પુષ્પ ૧
ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમ સદ્. મુનિસ્વામી સરસપુર પધારે ત્યારે સામે નિકટમાં બિરાજીને જ લાભ લેતા.
એક વખત સદ્. મુનિસ્વામી સરસપુર પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમની સામે જ લાભ લેવા બિરાજ્યા હતા.
સભા બે-ત્રણ કલાક સળંગ ચાલી તેથી લઘુશંકા થઈ.
“અરે, જો લઘુ કરવા જઈશ તો મારી કથા જતી રહેશે. કથા જાય એ તો મને એક ટકો પણ ન જ પોષાય. માટે લઘુ કરવા જવું નથી.” આવો દૃઢ સંકલ્પ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજી ઊભા જ ન થયા.
બીજી એક કલાક કથા વધુ ચાલી. હવે રહેવાય નહિ તેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી.
તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મનોમન સદ્. મુનિસ્વામીને પ્રાર્થના કરી કે, “દયાળુ, દયા કરો. જો ઊભો થઈશ તો મારી કથા જતી રહેશે માટે દયા કરો.”
તરત જ સદ્. મુનિસ્વામીએ અંતર્યામીપણે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સંકલ્પ જાણી કથાને વિરામ આપ્યો. બે મિનિટ નેત્ર મીંચી બિરાજ્યા અને જેવા ગુરુવર્ય પ.પૂ. બાપજી પાછા પધાર્યા કે તુરત કથાવાર્તા શરૂ કરી દીધી.
આવું તો આ એક વાર નહિ, જ્યારે જ્યારે કથા સમયે આવો પ્રસંગ થાય ત્યારે સદ્. મુનિસ્વામીને મનોમન પ્રાર્થના કરે કે તુરત કથાને બે મિનિટ વિરામ આપે. બે મિનિટ પછી કથા ચાલુ કરે. તેમનો કથા પરત્વેનો આગ્રહ જોઈ સદ્. મુનિસ્વામી પણ તેમને વશ વર્તતા.
કથાવાર્તારૂપી ચારો કેવો આગ્રહપૂર્વક ચરવો જોઈએ તેની રીત મુમુક્ષુને શીખવવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પોતે વર્તીને બતાવ્યું છે.
પુષ્પ ૨
“સ્વામી, અહીં આવો. એક સેવા છે.” હાથનો ઇશારો કરી સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીને ઈર્ષ્યાને લીધે ભંડારમાં બોલાવે.
એટલે મહિમાની મૂર્તિ ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્. મુનિસ્વામીને બે હાથ જોડી મનોમન પ્રાર્થના કરી ઊભા થાય : “દયાળુ, રાજી રહેજો. સંતો સેવામાં બોલાવે છે માટે જઉં છું.”
“શું કથામાં જઈને બેસી જાવ છો ! આટલાં વાસણ ઘસી નાખો.”
એમ કહી આખી ચોકડી ભરી ગાંહડો વાસણ ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે ધોવડાવતા.
કેટલીક વાર તો ઈર્ષ્યાને લીધે તેઓ ચોખ્ખાં વાસણ પણ એઠાં કરી; ફરી એ દિવ્યપુરુષને ઘસવા આપી દેતા.
છતાંય એ દિવ્યપુરુષ સંતોની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા જ નહીં.
તેઓ કથાનો એક શબ્દ પણ જવા ન દે. માત્ર એકાગ્રતાપૂર્વક કથા સાંભળવી એટલું જ નહિ, તેઓ સાંભળતાંની સાથે સાથે મનન કરતા જાય. વાત જીવસટોસટ વણતા જાય.
પુષ્પ ૩
“સ્વામી, ક્યાં જાવ છો ?”
“મુનિબાપાની કથાનો લાભ લેવા જઉં છું.”
“સ્વામી, એક સેવા હતી; કરશો ?”
“શું સેવા છે કહો ને !”
“લો, આટલા લાડવાનાં મૂઠિયાં ખાંડી નાખો.” એમ કહી વીસ કિલો લાડુનાં મૂઠિયાં તેમને એકલાને ખાંડવા બેસાડી દીધા.
સંતોની આજ્ઞાએ ગુરુવર્ય પ.પૂ. બાપજી મૂઠિયાં ખાંડતા હોય પણ તેમના કાન તો કથામાં જ હોય.
ગમે તેવા સંજોગ હોય પણ કથા અતિ આગ્રહી થઈ સાંભળતા.
આજે ૫૦ વર્ષ પહેલાં સદ્. મુનિસ્વામી થકી સાંભળેલી વાતો વિષે વાત કરતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી કહેતા હોય છે કે, “સદ્. મુનિસ્વામીએ કયા દિવસે, કયા સ્થળે, કયા સમયે, કઈ વાત કરી હતી તે મને આજે પણ બેઠી યાદ છે. અને આજે જે કાંઈ કથા કરીએ છીએ તેમાં હજુ એક શબ્દનો પણ ફેર પડ્યો નથી. જેવી વાત સદ્. મુનિસ્વામી થકી સાંભળી હતી તેવી જ બેઠી કરીએ છીએ.”
કેવો કથાવાર્તા શ્રવણ કરવાનો આગ્રહ ! અનોખી રીત !!
પુષ્પ ૪
ઈ.સ. ૧૯૮૨-૮૩ના અરસામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજમાન હતા. એ વખતે અન્ય સંસ્થાના એક વડીલ સંત મંદિરે દર્શન કરવા આવ્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે તેઓ બેઠા. ગુરુવર્ય પ.પૂ. બાપજી એ વખતે કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. તેઓ માત્ર દર્શન કરવા આવેલા, પરંતુ ત્રણ ત્રણ કલાક સુધી ગુરુવર્ય પ.પૂ. બાપજીની પાસે બેસી રહ્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીની કથા પૂરી થતાં તેઓ અહોભાવમાં ડૂબી ગયા અને કહ્યું, “અમે આજ સુધી સદ્. ગુણાતીતાનંદ સ્વામીની તથા નંદસંતોની વાતો વાંચી હતી પણ આજે પ્રત્યક્ષ સાંભળી એવો અનુભવ થયો.”
પુષ્પ ૫
૨૪મી જાન્યુઆરી ૨૦૦૩ની પ્રભાત હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી ચાર-પાંચ હરિભક્તોને સાથે લઈ સુરેન્દ્રનગર બ્રહ્મસત્રમાં લાભ આપવા માટે પધારી રહ્યા હતા.
સરખેજથી આગળ હાઈવે ઉપર એક ટ્રેલર અથડાતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી જે ગાડીમાં બિરાજ્યા હતા તેનો ઍક્સિડન્ટ થયો. ગાડીનો આગળનો કાચ ફૂટી ગયો. ગાડીના આગળના બોનેટને પણ ભારે નુકસાન થયું
ગુરુવર્ય પ.પૂ. બાપજીના ભાલમાં તથા મસ્તકમાં કાચના કટકા ઘૂસી ગયા તથા બ્રેકની પછડાટ વાગતાં તમ્મર આવી ગઈ હતી.
ગુરુવર્ય પ.પૂ. બાપજી ગાડીમાંથી બહાર પધાર્યા. તેમના મસ્તકેથી ખૂબ લોહી વહી રહ્યું હતું. ગાડીને ઘણું નુકસાન થયું હતું. તેથી ગાડી આગળ જઈ શકે તેમ નહોતી.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હરિભક્તોને કહ્યું કે, “વાસણા મંદિરે ફોન કરી બીજી ગાડી મગાવો; આપણે અહીંથી સીધા સુરેન્દ્રનગર નીકળી જઈએ. મંદિરે ઍક્સિડન્ટની કોઈ વાત કરશો નહીં. ગાડી બગડી છે એટલું જ કહો; નહિ તો પાછા આપણને કોઈ જવા નહિ દે.”
વાસણાથી બીજી ગાડી મગાવી એટલે સંતોને થયું કે કંઈક થયું હોય તો જ બીજી ગાડી મગાવે. તેથી બે સંતો ગાડીમાં બેસી ઘટના સ્થળે પહોંચ્યા.
સંતોએ જઈને જોયું તો ગાતડિયાનો છેડો ફાડીને મસ્તકે બાંધેલો કકડો લોહીથી લથપથ થઈ ગયો હતો.
છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સુરેન્દ્રનગર જવાનો આગ્રહ ચાલુ જ હતો. સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીને ઘણા મનાવી, આગ્રહભરી પ્રાર્થના કરી વાસણા મંદિરે લાવ્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીને થયેલી ગંભીર ઈજા જોઈ પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોએ ડૉક્ટર પાસે જવાની પ્રાર્થના કરી.
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ડૉક્ટર, ટાઇમ બગાડશે; માટે એક પાટો બાંધી દો. અમારે સુરેન્દ્રનગર જવા નીકળવું છે.”
પ.પૂ. સ્વામીશ્રી ખૂબ આગ્રહભરી વિનંતી કરી પરાણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને હૉસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર વાગેલા ઊંડા ઘાને સાફ કરી કાચના કણ બહાર કાઢી રહ્યા હતા ત્યારે તેમણે પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું કે, “માથામાં વાગ્યું છે તેથી સિટીસ્કેન અથવા MRI કરાવવો પડશે. બીજા કેટલાક રિપૉર્ટ પણ કરાવવા પડશે.”
પરંતુ આ બાજુ ગુરુવર્ય પ.પૂ. બાપજીને તો સુરેન્દ્રનગર કથાવાર્તાનો લાભ આપવા જવાની એક એક પળ કપાતી હતી તે તેમને કેવી રીતે પોષાય ? એમાંય ડૉક્ટરે જુદા જુદા રિપૉર્ટ કરાવવાની વાત કરી.
તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી નારાજ થઈ ગયા અને કહ્યું, “ઘા સાફ કરી જલદી પાટો બાંધી દો તો કશું નહિ થાય. અને જો રિપૉર્ટ કરાવશો તો નક્કી કંઈક આવશે.”
સાડા બાર વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજી સારવાર લઈ વાસણા મંદિરે પધાર્યા. ઠાકોરજી જમાડી એક વાગ્યે સુરેન્દ્રનગર જવા માટે તૈયાર થઈ ગયા.
મસ્તક ઉપર ગુરુવર્ય પ.પૂ. બાપજીને ખૂબ સોજો હતો તેથી ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું હતું.
તેથી પ.પૂ. સ્વામીશ્રી, પૂ. સંતો, હરિભક્તોએ ખૂબ પ્રાર્થના કરી કે, “દયાળુ, આટલો બધો સોજો છે તો આપ ન પધારો. આ બે દિવસ પૂરતો બીજા કોઈ સંતો લાભ આપી દેશે.”
પરંતુ કથાવાર્તાના અતિશે આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. બાપજી કેવી રીતે રહી શકે ? ગુરુવર્ય પ.પૂ. બાપજી તરત બોલી ઊઠ્યા, “હરિભક્તો સવારના રાહ જોઈને બેઠા છે. એક સેશન તો ગયું. હવે બીજું ન જવા દેવાય. મહારાજની કથા અધિક કે આ દેહ અધિક ? માટે કોઈ માથાકૂટ કરશો નહિ, મને જવા દો. સ્વામી, કથાવાર્તા એ જ મારી દવા છે. એ કરવા દો તો કશું નહિ થાય અને ના પાડશો તો ઉપરથી વધુ તકલીફ થશે.”
કથાવાર્તાના આગ્રહની સામે ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના વ્હાલા શિષ્ય પ.પૂ. સ્વામીશ્રીની પ્રાર્થના પ્રત્યે પણ દુર્લક્ષ સેવી સુરેન્દ્રનગર જવા નીકળી ગયા.
ચાર વાગ્યાના સેશનમાં તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનો કથાવાર્તાનો અવિરત પ્રવાહ વહેવા માંડ્યો.
ગુરુવર્ય પ.પૂ. બાપજી જેમ જેમ કથા કરતા જાય એમ માથામાં ઝાટકા વધતા જાય, સોજો વધતો જાય તેથી દુખાવો પણ વધતો હતો.
છતાંય કોઈને પણ એ વાતનો અણસાર ન આવવા દીધો.
સોજો વધતો જોઈ સંતોએ પ્રાર્થના કરી કે, “બાપા, આજનું રાત્રિ સેશન વહેલું પૂરું કરી આપ આરામ ગ્રહણ કરો.”
છતાંય ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એમના કથાના સમયમાં એક મિનિટની પણ છૂટ ન મૂકી. સાડા અગિયાર વાગ્યે કથા પૂરી કરી, ચેષ્ટા કરી રાત્રે સાડા બાર વાગ્યે પોઢ્યા.
બીજા દિવસે સવારે સાતથી નવ, દસથી એક, ચારથી સાત અને સાડા આઠથી સાડા અગિયાર એમ ચાર સેશનમાં એક મિનિટનો પણ કાપ મૂક્યા વિના એક દિવસમાં અગિયાર કલાક લાભ આપ્યો.
જેમ જેમ સેશનમાં લાભ આપતા જાય તેમ તેમ સોજો વધતો જાય.
છેવટે આખું ભાલ, મુખારવિંદ બધું લાલચોળ થઈ ગયું હતું. આંખો સૂજી ગઈ હતી. છતાંય બંને દિવસ મસ્તકે પાટો બાંધીને પણ અખંડ કથાવાર્તાનો લાભ આપ્યો.
એટલું જ નહિ, ૨૬મીએ સવારે વાસણા પહોંચી નવ વાગ્યે કથાવાર્તા શરૂ કરી દીધી. કથાવાર્તા કરી એક એક જીવમાં મહારાજ પધરાવવાનો ગુરુવર્ય પ.પૂ. બાપજીનો આગ્રહ અકલ્પનીય છે.
કથાવાર્તા માટે થઈ તેમણે કદી રાત-દિવસ કે દેહ સામું પણ જોયું નથી.
પુષ્પ ૬
ઈ.સ. ૨૦૧૦ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને અવરભાવમાં દંત કઢાવીને દાંતનું નવું ચોકઠું ફિટ કરાવ્યું હતું.
એક દિવસ ભાવનગરના તથા સુરતના ચાર-પાંચ હરિભક્તો વાસણા ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવાં માટે આવ્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીને તો સામે લેનાર કોઈ ઘરાક મળ્યા એટલે કથાવાર્તાનો પ્રવાહ ચાલુ થઈ ગયો.
સળંગ ચાર-પાંચ કલાક લાભ આપી રહ્યા હતા અને અચાનક મુખારવિંદમાંથી ચોકઠું નીકળી ગયું. ફરી બેસાડવાનો પ્રયત્ન કર્યો.
પણ ફિટ ન બેસતાં લોહી નીકળી ગયું છતાં કથા ચાલુ રાખી. છેવટે બોલતાં ન ફાવે એવી પરિસ્થિતિ થઈ ત્યારે કથાવાર્તા રાખી.
પુષ્પ ૭
માત્ર અત્યારે વર્તમાનકાળે જ કથાવાર્તાનો આવો આગ્રહ છે એવું નથી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અવરભાવમાં સાધુદીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેમનો કથાવાર્તાનો આગ્રહ આવો જ રહ્યો છે.
આજે ખાખરિયા-કડી વિસ્તારના કેટલાય હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીના આ આગ્રહની વાત કરતાં કહે છે કે, “અમે જ્યારે કડી કૉલેજ કરતા ત્યારે સવારો સવાર સુધી તેમનો લાભ લીધો છે. એકલા હાથે થાળની સેવા કરતા, મંદિરનો વહીવટ કરતા, ઠાકોરજીની સેવા કરતા છતાં કથાવાર્તામાં કદી એક મિનિટનો કાપ નથી મૂક્યો.”
અત્યારે વર્તમાનકાળે કેટલાય એવા વડીલો એની સાક્ષી પૂરે છે કે, “અમે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો ખાખરિયાના, ઝાલાવાડના ગામડામાં તથા મૂળીમાં આખી આખી રાત સુધી જે કથાવાર્તાનો રસ ચાખ્યો છે તેને આજે પણ અમે ભૂલી શકતા નથી.”
પુષ્પ ૮
વર્તમાનકાળે ૮૫ વર્ષની અવરભાવની ઉંમરે તેમનો કથાવાર્તા કરવાનો આગ્રહ રંચમાત્ર ઓછો થયો નથી.
તેઓ પ.પૂ. સ્વામીશ્રીને તથા સંતોને કહેતા હોય છે કે, “મારા ૨૪ કલાકના કથાવાર્તાના પ્રોગ્રામ ગોઠવો. શું અમે બેસી રહેવા આવ્યા છીએ ?”
અવરભાવમાં ડાયાબિટીસની લીલાને કારણે શરીર ખૂબ ક્ષીણ થઈ ગયું હોવાથી સંતો-હરિભક્તો કથાવાર્તામાં થોડો કાપ મૂકવા પ્રાર્થના કરે ત્યારે કહેતા હોય છે, “કથાવાર્તા તો અમારો ખોરાક છે. એને લઈને તો અવરભાવમાં અમે ટકીએ છીએ; નહિ તો અમારું અવરભાવનું અસ્તિત્વ જ ન રહે.”