લોજમાંથી મહારાજે ગામોગામ પત્ર લખાવ્યા હતા. તેથી ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના હજારો હરિભકતો પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરવા કાલવાણી આવ્યા. એકાદશીને દિવસે સવારે નદીએ સ્નાન કરી આવી પૂજા કરી મહારાજ સભા ભરીને બેઠા. આજુબાજુ મોટેરા સાધુઓ માટે ગાદી-તકીયા નંખાવ્યા. તેવામાં વાલબાઇ અને હરબાઇ આવી અને સીધી જ જઇને ગાદીતકિયે ચડી બેઠી. આજુબાજુ તેના બાઇ ભાઇ શિષ્યો પણ વીંટળાઇને બેસી ગયા. વાલબાઇ કણબી હતી અને હરબાઇ કુંભાર હતી. બંને આત્માનંદ સ્વામીની શિષ્યાઓ હતી. બંને બહુ જ્ઞાની પરંતુ અભિમાની હતી. પણ રામાનંદ સ્વામીએ તેમને નિભાવી રાખેલી. મહારાજની સભામાં પુરુષો અને સાધુઓની વચ્ચે ગાદીતકિયે આ બંને બાઇઓ ચડી બેઠી. તેથી સાધુઓ સૌ ઉઠીને ચાલી ગયા. આથી મહારાજે તેમને વિવેકપૂર્વક કહ્યું, "તમે આમ કેમ વર્તો છો ? ત્યાગી સ્ત્રીનો વેષ રાખીને પુરુષનો પ્રસંગ કેમ રાખો છો ? આમ સાધુને ઊપવાસ પડે તે રીતે ત્યાગી સાધુ હોય ત્યાં કેમ આવો છો ? માટે જો સત્સંગમાં રહેવું હોય તો સત્સંગની રીત પ્રમાણે રહો. પુરુષને ઊપદેશ કરો નહિ." આ સાંભળી તે બંને છેડાઇ ગઇ. તેમણે કહ્યું, "અમે તો જીવનમુકતા છીએ. અમને પુરુષના પ્રસંગથી કાંઇ થવાનું નથી. અમારી દૃષ્ટિમાં તો સ્ત્રી-પુરુષ એવો ભેદ જ નથી. સૌ હાડમાંસના પ્રાણી છે. અમે બાળપણથી બ્રહ્મચારિણી છીએ. યુવાનીમાં પણ અમને કામ વ્યાપ્યો નથી તો હવે ઘડપણમાં શું થવાનું છે ? વળી આત્માનંદ સ્વામીએ અને રામાનંદ સ્વામીએ અમને કોઇ દિવસ નથી વાર્યા, તો આજકાલના આવેલા તમે અમને કોણ કહેનાર ? માટે અમે તમારું માનશું નહિ અને ઝાઝું કહેશો તો અમે અમારા આ બધા શિષ્યોને લઇને ચાલી જઇશું અને જુદો પંથ ચલાવીશું." મહારાજે ઘણો ઊપદેશ દીધો. સ્ત્રી અને પુરુષના પ્રસંગથી કેવું અધઃપતન થાય છે તેનાં ઘણાં દૃષ્ટાંતો શાસ્ત્રોમાંથી આપ્યાં. પણ તેઓ માની નહિ. આથી મુકતાનંદ સ્વામી અને મહારાજ શો નિર્ણય લેવો તે નક્કી કરવા એકાંતમાં બેઠા. મુકતાનંદ સ્વામીએ કહ્યું, "મહારાજ ! આ હરબાઇ, વાલબાઇ અને ત્રીજો રઘુનાથદાસ એ ત્રણે બહુ અભિમાની છે. રામાનંદ સ્વામી પાસે પણ આ બંને બાઇઓ આવી જ રીતે છકમાં વર્તતી પણ રામાનંદ સ્વામી કચવાતે મને ચલાવી લેતા. હવે જો આમને ચલાવી લઇશું તો કેટલાય ભોળા મુમુક્ષુઓને ભમાવી દેશે. મોક્ષના માર્ગમાંથી પાડી દેશે. માટે ફરી એક વાર સમજાવી જોઇએ. છતાંય ન માને તો તેને વિમુખ કરી નાંખવી." આથી મહારાજે સભામાં આવી ફરી એક વાર શાંતિથી સમજાવી પણ બંનેએ હઠ પકડી રાખી. ત્યાંથી ઉભી થઇ નહિ. છેવટે મહારાજે સભામાં હરબાઇ અને વાલબાઇને વિમુખ જાહેર કરી. આથી બંને રિસાઇને સભામાંથી ચાલી નીકળી. આ રીતે મહારાજે ત્યારથી સંપ્રદાયમાં ત્યાગી સાધુ અને સાંખ્યયોગી સ્ત્રીના બે આશ્રમ જુદા કર્યા અને સાંખ્યયોગી સ્ત્રીઓના નિયમો જુદા રચ્યા