બાપાશ્રીનો અંતિમ મંદવાડ તથા મર્મવચનો

શ્રીજીમહારાજના સંકલ્પથી બાપાશ્રી આ બ્રહ્માંડમાં પધાર્યા અને અનંતજીવોને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના સમજાવી. સાથે અનાદિમુક્તની સ્થિતિનું છડેચોક પ્રવર્તન કરી અનંતજીવોને મહાપ્રભુની મૂર્તિના સુખભોક્તા કર્યા. બાપાશ્રીના જોગ-સમાગમે આવનારો બહુધા સમાજ સંપૂર્ણ મહિમાવાળો અને બાપાશ્રીને વિષે દિવ્યભાવ સમજનાર હતો. પરિણામે બાપાશ્રીનો જોગ-સમાગમ મૂકીને જવાની કોઈને ઇચ્છા થતી જ નહીં.

તો વળી બાપાશ્રી પણ હેતરુચિવાળા સંતો-હરિભક્તોને સુખિયા કરવા અવારનવાર મોટા-મોટા યજ્ઞો કરતા તો વળી પારાયણોનું નિમિત્ત ઊભું કરીને સૌને ભેગા કરતા. આમ બાપાશ્રીને વિષે દિવ્યભાવ સમજનારા તથા નિકટ રહેનાર સમાજ માટે તો બાપાશ્રી જીવનપ્રાણ હતા. પરિણામે બાપાશ્રી પણ એ સંતો-હરિભક્તોથી દૂર જવાનું પસંદ કરતા નહીં. અને જ્યારે એમનાથી દૂર જવાનો (અંતર્ધ્યાન થવાનો) સંકલ્પ કરતા ત્યારે સૌ સંતો-હરિભક્તોનાં મહિમા, પ્રેમ અને પ્રાર્થનાને લીધે એ સંકલ્પને પાછો ઠેલી દેતા.

સંવત ૧૯૪૮ના વૈશાખ-જેઠ માસમાં બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો. ત્યારે સદ્‌ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરી તેથી બાપાશ્રીએ અંતર્ધ્યાન થવાનું ટાળ્યું.

સંવત ૧૯૭૫માં પણ બાપાશ્રીએ મંદવાડની રીત એવી જ દેખાડી હતી. છેલ્લી અવસ્થા પણ કરેલી જે બધાં મંદિરોમાં રસોઈ આપવી તથા થાળ કરવા. આટલી કોરીની આમ સેવા કરવી, આટલી કોરી અહીં વાપરવી એમ લખત કરી, સૌને રાજી કરી રજા માગી તૈયાર થયેલા; પણ તે વખતે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી તથા સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામી તથા સદ્‌.વૃંદાવનદાસજી સ્વામી આદિમુક્તોની પ્રાર્થનાને લીધે બાપાશ્રીએ અંતર્ધ્યાન થવાનો સંકલ્પ ફેરવી નાખ્યો હતો.

સંવત ૧૯૮૨ના ભાદરવા માસમાં પણ બાપાશ્રીએ મોટો મંદવાડ ગ્રહણ કર્યો હતો. ત્યારે તો સૌને એમ જ થયું જે આ ફેરે તો બાપાશ્રી નક્કી અંતર્ધ્યાન થઈ જશે. પરંતુ એ વખતે પણ સદ્‌ગુરુઓ તથા ગામોગામથી હેતરુચિવાળા હરિભક્તો આવી ગયા. તે સર્વેને જોઈને બાપાશ્રીને દયા આવી અને એ વખતે પણ અંતર્ધ્યાન થવાનો સંકલ્પ ટાળી દીધો.

સંવત ૧૯૮૪ ના જેઠ-અષાઢ માસમાં બાપાશ્રીએ અલૌકિક લીલા આદરી. બાપાશ્રી જાણતા હતા કે પોતે જો એકદમ મંદવાડ ગ્રહણ કરશે તો સૌ સંતો-હરિભક્તો ઉદાસ થઈ જશે અને પ્રાર્થના-સ્તુતિ વગેરે કરશે તેથી પોતાનો અંતર્ધ્યાન થવાનો સંકલ્પ પૂર્ણ નહિ થાય. બાપાશ્રી હવે અવરભાવમાં વધુ દર્શન આપવાનું ઇચ્છતા નહોતા. વળી સૌ સંતો-હરિભક્તોને પણ એવું ન રહે જે છેલ્લા સમયે પણ અમારાથી બાપાશ્રીનાં દર્શન-સમાગમનો લાભ ન લેવાયો તથા સૌ રાજી થકા સત્સંગમાં મહાપ્રભુની આજ્ઞા મુજબ રહે, તે માટે સૌને સુખિયા કરી અંતર્ધ્યાન થવાનો સંકલ્પ કર્યો.

બાપાશ્રીએ અંતિમ મંદવાડ ગ્રહણ કરતા પહેલાં મોટો જગન (યજ્ઞ) કરવાનો ઠરાવ કર્યો. વળી સૌ સંતો-હરિભક્તોને જણાવ્યું જે, “અમારે આ યજ્ઞમાં દેશોદેશ પત્રિકાઓ મોકલવી છે અને સૌ સંતો-હરિભક્તોને ભેળા કરી ખૂબ સુખ આપવું છે. માટે તમને સૌને યજ્ઞના સમાચાર મળે કે તુરત જ આવી પહોંચજો.” વળી સૌ સંતો-હરિભક્તોને દર્શન-સમાગમની તથા યજ્ઞમાં આવવાની ત્વરા રહે તે માટે બાપાશ્રી અવારનવાર પોતાને અંતર્ધ્યાન થવાનાં મર્મવચનો બોલતા. જેથી સહુને એમ રહ્યા કરતું જે, બાપાશ્રી મર્મવચનો બોલે છે તે કાંઈ નવી લીલા ગ્રહણ કરી હશે અને અમારાથી દર્શન-સમાગમનો લાભ લેવાનું રહી જશે તો ?

બાપાશ્રીએ યજ્ઞ આરંભવાનું નક્કી કર્યું ત્યારે અવારનવાર એવું કહેતા જે, “આ ફેરે તો છેલ્લો યજ્ઞ કરવો છે. ને આખા સત્સંગ સમાજને તેડવો છે.” વળી સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામીને પણ મર્મમાં જણાવતાં કહેલું જે, “સ્વામી, આ ફેરે તો અમારે છેલ્લો યજ્ઞ કરવો છે માટે જ્યારે અમે તમને તેડાવીએ ત્યારે ઊડતા આવી જજો.” આમ આવાં મર્મભર્યાં વચનો સાંભળી સૌ મૂંઝાતા જે બાપાશ્રીએ શું કરવા ધાર્યું હશે ? પરંતુ કોઈ સમજી શકતા નહીં.

(હરિગીત છંદ)

અતિ ભીડ થઈ હરિજન તણી, બહુ ગામમાં ને સીમમાં,

સાથે રહે સઘળા જનો, નર નારી વરતે નિયમમાં;

શ્રી સ્વામિનારાયણ તણા, મુક્તો અનાદિ આંહીં છે,

કળિયુગમાં કલ્યાણકારી, આજ અબજીભાઈ છે... ટેક

સત્સંગી જીવનની કથા, સુધા સમાન મહાન જે,

સંભળાવવા સત્સંગીને, દઈ બ્રહ્મવિદ્યા જ્ઞાન જે;

મંડપ રચી મંદિર વિષે, સૌ સંત કીર્તન ગાય છે... કળિ ૦૧

શીરા અને સુખડી તણા, ત્યાં ગંજ રચિયા છે ઘણા,

પંક્તિ કરી બહુ પીરસે, પ્રેમી જનોમાં નહિ મણા;

આ યજ્ઞની જ પ્રસાદીને, અજ ઈશ આદિ ચહાય છે... કળિ ૦૨

સૌ સંઘ ઊતર્યા સીમમાં, વાડી તણા મેદાનમાં,

બહુ મંડળી ઉચ્છવ તણી, ગુલતાન થઈ છે ગાનમાં;

હરિ વાતનો હિલ્લોલ, બ્રહ્મ કિલ્લોલ ત્યાં થાય છે... કળિ ૦૩

વડતાલ, અમદાવાદ, ગઢપુર ગામ ને મૂળી તણાં,

સંતો પધાર્યા સ્નેહથી, આનંદ ઉચ્છવમાં ઘણા;

બળદિયા છપૈયા બીજું, જગતમાંહી જણાય છે... કળિ ૦૪

મહારાજ આવા મુક્તને, બ્રહ્માંડ માંહી મોકલે,

અનેક જીવ ઉદ્ધારવાને, મોક્ષની જ ઋતુ ફળે;

જેના પ્રતાપે જીવ સઘળા, બ્રહ્મ રૂપે થાય છે... કળિ ૦૫

અતિ ધન્ય ધન્ય કહો ઘણા, સહુ બળદિયાના વાસીને,

જેણે ઉતારા આપિયા, નિજ ઘેર તીરથવાસીને;

શું કહું સેવાભાવ જેનો, શ્રીહરિ જ્યાં સ્હાય છે... કળિ ૦૬

સૌ સંત હરિજન સ્હાય કરજો, એ જ વિનંતી આપને,

કવિ માવદાન ઉપર કરો, કરુણા જપી શુભ જાપને;

કવિતા રૂપી છે ભેટ કવિની, મોક્ષદાન મગાય છે... કળિ ૦૭

અંતે બાપાશ્રીએ નક્કી કર્યા મુજબ મોટો યજ્ઞ આરંભ્યો, જેમાં હજારો સંતો અને હરિભક્તો બાપાશ્રીનાં દર્શન-સમાગમથી કૃતાર્થતા અનુભવી રહ્યા. પરંતુ આ યજ્ઞ દરમ્યાન પણ બાપાશ્રી અવારનવાર મર્મવચનો જણાવતા હતા. જેમ કે, “યજ્ઞના પ્રારંભમાં જ્યારે બાપાશ્રીના હસ્તમાં મંગળસૂત્ર બાંધવાનું થયું ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગોર મહારાજ ! કાંડું બરાબર બાંધજો ! આ મૂર્તિ ઊડી જાય એવી છે.” વળી સૌને કથાવાર્તાનું સુખ આપતા હોય ત્યારે પણ મર્મમાં કહી દેતા જે, “અમો પણ મહેમાન છીએ અને જવાની તૈયારીમાં છીએ.” વળી યજ્ઞ દરમ્યાન જે સંતો-હરિભક્તો બાપાશ્રીનાં દર્શન કરવા આવે તેમને પણ કહેતા જે “આમ દેહે કરીને જોડે રહેવાય કે ન રહેવાય પરંતુ મહાપ્રભુની મૂર્તિમાં તો આપણે સૌ ભેળા જ છીએ.” આવાં માર્મિક વચનો સાંભળી સૌ ઉદાસ થઈ જતા. સૌ અટકળે અનુમાન કર્યા કરે જે આ ફેરે બાપાશ્રી શું કરવા માંગે છે ? પરંતુ યથાર્થ તો કોઈ જાણી શકતું નહિ તેથી મૂંઝાતા. પરંતુ બાપાશ્રીનો પ્રેમ, રાજીપો તથા આશીર્વાદ આ બધું જુએ ત્યારે ઉદાસીનતા વિસરાઈ જતી. આમ બાપાશ્રીએ છેલ્લા યજ્ઞમાં સૌને મૂર્તિમાં રાખ્યાના કોલ આપ્યા.

યજ્ઞ પૂર્ણ થયા બાદ બાપાશ્રીને વિષે હેતરુચિવાળા સૌ સંતો-હરિભક્તો બાપાશ્રીનાં મર્મભર્યાં વચનોને લીધે સેવા-સમાગમનો વિશેષ લાભ લેવા રોકાયા. બાપાશ્રીએ પણ એ સૌને ખૂબ સુખિયા કર્યા. હેતરુચિવાળા સૌ સંતો-હરિભક્તો જ્યારે વિદાય લેવાના હતા ત્યારે પણ બાપાશ્રીએ સદ્‌ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીને રોકવાની ઘણી રુચિ દર્શાવી. પરંતુ સૌ સંતોના આગ્રહને લીધે સદ્‌ગુરુશ્રીને પણ જવું પડ્યું. સૌ સંતો-હરિભક્તોના વિદાય લીધા બાદ થોડા જ દિવસોમાં બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યા.

વળી અષાઢ સુદ ૩ને રોજ બાપાશ્રીને શરીરે મંદવાડ વધુ જણાતો હતો. તે રાત્રિના એક વાગ્યે બાપાશ્રી ઓચિંતાના બેઠા થઈ ગયા. ત્યારે સેવક પ્રેમજીએ જાગીને પૂછ્યું જે, “બાપા ! કેમ બેઠા થયા ? નહાવું છે ?” તે વખતે બાપાશ્રી એમ બોલ્યા જે, “પ્રેમજી બચ્ચા ! નહાવું નથી પણ જાવું છે.” આટલું સાંભળતાં જ પ્રેમજીએ વિચાર્યું જે, “બાપાશ્રી યજ્ઞમાં પણ આવાં જ મર્મવચનો બોલ્યાં હતાં. અને સદ્‌ગુરુશ્રી આદિ સંતોને વિદાય આપતી વખતે પણ તેમને રોકવાની ઇચ્છા જણાવતા હતા. તેથી જો આ મંદવાડ વધશે તો બાપાશ્રીની મરજી કેવી છે તેની કોઈને ખબર નહિ પડે.” એમ વિચાર કરે છે એટલામાં બાપાશ્રી બોલ્યા જે, “પ્રેમજી બચ્ચા ! તું સંકલ્પ કરે છે તેને હું જાણું છું.” ત્યારે પ્રેમજી કહે, “બાપા ! આજનું આપનું દર્શન સંકલ્પ કરાવે છે.” એમ કહી દિલગીરી જણાવી. ત્યારે બાપાશ્રી તેના ઉપર પ્રસન્ન થઈ બાથમાં ચાંપી હેત જણાવી મળ્યા અને કહ્યું જે, “આજે હું તને વાત કરું છું તે તારે કોઈને કરવી નહીં.” એમ કહી પોતાને અંતર્ધ્યાન થવાની વાત કરી જે, “હવે આ દેહ દેખાય કે નહિ તે મહાપ્રભુની મરજી. પરંતુ હું કાંઈ જાઉં એવો નથી. હું તો અખંડ છું. માટે તારે દુઃખી થવું નહીં. અને આ વાત તારે કોઈને કહેવી નહિ કારણ કે બધાયને ખબર પડે તો પ્રાર્થના-સ્તુતિ કરે અને મને જવા દે નહીં. પરંતુ હવે આ દેહે દર્શન દેવાની ઇચ્છા મહારાજની નથી. માટે તારે કોઈને કહેવું નહિ, તો હું તારા ઉપર ખૂબ રાજી થઈશ અને તને પણ ખૂબ સુખ આપીશ.” એમ કહી પોતાને અંતર્ધ્યાન થવાની વાત પોતાના અતિ વ્હાલા સેવક એવા પ્રેમજીને કરી.

અષાઢ સુદ ૪ને રોજ બાપાશ્રીએ અતિશે મંદવાડ જણાવ્યો અને જમાડવાની પણ ઇચ્છા દર્શાવી નહીં. સેવક પ્રેમજી જાણતો હતો જે આ બાપો અંતર્ધ્યાન થઈ જશે. પરંતુ બાપાશ્રીના વચને બંધાઈ ગયો હોવાથી કહી શકતો નહીં. સૌ સંતો-હરિભક્તો બાપાશ્રીની સેવા કરવામાં આમતેમ દોડાદોડ કરવા લાગ્યા. અને એમ કરતા કરતા રાત્રિના એક વાગ્યે બાપાશ્રીએ સૌ સંતો-હરિભક્તોને છેલ્લા આશીર્વાદ આપી સ્વતંત્રપણે લીલાવિગ્રહ બંધ કર્યો અને અંતર્ધ્યાન થયા.

બાપાશ્રી અંતર્ધ્યાન થયા એ સમયે ઘણાક સંતો-હરિભક્તોને બાપાશ્રીનાં દિવ્ય રૂપે દર્શન થયાં. અને અષાઢ સુદ ૫ને રોજ ગામોગામ એ સમાચાર પહોંચી ગયા કે બાપાશ્રી સ્વતંત્રપણે અંતર્ધ્યાન થઈ ગયા છે. આ સમાચાર વ્યાપતાં જ સમગ્ર સત્સંગ સમાજમાં જાણે કાળ પડ્યો કે શું ? તેવું વાતાવરણ સર્જાઈ ગયું.