પુષ્પ ૧
તા. ૨૬-૯-૨૦૧૦ના રોજ નૂતન કડી મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા વખતે ભવ્ય શોભાયાત્રા નીકળી રહી હતી.
મયૂરરથમાં વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી બિરાજમાન થયેલા.
કડી નગરના જાહેર માર્ગો ઉપરથી પસાર થતી શોભાયાત્રા આગળ વધી રહી હતી. નગરવાસીઓ આ શોભાયાત્રાનાં ભાવથી દર્શન કરી રહ્યા હતા. તો વળી, કેટલાક ગુરુવર્ય પ.પૂ. બાપજીને નતમસ્તક કરી બે હાથ જોડી વંદન કરી પોતાના ભાવ સમર્પી રહ્યા હતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી પણ આશીર્વાદ રૂપે કોઈને હાર પહેરાવે તો કોઈ ઉપર ગુલાબની પાંદડીની ખૂબ વર્ષા કરે એમ તેઓ અનેકને કૃતાર્થ કરતા હતા.
એવામાં રસ્તા પર એક માળી ફૂલનો હાર તથા ફૂલ લઈને બેઠા હતા. તેની નજર ગુરુવર્ય પ.પૂ. બાપજી પર પડી. એટલે તેમને ખૂબ ભાવ થયો તેથી તે સરસ મજાનું તાજું ગુલાબનું ફૂલ લઈને ગુરુવર્ય પ.પૂ. બાપજીને આપવા માટે આવ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ગુલાબનું ફૂલ સ્વીકાર્યું. અને પછી તેમણે તે ફૂલ હરિકૃષ્ણ મહારાજના હસ્તમાં ધરાવ્યું.
જેમની દિવ્યદૃષ્ટિમાં ગરીબ કે અમીરનો ભેદ નથી. સંબંધમાં આવે, દૃષ્ટિમાં આવે તેનું અતિ રૂડું કરવાનો જ એકમાત્ર સંકલ્પ છે, તેથી પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કે, “બાપજી, આ માળીએ એની પાસે જે હતું (ગુલાબનું ફૂલ) તે આપ્યું. તો આપ પણ આપની પાસે જે હોય તે એને આપો.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી માળીનો નિર્દોષ ને નિષ્કામભાવ જોઈ રાજી થયા ને આશીર્વાદ આપતાં બોલ્યા, “સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી), આપણી પાસે શ્રીજીમહારાજ છે એ તેને આપ્યા. તેનો અંતકાળ આવશે ત્યારે એને આ હરિકૃષ્ણ મહારાજ સાથે ને આ ગુલાબના ફૂલ સાથે અમે મૂર્તિના સુખમાં લઈ જઈશું.”
આટલી નાનકડી સેવાના બદલામાં મોટાપુરુષ કેટલા બધા વરસી જાય ને કેવા કોલ આપી દેતા હોય છે ને કેવા કૃતાર્થ કરી મૂકતા હોય છે એ તો જે માણે એ જ જાણે.
પુષ્પ ૨
એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી સત્સંગ વિચરણ અર્થે પધારી રહ્યા હતા. અચાનક એમની ગાડી આગળ એક ફ્રૂટથી ખચોખચ ભરેલી લારીવાળો આવ્યો. એટલે ગાડી રોકવી પડી.
એ સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજી નેત્ર બંધ કરી માળા કરી રહ્યા હતા. ગાડી રોકાઈ એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજીના નેત્ર ખૂલી ગયા ને પૂછ્યું, “અલ્યા શું થયું ?”
“બાપજી, આ ફ્રૂટની લારીવાળો જોતો પણ નથી ને આપણી ગાડી સામે આવી ઊભો રહ્યો છે.”
“એમાં એવું નથી. એને તો મહારાજે મોકલ્યો છે !”
“મહારાજે, એને મોકલ્યો...? બાપજી, એ સમજાયું નહીં...”
“અરે, મહારાજનો સંકલ્પ છે કે અમારે અનંત જીવોનું કલ્યાણ કરવું છે એ માટે આને મોકલ્યો છે.”
એમ કહી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મહારાજને પ્રાર્થનારૂપ સંકલ્પ વહાવ્યો કે, “હે મહારાજ, આ ફ્રૂટ જે જે જમાડે, જેના ઘરે પહોંચે, જેમણે ઉગાડ્યું હોય, જેનું ખેતર હોય, જેણે મજૂરી કરી હોય, આ લઈ જનાર ગાડીવાળાને સર્વેને આ ને આ જન્મે કારણ સત્સંગમાં લાવી આપનું સ્વરૂપ ઓળખાવી છેલ્લો જન્મ કરજો.”
પુષ્પ ૩
એક વખત હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે ગાડીમાં બેઠા કે તુરત તેઓ બોલ્યા, “હેઠા ઊતરો.”
આ શબ્દ સાંભળી બધાને નવાઈ લાગી.
પછી તરત ગુરુવર્ય પ.પૂ. બાપજી જ બોલ્યા, “રસ્તામાં જે દેખાય તેના કલ્યાણના સંકલ્પો ચાલુ કરી દો, કેમ ખાલી બેસી રહ્યા છો ?”
હરિભક્તોએ પ્રાર્થના કરી કે, “બાપજી, સંકલ્પ તો આપને કરવાના હોય. અમારા સંકલ્પથી શું થાય ?”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આપણા બાપ સ્વામિનારાયણ ભગવાન અબજોપતિ છે. તેમના ઘરે ક્યાં આત્યંતિક કલ્યાણની ખોટ છે ! આપણે પ્રાર્થના કરી ચેક લખવાનો, પાસ એમને કરવાનો છે તો આપણે ઠાલા શા માટે બેસવું ?”
આહાહા... આ આત્યંતિક કલ્યાણની શરદઋતુ નહિ તો બીજું શું...?
પુષ્પ ૪
સભામાં નવા-જૂના મુમુક્ષુઓ જ્યારે બેઠા હોય ત્યારે એ દિવ્યપુરુષ કોઈની પાત્રતા-અપાત્રતા જોયા વિના કેવળ કરુણા કરીને કૃતાર્થપણાના કોલનું અખંડ ગાન કરાવી, સૌને એની દૃઢતા કરાવતા હોય છે :
“મારાં અનંત જન્મનાં ખોટ્યનાં ખાતાં વાળીને, મારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે... રાખ્યો છે... અને રાખ્યો જ છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંતકોટિ બ્રહ્માંડ ફરે પણ આપણે ફરવું નહીં.”
“હવે તું દેહધારી નથી, જગતનો જીવ નથી. હવે તું આત્મા પણ નહિ, તારા આત્માને પુરુષોત્તમરૂપ કરીને મૂર્તિમાં રાખ્યો જ છે. આ વાત નક્કી છે એની દૃઢતા કરીને આવી રીતે સ્વ-સ્વરૂપનું મનન-ચિંતન કર. હવે તું ભૂલી જા કે મારું નામ આ છે, ગામ આ છે. પહેલાં હું આમ હતો, આવો હતો એ બધું તારું નામ, રૂપ, ગામ બધું ગયું. હવે તું અનાદિમુક્ત જ છે.”
“આ સભામાં આપણ સહુનાં, તેજોમય તન છે;
છટા છૂટે છે તેજની, જાણે પ્રગટિયા કોટિ ઇન્દુ છે.”
“આ સભા જેતલપુરની નથી, ગઢપુરની નથી, વાસણાની નથી, સુરેન્દ્રનગરની નથી. જ્યાં શ્રીજીમહારાજ બિરાજે ત્યાં અક્ષરધામનું મધ્ય એટલે આ સભા અક્ષરધામની છે. અક્ષરધામને વિષે કહેતાં પરભાવમાં કોઈ દેહધારી ન હોય. ત્યાં તો બધા અનાદિમુક્તો જ હોય માટે આપણને સહુને મૂર્તિમાં રાખ્યા છે ને આપણે અનાદિમુક્તો જ છીએ.”
વળી, ગુરુવર્ય પ.પૂ. બાપજી અનેક નવા મુમુક્ષુને વર્તમાન ધરાવીને અનાદિમુક્તની સ્થિતિના કોલ આપતા હોય છે. વર્તમાન ધરાવતી વખતે તેઓ કહેતા હોય છે, “આ અમે કારણ સત્સંગના સ્પેશ્યલ વર્તમાન ધરાવીએ છીએ.” ને તે આ મુજબ હોય છે : ‘જે સુખમાં, જે સ્થાનમાં આપણા સદ્. ગોપાળાનંદ સ્વામી છે, સદ્. નિર્ગુણબાપા છે, સદ્. ઈશ્વરબાપા છે, આપણી અમીરપેઢી રહી છે; એ જ સુખમાં, એ જ સ્થાનમાં, એ જ સ્થિતિમાં તને (ચૈતન્યને) રાખ્યો છે.’ અર્થાત્ તેને અનાદિમુક્ત કરીને મૂર્તિસુખના કોલ આપી દીધા. નહિ ચાલોચાલ, નહિ એકાંતિક, નહિ પરમએકાંતિક પણ શ્રેષ્ઠ સ્થિતિ એવી અનાદિમુક્તની પદવી એને ક્ષણમાં આપી દે છે. મુમુક્ષુને આવા કોલ મળવા એ કેટલા દુર્લભ હોય છે ! છતાં મોટાપુરુષની પાસે જે આવે તેને આ કોલ આપીને કૃતાર્થ કરી મૂકે છે.
આમ, કેવળ કરુણા કરીને આત્યંતિક કલ્યાણના કોલનું મનન કરાવી, એ દિવ્યપુરુષે અનેક મુમુક્ષુઓની ભવાબ્ધિ ટાળી દીધી છે.