પુષ્પ ૧
આવા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-સમાગમે, સ્પર્શે, અલ્પ સેવાએ, સંબંધે, સંકલ્પે અને તેમને સ્પર્શેલા વાયરાના સ્પંદનથી અનેક જીવનાં ફદલમાં કલ્યાણ થયાં છે જેની અનેક પ્રસંગો ગવાહી પૂરે છે.
ઈ.સ. ૧૯૮૪-૮૫માં ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી નળકંઠા વિચરણ દરમ્યાન એક દિવસ સાંજના સમયે સાંકોદરા ગામના મંદિરે પધાર્યા હતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કથાવાર્તા કરવાની શરૂ કરી : “અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ એક જ છે. એમની મોટપ શું ! તે પ્રથમ પ્રકરણના ૭૨મા વચનામૃતમાં ‘વડવાનળ અગ્નિ’ના દૃષ્ટાંત દ્વારા સમજાવી છે.”
થોડી વારમાં આખું મંદિર મુમુક્ષુઓથી ખીચોખીચ ભરાઈ ગયું.
રાત્રિનો ટાઢો પહોર આગળ વધતો જતો હતો તેમાં તેમની ઉષ્માપૂર્ણ અમૃતવાણીનો વહેતો વાક્પ્રવાહ મુમુક્ષુઓને બ્રહ્મપ્રાપ્તિનો અનુભવ કરાવતો હતો. મુમુક્ષુ હરિભક્તો પણ કથામાં થતી પ્રશ્નોત્તરીમાં ઉત્સાહથી જોડાતા હતા. એથી એમનો અતોલ માલ આપવાનો આગ્રહ અતિ વેગીલો બન્યો.
રાતના અઢી વાગ્યા હતા. પણ એમનો મહારાજ ઓળખાવવાનો અદમ્ય તલસાટ હરિભક્તોને સ્પર્શી ગયો. હરિભક્તો તો આવા સાચા સંતથી ખૂબ જ અભિભૂત થયા.
એમાં એક મુમુક્ષુ ભક્ત હાથ ઊંચો કરી વિવેકથી બોલ્યા : “સ્વામી, આ વાતુંએ અમને જબરું ઘેલું લગાડ્યું છે. ઊઠવાનું મન થતું જ નથી. માર હાળું એવું થયા કરે છે, આ વાતું હજુયે હાંભળ્યા જ કરું. સ્વામી, આપ થાક્યા હશો. માટે હવે વાતું બંધ રાખો ને થોડો આરામ કરો...” ત્યાં બીજા હરિભક્ત વચમાં બોલ્યા : “સ્વામી, અમે વાતું કરતા સંતો જોયા છે પણ વાતું ને વર્તન એક હોય એવા સાચા સંતો પહેલા જ ભાળ્યા. સ્વામી, અમારે આપની સેવા કરવી છે પણ અત્યારે છેલ્લા પહોરની ઘડીયું હાલી રહી છે. વળી, આપની વાતું હૈયડું ઠારે સે. માટે કાલે સવારે ફરી વાર કથા કરી અહીં ઠાકોરજીના થાળ કરી જમાડીને જ જવાનું છે.” વાતું વિરમી. સૌ ભક્તો ઘરે ગયા ને નાહી-ધોઈ-પૂજા કરીને પાછા મંગળા સમયે આરતીમાં આવી પહોંચ્યા. અહીં મંદિરમાં બાપજી-સ્વામીશ્રી પણ પરવારવા ગયા હતા. મંગળા આરતી થઈ ને પાછી વાતુંની રમઝટ શરૂ થઈ. કથાવાર્તા પત્યા પછી હરિભક્તો ખૂબ ભાવથી રસોઈ માટે સીધું લઈ આવ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી હરિભક્તોને અંગત લાભ આપી રહ્યા હતા.
પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજીના થાળ બનાવવાની તૈયારી કરતા હતા. એ વખતે ગામના એક વડીલ વાળંદ બાપા બારણે આવીને ઊભા રહ્યા.
તેમણે પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું, “સ્વામી, હું ગરીબ માણસ છું. સંતોને પાકી રસોઈ આપી શકું તેમ નથી. પણ મુઠ્ઠી ચોખા છે તો તેનો આપ સ્વીકાર કરશો ? આની રસોઈ બનાવી ઠાકોરજીને થાળ કરી મોટા સ્વામીને જમાડજો; તો મારો ભાવ પૂરો થશે અને મને ખૂબ આનંદ થશે કે સંતોએ મારી રસોઈ સ્વીકારી.”
હરિભક્તનો શુદ્ધ ભાવ અને નિષ્કામ ભક્તિ જોઈ પ.પૂ. સ્વામીશ્રી રાજી થઈ ગયા. તેમની પાસેથી એક મુઠ્ઠી ચોખા લઈ, સાફ કરી મગની દાળમાં ભેળવી તેમાંથી ખીચડી બનાવી.
વ્હાલા હરિકૃષ્ણ મહારાજને થાળ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજી જમાડવા બિરાજ્યા. પીરસતી વખતે પ.પૂ. સ્વામીશ્રીએ ગરીબ વાળંદ હરિભક્તે આપેલ ચોખાની સેવાની વાત કરી. “બાપજી, ગામના એક ગરીબ વડીલ વાળંદ બાપા મુઠ્ઠી ચોખા ઠાકોરજીની રસોઈ માટે આપી ગયા હતા. તેમણે પ્રાર્થના કરી હતી કે, મોટા સ્વામીને જમાડજો. મારો ભાવ પૂરો થશે ને મને ખૂબ આનંદ થશે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી હરિભક્તની નિષ્કામભક્તિથી રાજી થયા.
એટલે એના બદલામાં તેમનું રૂડું કરવા પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી : “બાપજી, આ ભગતે આપની નિષ્કામભાવે સેવા કરી છે તો એમનું પૂરું કરો ને ! એમને આપ જે સુખમાં છો તે સુખમાં રાખી લો ને !”
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પણ વાળંદ હરિભક્તની નિષ્કામભાવની સેવા જોઈ રાજી થઈ ફદલમાં આશીર્વાદ વરસાવતાં કહ્યું, “જાવ, મહારાજને પ્રાર્થના કરીશું કે, હે મહારાજ, આ હરિભક્તને મુઠ્ઠી ચોખાના બદલામાં અક્ષરધામમાં તેડી જજો અને તમારી મૂર્તિનું ખૂબ સુખ આપજો.”
એવા આશીર્વાદ આપી ગુરુવર્ય પ.પૂ. બાપજી તે દિવસે આગળ વિચરણમાં નીકળી ગયા.
ચાર-છ મહિના પછી આ વાળંદ હરિભક્ત થોડા બીમાર પડ્યા. બે-ચાર દિવસ થોડી માંદગી રહી અને તેમનો દેહાંત સમો આવી ગયો.
તેમને શ્રીજીમહારાજનાં દિવ્ય તેજોમય દર્શન થવાથી તેઓ અતિ આનંદિત થઈ ગયા અને સગાંસંબંધીને સંબોધીને કહેવા માંડ્યું કે, “જુઓ જુઓ, આ સ્વામિનારાયણ ભગવાન મને અક્ષરધામમાં તેડવા માટે પધાર્યા છે. જોડે ગામમાં કથા કરવા આવ્યા હતા તે મોટા સ્વામી અને સંતો પણ છે. મને મુઠ્ઠી ચોખા બતાવી કહે છે કે, આ ચોખાના બદલામાં અમે તમને અક્ષરધામમાં તેડવા આવ્યા છીએ. માટે લ્યો હું જાઉં છું... જય સ્વામિનારાયણ.”
આટલું બોલતાં તેઓ ઢળી પડ્યા. શ્રીજીમહારાજ અને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ માખણમાંથી મોવાળો ખેંચે તેમ તેમના ચૈતન્યને ખેંચી મૂર્તિના સુખમાં મૂકી દીધો. ફદલમાં આત્યંતિક કલ્યાણ કરવાની કેવી અજબ રીતિ !!
પુષ્પ ૨
ડભોલી (સુરત) મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આશીર્વાદ આપ્યા હતા કે, “હે મહારાજ ! આજે જે કોઈ આપનાં દર્શન કરે, વાત સાંભળે, પ્રસાદી જમે, અરે કોઈ મંદિરના પરિસરમાં આવે તેનો પણ છેલ્લો જન્મ કરજો.”
આ આશીર્વાદમાં ઘરધણીમુક્ત જીતુભાઈ માધુભાઈ પટેલનાં માતુશ્રી આવી ગયાં હતાં.
ખાખરિયાના મણિપુરા ગામનાં રહેવાસી ૭૦ વર્ષનાં રૂખીબેન માધુભાઈ પટેલ જેઓ બિનસત્સંગી હતાં. સ્વામિનારાયણ ભગવાનની કોઈ ઓળખાણ નહિ કે આસ્થા પણ નહીં.
ચા-છીંકણીના અતિ બંધાણી હતાં. જીવનમાં કદી ભગવાનના નામની પાંચ માળા પણ નહોતી કરી. પરંતુ કુટુંબીજનોના આગ્રહને વશ થઈ તેઓ સુરત મૂર્તિપ્રતિષ્ઠામાં આવ્યાં અને આશીર્વાદનાં સહભાગી થયાં હતાં.
તા. ૨૨-૧૨-૧૫ના રોજ તેઓ સુરતથી પોતાને ગામ મણિપુરા આવ્યાં. તેમને થોડી શ્વાસની તકલીફ થવાથી દવાખાને બે દિવસ દાખલ કર્યાં. તેમને સારું લાગતાં ડૉક્ટરની રજા લઈ ઘરે લાવ્યાં.
તા. ૨૮મીએ વહેલી સવારે ત્રણ વાગ્યે રૂખીબાએ બૂમ પાડી તેમના ભાઈના દીકરાને નજીક બોલાવ્યો અને કહ્યું, “જો આ સ્વામિનારાયણ ભગવાન અને જીતુના ગુરુજી મને લેવા આવ્યા છે. હું જઉં છું... જય સ્વામિનારાયણ.” કહેતાં તેમણે આંખો મીંચી દીધી.
આ બાજુ તેમના ભત્રીજા પ્રકાશભાઈ પટેલના ઘરનાં હંસાબેન સ્વામિનારાયણ ધામ પર AYP કૅમ્પમાં લાભ લેવા આવ્યાં હતાં.
તેમને ૨૮મીએ સાંજે ખબર પડતાં તેઓ સીધા કડી ગયાં અને ત્યાંથી તેઓ સવારે મણિપુરા જવા નીકળવાનાં હતાં. કડી મુકામે રાત્રે સાડા બાર વાગ્યે તેઓ સૂતાં અને થોડી જ વારમાં તેમને સ્વામિનારાયણ ભગવાનનાં દિવ્ય તેજોમય દર્શન થયાં અને સાથે રૂખીબાનાં પણ દર્શન થયાં.
હંસાબેને પૂછ્યું, “બા, તમે કેમ આટલાં ખુશ છો ?” ત્યારે રૂખીબાએ કહ્યું, “મને મહારાજ અને જીતુના ગુરુ તેડવા આવ્યા હતા. મને ખૂબ મૂર્તિનું સુખ આવે છે તેથી ખૂબ આનંદ થાય છે.”
હંસાબેનને રૂખીબા બિનસત્સંગી હોવાથી સંશય રહેતો કે તેમનું કલ્યાણ થશે કે કેમ ? તો જેમ અલૈયાખાચરના જેહલાએ પહોંચ્યાનાં પરમાણાં આપ્યાં હતાં તેમ રૂખીબાએ હંસાબેનને મહારાજે તેમને મૂર્તિના સુખમાં જ રાખી લીધાં છે તેનો પુરાવો આપ્યો.
બિનસત્સંગી હોવા છતાં કોઈ સાધન કે દાખડા વગર માત્ર આશીર્વાદમાં આવનારનું આવું આત્યંતિક કલ્યાણ કરવું એ ફદલનો માર્ગ છે જે આજે શ્રીજીમહારાજે ગુરુવર્ય પ.પૂ. બાપજી દ્વારા સહજમાં ચલાવ્યો છે.
પુષ્પ ૩
વર્તમાનકાળે પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીની ફદલમાં કલ્યાણ કરવારૂપી કલ્યાણકારી સરિતામાં અનેક મુમુક્ષુઓ સ્નેહભીનું સ્નાન કરી અનાદિના કોલ પામે છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજી વિચરણમાં પધારતા હોય ત્યારે રસ્તામાં પગપાળા ચાલતા યાત્રિકો તથા પરોક્ષના સાધુ-સંતો કે મહાત્માઓ ઉપર અવશ્ય દૃષ્ટિ કરે જ.
તેમના મુખે મુમુક્ષુઓ માટે કેવળ કરુણાસભર આશીર્વાદ સરી પડે, “હે મહારાજ, આ યાત્રાળુઓ ભલે પરોક્ષના છે પણ મુમુક્ષુ અને શ્રદ્ધાળુ છે. ભલે તેઓ સકામ હોય કે નિષ્કામ; તેમને તમારી સનાતન ભગવાન તરીકેની સર્વોપરી ઉપાસના નથી પણ તેમને કૃપા કરી આપનું સ્વરૂપ ઓળખાવો. આ ને આ જન્મે આ કારણ સત્સંગનો યોગ કરાવી તેમનો છેલ્લો જન્મ કરજો.”
આવા પરોક્ષપણે આશીર્વાદ પામેલા અનેક યાત્રિકો પણ વર્તમાનકાળે કારણ સત્સંગના યોગમાં આવી રહ્યા છે. શ્રીજીમહારાજના સર્વોપરી સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરી અનાદિની સ્થિતિના કોલ પામી રહ્યા છે.