પુષ્પ ૧
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી દરેકની સારી વસ્તુ, રીતભાત, કોઈનાં સારાં અંગ, કોઈના સારા ગુણ વગેરેને અન્યને શીખવવા ગ્રહણ કરે અને જોડે રહેલા સંતો-હરિભક્તોને પણ એવું શીખવા માટે માર્ગદર્શન આપે, પ્રેરણા આપે.
આવી ગુણગ્રાહકતા એ જ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની સૌથી મોટી મોટપ છે. અવરભાવમાં પોતે આવડી મોટી સંસ્થાના વડા તેમજ લાખો લોકોના ગુરુસ્થાને બિરાજતા હોવા છતાં કોઈ નાનામાં નાની વ્યક્તિ કે વસ્તુમાંથી પણ એના ગુણ જોઈ લેવા - શીખી લેવા એ કાંઈ નાનીસૂની વાત નથી.
જેમ દાસ અને નિર્માની થવું તે કાયરનું કામ નથી, શૂરવીરનું કામ છે તેમ ગુણગ્રાહક થવું એમાં પણ જેનું તેનું કે દરેકનું કામ નથી.
જે રાગ અને દ્વેષથી પરનું સ્વરૂપ હોય, જેનું નિર્મળ જીવન હોય, જેના વિચારોમાં કેવળ દિવ્યતા હોય તેનું કામ છે.
એક વખત એક સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “બાપજી, આપ તો અમારા બધા સંતો-હરિભક્તોનું બધું જ જાણો છો, અમારી નાનામાં નાની કસર-કુટેવ, અમારામાં રહેલા મહારાજને ન ગમે એવા સ્વભાવ આ બધાંની આપને ખબર છે. છતાં પણ આપ અમને કેવી રીતે નિભાવી શકો છો ? કેવી રીતે અમને ગળે લગાડી પ્રેમ ને વાત્સલ્ય આપી શકો છો ? અમે તો કોઈની નાની ભૂલ પણ સહન નથી કરી શકતા !!”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તે સંતને એટલું જ કહ્યું કે, “ભલે કોઈનામાં ગમે તેટલા સ્વભાવ હોય, કોઈની ગમે તેટલી કસર હોય, કુટેવો હોય, કોઈનાથી ગમે તેટલી ભૂલો થઈ હોય પરંતુ અમે ક્યારેય એની ભૂલો કે કસર સામું જોતા જ નથી. બસ એ ગમે તેવો હોય તોપણ એને મહારાજ લાવ્યા છે. એ મહારાજના સંકલ્પમાં તો ભળ્યો છે ને !! નહિતર આવા ઘોર કળિકાળમાં કોને મહારાજ અર્થે જીવવાનો સંકલ્પ થાય ? ગમે તેમ તોય એ મહારાજના સંકલ્પનું પાત્ર છે. એને શ્રીજીમહારાજના સ્વરૂપની નિષ્ઠા તો દૃઢ છે ને એ જ એનો સૌથી મોટો ગુણ છે.
બસ, આવા નિરંતર એના ગુણોનો વિચાર કર્યા કરવો, તો ક્યારેય આપણા થકી કોઈને ‘ના’ કે ‘જા’ કહેવાનો સંકલ્પ જ ન થાય. એના માટે આપણને મહિમા જ રહે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમ પોતાના સંતોને એક વાત શિખવાડે કે, “સંતો ! ગમે તેવો પામર ને પતીત જેવો જીવ હોય પણ આપણે તેનો દોષ શા માટે જોવો ? જોવાય તો તેનો ગુણ જોવો, પણ દોષ નહિ જ.” એ જ મહારાજ અને મોટાની અને આપણી રીત છે.
વળી, અન્યના ગુણ ક્યારે જોઈ શકાય ? તો જ્યારે પોતાને સંપૂર્ણ ન મનાય, પોતાને બીજા કરતાં અધિક ન મનાય, પોતાને કસર રહિત ન મનાય ત્યારે.
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમ સંતોને શિખવાડે કે, “સંતો ! હંમેશાં આપણે એક રીત શીખવી કે અન્યનું સારું આયોજન, સારું મૅનેજમેન્ટ, સારી રીતભાત, સારી પદ્ધતિઓ જોઈને તેને સ્વીકારતાં શીખવું. અન્યનાં એવાં આયોજન, મૅનેજમેન્ટ કે પદ્ધતિઓ હોય કે જેનાથી આપણા કારણ સત્સંગના શુદ્ધ જ્ઞાન, ઉચ્ચ આદર્શો-સિદ્ધાંતોમાં સમાધાન ન કરવું પડતું હોય તો તે સ્વીકારવામાં આપણને કોઈ જ વાંધો ન હોવો જોઈએ. અન્યની એવી સારી બાબતો સ્વીકારવાથી આપણે નાના નહિ થઈ જઈએ. અન્યની સારી બાબતને ગ્રહણ કરવી એ આપણી નાનપ નથી પરંતુ એ જ આપણી મોટપ છે, એ જ આપણી શોભા છે.”
પુષ્પ ૨
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની આવી ઉત્કૃષ્ટ વિચારધારા જોઈને ક્યાંક એવું લાગે કે કોઈકનું અનુકરણ કર્યું. પરંતુ વાસ્તવિકતાએ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કોઈની કોમ્પિટીશન માટે કે સરસાઈ દેખાડવા કર્યું એવું નથી.
આવી સહજતા એ જ એમની ગુણગ્રાહકતા છે, એ જ એમની મોટાઈ છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમ કહેતા હોય છે, “આપણાં આદર્શો, સિદ્ધાંતો અને મૂલ્યોને ગૌણ કર્યા વિના કોઈની સારી વસ્તુ ગ્રહણ કરવાથી આપણા વિચારો વધુ ઉત્કૃષ્ટ બને જેથી ઊલટાનું આપણું કાર્ય જ વધુ સારું થાય, શ્રેષ્ઠ થાય. તો એમાં ખોટું શું છે ? આપણું કાર્ય ઉત્તમ થશે તો એનાથી મહારાજ પણ રાજી થશે અને આપણે તો મહારાજને રાજી જ કરવા છે ને ! તો પછી અન્યની સારી વાત સ્વીકારવાથી મહારાજને રાજી કરવાના કાર્યમાં સુગમતા રહેતી હોય તો આપણને ફાયદો જ ફાયદો છે. એમાં કાંઈ ખોટું છે જ નહીં.”
વળી, ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતોને એ પણ શિખવાડતા હોય છે કે, “કોઈ આપણી સારી બાબત કે આપણું સારું આયોજન સ્વીકારે તો આપણે ક્યારેય એના માટે બે શબ્દો હીણા ન બોલવા કે એના માટે કોઈ પણ જાતની ટીકા-ટિપ્પણી ન કરવી. ઊલટાનું આપણે રાજી થઈને એમને સહકારરૂપ થવું, એમને મદદરૂપ થવું. તો મહારાજ આ જોઈને રાજી થાય. કોઈને આપણી વાત, વિચાર, આયોજન, વહીવટી વ્યવસ્થા આ જે કાંઈ પણ સારું લાગ્યું અને એને કોઈ પોતાના અંગત જીવનમાં કે કોઈ સમૂહ-સંગઠન કે સંસ્થામાં અમલ કરવા ઇચ્છે તો તેમાં આપણે રાજી થવું. એમનું કાર્ય સારું થવામાં આપણને સહકારરૂપ થવાની સેવા મળી. તેમાં કદી આપણે એવો સંકુચિત વિચાર ન કરવો કે આપણું અનુકરણ કરી લેશે તો ? આપણા કરતાં આગળ નીકળી જશે તો ? એવા વિચારો કરીએ એમાં આપણી શોભા ન કહેવાય. આપણે તો મેં કર્યું એ ભાવ ભૂલવાનો છે અને મહારાજે જ બધું કર્યું છે તે ભાવ દૃઢ કરવાનો છે. માટે જે કાંઈ છે તે બધું મહારાજનું છે. માટે, મહારાજનું આપેલું કોઈ મહારાજના રાજીપા માટે, મહારાજનો મહિમા વધારવા માટે વાપરે, અનુસરે તો રાજી જ થવું જોઈએ. એવી આપણી રીત છે.”
પુષ્પ ૩
એક વખત એક અન્ય સંસ્થાના વહીવટીકર્તાનો આપણા એક સંત ઉપર ફોન આવ્યો અને વાત કરી કે, “આપના ‘સંપ-સુહૃ દભાવ-એકતા’ પુસ્તકમાં આ એક પ્રકરણ અમારે અમારા સામયિકમાં છાપવું છે તો જો આપ પરવાનગી આપતા હોય તો છાપીએ.”
ત્યારે તે સંતે વડીલ સંતની મંજૂરી લઈ થોડી વાર પછી ફોન કરીને ઉત્તર જણાવવા કહ્યું.
ત્યારબાદ આ સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા ૫.પૂ. સ્વામીશ્રીની સેવામાં રહેલા સંતોને જાણ કરી આ અંગે રુચિ જણાવવા કહ્યું.
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ભલે ને છાપતા. એક નહિ, પાંચ પ્રકરણ છાપે તોપણ આપણને વાંધો નથી ! આપણે તો વધુ રાજી થઈએ. આપણે તો મહારાજના સિદ્ધાંતનો પ્રચાર કરવો છે ને ! એ માટે મહારાજ ગમે તેને નિમિત્ત કરે. આપણે તો રાજી થવું અને મહારાજને પ્રાર્થના કરવી કે, ‘હે મહારાજ, એમનું કાર્ય પણ વધુ ને વધુ ઉત્કૃષ્ટ બનાવજો અને અમને આપે જે સિદ્ધાંતો સમજાવ્યા છે તેને તેઓ સ્વીકારે અને એમના દ્વારા આપના સર્વોપરી સિદ્ધાંતનું પ્રવર્તન કરજો.’ માટે એવી પ્રાર્થના કરી તે વહીવટીકર્તાને જે છાપવું હોય તે છાપવાનું જણાવો.”
આ છે તેમની વિશાળતા.
પુષ્પ ૪
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે જો અલ્પ સમય માટે પણ રહેવા મળે તો જરૂરથી અનુભવાય કે તેઓમાં અવરભાવની વ્યવહારકુશળતા કેટલી બધી છે !
ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતે સંપૂર્ણ વ્યવહારકુશળ હોવા છતાં નિરંતર બીજામાંથી શીખવાની પ્રેરણા લે તેવું દર્શાવે અને સંતોને પણ શિખવાડ્યા કરે.
એક વખત વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી એક હરિભક્તને ત્યાં એમની કંપનીમાં પધરામણી માટે પધારેલા. કંપની બહુ જ વિશાળ હતી.
કંપનીમાં આશરે ૧૨૩ કરતાં વધુ વ્યક્તિઓ સ્ટાફ તરીકે કામ કરતી હતી. પધરામણીમાં આરતી-પગલાં વગેરે કર્યા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજી સત્સંગ માટે બિરાજમાન થયા.
સત્સંગ પૂરો થયા બાદ પેલા હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે કંપનીના વ્યવસ્થાપન, કાર્યપદ્ધતિ, ભાવિ આયોજનો વગેરે વિષે ચર્ચા કરવા લાગ્યા.
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને કંપનીની વ્યવસ્થા પદ્ધતિ તથા આયોજન ગમ્યાં.
એટલે તરત જ સંતોને પ્રેરણા કરતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા કે, “સંતો, આમની કંપનીમાં વ્યવસ્થાપન બહુ જ સારું છે હોં. હજુ આમની પાસેથી વિશેષ બાબતોને જાણી એમાંથી સારી સારી બાબતોનો આપણાં મંદિરોના વહીવટી વિભાગમાં તેમજ કાર્યાલયના વિભાગોમાં પણ જે રીતે અમલ કરવા યોગ્ય હોય તેમ કરજો.”
કેવી ગુણગ્રાહકતા !
આવી રીતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમ એક જ રીત શિખવાડતાં કહેતા હોય છે કે, “આપણે સદાયને માટે ગુણગ્રાહક રહેવું પરંતુ ગુણભાન કે ગુણભારમાં ન રહેવું. આપણામાં રહેલા સારા ગુણોનું આપણને ભાન રહે કે એનો ભાર રહે તો એ તો આપણું અભિમાન કહેવાય. એનાથી મહારાજ રાજી ન થાય. આપણે તો કોઈ પણ રીતે મહારાજને રાજી કરવા છે, માટે સૌમાંથી ગુણો શીખ્યા કરવા તો મહારાજ આપણી ઉપર રાજી થાય.”