પુષ્પ ૧
ઈ.સ. ૨૦૧૩માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે જ્ઞાનસભામાં બપોરે લાભ આપવા પધાર્યા હતા.
સભા બાદ સમગ્ર સત્સંગ સમાજના શિરમોર પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીને એકાંતમાં સૌ સંતો-હરિભક્તોની અવરભાવમાત્રની કસર ટાળવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા કે, “બાપજી, આ દિવ્ય કારણ સત્સંગના યોગમાં આવેલા સૌને પ્રાપ્તિ તો બહુ મોટી થઈ ગઈ છે; તેમ છતાં કામ, ક્રોધ, માનાદિક દોષો બહુ નડતા હોય છે. સારા સત્સંગી કહેવાતા હોય તેમ છતાં માનાદિક દોષથી બહુ મોટા ધક્કા લાગતા હોય છે. માટે આ દોષો ટળે એવી દયા કરો.”
આશ્ચર્ય સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂછ્યું, “માન વળી કેવું ? શાનું માન આવે ?”
પ.પૂ. સ્વામીશ્રીએ સાધનિકની સ્થિતિ વર્ણવતાં કહ્યું, “બાપજી, સાધનકાળમાં દેહ રૂપે વર્તે તેને તો નાની નાની બાબતોમાં માન આવી જાય. મોટું દાન કરે તો તેનું માન આવે, કોઈ સારી સેવા કરતાં આવડે તો આવડતનું માન આવે, કોઈ સત્તા કે પદવી મળે તો તેનું માન આવે, સારું રૂપ હોય તો રૂપનું માન આવે, સારી કથા આવડે તો તેનુંય માન આવે. એટલું જ નહિ, આપે કથામાં પ્રશ્ન પૂછ્યો ને જવાબ આવડ્યો તો તેનુંય માન આવે. આવી તો નાની નાની વાતોમાં ઘણું માન આવતું હોય છે માટે આવું સૂક્ષ્મ માન ટળે એવી દયા કરો.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આવી વાતોમાં કેમ માન આવતું હશે ? અમને તો કોઈ દિવસ એવો વિચાર જ આવતો નથી કે આ મેં કર્યું. આપણને તો મહારાજે મૂર્તિમાં રાખ્યા છે. મૂર્તિમાં ફિટ કરી દીધા છે. પછી આપણું કર્તાપણું જ ક્યાં છે ? આપણે તો એય મૂર્તિમાં રહેવાનું, પછી કાર્ય બધું મહારાજ કરે તો એમાં આપણે કરવાનું જ ક્યાં રહ્યું ? તો પછી માન શાનું ?”
પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “દયાળુ, આપ તો પરભાવનું સ્વરૂપ છો. પરભાવના સુખના અનુભવી છો માટે મૂર્તિરૂપી બ્રહ્મરસમાં અલમસ્ત છો જ પણ અવરભાવવાળા દેહ રૂપે વર્તે તેને આવા દોષો નડે. માટે કૃપા કરો તો બધાયના દોષ ટળે.”
સદા બ્રહ્મરસના ભોગી એવા અનુભવી સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “સ્વામી, બધાયને મહારાજે મૂર્તિમાં રાખ્યા જ છે. તો એય બધા અમારી જેમ મૂર્તિમાં રહે તો એમનેય કોઈ માનાદિક દોષ ન નડે પણ સુખના અનુભવી થવા પ્રયત્ન તો કરવો પડે. માટે તું હવે બધાયને એવો અનુભવ કરાવ.”
આ સાંભળી પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીની ‘બ્રહ્મરસના ભોગી’ની સ્થિતિ અંગે મનોમન વિચારતાં વિચારતાં એમના અહોભાવમાં ગરકાવ થયા : “વાહ, બાપજી વાહ ! પરભાવના બ્રહ્મરસના આનંદમાં સદા વિહરનારા અનુભવી એવા આપને અવરભાવના કોઈ આનંદની સ્પૃહા નથી હોતી. આપ તો સદા પરભાવના બ્રહ્મરસના અનુભવાત્મક આનંદમાં નિમગ્ન હોવ છો. ક્યાં આપ ! ને ક્યાં એક સાધનિક ! ”