પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ ભરતખંડમાં કેવળ કૃપા કરી, અનંત જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવા દર્શન આપ્યાં.
તેમના સંકલ્પથી પ્રાગટ્ય થયું જીવનપ્રાણ અબજીબાપાશ્રીનું.
બાપાશ્રીએ કારણ સત્સંગના સમાજને બળિયો રાખવા ગુજરાત, કાઠિયાવાડ, ઝાલાવાડ, સોરઠ આદિ દેશોમાં ગામોગામ વિચરણ કરી, અનેક સ્થાવર તીર્થો કર્યાં. ઉપરાંત ત્યાંના પવિત્ર તથા આજ્ઞાપરાયણ ભક્તોના મનોરથો-સંકલ્પો પૂર્ણ કરી, સૌને સુખિયા કર્યા.
સંવત ૧૯૭૯(ઈ.સ. ૧૯૨૩)ના મહા સુદ દસમને રોજ મૂળીનો શતવાર્ષિક પાટોત્સવ પૂર્ણ કરી, બાપાશ્રી મણિપુરા પધાર્યા ને ત્યાં મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી.
ત્યાંથી બાપાશ્રી જોશીપુરા, કલ્યાણપુરા, ધરમપુર, વિશતપુરા, કડી થઈ અમદાવાદ પધાર્યા.
અમદાવાદમાં બાપાશ્રીના અતિ કૃપાપાત્ર એવા બળદેવભાઈ શેઠનો આગ્રહ, પ્રેમ અને ભક્તિભાવ જોઈ બાપાશ્રીએ તેમની મિલમાં ઉતારો કર્યો.
બળદેવભાઈ શેઠની મોટરગાડીમાં બેસી બાપાશ્રી દરરોજ સવારે સરસપુર મંદિરે દર્શન કરવા પધારતા.
જ્યારે જ્યારે મંદિરમાં બાપાશ્રીનું આગમન થતું ત્યારે ત્યારે સંતો-ભક્તોને આનંદ આનંદ થઈ જતો. સંતો-ભક્તોના આગ્રહને વશ થઈ બાપાશ્રી મંદિરમાં બિરાજી સૌને કથાવાર્તાનો લાભ આપી સુખિયા કરતા.
બાપાશ્રી જ્યાં જ્યાં પધારે ત્યાં સમૈયા થઈ જતા અને દર્શનાર્થી મુમુક્ષુઓની ભીડ જામતી. બાપાશ્રી અમદાવાદ પધાર્યાના સમાચાર મળતાં અમદાવાદની ચારેબાજુના દેશમાંથી હરિભક્તો દર્શને ઊમટતા.
એક દિવસ નળકંઠાથી વાસણ ગામના શામજીભાઈ તથા દેવશીભાઈ આદિક પ્રેમી ભક્તો બાપાશ્રીનાં દર્શન-સમાગમનો લાભ લેવા આવ્યા હતા.
તેઓએ દર્શન-સમાગમનો લાભ લઈ બાપાશ્રીને વિનય વચને પ્રાર્થના કરતાં કહ્યું, “હે બાપા ! આપ કૃપા કરી અમારા ગામમાં દર્શન દેવા પધારો તો સારું. ઘણા જીવો આપનાં દર્શન-સમાગમનો લાભ લેવા વાટ જોઈ રહ્યા છે માટે આપ કૃપા કરી પધારો; સૌને સુખિયા કરો અને નળકંઠો પાવન કરો.”
નળકંઠાના આ પ્રેમી ભક્તોનો નિર્દોષભાવ જોઈ બાપાશ્રી રાજી થઈ બોલ્યા, “અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ માટે તમારી પ્રાર્થના સ્વીકારી અમે તમારા ગામમાં જરૂરાજરૂર પધારીશું...”
બાપાશ્રી સરસપુરથી કુજાડ, બાકરોલ, સુરત, વડોદરા વિચરણ કરી પ્રેમી ભક્તોને આપેલા વચન મુજબ નળકંઠામાં પધાર્યા.
બાપાશ્રી તથા મોટા મોટા સંતો બળદેવભાઈ શેઠની ગાડીમાં બેસી નળકંઠામાં દેવ ધોલેરા, નાનોદરા, કેસરડી, ઝાંપ, વનાળિયા, મેટાળ, ઉપરદળ, રેથળ આદિ ગામોમાં થઈ વાંસવા ગામે પધાર્યા. ત્યાં સૌ પ્રેમી હરિભક્તોએ બાપાશ્રીનું સામૈયું કર્યું. (સંવત ૧૯૭૯ના મહા સુદ ૧૩ના રોજ ‘બાપાશ્રી પાટડીમાં પધાર્યાનો ઇતિહાસ’ વાંસવાની વાતો : પૃષ્ઠ ૧૦૮-૧૦૯ પર આ ઉલ્લેખ આપ્યો છે.)
જીવનપ્રાણ બાપાશ્રીએ પણ રાજી થકા પોતાના દિવ્ય હસ્તે આ વાંસવા ગામે બાઈઓના મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. જે પ્રસંગનો સાક્ષીરૂપ ઉલ્લેખ અબજીબાપાશ્રીની વાતો : ભાગ-૧ની ૨૧૩મી વાતમાં આવે છે. સૌ હરિભક્તો પણ બાપાશ્રી પધાર્યા હતા તેના આનંદમાં નાચવા અને કૂદવા લાગ્યા. અને જોતજોતામાં તો આનંદોત્સવનું વાતાવરણ ઊભું થઈ ગયું.
વાંસવા મૂર્તિપ્રતિષ્ઠા કર્યા પછી પ.ભ. જેઠાભાઈ ઠક્કરની પ્રાર્થના સાંભળી બાપાશ્રી સંત-હરિભક્તો સહિત વાસણ ગામે પધાર્યા. બાપાશ્રી પધાર્યાના સમાચાર સાંભળતાં આખું ગામ આનંદના હિલોળે ચડ્યું હતું. ઢોલ, ત્રાંસા વગાડતા અને કીર્તનની રમઝટ બોલાવતા સૌએ બાપાશ્રીને વધાવ્યા હતા.
બાપાશ્રી જેઠાભાઈના ઘરે પધાર્યા. જેઠાભાઈએ ચંદન તથા પુષ્પહારથી પૂજન કરી બાપાશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “બાપા, આપ અમારા સૌ પર સદાય રાજી રહેજો અને મહારાજની ભેળા આપ સદાય અહીં બિરાજજો. વળી, આપ અહીં પધાર્યા છો તો અમ સૌ સેવકોને થોડી વાર લાભ આપી સુખિયા કરો.”
બાપાશ્રી જેઠાભાઈના નિર્દોષભાવને જોઈ ખૂબ રાજી થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી થોડી વાર લાભ આપ્યો.
બાપાશ્રીને વાંસવા ગામના લાલજીભાઈએ પ્રાર્થના કરી કે, “હે બાપા ! જેઠાભાઈ બહુ ભલા અને નિર્દોષ ભક્ત છે. શ્રીજીમહારાજનો અને આપનો રાજીપો છે એટલે જેઠાભાઈ સુખી તો છે પરંતુ જેઠાભાઈને એકેય સેવક (દીકરો) નથી. માટે એમને મુક્ત સમો દીકરો પ્રાપ્ત થાય એવી દયા કરો...”
પ્રાર્થના સાંભળતાં જ બાપાશ્રી બોલ્યા જે, “શું કહો છો ? જેઠાભાઈને એકેય દીકરો નથી ? જેઠાભાઈ, જાવ તમારે ઘેર એક નહિ પરંતુ બે બે દીકરા થશે; પરંતુ અમારી એક શરત છે.”
ત્યારે અધીરા બનેલા જેઠાભાઈએ પૂછ્યું, “શું બાપા ?”
બાપાશ્રી બોલ્યા જે, “બે દીકરા થશે, પરંતુ આધા તુમ્હારા અને આધા હમારા.”
બાપાશ્રીએ શ્રીજીસંમત સિદ્ધાંતો, અજોડ ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિને જેમ છે તેમ સમજાવવા અથાક દાખડો કર્યો હતો. પરંતુ હવે સમય હતો તે સિદ્ધાંતોનો વિશ્વવ્યાપી શંખ ફૂંકવાનો અને જ્ઞાન સિદ્ધાંતોને ચિરંજીવ બનાવવાનો. તેના નિમિત્તના પૂર્વાપર આયોજન રૂપે આજે જીવનપ્રાણ બાપાશ્રી વાસણની ધન્ય ધરા પર અઢળક વરસ્યા. એ ક્ષણ દિવ્યપુરુષના પ્રાગટ્યના આશીર્વાદની આ સુવર્ણ ઘડી બની રહી.
જેઠાભાઈની નિષ્કામભક્તિ અને ધર્મપરાયણ જીવન જોઈ બાપાશ્રીએ અંતરના રાજીપાનો કળશ જેઠાભાઈ ઉપર ઢોળ્યો અને શ્રીજીસંમત સિદ્ધાંતો યાવદ્ચંદ્રદિવાકરૌ જીવંત રાખવા આશીર્વાદ આપી દીધા.
પછી બાપાશ્રીએ જેઠાભાઈને અંગૂઠા વડે ભાલમાં કુમકુમનો ચાંદલો કરી પ્રસાદીનું શ્રીફળ આપ્યું. બાપાશ્રીએ આપેલ પ્રસાદીભૂત શ્રીફળ ૪૫ વર્ષ સુધી એવું ને એવું જ તાજું રહ્યું હતું !!
જીવનપ્રાણ બાપાશ્રીના આશીર્વચન ‘આધા તુમ્હારા’ મુજબ પ્રથમ મોટા ભાઈ રતિભાઈનો જન્મ થયો. ત્યારબાદ થોડા સમય પછી સત્સંગ વિચરણ કરતાં ફરી વાર જીવનપ્રાણ બાપાશ્રી વાસણ પધાર્યા હતા.
એ વખતે ફરી બાપાશ્રીએ જેઠાભાઈને આપેલ આશીર્વાદ વિષે અગમવાણી ઉચ્ચારતાં કહ્યું હતું, “જેઠાભાઈને ઘરે દેવ સમાન મુક્ત પધારશે; માટે તેનું નામ ‘દેવુ’ રાખજો. તે દિગંતમાં સ્વામિનારાયણ ભગવાનના ડંકા વગાડશે.” (આ વાતની દસ્તાવેજી નોંધ ગુરુવર્ય પ.પૂ. બાપજીના પૂર્વાશ્રમનાં મોટા બેન (નબુબેન) પાસેથી મળેલ છે.)
જીવનપ્રાણ અબજીબાપાશ્રીના ‘આધા હમારા’ આશીર્વાદ માતા ધોળીબા તથા પિતા જેઠાભાઈના અંતરમનમાં અકલ્પનીય આનંદ રૂપે ઘોળાતા હતા. એ આશીર્વાદના અવતરણની દિવ્ય ઘડીને વધાવવા શું કરવું એ એમને સમજાતું નહોતું. ત્યાં તો એ દિવ્ય ઘડી આવી પહોંચી...
બાપાશ્રીના આશીર્વાદ મુજબ સંવત ૧૯૮૯ ફાગણ વદ એકમ (તા. ૧૩-૩-૧૯૩૩)ના ધુળેટીના મંગલકારી દિને મુક્ત સમાન ધોળીબા થકી ‘આધા હમારા’ મુજબ મુક્તરાજ દેવુભાઈનું પ્રાગટ્ય થયું.
આ પ્રાગટ્ય અવસર કેવળ જેઠાભાઈના પરિવાર માટે જ નહિ પરંતુ સમગ્ર વાસણ ગામ, એથી આગળ સમગ્ર વિશ્વ માટે પણ દિવ્ય અવસર મનાઈ ગયો. જે પરિવારમાં આવા દિવ્યપુરુષનું પ્રાગટ્ય હોય તે પરિવાર પર શ્રીજીમહારાજ તથા અબજીબાપાશ્રીની કેવી કૃપા હોય તે કેમ વર્ણવી શકાય !
જે પરબ્રહ્મ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિમાં તલ્લીન છે તેવા મુક્ત શ્રીજીમહારાજના સંકલ્પથી આ લોકમાં પ્રગટ થતાં ઠક્કર કુળ પવિત્ર થયું. તેમની માતા ધોળીબા કૃતાર્થ થયાં અને સમગ્ર પૃથ્વી કૃપાવંત બની. આ દિવ્ય શિશુનું પ્રાગટ્ય ધરા પર ભગવાન સ્વામિનારાયણના અદ્વિતીય-અનાદિ સિદ્ધાંતોના પ્રચાર-પ્રસારના પ્રતીક સમું હતું.
અનંત મુમુક્ષુઓના હૃદય-સિંહાસને બિરાજમાન થવા આ ધરા પર આ બાળમુક્તનું જાણે પ્રાગટ્ય ન થયું
હોય ! એ એમનાં દર્શનથી સૌને જણાતું હતું. તેમના મુખારવિંદ પર સદાય દિવ્ય હાસ્ય મુક્ત ઝરણાની પેઠે વહેતું. શ્રીહરિની મૂર્તિમાં કિલ્લોલ કરતા બાળમુક્ત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જીવનપ્રાણ અબજીબાપાશ્રીના આશીર્વાદરૂપ આ બાળમુક્ત ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી પ્રગટ થયા છે તે સૌને જણાતું હતું. જેથી પરિવારજનોના આનંદનો અવધિ ન રહ્યો.
સ્વામિનારાયણ સંપ્રદાયની નૂતન ક્રાંતિ સર્જનાર આર્ષદ્રષ્ટા, વિરલ વિભૂતિ અને સંકલ્પરૂપ મુક્તરાજ દેવુભાઈનું પ્રાગટ્ય થતાં ઘરમાં ચોમેર દિવ્યતા અને પ્રકાશ પથરાઈ ગયાં. વાસણની ધન્ય ધરા આનંદથી પુલકિત થઈ ગઈ.
સૌને આજના વાતાવરણમાં આહ્લાદનો અનુભવ થયો. પૃથ્વી પર આજે દિવ્ય મુક્તનું પ્રાગટ્ય થયું હતું તેથી સર્વત્ર આનંદમંગળ વર્તી રહ્યાં હતાં. જેમ શ્રીજીમહારાજનું પ્રાગટ્ય મૂળ અવિદ્યાનો અને અજ્ઞાનનો નાશ કરવા માટે હતું તેમ આ બાળમુક્તનું પ્રાગટ્ય પણ આ જ હેતુથી હતું. તેથી સૌના અંતરમાં અહોહોભાવ વર્તતો હતો.
માતા ધોળીબા તથા પિતા જેઠાભાઈ બાળમુક્તના પ્રાગટ્યની ક્ષણે નિરંતર અબજીબાપાશ્રીની આશીર્વર્ષાની હેલીમાં નિમગ્ન બન્યાં હતાં. તેઓ અબજીબાપાશ્રીને દિવ્યભાવે વંદી રહ્યાં હતાં. ત્યારે તેમણે અબજીબાપાશ્રીએ અગાઉથી કરેલ નામાભિધાનને અનુસરતા આ દિવ્ય બાળમુક્તનું નામ ‘દેવુભાઈ’ જ રાખ્યું.
જેમનું પ્રાગટ્ય સુખદાયક હોય તો એ દિવ્ય સ્વરૂપની બાલ્યાવસ્થા ને કિશોરાવસ્થા કેવી દિવ્ય હશે ! તો જે હેતુથી પધાર્યા હતા તે હેતુ માટેની એ દિવ્યપુરુષની જીવનગાથા સુખકર હોય જ એ નિર્વિવાદ વાત છે.