કર્તાપણું બસ એક શ્રીજીનું

પુષ્પ ૧

અશક્ય, અસંભવ લાગતાં કાર્યો પણ સહજ રીતે પાર પડી જાય છે. તેમ છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી એક જ વાત ઉચ્ચારે છે કે, “મેં કશું જ કર્યું નથી. બધું મહારાજ જ કરે છે.”

આધ્યાત્મિક બાબત હોય, વ્યવહારિક બાબત હોય કે શારીરિક દેહલક્ષી બાબત હોય પણ તેમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી એકમાત્ર શ્રીજીમહારાજના કર્તાપણાને જ મુખ્ય ગણાવતાં કહે કે, “અનંતકોટિ બ્રહ્માંડમાં સનાતન ભગવાન સ્વામિનારાયણનું જ એક કર્તાપણું છે. બીજા કોઈથી કશું થાય નહિ કારણ કોઈની પાસે ચપટીયે પોતાનું કર્તાપણું નથી.”

એક વખત એક હરિભક્ત આર્થિક ભીંસની વચ્ચે શારીરિક બીમારીમાં સપડાઈ ગયા હતા.

કોઈ ઊગરવાનો આરો ન હોવાથી તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીની પાસે ગયા. પોતાનાં દુઃખની આપવીતી રજૂ કરી.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત કહ્યું, “ચિંતા ન કરશો, મહારાજ આપણી ભેળા છે. અમે મહારાજને પ્રાર્થના કરીશું. તેઓ સૌ સારાં વાનાં કરશે.”

થોડાક જ દિવસોમાં તે હરિભક્તની સ્થિતિમાં સુધારો થયો.

તેથી તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવ્યા અને કહ્યું, “બાપજી, આપના આશીર્વાદથી મારી આર્થિક અને શારીરિક બંને પરિસ્થિતિ સુધરી અને મારું બધું દુઃખ ટળી ગયું. આપે બહુ દયા કરી.”

ત્યારે તેમને અટકાવતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “શા માટે અમારા ઉપર આરોપ મૂકો છો ? જે કર્યું તે શ્રીજીમહારાજે કર્યું છે. આશીર્વાદ તો મહારાજના હોય. અનંતકોટિ બ્રહ્માંડમાં એમની મરજી વિના કંઈ થતું નથી. તો પછી અમે કર્તા શાના ! અમે તો એમના સેવક છીએ.” એવી રીતે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત જ યશ શ્રીજીમહારાજના કર્તાપણાને જ અપાવ્યો.

સારપનો યશ લેવામાં તો ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાનું અકર્તાપણું અને શ્રીજીમહારાજનું કર્તાપણું જ દૃઢ કરાવે.

પુષ્પ ૨

રોજબરોજના જીવનની સામાન્ય ક્રિયામાં પણ મહારાજનું કર્તાપણું દૃઢ કરાવવાનો એટલો જ ખટકો રાખે અને રખાવે.

એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજીને બહારગામ વિચરણમાં જવાનું હતું.

તે સ્થળ અમદાવાદથી આશરે ૧૫૦ કિ.મી. જેટલું હતું. સૌ ગાડીમાં ગોઠવાઈ ગયા. ગાડી શરૂ થઈ.

૧૫૦ કિ.મી. દૂર જવાનું હતું એટલે સ્વાભાવિક જ ગણતરી કરીને કહ્યું, “દયાળુ, આપણે બે કલાકમાં ત્યાં પહોંચી જઈશું.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તરત જ સામું જોયું અને કહ્યું, “શું બોલ્યો ?”

“દયાળુ, આપણે બે કલાકમાં પહોંચી જઈશું.”

તેમણે કહ્યું, “બે કલાકમાં પહોંચી જઈશું એવું બોલીએ તો આપણું પોતાનું કર્તાપણું થયું કહેવાય. આ આપણો ઠરાવ થયો કહેવાય. ફરી વખત આવું નહિ બોલવાનું. આ તો આપણે નક્કી કર્યું કહેવાય, આપણે કર્તા થયા કહેવાઈએ. ધાર્યું તો બધું મહારાજનું થાય છે. માટે કાયમ એમ બોલવું કે મહારાજની ઇચ્છા હશે તો આપણાથી બે કલાકમાં પહોંચી જવાશે. એમ મહારાજ પર છોડવું. રસ્તામાં કદાચ મહારાજની ઇચ્છાથી કંઈ થાય કે ટ્રાફિક નડે તેની આપણને શું ખબર ? એમની ઇચ્છા વગર કાંઈ થતું નથી. જો પોતે નક્કી કર્યું ને તો ગાડીમાં પંચર પડશે અથવા ગાડીમાં કંઈક ગડબડ થશે તો બે કલાકને બદલે ચાર કલાકે પણ નહિ પહોંચાય. માટે હવે આજથી એક સિદ્ધાંત વાત યાદ રાખજો : ક્યારેય ધણી ના થતા.”

આવા કંઈક પ્રસંગોપાત્ત ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજનું કર્તાપણું દૃઢ કરાવતા હોય છે. ત્યારે એમને મહારાજનું કેટલું બધું કર્તાપણું હશે ! એમના કર્તા સ્વયં મહારાજ છે એ જણાઈ આવે છે.

પેલા હરિભક્તો આ વાત સાંભળી બે ઘડી અવાચક થઈ ગયા.

પુષ્પ ૩

ગુરુવર્ય પ.પૂ. બાપજીને સામાન્ય તાવ-તરિયો કે સળેખમ થાય કે સામાન્ય કોઈ દુખાવો હોય તો જોડેવાળાને પણ કાંઈ ખબર પડવા દે નહીં.

અને વળી દવા પણ ન લે. કોઈ સંતને ખબર પડી જાય ને દવા લેવા પ્રાર્થના કરે :

“બાપજી, આપને અવરભાવમાં ભારે સળેખમ છે માટે આપ દવા લો એવી વિનંતી છે.”

“અરે, સળેખમ તો થાય... એમાં થોડી દવા લેવાની હોય ?”

“બાપજી, આપ તો અમને સામાન્ય તાવ આવે તોય તરત જ દવા લેવડાવો છો તો પછી આપ દવા લો ને !”

“સ્વામી, દવાથી સારું થશે કે મહારાજની મરજી હશે તો સારું થશે ? દવા તો નિમિત્ત છે. માટે મહારાજ બધું સારું કરશે. તમે બધું મહારાજ પર છોડો. અમે બધું મહારાજ પર જ છોડ્યું છે.”

ત્યારે સંત વિચારવા લાગ્યા :

“આપણે તો સાજા-માંદા થઈએ કે મોટી બીમારી આવી પડે તો તરત ડૉક્ટરની જોડે દોડી જઈએ. ડૉક્ટર દવા આપે કે ઑપરેશન કરે અને સારું થઈ જાય તો ચાર જણને જ નહિ, જે મળે તેને કહીએ કે મને આ દવાથી ફેર પડી ગયો કે આ ડૉક્ટરે સાજો કર્યો એવું રહેતું હોય છે. જ્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં એક શ્રીજીમહારાજ સિવાય અન્ય કોઈનું કર્તાપણું જોવા મળતું નથી.”

પુષ્પ ૪

એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજીને છાતીમાં અતિશય દુખાવો થતાં હૃદયનું પરીક્ષણ કરાવ્યું.

બાયપાસ સર્જરી કરાવવી પડશે એવું ડૉક્ટરોએ નિદાન કરતાં ઑપરેશન કરાવવું અનિવાર્ય બન્યું.

જેમનાં આશીર્વચને અનેકની બાયપાસ સર્જરી ટળી જતી હોય તેમને વળી બાયપાસ સર્જરી કેવી ? પરંતુ અનેક જીવોને દર્શન, સ્પર્શ ને સેવાએ કરી સુખ આપવા તા. ૨૯-૧૧-૨૦૦૭ના દિવસે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બાયપાસ સર્જરીના ઑપરેશનની લીલા ગ્રહણ કરી હતી.

ક્રિષ્ના હૉસ્પિટલના કુશળ સર્જન ને નામાંકિત ડૉ. રાજેશભાઈ દેસાઈને બાયપાસની સેવા મળી હતી. ઑપરેશન ખૂબ કુશળતાપૂર્વક ને સારું કર્યું હતું.

ઑપરેશનના ત્રીજા દિવસે એટલે કે તા. ૧-૧૨-૨૦૦૭ના રોજ ડૉ. રાજેશભાઈ દેસાઈ રૂટિન ચેકઅપ માટે આવ્યા હતા.

તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને સ્નેહથી પૂછ્યું, “કેવું છે ? સારું છે ને ? કાંઈ તકલીફ ?”

સાથેના પૂ. સંતોએ કહ્યું, “ડૉ. સાહેબ, છાતીમાં થોડો દુખાવો રહ્યા કરે છે. બાકી બધું બરાબર છે.”

આ સાંભળી ડૉ. રાજેશભાઈ પોતાની આવડત તથા અનુભવને આધારે કૉન્ફિડન્સથી બોલ્યા, “બાપજી, તમે બધું મારા પર છોડી દો. તદ્દન સારું થઈ જશે. તમે કાંઈ જ ચિંતા કરશો નહીં.”

ડૉક્ટર કુશળ સર્જન હતા તેમજ આવડત તથા સર્જરી માટે કાબેલ હતા તે વાત નિઃશંક હતી.

પણ તેઓે આજે એમના મુખે ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા દિવ્યપુરુષ કે જેના પળ પળમાં મહારાજનું મુખ્યપણું-કર્તાપણું રહેતું હોય ત્યારે તેમની સમક્ષ પોતાની કાબેલિયત-કુશળતા વ્યક્ત કરતા હતા તો ગુરુવર્ય પ.પૂ. બાપજી મીઠી ટકોર કરવાનું ભૂલે ? ન ભૂલે.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હળવેથી કહ્યું, “ડૉક્ટરસાહેબ, આપણાથી કાંઈ થાય નહીં. ભગવાનની ઇચ્છા હોય તેમ થાય. કોઈ પણ કાર્ય હોય તેમાં ભગવાનને કર્તા કરી દેવા; માટે તમારેય ભગવાન ઉપર છોડી દેવું. આપણે તો માત્ર નિમિત્ત બનવું.” આ વાત હૃદયના સર્જન ડૉ. રાજેશભાઈના હૃદયમાં ખૂંપી ગઈ હતી. તેઓ નતમસ્તક થયા.

ડૉ. રાજેશભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી થકી પોતાની આવડત કરતાં મહારાજને કર્તા કરી કાર્ય કરવાની શીખ મેળવી કૃતાર્થ થયા. તેમને જાણે કામના બોજ તળે હળવા રહેવાની અમૂલ્ય દવા ગુરુવર્ય પ.પૂ. બાપજી થકી મળી હોય તેમ રાજી થઈ વંદી રહ્યા.

પુષ્પ ૫

એક દિવસ જે ડૉક્ટર ગુરુવર્ય પ.પૂ. બાપજીની સારવાર માટે આવતા હતા; તેઓ આ હૉસ્પિટલના માલિક શ્રી ડૉ. અનિમેષભાઈ ચોકસીને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદ માટે લઈને આવ્યા હતા.

એક ડૉક્ટરે પરિચય આપતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું, “બાપજી, આ ડૉ. અનિમેષભાઈ ચોકસી છે અને તેઓ આ હૉસ્પિટલના માલિક છે.”

વધુ તેઓ કાંઈ બોલે તે પહેલાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજી સહસા જ બોલ્યા, “આપણા સૌના માલિક શ્રીજીમહારાજ છે. પછી આપણી માલિકીનું શું હોય ? આપણે કદી માલિક ન થવું, ધણી ન થવું.”

પછી ડૉ. અનિમેષભાઈ તરફ કૃપાદૃષ્ટિ કરતાં બોલ્યા, “અનિમેષભાઈ, આપણે એવું જ માનવું ને સમજવું કે આ હૉસ્પિટલના માલિક ને ધણી ભગવાન છે ને હૉસ્પિટલ પણ ભગવાનની છે. મને તો માત્ર ચલાવવા આપી છે. માટે માલિક એમને કરી દેવા તો ઘણી નિરાંત વર્તે...”

શ્રીજીમહારાજનું મુખ્યપણું, કર્તાપણું ગુરુવર્ય પ.પૂ. બાપજીને માત્ર બોલવા પૂરતું ન હતું. એમને તો ઇદમ્‌ છે... સહજ છે.

એટલે આટલા શબ્દો એવા અસરકારક નીવડ્યા કે ડૉ. અનિમેષભાઈના અંતરની આરપાર ઊતરી ગયા. તેમણે વિનમ્રપણે ગુરુવર્ય પ.પૂ. બાપજીની વાતને સ્વીકારી લીધી.