પુષ્પ ૧
તા. ૪-૩-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે પ્રાતઃ સભામાં લાભ આપવા માટે પધાર્યા હતા.
તેઓ સભામાં સ્વામિનારાયણીય ઉપાસના તથા તત્ત્વજ્ઞાનસંબંધી પ્રશ્નોત્તરી દ્વારા લાભ આપી રહ્યા હતા.
સભા દરમ્યાન ગાંધીનગરના આશિષભાઈ સોની ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કૃપા કરી દૃઢ કરાવેલ શ્રીજીમહારાજની સ્વરૂપનિષ્ઠા અંગે મહિમા ગાવા લાગ્યા કે, “બાપજી ! આપે અમને મહારાજનું સ્વરૂપ ન ઓળખાવ્યું હોત તો અમારું શું થાત ? આપે અમને મહારાજનો નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય દૃઢ કરાવ્યો છે તે અમારી પર બહુ મોટી કૃપા કરી છે.”
તેઓ આટલું બોલ્યા કે તરત જ શ્રીહરિના કર્તાપણાની મૂર્તિ ગુરુવર્ય પ.પૂ. બાપજી ગઢડા પ્રથમ પ્રકરણના ૫૧મા વચનામૃતના સંદર્ભ દ્વારા બોલ્યા કે, “‘જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો તેમ પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વતે જ થાય છે.’ આ મહારાજનો સિદ્ધાંત છે.
તમને મહારાજનો નિશ્ચય અમે નથી કરાવ્યો પણ અમારા દ્વારા મહારાજે જ કરાવ્યો છે તેમ જ સમજવું. મહારાજ જ મહારાજના સ્વરૂપનો નિશ્ચય કરાવી શકે અને જેને નિશ્ચય કરાવવો હોય તેને જ કરાવે છે. માટે ક્યારેય એવું ન બોલવું કે તમે નિશ્ચય કરાવ્યો. અનાદિમુક્ત તો નિરંતર મૂર્તિમાં રહ્યા છે માટે નિશ્ચય કરાવે છે તે મહારાજ કરાવે છે.”
“બાપજી, પણ આપે અમને અવરભાવનો નિશ્ચય તો કરાવ્યો ને !” આશિષભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી સમક્ષ બે હાથ જોડી બોલ્યા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી હાથનો લટકો કરતાં સાબદા થઈ આશિષભાઈ સામું જોઈ બોલ્યા :
“શ્રીજીમહારાજના સ્વરૂપનો નિશ્ચય કોઈ દેહધારીથી ન થાય અને દેહધારીને ન થાય. એ તો જેને શ્રીજીમહારાજે પોતાના સર્વોપરી સ્વરૂપનો અવરભાવનો નિશ્ચય કરાવવો હોય તેને અનહદ કૃપા કરીને કરાવે છે.
એ નિશ્ચય સત્પુરુષ કે સંતો-ભક્તો દૃઢ કરાવે છે એવું દેખાય, પરંતુ નિશ્ચય કરાવનાર તો ખરેખર શ્રીજીમહારાજ જ છે. માટે મહારાજ નિશ્ચય કરાવે તો જ નિશ્ચય થાય.
શ્રીજીમહારાજના દિવ્યાતિદિવ્ય સ્વરૂપને આ લોકના દેહધારી વ્યક્તિ માયિકબુદ્ધિથી કેવી રીતે ઓળખી શકે ? એ તો જ્યારે મહારાજ કર્તા બનીને કોઈકના દ્વારા નિશ્ચય કરાવે ત્યારે તથા તેને દિવ્યબુદ્ધિનો યોગ આપે અને મહારાજ ગેડ્ય પડાવે ત્યારે જ નિશ્ચય થાય છે. એ વિના તો શ્રીજીમહારાજનું આવું સર્વોપરી સ્વરૂપ હાથ આવવું ઘણું કઠણ છે.”
આશિષભાઈને બાપજીની વાત સમજાતાં તેઓ એક દૃષ્ટિએ એમને નીરખી રહ્યા હતા. ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજી નિશ્ચયની વાત આગળ વધારતાં બોલ્યા :
“પરભાવનો નિશ્ચય એટલે કે અનાદિમુક્તની સ્થિતિ પણ પુરુષોત્તમરૂપ થઈને શ્રીજીમહારાજનું પ્રતિલોમ ધ્યાન કરીને પુરુષોત્તમરૂપ પાત્ર થાય તે પછી શ્રીજીમહારાજ જ કૃપા કરીને કરાવે છે.”
ગુરુવર્ય પ.પૂ. બાપજીની શ્રીજીમહારાજના સ્વરૂપની આવી શુદ્ધ ઉપાસના દેખીને આશિષભાઈ તો મંત્રમુગ્ધ બની ગયા અને તેઓના મહાત્મ્યની દુનિયામાં ડૂબી ગયા.
તેમના મુખેથી શબ્દો સરી પડ્યા કે, “આવી સ્વરૂપનિષ્ઠા અને ઉપાસનાની શુદ્ધિ કરાવી શ્રીજીમહારાજનો યથાર્થ સિદ્ધાંત સમજાવનાર આ બ્રહ્માંડમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી સિવાય બીજા મેં કોઈને દેખ્યા નથી.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતે સંપૂર્ણ પરભાવનું દિવ્ય સ્વરૂપ છે. તેઓનું સંપૂર્ણ કર્તાપણું શ્રીજીમહારાજનું જ છે. તેઓ અખંડ મૂર્તિમાં રહેનારા સત્પુરુષ છે છતાંય તેઓએ ભગવાન સ્વામિનારાયણનું જ એકમાત્ર કર્તાપણું, સનાતન ભગવાનપણું, સર્વોપરીપણું પ્રસ્થાપિત કર્યું છે. તેઓએ કદી શ્રીજીમહારાજની મહત્તાને ગૌણ થવા દીધી નથી.