(૧) મૂળીમાં સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી સભામાં બેઠા હતા. ને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી મહિમા તથા સર્વોપરી ઉપાસના તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સર્વાવતારીપણું, સર્વ નિયંતાપણું, સર્વ કારણના કારણપણું, સર્વ કર્તાપણું, સર્વેશ્વરપણું યથાર્થપણે સૌને સમજાવતા હતા. તે વખતે કોઈક અધિકારી આવ્યો હતો તે એ વાત સાંભળીને બોલ્યો જે, “તમે સ્વામિનારાયણને ભગવાન કહો છો પણ તે તો હિન્દુસ્તાની બાવો હતા ને તેમણે ઘણાં સાધન સિદ્ધ કર્યા હતા ને યોગ સિદ્ધ કર્યો હતો. ઉગ્ર તપ કર્યું હતું તેથી મોટાપુરુષ તો ખરા; પણ તેમને ભગવાન કહો છો તે સમજાતું નથી.”
આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા જે, “તમારા હાથમાં એ વસ્તુ ન આવે. તમે તો આ લોકના ડહાપણમાં ગૂંચાઈ ગયા છો. પણ નાના લોકો કામ કાઢી જાય છે. પણ તમને બુદ્ધિના ડોડને લીધે સમજાતું નથી. જેમ એક વેપારી હિન્દુસ્તાનમાંથી રેલમાં ખાંડ ભરીને લાવતો હતો તે કોથળામાંથી વેરાતી વેરાતી અહીં સુધી આવી. તે કીડીઓ-મંકોડા આદિ પહોંચ્યા. તે ખાંડ જમીને ખૂબ સુખિયા થઈ ગયા. ને મોટાં મોટાં પશુઓ હતાં તેનાથી ખાંડ ન ખવાણી ને ભૂખ્યાં ને ભૂખ્યાં રહી ગયાં. તેમ કીડી જેવા નાના નિર્માની નિરહંકારી જીવો આ મુક્તના જોગે કરીને સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ઓળખીને મૂર્તિને સુખે સુખિયા થઈ ગયા. ને મોટાં મોટાં પશુ જેવા એટલે કે બહારવૃત્તિવાળા, શાસ્ત્રના ભારવાળા, બુદ્ધિના ડોડવાળા ને શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા તેમના સત્પુરુષોના વચનમાં વિશ્વાસ નહિ રાખનારા તમારા જેવા જનો, શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સત્પુરુષો કૃપા કરીને અનંત જીવોના કલ્યાણ કરવા પ્રગટ થયા, તોપણ ઓળખી શક્યા નહિ ને સુખ પણ આવ્યું નહિ, અને મોક્ષને માટે આ મનુષ્યજન્મ ભગવાને આપ્યો છે તથા ભગવાન પોતે પ્રગટ થયા છે, તેને ઓળખ્યા વિના મનુષ્યજન્મ એળે ગુમાવ્યો.” આવાં સ્વામીશ્રીનાં વચન સાંભળી તેને સ્વામીશ્રીનો ગુણ આવ્યો ને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો.
(૨) એક સમે વૃષપુરમાં એક કલાક સુધી કથા વાંચી ત્યાં સુધી સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી ધ્યાનમાં બેસી રહ્યા ને પછી જાગ્યા ને એક કલાક સુધી વાતો કરી. પછી સ્વામીશ્રીને જીવનપ્રાણ બાપાશ્રીએ પૂછ્યું કે, “આપ બહુ ધ્યાનમાં બેઠા ?” ત્યારે સ્વામીશ્રી બોલ્યા, “જે કપડવંજમાં ગણેશભાઈએ અમારી પાસે વર માગ્યો હતો જે તમો મને અંત સમે તેડવા આવજો. તે ગણેશભાઈએ આ ટાણે દેહ મૂક્યો, તેમને ધામમાં શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં મૂકી દીધા.”
(૩) શ્રીજીસંકલ્પ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી મૂળીમાં વિરાજમાન હતા ત્યાં વૃષપુરના કુંવરજીભાઈએ પૂછ્યું જે, “સમાગમ કરીએ ને વાત તો સમજાય નહિ ને યાદ પણ રહે નહિ તેને સમાસ થાય કે નહીં ?”
ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “ખેતરમાં ખૂબ વરસાદ વરસે પછી તેને ખૂબ ખેડીને તેમાં માળવણ જાર વાવે ને પછી વરસાદ ન થાય તોપણ તે જાર મોટાં મોટાં કણસલાં કાઢે ને જાર પાકે તેમ વાતો ન સમજાય તોપણ જીવમાં રહે છે ને અંત વખતે સાંભરી આવે છે. વળી બીજું દ્રષ્ટાંત જે જેમ ભાલ દેશમાં ઘઉં પીલતી વખતે બળદ આખા ને આખા ઘઉં ખાઈ જાય છે તે છાણ ભેળા નીકળી જાય છે પણ તેનો કસ રહે છે. તેમ આ વાતો ન સમજાય તોપણ બહુ સમાસ કરે ને સાંભળનારને દેશકાળ લાગવા દે નહીં.” એ કુંવરજીભાઈ જીવનપ્રાણ બાપાશ્રીની વાતો સાંભળીને એમ બોલ્યા જે, “જ્યારે સદ્ગુરુશ્રી પાસે વાતો સાંભળતો ત્યારે કાંઈ યાદ નો’તું રહેતું અને સમજાતું પણ નહિ પરંતુ આજે એ વાતો બધી સાંભરી આવે છે.” માટે જ્યાં સુધી મોટા પ્રત્યક્ષ વિરાજમાન હોય ત્યાં સુધી જોગ કરી લેવો. તે યાદ ન રહે તોપણ અંત વખતે કામમાં આવે છે.
(૪) સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી આસને બેઠા હતા અને વૃદ્ધાવસ્થાને લીધે અશક્તિ જેવું જણાવતા હતા. તે સમયે ત્યાં કોઈ હરિભક્ત આવ્યો અને સ્વામીશ્રીને પગે લાગીને ઉતાવળો બોલ્યો જે, “સ્વામી ! મારા ઉપર રાજી થાઓ, ને મારા માથા ઉપર હાથ મૂકો.” એમ બોલતો બોલતો પોતાના હાથથી સ્વામીશ્રીના બંને હાથ ઝાલી પરાણે ખેંચીને પોતાના માથે મૂક્યા. ત્યારે સ્વામીશ્રીએ તેમને કહ્યું કે, “ભાઈ ! એમ પરાણે હાથ મૂકાવવાથી શું થાય ? એમ તો તું બળિયો અને જાડો છે તે મને ઠામુકો ઉપાડીને માથે મૂકવા ધારે તોપણ મૂકી શકે. પણ તેણે કરીને કાંઈ રાજીપો થાય છે ?” માટે શ્રીજીમહારાજ ને મોટાની અનુવૃત્તિમાં રહી તેઓ જેમ રાજી થાય તેમ કરવું.
(૫) સ્વામીશ્રી વારંવાર વીસ-પચીસ ત્રીસ-ત્રીસ સંતો લઈને વૃષપુર જીવનપ્રાણ બાપાશ્રીની પાસે પધારતા અને મહિનો મહિનો, બબ્બે મહિના રહેતા. સંતો-હરિભક્તોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો કરતા, જીવનપ્રાણ બાપાશ્રીનો મહિમા સમજાવતા અને જીવનપ્રાણ બાપાશ્રી પણ સ્વામીશ્રી ભેળા રહેતા. ક્યારેક સ્વામીશ્રી વાતો કરતા કે, “અમે ફલાણા ગામના ફલાણા હરિભક્તને દેહ મૂકાવી ધામમાં મૂકી આવ્યા. લુણાવાડામાં એક હરિભક્તે દેહ મૂક્યો તેને સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી તેડવા પધાર્યા તેની સાથે અમે પણ હતા; તેને તેડી આવ્યા.” એવી ઘણી આશ્ચર્યકારી વાતો કરતા.
(૬) સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી અમદાવાદમાં હતા ત્યારે કેશવપ્રસાદજી મહારાજે શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજનો અમદાવાદમાં વરઘોડો ફેરવવા નક્કી કર્યું. તે સ્વામીશ્રીએ જાણ્યું અને કેશવપ્રસાદજી મહારાજને કહ્યું જે, “વરઘોડો ફેરવવો રહેવા દ્યો. શ્રીજીમહારાજની મરજી નથી માટે દુ:ખ ઊભું થશે.”
આ વાત કેશવપ્રસાદજી મહારાજે બધાને સંભળાવી. તેથી કેટલાક બોલ્યા જે, “સ્વામી તો બોલે પણ વરઘોડો ન ફેરવીએ તો સારું ન લાગે.” એમ કહી વરઘોડો ફેરવવા માંડ્યો ને માણેકચોક આગળ ગયા ત્યાં બંદૂકો ફોડતા હતા તે કોઈકને લાગી ગઈ અને ખૂન થઈ ગયું. તેથી ઝઘડો થઈ પડ્યો. તેથી વરઘોડો ત્યાંથી આગળ લઈ જઈ શક્યા નહિ ને પાછા આવ્યા. એમ સ્વામીશ્રીનું વચન ન માન્યું તો વિઘ્ન આવ્યું. શ્રીજીમહારાજ ને મોટા તો સિદ્ધાંત પ્રમાણે જ બોલે, પણ જેને વિશ્વાસ હોય તે માને ને સુખિયા થાય ને ન માને તેને જરૂર દુ:ખ આવે. મોટા તો દેખીને કહેતા હોય એમ જાણી કેટલાક સ્વામીશ્રીનો મહિમા સમજ્યા અને કહેવા લાગ્યા કે સ્વામીશ્રીએ ના પાડી તે આપણે ન માન્યા તેથી આ વિઘ્ન આવ્યું. માટે મોટાના વચનનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં.
(૭) સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા જીવનપ્રાણ બાપાશ્રી પાસે વાતો કરાવવા માટે પ્રસંગોપાત્ત પ્રશ્ન પૂછતા, તેથી આવી વાતો સાંભળવાનો સહુને લાભ મળતો. સ્વામીશ્રી પણ સભામાં ઘણી વાર એમ કહેતા જે, આ જીવનપ્રાણ બાપાશ્રી બહુ મોંઘા છે, તે આજે શ્રીજીમહારાજે સોંઘા કર્યા છે, તેથી મળાય છે, દર્શન થાય છે, માટે સવાર-સાંજ ખટકો રાખી લાભ લેજો.” સંતોને પણ એવી ભલામણ કરતા જે, “તમે કોઈ એમ ન જાણશો કે આ તો ગૃહસ્થ છે તે ગૃહસ્થના સમાગમથી શું મળે ? પણ નિષ્કુળાનંદ સ્વામીએ સૌને સમજાવવા માટે કહ્યું છે કે ‘તું ભૂલીશ મા ધોળે ભગવે’ આ બાપાશ્રી તો બહુ ચમત્કારી અને અનંતના આવરણ ભેદાવી મૂર્તિમાં જોડી દે તેવા છે. ને શ્રીજીમહારાજનો હૃદયગત અભિપ્રાય જાણે છે. તેથી મોટા મોટા ત્યાગીને પણ વંદવા યોગ્ય છે અને અજોડ પુરુષ છે. એમની કોઈ જોડ નથી તોપણ પોતે અતિ દાસભાવે વર્તે છે એ જ એમની મોટાઈ છે.
(૮) એક વખત જીવનપ્રાણ બાપાશ્રી સવારે નહાતા હતા, ત્યાં કેટલાક સંત-હરિભક્તો પાસે ઊભા હતા; તે વખતે સદ્. નિર્ગુણદાસજી સ્વામીશ્રી પણ ઉતાવળા આવી બાપાશ્રીના શરીર પર હાથ ફેરવવા લાગ્યા. ત્યારે બાપાશ્રી હાથ ઝાલી રાખી ને કહેતા જે, “સ્વામી ! તમે તો ગુરુ છો ને બહુ જ મોટા છો.” આમ પરસ્પર એકબીજાનો મહિમા કહેતા તે સાંભળી પાસે ઊભેલા કેટલાક હરિભક્તો મહિમા સમજી બાપાશ્રી નહાતા હતા તે પાણી માથે ચડાવવા લાગ્યા અને પોતાના અહોભાગ્ય માનવા લાગ્યા.
(૯) જીવનપ્રાણ બાપાશ્રી તથા સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી આદિ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા ગયા ત્યાં બ્રહ્મચારીએ ઠાકોરજીનો પ્રસાદીહાર પહેરાવવા માંડ્યો ત્યારે બાપાશ્રીએ કહ્યું, “સ્વામીશ્રીને પહેરાવો.” અને સ્વામીશ્રીએ કહ્યું, “બાપાશ્રીને પહેરાવો.” પછી તો બ્રહ્મચારીએ બંનેને એક એક હાર પહેરાવ્યો. આવાં દર્શનથી સૌને સહેજે એમ થાય જે, ‘આ સ્વામીશ્રીએ શ્રીજીસંકલ્પમૂર્તિ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીશ્રીને સેવેલા છે. તોપણ બાપાશ્રીનો જ્યારે આટલો મહિમા જાણે છે, ત્યારે બાપાશ્રી કેવા મોટા છે, તે તો જે સમજે તેને જરૂર સમજાય.’
(૧૦) શ્રીજીસંકલ્પ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ પોતાના મંડળના સાધુ તથા જોગ-સમાગમ કરનારા સંતોને જીવનપ્રાણ બાપાશ્રીના અદ્ભુત પ્રતાપની એકાંતે વાતો કરી બહુ જ મહિમા કહ્યો તથા પોતે પણ શ્રીજીમહારાજના રહસ્ય અભિપ્રાયની વાતો પૂછી મહિમાવાળા સંત-હરિભકતોને એ વાત જણાવી. વળી મંડળના સંતોને પોતાની પાસે બેસારીને નિર્ગુણદાસજી સ્વામી કહેતા : “અમે શ્રીજીસંકલ્પ સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામીશ્રી ભેળા રહેતા, ત્યારે જાણે શ્રીજીમહારાજ ભેળા જ છીએ એમ લાગતું. અત્યારે પણ બાપાશ્રી પાસે એવું જ સુખ આવે છે. કેમ કે શ્રીજીમહારાજના સંકલ્પથી આ લોકમાં દર્શન દેતા હોય એમના ભેળા શ્રીજીમહારાજ અખંડ હોય જ. માટે તમારે આ જીવનપ્રાણ બાપાશ્રીમાં એવો દિવ્યભાવ રાખવો જે એ જ્યાં હોય ત્યાં શ્રીજીમહારાજ છે ને છે જ. જ્યારે બાપાશ્રી વાતો કરે છે ત્યારે "સંત બોલે તે ભેળો હું બોલું" એ પ્રમાણે મૂર્તિના જ શબ્દો આવે છે. અનુભવી હોય તે જાણે. પણ એવા અનુભવી બધાય કયાંથી હોય ? તમે આ વાત સમજી લેજો ને બાપાશ્રીની કૃપા ખૂબ મેળવજો. અમારો ને બાપાશ્રીનો સંકેત ભેળો છે.”
(૧૧) શ્રીજીસંકલ્પમૂર્તિ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી મહિમા એવી ઢબથી સમજાવતા કે સાંભળનારના હૃદયમાં તરત ઊતરી જાય, સમાગમ કરનાર આગળ ને આગળ વધતો જાય. સ્વામીશ્રીના આસને વહેલી સવારથી મોડી રાત સુધી હરિભક્તોની ભીડ રહ્યા જ કરે, સ્વામીશ્રી ક્યારેક આસને બેસી વાતો કરે, ક્યારેક માળા ફેરવતાં દર્શન આપે, ક્યારેક ધ્યાન-માનસીપૂજા કરતાં દર્શન આપે, ક્યારેક પોઢી ગયા હોય. આ રીતના ભાવ દેખાડતા અને ઠાકોરજી જમાડવા બેસતા ત્યારે પત્તરમાં રોટલી પીરસી હોય તે દેખાય જ નહીં. એક કોળિયો પણ ન થાય એવી એક કે બે રોટલી જમે અને થોડી દાળ કે દૂધ અંગીકાર કરે તેને જોઈને બીજાને એમ જ લાગે કે આ રીતે નામમાત્ર જમે તે ઉદરમાં પહોંચતું હશે કે કેમ ? આટલું જમીને શી રીતે રહેવાય ? આ રીતે તો જે ધામમાંથી આવેલા હોય ને સ્વતંત્ર હોય તે જ રહી શકે. બીજાનું કામ નહીં.
(૧૨) બીજે દિવસે સવારે શ્રીજીસંકલ્પમૂર્તિ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીના આસને કથાવાર્તા થઈ રહ્યા પછી સૌ હરિભક્તો ઉતારે થઈ જમવા ગયા. પણ જીવનપ્રાણ બાપાશ્રી તો સ્વામીશ્રી પાસે બેસી રહ્યા. ‘હરે’ થયા એટલે સંતો જમવા ગયા. તે વખતે સ્વામીશ્રી બોલ્યા જે, “બાપા ! આપનાં દર્શન મને બરાબર થતાં નથી. માટે ઓરા આવો તો બરાબર દર્શન થાય.” પછી બાપાશ્રી સ્વામીશ્રી પાસે આવ્યા, ત્યારે સ્વામીશ્રીએ બાળકૃષ્ણદાસજી ઉપવાસી હતા તે દર્શન કરતા બેઠા હતા તેમની પાસે પોતાની ઝોળીમાંથી ચશ્માં મગાવીને પહેર્યાં ને બોલ્યા જે, “હજી બરાબર દર્શન થતાં નથી, માટે આંગડી કાઢી નાખો !” પછી આંગડી કાઢી ને એક ધોતિયાભર ઉઘાડે શરીર બેઠા.’ પછી સ્વામીશ્રી જીવનપ્રાણ બાપાશ્રીના સામું એક નજરે જોઈ રહ્યા, ત્યાં તો બાપાશ્રીની મૂર્તિમાંથી શીતળ ને શાંત તેજનો સમૂહ નીકળ્યો તે ચારેકોરે તેજ તેજ છાઈ રહ્યું - વચમાં જીવનપ્રાણ બાપાશ્રી દેખાય. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, “અહોહો ! તમે આવા દિવ્ય તેજોમય છો ? આ તો એકલું તેજ જ ભર્યું છે !” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “સ્વામી ! તમો પણ આવા જ તેજોમય છો એમ હું દેખું છું. શ્રીજીમહારાજ કહે છે કે, ‘આ સભામાં આપણ સૌના તેજોમય તન છે. છટા છૂટે છે તેજની જાણે પ્રગટ્યા કોટિ ઇંદુ છે.’ આમ દિવ્ય મૂર્તિ દેખાય.” એમ કહી સ્વામીશ્રીને હેત જણાવી મળ્યા. પછી તેજ સંકેલી લીધું ને આંગડી પહેરીને બેઠા. એ વખતે મૂળીવાળા સ્વામી બાળકૃષ્ણદાસજીએ પ્રાર્થના કરી કહ્યું જે, “બાપજી ! મને દયા કરી એવાં તેજોમય દર્શન કરાવો ને ?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “વખત આવશે ત્યારે દેખાડીશું.” થોડી વાર થઈ ત્યાં તો સંતો ઠાકોરજી જમાડીને આવ્યા ત્યારે સ્વામી બાળકૃષ્ણદાસજીએ સર્વેને આ વાત કહી, તેથી સૌ આશ્ચર્ય પામ્યા.
(૧૩) વળી, એક દિવસ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ જીવનપ્રાણ બાપાશ્રી પાસે પોતાના શિષ્ય સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને બોલાવ્યા. જીવનપ્રાણ બાપાશ્રી અને સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી આ બંનેનું મિલન અપૂર્વ હતું. બાપાશ્રી મંદ હાસ્ય કરી રહ્યા અને સદ્ગુરુ સ્વામીશ્રી પણ જીવનપ્રાણ બાપાશ્રીને નિર્નિમેષ નયને વંદી રહ્યા.
શ્રીજીસંકલ્પ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીનો હાથ જીવનપ્રાણ બાપાશ્રીના હાથમાં આપીને કહ્યું કે, “જીવનપ્રાણ આ સંત તમને સોંપ્યા. આજથી એ આપના છે.”
(૧૪) એક વખત જીવનપ્રાણ બાપાશ્રીએ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રી પાસે રાવ કરી કે, “સ્વામી ! તમારા સાધુ ઈશ્વરચરણદાસજી સ્વામી મારો વધુ પડતો મહિમા જાણે છે. અમે ગૃહસ્થ અને તે ત્યાગી, તોય અમને દંડવત કરે છે. તેમને એમ ન કરે એવી ભલામણ કરો.” એ સાંભળી, શ્રીજીસંકલ્પ સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામીશ્રીએ કહ્યું, “તમે ઠીક કીધું, બોલાવો એ સંતને મારી પાસે; મારે પણ તેને થોડુંક કહેવું છે. છાની રીતે તો હું એને ઘણુંય કહું છું, પણ આજ તો તમારા સાંભળતાં જ કહું.” એમ કહી પાર્ષદને મોકલી સ્વામી ઈશ્વરચરણદાસજીને બોલાવ્યા ને કહ્યું કે, “જીવનપ્રાણ બાપાશ્રી તમારી ફરિયાદ કરે છે પણ આજથી હું તમને આજ્ઞા કરું છું કે, જ્યાં સુધી તમારો દેહ રહે ત્યાં સુધી તમારે એમનો જેવો છે તેવો મહિમા અધિક અધિક જાણી રાજી કરવા, તેમાં કોઈ દિવસ તર્ક-વિતર્ક ન કરવો ને કોઈની શરમ ન રાખવી. આ તો શ્રી સ્વામિનારાયણ ભગવાન જેવા જ છે, એમનો મહિમા બરોબર સમજજો ને હજુ તમે કરો છો તે અધૂરું છે. માટે ઊભા થઈને સાષ્ટાંગ પ્રણામ કરજો.” જીવનપ્રાણ બાપાશ્રી તો સ્વામીશ્રીનાં આવાં વચન સાંભળીને બોલ્યા જે, “સ્વામી ! આવી ભલામણ કરવા મેં આપને ક્યાં કહ્યું હતું ?”