કોઈના બદલે કોઈને ધામમાં લઈ ગયા હોય

પુષ્પ ૧ : સદ્‌.ઈશ્વરસ્વામીને બદલે દેવચરણસ્વામીને તેડી ગયા

સદ્‌ગુરુ ઈશ્વરસ્વામી એટલે બાપાશ્રીનું હૃદય. બાપાશ્રી વિષે તેમને અપાર પ્રીતિ. તો બાપાશ્રીને પણ સદ્‌ગુરુશ્રી વિષે માતૃવત્સલ ભાવ.

સંવત ૧૯૫૮માં સદ્‌. ઈશ્વરસ્વામી પોતાના સંતમંડળે સહિત ગામડે ગામડે વિચરણ કરતા ઢઢાલ ગામે આવ્યા. તે દરમ્યાન તેમની તબિયત નરમ રહેતી. તેથી શરીરે કસર જણાતી. તેમને કમળાનાં ચિહ્‌નો દેખાતાં હતાં. પરંતુ જેમને વિષે દેહ ન હોય તે દેહ સામું તો જુએ જ ક્યાંથી ? દેહ સામું દુર્લક્ષ્ય સેવવાથી કમળાનો રોગ વધતો ગયો અને દવા બરાબર કરી નહીં. પરિણામે કમળામાંથી કમળીનો રોગ લાગુ પડ્યો. હવે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ કેમ કે કમળીનો રોગ જીવલેણ હોય છે.

સદ્‌ગુરુએ વિચાર કર્યો કે, ‘કમળી એ અસાધ્ય રોગ ગણાય. એટલે હવે દેહનો કોઈ નિર્ધાર નથી. તે તો ગમે ત્યારે પડી જાય. પરંતુ જો બાપાશ્રીના ચરણોમાં દેહોત્સવ થાય તો સારું.’ આવા વિચારે તેમણે વૃષપુર જવાનો નિર્ણય કર્યો.

સદ્‌ગુરુશ્રી અમદાવાદ પધાર્યા. હરિભક્તોના આગ્રહને લીધે અમદાવાદ ખાતે એક ચિતારા સ્વામી વૈદ હતા. તેમને સ્વામી મળ્યા ને પોતાના રોગની બધી વાત કરી. વૈદે તેમને કહ્યું કે, “હું આપને દવા-ભસ્મ આપું છું તે તમે નિયમિત લેશો તો કમળીનો રોગ નાબૂદ થઈ જશે. પણ એ દવા નહિ લો તથા ચરી નહિ પાળો તો શિયાળા-ઉનાળામાં તો વાંધો નહિ આવે, કમળીનો રોગ દેખો નહિ દે. પરંતુ, ચોમાસામાં જરૂર થશે અને તે રોગ જીવલેણ નીવડશે.” આવી વાત કરી તે સાંભળી સદ્‌ગુરુશ્રીએ દવા લેવાનો વિચાર જ માંડી વાળ્યો અને કાંઈ પણ લીધા વગર બાપાશ્રી પાસે જ જવું તેવો નિર્ણય લીધો.

વૃષપુર જવા માટે દીર્ઘ અંતર કાપવું પડે. તેથી તેઓ અંજાર, ભૂજ વગેરે સ્થળોએ થઈ વૃષપુર આવી પહોંચ્યા. જે ગામમાં બાપાશ્રી બિરાજતા હતા તે વૃષપુર ગામમાં પધાર્યા અને મનમાં હાશ અનુભવી. મંદિરનાં પગથિયાં વચ્ચે જ બાપાશ્રીનાં દર્શન થઈ ગયાં. બાપાશ્રી તો સદ્‌ગુરુના કહેલા બધા જ સંકલ્પો જાણતા હતા. તેથી તરત જ અંતર્યામીપણે કહ્યું, “સ્વામી ! તમે દર વખતે આવો છો તે સત્સંગના હેતુથી આવો છો, પણ આ વખતે તમે તેવા હેતુથી નથી આવ્યા. ભલે તમે અંતર્ધ્યાન થવાનો સંકલ્પ લઈને આવ્યા છો. પરંતુ મહાપ્રભુએ અમને જણાવ્યું છે કે અમે તમને એમ કાંઈ સહેલાઈથી નહિ જવા દઈએ. અમારે તો આ લોકમાં તમારું ઘણું કામ છે. તમારા દ્વારા તો અનંતને મૂર્તિસુખના ભોગી કરવા છે.”

ત્યારે સદ્‌ગુરુ ઈશ્વરસ્વામી કહે, “બાપા ! દયાળુ ! આપના સંકલ્પો બહુ પ્રચંડ છે. પરંતુ મને કમળી થઈ છે તેથી ઘણા વખતથી કાંઈ મહારાજને જમાડી શકાતું નથી. હવે તો દેહ પણ ઝાઝો ટકે તેમ લાગતો નથી. તેથી મૂર્તિના સુખમાં વ્હેલા પહોંચી જવાય એવો સંકલ્પ છે.”

ત્યારે બાપાશ્રી કહે, “આપણે કોઈ પ્રકારનો સંકલ્પ જ ન કરવો. શ્રીજીમહારાજ જેમ રાખે તેમ રહેવું. અમને એમ જણાય છે કે મહાપ્રભુએ તમને રાખવાના છે. માટે તમે ઉતાવળ કરશો નહીં. હજુ તમારા દ્વારા ઘણાના મોક્ષ થશે.” બાપાશ્રીનાં આવાં અમૃતવચનો સાંભળી સદ્‌ગુરુશ્રીએ પોતાનો સંકલ્પ ફેરવી નાખ્યો. તેઓ સંકલ્પ કેમ ન ફેરવી શકે ? તેઓ તો સ્વતંત્ર હતા. તેમને કોઈની રજા લેવા જવાનું જ નહોતું. પછી સદ્‌ગુરુશ્રી કહે, “ભલે બાપા ! જેવી આપની મરજી.” બાપાશ્રીએ પણ મહાપ્રભુના સંકલ્પોના પ્રવર્તન માટે સદ્‌ગુરુશ્રીને આગળ કર્યા હતા. વળી, સદ્‌ગુરુશ્રી દ્વારા મહાપ્રભુનો સંકલ્પ બહુ મોટો હતો. તે વાતને બાપાશ્રી સારી રીતે જાણતા હતા. તેથી જ સદ્‌ગુરુશ્રીને પોતે રાખ્યા.

ઠાકોરજીના થાળ થયા. તે વખતે બાપાશ્રી સદ્‌ગુરુશ્રીની પાસે આવીને બેઠા અને સંતોને કહીને સ્વામીના પત્તરમાં રોટલો આપવા જણાવ્યું. ત્યારે સદ્‌ગુરુશ્રીએ બાપાને કહ્યું કે, “બાપા ! મારાથી નહિ જમાય.” ત્યારે બાપા કહે, “અરે સ્વામી ! કેમ આમ બોલો છો ? આને દવા-ઔષધની પેઠે જમાડી જાઓ. આ રોટલાની પ્રસાદી તો કમળી મટાડી દેશે !”

પછી તો બાપાશ્રીના આશીર્વાદથી સદ્‌ગુરુ ઈશ્વરસ્વામીએ રોટલો જમાડ્યો અને રોગ જડમૂળથી ગયો.

સંવત ૧૮૫૮નો આ પ્રસંગ બન્યો. તે વખતે સદ્‌ગુરુશ્રીની ઉંમર ૪૦ વર્ષની માંડ હતી. મહાપ્રભુ તથા બાપાશ્રીએ તેમને દયા કરીને રાખ્યા. પરંતુ એક નવીન ઘટના બની ગઈ.

સદ્‌ગુરુશ્રીને બદલે સાથે નવા આવેલા સ્વામી ભગવત્ચરણદાસજી સ્વામીના નવા સાધુ બળદેવચરણદાસજી માંદા પડ્યા. તેમને તે જ દિવસે તાવ આવ્યો. તાવ ઊતરે જ નહીં. મંદવાડ દિવસે દિવસે વધવા માંડ્યો. અને ગણતરીના દિવસોમાં તો મહારાજ અને બાપા દર્શન દઈ ધામમાં તેડી ગયા.

ત્યારે સદ્‌. વૃંદાવનસ્વામીએ પૂછ્યું કે, “બાપા ! એ સાધુને મહારાજે ક્યાં મૂક્યા ?” ત્યારે બાપાએ કહ્યું કે, “સદ્‌. ઈશ્વરસ્વામી અહીં દેહ મૂકવાનો સંકલ્પ કરીને આવ્યા હતા. તો તેમના સ્થાને આ સાધુને ઠેઠ મહારાજના સુખમાં મૂકી દીધા.” કેવી અદ્‌ભુત લીલા ! કેવો જીવનો અદલોબદલો કરી દીધો !

પુષ્પ ૨ : મોહનના બદલે મને લઈ જાવ પણ એને રાખો

ધ્રાંગધ્રામાં સોની લીલાધરભાઈનો પરિવાર વસતો. સમગ્ર પરિવારને બાપાશ્રી વિષે ખરેખરું હેત. બાપા સાથે આગવી પ્રીતિ અને આકંઠ મહિમા વર્તતો.

સંવત ૧૯૭૯ની સાલમાં લીલાધરભાઈ સોની સપરિવાર વૃષપુર બાપાશ્રીનાં દર્શને શાંતિથી જોગ-સમાગમ થાય તે હેતુથી થોડા દિવસો માટે રોકાયો. બાપાશ્રીએ પણ તેમનો સંકલ્પ જાણીને તેમને બહુ સુખ આપ્યું. જતી વખતે કુટુંબના સભ્યો ફરી દર્શન કરવા આવ્યા. એ વખતે લીલાધરભાઈનો નાનો દીકરો મોહન બાપા પાસે દર્શન કરી આગળ વધવા ગયો, એટલામાં બાપાએ તેનું કાંડું પકડ્યું. પછી બાપાશ્રી બોલ્યા, “તને અમારે સેવામાં રાખવો છે.” આટલું કહી બાપાશ્રીએ કાંડું મૂકી દીધું અને માથે હાથ મૂકી રજા આપી. પરંતુ મોહન માટે બાપાએ જે મર્મવચન કહ્યાં તે અંગે લીલાધરભાઈ કાંઈ સમજી ન શક્યા. પણ સમય આવ્યે ખબર પડે.

આ વાતને બે વર્ષ વીતી ગયાં. એક વાર બાપાશ્રી સંતોને ગામડે જઈ આવવાની ભલામણ કરતા હતા. તે જ વખતે બાપાશ્રીએ બીજા સ્વરૂપે ધ્રાંગધ્રામાં મોહનને દર્શન આપ્યાં અને કહ્યું કે, “તને પૂનમના રોજ બપોરે ૧૨ વાગ્યે મહારાજ સાથે અમે ધામમાં તેડી જઈશું.”

આ વાત મોહને તેના પિતા લીલાધરભાઈને કહી. તે સાંભળીને લીલાધરભાઈએ તરત વૃષપુર બાપાશ્રીને તાર કર્યો, “બાપા ! મોહનના બદલે આપ મને ધામમાં લઈ જાવ પણ એને રાખો.” આ તાર સોની મોતીભાઈ ઉપર આવ્યો તેથી તેમણે પણ બાપાશ્રીને આવી જ પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ તેનો ઉત્તર તાર દ્વારા જ અપાવ્યો કે, “જાવ તમારી પ્રાર્થના મંજૂર.” કેવી અદ્‌ભુત લીલા! મોહનને ધામમાં લઈ જવાના હતા તેને બદલે લીલાધરભાઈની પ્રાર્થના સાંભળી તત્કાળ તે મંજૂર કરીને ઉત્તર આપવો એવું તો સત્પુરુષ જ કરી શકે કે જેમના કર્તા શ્રીજીમહારાજ હોય ! જેના ઘરની વાત હોય તે જ ખરું રહસ્ય જાણે. બીજાને શું ખબર પડે ?

આ બાજુ બાપાશ્રીએ મોહનને ફરીવાર દર્શન આપી જણાવ્યું કે, “હવે તને હમણાં રાખીશું.” એમ કહી તેને જમવાની આજ્ઞા કરી, “તું આજે ભાવે તેટલી ઘીવાળી લાપસી જમજે. એટલે તારો મંદવાડ મટી જશે.” ૫-૭ દિવસમાં તો તે સાજો થઈ ગયો. બીજી બાજુ લીલાધરભાઈ માંદા પડ્યા અને મહારાજ તથા બાપાશ્રી તેમને ધામમાં તેડી ગયા. આ રીતે અદલોબદલો કરવાની અલૌકિક રીત જોઈ તાર માસ્તર મણિલાલ પણ સત્સંગી થયા.

પુષ્પ ૩ : નઘાના બદલે મને ધામમાં લઈ જાવ

કાણોતર ગામના બાપુભાઈને બાપાશ્રીમાં ખૂબ હેત અને મમત્વબુદ્ધિ. આ બાપુભાઈના દીકરાનું નામ હતું નઘો. સંવત ૧૯૬૪ની  સાલમાં એક વાર નઘો માંદો પડ્યો. માંદગી દિવસે દિવસે વધવા લાગી. નઘાના દાદા બોઘાભાઈ પટેલ તેના ખાટલા પાસે જ રહે, ત્યાંથી ખસે નહીં. સવાર-સાંજ નઘાની સારવાર કરે, તેની સાર-સંભાળ રાખે અને દવા વગેરે આપે. આમેય તેમને નઘા ઉપર ઘણું હેત હતું. નઘાને કંઈ પણ થાય તો તે દુઃખી દુઃખી થઈ જાય. નઘાના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી રહેતા.

એક વાર નઘાને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ દર્શન દીધાં અને કહ્યું કે, “નઘા ! ચાલ અક્ષરધમામાં..” નઘાની મરજી ધામમાં જવાની હતી એટલે તે તો રાજી રાજી થઈ ગયો. પરંતુ, તે તેના દાદા બોઘાભાઈને ઓળખતો હતો. તેથી તેણે બોઘા પટેલને વાત કરી. બોઘા પટેલને નઘા ઉપર અતિશય હેત. તેથી તેમણે જ્યારે જાણ્યું કે, મહારાજ અને બાપાશ્રી દર્શન આપી નઘાને તેડવા આવ્યા છે ત્યારે તેમણે પોતે તેના વતી ધામમાં જવાની સંપૂર્ણ તૈયારી દર્શાવી અને નઘાને કહ્યું કે, “તું બાપાશ્રીને વાત કર કે તારે બદલે મને ધામમાં લઈ જાય તો કેમ ?”

બોઘા પટેલની વિનંતી સાંભળી નઘાએ બાપાશ્રીને અરજી કરી. ત્યારે બાપાશ્રીએ ઉત્તર આપ્યો કે, “જો, તારા દાદા તું સૂતો છે તે ખાટલા ફરતા પાંચ પ્રદક્ષિણા કરે, પાંચ દંડવત પ્રણામ કરી પ્રાર્થના કરે જે, ‘નઘાને બદલે મને લઈ જાવ તો જરૂરથી લઈ જઈએ’.” નઘાના માટે તેના દાદા કંઈ પણ કરવા તૈયાર હતા. તેથી બાપાશ્રીના કહ્યા પ્રમાણે તેમણે પાંચ પ્રદક્ષિણા અને પાંચ દંડવત કરી પ્રાર્થના કરી કે, “હું બહુ રાજી છું અને તમે નઘાને બદલે મને ધામમાં તેડી જાવ.”

આમ કહ્યું કે તરત જ નઘો ખાટલામાંથી બેઠો થયો અને બોઘા પટેલને મહારાજ ધામમાં તેડી ગયા.

વાહ ! કેટલું સામર્થ્ય ! અનાદિમુક્ત સિવાય અન્ય કોઈ આવી અદલો-બદલો કરવાની સામર્થી દર્શાવી જ ન શકે !