઠેકાણે અતિશે હેત જણાવવું. (૧૫)
૧૩ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૩) જેણે કરીને ભગવાન રાજી થાતા હોય તોપણ તે કરવું નહિ અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તોપણ તે કરવું એવું તે શું છે ? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે, અમે કોઈક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિષે ચિરકારી થવું કહેતાં તેમાં ઘણીક વાર લગાડવી પણ તુરત માનવું નહિ, જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જે અશ્વત્થામાનું માથું કાપી નાખો, પછી તે વચન અર્જુને ન માન્યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થાતા હોઈએ તોપણ ન માનવું તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કહ્યા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું અને એ બે વચન ન માનીએ ને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા પણ તેમાં રાજી ન કરવા. (૧૬)
૧૪ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૪) ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિષે અનેક પ્રકારના ભૂંડા ઘાટના તરંગ ઊઠવા માંડે, જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઊઠે તેમ ભૂંડા ઘાટ ઊઠવા લાગે ત્યારે તે ઘાટ કેમ ટાળવા ? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો જે, જ્યારે એવા ભૂંડા ઘાટ થાવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઊંચે સ્વરે નિર્લજ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું ને હે દીનબંધો ! હે દયાસિંધો ! એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેનાં નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય ને નિરાંત થાય પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી. (૧૭)
૧૫ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૫) આ સત્સંગમાં જે અતિ મોટો ગુણ જણાતો હોય ને તે ગુણના સર્વે વખાણ કરતા હોય તોપણ તે ત્યાગ કરવા યોગ્ય હોય એવો કિયો ગુણ છે ? અને દોષે હોય ને તે ગ્રહણ કરવા યોગ્ય હોય એવો કિયો દોષ છે ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, મુક્તાનંદ સ્વામી જેવા હોય તે સર્વેથી સરસ વર્તમાન પાળતા હોય ને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય, કેમ જે એમની બરોબર વર્તાય નહિ તે સારુ એ ગુણ યદ્યપિ મોટો છે તોપણ તેનો ત્યાગ કરીને સર્વ સંતને બરોબર વર્તવું અને બરોબર વર્તવારૂપ દોષ છે તોપણ એનું ગ્રહણ કરવું. (૧૮)
૧૬ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૬) આ સંતમાં એવો કિયો એક દોષ છે જે જેનો ત્યાગ કરે ત્યારે સર્વ દોષમાત્રનો ત્યાગ થઈ જાય ? અને એવો કિયો એક ગુણ છે જે એક આવે સર્વે ગુણ આવે ? ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો જે, દેહાભિમાનરૂપ દોષ છે તેમાં સર્વે દોષ રહ્યા છે ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું, એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વ ગુણમાત્ર આવે છે. (૧૯)
૧૭ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૭) કેવા પંચવિષયને સેવવે કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે ? અને કેવા પંચવિષયને સેવવે કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ભગવાન સંબંધી જે પંચવિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને જગત સંબંધી પંચવિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. (૨૦)
૧૮ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૮) કેવો દેશ, કેવો કાળ, કેવો સંગ, કેવી ક્રિયા જેનો સંબંધ ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન કરવો ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, જે દેશમાં રહે થકે પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠા-ઊઠ્યાનો યોગ થતો હોય તો તે દેશમાં ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન રહેવું અને અમારાં દર્શન થાતાં હોય ને તે ભેળે સ્ત્રીઓનાં દર્શન થાતાં હોય, એવો સંગ તથા ક્રિયા હોય ત્યાં અમે બેસારીએ ને કહીએ જે, અમારાં દર્શન કરો તોપણ તે ઠેકાણે બેસવું નહિ ને કોઈક મિષ લેઈને ઊઠી જવું અને જે કાળમાં વિષમપણું વર્તતું હોય ને મારકૂટ થાતી હોય ને જો ભગવાનની આજ્ઞા હોય તોપણ ત્યાંથી ચાલી નીકળવું પણ તે જ ઠેકાણે રહીને માર ન ખાવો. (૨૧)
૧૯ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૯) કિયાં શાસ્ત્રને સાંભળવાં ને ભણવાં ને કિયાં શાસ્ત્રને ન સાંભળવાં ને ન ભણવાં ? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય ને તે ગ્રંથ જો શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સૂધા બુદ્ધિવાનના કરેલા હોય તોપણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહિ ને સાંભળવા પણ નહિ અને જો રણછોડ ભક્તના જેવાં કીર્તન જ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તેને ગાવવાં ને સાંભળવાં તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા ને સાંભળવા. (૨૨) ઇતિ વચનામૃતમ્ ।।૬।। (૧૧૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧૯) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે એકાંતિકપણું આવે તે દુર્લભમાં દુર્લભ સાધન છે. (૧) બીજામાં નિષ્કામપણું હોય તો સર્વે ધર્મ રહે છે. (૨) અને નિશ્ચય રહે તો ભક્તિ આદિક સર્વે સાધન રહે છે. (૩) ત્રીજામાં અમારા નિશ્ચયરૂપી મતિ ફરવા દે નહિ તો રૂડું થાય અને તુચ્છ સ્વભાવની આંટી સંતને વચને કરીને મૂકી દેવી. (૪) ચોથામાં અમારો નિશ્ચય ને ધર્મ હોય પણ વ્યવહારમાં આસક્તિ ને દેહાભિમાન તથા માન હોય તેનો સંબંધ રાખે તો ભૂંડું થાય છે. (૫) પાંચમામાં ધર્મ ને નિશ્ચય બેય હોય પણ હિંમત રહિત વાત કરતો હોય તેનો ત્યાગ કરવો. (૬) અને કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ કરવો. (૭) છઠ્ઠામાં અમારું બળ ન રાખે ને પોતાના પુરુષાર્થનું જ બળ રાખે તેનો ત્યાગ કરવો. (૮) સાતમામાં નિશ્ચય ને વર્તમાન હોય પણ ટોકે નહિ તો તેનો સંગ ન કરવો ને જે ટોકે તે લોકવ્યવહારે મોટો ન હોય તોપણ તેનો સંગ કરવો. (૯) આઠમામાં ભક્તિ-જ્ઞાનાદિક ગુણ હોય પણ તે આળસુ હોય તો તેનો સંગ ન કરવો. (૧૦) નવમામાં અહંકારે કરીને પોતાની સરસાઈ દેખાડે ને બીજા સંતના ભક્તિ-જ્ઞાનાદિક ગુણની ન્યૂનતા દેખાડે તેની વાત ન સાંભળવી. (૧૧) દશમામાં પોતાના સંબંધીની નિંદા કરતો હોય તેની વાણી સાંભળવી. (૧૨) અગિયારમામાં અમારા ગરીબ ભક્ત આગળ માન ન રાખવું ને સત્સંગમાંથી પાછો પડી ગયો હોય તેની આગળ રાખવું. (૧૩) બારમામાં અમે જ્યાં મૂકીએ ત્યાં જવું પણ અમારા દર્શનાદિકનું હેત ન રાખવું. (૧૪) અને વિમુખ અમારો કે સંતનો અવગુણ કહે તેના આગળ અમારું ને સંતનું હેત જણાવવું પણ અમારો અવગુણ લેવો નહીં. (૧૫) તેરમામાં અધર્મ જેવું ને નિયમભંગ જેવું અમારું વચન ન માનવું. (૧૬) ચૌદમામાં અમારું ધ્યાન કરતાં ઘાટ થાય તો અમારી ને મુક્તની પ્રાર્થના કરવી તો ઘાટ ટળી જાય. (૧૭) પંદરમામાં સર્વથી સરસ વર્તવારૂપ ગુણનો ત્યાગ કરીને બરોબર વર્તવું. (૧૮) સોળમામાં દેહાભિમાનમાં સર્વે દોષ રહ્યા છે અને આત્મનિષ્ઠામાં સર્વે ગુણ રહ્યા છે. (૧૯) સત્તરમામાં અમારા સંબંધી પંચવિષયને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય ને જગત સંબંધી પંચવિષયને સેવે તો અંધકાર થાય છે. (૨૦) અઢારમામાં દેહના સંબંધીનો યોગ તથા અમારા ભેળા સ્ત્રીઓનાં દર્શન થતાં હોય એવો સંગ તથા ક્રિયા હોય ને મારકૂટ થાતી હોય ત્યાં અમારી આજ્ઞાએ પણ ન રહેવું. (૨૧) ઓગણીસમામાં અમારું સાકારપણું પ્રતિપાદન કરતાં હોય તે શાસ્ત્ર વાંચવાં ને સાંભળવાં પણ નિરાકારનું પ્રતિપાદન કરતાં હોય તે વાંચવાં-સાંભળવાં નહીં. (૨૨) બાબતો છે.
૧ પ્ર. (૧૧/૧૩ અગિયારમા પ્રશ્નમાં) સત્સંગથી પાછો પડી ગયો હોય તેના આગળ માન રાખવું ને તેના વેણ ઉપર વેણ લાવવું એમ કહ્યું તે પાછો પગ પડી ગયો તે કેમ જાણવો ?
૧ ઉ. નિષ્કામાદિક વર્તમાનમાં ચૂક પડી ગઈ હોય તથા સંતનો ને સત્સંગનો અવગુણ લેતો હોય તે સત્સંગથી પાછો પડી ગયો કહેવાય, એવાની મહોબતમાં ન લેવાવું.
૨ પ્ર. (૧૩/૧૬ તેરમા પ્રશ્નમાં) અમે અયોગ્ય વચન કહીએ તે ન માનવું એમ કહ્યું અને (સા. ૨ના ૨/૩ બીજા પ્રશ્નમાં) અમારું વચન અયોગ્ય હોય તોપણ તત્કાળ માનવું એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. (સા. ૨માં) શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા હોય ત્યારે કહે જે નાહ્યા વિના જમો ને એકાદશીને દિવસે અન્ન જમો એવું કોઈક વચન શાસ્ત્ર વિરુદ્ધ કહે તો તેમાં આશંકા થાય પણ તે સમે હા પાડવી અને શ્રીજીમહારાજનો આગ્રહ હોય તો તે વચન માનવું એમ કહ્યું છે ને આ વચનામૃતમાં નિષ્કામાદિક વર્તમાનમાં ફેર પડતો હોય એવું અમારું વચન ન માનવું એમ કહ્યું છે અને નાહ્યા-ધોયા વિના ખાવાનું કે એકાદશીને દિવસે અન્ન જમવાનું આજ કોઈક મોટા મુક્ત હોય ને તે કહે તોપણ તે વચન ન માનવું તો વર્તમાનભંગ વચન તો મનાય જ કેમ ? એનો તો સંગ પણ ન રખાય.
૩ પ્ર. (૧૫/૧૮ પંદરમા પ્રશ્નમાં) અધિક વર્તવારૂપી ગુણનો ત્યાગ કરીને બરોબર વર્તવારૂપી દોષનું ગ્રહણ કરવાનું કહ્યું તેનું શું કારણ હશે ?
૩ ઉ. અગનોતેરની સાલમાં ગઢડેથી શ્રીજીમહારાજે ચારસેં સંતોને આજ્ઞા કરી જે, પૂર્વદેશમાં ચાલ્યા જાઓ ને અષાડી પાંચમની વીજળી થાય ત્યાંથી પાછા વળજો. પછી સંત ચાલ્યા તે બુરાનપુર તરફ જાતાં વીજળી થઈ ત્યાંથી પાછા વળ્યા તે વડોદરા પાસે એક ગામ આવ્યું ત્યાં વાણિયાની વખારમાં રાત રહ્યા. ત્યાં ચાર દિવસ લાગટ વરસાદ બહુ થયો તે ઝોળીએ પણ જવાય નહિ ત્યારે વાણિયે કહ્યું જે તમે મારું અન્ન જમો કાં મારા ઉતારામાંથી જતા રહો પણ હું તમને ભૂખ્યા નહિ રહેવા દઉં. પછી એક જણાનું ચાર દિવસ લાગટ અન્ન લેવાની મહારાજે ના પાડી હતી તેથી સંતોએ ના પાડી. પછી મુક્તાનંદ સ્વામીએ સંતોને કહ્યું જે, આ વરસાદમાં ક્યાં જઈશું માટે મહારાજની હું પ્રાર્થના કરીશ ને તમે જમો, પછી સર્વે સંત જમ્યા પણ આત્માનંદ સ્વામી ન જમ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે એક ગામ આવ્યું ત્યાં બારસનો દિવસ હતો તે પારણું કરાવવા એક સત્સંગીએ રોક્યા અને ખીચડી ચડતાં તેમાં છાનું ઘી નખાવ્યું. પછી પંક્તિ થઈ ત્યારે ઘીનો સુગંધ આવ્યો તેથી સંતે જમવાની ના પાડી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, બારસનો દિવસ છે ને ભાલ સોસરું જવું છે તે ભૂખ નહિ વેઠાય માટે જમો. પછી સંત સર્વે મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી જમ્યા પણ આત્માનંદ સ્વામી તો ન જમ્યા. પછી સંત સર્વે મહારાજ પાસે આવ્યા ને મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, હે મહારાજ! આપનાં બે વચન લોપ્યાં છે. પછી શ્રીજીમહારાજ બહુ રાજી થઈને બોલ્યા જે, સ્વામી તમે બહુ સારું કર્યું, એવા આપત્કાળમાં એમ જ કરવું એમાં અમે રાજી છીએ. એમ કહીને પછી આત્માનંદ સ્વામીને શ્રીજીમહારાજ વઢ્યા જે, તમારા કરતાં મુક્તાનંદ સ્વામીને દશ ગણો વૈરાગ્ય છે ને એમને સાધુને રાખતાં આવડે છે ને તમારી સાથે સાધુને મોકલ્યા હોય તો તમે તો રેલણ-છેલણ કરી મૂકો ને સાધુને વીંખી નાખો એમ વઢ્યા, માટે આવો આપત્કાળ આવ્યો હોય તે વખતે બરોબર વર્તવાનું કહ્યું છે પણ નિષ્કામશુદ્ધિ ને ધર્મામૃતની આજ્ઞા લોપતા હોય તેની બરોબર વર્તવાનું કહ્યું નથી; તેનો તો સંગ જ ન કરવો. ।।૬।। (૧૧૪)
વચનામૃત લોયાનું - ૭
સંવત ૧૮૭૭ના માગશર સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાઘનું છોગલું વિરાજમાન હતું તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપ્યું પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા જે આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ.
૧ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) શ્રુતિમાં કહ્યું છે જે :
।। ऋते ज्ञानान्न मुक्ति: । तमेव निदित्वाकिमृत्युमेति नान्य: पन्था विद्यतेडयनाय ।।
એ શ્રુતિમાં એમ કહ્યું છે જે, ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે ત્યારે શાસ્ત્રમાં જે બીજાં સાધન કલ્યાણને અર્થે બતાવ્યાં છે તેનું શું પ્રયોજન છે ? કેમ જે, કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે, એવા પ્રશ્નને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્ઞાન તે જાણવાનું નામ છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે તેણે કરીને સર્વેનું કલ્યાણ થાતું નથી, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્યા તેણે કરીને જેમ કલ્યાણ નથી તેમ જ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્યે પ્રત્યક્ષ દીઠા હતા તો તેણે કરીને પણ શું કલ્યાણ થયું છે ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, જેણે ભગવાનને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે, કાં જે જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે અને જેને નેત્રે કરીને દેખે છે તેને જ શાસ્ત્રે કરીને જાણે છે, માટે બેનું બીજબળ બરોબર થાય છે ને બેનું જન્માંતરે કલ્યાણ પણ બરોબર છે, કેમ જે શ્રવણે કરીને ભગવાનને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સાંભળ્યા જ કહેવાય અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સ્પર્શ કર્યો જ કહેવાય, અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે જોયા જ કહેવાય, અને નાસિકાએ કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે સૂંઘ્યા જ કહેવાય, અને જિહ્વાએ કરીને વર્ણન કર્યાં તેમાં શું જ્ઞાન નથી ? પણ તેને તે વર્ણન કર્યાં જ કહેવાય, એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે. (૧) તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે, અને અંતઃકરણ-ઇન્દ્રિયો પર જે જીવસત્તા તદાશ્રિત જે અનુભવજ્ઞાન છે, તેમાંથી તમે કિયા જ્ઞાનને કહો છો ? અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે, જેને વિષે સ્થાવર-જંગમરૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે અને સંકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે. તથા મચ્છ-કચ્છાદિક અવતારનું ધારણ કરે છે. (૨) એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે તેમાં કોઈ કાર્ય તો એવું છે જે, જેમાં અંતઃકરણ-ઇન્દ્રિયો નથી પૂગતાં; કેવળ અનુભવજ્ઞાને કરીને જ જણાય છે ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે અને કોઈ કાર્ય એવું છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે, માટે તમે કિયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, જે ભગવાનના સ્વરૂપને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એવા જે ભગવાન તે તો શ્રીકૃષ્ણ છે તે તો પોતે પોતાને એમ કહે છે જે :
यस्मात् क्षरमीततोडहमक्षरादपि चोत्तम: ।
विष्टभ्याह मिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ।।
मत्त: परतरं नान्यत्किंचिदस्ति धनंजयમત્તઃ ! ।
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ।
पश्य मे पार्थ ! रृपाणि शतशोडथ सहस्रश: ।
ઇત્યાદિક વચને કરીને પોતે પોતાને ઈન્દ્રિયો-અંતઃકરણ થકી અગોચર કહે છે, માટે ભગવાનને તત્ત્વે કરીને સમજવા તે તો એમ છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણ તથા અનુભવ એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય અને એ ત્રણ પ્રકારમાંથી જો એકે ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ-મૃત્યુને પણ ન તરે. (૩)
૨ ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણે કરીને જેને પ્રત્યક્ષ ભગવાન જાણ્યામાં ન આવ્યા તેને જન્મ-મૃત્યુ થાય એ તો ઠીક છે પણ જેને બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય તેને જન્મ-મૃત્યુ તે કેમ છે.? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે :
भूमिरापोडनलो वायु: खं मनो बुद्धरेव च । अहंकार इतींय मे भिन्ना प्रकृतिरष्टधा ।।
એ જડ પ્રકૃતિ છે અને...
अपरेयमितस्त्वन्यां प्रकृतिं वद्धि मे परां । जीवभूतां महाबाहो ! येयदं धार्यते जगत् ।।
એ ચૈતન્ય પ્રકૃતિ છે અને એ બેય પ્રકૃતિ ભગવાનને સૃજ્ય છે કહેતાં એ જડ પ્રકૃતિ ભેળે એ ચૈતન્યરૂપ પ્રકૃતિ પણ સૃજાય છે, માટે એ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો એવો જે કૈવલ્યાર્થી તે પણ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય, માટે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે :
नैष्कर्म्यप्यच्युत-भाववर्जितं न शोभते ज्ञानमलं निरंजन्म् ।
તથા ગીતામાં કહ્યું છે જે :
कर्मणो ह्यापि बोद्धव्यं च विकर्मण: । अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति: ।।
અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે તે શું, તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે તે ભક્તિ તે શું ? તો, જેમ શ્વેતદ્વીપવાસી જે નિરન્નમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન-પુષ્પાદિક નાના પ્રકારની પૂજા-સામગ્રીએ કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે, તેમ એ પણ બ્રહ્મરૂપ થકા પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન, પુષ્પ, શ્રવણ, મનનાદિકે કરીને કરે તે ભગવાને ગીતામાં કહ્યું છે જે :
ब्रह्मभूत: प्रसन्नात्मा न शोचति न कांक्षति । सम: सर्वेषु भूतेषु मद्बक्तिं लभते पराम् ।।
માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે કૈવલ્યાર્થીને પણ આત્યંતિક કલ્યાણ ન કહેવાય. (૪) અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે તો અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિષે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે, જેમ આકાશ છે તે પૃથ્વી આદિક ચાર તત્ત્વનો આધાર છે. (૫) ને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે ભેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય તે ભેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ, તેજ ને વાયુની સંકોચ-વિકાસ અવસ્થા ભેળી આકાશની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે અને પૃથ્વ્યાદિક તત્ત્વની સંકોચ-વિકાસ અવસ્થા તે બેય આકાશને વિષે થાય છે તેમ એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા ભેળી ભગવાનની પણ સંકોચ-વિકાસ અવસ્થા છે ને એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા તે ભગવાનને વિષે છે એવા જે ભગવાન તે સર્વના આત્મા છે ત્યાં શ્રુતિઓ છે : ‘યસ્યાક્ષરં શરીરં’ ‘યસ્યાત્મા શરીરં’ ‘યસ્ય પૃથ્વી શરીરં’ ।। ઇત્યાદિક શ્રુતિઓ છે તથા અન્નમય બ્રહ્મ કહ્યો છે, મનોમય બ્રહ્મ કહ્યો છે, વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યો છે, આનંદમય બ્રહ્મ કહ્યો છે ઇત્યાદિક ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે તેનું શું તાત્પર્ય છે જે ભગવાન સર્વના કારણ છે ને સર્વના આધાર છે, માટે એ સર્વેને બ્રહ્મ કહ્યા છે પણ એ સર્વે શરીર છે ને એ સર્વેના શરીરી તે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ પુરુષોત્તમ છે. (૬) તે ભગવાનને વિષે એ જડ-ચૈતન્યરૂપ જે બે પ્રકૃતિ તે સંકોચ-વિકાસ અવસ્થાએ કરીને પોતાના કાર્ય સોતી સુખે કરીને રહી છે અને એ સર્વેને વિષે ભગવાન જે તે અંતર્યામી રૂપે કારણપણે કરીને રહ્યા છે અને પોતે તો અર્જુનના રથની પાટલી ઉપર બેઠા છે તેને વિષે અર્જુને સમગ્ર વિશ્વ, નદી, પર્વત, સમુદ્ર તેને વિકાસે સહિત દેખ્યાં, એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. (૭)
૩ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણમાં તો એવી રીતની દૃઢ આંટી હોય તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય તેને દેખે છે તોપણ યથાર્થ દેખ્યા ન કહેવાય, તેમ પુરુષોત્તમ ભગવાનને વિષે જડ-ચિત્ પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિને વિષે પોતે રહ્યા છે તેને અનુમાને કરીને જાણે છે પણ જો દેખ્યામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય, અને જો એને એવી આંટી ઠાવકી છે તો કાંઈક એને અલૌકિકપણું જણાણું જોઈએ; નહિ તો જણાશે અને નિઃસંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ સમજે જે, આ ભગવાનને વિષે તો સર્વે છે પણ મુને દેખાડતા નથી એવી જ એની ઇચ્છા છે, એમ સમજીને ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે, માટે ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણે પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. ને તેવા જ્ઞાનીને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે :
आर्तो जिज्ञसुरर्थार्थी ज्ञानी च भरतर्षभ । तेषां ज्ञानी नित्ययुक्त एक भक्तिर्विशिष्यते ।।
એવો જે જ્ઞાની તે તો સદા સાકાર મૂર્તિ એવા જે આ પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિપુરુષ ને અક્ષર તે થકી પર ને સર્વના કારણ, સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે, એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. (૮) અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને ।। अहं ब्रह्मास्मि ।। થઈ બેસે છે ને કહે છે જે, રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહેરી છે એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે તે કોઈ દિવસ એનો છૂટકો થાતો નથી. (૯) ઇતિ વચનામૃતમ્ ।।૭।। (૧૧૫) રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને ભગવાન જાણ્યા વિના પ્રત્યક્ષ દેખે તેનું ને શાસ્ત્રે કરીને જાણે તે બેયનું કલ્યાણ સરખું છે. (૧) અને અમે અનિરુદ્ધ રૂપે ઉત્પત્તિ કરીએ છીએ તે અનિરુદ્ધને વિષે સ્થાવર ને જંગમ વિશ્વ સાવકાશે કરીને રહ્યું છે, અને સંકર્ષણ રૂપે સંહાર કરીએ છીએ ને પ્રદ્યુમ્ન રૂપે સ્થિતિ કરીએ છીએ અને મચ્છાદિક અવતારોનું ધારણ કરીએ છીએ. (૨) અને ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણ પ્રકારે કરીને જાણ્યામાં આવે એવાં ત્રણ પ્રકારનાં કાર્ય છે. તે તે કાર્યને અર્થે તેવા તેવા રૂપનું ધારણ કરીએ છીએ એવા અમે પ્રત્યક્ષ ભગવાન તે અમને ઈન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણે કરીને જાણે ત્યારે તે પૂરો જ્ઞાની કહેવાય. અને એમાંથી એકેય ઓછું હોય તો તે જ્ઞાની ન કહેવાય ને તે જન્મ-મૃત્યુને ન તરે. (૩) બીજામાં કૈવલ્યાર્થીનું આત્યંતિક કલ્યાણ ન થાય પણ તે અમારી ભક્તિનો અધિકારી થયો કહેવાય. (૪) અને પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમે વ્યાપ્ય ને વ્યાપક બેય પ્રકૃતિના આધાર છીએ. (૫) અમે વ્યાપ્ય ને વ્યાપક બેય પ્રકૃતિની સંકોચ ને વિકાસ અવસ્થા ભેળી અમારી એટલે અમારા અન્વય સ્વરૂપની સંકોચ-વિકાસ અવસ્થા છે. અને એ બે પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા તે અમારું અન્વય સ્વરૂપ જે તેજ તેને વિષે છે અને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન જે અમે તે અમે સર્વેના આત્મા ને કારણ ને આધાર ને શરીરી છીએ. (૬) અને જડ-ચૈતન્ય પ્રકૃતિ તે પોતાના કાર્ય સોતી અમારે વિષે એટલે અમારા તેજને વિષે રહી છે. અને એ સર્વેને વિષે અમે અંતર્યામી રૂપે કારણપણે રહ્યા છીએ એમ જાણે ને દેખે તે પરિપૂર્ણ જ્ઞાની છે ને તેનું કલ્યાણ દેહ છતાં જ છે. (૭) ત્રીજામાં એવી રીતે જાણે પણ દેખે નહિ તે પરિપૂર્ણ જ્ઞાની નથી. અને જો નિઃસંદેહ આંટી રાખીને કૃતાર્થ માને તો તે પણ પરિપૂર્ણ જ્ઞાની છે ને તેનો દેહાંતે મોક્ષ થાય છે. (૮) અને બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે અતિ દુષ્ટ ને મહાપાપી છે તેનો નરકમાંથી છૂટકો થતો નથી. (૯) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં શ્રીજીમહારાજે શાસ્ત્રે કરીને જાણે ને દેખે તેનું જન્માંતરે કલ્યાણ થાય એમ કહ્યું તે જેવું પરોક્ષ અવતારોને જાણવે ને દેખવે કરીને કલ્યાણ થાય તેવું જ શ્રીજીમહારાજને શાસ્ત્રમાંથી જાણવે કરીને ને નેત્રે કરીને દેખવે કરીને કલ્યાણ થાતું હશે કે કાંઈ અધિક ન્યૂન થતું હશે ?
૧ ઉ. જે અવતારને તેના સંબંધવાળા શાસ્ત્રમાંથી જાણે જે ભગવાન છે, પણ કેવા છે એવો મહિમા ન જાણે અને નેત્રે દેખે તે પણ ઓળખ્યા વિના દેખે તે જન્માંતરે તેમના ધામમાં જાય; અને શ્રીજીમહારાજને તેમના સંબંધવાળા શાસ્ત્રમાંથી ભગવાન છે એમ જાણે પણ મહિમા ન જાણે અને દેખે, પણ બીજા મનુષ્યની પેઠે મનુષ્ય જાણે પણ ભગવાન છે એમ ઓળખે નહિ તે જન્માંતરે શ્રીજીમહારાજના ધામને પામે. ને શાસ્ત્રમાંથી જેવા છે એવા તો સત્પુરુષ થકી જ જણાય છે, માટે સત્પુરુષ થકી જેવા છે એવા શ્રીજીમહારાજને જાણે તો દેહને અંતે શ્રીજીમહારાજના ધામને પામે, અને જેવા છે એવા જાણે ને દેખે તો છતે દેહે જ અક્ષરધામને પામી રહ્યો છે.
૨ પ્ર. એક તો ભગવાન મનુષ્ય રૂપે વિચરતા હોય તે સમે સત્પુરુષ થકી વા શાસ્ત્રમાંથી સત્પુરુષ દ્વારાએ યથાર્થ ભગવાનને જાણે અને એકને તો ભગવાને મનુષ્યરૂપ અદૃશ્ય કર્યું હોય ને સત્પુરુષ થકી વા શાસ્ત્રમાંથી સત્પુરુષ દ્વારા એ ભગવાનનું જ્ઞાન યથાર્થ થાય તે બેનું સરખું કલ્યાણ થાય કે કાંઈ અધિક ન્યૂન રહે ?
૨ ઉ. પ્રતિમા તથા મનુષ્યરૂપ તથા ધામમાં જે મૂર્તિ છે તે એક જ છે માટે શ્રીજીમહારાજ સદાય એક જ રૂપે વિરાજમાન છે ને સદાય સાક્ષાત્ છે માટે બેયનું સરખું કલ્યાણ થાય છે.
૩ પ્ર. ત્યારે આગળ થયેલા અવતારો સાક્ષાત્ છે કે નથી ?
૩ ઉ. જે અવતાર થયો હોય તેના ઉપરી પૃથ્વી ઉપર ન આવ્યા હોય ત્યાં સુધી એને પ્રત્યક્ષ કહેવાય ને એના ભક્તો એના ધામમાં જાય અને જ્યારે એના અવતારી પ્રગટ થાય ત્યારે તે અવતાર પરોક્ષ કહેવાય ને એની ભક્તિ કરી હોય તેનું ફળ અવતારી આપે તે પોતાના સંપ્રદાયમાં લાવીને મોક્ષ કરે, માટે સર્વ અવતારોના અવતારી સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે તે અવતારોનું તથા તેમના ભક્તોનું આત્યંતિક કલ્યાણ કરવા પ્રગટ થયા છે ને સદાય પ્રત્યક્ષ છે. અને આગળ થઈ ગયા ને હવે થશે તે સર્વના ઉપરી છે તે (મ. ૫૮ના પહેલા પ્રશ્નોત્તરમાં) ચોથા હેતુમાં કહ્યું છે.
૪ પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ કહ્યા તે કોને કહ્યા હશે ?
૪ ઉ. આ ઠેકાણે મૂળઅક્ષરને અનિરુદ્ધ કહ્યા છે તે અનિરુદ્ધને વિષે સ્થાવર એટલે સદા સ્થિર જે ચળે નહિ તે, અને જંગમ એટલે જેની સ્થિરતા નહિ અર્થાત્ જેનો નાશ છે એવું વિશ્વ કહ્યું તે માયા સુધી ચળ વિશ્વ જાણવું અને મૂળમાયાથી પર મૂળઅક્ષરનું કાર્ય જે બ્રહ્મકોટિ તે સર્વે અચળ વિશ્વ જાણવું, તે ચળ-અચળ વિશ્વ સાવકાશે કરીને મૂળઅક્ષરરૂપ અનિરુદ્ધને વિષે રહ્યું છે, અને વાસુદેવબ્રહ્મને પ્રદ્યુમ્ન કહ્યા છે તે પ્રદ્યુમ્ન પોતાથી નીચા રહ્યા તે સર્વેનું પોષણ કરે છે, અને મહાકાળને સંકર્ષણ કહ્યા છે તે મહાકાળ મૂળપુરુષના કાર્યનો સંહાર કરે છે. આ અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ તે અવિનાશી છે અને દિવ્ય છે તે મૂળપુરુષથી પર છે ને (પં. ૨માં) કહ્યું છે જે સાંખ્ય જ્ઞાને કરીને પ્રકૃતિપુરુષથી ઊપન્યું તેને મિથ્યા કહેવું પણ સંકર્ષણ, પ્રદ્યુમ્ન ને અનિરુદ્ધ એમના રૂપને મિથ્યા ન કહેવા તે આ સંકર્ષણાદિક ત્રણને કહ્યા છે અને તે ત્રણથી પર જે પોતાનું તેજ એ તેજને નિર્ગુણ વાસુદેવ કહ્યા છે એ નિર્ગુણ વાસુદેવ તે અનિરુદ્ધ જે મૂળઅક્ષરાદિક સર્વે તેના આધાર ને આત્મા ને નિયંતા ને પ્રેરક છે, અને એ નિર્ગુણ વાસુદેવના આધાર ને આત્મા તે શ્રીજીમહારાજ મૂર્તિમાન છે.
૫ પ્ર. (૧/૩ પહેલા પ્રશ્નમાં) ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવે કરીને જાણ્યામાં આવે તે કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ધારણ કરીએ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું તે ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવામાં આવે એવું કાર્ય શું હશે ? અને એ કાર્યને માટે કેવું રૂપ ધરતાં હશે ? અને અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં એટલે જાણ્યામાં આવે તે કાર્ય શું હશે ? અને તે કાર્યને માટે કેવું રૂપ ધરતા હશે ? અને અનુભવે કરીને જાણ્યામાં આવે તે કાર્ય શું હશે ? અને તે કાર્યને માટે કેવું રૂપ ધરતા હશે ?
૫ ઉ. શ્રીજીમહારાજ મચ્છ-કચ્છાદિક તથા રામકૃષ્ણાદિક અવતારો રૂપે પ્રગટ થાય છે તે રૂપ જાણવાં અને તેમણે આ લોકને વિષે આશ્ચર્યરૂપી કાર્ય કર્યાં તે કાર્ય જાણવાં તે (પ્ર. ૨૭/૧માં) થઈ ગયેલા અને થાય છે અને થાશે તે સર્વે આશ્ચર્ય અમારાં જાણવાં, એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે કાર્ય ઇન્દ્રિયે કરીને દીઠામાં આવ્યાં છે અને મૂળઅક્ષરરૂપી અનિરુદ્ધ તથા વાસુદેવબ્રહ્મરૂપી પ્રદ્યુમ્ન તથા મહાકાળરૂપી સંકર્ષણ તેમની પાસે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરાવે છે તે રૂપ કહ્યા છે અને ઉત્પત્ત્યાદિ કાર્ય કહ્યાં છે અને તે અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે. અને પોતાના ભક્તોને મૂર્તિનું સુખ આપવું તે કાર્ય જાણવું અને તે સુખ આત્મસત્તાથી અનુભવાય છે અને તે સુખ આપવાને અર્થે ભક્તના આત્માને વિષે સાક્ષાત્ દેખાય તે રૂપ જાણવું.
૬ પ્ર. ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણે પહોંચે એવા ભગવાનને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહ્યું તે ભગવાન કિયા હશે અને એ ત્રણે પહોંચ્યા કયારે કહેવાય ?
૬ ઉ. એવા આ પ્રત્યક્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે તે ભગવાન દયા કરીને મનુષ્ય રૂપે દર્શન આપે તેનાં દર્શન કરે તે ઇન્દ્રિયો પહોંચ્યા કહેવાય. અને તે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણનો મહિમા સમજે જે, આ પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ છે તે ક્ષર જે માયા ને અક્ષર જે મૂળઅક્ષરાદિક સર્વેના અંતર્યામી ને આધાર ને કારણ છે તે સર્વેને વિષે અંતર્યામી રૂપે રહ્યા થકા મૂર્તિમાન ન્યારા છે તે આ પ્રત્યક્ષ મુને મળ્યા તે જ છે, એવો મહિમા સમજીને શ્રીજીમહારાજને હૃદયને વિષે દેખે ત્યારે અંતઃકરણ પહોંચ્યા કહેવાય. અને એ મૂર્તિને બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેને વિષે દિવ્ય તેજોમય અખંડ દેખે ત્યારે ત્રણે પૂગ્યાં કહેવાય. અને તેમની પ્રતિમાનો પણ એવી રીતે મહિમા જાણીને પોતાના આત્માને વિષે ધ્યાને કરીને સાક્ષાત્કાર કરે તો ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ પહોંચ્યા કહેવાય.
૭ પ્ર. (૧/૩ પહેલા પ્રશ્નમાં) ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણે પૂગે એવા શ્રીકૃષ્ણને કહ્યા છે અને તમે શ્રીજીમહારાજને કહ્યા તેનું શું કારણ છે ?
૭ ઉ. એ તો શ્રીજીમહારાજે પરોક્ષના દૃષ્ટાંતે કરીને પોતાને કહ્યા છે, કેમ જે આ બાબતમાં એ ત્રણે કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય એમ કહ્યું છે માટે પ્રત્યક્ષ ભગવાન પોતાને જ કહ્યા છે.
૮ પ્ર. (૨/૬ બીજા પ્રશ્નમાં) ભગવાનની સંકોચ-વિકાસ અવસ્થા કહી તે કેવી રીતે સમજવું ?
૮ ઉ. જ્યારે વિશ્વ સૃજાય છે ત્યારે પુરુષ દ્વારે અંતર્યામી શક્તિ વ્યાપે છે તે વિકાસને પામી કહેવાય અને જ્યારે પ્રલય થાય છે ત્યારે અંતર્યામી શક્તિ સંકોચ પામે છે ને પુરુષ પોતાને સ્વરૂપે રહે છે તે સંકોચ અવસ્થા કહી છે, માટે પુરુષ દ્વારે સંકોચ વિકાસપણું છે તે (પ્ર. ૪૬માં) કહ્યું છે.
૯ પ્ર. અન્નમય, મનોમય, વિજ્ઞાનમય તથા આનંદમય બ્રહ્મ કહ્યો તેનો અર્થ શો સમજવો ?
૯ ઉ. અન્નમય બ્રહ્મ તે દેહ જાણવો અને મનોમય બ્રહ્મ તે મન જાણવું અને વિજ્ઞાનમય બ્રહ્મ તે આત્મા જાણવો અને આનંદમય બ્રહ્મ તે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જાણવા. ।।૭।। (૧૧૫)
વચનામૃત લોયાનું - ૮
સંવત ૧૮૭૭ના માગશર સુદિ ૫ પંચમીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમયને વિષે શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) જે ભોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાહ્યો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ડાહ્યો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો ને તેની ઉપર પોતે અતિ દોષબુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખડો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે, અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહિ ને બીજા સંતમાં કાંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે તેને મૂર્ખ કહીએ. (૧)
ત્યારપછી શ્રીજીમહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા ને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો જે, (૨) કામ, ક્રોધ ને લોભાદિક શત્રુનો જે વેગ તેનું જે તીવ્રપણું ને મંદપણું તે બાળ, યૌવન ને વૃદ્ધ તેણે કરીને છે, તે કેવી રીતે તો બાળપણામાં મંદ વેગ હોય અને યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય ને વળી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય, એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાય છે પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહીં ? ત્યારે તેનો ઉત્તર પોતે જ કર્યો જે, વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે, તે વિચાર કેમ કરે તો બાળક અવસ્થામાં મંદપણું છે, યૌવન અવસ્થામાં તીવ્રપણું છે ને વૃદ્ધ અવસ્થામાં પાછું મંદપણું છે તે તો આહારે કરીને છે જે બાળ અવસ્થાને વિષે પણ આહાર થોડો છે માટે કામ પણ ઓછો છે ને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો હોય, અને યૌવન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય, તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે ને દેહે કરીને શીત, ઉષ્ણ, વરસાદ, ભૂખ તેનું જાણી જાણીને સહન કરે એવો જે વિચાર રાખે અને મોટા સાધુનો સમાગમ રાખે તો તેને યૌવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય. (૨)
૩ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૩) જીવને નાના પ્રકારનાં વ્યસન પડે છે તે કોઈકને ભાંગ્યનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્યાદિક અનેક પ્રકારનાં પડે છે તે વ્યસન ક્રિયમાણ છે કે પ્રારબ્ધે કરીને છે ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, એ વ્યસન તો કર્યાં થાય છે પણ પ્રારબ્ધે કરીને નથી, માટે જો એ વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે ને શૂરવીરપણું હોય તો તે ટળી જાય ને શ્રદ્ધા ન હોય ને ફોશી હોય તેથી એ સ્વભાવ ટળે નહીં. (૩)
૪ પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૪) કેટલાંક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય છે ને કેટલાંકને તો અતિ ચંચળ પ્રકૃતિ હોય છે તે સંગે કરીને થાય છે કે એના જીવમાં જ એવી પ્રકૃતિ રહી છે ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે બહુધા તો સંગે કરીને જ સારી-નરસી પ્રકૃતિ થાય છે ને કેટલાકને પૂર્વ કર્માનુસારે પણ થાય છે. (૪)
૫ પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) હે મહારાજ ! પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ? ને હમણાંનો સ્વભાવ હોય તે કેમ જાણવો ? ત્યારે શ્રીજીમહારાજે તેનો ઉત્તર કર્યો જે, જે સ્વભાવ હમણાંનો હોય તે તો જો રૂડા સંતને સંગે રહીને થોડોક તેને ટાળ્યાનો ઉપાય કરે તો ટળી જાય, જેમ વંડી ઉપર તૃણ ઊગ્યાં હોય તે પાંચ દહાડા મેઘ ન વરસે તો સુકાઈ જાય તેમ હમણાંનો જે સ્વભાવ તે તો થોડાક દિવસમાં ટળી જાય છે અને જે પૂર્વનો સ્વભાવ હોય તેને ટાળ્યાનો તો અતિ દાખડો કરે ત્યારે માંડ માંડ ટળે, જેમ ધરતીમાં ધ્રોનો છોડ હોય અથવા બોરડીનાં ઝાડ હોય તેને તો ખેડૂ અગ્નિ લગાડીને બાળે તોપણ પાછો ફૂટી આવે ને જો કોદાળી લેઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય તેમ જે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડા સંતના સમાગમમાં રહીને અતિ પ્રયાસે કરીને ટાળે તો માંડ માંડ ટળે. (૫)
૬ અને ત્યારપછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૬) જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળ્યાના પૃથક્ પૃથક્ કિયા ઉપાય છે ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો એ ઉપાય છે જે, નાસિકાગ્ર દૃષ્ટિ રાખે ને આડું-અવળું જુએ નહિ ને ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન-સ્મરણ કર્યા કરે અને એમ કરતાં સ્ત્રીઆદિક દેખાઈ જાય અને અયોગ્ય ઘાટ ન થયો હોય તોપણ નેત્રને ઉઘાડાં રાખીને મેષોન્મેષે રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યંત જોઈ રહે, ત્યારે તેની દૃષ્ટિ ચંચળ હોય તોપણ વશ થઈ જાય છે, અને નાસિકા ઇન્દ્રિય છે તે કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતુ હોય તેનો ગંધ લે ત્યારે તે ન ગમે ત્યારે તેનો એમ વિચાર કરે જે, મારો દેહ પણ ઉપરથી સારો છે પણ માંહી તો રુધિર, માંસ, હાડકાં છે તથા પેટમાં મળમૂત્ર, આંતરડાં છે, એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે, અને કાનની ચંચળતા એમ ટળે જે, કોઈ રમૂજ થાતી હોય અથવા ભવાઈ થાતી હોય તો તેને સાંભળ્યામાં હેત થાય ને ભગવાનની કથા-કીર્તન સાંભળ્યામાં નિદ્રા આવે ત્યારે ઊભા થવું ને નિદ્રા-આળસને ટાળવું ને ભગવાનની કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી ને હેત રાખવું તો કાન જિતાય, અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે જે, જાણી જાણીને ટાઢ, તડકો, વરસાદ તેને ખમવો ને ગોદડી હોય તે ઉશીકે મૂકી રાખવી ને સારી પેઠે ટાઢ વાય ત્યારે ઓઢવી, તથા જ્યાંત્યાં પડી રહેવું એમ કરીને ત્વચાને બાળી નાખે એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની ચંચળતા ટળે, અને હાથની ચંચળતા એમ ટળે જે, જ્યારે હાથ નવરા હોય ત્યારે હાથમાં માળા રાખીને શ્વાસોશ્વાસે ભગવાનનું નામ લઈને તે માળા ફેરવવી પણ ઉતાવળી લહરકે માળા ન ફેરવવી ને કેટલાક એમ કહે છે જે, મને કરીને તો નામ વધુ લેવાય એ વાત ખોટી છે, જેટલાં જીભે લેવાય તેટલાં જ મને કરીને લેવાય છે એમ કરે તો હાથની ચંચળતા ટળે, અને પગ ચંચળ હોય તો આસનને જીતવું તો પગ જિતાય, અને શિશ્ન ચંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી દાદર હોય તેને ખંજોળીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરજ ટળે નહિ અને જો ન ખંજોળીયે તો તે એમ ને એમ બળી જાય તેમ શિશ્ન ઇન્દ્રિયમાં ચળ આવે તોપણ તેને હાથે કરીને અડે જ નહિ અને જો શિશ્નમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બળહીન કરી નાખે તો શિશ્ન જિતાય, અને જિહ્વા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ન આપવી અને આહાર યુક્ત કરવો તો જિહ્વાની ચંચળતા ટળે છે, અને વાણી ચંચળ હોય તો એમ ટળે જે, મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વચમાં પોતે ડહાપણ કરીને બોલવું નહિ અને જો વચમાં બોલાઈ જાય તો પચવીસ માળા ફેરવવી તો વાણીની ચંચળતા ટળી જાય. (૬)
૭ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૭) એ સર્વ ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જિતાય એવી એક કેઈ ઇન્દ્રિય છે ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, એક જિહ્વાને પરિપક્વ જીતે તો બીજી સર્વે ઇન્દ્રિયો જિતાય છે. (૭)
૮ ત્યારપછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૮) જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બાહેરથી કેમ જાણીએ જે એને કામ વ્યાપ્યો છે અને એનું જે અંગ તે તો વસ્ત્રમાં ઢાંક્યું હોય છે ? ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, જેને કામ વ્યાપે તેનાં નેત્ર આદિક જે સર્વે ઇન્દ્રિયો તે ચંચળ થાય ત્યારે જાણવું જે એ કામે વ્યાકુળ થયો છે. (૮)
૯ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૯) જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થાવું અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થાવું તે કિયા વિચારે કરીને થાય છે ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, જે ચંચળ હોય તે એમ વિચારે જે હું આત્મા છું; બ્રહ્મ છું; અલિંગ છું ને આકાશની પેઠે સ્થિર છું, એવે વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય અને શાંતને ચંચળ થાવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણવું ને માહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરી તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે. (૯)
૧૦ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૦) શ્રીમદ્ ભાગવતાદિક જે આઠ સત્શાસ્ત્ર તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે, એ સર્વે ગ્રંથમાં પણ અનેક પ્રકારનાં પ્રકરણ છે તે સર્વે પ્રકરણે કરીને ભગવાનને પામ્યા જે ભક્ત તેમનાં અંગ કહ્યાં છે માટે એ સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે, પણ સર્વે પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું ને બીજાનો ત્યાગ કરવો ને એમ જાણવું જે, એ છે તો સાચું પણ એ બીજા ભક્તને અર્થે છે પણ મારે અર્થે નથી. (૧૦)
૧૧ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧૧) આ તમે સર્વે નાનાં છોકરાં બેઠાં છો તેમાંથી કોઈકને તો આ સર્વે સંત પ્રમાણ કરે છે ને કોઈકનું તો નથી કરતા અને સર્વેની અવસ્થા સરખી છે ને સંગ પણ એકસરખો છે અને ભોજન, વસ્ત્ર, ઉપાસના, શાસ્ત્ર, ઉપદેશ, મંત્ર, તે સર્વેને એકસરખાં છે તોપણ જે ન્યૂનાધિકપણું રહી ગયું છે તેનું શું કારણ છે ? અને જે સંત છે તે તો સમદૃષ્ટિવાળા છે ને નિર્પક્ષ છે ને ધર્મવાળા છે તે તો જે જેવો હોય તેને તેમ જ કહે માટે એનો ઉત્તર કહો. પછી પોતે જ એનો ઉત્તર કર્યો જે, જેનાં સંત વખાણ કરે છે તેને શ્રદ્ધા છે માટે ધર્મ પાળ્યાને વિષે તેનો વધારો છે ને તેને સંતની સેવા કરવાને વિષે તથા ભગવાનની વાત સાંભળવાને વિષે પણ શ્રદ્ધા છે ને સંતનો વિશ્વાસ છે માટે એ વધી ગયો; અને જે આવા સમાગમમાં રહ્યો થકો વધ્યો નહિ તે શ્રદ્ધા રહિત છે એમ જાણવું. (૧૧) ઇતિ વચનામૃતમ્ ।।૮।। (૧૧૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧૧) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેને પોતાના અયોગ્ય સ્વભાવ ઉપર અભાવ હોય ને તે સ્વભાવ બીજા સંતને વિષે દેખીને તેનો અભાવ આવે તે ડાહ્યો છે ને જે પોતાના સ્વભાવને ટાળે નહિ ને બીજા સંતના સ્વભાવને દેખીને અવગુણ લે તે મૂર્ખ છે. (૧) બીજામાં યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે તથા મોટા સાધુનો સમાગમ રાખે તો કામાદિક મંદ પડી જાય છે. (૨) ત્રીજામાં વ્યસન કર્યાં થાય છે ને શ્રદ્ધાવાનથી ટળે છે. (૩) ચોથામાં સારી-નરસી પ્રકૃતિ સંગે કરીને તથા પૂર્વ કર્માનુસારે થાય છે. (૪) પાંચમામાં જે સ્વભાવ સંતને સંગે થોડા ઉપાયે ટળી જાય તે હમણાંનો જાણવો અને ઘણે દાખડે ટળે તે પૂર્વનો જાણવો. (૫) છઠ્ઠામાં ઇન્દ્રિયોની ચંચળતા ટાળ્યાના પૃથક્ પૃથક્ ઉપાય બતાવ્યા છે. (૬) સાતમામાં જિહ્વા ઇન્દ્રિયને જીત્યે સર્વે ઇન્દ્રિયો જિતાય છે. (૭) આઠમામાં સર્વે ઇન્દ્રિયો ચંચળ થાય ત્યારે કામ વ્યાપ્યો જણાય. (૮) નવમામાં ચંચળને શાંત ને શાંતને ચંચળ થવાનો ઉપાય બતાવ્યો છે. (૯) દશમામાં પરોક્ષ આઠ શાસ્ત્રમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેનું જ ગ્રહણ કરવું. (૧૦) અગિયારમામાં શ્રદ્ધાવાળો વૃદ્ધિ પામે છે. (૧૧) બાબતો છે.
૧ પ્ર. નવમા પ્રશ્નમાં આત્મારૂપ ને બ્રહ્મરૂપ છું એમ વિચારવાથી ઉપશમ થાય છે એમ કહ્યું, અને (અ. ૩ના પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજની મૂર્તિના ચિંતવન ને બળે કરીને ઉપશમ અવસ્થા થાય છે એમ કહ્યું તે ઉપશમના બે પ્રકાર કહ્યા તેમાં ન્યૂનાધિક ભાવ હશે કે નહિ હોય ?
૧ ઉ. (અ. ૩માં) મૂર્તિના ચિંતવને કરીને ઉપશમને પામે ત્યારે પંચવિષય જન્મમરણના હેતુ થતા નથી એમ કહ્યું ને આમાં ચંચળ પ્રકૃતિ ટળી જાય એટલું જ ઉપશમ કહ્યું છે. તેમાં (અ. ૩માં) કહ્યું તેથી આ ન્યૂન છે.
૨ પ્ર. દશમા પ્રશ્નમાં આઠ સત્શાસ્ત્રનું વચન પોતાના અંગમાં મળતું આવે એટલું જ ગ્રહણ કરવું એમ કહ્યું તે અંગ કિયું જાણવું ?
૨ ઉ. સ્વરૂપનિષ્ઠા, ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, ભક્તિનિષ્ઠા, ત્યાગ, તપ, વૈરાગ્ય એ આદિક અંગ છે તેમાંનું જે અંગ પોતાને વિષે મુખ્ય હોય તે અંગને મળતું આવતું હોય તે વચન ગ્રહણ કરવું એમ કહ્યું છે. ।।૮।। (૧૧૬)
વચનામૃત લોયાનું - ૯
સંવત ૧૮૭૭ના માગશર સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૧) વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ ને ધર્મ એ ચારને ઊપજ્યાનો હેતુ શો છે ? પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે વૈરાગ્ય તો એમ ઊપજે જે, જો કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે, તે કાળનું સ્વરૂપ તે શું તો નિત્ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે, અને આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંબ પર્યંત સર્વ જીવના આયુષ્યને જાણે ને એમ જાણીને પિંડ-બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે ત્યારે વૈરાગ્ય ઊપજે. અને જ્ઞાન તો એમ થાય જે જો બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિક જે ઉપનિષદ તથા ભગવદ્ગીતા તથા વાસુદેવમાહાત્મ્ય તથા વ્યાસસૂત્ર ઇત્યાદિક ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઊપજે. અને ધર્મ તો એમ ઊપજે જે, જો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, શંખલિખિત સ્મૃતિ ઇત્યાદિક સ્મૃતિનું શ્રવણ કરે તો ધર્મ ઊપજે ને તેમાં નિષ્ઠા આવે, અને ભક્તિ એમ ઊપજે જે, જો ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે તે કેમ જાણે તો ખંડખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેનું શ્રવણ કરે તથા ભગવાનનાં ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વીપાદિક ધામ છે તેને સાંભળે, તથા જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે ભગવાનની લીલા તેને માહાત્મ્યે સહિત સાંભળે તથા રામ-કૃષ્ણાદિક જે ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે સહિત સાંભળે તો ભગવાનને વિષે ભક્તિ ઊપજે. અને એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિઓ તેનું શ્રવણ કરે તો ઊપજે. અને જ્યારે ધર્મને વિષે દૃઢતા થાય ત્યારપછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ ત્રણે ઊપજે, એવી રીતે એ ચારને ઊપજ્યાના હેતુ છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૯।। (૧૧૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ ને ધર્મ એ ચારને ઊપજવાના હેતુ બતાવ્યા છે. આમાં શ્રીજીમહારાજે પરોક્ષના દૃષ્ટાંતે કરીને વાત કરી છે, માટે પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણના ઉપાસકને વચનામૃત, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, હરિલીલા કલ્પતરુ આદિક પોતાના સાંપ્રદાયિક ગ્રંથોનું શ્રવણ કરવાથી એ ચારે ઊપજે છે માટે પ્રત્યક્ષના ગ્રંથનું શ્રવણ કરવું. (૧) બાબત છે.
૧ પ્ર. શ્રીજીમહારાજે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ ને ધર્મ તેને ઊપજવાના હેતુ કહ્યા પણ એ ચારેનાં સ્વરૂપ તથા ફળ શાં હશે ?
૧ ઉ. સત્પુરુષના પ્રસંગથી માયિક વિષય તથા ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિનાં સુખ તથા ઐશ્વર્યની અરુચિ થાય ને શ્રીજીમહારાજના સુખને સર્વથી અધિક જાણીને શ્રીજીમહારાજને વિષે હેત થાય તે વૈરાગ્યનું સ્વરૂપ છે, અને શ્રીજીમહારાજના સુખથી ઓરાં જે સમગ્ર સુખ, ઐશ્વર્ય તે પ્રાપ્ત થાય તેને ભોગવવાનો સંકલ્પ ન થાય તે વૈરાગ્યનું ફળ છે. (૧) અને શ્રીજીમહારાજને સર્વત્ર વ્યાપક, કર્તા થકા અકર્તા, સંગી થકા અસંગી, નિર્લેપ ને નિર્વિકારી જાણવા ને પોતાના આત્માને મૂળઅક્ષરાદિક સર્વથી પર શ્રીજીમહારાજના તેજરૂપ જે બ્રહ્મ તે રૂપ માનવું તે જ્ઞાનનું સ્વરૂપ છે, અને શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર કરીને જેમ જળથી મીન જુદું પડતું નથી તેમ મૂર્તિના સુખમાં નિમગ્ન રહેવું તે જ્ઞાનનું ફળ છે. (૨) અને શ્રીજીમહારાજનાં પ્રાકૃત ચરિત્ર તેને દિવ્ય જાણવાં, ને સર્વ પ્રકારે નિર્દોષ જાણવાં ને સર્વ સુખનાં ધામ ને કલ્યાણકારી ગુણે યુક્ત જાણીને અતિશે પ્રીતિએ કરીને આશ્રય કરવો તે ભક્તિનું સ્વરૂપ છે, અને શ્રીજીમહારાજ સદાય અતિશે વશ વર્તે તે ભક્તિનું ફળ છે. (૩) અને સ્થૂળ ને સૂક્ષ્મ દેહે યથાર્થ નિયમ પળે તે ધર્મનું સ્વરૂપ છે, અને બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેમાં શ્રીજીમહારાજને અખંડ ધારી રહેવું તે ધર્મનું ફળ છે. (૪) ।।૯।। (૧૧૭)
વચનામૃત લોયાનું - ૧૦
સંવત ૧૮૭૭ના માગશર સુદિ ૮ આઠમને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર પ્રાતઃકાળને સમે વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીઆદિક પદાર્થમાં એવું હેત થાય છે જે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય અને કેટલાકને સ્ત્રીઆદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય ને એ બે પ્રકારના જીવ છે તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય જે ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય અને જેને સંસારમાં સાધારણ હેત છે ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય, તે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિષે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી; એ તો કર્મે કરીને થાય છે. (૧) તે કેવી રીતે થાય છે તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ ત્રણ પ્રકારે થાય છે : એક મંદ વેગ, બીજો મધ્ય વેગ ને ત્રીજો તીવ્ર વેગ તેમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોંટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે તે કર્મે કરીને સ્નેહમાં પણ ત્રણ પ્રકાર છે. (૨)
૨ પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) વૃત્તિના વેગમાં એ ત્રણ પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ત્રણ પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી; એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદ વેગ થાય છે, અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્ય વેગ થાય છે અને જ્યારે ઇન્દ્રિયો, મન ને જીવ એ ત્રણે ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. અને તે તીવ્ર વેગ એક ચક્ષુ-ઇન્દ્રિયને વિષે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે, એવી રીતે જે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ રહે છે અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્ત્વગુણી ને તમોગુણી એ ત્રણેને લાગે છે, અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વેને તીવ્ર વેગ હોય છે અને તદનુસારે પદાર્થમાં હેત થાય છે. (૩)
૩ ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થાતું નથી ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, ઉપદેશ ને દેવતા એટલાને યોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે. તે જો રૂડા દેશ, કાળ, સંગાદિક પ્રાપ્ત થયા હોય તો ભગવાનને વિષે પણ તીવ્ર વેગે કરીને સ્નેહ થાય છે અને જો ભૂંડા દેશાદિકનો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે. (૪)
૪ ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જાવું પણ વિષમ કાળમાં રહેવું નહીં. (૫) તે કાળ સત્યયુગ, ત્રેતા, દ્વાપર ને કળિ રૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે, તે જ્યારે હૈયામાં કળિ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહિ; બાહેર નેત્રને આગળ ધારવી. (૬)
૫ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) જેના હૃદયમાં મંદ વેગ, મધ્ય વેગ ને તીવ્ર વેગ વર્તતો હોય તે કેમ જાણવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે મંદ વેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી તથા નવયૌવનવાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેને દેખીને સરખો ભાવ રહે, કેમ જે ત્યાં એકલી ઇન્દ્રિયની જ વૃત્તિ ગઈ છે માટે તેમાં મંદ વેગ છે. અને જ્યારે ઇન્દ્રિયને વિષે મન ભળે છે ને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે ત્યારે બાળકી ને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડો ઘાટ નથી થાતો અને યુવાન સ્ત્રીને વિષે ભૂંડો ઘાટ થાય છે ને વિકારને પામી જાય છે એને મધ્ય વેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયને વિષે મન ને જીવ એ બેય ભળીને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે ત્યારે તો એ ત્રણે પ્રકારની સ્ત્રીને વિષે ભૂંડા ઘાટ થાય છે ને વિકારને પામે છે અને પોતાની મા-બોન હોય તો તેને દેખીને પણ વિકારને પામે એને તીવ્ર વેગ જાણવો. (૭)
૬ પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૬) એ ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ-કુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહિ ત્યારે તેને કિયો વેગ જાણવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય પછી તે મનને કરીને તે પદાર્થને વિષે અત્યંત દોષ જણાય છે તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે તેણે કરીને એ દોષની અતિ દૃઢતા થઈ છે, માટે પદાર્થને વિષે જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ એ બેય આવે છે પણ જીવમાં જે અતિશે દોષની દૃઢતા છે તે દોષની સેડ્ય મન-ઇન્દ્રિયોને વિષે સોંસરી નીસરે છે, માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે પણ તેને વિષે અત્યંત અભાવ આવી જાય છે, જેમ દૂધ-સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતાં દીઠી હોય પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય પણ તેનો અતિ અભાવ હૈયામાં વર્તે છે, કેમ જે એણે એમ જાણ્યું છે જે, એને પીએ તો તત્કાળ પ્રાણ જાય, તેમ જેને એમ સમજાણું જે, આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક-પરલોકને વિષે પરમ દુઃખદાયી છે ને સ્ત્રીની પ્રાપ્તિ તો મુને સર્વે પશુ આદિકના જન્મને વિષે અનંત વાર થઈ છે અને હજી જો પરમેશ્વરને નહિ ભજું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થાશે માટે એ વાત દુર્લભ નથી, અને ભગવાન ને ભગવાનના સંતનો સંગ તે તો મહા દુર્લભ છે અને દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિષે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે, એવું જાણીને જે હૈયામાં દોષની દૃઢતા થઈ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તોપણ વિકાર થાય નહીં. અને વળી એને વિષે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે, જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા તે રાજ્યમાં રહ્યા હતા ને રમણીક એવા જે શબ્દાદિક પંચવિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દૃઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા અને એ જનક જેવા જે જ્ઞાની હોય તે એમ વિચારે જે, હું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું અને સ્ત્રીઆદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે ને નાશવંત છે, એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને જ સુખરૂપ જાણે છે અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્મા વતે જણાય છે ને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભૂંડું થઈ જાય છે, એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે જે, આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો તે સંતને પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંતકોટિ જે મુક્ત તેના પણ આત્મા છે, એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું, અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે જે ।। धुपतय एव ते न ययुरंत मनंततया ।। ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશે પ્રતિપાદન કર્યો છે, એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કાંઈ લેશમાત્ર પણ તેનું મન વિકારને પામે નહિ અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે પણ તે વિષયને આધીન થઈ જાય નહિ; સ્વતંત્રપણે ગ્રહણ કરે, જેમ કરોળિયો પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે તેમ એવો જે જ્ઞાની તે પોતાનાં ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે અને એવો જે હોય તે રાજ્યમાં હોય તોપણ વનમાં છે અને વનમાં હોય તોપણ તેને રાજ્ય કરતાં વધતો આનંદ છે અને એવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યા હોય અને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિએ યુક્ત હોય તેણે કરીને પોતાને કાંઈ એમ ન માને જે, હું બહુ મોટો થઈ ગયો અને તે રાજ્યનો નાશ થઈ જાય અને હાથમાં મૃત્તિકાનું પાત્ર લેઈને ઘરોઘર માગી ખાય તેણે કરીને એમ ન માને જે, હું તો હવે ગરીબ થઈ ગયો, કેમ જે તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વેને વિષે સમબુદ્ધિ વર્તે છે તથા માન, અપમાનને વિષે સમબુદ્ધિ વર્તે છે અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી, કેમ જે એની દૃષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે ને માયિક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે, જેમ કોઈક પુરુષ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દૃષ્ટિ મોટી થાય છે ને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે, તેમ એવા જ્ઞાનીને સર્વે પદાર્થમાત્ર તુચ્છ થઈ જાય છે ને એવા જ્ઞાનને વિષે એની વિશાળ દૃષ્ટિ થાય છે અને એવી રીતે જે સમજ્યો છે તે સુખિયો છે. તથા જે વિશ્વાસી હોય કહેતાં એમ સમજતો હોય જે, આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે પણ એમાં કાંઈ સંશય નથી, એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે એ બે જણા સુખિયા છે ને એ વિના જે બીજા છે તે સુખિયા નથી ત્યાં શ્લોક છે :
यश्च मूढममौ लोके यश्च बुद्धे: परं गत: । तावुभौ सुखमेधेते किलश्यत्यंतरितो जन: ।।
તથા ભગવદ્ગીતામાં કહ્યું છે જે :-
विषया विनिवर्तन्ते निराहारस्य देहिन: । रसवर्ज रसोडप्यस्य परं दृष्ट्वा निवर्तते ।।
એવી રીતે જેની અલૌકિક દૃષ્ટિ થાય છે તેને પરમેશ્વર વિના સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે અને આ બે શ્લોક છે તેનો પણ એકસરખો ભાવ છે. (૮)
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, હે મહારાજ ! હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૭) માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઈક છે ? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, માયા તો કેવળ દુઃખદાયી છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, માયામાંથી ઊપન્યા એવા જે સત્ત્વ, રજ ને તમ એ ત્રણ ગુણ તેમાં જે સત્ત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે તથા શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે ।। सत्त्वं यद् ब्रह्मदर्शनम् ।। તથા સત્ત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમ, દમાદિક છે એવી જે માયા તે કેઈ રીતે દુઃખરૂપ છે ? અને વળી એકાદશસ્કંધમાં કહ્યું છે જે :
विद्याविद्ये मम तनू विद्धयुद्धव ! शरीरिणाम् । बधंमोक्षकरी आद्ये मायया मे विनिर्मिते ।।
માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેઈ રીતે દુઃખદાયી છે ? પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા જે, હે મહારાજ ! એનો ઉત્તર અમથી થાય નહિ; એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે, અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશે સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે. તેમ માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે ને અતિ દુઃખદાયી છે અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશે સુખદાયી છે અને માયાનાં કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે, માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી; પરમ સુખદાયી છે. (૯)
૮ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૮) જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે, ત્યારે એને અંતઃકરણરૂપ માયા તે સંકલ્પ-વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશે દૃઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતઃકરણરૂપ માયા છે તે દુઃખ દેતી નથી અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે, જેમ કાચોપોચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહિ અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહિ, તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહિ અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે; અને જેના જીવને વિષે એવા આશરામાં કાંઈ કાચ્યપ હોય તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહિ થાય માટે એનો ઉત્તર એ જ છે, જે જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થાતી જ નથી. (૧૦) ઇતિ વચનામૃતમ્ ।।૧૦।। (૧૧૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૮) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે અસાધારણ ને સાધારણ હેત થયાના ભેદ કર્મે કરીને કહ્યા છે. (૧) અને ત્રણ પ્રકારના વેગમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોંટે તેવું કર્મ લાગે છે અને કર્મે કરીને સ્નેહમાં ત્રણ પ્રકાર કહ્યા છે. (૨) બીજામાં ઇન્દ્રિયો, મન ને જીવ ભળવાથી મંદ, મધ્યમ ને તીવ્ર વેગ થાય છે તે તીવ્ર વેગ ત્રણે ગુણવાળાને લાગે છે. (૩) ત્રીજામાં તીવ્ર વેગવાળાને રૂડા દેશાદિક પ્રાપ્ત થાય તો અમારે વિષે સ્નેહ થાય છે અને ભૂંડા દેશાદિકનો યોગ થાય તો અમારા વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. (૪) ચોથામાં વિષમ દેશકાળમાં ન રહેવું. (૫) અને હૃદયમાં કળિ વર્તતો હોય ત્યારે અમારી મૂર્તિને બહાર ધારવી. (૬) પાંચમામાં મંદ, મધ્યમ ને તીવ્ર વેગ જાણવાના ઉપાય બતાવ્યા છે. (૭) છઠ્ઠામાં સ્ત્રીને કલ્યાણના માર્ગમાં વિરોધી ને દુઃખદાયી જાણે તેને વિકાર ન થાય અને બીજું પોતાને આત્મારૂપ માને અને સર્વાત્મા એવા જે બ્રહ્મ તથા અક્ષર તથા મુક્તો એ સર્વેના આત્મા માને અને સર્વાત્મા એવા જે બ્રહ્મ તથા અક્ષર તથા મુક્તો એ સર્વેના આત્મા એવા પરબ્રહ્મ પરમાત્મા જે અમે તે અમારો મહિમા જાણે તેને સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય. તે તથા વિશ્વાસી તે સુખિયા છે; તે વિના સર્વે દુઃખિયા છે. (૮) સાતમામાં અમારા ખરા ભક્તને માયા પરમ સુખદાયી છે. (૯) આઠમામાં અમારો અતિશે દૃઢ આશરો હોય તેને અંતઃકરણરૂપ માયા દુઃખ દેવા સમર્થ નથી ને એવા આશરામાં ફેર હોય તેને દુઃખ દે છે. (૧૦) બાબતો છે.
૧ પ્ર. (૪/૫ ચોથા પ્રશ્નમાં) હૃદયમાં કળિ વર્તતો હોય ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ નેત્ર આગળ ધારવી અને બહાર કળિ વર્તતો હોય ત્યારે અન્ય સ્થળમાં ભાગી જાવું એમ કહ્યું તે અન્ય સ્થળ કિયું જાણવું ?
૧ ઉ. મારકૂટ થતી હોય અથવા નિરાકારવાદી, કર્મવાદી, શક્તિપંથી તથા કુડાપંથી એવા દુષ્ટજનો રહેતા હોય તે સ્થળ કહ્યું છે ત્યાંથી બીજે ઠેકાણે જતું રહેવું પણ તે સ્થળમાં ન રહેવું.
૨ પ્ર. (૬/૮ છઠ્ઠા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે સર્વાત્મા બ્રહ્મ, અક્ષર તથા અનંતકોટિ મુક્તોના આત્મા પોતાને કહ્યા તે સર્વાત્મા બ્રહ્મ કોને જાણવા ? અને અક્ષર કોને જાણવા ? અને મુક્ત કોને જાણવા ?
૨ ઉ. શ્રીજીમહારાજનું તેજ અનંત મૂળઅક્ષરાદિક સર્વેનું આત્મા છે તેને આ ઠેકાણે સર્વાત્માબ્રહ્મ કહ્યા છે. અને એ તેજમાં રહ્યા જે શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામેલા મુક્તો તેમને મુક્ત કહ્યા છે. અને તેથી ઓરા શ્રીજીમહારાજના પ્રકાશરૂપ બ્રહ્મજ્યોતિની કિરણોમાં મૂળઅક્ષરની કોટિઓ રહી છે તેને અક્ષર કહ્યા છે તે અક્ષરના આત્મા પોતાના તેજ દ્વારે છે. અને મુક્તોના તથા એ તેજના આત્મા મૂર્તિમાન પોતે છે. ।।૧૦।। (૧૧૮)
વચનામૃત લોયાનું - ૧૧
સંવત ૧૮૭૭ના માગશર વદિ ૮ આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં પ્રાતઃકાળને સમે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) શ્રીમદ્ ભાગવત તથા ભગવદ્ગીતા એ આદિક જે સત્શાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષની એમ સમજણ છે જે, આ વિશ્વને વિષે સ્થાવર-જંગમરૂપ એવી જે સ્ત્રી-પુરુષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટરૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઊપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે, તે સારુ જે મુમુક્ષુ કલ્યાણને ઇચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ-નીચ જે જે આકૃતિઓ તેને વિષે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિષે ધ્યાન કરવું તો એને સદ્ય સમાધિ થાય; અને તે આકૃતિને વિષે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો, એવી રીતે જે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે, અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસૃતિ છે. (૧)
૨ ત્યારે વળી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન કર્યો જે, (૨) એ સત્શાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ સત્શાસ્ત્રને વિષે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે જે, એક પુરુષોત્તમનારાયણ વિના બીજા જે શિવ-બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઇચ્છતો હોય તેને કરવું નહિ અને મનુષ્યને વિષે તથા દેવતાને વિષે જે પુરુષોત્તમનારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું ને તેને વિષે પણ જે ડાહ્યા છે તે જે તે, જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિષે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે અને તે લોકોને વિષે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન-ઉદ્ધવાદિક તેને વિષે કરે છે અને કોટિ કોટિ સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી તે લોકોને વિષે રહી જે પુરુષોત્તમનારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિષે કરે છે, એવી રીતે જે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્યભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેયને વિષે સમપણું થાય જ નહીં. (૨) અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભૂજ અને તેને વિષે ચાર ભુજાની ભાવના, અષ્ટ ભુજાની ભાવના કહી છે તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. (૩) અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું અને પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેને વિષે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી, જેમ પાર્વતીએ કહ્યું છે જે “કોટિ જન્મ લગ રગડ હમારી, વરું શંભુ કે રહું કુમારી” એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેને વિષે અવિવેકી પુરુષને સમભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે, કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ-મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે પણ ભગવાનની મૂર્તિઓને વિષે ભેદ નથી, આવી રીતે સત્પુરુષની સમજણ છે. (૪) માટે સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૧૧।। (૧૧૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, સત્શાસ્ત્ર થકી અવળું સમજે તે અસત્પુરુષ છે ને અતિ દુષ્ટ છે ને એનું ફળ ઘોરતમ નરક ને સંસૃતિ છે. (૧) બીજામાં જે જે સ્થાનોમાં જે જે અવતારોની મૂર્તિઓ મનુષ્ય રૂપે રહી હોય તે તે સ્થાનોને તે તે અવતારોનાં ધામ જાણવાં એટલે વૈકુંઠનાથની મૂર્તિ જે સ્થાનમાં મનુષ્ય રૂપે વિરાજતી હોય તે સ્થાનને વૈકુંઠ તુલ્ય જાણવું અને તેના પાર્ષદોને વૈકુંઠના પાર્ષદો તુલ્ય જાણવા અને તે મૂર્તિને જેવી વૈકુંઠમાં છે તેવી જાણવી, તેમ જ ગોલોકવાસીની મૂર્તિ જે સ્થાનમાં મનુષ્ય રૂપે દેખાતી હોય તે સ્થાનને ગોલોક તુલ્ય જાણવું અને તે મૂર્તિને ગોલોકમાં છે તેવી જાણવી અને તેના પાર્ષદોને ગોલોકના પાર્ષદો તુલ્ય જાણવા, તેમ જ અક્ષરધામવાસી અમે છપૈયા ધામને વિષે પ્રગટ થઈને મનુષ્ય રૂપે દેખાયા છીએ, માટે અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જાણવા પણ કાંઈ ફેર જાણવો નહિ, અને પ્રથમ આવિર્ભાવસ્થાન એવું જે છપૈયા તે તો અક્ષરધામ જ છે તેમાં તો શું કહેવું ? પણ બીજાં જે જે સ્થાનોમાં અમે વિચર્યા તે તે સ્થાનોને પણ અક્ષરધામ તુલ્ય જાણવાં અને અમારા ભક્તોને અક્ષરધામમાં મુક્તો છે તેવા જાણવા. (૨) અને અમારા અવતારની મૂર્તિઓ દ્વિભુજ છે અને જે ચતુર્ભુજ-અષ્ટભુજની ભાવના કહી છે તે તો મનુષ્યરૂપ મૂર્તિને વિષે અને અન્ય આકારોને વિષે અવિવેકી મનુષ્યોને સમભાવ ન થાય માટે કહી છે. (૩) અને તમને મળ્યા જે અમે તે તમારે અમારી મૂર્તિનું ધ્યાન કરવું પણ બીજા અમારા અવતારો થઈ ગયા તેમનું ધ્યાન કરવું નહીં. (૪) અને સત્શાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું પણ અસત્પુરુષ થકી ન કરવું. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં સર્વે આકૃતિઓ નારાયણ થકી જ થઈ છે તેને વિષે બ્રહ્મની ભાવના લાવીને તે આકૃતિનું ધ્યાન કરે તેને શ્રીજીમહારાજે અસત્પુરુષ કહ્યા ને અતિ દુષ્ટ કહ્યા ને એને ઘોરતમ નરક ને સંસૃતિની પ્રાપ્તિ કહી તે એમાં એવું શું દૂષણ આવ્યું તે એને અસત્પુરુષ કહ્યા ?
૧ ઉ. પોતાના દેહને દિવ્ય માનીને અથવા બીજા કોઈકને દિવ્ય માનીને ધ્યાન કરે તો તે દેહ તો માયાનો છે તે કાંઈ દિવ્ય માનવે કરીને દિવ્ય થઈ જાતો નથી, જેમ કોડી હોય તેને કોડી છે જ નહિ; હીરો છે એમ માનવાથી કોડીનો હીરો થતો નથી, તેમ માયાના તત્ત્વનો બંધાયેલો જડ દેહ છે તેને દિવ્ય માનવાથી દિવ્ય થઈ જાય નહિ, માટે એવી સમજણવાળો નરકે જ જાય ને જન્મ-મૃત્યુને વારંવાર પામે પણ તેનું કલ્યાણ કોટિ કલ્પે થાય નહિ, માટે આ દેહ તો માયિક ને જડ છે તેને દિવ્ય ન માનવો.
૨ પ્ર આ દેહનો જ્ઞાને કરીને પ્રલય કરી નાખે જે દેહ છે જ નહિ; પુરુષોત્તમ જ છે તો જેમ પૃથ્વી આદિક ચાર ભૂત તે પ્રલય સમે આકાશરૂપ થઈ જાય છે તેમ આ દેહ પુરુષોત્તમરૂપ થાય કે નહીં ?
૨ ઉ. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ તે સજાતિ છે ને માયાનાં છે તે એકબીજામાં પ્રલય સમે મળી જાય છે અને પુરુષોત્તમ તો દિવ્ય છે માટે વિજાતિ છે તે વિજાતિ એવા જે પુરુષોત્તમ તેમને વિષે દેહ લીન થઈ જાય નહિ, માટે એવી રીતે સમજનારાનો અતિ દુષ્ટભાવ છે અને તે ભૂલો પડ્યો છે માટે દેહને દિવ્ય માનવો નહીં.
૩ પ્ર. (૨/૪ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે બીજા અવતારોનું ધ્યાન કરવાની ના પાડી અને આ તમને મળી જે મૂર્તિ તેનું ધ્યાન કરવું એમ કહ્યું તે જ્યારે શ્રીજીમહારાજે વાત કરી ત્યારે તો શ્રીજીમહારાજની મૂર્તિ મળી હતી પણ એ મનુષ્યરૂપ મૂર્તિ આજ તો દૃષ્ટિગોચર નથી માટે આજ કઈ મૂર્તિ જાણવી ?
૩ ઉ. જે મૂર્તિ મનુષ્ય રૂપે હતી તે જ મૂર્તિ આજ પ્રતિમા રૂપે છે માટે પ્રતિમાનું ધ્યાન કરવું. આનો વિશેષ વિસ્તાર (પ્ર. ૧૪ના પાંચમા પ્રશ્નોત્તરમાં તથા ૫૯ના પહેલા પ્રશ્નોત્તરમાં) છે.
૪ પ્ર. શ્રીજીમહારાજનું ધ્યાન કેવી રીતે કરવું ?
૪ ઉ. પોતાને શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ માનીને તે તેજમાં મૂર્તિ ધારવી તે પરમએકાંતિકની સ્થિતિ પામવાનું ધ્યાન છે; અને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહીને શ્રીજીમહારાજની મૂર્તિને ધારે તે અનાદિમુક્તની સ્થિતિ પામવાનું ધ્યાન છે.
૫ પ્ર. પાર્વતીની પેઠે ટેક રાખવી એમ કહ્યું તે પરોક્ષ અવતારોને વિષે એવી ટેક રાખી હોય તે શ્રીજીમહારાજને વિષે પતિવ્રતાપણું કરે તો તેને ખોટ્ય આવે કે લાભ મળે ?
૫ ઉ. શ્રેષ્ઠ ઇષ્ટદેવ મળે તો ન્યૂન ઇષ્ટદેવની ઉપાસના મૂકી દઈને શ્રેષ્ઠ ઇષ્ટદેવની ઉપાસના કરવી ને તેમાં પતિવ્રતાપણાની ટેક રાખવી તેમાં તો લાભ છે. આમાં એમ સમજવાનું છે જે, પાર્વતીએ જેમ પતિવ્રતાપણું ન મૂક્યું તો અમે તો સર્વોપરી મળ્યા છીએ તો અમારે વિષે તો અતિ દૃઢ પતિવ્રતાપણું રાખવું જ એમ સૂચવ્યું છે. ।।૧૧।। (૧૧૯)
વચનામૃત લોયાનું - ૧૨
સંવત ૧૮૭૭ના માગશર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને બીજાં સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે, (૧) ભગવાનનો નિશ્ચય બે પ્રકારનો છે : એક સવિકલ્પ ને બીજો નિર્વિકલ્પ ને તે બેમાં પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે તે બે મળીને છ ભેદ થયા તેનાં લક્ષણ પૃથક્ પૃથક્ કરીને કહો ? પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ જે, ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિષે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે પણ જો વધારો કરે તો ન રહે, અને મધ્યમ ભેદ તો એ જે, મનુષ્ય થકી બમણા કામાદિકને વિષે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે અને ઉત્તમ ભેદ તો એ જે, ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઇત્યાદિક ગમે તેવું આચરણ કરે તોપણ સંશય થાય નહિ, કેમ જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે, ભગવાન તો સર્વના કર્તા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોક્તા છે માટે જે જે ક્રિયા પ્રવર્તે છે, તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વને વિષે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે. તો એ તો કાંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને કાંઈ બાધ નથી, કેમ જે એ તો સર્વ કર્તા છે, એવી રીતે ભગવાનને વિષે સર્વેશ્વરપણું જાણે માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્ભક્ત કહીએ. અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કિયો તો ભગવાનને સર્વ શુભ-અશુભ ક્રિયા કરતાં દેખે તોપણ એમ સમજે, જે સર્વ ક્રિયાને કરે છે તોપણ અકર્તા છે, કેમ જે એ ભગવાન તો બ્રહ્મરૂપ છે તે બ્રહ્મ કેવું છે તો આકાશની પેઠે સર્વને વિષે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિષે જ થાય છે એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિષે જાણે, જેમ રાસ-પંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો જે, ધર્મરક્ષક ભગવાનનો અવતાર તેણે પરદારાનો સંગ કેમ કર્યો ? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો જે, શ્રીકૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે તે જે જે શુભ-અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે, એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ, અને શ્વેતદ્વીપને વિષે રહ્યા જે ષટ્ઊર્મિએ રહિત એવા નિરન્નમુક્ત તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ, અને અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમનારાયણનું ધામરૂપ અક્ષર તેને વિષે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. (૧)
૨ ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! એવી રીતે નિશ્ચયના ભેદ તે શાણે કરીને થયા છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિષે દેશ, કાળ, સંગ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્રાદિકનું જે શુભ-અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ-તીક્ષ્ણપણું તેણે કરીને એવા ભેદ પડી જાય છે, માટે સારા દેશાદિકને સેવવા તથા વક્તા પણ સૂધો શાન્ત હોય ને તેમાં કોઈ દોષ ન હોય તે સમે તે થકી જ્ઞાન સાંભળવું. (૨)
૩ ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) કદાચિત્ કોઈક યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે નહીં ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઊપજે તથા રૂડા દેશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય; નહિ તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧૨।। (૧૨૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે સવિકલ્પ ને નિર્વિકલ્પ નિશ્ચયના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ભેદનાં લક્ષણ કહ્યાં છે. (૧) બીજામાં વક્તાને વિષે દેશાદિકનું શુભ-અશુભપણું અને શ્રોતાને વિષે આસ્થાનું મંદ-તીક્ષ્ણપણું તેણે કરીને નિશ્ચયના ભેદ પડે છે. (૨) ત્રીજામાં ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા તથા રૂડા દેશાદિક હોય તથા શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં છ પ્રકારનો નિશ્ચય કહ્યો તે છ પ્રકારના નિશ્ચયવાળા શ્રીજીમહારાજને કેવા જાણતા હશે ?
૧ ઉ. વિષ્ણુ તથા વૈરાજના જેવા શ્રીજીમહારાજને જાણીને ભજે તેને સવિકલ્પમાં કનિષ્ઠ જાણવા. (૧) અને અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ ને મહત્તત્ત્વ જેવા જાણીને શ્રીજીમહારાજને ભજે તેને સવિકલ્પમાં મધ્યમ જાણવા. (૨) અને પ્રધાનપુરુષ જેવા જાણીને શ્રીજીમહારાજને ભજે તેને સવિકલ્પમાં ઉત્તમ જાણવા. (૩) અને મૂળપુરુષ તથા નરનારાયણ જેવા જાણીને શ્રીજીમહારાજને ભજે તેને નિર્વિકલ્પમાં કનિષ્ઠ જાણવા. (૪) અને વાસુદેવ તથા મૂળ અક્ષર જેવા જાણીને ભજે તેને નિર્વિકલ્પમાં મધ્યમ જાણવા. (૫) અને શ્રીજીમહારાજના તેજરૂપ જે અક્ષરધામ તેને વિષે રહ્યો થકો શ્રીજીમહારાજની ઉપાસના કરે તેને નિર્વિકલ્પમાં ઉત્તમ જાણવા. (૬) આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા તે સિદ્ધદશાવાળા પરમ એકાંતિકમુક્ત જાણવા અને જે શ્રીજીમહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિના રોમરોમના નવીન નવીન સુખભોક્તા એવા જે અનાદિમુક્ત તેમને નિર્વિકલ્પમાં અતિ ઉત્તમ નિશ્ચયવાળા જાણવા.
૨ પ્ર. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા પોતે ધામરૂપ થઈને ધામમાં રહીને ઉપાસના કરે ત્યારે મધ્યમ ને કનિષ્ઠ નિશ્ચયવાળા પોતાનું સ્વરૂપ કેવું સમજતા હશે ?
૨ ઉ. મધ્યમ નિશ્ચયવાળા શ્રીજીમહારાજને વાસુદેવ તથા મૂળઅક્ષર જેવા જાણે તેથી તેમના તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે રૂપ પોતાને માને અને કનિષ્ઠ નિશ્ચયવાળા શ્રીજીમહારાજને મૂળપુરુષ તથા નરનારાયણ જેવા જાણે તેથી તેમના તેજરૂપ પોતાને માને. તેમના તેજને પૂર્વ શાસ્ત્રોમાં તથા વેદ તથા ઉપનિષદોમાં બ્રહ્મ તથા અક્ષર શબ્દે કરીને કહેલ છે તે રૂપ માને તેણે કરીને નિશ્ચયમાં ન્યૂનતા રહે છે, કારણ કે શ્રીજીમહારાજના નખની કાન્તિમાં અનંત મૂળઅક્ષરોનું તથા વાસુદેવબ્રહ્મનું તેજ લીન થઈ જાય છે અને અક્ષર તથા વાસુદેવના કિંચિત્ તેજમાં નરનારાયણ તથા મૂળપુરુષોનાં તેજ લીન થઈ જાય છે, આ તેજના ભેદ (લો. ૧૫ના પાંચમા પ્રશ્નમાં) કહ્યા છે તેને શ્રીજીમહારાજના પરમએકાંતિક તથા અનાદિ દેખે છે ને જેના ઉપર એવા મુક્તની કૃપા થાય તે પણ જાણે ને દેખે.
૩ પ્ર. અક્ષરધામને વિષે અષ્ટાવરણે યુક્ત કોટિ કોટિ બ્રહ્માંડ અણુની પેઠે જણાય છે એમ કહ્યું તે બ્રહ્માંડ તો મૂળપુરુષના તેજરૂપ અક્ષરબ્રહ્મમાં રહ્યાં છે અને અક્ષરધામમાં રહ્યાં છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. અક્ષરકોટિ, બ્રહ્મકોટિ, પુરુષકોટિ એ સર્વેનું આધાર શ્રીજીમહારાજનું તેજ છે, માટે મૂળપુરુષના તેજમાં રહ્યા હોય તોપણ શ્રીજીમહારાજના તેજમાં રહ્યા છે એમ કહેવાય, કેમ જે સર્વાધાર તો શ્રીજીમહારાજનું તેજ છે, માટે સૂઝે તેને વિષે રહ્યા હોય તોપણ સર્વાધારને વિષે જ રહ્યા છે એમ કહેવાય.
૪ પ્ર. બીજા પ્રશ્નમાં વક્તાને વિષે દેશ, કાળ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્રાદિકનું શુભ-અશુભપણું કહ્યું તે કેવી રીતે જાણવું ?
૪ ઉ. જે દેશમાં ભગવાનના અવતાર પ્રગટ થતા હોય તથા તે અવતારો જે દેશમાં વિચરતા હોય ને પ્રગટ ભગવાનની ઉપાસનાવાળા સત્પુરુષ રહેતા હોય ને સ્વધર્મનિષ્ઠ જનો રહેતા હોય તે શુભ દેશ જાણવો. (૧) અને જે સ્થાનમાં કોઈ પ્રકારના રોગાદિકની પ્રવૃત્તિ ન હોય તથા મારકૂટ ન થતી હોય તથા અધર્મી માણસનો પ્રસંગ ન હોય તે શુભ કાળ જાણવો. (૨) અને વક્તા પણ શ્રીજીમહારાજના સર્વોપરી નિશ્ચયવાળા અને પંચવર્તમાને યુક્ત ને શ્રીજીમહારાજને વિષે પ્રીતિવાળા મુક્તનો યોગ કરીને તેવા ગુણ સિદ્ધ કરેલા હોય તે શુભ સંગ જાણવો. (૩) અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા હોય તે શુભ દીક્ષા જાણવી. (૪) અને કથા-વાર્તા, ધ્યાન-ભજન, ભક્તિ-સેવા, નિયમ-ધર્મ આદિક ક્રિયા શ્રીજીમહારાજ સંબંધી હોય તે શુભ ક્રિયા જાણવી. (૫) અને શ્રીજીમહારાજના તેજરૂપ પોતાને માનીને સ્વામિનારાયણ નામનો મંત્ર જપતો હોય તે શુભ મંત્ર જાણવો. (૬) અને જેમાં શ્રીજીમહારાજ તથા એમના મુક્તોના સ્વરૂપનું જ્ઞાન તથા દિવ્ય સાકારપણું તથા મહિમા તથા ચરિત્ર-લીલા વર્ણન કરેલાં હોય તેવા શાસ્ત્રને શુભ શાસ્ત્ર જાણવાં. (૭) અને પોતાને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને શ્રીજીમહારાજનું ધ્યાન કરવું તથા શ્રીજીમહારાજની મૂર્તિમાં એકતા કરીને શ્રીજીમહારાજનું ધ્યાન કરવું તે શુભ ધ્યાન જાણવું. (૮) આ કહ્યા તે સર્વે શુભ દેશકાળાદિક જાણવા. તેવા દેશાદિક જે ગુરુમાં હોય તેના સંગથી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય છે. ।।૧૨।। (૧૨૦)
વચનામૃત લોયાનું - ૧૩
સંવત ૧૮૭૭ના માગશર વદિ ૧૦ દશમને દિવસ પ્રાતઃકાળને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજા ધોળા ફેંટાની બોકાની વાળી હતી ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ચોફાળ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે કહ્યું જે, મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૧) કેવો પુરુષ હોય તેને દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પરાભવ ન થાય ? ને કેવો હોય તેને થાય ? અને સાંભળ્યામાં તો એમ આવે છે જે બ્રહ્માને પણ સરસ્વતીને દેખીને મોહ થયો ને શિવજીને પણ મોહનીને દર્શને કરીને મોહ થયો માટે વિચારીને ઉત્તર કરો, કેમ જે એવા મોટાને પણ દેશકાળાદિકે કરીને પરાભવ થયો છે. પછી તેનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહિ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો તો ઉત્તર એ છે જે નાડી-પ્રાણ સંકેલાઈને નિર્વિકલ્પ સ્થિતિએ કરીને શ્રીનારાયણનાં ચરણારવિંદમાં રહ્યો હોય તો તુચ્છ જેવો જીવ હોય તેને પણ દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય ને એવી રીતે બ્રહ્માદિક રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય, અને એવી રીતે સ્થિતિ ન થઈ હોય ને દેહમાં વર્તતા હોય તો બીજા જીવને પરાભવ થાય ને એવા મોટા જે બ્રહ્માદિક તેને પણ થાય અને એમ ન હોય તો :
तत्सृष्टसृष्टेषु तोन्वखंडितधी: पुमान् । ऋषिं नारायणमृते योषिन्मय्येह मायया ।।
એ શ્લોકનો અર્થ ઠીક બેસે નહિ, માટે એને વિષે રહ્યા થકા તો એક નારાયણ ઋષિને પરાભવ ન થાય ને બીજો તો ગમે એવો મોટો હોય ને તે જો નારાયણનાં ચરણારવિંદને વિષે નિમગ્ન ન રહે તો તેને પરાભવ થાય અને જો નિમગ્ન રહે તો ન થાય, એવી રીતે અમે અમારા અંતરમાં અચળ સિદ્ધાંત કરી રાખ્યો છે અને તે ભાગવતમાં કહ્યું છે જે :
एतदीशनमीशस्य प्रकृतिस्थोडपि तद्गुणै: । न युज्यते सदात्मस्थैर्यथा बुद्धिस्तदाश्रया ।।
તથા ભગવાને કહ્યું છે જે :
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यंते मायामेतां तरन्ति ते ।।
એવી રીતે માયાએ કરીને નિર્લેપપણું તે એક નારાયણને જ છે અથવા તે નારાયણને નિર્વિકલ્પપણે પામ્યો હોય તેને પણ પરાભવ ન થાય અને સવિકલ્પપણે જો નારાયણને પામ્યો હોય તો તે ગમે તેવો મોટો હોય તેને પણ પરાભવ થાય. (૧)
૨ અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! જ્યાં સુધી એ મુમુક્ષુને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિપર્યપણું થાય અને નારાયણ છે તે તો ગુણમાં રહ્યા થકા દેશકાળાદિકે કરીને પરાભવને ન પામે એ તો ઠીક, પણ જ્યારે સર્વે મુક્તને ગુણનો સંબંધ ન હોય ને નિર્ગુણપણે કરીને અક્ષરધામને વિષે રહ્યા હોય અને નારાયણ પણ ત્યાં તેવી જ રીતે રહ્યા હોય તે વારે એ સર્વે ચૈતન્યમય છે ને નિર્ગુણ છે ને ને ।। मम साधम्र्यमागता: ।। એવી રીતે નારાયણના સાધર્મ્યપણાને પામ્યા છે એવા જે મુક્ત અને નારાયણ તેમને વિષે કેમ ભેદ સમજવો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ ચંદ્રમા છે ને તારા છે તેમાં ભેદ છે કે નહીં ? જુઓને, પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો ભેદ છે અને સર્વ ઔષધિનું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય પણ બીજે તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને ટળે પણ તારાએ કરીને ટળે નહિ, તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે અને વળી જેમ રાજા ને રાજાના ચાકર તે મનુષ્યજાતિએ કરીને સરખા છે પણ રાજાનું સામર્થ્ય, ઐશ્વર્ય, રૂપ, લાવણ્યતા તે સર્વોપરી છે અને જે રાજા વતે થાય તે ચાકર વતે થાય નહિ; સૂઝે એવડો મોટો હોય તોપણ ન થાય, તેમ પુરુષોત્તમનારાયણ તે સર્વકર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે અને અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે અને અતિ સમર્થ છે ને “કર્તુમ્-અકર્તુમ્-અન્યથાકર્તુમ્’’ છે તે જો પોતાની ઇચ્છામાં આવે તો એ અક્ષરધામને વિષે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિષે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે ને સૂજે તો એ સર્વ મુક્ત તેમણે સેવ્યા થકા એમની ભક્તિને અંગીકાર કરે ને એ સોતા વિરાજમાન રહે અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ્ થકા એકલા જ વિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તોને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે. જેમ પૃથુ ભગવાને પૃથ્વીને કહ્યું જે, મારા ધનુષ થકી નીસર્યાં જે બાણ તેણે કરીને તને મારીને મારા સામર્થ્યે કરીને આ સર્વ જગતને ધારવાને હું સમર્થ છું, તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે તે એને ને બીજા અક્ષરાદિક મુક્તોને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એનાં દર્શન પણ કરવાં નહિ ને એવી રીતની સમજણવાળાનાં દર્શન કરીએ તો પંચમહાપાપ જેવું પાપ થાય અને એ નારાયણને લઈને તો જેને વિષે મોટ્યપ કહીએ તેને વિષે સંભવે અને એને લઈને વિષ્ણુ, બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક એ સર્વેને ભગવાન કહેવાય છે અને ઉદ્ધવજીને વિષે એ નારાયણને લઈને ઉદ્ધવને ભગવાન કહેવાય અને હમણાં આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિષે એ નારાયણને લઈએ તો એમને પણ ભગવાન જેવા કહેવાય અને એ નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાર્તા કહેવી ? અને ।। अपिरिमिता ध्रुवास्तनुभृतोयदि: ।। એ વેદસ્તુતિના ગદ્યનો પણ એ જ અર્થ છે અને જો એમ ન હોય તો આ આપણ સર્વે છીએ તે આ દેહ થકી નોખો જે આત્મા તેને બ્રહ્મરૂપ જાણીએ છીએ અને જ્ઞાન-વૈરાગ્યાદિક સાધન યુક્ત છીએ તોપણ એ નારાયણને પ્રસન્ન કરવાને અર્થે રાતદિવસ ઉજાગરા કરીએ છીએ ને કીર્તન-નામસ્મરણ તે તાળીઓ વજાડી વજાડીને હાથની આંગળીઓ ફાટી જાય એમ કરીએ છીએ તથા કથા-વાર્તા રાતદિવસ કરીએ; કરાવીએ છીએ તે જો એ નારાયણ સરખા થઈ જવાતું હોય તો એવડો દાખડો શું કરવા કરીએ ? માટે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે પણ બીજો કોઈ એ જેવો થાતો નથી અને ।। एकमेवाद्वतीयं ब्रह्म ।। એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે એમ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે, એવી રીતે ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરીને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૩।। (૧૨૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અમારે વિષે નિમગ્ન રહે તેને દેશકાળાદિક પરાભવ પમાડી શકે નહિ ને દેહમાં વર્તે એવા મુમુક્ષુને દેશકાળાદિક પરાભવ પમાડે. (૧) બીજામાં જેમ આકાશમાં તારા ને ચંદ્ર રહ્યા છે તેમ અમારા તેજરૂપ અક્ષરધામને વિષે અમે ચંદ્રને ઠેકાણે છીએ અને તારાને ઠેકાણે અમારા મુક્ત છે એવી રીતે અમારે વિષે ને અમારા મુક્તને વિષે ભેદ છે અને જેમ રાજા ને રાજાના ચાકરમાં ભેદ છે તેમ અમારે વિષે ને અક્ષરાદિક અવતારોને વિષે ભેદ છે, અને અમારા તેજરૂપ અક્ષરધામને વિષે અમારા સમીપમાં અમારા મુક્ત રહ્યા છે તેમને એ અક્ષરધામરૂપ જે અમારું તેજ તેને વિષે લીન કરીએ, અર્થાત્ એ મુક્ત એકબીજાને દેખે નહિ એવી વિસ્મૃતિ કરાવીએ તે અમારું કર્તાપણું છે અને એ અમારા તેજરૂપ ધામને વિષે મુક્તની સેવાને અંગીકાર કરીએ અર્થાત્ સેવકને આધીનપણાનો ભાવ જણાવીએ તે અમારું અકર્તાપણું છે. અને એ અમારા તેજને પણ અમારે વિષે લીન કરીને સ્વરાટ્ થકા રહીએ અને એ અમારા તેજમાં રહેલા મુક્તોને અમારા ઐશ્વર્ય વડે ધારણ કરીએ અર્થાત્ અમારી મૂર્તિમાં રાખીએ તે અમારું અન્યથાકર્તાપણું છે. અને અમને ને અમારા અક્ષરાદિક અવતારોને તથા અમારા સાધર્મ્યપણાને પામેલા અમારા મુક્તોને પણ સરખા કહે તે દુષ્ટ મતવાળા ને અતિ પાપી છે ને તેનાં દર્શન પણ કરવાં નહિ, અને અમારી સત્તાના પ્રભાવ વડે કરીને મૂળઅક્ષરાદિકથી લઈને વિષ્ણુ પર્યંત સર્વેને ભગવાન કહેવાય છે, અને અમને લઈને આ મુક્તાનંદ સ્વામીને તો ભગવાન જેવા એટલે જેવા અમે છીએ તેવા જ કહેતાં અમારા તુલ્ય કહેવાય અને અક્ષર પર્યંત કોઈ અમારા જેવો થવા સમર્થ નથી; અમે એક જ ભગવાન છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. અમારે વિષે નિમગ્ન રહે તો તુચ્છ જેવો જીવ હોય તે પણ પરાભવ ન પામે એમ કહ્યું તે જે શ્રીજીમહારાજને વિષે નિમગ્ન રહે તેને તુચ્છ કેમ કહેવાય ?
૧ ઉ. આ લોકમાં સાધનકાળમાં માયાબદ્ધ જીવ હોય તેને આ લોકની અપેક્ષાએ તુચ્છ કહેવાય પણ તે જીવને શ્રીજીમહારાજ અથવા સત્પુરુષ મળે તેમના સમાગમે કરીને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા જાણીને શ્રીજીમહારાજને ધ્યાને કરીને મૂર્તિને વિષે નિમગ્ન રહે તેને પરાભવ ન થાય માટે આ લોકની અપેક્ષાએ તુચ્છ કહ્યા છે અને આ લોકની અપેક્ષાએ અધિકારને લઈને બ્રહ્માદિકની મોટપ કહેવાય.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં અક્ષરધામમાં મુક્ત રહ્યા છે તેમને અમારા તેજમાં લીન કરીએ તે અમારું કર્તાપણું છે એમ કહ્યું તે અક્ષરધામ કિયું જાણવું અને શ્રીજીમહારાજનું તેજ કહ્યું તે કિયું જાણવું ? અને કર્તાપણું તો પોતે ક્રિયા કરે તે કહેવાય. અને બીજા પાસે કરાવે તે અકર્તા કહેવાય. અને સાહિત્ય વિના પણ કરી શકે તે અન્યથાકર્તા કહેવાય. માટે તે કાંઈ સમજાતું નથી તે કૃપા કરીને સમજાવો ?
૨ ઉ. અક્ષરધામને અને તેજને જુદું કહ્યું નથી. એક વાર અક્ષરધામ કહ્યું તેને જ બીજી વારે તેજ નામે કહ્યું છે, કેમ કે પોતાનું તેજ છે, તે જ અક્ષરધામ છે તે (પં. ૧માં) કહ્યું છે માટે આ ઠેકાણે તેજને જ અક્ષરધામ કહ્યું છે પણ તેજ અને અક્ષરધામ જુદું નથી. અને મૂળઅક્ષરાદિક અવતારો દ્વારે ઉત્પત્ત્યાદિક કરાવે છે તે પોતે પ્રેરણા કરી માટે કર્તાપણું કહેવાય. અને બીજા પાસે કરાવે છે પણ પોતે નથી કરતા માટે અકર્તાપણું કહેવાય અને સાહિત્ય વિના પણ જે ધારે તે કરી શકે તે અન્યથાકર્તાપણું કહેવાય, પણ એવી રીતનું કર્તા, અકર્તા અને અન્યથાકર્તાપણું તે અન્વય સ્વરૂપનું છે. અને આમાં તો કર્તા, અકર્તા ને અન્યથાકર્તાપણું તે પોતાના વ્યતિરેક સ્વરૂપનું કહ્યું છે જે, મુક્તને ધામરૂપ તેજમાં લીન કરે તે કર્તાપણું છે, અને સેવા અંગીકાર કરીને સેવકને આધીનપણું બતાવે તે અકર્તાપણું છે, અને ધામ વિના પોતાની મૂર્તિમાં સર્વે મુક્તને રાખે તે અન્યથાકર્તાપણું કહ્યું છે, માટે આ કર્તા, અકર્તા ને અન્યથાકર્તાપણું તે વ્યતિરેક સ્વરૂપનું જ કહ્યું છે. એટલે આમાં પોતાની ને પોતાના તેજરૂપ ધામની ને પોતાના મુક્તની જ વાત છે પણ અન્વય સ્વરૂપના કર્તા, અકર્તા ને અન્યથાકર્તાપણાની વાત કહી નથી.
૩ પ્ર. ચંદ્ર, તારા ને ઔષધિને દૃષ્ટાંતે શું સમજવું ?
૩ ઉ. ચંદ્રને ઠેકાણે શ્રીજીમહારાજને જાણવા અને તારાને ઠેકાણે મુક્તને જાણવા અને ઔષધિઓને ઠેકાણે મુમુક્ષુઓને જાણવા ને શ્રીજીમહારાજનું સુખ આપવું તે પોષણ જાણવું, તે સુખ શ્રીજીમહારાજ મુક્ત દ્વારે આપે છે તે મુક્તો શ્રીજીમહારાજને લીધા વિના સ્વતંત્રપણે સુખ આપવા કોઈ સમર્થ નથી.
૪ પ્ર. રાજા અને ચાકરને દૃષ્ટાંતે શું સમજવું ? અને કરવાનું શું જાણવું ?
૪ ઉ. રાજાને ઠેકાણે શ્રીજીમહારાજને જાણવા, અને ચાકરને ઠેકાણે મૂળઅક્ષરકોટિથી લઈને સર્વે અવતારો જાણવા તે સર્વેને વિષે શ્રીજીમહારાજની સત્તા આવે છે ત્યારે એ ઐશ્વર્યાર્થીઓ ઉત્પત્ત્યાદિક કરવા તથા કર્મફળ આપવા સમર્થ થાય છે પણ શ્રીજીમહારાજની સત્તાને મૂકીને સ્વતંત્રપણે ઉત્પત્ત્યાદિક કરવા કે કર્મફળ આપવા કોઈ સમર્થ નથી એમ કહ્યું છે.
૫ પ્ર. ચંદ્રનું ને રાજાનું બે દૃષ્ટાંત દેવાનું શું કારણ હશે ?
૫ ઉ. મોક્ષ કરવારૂપી અને ઉત્પત્ત્યાદિક કરવારૂપી એ બેય કાર્ય જુદાં જુદાં છે તેમાં મોક્ષ કરનારા મુક્ત છે અને ઉત્પત્ત્યાદિક કરનારા મૂળઅક્ષરાદિક છે તે માટે બે દૃષ્ટાંત દીધાં છે. ।।૧૩।। (૧૨૧)
વચનામૃત લોયાનું - ૧૪
સંવત ૧૮૭૭ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, (૧) મોરે આચાર્ય થઈ ગયા છે તેની પૃથક્ પૃથક્ રુચિ છે તેમાં શંકરસ્વામીને અદ્વૈતજ્ઞાનાંશ પ્રધાન જણાય છે, તથા રામાનુજનો એમ મત છે જે, જીવ, માયા ને પુરુષોત્તમ એ ત્રણે નિત્ય છે ને પુરુષોત્તમ છે તે જીવ-માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે, એવા જે પુરુષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી એવી રીતે રામાનુજની સમજણ જણાય છે, તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે, અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય એમ તેમના ગ્રંથોને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે, તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રુચિ જણાય છે ને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સુંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સુંસરો ચાલ્યો આવે છે તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો.? ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાણું તેણે તેમ કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે અમારો અભિપ્રાય તથા રુચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા તોપણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈ ત્યારે પોતે ભગવાન હતા તોપણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા ને એમ બોલ્યા જે, યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય તોપણ તે મનનો વિશ્વાસ ન કરવો તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે :
न कुर्यात्कर्हिचित्सख्यं मनसि ह्यनवस्थिते । यद्विस्रंभाच्चिरार्चीर्णचस्कंद तपणेचस्कंद तपणेश्वरम् ।।
नित्यं ददाति कामस्य छिद्रं तमनु यडस्य: । योगिन: कृतमैत्रस्य पत्युर्जायेव पुंश्चली: ।।
એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે તેવો ત્યાગ અમને ગમે છે, તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી ને એમ મનમાં રહે છે જે, શ્વેતદ્વીપને વિષે તથા બદરિકાશ્રમને વિષે જઈને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ તે બહુ સારું લાગે પણ બીજા લોકમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. (૧) તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે, એ સર્વે અવતાર નારાયણના છે તોપણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે તથા તેથી ઊતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બેય સરખા જણાય છે અને એ ત્રણે અવતાર કરતાં કોટિગણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે ને એમ જાણીએ છીએ જે બીજા સર્વે અવતાર કરતાં આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે અને આમાં અવતાર-અવતારી એવો ભેદ નથી જણાતો અને બીજા જે મચ્છ-કચ્છાદિક તે ભગવાનના જ અવતાર છે પણ તેમાં અમારી અતિ રુચિ નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વેથી પર એક મોટો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ અધો-ઊર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે ને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે, ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસન ને ચારેકોરે અનંતકોટિ મુક્ત બેઠા થકા તે નારાયણનાં દર્શન કરે છે, એવા જે મુક્તે સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ અને તે ભગવાનને વિષે તેજનું અતિશેપણું છે તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થાતાં ત્યારે અમને અતિશે કષ્ટ થાય છે અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તોપણ એને વિષે રુચિ નથી અને ભગવાનની મૂર્તિનાં દર્શને કરીને જ અતિ સુખ થાય છે, અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે, તે સારુ અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિષે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક, તથા કોઈકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈ માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જાઈએ ને જાણીએ જે એ બહુ ઠીક કરે છે. (૨) અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે, જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષા, દંભ, કપટ ઇત્યાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠ્યા-ઊઠ્યાની સુવાણ થાય છે અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તોપણ તેની સાથે સુવાણ થાય નહિ; તેની તો ઉપેક્ષા રહે છે. (૩) અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો ક્રોધ, માન, ઈર્ષા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે, કાં જે કામી હો તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે અને જેમાં ક્રોધ, માન ને ઈર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જાતા દેખાય છે, માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે, તે માન તે શું ? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં. (૪) અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે, જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તે બ્રહ્મને અમે પોતાનું સ્વરૂપ જાણીએ છીએ, તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર-અક્ષરથી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાનને વિષે તો અમારે ઉપાસના છે, તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિષે અમારે ભક્તિ છે, તથા શુકજીના જેવો તથા જડભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે ને આત્મનિષ્ઠા છે, એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુએ તો જે બુદ્ધિવાન હોય તેના જાણ્યામાં આવે છે, એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજીમહારાજે વાર્તા કરી અને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૧૪।। (૧૨૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને ત્યાગ ગમે છે પણ વૈભવ ભોગવવા ગમતા નથી. (૧) અને અમારા ઘણા અવતાર થયા છે તેમાં દત્ત-કપિલથી ઋષભદેવ અધિક છે અને તેથી શ્રીકૃષ્ણ કોટિગણા અધિક છે અને આ અવતાર એટલે અમે બહુ સમર્થ છીએ ને અમારે વિષે અવતાર-અવતારી ભેદ નથી; સર્વેના ઉપરી છીએ, અને સર્વેથી પર પરિમાણે રહિત ને અનંત એવો તેજનો સમૂહ છે તેના મધ્ય ભાગને વિષે દિવ્ય સિંહાસન ઉપર અમે દિવ્ય મૂર્તિ વિરાજમાન છીએ અને ચારે કોરે અનંતકોટિ મુક્ત અમારાં દર્શન કરે છે તે મુક્તે સહિત અમારાં દર્શન થાય ત્યારે જ સુખ માનવું ને અમારું તેજ એકલું દેખાય તો કષ્ટ પામવું, એવી રીતે અમારી ઉપાસના ને ભક્તિ કરવી. (૨) અને કામાદિક દોષ ન હોય ને ધર્મશાસ્ત્ર જે સત્સંગિજીવન તેમાં કહ્યા તે પ્રમાણે ધર્મ પાળતો હોય ને અમારી ભક્તિએ યુક્ત હોય તેનો સંગ રાખવો ને એવો ન હોય તેની ઉપેક્ષા રાખવી. (૩) અને કામી કરતાં ક્રોધ, માન, ઈર્ષ્યા હોય તેના ઉપર અમારે બહુ અભાવ રહે છે. (૪) અને શંકર સ્વામી અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કરે છે તે મૂળપુરુષનું તેજ છે, ને તેથી પર વાસુદેવબ્રહ્મનું તેજ છે, ને તેથી પર મૂળઅક્ષરનું તેજ છે, ને તેથી પર ને સર્વેનું આધાર, સર્વેનું કારણ ને અદ્વૈત એવું જે અમારા તેજરૂપ બ્રહ્મ તેને પોતાનું સ્વરૂપ માનવું. ને ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમ ભગવાન જે અમે તે અમારી સાકારપણે ઉપાસના ને ભક્તિ કરવી, ને અમારા વિના બીજેથી વૈરાગ્ય ને આત્મનિષ્ઠા રાખવી એમ કહ્યું છે. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં શ્વેતદ્વીપ તથા બદરિકાશ્રમમાં તપ કરવું તે સારું લાગે છે પણ બીજા લોકના વૈભવ નથી ગમતા એમ કહ્યું તે લોક ને વૈભવ કિયા જાણવા ?
૧ ઉ. ઇન્દ્રથી લઈને પ્રકૃતિપુરુષના સ્થાન સુધી સર્વે લોક જાણવા, તે લોકોમાં જે માયિક સુખ છે તે વૈભવ જાણવા, તે ગમતા નથી એમ કહ્યું છે.
૨ પ્ર. બીજી બાબતમાં ઋષભદેવ વાસુદેવ સંગાથે એકાત્મતાને પામ્યા હતા, એમ કહ્યું તે વાસુદેવ કિયા જાણવા ?
૨ ઉ. આ ઠેકાણે મૂળપુરુષને વાસુદેવ કહ્યા છે તેના ઋષભદેવ અવતાર હતા ને એને વિષે એકાત્મતાને પામ્યા હતા.
૩ પ્ર. ઋષભદેવ કરતાં શ્રીકૃષ્ણને વિષે અધિક હેત કહ્યું તેનું શું કારણ હશે ?
૩ ઉ. જે સર્વેથી મોટા હોય તેમને વિષે હેત કરવું એમ કહ્યું છે તે દત્ત-કપિલથી ઋષભદેવ મોટા છે ને તેથી શ્રીકૃષ્ણ અતિ મોટા છે અને પોતે તો સર્વેથી અતિશય મોટા છે તે સર્વ અવતાર કરતાં આ અવતાર બહુ મોટો ને બહુ સમર્થ છે એમ પોતાને સર્વેથી અત્યંત મોટા કહ્યા છે તે માટે પોતાને વિષે જ હેત કરવું એમ સૂચવ્યું છે.
૪ પ્ર. અમારે વિષે અવતાર-અવતારી એવો ભેદ નથી એમ શ્રીજીમહારાજે કહ્યું તેમાં શું સમજવાનું હશે ?
૪ ઉ. જેમ બીજા અવતારો છે તે પોતાના ઉપરીના અવતાર છે ને પોતાના નીચેના જે અવતાર તેના અવતારી છે, તેમ અમે અવતાર નથી; અમે તો અવતારી જ છીએ પણ અવતાર-અવતારી એવા બે ભેદ અમારે વિષે નથી એમ કહ્યું છે. તે મચ્છ-કચ્છાદિકથી લઈને મૂળઅક્ષર સુધી સર્વે અવતાર કહેવાય અને અવતારી પણ કહેવાય, તેમાં મચ્છથી લઈને રામાવતાર સુધી સર્વે શ્રીકૃષ્ણના અવતાર કહેવાય ને શ્રીકૃષ્ણ એમના અવતારી કહેવાય અને વાસુદેવબ્રહ્મના શ્રીકૃષ્ણ અવતાર કહેવાય અને વાસુદેવબ્રહ્મ તે શ્રીકૃષ્ણના અવતારી કહેવાય અને મૂળઅક્ષરના અવતાર વાસુદેવ ને કહેવાય ને મૂર્તિમાન મૂળઅક્ષરને વાસુદેવબ્રહ્મના અવતારી કહેવાય ને શ્રીજીમહારાજના અવતાર મૂળઅક્ષરને કહેવાય, ને શ્રીજીમહારાજ સર્વેના અવતારી કહેવાય, પણ કોઈના અવતાર નથી એટલે કોઈ અમારો ઉપરી નથી એમ કહ્યું છે.
૫ પ્ર. અક્ષરધામમાં સિંહાસન કહ્યું તે શી વસ્તુ હશે ?
૫ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિનું તેજ છે તે સિંહાસન રૂપે શોભા આપે છે.
૬ પ્ર. ચોથી બાબતમાં કામ કરતાં ક્રોધ, માન ને ઈર્ષ્યા એ ત્રણને ભૂંડાં કહ્યાં ને (પ્ર. ૭૬/૨માં) એ ત્રણે કરતાં કામને ભૂંડો કહ્યો તેનું શું કારણ હશે ?
૬ ઉ. સત્સંગમાં ક્રોધ-માનાદિક ન રાખે તે કરતાં કામીને ભૂંડો કહ્યો છે અને શ્રીજીમહારાજના ભક્ત આગળ માન, ક્રોધ ને ઈર્ષ્યા રાખે તેથી કામી સારો કહ્યો છે, કેમ જે માનીથી શ્રીજીમહારાજ તથા એમના ભક્તનો દ્રોહ થઈ જાય એવા માનીને કામી કરતાં ભૂંડો કહ્યો છે.
૭ પ્ર. પાંચમી બાબતમાં શંકર સ્વામીએ અદ્વૈતબ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તે બ્રહ્મને શ્રીજીમહારાજે પોતાનું સ્વરૂપ માનવાનું કહ્યું ને રામાનુજે ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમ કહ્યા તે પુરુષોત્તમની ઉપાસના કરવાની કહી તે શંકર સ્વામીએ જે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તે બ્રહ્મ તો મૂળપુરુષનું તેજ છે અને રામાનુજાચાર્યે પણ મૂળપુરુષને જ પુરુષોત્તમ કહ્યાં છે અને શ્રીજીમહારાજે તે અદ્વૈતબ્રહ્મને પોતાનું સ્વરૂપ માનવાનું કહ્યું ને રામાનુજાચાર્યે જેને પુરુષોત્તમ કહ્યા તેની ઉપાસના કરવી એમ કહ્યું તે કેમ સમજવું ?
૭ ઉ. જેમ શંકર સ્વામીએ અદ્વૈતબ્રહ્મથી પર કોઈ નથી એમ જાણીને તેનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાચાર્યે મૂળપુરુષથી પર કોઈ નથી એમ જાણીને એમને પુરુષોત્તમ માનીને એમની ઉપાસના કરવાનું કહ્યું છે, તેમ અમારા ભક્તોએ અમારા તેજરૂપ બ્રહ્મને મૂળઅક્ષરાદિક સર્વેથી પર જાણીને તે બ્રહ્મરૂપ પોતાને માનવું અને અમને એ બ્રહ્મથી પર ને એ બ્રહ્મના કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ જાણીને અમારી ઉપાસના કરવી. અને જેમ ગોપીઓને શ્રીકૃષ્ણને વિષે પ્રીતિ હતી તેવી પ્રીતિ અમારે વિષે કરવી, અને જડભરત તથા શુકજીએ સર્વેથી પર શ્રીકૃષ્ણને જાણીને તે વિના બીજેથી વૈરાગ્ય પામીને પ્રીતિ ટાળી નાખી હતી અને આત્મા રૂપે વર્તતા હતા, તેમ અમારા ભક્તોએ અમને સર્વેથી પર ને સુખદાયી જાણીને અમારા વિના બીજેથી પ્રીતિ ટાળીને વૈરાગ્ય દૃઢ કરવો ।।૧૪।। (૧૨૨)
વચનામૃત લોયાનું - ૧૫
સંવત ૧૮૭૭ના માગશર વદિ ૧૩ તેરસને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગાં કરીને ઓઢ્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ દેશદેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને
બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્યા જે, (૧) આ જીવ છે તે અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવપણે કરીને સર્વ દેહમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા ને ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોક્તાપણું છે પણ દેવતા-ઇન્દ્રિયોથી પૃથક્પણે ભોક્તા નથી. (૧)
૨ ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી જે, (૨) હે મહારાજ ! ત્યારે એમ કહેવાય છે જે, જીવ જે તે સામાન્યપણે સર્વ દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું તેનું કેમ સમજવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે, કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે તેવી રીતે પાણાની ભૂમિ, રેતની ભૂમિ, તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન-અધિકપણું જણાય છે, તેમ એ જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ ગોલક એ સર્વેને વિષે સમાનપણે રહ્યો છે પણ ઇન્દ્રિયોને વિષે સ્વચ્છપણું છે માટે તેને વિષે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓને નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક-કાનમાં કોઈ દિવસ જણાય છે ? નથી જણાતું અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે પણ જીવ તો સર્વ દેહને વિષે સમાનપણે રહ્યો છે. (૨)
૩ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે તે કેમ સમજવું ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો એમ છે જે, જેમ જેને અક્ષિવિદ્યા છે તેને નેત્ર દ્વારાએ જીવનું દર્શન થાય છે ને તેને વિષે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને જે ઇન્દ્રિય દ્વારા લક્ષ થયો તે તેવો આત્માને દેખે છે, જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવાળા તથા નાડીઓ તે સર્વે કાચનાં હોય ને તે પૂતળાની માંહીલી કોરે તેજ ભર્યું હોય તે તેજ દેખાય તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતું, તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે પણ એની નિરાવરણ દૃષ્ટિ નથી થઈ માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો; અને જ્યારે એની નિરાવરણ દૃષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દૃષ્ટિમાં નથી આવતા ને જેવો આત્મા છે તેવો જણાય છે, જેમ જે આકાશની દૃષ્ટિને પામ્યો હોય તેની દૃષ્ટિમાં બીજાં ચાર ભૂત નથી આવતાં, તેમ જેની નિરાવરણ દૃષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દૃષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે અને ભેદ દૃષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો, જેમ કોઈકે ગાયનું પૂંછડું દીઠું, કોઈકે મુખ દીઠું, ખુર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો તે જેણે જે જે અંગ દીઠું ને ગાયનું જ દીઠું છે પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી ને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય તેમ એ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો આત્મદર્શી કહેવાય પણ સમ્યક્ આત્મદર્શન એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિષે એવી રીતે સામાન્ય-વિશેષપણું કહીએ છીએ. (૩)
૪ ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૪) હે મહારાજ ! તમે જીવને તો નિરાકાર કહ્યો ત્યારે તે જીવને વિષે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ ને જીવ એ સર્વેના આશ્રયપણે રહ્યા છે તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવરાવ્યું છે જે, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા ને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું, જેમ પંચમહાભૂત બ્રહ્માંડને વિષે રહ્યા છે ને તેનાં તે જ સર્વના દેહમાં રહ્યાં છે તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યાં છે તેમ રહ્યો છું ને જેમ એ ભૂત જીવોના દેહમાં સામાન્યપણે રહ્યાં છે તેમ હું તમારે પાસે રહ્યો છું અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિષે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો પણ રહ્યો તો મૂર્તિમાન છું. (૪)
૫ ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) હે મહારાજ ! એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવ, પુરુષ, અક્ષર ને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતિ છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહિ ને ભેદ તો અતિશે છે પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી, અને જેને આ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે પછી તે એમ જાણે છે જે, આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે, એવી રીતે એ સર્વેને પૃથક્પણે દેખે છે ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે પણ બીજા તો કોઈ પૃથક્ દેખવાને અર્થે સમર્થ થાય નહીં. (૫) માટે ભગવાન સૂઝે એ રૂપે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે. (૬)
અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે તે એ શ્રીકૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે તે એ ત્રણ શાસ્ત્રના મત તે તમને અમે પૃથક્ પૃથક્પણે કરીને કહીએ તે સાંભળો, (૬) તેમાં જે સાંખ્યવાળા છે તે તો ચોવીશ તત્ત્વને કહીને તેથી પર પચવીશમા પરમાત્માને કહે છે પણ જીવ-ઈશ્વરને પૃથક્પણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે તત્ત્વ છે તે જીવ વિનાનાં હોય નહિ, માટે તત્ત્વ ભેળો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્ત્વરૂપ જ કહે છે, પણ તત્ત્વ થકી પૃથક્ નથી કહેતા અને જેમ જીવને ચોવીશ તત્ત્વરૂપ માને છે તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેને પણ ચોવીશ તત્ત્વરૂપ માને છે એવી રીતે જીવ-ઈશ્વર એ બેયને તત્ત્વરૂપ માનીને તત્ત્વ ભેળે જ એને ગણે છે પણ તત્ત્વથી નોખા નથી ગણતા ને પચવીશમા પરમાત્માને કહે છે એ સાંખ્યનો મત છે પણ એમ ન સમજવું જે જીવ નથી, કાં જે સાંખ્યવાળે ષટ્ સંપત્તિ, શ્રવણ, મનન, નિદિધ્યાસાનાદિક સાધન કહ્યાં છે તે જીવને જ કરવાનાં કહ્યાં છે પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્ત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે એવી રીતે સાંખ્ય મત છે તે મોક્ષધર્મમાં શુકજી પ્રત્યે નારદજીએ કહ્યું છે જે :
त्यज धर्मधर्म च उभे सत्यानृते त्यज । उभे सत्यानृते त्यकत्वा येन त्यजसिं ते त्यज ।।
એનો એમ અર્થ છે જે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ, સત્યરૂપ-અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મ રૂપે રહેવું પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કહ્યો નથી એ શ્લોકનો એ અર્થ છે, અને યોગવાળા છે તે ચોવીશ તત્ત્વને પૃથક્ ગણે છે ને જીવ-ઈશ્વરને પચવીશમા કહે છે ને પરમાત્માને છવીશમા કહે છે અને વિવેકે કરીને પચવીશમાને તત્ત્વ થકી પૃથક્ સમજીને તેને વિષે પોતાપણાની દૃઢતા માનીને ચોવીશ તત્ત્વની જે વૃત્તિઓ તેનો પિંડીભાવ કરીને બળાત્કારે છવીશમાને વિષે રાખે પણ વિષય સન્મુખ જાવા દે નહિ ને એમ સમજે જે, મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જાશે તો મુને સંસૃતિ થાશે, માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો-અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિષે રાખે, અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે જે, મારે ઇન્દ્રિયો-અંતઃકરણ જ નથી તો જાશે ક્યાં ? માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે, અને યોગવાળો છે તે તો ડરતો જ રહે છે, જેમ કોઈક પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાને ઉપર ઊંચું ચઢવું હોય ને બે કોરેથી ઉઘાડી તરવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનને વિષે વૃત્તિઓને રાખે છે એ યોગનો મત છે અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે, સર્વના અતિશે મોટા કારણ એવા જે પુરુષોત્તમનારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે, જેમ આકાશની દૃષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્ત્વને દેખે નહિ, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહિ, એવી રીતે વેદાંતનો મત છે. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૧૫।। (૧૨૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૬) છે. તેમાં પહેલું ને છઠ્ઠું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે દેવતા ને ઇન્દ્રિયો દ્વારે કરીને જીવનું ભોક્તાપણું કહ્યું છે. (૧) બીજામાં ઇન્દ્રિયો કરતાં અંતઃકરણ સ્વચ્છ છે તેથી તેમાં અધિક પ્રકાશ જણાય છે. (૨) ત્રીજામાં જેને ઇન્દ્રિયો દ્વારે લક્ષ થાય તેને સમગ્ર આત્મા નથી દેખાતો, જ્યારે નિરાવરણ દૃષ્ટિ થાય ત્યારે યથાર્થ આત્માને દેખે છે. (૩) ચોથામાં શ્રીકૃષ્ણ ને ગોપીઓના દૃષ્ટાંતે કહ્યું છે કે એવા ભક્તને વિષે અમે મૂર્તિમાન રહ્યા છીએ પણ એની ચિત્તવૃત્તિના નિરોધ માટે દેખાતા નથી. (૪) પાંચમામાં જીવ, પુરુષ, અક્ષર ને અમારું તેજ સજાતિ છે ને જે જીવને અમે કૃપા કરીને મૂર્તિમાન કરીએ ત્યારે તે મુક્ત પોતાને તથા પુરુષને તથા અક્ષરને તથા અમને મૂર્તિમાન દેખે છે અને એ સર્વના પ્રકાશને પણ પૃથક્ પૃથક્ દેખે છે. (૫) અને જીવને વિષે સૂઝે એ રૂપે કરીને એટલે મૂળપુરુષ દ્વારે રહ્યા છીએ. પણ મૂળઅક્ષરાદિકથી લેઈને સર્વેને વિષે અમારી શક્તિ રહી છે, માટે અમે રહ્યા છીએ એમ જાણવું. (૬) છઠ્ઠામાં ઉપનિષદ્, યોગ ને સાંખ્ય તેના મતને કહેવાપૂર્વક પોતાના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. (૭) બાબતો છે.
૧ પ્ર. ત્રીજા પ્રશ્નમાં ઇન્દ્રિયો દ્વારે લક્ષ થાય તો સમગ્ર આત્મા દેખાતો નથી એમ કહ્યું; અને વળી નેત્ર દ્વારે જીવનું દર્શન થાય છે ને તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને પણ દેખે છે એમ કહ્યું તે નેત્ર દ્વારે જીવનું દર્શન સમ્યક્ પ્રકારે તો નથી ત્યારે મૂર્તિ કેવી દેખાતી હશે ?
૧ ઉ. ઇન્દ્રિયોના અવકાશ પ્રમાણે જીવનું દર્શન થાય છે અને મૂર્તિ પણ ઇન્દ્રિયોની વૃત્તિ દ્વારાએ સમગ્ર દેખાતી નથી; જીવસત્તાએ જુએ ત્યારે જ જીવાત્માને તથા શ્રીજીમહારાજની મૂર્તિને સમગ્ર દેખે પણ આવરણ ટળ્યા વિના ઇન્દ્રિયો તથા અંતઃકરણ દ્વારે જુએ ત્યાં સુધી જીવ તથા શ્રીજીમહારાજની મૂર્તિ સમગ્ર દેખાય નહીં.
૨ પ્ર. ચોથા પ્રશ્નમાં નિરાકાર જીવને વિષે તમે તેજ રૂપે રહ્યા છો કે મૂર્તિમાન રહ્યા છો ? એમ નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું તેના ઉત્તરમાં શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણનું દૃષ્ટાંત દીધું તેમાં તો મૂર્તિમાન રહ્યા છે એમ કહ્યું તે જીવમાં તો તેજ દ્વારે રહ્યા છે એમ (પ્ર. ૪૧માં તથા સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) કહ્યું છે, માટે તે પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. શ્રીજીમહારાજ માયાબદ્ધ જીવો તથા તે જીવોના ઉપરી મૂળપુરુષ ઈશ્વર ને તેથી પર મુક્તજીવ ને મુક્તજીવના ઉપરી મૂળઅક્ષર તે સર્વેને વિષે અંતર્યામી રૂપે પોતાના પ્રકાશ દ્વારે રહ્યા છે અને આમાં તો પોતાના એકાંતિક ભક્તને વિષે મૂર્તિમાન રહ્યા છે એમ કહ્યું છે માટે વિરોધ નથી.
૩ પ્ર. પાંચમા પ્રશ્નમાં જીવને વિષે પુરુષ, અક્ષર તથા અમે ત્રણે પ્રકાશ દ્વારે રહ્યાં છીએ ને જીવ, પુરુષ, અક્ષર તથા અમારા પ્રકાશમાં ભેદ અતિશે છે તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી, એમ શ્રીજીમહારાજે કહ્યું તે જીવને વિષે ત્રણે રહ્યા હશે કે કેમ ?
૩ ઉ. મૂળઅક્ષરને વિષે શ્રીજીમહારાજ તેજ દ્વારે રહ્યા છે અને મૂળપુરુષને વિષે શ્રીજીમહારાજ, મૂળઅક્ષર ને બ્રહ્મ એ ત્રણે તેજ દ્વારે રહ્યા છે અને જીવને વિષે શ્રીજીમહારાજ, મૂળઅક્ષર, બ્રહ્મ ને મૂળપુરુષ એ ચારે તેજ દ્વારે રહ્યા છે તેમાં શ્રીજીમહારાજનું તેજ તે સર્વનું આધાર છે ને એ તેજને સચ્ચિદાનંદ, ચિદાકાશ, મહાતેજ, અક્ષરધામ, અક્ષરબ્રહ્મ, કાન્તિ તથા શક્તિ એવે ઘણે નામે કહેલ છે. તે (પ્ર. ૪૫ના બીજા પ્રશ્નોત્તરમાં) છે.
૪ પ્ર. જ્યારે શ્રીજીમહારાજ કૃપા કરીને દિવ્ય દેહ આપે ત્યારે તે ભક્ત પોતાને, પુરુષને, અક્ષરને તથા શ્રીજીમહારાજને પૃથક્પણે દેખે અને એ સર્વેના પ્રકાશને વિલક્ષણપણે દેખે છે, એમ કહ્યું તે દિવ્ય દેહ આપ્યા પછી તો એને વિષે શ્રીજીમહારાજ વિના બીજા કોઈનું અંતર્યામીપણું ઘટતું નથી ત્યારે એ સર્વેને શી રીતે દેખે ?
૪ ઉ. જ્યારે દિવ્યદેહ બંધાય એટલે મૂર્તિમાન થાય ત્યારે તેને આવરણ રહેતું તેથી તે સર્વેને તેનાં તેનાં ધામોને વિષે શ્રીજીમહારાજની પેઠે જ દેખે છે. ।।૧૫।। (૧૨૩)
વચનામૃત લોયાનું - ૧૬
સંવત ૧૮૭૭ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ સંધ્યા આરતી થયા કેડે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો. એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો જે, (૧) જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેનાં શાં લક્ષણ છે ? પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેની વાસના કુંઠિત ન થઈ હોય, તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય, તે પાછી વિચારે કરીને પણ નીસરે નહિ, અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહિ અને કદાચિત્ વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે પણ વિષયમાં આસક્ત થાય નહિ, અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિષે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા-નરસા જે વિષય તે બેય સમાનપણે જણાય ને પોતે ગુણાતીતપણે વર્તે. (૧)
૨ ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જાતી તેનું શું કારણ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર એ છે જે, આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિનાં કાર્ય એવા જે પદાર્થમાત્ર તેને વિષે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિકરૂપ જે ધર્મ તથા માહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ એ ચાર વાનાં જેમાં સંપૂર્ણ હોય તેની વાસના નિર્મૂળ થઈ જાય છે અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થાતી નથી. (૨)
૩ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે પ્રશ્ન પૂછીએ જે, (૩) મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાનાં કહ્યાં છે તેમાં એક એવું મોટું કિયું સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે ? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ, પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, ભગવાનનું માહાત્મ્ય જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે :- मद्भयाद्वाति वातोडयं सूर्यस्तपति मद्भयात् ।। એવી રીતે અનંત પ્રકારના માહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષમાત્ર ટળી જાય છે ને તેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ એ ન હોય તોપણ એ સર્વે આવે છે માટે એ સાધન સર્વમાં મોટું છે. (૩)
૪ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૪) જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જણાવા દે નહિ તેનું કપટ કેઈ રીતે કળાય તે કહો ? ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કહ્યો જે, જેની બેઠ્યક, ઉઠ્યક તે જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તેણે કરીને તે ઓળખાય પણ બીજી રીતે તો ન ઓળખાય. પછી એ ઉત્તરને શ્રીજીમહારાજે માન્યો.
૫ ને પછી પોતે બોલ્યા જે, (૫) એવાનો સંગ ન કરતો હોય તો કેમ કળીએ ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે એનું કપટ કળાઈ જાય ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે એ ઠીક ઉત્તર કર્યો. (૪)
૬ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૬) એવો કિયો એક અવગુણ છે જેણે કરીને સર્વે ગુણમાત્ર તે દોષરૂપ થઈ જાય છે તે કહો ? ત્યારે શ્રીપાતદેવાનંદ સ્વામી બોલ્યા જે, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વે ગુણ તે દોષરૂપ થઈ જાય છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ ઉત્તર પણ ખરો, પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે જે, સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે એણે કરીને એના બીજા સર્વ ગુણ દોષરૂપ થઈ જાય છે. (૫)
૭ અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૭) સંતનો અભાવ શાણે કરીને આવે છે તે કહો ? પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહિ ત્યારે શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે, કેમ જે, જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે, જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય તે સર્વેને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને ને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં સો ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે માટે એ માનરૂપ મોટો દોષ છે, અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહિ; ભોળામાં તો સમજુ કરતાંય ઝાઝું હોય છે. (૬)
૮ પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૮) હે મહારાજ ! એ માન કેમ ટળે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાનનું માહાત્મ્ય અતિશે સમજતો હોય તેને માન ન આવે, કેમ જે જુઓને ઉદ્ધવજી કેવા ડાહ્યા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા પણ જો ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિષે ભગવાનનો સ્નેહ જોઈને તેને આગળ પોતાનું માન ન રહ્યું ને એમ બોલ્યા જે, એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવાં જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ તે માંહેલો હું કોઈક થાઉં અને તુલસીદાસજીએ કહ્યું છે જે : “તુલસી જાકે મુખન સે ભુલેઈ નિકસે રામ, તાકે પગ કી પહેનિયાં મેરે તન કી ચામ.” એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નીસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે, તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામસ્મરણ, ભજન, કીર્તન, વંદન કરતા હોય ને જો ભગવાનનું માહાત્મ્ય સમજતો હોય તો તેને આગળ શું માન રહે ? ન જ રહે. માટે માહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે પણ માહાત્મ્ય સમજ્યા વિના તો માન જાતું નથી તે સારુ જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજવું. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૧૬।। (૧૨૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૮) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે અકુંઠિત, કુંઠિત ને નિર્મૂળ વાસનાનાં લક્ષણ કહ્યાં છે. (૧) બીજામાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય, બ્રહ્મચર્ય અને માહાત્મ્યે સહિત અમારી ભક્તિ એ ચાર વાનાં સંપૂર્ણ હોય તો વાસના નિર્મૂળ થઈ જાય છે. (૨) ત્રીજામાં અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો દોષમાત્ર ટળી જાય અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે આવે. (૩) ચોથામાં ને પાંચમામાં કપટીનું કપટ જાણવાનો ઉપાય કહ્યો છે. (૪) છઠ્ઠામાં અમને મૂર્તિમાન ન સમજે તેના સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. (૫) સાતમામાં માને કરીને સંતનો અભાવ આવે છે તે માન ડાહ્યાથી ભોળામાં ઝાઝું હોય છે. (૬) આઠમામાં અમારું ને સંતનું 4માહાત્મ્ય સમજે ત્યારે માન જાય એમ કહ્યું છે. (૭) બાબતો છે. ।।૧૬।। (૧૨૪)
વચનામૃત લોયાનું - ૧૭
સંવત ૧૮૭૭ના માગશર વદિ અમાસને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી માંહેલી કોર ધોળે અંગરખે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, એવી રીતે શ્રીજીમહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમે વિરાજમાન હતા.
૧ પછી શ્રીજીમહારાજ પોતાની મેળે બોલ્યા જે, (૧) જુઓને ભગવાનની માયાનું બળ કેવું છે જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે, કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશે ભૂંડો થઈ જાય છે. (૧)
એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા જે, આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ ૨ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય ને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સૂઝે એવો દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થાય તોપણ સારો ને સારો જ રહે પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહિ તે શાણે કરીને થાય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને દેહનો અનાદર હોય અને દૃઢ આત્મનિષ્ઠા હોય ને પંચવિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો માહાત્મ્યે સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સૂઝે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તોપણ એની મતિ અવળી થાય નહીં. (૨) અને જે દેહાભિમાની હોય ને પંચવિષયનો અતિશે અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તોપણ જો પંચવિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. (૩)
૩ પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) કોઈકને દેહાભિમાન તથા પંચવિષયની આસક્તિ હોય તોપણ તે સત્સંગમાં નભ્યો જાય છે તે કેમ સમજવું ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એને જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન તે માનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે ત્યારે એને જરૂર તે સંતનો અભાવ આવશે ત્યારે એ જરૂર સંતનો દ્રોહ કરશે ને સત્સંગમાંથી વિમુખ થાશે, જેમ સર્પે લાળ નાખી હોય એવું જે દૂધ-સાકર તેને જેણે પીધું હોય ને તે જીવે છે તોપણ તે ઘડી બે ઘડીમાં સાંજ-સવારે, આજ-કાલ જરૂર મરનારો છે, તેમ જે દેહાભિમાની છે તે મહિને બે મહિને, વરસે બે વરસે, દશ વરસે, દેહ મૂક્યા સમે, દેહ મૂકીને જ્યારેત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જાશે. (૪) અને જેને દેહાભિમાન ન હોય ને એમ સમજતો હોય જે, અંતઃકરણ-ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે હાલે છે એવો જે સત્તારૂપ આત્મા તે હું છું, તે હું ધન-સ્ત્રીઆદિક કોઈ પદાર્થે કરીને સુખી થાઉં એવો નથી ને એ પદાર્થ ન મળે તેણે કરીને દુઃખી થાઉં એવો નથી એમ દૃઢ સમજણ જેને હોય તેને સંત ગમે તેવી રીતે પંચવિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તોપણ તે સંતનો અભાવ કોઈ રીતે આવે નહિ ને તુચ્છ પદાર્થ સારુ સંત સાથે બખેડો થાય નહિ ને આંટી પણ પડે નહીં. (૫)
૪ પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) જેને પંચવિષયનો અભાવ હોય તે કેમ જણાય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય જે, જ્યારે કાંઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહિ; મૂંઝાઈ જાય અને લૂગડાં જેવાં તેવાં જાડાં પહેરતો હોય તેમાં આનંદ હોય તેવો ઝીણાં લૂગડાં પહેરવાં પડે તેમાં આનંદ ન રહે ને મન મૂંઝાય, તેમ જ સારી પથારી હોય અથવા કોઈક માન દે ઇત્યાદિક જે જે સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહિ ત્યારે તેને એમ જાણીએ જે એને વિષયને વિષે અભાવ છે. (૬)
૫ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૫) હે મહારાજ ! એ પંચવિષયનો અભાવ કેમ થાય ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું માહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે તે માહાત્મ્ય તે શું ? તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વરસે છે; સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે અને જે ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયને કરે છે અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, એવી રીતે જે ભગવાનની મોટ્યપને સમજતો હોય તેને જગતમાં એવું શું પદાર્થ છે તે બંધન કરે ? તે કામ, લોભ, ક્રોધ, માન, ઈર્ષ્યા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે જે પંચવિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહિ, કાં જે એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે જે, ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનનાં ભજન-સ્મરણ, કથા-વાર્તાને વિષે માલ છે ને અક્ષર તે આવા છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે, તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે, તથા પ્રકૃતિપુરુષ સંબંધી સુખ તે આવું છે અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે ને સ્વર્ગનું સુખ તે આવું છે તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે, એવી રીતે એ સર્વનાં સુખનું અનુમાન કરીને, અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને, જે ભગવાનને વિષે જોડાણો હોય તેને એવો કિયો પદાર્થ છે તે ભગવાનનાં ચરણારવિંદથી પાડે ? કોઈ ન પાડે, જેમ પારસમણિ હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું તે સોનું પાછું પારસમણિનું કર્યું પણ લોઢું થાય નહિ, તેમ એવું જેણે ભગવાનનું માહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ તે ભગવાનનાં ચરણારવિંદથી પડે નહિ, તો શું બીજે પદાર્થે કરીને એ પડે ? ન પડે. અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત તેનું પણ એ બહુ માહાત્મ્ય સમજે જે, એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે માટે એ બહુ મોટા છે, જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા પણ જો આવી રીતે ભગવાનનું માહાત્મ્ય સમજતા હતા તો પોતાને કાંઈ ડહાપણનું માન ન રહ્યું ને ગોપીઓના ચરણની રજને પામવાને ઇચ્છ્યા ને વૃક્ષવેલીનો અવતાર માગ્યો, કેમ જે એવા મોટા ભગવાન, જેના માર્ગને વેદની શ્રુતિ ખોળે છે તે ભગવાનને વિષે એ ગોપીઓની પ્રીતિ અતિશે ભાળી, તેમ એવા ભગવાનના સંત હોય તેને આગળ માન કેમ રહે ? ને તેને નમાય કેમ નહીં ? તેને આગળ તો દાસાનુદાસ થઈને રહેવાય ને પાંચ પાંચ ખાસડાં મારે તોપણ ખમે ને એમ સમજે જે મારાં મોટાં ભાગ્ય થયાં જે એવા સંતનો હું તિરસ્કાર સહું છું, નહિ તો પ્રારબ્ધવશ થઈને બાયડી-છોકરાંના તિરસ્કાર સહેવા પડત તથા માબાપના તથા રાજાના તિરસ્કાર સહેવા પડત અને પ્રારબ્ધવશ થઈને ડોડીની ભાજી ખાવી પડત તથા મોથ્ય ખોદીને ખાવી પડત, તે કરતાં આ સંતને સંગે રહીને હું નિઃસ્વાદી વર્તમાન પાળું છું તે મારાં મોટાં ભાગ્ય છે ! અને પ્રારબ્ધવશ થઈને જેવાંતેવાં વસ્ત્ર તથા ચીંથરાં પહેરવાં પડત તે કરતાં આ સંતને સંગે રહીને હું ગોદડી ઓઢું છું તે મારાં મોટાં ભાગ્ય છે ! (૭) અને સંતની સભામાં જાય છે ને પોતાને માન જડતું નથી ત્યારે એ સંતનો અવગુણ લે છે ત્યારે એને સંતની મોટપ જાણ્યામાં આવી નથી નહિ તો અવગુણ લેત નહિ, જેમ મુંબઈનો ગવર્નર સાહેબ ખુરસી નાખીને બેઠો હોય ને તેની સભામાં કોઈ ગરીબ માણસ જાય ને તેને ખુરસી ન નાખી દે ને આદર કોઈ ન કરે ત્યારે કાંઈ એને તે ઇંગ્રેજ ઉપર ધોખો થાય છે ? ને કાંઈ તેને ગાળ દીધાનું મનમાં થાય છે ? લેશમાત્ર પણ થાતું નથી શા માટે જે એ ઇંગ્રેજની મોટાઈ જાણી છે જે, એ તો મુલકનો બાદશાહ છે ને હું તો કંગાલ છું, એવું જાણીને ધોખો થાય નહિ; તેમ જો સંતની મોટાઈ જાણી હોય તો તે સંત ગમે તેવો તિરસ્કાર કરે તોપણ ધોખો થાય નહિ ને જેટલો લે એટલો પોતાનો અવગુણ લે પણ સંતનો અવગુણ તો કોઈ રીતે લે જ નહિ, માટે જેને ભગવાનનું ને સંતનું માહાત્મ્ય સમજાણું છે તેનો પાયો સત્સંગમાં અચળ છે. (૮) અને જેને માહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહીં. (૯) ઇતિ વચનામૃતમ્ ।।૧૭।। (૧૨૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે માયાને વિપરીતપણામાં હેતુ કહી છે. (૧) બીજામાં દેહનો અનાદર, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત અમારો નિશ્ચય હોય તો દેશકાળના અતિ વિષમપણામાં પણ મતિ અવળી થાય નહીં. (૨) અને દેહાભિમાનીને અમારો નિશ્ચય યથાર્થ હોય તોપણ પંચવિષયનો અભાવ ન થયો હોય તેનું અમે કે સંત ખંડન કરીએ તો અભાવ લે ને શસ્ત્રે કરીને માથું મુકાવી દે એવો દ્રોહ કરે. (૩) ત્રીજામાં વિષયની આસક્તિવાળાના વિષયનું ખંડન કરીએ નહિ ત્યાં સુધી સત્સંગમાં રહે અને ખંડન કરીએ ત્યારે અભાવ લઈને વિમુખ થાય. (૪) અને જે પોતાને આત્મસત્તારૂપ માને તેના વિષયનું ખંડન કરીએ તોય તેને અમારો ને સંતનો અભાવ ન આવે. (૫) ચોથામાં જેવીતેવી વસ્તુમાં આનંદ હોય તેવો સારીમાં ન રહે ને મન મૂંઝાય તેને વિષયનો અભાવ છે. (૬) પાંચમામાં આત્મનિષ્ઠા ને વૈરાગ્ય હોય તથા સર્વના સુખથી અમારા સુખને અધિક જાણીને અમારે વિષે જોડાય તે અમારો પાડ્યો પણ પડે નહિ ને અમારા સંતનું પણ માહાત્મ્ય બહુ સમજે અને તેને માન પણ રહે નહીં. (૭) અને જેને આવો મહિમા જાણ્યામાં ન આવ્યો હોય તેને સંતની આગળ માન આવે છે. (૮) અને જેને અમારું ને સંતનું માહાત્મ્ય નથી સમજાણું તેનો વિશ્વાસ નહિ એમ કહ્યું છે. (૯) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં માયાથી વિપરીતપણું થાય છે એમ કહ્યું તે કેવી રીતે થતું હશે ?
૧ ઉ. માયાના ગુણ જે કામ, ક્રોધ, લોભ, માન, આદિક છે તે દોષ જેમાં રહ્યા હોય તે દોષનું ભગવાન કે સંત ખંડન કરે ત્યારે પોતાના દોષનો અભાવ ન લે ને ભગવાનનો ને સંતનો અવગુણ લઈને પડી જાય અથવા શ્રીજીમહારાજના દ્વેષીનો યોગ થાય તો તે શ્રીજીમહારાજના ને સંતના અવગુણ ઘાલે તેણે કરીને વિમુખ થાય અથવા કુસંગનો યોગ થાય તો સત્સંગ મૂકી દે એ વિપરીતપણું જાણવું.
૨ પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) દેહાભિમાની દેહ મૂકીને પણ સંતનો અવગુણ લઈને પડી જાય એમ કહ્યું તે દેહ મૂક્યા પછી અવગુણ શી રીતે લેવાતો હશે ?
૨ ઉ. દેહાભિમાનીનું કલ્યાણ થાય નહિ માટે તેને ફેર જન્મ ધરવો પડે તે ફરીને જન્મ ધરે ત્યારે પણ સંતનો અવગુણ લે ને પડી જાય.
૩ પ્ર. (૫/૭ પાંચમા પ્રશ્નમાં) પુરુષ, કાળ ને અક્ષર કહ્યા તે કોને કોને જાણવા ?
૩ ઉ. મૂળપુરુષને પુરુષ કહ્યા છે, તે પુરુષના કાર્યને નાશ કરી નાખે તેને કાળ કહ્યા છે. અને મૂળઅક્ષરને અક્ષર કહ્યા છે.
૪ પ્ર. ગોલોકનું ને પ્રકૃતિપુરુષનું સુખ જુદું જુદું કહ્યું તે ગોલોકનું સુખ કિયું જાણવું અને પ્રકૃતિપુરુષનું સુખ કિયું જાણવું ?
૪ ઉ. ગોલોકને વિષે ગોપ-ગોપિકા આદિક પાર્ષદોના સુખને ગોલોકનું સુખ કહ્યું છે. અને મૂળમાયા ને મૂળપુરુષના સુખને પ્રકૃતિપુરુષનું સુખ કહ્યું છે પણ એ બે લોક જુદાં નથી, જેમ નગરમાં વસ્તી હોય ને રાજાનો દરબાર હોય તેમ છે.
૫ પ્ર. આમાં અક્ષરને પોતાની શક્તિ કહી અને (પ્ર. ૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં) અક્ષરને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એમ કહ્યું છે તે ધરી રહ્યા છે તે શક્તિ કઈ જાણવી ? અને અક્ષરને શક્તિ કહી તે કઈ જાણવી ?
૫ ઉ. આમાં ઉપકરણશક્તિ જે મૂળઅક્ષર તેને શક્તિ કહી છે. અને (પ્ર. ૭૨માં) પોતાના તેજરૂપ અભેદશક્તિને કહી છે તે અભેદશક્તિ વડે કરીને ભેદશક્તિ જે મૂળઅક્ષરાદિક તે સર્વને ધરી રહ્યા છે અને પોતે તો તે અભેદશક્તિ જે પોતાનું તેજ તેના પણ આધાર છે.
૬ પ્ર. (૫/૭ પાંચમા પ્રશ્નમાં) શ્રીજીમહારાજનું માહાત્મ્ય સમજતો હોય તે શ્રીજીમહારાજનો પાડ્યો પણ શ્રીજીમહારાજનાં ચરણારવિંદથી પડે નહિ એમ કહ્યું તે શ્રીજીમહારાજ કેવી રીતે પાડે તોપણ ન પડે ?
૬ ઉ. શ્રીજીમહારાજ પોતાને વિષે દીર્ઘરોગ બતાવે તથા હારે, ભાગે, બીએ, તથા અયોગ્ય ક્રિયા કરે, એવાં ચરિત્ર કરે તોપણ મનુષ્યભાવ ન આવે તથા અમે તો સાધુ કે સત્પુરુષ કે મુક્ત છીએ ને ભગવાનની મૂર્તિને દેખીએ છીએ પણ ભગવાન નથી એમ કહે તોપણ લેશમાત્ર સંશય થાય નહિ તે ભગવાનનો પાડ્યો પણ ન પડ્યો કહેવાય.
૭ પ્ર. એવા મોટા જે ભગવાન તેના સાક્ષાત્ ઉપાસક એ સંત છે એવો મહિમા અમને ભજતા હોય એવા સંતનો જાણવો, એમ શ્રીજીમહારાજે કહ્યું તે સાક્ષાત્ ઉપાસક એટલે કેવા જાણવા ?
૭ ઉ. સાક્ષાત્ ભગવાન જે શ્રી સ્વામિનારાયણ તેમના સમીપમાં સદાય રહેનારા ને એક ક્ષણવાર પણ મૂર્તિનો વિયોગ ન હોય એવા સંતને સાક્ષાત્ ઉપાસક જાણવા. ।।૧૭।। (૧૨૫)
વચનામૃત લોયાનું - ૧૮
સંવત ૧૮૭૭ના પોષ સુદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજીમહારાજે કહ્યું જે કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયાં ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરશું ને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઊપજે તે પૂછજ્યો, એમ કહીને બોલ્યા જે, (૧) ભગવાનનો નિશ્ચય થાવો તે સૌથી મહાકઠણ છે ને નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે માટે કહેતે બીક લાગે છે જે શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દૃઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને તૂટી જાય તો તે મૂળગેથી જાય ને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી અને એ વાત જો સમજતાં ન આવડે તો દૂષણ પણ ઘણાં આવે અને આ વાત સમજે નહિ ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચ્યપ ઘણી રહે છે. (૧) તે સારુ વાત કરીએ છીએ જે ભગવાને વારાહનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય તથા મચ્છાવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું તથા કચ્છાવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું તથા નૃસિંહાવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું તથા વામનાવતાર ધાર્યો ત્યારે તે વામનરૂપના હાથપગ ટૂંકા ને કેડ્ય ધીંગી ને શરીર ધીંગું એવા ટુકડા હતા તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા ને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું ઇત્યાદિક જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું છે અને તે ધ્યાને કરીને તે તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વારાહને મળ્યા તે શું ધામને વિષે ભગવાનને વારાહરૂપ જ દેખે છે ? અને મચ્છજીને મળ્યા તે શું ધામને વિષે મચ્છરૂપ જ દેખે છે ? અને કૂર્મને મળ્યા તે શું ધામને વિષે કૂર્મરૂપ જ દેખે છે ? અને નૃસિંહને મળ્યા તે શું ધામને વિષે નૃસિંહરૂપ જ દેખે છે ? અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિષે ઘોડારૂપ જ દેખે છે ? અને જેણે વારાહતોને પતિભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ ? અને સખાભાવે ભજ્યા તે શું ભૂંડ થયો ? અને મચ્છને પતિભાવે ભજ્યા તે શું માછલી થઈ ? ને સખાભાવે ભજ્યા તે શું માછલો થયો ? ને કૂર્મને પતિભાવે ભજ્યા તે શું કાચબી થઈ ? ને સખાભાવે ભજ્યા તે શું કાચબો થયો ? અને નૃસિંહને પતિભાવે ભજ્યા તે શું સિંહણ થઈ ? અને સખાભાવે ભજ્યા તે શું વાઘ થયો ? ને હયગ્રીવને પતિભાવે ભજ્યા તે શું ઘોડી થઈ ? અને સખાભાવે ભજ્યા તે શું ઘોડો થયો ? માટે જો ભગવાનનું મૂળરૂપ વારાહાદિક જેવું જ હોય તો તો, તે તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણું થાય ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ પણ એ વાત એમ નથી ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું કેવું રૂપ છે ? તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે અને જેના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે ને કોટિ કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે ને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશે સુખરૂપ છે ને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આ લોક-પરલોક સંબંધી જે પંચવિષયનાં સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે, એવું ભગવાનનું સ્વરૂપ છે તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે ને પોતાની ઇચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે ને સહસ્રભુજ પણ દેખાય છે ને તે જ ભગવાન મચ્છ, કચ્છ, વારાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે પણ જે પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સોતા જ મચ્છ-કચ્છાદિક રૂપને ધારણ કરે છે અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે તે ભાગવતમાં કહ્યું છે :
भूभार: क्षपितोयेन तां तनूं विज.हावज: । कटंकं कंटकेनैव द्वयं चापीशितु: समम् ।।
જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપી જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું અને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાને ઇચ્છ્યા પણ તે સિંહને કોણ મારે ? પછી પોતાની ઇચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું પછી બેય જણે દેહ મૂક્યો તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા ને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહી શિલા થઈ, માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મચ્છ-કૂર્માદિક ભગવાનના અવતારનાં ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડોક મચ્છ-કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજયંતી માળા, પીતાંબર વસ્ત્ર, કિરીટમુગટ, શ્રીવચ્છનું ચિહ્ન ઇત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મ સમયમાં વાસુદેવ-દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું ને અક્રૂરને ચતુર્ભુજ રૂપે દર્શન જળને વિષે દીધું તથા રુક્મિણીને મૂર્છા આવી ત્યારે ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અર્જુને પણ એમ કહ્યું જે :
तनैव रृपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते ।।
માટે અર્જુન પણ ચતુર્ભુજ રૂપે દેખતા અને યાદવાસ્થળી કરીને પીંપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું સ્વરૂપ શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટિ કામને લજ્જા પમાડે એવું કહ્યું છે, માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિષે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યાં છે તે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે જ કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે પણ મશાલ-દીવાનું કામ પડતું નથી અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે ને તે નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઇચ્છા છે અને એ ભગવાન ઇચ્છે જે, એવો પ્રકાશમાન હું આ ભક્તને દેખાઉં તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે, માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામનાં જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત એ ભગવાન છે ને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિક છે, એવા પરમભાવે સહિત ભગવાનને દેખે છે ને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે :
अवजानंति मां मूढा मानुषीं तनुमाश्रितं । परं भावमजानंतो मम भूतमहेश्वरम् ।।
માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમભાવને જાણ્યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે તે મનુષ્યભાવ તે શું તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ, ચામ, મળમૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે ઇત્યાદિક જે મનુષ્યભાવ તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે, માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તોપણ તેનો નિશ્ચય કાચો છે ને એ જરૂર સત્સંગમાંથી પડશે અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાનને વિષે તો મનુષ્યભાવનો લેશ નથી, માટે એ ભગવાનમાંથી મનુષ્યભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાનપુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિપુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેમનો ભાવ આવે છે, જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો પછી ગર્ગાચાર્યના વચનને સંભારીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું જે, તમે તો નારાયણ છો, માટે અમને તમારું ધામ દેખાડો ત્યારે અક્ષરધામ દેખાડ્યું, એવી રીતે આ ભગવાનને વિષે જેને દિવ્યભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો. (૨) અને એમ કહે છે જે, આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો ? દેખતો તો હતો પણ મનુષ્યભાવે સહિત દેખતો હતો ને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્યભાવે સહિત દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણવો અને જ્યારે ભગવાનને વિષે એવો દિવ્યભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ-અવગુણ લીધા કરે છે જે, આની કોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા ને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી. એવી રીતે ગુણ-અવગુણ પરઠ્યા કરે છે તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે, માટે ભગવાનને વિષે તો મનુષ્યભાવ ન જ પરઠવો, અને ભગવાનના ભક્તને વિષે પણ મનુષ્યભાવ ન પરઠવો, કાં જે દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, ને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા-લૂલા જ રહે છે ? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે તેને મૂકીને દિવ્યરૂપ થાય છે; બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિષે મનુષ્યભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિષે કેમ પરઠાય ? અને આ જે વાત છે તે સૂઝે તો આજ સમજો તો એટલી સમજવી છે ને સૂઝે તો સો વર્ષે કરીને સમજો તોપણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દૃઢતાની ગાંઠ પડ્યા વિના છૂટકો નથી, માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી ને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તેને આ વાતે કરીને ચેતાવી દેવો અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એક વાર કરવી એમ અમારી આજ્ઞા છે તેને ભૂલશો મા, જરૂર ભૂલશો મા, એમ કહીને શ્રીજીમહારાજ સર્વ ભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧૮।। (૧૨૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે નિશ્ચયની વાત સમજતાં ન આવડે તો અમારે વિષે મનુષ્યભાવ રહી જાય ને અમને બીજા અવતારના જેવા જાણે તો દૂષણ આવે. (૧) ને મચ્છાદિકના દૃષ્ટાંતપૂર્વક પોતાનો દિવ્યભાવ કહ્યો છે જે અમે મનુષ્ય જેવા દેખાઈએ છીએ પણ અમારા ધામને વિષે સચ્ચિદાનંદ પ્રકાશમય મૂર્તિ છીએ અને અનંતકોટિ બ્રહ્માંડના પતિ રાજાધિરાજ, સર્વનિયંતા, સર્વાંતર્યામી, અતિશે સુખરૂપ ને સદા દ્વિભુજ છીએ ને અમારી ઇચ્છાએ ક્યારેક ચતુર્ભુજાદિક તથા રામકૃષ્ણાદિક રૂપ ધારણ કરીએ છીએ અને કાર્ય થઈ રહ્યા પછી અદૃશ્ય કરીએ છીએ અને શ્રીકૃષ્ણ ભગવાન ચતુર્ભુજ છે અને મચ્છાદિક સર્વ ચતુર્ભુજ અવતારોના નિયંતા છે અને શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે પોતાનું દિવ્યપણું કહ્યું છે જે, અમે મનુષ્ય જેવા જણાઈએ છીએ પણ અમારે વિષે અતિ પ્રકાશ ને સર્વ સુખ રહ્યાં છે તે ધ્યાન, ધારણા ને સમાધિવાન અમને પ્રકાશે યુક્ત દેખે છે અથવા અમારી ઇચ્છાથી પણ અમે તેજોમય દેખાઈએ છીએ અને શ્રીકૃષ્ણ ભગવાનને દૃષ્ટાંતે કહ્યું છે કે મૂઢજીવ અમને મનુષ્ય જેવા જાણે છે તેમને અમારો નિશ્ચય નથી અને તે જરૂર સત્સંગમાંથી પડશે ને અમારે વિષેથી મનુષ્યભાવ ટાળીને દિવ્યભાવ કરે તો જ પૂરો નિશ્ચય કહેવાય. (૨) અને અમને દિવ્ય જાણીને દર્શન કરે તેને જ અમારો નિશ્ચય જાણવો ને ત્યારે જ એને ધોખો ન થાય ને ગુણ-અવગુણ ન આવે ને વિમુખ ન થાય માટે અમને ને પંચવર્તમાને યુક્ત અમારા ભક્તને દિવ્ય જાણવા, એવી રીતે પોતાનું દિવ્ય ને સર્વોપરીપણું પ્રતિપાદન કર્યું છે. ને દિવસમાં એક વાર એ વાત કરવાની આજ્ઞા કરી છે. (૩) બાબતો છે.
૧ પ્ર. બીજી બાબતમાં અમારી ઇચ્છાએ ચતુર્ભુજાદિક દેખાડીએ છીએ અને મચ્છ, કૂર્મ, રામકૃષ્ણાદિક રૂપ ધારણ કરીએ છીએ એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. પોતાને વિષે ભગવાનપણાનો નિશ્ચય કરાવવા સારુ શ્રીજીમહારાજ ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્રભુજ રૂપે તથા રામકૃષ્ણાદિક અવતારો રૂપે દેખાય ને નિશ્ચયરૂપ કાર્ય કર્યા પછી તે રૂપ અદૃશ્ય કરે અને રામકૃષ્ણાદિક જે પોતાના આવિર્ભાવ તે દ્વારે પ્રગટ થાય ત્યારે તે અવતારો પણ તેમનો નિશ્ચય કરાવવા સારુ ચતુર્ભુજાદિક રૂપે ને મચ્છ, કચ્છાદિક રૂપે દર્શન આપે ને પછી તે રૂપ અદૃશ્ય કરે તે સર્વ અવતારોને વિષે પોતાની સત્તા રહી છે, માટે રામકૃષ્ણાદિક રૂપે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું છે અને પોતે તો પોતાના તેજરૂપ અક્ષરધામમાં સદા દ્વિભુજ રૂપે અખંડ વિરાજમાન રહે છે.
૨ પ્ર. પ્રથમ અનાદિ દ્વિભુજ કહ્યા અને પછીથી અનાદિ ચતુર્ભુજ કહ્યા તે કેમ સમજવું ?
૨ ઉ. અનાદિ દ્વિભુજ શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે અને પછીથી અનાદિ ચતુર્ભુજ કહ્યા તે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા છે તે એ જ બાબતમાં કહ્યું છે જે, શ્રીકૃષ્ણ ભગવાને વસુદેવ, દેવકી, અક્રૂર અને રુક્મિણીને ચતુર્ભુજપણે દર્શન આપ્યું ને અર્જુન સદાય ચતુર્ભુજ રૂપે દેખતા ને ઉદ્ધવજીએ ને મૈત્રેય ઋષિએ પણ ચતુર્ભુજ રૂપે દીઠા એમ કહ્યું તે મચ્છ, કચ્છ, વામન, રામ, દત્ત, કપિલાદિક સર્વે ચતુર્ભુજ અવતારોના અવતારી અનાદિ ચતુર્ભુજ શ્રીકૃષ્ણ છે એટલા માટે મચ્છ-કૂર્માદિકનાં ચતુર્ભુજ રૂપે ચિત્રામણ કરે છે તે ચતુર્ભુજ શ્રીકૃષ્ણના અને વાસુદેવ બ્રહ્મ તથા મૂળઅક્ષર એ દ્વિભુજ અવતારોના અવતારી અનાદિ દ્વિભુજ શ્રીજીમહારાજ છે.
૩ પ્ર. જેને અમારો નિશ્ચય હોય તે અમને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામનાં ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત સમજે અને રાધિકા, લક્ષ્મી આદિક સેવા કરે છે એવા પરમભાવે સહિત દેખે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. શ્રીજીમહારાજ જીવોના આત્યંતિક કલ્યાણને અર્થે આંહીં મનુષ્ય રૂપે દર્શન આપે છે તેમના ભેળા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુરાદિક સર્વે ધામોના અધિપતિ તે પાર્ષદો તથા સમૃદ્ધિ-ઐશ્વર્ય સહિત આવે છે તે સર્વે શ્રીજીમહારાજની સેવા કરે છે એવા શ્રીજીમહારાજને દિવ્યભાવે સહિત સર્વોપરી જાણવા તે પરમભાવે સહિત જાણ્યા કહેવાય તે (મ. ૫૮ના પહેલા પ્રશ્નોત્તરમાં) છે.
૪ પ્ર. અમારાં દિવ્ય ચરિત્ર દેખીને અમારે વિષે દિવ્યભાવ આવે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવાં ચરિત્રથી દિવ્યભાવ આવતો હશે ?
૪ ઉ. શ્રીજીમહારાજે સમાધિઓ કરાવીને સર્વે અવતારોને પોતાની સ્તુતિ કરતાં દેખાડ્યા તથા તે અવતારોને પોતાને વિષે લીન કરી દેખાડ્યા, એવાં ઐશ્વર્ય જોઈને સર્વે અવતારોના અવતારી જાણ્યામાં આવે અને જ્યારે મુક્તનો સમાગમ કરે ત્યારે બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ એ સર્વેથી પર અક્ષરાતીત પુરુષોત્તમ છે એમ જાણ્યામાં આવે છે.
૫ પ્ર. શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું અક્ષરધામ દેખાડ્યું એમ કહ્યું તે અક્ષરધામ કિયું સમજવું ?
૫ ઉ. એમણે પોતાનું ગોલોકધામ દેખાડ્યું હતું તેને આ ઠેકાણે અક્ષરધામ નામે કહ્યું છે.
૬ પ્ર. ત્રીજી બાબતમાં દિવ્યભાવે સહિત દર્શન કરે ત્યારે નિશ્ચય થયો જાણવો, એમ કહ્યું તે ભગવાનને દિવ્ય તેજોમય દેખતા હશે કે મનુષ્ય રૂપે જ દેખતા હશે ?
૬ ઉ. પોતાની સમજણમાં દિવ્યભાવ લાવીને દર્શન કરે તેનો નિશ્ચય પરિપક્વ જાણવો ને મનુષ્યભાવે તથા પ્રતિમાભાવે દર્શન કરે તો તેનો નિશ્ચય કાચો કહેવાય, માટે ભગવાન તો મનુષ્ય રૂપે તથા પ્રતિમા રૂપે જેવા દેખાતા હોય તેવા જ દેખાય પણ સમજણમાં દિવ્યભાવ લાવવો તો પાકો નિશ્ચય કહેવાય, અને જ્યારે પોતાના આત્માની શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરીને શ્રીજીમહારાજનું ધ્યાન કરે, ત્યારે મહાતેજ જેવો થાય ત્યારે તે મૂર્તિને સર્વત્ર જ્યાં જુએ ત્યાં તેજોમય દેખે.
૭ પ્ર. આ અમારી વાર્તા નિત્ય પ્રત્યે દિવસમાં એક વાર કરવી એમ શ્રીજીમહારાજે આજ્ઞા કરી તે વાત કઈ જાણવી ? અને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા તે હસવાનું કારણ શું હશે ?
૭ ઉ. શ્રીજીમહારાજ તથા તેમના ભક્ત મનુષ્ય રૂપે જણાય છે તેમને જેવા અક્ષરધામમાં દિવ્ય તેજોમય છે તેવા સમજાવવા એમ આજ્ઞા કરી છે અને પોતાને વિષેથી તથા પોતાના ભક્તોને વિષેથી મનુષ્યભાવ ટળાવીને દિવ્યભાવ ને સર્વોપરીપણું સમજાવ્યું તેથી બહુ પ્રસન્ન થઈને હસ્યા છે. ।।૧૮।। (૧૨૬)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં લોયા પ્રકરણં સમાપ્તમ્
અથ વચનામૃત પંચાળા પ્રકરણમ્
વચનામૃત પંચાળાનું - ૧
સંવત ૧૮૭૭ના ફાગણ સુદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને માથાના ફેંટાનો પેચ જમણી કોરે છૂટો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમયમાં સંધ્યાઆરતી થઈ રહી તે કેડે શ્રીજીમહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા જે, અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ જે, (૧) ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચવિષય તે અતિશે ભૂંડા જે શબ્દાદિક પંચવિષય તે સરખા થાય નહિ અથવા તેથી અતિશે ઊતરતા પણ થાય નહિ, માટે કિયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચવિષય તે અતિશે ભૂંડા જે પંચવિષય તે સરખા થઈ જાય અથવા તે કરતાં પણ અતિશે ભૂંડા થઈ જાય ? એ પ્રશ્ન સર્વ મોટેરા પરમહંસ તથા સર્વ મોટેરા હરિભક્તને અમે પૂછીએ છીએ તે જેણે જે વિચારે કરીને એ સારા પંચવિષયને ભૂંડા પંચવિષય જેવા જાણ્યા હોય અથવા ભૂંડાથી પણ અતિશે ભૂંડા જાણ્યા હોય તે જે પોતપોતાનો વિચાર તે કહો. પછી તે સર્વે પરમહંસે તથા સર્વે હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડ્યો, ત્યાર પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ જે, જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાઈ આવે છે, તથા જેમ પાંચ પાંડવ, દ્રૌપદી, કુંતાજી તથા રુક્મિણી, સત્યભામા, જાંબુવતી આદિક ભગવાનની પટરાણીઓ તથા સાંબ જે ભગવાનનો પુત્ર ઇત્યાદિક ભક્તનાં રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યાં છે તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે તથા તેમને વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે, તેમ પુરાણ ભારતાદિક ગ્રંથે કરીને એમ સાંભળ્યામાં આવે છે જે, ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કર્તા છે ને સદા સાકાર છે, અને જો સાકાર ન હોય તો તેને વિષે કર્તાપણું કહેવાય નહિ, અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે અથવા એમને રહ્યાનું ધામ છે, એવા દિવ્ય મૂર્તિ પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે માયા થકી જીવોને સૃજીને તેને બુદ્ધિ, ઇન્દ્રિયો, મન, પ્રાણ તે આપે છે તે શાને અર્થે આપે છે તો ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે અને એ જીવોને અર્થે ભોગ ને ભોગનાં સ્થાનક તે ભગવાને રચ્યાં છે તેમાં જે ઉત્તમ પંચવિષય કર્યા છે તે ભૂંડા પંચવિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે, જેમ કોઈક ભારે શાહુકાર હોય તે રસ્તાને બેય કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે તે ગરીબ સારુ કરાવે છે, તેમ બ્રહ્મા, શિવ ને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાનાં રાંક હોય ને પીંપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચવિષય તે ભગવાને રચ્યા છે ને જેમ શાહુકારે સદાવ્રત, ધર્મશાળાદિકમાં સુખ જેવાં રાંકને અર્થે રચ્યાં છે તે કરતાં તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશે ઉત્તમ હશે એમ જણાય છે, તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવાં સુખ રચ્યાં છે તો પોતાના ધામમાં તો એ કરતાં અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે, માટે એ ભગવાનના ધામના સુખનું અતિશેપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિક જ્યાં જ્યાં પંચવિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત્ ભગવાનનો સંબંધ તેણે કરીને છે પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિષે નથી, જેમ આ મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી, તેમ બીજે ઠેકાણે તો કિંચિત્ સુખ છે ને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે, માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે જે, જેટલું મારે ભગવાનથી છેટું થાશે તેટલું દુઃખ થાશે ને મહાદુઃખિયો થાઈશ ને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે, માટે મારે ભગવાનનો સંબંધ અતિશે રાખવો છે ને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થાશે એમ વિચારીને, ને ભગવાનના સુખનો લોભ રાખીને, જેમ ભગવાનનો સંબંધ અતિશે રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતાં રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઇન્દ્રનું અધિક છે ને તેથી બૃહસ્પતિનું, તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે ને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે, એવી રીતે ભગવાનના સુખને અતિશે જાણીને બીજા જે જે પંચવિષયનાં સુખ તેને વિષે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે ને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગૃહસ્થને બારણે કોઈક રાંક ઠીકરું લેઈને માગવા આવ્યો હોય તેના જેવું છે અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ જે બીજાં સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે, આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ ? અને સ્વભાવિકપણે પંચવિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કાંઈ ઝાઝો વિચાર થાતો નથી પણ જો તે વિષયમાં કાંઈક સારપ્ય મનાય છે ત્યારે તુરત એ ભગવાનના સુખમાં દૃષ્ટિ પૂગી જાય છે ને મન અતિ ઉદાસી થઈ જાય છે. અને આ જે સર્વે વાત છે તે જે બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે માટે બુદ્ધિવાળા ઉપર અમારે હેત છે, કેમ જે અમે બુદ્ધિવાળા છીએ તો એવી રીતે અમારી દૃષ્ટિ પૂગે છે માટે બુદ્ધિવાળો જે હોય તેની પણ દૃષ્ટિ પૂગે ખરી, અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતાં અમને અધિક જણાણો છે તે સારુ આ અમારા વિચારને અતિ દૃઢપણે કરીને હૈયામાં સૌ રાખજ્યો. (૧) અને આ વિચાર વિના તો જો રમણીક પંચવિષયમાં વૃત્તિ ચોંટી હોય તેને અતિ બળે કરીને ઉખેડે ત્યારે માંડ માંડ ઊખડે અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચ્યામાં લેશમાત્ર પ્રયાસ પડે નહિ, સહેજે જ વિષયની તુચ્છતા જણાઈ જાય છે અને આ જે વાર્તા છે તે જેને ઝાઝી બુદ્ધિ હોય ને ઝાઝા સુખના લોભને ઇચ્છે તેને સમજાય છે, જેમ કોડી કરતાં પૈસામાં વધુ માલ છે ને તેથી રૂપૈયામાં વધુ માલ છે ને તેથી સોનામહોરમાં વધુ માલ છે ને તેથી ચિંતામણિમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે, માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દૃષ્ટિ પૂગે તેને આ વિચાર હૃદયમાં ઠરે છે. અને આ વિચાર જેના હૃદયમાં દૃઢ ઠર્યો હોય ને તે જો સ્મશાનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે જે હું અનંત માણસ તથા રાજ્યસમૃદ્ધિએ વિંટાણો છું, એમ સમજે પણ દુઃખિયો ન માને અને ઇન્દ્રના લોકમાં હોય તો જાણે જે વનમાં બેઠો છું પણ તે ઇન્દ્રના લોકને સુખે કરીને સુખિયો ન માને ને તે સુખને તુચ્છ જાણે તે સારુ આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજ્યો જે, હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચવિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી, એવી રીતે સૌ દૃઢ નિશ્ચય રાખજ્યો અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વેને કહ્યો છે માટે દૃઢ કરીને રાખજ્યો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૧૨૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારે વિષે હેત ને ધર્મમાં નિષ્ઠા હોય તોપણ અમારા મહિમારૂપી વિચારને ન પામ્યો હોય તો સારા ને ભૂંડા વિષયસરખા ન થાય અને સારા વિષય ભૂંડાથી પણ ભૂંડા ન થાય. અને અમારા અંગનો એટલે અમારો પ્રકાશ તે જ અક્ષરબ્રહ્મ છે તથા અમારે રહ્યાનું ધામ છે અને અમને સર્વ કર્તા સદા સાકાર દિવ્ય મૂર્તિમાન જાણે ને સર્વના સુખથી અમારા સુખને અતિશે અધિક જાણે ને સર્વને સુખના દાતા જાણે તો અમારા સુખ વિના બીજાં સર્વ સુખ અતિશે તુચ્છ થઈ જાય. (૧) અને આવો મહિમા ન જાણે તો રમણીક વિષયમાંથી વૃત્તિ માંડમાંડ ઊખડે અને એવો મહિમા સમજે તો વિષયની તુચ્છતા થઈ જાય. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં સારા અને ભૂંડા અને ભૂંડાથી ભૂંડા વિષય કહ્યા તે કિયા જાણવા ? અને સારા વિષય તે ભૂંડાથી ભૂંડા કેવી સમજણે જણાય ?
૧ ઉ. પ્રકૃતિપુરુષ તથા પ્રધાનપુરુષના વિષય સારા જાણવા અને વૈરાટ ને બ્રહ્માના ભૂંડા એટલે ઊતરતા જાણવા અને ઇન્દ્ર તથા મનુષ્યાદિકના ભૂંડાથી ભૂંડા જાણવા. અને જેની શ્રીજીમહારાજના સુખમાં દૃષ્ટિ પહોંચી હોય તે વૈરાટાદિકની આયુષ્ય આ લોકથી લાંબી જાણે તેથી આ લોકના વિષયથી વૈરાટાદિકના વિષયને વધારે બંધનકારી જાણે તેથી ભૂંડા લાગે ને તેથી પ્રધાનપુરુષ તથા પ્રકૃતિપુરુષના લોકમાં ઘણી લાંબી આયુષ્ય છે, માટે તેના વૈભવને અતિશે બંધનકારી જાણે તેથી તે વિષય આ લોકના વિષયથી અતિશે ભૂંડા લાગે અને બ્રહ્મકોટિ ને અક્ષરકોટિનાં ઐશ્વર્ય છે તે પણ શ્રીજીમહારાજનું સુખ પામવામાં બંધનકારી છે. માટે તે ઐશ્વર્યની પણ સારપ્ય ન રાખવી.
૨ પ્ર. દેવતાથી ભૂતનાં સુખ અધિક કહ્યાં તે ભૂત કિયાં જાણવાં ?
૨ ઉ. પ્રજાપતિ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા વૈરાજપુરુષ તે સર્વે દેવતા છે તે પૃથ્વીના આવરણની અંદર રહ્યા છે. તેમના કરતાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ પાંચ ભૂત છે તે વૈરાજથી પર છે ને તેમના લોકમાં તે સર્વે મૂર્તિમાન છે તેમનાં સુખ અધિક છે.
૩ પ્ર. મશાલને દૃષ્ટાંતે કરીને બીજા દેવતા આદિકના લોકમાં સુખ છે તેથી અમારા ધામમાં અતિ અધિક સુખ છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. શ્રીજીમહારાજને સમીપે એટલે પાસે સુખ અધિક છે અને થોડેક છેટે એટલે મૂળઅક્ષરાદિકના લોકમાં શ્રીજીમહારાજના સુખથી ઓછું સુખ છે, પણ જેમ પ્રકાશ એનો એ છે તેમ જે શ્રીજીમહારાજનું સુખ છે તેનું તે સુખ અક્ષરાદિકમાં છે એમ નથી કહ્યું અને ઘણે છેટે એટલે માયામાં તો સુખ છે જ નહિ, એમ કહ્યું છે તે સર્વના સુખની તારતમ્યતા (લો. ૧૭ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં) કહીછે.
૪ પ્ર. બીજી બાબતમાં કોડી આદિકને દૃષ્ટાંતે સુખ કહ્યાં તે કોનાં કોનાં જાણવાં ?
૪ ઉ. કોડીને દૃષ્ટાંતે માયિક સુખ જાણવું અને પૈસાને દૃષ્ટાંતે મૂળપુરુષાદિક ઈશ્વરનાં સુખ જાણવાં ને રૂપિયાને દૃષ્ટાંતે બ્રહ્મકોટિનાં સુખ જાણવાં અને સોનામહોરને દૃષ્ટાંતે અક્ષરકોટિનાં સુખ જાણવાં અને ચિંતામણિને દૃષ્ટાંતે શ્રીજીમહારાજનું સુખ જાણવું. ।।૧।। (૧૨૭)
વચનામૃત પંચાળાનું - ૨
સંવત ૧૮૭૭ના ફાગણ સુદિ ૭ સાતમને દિવસ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢાળ્યો હતો તે ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા અને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ, એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) યોગવાળા છે તે પચવીશમા જીવ-ઈશ્વરને કહે છે તે છવીશમા પરમાત્માને કહે છે અને સાંખ્યવાળા છે તે ચોવીશ તત્ત્વને અવાંતર જીવ-ઈશ્વરને કહીને પચવીશમા પરમાત્માને કહે છે તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે જે, સૂઝે એવો આત્મા-અનાત્માનો વિચાર કરો, સાધન કરો પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. અને સાંખ્યવાળાનો એમ મત છે જે, સર્વે દેવ-મનુષ્યાદિકની જે ગતિઓ તેણે જાણીને ને વિષયને વિષે વૈરાગ્યને પામીને ત્રણ દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. અને એ બે પ્રકારના જે મત છે તેને પોતે પોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું. તેમાં યોગ મતમાં એ દૂષણ છે જે, જીવને પચવીશમો કહ્યો તથા ઈશ્વરને પચવીશમો કહ્યો ને જીવનો ચોવીશ તત્ત્વનો દેહ કહ્યો ને ઈશ્વરનો પણ ચોવીશ તત્ત્વનો દેહ કહ્યો, માટે એ બેને વિષે તુલ્યભાવ આવી જાય જે સ્થૂળ ને વિરાટ તે તુલ્ય છે તથા સૂક્ષ્મ ને સૂત્રાત્મા તે તુલ્ય છે ને કારણ ને અવ્યાકૃત તે તુલ્ય છે તથા જાગ્રત ને સ્થિતિ અવસ્થા તે તુલ્ય છે તથા સ્વપ્ન ને ઉત્પત્તિ અવસ્થા તે તુલ્ય છે તથા સુષુપ્તિ ને પ્રલય અવસ્થા તે તુલ્ય છે અને વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ ને વિષ્ણુ, બ્રહ્મા ને શિવ તે તુલ્ય છે એમ સમજીને છવીશમાને ભજે છે, એવી રીતે જીવ-ઈશ્વરને વિષે જે તુલ્યભાવરૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી જે, ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યાં છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે ને તે ભૂત સર્વે વ્યષ્ટિ દેહોને ધારી રહ્યાં છે અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે ને બીજાને ધારવાને સમર્થ નથી ને જીવ છે તે અલ્પજ્ઞ છે ને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે, એવી રીતે યુક્તિ શીખીને જીવ-ઈશ્વરને વિષે જે સમપણું ન સમજવું અને જો એવી યુક્તિ ન શીખ્યો હોય ને કોઈ પ્રતિવાદી પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર કરવો કઠણ પડે ને સમજણ ચૂંથાઈ જાય અને કોઈક પ્રશ્ન કરે તે તો જીવ-ઈશ્વરને વિષે સમપણું રહેવા દે નહિ, માટે જીવ-ઈશ્વરને વિષે સમપણું ન આવે એવી રીત્યની યુક્તિ શીખવી ને એવી રીત્યનાં જે વચન તેને સાંભળવાં. અને સાંખ્યવાળાને એ દૂષણ છે જે, ચોવીશ તત્ત્વ કહ્યાં છે ને પચવીશમા પરમાત્મા કહ્યા છે ને તે ચોવીશ તત્ત્વને મિથ્યા કહ્યાં છે ને પરમાત્માને સત્ય કહ્યા છે ત્યારે તે પરમાત્માને પામે છે કોણ ? કેમ જે પામનારા જીવને તત્ત્વથી ભિન્ન કહ્યો નથી, માટે એ જે દૂષણ છે તેને ટાળવાને અર્થે મોટાઓ થકી એમ યુક્તિ શીખવી જે, એ ચોવીશ તત્ત્વ કહ્યાં તે જીવ વિનાનાં હોય નહિ માટે એ તત્ત્વ ભેળા જ જીવ-ઈશ્વરને કહ્યા છે, તે જીવ-ઈશ્વર એ તત્ત્વ થકી પૃથક્ છે ને પરમાત્માને પામે છે, એવી રીતની યુક્તિ શીખવી ને આ યુક્તિ ન શીખી હોય ને કોઈ પ્રતિપક્ષી પ્રશ્ન પૂછે તો સંશય થાય જે, તત્ત્વ તો મિથ્યા છે ત્યારે તે પરમાત્માને પામ્યાને અર્થે બ્રહ્મચર્યાદિક ધર્મ કહ્યા છે તથા શ્રવણ, મનન, નિદિધ્યાસાદિક સાધન કહ્યાં છે તે શાને અર્થે કહ્યાં છે ? માટે તત્ત્વના તદાત્મકપણાને પામ્યા જે જીવ-ઈશ્વર તેને તત્ત્વ રૂપે કરીને કહ્યા છે તે એ તત્ત્વ થકી અતિ વિલક્ષણ છે તે પરમાત્માને પામે છે ઇત્યાદિક જે યુક્તિઓ તેને મોટા સંત થકી સાંખ્યવાળાને શીખવી અને યોગવાળા જે છે તે પ્રત્યક્ષ મૂર્તિ એવા જે મચ્છ, કચ્છ, વારાહ, નૃસિંહ, વામન, રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેને ધ્યાને કરીને મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે અને જે સાંખ્યવાળા છે તે જે તે ।। यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।। ઇત્યાદિક શ્રુતિશાસ્ત્રે કરીને કહ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને અનુભવે કરીને યથાર્થ જાણે ત્યારે મોક્ષ થાય એવી યુક્તિનું ગ્રહણ કરે છે અને એ બેય મત છે તે સારા છે ને મોટાએ માન્યા છે ને એ બેયનું યથાર્થ જો આચરણ કરે તો તે પરમ ગતિને પામે છે અને એ બે મત છે તેમાં સાધન સરખાં કહ્યાં છે પણ ઉપાસનાની જે રીત તે સરખી નથી; ઘણી પૃથક્ છે. એવી રીતે વાર્તા કરીને શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, હવે તો કીર્તન ગાઓ, પછી મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે વાજિંત્ર લેઈને કીર્તન ગાવા લાગ્યાં તે પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, હવે કીર્તન રાખો અને એ સાંખ્ય ને યોગ એ બેયનો સિદ્ધાંત તમે કીર્તન ગાયાં ત્યાં સુધી અમે વિચાર્યો છે તે કહીએ તે સાંભળો : જે યોગવાળા છે તેને આત્યંતિક પ્રલયને વિષે જે અક્ષરધામમાં તેજોમય એવી દિવ્યરૂપ ભગવાનની મૂર્તિ રહી છે તે ધ્યાન કરવા યોગ્ય છે ને તેથી ઓરા પ્રકૃતિપુરુષરૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે ને તેથી ઓરા પ્રકૃતિપુરુષનાં કાર્ય જે ચોવીસ તત્ત્વ તે રૂપ ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે અને તેથી ઓરા હિરણ્યગર્ભ ને તેથી ઓરા ચોવીશ તત્ત્વથી ઊપજ્યો જે વિરાટ તે ધ્યાન કરવા યોગ્ય છે ને તેથી ઓરા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, તથા પૃથ્વીને વિષે જે મચ્છ, કૂર્મ, નૃસિંહ, વારાહાદિક ભગવાનના અવતાર તથા શાળગ્રામાદિક પ્રતિમાઓ એ સર્વે ધ્યાન કરવા યોગ્ય છે, એવું યોગવાળાનું તાત્પર્ય જણાણું પછી સાંખ્યનો વિચાર ઊપજ્યો ત્યારે તેણે એ આકારમાત્રનું નિરાકરણ કરી નાખ્યું ને એમ જણાણું જે એ સર્વના વિચારનો કરતલ જે જીવ છે તે જેવો શુદ્ધ કોઈ નથી, માટે જીવનું ધ્યાન કરવું એ ઠીક છે એવો જે સાંખ્યનો વિચાર તેને જોવાને અર્થે વળી યોગનો વિચાર થયો જે એ પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિપુરુષાદિક સર્વેને વિષે અન્વયપણું છે માટે એ સર્વે ભગવાન જ છે ને દિવ્યરૂપ છે ને સત્ય છે ને ધ્યેય છે ને એ વાતને દૃઢ કરવાને અર્થે શ્રુતિ છે જે ।। सर्वं खल्विदं ब्रह्म ।। नेह नानास्ति किंचन ।। તથા ।। इदं हिविश्वं भगवानिवेतरो यतो दगत्स्थान – निरोधसंभवा: ।। એવી રીતનો યોગમાર્ગ છે તેને વિષે પ્રવર્ત્યો જે મુમુક્ષુ તેને કોઈ વિઘ્ન નથી. શા માટે જે એ માર્ગ સ્થૂળ છે ને એને વિષે પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનનું આલંબન છે તે સારુ જેવો તેવો હોય તે પણ એ માર્ગે કરીને નિર્વિઘ્ન થકો મોક્ષને પામે છે પણ એ માર્ગમાં એક દોષ છે જે, એ સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન તેને અને પ્રકૃતિપુરુષાદિકને અંશઅંશી ભાવ આવી જાય છે જે, ભગવાનના અંશ પ્રકૃતિપુરુષ છે ને તેના અંશ હિરણ્યગર્ભ વિરાટાદિક છે એવી રીતે સમજાય તો મોટો દોષ આવે કાં જે ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે તેને વિષે ચ્યુત ભાવ આવે છે ને અંશઅંશી ભાવ આવે છે, માટે એવો દોષ આવવા દેવો નહિ અને એમ સમજવું જે, એ ભગવાન જેવા તો ભગવાન જ છે ને બીજા જે પ્રકૃતિપુરુષાદિક છે તે તો એના ભક્ત છે ને એનું ધ્યાન કરે છે માટે એ ભગવાનરૂપ છે, જેમ કોઈ મોટા સંત હોય ને તે ભગવાનનું ધ્યાન કરતા હોય ને તેને ભગવાનરૂપ જાણે છે તેમ એ પ્રકૃતિપુરુષાદિક પણ ભગવાનરૂપ છે અને એ સર્વેથી પર જે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ તે જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ રૂપે થાય છે તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે તે ધ્યાન કરવા યોગ્ય છે એમ સમજે તો એ યોગમાર્ગ તે અતિશે નિર્વિઘ્ન છે ને શ્રેષ્ઠ છે, સાંખ્યવાળા છે તેમાં એ દોષ છે જે સાંખ્યવાળા હોય તે એમ કહે છે જે, અંતઃકરણે કરીને તથા ઇન્દ્રિયે કરીને જે જે ગ્રહણ કર્યામાં આવે છે તે સર્વે મિથ્યા છે ને અનુભવે કરીને જે ગ્રહણ કર્યામાં આવે છે તે સત્ય છે, એવી રીતે આકારમાત્રને મિથ્યા કરે છે તે ભેળે જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેમના રૂપને પણ મિથ્યા કરે છે તથા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ એમના રૂપને પણ મિથ્યા કરે છે ને નિર્ગુણ એવા જે વાસુદેવ તેનું જ ગ્રહણ કરે છે એવો એ મોટો દોષ છે માટે એ સાંખ્યવાળા એમ સમજે તો ઠીક જે સાંખ્ય વિચારનું ગ્રહણ કરીને પ્રકૃતિપુરુષથી જે જે ઊપજ્યું તેને મિથ્યા કરીને, ને પોતાના આત્માને સર્વેથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને, તે પછી જીવના કલ્યાણને અર્થે પ્રગટ થયા જે ભગવાન તેના રૂપને સત્ય જાણીને તેનું ધ્યાન કરવું, એવી રીતે એ બે પ્રકારના જે વિચાર છે તે કોઈક અમ જેવા મોટા પાસેથી શીખે ત્યારે આવડે, નહિ તો શાસ્ત્રને ભણે-સાંભળે પણ આવડે નહિ અને છે તો એમ જે પ્રથમ સાંખ્ય વિચારે કરીને જે બ્રહ્મરૂપ થયો હોય તેને અર્થે યોગનો ઉપદેશ છે તે કહ્યું છે જે :
ब्रह्मभूत : प्रसन्नात्मा न शोचति न कांक्षति । सम सर्वेषु भूतेषु मद् भक्तिं लभते परां ।।
તથા आत्मारामाश्र्व मुनयो निर्ग्रंथा अप्युरुक्रमे । कुर्वंत्यहैतुकीं भक्तिमित्थंभूतगुणो हरि : ।।
તથા परिनिष्ठितोडपि नैर्गुण्ये उत्तमश्र्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यध्धीतवान् ।।
એવી રીતે સાંખ્યવાળાને યોગની અપેક્ષા છે, કાં જે એ સાંખ્યવાળે વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત જે જે કાંઈ પાંચ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે તેને અતિશે તુચ્છ જાણ્યા છે, માટે એ કોઈ પદાર્થને વિષે આશ્ચર્ય પામે નહિ તથા બંધાય નહિ અને એને પાસે કોઈ આવીને એમ કહે જે, આ પદાર્થ તો બહુ જ રૂડું છે ત્યારે તેને એમ વિચારે જે ગમે તેવું સારું હશે પણ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને ઇન્દ્રિયો-અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે; નાશવંત છે, એવી એ સાંખ્યવાળાને દૃઢ સમજણ રહે છે ને પોતાના આત્માને શુદ્ધ જાણે છે એવો જે સાંખ્યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના-ધ્યાન-ભક્તિ તે કરવાં અને એમ ન કરે તો એેને વિષે અતિ ન્યૂનતા કહેવાય છે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર તેનો જે સનાતન સિદ્ધાંત છે તે અમે યથાર્થ વિચારીને કહ્યો છે અને જે આધુનિક યોગવાળા ને સાંખ્યવાળા છે તેમણે તો એ બેય માર્ગને બગાડી નાખ્યા છે, જે યોગવાળા છે તે આકારનું સ્થાપન કરવા જાય છે ત્યારે બીજા જીવના આકાર તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવના આકાર તથા રામકૃષ્ણાદિક અવતારના આકાર તે સર્વેને તુલ્યપણે જાણે છે અને સાંખ્યવાળા છે તે આકારનું ખંડન કરે છે તે ભેળે તીર્થ, વ્રત, પ્રતિમા, યમ, નિયમ, બ્રહ્મચર્યાદિક ધર્મ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા રામકૃષ્ણાદિક અવતાર એ સર્વેનું ખંડન કરે છે, માટે આધુનિક જે સાંખ્યવાળા ને યોગવાળા તે બેય માર્ગને મૂકીને કુમાર્ગે ચાલ્યા છે તે નારકી થાય છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૧૨૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે યોગવાળા જીવ-ઈશ્વરને સમ કહે છે ને અક્ષરધામને વિષે રહ્યું એવું જે ભગવાનનું સ્વરૂપ તથા પ્રકૃતિપુરુષાદિક તથા મચ્છ-કચ્છાદિક અવતાર તે સર્વેને ધ્યાન કરવા યોગ્ય કહે છે ને એમાં અંશઅંશીભાવ કલ્પે છે એ દોષ છે; અને પ્રત્યક્ષ ભગવાનના આશ્રયે કરીને મોક્ષ થાય એમ કહે છે, તેમણે જીવથી ઈશ્વરને ભિન્ન ને સર્વજ્ઞ સમજવા ને પ્રકૃતિપુરુષથી લઈને બ્રહ્મા, વિષ્ણુ, શિવાદિક સર્વર્ને ભગવાનના ભક્ત સમજવા ને અંશઅંશીભાવ ટાળવો અને આત્યંતિક પ્રલયને વિષે અક્ષરધામમાં પુરુષોત્તમ ભગવાન રહે છે તે પૃથ્વીને વિષે પ્રગટ થાય તેમનું જ ધ્યાન કરવું. અને સાંખ્યવાળા પરમાત્માને પામનારા જીવ-ઈશ્વરને તત્ત્વથી ભિન્ન કહેતા નથી ને જીવને જ ધ્યાન કરવા યોગ્ય માને છે તે દોષ છે, તેમણે તત્ત્વથી જીવ-ઈશ્વરને ભિન્ન સમજવા અને પ્રકૃતિપુરુષથી થયું તેને મિથ્યા કહેવું ને ભગવાનના અવતારને સત્ય જાણવા. આ યોગ તથા સાંખ્યવાળાએ જેને અક્ષરધામ શબ્દથી કહ્યું છે તેને મૂળપુરુષનું તેજ જાણવું અને જેને પુરુષોત્તમ શબ્દથી વર્ણન કર્યા છે તેને મૂળપુરુષ જાણવા અને નિર્ગુણ વાસુદેવ પણ એના તેજને જ કહે છે અને પ્રધાનપુરુષને પ્રકૃતિપુરુષ શબ્દથી કહ્યા છે. તે યોગવાળા જેમ પ્રત્યક્ષને આશ્રયે કરીને મોક્ષ કહે છે તેમ અમારા ભક્તોએ પ્રત્યક્ષ ભગવાન જે અમે તે અમને બ્રહ્માદિકથી લઈને મૂળઅક્ષરપર્યંત સર્વેથી પર જાણવા ને એ સર્વેને અમારા ભક્ત જાણવા અને અમે અનિરુદ્ધ જે મૂળઅક્ષર અને પ્રદ્યુમ્ન જે વાસુદેવબ્રહ્મ અને સંકર્ષણ જે મહાકાળ તેમને વિષે નિર્ગુણ વાસુદેવ જે અમારું તેજ તે દ્વારે પ્રવેશ કરીને તે તે રૂપે થઈએ છીએ તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરીએ છીએ તે સર્વેને સત્ય જાણવા અને પ્રકૃતિપુરુષથી થયું તેને મિથ્યા માનવું અને એ સર્વેથી પર નિર્ગુણ વાસુદેવ જે અમારા તેજરૂપ અક્ષરધામ તે રૂપ પોતાના આત્માને માનીને યોગમાર્ગે કરીને અમારી ઉપાસના, ધ્યાન, ભક્તિ કરવાં પણ અમારા વિના બીજા કોઈનું કરવું નહીં. (૧) બાબત છે.
૧ પ્ર. વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ ને બ્રહ્મા, વિષ્ણુ ને શિવ તે તુલ્ય કહ્યા તે કેવી રીતે સમજવા ?
૧ ઉ. વૈરાજપુરુષ પોતાના ઉપરી જે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ થકી ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરવાની સામર્થી પામીને બ્રહ્મા પાસે ઉત્પત્તિ કરાવે છે તે ઉત્પત્તિના અભિમાને કરીને બ્રહ્મા નામે કહેવાય છે અને વિષ્ણુ પાસે સ્થિતિ કરાવે છે તે સ્થિતિને અભિમાને કરીને વિષ્ણુ નામે કહેવાય છે અને શિવ પાસે પ્રલય કરાવે છે તે પ્રલયના અભિમાને કરીને શિવ નામે કહેવાય છે તે એ ત્રણ દેવો દ્વારે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે તે ક્રિયાના અભિમાને કરીને બ્રહ્મા, વિષ્ણુ ને શિવ નામે કહેવાય છે પણ જેમ જીવનાં પોતાનાં વિશ્વ, તૈજસ ને પ્રાજ્ઞ નામ કહેવાય છે તેમ વૈરાજનાં પોતાનાં એ નામ નથી. એ તો બ્રહ્મા, વિષ્ણુ ને શિવ દ્વારે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરે છે તે માટે બ્રહ્મા, વિષ્ણુ ને શિવની તુલ્યતા કહી છે.
૨ પ્ર. (આમાં તથા અ. ૪/૧માં) ભગવાનને અક્ષર કહ્યા છે ને (પ્ર. ૭/૧માં, સા. ૫ના બીજા પ્રશ્નમાં, કા. ૮/૧માં તથા પ્ર ૪૧ એ આદિકમાં) અક્ષરથી પર કહ્યા છે, માટે પ્રત્યક્ષ ભગવાન જે શ્રી સ્વામિનારાયણ તે તો અક્ષરથી પર છે તેમને અક્ષર કહેવાનું શું કારણ હશે ?
૨ ઉ. શ્રીજીમહારાજને અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે, એવાં વિશેષણ આપ્યાં છે પણ અક્ષર તે જ શ્રીજીમહારાજ છે એમ નથી કહ્યું.
૩ પ્ર. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ તેમને મિથ્યા ન કરવા એમ કહ્યું અને પછીથી પ્રકૃતિપુરુષના કાર્યને મિથ્યા કરવું એમ કહ્યું તે અનિરુદ્ધાદિક તો પ્રકૃતિપુરુષના કાર્યમાં આવી ગયા માટે તેને તો મિથ્યા કહેવા જોઈએ જ ને મિથ્યા કરવા નહિ એમ કહ્યું તેનું શું કારણ હશે ?
૩ ઉ. આ ઠેકાણે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ કહ્યા તે મૂળપુરુષથી પર છે તેમાં મૂળઅક્ષરને અનિરુદ્ધ કહ્યા છે તે (લો. ૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) જગતની ઉત્પત્તિને અર્થે અમે અનિરુદ્ધ રૂપે થઈએ છીએ. એટલે એ મૂળઅક્ષર જે અનિરુદ્ધ તેને વિષે નિર્ગુણ વાસુદેવ જે અમારું તેજ તે તેજ દ્વારે રહ્યા છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે, માટે અનિરુદ્ધ નામે મૂળઅક્ષરને કહ્યા છે અને માયા સુધી જંગમ એટલે ચળ વિશ્વ અને મૂળપુરુષથી લઈને બ્રહ્મકોટિ તથા, મૂળઅક્ષરના મુક્ત ત્યાં સુધી સર્વ સ્થાવર એટલે અચળ વિશ્વ એ બેય વિશ્વ મૂર્તિમાન મૂળઅક્ષર જે અનિરુદ્ધ તેના તેજને વિષે સાવકાશે કરીને રહ્યાં છે. અને શ્વેતદ્વીપપતિ વાસુદેવને પ્રદ્યુમ્ન કહ્યા છે, અને મહાકાળને સંકર્ષણ નામે કહ્યા છે, માટે આ સંકર્ષણાદિ ત્રણ તે મૂળપુરુષથી પર છે તેથી એમને સત્ય કહ્યા છે અને પ્રકૃતિમાંથી જે સંકર્ષણાદિક ઉત્પન્ન થાય છે તે તો પ્રલય સમે લય પામે છે માટે મિથ્યા કહેવાય.
૪ પ્ર. વાસુદેવ કોને કોને કહેવાતા હશે ?
૪ ઉ. શ્રીજીમહારાજ મૂળઅક્ષરને વિષે પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે શ્રીજીમહારાજને વાસુદેવ કહેવાય, અને વાસુદેવબ્રહ્મને વિષે મૂળઅક્ષર પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે મૂળઅક્ષરને વાસુદેવ કહેવાય, અને મૂળપુરુષને વિષે વાસુદેવબ્રહ્મ પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે વાસુદેવબ્રહ્મને વાસુદેવ કહેવાય, અને માયાબદ્ધ જીવોને વિષે મૂળપુરુષ પોતાના તેજ દ્વારે વાસ કરે છે માટે મૂળપુરુષને વાસુદેવ કહેવાય અને તે મૂળપુરુષ વાસુદેવના પુત્ર થયા માટે વાસુદેવ કહેવાય અને મૂળપુરુષ દ્વારાએ માયામાંથી અનંત પ્રધાનપુરુષ થાય છે અને તે થકી મહત્તત્ત્વ થાય છે ને તે થકી રાજસાહંકાર (અનિરુદ્ધ), સાત્ત્વિકાહંકાર (પ્રદ્યુમ્ન), તામસાહંકાર (સંકર્ષણ) એ ત્રણ પ્રકારનો અહંકાર થાય છે અને તેમાંથી ચોવીશ તત્ત્વ થાય છે ને તે થકી વિરાટ થાય છે ને તે થકી બ્રહ્મા, વિષ્ણુ ને શિવ થાય છે, તે પ્રધાનપુરુષ, મહત્તત્ત્વ, પ્રદ્યુમ્ન, વૈરાજ અને વિષ્ણુ તે પણ સૌ સૌના કાર્યમાં વાસ કરે છે માટે તેમને પણ વાસુદેવ કહેવાય, અને મૂળપુરુષ ને મૂળમાયાથી થઈ તે સૃષ્ટિને (લો. ૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) જંગમ એટલે પ્રલયમાં નાશ પામતી એવી ચળ સૃષ્ટિ કહી છે, આ ચળ વિશ્વના વાસુદેવ મૂળપુરુષ છે, અને જે મહત્તત્ત્વમાંથી અનિરુદ્ધાદિક થાય છે તે તથા મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ તે સર્વે મહામાયાને વિષે લય પામે છે અને મહામાયા મૂળપુરુષમાં લય પામે છે ત્યારે મૂળપુરુષ જે તે વાસુદેવબ્રહ્મના બ્રહ્મપુરધામને વિષે વાસુદેવબ્રહ્મને સમીપે રહે છે.
૫ પ્ર. પોતાના આત્માને સર્વેથી પૃથક્ શુદ્ધ બ્રહ્મરૂપ માનીને અમારા રૂપને સત્ય જાણીને અમારું ધ્યાન કરવું એવો જે વિચાર તે તો અમ જેવા મોટા પાસેથી શીખે તો જ આવડે પણ શાસ્ત્રને ભણવે-સાંભળવે કરીને આવડે નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું તે અમ જેવા મોટા કોને કહ્યા હશે ?
૫ ઉ. શ્રીજીમહારાજે પોતાના સાધર્મ્યપણાને પામેલા મુક્તને પોતા જેવા કહ્યા છે, માટે શ્રીજીમહારાજ તથા તેવા મુક્ત થકી જ આ વિચાર આવડે ને શ્રીજીમહારાજનું જ્ઞાન, ધ્યાન અને કલ્યાણ થાય છે પણ કેવળ શાસ્ત્ર થકી યથાર્થ સમજાતું નથી. ।।૨।। (૧૨૮)
વચનામૃત પંચાળાનું - ૩
સંવત ૧૮૭૭ના ફાગણ સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે પરમહંસ માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો. ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૧) આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે, તોપણ માન-ઈર્ષ્યા કેમ રહી જાય છે ? પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એવો જે છે તેમાં બુદ્ધિ નથી અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે. અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે નહિ ને પોતાને સનકાદિક જેવો મોટો જાણે ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઊતરતા જાણે; અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય જે મુમાં આટલો અવગુણ છે પછી તેની ઉપર ચાડ્ય રાખીને તે અવગુણને ટાળી નાખે તથા તે અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને માટે એમાં માન-ઈર્ષ્યાદિક કોઈ અવગુણ રહે નહીં. અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યાવહારિક બુદ્ધિ જાણવી ને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય પણ એને બુદ્ધિવાળો ન કહેવાય; તેને તો અતિ મૂર્ખ જાણવો ને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહિ અને થોડીક બુદ્ધિ હોય ને જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે ને એને જ બુદ્ધિવાળો કહીએ અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પરઠે નહિ ને ગુણ જ પરઠે તેને મૂર્ખ કહીએ ને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ પછી શ્રીજીમહારાજે આજ્ઞા કરી જે કીર્તન ગાઓ. પછી ।। સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા રે ।। એ કીર્તન પરમહંસ ગાવવા લાગ્યા. (૧)
૨ ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) હવે કીર્તન રાખો અને આ કીર્તન ગાયાં તેમાં હેત બહુ છે તે હેતનો અમે વિચાર કર્યો જે હેત મોટી વાત છે ને હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું જે, હેત છે તે જ ભગવાનની માયા છે, કેમ જે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય સ્પર્શ કરતી હોય, તેમાં બીજી રીતનું હેત છે અને પુરુષ હોય ને પરસ્પર બોલે, જુએ, સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેત છે, અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય ને તેની વાર્તા કરતો હોય તેને વિષે જેવું હેત થાય છે ને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષ પુરુષમાં નથી થાતું. તથા સ્ત્રી હોય ને પુરુષને જોતી હોય, આલિંગન કરતી હોય ઇત્યાદિક પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે ને તેનું મન પુરુષમાં સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થાતું, માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસૃતિ ને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેત રૂપે છે, પછી એમ વિચાર થયો જે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડ્યાં હોય તો તો ઠીક છે, તે માયા નથી. પછી વળી તેમાં પણ વિચાર થયો જે, એ પણ ઠીક નહિ, કાં જે ભગવાનના રૂપ કરતાં અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિષે જણાય તો ભગવાનને મૂકીને તેને વિષે હેત થઈ જાય, જેમ સોળ હજાર ને એકસો, જે શ્રીકૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપ્સરાઓ હતી, તેમણે બ્રહ્મા પાસે વર માગ્યો જે, હે મહારાજ ! અમે દેવ, દૈત્ય ને મનુષ્ય એ સર્વેનો સ્પર્શ કર્યો છે પણ જે નારાયણ પુરુષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો, માટે એવી કૃપા કરો જે એ અમારા પતિ થાય. પછી બ્રહ્માએ કહ્યું જે, તમે તપ કરો; તમારા પતિ નારાયણ થાશે. ત્યારે તેમણે ઘણું તપ કર્યું પછી તેમની ઉપર અષ્ટાવક્ર ઋષિ તથા નારદ મુનિ તે પણ પ્રસન્ન થયા ને વર આપ્યો જે, તમારા પતિ નારાયણ થાશે, એવી રીતે જન્માંતરે ઘણુંક તપ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને પામી હતી પણ જો ભગવાન કરતાં સાંબને વિષે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી માટે જેની એક મતિ રહેતી ન હોય તેને પંચઇન્દ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહિ ને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું તો જે ચોવીશ તત્ત્વ છે તે થકી પોતાના જીવને પૃથક્ જાણવો ને તે જીવને વિષે ખૂંતીને રહી જે પંચઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવસત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું તે નિર્ગુણપણું તે શું જે, દશ ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણ ને દેવતા તે સત્ત્વગુણની સંપત્તિ છે, અને પંચભૂત ને પંચવિષય તે તમોગુણની સંપત્તિ છે તે એ ત્રણ ગુણની સંપત્તિઓ ને ત્રણ ગુણ તેને પૃથક્ માનીને કેવળ જીવસત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવો નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું તે કહ્યું છે જે :
नैर्गुण्यस्था समंते स्म गुणानुकथने हरे: । તથા
परिनिष्ठितोडपिनैर्गुण्ये उत्तमश्लोकलीलया ।
गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ।।
અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે, તે ક્ષેત્ર તે શું તો સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક્ જાણે છે જે, એ મારે વિષે કોઈ દિવસ હોય નહિ; હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચૈતન્ય છું અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જડ છે, નાશવંત છે એમ દૃઢપણે સમજીને એ સર્વથી વૈરાગ્ય પામીને સ્વધર્મે સહિત જે ભગવાનને વિષે ભક્તિ કરવી તેને એકાંતિકની ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે તે ભગવાને કહ્યું છે જે :
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । उदारा: सर्व एवैते ज्ञानी त्वातमैव मे मतम् ।।
એમ સમજીને ઇન્દ્રિયો-અંતઃકરણ-વિષય એ સર્વેનાં જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિષે હેત કરવું એ જ ઠીક છે. (૨) અને જ્યાં સુધી એનાં મૂળ ઉખાડી નાખ્યાં ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ભગવાનનાં દર્શન, સ્પર્શનાદિક રૂપ જે કામ તે લેવું પણ એને પોતાના હેતુ ન માનવા; વૈરી માનવા ને એનો ગુણ ન લેવો જે, એ ભગવાનની ભક્તિને વિષે ઉપકાર કરે છે, કેમ જે નેત્રે કરીને ભગવાનનાં દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુળસીનો સુગંધ લેવાય છે ને મુખે કરીને ભગવાનનાં કથા-કીર્તન કહેવાય છે તથા જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે ઇત્યાદિક ભગવાનની ભક્તિને વિષે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો; એને તો વૈરી જ જાણવાં કાં જે શું જાણીએ એ ભગવાનનાં દર્શન-સ્પર્શાદિકે કરીને સુખ માનતા થકાં સ્ત્રીઆદિકનાં દર્શન, સ્પર્શાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય માટે એ પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું, જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહિ ને વિશ્વાસ પણ કરે નહિ અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્ચે મારે તેમ જો ઇન્દ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છૂટા મૂકે ને કેદમાં ન રાખે તો એને નિશ્ચે ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે, માટે એનો વિશ્વાસ ન કરવો, અને વળી જેમ ઇંગ્રેજ કોઈક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી ને તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો-અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી પણ એને વિષે ગુણ ન લેવો; શત્રુભાવ જ રાખવો અને જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને ને એનો ગુણ લે તો ભગવાનનાં દર્શન-સ્પર્શનાદિકને વિષે, સુખ મનાવતે થકે જો સ્ત્રીઆદિકને વિષે કાંઈક સુખ મનાવી દે તો એનું કર્યું-કારવ્યું સર્વ વ્યર્થ થઈ જાય, જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી માટે કેવળ આત્મારૂપ થયે થકે જે ભગવાનને વિષે હેત થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે ને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે, ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી, એમ એ ઇન્દ્રિયો-અંતઃકરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછા વાળવા એ પણ સમજણ ઠીક છે. (૩)
૩ ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) હે મહારાજ ! આ જે સર્વે વિચાર તે કિયા સ્થાનકે રહીને કરવો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એમ વિચાર કરે જે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ એ હું નહિ ને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે હું નહિ ને પંચજ્ઞાન ઇન્દ્રિયો ને પંચકર્મ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણ ને એમના દેવતા એ સર્વે હું નહિ; હું તો એ સર્વેથી પૃથક્ છું, ચૈતન્ય છું, ને ભગવાનનો ભક્ત છું ને ઇન્દ્રિયો-અંતઃકરણ કાંઈક ચાળા કરે તો એને કહેવું જે કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે ? ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે ને ગંધ લેવો છે ? અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જાઈશ તો તારે-મારે શું છે ભાઈ ? તું કોણ ને હું કોણ ? તારે-મારે લેવું-દેવું નથી. તમે કરશો તે તમે ભોગવશો, એમ એ ઇન્દ્રિયો, અંતઃકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી જે, હે મહારાજ ! હે સ્વામિન્ ! હે ભક્તવત્સલ ! હે દયાનિધે ! આ ઇન્દ્રિયો-અંતઃકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે માટે એ થકી મારી રક્ષા કરજ્યો, એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્ય જીવરૂપ માનીને ભગવાનને વિષે હેત-ભક્તિ કરવી. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૩।। (૧૨૯)
રહસ્યાર્થ પ્રદી - આમાં પ્રશ્ન (૩) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં જે ભક્ત પોતાના અવગુણ ઓળખીને ટાળવાનો ઉપાય કરે ને બીજાના અવગુણ લે નહિ તે બુદ્ધિવાળો છે અને માને કરીને પોતાથી મોટાને ન્યૂન માને તે મૂર્ખ છે. (૧) બીજામાં નિર્ગુણ સત્તા જે અમારું તેજ તે રૂપ થઈને અમારે વિષે હેત કરવું ને સેવા કરવી પણ વિષયના સુખ સંબંધે કરીને અમારે વિષે હેત કરવું નહીં. (૨) અને ઇન્દ્રિયો-અંતઃકરણને પંચવર્તમાનના નિયમમાં રાખવાં. (૩) ત્રીજામાં ત્રણ દેહ ને ત્રણ અવસ્થાથી પોતાના ચૈતન્યને પૃથક્ માનવો એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. (પહેલા પ્રશ્નમાં) બીજા વિકાર ટળી ગયા છે ને માન-ઈર્ષ્યા કેમ રહે છે એમ પૂછ્યું તે બીજા વિકાર કિયા ટળ્યા હશે ?
૧ ઉ. કામ, લોભ, સ્વાદ, સ્નેહ તે વિકાર ટળી ગયા હોય એમ જાણવું.
૨ પ્ર. (બીજા પ્રશ્નમાં) નિસ્તર્કપણે એક મતિ રહેતી હોય તેને પંચઇન્દ્રિયોના વિષયસુખ સંબંધે કરીને અમારે વિષે હેત કરવું એમ કહ્યું તે કેવી રીતે કરવું ?
૨ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજો કોઈ આકાર દીઠો જ ગમે નહિ ને શ્રીજીમહારાજના શબ્દ વિના બીજો શબ્દ ગમે નહિ, તથા શ્રીજીમહારાજના સ્પર્શ વિના બીજો સ્પર્શ ગમે નહિ અને શ્રીજીમહારાજના મહાપ્રસાદ વિના બીજો રસ ગમે નહિ ને મહારાજને ચડ્યાં જે તુળસી-પુષ્પ તે વિના બીજો ગંધ ગમે નહિ, એવી રીતે શ્રીજીમહારાજ સંબંધી પંચવિષયમાં આનંદ વર્તે ને તે વિના બીજા માયિક વિષયને વિષે અભાવ વર્તે અને શ્રીજીમહારાજને વિષે માયિકપણાનો સંકલ્પ ન થાય એવી રીતે શ્રીજીમહારાજને વિષે હેત કર્યું હોય તો કલ્યાણ થાય.
૩ પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) તમે કરશો તે તમે ભોગવશો એમ ઇન્દ્રિયો-અંતઃકરણને કહેવું એમ કહ્યું અને (જે. ૨ના બીજા પ્રશ્નમાં) ઇન્દ્રિયો દ્વારે વિષયનું ગ્રહણ જીવ કરે છે ત્યાં જીવને જ ભોક્તા કહ્યો છે તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. ઇન્દ્રિયો-અંતઃકરણ ભોક્તા નથી; કર્તા-ભોક્તા તો જીવ જ છે, પણ જીવ ઇન્દ્રિયાદિક ભેળો ભળી ગયો છે તેને જુદો પાડવાનો તથા ઇન્દ્રિયો-અંતઃકરણ દ્વારે ઘાટ કરતો હોય તે ઘાટને ખોટા કરી નાખવાનો ઉપાય બતાવ્યો છે. ।।૩।। (૧૨૯)
વચનામૃત પંચાળાનું - ૪
સંવત ૧૮૭૭ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ઝીણી ધોળી પછેડી ઓઢી હતી ને હસ્તકમળને વિષે તુળસીની માળા ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરો. ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૧) પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને ભજન-સ્મરણ કરતો હોય ને પછી ભગવાનનાં મનુષ્યચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે તેનું શું કારણ છે ? પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહિ, ત્યારે શ્રીજીમહારાજ ઝાઝી વાર સુધી વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, વેદ, પુરાણ, મહાભારત, સ્મૃતિઓ ઇત્યાદિક જે શાસ્ત્ર તેને વિષે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે. તે ભગવાન કેવા છે તો આ ચક્ષુ-ઇન્દ્રિયે કરીને દીઠામાં આવે છે જે યત્કિંચિત રૂપ તે જેવું તેમનું રૂપ નથી અને શ્રવણે કરીને સાંભળ્યામાં આવે છે જે કોઈ શબ્દમાત્ર તે જેવો એ ભગવાનનો શબ્દ નથી અને ત્વચાએ કરીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ તે જેવો એમનો સ્પર્શ નથી, અને નાસિકાએ કરીને સૂંઘ્યામાં આવે છે જે સુગંધ તે જેવો એમનો સુગંધ નથી અને જિહ્વાએ કરીને વર્ણન કર્યામાં આવે એવા પણ એ ભગવાન નથી અને મનના સંકલ્પમાં આવે એવા નથી તથા ચિત્તના ચિંતવનમાં આવે એવા નથી તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી તથા અહંકારે કરીને અહંપણું ધરાય એવા નથી જે એ ભગવાનનો હું છું ને એ મારા છે, એવી રીતે ઇન્દ્રિયો-અંતઃકરણને અગોચર એ ભગવાન રહ્યા છે અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંબ પર્યંત કોઈનું રૂપ નથી જે જેની એને ઉપમા દેઈએ તથા એનો જેવો શબ્દ છે તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી જે જેની એને ઉપમા દેઈએ, અને એ ભગવાનનો જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી જે જેની એને ઉપમા દેઈએ, તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી જે જેની એને ઉપમા દેઈએ તથા એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની એને ઉપમા દેઈએ અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની એને ઉપમા દઈએ તે સપ્તદ્વીપ ને નવખંડમાં જે જે સ્થાનક છે તથા મેરુ ઉપર ઘણીક શોભાયે યુક્ત બ્રહ્માદિકના સ્થાનક છે તથા લોકાલોક ચળને વિષે ઘણાંક સ્થાનક છે તથા ઇન્દ્ર, વરુણ, કુબેર, શિવ, બ્રહ્મા એનાં જે સ્થાનક છે તથા બીજાં પણ ઘણાંક સ્થાનક છે એ સર્વે માંહેલું એવું એકે સ્થાનક નથી જે જેની ભગવાનના ધામને ઉપમા થાય અને એ ભગવાનના ધામને વિષે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે તેવું આ બ્રહ્માંડમાં કોઈ સુખ છે નહિ જેની એને ઉપમા દેઈએ અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દેઈએ, કેમ જે આ બ્રહ્માંડમાં જેટલા પુરુષપ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે અને ભગવાન છે તે દિવ્ય છે ને અમાયિક છે, માટે એ બેયને વિષે અતિશે વિલક્ષણપણું છે તે સારુ એને ને એને સાદૃશ્યપણું કેમ થાય ? જેમ મનુષ્યને કહીએ જે આ માણસ ભેંશ જેવો છે, સર્પ જેવો છે, ચરકલા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે એવી ઉપમા મનુષ્યને સંભવે નહિ, કેમ જે મનુષ્યથકી એ બીજા જે સર્વ તે વિજાતિ છે; અને મનુષ્ય-મનુષ્યમાં પણ અતિશે સાદૃશ્યપણું નથી જે જેની ઉપમા એમ દેઈએ જે, આ તે આ જેવો જ છે અને જો તે, તે જેવો જ હોય તો તેની ઓળખાણ કેમ થાય ? માટે મનુષ્ય-મનુષ્ય સજાતિ છે તેને વિષે પણ સાદૃશ્યપણું અત્યંત છે નહિ, જુવોને આ ભગો, મૂળો બે સરખા કહેવાય છે પણ ઝાઝા દિવસ ભેગા રહીએ તો ઓળખાઈ જાય જે આ ભગો છે ને આ મૂળો છે, માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ ? માટે મનુષ્ય-મનુષ્યમાં પણ અતિ સાદૃશ્યપણું નથી તો માયિક-અમાયિકને વિષે સાદૃશ્યપણું કેમ આવે જેની ઉપમા ભગવાનને દેઈએ તથા ભગવાનના ધામને દઈએ, કાં જે એ ભગવાન છે તે ઇન્દ્રિયો-અંતઃકરણને અગોચર છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે જે એ ભગવાન જ્યારે જીવને પોતાનું દર્શન દેવાને ન ઇચ્છે ત્યારે તો આવી રીતે દિવ્યરૂપ અગોચર થકા પોતાના અક્ષરધામને વિષે રહ્યા છે અને એ ભગવાન મહારાજાધિરાજ છે ને દિવ્યરૂપ એવી જે અસંખ્ય સમૃદ્ધિ તથા અસંખ્ય પાર્ષદ તેણે યુક્ત છે ને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે, જેમ આ લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય તેનું સૂર્યના ઉદય-અસ્ત સુધી રાજ્ય હોય અને તે જ રાજા પોતાના તપને બળે કરીને દેવતાના જેવા ઐશ્વર્યને પામ્યો હોય ને સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકીના રાજ્યને કરતો હોય, જેમ અર્જુન હતા તે એ ને એ દેહે કરીને સ્વર્ગને વિષે ઇન્દ્રાસનને ઉપર કેટલાંક વર્ષ સુધી રહ્યા તથા નહુષ રાજા પણ ઇન્દ્ર થયો હતો એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ઘેર જેટલાં ગામ છે તેની ગણતી થાય નહિ; એ તો અસંખ્ય છે તથા ગામ ગામના જે પટેલ તેની પણ ગણતી નથી અને તે ગામ ગામના અસંખ્ય પટેલ તે એના દરબારમાં અરજ કરવા આવતા હોય અને તે રાજાનાં ધન, માલ, ભોગ, સ્થાનક, સમૃદ્ધિ તે પણ ગણતીમાં આવે નહિ, તેમ એ ભગવાન અસંખ્ય કોટિ જે બ્રહ્માંડરૂપ ગામ તેના રાજાધિરાજ છે અને એ બ્રહ્માંડરૂપ જે ગામ તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા, વિષ્ણુ ને શિવ છે, જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય તેને તે ગામની સર્વે પ્રજા તે આવીને નમે ને આજ્ઞામાં રહે ને તે પટેલ રાજાને નમે તેમ બ્રહ્માંડ-બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા, વિષ્ણુ, શિવ છે તે મોટેરા છે ને બીજા જે બ્રહ્માંડમાં દેવ, દૈત્ય, મનુષ્ય, ઋષિ, પ્રજાપતિ તે એને ભજે છે ને આજ્ઞામાં રહે છે ને એ બ્રહ્મા, વિષ્ણુ, શિવ તે ભગવાન પુરુષોત્તમને ભજે છે ને આજ્ઞામાં વર્ત છે તે એ બ્રહ્માંડ-બ્રહ્માંડના જે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે જે, હે મહારાજ ! કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો, જેમ કોઈક ગામનો પટેલ હોય તે ચક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે જે, હે મહારાજ ! હું ગરીબ છું તે તમે મારે ઘેર પધારો ને હુંથી જેવી તમારી ચાકરી બણી આવશે તેવી કરીશ, તેમ બ્રહ્મા, વિષ્ણુ, શિવ તે એ ભગવાનની પ્રાર્થના કરે છે જે, હે મહારાજ ! તમે અમને દયા કરીને દર્શન દ્યો ને અમારા બ્રહ્માંડમાં પધારો, ત્યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ધારણ કરે છે ને તેવી રીતે જ વર્તે છે. જો દેવમાં દેહ ધારણ કરે છે તો દેવના જેવી જ ચેષ્ટા કરે છે તથા પશુના દેહનું ધારણ કરે છે ત્યારે તે પશુની પેઠે જ વર્તે છે, જેમ વારાહરૂપ ભગવાને ધાર્યું ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોળી કાઢી તથા હયગ્રીવ રૂપે થયા ત્યારે ઘોડાની પેઠે ફૂંફાડા મારવા માંડ્યા તથા મચ્છ-કચ્છાદિક જળજંતુનો દેહ ધારણ કર્યો ત્યારે જળમાં જ ફર્યા પણ પૃથ્વીમાં ન ફર્યા તથા નૃસિંહ રૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે તે જ્યારે સત્યયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરદા હોય ત્યારે એ ભગવાન પણ લાખ વર્ષ જ દેહ રાખે અને તે સત્યયુગના માણસ મનોવાંચ્છિત ભોગને ભોગવે ત્યારે ભગવાન પણ તેમ જ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને દશ હજાર વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ તેટલાં વર્ષ દેહ રાખે ને દ્વાપરયુગમાં હજાર વર્ષની આવરદા હોય ને દશ હજાર હાથીનું બળ માણસમાં હોય છે ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે અને કળિમાં દેહ ધારણ કરે ત્યારે કળિ પ્રમાણે આયુષ્ય ને બળ તેનું ભગવાન ધારણ કરે છે, અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે ને બાળ, યૌવન, વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુને પામે છે તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે, અને જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિક સ્વભાવ છે તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્યદેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે તે એ મનુષ્ય સ્વરૂપ પણ ભગવાનનું સર્વ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્યરૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે; તે એ બેય રૂપનું જેણે યથાર્થ શ્રવણ-મનન કરીને દૃઢ નિશ્ચય કર્યો હોય તેને તો કોઈ રીતે સંશય થાય નહિ અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે અને એ જ દિવ્યરૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તતા હોય પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે એમાં કામ છે તે બીજા મનુષ્ય જેવો નથી તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન ઇત્યાદિક મનુષ્યના સ્વભાવ તે એ ભગવાનમાં છે પણ બીજા માણસ જેવા તો નથી; એમાં કાંઈક દિવ્યભાવ છે તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય કરે છે; જેમ શંકરાચાર્યે શૃંગારરસની વાર્તા જાણ્યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તે રાજાના જેવા જ સર્વે શૃંગારાદિક ભાવ ને દેહની ચેષ્ટા તે હતી પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી તેણે એમ જાણ્યું જે, મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો માટે આ દેહને વિષે કોઈક બીજે જીવે પ્રવેશ કર્યો છે, તેમ મનુષ્યરૂપ એવા જે તે ભગવાન તેને વિષે દિવ્યભાવ જણાય છે તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે ત્યારે તમે કહેશો જે, કાંઈક દિવ્યભાવ જાણ્યામાં આવ્યો તેણે કરીને મનુષ્યને ભગવાનપણાનો નિશ્ચય થયો ત્યારે ઘણો દિવ્યભાવ જણાવે તો તો બહુ માણસને નિશ્ચય થાય તો એનું તો એમ છે જે આ સૂર્ય છે તેને સર્વ શાસ્ત્રમાં કહ્યા છે જે એ નારાયણ છે ને તે સૂર્ય સર્વ મનુષ્યને દૃષ્ટિગોચર પણ છે ને નિત્યે એનું દર્શન મનુષ્યમાત્ર કરે છે તોપણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થાતો જે મારું કલ્યાણ થયું અને મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ, શુકાદિક સંત તેનાં દર્શન કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે, મારું કલ્યાણ નિશ્ચે થયું ને હું કૃતાર્થ થયો છું ને તે ભગવાન ને સંત તેમાં તો કાંઈ પ્રકાશ છે નહિ; દીવો કરીએ ત્યારે તેનાં દર્શન થાય છે તોપણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે તથા અગ્નિ છે તે પણ સાક્ષાત્ ભગવાન છે, કાં જે ભગવાને કહ્યું છે જે :
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित: । प्राणापान-समायुक्त: पचाम्यन्नं चतुर्विधं ।।
એવો જે અગ્નિ તેનાં પણ સર્વને દર્શન છે પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થાતો નથી અને ભગવાનને ને સંતને દર્શને કરીને થાય છે તેનું શું કારણ છે જે મનુષ્યને ને સૂર્ય-અગ્નિ ને વિજાતિપણું છે માટે એને દર્શને કરીને કલ્યાણનો નિશ્ચય નથી થાતો, કાં જે એ અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલ મંત્રે કરીને તેડ્યા ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા તે મનુષ્ય રૂપે જેવાં કુંતાજી હતાં તેવા જ સૂર્ય થઈને આવ્યા ત્યારે તેના અંગસંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશ સોતા આવ્યા હોત તો કુંતાજી બળી મરત ને સ્પર્શનું સુખ પણ ન આવત તથા સત્રાજિત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માણસ જેવા થઈને આવતા અને જ્યારે એ સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજિત્ પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા ? આકાશમાં પણ હતા ને બીજે રૂપે એના એ જ સૂર્ય કુંતાજી ને સત્રાજિત પાસે આવ્યા અને જેવો સૂર્યને પ્રકાશ છે તે સર્વ એમાં છે ખરો પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઈને આવ્યા છે તેમ એ જે ભગવાન છે તે પોતે પોતાના દિવ્યભાવ સોતા જ જીવને જો દર્શન આપે તો મનુષ્યને ઠીક ન પડે ને એમ જાણે જે આ તે શું ભૂત હશે કે શું હશે ? માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા જ થઈને દર્શન આપે છે ને પોતે પોતાના ધામમાં પણ વિરાજમાન છે ત્યારે તે મનુષ્યને દર્શનમાં, સ્પર્શમાં તથા નવ પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્યભાવે વર્તે તો મનુષ્યને પોતામાં હેત થાય નહિ ને સુવાણ ન પડે શા માટે તો મનુષ્ય મનુષ્યને વિષે હેત થાય છે ને સુવાણ થાય છે પણ પશુને ને મનુષ્યને હેત-સુવાણ થાતી નથી અને પશુ પશુને પરસ્પર હેત ને સુવાણ થાય છે, કેમ જે સજાતિ સજાતિમાં હેત થાય પણ વિજાતિમાં થાય નહિ, તેમ ભગવાન પોતાના દિવ્યભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારુ માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્યભાવ જણાવતા નથી ને દિવ્યભાવ જણાવે તો વિજાતિપણું થાય માટે ભક્તને પોતામાં હેત ને સુવાણ થાય નહિ તે સારુ મનુષ્ય રૂપે એ ભગવાન થાય છે ત્યારે પોતાનો દિવ્યભાવ છે તેને છુપાવી રાખવો તે ઉપર જ પોતાની દૃષ્ટિ રહે છે. અને છુપાવતે છુપાવતે કદાચિત્ પોતે કોઈક કાર્યમાં ઉતાવળા થઈ જાય છે ત્યારે દિવ્યભાવ જણાઈ આવે છે ને ક્યારેક પોતે પોતાની ઇચ્છાએ કરીને પણ પોતાના કોઈક ભક્તને જણાવે છે, જેમ શ્રીકૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાને ઉતાવળા થયા ત્યારે મનુષ્યભાવ ભૂલી ગયા ને પોતામાં દિવ્યભાવ આવ્યો તેણે કરીને પોતાના ભારને પૃથ્વી સહન કરવા સમર્થ ન થઈ તથા અર્જુનને દિવ્યભાવ દેખાડ્યો તે પોતાની ઇચ્છાએ દેખાડ્યો પણ તે દિવ્યભાવે કરીને અર્જુનને સુખ ન થયું ને બહુ વ્યાકુળ થઈ ગયા, ત્યારે કહ્યું જે :
तेनैवरृपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते ।।
પછી શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યપણે દર્શન અર્જુનને આપ્યું ત્યારે અર્જુનને સુખ થયું, માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જ જીવને સાનુકૂળ પડે, નહિ તો ન પડે તે સારુ એ ભગવાન મનુષ્યપણે વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્યભાવ દેખીને અવળું પડે છે; અને જો એ ભગવાન દિવ્યભાવે જ વર્તે તો મન-વાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહીં. માટે એ બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કહ્યા છે તેવી રીતે જેણે યથાર્થ જાણ્યા હોય તેને સંશય ન થાય અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય અને જે એમ કહે છે જે મેં ભગવાનને જાણ્યા છે ને મુને નિશ્ચય છે ને જો તે આ વાતને સમજ્યો નથી તો તેનો નિશ્ચય કાચો છે, જેમ કોઈક પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન શીખ્યો હોય ને તેને પૂછીએ જે તુને આ શ્લોક તથા કીર્તન આવડ્યાં ? ત્યારે કહે જે આવડ્યાં ને કંઠથી મુખપાઠે કહી દેખાડે પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક-કીર્તનને ભૂલી જાય, ત્યારે એ તે શું જે, એ જ્યારે શીખ્યો હતો ત્યારે જ એને એટલાં આવડ્યાં નહોતાં, કેમ જે શ્રવણ-મનને કરીને એનો દૃઢ અધ્યાસ થઈને એના જીવમાં એ શ્લોક-કીર્તન ચોંટી નહોતાં ગયાં. અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અધ્યાસ થયો હોય છે તો એ યુવાન થાય, વૃદ્ધ થાય તોપણ તે વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભરી આવે છે, તેમ એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી અને જો કસર ન રહી હોત ને આવી રીતે પ્રથમથી જ શ્રવણ કરીને ને તેનું મનન કરીને તેનો દૃઢ અધ્યાસ એના જીવમાં થયો હોત તો એને કોઈ દિવસ સંશય થાત જ નહીં. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૪।। (૧૩૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે વેદાદિકને દૃષ્ટાંતે પોતાનું સનાતન અનાદિ દિવ્ય સ્વરૂપ અક્ષરધામમાં રહ્યું છે તેનું અવર્ણનીયપણું તથા અગોચરપણું કહ્યું છે જે, માયિક આકારમાત્રમાં અમારા તુલ્ય કોઈમાં રૂપ આદિક નથી અને અમારા ધામ જેવું કોઈનું સ્થાનક નથી અને અમારા ધામને વિષે અમારા ભક્તોને જેવું સુખ છે તેવું કોઈને સુખ નથી અને અમારા જેવો કોઈનો આકાર નથી અને પ્રકૃતિ થકી થયા જે આકાર તે માયિક છે અને અમે ને અમારા મુક્ત દિવ્ય છીએ. અને જેમ મનુષ્યને ભેંશ આદિકની ઉપમા દેવી તે અઘટિત છે તેવી રીતે અમને પ્રકૃતિના કાર્યની ઉપમા દેવી તે અતિશે અઘટિત છે, અને જેમ મનુષ્યો સજાતિ છે તેમાં પણ સાદૃશ્યપણું નથી, તેમ માયાથી પર ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ તે દિવ્ય, સજાતિ ને ચૈતન્ય છે તોપણ તેમાં ને અમારામાં કાંઈ સાદૃશ્યપણું નથી, અને જેમ ભગો, મૂળો સરખા છે તેમ અમારા ધામમાં અમારા મુક્ત અમારા સરખા છે તેમાં પણ અત્યંત સાદૃશ્યપણું નથી તો ઉપર કહ્યા જે ઐશ્વર્યાર્થીઓ તેમાં સાદૃશ્યપણું ન હોય તેમાં શું કહેવું ? અને માયિક આકારમાં તો સાદૃશ્યપણું હોય જ કયાંથી ? એવા દિવ્ય ને સર્વેને અગોચર અને અક્ષરધામમાં રહ્યા છીએ અને રાજાધિરાજ ને અસંખ્ય સમૃદ્ધિ તથા પાર્ષદો તેમણે યુક્ત ને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છીએ અને તે બ્રહ્માંડોના પતિઓ તે અમને ભજે છે ને અમારી આજ્ઞામાં વર્તે છે ને પ્રાર્થના કરે છે, ત્યારે અમે જ્યાં જેમ ઘટે ત્યાં તેમ અમારી ઇચ્છાથી દર્શન આપીએ છીએ અને યુગાનુરૂપ આચરણ કરીએ છીએ આવો અમારો દિવ્યભાવ ને મનુષ્યભાવ યથાર્થ જાણ્યો હોય તેને અમારા નિશ્ચયમાં સંશય થાય નહિ અને દિવ્યરૂપ એવા અમે તે મનુષ્યરૂપ ધારીએ છીએ ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તીએ તે અમારો મનુષ્યભાવ ને દિવ્યભાવ તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે ને તેને જ અમારો નિશ્ચય થાય છે; અને અમે દિવ્યભાવે સહિત દર્શન આપીએ તો મનુષ્યને દર્શન-સ્પર્શાદિકનું સુખ ન આવે ને કલ્યાણનો નિશ્ચય ન થાય, જેમ સૂર્ય ને અગ્નિને દર્શને સુખ નથી થતું તેમ, માટે અમે તમારા કલ્યાણને અર્થે દિવ્યભાવ છુપાવીને મનુષ્ય જેવા દેખાઈએ છીએ, અને કોઈક સ્થળમાં દિવ્યભાવ જણાવીએ છીએ, જેમ શ્રીકૃષ્ણ ભગવાને ભીષ્મને જણાવ્યો તેમ. માટે અમારો દિવ્યભાવ ને મનુષ્યભાવ જાણ્યો હોય તેને અમારા ચરિત્રમાં સંશય થાય નહિ ને નિશ્ચય ટળે નહિ, નહિ તો ટળી જાય. (૧) બાબત છે.
૧ પ્ર. બ્રહ્માદિક ભગવાનની પ્રાર્થના કરે છે એમ કહ્યું તે એમની ગતિ તો શ્રીજીમહારાજ સુધી છે નહિ ત્યારે તે કેવી રીતે પ્રાર્થના કરતા હશે ?
૧ ઉ. પોતાના ઉપરીની પ્રાર્થના કરે છે તેમાં શ્રીજીમહારાજનો આવિર્ભાવ છે તે દ્વારે જેવું કાર્ય કરવું હોય તેવું રૂપ ધારણ કરીને તે કાર્ય કરાવે છે અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ અમને ભજે છે એમ કહ્યું છે, તે પણ એમના ઉપરી દ્વારે શ્રીજીમહારાજને ભજે છે એમ જાણવું અને આજ તો શ્રીજીમહારાજ કેવળ કૃપા કરીને જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા સારુ જ પધાર્યા છે તે (પ્ર. ૭૮ના નવમા પ્રશ્નમાં) અમે કૃપા કરીને મર્ત્યલોકના મનુષ્ય દેખે એવા થયા છીએ એમ કહ્યું છે માટે આજ તો કૃપા કરીને જ દર્શન આપ્યાં છે અને દેવમાં દેહ ધારણ કરે છે તે પણ વામનાદિક અવતારો દ્વારે જ દર્શન આપે છે.
૨ પ્ર. દેવમાં અવતાર ધારવાનું ભગવાનને શું પ્રયોજન હશે ?
૨ ઉ. દેવને કોઈક દૈત્ય થકી કષ્ટ આવ્યું હોય તે કષ્ટ વિષ્ણુ આદિક અવતારો દ્વારે નિવારણ કરે છે.
૩ પ્ર. ભગવાન ભીષ્મને મારવા ઉતાવળા થયા ત્યારે મનુષ્યભાવ ભૂલી ગયા એમ કહ્યું તે ભગવાન તો સ્વતંત્ર હોય તે ભૂલી કેમ જાય ?
૩ ઉ. મનુષ્યભાવ ભૂલી ગયા એટલે મૂકી દીધો ને દિવ્યભાવ દેખાડ્યો એમ કહ્યું છે પણ ભૂલી ગયા એટલે તેની વિસ્મૃતિ થઈ એમ નથી કહ્યું. ।।૪।। (૧૩૦)
વચનામૃત પંચાળાનું - ૫
સંવત ૧૮૭૭ના ફાગણ વદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) કિયે ઠેકાણે માન સારું છે ને કિયે ઠેકાણે સારું નથી ? ને કિયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કિયે ઠેકાણે સારું નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થાવું નહિ તે જ રૂડું છે; અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૧૩૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં અમારા તથા અમારા ભક્તની આગળ નિર્માની રહેવું અને વિમુખ જે સત્સંગનો દ્રોહી હોય અને અમારું તથા અમારી મૂર્તિમાં નિમગ્ન એવા સંતનું ઘસાતું બોલતો હોય તેના આગળ માન રાખવું એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે. ।।૫।। (૧૩૧)
વચનામૃત પંચાળાનું - ૬
સંવત ૧૮૭૭ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળે અંગરખે સહિત ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમે ઝાઝી વાર સુધી વિચાર કર્યો ને સર્વ શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાણું જે, શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ નથી થયો, કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે દેખાડ્યો તે કેવી રીતે તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યાં ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું તેણે કરીને સહસ્રશીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું તથા અક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધાં તેણે કરીને શેષશાયીપણું જણાવ્યું તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું જે : पश्य मे पार्थरृपाणि शकशोडथ सगस्रश:।। એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું જે :
यस्मात् क्षरमतीतोडहमक्षरादपि चोत्तम: ।
अतोडस्मि लोके वेदे च प्रथित: पुरुषत्तम: ।।
એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમાપુરુષ રૂપે દર્શન કરાવ્યું તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિષે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે તે માટે એ શ્રીકૃષ્ણના અવતારને વિષે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ-ઐશ્વર્ય તે સમગ્ર છે, માટે એ અવતાર તે બહુ મોટો થયો છે અને બીજી મૂર્તિને વિષે થોડું ઐશ્વર્ય છે, ને એને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય છે, માટે કૃષ્ણાવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. (૧) અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય-શક્તિઓ જણાવી, માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે, એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચળમતિ હોય ને એ મતિ કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત્ કાંઈક અવળું-સવળું વર્તાઈ ગયું હોય તોપણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહિ; એનું કલ્યાણ જ થાય, માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દૃઢતા આ ભગવાનને વિષે રાખશો તો કદાચિત્ કાંઈક અવળું વર્તાઈ જાશે તોપણ અંત્યે કલ્યાણ થાશે, એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજીમહારાજને વિષે સર્વકારણપણું જાણીને ઉપાસનાની દૃઢતા કરતા હવા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૬।। (૧૩૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે વૈકુંઠનાથ જે રામચંદ્રજી તથા સહસ્રશીર્ષા જે અનિરુદ્ધ તથા શેષશાયી જે વૈરાજનારાયણ તથા ભૂમાપુરુષ તેમના કારણ, અવતારી ને પુરુષોત્તમ તે શ્રીકૃષ્ણને કહ્યા છે અને તે શ્રીકૃષ્ણને ગોલોકવાસી કહ્યા છે અને શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મના અવતાર કહ્યા છે ને વાસુદેવબ્રહ્મને શ્રીકૃષ્ણના અવતારી કહ્યા છે અને ભારતમાં ને ભાગવતમાં શ્રીકૃષ્ણને નરનારાયણ નામે કહ્યા છે. (૧) અને આ અવતાર એટલે અમે વાસુદેવાદિક સર્વે અવતારોના કારણ છીએ એવા સર્વોપરી અમને જાણીને, અમારી દૃઢ ઉપાસના કરવી ને આવી રીતની અમારે વિષે ઉપાસનાની દૃઢતા હોય તેનાથી કાંઈક અવળું વર્તાઈ ગયું હોય તોપણ અંતે તેનું કલ્યાણ થાય. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં શ્વેતદ્વીપપતિ વાસુદેવ તેણે જ કૃષ્ણાવતાર ધર્યો હતો એમ કહ્યું અને તમે ભાવાર્થમાં વાસુદેવને શ્રીકૃષ્ણના અવતારી કેમ કહ્યા ?
૧ ઉ. શ્વેતદ્વીપપતિ વાસુદેવે કૃષ્ણાવતાર ધર્યો હતો એમ કહેવાથી જ શ્રીકૃષ્ણ વાસુદેવના અવતાર થયા ને વાસુદેવ અવતારી થયા તે (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) પ્રકૃતિપુરુષથી પર બ્રહ્મ કહ્યા છે તે આ વાસુદેવ બ્રહ્મને કહ્યા છે અને (લો. ૧૨ના પહેલા પ્રશ્નમાં) શુકજી તથા નિરન્નમુક્તને દૃષ્ટાંતે શ્રીકૃષ્ણ જેવા જાણનારાને નિર્વિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ કહ્યા છે અને વાસુદેવની ઉપાસના કરનારાને મધ્યમ કહ્યા છે માટે એમાં શંકાનો માગ નથી.
૨ પ્ર. ભારત ને ભાગવતમાં શ્રીકૃષ્ણને નરનારાયણ નામે કહ્યા છે એમ કહ્યું તે શ્રીકૃષ્ણ તે જ નરનારાયણ હશે કે જુદા હશે ?
૨ ઉ. શ્રીકૃષ્ણને નરનારાયણ એવું વિશેષણ આપ્યું છે, જેમ રામચંદ્રજીને નારાયણ, વાસુદેવ, પરમાત્મા, પુરુષોત્તમ, કૃષ્ણ એવાં વિશેષણો આપ્યાં હોય તેણે કરીને તે કાંઈ વૈરાજનારાયણ કે શ્વેતદ્વીપપતિ વાસુદેવ કે ગોલોકવાસી શ્રીકૃષ્ણ કહેવાય નહિ; એમનું મુખ્ય નામ જે રામચંદ્રજી છે તે જ કહેવાય, અને શ્રીજીમહારાજને પણ વાસુદેવ, શ્રીકૃષ્ણ, નરનારાયણ એવાં વિશેષણો આપ્યાં હોય પણ મુખ્ય નામ સ્વામિનારાયણ છે ને બીજાં સર્વ વિશેષણો છે; તેમ જ શ્રીકૃષ્ણને નરનારાયણ વાસુદેવ, રામ, પુરુષોત્તમ, પરમાત્મા એવાં વિશેષણો આપ્યાં હોય પણ મુખ્ય નામ શ્રીકૃષ્ણ છે માટે શાસ્ત્રોમાં સર્વ અવતારોને એવાં વિશેષણો આપ્યાં હોય છે એમ જાણવું અને રામચંદ્રજી, શ્રીકૃષ્ણ, નરનારાયણ, વાસુદેવ, મૂળઅક્ષર તથા સર્વના અવતારી એવા શ્રીજીમહારાજ તે સર્વ જુદા જ છે અને (લો. ૧૪/૧માં) વૈકુંઠ અને આદિ શબ્દથી ગોલોક તે કરતાં બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપને શ્રેષ્ઠ કહ્યા છે તો જેનાં ધામ શ્રેષ્ઠ હોય તેના ધામી તો શ્રેષ્ઠ હોય જ તેમાં શું કહેવું ? માટે શ્રીકૃષ્ણથી નરનારાયણ શ્રેષ્ઠ છે અને તેથી વાસુદેવ બ્રહ્મ શ્રેષ્ઠ છે, અને શાસ્ત્રમાં શ્રીકૃષ્ણને વિષે વાસુદેવ કે નરનારાયણ લીન થયા એમ કહ્યું હોય ત્યારે તે શ્રીકૃષ્ણથી ઓરા જે પ્રધાનપુરુષ તથા મહત્તત્ત્વરૂપી વાસુદેવ તથા નર કહેતાં અર્જુન અને નારાયણ કહેતાં વૈરાજનારાયણ તથા શેષનારાયણ તે જાણવા.
૩ પ્ર. બીજી બાબતમાં અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે એમ કહ્યું તે અવળું શું જાણવું ?
૩ ઉ. ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને વર્તમાનમાં એકાદ વખત ફેર પડી જાય તેનું પ્રાયશ્ચિત્ત કરે તો કલ્યાણ થાય; અને પ્રાયશ્ચિત્ત ન કરે તો તેને બીજો જન્મ ધરાવીને દંડ ભોગવાવીને કલ્યાણ કરે અને જે જાણીને વર્તમાન લોપે તે તો જીવતો જ બ્રહ્મરાક્ષસ છે ને મરીને નરકમાં પડે છે. ।।૬।। (૧૩૨)
વચનામૃત પંચાળાનું - ૭
સંવત ૧૮૭૭ના ફાગણ વદિ ૧૧ એકાદશીને દિવસ છ ઘડી દિવસ ચઢતે શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધના ત્રીજા અધ્યાયની કથા કરાવતા હતા. તેમાં આ શ્લોક આવ્યો જે :
स वेद धातु: पदवीं परस्य दुरंतवीर्यस्य रथांगपाणे: ।
योडमायया संततयानुवृत्या भजेत तत्पाद-सरोजगंधम् ।।
૧ એ શ્લોકનો અર્થ કર્યો ત્યારે ।। अमायया ।। એવું જે એ શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજીમહારાજ કરવા લાગ્યા જે, (૧) ભગવાનનું સ્વરૂપ માયાએ રહિત સમજીને જે ભગવાનના ચરણકમળને ભજે તે ભગવાનની પદવીને જાણે. તે માયા તે શું, તો જે પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા એ માયા છે તે માયા ભગવાનના સ્વરૂપને વિષે ત્રિકાળમાં છે જ નહિ, એમ સમજે તથા ભાગવતના ।। जन्माद्यस्य.....।। એ શ્લોકનું પદ જે ।। यत्र त्रिसर्गो मृषा ।। તેનો એ અર્થ છે જે, એ ભગવાનને વિષે ત્રણ ગુણનો સર્ગ જે પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે ખોટા છે અને ।। धाम्ना स्वेन सदा निरस्त कुहकम् ।। કહેતાં ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયારૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે તેવું ને તેવું જ જે પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિષે જાણવું તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય; અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે, ને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય ને મરી જાય, તેમ જ ભગવાનને પણ જાણે છે અને જ્યારે એની માયિક દૃષ્ટિ મટે ત્યારે એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત્-ચિત્-આનંદમય જાણે અને એ ભગવાનને વિષે જે બાળક-યુવાન-વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ-મરણપણું દેખાય છે તે તો એની યોગમાયાએ કરીને દેખાય છે પણ વસ્તુગતે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે, જેમ નટ વિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના યોદ્ધા સાથે વઢવા જાય પછી કટકા થઈને હેઠો પડે ને તે પછે તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે, પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે જે મારી સ્ત્રી લાવો, એવી રીતની જે નટની માયા તે પણ કળ્યામાં કોઈને આવતી નથી તો ભગવાનની યોગમાયા કળ્યામાં કેમ આવે ? અને જે નટની માયાને જાણતો હોય તો તે એમ જાણે જે, એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી; જેવો છે તેવો ને તેવો જ છે, તેમ ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે, જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રુક્મિણી આદિક હતી તે એ ભગવાનના દેહને લઈને બળી મરી, ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે હવે એ નાશ થઈ ગયા ને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે આંહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાણા છે, એમ ભગવાનને અખંડ સમજે તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે :
अवजानंति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परंभाव-मजानंतो मम भूत महेश्वरम् ।।
માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા જ સમજે ને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે ને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું જે ।। स इक्षत ।। કહેતાં તે ભગવાન જે તે જોતા હવા ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર-શ્રોત્રાદિક અવયવે સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ હતું જ, અને વળી એમ પણ કહ્યું છે જે : पुरुषेणात्मभूतेन वीर्यमाधत्त वीर्यवान् ।। એવી રીતે પુરુષ રૂપે થઈને એ પુરુષોત્તમ તેણે માયાને વિષે વીર્યને ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. (૧) અને એ જે પુરુષોત્તમનારાયણ તે કોઈક કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે, ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે તેમ જ માયા રૂપે થાય છે ત્યારે માયાપણું પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે અને પછી એ ભગવાન મહત્તત્ત્વ રૂપે થાય છે ને તેમ જ મહત્તત્ત્વમાંથી થયાં જે બીજાં તત્ત્વ તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તથા તે વિરાટપુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે તથા નારદ-સનકાદિક રૂપે થાય છે, એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિષે એ પુરુષોત્તમનો પ્રવેશ થાય છે તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થકા રહે છે અને જેને વિષે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે, જેમ અગ્નિ લોઢાને વિષે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેણે ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે, તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા-ચંદ્રમાદિકનાં તેજ તે લીન થઈ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે તેમ એ ભગવાન જેને જેને વિષે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નીસરી જાય છે ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે ને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેમની મૂર્તિને વિષે સાકરના નાળિયેરની પેઠે ત્યાગ-ભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન-ઉપાસના-ભક્તિ કરવી પણ તેથી કાંઈ પૃથક્ ન સમજવું અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો ને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઈ રીતે મોહ થાતો નથી અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે તો જેને એવી દૃઢ પ્રતીતિ હોય જે, આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તનાં રૂપ તે અનંત સૂર્ય-ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે, એવી જાતની જેને દૃઢ મતિ હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વ શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે આ ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય ને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય ને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. (૨) અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દૃઢ ઉપાસના હોય ને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થાતો હોય ને તેને કદાચિત્ કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધકર્મને યોગે કરીને કાંઈ અવળું વર્તાઈ જાય તોપણ તેનું કલ્યાણ થાય; અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઊર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તોપણ તેનું કલ્યાણ થાવું અતિ કઠણ છે, અને જેણે પ્રથમ એવો દૃઢ નિશ્ચય કર્યો હોય જે, જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ આ ભગવાન સાકાર છે એવી દૃઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈક થકી સાંભળે તોપણ તેને સંશય થાય નહિ, કેમ જે એ તો એમ સમજ્યો છે જે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે, એવી રીતે જેની દૃઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી, એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દૃઢતા કરતા હવા.(૩) ઇતિ વચનામૃતમ્ ।।૭।। (૧૩૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ધામ જે પોતાનું સ્વરૂપ કહેતાં પોતાને ધામ શબ્દથી કહ્યા છે અને તે સત્ય સ્વરૂપ જેવું અક્ષરધામને વિષે છે તેવું જ મનુષ્ય રૂપે દેખાય છે એમ સમજે તેનું માયારૂપી કપટ રહેતું નથી. અને અજ્ઞાની જીવ અમને મનુષ્ય જેવા દેખે છે ને પોતાની પેઠે જ અમારે વિષે જન્મમરણભાવ કલ્પે છે તે જ્યારે એની માયિક દૃષ્ટિ મટે ત્યારે અમને પરમ ચૈતન્ય સત્-ચિત્-આનંદમય જાણે છે અને અમે મનુષ્યભાવ દેખાડીએ છીએ તે તો નટની પેઠે અમારી યોગમાયા છે, અને જેમ શ્રીકૃષ્ણ ભગવાનનો દેહત્યાગાદિક જોઈને જ્ઞાની ભક્તને મોહ ન થયો, તેમ અમને યથાર્થપણે સમજનારા ભક્ત અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જ સમજે છે ને મૂર્ખ અમને સાકાર સમજે તો મનુષ્ય જેવા જ સમજે અને નિરાકાર સમજે તો તે દેહદેહીભાવ સમજે, જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ ભગવાન માયિક દેહમાં રહ્યા છે પણ સ્વરૂપે નિરાકાર છે એમ સમજે પણ અમે તો સદા દિવ્ય સાકાર છીએ તે સાકારપણું શ્રુતિ-સ્મૃતિએ પણ પ્રતિપાદન કર્યું છે. (૧) અને જેમ અગ્નિ જ્વાળા રૂપે લોઢાને વિષે આવે છે, ત્યારે લોઢાના ગુણ દાબીને પોતાના ગુણને પ્રકાશ કરે છે, તેમ અમે પુરુષમાં અમારા પ્રકાશ દ્વારે પ્રવેશ કરીએ છીએ ત્યારે જેમ સૂર્યના પ્રકાશમાં તારા-ચંદ્રનાં તેજ લીન થઈ જાય છે, તેમ પુરુષનો પ્રકાશ, ઐશ્વર્ય, સામર્થી તે અમારા પ્રકાશમાં લીન થઈ જાય છે અને પ્રકાશ દ્વારે પુરુષમાં રહીને અમે ઉત્પત્તિ કરીએ છીએ અને તેમ જ માયામાં પ્રકાશ દ્વારે પ્રવેશ કરીએ છીએ ત્યારે માયાના જડપણાદિક ગુણને દાબી દઈએ છીએ ત્યારે તે માયાથકી અનંતકોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરે એવા પ્રધાનપુરુષાદિક ઉત્પન્ન થાય છે તે માયાપણું ઢંકાઈ ગયું જાણવું એવી જ રીતે ચોવીસ તત્ત્વ તથા વૈરાજાદિકને વિષે પણ ઉત્પત્ત્યાદિક કાર્ય અમારા પ્રકાશ દ્વારે કરીને કરીએ છીએ અને નારદ-સનકાદિક રૂપે એટલે મુક્તને વિષે અમે પ્રગટ વિરાજીને મોક્ષરૂપી કાર્ય કરીએ છીએ અને જેમ લોઢામાં અગ્નિ રહ્યો જ છે પણ વિશેષ પ્રવેશ કર્યો હોય તે નીકળી જાય છે ત્યારે તે લોઢું હતું તેવું રહે છે તેમ અમે ઉત્પત્ત્યાદિક કાર્ય કરી રહ્યા પછી વિશેષ પ્રવેશ કરેલો તે પ્રકાશ એમાંથી નીકળી જાય છે, ત્યારે તો તે સર્વે જેવા છે તેવા જ રહે છે અને તેમાં અધિક દૈવત જણાતું હતું તે અમારું હતું અને અમે અમારા અક્ષરધામને વિષે સદા સાકાર મૂર્તિ છીએ અને અમારી આ મૂર્તિમાં ત્યાગ-ભાગ નથી માટે આ મૂર્તિનું જ ધ્યાન-ઉપાસના-ભક્તિ કરવી પણ ધામમાં બીજું સ્વરૂપ હશે અને આ બીજું સ્વરૂપ હશે એમ ન સમજવું, અને આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે પણ અમે ને અમારા ભક્ત દિવ્ય સાકાર રૂપે અતિશે પ્રકાશે યુક્ત અક્ષરધામમાં રહીએ છીએ અને અમે ને અમારા ભક્ત અતિશે પ્રકાશે યુક્ત છીએ ને તમારા કલ્યાણને અર્થે કૃપા કરીને સર્વ શક્તિ-પાર્ષદોએ સહિત મનુષ્ય જેવા દેખાઈએ છીએ, આવી રીતે સમજે તેણે જ અમને યથાર્થ જાણ્યા કહેવાય ને તેની જ માયા નિવૃત્ત થાય છે ને તે જ જ્ઞાની ને એકાંતિક ભક્ત છે. (૨) આવી અમારી દૃઢ ઉપાસનાવાળાને કુસંગને યોગે અથવા પ્રારબ્ધે કરીને અવળું વર્તાઈ જાય તોપણ તેનું કલ્યાણ થાય પણ તે વિના ઊર્ધ્વરેતા ને મહાત્યાગીનું પણ ન થાય; અને આવી સમજણવાળાને નિરાકાર પ્રતિપાદન કરનારાં શાસ્ત્ર સાંભળીને પણ સાકારપણામાં સંશય થાય જ નહિ તેની જ પરિપક્વ નિષ્ઠા જાણવી. (૩) બાબતો છે.
૧ પ્ર. આમાં મૂર્તિને ધામ નામે કહી અને (પં. ૧માં) મૂર્તિના પ્રકાશને ધામ નામે કહેલ છે તે કેમ સમજવું ?
૧ ઉ. ધામ શબ્દ મૂર્તિ, તેજ અને સ્થાનવાચક છે અને આ વચનામૃતમાં મૂર્તિને ધામ નામે કહી છે તે આમાં જ કહ્યું છે જે ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે માયાના સર્ગરૂપી કપટ જેણે, એવું ભગવાનનું સત્ય સ્વરૂપ છે તે સ્વરૂપ આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે તે જ આ પ્રત્યક્ષ મનુષ્યરૂપ જાણવું એમ કહ્યું છે માટે આ ઠેકાણે પોતાને જ ધામ નામે કહ્યા છે. ।।૭।। (૧૩૩)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં પંચાળા પ્રકરણં સમાપ્તમ્
અથ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણમ્
વચનામૃત ગઢડા મધ્યનું - ૧
સંવત ૧૮૭૭ના જ્યેષ્ઠ સુદિ ૧૫ પૂર્ણમાસીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળી પાઘ બાંધી હતી અને ધોળાં પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ અને પોતાની આગળ પરમહંસ ઝાંઝ-મૃદંગ લેઈને ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કીર્તનિયાને કહ્યું જે, હમણાં કીર્તન રાખો ને પ્રશ્ન-ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્કાર કરીને શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્યા જે, મોહનું રૂપ તો મનને વિષે વિભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે. અને જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી, ને તે મોહ થયાનું કારણ તો આજ જ અમે વિચાર્યું છે જે આજ અર્ધ રાત્ય હતી ત્યારે અમારે નિદ્રા ઊડી ગઈ હતી પછી અમે ઉત્તરાદિ દિશ સામું મુખ કરીને સૂતા હતા પછી ધ્રુનો તારો દીઠો ત્યારે એમ વિચાર થયો જે, આ તો ઉત્તર ધ્રુ છે પણ શાસ્ત્રમાં દક્ષિણ ધ્રુ કહ્યો છે તે ક્યાં હશે ? પછી અમે દક્ષિણ ધ્રુ જોયો ત્યારે તે પણ દીઠો અને જેમ કૂવા ઉપર પાણી સિંચવાનો ફાળકો હોય તેવી રીતે બે ધ્રુને વચ્ચે મોટો ફાળકો દીઠો ને તે ફાળકાના મેરના બે ઠેબા તે બે કોરે ધ્રુને અડી રહ્યા છે જેમ લાકડાના સ્તંભ હોય ને તેમાં લોઢાની આરું ખૂતીને રહી હોય તેમ છે અને તે ફાળકા ઉપર જેમ સૂતરની ફેલ્ય વીંટી હોય ને તે ફાળકા સંગાથે જેમ પિત્તળની ફૂદડીઓ જડી હોય તેમ સર્વે તારા ને દેવતા ને નવગૃહાદિક તેનાં જે સ્થાનક તે ફાળકા સંગાથે જડાણાં છે તે સર્વેને જોયા ને પછી સૂર્ય ને ચંદ્રમાનો ઉદય ને અસ્ત તે એક જ ઠેકાણેથી થાય છે તે પણ જોયા. પછી અંતર્દૃષ્ટિ કરીને જોયું ત્યારે જેટલું ધ્રુ આદિ દઈને બ્રહ્માંડમાં છે તેટલું સર્વે પિંડમાં પણ દીઠું. પછી આ દેહને વિષે જે ક્ષેત્રજ્ઞ છે તેને પણ દીઠો પછી તે ક્ષેત્રજ્ઞમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેને પણ દીઠા તે ભગવાનને જોઈને ભગવાનના સ્વરૂપને વિષે અતિશે વૃત્તિ જોડાઈ ગઈ પછી સમાધિમાંથી કોઈ પ્રકારે નીકળાણું નહિ પછી તો કોઈક ભક્તજને આવીને અમારી સ્તુતિ બહુ કરી તેની દયાએ કરીને અમારે પાછું દેહમાં અવાણું. (૧) પછી અમારા હૃદયમાં વિચાર થયો જે, અમારે જે સમાધિમાંથી નીસરાણું તે તો દયાએ કરીને નીસરાણું પણ બીજાને સમાધિમાંથી નીસરાતું હશે તેનું શું કારણ હશે ? પછી અમને એમ જણાણું જે એને કોઈક વિષયમાં આસક્તિ રહે છે તેણે કરીને પાછું નીકળાય છે. અને મોહનું જે કારણ તે પણ પંચવિષય જ છે તે વિષય પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના છે તેમાં જ્યારે ઉત્તમ વિષયની પ્રાપ્તિ થાય અને તેમાંથી કોઈ અંતરાય કરનારો આવે ત્યારે તે ઉપર ક્રોધ થાય પછી ક્રોધ થકી મોહ થાય છે અને સામાન્યપણે તો શ્રોત્રને ને શબ્દને સદા સંબંધ છે અને ત્વચાને ને સ્પર્શને સદા સંબંધ છે એવી રીતે પંચ જ્ઞાન-ઇન્દ્રિયોને પંચવિષયનો સંબંધ છે માટે જે પદાર્થને સામાન્યપણે જોયું હોય ને તે પદાર્થમાંથી વૃત્તિને તોડીને ભગવાનના સ્વરૂપમાં રાખવી હોય તો તેમાં કાંઈ દાખડો પડે નહીં. સહેજે જ તે રૂપ વિષયમાંથી વૃત્તિ તૂટીને ભગવાનના સ્વરૂપમાં રહે અને જો સ્ત્રીઆદિકનું અતિશે રમણીકરૂપ દીઠામાં આવી ગયું હોય ને તેમાં વૃત્તિ જોડાણી હોય ને પછી જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા જાય તો રહે નહિ અને ચિત્ત પણ એક ઠેકાણે રહે નહિ, માટે જ્યાં સુધી રમણીક પંચવિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહિ અને જ્યારે એને ગમતો વિષય હોય ને તેમાં ચિત્ત તણાણું હોય ને સંત તથા ગુરુ તથા પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય, પણ તેનું વચન મનાય નહિ, એવું જેના અંતરમાં વર્તતું હોય તેને મોહ કહીએ. તે ભગવાને ગીતામાં કહ્યું છે જે :
ध्यायतो विषयन पुंस: संगस्तेषूपजायते ।
संगात्संजायते काम: कामातक्रोडभिजाते ।।
क्रोधाद्भवति संमोह: संमोहात्स्मृति-विभ्रम: ।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धनाशात्प्रणश्यति ।।
માટે આ વચન જે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યાં છે તે પરમ સિદ્ધાંત છે જે જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાણું ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહિ ને પશુ જેવો થઈ જાય છે માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. (૨) અને જેને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તેને પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દૃઢ કરીને રાખવી જે હું આત્મા છું પણ દેહ તે હું નહિ એક તો એ વિચાર દૃઢ કરવો, અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે તે વાર્તા પણ સારી પેઠે સમજવી, અને ત્રીજું ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અતિશેપણે સમજવું, તે એમ વિચારવું જે, પંચવિષય છે તે તો ભગવાનના કર્યા થયા છે માટે ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે, શા માટે જે શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી જ સુખ હોય પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય, એવી જ રીતે સ્પર્શમાં સ્પર્શનું જ સુખ હોય પણ બીજું ન હોય, તેમ જ રૂપમાં રૂપ સંબંધી જ સુખ હોય, તેમ જ રસ ને ગંધ તેમાં પણ પોતપોતા સંબંધી જ સુખ હોય પણ એક વિષયમાં પંચવિષયનું સુખ ભેળું ન આવે અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળાં રહ્યાં છે તે એક દર્શન કરે તોપણ તે ભક્ત પૂર્ણકામ થઈ જાય, એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણકામ કરે છે અને માયિક જે વિષય સંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે, એવો જે ભગવાનના સ્વરૂપના માહાત્મ્યનો વિચાર તે પણ અતિ દૃઢ કરવો, એ જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય છે. અને જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નરસા તેનો ભેદ રહે નહીં. જેવી રૂપવાન સ્ત્રી તેવી જ કુરૂપવાન સ્ત્રી ભાસે અને તેવી જ રીતે પશુ, પક્ષી, લાકડાં, છાણાં, પથરા, સુવર્ણ એ સર્વેને તુલ્યપણે જુએ પણ સારું પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે, એવી રીતે પંચવિષયને વિષે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિષે ભેદ રહે નહિ એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ તે શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે જે ।। समलोष्टाश्म-कांचन: ।। એવાં જેનાં લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્ત્વે કરીને જાણ્યું છે, અને એને જ અનન્ય ભક્ત કહીએ અને પતિવ્રતાનું અંગ પણ તેનું જ જાણવું અને જ્ઞાની પણ તેને જ જાણવો અને ભગવાન પણ તેની ઉપર જ રાજી થાય છે અને ભગવાનને એવો ભક્ત અતિશે વહાલો છે તે ભગવાને ગીતામાં કહ્યું છે જે :
प्रियो हि ज्ञानिनोडत्यर्थ-महं स च मम प्रिय: ।।
માટે એવા જે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશે વહાલા છે. અને તે પતિવ્રતાનું અંગ ડાહ્યાને જ આવે એમ નથી; જેને ખપ હોય તેને સૌને આવે, જેમ આ સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને તે પતિવ્રતા હોય અને ડાહી સ્ત્રીઓ હોય ને તે વ્યભિચારિણી હોય માટે ડાહ્યા-ભોળાનો કાંઈ મેળ નથી; એ તો જેને કલ્યાણનો ખપ હોય તે પતિવ્રતાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે છે અને જે એવી રીતે સારા-નરસા વિષયમાં સમાનબુદ્ધિ થાવી તે તો જાણે જે એક દિવસે જ એમ કરી લેઉં ને નિર્મોહી થાઉં એમ ઉતાવળે એ કામ થાતું નથી; એ તો હળવે હળવે આદર રાખે તેને થાય છે, જેમ કૂવાના કાંઠા ઉપર પથરો નાખ્યો હોય તેમાં પાણી સિંચતાં સિંચતાં દોરડી નરમ હોય તોપણ ઘણે કાળે કરીને તે પાણામાં કાપા પડે છે અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તોપણ ઉતાવળો એવો કાપો ન પડે માટે કલ્યાણને અર્થે જેને યત્ન કરવું હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી; એને વિષે આકળા થઈને અકળાઈ જાવું નહિ, એવી રીતે ગીતામાં પણ કહ્યું છે જે : ।। अनेक जन्म संसिद्धस्ततो याति परां गतिम् ।। માટે એમ વિચારવું જે, આ જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી છે અને એમ કરતાં જો કાંઈક રહી ગઈ તો બીજે જન્મે કરીને ટાળવી છે પણ ભગવાનના ભક્ત છીએ તે નરક ચોરાશીમાં તો જાવું નથી, એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખીને ધીરે ધીરે મોહનું મૂળ ઉખાડ્યાનો આદર રાખવો. અને જ્યાં સુધી સારા ને નરસા એ બે વિષય તુલ્ય ન જણાય ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત સાધનદશામાં કહેવાય અને જ્યારે સારા-નરસા વિષય તુલ્ય ભાસે ત્યારે એ ભક્ત સિદ્ધદશાને પામ્યો જાણવો અને જ્યારે વિષયમાંથી આસક્તિ મૂકીને સિદ્ધદશાને પામે છે ત્યારે એને કૃતાર્થ થયો જાણવો અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ એ સર્વે ગ્રંથોનો એ જ ગલિતાર્થ છે. આ જે અમે વાત કરી છે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છે માટે આ વાર્તાને સર્વે હરિભક્ત દૃઢ કરીને રાખજ્યો. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૧૩૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં વિષયની આસક્તિએ ને દયાએ કરીને સમાધિમાંથી પાછું અવાય છે. (૧) અને રમણીક વિષયમાં આસક્તિ એ મોહ થવાનો હેતુ છે, તેને સંત, ગુરુ તથા ઇષ્ટદેવ પાછો વાળે તો દ્રોહ કરે પણ વળે નહીં. (૨) અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને અમારું માહાત્મ્ય જાણવાથી મોહ ટળે ત્યારે સિદ્ધદશા આવી જાણવી ને કૃતાર્થ માનવું એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં જેની સ્તુતિ સાંભળીને તેના ઉપર દયા કરીને શ્રીજીમહારાજ સમાધિમાંથી પાછા પધાર્યા તે એવા બળવાન હરિભક્ત કોણ હશે ? અને શ્રીજીમહારાજ તો સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તેમને સમાધિ કરીને શું જોવાનું હશે ?
૧ ઉ. સ્તુતિ પર્વતભાઈએ કરી હતી. અને શ્રીજીમહારાજને સમાધિ કહી તે તો કથનમાત્ર જ છે; એ તો પોતાના ભક્તને શીખવવા સારું એવું બતાવ્યું હતું પણ સાધનિકની પેઠે સમાધિ નહોતી; દેખાવામાત્ર જ છે.
૨ પ્ર. સંત, ગુરુ ને ઇષ્ટદેવ કહ્યા તે કોને જાણવા ?
૨ ઉ. (છે. ૩૫ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં) છ લક્ષણ સંતનાં કહ્યાં છે તેણે યુક્ત હોય એવા એકાંતિકને સંત જાણવા. અને શ્રીજીમહારાજ ધામમાંથી આવેલા પરમએકાંતિક તથા મૂર્તિમાં રહેલા અનાદિમુક્તને ગુરુ જાણવા. તેમનાં લક્ષણ (વ. ૩ના ત્રીજા પ્રશ્નોત્તરમાં તથા જે. ૧ના આઠમા પ્રશ્નોત્તરમાં) કહ્યાં છે. અને શ્રીજીમહારાજને ઇષ્ટદેવ જાણવા. ।।૧।। (૧૩૪)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ રેશમના ચાકળા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજે કહ્યું જે કીર્તન રાખો; અમે વાત કરીએ છીએ, એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને નારદ-સનકાદિક જેવા સાધુ થાવું હોય તેને એમ વિચાર કરવો જે આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો-અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યાં છે અને બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો-અંતઃકરણને પોતાનું રૂપ માને છે પણ વસ્તુગતે જીવ ઇન્દ્રિયો-અંતઃકરણથી નોખો છે અને પંચવિષય છે તે અંતઃકરણ થકી નોખા છે પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિષે પંચવિષયની એકતા જણાય છે અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે પણ અંતઃકરણમાંથી નથી થાતી, જેમ અતિશે તડકો હોય અથવા ટાઢ્ય હોય તેનો પ્રથમ બહાર ઇન્દ્રિયોને સંબંધ થાય છે પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માંહીલી કોરે તેનો પ્રવેશ થાય છે પણ એની ઉત્પત્તિ માંહીલી કોરેથી નથી; એ તો બહારથી ઉત્પન્ન થઈને માંહીલી કોરે પ્રવેશ કરે છે તેમ પંચવિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઊપજતા નથી; એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે, માટે જેમ બહાર ગૂમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહિ, અને જેમ ક્ષુધા-પિપાસા લાગી હોય તે ખાધે-પીધે જ નિવૃત્તિ થાય પણ અન્નજળની વાત કર્યે નિવૃત્તિ ન થાય તેમ પંચવિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય તે ઔષધની રીત એમ છે જે, જ્યારે ત્વચાને સ્ત્રીઆદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે થઈને અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે ને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી અને જે જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિષે બહારથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે, ત્વચાએ કરીને સ્ત્રીઆદિક પદાર્થનો સ્પર્શ તજવો ને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું અને જિહ્વાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો, એવી રીતે પંચઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દૃઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માંહીલી કોરે પ્રવેશ કરે નહિ, જેમ કૂવામાં પાણીની સેર્ય આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય, અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે તેમ પ્રથમથી જે ઇન્દ્રિય દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાણા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા તે આત્મવિચાર એમ કરવો જે, હું આત્મા છું ને મારે વિષે ઇન્દ્રિયો-અંતઃકરણનો સંબંધ જ નથી એમ દૃઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિષે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મસુખ વતે કરીને પૂર્ણ રહેવું, જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાણો હોય ત્યારે જે બહારથી પોતામાં સેર્યો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે પણ માંહીલી કોરે તે સેર્યના પાણીનો પ્રવેશ કરવા દે નહિ અને જો ઉલેચાઈને ઠાલો થાય તો સેર્યનું પાણી બહારથી માંહી આવે એવી રીતે આત્મસુખે કરીને માંહીલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દૃઢ ઉપાય છે, પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થાતો નથી, માટે આ વિચાર દૃઢ કરીને રાખજ્યો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૧૩૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને મુક્ત થવું હોય તેને ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો અને આત્મસુખ વતે પૂર્ણ રહેવું ને પોતાને બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ માનીને તે ચૈતન્યને વિષે અમારી મૂર્તિ ધારવી, તો ઇન્દ્રિયો દ્વારે થઈને અંતઃકરણમાં આવેલા વિષય નિવૃત્ત થાય છે ને તેનું કલ્યાણ થાય છે; આમાં નારદ, સનકાદિક નામે પોતાના મુક્તોને કહ્યા છે. (૧) બાબત છે. ।।૨।। (૧૩૫)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતાની આગળ પરમહંસ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્યા જે, મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો; વાત કરવી છે. એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના પણ બે ઉપાય છે તે કહીએ છીએ જે, એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાન એ બે મોટ્યપ પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે, તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યો હશે અને મોટા મોટા આચાર્ય થયા તેણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે પણ તેમાં બગાડ ઘણાને થયો છે ને સારું તો કોઈકનું થયું છે. કાં જે રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્ત્રીઓનું વર્ણન આવે ત્યારે તો તેનાં અંગોઅંગનું વર્ણન થાય ત્યારે વર્ણનના કરનારાઓનું મન નિર્વિકાર કેમ રહે ? અને ઇન્દ્રિયોનો તો એ જ સ્વભાવ છે જે, સારો વિષય હોય તે ઉપર જ પ્રીતિ હોય અને રાધિકાજી ને લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકીમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહિ અને એના જેવી કોઈની બોલી પણ મીઠી ન હોય અને એના દેહનો સુગંધ પણ અતિશે હોય માટે એવા રૂપને દેખીને અથવા સાંભળીને કિયે પ્રકારે મોહ ન થાય ? એ તો થાય જ. અને લેશમાત્ર જો મન વિકાર પામે તો તે કલ્યાણના માર્ગમાંથી પડ્યો માટે રસિકની રીતે જે ભગવાનને ભજે તેને એ મોટું વિઘ્ન છે, અને બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે જે, જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિપુરુષ રૂપે થાય છે, અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા, વિષ્ણુ, શિવ રૂપે થાય છે, ને પછી તે જ બ્રહ્મ સ્થાવર-જંગમ રૂપે થાય છે, અને તે સ્થાવર-જંગમરૂપ જે આકાર તેને વિષે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ થાય છે, એવી રીતે બ્રહ્મજ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે. ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો, એવી રીતે બ્રહ્મજ્ઞાનમાં પણ ઉપાસનાનું ખંડન થાય એ મોટું વિઘ્ન છે, કાં જે સમજી-સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન તેનું જ ખંડન થયું; માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો, અને એ બે માર્ગ છે તે કલ્યાણના છે અને એ બેમાં વિઘ્ન પણ અતિ મોટાં છે માટે જે કલ્યાણને ઇચ્છતો હોય તેને કેમ કરવું ? એ પ્રશ્ન છે તેનો ઉત્તર કરો. પછી સર્વ પરમહંસ વિચારી રહ્યા પણ કોઈથી ઉત્તર ન થયો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો એ છે જે, જેમ પોતાની માતા હોય અથવા બહેન હોય તથા દીકરી હોય તે ઘણી રૂપવાન હોય તોપણ તેને દેખીને મનને વિષે વિકાર થાતો નથી, તેમ જ તેની સાથે બોલે છે, સ્પર્શ કરે છે તોપણ મનને વિષે લેશમાત્ર વિકાર થાતો નથી, એવી રીતે ભગવાનના ભક્ત જે બાઈઓ હોય તેને વિષે મા, બહેન ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહિ અને રસિક માર્ગે કરીને ભગવાનને ભજીને અભયપદને પામે; અને જ્યારે એમ ન સમજે અને કોઈ મોટા ભગવાનના ભક્ત બાઈઓ હોય તેને દેખીને અવળું સમજે ત્યારે એને મોટો દોષ લાગે અને જે અન્ય સ્ત્રીને દેખવે કરીને દોષ લાગ્યો હોય તે તો ભગવાનના ભક્તને દર્શને કરીને ટળે છે અને ભગવાનના ભક્તને જોઈને જે દોષ લાગ્યો હોય તેને ટાળ્યાનો ઉપાય શાસ્ત્રમાં કહ્યો જ નથી તેમ જ ભગવાનનો ભક્ત જે પુરુષ હોય તેને દેખીને જે સ્ત્રી અવળું સમજે તેને પણ એ પાપ થકી કોઈ કાળે છુટાય નહિ ત્યાં શ્લોક :
अन्य क्षेत्रे कृतं पाप तीर्थक्षेत्रे विनष्यति ।
तीर्थक्षेत्रे कृतं पापं व्रजलेपो भविष्योति ।।
એ શ્લોકનો અર્થ એ છે જે બીજે ઠેકાણે પાપ કર્યું હોય તે તો ભગવાન કે ભગવાનના ભક્ત પાસે ગયે છૂટે અને ભગવાન ને ભગવાનના ભક્ત પાસે જઈને જે પાપ કરે તે તો તીર્થક્ષેત્રનું પાપ છે તે વજ્રલેપ થાય છે. માટે જેને રસિક માર્ગે કરીને ભગવાનને ભજવા હોય તેને તો જે રીતે અમે વાત કરી તેવી રીતે નિર્દોષ બુદ્ધિ રાખવી. (૧) હવે જે બ્રહ્મજ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું જે, જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે ને નિરંશ છે માટે એ વિકારને પામે નહિ ને એના અંશ પણ થાય નહિ, અને બ્રહ્મને જે સર્વ રૂપે કહે છે તેનું તો એમ છે જે, એ બ્રહ્મ જે તે પ્રકૃતિપુરુષ આદિક સર્વેનું કારણ છે ને આધાર છે, માટે જે કારણ ને આધાર હોય તે કાર્ય થકી પૃથક્ હોય નહિ એ સમજણને લેઈને એ બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપ કહે છે, પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવ રૂપે થઈ ગયું એમ ન સમજવું અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમનારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી, એવી રીતે સમજે ત્યારે બ્રહ્મજ્ઞાન છે તે પણ પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩।। (૧૩૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, રસિક માર્ગવાળો ભક્ત બાઈઓને વિષે મા, બહેન, દીકરીનો ભાવ રાખે તો વિકાર ન થાય અને અમને ભજીને મોક્ષ પામે અને અવળું સમજે તો મોક્ષના માર્ગ થકી પડી જાય છે. (૧) અને પ્રકૃતિપુરુષાદિક સર્વેનું કારણ ને આધાર ને નિર્વિકાર ને નિરંશ ને વ્યાપક એવું જે બ્રહ્મ તે અમારું તેજ છે એમ સમજે અને એ બ્રહ્મના પણ કારણ ને આધાર ને મૂર્તિમાન અમને સમજે અને એ બ્રહ્મરૂપ થઈને અમારી સ્વામી-સેવકભાવે ઉપાસના કરે તો નિર્વિઘ્ન થકો પરમપદ જે અમારી હજૂર સેવા તેને પામે. (૨) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં બાઈઓને વિષે મા, બહેન, દીકરીનો ભાવ રાખે તો વિકાર ન થાય એમ કહ્યું અને (લો. ૧૦ના ૫/૭ પાંચમા પ્રશ્નમાં) પોતાની મા-બહેનને વિષે વિકાર પામે એમ કહ્યું છે તે કેમ સમજવું ?
૧ ઉ. (લો. ૧૦માં) અશુભ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, ઉપદેશ ને દેવતા તેને યોગે મલિન બુદ્ધિ થઈ ગઈ હોય તેનાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એ ત્રણે ભળે ત્યારે તે પોતાની મા, બહેન, દીકરીને વિષે વિકાર પામે એમ કહ્યું છે, અને આમાં તો જ્ઞાનીની વાત છે માટે વિરોધ નથી એમ સમજવું.
૨ પ્ર. બીજી બાબતમાં પરબ્રહ્મને બ્રહ્મથી પર ને નોખા કહ્યા તે બ્રહ્મ તો પરબ્રહ્મનું તેજ છે, તે તેજથી પરબ્રહ્મને નોખા શી રીતે સમજવા ?
૨ ઉ. (પ્ર. ૪૫માં) શ્રીજીમહારાજે પોતાના તેજને સચ્ચિદાનંદ બ્રહ્મ નામે કહ્યું છે તથા (મ. ૧૦માં) બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે તથા (૧૩/૨માં) પોતાના તેજને બ્રહ્મ નામે કહ્યું છે અને (પ્ર. ૬૪/૧માં) અશરીરી જે પ્રકાશ તેના સૂર્ય-અગ્નિ જેમ આત્મા છે તેમ અશરીરી જે બ્રહ્મ તેના પુરુષોત્તમ ભગવાન આત્મા છે, તથા (પ્ર. ૬૬/૧માં) બ્રહ્મસત્તારૂપ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે તો પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો છે તથા (પં. ૧/૧માં) પોતાના અંગ એટલે મૂર્તિના પ્રકાશને અક્ષરબ્રહ્મ નામે કહ્યું છે માટે પોતાનો જ પ્રકાશ છે પણ શરીર-શરીરી, આધાર-આધેય ને કાર્ય-કારણભાવે નોખા કહ્યા છે. ।।૩।। (૧૩૬)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ, સરોદા, સતાર વજાડીને મલાર રાગનાં કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજે કહ્યું જે, કીર્તન ગાવવાં રે’વા દ્યો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી પરમહંસે કહ્યું જે સારું મહારાજ. પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે, (૧) શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મ પાળતો હોય અને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપત્કાળ આવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય ત્યારે કેને રાખવો ને કેનો ત્યાગ કરવો ? પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, જો ભગવાન ભક્તિ રાખ્યે રાજી હોય તો ભક્તિ રાખવી અને જો ધર્મ રાખ્યે રાજી હોય તો ધર્મ રાખવો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, જેને પ્રગટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે, પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે કેમ કરવું ? પછી મુક્તાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપત્કાળ પડે ને કાંઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતવન કરવું તો એ ભગવાનના માર્ગ થકી પડે નહીં. (૧)
૨ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૨) જે ભગવાનનો મહિમા અતિશે સમજતો હોય તેણે કરીને એમ જાણે જે ગમે તેટલાં પાપ કર્યાં હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય એવું માહાત્મ્ય સમજતો હોય તેને કેઈ રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહીં ? પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાનનો મહિમા અતિશે જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય જે મારે તો અખંડ ભગવાનનું ચિંતવન કરીને એકાંતિક ભક્ત થાવું છે અને જો કામ, ક્રોધ-લોભાદિક વિકારને વિષે મારી વૃત્તિ જાશે તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થાશે એમ જાણીને કુમાર્ગ થકી અતિશે જ ડરતો રહે અને અધર્મને વિષે કોઈ કાળે પ્રવર્તે જ નહિ, એવી રીતે સમજે તો ભગવાનનું માહાત્મ્ય અતિશે સમજતો હોય તોપણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહિ અને ભગવાનનું જે અખંડ ચિંતવન થાવું તે કાંઈ થોડી વાત નથી ને ભગવાનનું ચિંતવન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે. (૨)
૩ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) એમ જાણીએ છીએ તોપણ અખંડ ચિંતવન રહેતું નથી એનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો અખંડ ચિંતવન થાય એવી શ્રદ્ધા જોઈએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે તેટલું માહાત્મ્ય જાણ્યામાં પણ ઓછ્યપ છે અને જ્યારે માહાત્મ્ય જાણ્યામાં ઓછ્યપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછ્યપ છે માટે જો ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતવન થાય. તે માહાત્મ્ય એમ જાણવું જે, ભગવાન તો જેવા પ્રકૃતિપુરુષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિપુરુષમાં આવ્યા છે તોપણ પ્રતાપે યુક્ત છે, અને પ્રકૃતિપુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિષે આવ્યા છે તોપણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે, પણ ભગવાનની મૂર્તિને વિષે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી, જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે તેને ભેળાં કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે ઘણે કાળે કરીને ધૂડ્ય ભેળાં ધૂડ્ય થઈ જાય અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહિ તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી, કેમ જે જ્યારે વિષયરૂપી ધૂડ્યનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તોપણ વિષયમાં એકરસ થઈ જાય અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તોપણ એને માયિક પદાર્થ બાધ કરવા સમર્થ થાય નહિ અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહિ એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે, એમ ભગવાનનું માહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતવન થાય અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો નથી અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું જે, ઉદ્ધવ હું થકી અણુમાત્ર ન્યૂન નથી તે શા માટે જે ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું માહાત્મ્ય જાણ્યું હતું ને પંચવિષયના લીધા લેવાતા નહોતા અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય તે બેય સરખું વર્તે અને બાળક સ્ત્રી અને સોળ વર્ષની સ્ત્રી અને એંશી વર્ષની સ્ત્રી તે સર્વેમાં સરખો ભાવ વર્તે અને જે જે સંસારમાં સારું-નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહિ અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહિ; એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય ને એવી રીતે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહિ અને જો એવો મર્મ ન સમજાણો હોય તો ફાટેલ ગોદડી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહામુશ્કેલ છે, માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું માહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે તોપણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થાતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪।। (૧૩૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમે પ્રત્યક્ષ હોઈએ ત્યારે અમે ભક્તિ રાખ્યે રાજી હોઈએ તો ભક્તિ રાખવી અને ધર્મ રાખ્યે રાજી હોઈએ તો ધર્મ રાખવો અને અમે મનુષ્ય રૂપે વિચરતા ન હોઈએ ને આપત્કાળ પડે ત્યારે અમારું અખંડ ચિંતવન કરવું. તો મોક્ષના માર્ગમાંથી પડાય નહીં. (૧) બીજામાં અમારું સ્વામિનારાયણ એવું નામ એક વાર લીધું હોય તો સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય એવું અતિશે માહાત્મ્ય જાણતો હોય તે એમ વિચારે જે હું કામાદિકમાં પ્રવર્તીશ તો મારે શ્રીજીમહારાજના ચિંતવનમાં વિક્ષેપ થશે અને તેથી એકાંતિક નહિ થવાય એમ ડરતો રહે તો તે ધર્મમાંથી પડે નહિ અને મોક્ષને પામે. (૨) ત્રીજામાં અમારું માહાત્મ્ય ને શ્રદ્ધા એ બે હોય તો અમારું અખંડ ચિંતવન થાય ને વિષયમાં લેવાય નહિ ને જેટલો અમારો મહિમા જણાય તેટલો જ નિશ્ચય થાય છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય એમ કહ્યું તે એવો આપત્કાળ શો હશે ?
૧ ઉ. શરીરમાં રોગાદિક ઉપદ્રવ હોય તથા વૃદ્ધાવસ્થા હોય તથા આંખે થોડું દેખાતું હોય એ આપત્કાળ કહેવાય. તે આપત્કાળમાં વહેલું ઊઠીને નાવા-ધોવાનું બની શકે નહિ, ને મોડું નવાય, તે વખતે કથા થાતી હોય ને પૂજા કરવી હોય તે પૂજા કરવા રહે તો કથા જાતી રહે ને કથા સાંભળવા જાય તો પૂજા રહી જાય, ત્યારે પહેલી કથારૂપી શ્રવણભક્તિ કરવી અને પછી પૂજા, મંત્ર, જપ તે કરવા તો બેય રહે; અને દીર્ઘરોગ આવે કે રાજા બંદીખાને નાખે ત્યારે કર્મકાંડરૂપી ધર્મ તથા સેવા-શ્રવણરૂપી ભક્તિ એ કાંઈ ન રહે ત્યારે શ્રીજીમહારાજનું અખંડ ચિંતવન કરવું તો કલ્યાણના માર્ગથી પડે નહીં.
૨ પ્ર. ત્રીજા પ્રશ્નમાં માહાત્મ્ય કહ્યું તેમાં જેવા પ્રકૃતિપુરુષથી પર છીએ તેવા ને તેવા જ પ્રકૃતિપુરુષમાં આવ્યા છીએ તોપણ પ્રતાપે યુક્ત છીએ, ને તેવા ને તેવા જ બ્રહ્માંડને વિષે આવ્યા છીએ તોપણ પ્રતાપે યુક્ત છીએ, એમ શ્રીજીમહારાજે કહ્યું તે પ્રકૃતિપુરુષમાં કેવી રીતે આવ્યા છે ? અને બ્રહ્માંડમાં કેવી રીતે આવ્યા છે ?
૨ ઉ. પ્રકૃતિપુરુષાદિકને વિષે અંતર્યામીપણે અન્વય સ્વરૂપે રહ્યા છે તોપણ તે તે ઉપાધિએ રહિત છે પણ કોઈની ઉપાધિ અડતી નથી, અને બ્રહ્માંડને વિષે કલ્યાણ કરવા મનુષ્ય રૂપે દર્શન આપે છે તોપણ જેવા અક્ષરધામમાં દિવ્ય છે તેવા ને તેવા દિવ્ય છે પણ માયિક વિકાર કોઈ અડતો નથી એમ સમજવું.
૩ પ્ર. ત્રીજા પ્રશ્નમાં અમારું માહાત્મ્ય તથા નિશ્ચય જાણવામાં ઓછ્યપ છે તેથી અમારું ચિંતવન થતું નથી એમ શ્રીજીમહારાજે કહ્યું તેમાં ઓછ્યપ શી હશે ?
૩ ઉ. મનુષ્યભાવે સહિત મહિમા જાણ્યો છે, પણ દિવ્યભાવે સહિત મહિમા જાણ્યામાં આવ્યો નથી એ કસર છે, તેથી અખંડ ચિંતવન થતું નથી.
૪ પ્ર. દિવ્યભાવે સહિત મહિમા ન જાણ્યો હોય તેનું આ દેહે કલ્યાણ થાય કે જન્મ ધરવો પડે ?
૪ ઉ. જ્યાં સુધી દિવ્યભાવે સહિત મહિમા ન સમજાય ત્યાં સુધી જન્મ ધરવો પડે ખરો. ।।૪।। (૧૩૭)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા .મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકળો નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ તાળ-મૃદંગ લેઈને કીર્તન ગાવતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને તે કીર્તન રખાવીને બોલ્યા જે, (૧) સર્વે સાંભળો એક વાત કરીએ છીએ જે, જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહિ અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તોપણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચળે જ નહિ, એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિષે રાખવો અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જાવું નહિ; અતિશે શૂરવીર થઈને જવાબ દેવો પણ પાજીપલાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવું નહિ એવી રીતે શૂરવીરપણું રાખવું. (૧) અને લોકમાં એમ કહે છે જે, સાધુને તો સમદૃષ્ટિ જોઈએ પણ એ શાસ્ત્રનો મત નથી કેમ જે નારદ-સનકાદિક ને ધ્રુવ-પ્રહ્લાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજા જન્મે જાતો જરૂર વિમુખ થાશે, માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદિનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગ્યો જોઈએ, આ અમારી વાર્તાને સર્વે અતિ દૃઢ કરીને રાખજ્યો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૧૩૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમારે વિષે પતિવ્રતાપણું ને શૂરવીરપણું રાખવું ને તમારા પતિ એવા જે અમે તે અમારું કોઈ ઘસાતું બોલે એવા પાજીપલાવની છાયામાં દબાવું નહીં. (૧) અને અમારો ને અમારા ભક્તનો પક્ષ રાખવો ને વિમુખનો પક્ષ રાખે તે વિમુખ થાય એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે. ।।૫।। (૧૩૮)
વચનામૃત ગઢડા મધ્યનું - ૬
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ વેદી ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાળ, મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજે કહ્યું જે, કીર્તન રાખો, હવે ભગવદ્વાર્તા કરીએ. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે જે, ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બેય સરખાં જણાય છે ને શાલગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે ને તેમ જ તુળસી ને બીજાં ઝાડ તે સરખાં જણાય છે ને બ્રાહ્મણ ને શૂદ્ર છે તે પણ સરખા જણાય છે અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બેય સરખાં જણાય છે ને એકાદશીને દિવસ ભૂખ્યા રહ્યા ને બીજે દિવસ ભૂખ્યા રહ્યા તે બેય સરખા જણાય છે ને સાધુ ને અસાધુ બેય સરખાં જણાય છે, તે માટે આ વિધિ-નિષેધનો જે વિભાગ તે મોટાપુરુષ કહેવાણા તેણે શા સારુ શાસ્ત્રમાં કહ્યો હશે ? એમ દુષ્ટ મતિવાળા જે જીવ છે તે કહે છે માટે સર્વે સંતને અમે આ પ્રશ્ન પૂછીએ છીએ જે, એ વિધિ-નિષેધનો વિભાગ મોટાપુરુષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો છે કે કલ્પિત છે ? તે પ્રશ્નનો ઉત્તર નાના નાના પરમહંસ હોય તે કરો. પછી નાના નાના પરમહંસ હતા તે બોલ્યા જે, વિધિ-નિષેધનો ભેદ તો સત્ય છે ને એમ ન હોય તો સ્વર્ગ-નરક કેને માથે કહેવાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, નાના છે પણ સારી દિશ ઉપર સમજે છે, એમ કહીને શ્રીજીમહારાજે એનો ઉત્તર કરવા માંડ્યો જે, મોટાપુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય છે ત્યાં દૃષ્ટાંત છે જે, જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હૂંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી પણ રૂપિયા સાચા છે તે જ્યારે એ હૂંડી જે શાહુકાર ઉપર લખી હોય તેને આપે ત્યારે એ હૂંડીમાંથી જ રૂપિયાનો ઢગલો થાય છે તેમ મોટાપુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ-નિષેધમાં વિશેષ જણાતું નથી પણ અંતે મોટાપુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે, જેમ હૂંડીમાંથી રૂપિયા નીસરે છે તેમ. અને જે સમર્થ શાહુકારે હૂંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો અને તેને તે શાહુકારના પ્રતાપની ખબર જ નથી તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મિક ઇત્યાદિક જે મોટાપુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો ને મહા પાપિષ્ઠ જાણવો અને વળી જે નાસ્તિક મતિવાળા હોય તેને એમ સમજાય છે જે બીજા પાણામાં ને ઠાકોરજીની મૂર્તિમાં શો ફેર છે ? સર્વે પાણા એકસરખા છે, ને પરણેલ સ્ત્રી ને ન પરણેલ સ્ત્રી તેમાં શો ફેર છે ? સર્વે સ્ત્રી સરખી છે, અને ઘરની સ્ત્રી ને મા-બહેન તેમાં શો ફેર છે ? સર્વેનો સરખો જ આકાર છે, અને રામકૃષ્ણાદિક જે ભગવાનની મૂર્તિઓ તે પણ સર્વે મનુષ્ય જેવી છે માટે અધિક-ન્યૂન ભાવ તો માણસે કલ્પીને ઊભો કર્યો છે, પણ શું કરીએ માણસ ભેળું રહેવું તે માણસની હા એ હા કહી જોઈએ, પણ વિધિ-નિષેધનો માર્ગ છે તે ખોટો છે એમ પાપી એવા જે નાસ્તિક તે પોતાના મનમાં સમજે છે માટે જેની આવી જાતની બોલી સાંભળીએ તેને પાપિષ્ઠ જાણવો ને નાસ્તિક જાણવો અને એને ચાંડાળ જાણીને એનો કોઈ પ્રકારે સંગ રાખવો નહીં. (૧)
૨ અને વળી શ્રીજીમહારાજે બીજી વાર્તા કરી જે, (૨) મનુષ્યમાત્રનું ચિત્ત કેવું છે તો, જેમ મધ હોય અથવા ગૉળ, સાકર, ખાંડ તેનું ઘાટું પાણી હોય તે સરખું છે, મધમાં કે ગૉળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મંકોડો જે આવે તે ચોંટી રહે અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસને આંગળીએ પણ ચોંટી જાય, તેમ ચિત્તનો સ્વભાવ એવો છે જે, જે જે પદાર્થ સાંભરે તે તે પદાર્થમાં ચોંટી જાય છે તે જો પથરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિક જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશમાત્ર સુખ નથી તોપણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે અને તે સાંભરી આવ્યું હોય તો તેનું પણ ચિંતવન કરે છે એવો એનો વળગવાનો સ્વભાવ છે, જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય તથા કૂતરાં, ગધેડાં, ચંડાળાદિક જે જે આવ્યાં હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય તેમ ચિત્તને વિષે અતિ નિર્મળપણું છે તે જે પદાર્થ સાંભરે તે દેખાઈ આવે છે એમાં સારા-નરસાનો કાંઈ મેળ નથી, માટે જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે મારે વૈરાગ્ય નથી તે માટે સ્ત્રીઆદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે; એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમે જે પદાર્થ આવ્યું તે સહેજે સ્ફુરી આવે છે માટે વૈરાગ્ય-અવૈરાગ્યનું કાંઈ કારણ નથી, એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે જે, ભલું અથવા ભૂંડું જે સાંભર્યું તેને ચિંતવે અને જ્યારે જે પદાર્થનું ચિંતવન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાય તેમ દેખાઈ આવે તે માટે એમ જાણવું જે, હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું, એમ જાણીને ચિત્તના સારા-ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહિ; પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદાય આનંદમાં રહેવું. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૬।। (૧૩૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે વિધિ-નિષેધ સત્ય છે અને મોટાપુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે ને મોટાપુરુષના વચનનો વિશ્વાસ ન હોય ને વિધિ-નિષેધને ખોટા કહે તે પાપિષ્ઠ, નાસ્તિક ને ચંડાળ છે ને એનો સંગ રાખવો નહીં. (૧) બીજામાં ઘાટ-સંકલ્પમાં ચિત્તથી પોતાના જીવાત્માને જુદો માનીને અમારું ભજન કરવું એમ નવા આદરવાળાને હિંમત આપી છે. (૨) બાબતો છે. ।।૬।। (૧૩૯)
વચનામૃત ગઢડા મધ્યનું - ૭
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહિ, જેમ દરિદ્રી હોય તે ઘણાં સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઇચ્છે પણ તે ક્યાંથી મળે ? તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઇચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. (૧)
૨ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશે સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુએ જે, આ બિચારો વૈરાગ્ય રહિત છે તેને કામ-ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો, તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત જે વિકારમાત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૭।। (૧૪૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં વૈરાગ્ય ન હોય તો અયોગ્ય સ્વભાવ ટળે નહીં. (૧) બીજામાં અમારી આજ્ઞામાં વર્તનારા અને અમારી મૂર્તિમાં નિમગ્ન એવા સંતની સેવા કરે ને અમારી આજ્ઞામાં વર્તે તો અમારી કૃપા થાય ને તત્કાળ વિકાર ટળી જાય અને સાધને કરીને તો બહુ કાળે ટળે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં વૈરાગ્ય નથી તેથી વિકાર ટળતા નથી એમ કહ્યું અને (મ. ૬ના બીજા પ્રશ્નમાં) વૈરાગ્ય હોય તોપણ પદાર્થ સ્ફુરી આવે છે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. (મ. ૬માં) નવા આદરવાળાને હિંમત દેવા સારુ એમ કહ્યું છે પણ વૈરાગ્ય હોય તો બીજા પદાર્થ સાંભરે જ નહીં. ।।૭।। (૧૪૦)
વચનામૃત ગઢડા મધ્યનું - ૮
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ પ્રાતઃકાળને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ ચાકળા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાળ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ સંતો પ્રત્યે બોલ્યા જે, (૧) એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે જે, પૂર્વે ભગવાન દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા તે સમયમાં નાડીજંઘનો દીકરો જે મુરદાનવ તે યુદ્ધ કરવા આવ્યો પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ ત્યારે મુરદાનવ કન્યા પ્રત્યે બોલ્યો જે, તું મને વર્ય. પછી કન્યા બોલ્યાં જે, મારે તો એવી પ્રતિજ્ઞા છે જે, જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મુરદાનવને ને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ મુરદાનવનું મસ્તક ખડ્ગે કરીને કાપી નાખ્યું, પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું જે, તું વર માગ્ય. ત્યારે તે કન્યાએ વર માગ્યો જે, મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય અને હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વી છું માટે મારા વ્રતને દિવસ મન આદિક જે અગિયાર ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહિ, એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો એવી રીતે પુરાણની કથા છે. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે, એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થાવા દેવા નહિ અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહિ એમ શાસ્ત્રમાં વચન છે અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે, એકાદશીને દિવસ ઢોરલાંઘણ કરવી નહિ અને એકાદશ ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી ને તે વિના તો ઢોરલાંઘણ કહેવાય, અને જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમ જ શ્રોત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે અને નેત્રને રૂપનો આહાર છે અને જિહ્વાને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે અને મનને સંકલ્પ-વિકલ્પનો આહાર છે, એવી રીતે અગિયારે ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશીવ્રત કહેવાય પણ અગિયારે ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો અગિયારે ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહિ એવું વ્રત પંદર દિવસમાં એક વાર આવે છે તે ખબડદાર થઈને કરવું તો તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે, પણ તે વિના જે ઢોરલાંઘણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થાતા નથી અને શ્વેતદ્વીપમાં જે નિરન્ન મુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે; ક્યારેય પણ એ વ્રતનો ભંગ થાવા દેતા નથી માટે નિરન્ન કહેવાય છે અને આપણે પણ ઇચ્છા તો એમ રાખવી જે જેવા શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું જ થાવું છે પણ એ વાતમાં હિંમત હારવી નહિ, એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા-કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. (૧)
એટલી વાત કરીને શ્રીજીમહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડ્યાં. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું જે, તમો સર્વે યજ્ઞ કરજ્યો ને તે યજ્ઞે કરીને તમારે સર્વે પુરુષાર્થની સિદ્ધિ થાશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થાશે માટે યજ્ઞ તો જરૂર કરજ્યો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સોતા બતાવ્યા તેમાં જે પ્રવૃત્તિમાર્ગવાળા હતા તેને તો રાજસી-તામસી એવા પ્રવૃત્તિમાર્ગના યજ્ઞ બતાવ્યા અને જે નિવૃત્તિમાર્ગવાળા હતા તેને તો સાત્ત્વિક યજ્ઞ બતાવ્યા, તે યજ્ઞ શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ગીતાને વિષે પણ કહ્યા છે માટે આપણે તો નિવૃત્તિમાર્ગવાળા છીએ તે આપણે તો સાત્ત્વિક યજ્ઞ કરવા પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી-તામસી યજ્ઞ તે આપણે કરવા નહીં. તે સાત્ત્વિક યજ્ઞની રીત જે દશ ઇન્દ્રિયો ને અગિયારમું મન એ સર્વે જે જે વિષયમાં ચોંટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મઅગ્નિને વિષે હોમવા એનું નામ યોગયજ્ઞ કહેવાય, અને એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમ જ એ યોગયજ્ઞના કરનારાના અંતરને પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ જે શ્રી પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે એ યોગયજ્ઞનું ફળ છે. (૨) અને અંતર્દૃષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે અંતર્દૃષ્ટિ તે શું ? તો તેનો ઉત્તર એ છે જે બહાર અથવા માંહીલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતર્દૃષ્ટિ છે અને તે વિના તો અંતર્દૃષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્યદૃષ્ટિ જ છે, માટે બહાર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનનાં કથા-કીર્તન એ આદિક જે જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતર્દૃષ્ટિ છે અને એ સર્વે જ્ઞાનયજ્ઞ થાય છે અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન-વંદનાદિક જે જે કરવું તે પણ અંતર્દૃષ્ટિ છે ને જ્ઞાનયજ્ઞ છે. માટે સત્સંગીમાત્રને તો એવો અખંડ જ્ઞાનયજ્ઞ થાય છે અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થાતી તે તો પરમેશ્વરની ઇચ્છાએ કરીને એમ રહ્યું છે અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઈ વતે કરીને એમ રહ્યું છે અને કોઈક મૂર્ખ લોક છે તે એમ કહે છે જે, ગોપિકાના અંગનાં કીર્તન હોય તે રહેવા દ્યો ને નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ તથા જે ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે પણ જો ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરાં, ગધેડાં ઇત્યાદિક સર્વે નિર્ગુણ કહેવાય, માટે એ તો મૂર્ખની સમજણ છે, અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે, ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે અને જે જે કથા-કીર્તનને વિષે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય અને જે કથા-કીર્તનને વિષે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉઘાડા ફરે તોપણ નિર્ગુણ ન કહેવાય અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થાશ્રમી છે તોપણ તે નિર્ગુણ કહેવાય અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય, માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે અને તે જે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહિ અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્યે કરીને થાતો નથી; એ તો શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે : ।। अनेक जन्म संसिद्धस्ततो याति परां गतिम् ।। એ શ્લોકનો એ અર્થ છે જે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે તેણે કરીને જે સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે તે પરમપદ તે શું ? જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. અને વળી શ્રીકૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે જે :
ममैवांशो जीवलोके जीवभूत: सनातन: ।
मन: षष्टानीद्रियाणि प्रकृतिस्थानि कर्षति ।।
એ શ્લોકનો અર્થ એ છે જે આ સંસારને વિષે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાન-ઇન્દ્રિયો તેને પંચવિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં લેઈ જાય છે, માટે આપણ સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતા નથી તો જો ભગવાનના અંશ છીએ, એવું જાણીને અતિશે આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થાતું નથી; અને ચાર વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત, રામાયણ ને નારદ પંચરાત્ર એ આદિક સર્વે સત્શાસ્ત્રનો એ જ સિદ્ધાંત છે જે, યજ્ઞ રહિતનું કલ્યાણ થાતું નથી, માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાનયજ્ઞ કરતા રહેજ્યો અને એમ ને એમ જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિષે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાનયજ્ઞનું ફળ છે, એવી રીતે જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો; અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું, અને નિરન્ન મુક્ત જેવા થાવાની અતિશે ઇચ્છા રાખવી પણ શ્રદ્ધા રહિત થાવું નહિ અને પોતાને વિષે અપૂર્ણપણું માનવું નહિ ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને સાવધાન થઈને જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૮।। (૧૪૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે એકાદશીનું વ્રત કરવાની વિક્તિ કહી છે. (૧) બીજામાં ઇન્દ્રિયોને પાછા વાળીને આત્માને વિષે રાખે તે યોગયજ્ઞ છે અને આત્મામાં મૂર્તિ દેખાય એ યોગયજ્ઞનું ફળ છે. (૨) અને બ્રહ્મરૂપ જે પોતાનો આત્મા તેને વિષે પરબ્રહ્મ એવા જે અમે તે અમારો સાક્ષાત્કાર થાય તે જ્ઞાનયજ્ઞનું ફળ છે અને પોતાના આત્માને વિષે અમારું દર્શન થાય ત્યારે જ જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ પૂરો જાણવો એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) અમારી મૂર્તિ ધાર્યા વિના અંતર્દૃષ્ટિ કરીને બેઠો છે તોપણ બાહ્યદૃષ્ટિ જ છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે મૂર્તિ વિના અંતર્વૃત્તિએ બીજું શું જોતો હશે ? અને બહાર અથવા માંહી મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દૃષ્ટિ કહી તે બહાર માંહી કેવી રીતે મૂર્તિ જોવી ?
૧ ઉ. ઉપાસના વિનાનો કેવળ આત્મનિષ્ઠ હોય તે આત્માને જોવાની ઇચ્છાથી ધ્યાન કરતો હોય તે પણ બાહ્યદૃષ્ટિવાળો છે, કેમ જે મૂર્તિની ઉપાસના વિના આત્મા પણ દેખાય નહિ અને મૂર્તિથી બહાર રહીને મૂર્તિ જોવી અથવા મૂર્તિને અંદર રહીને જોવી એ પરભાવની અંતર્દૃષ્ટિ છે. અને આત્માને માંહી ને આત્માથી બહાર મૂર્તિ જોવી તે અવરભાવની અંતર્દૃષ્ટિ છે.
૨ પ્ર. ઇન્દ્રિયોના દોર્યા ન દોરાય તેને ભગવાનના અંશ કહ્યા તે અંશ કેવી રીતે જાણવા ?
૨ ઉ. ભગવાન સ્વતંત્ર છે તે સ્વતંત્રપણાનો અંશ જેમાં આવે તે ઇન્દ્રિયો-અંતઃકરણને વશ રાખે એવા ભક્ત થાય માટે અંશ કહ્યા છે.
૩ પ્ર. જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવું થવાય ત્યારે જ્ઞાનયજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો એમ કહ્યું અને વળી નિરન્ન મુક્ત જેવા થવાની ઇચ્છા રાખવી એમ કહ્યું તે નિરન્ન મુક્ત તો વાસુદેવના ભક્ત છે અને આપણે તો તેથી પર જે અક્ષરકોટિ ને તેથી પર જે શ્રીજીમહારાજના મુક્ત છે તેવું થાવું છે અને શ્વેતદ્વીપના મુક્ત જેવું થાવું એમ કહ્યું તે કેમ સમજવું ?
૩ ઉ. જે શ્વેતદ્વીપના મુક્ત વાસુદેવ ભગવાનની મૂર્તિને સદાય દેખે છે તેમ તમે સર્વે તમારા આત્માને વિષે અમારી મૂર્તિ દેખો ત્યારે તમારું પૂરું થયું એમ માનજ્યો એમ કહ્યું છે. ।।૮।। (૧૪૧)
વચનામૃત ગઢડા મધ્યનું - ૯
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ મશરૂના ચાકળા ઉપર વિરાજમાન હતા ને તે સમે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી તે રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો તથા કમરે જરકશી શેલું બાંધ્યું હતું તથા ગૂઢો આસમાની રંગનો રેંટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, કીર્તન બોલીએ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જ્ઞાનમાર્ગ તો એવો સમજવો જે, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ ને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થાતો હોય તો તેની ચિંતા નહિ પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાવા દેવો નહિ ને જો ભગવાનનું વચન કાંઈક લોપાણું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહિ, માટે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થી પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશે રાખવું જે, સર્વો૫રી ને સદા દિવ્ય સાકારમૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મુને પ્રાપ્ત થયું છે અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત્ સત્સંગથી બહાર નીસરી જવાણું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી ને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિષે ભગવાનને સમીપે જાશે. (૧) અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે ને તેને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી નહિ હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જાશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જાશે પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિષે નહિ જાય. (૨) તે માટે પોતાને સાક્ષાત્ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત્સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું પછી જ્યારે ભારતની લડાઈ થઈ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જે :
सर्व धर्मान्परित्यजय मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्व पापेभ्यो मोक्षविष्यामि मा शुच: ।।
એ શ્લોકનો અર્થ છે જે હે અર્જુન ! સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ્ય, તો હું તુંને સર્વ પાપ થકી મુકાવીશ; તું કાંઈ શોક કરીશ મા, એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિષે અનંત દોષ થયા તોપણ લેશમાત્ર મનમાં ઝાંખા થયા નહિ અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા, અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહિ તોપણ શાસ્ત્રનાં વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું જે, મારું કોઈ કાળે કલ્યાણ નહિ થાય, પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં. પછી શ્રીકૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લેઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો તોય પણ અર્જુન જેવા નિઃસંશય થયા નહિ, માટે બુદ્ધિમાનને તો ભગવત્સ્વરૂપનું બળ અતિશે રાખ્યું જોઈએ એ બળ જો લેશમાત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે તે પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે જે, ।। स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ।। એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત્સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે, જેમ અર્જુને ભારતની લડાઈ કરી. ત્યારે તેને વિષે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત્સ્વરૂપના બળને પ્રતાપે થઈ, માટે જેને સર્વથી ભગવત્સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય ને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ્ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે જે, શ્રુતિ-સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહિ, પણ ભગવાનનો આશ્રય તજવો નહિ અને કોઈક એમ જાણે જે, આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય પણ આ વાર્તા કાંઈ ધર્મને ખોટા કર્યા સારુ નથી; આ તો એટલાં સારુ છે જે દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, ઉપદેશ ને દેવતા એટલાં વાનાં શુભ ને અશુભ એ બે પ્રકારનાં છે તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તોપણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. (૩) અને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય તો જે દિવસે ધર્મમાંથી ચળી જવાય તે દિવસે તે એમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો, માટે જેને ભગવત્સ્વરૂપનું બળ હોય તે જ પાકો સત્સંગી છે અને એ વિના બીજા તો ગુણબુદ્ધિવાળા કહેવાય અને જેને ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યો છે. (૪) અને આ સમામાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ-સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે જે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળીશું પણ નહિ; આ વાર્તા તો ।। न भूतो न भविष्यन्ति ।। એવી છે અને અતિશે ઝીણી વાર્તા થાય છે તોપણ અતિશે સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે માટે આ સમે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી, એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિષે કૃતાર્થપણું માન્યું જોઈએ અને જેને ભગવાનને વિષે અતિશે પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તોપણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી પણ જેને પરમેશ્વરને વિષે અતિશે પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજ્યો જોઈએ, માટે જે ડાહ્યો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દૃઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૯।। (૧૪૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, સર્વેથી પર એવા જે અમે તે તમને મળ્યા છીએ માટે અમારી મૂર્તિનું બળ અતિશે રાખવું અને અમારું સર્વોપરીપણાનું બળ હોય તો તેથી સત્સંગ બહાર જવાણું હોય તોપણ અમારે વિષેથી હેત ટળે નહિ ને તે અંતે અક્ષરધામને વિષે અમારે સમીપે રહેશે. (૧) અને હમણાં સત્સંગમાં રહેતો હોય ને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હોય તોપણ અમારા સ્વરૂપની પાકી નિષ્ઠા ન હોય તો તે અમારા ધામ વિના બીજા લોકમાં જાય. (૨) અને જેને અમારા સ્વરૂપનું બળ હોય તે જ એકાંતિક ને પાકો સત્સંગી છે, અને એ અશુભ દેશકાળાદિકને યોગે કદાપિ ધર્મમાંથી ચળી જાય તો પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થાય, પણ કલ્યાણના માર્ગથી પડે નહીં. (૩) અને અમારા સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય ને ધર્મથી ચળી જાય તો નરકમાં પડી ચૂક્યો એમ જાણીને કલ્યાણને માર્ગે ચાલી શકે નહીં. (૪) અને જેને અમારે વિષે અતિશે પ્રીતિ હોય તેને કાંઈ કરવું રહ્યું નથી અને જેને અમારે વિષે અતિશે પ્રીતિ ન હોય તેને તો અમારો મહિમા સમજવો. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં જે અમને સર્વોપરી જાણે તેને કદાચિત્ સત્સંગ બહાર જવું પડે તોપણ તેનું કલ્યાણ થાય એમ કહ્યું તે એને શા કારણથી સત્સંગ બહાર જવું પડતું હશે ? અને ત્યાગીમાંથી નીકળીને ગૃહસ્થાશ્રમમાં જાય તે સત્સંગ બહાર કહેવાય કે ત્યાગીના વેશે એકલો ફરે ને માગી ખાય તે સત્સંગ બહાર કહેવાય ? અને તે શાસ્ત્રનું કેટલું વચન લોપે તોપણ અક્ષરધામને પામે ?
૧ ઉ. શ્રીજીમહારાજને સદા સાકાર દિવ્ય મૂર્તિ ને સર્વ અવતારના અવતારી ને સર્વના કારણ જાણે પણ મૂંઝવણિયો સ્વભાવ હોય તે સત્સંગમાં રહેવા દે નહિ તેણે કરીને સત્સંગ બહાર જાવું પડે, પણ શ્રીજીમહારાજનો નિશ્ચય સર્વોપરી હોય ને શ્રીજીમહારાજને વિષે અચળ હેત હોય ને શ્રીજીમહારાજને તથા સંતને કલ્યાણના દાતા જાણે અને તેમના ગુણ ગ્રહણ કરે ને પોતાને વિષે દોષ પરઠે ને માગી ખાઈને પોતાનું ગુજરાન ચલાવે ને શ્રીજીમહારાજની બાંધેલી મર્યાદા પ્રમાણે વર્તે ને નિયમમાં કુશળ રહે તે અક્ષરધામને પામે. અને ત્યાગીમાંથી ગૃહસ્થમાં જાય તે સત્સંગ બહાર ન કહેવાય; જે એકડમલ થઈ જાય તે સત્સંગ બહાર કહેવાય. તે એકલો હોય માટે તે ભિક્ષા માગવા જાય ત્યારે બાઈઓ સાથે બોલવું પડે, એટલું જ શાસ્ત્રનું વચન લોપાય પણ તેથી અધિક ન લોપે તો અક્ષરધામમાં જાય અને બોલવા સિવાયની બીજી આજ્ઞા લોપે તો અક્ષરધામને ન પામે અને ગૃહસ્થને અશુભ દેશકાળાદિકને યોગે સત્સંગના નિયમ-ધર્મ પાળી શકે નહિ તે સત્સંગ બહાર કહેવાય તોપણ શ્રીજીમહારાજના સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તો તેનું જન્માંતરે કલ્યાણ થાય એટલે કલ્યાણના માર્ગમાં રહે પણ કલ્યાણનો માર્ગ બંધ થાય નહીં.
૨ પ્ર. બીજી બાબતમાં અમારા સ્વરૂપની નિષ્ઠા પાકી ન હોય તો તે બ્રહ્માના તથા બીજા દેવતાના લોકમાં જાશે એમ શ્રીજીમહારાજે કહ્યું, તે નિષ્ઠા કેવી જાણવી ? ને બ્રહ્મા તથા દેવતા કિયા જાણવા ?
૨ ઉ. છપૈયા ધામને વિષે મનુષ્ય રૂપે પ્રગટ થઈને મળ્યા જે સાક્ષાત્ શ્રીજીમહારાજ તેમને દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વે અવતારના કારણ ને અવતારી જાણે તે પાકી નિષ્ઠા કહેવાય અને નિરાકાર કે બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. અને બ્રહ્મા એટલે મૂળપુરુષ જાણવા અને પ્રધાનપુરુષને દેવતા કહ્યા છે તે લોકને પામે.
૩ પ્ર. ત્રીજી બાબતમાં અર્જુને શાસ્ત્રનું વચન ન માન્યું તેને વખાણ્યા ને યુધિષ્ઠિરને ન્યૂન કહ્યા તેનું શું કારણ હશે ? કેમ જે (પ્ર. ૭૮ના ચૌદમા પ્રશ્નમાં) પંચવર્તમાન સંપૂર્ણ રાખે તો અમે પ્રસન્ન થઈએ એમ કહ્યું છે તથા (લો. ૬ના ૧૩/૧૬ તેરમા પ્રશ્નમાં) અમારું વચન અધર્મ જેવું જણાય તો ન માનવું તથા (છે. ૨૭ના બીજા પ્રશ્નમાં) વર્તમાનની આંટી મૂકવી નહિ એમ કહ્યું છે. તે પ્રમાણે તો યુધિષ્ઠિરને વખાણ્યા જોઈએ એ માટે તે કેવી રીતે સમજવું ? અને સ્વરૂપનિષ્ઠા શી સમજવી ?
૩ ઉ. જેમ અર્જુને શ્રીકૃષ્ણના વચનની પ્રતીતિ રાખી અને શાસ્ત્રના વચનની શાખ્ય ન લીધી તેમ અમે સર્વોપરી, સર્વના કારણ, સર્વનિયંતા, સર્વોપાસ્ય છીએ એવા જાણવા તે અમારા વચનથી જ જાણજ્યો પણ તેમાં શાસ્ત્રની શાખ્ય લેશો નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે (મ. ૩૧ના ૨/૫ બીજા પ્રશ્નમાં) આવી વાત અમે ઘણીક વાર કરી છે પણ શાસ્ત્રનાં વચન સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી એમ કહ્યું છે, માટે શ્રીજીમહારાજને સર્વોપરી સમજવા તેમાં બીજા શાસ્ત્રની વા શ્રીજીમહારાજને સર્વોપરી ન કહેતાં હોય તેવાં વાક્યોની શાખ્ય લેવા જાય તેને યુધિષ્ઠિરની પેઠે સંશયાત્મક જાણવો અને જે શ્રીજીમહારાજના સ્વરૂપને જાણવામાં બીજી શાખ્ય ન ગોતે તેને અર્જુનની પેઠે પરિપક્વ નિશ્ચય જાણવો અને જેમ અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે જ નિષ્ઠા હતી તેમ જ શ્રીજીમહારાજને વિષે જ નિષ્ઠા હોય તે જ સ્વરૂપનિષ્ઠા જાણવી પણ સ્વરૂપ-સ્વરૂપીભાવ જુદો ન સમજવો અને વચનામૃતમાં જ્યાં સંત કે અવતાર અમારું સ્વરૂપ છે એમ કહ્યું હોય ત્યાં જ સ્વરૂપ-સ્વરૂપી જુદાં સમજવાં પણ તે વિના ન સમજવા. ।।૯।। (૧૪૨)
વચનામૃત ગઢડા મધ્યનું - ૧૦
સંવત ૧૮૭૮ના શ્રાવણ વદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી તે ફૂલવાડીને મધ્યે આંબાના વૃક્ષની હેઠે વેદી છે તે ઉપર ઉત્તરાદુ મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં તથા પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીમદ્ ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્ ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે અને દ્વિતીય સ્કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી, કાં જે ભગવાન થકી જ સર્વે સ્થાવર-જંગમ સૃષ્ટિ થાય છે તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય ? જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય છે તેવા થાતા નથી તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે અને ભાગવતમાં અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રણનો જે આધાર તે ભગવાનનું સ્વરૂપ છે એમ કહ્યું છે તેની વાત કરીએ તે સાંભળો : અધ્યાત્મ જે વિરાટપુરુષનાં ઇન્દ્રિયો ને અધિભૂત જે તેનાં પંચમહાભૂત અને અધિદૈવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા એ સર્વે વિરાટને વિષે આવ્યા તોપણ વિરાટ ઊભો ન થયો પછી વાસુદેવ ભગવાને પુરુષ રૂપે થઈને જ્યારે વિરાટપુરુષને વિષે પ્રવેશ કર્યો ત્યારે વિરાટપુરુષ ઊભા થયા તે ભગવાન વિરાટપુરુષનાં જે અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ તેને વિષે તદાત્મકપણે કરીને વર્તે છે ને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે, અને જેમ અગ્નિ છે તે પ્રકાશ સ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે તે જ્યારે અગ્નિને અજીર્ણ થયું હતું ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રીકૃષ્ણ ભગવાન ને અર્જુન પાસે આવ્યો હતો પછી જ્યારે ઇન્દ્રનું ખાંડવવન બાળવા ગયો ત્યારે તે જ અગ્નિ જ્વાળારૂપ થઈને સમગ્ર વનમાં વ્યાપ્યો તેમ જ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ તેણે કરીને સર્વેને વિષે વ્યાપક છે ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે ને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે, માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દૃઢ રાખવો અને વાત પણ એવી કરવી જે, કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહિ, અને જેમ સ્ત્રીના ઉદરમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે માટે એવો ઉપાય કરવો જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય ને બીજાને પણ એવી વાત કરવી જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય. (૧)
૨ પછી શ્રીજીમહારાજ વાડી થકી દાદાખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ત્રણને વિષે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે ? પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ ને જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેનું રૂપ જુદું જુદું કરીએ જે, જીવમાત્રનો એવો સ્વભાવ છે જે, સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઊતરતું જે પદાર્થ હોય તેમાંથી સ્હેજે જ પ્રીતિ ટળી જાય છે માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિષે જે સુખ છે તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે ને અચળ સુખ તો ભગવાનના ધામને વિષે જ છે, માટે પરમેશ્વરની વાત સાંભળતાં સાંભળતાં જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય, જેમ ત્રાંબાનો પૈસો કોઈક પુરુષના હાથમાં હોય તેને જ્યારે તે પૈસા સાટે સોનામહોર કોઈ આલે ત્યારે ત્રાંબાના પૈસામાંથી હેત ઊતરી જાય છે, એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દૃષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વે થકી વૈરાગ્ય પામે છે, ને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું છે. હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ જે, જ્ઞાન નિરૂપણને વિષે બે શાસ્ત્ર છે, એક સાંખ્યશાસ્ત્ર ને બીજું યોગશાસ્ત્ર, તેમાં સાંખ્યશાસ્ત્રનો મત એ છે જે, જેમ આકાશ જે તે પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વ્યાપક છે અને આકાશ વિના એક અણુ પણ ક્યાંઈ ખાલી નથી તોપણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી તેમ પુરુષોત્તમ ભગવાન છે તેને આકાશની પેઠે માયિક વિકાર કોઈ અડતો જ નથી. એ વાર્તા કૃષ્ણતાપની ઉપનિષદમાં કહી છે જે, જ્યારે દુર્વાસાઋષિ વૃન્દાવનને વિષે આવ્યા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું જે, દુર્વાસા ભૂખ્યા છે માટે સર્વે થાળ લઈને જાઓ. પછી ગોપીઓએ પૂછ્યું જે, આડાં યમુનાજી છે તે કેમ ઊતરાશે ? ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું જે, યમુનાજીને તમે એમ કહેજો જે, શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો માગ દેજો. પછી ગોપીઓ હસતી હસતી યમુનાજીને કાંઠે જઈને એમ કહ્યું ત્યારે યમુનાજીએ તત્કાળ માગ દીધો પછી ગોપીઓએ ઋષિને જમાડ્યા તે ઋષિ સર્વના થાળ જમી ગયા. પછી ગોપીઓએ કહ્યું જે, અમે ઘેર કેમ કરીને જઈએ ? આડાં યમુનાજી છે. ત્યારે ઋષિએ પૂછ્યું જે, આવ્યાં ત્યારે કેમ કરીને આવ્યાં હતાં ? પછી ગોપીઓએ કહ્યું જે, શ્રીકૃષ્ણે એમ કહ્યું હતું જે, અમે સદા બાળ બ્રહ્મચારી હોઈએ તો યમુનાજીને કહેજ્યો જે માગ દેજ્યો. પછી યમુનાજીએ માગ દીધો તે તમ પાસે આવ્યાં છીએ, એ વાત સાંભળીને ઋષિ બોલ્યા જે, હવે યમુનાજીને એમ કહેજ્યો જે, દુર્વાસા સદા ઉપવાસી હોય તો માગ દેજ્યો. પછી ગોપીઓ હસતી હસતી જઈને એમ કહ્યું ત્યારે યમુનાજીએ તત્કાળ માગ દીધો. ત્યારે ગોપીઓ સર્વે એ બે વાત જોઈને અતિશે આશ્ચર્ય પામી, માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેઠે નિર્લેપ છે ને સર્વ ક્રિયાઓને કરતા થકા ભગવાન અકર્તા છે અને સર્વના સંગી થકા પણ અત્યંત અસંગી છે, એવી રીતે સાંખ્યશાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપપણે કરીને કહે છે એવું સમજવું એ સાંખ્યને મતે જ્ઞાન છે. હવે યોગશાસ્ત્રનો મત કહીએ તે સાંભળો : યોગનો મત એમ છે જે, જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દૃષ્ટિ સ્થિર કરવી. તે દૃષ્ટિ સ્થિર કરવા સારુ ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દૃષ્ટિને ઠરાવવી. પછી એક ને એક આકાર જોતા થકા દૃષ્ટિ સ્થિર થઈ જાય ત્યારે તે ભેળું અંતઃકરણ પણ સ્થિર થાય છે, ને જ્યારે અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. તેમાં ધારણા કરનારા યોગીને પ્રયાસ ન પડે; સુખે ધરાય છે, અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણ સ્થિર ન કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજાં પણ કેટલાંક ટીખળ આડાં આવીને ઊભાં રહે, માટે યોગશાસ્ત્રનો એ સિદ્ધાંત છે જે, પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી, ને પછી ભગવાન સંગાથે જોડવી એમ જાણવું, એ યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એવી રીતે એ બે શાસ્ત્રને મતે કરીને જે સમજણ દૃઢ કરવી તેનું જ નામ જ્ઞાન છે. હવે ભક્તિની રીત તો એમ છે જે જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નીસર્યાં પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈને વિચાર કર્યો જે, વરવા યોગ્ય કોણ છે, તેને હું વરું. પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહિ ને જેમાં કાંઈક ગુણ તેમાં રૂપ નહિ એવી રીતે ઘણાકને વિષે મોટાં મોટાં કલંક દીઠાં. પછી દેવતામાત્ર તથા દૈત્યમાત્ર તેને કલંકના ભર્યા દેખીને સર્વે ગુણે કરીને સંપૂર્ણ અને સર્વે દોષે રહિત ને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને જ દીઠા, ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિશે દૃઢ ભક્તિ થઈ, પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવીને ભગવાનને વર્યાં, માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દૃઢ આશ્રય કરવો તેનું જ નામ ભક્તિ છે. (૨)
૩ એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, (૩) હે મહારાજ ! જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ત્રણમાંથી પરમેશ્વરને વિષે પ્રીતિ થાવાનું કેને વિષે અધિક દૈવત આવ્યું તે સમજાણું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભક્તિને વિષે દૈવત ઘણું છે. ને જ્ઞાન-વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી, અને ભક્તિ તો અતિ દુર્લભ છે, તે ભક્તિવાળાનાં લક્ષણ આવાં હોય છે જે, જ્યારે જીવના કલ્યાણને અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિષે વિચરે છે ત્યારે ભગવાનનાં કેટલાંક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાંક ચરિત્ર તો માયિક જેવાં હોય તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધર્યો ત્યારે દેવકી-વાસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોળ્યો, તથા કાળીનાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું, તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો, તથા અક્રૂરજીને યમુનાના જળને વિષે દર્શન દીધું, તથા મલ્લ, હસ્તી, કંસાદિકને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું, તેમ જ રામાવતારને વિષે ધનુષ ભાંગ્યું, તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વે દેવતાનું કષ્ટ નિવારણ કર્યું, ઇત્યાદિક જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતા રોતા ઘેલા જેવા થઈ ગયા, તથા કૃષ્ણાવતારમાં કાળયવનની આગળ ભાગ્યા તથા જરાસંધની આગળ હાર્યા, ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઈ વસ્યા, ઇત્યાદિક જે ભગવાનનાં ચરિત્ર તે પ્રાકૃત જેવાં જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય. પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિષે પણ જેને દિવ્યપણું જણાય, ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે જે :
जन्म कर्म च मे दिव्यमेलं यो वेत्ति तत्वत: ।
त्यकत्वा देहं पुनर्जन्म नैति मामेति सोर्ज्जुन ।।
એ શ્લોકનો એમ અર્થ છે જે, હે અર્જુન ! મારાં જન્મ ને કર્મ તે દિવ્ય છે તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો; મુને જ પામે છે, માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત ને અભક્ત બેયને દિવ્ય જણાય પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તોપણ તેને વિષે જેને દિવ્યપણું જ જણાય, પણ કોઈ રીતે ભગવાનનાં તે ચરિત્રોમાં અભાવ આવે નહિ, એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય ને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું જે, ફળ તે આવા ભક્તને જ થાય છે અને જેમ ગોપીઓ ભગવાનનાં ભક્ત હતાં તો કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહિ, અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સમર્થપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહિ, એવી જે ભક્તિ તે તો મહા દુર્લભ છે અને એક-બે જન્મને સુકૃતે કરીને એવી ભક્તિ ન આવે; એ તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન-વૈરાગ્ય થકી અધિક છે અને જેના હૃદયને વિષે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિષે પ્રીતિમાં શું બાકી છે ? કાંઈ બાકી નથી. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧૦।। (૧૪૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, બ્રહ્મરૂપ જે અમારી શક્તિ તેણે કરીને અમે મૂળઅક્ષરાદિક સર્વેને વિષે વ્યાપક છીએ અને તે બ્રહ્મ અમારી કિરણ છે અને મૂર્તિમાન સર્વેથી જુદા છીએ એવા અમને જાણીને અમારો આશ્રય કરે તે આત્યંતિક કલ્યાણને પામે છે. (૧) બીજામાં અમારા સુખને સર્વેથી અધિક જાણે તે વૈરાગ્યનું સ્વરૂપ છે. અને અમને સર્વ ક્રિયાને કરતા થકા અકર્તા ને નિર્લેપ જાણે તે સાંખ્ય સંબંધી જ્ઞાન છે, અને વૃત્તિઓ સ્થિર કરીને અમારે વિષે જોડે તે યોગ સંબંધી જ્ઞાન છે, અને અમારા મનુષ્યચરિત્રને દિવ્ય ને કલ્યાણકારી જાણીને દૃઢ આશ્રય કરે તે ભક્તિનું સ્વરૂપ છે. (૨) ત્રીજામાં જ્ઞાન, વૈરાગ્યથી અમારે વિષે પ્રીતિ થવાનું દૈવત ભક્તિને વિષે અધિક છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં વાસુદેવ ભગવાને પુરુષ રૂપે થઈને વૈરાજપુરુષને વિષે પ્રવેશ કર્યો ત્યારે વૈરાજ ઊભા થયા એમ કહ્યું તે વાસુદેવ કોને કહ્યા હશે ? અને પ્રવેશ કેવી રીતે જાણવો ?
૧ ઉ. વૈરાજને વિષે મૂળપુરુષ દ્વારાએ વાસુદેવે પ્રવેશ કર્યો છે તે શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મને આ ઠેકાણે વાસુદેવ નામે કહ્યા છે.
૨ પ્ર. ગોપીઓ અને દુર્વાસાને દૃષ્ટાંતે સિદ્ધાંત શો સમજવો ?
૨ ઉ. જેમ દુર્વાસા શ્રીકૃષ્ણ ભગવાનને વિષે એકાત્મતાને પામ્યા હતા તેની સેવાથી ગોપીઓને યમુનાનું આવરણ ટળી ગયું તેમ શ્રીજીમહારાજને વિષે એકાત્મતાને પામ્યા હોય એવા સત્પુરુષની સેવાથી માયારૂપી આવરણ ટળી જાય છે, અને જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓને આજ્ઞા કરી હતી તેમ શ્રીજીમહારાજે મુમુક્ષુઓને એવા સત્પુરુષની સેવા કરવી એમ આજ્ઞા કરી છે અને તેમની સેવાથી અમારી સેવા થાય છે એમ જણાવ્યું છે અને અમે તથા એવા સત્પુરુષ અકર્તા, નિર્લેપ, અસંગી ને નિર્વિકાર છીએ એમ જણાવ્યું છે.
૩ પ્ર. ત્રીજા પ્રશ્નમાં જ્ઞાન-વૈરાગ્યથી ભક્તિમાં અધિક દૈવત કહ્યું તેનું શું કારણ હશે ?
૩ ઉ. શ્રીજીમહારાજ મનુષ્યચરિત્ર કરે તે ચરિત્ર જોઈને પણ કાંઈ સંશય થાય નહિ ને સદા નિર્દોષ બુદ્ધિ ને દિવ્ય બુદ્ધિ રહે તેને જ ભક્તિ કહી છે. એ ભક્તિ જ્ઞાન-વૈરાગ્યથી અધિક છે. આ ભક્તિ અસાધારણ કહી છે.
૪ પ્ર. આમાં જ્ઞાનથી ભક્તિ અધિક કહી અને (લો. ૭ના પહેલા પ્રશ્નમાં) અમારું સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જ કલ્યાણ થાય એમ જોતાં તો જ્ઞાન અધિક થયું તે કેવી રીતે સમજવું ?
૪ ઉ. આમાં શ્રીજીમહારાજના મનુષ્ય સ્વરૂપને વિષે દિવ્ય બુદ્ધિ થાય અને કોઈ કાળે શ્રીજીમહારાજના પ્રાકૃત ચરિત્રમાં સંશય થાય જ નહિ એવી નિર્દોષ ભક્તિ કહી છે. માટે આ ભક્તિ જ્ઞાને સહિત ને અસાધારણ છે માટે આ ભક્તિની ને સાક્ષાત્ જ્ઞાનની સરખી ગૌરવતા છે. ।।૧૦।। (૧૪૩)
વચનામૃત ગઢડા મધ્યનું - ૧૧
સંવત ૧૮૭૮ના શ્રાવણ વદિ પ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે એ ગ્રંથોને ધર્મ, અર્થ ને કામ પર જાણે છે પછી એમ જાણીને પોતે પણ ધર્મ, અર્થ ને કામ તેને જ અર્થે યજ્ઞ-વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મર્ત્યલોક તેને વિષે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક ચોરાશીમાં જાય છે, માટે જે જીવ ધર્મ, અર્થ ને કામને વિષે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે તે સર્વે સાત્ત્વિકી, રાજસી ને તામસી થાય છે. ને તે કર્મનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે, પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં. અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ, મરણ ને નરકનું દુઃખ તે મટે નહીં. (૧) અને જો ધર્મ, અર્થ ને કામ સંબંધી જે ફળની ઇચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે, તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કૈવલ્ય મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે :
आमयो येन भूतानां जायते यश्व सुव्रत । तदेव ह्यामयं द्रव्यं न पुनाति चिकित्सितं ।।
एवं नृणां कियायोगा: सर्वे संसृतिहेतव: । त एवात्मविनाशाय कल्पंते कल्पिता: परे ।।
એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે, માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને ભગવાનના ભક્તનો અવગુણ લે તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. (૨) ને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે, કેમ જે વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે ને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષ્કર્મ્યરૂપ છે. ત્યાં શ્લોક ભગવદ્ગીતાનો છે :
कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य: ।
स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत् ।।
એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે જે કર્મ કરે છે તે કર્મને વિષે અકર્મ જે જ્ઞાન તેને જ દેખે છે ને વિમુખ હોય તે નિવૃત્તિમાર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તોપણ તેને કર્મમાં બૂડ્યો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિષે બુદ્ધિમાન છે ને જ્ઞાની છે. (૩) માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિષે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૧૧।। (૧૪૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ધર્મ, અર્થ ને કામને વિષે પ્રીતિ રાખીને સુકૃત કરે તેનું ફળ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળમાં ભોગવીને નરક ચોરાશીમાં જાય છે. (૧) અને તેનાં તે કર્મ અમારી પ્રસન્નતાને અર્થે કરે તો ભક્તિરૂપ થઈને મોક્ષને અર્થે થાય છે અને અમારા ભક્તના દેહનો વ્યવહાર અજ્ઞાની જીવના જેવો જોઈને અવગુણ લેનારો નારકી થાય છે. (૨) અને અમારા ભક્તની ક્રિયા અમારી તથા અમારા ભક્તની સેવાને અર્થે છે માટે તે નૈષ્કર્મ્યરૂપ ને ભક્તિરૂપ છે એમ જાણે તે જ્ઞાની છે. (૩) અને અમારા ભક્તની સેવારૂપ ક્રિયામાં અવગુણ લે તેને વિષે અધર્મ નિવાસ કરે છે. (૪) બાબતો છે.(પહેલી બાબતમાં ગુણાતીત ધામ કહ્યું તે ધામનો ખુલાસો પ્ર. ૧૨ના ૧૬મા પ્રશ્નોત્તરમાં છે) ।।૧૧।। (૧૪૪)
વચનામૃત ગઢડા મધ્યનું - ૧૨
સંવત ૧૮૭૮ના શ્રાવણ વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) એક વાત કરીએ છીએ તે સર્વે સાંભળો અને આ જે વાર્તા કહેશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહેશું. તે એકને વિષે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે, તે કહીએ છીએ જે, દેહને વિષે જે જીવ છે તે એમ જાણે છે જે કામ-ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે, એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિષે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્યાદિક કુલક્ષણે યુક્ત માને છે પણ જીવને વિષે તો એ એકે કુલક્ષણ છે નહીં. એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિષે માની લીધા છે, માટે જેને પરમપદ પામવા ઇચ્છવું તેને કાંઈક પોતાને વિષે પુરુષાતન રાખવું પણ છેક નાદાર થઈને બેસવું નહીં. ને એમ વિચાર કરવો જે, જેમ આ દેહમાં ચાર અંતઃકરણ છે, દશ ઇન્દ્રિયો છે, પંચ પ્રાણ છે, તેમ હું જીવાત્મા છું તે પણ આ દેહને વિષે છું તે એ સર્વેથી અધિક છું ને એ સર્વેનો નિયંતા છું. પણ એમ ન માનવું જે, હું તો તુચ્છ છું ને અંતઃકરણ-ઇન્દ્રિયો તો બળવાન છે, જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહિ, પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહિ, પછી દેશના મનુષ્યને વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહીં. પછી તે રાજા ગ્લાનિ પામીને અસમર્થ થઈને બેસી રહે; અને કોઈ ઉપર હુકમ ચલાવે નહીં. તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્યને ઠેકાણે અંતઃકરણ છે. ને ગામના ને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે, ને પછી અંતઃકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાને ઇચ્છે ત્યારે અંતઃકરણ એનું કહ્યું કરે નહિ, ને ઇન્દ્રિયોને વશ રાખવા ઇચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહિ, પછી એ જીવ કાયાનગરને વિષે રાજા છે તોપણ રાંકની પેઠે ઓશિયાળો થઈ રહે છે, અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને વિષે મનુષ્ય હોય તે સાંઢ થઈને બેસે છે, ને રાજાનું લેશમાત્ર ચાલવા દે નહિ, તેમ આ જીવના કાયાનગરને વિષે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે, અને એ જીવનું લેશમાત્ર ચાલવા દેતા નથી, માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને એવું નાદારપણું રાખવું નહીં. ને જે પ્રકારે પોતાનાં ઇન્દ્રિયો ને અંતઃકરણ તે સર્વ પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો, જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે, પણ રૈયતનો દાબ્યો દબાય નહિ, અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને ને તેને મારવા જ માંડે, પછી પોતાનો દેશ હોય તે ઉજ્જડ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહિ તેણે કરીને પોતે દુઃખિયો થકો વર્તે, એવી રીતે રાજનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, (૨) કલ્યાણને ઇચ્છે તેને કેમ રાજનીતિ ભણવી ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, રાજનીતિ એમ ભણવી જે, પ્રથમ તો ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે જાણવું. પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું, ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહિ, તેમ જ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે, ને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે, ને રસના તે અખંડ ભગવદ્ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે, ને નાસિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહિ, એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિષે હુકમ કોઈ ફેરવે નહિ અને એવી રીતે પુરુષપ્રયત્ને યુક્ત જે વર્તે તે નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશે મોટો ઉપાય છે ને એ પુરુષપ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષપ્રયત્નરૂપી સાધનને વિષે આવે છે માટે પુરુષપ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વે સાધન થકી મોટું સાધન છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૨।। (૧૪૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ઇન્દ્રિયો-અંતઃકરણને દાબીને વર્તવું પણ તેથી દબાવું નહીં. (૧) બીજામાં અમારું માહાત્મ્ય જાણીને ધ્યાન કરે અને ઇન્દ્રિયોને નિયમમાં રાખીને વશ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય છે. (૨) બાબતો છે. ।।૧૨।। (૧૪૫)
વચનામૃત ગઢડા મધ્યનું - ૧૩
સંવત ૧૮૭૮ના શ્રાવણ વદિ અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ચાકળા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજીમહારાજ એમ બોલતા હવા જે, (૧) હે સંતો ! જે મોટેરા હો ને વાતમાં સમજતા હોય તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજ્યો, અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધાર્યા સારુ નથી કરવી; એ તો એમ જાણીએ છીએ જે, આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારુ કરીએ છીએ, અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વ શાસ્ત્રમાં પણ મળતી આવે છે, ને એ વાત સભામાં કર્યા જેવી નથી; તોપણ સભામાં કરીએ છીએ જે, મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે, આ સંસારને વિષે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચવિષય તેમાં હું મારા જીવને બાંધવાને ઇચ્છું તોપણ નથી બંધાતો ને એમાં અતિશે ઉદાસ રહે છે. અને એ જે સારા પંચવિષય તથા નરસા પંચવિષય તે બેય સમ વર્તે છે, અને રાજા તથા રંક તે પણ સમ વર્તે છે, અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લેઈને માગી ખાવું તે પણ સમ વર્તે છે, અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે, અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારાં વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બેય સમ વર્તે છે, ને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમ વર્તે છે, તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બેય સમ વર્તે છે, અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું; બધાય હરિભક્ત સરખા જણાય છે, અને મારા અંતઃકરણને વિષે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો, જેમ કોઈક માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપૈયા ને સોનામહોરની વાંસળી કેડે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો, ને મારે વિષે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો, તથા મારે વિષે જ્ઞાન છે જે, હું બ્રહ્મ છું; કોઈ દિવસ જીવ નથી તેનો પણ ભાર નથી જણાતો, અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું, અને જે જે પદાર્થને વિષે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે, અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે, જેમ આકાશને વિષે પથરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિષે રહે ને પછી પાછો પૃથ્વીને વિષે આવીને પડે છે, અને જેમ પૂંછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધબ લેઈને પડી જાય, અને જેમ કોઈક પુરુષ સૂઝે એટલો બળિયો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય, અને તે પુરુષને દશવીશ કાગદી લીંબુ ચુસાવ્યાં હોય પછી તે શેકેલ ચણા પણ માંડ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે, તે આજે એમ મુને વર્તે છે તેનું શું કારણ છે, તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિષે જે આકાશ છે તેને વિષે વર્તે છે. અને તે હૃદયાકાશને વિષે અતિશે તેજ દેખાય છે, જેમ ચોમાસાને વિષે આકાશમાં વાદળાં છાઈ રહ્યાં હોય તેમ મારા હૃદયને વિષે એકલું તેજ વ્યાપી રહ્યું છે, અને તે તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે ને તે મૂર્તિ ઘનશ્યામ છે તોપણ અતિશે તેજે કરીને શ્યામ નથી જણાતી; અતિશે શ્વેત જણાય છે, ને તે મૂર્તિ દ્વિભુજ છે, અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશે મનોહર છે પણ ચાર ભુજા કે અષ્ટ ભુજા કે સહસ્ર ભુજા તે એ મૂર્તિને નથી; એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે, તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી દેખાય છે ને ક્યારેક હરતી-ફરતી દેખાય છે ને એ મૂર્તિને ચારે કોરે મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં છે તે સર્વ મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે, તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહિ અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ-ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થાશે નહિ; સહેજે જિતાઈ જશે. (૧) અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ, તથા બ્રહ્મ કહીએ, ને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિષે જે ભગવાનની મૂર્તિ છે, તેને આત્માનું તત્ત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ, તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઇચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિષે પ્રગટ થાય છે. તે ભગવાન ક્યારેક તો બે તત્ત્વને ગ્રહણ કરીને પ્રગટ થાય છે ને ક્યારેક ચાર તત્ત્વને ગ્રહણ કરીને પ્રગટ થાય છે અને ક્યારેક પાંચ તત્ત્વને ગ્રહણ કરીને પ્રગટ થાય છે અને ક્યારેક ચોવીશ તત્ત્વને ગ્રહણ કરીને પ્રગટ થાય છે ને ક્યારેક તો કૈવલ્યપણે પ્રગટ થાય છે, માટે આ લોકને વિષે મનુષ્ય જેવા જણાય છે તોપણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે :
न तद् भासयते सूर्यो न शशांको न पावक: ।
यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ।।
માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તોપણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે અને ભગવાન જે મનુષ્યદેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિષે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે ને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે, માટે ભગવાન તો મનુષ્યદેહ ધારણ કરે છે તોપણ કૈવલ્ય રૂપે જ છે અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે અને તે ભગવાનનાં વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાનાદિક જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચવિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે; તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિષે પડી રહે છે, તે જેમ શ્રીકૃષ્ણની મૂર્તિને ખોળામાં લેઈને રુક્મિણીજી બળી મૂઆં, તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિષે બળી ગયો, એમ પણ થાય. અને ક્યારેક તો હાડ-માંસ સહિત દિવ્યભાવ પામીને કાંઈ રહે નહિ; અંતર્ધાન થઈ જાય. અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે, ને ક્યારેક તો પોતાની ઇચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે છે, એમ એ ભગવાનના જન્મ ને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દૃઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિષે નહિ થાય. (૨) ને એ ભગવાનના સ્વરૂપની દૃઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહિ અને તમે એમ કહેશો જે, અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દૃઢતા છે તોપણ પ્રાણ-ઇન્દ્રિયો કેમ લીન નથી થાતાં ? તો એ તો પરમેશ્વરની ઇચ્છાએ કરીને એમ રહ્યું છે એમ સમજવું, પણ તેને કાંઈ કરવું રહ્યું નથી; એ તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દૃઢતા હોય ને કદાચિત્ જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ ને નિઃસ્નેહ એમાં કાંઈક થોડીઘણી કાચ્યપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી, પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો ને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધ કર્મને વશ થઈને જો કોઈક નીચ-ઊંચ દેહની પ્રાપ્તિ થાય તોપણ વૃત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહિ, તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તોપણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહિ એવું આ જ્ઞાનનું અતિશે માહાત્મ્ય છે. અને નારદ-સનકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે અને આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ, અને સદ્ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજ્યામાં આવે છે; પણ પોતાની બુદ્ધિ બળે કરીને સદ્ગ્રંથોમાંથી પણ સમજાતી નથી અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજ્યામાં આવ્યું છે તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણે કાળને વિષે દૃષ્ટિ પહોંચતી હોય તોપણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહિ, અને કોઈને વર કે શાપ દે નહિ ને કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા, ને કોઈ ઠેકાણે નિર્ભય રહે ને કોઈ ઠેકાણે બીએ પણ ખરા, પણ તેણે કરીને પોતે કાંઈ હર્ષ-શોક મનમાં લાવે નહીં. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દૃઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહિ પણ કદાચિત્ ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય, તોપણ તે દૃઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહિ, માટે એ જે ભગવાનનો દૃઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય; જુઓને અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કાંઈ સ્વાર્થ સાધવો નથી, તોપણ કોઈને બોલાવીએ છીએ, કોઈને વઢીએ છીએ ને કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એ જ પ્રયોજન છે જે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય, માટે આ વાર્તા છે તે સર્વે દૃઢ કરીને રાખજ્યો. અને જે તેજને વિષે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજ્યો, ને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજ્યો જે, અક્ષરરૂપ જે તેજ તેને વિષે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો, તોપણ તમારે મારે વિષે હેત રહેશે તેણે કરીને તમારું પરમ કલ્યાણ થાશે અને આ વાતને નિત્યે નવી ને નવી રાખજ્યો પણ ગાફલપણે કરીને વિસારી દેશો મા, આજ છે તેવી જ કાલ નવી ને નવી રાખજ્યો અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજ્યો, અને જે જે ભગવાનની વાત કરો તે તે વાતને વિષે આ વાતનું બીજ લાવજ્યો, એમ અમારી આજ્ઞા છે, અને આ વાર્તા એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી, અને દેહ મૂકીને ભાગવતીતનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે, ને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે, ને અનુભવમાં પણ એમ જ દૃઢ છે, અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. ને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે, એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હવા જે, જે તેજને વિષે મૂર્તિ કહી તે જ આ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧૩।। (૧૪૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પોતાને મિષે પોતાના મુક્તની સ્થિતિ કહી છે જે અમારા મુક્તને સારા-નરસા વિષય, માન-અપમાન, કચરો-કંચન સમ વર્તે છે અને વૈરાગ્યાદિક સાધનનો ભાર નથી રહેતો અને બળાત્કારે વૃત્તિને વિષય સન્મુખ જોડે તો માંડમાંડ જોડાઈને પાછી વળી આવે છે તેનું કારણ એ છે જે, અમારા તેજમાં દિવ્ય તેજોમય દ્વિભુજ મૂર્તિ, સૌમ્ય ને કિશોર એવા અમને સદાય દેખે છે, એવી રીતે અમને જાણે ને દેખે તેને પણ ક્યાંય આસક્તિ રહે નહીં. (૧) અને એ અમારા પ્રકાશનાં આત્મા, બ્રહ્મ ને અક્ષરધામ એ ત્રણ નામ છે અને અમારાં પરમાત્મા, પરબ્રહ્મ ને પુરુષોત્તમ એ ત્રણ નામ છે, અને અમે જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ, અને ક્યારેક તત્ત્વને ગ્રહણ કરીને પ્રગટ થઈએ છીએ અને ક્યારેક કૈવલ્યપણે પ્રગટ થઈએ છીએ, અને આ લોકને વિષે મનુષ્ય જેવા દેખાઈએ છીએ, પણ અક્ષરધામના પતિ છીએ, અને શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કહ્યું છે કે અમે અક્ષરાતીત કહેતાં અમારા તેજરૂપ અક્ષરધામ તેથી અતીત એટલે પર છીએ ને કૈવલ્યમૂર્તિ છીએ ને અમારું ધ્યાન કરનારાને કૈવલ્ય રૂપે દર્શન આપીએ છીએ ને તે પરમપદને પામે છે અને અમારા સંબંધને પામે તે જગ્યા, પદાર્થ ને સેવક તે સર્વે નિર્ગુણ થાય છે. અમને આવા જાણે છે તે સ્વતંત્ર થાય છે. અને અમે સર્વ અવતારના કારણ છીએ, ને સર્વ અવતાર અમારામાંથી પ્રગટ ને અમારામાં લીન થાય છે. અને અમારી પ્રગટ થવાની તથા અંતર્ધાન થવાની રીત અલૌકિક છે. ત્યાં શ્રીકૃષ્ણ ભગવાનના દેહ ત્યાગ કર્યાનું દૃષ્ટાંત આપ્યું છે અને આવા અમને સમજે તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય નહીં. (૨) અને આ વાર્તા સદ્ગ્રંથોમાં હોય પણ અમારા ધામમાંથી આવેલા મુક્તના મુખ થકી જ સમજાય છે અને આવું અમારું સ્વરૂપ સમજ્યામાં આવે તેને ત્રિકાળદૃષ્ટિનો ગર્વ કે હર્ષ-શોક હોય નહિ ને આવો નિર્વિઘ્ન માર્ગ બીજો નથી, માટે આ વાર્તા દૃઢ કરીને રાખજ્યો. અને તેજમાં મૂર્તિ કહી તે અમે પોતે જ છીએ એમ જાણજ્યો ને આ વાતનું બીજ લાવજો, એટલે જે જે વાત કરો તેમાં અમે સર્વેથી પર ને સર્વેના કારણ છીએ અને અમારા તેજરૂપ અક્ષરધામમાં સદાય વિરાજમાન છીએ એ વાત લાવજ્યો. (૩) બાબતો છે.
૧ પ્ર. મોટેરા હોય તે આગળ બેસો એમ કહ્યું તે મોટેરા કોને જાણવા ?
૧ ઉ. પોતાના સિદ્ધમુક્તો જે આ વાતમાં સમજે છે તેમને આ ઠેકાણે મોટેરા કહ્યા છે.
૨ પ્ર. પહેલી બાબતમાં આ વાત સભામાં કર્યા જેવી નથી એમ કહ્યું તેનું શું કારણ હશે ?
૨ ઉ. પોતે પોતાનાં વખાણ સભામાં ન કરવાં એમ પોતાના આશ્રિતોને સૂચવ્યું છે.
૩ પ્ર. અમારા જીવને બાંધવાને ઇચ્છીએ તોપણ નથી બંધાતો એમ કહ્યું તે શ્રીજીમહારાજ તો સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તેમણે પોતાને જીવ કેમ કહ્યા હશે ?
૩ ઉ. જે આધાર, વ્યાપક ને પ્રકાશક હોય તે જીવ કહેવાય તે જેમ આ દેહનો પ્રકાશક ને હલાવનાર-ચલાવનાર ચૈતન્ય છે તેને જીવ કહેવાય છે, તેમ શ્રીજીમહારાજ જીવ, ઈશ્વર, બ્રહ્મ, અક્ષરાદિક સર્વના આધાર, આત્મા, વ્યાપક ને પ્રકાશક છે, એવી રીતે સર્વને જિવાડનારા હોવાથી જીવ કહ્યા છે.
૪ પ્ર. સર્વે હરિભક્ત સરખા જણાય છે પણ નાનામોટા નથી જણાતા એમ કહ્યું તેનું શું કારણ હશે ?
૪ ઉ. જે ભક્ત અંતરવૃત્તિ કરીને શ્રીજીમહારાજની મૂર્તિને દેખે ત્યારે તે ભક્તને સારા-નરસા વિષય તથા નાનામોટા, રાજા-રંક, માન-અપમાન, કચરો-કંચન એ સર્વે સમ થઈ જાય છે તે એવા ભક્તને ભેદ રહેતો નથી એમ કહ્યું છે પણ નાનામોટા એવો ભેદ નથી એમ નથી કહ્યું; ભેદ તો સદાય છે જ અને જ્ઞાન-વૈરાગ્યાદિક સાધનોનો ભાર એટલે મહત્તા રહેતી નથી પણ સાધન મૂકી દે છે એમ ન જાણવું.
૫ પ્ર. જ્ઞાન-વૈરાગ્યાદિકનાં રૂપ શાં હશે ?
૫ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિ વિના શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને વિષે પણ પ્રીતિ નહિ તે વૈરાગ્યનું રૂપ છે. અને સ્થૂળ દેહે કરીને શ્રીજીમહારાજનાં નાનાંમોટાં વચન પાળવાં તથા અંતઃકરણમાં શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ ન થાય તે સદ્ધર્મનું રૂપ છે. અને શ્રીજીમહારાજનાં તેજરૂપ જે બ્રહ્મ તે રૂપ પોતાને માનવું તે આંહીં જ્ઞાનનું સ્વરૂપ છે.
૬ પ્ર. મૂર્તિ ઘનશ્યામ છે પણ અતિશે તેજે કરીને શ્વેત જણાય છે એમ કહ્યું તે મૂર્તિને ઘનશ્યામ કહી ને તેજને શ્વેત કહ્યું તે ઘનશ્યામ મૂર્તિનું તેજ શ્વેત શી રીતે હોવું જોઈએ ?
૬ ઉ. અમે આંહીં મનુષ્યભાવે ઘનશ્યામ દેખાઈએ છીએ પણ જેને અમારે વિષે સ્થિતિ થાય છે તે અમને અમારા તેજમાં જેવા શ્વેતમૂર્તિ છીએ તેવા જ દેખે છે, માટે મનુષ્યભાવે શ્યામ જણાઈએ છીએ એમ કહ્યું છે.
૭ પ્ર. અમે માતાના ઉદરને વિષે ભગવાનની મૂર્તિ દેખતા એમ કહ્યું અને (અ. ૭/૧માં) અમે એક જ ભગવાન છીએ એમ કહ્યું છે તે પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું ?
૭ ઉ. આ ઠેકાણે શ્રીજીમહારાજે પોતાના મુક્તની સ્થિતિ કહી છે જે અમારા મુક્ત હોય તે અમારી મૂર્તિને સદાય દેખે છે એમ કહ્યું છે.
૮ પ્ર. બીજી બાબતમાં રામકૃષ્ણાદિક રૂપે અમે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું તે રામકૃષ્ણાદિક રૂપે કેવી રીતે પ્રગટ થાતા હશે ?
૮ ઉ. રામકૃષ્ણાદિક અવતારોને વિષે પોતાની અંતર્યામી શક્તિ દ્વારે રહ્યા છે તેથી એ રૂપે થાય છે એમ જાણવું તે (પ્ર. ૩૩ના સાતમા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે અને તે અવતારો તેમના ધામમાં લઈ જાય એટલું કલ્યાણ કરે છે પણ આત્યંતિક કલ્યાણ તો શ્રીજીમહારાજ તથા એમના મુક્ત જ કરે પણ બીજાથી ન થાય.
૯ પ્ર. ક્યારેક બે તત્ત્વનું, ક્યારેક ચાર તત્ત્વનું, ક્યારેક પાંચ તત્ત્વનું ને ક્યારેક ચોવીશ તત્ત્વનું ગ્રહણ કરીને પ્રગટ થઈએ છીએ અને ક્યારેક કૈવલ્યપણે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૯ ઉ. શ્રીજીમહારાજ પ્રકૃતિપુરુષ થકી સૃષ્ટિ કરે છે તે સૃષ્ટિમાં અનુક્રમે તથા કૈવલ્યપણે અવતાર ધારે છે એમ (પ્ર.૬૩ના ચોથા પ્રશ્નમાં) કહ્યું છે તે જ્યારે અનુક્રમે અવતાર ધારે છે ત્યારે પ્રકૃતિપુરુષ દ્વારે ધારે છે તે એક તત્ત્વ પુરુષ ને બીજું તત્ત્વ પ્રકૃતિ એમ બે તત્ત્વ કહ્યાં છે અને પ્રધાનપુરુષ દ્વારે ધારે ત્યારે તે પ્રધાનપુરુષમાં પ્રકૃતિ અને પુરુષ બેનો પ્રવેશ હોય છે, માટે એ બે તત્ત્વ ને પ્રધાન ને પુરુષ એ બે તત્ત્વ મળીને ચાર તત્ત્વ કહ્યાં છે અને મહત્તત્ત્વ દ્વારે અવતાર ધારે ત્યારે તે મહત્તત્ત્વ મળીને પાંચ કહ્યાં છે અને વૈરાજ રૂપે ધારે ત્યારે ચોવીશ તત્ત્વનું ગ્રહણ કરીને પ્રગટ થાય છે એમ કહ્યું છે એવી રીતે તત્ત્વનું ગ્રહણ કરે છે એમ જાણવું, અને જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા સારુ પોતે આવે તે કૈવલ્ય રૂપે પ્રગટ થાય છે એમ કહ્યું છે.
૧૦ પ્ર. સર્વ અવતાર અમારે વિષેથી પ્રગટ થાય છે ને પાછા અમારે વિષે લીન થાય છે એમ કહ્યું તે પ્રગટ ને લીન કેવી રીતે થાતા હશે ?
૧૦ ઉ. શ્રીજીમહારાજની મૂર્તિમાં અનાદિમુક્તો રહ્યા છે તે મુક્તો જીવોના મોક્ષ કરવા શ્રીજીમહારાજના સંકલ્પથી આંહીં દર્શન આપે છે અને જીવોનો ઉદ્ધાર કરીને અંતર્ધાન થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થઈ જાય છે એવી રીતે મુક્ત દ્વારે પ્રગટ થાય છે અને જેમ લોઢામાં અગ્નિ જ્વાળા દ્વારે આવે છે ને પાછો નીકળી જાય છે તેમ બીજા અવતારોમાં પોતાનું ઐશ્વર્ય મૂકે છે ને પાછું લઈ લે છે એમ પ્રગટ ને લીન સમજવું.
૧૧ પ્ર. આવી રીતે અમારા સ્વરૂપની દૃઢતા હોય તેને કદાચિત્ નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ, નિઃસ્નેહ એમાં થોડી-ઘણી કાચ્યપ રહી જાય તેની કાંઈ ચિંતા નથી એમ કહ્યું તે કાચ્યપ કેટલી હોય તો વાંધો ન રહે ?
૧૧ ઉ. શ્રીજીમહારાજને સર્વેના કારણ ને અવતારી ને સદા દિવ્ય તેજોમય સાકાર મૂર્તિ સમજે તે સ્થૂળ દેહે તો નાનામોટા વચન શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ તથા ધર્મામૃતમાં કહ્યા પ્રમાણે યથાર્થ પાળે પણ સંકલ્પ ટાળી નાખ્યા ન હોય તે કાચ્યપ કહી છે તે કાચ્યપ હશે તોપણ તેનું અંતે પૂરું કરીશું એમ શ્રીજીમહારાજે કહ્યું છે.
૧૨ પ્ર. ત્રીજી બાબતમાં નારદ-સનકાદિક ને બ્રહ્માદિકની સભામાં નિરંતર આ વાર્તા થાય છે એમ કહ્યું અને (મ. ૯/૫માં) નારદ, સનકાદિક ને બ્રહ્માદિક તે આ વાર્તા સાંભળે તો એમ કહે જે આવી વાર્તા અમે કોઈ દિવસ સાંભળી નથી એમ કહ્યું છે તે પરસ્પર વિરોધ આવ્યો તે કેમ સમજવું
૧૨ ઉ. (મ. ૯માં) શ્રીજીમહારાજ તથા મુક્ત પધાર્યા પહેલાંની વાત કરી છે જે અમે મનુષ્ય રૂપે દર્શન નહોતાં આપ્યાં ત્યારે એમણે આ વાત સાંભળી નહોતી અને આજ અમે ને અમારા મુક્ત પધાર્યા ત્યારથી નિરંતર એમની સભામાં આ વાર્તા થાય છે તે (જે. ૫/૩માં) અમારાં ને આ સભાનાં દર્શન કરવા નિરંતર આવે છે તે શ્રીજીમહારાજ તથા મુક્ત પધાર્યા ત્યારથી નિરંતર સમજવું, માટે નવમામાં પોતે પધાર્યા પહેલાંની વાત છે ને આમાં પોતે પધાર્યા પછીની વાત કહી છે.
૧૩ પ્ર. સદ્ગ્રંથમાં વાત હોય તે સત્પુરુષના મુખ થકી સમજાય છે એમ કહ્યું ને તમે ધામમાંથી આવેલા મુક્તથી સમજાય છે એમ કેમ કહ્યું ?
૧૩ ઉ. સત્પુરુષ ‘પ્રગટ થાય છે’ ત્યારે સમજાય છે એમ કહ્યું, તે સાધનિકને ‘પ્રગટ થાય’ એમ કહેવાય નહિ; ધામમાં રહેતા હોય તેને જ ‘પ્રગટ થાય’ એમ કહેવાય. માટે પ્રગટ થાય એમ કહેવાથી જ મુક્તને જ કહ્યા છે એમ જાણવું માટે મહાપ્રભુ વિના કે તેમના મુક્ત વિના આ વાત સમજાતી નથી.
૧૪ પ્ર. તેજમાં મૂર્તિ છે તેને અમે દેખીએ છીએ એમ જાણશો તોપણ તમારું પરમ કલ્યાણ થાશે એમ શ્રીજીમહારાજે કહ્યું તે એમ જાણવાથી પરમ કલ્યાણ શી રીતે થાય ?
૧૪ ઉ. શ્રીજીમહારાજે અમે ભગવાન છીએ એમ કહ્યું તેમાં કેટલાકને સંશય થયો, તેથી શ્રીજીમહારાજે કહ્યું જે અમને ભગવાન ન જાણો તો મુક્ત જાણજ્યો એટલે તમારે મુક્તપણાનું હેત થશે તેણે કરીને વિશ્વાસ આવશે ત્યારે અમારે વિષે ભગવાનપણાની દૃઢતા થાશે ને તમારું પરમ કલ્યાણ થાશે એમ સમજવાનું છે.
૧૫ પ્ર. દૃઢ આશ્રયવાળાને ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને અવળું કર્મ થઈ જાય તોપણ કલ્યાણના માર્ગથી પડી જાય નહિ એમ કહ્યું તે અવળું કર્મ કિયું જાણવું ?
૧૫ ઉ. પંચવર્તમાન માંહીલું કોઈક વર્તમાન લોપાઈ જવાય અથવા કાંઈક પાપ થઈ જાય, એ કર્મ અવળું જાણવું. તોપણ શ્રીજીમહારાજનો દૃઢ આશરો હોય તો કલ્યાણના માર્ગમાં રહે પણ પડી જાય નહિ પણ પાપનો દંડ ભોગવાવીને મોક્ષ કરે ને આ દેહે પ્રાયશ્ચિત્ત ન કરે તો બીજે દેહે પણ પાપનો દંડ ભોગવાવીને મોક્ષ કરે પણ દંડ ભોગવાવ્યા વિના મોક્ષ ન થાય. ।।૧૩।। (૧૪૬)
વચનામૃત ગઢડા મધ્યનું - ૧૪
સંવત ૧૮૭૮ના ભાદરવા સુદિ ૧ પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારણે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો ને તે ફેંટા પર રાતા કર્ણિકારના પુષ્પનું છોગું વિરાજમાન હતું અને સુંદર કુંકુમનો ચાંદલો ભાલને વિષે વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ પ્રકાર છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલ્યે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય, જેમ આ લીંબડાનું વૃક્ષ છે તે એક વાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થાતો નથી જે લીંબડો હશે કે નહિ હોય ? એવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવાં શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહિ એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ; અને એને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ, ને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે, અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિમાર્ગને વિષે વર્તે અથવા પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તે તોપણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. જેમ નારદ ને સનકાદિક એ સર્વે નિવૃત્તિમાર્ગને વિષે પ્રવર્ત્યા અને સપ્તઋષિ તથા જનકાદિક રાજા એ સર્વે પ્રવૃત્તિમાર્ગને વિષે પ્રવર્ત્યા પણ એ સર્વેને ભગવાનના નિશ્ચયે કરીને નિર્ગુણ જાણવા. (૧) અને જે નિવૃત્તિમાર્ગને વિષે પ્રવર્ત્યા હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયિક ગુણે કરીને સગુણ જાણવા. અને એમ જાણવું જે, આ અતિશે ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી માટે એ અજ્ઞાની છે તે જરૂર નરકમાં જાશે; અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કાંઈક થોડીઘણી ખોટ રહી ગઈ હશે તોપણ તે ભૂંડી ગતિને નહિ પામે; તે તો અંતે જાતો નિર્ગુણપણાને જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે સૂધો ત્યાગી રહેતો હોય, ને કામ, ક્રોધ, લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય, તોપણ એના ટાળ્યા કામાદિક નહિ ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જાશે, અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તોપણ એને મોટી બુદ્ધિવાળો જાણવો. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તોપણ તેને બુદ્ધિહીન જાણવો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૪।। (૧૪૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, નિરુત્થાનપણે અમારો નિશ્ચય હોય તે જ તદાત્મકપણું છે ને એ જ નિર્વિકલ્પ સમાધિ છે, ને એ સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે, ને એવા અડગ નિશ્ચયવાળા નિવૃત્તિમાર્ગને વિષે અથવા પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તે તોપણ તે નિર્ગુણ જ છે. (૧) અને જેને આવો નિશ્ચય ન હોય ને તે નિવૃત્તિમાર્ગમાં પ્રવર્ત્યા હોય તોપણ તે સગુણ ને અજ્ઞાની છે ને નરકમાં જાશે. (૨) બાબતો છે.
૧ પ્ર. અમારા સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગે નહિ તેને શ્રીજીએ તદાત્મકપણું કહ્યું તે નિશ્ચય કેવી રીતનો જાણવો ?
૧ ઉ. (મ. ૧૩માં) શ્રીજીમહારાજે વાત કરી હતી એવી રીતે જેની ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વળીને હૃદયને વિષે તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખે, એવા નિશ્ચયને તદાત્મકપણું કહ્યું છે; ને તેને જ નિર્વિકલ્પ સમાધિ કહી છે. અને એવી રીતે મહાતેજરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિને દેખે તે સંતને નિર્ગુણ બ્રહ્મ કહ્યા છે. તે મુક્ત આ પૃથ્વીને વિષે નિવૃત્તિમાર્ગમાં એટલે ત્યાગીના આશ્રમમાં અને પ્રવૃત્તિમાર્ગમાં એટલે ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય તોપણ નિર્ગુણ જ છે.
૨ પ્ર. પહેલી બાબતમાં એ સંતનું સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ જ છે એમ કહ્યું ને બીજીમાં અંતે નિર્ગુણપણાને પામશે એમ કહ્યું તેનું શું કારણ હશે ? અને ભૂંડી ગતિ નહિ થાય તે શું સમજવું ?
૨ ઉ. પહેલી બાબતમાં સ્થિતિએ સહિત નિશ્ચયવાળાને નિર્ગુણ બ્રહ્મ કહ્યા છે, અને બીજી બાબતમાં જ્ઞાને કરીને નિશ્ચય કર્યો હોય પણ સ્થિતિ ન થઈ હોય તેની વાત કહી છે તે જેને સ્થિતિએ સહિત નિશ્ચય ન હોય તેને ખોટ રહી જાય તે ખોટ કઈ તો મહાતેજરૂપ માનીને શ્રીજીમહારાજની મૂર્તિને ધારતો હોય તેમાં માયિક સંકલ્પ કોઈક વખતે સ્ફુરી આવે ને વિક્ષેપ કરે એટલી જ ખોટ કહી છે. એને શ્રીજીમહારાજનો વિયોગ થાય ને ફેર જન્મ ધરવો પડે તેવી ભૂંડી ગતિ નહિ થાય; એનું દેહને અંતે કલ્યાણ થાશે એમ કહ્યું છે. ।।૧૪।। (૧૪૭)
વચનામૃત ગઢડા મધ્યનું - ૧૫
સંવત ૧૮૭૮ના ભાદરવા સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ચાકળો નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, (૧) ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહિ એવો તે કિયો વિચાર છે તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો ? પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું પણ યથાર્થ કોઈથી કહેવાણું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે કહીએ જે, જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈક કામ થાતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા-બોન સામી ગાળો દે પછી તેનો જેમ અતિશે અભાવ આવે છે, અને જે ઉપાયે કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તોપણ અતિશે રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જે કામ, ક્રોધાદિક માંહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય, અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહિ, એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુમાત્રને ટાળે, અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા તે શત્રુને ખોદે તેમાં જેને મોરે કહ્યો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહિ ને સામો તે સાધુનો અતિશે ગુણ લે ને એમ જાણે જે, આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે માટે મારા પરમહેતુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયને વિષે પ્રાપ્ત થયો હોય તે શત્રુમાત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિષે રહી શકે નહીં. અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહિ, માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. (૧)
૨ પછી શ્રીજીમહારાજે વળી પ્રશ્ન કર્યો જે, (૨) ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન ને માહાત્મ્યે સહિત પરમેશ્વરની ભક્તિ એ ચાર વાનાંમાંથી કોઈ કાળે પડે નહિ એવો જે હોય તેને શે લક્ષણે કરીને ઓળખવો ? પછી સર્વે સંતે જેવું જેને સમજાણું તેમણે તેવું કહ્યું પણ કોઈથી યથાર્થ કહેવાણું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં તો દબાય જ નહિ, અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોણેય હાંસી-મશ્કરી થાય નહિ, અને તેને કોણેય હળવું વેણ પણ કહેવાય નહિ, એવાં જેનાં લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન ને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહીં. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય તોપણ તેને કલ્યાણનો ખપ હોય માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૫।। (૧૪૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં સ્વભાવ ઉપર શત્રુપણું રાખે અને સ્વભાવને ખોદે તેનો ગુણ લે તો સર્વે શત્રુ નાશ પામે. (૧) બીજામાં કોઈની છાયામાં દબાય નહિ એવો હોય તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિમાંથી પડે નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે. ।।૧૫।। (૧૪૮)
વચનામૃત ગઢડા મધ્યનું - ૧૬
સંવત ૧૮૭૮ના ભાદરવા સુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર પાસે પાટ ઉપર વિરામજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) એક તો અર્જુનની પેઠે જે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે જે ધર્મનિષ્ઠા એ બે નિષ્ઠા છે તેમાંથી જે સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોળી પડી જાય છે અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય છે માટે એવો શો ઉપાય છે જે, જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોળી ન પડે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પૃથ્વીનો ને ધર્મનો શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધને વિષે સંવાદ છે તેમાં એમ કહ્યું છે જે, સત્ય-શૌચાદિક જે કલ્યાણકારી એવા ઓગણચાળીશ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે માટે સર્વ ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે તે સારુ ભગવાનને ધર્મધુરંધર કહ્યા છે, અને વળી શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધને વિષે શૌનકાદિક ઋષિએ સુતપુરાણીને પૂછ્યું છે જે, ધર્મના બખ્તરરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અંતર્ધ્યાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો ? માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે, તે સારુ જે ભગવાનની મૂર્તિને વિષે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે, માટે જે સ્વરૂપનિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપનિષ્ઠા મોળી પડી જાય છે, તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપનિષ્ઠા જ દૃઢ કરીને રાખવી તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દૃઢપણે રહેશે. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે, (૨) પંચવિષય જિતાય તે વૈરાગ્યે કરીને જિતાય છે કે કોઈ બીજો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વૈરાગ્ય હોય અથવા ન હોય પણ જો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિષે ખબડદાર રહે તો પંચવિષય જિતાય છે અને જો શબ્દ થકી વૈરાગ્યે કરીને વૃત્તિ પાછી વાળે તો ઘણો પ્રયાસ કરે તોપણ શબ્દ સંભળાય ખરો અને કાનને બીડી લે તો સહેજે શબ્દ સંભળાય નહિ, તેમ જ અયોગ્ય પદાર્થને ત્વચાએ કરીને અડે નહિ તો સહેજે સ્પર્શ જિતાય, તેમ જ અયોગ્ય વસ્તુ હોય તેને નેત્રે કરીને જુએ નહિ તો સહેજે રૂપ જિતાય, તેમ જ જે સ્વાદુ ભોજન હોય તેને મેળાવી પાણી નાખીને જમે તથા યુક્ત આહાર કરે એટલે સહેજે જ રસ જિતાય, તેમ જ અયોગ્ય ગંધ હોય ત્યાં નાકને બીડી લે તો સહેજે ગંધ જિતાય, એવી રીતે નિયમે કરીને પંચવિષય જિતાય છે અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહિ, માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલ જે નિયમ તે જ છે, તેમાં પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઊગર્યાનો ઉપાય છે, જેમ માંદો હોય તે કરી પાળીને ઔષધ ખાય તે જ નીરોગી થાય. (૨)
૩ પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) માંદાને તો કરીનો નિયમ હોય જે આટલા દિવસ જ કરી રાખવી તેમ કલ્યાણના સાધનનો કોઈ નિયમ છે કે નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને શ્રદ્ધા મંદ હોય તેને તો ઘણેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે તે ભગવદ્ગીતામાં કહ્યું છે જે, अनेक जन्म संसिद्धस्तो याति परां गतिम् ।। એ શ્લોકમાં એમ કહ્યું છે જે, અનેક જન્મે કરીને સંસિદ્ધ થયો જે યોગી તે જે તે પરમપદને પામે છે એ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે. અને જેને બળવાન શ્રદ્ધા હોય તે તો તત્કાળ સિદ્ધ થાય છે. તે પણ ગીતામાં કહ્યું છે :
श्रद्धावान् लभते ज्ञानं तत्पर: संयतेंद्रिय: । ज्ञानं लब्ध्वा परां शांतिमचिरेणाधिगच्छति ।।
એ શ્લોકનો એમ અર્થ છે જે, નિયમમાં છે ઇન્દ્રિયો જેનાં ને શ્રદ્ધાવાન એવો જે પુરુષ તે જ્ઞાનને પામે છે ને જ્ઞાનને પામીને તત્કાળ પરમપદને પામે છે. માટે જે અતિશે શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. અને જેને મંદ શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે, જેમ કોઈક પુરુષ કાશીએ જાતો હોય ને તે આખા દિવસમાં બે ડગલાં ચાલતો હોય તેને તો કાશીએ જાતાં બહુ દિવસ લાગે અને જે વીશવીશ ગાઉ ચાલવા માંડે તે તો આંહીંથી કાશીએ થોડા દિવસમાં પહોંચે તેમ જેને શ્રદ્ધા બળવાન છે તે તો હમણાં તરત સત્સંગી થયો હોય તોપણ અતિશે સરસ થઈ જાય છે અને જેને શ્રદ્ધા મંદ હોય તે તો ઘણા કાળ થયાં સત્સંગી થયો હોય તોય પણ લોચોપોચો રહે છે. (૩)
૪ પછી શ્રી ગુરુચરણરતાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૪) જ્યારે મંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સુંદર દેવલોક હોય ત્યાં જઈને રહે છે. અને જ્યારે એ ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે એ ભક્ત ભગવાન સામું જોતો ત્યારે ભગવાન પણ તે ભક્ત સામું જોતા, પછી ભગવાનનું ધ્યાન કરતા થકા જે જે વિષયનું એણે ચિંતવન કર્યું હતું અને જે જે વિષયમાં એ ભક્તને હેત હતું, તે ભગવાન સર્વે નજરે જોઈને અને એ દેહ મૂકે ત્યારે એને જેવા ભોગ વહાલા છે તેવા ભોગ જે લોકમાં છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે, અને કાળને એમ આજ્ઞા કરે છે જે, એ ભક્તના ભોગને તું ખંડન કરીશ મા, માટે તે નિરંતર દેવલોકમાં રહ્યો થકો ભોગને ભોગવે છે પછી મર્ત્યલોકમાં આવીને અનેક જન્મે કરીને મોક્ષને પામે છે. (૪)
૫ પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે, (૫) તીવ્ર શ્રદ્ધાવાન પુરુષનાં લક્ષણ શાં છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત્ કથા-વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસીપૂજા કરવી હોય ઇત્યાદિક જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારુ સ્નાનાદિક જે પોતાની દેહક્રિયા તેને અતિશે ઉતાવળો થઈને કરે; અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઈ જાય અને મોટું માણસ હોય તોપણ ભગવાનનાં દર્શન સારુ બાળકની પેઠે આકળાઈ કરવા માંડે; એવાં જેનાં લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો. અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે. અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેનાં ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય જે આની ઇન્દ્રિયોનો વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે, અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે; જેમ વાયુ દેખાય નહિ પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે વાયુ વાય છે; તેમ ઇન્દ્રિયોની વૃત્તિઓ દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે; અને જો કપટે કરીને તે ઢાંકવા જાય તો કપટી જાણી ને તેનો સૌને અતિશે અવગુણ આવે છે; માટે જેનાં ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહીં. (૫)
૬ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૬) વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા તેને ટાળ્યાનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે ,ઇન્દ્રિયોની તીક્ષ્ણતાને મટ્યાનો એ જ ઉપાય છે જે, પરમેશ્વરે ત્યાગીના ને ગૃહસ્થના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયોને મરડીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય અને શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના ને ઘ્રાણ એ પાંચે ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જાવા દે ત્યારે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય છે, તે કેડે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે; માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તોપણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્યે કરીને વિષય જિતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જિતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ છે તેને અતિ દૃઢ કરીને રાખવા. (૬)
૭ પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે; (૭) જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો ભગવાનનું માહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે, જેમ પાણી પીવાનું વાસણ મૃત્તિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહિ અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય, તેમ ભગવાનનું તથા ભગવાનની કથા-કીર્તનાદિકનું માહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા-કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે, માટે જે પ્રકારે ભગવાનનું માહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તોપણ શ્રદ્ધા થાય છે અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૧૬।। (૧૪૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૭) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા સ્વરૂપની દૃઢ નિષ્ઠા હોય તો તે ભેળી ધર્મનિષ્ઠા રહે. (૧) બીજામાં નિયમે કરીને વિષય જિતાય છે. (૨) ત્રીજામાં અતિશે શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. (૩) ચોથામાં મંદ શ્રદ્ધાવાળો અનેક જન્મે મોક્ષને પામે. (૪) પાંચમામાં તીવ્ર શ્રદ્ધાવાન પુરુષનાં લક્ષણ કહ્યાં છે. (૫) છઠ્ઠામાં ઇન્દ્રિયોને વશ કરીને અમે કહેલા નિયમમાં રાખે તો વિષય જિતાય છે. (૬) સાતમામાં અમારું માહાત્મ્ય જાણે તો શ્રદ્ધા વૃદ્ધિ પામે એમ કહ્યું છે. (૭) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં સ્વરૂપનિષ્ઠા કહી તે સ્વરૂપનિષ્ઠાનું શું રૂપ હશે ? અને ધર્મનિષ્ઠાનું શું રૂપ હશે ?
૧ ઉ. પોતે અક્ષરધામરૂપ થઈને તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર થાય તે સ્વરૂપનિષ્ઠા જાણવી. અને શ્રીજીમહારાજે ત્યાગી-ગૃહીના જે જે ધર્મ કહ્યા છે તેને આપત્કાળમાં પણ સ્થૂળ-સૂક્ષ્મ દેહે કરીને યથાર્થ પાળે તે ધર્મનિષ્ઠા જાણવી.
૨ પ્ર. ચોથા પ્રશ્નમાં સુંદર દેવલોક કહ્યા તે કિયા જાણવા ?
૨ ઉ. પ્રધાનપુરુષ તથા પ્રકૃતિપુરુષના લોકને આ ઠેકાણે સુંદર દેવલોક કહ્યા છે.
૩ પ્ર. જેવા ભોગ વહાલા છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે એમ કહ્યું તે ધ્યાનમાં ઘાટ તો થાય પણ જે ભોગના ઘાટ થતા હોય ને તે ભોગની ઇચ્છા ન હોય, તેની દાઝ્ય થતી હોય ને ટાળવાની ઇચ્છા હોય તેની શી ગતિ થાય ?
૩ ઉ. આવી સમજણવાળો યોગભ્રષ્ટ કહેવાય માટે તેને એકાદો જન્મ ધરવો પડે અથવા શ્રીજીમહારાજ કૃપા કરે તો અંતે નિર્વાસનિક કરીને ધામમાં લઈ જાય. ।।૧૬।। (૧૪૯)
વચનામૃત ગઢડા મધ્યનું - ૧૭
સંવત ૧૮૭૮ના આસો વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાની આગળ મશાલ બે બળતી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને કીર્તન ગવાતાં હતાં.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કીર્તન ગાવા રહેવા દો, પ્રશ્ન-ઉત્તર કરીએ. પછી સર્વે મુનિ બોલ્યા જે, ઘણું સારું મહારાજ. પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાનાં ચોવીશ તત્ત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્ત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે એ બે પ્રકારના ભક્ત છે તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, જે ભગવાનને વિષે માયિક ચોવીશ તત્ત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્ત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સાંખ્યવાળે ચોવીશ જ તત્ત્વ કહ્યાં છે તે સાંખ્યને મતે ત્રેવીશ તત્ત્વ ને ચોવીશમો ક્ષેત્રજ્ઞ જે જીવ-ઈશ્વરરૂપ ચૈતન્ય તે છે એ રીતે ચોવીશ તત્ત્વ કહ્યાં છે, કેમ જે ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞને તો અન્યોન્ય આશ્રયપણું છે તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહિ ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહિ તે માટે તત્ત્વ ભેળા જ જીવ-ઈશ્વરને કહ્યા છે અને ભગવાન છે તે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેયના આશ્રય છે માટે ભગવાન થકી માયિક તત્ત્વ જુદાં કેમ કહેવાય ? અને જેમ આકાશ છે તેને વિષે ચાર તત્ત્વ રહ્યાં છે તોપણ આકાશને કોઈનો દોષ અડતો નથી તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયિક તત્ત્વનો એકેય દોષ અડતો નથી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તેમાં ચોવીશ તત્ત્વ કહીએ તેમાં શો બાધ છે ? અને તત્ત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયું ? (૧)
૨ પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું જે, (૨) જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્ત્વે સહિત સમજવું કે તત્ત્વે રહિત સમજવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે સહિત સમજે છે તે પણ પાપી છે અને જે તત્ત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્ત્વ છે કે નથી એવું ચૂંથણું કરવુંગમે જ નહિ; ભક્ત હોય તે તો એમ જાણે જે, ભગવાન તે ભગવાન એને વિષે ભાગ-ત્યાગ કર્યાનો માગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો. અને જેને એવી એક મતિ હોય તેને સ્થિતપ્રજ્ઞ જાણવો. અને જે પુરુષને ભગવાનને વિષે એવી દૃઢ મતિ છે તેને ભગવાન સર્વે પાપ થકી મુકાવે છે, તે ભગવાને ભગવદ્ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે :
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुच:।।
અને આ સંસારમાં પણ એ રીત છે જે, જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહિ, જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારુ પતિનો દોષ ગ્રહણ કરતી નથી તથા બીજા પણ ગૃહસ્થ હોય તે પોતાના ભાઈ, ભત્રીજા, દીકરા ઇત્યાદિક જે સંબંધી તેને વિષે જો પોતાનો અતિશે સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય જે ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહિ, જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો જે ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો ? પણ શુકજીને લેશમાત્ર સંશય થયો નહિ અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ન થયો જે, ભગવાન હોય તો આમ કેમ કરે ? એવો કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ભગવાન કુબજ્યાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા તોપણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહિ, અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો, અને સામું ગોપીઓનું માહાત્મ્ય અતિશે સમજ્યા, માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશે શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભમે નહિ, અને ભગવાનના જે દૃઢ ભક્ત હોય તેનું જે માહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે પછી શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિષે દૃઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણે, અને દૃઢ મતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિષે દૃઢ મતિ પણ કરી શકે નહિ અને જે દૃઢ મતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહિ અને હરિજનનું માહાત્મ્ય પણ જાણે નહિ, માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને માહાત્મ્ય પણ તે જ જાણે, જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશે માહાત્મ્ય જાણ્યું, તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું માહાત્મ્ય જાણ્યું. અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વે ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે તોપણ નિર્વિકાર છે ને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ, સૂક્ષ્મ ને કારણના વિકાર નથી અડતા તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું ? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે, એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતપ્રજ્ઞ જાણવો, જેમ પોતાના આત્માને વિષે જેને સ્થિતિ હોય તે પણ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિષે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય તેનું ગાન કરે તેમ જ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે, અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમ જ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્રને વિષે યોગ્ય-અયોગ્ય એવો ઘાટ ઘડે નહિ, એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિષે સ્થિતપ્રજ્ઞ જાણવો. અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિષે દૃઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૭।। (૧૫૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે સાંખ્યમત કહેવાપૂર્વક પોતાનો સિદ્ધાંત કહ્યો છે જે, અમે સર્વને વિષે અંતર્યામીપણે રહ્યા છીએ પણ આકાશની પેઠે નિર્લેપ છીએ. (૧) બીજામાં અમને તત્ત્વે સહિત અને રહિત સમજનાર પાપી છે અને અમારે વિષે ભાગ-ત્યાગ નથી ને અનંત બ્રહ્માંડના આત્મા છીએ અને અમારા સ્વરૂપને વિષે ઉત્થાને રહિત ભક્ત નિર્વિકલ્પ સમાધિવાળો ને સ્થિતપ્રજ્ઞ છે એને અમે સર્વ પાપ થકી મુકાવીએ છીએ, જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને મુકાવ્યા તેમ. અને જેમ સાંસારિક સ્વાર્થવાળા સંબંધીનો અવગુણ લેતા નથી, તેમ અમારા થકી અભયપદરૂપી સ્વાર્થ જાણ્યો હોય તેને અમારો અવગુણ આવે નહિ, જેમ શુકજી આદિકને ન આવ્યો તેમ. અને જેને અમારો અચળ આશ્રય હોય તેને મતિ ભ્રમે નહિ ને અમારા દૃઢ ભક્તને ઓળખે ને પરસ્પર માહાત્મ્ય જાણે, જેમ ઉદ્ધવજી તથા ગોપીઓએ જાણ્યું તેમ. અને મૂળઅક્ષરાદિક સર્વે ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છીએ તોપણ નિર્વિકાર છીએ અને આત્મનિષ્ઠને વિકાર નથી અડતો તો પુરુષોત્તમ એવા જે અમે તે અમને તો અડે જ કેમ ? એમ સમજનાર ભક્તને સ્થિતપ્રજ્ઞ જાણવો અને આત્માને વિષે સ્થિતિવાળો સ્થિતપ્રજ્ઞ કહેવાય, તેમ અમારા યોગ્ય-અયોગ્ય ચરિત્રમાં સંશય ન કરે તેને અમારે વિષે સ્થિતપ્રજ્ઞ જાણવો. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં તત્ત્વે સહિત ને તત્ત્વે રહિત સમજે તે બેયને પાપી કહેવાનો શો હેતુ હશે ?
૧ ઉ. તત્ત્વે સહિત સમજનારા શ્રીજીમહારાજને માયિક સમજે અને તત્ત્વે રહિત સમજનારા નિરાકાર સમજે, પણ શ્રીજીમહારાજની મૂર્તિને વિષે ભાગ-ત્યાગ નથી; સદાય દિવ્યમૂર્તિ જ છે, એમ ન સમજે તેથી પાપી કહ્યા છે.
૨ પ્ર. આમાં આત્મનિષ્ઠ પુરુષને વિકાર અડતા નથી એમ કહ્યું તે આત્મનિષ્ઠા કેવી જાણવી ? અને વિકાર કેવી રીતે નહિ અડતા હોય ?
૨ ઉ. ત્રણ દેહથી નોખો જે પોતાનો આત્મા તેમાં સ્થિતિ તે આત્મનિષ્ઠા આ ઠેકાણે કહી છે. અને વિકાર અડતા નથી એટલે એના વિકાર ટળી જાય છે એમ જાણવું, પણ આજ્ઞા વિરુદ્ધ ક્રિયા કરે ને પાપ ન લાગે તથા વિકાર ન ઊપજે એમ કહ્યું નથી, માટે આત્મનિષ્ઠ પુરુષ તો આજ્ઞા પ્રમાણે વર્તે તેને જ (મ. ૫૧ના બીજા પ્રશ્નમાં) કહ્યો છે માટે આજ્ઞા વિરુદ્ધ વર્તે તેને આત્મનિષ્ઠ ન જાણવો. ।।૧૭।। (૧૫૦)
વચનામૃત ગઢડા મધ્યનું - ૧૮
સંવત ૧૮૭૮ના માગશર વદિ ૬ છઠ્ઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઈ ઓઢી હતી અને મસ્તક ઉપર ધોળો ફેંટો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું જે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કિયો છે તો જેને પરમેશ્વરની ભક્તિ નહિ ને ભગવાન સર્વેના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિતપાવન છે, અધમઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૃદયમાં વિશ્વાસ નહિ, તે એવા તો આ સંસારમાં બે મત છે : એક તો નાસ્તિકનો ને બીજો વેદાંતીનો - એ બે અતિ કુસંગ છે, અને પંચમહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય તથા બાળહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્યા ઇત્યાદિક જે મોટાં પાપ તેના કરનારાનો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ, શા માટે જે એની સમજણ વેદ, શાસ્ત્ર ને પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે, રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ ભગવાન એ તો રાજા હતા ને શ્રીકૃષ્ણે દૈત્ય માર્યા તથા પરસ્ત્રીના સંગ કીધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે, એવી રીતે અધમઉદ્ધારણ ને પતિતપાવન એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને વિષે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે જે, જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય, એવી રીતે અનંત ભગવાન માન્યા છે પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે, માટે એ મત છે તે અતિ ભૂંડો છે અને વેદાંતી છે તે તો એમ સમજે છે જે, બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે, ને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે માટે જ્યારે એમ સમજ્યા જે, હું બ્રહ્મ છું ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહીં. અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહિ, એમ માનીને પછી પાપ કરતાં પણ બીએ નહિ અને મનમાં એમ સમજે જે, આપણ નિર્ગુણ માર્ગને પામ્યા છીએ માટે આપણે ફરીને જન્મ નહિ ધરવો પડે પણ મૂર્ખા વેદાંતી એટલો તપાસ કરતા નથી જે, માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણે કરીને જન્મમરણ ઠેરાણું, કેમ જે એ મૂર્ખા એમ કહે છે જે, બ્રહ્મ છે તે જ સ્થાવર જંગમરૂપ થયા છે ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મમરણ હોય તે જન્મમરણ બ્રહ્મને માથે આવ્યું ને એ મૂર્ખા તો એમ જાણે છે જે અમે જન્મમરણથી છૂટશું પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મમરણ સાચું થયું ત્યારે આપણ પણ ઘણું સમજશું તો પોતાને બ્રહ્મરૂપ માનશું તોપણ જન્મમરણ નહિ ટળે, માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે તોપણ કાંઈ તપાસીને જોતા નથી અને જીભે તો એમ બકે છે જે આપણ તો બ્રહ્મ સ્વરૂપ છીએ તે કેનું ભજન કરીએ ? અને કેને નમસ્કાર કરીએ ? એમ માનીને અતિશે અહંકારી થઈ જાય છે અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નથી ને મૂર્ખ છે માટે જ્ઞાનીનું માન લઈને બેઠા છે પણ એમ વિચારતા નથી જે, પોતાને મતે કરીને પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂકે છે; અને સાચા જ્ઞાની જે નારદ-સનકાદિક-શુકજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામ, રટન ને કીર્તન તેને કરે છે અને શ્વેતદ્વીપને વિષે જે નિરન્ન મુક્ત છે તે તો બ્રહ્મસ્વરૂપ છે અને કાળના પણ કાળ છે તોય પણ પરમેશ્વરનું ધ્યાન, નામ, રટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે અને પોતે અક્ષરસ્વરૂપ છે તોપણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે અને બદરિકાશ્રમને વિષે જે ઉદ્ધવ ને તનુઋષિ આદિક મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે અને એ વેદાંતી તો કેવળ દેહાભિમાની જીવ છે તોપણ ભગવાનનું ધ્યાન, સ્મરણ કે વંદન કરતા નથી અને નારદ, સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે તથા શ્વેતદ્વીપવાસી જે નિરન્ન મુક્ત તેને વિષે જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે તથા બદરિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થી છે ને જેવું જ્ઞાન છે તેના કોટિમા ભાગની પણ એ વેદાંતીને વિષે સામર્થી પણ નથી ને જ્ઞાન પણ નથી તોપણ પરમેશ્વરના સામાવડિયા થઈને બેઠા છે માટે એ પાકા મૂર્ખ છે અને જેટલા મૂર્ખ કહેવાય છે તેના રાજા છે અને એ તો કોટિ કોટિ કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમના માર ખાશે તોપણ એનો છૂટકો નહિ થાય અને એવા દુષ્ટનો જે સંગ તેનું જ નામ કુસંગ છે, ને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી તેમ ચાંડાળ એવા જે શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી, માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને નાસ્તિક તથા વેદાંતીનો સંગ કરવો જ નહીં. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૮।। (૧૫૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે નાસ્તિક ને શુષ્કવેદાંતી એ બે મતને અતિશે દુષ્ટ ને મહાપાપી કહ્યા છે ને તેમનો કોઈ કાળે નરકમાંથી છૂટકો નહિ થાય ને એના સંગ કરનારાને પણ અતિ પાપી કહ્યા છે. (૧) બાબત છે.
૧ પ્ર. શ્વેતદ્વીપને વિષે નિરન્ન મુક્ત છે તેને બ્રહ્મ સ્વરૂપ તથા અક્ષર સ્વરૂપ કહ્યા અને અક્ષરાતીત પુરુષોત્તમના દાસ કહ્યા તે પુરુષોત્તમ કિયા જાણવા ? ને તે નિરન્ન મુક્ત કોને કહ્યા હશે ?
૧ ઉ. આ ઠેકાણે વાસુદેવબ્રહ્મને પુરુષોત્તમ કહ્યા છે તે મૂળપુરુષોના પુરુષોત્તમ છે ને એમના તેજને અક્ષર કહ્યું છે ને તે અક્ષરથી તેમને અતીત એટલે પર કહ્યા છે. અને તેમના સાધનિક મુક્તોને કાળના કાળ ને અક્ષરસ્વરૂપ કહ્યા છે.
૨ પ્ર. કોના કોના તેજને અક્ષર નામે કહેવાતું હશે ?
૨ ઉ. મૂળપુરુષ, બ્રહ્મ, મૂળઅક્ષર તથા શ્રીજીમહારાજ એ સર્વેના તેજને અક્ષર તથા અક્ષરધામ કહેવાય. ।।૧૮।। (૧૫૧)
વચનામૃત ગઢડા મધ્યનું - ૧૯
સંવત ૧૮૭૮ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઊગ્યા સમે પધાર્યા હતા પછી ત્યાં આવીને ગાદી-તકિયા ઉપર ઉદાસ થઈને બેઠા, તે કોઈને બોલાવે પણ નહિ અને કોઈના સામું પણ જુએ નહિ અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તે છૂટીને શિથળ થઈ ગયો તેને પણ સંભારે નહિ, એવી રીતે એક ઘડી સુધી અતિશે ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યાં.
૧ પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, (૧) અમે વેદાંતશાસ્ત્રનો મત જાણવા સારુ વેદાંતશાસ્ત્રનું શ્રવણ કર્યું તે શ્રવણમાત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો, કેમ જે, જે વેદાંતશાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સમભાવ આવી જાય છે એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે અને તે વેદાંતીના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશે ભ્રષ્ટ થઈ જાય છે. (૧) અને અમે તો કાંઈક પ્રયોજન સારુ વેદાંતની વાત સાંભળી હશે તેણે કરીને પણ હવે અમારે શોક ઘણો થાય છે, એમ કહીને શ્રીજીમહારાજ સૂધા ઉદાસ થઈ ગયા. પછી ઘણી વાર સુધી દિલગીર થઈને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લૂઈને એમ બોલ્યા જે, ભગવદ્ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા પછી અમને સ્વપ્ન થયું જે અમે ગોલોકમાં ગયા, ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્થિર સરખા જણાણા અને કેટલાક તો પરમેશ્વરનાં કીર્તન ગાય છે તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીનાં ગાય છે અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય, જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય તેમ કીર્તન ગાય ને ડોલે પછી અમે પણ એ ગાવતા હતા તે ભેળા જઈને ભળ્યા ને કીર્તન ગાવા લાગ્યા તે ગાવતાં ગાવતાં એવો વિચાર થયો જે આવી જે પરમેશ્વરની પ્રેમભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે બ્રહ્મજ્ઞાની થાય છે અને એમ જાણે છે જે અમે જ ભગવાન છીએ તે મહાદુષ્ટ છે; એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહિ એવો લાવો એક કાગદ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલીએ. :- “લિખાવિતં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી બાઈ-ભાઈ નારાયણ વાંચજો. બીજું અમારી આજ્ઞા એમ છે જે, શ્રીકૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય-અહિંસાદિક ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ એ ચાર ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવ-મનુષ્યાદિકને વિષે થાય છે તે અવતારને વિષે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી, જેમ સીતાજીને શ્રી રામચંદ્રજીને વિષે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસીપૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી અને જો એ શ્રીકૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વીને વિષે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુળસી આદિક સામગ્રી વતે કરવી પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી અને બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે, માટે ભગવાનને વિષે સીતા ને રુક્મિણીના જેવી ભક્તિ કરવી ને તે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વને પોતપોતાના વર્ણાશ્રમધર્મને વિષે દૃઢપણે વર્તવું. બીજું આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દૃઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિષે નારદના જેવી દૃઢ ભક્તિ થાશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ તેના જેવી ભક્તિ થાશે અને આ અમારા વચનને જે નહિ માને તેની ભક્તિ વેશ્યાના જેવી થાશે. સંવત ૧૮૭૮ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ લખ્યો છે. એવી રીતે કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૯।। (૧૫૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વેદાંતશાસ્ત્રના શ્રવણથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ને પોતાને ભગવાન મનાય છે ને અમારી ઉપાસનાનું ખંડન થઈ જાય છે માટે તેનું શ્રવણ ન કરવું. (૧) અને અમારા એકાંતિક ભક્તને દર્શન દેવા ને તેમની રક્ષા કરવા ને અધર્મનો નાશ કરવા મનુષ્ય રૂપે થયા છીએ, એવી અમારે વિષે નિષ્ઠા રાખીને માનસીપૂજા તથા ભક્તિ કરવી અને જ્યારે અમે આ મનુષ્ય સ્વરૂપ અદૃશ્ય કરીએ ત્યારે અમારી પ્રતિમાની પૂજા, ભક્તિ, ઉપાસના તથા ધ્યાન કરવું, પણ બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહિ ને સાધને કરીને સિદ્ધગતિને પામ્યા હોય એવા સાધુનું પણ ધ્યાન કરવું નહિ, તો અમારે વિષે દૃઢ ભક્તિ થશે અને આ અમારા વચનથી બીજી રીતે વર્તશે તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં શુષ્ક વેદાંતશાસ્ત્રના શ્રવણે કરીને ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે એમ કહ્યું અને પછી અન્ય દેવની ઉપાસના થઈ જાય છે એમ કહ્યું તે ભગવાનની ઉપાસના ટળીને અન્ય દેવની ઉપાસના થવાનો શો હેતુ હશે ?
૧ ઉ. શુષ્ક વેદાંતશાસ્ત્રના શ્રવણથી સર્વ દેવને વિષે સમભાવ થઈ જાય છે પણ એ શ્રવણ કરનાર પાકો વેદાંતી થયો ન હોય તેને જ્યારે કાંઈક સંકટ આવે ત્યારે પોતાની રક્ષાને માટે કોઈક દેવની ઉપાસના કરે એમ અન્ય દેવની ઉપાસના આપત્કાળે કરે.
૨ પ્ર. બીજી બાબતમાં શ્રીજીમહારાજે કહ્યું જે અમો ગોલોકમાં ગયા ત્યાં અનંત પાર્ષદ દીઠા તે ગોલોક કોને કહ્યું હશે ?
૨ ઉ. પોતાના તેજરૂપ અક્ષરધામને આ ઠેકાણે ગોલોક નામે કહ્યું છે તે (અ. ૬ના બીજા પ્રશ્નમાં) ગોલોક અમે એને જ કહીએ છીએ એમ કહ્યું છે.
૩ પ્ર. ભગવાનના અવતાર દેવ-મનુષ્યાદિકને વિષે થાય છે એમ કહ્યું તે દેવલોકમાં એકાંતિક ભક્ત હશે અને ત્યાં ભગવાન એકાંતિક ધર્મ સ્થાપન કરતા હશે કે નહીં ?
૩ ઉ. દેવલોકમાં એકાંતિક ધર્મનું સ્થાપન થાતું નથી અને ત્યાં એકાંતિક ભક્ત પણ નથી; એકાંતિક ભક્ત તો મર્ત્યલોકમાં જ છે અને એકાંતિક ધર્મ પણ મર્ત્યલોકમાં સ્થાપન થાય છે કેમ જે આ કર્મભૂમિ છે ને એ ભોગભૂમિ છે માટે દેવલોકમાં શ્રીજીમહારાજ પ્રગટ થતા નથી; બીજા અવતારો કોઈક પ્રયોજન માટે દેવલોકમાં પ્રગટ થાય છે તે બીજા અવતારોને વિષે પોતે અંતર્યામી શક્તિએ રહ્યા છે માટે અવતારોના અભેદપણે કરીને દેવલોકને વિષે પ્રગટ થાય છે એમ કહ્યું છે.
૪ પ્ર. ધ્યાન કરવાનું કહ્યું તે ધ્યાન કેવી રીતે કરવું ?
૪ ઉ. દેહાત્મબુદ્ધિ સોતો શ્રીજીમહારાજને સન્મુખ ધારીને ધ્યાન કરે તે અવરભાવનું ધ્યાન છે; અને સદા દિવ્ય સાકાર મૂર્તિમાન સર્વોપરી પુરુષોત્તમ એવા જે શ્રી સ્વામિનારાયણ તેમનાં તેજરૂપ થઈને એ તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તેમાં મૂર્તિ ધારવી તે પરભાવનું ધ્યાન છે અને મૂર્તિના તદાકારભાવને પામીને ધ્યાન કરવું તે પરભાવમાં ઉત્તમ ધ્યાન છે.
૫ પ્ર. બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહિ એમ કહ્યું તે દેવ કિયા જાણવા ?
૫ ઉ. તે ટાણે પ્રત્યક્ષ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે વિરાજમાન હતા તેમણે પોતાનું જ ધ્યાન કરવાનું કહ્યું છે જે અમારા આશ્રિતોએ અમારું જ ધ્યાન કરવું પણ બીજા કોઈ દેવનું એટલે કોઈ અવતાર માત્રનું ધ્યાન કરવું નહિ એમ પતિવ્રતાપણે નિષ્ઠા રાખવી તે (લો. ૧૧ના ૨/૪ના બીજા પ્રશ્નમાં) પણ કહ્યું છે અને સિદ્ધગતિને પામ્યા એવા સાધુનું પણ ન કરવું એમ કહ્યું છે.
૬ પ્ર. આ અમારી આજ્ઞા પાળશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિષે નારદ, લક્ષ્મી, રાધિકા તથા ગોપીઓના જેવી ભક્તિ થશે એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીકૃષ્ણ નારાયણ કોને કહ્યા હશે ? અને નારદાદિકના જેવી ભક્તિ થાશે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૬ ઉ. શ્રીકૃષ્ણ નારાયણ પોતાને કહ્યા છે અને જેવી ભક્તિ નારદને તથા લક્ષ્મી આદિકને એમના ઇષ્ટદેવને વિષે હતી તેવી ભક્તિ અમારી આજ્ઞા પાળશે એવા જે અમારા આશ્રિત તેમને અમારે વિષે થાશે એમ કહ્યું છે. ।।૧૯।। (૧૫૨)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨૦
સંવત ૧૮૭૮ના પોષ વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળો ચોફાળ ઓઢીને તે ઉપર છીંટની રજાઈ ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ તાળ-મૃદંગ વજાડીને કીર્તન બોલતા હતા.
પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, આજ તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલાખાચર આદિક હરિભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે તેનો સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો. પછી પરમહંસે કહ્યું જે, હે મહારાજ ! એ પ્રશ્ન અમને સંભળાવો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સમાધિનિષ્ઠ પુરુષ થાય છે તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દૃઢ સંબંધ રહે છે માટે એ સમાધિનિષ્ઠને તો જ્ઞાનશક્તિ તથા દેહ-ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ, શા માટે જે માયા થકી જે ચોવીશ તત્ત્વ થયાં છે તે જડ-ચૈતન્યરૂપ છે પણ એકલાં જડ ન કહેવાય, તેમ એકલાં ચૈતન્ય પણ ન કહેવાય, અને તે તત્ત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય, ઇન્દ્રિયો થકી અંતઃકરણમાં જાણપણું વિશેષ છે અને અંતઃકરણ થકી ઇન્દ્રિયો-અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો-અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે તે સમાધિવાળાને કેટલાક એમ સમજે છે જે જેને સમાધિ થાય છે તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી, માટે એ સમાધિવાળાને જ્ઞાન તથા દેહ-ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી ? એ પ્રશ્ન છે, પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પૂગી તેણે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનો ઉત્તર થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે ઉત્તર કરીએ. એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે જે, સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું જે ચોવીશ તત્ત્વાત્મક બ્રહ્માંડ તેને વિષે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વે ક્રિયા કરવાની સામર્થી આપે છે અને તે બ્રહ્મનો એવો સ્વભાવ છે જે, કાષ્ઠ તથા પાષાણ જેવું જડ હોય તેને વિષે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે. (૧) તે બ્રહ્મ સંગાથે સમાધિએ કરીને તુલ્યભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપ ને નિવૃત્તિધર્મ ને વૈરાગ્ય તેણે યુક્ત હોય તેને શુકજીના જેવી સિદ્ધદશા પ્રાપ્ત થાય છે અને જેને તપ તથા નિવૃત્તિધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય અને ધર્મ, અર્થ ને કામરૂપ જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે રહ્યો હોય તેને તો સમાધિ થાય તોય પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધદશા ન આવે, ને જેમ જનકરાજા જ્ઞાની હતા તેવો જ્ઞાની થાય પણ પ્રવૃત્તિમાર્ગવાળાને નારદ-સનકાદિક-શુકજીના જેવી સિદ્ધદશા ન પમાય અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદ્વીપાદિક જે ભગવાનનાં ધામ તેને વિષે એ ને એ જ શરીરે કરીને જાય અને લોક-અલોક સર્વે ઠેકાણે એની ગતિ હોય, અને પ્રવૃત્તિમાર્ગવાળાને જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે પણ જ્ઞાન ઘટતું નથી, અને જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે, ત્યાં શ્લોક છે :
या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुंने: ।।૬।।
એ શ્લોકનો એ અર્થ છે જે, જેને વિષે ભૂત-પ્રાણીમાત્ર સૂતા છે તેને વિષે સંયમી પુરુષ જાગ્યા છે અને જેને વિષે ભૂત-પ્રાણીમાત્ર જાગ્યા છે તેની કોરે સંયમી પુરુષ સૂતા છે, માટે જે પુરુષની અંતરાત્મા સન્મુખ દૃષ્ટિ વર્તતી હોય તેને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણની કોરે શૂન્યભાવ વર્તે છે તેને દેખીને અણસમજુ હોય તે એમ જાણે જે, સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે પછી રજોગુણ, તમોગુણ તથા મલિન સત્ત્વગુણમાં રહીને આ પ્રશ્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂઝે જે, સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે, પણ એમ નથી જાણતો જે હું દેહાભિમાની છું તે મૂર્ખાઈમાંથી કહું છું. માટે સમાધિવાળો તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તોપણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને પાછો ઇન્દ્રિયો-અંતઃકરણમાં આવીને વર્તે તોપણ પોતાને સમાધિને વિષે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહિ અને તપ, નિવૃત્તિધર્મ ને વૈરાગ્ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિમાર્ગનો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિયો-અંતઃકરણની શક્તિઓ પણ વૃદ્ધિ પામે અને નારદ-સનકાદિક-શુકજીના જેવી સિદ્ધગતિને પણ પામે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૦।। (૧૫૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે તેમાં સાક્ષી જે બ્રહ્મ, કહેતાં અમે લોઢાને વિષે અગ્નિની પેઠે, બ્રહ્માંડને વિષે પ્રવેશ કરીને સર્વેને સર્વ ક્રિયા કરવાની સામર્થી આપીએ છીએ. (૧) અને સમાધિએ કરીને અમારી સાથે તુલ્યભાવને પામે ત્યારે તે જીવ બ્રહ્મરૂપ કહેવાય છે ને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને તપ, નિવૃત્તિધર્મ ને વૈરાગ્ય તેણે યુક્ત હોય તેને શુકજીના જેવી સિદ્ધદશા આવે છે ને સર્વત્ર ગતિ થાય છે અને દેહાભિમાની જીવ હોય તે એમ જાણે છે જે, સમાધિવાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે પણ સમાધિવાન ઇન્દ્રિયો-અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તોપણ જ્ઞાન વૃદ્ધિ પામે છે અને પાછો તેમાં મળીને વર્તે તોપણ સમાધિમાં થયેલું જ્ઞાન નાશ થતું નથી અને એ સમાધિવાન પ્રવૃત્તિમાર્ગનો ત્યાગ કરીને તપાદિકે યુક્ત થાય તો અમારા મુક્તના જેવી સિદ્ધદશા પામે, જેમ પૂર્વે નારદ-સનકાદિક-શુકજી પામ્યા છે તેમ. (૨) બાબતો છે. ।।૨૦।। (૧૫૩)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨૧
સંવત ૧૮૭૮ના ફાગણ સુદિ ૧૫ પૂન્યમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાઘ બાંધી હતી અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) કીર્તન રહેવા દો ને સર્વે સૂરત દેઈને સાંભળો એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વ જગત છે તેના કર્તા-હર્તા એક ભગવાન છે અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ ને કામ છે તેણે કરીને કાંઈ કલ્યાણ થાતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. (૧) અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તા-હર્તા જાણવા એ જ છે. (૨) અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહિ તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજે જ છૂટકો છે અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તોપણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું માહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે અને એટલો જેને દૃઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહિ, જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ ને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડ્યા તોપણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો માહાત્મ્યે યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહિ, માટે સર્વે શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. (૩) અને તે જ દિવસ સાંઝને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયે વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત પાઘ માથે બાંધી હતી અને તે પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કાન ઉપર મોગરાનાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સાંભળો એક તમને પ્રશ્ન પૂછીએ જે, (૨) જીવને સ્વપ્ન અવસ્થાને વિષે જે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે તે એ સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિષે એ સૃષ્ટિને સ્રજે છે ? અને જેમ જીવને છે તેમજ સર્વે બ્રહ્માદિક ઈશ્વર છે તેને પણ સ્વપ્નસૃષ્ટિ છે તે પોતે એ સૃષ્ટિ રૂપે થાય છે કે સંકલ્પે કરીને સ્રજે છે કે એ જીવ-ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સ્રજી આપે છે ? એ પ્રશ્નનો ઉત્તર કરો પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું પણ કોણેય યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્નસૃષ્ટિને સ્રજતા નથી અને પોતે પણ સ્વપ્નસૃષ્ટિ રૂપે થાતા નથી; એ તો જીવ-ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મફળપ્રદાતા છે તે એ જીવ-ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્નસૃષ્ટિને સ્રજે છે. (૪) અને એ સ્વપ્નસૃષ્ટિને વિષે જે અસ્થિરપણું છે ને ભ્રાંતપણું છે તે તો દેશને યોગે કરીને પ્રવર્તે છે, કેમ જે કંઠ દેશ છે તે એવો જ છે જે એ સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાઈ આવે, જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાઈ આવે તેમ કંઠ દેશને યોગે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે અને મૂર્ખ હોય તે તો જે કોઈક એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને જ મુખ્ય જાણે અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતાં ન આવડે અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે અને પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા એ સર્વેના પ્રેરક છે અને પોતાની ઇચ્છાએ કરી દેશકાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે, જેમ શિશુમાર ચક્ર છે તે ધ્રુમંડળને આધારે છે, અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે તેમાં દીવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે પણ ન ચાલવા દે ત્યારે એક અણુમાત્ર પણ ન ચાલે તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુમાત્ર પણ ન ચાલે, માટે સર્વ કર્તા તે પરમેશ્વર જ છે. એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દરબારમાં પધારતા હવા. (૫)
પછી વળી તે જ દિવસે અર્ધરાત્રિએ શ્રીજીમહારાજ પોતે સાધુની જાયગાએ પધાર્યા હતા, પછી સર્વ સાધુ શ્રીજીમહારાજને નમસ્કાર કરીને પાસે બેઠા. પછી તે મુનિ પ્રત્યે શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, (૩) અમને એક વિચાર ઊપજ્યો તે સારુ આ ટાણે તમ પાસે આવ્યા છીએ જે અમારા મનમાં એમ સમજાય છે જે આ સંસારને વિષે જેને ગામ-ગરાસ હોય વા ધન-દોલત હોય એ જ અતિશે દુઃખિયો છે. અને જેને ધન, દોલત, રાજ ન હોય તે જ સુખિયો છે. (૬) માટે આપણે પણ શ્રી નરનારાયણનું મંદિર શ્રીનગરને વિષે કરાવ્યું છે અને બીજાં પણ થાવાનાં છે, માટે તે નિમિત્ત શ્રદ્ધા વિના કોઈને પ્રેરવું નહિ ને શ્રી નરનારાયણદેવની ઇચ્છા હશે તો મંદિર થાશે અને ઇચ્છા નહિ હોય તો નહિ થાય પણ તે સારુ આપણે તો કોઈ પ્રકારનો ક્લેશ ન થાય તેમ કરવું ને સમૈયો આવે ત્યારે જન્માષ્ટમી આદિક ઉચ્છવને દિવસ શ્રી નરનારાયણની ઇચ્છાએ કરીને કોઈ વાર હજારું ને લાખું રૂપૈયાની સામગ્રીએ કરીને ઉચ્છવ થાય ને કોઈ ફેરે તુળસીનું પત્ર મૂકીને ઉચ્છવ થાય પણ જે સહેજે થાય તે ખરું પણ આગ્રહ કરીને કોઈ વાત કરવી નહિ, અને એ શ્રી નરનારાયણદેવને પોતાની શ્રદ્ધાએ કરીને ધરતી, વાડી, ગામ, ગરાસ આપે તે સુખે આપે પણ આપણે કોઈને બળાત્કારે પ્રેરવું નહીં. (૭)
૪ પછી શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને સાધુને પ્રશ્ન પૂછ્યો જે, (૪) એકાંતિક પ્રભુનો ભક્ત કેને કહીએ ? પછી મુક્તાનંદ સ્વામીએ આવડ્યો એવો ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એકાંતિક ભક્ત તો તે ખરો જે પોતાને બ્રહ્મરૂપ માનીને, સ્વધર્માદિક અંગે યુક્ત જે ભક્તિ તેણે યુક્ત થકો પરબ્રહ્મ એવા જે શ્રી પુરુષોત્તમ તેમનું ધ્યાન, સ્મરણ ને ઉપાસના તેને કર્યા કરે અને દેહે કરીને જેટલાં ઈશ્વરે વર્તમાન કહ્યાં હોય તેમાં ફેર પડવા દે નહિ, એવો હોય તે એકાંતિક ભક્ત જાણવો. (૮) એવી એકાંતિક ભક્તિની પ્રવૃત્તિ ક્યારેક તો સૃષ્ટિમાં ન હોય તો શ્રી નરનારાયણને વિષે રહે છે અને શ્રી નરનારાયણ પોતે એકાંતિક ભક્તની પેઠે વર્તીને પોતાના શરણાગત એવા જે ભક્ત તેને શિખવાડે છે ને એવા એકાંતિક તો સત્સંગ વિના બીજે નથી. (૯) અને બીજે તો કોઈ મતમાં ઉપાસના છે તો આત્મજ્ઞાન ને ત્યાગ નથી અને કોઈ મતમાં આત્મજ્ઞાન છે તો ત્યાગ ને ઉપાસના નથી ને કોઈ મતમાં ત્યાગ છે તો આત્મજ્ઞાન ને ઉપાસના નથી અને આ સમામાં સત્સંગમાં તો સર્વે અંગે સંપૂર્ણ એકાંતિક ભક્ત ઘણા છે, એમ વાત કરીને શ્રીજીમહારાજ પોતાને ઉતારે પધાર્યા. (૧૦) ઇતિ વચનામૃતમ્ ।।૨૧।। (૧૫૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં ત્રણ કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, કેવળ વર્ણાશ્રમ ધર્મે કરીને સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે. (૧) અને અમને સર્વ કર્તા-હર્તા જાણે તો જ કલ્યાણ થાય. (૨) અને જેમ રામકૃષ્ણાદિક પરોક્ષ અવતાર થયા છે તેમને વૈકુંઠ-ગોલોકના પતિ જાણે છે અને તેમના ભક્તોને તે તે ધામના પાર્ષદો જાણે છે, તેમ અમને અક્ષરધામના ધામી સમજે અને અમારા ભક્તોને અમારા ધામના પાર્ષદો જાણે અને અમને સર્વ કર્તા-હર્તા જાણે તો કોઈ કાળે કલ્યાણના માર્ગેથી પડે જ નહીં. (૩) બીજામાં જીવ, વૈરાજપુરુષ ને પ્રધાનપુરુષ એ સર્વેને સ્વપ્નસૃષ્ટિ તથા સ્વપ્નસૃષ્ટિના ભોગ તે મૂળપુરુષ દ્વારે અમે સ્રજી આપીએ છીએ. (૪) અને દેશકાળાદિકનું અમે ચાલવા દઈએ તેટલું જ ચાલે. (૫) ત્રીજામાં જેને ગામ, ગરાસ, ધન, દોલત હોય તે દુઃખિયો છે અને ન હોય તે સુખિયો છે. (૬) અને દેવને શ્રદ્ધાએ કરીને ધરતી, વાડી, ગામ, ગરાસ કોઈ આપે તો ભલે પણ આગ્રહપૂર્વક બળાત્કારે પ્રેરણા ન કરવી. (૭) ચોથા પ્રશ્નમાં જે પોતાને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ એવા જે અમે તે અમારી સ્વધર્માદિક અંગે યુક્ત ભક્તિ તથા ધ્યાન, સ્મરણ ને ઉપાસના કરે અને જેટલાં વર્તમાન અમે કહ્યાં છે તેમાં ફેર પડવા દે નહિ તે અમારો એકાંતિક ભક્ત છે. (૮) અને જ્યારે અમે પ્રગટ થઈએ ત્યારે એકાંતિક ભક્તિ પ્રવર્તાવીએ છીએ. (૯) અને બીજા મતોમાં તો એકાંતિક ભક્તિ નથી. (૧૦) બાબતો છે.
૧ પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) અમને સર્વ કર્તા-હર્તા જાણવાથી કલ્યાણ થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજને કર્તા-હર્તા જાણે અને વર્ણાશ્રમના ધર્મ ન પાળે તો કલ્યાણ થાય કે નહીં ?
૧ ઉ. શ્રીજીમહારાજને સર્વ કર્તા-હર્તા જાણે અને વર્ણાશ્રમના ધર્મ પણ દૃઢ કરીને પાળે તો જ કલ્યાણ થાય પણ એ બેમાંથી એક ન હોય તો કલ્યાણ ન થાય તે (મ. ૩૫/૪માં) અમારી ઉપાસના હોય પણ જો તેમાં ધર્મ ન હોય તો તેનું કલ્યાણ ન થાય અને તેને ચંડાળ કહ્યો છે માટે ઉપાસના તથા ધર્મ બેય રાખવાં તો જ કલ્યાણ થાય.
૨ પ્ર. (૧/૩ પહેલા પ્રશ્નમાં) નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવને પૂછો તો તે પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે એમ કહ્યું તે એ નારદાદિક તો દૃષ્ટિગોચર નથી માટે એમને શી રીતે પુછાય અને એ શ્રીજીમહારાજનું માહાત્મ્ય શી રીતે બતાવી શકે ?
૨ ઉ. જેમ નારદાદિકને જે જે અવતારો મળ્યા હતા તેમનું માહાત્મ્ય તેમણે બતાવ્યું હતું તેમ જ આજ અમારા સંત તથા અમારા હરિભક્ત છે તેમને પૂછો તો પ્રત્યક્ષ ભગવાન એવા જે અમે તે અમારો તથા અમારા મુક્તનો મહિમા બતાવે, એમ નારદાદિકના દૃષ્ટાંતે પોતાના સંત-હરિજનોને કહ્યા છે.
૩ પ્ર. કેવી રીતે પ્રેરણા કરે તે બળાત્કારે પ્રેર્યા કહેવાય ?
૩ ઉ. દેવની સેવા હરિજનની શ્રદ્ધાથી વિશેષ કરાવવાનો આગ્રહ કરે તે બળાત્કારે પ્રેર્યા કહેવાય.
૪ પ્ર. (૪/૯ ચોથા પ્રશ્નમાં) નરનારાયણ પોતે વર્તીને શરણાગતને એકાંતિક ભક્તિ શિખવાડે છે તે કિયા જાણવા ?
૪ ઉ. આ ઠેકાણે શ્રીજીમહારાજે પોતાને જ નરનારાયણ નામે કહ્યા છે તે પોતાના ભક્તોને એકાંતિક ભક્તિ શીખવે છે આ નામનો ખુલાસો (પ્ર. ૮ના સાતમા પ્રશ્નોત્તરમાં) કર્યો છે. ।।૨૧।। (૧૫૪)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨૨
સંવત ૧૮૭૮ના ફાગણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ અર્ધરાત્રિને સમે જાગ્યા ને શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને તે સમે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી હતી.
૧ ત્યારે શ્રીજીમહારાજ સાધુ પ્રત્યે બોલ્યા જે, (૧) એક વાર્તા કરીએ તે સાંભળો જે, જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયનાં નિશાન સામસામાં રોપ્યાં હોય પછી બેયના મનમાં એમ હોય જે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ પણ એવો વિચાર નથી થાતો જે, એના નિશાન લગી જાશું તેમાં તો કેટલાકનાં માથાં પડશે ને લોહીની નદી ચાલશે તેનો તો એને ભય નથી, કાં જે શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહિ અને જે કાયર છે તે તો ભાગ્યાના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન-હથિયાર હશે તે લૂંટી લેશું, અને તે બેય રાજાના જે શૂરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી તે લૂંટવાનો પણ લોભ નથી પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે. એ તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે, નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે ને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દૃઢ ભક્ત છે તેને તો આ સંસારને વિષે માન થાઓ અથવા અપમાન થાઓ, દેહને સુખ થાઓ અથવા દુઃખ થાઓ, શરીર રોગી રહો અથવા નીરોગી રહો, દેહ જીવો અથવા મરો પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જે આપણે આટલું દુઃખ થાશે કે આપણે આટલું સુખ થાશે એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. એ ભક્તજનના હૈયામાં તો એ જ દૃઢ નિશ્ચયછે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે પણ વચમાં ક્યાંઈ લોભાવું નથી. અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભજ્યામાં હજાર જાતના ઘાટ થાય છે જે, જો કરડાં વર્તમાન થાશે તો નહિ નભાય ને સુગમ વર્તમાન થાશે તો નભાશે, અને વળી એવો પણ વિચાર કરે જે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભશું, એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો. અને શૂરવીર જે ભગવાનના દૃઢ ભક્ત હોય તેને તો પિંડ-બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય. (૧)
૨ પછી શ્રીજીમહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી જે, (૨) અમે અમદાવાદમાં શ્રી નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા ત્યારે હજારો માણસોનો મેળો ભરાણો હતો પછી જ્યારે શ્રી નરનારાયણદેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણ ચોરાશી જમી રહ્યા પછી અમે સાબદા થઈને ચાલી નીસર્યા તે જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો જે, જેટલા માણસ દેખ્યા છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી, પછી તેને વિસાર્યાને અર્થે હૈયામાં અતિશે દુઃખ થયું તેણે કરીને શરીરે પણ માંદા થઈ ગયા. પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા. અને ધોળકાના ચાલ્યા એ ને એ વિચારમાં ગામ કોઠને પાસે ગણેશ ધોળકાની રાણ્યોમાં જઈને રાત રહ્યા તે વિચાર એવો કરવા માંડ્યો જે, દેહની સ્મૃતિ ન રહી પછી વિચારતાં વિચારતાં સર્વે પ્રવૃત્તિને વિસારી મેલી ને જેવા અમે કાંકરિયે તલાવ ઊતર્યા નહોતા ને મેળો પણ ભરાણો નહોતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો તેવી રીતે સર્વે ઘાટ ટાળી નાખ્યા. (૨) અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતર્દૃષ્ટિ રહેવા માંડી પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યાં અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા ને અનંત પ્રકારનાં વિમાન ને અનંત પ્રકારની અપ્સરા અને અનંત પ્રકારનાં વસ્ત્ર ને અનંત પ્રકારના અલંકાર, તે જેમ આંહીં મર્ત્યલોકને વિષે છે તેમ જ ત્યાં દેખાવા લાગ્યા પણ અમારા અંતરમાં તો એક શ્રી નરનારાયણ વિના બીજું કાંઈ ગમ્યું નહિ, ને જેમ આંહીંના પંચવિષય તે અમને તુચ્છ ભાસ્યા ને તેમાં અમારું મન લોભાણું નહિ તેમ જ દેવલોક-બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંઈ લોભાણું નહિ તેને દેખીને દેવતા સર્વે અમારાં વખાણ કરવા મંડ્યા જે તમે શ્રી નરનારાયણના એકાંતિક ભક્ત ખરા, કેમ જે તમારું મન ભગવાનને મૂકીને કયાંઈ લોભાતું નથી. પછી તેમનાં વચન સાંભળીને અમારા હૈયાને વિષે સૂધી હિંમત આવી પછી અમે મનને કહ્યું જે તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું. જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા ભૂકા કરી નાખીશ, તેમ જ બુદ્ધિને કહ્યું જે, ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમ જ ચિત્તને કહ્યું જે, ભગવાન વિના બીજું ચિંતવન કર્યું તો તારા પણ ભૂકા કરી નાખીશ, તેમ જ અહંકારને કહ્યું જે, ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી તેમ જ દેવલોક-બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ, અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો; એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું. એમ શ્રીજીમહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું ને પોતે તો સાક્ષાત્ શ્રીકૃષ્ણ પુરુષોત્તમનારાયણ છે. (૩)
૩ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૩) વાસુદેવ માહાત્મ્યને વિષે એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહિ ને પોતાને ચૈતન્યરૂપ માને અને સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. (૪) અને જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કાંઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો એ સાધુનો પણ પ્રતાપ છે. માટે તુચ્છ એવાં જે સંસારનાં સુખ તે સાધુને ઇચ્છવાં નહિ, કાં જે એ સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંતકોટિ બ્રહ્માંડનાં પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ, સામગ્રીઓ લાવે છે તેમ એ સાધુને અર્થે પણ લાવે છે ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય-સામર્થીને પામે છે એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઇચ્છવું નહિ, અને જેમ હાથમાં ચિંતામણિ આવી ત્યારે તે ચિંતામણિને યત્ન કરીને રાખવી, કેમ જે જો હાથમાં ચિંતામણિ છે તો જે પદાર્થને ઇચ્છશે તે પદાર્થને આપશે તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણિને ઝાલી રાખવી, પણ તેને મૂકવી જ નહિ તો એને સર્વે વાતની સિદ્ધિ થાશે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૨૨।। (૧૫૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે શૂરવીર ને કાયર ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (૧) બીજામાં પોતાને મિષે કરીને પોતાના ભક્તને પ્રવૃત્તિ ટાળવાનો ઉપાય બતાવ્યો છે. (૨) અને અક્ષરાદિક કોઈ ઐશ્વર્યમાં લોભાવું નહીં. (૩) ત્રીજામાં પોતાના એકાંતિક ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (૪) ને રાજા ને રાણીને દૃષ્ટાંતે પોતાના મુક્તોનો મહિમા પોતાના જેવો જ કહ્યો છે. (૫) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં નરનારાયણદેવની પ્રતિષ્ઠા કરી તથા કાંકરિયાની ચોરાશી કરી તે લીલાને પ્રવૃત્તિ કહી અને તેને ટાળી નાખવાનું કહ્યું અને (પ્ર. ૩માં) લીલા સંભારી રાખવી એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. (પ્ર. ૩માં) અંતરમાં મૂર્તિ દેખાતી હોય તેને મૂર્તિ ભૂલી જવાય માટે લીલા સંભારી રાખવાનું કહ્યું છે અને આમાં આત્માને વિષે મૂર્તિ સિદ્ધ કરવાનો ઉપાય બતાવ્યો છે જે, અમારી લીલાને પણ વિસારી દઈને એકાંતમાં રહીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને તેને વિષે અમારી મૂર્તિ ધારીને મૂર્તિ સિદ્ધ કરો તો મુક્ત થવાય એમ કહ્યું છે.
૨ પ્ર. શ્રીજીમહારાજ તો પોતે ભગવાન છે, એમને પ્રવૃત્તિ વિસારી મૂકી એમ કહેવાનો શો હેતુ હશે ?
૨ ઉ. પોતાને ઉદ્દેશે કરીને પોતાના ભક્તોને પ્રવૃત્તિ વિસારવાની રીત બતાવી છે.
૩ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) દેવતા કહ્યા તે કિયા જાણવા ? અને શ્રીજીમહારાજ તો પોતે ભગવાન છે તેમને દેવતાએ ભક્ત કેમ કહ્યા હશે ?
૩ ઉ. આ ઠેકાણે ઇન્દ્ર તથા બ્રહ્માને દેવતા કહ્યા છે. અને શ્રીજીમહારાજ એમના વૈભવમાં લોભાણા નહિ તેથી દેવોએ અનુમાન કર્યું જે આપણા વૈભવમાં લોભાતા નથી માટે ભગવાનના એકાંતિક ભક્ત હશે એમ જાણીને ભક્ત કહ્યા છે પણ ભગવાન છે એમ જાણી શક્યા નહીં.
૪ પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) વાસના કહી તે વાસના કેટલા પ્રકારની હશે ?
૪ ઉ. માયિક ભોગની ઇચ્છા તે માયિક વાસના છે; અને મૂળપુરુષ, બ્રહ્મ, મૂળઅક્ષર આદિકના ઐશ્વર્યની ઇચ્છા તે ઐશ્વર્યરૂપી વાસના છે. એ બે પ્રકારની વાસના છે તેને ટાળે ત્યારે સાધુ એટલે મુક્ત થાય, તેવા મુક્તને શ્રીજીમહારાજે રાણીને ઠેકાણે કહ્યા છે.
૫ પ્ર. (૩/૫ ત્રીજા પ્રશ્નમાં) અનંતકોટિ બ્રહ્માંડના પતિ બ્રહ્માદિક ભેટ-સામગ્રી લાવે છે ને અમારી તથા અમારા સાધુની પ્રાર્થના કરે છે એમ કહ્યું તે કિયા જાણવા ?
૫ ઉ. આ ઠેકાણે મૂળપુરુષ તથા બ્રહ્મ તથા અક્ષર તેમને બ્રહ્માદિક ઈશ્વર કહ્યા છે.
૬ પ્ર. અમારા સાધુ જ્યારે અમારા અક્ષરધામને પામે છે ત્યારે અનંતકોટિ બ્રહ્માંડના પતિઓ તેમની પ્રાર્થના કરે છે એમ શ્રીજીમહારાજે કહ્યું અને (સા.૫ના પહેલા પ્રશ્નોત્તરમાં) શ્રીજીમહારાજના મુક્ત વિના કોઈને શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનો સંબંધ નથી એમ કહ્યું છે તે જો સંબંધ ન હોય તો ભેટ તથા પ્રાર્થના શી રીતે કરતા હશે ?
૬ ઉ. આમાં શ્રીજીમહારાજે પોતપોતાના ભક્તની મોટ્યપ કહી છે જે, જેમ અમારી પ્રાર્થના સર્વે કરે છે તેમ જ અમારા મુક્તની પણ કરે છે તે પ્રાર્થના આંહીં જ કરે છે પણ અક્ષરધામમાં જઈને કરે છે એમ નથી કહ્યું અને અક્ષરધામને અમારા સાધુ પામે છે એમ કહ્યું છે તે તો જ્યારે પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે તે અક્ષરધામને પામી રહ્યો છે માટે જ્યારે પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજનું દર્શન થાય ત્યારે અક્ષરાદિક પણ પ્રાર્થના કરે છે એમ સમજવું ।।૨૨।। (૧૫૫)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨૩
સંવત ૧૮૭૮ના જ્યેષ્ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળી પાઘ બાંધી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું તે મન જીવ થકી જુદું ન દેખાણું; મન તો જીવની જ કોઈક કિરણ છે પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાણું જે, જેમ ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાણું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે, ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે, અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે, તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે, ત્યારે જીવને અતિશે દુઃખિયો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે, એ તે લૂક લાગીને મરે તેમ જાણવું; અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે, અને જીવને સુખિયો કરીને કલ્યાણના માર્ગથી પાડી નાખે છે, એ તે હિમાળાનો વા આવે ને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહિ અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહિ, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન થાવું એ કાંઈ થોડી વાત નથી અને મનનો તો કેવો સ્વભાવ છે તો જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તરવારને ઝાલવા જાય તે જો ઝાલવા ન દેઈએ તોપણ દુઃખિયો થાય અને જો ઝાલવા દેઈએ તોપણ દુઃખિયો થાય તેમ જો મનને વિષય ભોગવવા ન દેઈએ તોપણ દુઃખિયું થાય ને જો ભોગવવા દેઈએ તોપણ વિમુખ થઈને અતિશે દુઃખિયું થાય, માટે જેનું મન ભગવાનને વિષે આસક્ત થયું છે ને વિષયને યોગે કરીને ટાઢું-ઊનું થાતું નથી તેને જ સાધુ જાણવા. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૨૩।। (૧૫૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જેનું મન દુઃખદાયી વિષયમાં તપે નહિ અને સુખદાયી વિષયમાં ટાઢું ન થાય; એક અમારે વિષે જ આસક્ત થાય તે જ પરમ ભાગવત સંત છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. આમાં મનને જીવથી જુદું ન કહ્યું, અને (લો. ૧૪/૧માં) મનનો વિશ્વાસ ન કરવો એમ કહ્યું છે તથા (છે. ૬/૨માં) મનને જીવનું મિત્ર કહ્યું છે એમ જોતાં તો મન જીવથી જુદું થયું તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. મન આદિક ઇન્દ્રિયો દ્વારે જીવની વૃત્તિ આવીને વિષયને ભોગવે છે એમ (જે. ૨ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે અને (લો. ૧૫ના પહેલા પ્રશ્નમાં) પણ દેવતા ને ઇન્દ્રિયો રૂપે કરીને જીવ વિષયને ભોગવે છે એમ કહ્યું છે ને (મ. ૬૩/૧માં) ઇન્દ્રિયો-અંતઃકરણની વૃત્તિઓને જીવની વૃત્તિ કહી છે, અને મનને વિષે કર્તાપણું જીવનું છે તેથી જીવની વૃત્તિની ને મનની એકતાએ કરીને આ ઠેકાણે મનને કિરણ કહેલ છે. ।।૨૩।। (૧૫૬)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨૪
સંવત ૧૮૭૯ના શ્રાવણ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચઢીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે મોગરાનાં પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિષે મોગરાનાં પુષ્પનો તોરો ધારણ કર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ભગવાનને વિષે અચળ નિષ્ઠાવાળો જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક યોગનિષ્ઠા છે ને બીજી સાંખ્યનિષ્ઠા છે તેમાં યોગનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે અને સાંખ્યનિષ્ઠાવાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યનાં સુખ તથા સિદ્ધ, ચારણ, વિદ્યાધર, ગંધર્વ, દેવતા એ સર્વેનાં જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોકની માંહીલી કોરે જે જે સુખ છે તે સર્વેને પ્રમાણ કરી રાખે જે આ સુખ તે આટલું જ છે અને એ સુખની કેડે જે દુઃખ રહ્યું છે તેનું પણ પ્રમાણ કરી રાખે પછી દુઃખે સોતાં એવાં જે સુખ તે થકી વૈરાગ્ય પામીને પરમેશ્વરને વિષે જ દૃઢ પ્રીતિ રાખે, એવી રીતે સાંખ્યનિષ્ઠાવાળાને તો સમજણનું બળ હોય અને યોગનિષ્ઠાવાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય પણ કોઈક વિષમ દેશકાળાદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કાંઈક બીજે પણ ચોંટી જાય, કેમ જે યોગનિષ્ઠાવાળાને સમજણનું બળ થોડું હોય માટે ક્યાંક વિઘ્ન થઈ જાય ખરું; અને સાંખ્યનિષ્ઠા ને યોગનિષ્ઠા એ બે ય જો એકને વિષે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહિ અને એમ સમજે જે, ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે એમ જાણીને એક ભગવાનને વિષે જ દૃઢ પ્રીતિ રાખે છે માટે એવા ભક્તને કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૨૪।। (૧૫૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં સાંખ્યનિષ્ઠાવાળા ભક્ત સર્વના સુખ-દુઃખનું પ્રમાણ કરી રાખે ને તેમાંથી વૈરાગ્ય પામીને અમારે વિષે પ્રીતિ રાખે એવું સમજણનું બળ હોય; અને યોગનિષ્ઠાવાળાને વિષમ દેશકાળે કરીને અમારી મૂર્તિમાંથી બીજે વૃત્તિ ચોંટી જાય અને એ બે નિષ્ઠા ભેળી હોય તો અમારા વિના બીજે લોભાય નહિ, કેમ જે અમે તથા અમારા મુક્ત ને અમારું અક્ષરધામ તે વિના બીજા દેવોના વૈભવ તે સર્વને તે નાશવંત જાણે ને અમારે વિષે જ પ્રીતિ રાખે માટે તેને વિક્ષેપ આવે જ નહિ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. અમે ને અમારા મુક્ત ને ધામ તે વિના બીજા લોક, દેવ ને વૈભવ સર્વે નાશવંત જાણે એમ કહ્યું ત્યારે તો ઈશ્વર, બ્રહ્મ ને અક્ષર તે સર્વે દેવ સંજ્ઞામાં ભેળા આવી ગયા તે તો અવિનાશી છે તેને નાશવંત કેમ કહેવાય ?
૧ ઉ. શ્રીજીમહારાજે નાશવંત છે એમ નથી કહ્યું એ તો જેની શ્રીજીમહારાજને આકારે વૃત્તિ થઈ હોય તે ભક્ત એમ સમજે, કેમ કે એની દૃષ્ટિ શ્રીજીમહારાજને આકારે થઈ ગઈ હોય તેથી તેને બીજું કાંઈ ભાસે જ નહીં. તે (પ્ર. ૫૧માં) પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાસે જ નહિ તેની દૃષ્ટિએ કહ્યું છે અને પ્રકૃતિપુરુષનું કાર્ય તો નાશવંત છે જ. ।।૨૪।। (૧૫૭)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨૫
સંવત ૧૮૭૯ના શ્રાવણ વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસને કહ્યું જે સાંભળો અમે એક પ્રશ્ન પૂછીએ છીએ જે, (૧) એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહે કરીને તો સર્વ વર્તમાન દૃઢ રાખે છે ને અંતરમાં તો વિષય ભોગવવાની વાસના અતિશે તીખી છે તોપણ દેહે કરીને તો ભ્રષ્ટ થાતો નથી એવો તો ત્યાગી છે ને બીજો ભક્ત છે તે તો ગૃહસ્થાશ્રમી છે ને તેને તો દેહે કરીને ધન, સ્ત્રીનો પ્રસંગ છે ને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે એ બેય જણા જ્યારે દેહ મૂકશે ત્યારે એ બેય શી ગતિને પામશે ? એ બેય તે સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન થાશે, એ બેયનો વિક્તિએ કરીને જુદો જુદો ઉત્તર આપો ? પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, એ ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે એને વિષય ભોગવવાની અંતરમાં તીખી વાસના છે માટે એને તો ભગવાન મર્ત્યલોકને વિષે અથવા દેવલોકને વિષે મોટો ગૃહસ્થ કરશે અને અતિશે વિષયભોગ પ્રાપ્ત થાશે તે જેવા ભગવદ્ગીતામાં યોગભ્રષ્ટને ભોગ કહ્યા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે. અને એ ગૃહસ્થ હરિભક્ત છે તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે માટે ભગવાનનું જે બ્રહ્મપુરધામ તેને પામશે ને ભગવાનનાં ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. અને પ્રથમ કહ્યો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થાશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને ને મનમાં પશ્ચાત્તાપ કરીને ભગવાનનું ભજન કરશે પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જાશે. (૧) પછી શ્રીજીમહારાજ બોલ્યા જે ઠીક કહ્યું એનો ઉત્તર એ જ છે.
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) એવી દૃઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઇચ્છા હોય તો તે શો ઉપાય કરે ત્યારે ટળે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે જેવું ઉકાખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણમાત્ર પણ રહેવાય નહિ તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. (૨)
૩ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૩) હે મહારાજ ! જેણે કરીને ભગવાન અતિશે રાજી થાય એવું કિયું સાધન છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય અને પછી તેને એક ગામનું રાજ્ય આવે અથવા પાંચ ગામનું રાજ્ય આવે અથવા પચાસ ગામનું રાજ્ય આવે અથવા સો ગામનું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે તોપણ સંતની આગળ જેવો કંગાલ હતો ને દીન-આધીન રહેતો તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન-આધીન રહે તેમ જ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ્ય પામે તોપણ સંતની આગળ તેવો ને તેવો જ દીન-આધીન રહે અને જે ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય ને જેમ સૌ સંતની ટેલ-ચાકરી કરતો હોય તેવી ને તેવી જ પોતામાં ભગવાનનાં જેવાં ઐશ્વર્ય આવે તોપણ કરતો રહે પણ સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહિ ને બરોબરિયાપણું કરે નહિ એવાં જેનાં લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૨૫।। (૧૫૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં વાસના રહિત ગૃહસ્થ દેહ મૂકીને અક્ષરધામને પામે અને વાસનાવાળા ત્યાગીને દેહ ધરવો પડે. (૧) બીજામાં સંતની સેવા કરવાનું વ્યસન હોય તેની વાસના નાશ પામી જાય. (૨) ત્રીજામાં ગૃહસ્થને ચક્રવર્તી રાજ્ય મળે કે બ્રહ્માદિકની પદવી મળે તોપણ સંતની આગળ દીન-આધીન રહે અને ત્યાગીને અમારા જેવાં ઐશ્વર્ય આવે તોપણ દીન-આધીન રહે તેના ઉપર અમારી અતિશે પ્રસન્નતા થાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. ત્રીજા પ્રશ્નમાં ગૃહસ્થ ઇન્દ્ર-બ્રહ્માનું રાજ્ય પામે એમ કહ્યું તે કેવી રીતે પામતા હશે ? અને ત્યાગીને વિષે અમારાં જેવાં ઐશ્વર્ય આવે એમ કહ્યું તે ઐશ્વર્ય કિયાં જાણવાં ?
૧ ઉ. આ ને આ દેહે નહુષ ને અર્જુનની પેઠે ઇન્દ્ર-બ્રહ્માના લોકમાં જાય ને તેનું સ્થાન ભોગવે એવી સામર્થી આવે તે ઇન્દ્ર-બ્રહ્માનું રાજ્ય પામ્યો કહેવાય; અને શ્રીજીમહારાજનાં જેવાં ઐશ્વર્ય આવે ત્યારે તે ભક્ત અનંત જીવોનો ઉદ્ધાર કરે એવો સમર્થ થાય એટલે સિદ્ધ મુક્તના જેવો થાય તથા નિર્લેપ, અસંગી, નિર્વિકારપણું ઇત્યાદિક ઐશ્વર્ય જાણવાં. ।।૨૫।। (૧૫૮)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨૬
સંવત ૧૮૭૯ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાં-વહાલાં હોય તેનો પણ ત્યાગ કરવો, અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ, જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો. (૧) અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે, અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તોપણ અર્ધો વિમુખ છે. (૨) અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું અને જો ભક્તિને વિષે સહાયરૂપ થાતા હોય તો તો એ ઠીક છે એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. (૩) અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તોપણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે, જેમ રાધિકાજી ઘણાં મોટાં હતાં અને ભગવાનને વિષે અવગુણ માન્યો ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો પછી શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી પછી શ્રીદામાનો શાપ થયો તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો, એવા મહા મોટા લાંચ્છનને પામ્યાં, અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થાવું પડ્યું અને એ ધામમાંથી તો પડવાની રીત નથી ને જે પડ્યા તે તો ભગવાનની ઇચ્છા એવી હતી, તોપણ ભગવાને એમ જણાવ્યું જે, રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે, તો તે પણ પડી જાય તો બીજાની શી ગણતી ? માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો, એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તોપણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તોપણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હઠતો જાય અને અંતે જાતાં નિશ્ચે વિમુખ થાય. (૪) અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે, જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવળું લે તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશે હેત થાય છે, અને જેને શિખામણની વાત કહે ને અવળું લે તો તે ઉપર હેત થાતું નથી. તેમ જ ભગવાનની પણ રીત છે જે, જેને શિખામણની વાત કહે ને સવળું લે તો તે ઉપર હેત થાય છે, પણ જે અવળું લે તે ઉપર થાતું નથી. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૨૬।। (૧૫૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને ભજતાં અંતરાય કરે એવા સંબંધીનો તથા અમને તથા અમારા ભક્તને ન ગમે એવા સ્વભાવનો ત્યાગ કરવો. (૧) અને પોતામાં ગુણ જુએ ને બીજામાં અવગુણ પરઠે તે સત્સંગી છે તોપણ અર્ધો વિમુખ છે. (૨) અને અમારી ભક્તિમાં આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ તે અંતરાય કરે તો તેને પાછા પાડીને અમારી ભક્તિ મુખ્ય રાખે તે અમારો પૂરો ભક્ત છે. (૩) અને અમારા ભક્ત સર્વે સત્સંગીના ગુણ લેવા અને પોતાનો અવગુણ લેવો તો સત્સંગ વૃદ્ધિ પામે અને અવગુણ લે તે વિમુખ થાય. (૪) અને શિખામણની વાત સવળી લે તેના ઉપર અમારે હેત થાય છે અને અવળું લે તેના ઉપર નથી થતું. (૫) બાબતો છે.
૧ પ્ર. ત્રીજી બાબતમાં ભક્તિમાં આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ અંતરાય કરનારા કહ્યા તે કેવી રીતે અંતરાય કરતા હશે ?
૧ ઉ. ભગવાનની તથા ભક્તની સેવારૂપી પ્રવૃત્તિ ન ગમે તથા ભગવાનને ભૂખ, તરસ, ટાઢ, તડકો નથી માટે જમાડવા, પોઢાડવા, પંખો નાખવો એની કાંઈ જરૂર નથી, એવી રીતે આત્મજ્ઞાન ભક્તિમાં અંતરાય કરનારું છે. અને વૈરાગ્યવાનને દેહનો અનાદર હોય તેથી ભગવાનને થાળ કરીને જમાડવા તથા માંદાને રુચિ પ્રમાણે જમવાનું કરી આપવું તેમાં રુચિ ન રહે, એવી રીતે વૈરાગ્ય ભક્તિમાં અંતરાય કરે અને ધર્મવાળાથી ભગવાનને અર્થે તુળસી-પુષ્પ-શાકભાજી લાવવાં તથા બાગ-બગીચા કરાવવા, મંદિરો કરાવવાં તેમાં ધર્મ અંતરાય કરે તેમને પાછા પાડીને શ્રીજીમહારાજની ભક્તિ કરવી. ।।૨૬।। (૧૫૯)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨૭
સંવત ૧૮૭૯ના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ગુલદાવદીનાં ધોળાં ને પીળાં પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘમાં બે કોરે તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૧) તમારે ક્રોધ થાય છે ત્યારે શે નિમિત્તે થાય છે ? અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય છે ? અને અમારે તો એકથી લાખ રૂપિયા સુધી બગાડ કરે, તોપણ પોતા સારુ તો ક્રોધ આવે નહિ, અને જ્યારે ધર્મ લોપ કરે, અથવા બળિયો હોય તે ગરીબને પીડે, અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે તેની ઉપર અમારે કોઈકને અર્થે લગારેક ક્રોધની ચટકી આવે છે, પણ પોતા સારુ તો લેશમાત્ર ક્રોધ આવતો નથી અને કોઈક સારુ આવે છે તે પણ ક્ષણમાત્ર પણ નથી રહેતો ને આંટી બંધાતી નથી, તેમ તમારે કેઈ રીતે આવે છે ? ને કેઈ રીતે ટળે છે ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, કોઈક પદાર્થને યોગે તથા કોઈકની અવળાઈ દેખાય તેને ઉપર ક્રોધ થાય, પણ તત્કાળ શમી જાય છે.
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, એક તો ભગવાનનું માહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે, જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખવો નથી, અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે, સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કામ-ક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે તે એ તમારા જીવમાં રહ્યો છે અને એવી રીતે કામ-ક્રોધાદિકને હઠાવે એવું જે જોર છે તે પૂર્વજન્મનો સંસ્કાર છે અને તમારું એટલું તો અમને જણાય છે જે, તમારે જે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આંટીમાં પ્રથમ તો આવી જવાય પણ અંતે જાતા એના બંધનમાં રહેવાય નહિ; બંધન તોડીને નીકળાય ખરું. (૧)
૩ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે તે શાને યોગે રહે છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, દેશકાળાદિક જે આઠ છે તેમાં જેવું પૂર્વના સંસ્કારમાં જોર છે તેવું જ એક એકમાં છે માટે જ્યારે એનો યોગ થાય ત્યારે જરૂર બંધન થાય છે અને પૂર્વના સંસ્કારનું જોર રહેવા દેતા નથી અને જો સંસ્કારમાં લખ્યું એટલું જ સુકૃત-દુષ્કૃત થાય તો વેદ, શાસ્ત્ર ને પુરાણ તેને વિષે વિધિ-નિષેધના ભેદ કહ્યા છે જે, આ કરવું ને આ ન કરવું તે સર્વે ખોટું થઈ જાય તે એ મોટાનાં કરેલાં શાસ્ત્ર તો ખોટાં થાય જ નહીં. અને જય-વિજય હતા તેણે જો અયોગ્ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ, કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્યાંથી પડી ગયા, અને જો નારદજીને રાજી કર્યા તો પ્રહ્લાદને દેશકાળાદિક અશુભ હતા તોપણ નડી શક્યા નહિ અને જો સનકાદિકને કોપાયમાન કર્યા તો દેશકાળાદિક શુભ હતા તોપણ જય-વિજય પડી ગયા, માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને તો જેમ મોટાપુરુષ રાજી થાય તેમ કરવું. (૨) અને તે મોટાપુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે, અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થાતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઇષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય, માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહિ, અને જો કોઈ ઉપર મલિન ઘાટ કરે તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઈ જાય, અને અમથી તો જો એક ગરીબ પણ દુબાણો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે, ભગવાન સર્વાંતર્યામી છે તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે, માટે જેને અમે દુબ્યો તેના જ અંતરમાં વિરાજતા હશે, તો અમે ભગવાનનો અપરાધ કર્યો એમ જાણીને તેને પગે લાગીએ, ને તેને કાંઈ જોઈતું હોય તે આપીએ પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ. (૩) અને વળી અમે વિચારી જોયું જે, જે અતિશે ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહિ, ત્યારે ઉપાસનાનો ભંગ થાય છે અને પૂર્વે જે જે અતિશે ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે, માટે અમે વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યાં છે તેમાં જો થોડો ત્યાગ રહેશે તોપણ ઉપાસના રહેશે તો તેણે કરીને ઘણાક જીવનાં કલ્યાણ થાશે. અને જેને ભગવાનની ભક્તિ કરવી તેને તો ઢૂંઢિયાની પેઠે દયા રાખે પણ કેમ ઠીક પડે ? એને તો પરમેશ્વરને વાસ્તે પુષ્પ લાવ્યાં જોઈએ, તુળસી લાવ્યાં જોઈએ, ભાજી-તરકારી લાવી જોઈએ, ઠાકોરજીને વાસ્તે બાગ-બગીચા કરાવ્યા જોઈએ, મંદિર કરાવ્યાં જોઈએ, માટે જે અતિશે ત્યાગ રાખીને ને અતિશે દયા રાખીને મૂઠી વાળીને બેસી રહે તેને ભગવાનની ભક્તિ થાતી નથી, અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે તે સારુ અમે મંદિર કરાવ્યાં છે તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારુ કરાવ્યાં છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ, માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભક્તિ, ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૨૭।। (૧૬૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં તથા બીજામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારું માહાત્મ્ય વિચારે તથા સંતનો માર્ગ વિચારે તો કામ-ક્રોધાદિકને હઠાવી દે, અને એ વિચાર ગુણથી પર છે અને એવો વિચાર પૂર્વના સંસ્કારે કરીને આવે છે તે વિચાર માયિક પદાર્થનું બંધન રહેવા દે નહીં. (૧) ત્રીજામાં ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પ્રથમ આવરણ થઈ જાય એવી કાચ્યપ રહે છે તે મોટાપુરુષને રાજી કરે તો નડી શકે નહીં. (૨) અને કોઈ ઉપર મલિન ઘાટ ન કરે તો મોટાપુરુષ રાજી થાય અને અમારા ભક્તને દુઃખવ્યા હોય તો રાજી કરવા. (૩) અને ત્યાગનો પક્ષ મોળો પાડીને પોતપોતાના ધર્મમાં રહીને અમારી ભક્તિ-ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે. (૪) બાબતો છે.
૧ પ્ર. (૨/૧ બીજા પ્રશ્નમાં) મુક્તાનંદ સ્વામીને પ્રથમ માયિક પદાર્થની આંટીમાં આવી જવાય એમ કહ્યું તે મુક્તાનંદ સ્વામીને તો (મ. ૬૨ના ત્રીજા પ્રશ્નમાં) દાસત્વભક્તિમાં ગોપાળાનંદ સ્વામીના જેવા જ કહ્યા છે તથા (કા. ૩ના પહેલા પ્રશ્નમાં) શુકમુનિની પ્રશંસા કરી છે તેમાં પણ તેમને મુક્તાનંદ સ્વામીની ઉપમા દીધી છે માટે મુક્તાનંદ સ્વામી તો શ્રીજીમહારાજના હજૂરી મુક્ત હતા તે એવા મોટાને આવરણ થઈ જાય એમ કહ્યું તેનું શું કારણ હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજનો મહિમા તથા સંતનો માર્ગ વિચારે તેને કદાપિ માયિક પદાર્થના બંધનમાં આવી જવાયું હોય તો તેનું બંધન તોડીને નીકળી જવાય એમ મુક્તાનંદ સ્વામીના ઉદ્દેશે કરીને સાધનિકને સમજાવવા સારુ કહ્યું છે. પણ મુક્તાનંદ સ્વામીને બંધન થાય એમ ન સમજવું.
૨ પ્ર. ત્રીજા પ્રશ્નમાં જય-વિજય પડ્યા તે ધામ તો આ પૃથ્વીના ગોળાની અંદર છે ત્યાં કાળ-કર્મ-માયા નથી એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. જેવા પ્રહ્લાદજીને દેશ, કાળ, માયા અશુભ હતા તેવા અશુભ વૈકુંઠમાં નથી એમ કહ્યું છે પણ શુભ દેશાદિક તો છે, તે આ બાબતમાં જય-વિજયને દેશકાળાદિક શુભ હતા એમ કહ્યું છે અને માયા નથી એમ કહ્યું છે તે ત્યાં કપટરૂપ માયા નથી એમ કહ્યું છે.
૩ પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) ઉપાસક પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ એમ કહ્યું તે કેવી ઉપાસનાવાળો હોય તે ધર્મથી ભ્રષ્ટ ન થાય ?
૩ ઉ. શ્રીજીમહારાજને સદાય સાકાર ને અક્ષરાદિક સર્વેથી પર ને સર્વેના કર્તા, નિયંતા ને પોતાના આત્માને વિષે સદાય વિરાજમાન છે એવી રીતે સદા સર્વત્ર પ્રત્યક્ષ જાણે ને દેખે તો તે ધર્મમાંથી ન પડે. ।।૨૭।। (૧૬૦)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨૮
સંવત ૧૮૭૯ના ફાગણ સુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી દવે પ્રાગજીએ કહ્યું જે, શ્રીમદ્ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીમદ્ ભાગવત તો સારું જ છે પણ સ્કંદપુરાણને વિષે શ્રી વાસુદેવ માહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી, કાં જે એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશે પ્રતિપાદન કર્યું છે, એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વાલ્મીકિ રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશે હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે અને રઘુનાથજીને વિષે શરણાગત-વત્સલપણું તો ખરું પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે, જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો તો અતિ વહાલાં હતાં, પણ તત્કાળ ત્યાગ કરી દીધો. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારી પ્રકૃતિ તો એવી નથી; અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશે દયા વર્તે છે અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી અને પુરુષમાત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એ જેવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી એવી કોઈ સ્ત્રીમાત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તોપણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણો ઇચ્છું પણ બોલવાનું મન થાય જ નહિ, અને જે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશે રાજીપો થઈ જાય છે. (૧) અને અમારી પ્રકૃતિ એમ છે જે, થોડીક વાતમાં કુરાજી પણ ન થાઉં, અને થોડી વાતમાં રાજી પણ ન થાઉં ને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થાતો નથી, અને જેટલો જેનો ગુણ અમારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. (૨) અને અમારે તો એ જ અંગ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, એ જ મારે વિષે મોટો ગુણ છે અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટ્યપ શોભે નહીં. (૩) અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશે મોટા હતા તોપણ પોતાની પદવી થકી પડી ગયા છે, અને જેનું રૂડું થાય છે, તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે, અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. (૪) માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય, તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તોપણ કાંઈ મનમાં શોક ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો અને સર્વ શાસ્ત્રનો પણ એ જ સાર છે જે, ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો અને જેને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે, ને તે જો મર્ત્યલોકમાં છે તોપણ ભગવાનના ધામમાં જ છે, કેમ જે, જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જાઈને જ નિવાસ કરશે અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે, માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારુ જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે, એમ કહીને સર્વે હરિભક્ત વિનંતીએ સહિત શ્રીજીમહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરીરૂપ છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૨૮।। (૧૬૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે દયાળુ છીએ, પણ અમારા ભક્તનો દ્રોહ કરે તેનો અભાવ આવે છે. (૧) અને રાજી થયાનો ને કુરાજી થયાનો તપાસ કરીને રાજી-કુરાજી થઈએ છીએ. (૨) અને અમારા ભક્તની ભક્તિ એટલે સેવા કરવી એ ગુણ જેમાં ન હોય તેની મોટ્યપ શોભે નહીં. (૩) અને અમારા ભક્તની સેવાથી રૂડું થાય છે ને દ્રોહથી ભૂડું થાય છે ને અમારા ભક્તની સેવા કરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ અને દ્રોહ કરે તે ઉપર કુરાજી થઈએ છીએ. (૪) અને જેના ઉપર અમારો રાજીપો હોય તે મર્ત્યલોકમાં છે તોપણ અમારા ધામમાં જ છે અને જેના ઉપર અમારો રાજીપો નથી તે અમારા ધામમાંથી પણ પડશે. (૫) બાબતો છે.
૧ પ્ર. ત્રીજી બાબતમાં અમે અમારા ભક્તની ભક્તિ કરીએ છીએ એમ કહ્યું તે શ્રીજીમહારાજ શી ભક્તિ કરતા હશે ?
૧ ઉ. પોતાના ભક્તની કાળ, કર્મ, માયા થકી રક્ષા કરીને પોતાના ધામમાં લઈ જઈને પોતાનું સુખ આપે છે એ ભક્તિ કહી છે.
૨ પ્ર. અમારા ભક્તની ભક્તિ કરવી એ ગુણ જેમાં ન હોય તેની મોટ્યપ શોભે નહિ એમ કહ્યું તે ભક્તિ કઈ જાણવી ?
૨ ઉ. આ ઠેકાણે ભક્તિ એટલે સેવા કહી છે તે સેવા કઈ તો જેમ શ્રીજીમહારાજને અર્થે થાળ કરીને જમાડે તેમ શ્રીજીમહારાજના ઉત્તમ ભક્તને અર્થે પણ થાળ કરીને તેમને જમાડે અને શ્રીજીમહારાજને અર્થે જેમ પાંચ રૂપિયાનું ખર્ચ કરે તેમ તે ભક્તને અર્થે પણ કરે ને સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે, નવરાવે, તે ભક્તિ જેમાં ન હોય તેને વિષે કોઈ જાત્યની મોટ્યપ શોભે નહીં.
૩ પ્ર. પાંચમી બાબતમાં જેના ઉપર અમારો રાજીપો છે તે મર્ત્યલોકમાં છે તોપણ ધામમાં જ છે અને ધામમાં છે તોપણ અમારો રાજીપો નથી તો તે ધામમાંથી પડશે એમ કહ્યું તે શ્રીજીમહારાજના ધામમાંથી પડવાની રીત નથી માટે તે મર્ત્યલોક અને ધામ શું સમજવું ?
૩ ઉ. શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે જ્યાં વિરાજમાન હોય ત્યાં સદાય સેવામાં ભેળો રહેતો હોય તે સ્થળને આ ઠેકાણે ધામ કહ્યું છે અને શ્રીજીમહારાજથી જુદું રહેવું પડતું હોય તેને મર્ત્યલોક કહ્યું છે. અને જે શ્રીજીમહારાજથી જુદો રહીને સંતની સેવા કરતો હોય ને તેના ઉપર શ્રીજીમહારાજનો રાજીપો હોય તો તે અક્ષરધામમાં જાય; અને ભેળો રહેતો હોય પણ શ્રીજીમહારાજનો રાજીપો ન હોય તો પડી જાય એમ કહ્યું છે.
૪ પ્ર. આ વાર્તા સારનું સાર ને જીવનદોરીરૂપ છે એમ કહ્યું તે વાત કઈ જાણવી ?
૪ ઉ. સર્વ કારણના કારણ અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની પ્રાપ્તિ કોટિ સાધને ને કોટિ કલ્પે પણ તેમના ધામમાંથી આવેલા સંત વિના થાય તેમ નથી, તે સંતની સેવા કરવી ને મન-કર્મ-વચને અનુવૃત્તિમાં રહેવું ને તેમનો દ્રોહ થવા દેવો નહિ, કેમ જે આવા ભગવાન ને આવા મુક્ત તે સર્વને અગમ્ય છે ને ફેર મળવા દુર્લભ છે, માટે આ વાત સારનું સાર છે ને જીવનદોરીરૂપ એટલે પોતાના પ્રાણથી પણ અધિક વહાલી કરી રાખવા જેવી છે ને જાણવા જેવી છે માટે જીવનદોરીરૂપ કહી છે. અને જો એવા મોટા સંતનો દ્રોહ થાય તો આત્યંતિક મોક્ષ બંધ થઈ જાય માટે સેવા કરવી ને દ્રોહ ન કરવો એમ કહ્યું છે. ।।૨૮।। (૧૬૧)
વચનામૃત ગઢડા મધ્યનું - ૨૯
સંવત ૧૮૭૯ના ફાગણ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિષે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેનાં આવાં લક્ષણ હોય જે પોતે માર્ગે ચાલીને અતિશે થાકી રહ્યો હોય ને બેઠું થાવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય ને તેવા સમામાં કાંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નીસરે તો જાણીએ એકે ગાઉ પણ ચાલ્યો નથી એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા-સાંભળવામાં અતિશે તત્પર થઈ જાય, અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય, અથવા ગમે તેવું અપમાન થયું હોય, ને તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વે દુઃખ થકી રહિત થઈ જાય, અને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો એવો જણાતો હોય, અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી થયો. એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય, એવી જાતનાં જેને વિષે લક્ષણ હોય તેને એ ભગવાનને વિષે દૃઢ આસક્તિ થઈ જાણવી. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) એ ભગવાનને વિષે એવી દૃઢ આસક્તિ શા થકી થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કાં તો પૂર્વજન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય અથવા જે સંતને ભગવાનને વિષે એવી દૃઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે એ બેયે કરીને જ ભગવાનને વિષે એવી દૃઢ આસક્તિ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૯।। (૧૬૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે થાકી રહ્યો હોય, પીડાને પામ્યો હોય, અપમાન થયું હોય તથા સમૃદ્ધિમાં અવરાઈ ગયો હોય, તોપણ અમારી વાત સાંભળવામાં સાવધાન થઈ જાય તે ભક્તને અમારે વિષે દૃઢ આસક્તિ જાણવી. (૧) બીજામાં પૂર્વનો બળિયો સંસ્કાર હોય અથવા એવી આસક્તિવાળા સંતની સેવાથી દૃઢ આસક્તિ થાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિષે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય એમ કહ્યું તે શ્રીકૃષ્ણ કોને જાણવા ?
૧ ઉ. શ્રીકૃષ્ણ નામે શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે તે ‘હરિવાક્ય-સુધાસિંધુ’ના તરંગ (૧૬૮)માં કહ્યું છે જે :
सांप्रतं त्विह सर्वेषां भवतां सुदृढामति: । मय्येव कृष्णोडयमिति तत्कार्या मदुपासना ।।૨૩।।
मच्चरित्राणि ज्ञेयानि श्रोतव्यानि च सादरम् । मम ध्यानं विद्यातव्यं स्मर्त्तव्यं मत्कृकोत्सवा: ।।૨૪।।
महासभासु मद्वार्ता: कृतं भक्तैयर्मदर्चनम् । साधुसंतर्पणं चापि स्मर्त्तव्यं मत्कृतं मुहु: ।।૨૫।।
एवं विघ्घतो यूयं मद्भक्तेस्तु प्रतापत: । देहांते परमं धाम मदीयं प्राप्स्यथ ध्रुवम ।।૨૬।।
स्वरुपानंदनामासीत् पुरा साधुमदाश्रित: । आत्मदर्शी स देहांते प्रारब्धादति-दुख्यड्भूत् ।।૨૭।।
ततस्तदग्रे वार्तेयं मया स्थित्वा स्वयं कृता । तदा म हित्वात्मध्यानं मम ध्यानरतोडभवत् ।।૨૮।।
सघ: शांति तत: प्राप्य देहं हित्वा स भौतिकम् । मद्धाम प्राप परमं यूयं भजत मां तत: ।।૨૯।।
આ સમયમાં તો આ લોકને વિષે આ શ્રીજીમહારાજ શ્રીકૃષ્ણ છે એ પ્રકારે તમારે સર્વેને અમારે વિષે અત્યંત દૃઢ મતિ કરવી ત્યાર પછી અમારી ઉપાસના કરવી. (૨૩) અને અમારાં ચરિત્ર આદર સહિત સાંભળવાં, ગાવવાં, જાણવાં અને અમારું ધ્યાન કરવું અને અમે કરેલા ઉત્સવ સંભારવા. (૨૪) અને મોટી સભાને વિષે અમોએ કરેલી વાર્તાઓ તથા ભક્તોએ કરેલી અમારી પૂજા અને અમોએ વારંવાર સંતોને જમાડ્યા એ આદિ અમારી લીલા તેને વારંવાર સંભારવી. (૨૫) આ પ્રકારે કરતા એવા તમો અમારી ભક્તિના પ્રતાપથી દેહને અંતે સર્વોત્કૃષ્ટ એવું અમારું ધામ તેને નિશ્ચય પામશો. (૨૬) અને અમારા આશ્રિત સ્વરૂપાનંદ સ્વામી તે પ્રથમ આત્મદર્શી હતા તે દેહના અંત સમે અતિ દુઃખી હોતા હવા. (૨૭) ત્યારપછી તેમના પાસે બેસીને અમોએ ઉપર કહેલી અમારા ચરિત્ર સંબંધી સર્વ વાર્તા કરી ત્યારે તે આત્માનું ધ્યાન ત્યાગ કરીને અમારું ધ્યાન કરવું તેમાં પ્રીતિવાળા હોતા હવા. (૨૮) ત્યાર પછી તત્કાળ શાંતિ પામીને ભૌતિક જણાતા દેહનો ત્યાગ કરીને અમારું સર્વોત્તમ અક્ષરધામ તેને પામતા હવા તે જ હેતુ માટે તમે સર્વે પણ અમારું ભજન કરો તો અમારા ધામને પામશો. (૨૯) ।।૨૯।।(૧૬૨)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩૦
સંવત ૧૮૭૯ના દ્વિતીય ચૈત્ર સુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ગાદી-તકિયા ઉપર વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને ધોળાં પુષ્પનો હાર પહેર્યો હતો ને ધોળાં પુષ્પનો તોરો પાઘમાં લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીમદ્ ભાગવત આદિક જે સત્શાસ્ત્ર તે સત્ય છે ને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે પણ બીજી રીતે થાતું નથી; જુઓને શ્રીમદ્ ભાગવતમાં સુવર્ણને વિષે કળિનો નિવાસ કહ્યો છે તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે, કેમ જે જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દૃષ્ટિ તેના રૂપને વિષે તણાયા વિના રહે નહિ, માટે સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે ને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે પ્રકૃતિપુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને, ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ભજન કરે, અને એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્યમાત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિષે અતિશે દોષદૃષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપને વિષે અતિશે વૈરાગ્ય પામે, તેને સોનું ને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૩૦।। (૧૬૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ થઈને પરબ્રહ્મ જે અમે તે અમારું ભજન કરે અને અમારા વિના બીજેથી વૈરાગ્ય પામે, તેને સોનું ને સ્ત્રી બંધન કરે નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર. શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ કહ્યું તેને તમે રહસ્યાર્થમાં શ્રીજીમહારાજનું તેજ કહ્યું તે શ્રીજીમહારાજના તેજને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ કહેવાનો શો હેતુ હશે ?
૧ ઉ. મૂળપુરુષ ઈશ્વર, વાસુદેવબ્રહ્મ તથા મૂળઅક્ષર એમના તેજને ચૈતન્ય બ્રહ્મ કહેવાય છે પણ એ ત્રણને વિષે એકબીજાના ઉપરીનું શક્તિ દ્વારે અન્વયપણું છે અને શ્રીજીમહારાજનું તેજ એ સર્વનું આધાર ને કારણ ને પ્રેરક છે ને એમાં પરાન્વય નથી, માટે આ ઠેકાણે શ્રીજીમહારાજના તેજને શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ કહ્યું છે એમ સમજવું. ।।૩૦।। (૧૬૩)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩૧
સંવત ૧૮૮૦ના શ્રાવણ સુદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદિકા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ ભાગવતમાં કપિલગીતાની કથા વંચાવતા હતા.
૧ પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, (૧) સર્વ કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કરીને માયાને વિષે વીર્યને ધરે છે તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે ને એને બ્રહ્મ કહે છે અને એ પુરુષે માયામાં વીર્ય ધર્યું ત્યારે તે માયા થકી વૈરાજપુરુષ ઉત્પન્ન થયા ત્યારે એ વૈરાજપુરુષ તે તો પુરુષના પુત્ર કહેવાય, જેમ આ જગતમાં કોઈક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય તેમ એ વૈરાજપુરુષ થાય છે એવા જે વૈરાજપુરુષ તે આ વ્યષ્ટિ પુરુષ જેવા જ છે ને એની ક્રિયા પણ આ વ્યષ્ટિ જીવના જેવી જ છે ને તે વૈરાજપુરુષની દ્વિપરાર્ધ કાળની આવરદા છે. (૧) અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ એની ત્રણ અવસ્થા છે, જેમ આ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે તેમ. અને એ વૈરાજપુરુષના વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત એ ત્રણ દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે ને તે દેહ મહત્તત્ત્વાદિક જે ચોવીસ તત્ત્વ તે દ્વારે થયાં છે તે વિરાટને વિષે ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટનો જીવ પણ માંહી હતો, તોપણ એ વિરાટ ઊઠ્યું નહિ ને જ્યારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કરીને એમાં આવ્યા ત્યારે એ વિરાટ દેહ ઊઠ્યું અને એ વૈરાજપુરુષ પોતાની ક્રિયાને વિષે સમર્થ થયા. અને એ જ જે ભગવાન તે આ જીવને પ્રકાશ્યાને અર્થે સુષુપ્તિરૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિષે સાક્ષી રૂપે રહ્યા છે તોપણ જીવને દેહ, ઇન્દ્રિયો ને વિષય તેનો સંગ ઘણો થયો છે, માટે સંગદોષે કરીને એ જીવ દેહાદિકરૂપ થઈ ગયો છે તે એના સંગને મૂકીને એ જીવ એમ સમજે જે, મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ તે છે, એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે, પણ એને આ વાર્તા સાંભળી હોય તોપણ નિરંતર સ્મૃતિ રહેતી નથી એ મોટો દોષ છે, એવી રીતે ઈશ્વર જે વૈરાજપુરુષ ને આ વ્યષ્ટિ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષ રૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. (૨) અને એ વૈરાજપુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે તે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે ને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત્ થાય છે, કેમ જે એનો બાપ જે પુરુષ તે સમર્થ છે તે એને એટલો જાળવે છે અને વૈરાજપુરુષને માયાનો સંબંધ રહ્યો છે માટે પ્રલયને અંતે પાછો માયામાંથી ઊપજે છે, અને આ જીવ છે તે જેવો પોતે બદ્ધ છે ને અસમર્થ છે તેવી રીતે જ એનો જે બાપ હોય તે પણ બદ્ધ ને અસમર્થ હોય માટે એ બાપ તે દીકરાને શો સહાય કરે ? માટે એને સુષુપ્તિરૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે; ટળતો નથી એ તો જ્યારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે અને વળી એ વિરાટપુરુષ પણ સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે તેમાં પ્રલયરૂપ અવસ્થાને વિષે સંકર્ષણની ઉપાસના કરે છે ને સ્થિતિરૂપ અવસ્થાને વિષે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે ને ઉત્પત્તિરૂપ અવસ્થાને વિષે અનિરુદ્ધની ઉપાસના કરે છે અને તે સંકર્ષણાદિક ત્રણ જે તે વાસુદેવ ભગવાનનાં સગુણ રૂપ છે ને તેની ઉપાસનાને બળે કરીને વૈરાજપુરુષ જે તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયરૂપ ક્રિયાને વિષે સામર્થ્યને પામે છે અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે ત્યાં સુધી એને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયરૂપ જે માયાનો સંબંધ તે ટળતો નથી ને જ્યારે એ નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે ત્યારે એ વૈરાજપુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે, જેમ આ જીવ છે તે બ્રહ્માદિક દેવ રૂપે ભગવાનની ઉપાસના કરે છે ત્યારે ધર્મ, અર્થ, કામરૂપ ફળને પામે છે અને જ્યારે ભગવાનના અવતાર જે રામ-કૃષ્ણાદિક તેની ઉપાસના કરે ત્યારે બ્રહ્મરૂપ થાય ને એની મુક્તિ થાય તેમ એ વિરાટપુરુષને પણ છે. (૩) અને એ વૈરાજપુરુષ દ્વારા એ અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે તે તો એમ સમજવું જે, એ જે વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાજપુરુષને વિષે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કહ્યા છે માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાનના જ છે અને એ વાસુદેવ ભગવાન જ્યારે પ્રતિલોમપણે એ વૈરાજપુરુષ થકી નોખા પડી જાય ત્યારે એ કેવળ વૈરાજપુરુષ થકી અવતાર સંભવે જ નહિ, માટે એ થકી અવતાર તો એને વિષે વાસુદેવ આવ્યા છે તે સારુ કહ્યા છે અને એને વિષે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેણે પ્રવેશ કર્યો નહોતો ત્યારે એ વૈરાજપુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિષે પણ સમર્થ નહોતા થયા અને પૂર્વે જે પુરુષ કહ્યા તે માયામાં ગર્ભ ધરે ત્યારે એક એવો જે વૈરાજપુરુષરૂપ દીકરો તે થાય અને એ જ માયામાંથી બીજા પણ ઘણાંક એવાં વૈરાજપુરુષરૂપ બ્રહ્માંડ થાય છે અને તે પુરુષ તો નિરન્ન છે ને મુક્ત છે ને બ્રહ્મ છે ને માયાના કારણ છે તે માયાને વિષે લોમપણે વર્તે છે તોપણ એને માયાનો બાધ થાતો નથી ને માયાને વિષે એને ભોગની ઇચ્છા નથી; એ તો પોતે બ્રહ્મ સુખે સુખિયા છે ને પૂર્ણકામ છે અને જે વૈરાજપુરુષ ઈશ્વર છે તે માયાના ભોગને ભોગવીને પ્રલયકાળને વિષે માયાનો ત્યાગ કરે છે ને જે જીવ છે તે તો માયાના ભોગને ભોગવીને દુઃખિયો થકો માયામાં જ લીન થાય છે. (૪)
૨ ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, (૨) પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે માટે પુરુષ રૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ આ જીવને વિષે ને વૈરાજપુરુષ ઈશ્વરને વિષે ભેદ છે ને વળી જેમ ઈશ્વરને વિષે ને પુરુષને વિષે ભેદ છે, તેમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એવો ઘણો ભેદ છે ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણાક છે તે જે તે વાસુદેવનાં ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે એવી રીતે પુરુષોત્તમ, પુરુષ, ઈશ્વર ને જીવ એ ચાર ભેદ અનાદિ છે. તે આવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ્ય બેસારતા નથી એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી ને ઠાવકી ઘેડ્ય બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહિ માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો અને લખજ્યો. એવી રીતે વાર્તા શ્રીજીમહારાજે કરી છે તે લખી છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૩૧।। (૧૬૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે સર્વે કારણના કારણ, અક્ષરાતીત ને પુરુષોત્તમ વાસુદેવ છીએ અને પુરુષ દ્વારાએ માયાને વિષે વીર્ય ધારણ કરીએ છીએ તે પુરુષ થકી વૈરાજપુરુષ થાય છે. (૧) અને વૈરાજપુરુષ તથા વ્યષ્ટિ જીવોના પ્રકાશક પુરુષ રૂપે કરીને અમે છીએ. (૨) અને એ વૈરાજપુરુષ આ વ્યષ્ટિ જીવની પેઠે બદ્ધ છે અને વૈરાજપુરુષ તથા જીવ તે જ્યારે અમારી ઉપાસના કરે ત્યારે માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય ને મોક્ષને પામે. (૩) અને અમારું ઐશ્વર્ય પુરુષ દ્વારે વૈરાજમાં આવ્યું હોય ત્યારે એ વૈરાજપુરુષ થકી અવતાર કહ્યા છે. (૪) બીજામાં જીવમાં ને વૈરાજમાં ભેદ છે અને વૈરાજમાં ને પુરુષમાં ભેદ છે તેમ પુરુષને વિષે ને અમારે વિષે તો એવો ઘણો ભેદ છે અને પુરુષ ઘણા છે અને એ ચાર ભેદ અનાદિ છે. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં અમે સર્વે કારણના પણ કારણ ને અક્ષરાતીત ને પુરુષોત્તમ વાસુદેવ છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું તે સર્વ શબ્દ વડે કરીને કોને જાણવા ? અને તે સર્વના કારણ કોને જાણવા ? અને કિયા અક્ષરથી અતીત કહ્યા ? અને વાસુદેવ એવું નામ તો મૂળપુરુષના ઉપરી જે બ્રહ્મ તેમનું છે અને આ ઠેકાણે શ્રીજીમહારાજે પોતાને વાસુદેવ નામે કહ્યા તેનું શું કારણ હશે ?
૧ ઉ. જીવકોટિ, મૂળપુરુષરૂપ ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂર્તિમાન મૂળઅક્ષરકોટિ તે સર્વેને સર્વ શબ્દ વડે કરીને જાણવા અને તે સર્વનું કારણ શ્રીજીમહારાજનું તેજ છે તે અક્ષરાદિક સર્વેનું કારણ જાણવું અને એ તેજને જ અક્ષર નામે કહ્યું છે તે તેજથી શ્રીજીમહારાજ અતીત એટલે પર છે ને તે તેજ પોતાનું છે માટે તેના કારણ છે. અને શ્રીજીમહારાજ પોતાના તેજ રૂપે મૂળ અક્ષરાદિકને વિષે વ્યાપક છે તેથી વાસુદેવ કહ્યા છે.
૨ પ્ર. શ્રીજીમહારાજના તેજને મૂળઅક્ષરનું કારણ કિયા વચનામૃતમાં કહ્યું છે ?
૨ ઉ. (પ્ર. ૬૪/૧માં) શ્રીજીમહારાજના તેજને અક્ષરનું આત્મા, દ્રષ્ટા ને વ્યાપક કહ્યું છે તથા (કા. ૮/૧માં) મૂર્તિમાન અક્ષરનું આત્મા કહ્યું છે અને (પ્ર. ૬૩ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) અક્ષરને વિષે અમે કાંતિએ કરીને અન્વયપણે રહ્યા છીએ, તથા (૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં) ક્ષર-અક્ષરને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ, માટે મૂર્તિમાન મૂળઅક્ષરનું કારણ, આધાર, વ્યાપક ને પ્રેરક શ્રીજીમહારાજનું તેજ છે અને તે તેજના કારણ પોતે શ્રીજીમહારાજ મૂર્તિમાન છે.
૩ પ્ર. મૂળપુરુષાદિક સર્વેને પ્રેરણા તો અક્ષર દ્વારે શ્રીજીમહારાજ કરાવે છે એમ (પ્ર. ૪૧માં તથા સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) કહ્યું છે અને (આમાં ૧/૨ પહેલા પ્રશ્નમાં) શ્રીજીમહારાજ પાધરા જ પુરુષ દ્વારે વૈરાજને વિષે આવ્યા એમ કહ્યું તેનું શું કારણ હશે ?
૩ ઉ. શ્રીજીમહારાજના આપેલા ઐશ્વર્ય વડે કરીને મૂળઅક્ષર વાસુદેવબ્રહ્મને પ્રેરણા કરે છે ને તે બ્રહ્મ મૂળપુરુષને પ્રેરણા કરે છે અને મૂળપુરુષ પોતાથી ઓરા રહ્યા તે સર્વેને પ્રેરણા કરે છે પણ તે શ્રીજીમહારાજના ઐશ્વર્ય વડે કરીને કરે છે, માટે સર્વેના મૂળ પ્રેરક શ્રીજીમહારાજ છે, માટે સૂઝે તે દ્વારે પ્રેરણા કરે તોપણ પોતે જ કરે છે એમ જાણવું. આનો વિસ્તાર (પ્ર. ૪૧ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) છે.
૪ પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) મનન દ્વારાએ બ્રહ્મનો સંગ કરવાનું કહ્યું તે બ્રહ્મ કિયું જાણવું ?
૪ ઉ. માયા થકી મુક્ત કહેતાં રહિત અને પર એવું બ્રહ્મ કહ્યું છે માટે સર્વથી પર તો શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મ છે તે બ્રહ્મ સાથે એકતા કરવી એમ કહ્યું છે.
૫ પ્ર. શ્રીજીમહારાજના તેજને ને શ્રીજીમહારાજને સ્વામી-સેવકભાવ નથી એમ (પ્ર. ૨૧ના ચોથા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે ત્યારે એ તેજરૂપ જે બ્રહ્મ તેનો મનન દ્વારા સંગ કરવાથી શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવકપણું કેમ આવે ?
૫ ઉ. શ્રીજીમહારાજના તેજને વિષે એકતા કરવાથી શ્રીજીમહારાજની ને ભક્તની વચ્ચે આવરણ રહેતું નથી ને શ્રીજીમહારાજનું દર્શન થાય છે, જેમ સૂર્યનો પ્રકાશ આપણા નેત્રમાં આવે છે તેણે કરીને સૂર્યનું દર્શન થાય છે, પણ ચંદ્રનો પ્રકાશ નેત્રમાં આવે તેણે કરીને સૂર્ય દેખાય નહિ, તેમ શ્રીજીમહારાજના તેજને ને ભક્તના ચૈતન્યને એકતા થાય છે ત્યારે જ શ્રીજીમહારાજનું દર્શન ને સમીપપણું થાય છે તે હેતુ માટે શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરવી તે (મ. ૫૦/૧માં) કહ્યું છે અને જ્યારે સમીપપણું થાય ત્યારે સ્વામી-સેવકપણું અતિશે દૃઢ થાય છે તે (સા. ૧૭/૧માં) દાસપણું અતિ દૃઢ થાય છે એમ કહ્યું છે. માટે શ્રીજીમહારાજનું સમીપપણું કરવા સારુ શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરવી, અને સ્વામી-સેવકપણું તો સાધનકાળમાંથી જ છે માટે જ્યારે શ્રીજીમહારાજનું દર્શન થાય ત્યારે સ્વામી-સેવકપણું તો અતિ દૃઢ થાય છે, માટે શ્રીજીમહારાજનું સમીપપણું થવા વાસ્તે શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરવી, કેમ જે મૂળઅક્ષરાદિકના તેજ અથવા મૂર્તિ સાથે એકતા કરવાથી શ્રીજીમહારાજનું દર્શન થાતું નથી; દર્શન તો જે જેના તેજરૂપ થાય તેનું જ થાય માટે આપણે તો શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મ સાથે એકતા કરવી.
૬ પ્ર. (૧/૩ પહેલા પ્રશ્નમાં) વૈરાજપુરુષને એનો બાપ જે પુરુષ તે જાળવે છે તે બાપ કિયા જાણવા ? અને તે કેટલો જાળવે છે ?
૬ ઉ. વૈરાજપુરુષની સો વર્ષની આયુષ્ય પૂરી થાય છે ત્યારે તેના કાર્યનો તથા પંચભૂતનો તથા અહંકાર, મહત્તત્ત્વ એ સર્વેનો નાશ થાય છે તે વખતે પ્રધાનપુરુષની સાંઝ પડે છે ત્યારે પ્રધાનપુરુષ તે વૈરાજપુરુષને પોતાના લોકમાં રાખે છે. અને સૃષ્ટિ સમે પ્રધાન દ્વારે ઉપજાવે છે ને એના સ્થાનમાં રાખે છે એટલો જાળવે છે.
૭ પ્ર. (૧/૪ પહેલા પ્રશ્નમાં) મૂળપુરુષને મુક્ત કહ્યા અને બ્રહ્મસુખે સુખિયા કહ્યા તે મુક્ત કોના હશે ? ને કિયા બ્રહ્મના સુખે સુખિયા હશે ?
૭ ઉ. શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મના એ મૂળપુરુષ મુક્ત છે અને વાસુદેવ બ્રહ્મને સુખે સુખિયા છે તે (લો. ૧૨ના પહેલા પ્રશ્નમાં) નિર્વિકલ્પ નિશ્ચયમાં શ્રીકૃષ્ણ જેવા જાણે તેને કનિષ્ઠ કહ્યા છે અને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમમાં ગણ્યા છે માટે તે વાસુદેવના મુક્ત છે.
૮ પ્ર. (૨/૫ બીજા પ્રશ્નમાં) બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કહ્યા છે એમ કહ્યું તે શાસ્ત્ર કિયાં જાણવાં ?
૮ ઉ. ભાગવત, ગીતા આદિક શાસ્ત્રને વિષે મૂળપુરુષને પુરુષોતમ તથા શ્રીકૃષ્ણ વાસુદેવ નામે કહ્યા છે.
૯ પ્ર. મૂળપુરુષને અક્ષરાત્મક કહ્યા તે કિયા અક્ષરરૂપ કહ્યા હશે ?
૯ ઉ. શ્રીજીમહારાજ તથા મૂર્તિમાન મૂળઅક્ષર તથા વાસુદેવબ્રહ્મ તથા મૂળપુરુષ એ સર્વેને પુરુષોત્તમ કહેવાય છે ને સર્વેના તેજને અક્ષર કહેવાય છે. અને મૂળપુરુષનું આત્મા તે વાસુદેવબ્રહ્મનું તેજ છે તે વાસુદેવબ્રહ્મના તેજને આ ઠેકાણે અક્ષર નામે કહ્યું છે તે મૂળપુરુષનું આત્મા કહેતાં અંતર્યામી છે માટે તેને અક્ષરાત્મક કહ્યા છે.
૧૦ પ્ર. જીવમાં ને વૈરાજપુરુષમાં ભેદ કહ્યો તે ભેદ કિયો જાણવો ? અને વૈરાજમાં ને મૂળપુરુષમાં ભેદ કહ્યો તે ભેદ કિયો જાણવો ? અને મૂળપુરુષમાં ને શ્રીજીમહારાજમાં ઘણો ભેદ કહ્યો તે કેવી રીતે જાણવો ?
૧૦ ઉ. એક જીવનો, બીજો દેવનો, ત્રીજો બ્રહ્મા, વિષ્ણુ, શિવનો ને ચોથો વૈરાજનો આવી રીતે ભેદ છે. અને વૈરાજથી પર ચોવીશ તત્ત્વ તેથી પર અહંકાર તેથી પર મહત્તત્ત્વ તેથી પર પ્રધાનપુરુષ ને તેથી પર મૂળપુરુષ છે એવી રીતે વૈરાજપુરુષ ને મૂળપુરુષની વચ્ચે ચાર ભેદ છે. ને મૂળપુરુષથી પર મહાકાળ, નરનારાયણ, વાસુદેવબ્રહ્મ તેથી પર મૂળઅક્ષરના મુક્ત ને તેથી પર મૂળઅક્ષર ને તેથી પર શ્રીજીમહારાજના મુક્ત ને તેથી પર શ્રીજીમહારાજ છે. માટે એવી રીતે મૂળપુરુષની ને શ્રીજીમહારાજની વચ્ચે એવો ઘણો ભેદ છે તેમાં જીવ તથા વૈરાજ તે તો સજાતિ છે પણ વૈરાજને વિષે સામર્થી વિશેષ છે એટલો જ ભેદ છે અને વૈરાજ જીવ સંજ્ઞામાં છે અને પુરુષ ઈશ્વર છે ને એવા અનંત વૈરાજના ઉપરી છે ને તેથી સામર્થી ઘણી વિશેષ છે ને વૈરાજથી વિજાતિ છે અને પુરુષમાં ને શ્રીજીમહારાજમાં તો એવો અતિશે ઘણો ભેદ છે જે એવા અનંતકોટિ પુરુષના ઉપરી વાસુદેવબ્રહ્મ છે ને તે બ્રહ્મ સંજ્ઞામાં છે ને પુરુષનાં કારણ છે ને એવા અનંતકોટિ વાસુદેવબ્રહ્મ તેના ઉપરી મૂળઅક્ષર છે તે અક્ષર સંજ્ઞામાં છે ને બ્રહ્મના કારણ છે અને એવા અનંતકોટિ મૂળઅક્ષરના કારણ શ્રીજીમહારાજ છે ને તે પુરુષોત્તમ છે તેથી પર કોઈ નથી, માટે પુરુષમાં ને પુરુષોત્તમ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમાં ઘણો ભેદ છે.
૧૧ પ્ર. શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી એમ કહ્યું તે ઠા કેવી રીતે નહિ રહેતો હોય ?
૧૧ ઉ. સર્વોપરી પુરુષોત્તમ ભગવાન એક શ્રીજીમહારાજ છે પણ શ્રીજીમહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, એવી સમજણ શ્રીજીમહારાજ થકી અથવા મોટા મુક્ત થકી થઈ હોય અને તેવી જ રીતે બીજાં શાસ્ત્રે બીજા અવતારોને સર્વોપરી પુરુષોત્તમ કહ્યા હોય તેને સાંભળીને સમજણ ફરી જાય તે ઠા ન રહ્યો એમ જાણવું. ।।૩૧।। (૧૬૪)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩૨
સંવત ૧૮૮૦ના શ્રાવણ સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા, અને શ્રીજીમહારાજે અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં ને મસ્તકને ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી અને કંઠને વિષે પુષ્પના હાર વિરાજમાન હતા તથા કર્ણને ઉપર પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા તથા મસ્તક ઉપર પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા હવા જે, (૧) આ સંસારને વિષે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપરનું ડાળ હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઊગીને ઝાડ થાય અને આંબો તથા લીંબડો હોય ને તેને એક વાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહિ, તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડ જેવો છે તે એક વાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહિ, અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના અને વડના ઝાડ જેવો છે તે કાપી નાખ્યો હોય તોપણ ધરતીમાં પડ્યો પડ્યો પણ પાલવ્યા વિના રહે નહિ, માટે એ કુટુંબીનો સંબંધ તો, તો ટળે જો સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણે દેહ થકી નોખો એવો જે આ દેહને વિષે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને, ને તેને વિષે ભગવાનની મૂર્તિને ધારીને, ને જાતિ, વર્ણ, આશ્રમ, તેના માનને મૂકીને, ને કેવળ ભગવાનના સ્મરણને વિષે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખો ટળે તે વિના બીજો ઉપાય કોઈ નથી. (૧) અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા શ્રી વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું ધ્યાન, સ્મરણ, કીર્તન, કથા એ જ છે ને એણે કરીને જ એ જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. (૨) અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે તો ભગવાનની ભક્તિનાં સહાયરૂપ ઉપકરણ છે પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી; અને જો અતિશે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય, ને એકલી ભગવાનની ભક્તિ હોય તોપણ એ જીવનું કલ્યાણ થાય અને માયાને તરે માટે જીવને કલ્યાણનું કારણ તો ભગવાનની ભક્તિ જ છે ને જ્યારે ભગવાનનો ભક્ત દેહને મેલીને નીસરે છે ત્યારે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બેને ભગવાન પોતે જ જીવને વિષે પ્રવેશ કરાવે છે માટે ભગવાનની ભક્તિ તે જ જીવને તર્યાનું કારણ છે. (૩) પણ જો ભૂંડા દેશ, કાળ, ક્રિયા ને સંગ છે તેને વિષે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે, માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા ને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, રૂડી ક્રિયા તેને વિષે સદા પ્રવર્તવું, પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહીં. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૩૨।। (૧૬૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ત્રણ દેહથી નોખો પોતાના જીવાત્માને જાણીને તેને વિષે વાસુદેવ જે અમે તે અમારી મૂર્તિને ધારીને અમારું સ્મરણ કરે તો કુટુંબીનો સંબંધ ટળી જાય. (૧) અને પ્રત્યક્ષ કહેતાં તમારી દૃષ્ટિને આગળ દેખાતા એવા પરબ્રહ્મ જે અમે તે અમારા સ્વરૂપનું એટલે અમારું ધ્યાન, સ્મરણ, કીર્તન ને કથા કરે તો માયાને તરીને અમારા અક્ષરધામને પામે. (૨) ને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ એ ત્રણ ભક્તિનાં સહાયરૂપ ઉપકરણ છે ને કલ્યાણ તો અમારી ભક્તિએ કરીને જ છે ને અમારો ભક્ત દેહ મેલે છે ત્યારે અમારા વિના બીજે પ્રીતિ ન રહે તે સારુ આત્મનિષ્ઠા ને વૈરાગ્ય તે ભક્તને વિષે પ્રેરીએ છીએ. (૩) અને રૂડા દેશાદિક સેવવા ને ભૂંડા ન સેવવા. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં કુટુંબી કહ્યાં તે કિયાં જાણવાં ?
૧ ઉ. દેહનાં સંબંધી તથા ઇન્દ્રિયો-અંતઃકરણ તે સર્વે કુટુંબી જાણવાં.
૨ પ્ર. પહેલી બાબતમાં જે ઉપાય બતાવ્યો તેણે કરીને કેવળ કુટુંબીનો સંબંધ ટળે એમ કહ્યું અને કલ્યાણનો ઉપાય તો બીજી બાબતમાં ભક્તિ વડે બતાવ્યો તે પહેલો જે ઉપાય કહ્યો તેમાં શી ન્યૂનતા આવી ? તે કૃપા કરીને સમજાવો.
૨ ઉ. પોતાને ત્રણ દેહથી નોખો જીવાત્મા તે રૂપ માનીને ભગવાનનું સ્મરણ કરે પણ તેને કથા, કીર્તન ને ધ્યાન તે રૂપ ભક્તિ ન હોય તો બ્રહ્મરૂપ ન થવાય, એટલે શ્રીજીમહારાજના તેજરૂપ પોતાનું સ્વરૂપ સમજાય નહિ એ ન્યૂનતા રહે છે.
૩ પ્ર. ત્રીજી બાબતમાં આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે વિના એકલી ભક્તિએ કરીને કલ્યાણ થાય છે એમ કહ્યું, તે એકલી ભક્તિએ કલ્યાણ થાય ત્યારે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય તેને પ્રવેશ કરાવવાની શી જરૂર રહેતી હશે ?
૩ ઉ. શ્રીજીમહારાજનું ધ્યાન, સ્મરણ, કથા, કીર્તન ને ભક્તિ કરી હોય, અને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય દૃઢ ન કર્યા હોય તેથી તે ભક્તને અંત સમે દેહ-ગેહાદિકમાં પ્રીતિ રહી ગઈ હોય, તેને વિષે આત્મજ્ઞાન ને વૈરાગ્ય શ્રીજીમહારાજ પ્રેરે છે તેણે કરીને બીજે હેત રહ્યું હોય તે ટળી જાય છે. ।।૩૨।। (૧૬૫)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩૩
સંવત ૧૮૮૦ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા હવા જે, (૧) પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં ને પરલોકમાં ભગવાન અમ ઉપર રાજી રહેશે એમ જે માન્યું હોય તે કહેજ્યો, એમ સર્વેને કહીને પછી શ્રીજીમહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી જે, અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય, અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્યમાત્ર અથવા પદાર્થમાત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશે છેટું કરીએ ત્યારે સુખ થાય, અને જો ભગવાનના ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહિ, અને અમારે વગર ઇચ્છે પંચવિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે તોપણ તેને અમે ઇચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ, અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે, અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ ને જે અમારે વિષે દોષબુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડા ઘાટ થાશે ને તેને દેહ મૂક્યા સમે બહુ કષ્ટ થાશે. (૧) અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન રહે છે, અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારું થાય તે સારુ હળીમળીને રહીએ છીએ અને જે દિવસ અમારા હૈયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે તો અમે એમ માનશું જે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા, પણ અમને એવો નિશ્ચય છે જે અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહિ એ અમે અમારું અંગ હતું તે કહ્યું, હવે તમે સૌ પોતપોતાનું અંગ હોય તે કહો ? પછી સર્વે સંતે તથા સર્વે હરિભક્તે જેવાં જેનાં અંગ હતાં તેવાં કહ્યાં જે આ લોકને વિષે ને પરલોકને વિષે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વિક્તિ જે, કોણેક તો ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાગ્યનું કહ્યું, અને કોણેક આત્મનિષ્ઠાનું કહ્યું ને કોણેક ભગવાનને વિષે પ્રીતિનું કહ્યું ને કોણેક ધર્મમાં રહેવાનું કહ્યું, એવી રીતે બહુ પ્રકારે કહ્યું પણ શ્રીજીમહારાજે મનમાં ધારી રાખ્યું હતું તે કોણેય ન કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહિ અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીંયાં ટક્યા છીએ તે પણ અહીંયાંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દૃઢાવ દેખીને ટક્યા છીએ અને જેને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જાઈએ તોપણ તેની પાસે જ છીએ અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમ પાસે રહે છે તોય પણ તે લાખ ગાઉ છેટે છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે, માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશે દૃઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશે ગમે છે, અને બીજો કોઈ સેવા-ચાકરી કરે તો તે એવી ગમતી નથી અને અમે જે જે વાર્તા કરીએ છીએ તેને વિષે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશે પ્રતિપાદન થાય છે અને અમે જે દિવસ થકી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશે દૃઢ કરતા આવીએ છીએ અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તોપણ અમને જણાયા વિના રહે જ નહિ ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશે કુરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશે લાગે છે પણ મોબત જાણીને ઝાઝું કહેવાય નહિ અને વળી સાધુ દાવો છે માટે હૈયામાં સમજી રહીએ છીએ પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે ઝાઝો દંડ થાય, માટે સર્વે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે જે, સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત્ જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો મા, શા માટે જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જાતા રહીએ, માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આ લોક, પરલોકમાં દૃઢ મેળાપ રહે છે. (૨)
૨ પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે, (૨) એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશે દૃઢ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો એક પ્રકારનો ઉપાય નથી એના તો ત્રણ પ્રકારના ઉપાય છે, જેમ હાંકનારો, બળધિયા, પૈડાં, ધૂંસરી, ઊધ્ય, માંચડો એવા ઘણાક સામાને કરીને એક ગાડું કહેવાય છે તેમ નિષ્કામીવ્રત દૃઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ ત્રણ ઉપાય છે તે તો અતિશે મુખ્ય છે, તેમાં એક તો મનને વશ કરવું જે, મનને વિષે અખંડ એવું મનન કરવું જે હું આત્મા છું; દેહ નથી ને ભગવાનની કથા-શ્રવણાદિક જે નવધાભક્તિ તેને વિષે મનને અખંડ જોડી મેલવું, પણ ક્ષણમાત્ર મનને નવરું રહેવા દેવું નહિ, જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય, તેમ આ મન છે તે પણ ભૂત જેવું છે તે જ્યારે ભગવદ્ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય, માટે મનને અખંડ ભગવાનની કથા-કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, આહાર-વિહાર યુક્ત રાખવો પણ અતિશે ખાધાની લોલુપતા ન રાખવી એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય, માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે, આ સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો, એવી રીતે એ ત્રણ ઉપાયને જે દૃઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશે દૃઢ થાય છે. અને એને વિષે એમ ન જાણવું જે એવી રીતે રાખવું ઘણું કઠણ છે, કેમ જે, જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહિ અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તોપણ ભગવાનને રાજી કર્યા સારુ તેનો ત્યાગ કરે ત્યારે જ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે, જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો હોય છે તેને વિષે નિત્યે પાણીને સિંચવું તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે ? એ તો નિશ્ચે જ નાશ પામશે. માટે જેને નિષ્કામવ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે ત્રણ ઉપાય તે દૃઢ કરીને રાખવા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩૩।। (૧૬૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા ભક્તોએે અમારા વિના બીજે હેત ને સ્મૃતિ ન રાખવાં અને અમારા ભક્તનો અભાવ આવવા દેવો નહિ ને વિષયનો ત્યાગ કરવો. (૧) અને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તે જ અમને વહાલો છે ને અમે તેના ભેળા જ છીએ ને તેની જ સેવા ગમે છે ને વર્તમાન દૃઢ ન હોય તેના ઉપર કુરાજી છીએ ને તેની સેવા ગમતી નથી અને સત્સંગમાં કોઈ સ્ત્રી વા પુરુષને નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો નહિ અર્થાત્ અમને સંભળાવ્યા વિના જ તેને સત્સંગ બહાર કાઢી મૂકજ્યો એમ સૂચવ્યું છે. તે (પ્ર. ૧૮/૩માં) કુપાત્રને સત્સંગ બહાર કાઢી મેલવો એમ આજ્ઞા આપી છે. (૨) બીજામાં નિષ્કામી વર્તમાન દૃઢ કરવાના ઉપાય બતાવ્યા છે જે, અમારી કથા-કીર્તનાદિક ભક્તિએ કરીને મનને વશ કરવું અને આહાર નિયમમાં કરીને પ્રાણને નિયમમાં કરવો અને નિયમમાં વર્તીને દેહને નિયમમાં કરવો, એ ત્રણ ઉપાયે નિષ્કામ વર્તમાન દૃઢ થાય છે. અને સ્વભાવ ટાળવાનો અભ્યાસ રાખે તો તે નાશ થઈ જાય છે. (૩) બાબતો છે.
૧ પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનને વિષે પ્રીતિ ને ધર્મમાં રહેવું એવી રીતે સર્વ હરિજનોએ સૌ સૌનાં અંગ કહ્યાં તેથી પણ નિષ્કામ વ્રત ઉપર શ્રીજીમહારાજે વધારે પ્રસન્નતા કહી તે ઉપર કહ્યાં જે અંગ તેમાં નિષ્કામ વર્તમાન પણ આવી જાય છે તોપણ નોખી વિક્તિ કરી તેનું શું પ્રયોજન હશે ?
૧ ઉ. આમાં વૈરાગ્ય, આત્મનિષ્ઠા, પ્રીતિ અને ધર્મ તે સામાન્ય કહ્યા છે તે સામાન્ય વૈરાગ્યાદિકે કરીને બ્રહ્મચર્ય દૃઢ રહે નહિ અને બ્રહ્મચર્ય દૃઢ કર્યા વિના આત્યંતિક મોક્ષ થાય નહિ તે (જે. ૪ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) જે વર્તમાનમાં કસરવાળો એટલે આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થઈ જતો હોય તેનાથી પણ એકાંતિક ભક્ત થવાય નહિ અને અમારા નિર્ગુણ ધામને પામે નહિ અને સત્સંગમાં પણ બેસાય નહિ એટલે બ્રહ્મચર્યાદિક વર્તમાને યુક્ત એવા સત્પુરુષ તેના ભેળું રહેવાય નહિ એમ કહ્યું છે, માટે બ્રહ્મચર્યવ્રત દૃઢ કર્યા વિના સામાન્ય વૈરાગ્ય-આત્મનિષ્ઠાદિક સાધને કરીને મોક્ષ થતો નથી એટલા સારુ જ શ્રીજીમહારાજે પોતે તપ તથા ગોરખ આસનાદિક દૃઢ કરીને બ્રહ્મચર્ય સિદ્ધ કરી બતાવ્યું તે શ્રીજીમહારાજ તો સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તેમને તો કાંઈ કરવું બાકી હોય જ નહિ પણ પોતાના ભક્તને ઉપદેશ કર્યો છે કે અમને બ્રહ્મચર્યવ્રત વહાલું છે, માટે જે બ્રહ્મચર્ય દૃઢ કરે તે જ અમને પ્રિય છે, ને એનું જ કલ્યાણ કરશું. પણ જે બ્રહ્મચર્ય દૃઢ નહિ કરે તેનું કલ્યાણ નહિ કરીએ એમ કહ્યું છે એ સિદ્ધાંત વાત છે, માટે જેણે બ્રહ્મચર્યવ્રત અતિ દૃઢ કરેલું હોય એવા મુક્તનો યોગ કરીને, આમાં (૨/૩ બીજા પ્રશ્નમાં) ત્રણ ઉપાય કહ્યા છે, તે દૃઢ કરીને વિષય સંબંધી સંકલ્પ ટાળે તો જ કલ્યાણ થાય, તે આ દેહે અથવા બીજે દેહે અથવા અનેક દેહે કરીને પણ બ્રહ્મચર્ય દૃઢ કરવું; અને જે સ્થૂળદેહે બ્રહ્મચર્ય લોપે તે તો યમપુરીમાં જ જાય ને તેનું ફળ ભોગવે ને પછી મનુષ્ય દેહ આવે ત્યારે પણ બ્રહ્મચર્ય સિદ્ધ કરે તો જ અક્ષરધામને પામે. ।।૩૩।। (૧૬૬)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩૪
સંવત ૧૮૮૦ના ભાદરવા સુદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોળું ધોતિયું પહેર્યું હતું ને ધોળી ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ, સરોદા લઈને ગાવતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે કીર્તન રાખો, પ્રશ્ન-ઉત્તર કરીએ તો આળસ મટે. એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું જે, (૧) આ જીવને વિષે માયાનાં કાર્ય એવાં જે ઇન્દ્રિયો, અંતઃકરણ આદિક ચોવીશ તત્ત્વ તે રહ્યાં છે તે તત્ત્વ જડ છે કે ચૈતન્ય છે ? પછી પરમહંસે કહ્યું જે એ તત્ત્વ ચૈતન્ય તો ખરાં; પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે એ તત્ત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિષે જીવ છે તે ભેળા ચોવીશ તત્ત્વના પણ ચોવીશ જીવ થયા ત્યારે આ જીવનું જે કલ્યાણ થાશે તે પણ સર્વને વહેંચાતું ભાગે આવશે ત્યારે સુખ-દુઃખનું જે ભોક્તાપણું તે એક જીવને વિષે જ નહિ કહેવાય ને સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણ એ ત્રણ પ્રકારનાં જે કર્મ તે પણ એક જીવને જ નહિ કહેવાય ને નારદ, સનકાદિક જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે ભેળા ચોવીશ તત્ત્વના જીવ તો મુક્ત થયા કહ્યા નથી, એવી રીતે આશંકા કરીને તત્ત્વને નિર્જીવ કરી દેખાડ્યાં. પછી તેમાં જે જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એનો ઉત્તર અમે કરીએ જે, આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિષે રહ્યો છે, ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવાં જણાય છે, પણ એ તો જડ જ છે અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જડ એવાં જે તત્ત્વ છે તે પડ્યાં રહે છે અને એ ચોવીશ તત્ત્વ છે તે માયામાંથી થયાં છે માટે માયારૂપ છે ને જડ છે, ને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ રૂપે જુદાં જુદાં જણાય છે તે તો જેમ એક પૃથ્વી છે તે જ ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ ને સ્નાયુ એ પાંચ રૂપે થઈ છે ને કાચ રૂપે પણ કરનારાની કિંમતે થઈ છે, તેમ એ માયા છે તે પરમેશ્વરની ઇચ્છાએ કરીને એ દેહાદિક રૂપે જુદે જુદે પ્રકારે જણાય છે.
૨ પછી શુકમુનિએ પૂછ્યું જે, (૨) તત્ત્વ જડ હોય ત્યારે તેમણે ભગવાનની સ્તુતિ કેમ કરી ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે એ તત્ત્વને વિષે કોઈક મુક્ત હતા તેમણે પ્રવેશ કરીને એક એક તત્ત્વને દેહે સ્તુતિ કરી, જેમ પૃથ્વીનો જીવ હતો તે પૃથ્વીના ખોખામાંથી નીસરીને બ્રહ્મા પાસે ગયો, ત્યારે કશ્યપઋષિ હતા તેણે તે ખોખામાં પ્રવેશ કરીને તેને જિવાડ્યું, પછી પૃથ્વીએ આવી, પ્રાર્થના કરી જે, મારું દેહ પાછું આપો ત્યારે કશ્યપઋષિ પૃથ્વીના ખોખામાંથી નીસરીને પૃથ્વીને પૃથ્વીનું દેહ પાછું આપ્યું, તેણે કરીને પૃથ્વીનું કાશ્યપી એવું નામ પડ્યું તેમ માયાનું કાર્ય જે નામરૂપ માત્ર તે સર્વે જડ દ્રવ્ય છે ને તે માયાનો પ્રકાશનારો જે પુરુષ તે ચૈતન્ય દ્રવ્ય છે, તે એ માયાને વિષે પ્રવેશ કરીને ચૈતન્ય કરે છે. (૧) અને પરમેશ્વર છે તે તો એ પ્રકૃતિ ને પુરુષ બેય થકી ન્યારા છે, તે પરમેશ્વરનો આ જીવ જ્યારે આશ્રય કરે છે ત્યારે એ માયા ને માયાનાં કાર્ય તેને તરીને બ્રહ્મરૂપ થાય છે. ને ભગવાનના ધામને પામે છે, પણ તે વિના બીજો જીવને માયાનાં બંધન ટળ્યાનો ઉપાય નથી. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩૪।। (૧૬૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે.તે બેમાં માયાનાં કાર્યને જડ તત્ત્વ કહ્યાં છે, અને માયાના પ્રકાશક મૂળપુરુષને ચૈતન્ય તત્ત્વ કહ્યાં છે. (૧) અને અમે માયાથી ને પુરુષથી ન્યારા છીએ, અને જે જીવ અમારો આશરો કરે તે માયાને તરીને અમારું તેજ જે બ્રહ્મ તે રૂપ થઈને અમારા ધામને પામે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે. ।।૩૪।। (૧૬૭)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩૫
સંવત ૧૮૮૦ના ભાદરવા સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિ પાછલી છો ઘડી રહી ત્યારે શ્રીજીમહારાજ સૂતા ઊઠીને શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી ને શ્યામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી.
૧ પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા જે, (૧) આજ તો અમને નિદ્રા બહુ આવી તે ઘણું ઊઠવાનું કર્યું પણ ઉઠાય નહિ ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે ને તે વિચારે કરીને જે નિરધાર કર્યો છે તે કહું છું જે, હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત્ દેખતો ને હમણાં પણ દેખું છું તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિષે મુને આત્માનું ક્ષણમાત્ર પણ વિસ્મરણ થાતું નથી, પણ એ આત્મદર્શન થાવું બહુ કઠણ છે એવું આત્મદર્શન તો પૂર્વના ઘણાક જન્મના સત્ સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે, ને બીજો તો એ આત્માનો વિચાર સો વર્ષ પર્યંત કરે તોપણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે એવી તો આશા કોઈને રાખવી નહીં. (૧) અને ભગવાનની ઉપાસના કરવી, અને ભગવાનનાં ચરિત્ર ગાવવાં, સાંભળવાં ને ભગવાનનું નામ-સ્મરણ કરવું, ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થાવું તે કાંઈ કઠણ નથી; એ તો જેમ વહાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડાં બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિષે કોઈ વિઘ્ન ન થાય એટલું જ પ્રયોજન છે પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું જ નહીં. (૨) અને વળી જગતમાં એમ વાર્તા છે જે, ‘મન હોય ચંગા તો કથરોટમાં ગંગા’ એ વાર્તા ખોટી છે એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય, ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહિ, ને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો તેનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી-પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહિ, તે આ વાર્તા તે એમ જ છે પણ એમાં કાંઈ સંશય રાખવો નહિ તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતપોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કહ્યા છે તેમાં રહે તો એને ધર્મમાં રહેવાય, અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે તો તેને ધર્મમાં રહેવાય, અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે ને યુવાન અવસ્થાવાળી જે પોતાની મા, બોન, ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દૃષ્ટિ માંડીને ન જુએ તો એને ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું, તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ-કીર્તન કરવું તથા ભગવાનનું નામ-સ્મરણ કરવું, એ ચાર વાનાં જ જીવના અતિશે કલ્યાણને અર્થે છે. (૩) અને આ તમે સર્વે છો તે મુને ભગવાન જાણો છો તે અમે જ્યાં જ્યાં ઉચ્છવ-સમૈયા કર્યા હોય ને જે જે ઠેકાણે પરમહંસ, બ્રહ્મચારી, હરિભક્ત-સત્સંગી, બાઈ-ભાઈ સર્વે ભેગાં થયાં હોય ને અમે કીર્તન ગવરાવ્યાં હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય એ આદિક જે અમારાં ચરિત્ર-લીલા તેને કહેવાં ને સાંભળવાં, ને તેનું મનમાં ચિંતવન કરવું, અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે, માટે એવાં જે અમારાં સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામ-સ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણુંક દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ, પણ એ ઘણાય આત્માને દેખતા હતા તોપણ તેને કરીને કાંઈ સિદ્ધિ થઈ નહિ અને વળી પરોક્ષ જે શ્રીકૃષ્ણ-રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેનાં જે ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યાં હોય તેને પણ સાંભળવાં ને ગાવવાં અને એ ચાર વાનાંની દૃઢતા થાય તેને અર્થે અમે શ્રીમદ્ ભાગવત આદિક આઠ ગ્રંથનું અતિશે પ્રતિપાદન કર્યું છે માટે એ ગ્રંથને સાંભળવા ને ભણવા ને એ ચાર વાનાંની જ વાર્તા કરવી. અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના, ને ભગવાનનાં ચરિત્ર, ને ભગવાનનું નામ-સ્મરણ, એ ત્રણ વાનાં વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થાવું તે તો તુંબડાં બાંધીને સમુદ્ર તરવો જેવું કઠણ છે, અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય, ને ભગવાનનાં ચરિત્રને ગાતો-સાંભળતો હોય, ને ભગવાનનું નામ-સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લેઈને સમુદ્રને તરવાને ઇચ્છે એવો જાણવો, ને તેને ચાંડાળ જેવો જાણવો. માટે એ ચાર વાનાંએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે, પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી, જે જેણે કરીને કલ્યાણ થાય. (૪) અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુનાં જે કાવ્ય-કીર્તન તે ગાવવાં ને સાંભળવાં તથા ભગવાનના અવતાર ચરિત્રે યુક્ત એવાં કાવ્ય-કીર્તન બીજા કવિનાં હોય તો તેને પણ ગાવવાં ને સાંભળવાં. પણ કબીર ને અખાનાં જે કાવ્ય-કીર્તન હોય તથા એ જેવાં જેનાં જેનાં કાવ્ય-કીર્તન હોય તેને ગાવવાં નહિ ને સાંભળવાં પણ નહિ અને તમારે સર્વેને મારે વિષે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દેઉં, તો જેમ સર્વેને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શિલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહિ, તેમ તમે પણ અમારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચડી જાઓ તો એમાં અમારે શું સારું થાય ? માટે આ વાર્તા તમારા કલ્યાણની છે તે અમે તમને હેતે કરીને કહી છે તે સારુ તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દૃઢપણે વર્તજો એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને અમારે પગે અડીને સમ ખાઓ ને એવી પ્રતિજ્ઞા કરો, જે અમારે દૃઢપણે એમ જ વર્તવું છે. પછી સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી રાજી થકા ઊઠીને શ્રીજીમહારાજના ચરણકમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા, પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજીમહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૩૫।। (૧૬૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે શ્રીકૃષ્ણ જે અમે તે અમારી મૂર્તિના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા દેખાતો નથી. (૧) અને અમારી ઉપાસના ને અમારાં ચરિત્ર કહેવાં ને સાંભળવાં ને અમારું નામ-સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું તેણે કરીને કલ્યાણ થાય છે ને આત્મદર્શને કરીને તો અમારી ભક્તિમાં વિઘ્ન ન થાય એ પ્રયોજન છે. (૨) ને સ્ત્રી-પુરુષ તે ગમે તેવા ધર્મવાળા ને સમાધિનિષ્ઠ હોય તોપણ સહવાસ રાખે તો તેમનો ધર્મ રહે જ નહિ, માટે અમે નિયમ કહ્યા છે તે પ્રમાણે રહેવું. (૩) અને અમારી ઉપાસના, ચરિત્ર ને નામ-સ્મરણ એ ત્રણ વિના એકલા બ્રહ્મચર્યાદિક ધર્મે કરીને કલ્યાણ થાતું નથી અને જો એ ત્રણે હોય પણ ધર્મ ન હોય તોપણ કલ્યાણ ન થાય. (૪) અને અમારા ચરિત્રનાં કાવ્ય સાંભળવાં પણ કબીર ને અખા આદિનાં કાવ્ય-કીર્તન કહેવાં, સાંભળવાં નહીં. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં પૂર્વના ઘણાક જન્મના સત્ સંસ્કારવાળાને આત્માનું દર્શન થાય છે એમ કહ્યું અને વળી અમારી મૂર્તિનું ધ્યાન કરે તો આત્માને દેખવો તે કઠણ નથી એમ કહ્યું તે મૂર્તિના ધ્યાન વિના બીજા કિયા સંસ્કારે કરીને આત્મા દેખતો હશે ?
૧ ઉ. મૂર્તિની ઉપાસના વિના બીજા કોઈ પણ સંસ્કારે કરીને આત્મા કે બ્રહ્મ દેખાય જ નહિ, એમ (છે. ૩૬ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે, માટે આ ઠેકાણે ઉપાસક ભક્તને જ સત્સંસ્કારી કહ્યો છે. તે (અ. ૧ના બીજા પ્રશ્નમાં) એકાંતિક ભક્તને જ અમારું ધ્યાન સિદ્ધ થાય છે પણ બીજાથી તો એ માર્ગે ચલાતું જ નથી એમ કહ્યું છે. માટે એકાંતિક ભક્તને જ સત્સંસ્કારી કહ્યો છે. અને અમે આત્માને દેખીએ છીએ એમ કહ્યું છે તે પણ ભક્તભાવે જ બોલ્યા છે.
૨ પ્ર. ચોથી બાબતમાં પરોક્ષ શ્રીકૃષ્ણ-રામચંદ્રાદિકનાં ચરિત્ર સાંભળવાં ને કહેવાં એમ કહ્યું ને આઠ ગ્રંથનું પ્રતિપાદન કર્યું તથા (મ. ૩૯ના બીજા પ્રશ્નમાં) ભાગવતના બે સ્કંધનું પ્રતિપાદન કર્યું છે અને (મ. ૫૮માં) અમારા ઉપાસકને અમારાં ચરિત્રનાં શાસ્ત્રથી જ પુષ્ટિ થાય, પણ બીજા ગ્રંથથી પુષ્ટિ ન થાય એવી રીતે પરોક્ષ શાસ્ત્રનો નિષેધ કર્યો છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. એ પરોક્ષ ગ્રંથોમાં પરોક્ષ અવતારોનાં ઘણાક પ્રકારનાં ચરિત્ર છે તે સાંભળેલાં હોય તો શ્રીજીમહારાજના મનુષ્યચરિત્રમાં સંશય થાય નહિ માટે શ્રીજીમહારાજના મનુષ્યચરિત્રમાં સાખ્ય લેવા સારુ પ્રતિપાદન કર્યું છે. તે (પ્ર. ૭૮ના સત્તરમા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે ભગવદાનંદ સ્વામીને કહ્યું છે જે પરોક્ષ અવતારોના જેવાં મનુષ્યચરિત્ર અમે કરીએ ત્યાં સુધી સંશય કરશો નહીં. (૧) અને (મ. ૩૯ના ૨/૩ બીજા પ્રશ્નમાં) દશમ સ્કંધ ને પંચમ સ્કંધમાં શ્રીકૃષ્ણ ભગવાનને સર્વે અવતારોથી પર કહ્યા છે તેણે કરીને મચ્છ-કચ્છાદિક અવતારોથી શ્રીકૃષ્ણ પર સમજાય છે. અને (પં. ૬/૧માં) જેમ શ્રીકૃષ્ણ ભગવાને પોતાથી ઓરા જે સર્વ અવતારો તેનો ભાવ પોતાને વિષે જણાવ્યો છે તેણે કરીને તે શ્રીકૃષ્ણને સર્વોપરી સમજાય છે તેમ શ્રીજીમહારાજે પરથારાની (૯મી બાબતમાં) શ્રીકૃષ્ણાદિક સર્વે અવતારોનો ભાવ પોતાને વિષે જણાવ્યો છે માટે શ્રીજીમહારાજ શ્રીકૃષ્ણાદિક સર્વે અવતારોથી પર પુરુષોત્તમ ભગવાન છે એમ સમજવાપૂર્વક એ બે ગ્રંથ સાંભળવાનું કહ્યું છે અને (મ. ૫૮માં) તો પોતાનો સિદ્ધાંત કહ્યો છે જે અમો સર્વોપરી સર્વેનાં કારણ અવતારી છીએ માટે અમારા ગ્રંથને જ માનવા કેમ જે અમારા સંપ્રદાયની પુષ્ટિ અમારા ગ્રંથે કરીને થાય છે પણ બીજા કોઈ ગ્રંથે કરીને થાતી નથી એમ કહ્યું છે.
૩ પ્ર. શ્રીજીમહારાજની ઉપાસના, ચરિત્ર તથા નામ-સ્મરણ એ ત્રણ વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થાવું તે તુંબડા બાંધીને સમુદ્ર તરવા જેવું કહ્યું અને એ ત્રણ હોય પણ જો ધર્મ ન હોય તો માથે પાણો લઈને સમુદ્ર તરવા જેવું કહ્યું તે સમુદ્રને ઠેકાણે શું જાણવું ? અને તુંબડાં બાંધીને સમુદ્રમાં પડ્યો તે અને માથે પાણો લઈને પડ્યો તે બેમાં અધિક-ન્યૂન કોણ હશે ?
૩ ઉ. સમુદ્રને ઠેકાણે માયા જાણવી. અને જેને ધર્મ ન હોય ને ઉપાસના આદિક ત્રણ હોય તેને શ્રીજીમહારાજ આ લોકને વિષે રાખે ને તેને સત્પુરુષ મળે ને તે સત્પુરુષને ઉપદેશે કરીને ધર્મ પાળીને કલ્યાણને માર્ગે ચાલે ને એક-બે જન્મે પણ તેનું કલ્યાણ થાય માટે તે અધિક છે અને ધર્મ પાળતો હોય પણ તેને ઉપાસનાદિક ત્રણ વાનાં ન હોય માટે તેને ધર્મ પાળ્યાનું ફળ મળે તેથી તે લાંબી આયુષ્યવાળા લોકાંતરમાં જાય તે સત્પુરુષના યોગમાં ન આવે ને તેનું કલ્યાણ ન થાય માટે તે ન્યૂન છે અને ધર્મ ન પાળે તેને ચંડાળ કહ્યો તે તો એને માયારૂપી સમુદ્ર તરવાનું શ્રીજીમહારાજની ઉપાસનારૂપી વહાણ મળ્યું છતાં તેણે ધર્મ લોપ્યો ને પોતાનું કલ્યાણ કરી શક્યો નહિ તેથી તેને ધિક્કાર આપ્યો છે જે આવો અવસર મળ્યા છતાં પોતાનું કલ્યાણ કરી શક્યા નહિ માટે તેને ચંડાળ કહ્યો છે પણ જેમ બ્રહ્માદિક ધર્મ થકી પડ્યા પણ કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહિ તેમ તે ઉપાસનાવાળો પણ કલ્યાણના માર્ગમાંથી પડે નહીં.
૪ પ્ર. પાંચમી બાબતમાં કબીર ને અખાનાં કાવ્ય-કીર્તન સાંભળવાનો નિષેધ કર્યો તેનું શું કારણ હશે ?
૪ ઉ. જગત કારણ એવું જે બ્રહ્મ તેને નિરાકારવાદીઓ નિર્ગુણ ને આકૃતિમાત્રનું કારણ કહે છે અને માયિક આકૃતિને જેમ માયિક ગણે છે, તેમ જ પરબ્રહ્મ પરમાત્માની આકૃતિને માયિક ગણીને સગુણ અવતારોની પેઠે જ તેમને પણ માયિક કહે છે પણ નિર્ગુણ બ્રહ્મથી પર ને તે બ્રહ્મના કારણ જે પરબ્રહ્મ તેને દિવ્ય સાકાર જાણી શકતા નથી અને સગુણ અવતારની પેઠે જ નિર્ગુણ બ્રહ્મથી પર જે પરબ્રહ્મ તે પૃથ્વી ઉપર જીવનાં આત્યંતિક કલ્યાણ કરવા મનુષ્યાકૃતિ દેખાય છે તેમને દિવ્ય સાકાર ને પરબ્રહ્મ જાણીને, અને નિર્ગુણ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરનારા એવા શુદ્ધ ચૈતન્ય બ્રહ્મરૂપ ભક્તને તથા પરબ્રહ્મને જેવા છે તેવા દિવ્ય જાણી શકતા નથી. અને પોતે જેમ સાધનકાળમાં સગુણની ઉપાસનાએ કરીને નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ માની છે, તેમ જ પરબ્રહ્મની સાથે એકતા કરીને પરબ્રહ્મને ભજનારા જે ભક્ત તેમને પણ પોતાની પેઠે જ સગુણની ઉપાસના કરનારા માને છે. માટે એ મતમાં મોક્ષ નથી કેમ જે, નિર્ગુણ બ્રહ્મથી પર જે પરબ્રહ્મ પરમાત્મા તે સાક્ષાત્ મળ્યા વિના આત્યંતિક મોક્ષ થાય નહિ તેથી એ મતના શાસ્ત્રનો નિષેધ કર્યો છે. ।।૩૫।। (૧૬૮)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩૬
સંવત ૧૮૮૦ના ભાદરવા સુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પ્રશ્ન-ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) જે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉપાય તો ચાર પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોંટાડે ત્યાં ચોંટી જાય તે જેમ પુત્ર-કળત્રાદિકમાં ચોંટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોંટે માટે એક તો એ ઉપાય છે, અને બીજો ઉપાય એ છે જે અતિશે શૂરવીરપણું, તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશે વિચાર ઊપજે તે વિચારે કરીને ઘાટમાત્ર ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે તે જેના હૃદયને વિષે જન્મ, મૃત્યુ ને નરકચોરાશી તેની બીક અતિશે રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે, તે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે સાંખ્યશાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિષે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતવન કરે અને એ ચાર ઉપાય વિના તો જે ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય, પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તોપણ ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહે નહિ અને ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે તે જેને અનેક જન્મનાં સુકૃત ઉદે થયાં હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહા દુર્લભ છે, એવી રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાની વાત કરી. (૧)
૨ ને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) આ સંસારને વિષે માયા માયા કહે છે તે માયાનું રૂપ અમે જોઈ લીધું છે. જે ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે અને આ જીવને પોતાનો જે દેહ ને દેહનાં સગાં-સંબંધી ને દેહનું ભરણ-પોષણ કરનારો એટલાને વિષે તો જેવું પંચવિષયમાં જીવને અતિશે હેત છે તે થકી પણ વિશેષે હેત છે. માટે જેને દેહ ને દેહનાં સગાં-સંબંધી ને દેહનું ભરણ-પોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટ્યો તે પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને જ ભગવાનને વિષે હેત થાય છે અને જ્યારે ભગવાનને વિષે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે ને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી; તે તો કૃતાર્થ થયો છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩૬।। (૧૬૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. બીજું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ, શૂરવીરપણું, ભય ને વૈરાગ્ય હોય તેઓને તથા જેના ઉપર અમે કૃપા કરીએ તથા પૂર્વનો સંસ્કારી હોય તે સર્વને અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે છે. (૧) બીજામાં અમારા વિના બીજે હેત રહે તે માયા છે ને બીજેથી હેત તૂટીને અમારે વિષે હેત થાય તે માયાને તરી રહ્યો છે. (૨) બાબતો છે. ।।૩૬।। (૧૬૯)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩૭
સંવત ૧૮૮૦ના ભાદરવા વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં. માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાયે કરીને ટળે ? પછી સર્વે જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાણું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે એનો ઉત્તર એમ છે જે, એ સ્વભાવ મુકાવ્યા સારુ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિષે અતિશે વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશે પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલાં દુઃખવીને કઠણ વચન કહે તોપણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય, પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી, માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઇચ્છા હોય, તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારુ ગમે તેટલા તિરસ્કાર કરે, ને ગમે તેવાં કઠણ વચન કહે તોપણ કોઈ રીતે દુઃખાવું નહિ, ને કહેનારાનો ગુણ જ લેવો એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ ટળી જાય છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૩૭।। (૧૭૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે ને અમારા સંત તિરસ્કાર કરીએ તોપણ ગુણ લે, ને દુઃખાય નહિ તો ન ટળે એવી પ્રકૃતિ હોય તે પણ ટળી જાય. (૧) બાબત છે.
૧ પ્ર. આમાં જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે એમ કહ્યું, અને (વ. ૧૭ના પહેલા પ્રશ્નમાં) ઇન્દ્રિયોને જીતે તેને જ્ઞાની કહ્યો છે, માટે આમાં કહ્યું તે જ્ઞાન કેવું જાણવું ? અને એમાં કહ્યું તે કેવું જાણવું ?
૧ ઉ. આમાં સાર-અસારને જાણે પણ દેહાદિક સર્વે પદાર્થને દુઃખદાયી જાણીને તેમાં દોષબુદ્ધિ થઈ ન હોય, તેથી પ્રકૃતિ વશ ન રહે માટે તે અપક્વ જ્ઞાન જાણવું, અને (વ. ૧૭માં) શ્રીજીમહારાજ વિના બીજું સર્વે અસત્ય ને દુઃખદાયી જાણીને તેને વિષે દોષદૃષ્ટિ થઈ હોય અને તે પદાર્થનો અતિશે અભાવ થઈ ગયો હોય તેવું જ્ઞાન કહ્યું છે, માટે તે પરિપક્વ જ્ઞાન જાણવું. ।।૩૭।। (૧૭૦)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩૮
સંવત ૧૮૮૦ના ભાદરવા વદિ ૬ છઠ્ઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સંસારી જીવ છે તેને તો કોઈ ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તુરત પ્રતીતિ આવે અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર-મંત્ર, નાટક-ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહિ અને જે હરિભક્ત હોય ને જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તોપણ અર્ધો વિમુખ જાણવો અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહિ; યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માંચો ભક્ત હતા તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તોપણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહિ અને પોતે બાળબ્રહ્મચારી રહ્યા અને કોઈક કીમિયાવાળો પોતાને ઘેર આવીને ઊતર્યો હતો તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું જે તમે સદાવ્રતી છો માટે તમને આ બુટી બતાવીને રૂપું કરતાં શીખવું પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું જે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઇચ્છા નથી પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. (૧) માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય ને બીજો વૈરાગ્ય હોય ને ત્રીજો પોતાનો ધર્મ દૃઢપણે હોય ને ચોથી શ્રીકૃષ્ણ ભગવાનને વિષે અત્યંત ભક્તિ હોય ને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રવેશ થાય છે. (૨) અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થાતો નથી તે પ્રવેશ તે એમ સમજવો જે, જેમ અતિશે લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે અને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે ને જેમ ઘણીક દોલતવાળો હોય ને તે વાંઝિયો હોય ને તેને દીકરો આવે તેનો દીકરામાં પ્રવેશ થાય છે તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાણો હોય તેને વિષે તેનો પ્રવેશ જાણવો પણ જેમ જળમાં જળ મળી જાય છે ને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થાતો; એ તો જેનો જેને વિષે પ્રવેશ હોય તેને પોતાના ઇષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિષે હેત ઊપજે નહિ ને એક તેની જ રટના લાગી રહે ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩૮।। (૧૭૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી અર્ધો વિમુખ છે. (૧) અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ ને અમારે વિષે અત્યંત ભક્તિ એ ચાર વાનાં હોય તે અમારો એકાંતિક ભક્ત છે અને તે ભક્ત દેહ મૂકે ત્યારે તેનો અમારે વિષે પ્રવેશ થાય છે અને એકાંતિક ન હોય તેનો બ્રહ્મા અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે. (૨) અને એવા એકાંતિક ભક્તને દેહમાં હોય ત્યાં સુધી લોભી, કામી ને વાંઝિયાની પેઠે અમારી જ રટના રહે છે. (૩) બાબતો છે.
૧ પ્ર. બીજી બાબતમાં એકાંતિક ભક્તનો અમારે વિષે પ્રવેશ થાય છે એમ કહ્યું અને ત્રીજીમાં જળમાં જળ ને અગ્નિમાં અગ્નિ મળે તેમ પ્રવેશ નથી થતો એમ કહ્યું ત્યારે કેવી રીતે થતો હશે ?
૧ ઉ. ભક્તનો ચૈતન્ય શ્રીજીમહારાજને ધ્યાને કરીને કીટભ્રમરવત્ તદાકારભાવને પામી જાય છે તોપણ શ્રીજીમહારાજ તથા ભક્ત તે એક થઈ જતા નથી; શ્રીજીમહારાજની મૂર્તિમાં એ ભક્ત વસ્તુતાએ જુદા રહે છે ને શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવકભાવ રહે છે. પણ જળમાં જળ ને અગ્નિમાં અગ્નિ એક થઈ જાય ને તેમાં જેમ જુદાપણું રહેતું નથી એવી રીતે પ્રવેશ નથી થતો અને એવો જે એકાંતિક ભક્ત તે દેહમાં રહ્યો હોય ત્યાં સુધી તેને કામી, લોભી ને વાંઝિયાની પેઠે શ્રીજીમહારાજની જ રટના રહે છે.
૨ પ્ર. શ્રીજીમહારાજનો ભક્ત શ્રીજીમહારાજને વિષે લીન થાય છે એવું આ વિના બીજા કિયા વચનામૃતમાં કહ્યું છે ?
૨ ઉ. (સા. ૧૧ના ૧/૨ પહેલા પ્રશ્નમાં તથા છે. ૩૩ના ૨/૩ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજને વિષે લીન થાય છે એમ કહ્યું છે તે જેને સાધનકાળમાં અનાદિમુક્તના યોગે કરીને મૂર્તિમાં લીન રહેવાની સમજણ થઈ હોય તે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહે છે અને જેને પરમએકાંતિકનો યોગ મળ્યો હોય તેને શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં રહેવાની સમજણ થઈ હોય તે અક્ષરધામમાં શ્રીજીમહારાજને સન્મુખ રહે છે.
૩ પ્ર. આ વર્તમાનકાળે તો શ્રીજીમહારાજની ઇચ્છાથી આપ અનાદિમુક્ત મનુષ્ય રૂપે પ્રત્યક્ષ બિરાજો છો પણ જ્યારે આપ જેવા અનાદિમુક્ત તથા પરમ એકાંતિકમુક્ત આ સત્સંગમાં મનુષ્ય રૂપે વિચરતા ન હોય ત્યારે આ ગ્રંથમાંથી તેવી સમજણ થાય કે કેમ ? અને એવી સ્થિતિ ને પામે કે કેમ ? કેમ જે (પ્ર. ૬૦ના ૨/૩ બીજા પ્રશ્નમાં) જેને અમારે વિષે સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને પમાતો નથી તથા (૬૪/૫માં) જેને અમારા સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી આ વાર્તા પમાય છે તથા (મ. ૧૩/૩માં) જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી આ વાત સમજ્યામાં આવે છે પણ બુદ્ધિબળે કરીને સદ્ગ્રંથોમાંથી પણ સમજાતી નથી એમ કહ્યું છે, માટે તેવી સમજણ ને તેવી સ્થિતિ વચનામૃતની આ રહસ્યાર્થ-પ્રદીપિકામાંથી પમાય કે કેમ ?
૩ ઉ. શ્રીજીમહારાજને જેવા છે તેવા સમજી શકાય તે સારુ અમે આ ટીકા કરી છે, માટે આ ટીકામાંથી શ્રીજીમહારાજને સર્વના કારણ, સર્વના કર્તા, સદા સાકાર દિવ્ય મૂર્તિમાન ને બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ તેથી પર શ્રીજીમહારાજના પરમ એકાંતિકમુક્ત તથા અનાદિમુક્ત તે સર્વેથી પર ને તે સર્વેના આધાર ને તે સર્વના સ્વામી ને સર્વને સુખના દાતા ને સર્વ સુખમય મૂર્તિ એવા જાણે ને તે જ આ પ્રત્યક્ષ શ્રીજીમહારાજ પ્રતિમા રૂપે સાક્ષાત્ વિરાજમાન છે એવી રીતે સમજીને શ્રીજીમહારાજની મૂર્તિની મર્યાદા રાખીને (લો. ૧૧ના ચોથા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે તેવી રીતે શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરશે ને સત્સંગિજીવનમાં, ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી, જનશિક્ષા, બૃહદ્ધર્મ, નારાયણગીતા આદિકમાં જેના જેના ધર્મ જેવી જેવી રીતે કહ્યા છે તથા આ ગ્રંથમાં ત્યાગી-ગૃહી આદિક સર્વેના ધર્મ તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપાસના, મહિમા સમજવાના ઉપાય કહ્યા છે તે પ્રમાણે સમજશે ને તે વર્તશે તે સર્વે એવી સ્થિતિને પામશે.
૪ પ્ર. ત્રીજી બાબતમાં એકાંતિક ન હોય તેનો બ્રહ્માદિકમાં અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ કહ્યો તે બ્રહ્મા તથા સંકર્ષણાદિક કિયા જાણવા ?
૪ ઉ. એકાંતિકપણામાં ન્યૂનતા છે માટે વૈરાજ, બ્રહ્મા ને તેથી પર સગુણ જે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ તેમના લોકને પામે. તે જ્યારે શ્રીજીમહારાજ આ લોકને વિષે પધારે ત્યારે તે પણ તે તે લોકોમાંથી સત્સંગમાં આવે ને જ્યારે એકાંતિક થાય ત્યારે આત્યંતિક કલ્યાણ થાય. ।।૩૮।। (૧૭૧)
વચનામૃત ગઢડા મધ્યનું - ૩૯
સંવત ૧૮૮૦ના ભાદરવા વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા; પછી ત્યાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) દેશ, કાળ, ક્રિયા, સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય જે જાય જ નહિ એવો જેને જે સ્વાભાવિક ગુણ હોય તે કહો. એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, લો અમે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ જે, એક તો અમારે એમ વર્તે છે જે પંચ પ્રકારના વિષય સંબંધી જે જે પદાર્થ છે તેનો દેહે કરીને સૂઝે એટલો યોગ થાય તોપણ તેનો મનમાં ઘાટ ન થાય તથા સ્વપ્નમાં પણ ન આવે. અને બીજો એમ જે બહારથી સૂઝે એટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ, પણ જ્યારે અંતર્દૃષ્ટિ કરીને પોતાના આત્મા સામું જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મસ્વરૂપને પામી જાય ને પરમસુખ રૂપે વર્તાય. અને ત્રીજો એમ જે ચૈતન્યરૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રીકૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કર્તા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થાતું નથી એવી રીતે સાકારની દૃઢ પ્રતીતિ છે, તે કેટલાક વેદાંતના ગ્રંથ વંચાવ્યા ને સાંભળ્યા તોપણ એ પ્રતીતિ ટળી નહીં. અને ચોથો એમ જે, જે કોઈ બાઈ-ભાઈ હોય ને તેની કોરનું એમ અમારે જાણ્યામાં આવે જે આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે, પણ એ સાચો ભગવાનનો ભક્ત નથી તો તેને દેખીને મન રાજી ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ થાય. એ ચાર ગુણ અમારે વિષે સ્વાભાવિકપણે રહ્યા છે તે કહ્યા ને હવે તમે સર્વે કહો. પછી જે મોટેરા પરમહંસ તથા મોટેરા હરિભક્ત હતા તેમણે જેમાં જે ગુણ એવો હતો તે કહી દેખાડ્યો. (૧) પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે મોટેરો હોય તેને વિષે નિષ્કામરૂપ ધર્મ છે તે અવશ્ય જોઈએ ને બીજી વાતમાં તો કાંઈક કાચ્યપ હોય તો ચાલે પણ એની તો દૃઢતા અતિશે જોઈએ કેમ જે એ મોટેરો છે તેની સારપે સર્વેની સારપ કહેવાય. (૨)
એવી રીતે વાર્તા કરીને પાછા દાદાખાચરના દરબારમાં પધારીને સંધ્યા આરતી, નારાયણ ધૂન, સ્તુતિ કરીને પછી સર્વે સાધુ તથા હરિભક્તની સભા થઈ, પછી શ્રીજીમહારાજે મોટેરા પરમહંસને પૂછ્યું જે, (૨) અમે પંચમ સ્કંધ તથા દશમ સ્કંધનું અતિશે પ્રતિપાદન કર્યું છે માટે એ બે ગ્રંથનું જે રહસ્ય તે જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તે કહો ત્યારે મોટેરા સર્વે પરમહંસે પોતપોતાની સમજણ પ્રમાણે જેમ જણાણું તેમ કહી દેખાડ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો હવે અમે એ બે ગ્રંથનું રહસ્ય કહીએ જે, રહસ્ય તે શું તો ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશે બુદ્ધિવાળો હોય તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચે સત્ય માને ને હા પાડે, પણ તેને કોઈ રીતે સંશય ન રહે જે એ વાર્તા એમ નહિ હોય એવી રીતે જે કહી દેખાડવું તેનું નામ રહસ્ય કહેવાય. અને એ બે ગ્રંથમાં દશમ સ્કંધનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ્, વેદાંત ને શ્રુતિ, સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિસ્વરૂપ કહ્યા છે, જ્ઞાનરૂપ કહ્યા છે, તત્ત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે, ને નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વે કારણ, પરબ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ એવે એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે, તે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણવાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં ત્યાં એવા એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનને જ કહ્યા છે, પણ શ્રીકૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ નથી કહ્યું. તથા સર્વે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા તે પણ શ્રીકૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. અને પંચમ સ્કંધને વિષે તો એ શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે તથા એ શ્રીકૃષ્ણ ભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારીને ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ કહ્યું છે અને પોતે બાંધી જે મર્યાદાઓ તેને વિષે જે રહે તે અતિશે મોટપને પામે ને જે ન રહે તે મોટા હોય તોપણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેને અધોગતિ થાય છે એમ કહ્યું છે. અને એ જ જે શ્રીકૃષ્ણવાસુદેવ તેણે વાસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદ્ભુત બાળક થકા દર્શન દીધું એ અનાદિ વાસુદેવરૂપ છે અને એ શ્રીકૃષ્ણ ભગવાન ધર્મ, અર્થ, કામને વિષે વર્ત્યા છે તે ધર્મ, અર્થ, કામ સારુ જે જે ભગવાને ચરિત્ર કર્યાં તેનું જે ગાન કરે અથવા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનનાં જન્મ, કર્મ ને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે અને એ જે વાસુદેવ શ્રીકૃષ્ણ તે જ સર્વોપરી છે એવી રીતે એ બે ગ્રંથનું રહસ્ય છે. અને જે શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રીકૃષ્ણ પરબ્રહ્મની ઉપાસના-ભક્તિ કરવી. ને દશમમાં કહ્યાં જે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવાં ને સાંભળવાં, તે શુકજીએ જ કહ્યું છે જે :
परिनिष्ठातोडति नैर्गुण्ये उत्तमश्लोकलीलया ।
गृहीत चेता राजर्षे आख्यानं यद्धीतवान् ।।૧।।
અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિષે દૃઢ પ્રતીતિ રાખવી અને જો ભગવાનના આકારને વિષે દૃઢ પ્રતીતિ હશે ને કદાચિત્ એ જીવ કાંઈક પાપ કરશે તોપણ એનો ઉદ્ધાર થાશે કેમ જે પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત્ત કહ્યું છે પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચમહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે; એ પાપનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત્ તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે ? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જાશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિષે દૃઢ પ્રતીતિ રાખીને એની દૃઢ ઉપાસના કરવી એમ અમે તમને સર્વેને કહીએ છીએ તે વાર્તાને સર્વે દૃઢ કરીને રાખજો. એવી રીતે શ્રીજીમહારાજ સર્વેને શિક્ષાવચન કહીને ભોજન કરવા સારુ પધાર્યા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩૯।। (૧૭૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા એકાંતિક ભક્તને અમારા વિના બીજા પદાર્થનો ઘાટ થાતો નથી ને સ્વપ્નમાં પણ આવતા નથી ને પ્રવૃત્તિમાં રહ્યા હોય. પણ અંતર્દૃષ્ટિ કરે ત્યારે આત્મસ્વરૂપને પામીને પરમસુખ રૂપે વર્તાય ને અમને સદા સાકાર જાણે અને જે દંભે કરીને અમારી ભક્તિ કરતો હોય તેના ઉપર રાજી ન થાય ને સાચા ભક્તને દેખીને જ રાજી થાય એવા સ્વાભાવિક ગુણ અમારા એકાંતિક ભક્તને વિષે રહ્યા છે. (૧) અને મોટેરા હોય તેને નિષ્કામ વ્રતની અતિશે દૃઢતા કરવી. (૨) બીજામાં પરોક્ષ શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કરીને પોતાનો મહિમા કહ્યો છે જે જેમ દશમ સ્કંધમાં અનેક નામે કરીને વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણને જ કહ્યા છે અને સર્વ કર્તા કહ્યા છે તેમ વચનામૃત, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, હરિલીલાકલ્પતરુ, હરિદિગ્વિજય આદિક સાંપ્રદાયિક ગ્રંથોમાં નારાયણ, વિષ્ણુ, પરમાત્મા, પુરુષોત્તમ, વાસુદેવ, નરનારાયણ, નીલકંઠ, હરિ, હરિકૃષ્ણ, શ્રીકૃષ્ણ, ઘનશ્યામ, સહજાનંદ, નારાયણમુનિ, બ્રહ્મ, પરબ્રહ્મ, પૂર્ણબ્રહ્મ ઇત્યાદિક વિશેષણોએ કરીને સાક્ષાત્ દિવ્ય વિગ્રહ સદા સાકાર મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમને જ કહ્યા છે એમ જાણવું અને પંચમ સ્કંધમાં જેમ એ શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે તેમ અમારા સાંપ્રદાયિક સર્વે ગ્રંથોમાંથી અમને સર્વ કર્તા સમજવા અને સર્વેને આત્યંતિક મોક્ષરૂપી સુખ દેવાને અર્થે અનેક પ્રકારે અનંત બ્રહ્માંડમાં મૂર્તિઓ ધારણ કરીને ધર્મ-મર્યાદા બાંધીએ છીએ. તેમાં જે રહે તે અતિ મોટપ પામે ને તે મર્યાદા લોપે તો અતિ મોટો હોય તે પોતાની સ્થિતિમાંથી પડી જાય છે ને સાધારણ હોય તે અધોગતિને પામે છે. અને અમારાં જન્મ-કર્મ દિવ્ય છે તે અમારા ચરિત્રનું ગાન શ્રવણ કરે તે સર્વ પાપથી મુકાઈને પરમપદ જે અમારું અક્ષરધામ તેને પામે છે. અને સર્વ નામના નામી, સર્વ અવતારોના કારણ અવતારી અને મૂળપુરુષ જે ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ, ને તેથી પર જે અમારા મુક્ત તે સર્વેથી પર ને તે સર્વેના નિયંતા પ્રત્યક્ષ ભગવાન છીએ. આવી રીતે અમારો મહિમા જાણીને નિષ્ઠા રાખે તે અંતે અક્ષરધામને પામે છે. (૩) બાબતો છે. ।।૩૯।। (૧૭૨)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪૦
સંવત ૧૮૮૦ના આસો વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાનો ઉતારાને વિષે વિરાજમાન હતા પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા ને પોતાનું દેવાર્ચનાદિક જે નિત્ય-કર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હવા તે પ્રતિદિન જેટલા દંડવત પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત પ્રણામ અધિક કર્યો; તેને જોઈને શુક ૧ મુનિએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, નિત્ય પ્રત્યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા જે, હે મહારાજ ! આ દેહાદિકને વિષે અહંમમત્વ હોય તેને તમે ટાળજ્યો અને આજ તો અમને એવો વિચાર થયો જે ભગવાનના ભક્તનો મને, વચને ને દેહે કરીને જે કાંઈક જાણ્યે-અજાણ્યે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થાતું નથી. માટે જાણે-અજાણે, મને-વચને-દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બણી આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવ્યા સારુ એક પ્રણામ અધિક કર્યો. (૧) અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને થાતું નથી. અને ભગવાનના ભક્તની મને-વચને-દેહે કરીને જે સેવા બણી આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને થાતું નથી. (૨) અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ચારે કરીને થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચાર વાનાં ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થાવું હોય ને દેહ મૂક્યા કેડે પણ પરમ સુખિયા થાવું હોય તેને ભગવાનના ભક્તનો મને-વચને-દેહે કરીને દ્રોહ ન કરવો, અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહે કરીને તેને દંડવત પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો, પણ એક વાર દ્રોહ કરીને દંડવત પ્રણામ કર્યા ને વળી ફરીને દ્રોહ કરીને દંડવત પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં. અને આ વાર્તા દાડી સાંભરતી રહે તે સારુ આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્તમાત્ર એવો નિયમ રાખજ્યો જે, ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમના જે દંડવત પ્રણામ હોય તે કરવા ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે-અજાણે મને-વચને-દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારુ એક દંડવત પ્રણામ નિત્યે કરવો એમ અમારી આજ્ઞા છે તેને સર્વે પાળજ્યો. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪૦।। (૧૭૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જાણે-અજાણે અમારા ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તેના નિવારણ સારુ અમારી પૂજા કરતી વખતે અમને એક પ્રણામ અધિક કરવો. (૧) અને અમારા ભક્તના દ્રોહે કરીને ભૂંડું થાય છે અને સેવાએ કરીને રૂડું થાય છે. (૨) અને લોભ, માન, ઈર્ષા ને ક્રોધ એ ચાર વડે કરીને અમારા ભક્તનો દ્રોહ થાય છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં શ્રીજીમહારાજ નિત્ય કર્મ કરતા હવા એમ કહ્યું તેનો શો હેતુ હશે ?
૧ ઉ. પોતાના આશ્રિતોને શીખવવાને અર્થે શ્રીજીમહારાજની સર્વે ક્રિયાઓ છે. ।।૪૦।। (૧૭૩)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪૧
સંવત ૧૮૮૦ કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પના તોરા ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા જે, (૧) જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને તે સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારુ ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ, અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહિયાળું થાય, તેને ચાટીને રાજી થાય છે, પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું, તેમ ભગવાનનો ભક્ત હોય તોપણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે, ત્યારે કરે છે પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાંજી જેવા કોઈક જ કરતા હશે પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી જે :
कनक तज्यो कामनी तज्यो, तज्यो धातु को संग;
तुलसी लघु भोजन करी, जीवे मान के रंग.
એ સાખીને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશે મોટો જાણવો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૪૧।। (૧૭૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્તની સેવા મળે તો મોટું ભાગ્ય માનીને કલ્યાણ તથા પ્રસન્નતાને અર્થે ભક્તિએ કરીને કરવી, પણ માને કરીને કરવી નહીં. (૧) બાબત છે.
૧ પ્ર. માન વિના કેવળ અમારી પ્રસન્નતાને અર્થે અમારી ભક્તિ તો રતનજી તથા મિયાંજી જેવા કોઈક જ કરતા હશે એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજની સાથે આવેલા મુક્તો તો માયાથી પર ને ચૈતન્યમૂર્તિ છે, તેમાં તો માયાનો ગુણ હોય જ નહિ ને કોઈક જ માન રહિત ભક્તિ કરતા હશે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. એ તો રતનજી તથા મિયાંજીને મિષે સાધનિકને ઉપદેશ કર્યો છે, અને કોઈક જ કરતા હશે એમ કહ્યું છે, તે પણ સાધનદશાવાળા મુમુક્ષુઓમાંથી કોઈક જ કરતા હશે એમ કહ્યું છે, પણ આવેલા સિદ્ધમુક્તોને કહ્યું નથી, અને રતનજી તથા મિયાંજી પણ સાથે આવેલા મુક્ત હતા તેમને મિષે વાત કરી હોય તેણે કરીને એમને જ કહ્યું છે એમ ન જાણવું ।।૪૧।। (૧૭૪)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪૨
સંવત ૧૮૮૦ના માગશર વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ભગવાનના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે તે કેઈ રીતે રહ્યાં છે ? અને બ્રહ્માંડમાં કિયે કિયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે : એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમનારાયણ છે તેને તો સગુણે ન કહેવાય ને નિર્ગુણે ન કહેવાય, ને સગુણ-નિર્ગુણ ભેદ તો અક્ષરને વિષે છે, તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે, અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશે મોટું છે, તે અક્ષરના એક એક રોમને વિષે અણુની પેઠે અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે; તે કાંઈ એ બ્રહ્માંડ અક્ષરને વિષે નાનાં થઈ જાતાં નથી; એ તો અષ્ટાવરણે સહવર્તમાન હોય પણ અક્ષરની અતિશે મોટપ છે, તે આગળ બ્રહ્માંડ અતિશે નાનાં દેખાય છે, જેમ ગિરનાર પર્વત છે તે મેરુ આગળ અતિશે નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરુ પર્વત અતિશે નાનો દેખાય, તેમ બ્રહ્માંડ તો આવડાં ને આવડાં હોય પણ અક્ષરની અતિશે મોટપ છે તેની આગળ અતિ નાનાં દેખાય છે માટે અણુ સરખાં કહેવાય છે. (૧) અને અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગે કરીને દશે દિશું કળાય છે તેમ અક્ષરધામ છે અને તે અક્ષરને ઉપર ને હેઠે ને ચારે પડખે સર્વ દિશુંમાં બ્રહ્માંડની કોટિઓ છે અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિષે સદાય વિરાજમાન રહે છે ને તે સત્ય સંકલ્પ છે ને અક્ષરધામને વિષે રહ્યા થકા જ જે જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્યાં જોઈએ તેવાં તેવાં રૂપને પ્રકાશ કરે છે. જેમ એ શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી ત્યારે પોતે એક હતા, તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા, તેમ જ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. અને જ્યાં આ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૪૨।। (૧૭૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મૂળઅક્ષરકોટિ આદિકને વિષે વ્યાપકપણું તે અમારા તેજરૂપ અક્ષરધામનું નિર્ગુણપણું છે, અને એ અક્ષરકોટિ આદિકને ધારવાપણું તે અક્ષરધામનું સગુણપણું છે. (૧) અને સૂર્યને ઠેકાણે અમારી મૂર્તિ છે, અને સૂર્યના તેજના ગોળાને ઠેકાણે અમારા તેજરૂપ અક્ષરધામ છે, અને એ અક્ષરધામને અડખે-પડખે, હેઠે-ઉપર સર્વે દિશુંમાં બ્રહ્માંડની કોટિઓ રહી છે, અને એ અક્ષરધામને વિષે અમે સદાય રહ્યા થકા જ્યાં જેવું રૂપ દેખાડ્યું જોઈએ ત્યાં તેવા રૂપને દેખાડીએ છીએ અને જ્યાં અમારી મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે, એટલે અમારા તેજરૂપ અક્ષરધામને મધ્યે અમે રહ્યા છીએ એમ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામીએ તમારા એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ કેવી રીતે રહ્યા છે ? ને કિયે કિયે ઠેકાણે તમે પ્રગટ થાઓ છો ? એમ પૂછ્યું છે, પણ તમે સગુણ છો કે નિર્ગુણ છો એવો પ્રશ્ન પૂછ્યો નથી તોપણ શ્રીજીમહારાજે અમને સગુણ કે નિર્ગુણ ન કહેવાય એમ કહ્યું તેનું શું કારણ હશે ?
૧ ઉ. (પ્ર. ૭૨ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) અમારા એક એક રોમના છિદ્રમાં અનંતકોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે ઉપર ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ! તમારા એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે તે બ્રહ્માંડથી તો તમારાં રોમ મોટાં થયાં, અને તમારાં રોમથી તમારી મૂર્તિ મોટી થઈ, માટે તમે જ્યારે બ્રહ્માંડમાં પધારો ત્યારે તમારી મૂર્તિ બ્રહ્માંડમાં શી રીતે માય, એવા અભિપ્રાયથી પૂછ્યું છે. તે ઉપર શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા પ્રકાશરૂપી અક્ષરધામ છે તે અક્ષરધામની કિરણોને અમારાં રોમ જાણવાં, તે રોમ સગુણ એટલે અતિશે મોટાં ને સર્વાધાર છે અને નિર્ગુણ એટલે સર્વત્ર વ્યાપક ને સૂક્ષ્મ તથા બીજાને સૂક્ષ્મપણાને પમાડે તેવાં છે અને અમારી મૂર્તિ તો સદાય મનુષ્યના જેવડી છે અને એ જે અમારા તેજરૂપ અક્ષરધામની કિરણોમાં અસંખ્ય બ્રહ્માંડ રહ્યાં છે, તે બ્રહ્માંડમાં અમે મનુષ્ય રૂપે દર્શન આપીએ છીએ એમ કહ્યું છે.
૨ પ્ર. પહેલી બાબતમાં અક્ષરધામને વિષે અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડ રહ્યાં છે એમ કહ્યું તે બ્રહ્માંડો તો મૂળપુરુષના તેજમાં રહ્યાં છે અને તેથી પર તો વાસુદેવબ્રહ્મ છે ને તેથી પર મૂળઅક્ષર છે. ને તેથી પર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ છે, તે ધામનો સંબંધ અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડને કેવી રીતે હશે ?
૨ ઉ. અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડ તો મૂળપુરુષના તેજમાં જ રહ્યાં છે, પણ મૂળપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષરાદિક સર્વે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને આધારે છે, માટે સર્વાધાર હોય તેને જ આધારે રહ્યાં છે એમ કહેવાય, અને મૂળપુરુષની દૃષ્ટિએ પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય, અને વાસુદેવબ્રહ્મની દૃષ્ટિએ મૂળપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય ને મૂળઅક્ષરની દૃષ્ટિએ વાસુદેવબ્રહ્મરૂપી બ્રહ્માંડ કહેવાય ને શ્રીજીમહારાજની દૃષ્ટિએ મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ કહેવાય, માટે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામની કિરણોમાં મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ રહ્યાં છે એમ જાણવું.
૩ પ્ર. બીજી બાબતમાં અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ હોય તેમ છે એમ કહ્યું તે કેમ સમજવું ?
૩ ઉ. સૂર્યને ઠેકાણે શ્રીજીમહારાજ છે, અને સૂર્યના મંડળ એટલે તેજના ગોળાને ઠેકાણે અક્ષરધામ છે એમ જાણવું.
૪ પ્ર. સૂર્ય માથે આવે ત્યારે દશે દિશું કળાય છે એમ કહ્યું તે માથે કેવી રીતે સમજવું ?
૪ ઉ. જ્યારે સૂર્ય માથે આવે ત્યારે સર્વ દિશાઓ કળાય છે એટલે સરખી દેખાઈ આવે છે, અને તે દિશાઓમાં રહેલાં સર્વ સ્થાનકો સૂર્યના ફરતાં દેખાય છે તેમ શ્રીજીમહારાજના તદાકારપણાને પામે ત્યારે તેને શ્રીજીમહારાજની મૂર્તિ ધામને મધ્યે દેખાય છે, અને તે મૂર્તિને યોગે કરીને અક્ષરધામના ફરતી સર્વ દિશામાં મૂળઅક્ષરાદિકની તથા બ્રહ્મની તથા મૂળપુરુષાદિકની કોટિઓ તથા સર્વ બ્રહ્માંડ તે કળાય છે એટલે દેખાઈ આવે છે.
૫ પ્ર. શ્રીજીમહારાજ સદાય અક્ષરધામમાં રહ્યા થકા જ જ્યાં જેવું રૂપ પ્રકાશવું જોઈએ ત્યાં તેવા રૂપને પ્રકાશે છે એમ કહ્યું તે જે રૂપ અનંત ઠેકાણે દેખાડે છે, તે રૂપમાં ને અક્ષરધામમાં જે મૂર્તિ છે તેમાં કાંઈ ફેર હશે કે કેમ ?
૫ ઉ. શ્રીજીમહારાજ પોતે અક્ષરધામમાં રહ્યા થકા જ પોતાની ઇચ્છાએ કરીને અનંત ઠેકાણે અનંત રૂપે દર્શન આપે છે, તોપણ એની એ મૂર્તિ છે માટે એક મૂર્તિ જ સર્વ ઠેકાણે દેખાય છે. અને એ મૂર્તિ જ્યાં દર્શન આપે ત્યાં અક્ષરધામનું મધ્ય સમજવું, કેમ જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ સર્વ ઠેકાણે દર્શન આપે છે, માટે પોતાનું તેજરૂપ ધામ તે એ મૂર્તિ ભેળું જ હોય પણ જુદું ન હોય, માટે જ્યાં શ્રીજીમહારાજ દર્શન આપે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે એમ જાણવું. ।।૪૨।। (૧૭૫)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪૩
સંવત ૧૮૮૦ના પોષ સુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં અયોધ્યાવાસીને ઘેર ગાદી, તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદો લઈને કીર્તન ગાવતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો પ્રશ્ન-ઉત્તર કરીએ એમ કહીને શ્રીજીમહારાજે પૂછ્યું જે, (૧) જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય ને તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય-સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એવી રીતે સત્તા રૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય ? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, જે સત્તા રૂપે વર્તે તેને ભગવાનને વિષે તો પ્રીતિ હોય. (૧)
૨ ત્યારે શ્રીજીમહારાજે પૂછ્યું જે, (૨) સત્તા રૂપે રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ છે તે આત્માને સજાતિ છે કે વિજાતિ છે ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે એ પ્રીતિ તો આત્માને સજાતિ છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે મધ્વાચાર્ય, નિંબાર્ક ને વલ્લભાચાર્ય એમણે આત્મા રૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મસ્વરૂપ કહી છે માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મનું સ્વરૂપ છે એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૪૩।। (૧૭૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે નિર્ગુણ ભક્તને અમારે વિષે પ્રીતિ હોય; (૧) બીજામાં આચાર્યોને દૃષ્ટાંતે એ પ્રીતિને બ્રહ્મરૂપ કહી છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં ગુણાતીત થઈને પ્રીતિ કરવાનું કહ્યું તે ગુણાતીતનો શો અર્થ સમજવો ?
૧ ઉ. ગુણાતીત એટલે ત્રણ ગુણથી પર, બ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થઈને શ્રીજીમહારાજને ભજે તે ભક્ત ગુણાતીત કહેવાય ને એવી રીતે ગુણથી પર થઈને શ્રીજીમહારાજને વિષે પ્રીતિ કરે એ પ્રીતિ બ્રહ્મરૂપ કહેવાય.
૨ પ્ર. ઉત્થાને રહિત શૂન્ય-સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એમ કહ્યું તે શૂન્ય-સમતા એટલે શું જ જાણવું ? અને સુષુપ્તિ જેવી એટલે કેવી જાણવી ?
૨ ઉ. જેમ આકાશ નિર્લેપ છે તેને ચાર ભૂતના વિકાર અડતા નથી તેમ એ ભક્તને દેહના વિકાર અડતા નથી; કેવળ આત્મસત્તા રૂપે વર્તે છે તે શૂન્ય-સમતા કહી છે, અને તે નિર્ગુણ છે ને સત્તા રૂપે વર્તે છે માટે સિદ્ધદશાવાળો છે તેથી જેમ સુષુપ્તિમાં વિસ્મૃતિ વર્તે તેમ શ્રીજીમહારાજ વિના બીજે વિસ્મૃતિ વર્તે છે એમ કહ્યું છે, પણ સુષુપ્તિ અવસ્થા કહી નથી માટે સુષુપ્તિને દૃષ્ટાંતે કરીને તેની સ્થિતિ કહી છે એમ જાણવું ।।૪૩।। (૧૭૬)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪૪
સંવત ૧૮૮૦ના પોષ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે, (૧) જ્યારે કોઈક હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂઝતા હોય એટલા ને એટલા સૂઝે કે કાંઈ વધુ સૂઝે ? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે અટકળે તો એમ જણાય છે જે મોરે સૂઝતા એટલા ને એટલા સૂઝે છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ વાતમાં તમારી નજર પડી નહીં. એટલા ને એટલા અવગુણ સૂઝતા હોય તો અવગુણ આવ્યો એમ કેમ કહેવાય ? માટે એ તો ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની થઈ જાય છે, તેણે કરીને અવગુણ વધુ સૂઝે છે ત્યારે એમ જાણવું જે બુદ્ધિને વિષે ભૂંડા દેશકાળાદિકનું દૂષણ લાગ્યું છે. (૧) અને અમે તો એમ જાણીએ છીએ જે જેને પૂર્વે મોટાપુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહિ ને એવાં જેનાં લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવા. (૨) અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહિ અને બીજા જે હરિભક્ત હોય તેને વિષે જે કેવળ અવગુણ ભાસે એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો ને તે આસુરી જીવ સત્સંગીમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય પણ જેવા કાળનેમી, રાવણ ને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહિ માટે પાકો હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂઝે પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪૪।। (૧૭૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં જેને ભૂંડા દેશાદિકને યોગે કરીને બુદ્ધિ દૂષિત થાય છે તેને કરીને અવગુણ વધુ સૂઝે છે. (૧) અને પૂર્વે મોટાપુરુષનો યોગ થયો હોય અથવા અમારું દર્શન થયું હોય તેને પોતાના જ અવગુણ સૂઝે, પણ બીજા હરિભક્તના અવગુણ દેખે જ નહીં. (૨) ને આસુરી હોય તેને પોતાના અવગુણ ન ભાસે ને બીજા હરિભક્તમાં કેવળ અવગુણ ભાસે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૩) બાબતો છે. ।।૪૪।। (૧૭૭)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪૫
સંવત ૧૮૮૦ના પોષ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે અમારા કહેવાઓ છો તે જો હું તમને ખટકો રાખીને વર્તાવું નહિ અને તમે કાંઈક ગાફલપણે વર્તો તે અમ થકી દેખાય નહીં. માટે જે જે અમારા કહેવાણા છો તેમાં અમારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ અને અમારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાત્યની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચભૂત, પંચવિષય ને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વે કસર ન ટળી તો બદરિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્ન મુક્ત ભેળાં તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો. એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. (૧)
૨ પછી તે જ દિવસ સાયંકાળે વળી સભા કરીને વિરાજમાન થયા પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) સાત્ત્વિક કર્મે કરીને દેવલોકમાં જાય છે અને રાજસી કર્મે કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે અને તામસી કર્મે કરીને અધોગતિને પામે છે. (૨) તેમાં કોઈ એમ આશંકા કરે જે રાજસી કર્મે કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વ મનુષ્યને સુખ-દુઃખ સરખું જોઈએ તો એનો ઉત્તર એમ છે જે, એક રજોગુણ છે. તેના દેશકાળાદિકને યોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે, માટે રાજસી કર્મનો એકસરખો નિરધાર રહેતો નથી; એ તો જેવા દેશ, કાળ, સંગ ને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. (૩) તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આ ને આ દેહે મર્ત્યલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે અને ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે. અને ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તોપણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે, અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જાવાનું પ્રારબ્ધ હોય તોપણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે માટે જે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે ભગવાન ને ભગવાનના સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તવું અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે અને સૂર્ય, ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે અને દેવલોક, મર્ત્યલોકને વિષે જે જે સુખિયા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે, માટે જે પોતાના આત્માનું રૂડું થાવાને ઇચ્છે તેને તો સદ્ગ્રંથને વિષે કહ્યા જે સદ્ધર્મ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૪૫।। (૧૭૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે તમે સર્વે અમારા કહેવાઓ છો, માટે તમારે વિષે કાંઈ કસર રહેવા દેવી નથી અને તમે પણ અમારી આજ્ઞામાં તત્પર રહેજો ને જો ગાફલાઈ રાખશો એટલે દેહ રૂપે વર્તશો તો અમારી આજ્ઞા પાળી શકાશે નહિ, તથા અમારા સંત-હરિજનના સમુદાયમાં રહી શકાશે નહીં. અને અમારે તો આત્મારૂપ થઈને અમારી ભક્તિ કરો એવા સર્વેને કરવા છે ને જો તેમાં કસર રહેશે તો બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જવું પડશે માટે સાવધાન એટલે આત્મસત્તા રૂપે રહેજ્યો. (૧) બીજામાં રાજસ્, તામસ્ ને સાત્ત્વિક કર્મે કરીને સ્વર્ગ, મર્ત્ય ને પાતાળને પામે છે. (૨) અને દેશકાળાદિકને યોગે કરીને રાજસ્ કર્મના અનંત પ્રકારના ભેદ થાય છે. (૩) અને અમે તથા અમારા સંત કુરાજી થાઈએ એવું કર્મ કરે તો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કરેલું હોય તે નાશ પામે અને મર્ત્યલોકમાં દેહે કરીને યમપુરીના જેવું દુઃખ ભોગવે. અને અમે તથા સંત રાજી થાઈએ એવું કર્મ કરે તો આ દેહે પણ અમારા ધામના જેવું સુખ ભોગવે. ને નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તે નાશ પામે ને અમારા અક્ષરધામને પામે. અને સૂર્ય-ચંદ્રાદિક જે જે સુખિયા છે તે અમને ને અમારા સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે સુખિયા છે. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં આ ઠેકાણે વાસના ન ટળી તો બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં જઈને વાસના ટાળવાનું કહ્યું અને (છે. ૨/૩માં) એ બે ધામ કરતાં આ સત્સંગીની સભાને અધિક કહી છે, માટે આ સભામાં વાસના ન ટળે તો ત્યાં કેમ ટળે ?
૧ ઉ. શ્રીજીમહારાજે કહ્યું છે જે તમને અમે દયા કરીને આ સત્સંગમાં અમારા તથા અમારા મુક્તના સમીપમાં રાખ્યા છે, માટે જો તમે ગાફલાઈએ કરીને વાસના નહિ ટાળો તો તમને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં મેલશું ને ત્યાં ઘણાક કાળ પર્યંત મહાતપ કરવું પડશે અને અમારું કે અમારા મુક્તનું દર્શન નહિ થાય એમ બીક બતાવી છે, પણ એ સ્થાનોને આ સભા કરતાં વખાણ્યાં નથી ત્યાં તો શ્રીજીમહારાજના ને મુક્તના વિયોગરૂપી દુઃખ છે. ।।૪૫।। (૧૭૮)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪૬
સંવત ૧૮૮૦ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પીળી છીંટની રજાઈ ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને ઝાંઝ-મૃદંગ લેઈને સંત કીર્તન ગાવતા હતા.
૧ પછી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આ સંસારને વિષે જે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ્ય-વૃદ્ધિ થાતી દેખીને તેની કોરનો હર્ષ-શોક થાય નહિ, અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે કાં જે થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાણ્ય થાય છે. (૧) અને ભગવાનના જે અવતાર પૃથ્વીને વિષે થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાને અર્થે જ નથી થાતા, કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિધર્મના આચાર્ય છે, તે પણ સ્થાપન કરે છે. માટે એટલા સારુ જ ભગવાનના અવતાર નથી થાતા; ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે. (૨) અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી; એને તો એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે, તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો, અને તે જો ક્રોધે કરીને પડ્યો હોય તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો, અને કામે કરીને પડ્યો હોય તો યક્ષ-રાક્ષસનો અવતાર આવ્યો જાણવો, માટે જે એકાંતિકના ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે, ને જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તોપણ તે ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય, પણ જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે. (૩) અને વળી જે પંચમહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિષે અવગુણ ન આવ્યો હોય, તો એનાં પાપ નાશ થઈ જાય ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય, માટે પંચમહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૪૬।। (૧૭૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જેને કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ્ય-વૃદ્ધિ થતી દેખીને હર્ષ-શોક ન થાય, અને મોક્ષના માર્ગમાંથી પાછો પડે ત્યારે ખરખરો થાય તેને સત્પુરુષ કહ્યા છે. (૧) અને અમે એકાંતિક ભક્તના ધર્મ પ્રવર્તાવવાને અર્થે પૃથ્વીને વિષે પ્રગટ થઈએ છીએ. (૨) અને અમારો કે અમારા સંત એટલે સિદ્ધ મુક્તનો અભાવ આવે તે એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો, ને એ જ એનું મરણ છે. તે જો અમારે વિષે ને અમારા મુક્તને વિષે ક્રોધ પરઠીને અભાવ લે, તો તેને સર્પ જાણવો; અને જો અમારે કે અમારા મુક્તને વિષે કામ પરઠીને અભાવ લે તો તેને યક્ષ-રાક્ષસ જાણવો, અને તે ધર્મવાળો કે તપસ્વી હોય તો દેવલોકને પામે, પણ અમારા ધામને તો ન જ પામે. (૩) અને પંચ મહાપાપીને પણ જો અમારો કે અમારાં બત્રીસ લક્ષણે યુક્ત સંતનો અવગુણ ન આવ્યો હોય તો એનાં પાપ નાશ થાય, ને અમારા અક્ષરધામને પામે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૪) બાબતો છે.
૧ પ્ર. ત્રીજી બાબતમાં અમારો કે અમારા ભક્તનો અવગુણ આવે એમ કહ્યું તે ભક્તનો અવગુણ તો આવે ખરો, પણ ભગવાનનો અવગુણ શી રીતે આવતો હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજ જ્યારે મનુષ્ય રૂપે વિરાજતા હોય ત્યારે વાંક વિના વારંવાર વઢે, અથવા કોઈકને વારંવાર બોલાવે, પ્રસાદી આપે, વખાણે ને એને બોલાવે નહિ ને વખાણે નહિ, તે જોઈને એના મનમાં એમ થાય જે મને તો વારંવાર વઢ્યા કરે છે, ને બોલાવતા કે વખાણતા નથી એમ અવગુણ આવે. અને મનુષ્ય રૂપે વિચરતા ન હોય, ત્યારે પણ શ્રીજીમહારાજે મંદિરો કરાવીને મૂર્તિઓ પધરાવી છે તથા ત્યાગી-ગૃહી, બાઈ-ભાઈના જે જે ધર્મ કહ્યા છે, ને ધોરણ બાંધ્યાં છે તેમાં આશંકા થાય જે આ ઠીક નથી કર્યું, તે શ્રીજીમહારાજનો અવગુણ આવ્યો જાણવો.
૨ પ્ર. કેવી રીતે પડે તે ક્રોધે કરીને ને કામે કરીને પડ્યો કહેવાય ? અને સર્પ ને રાક્ષસનો અવતાર તે આ દેહે આવ્યો જાણવો કે દેહ પડ્યા કેડે આવતો હશે ? ને દેવલોક કિયા જાણવા ?
૨ ઉ મોટા સંતમાં ક્રોધ ન હોય ને પરઠે તે ક્રોધે કરીને પડ્યો જાણવો, અને મોટા સંતમાં કામ ન હોય ને પરઠે તે કામે કરીને પડ્યો જાણવો. અને છતી દેહે જ જે વખતે ક્રોધ આવે તે વખતે જ સર્પનો દેહ જાણવો, એટલે તેને તે વખતે સર્પ જેવો જાણવો અને જે વખતે મોટાને વિષે કામ પરઠે તે વખતે યક્ષ-રાક્ષસના જેવો જાણવો. અને આ ઠેકાણે ઇન્દ્ર તથા બ્રહ્માના લોકને દેવલોક જાણવા.
૩ પ્ર ભગવાન કે ભગવાનના ભક્તનો અવગુણ લેવો તે પંચમહાપાપથી મોટું પાપ કહ્યું ને વળી તેને દેવલોકની પ્રાપ્તિ કહી, તે એવા પાપીને દેવલોકની પ્રાપ્તિ શાથી થતી હશે ?
૩ ઉ. કિંચિત્ અભાવ આવ્યો હોય ને તે માફ ન કરાવ્યો હોય તેને દેવલોકની પ્રાપ્તિ થાય, અને જેનો અભાવ આવ્યો હોય તેને રાજી કરે તો મોક્ષ થાય, અને ઝાઝો અવગુણ આવે તેનો તો જીવ પણ નાશ પામે એમ (છે. ૧૨ ૧/૨માં) કહ્યું છે.
૪ પ્ર. જેને ભગવાનનો કે સંતનો અવગુણ ન આવ્યો હોય તેના પંચમહાપાપ બળી જાય, ને તે ધામને પામે એમ કહ્યું તે આ જન્મે જ પામે કે બીજો જન્મ ધરવો પડે ?
૪ ઉ. શ્રીજીમહારાજનો ને સંતનો અવગુણ ન આવે તેણે કરીને તે સત્સંગમાં આવીને ભગવાન ભજીને ધર્મ પાળીને ધામમાં જાય, અને કદાપિ એ ને એ દેહે સત્સંગમાં ન આવે તો બીજે જન્મે એને શ્રીજીમહારાજ સત્સંગમાં લાવે, ને પોતાના મુક્તનો યોગ આપે તે મુક્તનો યોગ ને સેવા કરે, પછી મુક્ત થઈને ધામને પામે પણ યથાર્થ જ્ઞાન થયા વિના ધામને પામે નહિ, માટે ધામને પામે એમ કહ્યું છે તે આવી રીતે પામે એમ કહ્યું છે પણ જે સત્સંગમાં આવીને પાપ કરે તેને તો (પ્ર. ૭૭ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) જ્ઞાનનું કે ભક્તિનું બળ લઈને ધર્મને ખોટા કરે તેને અસુર, ગુરુદ્રોહી, વચનદ્રોહી ને વિમુખ કહ્યો છે. તથા (મ. ૩૫/૪માં) ધર્મ ન પાળે તે તો મહાદુષ્ટ છે ને તેનું કલ્યાણ ન થાય એ સિદ્ધાંત કહ્યો છે. ।।૪૬।। (૧૭૯)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪૭
સંવત ૧૮૮૦ના મહા વદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પીળી છીંટની રજાઈ ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દેઈને માણસાઈએ રાખતાં આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે અને જેને સાધુને રાખતાં આવડે નહિ તેની પાસે સાધુ રહે પણ નહિ અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુઃખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં-દૂધ, ગળ્યું-ચીકણું કાંઈ ખાવા દેતો નથી. તેમ જે સમજુ હોય તેને એમ જણાય જે આ રોગે સારું સારું ખાવા-પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું, માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું ? એમ ભાસે છે. શા માટે જે શિશ્ન ને ઉદર એ બેને વિષે જે જીવને આસક્તિ છે એ જ અસત્પુરુષપણું છે તે ક્ષયરોગ એ બેય પ્રકારની ખોટને કાઢે એવો છે, તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે જે મુમુક્ષુ હોય તેને તેમાં દુખાઈ જાવું નહિ અને જે ખાધાપીધાની લાલચે કે લૂગડાની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવો; તેને તો લબાડ જાણવો ને કૂતરા જેવો જાણવો ને એવો મલિન આશયવાળો હોય તે અંતે જાતાં વિમુખ થાય અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય એ બે તો પંચમહાપાપીથી પણ અતિ ભૂંડા છે, માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ. (૧) કેમ જે આ સભા તો બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે. તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે. અને પંચવિષય છે તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે તોપણ હજુ લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ, કે બે વર્ષ, કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થાશે પણ નહિ માટે હવે તો વિષયની આસક્તિને ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે, “શૂળી ઉપર શયન કરાવે, તોય સાધુને સંગે રહીએ રે.” માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું પણ અશુભ વાસના સોતા મરવું નહિ અને આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એવી વાસના રાખવી. (૨) ને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જાશે તોપણ કાંઈ ચિંતા નથી જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાઈ-ધોઈને પવિત્ર થાવું, પણ એમાં પડી ન રહેવું. તેમ શુભ વાસના રાખતાં રાખતાં બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાણું તો એમ જાણવું જે માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક-ઇન્દ્રલોકના ભોગને ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંઈ ન રહેવું એમ નિશ્ચય રાખવો. (૩) અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ, જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મ્ય જાણીએ છીએ, તેમ આપણી ગૃહસ્થ અન્ન-વસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતેચીતે કરીને ચાકરી કરવી એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત રાખવી. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૪૭।। (૧૮૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મોટેરા સંતોએ સાધુને મન દઈને રાખવા અને મુમુક્ષુઓએ સત્પુરુષ દુઃખવે ને વિષયનું ખંડન કરે તેમાં રાજી થાવું ને કોઈ પદાર્થની લાલચ રાખવી નહીં. (૧) ને આ સંતની સભાને દિવ્ય જાણીને તેનો સંગ કરીને અશુભ વાસના ટાળીને અમારા ધામમાં જાવાની વાસના રાખવી. (૨) અને અશુભ વાસના રહી જાય ને ઇન્દ્ર કે બ્રહ્માના લોકમાં જાવું પડે તો તે લોકને નરક જેવા જાણીને એમાંથી નીકળીને અમારા ધામમાં જવાનો નિશ્ચય રાખવો. (૩) અને ગૃહસ્થોએ અન્ન-વસ્ત્રે કરીને ત્યાગીની સેવા કરવી ને ત્યાગીએ ગૃહસ્થની વાતેચીતે કરીને સેવા કરવી. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં સાધુને માણસાઈએ રાખવા એમ કહ્યું તે સાધુને કેવી રીતે રાખે તે માણસાઈએ રાખ્યા કહેવાય ?
૧ ઉ. ઉપદેશ આપીને તેના જીવમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા શ્રીજીમહારાજનો મહિમા દૃઢ કરાવે તો તે સાધુ જીવંત પર્યંત સત્સંગમાં રહે તે માણસાઈએ રાખ્યા કહેવાય. અને આવું જ્ઞાન દૃઢ ન કરાવ્યું હોય ને પદાર્થ આપીને તથા ખવરાવી-પિવરાવીને પંપોળીને રાખ્યો હોય તો તે સત્સંગમાં રહીને જીવંત પર્યંત ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ ને શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે કહેલી જે આજ્ઞા તે પ્રમાણે વર્તી શકે નહિ તે માણસાઈએ રાખતાં ન આવડ્યું કહેવાય. અને બીજો અર્થ એ છે જે શ્રીજીમહારાજની મૂર્તિને પોતાના ચૈતન્યને વિષે અખંડ દેખતા હોય ને પંચવર્તમાન પાળતા-પળાવતા હોય એવા સાધુની અનુવૃત્તિમાં રહીએ તો તે રાજી થઈને આપણા ભેળા રહે અને જો અનુવૃત્તિમાં ન રહીએ તો તે આપણા ભેળા ન રહે માટે સાધુની અનુવૃત્તિમાં રહીએ તો સાધુને રાખતાં આવડ્યા કહેવાય.
૨ પ્ર. બીજી બાબતમાં બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપની સભા જેવી આ સત્સંગીની સભા કહી અને (છે. ૨/૨ માં) એ બે ધામની સભાથી આ સત્સંગીની સભાને અધિક કહી છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. નિર્વાસનિકપણામાં સરખી કહી છે, પણ ઉપાસનામાં તથા પ્રાપ્તિમાં સરખી નથી કહી; માટે આવી નિર્વાસનિક સભામાં આવીને મલિન વાસના ન ટળી તો બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે એમ કહ્યું છે.
૩ પ્ર. આમાં વિષય ભોગવીને તૃપ્ત થવાશે નહિ એમ કહ્યું ને (મ. ૨૫ના પહેલા પ્રશ્નમાં) વિષય ભોગવીને તૃપ્ત થાશે ત્યારે વૈરાગ્ય પામશે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. આમાં વિષયની આસક્તિવાળાને વિષયની વાસના મુકાવવા સારુ ઉપદેશ કર્યો છે અને (મ. ૨૫માં) મોક્ષના માર્ગમાં વિષયને બંધનકારી જાણીને ઘર મૂકીને ત્યાગી થયો હોય ને શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળતો હોય ને અંતરમાંથી વિષયભોગની ઇચ્છા ન ટળી હોય તેને દેહ મૂક્યા પછી ભગવાન વિષય આપે ને તેના ભેળું જ્ઞાન પણ આપે તેથી તે એમ વિચાર કરે જે મારે ભગવાનના ધામમાં જવું છે ને હું આવા તુચ્છ ને દુઃખદાયી વિષયમાં બંધાઈ રહ્યો છું, એમ પશ્ચાત્તાપ કરીને શ્રીજીમહારાજનું ભજન કરીને નિર્વાસનિક થાય ત્યારે ધામમાં જાય એમ કહ્યું છે.
૪ પ્ર. નારદ-સનકાદિકને તો પરોક્ષ ભગવાનની ઉપાસના છે અને તે કાંઈ શ્રીજીમહારાજના તેજરૂપ જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તે રૂપ થયા નથી માટે નારદ, સનકાદિક ને શુકજી જેવા બ્રહ્મરૂપ થવાનું કહ્યું તે કેમ સમજવું ?
૪ ઉ. પોતાની સાથે લાવેલા મુક્તાનંદ સ્વામી આદિક સિદ્ધમુક્તોનાં નારદ, શુક, સનકાદિક એવાં ઉપનામ પાડ્યાં હતાં તે નામ કહ્યાં છે. તે મુક્તના જેવા બ્રહ્મરૂપ થવું એમ કહ્યું છે. ।।૪૭।। (૧૮૦)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪૮
સંવત ૧૮૮૦ના મહા વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને તુળસીની નવી શ્વેત કંઠીઓ કંઠને વિષે ધારણ કરી હતી ને પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને સાધુ પ્રેમાનંદસ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે ‘વંદું સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ’ એ ગાવતા હતા.
૧ પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) બહુ સારાં કીર્તન ગાયાં, આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થાતું હોય, ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે જ નહિ, અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તોપણ એ પરમપદને પામ્યો જ છે, અને જેવા શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવો જ એ પણ નિરન્ન મુક્ત થઈ રહ્યો છે, અને દેહક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે, ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. (૧) અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન કરતે થકે દેહ પડ્યો તેને કોટિ કલ્પે દુઃખનો અંત આવતો નથી, માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરવું. (૨) અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન થઈ ન શકે તોપણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. (૩) અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થાવાનું નિમિત્ત તો નથી, પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ ઇચ્છીએ છીએ. (૪) અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતવન થતું હોય તે તો કાળ, કર્મ ને માયાના પાસ થકી મુકાણો છે અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેનાં માબાપ પણ કૃતાર્થ થયાં જાણવાં. (૫) અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતવન કરે છે તે તો અતિશે ભૂલ્યો જાણવો. (૬) અને સ્ત્રી, પુત્ર ને ધનાદિક પદાર્થ તો જે જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે, પણ આવા બ્રહ્મવેત્તા સંતનો સંગ ને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતવન તે તો અતિશે દુર્લભ છે. માટે જેમ વિષયી જનને પંચવિષયનું ચિંતવન અંતઃકરણમાં થયા કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે એથી ઉપરાંત મનુષ્યદેહનો બીજો લાભ નથી, અને એ તો સર્વે હરિભક્તમાં મુખિયો છે અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય હોય તોપણ ભગવાન સંબંધી જ હોય ને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાને ઇચ્છે છે ને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવા ઇચ્છે, ને નેત્ર તે ભગવાન ને ભગવાનના સંતનાં દર્શન કરવાને ઇચ્છે ને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઇચ્છે, અને નાસિકા તે ભગવાનને ચડ્યાં જે પુષ્પ-તુળસી તેના સુગંધને ઇચ્છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહિ, એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૪૮।। (૧૮૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જેને અંતઃકરણમાં અમારું ચિંતવન રહે, તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે નહિ, અને દેહમાં રહ્યો થકો પણ મુક્ત થઈ રહ્યો છે, ને તેને કાંઈ પણ બાકી રહ્યું નથી. (૧) અને જેને બીજા પદાર્થનું ચિંતવન કરતાં દેહ પડે તેને દુઃખનો અંત આવતો નથી. (૨) અને જેને અમારું ચિંતવન થઈ ન શકે તેને ધર્મ-જ્ઞાનાદિક સાધને યુક્ત એવા અમારા સાધુના સંગમાં એટલે મન-કર્મ-વચને અનુવૃત્તિમાં રહેવું એમ સંતમાં પડી રહેવું. તેણે કરીને એ સંતના જેવા ગુણ આવે ને મોક્ષ થાય. (૩) અને અમારે ફેર જન્મ ધરવાનું નિમિત્ત નથી તોપણ કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવા ઇચ્છીએ છીએ. (૪) અને જેને અમારું ચિંતવન થાય તેનાં માબાપ પણ કૃતાર્થ છે. (૫) અને જે અમારા વિના બીજું ચિંતવન કરે છે તે તો અતિશે ભૂલ્યો છે. (૬) અને અમારા બહ્મવેત્તા સાધુનો સંગ ને અમારું સાક્ષાત્ દર્શન તે તો મહા દુર્લભ છે, માટે અમારા વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહિ, એ અમારો એકાંતિક ભક્ત છે. (૭) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં જે અમારું ચિંતવન કરે તે શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત છે તેવો છે એમ કહ્યું તે જે શ્રીજીમહારાજનું ચિંતવન કરે તે તો શ્રીજીમહારાજનો મુક્ત થાય તેને નિરન્ન મુક્ત જેવો કહેવાનું શું કારણ હશે ?
૧ ઉ. આમાં શ્રીજીમહારાજે પોતાના તેજરૂપ અક્ષરધામને શ્વેતદ્વીપ નામે કહ્યું છે. જે શ્વેત એવું તેજ તેનો દ્વીપ એટલે સમૂહ માટે તેજનો સમૂહ જે અક્ષરધામ તેને આ ઠેકાણે શ્વેતદ્વીપ નામે કહ્યું છે, અને પોતાના મુક્તને નિરન્ન મુક્ત નામે કહ્યા છે, પણ વાસુદેવબ્રહ્મના સાધનિક મુક્તોનું ધામ છે તે નથી કહ્યું, કેમ જે એ શ્વેતદ્વીપ તો પ્રલય સમે નાશ પામે છે, અને સાતમી બાબતમાં વાસુદેવ નામે કહ્યા છે તે પણ પોતાને જ કહ્યા છે.
૨ પ્ર. ચોથી બાબતમાં શ્રીજીમહારાજે સંતના મધ્યમાં જન્મ ધર્યાનું કહ્યું તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. વૈરાજપુરુષની આયુષ્યમાં એક વાર આ બ્રહ્માંડમાં દર્શન દેવાં એવું નિમિત્ત છે, તેથી હવે આ વૈરાજની આયુષ્યમાં ફેર આવવાનું નિમિત્ત તો નથી પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં એટલેસત્પુરુષ રૂપે ફેર આવવાની ઇચ્છા જણાવી છે. અને મુમુક્ષુને ઉપદેશ કર્યો છે જે અમે અમારા પરમએકાંતિક તથા અનાદિમુક્ત ભેળા સદાય વિચરીએ છીએ, પણ એક ક્ષણમાત્ર એવા સંતથી જુદા રહેતા નથી, માટે તમારે પણ એવા સંત ભેળું સદા રહેવું એમ સૂચવ્યું છે. ।।૪૮।। (૧૮૧)
વચનામૃત ગઢડા મધ્યનું - ૪૯
સંવત ૧૮૮૦ના ફાગણ સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી, તકિયા બિછાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પાઘમાં ધોળાં પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિષે તો ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે ને અતિશે મૂર્ખ છે તે તો ભગવાનને ને માયિક આકારને સરખા જાણે છે કેમ જે માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંતકોટિ કલ્પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે. (૧) અને જે ભગવાનના સ્વરૂપનાં દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેનાં બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે, માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થાતી જ નથી, ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૪૯।। (૧૮૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી આ પ્રત્યક્ષ મૂર્તિમાં ને બીજા માયિક આકારમાં ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની ને અતિશે મૂર્ખ છે તે અમને ને માયિક આકારને સરખા જાણે છે, ને માયિક આકારનું ચિંતવન કરનારા નરક ચોરાશીમાં ભમે છે. (૧) અને જે અમારા સ્વરૂપનું દર્શન ને ચિંતવન કરનારા છે તે અમારા મુક્ત થાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં પ્રત્યક્ષ એવા જે અમે તે અમારી મૂર્તિમાં ને માયિક આકારમાં ઘણો ફેર છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજે જ્યારે વાત કરી ત્યારે તો પ્રત્યક્ષ હતા, પણ આજ મનુષ્ય રૂપે પ્રત્યક્ષ કેવી રીતે જાણવા ?
૧ ઉ. શ્રીજીમહારાજે સંકલ્પ કર્યો જે અમને મનુષ્ય રૂપે દેખો ત્યારે મનુષ્ય રૂપે દર્શન આપ્યું, અને પછી સંકલ્પ કર્યો જે હવે અમને પ્રતિમા રૂપે દેખો માટે જેમ મનુષ્ય રૂપે દેખાતા તેમ આજ પ્રતિમા રૂપે દર્શન આપે છે, માટે આજ પ્રતિમા રૂપે પ્રત્યક્ષ છે.
૨ પ્ર. ત્યારે એકાંતિકને વિષે પણ ભગવાન રહ્યા છે તે એકાંતિકને ભગવાનરૂપ માનીએ તો એ મનુષ્ય રૂપે પ્રત્યક્ષ ભગવાન કહેવાય કે નહીં ?
૨ ઉ. એકાંતિકમાં ભગવાન રહ્યા છે પણ એક તો એનો દેહ ને બીજો એનો જીવ ને ત્રીજા શ્રીજીમહારાજ રહ્યા છે, માટે શ્રીજીમહારાજની મૂર્તિની અને મુમુક્ષુની વચ્ચે એકાંતિકના દેહનો ને ચૈતન્યનો એ બે પડદા રહ્યા, માટે એકાંતિકને ભગવાન માનવાથી ભગવાનની પ્રાપ્તિ થાતી નથી.
૩ પ્ર. જેમ શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે વિચરતા તેમાંથી મનુષ્યભાવ ટાળવાનો છે, ને જેમ પ્રતિમામાંથી પ્રતિમાભાવ ટાળવાનો છે તેમ એકાંતિકમાંથી મનુષ્યભાવ ટાળીએ તો પછી એકાંતિકને ભગવાન માનવામાં શો વાંધો છે ?
૩ ઉ. શ્રીજીમહારાજને વિષેથી મનુષ્યભાવ ને પ્રતિમાભાવ ટાળીએ એટલે સાક્ષાત્કાર થાય, અને એકાંતિકને વિષેથી દેહભાવ ટાળીએ તોપણ એના ચૈતન્યનો પડદો રહ્યો તેથી ભગવાનની પ્રાપ્તિ ન થાય, માટે મોક્ષમાં વાંધો આવે છે કેમ જે એકાંતિક તો સાધનદશામાં છે, માટે એનો દેહ તો માયિક છે તે દેહનો નિષેધ કરીએ તેણે કરીને દેહભાવ ટળી જાતો નથી, અને શ્રીજીમહારાજ તો કૈવલ્ય મૂર્તિ છે, માટે એકાંતિકને ભગવાન માનવા એ તો ઘણું ભૂલભરેલું છે.
૪ પ્ર. (પ્ર. ૫૧માં) ભક્તના દેહ-ઇન્દ્રિયોને પુરુષોત્તમરૂપ કહ્યાં છે અને (કા. ૧ના પાંચમા પ્રશ્નમાં) ભક્તના દેહ-ઇન્દ્રિયો ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થાય છે એમ કહ્યું છે એમ જોતાં તો એકાંતિકમાં ને શ્રીજીમહારાજમાં કાંઈ ભેદ રહેતો નથી માટે તે કેમ સમજવું ?
૪ ઉ. શ્રીજીમહારાજના મુક્તને યોગે કરીને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજીને પછી શ્રીજીમહારાજના તેજરૂપ પોતાને માનીને શ્રીજીમહારાજનું ધ્યાન કરે ત્યારે તે ધ્યાને કરીને શ્રીજીમહારાજને આકારે થઈ જાય છે, એટલે દેહમાં રહ્યો થકો મૂર્તિમાન થઈ જાય છે, અને ઇયળની ભમરી થાય છે એમ કહ્યું છે તે પણ ઇયળના ખોખામાં ભમરીનો દેહ બંધાય છે, તેમ શ્રીજીમહારાજના જ્ઞાને તથા ધ્યાને કરીને જીવ પોતાના દેહમાં રહ્યો થકો મૂર્તિમાન થાય છે, પણ માયિક દેહ-ઇન્દ્રિયો ભગવાનરૂપ થાય છે એમ નથી કહ્યું. શ્રીજીમહારાજ તો કૈવલ્ય મૂર્તિ છે, અને એકાંતિક ભક્તનો દેહ તો માયિક છે તે દેહ ચૈતન્ય થતો જ નથી, અને શ્રીજીમહારાજને જ્ઞાને તથા ધ્યાને કરીને જીવ શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામીને શ્રીજીમહારાજના જેવો સાકાર થાય છે, ને દેહ તો માયામાં પડ્યો રહે છે તે (મ. ૩૪ના પહેલા પ્રશ્નમાં) જીવ અમારો ભક્ત થઈને અમારા ધામમાં જાય છે ત્યારે જડ એવાં જે તત્ત્વ તે પડ્યાં રહે છે એમ કહ્યું છે, માટે તત્ત્વ તો જડ છે તે ચૈતન્ય થાય જ નહીં.
૫ પ્ર. ત્યારે કેટલાક એમ કહે છે કે અમારે વિષે ભગવાન રહ્યા છે તે માટે અમારું ધ્યાન ને સેવા કરો, એટલે તમને શ્રીજીમહારાજ મળશે એમ કહે છે તે શું શ્રીજીમહારાજની મરજીથી જુદું કહેતા હશે ?
૫ ઉ. જે શ્રીજીમહારાજને મૂકીને પોતાનું ધ્યાન કરાવે અને પ્રતિમાને ન્યૂન કહીને પ્રતિમાને વિષેથી લૂખા કરે તે એકાંતિક નથી, ને એને શ્રીજીમહારાજનો સંબંધ પણ નથી, ને અનાદિમુક્તનો કે પરમએકાંતિકનો યોગ પણ એને થયો નથી. માટે શ્રીજીમહારાજનું રહસ્ય એના જાણ્યામાં આવ્યું નથી, એ તો જ્યારે સિદ્ધદશાવાળા પરમએકાંતિકનો કે અનાદિનો યોગ થાય ને શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળીને શ્રીજીમહારાજને તથા મુક્તોને પ્રસન્ન કરે ત્યારે તે મુક્તોની કૃપા થાય ને શ્રીજીમહારાજનું રહસ્ય યથાર્થ સમજાવે ત્યારે એકાંતિક થવાય છે.
૬ પ્ર. એકાંતિકથી પરમ એકાંતિકમુક્ત તથા અનાદિમુક્ત જુદા કહ્યા તે કિયા જાણવા ?
૬ ઉ. શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં સન્મુખ રહ્યા છે તે પરમએકાંતિક કહેવાય છે, અને જે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છે તે અનાદિ કહેવાય છે, તે મુક્ત શ્રીજીમહારાજની ઇચ્છાથી અનંત જીવોનો ઉદ્ધાર કરવાને અર્થે પૃથ્વીને વિષે દર્શન આપતા હોય, તેમનો સમાગમ ને સેવા કરીને શ્રીજીમહારાજનો ને એ મુક્તનો મહિમા યથાર્થ સમજે અને સર્વે વાસનાથી રહિત થાય, ત્યારે તે એકાંતિક કહેવાય, તોપણ એનો દેહ તો માયિક છે.
૭ પ્ર. પરમએકાંતિકના તથા અનાદિમુક્તના સમાગમે કરીને દેહ છતાં જ એમના જેવી સ્થિતિ થાય કે કેમ ?
૭ ઉ. એવા મુક્તનો સમાગમ કરીને શ્રીજીમહારાજનું યથાર્થ જ્ઞાન સમજે ને શ્રીજીમહારાજનું ધ્યાન કરે તો દેહ છતાં જ એમના જેવી સ્થિતિ થાય.
૮ પ્ર. પરમએકાંતિક તથા અનાદિમુક્તનો દેહ કેવો જાણવો ?
૮ ઉ. જેમ શ્રીજીમહારાજ કૈવલ્ય મૂર્તિ છે તેમ જ મુક્ત પણ કૈવલ્ય મૂર્તિ છે પણ તેમાં દેહદેહીભાવ નથી.
૯ પ્ર. ત્યારે તો જેવા શ્રીજીમહારાજ છે તેવા જ તે મુક્ત થયા ત્યારે તે મુક્ત પૃથ્વીને વિષે પધારે તે મુક્ત દ્વારે શ્રીજીમહારાજ પ્રત્યક્ષ કહેવાય કે નહિ, ને એ મુક્તનું ધ્યાન થાય કે નહીં ?
૯ ઉ. પરમએકાંતિક તથા અનાદિમુક્ત છે તે તો મુક્ત છે, ને શ્રીજીમહારાજ તો મુક્તના સ્વામી છે, ને પ્રતિમા પણ સ્વામી જ છે, ને મુક્ત દાસ છે માટે મુક્તનું ધ્યાન થાય નહિ ને એ મુક્તોને પ્રત્યક્ષ ભગવાન પણ કહેવાય નહિ; શ્રીજીમહારાજની પ્રતિમાને જ પ્રત્યક્ષ ભગવાન કહેવાય ને પ્રતિમાનું જ ધ્યાન થાય, પણ મુક્તનું ધ્યાન થાય નહીં. તો મૂળઅક્ષર તથા મૂળપુરુષાદિકનું તો થાય જ કેમ ? ન જ થાય. તે (મ. ૧૯/૨માં) અમારા વિના કોઈ અવતારનું ધ્યાન કરવું નહિ એમ કહ્યું છે.
૧૦ પ્ર. ત્યારે (વ. ૧૦ /૨માં) શ્રીજીમહારાજની પ્રતિમાથી મુક્તને ઊંચે નંબરે કહ્યા છે તેનું શું કારણ હશે ?
૧૦ ઉ. જ્ઞાન-ઉપદેશ કરવાની બાબતમાં મુક્તને શ્રેષ્ઠ કહ્યા છે પણ મુક્તની ભક્તિ એટલે ભજન-સ્મરણ કરવું એમ કહ્યું નથી; ભક્તિ તો પ્રતિમાની કરવી એમ કહ્યું છે, અને મુક્તનો તો જ્ઞાન લેવાને માટે આશ્રય કરવો એમ કહ્યું છે, માટે ફક્ત ઉપદેશ દેવામાં જ મુક્તને શ્રેષ્ઠ કહ્યા છે, પણ ધ્યાન-ભજન તો મુક્તનું થાય જ નહિ, અને જે મુક્ત હોય તે પ્રતિમાનો મહિમા સમજાવીને પ્રતિમાને વિષે જ વળગાડે, ને પ્રતિમાનું જ ધ્યાન કરાવે માટે જે પોતાનું ધ્યાન કરાવે તેને મુક્ત ન જાણવા, ને એકાંતિક પણ ન જાણવા, તેને તો આધુનિક જાણીને તેનો ત્યાગ કરવો કેમ જે તેનો સંગ કરવાથી મોક્ષ થતો નથી.
૧૧ પ્ર. ત્યારે શ્રીજીમહારાજનો ને એમના મુક્તોનું રહસ્ય શું હશે ?
૧૧ ઉ. (મ. ૫૦/૧માં) શ્રીજીમહારાજે પોતાનું રહસ્ય કહ્યું છે જે અમારી મૂર્તિના તેજમાં તમારા આત્માને લીન કરીને એ તેજમાં અમે ને અમારા મુક્ત રહ્યા છીએ તે અમારે વિષે ને અમારા મુક્તને વિષે પ્રીતિ જોડી રાખવી એ પરમએકાંતિકની સ્થિતિ કહી છે અને (જે. ૧માં) સંતને વિષે આપોપું કરવાનું કહ્યું છે એ અનાદિમુક્તની સ્થિતિ કહી છે તે શ્રીજીમહારાજનું ને મોટા મુક્તોનું રહસ્ય છે, માટે એવી રીતે નિરંતર વર્તવું.
૧૨ પ્ર. માયિક આકારનું ચિંતવન કરનારા નરક ચોરાશીને વિષે ભમે છે એમ કહ્યું તે માયિક આકાર કિયાં જાણવાં ને નરક ચોરાશી કઈ જાણવી ?
૧૨ ઉ. શ્રીજીમહારાજ પૃથ્વીને વિષે મનુષ્ય રૂપે વિચરતા હોય તે મનુષ્યરૂપ મૂર્તિને વિષે મનુષ્યભાવ પરઠે, પણ દિવ્ય ન જાણે તે માયિક આકારના ચિંતવન કરનારા કહેવાય, તે નરક ચોરાશીને વિષે ભમે છે એમ કહ્યું છે તે માયારૂપી નરક જાણવું, ને જન્મમરણ તે ચોરાશી જાણવી. એટલે શ્રીજીમહારાજની મનુષ્યરૂપ મૂર્તિને અથવા પ્રતિમાને માયિક જાણીને ચિંતવન કરનારા તે માયા થકી અને જન્મમરણ થકી મુકાય નહિ એમ કહ્યું છે. ।।૪૯।। (૧૮૨)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫૦
સંવત ૧૮૮૦ના ચૈત્ર વદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરી ઉપર રાત્રિને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, ને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે ને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઈ જાય છે, તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ તેને વિષે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે, અને તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ તેને વિષે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે. (૧) અને ઉપરથી તો અમે અતિશે ત્યાગનો ફૂંફાડો જણાવતા નથી પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈક જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થાતો નથી, અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. (૨) અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી અને કર્મ પણ નાશ કરી શક્યાં નથી અને માયા પણ પોતાને વિષે લીન કરી શકી નથી ને હવે તો ભગવાન મળ્યા છે માટે કાળ-કર્મ-માયાનો શો ભાર છે ? (૩) એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિષે પ્રીતિ રાખવી નથી, અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી, શા માટે જે જેને અમારા જેવો અંતરનો દૃઢાવ હોય તે સાથે જ અમારે બને છે અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તોપણ થાય નહિ, માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે, એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું, એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૫૦।। (૧૮૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સર્વથી પર એકરસ પરિપૂર્ણ એવું જે અમારા તેજરૂપ અક્ષરબ્રહ્મ તેને વિષે તમારા આત્માને લીન કરીને તેમાં અમે તથા અમારા મુક્ત સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છીએ તેમાં અખંડ પ્રીતિ જોડી રાખો. (૧) અને મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ તેને વિષે પણ જગતની કોરનો લોચો જણાય છે. (૨) અને જીવને અમારી પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે પણ કાળ-કર્મ નાશ કરી શક્યાં નથી, ને માયા લીન કરી શકી નથી તો હવે તો અમે મળ્યા છીએ માટે કાળ-કર્મ-માયાનો ભાર રાખવો નહીં. (૩) અને જગતસુખની વાસનાવાળા સાથે અમારે હેત થાતું નથી, ને નિર્વાસનિક ભક્ત વહાલા છે. (૪) બાબતો છે.
૧ પ્ર. નદી, સતી ને શૂરાના દૃષ્ટાંતમાં કોઈ અધિક-ન્યૂન હશે કે સરખાં હશે ? અને શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મમાં આત્માને લીન કરીને અમારે વિષે ને મુક્તને વિષે પ્રીતિ જોડી રાખવી એમ કહ્યું તે આત્માને કેવી રીતે લીન કરવો ? અને શ્રીજીમહારાજ તો ભગવાન છે તેમણે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે એમ કેમ કહ્યું હશે ?
૧ ઉ. એ દૃષ્ટાંતમાં અધિક-ન્યૂન નથી; એ તો જેમ નદીને સમુદ્રમાં મળવાનો વેગ છે તો મોટા મોટા પર્વતોને તોડીને પણ સમુદ્રમાં જાય છે, અને સતીને પતિમાં પ્રીતિ છે તો દેહસંબંધી વૈભવનો ને સર્વ સુખનો ત્યાગ કરીને ને બળવાની બીક તજીને પણ અગ્નિમાં બળી મરે છે, અને શૂરો પોતાનાં સ્ત્રી-છોકરાંમાંથી તથા સુખમાંથી તથા દેહમાંથી સ્નેહ તોડીને કોઈનો રોક્યો ન રોકાતાં રણમાં ટુક ટુક થઈ જાય છે, તે એમને જેવો વેગ છે તેમ તમારે અમારા વિના સર્વમાંથી પ્રીતિ ટાળીને અમારા તેજરૂપ બ્રહ્મને વિષે એકતા કરવી તેણે કરીને એ બ્રહ્મના સાધર્મ્યપણાને પમાય, પછી અમારું દર્શન થાય ત્યારે તે અમારા જેવો જ સાકાર થઈ જાય અને અમારા સાધર્મ્યપણાને પામીને અમારી હજૂર સેવામાં રહે છે એમ શ્રીજીમહારાજે પોતાના ભક્તને શીખવવાને વાસ્તે કહ્યું છે અને જીવ શબ્દે કરીને જીવને, આત્માને તથા પરમાત્માને કહેવાય છે.
૨ પ્ર. પહેલી બાબતમાં સર્વેથી પર એકરસ પરિપૂર્ણ બ્રહ્મસ્વરૂપ કહ્યું તે સર્વેથી એટલે કોનાથી પર સમજવું ?
૨ ઉ. સર્વે શબ્દ વડે કરીને જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ એ આદિથી પર સમજવું.
૩ પ્ર. બીજી બાબતમાં મોટા મોટાને વિષે જગતની કોરનો લોચો જણાય છે એમ કહ્યું ને (પ્ર. ૫૮ના બીજા પ્રશ્નમાં) મોટાપુરુષનો રાજીપો થાય તો ગમે તેવા મલિન સંસ્કાર હોય તે પણ નાશ પામે, તથા (મ. ૭ના બીજા પ્રશ્નમાં) મોટા સંતને રાજી કરે તો સર્વે વિકાર ટળી જાય, તથા (પ્ર. ૫૯ના ચોથા પ્રશ્નમાં) મોટાપુરુષને પ્રતાપે ભૂંડા દેશાદિક પણ સારા થઈ જાય એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું ? અને અમારે જગતની કોરનો ઘાટ થાતો નથી એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૩ ઉ. આ ઠેકાણે માયાનું બળ બતાવીને મોટાને મિષે કરીને સાધનિકને ઉપદેશ કર્યો છે, પણ મોટા સિદ્ધદશાવાળા મુક્તોની દૃષ્ટિમાં માયા છે જ નહિ તો જગતની કોરનો ઘાટ તો હોય જ ક્યાંથી ? તે તો સદાય શ્રીજીમહારાજની મૂર્તિમાં જ નિમગ્ન રહેલા છે, અને એમની કૃપાથી મહાઅધમ જીવ પણ મુક્ત થઈ જાય એવા સમર્થ છે. અને અમારા અંતરને વિષે ઘાટ નથી એમ કહ્યું છે તે પણ પોતાને મિષે કરીને પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે સિદ્ધમુક્તો તેને વિષે કોઈ જાતનો ઘાટ નથી, એમ કહ્યું છે, અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી, એમ કહ્યું છે. તે પણ પોતાને મિષે કરીને પોતાના મુક્તને પાડવાને કોઈ સમર્થ નથી, એમ કહ્યું છે કેમ જે શ્રીજીમહારાજ તો પોતે જ ભગવાન છે, માટે એમને પાડવા કોઈ સમર્થ હોય જ નહિ; એ તો સર્વોપરી, સર્વ નિયંતા, સર્વ કર્તા પરમેશ્વર છે.
૪ પ્ર. ત્રીજી બાબતમાં કાળ-કર્મ જીવનો નાશ કરી શક્યાં નથી અને માયા લીન કરી શકી નથી એમ કહ્યું તે નાશ ને લીન તે કેવી રીતે સમજવું ?
૪ ઉ. જીવ ચૈતન્ય વસ્તુ છે તેને કાળ-કર્મ મળીને નાશ એટલે જડવત્ કરી શક્યાં નથી, અને માયા પોતામાંથી નીકળીને જુદો ન પડી શકે એવી રીતે લીન કરી શકી નથી. ।।૫૦।। (૧૮૩)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫૧
સંવત ૧૮૮૦ના ચૈત્ર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, (૧) કોઈક સમામાં તો જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે અતિશે સુખ થાય છે અને કોઈક સમામાં તો સુષુપ્તિમાં જાય છે તોપણ ઉદ્વેગ મટતો નથી તેનું શું કારણ છે ? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા તેમણે એ પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે, માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખિયો રહે નહિ ને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) આત્મસત્તા રૂપે રહે તેનાં શાં લક્ષણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શિવ-બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહિ; એ તો નારદ જેવાના પણ ગુરુ છે અને એ જેવા બ્રહ્મસ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે તોપણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા ને દેવતા એ આઠે જો ભૂંડાં થયાં તો તેને યોગે કરીને એ શિવ-બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશે દુઃખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય, માટે મોટાપુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી, માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે તેમણે ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું અને જો તે થકી ઓછું વર્તે તોપણ સુખ ન થાય અને જો તે થકી અધકું વર્તે તોપણ સુખ ન થાય શા માટે જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય ને સુખે પળે એવું હોય ને તેથી ઓછું-અધકું કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય, માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિષે રહ્યો છે અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે, માટે સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૫૧।। (૧૮૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં ગુણનો સંગ ટાળીને આત્મા રૂપે થાય ત્યારે જ સુખી થાય. (૧) બીજામાં અમારી બાંધેલી મર્યાદા પાળે તે આત્મસત્તા રૂપે વર્તે છે ને ન પાળે તે ભૂંડા દેશકાળમાં રહ્યો છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં ગુણનો સંગ હોય ત્યાં સુધી કોઈ સુખી રહે નહિ એમ કહ્યું અને (લો. ૧૦ના ૭/૯ સાતમા પ્રશ્નમાં) માયાના સત્ત્વગુણને સુખરૂપ કહ્યો છે તે કેમ સમજવું ?
૧ ઉ. આમાં રજોગુણને દુઃખદાયી કહ્યો છે પણ સત્ત્વગુણને દુઃખદાયી કહ્યો નથી, માટે વિરોધ નથી, પણ યથાર્થ સુખિયો તો જ્યારે નિર્ગુણ સત્તારૂપ થાય ત્યારે જ થાય.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં શિવ-બ્રહ્માને સમર્થ ને નારદજીના ગુરુ કહ્યા અને બ્રહ્મ સ્વરૂપે વર્તે છે એમ કહ્યું અને વળી ભૂંડા દેશાદિક નડ્યા, એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. ઇન્દ્ર તથા પ્રજાપતિ આદિકથી શિવ-બ્રહ્માનું ઐશ્વર્ય અધિક છે માટે તેથી સમર્થ કહ્યા છે, અને બ્રહ્મા નારદજીના પિતા હતા ને તે શિવ થકી વર પામ્યા હતા તેથી ગુરુ કહ્યા છે, અને તે સગુણ છે ને ઉપાસના પણ વૈરાજની છે તે પણ સગુણ છે અને એમના જેવું બીજાથી બ્રહ્મ રૂપે ન વર્તાય એમ કહ્યું છે, તે બીજા એટલે ઋષિ તથા પ્રજાપતિથી એમના જેવું વર્તી શકાય નહિ, એમ કહ્યું છે. અને શુકજીના જેવી સ્થિતિ એમની નહોતી તેથી ભૂંડા દેશાદિક નડ્યા છે તે જ્યારે પરબ્રહ્મની ઉપાસના થાય ને પોતે બ્રહ્મરૂપ થાય ને પોતાના ચૈતન્યને વિષે પરબ્રહ્મની મૂર્તિને સાક્ષાત્ દેખે ત્યારે ભૂંડા દેશાદિક નડી શકે નહિ તે (પ્ર. ૨૩/૧માં ) કહ્યું છે. ।।૫૧।। (૧૮૪)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫૨
સંવત ૧૮૮૦ના ચૈત્ર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં વેદિકા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિષે ફૂલનો તોરો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને પોતાની આગળ મુનિમંડળ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાવતા હતા તે જ્યારે કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) લ્યો હવે વાર્તા કરીએ તે સાંભળો જે, આ સંસારને વિષે ગૃહસ્થાશ્રમી ને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે તે જે ગૃહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય ને જે ત્યાગીને શોભા હોય તે ગૃહસ્થને દૂષણરૂપ હોય તેને બુદ્ધિમાન હોય તે જાણે પણ બીજો જાણી શકે નહિ, માટે તેની વિક્તિ કહીએ છીએ જે, જે ગૃહસ્થાશ્રમી છે તેને ધન, દોલત, હાથી, ઘોડા, ગાય, ભેંસ, મેડી, હવેલી, સ્ત્રી, છોકરાં ભારે ભારે વસ્ત્ર-આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે અને એ જ જે સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે. અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડું એક કૌપીનભર રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢી-મૂછ મૂંડાવી નખાવવી, ભગવાં વસ્ત્ર રાખવાં, અને કોઈ ગાળ્યું દે, ને કોઈ ધૂળ નાખે, તે અપમાનને સહન કરવું એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને એ ત્યાગીની જે શોભા તે ગૃહસ્થને પરમ દોષરૂપ છે. માટે આ સંસારમાંથી જે નીસર્યો ને ત્યાગી થયો તેને તો એમ વિચારવું જે હું કિયા આશ્રમમાં રહ્યો છું. એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરવો પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ ચાળે ચડી જાવું નહીં. (૧) અને જે સમજુ હોય તેને કોઈક વઢીને કહે ત્યારે સામો ગુણ લે, અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મૂંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી તો એમની સાથે અમારે ઘણું બને છે. (૨) અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા-ચાકરી કરે તે અમને ગમે અને શ્રદ્ધા વિના તો કોઈ જમ્યાનું લાવે તો તે જમ્યાનું ગમે નહિ ને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહિ અને પૂજા લાવે તો પૂજા ગમે નહિ અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશે ગમે અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતા હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે તેની ઉપર ઈર્ષ્યા કરે તો તે અમને ન ગમે માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશે ગમે છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૫૨।। (૧૮૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ગૃહસ્થની શોભા ત્યાગીને દોષરૂપ કહી છે ને ત્યાગીની શોભા ગૃહસ્થને દોષરૂપ કહી છે. (૧) અને હિતની વાત વઢીને કહે ત્યારે સમજુ ગુણ લે ને મૂર્ખ મૂંઝાય. (૨) અને શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત અમારી ભક્તિ કરવી એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં મૂર્ખની પેઠે વિચાર કર્યા વિના કોઈ ચાળે ચડી જાવું નહિ એમ કહ્યું તે કેવી રીતે વર્તે તો ચાળે ન ચડ્યા કહેવાય ? અને કેવી રીતે વર્તે તો ચાળે ચડ્યા કહેવાય ?
૧ ઉ. શ્રીજીમહારાજે ત્યાગીને વનમાં એટલે સ્ત્રીઓના પ્રવેશે રહિત સ્થળ તે વન કહેવાય માટે તેવાં મંદિરોમાં રહેવાની આજ્ઞા કરી છે. તેમાં રહેવું તે વન જાણવું. ને ધર્મામૃતમાં કહ્યાં જે અગિયાર વસ્ત્ર તેથી વિશેષ ન રાખવાં તે વસ્ત્ર વિના રહ્યા સમજવું. અને કૌપીન હંમેશાં પહેરવી તે કૌપીનભર રહ્યા સમજવું. ને ટોપી ઘાલવી ને દાઢીમૂછ ન રાખવાં ને અગિયારમાં એકે વસ્ત્ર ધોળું ન રાખવું ને માન-અપમાન સહન કરવું, આ પ્રમાણે વર્તે તો ચાળે ચડ્યા ન કહેવાય. અને એમાં ફેર પડે તો ચાળે ચડ્યા જાણવું, અને ત્યાગી દ્રવ્ય રાખે, રખાવે કે પોતા થકી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ રાખી હોય તે મૂર્તિને જરિયાની વસ્ત્ર કે સાચાં-ખોટાં ઘરેણાં રાખે તો અધિક ચાળે ચડ્યા જાણવું.
૨ પ્ર. હાલમાં નોટો ચાલે છે તેને સાધુ-બ્રહ્મચારીથી અડાય કે નહીં ?
૨ ઉ. જેવા પૈસા છે તેવી જ નોટ છે, માટે પૈસાને જેમ ન અડાય તેમ નોટને પણ ન અડાય ને રખાય-રખાવાય પણ નહીં. ।।૫૨।। (૧૮૫)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫૩
સંવત ૧૮૮૦ના વૈશાખ સુદિ ૫ પંચમીને દિવસ શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહિ માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. (૧) અને વળી જીવમાત્રને પોતાના ડહાપણનું અતિશે માન હોય પણ એમ વિચારે નહિ જે મુને મારા જીવની ખબર નથી જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એની કાંઈ ખબર નથી, તોપણ મોટાપુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ કાઢે અને એમ સમજે જે આ મોટાપુરુષ છે અથવા ભગવાન છે, પણ આટલું ઠીક કરતા નથી એમ ખોટ કાઢે છે, પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે. અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે, ને લક્ષ્મીના પતિ છે, અને અનંતકોટિ બ્રહ્માંડના કર્તા-હર્તા છે, અને શેષ, શારદા ને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને નેતિ નેતિ કહે છે, માટે એવા જે પરમેશ્વર તેનાં ચરિત્રને વિષે ને તે ભગવાનની જે સમજણ તેને વિષે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો, અને સર્વ મૂર્ખનો રાજા જાણવો, અને ભગવાન ને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે ? માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે. અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દૃષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૫૩।। (૧૮૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જેને પોતાના અવગુણ ન સૂઝે તે મોહનું રૂપ કહ્યું છે. (૧) અને મૂર્ખ જીવને પોતાની ખબર ન હોય જે હું કેવો છું તોપણ મોટાપુરુષને વિષે તથા અમારે વિષે ખોટ કાઢે, પણ અમે સર્વેના અંતર્યામી ને સર્વેના આધાર ને સર્વેના કર્તા છીએ એવો અમારો મહિમા સમજે નહિ ને અમારા ને અમારા ભક્તનાં ચરિત્રમાં દોષ દેખે છે તેણે કરીને વિમુખ થઈ જાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજી બાબતમાં જીવ કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એમ કહ્યું તે કાળો, ગોરો, લાંબો, ટૂંકો કેવી રીતે જાણવો ?
૧ ઉ. માયિક વિષયમાં રાગ હોય ત્યાં સુધી કાળો કહેવાય અને માયિક વિષયમાંથી રાગ ટળી જાય, પણ ઐશ્વર્યમાં રાગ હોય ત્યાં સુધી ગોરો કહેવાય. અને એ બેય પ્રકારની વાસના ટાળીને શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરીને શ્રીજીમહારાજની મૂર્તિને ધારતાં ધારતાં પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ દેખે તે લાંબો કહેવાય. અને શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામીને સાકાર દિવ્ય મૂર્તિમાન થઈને શ્રીજીમહારાજની હજૂરમાં રહે અથવા શ્રીજીમહારાજના તદાકારપણાને પામીને મૂર્તિમાં રહ્યો થકો મૂર્તિના સુખને ભોગવે, તે ટૂંકો કહેવાય. ।।૫૩।। (૧૮૬)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫૪
સંવત ૧૮૮૦ના જ્યેષ્ઠ સુદિ ૭ સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ત્યાં ઘણી વાર સુધી તો ઘોડી ફેરવી, પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિષે મોગરાનાં પુષ્પનો હાર વિરાજમાન હતો ને પાઘને વિષે તોરો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે, અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ ને દાનાદિક એણે કરીને હું તેવો વશ થાતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું, એમ ભગવાને કહ્યું છે, માટે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો તે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષનાં કેવાં લક્ષણ હોય ? પછી જેને જેવું સમજાણું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે પછી તે છોકરો તેને ગાળો દે, મૂછો તાણે તોપણ અભાવ આવે નહિ અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તોપણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહિ; શા માટે જે એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. એ વાર્તા ભાગવતમાં કહી છે જે :
यस्यात्मबुद्धि: कुणपे त्रिधातुके स्वधी: कलत्रादिषु भौम ईज्यधी: ।
यतीर्थबुद्धि: सलिल न कहिचिज्जनेष्वभिज्ञेषु स एव गोखर: ।।
એ શ્લોકને વિષે એ વાર્તા યથાર્થ કહી છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫૪।। (૧૮૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તથા સ્ત્રીપુત્રાદિકને વિષે પોતાપણાની બુદ્ધિ છે અને દેવની જે મૂર્તિઓ તેને વિષે જેવી પૂજ્યબુદ્ધિ છે, કહેતાં દેવને ચંદન-પુષ્પ, ધૂપ-દીપ, આરતી-થાળ અનેક પ્રકારની પૂજા-સેવા કરવામાં કોઈ પ્રકારે સંશય થતો નથી તેવી જ ‘અભિજ્ઞજન’ કહેતાં ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારવાળા સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ તથા પોતાપણાની બુદ્ધિ તથા દેવતાબુદ્ધિ હોય; અને તીર્થના જળને વિષે જેમ પવિત્ર કરવાપણાની બુદ્ધિ છે તેવી જ સત્પુરુષના પ્રસાદી જળને વિષે પવિત્ર કરવાપણાની બુદ્ધિ છે તેણે સર્વ સાધનથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે અને એવી રીતે સત્પુરુષને વિષે બુદ્ધિ નથી તે ‘ગો’ કહેતાં બળદ અને ‘ખર’ કહેતાં ગર્દભ તુલ્ય છે. (૧) બાબત છે.
૧ પ્ર. સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ અને પોતાપણાની બુદ્ધિ અને પૂજ્યબુદ્ધિ અને તીર્થબુદ્ધિ કરવાનું કહ્યું તે કેવી રીતે કરવાં ?
૧ ઉ. વાત, પિત્ત ને કફે યુક્ત એવા દેહને ખાનપાનાદિક હરકોઈ પ્રકારે કરીને જેમ સુખ ઊપજે તેમ કરે છે તેવી રીતે સત્પુરુષને સુખ ઊપજે એવી શુશ્રૂષા કરે, ને તેમને દુઃખે દુઃખી ને તેમને સુખે સુખી થાય તે સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ કહેવાય. અને સ્ત્રી-પુત્રને અન્નવસ્ત્ર, ઘરેણાં, ખાનપાન, વૈભવ આદિકે કરીને સુખી રાખે છે, ને તેમને અર્થે દેશ-પરદેશ જઈને, દુઃખને ન ગણીને તેમને અર્થે પૈસા પેદા કરી લાવે છે ને તેમના ઉપયોગમાં વાપરે છે તેમ જ સત્પુરુષને અર્થે વાપરે તે સત્પુરુષને વિષે પોતાપણું કહેવાય. અને જેમ ધાતુ, કાષ્ઠ, પાષાણાદિકની મૂર્તિઓને થાળ જમાડવા, પોઢાડવા, જગાડવા, ધૂપદીપ, આરતી, દંડવત, પ્રદક્ષિણા થાય છે એવી પૂજ્યબુદ્ધિ ને દેવતાબુદ્ધિ છે તેવી પૂજ્યબુદ્ધિ ને દેવતાબુદ્ધિ સત્પુરુષને વિષે થાય. અને તીર્થ જે ગંગા, યમુના, સાભ્રમતિ, ઉન્મત્તગંગા આદિકના જળને વિષે ન્હાવે તથા પીવે કરીને પવિત્ર થવાપણાની બુદ્ધિ છે તેવી જ સત્પુરુષના ચરણોદકનું પાન કરવે કરીને પવિત્ર થવાય તેવી બુદ્ધિ થાય તેણે સર્વ સાધનથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે અને એમ ન થાય તો તે બળદ ને ગધેડા જેવો છે. ।।૫૪।। (૧૮૭)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫૫
સંવત ૧૮૮૦ના જ્યેષ્ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર નવાનગરનું સોનેરી કોરે યુક્ત શ્વેત મોળિયું બાંધ્યું હતું અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને તે સભાને વિષે મુનિ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાવતા હતા. પછી તે મુનિ કીર્તનભક્તિ કરી રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું, તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો, તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તેવી વાર્તા કહીએ છીએ તે સાંભળો જે, જ્યારે અમારે બાળઅવસ્થા હતી ત્યારે પણ દેવમંદિર હોય ત્યાં દર્શને જાવું, કથા-વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જાવું, એવી વાર્તા ગમતી અને જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહિ, અને વનમાં જ રહેવું ગમતું અને બીક તો લેશમાત્ર લાગતી જ નહિ, અને વનને વિષે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિક અનંત જનાવર દીઠામાં આવ્યાં, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહિ, એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિષે ફરતાં ફરતાં શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા. અને પછી શ્રી રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થાવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી, પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે જેમ મનુષ્યને મૂઆ ટાણે પથારી ઉપર સુવાર્યું હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે, તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થમાત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છના સરખું જણાયા કરે છે, પણ એમ વિક્તિ નથી જણાતી જે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે; જેટલા માયિક પદાર્થ છે તે તો એકસરખા જણાય છે. જેમ કાખના મુવાળા છે તેમાં સારો કિયો ને નરસો કિયો ? તે તો સારો-નરસો સૌ એકપાડમાં છે તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે. અને કાંઈક સારું-નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ જે આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારાં પુષ્પ છે, તે ભક્તને સારું લાગે તે સારુ કહીએ છીએ અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકે ક્રિયા નથી. (૧) અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરે અને વાણી તે ભગવાનના યશને જ ગાય અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા-પરિચર્યાને જ કરે અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે, એમ ભગવાનની ભક્તિ જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય અને તે રાજા સાઠ-સિત્તેર વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય તેમ અમારે પણ ખાતાં, પીતાં, ઘોડે ચડતાં, રાજી-કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે. (૨) અને અંતરમાં એમ વિચાર રહે છે જે આપણ તો દેહ થકી પૃથક્ આત્મા છીએ પણ દેહ જેવા નથી અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે આત્માને વિષે રખે રજોગુણ, તમોગુણ આદિક કોઈક માયાનો ભેગ ભળી જાય નહિ તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએે. જેમ સાડા સોળવલું કંચન હોય ને તેને સોનીની પેઢીએ લઈ જાય અને જો ધણીની લગારેક નજર ચૂકે તો સોની સોનું કાઢી લઈને તેમાં ત્રાંબું ભેળી દે તેમ આ હૃદયરૂપી તો સોનીની પેઢી છે અને તેમાં માયારૂપી સોની છે તે પોતે બેઠો થકો સંકલ્પરૂપી જે હથોડો તેના અખંડ ટચ ટચ ટચકા મારતો રહે છે અને જેમ સોનીનાં છોકરાં, સ્ત્રી, હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કાંઈક સોનું ચોરી જાય, તેમ ઇન્દ્રિયો-અંતઃકરણ એ સર્વે માયારૂપી જે સોની તેનાં છોકરાં-સ્ત્રી છે તે કંચનરૂપ જે ચૈતન્ય તેને વિષે ત્રણ ગુણ તથા પંચવિષયમાં આસક્તિ તથા દેહાભિમાન તથા કામ, ક્રોધ, લોભાદિકરૂપ જે ત્રાંબું તેને ભેળીને જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે, અને જે સોનામાંથી સોનું કાઢીને ત્રાંબું ભેળવે તો તે સોનું બારવલું થઈ જાય છે અને પછી તે સોનાને તાવી તાવીને પાછું સોળવલું કરે તો થાય છે, તેમ આ જીવને વિષે રજ, તમ આદિક જે ત્રાંબું ભળ્યું છે તેને ગાળીને કાઢી નાખવું ને પછી કંચનરૂપ જે એક આત્મા તે જ રહે પણ બીજો માયિક ભેગ કાંઈ રહે નહિ એવી રીતના વિચારમાં અમે રાત-દિવસ મંડ્યા છીએ એ અમે અમારું અંગ છે તે કહ્યું; હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો. પછી સંતમંડળે એમ કહ્યું જે, હે મહારાજ ! તમારે વિષે તો માયિક ગુણનો ભેગ હોય જ નહિ; તમે તો કૈવલ્ય મૂર્તિ છો, પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની છે અને તમે કહ્યો જે વિચાર તે અમારે સર્વેને રાખ્યા જોઈએ. પછી શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારાને વિષે પધાર્યા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૫૫।। (૧૮૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પોતાના ઉદ્દેશે કરીને દેવદર્શન, કથા-વાર્તા, સાધુસમાગમ, તીર્થ, ત્યાગ-વૈરાગ્યની રુચિ રાખવી એમ પોતાના આશ્રિતોને શીખવ્યું છે. (૧) અને પોતાના એકાંતિક ભક્તનાં લક્ષણ કહ્યાં છે. (૨) અને પોતાના ભક્તને આત્મવિચાર કરવાનું કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી એમ શ્રીજીમહારાજે કહ્યું તે બીક શી રાખી હશે ?
૧ ઉ. સત્સંગનું રૂડું એટલે આત્યંતિક મોક્ષ કરવા સારુ મનુષ્ય રૂપે દર્શન આપવાં પણ અદૃશ્ય ન થવું એવો સંકલ્પ કર્યો, માટે બીક રાખવા માંડી એટલે સત્સંગમાં મનુષ્ય રૂપે દેખાવું એવો સંકલ્પ કર્યો એમ જાણવું. ।।૫૫।। (૧૮૮)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫૬
સંવત ૧૮૮૧ના અષાઢ સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને સાધુ દુકડ-સરોદા લેઈને કીર્તન બોલતા હતા.
૧ તે કીર્તનભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, (૧) આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો જીવ વિચારમાં જાતો રહ્યો, પછી તેમાં એમ જણાણું જે ભગવાનને વિષે જે અતિશે પ્રીતિ એ ઘણી મોટી વાત છે, પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિષે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભરી આવ્યા, અને એ સર્વેનાં અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિષે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યાં પછી અમે અમારા જીવને પણ તપાસીને જોયો, ત્યારે અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહિ શા માટે જે કોઈક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે, તોપણ કાંઈક એમની બુદ્ધિને વિષે ફેર પડી જાય છે ત્યારે એમ જણાય જે અંતે પાયો કાચો દેખાય છે, તે સારી પેઠે જો કોઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. (૧) માટે એ સર્વેને જોતાં અમને અમારી કોરનું ઠીક ભાસે છે જે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહિ, અને ભગવાનને વિષે પ્રીતિ તો તેની જ સાચી જે જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ જ ન થાય, અને સર્વે સદ્ગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે, ને પરમ સાર વસ્તુ છે, ને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે તે અતિશે તુચ્છ છે અને અતિ અસાર છે, અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો ઘણો જ પાયો કાચો છે, જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સૂકવીએ ત્યારે સૂધું નકારું થઈ જાય, ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે. તેમ જેને પંચવિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારુ પંચવિષયનો અતિશે ત્યાગ કર્યો જોઈએ, પણ ભગવાનને વિષે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહીં. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૫૬।। (૧૮૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પ્રીતિને વખાણી છે અને અનાદિમુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી આદિક સિદ્ધ મુક્તને મિષે કરીને સાધનિકને પ્રીતિમાં ભૂંડા દેશકાળાદિકે કરીને ફેર પડી જાય અને પોતાને મિષે કરીને પોતાના સિદ્ધ મુક્તોને પોતાના વિષે પ્રીતિ છે, તેમાં ભૂંડા દેશકાળાદિકને યોગે પણ ફેર પડતો નથી, એમ કહ્યું છે. (૧) અને અમે પરમ સુખદાયી છીએ ને અમારા વિના બીજા પદાર્થો અતિશે તુચ્છ ને અસાર છે, માટે અમારા ભક્તોએ પંચવિષયનો ત્યાગ કરવો. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં અમારો જીવ વિચારમાં જતો રહ્યો એમ કહ્યું તે જીવ તો માયાબદ્ધ છે, ને શ્રીજીમહારાજ તો સર્વ જીવ, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર અને મુક્ત એ સર્વેથી પર સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમનારાયણ છે, તેમણે પોતાને જીવ શબ્દે કરીને કેમ કહ્યા હશે ?
૧ ઉ. જિવાડે તે જીવ કહેવાય, માટે જીવ દેહને ચલાવે-હલાવે છે ને દેહનો પ્રકાશનારો છે એમ દેહને જિવાડે છે તેથી તેને જીવ કહેવાય છે, તે (લો. ૧૭ના ૩/૫ ત્રીજા પ્રશ્નમાં) અંતઃકરણ-ઇન્દ્રિયોનો પ્રકાશક ને જેણે કરીને દેહ ચાલે-હાલે છે એમ કહ્યું છે, માટે તે જીવ કહેવાય છે. તેમ જ મૂળપુરુષ, બ્રહ્મ, અક્ષર તે પણ પોતપોતાના કાર્યમાં પ્રવેશ કરીને તેને સચેતન કરે છે, ને હલાવે-ચલાવે છે; ને પ્રકાશ કરે છે ને ધારણ કરે છે, માટે તેમની પણ જીવ સંજ્ઞા કહેવાય, તે (લો. ૭ના ૨/૪ બીજા પ્રશ્નમાં)
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ।।
‘જીવભૂતાં’ કહેતાં અક્ષરરૂપી ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષર જેણે કરીને આ જગત ધારણ કરાય છે ત્યાં અક્ષરને જીવ શબ્દેથી કહેલ છે. અને જીવકોટિ, માયાકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ ને મુક્તકોટિ એ સર્વના પ્રકાશક ને ધારણ કરનારા ને સચતેન કરનારા શ્રીજીમહારાજ છે, માટે સર્વને જિવાડનારા શ્રીજીમહારાજ પોતે જ છે, તેથી અમારો જીવ એમ પોતાને જીવ શબ્દેથી કહ્યા છે.
૨ પ્ર. પહેલી બાબતમાં ગોપાળાનંદ સ્વામીની પ્રીતિ કરતાં શ્રીજીમહારાજે પોતાની પ્રીતિને વખાણી તે શ્રીજીમહારાજ તો પોતે ભગવાન છે, તેમને કોની સાથે પ્રીતિ કરવાની હશે તે પોતાની પ્રીતિ વખાણી હશે ?
૨ ઉ. શ્રીજીમહારાજ તો પોતે સાક્ષાત્ ભગવાન પુરુષોત્તમનારાયણ છે, પણ પોતાને મિષે કરીને પોતાના સિદ્ધ મુક્તની પ્રીતિને અધિક કહી છે, અને અનાદિ મુક્તરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને મિષે કરીને પોતાના સાધનદશાવાળા ભક્તોની પ્રીતિ કહી છે, પણ ગોપાળાનંદ સ્વામીને પ્રીતિ ઓછી છે એમ કહ્યું નથી; ગોપાળાનંદ સ્વામીને તો (છે. ૨૧/૬માં) ધામમાં સન્મુખ રહેલા પરમ એકાંતિકમુક્તોથી અધિક એટલે મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત કહ્યા છે, અને જો ગોપાળાનંદ સ્વામીને સાધનિક કહ્યા હોય તો શ્રીજીમહારાજે અમારે ભગવાનને વિષે પ્રીતિ છે એમ કહ્યું છે, ત્યારે તો શ્રીજીમહારાજ પણ મુક્ત ઠર્યા, ને ભગવાન કોઈક બીજા ઠર્યા માટે એમ નથી; એ તો શ્રીજીમહારાજે પોતાને મિષે કરીને સિદ્ધમુક્તની પ્રીતિ કહી છે, અને ગોપાળાનંદ સ્વામીને મિષે કરીને સાધનદશામાં ઉત્તમ ભક્તોની પ્રીતિ કહી છે. ।।૫૬।। (૧૮૯)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫૭
સંવત ૧૮૮૧ના અષાઢ સુદિ ૬ છઠ્ઠને દિવસ સંધ્યા-આરતીને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત પાઘ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી અને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો અને મુનિમંડળ દુકડ-સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સાંભળો એક વાર્તા કરીએ જે, જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતાં જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તા રૂપે રહીને જ કરવી ને તે સત્તારૂપ આત્મા કેવો છે તો જેને વિષે માયા ને માયાનાં કાર્ય જે ત્રણ ગુણ ને દેહ-ઇન્દ્રિયો-અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી અને કાંઈક જે આત્માને વિષે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને વૃથા ભ્રાંતિ જણાય છે, પણ જેણે જ્ઞાન-વૈરાગ્યે કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો છે તેને તો એ આત્માને વિષે કોઈ જાતનું આવરણ નથી અને એ આત્મા રૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થાવું તેને અર્થે નથી; એ તો પોતાને આત્મા રૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે હું આત્મા છું તે મારે વિષે કોઈ જાતનું માયાનું આવરણ નથી, તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય ? એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારુ આત્મનિષ્ઠા દૃઢ કરીને રાખવી અને એ આત્માના પ્રકાશને વિષે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેસવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેનો નાશ કરે છે, તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો જે વિચાર તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. (૧) અને વળી જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય તેને પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશે ત્યાગ કરે તે ત્યાગ ખરો છે અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય, અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે અને એમ કાંઈ જાણવું નહિ જે સારું પદાર્થ હોય તે જ ભગવાનના ભજનમાં આડ્ય કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે; એ તો જીવનો એવો સ્વભાવ છે જે જેમ કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે, તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વહાલું કરી રાખે છે. (૨) અને જ્યારે ભગવાનની મોટ્યપ સામું જોઈએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહિ જે તેની કોટિમા ભાગના પાસંગમાં પણ આવે એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ-બ્રહ્માંડાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહિ; માયિક પદાર્થ સર્વે તુચ્છ જ થઈ જાય. અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાણો ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય હતું તે રાજ્યનો પણ ત્યાગ કર્યો. ને તે એમ સમજ્યા જે એ ભગવાનના સુખ આગળ એ સો લાખ સ્ત્રીઓનું સુખ તે શી ગણતીમાં ? અને ચક્રવર્તી રાજ્યનું સુખ પણ શી ગણતીમાં ? અને તેથી ઇન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ શી ગણતીમાં ? અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિષે પ્રીતિ કરે છે તે તો અતિશે તુચ્છ બુદ્ધિવાળા છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જાઈને કરડે ને તેમાં સુખ માને છે તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિષે સુખને માનીને તુચ્છ પદાર્થને વિષે પ્રીતિ કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય તે તો કેવળ મીનડિયો ભક્ત છે, અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં. (૩) અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને ધર્મ તેણે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, જે શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીએ નહિ તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો ને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાપર્યામાં કામ ન આવ્યું તે વૃથા છે. તેમ મુંને ભગવાન મળ્યા છે તે જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડી ઘણી ઉપાધિ રહે તોપણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં. (૪) એમ કહીને શ્રીજીમહારાજે તુળસીદાસનાં ત્રણ પદ ગવરાવ્યાં. તે ત્રણ પદનાં નામ એક તો “જ્યા કી લગન રામ સો નાહીં” તથા બીજું “એહિ કહ્યો સુનુ વેદ ચહું” તથા ત્રીજું “જ્યા કું પ્રિય ન રામ વૈદેહી” એ ત્રણ પદ ગવરાવીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. તે કરતાં કરતાં જો કાંઈક અધૂરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તોપણ મરીને નરક ચોરાશીમાં જાવું નથી કે કોઈ ભૂત-પ્રેત થાવું નથી; સૂધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તોપણ ઇન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે પણ એથી ઊતરતો તો નહિ આવે, માટે નિર્ભે રહીને ભગવાનનું ભજન કરવું. એમ કહીને શ્રીજીમહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા તે ભેળે જમવા પધાર્યા. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૫૭।। (૧૯૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સત્તારૂપ એવો જે આત્મા તેને માયાનું આવરણ નથી તો પરમાત્મા નારાયણ વાસુદેવ જે અમે તે અમારે વિષે તો કોઈ જાતનું આવરણ હોય જ કેમ ? એવો અમારો મહિમા જાણીને અમારે વિષે પ્રીતિ કરવી. (૧) અને જે પદાર્થ અમારાથી અધિક જણાય અને અમારા ભજનમાં આડું આવે તેનો ત્યાગ કરવો. (૨) અને અમારા કરતાં બીજું પદાર્થ વહાલું રાખે તે મીનડિયો ભક્ત છે. (૩) અને અમારા સ્વરૂપનું જ્ઞાન કહેવામાં ઉપાધિ રહે તોપણ અમારી વાત કરવામાં કાયરપણું રાખવું નહીં. (૪) અને અમારે વિષે પ્રીતિ કરવામાં અધૂરું રહે ને દેહ પડે તોપણ ઇન્દ્ર કે બ્રહ્માના જેવો તો દેહ આવશે જ એમ નિર્ભય રહીને અમારું ભજન કરવું. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં આત્માને સત્તારૂપ કહ્યો તે સત્તારૂપ એટલે કેવો જાણવો ? અને આત્માને વિષે આવરણ નથી એમ કહ્યું અને (કા. ૧૨ના પહેલા પ્રશ્નમાં) કારણ શરીરરૂપ જીવની માયા તે કોઈ રીતે જુદી પડતી નથી એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. જીવને આંબલિયાની છાલની પેઠે માયાનો દૃઢ સંબંધ છે, પણ જીવ ભેળી ભળીને એકરસ થઈ ગઈ નથી એમ સત્તારૂપ કહ્યો છે તે એને શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય ને શ્રીજીમહારાજનું ધ્યાન કરે ને આજ્ઞા પાળે એટલે માયાનું આવરણ નાશ પામે, ને પોતે શ્રીજીમહારાજના તેજરૂપ થાય ત્યારે તે આત્મસત્તારૂપ કહેવાય.
૨ પ્ર. ચોથી બાબતમાં મને ભગવાન મળ્યા છે, માટે હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન શા કામમાં આવ્યું ? એમ કહ્યું તે જ્યારે વાત કરી તે વખતે તો મનુષ્ય રૂપે મળ્યા હતા, પણ આજ કેવી રીતે મળ્યા જાણવા ?
૨ ઉ. જ્યારે શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ને યથાર્થ મહિમા સમજાય ત્યારે એને સદાય ભેળા જ છે અને જો મહિમા યથાર્થ ન જાણ્યો હોય ને મનુષ્ય રૂપે રાત-દિવસ ભેળા રહેતા હોય તોપણ તેને પરોક્ષ જ છે; એ તો જ્યારે શ્રીજીમહારાજનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે જ મળ્યા સમજવા. માટે જ્ઞાને કરીને મળ્યા એ જ મળ્યા કહેવાય કેમ જે જ્ઞાનીને ભગવાન આવતા-જતા નથી; સદાય છે, છે ને છે જ. તે મનુષ્ય રૂપે અથવા પ્રતિમા રૂપે મળે, પણ જ્યારે મનુષ્યરૂપમાંથી મનુષ્યભાવ ટળે અને પ્રતિમાને વિષેથી પ્રતિમાભાવ ટળે ને દિવ્યભાવ સમજાય તો જ મળ્યા કહેવાય. પણ જ્યાં સુધી દિવ્યભાવ ન આવે ત્યાં સુધી મનુષ્ય રૂપે મળે તોપણ યથાર્થ મળ્યા ન કહેવાય અને પ્રતિમા રૂપે મળે તોપણ યથાર્થ મળ્યા ન કહેવાય, માટે જ્યારે દિવ્યભાવે સહિત સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જ મળ્યા કહેવાય.
૩ પ્ર. અમારી વાત કરવામાં ઉપાધિ રહે તોપણ વાત કરવી એમ શ્રીજીમહારાજે કહ્યું તે ઉપાધિ શી સમજવી ?
૩ ઉ. શ્રીજીમહારાજનો મહિમા કહેતાં જેને ઉપાસના પૂરી ન હોય તે ઉપાધિ કરે જે તમે આવી વાતો કરશો નહિ કેમ જે શાસ્ત્રમાં બાધ આવે છે, માટે તમારે ઝાઝો મહિમા કહેવો નહિ એવી રીતે ઉપાધિ કરે તે ઉપાધિને સહન કરીને પણ શ્રીજીમહારાજની ઉપાસનાની વાતો કરવી. ।।૫૭।। (૧૯૦)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫૮
સંવત ૧૮૮૧ના શ્રાવણ સુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા અને શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) જે જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણાક કાળ સુધી શે ઉપાયે કરીને રહે છે ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય, અને બીજો શાસ્ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય, અને ત્રીજી પોતાના ઇષ્ટદેવને વિષે અતિશે દૃઢતા હોય, એ ત્રણને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે. પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે, જે સંપ્રદાયના ઇષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય, અને જન્મ ધરીને તેમણે જે જે ચરિત્ર કર્યાં હોય અને જે જે આચરણ કર્યાં હોય તે આચરણને વિષે ધર્મ પણ સહેજે આવી જાય અને તે ઇષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઇષ્ટદેવનાં જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે, તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે, પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકિ રામાયણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય, અને શ્રીકૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દશમ સ્કંધ અને એકાદશ સ્કંધ એ બે જે ભાગવતના સ્કંધ તેણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય, પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રીકૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દા’ડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે એમ કહીને શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું જે, તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઇષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે પછી એ જે શ્રીજીમહારાજનું વચન તેને મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું અને શ્રીજીમહારાજને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૫૮।। (૧૯૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જે સંપ્રદાયમાં જે ઇષ્ટદેવ હોય તે જે હેતુ માટે પૃથ્વી ઉપર પ્રગટ તથા હોય તેના ચરિત્રના શાસ્ત્રથી જ તેના સંપ્રદાયની પુષ્ટિ થાય છે પણ બીજા ગ્રંથે કરીને થતી નથી માટે અમારા સંપ્રદાયની પુષ્ટિને અર્થે અમારા ચરિત્રનાં શાસ્ત્ર કરવાં એમ મુક્તાનંદ સ્વામી આદિક સંતોને આજ્ઞા કરી છે. (૧) બાબત છે.
૧ પ્ર. શ્રીજીમહારાજને પ્રગટ થવાનો હેતુ શો હશે ?
૧ ઉ. પોતાના એકાંતિક ભક્તને સુખ આપવા તથા તેમના મનોરથ પૂર્ણ કરવા અને તેમને લાડ લડાવવાં એ એક હેતુ. (૧) અને અધર્મી તથા અસુરોથી કષ્ટ પામતાં એવાં ભક્તિ-ધર્મ તેમનું રક્ષણ કરવું અને તેમની પૃથ્વીને વિષે પ્રવૃત્તિ કરવી તે બીજો હેતુ. (૨) અને પોતાનું સર્વોપરી જ્ઞાન તથા સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવી અને જીવોને પોતાના મુક્ત ભેળા ભેળવવા એ ત્રીજો હેતુ. (૩) અને પોતાના અવતારોને તથા અવતારોના ભક્તોને પૃથ્વીને વિષે મનુષ્યરૂપ ધરાવીને પોતાનું જ્ઞાન તથા ઉપાસના સમજાવીને તેમને પોતાના ધામમાં લઈ જવા એ ચોથો હેતુ. (૪) અને એકાંતિક ધર્મને સ્થાપન કરવો તથા દુષ્ટજનનો નાશ કરવો તથા સત્પુરુષનું રક્ષણ કરવું એ પાંચમો હેતુ. (૫) અને મુમુક્ષુને મુક્ત કરવા તથા પોતાના અને પોતાના મુક્તોનાં દર્શન-સ્પર્શાદિક સંબંધે કરીને નવા મુમુક્ષુ કરીને તેમનો આત્યંતિક મોક્ષ કરવો એ છઠ્ઠો હેતુ. (૬) એવી રીતે શ્રીજીમહારાજને પ્રગટ થવાના આ છો હેતુ છે.
૨ પ્ર. કેવી ક્રિયા કરે તે ચરિત્ર કહેવાય ?
૨ ઉ. ચરિત્ર બે પ્રકારનાં છે : પ્રાકૃત ને દિવ્ય; તેમાં ક્યાંઈક ભાગે, ક્યાંઈક હારે ઇત્યાદિક પ્રાકૃત ચરિત્ર કહેવાય, અને સમાધિઓ કરાવીને તેમાં સર્વ અવતારોને પોતાની વંદના કરતા દેખાડે ને પોતાને વિષે સર્વે અવતારોને લીન કરી દેખાડે, ઇત્યાદિક આશ્ચર્ય જણાવે તે દિવ્ય ચરિત્ર કહેવાય. એવા ચમત્કારમાં મહિમા આવી જાય એવાં પોતાનાં ચરિત્ર તેના ગ્રંથ કરવાની મુક્તાનંદ સ્વામી આદિકને આજ્ઞા કરી તેથી મોટા સંતોએ ગ્રંથો કર્યા છે તે ગ્રંથોએ કરીને આ સંપ્રદાયની પુષ્ટિ થાય, પણ પરોક્ષના ગ્રંથોથી પુષ્ટિ ન થાય. આમાં શ્રીજીમહારાજનો અભિપ્રાય એવો છે જે અમારા ચરિત્ર સંબંધી ગ્રંથને જ વાંચવા ને સાંભળવા ને કરવા તેણે કરીને અમારે વિષે સર્વોપરીપણાની દૃઢતા થશે એમ કહ્યું છે. માટે આપણા ઇષ્ટદેવ સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનાં ચરિત્ર સંબંધી ગ્રંથ વાંચવા ને સાંભળવા. તે ગ્રંથોનાં નામ : વચનામૃત (હરિવાક્ય-સુધાસિંધુ), (૧) સત્સંગિજીવન, (૨) સત્સંગિભૂષણ, (૩) હરિદિગ્વિજય, (૪) હરિલીલાકલ્પતરુ, (૫) ભક્તચિંતામણિ, (૬) પુરુષોત્તમપ્રકાશ, (૭) ઘનશ્યામલીલામૃતસાગર, (૮) પુરુષોત્તમ લીલામૃતસુખસાગર, (૯) પુરુષોત્તમચરિત્ર, (૧૦) હરિચરિત્રામૃત, (૧૧) ઇત્યાદિક સંપ્રદાય સંબંધી ગ્રંથે કરીને આ સંપ્રદાયની પુષ્ટિ થાય.
૩ પ્ર. કેવી રીતની ક્રિયા કરે તે આચરણ કહેવાય ?
૩ ઉ. શ્રીજીમહારાજે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું, તપ કર્યું, ત્યાગ-વૈરાગ્ય રાખ્યો, ભિક્ષા માગી, તુંબડીએ પાણી પીધું, પત્તરમાં જમ્યા તથા દેવની સેવા કરી ઇત્યાદિક ક્રિયાઓ પોતાના ભક્તજનને શીખવવા સારુ કરી તે આચરણ કહેવાય, તે આચરણમાં ધર્મ આવી જાય. ।।૫૮।। (૧૯૧)
વચનામૃત ગઢડા મધ્યનું - ૫૯
સંવત ૧૮૮૧ના શ્રાવણ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ચાર વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ-બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી; એ જ પરમ કલ્યાણ છે અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી, માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે માબાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. (૧) અને પોતાનાં જે સ્ત્રીપુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળાં હોય તોપણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારેક કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહિ, ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં. (૨) અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તોપણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થાશે કે નહિ થાય, તેનું શું કારણ છે ? તો એ જીવને પૂર્વજન્મને વિષે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ તેણે કરી નથી; એને તો આ જન્મમાં જ નવો આદર છે તે આગલા જન્મમાં ફળશે અને જેને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહિ અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહિ, અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત્ રહે. પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું ? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તોપણ ડગમગાટ થાય નહિ, અને તેની દૃઢતા તો જેવી નાથભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી કે જેવી હિમરાજશાહની હતી કે જેવી કાશીદાસને છે કે જેવી ભાઈચંદશેઠને હતી કે જેવી દામોદરને છે એવી દૃઢતા હોય ત્યારે જાણવું. જે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૫૯।। (૧૯૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે તથા અમારા સંત કલ્યાણકારી છીએ અને અમારા સાધુ ભવ-બ્રહ્માદિક દેવથી અધિક છે અને અમારી કે અમારા સંતની પ્રાપ્તિ થાય એ જ પરમ કલ્યાણ છે ને અમારા સંતની સેવા ને તેમાં હેત કરવાથી જીવ કૃતાર્થ થાય છે. (૧) અને અમારા સંત કોઈકને કઠણ વચન કહે તેની આંટી મૂકે નહિ તેને અમારા ભક્ત ઉપર હેત છે જ નહીં. (૨) અને જેને પૂર્વજન્મમાં અમારી કે અમારા સંતની પ્રાપ્તિ થઈ હશે અને તેમની સેવા કરી હશે તેને આ જન્મમાં અમારે ને અમારા સંતને વિષેથી હેત મટે જ નહિ; અને અમારા નિશ્ચયમાં પણ ડગમગાટ થાય જ નહિ; ત્યાં ભક્તોનાં નામ આપ્યાં છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં અમારા સાધુ ભવબ્રહ્માદિકથી અધિક છે એમ કહ્યું તે ભવબ્રહ્મા તો વૈરાજ થકી ઉત્પન્ન થયા છે, તેથી અધિક જાણીએ તો વૈરાજ જેવા થયા, અને (છે. ૨/૨માં) આ સત્સંગીની સભા જેવી કોઈ ધામમાં સભા જ નથી એમ કહ્યું છે તે એમ જોતાં તો મૂળઅક્ષરાદિક સર્વ થકી સંતનો મહિમા વિશેષ થયો અને (મ. ૨૨ના ૩/૫ ત્રીજા પ્રશ્નમાં) રાણીની ઉપમા આપી છે અને (પં. ૭માં) પણ અમે ને અમારા મુક્તો અમારા ધામને વિષે અતિશે પ્રકાશે યુક્ત છીએ અને (પ્ર. ૬૩ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) પણ એમ જ કહ્યું છે અને (મ. ૬૭માં) પોતાના સરખા કહ્યા છે તે પરસ્પર વિરોધ આવે છે માટે આ ભવબ્રહ્મા કિયા સમજવા ?
૧ ઉ. આ ઠેકાણે મૂળપુરુષને બ્રહ્મા કહ્યા છે અને મહાકાળને ભવ કહ્યા છે અને તેથી બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ તેમને આદિ શબ્દથી જાણવા તે સર્વેથી અમારા સંત અધિક છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે.
૨ પ્ર. અમારા સંતની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે એમ કહ્યું તે પુણ્ય કિયું જાણવું ? અને હરિભક્તોની દૃઢતા વખાણી તે કિયા કિયા ગામના હતા ?
૨ ઉ. ત્રીજી બાબતમાં પૂર્વજન્મને વિષે શ્રીજીમહારાજની અથવા સંતની એટલે મુક્તની સેવા કરી હોય તેને જ બીજે જન્મે એમની સેવા મળે છે, પણ બીજે કોઈ સાધને કરીને સેવા મળતી નથી એમ કહ્યું છે માટે પૂર્વની સેવા તે પુણ્ય જાણવું અને નાથભક્ત કણભાના પાટીદાર હતા અને વિષ્ણુદાસ ડભાણના પાટીદાર હતા. હિમરાજશાહ સુંદરિયાણાના વણિક હતા. કાશીદાસ બોચાસણના પાટીદાર હતા. ભાઈચંદ શેઠ સુરતના વણિક હતા. દામોદરભાઈ અમદાવાદના પાટીદાર હતા. ।।૫૯।। (૧૯૨)
વચનામૃત ગઢડા મધ્યનું - ૬૦
સંવત ૧૮૮૧ના શ્રાવણ વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી શ્રીજીમહારાજે કહ્યું જે પ્રશ્ન-ઉત્તર કરો.
૧ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે તેમાં કેઈ રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જે, જ્યારે કોઈ જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો ડંસ બેસતો નથી; તે કેમ જણાય જે જ્યારે સૂઈએ છીએ ત્યારે બહારલ્યો જે વિક્ષેપ તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી, અને જે ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણે અવસ્થામાં જણાય છે, માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી તે થકી એમ જાણીએ છીએ જે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી. (૧) અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથદાસને તો જરાય શોક થયો નહિ અને હસતો જાય ને બીજાને આગળ વાત કરતો જાય, માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય. (૨) પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુઃખિયો થાય અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જાઈને જો મરે કે ઘાયલ થાય, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે તેના બ્રહ્મહત્યાદિક જે પંચમહાપાપ તે સર્વે મટી જાય છે એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. (૩) અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે, અને તેની વૈરભાવે આંટી પડી જાય તે જીવે ત્યાં સુધી ટળે નહિ એવો જે ચાંડાળ જેવો જીવ હોય, તે ધર્મે યુક્ત હોય, ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય, તે સર્વે વૃથા છે અને બીજાં પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. (૪) અને આ સંસારને વિષે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય, તેમ આ સંસારને વિષે જે એવો પુરુષ હોય જે આપણે તો બધાય સાધુ સરખા છે, કેને સારોનરસો કહીએ ? તો તે સત્સંગી કહેવાતો હોય તોપણ તેને વિમુખ જાણવો. અને જે પુરુષ એમ જાણે જે આપણ કાંઈક અવળું-સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે, એવી રીતે પોતાની સારપ્ય રાખ્યા સારુ ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈક ઘસાતું બોલે ને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તોપણ તેને વિમુખ જાણવો. (૫) અને જેવો પોતાનાં સગાંવહાલાં હોય અથવા માબાપ હોય તેનો પક્ષ રહે છે તેવો ભગવાનના ભક્તનો દૃઢ પક્ષ રાખવો, અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય પણ આંટી રાખે નહિ, તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. (૬) એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, હું તો દત્તાત્રેય, જડભરત, નારદ ને શુકજી તે સરખો દયાવાળો છું અને પૂર્વ દેશમાં એક સમે નાગડા વૈરાગીની જમાત ભેળો હતો તે મુને સર્વે વૈરાગીએ કહ્યું જે, તાંદળજાની લીલી ભાજી તોડો, ત્યારે મેં કહ્યું જે, એમાં તો જીવ છે તે અમે નહિ તોડીએ, પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો તોપણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો જીવ છે તોપણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દૃષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગો-વહાલો હોય તોપણ જાણીએ જે તેની આંખ્ય ફોડી નાખીએ અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુબે તો તે હાથને કાપી નાખીએ, એવો તેનો અભાવ આવે છે, પણ ત્યાં દયા નથી રહેતી, અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૬૦।। (૧૯૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વિક્ષેપ સ્વપ્નમાં આવે તો જ તે વિક્ષેપ ચૈતન્યમાં પેઠો છે એમ જાણવું. (૧) અને જે અમારા ભક્તને દુઃખે દુખી ન થાય તે ચંડાળને વિમુખ છે. (૨) અને જે અમારો ભક્ત હોય તે તો અમારા ભક્તને દુઃખે જરૂર દુઃખી થાય અને અમારા ભક્તને કોઈક મારતો હોય તેને આડો પડીને મરે કે ઘાયલ થાય, તો તેનાં સર્વ પાપ નાશ પામી જાય. (૩) અને જેને અમારા ભક્તનું વચન વસમું લાગે ને વૈર બંધાય તે ધર્મ, ત્યાગ, તપ તેણે યુક્ત હોય તોપણ તેનું કલ્યાણ થાય નહીં. (૪) અને જે બધાય સાધુને સરખા જાણે તથા અમારું ને અમારા ભક્તનું કોઈક ઘસાતું બોલે તેને સાંભળી રહે તે વિમુખ છે. (૫) અને જે અમારા ભક્તનો પક્ષ રાખે ને તેમની સાથે વિક્ષેપ ન રાખે તે અમારો યથાર્થ ભક્ત છે. (૬) અને અમે દયાળુ છીએ પણ અમારા ભક્તને દુખવે તે ઉપર દયા નથી રાખતા અને જેને અમારો ને અમારા સંતનો પક્ષ હોય તે જ અમારો પૂરો ભક્ત છે. (૭) બાબતો છે.
૧ પ્ર. પાંચમી બાબતમાં બધાય સાધુ સરખા જાણે તથા ભગવાનનું કે ભક્તનું કોઈક ઘસાતું બોલે તેને સાંભળી રહે તેને વિમુખ કહ્યો તે કેવી રીતે સરખા જાણે તો વિમુખ કહેવાય ?
૧ ઉ. સિદ્ધદશાવાળા અને સાધનદશાવાળાને સરખા જાણે તથા શ્રીજીમહારાજનો યથાર્થ નિશ્ચય હોય ને પંચવર્તમાન યથાર્થ પાળતા હોય તેને ને નિશ્ચયમાં ને વર્તમાનમાં કસરવાળાને સરખા જાણે અને શ્રીજીમહારાજનો સર્વોપરી નિશ્ચય હોય ને સાધુનાં બત્રીસ લક્ષણે યુક્ત હોય તેનું ને શ્રીજીમહારાજનું કોઈ ઘસાતું બોલે તેને સાંભળી રહે તેને વિમુખ જાણવો. ।।૬૦।। (૧૯૩)
વચનામૃત ગઢડા મધ્યનું - ૬૧
સંવત ૧૮૮૧ના શ્રાવણ વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલુ સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાનાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્સંગી કહેવાય, તે ત્રણ વાનાં કિયાં તો એક તો પોતાના ઇષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દૃઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે; અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશે દૃઢપણે હોય તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહિ ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહિ, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય; અને ત્રીજો પોતાના ઇષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો તે જેમ માબાપ, દીકરા, દીકરી તેનો પક્ષ રાખે છે, ને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, ને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો એ ત્રણ વાનાં જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. (૧) અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય જે એ મોટેરો સત્સંગી છે પણ મોટેરાની તો એમ પરીક્ષા છે, જે ગૃહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઇષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય, એવાં જેનાં લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે, પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ-પરદેશમાં જાય ને ત્યાં કનક-કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહિ, અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દૃઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. (૨) અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટું મનુષ્ય કહેવાતું હોય, ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વે સભાને મોઢા આગળ બેસાર્યો જોઈએ, તે એ વ્યવહાર છે તે જ્ઞાની હોય, ત્યાગી હોય તેને પણ રાખ્યો જોઈએ, અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે, જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્માન થયું નહિ, પછી તે રાજાને રીસ ચડી તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો, પછી તે ઋષિના પુત્રે શાપ દીધો તેણે કરીને તે રાજાનું સાત દિવસમાં મૃત્યુ થયું, અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા, અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું, પછી દક્ષને રીસ ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો, પછી નંદીશ્વર ને ભૃગુ ઋષિ તેને સામસામા શાપ થયા પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મૂઆં, અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમ્યું અને દક્ષનું મુખ બકરાનું થયું, માટે ગૃહસ્થ તથા ત્યાગી એ સૌને એ રીત રાખવી જે સંસારવ્યવહારે જે મોટું માણસ કહેવાતું હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહિ, ને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય, અને ભજન-સ્મરણમાં પણ વિક્ષેપ થાય, માટે આ વાર્તા સત્સંગી ગૃહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દૃઢ કરીને રાખજ્યો. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૬૧।। (૧૯૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા કહેલા નિયમ તથા અમારો નિશ્ચય તથા અમારા ભક્તનો પક્ષ એ ત્રણ વાનાં જેને હોય તે પાકો સત્સંગી છે. (૧) અને અમારે ને અમારા સંતને અર્થે પોતાનું સર્વસ્વ કરી નાખે, ને સત્સંગને અર્થે માથું દે, અને અમે આજ્ઞા કરીએ તો પરમહંસ થાય તે સર્વે હરિભક્તમાં મોટો છે, અને ત્યાગી કનક-કામિનીમાં લેવાય નહિ, ને નિયમ દૃઢ રાખે તે ત્યાગીમાં મોટો છે. (૨) ને જ્ઞાની કે ત્યાગી હોય તેને પણ મોટા મનુષ્યનું સન્માન કરવું એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં નિયમ કહ્યા તે કિયા જાણવા ?
૧ ઉ. શ્રીજીમહારાજે શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, જનશિક્ષા તથા નારાયણગીતામાં ત્યાગી-ગૃહીને જે પ્રમાણે વર્તવાનું કહ્યું છે તે નિયમ જાણવા.
૨ પ્ર. શ્રીજીમહારાજનો નિશ્ચય કહ્યો તે નિશ્ચય કેવો જાણવો ?
૨ ઉ. શ્રીજીમહારાજને જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ એ સર્વેના પોતાની અંતર્યામી શક્તિએ કરીને આધાર ને એ સર્વેના કર્તા ને નિયંતા ને સદા સાકાર મૂર્તિ ને એ સર્વેને અગમ્ય અને પોતાના મુક્તોને સુખના દાતા એવા જાણે તે નિશ્ચય કહેવાય.
૩ પ્ર. સત્સંગીનો પક્ષ રાખવાનો કહ્યો તે કેવા સત્સંગી હોય તેનો પક્ષ રાખવો ?
૩ ઉ. આમાં બીજી બાબતમાં ગૃહી-ત્યાગીનાં લક્ષણ કહ્યાં છે તે લક્ષણે યુક્ત હોય તેવાનો પક્ષ રાખવો, ને એવાને દુઃખે દુઃખી થાવું એમ કહ્યું છે. ।।૬૧।। (૧૯૪)
વચનામૃત ગઢડા મધ્યનું - ૬૨
સંવત ૧૮૮૧ના માગશર સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત ચોફાળ ઓઢ્યો હતો તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી તેને બોલાવીને કહ્યું જે, તમે અમને પ્રશ્ન પૂછો.
૧ પછી પ્રથમ અયોધ્યાપ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) આ સંસારને વિષે એવો પુરુષ હોય જે આઠ પહોર તો સંસારની વિટમનામાં રહ્યો હોય, ને ગમે એવું યોગ્ય-અયોગ્ય કર્મ પણ થઈ જાતું હોય અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે ? એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સારો દિવસ પ્રવૃત્તિમાર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમે એ ભજનના કરનારાનાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય, તે એવી રીતે એક ઘડી કે અર્ધ ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય, તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકા તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે, અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય એનો એ જ ઉત્તર છે. (૧)
૨ પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેને પોતાનું જે દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં ને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય, તોપણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે, અને પરમ મોક્ષને પામે એનો એ જ ઉત્તર છે. (૨)
એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરીને પછી પોતાની ઇચ્છાએ કરીને બોલતા હવા જે, (૩) અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણને અર્થે ત્રણ અંગ છે, તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશે આત્મનિષ્ઠા જે શુકજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. અને બીજું પતિવ્રતાનું અંગ જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું. એ ત્રણે અંગ વિના કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ થાતું નથી, અને અમે તો એ ત્રણે અંગને દૃઢ કરીને રાખીએ છીએ, અને એ ત્રણ અંગમાંથી જેને એકે અંગ દૃઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. અને હવે એ ત્રણ અંગવાળાનાં જે લક્ષણ તે નોખાં નોખાં કરીને કહીએ છીએ. તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે, એક કોરે તો આત્મા છે, અને એક કોરે તો દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ, પંચવિષય આદિક જે માયાનું ટોળું તે છે, ને એ બેના મધ્યને વિષે જે વિચાર રહે તે વિચાર જ્ઞાનરૂપી છે, તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિષે દીપકની શિખા અતિશે સ્થિર થઈને રહે છે તેમ સ્થિર થઈને રહે છે, ને તે વિચાર દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ એમને આત્મા સંગાથે એક થાવા દેતો નથી, અને તે વિચાર પણ આત્મા સંગાથે એક થાતો નથી, અને જ્યારે તે વિચારને જીવ પામે છે, ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય, તે વરતાલ જેટલામાં આવે છે, અને પછી તે વિચાર જ્યારે દૃઢ થાય ત્યારે વરતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે, ને પછી આ ગઢડા જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે, અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં જ રહે છે. ને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે, ને પછી ઇન્દ્રિયોની ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિષે લીન થઈ જાય છે. ત્યારે એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય છે, અને એ વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે તે જીવના હૃદયને વિષે પ્રકાશ થાય છે, ને પોતાના આત્માનું બ્રહ્મ રૂપે દર્શન થાય છે, ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે, અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે જે હું આત્મા છું, અને મારે વિષે આ પરમાત્મા છે, તે અખંડ રહ્યા છે. અને એવી રીતની અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે, અને પતિવ્રતાનું જે અંગ છે તે તો વ્રજની ગોપીઓના જેવું જોઈએ. જેમ ગોપીઓએ જે દિવસ થકી શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરણારવિંદનો સ્પર્શ કર્યો તે દિવસ થકી જેટલાં સંસાર સંબંધી જે સુખ તે સર્વે ઝેર જેવાં થઈ ગયાં, તેમ જેને પતિવ્રતાના અંગની ભક્તિ હોય તે ગમે તો ઇન્દ્ર જેવો રૂપાળો પુરુષ હોય તથા દેવતા જેવો હોય તથા કોઈક રાજા હોય ને તેને જ્યારે દેખે ત્યારે જેમ સડેલ કૂતરાને દેખે અથવા વિષ્ટાને દેખે ત્યારે અતિશે ગ્લાનિ પામીને દૃષ્ટિ પાછી ખેંચી લે છે, તેમ દૃષ્ટિ પાછી ખેંચાઈ જાય તે ઉત્તમ પતિવ્રતાની રીતિ છે, તે માટે જેની એક ભગવાનને વિષે જ પતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઈ પુરુષને દેખીને મન રાજી થાય જ નહીં. અને ત્રીજું જેને દાસભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઇષ્ટદેવ છે, તેનું જ દર્શન ગમે, અને તેની જ વાર્તા સાંભળવી ગમે, ને પોતાના ઇષ્ટદેવનો જ સ્વભાવ ગમે, અને તેની જ પાસે રહેવું ગમે, એવો પ્રીતિવાન હોય તોપણ પોતાના ઇષ્ટદેવની સેવા સારુ ને રાજીપા સારુ રાત-દિવસ એમ ઇચ્છ્યા કરે જે મુને મારા ઇષ્ટદેવ કાંઈક આજ્ઞા કરે તો હું અતિશે હર્ષે કરીને કરું પછી પોતાના ઇષ્ટદેવ છે, તે આજ્ઞા કરે તો છેટે જાઈને રહે તોપણ રાજી થકો જ રહે પણ કોઈ રીતે અંતઃકરણમાં ખેદ પામે નહિ, અને આજ્ઞાને વિષે જ પરમ આનંદ માને. એ દાસત્વભક્તિની ઉત્તમ દશા છે. એવા દાસત્વભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. (૩) અને એ ત્રણ અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ પક્ષ છે, અને એથી જે બહાર રહ્યા તે તો કેવળ પામર કહેવાય. માટે એ ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેડે દેહ મૂકે તે તો ઠીક છે, અને એ ત્રણમાંથી એકે અંગ જેને પરિપક્વ ન થયું હોય ને તેને જે મરવું તે ઠીક નથી, ને તે તો પાંચ દહાડા વધુ જીવે ને પોતાની અણસમજણને ટાળીને એ ત્રણ અંગમાંથી કોઈક એક અંગ દૃઢ કરીને મરે એ જ ઠીક છે. અને વળી આ જીવનો તો એવો સ્વભાવ દેખાય છે જે જ્યારે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે સંસારનો ત્યાગ કરવો ગમે, અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે, એવી રીતે એ જીવનો અવળો સ્વભાવ જણાય છે. માટે જે ભગવાનના દૃઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્વભાવનો ત્યાગ કરીને પોતાના મનનું ગમતું સર્વે મૂકીને ભગવાનને ભજવા ને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે, અને જેને ભગવાનમાં અતિશે પ્રીતિ ન હોય તેને તો આત્મનિષ્ઠા જ વિચારે કરીને દૃઢ કરવી કેમ જે જે ભગવાનના ભક્ત હોય તેને કાં તો આત્મનિષ્ઠા દૃઢ જોઈએ, ને કાં તો ભગવાનને વિષે અતિશે દૃઢ પ્રીતિ જોઈએ, અને એ બે અંગમાંથી જેને એક અંગની અતિશે દૃઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દૃઢપણે કરીને રહેવું તો જ સત્સંગી રહેવાય; નહિ તો સત્સંગ થકી બહાર પડી જવાય. અને ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે પ્રકારનાં દુઃખ આવે છે તે દુઃખના દેનારાં કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી; એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે, અને પછી જેમ કોઈક પુરુષ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે, પણ કાળ, કર્મ, માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે ? એ તો ભગવાનની જ ઇચ્છા છે, એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગ્ન રહેવું (૪)
૪ એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૪) હે મહારાજ ! એ ત્રણ જે અંગ તમે કહ્યાં તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે, તે કોઈકના જ સમજ્યામાં આવે ને કોઈકના જ વર્ત્યામાં આવે. પણ સર્વેને ન આવે અને આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે તે સર્વેને તો આ વાર્તા સમજવી કઠણ છે માટે તે કેમ કરે ત્યારે તેનું રૂડું થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તે તો એ ત્રણ અંગવાળા માંહીલો જે હરિભક્ત હોય તેનો દાસાનુદાસ થઈને તેની આજ્ઞામાં રહે તો તે કાંઈ ન સમજતો હોય તોપણ છતી દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે, ને કૃતાર્થ થઈ રહ્યો છે, અને આ સંસારને વિષે ભગવાન ને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશે મોટો છે, તે ગમે તેવો પામર ને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે, એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે, માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ તેને તો નિધડક રહેવું. અને આ ત્રણે અંગની જે અમે વાર્તા કરી છે તે બહુધા તો આ મુક્તાનંદ સ્વામી સારુ કરી છે, અને મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે, ને એમને શરીરે મંદવાડ છે તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહિ, એમ જાણીને આ વાર્તા કરી છે, પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! મેં પણ જાણ્યું છે જે હું સારુ જ આ વાર્તા કરી છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૬૨।। (૧૯૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. ત્રીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એકાગ્ર થઈને અમારા ભજનમાં જોડાય તો સંસારની વિટમનામાં થયેલાં યોગ્ય-અયોગ્ય સર્વ પાપ ભસ્મ થઈ જાય, ને એકાગ્ર ન થાય તો પાપ ન બળે ને મોક્ષ તો અમારા પ્રતાપે કરીએ. (૧) બીજામાં દેહાદિક સર્વને અમારી સેવામાં જોડી દે ને જે અમારા ઉપયોગમાં ન આવે તેનો ત્યાગ કરે તો ગૃહસ્થાશ્રમી અમારા અક્ષરધામમાં મુક્તની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. (૨) ત્રીજામાં શુકજી આદિકને દૃષ્ટાંતે કહ્યું છે કે દેહાદિક માયાના ટોળાથી પોતાને જુદો માને ને જ્ઞાનરૂપી વિચારે કરીને વૃત્તિ પાછી વાળે તે વૃત્તિ આત્માને વિષે લીન થાય ત્યારે વાસનાલિંગ દેહ નાશ પામે, ને તેના હૃદયમાં પ્રકાશ થાય ને પોતાના આત્માનું બહ્મ રૂપે દર્શન થાય ને તેમાં અમારું દર્શન થાય, એવી આત્મનિષ્ઠા દૃઢ કરવી. અને ગોપીઓને દૃષ્ટાંતે અમને દેખીને જ રાજી થવું, પણ અમારા વિના બીજા કોઈને દેખીને રાજી ન થવું ને તેમાંથી વૃત્તિ પાછી ખેંચી લેવી, એવું પતિવ્રતાપણું અમારે વિષે દૃઢ કરવું, અને હનુમાન-ઉદ્ધવને દૃષ્ટાંતે અમારું જ દર્શન ને અમારી જ વાત ને અમારો જ સ્વભાવ ને અમારી પાસે જ રહેવું ગમે, અને અમારો જ રાજીપો ને સેવા ઇચ્છવી ને અમારી આજ્ઞામાં પરમ આનંદ પામવો એવું દાસપણું દૃઢ કરવું તો જ સુખી થવાય. એમ કહીને શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી મુક્તાનંદ સ્વામીની દાસત્વભક્તિના અંગની પ્રશંસા કરી છે. (૩) આ ત્રણ અંગવાળા ભક્તમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ હોય અને આમાંનું એકેય અંગ ન હોય તે પામર છે. અને આ અંગ દૃઢ કરીને જ મરવું ને અવળા સ્વભાવનો ત્યાગ કરીને અમને ભજવા, અને આત્મનિષ્ઠા ને પ્રીતિ ન હોય તેણે સત્સંગના નિયમમાં રહેવું, અને ન રહે તો સત્સંગથી બહાર પડી જવાય, અને દુઃખ આવે તો અમારી ઇચ્છા જાણવી પણ કાળ આદિકને દુઃખ આપનારા ન જાણવા. (૪) અને આ ત્રણ અંગવાળાનો દાસ થઈને તેમની આજ્ઞામાં રહે તે છતી દેહે જ અમારો પાર્ષદ થઈ રહ્યો છે, અને પામર કે પતિત જીવ અમારે કે અમારા સંતને આશરે આવે તો કૃતાર્થ થઈ જાય એવો અમારો ને અમારા ભક્તનો મહિમા છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એ ત્રણે એકાગ્ર થઈને અમારા ભજનમાં જોડાય તો સમગ્ર પાપ ભસ્મ થઈ જાય એમ શ્રીજીમહારાજે કહ્યું તે પાપ કિયાં જાણવાં ?
૧ ઉ. સંસારને વિષે રહેનારા પુરુષોને સંસાર સંબંધી પ્રવૃત્તિ હોય તેમાં જે પાપ થાય તે પાપ કહ્યું તે ખેડૂત હોય તેને ખેતીમાં જીવજંતુ મરે તથા વેપારી હોય તેને વેપારમાં જીવજંતુ મરે, એવી જ રીતે સર્વે વર્ણને પોતપોતાના ઉદ્યમમાં સહેજસાજ પાપ થાય તથા વર્તમાન બહાર સંકલ્પ થઈ જાય, તે પાપ શ્રીજીમહારાજની મૂર્તિમાં ઉપશમ કરે તો બળે એમ કહ્યું છે, પણ જે પાપનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે તે પાપનું તો પ્રાયશ્ચિત્ત કરવું જ પડે.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે એમ કહ્યું તે નારદ-સનકાદિક કોને કહ્યા હશે ?
૨ ઉ. રઘુવીરજી મહારાજે આત્યંતિક મોક્ષ કેમ કરે તો પામે એમ શ્રીજીમહારાજને પૂછ્યું ત્યારે શ્રીજીમહારાજે કહ્યું કે સર્વને અમારી સેવામાં જોડી દે તો અમારા ધામમાં નારદ-સનકાદિકની પંક્તિમાં ભળે, ને પરમ મોક્ષને પામે એમ કહ્યું તે ત્યાં પરોક્ષ નારદ-સનકાદિક અનાદિકાળથી તો છે નહીં. માટે આ ઠેકાણે અનાદિકાળથી પોતાના ધામમાં પોતાના સિદ્ધ મુક્ત રહ્યા છે, તે મુક્તોને એ નામે કહ્યા છે. એમ જો ન કહીએ તો પૂર્વે નારદ-સનકાદિક જે સ્થાનકોમાં વિચરતા હતા તેટલી જ ગતિ થવી જોઈએ, પણ પરમ મોક્ષ પમાય નહિ, માટે આ ઠેકાણે પરમ મોક્ષ પામે એમ કહ્યું છે તે પરમ મોક્ષ તો શ્રીજીમહારાજના મુક્ત પામેલા છે, માટે નારદાદિક નામે પોતાના મુક્તોને જ કહ્યા છે.
૩ પ્ર. ત્રીજા પ્રશ્નમાં જીવ વિચારને પામે છે ત્યારે તેની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વરતાલ જેટલામાં આવે છે, ને પછી ગઢડા જેટલામાં આવે છે એમ કહ્યું તે કાશી જેટલે એટલે ક્યાં સુધી જાણવી ? અને વરતાલ જેટલામાં એટલે ક્યાં સુધી સમજવી ? અને ગઢડા જેટલે એટલે ક્યાં સુધી સમજવી ? અને દેહ જેટલામાં એટલે ક્યાં સુધી સમજવી ? અને ઇન્દ્રિયોના ગોલકમાં તે ક્યાં સુધી સમજવી ? અને અંતઃકરણ સન્મુખ તે ક્યાં સુધી સમજવી ? અને આત્માને વિષે લીન તે કેવી રીતે સમજવી ?
૩ ઉ. માયાના કાર્ય આકારે જે વૃત્તિ તે કાશી સુધી જાણવી. અને માયાનાં કાર્ય જે દેહાદિક તેથી પોતાનો આત્મા પૃથક્ ને સત્ય છે, એવા જ્ઞાનને પામીને મોક્ષની ઇચ્છા થાય તે વરતાલ જેટલામાં આવી એમ જાણવું, આ શુભેચ્છા નામની પહેલી ભૂમિકા જાણવી. (૧) અને દેહથી આત્મા જુદો છે એવું દૃઢ શ્રવણ-મનન કરીને આનંદ પામવો એ ગઢડા જેટલામાં આવી એમ સમજવું, આ વિચારણા નામની બીજી ભૂમિકા જાણવી. (૨) અને આત્મ-વિચારના નિદિધ્યાસે કરીને અશુભ સંકલ્પને ટાળીને આત્મસ્વરૂપને ગ્રહણ કરવામાં યોગ્યપણું તે દેહ જેટલામાં આવી એમ સમજવું, આ તનુમાનસા નામની ત્રીજી ભૂમિકા જાણવી. (૩) આ ત્રણ ભૂમિકાઓ જાગૃત અવસ્થાની કહી છે. અને દેહની વિસ્મૃતિ થઈને આત્માકારે વૃત્તિ થાય તે ઇન્દ્રિયોના ગોલકમાં રહી એમ જાણવું, આ સત્તાપત્તિ નામની ચોથી ભૂમિકા જાણવી. (૪) અને સંશય રહિત ને માહાત્મ્યે સહિત પરમાત્મા જે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, ને મન સ્થિર થાય ને સુષુપ્તિની પેઠે જાગૃતની વિસ્મૃતિ થાય, પણ ઐશ્વર્યમાં રાગ રહે તે અંતઃકરણ સન્મુખ વૃત્તિ થઈ એમ જાણવું, આ અસંસક્તિ નામની પાંચમી ભૂમિકા જાણવી. (૫) અને ઐશ્વર્યરૂપ પદાર્થની ભાવના ટાળીને પોતાના આત્માને શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવી તે આત્માને વિષે લીન થઈ જાણવી, આ પદાર્થાભાવી નામની છઠ્ઠી ભૂમિકા જાણવી. (૬) અને પોતાના આત્માનું બ્રહ્મ રૂપે દર્શન થાય, ને એ આત્માને વિષે પરમાત્મા જે શ્રીજીમહારાજ તેમની મૂર્તિનું સાક્ષાત્કાર દર્શન થાય, ને તેમાં સદા નિમગ્ન રહે તે તુર્યગા નામની સાતમી ભૂમિકા જાણવી. (૭)
૪ પ્ર. આત્મનિષ્ઠા, પ્રીતિ ને દાસપણું એ ત્રણ અંગ કહ્યાં તે સરખાં હશે કે અધિક-ન્યૂન હશે ?
૪ ઉ. આ ત્રણ અંગની ઉત્તમ દશા કહી છે માટે ત્રણે સરખાં છે પણ એમાં કોઈ અંગ અધિક-ન્યૂન નથી. આ અકેકા અંગમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે આવી જાય છે.
૫ પ્ર. દાસત્વભક્તિવાળા શ્રી ગોપાળાનંદ સ્વામી છે, તથા બીજા મુક્તાનંદ સ્વામી છે એમ કહ્યું તે એમને દાસત્વપણાનું એક જ અંગ હશે કે એ ત્રણે અંગ હશે ?
૫ ઉ. ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તે તો અનાદિ મુક્ત છે તેમને પ્રતાપે કરીને અનંત જીવો આ ત્રણે અંગે સંપન્ન થઈને શ્રીજીમહારાજની મૂર્તિને સુખે સુખિયા થઈ જાય છે, એવા મહા સમર્થ છે એ તો શ્રીજીમહારાજની સાથે આવેલા હતા, એમને વિષે સાધનિકપણાનો ભાવ લાવવો નહીં.
૬ પ્ર. (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) પાંચ દહાડા વધુ જીવીને અણસમજણ ટાળીને મરવું એમ કહ્યું, ને (પં. ૧/૧માં) ક્યારે દેહ પડે ને ક્યારે ભગવાનના ધામમાં જવાય એમ કહ્યું છે, તે કેવી રીતે સમજવું ?
૬ ઉ. આમાં અણસમજણ ટાળવા માટે જીવવું એમ કહ્યું છે, અને (પં. ૧માં) જેને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજીને શ્રીજીમહારાજના સુખમાં દૃષ્ટિ પહોંચી હોય તેની વાત કહી છે.
૭ પ્ર. (૪/૫ ચોથા પ્રશ્નમાં) ગમે તેવો પામર ને પતિત જીવ હોય ને તે અમારો કે અમારા ભક્તનો આશ્રિત થાય, તો કૃતાર્થ થઈ જાય એમ કહ્યું તે શ્રીજીમહારાજના આશ્રિત તો થવાય, પણ શ્રીજીમહારાજના ભક્તના આશ્રિત કેવી રીતે થવાતું હશે ?
૭ ઉ. શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવકપણે આશરો કરવો ને પંચવર્તમાને યુક્ત એવા તેમના ભક્તને વિષે શ્રીજીમહારાજનું જ્ઞાન પામવાને અર્થે ગુરુભાવે આશરો કરવો. ।।૬૨।। (૧૯૫)
વચનામૃત ગઢડા મધ્યનું - ૬૩
સંવત ૧૮૮૧ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ્ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! દ્રષ્ટા ને દૃશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને ને દૃશ્યને જુદાં જુદાં રાખે છે એમાં જીવનું જાણપણું કિયું જાણવું ? ને ઇન્દ્રિયો-અંતઃકરણનું જાણપણું કિયું જાણવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશે બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે ને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે, અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે, તે ઇન્દ્રિયો-અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે અને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે, અને જેનો જીવ અતિશે બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. (૧) અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું પણ ઇન્દ્રિયો-અંતઃકરણ ભેળું ભળવું નહિ એવી રીતે સત્તારૂપ રહેતાં થકાં એનો જીવ બળને પામે છે. (૨) અને એથી પણ બળ પામવાનો એક અતિશે મોટો ઉપાય છે જે ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિષે અતિશે શ્રદ્ધા હોય ને ભગવાનની નવધાભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશે બળ આવે છે, માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. (૩) અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ જે, જ્યારે અમે અગણોતેરાની સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસ ને વૈકુંઠ તે દેખ્યામાં આવ્યાં ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થીમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વ ઉપાધિની શાંતિ થઈ. (૪) પછી તેમાં પણ અમને એમ વિચાર થયો જે સત્તા રૂપે રહેવું તેથી પણ ભગવાન ને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે, માટે અમને એમ બીક લાગી જે રખે સત્તા રૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય, માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે તે જ અતિશે શ્રેષ્ઠ સાધન છે. (૫) અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રગટ થાય છે પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે, એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે, અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે; એને વિષે તો મનુષ્યભાવ લાવવો જ નહીં. (૬) અને જેમ પોતાના દેહનાં કુટુંબી હોય છે ને તેને તેના હિતને અર્થે આપણ વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઊતરતી નથી, અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાતો નથી. (૭) માટે ભગવાનના ભક્તની જે સેવા-ચાકરી કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરાબર કોઈ પાપ નથી, માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન-કર્મ-વચને શુદ્ધભાવે કરીને સેવવા. (૮) ઇતિ વચનામૃતમ્ ।।૬૩।। (૧૯૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવ અતિશે બળને પામ્યો હોય તો ઇન્દ્રિયો-અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે એટલે અમારી આજ્ઞા વિરુદ્ધ ચાલવા દે નહિ અને તેને ભૂંડું સ્વપ્ન પણ આવે જ નહીં. (૧) અને આત્મસત્તા રૂપે રહેવાથી એવું બળ આવે છે. (૨) અને અમારે ને અમારા સંતને વિષે પ્રીતિ ને સેવામાં અતિશે શ્રદ્ધા ને અમારી નવધાભક્તિ તેણે કરીને જીવને તત્કાળ અતિશે બળ આવે છે; અને ઐશ્વર્યમાંથી રાગ ટાળીને કેવળ સત્તા રૂપે રહેવું તે શ્રેષ્ઠ છે. (૪) અને તેથી પણ અમારી ને અમારા ભક્તની દેહે કરીને સેવા કરવી તે શ્રેષ્ઠ છે. (૫) અને જીવને અંત સમે અનંત પ્રકારની આધિ-વ્યાધિ થઈ આવે છે તે દુઃખ અમારું અથવા અમારા સંતનું દર્શન થાય ત્યારે નાશ પામે છે એવો અમારા ભક્તનો એટલે મુક્તનો મહિમા મોટો છે. અને પંચવર્તમાને યુક્ત અમારા ભક્ત તેમને કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ સમજવા. (૬) અને અમારી ને અમારા ભક્તની સાથે આંટી પાડે તે તો પંચમહાપાપીથી પણ વધુ પાપી છે. (૭) અને અમારા ભક્તની એટલે મુક્તની સેવા જેવું કોઈ પુણ્ય નથી અને તેના દ્રોહ જેવું કોઈ પાપ નથી. (૮) બાબતો છે.
૧ પ્ર. પાંચમી બાબતમાં સત્તા રૂપે રહેવાથી પણ ભગવાન ને ભગવાનના ભક્તની ભેળા દેહ ધરીને રહેવું તે શ્રેષ્ઠ છે એમ કહ્યું તે સત્તારૂપ રહેવા કરતાં દેહ ધરવામાં શું વિશેષ હશે ?
૧ ઉ. સત્તા રૂપે વર્તે તેનાથી શ્રીજીમહારાજની તથા એમના મુક્તોની સેવારૂપ પ્રસન્નતાનાં સાધન થઈ શકે નહિ અને વનના મૃગલાની પેઠે એકલો જ ફરતો રહે એટલે મોટા સંતનો સમાગમ પણ થાય નહિ, અને શ્રીજીમહારાજનો તથા એમના મુક્તોનો મહિમા પણ યથાર્થ સમજાય નહિ, માટે તેને પ્રસન્નતાનાં સાધન કરવા સારુ તથા મહિમા જાણવા સારુ ફેર જન્મ ધરવો પડે, એ ન્યૂનતા રહે છે; તે શ્રીજીમહારાજે આ બાબતમાં જ કહ્યું છે કે, સત્તા રૂપે રહીએ તો રખે પાછો દેહ ન ધરાય એટલે આ દેહે કરીને પ્રસન્નતા ન કરી શકાય તો પ્રસન્નતાનાં સાધન કરવા પાછો ફરીથી બીજો દેહ ધરવો પડે, માટે દેહ ધરીને એટલે આ ધરેલો છે તે દેહે કરીને જ સત્તા રૂપે રહેવા કરતાં પણ શ્રીજીમહારાજ ને તેમના મુક્તોના ભેળા રહીને તેમની સેવા કરવી તે અતિશે શ્રેષ્ઠ સાધન છે, કેમ જે શ્રીજીમહારાજની ને તેમના મુક્તોની સેવા કરે તેને આ ફેરે જ ધામમાં શ્રીજીમહારાજનું સુખ મળે અને જે સત્તા રૂપે રહે તેને પ્રસન્નતાનાં સાધન કરવા સારુ બીજો દેહ ધરવો પડે એટલી ન્યૂનતા રહે છે. તે (વ. ૧૭ના બીજા પ્રશ્નમાં) કેવળ આત્મનિષ્ઠાવાળા ત્યાગી કરતાં જે અમારી ને અમારા ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં રહે છે તે અતિશે શ્રેષ્ઠ છે ને અમારી કૃપાનું પાત્ર છે એમ કહ્યું છે, માટે સત્તા રૂપે રહેવા કરતાં શ્રીજીમહારાજની ને તેમના ભક્તની સેવા કરવી તે શ્રેષ્ઠ છે. ।।૬૩।। (૧૯૬)
વચનામૃત ગઢડા મધ્યનું - ૬૪
સંવત ૧૮૮૧ના પોષ સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નંખાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક-ન્યૂન ભાવ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે વ્યાસજીના કરેલ જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વાપર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાણું છે જે, મચ્છ, કચ્છ, વારાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી શ્રીકૃષ્ણ ભગવાન છે પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણ ભગવાન તે અવતાર નથી; એ તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે આપણા ઇષ્ટદેવ છે અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર શ્રીમદ્ ભાગવત પુરાણના દશમ સ્કંધને વિષે સંપૂર્ણ કહ્યાં છે, માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે અમે દશમ સ્કંધને અતિશે પ્રમાણ કર્યો છે. અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ છે, માટે એ અવતાર ને એ અવતારને પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા પણ વિશેષ કરીને તો શ્રીકૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા. (૧)
૨ પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, (૨) ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય ? જે એટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખડો કરે છે એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમ છે તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામરૂપી જે તખત તેને વિષે સદા વિરાજમાન છે, અને તે અક્ષરધામને આશ્રિત અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડાં હોય તેમાંથી એક-બે ગામ ઉજ્જડ થયાં હોય અથવા વસ્યાં હોય, પણ તે તો રાજાની ગણતીમાં પણ ન હોય તેમ શ્રીકૃષ્ણ ભગવાન તે અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે તે બ્રહ્માંડોનો કાંઈ એકસામટો પ્રલય થાતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી અને તે શ્રીકૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથનમાત્ર છે અને એ શ્રીકૃષ્ણ તો સદા અજન્મા છે. (૨) અને તે શ્રીકૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ છે તે વ્યતિરેકપણે તો પ્રકૃતિપુરુષ થકી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે ચાર ભૂત થકી પર છે, તેમ જ શ્રીકૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને તે ધામને વિષે ભગવાન અખંડ
વિરાજમાન રહે છે. અને તે ધામમાં રહ્યા થકા અનંતકોટિ જે બ્રહ્માંડ છે તેને વિષે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધ પુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે ને હજારો ગાઉની વાર્તાને સાંભળે તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે જ્યાં જેમ જણાવું ઘટે ત્યાં તેમ જણાય છે, અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે તે તો પોતાની યોગકળા છે, જેમ રાસમંડળને વિષે જેટલી ગોપીયું તેટલા જ પોતે થયા, માટે એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગકળાએ કરીને વ્યાપકપણું છે, પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગમાયાએ કરીને પચાસ કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે તે પ્રલયકાળને વિષે પરમાણુરૂપ થઈ જાય છે, અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિષે પરમાણુમાંથી પચાસ કરોડ યોજન થાય છે, અને ચોમાસું આવે છે ત્યારે ગાજવીજ ને મેઘની ઘટા થઈ આવે છે એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગમાયાએ કરીને થાય છે, એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે બીજા અવતારને વિષે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે, અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે તો સર્વે કળાઓ છે, માટે એ શ્રીકૃષ્ણ ભગવાન તો રસિક પણ છે ને ત્યાગી પણ છે ને જ્ઞાની પણ છે ને રાજાધિરાજ પણ છે ને કાયર પણ છે ને શૂરવીર પણ છે ને અતિશે કૃપાળુ પણ છે ને યોગકળાને વિષે પ્રવીણ છે ને અતિશે બળિયા પણ છે ને અતિશે છળિયા પણ છે માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણ ભગવાન જ છે, અને તે શ્રીકૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંતકોટિ બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની સો વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થાતો નથી, માટે પ્રલયકાળમાં શા સારુ કલ્યાણ કર્યું જોઈએ ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે. એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજીમહારાજે કરી તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે એ જ જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ-ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૬૪।। (૧૯૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મચ્છ-કચ્છાદિક અવતારોના અવતારી શ્રીકૃષ્ણ છે માટે એ મચ્છ-કચ્છાદિક અવતારોના ગ્રંથથી શ્રીકૃષ્ણના ગ્રંથને અધિક માનવા તેમ જ અમે સર્વ અવતારના અવતારી સર્વોપરી સાક્ષાત્ ભગવાન છીએ, માટે અમારા ગ્રંથને વિશેષ માનવા એમ જણાવ્યું છે. (૧) બીજામાં પરોક્ષ શ્રીકૃષ્ણના દૃષ્ટાંતે કરીને પોતાનું સર્વોપરીપણું કહ્યું છે, જે અમે રાજાધિરાજ અખંડ મૂર્તિ અક્ષરધામને વિષે વિરાજમાન છીએ. અને અમારા અક્ષરધામને આશરીને અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે તે બ્રહ્માંડોનો એકસામટો પ્રલય થાતો નથી એમ કહ્યું છે, અને શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કરીને પોતાને અજન્મા કહ્યા છે. (૨) અને અક્ષરધામ જે પોતાનું તેજ તેનું અન્વય-વ્યતિરેકપણું કહ્યું છે ને એ અક્ષરધામમાં રહ્યા થકા યોગકળાએ કરીને અનેક ઠેકાણે દર્શન આપીએ છીએ એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણને પોતાના ઇષ્ટદેવ કહ્યા અને (લો. ૧૪/૨માં) શ્રીકૃષ્ણને નારાયણના એટલે પોતાના અવતાર કહ્યા છે અને (અ. ૭/૧માં) અમારા વિના બીજો કોઈ ભગવાન નથી એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલે ત્યારે પરોક્ષ અવતારોને દૃષ્ટાંતે કરીને પોતાની વાત કરે અને જ્યારે પોતે ભગવાનપણે બોલે ત્યારે અમે ભગવાન છીએ એમ કહે, માટે આ ઠેકાણે મનુષ્યભાવે બોલ્યા છે તેથી શ્રીકૃષ્ણને ઇષ્ટદેવ કહ્યા છે, અને આમાં બીજા પ્રશ્નમાં જ પોતાના ધામને પણ પ્રકૃતિપુરુષથી પર કહ્યું છે તે પ્રકૃતિપુરુષ તે જ શ્રીકૃષ્ણ છે તે જ્યારે શ્રીકૃષ્ણથી પોતાનું ધામ પર કહ્યું તો પોતે તો પર હોય જ. આનો વિસ્તાર (પ્ર. ૮ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૨ પ્ર. આમાં બીજા પ્રશ્નમાં એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય છે, પણ સામટો થાતો નથી એમ કહ્યું અને (પ્ર. ૮ના ૨/૪ બીજા પ્રશ્નમાં) જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે પુરુષોત્તમ જે અમે તે અમે એક જ રહીએ છીએ તથા (૫૬ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) સર્વે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે ત્યારે પ્રગટ ભગવાન જે અમે તે અમે એક જ રહીએ છીએ તથા (કા. ૭માં) પણ ચોથા પ્રશ્નમાં આત્યંતિક પ્રલય થાય છે ત્યારે એકલું સચ્ચિદાનંદ ચિદ્ઘન જે અમારું તેજ તે રહે છે, અને એ તેજમાં દિવ્યમૂર્તિ એવા અમે રહીએ છીએ એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. મૂળપુરુષ અનંત છે તે સર્વે મૂળપુરુષોના કાર્યનો સાથે પ્રલય થાતો નથી અને એક મૂળપુરુષના કાર્યનો પ્રલય થાય તેને મહાપ્રલય તથા આત્યંતિક પ્રલય કહે છે માટે (પ્ર. ૮ તથા ૫૬માં) પ્રલય કહ્યો છે તથા (કા. ૭માં) આત્યંતિક પ્રલય કહ્યો છે તે એક મૂળપુરુષના કાર્યને જ કહ્યો છે અને બીજા મૂળપુરુષોનાં કાર્ય તો હોય છે તેથી આમાં સામટો પ્રલય થતો નથી એમ કહ્યું છે આનો વિસ્તાર (પ્ર. ૮ના પાંચમા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૩ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) અક્ષરધામ વ્યતિરેકપણે તો પ્રકૃતિપુરુષથી પર છે, અને અન્વયપણે તો સર્વે ઠેકાણે છે એમ કહ્યું તે કેવી રીતે જાણવું ? કેમ જે, જે મૂર્તિમાન હોય તે મૂર્તિને વ્યતિરેક કહેવાય. અને તેના પ્રકાશને અન્વય કહેવાય, પણ અક્ષરધામ તો નિરાકાર એકરસ તેજ છે તેમાં અન્વય-વ્યતિરેકપણું કેવી રીતે જાણવું ?
૩ ઉ. શ્રીજીમહારાજ પોતાના તેજના સમૂહને વિષે પોતાના મુક્તોએ સહિત વિરાજમાન છે તે સમૂહને વ્યતિરેક કહેલ છે, અને એ તેજના સમૂહની અનંત કિરણો છે તે કિરણો મૂળઅક્ષર, બ્રહ્મ તથા મૂળપુરુષાદિક સર્વેને વિષે અંતર્યામીપણે વ્યાપક છે તેને અન્વય કહેલ છે. આ અન્વય સ્વરૂપને (પ્ર. ૬૪/૧માં) તથા (કા. ૮/૧માં) સાકાર મૂળઅક્ષરનું આત્મા કહ્યું છે, માટે મૂળઅક્ષરાદિકમાં વ્યાપક છે તે તેજને અન્વય કહે છે. આનો વિસ્તાર (પ્ર. ૭ના પાંચમા પ્રશ્નોત્તરમાં, તથા ૨૧ના સાતમા પ્રશ્નોત્તરમાં, તથા ૪૧ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યો છે. ।।૬૪।। (૧૯૭)
વચનામૃત ગઢડા મધ્યનું - ૬૫
સંવત ૧૮૮૧ના પોષ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજીમહારાજ બોલ્યા જે સાંભળો ભગવાનની વાર્તા કરીએ, ત્યારે તાળ-પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી, અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેઠે ભોગવે છે તેને જોઈને આ સંસારને વિષે જે અખતરડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે, અને એમ જાણે જે આ તો પરમેશ્વર કહેવાય છે તોપણ એને આપણા કરતાં પણ વધુ સંસારને વિષે આસક્તિ છે, એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી, એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મસ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઈ પદાર્થ દેખીને મોહ થાતો નથી તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને માયા ને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું ? એ તો રહેવાય જ. (૧) અને આત્મનિષ્ઠાવાળા જે સંત તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બે હોય તેણે કરીને કોઈ રીતનું બંધન તો ન થાય, પણ જો તેને ભગવાનને વિષે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારનાં ભોજન ને બહુ પ્રકારનાં વ્યંજન કર્યાં હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે સર્વે નકારાં થઈ જાય છે, તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન છે તથા વૈરાગ્ય છે તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા તોપણ શ્રીમદ્ ભાગવતને ભણતા હવા અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે દૃઢ ભક્તિને કરતા હવા માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિષે ભક્તિ ન હોય તો એ એને મોટું દૂષણ છે. (૨) અને જેને ભગવાનને વિષે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાનને વિષે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિષે પણ પ્રીતિ થઈ જાય, માટે એ ભક્તિમાર્ગવાળાને પણ મોટું દૂષણ છે અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેણે તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે, માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાણું છે તે સારુ કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી; માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિષે ભક્તિ એ ત્રણેય ભેળાં હોય ત્યારે કોઈ જાતની ખોટ્ય ન કહેવાય અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૬૫।। (૧૯૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે જીવોના કલ્યાણ અર્થે પ્રગટ થઈએ છીએ ત્યારે અમારા ભક્તની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને ભોગવીએ છીએ તે જોઈને અખતરડાહ્યા મનુષ્યો અમારે વિષે દોષ પરઠે છે, પણ બહ્મસ્થિતિને પામેલા એવા જે આત્મદર્શી સાધુ તેમને પણ મોહ થતો નથી તો અમને તો મોહ હોય જ કેમ ? અમે તો સદા નિર્લેપ છીએ. (૧) અને કેવળ આત્મનિષ્ઠા ને વૈરાગ્યવાળાને કોઈ જાતનું બંધન તો ન થાય, પણ અમારી ભક્તિ ન હોય તો મોક્ષોપયોગી નથી થતા. (૨) અમારે વિષે ભક્તિ હોય પણ જો એ બે ન હોય તો અમારા વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય, માટે એ ત્રણેય હોય તે અમારા અનન્ય ભક્ત કહેવાય. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં બ્રહ્મસ્થિતિને પામ્યા એવા આત્મદર્શી સાધુને મોહ ન થાય એમ કહ્યું તે કિયા બ્રહ્મને વિષે સ્થિતિને પામેલા જાણવા ?
૧ ઉ. પોતાના આત્માને જોવાની ઇચ્છાથી ભગવાનનું ધ્યાન કરતાં કરતાં પોતાનો આત્મા તે રૂપ બ્રહ્મને વિષે સ્થિતિ થઈ હોય તેને આત્મદર્શી કહ્યા છે.
૨ પ્ર. પરબ્રહ્મ શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે શ્રીકૃષ્ણ કોને જાણવા ?
૨ ઉ. આ પહેલી બાબતમાં પરબ્રહ્મ તથા શ્રીકૃષ્ણ નામે શ્રીજીમહારાજને કહ્યા છે, અને બીજી બાબતમાં દૃષ્ટાંતમાં જે શ્રીકૃષ્ણ કહ્યા છે તે મૂળપુરુષને કહ્યા છે. ।।૬૫।। (૧૯૮)
વચનામૃત ગઢડા મધ્યનું - ૬૬
સંવત ૧૮૮૧ના પોષ વદિ ૧ પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પીળાં પુષ્પના ને રાતી ગુલદાવદીનાં પુષ્પના હાર કંઠને વિષે વિરાજમાન હતા ને પીળાં પુષ્પનો તોરો પાઘને વિષે વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સરોદા ને દુકડ લઈને સંતમંડળ વિષ્ણુપદ ગાવતા હતા.
૧ તે કીર્તનભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે. એમ કહીને પ્રથમ આનંદાનંદ સ્વામીને પૂછતા હવા જે, (૧) કોઈક એવો પુરુષ હોય જે તેને બુદ્ધિ થોડી હોય તોપણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે, અને ગુણ હોય તેને જ દેખે, અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે તોપણ પોતાના અવગુણને દેખતો જ નથી, અને બીજા હરિભક્તને વિષે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષ જ દેખે છે એનું શું કારણ હશે ? જે થોડી બુદ્ધિવાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે, અને ઝાઝી બુદ્ધિવાળો છે તેને પોતાના દોષ સૂઝતા નથી, એ પ્રશ્ન છે. પછી આનંદાનંદ સ્વામીએ જેવો સૂઝ્યો તેવો ઉત્તર કર્યો પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર એમ છે જે આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિષે એણે કોઈક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, તે પાપે કરીને એની બુદ્ધિ દોષે યુક્ત છે માટે એને હરિભક્તના દોષ સૂઝે છે, ને પોતાના દોષ સૂઝતા નથી; એ જ એનો ઉત્તર છે. (૧)
૨ એમ કહીને પછી શ્રીજીમહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા હવા જે, (૨) ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણાક સાધને કરીને ભગવાન પમાય છે ? ત્યારે તમે એમ કહેશો જે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને ધર્મ એ ચાર સાધને કરીને પમાય છે, તે જ્યારે એ ચાર સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે એક ભગવાનના આશ્રયે કરીને જ કલ્યાણ થાય એવા અનન્ય ભાવનો નિરધાર રહ્યો નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કલ્યાણ તો એક ભગવાનના આશ્રયે કરીને જ છે, પણ ભગવાન છે તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાળે છે, તથા કાળ-માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે, માટે ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે તે દૃઢ કરીને માનવી, એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે તે સારુ સાધન સર્વે અતિ દૃઢ કરીને રાખવાં; એટલે એક ભગવાન વતે જ કલ્યાણ છે, અને એ સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. (૨)
૩ પછી શ્રીજીમહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા હવા જે, (૩) આ દેહને વિષે જીવ છે તે સાકાર છે કે નિરાકાર છે ? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે જીવ તો છે તે સાકાર છે. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, જો જીવ સાકાર હોય તો તે કર-ચરણાદિકે યુક્ત થયો ત્યારે દશમ સ્કંધને વિષે વેદસ્તુતિના અધ્યાયમાં એમ કહ્યું છે જે, ભગવાન જે તે જીવના કલ્યાણને અર્થે તે જીવનાં બુદ્ધિ, ઇન્દ્રિય, મન ને પ્રાણ તેને સૃજતા હવા, તે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ સૃજ્યાનું શું કામ છે ? માટે એવી રીતનાં શાસ્ત્રનાં વચનને જોતાં એમ જ નિરધાર થાય છે જે જીવ તો સત્તામાત્ર છે, અને ચૈતન્ય વસ્તુ છે તે જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોંટી રહે છે, તેમ એ ચૈતન્ય દ્રવ્ય છે તેનો પણ ચોંટવાનો સ્વભાવ છે તેને માયિક એવાં જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ શરીર તેનો સંબંધ વર્તે છે, અને એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિષે પોતાપણું માને છે, પણ વસ્તુગતે તો જીવ નિરાકાર જ છે. (૩)
૪ પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, (૪) વસ્તુગતે એ જીવ નિરાકાર છે તો જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ માયિક ત્રણ દેહનો સંબંધ રહેતો નથી, ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને નિરાકારપણે રહે છે કે સાકારપણે રહે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે, પછી નિરાકાર જે ચૈતન્ય તે રહે છે, તેને ભગવાનની ભૂમિ આદિક જે આઠ પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઇચ્છાએ કરીને દેહ બંધાય છે, ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિષે રહે છે, એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. (૪)
૫ પછી ગોપાળાનંદ સ્વામીને શ્રીજીમહારાજ પૂછતા હવા જે, (૫) અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે તે તો ભગવાન ને ભગવાનના સંતની કૃપા થકી થાય છે તે એ યોગ ને આત્મદર્શન સિદ્ધ થયાનું કારણ જે ભગવાન ને ભગવાનના સંત તેને વિષે વૃત્તિ ગૌણ થઈ જાય છે, અને અષ્ટાંગ યોગ ને આત્મદર્શન એને વિષે વધુ લગની થાય છે તેનું શું કારણ હશે ? પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે, એને યોગાભ્યાસ કરતે થકે યોગ સિદ્ધ થાય છે તેનું કાંઈક માન આવે છે, તેણે કરીને ભગવાનની કોરે કાંઈક વૃત્તિ ગૌણ થઈ જાય છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે સિદ્ધદશાને પામે ત્યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે, તે બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહિ, માટે એ ઉત્તર સંભવે નહીં. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! એ તો કાંઈ સમજાતું નથી, માટે તમે કૃપા કરીને કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો એમ સમજવું જે જ્યારે પોતાની ખોટ કાઢવી હોય ત્યારે તેને મોટાઓનાં વચનની સાખ્ય લઈને કાઢવી, જેમ કોઈક વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશે સિદ્ધ કરવું હોય, ત્યારે સારા સારા માણસની સાઈદી કરવી, તેમ આંહીં પણ એ સાઈદી છે, જે શુકદેવજી બ્રહ્મસ્વરૂપ થયા હતા, તોપણ અતિ પ્રીતિએ કરીને શ્રીમદ્ ભાગવત ભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે, અને શૌનકાદિક અઠ્યાશી હજાર ઋષિ તે બ્રહ્મસ્વરૂપ છે તોપણ સુતપુરાણીના મુખ થકી ભગવાનની કથાને સાંભળે છે એવી જાતના વચનની સાખ ભક્તિની દૃઢતાને અર્થે લેવી, અને જે ખોટ્ય પોતાના જાણ્યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી જે, હે મહારાજ ! મુંમાં જે જે ખોટ્ય હોય તે કૃપા કરીને નાશ કરજો, જેમ કોઈક પુરુષને માથે કલંક આવ્યું હોય ને તે કલંક ટાળ્યાનો કોઈ સાઈદી ન હોય ત્યારે તે લોઢાનો ગોળો રાતોચોળ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે, તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી, એ તે લોઢાનો ગોળો ઝાલ્યા જેવી છે એમ કરીને પોતાની ખોટ્યને ટાળવી, એ તમારા પ્રશ્નનો ઉત્તર છે. (૫)
૬ પછી શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા હવા જે, (૬) ભગવાનને યથાર્થ જાણ્યા હોય, ને ભગવાન તો કાંઈ ચમત્કાર ન દેખાડતા હોય ને બીજા જે જંત્ર-મંત્રવાળા હોય તે તો પરચો દેખાડતા હોય તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી ક્યારેય ડગે કે ન ડગે ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે હે મહારાજ ! જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહિ, અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવે તો તેને ભગવાનનો નિશ્ચય જ નથી; એ તો ગુણબુદ્ધિવાળો હરિભક્ત કહેવાય, પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ જ એનો ઉત્તર છે. (૬)
૭ પછી શ્રીજીમહારાજે શુકમુનિને પૂછ્યું જે, (૭) ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે ? અને મૂઆ કેડે શી પ્રાપ્તિ થાય છે ? પછી શુકમુનિ બોલ્યા જે, હે મહારાજ ! એનો ઉત્તર તમે કરશો ત્યારે થશે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનનાં કથા-કીર્તન કરતાં થકાં જ દિવસ ને રાત્રિ વીતે છે. અને ત્રણે અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મ રૂપે સાક્ષાત્ દર્શન થાય છે, અને ભગવાન વિના અન્ય પદાર્થમાત્રને વિષે વૈરાગ્ય થાય છે, અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિષે રહેવાય છે, અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે, જેમ ભગવાને બ્રહ્માને કહ્યું છે જે, ‘હે બ્રહ્મા ! જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવાં મારાં ગુણ ને કર્મ છે, તેવું મારા અનુગ્રહ થકી તુંને વિજ્ઞાન થાઓ. એવું જે બ્રહ્માને કહ્યું છે, તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે, ને જેમ ભગવાન કાળ, કર્મ ને માયા થકી રહિત છે, તેમ જ ભગવાનના ભક્ત પણ કાળ, કર્મ ને માયા થકી રહિત થાય છે, ને અખંડ ભગવાનની સેવાને વિષે રહે છે એવી દેહ મૂક્યા કેડે પ્રાપ્તિ થાય છે, એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૬૬।। (૧૯૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૭) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે આ જન્મે અથવા જન્માંતરે અમારા મોટા ભક્તનો અપરાધ કર્યો હોય તેને હરિભક્તના દોષ સૂઝે, ને પોતાના ન સૂઝે. (૧) બીજામાં અમારે આશ્રયે કરીને કલ્યાણ થાય છે ને ચાર સાધને કરીને અમારી પ્રસન્નતા થાય છે. (૨) ત્રીજામાં જીવને નિરાકાર કહ્યો છે. (૩) ચોથામાં જીવ જ્યારે અમારા ધામમાં જાય છે ત્યારે સાકાર થાય છે. (૪) અને પાંચમામાં અમારી તથા અમારા મુક્તની કૃપાથી અષ્ટાંગયોગ ને આત્મદર્શનની સિદ્ધિ થાય છે. તે અષ્ટાંગયોગને વિષે ને આત્મદર્શનને વિષે વધુ લગની થાય તો અમારો તથા અમારા સંતનો મહિમા સમજીને અમારી ને અમારા સંતની સેવા કરવી, પણ અષ્ટાંગયોગને વિષે ને આત્મદર્શનને વિષે અમારા જેવી તથા અમારા ભક્તના જેવી લગની થવા દેવી નહીં. (૫) છઠ્ઠામાં અમારા વિના બીજો પરચા-ચમત્કાર જણાવે તેમાં જેને પ્રતીતિ આવે તે યથાર્થ ભક્ત નથી. (૬) અને સાતમામાં અમારી ને અમારા સંતની પ્રાપ્તિ થઈ હોય તેને અમારાં કથા-કીર્તન કરતાં દિવસ ને રાત્રિ વીતે, અને પોતાના જીવાત્માનું અમારા તેજરૂપ જે બ્રહ્મ તે રૂપે દર્શન થાય છે, અને અમારા વિના બીજેથી વૈરાગ્ય થાય છે, અને ધર્મમાં રહેવાય છે, અને દેહ મૂક્યા પછી અમારા જેવો જ સ્વતંત્ર થાય છે, ને અમારી અખંડ સેવામાં રહે છે. (૭) બાબતો છે.
૧ પ્ર. ચોથા પ્રશ્નમાં બ્રહ્માનંદ સ્વામીએ જીવને સાકાર શા કારણથી કહ્યો હશે ?
૧ ઉ. ભક્તનો જીવ શ્રીજીમહારાજના ધ્યાને કરીને અજ્ઞાનથી મુકાય છે ત્યારે સાકાર થાય છે, એવા અભિપ્રાયથી સાકાર કહ્યો છે, અને શ્રીજીમહારાજે માયાબદ્ધ જીવ નિરાકાર છે એવા અભિપ્રાયથી પૂછેલું તેથી ફરીથી ઉત્તર કર્યો છે.
૨ પ્ર. પાંચમા પ્રશ્નમાં ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એમ કહ્યું તે ચૈતન્ય પ્રકૃતિ શી જાણવી ?
૨ ઉ. આ ઠેકાણે ચૈતન્ય પ્રકૃતિ જીવને કહ્યો છે તે જીવ શ્રીજીમહારાજના ધામમાં સાકાર થાય છે, તે (પ્ર. ૩૭/૫માં) ચૈતન્યની મૂર્તિ થઈને અમારી હજૂરમાં રહે છે એમ કહ્યું છે.
૩ પ્ર. સાતમા પ્રશ્નમાં અમારી ને અમારા સંતની સાક્ષાત્ પ્રાપ્તિ કહી, તે સાક્ષાત્ પ્રાપ્તિ તો દૃષ્ટિગોચર હોય તે જ કહેવાય, તે આજ તો દૃષ્ટિગોચર છે નહિ, માટે આજ સાક્ષાત્ પ્રાપ્તિ કેવી રીતે સમજવી ?
૩ ઉ. શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા હોય ત્યારે તેમાંથી મનુષ્યભાવ ટાળીને તથા પ્રતિમા રૂપે દર્શન આપતા હોય ત્યારે પ્રતિમાભાવ ટાળીને દિવ્ય સાક્ષાત્ જાણીને આશરો કરે તે સાક્ષાત્ પ્રાપ્તિ કહી છે. અને બત્રીશ લક્ષણે યુક્ત એવા જે સંત તેમને વિષેથી મનુષ્યભાવ ટાળીને દિવ્યમુક્ત જાણીને તેમનો સમાગમ ને સેવા કરે તે સંતની સાક્ષાત્ પ્રાપ્તિ કહી છે. ।।૬૬।। (૧૯૯)
વચનામૃત ગઢડા મધ્યનું - ૬૭
સંવત ૧૮૮૧ના મહા વદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગંગાજળિયા કૂવા પાસે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સાધુ દુકડ-સરોદા લઈને વિષ્ણુપદ ગાવતા હતા.
તે કીર્તનભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ જે, (૧) ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે જેને કરીને સ્વામી-સેવકપણાનો નાતો રહે છે; કેમ જે એ ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે, ને કાળ, કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે જેણે કરીને સ્વામી-સેવકપણું રહે છે ? એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેને જેવું સમજાણું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ, પછી સર્વે સંતે કહ્યું જે, હે મહારાજ ! તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થાશે, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર એમ છે જે, ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થીએ યુક્ત છે, અને આટલી શોભાએ યુક્ત છે, અને આવા સુખરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે, અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે. ત્યારે રૂપ તથા સામર્થી તે એ ભક્તની પણ તેવી જ થાય છે, તોપણ ભગવાનની સામર્થી અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિક જે પ્રતાપ તે એ ભક્તને ભગવાનને વિષે અતિશે જણાય છે, ત્યારે એ ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને સુંદરપણું તો મુને પણ ભગવાને આપ્યું છે, તોપણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશે અપાર દેખાય છે, માટે મું જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તોપણ ભગવાન જેવો કોઈ થાવાને સમર્થ થાતો નથી, શા માટે જે ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ ને સામર્થી તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતા નથી, અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થીએ કરીને અપાર છે, અને એ ભગવાનને ભજીને અનંતકોટિ વૈષ્ણવ ભગવાન સરખા થયા છે, તોપણ ભગવાનમાંથી કોઈ જાત્યનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી, જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે, તોપણ ઓછું થાતું નથી, શા માટે જે તે સમુદ્ર તો અગાધ છે તેમ જ ભગવાનનો મહિમા પણ અતિશે અપાર છે, માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી તે સારુ જે જે ભગવાનના ભક્ત બ્રહ્મસ્વરૂપ થયા છે, તોપણ ભગવાનના દૃઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, તોપણ સ્વામી-સેવકપણું રહે છે એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૬૭।। (૨૦૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્ત અમને જેવા જાણે તેવા થાય છે. તોપણ અમારો મહિમા, સામર્થી, પ્રતાપ, ઐશ્વર્ય તે અતિશે અપાર દેખાય છે તેણે કરીને અમારે વિષે સ્વામી-સેવકપણું અતિ દૃઢ થાય છે. (૧) બાબત છે.
૧ પ્ર. અમારા ભક્ત અમારા સરખા થાય એમ કહ્યું અને (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) અમારો ભક્ત છેવટ અક્ષર જેવો થાય, પણ અમારા જેવો ન થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. (કા. ૧૦માં) ઐશ્વર્યની ઇચ્છાવાળા સકામ ભક્તની વાત કહી છે જે અમારા ભક્ત ઐશ્વર્યને ઇચ્છે તો છેલ્લામાં છેલ્લી મૂળઅક્ષરની પદવીને પામે, પણ અમારી જે પદવી છે તે ન મળે અને આમાં જે ઐશ્વર્યને ન ઇચ્છે ને એક શ્રીજીમહારાજની સેવાને જ ઇચ્છે એવા નિષ્કામ ભક્તની વાત કહી છે, માટે જે સેવાને ઇચ્છે એવા જે નિષ્કામ ભક્ત તે શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામે, એટલે મુક્ત થાય એમ કહ્યું છે માટે એમાં સકામ ભક્તની પ્રાપ્તિ કહી છે. અને આમાં નિષ્કામ ભક્તની પ્રાપ્તિ કહી છે.
૨ પ્ર. જેવા શ્રીજીમહારાજને જાણે તેવો ભક્ત થાય એમ કહ્યું ત્યારે મૂળઅક્ષર તથા તેથી પર પરમએકાંતિક તથા તેથી પર અનાદિમુક્ત તેથી શ્રીજીમહારાજને પર જાણે તો તે ભક્ત કેવો થાય ?
૨ ઉ. અનાદિમુક્તની પદવીથી પર દાસની પદવી છે જ નહિ; તેથી પર તો સ્વામીની જ પદવી છે. અને જે દાસ હોય તે સ્વામીની પદવીને ઇચ્છે જ નહિ, અને જે દાસપણું મૂકી દઈને સ્વામીની પદવીને ઇચ્છે તેને તો કાંઈ પણ પ્રાપ્તિ ન થાય, અને એ શ્રીજીમહારાજને ગમે જ નહિ, તે (છે. ૨૬ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને અભેદપણે ભજે તે ન ગમે, માટે જે દાસપણું મૂકી દે તે અભેદપણે ભજ્યા કહેવાય.
૩ પ્ર. અમે અમારા મહિમાના પારને પામતા નથી એમ કહ્યું તે શ્રીજીમહારાજ તો પોતે સાક્ષાત્ ભગવાન છે તેમને તો કાંઈ પણ અગમ્ય ન હોય, માટે પારને પામતા નથી એમ કહેવાનું શું કારણ હશે ?
૩ ઉ. એ તો પોતાના મહિમાનું અપારપણું કહેવા માટે એમ કહ્યું છે, જે અમારો મહિમા તો અતિશે અપાર છે, તેને કોઈ જાણી શકવા સમર્થ છે જ નહિ, અને અમે આટલું જ કરી શકીએ ને આટલું જાણી શકીએ એવો કોઈ અવધિ નથી માટે અમારા મહિમાનો કોઈ પ્રકારે અવધિ નથી.
૪ પ્ર. આમાં તથા (પ્ર. ૬૩ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં, ૬૪/૩માં, સા. ૧૧ના પહેલા પ્રશ્નમાં, લો. ૧૩ના બીજા પ્રશ્નમાં, મ. ૬૬ના સાતમા પ્રશ્નમાં, છે. ૩૭ તથા ૩૯/૫માં) પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે છે, એમ કહ્યું છે અને (પ્ર. ૨૧/૮માં, ૪૦ના પહેલા પ્રશ્નમાં, તથા સા. ૧૭/૨માં) મહાતેજ જેવો થાય એમ કહ્યું છે, તે અક્ષરધામનું અને પુરુષોત્તમનું સાધર્મ્યપણું કેવી રીતે જાણવું ?
૪ ઉ. (૨૧/૮માં) અક્ષરના સાધર્મ્યપણાને પામે છે એમ કહ્યું છે, તે સાધનકાળમાં સાધન કરતાં કરતાં પામે છે અને અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત મુક્તો રહ્યા છે એમ કહ્યું છે, તે પણ સાધન કરીને પામ્યા પછી રહ્યા છે તેમની વાત છે, અને (પ્ર. ૪૦માં) પણ અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને અમારી મૂર્તિને વિષે નિમગ્ન રહેતો હોય તે નિર્વિકલ્પ સમાધિવાળો છે, તે પણ સાધનદશાવાળાને કહ્યું છે અને (સા. ૧૭માં) ખદ્યોતથી કરીને મહાતેજ જેવો થાય છે તે પણ સાધનદશાવાળાની વાત છે, માટે સાધનકાળમાં બ્રહ્મનું મનન કરતાં કરતાં બ્રહ્મના ગુણ એમાં આવે છે, તે (મ. ૩૧ના ૧/૨ પહેલા પ્રશ્નમાં ) બ્રહ્મનું મનન કરતાં કરતાં બ્રહ્મના ગુણ એમાં આવે છે એમ કહ્યું છે, ને બ્રહ્મના ગુણ આવે ત્યારે તે બ્રહ્મરૂપ થાય ત્યારે તે શ્રીજીમહારાજનો કૃપાપાત્ર થયો પછી શ્રીજીમહારાજની કૃપા થાય, તે (સા. ૧૧ના પહેલા પ્રશ્નમાં) આત્મસત્તાને પામે કહેતાં શ્રીજીમહારાજના તેજરૂપ આત્મા તે જેવો થાય છે, તે પછી અમે કૃપા કરીએ ત્યારે અમારા તુલ્યપણાને કહેતાં સાધર્મ્યપણાને પામે છે એમ કહ્યું છે, માટે સાધનકાળમાં સાધન કરતાં કરતાં અક્ષરબ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થાય, ને પછી શ્રીજીમહારાજની કૃપા થાય ત્યારે તે પુરુષોત્તમરૂપ થાય, માટે સિદ્ધ થયા પછી તો પુરુષોત્તમનું જ સાધર્મ્યપણું રહે છે, પણ અક્ષરનું રહેતું નથી કેમ જે શ્રીજીમહારાજ જેવા દિવ્ય સાકાર છે તેવા જ મુક્ત પણ દિવ્ય સાકાર છે, માટે મૂર્તિમાન થયા પછી મૂર્તિમાન પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જ સાધર્મ્યપણું રહે છે, પણ નિરાકાર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનું સાધર્મ્યપણું રહેતું નથી, માટે અક્ષરબ્રહ્મનું સાધર્મ્યપણું કહ્યું છે તે સાધનકાળની વાત છે. ।।૬૭।। (૨૦૦)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં ગઢડા મધ્ય પ્રકરણં સમાપ્તમ્
અથ વચનામૃત વરતાલ પ્રકરણમ્
વચનામૃત વરતાલનું - ૧
સંવત ૧૮૮૨ના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ કોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને ધોળો સુરવાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો અને ગૂઢા રંગનો રેંટો કમરે બાંધ્યો હતો ને માથા ઉપર કસુંબલ રેંટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો ને ખભે કસુંબલ રેંટો જરકસી છેડાનો વિરાજમાન હતો ને કંઠને વિષે ગુલાબનાં પુષ્પના હાર વિરાજમાન હતા ને માથા ઉપર ગુલાબનાં પુષ્પના તોરા વિરાજમાન હતા ને ભુજાઓને વિષે ગુલાબના ગજરા ને બાજુબંધ બાંધ્યા હતા એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે તે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી, નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે તે કહીએ તે સાંભળો જે, શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે :
अत्र सर्गो विसर्गश्च स्थान पोषणमूतय: । मन्वंतरेशानुकथा विरोद्यो मुक्तिराश्रय: ।।
એ શ્લોકનો એમ અર્થ છે જે વિશ્વનાં સર્ગ-વિસર્ગાદિ જે નવ લક્ષણ તેણે કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેને વિષે જે મુમુક્ષુની અચળ મતિ થઈ, જેમ આ આંબાનું વૃક્ષ છે તે એક વાર દૃઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તોપણ કોઈ રીતે આંબાને વિષે ભ્રાંતિ ન થાય જે આંબાનું વૃક્ષ હશે કે નહિ હોય. તેમ જેને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તોપણ નિર્વિકલ્પ સમાધિ છે ને પ્રાણ લીન થયા હોય તોપણ નિર્વિકલ્પ સમાધિ છે. (૧) અને જેને આ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ-વિકલ્પ રહેતા હોય જે બ્રહ્મપુરને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને શ્વેતદ્વીપ ને વૈકુંઠને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થાશે એવી જાતના સંકલ્પ-વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને અને એવાને જો દૈવ ઇચ્છાએ કરીને સમાધિ થાય તોપણ સંકલ્પ-વિકલ્પ મટે નહિ અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાને ઇચ્છે પણ મનના વિકલ્પ મટે નહિ એવો હોય તેને સમાધિ છે તોપણ સવિકલ્પ છે ને સમાધિ ન હોય તોપણ સવિકલ્પ છે, માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તોય પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. (૨)
૨ પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, (૨) મનના સંકલ્પ-વિકલ્પ ટાળવાનો ઉપાય કરે અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે કૌરવને ને પાંડવને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવો ને પાંડવોએ વિચાર્યું જે, આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ જે તે યુદ્ધમાં જે કોઈ મરે તોપણ તેના જીવનું રૂડું થાય એવું વિચારીને કુરુક્ષેત્રને વિષે યુદ્ધ કર્યું પછી જીત્યા તેનું પણ સારું થયું ને એ સંગ્રામમાં મરાણા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ ને રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય. (૩) અને જો મન આગળ હારે તોપણ યોગભ્રષ્ટ થાય તે પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘણે જન્મે પણ અંતે જાતો એ એકાંતિક ભક્ત થાય, પણ એણે દાખડો કર્યો તે છૂટી ન પડે, માટે બુદ્ધિમાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વૈર બાંધવું પછી એ મનને જીતશે તોપણ સારું છે ને એ મનથી હારશે તોપણ યોગભ્રષ્ટ થાશે તેમાં અંતે જાતાં સારું છે તે માટે કલ્યાણને ઇચ્છે તેને તો મન સાથે જરૂર વૈર બાંધવું. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૨૦૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જે ભક્તને અમારા આ પ્રત્યક્ષ મનુષ્યરૂપને વિષે દિવ્યભાવનો દૃઢ નિશ્ચય થાય તેના પ્રાણ લીન ન થયા હોય તોપણ સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. અને એ ગુણથી પર એવો એકાંતિક ભક્ત છે. (૧) અને ધામને વિષે અમારું સ્વરૂપ કેવું હશે ? અને એ સ્વરૂપનું ક્યારે દર્શન થશે ? એવા વિકલ્પ રહે તેને સમાધિ હોય તોય સવિકલ્પ છે. (૨) બીજામાં અમારી આ પ્રત્યક્ષ મૂર્તિને વિષેથી મનુષ્યભાવના વિકલ્પને જીતે, અને પ્રતિમાને વિષેથી પ્રતિમાભાવના વિકલ્પને જીતે તો તેનું આ જન્મે જ કલ્યાણ થાય. (૩) અને વિકલ્પ ન જીતે તે યોગભ્રષ્ટ થાય, ને તેનું જન્માંતરે કલ્યાણ થાય છે. (૪) બાબતો છે.
૧ પ્ર. (૨/૪ બીજા પ્રશ્નમાં) યોગભ્રષ્ટનું એક-બે જન્મે કલ્યાણ કહ્યું અને (પ્ર. ૭૦ના ત્રીજા પ્રશ્નમાં) ફિકર ન રાખશો; અમે સહાય કરશું એમ કહ્યું તે કેમ સમજવું ?
૧ ઉ. આમાં જેને ભગવાનના મનુષ્ય સ્વરૂપને વિષે દિવ્યભાવ સમજવામાં ખામી રહે તેને જન્મ ધરવાનું કહ્યું છે, અને (પ્ર. ૭૦માં) શ્રીજીમહારાજની મનુષ્યરૂપ મૂર્તિને વિષે દિવ્યભાવ તો થયેલો હોય પણ પંચવિષય સંબંધી સંકલ્પ થતા હોય તેને કહ્યું છે જે, અમે સહાય કરશું કેમ જે તે સ્થૂળ દેહે કરીને પંચ વર્તમાન પાળે છે, અને વાસના ટાળ્યાના ઉપાયમાં મંડ્યો છે તેવામાં દેહ પડી જાય તો તેની ભગવાન રક્ષા કરે છે, અને જેને શ્રીજીમહારાજના મનુષ્ય સ્વરૂપને વિષે દિવ્યભાવ ન થયો હોય તેને તો જન્મ ધરીને એ અજ્ઞાન ટાળવું જોઈએ જ. ।।૧।। (૨૦૧)
વચનામૃત વરતાલનું - ૨
સંવત ૧૮૮૨ના કાર્તિક સુદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પીળા તાસતાનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર જરકસી છેડાની કસુંબલ પાઘ બાંધી હતી તથા જરકસી છેડાનું કસુંબલ શેલું ખભે નાખ્યું હતું અને પાઘને ઉપર ચંપાનાં પુષ્પના હાર વિરાજમાન હતા ને કંઠને વિષે ધોળાં પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજીમહારાજ બોલ્યા જે કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો.
૧ પછી ગામ બુવાના પટેલ કાનજીદાસજીએ હાથ જોડીને પૂછ્યું જે, (૧) હે મહારાજ ! ભગવાન શે પ્રકારે રાજી થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય, ત્યારે કહેશો જે દ્રોહ તે શું ? તો જે આ સર્વે જગતના કર્તા-હર્તા ભગવાન છે તેને કર્તા-હર્તા ન સમજીએ ને વિશ્વના કર્તા-હર્તા કાળને જાણીએ, અથવા માયાને જાણીએ, અથવા કર્મને જાણીએ, અથવા સ્વભાવને જાણીએ, એ તે ભગવાનનો દ્રોહ છે, કેમ જે ભગવાન સર્વના કર્તા-હર્તા છે, તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ ને માયા તેને જગતના કર્તા-હર્તા કહે છે, માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે. ત્યાં દૃષ્ટાંત : જેમ તમે ગામના પટેલ છો તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય, અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને જે રાજા ન હોય તેનો હુકમ ચલાવે તો તે પુરુષ રાજાનો દ્રોહી કહેવાય, અને વળી જેમ કોઈક એવા કાગળ લખી લખીને મેલે જે અમારો રાજા છે તે નાક-કાન વિનાનો છે, અથવા હાથ-પગ વિનાનો છે, એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય, તેમ ભગવાન છે તે કરચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે, ને લેશમાત્ર પણ કોઈ અંગે વિકળ નથી અને સદા મૂર્તિમાન જ છે, તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કર્તા કહેવા એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી અને તે વિના તો ચંદન-પુષ્પાદિકે કરીને પૂજે છે તોપણ ભગવાનનો દ્રોહી છે, માટે ભગવાનને જગતના કર્તા-હર્તા જાણે ને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે. (૧) અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાને મુખે કહ્યું છે પણ તે કોઈના સમજ્યામાં આવ્યું નહિ, ત્યારે સાંખ્યશાસ્ત્રે કરીને ચોવીશ તત્ત્વ કહ્યાં ને પચવીશમું ભગવાનનું સ્વરૂપ કહ્યું તે સાંખ્યના આચાર્ય જે કપિલમુનિ તેણે એમ વિચાર્યું જે, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ તેને વિષે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી. અને ઈશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વૈરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત તેને વિષે એકપણે વર્તે છે, પણ તે વિના રહી શકતો નથી, માટે સાંખ્યશાસ્ત્રે જીવને ને ઈશ્વરને ચોવીશ તત્ત્વ ભેળા જ ગણ્યા છે અને પચવીશમા પરમાત્માને કહ્યા છે, અને યોગશાસ્ત્રના આચાર્ય જે હિરણ્યગર્ભ ઋષિ તેણે ચોવીશ તત્ત્વ કહીને પચવીશમો જીવને કહ્યો છે તેમ જ સમષ્ટિને વિષે પચવીશમા ઈશ્વરને કહ્યા છે અને પરમાત્માને છવીશમા કહ્યા છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તેણે ભગવાનનું સ્વરૂપ કહ્યું તોપણ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું, અને અનુમાન પ્રમાણે તો થયું જે સાંખ્યને મતે ચોવીશ તત્ત્વથી પર છે તે વસ્તુ સત્ય છે, અને યોગને મતે ચોવીશ તત્ત્વથી પર જીવ-ઈશ્વર છે ને તેથી પર પરમાત્મા છે, તે સત્ય છે, એવી રીતે પરમાત્માના સ્વરૂપનું બેય શાસ્ત્ર વતે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું, પણ તે ભગવાન કાળા છે કે પીળા છે કે લાંબા છે કે ટૂંકા છે કે સાકાર છે કે નિરાકાર છે એવું કાંઈ જ્ઞાન ન થયું. પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું, તેને વિષે એમ પ્રતિપાદન કર્યું જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે, અને તે જ ભગવાન જે તે શ્વેતદ્વીપવાસી જે અનંત નિરન્ન મુક્ત તેમને પાંચ વખત પોતાનું દર્શન આપે છે, તથા વૈકુંઠલોકને વિષે, તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે ને તે શંખ, ચક્ર, ગદા, પદ્મને ધરી રહ્યા છે, તથા વિષ્વક્સેનાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે અને એ જ ભગવાન પૂજવા યોગ્ય, ભજવા યોગ્ય ને પામવા યોગ્ય છે અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે, અને વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહ રૂપે વર્તે છે, એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે. પછી તે જ પંચરાત્રતંત્રને નારદજીએ ફરીને કર્યું ત્યારે તે નારદ પંચરાત્ર કહેવાણું તેને વિષે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું જે કોઈ રીતે સંશય રહ્યો નહિ અને તે જ રીતે શિવજીએ પાશુપત શાસ્ત્ર કર્યું, તેને વિષે પણ અષ્ટભુજ-ચતુર્ભુજ રૂપે કરીને શ્રીનારાયણના સ્વરૂપનું જ વર્ણન કર્યું છે, તે માટે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જે :
नारायणपरा वेदा देवा नारायणाड्गजा: । नारायणपरा लोका नारायणपरा मखा: ।।
नारायणपरो योगो नारायणपरं तप: । नारायणपरं ज्ञानं नारायणपरा गति: ।।
वासुदेवपरा वेदा वासुदेवपरा मखा: । वासुदेवपरा योगा वासुदेवपरा: क्रिया: ।।
वासुदेवपरं ज्ञानं वासुदेवपरं तप: । वासुदेवपरो धर्मो वासुदेवपरा गति: ।।
એવી રીતે એ પાંચ શાસ્ત્રે કરીને શ્રીકૃષ્ણ નારાયણ વાસુદેવના સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે અને એ પાંચ શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય, જેમ દૂધ છે તેને નેત્રે જુએ ત્યારે ધોળું દેખાય અને નાકે સૂંઘે ત્યારે સુગંધવાન જણાય અને આંગળીએ કરીને અડે ત્યારે ટાઢું-ઊનું જણાય. અને જિહ્વાએ કરીને ચાખે ત્યારે સ્વાદુ જણાય, પણ એક ઇન્દ્રિયે કરીને દૂધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય અને સર્વે ઇન્દ્રિયે કરીને તપાસી જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. તેમ વેદાદિક પાંચ શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે ને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ. અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે, પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો ઉપાય નથી. માટે એવી રીતે સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય અને ભગવાન પણ તે ઉપર જ અતિશે રાજી થાય છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૨૦૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં અમને અરૂપ ને અકર્તા કહે ને અમારા વિના બીજા કાળાદિકને કર્તા કહે તે અમારી ચંદન-પુષ્પાદિકે પૂજા કરે, તોપણ તે અમારો દ્રોહી છે, અને અમને મૂર્તિમાન ને સર્વ કર્તા-હર્તા સમજે તે સેવા માનીએ છીએ ને રાજી થઈએ છીએ. (૧) અને પરોક્ષ શાસ્ત્રને દૃષ્ટાંતે કરીને તે શાસ્ત્રનાં નામપૂર્વક પોતાના સ્વરૂપને સમજવાની રીત કહી છે, જે વેદમાં ભગવાનનું સ્વરૂપ નારાયણે કહ્યું પણ સમજાય એવું નથી અને સાંખ્યશાસ્ત્રે ચોવીશ તત્ત્વથી પર પરમાત્માને કહ્યા છે અને યોગશાસ્ત્રે તત્ત્વથી પર જીવ-ઈશ્વરને કહીને તેથી પર પરમાત્માને કહ્યા છે, પણ યથાર્થ જ્ઞાન થયું નથી, અને પંચરાત્રશાસ્ત્રે ભગવાનને સાકાર મૂર્તિમાન અક્ષરધામમાં પાર્ષદોએ સહિત છે. અને સર્વ અવતારનું ધારણ કરે છે એમ કહ્યું છે, માટે અમારા ભક્તોએ અમને જીવ, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર તે સર્વેથી પર સમજવા તે સાંખ્ય વિચાર જાણવો અને યોગશાસ્ત્ર જીવ-ઈશ્વરથી પર પરમાત્માને કહે છે તેમ પ્રધાનપુરુષ સુધી જીવ અને મૂળઅક્ષર સુધી ઈશ્વર ને તેથી પર અમારા તેજરૂપ બ્રહ્મ, તે બ્રહ્મથી પર અમને જાણીને અમારું ધ્યાન કરવું, અને વેદ કોઈક ભગવાન છે એમ કહે છે તે અમે આ પ્રત્યક્ષ છીએ, એમ જાણવું. અને પંચરાત્રશાસ્ત્ર સદા સાકાર ને સર્વ કર્તા કહે છે તેવી રીતે અમને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વના કર્તા-હર્તા ને સર્વ અવતારો માત્રના અવતારી, સર્વને સુખદાતા સર્વોપરી સમજવા. અને અમારી ભક્તિ કરવી અને અમારી પ્રતિમાની પૂજા-આરતી કરવી ને થાળ જમાડવા, પોઢાડવા એવી રીતે સેવા કરવી. આવી રીતે સમજે તે જ જ્ઞાની ભક્ત છે ને તે ઉપર અમે રાજી થઈએ છીએ, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં કાળ-કર્માદિકને કર્તા જાણે તેને દ્રોહી કહ્યો તે કેવી રીતે સમજે તો કાળાદિકને કર્તા જાણ્યા કહેવાય ?
૧ ઉ. પ્રલયના કર્તા કાળને જાણે, પણ શ્રીજીમહારાજની પ્રેરણાથી કરે છે એમ ન જાણે તેણે કાળને કર્તા જાણ્યો કહેવાય. અને આ જગતની ઉત્પત્તિકર્તા માયાને જાણે, પણ શ્રીજીમહારાજની પ્રેરણાથી કરે છે એમ ન જાણે તેણે માયાને કર્તા જાણી કહેવાય. અને કર્મે કરીને જ સુખ-દુઃખ ભોગવાય છે, ને મોક્ષ થાય છે, એમ જાણે, પણ શ્રીજીમહારાજને કર્મફળપ્રદાતા ને મોક્ષકર્તા ન જાણે તેણે કર્મને કર્તા જાણ્યું કહેવાય. અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તે સ્વાભાવિક જ થયા કરે છે એમ જાણે પણ તેના કર્તા શ્રીજીમહારાજને ન જાણે તેણે સ્વભાવને કર્તા જાણ્યો કહેવાય.
૨ પ્ર. બીજી બાબતમાં વેદમાં ભગવાનનું સ્વરૂપ નારાયણે કહ્યું છે એમ કહ્યું તે નારાયણ કિયા જાણવા ? અને ભગવાન કિયા જાણવા ?
૨ ઉ. આ ઠેકાણે મૂળપુરુષને નારાયણ કહ્યા છે. અને તેમણે પોતાના સ્વરૂપનું વર્ણન કર્યું છે, અને વેદમાં તેમને જ ભગવાન કહ્યા છે.
૩ પ્ર. વાસુદેવ ભગવાને પંચરાત્રતંત્ર કર્યું એમ કહ્યું તે વાસુદેવ કિયા જાણવા ? અને તેમણે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન કહ્યા તે ભગવાન કિયા જાણવા ? અને તેમનું અક્ષરધામ કહ્યું તે કિયું જાણવું ?
૩ ઉ. મૂળપુરુષના ઉપરી જે વાસુદેવબ્રહ્મ છે તેમણે પંચરાત્રતંત્ર કર્યું છે અને શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તે પોતાને જ કહ્યા છે. અને (અ. ૭/૧માં ) જે બ્રહ્મપુર નામે ધામ કહ્યું છે તેને જ આ ઠેકાણે અક્ષરધામ નામે કહ્યું છે. અને એ જ વાસુદેવ પોતે બ્રહ્મપુરમાં રહ્યા થકા નિરન્ન મુક્તોને શ્વેતદ્વીપમાં પાંચ વખત દર્શન આપે છે. અને રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે, અને વાસુદેવાદિક ચતુર્વ્યૂહ રૂપે વર્તે છે એમ કહ્યું છે તે તો મહત્તત્ત્વ જે વાસુદેવ ને તેથી ઉત્પન્ન થયા જે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ તે રૂપે થાય છે એટલે તેમાં અંતર્યામી શક્તિ દ્વારે પ્રવેશ કરે છે એમ કહ્યું છે, અને વાસુદેવ કોને કોને કહેવાય છે ? તેનો ખુલાસો (પં. ૨ના ૪ પ્રશ્નોત્તરમાં) છે.
૪ પ્ર. વાસુદેવબ્રહ્મને શ્રીકૃષ્ણથી પર ને તેનાં કારણ આમાં તો કહ્યાં પણ બીજે ક્યાં કહ્યાં હશે ?
૪ ઉ. (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) પ્રકૃતિપુરુષથી પર બ્રહ્મ કહ્યા છે તે વાસુદેવને કહ્યા છે, (લો. ૧૨ના પહેલા પ્રશ્નમાં) શ્રીકૃષ્ણ જેવા શ્રીજીમહારાજને જાણે તેનો નિર્વિકલ્પમાં કનિષ્ઠ નિશ્ચય કહ્યો છે, અને શ્વેતદ્વીપપતિ વાસુદેવ જેવા જાણે તેને નિર્વિકલ્પમાં મધ્યમ કહ્યો છે. અને (પં. ૬/૧માં) શ્રીકૃષ્ણના અવતારી વાસુદેવને કહ્યા છે. ને એમનું ધામ ગોલોક ધામથી પર બ્રહ્મપુર નામે (અ. ૭/૧માં) કહ્યું છે, માટે વાસુદેવબ્રહ્મ, શ્રીકૃષ્ણના અવતારી, કારણ ને નિયંતા છે.
૫ પ્ર. નારાયણ નામે કોને કોને કહેવાતા હશે ?
૫ ઉ. વિષ્ણુથી લઈને વૈરાજપુરુષ, પ્રધાનપુરુષ, મૂળપુરુષ, નરનારાયણ, વાસુદેવ, મૂળઅક્ષર, એ સર્વેને નારાયણ કહેવાય, એે સર્વેના સ્વામી શ્રીજીમહારાજ છે, માટે શ્રીજીમહારાજને સ્વામિનારાયણ કહેવાય છે.
૬ પ્ર. બીજી બાબતમાં વાસુદેવ ભગવાને પંચરાત્રશાસ્ત્ર કર્યું તેમાં વાસુદેવનું જ પ્રતિપાદન છે એમ કહ્યું અને પછીથી પાંચેય શાસ્ત્ર શ્રીકૃષ્ણનું પ્રતિપાદન કરે છે એેમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૬ ઉ. પાછળથી પણ શ્રીકૃષ્ણ નારાયણ અને વાસુદેવનું પ્રતિપાદન એ પાંચ શાસ્ત્ર કરે છે એમ ભેળું કહ્યું છે તેમાં પંચરાત્ર વાસુદેવનું પ્રતિપાદન કરે છે, અને બીજાં ચાર શાસ્ત્ર શ્રીકૃષ્ણનું પ્રતિપાદન કરે છે એમ સમજવું. ।।૨।। (૨૦૨)
વચનામૃત વરતાલનું - ૩
સંવત ૧૮૮૨ના કાર્તિક વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ગુલાબનાં પુષ્પના હાર ધારણ કર્યા હતા અને મસ્તકને વિષે પાઘમાં તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧)આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભગવાનની ભક્તિ એ ચાર વાનાં જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. ને એ ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તોપણ ત્રણ જે બાકી રહ્યાં તે એકના પેટામાં આવી જાય એવું એક કિયું એ ચારેમાં શ્રેષ્ઠ છે ? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! એવો તો એક ધર્મ છે તે ધર્મ હોય તો ત્રણે વાનાં તે પુરુષમાં આવે, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય, તેમાં પણ હોય માટે તેને શું સત્સંગમાં મોટો કરશું ? પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાણો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ ને વૈરાગ્ય એ સામાન્યપણે હોય તોપણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહિ કેમ જે, જે ભગવાનનું માહાત્મ્ય જાણતો હોય તે તો એમ વિચારે જે ભગવાનની આજ્ઞાને વિષે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે તે ભગવાનની આજ્ઞા હુંથી કેમ લોપાય ? એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે. (૧)
૨ ત્યારે શુકમુનિએ પૂછ્યું જે, (૨) જ્યારે એક માહાત્મ્યે સહિત ભક્તિએ કરીને સંપૂર્ણ થાય ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી ને ચાર વાનાં શા સારુ કહ્યાં ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અતિશે માહાત્મ્યે સહિત ભક્તિ ભગવાનને વિષે હોય તો એક ભક્તિને વિષે ત્રણે આવી જાય. અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે, માટે ચાર વાનાંએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય એમ કહ્યું છે અને એવી અસાધારણ ભક્તિ તો પૃથુરાજાને હતી તે ભગવાને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારુ દશ હજાર કાન માગ્યા, પણ બીજું કાંઈ ન માગ્યું અને જે ગોપીઓને રાસક્રીડામાં ન જાવા દીધી તે દેહ મૂકીને શ્રીકૃષ્ણ પાસે ગઈ, એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનાદિક ત્રણે એક ભક્તિમાં આવી જાય. (૨)
૩ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) એવી અસાધારણ ભક્તિ શે ઉપાયે કરીને આવે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટાપુરુષની સેવા થકી આવે છે તે મોટાપુરુષ પણ ચાર પ્રકારના છે : એક તો દીવા જેવા, ને બીજા મશાલ જેવા, ને ત્રીજા વીજળી જેવા, ને ચોથા વડવાનળ અગ્નિ જેવા. તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય, ને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય, ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય, અને વડવાનળ અગ્નિ જેવા હોય તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો જ નથી, અને સમુદ્રના જળને પીને મૂળ દ્વારે કાઢી નાખે છે તે પાણી મીઠું થાય છે તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે, તેમ એવા જે મોટાપુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે એ ચાર પ્રકારના જે મોટાપુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટાપુરુષ છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન-કર્મ-વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્મ્યે સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો ભગવાનના એકાંતિક સાધુ છે અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમએકાંતિક સાધુ છે એમ જાણવું. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩।। (૨૦૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જેને અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ ને વૈરાગ્ય એ ત્રણ સામાન્ય હોય તોપણ તે ધર્મમાંથી પડે નહીં. માટે એ ત્રણથી ભક્તિ શ્રેષ્ઠ છે. (૧) બીજામાં એવી અસાધારણ ભક્તિમાં જ્ઞાનાદિક ત્રણે આવી જાય છે. (૨) ત્રીજામાં ચાર પ્રકારના મુક્ત છે તેમાં વીજળી તથા વડવાનળ જેવા મુક્તની સેવાથી અસાધારણ ભક્તિ આવે છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં શ્રી ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ ધર્મ હોય તો ત્રણે તે પુરુષમાં આવે એવો ઉત્તર કર્યો તે એ તો અનાદિમુક્ત હતા તેમણે એવો ઉત્તર કેમ કર્યો હશે ?
૧ ઉ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ ભાગવત ધર્મ હોય તો જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ત્રણે એમાં આવી જાય એમ ઉત્તર કર્યો છે. પણ ભાગવત ધર્મ ન બોલ્યા ને બાધે ભારે ધર્મ બોલ્યા તેથી કોઈકને સામાન્ય ધર્મ સમજાય તે સારુ શ્રીજીમહારાજે ફરીથી ઉત્તર કરીને ધર્મને નિર્બળ કરી બતાવ્યો ને ભક્તિ હોય તો ધર્માદિક ત્રણ આવે એમ કહ્યું તે ભક્તિ ને ભાગવત ધર્મ તે એક જ છે. માટે શ્રીજીમહારાજના તથા તેમના ઉત્તરમાં ફેર નથી.
૨ પ્ર. શ્રી ગોપાળાનંદ સ્વામીએ તથા શ્રી મુક્તાનંદ સ્વામીએ ભાગવત ધર્મને અધિક કહ્યો હોય તો શ્રીજીમહારાજે આશંકા કરી ત્યારે અમે ભાગવત ધર્મ કહ્યો છે એમ બોલ્યા કેમ નહીં ?
૨ ઉ. એ બેય મુક્ત દાસત્વભક્તિના અંગવાળા છે તે શ્રીજીમહારાજ ઉત્તર કરવા લાગ્યા તેથી વચમાં ન બોલ્યા કેમ જે મોટા વાત કરતા હોય ત્યારે વચમાં ન બોલવું એ દાસનો ધર્મ છે માટે ન બોલ્યા.
૩ પ્ર. ત્રીજા પ્રશ્નમાં દીવા જેવા ને મશાલ જેવા વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય એમ કહ્યું તે કેવા વિષયમાં લેવાય તે દીવા જેવા કહેવાય, અને કેવા વિષયમાં લેવાય તે મશાલ જેવા કહેવાય ?
૩ ઉ. સ્ત્રી, દ્રવ્ય, ખાન, પાન આદિક પદાર્થોનો સંબંધ ઘણો થાય તેને ભોગવવાનો કોઈક વખત સંકલ્પ થઈ જાય તે દીવા જેવા કહેવાય. અને એવા પદાર્થોના યોગમાં સદાય રહેતા થકા પણ તેને ભોગવવાનો સંકલ્પ થાય નહિ, પણ બળાત્કારે નિયમ મુકાવે એવા અધર્મી મનુષ્યોનો ઝાઝો પ્રસંગ હોય તો તેને ભોગવવાનો મનમાં સંકલ્પ થઈ જાય તે મશાલ જેવા કહેવાય, અને જો દેહે કરીને આજ્ઞા વિરુદ્ધ ભોગવે તો તે દીવા જેવા પણ ન કહેવાય, કેમ કે શ્રીજીમહારાજે ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી આદિકમાં કહેલા વર્તમાનના પ્રબંધ પ્રમાણે ન વર્તે તે તો મોટાપુરુષ કહેવાય જ નહિ અને માયારૂપી વરસાદને પાણીએ કરીને ન ઓલાય એટલે માયાના કાર્યમાં જળ-કમળવત્ રહે અને તેમાં ભૂંડા દેશકાળાદિકે કરીને પણ લેવાય જ નહિ, અને એના સમાગમ કરનારાને પણ પોતા જેવા નિર્વાસનિક કરીને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે હેત કરાવે ને બીજે બધેથી લૂખા કરે તે એકાંતિક વીજળી જેવા કહેવાય. અને મહા અધમ જીવને પણ સંકલ્પમાત્રમાં નિર્વાસનિક કરીને શ્રીજીમહારાજને સુખે સુખિયા કરે તે સિદ્ધદશાવાળા પરમએકાંતિક તથા અનાદિ તે વડવાનળ જેવા કહેવાય.
૪ પ્ર. આમાં વડવાનળ જેવા તો સિદ્ધદશાવાળા પરમએકાંતિક છે એમ કહ્યું અને તમે તો ત્રીજા પ્રશ્નોત્તરમાં સિદ્ધદશાવાળા પરમએકાંતિક તથા અનાદિમુક્તને વડવાનળ જેવા કહ્યા તેનો શો હેતુ હશે ?
૪ ઉ. શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામેલા સિદ્ધમુક્ત છે તે શ્રીજીમહારાજના જેવા જ સમર્થ છે તે (પ્ર. ૬૨ના પહેલા પ્રશ્નમાં) ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ ને ચહાય તે કરવા સમર્થ છે તેમ તે ભક્ત સમર્થ ને નિર્બંધ થાય છે, તથા (સા. ૧૧ના પહેલા પ્રશ્નમાં) ભગવાનના તુલ્યપણાને પામે છે ને ભગવાનના જેવો જ સ્વતંત્ર થાય છે તથા (પ્ર. ૯/૨માં) મુક્તને પોતાની મૂર્તિઓ કહી છે તથા (મ. ૬૬માં) મુક્તોને પોતાના સરખા કહ્યા છે. માટે આ ઠેકાણે વડવાનળ જેવા તો પોતે ભગવાન છે એમ કહ્યું છે તે તો પોતાના મુક્તોનો મહિમા કહ્યો છે, ને અમારા સિદ્ધદશાવાળા મુક્ત છે તે તો જેવા અમે છીએ તેવા જ છે, એમ સમજવાનું છે. શ્રીજીમહારાજ તો એ મુક્તના પણ નિયંતા ને સ્વામી ને આધાર છે, ને એમને સુખના દાતા છે ને સત્પુરુષ તો શ્રીજીમહારાજના દાસ છે, ને સુખના ભોક્તા છે, પણ શ્રીજીમહારાજની પેઠે જ જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા સમર્થ છે, તે માટે એમ કહ્યું છે. ।।૩।। (૨૦૩)
વચનામૃત વરતાલનું - ૪
સંવત ૧૮૮૨ના માગશર સુદિ ૧૦ દસમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં વિરાજમાન હતા ને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રશ્ન-ઉત્તર કરો.
૧ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) ભક્તિમાર્ગને વિષે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે કિયું છે જે એક સાધનને કર્યા થકી જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિષે આવી જાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, બત્રીસ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન-કર્મ-વચને કરીને રાખે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે, તેટલાં સર્વે તે સંતના સંગમાં આવી જાય છે. (૧)
૨ એમ ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ પ્રશ્ન પૂછતા હવા જે, (૨) ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય તે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવનારાયણ પર છે એમ જાણે, માટે તે યોગી કિયે પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે ? અને કેમ પોતાના મનને ચલાવે ? ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે ? અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ? ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે ? અને નિદ્રારૂપી લય ને સંકલ્પ-વિકલ્પરૂપી વિક્ષેપ તે થકી કેઈ યોગની કળાએ કરીને જુદો પડે ? એનો ઉત્તર કહો. પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું પણ કોઈ થકી ઉત્તર થયો નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઊછળે છે, તેમ અંતઃકરણરૂપી જે ફુવારો તેને વિષે જીવની વૃત્તિ છે, તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિય દ્વારે ઊછળે છે તેને જે યોગી હોય તે બે પ્રકારે કરીને, એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિષે સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતવન કરે, અને બીજી વૃત્તિ છે તેને તો દૃષ્ટિ દ્વારે કરીને બહાર રાખે, અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતવન કરે, તે પણ નખશિખા પર્યંત સમગ્ર મૂર્તિનું ભેળું જ ચિંતવન કરે, પણ એક એક અંગનું જુદું જુદું ચિંતવન ન કરે, જેમ મોટું મંદિર હોય તેને એકસામટું ભેળું જ જુએ, તથા જેમ મોટો પર્વત હોય તેને એકસામટો ભેળો ને ભેળો જ જુએ. એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ પણ એકેકું અંગ ન જુએ, અને તે મૂર્તિને જ્યારે પોતાની દૃષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજું કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢૂંકડી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે, એમ કરતાં પણ આસપાસ કંઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રકુટિના મધ્યને વિષે મૂર્તિને ધારે, એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દૃષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરાં પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેણે કરીને મૂર્તિને ઊંચી ચડાવે, અને વળી પાછી હેઠે લાવે અને અડખે-પડખે ડોલાવે એવી રીતે યોગકળાએ કરીને જ્યારે સચેત થાય, ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે ને ત્યાંથી ભ્રકુટિમાં લાવીને હૃદયને વિષે મૂર્તિને ઉતારે, અને અંતરને વિષે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેયને એક કરે, પછી અંતઃકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે, એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે, એવી રીતે જ શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના ને ઘ્રાણ તે દ્વારે પણ યોગકળા સાધે અને તેમ જ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે, અને ઇન્દ્રિયો ને અંતઃકરણ એ સર્વેને સાંખ્ય વિચારે કરીને જુદાં કરીને એકલા ચૈતન્યને વિષે જ ભગવાનની મૂર્તિને ધારે અને તે ભગવાનની મૂર્તિને અંતરમાં કે બહાર ધારી હોય, અને તે સમે કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આડો આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને જ સમાધાન કરે, પણ વિક્ષેપને વિષે પણ પોતાની યોગકળાનો ત્યાગ ન કરે એવી રીતની યોગકળાએ યુક્ત એ યોગી વર્તે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૪।। (૨૦૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે બત્રીશ લક્ષણે યુક્ત એવા જે અમારા સંત તેમનો મન-કર્મ-વચને સંગ રાખે તો તેના સંગમાં સર્વે સાધન આવી જાય. (૧) બીજામાં વૃત્તિને બે પ્રકારે કરીને એક વૃત્તિએ હૃદયને વિષે અમારી મૂર્તિનું ચિંતવન કરવું, ને બીજી વૃત્તિએ નેત્ર આગળ છેટે અમારી મૂર્તિને ધારીને ચિંતવન કરવું, અને મૂર્તિને અડખે-પડખે બીજું પદાર્થ દેખાય તો નાસિકાગ્ર મૂર્તિ ધારવી, એમ કરતાં અડખે-પડખે પદાર્થ દેખાય તો ભ્રકુટિના મધ્યે ધારવી, અને આળસ-નિદ્રા આવે તો મૂર્તિ છેટે ધારવી ને ઢૂંકડી લાવવી ને અડખે-પડખે ધારવી, પછી સચેત થવાય ત્યારે નાસિકાગ્ર લાવવી ને ભ્રકુટિમાં લાવીને હૃદયમાં ઉતારવી, અને બે વૃત્તિઓ હોય તે એક કરવી એમ કરતાં આળસ-નિદ્રા આવે તો મૂર્તિ બહાર લાવવી એવી રીતે જ્ઞાન-ઇન્દ્રિયો દ્વારે અમારી મૂર્તિ ધારવી પછી ચૈતન્યમાં ધારવી તેમાં વ્યાવહારિક વિક્ષેપ આવે તો મૂર્તિ ધારવી પડી મૂકવી નહિ, એ યોગકળાએ કરીને અમારી મૂર્તિ ધારવાનો ઉપાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં જ્ઞાન-ઇન્દ્રિયોએ કરીને મૂર્તિ ધારવાની કહી તે જ્ઞાન-ઇન્દ્રિયે કરીને શ્રીજીમહારાજને કેવી રીતે ધારવા ?
૧ ઉ. શ્રીજીમહારાજ ગાતાં ગાતાં આવે છે એમ કાને કરીને ધારવા ને કાન દ્વારે મૂર્તિને હૃદયમાં ઉતારવી, અને શ્રીજીમહારાજને મળું છું એમ ત્વચાએ કરીને ધારવા, અને ત્વચા દ્વારે પ્રેમે કરીને હૃદયને વિષે ઉતારવા, અને શ્રીજીમહારાજ છેટેથી મહાતેજોમય મૂર્તિ ચાલ્યા આવે છે. એમ નેત્રદ્વારાએ ધારવા અને નેત્રદ્વારાએ કરીને હૃદયમાં ઉતારવા અને શ્રીજીમહારાજ ભારે ભારે ભોજન જમે છે ને મને પ્રસાદી આપે છે તે હું જમું છું એમ ધારવા, ને એમ ધારતાં ધારતાં જિહ્વા દ્વારે હૃદયમાં ઉતારવા, અને શ્રીજીમહારાજ ભારે વસ્ત્ર-ઘરેણાં તથા પુષ્પના હાર તથા અત્તર-ચંદન તેણે ગરકાવ થકા આવે છે તેનો સુગંધ આવે છે, એમ ઘ્રાણ-ઇન્દ્રિયે કરીને ધારવા અને તે ઘ્રાણ-ઇન્દ્રિય દ્વારે હૃદયમાં ઉતારવા અને ચિત્તમાં ચિંતવન કરવું, મનમાં મનન કરવું, બુદ્ધિમાં નિશ્ચય કરવો, અને હું એમનો છું ને એ મારા છે એવું અહંકારે કરીને અહંપણું લાવવું, એમ સર્વે ઇન્દ્રિયો દ્વારે શ્રીજીમહારાજને પોતાના હૃદયમાં ઉતારવા.
૨ પ્ર. મૂર્તિને ધારવાપણે કરીને વ્યાવહારિક વિક્ષેપનું સમાધાન કરવું એમ કહ્યું તે મૂર્તિને ધારવાપણે સમાધાન કેવી રીતે કરવું ?
૨ ઉ. જ્યારે વ્યાવહારિક વિક્ષેપ આવે ત્યારે એમ વિચારવું જે આપણે તો મૂર્તિ જ ધારવી ને વ્યવહાર તો જેમ થવાનો હશે તેમ થશે એમ વિક્ષેપનું સમાધાન કરવું પણ વિક્ષેપ ભેળું ભળવું નહિ ને મૂર્તિ મૂકવી નહિ એ સમાધાન જાણવું. ।।૪।। (૨૦૪)
વચનામૃત વરતાલનું - ૫
સંવત ૧૮૮૨ના માગશર વદિ ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિષે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને અતિ સૂક્ષ્મ એવાં શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર ઘણાક ધારણ કર્યા હતા અને શ્રવણ ઉપર મોટા બે બે ગુલાબનાં પુષ્પનાં ગુચ્છ ધારણ કર્યા હતા અને પાઘને વિષે ગુલાબનાં પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વાંકડા વાંકડા પ્રશ્ન કરો જે જેણે કરીને સૌની આળસ ઊડી જાય એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાભેર થયા.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે (૧) दैवी होषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यंते मायामेतां तरंति ते ।। એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું છે જે, જે પુરુષ મુને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે ત્યારે તેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતાં થકાં કાંઈક અંતરમાં સંકલ્પ-વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે તેને માયા વિના બીજું કોણ કરતું હશે ? એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ પોઢ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા જે, માયાના ત્રણ ગુણ છે તેમાં તમોગુણનાં તો પંચભૂત ને પંચમાત્રા છે અને રજોગુણનાં દશ ઇન્દ્રિયો ને પ્રાણ છે અને સત્ત્વગુણનાં ચાર અંતઃકરણ ને ઇન્દ્રિયો-અંતઃકરણના દેવતા છે તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વમાં એ ત્રણ ગુણનાં કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે સર્વે હતા, માટે એનો એમ ઉત્તર છે જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા જે એ ભગવાનના સ્વરૂપને વિષે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર છે એવો જેને ભગવાનનો દૃઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિષે પ્રવર્તે છે તોપણ એ માયાને તર્યો કહેવાય કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિષે તો હોય, પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણથી પર સમજે છે, માટે એને પણ માયાથી પર જ જાણવો, અને બ્રહ્માદિક દેવ ને વસિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે તે શાસ્ત્રમાં પણ લખ્યું છે માટે તે શું મુક્ત ન કહેવાય ? ને માયાને તર્યા ન કહેવાય ? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહિ માટે એ જ ઉત્તર છે. (૧)
૨ પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! ભગવાનને આશરે જાવું તે આશરાનું શું રૂપ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાને ગીતામાં કહ્યું છે જે :
सर्वधार्मान् परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ।।
એ શ્લોકમાં એમ કહ્યું છે જે, બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ્ય તો હું તુંને સર્વ પાપ થકી મુકાવીશ. તું શોક મા કર્ય, અને એવો જે ભગવાનનો દૃઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તોપણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે, અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઇચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય ને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. (૨)
૩ પછી નાજે ભક્તે પૂછ્યું જે, (૩) જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભક્ત હોય તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય તે શી રીતે કરીને કળ્યામાં આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્તનો સરસ-નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાઈને સત્સંગના ભીડામાંથી માર્ગ દેઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે પણ હરિભક્તની ભીંસણમાં રહેવાય નહિ, માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો છે અને તેણે કરીને ભક્ત પણ ત્રણ પ્રકારના છે. (૩)
૪ પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૪) એ કનિષ્ઠ હોય તે મટીને આ જન્મને વિષે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ ભગવાનની માનસીપૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસીપૂજા કરે અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખરચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખરચ કરે એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત, તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે, તથા ચાર જન્મે તથા દશ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થાનારો હોય તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૨૦૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) ચાર છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને માયાથી પર જાણે તો તે ભક્ત માયાથી પર થાય છે. (૧) બીજામાં મહાપ્રલય જેવું દુઃખ આવે કે દીર્ઘ રોગાદિક તથા રાજા સંબંધી, નાત સંબંધી એવાં ઘણાક પ્રકારનાં દુઃખ ને ઉપદ્રવ આવે તોપણ અમારા વિના કોઈને રક્ષાનો કરનારો જાણે નહિ, ને અમારી મરજી પ્રમાણે વર્તે તે અમારો શરણાગત છે. (૨) ત્રીજામાં જેને અમારો નિશ્ચય થોડો હોય તેનાથી સત્સંગના ભીડામાં રહેવાય નહીં. (૩) ચોથામાં અમારી ને અમારા ઉત્તમ લક્ષણવાળા સંતની સરખી સેવા કરે તેના ઉપર સો ગણા રાજી થઈને સો જન્મની કસર આ જન્મે ટાળીએ છીએ. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં અમને માયાથી પર જાણે તેમાં માયાનું કાર્ય હોય તોપણ તે માયાને તરી ચૂક્યો છે એમ શ્રીજીમહારાજે કહ્યું. અને (પ્ર. ૨૪ના ૧/૩ પહેલા પ્રશ્નમાં) અમારો યથાર્થ મહિમા સમજાય તો ભૂંડા ઘાટમાત્ર ટળી જાય એમ કહ્યું તે કેમ સમજવું ? અને શ્રીજીમહારાજે વાંકડા પ્રશ્ન પૂછવાનું કહ્યું તે વાંકડું પ્રશ્ન કેવી રીતે જાણવું ?
૧ ઉ. આમાં શ્રીજીમહારાજને માયાથી પર દિવ્ય જાણે, પણ જેવા છે તેવા યથાર્થ મહિમા ન જાણે ને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ ન હોય તેવા કાચા ભક્તને કહ્યું છે જે અમને દિવ્ય જાણે છે, તો અંત વખતે દિવ્ય થશે. એવું પોતાના પ્રતાપનું બળ બતાવ્યું છે, અને (પ્ર. ૨૪માં) યથાર્થ મહિમા તથા જ્ઞાન તેણે સહિત અખંડ શ્રીજીમહારાજમાં વૃત્તિ રાખતો હોય તેવા પાકા ભક્તની વાત કહી છે અને શ્રીજીમહારાજે વાંકડા પ્રશ્ન પૂછવાનું કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે તમે કહો છો કે અમને પામે તે માયાને તરે ત્યારે તમારા ભક્તને માયા વિક્ષેપ કેમ કરે છે ? અર્થાત્ તમે ભક્તની માયાને ટાળતા કેમ નથી. એમ ટીખળ કર્યું તે વાંકડું કહેવાય. ત્યારે શ્રીજીમહારાજે પણ પૂર્વના ભક્તો બ્રહ્મા, વસિષ્ઠાદિકને વિષે માયાનો સંબંધ હતો તોપણ તે માયાને તર્યા કહેવાય છે તેમ આજ પણ અમારા ભક્તને માયાના ગુણ વ્યાપતા હોય, પણ અમને માયાથી પર જાણે છે તો તે ભક્તને પણ માયાને તર્યા જાણવા એમ રમૂજ કરીને સમાધાન કર્યું છે.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં શ્રીકૃષ્ણ ને અર્જુનને દૃષ્ટાંતે શ્રીજીમહારાજનો આશરો કરવામાં ત્યાગ કરવા યોગ્ય સર્વ ધર્મ કહ્યા તે કિયા જાણવા ?
૨ ઉ. જેમ હિમરાજશાહના પરિવારને નાતીલાએ નાત્ય બહાર મૂક્યા હતા તથા આ ગામના રતના ભક્તને રાજાએ તથા નાતીલાએ ગામમાંથી કાઢી મૂક્યા હતા, એવાં દુઃખ આવે તથા મા, બાપ, સ્ત્રી, પુત્રાદિક સગાં-સંબંધી, ગુરુ અંતરાય કરે, દેહમાં દીર્ઘ રોગ આવે, વ્યવહારમાં દુઃખ આવે ને આજીવિકા તૂટી જાય એવાં ઘણાં દુઃખ આવે તોપણ શ્રીજીમહારાજનો આશરો મૂકવો નહિ, અને શ્રીજીમહારાજ વિના બીજાં કોઈ દેવ-દેવીને સુખદાયી જાણવાં નહિ, ને શ્રીજીમહારાજની મરજી પ્રમાણે જે સુખ-દુઃખ આવે તેને ટાળવા ઇચ્છવું નહિ અને જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે ભગવાન પ્રગટ થાય છે તેમ આ સમે શ્રીજીમહારાજ એકાંતિક ધર્મ સ્થાપન કરવા પ્રગટ થયા છે, માટે જેમ શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા ત્યારે ગોપી-ગોવાળે રામચંદ્રજીનો આશરો મૂકીને શ્રીકૃષ્ણ ભગવાનનો આશરો કર્યો, તેમ શ્રીજીમહારાજનો આશરો કરવામાં પ્રથમ જેનો આશરો કર્યો હોય તે કેમ મૂકી દેવાય એવી આશંકા કરવી નહિ, પણ પંચવર્તમાન સંબંધી ધર્મનો ત્યાગ કરવો નહિ, તે (લો. ૬ના ૧૮/૨૧ અઢારમા પ્રશ્નમાં) અમારા ભેળાં સ્ત્રીઓનાં દર્શન થતાં હોય ત્યાં અમે બેસારીએ તોપણ ન બેસવું એમ કહ્યું છે, અને એમાં જ (૧૩/૧૬ તેરમા પ્રશ્નમાં) જેમ શ્રીકૃષ્ણે અશ્વત્થામાને મારવાનું વચન કહ્યું તે અર્જુને ન માન્યું, તેમ અમારું વચન અધર્મ જેવું હોય તો ન માનવું એમ કહ્યું છે, માટે અગિયાર નિયમ સંબંધી વચન સિવાયના બીજા મને માનેલા ધર્મ હોય તે મૂકી દેવા તથા શ્રીજીમહારાજ વિના બીજા કોઈને કર્તા જાણ્યા હોય તે ધર્મ મૂકી દેવા.
૩ પ્ર. ચોથા પ્રશ્નમાં અમારી ને ઉત્તમ લક્ષણવાળા ભક્તની સરખી સેવા કરવી એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવા હોય તે ઉત્તમ લક્ષણવાળા જાણવા ?
૩ ઉ. (છે. ૩૫ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં) છો લક્ષણ કહ્યાં છે તથા (પ્ર. ૭૭ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) સાધુનાં બત્રીસ લક્ષણ કહ્યાં છે તેણે યુક્ત હોય તથા (વ. ૩ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) વીજળી જેવા તથા વડવાનળ જેવા મોટાપુરુષ કહ્યા છે તેવા જાણવા. ।।૫।। (૨૦૫)
વચનામૃત વરતાલનું - ૬
સંવત ૧૮૮૨ ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી ચિમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! જીવ જ્યારે પ્રથમ કારણ શરીરે યુક્ત થકા માયાને વિષે હતા ત્યારે એમને કર્મ વિનાનું સ્થૂળ શરીર કેમ થઈ આવ્યું ? અને જો કર્મ એને હતાં એમ કહીએ તો જેમ જીવ અનાદિ છે તેમ કર્મ પણ અનાદિ થાય ત્યારે તો જૈનના જેવો મત થાય છે માટે કર્મ વિના જીવને સ્થૂળ દેહની પ્રાપ્તિ કેઈ રીતે છે ? એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એકલું કાળનું જ બળ કહે તે પણ પ્રમાણ નહિ ને એકલું કર્મનું બળ કહે તે પણ પ્રમાણ નહિ ને એકલું પરમેશ્વરનું બળ કહે તે પણ પ્રમાણ નહિ; એ તો જ્યારે જેનું પ્રધાનપણું હોય તે સમે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય પણ સર્વ ઠેકાણે એનું એ લેવું નહિ અને જ્યારે જેવી પરમેશ્વરની ઇચ્છા હોય ત્યારે તેવું જ કાળનું સામર્થ્ય પ્રવર્તે છે તે કાળે કરીને પરમેશ્વર જે તે જીવનાં દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણને સૃજે છે. પછી તો જે જીવ જેવું કર્મ કરે તેને તેવા દેહની પ્રાપ્તિ થાય છે, (૧) તે જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સત્યયુગ તેને વિષે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થાતા અને સર્વે બ્રાહ્મણ જ હતા. અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પમાત્રે કરીને પુત્રની ઉત્પત્તિ થાતી અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતાં અને જેટલા મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહિ; જ્યારે કલ્પવૃક્ષ હેઠે જાય ત્યારે સત્ય સંકલ્પ સત્ય થાય અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગ સંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય, એવી રીતનો જે સત્યયુગ-ત્રેતાયુગનો સ્વભાવ તે સર્વે સત્યયુગ-ત્રેતાયુગમાં ન હોય, એ તો પ્રથમ સત્યયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતું. એવી રીતે જ્યારે કાળ બળવાન પ્રવર્તે ત્યારે કર્મના સામર્થ્યને ન્યૂન કરી નાખે છે અને જ્યારે અતિશે દુર્ભક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એક કાળે મરાઈ જાય છે; ત્યારે શું બધાયનું એક ભેળે કર્મ ખૂટી રહ્યું ? એ તો કાળની જ અતિશે સામર્થી છે તેણે કર્મના બળને હઠાવી દીધું. માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહીં. કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવવું લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને જ સર્વ થાય છે એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનના એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળિયુગને વિષે પણ સત્યયુગ થાય છે, એ ઠેકાણે એકાંતિક ભક્તનાં જે ભગવાનની ભક્તિ સંબંધી કર્મ તેનું જ જોર શાસ્ત્રમાં કહ્યું હોય, પણ કાળનું જોર કહ્યું ન હોય તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કર્મને જ સર્વ કર્તા કહે છે પણ એમ નથી જાણતા જે એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે, પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કહ્યું નથી અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય છે જે આ દેહે કરીને તો પાત્ર-કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વનું કલ્યાણ કરવું છે. ત્યારે કાળનું ને કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહિ ત્યારે તો એકલું પરમેશ્વરનું જ સામર્થ્ય રહે છે; તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના તેણે ભગવાનને ઝેર પાયું તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતા જે યશોદાજી તે બરોબર ગતિ આપી. અને બીજા પણ મહાપાપી દૈત્ય હતા તે ભગવાનને મારવા આવ્યા હતા તેને પણ શ્રીકૃષ્ણ ભગવાન પરમપદ આપતા હવા. ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વેનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ બળ અતિશે કહ્યું છે, પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું, માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેવું જાણવું; એવી રીતે જ્યારે પ્રથમ વિશ્વ રચ્યું ત્યારે કર્મ વિના જ પરમેશ્વરની ઇચ્છાએ કાળે કરીને જીવને સ્થૂળ દેહની પ્રાપ્તિ થઈ અને તે પછી જેમ જેમ યુગ પલટાતા ગયા ત્યારે જેવાં જેણે કર્મ કર્યાંર્ તેને તેવા તેવા દેહની પ્રાપ્તિ થાતી ગઈ. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૬।। (૨૦૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પ્રથમ કર્મ વિનાના જીવને કાળ દ્વારે અમે સ્થૂળ દેહ આપીએ છીએ. પછી જેવાં કર્મ કરે તેવા દેહની પ્રાપ્તિ થાય છે. (૧) અને કર્મથી કાળનું બળ વિશેષ છે અને કાળથી અમારા એકાંતિક ભક્તનાં અમારી ભક્તિ સંબંધી કર્મનું બળ વિશેષ છે, ને એકાંતિક ભક્તનાં ભક્તિ સંબંધી કર્મથી અમારું બળ અધિક છે. (૨) બાબતો છે. ।।૬।। (૨૦૬)
વચનામૃત વરતાલનું - ૭
સંવત ૧૮૮૨ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને હરિભક્ત પરસ્પર ભગવદ્વાર્તા કરતા હતા, તેમાં એવો પ્રસંગ નીસર્યો જે દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે તેમાં દૈવી જીવ હોય તે તો ભગવાનના ભક્ત જ થાય, ને આસુરી હોય તે તો ભગવાનથી વિમુખ જ રહે. ત્યારે ચિમનરાવજીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! આસુરી જીવ હોય તે કોઈ પ્રકારે દૈવી થાય કે ન થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આસુરી જીવ તો દૈવી ન જ થાય, એનું તો બીજ જ અસુર છે, અને જો કોઈક રીતે કરીને આસુરી જીવ સત્સંગમાં આવી પડ્યો, તોપણ આસુરભાવ તો ટળે નહિ, પછી સત્સંગમાં રહ્યો થકો જ જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિષે લીન થાય, ને વળી પાછો નીકળે એમ અનંત વાર બ્રહ્મમાં લીન થાય ને પાછો નીસરે ત્યારે એનો આસુરભાવ છે તે નાશ પામે, પણ તે વિના તો આસુરભાવ નાશ પામે નહીં. (૧)
૨ પછી શોભારામ શાસ્ત્રીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! ભગવાનનું અન્વયપણું કેમ છે ? ને વ્યતિરેકપણું કેમ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અન્વય-વ્યતિરેકની વાર્તા તો એમ છે જે ભગવાન અર્ધાક માયાને વિષે અન્વય થયા છે, ને અર્ધાક પોતાના ધામને વિષે વ્યતિરેક રહ્યા છે એમ નથી; એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે, જે માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે, પણ ભગવાનને એમ બીક નથી જે રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં, ભગવાન તો માયાને વિષે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે, અને ચોવીશ તત્ત્વને વિષે આવે તો ચોવીશ તત્ત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે, તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે જ धामना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।। ઇત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે, અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે, પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષનાં ડાળ, પાંદડાં, ફૂલ, ફળ એ સર્વેને વિષે આકાશ અન્વય થયો, પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહિ, અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહિ, તેમ ભગવાન પણ માયા ને માયાનું કાર્ય તેને વિષે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે, એમ ભગવાનના સ્વરૂપનું અન્વય-વ્યતિરેકપણું છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૭।। (૨૦૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે આસુરી જીવ સત્સંગમાં આવે તો તે બ્રહ્મમાં અનંત વાર લીન થાય, ને નીકળે ત્યારે આસુરભાવ નાશ પામે. (૧) બીજામાં અમે માયાને માયાના કાર્યમાં અન્વય થયા થકા આકાશની પેઠે વ્યતિરેક જ છીએ. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં આસુરી જીવ બ્રહ્મમાં લીન થાય ને નીકળે એમ કહ્યું તે બ્રહ્મમાંથી તો નીકળાય નહિ એમ (પ્ર. ૬૪/૪માં) કહ્યું છે તે કેમ સમજવું ?
૧ ઉ. આ ઠેકાણે શ્રીજીમહારાજના ભક્તને બ્રહ્મની મૂર્તિઓ કહ્યા છે તેને ઘેર અનંત વાર જન્મ ધરે ત્યારે તે દૈવી થાય તે (મ. ૬૩/૬માં) કહ્યું છે.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં અમે માયાને વિષે તથા તત્ત્વને વિષે આવીએ ત્યારે એ માયા આદિક અક્ષરધામરૂપ થઈ જાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે માયાને વિષે કેવી રીતે આવતા હશે ?
૨ ઉ. અગ્નિની જ્વાળા લોઢાને વિષે આવે છે ત્યારે તે લોઢું અગ્નિનું કામ કરે છે, તેમ માયાને વિષે તથા તત્ત્વને વિષે શ્રીજીમહારાજ અંતર્યામી રૂપે પ્રવેશ કરે ત્યારે તે દ્વારે પોતે ઉત્પત્ત્યાદિક કરે છે અને જ્યારે એ કાર્ય થઈ રહે એટલે પ્રલય થાય ત્યારે તે માયા તથા તત્ત્વ તે જેવાં હોય તેવાં રહે છે, જેમ લોઢામાંથી અગ્નિ નીકળી જાય ત્યારે તે લોઢું પ્રથમ જેવું હોય તેવું રહે છે તે (પં. ૭/૨માં) કહ્યું છે જે, જેને વિષે અમે પ્રવેશ કરીએ છીએ તેના પ્રકાશને ઢાંકીને અમારો પ્રકાશ પ્રગટ કરીએ છીએ એમ કહ્યું છે. ।।૭।। (૨૦૭)
વચનામૃત વરતાલનું - ૮
સંવત ૧૮૮૨ના પોષ સુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને મુનિ દુકડ-સરોદા લઈને કીર્તન ગાવતા હતા, તે સમે શ્રીજીમહારાજ અંતર્દૃષ્ટિ કરીને ધ્યાનમુદ્રાએ યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધાં ને પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા જે, (૧) હવે સર્વે સાંભળો વાત કરીએ છીએ જે આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે, તોપણ તે વૃત્તિને આડું કાંઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે, માટે એ વૃત્તિ પણ સ્થૂળ છે, ને પૃથ્વી તત્ત્વ પ્રધાન છે, ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે, અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્થંભથી બીજા સ્થંભ સુધી લાંબી કરે પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્થંભ ઉપર જાય ને ક્યારેક ઓ સ્થંભ ઉપર જાય, ને ક્યારેક બે સ્થંભને મધ્યે બેસે, તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે, ને એક સ્થંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે, અને બીજા સ્થંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે, ને લાળને ઠેકાણે વૃત્તિ છે, તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈ રહે છે, ને ક્યારેક તો અંતઃકરણને વિષે રહે છે, ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્યે રહે છે એમ વર્તતાં થકાં પૃથ્વી તત્ત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળ તત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય, ને જ્યારે અગ્નિ તત્ત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય, ને જ્યારે વાયુ તત્ત્વ પ્રધાન થાય ત્યારે નીલી જણાય, ને જ્યારે આકાશ તત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય, પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય, ત્યારે અતિશે પ્રકાશે યુક્ત જણાય છે, ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશે પવિત્રપણે રહેવું, જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની જ પૂજાને દેવ અંગીકાર કરે છે, તેમ પરમેશ્વરને વિષે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિષે વૃત્તિ રાખવી, એમ વૃત્તિ રાખતાં રાખતાં જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ જ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહી છે, પણ સુષુપ્તિમાં લીન થાવું એવી એ યોગીને નિદ્રા હોય નહીં. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૮।। (૨૦૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારો ભક્ત પ્રથમ અમારી મૂર્તિમાં વૃત્તિ રાખે ત્યારે પંચભૂતના આકારે તે વૃત્તિ ભાસે છે, પછી વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે શ્વેત તેજોમય થાય છે, ને પછી અમારી મૂર્તિને આકારે થાય છે, એવી રીતે અમારે વિષે વૃત્તિ રાખતાં રાખતાં અમારે વિષે લીન થઈ જાય એટલે એક મૂર્તિ જ દેખાય; બીજું કાંઈ દેખાય નહિ તે યોગીની નિદ્રા છે. (૧) બાબત છે. ।।૮।। (૨૦૮)
વચનામૃત વરતાલનું - ૯
સંવત ૧૮૮૨ના પોષ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) રાજસી, તામસી ને સાત્ત્વિકી એ ત્રણ પ્રકારનું જે માયિક સુખ તે જેમ ત્રણ અવસ્થાને વિષે જણાય છે, તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે કેમ જણાય છે ? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો પણ એનું સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પૃથ્વી આદિક ચાર ભૂત વિના એકલો જ આકાશ હોય, અને જેટલા આકાશને વિષે તારા છે તેટલા ચંદ્રમા હોય, ને તેનો જેવો પ્રકાશ થાય, તેવો ચિદાકાશનો પ્રકાશ છે; અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે, તે મૂર્તિને વિષે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણમાત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય, તે ભજનના કરનારાને એમ જણાય જે હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિષે સુખ ભોગવ્યું. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે, અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગવ્યું હોય તોપણ અંતે ક્ષણ જેવું જણાય છે, માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે, ને જે માયિક સુખ છે તે નાશવંત છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૯।। (૨૦૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા તેજરૂપ ચિદાકાશને મધ્યે અમે સદાય વિરાજમાન છીએ તે અમારે વિષે સમાધિએ કરીને ક્ષણમાત્ર સ્થિતિ થાય તો તે સમાધિવાળાને હજારો વર્ષ સુધી ભોગવ્યું એમ લાગે એવું અમારું નિર્ગુણ સુખ છે, અને માયિક સુખ નાશવંત છે. (૧) બાબત છે. ।।૯।। (૨૦૯)
વચનામૃત વરતાલનું - ૧૦
સંવત ૧૮૮૨ના પોષ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયમાં ગામ ભાદરણના કોઈક પાટીદાર આવ્યા. તેણે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! જીવનું કલ્યાણ કેમ થાય ? પછી શ્રીજીમહારાજે કહ્યું જે, આ પૃથ્વીને વિષે રાજારૂપ ને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજા રૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો તે ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય અને જ્યારે સાધુ રૂપે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો બત્રીશ પ્રકારને લક્ષણે યુક્ત હોય અને જ્યારે રાજા રૂપે ભગવાન હોય તો તે ચોસઠ તો પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ, દામ, ભેદ, દંડ એ ચાર પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગાર આદિક જે નવ રસ તેણે યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુ રૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહિ અને જે રાજા રૂપે ભગવાન હોય તેને જો આપત્કાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે અને ચોર હોય તેને ગર્દન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય તે તો અતિશે અહિંસા પર વર્તે તે નીલા તૃણને પણ તોડે નહિ અને કાષ્ઠની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહિ, માટે સાધુ રૂપે જે ભગવાનની મૂર્તિ ને રાજા રૂપે જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય નહિ અને શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધને વિષે પૃથ્વી ને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેનાં ઓગણચાળીસ લક્ષણ કહ્યાં છે અને એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય-કપિલ આદિક ભગવાનના અવતાર તેનાં બત્રીશ લક્ષણ કહ્યાં છે. (૧) માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થાવું. અને તેનો દૃઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનના મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ એ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિષે દૃઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૦।। (૨૧૦)
રહસ્યાર્થ પ્રદી - આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે રાજા રૂપે ને સાધુ રૂપે પોતાના અવતાર થાય છે તેનાં લક્ષણ કહ્યાં છે. (૧) અને અમે પૃથ્વીને વિષે મનુષ્ય રૂપે પ્રગટ થયા છીએ, તે અમને ઓળખીને અમારો આશરો કરે તેનું કલ્યાણ થાય છે, અને અમે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે વિચરતા ન હોઈએ ત્યારે અમને મળેલા એટલે અમારા ધામમાંથી આવેલા મુક્ત મળે તેનો આશરો કરે તો કલ્યાણ થાય, અને એવા મુક્ત મનુષ્ય રૂપે ન હોય ત્યારે અમારી પ્રતિમાને વિષે પ્રતીતિ રાખીને ભક્તિ કરે તો મોક્ષ થાય એમ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં રાજા રૂપે ને સાધુ રૂપે ભગવાન પ્રગટ થાય છે એમ કહ્યું તે રાજા રૂપે કેવી રીતે જાણવા ? અને સાધુ રૂપે કેવી રીતે જાણવા ?
૧ ઉ. ભગવાન પૃથ્વીને વિષે પ્રગટ થઈને ગૃહસ્થના આશ્રમમાં રહે તે રાજા રૂપે જાણવા. અને ત્યાગીના આશ્રમમાં રહે તે સાધુ રૂપે જાણવા. પણ સાધુને ભગવાન ન જાણવા. એ તો ભગવાન પોતે જ પ્રગટ થઈને ત્યાગીને વિષે વિચરતા હોય તે જ સાધુરૂપ જાણવા.
૨ પ્ર. બીજી બાબતમાં પ્રતિમાથી મુક્તને વિશેષ કહ્યા તે કેમ સમજવું ?
૨ ઉ. ફક્ત શ્રીજીમહારાજનું જ્ઞાન સમજવા માટે પ્રતિમાથી મુક્તને વિશેષ કહ્યા છે, પણ ધ્યાન-ભજન કરવાનું કહ્યું નથી. ।।૧૦।। (૨૧૦)
વચનામૃત વરતાલનું - ૧૧
સંવત ૧૮૮૨ના પોષ સુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા ને કર્ણની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન, ને બીજા ભગવાનના ભક્ત, ને ત્રીજા બ્રાહ્મણ, ને ચોથો કોઈ ગરીબ મનુષ્ય એ ચારથી તો અમે અતિશે બીએ છીએ જે રખે એમનો દ્રોહ થઈ જાય નહિ ને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે એ ચાર વિના બીજાનો કોઈક દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય, પણ જીવ નાશ પામે નહિ, અને એ ચારમાંથી એકનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. (૧)
૨ એ વાત સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ તે કેમ જાણવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે પર્વતનું કે બીજું એવું જ જે કોઈક જડ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહિ એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. (૨) માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો. અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહિ કેમ જે માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા ને દ્રોહ એનો આધાર છે. અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તોપણ તેને અસુર જાણવો. અને અમારો તો એ સ્વભાવ છે જે બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈક દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહીં. અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી. એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજે બે પદ ગવરાવ્યાં જે, “મારા હરજી શું હેત ન દીસે રે, તેને ઘેર શીદ જઈએ” એક તો એ ને બીજું જે “મારા વાલાજી શું વાલપ દીસે રે, તેનો સંગ કેમ તજીએ” અને પછી એ બે પદ શીખ્યાની સત્સંગીમાત્રને આજ્ઞા કરીને એમ કહ્યું જે, એ બે પદમાં વાર્તા છે તેને નિત્ય ગાઈને સંભારી રાખવી. (૩)
૩ એમ કહીને શ્રીજીમહારાજ શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ એક મંચ હતો તે ઉપર આવીને વિરાજમાન થયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) આ સંસારને વિષે જે પંડિત છે તે શાસ્ત્ર-પુરાણ સર્વે વાંચે છે, પણ તેને ભગવાનનો ને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શાસ્ત્ર-પુરાણ વાંચે છે તો ખરા પણ એને ભગવાનનો આશરો નથી; માટે કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મત્સર તેણે એના જીવને હરવી નાખ્યો છે અને કામાદિક જે શત્રુ તે એને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાન ને ભગવાનના સંતને સમજે જે જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્તિને પામતા નથી તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહિ પામતા હોય એમ ભગવાન ને ભગવાનના સંતને વિષે દોષ સમજે. માટે શાસ્ત્ર-પુરાણ વાંચે પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ માહાત્મ્ય સમજાતું નથી. (૪)
૪ પછી શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૪) બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિષે એકેય માનતા ન હોય તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહિ ને જ્યારે એને મોટાપુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટાપુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિષે સ્થિતિ પણ ન થાય અને આત્માને વિષે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો તે વિરોધ ટળે તે ઉપાય કહો. પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે ઉત્તર કરીએ; એનો ઉત્તર તો એ છે જે, પૃથ્વીને વિષે જે ભગવાનનો અવતાર તેમને મળેલા જે સંત તે સંગાથે જ્યારે એને અતિશે પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહિ, અને જેને જે સંગાથે દૃઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહિ અને તેનાં વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ એ રીતિ છે, માટે સત્પુરુષને વિષે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થાવાનું પણ એ જ સાધન છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૧૧।। (૨૧૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારો, અમારા ભક્ત, બ્રાહ્મણ ને ગરીબ એમાંથી કોઈનો દ્રોહ કરે તેનો જીવ નાશ પામે. (૧) બીજામાં કોઈ કાળે કલ્યાણ ન થાય એવો જડ દેહ આવે, તે જીવનો નાશ જાણવો. (૨) અને ક્રોધ, મત્સર ને ઈર્ષ્યાનું આધાર માન છે, અને માનીની ભક્તિ આસુરી છે. (૩) ત્રીજામાં અમારે વિષે ને ભક્તને વિષે દોષ પરઠે તે શાસ્ત્ર-પુરાણ વાંચે તોપણ અમારું માહાત્મ્ય સમજી શકે નહીં. (૪) ચોથામાં સત્પુરુષને વિષે પ્રીતિ એ જ આત્મદર્શનનું ને મુક્તનો મહિમા જાણ્યાનું ને અમારું દર્શન થવાનું સાધન છે. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં ભગવાન, ભક્ત, બ્રાહ્મણ ને ગરીબનો દ્રોહ કરે તેનો જીવ નાશ પામે એમ કહ્યું તે દ્રોહ કેવી રીતે થતો હશે ?
૧ ઉ. શ્રીજીમહારાજને નિરાકાર તથા અકર્તા જાણે ને તેમની બાંધેલી જે પંચવર્તમાન સંબંધી આજ્ઞા તે ન પાળે તે શ્રીજીમહારાજનો દ્રોહ કર્યો કહેવાય. અને આજ્ઞા યથાર્થ પાળતા હોય ને ધ્યાન-ભજન કરતા હોય અને ધ્યાન-ભજન કરવામાં વિક્ષેપ કરે, દુઃખ દે, તાડન કરે ને એનું ભૂંડું થવાનો સંકલ્પ કરે , એવી રીતે ભક્તનો દ્રોહ થાય છે. અને બ્રાહ્મણના લક્ષણે યુક્ત એવા બ્રાહ્મણને ભયંકર વચને કરીને ડારો દે તથા આજીવિકા તોડે એમ દુઃખવે તે બ્રાહ્મણનો દ્રોહ કર્યો કહેવાય. અને ગરીબને વાંક વિના પીડે, તથા વઢે, તાડન કરે એમ દુઃખ દે તે ગરીબનો દ્રોહ કર્યો કહેવાય. આ ગરીબનો ખુલાસો (પ્ર. ૨૭ના ચોથા પ્રશ્નોત્તરમાં) કર્યો છે. ।।૧૧।। (૨૧૧)
વચનામૃત વરતાલનું - ૧૨
સંવત ૧૮૮૨ના પોષ વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી-તકિયા યુક્ત ઢોલિયો હતો તે ઉપર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો અને માંહીલી કોરે શ્વેત પછેડીએ યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને કંઠને વિષે ગુલાબનાં પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને તે સમે શ્રીજીમહારાજ અંતર્દૃષ્ટિ કરીને બહુ વાર સુધી વિરાજમાન થયા હતા.
પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણા કટાક્ષે કરી જોઈને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આજ તો સર્વને નિશ્ચયની વાત કરવી છે તે સર્વે સાવધાન થઈને સાંભળો જે અનંતકોટિ સૂર્ય, ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિષે પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે રામ-કૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સંત-સમાગમે કરીને દૃઢ નિશ્ચય થાય છે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે અને જેમ ચંદ્રમાને વિષે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે સંપૂર્ણ ચંદ્રમા થાય છે, તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યોત જેવો હોય પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો કે અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થાતાં અને પરમેશ્વર ગમે તેવાં ચરિત્ર કરે તોપણ તેને કોઈ રીતે ભગવાનને વિષે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. (૧) અને તે જ ભક્તને ક્યારેક અસત્ દેશ, અસત્ કાળ, અસત્ સંગ ને અસત્ શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનનાં ચરિત્રને વિષે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્ર જેવો હતો, પણ પાછો અમાવસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે, માટે પોતામાં જે કાંઈક થોડીઘણી ખોટ હોય તે એ જીવને ઝાઝી નડતી નથી. પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષનાં મૂળ કપાણાં ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય, તેમ જેને ભગવાનને વિષે કોઈ રીતે દોષબુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં. (૨) અને જેને નિશ્ચયનું અંગ દૂબળું હોય ને તે સત્સંગમાં હોય તોપણ તેને એવા ઘાટ થાય, જે શું જાણીએ મારું તે કલ્યાણ થાશે કે નહિ થાય, અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ, જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. (૩) અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે મુને આ ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે, અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે, માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબડદાર થઈને રાખજો. (૪) પછી શ્રીજીમહારાજે કહ્યું જે ।। धन्य वृंदावन वंसीवटनी छाया रे ज्यां हरि बेसता ।। એ માહાત્મ્યનું કીર્તન ગાઓ, પછી એ કીર્તન ગાયું, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં કહ્યું છે જે :
अहो अमी देववरामरार्चितं पादांबुजं ते सुमन: फलार्हणम् ।
नमंत्युपादाय शिखाभिरात्मनस् तमोपहत्यै तरुजन्म यत्कृतम् ।।
એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે, માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવુ. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સોતો દૃઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો, તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. જેમ રાજા હોય ને તે નપુંસક હોય ને તેનું રાજ્ય જાતું હોય ને વંશ જાતો હોય પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહિ, અને સર્વે મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તોપણ તે સ્ત્રીને પુત્ર થાય નહિ, તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી, તો તેને મુખે ગીતા-ભાગવત જેવા સદ્ગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થાતું. અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી પછી એને જે કોઈ પીએ તેના પ્રાણ જાય. તેમ માહાત્મ્યે સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા-ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થાતું નથી; એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૧૨।। (૨૧૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અતિશે પ્રકાશમાન એવું જે અમારા તેજરૂપ અક્ષરધામ તેને વિષે અમે સદા દિવ્ય સાકાર મૂર્તિ વિરાજમાન છીએ, અને જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે પ્રગટ થયા છીએ, તે અમારા સંતના સમાગમે કરીને અમારો મહિમાએ સહિત નિશ્ચય થાય, તે જીવ પૂર્ણમાસીના ચંદ્ર જેવો એટલે સર્વ અંગે સંપન્ન થાય છે ને નિર્ભય થાય છે. (૧) અને તેને પણ જો અમારા ચરિત્રમાં અભાવ આવે તો અમાવસ્યાના ચંદ્ર જેવો એટલે એના ધર્મ-જ્ઞાનાદિક ગુણ નાશ પામીને નિસ્તેજ થઈ જાય છે. (૨) અને જેને અમારો નિશ્ચય યથાર્થ ન હોય તેને પોતાના કલ્યાણનો ભરુંસો આવતો નથી. (૩) અને જેને અમારો યથાર્થ મહિમાએ સહિત નિશ્ચય હોય તેને છતી દેહે કલ્યાણ મનાઈ જાય છે, અને પોતાનું દર્શન કરનારનું ને વાત સાંભળનારનું પણ કલ્યાણ થઈ ગયું એમ માને છે. (૪) અને અમારા સંબંધને પામે તે વૃક્ષ પણ પરમપદ જે અક્ષરધામ તેનું
અધિકારી છે એવો મહિમાએ સહિત અમારો નિશ્ચય જેને ન હોય તેના મુખ થકી કથા સાંભળનારાનું કલ્યાણ ન થાય, ને મૂળગું ભૂંડું થાય છે. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં જીવના કલ્યાણને અર્થે રામ-કૃષ્ણાદિક અવતારનું ધારણ કરીએ છીએ એમ કહ્યું અને (વ. ૧૦/૨માં ) અમે કાં અમને મળેલા સંત તથા અમારી પ્રતિમા તે જ કલ્યાણકારી છે, અને (જે. ૧ના પહેલા પ્રશ્નમાં) અમારી અથવા અમને મળેલા (અમારા ધામમાંથી આવેલા) સંત એટલે મુક્ત તેમની જ્યારે જીવને પ્રાપ્તિ થાય ત્યારે જ માયા ઓલંઘાય છે એમ કહ્યું છે, તે કેમ સમજવું ?
૧ ઉ. રામ-કૃષ્ણાદિક અવતારો જીવને પોતાના ધામમાં લઈ જાય, પણ આત્યંતિક કલ્યાણ તો શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત જ કરે.
૨ પ્ર. અમારો માહાત્મ્યે સહિત યથાર્થ નિશ્ચય થાય તે જીવ પૂર્ણમાસીના ચંદ્ર જેવો થાય ને નિર્ભય થાય, પણ જો તેને અમારા ચરિત્રમાં અભાવ આવે તો અમાવસ્યાના ચંદ્ર જેવો થઈ જાય એમ બીજી બાબતમાં કહ્યું તે જે નિર્ભય થયો તે તો મુક્ત થયો કહેવાય તેને પાછો શ્રીજીમહારાજનો અભાવ કેમ આવતો હશે ?
૨ ઉ. સાધને કરીને વૃદ્ધિને પામ્યો હોય પણ મુક્તદશા નથી આવી તેને દેશકાળાદિકે કરીને ધક્કો લાગે, પણ પૂરો આત્મનિષ્ઠ થયો હોય, તેને તો કોઈ રીતે કોઈ કુસંગે કરીને અથવા ગમે તેવાં પ્રાકૃત ચરિત્ર દેખીને અભાવ આવે જ નહિ, માટે જેને અભાવ આવે કે દેશકાળ લાગે તે મુક્તભાવને પામ્યો નથી. ।।૧૨।। (૨૧૨)
વચનામૃત વરતાલનું - ૧૩
સંવત ૧૮૮૨ના પોષ વદિ ૭ સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તકમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજીમહારાજને ઉપર સોનાને ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું એવી શોભાને ધરતા થકા શ્રીજીમહારાજ વિરાજમાન હતા.
તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર શ્રીજીમહારાજ પાસે આવ્યા હતા તેણે પૂછ્યું જે, (૧) હે મહારાજ ! આ સમાધિ તે કેમ થાતી હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે, તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય, અને દત્ત-કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે બત્રીશ લક્ષણે યુક્ત હોય, તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય પણ અતિશે અલૌકિક મૂર્તિ છે, જેમ પૃથ્વીને વિષે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા સાથે તણાઈ જાય છે, તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે ને સાધુ રૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેનાં ઇન્દ્રિયો ભગવાન સામાં તણાઈ જાય છે, ત્યારે સમાધિ થાય છે, જેમ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ હતી, ને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું. તેવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે તે સમયમાં ભગવાનની મૂર્તિને વિષે એવો ચમત્કાર જરૂર હોય, તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનનાં દર્શન કરે તેનાં ઇન્દ્રિયો સર્વે ભગવાન સામાં તણાઈ જાય, અને તત્કાળ સમાધિ થાય, અને કોઈક સમયમાં ભગવાનને ઘણાક જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે, તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે ? (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય ? ને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય ? એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી, ને તે બ્રહ્મ તે શ્રીકૃષ્ણ ભગવાન છે તે એકદેશી થકા સર્વદેશી છે, જેમ કોઈક પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય પછી સૂર્ય તેને પોતાના સરખી દૃષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દૃષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે, અને વળી જેમ સિદ્ધદશાવાળો પુરુષ હોય તે હજારો ને લાખો ગાઉ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરે ને સાંભળે તેમ સાંભળે છે, તેમ જ લાખો ગાઉ ઉપર કાંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેણે કરીને પણ ઉપાડે, તેમ જ શ્રીકૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઇચ્છાએ કરીને જ્યાં દર્શન દેવાં હોય ત્યાં દર્શન આપે છે. અને એકરૂપ થકા અનંત રૂપે ભાસે છે અને સિદ્ધ હોય તેમાં દૂરશ્રવણ-દૂરદર્શનરૂપ ચમત્કાર હોય, તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે ! અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે તે તો મૂર્તિમાન છે તે જ પોતાની સામર્થીએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે, એમ વ્યાપક કહ્યા છે, પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી; ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંતકોટિ બ્રહ્માંડમાં ભાસે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૩।। (૨૧૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અમે જીવોના કલ્યાણ કરવા રાજા રૂપે ને સાધુ રૂપે પ્રગટ થઈએ છીએ તે જ્યારે રાજા રૂપે પ્રગટ થઈએ ત્યારે (૩૯) લક્ષણે યુક્ત હોઈએ. અને સાધુ રૂપે પ્રગટ થઈએ ત્યારે (૩૨) લક્ષણે યુક્ત હોઈએ, અને અમે મનુષ્યના જેવા દેખાઈએ છીએ પણ અલૌકિક મૂર્તિ છીએ, અને અમારું દર્શન શ્રદ્ધાએ સહિત કરે તેને સમાધિ થાય છે, જેમ શ્રીકૃષ્ણને દર્શને ગોકુળવાસીને થઈ તેમ, અને જેમ ચમકમાં સહજ ચમત્કાર રહ્યો છે તેમ મનુષ્ય રૂપે દેખાતા એવા જે અમે તે અમારે વિષે સહજ જ ચમત્કાર છે ને અમારે સન્મુખ કરવા સારુ અભક્તને તથા પશુઓને પણ સમાધિ કરાવીએ છીએ. (૧) બીજામાં બ્રહ્મ કહેતાં સર્વથી મોટા સાક્ષાત્ શ્રીકૃષ્ણ અમે તે અમે અમારા અક્ષરધામરૂપ એક દેશમાં મૂર્તિમાન રહ્યા થકા સર્વ ઠેકાણે દર્શન આપીએ છીએ અને જેમ સૂર્યના ઉપાસકને સૂર્ય પોતાના સરખી દૃષ્ટિ આપે છે, તેમ અમે અમારા આશ્રિતને અમારા સરખી દૃષ્ટિ આપીએ છીએ, અને અનંત બ્રહ્માંડમાં મૂર્તિમાન દર્શન આપીએ છીએ, એમ વ્યાપક છીએ, પણ અરૂપ થકા વ્યાપક નથી. (૨) બાબતો છે. ચઆમાં બ્રહ્મ નામે તથા શ્રીકૃષ્ણ નામે શ્રીજીમહારાજને કહ્યા છે તેમાં બ્રહ્મ નામનો ખુલાસો (પરથારાના ચોથા પ્રશ્નોત્તરમાં તથા પ્ર ૩૯ના બીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે, અને શ્રીકૃષ્ણ નામનો ખુલાસો (પરથારાના પાંચમા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૧ પ્ર. (બીજા પ્રશ્નમાં તથા મ. ૬૪ના બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે પોતાને મૂર્તિમાન વ્યાપક કહ્યા છે, અને (પ્ર. ૭/૧ તથા ૪૧,૪૫, ૬૪/૧, સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં, કા. ૮/૧માં, પં. ૭/૨માં) પોતાના તેજ રૂપે વ્યાપક કહ્યા છે તે મૂર્તિમાન વ્યાપક કેવી રીતે સમજવા ? અને તેજ રૂપે વ્યાપક કેવી રીતે સમજવા ?
૧ ઉ. જીવોના કલ્યાણ કરવાને અર્થે મનુષ્ય રૂપે દર્શન આપે છે તથા પોતાના ભક્તોને વિષે મૂર્તિમાન રહ્યા થકા તે ભક્તોને ધ્યાનમાં આત્માને વિષે દર્શન આપે છે તથા પોતાના ભક્તોને અંત વખતે દર્શન આપે છે તે સાકાર વ્યાપક કહ્યા છે, અને જીવ, ઈશ્વર, બ્રહ્મ તથા અક્ષરાદિક સર્વને વિષે પોતાના તેજ રૂપે કર્મફળપ્રદાતાપણે અંતર્યામીપણે રહ્યા છે, માટે કલ્યાણ કરવાને અર્થે સાકાર વ્યાપક છે, અને કર્મફળ આપવાને અર્થે અન્વય સ્વરૂપ જે તેજ તે દ્વારે વ્યાપક છે. આનો વિસ્તાર (પ્ર. ૪૫ના બીજા પ્રશ્નોત્તરમાં) છે. ।।૧૩।। (૨૧૩)
વચનામૃત વરતાલનું - ૧૪
સંવત ૧૮૮૨ના પોષ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! જે કુપાત્ર જીવ જણાતો હોય ને તેને સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ધર્મશાસ્ત્રને વિષે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે જે આ કુપાત્ર માણસ છે, અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે, અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે, અને તે જીવ અતિશે પવિત્ર થઈ જાય છે માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોંટે છે, ત્યારે સમાધિ થઈ જાય છે. (૧) અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કહ્યા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે, પણ ભગવાન ને ભગવાનના સાધુ તેનો જો દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે જે વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે, માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચમહાપાપનો કરનારો તેથી વધુ પાપી છે, શા માટે જે પંચમહાપાપ કર્યાં હોય તે તો સત્પુરુષને આશરે જઈને છુટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેને તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી, કેમ જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છુટાય છે, અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે, માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તોપણ અતિ પવિત્ર થઈ જાય છે, ને તેને સમાધિ થઈ જાય છે, અને સત્પુરુષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તોપણ મહાપાપી છે, ને તેને કોઈ કાળે ભગવાનનું દર્શન હૃદયને વિષે થાય જ નહિ, માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૪।। (૨૧૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં વર્ણાશ્રમના ધર્મથી બાહ્ય વર્તતો હોય એવા કુપાત્રને પણ અમારો કે અમારા સંતનો ગુણ આવે તો તેનું પાપ બળી જાય છે, ને તે પવિત્ર થાય છે ને અમારે વિષે ચિત્ત ચોંટે છે ને સમાધિ થાય છે. (૧) અને વર્ણાશ્રમના ધર્મ પાળતો હોય ને તે અમારો કે અમારા સંતનો દ્રોહ કરે તો તે પંચમહાપાપીથી વધુ પાપી છે, અને પંચમહાપાપી અમારો કે અમારા સંતનો આશરો કરે તો અતિ પવિત્ર થાય, ને તેને સમાધિ થાય, માટે વિમુખ પાપી જાણે તે પાપી નથી, ને ધર્મી જાણે તે ધર્મી નથી એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે. ।।૧૪।। (૨૧૪)
વચનામૃત વરતાલનું - ૧૫
સંવત ૧૮૮૨ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા અને કિનખાપનો સુરવાળ ને ડગલી પહેર્યાં હતાં અને મસ્તક ઉપર મોટા સોનેરી છેડાનું ભારે કસુંબલ શેલું બાંધ્યું હતું અને મોટા મોટા સોનેરી છેડાનું કસુંબલ શેલું ખભા ઉપર વિરાજમાન હતું અને મસ્તક ઉપર સોનેરી ઈંડાનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમામાં શોભરામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે તે અનાદિકાળના છે કે કોઈક યોગે કરીને થયા છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ તો જીવ માયાને વિષે સત્તામાત્ર હતા, પછી એ જીવ જેવાં કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. (૧) જેમ જય-વિજય ભગવાનના પાર્ષદ હતા તેણે સત્પુરુષ એવા જે સનકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે અસુર ભાવને પામી ગયા, અને પ્રહ્લાદજી દૈત્ય હતા, તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાણા, માટે મોટાપુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે. પણ બીજું દૈવી-આસુરી થવાનું કારણ નથી, માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહિ, અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૫।। (૨૧૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવ પ્રથમ માયાને વિષે સત્તામાત્ર એટલે કર્મ વિનાના હતા તે જેવાં જેવાં કર્મ કરે છે તેવા તેવા ભાવને પામે છે. (૧) અને જેના ઉપર મોટાપુરુષનો કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, ને મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે, માટે જેને કલ્યાણ ઇચ્છવું તેને અમારા ભક્તનો દ્રોહ કરવો નહીં. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં જીવ માયાને વિષે સત્તામાત્ર હતા એમ કહ્યું, અને (સા. ૧૧ના પહેલા પ્રશ્નમાં) પાંચ સાધને યુક્ત થાય તે આત્મસત્તાને પામે છે; એમ કહ્યું તે આત્મસત્તા કઈ જાણવી ? અને આમાં કહી તે કઈ જાણવી ?
૧ ઉ. આમાં કર્મે રહિત એટલા જ સત્તારૂપ કહ્યા છે, અને (સા. ૧૧માં) તો શ્રીજીમહારાજના તેજરૂપ સત્તા કહી છે. માટે આમાં કહી તે અને (સા. ૧૧માં) કહી તે એક નથી.
૨ પ્ર. બીજી બાબતમાં મોટાપુરુષનો કોપ એ જ આસુરી થવાનું કારણ કહ્યું, અને (વ. ૭ના પહેલા પ્રશ્નમાં) દૈવી ને આસુરી બે પ્રકારના જીવ અનાદિ છે, એમ કહ્યું તે કેમ સમજવું ?
૨ ઉ. પ્રથમ તો જીવ સત્તામાત્ર કર્મ વિનાનો હોય પણ પછી જ્યારે સૃષ્ટિમાં આવીને કર્મ કરે છે ત્યારે જો મોટાપુરુષ કુરાજી થાય એવું કર્મ કરે તો તે આસુરી થાય છે, ને રાજી થાય એવું કર્મ કરે તો દૈવી થાય છે, માટે મોટાપુરુષના કોપથી જ પ્રથમ આસુરી થયેલા તેની વાત (વ. ૭માં) કહી છે, પણ સૃષ્ટિમાં આવીને કર્મ કર્યા વિના આસુરભાવ નહોતો, માટે સૃષ્ટિમાં આવ્યા પછી આસુરી થયેલા જાણવા, પણ સૃષ્ટિ પહેલાં માયામાં હતા ત્યારે બે પ્રકારના હતા એમ ન જાણવું. ।।૧૫।। (૨૧૫)
વચનામૃત વરતાલનું - ૧૬
સંવત ૧૮૮૨ના પોષ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા તેણે એમ કહ્યું જે, (૧) હે મહારાજ ! તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહીં. શા માટે જે એને રાજનો ને ધનનો મદ હોય, અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈક મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કોઈક ગામ-ગરાસ આપે તેની અમારા હૈયામાં લાલચ નથી, કેમ જે ગામ-ગરાસ તો સુખને અર્થે ઇચ્છીએ તે અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિષે સુખ હોય તો સ્વાયંભુવ, મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારુ જાય ? અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારુ મૂકે ? અને ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદ લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે, માટે જે ભગવાનને સુખે સુખિયો થયો હોય તેને તો બ્રહ્માંડને વિષે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. (૧) અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે અને બીજું સર્વે દુઃખરૂપ જણાય છે, માટે પરમેશ્વરનું ભજન-સ્મરણ કરતા થકા જેને સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી, ને આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો તે અમે તમારી આગળ કહ્યો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૬।। (૨૧૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભજનના સુખ આગળ ચૌદ લોકનાં તથા બ્રહ્માંડોનાં સુખ તે નરક તુલ્ય ને દુઃખરૂપ છે. (૧) અને અમારા ભજનનો ને અમારા ભક્તનો સત્સંગ રખાવ્યાનો આગ્રહ રાખવો પણ અમારું ભજન ભૂલીને કોઈ પ્રકારનો આગ્રહ રાખવો નહિ, એ અમારો રહસ્ય અભિપ્રાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર. બ્રહ્માંડોનું સુખ નરક તુલ્ય કહ્યું તે બ્રહ્માંડો કિયાં જાણવાં ?
૧ ઉ. પ્રકૃતિ પુરુષના લોક સુધી બ્રહ્માંડ જાણવાં તે નરક તુલ્ય ને દુઃખદાયી છે કેમ જે, માયા જડ, દુઃખ ને મિથ્યારૂપ છે, તેમાં સુખ હોય જ નહિ, કેવળ દુઃખ જ રહ્યું છે.
૨ પ્ર. બીજી બાબતમાં કોઈ પ્રકારનો આગ્રહ ન કરવો એમ કહ્યું અને (મ. ૫૭/૪માં) ઉપદેશ કર્યા નિમિત્ત થોડીઘણી ઉપાધિ રહે તોપણ ઉપદેશ કરવો એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. જેને ધ્યાન કરીને શ્રીજીમહારાજની મૂર્તિ સિદ્ધ કરવી હોય તેને તે મૂર્તિનું અનુસંધાન ચૂકી જવાય એવો આગ્રહ ન કરવો; મૂર્તિનું અનુસંધાન રાખીને સત્સંગ કરાવવો. એવી રીતે ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની, પંચવર્તમાનની, ધ્યાન-ઉપાસનાની વાતો કરીને સત્સંગીને પુષ્ટિ કરવી તેમાં મૂર્તિનું અનુસંધાન ભૂલી જવાય એવો આગ્રહ ન રાખવો એમ કહ્યું છે, અને તે ઉપાસના આદિકની વાતો કરવામાં કોઈ ઉપાધિ કરે તોપણ વાતો કરવી એમ (મ. ૫૭માં) કહ્યું છે. ।।૧૬।। (૨૧૬)
વચનામૃત વરતાલનું - ૧૭
સંવત ૧૮૮૨ના પોષ વદિ અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણને સન્મુખ હવેલી ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) પંચ જ્ઞાનઇન્દ્રિયો ને પંચ કર્મઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારે એકસરખો વ્યવહાર છે, પણ જ્ઞાની હોય તેનાં ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતાં, માટે જ્ઞાનીને જિતેન્દ્રિય કહ્યા છે તે કઈ રીતે જાણવા ? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જિતેન્દ્રિય થાય એમ જણાય છે, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે, માટે જિતેન્દ્રિયપણું કેમ છે ? પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજે કહ્યું જે, એનો ઉત્તર તો એમ છે જે, શબ્દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ છે તેને જાણે, અને ભગવાનની મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે, તેને પણ જાણે અને માયિક જે પંચવિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવાં પડે છે તેને પણ જાણે ત્યારે એને પંચવિષયનો અતિશે અભાવ આવે છે, ને એને વિષે વૈરબુદ્ધિ થાય છે, ને જે સાથે જેને વૈર થયું તેને વિષે કોઈ રીતે પ્રીતિ થાય જ નહિ, એમ સમજીને જ્યારે પંચવિષયનો મનમાંથી જેને અતિશે અભાવ થઈ જાય તે જિતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ, કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં આસક્ત થાય નહિ, એવો હોય તે જિતેન્દ્રિય કહેવાય. (૧)
૨ પછી શ્રીજીમહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો જે, (૨) એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિમાર્ગવાળા છે, અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ, પણ દેહને પોતાનું રૂપ માનતા નથી. ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ-વર્ણાશ્રમ તેનું અભિમાન હોય નહિ, ને ખાવું, પીવું, ઊઠવું, બેસવું તે સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં મળતું આવે તેવું ન હોય ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહિ, જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે, ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહિ, અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિમાર્ગવાળા છે તોપણ પ્રવૃત્તિમાર્ગમાં વર્તે છે, અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક દોષ હૃદયને વિષે પ્રવર્તે તેવી ક્રિયાને વિષે પ્રવર્તે છે ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે, માટે ત્યાગીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહેવું ઘટે, કે ન ઘટે, અને વળી એ પ્રવૃત્તિમાર્ગમાં રહેતાં થકા કેઈ રીતે નિર્વિકાર રહેવાય ? અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય, તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ્ય પીએ તો શું ગાંડો ન થાય ? જરૂર ગાંડો થાય, માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિમાર્ગમાં રહે તો બંધન ન થાય ? એ પ્રશ્ન છે. પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે કેવળ નિવૃત્તિધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા, અને વળી જે નિવૃત્તિધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે તેને તો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિમાર્ગ તેને વિષે સાવધાન થઈને જોડાવું, અને એ જે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિમાર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી, શા માટે જે આ તો ત્યાગી છે ને નિવૃત્તિમાર્ગવાળા છે તોપણ ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિમાર્ગને વિષે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહિ ને ન્યૂનપણે રહેવું નહીં. અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ એ આદિક જે વિકાર તેને ત્યાગ કરીને ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગને વિષે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહીં. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતાં તો આ ત્યાગી શ્રેષ્ઠ છે, ને ભગવાનની કૃપાનું પાત્ર છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૭।। (૨૧૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારે વિષે કલ્યાણકારી ગુણ રહ્યા છે તેને જાણીને અમારી નવધાભક્તિએ પોતાનું જીવિતવ્ય પૂરું કરે, અને પંચવિષયમાં આસક્ત થાય નહિ, તે જિતેન્દ્રિય છે. (૧) બીજામાં કેવળ આત્મનિષ્ઠ ત્યાગી કરતાં કામાદિક વિકારનો ત્યાગ કરીને પોતાના નિયમમાં રહીને અમારી ને અમારા ભક્તની ભક્તિ એટલે સેવા કરે એ ત્યાગી કેવળ આત્મનિષ્ઠ ત્યાગી કરતાં શ્રેષ્ઠ છે ને અમારી કૃપાનું પાત્ર છે. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજા પ્રશ્નમાં નિવૃત્તિમાર્ગવાળા ત્યાગી સંતને અમારી તથા અમારા ભક્તની સેવારૂપ પ્રવૃત્તિને યોગે વિકાર થઈ આવે એમ કહ્યું તે કામાદિક વિકાર થઈ આવે એવી શી ક્રિયા હશે ?
૨ ઉ. દેવની સેવામાં રહ્યા હોય ત્યાં સ્ત્રી આદિક દેખવામાં આવી જાય, ને કોઈક વખત રજોગુણ આવ્યો તે સમે કામનો ખોટો સંકલ્પ થઈ જાય, તથા કોઠાર-ભંડારમાં રહ્યા હોય તે બીજા સંતને સેવા બતાવે તે કહ્યું ન માને ત્યારે તેના ઉપર ક્રોધ થઈ આવે, અને ઘણા પદાર્થ દીઠામાં આવે તેમાં પોતાનો સ્વાર્થ સાધવાનો સંકલ્પ થાય એ લોભ કહેવાય તથા ખાવાની વસ્તુ સારી હોય તેને ખાવાનો સંકલ્પ રહી જાય તે મોહ કહેવાય, તથા પોતાને કોઠાર કે ભંડારનો અધિકાર મળ્યો હોય તેનો ગર્વ આવે તે મદ કહેવાય, તથા પોતાથી નાના હોય તેની કોઈક પૂજા, સેવા, સન્માન કરે ને તેની ન કરે તો મત્સર આવે, તથા પોતે સેવા કરતો હોય તેના ફળની ઇચ્છા રહે જે હું સેવા કરું છું તે મને ઘી-દૂધ મળે કે ગાદી-તકિયો આપે તો ઠીક એવી ઇચ્છા રહે તે આશા કહેવાય, અને તે ઇચ્છા પૂરી ન થાય તો તેની તૃષ્ણા રહે, આ ઉપર કહ્યા તે દોષનો ત્યાગ કરીને શ્રીજીમહારાજના નિયમમાં રહીને નિષ્કામભાવે સેવા કરે તો તેને કોઈ જાતનું બંધન થાય નહીં. ।।૧૭।। (૨૧૭)
વચનામૃત વરતાલનું - ૧૮
સંવત ૧૮૮૨ના મહા સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી વરતાલ મધ્યે સંધ્યા-આરતી થયા કેડે શ્રી લક્ષ્મીનારાયણના મંડપમાં ગાદી-તકિયા નખાવીને વિરાજમાન થયા હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાની ચારેકોરે મંડપને ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશદેશના હરિભક્ત સર્વે બેઠા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તેમને અમે પ્રશ્ન પૂછીએ છીએ, જે સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ ? કેમ જે તેને કોઈ પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય ? એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા જે, લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ જે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણી જોઈએ તથા બીજી ગુરુપરંપરા જાણી જોઈએ. તે કેઈ રીતે તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા. (૧) ને તે રામાનંદ સ્વામી શ્રીરંગક્ષેત્રને વિષે સ્વપ્નમાં સાક્ષાત્ રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા, માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ એવી રીતે ગુરુપરંપરા જાણવી. (૨) અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી. (૩) અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવાં તે શાસ્ત્રનાં નામ :- વેદ, (૧) વ્યાસસૂત્ર, (૨) શ્રીમદ્ ભાગવત પુરાણ, (૩) અને મહાભારતને વિષે વિષ્ણુસહસ્રનામ (૪) ભગવદ્ગીતા, (૫) વિદુરનીતિ, (૬) અને સ્કંદપુરાણના વિષ્ણુખંડ માંહીલું વાસુદેવ માહાત્મ્ય, (૭) અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ (૮) એ જે આઠ શાસ્ત્ર તેને જાણવાં. (૪) અને ચોથા સર્વે સત્સંગીના જે જે નિયમ છે તેને જાણવા. (૫) અને પાંચમા આપણા ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા. (૬) અને સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. (૭) અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવાં. તેમાં પરોક્ષ રૂપ તે કેઈ રીતે તો માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્યે જે અક્ષરધામ તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, તે દ્વિભુજ છે, ને કોટિ કોટિ સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામસુંદર ને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને શ્રીદામાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે, ને અનંતકોટિ બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કર્તા છે, ને મહારાજાધિરાજપણે વિરાજમાન છે, અને એવા જે ભગવાન તે ચતુર્ભુજ રૂપને ધારે છે, અષ્ટભુજ રૂપને ધારે છે ને સહસ્રભુજ રૂપને પણ ધારે છે, ને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન એ જે ચતુર્વ્યૂહ ને કેશવાદિક જે ચોવીશ વ્યૂહ એ સર્વે રૂપને ધારે છે તથા વારાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિક જે અનેક અવતાર તેને ધારે છે, ને પોતે તો સદા દ્વિભુજ છે, અને ઉપનિષદ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તથા પંચરાત્ર એમને વિષે એ જ સ્વરૂપનું વર્ણન કર્યું છે, એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું. અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિંબાર્ક ન કહેવાય, વિષ્ણુસ્વામી ન કહેવાય, વલ્લભાચાર્ય ન કહેવાય; કેમ જે એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહિ તો ન થાય અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી કેમ જે વ્યાસજી તો વેદના આચાર્ય છે ને પોતે ભગવાન છે માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. અને તે જે વ્યાસજી તેણે જીવના કલ્યાણને અર્થે વેદોનો વિભાગ કર્યો ને સત્તર પુરાણ કર્યું ને મહાભારત કર્યું તોપણ તે વ્યાસજીના મનમાં એમ થયું જે જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો ને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ, પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું જે શ્રીમદ્ ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા હવા. તે ભાગવતને વિષે સર્વ અવતાર કરતાં શ્રીકૃષ્ણ ભગવાનને જ અધિકપણે કહ્યા છે ને સર્વ અવતારના ધરનારા જે છે તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે, અને એ શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ગુણવિભાગના અધ્યાયમાં કહ્યું છે જે હું નિર્ગુણ છું ને મારા સંબંધને જે પામે છે, તે પણ નિર્ગુણ થાય છે. માટે કામભાવ, દ્વેષભાવ, ભયભાવ, સંબંધભાવ, સ્નેહભાવ એમાંથી જે જે ભાવે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનને જે જીવ આશર્યા તે નિર્ગુણ થઈ ગયા, માટે એ શ્રીકૃષ્ણ ભગવાન તે નિર્ગુણ છે એવી રીતે વ્યાસજીએ શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા છે, ને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જે સર્વ અવતારના ધરતલ જે પરમેશ્વર તે જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર તે એના છે. (૮) અને જો એ શ્રીકૃષ્ણ ભગવાનને નિર્ગુણ નહિ કહે ને શુદ્ધ સત્ત્વાત્મક કહેશે તો તેને ભાગવતના પૂર્વાપર સંબંધની ખબર જ નથી ને તે તેને વિષે મોટો બાધ આવશે, કેમ જે ગોપીઓએ શ્રીકૃષ્ણને ભગવાન ન જાણ્યા ને કામભાવે કરીને જ શ્રીકૃષ્ણ ભગવાનને ભજ્યા તેણે કરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ ત્યારે તે શ્રીકૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્ત્વાત્મક કેમ કહેવાય ? માટે શ્રીકૃષ્ણ ભગવાન તો નિર્ગુણ જ છે. (૯) તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે જે :
जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वत: ।
त्यक् त्वा देहं पुनर्जन्म नैति मामेति सोडर्जुन ।।
(૧૦) અને શ્રીકૃષ્ણ ભગવાને પોતાના જન્મ-સમયમાં વસુદેવ-દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે જે ચતુર્ભુજ રૂપ દેખાડ્યું તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજ રૂપ દેખાડ્યાં તથા અક્રૂરને જે શેષશાયી રૂપ દેખાડ્યું તથા અર્જુનને વિશ્વ રૂપ દેખાડ્યું ઇત્યાદિક રૂપને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસનાના ભેદ કહેવા તે તો યોગ્ય છે. (૧૧) પણ એ શ્રીકૃષ્ણ ભગવાન વ્રજને વિષે બાળમુકુંદ કહેવાયા, મોરલીમનોહર કહેવાયા, રાધાકૃષ્ણ કહેવાયા, તથા વાછડાં ચાર્યાં, ગાયો ચારી, ગોવર્ધન પર્વત ધાર્યો, ગોપીઓ સાથે રાસક્રીડા કરી, તથા મથુરાપુરીમાં આવીને કંસને માર્યો ને યાદવને સુખિયા કર્યા, તથા સાંદીપનિ બ્રાહ્મણને ઘરે વિદ્યા ભણ્યા, તથા કુબજા સંગાથે વિહાર કર્યો, તથા દ્વારિકાપુરીમાં વસ્યા, ને રુક્મિણી આદિક અષ્ટ પટરાણીઓને પરણ્યા તથા સોળ હજાર સ્ત્રીઓને પરણ્યા, તથા હસ્તિનાપુરમાં રહ્યા ને પાંડવની સર્વ કષ્ટ થકી રક્ષા કરી, ને દ્રૌપદીની લાજ રાખી, ને અર્જુનના સારથિ થયા ઇત્યાદિક સ્થાનકને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની અનેક લીલા છે તેણે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનના દ્વિભુજ સ્વરૂપને વિષે ઉપાસનાના ભેદ ન કરવા, ને જે કરશે તે વચનદ્રોહી, ગુરુદ્રોહી છે. (૧૨) અને એ શ્રીકૃષ્ણ ભગવાનનાં આચરણ જે ગોવાળિયાનું ઉચ્છિષ્ટ ખાધું, તથા રાસરમણ કર્યું, ઇત્યાદિક અનેક પ્રકારનાં છે તે આચરણ પ્રમાણે તે શ્રીકૃષ્ણ ભગવાનના ભક્તને આચરણ ન કરવું, અને એ શ્રીકૃષ્ણ ભગવાને એકાદશ સ્કંધમાં તથા ભગવદ્ગીતામાં તથા વાસુદેવ માહાત્મ્યમાં જેમ સાધુનાં લક્ષણ કહ્યાં છે તથા વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તથા પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું. (૧૩) પણ એ શ્રીકૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું ને જે કરશે તે વિમુખ છે ને અમારો સત્સંગી નથી. અને એ શ્રીકૃષ્ણ ભગવાન તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું તેમ જ તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા ને ઇષ્ટદેવ એવો જે હું તે મારા દેહનાં જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું, અને અમારા સંપ્રદાયને વિષે જેમ જેના ધર્મ કહ્યા છે તે જે અમારાં વચન તે પ્રમાણે તમારે સર્વેને રહેવું, પણ અમારા આચરણ પ્રમાણે ન રહેવું, ને આ જે અમે વાર્તા કરી તેને સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી શીખી લેજ્યો, ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજ્યો ને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજ્યો. એમ કહીને શ્રીજીમહારાજ ભોજન કરવા પધાર્યા. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ ને સત્સંગી તે એમ સમજતા હવા જે એ પરોક્ષ જે શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ-ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઇષ્ટદેવ છે ને ગુરુ પણ એ જ છે. (૧૪) ઇતિ વચનામૃતમ્ ।।૧૮।। (૨૧૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારા સત્સંગીએ ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવી. (૧) તથા ગુરુપરંપરા જાણવી. (૨) તથા ધર્મકુળના સ્થાપનની રીત જાણવી. (૩) તથા પરોક્ષના દૃષ્ટાંતે કરીને કહ્યું છે કે સંપ્રદાય સંબંધી શાસ્ત્ર જાણવાં. (૪) તથા સત્સંગીના નિયમ જાણવા. (૫) તથા ઇષ્ટદેવને જાણવા. (૬) અને સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને મૂર્તિઓનું બહુપણું જાણવું. (૭) અને અમારું પરોક્ષ ને પ્રત્યક્ષ રૂપ જાણવું. (૮) અને અમારાં જન્મ, કર્મ દિવ્ય જાણવાં. (૯) અને અમારા સંબંધને પામે તે સર્વ નિર્ગુણ થાય છે. (૧૦) અને અમારે વિષે પરમેશ્વરપણાની પ્રતીતિ લવરાવવાને અર્થે અમે ચતુર્ભુજાદિક તથા મચ્છ-કચ્છાદિક અનંતરૂપ દેખાડીએ છીએ તે રૂપને ભેદે કરીને ઉપાસનાના ભેદ કહેવા. (૧૧) અને સ્થાનકના ભેદે કરીને અનેક પ્રકારની લીલા કરી હોય તેણે કરીને દ્વિભુજ એવા જે અમે તે અમારા સ્વરૂપને વિષે ઉપાસનાના ભેદ કરવા નહીં. (૧૨) અને સાધુએ સાધુનાં લક્ષણ પ્રમાણે વર્તવું ને પોતપોતાના વર્ણાશ્રમના ધર્મમાં રહીને અમારી ભક્તિ કરવી. (૧૩) અને તમારા ઇષ્ટદેવ જે અમે તે અમારા આચરણ પ્રમાણે તમારે આચરણ ન કરવું; અમારી આજ્ઞા પ્રમાણે જ વર્તવું. (૧૪) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં આપણો ઉદ્ધવ સંપ્રદાય છે એમ કહ્યું છે તે ઉદ્ધવ સંપ્રદાયનો અર્થ શો સમજવો ?
૧ ઉ. ઉત્ કહેતાં ઉત્કૃષ્ટ અને ધવ કહેતાં સ્વામી તે ઉદ્ધવ કહેવાય, તેનો સંપ્રદાય એટલે ઉત્કૃષ્ટ સ્વામી એવા જે સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનો સંપ્રદાય તે ઉદ્ધવ સંપ્રદાય કહેવાય.
૨ પ્ર. ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવાની કહી તે રીત કેવી રીતે જાણવી ?
૨ ઉ. મૂળઅક્ષરાદિક સર્વે અવતારનું કારણ અવતારી ને સર્વોપરી એવું શ્રીજીમહારાજનું સ્વરૂપ જાણવું, અને તેમના આશ્રિત ત્યાગી-ગૃહીના ધર્મ જાણવા તથા પોતાને બ્રહ્મરૂપ એટલે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ તે રૂપ માનીને ધર્માદિક અંગે સહિત શ્રીજીમહારાજની ભક્તિ કરવી તે રીત જાણવી.
૩ પ્ર. ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા એમ કહ્યું તેનો શો અર્થ જાણવો ?
૩ ઉ. ઉત્કૃષ્ટ સ્વામી એવા જે સાક્ષાત્ ભગવાન શ્રી સ્વામિનારાયણ તે રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા હતા, એટલે રામાનંદ સ્વામી તે શ્રીજીમહારાજના મુક્તાવતાર હતા એમ જાણવું.
૪ પ્ર. મુક્તને શ્રીજીમહારાજના અવતાર કિયા વચનામૃતમાં કહ્યા છે ?
૪ ઉ. (પ્ર. ૩૩ના પહેલા પ્રશ્નમાં) અમે જીવોના કલ્યાણને અર્થે નારદ-સનકાદિક રૂપે વર્તીએ છીએ તથા (પં. ૭/૨માં) અમે નારદ-સનકાદિક રૂપે થઈએ છીએ એમ કહ્યું છે, માટે જીવોના કલ્યાણને અર્થે શ્રીજીમહારાજ મુક્ત રૂપે પ્રગટ થાય છે તે મુક્તને અવતાર જાણવા, અને ઉત્પત્ત્યાદિકને અર્થે મૂળઅક્ષરાદિક રૂપે થાય છે એટલે મૂળઅક્ષરાદિકને વિષે પોતાની શક્તિ દ્વારે અન્વયપણે રહ્યા છે. તે (પ્ર. ૭૨ના ૨/૪ બીજા પ્રશ્નમાં) અમે ક્ષર-અક્ષરાદિકને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ, તથા (૬૩ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં ) અમે કાન્તિએ કરીને અક્ષરાદિક સર્વને વિષે અન્વયપણે રહ્યા છીએ, તેમ જ મોક્ષ કરવાને અર્થે મુક્ત રૂપે પ્રગટ થાય છે તે મુક્તને વિષે સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિમાન રહ્યા છીએ એમ કહ્યું છે.
૫ પ્ર. બીજી બાબતમાં ગુરુપરંપરા કહી તે કેવી રીતે જાણવી ?
૫ ઉ. રામાનંદ સ્વામી સ્વપ્નમાં રામાનુજાચાર્ય થકી દીક્ષા પામ્યા માટે રામાનંદ સ્વામીના દીક્ષાગુરુ રામાનુજાચાર્ય છે અને રામાનંદ સ્વામી થકી શ્રીજીમહારાજ દીક્ષા પામ્યા માટે શ્રીજીમહારાજના દીક્ષાગુરુ રામાનંદ સ્વામી છે, અને શ્રીજીમહારાજે અમદાવાદ તથા વરતાલ દેવ પધરાવીને ગાદી સ્થાપન કરી શ્રી અયોધ્યાપ્રસાદજી તથા શ્રી રઘુવીરજીને ગુરુપદવી આપી તે ગુરુ જાણવા, ને એ બે ગાદી ઉપર જે જે આચાર્ય સ્થાપન થાય તેમને જ આચાર્ય તથા ગુરુ જાણવા એમ ગુરુપરંપરા જાણવી.
૬ પ્ર. કેવા હોય તે આચાર્ય કહેવાય ?
૬ ઉ. પોતે શ્રીજીમહારાજે શિક્ષાપત્રી તથા સત્સંગિજીવનમાં આચાર્યના ધર્મ કહ્યા છે તે પ્રમાણે ધર્મમાં વર્તે ને બીજાને વર્તાવે, અને પોતાના સંપ્રદાયના શાસ્ત્રના અર્થને જાણતા હોય. આવા ગુણે યુક્ત હોય તે આચાર્ય કહેવાય.
૭ પ્ર. શ્રીજીમહારાજ તો પોતે સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તેમને રામાનંદ સ્વામીને ગુરુ કરવાનું શું કારણ હશે ?
૭ ઉ. મુમુક્ષુઓને ગુરુ કરવાની રીત શીખવવાને અર્થે પોતે રામાનંદ સ્વામીને ગુરુ કર્યા છે.
૮ પ્ર. ત્રીજી બાબતમાં ધર્મકુળના સ્થાપનની રીત જાણવાની કહી તે કેવી રીતે જાણવી ?
૮ ઉ. ધર્મદેવના કુળમાંથી બે ગાદી ઉપર બે આચાર્ય સ્થાપન કર્યા તેમને આચાર્ય તરીકે માનવા અને બીજા સર્વેને ધર્મકુળ તરીકે માનવા, તે ધર્મકુળના સ્થાપનની રીત જાણવી.
૯ પ્ર. ચોથી બાબતમાં સંપ્રદાય સંબંધી શાસ્ત્ર કહ્યાં તે કિયાં જાણવાં ? કેમ જે આ વચનામૃતમાં તો પરોક્ષ શાસ્ત્રનું પ્રમાણ કર્યું છે, અને (મ. ૫૮માં) શ્રીજીમહારાજે પોતાના સંબંધના શાસ્ત્રે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ કહી છે, તે વિરોધ આવે છે માટે સંપ્રદાય સંબંધી શાસ્ત્ર કિયાં જાણવાં ?
૯ ઉ. જ્યારે શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલે ત્યારે પરોક્ષને દૃષ્ટાંતે કરીને પોતાની વાત કરે અને પરોક્ષ શાસ્ત્રને દૃષ્ટાંતે કરીને પોતાનાં શાસ્ત્ર માનવાનું કહે માટે આમાં શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલ્યા છે તેથી પરોક્ષ શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કરીને પોતાની વાત કહી છે, માટે આપણે આપણા ઇષ્ટદેવ જે સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ તેમનાં લીલા-ચરિત્ર જે શાસ્ત્રમાં વર્ણન કર્યાં હોય એવાં જે શાસ્ત્ર તે માનવાં. તે શાસ્ત્રનાં નામ : વચનામૃત જે હરિવાક્ય-સુધાસિંધુ (૧) સત્સંગિજીવન (૨) સત્સંગિભૂષણ (૩) હરિદિગ્વિજય (૪) હરિલીલાકલ્પતરુ (૫) ભક્તચિંતામણિ (૬) હરિચરિત્ર-ચિંતામણિ (૭) હરિલીલામૃત (૮) ઘનશ્યામલીલામૃતસાગર (૯) પુરુષોત્તમલીલામૃત-સુખસાગર (૧૦) પુરુષોત્તમપ્રકાશ (૧૧) કલ્યાણનિર્ણય (૧૨) હરિલીલાસિંધુ (૧૩) પુરુષોત્તમચરિત્ર (૧૪) ઇત્યાદિક જે શ્રીજીમહારાજ સંબંધી શાસ્ત્ર તે પ્રત્યક્ષ શ્રીજીમહારાજના જે ઉપાસક તેમણે વાંચવાં, સાંભળવાં ને ભણવાં અને તેમાં કહ્યા પ્રમાણે વર્તવું.
૧૦ પ્ર. પાંચમી બાબતમાં સત્સંગીના નિયમ જાણવાના કહ્યા તે નિયમ કિયા જાણવા ?
૧૦ ઉ. સત્સંગિજીવનમાં શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ આદિકમાં જે જે કહ્યા છે તે નિયમ જાણવા.
૧૧ પ્ર. છઠ્ઠી બાબતમાં આપણા ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન તેમને જાણવા એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૧૧ ઉ. શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલ્યા છે માટે પરોક્ષને દૃષ્ટાંતે કરીને પોતાને ઇષ્ટદેવ માનવા એમ કહ્યું છે.
૧૨ પ્ર. સાતમી બાબતમાં સ્થાનક, સેવક ને કાર્ય કહ્યાં તે કિયાં જાણવાં ? અને તેને ભેદે કરીને મૂર્તિઓનું બહુપણું કહ્યું તે કેવી રીતે જાણવું ?
૧૨ ઉ. અક્ષરધામરૂપી સ્થાનમાં મૂર્તિ દિવ્ય-તેજોમય છે અને તે મૂર્તિ જે જે લોકોમાં કલ્યાણ કરવા દેખાય તે લોકોમાં તે તે લોકોના જેવી દેખાય તે લોકોનાં સ્થાન જાણવાં, અને એ લોકમાં રહ્યા જે ભક્ત તે સેવક જાણવા, અને મનુષ્ય રૂપે પ્રગટ થઈને ભગવાન જે જે આચરણ કરે તે કાર્ય જાણવાં, અને જીવોના કલ્યાણને અર્થે અનંત બ્રહ્માંડમાં એક મૂર્તિ થકા અનંત રૂપે દેખાય છે તે મૂર્તિનું બહુપણું જાણવું, તેણે કરીને દિવ્ય મૂર્તિને વિષે ભેદ ન કરવા. જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્ય રૂપે આંહીં દેખાય છે એમ જાણવું.
૧૩ પ્ર. આઠમી બાબતમાં પરોક્ષ ને પ્રત્યક્ષ જાણવાં એમ કહ્યું તે કેવી રીતે જાણવું ?
૧૩ ઉ. અક્ષરધામમાં દિવ્ય મૂર્તિ શ્રીજીમહારાજ વિરાજે છે તે આપણી દૃષ્ટિએ દેખવામાં નથી આવતું તે પરોક્ષ રૂપ સમજવું, અને આંહીં મનુષ્ય રૂપે તથા પ્રતિમા રૂપે દર્શન આપે છે તે પ્રત્યક્ષ જાણવું.
૧૪ પ્ર. માયાના તમ થકી પર એવા ગોલોકને મધ્યે જે અક્ષરધામ તેને વિષે દ્વિભુજ એવા જે શ્રીકૃષ્ણ તે રહ્યા છે એમ કહ્યું, અને (મ ૩૯ના ૨/૩ બીજા પ્રશ્નમાં) જે શ્રીકૃષ્ણે વસુદેવ-દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું તે ચતુર્ભુજ રૂપ અનાદિ છે એમ કહ્યું છે, માટે વસુદેવના પુત્ર જે શ્રીકૃષ્ણ તે તો સદા ચતુર્ભુજ છે, તેમની સેવામાં તો રાધિકા, લક્ષ્મી, નંદ, સુનંદાદિક પાર્ષદ હોય પણ અક્ષરધામને વિષે રહ્યા એવા દ્વિભુજ શ્રીકૃષ્ણ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની સેવામાં રાધિકા, લક્ષ્મી તથા નંદ, સુનંદાદિક પાર્ષદ કહ્યાં તે કેવી રીતે સમજવાં ?
૧૪ ઉ શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલે ત્યારે પરોક્ષને દૃષ્ટાંતે પોતાને ભગવાન કહે અને પરોક્ષનાં શાસ્ત્ર તથા પાર્ષદને નામે કરીને પોતાનાં શાસ્ત્ર તથા પોતાના પાર્ષદોને કહે તે (પ્ર ૮, ૧૮, ૪૮ ઇત્યાદિમાં) ઘણે ઠેકાણે છે.
૧૫ પ્ર (અગિયારમી બાબતમાં) પરોક્ષ શ્રીકૃષ્ણે પોતાને વિષે પરમેશ્વરપણાની પ્રતીતિ લવરાવવાને અર્થે ઘણાંક રૂપ દેખાડ્યાં તે રૂપને ભેદે કરીને જેમ શ્રીકૃષ્ણને વિષે ઉપાસનાના ભેદ કહેવા એમ કહ્યું તેમ જ શ્રીજીમહારાજે પોતાને વિષે પ્રતીતિ લવરાવવાને અર્થે કિયાં રૂપ ધાર્યાં હશે ? અને તે રૂપને ભેદે કરીને ઉપાસનાના ભેદ કેવી રીતે કહેવા ?
૧૫ ઉ. શ્રીજીમહારાજે પોતાને વિષે સર્વોપરીપણાની પ્રતીતિ લવરાવવાને અર્થે ઘણાક મતવાદીઓને તથા ભક્ત-અભક્ત સર્વેને મચ્છ, કચ્છ, રામકૃષ્ણાદિક ઘણાંક રૂપ દેખાડ્યાં હતાં, ને લીન કર્યા હતા તે પરથારામાં નવમી બાબતમાં મચ્છ, કચ્છાદિક ઘણા રૂપે દેખાતા હવા એમ કહ્યું છે, અને (મ. ૧૩માં) અવતાર પ્રગટ થાય છે ને લીન થાય છે એમ કહ્યું છે, માટે તે રૂપ બતાવ્યાં એટલે જે જે અવતારો થયા હતા, તેવાં રૂપ બતાવ્યાં હતાં તે અવતારોથી શ્રીજીમહારાજને પર કહેવા, એવી રીતે તો ઉપાસનાના ભેદ કહેવા પણ પોતાની મૂર્તિ અનંત અવતારો રૂપે શ્રીજીમહારાજે દેખાડી તે મૂર્તિમાં ભેદ ન કરવા પણ અવતારી સ્વરૂપ શ્રીજીમહારાજ અને બીજા અવતારો તે પૃથક્ છે એમ તો ભેદ કરવા ખરા.
૧૬ પ્ર. ચૌદમી બાબતમાં અમે તમારા આચાર્ય, ગુરુ, ઉપદેષ્ટા ને ઇષ્ટદેવ છીએ એમ કહ્યું તે ઇષ્ટદેવ તો છે જ પણ આચાર્ય, ગુરુ ને ઉપદેષ્ટા કેમ કહ્યા હશે ?
૧૬ ઉ શ્રીજીમહારાજ અનંત જીવોના ક્લ્યાણને અર્થે મનુષ્ય રૂપે પ્રગટ થઈને મુમુક્ષુ જીવોના ઉપદેશને અર્થે રામાનંદ સ્વામીના શિષ્ય થઈને આચાર્ય રૂપે વર્ત્યા તેથી પોતાને આચાર્ય કહ્યા છે. અને સર્વે ત્યાગી-ગૃહીના ગુરુપણે વર્ત્યા તેથી ગુરુ કહ્યા છે. અને સર્વેને ઉપદેશ કર્યો માટે ઉપદેષ્ટા કહ્યા છે, પણ આચાર્યને તથા ગુરુને તથા ઉપદેશ કરનારાને ભગવાન ન જાણવા. એમ (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) અમારા જેવો થવા કોઈ સમર્થ નથી ને અક્ષર પર્યંત સર્વ અમારા સેવક છે ને અમે સ્વામી છીએ; તથા (પં. ૨માં) પ્રકૃતિ પુરુષાદિક અમારા ભક્ત છે. માટે ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે. અને નાનામોટા સર્વ અવતારો તથા મુક્ત તે સર્વે શ્રીજીમહારાજના ભક્ત છે.
૧૭ પ્ર. આ વાર્તા શીખી લેજો ને એ પ્રમાણે વર્તજ્યો ને બીજા આગળ કરજો તે વાર્તા શી સમજવી ?
૧૭ ઉ. ઉપર કહી જે સમગ્ર રીત તથા જેમ શ્રીકૃષ્ણ ભગવાનના ભક્તને તેમના આચરણ પ્રમાણે આચરણ ન કરવું, તથા તે શ્રીકૃષ્ણ ભગવાનને એકાદશ સ્કંધ આદિ શાસ્ત્રમાં સાધુનાં લક્ષણ તથા ધર્મ તથા ભક્તિ કરવાનું કહ્યું છે તેમ વર્તવું. તેમ જ અમારા ભક્તોએ અમારા આચરણ પ્રમાણે આચરણ ન કરવું, અને અમારા સંપ્રદાયનાં શાસ્ત્ર જે વચનામૃત, સત્સંગિજીવન આદિકમાં અમે જેના જેના ધર્મ કહ્યા છે ને અમારી ભક્તિ કરવાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું. એ વાત શીખીને બીજા આગળ કરવી એમ કહ્યું છે. ।।૧૮।। (૨૧૮)
વચનામૃત વરતાલનું - ૧૯
સંવત ૧૮૮૨ના મહા સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ સાંજને સમે શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ઠાકોરજીની સંધ્યા-આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સાંભળો ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્યદેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે, પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ઘટે નહિ, શા માટે જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે, અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમ સુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે, તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચવિષયના સુખને ઇચ્છવું નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથ કરે તે સર્વે સત્ય થાય છે, માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઇચ્છે છે એ જ એને મોટો અવિવેક છે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને તો ચૌદ લોકમાં જે ભોગ-સુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યાં જોઈએ ને મન-કર્મ-વચને કરીને ભગવાનના ભક્તને વિષે જ દૃઢ પ્રીતિ કરી જોઈએ અને એમ સમજ્યું જોઈએ જે, જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત્ ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો તે પણ ઇન્દ્રની પદવીને પામે, કાં બ્રહ્મલોકને પામે પણ પ્રાકૃત જીવની પેઠે નરક ચોરાશીમાં તો જાય જ નહીં. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાં જ કેમ આવે ? માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દૃઢ પ્રીતિ રાખવી. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૯।। (૨૧૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમે કાં અમારા સંત આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોઈએ તે જેને અમારી ઓળખાણ પડે તે અમારો ભક્ત થાય તે પછી તેને અમારા સુખ વિના માયિક સુખ ન ઇચ્છવું કેમ જે અમારા ધામના સુખ આગળ માયિક સુખ છે તે નરક જેવું ને કાકવિષ્ટા તુલ્ય છે, માટે જેમ મનુષ્ય નરકને પરમ દુઃખદાયી જાણે છે તેમ અમારા ભક્તોએ માયિક સુખ નરક જેવું જાણવું ને અમારા સંતને વિષે પ્રીતિ રાખવી, અને અમારા ભક્ત સવાસનિક હોય તો તે પણ ઇન્દ્ર-બ્રહ્માની પદવી પામે તો યથાર્થ અમારા ભક્તનો મહિમા ને સુખ તે તો વર્ણન થાય જ કેમ, એમ જાણીને અમારે વિષે પ્રીતિ કરવી. (૧) બાબત છે. ।।૧૯।। (૨૧૯)
વચનામૃત વરતાલનું - ૨૦
સંવત ૧૮૮૨ના મહા સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની હેઠે વેદી ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ચંમેલીનાં પુષ્પનો હાર વિરાજમાન હતો અને મસ્તક ઉપર રાતા અતલસનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, (૧) રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે અને તમોગુણમાંથી ક્રોધ ને લોભની ઉત્પત્તિ થાય છે માટે એ કામાદિકનું બીજ ન રહે એવું એક સાધન કિયું છે ? પછી શુકમુનિએ કહ્યું જે, જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્મદર્શન થાય ત્યારે જ એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય. પછી શ્રીજીમહારાજે આશંકા કરી જે, શિવ, બ્રહ્મા, શૃંગી ઋષિ, પરાશર, એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્યા ? માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા તોપણ ઇન્દ્રિયોની વૃત્તિ લોમ થઈ ત્યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્યા, માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર ન થયો. અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિષે જાય ત્યારે નિર્વિકાર રહે છે તેમ જ અજ્ઞાની સુષુપ્તિને વિષે નિર્વિકાર રહે છે, અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ લોમ થાય છે ત્યારે તો જ્ઞાની ને અજ્ઞાની બેય કામાદિકે કરીને વિક્ષેપને પામે છે; એમાં તો જ્ઞાની-અજ્ઞાનીનો કાંઈ વિશેષ જણાતો નથી માટે હવે બીજા પરમહંસ ઉત્તર કરો. પછી તો ગોપાળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ સર્વે મળીને જેવો જેને ભાસ્યો તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ જનક વિદેહી હતા તે પ્રવૃત્તિમાર્ગમાં હતા તોપણ નિર્વિકાર હતા અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસિની આવી ત્યારે જનક રાજા સુલભા પ્રત્યે બોલ્યા જે, તું મારા ચિત્તને મોહ પમાડ્યાનું કરે છે, પણ મારા ગુરુ જે પંચશિખ ઋષિ તેની કૃપા થકી હું સાંખ્ય ને યોગ એ બે મતને અનુસર્યો છું, માટે મારા અર્ધા શરીરને ચંદન ચર્ચે અને અર્ધું શરીર તરવારે કરીને કાપે એ બેય મારે બરોબર છે અને આ મારી મિથિલાપુરી બળી જાય તોપણ મારું કાંઈ બળતું નથી, એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગી ને નિર્વિકાર છું એવી રીતે રાજા જનકે સુલભા પ્રત્યે કહ્યું અને શુકદેવજીના પણ રાજા જનક ગુરુ કહેવાણા. માટે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે જે ઇન્દ્રિયોની વૃત્તિ લોમપણે વર્તતી હોય અને પ્રવૃત્તિમાર્ગમાં રહ્યો હોય તોપણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં સમજણની દૃઢતા થઈ હોય તો તે કોઈ રીતે વિકારને પામે નહિ અને જેને જેવું જાણ્યું જોઈએ તેવું યથાર્થ જાણ્યું હોય જે, આ તે સાર છે ને આ તે અસાર છે પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વે અતિશે દુઃખદાયક છે ને નાશવંત છે એમ જાણે, અને પોતાને દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ તે થકી નોખો આત્મા રૂપે જાણે પછી એને એવું કોઈ પદાર્થ નથી જે મોહ પમાડવાને અર્થે સમર્થ થાય કેમ જે એ તો સર્વે માયિક આકારને તુચ્છ કરી જાણે છે અને એવી રીતે જેના અંતરમાં સમજણની ઘેડ્ય બેઠી હોય ને તેનાં ઇન્દ્રિયો પ્રવૃત્તિમાર્ગને વિષે સર્વે લોમપણે વર્તતાં હોય તોપણ તે કામાદિકે કરીને ક્ષોભને ન પામે એવો જે હરિભક્ત હોય તે ત્યાગી હોય અથવા ગૃહસ્થ હોય પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે, અને એવો હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે, માટે ગૃહી-ત્યાગીનો કાંઈ મેળ નથી જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. અને શિવ-બ્રહ્માદિકને વિષે જે ખોટ કહેવાય છે તેનું તો એમ છે જે કેટલાકને વિષે તો આવી રીતની સમજણની કસર છે, ને કેટલાકને વિષે તો આવી સમજણ હોય તોપણ ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાદિકને યોગે કરીને તેમને કામાદિક વિકારરૂપ ખોટ કહેવાણી છે. માટે આવી સમજણ હોય તોપણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહિ એ સિદ્ધાંત વાર્તા છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૨૦।। (૨૨૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી મૂર્તિ વિના બીજા માયિક આકારને અતિ તુચ્છ ને દુઃખદાયી ને નરકરૂપ જાણીને પોતાને આત્મારૂપ માને તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામે છે, તે સર્વ ભક્તથી શ્રેષ્ઠ છે, અને આવી સમજણ ન હોય, કાં તો ભૂંડા દેશકાળનો યોગ થાય તો ખોટ આવે, માટે એવી સમજણ હોય તોપણ કુસંગ તો કરવો જ નહીં. (૧) બાબત છે.
૧ પ્ર. આમાં જનક રાજાને શુકજીના ગુરુ કહ્યા, અને (મ. ૨૦/૨માં) જનકથી શુકજીની સ્થિતિ અધિક કહી છે, તે કેમ સમજવું ?
૧ ઉ. શુકજીની સ્થિતિ જનક કરતાં અધિક હતી પણ જનક રાજાએ શુકજીને જ્ઞાન કર્યું હતું તેથી ગુરુ કહ્યા છે. ।।૨૦।। (૨૨૦)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં વરતાલ પ્રકરણં સમાપ્તમ્
અથ વચનામૃત અમદાવાદ પ્રકરણમ્
વચનામૃત અમદાવાદનું - ૧
સંવત ૧૮૮૨ના મહા વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરમાં આથમણી કોરે મુખારવિંદે કરીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ગુલાબનાં પુષ્પના હાર વિરાજમાન હતા ને કાનની ઉપર ગુલાબનાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા ને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમામાં શ્રીજીમહારાજ અંતર સામી દૃષ્ટિ કરીને વિરાજમાન હતા.
૧ પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સામું જોયું પછી એમ બોલ્યા જે, (૧) અમારે એક ધ્યાનના અંગની વાર્તા કરવી છે તે વાર્તા મોક્ષધર્મને વિષે પણ કહી છે. અને જે મોટા મોટા એ ધ્યાને કરીને સિદ્ધદશાને પામ્યા છે તે પણ અમે ઘણાક દીઠા છે ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે અનંત પ્રકારનાં ધ્યાન છે, પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઈ ધ્યાન નહિ : જેમ કોઈક ચમત્કારી મંત્ર હોય અથવા ચમત્કારી ઔષધિ હોય તેમાં સ્વાભાવિક જ ચમત્કાર રહ્યો છે, તેમ જ આ ધ્યાન અમારે કહેવું છે તે ધ્યાનમાં પણ એવો સ્વાભાવિક ચમત્કાર છે જે તત્કાળ સિદ્ધદશાને પામી જાય. ને હવે તે વાર્તા કરીએ છીએ જે ધ્યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું ને ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એવી રીતે ધ્યાન કરતાં કરતાં સૂર્ય ને ચંદ્રમા જેવા આકાશમાં છે તેવા ને તેવા જ દેખાવા માંડે, ત્યારે જમણું નેત્ર છે તે તપવા માંડે ને ડાબું નેત્ર છે તે ઠરવા માંડે, ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી ને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી. એવી રીતે ધારણા કરીને પછી સૂર્યને ને ચંદ્રને અંતર્દૃષ્ટિ કરીને હૃદયાકાશમાં જોયા કરવા, અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું અને દેખનારો જે જીવાત્મા તેને વિષે પરમાત્માનું ધ્યાન કરવું. પછી તેનું જે વાસનાલિંગ દેહ છે તે જેમ રેંટનો ફાળકો ફરે તેમ આકાશને વિષે ફરતું જણાય, પછી એવી રીતે ધ્યાન કરતાં થકાં ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું દર્શન તેને થાય છે, ને તે રૂપને વિષે ચૌદે લોકની રચના છે તે દેખાઈ આવે છે, અને તે સ્વરૂપ અતિશે મોટું પણ નથી દેખાતું જેમ વટપત્રશાયી ભગવાન એક વડના પત્રમાં નાના બાળક થઈને પોઢ્યા હતા અને તે જ ભગવાનના ઉદરને વિષે માર્કંડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ દીઠું; એવી રીતે ભગવાનનું ધ્યાન કરતાં થકા જેટલાં કાંઈ શાસ્ત્રમાં પદાર્થ કહ્યાં છે તે સર્વે એની દૃષ્ટિમાં આવે છે, ત્યારે એના જીવાત્માને વિષે જે કાંઈક નાસ્તિકભાવ રહ્યો હોય તે મટી જાય છે અને તેનો જીવ અતિ બળિયો થાય છે અને જે જે શાસ્ત્રમાં કહ્યું છે તે સર્વે સત્ય છે એવી એને દૃઢ પ્રતીતિ આવે છે. અને અણિમાદિક અષ્ટસિદ્ધિઓ તે પણ એ ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે, અને જ્યાં લગણ સૂર્યની ને ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્યાં લગી તેની દૃષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ પ્રગટે છે. પણ પરમેશ્વરનો ભક્ત છે માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો નથી; કેવળ પરમેશ્વરનું જ ધ્યાન કરે છે, ત્યારે એ ધ્યાનનો કરનારો નારદ-સનકાદિક શુકજીના સરખી સિદ્ધદશાને પામે છે. માટે અનંત પ્રકારનાં ધ્યાન છે, પણ તત્કાળ સિદ્ધદશાને પમાડે એવું તો એ જ ધ્યાન છે. એટલી વાર્તા કરી રહ્યા. (૧)
૨ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) એવું ધ્યાન તે અષ્ટાંગયોગને માર્ગે કરીને પ્રાણાયામ કરતો હોય તેને જ સિદ્ધ થાય છે કે બીજાને પણ થાય છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રાણાયામવાળાનો કાંઈ મેળ નથી, એ તો જો એવા ધ્યાનનો અભ્યાસ કરે ને તે પરમેશ્વરનો એકાંતિક ભક્ત હોય તો તેને જ એ ધ્યાન સિદ્ધ થાય છે. પણ બીજા જીવ થકી તો એ માર્ગને વિષે ચલાતું જ નથી, માટે એ ધ્યાનના જે અધિકારી છે તેને તો કહ્યું એવું જે ધ્યાન તે થકી બીજો તત્કાળ સિદ્ધ થયાનો ઉપાય નથી. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૨૨૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં યોગમાર્ગના ધ્યાનની પ્રશંસા કરીને તેની રીત બતાવી છે જે સૂર્ય-ચંદ્રને નેત્ર દ્વારે કરીને હૃદયમાં જોવા ને પોતાના આત્માને જોવો ને તે આત્મામાં અમારું ધ્યાન કરવું તેણે કરીને સૂક્ષ્મ દેહ જુદું દેખાય ને બ્રહ્માંડની રચના દેખાય ને નાસ્તિકભાવ ટળી જાય ને સિદ્ધિઓ પ્રાપ્ત થાય પણ અમારો ભક્ત તે સિદ્ધિઓને ગ્રહણ ન કરે ને કેવળ અમારું જ ધ્યાન કરે, તો જેમ સૂર્યને ધ્યાને કરીને સૂર્યના સરખી દૃષ્ટિ થાય છે તેમ અમારે ધ્યાને કરી અમારા સિદ્ધ મુક્ત સરખી સિદ્ધદશાને પામે છે, એટલે જેમ અમે અનંતકોટિ બ્રહ્માંડમાં વ્યાપવા સમર્થ છીએ તેમ તે પણ અમારા જેવો જ સમર્થ થાય છે. (૧) બીજામાં અષ્ટાંગયોગ સિદ્ધ કર્યા વિના પણ અમારા એકાંતિક ભક્ત અમારું ધ્યાન કરે તો તત્કાળ તે ધ્યાન સિદ્ધ થાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર (છે ૩૧માં) જીવને વિષે અમારી મૂર્તિને ધારે તો અંગુષ્ઠમાત્ર જ જુએ, પણ જેવી છે તેવી ન દેખે એમ કહ્યું છે ને આમાં જીવને વિષે મૂર્તિ ધારે તો તત્કાળ સિદ્ધદશાને પામે એમ કહ્યું તે કેમ સમજવું ?
૧ ઉ (છે. ૩૧માં) બુદ્ધિને વિષે જીવ રહ્યો છે તેમાં મૂર્તિ ધારે તો જેવી છે તેવી ન દેખે એમ કહ્યું છે; શા હેતુ માટે તો બુદ્ધિ ગુણમય છે અને જ્યાં સુધી બુદ્ધિમાં જીવ રહ્યો છે ત્યાં સુધી જીવ પણ ગુણમય કહેવાય, માટે તેમાં મૂર્તિ ધારે તો અંગુષ્ઠમાત્ર દેખે, પણ જેવી છે તેવી ન દેખે એમ કહ્યું છે, પણ ત્રણ દેહથી નોખો પડીને પછી જીવાત્માને વિષે મૂર્તિ ધારે તો જેવી છે તેવી ન દેખે એમ નથી કહ્યું. અને આમાં તો વાસના લિંગદેહથી જુદો પડીને શુદ્ધ આત્મારૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિ ધારે તો મૂર્તિ જેવી છે તેવી દેખે ત્યારે કારણ શરીર નાશ પામે. અને (છે. ૩૧માં) ધ્યાન કરવાનો ઉપાય કહ્યો તેમાં પોતાને અક્ષરધામરૂપ માનીને શ્રીજીમહારાજની મૂર્તિ ધારવી એ શ્રેષ્ઠ છે અને એવી રીતે ધ્યાન કરવામાં પ્રયાસ ઘણો જ ઓછો પડે અને તત્કાળ મૂર્તિ સિદ્ધ થાય છે તે ધ્યાન કરવાનો ઉપાય આથી શ્રેષ્ઠ છે.
૨ પ્ર યોગમાર્ગે ધ્યાન કરનારા સૂર્ય-ચંદ્રને ન ધારે અને શ્રીજીમહારાજની મૂર્તિને ધારે તો ધરાય કે નહીં ?
૨ ઉ શ્રીજીમહારાજની મૂર્તિ ધારવી તે તો સર્વેથી શ્રેષ્ઠ છે.
૩ પ્ર પહેલા પ્રશ્નમાં શાસ્ત્રમાં કહ્યાં તે પદાર્થ જયારે દૃષ્ટિમાં આવે ત્યારે જીવને વિષેથી નાસ્તિકભાવ સંપૂર્ણ જાય એમ કહ્યું ત્યારે સત્પુરુષના સમાગમથી નાસ્તિકભાવ જાય કે નહીં ?
૩ ઉ આમાં જેણે કેવળ શાસ્ત્ર થકી સમજણ દૃઢ કરી હોય તે શાસ્ત્રમાં કહેલું હોય તેને જ્યારે દૃષ્ટિએ દેખે ત્યારે યથાર્થ મનાય એમ કહ્યું છે. અને જેને મુક્તનો યોગ થયો તેને તો આત્મા-પરમાત્માનું દર્શન થાય એમ (વ. ૧૧ના ૪/૫ ચોથા પ્રશ્નમાં) કહ્યું છે, તો નાસ્તિકપણું જાય એમાં શું કહેવું ? ।।૧।। (૨૨૧)
વચનામૃત અમદાવાદનું - ૨
સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરની આગળ વેદીને વિષે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તકને વિષે ગુલાબી રંગનો ફેંટો બાંધ્યો હતો ને તે પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કાનને ઉપર ગુલાબના બે ગુચ્છ ખોસ્યા હતા ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા ને બે ભુજને વિષે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા ને બે હાથને વિષે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા. એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ સર્વે પરમહંસ પ્રત્યે બોલ્યા જે એક પ્રશ્ન પૂછું છું જે, (૧) પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ તે થકી પર વર્તે છે ને મલિન રજ, તમ ને મલિન સત્ત્વ તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્ત્વમય વર્તે છે ને એવો થકો પરમેશ્વરને ભજે છે ને બીજો ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે ને પરમેશ્વરને વિષે તો અતિશે પ્રીતિએ યુક્ત વર્તે છે એ બે ભક્તમાં કિયો ભક્ત શ્રેષ્ઠ છે ? પછી સંતમંડળે તો એમ કહ્યું, જે ભગવાનને વિષે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો નાઈ-ધોઈ પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે ને એક તો મળમૂત્રનો ભર્યો થકો ભગવાનની પૂજા કરે છે એ બેમાં કિયો શ્રેષ્ઠ છે ? ત્યારે મુનિમંડળે કહ્યું જે, પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે તે શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો ને જે, માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિષે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો તે એ કેઈ રીતે શ્રેષ્ઠ છે ? પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે માટે જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે જે નિત્ય પ્રલય જે જીવની સુષુપ્તિ, ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ, ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય, અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે, અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થાય છે, અને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે. ને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે, પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેને પોતપોતાની ઉપાધિ વળગે છે અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી, અને એ જો કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વંતત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે. પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો માટે બ્રહ્મરૂપ થઈને પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે, (૧) અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૨૨૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) એક છે તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે નિત્ય, નિમિત્ત ને પ્રાકૃત પ્રલયમાં જીવ, ઈશ્વર ને પુરુષની ઉપાધિ લય પામે છે ને પાછી સૃષ્ટિ સમે વળગે છે પણ જ્ઞાન પ્રલયે કરીને માયિક ઉપાધિ તજીને બ્રહ્મરૂપ એટલે અમારા તેજરૂપ થઈને અમને ભજે તેને કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી અને તે જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે સ્વતંત્રપણે દેહ ધરે ને મૂકે એવો સમર્થ થાય. (૧) આ વાત અમારા એકાંતિક ભક્તને સમજાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં શુદ્ધ સત્ત્વમય વર્તે છે એમ કહ્યું તે શુદ્ધ સત્ત્વમય કેવી રીતે જાણવું ?
૧ ઉ એનો ઉત્તર એ જ બાબતમાં નીચે કર્યો છે જે માયિક ઉપાધિનો ત્યાગ કરીને શ્રીજીમહારાજના તેજરૂપ જે બ્રહ્મ તે રૂપ થઈને શ્રીજીમહારાજને ભજે તેને આ ઠેકાણે શુદ્ધ સત્ત્વમય વર્તે છે એમ કહ્યું છે, માટે શુદ્ધ સત્ત્વમય એટલે બ્રહ્મ રૂપે વર્તે છે એમ સમજવું.
૨ પ્ર આમાં શ્રીજીમહારાજના તેજરૂપ જે બ્રહ્મ તે બ્રહ્મ રૂપે વર્તે તેને શુદ્ધ સત્ત્વમય કહ્યો અને (વ. ૧૮/૮માં) શ્રીકૃષ્ણને પણ શુદ્ધ સત્ત્વાત્મક કહે તો બાધ આવે એમ કહ્યું છે માટે શ્રીકૃષ્ણને શુદ્ધ સત્ત્વાત્મક ન કહેવાય તો તેથી પર મહાકાળ ને તેથી પર નરનારાયણ ને તેથી પર વાસુદેવબ્રહ્મ ને તેથી પર મૂળઅક્ષરના મુક્ત ને તેથી પર મૂળઅક્ષર ને તેથી પર શ્રીજીમહારાજના મુક્ત છે તેમને શુદ્ધ સત્ત્વમય વર્તે છે એમ કેમ કહેવાય માટે તે કેમ સમજવું ?
૨ ઉ (વ. ૧૮માં) રજ-તમથી રહિત માયાનો સત્ત્વગુણ તેને શુદ્ધ સત્ત્વ કહ્યો છે તે સત્ત્વાત્મક શ્રીકૃષ્ણને ન કહેવા, એ ગુણથી પર કહેવા એમ કહ્યું છે, અને આમાં તો સત્ત્વ શબ્દ શક્તિવાચક છે તે શ્રીજીમહારાજની શક્તિ જે બ્રહ્મ તે બ્રહ્મ રૂપે વર્તે તેને જ શુદ્ધ સત્ત્વમય કહ્યો છે માટે શુદ્ધ સત્ત્વમય વર્તે છે એટલે બ્રહ્મ રૂપે વર્તે છે એમ જાણવું.
૩ પ્ર નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃત ને આત્યંતિક એ ચાર પ્રકારના પ્રલય કહ્યા તે કેવી રીતે થતા હશે ?
૩ ઉ પાતાળથી આરંભીને સ્વર્ગલોક પર્યંત દશ લોકમાં ઝીણા જંતુથી લઈને ઇન્દ્ર સુધીના દેહનો ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ થાય છે તેને નિત્ય પ્રલય કહેવાય છે. (૧) અને જ્યારે મર્ત્યલોકનાં ચાર અબજ ને બત્રીશ કરોડ વર્ષ થાય છે ત્યારે વૈરાજપુરુષની સાંઝ પડે છે, ત્યારે પ્રથમ સો વર્ષ પર્યંત અનાવૃષ્ટિ થાય છે. પછી શેષનારાયણના મુખ થકી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ઉપરથી સૂર્ય તપે છે તે દશ લોકને બાળી દે છે. ત્યારે મહર્લોકનિવાસી તે જનલોકમાં જાય છે પછી સાંવર્તક નામના મેઘ મુશળધારાથી વરસે છે, ને ધ્રુના તારા સુધી જળ ભરાઈ જાય છે, ત્યારે વૈરાજ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવની રાત્રિ પડે છે ત્યારે તે સૂઈ જાય છે તેના ભેળા તપ તથા જન એ લોકમાં રહેનારા તે પણ સૂઈ જાય છે. આવી રીતે નૈમિત્તિક પ્રલય થાય છે. (૨) અને એ વૈરાજનો જેવડો દિવસ તેવડી જ રાત્રિ છે તે રાત્રિ-દિવસ થઈને આપણાં આઠ અબજ ને ચોસઠ કરોડ વર્ષ થાય છે અને તેનું સવાર થાય છે ત્યારે જાગીને સૃષ્ટિને ઉત્પન્ન કરે છે. એવી રીતે છત્રીશ હજાર નિમિત્ત પ્રલય થાય છે, ત્યારે વૈરાજની સો વર્ષની આયુષ્ય પૂરી થાય છે, ત્યારે તેનો દેહ નાશ પામે છે ત્યારે પ્રધાનપુરુષની સાંજ પડે છે ત્યારે અષ્ટાવરણ ને ચૌદ લોકનો નાશ થઈ જાય છે તેને પ્રાકૃત પ્રલય કહે છે. (૩) અને પ્રધાનપુરુષનો જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે તે પ્રધાનપુરુષની આયુષ્યમાં છત્રીશ હજાર પ્રાકૃત પ્રલય થાય છે ત્યારે તે પ્રધાનપુરુષ મૂળમાયાને વિષે લય પામે છે, એવા અનંત પ્રધાનપુરુષો માયામાં લીન થાય છે અને મૂળમાયા મૂળપુરુષને વિષે લીન થાય છે તેને મહા પ્રલય અથવા આત્યંતિક પ્રલય કહે છે. ત્યારે મૂળપુરુષ વાસુદેવબ્રહ્મના બ્રહ્મપુર ધામમાં વાસુદેવને સમીપે જઈને નિવાસ કરે છે. આવી રીતે આત્યંતિક પ્રલય થાય છે. (૪) આવી રીતે જ્ઞાને કરીને પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લય કરીને ત્રણ દેહથી પર એવો પોતાનો ચૈતન્ય તેને ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિથી પર શ્રીજીમહારાજના તેજરૂપ માનીને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાય તે મુક્ત થાય છે તેને ફેર ઉપાધિમાં આવવું પડતું નથી, ને શ્રીજીમહારાજની પેઠે સ્વતંત્રપણે જીવોના કલ્યાણ કરવાને અર્થે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા અથવા શ્રીજીમહારાજના તેજરૂપ જે ધામ તેમાં શ્રીજીમહારાજની સમીપે રહ્યા થકા આંહીં દર્શન આપે, ને શ્રીજીમહારાજની ઇચ્છાથી અંતર્ધાન થાય પણ કાળ આદિક કોઈને આધીન થાય નહીં. ।।૨।। (૨૨૨)
વચનામૃત અમદાવાદનું - ૩
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી ને તે પાઘને વિષે ગુલાબના ને ચમેલીના હાર વિરાજમાન હતા તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) જીવમાત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે તે કાં તો બહાર પંચવિષયને ભોગવતો હોય અને જ્યારે બહાર પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે તેનાં જે મૂળ તે જ વડને લીલો રાખે છે અને બીજાં સર્વ મૂળ ઊખડી ગયાં હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તોપણ એ વડનું વૃક્ષ લીલું રહે છે, તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ એને જન્મમરણનો હેતુ છે, એવા જે પંચવિષય તે પરમેશ્વરના ભક્તને કેઈ રીતે જન્મમરણના હેતુ નથી એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે, માયામય એવાં જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચવિષય જન્મમરણના હેતુ ન થાય, જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી, ઘોડા, વૃક્ષ સર્વે તણાઈ જાય પણ કોઈ ઠરી શકે નહિ, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીક ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ જ્યારે અંતર સન્મુખ દૃષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિષે દેખ્યા હોય તે આ જન્મમાં વીસરી જાય છે તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય, તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જેમ આ સંસારને વિષે અજ્ઞાની સ્ત્રી-પુરુષ હોય ને તેને પરણાવ્યા મોરે અતિશે પ્રીતિ વર્તતી હોય ને પછી તેને પરણાવીને ત્રણ રાત ને ત્રણ દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય ને પછી એ બેને ભેળાં કર્યાં હોય તો નિદ્રાને માર્યે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહીં. અને એકબીજાને આલિંગન કરી રહ્યાં હોય તોપણ જેમ કાષ્ઠને સામસામાં બાંધી મૂક્યાં હોય તેમ સૂતાં હોય પણ પંચવિષયમાં એકે સુખ આવે નહીં. એ જો અજ્ઞાનકાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યાં છે તોપણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી, તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને ઉપશમદશાને પામ્યો છે તેને પંચવિષય કેમ બાધ કરે ? ન જ કરે. માટે જે ઉપશમદશાને પામ્યો તેને પંચવિષય જન્મમરણના હેતુ થાતા નથી. (૧)
૨ પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) ઉપશમદશા પામ્યાનો શો હેતુ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો ભગવાનનું અતિશે માહાત્મ્ય સમજતો હોય અને બીજું ભગવાન ને ભગવાનના ભક્તની સેવા, ચાકરી, દર્શન કરવું તેમાં અતિશે વેગવાન શ્રદ્ધા વર્તતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપશમદશા આવે છે. (૨) પણ અમને એમ ભાસે છે જે, જે સેવક માની હશે તે તો કોઈને નહિ ગમતો હોય અને માની સેવક પાસે જે ટેલ-ચાકરી કરાવવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે તેમ માની સેવકને પાસે જે સેવા-ચાકરી કરાવવી તે પણ એવી છે અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય ! માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો. (૩)
૩ પછી શુકમુનિએ પૂછ્યું જે, (૩) જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશે ક્યાં ડાહ્યા છે, પણ કલ્યાણનો ખપ અતિશે છે માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતાં આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાઈ-ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખ્યયોગી ને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા, કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશે જ સત્સંગપરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે, માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતાં કોઈને આવડતું નથી અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે, માટે કોઈક કપટી હશે તો એમને છેતરી જાશે, તે સારુ એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને કહે કરવા દેવું નહીં. એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૩।। (૨૨૩)
રહસ્યાર્થ પ્રદી - આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પંચવિષયનું ચિંતવન તે જન્મમરણનો હેતુ છે તે માયામય શરીરની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તા રૂપે રહીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે ચિંતવને કરીને જ્યારે ઉપશમદશાને પામે ત્યારે પંચવિષય જન્મમરણના હેતુ ન થાય. (૧) બીજામાં અમારો અતિશે મહિમા સમજે અને અમારી તથા અમારા ભક્તની સેવા-ચાકરી-દર્શન કરવામાં અતિશે વેગવાન શ્રદ્ધા હોય તો ઉપશમદશા આવે. (૨) અને માની સેવકની સેવા અમને નથી ગમતી ને નિર્માની સેવક ઉપર અમે બહુ રાજી છીએ ને તે સાચો ભક્ત છે. (૩) ત્રીજામાં અયોધ્યાવાસીની પ્રશંસા કરી ને પછી એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા એટલે સ્વધર્મનિષ્ઠ ને સત્સંગના ધોરણને જાણનારા ને સત્સંગના મમત્વવાળા પરમહંસ તથા એવા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને એટલે સત્સંગના ધોરણને ન જાણનાર ને ધર્મે રહિત એવાને કહેવેથી કોઈ કામ કરવા દેવું નહિ, એમ સ્વધર્મનિષ્ઠ મોટેરા ત્યાગી-ગૃહીને આજ્ઞા કરી છે. (૪) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં આત્મસત્તા રૂપે રહીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે ઉપશમદશાને પામે એમ કહ્યું તે આત્મસત્તા કઈ જાણવી ?
૧ ઉ ત્રણ દેહથી પર એવો જે જીવાત્મા તેને બ્રહ્મરૂપ માનીને શ્રીજીમહારાજનું ચિંતવન કરે તે ચિંતવનને બળે ઉપશમદશા પમાય છે ત્યારે વિષય જન્મમરણના હેતુ થતા નથી તે બ્રહ્મ રૂપે વર્તવું તે આત્મસત્તા કહી છે.
૨ પ્ર ઉપશમદશા તો ન આવે ને વિષયનું ચિંતવન થાય, પણ તેને અંતરમાં બહુ ખેદ થતો હોય તેને જન્મમરણ ટળે કે ન ટળે ?
૨ ઉ એનું તો શ્રીજીમહારાજ પૂરું કરે પણ જન્મ ધરાવે નહિ પણ જેને વિષયના સંકલ્પ જોઈને ખેદ ન થાય તેને તો જન્મમરણ થાય ખરું. ।।૩।। (૨૨૩)
વચનામૃત અમદાવાદનું - ૪
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ વેદિકા ઉપર ગાદી-તકિયો તેણે યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિષે ગુલાબના તોરા ઝૂકી રહ્યા હતા ને શ્રવણ ઉપર ગુલાબના ગુચ્છ ખોસ્યા હતા ને ગુલાબના અગણિત હાર તે કોટને વિષે વિરાજમાન હતા અને બાજુબંધ બાંયે ગુલાબના બાંધ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ મુનિમંડળ તથા હરિભક્ત પ્રત્યે એમ બોલ્યા જે, (૧) સર્વે સાંભળો, આજ એક વાત કરવી છે તે કહીએ છીએ જે, ભગવાન કેવા છે તો જન્મ ધરતે થકે પણ અજન્મા છે અને દેહને મૂકતે થકે પણ અજર-અમર છે ને નિરંજન છે કહેતાં માયાના અંજન થકી રહિત છે ને મૂર્તિમાન છે અને સ્વપ્રકાશ છે, બ્રહ્મ છે, અક્ષર છે, અંતર્યામી છે ને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે. અને મનુષ્ય દેહને જે ધરવું ને મૂકવું તે તો નટવાની પેઠે ઇન્દ્રજાળ સરખું છે અને અનંતકોટિ અક્ષરાતીત મુક્તના નિયંતા છે ને સર્વેના સ્વામી છે. (૧) એવા જે શ્રી નરનારાયણ તે જે તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિષે પ્રગટ થઈને બદરિકાશ્રમને વિષે તપ કરે છે અને વળી તે શ્રી નરનારાયણ જે તે મચ્છ, કચ્છ, વારાહ, વામન, રામકૃષ્ણાદિક જે દેહ તેને ગ્રહણ કરીને અને તે પોતાને દેહે કરીને અન્ય જીવોના દેહના અભિમાનનો ત્યાગ કરાવીને અને બ્રહ્મ અભિમાનનું ગ્રહણ કરાવીને તે પછી પોતાના દેહને ને અન્ય જીવોના દેહને સમ દેખાડે છે, જેમ કાંટે કરીને કાંટાને કાઢીને બે કાંટાનો ત્યાગ કરે છે તેમ ભગવાન પોતાના દેહનો અને અન્ય જીવોના દેહનો તુલ્યપણે ત્યાગ કરે છે. તે ભારતને વિષે આખ્યાન છે જે નૃસિંહજીને જ્યારે દેહનો ત્યાગ કર્યાની ઇચ્છા થઈ ત્યારે અંતર્યામી રૂપે કરીને શિવના હૃદયને વિષે પ્રેરીને શિવ પાસે સરભનો દેહ ધરાવ્યો. અને તે સરભને ને નૃસિંહજીને માંહોમાંહી યુદ્ધ થયું ને પછી નૃસિંહજીએ પોતાનો દેહ મૂકી દીધો. એવી રીતે દેહનું ગ્રહણ કરે છે ને પછી દેહનો ત્યાગ કરે છે. તે જેમ ઋષભદેવે અગ્નિને વિષે બળીને દેહનો ત્યાગ કર્યો અને શ્રીકૃષ્ણ ભગવાનના પગમાં તીર લાગ્યો ને દેહનો ત્યાગ કર્યો, તે ચરિત્રને દેખીને જે નાસ્તિક મતિવાળા છે ને અભક્ત છે તેની બુદ્ધિ ભ્રમાઈ જાય છે અને ભગવાનને વિષે જન્મ-મૃત્યુનો આરોપણ કરે છે અને તેની મતિને વિષે એમ જણાય છે જે ભગવાન પણ કર્મે કરીને દેહને ધરે છે અને કર્મે કરીને દેહને મૂકે છે અને નૈષ્કર્મ્ય કર્મને કરશે ત્યારે કર્મ ખપીને મુક્ત થાશે. અને જે આસ્તિક બુદ્ધિવાળા છે અને હરિભક્ત છે તે એમ જાણે છે જે નાસ્તિકની સમજણ છે તે તો જૂઠી છે ને ભગવાનનો દેહ તો નિત્ય છે અને બાળ, યૌવન, વૃદ્ધ ને જન્મ, મૃત્યુ ઇત્યાદિક જે દેહના ગુણ તે ભગવાનની લીલા છે અને જે કાળ ને માયા તે તો ભગવાનના દેહને વિષે ચેષ્ટા કરવાને અર્થે સમર્થ થાતા નથી. અને એ ભગવાનના દેહને વિષે પરિણામપણું જણાય છે એ તો એ ભગવાનની માયાએ કરીને જણાય છે અને તેને વિષે જે ભગવાનના ભક્ત છે તે મોહ નથી પામતા ને જે અભક્ત છે તેની મતિ ભ્રમી જાય છે. જેમ નટવાના ચરિત્રને દેખીને જગતના જીવની મતિ ભ્રમી જાય છે અને નટની વિદ્યાનો જાણતલ જે પુરુષ તેની મતિ નથી ભ્રમાતી તેમ પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તે અનેક દેહ ધરીને નટવાની પેઠે બદલી દે છે, ને એ શ્રી નરનારાયણ તો સર્વે જે અવતાર તેના કારણ છે ને તે શ્રી નરનારાયણને વિષે મરણભાવ જે કલ્પે છે તેને અનેક દેહ ધરવા પડે છે ને ચોરાશીના દુઃખનો ને યમપુરીના દુઃખનો તેને પાર આવતો નથી. (૨) અને જે શ્રી નરનારાયણને વિષે અજર-અમરપણું સમજે છે તે કર્મ થકી ને ચોરાશી થકી મુકાઈ જાય છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયના સર્વે સત્સંગી-સાધુ તે જે તે ભગવાનની મૂર્તિઓ જે થઈ ગઈ ને હમણાં છે ને આગળ થાશે તેને વિષે મરણભાવ કોઈ કલ્પશો મા ! અને આ વાર્તા સૌ લખી લેજો. એમ કહીને શ્રીજીમહારાજ પોતાનું વર્તમાનકાળે પ્રગટપણું જણાવતા હવા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪।। (૨૨૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમે અજન્મા, અજર, અમર ને માયાને આવરણે રહિત ને મૂર્તિમાન છીએ ને સર્વના આધાર ને સ્વામી છીએ અને નટની પેઠે મનુષ્ય રૂપે દેખાઈએ છીએ. (૧) અને શ્રી નરનારાયણ જે અમે તે અમે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિષે પ્રગટ થઈને બદરિકાશ્રમમાં તપ કરીએ છીએ અને મચ્છ, કચ્છ, રામકૃષ્ણાદિક રૂપને ગ્રહણ કરીને જીવોના દેહાભિમાનનો ત્યાગ કરાવીને ને બ્રહ્મ અભિમાન ગ્રહણ કરાવીને અન્ય જીવોની પેઠે દેહનો ત્યાગ કરીએ છીએ જેમ નૃસિંહજી, ઋષભદેવ તથા શ્રીકૃષ્ણ ભગવાને દેહનો ત્યાગ કર્યો તેમ, અને એવાં અમારાં ચરિત્રને વિષે નાસ્તિક અને અભક્તની મતિ ભ્રમી જાય છે, ને અમારા ભક્ત મોહ નથી પામતા. અને શ્રી પુરુષોત્તમ નરનારાયણ જે અમે તે અમે સર્વના કારણ છીએ અને અનેક રૂપે દર્શન આપીને અદૃશ્ય થઈએ છીએ ને અમારે વિષે મરણભાવ કલ્પે તેને ચોરાશી ને યમપુરીના દુઃખનો અંત નથી આવતો. (૨) અને અમને અજર, અમર જાણે તે ચોરાશી ને કર્મથી મુકાય છે. માટે આગળ થયા જે અવતાર અને હમણાં આ પ્રગટ પ્રમાણ જે અમે ને આગળ થશે જે અવતાર તે સર્વેમાં મરણભાવ પરઠશો નહીં. (૩) બાબતો છે.
૧ પ્ર શ્રીજીમહારાજને સ્વપ્રકાશ કહ્યા તે સ્વપ્રકાશ કેવી રીતે જાણવા ?
૧ ઉ સ્વપ્રકાશ એટલે બીજા કોઈનો આપેલો પ્રકાશ નહિ, પોતાને જ પ્રકાશે પ્રકાશમાન છે, માટે સ્વપ્રકાશ કહ્યા છે.
૨ પ્ર આમાં શ્રીજીમહારાજને બ્રહ્મ ને અક્ષર કહ્યા અને (પ્ર. ૩૯, ૪૨, ૫૦ તથા વ. ૧૩ના બીજા પ્રશ્નમાં) બ્રહ્મ કહ્યા છે. અને (પં. ૨માં) અક્ષર કહ્યા છે અને કેટલાંક વચનામૃતોમાં પરબ્રહ્મ તથા અક્ષરાતીત કહ્યા છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ જે સર્વથી અતિશે મોટા હોય તે બ્રહ્મ કહેવાય, અને જે ન ક્ષરે તેમને તથા જે મૂર્તિથી જુદા ન પડે તે સર્વને તથા ચૈતન્ય વર્ગ સર્વને અક્ષર કહેવાય તે શ્રીજીમહારાજ જેવા અક્ષર બીજા કોઈ નથી, માટે શ્રીજીમહારાજને અક્ષર કહ્યા છે. અને શ્રી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શતાનંદ સ્વામી આદિ સર્વ અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજની મૂર્તિમાં સદાય રહ્યા છે, પણ જુદા પડતા જ નથી માટે તેમને પણ અક્ષર કહેવાય છે. પણ જે સૃષ્ટિકર્તા મૂળઅક્ષર છે તે તો અનાદિ તથા પરમએકાંતિકથી ન્યૂન છે અને ગોપાળાનંદ સ્વામી આદિકને મૂળઅક્ષરની ઉપમા આપી હોય તે તો શાસ્ત્રમાં તેની મોટ્યપ હોય તેથી તેની ઉપમા આપી છે, પણ અનાદિમુક્ત જેવા અક્ષર બીજા કોઈ કહેવાય નહિ અને બ્રહ્મ તથા અક્ષરથી પર છે માટે પરબ્રહ્મ તથા અક્ષરાતીત કહ્યા છે.
૩ પ્ર બદરિકાશ્રમમાં તો નરનારાયણ કલ્પ કલ્પ પ્રત્યે આવીને તપ કરે છે અને પ્રથમ પ્રગટ થઈને બદરિકાશ્રમમાં તપ કરે છે એમ બીજી બાબતમાં કેમ કહ્યું હશે ?
૩ ઉ આ બ્રહ્માંડમાં શ્રીજીમહારાજ પ્રથમ પ્રગટ થયા છે તેથી પ્રથમ ધર્મદેવ ને મૂર્તિ જે ભક્તિ તે થકી પ્રગટ થઈને તપ કરે છે એમ કહ્યું છે, અને મુમુક્ષુ જીવોના કલ્યાણને અર્થે વનમાં વિચર્યા ને તપ કર્યું તે તપ કહ્યું છે અને આ લોકને વિષે પોતાના ભક્તોને દર્શન-સ્પર્શાદિકનું સુખ આપવા સારુ ઊંઘ-ઉજાગરો, ભૂખ-તરસ, ટાઢ-તડકાને સહન કરીને દેશવિદેશમાં વિચરતા હતા માટે તપ કરે છે એમ કહ્યું છે. અને જેમ પોતાને નરનારાયણ નામે કહ્યા છે તેમ વનને બદરિકાશ્રમ નામે કહ્યું છે, પણ જે બદરિકાશ્રમમાં તપ કરે છે તે નરનારાયણ અને શ્રીજીમહારાજ તો જુદા છે ને સર્વના કારણ ને અવતારી છે તે એ જ બાબતમાં અમે મચ્છ, કચ્છ, રામકૃષ્ણાદિક અવતારોનું ગ્રહણ કરીએ છીએ એમ કહ્યું છે. ।।૪।। (૨૨૪)
વચનામૃત અમદાવાદનું - ૫
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને વિષે પોતાને પોઢવાની મેડીને વિષે વિરાજમાન હતા અને ઢોલિયા ઉપર તકિયાનું ઊઠીંગણ દીધું હતું ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો ને મસ્તકને વિષે પુષ્પના તોરા લટકતા હતા ને હસ્તને વિષે તુળસીની માળાને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમે કુબેરસિંહજી છડીદારે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! શ્રી પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું અસાધારણ લક્ષણ તે શું છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવનાં પ્રાણ-નાડી તેનો સંકેલો કરવો તે બીજાથી થાય નહિ, ને લાખું માણસ નિયમમાં રહ્યાં થકાં વશ થઈ રહે તે બીજા કોઈથી થાય નહિ, અને અક્ષર આદિક જે મુક્ત તેને પણ નિયમમાં રાખવાને સમર્થ છે એ અસાધારણ લક્ષણ કહ્યું. (૧)
૨ વળી કુબેરસિંહે બીજો પ્રશ્ન કર્યો જે, (૨) હે મહારાજ ! અસંખ્ય કોટિ બ્રહ્માંડ છે ને ભગવાનનો અવતાર તો આ જ બ્રહ્માંડમાં ને જંબુદ્વીપના ભરતખંડને વિષે છે અને બીજા બ્રહ્માંડમાં અસંખ્ય જીવ છે તે જીવોનો ઉદ્ધાર ભગવાન શી રીતે કરતા હશે ? તે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાન આ બ્રહ્માંડને વિષે વિરાજે છે તે જ ભગવાન સર્વના સ્વામી છે ને અનંતકોટિ બ્રહ્માંડને વિષે અસંખ્ય જીવોના કલ્યાણને અર્થે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે ભગવાન પોતે દેહને ધારણ કરે છે તેને શરણે અસંખ્ય જીવ થાય છે, તેણે કરીને અક્ષરધામમાં શ્રી પુરુષોત્તમનાં ચરણારવિંદને ઘણાક જીવ પામે છે એ એનો ઉત્તર છે. (૨)
૩ અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો જે, (૩) હે મહારાજ ! ભગવાનને જાણવાવાળા જે ભગવાનના ભક્ત સત્સંગી તેને શું શું તજવું ને શું શું ગ્રહણ કરવું ? તે કહો. પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, આ લૌકિક આશા જે છે તેનો ત્યાગ કરવો ને ભગવાનની તરફની આશાનું ગ્રહણ કરવું. તે જો ધનને વિષે આશા હોય તો એમ આશા બાંધવી જે ભગવાનના ધામમાં સોનામહોરુંના ઢગલા ને ઢગલા છે, ને હીરા, રત્ન, માણેક અમૂલ્ય તેના પણ ઢગલા ને ઢગલા છે, એ સર્વે ભગવાનને ભજશું તો પામશું એમ આશા બાંધવી, પણ અહીંયાંની આશા ન બાંધવી. અને જો કામી હોય તો એમ વિચાર કરે જે પરસ્ત્રી સામી ખોટી નજર કરશું તો નરક ચોરાશીમાં તે પાપે જાવું પડશે ને ત્યાં મહાદુઃખ થાશે, ને વિષય તો કૂતરાં-ગધેડાં પણ ભોગવે છે અને મુને તો પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે તે કુરાજી થાશે તો મોટી ખોટ્ય આવશે, એમ જાણીને કામવાસનાનો ત્યાગ કરવો અને ભગવાન સંબંધી સુખનું ગ્રહણ કરવું, ને દેહના સંબંધીમાં પ્રીતિ હોય તેનો ત્યાગ કરવો ને ભગવાન ને ભગવાનના દાસ જે સંત તે સંગાથે પ્રીતિ કરવી એ ગ્રહણ કરવું. ને દેહને વિષે અહંબુદ્ધિ હોય તો તેનો ત્યાગ કરીને ભગવાનના દાસપણાની બુદ્ધિનું ગ્રહણ કરવું. ને ભગવાન અથવા સાધુ તે પોતાને કોઈક રીતે વઢ્યા હોય ને તિરસ્કાર કર્યો હોય તો તેનો મનમાંથી ત્યાગ કરવો ને પોતાની ભૂલ જાણવી ને ભગવાનનો ને સંતનો ગુણ ગ્રહણ કરવો એવી રીતે સર્વે સવળું વિચારવું પણ અવળું તો કોઈ દિવસ વિચારવું જ નહિ એ ઉત્તર છે. (૩)
૪ અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો જે, (૪) હે મહારાજ ! ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારેનું રૂપ કહો. પછી શ્રીજીમહારાજ મંદ મંદ હસીને એમ બોલ્યા જે, અર્થનું રૂપ તો એ છે જે જેણે કરીને ધન ભેળું કરવું અથવા મોક્ષ સંબંધી પોતાનો અર્થ સાધવો એ પણ અર્થનું રૂપ છે. અને ધર્મનું રૂપ તો એ જે તે ધન ધર્મને અર્થે સત્સંગમાં જ વાપરે પણ કુમાર્ગે ક્યાંય ન વાપરે એ ધર્મનું રૂપ છે. અને કામનું રૂપ તો એ જ છે જે એક પરણેલ સ્ત્રી રાખે ને તેનો પણ ઋતુકાળે સંગ કરે અને બીજી સ્ત્રીઓ જગતમાં છે તેને મા, બહેન, દીકરી તુલ્ય જાણીને ત્યાગ રાખે. અને મોક્ષનું રૂપ તો એ જે સત્સંગ સંબંધી જે સર્વે વર્તમાન તેને ખબડદાર થઈને રાખે ને ભગવાનનો અચળ નિશ્ચય રાખે એમ એ ચારેનો ઉત્તર છે. એમ કહીને શ્રીજીમહારાજ પછી પોઢી જાતા હવા. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૨૨૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવના નાડી-પ્રાણનો સંકેલો કરવો તથા લાખો માણસોને વશ કરવા તથા મૂર્તિમાન અક્ષરકોટિને નિયમમાં રાખવા તથા અમારા મુક્તને પણ નિયમમાં રાખવા તે અમારું અસાધારણ લક્ષણ છે. (૧) બીજામાં અમે સર્વના સ્વામી છીએ અને અનંત બ્રહ્માંડમાં અસંખ્ય જીવોના કલ્યાણને અર્થે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે દર્શન આપીને અસંખ્ય જીવોને અમારા ધામમાં લઈ જઈએ છીએ. (૨) ત્રીજામાં ધનની તથા કામની વાસનાનો ત્યાગ કરવો ને અમારા સુખની વાસના રાખવી; અને દેહ ને દેહના સંબંધીને વિષે પ્રીતિ ને અહંબુદ્ધિ ત્યાગ કરીને અમારે ને સંતને વિષે પ્રીતિ ને અમારે વિષે દાસપણું રાખવું, ને અમે તિરસ્કાર કરીએ તો પોતાની ભૂલ જાણવી ને અમારો ને સંતનો ગુણ લેવો. (૩) ચોથામાં ધર્મ, અર્થ, કામ ને મોક્ષનાં રૂપ કહ્યાં છે. (૪) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં સર્વોપરી ને મૂળઅક્ષરાદિક સર્વ અવતારોના અવતારી ને અનંતકોટિ મુક્તોના સ્વામી સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ તેમણે પોતાનાં અસાધારણ બે લક્ષણ કહ્યાં તે વિનાનાં બીજાં અસાધારણ લક્ષણ હોય તે કૃપા કરીને કહો.
૧ ઉ પૂર્વે થઈ ગયેલા સર્વે અવતારોને પોતાની મૂર્તિને વિષે દેખાડે તે દિવ્ય મૂર્તિ એવા શ્રીજીમહારાજનું પ્રથમ લક્ષણ છે. (૧) અને વૈકુંઠાદિક લોકને વિષે રહેલી દિવ્ય મૂર્તિઓ તથા તે મૂર્તિઓમાં રહેલું દિવ્ય અદ્ભુત એવું જે ઐશ્વર્ય ને સુખ તે પોતાની મૂર્તિને વિષે બહુ મનુષ્યોને દેખાડે તે બીજું લક્ષણ છે. (૨) અને સાધારણ મનુષ્યોને પણ સમાધિ કરાવીને પોતાની મૂર્તિને વિષે ચિત્તનો નિષેધ કરાવે તે આમાં પહેલી બાબતમાં પ્રથમ લક્ષણ કહ્યું જે નાડી-પ્રાણનો સંકેલો કરવો તે આ શ્રીજીમહારાજનું ત્રીજું લક્ષણ છે. (૩) અને બીજા અવતારોએ કલ્યાણ કર્યું તથા ચિત્તનો નિષેધ કર્યો તેવું સામર્થ્ય તો પોતાનાં ભક્તો દ્વારે જણાવ્યું તે શ્રીજીમહારાજનું ચોથું લક્ષણ છે. (૪) અને પોતાનું અપાર તેજોમય એવું જે અક્ષરધામ તેને વિષે દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન અને અનંતકોટિ મુક્તો પોતાની સેવામાં છે એવાં પોતાનાં દર્શન જેવા તેવા મનુષ્યોને કરાવે તે પાંચમું લક્ષણ છે. (૫) અને પૂર્વના શાસ્ત્રને વિષે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ, યોગ, સાંખ્ય વગેરેનાં સ્વરૂપનું વર્ણન કરેલું છે તેનું વર્ણન પોતાના યોગબળથી કરે અથવા પોતાના ભક્ત પાસે વર્ણન કરાવે ત્યારે પૂર્વના શાસ્ત્ર કરતાં તેમાં બહુ ચમત્કાર આવે અને અર્થ પણ સૌના સમજ્યામાં આવે ને અમૃતની પેઠે સર્વેને શાન્તિ કરે તે સાક્ષાત્ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમનું છઠ્ઠું લક્ષણ છે. (૬) અને લોહચમકવત્ પોતાનાં દર્શનમાત્રે કરીને અનેક જીવની વૃત્તિઓનો પોતાને વિષે સહજ સ્વભાવે નિરોધ થાય ને લાખો માણસને વશ કરવા તથા મૂળઅક્ષરકોટિને તથા અનંતકોટિ મુક્તોને પણ નિયમમાં રાખવા સમર્થ એમ આ વચનામૃતમાં પહેલી બાબતમાં પછીથી બીજું લક્ષણ કહ્યું તે આ સાતમું લક્ષણ છે. (૭) અને જીવનું પોતાના આશ્રય માત્રે કરીને પરમ કલ્યાણ થાય ને અંતકાળે પોતાના મુક્તોએ સહિત દર્શન આપીને અક્ષરધામમાં લઈ જાય તે આઠમું લક્ષણ છે. (૮) અને ઘોર કળિયુગને વિષે પોતાની આજ્ઞાને વિષે અનેક મનુષ્યોને વર્તાવીને તેમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિને વિષે સ્થિતિ કરાવે તે નવમું લક્ષણ છે. (૯) અને અષ્ટાંગયોગ સિદ્ધ કર્યા વિના પણ, પોતાના સંબંધને પામેલું વસ્ત્ર તથા પુષ્પ તથા છડી તેના સ્પર્શે કરીને તથા દર્શને કરીને સમાધિઓ કરાવે, ને તે સમાધિઓમાં પોતાનું ઐશ્વર્ય, મૂર્તિ, ધામ તે સર્વેને દેખાડે તે દશમું લક્ષણ છે. (૧૦) અને કોઈ પરદેશ જઈને મનુષ્યોની આગળ શ્રીજીમહારાજની મૂર્તિ સંબંધી વાર્તા કરે તે વાર્તાને સાંભળનારા મનુષ્યો શ્રીજીમહારાજને તેજના સમૂહમાં દેખે તે અગિયારમું લક્ષણ છે. (૧૧) અને પ્રધાનપુરુષ પર્યંત જીવકોટિ અને મૂળપ્રકૃતિરૂપ માયા ને મૂળપુરુષરૂપ ઈશ્વર અને મહાકાળ અને બ્રહ્મ ને મૂળઅક્ષર એ સર્વે કોટિઓથી પર પરમએકાંતિક તથા અનાદિમુક્ત તે સર્વેના સ્વરૂપનાં તથા પોતાના સ્વરૂપના ભેદે સહિત જુદાં જુદાં લક્ષણ કરે અથવા પોતાના ભક્ત પાસે કરાવે અને તે સર્વેના ઐશ્વર્ય સહિત સ્વરૂપને ઘણાક મનુષ્યોને દેખાડે તે સર્વોપરી અક્ષરધામાધિપતિ એવા પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનું આ બારમું લક્ષણ છે. (૧૨) અને પોતાના પૂર્વના અવતારોને પોતાની મૂર્તિને વિષે લીન કરતા ઘણાક મનુષ્યોને દેખાડે અને પોતે કોઈ અવતારમાં લીન ન થાય તે ધર્મદેવના પુત્ર શ્રીહરિ ભગવાનનું આશ્ચર્યકારક આ તેરમું લક્ષણ જાણવું. (૧૩)
૨ પ્ર ત્રીજા પ્રશ્નમાં અમારા ધામમાં સોનમહોરના તથા હીરા-માણેકના ઢગલા છે એમ કહ્યું તે એ માયિક વસ્તુ શ્રીજીમહારાજના ધામમાં તો ન હોય માટે કેવી રીતે સમજવું ?
૨ ઉ નવા આદરવાળા સકામ ભક્તને લોભ દેખાડીને આ લોકમાંથી ઉખેડવા સારુ કહ્યું છે. પણ માયાથી પર જે લોક છે તેમાં માયિક વસ્તુ છે જ નહીં. ।।૫।। (૨૨૫)
વચનામૃત અમદાવાદનું - ૬
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૬ છઠ્ઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ વેદિકા ઉપર ગાદી-તકિયો તેણે યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કોટને વિષે ગુલાબના હાર પહેર્યા હતા ને પાઘને બેઉ કોરે ચમેલીના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને બેઉ કાન ઉપર ગુલાબના ગુચ્છ વિરાજમાન હતા ને ગુલાબનો મોટો ગુચ્છ હસ્તકમળમાં લઈને મુખારવિંદ ઉપર વારંવાર ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સંધ્યા આરતી થઈ રહી તે કેડે કુબેરસિંહે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! જેણે ભગવાનને ભગવાન જાણ્યા તેને સર્વે અંગે ભગવાનનો નિશ્ચય ડગે નહિ તે અંગ કહો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ વાત તો સૌને સાંભળવા યોગ્ય છે તે માટે સર્વે સાંભળો જે, આ સત્સંગને વિષે ભગવાન વિરાજે છે તે જ ભગવાનમાંથી ચોવીશ અવતાર થયા છે ને પોતે તો અવતારી છે, ને એ જ સર્વે જીવોના અંતર્યામીરૂપ છે ને એ જ અક્ષરધામને વિષે તેજોમય છે ને સદા સાકારરૂપ છે ને અનંત ઐશ્વર્ય યુક્ત છે, ને એ જ રાજાધિરાજ અનંત બ્રહ્માંડના છે, ને અક્ષરબ્રહ્મના પણ કારણ છે ને તે ભગવાન પ્રગટ થઈને ઋષભદેવની ક્રિયાને ગ્રહણ કરે ત્યારે જાણીએ જે ઋષભદેવ છે ને રામાવતારનાં ચરિત્ર કરે ત્યારે જાણીએ જે રામચંદ્રજી છે, ને શ્રીકૃષ્ણાવતારની લીલા આચરે ત્યારે જાણીએ જે શ્રીકૃષ્ણ છે; એ જ પ્રકારે ચોવીશ અવતારમાં જે જે અવતારની ક્રિયા જાણ્યામાં આવે ત્યારે એમ સમજવું જે મોરે ભગવાનના જેટલા અવતાર થયા છે તે સર્વે આમાંથી થયા છે અને તે જ આ છે એમ સર્વે અંગે સમજે ત્યારે નિશ્ચય તેનો ડગે નહિ ને એમ ન સમજે તો કાંઈક ડગમગાટ થાય ખરો એ ઉત્તર છે. ને તમને સર્વેને આજ ભગવાન મળ્યા છે તે તો સર્વના કારણ છે ને સર્વ અવતારના અવતારી છે ને અક્ષરધામના ધામી છે ને તે જ શ્રી નરનારાયણ રૂપે થઈને ધર્મ થકી ભક્તિને વિષે પ્રગટ થયા છે. તે માટે આ શ્રી નરનારાયણને અમે અતિ આગ્રહ કરીને અમારું રૂપ જાણીને સર્વથી પ્રથમ આ શ્રીનગરને વિષે પધરાવ્યા છે એ જ બ્રહ્મમહોલના નિવાસી છે. (૧)
ત્યારે વળી કુબેરસિંહે કહ્યું જે, (૨) બ્રહ્મમહોલ કેવો છે તેનું રૂપ કહો, અને તેને વિષે જે ભગવાનના ભક્ત છે તેનું રૂપ કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અક્ષરરૂપ જે બ્રહ્મ છે તે જ શ્રી પુરુષોત્તમનારાયણને રહેવા સારુ મહોલરૂપ થયો છે, ને સર્વે અક્ષરબ્રહ્મ થકી ભગવાનના મહોલરૂપ જે અક્ષરબ્રહ્મ તે અનાદિ છે, ને તે બ્રહ્મમહોલને વિષે બહુ પ્રકારના મહોલ છે ને તે મહોલું ને બહુ પ્રકારના ગોખ છે, ને બહુ પ્રકારના ઝરૂખા છે ને બહુ પ્રકારની તેને અગાસીઓ છે ને તેને વિષે બહુ ચિત્ર-વિચિત્રપણું છે, ને બહુ પ્રકારના ફુવારા છે ને બહુ પ્રકારના બાગ-બગીચા છે ને તેમાં ફૂલ પણ અનંત જાતનાં છે ને તેજોમય છે ને અનંત છે ને એને કોઈ ધામની ઉપમા ન દેવાય એવું છે. અને ગોલોક પણ એને જ કહીએ છીએ, અને અનંત અન્ય ધામની વિભૂતિઓ તે થકી અસંખ્ય કોટિ જાતની શોભાનું અધિકપણું છે ને અપાર છે. તેનું દૃષ્ટાંત : જે જેમ વાદળને ચારે દિશામાં જોઈએ ત્યારે એમ જણાય છે જે ઢળતું ઢળતું પૃથ્વીને જાણીએ અડ્યું છે. પણ ચાલી ચાલીને થાકી જાઈએ તોય પણ પાર આવે નહિ, ને વાદળને ઊંચું જોઈએ તોપણ જાણીએ જે આ રહ્યું પણ વિચારીને જુએ તો ઘણું ઊંચું છે ને અપાર છે ને તેનો જો પાર લેવા માંડે તો પાર આવે નહિ એવું બ્રહ્મધામ મોટું છે. (૨) તે ધામને વિષે જે અસંખ્ય મુક્ત રહ્યા છે તે આકારે સહિત તેજોમય છે ને સર્વે ભૂત-પ્રાણીમાત્રના અંતર્યામી છે તે સર્વે ભગવાનની સેવામાં નિરંતર તત્પર રહે છે અને તે જ ધામના જે ધણી અને અક્ષરાતીત મુક્તના સ્વામી ને પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમ જે છે તે જ આ સત્સંગને વિષે વિરાજમાન છે. આવો જેને નિશ્ચય છે તે જ બ્રહ્મધામને પામે છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૬।। (૨૨૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે ભગવાન છીએ; સર્વે અવતારોના અવતારી, સર્વેના અંતર્યામી ને અક્ષરધામને વિષે તેજોમય ને સદા સાકાર ને અનંત ઐશ્વર્યે યુક્ત ને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છીએ ને અક્ષરબ્રહ્મ જે અમારું તેજ તેના પણ કારણ છીએ. માટે અમારી ક્રિયામાં સર્વે અવતારોનાં ચરિત્ર જોઈને અમને સર્વે અવતારોના અવતારી જાણીને અમારો નિશ્ચય કરવો તો તે નિશ્ચય ડગે નહીં. ને આજ તમને અમે ભગવાન મળ્યા છીએ ને અમે સર્વેના કારણ અવતારી ને અક્ષરધામના ધામી છીએ ને અમે નરનારાયણ રૂપે, એટલે નરનારાયણને મિષે કરીને ધર્મભક્તિ થકી પ્રગટ થયા છીએ તે અમારું રૂપ આ શ્રી અમદાવાદને વિષે પધરાવ્યું છે. (૧) બીજામાં અમારા તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે અનાદિ છે ને એને જ અમે બ્રહ્મમહોલ, અક્ષરધામ તથા ગોલોક નામે કહીએ છીએ. અને તે બ્રહ્મધામ તે અપાર છે ને તેને વિષે શોભાનું અધિકપણું છે. (૨) અને એ અક્ષરધામમાં અક્ષરાતીત એવા અમારા મુક્ત રહ્યા છે તે સાકાર તેજોમય છે અને સર્વના અંતર્યામી છે ને અમારી સેવામાં નિરંતર તત્પર રહ્યા છે અને અમે સર્વેના સ્વામી છીએ. આવો અમારો નિશ્ચય હોય તે જ એ ધામને પામે છે. (૩) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં અમારે વિષે ચોવીશે અવતારોનાં ચરિત્ર જોઈને અમને સર્વે અવતારોના કારણ સમજવા એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજે સર્વે અવતારોની ક્રિયા કઈ કરી હશે ?
૧ ઉ રામાવતારે એકપત્નીવ્રત રાખ્યું ને વર્ણાશ્રમધર્મમાં દૃઢપણે વર્ત્યા તેમ શ્રીજીમહારાજે પોતાના સત્સંગીઓને એકપત્નીવ્રત રખાવ્યું અને વર્ણાશ્રમના ધર્મ અતિ દૃઢ પળાવ્યા. અને જેમ કૃષ્ણાવતારે અસુરાંશને મારીને પૃથ્વીનો ભાર ઉતાર્યો તેમ શ્રીજીમહારાજે જગન્નાથપુરી આદિક તીર્થોમાં રહેલા અસુરોને મારીને પૃથ્વીનો ભાર ઉતાર્યો. અને પોતાના આશ્રિતોને વિષેથી કામ-ક્રોધાદિક અધર્મનો સર્ગ નાશ પમાડીને એકાંતિક ધર્મ સ્થાપન કર્યો. અને જેમ ઋષભદેવે પોતાના દેહની સંભાળ ન રાખી ને દાવાનળમાં દેહ બળી ગયો તેમ શ્રીજીમહારાજે નદીને વિષે પોતાનો દેહ તણાતો મૂક્યો ને વનને વિષે અનંત જનાવરો ભેળા વિચર્યા, ત્યાં કાંઈ બીક રાખી નહિ, અને પોતાના આશ્રિતોને પણ વનમાં રાખ્યા, ગોળા ખવરાવ્યા, ટાટ પહેરાવ્યાં તથા માખ-મચ્છર આદિક કરડે તોપણ દેહની સંભાળ ન રહે એવી સ્થિતિ કરાવી તે સર્વે ચરિત્ર જાણવાં. અને સર્વે અવતારોને પોતાની મૂર્તિમાંથી દેખાડ્યા ને સર્વેને પોતાની મૂર્તિને વિષે લીન કર્યા તે ચરિત્ર સર્વ ચરિત્રથી મોટું છે તેણે કરીને શ્રીજીમહારાજને સર્વોપરી સર્વના કારણ અવતારી જાણવા.
૨ પ્ર અમે નરનારાયણ રૂપે ધર્મભક્તિ થકી પ્રગટ થયા છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું તે નરનારાયણ રૂપે કેવી રીતે સમજવા અને તે નરનારાયણને અમારું રૂપ જાણીને પધરાવ્યા છે એમ કહ્યું તે રૂપ કેવી રીતે સમજવું અને એ જ બ્રહ્મમહોલના નિવાસી કહ્યા તે કેવી રીતે સમજવું ?
૨ ઉ અક્ષરધામના ધામી જે શ્રીજીમહારાજ તેમના રામકૃષ્ણાદિક તથા નરનારાયણાદિક અનંત અવતારો છે, તેમાં આજ શ્રીજીમહારાજ નરનારાયણના શાપ નિમિતે પ્રગટ થયા છે તેથી નરનારાયણ રૂપે પ્રગટ થયા છીએ એમ કહ્યું છે, માટે નરનારાયણને મિષે પ્રગટ થયા છે એમ સમજવું. અને શ્રીજીમહારાજે લોકોને સમાધિઓ કરાવીને નરનારાયણાદિક અનંત રૂપે દર્શન આપ્યાં હતાં તે રૂપ પધરાવ્યાં છે એમ સમજવું, અને નરનારાયણ રૂપે શ્રીજીમહારાજ પ્રગટ થયા છે તે શ્રીજીમહારાજ અક્ષરધામના નિવાસી છે એમ સમજવું.
૩ પ્ર બીજા પ્રશ્નમાં અક્ષરરૂપ જે બ્રહ્મ તે અમારે રહેવા સારુ મહોલરૂપ થયો છે એમ શ્રીજીમહારાજે કહ્યું અને (પં. ૧/૧માં) અમારા અંગનો પ્રકાશ તે જ અમારે રહ્યાનું ધામ છે એમ કહ્યું છે અને (મ. ૧૩/૨માં) પણ પોતાના તેજને જ અક્ષરધામ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૩ ઉ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ છે તે મહોલ રૂપે થયા છે એટલે મહોલ રૂપે શોભા આપે છે એમ કહ્યું છે અને આ પોતાના તેજને અક્ષરધામ તથા બ્રહ્મમહોલ તથા બ્રહ્મજ્યોતિ તથા ગોલોક આદિક ઘણે નામે કહેલ છે તે (પ્ર. ૭ના છઠ્ઠા પ્રશ્નોત્તરમાં) છે.
૪ પ્ર શ્રીજીમહારાજના તેજને શ્રીજીમહારાજ તથા મુક્તોને રહ્યાનું ધામ કહ્યું તે ધામ તો આધારરૂપ કહેવાય ને (પ્ર. ૬૪ના પહેલા પ્રશ્નોત્તરમાં) તેજના આધાર શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે તે કેમ સમજવું ?
૪ ઉ જેમ સૂર્યને આધારે સૂર્યનું તેજ છે અને અગ્નિને આધારે અગ્નિનો પ્રકાશ છે તેમ શ્રીજીમહારાજને આધારે શ્રીજીમહારાજનું તેજ છે, પણ તેજ આધાર નથી પણ એ તેજમાં પોતે રહ્યા છે, માટે ધામરૂપ અથવા મહોલરૂપ કહેવાય તેણે કરીને આધારરૂપ ન સમજવું.
૫ પ્ર સર્વે અક્ષરબ્રહ્મ તે કિયાં જાણવાં ?
૫ ઉ મૂળઅક્ષર અનંત છે; તેમને સર્વને અક્ષરબ્રહ્મ કહ્યા છે તે સર્વ મૂળઅક્ષરબ્રહ્મથી શ્રીજીમહારાજના તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે અનાદિ છે ને સર્વનું આધાર છે.
૬ પ્ર શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મધામને વિષે બહુ પ્રકારના મહોલ તથા ગોખ, ઝરૂખા આદિક કહ્યા તે અક્ષરધામમાં મહોલ, ઝરૂખા આદિક કેવી રીતે સમજવા ?
૬ ઉ આ લોકને વિષે મહોલ, ગોખ, ઝરૂખા, બાગ-બગીચાને વિષે શ્રીજીમહારાજ વિરાજ્યા હોય તે કહ્યા છે કેમ કે જે શ્રીજીમહારાજના સંબંધને પામે તેને નિર્ગુણ કહેવાય તે (મ ૧૩/૧માં) અમે જે જગ્યામાં વિરાજતા હોઈએ તે જગ્યા તથા વસ્ત્ર, વાહન, સેવક આદિ જે જે અમારા સંબંધને પામે તે નિર્ગુણ છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે માટે મહોલ, ગોખ, ઝરૂખા આદિક જે જે શ્રીજીમહારાજના સંબંધને પામ્યા તેને અક્ષરધામના કહ્યા છે એમ જાણવું. ।।૬।। (૨૨૬)
વચનામૃત અમદાવાદનું - ૭
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને વિષે દરવાજાના મેડા ઉપર વાસુદેવ માહાત્મ્ય વંચાવતા હતા. પછી ઊઠીને દરવાજા પાસે લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર સંધ્યા સમે વિરાજમાન થયા હતા અને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ બાંધી હતી ને તેમાં ગુલાબના તોરા ખોસ્યા હતા ને ગુલાબના હાર પહેરીને ગરકાવ થયા હતા ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત સુરવાલ પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમે પ્રાગજી દવેએ મુનિઓને પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનને વિષે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો અમે કરશું એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે ગામ પિંપળાણામાં લાધા બ્રાહ્મણને ઘેર રામાનંદ સ્વામીને એમ પૂછ્યું હતું જે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? ત્યારે રામાનંદ સ્વામી તો બોલ્યા જ નહિ ને ઉત્તર ન કર્યો, ત્યાર પછી અગણોતેરા કાળમાં અમે માંદા થયા હતા ત્યારે અમે ક્ષીરસાગરને વિષે શેષશય્યાને વિશે શેષશાયી નારાયણ સૂતા છે ત્યાં ગયા. ત્યારે ત્યાં અમે રામાનંદ સ્વામીને જોયા તે ધોળી ધોતી પહેરી હતી ને પછેડી ઓઢી હતી ને એવા બીજા પણ ઘણાક શેષશાયી નારાયણનાં ચરણારવિંદને સમીપે બેઠા હતા તેને અમે જોયા ત્યારે અમે નારાયણને કહ્યું જે આ રામાનંદ સ્વામી તે કોણ છે ? પછી નારાયણે કહ્યું જે એ તો બ્રહ્મવેત્તા છે. પછી રામાનંદ સ્વામી તો નારાયણના શરીરને વિષે લીન થયા ત્યારપછી અમે દેહને વિષે આવ્યા પછી અમે અંતર્દૃષ્ટિ કરી ત્યારે પ્રણવનાદને જોયો તે જોતાં જોતાં નંદીશ્વર પોઠિયો આવ્યો તે ઉપર બેસીને કૈલાસમાં ગયા ને ત્યાંથી ગરુડ ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મમહોલને વિષે જાતા હવા, ત્યાં ગરુડ પણ ઊડી શક્યો નહિ એટલે અમે એકલા જ ઊડ્યા તે સર્વ થકી પર એવું જે શ્રીપુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, પણ મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહિ, એટલે ઠેકાણે ફર્યા ને પછી અમે દેહને વિષે આવ્યા ને ફેર અંતરમાં જોયું ત્યારે એમ જણાણું જે સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કર્તા પણ હું જ છું. અને મારે તેજે કરીને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે તેજાયમાન છે ને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિષે મન કોઈ કાળે વ્યભિચારને પામે નહીં. (૧) ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને આવશે અને એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ ને સર્વેને અંતર્યામી જેવા કરીશ ને બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિક કરે એવા સમર્થ કરીશ પણ પછી સામર્થી પામીને એમ જાણે જે, હું જ મોટો છું એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહિ એવો અહંકાર આવવા દેવો નહિ, ને એમ જાણવું જે શ્રી આ સ્વામિનારાયણ ભગવાનની કરુણાએ કરીને હું મોટ્યપ પામ્યો છું. એમ શ્રીજીમહારાજે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. (ર) ઇતિ વચનામૃતમ્ ।।૭।। (૨૨૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે રામાનંદ સ્વામીને વિષે કેટલાકને ભગવાનપણાનો નિશ્ચય થયેલો તે ટળાવવા સારુ રામાનંદ સ્વામી શેષનારાયણમાં લીન થઈ ગયા એમ વાત કરીને પછી પોતાનો મહિમા કહ્યો છે, જે અમે નંદીશ્વર અને ગરુડની અસવારી કરીને ધામોમાં જતાં ગરુડ ઊડી શક્યો નહિ, તેને પડ્યો મૂકીને સર્વથી પર અમારા ધામમાં ગયા. ત્યાં પણ અમે જ પુરુષોત્તમ છીએ; અમારા વિના કોઈ મોટો દીઠો જ નહિ ને સર્વે બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા અમે જ છીએ અને અસંખ્યાત્ કૈલાસ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર ને તેથી પર ભૂમિકાઓ આદિ સર્વ અમારે તેજે તેજાયમાન છે : આવો મહિમા સમજીને અમારો નિશ્ચય કર્યો હોય તેને ડગમગાટ ન થાય. (૧) અને અમારે શરણે જે આવ્યા છે ને આવશે ને અમને આવા સમજશે તે સર્વને ઉપર કહી ગયા જે કૈલાસથી આરંભીને ભૂમિકાઓ પર્યંત તે સર્વથી પર એવું અમારું અક્ષરધામ તેને પમાડીશું ને ઉત્પત્ત્યાદિક કરે એવા સમર્થ કરીશું. તે સામર્થી અમારી કૃપાએ આવી છે એમ જાણવું. (૨) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં રામાનંદ સ્વામીને શ્રીજીમહારાજે પૂછ્યું જે તમે આધુનિક ઈશ્વર છો કે સનાતન છો, તે આધુનિક ને સનાતન ઈશ્વર કોને કહેવાય ?
૧ ઉ જે સ્વતંત્ર સત્તાવાન હોય તે સનાતન ઈશ્વર કહેવાય અને જેમાં ઉપરીનો પ્રવેશ હોય તે આધુનિક ઈશ્વર કહેવાય. માટે સનાતન ઈશ્વર તો શ્રીજીમહારાજને જ કહેવાય અને વૈરાજ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, મૂળપુરુષ, વાસુદેવબ્રહ્મ ને મૂળઅક્ષર પર્યંત સર્વ શ્રીજીમહારાજ આગળ પરતંત્ર ને આગંતુક ઐશ્વર્યવાન છે, માટે તે આધુનિક ઈશ્વર કહેવાય.
૨ પ્ર રામાનંદ સ્વામી શેષશાયી નારાયણને વિષે લીન થયા એમ કહ્યું ને (પરથારાના તેરમા પ્રશ્નોત્તરમાં તથા વ. ૧૮ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) રામાનંદ સ્વામીને શ્રીજીમહારાજના મુક્ત કહ્યા છે માટે તે કેમ સમજવું ?
૨ ઉ રામાનંદ સ્વામીને ભગવાન જાણીને કેટલાક સંત તથા હરિભક્તો ધ્યાન-ભજન કરતા તે રામાનંદ સ્વામીને વિષેથી ભગવાનપણાની પ્રતીતિ ટળાવવાને માટે એમ કહ્યું છે. પણ રામાનંદ સ્વામી તો શ્રીજીમહારાજના મુક્ત હતા.
૩ પ્ર અસંખ્ય વૈકુંઠાદિક ધામ કહ્યાં તે કોનાં કોનાં જાણવાં ?
૩ ઉ વૈકુંઠધામ કહ્યાં તે વિષ્ણુઓનાં જાણવાં અને ગોલોક કહ્યાં તે મૂળપુરુષોનાં જાણવાં અને બ્રહ્મપુર કહ્યાં તે વાસુદેવબ્રહ્મનાં જાણવાં અને ભૂમિકાઓ કહી તે મૂળઅક્ષરોનાં ધામ જાણવાં. આ સર્વે અસંખ્ય છે. આનો વિશેષ વિસ્તાર (કા. ૧૦ના બીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૪ પ્ર બીજી બાબતમાં બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક કરે એવા શરણાગતને કરવા છે એમ કહ્યું છે તે ઉત્પત્ત્યાદિક તો મૂળઅક્ષરાદિક ઐશ્વર્યાર્થીઓ કરે છે ને મુક્ત તો એ કાર્ય કરતા નથી એમ (કા. ૧૦ના પાંચમા પ્રશ્નોત્તરમાં તથા મ. ૬૭ના પહેલા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે તે કેમ સમજવું ?
૪ ઉ એ તો સકામ ભક્તની પ્રાપ્તિ કહી છે જે સકામ ભક્ત હોય તેને પણ મૂળઅક્ષરાદિક જેવા ઐશ્વર્યવાન કરીશું અને નિષ્કામ ભક્તને તો પોતાની હજૂરમાં તથા પોતાની મૂર્તિમાં રાખે છે.
૫ પ્ર ઋષિરૂપ કહ્યા તે ઋષિરૂપનો અર્થ શો હશે ? અને ઋષિરૂપ કોને કહ્યા હશે ?
૫ ઉ પોતે બ્રાહ્મણના કુળમાં પ્રગટ થઈને ઋષિ રૂપે વર્ત્યા ને તપ કર્યું તેથી ઋષિરૂપ કહ્યા છે, અને તે ઋષિરૂપ પોતાને જ કહ્યા છે, તે હરિવાક્ય-સુધાસિંધુના તરંગ (૨૨૭)માં કહ્યું છે જે :
समर्थ मंडजन्मादौ करिष्यामि च तं ह्याहम् । अंतर्यामिसमं कृत्वा प्रापियष्ये स्वधाम च ।।૨૨।।
तादशं तस्य सामर्थ्यं सांप्रतं गोप्यते मया । अन्यथा ऋषिरूपं मां सोडवमन्येत धर्मजम् ।।૨૩।।
ज्ञान-वैराग्य-धर्मादि सामर्थ्यंयस्य यस्य च । प्राप्तं स्यात्तेन तेनापि ज्ञेयं तन्मत् कृपाफलम् ।।૨૪।।
એ પ્રકારે અમારા શરણને પામીને અમને ભજનારા ભક્તો તેને અમે બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિકને કરે એવા સમર્થ કરીશું અને અંતર્યામી તુલ્ય કહેતાં અમારા તુલ્ય કરીને અમારા ધામને પમાડીશું. ।।૨૨।। તે પ્રકારનું તેનું સામર્થ્ય તેને અમે ઢાંકી રાખીએ છીએ; જો ન ઢાંકી રાખીએ તો ધર્મદેવના પુત્ર ને ઋષિરૂપ એવા જે અમે તે અમને પણ ગણે નહીં. ।।૨૩।। અને જેને જેને જ્ઞાન-વૈરાગ્ય-ધર્માદિકનું સામર્થ્ય પ્રાપ્ત થયું હોય તેણે તેણે અમારી કૃપાનું ફળ છે; કહેતાં અમારી કૃપાથી જ પ્રાપ્ત થયું છે એમ જાણવું. ।।૨૪।। માટે પોતાને જ ઋષિરૂપ કહ્યા છે. ।।૭।। (૨૨૭)
વચનામૃત અમદાવાદનું - ૮
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૮ આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને વિષે સંતની પંક્તિમાં લાડુ ફેરવતા હતા ને સુંદર શ્વેત રૂમાલ મસ્તક ઉપર બાંધ્યો હતો ને શ્વેત ખેસ પહેર્યો હતો ને ડાબા ખભા ઉપર ખેસ નાખીને કેડ બાંધી હતી, ને કંઠને વિષે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો.
૧ અને પછી લાડુ ફેરવતાં ફેરવતાં શ્રીજીમહારાજે સાધુ સર્વેને વાર્તા કરી જે, (૧) પરમહંસને માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરતાં ક્રોધ ઊપજે, તથા વાદવિવાદ કરતાં ક્રોધ ઊપજે તથા કોઈક પદાર્થ લેવા-દેવામાં ક્રોધ ઊપજે, તથા કોઈકને શિક્ષા કરતાં હોઈએ ને ક્રોધ ઊપજે, તથા પોતાની શુશ્રૂષાને વિષે રહેતો હોય જે સાધુ તેને પક્ષપાતે કરીને ક્રોધ ઊપજે, તથા અપમાને કરીને ક્રોધ ઊપજે તથા ઈર્ષ્યાએ કરીને ક્રોધ ઊપજે, તથા આસન કરવાને વિષે ક્રોધ ઊપજે તથા ભગવાનની પ્રસાદી વહેંચવાને વિષે ન્યૂનાધિકપણું કરે ને ક્રોધ ઊપજે ઇત્યાદિક જે જે ક્રિયાને વિષે ક્રોધ ઊપજે તે મોટા સાધુને ઊપજે અથવા નાના સાધુને ઊપજે, તો જેની ઉપર ક્રોધ ઊપજે તેને એક સાષ્ટાંગ દંડવત-પ્રણામ કરવો. અને ગદ્ગદ હૃદય થઈને દીનતાએ કરીને રૂડાંરૂડાં વચન બોલીને તેને પ્રસન્ન કરવો એમ અમારી આજ્ઞા છે. અને જો કોઈક સાધુ ઉપર દ્રોહની બુદ્ધિનો સંકલ્પ થાય તો નિષ્કપટ થઈને પોતાને મુખે તે સંકલ્પ કહેવો જે, હે મહારાજ ! આ રીતનો ભૂંડો સંકલ્પ તમારી ઉપર થયો અને તે સંકલ્પનો જે દોષ તેની નિવૃત્તિને અર્થે તેની પ્રાર્થના કરવી. બીજું, જો ગૃહસ્થ ઉપર પરમહંસને ક્રોધ ઊપજે તો તે પરમહંસ તે ગૃહસ્થની વચને કરીને પ્રાર્થના કરે અને બેઠે થકે નમસ્કાર કરે પણ સાષ્ટાંગ દંડવત ન કરે. અને જે સાંખ્યયોગી બાઈઓ તેને જો પરસ્પર ક્રોધ ઊપજે તો વચને કરીને પ્રાર્થના કરવી ને બેઠે થકે નમસ્કાર કરવો અને જો સાંખ્યયોગી પુરુષ તથા પરમહંસ તેની તો એ રીત છે. અને જેની ઉપર ક્રોધ ઊપજે તેની આગળ પોતાની મોટપ મૂકીને તેને પોતાના ઇષ્ટદેવ જે શ્રી સ્વામિનારાયણ તેના ભક્ત જાણીને નમસ્કાર કરવો ને પ્રાર્થના કરવી. (૧) પણ દેહદૃષ્ટિ ન રાખવી જે હું મોટો છું ને ઉત્તમ છું ને આ તો મોટો નથી ને નાનો છે એવી રીતે દેહદૃષ્ટિ ન કરવી. ને બીજું આપણા ઇષ્ટદેવ જે શ્રી નરનારાયણ તે ક્રોધ તથા માન તેને નથી રાખતા, માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયના જે હોય તે ક્રોધ તથા માન ત્યાગ કરજો. બીજું, આ જે અમે ક્રોધનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેને જે કરશે તેને ઉપર શ્રી નરનારાયણ પ્રસન્ન થાશે ને તેનું અંતઃકરણ શુદ્ધ થાશે અને તેનાં કામ, ક્રોધ, માન, લોભ, ઈર્ષ્યા, મદ, મત્સર તે સર્વ નાશ પામી જાશે. (૨) અને ક્રોધ ઊપજ્યો ને જે આ પ્રાયશ્ચિત્ત નહિ કરે તેને સર્પ તુલ્ય જાણવો પણ તેને સાધુ ન જાણવો. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૮।। (૨૨૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે ત્યાગી-ગૃહી, બાઈ-ભાઈને કોઈ ક્રિયામાં ક્રોધ ઊપજે તો દંડવત આદિકે કરીને જેના ઉપર ક્રોધ ઊપજે તેને પ્રસન્ન કરવાની રીત કહી છે. (૧) અને અમારા ભક્તને વિષે દેહભાવ ન રાખવો અને કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરશે તેનું અંતઃકરણ શુદ્ધ થશે ને કામાદિક દોષ ટળી જશે અને એ પ્રાયશ્ચિત્ત નહિ કરે તેને સર્પ તુલ્ય જાણવો. (૩) બાબતો છે. ।।૮।। (૨૨૮)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં અમદાવાદ પ્રકરણં સમાપ્તમ્
અથ વચનામૃત અશ્લાલી પ્રકરણમ્
વચનામૃત અશ્લાલીનું - ૧
સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ નગરથી વાજતે ગાજતે ચાલ્યા તે સાંજે ગામ શ્રી અશ્લાલીએ પધાર્યા ને ઉત્તરાદિ કોરે ગામથી બહાર આંબાવાડિયામાં ઊતર્યા, ને ત્યાં મંચ ઉપર વિરાજમાન થયા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે સુંદર પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક સર્વે સાધુ પ્રત્યે બોલ્યા જે, (૧) સાંભળો એક વાત કરવી છે જે કાંઈક પ્રભુ ભજતાં સમજણમાં ફેર રહે છે તેને ખોટ પણ બહુ મોટી આવે છે ને ભગવાન જે શ્રી પુરુષોત્તમ જેને શ્રીકૃષ્ણ કહીએ, જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી સ્વામિનારાયણ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ તેનું સુખ યથાર્થ આવતું નથી અને એકાંતિક ભક્ત થવાતું નથી. માટે જુઓને ! પ્રજાપતિ આદિ દઈને જે જગતના સ્રષ્ટા તે જે તે વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે ને અંતે માયાને વિષે લીન થાય છે, પણ શ્રી પુરુષોત્તમ ભગવાન તેમને સમીપે અક્ષરધામને વિષે એ જાતા જ નથી, તે શા સારુ તો તેમની સમજણમાં ભૂલ છે. (૧)
ત્યારે સર્વે મુનિ બોલ્યા જે, (૨) હે મહારાજ ! એમને વિષે એવી શી જાતની ભૂલ છે તે કહો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એમની ભૂલ કહીએ તે સાંભળો જે, એક તો પોતપોતાની જે ક્રિયા તેનું બળ સમજે છે અને ભગવાનના આશરાનું ને ભગવાનનું બળ નથી સમજતા, ને બીજું બ્રહ્મરૂપ પોતાને નથી માનતા ને અક્ષરરૂપ થઈને ભગવાન જે શ્રી પુરુષોત્તમનારાયણ તેના દાસપણાને નથી માનતા એ ભૂલ છે, અને ત્રીજું જે રામકૃષ્ણાદિક ભગવાનના અનંત અવતાર તેને તો એ સર્વે અંશ કરીને જાણે છે. એ જ એમને વિષે મોટી ભૂલ છે. અને આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થાતી હશે ? તે એક વાર જોઈએ તો ખરા ! એવો સંકલ્પ પોતાના મનમાં રહ્યો હતો તે સંકલ્પ જોઈને ભગવાને તેમને બ્રહ્માંડની ઉત્પત્તિ કરવા સારુ તે સાથે જોડી દીધા છે, તે બ્રહ્માંડમાં જેટલા જીવ છે તેટલી વાર બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાશે ત્યારે તેનો છૂટકો થાશે ને ત્યારપછી તે સમજણનો ત્યાગ કરીને ભગવાનના સમીપપણાને પામશે. તે સારુ ભગવાનને જાણ્યા પછી ભગવાન વિના બીજું કાંઈ જાણવા ઇચ્છવું નહીં. (૨) અને ભગવાનને ભજીને જે બ્રહ્માંડની ઉત્પત્તિના સામર્થ્યને ઇચ્છે છે તે ભક્ત સામર્થ્યાર્થી કહીએ ને કનિષ્ઠ કહીએ. અને જે કેવળ આત્મારૂપ થઈને ભગવાનને ભજે તે તો કૈવલ્યાર્થી જાણવો ને તે ભક્ત તો મધ્યમ છે. અને ત્રીજો, જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ તેની નિરંતર અનન્યપણે કરીને સેવાને વિષે નિષ્ઠા રાખે તે ભગવત નિષ્ઠાર્થી જાણવો ને એ ભક્ત અતિ શ્રેષ્ઠ છે ને અતિ ઉત્તમ છે, માટે આપણ તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠાવાળા છીએ. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૨૨૯)
રહસ્યાર્થ પ્રદી - આમાં પ્રશ્ન (૨) છે. તેમાં (૧) પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને ભજતાં સમજણમાં ફેર રહે છે, તેને ખોટ્ય બહુ આવે છે, અને શ્રી પુરુષોત્તમ ભગવાન એવા અમે તે અમારું સુખ યથાર્થ આવતું નથી અને અમારા એકાંતિક ભક્ત થવાતું નથી એવી આ જગતના સ્રષ્ટાની સમજણમાં ભૂલ છે તથા તે અમારા ધામને પામતા નથી. (૧) બીજામાં એ સ્રષ્ટા ઉત્પત્ત્યાદિક પોતાની ક્રિયા તેનું બળ સમજે છે પણ અમારા આશરાનું બળ નથી સમજતા, અને અક્ષરધામરૂપ થઈને અમારા દાસપણાને નથી પામતા, અને રામકૃષ્ણાદિક અમારા અવતારોને અંશ જાણે છે અને બ્રહ્માંડની ઉત્પત્તિ જોવાનો પૂર્વે સંકલ્પ હતો તેથી અમે તેમને તે ક્રિયામાં જોડી દીધા છે તે એવી સમજણનો ત્યાગ કરશે ત્યારે અમારા સમીપપણાને પામશે. માટે અમારા વિના બીજું કાંઈ જાણવાને ઇચ્છવું નહીં. (૨) અને અમને ભજીને ઐશ્વર્યને ઇચ્છે તે કનિષ્ઠ છે, અને કેવળ આત્મારૂપ થઈને અમને ભજે તે મધ્યમ છે, અને પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ અમે તે અમારી સેવાને ઇચ્છે તે ઉત્તમ છે. (૩) બાબતો છે.
૧ પ્ર બીજા પ્રશ્નમાં જગતના સ્રષ્ટા રામકૃષ્ણાદિક અવતારોને અંશ કરી જાણે છે એમ કહ્યું તે અંશ કેવી રીતે જાણતા હશે ?
૧ ઉ જે જે અવતારો બ્રહ્માંડોને વિષે પ્રગટ થઈને કાંઈ ઐશ્વર્યને જણાવે છે તે અવતારોને પોતાની સૃષ્ટિમાંના માને છે અને તે અવતારોને વિષે જે ઐશ્વર્ય હોય તેને પોતાનું આપેલું માને છે જે મારું ઐશ્વર્ય તે એમને વિષે આવેલું છે એમ અંશ માને છે. ।।૧।। (૨૨૯)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં અશ્લાલી વચનામૃતં સમાપ્તમ્
અથ વચનામૃત જેતલપુર પ્રકરણમ્
વચનામૃત જેતલપુરનું - ૧
સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની જગ્યામાં આસોપાલવની હેઠે ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ગુલદાવદીના બહુ હાર પહેર્યા હતા ને મસ્તક ઉપર શ્વેત પાઘ ડોલરિયાના તોરા તેણે કરીને વ્યાપ્ત હતી ને બે કાન ઉપર બે કર્ણિકારનાં પુષ્પ ખોસ્યાં હતાં ને હસ્તને વિષે સુંદર લીંબુના ફળને ફેરવતા હતા ને દહાડો ચાર ઘડી ચડ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશના સત્સંગી બાઈ-ભાઈ સર્વેની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે સર્વે સભા પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) એક તો દ્વૈત મત છે ને એક તો અદ્વૈત મત છે, તે બેમાંથી મુમુક્ષુ હોય તે કોણ મતને ગ્રહણ કરે તે કહો ? ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા જે, હે મહારાજ ! મુમુક્ષુ હોય તેને તો દ્વૈત મતને ગ્રહણ કરવો; ત્યારે શ્રીજીમહારાજે આશંકા કરી જે, દ્વૈત મત તો જીવ, ઈશ્વર ને માયા, તે જ્યારે માયા રહે છે ત્યારે જીવનો મોક્ષ કેમ થાય ? ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા જે, શુભ કર્મ કરતાં કરતાં મોક્ષ થાય. ત્યારે શ્રીજીમહારાજે વળી આશંકા કરી જે, નિવૃત્તિ ને પ્રવૃત્તિ એ બે પ્રકારનાં જે કર્મ છે તે તો સુષુપ્તિમાં લીન થઈ જાય છે, તે સુષુપ્તિ કેવી છે તો જેમ લોકાલોક પર્વત ઉલ્લંઘવા કોઈ સમર્થ નથી, તેમ સુષુપ્તિ જે છે તેને ઉલ્લંઘવાને જીવ કોઈ સમર્થ થાતો નથી, તો જે આગળ સામ્યાવસ્થા છે તે તો બહુ મોટી છે; તે તો કેમ જીવથી ઉલ્લંઘાય ? ત્યારે સર્વેને એમ સમજવું જે જ્યારે સર્વે કર્મ અને માયા તેના નાશ કરનારા ને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન વા ભગવાનના મળેલ સંત તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તે સર્વેને ઉલ્લંઘાય છે, શા સારુ જે ત્યાં કર્મની તો ગતિ જ નથી. (૧)
એમ કહીને પછી શ્રીજીમહારાજ મહોલ ઉપર ભોજન કરવા પધાર્યા, પછી ભોજન કરીને પાછા આસોપાલવ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન થયા, ને સર્વે સંતને ને હરિભક્તને અમૃતદૃષ્ટિએ જોતા થકા શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, (૨) પ્રથમ તો આ જીવને કોઈ ન માનતો હોય ત્યારે એની વૃત્તિ કેવી હોય, અને પછી જ્યારે સો મનુષ્ય એને માને ત્યારે એનો અહંકાર તે પણ નોખી જાતનો થાય છે, ને હજાર મનુષ્ય માને તથા લાખ મનુષ્ય માને તથા કરોડ મનુષ્ય માને ત્યારે એનો અહંકાર તે જુદી જાતનો થાય છે, અને એ ક્યારેક બ્રહ્મા જેવો થાય, ક્યારેક શિવ જેવો થાય, ક્યારેક ઇન્દ્ર જેવો થાય, ત્યારે તે સવળા વિચારવાળો એમ જાણે જે આ મારી જે મોટપ તે આ વડે નથી, ત્યારે શા વડે છે ? તો આત્મા વડે મોટપ છે, અને બીજું સંતને સમાગમે કરીને મોટપ છે, ત્યારે જુઓને એવા મોટા છે તે પણ સંતના ચરણની રજને ઇચ્છે છે, ત્યારે સંતને વિષે શી મોટપ છે તે કહીએ છીએ જે, દ્રવ્ય પદાર્થે કે રાજ્યે કરીને તો કાંઈ સંતને મોટપ નથી, પણ સંતને તો મોટપ ભગવાનની ઉપાસના ને ભક્તિ તે વડે છે, ને બીજું સંતને આત્મનિષ્ઠા છે તે મોટપે મોટપ છે, અને એમ ન જણાય તો આત્માનો એમ નિશ્ચય કરવો જે પ્રગટ ભગવાન જેને મળ્યા હોય એવા જે સંત તેને વિષે આત્મનિષ્ઠા રાખવી ને તે જ પોતાનું સ્વરૂપ માનવું, ત્યારે કોઈક આશંકા કરે જે, ત્યારે સ્વામી-સેવકપણું કેમ રહે ? ત્યાં દૃષ્ટાંત છે જે, ગાલવ રાજા હતો, તેને યજ્ઞ કરવો હતો ત્યારે તેને શ્યામકરણ ઘોડા લાવવા હતા તે શ્યામકરણ ઘોડા તો વરુણને ઘેર હતા ત્યાં તો પોતાથી જવાય નહિ, ત્યારે ગાલવ રાજાએ ગરુડજીને તેડાવ્યા ત્યારે ગરુડજી આવ્યા, પછી તે ગરુડ ઉપર બેસીને ઘોડા ત્યાંથી લઈને આવ્યા ત્યારે શું ગરુડજીને વિષેથી ગાલવ રાજાને દાસપણું મટી ગયું ? એ તો ન મટ્યું, તેમ બ્રહ્મવેત્તાને વિષે આપોપું માનવું, તે શા સારુ જે એને આવરણ ભેદ્યાની ગતિ છે, તે સારુ એને વિષે આત્મબુદ્ધિ રાખવી. પછી એમ કહ્યું જે આ વાર્તા સર્વે રાખજો અને આ વાત સર્વેનું જીવન છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૨૩૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં મુમુક્ષુ પોતાના મોક્ષને અર્થે શુભ કર્મ કરે તોપણ એણે સાંખ્ય જ્ઞાન સિદ્ધ કર્યું નથી ને માયાને મિથ્યા જાણી નથી ત્યાં સુધી તેની દેહાત્મબુદ્ધિ ટળે નહિ ને ઉપાસ્ય મૂર્તિને પણ યથાર્થ દિવ્ય જાણી શકે નહિ તેથી તે શુભ કર્મે કરીને પ્રધાન માયા સુધી પહોંચે; પણ તે પ્રધાન માયારૂપ સુષુપ્તિને ઓલંઘી શકે નહિ, તો સામ્યાવસ્થારૂપ મૂળમાયા તે તો ઓલંઘાય જ કેમ ? એ તો સર્વ કર્મ ને માયા તેના નાશ કરનારા અને માયાથી પર સાક્ષાત્ શ્રી પુરુષોત્તમ ભગવાન જે અમે તે અમારી અથવા અમને મળેલા અમારા સંતની જ્યારે જીવને પ્રાપ્તિ થાય ત્યારે માયા ઓલંઘાય છે. (૧) બીજામાં જીવને ઘણાં માણસો માને અથવા કોઈ મોટપ પામે ત્યારે તેને અહંકાર આવે છે, ને સવળા વિચારવાળો એણે કરીને મોટપ ન માને એ તો આત્મા વડે ને અમારા સંતના સમાગમ વડે કરીને મોટપ માને, અને અમને મળેલા સંતને તો અમારી ઉપાસના ને આત્મનિષ્ઠા તેણે કરીને મોટપ છે, અને એવા અમને મળેલા સંતને વિષે આપોપું કરવું તો ગાલવ રાજાની પેઠે આવરણ ભેદાવે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં નિવૃત્તિ ને પ્રવૃત્તિ એ બે પ્રકારનાં કર્મ કહ્યાં તે નિવૃત્તિકર્મ કિયાં જાણવાં અને પ્રવૃત્તિકર્મ તે કિયાં જાણવાં?
૧ ઉ ત્યાગીને પાળવાના જે બ્રહ્મચર્ય, અહિંસાદિક નિયમ છે તે નિવૃત્તિકર્મ જાણવાં, અને ગૃહસ્થને પાળવાના જે નિયમ છે તે પ્રવૃત્તિકર્મ જાણવાં.
૨ પ્ર તે કર્મ સુષુપ્તિને વિષે લીન થઈ જાય છે એમ કહ્યું તે કેવી રીતે લીન થતાં હશે ?
૨ ઉ એ બે પ્રકારનાં કર્મ કરનારા જીવોને તે તે કર્મનું ફળ સુષુપ્તિ સુધી જ ભોગવાય છે પણ તે કર્મે કરીને સુષુપ્તિથી પર ગતિ થતી નથી માટે લીન કહ્યાં છે. એટલે કર્મ લીન થઈ જાય છે એમ નહિ પણ એ કર્મ કરનારને સુષુપ્તિથી પર ગતિ થતી નથી એમ કહ્યું છે.
૩ પ્ર સર્વ કર્મ ને માયા તેને નાશ કરનારા એમ કહ્યું તે કર્મ કિયાં જાણવાં ? અને માયા કઈ જાણવી ?
૩ ઉ આ ઠેકાણે કર્મ એટલે વાસના જાણવી તે વાસના બે પ્રકારની છે. એક તો માયિક પંચવિષય સંબંધી વાસના છે, અને બીજી ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિના ઐશ્વર્યની ઇચ્છા તે ઐશ્વર્ય સંબંધી વાસના કહેવાય; એ બે પ્રકારની વાસના તે શ્રીજીમહારાજ કાં એમના મુક્ત નાશ કરે. અને મૂળમાયાને માયા કહી છે.
૪ પ્ર સાક્ષાત્કાર જે શ્રી પુરુષોત્તમ ભગવાન જે અમે ને અમને મળેલા સંતની જ્યારે જીવને પ્રાપ્તિ થાય ત્યારે કર્મ તથા માયા ઓલંઘાય છે, એમ કહ્યું છે તે શ્રીજીમહારાજને મળેલા કેવી રીતે જાણવા ?
૪ ઉ શ્રીજીમહારાજની મૂર્તિમાં તથા શ્રીજીમહારાજના તેજરૂપ ધામમાં સદા ભેળા રહેતા હોય તેમને આ ઠેકાણે મળેલા કહ્યા છે, અને જેને એવા મુક્તના યોગે એવી સ્થિતિ થઈ હોય એટલે આત્માને વિષે શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર થયો હોય તે પણ મળેલા કહેવાય અને તેનો યોગ કરનારને પણ માયા ને કર્મ ઓલંઘાય છે.
૫ પ્ર બીજા પ્રશ્નમાં ક્યારેક બ્રહ્મા જેવો થાય, શિવ જેવો થાય, ઇન્દ્ર જેવો થાય, ત્યારે સવળા વિચારવાળો આત્મા વડે ને સંતના સમાગમ વડે મોટપ માને એમ કહ્યું તે બ્રહ્મા-શિવ જેવો એટલે કેવો જાણવો ? કેમ જે બ્રહ્મા, શિવ, ઇન્દ્રના સ્થાનમાં તે તે પદવી પામે તેને તો સવળો વિચાર રહે નહિ, કેમ કે એ સ્થાનોમાં સવળો વિચાર રહેવો તે અગમ્ય છે તે કેવી રીતે સમજવું ?
૫ ઉ પોતાને આત્મારૂપ એટલે શ્રીજીમહારાજના તેજરૂપ માનવું અને સંતનો સમાગમ કરવો તે જ મોટપ છે એમ માને, પણ યશ-કીર્તિ ને માન-સન્માનમાં મોટપ માને નહિ, ને મનાવાની કે પૂજાવાની કે કોઈ ઐશ્વર્યની ઇચ્છા ન રહે તેને વિષે બ્રહ્મા જે મૂળઅક્ષરાદિક તથા શિવ જે મહાકાળાદિક તથા ઇન્દ્ર જે મૂળપુરુષાદિકના જેવા ઐશ્વર્ય આવે તોપણ તેમાં મોટપ ન માને; એક મુક્તનો સમાગમ ને પોતાને અક્ષરધામરૂપ માનવું એ જ મોટપ માને એમ કહ્યું છે.
૬ પ્ર મૂળઅક્ષરને બ્રહ્મા કહ્યા અને મહાકાળને શિવ કહ્યા ને મૂળપુરુષને ઇન્દ્ર કહ્યા તે કેવી રીતે સમજવા ?
૬ ઉ ઉત્પત્તિ કરે તે સર્વને બ્રહ્મા કહેવાય, માટે આદિ સૃષ્ટિના કર્તા મૂળઅક્ષર છે, તેથી મૂળઅક્ષરને બ્રહ્મા નામે કહ્યા છે, અને પ્રલય કરે તેને શિવ કહેવાય, તે આત્યંતિક પ્રલય જે મહાપ્રલય તે મહાકાળ કરે છે. માટે મહાકાળને શિવ કહ્યા છે. અને જે વૃષ્ટિ કરે તેને ઇન્દ્ર કહેવાય, તે જેમ ઇન્દ્ર વરસાદ કરે છે તેણે કરીને પૃથ્વીમાંથી બીજ ઉત્પન્ન થાય છે તેમ મૂળપુરુષ મેઘને ઠેકાણે છે ને માયા પૃથ્વીને ઠેકાણે છે તે મૂળપુરુષ માયાને વિષે વીર્યને ધરે તેણે કરીને માયામાંથી જીવ ઉત્પન્ન થઈ આવે છે, માટે મૂળપુરુષને ઇન્દ્ર કહ્યા છે તે (છે. ૧૦માં) પુરુષને મેઘને ઠેકાણે કહ્યા છે.
૭ પ્ર પ્રગટ ભગવાન જે અમે તે અમને મળેલા સંતને વિષે આત્મનિષ્ઠા રાખવી, ને એ જ પોતાનું સ્વરૂપ માનવું એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજને મળેલા સંતને વિષે આત્મનિષ્ઠા કેવી રીતે રાખવી ને એમને પોતાનું સ્વરૂપ કેવી રીતે માનવું ?
૭ ઉ શ્રીજીમહારાજના મુક્તને વિષે પોતાના આત્માની એકતા કરવી જે તે મુક્ત તે હું છું એમ પોતાને મુક્તરૂપ માનવું, અને જેમ મુક્ત મૂર્તિમાં જોડાયા છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાવું. આ વાર્તા સર્વનું જીવન છે કહેતાં સર્વોત્તમ છે અને એવા શ્રીજીમહારાજની મૂર્તિમાં એકતાવાળા મુક્ત પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તો (મ. ૫૦માં) એકરસ પરિપૂર્ણ એવું શ્રીજીમહારાજનું તેજ તેમાં એકતા કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં ને મુક્તમાં પ્રીતિ જોડવી એમ કહ્યું છે તેમ કરવું. પણ શ્રીજીમહારાજના ધામમાંથી આવેલા ન હોય તેને વિષે આપોપું ન કરવું.
૮ પ્ર શ્રીજીમહારાજના ધામમાંથી આવેલા મુક્તનાં લક્ષણ કેવાં હોય ? ને એકાંતિકનાં કેવાં હોય ?
૮ ઉ જે એમનો સમાગમ કરે તેના ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય, ને ધ્યાનમાં વિક્ષેપ ન થાય, ને મૂર્તિનું સુખ આવે ને છેટે રહે થકે પણ જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય, ને એમની પાસે બેઠા હોઈએ તો તે વખતે માયિક ઘાટ-સંકલ્પ ટળી જાય. અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય, એવાં કેટલાકને દર્શન આપે ને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય, અને કોઈક પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય, ને કોઈને દેહ મૂકવો હોય તો તેને આયુષ્ય હોય તોપણ તેને તેડી જાય એવી સામર્થી હોય તે શ્રીજીમહારાજના ધામમાંથી આવેલા પરમએકાંતિક તથા અનાદિમુક્ત જાણવા. અને શ્રીજીમહારાજે કહ્યા જે ધર્મ તે યથાર્થ પાળે તથા ત્યાગી-ગૃહીને પોતપોતાના ધર્મ યથાર્થ પળાવે અને શ્રીજીમહારાજની પ્રતિમાને વિષે સર્વને જોડે પણ પોતાને વિષે જોડે નહિ અને માન-અપમાન, સુખ-દુઃખ, હાણ્ય-વૃદ્ધિ, કચરો-કંચન, શત્રુ-મિત્ર સર્વમાં સમબુદ્ધિ હોય અને પોતાના સંગીને સત્સંગમાંથી લૂખા થવા દે નહિ ને માયિક વિષય તથા ઐશ્વર્યની વાસનાએ રહિત હોય ને શ્રીજીમાં અખંડ વૃત્તિ રાખતા હોય આવાં લક્ષણ હોય તે એકાંતિક જાણવા.
૯ પ્ર ગાલવ રાજાને દૃષ્ટાંતે સિદ્ધાંત શો સમજવો ?
૯ ઉ જેમ ગાલવ રાજાને વરુણ પાસે જવું હતું, પણ ત્યાં પોતાથી જવાય તેમ નહોતું તેણે ગરુડ ઉપર અસવારી કરી પણ તેને વિષેથી દાસપણું મટ્યું નહિ, તેમ મુમુક્ષુ જીવને શ્રીજીમહારાજ પાસે જવું તે તેનાથી જવાય તેમ નથી, માટે મુક્ત જે ગુરુ, તેમને વિષે આપોપું એટલે જ પોતાનું સ્વરૂપ માનવું કે તે મુક્ત તે હું છું એમ ગુરુને વિષે આપોપું માનવાથી તે ગુરુને વિષેથી દાસપણું મટે નહીં. અને તે ગુરુને વિષે આત્મબુદ્ધિ રાખવાથી શ્રીજીમહારાજની ને મુમુક્ષુની વચ્ચે આવરણ છે તે ટળી જાય છે. અને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે, અને જેમ મુક્તને વિષે આપોપું માનવું તેમજ શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે સાક્ષાત્ મળ્યા હોય તો શ્રીજીમહારાજને વિષે પણ તેમજ આપોપું માનવું તોપણ સ્વામી-સેવકપણું ટળી જતું નથી. આ વાત સર્વનું જીવન છે, એટલે શ્રીજીમહારાજને પામવાના જેટલા ઉપાયમાત્ર છે તે સર્વ ઉપાયથી આ વાત સર્વોત્તમ છે. ।।૧।। (૨૩૦)
વચનામૃત જેતલપુરનું - ૨
સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે સાંજને સમે શ્રી રાધાકૃષ્ણના મંદિરના ચોક વચ્ચે ઢોલિયો બિછાવ્યો હતો તેને ઉપર પોતે વિરાજમાન હતા ને સુંદર શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પાઘને વિષે ડોલરિયાનાં પુષ્પના તોરા લટકતા હતા ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત રૂમાલ હસ્તકમળને વિષે ધરી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ પ્રત્યે બ્રહ્માનંદ સ્વામીએ એમ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! યતિ કેને કહીએ ? તે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હનુમાનજી જ્યારે લંકામાં જાનકીજીની ખબર કાઢવા ગયા ત્યારે જાનકીજીને ઓળખવાં હતાં તે સારુ જેટલી સ્ત્રીઓ લંકામાં હતી તે સર્વેને જોતા હવા, ને તે પછી મંદોદરીને હનુમાનજી દેખતા હવા. ત્યારે પોતે એમ જાણ્યું જે આ જાનકીજી હશે ? પછી એમ મનમાં વિચાર કર્યો જે જાનકીજીને તો ભગવાન રઘુનાથજીનો વિયોગ છે તેણે કરીને આવું શરીર પુષ્ટ હોય જ નહિ, ને આવી નિદ્રા પણ ન હોય એવો મનમાં વિચાર કરીને હનુમાનજી પાછા વળી નીસર્યા, પછી પોતાને એવો મનમાં સંકલ્પ થયો જે હું યતિ છું ને મેં આ સ્ત્રીઓ સર્વને જોઈ તેનો મુને કાંઈ બાધ હશે કે નહીં ? પછી વળી એમ વિચાર કર્યો જે, મેં તો રઘુનાથજીની આજ્ઞાએ કરીને જાનકીજીની ખબર કાઢવી છે તે સારુ સ્ત્રીઓને જોઈ તેનો શો બાધ છે ? પછી વળી મનમાં એમ વિચાર કર્યો જે મારી વૃત્તિમાં ને મારી ઇન્દ્રિયોમાં રઘુનાથજીની કૃપાએ કરીને ક્ષોભ પણ નથી ઊપજ્યો એવો હોય તે યતિ કહેવાય. અને વળી જ્યારે જાનકીજીનું હરણ થયું ત્યારે રઘુનાથજી ને લક્ષ્મણજી એ બેય જ્યાં સુગ્રીવ ફટક શિલા ઉપર હતો ત્યાં ગયા ત્યારે સુગ્રીવને જણાવ્યું જે, જાનકીજીનું હરણ થયું છે તે માટે અહીં આવ્યા છીએ તે જો કાંઈ તમને ખબર હોય તો કહો ! ત્યારે સુગ્રીવે કહ્યું જે, હે મહારાજ ! આકાશને વિષે હે રામ ! હે રામ ! એવો શબ્દ થાતો હતો તે મેં સાંભળ્યો હતો, અને બીજું જે, આ ચીરમાં બાંધીને ઘરેણાં પડતાં મૂક્યાં હતાં તે મારે પાસે મેં રાખ્યાં છે, ત્યારે રઘુનાથજીએ કહ્યું જે તે લાવો જોઈએ. ત્યારે તે ઘરેણાં સુગ્રીવે રઘુનાથજીને આપ્યાં, પછી રઘુનાથજીએ લેઈને લક્ષ્મણજીને દેખાડ્યાં તે પ્રથમ તો કાનનાં દેખાડ્યાં પછી હાથના બાજુબંધ આદિક દેખાડ્યાં તે લક્ષ્મણજીએ ન ઓળખ્યાં, ત્યારપછી પગનાં ઝાંઝર દેખાડ્યાં ત્યારે લક્ષ્મણજીએ કહ્યું જે, હે મહારાજ ! આ તો જાનકીજીનાં ઝાંઝર ખરાં. ત્યારે રઘુનાથજીએ પૂછ્યું જે, હે લક્ષ્મણજી ! બીજાં ઘરેણાં ન ઓળખ્યાં ને ઝાંઝર કેમ ઓળખ્યાં ? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું જે, હે મહારાજ ! જાનકીજીનું સ્વરૂપ તે મેં નથી દીઠું, અને સાંજે પગે લાગવા જાતો ત્યારે ઝાંઝર દીઠાં હતાં તે સારુ મેં ઓળખ્યાં. એવી રીતે ચૌદ વર્ષ સુધી સેવામાં રહ્યા પણ દૃષ્ટિએ કરીને જાનકીજીનું સ્વરૂપ એક ચરણારવિંદ વિના બીજું દીઠું નહિ એવો હોય તે યતિ જાણવો. એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, આ બ્રહ્માનંદ સ્વામી છે તે પણ તે જેવા જ યતિ છે, એમ સર્વે સભાને સાંભળતે સતે બ્રહ્માનંદ સ્વામીની શ્રીજીમહારાજે યતિપણાની બહુ પ્રશંસા કરી. (૧) ને ગામ બહાર પધાર્યા ને યજ્ઞ થયા હતા તે ઠેકાણે પરથાર ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર પોતે વિરાજમાન થયા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કહ્યું જે કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો.
ત્યારે પટેલ આશજીભાઈએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! આ જીવનું સ્વરૂપ તે કેવું છે ? તે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવ તો અછેદ્ય, અભેદ્ય, અવિનાશી, ચૈતન્યરૂપ અણુમાત્ર એવો છે ત્યારે તે જીવ ક્યાં રહે છે ? તો હૃદયાકાશને વિષે રહે છે અને વિવિધ ક્રિયાને ત્યાં રહ્યો થકો કરે છે અને રૂપ જોવું હોય ત્યારે નેત્ર દ્વારે કરીને જુએ છે, અને શબ્દ સાંભળવો હોય ત્યારે કાન દ્વારે આવીને સાંભળે છે, ને નાસિકા દ્વારે સારો-નરસો ગંધ લે છે ને રસના દ્વારે રસ લે છે, ને ત્વચા દ્વારે સ્પર્શનું સુખ લે છે, અને મન દ્વારે મનન કરે છે, ને ચિત્ત દ્વારે ચિંતવન કરે છે ને બુદ્ધિ દ્વારે નિશ્ચય કરે છે, એમ દશ ઇન્દ્રિયો દ્વારે તથા ચાર અંતઃકરણ દ્વારે સર્વે વિષયનું ગ્રહણ કરે છે, ને નખથી તે શિખા પર્યંત શરીરમાં વ્યાપીને રહ્યો છે, એવી રીતે જીવનું સ્વરૂપ છે. અને આપણે તો પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તેને પ્રતાપે કરીને એ જીવને સારી પેઠે ઓળખ્યો છે ને જાણ્યો છે. એમ કહીને સર્વને રાજી કરીને જય સચ્ચિદાનંદ કહીને મહોલમાં પોઢવા પધારતા હવા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૨૩૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે હનુમાનજી ને લક્ષ્મણજીને દૃષ્ટાંતે યતિનાં લક્ષણ કહ્યાં છે, અને બ્રહ્માનંદ સ્વામીની યતિપણાની પ્રશંસા કરી છે. (૧) બીજામાં જીવ હૃદયને વિષે રહ્યો થકો ઇન્દ્રિયો-અંતઃકરણ દ્વારે વિષયનું ગ્રહણ કરે છે, ને શરીરમાં વ્યાપી રહ્યો છે તે જીવને પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ શ્રી નરનારાયણ જે અમે તે અમારે પ્રતાપે કરીને તમે સારી પેઠે એટલે જેવો જાણવો જોઈએ તેવો બ્રહ્મરૂપ જાણ્યો છે એમ કહ્યું છે. (૨) બાબતો છે. ।।૨।। (૨૩૧)
વચનામૃત જેતલપુરનું - ૩
સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે પોતાને રહેવાનો જે મહોલ તેની આથમણી કોરને સમીપે જે ફૂલવાડી તેને વિષે સવારના વે’લા પધારીને વાડીને વચમાં મોટું બોરસડીનું વૃક્ષ તેની હેઠે ચોતરા ઉપર ગાદી-તકિયે સહિત જે ઢોલિયો તે ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ચંપાના તથા બોરસડીના તથા ગુલદાવદીના હાર પહેર્યા હતા ને પાઘને વિષે ચમેલી ને ડોલરિયાના તોરા લટકતા મેલ્યા હતા ને બે શ્રવણ ઉપર હજારી પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને બે હસ્તકમળ વિષે દાડમ તથા લીંબુના ફળને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ ઘડીક વાર સુધી વિચારીને એમ બોલ્યા જે, (૧) સર્વે સાંભળો એક વાર્તા કહીએ જે, દુષ્ટ વાસના રાખવી તેથી કાંઈ ભૂંડું નથી કાં જે દુષ્ટ વાસનાવાળા ભક્ત છે તે અમારે સમીપે રહે છે, પણ તે સુખિયા નથી રહેતા કાં જે તેમણે પ્રભુ ભજતાં પ્રથમ એમ માગ્યું હતું જે સમીપે રાખજ્યો પણ દુષ્ટ વાસના ન મૂકી તે સારુ દુઃખિયા છે. (૧)
ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, (૨) હે મહારાજ ! એ દુષ્ટ વાસના કેમ ટળે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, દુષ્ટ વાસના ટાળવાનો તો એ ઉપાય છે જે જ્યારે વર્તમાનથી બાહેર સંકલ્પ થાય, તથા કોઈ હરિજનના તથા સંતના અભાવનો સંકલ્પ થાય, ત્યારે નરનારાયણ-સ્વામિનારાયણ એમ વારંવાર પોકારીને નામ ઉચ્ચારણ કરવું, અને બીજું માહાત્મ્યે સહિત ને ધર્મે સહિત ભગવાનની નવ પ્રકારની ભક્તિ કર્યા કરે, ત્યારે ભગવાન તેના હૃદયમાં વાસ કરીને દુષ્ટ વાસનાને નાશ પમાડે છે, જેમ ગજને ગ્રાહના મુખ થકી ભગવાને છોડાવ્યો તેમ. માટે આટલી વાત સમજ્યા તો સર્વ સમજાઈ રહ્યું. (૨) ને વળી કહીએ છીએ જે, એક તો પાંચ વર્તમાન પાળવાં, ને બીજું પોતાનું સ્વરૂપ સાક્ષી માનવું જે સંકલ્પ તથા નાના પ્રકારના જે તર્ક તે થકી પર જે આત્મા તે હું છું, અને મને સહિત જે દેહ તે હું નહિ એમ વિચારે, ને ત્રીજું ભગવાન કોઈના સામું જોઈને હસતા હોય વા કોઈને બોલાવતા હોય વા બીજાં ગમે તેવાં ચરિત્ર કરે તેમાં કોઈ દહાડે અભાવ ન આવે એવી રીતનો નિશ્ચય રાખવો એટલું સમજ્યા તો સર્વે સમજ્યા છો. અને વળી કોઈક એમ જાણે છે જે મેં તો મહારાજને બહુ ભજ્યા ને ઘણીક સેવા કરી, પણ આપણને તો મહારાજ બોલાવતા નથી, ને બીજાને તો બહુ બોલાવે છે ત્યારે આપણે ઘેર બેઠાં જ પ્રભુ ભજશું, એમ અવગુણ લે છે. ત્યારે અમે પણ એમ ધારીએ જે એ જીવને ને અમારે શું ? તો એ જીવનું ઠેકાણું રહે જ નહીં. પણ અમે તો કોઈનો અવગુણ લેતા જ નથી, અને અમારો સ્વભાવ તે તો સદા ગુણગ્રાહક જ છે. ને હવે એ ભક્તને ગુણ ગ્રહણ કરવો ને અવગુણ ટાળવો તેનો ઉપાય કહીએ છીએ જે, એ ભક્ત એમ વિચારે જે હું સત્સંગ મોરે કેવો હતો તો કાળ, કર્મ, જન્મ, મરણ, ચોરાશી તેનો ભોક્તા હતો, તે મુને સર્વ થકી છોડાવીને નિર્ભય કીધો ને રૂડા ગુણ આપીને મોટો કીધો, તે ભગવાનનો અભાવ કેમ હું લેઉં ? ને પ્રભુનું ગમતું મૂકીને પોતાનું ગમતું કેમ ઇચ્છું ? એમ વિચારીને અભાવ ન લે ત્યારે જ તે સુખિયો થાય છે. અને આ દેહે કરીને ભગવાનનું ગમતું કરવું, એથી બીજી વાત કાંઈ મોટી નથી, ને એ જ ભક્તિ છે; એણે કરીને જ ભગવાનને પમાય છે, માટે માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ એ આદિક કલ્યાણના વિરોધી છે તે સર્વને ત્યાગ કરવા. ને તેમાં માન છે તે તો અતિ ભૂંડામાં ભૂંડું છે, જુઓને બીજા વર્તમાનમાં કાંઈક કાચપ થોડી-ઘણી હોય તોપણ સત્સંગમાં નભ્યા જાય છે, પણ માનવાળા તો નભી શક્યા જ નહિ, માટે હે સંતો ! નિર્માન આદિક વર્તમાનમાં કોઈ દિવસ ચૂક પડવા દેશો મા; અતિ કુશળ રહેવું, અને દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું જાણવું, અને શ્રી પુરુષોત્તમ એવા જે નરનારાયણ તેમની નિરંતર ખટકે સહિત ભક્તિ કરવી ને ભગવાનની અખંડ સ્મૃતિએ સહિત ભજન કરવું તે તો ભગવાનનાં પ્રગટ દર્શનના સુખ તુલ્ય છે. (૩) બીજું, આપણા સત્સંગમાં શાસ્ત્ર ભણતાં આવડે તેણે કરીને કાંઈ મોટો નહિ, ત્યારે કોણ મોટા ? તો જે ચૌદ લોક પર્યંત તૃણ સમાન જાણે એવી વૈરાગ્યની અવધિએ યુક્ત હોય, અને જેમ દેહને વિષે આત્મબુદ્ધિ છે તેમ પરમાત્મા જે પુરુષોત્તમ તેના સ્વરૂપની દૃઢતા સાક્ષાત્કાર બોધે યુક્ત હોય, અને સુષુપ્તિને વિષે જેમ જગતની વિસ્મૃતિ છે એમ જાગ્રત અવસ્થાને વિષે જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે એવો જે હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૩।। (૨૩૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે દુષ્ટ વાસના રાખે તે સુખી ન થાય. (૧) બીજામાં વર્તમાન બહાર સંકલ્પ થાય તથા અમારા ભક્તને વિષે અભાવનો સંકલ્પ થાય ત્યારે અમારું નરનારાયણ-સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ વારંવાર કરે, ને માહાત્મ્યે ને ધર્મે સહિત અમારી નવધાભક્તિ કરે તેના હૃદયમાં વાસ કરીને વિષયની આસક્તિનો નાશ કરી નાખીએ. (૨) અને પંચવર્તમાન પાળે ને પોતાને આત્મારૂપ માને અને અમારાં ચરિત્ર દિવ્ય જાણે ને અમારો નિશ્ચય હોય ને અમારા ગમતામાં વર્તે, ને માન-કામાદિકનો ત્યાગ કરીને અમારી ભક્તિ કરે, ને અખંડ સ્મૃતિએ સહિત અમારું ભજન કરે તેને અમારાં પ્રગટ દર્શન તુલ્ય સુખ આવે. (૩) અને જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે ને અમારા સ્વરૂપની દૃઢતા જ્ઞાને યુક્ત સાક્ષાત્કાર કરે તે સત્સંગમાં મોટો છે. (૪) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં દુષ્ટ વાસનાવાળા ભક્ત અમારે સમીપે રહે છે, પણ સુખિયા નથી એમ કહ્યું તે દુષ્ટ વાસના કઈ જાણવી અને તે દુષ્ટ વાસનાવાળાથી શ્રીજીમહારાજને સમીપે શી રીતે જવાતું હશે ?
૧ ઉ શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારી આજ્ઞા વિરુદ્ધ પોતાના મનમાં સંકલ્પ થાય તે દુષ્ટ વાસના જાણવી, તે તરંગ ૨૩૨માં શ્લોક છે જે :
यदा मदीय मर्यादोल्लंघने मनसो भवेत् । संकल्पस्तर्हि विज्ञेया सैव दुर्वासनात्मन: ।।૮।।
જીવોના કલ્યાણ સારુ જ્યારે શ્રીજીમહારાજ પૃથ્વીને વિષે મનુષ્ય રૂપે પ્રગટ થયા હોય તે વખતે શ્રીજીમહારાજને સમીપે ભક્ત રહ્યા હોય, પણ માયિક વાસના અંતરમાં રહી હોય, તો તેને ધ્યાન-ભજનનું સુખ આવે નહિ, તેથી દુઃખિયા રહે, માટે આ લોકને વિષે સમીપે કહ્યા છે પણ અક્ષરધામમાં સમીપે નથી કહ્યા.
૨ પ્ર અમને ભજતાં પ્રથમ માગ્યું હતું એમ કહ્યું તે પ્રથમ માગ્યું ક્યારે જાણવું ?
૨ ઉ પૂર્વજન્મને વિષે પણ માગે ને આ જન્મે પણ શ્રીજીમહારાજની સમીપે સેવામાં રહેવાનું માગે, માટે સમીપે રાખ્યા પહેલાં માગે તે પ્રથમ માગ્યું કહેવાય, પણ દુષ્ટ વાસના જે વર્તમાન બહાર સંકલ્પ થતા હોય તેથી શ્રીજીમહારાજની પ્રસન્નતા થાય નહિ ને ધ્યાન-ભજનનું સુખ આવે નહિ; માટે દુઃખિયા રહે.
૩ પ્ર (૨/૩ બીજા પ્રશ્નમાં) વર્તમાનમાં થોડીઘણી કાચપ હોય તોપણ સત્સંગમાં નભ્યા જાય છે એમ કહ્યું તે કાચપ કેટલી જાણવી ?
૩ ઉ શ્રીજીમહારાજને સર્વોપરી જેવા જાણ્યા જોઈએ તેવા જાણ્યા હોય પણ પંચવર્તમાન વિરુદ્ધ સંકલ્પ ટળી ગયા ન હોય તે કાચપ કહી છે, આનો ખુલાસો (મ. ૧૩ના અગિયારમા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૪ પ્ર (૨/૪ના બીજા પ્રશ્નમાં) જેમ દેહને વિષે આત્મબુદ્ધિ છે તેમ અમારા સ્વરૂપની દૃઢતા સાક્ષાત્કાર જ્ઞાને યુક્ત હોય એમ કહ્યું તે સાક્ષાત્કાર દૃઢતા કેવી રીતે જાણવી ?
૪ ઉ જેમ દેહમાં જીવ રહ્યો છે તે દેહને વિષે એકત્વભાવ છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિને વિષે એકત્વભાવ થાય, ને શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખ ભોગવે તે શ્રીજીમહારાજની મૂર્તિની સાક્ષાત્કાર દૃઢતા કહેવાય, પણ એવી સ્થિતિ ક્યારે થાય તો પોતાને દેહથી પૃથક્ માનીને શ્રીજીમહારાજને આકારે થઈને મૂર્તિને ધારે તે મૂર્તિને ધારતાં ધારતાં મૂર્તિનો સાક્ષાત્કાર થાય, ને તે ભેળી જગતની વિસ્મૃતિ થઈ જાય ને એક શ્રીજીમહારાજને જ દેખે પણ બીજું કાંઈ દેખે જ નહિ પણ જગતની વિસ્મૃતિ થયા વિના ને મૂર્તિનો સાક્ષાત્કાર થયા વિના પાધરી જ ઉપર કહી એવી જે અનાદિમુક્તની સ્થિતિ તે થાય જ નહીં.
૫ પ્ર દેહમાં જીવાત્મા રહ્યો છે તે દેહને જ પુરુષોત્તમનું સ્વરૂપ માને જે આ પુરુષોત્તમનું જ સ્વરૂપ છે, ને દેહ તો છે જ નહિ, એમ માનીને એ દેહમાં રહ્યો થકો ધ્યાન કરે તે અનાદિમુક્તના જેવી સ્થિતિ કહેવાય કે નહીં ?
૫ ઉ એવી રીતે માનવાથી માયાનો સંબંધ ટળતો નથી, ને દેહ તો માયિક છે તે પુરુષોત્તમરૂપ માનવાથી પુરુષોત્તમરૂપ થતો નથી, ને એમ માનવાથી એવી સ્થિતિ કોટિ કલ્પે પણ થાય નહિ, એમ માનનાર તો અસત્પુરુષ છે ને વેદાંતીથી પણ અતિ નીચ ને મલિન છે, કેમ જે વેદાંતી તો માયિક દેહનો નિષેધ કરીને સત્યરૂપ એવો જે આત્મા તેને બ્રહ્મ માને છે, ને આ તો અસત્ય ને મિથ્યા એવો જે દેહ તેને સત્ય માને છે, માટે વેદાંતીથી પણ અતિ પાપી ને દુષ્ટ છે. ને એ તો અસત્પુરુષની સમજણ છે એમ (લો. ૧૧ના પહેલા પ્રશ્નમાં) કહ્યું છે. ।।૩।। (૨૩૨)
વચનામૃત જેતલપુરનું - ૪
સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલને વિષે દક્ષિણાદા ગોખને વિષે ગાદી ઉપર તકિયાનું ઊઠીંગણ દઈને વિરાજમાન હતા ને મસ્તક ઉપર પુષ્પનો ખૂંપ તેણે યુક્ત શ્વેત પાઘ શોભતી હતી ને શ્વેત પુષ્પની પછેડી ઓઢી હતી ને કેસરે સહિત જે ચંદન તેણે કરીને સર્વ અંગ ચરચ્યાં હતાં, ને શ્વેત હીરકોરી ખેસ પહેર્યો હતો, ને કંઠને વિષે ગુલદાવદીના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ સર્વે સભા પ્રત્યે એમ બોલ્યા જે, (૧) જીવનું કલ્યાણ તો એટલા વડે જ છે, જે પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન ને તેની અખંડ સ્મૃતિ તેણે કરીને થાય છે, કાં જે ભાગવતમાં એમ કહ્યું છે જે, કંસ, શિશુપાળ, દંતવક્ર આદ્યે દઈને જે નિંદક તેને અખંડ ભગવાનની સ્મૃતિ રહી તેણે કરીને કલ્યાણ થયું છે, માટે ભગવાનની નિરંતર સ્મૃતિ એ જ ભક્તિ છે. (૧) ત્યારે તમે કહેશો જે ભગવાન તો મળ્યા છે, ને તેમની સ્મૃતિ પણ નિરંતર રહે છે તેને વર્તમાન પાળ્યાનું શું પ્રયોજન છે ? તો તેનું તો એમ છે જે એક તો વર્તમાન દૃઢ રાખે છે ને એક તો વર્તમાનમાં કસરવાળો છે, તે બેમાં ફેર કેટલો છે તે કહીએ જે સ્મૃતિ તો બેયને છે પણ નિયમ-ધર્મે રહિત છે તે પોતાનું કલ્યાણ કરે પણ બીજા જીવનું કલ્યાણ એથી થાય નહિ, ને એકાંતિક ભક્તિ પણ તે ન થાય, ને ભગવાનના નિર્ગુણ ધામને પણ ન પામે ને જન્મમરણ રહિત તો થાય, ને તેથી સત્સંગમાં પણ ન બેસાય. (૨) અને તમ જેવા સંત જે ધર્મ-નિયમે યુક્ત તેની તો વાત જ નોખી છે, તે કહીએ છીએ જે, તમને કોઈક ભાવે કરીને જમાડે તેને કોટિ યજ્ઞનું પુણ્ય થાય, ને અંતે મોક્ષને પામે છે, અને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરશે તેનાં કોટિ જન્મનાં પાપ નાશ પામશે ને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ પરમ કલ્યાણ થાશે, અને તમે જે જે નદી-તળાવને વિષે પગ બોળો છો તે તે સર્વે તીર્થરૂપ થાય છે, અને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે જે વૃક્ષનું ફળ જમ્યા હો તે તે સર્વેનું રૂડું જ થાય છે, અને તમારા કોઈક ભાવે કરીને દર્શન કરે છે ને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે છે તેના પાપનો ક્ષય થાય છે, ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે, ઇત્યાદિક જે ધર્મ-નિયમવાળા તમ જેવા સંત તેની સર્વે ક્રિયા કલ્યાણરૂપ છે, શા સારુ જે પ્રત્યક્ષ શ્રી નારાયણ ઋષિનો તમને દૃઢ આશરો છે, ને તે શ્રી નારાયણ ઋષિ તમારી સભામાં નિત્ય વિરાજે છે. (૩) અને વળી તમે કહેશો જે ભગવાનનો દૃઢ આશરો છે, ને માયિક ગુણ કેમ વ્યાપે છે ? તો તે કહીએ છીએ જે, ષડ્ઊર્મિએ રહિત ને માયિક ગુણે રહિત સર્વને કરવા તેમાં તો કાંઈ વાર નથી, અને અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે ને અનંત બ્રહ્માંડની ક્રિયાને જુએ એવા સર્વેને કરવા તેમાં તો કાંઈ વાર નહિ, પણ અમારી ઇચ્છાએ કરીને એમ તમને રાખ્યા છે ને તમારા સામર્થ્યને રૂંધી રાખ્યું છે, તે પ્રત્યક્ષ ભગવાનના સુખને અર્થે છે, ને બીજું શ્રી પુરુષોત્તમ તે જે તે આજ તમને સર્વને શ્રી નરનારાયણ ઋષિરૂપ થઈને મળ્યા છે. માટે નિઃસંશય થઈને આનંદમાં ભજન કરજો. (૪)
તે સમે આશજીભાઈએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! વૈરભાવે કરીને કલ્યાણ થાય છે તે કેમ થાય છે ? તે કહો. પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, દ્રુપદ રાજા હતો તેને દ્રૌપદી જે પોતાની પુત્રી તેને પરણાવવાં હતાં, તે સારુ સ્વયંવર રચ્યો હતો ત્યાં રાજામાત્રને તેડાવ્યા હતા, અને દ્રોણાચાર્ય પણ આવ્યા હતા, અને પાંડવ પણ આવ્યા હતા, પછી બીજા સર્વે રાજાએ મળીને મચ્છ વેંધવા માંડ્યો પણ કોઈથી મચ્છ ન વેંધાણો, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું જે, હું મચ્છ વેંધું, એમ કહીને યુધિષ્ઠિરે સુરત બાંધી ત્યારે દ્રોણાચાર્યે કહ્યું જે, આ સભા દેખાય છે ? ત્યારે કહ્યું જે દેખાય છે, અને વળી કહ્યું જે તમારું શરીર દેખાય છે ? ત્યારે કહ્યું જે દેખાય છે, પછી દ્રોણાચાર્યે કહ્યું જે, તમથી મચ્છ નહિ વેંધાય, એવી રીતે ચાર ભાઈ થકી મચ્છ ન વેંધાણો, ત્યાર પછી અર્જુને ઊઠીને ધનુષ્ય લઈને સુરત બાંધી ત્યારે દ્રોણાચાર્યે પૂછ્યું જે, આ સભાને દેખો છો ? ત્યારે અર્જુને કહ્યું જે સભા નથી દેખતો ને મચ્છ પણ નથી દેખતો અને મચ્છ ઉપર પક્ષી છે તેને દેખું છું. ત્યારે દ્રોણાચાર્યે કહ્યું જે, એના માથા સામી સુરત રાખો, ત્યારે અર્જુને સુરત બાંધીને કહ્યું જે પક્ષી નથી દેખતો, ને એકલું મસ્તક દેખું છું ત્યારે દ્રોણાચાર્યે કહ્યું જે હવે ઘા કરો ! ત્યારે અર્જુન મચ્છના મસ્તકને વેંધતા હવા. એવી રીતે જ્યારે વૃત્તિ એકાગ્ર થાય ત્યારે તે દ્વેષભાવ કલ્યાણકારી છે, જેમ શિશુપાળ તથા કંસ એ આદિકની શ્રીકૃષ્ણના સ્વરૂપને વિષે તદાકારવૃત્તિ થઈ ગઈ હતી, ત્યારે કલ્યાણ થયું એવી રીતનો દ્રોહ જો ન આવડે તો નારકી થાય, અને તે કરતાં ભક્તિ સુલભ છે. અને દ્રોહબુદ્ધિ રાખીને ભજે તેનું અસુર એવું નામ મટે જ નહિ, ને તે ભક્ત તો કહેવાય જ નહિ, માટે અસુરની રીત મેલીને જેને ધ્રુ-પ્રહ્લાદ, નારદ, સનકાદિકની પંક્તિમાં ભળવું હોય તેને તો ભક્તિએ કરીને ભગવાનને ભજવા તે અતિ શ્રેષ્ઠ છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૪।। (૨૩૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પ્રત્યક્ષ ભગવાન અમે તે અમારું દર્શન ને અમારી અખંડ સ્મૃતિ તેણે કરીને કલ્યાણ થાય છે, ને અમારી અખંડ સ્મૃતિ એ જ ભક્તિ છે. (૧) અને વર્તમાનમાં કસરવાળો અમારી અખંડ સ્મૃતિ રાખે તોપણ તેનાથી કોઈનું કલ્યાણ થાય નહિ, ને તે એકાંતિક ન થાય, ને અમારા ધામને ન પામે ને એનાથી સત્સંગમાં ન બેસાય. (૨) અને અમારી અખંડ સ્મૃતિએ યુક્ત ને યથાર્થ ધર્મ-નિયમવાળા તમ જેવા સંતનાં દર્શન, સ્પર્શ, સેવા, ઇત્યાદિક કરે તેનાં સર્વે પાપનો ક્ષય થાય છે, ને તમે જેને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે, ને તમ જેવા ધર્મ-નિયમવાળા સંતની સર્વે ક્રિયા કલ્યાણકારી છે, કેમ જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ ઋષિ જે અમે તે તમારી સભામાં નિત્ય વિરાજીએ છીએ ને અમારો તમારે આશરો છે. (૩) અને તમારું ઐશ્વર્ય અમારું યથાર્થ સુખ આપવા સારુ અમે રોકી રાખ્યું છે. (૪) બીજામાં દ્રોહબુદ્ધિએ ભજે તે અસુર છે, ને ભક્તિએ ભજે તે મુક્ત થાય છે. (૫) બાબતો છે.
૧ પ્ર (૧/૨ પહેલા પ્રશ્નમાં) નિયમ-ધર્મે રહિત કેવળ શ્રીજીમહારાજની અખંડ સ્મૃતિવાળાનું કલ્યાણ કહ્યું તે કેવું થાય ?
૧ ઉ એનો ઉત્તર એ બાબતમાં જ છે કે એકાંતિક ન થાય ને નિર્ગુણ ધામને એટલે અક્ષરધામને ન પામે ને સત્સંગમાં ન બેસાય પણ સર્વ અવતારોના અવતારી ને સર્વોપરી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની અખંડ સ્મૃતિ હોય તે સ્મૃતિના પ્રતાપથી શ્રીજીમહારાજ એને જન્મમરણથી રહિત કરે ને માયાથી પર ઈશ્વરકોટિમાં મૂકે પછી ત્યાંથી પસ્તાવો પામીને મોક્ષની ઇચ્છા કરે ત્યારે તેને જ્યાં શ્રીજીમહારાજનો ને મુક્તોનો યોગ હોય ત્યાં લાવીને નિર્વાસનિક કરીને આત્યંતિક મોક્ષ કરે એટલે અક્ષરધામમાં લઈ જાય એવું શ્રીજીમહારાજે આ ઠેકાણે પોતાની અખંડ સ્મૃતિના પ્રતાપનું બળ દેખાડ્યું છે.
૨ પ્ર (૧/૩ પહેલા પ્રશ્નમાં) ધર્મ-નિયમે યુક્ત સંતની વાત નોખી છે એમ કહ્યું તે કેવા સંત જાણવા ?
૨ ઉ સ્ત્રી-દ્રવ્યાદિક માયિક પદાર્થનો કોઈ દિવસ સંકલ્પ જ થાય નહિ, ને ત્રણે અવસ્થામાં પંચવિષયનો અતિશે અભાવ વર્તે ને શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજી કોઈ પ્રકારની વાસના ન હોય, ને આત્માને વિષે શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર હોય તેવા જાણવા.
૩ પ્ર (૧/૪ પહેલા પ્રશ્નમાં) અમે તમારા સુખને અર્થે તમારા સામર્થ્યને રૂંધી રાખ્યું છે એમ કહ્યું તે સામર્થ્ય આપવાથી શ્રીજીમહારાજના સુખમાં શી ન્યૂનતા રહેતી હશે ?
૩ ઉ ષડ્ઊર્મિએ ને માયિક ગુણે રહિત થાય તથા અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે, અને અનંત બ્રહ્માંડની ક્રિયાને દેખે એવું ઐશ્વર્ય આવે તેમાં લોભાઈ જાય, ને એ ઐશ્વર્યમાં વધુ લગની થાય, તો શ્રીજીમહારાજને ભૂલી જાય ને કલ્યાણને રસ્તેથી બીજે ઐશ્વર્યને રસ્તે ચડી જાય, તો શ્રીજીમહારાજનું સુખ ન આવે એટલા સારુ સામર્થી રોકી રાખે છે, અને જો સામર્થી રોકી ન રાખે તો તેમાં મોટપ માની બેસે ને મોટા મુક્તનું માહાત્મ્ય જાણીને તેમનો સમાગમ ને સેવા કરે નહિ, ને જીવનું બગડે તેથી નથી જણાવતા. ।।૪।। (૨૩૩)
વચનામૃત જેતલપુરનું - ૫
સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની દક્ષિણાદિ કોરે જગ્યાની માંહી ચોકને વિષે ઉત્તરાદે મુખારવિંદે પાટ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને મસ્તક ઉપર ઝીણપોતી શ્વેત પાઘ ધરી રહ્યા હતા ને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી ને શ્વેત ધોતિયું પહેર્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને રાત દોઢ પહોર વીતી હતી.
પછી શ્રીજીમહારાજ ઘડીક વિચારીને બોલ્યા જે, (૧) સર્વે સાંભળો, આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી છે જે, ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી, કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે, અને આ સમે તો આ સભાનું કર્યું પણ થાય છે, અને શ્રી નરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે તે લ્યો, કહીએ જે જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતને વિષે પ્રવર્તે છે અને જેમ ધારીએ છીએ તેમ થાય છે પણ ખરું, જે આને રાજ આવો તો તેને રાજ પણ આવે છે અને આનું રાજ્ય છે તે જાઓ તો તેનું જાય છે, અને ધારીએ જે આ પળે આટલો વરસાદ આંહીં થાઓ તો ત્યાં જરૂર થાય છે અને આંહીં ન થાઓ તો ત્યાં નથી થાતો, અને વળી ધારીએ જે આને ધન પ્રાપ્ત થાઓ તો તેને થાય છે ને આને ન થાઓ તો તેને થાતું નથી, અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે અને ધારીએ જે આને દીકરો ન આવો તો તેને આવતો જ નથી, અને આને રોગ થાઓ તો તેને રોગ પણ થાય છે અને આને રોગ ન થાઓ તો તેને રોગ નથી થાતો, એવી રીતે અમે ધારીએ છીએ તેમ થાય છે ખરું. ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ-દુઃખ થાય છે અને રોગાદિક પ્રાપ્ત થાય છે ને કાંઈક ધન-સમૃદ્ધિની હાનિ થાય છે અને મહેનત કરીને મરી જાય છે તોય પણ એ દરિદ્રી જેવો કેમ રહે છે ? તો એનું તો એમ છે જે એને ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી જ એને સર્વ ક્રિયાને વિષે બરકત થાતી નથી. અને ભગવાનને તો એનું સારું જ કરવું છે જે શૂળીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું કાંટે કરીને ટાળતા હશે. અને અમે તો એમ જાણીએ છીએ જે સત્સંગીને તો એક વીંછીની પીડા થાતી હોય તો અમને હજાર ગણી થાઓ, પણ તે પીડાથી તે હરિભક્ત રહિત થાઓ અને સુખિયા રહો, એમ અમે રામાનંદ સ્વામી આગળ બોલ્યા હતા, માટે અમારી તો નજર એવી છે જે સર્વેનું સારું થાઓ. અને ભગવાનને વિષે જીવના મનની વૃત્તિને રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ તે શા સારુ જે અમે તો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણ કાળને વિષે સર્વે ક્રિયાને જાણીએ છીએ અને આંહીં બેઠાં છતાં પણ સર્વેને જાણીએ છીએ અને માતાના ઉદરને વિષે હતા તે દિવસે પણ જાણતા હતા અને ઉદરને વિષે નહોતા આવ્યા તે દિવસે પણ જાણતા હતા, કેમ જે અમે તો ભગવાન જે શ્રી નરનારાયણ ઋષિ તે છીએ, અને મહાપાપવાળો જીવ હશે તે અમારે આશરે આવશે ને ધર્મ-નિયમમાં રહેશે તેને અમે અંતકાળે દર્શન દેઈને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ. અને હવે તે અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ જે તે પ્રથમ ધર્મદેવ થકી જે મૂર્તિ નામે દેવી, જેને ભક્તિ કહીએ તેને વિષે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદરિકાશ્રમને વિષે તપને કરતા હવા. અને તે શ્રી નરનારાયણ ઋષિ આ કળિયુગને વિષે પાખંડી મત તેનું ખંડન કરવા અને અધર્મના વંશનો નાશ કરવા અને ધર્મના વંશને પુષ્ટ કરવા ને ધર્મ, જ્ઞાન,વૈરાગ્ય તેણે સહિત જે ભક્તિ તેને પૃથ્વીને વિષે વિસ્તારવા સારુ શ્રી ધર્મદેવ થકી ભક્તિને વિષે નારાયણ મુનિ રૂપે પ્રગટ થઈને આ સભાને વિષે વિરાજે છે તે જાણજ્યો. એમ કહીને પોતાના જનને અતિ મગ્ન કરતા હવા. અને વળી બોલ્યા જે, અમે વારે વારે શ્રી નરનારાયણ દેવનું મુખ્યપણું લાવીએ છીએ તેનું તો એ જ હારદ છે, જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી શ્રી નરનારાયણ તે જ આ સભામાં નિત્ય વિરાજે છે તે સારુ મુખ્યપણું લાવીએ છીએ. અને તે સારુ અમે અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને શિખરબદ્ધ મંદિર શ્રી અમદાવાદમાં પ્રથમ કરાવીને શ્રી નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે. અને એ શ્રી નરનારાયણ તો અનંત બ્રહ્માંડના રાજા છે અને તેમાં પણ આ જે ભરતખંડ તેના તો વિશેષે રાજા છે. અને એ જે શ્રી નરનારાયણ તેને મેલીને આ ભરતખંડનાં મનુષ્ય બીજા દેવને ભજે છે, તે તો જેમ વ્યભિચારિણી સ્ત્રીઓ હોય તે પોતાના ધણીને મેલીને બીજા જારને ભજે તેમ છે. અને શ્રી નરનારાયણ ભરતખંડના રાજા છે તે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે. અને અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ, તે માટે તમે અમારું જો વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વેને તેડી જાશું, અને તમે પણ એમ જાણજ્યો જે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને વળી અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઈક આવી પડશે તેથી અથવા સાતદકાળી જેવું પડશે તે થકી રક્ષા કરશું. અને કોઈએ ઊગર્યાનો આરો નથી એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું, જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગ રાખશો તો. અને નહિ રાખો તો મહા દુઃખ પામશો તેમાં અમારે લેણા-દેણા નથી. (૧) ને અમે તો આ સમે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. ને જુઓને ! આ જેતલપુર ગામમાં અમે કેટલાય યજ્ઞ કર્યા, અને કેટલાંક વર્ષ થયાં આંહીં રહીએ છીએ. અને જુઓને ! આ તલાવને વિષે અમે સર્વે સંતે સહિત હજારો વાર નાહ્યા છીએ, અને આ જેતલપુર ગામમાં અમે ઘેર ઘેર સો સો વાર ફર્યા છીએ, અને ઘેર ઘેર ભોજન કર્યાં છે, ને આ ગામની સીમ ને ગામ તે વૃંદાવન કરતાં પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે. (૨) એમ વાત મહારાજ કરે છે એટલાકમાં તો આકાશમાં એક મોટો તેજનો ગોળો દેખાણો, અને તે એક ગોળાના ત્રણ ગોળા થઈ ગયા, ને મહોલ ઉપર ઘડીક આકાશમાં દેખાઈને અદૃશ્ય થઈ ગયા. ત્યારે સૌએ કહ્યું જે, હે મહારાજ ! એ શું હતું ? ત્યારે મહારાજે કહ્યું જે, બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણે દેવ નિત્ય આ સંતની સભાનાં ને અમારાં દર્શન કરવા આવે છે, પણ આજ તો વિમાને સોતા હરિઇચ્છાએ કરીને દેખાણા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૨૩૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, સર્વ સાધન કરવાથી અમને ભજવા એ મોટી વાત છે. ને અમારું જ કર્યું સર્વે થાય છે ને અમારે પ્રતાપે કરીને આ સભાનું કર્યું પણ થાય છે અને અમને ભજ્યામાં કસર રહે તેટલી બરકત થતી નથી અને અમે તો અમારા સત્સંગીને સર્વ પીડાથી રહિત કરીએ છીએ અને આંહીં બેઠા થકા સર્વેને જાણીએ છીએ અને અમે ભગવાન છીએ અને મહાપાપી જીવ અમારે આશરે આવીને ધર્મ-નિયમમાં રહે તેને અમારું અક્ષરધામ પમાડીએ છીએ. અને અમે પાખંડી મતનું ખંડન કરવા, ને અધર્મના વંશનો નાશ કરવા ને ધર્મના વંશને પુષ્ટ કરવા ને ધર્માદિક અંગે સહિત ભક્તિને પૃથ્વીને વિષે વિસ્તારવા, ધર્મભક્તિ થકી પ્રગટ થઈને આ સભાને વિષે વિરાજીએ છીએ અને અમને મેલીને બીજા દેવને ભજે તે જારને ભજે તેમ છે. અને અમે આ અમારા સંત સહિત જીવોના કલ્યાણ કરવાને અર્થે પ્રગટ થયા છીએ તે અમારા વચનમાં રહેશો તો અમારા ધામમાં તેડી જાશું અને તમે પણ તમારું કલ્યાણ થયું છે એમ જાણજો. અને અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને અમે કહીએ તેમ કરશો તો ઊગર્યાનો આરો નહિ હોય એવા કષ્ટમાં પણ રક્ષા કરશું. ને સત્સંગ નહિ રાખો ને નિયમ નહિ પાળો તો અમારે-તમારે લેવા-દેવા નથી. (૧) અને આ જેતલપુર ગામ તથા સરોવર તથા સીમ જેવું રમણ સ્થળ કર્યું છે તેવું કોઈ કર્યું નથી. (૨) અને આ દેવો નિત્યે અમારાં ને આ સભાનાં દર્શન કરવા આવે છે, એવી રીતે સભાની પ્રશંસા કરી છે. (૩) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં અમે કરીએ તે થાય છે અને (પ્ર. ૮માં ૨/૪ બીજા પ્રશ્નમાં) અમને દીકરો આપતાં કે મૂઆને જીવતો કરતાં નથી આવડતું એમ કહ્યું તે કઈ રીતે સમજવું ?
૧ ઉ કોઈને દીકરો આપવો કે મૂઆને જીવતો કરવો એ અમને ને અમારા મુક્તને પ્રિય નથી એમ કહ્યું છે, પણ એ કામ ન કરી શકીએ એમ નથી કહ્યું.
૨ પ્ર અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ તે પ્રથમ ધર્મદેવ થકી ભક્તિને વિષે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદરિકાશ્રમને વિષે તપ કરતા હવા તે જ નરનારાયણ ધર્મદેવ થકી ભક્તિને વિષે પ્રગટ થઈને આ સભાને વિષે બિરાજે છે એમ શ્રીજીમહારાજે કહ્યું અને (છે. ૨માં) શ્વેતદ્વીપ, ગોલોક, વૈકુંઠ, બદરિકાશ્રમની સભાથી આ સત્સંગીની સભા અધિક છે એમ સમ ખાઈને પોતે કહ્યું છે, માટે એમ જોતાં તો બદરિકાશ્રમને વિષે નરનારાયણ રહ્યા છે તેથી શ્રીજીમહારાજ અતિશે મોટા થયા અને જો બદરિકાશ્રમમાં નરનારાયણ છે તે જ શ્રીજીમહારાજ હોય તો તો આ સભા ને બદરિકાશ્રમની સભા તે સરખી હોવી જોઈએ માટે તે કેવી રીતે સમજવું?
૨ ઉ બદરિકાશ્રમને વિષે નરનારાયણ રહ્યા છે તે નરનારાયણને વિષે શ્રીજીમહારાજ અંતર્યામી રૂપે રહ્યા છે માટે નરનારાયણ રૂપે રહ્યા છે એમ કહેવાય. માટે અક્ષરધામના પતિ જે શ્રીજીમહારાજ તે નરનારાયણ રૂપે એટલે નરનારાયણ દ્વારે બદરિકાશ્રમમાં રહ્યા છે પણ જેમ અક્ષરધામમાં પોતે સ્વયં વિરાજમાન છે તેમ નથી રહ્યા, માટે નરનારાયણથી જુદા છે ને પર છે ને કારણ છે. અને નરનારાયણ ઋષિ ધર્મભક્તિ થકી પ્રગટ થઈને આ સભામાં વિરાજે છે એમ કહ્યું તે તો નરનારાયણના શાપ નિમિત્તે પોતે પધાર્યા તેથી કહ્યું છે. અને અમે અમારું રૂપ જાણીને શ્રી નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે મતવાદીઓને પોતે સંકલ્પે કરીને એ રૂપે દેખાયા હતા તે રૂપ પધરાવ્યાં છે એમ જાણવું અને નરનારાયણને ભજવાનું કહ્યું છે તે પણ પોતાને જ ભજવાનું કહ્યું છે.
૩ પ્ર બીજી બાબતમાં આ જેતલપુર ગામની સીમ ને ગામ તે વૃંદાવન કરતાં પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે એમ કહ્યું તે વૃંદાવનમાં તો શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા હતા તે વૃંદાવનથી તો જેતલપુર વિશેષ હોય જ માટે વૃંદાવનથી વિશેષ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૩ ઉ જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગોકુળ, મથુરા આદિકથી વૃંદાવનને વિષે અધિક લીલા કરી હતી તેમ શ્રીજીમહારાજે સર્વ ધામ થકી જેતલપુર ધામમાં વિશેષ લીલા કરી છે ને વિશેષ રહ્યા છે ને મોટા મોટા યજ્ઞ કર્યા છે, માટે સર્વ ધામથી વિશેષ કહ્યું છે. ।।૫।। (૨૩૪)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં જેતલપુર પ્રકરણં સમાપ્તમ્
અથ વચનામૃત ગઢડા છેલ્લું પ્રકરણમ્
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧
સંવત ૧૮૮૨ના વૈશાખ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના ફળિયાની માંહેલી કોરે આથમણે બાર ઓરડાની ઊંચી ઓસરીએ ગાદી-તકિયે યુક્ત જે સુંદર રંગત ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને મસ્તકને વિષે જે મોટી શ્વેત પાઘ તેમાં સુંદર મોગરાનાં પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને કંઠને વિષે મોગરાનાં પુષ્પનો હાર વિરાજમાન હતો ને બે હાથને વિષે તે પુષ્પના ગજરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પરમહંસને પૂછ્યું જે, (૧) પરમેશ્વરના ભક્તને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન થાય નહિ એવી શી સમજણ છે ? પછી પરમહંસને જેવું સમજાણું તેવું કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાનને ભજે તેને એક તો દૃઢ વૈરાગ્ય જોઈએ ને બીજી આત્મનિષ્ઠા જોઈએ. તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ-દુઃખ આવે ત્યારે એ ભક્તની વૃત્તિ ચૂંથાઈ જાય, પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે. એવી રીતે એની ભ્રષ્ટ બુદ્ધિ થઈ જાય, માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બેય અતિશે દૃઢ જોઈએ. તે શા સારુ જે વૈરાગ્યે કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકારમાત્ર ખોટા થઈ જાય છે, અને આત્મનિષ્ઠાએ કરીને માયિક જે સુખ ને દુઃખ તે ખોટાં થઈ જાય છે. અને જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તોપણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખ-શાંતિ રહે, અને જ્યારે સમાધિમાંથી બહાર નીસરે ત્યારે નારાયણદાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂંથવા માંડે, (૧) અને વળી જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિષે જ્ઞાનનું અંગ હોય ને કાં તો હેતનું અંગ હોય. તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશે માહાત્મ્ય સમજે. અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી પણ ચાલે નહીં. તે જ્ઞાનના અંગવાળા તો ઝીણોભાઈ, દેવરામ ને પ્રભાશંકર એ છે. એવી રીતે જે હરિભક્ત ભગવાનનું માહાત્મ્ય જાણે તેને જ્ઞાનના અંગવાળા જાણવા. અને જેવું વ્રજની ગોપીઓને ભગવાનને વિષે હેત હતું તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેતનું અંગ જાણવું. અને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે, ને એમ જાણે જે ભગવાન તે કોઈનું કહ્યું સાંભળે જ નહિ, ને ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય તેને તેવું જાણીને તેવી રીતે કહે છે, પણ કોઈની શિખામણે કરીને ચાલતા નથી. અને જે એમ જાણે જે ભગવાન તો કોઈકના શીખવ્યા થકા હુંમાં વાંક નથી તોય પણ મુને કહે છે તેને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી. અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંગાથે સ્વાર્થ હોય તેનો તે કોઈ રીતે અવગુણ લે નહિ, શા માટે જે એને પોતાના સ્વાર્થનું હેત છે તો જેણે ભગવાન સાથે જન્મમરણના ભય થકી છૂટવાનો સ્વાર્થ જાણ્યો હોય, તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહીં. અને જે એમ જાણે જે ભગવાન તો કોઈકના ફેરવ્યા ફરી જાય છે, એમ સમજીને જે ભગવાનનો અવગુણ લે તેને તો જ્ઞાનનું અંગ પણ નથી અને હેતનું અંગ પણ નથી. એવી રીતે કહીને શ્રીજીમહારાજે મોટા મોટા પરમહંસને કહ્યું જે, તમે તમારું એ બેમાંથી જે અંગ હોય તે કહો. પછી સર્વે પરમહંસે કહ્યું જે, અમારે તો જ્ઞાનનું અંગ છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને હેતનું અંગ હોય તેને તો પોતાના જે પ્રીતમ તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય, કેમ જે આ સંસારને વિષે જે ચોર હોય તેને પોતપોતાની સ્ત્રી ને છોકરાં તેને વિષે હેત હોય છે. તે જ્યારે ચોરી કરવા જાય ત્યારે બીજા માણસને મારીને પોતાના ઘરના માણસને દ્રવ્ય આપે છે. ને એ ચોર ઘણો નિર્દય છે, પણ પોતાના કુટુંબી ઉપર હેત છે તો તે સંગાથે નિર્દય નથી થાતો. તેમ જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષ્યા આવે જ નહિ અને અવગુણ પણ કોઈ રીતે આવે જ નહીં. એવું જેને હોય તેને હેતનું અંગ કહીએ. અને જેને જ્ઞાન કે હેત એ બેમાંથી એકેય અંગ નથી તેને ચાળાચૂંથણો કહીએ. (૨) એટલી વાર્તા કહીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. પછી તે જ દિવસ સાંજને સમે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા બિછાવેલ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાનાં પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સાધુ દુકડ-સરોદા બજાવીને કીર્તન ગાતા હતા.
૨ તે કીર્તન-ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીજીમહારાજે એમ આજ્ઞા કરી જે, (૨) અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી, સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ બાઈ-ભાઈ, સર્વે તેને નિત્ય કરવો. અને જેને ભણતાં ન આવડતું હોય તેને નિત્યે શ્રવણ કરવું. અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્યે શિક્ષાપત્રીની પૂજા કરવી, એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે, માટે એ ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે. એવી રીતની જે શ્રીજીમહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ એ સર્વેએ ધાર્યો જે, હે મહારાજ ! જેમ તમે કહો છો તેમ અમે સર્વ પાળીશું. તેને સાંભળીને શ્રીજીમહારાજ અતિશે પ્રસન્ન થઈને સર્વે સાધુને ને સર્વે બ્રહ્મચારીને મળતા હવા અને સર્વે સત્સંગીના હૃદયને વિષે પોતાનાં ચરણારવિંદ આપતા હવા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૨૩૫)
રહસ્યાર્થ પ્રદી - આમાં પ્રશ્ન (૨) છે. બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વૈરાગ્ય ન હોય તો બીજા મનગમતા પદાર્થમાં અમારા જેવી પ્રીતિ થઈ જાય, ને આત્મનિષ્ઠા ન હોય તો દૈહિક સુખ-દુઃખમાં વૃત્તિ ચૂંથાઈ જાય. અને વૈરાગ્યે કરીને અમારી મૂર્તિ વિના બીજા માયિક આકાર ખોટા થઈ જાય છે. અને આત્મનિષ્ઠાએ કરીને માયિક સુખ-દુઃખ ખોટાં થઈ જાય છે. અને આત્મનિષ્ઠા ન હોય તો સમાધિમાંથી બહાર આવે ત્યારે ચાળા ચૂંથવા માંડે. (૧) અને જ્ઞાનના અંગવાળાને અમારું અતિશે માહાત્મ્ય સમજાય ને અમને અંતર્યામી જાણે ને હેતના અંગવાળાથી અમારા વિના રહેવાય નહિ ને અમારે અર્થે ન કરવાનું પણ કરે ને એ બેમાંથી એકેય અંગ ન હોય તે ચાળાચૂંથણો છે. (૨) અને બીજામાં શિક્ષાપત્રી વાંચવી ને વાંચતાં ન આવડે તેણે સાંભળવી અને સંભળાવનાર ન હોય તો પૂજા કરવી. તેમાંથી ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ કહ્યું છે. (૩) બાબતો છે. ।।૧।। (૨૩૫)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨
સંવત ૧૮૮૨ના જ્યેષ્ઠ સુદિ ૬ છઠને દિવસ સાંજને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરના ફળિયાને વિષે બાજોઠ ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાઘ બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પાઘને વિષે મોગરાનાં પુષ્પનો તોરો ખોસ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે, તેને પણ દેખે છે તોપણ આ જીવને જગતનું પ્રધાનપણું હૈયામાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તોપણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થાતો નથી, અને ધન, સ્ત્રીઆદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી તેનું શું કારણ હશે ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થાતી નથી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થાતાં વાંત જેવું અંગ બંધાઈ જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થાતું નથી અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય પણ અંગ તો તેનું તે જ રહે છે અને જ્યારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતાં વાંત એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય, ને જેમ ક્રોધી હોયે તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય, ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતાં વાંત વિભ્રાંત થઈ જાય છે, પછી તે વિભ્રાંતિમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ, તે જ્યારે કામ-ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થાતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય. જેમ કોઈક ગૃહસ્થ હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિ રૂપવાન હોય તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાઝ થાય ? તેવી દાઝ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ. અને જ્યારે એવી દાઝ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનનું ફળરૂપ તો આ સત્સંગ છે, તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે, અષ્ટાંગ યોગ તથા સાંખ્યવિચાર, તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યજ્ઞ ને વ્રતાદિકે કરીને હું તેવો વશ થાતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું, માટે અમને તો એમ ભાસે છે જે, પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે. અને આજ પણ જેને જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, તોપણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશે મંદબુદ્ધિવાળો જાણવો. (૧) શા માટે જે જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક-વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વ હરિભક્તને અતિશે પ્રકાશે યુક્ત દેખું છું, એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંતસભાના સમ છે. તે સમ શા સારુ ખાવા પડે છે જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારુ સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દૃઢપણે પ્રતીતિ થાતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે, જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે, અને જ્યારે આવો સંત-સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, માટે જેને પરમપદ કહીએ; મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાડી જેવી પણ એ તો અતિશે ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય જે એ વાર્તા અતિ ઝીણી છે ને બીજાને તો સમજ્યામાં પણ આવે નહિ એવી અતિશે ઝીણી વાર્તા છે, એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૨૩૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સત્સંગ થાતાં જેવું અંગ બંધાય છે તે અંગ સદા રહે છે અને અયોગ્ય પદાર્થના સંકલ્પે કરીને દાઝ ન થાય તેને સત્સંગ પ્રધાન રહે નહિ અને સત્પુરુષને યોગે કરીને સંસ્કાર થાય છે, માટે સત્પુરુષને યોગે પણ જેમ છે તેમ ન સમજે તે અતિશે મંદ બુદ્ધિવાળો છે. (૧) અને સર્વે ધામોની સભાથી આ સત્સંગીની સભા અધિક છે ને આ સત્સંગ બ્રહ્માદિકને પણ દુર્લભ છે, ને જેવી પરોક્ષ એટલે અક્ષરધામમાં અમે દિવ્ય સ્વરૂપે વિરાજમાન છીએ તેમાં પ્રતીતિ એટલે દિવ્યભાવનો દૃઢ વિશ્વાસ છે તેવો જ આ પ્રત્યક્ષ મનુષ્ય રૂપે દેખાતા જે અમે તેમાં દિવ્યભાવ નથી આવતો, ને આ મૂર્તિ ને અક્ષરધામમાં મૂર્તિ તે એક જ છે એમ સમજાતું નથી, એ જ અમારા વિના બીજે હેત રહેવાનું કારણ છે, અને જો પરોક્ષના જેવી જ પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તો છતે દેહે જ મોક્ષને પામી રહ્યો છે. (૨) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં સત્સંગ થાતાં જેવું અંગ બંધાય છે તેવું સદાય રહે છે એમ કહ્યું તે સત્સંગનો અર્થ શો હશે ?
૧ ઉ સત્રૂપ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા તેમની મૂર્તિના સુખભોક્તા ને તેમની આજ્ઞામાં વર્તનારા એવા સત્પુરુષ તથા શ્રીજીમહારાજે વર્ણન કરેલો એવો તેમનો ધર્મ, તથા એ ત્રણેનું જેમાં વર્ણન છે એવાં વચનામૃત તથા સત્સંગિજીવન આદિક શાસ્ત્ર, એ ચારનો સંગ તેનું નામ સત્સંગ કહેવાય.
૨ પ્ર પહેલી બાબતમાં અંગ બંધાતાં ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે એમ કહ્યું તે વિભ્રાંત કેવી રીતે થતું હશે ?
૨ ઉ જ્યારે સંતનો સમાગમ કરે ત્યારે કોઈક પાસેથી જ્ઞાનની વાત સાંભળે, ને કોઈક પાસેથી વૈરાગ્યની વાત સાંભળે, ને કોઈક પાસેથી ધર્મની ને કોઈક પાસેથી ભક્તિની, એમ નોખી નોખી વાતો સાંભળે ત્યારે સંશય થાય જે કોની વાત સાચી હશે ? અને કિયું અંગ બાંધીએ તો મોક્ષ થાય ? એમ ભ્રાંતિ રહ્યા કરે પછી તેમાંથી જે અંગની દૃઢતા થાય તે અંગ બંધાય માટે અંગ બંધાયા પહેલાં સંશયવત્ થાય તે વિભ્રાંતિ જાણવી.
૩ પ્ર કામ-ક્રોધાદિકે કરીને વિક્ષેપ થાય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય એમ કહ્યું તે અંગ કિયું જાણવું ?
૩ ઉ જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ આદિક અંગ છે તેમાંનું જે અંગ પોતાને હોય તે અંગનો વિચાર કરે તો કામાદિક જિતાય એમ કહ્યું છે.
૪ પ્ર જ્ઞાન-વૈરાગ્યાદિક અંગનો વિચાર કેવી રીતે કરવો ?
૪ ઉ જ્ઞાનના અંગવાળાને કામ, ક્રોધ, લોભાદિકનો સંકલ્પ થાય ત્યારે એમ વિચાર કરે જે સર્વ સુખમય મૂર્તિ ને સર્વોપરી એવા શ્રીજીમહારાજને મૂકીને અતિ તુચ્છ, નાશવંત ને દુઃખરૂપ માયિક પદાર્થમાં જો હું પ્રવર્તીશ તો શ્રીજીમહારાજ કુરાજી થશે ને મોક્ષમાં વિઘ્ન પડશે ને મારે માથે જન્મમરણ રહેશે ને મહાદુઃખિયો થઈશ, એમ પશ્ચાત્તાપ કરીને સંકલ્પને ટાળી નાખે અને વૈરાગ્યના અંગવાળાને કામ, ક્રોધ, લોભાદિકનો સંકલ્પ થાય ત્યારે તે નાશવંત ને તુચ્છ પદાર્થમાં પ્રીતિ કરવા જેવું નથી એમ વિચારીને સંકલ્પને ટાળી નાખે. અને ધર્મવાળાને શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય ત્યારે એમ વિચારે જે આ સંકલ્પ પ્રમાણે હું પ્રવર્તીશ તો જન્મ, મરણ ને ગર્ભવાસ ને યમયાતનાનાં દુઃખ ભોગવવાં પડશે એમ વિચારીને આજ્ઞા વિરુદ્ધ સંકલ્પને ટાળી નાખે. અને ભક્તિ તેટલે પ્રીતિના અંગવાળાને શ્રીજીમહારાજ વિના બીજો સંકલ્પ થાય તો તેને વસમું લાગે જે આવા મોટા ભગવાનને મૂકીને મને આવો તુચ્છ ઘાટ થાય તે ઠીક નહિ એમ વિચારે તો કામાદિકના ઘાટ ટળી જાય.
૫ પ્ર સર્વે સાધનનું ફળરૂપ આ સત્સંગ કહ્યો તે ફળરૂપ કેવી રીતે સમજવો ?
૫ ઉ સમગ્ર સાધન તથા ભક્તિનું ફળ જેવું આ સત્સંગમાં મળે છે તેવું બીજા કોઈ સંગથી મળતું નથી એવો શ્રીજીમહારાજનો ને એમના અનાદિ તથા પરમ એકાંતિકમુક્તનો સંગ મળ્યો છે તે આત્યંતિક કલ્યાણરૂપી ફળ આપે છે તેવું બીજાથી મળતું નથી એમ કહ્યું છે.
૬ પ્ર બીજી બાબતમાં શ્વેતદ્વીપ, ગોલોક, વૈકુંઠ તથા બદરિકાશ્રમની સભાઓથી આ સત્સંગીની સભાને અધિક કહી, અને વળી પછીથી બ્રહ્માદિકને પણ આ સત્સંગ દુર્લભ છે એમ કહ્યું તે બ્રહ્માથી તો વૈકુંઠની સભા અધિક છે ને તેથી ગોલોકની અધિક છે ને તેથી બદરિકાશ્રમની અધિક છે ને તેથી શ્વેતદ્વીપની અધિક છે તે સર્વેને આ સત્સંગ દુર્લભ છે તો બ્રહ્માને તો દુર્લભ હોય જ, માટે બ્રહ્માદિકને દુર્લભ કહેવાની તો કાંઈ જરૂર રહી નહિ, માટે તેને દુર્લભ છે એમ કહેવાનો શો હેતુ હશે ?
૬ ઉ આ ઠેકાણે મૂળઅક્ષરને બ્રહ્મા નામે કહ્યા છે તે મૂળઅક્ષરને પણ આ સત્સંગ દુર્લભ છે તો તેના મુક્તને તથા શ્વેતદ્વીપપતિ વાસુદેવાદિકને તથા તેમના મુક્તોને દુર્લભ હોય તેમાં શું કહેવું ? એમ કહ્યું છે.
૭ પ્ર જેવી પરોક્ષ દેવને વિષે પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તે સર્વે અર્થ પ્રાપ્ત થાય છે, એમ કહ્યું તે પરોક્ષ દેવ કિયા સમજવા ને પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ કિયા સમજવા ?
૭ ઉ શ્રીજીમહારાજ અક્ષરધામમાં રહ્યા છે તે પરોક્ષ જાણવા અને આંહીં દર્શન આપે છે તે પ્રત્યક્ષ જાણવા ને શ્રીજીમહારાજ પોતે ત્યાગી-ગૃહીના ગુરુપણે વર્ત્યા તેથી એમ કહ્યું જે અમે તમારા ગુરુ રૂપે છીએ, પણ અમે પોતે હરિ એટલે ભગવાન છીએ, માટે અમને પ્રત્યક્ષ ભગવાન જાણીને અમારે વિષે પ્રતીતિ લાવો એમ કહ્યું છે એમ ગુરુરૂપ હરિ કહ્યા છે, પણ સત્પુરુષ જે ગુરુ તેમને હરિ એટલે ભગવાન જાણવા એમ નથી કહ્યું.
૮ પ્ર આ વાર્તા જાડી જેવી જણાય છે, પણ અતિશે ઝીણી છે એમ કહ્યું તે કેવી રીતે સમજે તો જાડી કહેવાય ને કેવી રીતે સમજે તો ઝીણી કહેવાય ?
૮ ઉ જેવી પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તો સર્વ અર્થ પ્રાપ્ત થાય એમ કહ્યું તે પરોક્ષ અવતાર થઈ ગયા એવા શ્રીજીમહારાજને સમજે તે જાડી વાત કહેવાય અને અક્ષરધામમાં શ્રીજીમહારાજ દિવ્ય તેજોમય મૂર્તિ વિરાજે છે તે પરોક્ષ છે તેવા ને તેવા જ આંહીં મનુષ્ય રૂપે અથવા પ્રતિમા રૂપે દર્શન આપે છે તે પ્રત્યક્ષ છે એમ સમજે તો ઝીણી વાત કહેવાય.
૯ પ્ર જ્યારે શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા ત્યારે તો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ હતા, પણ આજ પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ કોને જાણવા ?
૯ ઉ જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્ય રૂપે છે અને તે જ મૂર્તિ પ્રતિમા છે, પણ પ્રતિમા તથા મનુષ્યરૂપ મૂર્તિ તથા અક્ષરધામમાં મૂર્તિ તે જુદી નથી; એક જ છે. માટે પ્રતિમા રૂપે દર્શન આપે છે તે જ પ્રત્યક્ષ હરિ છે. અને જે મુક્ત હોય તેમને ગુરુ જાણવા, પણ હરિ એટલે ભગવાન જાણવા નહીં. ।।૨।। (૨૩૬)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩
સંવત ૧૮૮૩ના અષાઢ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા ને તે દિવસ ઠક્કર હરજીએ પોતાને ઘેર શ્રીજીમહારાજની પધરામણી કરી ત્યારે શ્રીજીમહારાજ ત્યાં પધાર્યા પછી ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા બિછાવીને શ્રીજીમહારાજને વિરાજમાન કર્યા, પછી હરજી ઠક્કરે શ્રીજીમહારાજની કેસર-ચંદને કરીને પૂજા કરી એવી રીતે શ્રીજીમહારાજ પૂર્વ મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર તથા બે ભુજાને વિષે તે પુષ્પના ગજરા તથા પાઘને વિષે તે પુષ્પના તોરા તે અતિશે વિરાજમાન હતા અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમયમાં શ્રીજીમહારાજે સર્વે સંતમંડળને પ્રશ્ન પૂછ્યો જે, (૧) જે હરિભક્તના હૃદયને વિષે દયા ને સ્નેહ એ બે સ્વભાવિક રહ્યાં હોય ત્યારે સ્નેહનું સ્વરૂપ તો મધ જેવું છે તે જ્યાંત્યાં ચોંટે, અને દયાનો સ્વભાવ એવો છે જે જ્યાંત્યાં દયા કરે, ત્યારે ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટ જન્મ લેવો પડ્યો, અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંગાથે સ્નેહ થયા વિના રહે નહિ અને એ દયા ને સ્નેહ તેને ટાળ્યાનો ઉપાય તો આત્મજ્ઞાન ને વૈરાગ્ય એ બે જ છે. તે આત્મજ્ઞાન એવું છે જે જેમાં કોઈ બીજું પેસે જ નહિ અને વૈરાગ્યનું એવું સ્વરૂપ છે જે સર્વે નામરૂપને નાશવંત દેખાડે, માટે આત્મજ્ઞાન ને વૈરાગ્ય એ બે વતે કરીને દયા ને સ્નેહનો નાશ થઈ જાય છે, અને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ આદિક સર્વે ઉપાધિનો પણ નાશ થઈ જાય છે અને કેવળ બ્રહ્મ સત્તામાત્ર રહે છે. પછી એને ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ રહે છે કે નથી રહેતાં ? એ પ્રશ્ન છે પછી મુક્તાનંદ સ્વામી, તથા શુકમુનિ તથા નિત્યાનંદ સ્વામી એ આદિક પરમહંસે જેવી જેની દૃષ્ટિ પૂગી તેણે તેવો ઉત્તર કર્યો. પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો અમે ઉત્તર કરીએ, એનો ઉત્તર એમ છે જે, જ્ઞાન ને વૈરાગ્યે કરીને ત્રણ શરીર ને ત્રણ અવસ્થા ને ત્રણ ગુણ એ સર્વ માયિક ઉપાધિ થકી ચૈતન્ય જુદો થઈ જાય છે, ને કેવળ સત્તામાત્ર રહે છે, પણ માયિક ઉપાધિનો લેશ પણ રહેતો નથી, ત્યારે જેમ દીપકનો અગ્નિ તે કોડિયું, તેલ ને વાટ એ ત્રણને યોગે કરીને દૃષ્ટિમાં આવે તથા ગ્રહણ કર્યામાં આવે, પણ જ્યારે એ ત્રણે પ્રકારની ઉપાધિનો સંગ છૂટી જાય છે ત્યારે એ અગ્નિ કોઈની દૃષ્ટિમાં પણ ન આવે ને ગ્રહણ પણ ન થાય, ને ઉપાધિએ યુક્ત હોય ત્યારે જ દૃષ્ટિએ આવે ને ગ્રહણ કર્યામાં આવે, તે જ્ઞાન ને વૈરાગ્યે કરીને સર્વે માયિક ઉપાધિ નિવૃત્તિ પામે છે ત્યારે એ જીવાત્મા છે તે કેવળ બ્રહ્મ સત્તામાત્ર રહે છે, ને તે મન-વાણીને અગોચર છે ને કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવતો નથી. પછી તે કાળે તો એને જો શુદ્ધ સંપ્રદાયે કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્મ્ય યથાર્થપણે સમજાણું હોય, તેને તો સર્વ માયિક ઉપાધિનો સંગ ટળી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તોપણ ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જે દયા ને પ્રીતિ તે નિરંતર રહે છે. ત્યાં દૃષ્ટાંત છે : જેમ દીપકની જ્યોત છે તેને જ્યારે ઉપાધિનો સંગ ટળી જાય છે ત્યારે એ અગ્નિ કોઈ ઇન્દ્રિયે કરીને ગ્રહણ ન થાય એવો આકાશને વિષે રહે છે, તોપણ એ અગ્નિને વિષે સુગંધી તથા દુર્ગંધીનો જે પાશ લાગ્યો હોય તે ટળતો નથી, તથા જેમ વાયુ છે તે તો અગ્નિ થકી પણ વધુ અસંગી છે તોપણ તેને સુગંધી તથા દુર્ગંધીનો પાશ લાગે છે, તેમ જ જીવાત્માને જ્ઞાન-વૈરાગ્યે કરીને માયિક ઉપાધિનો સંગ ટળી જાય છે તોપણ સત્સંગનો પાશ લાગ્યો છે તે ટળતો નથી, અને તે બ્રહ્મ સ્વરૂપ થાય છે તોપણ નારદ-સનકાદિક ને શુકજીની પેઠે ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે અતિશે દયા ને પ્રીતિએ યુક્ત વર્તે છે, ત્યાં શ્લોક : परिनिष्ठि तोडपि नैर्गुण्ये उत्तम श्लोकलीलया । गृहीतचेता राजर्षे आख्यानं यदघीतवान् ।।૧।। તથા ।। नित्यं विष्णुजन: प्रिय: ।। તથા ।। आत्मारामाश्च मुनयो ।। તથા ।। प्रायेण मुनयो राजन् ।। તથા ગીતામાં કહ્યું છે જે ।। ब्रह्मभूत: प्रसन्नात्मा न शोचति न कांक्षति ।। सम: सर्वेषु भूतेषु मद् क्तिं लभते पराम् ।।૧।। ઇત્યાદિક ઘણાક શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે જે, ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન-વૈરાગ્યે કરીને માયિક ઉપાધિનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તોપણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે દયા ને પ્રીતિ તેણે યુક્ત હોય છે. (૧) અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તામાત્ર વર્તતો હોય તેને તો સાધનદશાને વિષે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે, માટે ભગવાન ને ભગવાનના ભક્તને વિષે દયા ને સ્નેહ થાતાં નથી. જેમ વાયુને ને અગ્નિને દુર્ગંધનો પાશ લાગે છે તેમ જ એને તે કુસંગનો પાશ લાગ્યો છે તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો, પણ તેને કુસંગનો પાશ લાગ્યો હતો, માટે શ્રીકૃષ્ણ ભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિષે દયા ને સ્નેહ થયા નહિ, તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તોપણ તેને કુસંગનો પાશ જાતો નથી ને ભગવાન ને ભગવાનના ભક્તમાં દયા ને સ્નેહ થાતાં નથી, માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે, તોપણ ભગવાન તથા ભગવાનના ભક્ત તેને વિષે અતિશે દયા ને પ્રીતિ વૃદ્ધિને પામે છે, પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી - અખંડ રહે છે. એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩।। (૨૩૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્તને સાધનદશાને વિષે અમારી ઉપાસનાવાળા સત્પુરુષના સંગે કરીને અમારું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને અમારું ને અમારા ભક્તનું માહાત્મ્ય યથાર્થ સમજાણું હોય તેને માયિક ઉપાધિનો સંગ મટી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય તોપણ અમારે વિષે ને અમારા ભક્તને વિષે દયા ને પ્રીતિ નિરંતર રહે છે. (૧) અને જે અમારો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન ને વૈરાગ્યે કરીને માયિક ઉપાધિ ટાળીને સત્તામાત્ર વર્તતો હોય તેને સાધનદશામાં અમારી ઉપાસનાએ રહિત કેવળ આત્મજ્ઞાની એવા કુસંગીનો પાશ લાગ્યો છે તેને અમારે વિષે ને અમારા ભક્તને વિષે દયા ને સ્નેહ નથી રહેતાં. (૨) બાબતો છે.
૧ પ્ર બીજી બાબતમાં અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો એમ કહ્યું તે કેવી રીતે બ્રહ્મરૂપ જાણવો ?
૧ ઉ એણે કોઈક સાધને કરીને નાશવંત દેહને ચિરંજીવી કર્યો હતો તે દેહનું અચળપણું કર્યું હતું, એટલો બ્રહ્મરૂપ કહ્યો છે પણ દેહથી નોખો જે આત્મા તે રૂપે થયો નહોતો. ।।૩।। (૨૩૭)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૪
સંવત ૧૮૮૩ના શ્રાવણ સુદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે મેડીની ઓસરી ઉપર ગાદી-તકિયા બિછાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ભગવાનનો ભક્ત હોય, ને તે જ્ઞાન-વૈરાગ્યે યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય, તોપણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહિ ત્યાં સુધી બાધિતાનુવૃત્તિ રહી જાય છે, તેણે કરીને વિચારમાં એમ રહે છે જે રખે મારે મા, બાપ, સ્ત્રી, છોકરાં, દ્રવ્ય, કુટુંબ, દેહ, ગેહ એમને વિષે પ્રીતિ રહી ગઈ હોય નહિ ! એમ બીતો રહે છે, જેમ કોઈક શૂરવીર પુરુષ હોય તેણે પોતાના સર્વે શત્રુ મારી નાખ્યા હોય તોપણ તે મરેલ શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે, તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તોપણ બાધિતાનુવૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થનાં બંધન થકી બીક લાગે છે અથવા ધન-કલત્રાદિક પદાર્થની કોઈક સમે એને સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે જે રખે મુને બંધન કરે. એવી રીતે જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યાં તે પદાર્થની પાછી સ્મૃતિ થઈ આવે તેને બાધિતાનુવૃત્તિ કહીએ; તે બાધિતાનુવૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે, ને એ પુરુષને ખાધાપીધાની તથા દિવસ-રાત્રિની તથા સુખ-દુઃખની કશી ખબર રહેતી નથી અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બારણે નીસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાનુવૃત્તિ રહે ખરી, માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનુવૃત્તિને યોગે કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે પણ બરલ્યા જેવું બોલાય અને ઓય બાપ ! ઓય મા ! એવાં વચન પણ બોલાય ત્યારે જે આ બાધિતાનુવૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૈયામાં તે હરિભક્તનો અવગુણ આવી જાય, જે આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બરલે છે ? એવો જે અવગુણ લેવાય છે તે બાધિતાનુવૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે, અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમે બોલતાં-ચાલતાં ખબરદાર થકા દેહને મેલે છે, અથવા કોઈક સિપાઈ ને રજપૂત હોય ને તેને શરીરમાં ઘા વાગે એટલે ખબરદાર થકા ને બોલતાં-ચાલતાં મરી જાય છે, માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબરદાર થકો દેહને મૂકે તોપણ શું તેનું કલ્યાણ થાય છે ? તેનો તો નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામ-સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનુવૃત્તિને યોગે કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તોપણ એ ભગવાનનો ભક્ત ભગવાનનાં ચરણારવિંદને જ પામે છે. (૧) અને તે જ દિવસે સંધ્યા સમે શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં મેડીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૨ પછી શ્રીજીમહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૨) આ દેહને વિષે જીવ રહ્યો છે, તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે ? ને સર્વે દેહમાં કેવી રીતે વ્યાપી રહ્યો છે ? તે કહો. પછી જેનું જેવું ભાસ્યું તેવું તેણે કહ્યું, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ દેહને વિષે અન્નાદિકના વિકારરૂપ વીર્ય છે તેમ પંચ મહાભૂતના વિકારરૂપ એવું એક હૃદયને વિષે માંસનું ચક્ર છે તેને વિષે જીવ રહ્યો છે તે જેમ ચીંથરાનો કાકડો હોય તેને તેલે પલાળીને અગ્નિએ સળગાવ્યો હોય તેમ જીવ છે, તે માંસના ચક્ર સંગાથે વળગીને રહ્યો છે. અને વળી જેમ લોઢાનો ખીલો હોય તેને વિષે અગ્નિ વ્યાપી રહ્યો હોય, તેમ માંસના ચક્રને વિષે જીવ જે તે વિશેષ સત્તાએ કરીને વ્યાપી રહ્યો છે, અને સામાન્ય સત્તાએ કરીને બધા દેહને વિષે વ્યાપી રહ્યો છે, માટે જે જે ઠેકાણે દેહમાં દુઃખ થાય છે તે સર્વે દુઃખ જીવને જ છે, પણ દેહનાં સુખ-દુઃખ થકી એ જીવ જુદો ન કહેવાય. અને કોઈક એમ કહેશે જે જીવ તો પ્રકાશમાન છે અને માંસનું ચક્ર ને દેહ તો પ્રકાશે રહિત છે તે બેને એકબીજામાં મળ્યા કેમ કહેવાય ? તો એનો ઉત્તર એમ છે જે, જેમ તેલ, કોડિયું ને વાટ તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશને વિષે અધ્ધર-પધ્ધર રહેતો નથી, તેમ પંચભૂતના વિકારરૂપ એવું જે માંસનું ચક્ર તેના સંબંધ વિના એકલો જીવ રહેતો નથી. અને જેમ કોડિયા થકી, તેલ થકી ને વાટ થકી અગ્નિ જુદો છે તે કોડિયાને ભાગવે કરીને અગ્નિનો નાશ થાતો નથી, તેમ માંસના ચક્રને વિષે ને દેહને વિષે જીવ વ્યાપીને રહ્યો છે તોપણ દેહને મરવે કરીને જીવ મરતો નથી અને દેહ ભેળો સુખ-દુઃખને તો પામે ખરો, પણ દેહના જેવો એ જીવનો નાશવંત સ્વભાવ નથી. એવી રીતે જીવ અવિનાશી છે, ને પ્રકાશરૂપ છે, ને દેહને વિષે વ્યાપક છે, અને જેમ મંદિરને વિષે એક સ્થળમાં દીવો મૂક્યો હોય તે દીવાના અગ્નિની જ્યોતિ વિશેષે કરીને તો વાટને વિષે વ્યાપી રહી છે, અને સામાન્યપણે કરીને તો બધાં ઘરને વિષે વ્યાપી રહી છે, તેમ જીવાત્મા છે તે પણ વિશેષે કરીને તો પંચમહાભૂતના વિકારરૂપ જે માંસનું ચક્ર તેને વિષે વ્યાપીને રહ્યો છે, અને સામાન્યપણે કરીને તો બધા દેહમાં વ્યાપીને રહ્યો છે, એવી રીતે આ દેહને વિષે જીવ રહે છે અને એ જીવને વિષે પરમેશ્વર પણ સાક્ષી રૂપે કરીને રહે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૪।। (૨૩૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અંતરમાંથી અસત્ય કરેલા પદાર્થની સ્મૃતિ થઈ આવે તે બાધિતાનુવૃત્તિ છે તે જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ પામે છે, ને કશી ખબર રહેતી નથી. ને જ્યારે બહાર નીસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે બાધિતાનુવૃત્તિ રહે ત્યારે બીજા પદાર્થની સ્મૃતિ થઈ આવે તે જોઈને બાધિતાનુવૃત્તિનો મર્મ ન જાણતો હોય, તે અવગુણ લે છે. અને પાપી મનુષ્ય બોલતાં-ચાલતાં મરે તોપણ નરકે જાય અને અમારો ભક્ત બાધિતાનુવૃત્તિને યોગે બેશુદ્ધ થઈને દેહ મૂકે તોપણ અમને જ પામે. (૧) અને બીજામાં માંસના ચક્રને વિષે જીવ વિશેષ સત્તાએ કરીને વ્યાપીને રહ્યો છે ને સામાન્ય સત્તાએ કરીને બધા દેહમાં વ્યાપી રહ્યો છે, ને દેહને યોગે સુખ-દુઃખનો ભોક્તા છે, પણ દેહને મરવે કરીને જીવ મરતો નથી; અવિનાશી ને પ્રકાશમય છે અને એ જીવને વિષે અમે સાક્ષી રૂપે રહ્યા છીએ એમ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર બીજા પ્રશ્નમાં જીવને વિષે અમે સાક્ષી રૂપે રહ્યા છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું તે સાક્ષી તો સાકારને જ કહેવાય અને (પ્ર. ૪૫ના બીજા પ્રશ્નોત્તરમાં) સર્વને વિષે તેજ દ્વારે રહ્યા છે એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ શ્રીજીમહારાજ સાકાર વ્યાપે તો જ સાક્ષી કહેવાય ને તેજ દ્વારે વ્યાપે તો સાક્ષી ન કહેવાય એમ નથી. મૂર્તિમાન વ્યાપે તોપણ સાક્ષી કહેવાય અને તેજ દ્વારે વ્યાપે તોપણ સાક્ષી કહેવાય છે. જેમ જીવ દેહમાં વ્યાપે છે તો તે નિરાકાર છે તોપણ તેને (જે. ૩ના ૨/૩ બીજા પ્રશ્નમાં) સાક્ષી કહ્યો છે. અને બ્રહ્મને પણ (મ. ૨૦/૧માં) સાક્ષી કહેલ છે, માટે જે વ્યાપે ને દેખે તે સર્વને સાક્ષી કહેવાય છે. માટે શ્રીજીમહારાજ પોતાના તેજ દ્વારે જીવ, ઈશ્વર, બ્રહ્મ અને અક્ષર તે સર્વને વિષે રહ્યા છે, અને પરમ એકાંતિકમુક્તને વિષે મૂર્તિમાન રહ્યા છે એવી રીતે શ્રીજીમહારાજ સર્વના સાક્ષી છે ને સદા મૂર્તિમાન છે ને પોતાના અક્ષરધામરૂપી તખતમાં સદા વિરાજમાન છે. ।।૪।। (૨૩૮)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૫
સંવત ૧૮૮૩ના ભાદરવા સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી-તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને હાથને વિષે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયમાં શ્રીજીમહારાજે કહ્યું જે કાંઈક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ન થાય એવી તે કેઈ ભક્તિ છે ? અને જે ભક્તિમાં કાંઈક વિઘ્ન થાય છે તે કેઈ જાતની ભક્તિ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તૃતીય સ્કંધમાં કપિલ ગીતાને વિષે માતા દેવહુતિએ કપિલદેવજી પ્રત્યે કહ્યું છે જે, यन्नामघेय-श्रवणानुकीर्तनात्... ।। એ બે શ્લોકે કરીને જેવું ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે, તથા કપિલજીએ માતા દેવહુતિ પ્રત્યે પોતાનું માહાત્મ્ય કહ્યું છે જે
।। मद् भयाव्दाति वातोड्यं सूर्यस्तपति मद् भयात् ।। એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવે નહીં. અને માહાત્મ્ય જાણ્યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે. (૧)
૨ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) એ માહાત્મ્યે યુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શુક-સનકાદિક જેવા મોટાપુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે સહ વર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. (૨)
૩ પછી શુકમુનિએ પૂછ્યું જે, (૩) એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહિ, અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય, પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થાતો હોય એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બેય ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે ? કે અધિક-ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશે ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય ને જો તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઇચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. (૩) અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તોપણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાઝ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઇચ્છે નહિ, તેને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય થોડાં હોય તોપણ એ દેહને મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે, શા માટે જે પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઇચ્છા છે, માટે એ સકામ ભક્ત કહેવાય ને એને પરલોકને વિષે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય, પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઇચ્છતો નથી, અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઇચ્છાનો જો ઘાટ થઈ જાય ત્યારે અતિશે મનમાં દાઝે છે, માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષે અતિશે પ્રીતિએ યુક્ત થાય છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૨૩૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી માહાત્મ્યે સહિત ભક્તિ હોય તેમાં કોઈ વિઘ્ન આવે નહિ ને પ્રાકૃત બુદ્ધિએ કરીને ભક્તિ કરે તેમાં વિઘ્ન આવે છે. (૧) બીજામાં અમારા મોટા સંતની સેવા ને પ્રસંગથી એવી ભક્તિ આવે છે. (૨) ત્રીજામાં અમારો નિશ્ચય પરિપૂર્ણ હોય ને કામાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશે ત્યાગી ને વૈરાગ્યવાન ને આત્મનિષ્ઠ હોય પણ જો પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન જે અમે તે અમારા વિના બીજું કાંઈ આત્મદર્શનાદિક ઇચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. (૩) અને કામાદિકનો વિક્ષેપ આવે પણ તેની દાઝ થાય ને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જે અમે તે અમારા વિના બીજું કાંઈ ન ઇચ્છે તો દેહ મૂકીને અમારા ધામમાં બહુ મોટા સુખને પામે છે. (૪) બાબતો છે.
૧ પ્ર આમાં બીજા પ્રશ્નમાં શુક-સનકાદિક જેવા મોટાપુરુષની સેવા ને પ્રસંગથી અમારી માહાત્મ્યે યુક્ત ભક્તિ આવે છે એમ કહ્યું તે શુક-સનકાદિકની સેવા ને પ્રસંગથી શ્રીજીમહારાજની માહાત્મ્યે સહિત ભક્તિ શી રીતે આવે ? કેમ જે એ તો પરોક્ષના ભક્ત છે માટે કેમ સમજવું ?
૧ ઉ જેમ શુક-સનકાદિક પરોક્ષ અવતારોના ભક્તોમાં મોટા ભક્ત હતા, તેમની સેવા ને પ્રસંગથી પરોક્ષ અવતારોની માહાત્મ્યે સહિત ભક્તિ આવે તેમજ આજ ગોપાળાનંદ સ્વામી આદિક શ્રીજીમહારાજના મોટા મુક્ત હોય તેમની સેવા ને પ્રસંગથી શ્રીજીમહારાજની માહાત્મ્યે સહિત ભક્તિ આવે છે. (પ્ર. ૨૯ના પહેલા પ્રશ્નમાં) તમ જેવા સંતના સંગથી અમારી ભક્તિનું બળ અતિશે વૃદ્ધિને પામે એમ શ્રી ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે, માટે આજ શ્રીજીમહારાજના મોટા સંતના સમાગમથી એવી નિર્વિઘ્ન ભક્તિ આવે છે.
૨ પ્ર (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે છે તોપણ દેહ મૂકીને અક્ષરધામને વિષે બહુ મોટા સુખને પામે છે એમ કહ્યું અને (અ. ૩ના પહેલા પ્રશ્નમાં) અંતરમાં વિષયનું ચિંતવન થાય તેને માથે જન્મમરણ કહ્યું છે તે કેમ સમજવું ?
૨ ઉ (અ. ૩માં) વિષયનું ચિંતવન થાય તેની દાઝ ન થતી હોય તેને જન્મમરણ કહ્યું છે અને આમાં લડાઈ લે ને હૃદયમાં દાઝ થાય તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય એમ કહ્યું છે. તે (પ્ર. ૭૦ના ત્રીજા પ્રશ્નમાં) તેની અમે સહાય કરીએ છીએ એમ કહ્યું છે. ।।૫।। (૨૩૯)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૬
સંવત ૧૮૮૩ના ભાદરવા વદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે, (૧) ને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધાભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશે રાજી થાતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે, પણ લોકને દેખાડ્યા સારુ ન કરે, તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે, માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી; કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. (૧) અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહીં. અને જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે મુને બીજો કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી પણ મારામાં કાંઈ વાંક નથી, પણ એમ કહેનારો મહામૂર્ખો છે કેમ જે બીજો તો કોઈક કહેશે જે તું કૂવામાં પડ, ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો અવળું કરે તેનો જ છે. ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે, ને જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે, તે જ્યારે દૂધને ને પાણીને ભેળાં કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારુ પોતે ઊભરાઈને અગ્નિને ઓલાવી નાખે છે, એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે તેમ જ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે, તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહીં. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. અને જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું, પછી તેનાં સર્વ અંગનું ચિંતવન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિષે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિષે પણ ખોટો ઘાટ ઘડે ત્યારે જો એ ભક્તનો જીવ અતિશે નિર્મળ હોય તો તો મનનું કહ્યું ન માને ને અતિશે દાઝ થાય તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહીં. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહ્યું માને ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. તે સારુ કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તા પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેને સંગાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશે વૈર થઈ જાય છે, પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહિ, અને મન છે તે તો જીવનું મિત્ર જ છે તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહિ, અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશે રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહિ, અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશમાત્ર અડી શકે નહીં. અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૬।। (૨૪૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ઈર્ષ્યાએ રહિત કેવળ પોતાના કલ્યાણને અર્થે અમારી ભક્તિ કરે તો અમે રાજી થઈએ. (૧) અને અમારી ભક્તિ કરતાં કાંઈક અપરાધ થઈ જાય તો તે દોષ પોતાને માથે લેવો, પણ ઇન્દ્રિયો-અંતઃકરણનો વાંક કાઢવો તે જીવની મૂર્ખાઈ છે. અને જીવને ન ગમતું હોય તેનો ઘાટ મન કરે તો તે જીવ નિર્મળ હોય તો મનનું કહ્યું ન માને, ને મલિન ને પાપે યુક્ત હોય તો માને તો તે મન એ જીવને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે, માટે જીવનો વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. એમ સમજે તેને કુસંગ અડી શકે નહિ ને નિર્વિઘ્ન થકો અમારું ભજન કરે. (૨) બાબતો છે. ।।૬।। (૨૪૦)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૭
સંવત ૧૮૮૩ના ભાદરવા વદિ ૬ છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી-તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરનાં પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે મોગરાનાં પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે, (૧) અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્યો જોઈએ, અને તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ઘટો અથવા માન થાઓ કે અપમાન થાઓ અથવા દેહ જીવો કે મરો પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહિ, ને એમનો અભાવ આવવા દેવો નહિ, અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહનાં સગાં-સંબંધીને વહાલાં રાખવાં નહિ, એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ-ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. (૧) અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે, અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિષે રહે છે, તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દૃઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂતપ્રેત થાઉં કે રખે ઇન્દ્રલોકને જ પામું કે, રખે બ્રહ્મલોકને જ પામું, એવી આશંકા મનમાં રાખવી નહિ, કેમ જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. (૨) અને એ ભક્તજનને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરનાં ચરણારવિંદને વિષે દૃઢ કરીને રાખવું, જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઊખડે નહિ, તેમ ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને દૃઢ રાખવું અને એવી રીતે જે ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જાવું એમ નથી, એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને સર્વ સભાને ઊઠવાની આજ્ઞા કરી. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૭।। (૨૪૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જેને કલ્યાણ ઇચ્છવું હોય તેણે અમને ને અમારા સંતને જ સુખદાયી જાણીને અમારા સંતને વિષે આત્મબુદ્ધિ રાખવી ને અમારા ભક્તનો પક્ષ રાખવો, ને તેમનો અભાવ આવવા દેવો નહિ, ને તેમના જેવું બીજું કોઈ વહાલું રાખવું નહિ, તો અતિ બળવાન જે કામાદિક શત્રુ તે પરાભવ કરી શકે નહીં. (૧) અને બ્રહ્મપુર જે અમારું અક્ષરધામ તેને વિષે અમે સદા સાકાર મૂર્તિમાન વિરાજમાન છીએ, ને અમારા ભક્ત પણ ધામમાં મૂર્તિમાન છે ને અમારી સેવા કરે છે એવા પ્રત્યક્ષ પ્રમાણ અમને જાણીને જેણે અમારો આશરો કર્યો હોય તે અમારાં ધામને પામે. (૨) અને જે ભક્ત પોતાના મનને અમારા ચરણારવિંદને વિષે એટલે મૂર્તિને વિષે દૃઢ કરીને રાખે તે છતે દેહે જ અમારા ધામને પામી રહ્યો છે. (૩) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં પોતાના શરીરને વિષે આત્મબુદ્ધિ વર્તે છે તેવી અમારે વિષે ને સંતને વિષે રાખે એમ કહ્યું તે કેવી રીતે રાખવી ?
૧ ઉ જેમ દેહને દુઃખે-દુઃખી ને સુખે-સુખી થવાય છે એવો ભાવ શ્રીજીમહારાજ તથા મુક્તને વિષે રાખે તે બહારવૃત્તિથી આત્મબુદ્ધિ છે, અને જેમ સમગ્ર દેહમાં રહીને જીવ સુખ-દુઃખને ભોગવે છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિમાં નખશિખા પર્યંત રહીને શ્રીજીમહારાજનું સુખ ભોગવવું તે અંતર્વૃત્તિએ શ્રીજીમહારાજને વિષે આત્મબુદ્ધિ જાણવી. અને શ્રીજીમહારાજનો સાક્ષાત્કાર હોય એવા સત્પુરુષને વિષે આપોપું માનવું જે તે સંત તે હું છું તે સંતને વિષે આત્મબુદ્ધિ જાણવી.
૨ પ્ર અમારો ને અમારા ભક્તનો પક્ષ રાખવો એમ શ્રીજીમહારાજે કહ્યું તે ભક્તને તો કોઈક દુઃખ દેતો હોય તો ન દેવા દઈએ એમ પક્ષ રાખીએ, અને શ્રીજીમહારાજ પણ જ્યારે મનુષ્ય રૂપે વિચરતા હોય, ત્યારે પક્ષ રાખીએ પણ આજ શ્રીજીમહારાજનો પક્ષ કેવી રીતે રાખવો ?
૨ ઉ શ્રીજીમહારાજનું કોઈ ઘસાતું બોલે તે સાંભળી રહેવું નહિ, તેને તીખાં બાણ જેવાં વચન મારવાં ને પોતાથી બળિયો હોય ને સામું બોલી શકાય એમ ન હોય તો ત્યાંથી ચાલી નીસરવું, અને શ્રીજીમહારાજે મંદિરો કરાવીને પોતાની મૂર્તિઓ પધરાવી છે, તે મંદિરોને કોઈ નુકસાન કરતું હોય કે મંદિરોની આજીવિકાઓને અર્થે દ્રવ્યાદિક હોય તેની કોઈ હાનિ કરતું હોય તેની તન, મન, ધનથી રક્ષા કરવી તે શ્રીજીમહારાજનો પક્ષ રાખ્યો કહેવાય. ।।૭।। (૨૪૧)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૮
સંવત ૧૮૮૩ના ભાદરવા વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર વિરાજમાન હતા ને પાઘને વિષે મોગરાનાં પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનનો ભક્ત હોય તેને એવો કિયો ઉપાય છે જે જેણે કરીને સદા સુખી રહેવાય ? પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાણું તેણે તેવો ઉત્તર કર્યો, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો એમ છે જે, જે ભગવાનના ભક્તને એક તો દૃઢ વૈરાગ્ય હોય, અને બીજો અતિશે સ્વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યાં હોય, અને જેણે ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશે પ્રીતિ હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશે મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહિ, અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહિ, એવાં જે હરિભક્તનાં લક્ષણ હોય તે આ લોકને વિષે તથા પરલોકને વિષે સદાય સુખિયો રહે છે; અને વૈરાગ્ય ને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાનાં ઇન્દ્રિયોને વશ ન કર્યાં હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુઃખિયો રહે છે. શા માટે જે જેણે પોતાનાં ઇન્દ્રિયો ન જીત્યાં હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહિ, અને ભગવાનની ભક્તિ કરતો હોય તોપણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે, માટે સર્વે પોતાનાં ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખિયો રહે છે અને જેણે સર્વે ઇન્દ્રિયોને જીતીને વશ કર્યાં હોય તેને જ વૈરાગ્યવાન ને ધર્મવાળો જાણવો, પણ જેનાં ઇન્દ્રિયો વશ ન થયાં હોય તેને વૈરાગ્યવાન ને ધર્મવાળો ન જાણવો અને જે વૈરાગ્યવાન ને ધર્મવાળો હોય તેને તો સર્વે ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખિયો હોય. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કિયું અતિશે મોટું વિઘ્ન છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે, જે પોતામાં દોષ હોય તેને દેખે નહિ, અને ભગવાન ને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય, અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય એ જ એને અતિશે મોટું વિઘ્ન છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૮।। (૨૪૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વૈરાગ્ય ને સ્વધર્મ એ બે સાધને કરીને સર્વે ઇન્દ્રિયોને જીતીને વશ કર્યાં હોય ને અમારે ને અમારા ભક્તને વિષે પ્રીતિ ને મિત્રભાવ હોય, ને અમારા ને અમારા ભક્તના સંગે જ રાજી રહે, ને વિમુખની સોબત ગમે જ નહિ, તે આ લોક-પરલોકને વિષે સદાય સુખિયો રહે છે, ને ઇન્દ્રિયો વશ ન કર્યાં હોય તે દુઃખિયો રહે છે. (૧) બીજામાં જે પોતાના દોષને દેખે નહિ, ને અમે ને અમારા ભક્તથી મન નોખું પડી જાય એટલે અમારે વિષે ને અમારા ભક્તને વિષે હેત ન રહે, ને બેપરવાઈ એટલે અમારા ભક્તને મોક્ષના દાતા જાણીને તેની ગરજ ન રાખે, તેને અમારી ભક્તિમાં મોટું વિઘ્ન છે. (૨) બાબતો છે. ।।૮।। (૨૪૨)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૯
સંવત ૧૮૮૩ના આસો સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા અને પાઘ ઉપર પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વે હરિભક્તને કહ્યું જે, જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વેને કહીએ તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતાં હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો.
૧ એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે, તે દરવાજા ઉપર સર્વે સંત ઊભા છે, જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા થકા કોઈ ચોર-ચકારને રાજા પાસે જાવા દેતા નથી, અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે જે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય, તો તેના કટકા કરી નાખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દેઈએ નહિ, એવી હિંમતે સહિત ઢાલ-તરવાર બાંધીને ઊભા રહે છે, તેમ આ સર્વે સંત છે તે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે ને એ જાણપણાને માંહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેનાં દર્શન કરે છે, અને તે ભગવાન ભેળું પોતાના હૃદયને વિષે ધન, સ્ત્રીઆદિક જે માયિક પદાર્થ તેને પેસવા દેતા નથી, અને કોઈ જોરે કરીને માયિક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે, પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી, અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે, અને હાણ-વૃદ્ધિ, સુખ-દુઃખ, માન-અપમાન આદિક અનંત જાતનાં વિઘ્ન આવે તેણે કરીને પોતાના મુકામથી ડગતા નથી. ત્યારે કોઈક આશંકા કરે જે, ત્યાંથી ડગતા નથી, ત્યારે દેહની ક્રિયા જે ખાનપાનાદિક તેને કેમ કરતા હશે ? તો તે દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સૂરત રાખે છે જે રખે કૂવામાં પડી જાઉં અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે, ને વળી બીજું દૃષ્ટાંત : જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેગડામાં પગ હોય ત્યાં પણ સુરત રાખે, અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે, અને દોડતા થકા વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથરો આવે, ત્યાં પણ સુરત રાખે, એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે, ને દેહની ક્રિયા પણ કરે છે ને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી એવી રીતે શ્રીજીમહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી, ને પછી એમ બોલ્યા જે, તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું, અને ભગવાન વિના બીજાં પદાર્થ વહાલાં થાવા દેવાં નહિ, એ વાતની અતિશે સાવધાની રાખવી અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો હોય તો રાજા પાસે ચોર-ચકાર જઈને પૂગે ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય. તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજાં પદાર્થમાં પ્રીત થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિષે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન, સ્ત્રીઆદિક બીજા પદાર્થ પણ પેસી જાય, ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરનાં ચરણારવિંદને પામવાને ઇચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિષે સાવધાન થઈને રહેવું, ને ભગવાન વિના બીજાં પદાર્થ ત્યાં પેસવા દેવાં નહિ, એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યાં. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૯।। (૨૪૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર સાધને સંપન્ન એવા અંતર્દૃષ્ટિવાળા અમારા એકાંતિક સંત છે, તે હૃદયને વિષે જાણપણારૂપ અમારા ધામનો દરવાજો ત્યાં રહે છે, ને એ જાણપણાની માંહી જે અક્ષરધામ તેમાં અમારાં દર્શન કરે છે ને અમારા ભેળું પોતાના હૃદયને વિષે બીજું માયિક પદાર્થ પેસવા દેતા નથી, એવી રીતે અંતર્વૃત્તિએ અમારી સેવા કરે છે, ને દેહની ક્રિયા પણ કરે છે; ને પોતાની સ્થિતિમાંથી પણ ડગતા નથી, એવી રીતે સર્વેને વર્તવું. (૧) બાબત છે.
૧ પ્ર જાણપણારૂપ ધામનો દરવાજો કહ્યો ને તેની માંહી અક્ષરધામ કહ્યું ને મોટા મોટા સંત અક્ષરધામમાં ભગવાનનાં દર્શન કરે છે, ને દરવાજે પણ ઊભા રહે છે એમ કહ્યું તે દરવાજો ને અક્ષરધામ શું સમજવું ? અને સંત એ બે ઠેકાણે કેવી રીતે રહ્યા હશે ?
૧ ઉ અંતર્દૃષ્ટિવાળા સંત પોતાને ધામરૂપ માનીને તે અક્ષરધામમાં શ્રીજીમહારાજનાં દર્શન કરે છે, ને પોતાના હૃદય સામી દૃષ્ટિ રાખીને હૃદયને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિએ સહિત આત્મા-પરમાત્માના જ્ઞાનરૂપી જાણપણું છે, તે હૃદયને વિષે કામ-ક્રોધાદિક તથા સ્ત્રી-દ્રવ્યાદિક કોઈ પદાર્થનો સંકલ્પ થવા દેતા નથી. માટે જાણપણારૂપ જે જ્ઞાન તે રૂપ દરવાજો જાણવો અને તે દરવાજે સંત ઊભા છે, એટલે આત્મા-પરમાત્માના જ્ઞાનરૂપી શુદ્ધ વિચાર છે તે વિચારે કરીને માયિક સંકલ્પ હૃદયમાં થવા દેતા નથી, ને હૃદયને માંહી અક્ષરધામ છે તેમાં શ્રીજીમહારાજનાં દર્શન કરે છે. ।।૯।। (૨૪૩)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૦
સંવત ૧૮૮૩ના આસો વદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે શ્રીજીમહારાજ પાસે એક માધ્વી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે, (૧) તમારા સંપ્રદાયના ગ્રંથને વિષે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે, અને વળી એમ કહ્યું છે જે, મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થાતો નથી. અને શિવમાર્ગી હોય તે એમ કહે છે જે, મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થાતો. એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી, શા માટે જે, મહાપ્રલયમાં તો પૃથ્વી આદિક પંચભૂતનો અતિશે પ્રલય થઈ જાય છે, ત્યારે વૃંદાવન ને કાશી તે કેમ રહેતાં હશે ? ને શાને આધારે રહેતાં હશે ? એવી જાતનો અતિશે મોટો સંશય થાય છે. એમ વાર્તા કરીને શ્રીજીમહારાજે ભાગવતનું પુસ્તક મગાવીને એકાદશ સ્કંધમાંથી તથા દ્વાદશ સ્કંધમાંથી ચાર પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાવ્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ ભાગવતનો તથા ગીતાનો મત જોતાં તો જેટલું પ્રકૃતિપુરુષથી થયું છે, તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી અને જો મહાપ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો, શા માટે જે વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી. અને બીજા તો જે જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે, માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેનાં જે વચન તે સર્વે આચાર્યનાં વચન કરતાં અતિ પ્રમાણ છે, માટે વ્યાસજીનાં વચન તથા વેદની શ્રુતિએ કરીને વૃંદાવન મહાપ્રલયમાં નાશ નથી થાતું એવું જે પ્રમાણ તે કહી સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય. અને જે જે આચાર્ય થયા તેણે પદ્મપુરાણના વચને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે, તે તો પદ્મપુરાણમાં ક્ષેપક શ્લોક નાખી નાખીને સ્થાપન કર્યો છે, તે પોતાના મતના હોય તે માને પણ બીજા કોઈ માને નહિ, માટે શ્રીમદ્ ભાગવત સરખા પ્રસિદ્ધ પુરાણનું વચન કહી સંભળાવો તો અમારે પ્રતીતિ આવે. શા માટે જે વ્યાસજીએ વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેનું સાર સાર ગ્રહણ કરીને શ્રીમદ્ ભાગવત કર્યું છે, માટે જેવું ભાગવત પ્રમાણ એવાં બીજાં પુરાણ અતિશે પ્રમાણ નહિ અને જેવી ભગવદ્ગીતા પ્રમાણ તેવું સમગ્ર ભારત પ્રમાણ નહિ માટે, એવા બળવાન શાસ્ત્રનું વચન કહી સંભળાવો તો અમને હા પડે. એવી રીતનાં જે શ્રીજીમહારાજનાં વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્યો જે, હે મહારાજ ! તમે જે પ્રશ્ન કર્યો તે સત્ય છે, ને તમારા પ્રશ્નનો ઉત્તર કરવાને આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી, અને મારા મનને તો તમારા સ્વરૂપની દૃઢ પ્રતીતિ આવી છે જે તમે તો સર્વ આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો, માટે મુને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો.
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે, જે જીવ, માયા, ઈશ્વર ને પરમેશ્વર એ સર્વે અનાદિ છે, અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે, ને પૃથ્વીમાં રહ્યાં જે બીજ તેને ઠેકાણે જીવ છે, અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે તે પરમેશ્વરની ઇચ્છાએ કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે, ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતાં જે બીજ તે સર્વે ઊગી આવે છે, તેમ માયામાંથી અનાદિકાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, પણ નવા જીવ નથી થાતા માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે ને તે માયાને વિષે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે, પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી; એ તો અનાદિ જીવ જ છે, તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય, ત્યારે ભગવાનની માયાને તરે ને નારદ-સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, ને ભગવાનનો પાર્ષદ થાય છે, એવી રીતે અમારો સિદ્ધાંત છે. એવી રીતનાં જે શ્રીજીમહારાજનાં વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાના માનનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો સમાશ્રય કરતો હવો, અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હવો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૦।। (૨૪૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં શ્રીજીમહારાજે ધ્રાંગધ્રા નિવાસી શાસ્ત્રી ભવાનીશંકર માધ્વી સંપ્રદાયના હતા તેને પોતાનો સિદ્ધાંત સમજાવ્યો છે જે, અમારી ઇચ્છાએ કરીને પુરુષ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે, ત્યારે માયામાં અનાદિકાળના જીવ રહ્યા છે. તે ઉદય થઈ આવે છે પણ નવા થતા નથી. અને જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા તથા જીવ પણ અનાદિ છે અને તે જીવ અમારા અંશ નથી; અનાદિ જીવ જ છે, તે જ્યારે અમારે શરણે થાય ત્યારે બ્રહ્મરૂપ થઈને અમારા ધામને પામે એ અમારો સિદ્ધાંત છે. (૧) બાબત છે.
૧ પ્ર આમાં મૂળપુરુષને ઈશ્વર કહ્યા અને માયામાંથી પ્રધાનપુરુષાદિક ઉત્પન્ન થાય છે, તે સર્વેને જીવ કહ્યા. અને (મ. ૩૧ના ૨/૫ બીજા પ્રશ્નમાં) વૈરાજપુરુષને ઈશ્વર કહ્યા છે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ વૈરાજપુરુષને વિષે મૂળપુરુષનો આવિર્ભાવ છે તેથી તેને ઈશ્વર કહેવાય છે, પણ વાસ્તવ્ય ઈશ્વર તો મૂળપુરુષ જ છે માટે આમાં વાસ્તવ્ય ઈશ્વરને ઈશ્વર કહ્યા છે, અને પરમેશ્વર શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે. ।।૧૦।। (૨૪૪)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૧
સંવત ૧૮૮૪ના અષાડ સુદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાંર્ હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા અમે એક પ્રશ્ન પૂછીએ છીએ જે, (૧) ઇન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે, એ પ્રશ્ન છે. પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું ભાસ્યું તેવું તેણે કહ્યું પછી શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો એમ છે જે, વૈરાગ્ય, સ્વધર્મ, તપ ને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જિતાય છે, અને ભગવાનની માહાત્મ્યે સહિત જે નવધાભક્તિ તેણે કરીને મન જિતાય છે. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજે કહ્યું જે, જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે એ જ એનો ઉત્તર છે. (૨)
૩ પછી શ્રીજીમહારાજે વળી પરમહંસ પ્રત્યે પૂછ્યું જે, (૩) ગમે તેવા ભૂંડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તોપણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહિ, એવો જે હરિભક્ત હોય તેની કેઈ જાતની સમજણ હોય જે, જે સમજણે કરીને એવી રીતની એને દૃઢતા આવે છે જે તેને વિષે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી ? પછી મોટા મોટા સંત હતા તેમાં જેવું જેને ભાસ્યું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો એમ છે જે, જીવને જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહિ, ને ગમે તેવા દેશકાળાદિ ભૂંડા આવે તેણે કરીને એ ભગવાન ને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. (૩)
૪ પછી વળી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૪) જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશે વિલાપ કરવા માંડ્યો ત્યારે લક્ષ્મણજી પણ અતિશે દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યાં જે, હું મારાં દુઃખ સારુ નથી રોતી; હું તો રામચંદ્રજીનાં દુઃખ સારુ રોઉં છું, શા માટે જે રઘુનાથજી અતિ કૃપાળુ છે તે લોકાપવાદ સારુ મુને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે, સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે, એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજો જે, સીતાને તો કાંઈ દુઃખ નથી, ને વાલ્મીકિ ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે, માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો મા. એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહિ, અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય, એક હરિભક્ત તો એવો છે; અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય ને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીના જેવી સમજણ નથી; એ બે પ્રકારના હરિભક્ત છે તેમાં કિયા સંગાથે અતિશે પ્રીતિ રાખીને સોબત કરવી ? પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું જે, ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તોપણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશે પ્રીતિએ કરીને સમાગમ કરવો, પણ અતિશે વૈરાગ્ય ને ધર્મવાળો હોય, ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. પછી શ્રીજીમહારાજે કહ્યું જે યથાર્થ ઉત્તર થયો. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૧૧।। (૨૪૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે વૈરાગ્ય, સ્વધર્મ, તપ ને નિયમે કરીને ઇન્દ્રિયો જિતાય છે ને માહાત્મ્યે સહિત ભક્તિએ અંતઃકરણ જિતાય છે. (૧) બીજામાં અમારે વિષે ને અમારા સંતને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ થાય તેને નિર્વિકલ્પ સમાધિના જેવી શાંતિ રહે છે. (૨) ત્રીજામાં એવી આત્મબુદ્ધિ હોય તેને દેશકાળાદિકનું વિઘ્ન ન લાગે, ને અમારાથી ને અમારા સંતથી વિમુખ ન થાય. (૩) ચોથામાં ધર્મ ને વૈરાગ્ય સામાન્ય હોય પણ અમારો ને અમારા ભક્તનો અવગુણ ન લે તેનો સંગ કરવો, અને અવગુણ લેતો હોય ને ધર્મ ને વૈરાગ્ય આકરા હોય તોપણ તેનો સંગ કરવો નહીં. (૪) બાબતો છે.
૧ પ્ર બીજા પ્રશ્નમાં જેવી દેહને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ છે તેવી જ અમારે વિષે ને અમારા ભક્તને વિષે રહે તો નિર્વિકલ્પ સમાધિના જેવી શાંતિ સદાય રહે એમ કહ્યું તે આત્મબુદ્ધિ ને પ્રીતિ કેવી રીતે જાણવી ?
૧ ઉ જેમ અજ્ઞાની જીવને દેહને વિષે એકત્વપણાની ભાવના થઈ ગઈ છે તે કોઈ પ્રકારે ટાળી ટળે નહિ, એવી દૃઢ પ્રીતિ છે તેમ શ્રીજીમહારાજને વિષે ને મુક્તને વિષે એકતા થઈ જાય જે શ્રીજીમહારાજ ને સંત તે ભુલાય જ નહિ, એવી આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ હોય ને ભગવાન ને ભગવાનના ભક્તને સુખે સુખિયો થાય, ને ભગવાન ને ભગવાનના ભક્તને દુઃખે દુઃખિયો થાય એવાં લક્ષણ જેને સાધનકાળમાં હોય તેને શ્રીજીમહારાજને વિષે ને સંતને વિષે આત્મબુદ્ધિ કહેવાય. અને જ્યારે સિદ્ધદશાને પામે ત્યારે જેવી રીતે દેહમાં રહીને સુખ-દુઃખ ભોગવે છે. તેવી રીતે શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખભોક્તાપણે રહે, તે દૃઢ આત્મબુદ્ધિ કહેવાય.
૨ પ્ર શ્રીજીમહારાજ જ્યારે મનુષ્ય રૂપે વિચરતા હોય ત્યારે તો તેમને દુઃખે-દુઃખી ને સુખે-સુખી થવાય પણ, આજ શ્રીજીમહારાજને દુઃખે-દુઃખી ને સુખે-સુખી શી રીતે થવાય ?
૨ ઉ પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ દેખતા હોય, ને શ્રીજીમહારાજની પેઠે જ જીવોના અંત વખતે દર્શન આપીને અક્ષરધામમાં તેડી જતા હોય ને સર્વ સંકલ્પને જાણતા હોય ને કોઈકને કહેતા પણ હોય, ને પોતાના સમાગમ કરનારના ઘાટ-સંકલ્પ ટાળી નાખતા હોય, ને શરણાગતને વિક્ષેપે રહિત કરીને ધ્યાનમાં શ્રીજીમહારાજને સુખે સુખિયા કરતા હોય ને શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળતા-પળાવતા હોય તેવા સત્પુરુષને સુખે-સુખી ને દુઃખે-દુઃખી થાય તેમાં ભગવાન આવી જાય. ।।૧૧।। (૨૪૫)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૨
સંવત ૧૮૮૪ના અષાડ વદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જે, (૧) જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહિ, જે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું. ને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય, ને તે સત્સંગી કહેવાતો હોય તોપણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો, જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે, અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય, અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહિ, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહિ, અને અનંત બ્રહ્મહત્યા કરી હોય, અને અનંત બાળહત્યા કરી હોય, ને અનંત સ્ત્રીહત્યા કરી હોય, ને અનંત ગૌહત્યા કરી હોય, ને અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય, ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાનો ઉપાય કહ્યો છે, પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપથી છૂટ્યાનો ઉપાય કહ્યો નથી અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે, અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંતકોટિ કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થાતો નથી, અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે જીવનો નાશ કેમ થાતો હશે ? તો ત્યાં દૃષ્ટાંત જે, જેમ હીજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ વૃંદળ કહેવાય, તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય, જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી જ શકે નહિ, માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો, એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. (૧) અને વળી પોતાના દેહનાં જે સગાં-સંબંધી હોય ને તે સત્સંગી હોય તોપણ તેમાં અતિશે હેત રાખવું નહિ, જેમ દૂધ-સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાના દેહનાં જે સગાં-સંબંધી હોય ને તે હરિભક્ત હોય તોપણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાળ પડી છે માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેને દેહનાં જે સગાં-સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં. એમ સંસારમાંથી નિઃસ્પૃહ થઈને ભગવાનનાં ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહિ, અને આ જે વાત તે કરામત જેવી છે. એમ કહીને શ્રીજીમહારાજે વાર્તાની સમાપ્તિ કરી. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૨।। (૨૪૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે કલ્યાણ ઇચ્છવું હોય તેને માન રાખવું નહિ, ને દાસ થઈને રહેવું ને અમારો કે અમારા ભક્તનો અવગુણ લેનારો ને તેની વાત સાંભળનારો બેય વિમુખ થાય છે, ને એ પાપથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી, ને એના જીવનો પણ નાશ થઈ જાય છે. (૧) અને સંબંધી હરિભક્ત હોય તોપણ તેના સાથે હેત કરનારનું કલ્યાણ થાય નહિ, ને અમારે વિષે જ પ્રીતિ રાખીને અમારું ભજન કરે તેને કલ્યાણમાં વિઘ્ન થાય જ નહીં. (૨) બાબતો છે.
૧ પ્ર જેને દ્રોહે જીવ નાશ પામે તે ભક્ત કેવા જાણવા ?
૧ ઉ શ્રીજીમહારાજના ધામમાંથી આવેલા મુક્ત જાણવા અને સાધનદશાવાળા હોય તેમાં કોઈ પ્રકારનો દોષ ન હોય ને પંચવર્તમાન યથાર્થ પાળતા હોય ને અલ્પ વચન પણ ન લોપતા હોય, ને શત્રુ-મિત્ર સમ થઈ ગયા હોય ને પોતાને અક્ષરધામરૂપ માનીને શ્રીજીમહારાજની મૂર્તિને ધરી રહ્યાં હોય, એવા એકાંતિક ભક્તનો દ્રોહ પણ શ્રીજીમહારાજના જેવો જ છે. અને અખંડ ધ્યાન ન ધરી શકતા હોય, પણ અલ્પ વચન લોપતા ન હોય, ને દ્રોહ કરનારનું ભૂંડું ન ઇચ્છતા હોય અને શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના હોય એવા ભક્તના દ્રોહે કરીને પણ એવું જ પાપ થાય છે, અને જે પંચવર્તમાનમાં ફેર પાડતો હોય તેને તો ભક્ત ન જાણવો, અને તેનો અવગુણ લે તેમાં બાધ નથી એમ (પ્ર. ૫૩ તથા છે. ૨૧/૩માં) કહ્યું છે.
૨ પ્ર બીજી બાબતમાં આ વાત કરામત જેવી કહી તે કેવી જાણવી ?
૨ ઉ જેમ તાંબાનું રૂપું કરવું હોય તથા લોઢાનું સોનું કરવું હોય તે કોટિ સાધને પણ થાય નહિ, પણ જે કરામતવાળો હોય તે વગર દાખડે ને વગર ખરચે કરી દે તેમ આ જીવ કોટિ કલ્પે ને કોટિ સાધને પણ જીવ મટીને ઈશ્વર પણ થઈ શકે નહિ તો તેથી પર બ્રહ્મ ને તેથી પર મૂળઅક્ષર ને તેથી પર મુક્ત થવું તે થવાય જ નહિ, તે શ્રીજીમહારાજનો ને તેમના ભક્તનો દ્રોહ ન કરે ને દેહના સંબંધી સાથે હેત ન રાખે ને શ્રીજીમહારાજને વિષે પ્રીતિ રાખીને ભજન કરે એટલામાં જ મુક્ત થાય તે વાત કરામત જેવી એટલે આશ્ચર્યકારક કહી છે. ।।૧૨।। (૨૪૬)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૩
સંવત ૧૮૮૪ના અષાડ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર ને પાઘને વિષે તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને આગળ મુનિમંડળ દુકડ-સરોદા લઈને કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કીર્તન રાખો, હવે ભગવદ્વાર્તા કરીએ. એમ કહીને શ્રીજીમહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) જીવનો દેહ છે તે તો પૂર્વ કર્મને આધીન છે તેનો એક નિરધાર રહેતો નથી તે ક્યારેક સાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય, અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્યારે જે જે નિયમ રાખવાની દૃઢતા હોય તેનો કાંઈ મેળ રહે જ નહીં. અથવા ઇંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે ક્યાંઈક પરવશ રાખ્યા અથવા પોતાનાં મન ને ઇન્દ્રિયો તે ઇંગ્રેજ જેવાં જ છે તેણે પરવશ રાખ્યાં, ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહીં. અને શાસ્ત્રમાં તો એમ કહ્યું છે જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે, ને કાળ-કર્મને યોગે કરીને દેહની અવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી માટે ભગવાનના ભક્તને કેઈ રીતે એકાંતિકપણું રહે છે ? એ પ્રશ્ન છે. પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ ઇત્યાદિક મોટા મોટા સાધુ હતા, તેમણે જેવું જેને જણાણું તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ અમારે ભગવાનને વિષે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ, જે અમારે તો ગમે તેવું સુખ-દુઃખ આવે, તથા સંપત-વિપત આવે, તેમાં એમ રહે છે જે એક તો ભગવાનની અતિશે મોટપ જાણીએ છીએ તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મી તેને જોઈને લેશમાત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી, અને એમ સમજીએ છીએ જે આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી ને આપણો જીવ છે તે ભગવાનનાં ચરણારવિંદમાં ચોંટાડ્યો છે અને ભગવાન સંગાથે એવી દૃઢ પ્રીતિ કરી છે જે, તે પ્રીતિને કાળ-કર્મ-માયા એમાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી, અને પોતાનો જીવ એ પ્રીતિ ટાળવાને કરે તોય પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે એવી રીતનો દૃઢાવ છે, તે ગમે તેવું સુખ-દુઃખ આવે છે તોય નથી ટળતો. અને સ્વભાવિક જીવમાં એવી રુચિ રહે છે જે શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહિ, અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશે ગમે છે, ને એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું, એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે, મુને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરશું, અને કોઈ દિવસ વસ્તીમાં તો આવશું જ નહિ એમ મનનો ઠરાવ હતો, તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેમાં તો એવું દૃઢ હેત છે જે, તેને કાળ, કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી ને પોતાનો જીવ ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહિ એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે અતિશે પ્રીતિ છે અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જાવાને અર્થે ઉદાસ થયા છીએ, પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ, તે કોઈ રીતે મૂકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મુને રાખ્યાના કોટિ ઉપાય કરે તોય ન જ રહેવાય, અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે તોય અભક્ત સંગાથે અમારે બને જ નહિ; એવી રીતે ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા જીવને અતિશે પ્રીતિએ કરીને જોડી રાખ્યો છે, અને તે ભગવાન વિના બીજું કાંઈ પદાર્થ વહાલું રાખ્યું નથી. માટે શા સારુ ભગવાનમાં પ્રીતિ નહિ રહે ? અને ભગવાનનાં કથા-કીર્તનાદિક કરતાં હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે, જાણીએ દીવાના થઈ જવાશે અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે, પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે અને ઉપરથી તો લોકને ભળતો વ્યવહાર રાખીએ છીએ. (૧) અને તે ભગવાન છે તે આ દેહના પ્રવર્તાવનારા છે તે ગમે તો દેહને હાથીએ બેસારો ને ગમે તો બંધીખાનામાં નખાવો અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે, હે મહારાજ ! આ મારું દુઃખ છે તેને ટાળો, શા માટે જે આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે. તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણે ગમે છે પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશમાત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઇચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી, માટે ભગવાનની ઇચ્છાએ કરીને ગમે તેવું સુખ-દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જાવું નહિ, ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. એવી રીતે શ્રીજીમહારાજ પોતાને ઉદ્દેશે કરીને જે ભગવાનના અતિ દૃઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે ને જેમ ભગવાનમાં દૃઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા હવા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૩।। (૨૪૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી મોટપ જાણે તથા વૈરાગ્ય હોય તથા અમારું ધ્યાન કરવાની રુચિ હોય તથા અમારે વિષે ને અમારા ભક્તને વિષે અતિશે પ્રીતિએ કરીને જીવ જોડ્યો હોય એને કાળ-કર્માદિક પરાભવ કરી શકતા નથી. (૧) અને અમારી ઇચ્છા એ જ અમારા ભક્તને પ્રારબ્ધ માનવું. (૨) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં શ્રીજીમહારાજે પોતાના ઉદ્દેશે કરીને પોતાના એકાંતિક ભક્તની સમજણ કહી તેમાં અમારા ભક્ત અમારે વિષે દૃઢ પ્રીતિ કરે છે તે પ્રીતિને કાળ, કર્મ, માયા ટાળવાને સમર્થ નથી એમ કહ્યું તે કેવી રીતે પ્રીતિ ટાળતા હશે ? અને જે ભક્તે ભગવાનને વિષે પ્રીતિ કરી છે તેનો જીવ પ્રીતિ ટાળવાનું કરે તોપણ ટળે નહિ એમ કહ્યું, તે પ્રીતિ કરનાર જ એ પ્રીતિ ટાળવાનું કેવી રીતે કરતો હશે ?
૧ ઉ એ ભક્તે શ્રીજીમહારાજનો મહિમા જાણીને શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત સાથે દૃઢ પ્રીતિ કરી હોય તે ભક્તને પ્રારબ્ધ વશે કરીને પરદેશમાં જાવું પડે ત્યાં સત્પુરુષનો યોગ ન હોય ને દારૂ-માંસના ભક્ષણ કરનારા અધર્મી મનુષ્યોના ભેળું રહેવું પડે, ત્યાં પણ પોતાને શ્રીજીમહારાજને વિષે ને તેમના ભક્તને વિષે પ્રીતિ હોય તેમાં ફેર પડે નહિ, ને તે વિના બીજે ક્યાંઈ લેશમાત્ર પ્રીતિ થાય નહિ અને કર્મે કરીને દેહમાં રોગાદિક પ્રાપ્તિ થાય ને ખાવા પણ મળે નહિ ને અતિશે દુઃખ પ્રાપ્ત થાય તોપણ અકળાય નહિ જે હું સ્વામિનારાયણ ભગવાનને ભજું છું તોપણ મારી સહાય કરતા નથી એવો સંકલ્પ થાય નહિ ને સદા રાજી રહે અને એ દુઃખ શ્રીજીમહારાજ ટાળે તો ઠીક એવો પણ સંકલ્પ કરે નહિ, ને શ્રીજીમહારાજ મને દુઃખ દે છે તે મારું સારું જ કરતા હશે એમ સમજે પણ તે દુઃખથી લેશમાત્ર મૂંઝવણ થાય નહીં. અને માયા છે તે ઇન્દ્રિયો-અંતઃકરણ દ્વારે ઘાટ કરાવે જે તું ભગવાનને ભજી ભજીને મરી ગયો તોય ભગવાન તને દુઃખ દે છે માટે ભજન મૂકી દે તો સુખ થાય તથા બીજા લોકો દ્વારે એવા શબ્દો બોલાવીને શ્રીજીમહારાજને વિષેથી પ્રીતિમાં ડગમગાટ કરાવે તોપણ ડગે નહિ એ કાળ-કર્મ-માયાનો ડગાવ્યો ન ડગ્યો કહેવાય. અને આ લોકની અતિશે સંપત થાય ને ઘણાં ઐશ્વર્ય પ્રાપ્ત થાય તેમાં લોભાવાનો સંકલ્પ થાય પણ પ્રથમ શ્રીજીમહારાજની મોટપ જાણેલી છે તે શ્રીજીમહારાજનો મહિમા વિચારે તે શુદ્ધ વિચાર વડે કરીને સંકલ્પને ટાળી નાખે તે પોતાનો જીવ ટાળવાનું કરે તોપણ ટળે નહિ એમ જાણવું.
૨ પ્ર શ્રીજીમહારાજે રામાનંદ સ્વામીનાં દર્શન ઇચ્છ્યાં ને વનમાં જઈને અખંડ ધ્યાન કરવાનું કહ્યું અને સત્સંગમાંથી કેટલીક વાર જવાને અર્થે ઉદાસ થયા છીએ એમ કહ્યું તે શ્રીજીમહારાજ તો પોતે ભગવાન છે એમને રામાનંદ સ્વામીનાં દર્શનનું શું પ્રયોજન હશે ? અને ધ્યાન કોનું કરવાનું હશે ? અને ઉદાસ થવાનું શું કારણ હશે ?
૨ ઉ અમારા તથા સત્પુરુષનાં દર્શનની આતુરતા રાખવી તથા અમારું ધ્યાન કરવું એમ પોતાના આશ્રિતોને શીખવવાને અર્થે પોતાને મિષે વાત કરી છે. અને જેને અમારું સદાય ધ્યાન કરવાની રુચિ હોય તેને પણ અમારા ભક્તના સમૂહમાં રહીને જ અમારું ધ્યાન કરવું પણ અમારા ભક્તના સંગથી ઉદાસ ન થાવું એમ પોતાના આશ્રિતોને સૂચવ્યું છે.
૩ પ્ર ભગવાનનાં કથા-કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે દીવાના થઈ જવાશે એવી મસ્તાઈ આવે છે એમ કહ્યું તે મસ્તાઈ શી સમજવી ? અને કોઈક ભક્તજનના સમાસને અર્થે વિવેક રહે છે એમ કહ્યું તે વિવેક શો સમજવો ?
૩ ઉ શ્રીજીમહારાજની કથા-કીર્તનાદિકમાં શ્રીજીમહારાજનો મહિમા આવે ત્યારે અતિશે પ્રીતિવાળા ભક્ત પ્રેમમગ્ન થઈને પોતાની દેહદશા ભૂલી જાય ને મૂર્તિમાં જોડાઈ જાય ને અલમસ્તની પેઠે વર્તે અને મૂર્તિમાંથી બહાર નીકળવું તે પ્રિય ન લાગે તોપણ બીજા ભક્તના કલ્યાણને અર્થે દેહમાં વર્તીને તેમને જ્ઞાન-ઉપદેશ કરવો એ વિવેક સમજવો.
૪ પ્ર પહેલી બાબતમાં જીવનો દેહ પૂર્વકર્મને આધીન કહ્યો અને બીજીમાં અમારી ઇચ્છા એ જ તમારું પ્રારબ્ધ છે એમ કહ્યું તેનું શું કારણ હશે ? અને બીજીમાં તન-મન-ધન અર્પણ કર્યું કહ્યું તે અર્પણ કર્યું ક્યારે કહેવાય ?
૪ ઉ સ્થૂળ દેહે કરીને શિક્ષાપત્રી, જનશિક્ષા, નિષ્કામશુદ્ધિ ને ધર્મામૃત તેને વિષે કહેલા જે ત્યાગી-ગૃહીના નિયમ તે સર્વે પાળે ત્યારે તન અર્પણ કર્યું કહેવાય અને મને કરીને શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ એકે સંકલ્પ થાવા દે નહિ ને મનની વૃત્તિ મૂર્તિમાં અખંડ રાખે ત્યારે મન અર્પણ કર્યું કહેવાય. અને પોતાના ઉદ્યમમાંથી જે પ્રાપ્ત થાય તેમાંથી દશોંદ-વિશોંદ ભાગ શ્રીજીમહારાજને અર્પણ કરે ત્યારે ધનની શુદ્ધિ થાય છે ને શેષ રહ્યું તે પોતાના નિર્વાહમાં ને સત્સંગમાં જ વાપરે તે ધન અર્પણ કર્યું કહેવાય. (૩) આવી રીતે ઉપર કહ્યા પ્રમાણે જે ભક્તજન વર્તે તેને શ્રીજીમહારાજની ઇચ્છા એ જ પ્રારબ્ધ છે. ।।૧૩।। (૨૪૭)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૪
સંવત ૧૮૮૪ના અષાડ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને મસ્તક ઉપર પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા પછી શ્રીજીમહારાજે કહ્યું જે, કીર્તન-ભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન-ઉત્તર કરીએ.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું જે, (૧) હે મહારાજ ! પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી તોપણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દૃઢ પ્રીતિ થાતી નથી ? એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એને વિવેક નથી જો વિવેક હોય તો એમ વિચાર થાય જે, મારે તો બ્રહ્મચર્યવ્રત છે તોપણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી તે બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો ચોરાશી લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે, કેમ જે એ જીવ બકરો થયો હશે ત્યારે હજાર બકરીઓને પોતે એકલો ભોગવતો હશે અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બુઢિયો વાંદરો ઇત્યાદિક પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિષે પોતપોતાની જાતની અતિશે રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એકેએક એને મળી હશે, ને તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી એ તો સહેજે જ મળી હતી, ને વળી પણ જો ભગવાનનું ભજન નહિ કરે તો જે જે યોનિમાં જાશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થાશે ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન-પૂજન નહિ કર્યું જોઈએ, ને કોઈ મંત્રનો પણ જપ નહિ કર્યો જોઈએ; એ તો સહેજે જ તે સ્ત્રીઆદિકના સુખને પામશે અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકનાં પણ સુખ ભોગવ્યાં છે ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યાં છે તોપણ એ જીવને સ્ત્રીઆદિક જે પદાર્થ છે તેને ભોગવ્યાની તૃષ્ણા ટળતી નથી, ને સ્ત્રીઆદિકનું જે સુખ છે તેનું અતિશે દુર્લભપણું જાણે છે, ને તેનું અતિ માહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી. એ પાપે કરીને પરમેશ્વરમાં દૃઢ પ્રીતિ થાતી નથી, અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું તેમાં જઈને અમે સૂતા ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો, તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને એમ વર માગતો જે, હે મહારાજ ! હે શિવજી ! મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશો મા, શા માટે જે મનુષ્ય દેહમાં તો ત્રાંબું ખાઈ ખાઈને મરી ગયા પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી, માટે હે શિવજી ! મને તો જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર દેજો, જે લાજ-મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ ! એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે માટે એેને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થાતી નથી. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જેને એવો અતિશે અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય પણ જેને એમ જણાતું હોય જે ભગવાન સર્વ સુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે તોપણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ જીવને પૂર્વજન્મને વિષે અથવા આ જન્મને વિષે કોઈક અતિશે ભૂંડાં જે દેશ, કાળ, સંગ ને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે તેણે કરીને અતિશે તીક્ષ્ણ કર્મ થયાં છે, તે ભૂંડાં કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર-અસારને જાણે છે તોપણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિષે દૃઢ પ્રીતિ થાતી નથી. (૨) તે જેવી રીતે ભૂંડાં દેશ, કાળ, ક્રિયા ને સંગ તેને યોગે કરીને ભૂંડાં કર્મનો ચિત્તમાં પાશ બેઠો છે, તેવી રીતે અતિશે પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા ને પવિત્ર સંગ તેને યોગે કરીને અતિશે તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય તો તેને યોગે કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડાં પાપકર્મ તેનો નાશ થઈ જાય છે ત્યારે એને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ થાય છે એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. (૩)
૩ પછી અયોધ્યાપ્રસાદજીએ પૂછ્યું જે, (૩) એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દૃષ્ટિ પૂગતી હોય, ને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ ઝાઝું જાણતો ન હોય, અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે ને થોડી બુદ્ધિવાળો હોય તે દૃઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ સંસારને વિષે દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે. તેમાં આસુરી જીવ હોય તેને ઝાઝી બુદ્ધિ હોય તોપણ સત્સંગમાંથી વિમુખ જ થાય, ને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તોપણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય. જેમ મરચાનું બીજ હોય ને લીંબડાનું બીજ હોય ને શિંગડિયા વછનાગનું બીજ હોય તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચીએ તોપણ મરચાં તે તીખાં જ થાય ને લીંબડો તે કડવો જ થાય ને શિંગડિયો વછનાગ તે ઝેર જ થાય, શા માટે જે એનું બીજ ભૂંડું છે. અને શેલડીને વાવીને લીંબડાના પાનનું ખાતર નાખીએ ને કડવું પાણી સિંચ્યા કરીએ તોપણ શેલડીનો રસ તે મીઠો જ થાય તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે. (૪)
૪ પછી શુકમુનિએ પૂછ્યું જે, (૪) દૈવી ને આસુરી જીવ હોય તે કેમ જાણ્યામાં આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, દૈવી જીવ હોય તેને કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને હોય, પછી સારા દેશકાળાદિકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય અને આસુરી જીવને જે કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહિ, અને તેને એક વાર જો કાંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહિ, અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતાં સરસ હરિભક્ત જણાય, પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાંપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નીસરે, અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નીસરે, તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારેક છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તોપણ મનમાં સંતોષ ન થાય. (૫)
૫ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૫) હે મહારાજ ! તમે એમ કહ્યું જે, આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું જ્યાં લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય. તે જ્યાં લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમપદને પામે. (૬)
૬ પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૬) નવધાભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, નવધાભક્તિમાંથી જેને જે ભક્તિએ કરીને ભગવાનમાં દૃઢ સ્નેહ થાય તે જ ભક્તિ તેને શ્રેષ્ઠ છે. (૭)
૭ પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૭) જેને બાળ અવસ્થા હોય અથવા યૌવન અવસ્થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે વયે કરીને પણ વૃદ્ધ હોય ને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય જેને દૃઢ હોય અને ભગવાનને વિષે પણ દૃઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રીતિએ કરીને એ બેય જણાને કરવો. (૮)
૮ પછી નાજે જોગીએ પૂછ્યું જે, (૮) એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાણું છે, ને એકનું ભયે કરીને ભગવાનમાં મન જોડાણું છે, અને એકનું તો સ્નેહે કરીને ભગવાનમાં મન જોડાણું છે, એ ત્રણમાં કિયો શ્રેષ્ઠ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેનું હેતે કરીને ભગવાનમાં મન જોડાણું છે તે શ્રેષ્ઠ છે. (૯)
૯ પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૯) ભગવાનનો ભક્ત તો હોય પણ જેને શ્રીજીમહારાજે કહ્યો એવો જે સાર-અસારનો વિવેક તે ન હોય ને વૈરાગ્ય પણ ન હોય તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો પ્રથમ જ ભગવાનમાં દૃઢ હેત થઈ જાય, તો વિવેક ને વૈરાગ્ય તે હેતને યોગે કરીને પ્રગટ થાય છે. ને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ અથવા કામના કહીએ, તે જે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે, તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે. જેમ પાડો હોય તે કામનાએ કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે છે એવી રીતે પશુ-પક્ષીમાં સર્વત્ર દેખાય છે, તેમ જેને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરત ક્રોધ થઈ જાય ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે. માટે જો ભગવાનમાં દૃઢ હેત હોય તો એની મેળે જ વૈરાગ્ય ને વિવેક થઈ આવે છે. (૧૦)
પછી વળી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૦) બુદ્ધિમાન તો બેય પુરુષ છે તેમાં એક તો જેમ પરમેશ્વર કહે તેમ જ માની લે એવો વિશ્વાસી છે, ને બીજો તો પરમેશ્વરનાં વચન હોય તેમાં પણ માનવું ઘટે તેટલું જ માને, એ બેમાં કિયો શ્રેષ્ઠ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે જે, જે મારે દૃઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું, માટે વિશ્વાસી એ જ શ્રેષ્ઠ છે. (૧૧)
૧૧ પછી આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૧) મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે તોપણ એમ જાણીએ છીએ જે પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશે માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તોપણ કોઈનો અવગુણ ન લે, ને પોતે મૂંઝાય પણ નહિ, અને વાંક વિના પણ પરમેશ્વર ને સંતે પોતાનું અતિશે અપમાન કરે તોપણ કોઈનો અવગુણ ન લે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે, અને ત્રીજો પ્રકાર એ છે જે જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશમાત્ર ફેર પડે તો અતિશે દુઃખાઈ જાય, ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત્ત કરે અને જો મનમાં ખોટો ઘાટ થાય તો બીજાને દેહે કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુઃખાય ને ત્રાસ પામે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે જે આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહીં. (૧૨)
૧૨ પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૧૨) કેમ કરીએ તો ભગવાન ને ભગવાનના ભક્તનું અખંડ માહાત્મ્ય રહે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ તો એમ કરવું જે દેહે કરીને સર્વે સંતને પગે લાગવું, અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબવું, પગ દાબવા ને ખાધા-પીધાની ખબર રાખવી અને પોતાની પાસે પોતાને મનગમતી વહાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરવી. એવી રીતે દેહે કરીને જો વર્તે તો અંતરમાં ભગવાનનું ને સંતનું માહાત્મ્ય અખંડ રહે. (૧૩)
૧૩ પછી શ્રીજીમહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો જે, (૧૩) ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારે અતિ તીવ્રપણે કરીને વર્તતાં હોય તોપણ ધર્મમાં કાંઈક સંકરપણું થાય, ને વૈરાગ્યમાં કોઈક ઠેકાણે રાગ રહી જાય, અને ભક્તિમાં પણ કાંઈક શિથિલપણું થઈ જાય, અને જ્ઞાનમાં પણ કાંઈક દેહાસક્તિ રહી જાય તેનું શું કારણ હશે ? પછી ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે જેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર તીવ્ર વર્તે છે એવા જે ઈશ્વરમૂર્તિ સમર્થ તેમાં જે કાંઈક કસર જેવું જણાય છે તે તો કેવળ દયાએ કરીને રહે છે, પણ બીજી કોઈ જાતની કસર નથી, અને એવા જે મોટા હોય તે બાહ્ય દૃષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવોને જડભરત જેવા ને શુકજી જેવા કરી મૂકે. માટે એવા અતિશે જે મોટા તેમને જે વ્યાવહારિક દૃષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. પછી શ્રીજીમહારાજે કહ્યું જે એનો ઉત્તર એ જ છે. (૧૪) ઇતિ વચનામૃતમ્ ।।૧૪।। (૨૪૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧૩) છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેને સ્ત્રી સંબંધી મલિન વાસના હોય તેને અમારે વિષે પ્રીતિ ન થાય. (૧) બીજામાં અતિશે ભૂંડા દેશકાળાદિકને યોગે ભૂંડા કર્મનો પાશ લાગ્યો હોય તે સાર-અસારને જાણે તોપણ અમારે વિષે પ્રીતિ ન થાય. (૨) અને અતિશે પવિત્ર દેશાદિક ને અતિશે સુકૃત કર્મ થાય તો એ પાપકર્મનો નાશ થઈ જાય. (૩) ત્રીજામાં આસુરીને ઝાઝી બુદ્ધિ હોય પણ તે વિમુખ થાય ને દૈવીને થોડી બુદ્ધિ હોય તોપણ સત્સંગમાંથી વિમુખ થાય નહીં. (૪) ચોથામાં દૈવીના દોષ સારા દેશાદિકને યોગે નાશ થાય ને આસુરીના ન થાય ને એનું ગમતું મરડીએ તો દ્રોહ કરે. (૫) પાંચમામાં આસુરી જીવનું ગમતું રાખીએ એવામાં દેહ પડી જાય તો પરમપદને પામે.(૬) છઠ્ઠામાં નવધામાં જે ભક્તિએ અમારે વિષે સ્નેહ થાય તે ભક્તિ તેને શ્રેષ્ઠ છે. (૭) સાતમામાં બાળ તથા યૌવન અવસ્થાવાળાએ વયોવૃદ્ધ ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને અમારે વિષે દૃઢ પ્રીતિવાન હોય એવા પુરુષનો સંગ કરવો. (૮) આઠમામાં હેતે કરીને અમારે વિષે મન જોડાણું હોય તે શ્રેષ્ઠ છે. (૯) નવમામાં પ્રથમ અમારે વિષે હેત થાય તો વૈરાગ્ય ને વિવેક આવે. (૧૦) દશમામાં વિશ્વાસી શ્રેષ્ઠ છે. (૧૧) અગિયારમામાં મંદવાડમાં ચાકરી ન થઈ હોય ને વગર વાંકે અમે ને સંત અપમાન કરીએ તોપણ અવગુણ ન લે, અને નિયમમાં લેશમાત્ર ફેર પડે તો તત્કાળ પ્રાયશ્ચિત્ત કરે ને ખોટો ઘાટ થાય તો વર્તમાનમાં ફેર પડ્યા જેટલો ત્રાસ પામે ત્યારે તેનો અમને ને સંતને વિશ્વાસ આવે. (૧૨) બારમામાં દેહે કરીને સર્વેને પગે લાગે ને માંદાની સેવા કરે ને વહાલી વસ્તુ સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે તેના અંતરમાં અમારું ને સંતનું માહાત્મ્ય રહે. (૧૩) તેરમામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અતિ તીવ્ર વર્તતાં હોય એવા અતિશે મોટાને વ્યવહારિક દૃષ્ટિએ વર્તવું તે કેવળ જીવો ઉપર દયાએ કરીને છે. (૧૪) બાબતો છે.
૧ પ્ર બીજા પ્રશ્નમાં અતિશે ભૂંડાં કર્મ કહ્યાં તે કિયાં જાણવાં ? અને ત્રીજી બાબતમાં અતિશે સુકૃત કર્મ કહ્યાં તે કિયાં જાણવાં ?
૧ ઉ મદ્ય, માંસ, લસણ, ડુંગળી, હિંગ આદિક અભક્ષ વસ્તુનું ભક્ષણ કરવું તથા ચોરી, હિંસા, વ્યભિચારાદિક કર્મ કરવાં, ન જોવાનું જોવું, ન બોલવાનું બોલવું ઇત્યાદિક શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ આચરણ થાય તે ભૂંડાં કર્મ જાણવાં અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ, ધ્યાન-ભજન, સત્પુરુષની સેવા, બ્રહ્મચર્ય, અહિંસા, એ આદિક શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું તે શુભ કર્મ જાણવાં. આવાં અતિશે શુભ કર્મે કરીને અતિશે ભૂંડાં પાપકર્મનો નાશ થઈ જાય એમ કહ્યું છે.
૨ પ્ર (૮/૯ આઠમા પ્રશ્નમાં) સ્નેહે કરીને મન જોડાણું હોય તે શ્રેષ્ઠ છે એમ કહ્યું તે સ્નેહે કરીને તો શ્રીજીમહારાજને વિષે મન જોડાય, પણ ક્રોધ ને ભયે કરીને કેવી રીતે જોડાતું હશે ?
૨ ઉ જ્યારે ભગવાન મનુષ્ય રૂપે પૃથ્વીને વિષે વિચરતા હોય ત્યારે ભગવાનને વિષે જેને દ્વેષભાવે કરીને અતિશે વૈરબુદ્ધિ થઈ હોય તેને અખંડ ભગવાનમાં વૈરભાવે કરીને વૃત્તિ રહે તે ક્રોધે કરીને મન જોડાણું કહેવાય. અને જેને જન્મમરણ, ગર્ભવાસ, ચોરાશી ને યમયાતનાની બીક હોય તેને ભગવાનની સ્મૃતિ અખંડ રહે તે ભયે કરીને મન જોડાણું કહેવાય.
૩ પ્ર (૧૩/૧૪ તેરમા પ્રશ્નમાં) કહ્યું તે ધર્મમાં સંકરપણું કેવી રીતે થાતું હશે અને વૈરાગ્યમાં રાગ શો રહેતો હશે અને ભક્તિમાં શિથિલપણું શું થાતું હશે ? અને જ્ઞાનમાં દેહાસક્તિ શી રીતે રહેતી હશે ?
૩ ઉ ત્યાગીએ જ્ઞાનઉપદેશ કરીને ઘણા માણસોને ભગવાન ભજાવીને નિર્વાસનિક કરીને તેમનાં કલ્યાણ કરવાં, અને લીલા તૃણને પણ તોડવું નહિ એવો ધર્મ છે, તોપણ મંદિરો સંબંધી ક્રિયામાં તૃણાદિકના છેદનરૂપ અહિંસા ધર્મમાં કસર દેખવામાં આવે અને અતિ તીવ્ર વૈરાગ્ય હોય પણ કોઈક ભક્તને રાજી કરવા સારુ સારી વસ્તુ આપે તે જમે એમ વૈરાગ્યમાં પણ રાગ દેખવામાં આવે અને શ્રીજીમહારાજને વિષે અતિશે સ્નેહે કરીને જોડાઈ રહ્યા હોય તેથી ઉપરથી દર્શન-સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું ન જણાય તેણે કરીને શ્રીજીમહારાજની મૂર્તિને વિષે પ્રીતિમાં શિથિલપણું બીજાને દેખવામાં આવે તે (સા. ૧૫/૨માં) જેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને પ્રીતિ હોય તેને ઉપરથી તો અમારાં દર્શન-સ્પર્શાદિકને વિષે આતુરતા જેવું જણાતું નથી, પણ એની પ્રીતિનાં મૂળ ઊંડાં છે માટે તે ભક્ત શ્રેષ્ઠ છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે, માટે ઉપરથી દર્શનાદિકની આતુરતા ન જણાય તેણે કરીને બીજાને દેખવામાં શિથિલપણું આવે પણ એમને વિષે કસર ન હોય, અને જ્ઞાને કરીને શ્રીજીમહારાજની મૂર્તિનો પોતાના આત્માને વિષે સાક્ષાત્કાર હોય ને દેહને ખોટો કરી નાખ્યો હોય તોપણ બીજાના કલ્યાણને અર્થે તેને પોતાના દેહની સેવા કરવા દે ત્યારે બીજાના દેખવામાં દેહાસક્તિ આવે પણ પોતાને દેહમાં આસક્તિ ન હોય આવા મોટા મુક્ત હોય તે અખંડ શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા હોય ને મૂર્તિમાં રહ્યા થકા બાહ્ય દૃષ્ટિ રાખીને જ્ઞાનઉપદેશ કરીને તથા સેવા અંગીકાર કરીને ને શ્રીજીમહારાજનું ધ્યાન-ભજન કરાવીને જડભરત, શુકજી જેવા એટલે પોતાના જેવા મુક્ત કરી મૂકે. ।।૧૪।। (૨૪૮)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૫
સંવત ૧૮૮૪ના અષાડ વદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, આજ તો અમે અમારા રસોઇયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! કેઈ રીતે વાત કરી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) વાત તો એમ કરી જે ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસીપૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમે એનો જીવ પ્રથમ જે જે ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને પંચવિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગે કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાઈ આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂએ પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહિ ત્યાં સુધી ઘાની વેદના ટળે નહિ ને નિદ્રા પણ આવે નહિ, ને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય ને નિદ્રા પણ આવે. તેમ ભૂંડાં દેશ, કાળ, સંગ ને ક્રિયા તેને યોગે કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવધાભક્તિ માંહીલી જે ભક્તિ કરતાં થકાં એ પંચવિષયના ઘાની પીડા ન રહે ને પંચવિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠ્યો જાણવો અને એ જ એને ભજન-સ્મરણનું અંગ દૃઢ જાણવું, પછી એ અંગમાં રહીને માનસીપૂજા કરવી, નામ-સ્મરણ કરવું, જે કરવું તે પોતાના અંગમાં રહીને કરવું તો એને અતિશે સમાસ થાય અને જો પોતાના અંગને ઓળખે નહિ તો જેમ ઘાયલને પાટો ગોઠે નહિ ને સુખ ન થાય તેમ એને ભજન-સ્મરણમાં કોઈ રીતે સુખ ન થાય ને પંચવિષયના જે ઘા એને લાગ્યા હોય તેની પીડા ટળે નહીં. માટે એ નવધાભક્તિમાંથી જે ભક્તિ કરતે થકે પોતાનું મન ભગવાનમાં ચોંટે અને ભગવાન વિના બીજો ઘાટ કરે નહિ ત્યારે તે હરિભક્તને એમ જાણવું જે મારું તો એ જ અંગ છે. પછી તે જાતની ભક્તિ એને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાત છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૫।। (૨૪૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ભૂંડા દેશ-કાળાદિકને યોગે કરીને પંચવિષયના ઘા લાગ્યા હોય તે નવધાભક્તિ માંહેલી જે ભક્તિએ કરીને પંચવિષયનું સ્મરણ ન થાય તે અંગમાં રહીને અમારી માનસીપૂજા, નામ-સ્મરણ કરવું તો અતિશે સમાસ થાય, ને જે પોતાના અંગને ઓળખે નહિ તેને સુખ ન થાય. (૧) બાબત છે. ।।૧૫।। (૨૪૯)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૬
સંવત ૧૮૮૪ના અષાડ વદિ અમાવસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર પહેર્યા હતા તથા પાઘમાં તોરા અતિશે શોભાયમાન ઝૂકી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, મુનિમંડળ સમસ્ત તથા ગૃહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજો. તે પ્રશ્ન એ છે જે, (૧) ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતાં કાંઈ વાર લાગે નહિ, પણ જેમાં અતિશે રૂડા ગુણ હોય તેનો કેઈ રીતે ત્યાગ થાય ? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય પણ ગુણવાન સંગાથે સહેજે જ પ્રીતિ થાય, ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થઈ હોય તે ટાળી ટળે જ નહિ, માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેની સંગાથે પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે એ પ્રશ્ન છે ? પછી મોટા મોટા જે સંત તેમણે જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કુરૂપ હોય અથવા રોગી હોય કે વૃદ્ધ હોય તોપણ બીજા જે તાલેવર ને રૂપવાન ને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશમાત્ર મનમાં ગુણ આવે નહીં. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈક પરુણા આવ્યા હોય તો તેને અન્નજળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્નજળ આપે તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષમાત્ર સંગાથે લેશમાત્ર પ્રીતિ ન હોય, અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દૃઢ ટેક છે, તેમ જ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દૃઢ ટેક જોઈએ. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દૃઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહિ અને પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહિ, કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે, ને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને એવી જેને પોતાના ઇષ્ટદેવ જે ભગવાન તેને વિષે પતિવ્રતાના જેવી દૃઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિષે પ્રીતિ થાય જ નહીં. જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રજીને વિષે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દૃઢ ભક્તિ કરવી. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૬।। (૨૫૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારે વિષે પતિવ્રતાપણે પ્રીતિ કરવી ને અમારા મુક્તમાં જીવોનો મોક્ષ કરે એવો મોટો ગુણ છે તોપણ તે સાથે અમારા જેવી પ્રીતિ ન કરવી ને બીજા અવતારને વિષે તો કરવી જ નહિ ને અમારી મરજી પ્રમાણે જ વર્તવું અને જેમ હનુમાનજીએ રામચંદ્રજીને વિષે નિષ્ઠા રાખી હતી તે પછી ઘણાક અવતાર થઈ ગયા તોપણ નિષ્ઠા મૂકી નહીં. તેમ તમારે અમારે વિષે નિષ્ઠા છે. તે અમારા પછી અવતારો થાય તોપણ અમારે વિષેથી નિષ્ઠા ફરવા દેવી નહિ તે પતિવ્રતાની ભક્તિ છે, અને જેનું અંગ એવું ન હોય તેની ભક્તિ વ્યભિચારિણીના જેવી છે. (૧) બાબત છે.
૧ પ્ર પતિવ્રતા સ્ત્રી પતિ વિના બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ કે હસીને બોલે તો એનું પતિવ્રતાપણું નાશ પામે એમ કહ્યું તે પતિને ઠેકાણે તો શ્રીજીમહારાજ છે અને પતિવ્રતાને ઠેકાણે શ્રીજીમહારાજના ભક્ત છે પણ બીજા પુરુષને ઠેકાણે કોને જાણવા ને ભાવે કરીને જોવા કે હસીને બોલવું તે શું સમજવું ?
૧ ઉ બીજા પુરુષને ઠેકાણે સર્વે અવતારો જાણવા તે અવતારોને શ્રીજીમહારાજના અવતાર જાણીને દર્શન કરવાં તે ઠીક અને જો એમને શ્રીજીમહારાજના જેવા જ જાણીને દર્શન કરે તો ભાવે કરીને જોયું કહેવાય. અને શ્રીજીમહારાજનાં દર્શન જેવો જ આનંદ એમને દર્શને થાય તે હસીને બોલ્યું કહેવાય. માટે શ્રીજીમહારાજ વિના અન્ય અવતારોની મોટપ રહી જાય કે તેમને દેખીને હર્ષ પામે તો તે ભક્તનું પતિવ્રતાપણું નાશ પામે.
૨ પ્ર પતિવ્રતાને ઘેર પરોણા આવ્યા હોય તેને તથા પોતાના પતિના સંબંધીને અન્નજળ આપે એમ કહ્યું તે પરોણાને ઠેકાણે કોને જાણવા ? ને સંબંધીને ઠેકાણે કોને જાણવા ?
૨ ઉ વિષ્ણુ-વૈરાજાદિથી આરંભીને મૂળઅક્ષર પર્યંત સર્વ અવતારોને વિષે શ્રીજીમહારાજનો આવેશ છે તેમને પરોણા જાણવા. અને શ્રીજીમહારાજના મુક્તને શ્રીજીમહારાજનો સાક્ષાત્ સંબંધ છે તેમને સંબંધી જાણવા.
૩ પ્ર જે જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દૃઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહિ એમ કહ્યું તે જેવે રૂપે, તે કેવે રૂપે જાણવું ?
૩ ઉ જે જેવે રૂપે એટલે છપૈયા ધામને વિષે ધર્મ-ભક્તિ થકી શ્રીજીમહારાજે મનુષ્ય રૂપે પ્રગટ થઈને દર્શન આપ્યાં છે તે રૂપ જાણવું, અને તેમને ઇષ્ટદેવ જાણીને પ્રીતિ બાંધવી ને તેમના જેવી મોટા મુક્તને વિષે પણ પ્રીતિ ન કરવી તો બીજા અવતારોને વિષે તો કરાય જ કેમ ? માટે શ્રીજીમહારાજને વિષે જ ઇષ્ટદેવપણાની પતિવ્રતાપણે ટેક રાખવી. અને આ જ પ્રતિમા રૂપે શ્રીજીમહારાજ સાક્ષાત્ દર્શન આપે છે તે મૂર્તિને વિષે પતિવ્રતાપણાની ટેક રાખવી અને મુક્તને વિષે મુક્તપણાની બુદ્ધિ રાખવી.
૪ પ્ર પોતાના ઇષ્ટદેવની મરજી પ્રમાણે જ વર્તે એમ કહ્યું તે મરજી શી જાણવી ?
૪ ઉ શ્રીજીમહારાજે ગૃહી-ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે યથાર્થ પાળે તે મરજી પ્રમાણે વર્ત્યા કહેવાય.
૫ પ્ર આમાં હનુમાનજીએ રામચંદ્રજી પછી કેટલાક અવતાર થયા તોપણ રામચંદ્રજીને વિષેથી પતિવ્રતાની ટેક મૂકી નહિ એમ કહ્યું, ત્યારે કોઈ મુમુક્ષુએ અવતારને વિષે પતિવ્રતાની ટેક રાખી હોય ને પછી તેને અવતારી મળે, ને તે અવતારને વિષેથી પતિવ્રતાની ટેક મૂકીને, અવતારીને વિષે પતિવ્રતાની ટેક રાખે તો તેને પતિવ્રતાપણામાં ખોટ્ય આવે કે લાભ થાય?
૫ ઉ હનુમાનજીને જે રામચંદ્રજીમાં પતિવ્રતાની ટેક છે તેને મૂઢપણાનો નિશ્ચય કહેવાય, તે મૂઢપણાના નિશ્ચયવાળા કરતાં, સમજણના નિશ્ચયવાળા જ્ઞાનીને શ્રીજીમહારાજે વધારે વખાણ્યો છે. અને એવો જે જ્ઞાની તે તો, અવતાર-અવતારીનો ભેદ, સગુણ-નિર્ગુણપણું, અન્વય-વ્યતિરેકપણું, તથા પૃથ્વીને વિષે જે ભગવાનના અવતાર થાય છે તે સર્વ રીતને જાણે. માટે તે સર્વ અવતારોના તથા મુક્તોના સ્વામી એક શ્રી સ્વામિનારાયણને જ જાણે. માટે તેને જ્યારે અવતારી મળે ત્યારે અવતારને વિષે નિષ્ઠા કરી હોય તે મૂકીને અવતારીને વિષે જ પતિવ્રતાની ટેક રાખે, તેમાં કાંઈ બાધ નથી, એમાં તો લાભ જ છે. કેમ જે સર્વના પતિ તો એક અવતારી જ છે, માટે અવતારમાંથી નિષ્ઠા મૂકીને અવતારીમાં નિષ્ઠા કરવી જ અને જ્યાં સુધી સર્વ સુખના ધામ એવા અવતારીની ઉપાસના ન મળે ત્યાં સુધી સર્વોપરી સુખ ન મળે; એ તો જ્યારે અવતારી મળે ને તેમને ઓળખીને તેમની ઉપાસના કરે ત્યારે જ સર્વોપરી સુખની પ્રાપ્તિ થાય. ।।૧૬।। (૨૫૦)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૭
સંવત ૧૮૮૪ના શ્રાવણ સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીમદ્ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી, કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા. અને ત્યાં ભગવાનનું ભજન કરતાં થકા મૃગલીના બચ્ચાને વિષે પોતાને હેત થયું ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ, પછી એવા મોટા હતા, તોપણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો, માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વે પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું તે અતિ મોટું પાપ છે, માટે જે સમજુ હોય ને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિશે બીક લાગે જે રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની અતિશે બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહિ, ને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા હવા. એટલી વાત કરીને શ્રીજીમહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૭।। (૨૫૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમારા ભક્તને અમારા વિના બીજે ઠેકાણે હેત રહે તે અતિ મોટું પાપ છે, માટે બીજે ઠેકાણેથી હેત ટાળીને અમારે વિષે અખંડ વૃત્તિ રાખવી એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.
૧ પ્ર ભરતજીનું આખ્યાન ચમત્કારી કહ્યું તે એમાં શો ચમત્કાર હશે ?
૧ ઉ ભરતજી રાજ્યસમૃદ્ધિ મૂકીને વનમાં ગયા એટલું બધું ત્યાગ કર્યું ને મહાતપ કર્યું તોપણ એક મૃગલીના બચ્ચામાં હેત થયું, એટલામાં ત્રણ જન્મ ધરવા પડ્યા એમ વાસનાએ કરીને મહાદુઃખ થાય છે તે વાર્તા સાંભળીને સર્વને ભય લાગે જે વાસના રાખશું તો મહાદુઃખ થાશે. અને બીજું એમને ભગવાનની સ્મૃતિ રહી તે ચમત્કારી વાત જાણવી. ।।૧૭।। (૨૫૧)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૮
સંવત ૧૮૮૪ના શ્રાવણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાંર્ હતાં ને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પુષ્પના તોરા લટકી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજના ભત્રીજા જે રઘુવીરજી તેમણે પ્રશ્ન પૂછ્યો જે, (૧) જેવી જાગ્રત અવસ્થાને વિષે જીવની સ્થિતિ છે તેવી સ્વપ્ન અવસ્થાને વિષે કેમ રહેતી નથી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવ જેવો જાગ્રત અવસ્થામાં રહે છે તેવો જ સ્વપ્ન અવસ્થાને વિષે રહે છે, કેમ જે જાગ્રત અવસ્થામાં જેવી વાસના હોય તેવી જ સ્વપ્ન અવસ્થામાં સ્ફુરે છે. (૧)
૨ પછી નિર્લોભાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! જાગ્રત અવસ્થામાં તો કોઈ દિવસ દીઠાંય ન હોય ને સાંભળ્યાં પણ ન હોય તેવાં તેવાં પદાર્થ સ્વપ્નમાં સ્ફુરી આવે છે તેનું શું કારણ હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ન દીઠાં હોય ને ન સાંભળ્યાં હોય એેવાં જે પદાર્થ સ્ફુરે છે તે તો પૂર્વજન્મનાં જે કર્મ તેની વાસનાએ કરીને સ્ફુરે છે. (૨)
૩ પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) હે મહારાજ ! આ જીવને પૂર્વજન્મનાં જે કર્મ તે કર્મનું જોર ભગવાનનો ભક્ત થાય તોપણ ક્યાં સુધી રહે છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ જીવને જ્યારે સત્પુરુષનો સંગ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વકર્મ સંબંધી જે વાસના તે જૂની થાતી જાય છે, પછી એને જન્મમરણ ભોગવાવે એવી તે વાસના રહે નહીં. જેમ ત્રણ વર્ષની તથા ચાર વર્ષની જે જૂની ડાંગર થઈ પછી તે જમ્યામાં તો આવે ખરી પણ વાવે તો ઊગે નહિ, તેમ પૂર્વકર્મની વાસના છે તે જીર્ણ થાય ત્યારે જન્મમરણને ભોગવાવે એવી રહે નહીં. ત્યારે કોઈ એમ પૂછશે જે વાસના જીર્ણ થઈ કેમ જણાય? ત્યાં દૃષ્ટાંત : જેમ કોઈ પુરુષો ઢાલો, તરવારો લઈને સામસામા લડાઈ કરતા હોય તે જ્યાં સુધી સામસામા એમ ને એમ ઊભા રહે ત્યાં સુધી એ બેનું બળ બરોબર જણાય, અને જ્યારે એક જણાનો પગ પાછો હઠ્યો ત્યારે એ હાર્યો કહેવાય. તેમ ભગવાનનો જે ભક્ત હોય તેને ભગવાન સંબંધી ને વિષય સંબંધી જે સંકલ્પ તે જ્યાં સુધી તુલ્યપણે વર્તતા હોય ત્યાં સુધી એમ જાણવું જે વાસના બળવાન છે, અને જ્યારે ભગવાન સંબંધી જે સંકલ્પ તે વિષય સંબંધી સંકલ્પને હઠાવી દે ત્યારે એમ જાણવું જે વાસના જીર્ણ થઈ ગઈ છે. (૩)
૪ પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે; (૪) જે ભગવાનના ભક્તને દેહાભિમાનની નિવૃત્તિ થઈ હોય ને પંચવિષયનો અભાવ થઈ ગયો હોય તે બીજા સર્વે ભક્તને કેમ કળ્યામાં આવે ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! આ તમારા પ્રશ્નનો ઉત્તર અમથી નહિ થાય માટે તમે કૃપા કરીને કરો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનો ભક્ત ગૃહસ્થાશ્રમી હોય અથવા ત્યાગી હોય ને તેને દેહાભિમાન તથા પંચવિષયમાંથી આસક્તિ તે તો નિવૃત્ત થઈ હોય પછી પરમેશ્વરની આજ્ઞાએ કરીને જેવી રીતે ઘટે તેવી રીતે દેહાભિમાન પણ રાખ્યું જોઈએ અને જેમ જેને યોગ્ય હોય તેમ પંચવિષય પણ ભોગવ્યા જોઈએ. ત્યાં દૃષ્ટાંત : જેમ અતિશે દૂબળું ઢોર હોય તેને હેઠે લાકડાં ભરાવીને ને શીંગડે-પૂંછડે ઝાલીને ઊભું કરે તે જ્યાં સુધી એ માણસ ઝાલી રહે ત્યાં સુધી ઊભું રહે અને જ્યારે માણસ મૂકી દે ત્યારે પૃથ્વી ઉપર પડી જાય, તેમ જે નિર્વાસનિક હોય તેને તો જ્યાં સુધી પરમેશ્વર આજ્ઞા કરીને જેટલી ક્રિયામાં જોડે તેટલી જ ક્રિયાને કરીને રહેવા દે. જેમ કોઈક પુરુષના હાથમાં તીરકમાન હોય તે જ્યાં સુધી એ પુરુષ ખેંચે ત્યાં સુધી એ કમાન કરડી થાય અને જ્યારે એ પુરુષ કમાનને ખેંચતો આળસી જાય, ત્યારે એ કમાન ઢીલી થઈ જાય છે. તેમ જે નિર્વાસનિક પુરુષ છે તે તો જેટલી પરમેશ્વરની આજ્ઞા હોય તેટલા જ વ્યવહારમાં જોડાય, પણ આજ્ઞાથી બહાર કાંઈ ન કરે, અને જે સવાસનિક હોય તે તો જે જે વ્યવહારમાં જોડાણો હોય તે વ્યવહારમાંથી પોતાની મેળે છૂટી શકે નહિ અને પરમેશ્વરની આજ્ઞાએ કરીને પણ છૂટી શકે નહીં. એવી રીતે નિર્વાસનિક પુરુષ ને સવાસનિક પુરુષનાં લક્ષણ છે. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૧૮।। (૨૫૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જીવ જેવો જાગ્રત અવસ્થામાં રહે છે તેવો જ સ્વપ્ન અવસ્થાને વિષે રહે છે. (૧) બીજામાં ન દીઠાં હોય ને ન સાંભળ્યાં હોય એવાં પદાર્થ તે પૂર્વજન્મના કર્મની વાસનાએ કરીને સ્ફુરે છે. (૨) ત્રીજામાં સત્પુરુષનો સમાગમ કરતાં કરતાં વાસના જીર્ણ થઈ જાય ને જન્મમરણ ભોગવાવે એવી રહે નહિ અને તે વાસના જાણવાની વિક્તિ કહી છે. (૩) ચોથામાં નિર્વાસનિક પુરુષ અમારી આજ્ઞા હોય એટલો જ વ્યવહારમાં જોડાય અને સવાસનિક અમારી આજ્ઞાએ કરીને પણ છૂટી શકે નહીં. (૪) બાબતો છે.
૧ પ્ર ચોથા પ્રશ્નમાં ઘટિત દેહાભિમાન રાખવું ને યોગ્ય પંચવિષય ભોગવવા એમ કહ્યું છે તે કેવી રીતે દેહાભિમાન રાખવું ? ને કેવી રીતે વિષય ભોગવવા ?
૧ ઉ એવા જે નિર્વાસનિક ભક્ત તે ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય તેને પોતાની આબરૂ પ્રમાણે ને સમૃદ્ધિ પ્રમાણે સારાં વસ્ત્ર પહેરવાં તથા વાહન રાખવું, પણ દરિદ્રીના જેવો વેષ ન રાખવો તે યોગ્યતા પ્રમાણે દેહાભિમાન રાખ્યું કહેવાય. અને ઘરમાં પરણીને સ્ત્રી રાખવી તથા ખાનાપાનાદિક ભોગ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ભોગવવા તે પંચવિષય કહેવાય. અને જે ત્યાગીના આશ્રમમાં રહ્યા હોય ને તે સાધુતાના ગુણે કરીને માનસત્કારને યોગ્ય હોય અથવા વૃદ્ધાવસ્થા હોય અથવા વિદ્વાન હોય તેમને ઘટિત સત્કાર કોઈક કરે તે સત્કારને અંગીકાર કરવો તે યોગ્યતા પ્રમાણે દેહાભિમાન રાખ્યું કહેવાય, અને પોતાને જેવુંતેવું ખાવાની રુચિ હોય તોપણ સર્વના ભેળું જે મળે તે જમવું પણ કાચા દાણા ખાઈને કે ફળ-ફૂલ ખાઈને કે લોટ ફાકીને ચલવવું નહિ તે યોગ્યતા પ્રમાણે પંચવિષય ભોગવ્યા કહેવાય. ।।૧૮।। (૨૫૨)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૯
સંવત ૧૮૮૪ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાનાં ને કર્ણિકારનાં પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે તે આ સત્સંગને વિષે શોભવા દેતાં નથી. તેમાં એક તો કામના ને બીજી પોતાના કુટુંબીને વિષે પ્રીતિ, એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે, તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશે અવગુણ આવે છે, માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ, શા માટે જે પંચમહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણ્યો જોઈએ જે, હું તો આત્મા છું અને મારે કોઈ સાથે લેશમાત્ર સંબંધ નથી, અને દેહના સંબંધી છે તે તો ચોરાશી લાખ જાતની હારે ગણ્યા જોઈએ, અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું માહાત્મ્ય સમજવા જાય તો એક તો સંબંધનું હેત જ હોય, ને વળી તેનું હરિભક્તપણાનું માહાત્મ્ય સમજે, પછી ભગવાન ને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાઈ જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું જ છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હેત કરે તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે, અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા-ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે, માટે જે સમજુ હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તોપણ તેને વિષે હેત ન રાખવું. જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય તો તે પણ ઝેર કહેવાય તેમ જેમાં સેવા-ચાકરીરૂપ સ્વાર્થ ભળ્યો હોય ને તે હરિભક્ત હોય તોપણ તેમાં પોતાનું સ્વાર્થ લેઈને હેત ન રાખવું, શા માટે જે, પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતવન થાય તેમ જ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થાવા માંડે એ જ એને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય, જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે જ અવિદ્યારૂપ થયું એવી રીતે જે જે ભગવાનના ભજનમાં અંતરાય થાતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યારૂપ જાણીને અતિશે ત્યાગ કરવો. અને આ પ્રકરણની જે વાર્તા તેને સંતમંડળ તથા સાંખ્યયોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી ને સાંભળવી. તેની વિગત જે જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી અને જે મોટેરો હોય ને જે દિવસ વાત ન કરે તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને આ ભગવાનની વાત સાંભળવા ન આવે તો તેને પણ ઉપવાસ કરવો. અને આ વચનને અતિશે દૃઢ કરીને રાખજો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૯।। (૨૫૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે કામનાવાળા તથા કુટુંબીને વિષે હેતવાળા ત્યાગી પશુ જેવા છે. તેમાં પણ કુટુંબીને વિષે હેતવાળાનો અમને અવગુણ આવે છે માટે ત્યાગીને લેશમાત્ર પોતાના સંબંધી સાથે હેત ન રાખવું; અને પોતાની ચાકરી કરતો હોય તેના ઉપર પણ હેત ન રાખવું, આ વાત નિત્ય ન કહે ને ન સાંભળે તેણે ઉપવાસ કરવો. (૧) બાબત છે. ।।૧૯।। (૨૫૩)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૦
સંવત ૧૮૮૪ના શ્રાવણ વદિ અમાવસ્યાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! કાળ તો ભગવાનની શક્તિ છે અને કર્મ તો જીવે કર્યાં હોય તે છે, પણ સ્વભાવ તે વસ્તુગતે શું હશે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવે જે પૂર્વજન્મને વિષે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે, જેમ લોઢાને વિષે અગ્નિ પ્રવેશ થઈ જાય તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! જીવ સાથે એકરસપણાને પામી રહ્યાં એવાં જે કર્મ એને જ સ્વભાવ તથા વાસના કરીને કહો છો એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાસે છે. અને જો આત્મનિષ્ઠા વિના એકલી જ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ હોય તો જેમ ભગવાનમાં હેત કરે તેમ બીજા પદાર્થમાં પણ હેત થઈ જાય, માટે આત્મનિષ્ઠા સહિત ભક્તિ કરવી એ જ વાસના ટાળ્યાનો ઉપાય છે. અને આત્મનિષ્ઠાવાળાને પણ કોઈક ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને અજ્ઞાનીની પેઠે જ ક્ષોભ થઈ આવે પણ ઝાઝી વાર ટકે નહીં. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૦।। (૨૫૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ, વાસના ને પ્રકૃતિ કહી છે. (૧) અને બીજામાં આત્મનિષ્ઠાએ સહિત ભક્તિ કરવી એ વાસના ટાળ્યાનો ઉપાય કહ્યો છે. (૨) બાબતો છે.
૧ પ્ર બીજા પ્રશ્નમાં આત્મનિષ્ઠાવાળાને ભૂંડા દેશકાળાદિકને યોગે કરીને ક્ષોભ એટલે મોહ થઈ આવે એમ કહ્યું અને
(પ્ર. ૬૧ના પહેલા પ્રશ્નમાં) આત્મનિષ્ઠાવાળાને ધીરજ ડગતી નથી એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૧ ઉ (પ્ર. ૬૧માં) દૃઢ આત્મનિષ્ઠાવાળાની વાત કહી છે અને આમાં સામાન્ય આત્મનિષ્ઠાવાળાની વાત કહી છે. ।।૨૦।। (૨૫૪)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૧
સંવત ૧૮૮૪ના ભાદરવા સુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ચમેલીનાં પુષ્પના હાર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને ને શુકમુનિને પ્રશ્ન-ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનની જે ભક્તિ છે તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે, અને જે ધર્મ છે તેણે કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે ને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે. અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તે ધર્મને સ્થાપન કરવાને અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપનને અર્થે થાતા નથી, અને જે પ્રાપ્તિ ભક્તિ વતે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભક્તિ સરખી કિયે પ્રકારે ધર્મમાં મોટાઈ આવે એ પ્રશ્ન છે ? પછી ગોપાળાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો, તે જે જે વાત કરી તેમાં ધર્મ તે ભક્તિનું અંગરૂપ થઈ જાય પણ કોઈ રીતે ભક્તિ સરખી ધર્મમાં ગૌરવતા આવે નહીં. પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ અતિશે હસતા હવા. અને એમ બોલ્યા જે, એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, માટે લ્યો અમે એનો ઉત્તર કરીએ જે, એ ધર્મ તો બે પ્રકારનો છે. એક નિવૃત્તિ ધર્મ છે ને બીજો પ્રવૃત્તિ ધર્મ છે. તે એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે ને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહ્લાદ, અંબરીષ એ આદિક જે ભક્તજન તેનો છે, અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે. અને તે ધર્મ ને ભક્તિ તો બે નથી; એક જ છે. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે, અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશે ગૌણ છે, અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ ને ભક્તિ એનું તો એકસરખું ગૌરવપણું છે અને પ્રાપ્તિ પણ એકસરખી જ છે એવી રીતે ભક્તિની ને ધર્મની સરખી મોટાઈ છે. (૧) અને કેવળ જે વર્ણાશ્રમ ધર્મ તે તો તે થકી અતિશે દૂબળા છે ને તેનું ફળ પણ નાશવંત છે. (૨) અને અમારો પણ મત એ છે જે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથે હેત કરીએ તોપણ થાતું નથી. અને અમને એમ જણાય છે જે જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે, માટે અમને પણ વન, પર્વત ને જંગલ એમાં જ રહેવું ગમે છે, પણ મોટાં મોટાં શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી એવો અમારો સહજ સ્વભાવ છે. તોપણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તોપણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા; અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તોપણ એને નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તોપણ અમારે તેનો અવગુણ આવતો નથી; અમે તો એમ જાણીએ છીએ જે, ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તોપણ તે જોવા નહિ અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો, પણ ભગવાનના ભક્તમાં એ જાત્યનો દોષ હોય તોપણ એ હરિજનનો અવગુણ લેવો નહિ, અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો, ને બીજા અલ્પ દોષ હોય તે સારુ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. (૩) ને ભગવાનના ભક્ત હોય તેને વાદવિવાદે કરીને જીતીને રાજી થાવું નહિ; એ સાથે તો હારીને જ રાજી થાવું, ને જે વાદવિવાદે કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચમહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમ આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહિ, ને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્નજળ પણ ભાવે નહિ, અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે, તો તે સાથે પણ અતિશે કુહેત થઈ જાય. (૪) શા માટે જે, આપણ તો આત્મા છીએ તે આપણે દેહના સંબંધી સાથે શા સારુ હેત જોઈએ, આપણે તો સત્તા રૂપે રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહિ શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહિ, માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહિ કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહીં. (૫) શા માટે જે, આ સત્સંગ છે તે તો અલૌકિક છે ને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે, તે જેવા જ આ સર્વે સત્સંગી છે ને અમે તો જેવા સર્વથી પર જે દિવ્યધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે, તે થકી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. (૬) અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ એ અતિશે દૃઢ નહિ હોય તે તો અંતે જાતા ઢીલો પડ્યા વિના નહિ જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય ને તે શિયાળામાં ને ચોમાસામાં તો અકડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય. તેમ અહીંયાં હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થાતું રહે, તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે સૂધાં આકરાં જણાય પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહે કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલાં થઈ જાય. તોપણ અમે તો તેનો ત્યાગ કરતા નથી પણ એ જ એની મેળે ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હઠી જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય તોપણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દૃઢપણે કરવો પણ દેહ તથા દેહના સંબંધીને સંગાથે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં. જેમ સોનાનો દોરો કર્યો હોય તે છોયે ઋતુમાં સરખો રહે, પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહિ તેમ જેનો દૃઢ સત્સંગ હોય તેને ગમે તેવાં દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હઠે નહીં. એવા જે દૃઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાંવહાલાં છે, ને તે જ અમારી નાત છે, ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે ને શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે એમ અમારો નિશ્ચય છે, ને તમારે પણ એમ જ નિશ્ચય રાખ્યો જોઈએ, શા માટે જે તમે સર્વે અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ, ને મિત્ર પણ તેને જ જાણવો જે પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે એ જ મિત્રનું લક્ષણ છે, તે સમજી રાખજો. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૨૧।। (૨૫૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા સંબંધે સહિત જે નિવૃત્તિ ને પ્રવૃત્તિ ધર્મ તે ભાગવત ધર્મ છે તે ધર્મ ને ભક્તિ એ બે એક જ છે, એ ધર્મ સ્થાપન કરવાને અર્થે અમે પ્રગટ થયા છીએ તે ભાગવત ધર્મે કરીને જીવ અમારા ધામને પામે છે. (૧) અને કેવળ વર્ણાશ્રમ ધર્મનું ફળ નાશવંત છે. (૨) અને અમને વન, પર્વત, જંગલમાં જ રહેવું ગમે છે તોપણ અમારા ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ ને અમારા ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી તે નિવૃત્તિ જાણીએ છીએ, અને અમારા ભક્તનો અલ્પ દોષ જોઈને અવગુણ ન લેવો અને મોટા વર્તમાનમાં ચૂકે ત્યારે અવગુણ લેવો. (૩) અને અમારા ભક્તને વાદે કરીને જીતે તે પંચમહાપાપીથી વધુ પાપી છે અને અમારા ભક્તનું ઘસાતું બોલે તે અમને દીઠો ગમતો નથી ને અમારા ભક્તનો અવગુણ લે તેના હાથનું અન્નજળ ભાવે નહીં. (૪) અને દેહનાં સંબંધી સાથે હેત ન રાખવું; સત્તારૂપ થઈને અમારી સાથે હેત કરવું. જે સત્તારૂપ નહિ રહી શકે તેને કામાદિક શત્રુ પીડશે. (૫) અને અમારા દિવ્ય અક્ષરધામને વિષે અમારા પાર્ષદ છે તેથી અધિક આ સત્સંગી એટલે આ ગોપાળાનંદ સ્વામી છે. (૬) અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ ને ભક્તિ અતિ દૃઢ નહિ હોય તે અંત્યે ઢીલો પડશે તોપણ અમે તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે સત્સંગમાંથી પાછો પડી જાય છે. અને જે દૃઢ સત્સંગી છે તેના ભેળું આંહીં તથા અક્ષરધામમાં રહેવું એવો નિશ્ચય રાખવો. (૭) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં શ્રીજીમહારાજ અતિશે હસતા હવા એમ કહ્યું તે અતિશે હસવાનું કારણ શું હશે ?
૧ ઉ આ પ્રશ્ન અક્ષર ઓરડીમાં જીવુબા, લાડુબા અને રાજબાએ શ્રીજીમહારાજને પૂછેલો તેનો ઉત્તર શ્રીજીમહારાજે કરેલો તે શુકસ્વામીએ સાંભળેલો તે પ્રશ્ન ગોપાળાનંદ સ્વામીને શુકસ્વામીએ પૂછ્યો તેથી શ્રીજીમહારાજ હસતા હવા જે અમારા પાસેથી સાંભળીને મોટા મુક્ત સાથે વિવાદ કરે છે એ હસવાનું કારણ છે.
૨ પ્ર ત્રીજી બાબતમાં શ્રીજીમહારાજે જડભરતાદિકના સરખો અમારા જીવનો ઢાળો છે એમ કહ્યું તે જીવ તો જે માયાની અંદર હોય ને જેને માથે જન્મમરણ હોય તેને જ કહેવાય ને શ્રીજીમહારાજ તો જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, અક્ષર ને મુક્તથી પણ પર ને દિવ્ય ચૈતન્યઘન મૂર્તિ છે છતાં પોતાને જીવ શબ્દથી કેમ કહ્યા હશે ?
૨ ઉ જડભરત આદિકને જેમ વસ્તીમાં રહેવું ગમતું નહિ તેમ અમને પણ વસ્તીમાં રહેવું ગમતું નથી તે રુચિ બતાવી છે. અને જિવાડે તે જીવ કહેવાય તે શ્રીજીમહારાજ જીવ-ઈશ્વરાદિક સર્વેને સુખદાતા ને પ્રકાશક ને સચેતન કરે છે એવી રીતે સર્વને જિવાડે છે માટે જીવ શબ્દે કહ્યા છે. આનો વિસ્તાર (મ ૫૬ના પહેલા પ્રશ્નોત્તરમાં) છે.
૩ પ્ર (૬ છઠ્ઠી બાબતમાં) શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોકને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વ સત્સંગી છે એમ કહ્યું અને પછીથી સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિષે જે પાર્ષદો રહ્યા છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૩ ઉ જ્યારે શ્રીજીમહારાજ તથા તેમના મુક્તો જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વી ઉપર પધારે ત્યારે ગોલોકાદિક સર્વે ધામોનાં પાર્ષદ તથા અધિપતિ તે પોતાના કલ્યાણને અર્થે આ લોકને વિષે મનુષ્ય દેહ ધરીને સત્સંગમાં આવે છે. તે સર્વેની તથા અક્ષરધામના મુક્તોની સભા ભેળી હોય તે ગોલોકાદિકને વિષેથી આવેલાને તે ધામોના પાર્ષદ કહ્યા છે અને અક્ષરધામમાંથી આવેલા મુક્તને તે સભાઓથી અધિક કહ્યા છે.
૪ પ્ર દિવ્યધામને વિષે અમારા પાર્ષદો છે તેથી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને અમારા તથા અમારા ભક્તના સમ છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે દિવ્ય ધામ તો પોતાના પ્રકાશરૂપ અક્ષરધામને કહ્યું છે, પણ તે અક્ષરધામમાં રહેનારા પાર્ષદ એટલે મુક્તથી અધિક કહ્યા તે અધિક એટલે કેવા જાણવા અને અધિક કોને કહ્યા હશે ?
૪ ઉ શ્રીજીમહારાજના ધામને વિષે શ્રીજીમહારાજને સન્મુખ પરમ એકાંતિકમુક્ત શ્રીજીમહારાજની હજૂરમાં રહ્યા છે તેથી પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત અધિક છે તે અનાદિમુક્તોને અધિક કહ્યા છે ને આ સત્સંગી કહ્યા તે શ્રી ગોપાળાનંદ સ્વામીના સન્મુખ હસ્ત કરીને કહ્યા છે જે આમની સાથે તમે સંવાદ કરો છો તે તો અમારી મૂર્તિમાં રહેનારા અમારા અનાદિમુક્ત છે એમ શુકમુનિને ઠપકો દીધો છે.
૫ પ્ર દૃઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાંવહાલાં છે ને એ જ અમારી નાત્ય છે ને આ દેહે કરીને પણ એમના ભેળું જ રહેવું છે અને શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, એમ શ્રીજીમહારાજે કહ્યું તે વૈષ્ણવ કોને કહ્યા હશે ? અને સગાંવહાલાં તેનો શો અર્થ જાણવો ? અને નાત્ય કેવી રીતે જાણવી ? અને શ્રીકૃષ્ણ ભગવાન કોને કહ્યા છે ?
૫ ઉ પોતાના મુક્તોને વૈષ્ણવ નામે કહ્યા છે, અને મુક્ત જેવા બીજા કોઈ વહાલા નથી માટે સગાંવહાલાં કહ્યાં છે, અને એ મુક્ત પોતાના સાધર્મ્યપણાને પામ્યા છે, માટે પોતાની નાત્ય કહી છે, અને અક્ષરધામમાં પોતાના મુક્તોએ સહિત સદાય ભેળા રહે છે અને અક્ષરધામમાં રહ્યા થકા જ જીવોના કલ્યાણ કરવાને અર્થે આ લોકને વિષે દર્શન આપે છે, તોપણ સદાય ભેળા ને ભેળા જ રહે છે પણ કોઈ કાળે જુદા પડતા નથી તેથી ભેળા રહેવું છે એટલે ભેળા રહીએ છીએ એમ કહ્યું છે, અને શ્રીકૃષ્ણ નામે પોતાને કહ્યા છે. ।।૨૧।। (૨૫૫)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૨
સંવત ૧૮૮૪ના ભાદરવા વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પાઘને વિષે ધોળાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠને વિષે ધોળાં પુષ્પના હાર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ-સરોદા લેઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા. તે સમયમાં શ્રીજીમહારાજ અંતર સન્મુખ દૃષ્ટિ કરીને વિરાજમાન હતા.
૧ પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, (૧) જેવું પ્રેમલક્ષણા ભક્તિએ યુક્ત આ કીર્તનને વિષે હરિજનનું અંગ કહ્યું છે એવું તો ઝીણાભાઈનું અંગ છે તથા પર્વતભાઈ ને મૂળજી એનાં પણ એવાં અંગ હતાં, માટે અમે અંતર સન્મુખ દૃષ્ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્સંગમાં એવાં અંગવાળા હશે, અને જેને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચવિષયને વિષે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) નરસિંહ મહેતો તો સખીભાવે શ્રીકૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, નરસિંહ મહેતા, ગોપીઓ અને નારદ-સનકાદિકની ભક્તિમાં બે પ્રકાર નથી; એ તો એક પ્રકાર જ છે. અને દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બેય માયિક છે ને નાશવંત છે અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી; એ તો સત્તામાત્ર ચૈતન્ય છે. (૨) તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. (૩) અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જ જો ધન-સ્ત્રીઆદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો એ ભગવાનનો દૃઢ ભક્ત કહેવાય નહિ, અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે ને સત્સંગમાં જ કુવાસના બાંધે છે તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાણું હોય તેને તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દૃઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહિ, શા માટે જે સત્સંગી હરિજન છે તે તો જેવાં પોતાનાં મા-બોન-દીકરી હોય તેવાં છે. અને આ સંસારને વિષે અતિશે જે પાપી હોય તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિષે કુદૃષ્ટિ રાખે છે માટે જે હરિજનને વિષે કુદૃષ્ટિ રાખે તે અતિશે પાપી છે, ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહિ, માટે જેને રસિક ભક્ત થાવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થાવું. (૪) અને સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાન ને ભગવાનના ભક્તને વિષે દોષબુદ્ધિ થાય ને તે દોષબુદ્ધિએ કરીને ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાઈ જાય માટે કોટિ ગૌહત્યા કરી હોય તથા મદ્ય-માંસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્ય ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય તે એ પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય, પણ ભગવાન ને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. અને તે પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય ને સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય. પછી તે કોઈ જન્મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થાતો નથી. (૫) અને જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદર્યો હોય ને પરિપક્વ દ્રોહી ન થયો હોય તેની તો દ્રોહબુદ્ધિ મોટાપુરુષને સંગે કરીને ટળે છે, પણ જેની પરિપક્વ દ્રોહબુદ્ધિ થઈ હોય તેની તો કોઈ યોગે કરીને દ્રોહબુદ્ધિ ટળે નહિ, અને દ્રોહ કર્યાની સાધનદશામાં હોય ને એમ જાણે જે ભગવાન ને ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો એ મોટું પાપ કર્યું, માટે હું તો અતિશે નીચ છું અને ભગવાન ને ભગવાનના ભક્ત તે તો બહુ મોટા છે એવી રીતે જે ભગવાનનો ને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાને વિષે દોષ જુએ, તો ગમે તેવાં મોટાં પાપ કર્યાં હોય તોપણ તે નાશ પામે છે અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે ને દુઃખાય છે તેવા કોઈ પાપે કરીને દુઃખાતા નથી. અને જ્યારે વૈકુંઠલોકમાં જય-વિજયે સનકાદિકનું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ સનકાદિક પાસે આવ્યા ને સનકાદિક પ્રત્યે એમ બોલ્યા જે, તમ જેવા જે સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે, માટે તમે જય-વિજયને શાપ દીધો એ બહુ સારું કર્યું અને તમ જેવા ભગવદી બ્રાહ્મણ તેનો જો મારો હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાખું તો બીજાની શી વાત કહેવી ! એવી રીતે વૈકુંઠનાથ ભગવાન સનકાદિક પ્રત્યે બોલ્યા ને જય-વિજય હતા, તે ભગવદીના અપરાધરૂપી જે પાપ તેણે કરીને દૈત્ય થયા. એવી રીતે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે તે સર્વે મોટી પદવીમાંથી પડી ગયા છે તે શાસ્ત્રમાં વાત પ્રસિદ્ધ છે. માટે જેને પોતાનું રૂડું ઇચ્છવું તેને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહિ ને જો જાણે-અજાણે કાંઈક દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગી સ્તુતિ કરીને જેમ તે રાજી થાય તેમ કરવું. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૨૨।। (૨૫૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે, તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેને પ્રેમલક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચવિષયને વિષેથી પ્રીતિ ટળી જાય છે ને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે. (૧) ને બીજામાં સખીભાવે અથવા દાસભાવે અમને ભજે તે બેયની ભક્તિ એક જ છે. (૨) અને અમારો ભક્ત દેહ મૂકીને ધામમાં જાય છે ત્યારે અમારી કાં ભક્તની મરજી હોય તેવો આકાર બંધાય છે. (૩) અને સત્સંગી બાઈ ઉપર કુદૃષ્ટિએ જુએ તે અતિશે પાપી છે. (૪) અને અમારા ભક્તનો દ્રોહ કરે તે રાક્ષસ થઈ જાય છે. (૫) અને પરિપક્વ દ્રોહી ન થયો હોય તેની દ્રોહબુદ્ધિ મોટાપુરુષને સંગે ટળે છે, અને પરિપક્વ દ્રોહીની કોઈ યોગે દ્રોહબુદ્ધિ ટળતી નથી ને અમારા ભક્તના દ્રોહ કરનારા ઉપર અમારો અતિશે કુરાજીપો થાય છે, ને તેણે અમને અતિશે વશ કર્યા હોય ને અમારે વિષે અતિશે એકતા થઈ હોય ને જેમ હાથ સેવા કરે તેમ હાથની પેઠે સેવા કરતો હોય તોપણ તેનો ત્યાગ કરી દઈએ અને જેનો દ્રોહ થયો હોય તે રાજી થાય તેમ કરવું. (૬) બાબતો છે.
૧ પ્ર (૨/૩ બીજા પ્રશ્નમાં) અમારી વા ભક્તની મરજી પ્રમાણે આકાર ધરીને અમારી સેવામાં રહે છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજની મરજીથી કેવો આકાર બંધાતો હશે ? ને પોતે કેવો આકાર ધરતો હશે ? ને ધામમાં સેવા શી હશે ?
૧ ઉ જેને વિશ્વાસનું અંગ હોય તે જ્ઞાનમાર્ગ સમજતો ન હોય જે ભગવાનના ધામમાં કેવી રીતે રહેવાતું હશે તેને ભગવાન પોતાના જેવો મૂર્તિમાન કરે છે તે ભગવાનની ઇચ્છાએ આકાર બંધાયો કહેવાય અને જેને જ્ઞાનનું અંગ હોય તે એમ જાણે જે ભગવાનના ધામમાં ભગવાનના સરખા આકારવાળા મુક્ત રહ્યા છે તેવા મૂર્તિમાન આપણ થઈશું એમ જાણે તેને પણ ભગવાન પોતા જેવો મૂર્તિમાન કરે એ ભક્તની ઇચ્છાથી બંધાયો કહેવાય, ને શ્રીજીમહારાજને વિષે દાસપણું રાખવું તે સેવા કહી છે. ।।૨૨।। (૨૫૬)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૩
સંવત ૧૮૮૫ના આસો સુદિ ૧૫ પૂનમને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ કૃપા કરીને સર્વે હરિજન પ્રત્યે બોલ્યા જે, (૧) જે ભગવાનનો ભક્ત હોય તે નિત્યે ભગવાનની માનસીપૂજા કરે તે માનસીપૂજા કરવાની એમ વિક્તિ છે જે, ઉનાળો, શિયાળો ને ચોમાસું એ ત્રણે ઋતુને વિષે નોખી નોખી માનસીપૂજા કરવી. તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે, સારું ટાઢું સુગંધીમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા, ને પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો ને પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગઅંગને વિષે સુંદર મળિયાગાર ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિષે ચર્ચીને લલાટને સારી પેઠે નીરખવું તથા હાથને વિષે ચર્ચીને હાથને સારી પેઠે નીરખવા, તથા હૃદય, ઉદર, સાથળ, પિંડી એ આદિક જે અંગ તેને વિષે તે ચંદનનું લેપન કરી કરીને તે તે અંગને નીરખવાં તથા ચરણારવિંદની ઉપર ને તળે સુંદર કુંકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નીરખવાં. પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે સુગંધીમાન પુષ્પ તેના હાર તથા કંકણ, બાજુબંધ, ટોપી એ આદિક જે આભૂષણ તે તે પુષ્પનાં પહેરાવવાં. અને મોગરાનાં પુષ્પ જેવું ધોળું ને ઝીણું ને બહુ ભારે નહિ એવું વસ્ત્ર મસ્તકને વિષે ધરાવવું તથા ધોળી ઝીણી ને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાડવી પછી તે ભગવાનને મળવું તે એક વાર મળવું, બે વાર મળવું, જેવું પોતાને હેત ઊપજે તેમ મળવું, તથા ભગવાનનાં ચરણારવિંદ પોતાની છાતીમાં લેવાં તથા મસ્તક ઉપર ધારવાં, અને તે મળવે કરીને જે ભગવાનના અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનના ચરણારવિંદને પોતાની છાતીમાં ને મસ્તક ઉપર ધાર્યા હોય તેણે કરીને જે કુંકુમ વળગે તથા પુષ્પના હારનાં ચિહ્ન ઇત્યાદિક જે જે પોતાના અંગમાં વળગે, તેને ધારવું કહેતાં એમ જાણવું જે, ભગવાનનું પ્રસાદી ચંદન, કુંકુમ ને હાર તે મારા અંગમાં અડ્યાં છે. અને શિયાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે, પ્રથમ તો ભગવાનને ઊને જળે કરીને નવરાવવા, ને પછી ધોળો ખેસ પહેરવા આપવો ને પછી ઢોલિયા ઉપર મખમલનું ગાદલું પાથરીને તે ઉપર ધોળો ઓછાડ ઓછાડીને તે ઉપર ભગવાનને વિરાજમાન કરવા. ને પછી સુરવાળ પહેરાવવો તથા ડગલી પહેરાવવી તથા સોનેરી તારાળો ભારે કસુંબી રેંટો મસ્તકે બંધાવવો તથા કેડે ભારે રેંટો બંધાવવો તથા ખભે ભારે રેંટો ધરાવવો તથા હીરા, મોતી, સુવર્ણ, લાલનાં જે ભાત્ય ભાત્યનાં ઘરેણાં તે અંગઅંગને વિષે ધરાવવાં તથા મોતીની માળા પહેરાવવી અને વસ્ત્ર પહેરાવીને તથા આભૂષણ પહેરાવીને ભગવાનનાં જે તે અંગ તેને સારી પેઠે નીરખવાં અને ભગવાનના લલાટને વિષે એક કુંકુમનો ચાંદલો કરવો. અને ચોમાસાના ચાર મહિના સુધી એમ પૂજા કરવી જે, જાણીએ ભગવાન કોઈક ગામથી આવ્યા તે ધોળાં વસ્ત્ર સર્વે પલળી ગયાં છે, અથવા નદીએ પરમહંસે સહિત નાવા પધાર્યા હતા ત્યાંથી પલળીને આવ્યા છે પછી તે પલળેલાં જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વે કસુંબલ વસ્ત્ર પહેરવા આપવાં, અને લલાટને વિષે પીળું જે કેસર-ચંદન તેનું લેપન કરવું અને ઉનાળો હોય ત્યારે ચોગાન જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા અને શિયાળો ને ચોમાસું હોય ત્યારે કોઈ સારી મેડીને ઉપર ભગવાન વિરાજમાન છે અથવા ઘરને માંહેલી કોરે વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા અને ભગવાનને જમવા કેઈ વસ્તુ આપવી તો જે ભક્ષ, ભોજ્ય, લેહ્ય, ચોસ્ય પોતાના મનમાં ખાવાને ગમતાં હોય તેવાં ભગવાનને અર્થે ચિંતવવાં, અને તેવાં ભગવાનને ન ભાવતાં હોય તોપણ પોતાને ગમતાં જ ભોજન ભગવાનને અર્થે ચિંતવવાં. અને બીજા જે ધૂપ, દીપ, આરતી એ આદિક ઉપચાર તે યથાયોગ્ય ભગવાનને અર્પણ કરવા, એવી રીતે ત્રણે ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિષે હેતની વૃદ્ધિ થાય છે ને તેના જીવને બહુ સમાસ થાય છે, માટે જેણે આ વાત સાંભળી છે તે રાખજો ને નિત્ય આવી રીતે ભગવાનની માનસીપૂજા કરજો ને આવી વાત અમે કોઈ દિવસ કરી નથી. (૧)
૨ અને વળી શ્રીજીમહારાજે એક બીજી વાત કરી જે, (૨) જ્યારે ભગવાન ને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું જે મારાં મોટાં ભાગ્ય જે મારી ઉપર ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થયા, અને શિક્ષાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું જે મારાં મોટાં ભાગ્ય જે મુને ભગવાન ને ભગવાનના ભક્ત વઢ્યા, જેણે કરીને મારામાં અવગુણ હશે તે જાશે એવી રીતે વઢે તોપણ રાજી થાવું પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો ને કચવાવું નહિ, ને પોતાના જીવને અતિ પાપી ન માનવો ને રાજી રહેવું. આ વાર્તા પણ રાખ્યા જેવી છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૩।। (૨૫૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્તોએ અમારી માનસીપૂજા ત્રણે ઋતુને વિષે ભિન્ન ભિન્ન પ્રકારે કરવી તેણે કરીને અમારે વિષે હેતની વૃદ્ધિ થાય છે. (૧) બીજામાં અમે તથા અમારા ભક્ત વઢીએ ત્યારે રાજી થાવું, પણ કચવાવું નહીં. (૨) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં ભિન્ન ભિન્નપણે માનસીપૂજા કરવાની કહી તેથી બીજી રીતે થતી હશે કે કેમ ?
૧ ઉ આ માનસીપૂજા કહી તે અવરભાવની છે અને પોતાને દિવ્ય ચૈતન્યમય અવયવે રહિત માનીને પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ દિવ્ય તેજોમય ધારવી ને સર્વે પદાર્થ ચૈતન્યમય ધારીને જમાડવા અને વસ્ત્રાદિક અલંકાર તે મૂર્તિ જેવાં જ દિવ્ય ધારવાં પણ મૂર્તિથી ભિન્ન ન ધારવાં એ પરભાવની માનસીપૂજા છે.
૨ પ્ર બીજા પ્રશ્નમાં કહ્યું જે આ વાત પણ રાખ્યા જેવી છે તે કેઈ વાત હશે ?
૨ ઉ આ માનસીપૂજા કરવાની કહી તે વાત રાખ્યા જેવી, ને શિક્ષાને અર્થે શ્રીજીમહારાજ તથા મોટા સંત વઢે ત્યારે મારે વિષે દોષ છે તેથી હું પાપી છું એમ માને તો ગ્લાનિ પામીને હિંમત હારી જાય ને કલ્યાણને માર્ગેથી પાછો પડી જાય, માટે પોતાને પાપી ન માનવો અને મારા ઉપર દયા કરીને શ્રીજીમહારાજ ને મોટા સંત મને વઢ્યા તેથી હવે મારા દોષ નાશ પામશે એમ રાજી થાવું, પણ કચવાવું નહિ, એ બે વાતો રાખ્યા જેવી કહી છે. ।।૨૩।। (૨૫૭)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૪
સંવત ૧૮૮૫ના આસો વદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ।। यानास्थाय नरो राजन्...।। એ શ્લોકમાં કહ્યા જે ભાગવત ધર્મ તેને કેવી રીતે આશરવા ? ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે ।। प्रसंग-मजरं पाश... ।। તથા ।। यस्यात्म बुद्धि:.. ।। એ શ્લોકમાં એમ કહ્યું છે જે આ જીવને જેવી રીતે દેહગેહાદિકને વિષે પ્રસંગ છે, તેવી રીતે જ્યારે એને સંતનો દૃઢ પ્રસંગ થાય ત્યારે એ નેત્રને મીંચીને દોડે તોપણ ભાગવત ધર્મથી પડે નહિ ને આખડે પણ નહીં. (૧)
૨ પછી શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે તથાપિ એમને વિષે એવું કિયું લક્ષણ છે જે જેણે કરીને એમ જાણીએ જે એને આપત્કાળ પડશે તોપણ એ ધર્મમાંથી નહિ ડગે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનનાં જે જે નાનાંમોટાં વચન તેની ઉપર નિરંતર જેની દૃષ્ટિ રહે, પણ વચન બાહેર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે અને તે વચનથી આગળ પગ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે તેને જાણીએ જે એ ધર્મમાંથી આપત્કાળે પણ નહિ પડે. (૨)
૩ પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, (૩) પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે, તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે, જેમ દાદાખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી. તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે તથા ભયે કરીને પણ ટળે છે પણ તે અતિશે નથી ટળતી, કેમ જે જ્યારે કોઈક માણસ હોય ત્યારે તેનો ભય રાખે ને માણસ ન હોય તો ન રાખે. જેમ રાજાને ભયે કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે તેમ જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંક માર્યા હોય ને કચવાવ્યો હોય તોપણ કોઈ રીતે પાછો ન પડ્યો હોય, તે ઉપર તો અમારે એવું હેત રહે છે તે જાગ્રત-સ્વપ્નમાં સંભાર્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે ને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી. (૩) અને વળી જે હરિભક્તને વિષે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદાખાચરને વિશ્વાસનું અંગ અને રાજબાઈને ત્યાગનું અંગ, અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ, અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ, અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ, અને સોમલાખાચરને સદા એકરેણીપણું એ અંગ, અને ચૈતન્યાનંદ સ્વામીને એમ જે કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક એ અંગ, અને સ્વયંપ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા માહાત્મ્ય એ અંગ, અને ઠાકોર ઝીણાભાઈને એમ જે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું મન બંધાઈ જાય નહિ એવું અંગ, અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહિ એવું અંગ, એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેનાં અંગ કહ્યાં. અને પછી એમ બોલ્યા જે, આંહીંની મોટેરી ત્રણ બાઈઓ તથા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, સોમલોખાચર, દાદોખાચર, એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાનકાળે કેવા રૂડી રીતે વર્તો છો, તથાપિ જો દેશ, કાળ, સંગ, ક્રિયા એ ચારેને વિષે વિષમપણું થાય તો એમનો એમ રંગ રહે નહિ એ વાતમાં કાંઈ સંશય નથી. (૪) અને કદાચિત્ વિષયમાં બંધાઈ ગયો હોય, પણ જો જેને વિષે જેટલો જ્ઞાનાંશનો વધારો હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે, તે જ્ઞાનાંશ તે શું ? તો એમ સમજણ હોય જે, હું જે જીવ તે આવો છું તથા દેહ તે આવો છે તથા દેહના સંબંધી તે આવા છે, તથા પ્રકૃતિપુરુષ, વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત તેનાં સ્વરૂપ તે આવી રીતનાં છે, તથા ભગવાન તે આવી રીતના છે, તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે ઇત્યાદિક જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દૃઢતાની ગ્રંથિ તે પડી હોય, ને પછી જે વૈરાગ્ય ઊપજે તે વૈરાગ્ય ખરો અને એ વિના બીજો જે વૈરાગ્ય તે તો ઉપરથી જણાય પણ એમાં બળ નહિ, ને બળ તો જ્ઞાનાંશથી ઊપજ્યો જે વૈરાગ્ય તેમાં જ છે. જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઓલાઈ જાય અને વડવાનળ અગ્નિ તથા મેઘમાં જે વીજળીનો અગ્નિ તે જળમાં રહ્યો છે પણ તે જળનો પરાભવ એને થાતો નથી ને પ્રજ્વલિત થકો રહે છે, તેમ જ્ઞાનાંશ વિનાનો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય ત્યારે એ વૈરાગ્ય ટકે નહિ, અને જ્ઞાનાંશે કરીને થયો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય તોપણ એ વૈરાગ્ય ક્ષીણ ન પડે; વડવાનળ અગ્નિની પેઠે પ્રજ્વલિત થકો વર્તે છે, અને એવો જે જ્ઞાનાંશ તેની કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારુ અમે નિરંતર વાર્તા કરીએ છીએ. કેમ જે કોઈક વાર્તાની ચૂંક લાગે તો એવી આંટી પડી જાય. અને જે એમ ન સમજે ને આ મારી જાત, આ મારી મા, આ મારો બાપ, આ મારા સંબંધી, એવી રીતની અહંમમતાએ યુક્ત જેની સમજણ છે તેને તો અતિ પ્રાકૃત મતિવાળો અણસમજુ જાણવો. (૫)
૪ અને વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, (૪) મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે ? તો ભગવાનની કથા-વાર્તામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા-વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહિ આવે. અને શાસ્ત્રમાં નવ પ્રકારની ભક્તિ કહી છે તેમાં શ્રવણભક્તિને પ્રથમ ગણી છે, માટે જો શ્રવણભક્તિ જેને હોય તો પ્રેમલક્ષણા પર્યંત સર્વે ભક્તિનાં અંગ એને પ્રાપ્ત થાશે. (૬)
એવી રીતે વાર્તા કરી અને તે જ દિવસ મધ્યાહ્ન સમે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીની આગળ પરમહંસ સર્વેની પંક્તિ જમવા સારુ બેઠી હતી, તે સમયમાં શ્રીજીમહારાજ લીંબડાના વૃક્ષની હેઠે ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. પછી શ્રીજીમહારાજે પરમહંસ આગળ એમ વાત કરી જે, (૫) બાઈઓ હરિભક્ત છે તેનું માહાત્મ્ય તો ઝાઝું સમજવું નહિ; કેમ જે, એ માહાત્મ્યને મિષે કરીને મનમાં એનું મનન થાય એટલે સ્વપ્નમાં આવે, માટે માહાત્મ્ય લેવું તો સૌનું સમપણે લેવું, જે એ સર્વે ભગવાનના ભક્ત છે, પણ અધિક-ન્યૂનપણે માહાત્મ્ય લેવું નહિ અને જો અધિક-ન્યૂનપણે માહાત્મ્ય સમજે તો તેમાં મોટું વિઘ્ન છે. તેમ જ બાઈઓને ભાઈનું માહાત્મ્ય પણ સમપણે સમજવું અને જો એમ ન સમજે તો એ બાઈઓને પણ મોટું વિઘ્ન છે. (૭) ઇતિ વચનામૃતમ્ ।।૨૪।। (૨૫૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૫) છે. તેમાં છેલ્લાં ત્રણ કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા મુક્તનો દૃઢ પ્રસંગ રાખે તો ભાગવત ધર્મથી પડે નહીં. (૧) બીજામાં અમારા વચન પ્રમાણે વર્તે તે આપત્કાળે પણ ધર્મ થકી પડે નહીં. (૨) ત્રીજામાં જેને મોક્ષનો ખપ હોય તેની પ્રકૃતિ ટળે છે. (૩) અને મોટેરા પરમહંસ તથા હરિભક્તનાં અંગ કહ્યાં છે. (૪) અને જ્ઞાને સહિત વૈરાગ્ય હોય તે વિષયમાં બંધાય નહિ અને માયિક પદાર્થમાં અહંમમત્વવાળો અણસમજુ છે. (૫) ચોથામાં શ્રવણભક્તિ હોય તેના કામાદિક નાશ પામે ને અમારે વિષે પ્રેમલક્ષણા ભક્તિ થાય છે. (૬) પાંચમામાં બાઈ-ભાઈએ અરસપરસ માહાત્મ્ય સમપણે સમજવું. (૭) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં ભાગવત ધર્મને કેવી રીતે આશરવા એમ પૂછ્યું તેના ઉત્તરમાં શ્રીજીમહારાજે સંતનો પ્રસંગ રાખવાનું કહ્યું તેનું શું કારણ હશે ? ને ભાગવત ધર્મનું શું રૂપ હશે ? અને નેત્ર મીંચીને ચાલ્યો જાય તોપણ ભાગવત ધર્મમાંથી પડે-આખડે નહિ એમ કહ્યું તે નેત્ર શાં સમજવાં ? ને નેત્ર મીંચવાં તે શું સમજવું ? અને પડવું-આખડવું તે શું સમજવું ?
૧ ઉ નિવૃત્તિ ને પ્રવૃત્તિ એ બે પ્રકારનો ધર્મ છે તે શ્રીજીમહારાજના સંબંધે સહિત હોય તે ભાગવત ધર્મ કહેવાય, પણ તે ધર્મનું પોષણ શ્રીજીમહારાજના મુક્તને પ્રસંગે કરીને થાય છે તેથી સંતનો પ્રસંગ રાખવાનું કહ્યું છે. અને શ્રુતિ ને સ્મૃતિ એ બે નેત્ર છે તે શ્રુતિ-સ્મૃતિને જાણતો ન હોય તે નેત્ર મીંચ્યાં કહેવાય. અને સ્થૂળ દેહે કરીને ધર્મ લોપે તે ભાગવત ધર્મથી પડ્યો કહેવાય. અને અંતઃકરણમાં ખોટા ઘાટ થાય તે આખડ્યો કહેવાય, તે સત્પુરુષનો પ્રસંગ રાખે તો સ્થૂળ દેહે નિયમમાં ફેર પડે નહિ ને મનમાં ખોટા ઘાટ પણ થાય નહીં. કેમ જે સત્પુરુષના પ્રસંગથી સત્પુરુષના ગુણ તેમાં આવે છે.
૨ પ્ર બીજા પ્રશ્નમાં વચનથી અધિક પણ ન વર્તે ને ઓછો પણ ન વર્તે તો આપત્કાળે પણ ધર્મમાંથી પડે નહિ એમ કહ્યું તે અધિક વર્તે તે ધર્મમાંથી આપત્કાળે શી રીતે પડતો હશે ?
૨ ઉ શ્રીજીમહારાજે ત્યાગી-ગૃહી, બાઈ-ભાઈ સર્વેને જે જે વચન પાળવાનાં કહ્યાં છે તેથી અધિક વર્તે તો તેને બીજા ભક્તનો અવગુણ આવે તો તેનું પાપ લાગે તેણે કરીને તે પડી જાય.
૩ પ્ર (૩/૪ ત્રીજા પ્રશ્નમાં) ગોપાળાનંદ સ્વામી તથા સોમલાખાચર આદિક મોટા સંત હરિજન તથા મોટેરી ત્રણ બાઈઓ એવા મોટાને વિષમ દેશકાળમાં એવો રંગ ન રહે એમ કહ્યું અને (લો. ૧૩ના પહેલા પ્રશ્નમાં) અમારી મૂર્તિમાં નિમગ્ન રહે તેને દેશકાળાદિકે કરીને પરાભવ ન થાય તો જ્યારે સાધનિકને પરાભવ ન થાય તો સદા મૂર્તિમાં રહેનારા ને ધામમાંથી બીજા જીવોનાં કલ્યાણ કરવા આવેલા એવા મોટાને પરાભવ થાય એમ કહેવાનો શો હેતુ હશે ?
૩ ઉ એમને ઉદ્દેશે કરીને સાધનિકને શિક્ષા કરી છે, પણ એ તો મૂળપુરુષ તથા મૂળઅક્ષરાદિકના ઐશ્વર્યને પણ તુચ્છ જાણે છે તો માયા તો બિચારી સામું પણ ક્યાંથી જોઈ શકે ? તો માયાનું કાર્ય એવા જે દેશકાળાદિક તે તો બિચારા શું કરી શકે ? એવા સમર્થ મુક્ત છે અને જે એમને શરણે આવે કે દૃષ્ટિએ ચડે એવા જીવને પણ માયાથી રહિત કરીને અક્ષરધામમાં લઈ જાય એવા સમર્થ છે, પણ સાધનિકને બીક લાગે તે માટે કહ્યું છે. ।।૨૪।। (૨૫૮)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૫
સંવત ૧૮૮૫ના કાર્તિક સુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, (૧) ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઇચ્છા ન રાખવી એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઇચ્છા રાખવી જે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઇચ્છા રાખવી. અને એવી ઇચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવત્ પ્રસન્નતારૂપ ફળને ઇચ્છવું, અને જો એ વિના બીજી ઇચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી. ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમ જે ભગવાન તો અતિ મોટા છે. તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે તેમ ભગવાન તુરત રાજી થાય છે. (૧) અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે, તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, ઇત્યાદિક ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તોપણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચમાત્ર પણ મોળો ન પડે; રતિવા સરસ થાય તેને ખરો ભક્ત કહીએ. (૨)
૨ પછી શ્રીજીમહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! કિયા ગુણે કરીને તમે રાજી થાઓ ને કિયા દોષે કરીને કુરાજી થાઓ ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, આટલા તો વચનમાં દોષ છે, તે કિયા તો પોતાના અંતરમાં કાંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એક વાર કહી દેવું જે, હે મહારાજ ! તમે કહો તો હું આવી રીતે વર્તું પણ વારંવાર ન કહેવું જે, હે મહારાજ ! હું આમ વર્તું, હું આમ વર્તું તમે કેમ મુને કહેતા નથી ? તે ન ગમે. અને મને પોતાનો ઇષ્ટદેવ જાણે ને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિક જે જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે જે ભગવાન કરાવશે તો થાશે તે ન ગમે, અને આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે. અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશે ન ગમે. અને બીજાં વ્યાવહારિક કામ કરવાં હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય ને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવવાં, તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે. અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે. અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે તે ન ગમે. તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય ને તેને કુણી મારીને માગ કરીને પોતે બેસે તે ન ગમે. અને બાઈ માણસ હોય ને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે. તથા ચાલે ત્યારે નીચી દૃષ્ટિ રાખીને ચાલે, પણ ફાટી દૃષ્ટિ રાખે નહિ તે ગમે. અને અમારાં દર્શન કરતા હોય ને કોઈક બાઈ-ભાઈ આવે કે કૂતરું નીસરે કે કાંઈ ખડખડે તેની સામું વારંવાર દર્શન મૂકીને જુએ, પણ એક દૃષ્ટિએ દર્શન ન કરે તેની ઉપર તો એવી રીસ ચડે જે, શું કરીએ સાધુ થયા, નહિ તો એનું કાંઈક તાડન કરીએ, પણ તે તો થાય નહીં. કેમ જે, સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. અને જે કપટ રાખે, પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહિ તે ન ગમે. અને માન, તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું, તે શું તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહિ એ ત્રણ વાનાં તો અતિશે ભૂંડાં છે. અને હરિભક્તને માંહોમાંહી બરોબરિયાપણું રહે. પણ એક એકનો ભાર ન આવે એ પણ અતિશે ભૂંડું છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૨૫।। (૨૫૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ભક્તિ આદિક ગુણે કરીને અમારી પ્રસન્નતારૂપ ફળને ઇચ્છવું અને શ્રદ્ધાએ કરીને થોડી સેવા કરે તોપણ અમે રાજી થઈએ છીએ. (૧) અને ગમે તેવું સુખ-દુઃખ આવી પડે તોપણ નિયમ-ધર્મમાંથી મોળો પડે નહિ તે અમારો ખરો ભક્ત છે. (૨) બીજામાં રાજી-કુરાજી થવાના ગુણ-દોષ બતાવ્યા છે અને માન, ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું એટલે જેને જેમ કહેવું ઘટે તેમ તેને કહેવામાં તેનાથી દબાઈને તેની મોબતમાં લેવાવું તે તો અતિશે ભૂંડું છે તથા માંહોમાંહી બરોબરિયાપણું રહે તે પણ અતિશે ભૂંડું છે. (૩) બાબતો છે. ।।૨૫।। (૨૫૯)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૬
સંવત ૧૮૮૫ના કાર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૧) ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય તો, ઇન્દ્રિયો-અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહિ, ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, ને પંચવર્તમાનમાં દૃઢ રહેતા હોય, ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે, એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહિ, અને એવા સંત મનુષ્ય છે તોપણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે, માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી અને એવા સાધુ ગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી. (૧)
૨ પછી શ્રીજીમહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવોતેવો હોય તેને પણ પંચવિષયે કરીને બંધન થાય નહિ, પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તોપણ જેને પંચવિષય બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય ? તેનાં લક્ષણ કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય, ને આસ્તિકપણું હોય જે, આ લોકમાં જે સારું-નરસું કર્મ કરે છે તેનું જે સારું-નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે. એવી દૃઢ મતિ જેને હોય, તથા લાજ હોય જે, ભૂંડું કરશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડશું ? એવો જે હોય, તે ગમે ત્યાં જાય તોપણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીઆદિક તે બંધન કરી શકે નહીં. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે એવી જાતના જે હોય તેને સ્ત્રીધનાદિક પદાર્થનો યોગ થાય તોપણ એ ડગે નહીં. (૨) અને એવો ન હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે હું તો આત્મા છું; બ્રહ્મ છું તે મારે વિષે શુભ-અશુભ ક્રિયા લાગતી નથી; હું તો અસંગ છું, એવું અંગ હોય, તથા બીજું એમ હોય જે ભગવાનનો મહિમા બહુ સમજે, ને તે મહિમાની બહુ વાર્તા કરે જે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જાશે તેનો શો ભાર છે ? ભગવાનનો મહિમા બહુ મોટો છે. એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ છે. માટે આવી રીતે સમજે તો સારું જે આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દૃઢપણે પાળે ને એમ સમજે જે હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થાશે, ને જો મુને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થાશે. એવી રીતે જેના અંતરમાં દૃઢ ગ્રંથિ હોય તે ભક્ત ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહીં. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહીં. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો, તથા માયિક પદાર્થ બંધન કરે ખરું એ સિદ્ધાંત વાર્તા છે. (૩)
૩ પછી વળી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, (૩) અમને અહંકાર ન ગમે, તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે, તે દંભ શું તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ ને ધર્મ તે થોડાં હોય ને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારુ ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે, અને પોતાને ને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે, તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે, અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટો સમજે ને પોતાને અતિશે તુચ્છપણે સમજે પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. ને હવે જે ગમે તે કહીએ છીએ. જે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરેક જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે ને ધર્મમાં દૃઢ રહ્યો હોય, ને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તોપણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, અને વાર્તા કર્યામાં પોતાને મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહિ, એવો જે હોય તે અમને બહુ ગમે, એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરી. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૨૬।। (૨૬૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલું અને ત્રીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં ઇન્દ્રિયો-અંતઃકરણને દાબીને અમારા સંબંધી ક્રિયા કરે ને શુદ્ધ બ્રહ્મરૂપ પોતાને માનીને અમારી ઉપાસના કરે એવા એકાંતિક સંતની સેવા તે અમારી સેવા તુલ્ય છે અને એવા ગુણે યુક્ત બાઈ હોય તેની સેવા બાઈઓએ કરવી એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બીજામાં ધર્મ તથા આસ્તિકપણું ને લાજ એ ત્રણ હોય તે સ્ત્રીઆદિકમાં લેવાય નહીં. (૨) અને આત્મનિષ્ઠા હોય ને અમારું માહાત્મ્ય બહુ જાણતો હોય તે એમ જાણે જે હું નિષ્કામાદિક ધર્મ નહિ પાળું તો શ્રીજીમહારાજ કુરાજી થશે એમ સમજે તો ધર્મથી પડે નહીં. (૩) ત્રીજામાં પોતાને જે અંગ ગમે ને ન ગમે તેની વિક્તિ કહી છે. (૪) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં અમારી પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તેમને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા એમ શ્રીજીમહારાજે કહ્યું તે મનુષ્ય કોને જાણવા ? ને દેવ કોને જાણવા ?
૧ ઉ માયામાંથી ઉત્પન્ન થાય છે એવા જે જીવ તે જીવકોટિને આ ઠેકાણે મનુષ્ય જાણવા, અને માયાથી પર જે ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ તે સર્વેને આ ઠેકાણે દેવ જાણવા, કેમ જે એ સર્વે ઉત્પત્ત્યાદિક ક્રિયા કરે છે તે ક્રિયા સંત નથી કરતા; સંત તો એક મૂર્તિના સુખમાં જ લુબ્ધ રહે છે. માટે તે સર્વેથી શ્રીજીમહારાજના સંત એટલે મુક્ત તેમને અધિક કહ્યા છે.
૨ પ્ર આમાં અમારા સંબંધી જ ક્રિયા કરે એવા જે અમારા સંત તે અમારી પેઠે સેવા કરવા યોગ્ય છે એમ શ્રીજીમહારાજે કહ્યું. અને (છે. ૩૫ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં ) છો લક્ષણે યુક્ત સાધુની સેવા પણ શ્રીજીમહારાજે પોતાની સેવા તુલ્ય કહી છે અને (વ. ૫ના ચોથા પ્રશ્નમાં ) મોટાપુરુષની અને શ્રીજીમહારાજની સરખી સેવા કરવાથી સો જન્મે કસર મટવાની હોય તે આ જન્મે મટી જાય એમ કહ્યું છે. આ ત્રણમાં શ્રીજીમહારાજના સરખી જ મોટા સંતની સેવા કરવાનું કહ્યું તે સરખી સેવા કેવી રીતે કરવી ?
૨ ઉ (મ. ૫૪ના પહેલા પ્રશ્નોત્તરમાં) જેવી રીતે આત્મબુદ્ધિ, પોતાપણાની બુદ્ધિ, દેવબુદ્ધિ ને તીર્થબુદ્ધિ રાખવાની કહી છે તેવી રીતે સેવા કરવી.
૩ પ્ર (૩/૪ ત્રીજા પ્રશ્નમાં ) પોતાને ને અમને અભેદપણે ભજે તે અમને ન ગમે એમ કહ્યું તે શ્રીજીમહારાજને કેવી રીતે ભજે તે અભેદપણે ભજ્યા કહેવાય ?
૩ ઉ પરબ્રહ્મ જે ભગવાન તે હું છું એમ માને પણ સ્વામી-સેવકપણું ન રાખે તે અભેદપણે ભજ્યા કહેવાય તે શ્રીજીમહારાજને ન ગમે. ।।૨૬।। (૨૬૦)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૭
સંવત ૧૮૮૫ના કાર્તિક સુદિ ૧૫ પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે વાર્તા કરી જે, (૧) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પંચવિષય સંબંધી જે સુખ તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્થળ તેને વિષે રહ્યું છે. તે જો ભગવાનની મૂર્તિનાં દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય ને બીજા જે સ્પર્શાદિક ચાર વિષય તેનું સુખ પણ પ્રાપ્ત થાય તે એક જ સમયને વિષે થાય છે. અને બીજા માયિક જે પંચવિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું જ સુખ પ્રાપ્ત થાય, પણ બીજાનું ન થાય. માટે માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યાં છે, અને તે સુખ તો તુચ્છ છે ને નાશવંત છે ને અંતે અપાર દુઃખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વે વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે ને તે સુખ મહા અલૌકિક છે અને અખંડ અવિનાશી છે. તે સારુ જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિષે સર્વ પ્રકારે જોડાવું. (૧)
૨ અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૨) જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત-સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તોપણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી જે, અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો પણ જો રામાનંદ સ્વામીનાં દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞા અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી. તેની એમ વિક્તિ છે જે, એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય, ને એક એવી આંટી પાડી હોય જે આ ઠેકાણે હું આસન કરું તો નિદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે. એ આદિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય એ બેયને એક રીતની ન સમજવી, વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે, ને તેને વિષે બહુ માલ છે એવી રીતે માહાત્મ્યે સહિત તેની આંટી પાડવી, અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિષે તો તુચ્છપણું જાણવું. ને તેને સંત મુકાવે તો મૂકી દેવી, ને પ્રથમની આંટી મૂકવી નહીં. અને એ બેયને બરોબર સમજે તો એને વિષે મૂઢપણું જાણવું. જેમ બાળક હોય તેણે મૂઠીમાં બદામ ઝાલી હોય તેને કોઈ મુકાવે તો મૂકે નહિ, ને રૂપિયાની મૂઠી વાળી હોય ને સોનામહોરની મૂઠી વાળી હોય ને તેને મુકાવે તો તેને મૂકે નહીં. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયા ને સોનામહોર તેને વિષે બરોબર માલ જાણ્યો, માટે એ બાળકને વિષે મૂઢપણું છે. અને વળી, જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે જે તું મૂકી દે, નહિ તો તરવારે માથું કાપી નાખીશ ત્યારે તે ડાહ્યો હોય તો તેને આપી દે ને મૂર્ખ હોય તો ન આપે, તેમ એ બે પ્રકારની આંટીમાં ન્યૂનાધિકપણું જાણવું. ને એમ હોય નહિ ને બેયમાં સામાન્યપણું જાણે તો એનો આંટીદાર સ્વભાવ જાણવો. ને તેને માની જાણવો, ને આંટીએ કરીને તે વર્તમાન પાળતો હોય ને જો મરણ પર્યંત એમને એમ નભે તો ઠીક પણ તેનો પૂરો વિશ્વાસ ન આવે, કેમ જે, જો એને કોઈક જાતનાં વેણ લાગે અથવા તેનું માન ન રહે તો એવો એ રહેશે નહિ, અને જે આંટીએ કરીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય, ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય ને તે સાધુ કહેવાય, એવી રીતે એ બેમાં ફળનો ભેદ પણ છે. (૨)
૩ અને વળી એમ વાત કરી જે, (૩) માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતાં પણ અતિશે ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર ન કરે. ને માનમાંથી ઈર્ષ્યા ને ક્રોધ ઊપજે છે, માટે માન મોટો દોષ છે. ને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કરીને નથી પડતો, કેમ જે આપણા સત્સંગમાં ગૃહસ્થ હરિભક્ત ઘણા છે તે સત્સંગમાં પડ્યા છે, માટે એ માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશે અભાવ રહે છે, ને અમારાં જે જે વચન લખેલાં હશે તેમાં પણ એમ જ હશે તે વિચારીને જુઓ તો જણાઈ આવશે, માટે ભગવાનનું માહાત્મ્ય સમજીને માનને ટાળવું. (૩)
૪ અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૪) ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ ? તો જેમ આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી મા, બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિક જે જે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કરીને થયો છે. ને શાસ્ત્ર ન સાંભળ્યાં હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે તેણે કરીને તેનો નિશ્ચય કર્યો છે, તેમ શાસ્ત્રે કહ્યાં જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાદ, નિઃસ્નેહ ઇત્યાદિક સંતનાં લક્ષણ તેને સાંભળીને એવાં લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત્ સંબંધ હોય, માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દૃઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ. (૪)
૫ અને તે પછી વડોદરાવાળા નાથભક્તે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૫) જેને ભગવાનનો દૃઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત તેના જે સંબંધી તેનું કલ્યાણ તે ભક્તના સંબંધે કરીને છે કે નથી ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જો એના સંબંધીને તથા એના પિત્રીને એને વિષે હેત હોય તો એનું કલ્યાણ થાય ને હેત ન હોય તો ન થાય. ને જો સંબંધી પણ ન હોય ને જો તેને એ ભક્તને વિષે હેત હોય તો તેનું પણ સારું થાય, કેમ જે એને મૂઆટાણું થાય ત્યારે તે ભક્ત તેને સાંભરી આવે ને તે ભક્તની વૃત્તિ તો ભગવાન સાથે નિરંતર લાગી છે ને તે ભક્તનું તેને સ્મરણ થાય, માટે તેનું કલ્યાણ થાય છે. (૫)
૬ અને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૬) અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ તથા ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ. તે વાર્તાએ કરીને જેવું એનું સુખ છે તેવું જ સુખ તો આવતું નથી. અને જેવું એનું યથાર્થ સુખ છે તે તો સમાધિએ કરીને જાણ્યામાં આવે છે, તથા દેહ મૂક્યા કેડે જાણ્યામાં આવે છે, પણ કેવળ વાર્તાએ કરીને જાણ્યામાં આવતું નથી. જેમ રૂપનું સુખ તે નેત્રે કરીને ભોગવાય છે. પછી તે સુખને મુખે કરીને વખાણ કરે જે બહુ સારું રૂપ દીઠું ત્યારે તે સુખનો અનુભવ જેવો નેત્રને થયો તેવો મુખને ન થયો. તથા શ્રવણે કરીને શબ્દને સાંભળ્યો, નાસિકાએ કરીને ગંધ સૂંઘ્યો, જિહ્વાએ કરીને રસ ચાખ્યો. પછી તે તે સુખનું વચને કરીને વખાણ કરે જે બહુ સારો ગંધ હતો, બહુ સારો રસ હતો, બહુ સારો સ્પર્શ હતો, બહુ સારો શબ્દ હતો, એમ કહ્યું તો ખરું, પણ જેવી રીતે તે તે ઇન્દ્રિયોને તે તે સુખનો અનુભવ થયો તેવો વચનને ન થયો. તેમ સમાધિએ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાનના સુખનો અનુભવ થાય છે ને આનંદ થાય છે, તથા આત્માના સુખનો અનુભવ ને આનંદ થાય છે, તેવો એની કેવળ વાત કરે તેણે કરીને થાતો નથી. અને જો એ બેની વાર્તા સાંભળીને તેનું મનન ને નિદિધ્યાસ કરે તો એનો સાક્ષાત્કાર થાય ને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિએ કરીને જેવો એ બેનો અનુભવ ને આનંદ થાય તેવો જ થાય, માટે એ બેની વાર્તા સાંભળીને એનું મનન ને નિદિધ્યાસ કરવો. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૨૭।। (૨૬૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૬) છે. તેમાં પાંચમો પ્રશ્ન છે ને બીજાં કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે માયિક સુખ નાશવંત ને દુઃખદાયી જાણવું ને અમારું સુખ દિવ્ય જાણીને અમારે વિષે જોડાવું. (૧) બીજામાં ગમે તેવો કઠણ સ્વભાવ હોય તોપણ સત્સંગના ખપવાળો ટાળી નાખે અને સંતને વચને કરીને સ્વભાવની આંટી મૂકી દે અને વર્તમાનની આંટી મૂકે નહિ ને અમારી ને સંતની પ્રસન્નતાને અર્થે વર્તમાન પાળે ને ભક્તિ કરે તે બ્રહ્મર્ષિ છે, અને તુચ્છ સ્વભાવની આંટી સંતને વચને કરીને મૂકે નહિ ને વર્તમાન પાળતો હોય તોપણ રાજર્ષિ છે. (૨) ત્રીજામાં માન, ઈર્ષા, ક્રોધ તે કામ કરતાં ભૂંડાં છે. અને અમારું માહાત્મ્ય સમજે તો માન ટળી જાય છે. (૩) ચોથામાં નિષ્કામાદિક લક્ષણે યુક્ત જે સંત તેને અમારો સાક્ષાત્ સંબંધ હોય એવા સંતને વચને કરીને જ અમારો નિશ્ચય કરવો ને એવા સંતના વચનમાં જ દૃઢ વિશ્વાસ કરવો તેને જ નિશ્ચય કહેવાય. (૪) પાંચમામાં એવા સંત સાથે હેત હોય તેનું કલ્યાણ થાય છે. (૫) છઠ્ઠામાં આત્માનું તથા અમારું યથાર્થ સુખ સમાધિએ કરીને તથા દેહ મૂક્યા પછી આવે છે, પણ કેવળ તેની વાતે કરીને આવતું નથી. (૬) બાબતો છે.
૧ પ્ર ત્રીજા પ્રશ્નમાં કામથી માનને અધિક ભૂંડું કહ્યું અને (પ્ર. ૭૬માં ) માનથી કામને અધિક ભૂંડો કહ્યો છે તે કેમ સમજવું ?
૧ ઉ સત્સંગમાં ક્રોધ-માનાદિક ન રાખે તે કરતાં કામી ભૂંડો કહ્યો છે અને શ્રીજીમહારાજ ને શ્રીજીમહારાજના ભક્તની આગળ માન, ક્રોધ, ઈર્ષ્યા રાખે તેથી કામીને સારો કહ્યો છે કેમ જે માનીથી શ્રીજીમહારાજ ને તેમના ભક્તનો દ્રોહ થઈ જાય. એવા માનીને કામી કરતાં ભૂંડો કહ્યો છે. ।।૨૭।। (૨૬૧)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૮
સંવત ૧૮૮૫ના કાર્તિક વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) ભગવાનમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ વેદાંતીને અતિ પાપી જાણવા. અને બીજો જે એમ સમજતો હોય જે, ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રી, ભોગ, ખાન, પાન આદિક જે પંચવિષયનાં સુખ તેને પામીએ, પછી તે સુખની આસક્તિએ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે, એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે, માટે એ સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણકામ ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયા છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે તે સારુ જ્ઞાન-વૈરાગ્યે સહિત ભગવાનની ભક્તિ કરવી. અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય જે સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત્ લેશ છે. એમ ભગવાનને માહાત્મ્યે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ અને એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકનાં જે સુખ તે તો નરક જેવાં છે એમ મોક્ષધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું. અને એમ ન સમજે તો એ બે પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે. (૧)
૨ પછી શ્રીજીમહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો જે, (૨) ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજે ઉત્તર કર્યો જે, એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચપ રહી ગઈ છે. તે શું ? તો કોઈકને સ્વાદે કરીને સારું સારું ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનું અંતર પાછું પડી જાય, તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે જે, આ તારું ધન, માલ, ખેતર, વાડી તે કોઈકને આપી દે ત્યારે તે વચન પળે નહિ તેણે કરીને પાછો પડી જાય, તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે તેણે કરીને પણ પાછો પડી જાય, એવી રીતે નિશ્ચય હોય ને જે જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણને ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં. અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુએ તો જણાઈ આવે જે આ રીતને અંગે હું કાચો છું તે જો એમ મુને પાળ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ, એમ યથાર્થ જાણે. (૨)
પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછ્યું જે, (૩) તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કિયો અવગુણ છે ? ત્યારે એ ત્રણે કહ્યું જે, હે મહારાજ ! માનરૂપ દોષ છે. માટે જો કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મૂંઝવણ થાય.
૪ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે પૂછીએ છીએ જે, (૪) ‘धुपतय एव ते न ययुरन्तमनन्ततया । એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય ? ને જો થાય છે તો શું જાણ્યામાં ફેર છે ? કેમ જે જનરલ સાહેબને જાણ્યો છે જે એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને બળિયો છે ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે જે તે રાજાએ એમ જાણ્યું છે જે બળિયો જે જનરલ સાહેબ તેનો એ હમેલિયો છે, અને જેથી જે બળિયો તેની આગળ માન રહે નહિ, તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય-સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેના સંતની આગળ માન કેમ રહે ? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! તમે ઠીક કહો છો; જો એમ માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ તે સંતને આગળ થાય જ નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જુઓને ! ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાહ્યા હતા પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિષે હેતવાળી જે વ્રજની ગોપીયું તેના ચરણની રજને પામ્યા સારુ વન-વેલીનો અવતાર માગ્યો તે કહ્યું છે જે : ।। आसामहो चरणरेणुजुषामंह स्यां... ।। તથા બ્રહ્માએ પણ કહ્યું છે જે : ।। अहो ! भाग्यामहो ! नंदगोपव्रजौकसां । यन्मित्रं परमानंदं पूर्णं ब्रह्म सनातनम् ।। એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું માહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા, તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહિ ને તેને આગળ દાસાનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તોપણ તેના સંગને મૂકીને છેટે જવાને ઇચ્છે જ નહિ અને એમ મનમાં થાય નહિ જે હવે તો ક્યાં સુધી ખમીએ ? આપણ તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરશું તે માટે એમ માહાત્મ્ય સમજે તો માન ટળે એવી રીતે વાર્તા કરી. (૩)
૫ અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૫) ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક કર્મયોગે કરીને શૂળીએ ચડાવ્યો હોય ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મુંને શૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામી ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. (૪)
૬ અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૬) ભગવાન સંબંધી સુખને કોણ પામે છે તો કહીએ છીએ જે, જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે, ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય. તેમ જેને પંચવિષયે કરીને જીવનપણું જ્યાં સુધી મનાણું છે, ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મૂઆ જેવો થઈ જાય છે, એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારે પણ પામે નહીં. અને પંચવિષયે કરીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૨૮।। (૨૬૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૬) છે. તેમાં પહેલું, ચોથું, પાંચમું ને છઠ્ઠું એ કૃપાવાક્યો છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ભગવાનના આકારને ખોટા કરે અને ભગવાનના ધામમાં માયિક પંચવિષય સુખની ઇચ્છા રાખે એ બેય મોક્ષના માર્ગમાંથી પડી જાય છે. (૧) બીજામાં પોતાના અવગુણ ટાળીને અમારો નિશ્ચય કરે તે સત્સંગમાંથી પાછો પડે નહીં. (૨) ત્રીજા તથા ચોથામાં અમારું માહાત્મ્ય જાણે તો માનાદિક દોષ ટળી જાય છે. (૩) પાંચમામાં નિષ્કામ ભક્ત ઉપર અમે રાજી થઈએ છીએ. (૪) છઠ્ઠામાં માયિક પંચવિષયે કરીને જીવનપણું મનાણું હોય તે અમારા સુખને પામે નહિ ને માયિક પંચવિષયમાંથી પ્રીતિ ટળી ગઈ હોય તે જ અમારા સુખને પામે છે. (૫) બાબતો છે.
૧ પ્ર ત્રીજા પ્રશ્નમાં બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ તથા સુરાખાચરે માને કરીને પાછા પડી જાઈએ એમ કહ્યું, તે આવા મોટા મુક્તમાં તો માન હોય નહિ ને એમ કેમ કહ્યું હશે ?
૧ ઉ સર્વ દોષમાં માનરૂપી દોષ મોટો છે. માટે સર્વ તજાય પણ માન તજાય નહિ એવું બળવાન છે એમ માનનું અધિકપણું જણાવ્યું છે, પણ એ તો શ્રીજીમહારાજ ભેળા અક્ષરધામમાંથી આવેલા હતા તેમનામાં તો માયાનું કાર્ય હોય જ નહિ, પણ પોતાને મિષે કરીને સાધનિકને ઉપદેશ કર્યો છે. ।।૨૮।। (૨૬૨)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૯
સંવત ૧૮૮૫ના પોષ સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં મેડીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને રાત્રિને સમે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો જે, (૧) બે સત્સંગી છે તેની અવસ્થા વીશ-વીશ વર્ષની છે, તથા બેયને નિશ્ચય, હેત, ભક્તિ, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે અને તેમાંથી એકને તો પ્રારબ્ધયોગે કરીને પરણીને સ્ત્રી મળી, ને એકને ન મળી ને સાંખ્યયોગી રહ્યો, ને એને પણ પરણ્યાની તો ઇચ્છા હતી પણ મળી નહીં. ત્યારે એ બે જણને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ નહોતો, માટે વિષયભોગમાં બેયની તીક્ષ્ણવૃત્તિ હતી તે તીક્ષ્ણવૃત્તિ ઓછી તે એ ગૃહસ્થ થયો તેની થાય કે સાંખ્યયોગીની થાય તે કહો ? અને વેદ તો એમ કહે છે જે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષયભોગની તીક્ષ્ણતાને ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થાવું ને પછી સંન્યાસ કરવો. માટે વિચારીને ઉત્તર કરજો. પછી શુકમુનિએ એનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો જે, એ ગૃહસ્થાશ્રમી સારો ને બીજો જે સાંખ્યયોગી તે ભૂંડો, કેમ જે એને તીવ્ર વૈરાગ્ય નથી, માટે એણે વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી, તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દૃઢતા નથી, તે સારુ એ સત્સંગથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાઈ જાય, ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખીને સત્સંગમાં આવે. અને જે ગૃહસ્થ છે તેને છ મહિને સંતનાં દર્શન થાય તોપણ સમાસ રહે, માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી, ને ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે ઠીક છે. અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે તો એનો ત્યાગ દેહ પર્યંત નભે નહિ; વર્ષે, બે વર્ષે, દશ વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે.
૨ ત્યારે શુકમુનિએ આશંકા કરી જે, (૨) હે મહારાજ ! એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે તે સંત થકી ભગવાનના માહાત્મ્યની વાત સાંભળે ને પછી પોતે મનમાં વિચાર કરે તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે ? અને પ્રથમથી જ તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધયોગે કરીને હશે ને બહુધા તો એમ પ્રત્યક્ષ જણાય છે જે આને વૈરાગ્ય નહોતો ને પછી થયો ત્યારે એનું કેમ સમજવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો તો એમ ઉત્તર છે જે, પોતાને વિચારે તો કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહીં. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચાર ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ તેની સાથે એને અતિશે હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે ઇત્યાદિક જે જે ક્રિયા કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે, પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહિ અને તે સંતની મરજીથી બહાર વર્ત્યામાં તેના મનને વિષે નિરંતર ભય વર્તે જે, જો હું એમની મરજી પ્રમાણે નહિ વર્તું તો એ મારી સાથે હેત નહિ રાખે. તે સારુ નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે, માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ્ય ન હોય તોપણ એનો ત્યાગ પાર પડે. અને જુઓ આપણા સત્સંગમાં બાઈ-ભાઈ પરમહંસ એ સર્વને અમારી ઉપર હેત છે, તો મોટેરી બે-ત્રણ બાઈયું છે તે બરોબર બીજી સર્વે બાઈયું વર્તમાન પાળે છે. કેમ જે, એ મનમાં એમ જાણે છે જો અમે ખબરદાર થઈને વર્તમાન નહિ પાળીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહિ રહે ને કુરાજી થાશે. તથા પરમહંસમાં પણ એમ છે. તથા બીજા જે સત્સંગી બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે, તથા દેશદેશનાં હરિભક્ત બાઈ-ભાઈ છેટે રહ્યાં છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે, ને એમ જાણે છે જે, જો આપણ સારી પેઠે નહિ વર્તીએ તો મહારાજ કુરાજી થાશે. માટે અમારે વિષે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દૃઢપણે વર્તે છે, પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે ને કોઈકને ઝાઝો હશે તેનો કાંઈ મેળ છે નહિ, અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા ને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણે સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહેત. (૧) ત્યારે તો જે તીવ્ર વૈરાગ્યવાળા હોય તે ધર્મમાં રહે, તથા તેની સાથે જેણે પોતાના જીવને હેત કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે, તથા જે સત્સંગનો યોગ રાખે ને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે, અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહીં. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો તો આ અમે કહ્યો એ જ ઉત્તર છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨૯।। (૨૬૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે તીવ્ર વૈરાગ્યવાળો ત્યાગી થાય તો વિઘ્ન થાય નહિ, અને મંદ વૈરાગ્યવાળો ત્યાગી, મોટા સંત સાથે હેતે કરીને પોતાના જીવને બાંધે તો એનો ત્યાગ પાર પડે. (૧) અને સત્સંગનો યોગ રાખે ને અમને અંતર્યામી જાણે ને પોતપોતાના નિયમ પ્રમાણે વર્તે તો ધર્મ રહે. (૨) બાબતો છે. ।।૨૯।। (૨૬૩)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૦
સંવત ૧૮૮૫ના પોષ સુદિ ૧૫ પૂનમને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જે અમારા મનમાં આ બે વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. તેમાં એક તો જેને એમ હોય જે એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યને વિષે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે એવો દૃઢ નિશ્ચય હોય, ને તે ભગવાનની ઉપાસના-ભક્તિ કરતો હોય તે વાત ગમે. પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે. (૧) અને બીજું એમ જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચવિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્યવાન હોય, ઇત્યાદિક જે જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે જે એને શાબાશ છે જે આવી રીતે વર્તે છે. (૨)
૨ અને વળી આ પાંચ વાર્તાનું અમારે નિત્યે નિરંતર અનુસંધાન રહે છે. (૨) તેમાં એક તો એમ જે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જાવું છે ને તેનો વિલંબ નથી જણાતો; એ તો એમ જ નિશ્ચે જણાય છે જે આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ-દુઃખ, રાજીપો-કુરાજીપો સર્વે ક્રિયામાં એવી રીતે વર્તે છે એવો વૈરાગ્ય કહ્યો. અને બીજું એમ જે, આપણ મરશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું બાકી છે તે કરવું છે એવું નિરંતર અનુસંધાન રહે છે. અને ત્રીજું એમ જે, અમારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી ? અને એમ જાણું છું જે, ટળી તો ગઈ છે ત્યારે તે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે ? ત્યારે રખે ન ટળી હોય એમ અણવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. અને ચોથું એમ જે, મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વે છે તેને પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નહિ ? અને આને આની વાસના ટળી છે ને આની નથી ટળી એમ સર્વના હૃદય સામું જોયા કરવું એમ અનુસંધાન રહે છે. અને પાંચમું એમ જે, જો હું મારા જીવને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ક્યાંય જાતું રહેવાય ને દેહ પડી જાય, માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરવું. કેમ જે ભલા અમારે યોગે કરીને આ સર્વે બાઈ-ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવદ્ભક્તિ કરે છે તો એ ઠીક છે, જે ભગવદ્ભક્તિને કરતા દેખીને મનમાં બહુ રાજીપો થાય છે, જે મરી તો સર્વેને જાવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે એમ નિરંતર અનુસંધાન રહે છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરી ને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩૦।। (૨૬૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સર્વથી એટલે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ ને મૂળઅક્ષર તેથી પર અમારા તેજરૂપ અક્ષરધામ છે તેને મધ્યે અમે સદા સાકાર મૂર્તિ વિરાજમાન છીએ એવો નિશ્ચય કરીને અમારી ઉપાસના-ભક્તિ કરે તે ભક્ત અમને ગમે છે, પણ કેવળ તેજની ઉપાસના કરે તે ગમે નહીં. (૧) અને તપ-વૈરાગ્યાદિક સાધન અમારી પ્રસન્નતાને અર્થે કરે તે ગમે. (૨) બીજામાં પાંચ વાતોનું નિરંતર અનુસંધાન રાખવાનું કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં આ બે વાર્તા અમને ગમે છે એમ શ્રીજીમહારાજે કહ્યું તે બે વાર્તા કઈ જાણવી ? અને ત્યાં મન અટકે છે એમ કહ્યું તે ત્યાં, એટલે કિયાં અટકતું હશે ?
૧ ઉ ચૈતન્ય તેજનો રાશિ જે પોતાની મૂર્તિનો પ્રકાશ તેના મધ્યને વિષે સાકાર મૂર્તિ થકા શ્રીજીમહારાજ સદાય વિરાજે છે એવો દૃઢ નિશ્ચય ને તે સાકાર મૂર્તિની ઉપાસના કરવી એક એ વાત, અને બીજું શ્રીજીમહારાજની પ્રસન્નતાને અર્થે તપ કરે, યોગ સાધે તથા પંચવિષયનો અભાવ કરે તથા વૈરાગ્યાદિક સાધન તે નિર્દંભપણે કરે એ બીજી વાત; એ બે વાતો જાણવી. અને શ્રીજીમહારાજથી પર કોઈ નથી એટલે ત્યાં મન અટકે છે, એટલે તેથી પર કાંઈ જાણવાનું નથી એમ સમજવું.
૨ પ્ર (૨/૩ બીજા પ્રશ્નમાં) અમારે પાંચ વાતોનું અનુસંધાન રહે છે એમ કહ્યું તે શ્રીજીમહારાજ તો સાક્ષાત્ ભગવાન છે ને અનંત બ્રહ્માંડ તથા મૂળઅક્ષરાદિક સર્વેના અંતર્યામી છે ને એકકાળાવિચ્છિન્ન સર્વને જાણે છે એમને અનુસંધાન શું રાખવું પડે તે એમ કહ્યું હશે ? અને આટલું કામ કર્યું છે ને આટલું બાકી છે એમ કહ્યું તે શું જાણવું ?
૨ ઉ પોતાને મિષે કરીને પોતાના સાધનિક ભક્તોને ઉપદેશ કર્યો છે જે, તમે તમારો દેહ પડી જવાનું અનુસંધાન રાખીને સર્વ વાસના ટાળી નાખો એમ પોતાને વિષે પ્રીતિ કરવામાં પોતાના ભક્તને સાવધાન રાખવા એ પોતાનું હારદ છે. તે વાસના ટાળીને શ્રીજીમહારાજને વિષે પ્રીતિ કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો તેમાં બાકી હોય તે બાકી જાણવું. અને મુક્તાનંદ સ્વામી જેવા મોટાને વિષે વાસના છે કે ટળી ગઈ છે, એમ કહ્યું છે, તે પણ સર્વે વાસના ટળી ગઈ હોય એવા અમારા મોટા સંતને ઓળખીને એમનો સમાગમ કરવો ને અમારા વિના સર્વે વાસના ટાળી નાખવી એમ કહ્યું છે. અને હું મારા મનને ઉદાસી કરવા લાગું તો ક્યાંય જતું રહેવાય તે પોતાના મુક્તની વાત કહી છે જે અમારા મુક્ત આ લોકમાંથી ઉદાસ થાય એટલે મનુષ્ય રૂપે દર્શન આપે છે તે અદૃશ્ય થઈ જાય તો સાધનિકને અમારા સ્વરૂપનું જ્ઞાન આપીને અમારી ભક્તિ કોણ કરાવે ? તેથી અમારા મુક્ત આંહીં દર્શન આપે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. ।।૩૦।। (૨૬૪)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૧
સંવત ૧૮૮૫ના મહા સુદિ ૪ ચોથને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો તથા રાતી કોરનું વિલાયતી ધોળું ધોતિયું ઓઢ્યું હતું ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને વાજાં વગાડીને કીર્તનનું ગાન પરમહંસ કરતા હતા તે “હરિ મેરે હારલ કી લકરી” એ કીર્તન ગાઈ રહ્યા. ત્યારે મહારાજે કહ્યું જે “યમુના કે તીર ઠાડો” એ કીર્તન ગાઓ. પછી એ કીર્તન ગાવા લાગ્યા.
૧ ત્યારે એવા સમયમાં શ્રીજીમહારાજ બહુ વાર વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, (૧) હવે કીર્તન રાખો અમે આ એક વાર્તા કરીએ છીએ, તે છે તો થોડીક પણ ધ્યાનના કરનારાને બહુ ઠીક આવે એવી છે, ને એ વાત કોઈ દિવસ અમે કરી નથી. પછી વળી નેત્રકમળ મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે, કોટિ કોટિ ચંદ્રમા, સૂર્ય, અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે, એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ તેને વિષે આ પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે. તે આકૃતિમાંથી પોતે ભગવાન અવતાર ધારે છે અને આ ભગવાન કેવા છે તો ક્ષર-અક્ષર થકી પર છે ને સર્વ કારણના પણ કારણ છે ને અક્ષરરૂપ એવા જે અનંતકોટિ મુક્ત તેમણે સેવ્યાં છે ચરણકમળ જેમનાં એવાં છે. અને એવા જે ભગવાન તે જે પોતે દયાએ કરીને જીવોનાં પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થકા તમારી સર્વની દૃષ્ટિને ગોચર સાક્ષાત્પણે વર્તે છે. માટે જે ધામમાં રહી મૂર્તિ ને આ પ્રગટ શ્રીકૃષ્ણની મૂર્તિ તેમાં અધિકપણે સાદૃશ્યપણું છે તે શ્રીકૃષ્ણની જે મનુષ્યરૂપ મૂર્તિ તેના ધ્યાનનો કરતલ જે હોય તેની જે દૃષ્ટિ તે ભગવાનના રૂપ વિના બીજા રૂપ વિષયમાત્રમાં અતિશે વૈરાગ્યને પામીને ભગવાનના રૂપમાં જ લુબ્ધ થાય ત્યારે તેને આ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ ને ધામની મૂર્તિ તે બેયમાં લગાર પણ ભેદ ન જણાય અને તે મૂર્તિ ને આ મૂર્તિનાં રૂપ ને અવસ્થા તે બરોબર જણાય, તથા તે મૂર્તિ જેટલી ઊંચી છે ને જેટલી પુષ્ટ છે, તેવી ને તેવી જ આ મૂર્તિ પણ જણાય છે, પણ તેમાં ને આમાં એક રોમનો પણ ફેર ન જણાય અતિશે એકપણું જણાય. એવી રીતે તેમાં ને આ મૂર્તિમાં ફેર લગાર પણ નથી. તે મૂર્તિ ને આ મૂર્તિ એક જ છે. એવી જે પ્રત્યક્ષ મૂર્તિ તેનું ધ્યાન નેત્રને આગળ બહાર કરે ત્યારે તો તેમાં ને આમાં લગાર ફેર નથી. ને તે જ મૂર્તિને ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે પોતાના નેત્રમાં જુએ ત્યારે તે જ મૂર્તિ પ્રથમ જણાતી તેવી ન જણાય ને નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. પછી વળી એ ધ્યાનનો કરતલ પ્રતિલોમપણે કંઠથી હેઠે સુધી માંહેલી કોરે ધ્યાને કરીને જુએ ત્યારે એ જ મૂર્તિને મોરે બે પ્રકારે દેખતો તેમ ન દેખે ને તે જ મૂર્તિને બહુ જ મોટી, બહુ જ ઊંચી, બહુ જ જાડી ને બહુ જ ભયંકર એવી દેખે, જેમ મધ્યાહ્ન કાળનો સૂર્ય હોય ત્યારે છાયા પુરુષના શરીર બરોબર હોય ને તે જ સૂર્યને આથમ્યાટાણું થાય ત્યારે છાયા મોટી લાંબી થાય પણ પુરુષના શરીર પ્રમાણે નથી રહેતી, તેમ તે મૂર્તિ પણ પૂર્વે કહી તેવી મોટી થાય પછી એ મૂર્તિને હૃદયને વિષે રહી જે બુદ્ધિ તે બુદ્ધિને વિષે જુએ તથા તે બુદ્ધિમાં રહ્યો જે પોતાનો જીવ તેને વિષે જુએ ત્યારે તે જ મૂર્તિને અંગુષ્ઠમાત્ર પરિણામે જુએ, અને દ્વિભુજ જણાય કે ચતુર્ભુજ જણાય પણ મોરે ત્રણ પ્રકારે દેખી તેવી ન દેખાય અને પછી વળી એ ધ્યાનના કરતલને પ્રતિલોમપણે પોતાના જીવથી પર કોટિ કોટિ સૂર્ય, ચંદ્ર, અગ્નિના તેજના સમૂહને વિષે આ મૂર્તિ જણાય છે, તે જેવી દૃષ્ટિ આગળ જણાતી હતી તેવી જ રીતની જણાય છે પણ લગાર ફેર નથી જણાતો. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિષે જે મૂર્તિ છે તે મૂર્તિ આ પ્રત્યક્ષ છે; એ બેમાં ફેર નથી, જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ જ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. અને પૂર્વે જે મૂર્તિમાં ફેર પડ્યો તે તો ગુણમય એવાં જે સ્થાનક તેણે કરીને પડ્યો તે નેત્રમાં સત્ત્વગુણ ને કંઠમાં રજોગુણ ને બુદ્ધિમાં રહ્યો જે જીવ તે પણ ગુણમય છે. એમ વાર્તા કરીને પછી બોલ્યા જે, મોરે ગાતા હતા તે કીર્તન ગાઓ. એવી રીતે શ્રીજીમહારાજે પોતાના પુરુષોત્તમ સ્વરૂપના નિરૂપણની વાર્તા પરોક્ષપણે કરીને કહી. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૩૧।। (૨૬૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે બ્રહ્મરૂપ તેજોમય એવું અમારા તેજરૂપ અક્ષરધામ છે. તેમાં અમારી આકૃતિ રહી છે એટલે અમે મૂર્તિમાન રહ્યા છીએ અને એ આકૃતિમાંથી અવતાર ધારણ કરીએ છીએ એટલે ત્યાં રહ્યા થકા જ સર્વ બ્રહ્માંડમાં દેખાઈએ છીએ. અને ક્ષર-અક્ષરથી પર ને સર્વનું કારણ જે અમારું તેજ તેના પણ કારણ છીએ અને અમારા ધામને વિષે અનંતકોટિ મુક્તોએ સેવ્યા એવા અમે તે દયા કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે પ્રગટ પ્રમાણ તમારી સર્વની દૃષ્ટિગોચર સાક્ષાત્પણે વર્તીએ છીએ. અને અમારી આ મનુષ્યરૂપ મૂર્તિ ને ધામમાં મૂર્તિ છે તે એક જ છે પણ જુદી નથી અને અમારું ધ્યાન નેત્રને આગળ બહાર કરે તેને ધામમાં જે મૂર્તિ છે તે અને આ અમારી મનુષ્યરૂપ મૂર્તિ તે એક જ જણાય. અને અમારી આ મનુષ્યરૂપ મૂર્તિને નેત્રમાં જુએ તો નેત્રની કીકીમાં જેવડી મૂર્તિ છે તેવડી જણાય. અને કંઠથી હેઠે સુધી માંહેલી કોરે જુએ તો બહુ જ મોટી દેખે અને બુદ્ધિમાં તથા બુદ્ધિએ યુક્ત એવો જીવ તેમાં જુએ તો અંગુષ્ઠમાત્ર દેખે અને અમારા તેજરૂપ ધામ તે ધામરૂપ થઈને જુએ તો પ્રથમના જેવી દેખે અને અમે અક્ષરધામમાં જેવા ગુણથી પર છીએ તેવા જ મનુષ્ય રૂપે દેખાઈએ છીએ તોપણ એવા જ ગુણથી પર છીએ, પણ મનુષ્યરૂપ મૂર્તિમાં ને ધામમાં મૂર્તિ છે તેમાં કિંચિત્ પણ ફેર નથી. (૧) બાબત છે.
૧ પ્ર ‘હરિ મેરે હારલ કી લકરી’ અને ‘યમુના કે તીર ઠાડો’ એ બે કીર્તનમાં કાંઈ અધિક-ન્યૂન ભાવ હશે કે નહીં ?
૧ ઉ જેમ હારલ લાકડી રાખે છે, તેમ મૂર્તિને ત્રણે અવસ્થામાં ક્ષણવાર પણ દૃષ્ટિથી છેટે મૂકે નહિ, એમ એ કીર્તનમાં સન્મુખ મૂર્તિ ધારવાનો ભાવ છે. અને યમુના કે તીર એટલે સર્વથી પર અક્ષરધામ તે રૂપ થઈને તેમાં મૂર્તિ ધારીને મૂર્તિમાં જોડાઈ જાવું એવો અંતર્વૃત્તિનો ભાવ છે, માટે આ અધિક છે.
૨ પ્ર આમાં તથા (અ. ૧ના પહેલા પ્રશ્નમાં, તથા વ. ૪ના બીજા પ્રશ્નમાં, તથા ૮માં) આ ચારેમાં ધ્યાન કરવાનું કહ્યું તેમાં કિયું શ્રેષ્ઠ હશે ?
૨ ઉ ચારેમાં શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવાના ઉપાય કહ્યા છે. તે સર્વેથી આમાં શ્રીજીમહારાજના તેજરૂપ થઈને ધ્યાન કરવું. તેમાં મૂર્તિ વિના બીજું કાંઈ દેખવામાં જ ન આવે. માટે આ ધ્યાન સર્વથી સુગમ ને શ્રેષ્ઠ છે.
૩ પ્ર તેજનું કારણ તો મૂર્તિ છે. અને કેટલાક તેજને મૂર્તિનું કારણ કહે છે. તે કેવી રીતે સમજતા હશે ?
૩ ઉ મૂળપુરુષના તેજરૂપ બ્રહ્મ તે દ્વારે સર્વ જગત ઉત્પન્ન થાય છે ને તેમાં લય પામે છે. તે બ્રહ્મને પરોક્ષ શાસ્ત્ર સર્વનું કારણ કહે છે. પણ એ બ્રહ્મના કારણ ને આધાર મૂળપુરુષ મૂર્તિમાન છે, એમ જાણતા નથી તેથી તેજને કારણ કહે છે ને તે તેજનું કારણ જે મૂર્તિ, તેને કાર્ય સમજે છે. અને આ વચનામૃત ગ્રંથમાં તો તે તેજથી પર મૂળપુરુષ, અને તે મૂળપુરુષથી પર વાસુદેવબ્રહ્મનું તેજ, અને તેથી પર બ્રહ્મની મૂર્તિ, અને તેથી પર અક્ષરનું તેજ ને તેથી પર અક્ષરની મૂર્તિ, અને તેથી પર શ્રીજીમહારાજનું તેજ, અને તેથી પર શ્રીજીમહારાજને કહ્યા છે. એટલા સારુ જ સર્વેથી પર એવો તેજનો સમૂહ છે એમાં અમે રહ્યા છીએ. એમ કહ્યું છે તે પુરુષોનાં તથા બ્રહ્મનાં તથા અક્ષરોનાં એ સર્વેનાં તેજથી પર અમારું તેજ છે. તેમાં અમે રહ્યા છીએ. એમ કહ્યું છે. માટે જેને સાકારની ઉપાસના નથી, તે મૂર્તિનું કારણ તેજને કહે છે. પણ એ તેજનું કારણ મૂળપુરુષ મૂર્તિમાન છે. તે જેના જાણવામાં આવે તે તેજને કારણ કહે નહિ; મૂર્તિને જ કારણ કહે.
૪ પ્ર ધામમાં રહી જે મૂર્તિ ને આ મૂર્તિમાં અધિકપણે સાદૃશ્યપણું છે એમ કહ્યું તે સાદૃશ્યપણું શું સમજવું ?
૪ ઉ ધામને વિષે શ્રીજીમહારાજ દિવ્ય મૂર્તિ છે, તે જ આ મૂર્તિ છે, પણ જુદી નથી એમ સમજવું.
૫ પ્ર ગુણાતીત એવું અક્ષરધામ કહ્યું તેનો શો અર્થ હશે ?
૫ ઉ સર્વે ગુણથી પર હોય તેને ગુણાતીત કહેવાય, માટે સર્વે ગુણથી પર જાણવું.
૬ પ્ર ધામની મૂર્તિ ગુણાતીત છે, એમ કહ્યું તેનો અર્થ શો હશે ? અને મનુષ્ય મૂર્તિ ગુણાતીત છે, એમ કહ્યું તેનો અર્થ શો હશે ?
૬ ઉ ધામની એટલે ધામમાં રહી જે શ્રીજીમહારાજની મૂર્તિ તે ગુણથી પર છે, અને એની એ મૂર્તિ મનુષ્ય રૂપે દેખાય છે તોપણ ગુણથી પર છે. એમ મનુષ્યરૂપ મૂર્તિ અને ધામમાં રહી મૂર્તિ તે બે નથી; એક જ છે એમ કહ્યું છે. અને ગુણાતીતનો અર્થ (પ્ર. ૧૨ના સોળમા પ્રશ્નોત્તરમાં) છે. ।।૩૧।। (૨૬૫)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૨
સંવત ૧૮૮૫ના મહા સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે વસંતી વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને ગવૈયા પરમહંસ વસંતનાં કીર્તન ગાવતા હતા.
૧ પછી શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી આદિક સાધુને કહ્યું જે, (૧) ।। વિષયાવિનિવર્તંતે...।। એ શ્લોકનો અર્થ કરો, ત્યારે તેમણે રામાનુજ ભાષ્યે સહિત અર્થ કર્યો. ત્યારપછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો તો અમે એમ નિશ્ચય કર્યો જે યુવાન અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્તાહાર-વિહારપણે રહેવું, ને આહાર ક્ષીણ થાય ત્યારે દેહનું બળ ક્ષીણ થાય ત્યારે જ ઇન્દ્રિયો જિતાય; તે વિના ઇન્દ્રિયો જિતાય નહીં. અને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભક્તિને વિષે રુચિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે. એ બે પ્રકારે એ વર્તે તો એનો સત્સંગ પાર પડે, ને એમ ન હોય તો એ જ્યારેત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તોપણ એનો એને ભય છે તો બીજાની શી વાર્તા ? અને આહાર નિયમમાં કરવો તે ઘણાક ઉપવાસ ઠામૂકા કરવા માંડે તેણે કરીને ન થાય; એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વાળે. માટે એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે, જેમ મેઘ ઝીણી ઝીણી બુંદે વરસે છે પણ બહુ પાણી થાય છે; તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે ને ભક્તિમાં પ્રીતિ હોય તો એ પાર પડે એ નિશ્ચિત વાર્તા છે. (૧)
૨ અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૨) ભગવાનનો જે સાચો ભક્ત તેને ભગવાનનું માહાત્મ્ય સમજ્યાની કેવી રીત છે ? તો જે ભગવાન છે, તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિષે સદા સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે ને અલૌકિક દિવ્ય સુખમય મૂર્તિ છે ને માયાના ગુણ થકી રહિત છે, એવી રીતે આ પ્રત્યક્ષ ભગવાનને જાણીને ભગવાન વિના જે બીજા સર્વે માયિક પદાર્થમાત્ર તેને અતિશે તુચ્છ ને નાશવંત સમજે, ને એક ભગવાનને વિષે જ પ્રીતિ કરે ને નવ પ્રકારની ભક્તિને કરે. અને વળી એમ સમજે જે, આવા અતિશે મોટા જે ભગવાન તેની મર્યાદાને વિષે, કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઇત્યાદિક સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે, એવું જાણીને ભગવાને બાંધી જે ધર્મ-મર્યાદા તેને વિષે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે, પણ તે ધર્મ-મર્યાદાનો ક્યારેય લોપ ન કરે. (૨) અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે તો એવા મોટા જે ભગવાન તે તો પતિત પાવન છે; અધમ-ઉદ્ધારણ છે, તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જાશે તો તેની શી ચિંતા છે ? ભગવાન તો સમર્થ છે, એવી રીતે માહાત્મ્યની ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહિ એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તોપણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો જ સંગ કરવો. (૩) ।। ઇતિ વચનામૃતમ્ ।।૩૨।। (૨૬૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે આહાર-વિહાર યુક્ત કરે તો ઇન્દ્રિયો જિતાય ને એવો થકો નવ પ્રકારની ભક્તિમાં પ્રીતિએ સહિત રુચિ રાખે તો સત્સંગમાં પાર પડે. (૧) બીજામાં સર્વેથી પર અમારા તેજરૂપ અક્ષરધામમાં અમે સદા સાકાર મૂર્તિ બિરાજમાન છીએ ને સર્વના કારણ ને સર્વના નિયંતા ને સર્વના અંતર્યામી ને દિવ્ય સુખમય મૂર્તિ છીએ આવો અમારો મહિમા સમજીને અમારે વિષે પ્રીતિ કરે ને નવધા ભક્તિ કરે ને અમારી આજ્ઞામાં વર્તે તે અમારો સાચો ભક્ત છે. (૨) અને અમારા મહિમાનો ઓથ લઈને અમારી બાંધેલી મર્યાદાનો ભંગ કરે તે પાપી ને દુષ્ટ છે. (૩) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં સમાધિનિષ્ઠને ઇન્દ્રિયોનો ભય કહ્યો ને (અ. ૩ના પહેલા પ્રશ્નમાં) ઉપશમદશાને પામે તેને પંચવિષય બાધ ન કરે એમ કહ્યું છે તે કેમ સમજવું ?
૧ ઉ આમાં પોતાના સાધનિક ભક્તોને શિક્ષાને અર્થે માયાનું બળ બતાવ્યું છે, પણ ગોવર્ધનભાઈના જેવી ઉપશમદશા આવે તેને વિષય બાધ કરે જ નહીં. ।।૩૨।। (૨૬૬)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૩
સંવત ૧૮૮૫ના ફાગણ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ આગળ એમ વાર્તા કરી જે, (૧) ધન, દોલત, સ્ત્રી ને પુત્ર એ આદિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહિ, ને એને અર્થે કોઈને વિષે આસ્તા આવે નહિ એવા તો સત્સંગમાં થોડાક ગણતીના હરિભક્ત હોય પણ ઝાઝા હોય નહિ, એમ કહીને વળી બોલ્યા જે, એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તોપણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહિ, અને કેવો હોય તેને કોઈનો ભાર ન આવે ? તો જે એમ સમજતો હોય જે આ દેહથી નોખો જે આત્મા તે હું છું ને તે હું પ્રકાશમાન સત્તારૂપ છું, ને તે મારા સ્વરૂપને વિષે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે, અને તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકારમાત્ર તે અસત્ય છે ને અનંત દોષે યુક્ત છે એવો વૈરાગ્ય હોય, ને ભગવાનનું માહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહીં. (૧) પણ એ વાર્તા અતિ કઠણ છે કેમ જે, એવા મોટા છે તોપણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા ને સોનામહોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય તો એ ત્યાગી છે તોય પણ એણે કરીને એમનું ઠેકાણું રહે નહીં. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઊતરતો હશે તે જેવા પણ રહે કે ન રહે એમાં પણ સંશય છે. કેમ જે એ પદાર્થનો તો યોગ જ એવો છે, જેમ આપણ સર્વ બેઠા છીએ તે કેવા ડાહ્યા છીએ, પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કાંઈ ઠા રહે નહિ તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહીં. માટે એ પદાર્થનો યોગ જ ન થવા દે તો એ એથી બચે ને એનો યોગ થયા મોર એનો ભય રાખે જે રખે મુને એનો યોગ થાય. અને એ વાર્તા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જે એનો સંગ તો એક ભગવાનને ન લાગે તે કહ્યું છે જે, : ।।ऋषि नारायण मृते ।। તથા ।। येडन्ये स्वत: परिहृतादपि बिभ्यति स्म ।। (૨)
૨ અને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, (૨) વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ? તો જેને વિષે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે યુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્યભક્તિ એટલાં વાનાં હોય તેને એકાંતિક ભક્ત કહીએ ને એની ગતિ એમ કહી છે જે એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય. તે પ્રવેશ તે શું તો તેજના મંડળને વિષે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિષે એ ભક્તને સ્નેહ હોય, તે સ્નેહે કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિષે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થકો વર્તે, ને એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની સેવાને વિષે પણ બહાર થકી રહે. જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિષે ચિહ્ન રૂપે સ્નેહના અધિકપણે કરીને રહ્યાં છે ને બહાર થકી સ્ત્રી રૂપે કરીને સેવામાં પણ રહ્યાં છે, તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ જાણવો. (૩) અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા-કીર્તન, નામ-સ્મરણ ઇત્યાદિક જે દશ પ્રકારની ભક્તિ તથા ભગવાનનું માહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય તે એવું હોય જે તે વિના કોઈ રીતે ચાલે જ નહિ, જેમ અફીણ આદિકનો બંધાણી હોય તેને તે વિના ચાલે નહિ, ને તે અફીણ તો, કડવું ઝેર છે તોપણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહિ, તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીએ ત્યારે ગળું બળે એવો છે તોપણ તે વિના ચાલે નહિ, તે એને ઘણાક રૂપિયા આપે તોપણ તે બંધાણથી તે વહાલા ન થાય ને ન લે કેમ જે એ વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે. તેમ જેને ભગવદ્ભક્તિ આદિક ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તોપણ તે વિના એને ચાલે જ નહિ, ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહિ, ને ભગવદ્ભક્તિ આદિક ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને અતિ ઇશક હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિષે પ્રવેશ છે એમ જાણવું. અને તે ભગવદ્ ભક્ત કેવો હોય તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઇચ્છે તો બીજાની શી વાર્તા ? એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો ને તેને કોઈ પદાર્થમાં ઇશક ન હોય. (૪) અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાંય સુવાણ થાય ને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય ને તે ચાળે ચડી જાય, એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ પણ એ ભક્ત ખરો નહિ ને એનો વિશ્વાસ નહીં. (૫)
૩ અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૩) જે ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચાર વાનાંમાં કાચપ હોય, ને તે ભગવાનની ભક્તિ કરતો હોય તોપણ એની ભક્તિનો વિશ્વાસ નહિ, એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે. કેમ જે, ક્યારેક એને સ્ત્રી-ધનનો યોગ થાય તો ભક્તિનો ઠા રહે નહિ ને તેમાં આસક્ત થઈ જાય, તથા દેહાધ્યાસ હોય તો જ્યારે દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય તથા અન્ન-વસ્ત્રાદિક ન મળે અથવા કોઈક કઠણ વર્તમાન પાળવાની આજ્ઞા થાય, ત્યારે પણ તેને ભક્તિમાં ભંગ થાય ને વિકળ થઈ જાય ને કાંઈ વિચાર ન રહે ને ચાળા ચૂંથવા લાગે તથા કોઈક રીતનો સ્વભાવ હોય તેને સંત ટોકવા માંડે ને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે ને બીજી રીતે વર્તાવે ત્યારે પણ એ મૂંઝાય, ને એને સંતના સમાજમાં રહેવાય નહિ ત્યારે ભક્તિ તે ક્યાંથી રહે ? માટે જેને દૃઢ ભક્તિ ઇચ્છવી હોય તેને એ ચાર વાનાંમાં કાચપ રાખવી નહિ ને એ ચારની કાચપ હોય તોપણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી તો વાસુદેવ ભગવાનની નિશ્ચળ ભક્તિ થાય. આ વાર્તા તે આમ જ છે પણ એમાં કાંઈ સંશય નથી. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૩૩।। (૨૬૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પોતાના આત્માને પ્રકાશરૂપ ને સત્તારૂપ માને ને તેને વિષે અમારી આ પ્રત્યક્ષ મૂર્તિ વિરાજમાન છે એમ સમજે, ને આ અમારી મૂર્તિ વિના બીજા પ્રાકૃત આકારને અસત્ય ને દોષે યુક્ત સમજે તેની બુદ્ધિમાં કોઈ જાતનો ભ્રમ થાય નહીં. (૧) અને એવાને પણ માન, દ્રવ્ય તથા રૂપવાન સ્ત્રીઓનો યોગ થાય તો ઠેકાણું રહે નહિ માટે એનો યોગ થાવા દેવો નહીં. (૨) બીજામાં સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે યુક્ત એવી અમારી અનન્યભક્તિ હોય તે અમારો એકાંતિક ભક્ત છે અને એનો અમારે વિષે પ્રવેશ થાય છે અને અમારી સેવાને વિષે બહારથી પણ રહે છે. (૩) અને દેહ છતાં પણ જે ભક્તને અમારી દશ પ્રકારની ભક્તિ તથા અમારું માહાત્મ્ય તથા સ્વધર્મ, વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તથા અમારા સંતનો સમાગમ તે વિના ચાલે જ નહીં. એવું બંધાણ હોય તેનો પણ અમારે વિષે પ્રવેશ જાણવો ને તે એકાંતિક છે. (૪) અને જે કુસંગને યોગે અમારી ભક્તિને ભૂલી જઈને ચાળે ચડી જાય તે પ્રાકૃત દેહાભિમાની છે. (૫) ત્રીજામાં સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાં કાચપ હોય તેની ભક્તિ રહે નહિ એ કાચપનો ત્યાગ કરે તો અમારી નિશ્ચળ ભક્તિ થાય. (૬) બાબતો છે.
૧ પ્ર (૧/૨ પહેલા પ્રશ્નમાં) મુક્તાનંદ સ્વામીને તથા ગોપાળાનંદ સ્વામીને માનનો તથા દ્રવ્યનો તથા સ્ત્રીઓનો યોગ થાય તો તેમનું ઠેકાણું રહે નહિ એમ કહ્યું ને (છે. ૨૬ના બીજા પ્રશ્નમાં) મયારામ ભટ્ટ તથા મૂળજી બ્રહ્મચારી તથા નિષ્કુળાનંદ સ્વામીને સ્ત્રીઆદિક કોઈ પદાર્થ બંધન કરી શકે નહિ એમ કહ્યું છે તેનું શું કારણ હશે ? કેમ જે શ્રીજીમહારાજે દેહોચ્છવ વખતે સર્વ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ, હરિજનોને આજ્ઞા કરી હતી કે શ્રી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો ને જે એમની આજ્ઞામાં નહિ રહે તે અમારા નથી એમ ત્યાગી-ગૃહી સર્વને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું કહ્યું હતું. માટે ગોપાળાનંદ સ્વામી તો સત્સંગમાં સર્વથી મોટા હતા. ને (છે. ૨૧/૬માં) અક્ષરધામમાં પરમ એકાંતિકમુક્ત રહ્યા છે તેથી પણ અધિક કહ્યા છે, ને દાસત્વભક્તિમાં પણ (મ ૬૨ના ત્રીજા પ્રશ્નમાં) ગોપાળાનંદ સ્વામીને તથા મુક્તાનંદ સ્વામીને ઉત્તમ કહ્યા છે અને (કા .૩ના પહેલા પ્રશ્નમાં) શુક સ્વામીની પ્રશંસા કરી છે, તેમાં પણ એમને મુક્તાનંદ સ્વામી જેવા કહ્યા છે, માટે મુક્તાનંદ સ્વામી પણ ગોપાળાનંદ સ્વામીના જેવા જ મુક્ત છે તે એવા મોટા અનાદિમુક્તનું ઠેકાણું રહે નહિ એમ કહ્યું તો બીજાની તો વાત શી કહેવી ? અને (લો ૧૩ના પહેલા પ્રશ્નમાં) પણ તુચ્છ જેવો જીવ શ્રીજીનાં ચરણારવિંદમાં નિમગ્ન રહે તો તેને પરાભવ ન થાય એમ કહ્યું છે તે સાધનિકને પરાભવ ન થાય તો આ તો અનંતને એવી સ્થિતિ કરાવતા એવા મોટા સિદ્ધમુક્તને પરાભવ થાય એમ કેમ કહ્યું હશે ?
૧ ઉ ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત હતા. એમના સામું તો માયા જોઈ જ શકે નહિ એવા મોટા હતા, પણ એમને મિષે કરીને સાધનિકને શિક્ષા કરી છે, કેમ જે મોટાને ઉદ્દેશીને વાત કરે ત્યારે સાધનિકને બીક લાગે જે એવા મોટાને પરાભવ થાય તો આપણને તો થાય જ એમ બીક લાગે એટલા માટે મોટાને મિષે કહ્યું છે.
૨ પ્ર (૨/૩ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે પોતાને વિષે પ્રવેશ કહ્યો તે તેજના મંડળમાં દિવ્ય મૂર્તિ છે ત્યાં તો માયિક મનની ગતિ હોય નહિ તે કેમ સમજવું ?
૨ ઉ જેમ લક્ષ્મીજી શ્રીકૃષ્ણવાસુદેવને વિષે રહે છે ને બહારથી સ્ત્રી રૂપે સેવામાં રહે છે તેમ જ મુક્ત પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં રહે છે ને બહાર પણ રહે છે અને મનનું અનુસંધાન રહે છે એમ કહ્યું છે તે મન શબ્દ તો આ લોકની રૂઢિએ વાપર્યો છે, પણ જે મુક્ત થાય તેને મન છે જ નહિ ને એને વિષે દેહ-દેહી ભાવ પણ નથી; મુક્ત પણ શ્રીજીમહારાજની પેઠે જ દિવ્ય મૂર્તિઓ જ છે. ।।૩૩।। (૨૬૭)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૪
સંવત ૧૮૮૫ના ચૈત્ર સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાન વિના બીજા માયિક પદાર્થમાત્રને વિષે વાસના ન રહે ને એક ભગવાન વિષે જ વાસના રહે તેનાં બે સાધન જણાય છે. એક તો ભગવાનને વિષે પ્રીતિ ને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય એ બે સાધન છે. તે એ બે સાધન તો જેને અતિશેપણે ન વર્તતાં હોય ને ભગવાનનો નિશ્ચય ને વિશ્વાસ તો હોય, એવાને પણ એક ભગવાનની જ વાસના રહે ને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું, અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે માટે જીવતે દુઃખિયો વર્તે. ને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે. અને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ટાળ્યાનાં જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે. તે શું તો જેના જેના નિયમ કહ્યા છે તેમાં સાવધાનપણે વર્તે, તે નિયમ કિયા તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ તે કેમ તો જેમ આત્મનિવેદી સાધુ-બ્રહ્મચારીના નિયમ છે, તેમ જ આત્મનિવેદી ન હોય તોપણ સ્ત્રીને ન જોયાનો નિયમ રાખે તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે. એવી રીતે પંચવિષયના ત્યાગ સંબંધી નિયમને દૃઢપણે સાવધાન થકો પાળે, તથા ભગવાન ને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે, તથા ભગવાનની કથા સાંભળે ઇત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે, ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થાવા લાગે એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાનને વિષે પ્રીતિ એ બે ન હોય તોપણ તે થાય, ને અતિશે બળિયો થઈ જાય, ને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે. (૧)
૨ પછી વળી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! જે ક્રોધ છે તે શામાંથી ઉત્પન્ન થાય છે તો પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમત્વ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈક કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઊપજે છે, ને કામના જે ઇચ્છા તેનો ભંગ થયો ત્યારે તે કામ હતો તે ક્રોધ રૂપે પરિણામને પામે છે. માટે એનો તો એવો સ્વભાવ જ થયો જે એમાં ક્રોધ ઊપજે અને એમ થાય તોપણ ક્રોધ ન ઊપજે એમ છે કે નહીં ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્રદૃષ્ટિએ કરીને માહાત્મ્ય જાણીને પોતાની ઇચ્છાએ કરીને અનેક જીવોને ધર્મ-મર્યાદામાં રખાવવા ને ભગવાનને માર્ગે ચડાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઇચ્છ્યો હોય ને તેમાં પ્રવર્ત્યા હોય, અને કોઈક જીવ ધર્મ-મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટાપુરુષને તે જીવની ઉપર ક્રોધ ઊપજી આવે. કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો માટે ધર્મ-મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થાતો જાય ને તે જીવનું સારું ન થાય. માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક ને એમાં કાંઈ બાધ નહિ કેમ જે, એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યાં હોય તેને કાંઈક રીસ કરીને કહ્યા વિનાનું કેમ ચાલે ? અને ક્રોધ તો ત્યારે ન થાય જે, જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે અને એકાએકી વનમાં ફરતો રહે ત્યારે ક્રોધ ન થાય. પણ એમ તો એમનાથી કેમ કરાય ? કેમ જે, એમણે તો અનેક જીવને વાર્તા કરીને ભગવાન સન્મુખ કરવા ને તેનું જે કલ્યાણ થાય તેનું જે મહાફળ તે શાસ્ત્રદૃષ્ટિએ કરીને સમજ્યું છે. તથા એવી રીતની જે ભગવાનની આજ્ઞા તેનું માહાત્મ્ય જાણ્યું છે, માટે ક્રોધ થાય તોય પણ એ જે પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે જ નહિ, અને વળી જેને કોઈક મોટા સાધુ સંગાથે હેત થયું હોય ને તેને વિષે પોતાનાં કલ્યાણ થાવારૂપ સ્વાર્થ માન્યો હોય, ને એમ જાણતો હોય જે આ સાધુથી જ મારું સારું થાશે એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તોપણ તે મોટા સાધુ ઉપર એને કોઈ દિવસ ક્રોધ ન થાય ને એ ક્રોધને મૂકી જ દે એમ પણ ક્રોધ જાય છે, અને પદાર્થના લેણદેણ સારુ તે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે તેને તો સાધુનું માહાત્મ્ય તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજાણો જ નથી. ને સમજાણો હોય તો તુચ્છ પદાર્થ સારુ ક્રોધ કરે નહિ ને બુદ્ધિવાન હોય, સમજુ હોય ને તુચ્છ પદાર્થ સારુ સાધુ સંગાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદાર જેવી વ્યાવહારિક જાણવી, પણ સાધુપણાની બુદ્ધિ એને આવી જ નથી એમ સમજવું. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩૪।। (૨૬૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા વિના બીજેથી વાસના ટાળીને એક અમારે વિષે વાસના થયાનાં સાધન તો અમારે વિષે પ્રીતિ ને જ્ઞાને સહિત વૈરાગ્ય છે અને અમારો નિશ્ચય ને વિશ્વાસ હોય ને પંચવિષયના ત્યાગ સંબંધી નિયમ તથા અમારી નવ પ્રકારની ભક્તિ સંબંધી નિયમમાં સાવધાન થકો વર્તે તો અમારા સંબંધી વાસના વૃદ્ધિ પામતી જાય. (૧) બીજામાં જીવને અમારા સન્મુખ કરવા ને તેમને અમારી આજ્ઞા પળાવવા માટે તેના ઉપર ક્રોધ કરવો તે ઠીક છે, અને મોટા સાધુ સાથે હેત હોય ને પોતાના કલ્યાણનો સ્વાર્થ માન્યો હોય તો ક્રોધ જાય છે, અને તુચ્છ પદાર્થ સારુ સાધુ સાથે ક્રોધ કરે તેને સાધુનું માહાત્મ્ય સમજાણું નથી અને બુદ્ધિમાન તુચ્છ પદાર્થ સારુ સાધુ સાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ સાધુપણાની નથી. (૨) બાબતો છે.
૧ પ્ર બીજા પ્રશ્નમાં શુક સ્વામીએ મમત્વનો ભંગ કરે તોપણ ક્રોધ ન ઊપજે તેનો ઉપાય શો છે ? એમ પૂછ્યું તેનો ઉત્તર કેમ નહિ કર્યો હોય ?
૧ ઉ શુક સ્વામીએ એ જ હારદથી પૂછ્યું હતું જે તમારી આજ્ઞા પળાવવાનો મમત્વ હોય તેને કોઈકને ધર્મમાં રખાવવા સારુ તેના ઉપર ક્રોધ કરવો પડે તે અમારે ત્યાગીને ઘટે નહિ, માટે તે ન થાય તેનો ઉપાય બતાવો. ત્યારે શ્રીજીમહારાજે તેમને કહ્યું જે ધર્મમાં વર્તાવવા સારુ તમારે ક્રોધ કરવો તેમાં બાધ નથી. એમ કહીને પછી તે ક્રોધ ન થવાનો ઉપાય બતાવ્યો છે જે એ શુભ સંકલ્પનો ત્યાગ કરીને એકાએકી વનમાં ફરે તો ન થાય, અને બીજું જેને મોટા સાધુ સાથે હેત હોય ને કલ્યાણનો સ્વાર્થ હોય તો ક્રોધ ન ઊપજે એ ઉપાય બતાવ્યો છે.
૨ પ્ર પહેલા પ્રશ્નમાં અમારે વિષે પ્રીતિ ને જ્ઞાને સહિત વૈરાગ્ય એ બે સાધન ન હોય તે જીવતાં દુઃખિયો રહે ને મરે ત્યારે એનું કલ્યાણ તો અમે કરીએ, એમ શ્રીજીમહારાજે કહ્યું અને (અ ૩ના પહેલા પ્રશ્નમાં) પંચવિષયનું ચિંતવન થાય તે જન્મમરણનો હેતુ જ છે એમ કહ્યું માટે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ આમાં વિષયનું ચિંતવન થાય છે તેણે કરીને એ દુઃખિયો રહે છે જે મને આવા ભૂંડા ઘાટ શ્રીજીમહારાજના ભજન-સ્મરણમાં વિક્ષેપ કરે છે એમ પશ્ચાત્તાપ કરે છે, તેથી શ્રીજીમહારાજ એના ઉપર પ્રસન્ન થઈને એનું કલ્યાણ કરે છે એમ કહ્યું છે. અને (અ. ૩માં) જેને દાઝ ન થાય તેને જન્મમરણ કહ્યું છે. ।।૩૪।। (૨૬૮)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૫
સંવત ૧૮૮૫ના ચૈત્ર સુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દૃઢ આશ્રય હોય તે આશ્રય ગમે તેવો આપત્કાળ આવી પડે ને દેહને સુખ-દુઃખ, માન-અપમાન, દેશકાળનું વિષમપણું ઇત્યાદિકે કરીને જાય નહિ તે કેમ જણાય જે, એને એવો આશ્રય છે ? ને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય ? તે કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભક્તને એક ભગવાનને વિષે જ મોટપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય, ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્છ જાણતો હોય, તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે, ત્યારે જે મૂંઝાય નહિ ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહિ ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જે સરલપણે વર્તે, એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપત્કાળ પડે તોપણ ભગવાનનો આશ્રય ન ટળે. (૧)
૨ વળી શુકમુનિએ પૂછ્યું જે, (૨) મૂંઝાતો તો હોય, કેમ જે પ્રકૃતિને મરોડે ત્યારે જીવને મૂંઝવણ થાય, પણ તે મૂંઝવણમાં પણ કાંઈ ફેર છે કે નહીં ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રકૃતિને મરોડે ને મૂંઝાય ત્યારે જે પોતાનો જ અવગુણ લે, પણ ભગવાનનો ને સાધુનો અવગુણ ન લે એ સારો, અને જે પોતાનો અવગુણ ન લે ને ભગવાનનો ને સાધુનો અવગુણ લે, તો એનો વિશ્વાસ નહિ ને એવો જે હોય તેના આશ્રયનો પણ ઠા નહીં. (૨)
૩ ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું જે, (૩) જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાને તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે જે મારી પ્રકૃતિને મરોડશે ત્યારે મારું ઠીક નહિ રહે કેમ જે પોતે જે અજમાવેલ વાર્તા ન હોય તેનો વિશ્વાસ કેમ આવે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો પોતાના મનના જે સંકલ્પ તેના સામી દૃષ્ટિ રાખે, જે મારા મનમાં ભગવાન વિના બીજા પંચવિષય સંબંધી ભોગ છે તેમાં શાની વાસના બળવાન છે ને બળવાનપણે કિયા વિષયભોગનો સંકલ્પ થાય છે ? એમ વિચારે તો જેવો પોતે હોય તેમ માલમ પડે, પણ બીજી રીતે ન પડે અને જ્યારે એ વિચારે ત્યારે એમ વિચારે જે, આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તું છું ને તેમાંથી જ્યારે મુને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહિ રહે, એમ એને પોતાનો નિશ્ચય થાય અને બળવાન પ્રકૃતિ હોય ને તદાપિ જો એની પ્રકૃતિને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મરોડે નહિ તો તો એ પાર પડી જાય, ને જો મરોડે તો તો એનો ઠા રહે નહિ; અંતે અતિ મૂંઝાઈને વિમુખ થઈ જાય. (૩)
૪ અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૪) સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે તેનું શું કારણ છે ? તો એ સાધુના હૃદયને વિષે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. કેમ જે, તે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે ત્યારે એ ભગવાનના દ્રોહનું અધિક પાપ છે, માટે સંતના દ્રોહનું સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે. (૪) અને કંસ, શિશુપાળ, પૂતના એ આદિક જે દૈત્ય તેમણે ભગવાનનો દ્રોહ કર્યો ને તેનું પણ ભક્તની પેઠે ભગવાને કલ્યાણ કર્યું તેનો શો અભિપ્રાય છે ? જે એ દૈત્યે વૈરબુદ્ધિએ કરીને ભગવાનનું ચિંતવન કર્યું ત્યારે ભગવાને એમ જાણ્યું જે વૈરબુદ્ધિએ કરીને પણ એ દૈત્યે મારું ચિંતવન કર્યું ને મારા સંબંધને પામ્યા, માટે મારે એનું કલ્યાણ કરવું એવી રીતે એને વિષે ભગવાનની દયાનું અધિકપણું જાણવું અને વળી એમ જાણવું જે એ વૈરબુદ્ધિએ કરીને આશર્યા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું તો જે ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે ને ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે તેનું ભગવાન કેમ કલ્યાણ નહિ કરે ? કરશે જ. એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પ્રવર્તાવવા એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારાનો છે. પણ એમ નથી જે દૈત્યની પેઠે ભગવાનનું અણગમતું કરવું, માટે ભગવાનની ઉપર વૈરભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે ને અણગમતું કરે તેને તો દૈત્ય જ જાણવા. ને એ પક્ષ તો દૈત્યનો છે, અને જેમ ભગવાનનું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું ને ભક્તિ કરવી ને ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરવા એવો ભગવાનના ભક્તનો પક્ષ છે. (૫)
૫ પછી શુકમુનિએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, (૫) હે મહારાજ ! જે સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય તે સાધુનાં લક્ષણ શાં છે ? તે કહો. ત્યારે શ્રીજીમહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા જે, પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે; સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને ગમે એટલાં પુરાણ, ઉપનિષદ, વેદ ઇત્યાદિક ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તોપણ એમ જાણે જે કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી ને કાં તો એમાં કેમે કહ્યું હશે પણ ભગવાન તો સદા સાકાર જ છે. અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દૃઢ ન કહેવાય, ને સાકાર ન હોય તેને વિષે આકાશની પેઠે કર્તાપણું ન કહેવાય તથા એક દેશને વિષે રહેવાપણું ન કહેવાય, માટે ભગવાન તો સદા સાકાર જ છે, ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે, ને સદા પોતાના અક્ષરધામને વિષે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે, એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય; સદા એમ જ સમજે એક તો એ લક્ષણ હોય. (૧) તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય ને એ ભગવાનનું જે નામ-સ્મરણ ને કથા-કીર્તનાદિક તે જે કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. (૨) તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહિ, ને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે ને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે ને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે, ને એમ ને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. (૩) તથા સારું વસ્ત્ર, સારું ભોજન, સારું જળ તથા જે જે કાંઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે, જે આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક ને તે પદાર્થ તેને આપે ને રાજી થાય એવો હોય. (૪) તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે, આ તો કેટલાંય વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહિ, ને આ તે કોણ જાણે કેવોય હશે ? એનું તો કાંઈ કળાતું નથી, એવો ન હોય, ને જેવો એ માંહી-બહાર હોય તેને સર્વે જાણે જે આ તો આવો છે. એવો જે સરળ સ્વભાવવાળો હોય. (૫) અને શાંત સ્વભાવવાળો હોય તોપણ કુસંગીની સોબત ન ગમે, ને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. (૬) આવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત્ ભગવાન વિરાજમાન છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે. અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૩૫।। (૨૬૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૫) છે, તેમાં ચોથું કૃપાવાક્ય છે, તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા વિના બીજા સર્વર્ને તુચ્છ જાણે ને પોતાની પ્રકૃતિ મૂકીને અમે ને અમારા સાધુ કહીએ તેમ વર્તે તેને આપત્કાળે પણ અમારો આશ્રય ટળે નહીં. (૧) બીજામાં અમે તથા અમારા સાધુ પ્રકૃતિ મરોડીએ ત્યારે અમારો ને સાધુનો અવગુણ ન લે તે સારો ને અમારો ને સાધુનો અવગુણ લે તેના આશ્રયનો ઠા નહીં. (૨) ત્રીજામાં જે વિષયનો બળવાન ઘાટ થાતો હોય ત્યારે એમ વિચારે જે, આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તું છું તેમાંથી મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહિ રહે, એમ પોતાનો નિશ્ચય થાય અને એની પ્રકૃતિને અમે કે સાધુ ન મરોડીએ તો તો એ પાર પડી જાય ને મરોડીએ તો મૂંઝાઈને વિમુખ થઈ જાય. (૩) ચોથામાં સાધુને વિષે અમે સાક્ષાત્ રહ્યા છીએ, માટે સાધુના દ્રોહથી અમારો દ્રોહ થાય છે તેથી સંતના દ્રોહનું અધિક પાપ છે. (૪) અને અમારા ઉપર વૈરભાવ રાખીને અમારો દ્રોહ કરે તે દૈત્યનો પક્ષ છે, અને અમારા ગમતા પ્રમાણે વર્તીને અમારી ભક્તિ કરવી એ ભક્તનો પક્ષ છે. (૫) પાંચમામાં અમને સદા દિવ્ય સાકાર સમજે ને અમારી એકાંતિક ભક્તિ કરે ને અમારું નામ-સ્મરણાદિક કરતા હોય તેને દેખીને રાજી થાય, અને સ્વભાવનો ત્યાગ કરે પણ અમારા ભક્તના સમૂહથી છેટે ન રહે, અને સારું પદાર્થ અમારા ભક્તને આપીને રાજી થાય, અને સરળ સ્વભાવ હોય અને વિમુખના સંગની અરુચિ વર્તે, આ છો લક્ષણે યુક્ત હોય તેને વિષે અમે સાક્ષાત્ વિરાજમાન છીએ, માટે એવા સાધુનો દ્રોહ તે અમારા દ્રોહ તુલ્ય છે ને એવા સાધુની સેવા તે અમારી સેવા તુલ્ય છે એમ કહ્યું છે. (૬) બાબતો છે. ।।૩૫।। (૨૬૯)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૬
સંવત ૧૮૮૫ના વૈશાખ સુદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને તે વાડીને મધ્યે જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો જે, (૧) આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે, જે જેને વિષે એ પ્રવર્તે તો એનું નિશ્ચે કલ્યાણ થાય ને તેમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહિ તે કહો, તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જે જેણે કરીને તેમાંથી નિશ્ચે પડી જાય ? તે પણ કહો. પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું, ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ સમજવા, ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો, ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી, ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે. અને એમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતાં નથી. (૧) અને એ સાધનને વિષે મોટું વિઘ્ન એ છે જે શુષ્ક વેદાંતીનો સંગ કરવો, ને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય ? તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને, તેને વિષે હેત થાય, ને જે હેત થાય તે ગુણે કરીને થાય છે. જેમ કોઈકે કાળમાં અન્ન આપીને જિવાડ્યો હોય તેની ઉપર હેત થાય એવી રીતે જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય, તેમ તે વેદાંતી તે એને એમ ગુણ દેખાડે, જે આત્મા છે તેને જન્મમરણ નથી ને તે નિરાકાર છે ને તે ગમે એટલું પાપ કરે તોપણ તેને દોષ ન લાગે. એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે ત્યારે એને એ મોટું વિઘ્ન થયું કેમ જે, ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો માટે એ વેદાંતીનો સંગ ક્યારેય ન કરવો, ને એ વેદાંતી તો મહાદુષ્ટ છે ને ભગવાનની ભક્તિમાર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી. (૨)
એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દાદાખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી જે, (૨) અમે સર્વ શાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાણે ફર્યા ને તેને વિષે ઘણાક સિદ્ધ દીઠા છે, એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી, ને પછી એમ બોલ્યા જે, હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં. અને ઉપાસનાએ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહિ, ને ઉપાસના વિના આત્મા-બ્રહ્મને દેખવાને ઇચ્છવું તે કેમ છે તો જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી ચાટીએ તોપણ ક્યારેય ખાટો-ખારો સ્વાદ આવે જ નહિ, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા-બ્રહ્મ દેખાય જ નહીં. તે ગમે એટલું યત્ન કરે તોપણ ન દેખાય અને નિર્બીજ એવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે, તે ભલે કહ્યું છે, પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી માટે એ વાર્તા ખોટી છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩૬।। (૨૭૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે, તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ ને સર્વેના અવતારી સમજીને આશ્રય કરે, ને ધર્મે સહિત અમારી ભક્તિ કરે, ને એવી ભક્તિએ યુક્ત સાધુનો સંગ કરે, તે કલ્યાણનું અસાધારણ સાધન છે તેમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતાં નથી. (૧) અને મહાદુષ્ટ એવા જે શુષ્ક વેદાંતી તેનો સંગ કરવો એ મોટું વિઘ્ન છે. (૨) બીજામાં અમારી ઉપાસના ને ધ્યાન એ બે હોય તો આત્મા તથા બ્રહ્મ દેખાય પણ તે વિના તો દેખાય જ નહિ એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં અમારો જે તે ભાવે કરીને આશ્રય કરવો એમ શ્રીજીમહારાજે કહ્યું તે, જે તે ભાવે તે કિયો સમજવો ?
૧ ઉ શ્રીજીમહારાજ સર્વે અવતારના અવતારી ને બ્રહ્મજ્યોતિ જે અક્ષરધામ તેને વિષે અનાદિ સાકાર મૂર્તિ વિરાજે છે તે જ આ મનુષ્ય રૂપે પ્રત્યક્ષ દર્શન આપે છે એમ સમજવા એવો જે ભાવ તે ભાવે કરીને આશ્રય કરવો.
૨ પ્ર (૨/૩ બીજા પ્રશ્નમાં) અમારી મૂર્તિની ઉપાસના વિના આત્મા કે બ્રહ્મા દેખાય જ નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું અને (લો. ૭ના ૨/૪ બીજા પ્રશ્નમાં) બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા બાકી રહ્યા છે એમ કહ્યું તે પરબ્રહ્મને જાણ્યા ન હોય તોપણ બ્રહ્મરૂપ થાય એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ (લો. ૭માં) મૂર્તિની ઉપાસના વિના બ્રહ્મરૂપ થાય એમ નથી કહ્યું; એમાં તો મૂળપુરુષાદિક અવતારને ભજીને તેના તેજરૂપ થઈ ગયો હોય તે બ્રહ્મરૂપ કહ્યો છે. તોપણ શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા જાણવો બાકી રહ્યો છે એમ કહ્યું છે, માટે મૂર્તિની ઉપાસના હોય તો જ બ્રહ્મરૂપ થાય ને બ્રહ્મને તથા આત્માને દેખે, પણ તે વિના તો બ્રહ્મરૂપ થવાય જ નહિ ને આત્મા કે બ્રહ્મ દેખાય જ નહીં.
૩ પ્ર નિર્બીજ સાંખ્ય ને નિર્બીજ યોગ કહ્યો તેનું રૂપ શું હશે ?
૩ ઉ દેહથી નોખો જે આત્મા તેને જાણવો તે નિર્બીજ સાંખ્ય કહેવાય અને તે આત્માકારે વૃત્તિ કરવી તે નિર્બીજ યોગ કહેવાય. ।।૩૬।। (૨૭૦)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૭
સંવત ૧૮૮૫ના વૈશાખ સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ચાકળા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી જે, (૧) જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એક વાર થયું હોય, ને પછી તેને દેશ, કાળ, ક્રિયા, સંગ વિષમ થઈ જાય તોપણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. ત્યાં દૃષ્ટાંત છે : જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેશરી શાહુકાર હોય ને તેને પ્રારબ્ધાનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્રપણું આવી ગયું, તેણે કરીને ખડધાન ખાવા મળે અથવા ડોડીની ભાજી મળે તથા કોઠાં, બોરાં, બાફેલી પીપર્યો ઇત્યાદિક જેવુંતેવું ખાવા મળે, ત્યારે તેને ખાય પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્યવાળી ચીજું કોઈને ન મળે એવી મગાવીને ખાધી હોય તે સર્વે સાંભરી આવે, ને મનમાં એમ ઘાટ કરે જે, એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવુંતેવું અન્ન ખાઉં છું ! એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે ત્યારે તે સાંભરી આવે અને જે પ્રથમથી જ જેવુંતેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભરે ? તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એક વાર યથાર્થપણે જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો, તોપણ તે સુખને સાંભરતો થકો જ સુખ-દુઃખને પ્રારબ્ધાનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તે શું સંભારે ? એ તો પશુ જેવો છે. હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ જે, ભગવાનનો જેવો આકાર છે તેવો આકાર બીજા દેવ-મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી, ને ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્યપણું નથી ચાલતું એવા ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી, અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો જ છે, તોપણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વેમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને એ સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે ને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. અને જેમ ચારે કોરે લાખો કાચનાં પૂતળાં હોય ને તેના મધ્યને વિષે એક પુરુષ ઊભો હોય ત્યારે તે સર્વે પૂતળાંને વિષે તે એકલો જ અનેક રૂપે દેખાય, તેમ એક ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિષે રહ્યા થકા જ અનેક બ્રહ્માંડને વિષે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેમને વિષે તેમના યથાયોગ્ય કર્મફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે, તે જેવા પોતે છે તેવા જ દેખાય છે તે કહ્યું છે જે ।। क्षेत्रज्ञं जापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।। અને સર્વ જીવનાં જીવન છે ને એ ભગવાન વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થાતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે. જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયાં બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગકળાના સામર્થ્યે કરીને સર્વે ક્રિયાને કરે છે, અને જેમ અગ્નિ જે તે કાષ્ઠને વિષે ને પાષાણને વિષે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે, ને કાષ્ઠ-પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન તો પ્રથમ કાચનું દૃષ્ટાંત દીધું તેવી રીતે સર્વ જીવને વિષે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે, અને એવી રીતના અનંત ઐશ્વર્યે યુક્ત એવા જે એ ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન-ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એક વાર યથાર્થ થયો હોય, તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહિ તે ગમે તેવું સુખ-દુઃખ પડે તોપણ તેને વિષે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ વીસરી જાય નહીં. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ. અને આ વાર્તા શા સારુ કરીએ છીએ, તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે પણ કદાચિત્ દેશ, કાળ, પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે, તો જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય, અને એવો દૃઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય જે મારું અકલ્યાણ થાશે, અને આવો યોગ રહેવો તે બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે. કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય તોપણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય માટે આ વાર્તા કરી છે. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૩૭।। (૨૭૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા જેવો બીજા કોઈનો આકાર નથી, ને અમારા વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરે છે ને અમારા જેવો બીજો કોઈ નથી, અને અમારા ધામમાં અમારા ભક્ત છે તેનો આકાર અમારા જેવો જ છે, તોપણ તે પુરુષ છે અને અમે પુરુષોત્તમ છીએ ને એ મુક્તોથી શ્રેષ્ઠ છીએ ને એ મુક્તોને ઉપાસ્ય ને સ્વામી છીએ ને એ મુક્તો અમારા મહિમાના પારને પામતા નથી, એવા દિવ્ય મૂર્તિ, નિર્ગુણ ને ધ્યેય છીએ અને અમારું ધ્યાન કરનારા નિર્ગુણ થઈ જાય છે અને અમારા ધામને વિષે એક દેશને વિષે રહ્યા થકા અનેક બ્રહ્માંડમાં કર્મફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે રહ્યા છીએ. અને જેવા અક્ષરધામમાં છીએ તેવા આંહીં દેખાઈએ છીએ ને સર્વે જીવોના જીવન છીએ અને સિદ્ધેશ્વર છીએ અને અમારું સ્વરૂપ બીજી રીતનું એટલે અક્ષરાદિક સર્વેથી અતિ વિલક્ષણ છે અને જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા દેખાઈએ છીએ. આવું અમારું જ્ઞાન થયું હોય ને અમારી ભક્તિ કરી હોય તો તે ક્યારેય વીસરી જાય નહિ ને તેના જીવનું સારું થાય. (૧) બાબત છે.
૧ પ્ર ચારે કોરે લાખો કાચનાં પૂતળાં હોય તેના મધ્યને વિષે એક પુરુષ ઊભો હોય તે પુરુષ સર્વે પૂતળામાં દેખાય તેમ અમે ધામમાં રહ્યા થકા અનેક બ્રહ્માંડને વિષે જીવ જીવ પ્રત્યે કર્મફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે રહ્યા છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું, અને (કા. ૪ના બીજા પ્રશ્નમાં) પણ જેમ દર્પણને વિષે સભા જણાય છે તેમ જીવને વિષે અમે જણાઈએ છીએ એમ કહ્યું છે, અને (લો. ૪ના પહેલા પ્રશ્નમાં) મધ્યના કાચના મંદિરમાં પુરુષ ઊભો હોય તે ફરતી કાચની ઓરડીઓમાં દેખાય, તેમ અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જ અનંતકોટિ બ્રહ્માંડને વિષે અનંત રૂપે દેખાઈએ છીએ, એમ કહ્યું છે તે જીવ જીવ પ્રત્યે જેવા ધામમાં છે એવા જ રહ્યા હોય તો તો જીવના કલ્યાણ કરવા સારુ (લો. ૪માં) કહ્યું તેવી રીતે બ્રહ્માંડમાં દેખાવાની કાંઈ જરૂર રહી નહિ, કેમ જે અક્ષરધામમાં છે તેવા જ જીવમાં હોય તો જીવનાં કલ્યાણ થઈ જવાં જોઈએ માટે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ આમાં સર્વ જીવના સમૂહને વિષે ફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે રહ્યા છીએ એમ જે કહ્યું છે તે તો અંતર્યામી રૂપે પોતાના તેજ દ્વારે રહ્યા છે અને જેવા છીએ તેવા દેખાઈએ છીએ એમ જે કહ્યું તે તો ધ્યાને કરીને મૂર્તિને જોઈ શકે એવા જે પોતાના ભક્ત તેને જ દેખાઈએ છીએ એમ કહ્યું છે, પણ સર્વેને દેખાઈએ છીએ એમ નથી કહ્યું માટે તેજ દ્વારે જ સર્વે જીવોને વિષે રહ્યા છે તે તેજ દ્વારે મૂળઅક્ષરને વિષે પણ રહ્યા છે અને મૂળઅક્ષર દ્વારે વાસુદેવબ્રહ્મને વિષે રહ્યા છે અને બ્રહ્મ દ્વારે મૂળપુરુષને વિષે રહ્યા છે અને જીવોમાં તો મૂળપુરુષ દ્વારે રહ્યા છે. તે (પ્ર. ૧૩માં) પુરુષપ્રકૃતિરૂપ જે અમારી શક્તિ તેણે સહિત જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છીએ અને (પ્ર. ૪૬માં) પ્રકૃતિ જે માયા તેના કાર્યને વિષે અન્વય-વ્યતિરેકપણું તે મૂળપુરુષનું જ છે એમ કહ્યું છે, માટે જીવમાં પુરુષ દ્વારે જ રહ્યા છે અને (મ. ૧૩/૨માં) જે જે પદાર્થ અમારા સંબંધને પામે તે નિર્ગુણ થઈ જાય છે અને આમાં પણ જે અમારું ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એમ કહ્યું છે, માટે જે સંબંધને પામે તથા ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય, તો જીવમાં સાક્ષાત્ રહ્યા હોય તો જીવ નિર્ગુણ કેમ ન થાય ? અને (પ્ર. ૨૭માં) આવે લક્ષણે યુક્ત થાય તેને વિષે અમે સર્વ પ્રકારે નિવાસ કરીએ છીએ તો જો પહેલાંથી જ રહ્યા હોય તો સર્વ પ્રકારે નિવાસ કરવાનું શું કરવા કહે ? અને (છે. ૨૭માં) પાંચ વર્તમાને યુક્ત હોય તેને જ અમારો સંબંધ હોય છે, માટે જીવમાં તો અંતર્યામીપણે પોતાના તેજ દ્વારે જ રહ્યા છે, તે પણ પાત્રની તારતમ્યતાએ રહ્યા છે તે (પ્ર. ૪૧માં) જેવા અક્ષરમાં છીએ તેવા પુરુષપ્રકૃતિમાં નથી અને જેવા પુરુષપ્રકૃતિમાં છીએ તેવા પ્રધાનપુરુષમાં નથી, અને પ્રધાનપુરુષમાં છીએ તેવા મહત્તત્ત્વમાં નથી, અને તેવા અહંકારમાં નથી ને તેવા ચોવીશ તત્ત્વમાં નથી ને તેવા વૈરાજમાં નથી ને વૈરાજમાં છીએ તેવા વિષ્ણુ-બ્રહ્મા-શિવમાં નથી, અને જેવા એ ત્રણમાં છીએ તેવા મનુષ્યમાં નથી ને મનુષ્યમાં છીએ તેવા પશુ-પક્ષીમાં નથી, એમ કહ્યું છે. માટે તેજ દ્વારે પણ પાત્ર પ્રમાણે રહ્યા છે. અને (સા. ૫ના ૨/૩ બીજા પ્રશ્નમાં) પણ બદ્ધ જીવ તથા મુક્ત જીવ તથા ઈશ્વર તથા અક્ષર તેને વિષે અન્વયપણે રહ્યા છીએ અને વ્યતિરેક સ્વરૂપે તો મૂળઅક્ષરાદિક સર્વેથી પર છીએ એમ કહ્યું છે. અને (પ્ર. ૬૪/૧માં) જેમ સૂર્ય પોતાના પ્રકાશનો આત્મા છે તેમ અમે અમારા તેજના આત્મા છીએ અને અમારું તેજ મૂળઅક્ષરનું આત્મા છે એમ કહ્યું છે. માટે શ્રીજીમહારાજ તો મૂળઅક્ષરાદિક સર્વેથી પર છે ને સર્વેને અગમ્ય છે ને પોતાના તેજરૂપ ધામને વિષે જ મૂર્તિમાન રહ્યા છે તે મૂર્તિનાં દર્શન તો એમના મુક્તને જ છે પણ બીજા કોઈને નથી. અને જ્યારે જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા સારુ પૃથ્વીને વિષે મનુષ્ય રૂપે દર્શન આપે, ને એમના મુક્તને યોગે કરીને જેને શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય, ને એમની ઉપાસના-ધ્યાન-ભજન કરે, ને એમની આજ્ઞા પાળે ત્યારે જ આત્યંતિક કલ્યાણ થાય છે ને દર્શન પણ ત્યારે જ થાય છે. અને (કા. ૪માં) પણ અન્વયપણે રહ્યા છે તેનો ખુલાસો એમાં જ પહેલા પ્રશ્નોત્તરમાં કર્યો છે અને કાચની ઓરડીઓની તથા પૂતળાંની મધ્યે પુરુષ ઊભા હોય તે બધેય દેખાય છે તેમ અમે દેખાઈએ છીએ એમ કહ્યું, તે તો સમજાવવા સારુ દૃષ્ટાંત દીધું છે, પણ પુરુષ તો જડ ને અસમર્થ છે તે બધે દેખાવા સમર્થ નથી અને ભગવાન તો સમર્થ છે ને સર્વજ્ઞ છે, માટે જીવોના કલ્યાણને અર્થે જેવા અક્ષરધામમાં છે તેવા જ અનંત બ્રહ્માંડમાં દર્શન આપે છે, પણ પુરુષની પેઠે પ્રતિબિંબ નથી દેખાતું; પુરુષનો તો આભાસ પડે છે, માટે જડ વસ્તુનું દૃષ્ટાંત ચૈતન્ય વસ્તુને સર્વ પ્રકારે સાદૃશ્ય થાય જ નહીં. ।।૩૭।। (૨૭૧)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૮
સંવત ૧૮૮૫ના વૈશાખ સુદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકારમાત્ર તે સર્વે મિથ્યા છે કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશે પ્રકાશે યુક્ત છે અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે ને સચ્ચિદાનંદરૂપ છે અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન તે જે તે, તે મુક્ત પુરુષ તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે, અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રગટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. ને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી; એ બે એક જ છે અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે ને ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. (૧) અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૨) એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિષે બેઠા-ઊઠ્યાની વાસના તથા રસને વિષે જિહ્વાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ છો વાનાં જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહિ, માટે જેને સુખ ઇચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિ પર થાવું ને બરોબરિયાની સોબત ન રાખવી. ને દેહાભિમાને રહિત ને વૈરાગ્યે યુક્ત ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત્ વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવદ્ ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન-કર્મ-વચને વરતવું ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થાવા દેવો નહિ; ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠા રહે જ નહિ એ સિદ્ધાંત વાર્તા છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૩૮।। (૨૭૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે માયામાંથી થયા તે આકાર મિથ્યા ને નાશવંત છે અને અમારા અક્ષરધામને વિષે અમારો ને અમારા મુક્તનો આકાર સત્ય, દિવ્ય ને અતિશે પ્રકાશે યુક્ત સચ્ચિદાનંદરૂપ અને દ્વિભુજ છે અને મુક્ત પુરુષોએ સેવ્યા થકા સર્વ મુક્તોને આનંદ ઉપજાવીએ છીએ અને સર્વોપરી છીએ ને દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રગટ થયા છીએ અને તમારા સર્વના ઇષ્ટદેવ છીએ ને તમારી સેવાને અંગીકાર કરીએ છીએ અને અમારા આ મનુષ્ય સ્વરૂપમાં ને ધામમાં રહ્યું જે સ્વરૂપ તેમાં કાંઈ પણ ભેદ નથી; એક જ છે. અને અમે અક્ષરાદિક સર્વના નિયંતા ને ઈશ્વરના ઈશ્વર ને સર્વના કારણના પણ કારણ ને સર્વ અવતારના અવતારી છીએ ને તમારે એકાંતિકભાવે ઉપાસના કરવા યોગ્ય છીએ. (૧) અને બીજામાં છો વાનાં હોય તેને સુખ ક્યારેય પણ થાય નહિ, માટે અમારા મોટા સાધુ સંગાથે જીવ જડી દેવો ને એમના વચનમાં વર્તવું અને વિષયનો સંબંધ કરે તેનો ઠા રહે નહીં. (૨) બાબતો છે.
૧ પ્ર બીજા કૃપાવાક્યમાં દ્રવ્યાદિક છો વાનાં હોય તેને જીવતાં ને મરીને સુખ ન આવે એમ કહ્યું તે ત્યાગીને-ગૃહીને કેવી રીતે વાસના હોય તેને સુખ ન થાય ?
૧ ઉ ત્યાગી હોય તેને સ્ત્રીઓ પાસે બેસવાનો તથા બોલવાનો તો સંકલ્પ ન હોય, પણ સ્ત્રી સમીપે આવી જાય તેને જોવાનો સંકલ્પ થઈ જાય તે સ્ત્રીની વાસના કહેવાય. (૧) અને અંતરમાં પરસ્ત્રી સાથે બોલવાનો કે બેસવાનો સંકલ્પ થતો હોય તે ગૃહસ્થને વાસના કહેવાય. (૧) અને ત્યાગીને રોગાદિક આપત્કાળ આવે તથા કોઈક તીર્થાદિકમાં જાવું હોય ત્યાં ભાડાનો યોગ ન બને ત્યારે દ્રવ્ય રાખ્યું હોત તો આવા આપત્કાળમાં કામ આવે એવો સંકલ્પ થાય, તેમ જ વસ્ત્રાદિક જે વખતે જોઈતું હોય તે વખતે ન મળે ને વિલંબ થાય, ત્યારે તેને રાખ્યું હોય તો જોઈએ તે વખતે કામ આવે તેવો સંકલ્પ થાય તે લોભ કહેવાય. (૨) અને ગૃહસ્થને ન્યાયે કરીને ભેળું કરેલું દ્રવ્ય તેને શ્રીજીમહારાજ તથા પંચવર્તમાને યુક્ત એવા સત્પુરુષના ઉપયોગમાં ન આવે, તથા પંચવર્તમાને યુક્ત એવા સત્સંગી હોય ને તેને ખાવા-પીવાની તંગાશ હોય અથવા કોઈ રાજ્ય સંબંધી સંકટ આવ્યું હોય ને તેને છોડાવવાના ઉપયોગમાં ન આવે તે દ્રવ્યાદિકનો લોભ કહેવાય. (૨) અને ત્યાગી જે મળે તેને પાણીમાં મેળાવ્યા વિના જુદી જુદી વસ્તુઓ રાખીને જમે તે રસની આસિક્ત કહેવાય. (૩) અને ગૃહસ્થને જમતી વખતે ખારું-મોળું હોય તો મનમાં કચવાય કે રસોઈ કરનાર સાથે કજિયો કરે તે રસની આસક્તિ જાણવી, તો ત્યાગીથી તો ખારું-મોળું બોલાય જ કેમ ? (૩) અને ત્યાગીને વિદ્યાદિક ગુણનું અભિમાન આવે કે ઝીણાં વસ્ત્ર પહેરવાનો સંકલ્પ થાય કે મોટા સંતની સેવા થઈ શકે નહિ ઇત્યાદિક દેહાભિમાન કહેવાય. (૪) અને ગૃહસ્થને નાત્યનું, કુળનું, ધનનું તથા લોકમોટાઈ આદિકનું અભિમાન હોય તથા સારાં વસ્ત્ર-ઘરેણાં પહેરીને દેહને શોભાડવાની આસક્તિ રહે, તથા ઉત્તમ ભક્ત હોય તે લોકવ્યવહારે ગરીબ હોય કે પોતાથી ઊતરતી જાતિ હોય તેનો મહિમા ન જણાય, તથા દેહે કરીને ભગવાનની કે તેમના ભક્તની સેવા ન થાય તે દેહાભિમાન કહેવાય. (૪) અને જે શ્રીજીમહારાજના આશ્રિત ન હોય ને એવા સત્સંગ બહારના કુસંગીમાં તથા શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળતા હોય એવા ત્યાગીમાં તથા એવા સત્સંગીમાં હેત ને પક્ષ હોય તો ત્યાગી તથા ગૃહસ્થને કુસંગમાં હેત કહેવાય. (૫) અને પોતાનાં પૂર્વનાં માબાપ આદિ સંબંધીને સુખી-દુઃખી દેખીને હર્ષ-શોક કરે તથા તેની ખબર રખાવે, ને તેના સમાચાર પૂછે ને તેને બોલાવે તે ત્યાગીને સંબંધીમાં હેત કહેવાય. (૬) અને પંચવર્તમાને યુક્ત એવા શ્રીજીમહારાજના ભક્ત હોય તેના કરતાં પોતાનાં સ્ત્રી-પુત્રાદિક તથા સગાં-સંબંધી તે શ્રીજીમહારાજનાં ભક્ત ન હોય તોપણ ભક્ત કરતાં વધારે વૃત્તિ ખેંચાય ને વધારે પક્ષ રહે તે ગૃહસ્થને સંબંધીમાં હેત કહેવાય. (૬)
૨ પ્ર મોટા સાધુ સંગાથે પોતાના જીવને જડી દેવો એમ કહ્યું તે જીવ કેવી રીતે જડી દેવો ?
૨ ઉ જેવું જીવને દેહને વિષે હેત છે એવું મોટા સંતને વિષે કરવું અને જેવી દેહમાં એકતા છે તેવી રીતે સંતમાં એકતા કરવી. ।।૩૮।। (૨૭૨)
વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૯
સંવત ૧૮૮૬ના અષાડ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી જે, (૧) જે ભગવાનની માયા તે કેઈ છે ? તો દેહને વિષે અહંબુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિષે મમત્વબુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી ને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય ને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે, તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહ્લાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહંમમત્વરૂપ માયા થકી રક્ષા કરજો, ને તમારે વિષે પ્રીતિ થાજો, ને એ માયાને તર્યા હોય ને તમારે વિષે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થાજો, ને એ સાધુને વિષે હેત ને મમત્વ થાજો, માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું, ને એનો શ્રવણ, મનન, નિદિધ્યાસ કરવો. (૧) અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના માહાત્મ્યનું બળ એ બે બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું તો પોતાના આત્માને દેહથી પૃથક્ જાણવો, અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહંમમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષ્યા, એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે, તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાને દેહથી પૃથક્ આત્મા જાણવો, ને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી એવો છે અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે, ને જાણપણે યુક્ત છે. ને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યની કિરણ તે તો જડ છે, કેમ જે તેને આંગળી અડાડીએ તો ખસે નહિ, ને કીડી હોય તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે, માટે આત્મા તે જાણપણે યુક્ત છે ને એને સૂર્ય, અગ્નિ જેવો કહીએ છીએ. તે તો એનો આકાર એવો તેજસ્વી છે, તે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે, અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે, અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તોપણ મર્યો નથી; જેવો છે તેવો ને તેવો જ છે. ને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહ રૂપે માનતો હતો ત્યારે પણ ન મર્યો તો હવે આપણે એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે ? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું. (૨) અને ભગવાનનું માહાત્મ્ય કેમ જાણવું તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે અને જે બ્રહ્માંડના એ રાજા છે તે બ્રહ્માંડની પણ ગણતી નથી તે કહ્યું છે જે ।। धुपतय एव ते न ययुरंतमनंततया ।। અને તે એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ હોય તથા સાત દ્વીપ, સાત સમુદ્ર, મેરુ, લોકાલોક આદિક પર્વત તેણે યુક્ત પૃથ્વીની રચના હોય તથા ચૌદ લોકની રચના હોય તથા અષ્ટ આવરણની રચના હોય ઇત્યાદિક સામગ્રીએ સોતાં જે અનેક બ્રહ્માંડ તેના રાજા ભગવાન છે, ને જેમ આ પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય ને તે રાજાનાં જે ગામડાં તે તો ગણાય એવાં હોય તોપણ તેની કેટલી મોટપ જાણ્યામાં આવે છે, ને ભગવાનને તો એવાં બ્રહ્માંડની પણ ગણતી નથી, માટે ભગવાનની તો બહુ જ મોટપ છે. અને તે બ્રહ્માંડને વિષે આ જીવ છે તે ભગવાનની આગળ શા લેખામાં છે ? કાંઈ નથી; અતિ તુચ્છ છે. અને તે ભગવાને એ બ્રહ્માંડોને વિષે પંચવિષય સંબંધી સુખ જીવોને આપ્યું છે, તે સુખ કેવું છે ? તો એ સુખને સારુ કેટલાક પોતાનાં માથાં કપાવે છે એવું મહાદુર્લભ જેવું જણાય છે, ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે, અને પ્રાકૃત વિષયસુખ છે તે તો અન્ય પદાર્થને આશરીને રહ્યું છે, તથા પૃથક્ પૃથક્ છે અને જે ભગવાન છે તે તો સર્વ સુખમાત્રના રાશિ છે, ને એ ભગવાન સંબંધી જે સુખ છે તે અવિનાશી છે, ને મહા અલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢ્ય ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારનાં ભોજન જમતો હોય, ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે ત્યારે તે અતિશે તુચ્છ કહેવાય, ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય, તેમ ભગવાને બ્રહ્માંડોને વિષે અનેક જીવોને પંચવિષય સંબંધી સુખ આપ્યું છે, તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેઠે અતિ તુચ્છ છે, ને પોતાને વિષે જે સુખ છે તે તો મહામોટું છે. અને વળી સુષુપ્તિ અવસ્થાને વિષે એ જીવને ભગવાન મોટું સુખ પમાડે છે, તે ગમે તેવી વેદના થઈ હોય ને સુષુપ્તિમાં જાય ત્યારે સુખિયો થઈ જાય છે. અને વળી એ ભગવાનના ચરણકમળની રજને બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, રાધાજી, નારદ, શુક, સનકાદિક, નવ યોગેશ્વર એવા એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચડાવે છે, ને માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે, ને તેમાં કેવું ડહાપણ કર્યું છે જે, જુઓને, માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે, ને માણસના અંગમાંથી કોઈક અંગનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાહ્યો હોય, તોપણ તે અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય, ઇત્યાદિક અનેક કળા ભગવાનમાં રહી છે, એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ્ય થાય છે, ને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે. અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયાં હોય, ને તે જો ગમે તેવા પંચવિષય સંબંધી સુખમાં કદાચિત્ બંધાઈ ગયો હોય તોપણ તેમાં બંધાઈ રહે નહિ; તેને તોડીને નીકળે જ રહે અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું કહેવું ? માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો, જેમ કોઈક શૂરવીર ને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય તેણે તેનો બાપ મારી નાખ્યો હોય તો તેની તેને બહુ દાઝ થાય, ને તે દાઝ થાતી હોય ને વળી તેનો દીકરો મારી નાખે, ને વળી ભાઈને મારી નાખે, ને વળી બાયડીને લેઈ જાય ને વળી માને લેઈને મુસલમાનને આપે, ને વળી ગામગરાસ લૂંટી લે, એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાઝ થાય, ને જાગૃત-સ્વપ્નમાં સર્વે કાળે એને એ વાતનો જ આલોચ રહે, તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય. અને ગમે તેવો આપત્કાળ પડે તો તેને વિષે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રજીને પિવાડી ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યાં હતાં તે સર્વે એને મેળે દેહથી બહાર નીકળી ગયાં, તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેને ઇન્દ્રિયોને વિષયભોગની ઇચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વે નીકળી જાય, કહેતાં વિષયભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે, અને સત્સંગી પણ એને જ કહીએ કેમ જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કહીએ. (૩) અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગરગમાં પ્રવર્તી જાય, ને જે આસુરી જીવ હોય ને તે સાંભળે ત્યારે તેને તો કાનથી બહાર જ નીકળી જાય પણ હૃદયમાં ઊતરે નહિ, જેમ શ્વાન હોય ને તે ખીર ખાય તે તેના પેટમાં રહે જ નહિ; વમન થઈ જાય, ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય, તોપણ તે શ્વાનના પેટમાં રહીને રગરગમાં પ્રવર્તે નહિ, ને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગરગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય, તેમ શ્વાન જેવો જે આસુરી જીવ તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહિ, ને માણસ જેવો જે દૈવી જીવ તેના હૃદયમાં ઊતરે ને રગરગમાં વ્યાપી જાય. (૪) અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, ને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તોપણ તે ભગવાન જેવા તો થતા જ નથી, ને જો ભગવાન જેવા જ થાય તો તો ભગવાન ઘણાક થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે એક ભગવાન કહેશે જે હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ અને બીજો કહેશે હું નહિ કરું, ને એક કહેશે હું માણસના ધર્મ પશુમાં કરીશ ને બીજો કહેશે હું પશુના ધર્મ માણસમાં કરીશ, એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓને જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વે ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી, માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વેના સ્વામી આ એક જ ભગવાન છે, તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી, માટે ભગવાન તે એક જ છે પણ બીજો આ જેવો થાતો નથી, અને આ સર્વે વાત કરી તે થોડીક છે પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે તે જે ડાહ્યો હોય તેને સમજાય પણ બીજાને સમજાય નહિ, અને આટલી વાત સમજીને જેણે દૃઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ; એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને તે વાતની જે ભગવાનના ભક્તને દૃઢતા હોય તેનો સંગ રાખવો તો એને આ વાર્તાની દિવસે દિવસે દૃઢતા થાતી જાય. (૫) અને આ વાત જે અમે કરીએ છીએ, તે કાંઈ બુદ્ધિની કલ્પનાએ નથી કરતા, તથા સિદ્ધાઈ જણાવવા સારુ નથી કરતા; આ તો અમારી અજમાવેલ વાત છે, ને જેમ અમે વર્તીએ છીએ, તેમ વાત કરીએ છીએ કેમ જે, અમારે સ્ત્રી-ધનાદિક પદાર્થનો ભારે યોગ છે, તથા પંચવિષયનો ભારે યોગ છે, તથા સુરત, અમદાવાદ, વડોદરે, વરતાલે જાઈએ છીએ ત્યારે હજારો માણસો ભેગાં થાય છે, ને તે માને છે તથા વાજત-ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે, તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોયામાં આવે છે, તથા ભારે વસ્ત્ર, વાહનાદિકનો યોગ થાય છે એ સર્વે છે; તથાપિ પોતાના આત્મા સામી દૃષ્ટિ કરીએ છીએ તથા ભગવાનના માહાત્મ્ય સામી દૃષ્ટિ કરીએ છીએ માટે સર્વેનું અતિ તુચ્છપણું થઈ જાય છે; એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી, ત્યારે એેને પૂર્વદેહની જેમ વિસ્મૃતિ છે તેમ જ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે, તે સારુ એમ અમારે વર્તાય છે, અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે તો તેને કદાચિત્ એવો કોઈક યોગ થઈ જાય, તોપણ એને એમ વર્તાય માટે, આ વાત અવશ્ય સમજવાની છે. એવી રીતે શ્રીજીમહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારુ પોતાનું વર્તન લેઈને વાર્તા કરી, ને પોતે તો સાક્ષાત્ શ્રી પુરુષોત્તમનારાયણ છે. (૬) ઇતિ વચનામૃતમ્ ।।૩૯।। (૨૭૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે દેહમાં અહંબુદ્ધિ ને પદાર્થમાં મમત્વબુદ્ધિ એ જ માયા છે, તે માયાને ટાળીને અમારે વિષે પ્રીતિ કરવી, અને માયા થકી રક્ષા કરજો ને તમારા સાધુનો યોગ થજો, ને તે સાધુને વિષે હેત ને મમત્વ થજો, એમ અમારી પાસે માગવું. (૧) અને સાધુ સાથે કોઈક નિમિત્તે બોલાચાલી થાય તો પોતાને આત્મા જાણતા હોઈએ તો સાધુનો અવગુણ ન આવે, માટે પોતાને દેહથી પૃથક્ આત્મા જાણવો તે આત્મા તેજસ્વી છે, જાણપણે યુક્ત છે ને અજર-અમર છે. (૨) અને અમે અનંત બ્રહ્માંડના રાજા છીએ, ને અતિશે સુખમય છીએ ને સર્વેને સુખના દાતા છીએ ને સર્વેના કર્તા છીએ ને અતિશે સમર્થ છીએ, આવું અમારું માહાત્મ્ય જાણે તો અમારા વિના બીજેથી વૈરાગ્ય થાય ને અમારે વિષે પ્રીતિ થાય ને આત્મા-પરમાત્માના જ્ઞાનનો વેગ લગાડી દે તો આ જ્ઞાન સિદ્ધ થાય, ને ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાંથી નીકળીને અમારે વિષે વળગે ને તેને જ સત્સંગી કહીએ. (૩) અને આ વાત દૈવી જીવને રગરગમાં પ્રવર્તી જાય, ને આસુરી જીવને બહાર નીકળી જાય. (૪) અને અમે એક જ ભગવાન છીએ પણ અમારા જેવો કોઈ થતો નથી, આ વાત સમજાય તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી, ને આવી દૃઢતાવાળાનો સંગ રાખવો. (૫) ને આત્મા તથા અમારા માહાત્મ્ય સામી દૃષ્ટિ રાખે તો કોઈ ઠેકાણે બંધાય નહીં. (૬) બાબતો છે.
૧ પ્ર ત્રીજી બાબતમાં આત્મા-પરમાત્મામાં વેગ લગાડવો એમ કહ્યું તે પરમાત્મા તો શ્રીજીમહારાજ છે પણ આત્મા કિયો જાણવો ? ને વેગ લગાડનાર કોને જાણવો ?
૧ ઉ ત્રણ દેહથી નોખો એવો જે જીવાત્મા તે પોતે પોતાને વિષે ને શ્રીજીમહારાજને વિષે વેગ લગાડે એમ કહ્યું છે, તે (પ્ર. ૨૦ના પહેલા પ્રશ્નમાં) પોતે પોતાને જોતો નથી તે જ અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે એમ કહ્યું છે, માટે જીવ પોતે પોતાને વિષે વેગ લગાડે જે હું બ્રહ્મરૂપ એવો આત્મા છું ને મારે વિષે શ્રીજીમહારાજ રહ્યા છે એવો આલોચ રાખીને પોતાના આત્માને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ ધારે એમ કહ્યું છે પણ જોનારો આત્મા ને જોવાનો આત્મા જુદો નથી. ।।૩૯।। (૨૭૩)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં છેલ્લું પ્રકરણં સમાપ્તમ્
એવી રીતે આ જે સર્વે શ્રીજીમહારાજનાં વચનામૃત તે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા શુકમુનિ એ પાંચ સદ્ગુરુએ મળીને જેમ સાંભળ્યું છે ને જેમ પોતાની બુદ્ધિ છે તે પ્રમાણે લખ્યાં છે, અને શ્રીજીમહારાજ જે તે દિવસ દિવસ પ્રત્યે આવી રીતની અનેક પ્રકારની વાર્તાને કરતા થકા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા શ્રી ગઢડા, શ્રીનગર ને શ્રી વરતાલ આદિને વિષે વિરાજતા હવા.
।। શ્લોકા : ।।
मुक्तानंदोडथ गोपालानंदो मुनिरुदारधी: ।
ब्रह्मानंदमुनिर्नित्यानंद: शुकमुनिस्तथा ।।૧।।
तै: पच्चमि: सुसंगत्य श्रीहर्य्युक्ति सुधोदधि: ।
लिखित: शोधितश्चापि यथा बुद्धिर्यथा श्रुतम् ।।૨।।
वचोमृतानि तत्रादौ दुर्गपुरे तु धार्मिणा ।
अष्टसप्तति संख्यानि प्रोक्तानीष्टप्रदानि हि ।।૩।।
प्रोक्तानि च ततस्तेन सारंगपुरसंज्ञके ।
ग्रामेडष्टादशसंख्यानि तानीष्टानि भवन्ति हि ।।૪।।
तेनोक्तानि ततस्तानि ग्रामे कार्यायनाभिधे ।
सन्ति द्वादश संख्यानि सर्व सौख्यकराणि हि ।।૫।।
लौहाभिधे ततो ग्रामे तानि प्रोक्तानि तेन च ।
सन्त्यष्टादशसंख्यानि भक्ताभिष्टप्रदानि हि ।।૬।।
ग्रामे पंचालसंज्ञेडथ तेन तान्युदितानि वै ।
सन्त्येकान्तिकभक्तानां प्रेष्टानि सप्तसंख्यया ।।૭।।
पुनर्दुर्गपुरे तेन स्वामिना कथितान्यथ ।
सन्ति तानि सप्तषष्ठि संख्यातानि हि तत्त्वत: ।।૮।।
ततो वृत्तालयपुरे तेन धर्मसुतेन च ।
तानि विंशति संख्यानि कथितानि भवन्ति हि ।।૯।।
तत: श्रीनगरे प्रोक्तान्यष्टौ मोक्षप्रदानि च ।
श्री भक्तिधर्मपुत्रेण सन्ति भक्तप्रियाणि हि ।।૧૦।।
अश्लालीसंज्ञकेग्रामेडथैकमुक्तं हि धार्मिणा ।
पज्चतान्युक्तवान स्वामी जयतल्यपुरे तत: ।।૧૧।।
कथितानि पुनस्तेन स्वामिना दुर्गपत्ताने ।
तानि सन्त्येकोनचत्वारिंशत्सख्यानि तत्त्वत: ।।૧૨।।
एवं हितानि सर्वाणि मितानि त्रिनगाक्षिभि:।
सन्ति सं लिखितानि श्रीमहाराजनिदेशत: ।।૧૩।।
इमानि ये पठिष्यन्ति श्रोष्यंति चादराज्जना: ।
भविष्यति हरौ तेषां भक्तिरेकान्तिकी ध्रुवम् ।।૧૪।।
आप्याययन्निज्जनान् स्वकीयवचनामृतै: ।
जयति श्रीहरि: स्वामी श्रीमत दुर्गपुरे प्रभु: ।।૧૫।।
स्वधर्मस्य च जीवात्मज्ञानस्य विरतेस्था ।
माहात्मयेन सह स्वीय ज्ञानभक्त्योर्यथार्थ त: ।।૧૬।।
लक्षणानि स्वभक्तेभ्यो य उवाच दयानिधि: ।
नानाविधै: प्रसंगैस्तं नमामो भक्तिनंदनम् ।।૧૭।।
निजैर्वचौडमृतैर्लोकेतर्पयद्यो निजाश्रितान् ।
प्रीतो न: सर्वदा सोडस्तु श्रीहरिर्धर्मनंदन: ।।૧૮।।
तद्वचोडमृतपातारो ये स्युस्तत्पदसंश्रया: ।
सत्संगिन: प्रसन्नास्ते भवन्त्वस्मासु सर्वदा ।।૧૯।।
।। ઇતિ શ્રી ભક્તિધર્માત્મજઃ શ્રી સહજાનંદ સ્વામી વચનામૃતાનિ સંપૂર્ણાનિ ।।