સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા
1. મરેલાં મડદાં બેઠાં થયાં
પુષ્પ ૧
ઝીંઝાવદર નામનું ગામ. અલૈયાખાચર અહીંના બળિયા ભક્ત, જેમને ઘેર એક સમયે શ્રીજીમહારાજ પધારેલા. તેમણે શ્રીજીમહારાજની, સંતોની ને ભક્તોની ખૂબ સેવા કરી. શ્રીજીમહારાજે અતિ પ્રસન્ન થઈ આશીર્વાદ આપી દીધો કે, "જાવ અલૈયાખાચર, તમારી આ ડેલીમાં જેનો દેહ પડશે તેને અમે અમારા ધામમાં તેડી જઈશું."
અલૈયાખાચરને મહાપ્રભુના આ વચનમાં પૂર્ણ વિશ્વાસ હતો જ કે શ્રીજીમહારાજનો આશીર્વાદ કદી ખોટો ન પડે. એમાં એક વખત અલૈયાખાચરનો ચાકર (નોકર) જેહલો ખૂબ માંદો પડ્યો ને માંદગી વધી જતાં મહાપ્રભુએ એને પોતાની મૂર્તિના સુખમાં લઈ લીધો.
અલૈયાખાચરે જેહલાના મૃતદેહના અગ્નિસંસ્કારની તૈયારી કરી ને તેને સ્મશાને લઈ ગયા. પણ અલૈયાખાચરના કાકા કુસંગી હતા. તેઓ બહારગામથી ઘેર આવ્યા ને આવતાંની સાથે જ જેહલાના મૃત્યુના સમાચાર સાંભળી સીધા જ ઘોડી પર ચડી સ્મશાને આવ્યા ને “ઊભા રહો... ઊભા રહો... અટકી જાવ” એટલું બોલી અલૈયાખાચરને કહ્યું, “મને ખાતરી કરાવો કે તમારા સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મુજબ આ જેહલો અક્ષરધામમાં ગયો છે.” એમ કહી સ્મશાનમાં અગ્નિસંસ્કાર વિધિ અટકાવ્યો.
અલૈયાખાચર ખડકેલી ચિતા પાસે આવી નિધડકપણે બોલ્યા, “કાકા, આ મૃત્યુ પામેલો જેહલો જ ઊઠીને એમ કહે કે, મને શ્રીજીમહારાજ એમના અક્ષરધામમાં તેડી ગયા છે, તો આપ બોલો, સ્વામિનારાયણની કંઠી બાંધી સત્સંગી થાવ કે નહીં ?”
કાકા બોલ્યા, “હા અલૈયાખાચર, મને એ શરત મંજૂર છે. પણ જેહલો ચિતામાંથી બેઠો થઈ ન બોલે તો. તો શું ?”
“તો જાવ કાકા, આ જેહલાની ચિતા ભેળો હું પણ બળી જવા તૈયાર છું.” અલૈયાખાચર શ્રીજીમહારાજના બળે કાકાની સામે શરત ઝીલતાં બોલ્યા.
આવી આકરી પ્રતિજ્ઞા કરી અલૈયાખાચર તો મહારાજને પ્રાર્થના કરીને જેહલાના મૃતદેહ પાસે પહોંચ્યા. મૃત્યુ પામેલા જેહલાના કાનમાં જ્યાં તેમણે ત્રણ વખત “સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...” આ મહામંત્રનો જપ કર્યો ત્યાં તો અહોહો.. આ શું..? કેવો ચમત્કાર સર્જાયો ? સ્માશનમાં આવેલા સેંકડો માણસોના દેખતાં મૃત્યુ પામેલો જેહલો ચિતા ઉપર સળવળ્યો અને આંખો ખોલી આળસ મરડી બેઠો થઈને બોલ્યો, "હે અલૈયાખાચર, તમે મને અહીં શા માટે બોલાવ્યો ? હું તો દિવ્ય તેજ તેજના અંબાર સમા અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનનું અલૌકિક સુખ ભોગવી રહેલો. એમાં તમારી આકરી પ્રતિજ્ઞાએ કરી શ્રીજીમહારાજે મને અહીં કહેવા મોકલ્યો છે તો કોઈ સંકલ્પ ન કરશો, પણ હું તો અક્ષરધામમાં જ છું... લ્યો, જય સ્વામિનારાયણ..." આટલું કહી ફરી પાછો જેહલો સદાને માટે આંખો બંધ કરી ચિતા પર સૂઈ ગયો.
વાહ પ્રભુ, વાહ ! આ ‘સ્વામિનારાયણ’ મહામંત્રના પ્રતાપે અક્ષરધામમાં પહોંચ્યાનાં પરમાણ પણ મળ્યાં.
પુષ્પ ૨
એક વખત સદગુરુ વ્યાપકાનંદ સ્વામી સત્સંગ કરાવવા માટે બુંદેલખંડમાં પહોંચ્યા હતા. સ્વામી ને અન્ય સંતો એક ગામના પાદરમાં બેસી, મહાપ્રભુનું સુખે ભજન કરી રહ્યા હતા ત્યાં તો ગામના એક મુમુક્ષુ બ્રાહ્મણ આવી સંતોને નમસ્કાર કરી બેઠા. આવા પ્રભુપરાયણ સંતોને જોઈ તેમને ખૂબ ભાવ થયો ને સંતોને કહ્યું કે, “હે સંતો, આપ જેવા સંતોને મારે ઘેર જમાડવાનો સંકલ્પ છે. વળી હું આ ગામનો બ્રાહ્મણ છું તો આપ મારા સંકલ્પને પૂરો કરો.”
આ વિપ્રની વિનંતી સાંભળી સદગુરુ વ્યાપકાનંદ સ્વામી તથા અન્ય સંતો ગામમાં વિપ્રને ત્યાં પધાર્યા. પવિત્રપણે ખૂબ ભાવથી રસોઈ બનાવીને સંતોને જમવા બેસાડ્યા. પણ એ જ સમયે બ્રાહ્મણના ઘરે એક અયોગ્ય ઘટના બની ગઈ. બ્રાહ્મણનો એકનો એક પુત્ર જે માંદો હતો તેણે તે વખતે જ પ્રાણત્યાગ કરી દીધા, અર્થાત્ તે મૃત્યુ પામ્યો. બ્રાહ્મણ અતિ શોકાતુર બન્યો. કારણ કે એક બાજુ પુત્રના વિયોગનું દુઃખ હતું તો બીજી બાજુ ધર્મસંકટ હતું કે હવે શું કરવું ? કારણ કે પુત્રના મૃત્યુથી ઘરમાં સૂતક લાગે તેથી પવિત્ર સંતોને જમાડી ન શકાય. અને એ સંતોને વાત કરે તો સંતો પોતાના ઘેરથી જમવા બેઠેલા ઊઠી જાય ને ભૂખ્યા ચાલ્યા જાય તોપણ દોષ લાગે.
છતાં મૂંઝાયેલા આ બ્રાહ્મણે દીન-આધીન થઈને સંતો પાસે આવીને પ્રાર્થના કરી કે, "હે સંતો ! હું ખૂબ અભાગિયો છું કારણ કે, ઘણા દિવસથી આપ જેવા પવિત્ર સંતોને જમાડવાની ઇચ્છા હતી તે આજે પૂર્ણ થઈ. દયા કરીને આપે મારી પ્રાર્થના સ્વીકારી અને મારે ઘેર જમવા પધાર્યા પણ અત્યારે જ મારો પુત્ર મૃત્યુ પામ્યો છે. તેથી હું મૂંઝાઉં છું કે મારે હવે શું કરવું ? કારણ કે, જો આ વાત ન જણાવું તો મને સૂતકનો દોષ લાગે ને વાત કહું ને તમે ભૂખ્યા ચાલ્યા જાવ તોય દોષ લાગે. માટે હે દયાળુ સંતો, દયા કરીને આપ જ કંઈક રસ્તો કાઢો."
ત્યાં તો અતિ દયાળુ એવા સદગુરુ વ્યાપકાનંદ સ્વામી બોલી ઊઠ્યા, "ભૂદેવ, મૂંઝાશો નહીં. જાવ અંદર જઈ મૃત્યુ પામેલા પુત્ર પાસે બેસી ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ આ મહામંત્રનું ભજન કરો. ભગવાન જરૂર દયા કરશે."
અને આ અતિ વિશ્વાસુ ને નિર્દોષ વિપ્રે અંદર જઈ એકાગ્રચિત્તે જ્યાં થોડી વાર સ્વામિનારાયણ મહામંત્રનો જપ કર્યો ત્યાં તો આશ્ચર્ય થયું. જેમ સૂતેલો બાળક આળસ મરડી બેઠો થાય તેમ આ બાળક બેઠો થયો.
ત્યારબાદ આ વિપ્ર અને તેનાં પુત્ર-પત્ની સર્વે સત્સંગી થયાં. આ પ્રસંગને સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ ‘ભક્તચિંતામણિ’ 130માં પ્રકરણમાં આલેખ્યો છે.
પુષ્પ ૩

આવો જ એક પ્રસંગ બન્યો. કચ્છના જોડિયા બંદર ખાતે રહેતા શ્રીજીમહારાજના આશ્રિત એક સત્સંગી કુટુંબની થોડા વર્ષો પહેલાં જ બનેલી હકીકત છે. ઘરમાં માત્ર પતિ-પત્ની ને એક ૧પ-૧૭ વર્ષનો કિશોર પુત્ર, આ ત્રણ સભ્યો રહેતાં. પતિ ઝાંઝીબાર ખાતે વિદેશમાં નોકરી કરતા હતા. એક વખત મા અને પુત્ર બંને જોડિયા બંદરથી સ્ટીમરમાં બેસી ઝાંઝીબાર જવા નીકળ્યાં. સત્સંગી એવાં આ બંને મા ને દીકરો બહારની બજારુ વસ્તુ ખાતાં-પીતાં નહોતાં. તેથી ખાવા-પીવાની વ્યવસ્થા પોતાની પાસે રાખેલી, તેમાંથી સવાર-સાંજ જમતાં.
એક દિવસ કોણ જાણે કેમ પણ ખાવામાં એવુ કંઈક આવી ગયું તે જમતાંની સાથે જ આ પુત્રની મા થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામી. ડૉકટરે આવીને તપાસ કરી તો આ બાઈના દેહમાંથી જીવ ચાલ્યો ગયેલો. નિરાધાર બનેલો પુત્ર અતિશય કલ્પાંત કરતો હતો. ને પોતાની ‘મા’ના મૃતદેહ પાસે બેસી રડતો હતો.
બીજી બાજુ સ્ટીમરના નિયમ મુજબ કોઈ મૃત્યુ પામે તો અમુક સમયમર્યાદામાં તે શબને સમુદ્રમાં નાખી દેવું પડે. તેથી આ પુત્રને સમયમર્યાદાનું ફરમાન થઈ ગયું. પણ... પુત્રને નાનપણથી વારસામાં માબાપના ભગવાન સ્વામિનારાયણની ભક્તિ, વિશ્વાસ ને નિષ્ઠા મળેલાં હતાં. તેણે સ્ટીમરના અન્ય પેસેન્જરોને વિનંતી કરી કે, “આપ બધા મને મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ધૂન કરવામાં મદદ કરો. જરૂર મારા ઇષ્ટદેવ મારી ‘મા’ને જીવતી કરશે.” ને પૂર્ણ વિશ્વાસથી આ પુત્ર ને અન્ય સૌએ સાથે મળી આ મૃત્યુ પામેલ બાઈના શબ પાસે બેસી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય શરૂ કરી.
અને સૌના આશ્ચર્ય વચ્ચે ટૂંક સમયમાં આ મૃત્યુ પામેલી બાઈના દેહમાં સળવળાટ થયો ને થોડી વારમાં તે બેઠી થઈ. આખી સ્ટીમરમાં સૌને ભગવાન સ્વામિનારાયણના આ પ્રતાપને જોઈ ખૂબ અહોભાવ થયો ને બંને મા-દીકરો સુખે ઝાંઝીબાર બંદરે પહોંચ્યાં.
2. ભૂતપ્રેતદિકનો ઉપદ્રવ ટળ્યો
પુષ્પ ૧
પંચમહાલનું હીરાપુરા નામનું ગામ. જ્યાં મોરારજી દવે નામના એક બ્રાહ્મણ હરિભક્ત રહેતા. શ્રીજીમહારાજના પોતે અનન્ય આશ્રિત હતા. સવાર-સાંજ ધૂન્ય-કીર્તન કરતા, કથા કરતા અને ગામના જુવાનિયાઓને સત્સંગ કરાવતા. મહારાજની નિષ્ઠા પણ ખૂબ જોરદાર.
એ જ ગામમાં એક મેલી વિદ્યાનો જાણકાર, કામણ-ટૂમણિયો એવો માવજી સુતાર નામનો માણસ રહેતો. જે કાળીચૌદશની રાત્રે સ્મશાનમાં જતો, ભૂતપ્રેત સાધતો અને પછી વર્ષ દરમ્યાન જો કોઈને હેરાન કરવા હોય તો તેના મંત્ર-તંત્રથી હેરાન કરતો.
ગામમાં કોઈ માવજી સુતારનું નામ ન લઈ શકતા. અને એટલે જ આ માવજીભાઈ તો એવા ઊંચા ચડેલા કે બસ જાણે દુનિયાનો માલિક જ હું છું. કોઈને ગાળો દે, મારે, ત્રાસ ગુજારે અને મનમુખી વર્તે તોય તેને કોઈ કહેનાર ન મળે.
એમાં એક વખત શ્રીજીમહારાજના આશ્રિત એવા મોરારજી દવે સાથે તેને કંઈક બાબતમાં તકરાર થઈ. તેને એમ કે આય બીજાના જેવો જ છે ને ! આ વળી કોણ ? એટલે એણે તો બિવડાવવા માટે કહી દીધું કે,  
“હે બ્રાહ્મણ ! આજે રાત્રે તારી વાત છે, આજે તને જીવતો ન છોડું.” એને એમ કે બીજાની જેમ આ પણ મને કગરવા આવશે, માફી માગવા આવશે.
પણ આ તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત. જંત્ર-મંત્ર-તંત્ર-ભૂતપિશાચથી એ ન ડરે; એ બધા આનાથી ડરે.
મોરારાજી દવે તો ગાંજ્યા જાય તેવા ન હતા. તેમણે કહી દીધું, “માવલા, જા, તારે જેટલા ભૂતડાંને બોલાવવાં હોય તેટલાં બોલાવજે. કોઈ બાકી ન રહી જાય તેનું ધ્યાન રાખજે; પછી જોજે મારા સ્વામિનારાયણ ભગવાનનો ઝપાટો. તેં ઘણાને દબાવ્યા હશે પણ અહીં નહિ દબાવી શકે.”  અપમાનિત થયેલો માવજી સુતાર ધૂંઆપૂંઆ થતો રાત્રે સ્મશાને ગયો. મંત્ર-તંત્રથી સાધના કરી ભૂતાવળ ભેગી કરી. ત્રણસો ભૂત માવજીની આગળ હાજર થઈ ગયાં. માવજીએ હુકમ કર્યો, “હે ભૂતો ! તમને હું નિવેદ કરું છું. મનમાન્યું ખવડાવું છું. તો આજે મારો હુકમ છે કે, પેલા મોરારજી દવેને જીવતો છોડવાનો નથી. બસ ખાઈ જ જાવ. મારી જ નાખો. ચાલો મારી સાથે તેના ઘેર, એ બેઠો હશે,  હું તમને છેટેથી આંગળી કરી બતાવું અને એક... બે... ત્રણ... કહું ત્યાં તો તમારે તૂટી જ પડવાનું. ખબરદાર ! જો આજે મોરારિયો બચ્ચો છે તો. નહિ તો તમારી ને મારી આબરૂ જશે હોં.”
માવજીએ તો બરાબર ભૂતોને નશો ચડાવ્યો અને તૈયાર કર્યાં. ત્રણસોની આ ભૂતાવળ લઈ અર્ધરાત્રિના સુમારે મોરારજી દવેના વાડામાં આવ્યાં. મોરારજી દવે ઘરની પાછળના વાડામાં ખાટલો નાખી, હાથમાં માળા લઈ માવજીની રાહ જોઈને જ બેઠા હતા. છેટેથી ભક્તરાજે તેની સાથેના ટોળાને જોયું. બધાને નજીક આવવા દીધા. હવે મોરારજી દવેએ પડકાર કર્યો, “માવજી, બોલાવ હજી કોઈ બાકી હોય તો... જોજે રહી ન જાય અને પછી મને કહે કે, બધા આવી ગયા.”
માવજી પણ ફાંકામાં હતો. તે બોલ્યો, “મોરારજી, બધાં ભૂત આવી ગયાં બધાં, પૂરાં ત્રણસો છે. હવે જો તારી વલે થાય તે.”
અને મોરારજી દવેએ હાથમાં મહારાજની પ્રસાદીના પાણીનો લોટો તૈયાર રાખેલો. તે લીધો અને સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... શબ્દની જ્યાં સિંહગર્જના કરી પાણીની અંજલીઓ છાંટવા માંડી ત્યાં તો ભૂતો બળવા લાગ્યાં. તેથી બૂમો પાડતાં, કિકિયારીઓ પાડતાં ભૂતો જાય નાઠાં ઊભી પૂંછડીએ. કોઈ આમ નાઠું, તો કોઈ તેમ નાઠું, કોઈ પડે તો પાછું ઊભું થઈને ભાગે... એમ ભાગ્યાં... ત્રણસોય કૂતરાની જેમ નાઠાં.
અને પછી તો મોરારજી ભક્તનેય પારો ચડે ને ! ખૂબ બળમાં આવી ગયા. તેઓ ઠેઠ ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ કરતાં ભૂતોને ગામ બહાર મૂકી આવ્યાં.
માવજી સુતાર તો ઊભો ઊભો બાઘાની જેમ જોયા જ કરે ને ઠંડો હેમ જેવો થઈ ગયો.
શું બોલે ? મોરારજી દવે આવ્યા એટલે બસ કંઈ જ બોલ્યા-ચાલ્યા વગર તેમના પગમાં જ પડી ગયો. ખૂબ રોયો અને કહેવા લાગ્યો, “હે ભૂદેવ ! આપ પણ ખરા ને આપના સ્વામિનારાયણ ભગવાન પણ ખરા. માટે મનેય આજથી કંઠી બાંધી સ્વામિનારાયણનો સત્સંગી કરો.” જોયું આપણેય સ્વામિનારાયણ ભગવાનના દીકરા છીએ. માટે ક્યારેય કોઈ ભૂતપ્રેત કે જંત્ર-મંત્રથી બીવું નહીં. કંઈ થાય તોય દોરા-ધાગા કરવા નહિ કે કરવા દેવા નહીં. એક શ્રીજીમહારાજનો દૃઢ આશરો રાખવો.
સ્વામિનારાયણ મંત્ર ખૂબ બળિયો છે. તે મહામંત્રથી આવેલી મુશ્કેલીને દૂર કરવી.
પુષ્પ ૨
થોડાં વર્ષો પહેલાંની બનેલી સત્ય ઘટના છે. અમદાવાદ - કાલુપુર મંદિરની નજીકમાં એક હરિભક્ત રહેતા હતા. જેમનો એક પુત્ર તેના એક વણિક મિત્ર સાથે સવારે મંદિરે દર્શન કરવા આવતો.
એક દિવસ સભામંડપમાં કથા ચાલુ હતી ને આ બંને મિત્રો મંદિરમાં આવ્યા. તે સમયે આ કથા કરનાર સંત ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો મહિમા કહેતા હતા કે, “આ સ્વામિનારાયણ મહામંત્રમાં એટલું બળ છે કે તેનું સ્મરણ કરવાથી ભૂતપ્રેતાદિક કોઈ આસુરી તત્ત્વ તેને નથી મારી શકતું કે નથી તેની પાસે આવતું. એટલું જ નહિ, પણ એનો જાપ કરવાથી તે સ્થાનમાં પણ ભૂતપ્રેતાદિક રહી શકતાં નથી.”
પેલા બંને મિત્રોએ દર્શન કરતાં કરતાં આ મહામંત્રનો મહિમા સાંભળ્યો અને યાદ રાખી લીધો.
એક દિવસની વાત છે. ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’ કહેવત મુજબ એક દિવસ સાંજના સમયે સ્કૂલના એક શિક્ષકને આ વણિક પુત્ર સાથે હેત કરીને કહ્યું, "ચાલ, આજે મારી સાથે ફરવા." અને આ વિદ્યાર્થી ભોળાભાવે પોતાના શિક્ષક પર વિશ્વાસ રાખી તેમની સાથે ફરવા ગયો. આ શિક્ષક તાંત્રિક હતા. કાળભૈરવના ઉપાસક હતા. તેઓ આ બાળકને ફોસલાવીને સ્મશાનમાં લઈ ગયા. દૂર એક ખીજડાના ઝાડ નીચે આ બાળકને ઊભો રાખ્યો. પછી શિક્ષકે દૂર જઈને પોતાની મેલી વિદ્યાથી કાળભૈરવની સાધના કરીને તેને પ્રગટ કર્યો અને કહ્યું, "આજે આપનો બલિ લાવ્યો છું. આપ આવો અને તેનો સ્વીકાર કરો." બાળક દૂર ઊભો રહી આ જોઈ રહ્યો હતો. તેને એ જ સમયે મંદિરમાં જે સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા સાંભળેલો તે યાદ આવ્યો અને તેણે તુરત મંત્રજાપ ચાલુ કર્યો :  “સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...”
ત્યાં તો મહામંત્રના પ્રતાપે કાળભૈરવ પાછો વળી શિક્ષક પર ગુસ્સે થઈ કહેવા લાગ્યો, "બંધ કરાવો, બંધ કરાવો... આ મંત્રજાપને બંધ કરાવો નહિ તો હું તને જ ખાઈ જઈશ." પછી તો, બાળકે વધુ બળથી અને વધુ જુસ્સાથી જાપ ચાલુ રાખ્યો : “સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...” અને ‘જે ખાડો ખોદે તે જ પડે’ તે નાતે કાળભૈરવે આ શિક્ષકનો જ ભોગ લઈ લીધો. બાળક ખૂબ ગભરાઈ ગયો અને બેભાન થઈ ઢળી પડ્યો. એને કોઈએ દવાખાને પહોંચાડ્યો. દવાખાનેથી ઘરે આવી સ્વસ્થ થતાં બાળકે બનેલી બધી હકીકત જણાવી તેથી આખા ઘરના બધા જ સભ્યો આ માહિતી સાંભળી સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધારણ કરી સત્સંગી બન્યા.

  1. મહાસંકટમાંથી ઊગર્યા
    પુષ્પ ૧

સૌરાષ્ટ્રમાં માણસા કરીને ગામ છે. એના ગામધણી મામૈયા વરુ હતા. તેમને એક પુત્ર હતો વાલેરો. આ વાલેરાને નાનો મૂકી તેની મા મૃત્યુ પામી. આથી વાલેરાના પિતા મામૈયા વરુએ બીજાં લગ્ન કર્યાં. પણ નવી આવેલી ‘મા’એ સમય જતાં મામૈયાની મિલકતમાંથી વાલેરાને ભાગ આપવા ન દીધો. વાલેરાએ મિત્રના સહકારથી જ્યાં સુધી પોતાનો ગરાસ ન આપે ત્યાં સુધી લોકોમાં લૂંટફાટ કરી બહારવટું ખેલવાનું ‘પ્રણ’ લીધું. તેનો ત્રાસ આજુબાજુનાં ગામમાં ખૂબ વર્તવા લાગ્યો હતો.
એવામાં એક દિવસ જૂનાગઢથી અનાદિમુક્ત સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં આ પંથકમાં પધાર્યા. હરિભક્તોએ આ વિસ્તારમાં થતી લૂંટફાટ ને ચાલતા ત્રાસની વાતથી માહિતગાર કર્યા જ હતા, ત્યાં તો સામેથી જ ઘોડે ચડી આ વાલેરો વરુ અને તેના સાગરીતો આવતા દેખાયા. જ્યાં સ્વામીની નજીક આ વાલેરો આવ્યો ત્યાં નિર્ભય એવા સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાલેરાને ઊભો રાખીને કહ્યું, "વાલેરા, આ લૂંટફાટ કરી પ્રજાને હેરાન કરીશ તો યમપુરીનાં દુઃખો ભોગવવાં પડશે ને ચોરાશી લાખ ફેરા ફરવા પડશે માટે આ ધંધો છોડી દે." સ્વામીશ્રીના આ શબ્દોએ વાલેરાનું હ્દય ભેદી નાખ્યું. ઘોડેથી નીચે ઊતરી સ્વામીના ચરણમાં બેસી બધી માંડીને વાત કરી, આજીજી કરી કે, "હે સ્વામીજી, જો મારો ગરાસ મને મળી જાય તો મારો આ ધંધો હું છોડી દેવા તૈયાર છું." દયાળુ મૂર્તિ સ્વામીજી તુરત પોતાની પ્રસાદીની માળા વાલેરાના હાથમાં આપી બોલ્યા કે, "વાલેરા, આ માળાને ઘેર લઈ જઈ સર્વોપરી એવો સ્વામિનારાયણ મહામંત્ર છે તેનું ભજન કરજે. જા, આજથી આઠમે દિવસે તારા પિતા તને સામેથી બોલાવી તારો ગરાસ આપશે, તો તું જૂનાગઢ આવી સત્સંગી થજે."
વાલેરો સ્વામીજીના આ આશીર્વાદ સાંભળી રાજી રાજી થઈ ગયો અને બોલ્યો, "પણ સ્વામીજી, હું અભણ માણસ છું, મને દિવસ ગણતાં આવડતું નથી. તેથી કેમ ખબર પડે કે આઠ દહાડા પૂરા થયા ?" સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાલેરાની મૂંઝવણના ઉકેલ રૂપે તેના પહેરેલાં કેડિયાંની કસુને આઠ ગાંઠો વાળી દીધી ને કહ્યું, "જા વાલેરા, આ કસુની રોજ એક ગાંઠ છોડતો જજે. જેમ જેમ આ ગાંઠ છૂટતી જશે એમ એમ તારા બાપના અંતરમાં પડી ગયેલી આંટી પણ છૂટતી જશે. સ્વામિનારાયણ મહામંત્ર બહુ જ બળિયો છે તે જરૂર તારા બાપને સદબુદ્ધિ આપશે જ." અને પૂર્ણ વિશ્વાસથી વાલેરાએ ઘેર જઈ, બારણું બંધ કરી માંડ્યું એક શ્વાસે રટણ કરવા, "સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ..." બીજી બાજુ આ બળિયા મહામંત્રના પ્રતાપે પિતા મામૈયા વરુ ને તેમનાં નવાં પત્નીને પોતે કરેલા અન્યાય રૂપે પશ્ચાત્તાપ થવા મંડ્યો. ને બરોબર આઠમે દા’ડે સવારે મામૈયા વરુએ ચાકર મોકલ્યો. વાલેરાને દરબારમાં બોલાવી પોતાની મિલકતમાંથી અડધો ભાગ આપી વર્ષોના જૂના ઝઘડાનું સાથે જમવા બેસી સમાધાન કર્યું. મિલકતમાં ભાગ મળતાં વાલેરો તરત સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈ કુટુંબે સહિત કંઠી બાંધી સત્સંગી થયો.
વાહ પ્રભુ વાહ ! કેવો આપના મહામંત્રનો મહાપ્રતાપ !
પુષ્પ ૨
એક નાનકડું ગામ હતું. જેમાં કરમશી ભક્ત નામના એક સોની ભક્ત રહેતા હતા. ઘરમાં માત્ર પતિપત્ની બે જ વ્યક્તિ રહેતાં અને ભગવાન સ્વામિનારાયણનું સુખેથી ભજન કરતાં. પણ ગામમાં અન્ય સગાંસંબંધીઓનો અતિશે વિરોધ હતો. છતાં હિંમતથી આ બંને પતિપત્ની મહારાજના બળે સંસારચક્ર ચલાવી રહ્યાં હતાં. એવામાં મહારાજની દયાથી એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. બંને પતિપત્ની પુત્રને પ્રભુની આપેલી થાપણ સમજી પાળી પોષી રહ્યાં હતાં. એવામાં એક મહા મોટું સંકટ આવ્યું. બન્યું એવું કે પુત્ર હજી ત્રણ માસનો થયો હતો ત્યાં ભક્તનાં પત્ની બીમાર પડ્યાં ને મહારાજે એમને પોતાના ધામમાં બોલાવી લીધાં. સમજણે યુક્ત એવા આ હરિભક્તને પત્નીના વિયોગનું દુઃખ નહોતું પણ નાનકડા આ પુત્રને તેની મા વિના સ્તનપાન કરાવી કોણ મોટો કરશે, એ મોટું દુઃખ હતું. ભગત મૂંઝાયા, હવે શું કરવું ? આ બાળકને કેમ મોટો કરવો ?
અને... ખૂબ દુઃખી થઈ ગયેલા આ ભક્તરાજે મહાપ્રભુના સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા સમજી મહારાજની મૂર્તિ સમક્ષ રાત્રે બેસી માંડ્યું ભજન ને પ્રાર્થના કરવા. પ્રગટભાવે મહાપ્રભુને ચોધાર આંસુએ ગદગદ થઈ પ્રાર્થના કરતા જતા હતા : "સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ..." ભજન કરતા જતા હતા.
પરિણામે વહેલી સવારે કરુણાસાગર એવા મહાપ્રભુજી શ્રી સ્વામિનારાયણ ભગવાને ભક્તને તેજોમય દર્શન આપી કહ્યું કે, "હે ભક્તરાજ ! ચિંતા ના કરશો. બધાં સારાં વાનાં થઈ જશે, પુરુષના સ્તનમાં કદી દૂધ ન આવે પણ આ બાળકને તમે સ્તનપાન કરાવી મોટો કરજો, જાવ એ આપના માટે અશક્ય શક્ય બનશે. બાળક એમ કરતાં મોટું થશે."
આમ દિવ્ય આશીર્વાદ આપી મહાપ્રભુ અદૃશ્ય થયા. આપેલ વરદાન મુજબ ભક્તએ બાળકને સ્તનપાન કરાવી મોટો કર્યો.
આ મહાપ્રતાપ છે આપણા સ્વામિનારાયણ મહામંત્રનો...
4. સદ્દબુદ્ધિ જાગે

પુષ્પ ૧
એક નાનકડું ગામ હતું. ગામમાં એક શ્રીજીમહારાજનો આશ્રિત સત્સંગી પરિવાર વસતો. આ પરિવારની એક સંસ્કારી યુવતીનાં લગ્ન થયાં. તેને માબાપે સાસરે વળાવી, પણ સાસરિયામાં સત્સંગ નહીં. એટલું જ નહિ પણ બધા સ્વામિનારાયણ સંપ્રદાયના સખત વિરોધી. એટલે આ ઘરમાં આવેલ સત્સંગી વહુને સત્સંગ છોડાવવા તેની પૂજા ફેંકી દીધી, તેની કંઠી પણ તોડી નાખી, સાથે સ્વામિનારાયણ નામ પણ નહિ લેવાનું ફરમાન કર્યું.
હવે બાળપણથી જે સત્સંગના રંગે રંગાયેલી હતી તે બાઈને કેટલું દુઃખ થાય ? આ અતિ દુઃખી થઈ ગયેલી દીકરીએ સાસરેથી પિયર આવીને તેનાં માબાપને પોતાના સાસરે ભગવાન ભજવા માટે પડતી મુશ્કેલીઓની વાત કરી. એ જ સમયે ગામના મંદિરમાં સંતો આવેલા. આથી સંતોને આ દીકરીનાં પિતાએ દીકરીનાં દુઃખની વાત કરી. સંતોએ કહ્યું કે, "દીકરીને કહેજો કે ઘરમાં રસોઈ બનાવતી વખતે, પાણી ભરતાં, તેલ-ઘી ગાળતાં સર્વે ક્રિયામાં ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ મહામંત્રનું મનમાં અખંડ રટણ ચાલુ રાખે. તે મહામંત્રના રટણ સાથે થયેલી રસોઈ ઘરના જે સભ્યો જમશે તે સૌને મહાપ્રભુ સદબુદ્ધિ આપશે ને જરૂર તે બધા સત્સંગી થશે." અને સંતોની આજ્ઞા મુજબ આ દીકરી સાસરે જઈ રોટલી કે દાળ-ભાત શાક બનાવતાં સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... મનમાં ભજન ચાલુ રાખે. તેમ કરતાં દિવસે દિવસે ઘરના સૌ સભ્યોની બુદ્ધિ નિર્મળ થતી ગઈ ને સર્વેને સત્સંગ પ્રત્યે કૂણી લાગણી વર્તવા લાગી. એમ કરતાં કરતાં થોડો સમય વીત્યો ત્યાં તો એક દિવસ આ દીકરીના પતિએ તેને કહ્યું કે, "તું આ વખતે તારા પિતાના ઘરે જાય ત્યારે કંઠી ને પૂજા લઈ આવજે. મારા માટે પણ કંઠી લઈ આવજે." આમ, ધીમે ધીમે આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે ઘરના સૌ સભ્યો સત્સંગી બન્યા.
5.   કામવાસના બળી જાય
પુષ્પ ૧
પંજાબ પ્રાંતની વાત છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ શ્રી સુખાનંદ સ્વામી આદિક પાંચ સંતો સત્સંગ માટે પંજાબની ભૂમિ પર પધાર્યા હતા. ચોમાસાનો સમય. એક વૃક્ષની છાયામાં સંતો ઊતર્યા હતા. સાંજના સમયે એકાએક ત્યાં વરસાદ તૂટી પડ્યો. સંતો વરસાદમાં પલળી થર થર ધ્રૂજતા બેઠા હતા. ત્યાં સામે એક ભવ્ય મહેલના ઝરૂખે બેઠેલી સ્વરૂપવાન સ્ત્રીએ સંતોને ધ્રૂજતા જોયા ને દયા લાવી તેણે સેવકને સંતો પાસે મોકલી પોતાના મહેલમાં ઉતારો કરવા વિનંતી કરી.
સંતો મહેલમાં આવ્યા અને આ સેવક સાથે મહેલની માલિક સ્ત્રીને નીચે નહિ આવવાની સૂચના મોકલી. આ સ્ત્રીના આગ્રહથી ત્રણ દિવસના ઉપવાસ પછી સંતો ખીચડી બનાવીને જમ્યા. હવે રાત્રિનો સમય હતો. પેલા સેવક પાસે સંતોએ “આ મહેલ કોનો છે ? અહીં કોણ રહે છે ?” તે વિષે પૂછપરછ કરી. ત્યાં જવાબ મળ્યો કે, “પંજાબના રાજા રણજિતસિંહની રખાત એક વેશ્યા બાઈ મહેલમાં રહે છે.” સંતો આ જવાબથી હેબતાઈ ગયા. પણ તુરત દયાળુ સંતોએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ઉપાડી. આખી રાત ધૂન કરી. જેમ જેમ મહામંત્રની ભણક  ઉપર બેઠેલી વેશ્યા બાઈના કાને પડતી ગઈ, એમ એમ તેનું હૈયું નિર્મળ થતું ગયું, તેની અંતરની મલિન વાસના બળતી ગઈ અને ધીમે ધીમે એ પણ ધૂન્ય સાથે ધૂન્ય બોલવા લાગી. એમ કરતાં સવાર પડ્યું ને સંતો નાહી-પરવારી ત્યાંથી વિદાય થયા. આ સ્ત્રીએ સંતોના પાછળથી ઝરૂખામાં ઊભા રહી દર્શન કર્યાં.
એક દિવસ, બે દિવસ ને ત્રણ દિવસ થયા. આ સ્ત્રીનું આખુંય વિષયભોગથી ખરડાયેલું માનસ બદલાઈ ગયું. તેના આત્મામાં સળવળાટ થયો ને એક દિવસ પોતે કરેલાં પાપોના પશ્ચાત્તાપ રૂપે આ વેશ્યા બાઈ વૈરાગણ બની ગઈ. મહેલ છોડી ચાલી નીકળી. જતાં જતાં નોકરોને કહેતી ગઈ કે, "રાજા રણજિતસિંહને કહેજો કે,  હવે મારા હાડ, માંસ અને રુધિરથી ભરેલા દેહમાં આસક્ત ન થાય. હવે હું અવિનાશી વરને વરવા જઈ રહી છું. હું તેમને પામીને જ રહીશ, માટે મને શોધશો નહીં."
જંગલમાં જઈ એક નદીકિનારે પર્ણકુટિરમાં આ સ્ત્રીએ નિવાસ કર્યો. ને ભગવાન સ્વામિનારાયણને પામવા માટે સંતોના મુખે સાંભળેલા સ્વામિનારાયણ મહામંત્રનું રટણ ચાલુ કર્યું. જ્યાં સુધી મહાપ્રભુનો ભેટો ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો. બસ, અખંડ "સ્વામિનારાયણ... સ્વામિનારાયણ.. સ્વામિનારાયણ..." મહામંત્રનું રટણ ચાલુ કર્યું.
આ બાજુ રાજા રણજિતસિંહ કામાસક્ત થઈ જ્યારે મહેલમાં આવ્યા ત્યારે તેની રખાત સ્ત્રીને ત્યાં ન જોતાં વાસનાની આગમાં ભભૂકી ઊઠેલ રાજા તેની શોધમાં નીકળ્યા. આ સ્ત્રીનો અનશનવ્રતનો આજે આઠમો દિવસ હતો. તેના મુખમાં છેલ્લા આઠ આઠ દિવસથી મહામંત્રનું અખંડ રટણ હતું. પરિણામે તેની વાસના સંપૂર્ણ બળીને ભસ્મીભૂત થઈ ગયેલી. એવી આ પ્રભુમાં આશક્ત બનેલી સ્ત્રીનો જ્યાં રાજા રણજિતસિંહને જોગ થયો અને તેના તેજસ્વી મુખારવિંદ સામું જ્યાં નજર કરી ત્યાં કામાસક્ત થયેલા આ રણજિતસિંહની વાસના પણ તત્કાળ બળી ગઈ. સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે દિવ્ય રૂપે દર્શન આપી આ સ્ત્રીને પોતાના ધામને વિષે દિવ્યગતિ આપી. એટલું જ નહિ મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજી ચૂકેલ રાજા રણજિતસિંહને પણ શ્રીજીમહારાજ ર૭મી જૂન, ૧૮૩૯ના રોજ દર્શન આપી ધામમાં તેડી ગયા.
ધન્ય હો... ધન્ય હો... આ દિવ્ય ને ભવ્ય સ્વામિનારાયણ મહામંત્રના પ્રૌઢ પ્રતાપને !
પુષ્પ : 2
કાશીના રાજા અનોપસિંહ હતા. તેમનાં ધર્મપત્ની ઈડરના રાજાનાં દીકરી હતાં. પરણીને પતિગૃહે આવ્યાં ત્યારે કરિયાવરમાં પિતાના ઘેરથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સત્સંગ લાવેલાં. તેમને ઘેર એક કુંવરીનો જન્મ થયો. જે મોટી થતાં ખૂબ રૂપવાન અને ગુણવાન બની. એક દિવસ રાજા અનોપસિંહ જંગલમાં દૂર દૂર નીકળી ગયા. તે સમયમાં એક સિંહે ગર્જના કરી, અનોપસિંહ ઉપર તરાપ મારી અને જ્યાં રાજાને મોતને શરણ ઉતારવા જાય છે ત્યાં તો સાથે રહેલા રાજાના એક અંગરક્ષકે બંદૂકની ગોળીથી સિંહને ઠાર કર્યો ને રાજા બચી ગયા. બીજા દિવસે ભરદરબારમાં રાજાએ ખુશ થઈ આ અંગરક્ષકને પોતાના કરેલા બચાવના બદલામાં કંઈક માંગવાનું કહ્યું. આ અંગરક્ષક ઘણા સમયથી રાજાની યુવાન કુંવરીના રૂપમાં મોહ પામ્યો હતો. કામાસક્ત થઈ તેણે “આપની કુંવરીનાં મારી સાથે લગ્ન કરો” એમ માગ્યું. રાજા ને રાણી તો આ સાંભળી એકદમ અવાચક બની ગયાં. પણ મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણમાં અનન્ય નિષ્ઠા ધરાવતી યુવાન કુંવરીએ સમય સાચવી લઈ અંગરક્ષકને ભરદરબારમાં સ્પષ્ટપણે કહી દીધું કે, "ભલે, હું આપની સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ એક શરત કે તમામ સગવડે યુક્ત એવા ઓરડામાં તમારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે બેસી હાથમાં માળા લઈ, છ માસ સુધી સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... એમ અખંડ ભજન કરવાનું. ત્યાં સુધી રૂમની બહાર પણ નીકળવાનું નહીં."
અને શરત મુજબ એક બંધ રૂમમાં શ્રી સહજાનંદ સ્વામીની એક ચક્ષુની પ્રસાદીની મૂર્તિ આગળ બેસી મોહાંધ બનેલ આ અંગરક્ષકે સ્વામિનારાયણ મહામંત્રનું રટણ ચાલુ કર્યું અને આહાહા...! જે મહામંત્રના પ્રતાપે જીવની અનાદિની વાસના બળી જાય છે એવો જેનો મહિમા છે તે એમ જ બન્યું. જેમ કરવત લાકડાને વેરે એમ જેમ જેમ ભજન થતું ગયું તેમ તેમ અંતરે વાસના બળવા માંડી. ચાર માસ પૂરા થતા તો નિર્મળ ને નિર્વાસનિક બનેલો અંગરક્ષક બહાર આવી સંસારનો ત્યાગ કરી ‘નિષ્કામાનંદ સ્વામી’ નામે સાધુ થયા. વાહ પ્રભુ વાહ ! શું પ્રતાપ છે સ્વામિનારાયણ મહામંત્રનો !
6.   મહારોગ મટ્યા છે
પુષ્પ ૧
ગોંડલ ગામના ગામધણી દાદભા દરબારનો આ પ્રસંગ છે. ૪૦ વર્ષની ઉંમરે અચાનક તેમની આંખોનું તેજ હણાઈ ગયું. આંખે તદન અંધાપો આવી ગયો. આ નાનકડી ઉંમરે આવેલ પરાધીનતાથી દાદભા ખૂબ દુઃખી થઈ ગયા.
એમાં એક દિવસ જૂનાગઢથી સદગુરુશ્રી ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ ગામના મંદિરે પધાર્યા છે એવી એમને જાણ થઈ. તેઓએ માણસ મોકલી સ્વામીશ્રીને પોતાના ઘેર પધરામણીએ તેડાવ્યા. સ્વામીશ્રી ઘેર જેવા આવ્યા કે તુરત દાદભાએ પોતાની દર્દભરી હકીકત કહી.
સ્વામી પાસે ખૂબ પ્રાર્થના કરી. સ્વામીશ્રી તો અતિ દયાળુ હતા જ. દાદભા દરબારને કહ્યું, "ચિંતા ન કરશો, અમારા ઇષ્ટદેવે આપેલ સ્વામિનારાયણ મહામંત્ર ખૂબ બળિયો છે, ભગવાન સ્વામિનારાયણનો ખૂબ મોટો આશીર્વાદ છે. માટે આપ બ્રહ્મચર્યનું વ્રત લો ને આખો દિવસ ભગવાનની મૂર્તિ સમક્ષ સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન ચાલુ કરો, જરૂર મહાપ્રભુ સારાં વાનાં કરશે." દાદભા દરબારે સ્વામીશ્રીની આજ્ઞા માથે ચડાવી, આખો દિવસ ને રાત આ મહામંત્ર જપવા માંડ્યો ને સ્વામીશ્રીના આશીર્વાદે એક... બે... ને ત્રણ... એમ કરતા જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ તેમની આંખોનું તેજ ફરી આવવા લાગ્યું. ને મહાપ્રભુની કૃપાથી સાત દિવસમાં ફરી પાછા પૂર્વવત્ દેખતા થઈ ગયા.
વાહ દયાળુ વાહ ! શું આપના પ્રૌઢ પ્રતાપી મહામંત્રનો પ્રતાપ !
પુષ્પ : 2
હમણાં જ વર્તમાનકાળે નવા સત્સંગી થયેલા, કાંકરિયામાં પ્રાણી સંગ્રહાલય ખાતે નોકરી કરતા ઉત્તરપ્રદેશના વતની શ્રી જગદીશભાઈ મૌર્યના જીવનમાં બનેલો પ્રસંગ છે. તે ટૂંકા સમયમાં ઉત્તમ સંગે ખૂબ બળિયા ને નિષ્ઠાવાન ને ગુરુવર્ય પ.પૂ. બાપજીના અતિ કૃપાવાન ભક્ત બન્યા છે. એક દિવસ આ જગદીશભાઈના એક કાકા ઉત્તરપ્રદેશના તેમના વતનમાં ધામમાં ગયેલા હોવાથી ત્યાં દેશમાં ગયેલા. રાતનો સમય હતો. તેમના એક દૂરના મામા જેમનું નામ હતું ગંગાદીન મૌર્ય. તેઓએ તેમને વાત કરી કે, છેલ્લા આઠ માસથી તેમને ઘણા ઉપાયો ને ઘણી દવાઓ કરવા છતાં ઊંઘ નથી આવતી. એટલે કે અનિદ્રાનો રોગ લાગુ પડ્યો છે. તેઓએ જણાવ્યું કે, હવે લાગે છે કે ટૂંક સમયમાં જ મારું મગજ અસ્થિર થઈ જશે.
આ સાંભળતાં જ જગદીશભાઈની પ્રભુનિષ્ઠા ઝળહળી ઊઠી. તેમણે મહાપ્રભુની પ્રાર્થના કરી મામાને કહ્યું જે, "આપ જો શ્ર્ધ્ધા ને વિશ્વાસ રાખો તો અમારા સર્વોપરી ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સ્વામિનારાયણ મહામંત્ર ખૂબ બળિયો છે. લ્યો આ માળા ને સૂતાં સૂતાં મંત્રજાપ કરો. એ તમારી દવા સમજજો. ભગવાન જરૂર ઊંઘ લાવી દેશે." આ ગંગાદીનભાઈ તો ખૂબ કંટાળેલા  જ હતા. તેમણે તો પહેલવહેલું આ નામ સાંભળ્યું. મહાપરાણે નામ આવડ્યું. ને રાત્રે ૯ વાગે માળા લઈ એક અલગ રૂમમાં સૂતા ને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની કૃપાએ સવારે સાત વાગે જગદીશભાઈએ જોયું તો મામા ખૂબ ગાઢ નિદ્રામાં સૂતેલા. જ્યારે તેઓ જાગ્યા ત્યારે અતિશે પ્રફુલ્લિત થઈને કહ્યું કે, “ફક્ત ૧પ-ર૦ મિનિટ આ મંત્રની માળા ફેરવી ત્યાં તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ખરેખર આ મહામંત્ર ખૂબ પ્રતાપી છે.” ને ત્યારથી આજ સુધી રોજ માળા લઈને સૂવે છે. અને હજુયે વગર દવાએ તેમને આ મહામંત્રનું રટણ કરતાં ગાઢ નિદ્રા આવી જાય છે.        
વાહ... પ્રભુ... વાહ... !