જાણો પર ઉપકારી એહી રે

પુષ્પ ૧

“સન્તાઃ પરોપકારાય વિભૂતિઃ ।” અર્થાત્‌ ‘સંત પરમ હિતકારી સ્વરૂપ છે.’ નિજ સ્વાર્થને ન સાધતાં બીજા માટે જ જીવન જીવી જાય છે. આવા પરોપકારી દિવ્ય સત્પુરુષ એટલે જ ગુરુવર્ય પ.પૂ. બાપજી.

જેમણે પોતાના જીવનમાં એક ક્ષણ પણ સ્વસુખનો વિચાર કર્યો નથી. જેનો આજે સમગ્ર SMVSનો ત્યાગી-ગૃહી સમાજ સાક્ષી છે.

ઈ.સ. ૧૯૮૧-૧૯૮૨ના વર્ષની આ વાત છે.

એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે ચરોતર પ્રાંતના મોરજ ગામે વિચરણાર્થે પધાર્યા હતા. ત્યાં ગામના સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો લીધો.

હરિભક્તો રાજી રાજી થઈ ગયા. સાત વાગ્યા એટલે સંધ્યા આરતી થઈ.

સંધ્યા આરતી થઈ ગયા કેડ્યે હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “અમારા ઘરે પધરામણીએ પધારશો ?”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “જાઓ, ઘરે જઈને તૈયારી કરો. અમે થોડા જ સમયમાં ઠાકોરજીના થાળ કરીને આવીએ છીએ.”

ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીએ જલદીથી પ્રાઇમસ ઉપર રસોઈ બનાવી ઠાકોરજીના થાળ કર્યા. પછી તરત જ હરિભક્તોના ઘરે પધરામણીએ પધાર્યા.

વીસેક જેટલી પધરામણી કરી ત્યાં તો સાડા આઠ - પોણા નવ વાગી ગયા.

સભાનો સમય થઈ ગયો એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપવા પધાર્યા. સભામાં તેઓએ મહારાજના સ્વરૂપના મહિમાની ખૂબ વાતો કરી.

સભા પૂરી થતાં તો સાડા અગિયાર વાગી ગયા. સભા પછી હરિભક્તો લાઇનમાં દર્શન કરવા આવતા હતા.

એમાંથી અમુક હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “દયાળુ, અમારે પધરામણી બાકી છે તો આપ પધારો ને !”

રાત્રે સાડા અગિયાર વાગી ગયા હતા. વળી, ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાત્રે જ વાસણા પરત આવવાનું હતું.

એટલે પ.પૂ. સ્વામીશ્રીએ હરિભક્તોને વિનંતી કરતાં કહ્યું કે, “દયાળુ, પધરામણી પછી રાખો તો સારું, અત્યારે ખૂબ મોડું થયું છે અને અમારે વાસણા પહોંચવાનું છે તો બીજી વખત આવીએ ત્યારે પધરામણી કરશું.”

આ સાંભળી હરિભક્તો કોઈ ઉત્તર આપે તે પહેલાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલી ઊઠ્યા કે, “આ તો આપણા સુખનો વિચાર કર્યો કહેવાય; સાધુએ કોઈ દિવસ પોતાના સુખનો વિચાર ન કરાય, નિરંતર બીજાના સુખમાં જ રાચે, એમાં જ સુખી રહે, એનો જ આનંદ આવે એને સંત કહેવાય.”

અને તરત જ હરિભક્તોને કહી દીધું કે, “જાઓ, તમે તૈયારી કરો; અમે આવીએ છીએ.”

અને રાત્રે સાડા અગિયાર વાગ્યે પધરામણી શરૂ કરી, મોડી રાતના એક વાગ્યા સુધી પધરામણી કરી.

વહેલી પરોઢે ત્રણ વાગ્યાની આસપાસ વાસણા મંદિરે પહોંચ્યા છતાંય મુખ પર થાક કે ઊંઘની લકીર પણ જોવા ન મળે !!

પુષ્પ ૨

ઈ.સ. ૨૦૦૩માં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ડાયાબિટીસની મંદવાડલીલા ગ્રહણ કરી હતી.

આયુર્વેદિક ડૉક્ટરના સૂચન-પ્રાર્થનાનુસાર તેઓ અન્નનો ત્યાગ કરી માત્ર ગાયના દૂધ ઉપર આઠ મહિના સુધી રહ્યા હતા.

આ દરમ્યાન તેમનું અવરભાવનું શરીર અતિશે કૃશ થઈ ગયું હતું તથા ખૂબ અશક્તિ લાગતી હતી. તેમ છતાં તેઓ એક દિવસ જંપીને બેઠા ન હતા.

આઠ મહિના બાદ ડૉક્ટરે હળવો આહાર લેવાનું શરૂ કરાવ્યું અને સાથે A.C.માં રહેવાની અને મુસાફરીનો શ્રમ ન લેવાની ભલામણ રૂપે પ્રાર્થના કરી.

પરંતુ ડૉક્ટરનું સાંભળીને બેસી રહે એ બાપજી શાના ?

બે-ત્રણ દિવસમાં જ તેમણે સંતોની ના હોવા છતાં પરાણે પંચમહાલનું વિચરણ ગોઠવાવ્યું.

સવારે વહેલા છ વાગ્યે નીકળી તેઓ ઝાલોદ સમૈયામાં લાભ આપવા માટે પધાર્યા હતા. બપોરે મોડે સુધી દર્શન આપ્યાં.

વળી સાંજે સાતથી અગિયાર વાગ્યા સુધી ઘરના હરિભક્તોને લાભ આપ્યો.

ગુરુવર્ય પ.પૂ. બાપજીને થાક ન લાગે તે માટે બીજા દિવસે સંતોએ સવાર-સાંજની માત્ર બે સભાનું આયોજન કર્યું હતું.

બીજા દિવસે સવારે પાંચ વાગ્યે પૂ. સંતો પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજી ઊઠી ગયા.

અને સંતોને ઉઠાડતાં કહ્યું, “સંતો, ઊઠો; આપણે સાત વાગ્યે હિંગલા વિચરણમાં નીકળવાનું છે.”

આંખો ખૂલતાં પૂ. સંતો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા : “ટીંમલાની દસ વાગ્યાની સભા છે અને સાત વાગ્યે હિંગલા વિચરણમાં નીકળવાનું કેમ કહેતા હશે ?” કોઈ સંતે કહ્યું, “સમૈયામાં હિંગલાના હરિભક્તો આવ્યા હતા. તેમની સાથે સીધું જ બાપજીએ વિચરણ ગોઠવ્યું હશે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સાથે રહેલા સંતો-હરિભક્તોને અલ્પાહાર કરાવ્યો. તુરત હિંગલા જવા નીકળ્યા.

હિંગલાના પ્રેમી હરિભક્તોએ સામૈયું કર્યું. તેમને કથાવાર્તાનો લાભ આપી આદિવાસી હરિભક્તોને વસ્ત્રદાન કર્યું. થોડા ખોરડામાં પધરામણી કરતાં દસ વાગી ગયા.

ત્યાંથી ટીંમલા પહોંચતાં અગિયાર વાગી ગયા. અહીં પણ હરિભક્તોએ સામૈયું કર્યું. બે બે ડુંગર ચડી વાઘાભાઈ, રનાભાઈ જેવા હરિભક્તોના ઘરોઘર પધરામણી કરી.

લગભગ બપોરનો દોઢેક વાગ્યાનો સમય થઈ ગયો હતો. ગરમી ખૂબ જ હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી લક્ષ્મણભાઈ ખુમાભાઈ ડામોરને ત્યાં પધાર્યા કે જેઓ માછીમારનો ધંધો કરતા હતા. તેઓ રોજના ત્રણ-ચાર મણ (૮૦ કિલો) માછલાં મારતાં.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એમને અંગત સત્સંગ કરાવી બળ આપી માછીમારનો ધંધો બંધ કરાવ્યો અને વર્તમાન ધરાવી શુદ્ધ સત્સંગી કર્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ છેલ્લી પધરામણી હતી.

પધરામણી પૂરી કરીને તેઓ મંદિરે આવવા માટે નીકળતા જ હતા કે, વાઘાભાઈ છનાભાઈ ડામોર નામના એક હરિભક્તે આવીને પ્રાર્થના કરી કે, “બાપજી, મારે ઘેર પધરામણી કરો ને !”

પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને જાણ કરી કે, “આને ઘેર દારૂની ભઠ્ઠી છે અને દારૂનો ધંધો કરે છે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “તારું ઘર ક્યાં છે ?”

વાઘાભાઈએ કહ્યું, “આંય કણ નજીક જ છે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ચાલ હેંડ, તારે ઘેર અમે પધરામણીએ આવીએ છીએ.”

અને બપોરના દોઢેક વાગ્યે બેથી ત્રણ ડુંગરા ચડીને વાઘાભાઈને ઘેર પધરામણી કરી દારૂની ભઠ્ઠી બંધ કરાવી.

આશ્ચર્યની વાત તો એ છે કે એ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજીને શારીરિક તકલીફ હોવાથી જમાડવામાં માત્ર ગાયનું દૂધ જ ધરાવતા હતા.

છતાંય ન કોઈ થાક ! ન કોઈ મુશ્કેલી ! કે મુખ પર ન કોઈ ઉચાટ જોવા મળે ! જોડે રહેલા સંતો-હરિભક્તો ડુંગરા ચઢીને થાકીને લોથપોથ થઈ ગયા હતા.

પણ એ દિવ્યપુરુષના ચહેરા ઉપર પરસુખનો આનંદ, ઉત્સાહ ને ઉમંગ તો એવા ને એવા જ જોવા મળતા કે જાણે હજુય કોઈ એકાદ-બે ઘરાક આવી જાય તો એને સુખિયા કરી મૂકીએ.

આ ઉપરાંત ગામના કૂવા તથા ખેતરો પ્રસાદીના કરી ૩૦૦ હરિભક્તોને કંઠી બાંધી સત્સંગી કર્યા. ત્યાં સુધીમાં બપોરના ત્રણ વાગી ગયા હતા.

ટીંમલાથી સંતરામપુર પહોંચતાં સાંજના ચાર વાગી ગયા હતા. સાથે રહેલા સંતો-હરિભક્તોને તો ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અલ્પાહાર કરાવ્યો હતો.

પરંતુ પૂ. સંતો સરતચૂકથી પાણીની વૉટરબૅગ પણ સાથે લાવવાની ભૂલી ગયા હોવાથી ચાર વાગ્યા સુધી પાણીનું એક ટીપું પણ એ દિવ્યપુરુષે મુખારવિંદમાં મૂક્યું ન હતું.

તેથી સેવામાં રહેલ સંતો અતિશે દિલગીર થઈ ગયા અને માફી માગી કે, “બાપજી, અમને તો આપે અલ્પાહાર કરાવ્યો પણ આપને અમે દૂધ તો નહિ, જળ પણ ન આપી શક્યા માટે રાજી રહેજો.”

ચાર વાગ્યા સુધી નિર્જળા ઉપવાસ હોવા છતાં તેમના મુખારવિંદ પર આનંદ હતો. કારણ કે પોતાના દેહનાં સુખ-સગવડ તરફ દૃષ્ટિ નહોતી.

પરંતુ બીજા ઉપર પરોપકાર કરવા તરફ જ એકમાત્ર દૃષ્ટિ હતી તેવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સહસા સંતોને કહ્યું, “સંતો, આપણને અન્નજળ ન મળે તેનું કાંઈ નહીં. આટલા બધા આજે વ્યસન છોડી સત્સંગી થયા, દારૂની ભઠ્ઠીઓ બંધ કરી અને માછલાં મારવાનાં બંધ કર્યાં એનો આનંદ છે. મહારાજ-બાપા કેવા રાજી થતા હશે ! એમનાં જીવન સુધર્યાં, એમનું ભલું થયું એમાં આપણું જમવાનું પણ આવી ગયું.”

અહાહા... પરોપકાર કરવાની કેવી ઉત્કૃષ્ટ કરુણા !!

સાંજે ચાર વાગ્યે સંતરામપુર પહોંચ્યા; ત્યાં જમાડ્યું ન જમાડ્યું ને તરત ઊભા થઈ ગયા. અને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ચાલો ગાડિયા.”

સાથે રહેલા સંતોએ પ્રાર્થના કરી કે, “દયાળુ ! આપ સવારથી ખૂબ થાકી ગયા છો માટે ગાડિયા ગામે કાલે જઈશું. આજે સમાચાર મોકલીને ના પડાવી દઈએ.”

પરંતુ જેમને ‘સ્વ’ કરતાં સૌનું હિત કરવાની ચિંતા વિશેષ છે. તેથી તેઓ સંતોનો આ પ્રસ્તાવ કેમ સ્વીકારે ? તેઓ તરત ગાડીમાં બેસી ગયા અને પાંચ વાગ્યે ગાડિયાના પાદરમાં ગાડી આવી પહોંચી.

ગાડિયાના હરિભક્તોએ ઉત્સાહ-ઉમંગથી નાચતાં-ગાતાં સામૈયું કર્યું. ગાડિયામાં ઘરોઘર પધરામણી અને સભાનું આયોજન થયું. ત્યાંથી સાડા સાત વાગ્યે નીકળ્યા.

વળી, સંતરામપુર ખાતે રાત્રે નવ વાગ્યાની સભાનું આયોજન તો ગોઠવ્યું જ હતું. ગાડીમાં સાથે રહેલા હરિભક્તોએ પ્રાર્થના કરતાં કહ્યું, “બાપજી, અમારા ઘરે પધરામણીએ પધારો ને !”

પૂ. સંતોએ હરિભક્તોને સમજાવતાં ના પાડી અને ગુરુવર્ય પ.પૂ. બાપજીને ગોધર જવા પ્રાર્થના કરી.

ત્યારે તેમણે સંતોને કહ્યું, “પહેલાં હરિભક્તો અને એમની પધરામણી; પછી આપણું સુખ. એમનો આવો ભાવ હોય તો શેનો થાક લાગે ? માટે જાવ તમે કથા ચાલુ કરો, અમે પધરામણી કરી કથામાં આવીએ છીએ. આ દેહે હરિભક્તો માટે થઈ આરામ હરામ છે.”

સાડા નવ વાગ્યા સુધીમાં પધરામણી પૂર્ણ કરી તેઓ સભા સ્થળે પહોંચી ગયા.

અને રાત્રે સાડા અગિયાર વાગ્યે કથા પૂરી કરી ત્યારે તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા.

ત્યારબાદ નિત્ય ચેષ્ટા કરી ગોધર પધાર્યા. પોઢ્યા ત્યારે રાતના સાડા બાર વાગી ગયા હતા.

સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના પોઢવાના આસનની ફરતે બેસી ગયા.

“સંતો, હવે પોઢી જાવ. સાડા બાર વાગી ગયા છે.”

“હા બાપજી, પોઢી જઈએ છીએ. પણ એક પ્રશ્ન છે. જો આપ રાજી હોવ તો પૂછીએ.”

“પૂછો, શું જાણવું છે ?”

“બાપજી, સવારના પાંચ વાગ્યાથી રાતના સાડા બાર વાગ્યા સુધી આપને ભારે ડાયાબિટીસ હોવા છતાંય આટલો દાખડો કેમ ?”

આટલું પૂછતાં એ સંતની આંખ ભીની થઈ ગઈ. બીજા સંતો પણ ઢીલા થઈ ગયા.

“સંતો, એક જીવને મહારાજનું સ્વરૂપ ઓળખાય તો એક બ્રહ્માંડ ઊગરે. અને એ જ સેવા મહારાજે અમને આપી છે. માટે આ જ પરોપકાર છે. એ માટે અમે આવ્યા છીએ. દેહ સામું જોવાનું નહીં. ક્યાં મહારાજ ! ને ક્યાં આપણે ! ચાલો હવે પોઢી જાવ.” એમ કહી સંતોને પોઢાડી દીધા.

બીજા દિવસે એકાદશી હતી માટે દિવસની નિદ્રાનો ત્યાગ હતો. છતાં પોતાના સુખની, આરામની પરવા કર્યા વિના પામર-પતિત જીવો ઉપર ઉપકાર કરવા આખો દિવસ વિચરણ કર્યું. આવું આવું તો હજારો વખત બન્યું છે. આ તો એક દિવસની માત્ર ઝાંખી કરાવી છે.