સ્વભાવ બદલાવ્યા

કચ્છના કુંભારિયા ગામના બહુ મોટા શેઠ હતા હરજીભાઈ. જેઓને ઝરિયામાં કોલસાની બહુ મોટી કોલયરી ચાલતી હતી. દોમદોમ સાહેબી વચ્ચે મોટા થયેલા તથા સુખસાહેબીમાં જીવન જીવતા આ હરજીભાઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત તો બહુ સારા હતા, પરંતુ તેમના જીવનમાં રજોગુણ ખૂબ હતો. આ રજોગુણી સ્વભાવની જો કોઈ પુષ્ટિ ન કરે તો તેઓ સ્હેજમાં ક્રોધાયમાન થઈ જતા. સત્સંગમાં આવવાનું થાય તો ત્યાં પણ તેમનું રાજસી જીવન તો એવું ને એવું જ જોવા મળતું. બીજા બધા ભક્તોને જે ઉતારા અને સગવડ આપી હોય તેનાથી હરજીભાઈને બધું જ વિશેષ આપવું પડતું. સૂવામાં ઢોલિયા વગર ન ચાલે ને એય પાછો સામાન્ય ઢોલિયો નહિ; રજવાડી ઢોલિયો જોઈએ. પાળા ગરમ ગરમ ફૂલકા રોટલી કરી જમાડે ત્યારે તો જમે.

એક દિવસ જમવામાં સંતોએ દાળ બનાવેલી અને એમની ડિશમાં પીરસી હતી.  વાટકીમાં માત્ર દાળનું એક ફોતરું તરતું જોયું અને તેમનો પારો આસમાને પહોંચી ગયો. અતિશે ક્રોધાયમાન થઈ ગયા અને આક્રોશમાં બોલવા લાગ્યા, “અરર... તમારે મને મારી નાખવો છે ? આ ફોતરું દાળમાં રહ્યું જ કેમ ?” આવો તો ઠાઠ હતો. બે-ચાર પાળાને તો એમની સેવામાં જ રોકી દેવા પડતા. નહાવા માટે પણ ગરમ પાણી કરી આપે ત્યારે ન્હાય. મંદિરમાં સત્સંગ માટે આવવાનું પરંતુ આ બધાંમાંથી ઊંચા આવે તો કથાવાર્તા સાંભળવા આવે ને !

તેઓ વર્ષમાં એકાદ-બે વાર ભૂજ આવતા. આ દરમ્યાન મંદિરે જવાનું ઓછું તથા કથાવાર્તામાં બેસવાનું પણ ઓછું. માત્ર ખાવું, પીવું, સૂવું અને વાતો કરી મોજ-મજા કરવી આમાં એમનો દિવસ વીતી જતો. તેમની ૭૦ વર્ષની ઉંમર થયેલી. પરંતુ યુવાન અવસ્થામાં રાજસી જીવનમાં અને અત્યારે ૭૦ વર્ષની ઉંમરે પણ તેમના જીવનક્રમમાં કોઈ જ ફેરફાર જોવા મળતો નહીં. એ જમાનામાં આટલી મોટી ઉંમરે પણ તેઓ ૭૦ રૂપિયાના જોડા પહેરતા. ટૂંકમાં, દેહનો અતિશે આદર કરતા અને દેહને કારસો પડે તેવું બિલકુલ ન ગમતું. આવું સુખી-રજોગુણી જીવન તેમનું હતું.શું આવા સ્વભાવ બદલી શકાય ખરા ? આ લોકમાં લોકો તો કહે છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એટલે કે છેલ્લા શ્વાસ સુધી સ્વભાવમાં પરિવર્તન ન થાય. પરંતુ જો સાચા સત્પુરુષ મળે કે જે સ્વભાવ પ્રકૃતિથી પરનું સ્વરૂપ છે - એ મળે તો સહજમાં સ્વભાવનું પરિવર્તન કરાવી દે ને એવા દિવ્યપુરુષ હતા બાપાશ્રી.

સંવત ૧૯૫૭ની સાલમાં એક વાર બાપાશ્રી ભૂજ પધારેલા. યોગાનુયોગ હરજીભાઈની રૂમની પાસે જ બાપાશ્રીનો ઉતારો ગોઠવાયેલો. બાપાશ્રી તો અનંતને દેહભાવનાં બંધન તોડાવી મૂર્તિરૂપ કરવા આવ્યા હતા. એટલે સવાર થતાં જ બાપાશ્રીએ તો ઓસરીમાં બેસી વાતો કરવા માંડી. ‘બાપાશ્રીની વાતો મૂર્તિમાં રમાડનારી છે આ તો.’ એ મુજબ બાપાશ્રીએ મૂર્તિની વાતો કરવા માંડી. મૂર્તિધારીને થતી આવી વાતો હરજીભાઈ પોતાના ઉતારામાં સરસ મજાના  ઢોલિયા પર સૂતાં સૂતાં સાંભળતા હતા. કોણ જાણે શું થયું ? આજે તેમને એવો અનુભવ થવા લાગ્યો કે આ બધી જ વાતો મારા ઉપર થાય છે અને મારા માટે જ થઈ રહી છે. આ વિચારથી હરજીભાઈને અનુતાપ અને પશ્ચાત્તાપ થયો. જેથી આ વાતોની હૃદયસ્પર્શી ચોંટ લાગી.

તેમને વિચાર થયો... ખરેખર મારામાં જે જે કસર છે તે ઉપર જ અંતર્યામીપણે બાપાશ્રી વાતો કરી રહ્યા છે. શું આટલી બધી કસર મારામાં છે ? અને પછી તો જેમ જેમ વાત સાંભળે તેમ તેમ પોતા ઉપર લેતા જાય અને દોષો અને કસરો રહેવાનું દુઃખ વ્યક્ત કરતા જાય.

બીજે દિવસે તો હરજીભાઈએ ઢોલિયાને છોડી દીધો અને બાપાશ્રીના સાંનિધ્યમાં આવી નીચે બેસી કથા સાંભળવા માંડી. થોડા દિવસ આમ ચાલ્યું અને તેમને પોતાના દોષો ઓળખવાની સાથે ટાળવા માટે થતા પ્રયત્નથી ટળતા જણાયા. જેથી બાપાશ્રીને વિષે અહોહોભાવ પ્રગટ્યો કે, “અરર... મારામાં તો દોષોનો ભંડાર ભર્યો છે અને આ બાપાએ મારા ઉપર ઘણી મહેર કરી તે મારા દોષો ઓળખાવ્યા. જો એ મને ન મળ્યા હોત તો મારું શું થાત !”

હવે તો ચટકી લાગી હતી કે, ગમે તેમ થાય પણ મારે મારા દોષો ને કસરો ટાળવાં જ છે. એ માટે તેમને વધુ ને વધુ કથા સાંભળવાની લગની લાગી. થોડા દિવસમાં તો બાપાશ્રી વૃષપુર જવાના છે તેવી જાણ થતાં આકુળવ્યાકુળ બની ગયા. આ બાપા જતા રહેશે તો મારા દોષો ઓળખાવશે કોણ ? અને ટળાવશે કોણ ? પરંતુ ભૂખ જાગી હતી એટલે તેઓ સંસારવ્યવહારને ગૌણ કરી તૈયાર થયા ને ત્યાં પહોંચી સમાગમ ચાલુ રાખ્યો. જીવનમાં ભારોભાર પસ્તાવો થયો.

બસ, તે દિવસથી વળતાં પાણી થયાં કહેતાં પરિવર્તનનો પવન ફૂંકાયો. જીવન આખું બદલાઈ ગયું. જે હરજીભાઈ સંપૂર્ણ રાજસી જીવન જીવતા હતા એ જ હરજીભાઈ સાવ સાદાં વસ્ત્રો પહેરવા લાગ્યા. તાંસળામાં બાજરાનો રોટલો ચોળી માંહી છાસ નાખી પી જતા. ભોંયપથારીએ સૂવા લાગ્યા. ઢોલિયાનો સદંતર ત્યાગ કરી દીધો. બસ, એક જ વખત જમવાનું અને આખો દિવસ ધ્યાન કરવાનું. પારસના સંગે લોઢું સોનું ના થાય તો પારસ કેવી રીતે કહેવાય ?! તેમ આ બાપાશ્રીના સંગે આવાનાં જીવન પરિવર્તન ન થાય તો બાપા શાના ?!

હવે તો હરજીભાઈને બળદિયા અને બાપાશ્રી સિવાય બીજું કાંઈ જ નહોતું ખપતું.  તેઓ બાપાશ્રીની પાસે જ રહેતા. તેમને બાપાશ્રીના દિવ્ય સાંનિધ્યમાં મૂર્તિસુખનો ઓડકાર આવતો.આવા હતા આપણા બાપાશ્રી!!! જેમણે આવા આવા તો હજારોનાં પરિવર્તન કરી દીધાં છે.