સમાધિમાં દર્શન
ઝરણાંપરણાં ગામના શીતળદાસ નામના વૈરાગી રામાનંદ સ્વામીનો પ્રભાવ સાંભળી દર્શન કરવા ફણેણી આવ્યા; ત્યાં એમણે જાણ્યું કે, સ્વામી તો આ લોકમાંથી દેહત્યાગ કરી ધામમાં પધાર્યા છે. તેથી તેઓએ તો ત્યાંથી જવાની તૈયારી કરી ત્યારે સહજાનંદ સ્વામી બોલ્યા કે, “હે શીતળદાસ, આપ જવાની ઉતાવળ કેમ કરો છો ?”
ત્યારે શીતળદાસે કહ્યું, “હે સહજાનંદ સ્વામી, મેં સાંભળેલું કે ભગવાનનો અવતાર રામાનંદ સ્વામી રૂપે થયો છે તેવું જાણીને હું એમનાં દર્શન કરવા આવ્યો હતો પણ તેઓ આ લોકમાંથી સિધાવી ગયા છે. માટે હવે બીજાં તીર્થોમાં જઈને ભગવાનની શોધ કરીશ.”
ત્યારે મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, “હે શીતળદાસ, ધીરજ રાખો, ઉતાવળા ન થશો. આપને તો ગુરુ રામાનંદ સ્વામીનાં દર્શન જ કરવાં છે ને...! આવો, અને બેસો અમારી સામે. કરો આ મહામંત્રનો જપ... ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’
હે શીતળદાસ, અમોએ હમણાં જ જણાવ્યું કે,
                                   “ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ;
                                       સુખી કરે સંકટ સર્વ કાપે, છતે દેહે મૂર્તિધામ આપે.”
તો હે શીતળદાસ, આપ આ મંત્રનું એકાગ્રતાથી નેત્ર બંધ કરી ભજન કરો. આપને ગુરુવર્ય રામાનંદ સ્વામીનાં જરૂર દર્શન થશે.”
આમ, મહાપ્રભુનો આદેશ થતાં જ શીતળદાસજીએ એકાગ્રચિત્તે ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ મહામંત્રનો જપ ચાલુ કર્યો અને.... ત્યાં તો તત્કાળ આ શીતળદાસજીને મહાપ્રભુની કૃપાથી થઈ ગઈ સમાધિ. સમાધિમાં તેમને મહાપ્રભુએ અક્ષરધામનાં દિવ્ય દર્શન કરાવ્યાં, ત્યાં એમણે શું જોયું ?
જે મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણનાં ફણેણીમાં દર્શન થતાં’તાં એ જ મહારાજનાં અહીં દિવ્ય તેજ તેજના અંબાર મધ્યે દર્શન થયાં, જે દિવ્ય મહારાજની એક બાજુ અનંત અવતારો મહાપ્રભુની સ્તુતિ કરતાં હાથ જોડીને ઊભેલા જોયા. જ્યારે બીજી બાજુ રામાનંદ સ્વામી આદિ અનંત મુક્તો પણ મહાપ્રભુને સ્તુતિ કરતા ઊભા હતા.
ત્યાં તો શ્રીજીમહારાજ બોલ્યા, “આવો... આવો... શીતળદાસ, લ્યો આ ચંદન ને કરો અમારી પૂજા.” જ્યાં શીતળદાસ મહાપ્રભુની પૂજા કરવા જાય છે ત્યાં તો શ્રીજીમહારાજ બોલ્યા, “શીતળદાસ જુઓ, અમારી એકની નહિ પણ આ અનંત મુક્તો ને અનંત અવતારોની પૂજા પણ એકસાથે  કરો.” “અરે મહારાજ, એકસાથે આટલાં બધાં સ્વરૂપોનું પૂજન તો કેમ થાય ?” શીતળદાસે હાથ જોડી મહારાજને પૂછ્યું.
ત્યાં તો શ્રીજીમહારાજે કહ્યું જે, “હે શીતળદાસ, તમો એક સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી જો પુરુષોત્તમનારાયણ હોય તો મારાં અનંત સ્વરૂપ થાય ને એકીસાથે આ બધા મુક્તોનું હું પૂજન કરી શકું.”
પછી શીતળદાસ બોલ્યા, “હે રામાનંદ સ્વામી, આપ જો સર્વોપરી ભગવાન હોય તો મારાં અનંત રૂપ થાય ને એકીસાથે બધાંનું પૂજન કરું.”
પણ... પણ... નિરર્થક... શીતળદાસનો સંકલ્પ પૂરો ન થયો.
ત્યારે શ્રીજીમહારાજે ફરી કહ્યું જે, “હે શીતળદાસ, હવે એમ સંકલ્પ કરો કે, આ અનંત અવતારોમાંથી જો કોઈ સર્વોપરી ભગવાન હોય તો મારાં અનંત રૂપ થાય ને એકીસાથે હું આ બધા અવતારોનું પૂજન કરી શકું.”
શીતળદાસજીએ તુરત એ મુજબ સંકલ્પ કર્યો પણ એમાંય તેઓ સફળ ન થયા. પછી મહાપ્રભુએ કહ્યું જે, “હવે આમ સંકલ્પ કરો કે, આ સહજાનંદ સ્વામી જો સર્વોપરી ભગવાન હોય તો મારાં અનંત રૂપ થાય.” અને આમ સંકલ્પ કરતાંની સાથે શીતળદાસના અનંત રૂપ થયાં ને તેમણે એકીસાથે અનંત અવતારો અને મુક્તોની પૂજા કરી.
                                  “શીતળદાસે ધારિયું, સ્વામી આ છે સહજાનંદ;
                                   તે પુરુષોત્તમ હોય તો, મારાં થાય સ્વરૂપનાં વૃંદ,
                                   તે સમે શીતળદાસનાં, ત્યાં તો રૂપ થયાં અગણિત;
                                   અનંત મુક્તની એક ક્ષણમાં, પૂજા કરી ધરી પ્રીત.”
                                              (શ્રીહરિલીલામૃત : કળશ-પ, વિશ્રામ-૩)
આમ, અનંત મુક્તોની સાથે શીતળદાસે રામાનંદ સ્વામીનું પણ પૂજન કર્યું અને કહ્યું જે, “હે રામાનંદ સ્વામી, હું તો આપને ભગવાન જાણીને દર્શન કરવા આવ્યો હતો.” ત્યાં તો રામાનંદ સ્વામી બોલ્યા જે :
“સુણી બોલ્યા રામાનંદ સ્વામી, ભગવાન તો અક્ષરધામી;
તમે જોયાં ફણેણીમાં જેહ, જુઓ આ દિસે પ્રત્યક્ષ એહ,
સર્વે અવતારનાં અવતારી, સર્વોપરી વિશ્વવિહારી;
હું તો છું એના દાસનો દાસ, કરું સેવા રહી પ્રભુ પાસ,
સર્વ અવતાર એમાં સમાય, પોતે કોઈમાં લીન ન થાય;
એવી વાત કહી જેહ વાર, થયા લીન બધા અવતાર.”
(શ્રીહરિલીલામૃત : કળશ-પ, વિશ્રામ-૩)
આવું દિવ્ય આશ્ચર્ય જોઈ શીતળદાસે મહાપ્રભુને સર્વોપરી ભગવાન જાણ્યા ને જ્યાં સમાધિ ઊતરી ત્યાં મનુષ્ય રૂપે ફણેણીમાં સભામધ્યે બિરાજેલા સહજાનંદ સ્વામીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી સૌ સભાજનોને કહ્યું જે, “હે સંતો-ભકતો, આ સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી ભગવાન છે, પણ ગુરુ રામાનંદ સ્વામી નહીં.”
સૌ સભાજનો શીતળદાસનાં આવાં વેણ સાંભળી મહાપ્રભુને પ્રાર્થી રહ્યા જે, “હે સહજાનંદ સ્વામી, અમને પણ સમાધિમાં આપના અક્ષરધામનાં તથા ગુરુ રામાનંદ સ્વામીનાં દર્શન કરાવો.”
મહાપ્રભુ શ્રીહરિએ સૌની પાસે ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ આ મહામંત્રની ધૂન્ય શરૂ કરાવી અને ત્યાં તો થઈ ગઈ સૌને સમાધિ અને સમાધિમાં જેમ શીતળદાસે રામાનંદ સ્વામીને સહજાનંદ સ્વામીની સ્તુતિ ને સેવા કરતા જોયેલા; એવા જ સૌને દર્શન થયાં અને સમાધિ ઊતરતાં સૌ મહાપ્રભુને સર્વોપરી ભગવાન સમજી તે દિવસથી સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવા લાગ્યા.
ત્યારપછી એ જ દિવસે, શીતળદાસે મહારાજને પ્રાર્થના કરી કે, “હે પ્રભુ ! મને હવે આપનો સાધુ કરો.” અને આજે જ મહાપ્રભુએ ધર્મધુંરા સંભાળ્યા પછી પોતાના દિવ્ય હસ્તે સૌપ્રથમ દીક્ષા આપી આ શીતળદાસને.
જે શીતળદાસ મટી હવે બન્યા સ્વામી વ્યાપકાનંદ સ્વામી.
આમ, આ મંગલકારી દિવસથી
૧. પોતાના સર્વોપરી સ્વામિનારાયણ મંત્રનું ભજન ચાલુ થયું.
ર. સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયના નામથી ઓળખાયો, અર્થાત્ ‘સ્વામિનારાયણ’ નામે સંપ્રદાયનું પ્રાગ્ટ્ય આજે થયું.
૩. મહાપ્રભુએ પોતાના સર્વોપરી સ્વરૂપની ઓળખાણ કરાવવાનો પ્રારંભ આજથી કર્યો.
૪. સૌપ્રથમ શ્રીજીમહારાજે ધર્મધુરા સંભાળી વિશાળ સભાને પહેલવહેલ આજે સંબોધી.
પ. સૌપ્રથમ ‘સ્વામિનારાયણ’ મહામંત્રથી સમાધિ પ્રકરણનો પ્રારંભ કર્યો આજથી.  
૬. ધર્મધુરા સંભાળ્યા પછી સૌપ્રથમ સંતની દીક્ષા આપવાનો પ્રારંભ પણ કર્યો આજે.
એમ આજના આ મહામંગલકારી દિનને ધન્ય હો.... ધન્ય હો...
સૌ સંતો-ભકતો મહાપ્રભુના આ સર્વોપરી મહામંત્રના ઉદઘોષથી ખૂબ આનંદિત થયા કારણ કે અન્ય અવતારોએ કોઈ એ પોતે પોતાનું નામ પાડ્યું નહોતું, જ્યારે આ સર્વ અવતારના અવતારી સ્વરૂપે તો આ મહામંત્ર પોતાના મુખકમળમાંથી પ્રકાશિત કરી આપ્યો....
એ જ સૌના હૈયે હરખ હતો. એટલે જ કહ્યું છે કે,
‘સ્વ સ્વામિનારાયણ નામ મંત્ર, સ્વયં દિશન્તં ભવ પારયંત્રમ્;       
પ્રૌઢ પ્રતાપાશ્રિત લોક તંત્રમ્, શ્રી સ્વામિનારાયણમા નમામિ.”
અર્થાત્  ‘સંસારથી ઉધ્ધારનાર શ્રી સ્વામિનારાયણ મંત્રને શ્રીમુખે પ્રકાશિત કરનાર અને પોતાના પ્રૌઢ પ્રતાપે કરીને લોકસમસ્તને આશ્રય આપનારા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.