મુક્તરાજ અબજીભાઈની અલૌકિક સ્થિતિને લીધે સમગ્ર સત્સંગ સમાજમાં તેઓ “સમાધિવાળા અબજીભાઈ”ના નામથી પ્રખ્યાતિ પામ્યા હતા. પૂર્વે હજારો ઋષિમુનિઓ તપ કરી કરીને રાફડા થઈ ગયા તેમ છતાં કોઈને સમાધિનો અનુભવ થયો નહોતો. જ્યારે અબજીભાઈને તો સાહજિકતાએ જ સમાધિ વર્તતી હતી. જેથી સૌ સંતો-હરિભક્તો મુક્તરાજની આ અલૌકિક સ્થિતિનાં દર્શન કરવા આવવા લાગ્યા.
એક દિવસ મંદિરમાં મોટી સભા ભરાઈને બેઠી હતી પરંતુ અબજીભાઈ સભામાં આવેલા નહીં. તેથી સૌ સંતો-હરિભક્તો એમની વાટ જોતા હતા. ત્યારે થોડી વારે અબજીભાઈ શ્વેત વસ્ત્ર ધારણ કરી સભામાં પધાર્યા અને મહાપ્રભુને દંડવત કરી સૌ સભાજનોને જય સ્વામિનારાયણ કહ્યા ત્યારે સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી બોલ્યા, “અબજીભાઈ ! તમને બધાય સંભારે છે.” ત્યારે અબજીભાઈ કહે, “તમારા જેવા મોટા સંત અમને સંભારે તેથી વિશેષ રાજીપો શું ?”
આમ કહી અબજીભાઈ તો ધ્યાનસ્થ સ્થિતિએ સભામાં બેસી ગયા. કથાવાર્તા પૂરી થઈ અને આરતી થઈ એટલે સૌ ઠાકોરજીનાં દર્શન કરવા ઊઠ્યા. પરંતુ અબજીભાઈ તો સમાધિમાં ચાલ્યા ગયા હતા તેથી તેઓ તો બેસી જ રહ્યા. તેમને જોઈ સ્વામીશ્રી બોલ્યા જે, “એમને કોઈ ઉઠાડશો નહીં.” એમ કહી એક હરિભક્તને મુક્તરાજશ્રીની પાસે બેસાર્યા. સૌ સંતો-હરિભક્તો આરતીનાં દર્શન કરી પાછા આવ્યા ત્યારે પણ અબજીભાઈ તો એમ ને એમ બેઠા હતા. સૌ સંતો-હરિભક્તો અડખેપડખે જાય, મહાપ્રભુનાં દર્શન કરે, સેવા કરે પરંતુ સૌની દૃષ્ટિ વારંવાર અબજીભાઈ સામું રહ્યા કરે. અબજીભાઈ તો મહાપ્રભુની મૂર્તિના સુખમાં ગુલતાન બની ગયા હતા. તે દોઢ-બે કલાકે જાગ્યા ત્યારે પાસે બેઠેલા હરિભક્તને પૂછ્યું જે, “આરતી થઈ ?” ત્યારે તે હરિભક્ત કહે જે, “અબજીભાઈ ! આરતી તો ક્યારનીયે થઈ ગઈ. હમણાં ઠાકોરજીના થાળ આવશે.” પછી તો મુક્તરાજશ્રી ઊભા થઈ ઠાકોરજીનાં દર્શન કરવા ગયા. તો ત્યાં પણ સંતો-હરિભક્તોની ભીડ મટે નહીં.
એક વખત તો અબજીભાઈ પોતાના ઘરે બેઠા બેઠા જ સમાધિમાં ચાલ્યા ગયા તે કોઈ રીતે સમાધિમાંથી બહાર આવે જ નહીં. એક, બે, પાંચ એમ કરતા સાત-સાત દિવસ વીતી ગયા, છતાં મુક્તરાજ તો સમાધિમાંથી બહાર આવે જ નહીં. પછી તો ઘરના સૌ સભ્યોએ તેમને જગાડવા માટે બહુ વાર ધૂન્ય કરી એટલે જાગ્યા અને કહ્યું જે, “આવી રીતે મને કદી જગાડશો નહીં.” એમ કહી તુરત જ પાછા સમાધિમાં ચાલ્યા ગયા. ફરીથી સમાધિમાં ચાલ્યા ગયા તે કેડે પંદર દિવસ પૂરા થયા. તે પંદરમા દિવસે પોતાની મેળે જાગ્રત થયા અને મંદિરે દર્શન કરવા પધાર્યા. મુક્તરાજ પંદર દિવસે સમાધિમાંથી જાગ્યા છે આ વાતની જાણ આખા ગામમાં થઈ તેથી સૌ અબજીભાઈનાં દર્શન માટે ઊમટી પડ્યાં. સૌને અબજીભાઈની અલૌકિકતાનાં દર્શન થયાં.