નિર્ભયના સંબંધે નિર્ભય

નીલકંઠ વર્ણી વનમાં ફરતાં ફરતાં એક વખત એક નેસડા પાસે આવી પહોંચ્યા. સંધ્યા સમય હતો. રાત થવા આવેલી. નીલકંઠ રાત રહેવાના કંઈક વિચારમાં આવીને ઊભા હતા. ત્યાં એક ભૂંગા (ઝૂંપડી)માંથી એક ડોસીમા બહાર આવ્યાં. આ ભૂંગામાં ડોસી, તેમની એક દીકરી અને એક છોકરો આ ત્રણેય રહેતાં. ડોસીને થોડી ગાયો ને ભેંસો હતી જેને છોકરો ચરાવવા જતો અને તેમાંથી મળતા દૂધમાંથી પોતાનું ગુજરાન કરતાં.

ડોસીમાએ જ્યાં નીલકંઠને જોયા ત્યાં એકદમ પ્રભુએ તેને તેજોમય દર્શન આપ્યાં એટલે તુરત ડોસીને ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. ડોસીએ પ્રેમે કરી ખાટલો નાખી આપી નીલકંઠને બેસાડ્યા અને જમવા માટે દહીંના ગોરસા આપ્યા. નીલકંઠ બધું દહીં જમી ગયા તોય તૃપ્ત ન થયા. એટલામાં છોકરો દૂધ લઈને આવ્યો. નીલકંઠે દૂધ પીધું અને ભૂખ મટાડી. આમ છોકરાએ અને ડોસીમાએ પ્રેમથી નીલકંઠને પોતાને ત્યાં ઘણા દિવસ આગ્રહ કરીને રાખ્યા. ત્રણેય મા-દીકરી અને દીકરાએ નક્કી કર્યું કે હવે આપણે આ બ્રહ્મચારીને આપણે ત્યાં જ રાખવા પણ જવા દેવા નથી.

બિચારા એમને ક્યાં ખબર હતી કે આ અનંતકોટિ બ્રહ્માંડના નાથ તેમના દહીં-દૂધ અને ઘી જમવા માટે આવ્યા નથી.

રોજ રાત્રે ડોસી અને તેમની દીકરી ભૂંગામાં સૂવે અને ખાટલામાં બહાર નીલકંઠને સુવાડે. જ્યારે બાજુમાં નીલકંઠ ચાલ્યા ન જાય તે માટે રખેવાળું કરતો છોકરો જેરામ જાગતો બેસી રહે. જેરામને પણ એટલી બધી શ્રદ્ધા કે આખો દિવસ થાકીને આવ્યો હોય તોય રાત્રે એક મટકુંય માર્યા વિના નીલકંઠની પાસે બેસી રહે. એમ કરતાં એક મહિનો વીતી ગયો.

“ધાર્યું તો બધું આ નીલકંઠનું જ થાય છે ને !” અને એક દિવસ નીલકંઠની ઇચ્છાથી જ જેરામને સહેજ ઊંઘ આવી ગઈ અને નિર્ભય થઈ ચૂકેલા ત્રણેને મૂકી નીલકંઠ ચૂપચાપ ચાલી નીકળ્યા. સવાર પડી. ડોસીએ જ્યાં જોયું કે નીલકંઠ તો ચાલ્યા ગયા છે અને જેરામ સૂઈ ગયો છે. ત્યારે ડોસી ને તેમની દીકરી કલ્પાંત કરવા લાગ્યાં. “જેરામ ! તું અત્યારે જ જા. પણ ગમે તેમ કરી એ બ્રહ્મચારીને અહીં લઈ આવ. જોજે એમને લીધા વિના તું આવતો નહીં.” એમ કહી ધમકાવી નીલકંઠની પાછળ મોકલ્યો. નીલકંઠે કેવી તો મોહની લગાડી હશે કે એના વગર એને મળેલાય મરેલા જેવા થઈ જાય છે ! એટલે જ એમને આપણે ‘મોહનવર’ કહીએ છીએ ને !

બાળક જેરામ પડતો-આખડતો નીલકંઠના પગલાં જોતો જોતો એને જે મળે એને ભાળ પૂછતો ઘેરથી નીકળ્યો. એમ કરતાં ઘણા દિવસે દસ ગાઉ છેટે એક નદીના કાંઠે જેરામે નીલકંઠને જોયા. એકદમ દોડી તેણે પ્રભુના ચરણ પકડી લીધા અને પ્રાર્થના કરવા માંડી, “હે નાથ ! ગમે તેમ કરો, મારી મા અને બેન આપના વગર જીવી નહિ શકે. આપ પાછા અમારા ઘેર ચાલો. હું તમને લીધા વિના જવાનો નથી. મારી સાથે આપ પાછા પધારો.”         

નીલકંઠે બાળ જેરામને કહ્યું, “જેરામ ! અમે તારી મા અને તારી બેન આ બે સારું જ અહીં આવ્યા નથી. અમારા ભાઈ, ભાભી, સગાંસંબંધી બધાને રડતા મૂકીને અનેકના કલ્યાણ માટે નીકળ્યા છીએ. માટે તું પાછો જા. અમે જરૂર ક્યારેક તારે ત્યાં આવીશું.”

પણ... જેરામ એકનો બે ન થયો. બસ નીલકંઠને પાછા લઈ જવાની હઠ ચાલુ રાખી.

હવે નીલકંઠે આ બાળકની ખરેખરી કસોટી લેવાનું વિચાર્યું. એ જ વખતે એક ભયાનક સિંહ વનમાંથી આવી રહ્યો હતો. નીલકંઠે તો જાણે મનુષ્ય ચરિત્ર કર્યું. એટલે સિંહને જોતાં જ ગભરાઈ ગયા સાથે જેરામ પણ અવાચક બની ગયો. નીલકંઠે કહ્યું, “હે બાળક ! હજુ કહું છું, તું ભાગી જા. હું આડો ઊભો છું. સિંહ તને કંઈ નહિ કરે. મને તો કંઈ થશે તો મારી પાછળ કોઈ રોનાર નથી. પણ તું ચાલ્યો જા, નહિ તો તારી મા અને તારી બેન તારી પાછળ ઝુરી ઝુરીને મરશે.”            

પણ છોકરો એની હઠ છોડતો નહોતો.

નીલકંઠે સિંહને દૃષ્ટિએ કરીને સમાધિ કરાવી દીધી. એટલે સિંહ કાષ્ઠવત્ બની સામે ઊભો રહી ગયો. બાળ જેરામે જ્યાં આ જોયું, તેને નીલકંઠમાં હવે ભગવાનપણાની પાકી પ્રતીતિ થઈ.         

નીલકંઠે જેરામને કહ્યું, “હે છોકરા ! જો તું અમને ભગવાન જાણતો હોય તો જા, સિંહને જઈ આંગળી અડાડી આવ.” જેરામે હિંમત કરી તેમ કર્યું. પણ નીલકંઠે તો આજે આ બાળકની બરાબરની કસોટી લેવા માંડી હતી. “જેરામ ! જો તારે અમને લઈ જવા હોય તો એ સિંહના મુખમાં તારો હાથ નાખી આવ અને આંખમાં ઘોદો મારી આવ.”

વાહ ! પ્રભુ વાહ ! શું નીલકંઠ આજે નિર્દય થઈ ગયા હતા એમ નથી લાગતું ? ના... ના... નીલકંઠ તો દયાના સાગર છે. પણ સોનાની કસોટી પછી જ તે કીંમતી બને છે ને ! નીલકંઠને તો બાળક્ના ખપ ને ગરજ જોવા હતા.

અને બીતો બીતો બાળ જેરામ જઈ સિંહના મુખમાં હાથ નાખી આવ્યો ને તેની આંખમાં ઘોદો મારી આવ્યો. કેવી નિર્ભયતા ! નિર્ભયના સંબંધે નિર્ભય જ થવાય !         

આમ, નીલકંઠ આવાં અનેક ચરિત્રો કરતાં કરતાં વનમાં આગળ વધી રહ્યા હતા