જીવંત સાધુતા

પુષ્પ ૧

‘સંત સાધુતાથી જ શોભે.’ એવી સાધુતા જ જેઓના જીવનનો આદર્શ છે એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંપ્રદાયમાં શ્રીજીમહારાજે પ્રસ્થાપિત કરેલી સંતોની આચારસંહિતા, પંચવર્તમાનની બાંધેલી ધર્મ-મર્યાદાઓ તથા સાધુતાની ઉચ્ચતમ પ્રણાલિકાને અદ્યાપિપર્યંત જાળવી રાખી તેનું ખૂબ જતન કર્યું છે.

નંદસંતોના જીવનમાં જે વર્તનનાં શ્રેષ્ઠ અને દેદીપ્યમાન સાધુતાસભર મૂલ્યો કંડારાયેલાં હતાં તેનું જીવંત દર્શન ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જીવનમાં સાંગોપાંગ થાય છે.

નંદસંતોના જેવી જ સાધુતાની રીત-રસમ, પ્રણાલિકા, ધર્મ-નિયમની દૃઢતા, શ્રીજીમહારાજની આજ્ઞાઓનું અક્ષરશઃ પાલન ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કર્યું છે અને પોતાના સંતોના જીવનમાં પણ તેવી સર્વોચ્ચ સાધુતાનું સિંચન કરી તેનો ભવ્ય વારસો આપી પાલન કરાવ્યું છે.

સાધુને સાધુતા શીખી સંતતા પ્રાપ્ત કરવાની પાઠશાળા એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી.

ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનનો એક નાનકડો પ્રસંગ એવો નહિ હોય કે જેમાંથી સાધુતા શીખવા ના મળે...

સરસપુર મંદિરેથી વર્ષો પહેલાં તેઓ ગોધાવી ગામે સત્સંગ વિચરણ અર્થે ગયેલા.

જોડ્યમાં પરાણે સાધુ લીધેલા. એ સમયે ગામડે કોઈ સુવિધા મળે નહીં. સવારે શૌચ કરવા વગડે જવું પડે.

ત્યારબાદ તળાવે સ્નાન કરવાનું. એ વખતે શિયાળો ને પોષ માસની ટાઢ્ય ખૂબ પડેલી.

તેઓ સ્નાન કરવા હેમ જેવા તળાવે ગયા. પાણી બરફની તીખી ફાચરો જેવું જણાય.

પાણીમાં આંગળી બોળે તો એટલો ભાગ ખોટો પડી જાય, એવું ઠંડુંગાર.

તેમાં એમણે સ્નાન કર્યું.

શરીરમાં લોહીની ટશરો ફૂટવા માંડી. સુસવાટા મારતા પવનને કારણે ઠંડીનું લખલખું ફરી વળ્યું અને શરીરમાં ઠંડી પેસી ગઈ.

તેઓ ત્યાં જ બેભાન જેવા થઈ ગયા ને જાણે કે ધામમાં જ ગયા. અચેતન અવસ્થા થઈ ગઈ.

હરિભક્તોએ કરગઠિયા વીણી લાવીને તાપણું કર્યું.

કેટલાક લોકોએ પૂળા લાવીને સળગાવ્યા ને શરીરમાં ગરમાવો લાવવાના પ્રયત્નો કર્યા ત્યારે કેટલી વારે ઠંડીથી કળ વળી ને જાગૃત થયા.

તેમણે ૫૦ વર્ષ સુધી આવી રીતે ઠંડા પાણીથી જ સ્નાન કર્યું છે.

પુષ્પ ૨

એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજી જમાડવા બેઠા હતા. તેમને માટે આજે ઘણા દિવસે પૂ. સંતો લાડુ બનાવીને લાવ્યા હતા.

એટલે પત્તરમાં લાડુ પીરસ્યો. પ્રથમ તો તેમણે આનાકાની કરી, રુચિ જણાવી નહીં.

પરંતુ પૂ. સંતોએ આગ્રહ જણાવ્યો ને કહ્યું, “જો આપ જમાડો તો બધાય સંતો અને હરિભક્તોને મીઠાઈ ન જમવાના નિયમ ચાલે છે તે આજે જમાડે.”

“પૂ. સંતો તથા હરિભક્તોને મીઠાઈ જમવા મળે તો તો બહુ સારું. એમને જમવા મળે તો તો લાડુ જમાડીશું.” એમ કહીને તેમણે થોડો લાડુ જમાડ્યો.

પૂ. સંતોએ પૂછ્યું, “બાપજી, લાડુ આપને કેવો લાગ્યો ? અનુકૂળ આવ્યો ?”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “લાડુ બરાબર બનાવ્યા છે.”

આ સાંભળીને પૂ. સંતોને ઘણો સંતોષ થયો કે બાપજી આજે રાજી થકા જમાડશે. જોડે આજે ટામેટાનું શાક બનાવ્યું હતું તે પણ પત્તરમાં પીરસ્યું હતું.

ગુરુવર્ય પ.પૂ. બાપજીને પૂછ્યું, “બાપજી, ટામેટાનું શાક કેવું લાગ્યું ?”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ટામેટાનું શાક પણ બરાબર બનાવ્યું છે.”

ત્યારબાદ પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું, “બાપજી, લાડુ બરાબર બન્યો છે તો થોડો વધારે લ્યો.” એમ કહી થોડો લાડુ આપવા માંડ્યો તો બાપજીએ ના પાડી.

પૂ. સંતોએ પૂછ્યું, “કેમ ના પાડો છો ?”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ટામેટાનું શાક આપો, તે લઈશું.”

પૂ. સંતોને આશ્ચર્ય થયું ને કહ્યું, “બાપજી, આપને લાડુ અનુકૂળ આવ્યો છે તો શાકને બદલે લાડુ જમાડો ને.”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “સંતો, શાક બરાબર બન્યું છે તો શાક જ જમાડીએ. લાડુ વધુ ન જમાય. લાડુ જમવા માટે સાધુ નથી થયા, શાક જ જમાડાય. આ તો બધાય સંતો-હરિભક્તો આજે મીઠાઈ જમી શકે એટલે આટલો લાડુ જમાડ્યો. બાકી તો લાડુ અમને જરાય ન ગમે; અમને તો જમવાનું સાદું જ ગમે.”

પુષ્પ ૩

એક દિવસ ઘાટલોડિયા મંદિરની પ્રાતઃ સભા પતાવી ગુરુવર્ય પ.પૂ. બાપજી વાસણા મંદિરે પધાર્યા.

ઉપર સંત આશ્રમમાં પોતાના આસને જતા હતા.

ત્યાં એક ખૂણામાં એક કપડું જોયું ને તરત બોલ્યા, “આ લૂગડું શાનું છે ?”

“બાપજી, એ તો ઝાપટિયું છે.” સંતોએ જવાબ આપ્યો.

“આવું ઝાપટિયું ? સ્ત્રીના લૂગડાં જેવું ? સંતોના આશ્રમમાં આવું ઝાપટિયું ન શોભે, ન રખાય. માટે જાવ, કોઈની જોડે આ ઝાપટિયું નીચે મોકલાવી દો. અહીં અન્ય બીજા કપડાંનું સાદું ઝાપટિયું રાખજો.”

પુષ્પ ૪

ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના ગુરુપદે બિરાજ્યા હોવા છતાં ભગવા સુતરાઉ માદરપાટ સિવાય કોઈ કાપડનો ઉપયોગ કરતા નથી. રેશમી કે મુલાયમ કાપડનો તેઓએ કદી પોતાના જીવનમાં અંગત ઉપયોગ કર્યો નથી.

આજે સમગ્ર એસ.એમ.વી.એસ. સંસ્થાના ગુરુસ્થાને તેઓ બિરાજે છે. જેમના વચને કરોડો રૂપિયાનાં આખા મંદિર હરિભક્તો કરાવે છે તેઓ તેમના માટે શું ન આપી શકે ? માત્ર રેશમની નહિ, મોંઘામાં મોંઘા કાપડની ને સોનેરી વસ્ત્રની પણ ગૌમુખી લાવી આપે. અરે, તેમને વાપરવાની ગાડી, આસન, પદાર્થો તથા સગવડો બધું મોંઘામાં મોંઘું લાવી આપે તેમ છે. પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતા એવી ને એવી જીવંત દર્શન થઈ રહી છે. આજે પણ એવું ને એવું નિષ્કલંક સાધુતાસભર જીવન જીવી રહ્યા છે.

આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ અને શિક્ષાપત્રીમાં સંતોને કરેલ અલ્પ આજ્ઞાઓનું પણ કદી ઉલ્લંઘન કર્યું નથી.

સ્ત્રીઓ તથા પુરુષોની સભા જુદા સભાખંડમાં જ થાય છે. સંતો ગમે તેટલી સેવા કરે તોપણ ક્યાંય તેમના નામની કે ઉપસવાની કોઈ ભાવના નહીં.

નિર્માની વર્તમાનની દૃઢતા માટે પૂ. સંતો મૂર્તિ બનાવે; પુસ્તકનું લેખનકાર્ય કરે તેમજ કીર્તન રચે તેમાં પણ ક્યાંય તેમનાં નામ લખતા નથી.

સંતોને શાસ્ત્રી, પુરાણી જેવી કોઈ વ્યવહારિક પદવી પણ નથી. એટલું જ નહિ, સંતોને કોઈ સ્થાન નિશ્ચિત નહીં. ‘સાધુ તો ચલતા ભલા’ તેમ જ્યાં આજ્ઞા થાય ત્યાં સેવામાં જવાનું પણ કોઈ પ્રકારનું બંધન નહીં.

આવી રીતે શ્રીજીમહારાજની પંચવર્તમાનની ઝીણામાં ઝીણી બાબતને તેઓ આગ્રહપૂર્વક પાળે છે.

પુષ્પ ૫

કોઈની પણ મોબતમાં લેવાયા વિના ગુરુવર્ય પ.પૂ. બાપજી હરહંમેશ પોતાની સાધુતામાં અડગ રહ્યા.

વર્ષો પહેલાં આપણા ગુરુવર્ય પ.પૂ. બાપજી એકાદશીને દિવસે માત્ર મગફળીના દાણાથી ચલાવી લેતા અને ઘણી વખત તો નકોરડી એકાદશી પણ કરતા.

એ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજીને કોઈ ફરાળ લાવી આપનાર પણ નહોતું.

એક વખત એકાદશીના બે દિવસ પહેલાં એક હરિભક્ત આવ્યા અને એક રૂપિયો ધરી કહ્યું, “લો આ રૂપિયો. અગિયારસના દિવસે તેમાંથી ફરાળ લાવીને જમજો.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એમને કહ્યું કે, “ભાઈ અમારાથી રૂપિયાને અડાય નહિ કે રખાય પણ નહીં. આપને સેવા કરવી હોય તો આપ ફરાળ લાવીને આપો. પણ અમે રૂપિયા તો નહિ જ લઈએ.”

પેલા ભાઈએ બાપજીને ઘણો આગ્રહ કર્યો છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સ્પર્શ પણ ન કર્યો.

પુષ્પ ૬

ઈ.સ. ૧૯૯૬માં યુ.એસ.એ. ખાતે સત્સંગ વિચરણનું આયોજન ગોઠવાયું. યુ.એસ.એ. જવા માટે સૌપ્રથમ તેના વિઝા લેવા જ પડે.

તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી અને અન્ય પાંચ સંતો એમ કુલ સાત સંતો અને સાત હરિભક્તો અમેરિકન એમ્બેસીમાં વિઝા લેવા માટે ગયા. યુ.એસ.એ. એમ્બેસીમાં સવારે આઠ વાગ્યા પહેલાં સંતો પહોંચી ગયા કે જેથી ભીડમાં સ્ત્રીઓ નજીક ન આવી જાય.

ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો સાથે સવારના આઠ વાગ્યાથી એમ્બેસીના એક ખૂણામાં દીવાલ તરફ મુખ રાખીને ઊભા હતા.

પરંતુ એમ્બેસી શરૂ થાય તે પહેલાં ખૂબ ભીડ થઈ ગઈ જેથી સંતો બે વાગ્યા સુધી ખૂણામાં જ ઊભા રહ્યા.

બપોરે બે વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા સંતો-હરિભક્તોના ગ્રૂપનો વિઝા માટે નંબર આવ્યો. વિઝા કાઉન્ટર પર ગયા તો ત્યાં વિઝા આપનાર તથા દુભાષિયા તરીકે પણ મહિલા જ હતાં.

તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી કૅબિનની બહાર જ ઊભા રહ્યા. એ વખતે હરિભક્તોમાં પ.ભ. ધરમભાઈ પંડ્યા તથા પ.ભ. દીપકભાઈ જોષી સાથે હતા.

તેઓએ જઈ ઇન્ટરવ્યૂ લેનારને વાત કરી કે, “અમારા સંતો અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળે છે તેથી સ્ત્રીઓ સાથે પ્રત્યક્ષ વાત કરતા નથી. તેમના વતી અમે વાત કરીશું. તેઓ બહાર ઊભા છે. આપને જે પૂછવું હોય તે પુછાવો.”

આટલું સાંભળતાં જ ઇન્ટરવ્યૂ લેનાર મહિલા અને દુભાષિયા મહિલા બંને ખૂબ ગુસ્સે થઈ ગયાં.

તેમણે હરિભક્તોને કહ્યું, “તમે અમારું અપમાન કરો છો. કેમ સંતો અમારી સાથે ન બોલે ? આજ સુધી કેટલાય સાધુ-સંતો અને મહાનુભાવો વિઝા લેવા આવે છે. તેઓ વાત કરે જ છે તો તમે કેમ ન બોલો ? જો નહિ બોલો તો વિઝા નહિ જ આપીએ.”

હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ઉપરોક્ત બધી વાત કરી. ગુરુવર્ય પ.પૂ. બાપજી અજાણતા પણ કોઈ સ્ત્રી સાથે ફોન પર વાત થઈ જાય તોય ઉપવાસ કરે તે શું વિઝા માટે મહિલા સાથે વાત કરે !! ન કરે...

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સ્પષ્ટ શબ્દોમાં ધરમભાઈને કહ્યું કે, “એમને કહી દો કે અમે વિદેશમાં ધર્મનો પ્રચાર કરવા જઈએ છીએ. ધર્મ લોપીને ધર્મનો પ્રચાર અમારે કરવો નથી. જો તમે વિઝા ન આપો તો કાંઈ નહિ, પણ અમે વાત તો નહિ જ કરીએ.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સ્પષ્ટ જવાબ સાંભળી ઇન્ટરવ્યૂ લેનાર મહિલા તો આશ્ચર્યમુગ્ધ બની ગયાં. અને મનોમન વિચારી રહ્યાં : “નક્કી આ સાચા સંત છે, ધર્મની કેટલી દૃઢતા છે ! ધર્મના ભોગે વિઝાનો પણ અસ્વીકાર કર્યો...”

શ્રીજીમહારાજ અને બાપાશ્રી ભેળા ભળ્યા અને તેમને સુબુદ્ધિ સૂઝી. તેઓ તરત જ તેમના ઉપરી પાસે ગયા અને વિગતે બધી વાત કરી.

થોડી વારમાં તેઓ પોતાની કૅબિનમાં પાછાં આવ્યાં અને કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર હરિભક્તોને કહ્યું, “બધા જ સંતોને વિઝા આપવામાં આવે છે.” પણ હરિભક્તોના પાસપૉર્ટ પાછા આપ્યા.

હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને વાત કરી : “બાપજી, આપ તથા સંતોને વિઝા મળી ગયા છે પણ કોઈ હરિભક્તોને વિઝા નથી મળ્યા.”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “અમે ૭ સંતો એકલા કેવી રીતે જઈ શકીએ ? રસ્તામાં અને વિચરણમાં હરિભક્ત તો સાથે જોઈએ જ. એમના વગર કોણ સ્ત્રીઓને દૂર રાખે ? માટે જો હરિભક્તોને વિઝા ન આપતા હોય તો અમારે સંતોને પણ વિઝા જોઈતા નથી.”

હરિભક્તો સંતોના વિઝા લઈ પાછા વિઝા ઑફિસર મહિલાને આપવા ગયા અને જણાવ્યું : “અમારા સ્વામી કહે છે : હરિભક્તોને વિઝા ન આપો તો અમારા નિયમો ન સચવાય માટે અમારે વિઝા જોઈતા નથી.”

વિઝા ઑફિસર મહિલા તો ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિષ્કામ ધર્મની દૃઢતા જોઈ બોલ્યાં કે, “આજે મેં પહેલી વખત આવા સાચા સંતનાં દર્શન કર્યાં કે જેઓ પોતાના ધર્મમાંથી ન ડગ્યા. બીજા તો કેટલાય સાધુ-સંતો વિઝા માટે થઈ અમારી સાથે બોલી લે છે. જ્યારે આ તો ન બોલ્યા તે ન જ બોલ્યા. વળી, પોતાના નિયમને સાચવવા માટે મળેલા વિઝા પણ પાછા આપી દીધા.”

તેઓ અહોભાવ સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિષ્કામ ધર્મની દૃઢતાને વંદી રહ્યાં અને બધા હરિભક્તોને પણ કોઈ પ્રશ્ન પૂછ્યા વગર વિઝા આપી દીધા.

પુષ્પ ૭

એસ.એમ.વી.એસ.ના સર્વે પૂ. સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના પગલે પગલે ચાલી તેઓના જેવું સાધુતાસભર દિવ્યજીવન જીવી શ્રીહરિને પ્રસન્ન કરી રહ્યા છે.

એસ.એમ.વી.એસ.ના પૂ. સંતો સ્ત્રી અને ધનના સંપૂર્ણ ત્યાગી છે. સંતો જોડ વિના કદી એકલા બહાર નીકળતા નથી.

વળી, સ્ત્રીઓ સામે દૃષ્ટિ માંડીને જોતા નથી તથા સ્ત્રીઓ સાથે વાતચીત પણ કરતા નથી. તો પછી સ્ત્રીઓ સાથેનો સંબંધ કે તેમનો સ્પર્શ તો હોય જ ક્યાંથી ? સંતો આ ઘોર કળિકાળમાં અષ્ટ પ્રકારે નિષ્કામ ધર્મ અણીશુદ્ધ પાળી રહ્યા છે.

સંતો કદી પૈસાનો સ્પર્શ સુધ્ધાં કરતા નથી. પૈસાને રાખતા નથી કે અન્ય પાસે રખાવતા પણ નથી. બૅંકમાં કોઈ સંતોનું પોતાનું ખાતું નથી કે એક તસુ જેટલી પણ પોતાના નામે જમીન કે અન્ય કોઈ વસ્તુ નથી.

સંતો આજે પણ પત્તરમાં બધું જ ભોજન ભેળું કરી પાણી નાખીને જ જમાડે છે અને તુંબડીમાં જ જળ ધરાવે છે.

વસ્ત્રો પણ રામપુર ગામની ભગવી માટીથી રંગેલાં માદરપાટનાં જાડાં ધોતિયાં અને ગાતડિયાં જ પરિધાન કરે છે. તદુપરાંત ગમે તેવી કડકડતી ઠંડીમાં પણ દૈહિક સુખની પરવા કર્યા વિના સંતો સ્વેટર, મોજાં કે મોજડી કદી પહેરતા નથી.

ઠંડી સામે રક્ષણ મેળવવા ભગવી માટીથી રંગેલી માત્ર એક ગરમ શાલ અને ચરણમાં સાદા સ્લીપર જ ધારણ કરે છે.

ઈ.સ. ૨૦૧૦ના ડિસેમ્બરમાં ભારતથી પૂ. સંતો વિદેશની ભૂમિ ઉપર કારણ સત્સંગના ખૂંટ ખોડવા હેતુક કૅનેડામાં પધાર્યા હતા.

કૅનેડામાં ટોરેન્ટો ખાતે લેવાયેલ ભવ્ય મંદિર માટેની જગ્યામાં હવે મંદિરનિર્માણનું ભગીરથ કાર્ય આરંભવાનું હતું. તૈયાર ‘Banquet Hall’ હતો. ત્યાં જ નવનિર્માણ કરી મંદિર કરવાનું હતું.

તેથી પૂ. સંતો મંદિરના શિખરનું માપ લેવા માટે રૂફ (છત) ઉપર ચડીને માપ લઈ રહ્યા હતા.

આ વખતે કૅનેડામાં કાતિલ ઠંડી હતી. ચારેબાજુ સખત હિમવર્ષા થઈ રહી હતી. તાપમાન -૨૪ સે. જેટલું; ગાત્રો થીજી જાય એવું વાતાવરણ હતું.

ઠંડીના સુસવાટાભેર પવનનાં વમળ ફૂંકાઈ રહ્યાં હતાં. એ વખતે હરિભક્તો બે-ત્રણ જાડા કોટ, પગમાં શૂઝ અને માથે હેલ્મેટ પહેરીને પણ થરથરી રહ્યા હતા.

પરંતુ પૂ. સંતો તો માત્ર ગાતડિયા તથા શાલભેર અને પગમાં માત્ર સ્લીપર પહેરીને શ્રીજીમહારાજના કારણ સત્સંગ વિશ્વવ્યાપી કરવાના સંકલ્પને પૂરો કરવા થનગની રહ્યા હતા.

હરિભક્તોનો ઘણો આગ્રહ હોવા છતાં શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ આ સંતોએ શરીરે બીજું વસ્ત્ર નહોતું અડાડ્યું.

ધન્ય હો ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંતોની શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તવાની ખટકને !!