પુષ્પ ૧ : મૂળાની પ્રસાદીથી કલ્યાણ
સંવત ૧૯૬૨ની સાલમાં આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજના યજ્ઞોપવીતના પ્રસંગે બાપાશ્રી સંઘ સાથે કચ્છમાંથી પગપાળા અમદાવાદ પધાર્યા. તે પ્રસંગે બાપાશ્રીને ખાસ આશીર્વાદ આપવા પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જનોઈનો પ્રસંગ ધામધૂમથી સમાપ્ત થયો. તેથી પદયાત્રા સંઘ ત્યાંથી આગળ જતાં વડતાલ આવી પહોંચ્યો.
ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીભૂત રમણભૂમિ એટલે વડતાલનગરી. ત્યાં ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સંઘે ઉતારો કર્યો. સંઘ વડતાલ આવી પહોંચ્યો, તે સમાચાર આજુબાજુનાં ગામોમાં પ્રસરી ચૂક્યા હતા. આ સમાચાર ઠાસરાના સૂબા શ્રી ગોપાળલાલભાઈને મળ્યા.
ગોપાળલાલભાઈ શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ દેખતા. તેઓને શ્રીજીમહારાજ સાથે અતિશય સ્નેહ તથા એકતા હતાં. તેને લઈને તેઓ મહાપ્રભુ સાથે અવારનવાર વાતો કરતા. એવા કેટલાય પ્રસંગો બની ગયા હતા જેમાં તેમને કોઈ કઠિન નિર્ણય લેવાનો થાય કે મૂંઝવતો પ્રશ્ન આવે તો તેઓ શ્રીજીમહારાજને પૂછી લે અને મહાપ્રભુ પણ તેમને તત્કાળ ઉત્તર આપી તેમની તકલીફોનું નિવારણ કરતા. આ કારણને લઈને સંપ્રદાયમાં તેઓ શ્રીજીમહારાજના વ્હાલા ભક્તરાજ તરીકે સુવિદિત હતા.
એક વાર શ્રીજીમહારાજે ગોપાળલાલભાઈને દર્શન આપી કહ્યું કે, “અમારા અનાદિમુક્ત અબજીભાઈ નામે હાલ વડતાલ સંઘ લઈને આવ્યા છે. માટે તમે ત્યાં જાવ તથા તેમનાં દર્શન-સમાગમ કરી તેમને રાજી કરજો. તેમનો મહિમા સમજી સેવા કરજો. તેમની સેવા એ અમારી સેવાતુલ્ય જાણજો તથા અમારા સરખો તેમનામાં દિવ્યભાવ રાખજો.”
આમ, મહાપ્રભુ સ્વયં જેની ઓળખાણ કરાવે તે કેવું અદ્ભુત સ્વરૂપ હશે ! મહાપ્રભુએ ગોપાળલાલભાઈનું મિષ લઈને પોતાના અનાદિમુક્તનો મહિમા કૃપા કરીને ગાયો છે. કેમ જે મોટાને ઓળખવા એ બહુ જબરી ઘાંટી છે. એ તો મોટા હોય એ જ મોટાને ઓળખાવી શકે !
ગોપાળલાલભાઈ એ જ સવારે વડતાલ આવી પહોંચ્યા. ત્યાં જઈ બાપાને રાજી કરી દીધા. હવે બાપાનો મહિમા શ્રીજીમહારાજ થકી જાણ્યા પછી ગોપાળલાલભાઈને વિચાર આવ્યો કે મને તો શ્રીજીમહારાજની કૃપાથી બાપાશ્રીની ઓળખાણ થઈ છે અને મહિમા સમજાયો છે પણ બીજા અનેકને આ મહિમા સમજાવવા જેવો છે. કારણ કે આવા મોટાપુરુષનો યોગ વારંવાર મળતો નથી. માટે બીજાને લાભ અપાવવાના હેતુથી તેઓ વિચારમાં ચડી ગયા.
કંઈક નિમિત્ત કરીને પણ બીજાને બાપાશ્રીના આશીર્વાદમાં લાવવા તેઓ માંગતા હતા. તેથી તે બજારમાં ગયા ને ત્યાં મૂળા જોયા. એટલે વિચાર આવ્યો કે કંઈ નથી તો છેવટે મૂળાની સિઝન છે. માટે મૂળા બાપાશ્રીના હસ્તે પ્રસાદીના કરીને બધાને વહેંચીશું તોપણ બાપાના આશીર્વાદમાં આવી જશે. તેથી તેઓ બજારમાં જઈ મૂળાનો ભારો લઈ આવ્યા ને બાપાશ્રી આગળ મૂક્યો. ત્યારે બાપા કહે કે, “ગોપાળલાલભાઈ ! આ મૂળાનો ભારો લઈને કેમ આવ્યા ? આજે કંઈ વિશેષ છે ?” ત્યારે તેઓ બાપાને કહે, “બાપા ! આપ તો ઘણા જીવોના આત્યંતિક કલ્યાણ અર્થે પધાર્યા છો. તો આ મૂળા પર હાથ મૂકી કંઈક વર આપવા કૃપા કરો.” ગોપાળલાલભાઈને પ્રાપ્તિનો કેફ હતો. બાપાશ્રીની ઓળખાણ થયેલી તેથી પોતાને મળેલી પ્રાપ્તિની અસ્મિતા રોમેરોમમાં હતી. તેથી તેમને બીજાનાં કલ્યાણ કરવાનો અદ્ભુત વિચાર સ્ફુર્યો હતો !
દયાની મૂર્તિ બાપાશ્રી ગોપાળલાલભાઈનો નિર્દોષભાવ જોઈ ખૂબ રાજી થયા. તેમણે મૂળા ઉપર પોતાના બંને હસ્ત મૂક્યા અને વર આપ્યો કે, “જાવ, જે જે જીવ આ મૂળાની પ્રસાદી જમશે તેને શ્રીજીમહારાજ ધામમાં તેડી જશે.” બાપાશ્રીએ આવી રીતે મૂર્તિસુખના ધોધ છોડ્યા અને જે ઝપાટામાં આવ્યા તે સૌને ન્યાલ કરી દીધા ! એટલે જ કીર્તનમાં કહ્યું છે...
“જેને જોઈએ તે આવજો લેવા, અમે તો આવ્યા મૂર્તિ દેવા,
અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિ એ જ કરાર;
કોઈ લ્યો કોઈ લ્યો એમ કહે છે, કેવળ કૃપાએ મૂર્તિ દે છે.”
દેહધારીને આવી વાતોની ઘેડ્ય ન પડે. તેઓ તો સંશયમાં અટવાઈ પડે. આવું તે હોતું હશે ? આવું તો કદી બનતું હશે ? તેવા તર્કયુક્ત વિચારોથી ઘેરાઈ જાય. પણ અહીં તો મન-બુદ્ધિથી પરની વાતો છે. નિઃસંશય થઈને વિશ્વાસથી માને તેને શીરાની જેમ ગટ્ટ દઈને સોંસરી ગળે ઊતરી જાય છે.
ગોપાળલાલભાઈએ મૂળાની પ્રસાદી ઝીણી ઝીણી સુધરાવી તેને વડતાલ સમૈયામાં પણ લઈ ગયા અને પોતાને ગામ ઠાસરા પણ લઈ ગયા તથા સૌને વહેંચી આપી. એમાં એક વાણિયાના બે છોકરા આવેલા. તેમણે પણ પ્રસાદી લીધી અને જમાડી. એકાદ વર્ષનો સમય વીતી ગયો. એક વાર મોટો ભાઈ માંદો પડ્યો ને તેની માંદગી ગંભીર બની. દેહાંત સમો આવ્યો ત્યારે શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ દર્શન દીધાં અને કહ્યું, “છોકરા ! તેં અમારા મૂળાની પ્રસાદી લીધી હતી, માટે ચાલ અક્ષરધામમાં.” તેણે આ વાત પોતાના નાના ભાઈને કરી. ત્યારે નાનો ભાઈ બોલ્યો, “ભાઈ ! મારું પણ પૂછી જો. પ્રસાદી તો મેં પણ લીધી હતી.” ત્યારે બાપાશ્રી કહે કે, “તેને એમ કહો કે આજથી બરાબર બાર મહિને તેને પણ અમે તેડવા આવીશું.” અને નક્કી કરેલ સમયે નાના ભાઈને પણ તેડી ગયા.
આમ, મોટાની કૃપાએ સૌને મહારાજની મૂર્તિના સુખના ભોગી કર્યા અને અનેકને લાભ અપાવ્યો.
પુષ્પ ૨ : માત્ર ગુણ ગ્રહણ કર્યો તેને પણ ન્યાલ કર્યા
સંવત ૧૯૫૧ની સાલમાં સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી કપડવંજ પધારેલા. આ ગામમાં મોઢ બ્રાહ્મણ શ્રીકૃષ્ણનો દીકરો ચુનીલાલ રહેતો, જે વિશેષ ભણવા માટે મુંબઈ રહેતો. પરંતુ આજે કપડવંજ આવેલો અને એમાંય સદ્ગુરુશ્રી ગામમાં પધાર્યા હતા. સદ્ગુરુ ઈશ્વરસ્વામી ગામોગામ વિચરણ કરી જીવોને માયામાંથી તોડી મૂર્તિસુખના અધિકારી કરવા રાત-દિવસ દાખડો કરતા હતા. એમાં ખાસ કરીને કિશોરો ઉપર સ્વામી અપાર હેત વરસાવતા. એવા જ એક કિશોર ચુનીલાલે સદ્ગુરુશ્રી થકી બાપાશ્રીનો મહિમા સભામાં સાંભળ્યો.
સદ્ગુરુશ્રીની હૃદયસ્પર્શી દિવ્યવાણીથી ભલભલાનાં હૈયાં વીંધાઈ જાય. એમાંય સદ્ગુરુશ્રીને બાપાશ્રીનો અપરંપાર મહિમા ! કેમ કે તેમણે બાપાશ્રીને નજીકથી સેવેલા, જોગ-સમાગમ કરી જાણેલા-ઓળખેલા. બાપાશ્રીમાં આત્મબુદ્ધિ સહ દિવ્યભાવે હેત કરેલું. પરિણામે જેમ બંદૂકમાંથી ગોળી નીકળે ત્યારે સાચો નિશાનબાજ નિશાન અચૂક પાડે તેમ સદ્ગુરુશ્રી મૂર્તિરૂપી નિશાનથી મુમુક્ષુજીવોના આત્માને વીંધી નાખે.
મુંબઈમાં અભ્યાસ કરતા ચુનીલાલને સભામાં સદ્ગુરુશ્રી થકી બાપાશ્રીના મહિમાની વાત સાંભળતાં હૈયામાં શાંતિના શેરડા પડ્યા. તેને બાપાશ્રી પ્રત્યે અહોહોભાવ જાગ્રત થયો. તેને વિચાર આવ્યો કે, સદ્ગુરુશ્રી વર્ણન કરે છે તે વિભૂતિ કેટલી મહાન કહેવાય ! તેમની સાદાઈ અને મહાનતાને માપી શકાય તેમ નથી. જો આવા દિવ્યપુરુષનો ભેટો થઈ જાય તો જીવન ન્યાલ થઈ જાય. આમ તેમને બાપાનાં દર્શનની તાલાવેલી જાગી. તેથી તેમણે સદ્ગુરુશ્રીને વિનંતી કરી કે આપ મારી સાથે આવો તો મારે કચ્છમાં બાપાશ્રીનાં દર્શન કરવાની ખૂબ ઇચ્છા છે.
આનું નામ ભૂખ અને ગરજ. ભૂખ અને ગરજથી શું પ્રાપ્ત ન થાય ? જેમ પૈસાની ભૂખવાળી વ્યક્તિ પરદેશ જાય અને ત્યાં ભૂખ-દુઃખ-ભાર-ભીડો વગેરે સહન કરીને પણ પૈસા મેળવે અને જેમ અન્નની ભૂખવાળી વ્યક્તિ દુકાળ પડ્યો હોય ને શેર સદાવ્રત મળતું હોય તો (શેર જાર) આખો દિવસ લાઇનમાં ઊભા રહેવું પણ તેને સરળ થઈ જાય. તેમ ભગવાનની ભૂખ લાગે તો ભાર-ભીડો-તકલીફ જેવા શબ્દો તેની ડિક્ષનેરીમાંથી નીકળી જાય.
સદ્ગુરુશ્રીએ ભૂખ્યા અને ગરજુ ચુનીલાલને સમજાવ્યો કે, “અમે હમણાં જ કચ્છમાં જઈ આવ્યા છીએ. માટે હવે તો આવતી સાલ ત્યાં જવાનું થશે. તે વખતે અમે તમને મુંબઈ ટપાલ લખીશું અને તમો ત્યાં આવી જજો. તમારું સરનામું અમને આપી રાખો.” એમ કહી સદ્ગુરુશ્રીએ ચુનીલાલનું સરનામું લખી લીધું.
ચુનીલાલને ભણતા ભણતા બાપાની કાલ્પનિક અને સલૂણી છબી ક્યારેક ઊપસી આવે તોપણ આનંદની તથા સુખની લહેરો છવાઈ જતી. ક્યારેક નવરાશનો સમય હોય ત્યારે તેને સદ્ગુરુશ્રીના મહિમાનાં વાક્યો સાંભરી આવે અને તેની બાપાશ્રીના દર્શનની ઇચ્છા દ્વિગુણી બની જાય. એક વર્ષ તો જોતજોતામાં પૂરું થઈ ગયું.
સંવત ૧૯૫૨ની સાલ હતી. સદ્ગુરુશ્રી બીજે વર્ષે આપેલ વચન પ્રમાણે કચ્છમાં ગયા. તેમણે ચુનીલાલને બરાબર યાદ રાખ્યો હતો. મુમુક્ષુને પ્રભુના ચરણોમાં સમર્પિત કરવાનો મહા મોટો પરોપકાર તો તેમનો જીવનમંત્ર અને જીવનવ્રત હતું. તેને તેઓ ચૂકી શકે ખરા ? ના, કદી નહીં. તેમણે ચુનીલાલને કચ્છમાં દર્શને આવવા ટપાલ લખી. મુંબઈ પત્ર પહોંચ્યો અને ચુનીલાલે ઉત્તર વાળ્યો કે, “મારે અત્યારે પરીક્ષા ચાલે છે. માટે એ પતાવીને હું તરત આવી જઈશ. પરંતુ તમે બાપાશ્રીને પૂછીને મને જાણ કરો કે મારે મુંબઈથી સીધા કચ્છમાં આવવું કે પછી ઘેર જઈને આવું તો ચાલે ?”
સત્પુરુષ તો જીવાત્માના સાચા ભોમિયા છે. તેઓ આ લોક-પરલોકની તમામ મુશ્કેલીઓ દૂર કરવામાં સદાય તૈયાર રહેતા હોય છે. માટે સત્પુરુષને પૂછી પૂછીને ડગ ભરવા એ તો આધ્યાત્મિક માર્ગની સફળતાનો ટૂંકામાં ટૂંકો રસ્તો છે. ચુનીલાલે આ ટૂંકો રસ્તો અપનાવ્યો.
સદ્ગુરુએ બાપાશ્રીને ચુનીલાલની બધી વાત કરી. બાપાને પૂછ્યું કે, “હવે ચુનીલાલ આપના દર્શને કેવી રીતે આવે તેનું માર્ગદર્શન આપો તો તે પ્રમાણે પત્રનો ઉત્તર લખી મોકલાવું.” ત્યારે બાપાશ્રીએ તત્કાળ કહ્યું કે, “લખી નાખો કે ઘરે જઈને આવે.” પત્રનો જવાબ ચુનીલાલને મળ્યો. પછી તેઓ ઘરે જઈને માંદા પડ્યા.
આ બાજુ બાપાશ્રીએ શ્રીજીમહારાજ અને સદ્ગુરુશ્રી સાથે તેને દર્શન દીધાં અને કહ્યું, “ચાલ, અમારા ધામમાં.” ચુનીલાલે પોતાના પિતાશ્રીને આ વાત કરી ત્યારે તેઓ પણ નવાઈ પામી ગયા. તેમનાથી ન રહેવાયું. તેથી બોલી ઊઠ્યા, “પણ, તેં તો એમને જોયાય નથી તો પછી ઓળખ્યા કઈ રીતે ?” ત્યારે તે કહે, “એ તો ઓળખાવનારે ઓળખાવ્યા.” આટલું બોલી તેનો દેહ પડી ગયો અને તે ધામમાં સિધાવી ગયો.
કેવી અદ્ભુત સામર્થી અને કેવો અદ્ભુત કૃપાનો ધોધ ! જેણે બાપાશ્રીનાં દર્શન પણ ન કર્યાં હોય, અલ્પ પરિચયનો સંબંધ હોય, ફક્ત થોડીઘણી વાત સાંભળી ગુણ આવ્યો હોય અને એટલામાં જીવાત્માને મૂર્તિસુખમાં મૂકી દેવા તે કૃપાની પરાકાષ્ઠા નહિ તો બીજું શું ?!
પુષ્પ ૩ : તમારા દેહાંત સમે અમે તમને સંભારી લઈશું
ઝાલાવાડની ધિંગી ધરામાં લીંબડી ગામ આવેલું છે. લીંબડીના દરબાર દોલતસિંહ ખૂબ વ્યવહારુ અને વિચક્ષણ બુદ્ધિવાળા હતા. વળી રજવાડી એટલે તમામ પ્રકારનાં વ્યસનો, અનીતિ, પાપાચારમાં સંપૂર્ણપણે ડૂબેલા. માંસાહાર તો કોઠે પડી ગયો હતો. પણ તેમના એક દીવાન ઝવેરભાઈ હતા જેઓ બાપાશ્રીના જોગમાં આવેલા. તેથી તેમનું જીવન સંપૂર્ણપણે નીતિવાળું, નિયમ-ધર્મવાળું તેમજ પ્રભુમાં સાચી નિષ્ઠા અને ભક્તિસભર હતું. બાપાશ્રી પ્રત્યે તેમને ખૂબ જ વિશ્વાસ તથા હેત અને આત્મબુદ્ધિ હતાં. આવી તદ્દન વિભિન્ન શૈલીવાળા દરબાર અને દીવાનની જુગલજોડી થવી તે પણ કાંઈક ચમત્કારિક ઘટના હતી. જોકે દરબાર દોલતસિંહને પોતાના દીવાન ઉપર ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ હતાં. તેઓ તેમને બરાબર ઓળખી ચૂક્યા હતા કે ઝવેરભાઈને લીધે પોતાનો રાજકારભાર ઘણો જ કુશળતાથી ચાલતો અને દરબારને કાંઈ જ જોવાપણું ન રહેતું. કોરા ચેક પર સહી કરવાની થાય તોપણ દરબાર વિના સંકોચે તે કરતા. દીવાનજીને લઈને દોલતસિંહ દરબાર બાપાશ્રીના દિવ્યયોગમાં આવી ગયા.
એક દિવસ સાનુકૂળ વાતાવરણ હતું. દોલતસિંહ દરબાર સારા મુડમાં હતા. અને દીવાનજીએ દરબાર આગળ પ્રસ્તાવ મૂક્યો, “હે દરબાર ! જો તમે મને રજા આપો તો દર્શનમાત્રથી તમારો મોક્ષ કરે એવા એક સત્પુરુષ છે તેમને હું આપના દરબારમાં લઈ આવું.” પરંતુ દરબાર પોતે પોતાનાં લક્ષણોથી વાકેફ હતા. વિચક્ષણ ને બુદ્ધિશાળી હતા. દરબારને લાગ્યું કે, દીવાનજી ટાઢા પહોરનાં ગપ્પાં તો મારતા નથી ને ? આ વિચારથી દોલતસિંહ હસવા લાગ્યા. તેમને પોતાને લાગ્યું કે, દીવાનજી જે વાત કહે છે તે તદ્દન અશક્ય બાબત છે. પોતાના જીવન પર એક આછેરી દૃષ્ટિ નાખતાં જ દરબાર સમજીને બોલ્યા, “ઝવેરભાઈ ! તમે જાગ્રત અવસ્થામાં તો છો ને ! મારું કલ્યાણ કરે તેવો આ જગતમાં કોઈ જન્મ્યો હોય તેવું મને લાગતું નથી. પરંતુ તને વિશ્વાસ છે તો તું તેમને અહીં લાવી શકે છે. મને તારા ઉપર પૂરો ભરોસો છે.”
ઝવેરભાઈ મનમાં રાજી થઈ ગયા. સંવત ૧૯૮૨ની સાલ હતી. આ અરસામાં બાપા મૂળી પધારેલા. ઝવેરભાઈ બાપા પાસે પહોંચ્યા. સદ્ગુરુ ઈશ્વરસ્વામીની હાજરીમાં બાપાશ્રીને વાત કરી, “બાપા ! લીંબડીમાં દોલતસિંહ દરબાર છે તેમના દરબારમાં હું દીવાનપદું સંભાળું છું. આ દરબાર બધી વાતે પૂરા છે ને પાપના પર્વત છે. પણ તેનું કલ્યાણ કરવાનું છે. જો આપ ત્યાં પધારો અને તેનો મોક્ષ થાય તેવી કૃપા કરો તો સારું.” ઝવેરભાઈએ બાપાને વિનંતી કરી.
બાપાશ્રીએ કૃપા કરી હા પાડી. મૂળી તથા અમદાવાદના મોટા મોટા ત્રીસ સદ્ગુરુ સાથે બાપાશ્રી લીંબડી પધાર્યા. મોટો દરબાર ભરાયો હતો. બાપુ દોલતસિંહ સિંહાસન પર આરૂઢ હતો. બાપાશ્રીએ સદ્ગુરુઓની વચ્ચે આવીને આસન ગ્રહણ કર્યું. ઝવેરભાઈના કહેવાથી દરબાર ઊભા થયા. બાપાશ્રીનું ચંદન ચર્ચી પૂજન કર્યું. અને જેવું પૂજન કર્યું કે તરત આહાહા... અંતરમાં શાંતિ અને સુખનો શેરડો પડ્યો. ટાઢું-ટાઢું થઈ ગયું. પછી ઝવેરભાઈએ બાપાને આગ્રહ કર્યો કે, “બાપા ! આપ થોડી વાતો કરો તો સારું.”
બાપાશ્રી કહે, “દરબાર ! અમારી વાતો તમને નહિ સમજાય. તમારે વાતોનું કામ છે કે વાતોના ફળનું ? માટે તમે તમારો દેહાંત સમો આવે ત્યારે અમને યાદ કરજો. જાઓ, અમે તમને ધામમાં તેડી જઈશું.”
દરબાર પાકા અને વિચક્ષણ હતા. તેઓ કહે કે, “બાપા ! આ તો ઝવેરભાઈએ મને કહેલું કે દર્શનમાત્રથી કલ્યાણ કરે તેવા સત્પુરુષને હું લાવું છું. તો મેં એ વખતે હા પાડી હતી. આ તો તમે વાયદાનો વેપાર કર્યો. અમે રહ્યાં રજવાડી માણસ, અમારા દેહનો શો નિરધાર ! તમે એ વખતે ન સંભારો તો તો મારું કલ્યાણ થાય નહિ ને !! માટે આમ વાયદાની વાત નહિ, રોકડની વાત કરો.”
બાપાશ્રી તો આજ અઢળક ઢળ્યા. તેઓ બોલી ઊઠ્યા, “દરબાર ! જાવ તમે અમને સંભારો કે ન સંભારો પણ તમારા દેહાંત સમયે શ્રીજીમહારાજ અને અમે તમને સંભાળી લઈશું.” આમ, આશીર્વાદનો ધોધ વરસાવ્યો. આ પ્રસંગમાં કીર્તનની પંક્તિના શબ્દો સાકાર થતા દેખાય છે...
“નથી સાધન કે બુદ્ધિનું આ કામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ,
રાખો પાકો વિશ્વાસ છે જે આ ઠામ જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે.”
અને બન્યું પણ એવું જ દોલતસિંહ દરબારનો દેહાંત સમય આવ્યો ત્યારે શ્રીજીમહારાજ અને બાપાશ્રી તેમને દર્શન દઈ ધામમાં તેડી ગયા.